શુદ્ધાત્મા પદ અનુભવવા રિયલ પુરુષાર્થ

સંપાદકીય

અક્રમ માર્ગે જ્ઞાન પામેલા મહાત્માઓને આત્મજ્ઞાન પ્રાપ્ત થતા જ પોતાનું નિજ પદ ‘શુદ્ધાત્મા’ પ્રાપ્ત થાય છે. હવે શુદ્ધાત્માથી કેવળજ્ઞાન સુધીની ક્ષપક શ્રેણીઓ માંડવાનો એક માત્ર ધ્યેય છે. સંસારની બાકીની જવાબદારીઓ પૂરી કરતા કરતા એટલે કે નિશ્ચયમાં રહીને શેષ વ્યવહાર પૂરો કરતા કરતા ઠેઠ કેવળજ્ઞાનને પામવું એ જ એકમાત્ર પુરુષાર્થ આદરવો રહ્યો.

હવે પુરુષાર્થ બે પ્રકારના : એક, ભ્રાંતિનો પુરુષાર્થ ને બીજો, પુરુષ થયા પછીનો રિયલ પુરુષાર્થ. ‘ચંદુભાઈ’ શું કરી રહ્યા છે એને ‘પોતે’ જોવું, એ રિયલ પુરુષાર્થ અને ભ્રાંત પુરુષાર્થ કયો ? ‘પોતે’ ચંદુભાઈ થઈને જે કરતો હતો એ જ ભ્રાંત પુરુષાર્થ હતો. ભ્રાંત પુરુષાર્થમાં વચ્ચે ભાવ આવે ને રિયલ પુરુષાર્થમાં જ્ઞાતા-દ્રષ્ટા પણું હોય. પુરુષ થયા પછી જ્ઞાતા-દ્રષ્ટા રહે અથવા તો દાદાની પાંચ આજ્ઞામાં રહે, તો એ જ સાચો પુરુષાર્થ થયો કહેવાય.

પ્રસ્તુત અંકમાં પરમ પૂજ્ય દાદાશ્રીએ ઠેર ઠેર મહાત્માઓની વ્યવહારની મૂંઝવણોનો નિવેડો આવે તે માટે વિવિધ સમજ આપી છે. પણ તે સમજ ગોઠવવામાં જે મુશ્કેલી ઊભી થાય તેની સામે કઈ રીતે સૂક્ષ્મ જાગૃતિમાં રહેવું તેના ખુલાસાઓ અત્રે થયેલ છે. હું શુદ્ધાત્મા છું, અકર્તા છું, કેવળ જ્ઞાતા-દ્રષ્ટા છું, એ જાગૃતિ એ જ ખરો પુરુષાર્થ છે. હવે જ્ઞાતા-દ્રષ્ટા પદમાં રહેવા માટે મહાત્માઓને પૂર્વકર્મ નડે છે. તે કર્મો સામે તપ અને સંયમ રાખી કેવી રીતે ચંદુને જુદો જોવો એ જ પુરુષાર્થ છે. અને ચંદુને જુદો જોવો એ જ છેલ્લું જ્ઞાન છે.

આ ચંદુને જુદું જોવાનો પુરુષાર્થ પ્રજ્ઞા કરાવડાવે છે. આજ્ઞામાં રહેવાનો નિશ્ચય એય પુરુષાર્થ છે, નિશ્ચય ર્ક્યો તે પ્રમાણે આગળ પ્રગતિ મંડાય. પછી ધીમે ધીમે પુરુષાર્થમાંથી પરાક્રમ સુધી પહોંચાય. આજ્ઞામાં રહી, પોતાના શુદ્ધાત્મા પદને અનુભવવું એ પુરુષાર્થ અને એથી આગળનો પુરુષાર્થ એટલે સહજ સ્વભાવમાં વગર આજ્ઞાએ રહી શકે તે. આ પરિણામ આજ્ઞા પાળવાથી જ આવે એટલે પ્રથમ આજ્ઞારૂપી પુરુષાર્થ ને એમાંથી અંતે સ્વાભાવિક પુરુષાર્થ પ્રગટે.

હવે મહાત્માઓ પુરુષાર્થની શરૂઆત ક્યાંથી કરશે ? જ્યારે મહાત્માઓ પોતાના દોષો નિષ્પક્ષપાતીપણે જોશે ત્યાંથી જ પુરુષાર્થની શરૂઆત થશે. દાદાની કૃપા ક્યાં વરસે ? જે મહાત્માઓએ શુદ્ધાત્મા પદ અનુભવવા, સાચા દિલથી પુરુષાર્થ માંડ્યો છે ત્યાં દાદાની કૃપા-આશિષ સદાએ માથે રહેશે. આ કાળમાં મહાત્માઓ અક્રમ જ્ઞાન થકી આજ્ઞાના આરાધને એકાવતારી પુરુષાર્થની શ્રેણીઓ માંડે એ જ અભ્યર્થના.

~ જય સચ્ચિદાનંદ.

(પા.૪)

શુદ્ધાત્મા પદ અનુભવવા રિયલ પુરુષાર્થ

શુદ્ધાત્મા થયા હવે સાધના શું બાકી ?

પ્રશ્નકર્તા : આ સ્થૂળમાંથી સૂક્ષ્મ અને સૂક્ષ્મતર સુધી જવા કેવી રીતે આ (શુદ્ધાત્માના) પ્રયોગની સાધના કરવી ?

દાદાશ્રી : કશી સાધના કરવાની છે જ નહીં. તમે પોતે જ મૂળ સ્વરૂપે સૂક્ષ્મતમ છો, પછી હવે શેની સાધના કરવાની ? અને હવે સ્થૂળમાં જવાના નથી. સ્થૂળ ને સૂક્ષ્મ એ બધું પુદ્ગલમાં રહી ગયું. એટલે એ ફાઈલ થઈ ગઈ. તમે સૂક્ષ્મતમ થયા, હવે કશી સાધના કરવાની નહીં. સાધના તો ક્રમિકમાં હોય. તમે પોતે જ શુદ્ધાત્મા થઈ ગયા, હવે રહ્યું શું બાકી ? હવે આજ્ઞામાં રહેવાનું છે.

આ વિજ્ઞાન છે એને પૂરું સમજી લેજો. કારણ કે આ બટનને બદલે પેલું બટન દાબશો તો શિયાળાને દા’ડે પંખા ફરશે. સહેજ ભૂલ થઈ કે પછી બૂમ પાડશો કે અરે, ટાઢમાં મરી ગયો ! મૂઆ, પણ બટન દાબવામાં ભૂલ થઈ આ. એટલે જરા સમજી લેજો. ઝીણવટથી બધું સમજવા જેવું વિજ્ઞાન છે આ અને તરત મુક્તિ ફળ આપે. આજથી જ મુક્તિ થઈ ગઈ.

વધે જાગૃતિ આમ

પ્રશ્નકર્તા : જાગૃતિ કેવી રીતે વધે ?

દાદાશ્રી : હવે જ્ઞાન આપ્યા પછી જાગતા થાય, ત્યાર પછી પાંચ આજ્ઞા જેટલી પાળે એટલી એની જાગૃતિ વધતી જાય. અને જાગૃતિથી એ આજ્ઞા પાળીય શકાય અને તેનાથી જાગૃતિ પાછી વધતીય જાય. બીજો કોઈ ઉપાય નથી.

હવે દીવો ઓલવાય નહીં. ફરી સળગાવવો ના પડે. મન શું બતાવે છે, એના જ્ઞાતા-દ્રષ્ટા રહેવાય ત્યાં સુધી જાગૃતિ લઈ જવાની છે. પછી એને લઈ જવી નહીં પડે ! એટલે જાગૃતિ કોને કહેવાય ? વિચાર આવતા પહેલા જ સમજાય કે આ તો જ્ઞેય છે ને હું જ્ઞાતા છું.

પ્રશ્નકર્તા : દાદા, પણ આમ જ્ઞાતા-દ્રષ્ટા પદમાં રહેવા માટે જાગૃતિ વધે એવું કંઈ કરવાનું ખરું ?

દાદાશ્રી : જાગૃતિ બધી વધી જવાની. દાદાનું જ્ઞાન લે, પાંચ આજ્ઞા પાળે તો નરી જાગૃતિ છે.

પ્રશ્નકર્તા : એ પાંચ આજ્ઞા આમ વધારે સારી રીતે પાળીએ, એના માટે અમે શું કરીએ ?

દાદાશ્રી : હા, એ એથી વધારે થશે બધું. દાદાના આશીર્વાદ લીધા એટલે વધે. જેમ આશીર્વાદ લઈએ, દર્શન કરીએ, વિધિ કરીએ તો વધતું જાય.

પ્રશ્નકર્તા : જાગૃતિ વધે છે, પણ બહુ વધારવી હોય તો શું કરવું ?

દાદાશ્રી : જાગૃતિ વધારવી હોય તેણે જાગ્રત જોડે બેસવું. એવું છે ને, બધા ઝોકાં ખાતા હોય તો પછી આપણનેય ઝોકાં આવે. બધા જાગૃત જોડે હોય તો, જો ઝોકું આવતું હોય એય બંધ થઈ જાય. માટે જાગૃત જોડે બેસવું.

કચરો બળે ને વધે જાગૃતિ

પ્રશ્નકર્તા : પછી એ જાગૃતિને વધારવા માટે કશું કરવું પડતું નથી ?

દાદાશ્રી : કશું કરવું ન પડે. અને જેમ જેમ ફાઈલો ઓછી થતી જાય તેમ જાગૃતિ વધતી જાય. તમારે જાગૃતિ વધતી જવાની. કારણ કે જૂનો

(પા.૫)

કચરો (ક્રોધ-માન-માયા-લોભ) નીકળવાનો છે ને એટલે. બાકી આમને તો એની મેળે જ, તે જ દહાડે જાગૃતિ થઈ ગઈ ને ! પછી એમને જાગૃતિ રહે, નિરંતર. તમારે તો પેલો કચરો બાળ્યા પછી જાગૃતિ વધે.

પ્રશ્નકર્તા : એ કાર્ય-કારણ સંબંધ છે ને ?

દાદાશ્રી : હા, તે સંબંધ ખરો ને ! એ કચરો બધો બાળી નાખવો પડશે ને ? પછી તમને કોઈ જાતનો નુકસાન નહીં કરે કચરો. કચરો રહ્યો જ નહીં પછી. ખરી લાઈફ જ જીવવાનું ત્યારે ખરું લાગે ને ? આ તો લાઈફ બધી બગડી જાય !

પ્રશ્નકર્તા : શુદ્ધાત્મા થયા પછી, આ પુદ્ગલની પરિણતિમાં જે ફેરફાર થાય છે, તે શાથી દેખાય છે ?

દાદાશ્રી : એ જાગૃતિ વધ્યાથી.

પ્રશ્નકર્તા : એ જાગૃતિ વધી કોની, આત્માની વધીને ?

દાદાશ્રી : એ આત્માની નહીં. જે ઊંઘે છે, જેને ભ્રાંતિ છે, તેની વધી છે.

જુઓ એ શુદ્ધાત્માનું વિટામીન

જાગૃતિ રહેતી હોય તેણે એક જ કરવા જેવું કે મનમાં જે વિચારો આવે ને, ‘તમે જ્ઞેય છો ને હું જ્ઞાતા છું’, એવું બોલીએ કે તરત રાગે પડે. જેનાથી જાગૃતિ ના રહેતી હોય તો તે ‘દાદા, દાદા’ કર્યા કરે, ‘હું શુદ્ધાત્મા છું’ બોલ્યા કરે અથવા તો શુદ્ધાત્માનો જાપ કરવો પડે. એક ક્રિયા કરે તો બીજી ક્રિયા બંધ થાય. એક જ ક્રિયા એટ એ ટાઈમ હોય અને શુદ્ધાત્માનો જાપ જો એવો કરે કે આમ ચોપડીમાં દીઠો હોય ને, આમ વાંચતો હોય એવો કરે તો તો બહુ સરસ. શુદ્ધમાં ‘દ’ ને ‘ધ’ જોડેલો દેખાય ને આત્મા છું, એ બધું દેખાય. દેખાય એવો જાપ કરે તો બહુ સરસ ! ચોપડી વગર દેખાવું જોઈએ, એવો જાપ કરે તો બહુ ઉત્તમ. આખો દહાડો ના થાય તો કલાક કરે તોય બહુ ઉત્તમ. બધી ગોઠવણી કરી રાખવી જોઈએ. કલાક પદ વાંચે, કલાક આ કરે, આમ તેમ અવળ-સવળ બધું. આપણા સર્કલની બહાર ના જાય એવી ગોઠવણી કરવી જોઈએ. શુદ્ધાત્માના સર્કલની બહાર ના જાય. સર્કલ કયું કહેવાય ? અમે આજ્ઞા આપી હોય એ સર્કલ કહેવાય. એ સર્કલમાં રહેવું જોઈએ. પછી ‘મને વિચાર આવે છે’, ને વિચારે ચઢી જાય એનો પાર જ ના આવે ને ! તેથી કંઈ શુદ્ધાત્મા બદલાઈ જતો નથી, અભિપ્રાય બદલાતો નથી પણ ડાઘ પડે.

જેમ જેમ વિચારોને જ્ઞેય બનાવશો તેમ તેમ જ્ઞાતાપદ મજબૂત થશે. તમે જુઓ એ શુદ્ધાત્માનું વિટામિન છે. વિચાર જ ના આવે એ શું જુએ ? પછી એને વિટામીન શી રીતે મળે ?

નિશ્ચય રૂપી પુરુષાર્થ

પ્રશ્નકર્તા : દાદા, એવા એવા અંતરાય કર્મ હોય, જે આપણને જ્ઞાનમાં કે જાગૃતિમાં પાછળ પાડી દે ?

દાદાશ્રી : જે ગણો તે, અંતરાય કર્મ કે આપણા પુરુષાર્થની કચાશ. આ પુરુષાર્થ તો મેં તમને ખુલ્લો કરી આપ્યો છે. શુદ્ધાત્મા બનાવ્યા ત્યારથી પુરુષાર્થ ખુલ્લો છે. એટલે આપણા પુરુષાર્થની જ કચાશ.

પુરુષાર્થ એ આપણે નક્કી કરવો જોઈએ. નિશ્ચય કરીએ એટલે એ થઈ જ જાય એની મેળે. નિશ્ચય કરવો જોઈએ. તમે નિશ્ચય કર્યો નથી કે

(પા.૬)

અભેદભાવે રહેવું છે. એ હજુ નિશ્ચય કાચો એટલે જરા કાચું થયા કરે છે. તે નિશ્ચય પાકો કરી નાખો તો સરસ થયા કરે.

એ તો પછી નિશ્ચય કર્યો એટલે ચાલવા માંડે. અહીંથી એરપોર્ટ જવું છે એ નિશ્ચય ના હોય, તો શું થાય ?

પ્રશ્નકર્તા : ના જવાય.

દાદાશ્રી : કોઈ કહેશે, ‘તમે ઊંધે રસ્તે ગયા.’ પણ ઊંધો તો ઊંધો પણ નિશ્ચય તો જોઈએ ને ? આ તો ના ઊંધો પકડાય ને ના છતો પકડાય. ઊંધે ગયા હોય તો છતો દેખાડે કોઈ. ઊંધે જ ગયો ના હોય, તો છતો કોણ દેખાડે ?

પ્રશ્નકર્તા : એટલે હું એમ કહેતો હતો કે પહેલો નિશ્ચય થઈ જાય કે મારે આજ્ઞા પાળવી છે.

દાદાશ્રી : તો બધું પાળી શકાય. નિશ્ચય બધું જ કામ કરે. ગમે તેવી ખરાબ વસ્તુમાંય નિશ્ચય કામ કરી નાખે. નિશ્ચય એટલે મારે રેલ્વે લાઈન નાખવી છે એટલે નાંખવા જ માંડે, બીજી કશી ભાંજગડમાં ના પડે. જ્યાં સુધી નિશ્ચય નથી થયો, ત્યાં સુધી એ છે તે ગૂંચાયા કરે. પ્લાનિંગ ચિતરે ને પ્લાનિંગ ફેરવે અને એમાં કશું ભલીવાર ના આવે.

ખરી રીતે તો તમે પુરુષાર્થમાં જ હોવ છો. કારણ કે આત્મા પ્રાપ્ત થયા પછી પુરુષાર્થ અને પરાક્રમ ઊભા થાય. પણ પરાક્રમ ના થતું હોય, તો પુરુષાર્થ કરે. પરાક્રમ એટલે જેમ આ કૂતરું છે ને, તે આખો દહાડો ધૂળ ઊડી હોય ને, તે એક જ ફેરો આમ આમ કરી ખંખેરી નાખે તો બધી ધૂળ ઊડી જાય, સાફ થઈ જાય. એનું નામ પરાક્રમ કહેવાય. એવું તેં જોયેલું નહીં, આ કૂતરું શું કરે છે ?

પ્રશ્નકર્તા : આખું એનું શરીર ચોખ્ખું કરી નાખે આમ.

દાદાશ્રી : એ કયા પ્રૉફેસરે શીખવાડ્યું હશે ? પ્રૉફેસરના શીખવાડ્યા વગર આવડી જાય ? પણ આમ કેવા ચોખ્ખા થઈ જાય ! કશું એક જરાય પણ ડાઘ નથી રહેતો એને ! તમે પુરુષ થયા એટલે પુરુષ શક્તિ પુરુષાર્થ સહિત હોય, સ્વ-પરાક્રમ સહિત હોય. ઓહોહો ! અમે સ્વ-પરાક્રમથી આખી દુનિયામાં ફરીએ છીએ, એક કલાકમાં ! જ્ઞાન આપ્યા પછી તો આ પુરુષ અને પ્રકૃતિ બે જુદી પાડીએ છીએ. એટલે પોતે પુરુષ થાય. પુરુષ પુરુષાર્થ સહિત છે. કેટલો બધો પુરુષાર્થ કરી શકે છે આમાં ! મેં તમને પુરુષ બનાવ્યા પછી, તમે શુદ્ધાત્મા થયા પછી, તમારી શક્તિઓ બહુ જ વધવા માંડે છે. પણ જો આમાં લક્ષ રાખો અને અમારા ટચમાં રહો તો બહુ હેલ્પ કરે.

જ્ઞાન પછી યથાર્થ પુરુષાર્થની શરૂઆત

પ્રશ્નકર્તા : પુરુષ અને પ્રકૃતિ બન્ને જુદા પડી ગયા, પછી તો પુરુષાર્થની જરૂર જ નહીં ને !

દાદાશ્રી : આ શરીરમાં પ્રકૃતિ અને પુરુષ બે ભાગ જુદા છે. ‘હું ચંદુલાલ છું’ એ બધી પ્રકૃતિ છે. આ ઈન્દ્રિયો છે તે પ્રકૃતિમાં જાય, મન-બુદ્ધિ-ચિત્ત-અહંકાર બધું પ્રકૃતિમાં જાય અને પુરુષ જુદો રહે છે. એ પુરુષ પોતાનું સેલ્ફનું રિયલાઈઝ થાય, એટલે પ્રકૃતિ અને પુરુષ બે જુદા પડી જાય. ખરો પુરુષાર્થ ત્યાર પછી શરૂ થાય, સેલ્ફનું રિયલાઈઝ થયા પછી. ત્યાં સુધી પુરુષાર્થ સાચો જ નથી, ભ્રાંત પુરુષાર્થ છે. એટલે પરાવલંબી, પોતાના અવલંબનથી નહીં.

પ્રશ્નકર્તા : એ પછી પુરુષાર્થ શેના માટે કરવાનો ?

(પા.૭)

દાદાશ્રી : પ્રકૃતિથી કાયમને માટે છૂટા થવા માટે. કારણ કે પ્રકૃતિ શું કહે છે કે તમે તો પુરુષ થઈ ગયા, પણ હવે અમારું શું ? તમે અમને બગાડ્યા હતા. અમારા મૂળ સ્થાન ઉપર પહોંચાડી દો તો તમે છૂટા થશો, નહીં તો છૂટા નહીં થાવ. એટલે પુરુષાર્થ ત્યારે કરવાનો.

એટલે હું કહું છું કે તમે શુદ્ધાત્મા અને ચંદુભાઈ જે કરે એને જોયા કરો, તમે ‘ચંદુભાઈ શું શું કરે છે’ એને જોયા કરે એ પુરુષાર્થ તમારો. ‘ચંદુભાઈ શું કરે છે એ, ચંદુભાઈનું મન શું કરે છે, બુદ્ધિ શું કરે છે, ચિત્ત શું કરે છે, અહંકાર શું કરે છે’, એ બધાને જોયા કરો, ડખલ ના કરો મહીં, એ પુરુષાર્થ. એથી આ બધું તમે સ્વચ્છતાથી જોયું માટે સ્વચ્છ થઈ ચાલ્યું જાય.

પ્રશ્નકર્તા : પછી આ પુદ્ગલ સ્વચ્છ થાય ને ?

દાદાશ્રી : હા, પુદ્ગલ, જે બગડેલું છે, વિકારી થયું છે એ નિર્વિકાર થઈને સ્વચ્છ થઈને ચાલ્યું જાય. એટલે આપણી ગુનેગારી ગણાય છે કે આપણે ઊભું કર્યું હતું, ત્યારે થયું ને એ, એ પછી દાવો માંડે. એટલે ખરો પુરુષાર્થ ત્યાર પછી શરૂ થાય છે.

‘આજ્ઞા’ પાળવાથી સાચો પુરુષાર્થ શરૂ

પ્રશ્નકર્તા : રિયલ પુરુષાર્થ અને રિલેટિવ પુરુષાર્થ, એ બેમાં ફરક બતાવો ને !

દાદાશ્રી : રિયલ પુરુષાર્થમાં કરવાની વસ્તુ નથી હોતી. બેમાં ફરક એ છે કે રિયલ પુરુષાર્થ એટલે ‘જોવાનું’ ને ‘જાણવાનું’ અને રિલેટિવ પુરુષાર્થ એટલે શું ? ભાવ કરવાના. ઐસા હમ કરેંગે.

બે જાતના પુરુષાર્થ : એક, પ્રારબ્ધમાંથી ઉત્પન્ન થતો પુરુષાર્થ. પ્રારબ્ધમાંથી બીજ પડે, તેનાથી ઉત્પન્ન થતો પુરુષાર્થ અને એક છે તે પુરુષ થયા પછીનો પુરુષાર્થ. તે મેં તમને જ્ઞાન આપ્યું, તે પ્રકૃતિથી તમે છૂટા પડ્યા. ‘હું શુદ્ધાત્મા’ એટલે પુરુષ છે અને ત્યાર પછી પુરુષાર્થ છે ખરો, રિયલ પુરુષાર્થ આ. અને પેલોય પુરુષાર્થ તો ખરો જ, પણ ભ્રાંતિનો પુરુષાર્થ. ખોટો ના કહેવાય, પણ તે આ લોકો જે માને છે એ પુરુષાર્થ નથી. આ લોકો માને છે તેમાં કોઈ માણસ સાચો નથી, પુરુષાર્થની બાબતમાં.

પ્રશ્નકર્તા : પછી પેલો રિયલ પુરુષાર્થ, ખરો પુરુષાર્થ જે દાદા કરી આપે છે એ સમજાવો ને !

દાદાશ્રી : ખરો પુરુષાર્થ તો, તમે જે ચંદુભાઈ હતા ને પુરુષાર્થ કરતા હતા ને, એ ભ્રાંતિનો પુરુષાર્થ હતો. પણ જ્યારે ‘હું શુદ્ધાત્મા છું’ ને એ પુરુષાર્થ કરો પછી, દાદાની પાંચ આજ્ઞામાં રહો એ રિયલ પુરુષાર્થ. પુરુષ થઈને પુરુષાર્થ કર્યો કહેવાય. પુરુષ થઈને પુરુષાર્થ કરે એ સાચો પુરુષાર્થ. એટલે તમે છે તો પાંચ આજ્ઞામાં રહો તે.

પ્રશ્નકર્તા : તો પછી આમાં બીજા કોઈ પુરુષાર્થને શું અવકાશ ?

દાદાશ્રી : પુરુષાર્થ તો આ મારી આજ્ઞા પાળો એ જ. બીજો કોઈ પુરુષાર્થ કરવાનો હોય જ નહીં ને ! બીજું વ્યવસ્થિત. એ આજ્ઞાઓ બધી પુરુષને માટે જ છે, પ્રકૃતિ માટે નથી.

પ્રશ્નકર્તા : જ્ઞાનબીજ જે રોપાયું એ જ પ્રકાશ છે, એ જ જ્યોતિ છે ?

દાદાશ્રી : એ જ ! પણ બીજરૂપે. હવે એ ધીમે ધીમે પૂનમ થશે. પુદ્ગલ અને પુરુષ બે જુદા પડ્યા ત્યારથી પુરુષાર્થ સાચો શરૂ થાય.

(પા.૮)

જ્યાં પુરુષાર્થ ચાલુ થયો, તે બીજની પૂનમ કરશે. હા ! આ આજ્ઞા પાળી એટલે થાય. બીજું કશું કરવાનું જ નથી. કરવાનું કશું નહીં, ફક્ત આજ્ઞા પાળવાની.

પ્રશ્નકર્તા : દાદા, પુરુષ થયા પછીના પુરુષાર્થનું વર્ણન તો કરો થોડું. વ્યવહારમાં કેવી રીતે કરતો હોય ?

દાદાશ્રી : વ્યવહારમાં જ છે ને બધું આ. આ આપણા મહાત્માઓ બધા રહે જ છેને ! પાંચ આજ્ઞામાં રહે છે ને ! પાંચ આજ્ઞા એ જ દાદા, એ જ રિયલ પુરુષાર્થ.

જ્ઞાતા-દ્રષ્ટા એ જ ખરો પુરુષાર્થ

પાંચ આજ્ઞા પાળવી, એનું નામ પુરુષાર્થ અને પાંચ આજ્ઞાના પરિણામે શું થાય છે ? જ્ઞાતા-દ્રષ્ટા પદમાં રહેવાય છે. અને અમને કોઈ પૂછે કે ખરા પુરુષાર્થનું નામ શું ? ત્યારે અમે કહીએ, જ્ઞાતા-દ્રષ્ટા રહેવું તે ! તે આ પાંચ આજ્ઞા, જ્ઞાતા-દ્રષ્ટા જ શીખવાડે છે ને ! રિલેટિવ ને રિયલ, એ જોતાં છે તે આ આગળ-પાછળનો જે વિચાર આવતો હોય તો ‘વ્યવસ્થિત’ કહીને બંધ કર. જોતી વખતે આગળનો વિચાર એને હેરાન કરે, તો આપણે ‘વ્યવસ્થિત’ કહીએ એટલે બંધ થઈ ગયું. એટલે પાછું જોવાનું ચાલુ રહે આપણું. તે વખતે કોઈ ફાઈલ પજવતી હોય તો સમભાવે નિકાલ કરીને પણ તે ચાલુ રહ્યું આપણું. આમ આજ્ઞા જ્ઞાતા-દ્રષ્ટા પદમાં રાખે છે.

પ્રશ્નકર્તા : જેટલો વખત જ્ઞાતા-દ્રષ્ટા રહીએ એ પુરુષાર્થ ?

દાદાશ્રી : હા. અગર તો બીજામાં શુદ્ધાત્મા જુઓ, નહીં તો મારી આજ્ઞા પાળો તોય પુરુષાર્થ. અમારી પાંચ આજ્ઞા જે છે ને, એ પાળો તે ઘડીએ પુરુષાર્થ હોય જ. એટલે પાંચ આજ્ઞામાં રહે ને, એ શુદ્ધ ઉપયોગ જ છે. નહીં તો પ્રકૃતિને નિહાળવી. હમણે આ ચંદુભાઈ વાઈફ જોડે કચકચ કરતા હોય તે ઘડીએ ‘પોતે’ ચંદુભાઈને જુએ, કે ‘કહેવું પડે ચંદુભાઈ, હતા એવા ને એવા જ છો તમે !’ એવું બધું જુએ એ પુરુષાર્થ કહેવાય.

પ્રશ્નકર્તા : પણ પછી કોઈકે એ બાબતમાં જાગૃતિ માટે પુરુષાર્થ કરવો જોઈએ કે ખાલી જ્ઞાતા જ રહેવાનું ?

દાદાશ્રી : જ્ઞાતા-દ્રષ્ટા રહેવું એ જ ખરો પુરુષાર્થ. પોતાનો જ્ઞાયક જે સ્વભાવ છે તે સ્વભાવમાં જ રહેવું એ જ પુરુષાર્થ અને જ્ઞાતા-દ્રષ્ટા રહ્યા એ ચારિત્ર કહેવાય, સમ્યક્ ચારિત્ર કહેવાય.

જ્ઞાન-અજ્ઞાન ભેદે તે રિયલ પુરુષાર્થ

પ્રશ્નકર્તા : જ્ઞાન અને અજ્ઞાનનો ભેદ કરે એ પુરુષાર્થ ?

દાદાશ્રી : જ્ઞાન-અજ્ઞાન ભિન્ન ભેદતી વખતે પુરુષાર્થ હોય છે. એ જ પુરુષાર્થ છે. તમે શુદ્ધાત્મામાં રહો, શુક્લધ્યાનમાં તે પુરુષાર્થ. તમે શુદ્ધાત્મામાં છો તો કો’ક તમને અપમાન કરતો હોય ત્યારે તો તમને એમ લાગે છે કે આ આવું કરી રહ્યો છે. એ કરી રહ્યો છે એવું માનો છો, એ તમારી સમજણમાં ભૂલ છે. એય શુદ્ધાત્મા છે અને એ કરે છે એ તો બધું ઉદયકર્મના આધીન કરે છે, એ પોતે કરતો નથી. એ બિચારો ઉદયકર્મને આધીન છે. ભમરડો ફરે છે અને સહુ સહુના ઉદયકર્મો સામસામી વ્યવહાર પતાવી દે. આપણે જોયા કરવાનું કે આ બે પુદ્ગલો શું લઠ્ઠબાજી કરે છે ! આને જે જુએ છે એ પુરુષાર્થ છે. એટલે તમે જ્ઞાતા-દ્રષ્ટા રહ્યા એટલે છેલ્લું જે જ્ઞાન-અજ્ઞાન ભિન્ન ભેદાયા પછી જુદું રહે છે, એ પોતાનો સ્વભાવ. પછી સ્વભાવમાં

(પા.૯)

આવી ગયો. સ્વભાવ એટલે જ આ સિદ્ધક્ષેત્રમાં જે સ્વભાવ છે, તેનો તે સ્વભાવ ઉત્પન્ન થાય છે. એમ કરતા કરતા નિવેડો આવશે. નિવેડો આવી રીતે જ આવેને !

આત્મા-પુદ્ગલ પોતપોતાના સ્વભાવમાં

શુદ્ધાત્મા થયા એટલે પછી લક્ષ હોય એને કે ‘હું શુદ્ધાત્મા છું જ.’ ત્યારે કહે છે કે ‘હું ચંદુલાલ નહીં ?’ ત્યારે કહે, ‘ચંદુલાલ ખરા, પણ વ્યવહારથી.’

તમે શુદ્ધાત્મા અને આ ચંદુભાઈ. તમે બે થયા, એકના બે થયા. હવે તમારે ચંદુભાઈની દેખરેખ રાખવાની, પાડોશીની પેઠે અને ચંદુભાઈને મુશ્કેલી આવી જાય તો આપણે ચંદુભાઈનો ખભો ઠોકી આપવો કે અમે છીએ ને તમારી જોડે. પહેલા એકલા હતા, નોધારા હતા. હવે સાધાર થયા. પહેલા તો નોધારા હતા. કોની પાસે રડવું ? વહુ પાસે રડીએ તો વહુ અવળું સમજી જાય. મા-બાપ પાસે તો રડાય નહીં.

પ્રશ્નકર્તા : હવે કોઈ બોલાવે તો પછી બોલવું કે નહીં ?

દાદાશ્રી : એ તો બોલવાનું. વ્યવહારથી બધું કરવાનું, આપણે જાણ્યા કરીએ. આપણે કહેવું, ‘ચંદુભાઈ, આ ભઈ જોડે જરા બોલો હવે, વાતચીત કરો ને કંઈક.’ એટલે એ બોલેય ખરા. અને વ્યવહાર ચાલ્યા કરે. તમારે ‘જોયા’ કરવાનું. પેલાને ખબર ના પડે, આપણે શું કરીએ છીએ ! પણ તમે એને ‘જોયા’ કરો, ચંદુભાઈ શું કરે છે તે ! જ્ઞાતા-દ્રષ્ટા. બન્નેના સ્વભાવ જુદા થયા. હવે આત્મા આત્માના સ્વભાવમાં રહેશે અને પુદ્ગલ પુદ્ગલના સ્વભાવમાં રહેશે. પોતપોતાના ગુણધર્મમાં રહે છે.

વાત છે ઘણી ઝીણી

પ્રશ્નકર્તા : પણ ચોવીસેય કલાક તો એવું રહેતું નથી કે ‘હું શુદ્ધાત્મા છું.’

દાદાશ્રી : નહીં, ચોવીસ કલાકમાં એક મિનિટ પણ ઓછી નથી થતી. એક ફેરો નક્કી થઈ ગયા પછી પોતાનું નામ ભૂલી ગયા હોય તોય શું થઈ ગયું ? તોય તે કંઈ બીજું નામ ધારણ કરે નહીં એ. ચોવીસેય કલાક તું શુદ્ધાત્મા જ છું.

પ્રશ્નકર્તા : એટલે આ બહુ ઝીણી વાત છે આપની. ઘડીકમાં ખ્યાલમાં આવે એવું નથી. આ સમજવા જેવી વાત છે.

દાદાશ્રી : સમજવું પડે ને ! એટલા હારુ તો અહીં બેસી રહે છે. તમારે સમજવાની ઈચ્છા હોય તો હું (સમજાવવા) તૈયાર છું. વાત બહુ ઝીણી છે અને સરળ છે, સહેલી છે.

ચાર્જ કરનાર કોણ હોય, કે જ્ઞાન લીધા પહેલાં જે છે તે ‘હું ચંદુભાઈ જ છું’ એવું માનતા હતા. આપણે કહીએ કે ‘ના, તું ચંદુભાઈ નથી. તું શુદ્ધાત્મા છું જ.’ તોય કહે, ‘ના, હું ચંદુભાઈ જ છું.’ એ ચાર્જ કરનારો હતો. એ ચાર્જ કરનારો ચાલ્યો ગયો અને ડિસ્ચાર્જ કર્મ એની મેળે થયા કરે. ડિસ્ચાર્જ કરનારોય રહ્યો નથી, એ ડિસ્ચાર્જ કરનારો જે છે તે વ્યવહાર ચંદુભાઈનો.

તે ડિસ્ચાર્જ સ્વભાવથી થઈ રહ્યું છે. પાણી ગરમ કરવું એ ચાર્જ કર્યું કહેવાય. અને પછી એ ગરમ પાણીની ટાંકી ઠંડી કરવી હોય તો આપણને કોઈ પૂછે કે ‘સાહેબ, મારે શું ઉપાય કરવાનો ?’ ત્યારે કહે, ‘ના, તું સૂઈ જા બા. એ સ્વભાવથી જ એની મેળે ઠંડું થઈ જશે.’ ડિસ્ચાર્જ એવું આપણે કહેવા માગીએ છીએ.

તમે ‘શુદ્ધાત્મા છો’, તો પછી એ ચાર્જ ભાવ બંધ થઈ ગયો, નવા કર્મો બંધાતા અટકી ગયા.

(પા.૧૦)

શુદ્ધાત્માનુભવ સિવાય કાંઈ જોઈતું નથી

પ્રશ્નકર્તા : ચરણવિધિમાં છે ને કે શુદ્ધાત્મા અનુભવ સિવાય આ જગતની કોઈપણ વિનાશી ચીજ મારે જોઈતી નથી, પણ એવું રહેતું નથી.

દાદાશ્રી : એ બહારનો અનુભવ નથી જોઈતો.

પ્રશ્નકર્તા : હા પણ, એને શુદ્ધાત્મા અનુભવ હજી જોઈએ છે એમ થયું ને ?

દાદાશ્રી : નિરંતર રહેવો જોઈએ અંદર. શુદ્ધાત્મા અનુભવ સિવાય બીજું કશું જોઈતું નથી એટલે નિરંતર એ જ રહેવું જોઈએ.

પ્રશ્નકર્તા : એટલે ઉપયોગ ગમે એમ હોય પણ, ઉપયોગ તો અમારો હંડ્રેડ પરસેન્ટ નથી રહેતો ને ? એટલી હંડ્રેડ પરસેન્ટ જાગૃતિ તો નથી રહેતી ને ?

દાદાશ્રી : નથી રહેતી એનું કારણ પૂર્વભવના કર્મો.

શુદ્ધાત્મા અનુભૂતિ માટે પાંચ આજ્ઞા

પ્રશ્નકર્તા : શુદ્ધાત્માની અનુભૂતિ શી રીતે થાય ?

દાદાશ્રી : હમણાં એક ભાઈ એવું પૂછવા આવ્યા હતા તમારા જેવું, મને કહે છે, ‘આત્માનો અનુભવ હજુ બરોબર જેવો જોઈએ એવો થતો નથી.’ ત્યારે મેં કહ્યું, ‘મહીં ચેતવનાર ચેતવે છે તને ?’ ત્યારે કહે, ‘એ તો આખો દહાડોય ચેતવે છે.’ ત્યારે મેં કહ્યું, ‘જ્ઞાન લીધા પહેલા ચેતવતો હતો ?’ ત્યારે કહે, ‘ના, કોઈ ચેતવતો ન હતો.’ ત્યારે મેં કહ્યું, ‘એ જ ચેતન ચેતવે છે.’ તે આત્માનો અનુભવ આખો દહાડો જુઓ છો તો ખરા ! મૂઆ, આખો દહાડો આત્માનો અનુભવ રહે છે. ચેતવનાર ચેતવે છે કે નથી ચેતવતો ? એ ચેતન ચેતવે છે. પહેલા ચેતન હોય નહીં ને ચેતવેય નહીં કોઈ બાપોય. ચેતવે છે ને ચેતન ? શું કહે છે તે ?

પ્રશ્નકર્તા : હા, ચેતવે છે.

દાદાશ્રી : હવે આ એ જ અનુભવ વળી. ચેતન ચેતવે છે, એ પહેલા ચેતવતો હતો ? પહેલા કોઈ ચેતવતું જ નહોતું ને ! આ જ અનુભવ !

પ્રશ્નકર્તા : એ અનુભૂતિમાં પ્રવૃત્તિ શું કરવી ?

દાદાશ્રી : પાંચ આજ્ઞા પાળો એટલે બધી જોખમદારી મારી, તમને મોક્ષે લઈ જવાના એક અવતારમાં.

ચૈતન્ય વિજ્ઞાન છે તે મહીં ચેતવે. આખો દહાડો ચેતવ ચેતવ કરે આપણને ! આપણે જરા બફમમાં હોઈએ તોય એ ચેતવે. તમને કોઈ દહાડો બનેલું ? આપણે બફમમાં હોઈએ તો ચેતવે એવું ?

પ્રશ્નકર્તા : હા, તો પણ ચેતવે.

દાદાશ્રી : હં. તો એ કોણ ? ત્યારે કહે, એ આત્માનો અનુભવ. નિરંતર આખો દહાડો આત્માનો અનુભવ રહે એવું આ અક્રમ વિજ્ઞાન છે. નહીં તો જગતે આત્માનો અનુભવ જોયેલો તે કેવો ? પડછાયા સ્વરૂપ. પડછાયો જુએ તેથી વસ્તુ નથી જોઈ. પડછાયો જોયો, હવે વસ્તુ જોઈ નથી, આભાસ, બસ. હવે એ આભાસ માત્ર અને આ તો ફેક્ટ વસ્તુ !

જરૂર જાગૃતિની જ

પ્રશ્નકર્તા : આજ્ઞા માટે કેમ એવું સહજ નથી થઈ જતું ?

(પા.૧૧)

દાદાશ્રી : એ તો પોતાની કચાશ છે.

પ્રશ્નકર્તા : શું કચાશ છે ?

દાદાશ્રી : કચાશ એ જાગૃતિની, ઉપયોગ દેવો પડે ને થોડો ઘણો.

એક માણસ સૂતાં સૂતાં વિધિ કરતો હતો. તે જાગતા છે તે પચ્ચીસ મિનિટ થાય બેઠા બેઠા. તે સૂતાં સૂતાં અઢી કલાક થયા એના. શાથી ?

પ્રશ્નકર્તા : વચ્ચે ઝોકું ખાઈ જાય.

દાદાશ્રી : ના, પ્રમાદ ઉત્પન્ન થાય ને એટલે પછી ક્યાં સુધી બોલ્યો એ પાછું ભૂલી જાય. પાછું ફરી બોલે. આપણું વિજ્ઞાન એવું સરસ છે, કંઈ ડખલ થાય એવું નથી. થોડુંઘણું રહે છે ?

પ્રશ્નકર્તા : પાંચેય આજ્ઞા એટ એ ટાઈમ પાળવી એટલું સહેલું નથી ને ! પેલું ખેંચી જાય મનને !

દાદાશ્રી : આમાં રસ્તે જતાં જતાં શુદ્ધાત્મા જોતા જાય, એમાં આજ્ઞા શેની અઘરી ? શું અઘરી ? ડૉક્ટરે કહ્યું હોય કે જમણા હાથે જમશો નહીં, આઠ-દસ દહાડા સુધી. તે યાદ રાખવું એટલું જ કામ છે ને ? એટલે જાગૃતિ થોડી રાખવી એટલું જ કામ છે ને ? જાગૃતિ ના રહે એટલે પેલો હાથ જતો રહે એ બાજુ. અનાદિનો અવળો અભ્યાસ છે એટલે.

આ પાંચ વાક્યો તો બહુ ભારે વાક્યો છે. એ વાક્યો સમજવાને માટે એ બેઝિક (પાયાના) છે. પણ બેઝિક બહુ ભારે છે. એ ધીમે ધીમે સમજાતા જાય. આમ દેખાય છે હલકાં, છેય સહેલાં પણ તે બીજા અંતરાયો બધા બહુ છે ને ! મનના વિચાર ચાલતા હોય, મહીં ધૂળધાણી ઊડતી હોય, ધુમાડા ઊડતા હોય, તે એ શી રીતે રિલેટિવ ને રિયલ જુએ ?

પ્રશ્નકર્તા : દાદા, આપની જે પાંચ આજ્ઞાઓ છે, તેનું પાલન જરા કપરું ખરું કે નહિ ?

દાદાશ્રી : અઘરું એટલા જ માટે છે કે આપણને પાછલા કર્મો છે, તે ગોદા માર માર કરે. પાછલાં કર્મોને લઈને આજે દૂધપાક ખાવા મળ્યો. અને દૂધપાક વધારે માગે અને તેને લીધે ડોઝિંગ થયું એટલે આજ્ઞા પળાઈ નહીં.

પ્રશ્નકર્તા : દાદા, એટલે અમે જ્યાં જ્યાં આજ્ઞા ચૂકીએ છીએ, ત્યાં ત્યાં ઉપયોગ ચૂકીએ છીએ ?

દાદાશ્રી : ચૂક્યાને વળી એ તો ! એ બહુ ચિંતા નહીં કરવાની. આપણે હવે પ્રગતિ કેમ મંડાય તે જોવાનું. ચૂક્યા એ તો ચૂકવાનું તો છે જ, ભૂલો તો થવાની જ છે. ભૂલો તો જેટલી ‘જોવાઈ’ એટલી જતી રહે અને જતી રહે એટલી શક્તિ આપીને જાય. ભૂલને લઈને જે અશક્તિ આવી હતી, એ ભૂલ જવાથી શક્તિ ઉત્પન્ન થાય. ભૂલો ઉપરી છે, બીજું કોઈ ઉપરી નથી. બ્લંડર્સ તો ગયાં !

ચંદુને તમે ‘જુઓ’ એ જ છેલ્લું જ્ઞાન

પ્રશ્નકર્તા : આપ જે જ્ઞાન આપો છો તેમાં જુદું તો પડે છે, પણ તેમાં મારી કંઈ કચાશ રહી ગઈ હશે ?

દાદાશ્રી : ના, કશી કચાશ નહીં. ક્યાં ક્યાં વૃત્તિઓ જાય છે અને ક્યાંથી આવે છે, અને લાવે છે શું અને લઈ જાય છે શું, એ બધું ‘જોયા’ કરીએ. પછી એથી વધારે આગળનું હમણે આ એવી ખોટી આશાઓ રાખવી નહીં. હમણે આ ‘જોવાય’ ને, તો બહુ થઈ ગયું. ભગવાને કહ્યું હતું કે ‘વૃત્તિઓ ના દેખાય તોય રાગ-દ્વેષ નથી થતા ને ?’ ત્યારે કહે, ‘ના.’ એટલે ‘થઈ ગયું’ !

(પા.૧૨)

હવે ‘જોવાનું’ શું છે ? પુદ્ગલના ઉદયને જ ‘જોવાનું’ છે. પણ ઉદય જ્યારે એવો જોશબંધ ભારે હોય ત્યારે ધૂંધળું ‘દેખાય.’ એટલે ‘જોવાનું’ સમજાય જ નહીં, ચૂકી જાય. ઉદય જો હલકો હોય ને, તો ઉદય એકબાજુ ચાલ્યા કરે ને ‘આપણે’ ‘જોતા’ હોઈએ. ચંદુભાઈને તમે ‘જુઓ’ એ જ છેલ્લું જ્ઞાન.

પ્રશ્નકર્તા : એ બાજુ જોવામાં જ આપણો નિરંતર ઉપયોગ રહે, માટે આપણે એવી કઈ ક્રિયા કરવી કે જેથી વધારે ઉપયોગ રહી શકે ?

દાદાશ્રી : આ બાજુના સંજોગો, સત્સંગ તરફના હોવા જોઈએ.

પ્રશ્નકર્તા : મારે સંજોગ એવા નથી, તો એકાંત હોય તો વધારે સારું ?

દાદાશ્રી : તે એકાંત વધારે હિતકારી હોય ને ! પણ એકાંત હોય ક્યાંથી ? એવી પુણ્યૈ ક્યાંથી હોય સંયોગ વગર ? આ સંયોગો જ દુઃખદાયી છે ને !

પ્રશ્નકર્તા : હવે એકાંત શેને કહો છો આપ ?

દાદાશ્રી : બીજા સંયોગો ભેગા ના થાય, કોઈ ડખલ કરનારું ના હોય, આપણું સ્વતંત્ર હોય. અને પછી આપણે ચંદુભાઈ શું કરે છે તે બધું ‘જોયા’ કરીએ. ઉપયોગ મૂકો એટલે દેખાયા કરે બધું.

પ્રશ્નકર્તા : આપણને ખબર પડે કે મહીં શું આવ્યું ને શું ગયું તો એ...

દાદાશ્રી : તો એ જ જ્ઞાન. ચંદુભાઈ આમ આખા ના દેખાય, પણ મહીં શું આવ્યું-ગયું એ બધું દેખાય એ પહેલું જ્ઞાન. પછી ધીમે ધીમે પેલું આખું થતું જાય. જગતને તો આવ્યું-ગયું એ ખ્યાલ ના હોય. પહેલું એ સ્થૂળ જોવાનું. એમ કરતાં આ પછી એડવાન્સ થતું જાય, સૂક્ષ્મમાં. પછી છેવટે પોતે જુદો જ દેખાયા કરે.

પ્રશ્નકર્તા : એ નથી દેખાતું !

દાદાશ્રી : એ ધીમે ધીમે થાય. એકદમ ના થાય આ. એક કલાકેય ના થાય કોઈથી. અમનેય સંયોગ હોય ત્યારે એક્ઝેક્ટ ના થાય ને !

પ્રશ્નકર્તા : એટલે આપ પણ એકાંત માટે કહો છો ને, કે એકાંત સારી વસ્તુ છે.

દાદાશ્રી : પણ લોકોને ખસેડીને એકાંત ના કરવું. આપણે કોઈને ખસેડીને એકાંત ના કરવું. સંયોગોનો સ્વભાવ જ છે કે એની મેળે વિયોગ થઈ જશે.

પ્રશ્નકર્તા : એમ જુઓ તો કોઈ સંયોગી વસ્તુ આપણને અડતી નથી. જો આપણે અસંગ રહેવું હોય તો બધાની વચ્ચે અસંગ રહી શકાય છે.

દાદાશ્રી : રહી શકાય, ખુશીથી રહી શકાય. છે જ અસંગ. એવો શુદ્ધાત્મા છે આ. હું અસંગ જ છું, નિર્લેપ જ છું. પેલી માન્યતા તૂટી ગઈ એટલે ગયું. એ રોંગ માન્યતા હતી. તેથી તો લોક કહે, ‘હું અસંગ કેવી રીતે કહેવાઉં ?’ એમ ના કહે લોકો ? અને તમને તો પોતાને સમજાય કે આ રોંગ માન્યતા તૂટી.

પ્રશ્નકર્તા : આપણી ફાઈલ નંબર એક છે, એના માટે એકાંત કામનું ખરું કે નહીં ?

દાદાશ્રી : હોય તો લાભકારી. એકાંત તો બહુ લાભકારી. આ બધા બેઠાં હોય ને, તો અમે સૂઈને આંખો મીંચીને એકાંત ખોળીએ. નહીં તો આંખ ઊઘાડી હોય ને મારા સામું કોઈ જુએ તો પછી એકાંત રહે નહીં ને !

(પા.૧૩)

‘આ હું ન્હોય, આ હું’, એ જાણે તે આત્મા

‘હું શુદ્ધાત્મા છું’ એ, પછી આ આજ્ઞાઓની એ બધી જાગૃતિ રહે. ‘આ કોણ, હું કોણ’ એ બધી જાગૃતિ રહે. મારનાર એ મારનાર નથી, એ શુદ્ધાત્મા છે એવી બધી જાગૃતિ રહે.

‘આ હું ન્હોય, આ હું’ એ જે જાણે છે તે આત્મા ! ‘આ હું અને આ ન્હોય’ એવી બધી જાગૃતિ રહેવી જોઈએ.

પ્રશ્નકર્તા : કઈ કઈ બાબત પોતે ન્હોય અને કઈ કઈ બાબત પોતે છે ? એમાં શું શું જુએ ?

દાદાશ્રી : બધીય બાબત. એ તો અમે ‘જ્ઞાન’ આપીએ છીએ ને ! ‘જ્ઞાન’ આપતી વખતે અમે આપીએ છીએ ને, કે આ તું ન્હોય.

પ્રશ્નકર્તા : એ જુદું પાડ્યા કર્યું એ આત્મા કહ્યો ?

દાદાશ્રી : બસ, એ જ આત્મા !

પ્રશ્નકર્તા : હવે એવું નિરંતર રહેવું જોઈએ ને !

દાદાશ્રી : લક્ષમાં ભૂલાય જ નહીં એ જુદું પાડવાનું. પછી જ્યારે હોય ત્યારે જુદું પાડવાનું, એનું એ. પછી એ આત્મા જ થઈ ગયો. ખમીસને બટન વાસે તેથી કરીને ખમીસ કાઢી શકે એમ છે, એવું જાણે છે ને, કે આ ભાગ ખમીસ છે ને આ હું. કે ના જાણે ? કે ત્યાં બધું સરખો જ ભાગ જાણે ?

પ્રશ્નકર્તા : ના, એ સરસ રીતે જુદું જાણે. પણ હવે આ મન-વચન-કાયાની અવસ્થા નિરંતર ઉત્પન્ન થયા કરવાની ને ? તો ત્યાં જ જાગૃતિ અવિરતપણે માગે છે ને, કે આ હું ન્હોય અને આ હું ?

દાદાશ્રી : આ બધું આટલું હોતું જ નથી. પણ આમાં ક્યાંક રહી ગયું હોય કે આપણે મહીં ‘ઈન્ટરેસ્ટ’ લઈએ, ત્યારે આપણે કહીએ, ‘ભઈ, આપણું ન્હોય આ.’ બાકી, ‘જ્ઞાન’ આપ્યા પછી છૂટો જ રહે છે. પણ પછી મહીં ભેળસેળ થઈ જાય થોડોઘણો.

પ્રશ્નકર્તા : એટલે ગમે તેવા પરિણામ આવે એ આપણા ન્હોય, એવું મહીં લક્ષમાં રાખવાનું.

દાદાશ્રી : હા, કે આ હું ને આ હું ન્હોય !

પ્રશ્નકર્તા : પણ આમાં આ ખમીસ જુદું અને હું જુદો, એવું પેલામાં એને શું દેખાય છે ?

દાદાશ્રી : એવું આ મહીં હઉ એવું જુદું દેખાય ને !

પ્રશ્નકર્તા : આમ દર્શનમાં શું આવે એને ? એક દાખલા તરીકે કહો કશું.

દાદાશ્રી : આ પથરો જુદો ને મારો હાથ જુદો, એમ ખબર ના પડે આપણને ? પછી આ પથરાનો ગુણ છે ને આ મારો ગુણ છે એવું ?

પ્રશ્નકર્તા : હા, પથરાના ગુણને બધી રીતે જાણે કે આ વજનવાળો છે, ઠંડો છે, ચોરસ છે...

દાદાશ્રી : સુંવાળો છે.

પ્રશ્નકર્તા : તો આ ગુણધર્મ ન્હોય મારા અને મારા આ ગુણધર્મ, એમાં એને કેવી રીતે રહેવાનું ?

દાદાશ્રી : કે આ ઠંડું મારું ન્હોય, આ સુંવાળું મારું ન્હોય, આ ગુસ્સો થયો તે મારો ન્હોય, કપટ કર્યું તે મારું ન્હોય, દયા કરી તે મારું ન્હોય !

આપણે પથારીમાં સૂઈ જઈએ, તો હું જુદો છું એ ના ખબર પડે ? ખબર પડે ?

(પા.૧૪)

પ્રશ્નકર્તા : ત્યાં તો સમજાય કે પથારી અને સૂનાર ખરેખર જુદા જ છે. પણ એને આ આત્મા અને આ પૌદ્ગલિક અવસ્થા એ જુદા છે, એ જે લક્ષમાં રહેવું જોઈએ અથવા જે ઉપયોગ જાગૃતિ રહેવી જોઈએ, ત્યાં વાંધો છે ને ?

દાદાશ્રી : પથારીની બાબતમાં કંઈક જાગૃતિ છે, પણ આત્માની બાબતમાં તો જાગૃતિ ઊડી જ ગયેલી છે ને ! પથારીની વાત એના ખ્યાલમાં રહે છે.

પ્રશ્નકર્તા : એ પણ એને નોંધ કરાવીએ ત્યારે કહેશે, ‘હા, બે જુદા છે.’

દાદાશ્રી : એ તો પુરાવા સાથે આપું ત્યારે એ માને.

પ્રશ્નકર્તા : તો એવું અંદરની વસ્તુઓમાં બધા ‘ફેઝિઝ’ને ‘ન્હોય મારા અને હું શુદ્ધાત્મા’ એવું સમજવા માટે અથવા એવું યથાર્થ જાગૃતિમાં રહેવા માટે આ બધા પુરાવાની જરૂર પડે ને ?

દાદાશ્રી : પુરાવા તો મુખ્ય વસ્તુ છે.

પ્રશ્નકર્તા : એ પુરાવા કયા કયા હોય અંદરનું સમજવા માટે ?

દાદાશ્રી : જેમાં અનેક વસ્તુ ભેગી થઈને કાર્ય થાય એ બધું આપણું ન્હોય. ત્રણ જ વસ્તુ ભેગી થઈ અને કાર્ય થયું તોય આપણું ન્હોય. બે વસ્તુ ભેગી થઈને કાર્ય થયું તોય આપણું ન્હોય. કેરી ચપ્પાથી ના કાપી અને દાંતથી કાપી. હા, એ બધું ભેગું થઈને થયું માટે એ આપણું ન્હોય ! ઝીણું સમજવું પડશે ને ? ચાલે ખરું જાડું ?

પ્રશ્નકર્તા : મૂળ વસ્તુ તો સૂક્ષ્મતમ છે.

દાદાશ્રી : હા, મૂળ વસ્તુ સૂક્ષ્મતમ છે અને વાત જાડી કાંતે તો શું થાય ?

પ્રશ્નકર્તા : પણ આ વાત નવી જ કહી.

દાદાશ્રી : નવી નહીં, છે જ પહેલેથી આ ! આ તો તીર્થંકરોની પાસે હતું. પહેલેથી જ હતું અને આજેય છે. તમે તમારી મેળે તમારી લૉ બુકથી ‘નવું’ કહો, તેનું હું શું કરું તે !

જ્ઞાયકભાવમાં ના તણાય કદી

પ્રશ્નકર્તા : જોવા ને જાણવામાં સંઘર્ષ બહુ ચાલે છે. એટલે જે જે સંયોગો ભેગા થાય એમાં તણાઈ જવાય છે.

દાદાશ્રી : એ તણાઈ જાય તો કોણ તણાઈ જાય ? તમે તો શુદ્ધાત્મા. શુદ્ધાત્મા શી રીતે તણાય ? ચંદુભાઈ નામનું પુદ્ગલ તણાય.

પ્રશ્નકર્તા : એ જોવા-જાણવામાં સ્થિરતા રહેવી જોઈએ ને ?

દાદાશ્રી : ના, એ સ્થિરતા રહે નહીં. સ્થિરતા રહે તો ઊલટી ઉપાધિ થઈ પડે. આ સિનેમાની ફિલ્મ સ્થિર થઈ જાય તો શું ‘જોવાનું’ પછી ? એ તો ચાલુ જ રહેવી જોઈએ.

પ્રશ્નકર્તા : નહીં, એ તો ચાલુ રહે, પણ આપણે એની સાથે ચાલુ ન થઈ જઈએ અને આપણે સ્થિર રહીએ એ જ.

દાદાશ્રી : નહીં, આપણે ‘જોયા’ કરીએ. ‘જોનાર’ તો હંમેશાં સ્થિર જ હોય. ‘જોનાર’ તણાય નહીં હંમેશાંય. ‘જોતા’ નથી આપણે એટલે એની મહીં ઊંધો અભ્યાસ થઈ જાય. જ્ઞાયકભાવમાં રહ્યા એટલે પછી કોઈ દહાડો તણાય નહીં અને લાગણીવશ થયો કે તણાયો. લાગણીવશ થાય એટલે સિનેમામાંય તણાઈ જાય લોકો. રડે છે, હં કે ! અરે ! પણ જોવાનું’તું ત્યાં રડું છું શું કરવા ? જોવાનું હોય ત્યાં રડે મૂઓ !

(પા.૧૫)

રડે ખરો ? અને ફિલ્મ તો એક જ પ્રકારની હોય તો જોવાની ગમે ?

પ્રશ્નકર્તા : ના ગમે, દાદા.

દાદાશ્રી : હં. ફિલ્મમાં ઘડીકવારમાં લગ્ન આવે, ઘડીકમાં મારામાર થતી હોય, ઘડીકમાં હરણ કરી જતા હોય, ત્યારે જોવાની ગમે ને ! આખી ફિલ્મમાં લગ્ન ચાલ્યા કરે તો ના ગમે ને ? એટલે આ બધી ફિલ્મ જોવાની છે. જરાય આનંદ ના જાય એ આપણું વિજ્ઞાન !

શક્તિ તો આખી જ છે મહીં, પણ અવ્યક્ત રૂપે રહેલી છે. કેમ અધૂરી રહે છે ? આપણને હજુ આ બધું ગમે છે. છતાં આ જ્ઞાન પછી ઘણું ખરું ઓછું થઈ ગયું ને ? જેમ જેમ ઓછું થશે તેમ તેમ શક્તિઓ વ્યક્ત થશે. ગમે છે એનો અર્થ તિરસ્કાર નથી કરવાનો એનો. પણ એની મહીં તન્મયાકાર થઈ જાય, ભૂલી જાય પોતે, પોતાની શક્તિ ભૂલી જાય અને આમાં તન્મયાકાર થઈ જાય એટલે એનો અર્થ ગમે છે કહેવાય. ખાઓ-પીઓ પણ તન્મયાકાર ના થાવ. જુઓ, સિનેમામાં જાવ છો તો કંઈ ફિલમમાં કોઈ સારી બઈ કે સારો ભઈ હોય, તો ભેટે છે એને ? અને કોઈ કોઈને મારતો હોય તો ત્યાં બૂમ પાડે છે કે એ કેમ મારું છું ? ‘ના મારીશ’ એવું કહે છે કંઈ ? મનમાં સમજે છે કે જોવાનું જ છે આ, બોલવાનું નથી.

એ ફિલ્મ એવું નથી કહેતી કે તમે અમને માથે લઈ જાવ જોડે. ફિલમ તો કહે છે કે જોઈને જાવ. પછી તમે ઊંધું કરો, તેનું ફિલમ શું કરે બિચારી ? પણ પોતે ગુંદર ચોપડીને જાય એટલે પછી શું થાય ? એ ગુંદર ધોઈને જવું પડે. પોતે ગુંદર ચોપડીને જાય એટલે જે હોય તે અડે ને ચોંટે !

તન્મયાકાર થાય, એ જાણે તે આત્મા

પ્રશ્નકર્તા : જે સંયોગોમાં તન્મયાકાર થઈ જવાય છે...

દાદાશ્રી : તન્મયાકાર થઈ જાય છે તેય તું નથી, શુદ્ધાત્મા નથી. શુદ્ધાત્મા તન્મયાકાર થઈ શકે જ નહીં. એ તારી ભ્રામક માન્યતા છે, તે માન્યતાને લીધે તન્મયાકાર થઈ જાય છે. તેને જાણ કે તન્મયાકાર કેટલો થયો છે આ ! એકદમ તન્મયાકાર થઈ ગયો છે કે થોડો થોડો, કાચોપોચો કે સંપૂર્ણ એડજસ્ટ થઈ ગયો છે ! એ બધું જાણ. જાણ્યું કે તું છૂટ્યો.

પ્રશ્નકર્તા : આ બહુ પાયાનો સવાલ છે. કારણ કે તમે કહ્યું’તું કે જ્ઞાન આપ્યા પછી બધા નિર્લેપ થઈ જાય. તો પછી અમને તો એવા નિર્લેપ હજુ થયા દેખાતા નથી. અમને એવું દેખાય છે કે આ લેપાયમાન થઈ ગયા, પછી પાછા જુદા પડ્યા, પાછા લેપાયમાન થયા, એવું જે અમને ભાન થાય છે, તે કેમ થાય છે ?

દાદાશ્રી : તમે પોતે લેપાયમાન થઈ જાવ છો એવું ભાન થાય છે, નહીં ? એ ભાન, આત્મભાન નથી. આત્મભાન તો, ક્યારેય લેપાયમાન ના થાય, એનું નામ આત્મભાન કહેવાય. માટે આપણે કહેવાનું કે આ જગ્યા આપણી ન્હોય. આપણી જગ્યા આવી વેરાન નથી. આપણી તો જાયજેન્ટિક (ભવ્ય) છે. આ વેરાન જગ્યા આપણી ક્યાંથી હોય ? આ હોટલ આપણી નહીં, એવું ખબર ના પડે ? આપણે કઈ નાતના છીએ એ હિસાબે આપણી હોટલ ખબર ના પડે ? સુગંધ ઉપરથી સમજી જઈએ કે અહીં બિરયાનીવાળી હોટલ... એટલે આપણે હોટલનેય સમજી જઈએ. એવું આ તન્મયાકાર થાય એ ભાવ આપણો નહીં. એટલે તન્મયાકાર

(પા.૧૬)

કેવા પ્રકારે થાય છે એ ‘જોયા’ કરવું. સંપૂર્ણ તન્મયાકાર થાય છે કે અડધો તન્મયાકાર થાય છે ?

પ્રશ્નકર્તા : હા, એટલે જુદી જુદી ડિગ્રીમાં તન્મયાકાર થવાય છે !

દાદાશ્રી : હા, પણ જુદી જુદી ડિગ્રીને જે જાણે છે તે આત્મા છે. એવું છે ને, આટલા બધા થર્મોમિટર વપરાતા હશે, પણ કોઈ ડૉક્ટરના થર્મોમિટરને તાવ ચડી ગયો હશે ? શુદ્ધાત્મા થર્મોમિટર સમાન છે. એ કેટલી ડિગ્રી તાવ ચઢેલો છે એ દેખાડે. થર્મોમિટરને કોઈ દા’ડો તાવ નથી આવ્યો ! એ તો ઊલટું તાવ દેખાડે એવું છે ! લોક કહેશે કે ભઈ, આ તાવને અડી અડીને આ થર્મોમિટરને તાવ ચઢી ગયો છે ! મૂઆ, એને ચઢતો હશે ? ડૉક્ટરને ચઢી જાય, પણ થર્મોમિટરને ના ચઢે. થર્મોમિટરના માલિક જે છે એને ચઢી જાય, ડૉક્ટરને !

પ્રશ્નકર્તા : જ્યારે અમે તન્મયાકાર થઈ જઈએ એટલો વખત અમને શુદ્ધાત્મા પદનું ભાન નથી રહેતું ને !

દાદાશ્રી : શાથી નથી રહેતું પણ ? ‘હું તન્મયાકાર થઈ ગયો’ એટલે પેલું ભાન ખોવાઈ જાય. કોઈ માણસે દારૂ ના પીધો હોય છતાંય અમથો એમ કહે કે, હા, મેં તો આજ દારૂ પીધો છે, તો એટલો વખત ચઢી જાય. એટલે દારૂડિયા જેવા લક્ષણ નીકળે, ના પીધો હોય છતાંય.

પ્રશ્નકર્તા : પણ કેટલીક વખત એવા લેપાયમાન થઈ જઈએ છીએ ને, તો પૂરેપૂરું દારૂ પીધા જેવું જ દેખાય છે ! એનો સવાલ છે ને ! એટલે અમે કેવી રીતે જાતને નિર્લેપ કહીએ ?

દાદાશ્રી : આપણે સમજી જવું કે આ હોટલ આપણી ન્હોય. એટલે બીજી કઈ હોટલ આપણી છે તે જડશે. દાદાએ કહી છે એ હોટલમાં આપણે હું નિર્લેપ છું, શુદ્ધ જ છું, મને આ કેમ હોય ?

દ્રશ્ય ને દ્રષ્ટા એક ના હોય. તન્મયાકાર થયા છીએ એ દ્રશ્ય છે અને દ્રશ્ય પોતે કંઈ સમજી ના શકે કોઈ દા’ડો કે આ તન્મયાકાર થયો છું. એ તો દ્રષ્ટા જ જાણી શકે છે. જાણ્યું કોણે ? ત્યારે કહે, દ્રષ્ટાએ. તમે પોતે દ્રષ્ટા છો ! તોય ‘પોતાને’ ખ્યાલ ના આવે. કેવી અજાયબી કહેવાય !

પ્રશ્નકર્તા : એવું કશુંક થાય છે, કે જેથી અમે દ્રશ્યનો ભાગ બની જઈએ છીએ. અમારું દ્રષ્ટાપણું તે વખતે ક્યાં ગયું ?

દાદાશ્રી : ના. એવું છે ને, તમે લેબોરેટરીમાં ભણેલા, તો તે ચાર જ કલાકમાં તમે ભણી રહો છો બધું ?

પ્રશ્નકર્તા : ના.

દાદાશ્રી : એક ફેરો પ્રયોગ કરાવ્યો હોય, તે ફરી કરો તો મહીં કેટલુંય કંઈની કંઈ વસ્તુ નાખી દે બધી. તો એમાં આટલો ટાઈમ લાગે છે, તો આ અહીં ટાઈમ તો લાગે ને !

પ્રશ્નકર્તા : પણ તે વખતે હું દ્રષ્ટા તરીકે બાજુમાં બેઠેલો હોવો જોઈએ ને, જોનારો ? એ જોનારો અંદર ભેરવાઈ ગયો !

દાદાશ્રી : ના, એ તો જુદો બેઠેલો જ હોય છે. ભળી ગયા એવું તમને લાગે, ભાસે એવું, પણ સહેજ પ્રેક્ટિસ પાડવી પડશે. પ્રેક્ટિસ પાડ્યા વગર કેમ ચાલે ? અને જો ભળી ગયા તો છૂટો પડે નહીં, શી રીતે છૂટો પાડો પછી ? પાછું ભળે જ નહીં. આ તો બેઉના સ્વભાવ જુદા પડી ગયા ને ! પોતપોતાના સ્વભાવમાં આવી ગયા !

(પા.૧૭)

શુદ્ધાત્મા સ્વભાવ પકડી રાખ્યે થાય અસંગ

મેં તમને જે આત્મા આપ્યો છે, તે અસંગ જ આપ્યો છે. દેહનો નિરંતર સંગ હોવા છતાં અસંગ જ છે. આત્માને કશું અડતુંય નથી ને નડતુંય નથી. માટે તે રૂપે રહેવું, નિર્લેપ, અસંગ ! અગ્નિનોય સંગ એને અડતો નથી, તો આ દુઃખનો, શરીરનો શી રીતે અડે ? માટે આ એનો સ્વભાવ પકડી રાખવો.

હવે જે આપણે શુદ્ધાત્મા થયા છે, તે શુદ્ધાત્માને કશું અડે એમ જ નથી. એનો નિર્લેપ સ્વભાવ જ છે, સ્વભાવથી અસંગ જ છે. સ્વભાવથી જ છે, તો પછી આપણે વળી એને અસંગ કરાવવા ક્યાં જઈએ ? જે સ્વભાવથી જ અસંગ છે !

જ્ઞાન આપ્યા પછી એક વખત નિર્લેપ થયા પછી લેપાયમાન ના થાય, અસંગ થયા પછી સંગી ના થાય. ડૉક્ટરે કહ્યું હોય કે જમણા હાથે પાણી ના અડાડશો તો પણ અનાદિ કાળનો પરિચય તે અડી જાય. તેમ આ અનાદિ કાળના પરિચયે કરીને કંઈક થાય તો બોલવું, અમે નિર્લેપ છીએ, અસંગ છીએ, એટલે અસંગ થઈ જવાય.

તાવ ભલે ને આવ્યો, તેથી આત્માને કશું થવાનું નથી. સંગમાં રહેવા છતાં પોતે તો અસંગ જ છે. પોતે તો જ્ઞાતા-દ્રષ્ટા, શુદ્ધ ભાવમાં જ છે. જેવો સંગ તેવો રંગ લાગે. આત્મા ‘અસંગ’ છે. તું ‘અસંગ’ છે તો તને રંગ અડતો નથી, ‘ચંદુભાઈ’ને અડે છે. ‘આપણે’ તો ‘જાણ્યા’ કરીએ !

આ ‘હું શુદ્ધાત્મા છું’ એ મોટામાં મોટું પદ તમને મળ્યું છે પણ હવે સંપૂર્ણ નિર્લેપ અને સંપૂર્ણ અસંગ થવાનું છે. આ નિર્લેપતા અને અસંગતા, આ બે છેલ્લામાં છેલ્લા સ્ટેશન છે.

જાગૃતિ ડીમ ત્યાં અસરો ચાલુ

પ્રશ્નકર્તા : સંપૂર્ણ નીડરતા નથી આવતી. નિર્લેપતા નથી એટલે નીડરતા નથી એટલી, થોડીક ઓછી કહેવાય.

દાદાશ્રી : બહાર ગમે એટલું જોઈએ પણ આપણને અંદર અસર ન થાય, એનું નામ નિર્લેપતા. કારણ કે આપણે શુદ્ધાત્મા, શુદ્ધાત્માને અસર ના હોય કોઈ પણ પ્રકારની. કારણ કે એ ઈફેક્ટિવ નથી. પણ આમ ઈફેક્ટ થઈ જાય છે ને, ત્યાં આગળ તમારી જાગૃતિ જરા કાચી પડી જાય છે. ત્યાં આગળ તમારે એમ કરવું જોઈએ કે ‘ચંદુભાઈ, તમે શા સારુ માથે લો છો, તમારે શું લેવાદેવા આમાં ?’ બસ, એટલું જ કહી દેવું જોઈએ. એટલે છૂટું પડે. એટલી ‘જાગૃતિ’ આપણે રાખવી જોઈએ. અગર તો બીજું કશું ના ફાવે તો ‘મારું સ્વરૂપ ન્હોય’ એમ કહીને છૂટી જવાનું.

પ્રશ્નકર્તા : દાદા, એવું તો જ્ઞાન હાજર રહે છે પાછું. આ હું આમાં ક્યાં પડ્યો, આ રિલેટિવ છે.

દાદાશ્રી : તોય પણ થઈ જાય છે. થયું ને એટલે રિલેટિવ કહ્ય્ાા કરતાં ‘મારું સ્વરૂપ ન્હોય’ કહીને બધું છૂટું. આપણે શું કહ્યું છે કે આ તારું સ્વરૂપ ને આ ન્હોય. તે હવે તમે આ ‘મારું ન્હોય’ કહેશો એટલે છૂટું. પછી તો એને ચોંટાય જ નહીં.

પ્રશ્નકર્તા : જેટલી વસ્તુઓમાં તન્મયતા એટલું કાચાપણું જ ને ?

દાદાશ્રી : હા, એ જ તો ! એટલે હવે તન્મયતા એ બીજું કોઈ કારણ નહીં, ફક્ત જાગૃતિ મંદ થઈ જાય છે. જાગૃતિ મંદ કેમ ? ત્યારે કહે, પહેલાંના અભ્યાસને લઈને. એટલે

(પા.૧૮)

આપણે જરાક વધારે પડતું આમાં જાગૃતિ રાખીએ કે તરત બેસી જાય, છૂટું થઈ જાય. હું તો ગમે એવી તબિયત ખરાબ હોય તો લોક કહેશે કે ‘આજ તો દાદા, તમારી તબિયત વીક (નબળી) છે.’ તો અમે કહીએ, ‘મને કશું થયું નથી. શું થવાનું છે આ ?’

પ્રશ્નકર્તા : હા.

દાદાશ્રી : કેટલા ગામ ફરું છું પણ કશું થતું નથી. શું થવાનું છે ? આપણે કહીએ કે મને થયું એટલે ચોંટ્યું !

શુદ્ધાત્માનું ચિંતવન

આત્માનો સ્વભાવ કેવો છે ? અચિંત્ય ચિંતામણિ છે. એટલે જેવું ચિંતવે તેવું તરત જ થઈ જાય !

આત્મા કલ્પસ્વરૂપ છે. એટલે એનું લાઈટ બહાર ગયું એટલે અહંકાર ઊભો થઈ ગયો. પોતે જાતે ચિંતવે નહિ, પણ જેવું અહંકારનું આરોપણ થઈ ચિંતવાય એટલે તેવા તેવા વિકલ્પ થઈ જાય !

આત્મા પોતે અનંત શક્તિવાળો છે ! બધી જ જાતની શક્તિઓ મહીંથી નીકળે તેવી છે. જેટલી શક્તિ કાઢતાં આવડે એટલી તમારી. પણ એક વાર એ અનંત શક્તિનું ભાન થઈ જવું જોઈએ ! આ તો ઊંધું ચિંતવન કરે છે તેથી મૂંઝવણ ઊભી થાય છે. એક ફેર શુદ્ધાત્માનું ચિંતવન પ્રાપ્ત થાય તો ત્યાર પછી એ એની મેળે જ રહ્યા કરે, પોતાને કશું જ કરવું ના પડે. તમે જ્યાં જાઓ ત્યાં તમને શુદ્ધાત્માનું ચિંતવન થયા જ કરે છે ને ?

પ્રશ્નકર્તા : હા.

દાદાશ્રી : આ જ્ઞાન જ ક્રિયાકારી છે ! આવું લાખો વરસથી બન્યું નથી !

પ્રશ્નકર્તા : ગાંડો માણસ ‘હું ડાહ્યો છું’ એમ ચિંતવન કરે તો તે શું ડાહ્યો થઈ જાય ?

દાદાશ્રી : હા, એવું કરે તો તે ડાહ્યો થતો જાય. આ તો મહીં અસરો થઈ ગયેલી છે, ‘સાઈકોલોજિકલ ઈફેક્ટ્સ.’ અમે તો એક પણ અસર જ મહીં ના થવા દઈએ.

પ્રશ્નકર્તા : લોક કહેતા હોય કે ‘તમે આવા છો, તમે તેવા છો’, તો તેનું શું ?

દાદાશ્રી : લોક ગમે તે કહેતા હોય, પણ આપણને એવી અસર ના થવી જોઈએ કે ‘હું આવો છું.’ આપણે તો ‘હું શુદ્ધાત્મા છું, હું શુદ્ધાત્મા છું’ બસ એટલું જ હોવું જોઈએ.

આત્માનું કોઈ પણ ચિંતવન નકામું જતું નથી. એટલું સારું છે કે જાડા થરમાં ચિંતવન થાય છે એટલે ચાલી જાય છે. ઊંચી જાતના ચિંતવનમાં એક મિનિટના પાંચ હજાર ‘રિવોલ્યુશન’ હોય. દરેકનું ચિંતવન જુદું જુદું હોય, એવું અનંત જાતનું ચિંતવન છે. તેથી તો આ જગતમાં જાતજાતના લોકો દેખાય છે ને !

પ્રશ્નકર્તા : ચિંતવન શેને કહેવાય છે ?

દાદાશ્રી : આ તમે બધી ક્રિયાઓ કરો છો તેને ચિંતવન નથી કહેવાતું, તમે વિચાર કરો છો તેને નથી કહેવાતું. ચિંતવન તો તમે જે આશય મનમાં નક્કી કર્યો હોય તેને કહેવાય. મનમાં એક આશય નક્કી કર્યો હોય કે એક બંગલો, એક વાડી, છોકરાં ભણાવવાનું - આવું બધું ચિંતવન કરે તો તે તેવો થઈ જાય. ‘લાંચના રૂપિયા લેવામાં વાંધો નથી’ એવું ચિંતવન કરે તો તેવો થઈ જાય. આ દેખાય છે તે જેવું ચિંતવન કર્યું તેનું ફળ છે. ‘જેવું નિદિધ્યાસન કરે તેવો આત્મા થાય.’ કેટલાક એવું ચિંતવન કરે છે કે ‘મારો આત્મા પાપી છે.’ તે કયે ગામ જશે ?

(પા.૧૯)

પ્રશ્નકર્તા : આત્મતત્ત્વનું ચિંતવન તો મનુષ્યે કરવું જ જોઈએ ને ?

દાદાશ્રી : હા, કરવું જોઈએ. જ્યાં સુધી ‘જ્ઞાની પુરુષ’ એને સચેતન બનાવે નહીં ત્યાં સુધી એ શુદ્ધ ચિંતવન ગણાતું નથી, પણ શબ્દથી ચિંતવન કરે છે. એ એક જાતનો ઉપાય છે. રસ્તામાં જતા વચ્ચેનું સ્ટેશન છે એ.

બહારના સંયોગોના દબાણથી આત્મામાં કંપનશક્તિ ઉત્પન્ન થાય છે ત્યારે પરમાણુ ગ્રહણ કરે છે. કંપનશક્તિ એક કલાક બંધ થઈ જાય તો મોક્ષે જાય! ‘હું ડૉક્ટર છું, હું સ્ત્રી છું ને દાદા પુરુષ છે’ એવું જાણે તો ક્યારેય મોક્ષ ના થાય. ‘પોતે’ ‘આત્મા’ છે, એમ જાણે તો જ મોક્ષ થાય.

શુદ્ધ ચિંતવનથી શુદ્ધાત્માની પ્રતીતિ

પ્રશ્નકર્તા : ખાલી ચિંતવનથી (ચાર્જ) પ્રતિષ્ઠિત આત્મા શું શુદ્ધાત્મા થઈ જાય ?

દાદાશ્રી : હા, તેથી તો હું તમને કહું છું કે શુદ્ધાત્મા તમે થઈ ગયા. એટલે પછી તમે ‘હું શુદ્ધાત્મા છું, હું શુદ્ધાત્મા છું’ એ કર્યા કરશો, તે રૂપ થયા કરશો.

પ્રશ્નકર્તા : પણ જો થઈ ગયા છીએ તો પછી ‘શુદ્ધાત્મા છું’ એ કરવાની જરૂર શું ?

દાદાશ્રી : હા, એ તમને શુદ્ધાત્માની હજુ પ્રતીતિ બેઠી છે. પ્રતીતિ બેઠી એટલે તમારે જાગૃતિ આ રહ્યા જ કરવાની. એ પોતે જેવું ચિંતવે એવો થયા કરવાનો. આ ચિંતવનને ચિંતવન કહે છે અને પેલા ચિંતવનને સાયકોલોજિકલ ઈફેક્ટ કહે છે, અજ્ઞાનીના ચિંતવનને. કારણ કે એ માનસિક અવસ્થા છે. આમાં માનસિક નથી, ચિંતવન છે આ તો.

આ તીર્થંકરોની શોધખોળ છે. તું શુદ્ધાત્મા, તું શુદ્ધ જ છું, નહીં તો બીજું ચિંતવન કરે તો તેવો થઈ જાય. એટલે કહું છું કે તારી જાતને શુદ્ધ જ ચિંતવજે, કે હું તો શુદ્ધ જ છું, હું શુદ્ધ જ છું. ચંદુભાઈ કશો વાંધો નહીં, કહીએ. તમારે જેમ ડખો કરવો હોય તેમ કરો, અમે તો શુદ્ધ જ છીએ, કહીએ.

અવળું-સવળું એ જ પૌદ્ગલિક ભાવ

પ્રશ્નકર્તા : અવળા સંયોગોમાં ચેતનભાવ પૌદ્ગલિક ભાવને પામે છે. પછી જાગૃતિ આવે છે કે પૌદ્ગલિક ભાવ પામ્યા, તો ત્યાં જાગૃતિ માટે શું કરવું ?

દાદાશ્રી : એવું છે ને, શુદ્ધાત્મા અને સંયોગો, બે જ છે. એમાં કોઈ અવળોય નથી ને સવળોય નથી. સંયોગ આપણે એને અવળો કહીએ ત્યારે અવળો થાય ને સવળો કહીએ ત્યારે સવળો થાય. કડવું ને મીઠું બે તો રહેવાનું જ, પણ આ કડવું કહે તો કડવું લાગે, ઈફેક્ટ થાય ત્યારે. કડવું-મીઠું તો રહેવાનું ને ? સૌ સૌનો સ્વભાવ છે.

પ્રશ્નકર્તા : એટલે અવળું કે સવળું એ જો દેખ્યું તો તે પૌદ્ગલિક ભાવ આવી ગયો.

દાદાશ્રી : અવળું-સવળું એ જ પૌદ્ગલિક ભાવ. અવળું છે જ નહીં. આ દેખાય છે તે જ હજુ કચાશ છે. સંયોગો છે અને પાછા વિયોગી સ્વભાવવાળા છે. કોઈ કહેશે કે સાહેબ, અહીં દેવતા પડ્યો અને આ બાજુ બરફ પડ્યો. બેઉમાં ફેર નથી ? ત્યારે કહે, ફેર ખરો. બેઉ સંયોગો જ છે. પણ અવળા-સવળા કોઈ છે જ નહીં અને પાછા વિયોગી સ્વભાવના છે. બરફ અહીં પડ્યો હોય ને, તો કોઈ ખસેડી ના નાખે. અહીં દેવતા પડ્યો હોય તો હું ના ખસેડું તો બીજા ખસેડી

(પા.૨૦)

નાખે. એટલે એ સંયોગો એમની જગ્યા ખાલી કરવા આવેલા છે. તો પછી તમારે ધીરજ તો પકડવી પડે ને ! તપ કરવાનું ભગવાને કહ્યું છે. જ્ઞાન-દર્શન-ચારિત્ર્ય અને તપ. એ અવળો નથી, તમારે તપ કરવામાં કચાશ છે. ચાર પાયા તો કરવા જ પડે ને ? ત્રણ પાયાનો ખાટલો હોય તો એક બાજુ પડી જ જાય ને ! ચાર પાયાનો ખાટલો જોઈએ.

તેથી લખ્યું ને કે, દાદા અદીઠ તપ કરે છે. અદીઠ તપ એ છેલ્લું તપ કહેલું છે. અમે છેલ્લું તપ કર્યા કરીએ. આત્મા ને અનાત્માના બેના સાંધા વચ્ચે, અનાત્મા ભણી જાય જ નહીં. ફોરેન ડિપાર્ટમેન્ટમાં જાય જ નહીં, હોમ ડિપાર્ટમેન્ટમાં જ રહે. ત્યાં તપ રાખવાનું, એ અદીઠ તપ. તે તમારે આ તપમાંથી તપતાં તપતાં પછી આગળ અદીઠ તપ સુધી આવે.

આક્ષેપમાં શુદ્ધાત્મામાં રહીને તપ કરવું

પ્રશ્નકર્તા : અદીઠ તપ કરીએ, તો સમભાવે નિકાલ થઈ ગયો કહેવાય ને ?

દાદાશ્રી : બધું નિકાલ થઈ ગયું. એમાં લાંચ લઈએ તો એ જરા બાકી રહી જાય ત્યાં. જેટલા પ્રમાણમાં લાંચ લઈએ એટલા પ્રમાણમાં બાકી રહ્યું. અને નિકાલ કરો એટલે એ ગયા. તે ઘડીએ આત્મા હલકો થયો એટલે આનંદ જ હોય. બહુ તપી જાય પછી શું કરું ? બૂમાબૂમ કરી મેલું ? પેલો કકળાટ કરેલો ? કો’કની દાઝ કો’ક ઉપર કાઢે પછી. જે ફાઈલ હોય તે ફાઈલ રૂબરૂ જ પતાવી દેવાની. બીજી ફાઈલને ને એને કનેક્શન નહીં, નહીં તો કો’કની દાઝ કોઈની ઉપર કાઢે.

‘પેલા’માંથી જુદો રાખવો ‘આપણે.’ ભેગો થવાનો થાય, આમ તો પોતે જુદો રહે છે, પણ કો’ક કહે, ‘તમે અમારું પાંચ હજારનું નુકસાન કર્યું.’ એવું કહે, તે ઘડીએ ભેગો થઈ જાય. તે ઘડીએ તપ કરવાનું. તે ઘડીએ ધક્કો વાગે, કે ‘મેં તો કર્યું નથી.’ શાથી ધક્કો વાગે છે ? મનમાં એમ થાય ને કે આણે મારી પર આરોપ મૂક્યો. એટલે પછી ‘હું શુદ્ધાત્મા’ રહે કે એ રહે ? તે વખતે તપ કરીને પછી ‘હું શુદ્ધાત્મા છું’ રહેવું જોઈએ.

શુદ્ધાત્મા થયા ત્યારથી અહંકારનો સંયમ

પ્રશ્નકર્તા : દાદા, અંદર તપ્યું એટલે પહેલું તપ ઊભું થાય, પછી સંયમ ઊભો થાય ?

દાદાશ્રી : સંયમ તો જ્યારથી આપણે શુદ્ધાત્મા થયા અને ચંદુભાઈ છૂટ્યા, ત્યારથી જ સંયમની શરૂઆત થઈ ગઈ.

પ્રશ્નકર્તા : તપેય સંયોગો આવે ત્યારે ઊભું થાય ને ?

દાદાશ્રી : ત્યારે તપ ઊભું થાય. પણ આ સંયમ તો શરૂઆત થઈ જ ગયેલી. બધા સંયમી જ કહેવાય. બાકી, આ સંયમની તો અહીંથી શરૂઆત થઈ ગઈ, જ્ઞાન આપ્યું ત્યારથી જ સંયમી.

ક્રોધ-માન-માયા-લોભને સંયમમાં લેવા, એનું નામ સંયમ. કારણ કે જગત આખું ક્રોધ-માન-માયા-લોભથી બંધાયેલું છે, અને એ કષાયો જ એને દુઃખ દે છે, નિરંતર. ભગવાન કંઈ દુઃખ દેતા નથી. એટલે ક્રોધ-માન-માયા-લોભનો સંયમ હોય ત્યારે સંયમ કહેવાય. એ અહંકારનો સંયમ થાય ત્યારે સંયમ કહેવાય. અહંકારનો સંયમ ક્યારે થાય કે ‘હું શુદ્ધાત્મા છું’ એવું ભાન થાય ત્યારે. ત્યાં સુધી સંયમ જ ના હોય ને !

હવે આવશે મોક્ષ સામો

શુદ્ધ ઉપયોગ રહેવો જોઈએ ફક્ત. જેટલો

(પા.૨૧)

બને એટલો, એઝ ફાર એઝ પોસીબલ. એને માટે રાતે પછી ચિંતા નહીં કરવાની, સૂઈ જવાનું નિરાંતે. એટલે મારું કહેવાનું કે એવું ઉજાગરો કંઈ કરવાનો નહીં. પણ જરા પુરુષાર્થ આપણે પુરુષ થયેલા છીએ એટલે વધુ રાખવો છે, એવો નિર્ણય-નિશ્ચય હોવો જોઈએ કે મારે હવે શુદ્ધ ઉપયોગ રાખવો જ છે. પછી ના રહ્યો એટલું નિકાલી બાબત. અને આપણે કંઈ ઉતાવળ કરવાની જરૂર નથી, રઘવાયા થવાની જરૂર નથી, મોક્ષ સામો આવશે. આપણે ત્યાં જવાની જરૂર નથી. ગાડીમાં બેઠેલા માણસને સ્ટેશન એની મેળે જ આવશે, વડોદરા. તું તારી જગ્યાએ જ બેસી રહેજે.

પ્રશ્નકર્તા : ગાડીમાં બેસી જ ગયા છીએ ને, અમે તો હવે.

દાદાશ્રી : હા, એટલે જ તો કહું છું ને, મારું કહેવાનું એ છે કે એ આ આવ્યા કરશે. આ આજ્ઞા પાળવાની છે, બીજું કશું, મોક્ષની ચિંતા આપણે કરવાની જરૂર જ નથી. આ આજ્ઞાની ટિકિટ એવી છે કે ત્યાં જ લઈ જશે.

પ્રશ્નકર્તા : આજ્ઞા સમજવાની છે, દાદા.

દાદાશ્રી : હા, એ બધું સમજવાનું તો ખરું ને ! સમજવાની જ તો જરૂર છે. સમજ્યા જ છે ને, ઘણાખરા સમજ્યા છે. પણ મહીં કેટલાકને કચાશ હોય સમજવામાં.

મોક્ષની ગાડીમાં બેઠા પછી ઉતાવળ ?

પ્રશ્નકર્તા : કોઈ વખત મોક્ષે જવાની ઉતાવળ બહુ થાય છે !

દાદાશ્રી : ઉતાવળ કરશો તો ઠોકર ખાશો. મોક્ષ મળી ગયા પછી મોક્ષની ઉતાવળ શી ? ઉતાવળ શેને માટે ? કોઈ તમારું રિઝર્વેશન લઈ લેવાનું છે ? રિઝર્વેશન કોઈથી અડાય નહીં ! જે ગામ જવાનું હોય તેનો નિશ્ચય, તેની ટિકિટ, બધું થઈ ગયું ! કો’કને પૂછી લેવાનું, ગાડી કેવી છે ? ત્યારે કહે, સ્પીડી. બેસીને પછી સૂઈ જવાનું !

કોઈ માણસ ગાડીમાં બેઠો મુંબઈ જવા માટે વડોદરાથી અને બારીની બહાર જોયા કરે, મુંબઈ દેખાયું.... તો ક્યારે પાર આવે ? આ લોકો શું કહે છે ? ભઈ, શું જુઓ છો ? ત્યારે કહે, ‘કંઈ દેખાય છે મુંબઈ, કંઈ તપાસ કરો ને !’ ‘અલ્યા મૂઆ, સૂઈ જા ને ! ગાંડો છે કે શું ?’ બૈરીય એમ કહે કે ‘આ મૂરખ છે. તમને ક્યાં પૈણી હું ?’ એવું કોઈ કરતું હશે ? અરે, ઘણા માણસો ગાડીમાં દોડધામ કરે. કેમ ? ‘જલદી પહોંચવું છે. અમારા ઓળખીતા બહુ માંદા છે. સવારમાં નીકળીને ત્યાંથી દવાખાનામાં જવાનું.’ અલ્યા મૂઆ, અહીં ધકમક શું કરવા કરે છે, આમ દોડધામ દોડધામ ? વગર કામનો મૂઓ, ઊંઘતો નથી ને લોકોને ઊંઘવા નહીં દેતો. અરે ભાઈ, ઊતરીને જજે. સહુથી પહેલો તું જજે, પણ નિરાંતે સૂઈ જાને અત્યારે.

આ જ્ઞાનથી તો તમને બીજ થઈ ગઈ છે. હવે જેમ જેમ આજ્ઞામાં રહેશો, તેમ પછી પૂનમ થશે.

પ્રશ્નકર્તા : પૂનમ કરવા માટે ઉત્કંઠા તો જોઈએ ને કે જલદી થાય !

દાદાશ્રી : જલદીની વાત નથી. આપણે આજ્ઞા પાળ્યા કરવાની, બસ. આપણે વધારે પાળો, એનું પરિણામ પૂનમ આવશે. આ તો પાછી પૂનમેય રીસાય પછી કે ઓહોહો, જો મારા વગર એમને ગમતું નથી ! તારા વગર બધુંય ગમે છે, તું સામી આવ, બા ! અમે તો આ ચાલ્યા, એ સામી આવશે. જે પદ સામા આવે, એની ઉત્કંઠા કેવી ? મોક્ષેય સામો આવી રહ્યો છે, ને બધું સામું આવી રહ્યું છે. આપણે તો આપણી મેળે

(પા.૨૨)

દાદા કહે એ પ્રમાણે કર્યા કરવાનું, બસ. બીજી ભાંજગડમાં નહીં પડવાનું. આગળ જવા જાય તો બોજો વધી જાય પાછો. વળી પાછો એનો બોજો કોણ લે વગર કામનો ?

પ્રશ્નકર્તા : કેમ દાદા, એના માટેની તીવ્રતા ન હોવી જોઈએ ?

દાદાશ્રી : ના, તીવ્રતા તો આ પાંચ આજ્ઞામાં રહો તેની જ કરવાની છે. પેલી વસ્તુ જે કાર્ય છે, તેને માટે નથી કરવાની. કારણની તીવ્રતા કરવાની છે, કાર્ય તો ફળ છે. ફળની તીવ્રતા કરીને લોક કારણમાં કાચા પડી ગયા છે. કાર્ય મોટું કે કારણ મોટું ?

પ્રશ્નકર્તા : કારણ મોટું, દાદા. પણ લક્ષ માટેની તીવ્રતા કહો.

દાદાશ્રી : એ તો રહે જ. એ તો ઓછું પડે જ નહીં. આપણે અહીં ઘેરથી રસ્તા ઉપર જઈએ ને, તો દાદરા ઉતરીને નીચે જ જવાના છીએ એ વાત યાદ રાખવાની જરૂર નહીં. આપણે નજીકનું પગથિયું જોઈ જોઈને ચાલવું, એટલે નહીં પડીએ. બાકી નીચે જ પહોંચવાના છીએ.

પુરુષ થયા પછી પુરુષાર્થ શેનો ?

પુરુષાર્થ શેનો કરવાનો છે ? પુરુષ થયા પછી, ‘શુદ્ધાત્મા’નું લક્ષ બેઠા પછી પુરુષાર્થ અને સ્વપરાક્રમ થાય.

નર્યો ભૂલોનો જ ભંડાર મહીં ભરેલો છે. સમયે સમયે દોષ દેખાય ત્યારે કામ થયું કહેવાય. આ બધો માલ તમે ભરી લાવ્યા, પૂછયા વગરનો જ ને ?

શુદ્ધાત્માનું લક્ષ બેઠું એટલે ભૂલો દેખાય. ના દેખાય એ નર્યો પ્રમાદ કહેવાય.

ખરી કસોટીમાં જ્ઞાન ઊભું રહે. કાન કાપતા હોય ને જ્ઞાન ઊભું રહે ત્યારે ખરું કહેવાય. નહીં તો બધો પ્રમાદ કહેવાય.

જ્ઞાની પુરુષ તો એક જ કલાક ઊંઘે. નિરંતર જાગૃત જ રહે. ખોરાક ઓછો થઈ ગયો હોય, ઊંઘ ઓછી થઈ ગઈ હોય ત્યારે જાગૃતિ વધે. નહીં તો પ્રમાદચર્યા રહે. ઊંઘ ખૂબ આવે તે પ્રમાદ કહેવાય. ‘પ્રમાદ એટલે આત્માને ગાંસડીમાં બાંધ્યા બરાબર.’

ભૂલ એટલે શું, એનું પોતાને ભાન જ નથી. સ્વપરાક્રમથી ભૂલો ભાંગે.

જ્યારે ઊંઘ ઘટે, ખોરાક ઘટે ત્યારે જાણવું કે પ્રમાદ ઘટ્યો.

ભૂલ ભાંગે ત્યારે એના મોં પર લાઈટ આવે, સુંદર વાણી નીકળે, લોકો એની પાછળ ફરે.

સ્ટ્રોન્ગ પરમાણુવાળી ભૂલો હોય તે તરત જ દેખાય. બહુ કડક હોય, જે બાજુ પેસે તે બાજુ ગરકી જાય. સંસારમાં પેસે તો એમાં ગરકી જાય અને જ્ઞાનમાં પેસે તો એમાં ગરકી જાય.

આત્માનો શુદ્ધ ઊપયોગ એટલે શું ? એટલે એને વીલો ના મૂકાય. પા કલાક ઝોંક ખાવી હોય તો પતંગની દોર અંગૂઠાને વીંટીને ઝોંક ખાવી. તેમ આત્માની બાબતમાં જરાય અજાગૃતિ ના રખાય.

ઝોકું ખાધું એ ખોટ

પ્રશ્નકર્તા : દાદાને મળ્યા પછી, જ્ઞાન મળ્યા પછી અજાગ્રત રહીએ તો જોખમદારી કેટલી ?

દાદાશ્રી : એ જેટલા ઝોકાં આવે છે એટલી અને ઝોકાં ના આવે તો તેટલી. જોયા વગર ગયું, એની જોખમદારી રહે. એ ફરી જોવું પડશે. જોશો એટલે સાફ થઈ જાય. દરેક ઉદયને જોવાથી સાફ

(પા.૨૩)

થાય અને ઉદયમાં તન્મયાકાર રહ્યા તો તે કર્મ ચોખ્ખા થવાના બાકી રહ્યા. અને આત્મા છૂટો રહ્યા પછી આત્માની જાગૃતિમાં રહ્યો એટલે કોઈ હિસાબ બંધાતો જ નથી. જાગૃતિ મંદ થાય એટલો વખત એને પેલું ચોંટે.

પ્રશ્નકર્તા : શું ચોંટે ?

દાદાશ્રી : ચોંટે એટલે જે હિસાબ એને ચોખ્ખો કરવાનો છે ને, એટલો ચોખ્ખો ના કર્યો એટલે એ એવો ને એવો પછી પડી રહ્યો છે ને !

પ્રશ્નકર્તા : પેલું ચોખ્ખું ના થાય, પણ નવું બગડે નહીં ?

દાદાશ્રી : નવા સાથે લેવાદેવા જ નથી ને !

પ્રશ્નકર્તા : આને જ શુદ્ધ કરીને મોકલવાના ને !

દાદાશ્રી : એ શુદ્ધ કરીને મોકલવાના છે, પણ તે ના મોકલાયા, એટલા રહ્યા પોતાની પાસે સિલ્લકમાં.

નિષ્પક્ષપાતીપણું ત્યાં ખરો પુરુષાર્થ

પુરુષાર્થ તો, પુરુષ થયા વગર પુરુષાર્થ થાય નહીં. જ્યાં જાગૃત થયો, એટલે પોતાની ભૂલો દેખાવા માંડી, નિષ્પક્ષપાતપણે દેખાવા માંડ્યું. ચંદુભાઈનો એકેએક દોષ સમજતા થાય ત્યારે નિષ્પક્ષપાતપણું થયું. ત્યારે જજમેન્ટ પાવર આવે, ત્યાર પછી પુરુષાર્થ ખરો મંડાય.

આપણા વાણી, વર્તન ને વિનયમાં ફેર થાય છે કે કેમ, એ પણ આપણે સ્ટડી કરતા રહેવું જોઈએ. થોડી થોડી વાણી ફરતી જાય છે કે નહીં ? દાદાના જેવું થવું જ પડશે ને ? તો જ મોક્ષે જવાશે. મોક્ષમાં તો એક જ જાતની ક્વૉલિટી ને ? સોએ સો ટચ પૂરા ને ? એમાં કંઈ દશ ટચ ચાલે કંઈ ? એટલે આખો શુદ્ધિકરણનો માર્ગ છે આ.

મોક્ષે જવાની કંઈક ભાવના હોય, જે કંઈક પ્રાપ્ત કરવાની ભાવના હોય ને, તેની મહીં તન્મયાકાર વૃત્તિ રહે, એટલે એ બાજુની તીવ્રતા હોવી જોઈએ. તીવ્રતા એટલે પોતાનો જબરજસ્ત પુરુષાર્થ હોવો જોઈએ.

પ્રશ્નકર્તા : દાદા પાસે આવ્યા પછી ખાત્રી થઈ ગઈ કે હવે આ દેહધારી પરમાત્મા છે, એટલે પછી જો તીવ્ર પુરુષાર્થ જો એનો હોય...

દાદાશ્રી : બસ, તો બહુ થઈ ગયું. છૂટી ગયો એ, બીજો વાંધો નથી. નુકસાનકારક નથી અને સંસાર ચાલે એને માટે ઓળંબો આપ્યો. કારણ કે ત્યાં સુધી પેલું સંસાર ચલાવવાની ચિંતા રહેતી’તી. પણ આ તો ઓળંબો આપ્યો કે એય વ્યવસ્થિત ચલાવી લેશે. બધા ઓળંબા સાથે આપ્યું છે. તે કોઈ જાતની વરીઝ (ચિંતા) રાખ્યા સિવાય બધું આપ્યું અને ક્રમિક માર્ગમાં તો ઘર ચલાવવાની પછી ઉપાધિ, ધંધો ચલાવવાની ઉપાધિ, ભવિષ્યની ચિંતા પાછી. આ તો ભવિષ્યની ચિંતા-બિંતા કશુંય નહીં. ભૂતકાળ ગોન, ભવિષ્યકાળ વ્યવસ્થિતના તાબામાં છે એટલે આપણે વર્તમાનમાં નિરંતર રહીએ. આવો તાલ બેસે નહીં. મફતમાં, વગર મહેનતે મોક્ષ !

દાદાની ગેરહાજરીમાં બહુ પુરુષાર્થ ખપે

પ્રશ્નકર્તા : પહેલા મને પોતાની ભૂલો જેવું દેખાતું ન હતું. હવે ઢગલાબંધ દેખાય છે. ગોડાઉનોના ગોડાઉનો ભર્યા છે એવું લાગે છે.

દાદાશ્રી : એવું ! માલ ગોડાઉનો ભરેલા છે ને ! એનો વાંધો નહીં. દાદાની પાસે આવીએ છીએ ને જ્યાં સુધી માથે દાદા છે, ત્યાં સુધી કોઈ

(પા.૨૪)

જાતનો વાંધો નહીં રાખવાનો. ફક્ત આપણા મનમાં એમ કે આ છૂટે તો સારું, છૂટે તો સારું. માલ બધો ખાલી થાય તો સારું એવી ભાવના કરો !

દાદા છે ત્યાં સુધી બધું થઈ શકે, પછી પુરુષાર્થ બહુ કરવો પડશે. એમની ગેરહાજરીમાં બહુ પુરુષાર્થ કરવો પડે. એ હોય ત્યાં સુધી આપણે એમની વિધિઓ કરીએ, સત્સંગ કરીએ તો આ બધો માલ ધૂળધાણી કરી નાખે. દાદાને જોવાથી જ કેટલા દોષો ઊડી જાય ! ખાલી દર્શન કરે ને તેની સાથે જ કેટલાય દોષો ઊડી જાય !

પ્રશ્નકર્તા : પણ દાદા, તમારે બધા મહાત્માઓનું બધું બરાબર કરીને જવાનું. એમ કંઈ અમને રસ્તામાં રઝળતા મૂકીને જાવ તો ના ચાલે ને ?

દાદાશ્રી : તમારે બધાએ નક્કી કરવાનું કે બધા એક સ્ટેશન પર આવીને બેસે ત્યારે ‘જાવ દાદા’ એમ કહેવું. આમ બધા રઝળતા હોય ત્યાં સુધી બધાને બૂમો પાડીને કહી દેવું, ‘આવી જાવ, અહીં આગળ ! બધા ભેગા આવી જાવ’ એમ કહીએ.

અમે જોઈએ કે જ્યાં જ્યાં જેણે પુરુષાર્થ સાચા દિલથી માંડ્યો છે, તેના પર અમારી અવશ્ય કૃપા વરસે જ. તમે આગળ પગલાં માંડ્યા છે અને સાચા દિલથી પુરુષાર્થ માંડ્યો છે એટલે અમારી કૃપા ઊતરે જ. જરા નરમ પડી જાય તો ત્યાંથી ખસીને બીજી જગ્યાએ જઈએ. અમે ક્યાં બેસી રહીએ ? એ નરમ પડી જાય તો અમે ક્યાં બેસી રહીએ ?

પ્રશ્નકર્તા : નરમ પડે તો એને તમારે ઊંચો કરવો જોઈએ ને ?

દાદાશ્રી : એ કરી જોઈએ પણ પાછો નરમ પડી જાય એટલે અમે ખસી જઈએ. બીજા ચાલતા હોય તેનું જોવાનું ને ! નરમ પડાય જ કેમ ? પોતાની સ્થિતિ નરમ પડવી ના જોઈએ. સામી અડચણ આવી હોય તો તે જુદી વાત છે, પણ પોતાને તો સ્ટ્રોંગ જ રહેવું જોઈએ.

જ્ઞાની પાછળ ફર્યા કરીએ છીએ, તે કંઈ નિવેડો તો આવશે ને ?

તમે બધા અમને વળગી રહેજો

પ્રશ્નકર્તા : તમે પેલો દાખલો બહુ ફાઈન આપ્યો. આ પેલી બિલાડી હોય ને, એ બચ્ચાંને આમ મોઢામાં લઈને જાય અને વાંદરીને વાંદરીના બચ્ચાં ચોંટી પડે.

દાદાશ્રી : ચોંટી પડે, છોડે નહીં. કારણ કે વાંદરી પંદર ફૂટ કૂદે, બચ્ચું તરત જ આંખ મીંચીને ચોંટી રહ્યું હોય. એ બચ્ચું જાણે કે ‘તમારી જવાબદારી નહીં બા, મારી જ જવાબદારી’, એવું વળગે. વાંદરી પડી જાય તોય એને કશું થાય નહીં, એવું વળગે. એવું શીખી લેવાનું. પકડાશે ?

પ્રશ્નકર્તા : એવી જ રીતે પકડવાનું છે દાદાને.

દાદાશ્રી : પકડીશ ત્યારે ને હજુ ?

પ્રશ્નકર્તા : પકડેલા જ છે દાદાને.

દાદાશ્રી : પકડ્યા છે ? તમે હઉ પકડ્યા છે ને દાદાને ? તમારે મને વળગી પડવાનું, મારે તમને વળગવાનું નહીં. આ બિલાડીના બચ્ચાં મોંઢામાં ઘાલીને લઈ જવા પડે, અને વાંદરીને ? બચ્ચાં ‘મા’ને છોડે નહીં પછી. એ આમ કૂદીને તો પેલું બચ્ચું પેલી બાજુ કૂદે નહીં, એવું પકડી રાખેલું હોય ! હવે તમે બધા વાંદરીના બચ્ચાની પેઠે અમને વળગી રહેજો.

જય સચ્ચિદાનંદ