દાદાશ્રી આપે ‘શંકા’નું સમાધાન સંપાદકીય અનાદિકાળથી મનુષ્યની પ્રકૃતિ સ્વાભાવિક રીતે સંસારભાવમય જ બંધાયેલી હોય છે. જ્યારે પોતાને ‘જ્ઞાની પુરુષ’ પાસેથી આત્મજ્ઞાન પ્રાપ્ત થાય ત્યારે પોતે અધ્યાત્મમાં પ્રવેશે છે પણ પૂર્વભવે બંધાયેલી સંસારી સ્વભાવમય પ્રકૃતિ સંજોગોના ભીડામાં ઉદયમાન થયા વિના રહેવાની નથી. મોક્ષમાર્ગની પ્રાપ્તિ થયા પછી નડતા દોષો, તેનું વિગતવાર વિવરણ હોય તો મોક્ષમાર્ગનો સાચો અભિલાષી સાધક તે માર્ગે પોતે પ્રયાણ કરી માર્ગનો મર્મ પૂરેપૂરો પામી શકે. ગયા અંકમાં શંકા નામના બાધક દોષનું સ્વરૂપ અને જોખમોનું વિશ્લેષણ મળ્યું હતું અને પ્રસ્તુત અંકમાં દાદાશ્રી શંકાના દોષમાં સંઘર્ષતા મોક્ષાર્થીને છૂટવા માટે સમજણના વિવિધ ફોડ આપે છે. શ્રી કૃષ્ણ ભગવાને ગીતામાં કહ્યું છે કે ‘સંશયાત્મા વિનશ્યતિ.’ નિશ્ચયમાં તો આખા જગતને સંશય હોય, પણ વ્યવહારમાં જે સંશયવાળો છે તે જીવતાં જ મરી જાય છે. કર્મ રાજાનો નિયમ છે કે જેને શંકા પડે, તેને ત્યાં એ પધારે ! અને જે એને ગાંઠે નહીં, તેને ત્યાં તો એ ઊભા જ ના રહે. જે કાર્ય કરતા મહીં સહેજ પણ શંકા ના પડે તો તેનું કામ અવશ્ય થાય જ. શંકામાં બે ખોટ, એક તો પોતાને પ્રત્યક્ષ દુઃખ ભોગવવાનું ને બીજું સામાને ગુનેગાર જોવાય છે. શંકા એવું બીજ છે કે જેમાંથી સત્તરસો વનસ્પતિ ઊગી આખું સંસાર રૂપી જંગલ ઊભું કરી નાખે. વ્યક્તિઓ સંબંધી શંકામાં એની જોખમદારી અનેકગણી વધી જાય છે. શંકા પડવી એ બધા અભિપ્રાયો પડેલા છે તેનું પરિણામ છે. શંકા પડતા જ સામાનું મન આપણાથી જુદું પડી જાય છે. ચારિત્ર સંબંધી શંકા રાખનાર મોક્ષ ખોઈ બેસે છે. માટે ગમે તેવી શંકા ઉત્પન્ન થતા પહેલા જ જાગૃત રહીને તેને જ્ઞાનથી ઉખાડીને ફેંકી દેવી. પૂર્વેના બીજ અનુસાર જો શંકા થાય ત્યારે ફાઈલ-૧ પાસે યથાર્થ પ્રતિક્રમણ કરાવવા, જેથી શંકા ઓછી થાય. જ્ઞાની પુરુષ શ્રીમુખે પ્રગટેલું અક્રમ વિજ્ઞાન તો અનેક અવતારોના અનુભવોના પૃથક્કરણનો નિચોડ છે. શંકાથી બચવા જ્ઞાની પુરુષ પાંચ આજ્ઞાની વૈજ્ઞાનિક સમજણ આપે છે. તેમાં ‘વ્યવસ્થિત’નું જ્ઞાન સમજાય ત્યાં શંકા ઉત્પન્ન નહીં થાય. શંકાની સામે જાગૃતિ વધારવાની જ જરૂર છે. દાદાશ્રી કરુણાથી કહે છે કે ‘આ શંકા શબ્દ તો આખી દુનિયાનો હું કાઢવા માગું છું. ‘વર્લ્ડ’માં એના જેવું કોઈ દુઃખ નથી. નિઃશંક જગત મેં જોયું છે, આ નિઃશંકવાળી દિશા તમને બતાડી દઉં. એટલે આ જગતના લોકોની શંકા નિર્મૂલનપણાને પામે.’ હવે જ્ઞાનીની પૂંઠે પૂંઠે વહીને આપણે પણ એવું વિજ્ઞાન જાણીએ, જેનાથી આ શંકારૂપી પઝલનો ઉકેલ લાવી મોક્ષમાર્ગે પ્રગતિ સધાય એ જ હૃદયપૂર્વક અભ્યર્થના. ~ જય સચ્ચિદાનંદ. (પા.૪) દાદાશ્રી આપે ‘શંકા’નું સમાધાન સંશયાત્મા વિનશ્યતિ પ્રશ્નકર્તા : ગીતામાં કહ્યું છે કે ‘સંશયાત્મા વિનશ્યતિ.’ તો તેમાં આત્માસંબંધી સંશય થાય કે બીજો કોઈ સંશય થાય ? દાદાશ્રી : સંશય બધાને હોય. એમાં સંશય વગરનો કોઈ માણસ હોય નહીં. એને તો આ જગતમાં કોઈ જગ્યાએ વિશ્વાસ જ ના બેસે, સંશય જ થયા કરે અને સંશયથી એ મરી જાય. મરેલો જ છે ને ! પ્રશ્નકર્તા : વ્યવહારમાં સંશય કે નિશ્ચયમાં સંશય, કયો સંશય ? દાદાશ્રી : નિશ્ચયમાં તો સંશય આખા જગતને હોય જ. એ તો કાયદેસર હોય. કૃષ્ણ ભગવાને વ્યવહારમાં ‘સંશયાત્મા વિનશ્યતિ’ લખેલું છે. આખું જગત આત્માના સંશયમાં છે જ જાણે કે, એને કશું મરવાનું નથી. પણ જે વ્યવહારમાં સંશયવાળો છે તે મરી જાય, એ મરેલો જ છે. એ માણસને કોઈ પર વિશ્વાસ ના આવે, સંશય થયા કરે. પોતાને ધીરવું હોય અને પેલા દેવાદારો પર સંશય થયા કરે, તો એ માણસ મરેલો જ છે. અહીં છોડીઓ કોલેજમાં જતી હોય, તો ‘ફાધર’ને મનમાં થાય કે ‘ઉંમરલાયક થઈ, હવે આ છોડીઓ શું કરતી હશે ? એ શું કરે છે ? કોણ મિત્ર કરે છે ?’ એમ સંશય કર્યા જ કરે. તે મરી ગયેલો જ છે ને ! સંશય તો કામનો જ નહીં. સંશય તો, આ ચપ્પુ લઈને મારવા જતા હશે, એને જરાય સંશય ના હોય ત્યારે તો એ મારવા જાય ! અને મરનારાનેય જરાય સંશય ના હોય ત્યારે મરે. પણ એ એક જ વખત મરે અને આ સંશયાત્મા એ કાયમને માટે મરેલો જ છે. જે માણસને જ્યાં ને ત્યાં શંકા પડે, બૈરીમાં શંકા પડે, બાપમાં શંકા પડે, મામાં શંકા આવે, ભાઈમાં શંકા આવે, એ માણસ મરેલો જ છે ને ! બધામાં શંકા આવે, એ માણસ જીવે જ શી રીતે ? સુંદર સંચાલન ત્યાં શંકા શી ? આ રાતે તમે હાંડવો ખાધેલો ? અને તે હાંડવો ખઈને પછી સહેજ દૂધ પીને સૂઈ ગયેલા કે નહીં સૂઈ ગયેલા ? તો પછી મહીં તપાસ કરી નહીં કે મહીં પાચકરસ પડ્યા કે પિત્ત પડ્યું કે ના પડ્યું, એ બધું ? ‘બાઈલ’ કેટલું પડ્યું, કેટલા પાચકરસ પડ્યા, એ બધી તપાસ કરી નહીં ? પ્રશ્નકર્તા : એ બધું તો થવાનું જ ને ! એ ‘ઓટોમેટિકલી’ થવાનું જ છે. એ કંઈ તપાસ કરવાની શી જરૂર ? દાદાશ્રી : તો આ બહાર ‘ઓટોમેટિક’ નહીં થતું હોય ? આ અંદર આવડું મોટું સરસ ચાલે છે, તો બહાર તો કશું કરવાનું જ નથી. અંદર તો લોહી, યુરિન, સંડાસ બધું જુદું કરે છે, તે કેવું સુંદર કરે છે ! પછી, બચ્ચાવાળી મા હોય તો દૂધ એ બાજુ મોકલે. કેટલી તૈયારી છે બધી ! ને તમે તો નિરાંતે ઊંઘો છો ઘોર ! ને મહીં તો સરસ ચાલે છે. કોણ ચલાવે છે આ ? અંદરનું ચલાવે છે કોણ ? ને એની પર શંકા નથી પડતી ? પ્રશ્નકર્તા : ના. દાદાશ્રી : તો બહારનીય શંકા ના કરાય. અંતઃકરણમાં જે થઈ રહ્યું છે તે જ બહાર થાય છે, તો શું કરવા હાય હાય કરો છો ? વચ્ચે મહીં હાથ શું કરવા ઘાલો છો તે ? આ ઉપાધિ શા સારુ વેઠો છો તે ? વગર કામની ઉપાધિ ! (પા.૫) શંકા ના પડે ત્યાં કામ પૂરું થાય શંકા પડે એ કામ જ ઊભું કરશો નહીં. જ્યાં આપણને શંકા પડે ને, તે કામ ના કરવું. અગર તો એ કામ આપણે છોડી દેવું. શંકા ઊભી થાય એવું કાર્ય કરવું નહીં. અહીંથી અમદાવાદ જવા સંઘ નીકળ્યો, હેંડવા માંડ્યો. મહીં કેટલાક કહેશે, ‘અરે, વખતે વરસાદ પડશે ને પાછું પહોંચાશે નહીં, એના કરતાં પાછા હેંડો ને !’ એવી શંકાવાળા હોય તો શું કરવું પડે ? એવા બે-ત્રણ જણ હોય તો હાંકી મેલવા પડે પાછા. નહીં તો એ તો આખું બધું ટોળું બગડે. એટલે શંકા હોય ને, ત્યાં સુધી કશો ભલીવાર ના આવે. એનાથી કોઈ કામ થઈ ના શકે. બહુ પ્રયત્નો કરે, બહુ પુરુષાર્થ કરે, ત્યારે તે વળી જાય તો વળી જાય. વળી જાય તો સારું. બધા ખુશ થાય ને ! શૂરવીરતા હોય, તે કોઈક દહાડો ફેંકી દે તો બધું ફેંકીને ચાલતો થઈ જાય અને એ ધારે એવું કામ કરી શકે. એટલે શૂરવીરપણું રાખવું જોઈએ કે ‘મને કંઈ થાય નહીં.’ આપણે ઝેર ખાવું હોય તો ખાઈએ ને ના ખાવું હોય તો કોણ ખવડાવે ? આપણને ડ્રાઈવર કહે, ‘હમણે ગાડી અથડાઈ પડશે તો ?’ એવું કહે તો આપણે કહીએ, ‘રહેવા દે, તારું ડ્રાઈવિંગ બંધ કર. ઊતરી પડ. બહુ થઈ ગયું.’ એટલે એવા માણસને અડવાયે ના દેવાય. શંકાવાળાની જોડે તો ઊભું જ ના રહેવું, આપણું મન બગડી જાય. શંકા કેમ આવવી જોઈએ ? ચોખ્ખું હોવું જોઈએ. વિચાર તો ગમે તેવા આવે તોય પણ આપણે ‘પુરુષ’ (આત્મા) છીએ ને ? પુરુષ ના હોય તો માણસ મરી જાય. પુરુષ થયા પછી પુરુષાર્થમાં શંકા હોતી હશે ? પુરુષ થયા પછી ભય શો ? સ્વપુરુષાર્થ ને સ્વપરાક્રમ ઊભા થયા છે, પછી ભય શો ? પ્રશ્નકર્તા : શૂરવીરતા રાખવી પડે કે એની મેળે રહે ? દાદાશ્રી : રાખવી પડે. આપણે ‘ગાડીનો એક્સિડન્ટ થશે’ એવું ના વિચારીએ તોય એ થવાનું હોય તો છોડે છે કંઈ ? અને વિચારે તેને ? તેનેય થવાનું. પણ વિચાર્યા વગર બેસે છે, એ શૂરવીર કહેવાય. એને વાગેય ઓછું, બિલકુલ ઓછું વાગે ને બચી જાય. ગાડીમાં બેઠા પછી એવી શંકા પડે કે ‘પરમ દહાડે ટ્રેન અથડાઈ હતી, તો આજે અથડાશે તો શું થશે ?’ એવી શંકા કેમ નથી આવતી ? એટલે જે કામ કરવું એમાં શંકા રાખવી નહીં ને તમને શંકા આવે તો એ કામ કરવું નહીં. ‘આઈધર ધીસ ઓર ધેટ !’ આવું તે હોતું હશે ? એવી વાતો કરતા હોય તેનેય ઊઠાડીને કહેવું, કે ‘ઘેર જા, અહીં નહીં.’ શૂરાતનની વાત જોઈએ. આપણે ઘેર જવું છે ને એક માણસ એમ બોલ્યા કરે, ‘ઘેર જતા અથડામણ થાય તો શું થશે ? અગર તો એક્સિડન્ટ થશે તો શું થશે ?’ તો બધાના મન કેવા થઈ જાય ! એવી વાતને તો પેસવા જ ના દેવાય. શંકા હોતી હશે ? દરિયા કિનારે ફરતા હોય ને કહે, ‘મહીં મોજું આવે ને ખેંચી જાય તો શું થાય ?’ કોઈએ વાત કરી હોય કે ‘આમ મોજું આવી અને ખેંચી ગયું.’ તો આપણને શંકા પડે તો શું થાય ? એટલે આ ‘ફૂલિશનેસ’(મૂર્ખતા)ની વાતો છે. ‘ફૂલ્સ પેરેડાઈઝ’ ! એટલે જે કામ કરવું એમાં શંકા નહીં, ને શંકા આવે તે કરવું નહીં. ‘મારાથી આ કામ થશે કે નહીં થાય’ એવી શંકા પડે ત્યાંથી જ કામ થાય નહીં. શંકા રહે છે એ બુદ્ધિનું તોફાન છે. (પા.૬) અને (ખરેખર) એવું કશું બનતું નથી. જેને શંકા પડે છે ને, તેને બધી ભાંજગડ ઊભી થાય છે. કર્મરાજાનો નિયમ એવો છે કે જેને શંકા પડે, તેને ત્યાં એ પધારે ! અને જે ગાંઠે નહીં, તેને ત્યાં તો એ ઊભા જ ના રહે. માટે મન મજબૂત રાખવું જોઈએ. જે કાર્ય કરતાં મહીં સહેજ પણ શંકા ના પડે તો તેનું કામ અવશ્ય થાય જ. કર્મને આધીન પ્રકૃતિ, ત્યાં શી શંકા ? પ્રશ્નકર્તા : ઘણા માણસો એવા હોય છે કે જેને માટે અભિપ્રાય બંધાયેલો હોય કે ‘આ માણસ સારો છે, આ લબાડ છે, આ લુચ્ચો છે, આ મારો બેટો કાતરવા જ આવ્યો છે.’ દાદાશ્રી : અભિપ્રાય બંધાય એ જ બંધન. અમારા ગજવામાંથી કાલે કોઈ રૂપિયા કાઢી ગયું હોય અને આજે એ પાછો અહીં આવે તો અમને શંકા ના રહે કે એ ચોર છે. કારણ કે કાલે એના કર્મનો ઉદય એવો હોય. આજે એનો ઉદય કેવો હોય, તે શું કહેવાય ? પ્રશ્નકર્તા : પણ પ્રાણ ને પ્રકૃતિ સાથે જાય. દાદાશ્રી : એ પ્રાણ ને પ્રકૃતિ નહીં જોવાની. આપણે એની સાથે લેવાદેવા નથી. એ કર્મને આધીન છે બિચારો ! એ એના કર્મ ભોગવી રહ્યો છે, આપણે આપણા કર્મને ભોગવી રહ્યા છીએ. આપણે ચેતતા રહેવું પડે. પ્રશ્નકર્તા : એ વખતે એના પ્રત્યેનો સમભાવ રહે કે નાય રહે. દાદાશ્રી : અમારા કહ્યા પ્રમાણે તમે કરો તો તમારું કામ થઈ જાય કે આ બધું કર્મના આધીન છે. અને આપણું જવાનું હોય તો જ જાય. માટે તમારે ગભરાવાનું કોઈ કારણ નથી. અભિપ્રાયોનું પરિણામ ‘શંકા’ કોઈ આપણને દગો કરી ગયો હોય એ આપણે સંભારવાનો ના હોય. અત્યારે વર્તમાનમાં એ શું કરે છે એ જોઈ લેવાનું, નહીં તો ‘પ્રિજ્યુડિસ’ (પૂર્વગ્રહ) કહેવાય. પાછલું સંભારવાથી બહુ નુકસાન થાય છે. પ્રશ્નકર્તા : પણ ધ્યાનમાં તો રાખવું જોઈએ ને એ ? દાદાશ્રી : એ તો એની મેળે હોય જ. ધ્યાનમાં રાખીએ તો ‘પ્રિજ્યુડિસ’ થાય. ‘પ્રિજ્યુડિસ’થી તો ફરી સંસાર બગડે. આપણે વીતરાગ ભાવે રહેવું. પાછલું લક્ષમાં રહે જ, પણ એ કંઈ ‘હેલ્પિંગ’ વસ્તુ નથી. આપણા કર્મના ઉદય એવા હતા તેથી એણે આપણી જોડે એવું વર્તન કર્યું. ઉદય સારા છે તો ઊંચું વર્તન કરશે. માટે રાખશો નહીં ‘પ્રિજ્યુડિસ.’ તમને શું ખબર પડે કે પહેલાં છેતરી ગયેલો આજે નફો આપવા આવ્યો છે કે નહીં ? અને તમારે એની જોડે વ્યવહાર કરવો હોય તો કરો ને ના કરવો હોય તો ના કરશો, પણ ‘પ્રિજ્યુડિસ’ ના રાખશો ! અને વખતે વ્યવહાર કરવાનો વખત આવે તો તો બિલકુલ ‘પ્રિજ્યુડિસ’ ના રાખશો. પ્રશ્નકર્તા : અભિપ્રાય વીતરાગતા તોડે છે ? દાદાશ્રી : હા, આપણને અભિપ્રાય ના હોવા જોઈએ. અભિપ્રાય અનાત્મ વિભાગના છે, તે તમારે ‘જાણવું’ કે તે ખોટો છે, નુકસાનકારક છે. પોતાના દોષે, પોતાની ભૂલે, પોતાના ‘વ્યુ પોઈન્ટ’થી અભિપ્રાય બાંધે છે. તમને અભિપ્રાય બાંધવાનો શો ‘રાઈટ’ છે ? શંકા પડવી, એ બધા અભિપ્રાયો પડેલા તેનું પરિણામ છે. કોઈની પર શંકા ના પડવી જોઈએ. શંકાથી મન જુદું પડી જાય અભિપ્રાય સહિત જુઓ, એના દોષ જુઓ, (પા.૭) તો આપણા મનની છાયા એના મન પર પડે. પછી એ આવે તોય આપણને ગમે નહીં, એ ફોટો તરત જ એની મહીં પડે. અભિપ્રાય બદલવા શું કરવું પડે ? ચોર હોય તો મનમાં તેને ‘શાહુકાર, શાહુકાર’ કહીએ. ‘આ સારા માણસ છે, શુદ્ધાત્મા છે, આપણો જ ખોટો અભિપ્રાય બેઠો છે.’ એવું મહીં ફેરવીએ. સામા પરનો અભિપ્રાય આપણો તૂટ્યો કે આપણે એની જોડે ખુશી થઈને વાત કરીએ એટલે પછી એય ખુશ થાય. કોઈના માટે સહેજ પણ અવળો કે સવળો વિચાર આવે કે તરત તેને ધોઈ નાખવો. એ વિચાર જો થોડીક જ વાર રહે ને, તો એ સામાને પહોંચી જાય અને પછી ઊગે. ચાર કલાકે, બાર કલાકે કે બે દહાડેય એને ઊગે. માટે સ્પંદનનું વહેણ એ બાજુ ના જતું રહેવું જોઈએ. પ્રશ્નકર્તા : એના માટે આપણે શું કરવું ? દાદાશ્રી : પ્રતિક્રમણ કરી ભૂંસી નાખવું તરત જ. પ્રતિક્રમણ ના થાય તો ‘દાદા’ને યાદ કરીને કે તમારા ઈષ્ટદેવને યાદ કરીને ટૂંકામાં કહી દેવું, કે ‘આ વિચાર આવે છે તે બરોબર નથી, તે મારા નથી.’ શંકાનો અર્થ શો ? લોકોને દૂધપાક જમાડવો છે એ દૂધપાકમાં એક શેર મીઠું નાખી દેવું, એનું નામ શંકા. પછી શું થાય ? દૂધપાક ફાટી જાય. એટલી જવાબદારીનો તો લોકોને ખ્યાલ નથી. અમે શંકાથી તો બહુ છેટા રહીએ. વિચાર આવે અમને બધી જાતના. મન છે તે વિચાર તો આવે, પણ શંકા ના પડે. હું શંકાની દ્રષ્ટિથી કોઈને જોઉં તો બીજે દહાડે એનું મન જ જુદું પડી જાય મારાથી ! ‘પ્રિજયુડિસ’ પરિણમે શંકામાં એટલે માણસે શંકા તો ક્યારેય પણ ન કરવી. આંખે દીઠું હોય તોય શંકા ના કરવી. શંકા જેવું એકેય ભૂત નથી. શંકા તો કરવી જ નહીં. મૂળથી, શંકા ઉત્પન્ન થાય ત્યારથી જ કાઢી નાખવી કે ‘દાદા’એ ના પાડી છે. કોઈ કહે, ‘મેં જાતે જોયું હોય તો, કે આ માણસ કાલે ગજવામાંથી રૂપિયા લઈ ગયો છે, ને આજે ફરી આવ્યો છે.’ તોય એની પર શંકા ના કરાય. એની પર શંકા કરવા કરતાં આપણે આપણી ‘સેફસાઈડ’ કરી લેવી. કારણ કે એને ‘પ્રિજ્યુડિસ’ કહેવાય છે. આજે એ આવો ના પણ હોય. કારણ કે કેટલાક કાયમના ચોર નથી હોતા. કેટલાક સંજોગવશાત્ ચોર હોય છે. બહુ જ અડચણ પડી હોય તો કાઢી લે, પણ ફરી છ વર્ષ સુધી ના દેખાય. ગજવામાં મૂકી જાવ તોય એ ના અડે, એવા સંજોગવશાત્ ચોર ! પ્રશ્નકર્તા : અને ઘણા રીઢા હોય, એ ચોરી કરવાનો ધંધો જ લઈને બેઠા હોય. દાદાશ્રી : એ ચોર, એ જુદી વસ્તુ છે. એવા ચોર હોય ને, ત્યાં તો આપણે કોટ છેટો મૂકી દેવો. છતાંય એને ચોર ના કહેવો. કારણ કે એ તો આપણે કંઈ એને મોઢે ઓછા ‘ચોર’ કહીએ છીએ ? મનમાં જ કહીએ છીએ ને ! મોઢે કહે તો ખબર પડી જાય ને ! મનમાં કહીએ તેનું જોખમ આપણું, મોઢે કહીએ તેનું જોખમ આપણું નહીં. મોઢે કહીએ તો માર ખાય તેનું જોખમ. અને પેલું મનમાં કહે એ આપણું જોખમ. એટલે શું કરવું જોઈએ આપણે ? પ્રશ્નકર્તા : મનમાંય નહીં રાખવું ને મારેય નહીં ખાવો. દાદાશ્રી : હા, નહીં તો મોઢે કહી દે તે સારો, પેલો બે ગાળો ભાંડીને જતો રહે. પણ આ મનમાં રહ્યું, એ જોખમદારી આવે. એટલે ઉત્તમ કયું ? મનમાંયે રાખવું નહીં ને મોઢેય કહેવું નહીં, એ ઉત્તમ. મનમાં રાખવું એને ભગવાને (પા.૮) ‘પ્રિજ્યુડિસ’ કહ્યું છે. કાલે કર્મનો ઉદય હોય ને એણે (ગજવામાંથી) લીધું, અને આજે કર્મનો ઉદય ના પણ હોય. કારણ કે ‘જગત જીવ હૈ કર્માધીના !’ એટલે એવું બને કે ના બને ? પ્રશ્નકર્તા : બને. દાદાશ્રી : તોય પણ આપણા લોકો શંકા રાખવામાં બહુ પાકા, નહીં ? અમે તો શંકા રાખીએ જ નહીં, અને શંકા પહેલેથી જ બંધ કરી દઈએ, તાળું જ મારી દીધેલું ને ! શંકા કાઢી નાખે એ ‘જ્ઞાની’ કહેવાય. એ શંકાના ભૂતથી તો આખું જગત મરી રહ્યું છે. કહેશે, ‘અહીંથી રહીને આમ ગયો, આ કાલે પેઠો હતો ને લઈ ગયો હતો, તે જ હવે આમ ગયો પાછો.’ એ મહીં શંકા ઊભી થઈ. પ્રશ્નકર્તા : આ માણસ ડખો કરે છે, એવી એના ઉપર શંકા આવે તો શું થાય ? દાદાશ્રી : ડખો કોઈ કરતું જ નથી. એવી શંકા લાવનાર જ ગુનેગાર. શંકા લાવનારને જેલમાં ઘાલી દેવો જોઈએ. બાકી એવી શંકા કરનારો માર ખાય. શંકા આવે એટલે માર ખાય, પોતે જ માર ખાય. કુદરત જ એને માર આપે. બીજા કોઈને માર આપવો નહીં પડે. શી રીતે જગત ઘડીવારેય જંપીને રહી શકે ? કેટલી જાતના ભૂતાં, ને શંકાઓ કેટલી જાતની ! ને શંકામાં દુઃખ કેટલું પડતું હશે ! જ્ઞાનીના કાયદા જુદા અમારા કાયદા જુદા છે, તમારા કાયદા કરતા. અમે એક અભિપ્રાયવાળા, એક જ જાતનો અભિપ્રાય, અભિપ્રાય બદલવાનો નહીં. એટલે અમારે શું કરવું પડે ? તે ઘરમાં કોટ કાઢ્યો છે અને એમાં બસ્સો રૂપિયા પડ્યા છે. અને એક માણસ એ નહીં લે એવો મને અભિપ્રાય બેઠેલો કે આ માણસ ક્યારેય પૈસા લે નહીં, ચોરી કરે નહીં. હવે એ માણસ છે તે આવ્યો’તો અને ગજવામાં હાથ ઘાલેલો એવું ઘરનું કોઈ માણસ જોઈ ગયું હોય, મેં ના જોયું હોય. પછી મારે તો પાછા બહાર જવાનું થયું. બહાર કંઈ પૈસાની જરૂર પડી ત્યારે મહીંથી પૈસા ના નીકળ્યા. બહાર જઈને હું આવ્યો, મેં ઘેર કહ્યું, ‘આમાં પૈસા કોઈએ લીધા’તા ?’ ત્યારે કહે, ‘ના, અમે લીધા નથી. ત્યારે શું છે ?’ મેં કહ્યું, ‘ના, કશું નથી, કશું નથી. મારી ઓટીમાં ઘાલ્યા’તા તે મને જડ્યા.’ પછી કહે, ‘પેલા ભાઈ તમારા ગજવામાં હાથ ઘાલતા’તા, તે થોડું-ઘણું કાંઈ ઓછું થયું છે ?’ મેં કહ્યું, ‘ના, મારી ઓટીમાં હતા તે મને જડી ગયા.’ પણ મને પેલું મળી ગયું, કોણે હાથ ઘાલ્યો તે ! હવે એ ભાઈને તો હું માનું કે આ ચોરી કરે નહીં એવો અમારો અભિપ્રાય એની માટે. આ એક ફેરો અભિપ્રાય બાંધ્યો એટલે બસ, એ બીજું તેમાં ફેરવવાનું નહીં. અરે ! ચોર ખુદ અમારા જોવામાં આવ્યો હોય, શંકા તૂટી ગઈ હોય, અમે છેટેથી જોઈ ગયા હોય, તોય અમે એને ચોર કહેતા નથી. કારણ કે એને જો ચોર કહું તો મેં જ કહ્યું છે ને કે આ ચોર હોય નહીં. પછી મારે સર્ટિફિકેટ બદલવાનો વખત આવ્યો ? તો શું હું છે તે આ એક કૉલેજના સર્ટિફિકેટ કરતાય ગયો ? લે, તો આનો પુરાવો શો ? ત્યારે કહે, ‘અમારો કાયદો એ.’ આત્માને બગાડવાનું સાધન - ‘શંકા’ પ્રશ્નકર્તા : પણ દાદા, સમાધાન લેતા આકરું પડે છે. દાદાશ્રી : સમાધાન શી રીતે થાય ? શંકાનું સમાધાન દુનિયામાં ના હોય ! સાચી વાતનું સમાધાન હોય, શંકાનું સમાધાન ક્યારેય પણ થાય નહીં. શંકા એટલે શું ? પોતાના આત્માને (પા.૯) બગાડવાનું સાધન. શંકા એ દુનિયામાં મોટામાં મોટી ખરાબ વસ્તુ છે. શંકા સો ટકા ખોટી હોય છે અને જ્યાં શંકા નથી રાખતો ત્યાં શંકા હોય છે. જ્યાં વિશ્વાસ રાખે છે, ત્યાં જ શંકા હોય છે ને જ્યાં શંકા છે ત્યાં કશું છે જ નહીં. આમ બધી જ રીતે તમે માર ખાવ છો. અમે તો ‘જ્ઞાન’થી જોયેલું છે કે તમે બધી જ રીતે માર ખા ખા કરો છો. ‘જ્ઞાન’થી શંકા શમાય પ્રશ્નકર્તા : તો પછી શંકા માણસમાંથી કેવી રીતે નીકળી શકે ? દાદાશ્રી : ના નીકળે કોઈ દહાડોય, એટલે શંકા પેસવા જ ના દે તો બસ થયું. પ્રશ્નકર્તા : પણ એ જે શંકા પેસી ગઈ હોય એ શી રીતે નીકળે ? દાદાશ્રી : એ તો અમારી પાસે વિધિ કરાવે એટલે એને છૂટી કરી આપીએ. પણ શંકા મહીં ઉત્પન્ન ના થાય એ મુખ્ય વસ્તુ. પ્રશ્નકર્તા : પણ શંકાનું સમાધાન તો જોઈએ ને ? દાદાશ્રી : હા, શંકા જશે તો દહાડો વળશે. એવું છે ને, અહીં રાતે તમે સૂઈ ગયા હોય અને એક આવડો નાનો સાપ ઘરમાં પેસતા દીઠો, પછી તમારે ઘરમાં સૂવાનું થાય તો શું થાય ? શંકા રહ્યા કરે ને ? એ સાપ નીકળી ગયો હોય પણ તમે જોયો ના હોય, તો તમને શંકા રહે કે ના રહે ? તો પછીથી શી દશા થાય ? પછી ઊંઘ કેવી જબરજસ્ત આવે ? પ્રશ્નકર્તા : ઊંઘ ઊડી જાય ! દાદાશ્રી : હવે આમાં જે જાણતા ના હોય ને, તેને ઊંઘ આવે અને જાણનાર માણસો મનમાં એમ વિચાર કરે કે ‘બળ્યું, આપણે જોયું. એટલે હવે આપણને ઊંઘ નહીં આવે. પણ આ લોકોને તો સૂઈ જવા દે બિચારાંને !’ જે જાણતા ના હોય તે નાખોરડાં બોલાવા માંડે. બાકી, પેલો જાણનારો હોય તેને તો ઊંઘ શી રીતે આવે ? કારણ કે એને જ્ઞાન થયેલું છે કે આવડો સાપ હતો. તો આનું શું થાય હવે ? એટલે શાસ્ત્રો શું કહે છે, કે સાપ પેસી ગયાનું જ્ઞાન તમને થયું હતું, એ સાપ નીકળી ગયાનું જ્ઞાન થયું હોય તો જ તમારો છુટકારો છે. પેલો સાપ નીકળી જાય, પણ નીકળી ગયાનું જ્ઞાન ના થયું તો તમારા મનમાં શંકા રહે ને ઊંઘ ના આવે. આમથી આમ ફરે ને આમથી આમ ફરે ! આપણે કહીએ, કેમ પાસાં ફેરવો છો ? હા, એટલે મહીં શંકા રહ્યા કરે કે ‘સાપ આવશે કે શું ? આવશે કે શું ?’ એ સાપ આવે તો શું લઈ લેવાનો હતો ? ગજવામાંથી કંઈ લઈ લેવાનો હતો ? પ્રશ્નકર્તા : ગજવામાંથી લઈને એ શું કરે ? દાદાશ્રી : ત્યારે શું કરે એ ? પ્રશ્નકર્તા : ડંખ મારે. દાદાશ્રી : શા હારું ? કાયદેસર હશે કે ગેરકાયદેસર ? આ દુનિયામાં ગેરકાયદેસર એક ક્ષણવાર કોઈ ચીજ થતી જ નથી. જે જે થાય છે એ કાયદેસર જ થાય છે. માટે એમાં ભૂલ ખાતા નહીં. જે થાય છે એ કાયદેસર વગર થતું જ નથી. માટે એમાં શંકા ના કરશો. જે થઈ ગયું એ કાયદેસર જ હતું. હવે ત્યાં આપણું જ્ઞાન શું કહે છે, કે ‘‘સાપ પેસી ગયો તો મેલ ને છાલ, ‘વ્યવસ્થિત’ છે. સૂઈ જાને છાનોમાનો !’’ તે આપણું જ્ઞાન તો એને નિઃશંક ઊંઘાડે ! ‘જ્ઞાની’ના ‘જ્ઞાન’થી શંકા જાય ! કશું કોઈથી, સાપથીય અડાય નહીં, એવું આ જગત છે. (પા.૮) ‘અમે’ જ્ઞાનમાં જોઈને કહીએ છીએ કે આ જગત એક ક્ષણવાર અન્યાયને પામ્યું નથી. જગતની કોર્ટો, ન્યાયાધીશો, લવાદો બધું અન્યાયને પામે, પણ જગત અન્યાયને નથી પામ્યું. માટે શંકા ના કરશો. પ્રશ્નકર્તા : એટલે ભય રાખવો નહીં ? સાપ જોયો તે ભલે જોયો, પણ એનો ભય રાખવો નહીં ? દાદાશ્રી : ભય ના રાખ્યો રહે નહીં, એ તો પેસી જાય. મહીં શંકા કર્યા જ કરે. કશું કોઈથી વળે એવું નથી. એ તો જ્ઞાનમાં રહેવાથી શંકા જાય. શંકા એ મોટામાં મોટું ‘દુઃખ’ એટલે શંકા તો કોઈની ઉપરેય ના કરવી. આપણે ઘેર ગયા હોય ને ઘરમાં આપણી બેન જોડે કોઈ બીજો માણસ વાત કરતો હોય, તોય શંકા ના કરવી. શંકા એ તો મોટામાં મોટું દુઃખ આપે અને તે આખું ‘જ્ઞાન’ ઉડાડી દે, ફેંકી દે. ‘વ્યવસ્થિત’ની બહાર કશું જ થવાનું નથી. અને તે ઘડીએ આપણે બેનને કહીએ, ‘અહીં આવ બેન, મને જમવાનું આપી દે.’ આમ પેલા બન્નેવને જુદાં પાડી શકાય, પણ શંકા તો ક્યારેય પણ ના કરાય. શંકાથી દુઃખ જ ઊભું થાય છે. ‘વ્યવસ્થિત’માં થવાનું છે તે થશે, પણ શંકા નહીં રાખવી. પ્રશ્નકર્તા : પણ શંકા એ પણ ઉદયકર્મને લીધે જ હશે ને ? દાદાશ્રી : શંકા રાખવી એ ઉદયકર્મ ના કહેવાય. શંકા રાખવી એ તો તારો ભાવ બગડે છે, તે એમાં હાથ ઘાલ્યો. એટલે એ દુઃખ જ આપે. શંકા ક્યારેય પણ ના કરવી. આપણી બેન જોડે કોઈ વાત કરતો હોય, પણ હવે આપણે તો મોક્ષે જવું છે તો આપણે શંકામાં પડવું નહીં. કારણ કે એક ભવમાં તો ‘વ્યવસ્થિત’ની બહાર કશું થવાનું નથી. તમે જાગ્રત હશો તોય નથી થવાનું અને અજાગ્રત હશો તોય નથી થવાનું. જ્ઞાની હશો તોયે ફેરફાર નથી થવાનો અને અજ્ઞાની હશો તોયે ફેરફાર નથી થવાનો. એટલે શંકા રાખવાનું કોઈ કારણ નથી. પ્રશ્નકર્તા : કારણ કે કંઈ ફેરફાર પડવાનો જ નથી. દાદાશ્રી : હા, ફરક પડવાનો નથી અને બહુ નુકસાન છે એ શંકામાં તો. શંકા એ બુદ્ધિનો લકવો પ્રશ્નકર્તા : આપણે શંકા ના કરવી હોય, બરાબર દ્રઢ નિર્ણય-નિશ્ચય છે, પણ એવા કેવા આવરણ આવે, સંજોગ આવે કે શંકા આવ્યા જ કરે. એ કયા કર્મ એવા હોય ? એનું શું કારણ ? દાદાશ્રી : મમતા કરી છે એટલે. પ્રશ્નકર્તા : શંકા કરીએ તો પાંચ ટકા પણ વાત સાચી હોય તો જ શંકા થાય ? દાદાશ્રી : ના, કંઈ પણ સાચું ના હોય તો જ શંકા થાય. પ્રશ્નકર્તા : એમ ને એમ તો કેવી રીતે શંકા આવે ? કંઈક સંજોગ તો હોવા જ જોઈએ ને ? દાદાશ્રી : ના, એવું કંઈ નહીં. સતી ઉપર શંકા આવે લોકોને તો ! સતી ઉપર શંકા આવે કે ? પ્રશ્નકર્તા : હા, આવે ને ! દાદાશ્રી : તો પછી એમાં શું કારણ ત્યાં, થોડું કંઈ બે ટકાય સત્ય છે ? પ્રશ્નકર્તા : કોઈએ આવીને કીધું હોય કે ભઈ, આ સતી આવી છે. દાદાશ્રી : હા, પણ જેણે કીધું, તેનેય શી રીતે શંકા પડી એને ? (પા.૧૧) પ્રશ્નકર્તા : હવે એવું હોય ને કે કદાચ કોઈએ જોયું હોય તો, કોઈ કહે આપણને, આપણે જાણીએ છીએ કે આપણી વાત સોએ સો ટકા સાચી.... દાદાશ્રી : ના, પણ બધું આ ખોટે ખોટા... શંકા કરવી એ ખોટી હોય છે. શંકા તો બુદ્ધિનો લકવો છે. બુદ્ધિને લકવો થયો હોય ત્યારે શંકા થાય. તેથી શંકાનું અમે ખાસ લખ્યું છે કે શંકા કરશો જ નહીં. અમથા નકામા શંકા કરીને શું કરવાનું છે ? સાચું હોય તો કર ને, પણ કશું વળવાનું નથી. પ્રશ્નકર્તા : શંકા કરવી એ ડિસ્ચાર્જ કર્મ છે, ગયા ભવના કંઈ ઋણાનુબંધને લીધે જ શંકા થાય છે ? એ વ્યક્તિ સાથે આપણે કંઈ લેણ-દેણ હોય એટલે થાય ? દાદાશ્રી : આપણે દુઃખ ભોગવવાનું હોય ત્યારે થાય. પ્રશ્નકર્તા : અને એ વ્યક્તિએ આપણને દુઃખ આપવાનું હોય, એવું હોય ? દાદાશ્રી : ના, સામી વ્યક્તિ એ દુઃખ આપતી જ નથી કોઈને. પોતે પોતાને જ દુઃખ આપે છે. પ્રશ્નકર્તા : પણ દાદા, સામી વ્યક્તિ શંકાના કારણમાં કારણભૂત બનતી હોય, જેમ ગજવું કાપનાર ગજવું કાપીને હમણાં તો જલેબી ખાય છે, પણ પછી એ પકડાશે ત્યારે એ નહીં ભોગવે ? દાદાશ્રી : પકડાય ત્યારે આવું કંઈ ભોગવે. પ્રશ્નકર્તા : દાદા, આપે બહુ સરસ કીધું કે જ્યારે દુઃખ ભોગવવાનું થાય ત્યારે શંકા થાય ! દાદાશ્રી : શાંતિ હોય, આનંદ હોય પણ દુઃખ ભોગવવાનો વખત આવ્યો કે શંકા ઊભી થાય. આ તો દેખ્યાનું ઝેર છે પ્રશ્નકર્તા : પણ શંકાથી જોવાની મનની ગ્રંથિ પડી ગઈ હોય તો ત્યાં કયું ‘એડજસ્ટમેન્ટ’ લેવું ? દાદાશ્રી : આ તમને દેખાય છે કે આનું ચારિત્ર ખરાબ છે. તે શું તેવું પૂર્વે નહોતું ? આ તો ઓચિંતું કંઈ ઉત્પન્ન થઈ ગયેલું છે ? એટલે સમજી લેવા જેવું છે આ જગત, કે આ તો આમ જ હોય. આ કાળમાં ચારિત્ર્ય સંબંધી કોઈનું જોવું જ નહીં. આ કાળમાં તો બધે એવું જ હોય. ઉઘાડું ના હોય, પણ મન તો બગડે જ. એમાં સ્ત્રી ચારિત્ર્ય તો નર્યું કપટ અને મોહનું જ સંગ્રહસ્થાન, તેથી તો સ્ત્રીનો અવતાર આવે. આમાં સહુથી સારામાં સારું એ કે જે વિષયથી છૂટ્યા હોય. પ્રશ્નકર્તા : આ ચારિત્રમાં તો આમ જ હોય એ જાણીએ. છતાંય મન શંકા દેખાડે ત્યારે તન્મયાકાર થઈ જવાય. ત્યાં કયું ‘એડજસ્ટમેન્ટ’ લેવું ? દાદાશ્રી : આત્મા થયા પછી બીજામાં પડવું જ નહીં. આ બધું ‘ફોરેન ડીપાર્ટમેન્ટ’નું છે. આપણે ‘હોમ’માં રહેવું. આત્મામાં રહો ને ! આવું ‘જ્ઞાન’ ફરી ફરી મળે એવું નથી, માટે કામ કાઢી લો. એક જણને એની ‘વાઈફ’ પર શંકા આવ્યા કરે. તેને મેં કહ્યું કે શંકા શેને લીધે થાય છે ? તેં જોયું તેને લીધે શંકા થાય છે ? શું નહોતું જોયું ત્યારે નહોતું બનતું આવું ? આપણા લોક તો પકડાય, તેને ‘ચોર’ કહે. પણ પકડાયો નથી, તે બધા મહીંથી ચોર જ છે. પણ આ તો પકડાયો, તેને ‘ચોર’ કહે છે. અલ્યા, એને શું કરવા ચોર કહે છે ? એ તો સુંવાળો હતો. ઓછી ચોરી કરી છે તેથી પકડાયો. વધારે ચોરી કરનારા પકડાતા હશે ? પ્રશ્નકર્તા : પણ પકડાય ત્યારે ચોર કહેવાય ને ! (પા.૧૨) દાદાશ્રી : ના, ઓછી ચોરીઓ કરે તે પકડાય. અને પકડાય એટલે લોક એને ‘ચોર’ કહે. અલ્યા, ચોર તો આ નથી પકડાતા તે છે. પણ જગત તો આવું જ છે. એટલે એ ભાઈ મારું વિજ્ઞાન આખું સમજી ગયો. પછી એ મને કહે છે કે ‘મારી વાઈફ ઉપર હવે બીજા કોઈનો હાથ ફરે તોય હું ભડકું નહીં.’ હા, આવું જોઈએ. મોક્ષે જવું હોય તો આમ છે. નહીં તો લઢવાડ કર્યા કરો તમારી મેળે. તમારી ‘વાઈફ’ કે તમારી સ્ત્રી આ દુષમકાળમાં તમારી થાય નહીં અને એવી ખોટી આશા રાખવીય ફોગટ છે. આ દુષમકાળ છે, એટલે આ દુષમકાળમાં તો જેટલા દહાડા આપણને રોટલા ખવડાવે છે એટલા દહાડા આપણી અને નહીં તો બીજાને ખવડાવે તો એની. એટલે બધા ‘મહાત્મા’ઓને કહી દીધેલું કે શંકા ના રાખશો. નહીં તોય મારું કહેવાનું, કે જોયું ના હોય ત્યાં સુધી તેને સત્ય માનો છો જ શા માટે, આ કળિયુગમાં ? આ છે જ પોલમ્પોલ, જે મેં જોયું છે તેનું તમને વર્ણન કરું તો બધા માણસ જીવતા જ ના રહે. તો હવે એવા કાળમાં એકલા પડી રહેવું મસ્તીમાં અને આવું ‘જ્ઞાન’ જોડે હોય, એના જેવું તો એકુંય નહીં. એટલે તમને સમજાયું ને, કે ના જોયું તો કશું થાત નહીં. આ તો દેખ્યાનું ઝેર છે ! પ્રશ્નકર્તા : હા, દેખાયું એટલે જ એવું થાય છે. દાદાશ્રી : આ બધું જગત અંધારામાં પોલ જ ચાલી રહ્યું છે. અમને આ બધું ‘જ્ઞાન’માં દેખાયું. અને તમને જોવામાં ના આવ્યું એટલે તમે જુઓ અને ભડકો ! અલ્યા, ભડકો છો શું ? આ તો બધું આમ જ ચાલી રહ્યું છે, પણ તમને દેખાતું નથી. આમાં ભડકવા જેવું છે જ શું ? તમે આત્મા છો, તો ભડકવા જેવું ક્યાં રહ્યું ? આ તો બધું જે ‘ચાર્જ’ થઈ ગયેલું, તેનું જ ‘ડિસ્ચાર્જ’ છે ! જગત ચોખ્ખું ‘ડિસ્ચાર્જ’મય છે. ‘ડિસ્ચાર્જ’ની બહાર આ જગત નથી. એટલે અમે કહીએ છીએ ને, ‘ડિસ્ચાર્જ’મય છે એટલે કોઈ ગુનેગાર નથી. પ્રશ્નકર્તા : એટલે એમાંય કર્મનો સિદ્ધાંત કામ કરે ને ? દાદાશ્રી : હા, કર્મનો સિદ્ધાંત જ કામ કરી રહ્યો છે, બીજું કશું નહીં. માણસનો દોષ નથી, આ કર્મ જ ભમાવે છે બિચારાંને. પણ એમાં શંકા રાખે ને, તો પેલો મરી જાય વગર કામનો. ચારિત્ર સંબંધી ‘સેફસાઈડ’ માટે જેને બૈરીના ચારિત્ર સંબંધી શાંતિ જોઈતી હોય તો તેણે રંગે એકદમ કાળી છૂંદણાવાળી બૈરી લાવવી કે જેથી એનું કોઈ ઘરાક જ ના થાય, કોઈ એને સંઘરે જ નહીં. અને એ જ એમ કહે કે ‘મને કોઈ સંઘરનારા નથી. આ એક ધણી મળ્યા એ જ સંઘરે છે.’ એટલે એ તમને ‘સિન્સીયર’ રહે, બહુ ‘સિન્સીયર’ રહે. બાકી, રૂપાળી હોય તેને તો લોક ભોગવે જ. રૂપાળી હોય એટલે લોકોની દ્રષ્ટિ બગડવાની જ ! કોઈ રૂપાળી વહુ લાવે તો અમને એ જ વિચાર આવે કે આની શી દશા થશે ! કાળી છૂંદણાવાળી હોય તો જ ‘સેફસાઈડ’ રહે. વહુ બહુ રૂપાળી હોય ત્યારે પેલો ભગવાન ભૂલે ને ! અને ધણી બહુ રૂપાળો હોય તો એ બઈય ભગવાન ભૂલે ! માટે રીતસર બધું સારું. આપણા ઘૈડિયા તો એવું કહેતા કે ‘ખેતર રાખવું ચોપાટ અને બૈરું રાખવું કોબાડ.’ આવું શાના માટે કહેતા, કે જો વહુ બહુ રૂપાળી હશે તો કો’ક નજર બગાડશે. એના કરતાં આ વહુ જરા કદરૂપી સારી, જેથી કોઈ નજર બગાડે નહીં ને ! આ ઘૈડિયાઓ (પા.૧૩) બીજી રીતે કહેતા હતા, એ ધર્મની રીતે નહોતા કહેતા. હું ધર્મની રીતે કહેવા માગું છું. વહુ કદરૂપી હોય તો આપણને કોઈ ભો જ નહીં ને ! ઘેરથી બહાર નીકળ્યા તોય કોઈ નજર બગાડે જ નહીં ને ! આપણા ઘૈડિયા તો બહુ પાકા હતા. પણ હું જે કહેવા માગું છું તે એવું નથી, એ જુદું છે. એ કદરૂપી હોય ને, તે આપણા મનને બહુ હેરાન ના કરે, ભૂત થઈને વળગે નહીં. ચારિત્ર સંબંધી શંકા રાખનાર મોક્ષ ગુમાવે આ લોક તો ‘વાઈફ’ સહેજ મોડી આવે તોય શંકા કર્યા કરે. શંકા કરવા જેવી નથી. ઋણાનુબંધની બહાર કશું જ થવાનું નથી. એ ઘેર આવે એટલે એને સમજ પાડવી, પણ શંકા કરવી નહીં. શંકા તો ઊલટું પાણી વધારે છાંટે. હા, ચેતવવું ખરું, પણ શંકા કશી રાખવી નહીં. શંકા રાખનાર મોક્ષ ખોઈ બેસે છે. એટલે આપણે જો છૂટવું હોય, મોક્ષે જવું હોય તો આપણે શંકા કરવી નહીં. કોઈ બીજો માણસ તમારી ‘વાઈફ’ના ગળે હાથ નાખીને ફરતો હોય ને એ તમારા જોવામાં આવ્યું, તો શું આપણે ઝેર ખાવું ? પ્રશ્નકર્તા : ના, એવું શું કરવા કરું ? દાદાશ્રી : તો પછી શું કરવું ? પ્રશ્નકર્તા : થોડું નાટક કરવું પડે, પછી સમજાવવું. પછી તો જે કરે તે ‘વ્યવસ્થિત.’ દાદાશ્રી : હા, બરોબર છે. તમારી ‘વાઈફ’ ઉપર ને ઘરમાં કોઈની ઉપરેય તમને શંકા હવે બિલકુલ થાય નહીં ને ! કારણ કે આ બધી ‘ફાઈલો’ છે. એમાં શંકા કરવા જેવું શું છે ? જે હિસાબ હશે, જે ઋણાનુબંધ હશે, એ પ્રમાણે ફાઈલો ભટકશે અને આપણે તો મોક્ષે જવું છે. મોટામાં મોટો ગુનો શંકાશીલ થવું એ એટલે આપણે શું કહ્યું કે ફાઈલોનો સમભાવે નિકાલ કરો. આ બધી ફાઈલો છે. આ કંઈ તમારી છોડીઓ નથી કે આ તમારી વહુ નથી. આ વહુ-છોડીઓ એ બધી ‘ફાઈલો’ છે. ‘ફાઈલો’નો સમભાવે નિકાલ કરો. જ્યારે પક્ષાઘાત થયો હોય ને, ત્યારે કોઈ તમારું સગું થાય નહીં. ઊલટું બહુ દહાડા થાય ને, તો લોક બધા ચિઢાયા કરે. પેલો પક્ષાઘાતવાળોયે મહીં મનમાં સમજી જાય કે બધા ચિઢાયા કરે છે. પણ શું કરે તે ? આ ‘દાદા’એ દેખાડેલો મોક્ષ સીધો છે, એક અવતારી છે. માટે સંયમમાં રહો ને ‘ફાઈલો’નો સમભાવે નિકાલ કરો. છોકરી હોય કે બૈરી હોય, કે બીજું હોય કે ત્રીજું હોય, પણ બધાનો સમભાવે નિકાલ કરો. કોઈ કોઈની છોકરી હોતી નથી દુનિયામાં. આ બધું કર્મના ઉદયને આધીન છે. જેને ‘જ્ઞાન’ ના મળ્યું હોય તેને આપણાથી આવું કશું કહેવાય નહીં. આવું બોલે તો તો એ વઢવા તૈયાર થઈ જાય. હવે મોક્ષ ક્યારે બગડશે ? મહીં અસંયમ થશે ત્યારે ! અસંયમ થાય એવું આપણું ‘જ્ઞાન’ જ નથી. નિરંતર સંયમવાળું ‘જ્ઞાન’ છે. ફક્ત શંકા કરી કે ઉપાધિ આવી ! માટે, એક તો શંકા રાખવી - કંઈ પણ શંકાશીલ બનવું એ મોટામાં મોટો ગુનો છે. નવ છોડીઓના બાપને નિઃશંક ફરતા મેં જોયેલા અને તેય ભયંકર કળિયુગમાં ! અને નવેય છોડીઓ પૈણી. આ શંકામાં રહ્યો હોત તો કેટલો જીવત એ ? માટે કોઈ દહાડો શંકા ના કરવી. વ્યવસ્થિત છે માટે ભડકશો નહીં એટલે આ કશું પોતાનું છે જ નહીં ! આ બધું જ પારકું છે. માટે વ્યવહારમાં રહેવું હોય તો વ્યવહારમાં મજબૂત થા ને મોક્ષે જવું હોય તો (પા.૧૪) મોક્ષને લાયક થા ! જ્યાં આ દેહ પણ પોતાનો નથી, ત્યાં સ્ત્રી પોતાની શી રીતે થાય ? છોડી પોતાની શી રીતે થાય ? એટલે તમારે તો બધી જાતનું વિચારી નાખવું જોઈએ કે સ્ત્રી ઉઠાવી જાય તો શું કરવું ? જે બનવાનું છે તેમાં ફેરફાર થાય એવું નથી, એવું ‘વ્યવસ્થિત’ છે. માટે ભડકશો નહીં. એટલે એમ કહ્યું છે કે ‘વ્યવસ્થિત’ છે ! ના જોવામાં આવે ત્યારે કહેશે, મારી વહુ અને કંઈક જોયું એટલે ફફડાટ ! અલ્યા, પહેલેથી હતું જ આવું. આમાં નવું ખોળશો જ નહીં. પ્રશ્નકર્તા : પણ દાદા, એ બહુ ઢીલું મૂકી દીધું. દાદાશ્રી : મારું કહેવાનું કે દુષમકાળમાં આપણે ખોટી આશા રાખીએ એનો અર્થ જ નથી ને ! અને આ સરકારે પણ ‘ડાયવોર્સ’નો કાયદો કાઢી આપ્યો. સરકાર પહેલેથી જાણે કે આવું થવાનું છે. માટે કાયદો પહેલો નીકળે. એટલે હંમેશાં દવાનો છોડવો પહેલો પાકે, ત્યાર પછી રોગ ઉત્પન્ન થાય. એવી રીતે આ કાયદો પહેલો નીકળે, ત્યાર પછી અહીં લોકોના એવા બનાવ બને ! ‘વ્યવસ્થિત’થી નિઃશંકતા જગત વધારે દુઃખી તો શંકાથી જ છે. શંકા તો માણસને અધોગતિમાં લઈ જાય છે. શંકામાં કશું વળે નહીં. કારણ કે ‘વ્યવસ્થિત’ના નિયમને કોઈ તોડનારું નથી. ‘વ્યવસ્થિત’ના નિયમને કોઈ તોડી શકે એમ નથી, માટે શંકા કરીને શું કરવા અમથો માથાકૂટ કરે છે ? ‘વ્યવસ્થિત’નો અર્થ શો, કે ‘છે’ એ છે, ‘નથી’ એ નથી. ‘છે’ એ છે, એ ‘નથી’ થવાનું નથી અને ‘નથી’ એ નથી, એ ‘છે’ થવાનું નથી. માટે ‘છે’ એ છે, એમાં તું આઘુંપાછું કરવા જઈશ તો ‘છે’ જ અને ‘નથી’ તે આઘુંપાછું કરવા જઈશ તોય ‘નથી’ જ. માટે નિઃશંક થઈ જાવ. આ ‘જ્ઞાન’ પછી તમે હવે આત્મામાં નિઃશંક થઈ ગયા કે આ આપણને જે લક્ષ બેઠું, તે જ આત્મા છે ને બીજું બધું નિકાલી બાબત ! એટલે શંકા નહીં પડે તો કોઈ દુઃખ આવશે નહીં. શંકા જ ના રહે તો પછી શું ? અને શંકા આવે તોય એને આપણે ખસેડી મેલીએ. ‘‘તમે શું કરવા આવો છો ? અમે છીએ ને ? તમારે સલાહ આપવાની કોણે કહી છે ? અમે હવે કોઈ વકીલની સલાહ નથી લેતા અને કોઈનીય સલાહ અમે લેતા નથી. અમે તો ‘દાદા’ની સલાહ લઈએ, બસ ! જ્યારે જે રોગ થાય ત્યારે ‘દાદા’ને દેખાડી દઈએ અમે અને અમારે સલાહ, ‘નોટિસ’ કોઈને આપવી નથી, લોકો અમને ભલે આપે.’’ અને તે ‘વ્યવસ્થિત’ની બહાર કશું કરવાનું છે ? તો ખાતરી થઈ ગઈ છે ને, ‘વ્યવસ્થિત’ની બહાર કોઈ કશું કરે નહીં ? પ્રશ્નકર્તા : ‘વ્યવસ્થિત’ની જે આજ્ઞા છે એ હજી બરોબર સમજાતી નથી. દાદાશ્રી : ‘વ્યવસ્થિત’ છે, એની પર શંકા પડે છે ખરી ? પ્રશ્નકર્તા : સંપૂર્ણ ‘વ્યવસ્થિત’ છે કે ? દાદાશ્રી : ‘વ્યવસ્થિત’માં જરાક શંકા એ જ દુઃખ ! દુઃખ ખોળવું હોય તો ક્યાં લેવા જવાનું ? ત્યારે કહે, ‘વ્યવસ્થિત’માં જરાક શંકા, એક વાળ જેટલી પણ શંકા ! આ વ્યવસ્થિત તો એક્ઝેક્ટ વસ્તુ છે. પાંચ આજ્ઞાથી નિઃશંક પ્રશ્નકર્તા : સમજાયું ખરું, પણ એનો અમને એડવાન્સમાં કેવી રીતે ખ્યાલ આવે ? દાદાશ્રી : શંકા ના કરો તો બધુંય ખ્યાલ (પા.૧૫) આવે, તમે જ માલિક છો એટલે. ‘શું થશે હવે !’ એવું થયું કે ત્યાં આગળ પાછું ફ્રેક્ચર થઈ જાય બધું જ્ઞાન, આગળ થાય તો. પ્રશ્નકર્તા : એટલે અમારે ‘શું થશે’ એવી શંકા જ નહીં કરવાની ? દાદાશ્રી : એ એવી શંકા આવવી જ ના જોઈએ. આ તમને હું કહું કે ના કરશો તોય આવશે. પ્રશ્નકર્તા : એટલે પછી શું કરવાનું ? પછી અમારે તો આવીને ઊભી રહે ને ? દાદાશ્રી : એ એનો જવાબ તો અમે એ જ રીતે આપીએ કે પાંચ આજ્ઞા બરાબર પાળવી જોઈએ, પણ તેય તમે કહેશો કે પાંચ આજ્ઞા પળાતી નથી, તેનું શું થાય ? પ્રશ્નકર્તા : હવે આ તમે અમારા વિશે શંકા કરી. હવે પળાતી નથી એ વાત જુદી છે પણ પ્રયત્ન તો પૂરો કરીએ છીએ. દાદાશ્રી : પાંચ આજ્ઞા પળાય છે ? પ્રશ્નકર્તા : ના, પાંચ આજ્ઞા પળાય કે ન પળાય, એનો પ્રયત્ન તો કરીએ છીએ. પાંચમાંથી એકાદ શુદ્ધાત્માની તો પળાય છે, આગળ-પાછળ ખસી જાય. જેના માટે દ્વેષ કે રાગ થાય, તેને એમ તો કહીએ છીએ કે આનામાં શુદ્ધાત્મા તો છે, એટલું તો પળાય છે. પછી પાછલું સેટિંગ ઑટોમેટિક ગોઠવાય તો ગોઠવાય, અને સખત કામ હોય કે સખત ફૉર્સ હોય તો ગાડી ઊથલી પડે, પણ પહેલીવાર તો પાળવાનો પ્રયત્ન કરીએ છીએ. પણ બીજી ગાડી અથડાઈ પણ જાય, કંઈ થાય તેનો વાંધો નહીં લાગે પછી. બે ગાડી અથડાય, એક્સિડન્ટ થાય તો પછી પેલો શુદ્ધાત્માનો સંકલ્પ હોય ત્યાં લગી, પછી પાછી અથડાય તોય કંઈ નહીં, ખંખેરીને ઊભા થવાય છે ખરું. અથડાય છે ખરી ગાડી હજુ, ગાડી અથડાતી નથી એવું હજુ નથી બનતું. એ બહુ ઓછા લોકોને... કોઈ નસીબદારને બનતું હશે કે જેને ગાડી અથડાતી જ ના હોય સામાસામી, તે કંઈ બહુ સારું મટિરિયલ લઈને આવ્યા એને જ એવું થાય. દાદાશ્રી : એ તો વ્યવસ્થિત પર એની શ્રદ્ધા... વ્યવસ્થિત એ દ્રઢ થઈ જાય, મહીં નિશ્ચય તો બહુ સરસ ચાલે, પણ એને શંકા-કુશંકા રહ્યા કરે. પ્રશ્નકર્તા : શંકા-કુશંકા તો જૂના અનુભવના આધારે એ રહ્યા કરે ને ! દાદાશ્રી : જૂના અનુભવના આધારે. હવે આ નવાને આધારે નહીં, જૂનાને લીધે. પ્રશ્નકર્તા : હા, પછી બુદ્ધિ બધા ઑલ્ટર્નેટિવ બતાવે ને, કે આમ થશે તો આમ થશે, આમ થશે તો આમ થશે. એ તો જેટલી ડેવલપ થયેલી બુદ્ધિ હોય, તે એ તો પચીસ ઑલ્ટર્નેટિવ બતાવી દે. એના પરિણામ સાથે બતાવે કે આનું આમ થઈ જશે, તો પછી હવે એ વખતે તમે કહો કે શંકા-કુશંકા થઈ, તો શંકા-કુશંકા તો થાય જ ને ? દાદાશ્રી : બુદ્ધિ અમને હઉ દેખાડે. અમે મુંબઈમાં સાંતાક્રૂઝ સ્ટેશનેથી છે તે દાદર જઈએ ને, તો બુદ્ધિ દેખાડે એક્સિડન્ટ થઈ જશે તો ? તો અમે કહીએ કે બરોબર છે, એક્સિડન્ટ થશે તે એ નોંધ્યું અમે. હવે બીજી વાત કર. બીજી આગળની વાત, સત્સંગની વાત કરે પાછી. પાંચ આજ્ઞાથી સર્વ કોયડાનું સમાધાન પ્રશ્નકર્તા : વ્યવહારમાં ગાંઠો ફૂટે, તે એવી એવી ફૂટે છે કે એનું સમાધાન લેતા આકરું પડી જાય ? દાદાશ્રી : આપણા આ ‘પાંચ વાક્યો’ છે, તે છેવટે સમાધાન લાવે એવા છે. મોડા-વહેલા પણ એ સમાધાન લાવે. બાકી બીજી કોઈ રીતે (પા.૧૬) સમાધાન ના થાય. તેથી જ આ જગત ગુહ્ય કોયડો છે. ‘ધી વર્લ્ડ ઈઝ ધી પઝલ ઈટસેલ્ફ.’ તે કોઈ દહાડો સોલ્વ થાય જ નહીં. આખો દહાડો પોતે વ્યવહારમાં ગૂંચવાયેલો જ હોય, પછી શી રીતે આગળ એ પ્રગતિ માંડે ? કંઈક કોયડા ઊભા થયા જ કરે. સામો ભેગો થયો કે કોયડો ઊભો થયો. પ્રશ્નકર્તા : એક કોયડો પૂરો કર્યો હોય, ત્યાં બીજો કોયડો મોં ફાડીને ઊભો જ હોય. દાદાશ્રી : હા, આ તો કોયડાનું સંગ્રહસ્થાન છે. પણ જો તું તારી જાતને ઓળખી જાય તો થઈ ગયું તારું કલ્યાણ ! નહીં તો આ કોયડા તો છે જ ડૂબવા માટે ! આ બધી પારકી પીડા છે, એવું સમજાય તોય અનુભવજ્ઞાન છે. અનુભવમાં આવે કે આ પીડા મારી ન હોય, પારકી છે; તોય કલ્યાણ થઈ જાય. પ્રશ્નકર્તા : આપે તો એટલો બધો સરળ-સુગમ માર્ગ બતાવી દીધેલો છે, પણ પછી જો સતત જાગૃતિ નહીં રાખીએ અને પાંચ આજ્ઞાઓ જો નહીં પળાય તો દાદાએ જે જ્ઞાન આપ્યું છે તે શસ્ત્રરૂપે પરિણમશે. દાદાશ્રી : તો રખડી જાય. છતાં ડહોળાઈ ગયેલું ઘી દિવેલમાંથી નહીં જાય, ઘણા અવતાર ઓછા થઈ જશે. પણ આ જે તમે ધારો છો એ સ્થાને જલ્દી નહીં પહોંચો. ‘કહેનાર’ ને ‘કરનાર’ બે જુદા પ્રશ્નકર્તા : અમારે આ ‘જ્ઞાન’ પછી હવે શંકા આવી તે વખતે શું કરવાનું રહે છે ? દાદાશ્રી : તમારે જોયા કરવાનું, શંકા આવે છે તે. પ્રશ્નકર્તા : શંકાને આમ અમારે કોઈ પ્રતિભાવ ફેંકવાનો નથી ? દાદાશ્રી : કશું નહીં, એની મેળે જ ‘એડજસ્ટમેન્ટ’ લેશે. તમારે જોયા કરવાનું કે ‘ઓહો, ચંદુભાઈને શંકા આવી છે ! અને શંકા આવે એટલે એ સંતાપમાં હોય જ. ભયંકર દુઃખી હોય, પાર વગરના દુઃખ હોય એને. કારણ કે ભગવાને કહ્યું કે શંકા એ જ મોટામાં મોટો ગુનો છે અને તે એને તરત જ દુઃખ આપે છે. એ શંકા સામાને દુઃખ આપતા આપશે, આપશે ત્યારની વાત ત્યારે, પણ પોતાને ભયંકર દુઃખ આપે છે અને પ્રતિભાવ કરવાથી તો શંકાનું દુઃખ વધે છે. પ્રશ્નકર્તા : છતાં કોઈ પણ કાર્ય કરવામાં શંકા-કુશંકા થયા કરે છે, તો શું કરવું ? દાદાશ્રી : એ ભાંજગડવાળું જ ને ! એ જરા મુશ્કેલીમાં મૂકે. સંસારમાં કોઈ પણ પ્રકારની શંકા રાખવી એ ગુનો છે. શંકા રાખવાથી કામ થતું નથી. આ ‘જ્ઞાન’ પ્રાપ્ત થયું, તે હવે નિઃશંક મને કામ કર્યે જાવ ને ! પોતાનું ડહાપણ કરવા ગયા તો બગડશે અને સહજ મૂકશો તો કામ થઈ જશે. એમ ને એમ કામ કરશો, તેના કરતાં સહજ મૂકશો તો સારું કામ થશે. શંકા સહેજ પણ રહે ત્યાં કંઈ પણ કાર્ય થતું નથી. પ્રશ્નકર્તા : તો શું કરવું પણ ? દાદાશ્રી : શું કરવાનું ? ‘આપણે’ ‘ચંદુભાઈ’ને કહેવું કે ‘શંકા-કુશંકા કરશો નહીં. જે આવે તે કરવાનું.’ બસ, એટલું જ. ‘એ’ શંકા-કુશંકા કરે તો ‘આપણે’ કહેનાર છીએ ને, જોડે જોડે. પહેલા તો કોઈ કહેનાર જ નહોતું એટલે ગૂંચાતા હતા. હવે તો પેલું કહેનાર છે ને ! જ્ઞાનજાગૃતિથી ટળે શંકા પ્રશ્નકર્તા : એટલે શંકા વખતે અમારે જાગૃતિ રાખીને છૂટા રહેવાનું ? દાદાશ્રી : એ વખતે તો છૂટા રહેવાનું, પણ (પા.૧૭) કાયમને માટે છૂટા રહેવાનું. એક દહાડો રાખી જુઓ, અઠવાડિયામાં એક દહાડો તો રાખી જુઓ. તમને સમજ પડશે કે બીજે દહાડે એવું રાખીએ તો વાંધો નહીં આવે, પડી નહીં જવાય. પ્રશ્નકર્તા : પડવા કરતાં ગૂંચવાડો થઈ જાય છે, એનો વાંધો આવે છે. દાદાશ્રી : એ ગૂંચવાડો તો પહેલાંની પ્રેક્ટિસ છે ને, તે જતી નથી. છૂટતી નથી એ. બાકી, હવે શંકાની જરૂર જ નથી. પ્રશ્નકર્તા : અમે છૂટા પડીએ એટલે એ શંકા તૂટી પડે છે ? દાદાશ્રી : હા, શંકા એની મેળે વીખરાઈ જાય છે. પ્રશ્નકર્તા : એટલે જાગૃતિ જ વધારે રાખવાની રહે છે હવે. દાદાશ્રી : જોનાર હંમેશાં જાગૃત જ હોય. જો જોનાર છે તો જાગ્રત હોય. જ્ઞાતા-દ્રષ્ટા, એ જાગ્રત હોય તો જ જ્ઞાતા-દ્રષ્ટા કહેવાય. બાકી, અજાગૃતિ એટલો માર પડે. શંકા એ પુદ્ગલ, આપણે ચેતન એટલે શંકા પડે તો બધું ચોંટી પડે. મહીં જે બેસી રહ્યા છે એ બધાય ચોંટી પડે. એ ચેતનભાવ ન્હોય. જડભાવો ચેતનને શું કરી શકે ? હવે પુરુષ થયા પછી આડાઅવળા વિચારો ના આવે, ને આવે તો એને સાંભળવાના નહીં. એ બધા પુદ્ગલભાવો છે. એટલે એ આવે તો એને આપણે ગાંઠીએ નહીં. પછી કોઈ નામ જ ના દે ને ! કૂતરાં ભસે એટલું જ. હાથીની પાછળ કૂતરાં ભસે ને, તે હાથી પાછળ જુએ નહીં. એ સમજી જાય કે કૂતરાં છે. કૂતરાં સો-બસો હોય ને કોઈ હાથીની પાછળ ભસતા હોય તો એ જુએ પાછળ કે કોણ કોણ ભસે છે ? એવું, પેલા પુદ્ગલ ભાવો છે. પણ તે અજ્ઞાનીને અથડામણ થઈ જાય, કારણ કે એ હાથી થયો નથી ને ! અજ્ઞાની માણસ તરત ભળી જાય, વાર જ નહીં. ‘કોઈ કશું જ કરનાર નથી,’ એનું નામ શૂરવીરતા કહેવાય. એ પુદ્ગલ અને આપણે ચેતન, આત્મા, અનંત શક્તિવાળા ! પ્રશ્નકર્તા : એ વિચાર ને એ બધું આવશે ત્યારે દેખ લેંગે. દાદાશ્રી : આવે જ શી રીતે પણ ? દેખ લેવાનુંય ના રહે અને આવે તો આપણે શું લેવાદેવા ? એ જુદી નાત છે, આપણી જુદી નાત. નાત જુદી, જાત જુદી ! એટલે કશું થતું નથી. આ તો કશું થઈ ગયેલું જોયુંય નથી. આ તો ખાલી શંકાઓ છે અને શંકા પડે છે તેય પુદ્ગલભાવ છે. કશું થાય નહીં, ને આપણો ‘વેસ્ટ ઓફ ટાઈમ એન્ડ એનર્જી’ છે ખાલી. હા, એ જો કદી ચેતનભાવ હોત તો હરાવી પાડે. પણ એવું તો નથી. પછી શું ? એ જડ વસ્તુઓ છે, તે ચેતનને શું કરી શકે ? એ જો ચેતન હોય તો વાત જુદી છે. મન-વચન-કાયાના તમામ લેપાયમાન ભાવો એ જડભાવો કહ્યું અને પોતે નિર્લેપ જ છે. પછી શું લેપાયમાન કરવાના ? પેલા જડભાવો ને પ્રાકૃતભાવો છે એવું આપણે બોલીએ છીએ ને ? પ્રશ્નકર્તા : બોલીએ છીએ ને ! દાદાશ્રી : તો પછી એ પ્રશ્ન જ ઊભો ના થાય ને, કે ‘આવું શું હશે ને શું નહીં !’ મન-વચન-કાયાના તમામ લેપાયમાન ભાવો એ જડભાવો, પ્રાકૃતભાવો છે, ચેતન ભાવ નથી. એ જાતિ જુદી, વેષ જુદા. એને અને આપણે શું લેવાદેવા ? (પા.૧૮) શંકાની ઈફેક્ટથી ‘આપણે’ જુદા પ્રશ્નકર્તા : હવે શંકાની ‘ઈફેક્ટ’ તો તરત થાય જ છે, પણ એવી ‘ઈફેક્ટ’ આવતા ભવમાં પણ થવાની કે ? દાદાશ્રી : જેનું બીજ પડે ને, તેના ફળ આવે. માટે બીજમાંથી જ કાઢી નાખવાનું. શંકાનું બીજ ઊગ્યું હોય ને, એટલે આપણને ખબર પડી જાય કે આ કપાસનો છોડવો નહીં પણ બીજો છોડવો છે. એટલે એને કાઢીને ઊખેડીને ફેંકી દેવું કે જેથી ફરી એનું બીજ જ ના આવે ને ! ડૂંડું આવે ત્યારે ફરી પાછું બીજ પડે ને ! પ્રશ્નકર્તા : પછી બીજા ભવમાં નડે નહીં ? દાદાશ્રી : બીજ ના પડે તો બીજા ભવમાં કશુંય અસર ના થાય. આ ગયા અવતારે બીજ પડેલું, તેથી આ શંકા ઉત્પન્ન થઈ. માટે હવે બીજ જ ઉત્પન્ન ના થવા દેવું. માટે આ જગત શંકા કરવા જેવું નથી. નિરાંતે સૂઈ જવું. પ્રશ્નકર્તા : નિઃશંક દ્રષ્ટિ થાય તો જ નિર્દોષ દેખાય. દાદાશ્રી : મને તેથી તો નિર્દોષ દેખાય છે. હવે તમે શુદ્ધાત્મા થયા પછી મન બદલાય નહીં, એ ‘ડિસ્ચાર્જ’ રૂપે છે. મન શંકાશીલ થયું હોય તો શંકાશીલ અને અવળું કહે તો અવળું, એમાં ગભરાવાનું કોઈ કારણ નથી. ‘આપણે’ જોયા કરવું. એ કહેશે, ‘આપણે મરી જઈશું’ તોય શું ? ‘જે થાય એ થશે, એમાંય અમને વાંધો નથી,’ કહીએ. શેકી નાખે શંકાના બીજ પ્રશ્નકર્તા : શંકા તો બિલકુલ ગમતી જ નથી, દાદા. પણ નિકાલ આવે નહીં એટલે પછી ‘પેન્ડીંગ’ રહ્યા કરે. દાદાશ્રી : પાછી ‘પેન્ડીંગ’ પડી રહે છે ? ઉકેલ ના લાવી નાખો ? ‘એ સ્કેવર, બી સ્કેવર’, આમ પેલું ‘એલજિબ્રા’માં એ છેદ ઉડાડી દો ને, એ રીતે ? જેને ‘એલજિબ્રા’ આવડે ને, તેને બધું આવડે. તમારે શંકાઓથી બધી ભાંજગડ ઊભી થાય છે, તો પછી ઊંઘ સ્ખલન કરે કોઈ વખત ? પ્રશ્નકર્તા : એવું નહીં, પણ નિકાલ ના થાય એટલે ફરી આવે. દાદાશ્રી : હવે શું કરશો ? શેકી નાખો ને ! પછી ઊગે નહીં. જે બીજ શેકીને રાખી મેલ્યા, એ પછી ઊગે-કરે નહીં. ઊગે ત્યારે ભાંજગડ છે ને ! એટલે તમારે એમ કહેવું કે ‘દાદા’ના ‘ફોલોઅર્સ’ થઈને તમને શરમ નથી આવતી ? નહીં તો કહીએ, ‘બે તમાચા મારી દઈશ, શંકા શું કરે છે ?’ એવું વઢવું. બીજા વઢે એના કરતા ‘આપણે’ વઢીએ એ શું ખોટું ? કોણ વઢે તો સારું ? આપણી મેળે જ વઢીએ તે સારું, લોકોના વળી ગોદા ખાવા તેના કરતા ! પ્રશ્નકર્તા : આ તો માર ખાય તોય જાય નહીં. દાદાશ્રી : હા, માર ખાય તોય જાય નહીં. તેથી આ જ વાત નીકળી. શંકા જવાની થાય ત્યારે વાત નીકળે, નહીં તો વાત નીકળે નહીં. કામ બધું પદ્ધતિસર કરો, પણ શંકા ના કરશો. આ ‘રેલવે’ આગળ સહેજ ભૂલ કરીએ, તેડાં કરીએ, તો શું થાય ? પ્રશ્નકર્તા : કપાઈ જાય. દાદાશ્રી : ત્યાં કેટલો ડાહ્યો રહે છે ! શાથી ડાહ્યા રહે છે લોક ? પેલું તરત ફળ આપે છે એટલે. અને આ શંકાનું ફળ મોડું મળે છે. એનું ફળ શું આવશે એ આજ દેખાતું નથી એટલે આવા તેડાં કરે છે. શંકાનું તેડું, તે કંઈ જેવી તેવી વાત છે ! (પા.૧૯) પ્રશ્નકર્તા : આગળનું પાછું બીજ પડે ને, દાદા ? દાદાશ્રી : અરે બળ્યું, બીજની ક્યાં વાત કરો છો ? આજની શંકાનું તેડું તો, આખા જગતની વસ્તી ઊભી થઈ જાય ! શંકા તો ઠેઠ ‘જ્ઞાની પુરુષ’ સુધી અવળું દેખાડે. આ શંકા, ડાકણ પેઠી એટલે પછી શું ના દેખાડે ? પ્રશ્નકર્તા : બધું જ દેખાડે. દાદાશ્રી : ‘દાદા’નું અવળું હઉ દેખાય. આ ‘દાદા’ની પર તો એક શંકા કરી હોય ને, તો અધોગતિમાં જાય. એકેય શંકા કરવા જેવો આ ‘દાદો’ ન્હોય ! ‘વર્લ્ડ’માં આવો નિઃશંક પુરુષ હોય નહીં. સૂકવીએ શંકારૂપી ઝાડને... તમે આમ ગયા હોય ને આમથી કોઈક માણસ આવતા હોય. એ માણસ કોઈક બેનના ખભે હાથ મૂકીને ચાલતા હોય ને તમારા જોવામાં આવે તો શું થાય તમને ? એ હાથ શાથી મૂક્યો એ તો એ જાણે બિચારાં ! પણ તમને શું થાય ? અને એ શંકા પેસીને, એટલે કેટલા બીજ ઊગે પાછાં ! બાવળિયો, લીમડો, આંબો, મહીં તોફાન ! આ શંકા તો ડાકણ કરતાંય ભૂંડી વસ્તુ છે. આ ડાકણ તો વળગેલી સારી કે ભૂવો કાઢી આપે. પણ આ શંકા કોણ કાઢે ? અમે કાઢી આપીએ તમારી શંકાઓ ! બાકી કોઈ શંકા કાઢી આપે નહીં. પ્રશ્નકર્તા : પાછલું યાદ કરીએ તો શંકા આવે. દાદાશ્રી : એ યાદ જ કરવું નહીં. ગઈ ગૂજરી ભૂલી જવાની. ગઈ તિથિ તો બ્રાહ્મણેય વાંચે નહીં. બ્રાહ્મણને કહીએ, ‘અમારી છોડી પંદર દહાડા ઉપર રાંડી હતી કે નહીં ?’ તો બ્રાહ્મણ કહે, ‘એવું કોઈ પૂછતા હશે કંઈ ? એ તો જે રાંડી એ ગઈ.’ પ્રશ્નકર્તા : પણ કોઈક વખત શંકા આવે. દાદાશ્રી : બળ્યું આવે, પણ કેટલા બધા ઝાડ ઊગી નીકળે પછી ! બીજ એક અને સત્તરસે જાતની વનસ્પતિ ઊગી નીકળે ! પ્રશ્નકર્તા : આખું વન થઈ જાય. દાદાશ્રી : હા, આખું વન થઈ જાય. બગીચાનું જંગલ થઈ જાય. આ ‘દાદા’એ મહાપરાણે બગીચા બનાવ્યા હોય, તેમાં પછી જંગલ થઈ જાય. આવડો મોટો બગીચો, પાછો જંગલ થઈ જાય ! અરે, એ ગુલાબ રોપતાં રોપતાં તો ‘દાદા’નો દમ નીકળી ગયો. જો જો જંગલ નહીં કરી નાખતા ! જંગલ ના થવા દેશો. હવે નહીં થવા દો ને ? એટલે શંકાથી જ જગત ઊભું રહ્યું છે. જે ઝાડને સૂકવવાનું છે, તેને જ શંકા કરીને પાણી છાંટે છે ને તેનાથી વધારે ઊભું થાય છે. એટલે કોઈ જાતની શંકા કરવા જેવું આ જગત નથી. ચાર્જિંગ પોઈન્ટ પાસે ચેતો પ્રશ્નકર્તા : આ ‘જ્ઞાન’ લીધા પછી આપે વ્યવહારને નિકાલી કહ્યો છે એ વાત બરાબર છે, પણ એમાં ક્યાંક કોઈક અનુપચારિક વ્યવહાર હોય છે. તો ત્યાં આગળ ‘ચાર્જિંગ’નું ભયસ્થાન ક્યાં ? દાદાશ્રી : ‘ચાર્જ’ થઈ જાય એવા ભયસ્થાનો હોતા જ નથી. પણ શંકા પડે ત્યાં આગળ ‘ચાર્જ’ થઈ જશે. શંકા પડે એટલે એ ભયસ્થાન ‘ચાર્જિંગ’વાળું માનવું. શંકા એટલે, કેવી શંકા ? ઊંઘ ના આવે એવી શંકા. નાની અમથી શંકા પડી અને બંધ થઈ જાય એવી નહીં. કારણ કે જે શંકા પડી, એ પછી ભૂલી જઈએ એ શંકાની કિંમત જ નથી. પ્રશ્નકર્તા : તો પછી બિન્દાસ રહેવાનું ? નીડર ને બેફામ રહેવાનું ? (પા.૨૦) દાદાશ્રી : ના. બેફામ રહે તો માર પડશે. બેફામ થાય ને નિષ્ફિકરો થાય તો માર પડી જાય. આ દેવતામાં કેમ હાથ નથી ઘાલતા ? પ્રશ્નકર્તા : તો પછી ત્યાં ઔપચારિક ‘એક્શન’ કઈ લેવી જોઈએ ? દાદાશ્રી : બીજું શું ‘એક્શન’માં લેશો ? ત્યાં પસ્તાવો ને પ્રતિક્રમણ એકલાં જ ‘એક્શન’ છે. પ્રશ્નકર્તા : એટલે આપણા આ ‘જ્ઞાન’ પછીનો પુરુષાર્થ કયો ? પસ્તાવો કરવાનો કે ભાવમન ઉપર છોડી દેવાનું ? દાદાશ્રી : ભાવમન તો આ ‘જ્ઞાન’ પછી રહેતું જ નથી. પણ જેને આ ‘જ્ઞાન’ કાચું રહ્યું હોય, તેને ભાવમન હોય વખતે મહીં જરાક. બાકી, ભાવમન હોતું નથી. ‘જ્ઞાન’ કચાશવાળું પરિણામ પામ્યું હોય, આ ‘જ્ઞાન’ પૂરેપૂરું સાંભળ્યું ના હોય કે આ ‘જ્ઞાન’ પૂરેપૂરું બોલ્યો ના હોય, તો તેને મહીં કાચું પડી જાય. તે આ તો કેટલીક વખત નવું ‘એન્જિને’ય ચાલુ ના થાય, એવું બને ને ? એટલે પસ્તાવો એકલો જ કરવાનો અને પસ્તાવો તેય આપણે નહીં કરવાનો. આપણે આપણી જાત પાસે પસ્તાવો કરાવવાનો, કે ‘તમે પસ્તાવો કરો. તમે આમ છો, તેમ છો.’ એવું ‘તમારે’ ‘ચંદુભાઈ’ને કહેવાનું. એવું ‘તમે’ ગમે એટલું વઢો તો કોઈ ફરિયાદ કરે ‘તમારી’ પર ? પ્રશ્નકર્તા : પણ આ ‘જ્ઞાન’ પછી તો ‘ચાર્જિંગ’ થવાનું જ નથી ને ? દાદાશ્રી : ‘ચાર્જિંગ’ ના થાય, પણ આવું શંકા રાખે તો ‘ચાર્જિંગ’ થાય. જો મોક્ષ જોઈતો હોય તો શંકા કરાય નહીં. નહીં તોય પેલું અજ્ઞાનતામાં તો એવું જ થશે. અને આ તો ‘જ્ઞાન’નો લાભ મળે છે, મુક્તિનો લાભ મળે છે અને ‘છે’ તે જ થાય છે. માટે શંકા રાખવાનું કોઈ કારણ નથી. શંકા બિલકુલ છોડી દેવાની. ‘દાદા’એ શંકા કરવાની ના પાડી છે. પ્રતિક્રમણથી ઉકલે શંકાની ગૂંચ પ્રશ્નકર્તા : પણ કોઈ વખતે પ્રકૃતિમાં જ પેલી શંકાની ગૂંચ પડી ગઈ હોય ને, એ કેવી રીતે છેદાય ? દાદાશ્રી : ‘દાદા’ શું કહે છે કે શંકા રાખશો જ નહીં. શંકા આવે તો કહીએ, ‘જા, દાદાને ત્યાં !’ એવો ઉદય આવે તો પણ એ ઉદય અને આપણે બે જુદા જ છીએ. પ્રશ્નકર્તા : સામા પર શંકા કરવી નથી છતાં શંકા આવે, તો તે શી રીતે દૂર કરવી ? દાદાશ્રી : ત્યાં પછી એના શુદ્ધાત્માને સંભારીને ક્ષમા માગવી, એનું પ્રતિક્રમણ કરવું. આ તો પહેલાં ભૂલો કરેલી, તેથી શંકા આવે છે. પ્રશ્નકર્તા : આપણા કર્મના ઉદયને લીધે જે ભોગવવું પડે, એ પ્રતિક્રમણ કર્યા કરીએ તો ઓછું થાય ને ? દાદાશ્રી : ઓછું થાય. અને ‘આપણને’ ભોગવવું નથી પડતું. ‘આપણે’ ‘ચંદુભાઈ’ને કહીએ, ‘પ્રતિક્રમણ કરો.’ એટલે ઓછું થાય. જેટલું જેટલું પ્રતિક્રમણ કરીએ એટલું એ ઓછું થાય ને ! પછી રાગે પડી જશે. આ તો કર્મના ઉદયથી બધા ભેગા થયેલા છે. આને અજ્ઞાની કંઈ ફેરવી શકવાનો નથી ને જ્ઞાનીય ફેરવી શકવાના નથી, તો આપણે શા માટે બે ખોટ ખાવી ? પ્રશ્નકર્તા : પેલું બરાબર કહ્યું દાદા, કે આ જગત પહેલેથી આવું જ છે. દાદાશ્રી : આમાં બીજું છે જ નહીં. આ (પા.૨૧) તો ઢાંક્યું છે એટલે લાગે છે એવું અને શંકા જ મારે છે. એટલે શંકા આવે તો આવવા ના દેવી ને પ્રતિક્રમણ કરવા. કોઈ પણ માણસ માટે કશી શંકા આવે તો પ્રતિક્રમણ કરવા. પ્રશ્નકર્તા : શંકાના ઉપાયમાં પ્રતિક્રમણ કરી લેવાનું ? શંકા આવે કે તરત જ પ્રતિક્રમણ કરી લેવાનું ? દાદાશ્રી : હા, જેના માટે શંકા આવે તેનું પ્રતિક્રમણ કરવાનું. પ્રતિક્રમણ કરવાના બાકી ના રહ્યા, એટલે તમારા પર કોઈને શંકા જ ના આવે, નિઃશંક પદ થાય. પ્રશ્નકર્તા : એટલે (પ્રતિક્રમણ) એ જ ઉપાય છે ને એનો ? દાદાશ્રી : હા, એ જ ઉપાય. નહીં તો શંકા તો તમને ખાઈ જશે. એ પ્રતિક્રમણ અહીં શીખ્યા, તે તેણે બહુ કામ કાઢી નાખ્યું. આ પ્રતિક્રમણના આધારે તો તમે જીવતા રહ્યા છો. તમારે તો આટલું જ ઘર છે, મારે તો કેટલાય માણસોનું ઘર છે ! પણ કોઈની ઉપર શંકા જ નહીં. પ્રશ્નકર્તા : કોઈપણ શંકા આવે એને ચોખવટ કરી લેવી સારી, તો શંકાનો નિકાલ આવે. દાદાશ્રી : કોઈપણ વસ્તુની શંકા આવતી હોય ને, તે આ બધી તપાસ કરી આવવી અને આવીને સૂઈ જવું. અને છેવટે તપાસેય બંધ કરી દેવાની છે. જાણે બધું, તોય શંકા નહીં હું શું કહું છું કે શંકા એ ભૂત છે. પેલી ડાકણ વળગાડવી હોય તો વળગાડવી, આપણને ડાકણ ફાવતી હોય તો વળગાડવી. પણ શંકા પડે તો એને શું કહેવું ? ‘દાદાનો ફોલોઅર થયો ને હવે શાની શંકા રાખો છો ? દાદા શંકા કોઈના પર રાખતા નથી ને તમે શું કરવા શંકા રાખો છો ? એ બંધ કરી દો. દાદા આટલી ઉંમરે શંકા રાખતા નથી, તો તમે તો જવાન છો’ એવું કહીએ એટલે શંકા બંધ થઈ જાય. અમે જિંદગીમાં શંકા જ કાઢી નાખેલી. અમને કોઈની પર શંકા જ નથી આવતી. એ ‘સેફસાઈડ’ ખરી કે નહીં ? પ્રશ્નકર્તા : બહુ મોટી ‘સેફસાઈડ.’ દાદાશ્રી : શંકા જ નામેય નહીં. રૂપિયા ગજવામાંથી કાઢી લીધેલા દીઠાં હોય તોય એની પર શંકા નહીં અને બીજા ભયંકર ગુના કર્યા હોય તોય શંકા-બંકા રામ તારી માયા ! જાણીએ ખરા, જાણવામાં હોય. અમારા જ્ઞાનમાં હોય કે ‘ધીસ ઈઝ ધીસ, ધીસ ઈઝ ધેટ,’ પણ શંકા નહીં. એટલે અમારા જેવું રાખવું, શંકા કાઢી નાખવી. ગમે તે બાબત હોય ને, નજરે જોયેલી વાત હોય ને, તોય શંકા નહીં. જાણી રાખવી, જાણવું ખરું. જાણવામાં પાપ નથી અને આંખે જોયેલુંય ખોટું પડે છે. કેટલાય દાખલા એવા મારે બનેલા. આ આંખે જોઉં છતાંય ખોટું નીકળે. એવા મારે દાખલા ‘એક્ઝેક્ટ’ અનુભવમાં આવેલા. તો બીજી વસ્તુ તો કઈ સાચી માનવી આપણે ? એટલે દેખીએ તોય શંકા ના કરવી. આ અમારી શોધખોળ બહુ ઊંડી છે. આ તો વાત નીકળે ત્યારે પોતાના અનુભવમાં ખબર પડે. અને જગતને કંઈ આ બધી શંકા નીકળી ગયેલી નથી. અમે કોઈ દહાડો કોઈની પર શંકા કરી નથી. અમે ઝીણવટથી તપાસ કરીએ, પણ શંકા ના રાખીએ. શંકા રાખે એ માર ખાય. જાણીએ ખરા, પણ શંકા ના રાખીએ. જરાય શંકા નહીં રાખવાની ! એક જરાય શંકા કોઈની પર મને આવી નથી. જાણીએ બધુંય, જાણ્યાની બહાર (પા.૨૨) અમારે અક્ષરેય ના હોય. આ આટલામાં છે, આ આટલા પાણીમાં છે, કોઈ આટલા પાણીમાં છે, કોઈ આટલા પાણીમાં છે, બધું જાણીએ. કોઈએ નીચેથી પગ ઊંચા કર્યા છે, કોઈ મોઢું બગાડે છે. મહીં પગ ઊંચા કરેલા, તે હઉ દેખાય મને. પણ શંકા ના કરીએ અમે. શંકા શું લાભ આપે ? પ્રશ્નકર્તા : ગેરલાભ થાય. દાદાશ્રી : શું ગેરલાભ થાય ? પ્રશ્નકર્તા : પોતાને નુકસાન થાય ને ! દાદાશ્રી : ના, પણ સુખ કેટલું આપે ? શંકા પેઠી ત્યાંથી એ ભૂત જ વળગ્યું. ‘આ જ લઈ ગયો કે આણે આમ કર્યું.’ એ પેઠી શંકા ! એ ભૂત વળગ્યું આપણને. પેલાનું તો જે થવાનું હશે તે થશે, પણ આપણને ભૂત વળગ્યું. આ ‘દાદા’ એવા ચોક્કસ, જરાય કોઈની પર શંકા ના કરે. પાછા જાણે બધુંય, પણ શંકા ના કરે. અનંત અવતારની પીડામાંથી છૂટો અનંત અવતાર આની આ જ પીડામાં પડ્યો છે ! આ તો આ અવતારના બૈરાં-છોકરાં છે, પણ દરેક અવતારે જ્યાં ને ત્યાં બૈરાં-છોકરાં જ કર્યાં છે ! રાગ-દ્વેષ કર્યા છે ને કર્મો જ બાંધ્યા ! આ સગાઈ-બગાઈ કશું ના મળે ! આ તો કર્મફળ આપ્યા કરે. ઘડીકમાં અજવાળું આપે ને ઘડીકમાં અંધારું આપે. ઘડીકમાં ફટકો આપે ને ઘડીકમાં ફૂલાં ચઢાવે ! આમાં સગાઈ તો હોતી હશે ? આ તો અનાદિથી ચાલ્યા જ કરે છે ! આપણે આને ચલાવનાર કોણ ? આપણે આપણા કર્મથી કેમ છૂટાય, એ જ ‘જોયા’ કરવાનું છે. છોકરાંને ને આપણે કશી લેવાદેવા નથી. આ તો વગર કામની ઉપાધિ ! બધા કર્મોને આધીન છે. જો ખરી સગાઈઓ હોય ને, તો ઘરમાં બધા નક્કી કરે કે આપણે ઘરમાં વઢવાડ નથી કરવી. પણ આ તો કલાક-બે કલાક પછી બાઝી પડે ! કારણ એ કોઈના હાથમાં સત્તા જ નથી ને ! આ તો બધા કર્મના ઉદય, ફટાકડા ફૂટે તેમ ફટાફટ ફટાફટ ફૂટે છે ! કોઈ સગોય નથી ને વહાલોય નથી, તો પછી શંકા-કુશંકા કરવાની ક્યાં રહી ? ‘તમે’ પોતે ‘શુદ્ધાત્મા’, આ ‘તમારું’ ‘પાડોશી’ શરીર જ તમને દુઃખ આપનારું છે ને ! અને છોકરાં તો ‘તમારા’ ‘પાડોશી’ના છોકરાં ! એમની જોડે આપણે શી ભાંજગડ ? અને પાડોશીના છોકરાં માને નહીં; ત્યારે આપણે એમને જરાક કહેવા જઈએ તો છોકરાં શું કહે છે કે ‘અમે શાના છોકરાં તમારા ? અમે તો શુદ્ધાત્મા છીએ !’ કોઈને કોઈની પડેલી નથી. પ્રશ્નકર્તા : સરવૈયું કાઢીએ તો બધા હિસાબ લેવા આવ્યા હોય. અને હિસાબ ચૂકવીએ પણ એમાં ‘સમભાવે નિકાલ’ થાય છે કે નહીં, એટલું જ અમારે જોઈએ. દાદાશ્રી : ‘સમભાવે નિકાલ’ થાય તો કલ્યાણ થઈ જાય. પ્રશ્નકર્તા : આપે તો કૃપા કરી જ્યારે અમે અમારા ‘વક્રમ’ (ખરાબ કામ) કર્યાં, પણ એ ચોખ્ખા થઈ ગયા એ હકીકત છે. દાદાશ્રી : તમે દાદાને આટલું વળગી રહ્યા, તે બહુ થઈ ગયું. એક દહાડો સરવૈયું સમજાશે કે સાચું હતું આ. પ્રશ્નકર્તા : અરે, એક દહાડો હોય ? આજથી જ લઈને, કાલ કોણે દીઠી છે ? માટે એવી શક્તિ આપો કે જે થોડા કર્મ બાકી રહ્યા હોય, તેને અમે પહોંચી વળીએ ને બુદ્ધિ અવળે રસ્તે ન જાય. દાદાશ્રી : અહીં આવતા રહો ને કલાક-કલાક જેટલું, તે એટલું ઓગળતું ઓગળતું પછી ખલાસ થઈ જાય. (પા.૨૩) જડમૂળથી કાઢવી શંકાઓ જગત બફાઈ રહ્યું છે આ તો. જો બફાય છે, જો બફાય છે ! અને શંકા ઊભી થાય તો બફારો કેટલો થાય ? પ્રશ્નકર્તા : બહુ થાય. દાદાશ્રી : બફારો બહુ થાય કે કૈડે ? પ્રશ્નકર્તા : કૈડે હઉ ! દાદાશ્રી : જો જો આવી શંકા કંઈ કરતા નહીં. શંકા કોઈની કરશો નહીં. શંકા કરવા જેવું નથી આ જગત. મહીં લાંબું દેખાય ત્યારે શંકા ઊભી થાય ને ! નહીં તો આ જે શંકા એક ફેરો પેસે ને, તે શંકા નીકળી જાય ત્યારે કામનું ! હવે એ એમ ને એમ નીકળે નહીં. આમનું ગજું જ નહીં કે શી રીતે શંકા કાઢવી ? ‘જ્ઞાની પુરુષ’ બધું કાઢી આપે, બીજાનું ગજું નહીં. જાડું ખાતું હોય ને, એટલે ચાલે. શંકા કોને ઊભી થાય ? બહુ ઝીણું ખાતું હોય ને, એને શંકા વધારે થાય. મને તો હેડતાં-ચાલતાં શંકા ઊભી થતી હતી, જ્ઞાન નહોતું થયું ત્યાં સુધી. એટલે જાગૃતિ ના હોય એટલે ઉપાધિ નહીં ને જાગ્રતને તો ઉપાધિ બહુ ને ! જાગૃતિ હિતકારી થઈ પડે છે કે વાંકી થઈ પડે છે ? પ્રશ્નકર્તા : બહુ હિતકારી થાય. પણ શંકા કરાવે તો એને કાઢી જ નાખવાની. દાદાશ્રી : જાગૃતિ કાઢી નાખવી છે કે પેલી શંકા કાઢી નાખવી છે ? પ્રશ્નકર્તા : શંકા જ કાઢી નાખવી છે. દાદાશ્રી : હા, જાગૃતિ તો રહેવા દેવી છે ને ? અમે તો શંકાના મૂળિયાં બધા કાઢી નાખેલા. તમે જડમૂળથી ખોદી કાઢી છે કે રહેવા દીધી છે થોડી થોડી ? પ્રશ્નકર્તા : શંકાની મહીં શોધખોળ બહુ ચાલ્યા કરતી હતી. દાદાશ્રી : પણ એને જડમૂળથી કાઢી નાખી નથી હજુ ? પ્રશ્નકર્તા : આજે નિમિત્ત મળ્યું દાદા તરફથી. દાદાશ્રી : હા, એવું કંઈ હશે ત્યારે જ ને, નહીં તો વાત નીકળે નહીં. અને હું કંઈ ઓછું આ અમુક જ ટાઈમે વાત કાઢું છું ? ‘એવિડન્સ’ ભેગા થાય ત્યારે જ નીકળે ને ! આનો કઈ પાર આવવાનો છે, એમનો કંઈક પાર આવવાનો હશે, તમારો કંઈ થોડોઘણો પાર આવવાનો હશે, ત્યારે જ નીકળે ને ! નહીં તો શંકા આવે તો આખી રાત ઊંઘ ના આવે. પ્રશ્નકર્તા : મહીં કૈડ કૈડ થયા કરે. આટલો બધો માર ખાય તોય પાછું જતું નથી. દાદાશ્રી : નફો શું કાઢ્યો ? પ્રશ્નકર્તા : કશો નહીં. દાદાશ્રી : છતાંય પણ રહે છે ! આ શાથી આ વાત નીકળી ? મને ખબર નહીં કે આટલું બધું હશે ! આ ‘જ્ઞાન’ આપેલું એટલે તમે આવું તેવું નાની બાબત તો કાઢી નાખો ને, તમારી મેળે જ કાઢી નાખો. ને ખૂંચનારી વસ્તુ જે ખૂંચે, આપણને આમ કાંકરો ખૂંચે તો ખબર ના પડે, આપણને ‘જ્ઞાન’ થયેલા ને ? ખૂંચે એટલે કાઢી નાખે ને કે ના કાઢી નાખે ? એ રહેવા દે ખરો ? પ્રશ્નકર્તા : ના, કાઢી નાખે. દાદાશ્રી : હવે નહીં રહે ને ? વીતરાગતા અને નિર્ભયતાથી ટળે શંકા આપણું તો આ આત્મજ્ઞાન છે, કંઈ જેવી (પા.૨૪) તેવી વસ્તુ નથી ! આ તો અજાયબ વસ્તુ તમને પ્રાપ્ત થયેલી છે ! અને આ જે બધા ભાવો આવે છે ને, મનના ભાવો, બુદ્ધિના ભાવો, તે બધા ભાવો ખાલી ભય પમાડનારા જ છે. એક ફેરો સમજી જવાનું કે આ લોકો ખાલી ભય પમાડનારા છે અને બુદ્ધિ જ્યાં સુધી વપરાય ત્યાં સુધી ડખો જ કર્યા કરે. તમારે ડખો કરે છે કે ? પ્રશ્નકર્તા : કો’ક ફેરો ઊભી થઈ જાય છે, ઊંધી ઊભી થાય છે. દાદાશ્રી : પણ એ ખોટી વસ્તુ છે એટલું તો તમે સમજી ગયા છો ને ? પ્રશ્નકર્તા : હા, એટલું તો સમજાય છે. દાદાશ્રી : એ ખોટી વસ્તુ છે અને આ ચેનચાળા કરે છે તે બધા ખોટા છે, તે બધું સમજાઈ ગયું છે ને ? એ ખરી વસ્તુ ન્હોય એમ સમજાઈ ગયું છે ને ? હા, આ બધું સમજે એટલે આ આત્મા બાજુ ખસવાનો પ્રયત્ન હોય જ. છતાં પેલું બહુ જોર હોય તો હાલી જવાય. જ્યારે મુશ્કેલી આવે ત્યારે સંદેહ ઊભા થાય પાછા. આ તો બધું ફરવાનું છે. બધું એક જ જાતનું ઓછું રહે છે ? જેમ દિવસ-રાત બદલાયા કરે છે, ટાઈમ નિરંતર બદલાયા કરે છે, તેવું આ અવસ્થાઓ બધી નિરંતર બદલાયા કરવાની ! એટલે સંદેહ માણસનો ક્યારે જાય ? વીતરાગતા અને નિર્ભય થઈ ગયા પછી સંદેહ જાય, નહીં તો સંદેહ તો જાય જ નહીં. શાંતિ હોય ત્યાં સુધી અનુકૂળ લાગે, પણ ઉપાધિ આવે ત્યારે અશાંતિ ઊભી થાય ને ! ત્યારે પાછું બધું અંદરથી ગૂંચાઈ જાય ને તેથી બધા સંદેહ ઊભા થાય. અમને કોઈ જગ્યાએ સંદેહ ના પડે. જ્યાં શંકા ત્યાં દુઃખ હોય. અને ‘હું શુદ્ધાત્મા’ તો નિઃશંક થઈ ગયો, એટલે દુઃખ ગયું. એટલે નિઃશંક થાય તો જ કામ ચાલશે. નિઃશંક થવું એ જ મોક્ષ. પછી ક્યારેય પણ શંકા ના થાય, એનું નામ મોક્ષ. એટલે અહીં બધુંય પૂછી શકાય. શંકા કાઢવા માટે તો આ ‘જ્ઞાની પુરુષ’ છે. બધી જ જાતની શંકાઓ ઊભી થયેલી હોય ને, ત્યારે ‘જ્ઞાની પુરુષ’ આપણને નિઃશંક બનાવી આપે. નિઃશંકતાથી નિર્ભયતા ઉત્પન્ન થાય છે અને નિર્ભયતાથી અસંગતા ઉત્પન્ન થાય છે. અસંગતા એ જ મોક્ષ કહેવાય છે. મોક્ષે જવાનું જ્ઞાન મળ્યું છે એટલે હવે મોક્ષમાં જવાની બધી તૈયારી રાખજો. આખી દુનિયાની ‘શંકા’ હું કાઢવા માગું છું પ્રશ્નકર્તા : આપની પાસે હવે છેવટનું એ લાગે છે કે હવે કોઈ ઠેકાણે શંકા રહી નથી ને અમે ‘કન્વિન્સ’ થઈ ગયા છીએ. દાદાશ્રી : હા, અહીં શંકા રહે નહીં ને ! અને શંકા રાખવા જેવું જગત જ નથી. જો શંકા રાખવા જેવું જગત હોત ને, તો હું તમને કહેત જ નહીં કે ‘એય, મારી ગેરહાજરીમાં તમે આવી તેવી શંકા ના કરશો.’ આ તો મેં તમને બધુંય ખાજો-પીજો કહ્યું. અને આવી શંકા ને એ બધું ના કરશો, એમેય કહ્યું, કારણ કે નિઃશંક જગત મેં જોયું છે, ત્યારે જ હું તમને કહું ને ! જગત મેં જોયું છે નિઃશંક, તે આ દિશામાં નિઃશંક છે અને બીજી આ દિશામાં શંકાવાળું છે. તો આ નિઃશંકવાળી દિશા બતાડી દઉં, એટલે પછી ભાંજગડ જ નહીં ને ! હવે શંકા જ ના રાખે તો ચાલે એવું છે કે નથી ચાલે એવું ? પ્રશ્નકર્તા : એ તો સારું ચાલે ને ! પણ એવું હોવું જોઈએ ને ! દાદાશ્રી : થઈ જાય એ તો પછી ! બાકી આ શંકા શબ્દ તો આખી દુનિયાનો હું કાઢવા (પા.૨૫) માગું છું. એ શંકા શબ્દ કાઢી નાખવા જેવો છે. ‘વર્લ્ડ’માં એના જેવું કોઈ ભૂત નથી. અને તેથી જ ઘણાખરા લોકો દુઃખી છે, શંકાથી જ દુઃખી છે. પોતાના જ્ઞાન પર વહેમ પાડી આપે એ ‘જ્ઞાની’ અને શા સારુ વહેમો રાખવાના તે ? આ વહેમ તો રાખવા જેવો જ નથી, દુનિયામાં ! વહેમ એ નુકસાનકારક ‘પ્રોબ્લેમ’ છે. જે છે એથી વધારે નુકસાન કરશે. અને જે નુકસાન થવાનું છે એમાં કોઈ વાંધો નથી આવવાનો. માટે વહેમને છોડી દો. હું તો એટલું જ કહેતો આવ્યો છું, ને છોડાવી દીધા ઘણા ખરા ને ! એટલે પોતાના જ્ઞાનની ઉપર જે વહેમ પાડી આપે, એનું નામ ‘જ્ઞાની’! પોતાનું જ્ઞાન તો કોઈ દહાડો જૂઠું હોઈ જ ના શકે ને ? પણ ‘જ્ઞાની’ એ બધું કરી શકે, તો પોતાને વહેમ પડી જાય. એ ‘રોંગ બિલીફ’ નીકળી ગઈ એટલે કામ થઈ ગયું ! અનુભવી જ્ઞાની પાસે સર્વ શંકાનો ઉકેલ ‘જ્ઞાની પુરુષ’ જ પોતે પોતાની શંકા કાઢી અને બીજાને પણ શંકા બધી કાઢી આપે, નહીં તો બીજો કોઈ કાઢી આપે નહીં. માણસથી જાતે શંકા ના નીકળે. જે વ્યવહારમાં જ છે, એને તો વ્યવહારનું ભાન જ ના હોય ને ! વ્યવહારનો આગ્રહ હોય, વ્યવહારમાં જ હોય. એટલે વ્યવહારની એને ખબર જ ના હોય ને ! ‘જે’ વ્યવહારની બહાર છે, તે ‘સેટલ’ કરી આપે ! નહીં તો ત્યાં સુધી વ્યવહારમાં ‘સેટલ’ થાય નહીં. ‘જ્ઞાની પુરુષ’ વ્યવહારની બહાર હોય. એટલે એમની વાણી જ એવી નીકળે કે બધું આપણને ‘એક્ઝેક્ટ’ થઈ જાય. બાકી શંકા કાઢ્યે જાય નહીં, ઊલટી વધે. ‘જ્ઞાની પુરુષ’ના કહેવાથી શંકા જતી રહે. શંકા કોઈ જગ્યાએ નહીં કરવી. શંકા જેવું દુઃખ નથી આ દુનિયામાં. કારણ કે મેં તમને આત્મા આપ્યો છે, નિઃશંક આત્મા આપ્યો છે, ક્યારેય પણ શંકા ઉત્પન્ન ના થાય એવો આત્મા આપેલો છે. એટલે ‘આવો હશે કે તેવો હશે’ એવી ભાંજગડ જ મટી ગઈ ને ! આ તો ‘અક્રમ વિજ્ઞાન’ છે એટલે શુદ્ધ આત્મા જ ચોખ્ખો પ્રાપ્ત થઈ જાય છે. શંકા આગળ આત્મા ઊભો ના રહે. જ્ઞાન તો તેનું નામ કે સંપૂર્ણ નિઃશંક બનાવે. શંકા એક ક્ષણ પણ ના થાય, એનું નામ આત્મા. આત્માની અનંત શક્તિઓ છે ! જ્યાં સુધી આત્મા સંબંધી શંકા જાય નહીં, ત્યાં સુધી સંસારની કોઈ શંકા જાય નહીં. આ ‘પઝલ’ ‘સોલ્વ’ થાય એવું નથી. આ તો ભારે ‘પઝલ’ છે ! આવડું મોટું જગત એને નિઃશંકપણે જાણો. કોઈ જગ્યાએ શંકા જ ના પડવી જોઈએ. ‘જ્ઞાની’ એટલે શું ? જેણે નિઃશંકપણે આખુંય જગત જાણ્યું છે. એમની પૂંઠે પૂંઠે વહીને તમે પણ એવું જાણો તો તમારો ઉકેલ આવશે. હવે આ બધું મારા અનુભવપૂર્વકનું જ્ઞાન છે. આ તો મારા અનુભવ જ મૂક્યા છે બધા, અને તેય ‘એપ્રોપ્રિયેટ’ ! આ મારી ક્ષણે ક્ષણે જાગૃતિના અનુભવો મૂક્યા છે. અને આ એકલી અત્યારની ‘લાઈફ’નું નથી, પણ અનંત અવતારની ‘લાઈફ’નું છે ! અને તેય પાછું મૌલિક છે. શાસ્ત્રમાં નહીં જડે તોય વાંધો નથી, પણ મૌલિક છે ! માટે કામ કાઢી લેવા જેવું છે અત્યારે. તેથી અમે કહીએ છીએ ને, કે કામ કાઢી લો, કામ કાઢી લો, કામ કાઢી લો ! એ કહેવાનો ભાવાર્થ એટલો જ છે કે આવું કોઈ કાળે આવતું નથી અને આવ્યું છે તો માથું મેલીને કામ કાઢી લો ! જય સચ્ચિદાનંદ |