મોક્ષમાર્ગે પ્રજ્ઞાની માત્ર જ્ઞાનક્રિયા સંપાદકીય આ કાળનું આશ્ચર્ય છે કે અક્રમ વિજ્ઞાન ઉદયમાં આવ્યું. જ્ઞાની પુરુષની કૃપાથી સ્વરૂપનું જ્ઞાન મળતા જ ‘પોતે’ ‘પોતાના’ સ્વરૂપના ભાનમાં આવે ત્યારે અજ્ઞાશક્તિ વિદાય લે છે અને પ્રજ્ઞાશક્તિ પ્રગટે છે. આ જ્ઞાન મળવાથી આત્માના અનુભવ-લક્ષ-પ્રતીતિ શરૂ થયા ત્યારથી આત્માના પ્રતિનિધિ તરીકે પ્રજ્ઞાશક્તિ કાર્યરત રહે છે. પ્રજ્ઞા એ જ્ઞાનનું સ્વરૂપ જ છે. પ્રજ્ઞાની બધી ક્રિયાઓ જ્ઞાનક્રિયાઓ છે. પ્રજ્ઞાનો જ્ઞાનપ્રકાશ સૌથી પહેલા તો મહાત્માઓને પોતાની એક-એક ભૂલો દેખાડે, એ ભૂલો સામે ચેતવે. જેમ જેમ ભૂલો સમજાય તેમ અજાયબ શક્તિ ઉત્પન્ન થાય. આ ભૂલોના પ્રતિક્રમણ પણ પ્રજ્ઞાશક્તિ ચંદુ પાસે કરાવે. અક્રમમાં સામાયિકમાં જોનાર કોણ ? પ્રજ્ઞા. પ્રકૃતિની અટકણમાંથી છૂટવા સામાયિક પણ પ્રજ્ઞા કરાવે. પ્રજ્ઞા અને શુદ્ધ ચિત્ત બે ભેગા થઈને ધડાકાબંધ કામ કરે, તે મહીં ખોદી ખોદીને જૂના દોષો ખોળી કાઢે. આપણે જે જ્ઞાની પુરુષનું નિદિધ્યાસન કરીએ છીએ, તે નિદિધ્યાસનમાં જોનાર પણ પ્રજ્ઞાશક્તિ છે. પરમ પૂજ્ય દાદાશ્રી કહેતા કે જો મોક્ષે જવું હોય તો પ્રજ્ઞાને સિન્સિયર રહેવું. ડિસ્ચાર્જ કર્મોનો ઉદય બીજી બાજુ ખેંચી જાય તો પણ આપણે આ બાજુનું જોર રાખવું. ત્યાં સુધી તપ કરવું પડે. જ્યાં સુધી તપ છે ત્યાં સુધી પ્રજ્ઞા છે, જે રિયલ-રિલેટિવ જુદું પાડી આત્માનુભવની શ્રેણીઓ ચઢાવ્યા કરે. પ્રજ્ઞાને ‘રિલેટિવ-રિયલ’ કહી, પણ મૂળ એ રિયલની શક્તિ છે. જ્યારે કેવળજ્ઞાન થાય ત્યારે એનું કામ પૂરું થઈ જાય, ત્યારે પાછી એ આત્મામાં ભળી જાય છે. જ્ઞાન લીધા પછી મહાત્માઓ પુરુષ (આત્મા) થયા છે. હવે પુરુષે પુરુષાર્થ શેનો કરવાનો છે ? આ આજ્ઞા પાળવાનો પુરુષાર્થ, પરાક્રમ. પુરુષાર્થનો ગુણ આત્મામાં નથી, એ પ્રજ્ઞાશક્તિનો ધર્મ છે. એટલે આપણે નિશ્ચય કરીએ કે મારે આ પુરુષાર્થમાં રહેવું છે, તો પ્રજ્ઞા આપણને એમાં અવશ્ય સહાય કરે છે. ફક્ત આપણું નિશ્ચયબળ જોઈએ. અલબત્ત, આજ્ઞા પાળવાનો નિશ્ચય પણ પ્રજ્ઞા જ કરાવે છે. આ પાંચ આજ્ઞા એ બધા શાસ્ત્રોનો અર્ક છે. પ્રજ્ઞાશક્તિ આ પાંચ આજ્ઞાને પકડી લે એવી છે. જેટલી આજ્ઞા પાળીશું એટલી પ્રજ્ઞા ખીલતી જશે અને એટલો પુરુષાર્થ-પરાક્રમ સહજ થયા કરશે. આ ‘અક્રમ વિજ્ઞાન’ એ ચૈતન્ય વિજ્ઞાન છે. આત્માનુભૂતિ માટે જ્ઞાન જ ઈટ સેલ્ફ કામ કર્યા કરશે. આત્મા એ થર્મોમિટર જેવો છે, તેથી મહીનું બધું ખબર પડે. હવે થર્મોમિટરમાં બતાવનાર આપણી પ્રજ્ઞાશક્તિ આપણને ચેતવીને સંસાર છોડાવે અને કેવળજ્ઞાન થતા સુધી પૂર્ણાહૂતિ કરી આપે છે. હવે આપણે પ્રજ્ઞાની ચેતવણી સામે જાગૃત રહી આજ્ઞાનું આરાધન કરી, દાદાની કૃપા પામી, આ દેહે સ્વસત્તા અનુભવી મોક્ષનું કામ કાઢી લઈએ એ જ હૃદયપૂર્વક અભ્યર્થના. ~ જય સચ્ચિદાનંદ. (પા.૪) મોક્ષમાર્ગે પ્રજ્ઞાની માત્ર જ્ઞાનક્રિયા નિષ્પક્ષપાતીપણે થર્મોમિટર દેખાડે સઘળું પ્રશ્નકર્તા : આપણે મોક્ષમાં જવાના છીએ, એ શી રીતે ખબર પડે ? દાદાશ્રી : બધું ખબર પડે. આપણો આત્મા છે ને, એ થર્મોમિટર જેવો છે. ભૂખ લાગે તે ખબર ના પડે ? સંડાસ જવાનું થાય તે તમને ખબર પડે કે ના પડે ? બધું જ ખબર પડે. કયા અવતારમાં જવાનો છે તેય ખબર પડે. નિષ્પક્ષપાતીપણે જોતો નથી. પોતે તટસ્થ ભાવે જુએ ને, તો આત્મા થર્મોમિટર છે. તમે જે કહો એટલું માપ કાઢી આપે. પ્રશ્નકર્તા : એ સ્ટેજ ઉપર આવવું પડે ને ? દાદાશ્રી : ના, પણ આત્મા એ સ્ટેજવાળો જ છે. નિષ્પક્ષપાતીપણે જોવાનું જ છે. આપણે જોડે જોડે પક્ષપાતમાં ના આવવું જોઈએ. સંડાસ જવાનું મહીં આપણને ખબર તો તરત પડે, પણ જોડે જોડે પક્ષપાત એટલે શું ? આપણે ત્યાં કોઈ સોનાનો વેપારી આવ્યો છે ને એની જોડે વાતોમાં રહ્ય્ાા કરે, એટલે પછી શું થાય તે ? પેલો સોના ઉપર પક્ષપાત પડ્યો, એટલે પેલું સંડાસ જવાનું આ થર્મોમિટર દેખાડતું હોય તે બંધ થઈ જાય પછી. નહીં તો પક્ષપાત ના હોય ને, તો આત્મા થર્મોમિટર, બધું જ દેખાડે એવો છે. દાનત ખોરી, માટે રાચે પુદ્ગલ પક્ષમાં કોઈ આમ રાત્રે મોઢામાં શિખંડ ઘાલી આપ્યો હોય આટલો, પછી આપણે પૂછીએ કે શું છે ? તો ઘોર અંધારામાંય એ બધું વર્ણન કરે. અરે મૂઆ, આટલી બધી શક્તિ છે ! અંધારામાં તું શિખંડનું વર્ણન કરું છું કે મહીં દહીં છે, પણ દહીં સહેજ ગંધાતું છે. તે મહીં અંધારામાં શી રીતે જાણ્યું તેં આ ? ખાટું-મીઠું લાગ્યું એટલે દહીં છે, ખાંડ છે, બધો હિસાબ ખોળી કાઢ્યો. અને પછી મહીં ઈલાયચી છે, ચારોળી છે, દરાખ છે. ત્યારે આ ના આવડે ? પણ દાનત ખોરી છે. નવરા પડીને વિચારવું જ નથી. આમ જો રાત્રે શિખંડનું કહી આપે છે, તો આ બધું ના આવડે ? કૃપાળુદેવે કહ્યું છે ને, કે આત્મા આમ થર્મોમિટર છે. તો થર્મોમિટર બોલ્યા પછી આપણે તાવ ચડ્યો-ઊતર્યો, ના ખબર પડે આપણને ? પણ એ દાનત જ ખોરી છે. અને બીજો એક પાડોશી મળે તેય દાનત ખોરીવાળો. ‘લ્યો, આ પેપર વાંચો, સાહેબ’ એ કહેશે. મેર મૂઆ, પેપર શું કરવા વંચાવે છે ? બીજું કંઈક કહે, બોલ ને કંઈક સારું ! પેપર આપી જાય વાંચવા. એટલે એને લોકસંજ્ઞામાંથી બહાર ખસવા ના દે. કૃપાળુદેવે ઘણું કહ્યું, લોકસંજ્ઞા દુઃખદાયી છે, ત્રાસદાયી છે પણ તોય લોકસંજ્ઞામાં રહે છે ને લોકો નિરાંતે ! જ્ઞાન પછી થર્મોમિટર દેખાડે પોતાની ભૂલો પ્રશ્નકર્તા : દાદા, આ બધી સ્થૂળ વાતો થઈ, પણ પોતાથી જે અનંતી સૂક્ષ્મ ભૂલો થઈ રહી છે તેની ખબર મહીં શુદ્ધતા આવે, જ્ઞાન થાય પછી જ આત્મા ખરો થર્મોમિટર થાય છે ને ? દાદાશ્રી : બરોબર છે આત્મા એકલો શુદ્ધ થવો જોઈએ, એ શુદ્ધતાને પામવો જોઈએ, કે જે આ ચંદુ (હું) ન હોય ને આ (હું) શુદ્ધાત્મા હોવું જોઈએ. તે આપણે ત્યાં જ્ઞાન મળ્યા પછી આત્મા ખરો થર્મોમિટર જેવો થાય. બાકી અજ્ઞાનતામાં પોતે સહજ સ્વભાવે જે કાર્ય, ક્રિયા કરતો હોય ને, એમાં પોતાની (પા.૫) ભૂલ છે એવું ક્યારેય દેખાય નહીં. ઊલટું ભૂલ દેખાડે તોયે પણ એને ઊંધું દેખાય. એ જપ કરતો હોય કે તપ કરતો હોય, ત્યાગ કરતો હોય, એને પોતાની ભૂલ ના દેખાય. એ તો આત્મસ્વરૂપ થાય પોતે, જ્ઞાની પુરુષે આપેલો આત્મા પ્રાપ્ત થાય તો આત્મા એકલો જ થર્મોમિટર સમાન છે કે ભૂલ દેખાડે. બાકી ભૂલ ના દેખાય કોઈને. ભૂલ દેખાય તો તો કામ થઈ ગયું. ભૂલ ભાંગે તો પરમાત્મ સત્તા પ્રાપ્ત થાય. પરમાત્મા તો છે જ, પણ સત્તા પ્રાપ્ત થતી નથી. પરમાત્માની સત્તા ક્યારે પ્રાપ્ત થાય ? ભૂલ ભાંગે તો. એ ભૂલ ભાંગતી નથી ને સત્તા પ્રાપ્ત થતી નથી. અને આપણે પરમાત્મા છીએ, એવું લક્ષ બેઠું છે. એટલે હવે ધીમે ધીમે શ્રેણી માંડે એ. એટલે સત્તા પ્રાપ્ત થયા કરે. પ્રશ્નકર્તા : આપે કહ્યું ને કે થર્મોમિટર બધું જ બતાવે છે એ કોણ ? દાદાશ્રી : એ જ પ્રજ્ઞા, (જ્ઞાન પછી) ચેતવી ચેતવીને મોક્ષે લઈ જાય. ‘પ્રજ્ઞા’ એ જ્ઞાનનું સ્વરૂપ પ્રશ્નકર્તા : પ્રજ્ઞા કેવી રીતે ઉત્પન્ન થાય અને ક્યાંથી ઉત્પન્ન થઈ ? દાદાશ્રી : એ તો જ્ઞાન ‘અમે’ આપીએ તેની સાથે જ પ્રજ્ઞા ઉત્પન્ન થાય. જ્ઞાનથી પ્રજ્ઞા ઊભી થઈ ગઈ, પ્રજ્ઞાનું કામ ચાલુ થઈ ગયું. પ્રશ્નકર્તા : જ્ઞાન અને પ્રજ્ઞામાં ફરક શું છે ? દાદાશ્રી : પ્રજ્ઞા તે જ્ઞાનથી ઉત્પન્ન થનારી એક શક્તિ છે. પ્રજ્ઞા એ આત્માની જ ડાયરેક્ટ શક્તિ છે, ડાયરેક્ટ લાઈટ છે અને અજ્ઞા એ ઈનડાયરેક્ટ લાઈટ છે. અજ્ઞા એ ટોપ ઉપરની બુદ્ધિ કહેવાય. પ્રજ્ઞા સ્વતંત્ર છે બુદ્ધિથી હવે પ્રજ્ઞા એ છે તે મૂળ આત્માનો ગુણ છે અને આ બેનું (બે તત્ત્વોનું) સંપૂર્ણ ડિવિઝન થઈ ગયા પછી, પૂરેપૂરા ખુલ્લે ખુલ્લા થઈ ગયા, છૂટા થઈ ગયા, ત્યાર પછી એ આત્મામાં પાછી ફીટ થઈ જાય છે. ત્યાં સુધી મોક્ષમાં લઈ જવા માટે એ જુદી પડે છે, આત્મામાંથી. પ્રશ્નકર્તા : ટોટલ સેપરેશન થાય એટલે પ્રજ્ઞાનો ઉદય થાય અને આ જે લૌકિક બુદ્ધિ છે એ ચાલી જાય ? દાદાશ્રી : છૂટું પડી જાય પછી બુદ્ધિ ખલાસ થઈ જાય. પ્રજ્ઞાનો અનુભવ તો પહેલેથી શરૂ થઈ જ ગયો હોય, સંપૂર્ણ છૂટું ના પડી જાય તોય. અને પ્રતીતિ બેસે એનો અર્થ જ તે, એક બાજુ પ્રજ્ઞા શરૂ થઈ ગઈ. બુદ્ધિ બુદ્ધિની જગ્યાએ રહે અને પ્રજ્ઞા પ્રગટ થાય. પ્રજ્ઞાની માત્ર જ્ઞાનક્રિયાઓ પ્રશ્નકર્તા : આ પછીની જે દશા આવે પ્રજ્ઞાની, એ જ્ઞાન કહેવાય ? દાદાશ્રી : ના, પ્રજ્ઞા એ જ્ઞાનનું સ્વરૂપ જ છે, એનો ભાગ જ છે. પણ જ્યાં સુધી આ દેહ છે ત્યાં સુધી એ પ્રજ્ઞા ગણાય અને કાર્ય પણ એ જ કરે છે બધું. અને દેહ ના હોય ત્યારે આત્મા ગણાય. પ્રશ્નકર્તા : કારણ કે આત્મા કશું કરતો નથી એટલે એના એજન્ટ તરીકે પ્રજ્ઞા બધું કરે છે ? દાદાશ્રી : હં, એ કર્તા તરીકે નથી, એ જ્ઞાનક્રિયાઓ કરે છે. આપણે આ જ્ઞાન મળે તેથી આત્મા થયા, પણ હજુ આત્મા શ્રદ્ધામાં, પ્રતીતિમાં, દર્શનમાં છે પણ જ્ઞાનમાં નથી આવ્યો, આ ચારિત્રમાં નથી આવેલો, ત્યાં સુધી પ્રજ્ઞાશક્તિ કામ કર્યા કરે. (પા.૬) પ્રજ્ઞા-બુદ્ધિના કાર્યમાં ફેર પ્રશ્નકર્તા : આ પ્રજ્ઞાએ કામ કર્યું કે બુદ્ધિએ કામ કર્યું, એ કઈ રીતે ખબર પડે ? બુદ્ધિ અને પ્રજ્ઞાની વ્યાખ્યા શી ? કંઈક વાત થાય તો બુદ્ધિ દોડાવી, બુદ્ધિ ઊભી થઈ કહે છે, તો બુદ્ધિ શું ? દાદાશ્રી : અજંપો કરે તે બુદ્ધિ. પ્રજ્ઞામાં અજંપો ના હોય. આપણને સહેજ પણ અજંપો થાય તો જાણવું કે બુદ્ધિનું ચલણ છે. તમારે બુદ્ધિ નથી વાપરવી તોય વપરાય જ છે. એ જ તમને જંપીને બેસવા નથી દેતી. એ તમને ‘ઈમોશનલ’ કરાવડાવે. એ બુદ્ધિને આપણે કહેવું કે ‘હે બુદ્ધિબેન ! તમે તમારે પિયર જાવ. અમારે હવે તમારી જોડે કંઈ લેવાદેવા નથી.’ સૂર્યનું અજવાળું થાય, પછી મીણબત્તીની જરૂર ખરી ? એટલે આત્માનો પ્રકાશ થયા પછી બુદ્ધિના પ્રકાશની જરૂર રહેતી નથી. બુદ્ધિ સંસારનું કામ કરી આપે, મોક્ષનું નહીં. એક વ્યુ પોઈન્ટ એ બુદ્ધિ અને રિયલ અને રિલેટિવ બન્ને વ્યુ પોઈન્ટ ઉત્પન્ન થાય તો જ પ્રજ્ઞા ઉત્પન્ન થાય. અને પ્રજ્ઞા ઉત્પન્ન થાય ત્યાં બન્ને વ્યુ પોઈન્ટથી, રિયલ અને રિલેટિવ બન્નેને જુદા જુદા જુએ અને તેનાથી મોક્ષ થાય. પ્રજ્ઞા ઉત્પન્ન થાય ત્યાં સનાતન સુખ છે. બુદ્ધિથી તો કલ્પિત દુઃખ અને પાછું નિરંતરનું ! સુખની પાછળ દુઃખ ભરેલું હોય, અને પાછો દુષમકાળ ! તે પાર વગરના દુઃખો ને સંપૂર્ણ મોહનીય વ્યાપેલી છે, નિરંતર મૂર્ચ્છામાં ભટકે છે ! હવે એ બુદ્ધિ સંસારની બહાર નીકળવા ના દે એવી છે. ‘પોતાને’ મુક્ત થવાની ઈચ્છા થાય તો બુદ્ધિ ‘એને’ ફેરવી નાખે. કારણ કે સંસારમાં જ રાખે એ અને સંસારમાં હેલ્પ કરે. તે સંસારમાં આપણને સેફસાઈડ કરી આપે. આ પ્રજ્ઞા બિલકુલ સંસારમાં રહેવા ના દે, ચેતવ ચેતવ કરે, કે ‘અહીં ગૂંચ છે, અહીં ચૂક છે,’ અને મોક્ષે લઈ જવા ફરે. એ બેનું ઘર્ષણ ચાલ્યા કરે. પ્રજ્ઞાશક્તિ ઠેઠ મોક્ષે પહોંચાડે પ્રશ્નકર્તા : આ જ્ઞાન લીધા પછી મહાત્માઓને પોતે શરીરથી જુદા છે એવું જે રહ્ય્ાા કરે છે, લક્ષ બેસી ગયું છે શુદ્ધાત્માનું અને પછી જોવાની બધી ક્રિયા ચાલ્યા કરે છે, તે બધી પ્રજ્ઞાથી થાય છે ને ? દાદાશ્રી : બધું પ્રજ્ઞાશક્તિનું જ કામ. પ્રશ્નકર્તા : તો એનો અર્થ જ્ઞાનક્રિયાથી જોવાનું, એ તો બહુ દૂર રહ્ય્ાું ? દાદાશ્રી : એ જ, પ્રજ્ઞાશક્તિની જ જ્ઞાનક્રિયા અત્યારે. પેલી દરઅસલ જ્ઞાનક્રિયા તો, આ બધી ફાઈલોનો નિકાલ થઈ જાય ત્યારે એ જ્ઞાનક્રિયા થશે. પ્રશ્નકર્તા : આપ્તવાણીમાં વાંચ્યું કે અશુદ્ધ છે, અશુભ છે, શુભ છે, એ ક્રિયાઓ જે જાણે છે તે બુદ્ધિક્રિયા છે અને ફક્ત જે શુદ્ધને જ જાણે છે તે જ્ઞાનક્રિયા છે. તેથી મને એમ થયું કે આપણી પ્રજ્ઞા બધું જુએ છે. દાદાશ્રી : હા, પ્રજ્ઞાથી. એ પ્રજ્ઞા છે તે અમુક હદ સુધી, આ જ્યાં સુધી ફાઈલોનો નિકાલ કરે ત્યાં સુધી હોય પ્રજ્ઞા. ફાઈલ પૂરી થઈ ગઈ પછી આત્મા પોતે જ જાણે. પ્રશ્નકર્તા : એટલે મોક્ષના દરવાજા સુધી મદદ કરવા માટે આ પ્રજ્ઞા છે ? દાદાશ્રી : દરવાજા સુધી નહીં, મોક્ષમાં ઠેઠ સુધી બેસાડી દે. હા, પૂર્ણાહુતિ કરી આપનાર એ પ્રજ્ઞા. પ્રશ્નકર્તા : પ્રજ્ઞાશક્તિ મોક્ષે જાય પછી એ પાછી આવે ? (પા.૭) દાદાશ્રી : ના, એ શક્તિ મોક્ષમાં પહોંચાડતા સુધી જ રહે છે. (એટલે કેવળજ્ઞાન થતા સુધી સમજવું.) બુદ્ધિનું સાંભળવા સામે ચેતો પ્રશ્નકર્તા : બુદ્ધિનો ડખો થાય, ત્યારે આપણને ખબર પડે કે આ બુદ્ધિએ ડખો કર્યો. એ કોણ જણાવે છે ? શુદ્ધાત્મા જણાવે છે કે પ્રજ્ઞાશક્તિ જણાવે છે ? દાદાશ્રી : એ શુદ્ધાત્મા તો કામ જ નથી કરતો, પ્રજ્ઞાશક્તિ જ બતાવે. શુદ્ધાત્માને બદલે એની પ્રતિનિધિ તરીકે પ્રજ્ઞાશક્તિ જ કામ કરે અને એ બધું જણાવે. અને એ છે તે ઊલટું તમને એ બાજુ જતા હોય ને, તો પાછાં ખેંચીને આમ આત્મા તરફ તેડી લાવે. બુદ્ધિને અજ્ઞા કહેવાય. તે અજ્ઞાનું શું કામ કે મોક્ષે ના જતા રહે, તે અહીંની અહીં ખેંચ ખેંચ કરે. આ પ્રજ્ઞા ને અજ્ઞા, બેની ભાંજગડો અને અજ્ઞામાં જો આપણે ભળ્યા પછી થઈ ગયું અજ્ઞાનું કામ, પછી એ ખુશ થઈ જાય. એટલે પ્રજ્ઞા પછી થાકે. આ મૂળ ધણી ભળ્યો ત્યારે શું થાય તે ! પ્રશ્નકર્તા : દાદા, આ બુદ્ધિ ક્યાં સુધી ડખો કરશે આવી રીતે ? દાદાશ્રી : જ્યાં સુધી એને કિંમતી માની છે ત્યાં સુધી. પાડોશમાં એક ગાંડો માણસ રહેતો હોય, એ પાંચ ગાળો ભાંડીને જતો રહે છે રોજ, તો આપણે જ્યારે એ ભાંડવા આવતો હોય ત્યારે જાણીએ કે પેલો ગાંડો આવ્યો છે. આપણે ચા પીયા કરીએ, એ ભાંડ્યા કરે. એવી રીતે બુદ્ધિ છો ને આવે ને જાય, આપણે આપણામાં રહો. બીજું બધું છે તે પૂરણ-ગલન છે. તમે નહીં કહો તોય જુદું રહેશે અને તમે કહો તોય આવ્યા વગર રહેવાનું નથી. પ્રશ્નકર્તા : આ બુદ્ધિ જ્યારે ડખો કરતી હોય ત્યારે એને આપણે સાંભળવી નહીં એવું આપ કહો છો ? દાદાશ્રી : ના સાંભળો તો બહુ સારું. પણ સાંભળ્યા વગર રહો જ નહીં ને તમે. અને તમે ના સાંભળશો કહીએ તોય તમે સાંભળ્યા વગર રહો નહીં ને ! મોક્ષે જવું હોય તો બુદ્ધિની જરૂર નથી, સંસારમાં ભટકવું હોય તો બુદ્ધિની જરૂર છે. આવું તેવું કશું વાંચેલું ના હોય અને બ્લેન્ક પેપર હોય ને, તો એને તો ‘આ ચંદુભાઈ અને આ હું’ બસ, થઈ ગયું સરસ. એટલે આ બધું ડિસ્ચાર્જ. પ્રશ્નકર્તા : દાદા, આપણને ખબર પડે કે આ બુદ્ધિ ડખો કરે છે છતાંય આપણે બુદ્ધિનું સાંભળીએ ત્યારે શું થયું કહેવાય ? દાદાશ્રી : એ તો આપણને ઈન્ટરેસ્ટ છે હજુ બુદ્ધિના સાંભળવા પર, પણ તોય છે તે પ્રજ્ઞાશક્તિ તો એને એ બાજુ જ ખેંચે. પ્રશ્નકર્તા : અમને ખબર પડે છે કે આ બુદ્ધિ ડખો કરે છે, છતાંય અમે બુદ્ધિનું સાંભળ્યા કરીએ, એ આડાઈ થઈ કહેવાય ને ? દાદાશ્રી : સાંભળ્યા કરીએ ને કંઈ અમલમાં ના લઈએ તો વાંધો નથી. બાકી જોયા જ કરવું જોઈએ, બુદ્ધિ શું કર્યા કરે છે તે ! આપણા સ્વભાવમાં રહ્ય્ાા કે ભાંજગડ નહીં. તમારે બુદ્ધિ વધારે છે પણ દાદાની કૃપા પ્રાપ્ત થઈ ગયેલી છે એટલે વાંધો નહીં આવે. પ્રશ્નકર્તા : દાદા, મારી બુદ્ધિ બહુ ચાલે પણ પછી એને જરા શાંત પાડી દઉં છું. હવે એનું હું સાંભળતો નથી. દાદાશ્રી : એ અડવા જ ના દેવું. આ (પા.૮) અમારામાં બુદ્ધિ જતી રહે ત્યારે જ આ ભાંજગડ ગઈ ને ! સ્વતંત્ર, કશું કોઈ ડખલ જ ના કરે ને પછી ! ડખાને કાઢવાનો કે છૂટા રહેવાનું ? પ્રશ્નકર્તા : આ ડખલ છે એ આપણને પોતાને ખબર કેમની પડે ? દાદાશ્રી : બધું ખબર પડે, પોતે તટસ્થ ભાવે જુએ ને તો. પ્રશ્નકર્તા : એ ડખલ પોતાની છે અને આ જે પ્રકૃતિ એના સ્વભાવમાં છે, એ બેની વચ્ચે ખ્યાલ કેવી રીતે આવે ? પ્રકૃતિ એના સ્વભાવ પ્રમાણે બે ડીશ જ આઈસ્ક્રીમ ખાય, તો પોતાની ડખલ કઈ ? દાદાશ્રી : આ ડખલ વધારે ખવડાવે છે અને બીજું શું કરે ? ‘નથી ખાવા જેવો. હં ! ટાઢો. ગળે એ થઈ જશે’ એ પણ ડખલ. ખાવા ના દે અને વધારે ખાવા દે તે બેય ડખલ ! પ્રશ્નકર્તા : એ પ્રમાણ જળવાય કેવી રીતે ? દાદાશ્રી : ડખલ ના કરે તો એની મેળે પ્રમાણ જળવાય. પ્રશ્નકર્તા : કોઈ પણ વસ્તુ એની મેળે ચાલ્યા કરે છે ને આપણો ડખો કંઈ ને કંઈ હોય છે. દાદાશ્રી : બધો ડખો જ છે આ. ઓછો થયો એટલો ખરો ! હવે સિનેમાનો ડખો ઓછો થયો, રાતે નથી ખાતો તે ડખો ઓછો થયો, હોટલોમાં જતો નથી તે ડખો ઓછો થયો, કેટલા બધા ડખા ઓછા થઈ ગયા ! પ્રશ્નકર્તા : પણ હજુ ઘણા છે ને ! હજુ છે, બહુ ડખા છે ! આખો દિવસ તે ઓળખાતા નથી એનું શું ? દાદાશ્રી : બધું ઓળખાય. તું કરું તે ઘડીએ ખબર પડે કે આ ડખો થઈ રહ્ય્ાો પાછો. થર્મોમિટરને વાર શું લાગે, કેટલો તાવ ચઢ્યો છે એ બતાવતા ? પ્રશ્નકર્તા : ખબર પડે છે કે આ ડખો થયો છે પણ જાય નહીં ને ! દાદાશ્રી : એને કાઢવાનો નથી, એનાથી છૂટા રહેવાનું છે. છૂટા રહ્ય્ાા એટલે મહીં ડખો બંધ થઈ ગયો. પોતાના સ્વભાવમાં રહેવાય. આ મહેમાન રસોડામાં ના જાય, તે મહેમાન કેટલો બધો કિંમતી ગણાય અને રસોડામાં જઈને કઢી હલાવવા બેસે તો ? એવું આ મહેમાન ગમે ત્યાં જાય, બધું ડખો કરે છે. આ મહેમાન એવું કરે છે. પ્રજ્ઞાશક્તિ તો શું કહે છે ? ચેત અને જો. બીજું કશું ડખો કરવાની જરૂર નથી. પ્રશ્નકર્તા : પ્રજ્ઞાશક્તિ તો એને બતાવવાનું કામ કર્યા જ કરે છે, એમાં આપણે ડખો કર્યો ? દાદાશ્રી : હા, આપણે ડખો કરીએ છીએ. ચેતવે છતાંય ગાંઠીએ નહીં ને ડખો કરી નાખે તો લાંબો વખત ચાલે પછી. ચેતવે કોને ? ડખો કરનારને ચેતવે કે ‘આવું શું કરવા કરે છે તે ? શું ફાયદા માટે કાઢવાનું હતું ત્યાં ?’ છતાંય આ કર્યા કરે. આમ પ્રજ્ઞાશક્તિનો સ્વભાવ એવો કે એને ચેતવ્યા વગર રહે જ નહીં. પ્રશ્નકર્તા : તે વખતે ભગવાન શું કરે છે ? દાદાશ્રી : ભગવાન ઉદાસીન, વીતરાગ. ડખો કાઢે ડખાને પ્રશ્નકર્તા : આ ડખો થયો અને આપણે નિશ્ચય કર્યો કે આ ડખો નથી કરવો, એ નવો ડખો ના કહેવાય ? (પા.૯) દાદાશ્રી : પણ એ ડખો પેલા ડખાને કાઢે ને ! પેલા ડખાને કાઢીને આ ડખો થાય ને ! આ ડખો ઉત્તમ. પ્રશ્નકર્તા : ડખો ડખાને કાઢે, પણ પછીથી આ ડખો રહી જાય છે ? દાદાશ્રી : આ ડખો તો આપમેળે જતો રહે. પછીથી કાઢવો ના પડે. સબ ચલે જાવ. તો કહે, ચલે જાયેગા ! બસ ! કાઢવો ના પડે. તને એવું લાગતું’તું કે કાઢવો પડશે એને ? એ ડખો છે પણ એ ડખો એની મેળે જ જતો રહે ! આપણે કહીએ કે આ તમારું કામ પૂરું થયું, જતા રહો, તો જતા રહે. જ્યારે પેલા ડખા ના જાય. પેલા ડખા આ ડખાથી જાય. મોક્ષમાર્ગ તો બહુ અઘરો છે. એક ઈંચ પણ મહીં જવું એ બાજુ તો બહુ કિંમતી ગણાય. આત્મા જુદો છે એવું કહે ત્યારે તો મોટો સાયન્ટિસ્ટ ગણાતો હતો. એને ખબર પડે કે આ જુદો છે, બીજું કશું નહીં. તમે તો વળી આગળ પહોંચી ગયા ! ચંદુભાઈ આઈસ્ક્રીમ ખાવા બેઠા હોય ને, એમાં ડખો ના કરે તો બે ડીશ ખાઈને ઊઠી જાય, પણ આ તો ડખો કર્યો વળી, આ સરસ છે ! અલ્યા ભઈ, બે-ચાર-પાંચ ઠોકી જાવ ને ! પ્રશ્નકર્તા : એટલે એ પોતે ડખો કરે છે. દાદાશ્રી : હા. હવે ત્યાં પ્રજ્ઞા એને ચેતવે, ‘અલ્યા ભઈ, આવું શા માટે ?’ પ્રશ્નકર્તા : ‘ત્રણ-ચાર ઠોકી જાવ’ એ બતાવે છે કોણ ? દાદાશ્રી : એ જ, તારો ચારિત્રમોહ. ચારિત્રમોહ ઓગાળીય શકાય. આમ જુઓ, જ્ઞાતા-દ્રષ્ટા રહીએ તો ઊડી જાય. અને જાગૃતિ ના રાખી ને નિશ્ચય ના કર્યો, તો ચારિત્રમોહ પેન્ડિંગ રહે. પ્રશ્નકર્તા : પ્રજ્ઞાશક્તિ બતાવે ને, ત્યાંથી તો ઉડાવી શકાય એવું હોય છે. એટલે ડખલ બંધ થાય એવું શક્ય હોય છે. દાદાશ્રી : બરોબર છે. પ્રશ્નકર્તા : પછી વાણીમાં હોય ડખોડખલ ? દાદાશ્રી : હા, હોય. બધામાં ડખોડખલ તો હોય ને ! વર્તનમાં હઉ ડખોડખલ હોય. ‘ચાલો’ કહે છે, ‘ઉતાવળ છે !’ રઘવાયો થઈ જાય. શું ત્યાં આમ ગાડી ઉપડી જવાની હોય ! આમ તો હજી ઉપડવાને વાર હોય. પણ બધે ડખોડખલ જ કર્યા કરે. પ્રજ્ઞાને સિન્સિયર થયા તો એ ચેતવે પ્રશ્નકર્તા : દાદા, હવે ડખોડખલ બંધ કરવાનો ઉપાય બતાવો. દાદાશ્રી : જ્ઞાતા-દ્રષ્ટા થઈ જાવ એટલે ડખોડખલ બંધ થઈ જાય. પોતાનો ગુણધર્મ જ્ઞાતા-દ્રષ્ટા તો છે. તે જે ચારિત્રમોહ આવ્યો તેને જાણવો કે આ ચારિત્રમોહ છે. તેને જોવું અને જાણવું. જુઓ એટલે જતો રહેશે. પ્રશ્નકર્તા : જોવા-જાણનારો છે, એ જ પોતે ડખલ કરે છે ? દાદાશ્રી : જોવા-જાણનારો કરતો હશે ? ડખલ કરનારને તો એ જુએ છે, જાણે છે કે આ ડખલ કરે છે. ડિસ્ચાર્જ અહંકાર ડખોડખલ કરે છે. પ્રશ્નકર્તા : બુદ્ધિ ડખો કરે ? દાદાશ્રી : બુદ્ધિય ડખો કરે, બધાય ડખો કરે. અહંકાર, બુદ્ધિ, ચિત્ત ને મન બધાય એ ડખાવાળા (પા.૧૦) જ છે ને ! પણ મૂળ ગુનેગાર ગણાય અહંકાર. કારણ કે પોતાની સહી છે. પ્રશ્નકર્તા : મનનો સ્વભાવ તો વિચારો કરીને જતું રહે ? દાદાશ્રી : ના, નાય જતું રહે. ડખો કરે ત્યારે છોડે. પ્રશ્નકર્તા : એટલે પેલા અહંકાર જેવું ફોર્સવાળું નહીં ને ? એટલે સહી કરનારા જેવું ફોર્સવાળું નહીં ને મન ? દાદાશ્રી : ખરું, બહુ જ ! મન એક જીદ પકડે તે તો સવાર પાડી દે. એટલે કોઈ પાંસરું ના હોય. એટલે પોતાને જ પાંસરું થવું પડે. એ તો પાંસરા હતા, તેને આપણે બગાડ્યા. એટલે આપણે પાંસરા થઈએ એટલે એ સુધરે. પ્રશ્નકર્તા : એટલે આમાં તો પ્રજ્ઞા જેટલું ચેતવે એટલું જ આપણે ચેતી શકીએ ને ? દાદાશ્રી : પ્રજ્ઞા તો બધું જ ચેતવવા તૈયાર છે. એ ચેતવે તેને તું માનું નહીં એટલે બંધ થઈ જાય. પ્રશ્નકર્તા : દાખલા તરીકે આપણે માનીએ બધું જ, તો બધું જ ચેતવે ? દાદાશ્રી : ભાન થાય બધું. હા, બધું ચેતવે. આપણે એને સિન્સિયર થયા તો એ બધું ચેતવે. એ એને મોક્ષે લઈ જવો છે, જેમ તેમ કરીને. એટલે એની પોતાની ઈચ્છાપૂર્વક થતું હોય, એની ભાવના પ્રમાણે થતું હોય તો તરત જ તૈયાર હોય. પ્રજ્ઞાશક્તિ દેખાડે મહીંલા ડાઘ પ્રશ્નકર્તા : જ્ઞાન લીધે પાંચ-પાંચ વર્ષ થયા તોય હજુ અમારો મેળ નથી કેમ પડતો ? દાદાશ્રી : હવે તો મેળ પડ્યો જ કહેવાય. એવો કઈ જાતનો મેળ પાડવાનો ? પ્રશ્નકર્તા : આ ભૂલોમાંથી. દાદાશ્રી : અંદર ચોખ્ખું થઈ જાય. હજુ નીકળ્યા કરવાનો માલ તો. કચરો જે ભરેલો ને, તે તો નીકળે જ ને ! નહીં તો ટાંકી ખાલી ના થાય ને ! પહેલા તો કચરો નીકળે છે એવું જાણતા ન હતા. સારું નીકળે છે એવું જાણતા હતા ને ? એનું નામ સંસાર. અને ‘આ કચરો માલ છે’ એવું જાણ્યું એ છૂટા થવાની નિશાની. જે પોતે કરે ને એમાં પોતાને ‘ભૂલ છે’ એવું ક્યારેય ખબર પડે નહીં. પ્રશ્નકર્તા : આપણે જાણીએ છીએ કે આ કરવા જેવું નથી, આ ખોટું છે, છતાં ભૂલ થાય છે. તે પાછલા જે બધા કર્મો લઈને આવેલા છે, એને લીધે ? દાદાશ્રી : એ તો માલ કચરો ભરી લાવ્યા’તા. એ આપણે કાઢવો તો પડશે ને ? જે સમજણ પડે છે કે આ ખોટો માલ ભરી લાવ્યા છે, ત્યાં આગળ આત્મવિજ્ઞાન છે, ત્યાં પ્રજ્ઞા છે એ ‘જુએ’ છે. જોનારમાં એ પ્રજ્ઞા છે. પ્રતિક્રમણ કરીને આ ‘મારું ન્હોય’ એટલું બોલે તોય બહુ થઈ ગયું. અત્યાર સુધી ‘મારું’ કહીને વળગાડ્યું. હવે આ ‘મારું ન્હોય’ કહીને છોડી દેવું. જો રોજ પચ્ચીસ જેટલી ભૂલો સમજાય તો તો અજાયબ શક્તિ ઉત્પન્ન થાય. સંસાર નડતો નથી, ખાવા-પીવાનું નડતું નથી. નથી તપે બાંધ્યા કે નથી ત્યાગે બાંધ્યા. પોતાની ભૂલે જ લોકોને બાંધ્યા છે. મહીં તો પાર વગરની ભૂલો છે. પણ માત્ર મોટી મોટી પચ્ચીસેક જેટલી જ ભૂલો ભાંગે તો છવ્વીસમી એની મેળે ચાલવા લાગે. કેટલાક (પા.૧૧) તો ભૂલને જાણે છતાં પોતાના અહંકારને લઈને તેને ભૂલ ના કહે. આ કેવું છે ? એક જ ભૂલ અનંત અવતાર બગાડી નાખે. એ તો પોષાય જ નહીં. કારણ કે નિયાણું મોક્ષનું કરેલું, તેય નિયાણું પૂરેપૂરું નહીં કરેલું. તેથી તો આવું થયું ને ! દાદા પાસે આવવું પડ્યું ને ! જ્ઞાન મળ્યા પછી ભૂલો શાનાથી દેખાતી થાય ? પ્રજ્ઞાશક્તિથી. આત્મામાંથી જે પ્રજ્ઞાશક્તિ પ્રગટેલી, એનાથી બધી ભૂલો દેખાતી થાય અને એ ભૂલો દેખાતી થાય આપણને એટલે તરત આપણે નિવેડો લાવીએ. આપણે કહીએ કે ‘ભઈ, પ્રતિક્રમણ કરો.’ પેલી પ્રજ્ઞાશક્તિ ડાઘ દેખાડે એટલે આપણે કહીએ, ‘આ ધોઈ નાખ.’ એટલે બધાય કપડાં ધોઈ નાખવા. બધા ડાઘના પ્રતિક્રમણ કર્યા એટલે ચોખ્ખા ! પ્રજ્ઞાશક્તિ કરાવે પ્રતિક્રમણ પ્રશ્નકર્તા : આપણે જે પ્રતિક્રમણ કરીએ છીએ એ પુદ્ગલનું કરીએ છીએ કે કોનું કરીએ છીએ ? દાદાશ્રી : પુદ્ગલનું જ, બીજા કોનું ? પ્રશ્નકર્તા : પુદ્ગલનું ને ! તો એવી રીતે આપણા પુદ્ગલનું પણ પ્રતિક્રમણ થઈ શકે કે નહીં ? દાદાશ્રી : આપણા જ પુદ્ગલનું કરવાનું. સામાના પુદ્ગલનું તો એને નુકસાન થયેલું હોય ત્યારે કરવું પડે, નહીં તો આપણા જ પુદ્ગલનું (અંદર ઊભા થતા કષાયોનું) પ્રતિક્રમણ કરવાનું છે ને ! પ્રશ્નકર્તા : એ આપણા પુદ્ગલનું પ્રતિક્રમણ કોણ કરે છે ? દાદાશ્રી : એ બધું આપણી પ્રજ્ઞા કરે છે. (પ્રજ્ઞા ચંદુભાઈ પાસે કરાવે છે.) પ્રશ્નકર્તા : એ જે મહીં ચંદુભાઈને કહે કે આ તમે ભૂલ કરી છે, માટે આ પ્રતિક્રમણ કરો, તો એ કહેનાર કોણ ? કોણ એવું કહે ? દાદાશ્રી : એ આપણી પ્રજ્ઞા નામની જે શક્તિ છે ને, તે ચેતવે છે કે તમે આ પ્રતિક્રમણ કરો. પ્રશ્નકર્તા : આપણે આપણું પ્રતિક્રમણ કરીએ, ત્યારે ખરેખર પુદ્ગલ શુદ્ધાત્માનું કરે છે ને ? દાદાશ્રી : આ પ્રતિક્રમણમાં પ્રજ્ઞાશક્તિ અને શુદ્ધ ચેતન (સમ્યક્ દ્રષ્ટિ-શુદ્ધ ચિત્ત) કામ કરે છે. પ્રશ્નકર્તા : અતિક્રમણ બીજાને માટે નહીં પણ પોતાને અંગે પણ થઈ શકે ? દાદાશ્રી : પોતાનું તો આપણા શુદ્ધાત્મા જોડે કરવાનું. આપણે શું કહેવાનું કે ‘હે ચંદુભાઈ, પ્રતિક્રમણ કરો. ભઈ, તમે કેમ આવી ભૂલો કરો છો ?’ પ્રતિક્રમણ હવે ‘તમારે’ કરવાનું નથી. ‘જ્ઞાતા-દ્રષ્ટા’ છે તે ‘કરે’ નહીં અને જાગૃતિ હોય તો જ જ્ઞાતા-દ્રષ્ટા હોય ને જાગૃતિમાં જ પ્રતિક્રમણ થાય. એટલે પ્રતિક્રમણ ચંદુભાઈને જ કરવાનું. જેણે અતિક્રમણ કર્યું ને, તેને જ ‘આપણે’ કહીએ કે ‘તમે’ પ્રતિક્રમણ કરો. આક્રમણખોર હોય તેને જ કહીએ કે તમે પ્રતિક્રમણ કરો. ચંદુભાઈને પ્રતિક્રમણ કરવાનું તમે કહો તો તમે શુદ્ધાત્મા હો તો જ થાય. રિયલમાંથી ઊભી થતી પ્રજ્ઞાશક્તિ પ્રશ્નકર્તા : પ્રતિક્રમણ કોણ કરે છે ? દાદાશ્રી : અતિક્રમણ કરે છે તે. પ્રશ્નકર્તા : પણ અતિક્રમણ કોણ કરે છે ? દાદાશ્રી : અતિક્રમણ એ અહંકાર કરે છે. (પા.૧૨) પ્રશ્નકર્તા : અતિક્રમણ અહંકાર કરે છે, તો પ્રતિક્રમણ અહંકારે જ કરવાનું ? દાદાશ્રી : હા, પ્રતિક્રમણેય અહંકારે જ કરવાનું. પણ ચેતવણી કોની ? પ્રજ્ઞાની. પ્રજ્ઞા કહે છે, ‘અતિક્રમણ કેમ કર્યું ?’ પ્રજ્ઞા શું ચેતવે ? ‘અતિક્રમણ કેમ કર્યું ? તો હવે પ્રતિક્રમણ કરો.’ પ્રશ્નકર્તા : એટલે પ્રજ્ઞા ‘રિલેટિવ’માંથી આવે છે કે ‘રિયલ’માંથી ? દાદાશ્રી : એ ‘રિયલ’માંથી આવે છે. એટલે એ ‘રિયલ’માંથી ઉત્પન્ન થનારી શક્તિ છે. બે જાતની શક્તિઓ છે. રિયલમાંથી ઉત્પન્ન થનારી શક્તિ એ પ્રજ્ઞા અને રિલેટિવમાંથી ઉત્પન્ન થનારી શક્તિ એ અજ્ઞા કહેવાય. અજ્ઞા હોય તે સંસારની બહાર નીકળવા જ ના દે અને પ્રજ્ઞા તો મોક્ષે લઈ જતા સુધી છોડે જ નહીં. પ્રશ્નકર્તા : એટલે અહંકાર ‘રિલેટિવ’માં જ આવે ને ? દાદાશ્રી : એ બધું રિલેટિવમાં જ જાય. પ્રશ્નકર્તા : દાદા, રિયલ અને રિલેટિવ બે જુદા છે, તો પછી આપણે શું કરવા વચ્ચે ભેગા થવાની જરૂર આવી ? પ્રતિક્રમણ કરવાની શી જરૂર ? રિલેટિવમાં આપણે પડવાની શી જરૂર ? દાદાશ્રી : ‘રિલેટિવમાં’ પડવાની જરૂર નથી, પણ સામાને દુઃખ થયું તે ‘આપણે’ ચંદુભાઈને (પોતાની જાતને) કહેવું જોઈએ, કે ‘ભઈ, આને દુઃખ થાય એવું કેમ કર્યું ? માટે તમે પ્રતિક્રમણ કરો.’ બસ, એટલે ડાઘ ધોઈ નાખવો. ડાઘ પડ્યો કે ધોઈ નાખીએ. આપણે ‘રિલેટિવ’ કપડું પણ ચોખ્ખું રાખવાનું. પ્રશ્નકર્તા : દાદા, આ દુઃખ પહોંચાડે છે, તે ‘રિયલ’ પહોંચાડે છે ? દાદાશ્રી : ‘રિયલ’ તો કશું કરતું જ નથી. બધું ‘રિલેટિવમાં’ જ છે અને દુઃખેય ‘રિલેટિવને’ પહોંચે છે, ‘રિયલને’ પહોંચતું નથી. બીજાને દુઃખ થાય ત્યાં ચેતવે પ્રજ્ઞાશક્તિ પ્રશ્નકર્તા : દુઃખ થાય છે એ સામાના અહંકારને થાય છે ? દાદાશ્રી : હા, અહંકારને દુઃખ થાય છે. પ્રશ્નકર્તા : તો પ્રતિક્રમણની શી જરૂર છે ? રિલેટિવમાં ફરી પડવાની શી જરૂર છે ? દાદાશ્રી : પણ પેલાને દુઃખ થયું, એનો ડાઘ આપણા રિલેટિવ ઉપર રહ્ય્ાો ને ! એ રિલેટિવ ડાઘવાળું નથી રાખવાનું. છેવટે ચોખ્ખું કરવું પડશે. આ કપડું ચોખ્ખું મૂકવાનું છે. ક્રમણનો વાંધો નથી. ક્રમણ એટલે એમ ને એમ મેલું થાય તેનો વાંધો નથી. રીતસર મેલું થાય તેનો વાંધો નહીં, પણ એકદમ ડાઘ પડ્યો હોય, એ તો ધોઈ નાખવો. પ્રશ્નકર્તા : એટલે ‘રિલેટિવ’ ચોખ્ખું રાખવું જરૂરી છે ? દાદાશ્રી : એવું નથી. ‘રિલેટિવ’ જૂનું થશે, કપડું જૂનું થાય તેનો વાંધો નથી. ક્રમણથી પણ એકદમ ડાઘ પડ્યો હોય તો આપણા વિરુદ્ધ કહેવાય. એટલે એ ડાઘ ધોઈ નાખવો જોઈએ. એટલે આવું અતિક્રમણ થયું હોય તો પ્રતિક્રમણ કરો. અને તે કો’ક વખત થાય છે, રોજ થતું નથી. અને પ્રતિક્રમણ ન થયું હોય તો બહુ મોટો ગુનો નથી આવતો કંઈ, પણ પ્રતિક્રમણ કરવું એ સારું છે. પ્રશ્નકર્તા : આ અતિક્રમણ કરવાની સત્તા આપણા હાથમાં નથી તો આ પ્રતિક્રમણ કરવાની આપણા હાથમાં કેવી રીતે હોય ? દાદાશ્રી : અતિક્રમણની સત્તા નથી. (પા.૧૩) પ્રતિક્રમણ તો આ મહીં ચેતવણી આપે છે, મહીં જે ચેતન છે ને, પ્રજ્ઞાશક્તિ તે ચેતવે. અક્રમમાં પ્રતિક્રમણ સાથે સામાયિક પ્રશ્નકર્તા : આપણા પ્રતિક્રમણ અને સામાયિકમાં શું કનેક્શન (સાંધો) છે ? દાદાશ્રી : પ્રતિક્રમણ તો અતિક્રમણ થયું હોય તેનું. તમારો વ્યવહાર એ ક્રમણ છે ને વધારે બોલાયું તે અતિક્રમણ છે. તે તમારે ચંદુભાઈને કહેવું કે અતિક્રમણ કેમ કર્યું ? માટે પ્રતિક્રમણ કર. અતિક્રમણ થાય તેની પર પ્રતિક્રમણ કરવું. સામાયિક એટલે ‘હું શુદ્ધાત્મા છું’નું ભાન તે સામાયિક. પાંચ આજ્ઞામાં નિરંતર સામાયિક રહે. સમભાવે નિકાલ કરવો એ પહેલું સામાયિક. અને સહજ દશામાં, સ્વભાવિક રહેવું તે અમારા જેવું સામાયિક. તે તમનેય થોડું-ઘણું રહે. આ સામાયિક કરો છો, ત્યારે પ્રકૃતિ બિલકુલ સહજ કહેવાય. સામાયિક કરતા કરતા વર્તમાનકાળને પકડતા આવડે, એમ સીધે-સીધું ના આવે. કલાક સામાયિકમાં બેસો છો ત્યારે વર્તમાનમાં જ રહો છો ને ! નિવેડો, સામાયિક-પ્રતિક્રમણથી પ્રશ્નકર્તા : સામાયિકથી ચોખ્ખા થાય ને ? દાદાશ્રી : થાય ને, ઘણા થાય. સામાયિકથી તો બધો નિવેડો આવી જાય. પ્રતિક્રમણ છે તે પ્રજ્ઞાનું કામ છે. એટલે ઘણો ફેરફાર થઈ જાય. અને સામાયિકમાં એ જુએ છે, એટલે ધોવાઈ જાય છે બધું. જેટલા દોષ દેખાયા એટલા ધોવાઈ જાય. પ્રશ્નકર્તા : ત્યાં સામાયિકમાં તો આત્માનું જ કામ છે ને ? દાદાશ્રી : સીધું, ડિરેક્ટ. આપણું સામાયિક તો આત્મારૂપ થઈ જવાનું. મહીં ચંદુભાઈ (ફાઈલ નં.૧)નું તંત્ર શું ચાલી રહ્ય્ાું છે એ જોવું, ચંદુભાઈને આ વિચાર આવ્યો, તે વિચાર આવ્યો, ફલાણો આવ્યો, તેને બધાને જોવા, આપણે જોનાર. વિચાર એ દ્રશ્ય, આપણે દ્રષ્ટા અને જે સમજણ પડે એવા વિચાર હોય એ જ્ઞેય કહેવાય ને આપણે જ્ઞાતા. પછી ચંદુભાઈની બુદ્ધિ શું કરે છે, ચિત્ત શું કરે છે, પગમાં દુઃખે છે, ત્યાં ચંદુભાઈ ધ્યાન રાખે છે કે નહીં, એ બધું ‘આપણે’ જાણવું. પેટમાં ભૂખ લાગી હોય તોય જાણવી અને બહારનાનો વિચાર આવે તેને જોવો, એ આપણું સામાયિક. શુદ્ધ રહેવું, શુદ્ધ જોવું, આખી રાત કચકચ કરી હોય ને પછી સામાયિકમાં બેઠા, એટલે શુદ્ધ જોવું અને કહેવું, ‘ચંદુભાઈ, માફી માગી લો !’ પ્રશ્નકર્તા : દાદા, એ સામાયિક યથાર્થ રીતે કેવી રીતે કરાય ? દાદાશ્રી : અહીં આ બધા છે તે એવી જ ‘સામાયિક’ કરે છે. તે પછી સામાયિકમાં એ વિષયને મૂકીને પોતે ધ્યાન કરે તો એ વિષય ઓગળતો જાય, ખલાસ થઈ જાય. જે જે તમારે ઓગાળી નાખવું હોય, તે આ સામાયિકથી અહીં ઓગાળી શકાય. તમને કોઈ જગ્યાએ જીભનો સ્વાદ નડતો હોય, તે જ વિષય ‘સામાયિક’માં મૂકવાનો. અને આ દેખાડે એ પ્રમાણે તેને ‘જોયા’ કરવાનું. ખાલી જોવાથી જ બધી ગાંઠો ઓગળી જાય. સામાયિકમાં જોનાર પ્રજ્ઞાશક્તિ પ્રશ્નકર્તા : આ જે અક્રમમાં સામાયિક કરીએ છીએ, એમાં જે પાછલા બધા દોષો દેખાય છે, તો એ સામાયિકમાં જોનારો કોણ છે ? આત્મા કે પ્રજ્ઞા ? દાદાશ્રી : પ્રજ્ઞા, આત્માની શક્તિ. સંસારમાં (પા.૧૪) આત્મા કામ કરે ત્યાં સુધી એ પ્રજ્ઞા કહેવાય. મૂળ આત્મા પોતે કરતો નથી. પ્રશ્નકર્તા : આપ ઘણીવાર સામાયિકમાં બેસાડી અને ત્રિમંત્ર બોલવાનું કહો છો ને, વાંચો, નમો અરિહંતાણં કરીને, તો એ વખતે એ આત્મા જ વાંચે છે ? અને આપણે આ સત્સંગનું પુસ્તક વાંચીએ, આપ્તવાણી વાંચીએ એ શુદ્ધ ચિત્ત વાંચે છે અને પેલું આત્મા વાંચે છે, એ સરખું જ છે ? દાદાશ્રી : આત્મા મૂળ વાંચે છે એ જુદી જાતનું છે. આ આપણે આત્માનું કહેવાનો ભાવાર્થ શું છે કે રસ્તે ચઢાવવા માટે કહીએ છીએ. ઈન્દ્રિયો નથી એવું કહેવા માગીએ છીએ. પણ આ મૂળ આત્મા તો, પોતાની બુદ્ધિ શું કરી રહી છે, મન શું કરી રહ્ય્ાું છે, એને બધાને જાણે. તેય ખરેખર મૂળ આત્મા નહીં, આપણી પ્રજ્ઞા. એ મૂળ આત્માની શક્તિ કહેવાય છે. એટલે બધું જાણે છે એ. એ જાણે સાચું પણ આ ખોટું ના કહેવાય. અહીં આગળ ઈન્દ્રિયો નથી. તેમ પેલો મૂળ આત્મા તો આખોય નથી. એ તો આ રસ્તે ચઢાવવા કહીએ એટલે રિલેટિવ-રિયલ કહેવાય આને ! જોનારાને જોયો સામાયિકમાં સામાયિકમાં જોનારાને જોયો તમે. એ આત્માએ, તમે જોનારનેય જોયો અંદરથી ! નહીં તો માણસને યાદ કરવાની શક્તિ તો હોય જ નહીં ને આટલી ! આ તો બધું પળેપળ જોઈ લે, પળેપળ ! આ સંસારમાં બીજા કોઈ ઉપાય નથી કે બે દહાડા પહેલાનું યાદ આવે. આ તો આત્મશક્તિ કામ કરે છે. એટલે આત્મશક્તિની હાજરીમાં પ્રજ્ઞાશક્તિ જબરજસ્ત કામ કરે છે. પ્રજ્ઞાશક્તિ ને શુદ્ધ ચિત્ત બે ભેગા થઈ અને ધડાકાબંધ કામ કરે. મહીં ખોદી ખોદીને બધું આમ કેમ, બધું ક્યાંથીય ખોળી કાઢે છે ! આપણને યાદેય ના હોય તેવા ગુના બધા ! યાદ ના હોય તે હઉ આવે. પ્રશ્નકર્તા : આપે પેલું હમણાં કહ્યું ને કે આ સામાયિકમાં જોનારો જુએ છે, તો એ જરા સમજાયું નહીં. દાદાશ્રી : આ સામાયિક તો આત્મ-સામાયિક કહેવાય. આત્મા સિવાય બુદ્ધિની શક્તિ છે એટલે બહારની વસ્તુને જોઈ શકે, સંસારી વસ્તુઓને, અને આ દોષો બધાને એ જુએ. એટલે આ જાણવાની શક્તિ અને જોવાની શક્તિ આત્માની. આત્મા સ્વ-પર પ્રકાશક એટલે એ જોઈ શકે છે. પોતાનેય જુએ છે અને બહારનુંય જુએ છે. સ્વ-પર પ્રકાશક એટલે સંસારનેય પ્રકાશી શકે અને પોતાની જાતનેય પ્રકાશી શકે, બન્ને જોઈ શકે. પ્રશ્નકર્તા : ચંદુ પ્રતિક્રમણ કરે અને એને આત્મા જુએ પણ આપે તો એમ કહ્યું કે જોનારાને એ જુએ છે. દાદાશ્રી : હા, એટલે ત્યાં ખરેખર આ મૂળ આત્મા જ કામ કરે છે. એટલે જુદું પાડ્યું અમે. મૂળ આત્મા જ કામ કરે છે. સ્વ-પરનો પ્રકાશક જે છે તે જ કામ કરે છે. માટે એ સ્વ-પર પ્રકાશકની તમને ખાતરી થઈ કે સ્વ-પર પ્રકાશક મહીં છે અને કાર્ય કરી રહ્ય્ાો છે તે આપણે જોયું. જોનારને જોયો હવે. જોનારને જોવામાં બીજો અભ્યાસ નથી થતો. પણ અહીં આગળ આપણને ખાતરી થઈ કે આ કોણે જોયું ! એટલે આપણે જોઈએ કે ખોળીએ કોણ ? ત્યારે કહે, ‘જોનારને જોયો આપણે.’ દાદાનું નિદિધ્યાસન કરાવે પ્રજ્ઞા પ્રશ્નકર્તા : આજે સવારે સામાયિકમાં આપનું નિદિધ્યાસન બધે થઈ રહેલું એ શું છે ? એને હું શુદ્ધ ચિત્ત સમજુ છું. (પા.૧૫) દાદાશ્રી : ના, એ તો પ્રજ્ઞાશક્તિનું બધું કામ છે. શુદ્ધ ચિત્ત તો એ પોતે જ આત્મા છે. શુદ્ધાત્મા એ જ શુદ્ધ ચિદ્રુપ. આ તો પ્રજ્ઞા બધું કરે છે. પ્રશ્નકર્તા : બધે દાદા બેઠેલા દેખાય એ શું ? દાદાશ્રી : એ જ પ્રજ્ઞાને. અજ્ઞાશક્તિ છે તે બીજું દેખાડે, લક્ષ્મી દેખાડે, સ્ત્રીઓ દેખાડે એ અજ્ઞાશક્તિ. અજ્ઞાશક્તિ સ્ત્રીનું નિદિધ્યાસન કરાવડાવે અને પ્રજ્ઞાશક્તિ જ્ઞાની પુરુષનું. જ્ઞાની પુરુષ એટલે આત્માનું નિદિધ્યાસન કરાવે. પ્રશ્નકર્તા : હવે જ્ઞાન લીધું છે અત્યારે એને પણ આ સ્ત્રીનું નિદિધ્યાસન ઊભું થાય તો એ અજ્ઞા ડિપાર્ટમેન્ટ છે ? દાદાશ્રી : એ તો પેલો ચંદુભાઈનો ભાગ છે, એમાં આપણે શું લેવા-દેવા ? પ્રશ્નકર્તા : ના, એટલે ચિત્તનું આમાં ફંકશન ક્યાં આવ્યું ? દાદાશ્રી : એ તો ચંદુભાઈનો ભાગ છે, અશુદ્ધ ચિત્ત છે. પ્રશ્નકર્તા : તો આ પ્રજ્ઞા જે જ્ઞાની પુરુષનું નિદિધ્યાસન કરાવે છે, એમાં ચિત્તનું ફંકશન ક્યાં આવ્યું ? દાદાશ્રી : એમાં ચિત્તની જરૂર જ નહીં, પ્રજ્ઞાશક્તિ પોતે જ દેખી શકે. પ્રશ્નકર્તા : આ એક્ઝેક્ટ ફોટોગ્રાફી કહીએ છીએ ? દાદાશ્રી : હા, એક્ઝેક્ટ. ફોટોગ્રાફી કરતા સારું. ફોટોગ્રાફીમાં એટલું સરસ ના આવે. સ્વપ્નાનું તો ફોટોગ્રાફી કરતાય સરસ આવે અને રૂબરૂ કરતાય છે તે સ્વપ્નમાં બહુ સરસ આવે. પ્રશ્નકર્તા : ચિત્તનું કામ જ ના રહ્ય્ાું. દાદાશ્રી : શુદ્ધ ચિત્ત હતું, તે આત્મામાં એક થઈ ગયું, આત્મામાં ભળી ગયું. શુદ્ધ ચિત્ત થાય પછી પ્રજ્ઞાની શરૂઆત પ્રશ્નકર્તા : તો નિદિધ્યાસનને જોનારું કોણ ? દાદાશ્રી : એ પ્રજ્ઞાશક્તિ. પ્રશ્નકર્તા : એ પોતે જ જુએ ને પોતે જ ધારણ કરે ? દાદાશ્રી : એ પોતે જ બધું. એની જ બધી ક્રિયાઓ. ચિત્તની જરૂર જ ના રહી ત્યાં આગળ. અશુદ્ધ ચિત્ત હોય ત્યાં સુધી છે તે સંસારનું બધું દેખાય એને. અશુદ્ધ ચિત્ત, શુદ્ધની વાત ન દેખી શકે. એટલે ચિત્ત શુદ્ધ થયું એટલે આત્મામાં એક થયું, આત્મામાં ભળી ગયું. રહ્ય્ાું કોણ ? વચ્ચે કોઈ રહ્ય્ાું નહીં. પ્રજ્ઞાશક્તિ ચાલ્યા કરે બસ. ડખલ હોય તો પાછું શુદ્ધ ચિત્તેય બગડતું જાય પાછું. અંધારું હોય ને, તો પાછું બગડતું જાય. તે પાછું ક્યાં રિપેર કરાવીએ ? એના ક્યાંય કારખાના ના હોય. અને પ્રજ્ઞાશક્તિને રિપેર કરવી નહીં પડે આપણે. જે ના હોય તેને મૂકી તો રિપેર કરાવવા જવું પડે. જે વસ્તુ નથી તેને તો બગડ્યું ત્યારે રિપેર કરાવવા જવું પડે. એટલે કોઈ ચીજની વચ્ચે જરૂર નથી કશી. બધી જ ક્રિયા પ્રજ્ઞા કરે છે. પ્રશ્નકર્તા : આ શુદ્ધ ચિત્ત થાય ત્યારે પ્રજ્ઞા ઉત્પન્ન થાય છે ને ? દાદાશ્રી : શુદ્ધ ચિત્ત થાય ત્યારે શુદ્ધાત્મામાં ભેગું થાય. ત્યારે પછી પ્રજ્ઞા શક્તિની શરૂઆત થઈ જાય. શુદ્ધ ચિત્ત એ જ શુદ્ધ ચિદ્રુપ આત્મા. પ્રશ્નકર્તા : આ જ્ઞાની પુરુષનું નિદિધ્યાસન રહે એને પ્રજ્ઞા કહી આપે, તો જેટલું નિદિધ્યાસન (પા.૧૬) વધારે રહે એટલું ચિત્ત શુદ્ધ થાય એવું પણ કહો છો ને ? દાદાશ્રી : ચિત્તશુદ્ધિ તો થઈ ગયેલી છે ને ! પ્રશ્નકર્તા : મૂળથી જ થઈ ગઈ છે સંપૂર્ણ, તો પેલું અશુદ્ધ ચિત્ત હોય એનું શું થાય ? દાદાશ્રી : અશુદ્ધ ચિત્ત તો સંસારી કાર્ય બધું કરી લે. અશુદ્ધ ચિત્ત હોય તો ડખલ થાય વચ્ચે. શુદ્ધ ચિત્ત હોય તો ડખલ થાય નહીં. જો ત્રીજું માણસ હોય તો ડખલ થાય. ડખલ હોય છે ? તમે નિદિધ્યાસન કરી આવો કોઈ દહાડો. પ્રશ્નકર્તા : નિદિધ્યાસન થવામાં કોની ડખલ હોય છે ? દાદાશ્રી : એ તો આ ઉદયકર્મ. પ્રશ્નકર્તા : કારણ કે જો પ્રજ્ઞાનું પોતાનું સ્વતંત્ર ડિપાર્ટમેન્ટ હોય તો પ્રજ્ઞા બધા મહાત્માઓને ઉત્પન્ન થઈ છે, છતાં પેલું આપણા મહાત્માઓને જ્ઞાન પછી સરખું... દાદાશ્રી : બધાને સરખું જ્ઞાન ના ઉત્પન્ન થાય, સહુ સહુના ગજા પ્રમાણે થાય. પછી એ પ્રમાણે આજ્ઞા પળાય. પ્રશ્નકર્તા : એટલે ગજા પ્રમાણે કહ્યું, એવું કેમ ? દાદાશ્રી : હાસ્તો ને ! એનું નિશ્ચયબળ ને એવું બધું હોવું જોઈએ ને ? જુદું જુદું ના હોય દરેકનું ? દરેકનું જુદું. તારું જુદું, એનું જુદું. એ બધાનું જુદું હોય ને ! પ્રશ્નકર્તા : પણ શુદ્ધ ચિત્ત તો આ બધાને થઈ ગયું છે સંપૂર્ણ, એમ કહો છો ? દાદાશ્રી : હા, ત્યારે જ આત્મા પ્રાપ્ત થાય ને ! પ્રશ્નકર્તા : તો શુદ્ધ ચિત્ત સંપૂર્ણ શુદ્ધ થયું તો એટલી પ્રજ્ઞા ઉત્પન્ન થાય ? દાદાશ્રી : હં. અમે જ્ઞાન આપીએ એટલે તો આત્મા શુદ્ધ થઈ ગયો એટલે પ્રજ્ઞા ઉત્પન્ન થાય જ. પછી એની શક્તિ જે આ પાંચ આજ્ઞા પાળવાની છે ને, એમાં જેટલી ભાંજગડ હોય તેટલો લાભ જાય એનો ! પ્રશ્નકર્તા : એટલે જેટલી આજ્ઞા પળાય એટલી એ પ્રજ્ઞાશકિત ખીલતી જાય ? દાદાશ્રી : હા, એ નિશ્ચયબળ બધું હોવું જોઈએ. પ્રશ્નકર્તા : પણ આમાં નિશ્ચયબળ કોનું ? દાદાશ્રી : બધું પોતાનું જ. પ્રશ્નકર્તા : નિશ્ચય પોતે જ કરે ને પછી પોતે જ બળવાન થાય, એવું ? એ ના સમજાયું. દાદાશ્રી : અશુદ્ધ ચિત્ત ને મન ને એ બધું જોર કરે એટલે નિશ્ચયબળ બંધ થઈ જાય. આ પ્રમાણે જેનું ઓછું છે, તેને પેલું વધારે મજબૂત રહે. ડખો કરે ને આ બધો. નહિતર આપણે ઘણુંય એકાંત કરીને ધ્યાનમાં બેઠા હોય, પણ બહાર લોકો હો હો કરે તો ? એ બધું આ બહાર હો હો હો થાય ને, તે જેને વધારે હો હો હો, તેનું ઠેકાણું ના પડે. પ્રશ્નકર્તા : એ બહુ કરેક્ટ છે વસ્તુ. બહારનું હો હો ઓછું થાય, તો... દાદાશ્રી : આ અમારે બહારની હો હો નહીં, તો છે કશું ભાંજગડ ? અને તમને ત્રણ જણનું હો હો હોય તો ગભરામણ થઈ જાય. ‘મને કરે છે’ એવું મને અડે જ નહીં ને ! હું એવી રીતે બેસું, બહાર બેસું નહીં ને ! મને શોખ નથી (પા.૧૭) એવો. તમને શોખ હોય તે બહાર બેસીને ત્રણ જણ જોડે તમે હો હો કરો. હું તો મારી રૂમમાં બેઠો બેઠો હો હો કર્યા કરું. આટલું બધું માણસ મારે ક્યારે પાર આવે ? પ્રશ્નકર્તા : તમે પોતાની રૂમમાં એમ સીફતથી સરકી જાઓ છો, પેસી જાવ છો મહીં. દાદાશ્રી : બેઠેલો જ હોઉં છું મહીં. બહાર નીકળતો જ નથી. તમને લાગે છે કે બહાર નીકળ્યા હશે એ જ ભૂલ છે, વખતે પડછાયો દીઠો હોય તો. ખરેખર હું નથી હોતો. પ્રશ્નકર્તા : એ વાત ખરી. અમે ખેંચીએ તોય નથી આવતા. નિશ્ચયો, પ્રજ્ઞા તણા પ્રશ્નકર્તા : નિશ્ચય કોણ કરે ? એક નંબરની ફાઈલ નિશ્ચય કરે ? દાદાશ્રી : તમારે જ કરવાનો ! તમારે પોતાને નિશ્ચય કરવાનો. પ્રશ્નકર્તા : એટલે શુદ્ધાત્મા નિશ્ચય કરે ? દાદાશ્રી : ના, ના, શુદ્ધાત્મા નહીં, એની પેલી પ્રજ્ઞાશક્તિ. પ્રજ્ઞાશક્તિ નિશ્ચય કરાવ્યા વગર રહે જ નહીં. આ તો જ્ઞાન મળતાની સાથે નિશ્ચય કરી જ નાખે. પ્રશ્નકર્તા : દાદા એમ કહે છે કે ‘તારે આજ્ઞા પાળવાની વાત નથી આમાં. તું નિશ્ચય કર કે આજ્ઞામાં તારે રહેવું છે બસ, બીજું બધું મારા પર છોડી દે.’ એમ આપ કહો છો ને ? દાદાશ્રી : આજ્ઞા પાળવાની જ છે ફક્ત. આજ્ઞા પ્રમાણે થયું કે ના થયું એ આપણે જોવાનું નથી. એમાં પાળવી છે એવું નક્કી કરે, બસ. પ્રશ્નકર્તા : એટલે જે નિશ્ચય કરવાની જે વાત છે, એમાં આપણે કહીએ છીએ કે તારે કરવું કંઈ નથી. પછી પાછું એમ કહીએ છીએ કે નિશ્ચય કર. દાદાશ્રી : એ તો શબ્દો છે ને, શબ્દો એવી રીતે ખાલી. ડ્રામેટિક શબ્દો, એમાં કંઈ કર્તાભાવ ના હોય. પ્રશ્નકર્તા : હા, એટલે એ તો ભાષા પૂરતી વાત થઈ. પણ આ જે નિશ્ચય છે, એ નિશ્ચય કોણ કરે છે ? દાદાશ્રી : એ જ પોતાને થયો છે. તે આ પ્રજ્ઞાશક્તિ છે ને, એ જ નિશ્ચય કરે છે. બસ ! પ્રશ્નકર્તા : પણ એમાં જ્યારે જ્ઞાન નહોતું ત્યારે અહંકાર નિશ્ચય કરતો હતો, ત્યારે પ્રજ્ઞા નહોતી કરતી. દાદાશ્રી : બરોબર છે. એ અહંકાર નહીં પણ અજ્ઞા કરતી હતી. હવે પ્રજ્ઞા કરે છે. અજ્ઞાનીને બધા નિશ્ચય અજ્ઞા કરે અને આ જ્ઞાન પ્રાપ્ત થયું, એને પ્રજ્ઞા કરે. અજ્ઞા અને પ્રજ્ઞા બે શક્તિઓ છે. અજ્ઞા છે તે રોંગ બિલીફ છે અને પ્રજ્ઞા એ રાઈટ બિલીફ છે. પ્રશ્નકર્તા : એ નિશ્ચય કરે છે એ કહેવું એના કરતા નિશ્ચય રાખવો એમ કહેવું ? દાદાશ્રી : કરવો કે રાખવો જે શબ્દ કરે, જેનાથી આપણું ધારેલું સિદ્ધ થાય એ કરવું. શબ્દો ગમે તે બોલો ને, કરો કે રાખવો એનો કંઈ સવાલ નથી. પ્રશ્નકર્તા : પ્રજ્ઞા નિશ્ચય કરે છે કે કરાવડાવે છે ? દાદાશ્રી : એ નિશ્ચય કરે છે, કરાવડાવે, (પા.૧૮) બધું એમાં એકમાં જ આવે. એટલે એ કંઈ જુદા જુદા હોતા નથી. પ્રશ્નકર્તા : તો એમેય પણ કહેવાય ને કે નિશ્ચય કરાવે છે, નિશ્ચય રખાવે છે ? દાદાશ્રી : હા, કહેવાય. બધુંય ભેગું એનું એ જ છે. એને એકની એક વસ્તુ ને, આમાં ચૂંથારો કરીએ એટલે પોસ્ટમોર્ટમ થાય, અમથું બગડી જાય. આપણે જે કહેવા માગીએ છીએ ને, એ આશય ઊડી જાય. આમાં ચૂંથારામાં નહીં પડવું. સીધી-સાદી વાત સમજી લેવી. ભઈ, આ પ્રજ્ઞા કરે છે ને આ અજ્ઞા કરે છે, બસ. એમાં પાછી બુદ્ધિ છે તે જાત જાતના વેશ દેખાડે. તમે ‘અમારી’ ‘પાંચ આજ્ઞા’માં રહો તે જ પુરુષાર્થ છે, એ જ ધર્મ છે ! બીજો કોઈ પુરુષાર્થ નથી. એમાં બધું આવી ગયું. નિશ્ચય એ જ પુરુષાર્થ છે ! પ્રજ્ઞા થકી પુરુષાર્થ-પરાક્રમ પ્રશ્નકર્તા : પરાક્રમ અને પુરુષાર્થ કોણ કરે ? દાદાશ્રી : એ બધું જ છે તે મહીં આપણી એ છે ને પેલી પ્રજ્ઞા, પ્રજ્ઞા સ્વરૂપ. આત્માને કશું કરવાપણું હોતું નથી. પ્રજ્ઞા છે તે મોક્ષે લઈ જાય છે અને અજ્ઞા છે તે સંસારમાં ભટકાવે છે. પુરુષાર્થ ઉદય આધીન ના હોય. પુરુષાર્થ તો જેટલો કરો એટલો તમારો. આપણા મહાત્માઓ પુરુષ થયા એમને મહીં નિરંતર પુરુષાર્થ થઈ રહ્ય્ાો છે. પુરુષ, પુરુષ ધર્મમાં આવી ગયેલો છે ને તેથી જ પ્રજ્ઞા ચેતવે છે ! આપણા પુરુષાર્થ અને પરાક્રમ ઊભા થયેલા છે. હવે આ પુરુષાર્થનો ગુણ આત્મામાં નથી, પણ જે પ્રજ્ઞા નામની શક્તિ છે ને, તે એનો ધર્મ જ છે આ. એટલે તમે નક્કી કરો કે મારે આ પુરુષાર્થમાં રહેવું છે, તો અવશ્ય એવું રહે. આપણે તો નક્કી જ કે ‘મારે પુરુષાર્થ જ કરવો છે. હું પુરુષ થયો. દાદાએ મને પુરુષ કર્યો છે. પુરુષ અને પ્રકૃતિ બેઉ જુદા પાડ્યા છે. હું પુરુષ થયો છું. માટે પુરુષાર્થ કરવો છે.’ એવું નક્કી કરવું. આ તો આખો દહાડો પ્રકૃતિમાં જતું રહે ઘણું ખરું તો, એમ ને એમ વહ્ય્ાું જ જાય છે પાણી ! પ્રકૃતિની પજવણી સામે જ્ઞાન ને આજ્ઞા પ્રશ્નકર્તા : મોક્ષ અનુભવાય છે, પણ પ્રકૃતિ એનો સ્વભાવ છોડતી નથી. તેનો કંટાળો આવે છે. દાદાશ્રી : પ્રકૃતિ એનો સ્વભાવ છોડે જ નહીં ને ! ઘર આગળ સરકાર ચોગરદમ ગટર ખોલે તો ? ગટર એનો ગુણ આપે કે ના આપે ? પ્રશ્નકર્તા : આપે. દાદાશ્રી : તે ઘડીએ તમારે કઈ દ્રષ્ટિએ રહેવું પડે ? પ્રશ્નકર્તા : જ્ઞાતા-દ્રષ્ટા. દાદાશ્રી : આપણને એશઆરામ કરવા જઈએ તો ગંધ આવે, એટલે જ્ઞાતા-દ્રષ્ટા જ રહેવું. પ્રકૃતિમાં ગટરો-બટરો આવે, ત્યારે તેમાં જાગૃત રહેવું. પ્રશ્નકર્તા : ‘આપણે’ ‘પાડોશી’ને ‘જોયા’ કરીએ અને તેને વાળીએ નહીં, તો એ કેમ ચાલે ? એ દંભ ના કહેવાય ? દાદાશ્રી : આપણને વાળવાનો શો અધિકાર ? ડખલ કરવાની નહીં. એ કોણ ચલાવે છે, એ જાણો છો ? આપણે ચલાવતા નથી, આપણે વાળતાય (પા.૧૯) નથી. એ ‘વ્યવસ્થિત’ને તાબે છે. તો પછી ડખો કરીને શું કામ છે ? જે આપણો ‘ધર્મ’ નથી, તેમાં ડખો કરવા જઈએ તો પરધર્મ ઉત્પન્ન થાય ! પ્રશ્નકર્તા : અમને આ ભવે જ જ્ઞાનથી જ અવળું વર્તન ‘સ્ટોપ’ થઈ જશે કે નહીં ? દાદાશ્રી : થઈયે જાય ! ‘જ્ઞાની પુરુષ’ના કહ્ય્ાા પ્રમાણે કરે તો પાંચ-દસ વર્ષમાં થઈ જાય. અરે, વરસ દહાડામાંય થઈ જાય ! ‘જ્ઞાની પુરુષ’ તો ત્રણ લોકનો નાથ કહેવાય. ત્યાં આગળ શું ના થાય ? કશું બાકી રહે ખરું ? આ દાદા પાસે બેસીને બધું સમજી લેવું પડે. સત્સંગ માટે ટાઈમ કાઢવો પડે. ‘અમે કેવળજ્ઞાન પ્યાસી, દાદાને કાજે આ ભવ દેશું અમે જ ગાળી.....’ - નવનીત આમને તૃષા શેની લાગી છે ? કેવળજ્ઞાનની જ તૃષા છે. અમારે હવે બીજી કોઈ તૃષા રહી નથી. ત્યારે આપણે એને કહીએ, ‘મહીં રહી છે તૃષા, તેની તપાસ તો ઊંડી કર !’ ત્યારે કહે, ‘એ તો પ્રકૃતિમાં રહી છે, મારી નથી રહી. પ્રકૃતિમાં તો કોઈને ચાર આની રહી હોય, કોઈને આઠ આની રહી હોય, તો કોઈને બાર આની રહી હોય.’ તો ‘બાર આનીવાળાને ભગવાન દંડ કરતા હશે ?’ ત્યારે કહે, ‘ના, બા તારી જેટલી ખોટ તેટલી તું પૂરી કર.’ હવે પ્રકૃતિ છે ત્યાં સુધી એની બધી ખોટો પૂરી થઈ જ જવાની. જો ડખો નહીં કરો, ડખલ નહીં કરો તો પ્રકૃતિ ખોટ પૂરી કરી દેવાની છે. પ્રકૃતિ પોતાની ખોટ પોતે પૂરી કરે છે. હવે આમાં ‘હું કરું છું’ કહે કે ડખો થાય ! ‘જ્ઞાન’ ના લીધું હોય તો પ્રકૃતિનું આખો દહાડો અવળું જ ચાલ્યા કરે. અને હવે તો સવળું જ ચાલ્યા કરે. તું સામાને ચોપડી દઉં, પણ મહીં કહેશે કે ‘ના, આવું ના કરાય. ચોપડી દેવાનો વિચાર આવ્યો, તેનું પ્રતિક્રમણ કરો.’ અને જ્ઞાન પહેલા તો ચોપડી દઉં ને ઉપરથી કહું કે વધારે આપવા જેવું છે. એટલે અત્યારે જે મહીં ચાલ્યા કરે છે તે સમકિતબળ છે, જબરજસ્ત સમકિતબળ છે ! તે રાત-દા’ડો નિરંતર કામ કર્યા જ કરે ! પ્રશ્નકર્તા : એ બધું પ્રજ્ઞા કામ કરે છે ? દાદાશ્રી : હા, એ પ્રજ્ઞા કામ કરી રહી છે. પ્રજ્ઞા મોક્ષે લઈ જવાને ઘસડી ઘસડીને પણ મોક્ષમાં લઈ જાય. પ્રશ્નકર્તા : પણ દાદા, પ્રકૃતિનો ફોર્સ ઘણીવાર બહુ આવે છે ? દાદાશ્રી : એ તો જેટલી ભારે પ્રકૃતિ હોય એટલો ફોર્સ વધારે હોય. પ્રશ્નકર્તા : પ્રકૃતિનો ફોર્સ કેમ એટલો બધો હોય કે જોવાનું પણ ભૂલાવી દે છે ? દાદાશ્રી : એટલી આત્માની શક્તિ ઓછી. શક્તિ વધારે હોય તો ગમે તેવી ફોર્સવાળી હોય તોય એ જુદો થઈ જાય. પ્રશ્નકર્તા : શક્તિવાળો કેવી રીતે થવાનું એ સમજાયું નહીં. દાદાશ્રી : જેટલી આજ્ઞા પાળે એટલી શક્તિ વધતી જાય, એટલે કે પ્રગટ થતી જાય. મૂળ આત્માની શક્તિ બધાની સરખી હોય પણ આ આજ્ઞા ઓછી તેના પ્રમાણમાં ઓછી-વધતી પ્રગટે. ધીમે ધીમે વધતી વધતી ઠેઠ સુધી પહોંચે. (પા.૨૦) આજ્ઞા પળાવે પ્રજ્ઞાશક્તિ પ્રશ્નકર્તા : પુરુષે પુરુષાર્થ શું કરવાનો હોય છે ? દાદાશ્રી : આ આજ્ઞારૂપી, બીજો કયો ? તમારે આજ્ઞારૂપી, મારે આજ્ઞા વગર. એની એ જ વસ્તુ. મારે આજ્ઞા વગર થાય, તમારે આજ્ઞાથી થાય. છેવટે પછી આજ્ઞા જતી રહેશે ધીમે ધીમે અને તેનું મૂળ રહી જશે, જેમ જેમ પ્રેક્ટિસ પડશે તેમ તેમ ! પ્રશ્નકર્તા : આજ્ઞા કોણ પાળે છે ? પ્રતિષ્ઠિત આત્મા પાળે છે ? દાદાશ્રી : પ્રતિષ્ઠિત આત્માને પાળવાનો સવાલ જ ક્યાં છે આમાં ! આત્માની પ્રજ્ઞા નામની શક્તિ છે તે. એટલે બીજું ક્યાં રહ્ય્ાું તે ! વચ્ચે ડખલ જ નથી ને કોઈની ! એ આજ્ઞા પાળવાની. અજ્ઞાશક્તિ નહોતી કરવા દેતી ને પ્રજ્ઞાશક્તિ કરવા દે. એ આજ્ઞા પાળવી એટલે તમારે છે તે પ્રતીતિમાં છે ‘હું શુદ્ધાત્મા છું’ એ અને લક્ષમાં છે પણ અનુભવમાં થોડું છે પણ તે રૂપ થયા નથી હજુ. એ થવા માટે પાંચ આજ્ઞા પાળે ત્યારે તે રૂપ થાય. શરૂઆતમાં મારવું પડે હેન્ડલ પ્રશ્નકર્તા : આજ્ઞાઓ ખ્યાલમાં હોય પણ જે સહજભાવે થવી જોઈએ એ નથી થતી, એનું શું ? દાદાશ્રી : તમારે એ ધ્યાન દેવાની જરૂર. બાકી સહજભાવે ના થાય એવું અઘરું નથી. બહુ સહેલામાં સહેલી છે વસ્તુ, પણ ટેવ પાડવી જોઈએ. એનો પહેલા અભ્યાસ કરવો પડે. અન્અભ્યાસ છે ! અન્અભ્યાસ એટલે આપણે રિયલ અને રિલેટિવ જોવાનો અભ્યાસ જ નથી ને ! એટલે એક મહિનો તમે અભ્યાસ કરો પછી સહેજે થઈ જાય. એટલે પહેલા હેન્ડલ મારવું પડે. આ રિયલ અને આ રિલેટિવ, એ બહુ જાગૃતિવાળો ના મારે તો ચાલે. પણ આ લોકોને એટલી બધી જાગૃતિ હોતી નથી ને ! બહુ જાગૃતિવાળાને તો કશું જ કરવાનું નથી. હેન્ડલેય મારવાની જરૂર નથી. આ તો બધું સહજ રહે જ ! હવે તમારે આ જાગૃતિ નિરંતર રહેશે. તમારા પાપો ભસ્મીભૂત કર્યા છે. એટલે આ શુદ્ધાત્માનું લક્ષ નિરંતર રહ્ય્ાા કરશે, ક્ષણવાર ચૂક્યા સિવાય. ફક્ત અમારી આજ્ઞા પાળવાની. તે આ (પહેલી) બે આજ્ઞા આપી; ફર્સ્ટ રિલેટિવ વ્યૂ પોઈન્ટ, સેકન્ડ રિયલ વ્યૂ પોઈન્ટ. તે સવારમાં બહાર નીકળો, તો આ બે વ્યૂ પોઈન્ટથી જોતા જોતા નીકળીએ તો કોઈ વાંધો ઉઠાવે ? ગાયનેય જોઈએ અને અંદર શુદ્ધાત્માને જોઈએ. એમ જોતા જોતા એક કલાક સુધી જોઈએ. રિયલ અવિનાશી, રિલેટિવ વિનાશી એક વિનાશી દ્રષ્ટિ છે અને એક અવિનાશી દ્રષ્ટિ છે; બે જાતની દ્રષ્ટિઓ છે. ખરેખર મૂળ પોતાની દ્રષ્ટિ તો અવિનાશી છે, પણ આ વિનાશીમાં દ્રષ્ટિ ઘાલી પાછી. તેથી ઊલટો વિનાશી ભાવ આપણો ઉત્પન્ન થયો ! ‘હું ચંદુલાલ છું’ એવું ભાન, લોકો કહે ને આપણે માનીને આ બધું ફસાયા અને દ્રષ્ટિ ‘રિલેટિવ’ થઈ ગઈ. એટલે વિનાશી છું એવું ભાન થયું. પણ પાછું મહીં ખૂંચ્યા કરે કે ગયા અવતારે હતો. તે પાછું બોલેય એવું. જો ગયા અવતારે હતો, તો અવિનાશી છે જ ને ! આપણે ગયા અવતારે હતા, તો આપણે વિનાશી નથી. આ તો દેહ વિનાશી છે, આપણું અવિનાશીપણું તો છે જ. કારણ કે આપણે શુદ્ધાત્મા છીએ, એ ‘રિયલ’ વસ્તુ છે. અને જેટલી ‘રિયલ’ વસ્તુ છે એ બધી અવિનાશી છે. જેટલી ‘રિલેટિવ’ વસ્તુ છે એ વિનાશી છે. પ્રશ્નકર્તા : ઘણી વખત આપણે સંસારની (પા.૨૧) અમુક બાબતોમાં, આ રિલેટિવ છે એવું ઉપલક રહીએ, તો મહીં બહુ આનંદ રહે છે. દાદાશ્રી : રિલેટિવ બોલે ત્યાંથી જ આનંદ. રિલેટિવ બોલ્યો માટે પોતે રિયલ છે એ વાત ખાતરી થઈ ગઈ. ‘હું શુદ્ધાત્મા’ ના બોલે ને આ બધું રિલેટિવ બોલે ને કે આ બધું રિલેટિવ છે, તો તમે શુદ્ધાત્મા છો એ પ્રુવ (સાબિત) થઈ જાય છે. રિયલ ને રિલેટિવને જુદું પાડે તે પ્રજ્ઞા પ્રશ્નકર્તા : રિયલ-રિલેટિવ બહાર જોતો જોતો જઉં, તો પછી એ કોણ જુએ છે ? શુદ્ધાત્મા જુએ છે ? દાદાશ્રી : એ તો પ્રજ્ઞા જુએ છે, આત્મા જોતો નથી. અને પ્રજ્ઞા જુએ એટલે આત્મા ખાતે જ ગયું. બુદ્ધિ અને પ્રજ્ઞા, બેના જોવા-જાણવામાં ફેર છે. પેલી ઈન્દ્રિયગમ્ય છે ને આ અતીન્દ્રિયગમ્ય છે. પ્રશ્નકર્તા : રિયલ અને રિલેટિવ, આ જુદું કોણ પાડે છે ? દાદાશ્રી : બધું વિનાશી તો ઓળખાય ને આપણને ! મન-વચન-કાયાથી જે આ બધું આંખે દેખાય છે, કાને સંભળાય છે એ બધું જ રિલેટિવ છે અને રિયલ એટલે અવિનાશી. મહીં પ્રજ્ઞાશક્તિ છે, એ બેઉ જુદા પાડે. રિલેટિવનુંય જુદું પાડે ને રિયલનું જુદું પાડે. પ્રશ્નકર્તા : તો રિયલ, રિલેટિવ ને પ્રજ્ઞા, આ ત્રણ વસ્તુ છે એવું થયું, દાદા ? પ્રજ્ઞા રિયલથી જુદી વસ્તુ છે ? દાદાશ્રી : એ પ્રજ્ઞા રિયલની જ શક્તિ છે પણ બહાર પડેલી શક્તિ છે. એ જ્યારે રિલેટિવ ના હોય ત્યારે આત્મામાં એકાકાર થઈ જાય. પ્રશ્નકર્તા : પ્રજ્ઞા રિલેટિવ છે કે રિયલ છે ? દાદાશ્રી : ‘રિલેટિવ રિયલ’ છે. જ્યારે એનું કામ પૂરું થઈ જાય છે એટલે મૂળ જગ્યાએ બેસી જાય છે, પાછી આત્મામાં ભળી જાય છે. પ્રજ્ઞા એ ‘રિલેટિવ રિયલ’ છે. રિયલ હોય તો અવિનાશી કહેવાય. પ્રશ્નકર્તા : એ ‘રિલેટિવ રિયલ’ પછી ‘રિયલ’ થઈ જાય ત્યારે ‘રિલેટિવ’ હોય નહીં ને ? દાદાશ્રી : રિયલમાં રિલેટિવ ના હોય. રિલેટિવ માત્ર વિનાશી હોય. એટલે આ પ્રજ્ઞા (આત્મજ્ઞાન થાય ત્યારે શરૂ થાય ને કેવળજ્ઞાન થાય ત્યારે પૂરી થાય એટલે) વિનાશી ખરી પણ રિયલ. એટલે પાછી પોતાના સ્વભાવમાં બેસી જાય છે. પોતે સંપૂર્ણ નાશ ના થાય. પ્રશ્નકર્તા : રિલેટિવ ભાગ ઉપર પ્રજ્ઞાનો કંટ્રોલ છે ? દાદાશ્રી : કોઈનોય કંટ્રોલ ના હોય. ઊલટો કંટ્રોલ રિલેટિવનો રિયલ ઉપર હતો. તે બૂમ પાડતા કે ‘અમે બંધાયા છીએ, અમે બંધાયા છીએ, મુક્ત કરો, મુક્ત કરો.’ તે જ્ઞાની પુરુષ મુક્ત કરે ત્યારે હાશ અનુભવે કે હાશ, હવે છૂટા થયા. આજ્ઞા ચૂક્યા ત્યાં ચઢી બેસે પ્રકૃતિ પ્રશ્નકર્તા : આપની પાસે આવ્યો, જ્ઞાન લીધું, એને નિરાકુળતા તો ઉત્પન્ન થઈ જ જાય છે. પછી એ આજ્ઞામાં રહ્ય્ાો હોય તોય અને ના રહેતો હોય ને, તો પણ એની એટલી બધી મસ્તી હોય છે ! દાદાશ્રી : પણ આજ્ઞામાં ના રહેતો હોય ને, એને ધીમે ધીમે પ્રકૃતિ ચઢી બેસે પછી. પ્રશ્નકર્તા : હા, બસ, આ પોઈન્ટ જોઈએ. દાદાશ્રી : પ્રકૃતિ ચઢી બેસે. અને આજ્ઞામાં રહે એટલે પછી કોઈ એનું નામ ના લે. પેલું તો (પા.૨૨) ખઈ જાય. દાદાની કૃપાથી એ ઘડીએ શાંતિ રહે, બીજું રહે, બે-બે વર્ષ, પાંચ-પાંચ વર્ષ સુધી રહે છે. પણ એનો અર્થ કશોય નહીં, ખઈ જાય પ્રકૃતિ. પ્રશ્નકર્તા : પ્રકૃતિ ખઈ જાય એટલે ? પ્રકૃતિ ચઢી બેસે એટલે ? દાદાશ્રી : પ્રકૃતિ પોતાના સ્વરૂપ કરી નાખે, પાછી મારી-ઠોકીને. અને સહેલામાં સહેલી આજ્ઞા છે, કંઈ અઘરી નથી. અમે પાછી બધી છૂટ આપી છે. આજ્ઞા પાળી નિરાંતે જલેબી અને ભજીયા બન્ને ખાજે પછી. આથી વધારે શું ? ભાવતું ખાવાની છૂટ આપી છે. જો ત્યાં બંધન કર્યું હોય તો, બધી વાતમાં આ જ્ઞાનીનું બંધન આપણને શી રીતે પોષાય ? પણ સહેલી-સરળ આજ્ઞા છે. જેમ છે એમ જોવાનું, શું વાંધો ? પ્રશ્નકર્તા : જોવામાં વાંધો નથી પણ જોવાતું નથી ને ! દાદાશ્રી : પાંચ ઈન્દ્રિયોના ઘોડા બધા જો પોતે હાંકતો હોય, તે પોતે લગામને ખેંચવી પડે અને આમ જરા ઊંચું-ઢીલું કરવું પડે. એના કરતા મેં કહ્યું, ‘મૂકી દે ને, બા. ઘોડા એવા ડાહ્ય્ાા છે કે એ ઘેર લઈ જશે અને મૂઆ, તું ઊલટો એ ઘોડાને લોહી કાઢે છે.’ આજ્ઞા ત્યાં સંયમ ને સમાધિ પ્રશ્નકર્તા : આજ્ઞા ચૂકી ગયા છે, એની પારાશીશી કંઈ હશે ? દાદાશ્રી : મહીં સફોકેશન, ગૂંગળામણ બધું થાય. એ આજ્ઞા ચૂક્યાનો જ બદલો. આજ્ઞાવાળાને તો સમાધિ જ રહે, નિરંતર. જ્યાં સુધી આજ્ઞા છે ત્યાં સુધી સમાધિ. આપણા માર્ગમાં ઘણાય માણસો છે કે જે આજ્ઞા સરસ પાળે છે અને સમાધિમાં રહે છે. કારણ કે આવો સરળ ને સમભાવી માર્ગ, સહજ જેવું ! અને જો એ ના અનુકૂળ આવ્યો તો પછી પેલો તો અનુકૂળ આવવાનો જ શી રીતે ? એટલે બધી જ ભાંજગડો આઘી મૂકીને, મનની ભાંજગડોમાં ધ્યાન દેવાય જ નહીં. ખાલી જ્ઞાતા-જ્ઞેયનો સંબંધ જ રાખો. મન એના ધર્મમાં છે, એમાં શું કરવા ડખો કરવાની જરૂર ? નિરંતર આજ્ઞામાં રહેવાય, સમાધિમાં રહેવાય એવો માર્ગ છે. જરાય કઠણ નહીં. કેરીઓ-બેરીઓ ખાવાની છૂટ. પ્રશ્નકર્તા : જ્ઞાનીના આશ્રયે આવ્યા પછી જે કોઈ ખામી જણાય છે, તો એ પોતાની સમજવી કે સામાની સમજવી ? આપણને તો એમ થાય કે આપણે આજ્ઞા પ્રમાણે રહીએ છીએ, પણ એમાં ફેર કઈ જાતનો રહી જાય છે ? દાદાશ્રી : ફેર રહી જાય ને ! એટલે આપણને પછી બધી ઉપાધિ પડ્યા કરે. આપણને અણગમો થાય, કંટાળો આવે, એવું બધું થાય. ફેર રહી જાય તો આવું થઈ જાય, નહીં તો જો અમારી આજ્ઞામાં રહે ને, તો સમાધિ જાય નહીં પછી. આ જ્ઞાનનો એવો પ્રતાપ છે કે અખંડ શાંતિ રહે અને એક-બે અવતારમાં મુક્તિ મળી જાય અને અંદર નિરંતર સંયમ રહે, આંતરિક સંયમ. બાહ્ય્ા સંયમ નહીં. બાહ્ય્ા સંયમ તો, આ દેખાય છે એ બાહ્ય્ા સંયમ કહેવાય. પણ અંદરનો સંયમ, કોઈનું અહિત ના થાય. પોતાને ગાળ દે તો પણ એનું અહિત ના કરે. ક્રોધ-માન-માયા-લોભ થાય નહીં એવો આંતરિક સંયમ રહે. આ જ્ઞાનનો પ્રતાપ ! ને ભૂલચૂક થઈ તો સુધારી લે. પ્રશ્નકર્તા : દાદા, આપની જે પાંચ આજ્ઞાઓ છે, તેનું પાલન જરા કપરું ખરું કે નહીં ? દાદાશ્રી : અઘરું એટલા જ માટે છે કે આપણને પાછલા કર્મો છે, તે ગોદા માર માર કરે. પાછલા કર્મોને લઈને આજે દૂધપાક ખાવા મળ્યો. (પા.૨૩) હવે દૂધપાક વધારે માગે અને તેને લીધે ડોઝિંગ થયું એટલે આજ્ઞા પળાઈ નહીં. હવે આ અક્રમ છે. ક્રમિક માર્ગમાં શું કરે કે પોતે બધા કર્મો ખપાવતો ખપાવતો જાય. કર્મને પોતે ખપાવી, અનુભવી, ભોગવી અને પછી આગળ જાય. અને આ કર્મ ખપાવ્યા સિવાયની વાત છે. એટલે આપણે એમ કહેવાનું કે ‘ભઈ, આ આજ્ઞામાં રહે, ને ના રહેવાય તો ચાર અવતાર મોડું થશે, એમાં ખોટ શું જવાની છે ? પ્રજ્ઞામાં કઈ રીતે રહેવું તન્મય ? પ્રશ્નકર્તા : ભરોસાવાળી ને ભરોસા વગરની મૂડી છે એવું ધ્યાન રાખનાર કોણ ? દાદાશ્રી : બધું પ્રજ્ઞાશક્તિનું જ કામ છે આ. પણ જ્યારે પ્રજ્ઞાશક્તિ એનું કામ ના લે, ત્યારે પેલો ‘ડિસ્ચાર્જ’ અહંકાર બધો કામ કર્યા કરે. તે એમ કરતો હોય તેને આપણે જોવાનું, શેમાં તન્મયાકાર થયેલો એ ! આમાં પ્રજ્ઞામાં તન્મયાકાર રહેવો જોઈએ, તેને બદલે પેલામાં તન્મયાકાર, સ્લીપ થઈ જાય. એ જાગૃતિ હોય તો પ્રજ્ઞામાં રહે. પેલામાં જાય એટલે અજાગૃતિ રહે. પ્રશ્નકર્તા : આપે જે જ્ઞાન આપ્યું એટલે એને જાગૃતિમાં તો રહેવું હોય છે. દાદાશ્રી : ઈચ્છા તો હોય એની પણ રહે નહીં. એ ટેવ પડેલી ને ! પેલી ટેવ પડેલી એટલે એ બાજુ થઈ જાય પછી. પણ જેનો સ્ટ્રોંગ ભાવ છે, એ તો ગયેલો હોય તોય પાછો બોલાવે કે એય નથી જવાનું. ખબર તો પડે ને પોતાને ? પ્રશ્નકર્તા : પ્રજ્ઞામાં તન્મયાકાર રહેવાનું કહ્યું તો જરા બરાબર ખુલાસો કરીને સમજાવો. દાદાશ્રી : સિન્સીયર રહેવું. સિન્સીયર કોને છે ? હવે આપણે જો મોક્ષે જવું હોય તો પ્રજ્ઞાને સિન્સિયર રહો. અને જો લટાકા-પટાકા ચાખવા હોય તો આમાં જાવ થોડીવાર. અત્યારે કર્મના ઉદય લઈ જાય એ વાત જુદી છે. કર્મનો ઉદય ઢસેડી જાય તોય આપણે આ બાજુનું રાખવું. નદી આ બાજુ ખેંચે ને આપણે છે તે કિનારે જવાનું જોર રાખવું. ના રાખવું જોઈએ કે એ ખેંચે તેમ ખેંચાઈ જવું ? પ્રશ્નકર્તા : એટલે એનો નિશ્ચય જો પાકો હોય તો સિન્સિયર રહે ને ? દાદાશ્રી : પાકો હોય તો જ રહેવાય ને ! નહીં તો તો પછી નિશ્ચય જ નથી, તેને શું પછી ? નદી એ બાજુ ખેંચે તે બાજુ જાય, કિનારો તો ક્યાંય રહી ગયો ! અને આપણે તો કિનારા તરફ ખેંચવું જોઈએ. નદી આમ ખેંચે. આપણે બાથોડિયા આમના મારવા જોઈએ. થોડું ઘણું જે ખસ્યું એ ખરું. ત્યારે હોરુ તો મહીં જમીનમાં આવી જાય ! એટલે આ વિજ્ઞાનથી મોક્ષમાં એને ચેતવનારી પ્રજ્ઞાશક્તિ ઉત્પન્ન થઈ જાય છે. પછી એણે પોતે પોઝિટિવ રહેવું જોઈએ. નેગેટિવસેન્સ નહીં રાખવી જોઈએ. પોઝિટિવ એટલે આપણી ખુશી હોવી જોઈએ એમાં અને પોઝિટિવસેન્સ રાખે છે બધા અને આ સંસારની કોઈ અડચણ ના અડવા દે પાછી. જો એ પોતે બરોબર રહે ને, તો સંસારની અડચણ ના અડવા દે એવી ગોઠવણી થઈ જાય છે અંદર. કારણ કે આત્મા પ્રાપ્ત ન્હોતો થયો એટલે ભગવાન પ્રાપ્ત ન્હોતા થયા તોય ચાલતો હતો સંસાર, તો પ્રાપ્ત થયા પછી એ બગડી જાય ? ત્યારે કહે, ના બગડે. દાદાની કૃપા શી રીતે ઉતરે ? પ્રશ્નકર્તા : નિશ્ચય કર્યો હોય કે દાદાની પાસે રહીને કામ કાઢી લેવું છે. પાંચ આજ્ઞામાં રહેવું છે અને છતાં એમાં કાચા પડી જવાય, એને માટે શું કરવું જોઈએ ? દાદાશ્રી : લે. શું કરવું જોઈએ એટલે ? મન કહે કે ‘આમ કરો’ તો આપણે જાણીએ કે આ (પા.૨૪) આપણા ધ્યેયની બહાર છે ઊલટું. દાદાજીની કૃપા ઓછી થઈ જશે. એટલે મનને કહીએ કે ‘નહીં, આ આમ કરવાનું ધ્યેય પ્રમાણે.’ દાદાજીની કૃપા શી રીતે ઊતરે એ જાણ્યા પછી આપણે આપણી ગોઠવણી હોવી જોઈએ. એટલે મનના કહ્ય્ાા પ્રમાણે ચાલવાથી આ બધી ભાંજગડ થાય છે. ઘણા વખતથી બોલ્યો છું આને, આ જ સમજ પાડ પાડ કરું છું. એટલે પછી મનના કહ્ય્ાા પ્રમાણે નહીં ચાલવાનું. આપણા ધ્યેય પ્રમાણે જ જવું જોઈએ. નહીં તો એ તો કયે ગામ જવું, તેને બદલે કયે ગામ લઈ જશે ! ધ્યેય પ્રમાણે ચાલવું, એનું નામ જ પુરુષાર્થ ને ! એ તો મનના કહ્ય્ાા પ્રમાણે તો આ અંગ્રેજો-બંગ્રેજો બધા ચાલે જ છે ને ! આ બધા ફોરેનરોનું મન કેવું હોય ? લાઈનસરનું હોય અને આપણું ડખાવાળું મન. કંઈનું કંઈ ઊંધું હોય. એટલે આપણે તો આપણા મનના પોતે સ્વામી થવું પડે. આપણું મન, આપણા કહ્ય્ાા પ્રમાણે ચાલે એવું હોવું જોઈએ. પ્રશ્નકર્તા : આ વાત નીકળે ને એટલે પંદર-વીસ દિવસ એ પ્રમાણે ચાલે. પાછું કંઈક એવું બની જાય ને, તો પાછું ફરી જાય. દાદાશ્રી : ફરી જાય પણ તે મન ફરી જાય, આપણે શું કરવા ફરી જઈએ ? આપણે તો એના એ જ ને ! પ્રશ્નકર્તા : એ આજ્ઞાય પછી કેટલીક વખત સહજ થઈ જાય છે. દાદાશ્રી : ધીમે ધીમે બધી સહજ થઈ જાય. જેને પાળવી છે, તેને સહજ થાય છે. એટલે પોતાનું મન જ એવી રીતે વણાઈ જાય છે. જેને પાળવી છે ને નિશ્ચય છે, એને મુશ્કેલી કોઈ છે જ નહીં. આ તો ઊંચામાં ઊંચું સરસ વિજ્ઞાન છે અને નિરંતર સમાધિ રહે. ગાળો ભાંડે તોય સમાધિ જાય નહીં, ખોટ જાય તોયે સમાધિ જાય નહીં, ઘર બળતું દેખે તોય સમાધિ ના જાય. પ્રશ્નકર્તા : પ્રજ્ઞાશક્તિનો એટલો વિકાસ થાય છે કે આજ્ઞાઓ મહીં અંદર બધી વણાઈ જાય છે ? દાદાશ્રી : વણાઈ જાય. પ્રજ્ઞાશક્તિ પકડી જ લે. આ તો તમને જે આજ્ઞા પાળવાની છે, તે તમારો જે પ્રજ્ઞા સ્વભાવ છે, તે તમને બધું કરાવડાવે છે. એટલે આજ્ઞા એ ધર્મ અને આજ્ઞા એ જ તપ. જ્યાં સુધી તપ છે, ત્યાં સુધી પ્રજ્ઞા છે. ત્યાં સુધી મૂળ સ્વરૂપ નથી. એ આત્મામાં તપ નામનો ગુણ છે નહીં, એ પ્રજ્ઞા તપ કરાવે છે. આ પાંચ આજ્ઞા, આ ફન્ડામેન્ટલ સેન્ટેન્સ પાંચ છે ને, તે આખા વર્લ્ડના બધા શાસ્ત્રોનો અર્ક જ છે બધો ! પ્રશ્નકર્તા : દાદા, આપની પાસે આવીએ છીએ ત્યારે આપ ઘણી વખત એવું કહો છો કે ‘તમારું કામ કાઢી લો, તમારું કામ કાઢી લો.’ એ અમારે અમારું કામ કેવી રીતે કાઢવું ? દાદાશ્રી : કામ કાઢી લો એટલે શું કહીએ છીએ અમે ? અમે એમ નથી કહેતા કે તમે પૂરી જ આજ્ઞા પાળો. એવું રોજ ગા ગા હું કરું નહીં. પણ કામ કાઢી લો એટલે આપણે સમજી જવું કે આપણને આજ્ઞા વધારે પાળવાની કહે છે, આજ્ઞામાં જાગૃત રહેવાનું કહે છે. એટલે જાગૃત રહો આજ્ઞામાં, એવું હું કહેવા માગું છું. એટલે આપણું કામ નીકળી ગયું. પરીક્ષામાં પ્રોફેસર શું કહે કે ભઈ, એવી પરીક્ષા આપો કે માર્ક ઉમેરવા ના પડે, કોઈને આજીજી ના કરવી પડે. એટલે પેલાએ સમજી જવું જોઈએ કે વધારે વાંચવું પડે. બધુંય પદ્ધતિસરનું હોવું જોઈએ એવું હું કહેવા માગું છું, કામ કાઢી લો એ ! જય સચ્ચિદાનંદ પડઘા પાડે દુઃખ પરિણામ આપણાથી બીજાને દુઃખ થાય છે ને એ જે દેખાય છે એ આપણો ‘સેન્સિટિવનેસ’નો ગુણ છે. ‘સેન્સિટિવનેસ’ એ એક જાતનો આપણો ‘ઈગોઈઝમ’ છે. એ ‘ઈગોઈઝમ’ જેમ જેમ ઓગળતો જશે તેમ તેમ આપણાથી સામાને દુઃખ નહીં થાય. આપણું ‘ઈગોઈઝમ’ હોય ત્યાં સુધી સામાને દુઃખ થાય જ. પ્રશ્નકર્તા : એ તો આપની અવસ્થાની વાત થઈ ! હવે અમારા માટે પ્રશ્નનો ઉકેલ આવવો જોઈએ ને ? દાદાશ્રી : હા, આવવો જ જોઈએ. પ્રશ્નકર્તા : પણ આનાથી તો પોતા પૂરતો જ ઉકેલ આવે ને ? દાદાશ્રી : પોતા પૂરતો નહીં, દરેકનો ધીમે ધીમે ઉકેલ આવવો જ જોઈએ. પોતાનો ઉકેલ આવે તો જ સામાનો ઉકેલ આવે એવું છે. પણ પોતાનું ‘ઈગોઈઝમ’ છે ત્યાં સુધી સામાને નિયમથી અસર થયા કરવાની. એ ‘ઈગોઈઝમ’ ઓગળી જ જવો જોઈએ. આ તો ‘ઈફેક્ટસ્’ છે ખાલી ! દુનિયામાં દુઃખ જેવી વસ્તુ જ નથી. આ તો ‘રોંગ બિલીફ છે ખાલી. એને સાચું માને છે. હવે એમની દ્રષ્ટિએ તો એ ખરેખર એમ જ છે ને ? એટલે કોઈ પણ પ્રકારની અસરો જ ના થાય, એ માટે આપણે શું થવું જોઈએ ? આપણે ચોખ્ખા થઈ જવું જોઈએ. આપણે ચોખ્ખા થયા તો બધું ચોખ્ખું થયા વગર રહેતું નથી. સામાનો દોષ કોઈ જગ્યાએ છે જ નહીં, સામાનો શો દોષ ? એ તો એમ જ માનીને બેઠા છે કે આ સંસાર એ જ સુખ છે ને આ જ સાચી વાત છે. એને આપણે એમ મનાવવા જઈએ કે તમારી માન્યતા ખોટી છે, તો તે આપણી જ ભૂલ છે ! આપણી જ કંઈક એવી કચાશ રહી જાય છે. મેં મારા અનુભવથી જોયેલું છે. જ્યાં સુધી મને એવું પરિણામ હતું, ત્યાં સુધી એવી ‘ઈફેક્ટો’ બધી વર્તતી હતી. પણ જ્યારે મારા મનમાંથી એ ગયું, શંકા ગઈ, તો બધું ગયું ! તે આ પગથિયાં જોઈને, અનુભવ કરીને હું ચઢેલો છું. તમે જે કહો છો, તે બધાં પગથિયાં મેં જોયેલાં છે અને તેમાંથી અનુભવ કરીને ‘હું’ ઉપર ચઢેલો છું. મેં જોયેલું છે, એટલે હું તમને માર્ગ બતાવી શકું. આ બધા લોકોને જે જ્ઞાન હું આપું છું, તે મારાં જોયેલાં પગથિયાં ઉપર જ લઉં છું. જે જે મારો અનુભવ નીકળેલો છે, તે જ રસ્તો તમને બતાવું છું. બીજો રસ્તો હોય નહીં ને ? પહેલાં તો કંઈક દુઃખનો વિચાર આવ્યો, એટલે આપણે તેને ગમે તે જોખમ કરીને પણ બીજો સુખનો ‘આઈડિયા’ (કલ્પના) ગોઠવી દેતા હતા. ચિંતા થાય તો સિનેમા જોવા પેસી જાય, બીજું કરે. બીજાના ભોગે પણ તે ઘડીએ તો દુઃખને ઉડાડી મૂકે અને સ્વરૂપનું જ્ઞાન થયા પછી તે બીજાના ભોગે દુઃખને ઉડાડી મૂકતો નથી. એટલે એને દુઃખ બહુ સહન કરવું પડે, એવું મારા અનુભવમાં આવેલું છે ! મેં પણ પોતે આ અનુભવ કરેલો છે, કારણ કે બીજાનાં દુઃખે હું, સુખી થવા માટે તે ઘડીએ મારા મનને બીજા પર્યાય દેખાડું નહીં. અને જગત શું કરી રહ્યું છે ? કે પોતાનું દુઃખ કાઢવા માટે બીજા વિષયમાં પડે એટલે એ દુઃખ આમથી આમ ફેરવે જગત એ જ કરી રહ્યું છે ને ? જરાક દુઃખ પડે કે વટાવ વટાવ કરે છે ને ? મહીં કેટલો સામાન ભરેલો છે ? આપણે તો એને કહીએ છીએ કે આને ભોગવો જ. વટાવી નહીં ખાવાનું ! સિલક એમ ને એમ અનામત રાખવાની. - પરમ પૂજ્ય દાદાશ્રીની જ્ઞાનવાણીમાંથી સંકલિત |