ઉકેલીએ માન-અપમાનની માનેલી ગૂંચને

સંપાદકીય

અનાદિકાળથી જીવ મનુષ્યમાં આવ્યો ત્યારથી માન-અપમાનની ભાંજગડ ચાલ્યા કરે છે. માનરૂપી કષાય અંધાપો ઉત્પન્ન કરી સંસારમાં ભટકાવે છે. કષાયોનો મુખ્ય આધાર છે અહંકાર ! આવું અદ્ભુત જ્ઞાન હોવા છતાં પણ અપમાન આવે ત્યારે પોતે અહંકારમાં ભળે છે અને અસરો ઊભી થતા રાગ-દ્વેષમાં સમય વેડફી પોતાનું સ્વસુખ આવરે છે. તે માટે ૨૦૨૩ના વર્ષે દાદા ભગવાનની ગુરુપૂર્ણિમા નિમિત્તે પૂજ્યશ્રીએ દાદાશ્રીના જ્ઞાન સંબંધી વિશેષ સંદેશો આપ્યો હતો કે માનને જ્ઞાનથી જુદું જોઈ ઉકેલ લાવો. માન-અપમાનની અસરોથી મુક્ત રહી શકાય તે માટેની સમજ કેળવવા માટે વ્યવહાર-નિશ્ચયની અઢળક ચાવીઓમાંની અમુક ચાવીઓ પરમ પૂજ્ય દાદાશ્રીની વાણીમાંથી અત્રે સંકલિત થઈ છે.

પરમ પૂજ્ય દાદાશ્રી કહે છે કે શબ્દો તો ખાલી ખોખા જેવા છે, એ વાગે કેમ કરીને ? વખતે પથરો માર્યો હોય તો વાગે પણ શબ્દોની અસર કેમ થાય ? સામી વ્યક્તિ અપમાન આપે એ આપણો જ મોકલાવેલો વ્યવહાર ખુલ્લો થાય છે. ત્યાં વ્યવહારને વ્યવહારથી ભાંગવો અને વ્યવહારને એક્સેપ્ટ કરવો. એને બદલે વ્યવહારમાં ન્યાય જોવા જાય છે ત્યારે ફસાય છે.

અપમાન વખતે બુદ્ધિ જૂનું નોંધી રાખે તે તાંતો કહેવાય. સામાનું જૂનું કર્મ પૂરું થયું હોય અને આજે એ નવા કર્મમાં હોય ત્યારે આપણે જૂની વાતની નોંધ રાખી અવળું વિચારીએ એ નેગેટિવ અહંકારની નિશાની ! એમાં પોતાનું ભયંકર નુકસાન થાય. જેણે છૂટવું છે તેણે હથિયાર હેઠાં મૂકી અપમાન કરે એના પ્રતિક્રમણ કરી ઉપકાર માનવો. જેથી આપણું મન બગડે નહીં અને સામા ઉપર આપણને દ્વેષભાવ ના થાય.

આ જ્ઞાન પ્રાપ્ત કર્યા પછી કોઈક વાર અપમાન આવે તો હાર્ટ લાલ લાલ થાય, તે વખતે જ્ઞાનમાં સ્થિર થઈને હાર્ટને જોયા કરે કે કેટલું તપે છે ! આને ભગવાને ‘જ્ઞાન તપ’ કહ્યું છે. આવા કડવા સંજોગોમાં જ આજ્ઞા પાળવાનો અવસર મળતા અંતરતપનો પુરુષાર્થ શરૂ થાય છે. મહાવીર ભગવાન કે પાર્શ્વનાથ ભગવાન તેમના પર આવતા ઉપસર્ગ સમયે સમતા ધરી અંતરતપથી સંપૂર્ણ વીતરાગ થઈ મોક્ષે ગયા.

જ્ઞાન પછી મહાત્માઓનું અમૂલ્ય જીવન શું માન-અપમાન માટે છે ? ના. જગતના કોઈ પણ સંજોગો આપણને હલાવે નહીં એવું ટેસ્ટેડ થઈ જવું છે. આત્માનું લક્ષ બેઠા પછી અનુભવની શ્રેણીઓ નિરંતર વધે એ આપણા જીવનનું લક્ષ છે. મહીં આત્માની અનંત શક્તિઓ છે માટે પોતે માત્ર નક્કી જ કરવાનું છે કે જેવો આનંદ માન વખતે રહે છે, તેવો જ આનંદ અપમાન વખતેય રહી શકે એવું છે. માટે આજ્ઞા પાળી, તપ કરી, પોતાના સ્વસ્વરૂપમાં રહી, રાગ-દ્વેષથી પર થઈ વીતરાગતા ભણી પગલા માંડવાનો પુરુષાર્થ થાય એ જ અભ્યર્થના.

~ જય સચ્ચિદાનંદ.

ઉકેલીએ માન-અપમાનની માનેલી ગૂંચને

(પા.૪)

અનાદિકાળથી માન-અપમાનની ધમાલ

પ્રશ્નકર્તા : આ ક્રોધ-માન-માયા-લોભની પ્રકૃતિ જન્મતા વેંત જ જીવને હોય છે ?

દાદાશ્રી : અરે, અહીંથી જોડે લઈને જ જાય છે અને ત્યાં જોડે જ વાપરે છે.

પ્રશ્નકર્તા : અહીં આવતા વેંત જ આ બધું ક્યાંથી શીખી ગયો ?

દાદાશ્રી : આ તો શીખીને જ આવેલો છે. આ જુઓ ને, આ બાબો કેટલા વરસનો થયો ?

પ્રશ્નકર્તા : પાંચ વરસનો.

દાદાશ્રી : તો પંચોતેર ગયા અવતારના અને પાંચ આ અવતારના, એટલે બોલો, અત્યારે એંસી વરસનો થયો ને ?

પ્રશ્નકર્તા : લોભ પ્રકૃતિ, માન પ્રકૃતિ એનાથી ભાવકર્મ થાય ?

દાદાશ્રી : એનાથી જ બધા ભાવકર્મ ઉત્પન્ન થવાના. એ જે ક્રોધ-માન-માયા-લોભ છે, એનાથી અંધાપો બંધાય (થાય) છે અને તેનાથી પછી ભાવ ઊંધા-છતા કરે છે. એ અંધાપો તૂટવા માટે ક્રોધ-માન-માયા-લોભ જાય તો જ અંધાપો તૂટે ને તો ભાવ ચોખ્ખા થાય. અહંકારથી આંધળો થયો છે, લોભથી આંધળો થયો છે, ક્રોધથી આંધળો થયો છે અને કપટથી આંધળો થયો છે; ચારે રીતે આંધળો, આંધળો ને આંધળો થઈને ફરે છે.

કષાયો ટક્યા, અહંકારના આધારે

અહંકારનો જ ડખો છે. અહંકારને લીધે જ આ જગત ઊભું રહ્યું છે. ક્રોધ-માન-માયા-લોભ અહંકારના આધીન છે. અહંકાર ના હોય તો એ ક્રોધ-માન-માયા-લોભ છે, તોય નથી. કારણ કે એનો આધાર અહંકાર છે અને અહંકારેય છે તે આધારી વસ્તુ છે. એનું રૂટ કૉઝ અજ્ઞાનતા છે. પણ અજ્ઞાનતા તો જાણે છે જ, આખી દુનિયામાં પ્રસરેલી. માટે ક્રોધ-માન-માયા-લોભનો આધાર શું ? અહંકાર. જગતનો આધાર કોણ ? અહંકાર ! અહંકાર કાઢી લે તો ક્રોધ-માન-માયા-લોભ કશું કરનાર નથી, બધા મડદાલ થઈ ગયા.

એટલે આ જ્ઞાન મળ્યા પછી અજ્ઞાન ગયું. એટલે અહંકાર ગયો. તેથી ક્રોધ-માન-માયા-લોભ ના થાય, અગર થતા હોય તેને ‘આપણે’ દેખીએ. આપણે દેખ્યા એટલે આપણને થતા નથી. કારણ કે જોનારને થાય નહીં. આ બહાર હોળી સળગતી હોય તો આંખો દાઝે ખરી ? એટલે જોનાર દાઝે નહીં. અને આ અહંકાર જેને થાય છે ને, તે તો ક્રોધ-માન-માયા-લોભ જોડે હોય, એ તો આંખો હઉ દાઝે. કારણ કે ત્યાં જોનાર નથી, પોતે અહંકારનો કર્તા છે.

અહંકાર, ચાર્જ-ડિસ્ચાર્જ

પ્રશ્નકર્તા : આ અહંકાર ઉપર પૂર્વભવની અસરો ખરી ?

દાદાશ્રી : પૂર્વભવની જ અસરો છે આ, આ ભવની અસર નથી. અહંકાર ઓછો-વધતો દેખાય છે એ બધો ડિસ્ચાર્જ સ્વરૂપ છે. એ નવો થયેલો નથી. નવો ચાર્જ તો મહીં થઈ રહ્યો છે. આ જૂનો અહંકાર જે દેખાય છે એ ડિસ્ચાર્જ થઈ રહ્યો છે. માટે પોતાને આજે ધાર્યું હોય એવો ફેરફાર કરી શકાય નહીં.

જ્યાં અહંકાર ત્યાં ભમરડો. તમે શુદ્ધાત્મા કહેવાઓ, એટલે તમે ભમરડા સ્વરૂપ ના કહેવાઓ.

(પા.૫)

અને આ ચંદુભાઈ ભમરડો પાછો ! પણ જે અત્યાર સુધી ભૂલ કરેલી છે તેના પરિણામ રહ્યા. એટલે આ પરિણામી અહંકાર છે એ કાર્ય કર્યા કરે. એમાં તમને કોઈ નુકસાન કરનાર છે નહીં. અજ્ઞાને કરીને અહંકાર ઊભો હોય, તે અજ્ઞાન જાય કે અહંકાર જાય.

‘માન’ એ અહંકારનો પર્યાય

અહંકાર એટલે શું ? ભગવાનથી દૂર ભાગે તે. અહંકાર જેમ જેમ વધતો જાય તેમ તેમ આડાઈ, માન, ગર્વ, ઘમંડ શબ્દો વપરાય. ભગવાનથી જરાક છેટો થયો ત્યાંથી અહંકાર જાગે.

અહંકારને જ્યાં આગળ ગમતું હોય તો રાગ કરે ને ના ગમતું હોય ત્યાં દ્વેષ કરે. એને ગમતું-ના ગમતું રહેવાનું. શુદ્ધાત્મા ને સંયોગ બે જ છે પણ અહંકારની ફાચર ‘એને’ જંપવા દેતી નથી.

અહંકાર એટલે આપણા લોકો સમજે છે, એને અહંકાર કહેવાતો નથી. આપણા લોકો જેને અહંકાર કહે છે ને, એ તો માન છે. અહંકાર બિલીફ (માન્યતા)માં હોય, જ્ઞાનમાં ના હોય. જ્ઞાનમાં આવે એ માન કહેવાય. પોતે કરતો નથી, ત્યાં આગળ ‘પોતે કરું છું’ એવું માને છે, એનું નામ અહંકાર. જ્ઞાનમાં તો ‘હું’ પદ આવ્યું કે એ માન કહેવાય. કોઈ અહંકાર ઉપર ઘા કરે, અપમાન કરે તો તરત અહંકાર ભગ્ન થાય કે ના થાય ? માન-અપમાન બન્નેની અસર થાય છે ને ?

શબ્દોની અસરોનું પઝલ

પ્રશ્નકર્તા : કોઈક આડું-અવળું બોલે તો અસર થઈ જાય છે.

દાદાશ્રી : તે આ તો બોલે જ છે પણ એ મારે ત્યારેય ડિપ્રેશન ના આવવું જોઈએ. દસ દહાડા ભૂખ્યો રાખે ને ભેંસની પેઠ બાંધે તોય ડિપ્રેશન ના આવવું જોઈએ. કોઈ આડું-અવળું બોલ્યું તેય વાગે ? પથરો વાગે, પથરો આપણને અડ્યો એટલે વાગ્યું. મૂઆ, બોલે એ વાગ્યું ? આ માણસો જુદી જાતના ! બોલતું (બોલે એ) વાગતું હશે ?

પ્રશ્નકર્તા : બીજા કોઈ બોલે તોય અસર થાય છે.

દાદાશ્રી : અરેરે ! શબ્દની અસર થાય, એવો તો માણસ આપણે ત્યાં હોવોય ના જોઈએ. શબ્દની અસર કેમ થાય ? વખતે ઢેખાળો માર્યો હોય તો મનમાં એમ થાય કે લોહી પડ્યું, લ્હાય બળે છે !

પ્રશ્નકર્તા : પણ દાદા, આ તો ઢેખાળા કરતાંય વધારે એ હોય છે. એને માનેલું છે એટલે.

દાદાશ્રી : માનેલું છોડી દેવાય. આપણું માનેલું ને ! જેણે માનેલું એ આ ગાંઠ છોડી દેશે એટલે છૂટું. એ કો’કનું માનેલું હોય, તે એ છોડાવી દેવાય.

પ્રશ્નકર્તા : પણ એના રૂટ કૉઝ પકડવા પડશે ને, એની માન્યતાના, તો છૂટે ને ? એમ ને એમ કેવી રીતે છૂટે ?

દાદાશ્રી : ના, એ ગાંઠ છોડી આપી કે છૂટી ગયું.

પ્રશ્નકર્તા : એક જ્ઞાની છોડી આપે ને બીજું સમજ છોડી આપે, બે છોડી આપે.

દાદાશ્રી : અમે તમને છોડી આપી ને ! આમાં બીજું શું છે ? શબ્દ, એ શબ્દ તો અસર કરતો હોય ?

પ્રશ્નકર્તા : ખરેખર તો ના કરવો જોઈએ, પણ અત્યારે પથ્થર કરતાં શબ્દની અસર વધારે છે, આ પાંચમા આરામાં.

(પા.૬)

દાદાશ્રી : પણ મારું કહેવાનું કે ગાળ એ કંઈ આપણને અડે ખરી આમ ?

પ્રશ્નકર્તા : છતાં મહીં ઘા વાગી જાય છે.

દાદાશ્રી : પણ એ શી રીતે તને અડે ? એ બોલ્યો ત્યાં આગળ ને તને અહીં આગળ એ શી રીતે વાગી ?

પોતે આખા બ્રહ્માંડનો માલિક છે ને લપટાયો છે ! કોઈ ગાળ દે, તુંકારો કરે ને તોય અસર થાય છે. અલ્યા, એ કંઈ પથ્થર નથી કે તને અડે, સ્પર્શ થાય ! આ શબ્દ જ તને પહોંચી જાય છે, વગર તારે ! આ કશું જાણતા નથી કે આ પઝલ શું છે !

રોંગ બિલીફોની અસરો

આત્મા ને દેહનું એટલું બધું સામીપ્ય છે કે જુદાપણાનું ભાન નથી રહેતું. ભ્રાંતિ ઉત્પન્ન થાય છે. જે બધી અસરો થાય છે - ટાઢની, તાપની, ભૂખની, તરસની, તે આત્માને નથી થતી. અસરો પુદ્ગલને થાય છે, પણ આત્મા પોતે માની બેસે છે કે મને જ અસર થાય છે ! આત્માના ગુણને લઈને કલ્પે તેવું થાય છે. આત્મા ‘મૂળ વસ્તુ’માં ફેરફાર નથી થતો, અવસ્થામાં ફેરફાર થાય છે. ખરેખર તો ‘આત્મા’ આત્મા જ રહે છે પણ (પુદ્ગલને) અસર થાય છે, ‘રોંગ બિલીફો’ બેસી જાય છે !

આ ‘રોંગ બિલીફ’ની આટલી બધી અસરો થાય છે, તો ‘રાઈટ બિલીફ’ની કેવી અસર થતી હશે ! જે જ્ઞાનથી જગતની અસર ના થાય તે આત્મજ્ઞાન.

સમજણ પાકતા જ્ઞાન પરિણમે

પ્રશ્નકર્તા : જ્ઞાનને સ્થિર કરવા શું સાધન કરવું પડે ?

દાદાશ્રી : સાધન કરવાનું ના હોય. જ્ઞાનને સ્થિર કરવા સમજવાની જ જરૂર. કરવું પડે તો સ્થિર ના થાય. કરવું પડે ત્યાં સહજતા જતી રહે, સ્થિર ના થાય. સમજવું પડે તો સ્થિર થાય.

પ્રશ્નકર્તા : જેમ સમય જાય, એમ આ જ્ઞાન સજ્જડ થતું જાય ?

દાદાશ્રી : સમજણ પડે તેમ સમાતો જાય. આપણે તો સમજવાનું એકલું જ છે. મેં જે જ્ઞાન આપ્યું, તેનાથી આવરણ બધા તૂટી ગયા, કર્તાપણું છૂટી ગયું, કારણો બધા ઊડી ગયા. હવે એ પરિણામ રહ્યા. પરિણામને શી રીતે ભોગવવું ? એના માટે આ સમજી લો ! સમજથી બધો ઉકેલ આવે અને એટલું બધું સમાઈ જાય કે ‘જાણે’ એકલું જ. પેલો ગાળ દીધા કરે ને આ ‘જાણ્યા’ કરે એટલું જ, ના રહે એવું ? જેટલો સમજ્યો તેટલો સમાઈ જાય.

જેટલો સમાઈ ગયો એટલી મુક્તિ. અહીં જ મુક્તિનો અનુભવ થાય. સમાઈ જવું એટલે મોક્ષમાં, પોતાના ‘સ્વરૂપ’માં સમાઈ જવું.

સમજ કોનું નામ કહેવાય કે ઠોકર ના વાગે. આખો દહાડો ઠોકરો ખાયા કરતો હોય અને હું સમજું છું, જાણું છું કરે. તે અલ્યા, શેને સમજ કહે છે ? સમજ અને જ્ઞાનમાં ફેર શો ? જે સમજ વર્તનમાં ના આવે ત્યાં સુધી એ જ્ઞાનને સમજ કહેવાય છે. એ સમજ ધીમે ધીમે ‘ઑટોમૅટિકલી’ (એનીમેળે) જ્ઞાનરૂપે પરિણામ પામે. વર્તનમાં આવે ત્યારે જાણવું કે આ જ્ઞાન છે, એટલે ત્યાં સુધી સમજ સમજ કરો.

જેટલી જેની સમજણ પાકી એટલું એનું જ્ઞાનમાં ‘ડેવલપમેન્ટ’ થતું જાય. એ ક્યારે થશે એની ચિંતા નહીં કરવાની. એ તો એની મેળે જ જ્ઞાનમાં પરિણામ પામવાનું. અજ્ઞાન એની મેળે જ છૂટી જવાનું. માટે સમજ સમજ કરવાનું અહીં. જ્ઞાન જ કામ કરી રહ્યું છે, તમારે કશું કરવાનું નહીં.

(પા.૭)

ઊંઘમાંય જ્ઞાન કામ કરી રહ્યું છે, જાગતાંય કામ કરી રહ્યું છે ને સ્વપ્નમાંય જ્ઞાન કામ કરી રહ્યું છે.

જ્ઞાનમાં રહી હિસાબ ચૂકવો

અનાદિકાળથી ચોપડાનો વહીવટ ચાલુ છે. પાછલા ચોપડાના આ ચાલુ હિસાબ હોય છે. જુઓ ને, આ સાસુને અને વહુને ઓળખાણેય નથી હોતી, ને બેઉ ભેગા થયા પછી ચાલે છે ને ! પહેલા તો ઓળખાણેય નહોતી. સાસુએ વહુનું મોઢું ના જોયેલું હોય, વહુએ સાસુનું મોઢું ના જોયેલું હોય. તે પાછા વહુ પહેલે દહાડે આવે છે ને, ત્યારે શું કહેશે ? ‘આટલી જણસ આપો તો જ મોઢું દેખાડીએ.’ એટલે જણસ આપે ત્યારે મોઢું દેખાડે. પછી ઓળખાણ પડે કે આ તો આપણી ધીરધારવાળું સત્તાણું નંબરનું ખાતું છે. પછી લેવાદેવાનું ચાલુ કરે. એટલે પહેલે જ દહાડે જણસ તોલે. અને આ લોક રાજીખુશી થઈને આપે બધું. એટલે આ વગર ઓળખાણે જુઓ ને, બધું ખાતું ચાલુ જ છે ને !

એટલે વાતને ટૂંકમાં સમજી લેવાની છે, કે નહીં લેવા, નહીં દેવા, છતાં આ તો બધો આપણો હિસાબ જ છે. આ ‘જ્ઞાન’ જે આપ્યું છે ને, એમાં રહેવાનું અને આ બધા હિસાબ છે, એને ધીમે ધીમે ચૂકતે કરવાના છે.

અમે શું કહેવા માગીએ છીએ, કે જે બધું આવે છે, એ તમારો હિસાબ છે. એને ચૂકતે થઈ જવા દો ને ફરી નવેસરથી રકમ ધીરશો નહીં.

પ્રશ્નકર્તા : નવી રકમ ધીરવી કોને કહો છો ?

દાદાશ્રી : કોઈ તમને અવળું કહે તો તમને મનમાં એમ થાય કે ‘આ મને કેમ અવળું બોલે છે ?’ એટલે તમે એને નવી રકમ ધીરો છો. જે તમારો હિસાબ હતો, તે ચૂકવતી વખતે તમે ફરી નવો હિસાબનો ચોપડો ચાલુ કર્યો. એટલે એક ગાળ જે ધીરેલી હતી, તે પાછી આપવા આવ્યો ત્યારે તે આપણે જમે કરી લેવાની હતી, તેને બદલે તમે પાંચ નવી ધીરી પાછી. આ એક તો સહન થતી નથી, ત્યાં બીજી પાંચ ધીરી, તે નવી ધીરધાર કરે છે ને પછી ગૂંચાયા કરે છે. આમ ગૂંચવાડો બધો ઊભો કરે છે. હવે આમાં મનુષ્યોની બુદ્ધિ શી રીતે પહોંચે ?

જો તારે આ વેપાર ના પોષાય તો ફરી આપીશ નહીં, નવી ધીરીશ નહીં, ને આ પોષાતું હોય તો ફરી પાંચ આપ.

વ્યવહારમાં ન્યાય જોવાનો નહીં

વ્યવહાર વ્યવહાર સ્વરૂપ છે, તે તમને સમજાવું. તમારે ત્યાં લગ્ન હોય અને તમારા સગા ભાઈની જોડે તમે વ્યવહાર ના કર્યો હોય, જમવાનું પીરસણ ન મોકલ્યું હોય તો તમારા ભાઈને ત્યાં લગ્ન આવે તો એને ત્યાંથી જમવાનું આવશે એવી આશા તમે રાખો ? ના રાખો, કારણ કે એ ભાઈની જોડે એવો જ વ્યવહાર હતો અને જો એક ભાઈને ત્યાંથી લગ્ન પ્રસંગે સોળ લાડુ આવ્યા હોય અને બીજા ભાઈને ત્યાંથી ત્રણ લાડુ આવ્યા હોય તો તમારા લક્ષમાં શું હોવું જોઈએ કે ‘ભલે આજે મારા લક્ષમાં નથી, પણ મેં ત્રણ જ લાડુ મોકલ્યા હશે. મારો વ્યવહાર જ આવો હશે, ત્રણ લાડુ હશે તેથી સામેથી ત્રણ આવ્યા.’ વ્યવહારમાં ન્યાય જોવાનો ના હોય, વ્યવહાર વ્યવહાર સ્વરૂપ જ છે.

આ પંખો ફુલ સ્પીડમાં ચાલતો હતો. તેનું રેગ્યુલેટર બગડી ગયેલું, અમને ખબર નહીં તેથી કહ્યું કે ‘પંખો જરા ધીમો કરો.’ તો કહે કે ‘પંખો ધીમો નથી થતો.’ એટલે અમે તરત જ સમજી ગયા કે આનો વ્યવહાર જ આવો છે, તો ફરી એનો ન્યાય કરવા ક્યાં બેસું ? એટલે વ્યવહારમાં ન્યાય કરવાનો ના હોય.

(પા.૮)

દરેક જોડેનો આપણો વ્યવહાર હોય. તે આપણે સમજી લેવાનું કે આની જોડે સીધો વ્યવહાર લાવ્યા છીએ, આની જોડે આવો વાંકો વ્યવહાર લાવ્યા છીએ. છોકરી થઈ સામું બોલી એ જ તારો વ્યવહાર, એમાં ન્યાય ક્યાં જોઈશ ? અને બીજી છોકરી પોતે નથી થાક્યા તોય આપણા પગ દબાવ દબાવ કરે, એય તારો વ્યવહાર છે. એમાંય ન્યાય ના જોઈશ.

આ ન્યાય જોવા જાય છે એમાં જ ફસાય છે. વ્યવહાર તો ઉકેલાયા કરે છે, અને જેવો લાવ્યા હોય તેવો પાછો મળે. જ્યારે ન્યાય તો શું છે કે સામો આવો હોવો જોઈએ, તેવો હોવો જોઈએ એવું દેખાડે. ન્યાય કોને માટે છે ? જેને ‘મારી ભૂલ છે’ એમ સમજાય છે, તેને તે ભૂલ ભાંગવા ન્યાય છે. ને જેને ‘મારી ભૂલ જ થતી નથી’ એમ છે એને સમજવા માટે વ્યવહાર છે.

સામો શું બોલ્યો, કઠણ બોલ્યો, તેના આપણે જ્ઞાતા-દ્રષ્ટા. આપણે શું બોલ્યા, તેનાય ‘આપણે’ જ્ઞાતા-દ્રષ્ટા. અને એમાં જો સામાને શૂળ લાગે એવું બોલાયું હોય, વાણી કઠણ નીકળી, એ એના વ્યવહારને આધીન નીકળી. પણ જો તમારે મોક્ષે જ જવું હોય તો પ્રતિક્રમણ કરી ધોઈ નાખો. કઠણ વાણી નીકળી અને સામાને દુઃખ થયું, એય વ્યવહાર છે. કઠણ વાણી કેમ નીકળી ? કારણ કે આજે આમનો અને આપણો વ્યવહાર છતો (ઉઘાડો) થયો. ભગવાન પણ આ વ્યવહાર એક્સેપ્ટ (કબૂલ) કરે.

બોસ વઢે ત્યારે...

હવે બોસ છે તે ચંદુભાઈને વઢે, તમને શી રીતે વઢે ? તમને એ ઓળખે કંઈ ? ચંદુલાલને વઢે. તે આપણે ચંદુલાલને બોસ વઢી ગયા પછી, ઓફિસમાં જઈને કહેવું, કે ‘તમે કંઈ બોલ્યા હશો તેથી જ કહેતા હશે ને ! શાંતિ રાખો ને જરા !’ કહેવાય કે ના કહેવાય ? અને બોસ લડે કે ના લડે, આ જમાનામાં ?

પ્રશ્નકર્તા : લડે.

દાદાશ્રી : એની બાઈડી જોડે લડીને આવ્યો, તેમાં આપણી પર અકળામણ કરે. એવું ના બને ? આપણી ભૂલ ના હોય તોય વઢે ? ચંદુભાઈને આપણે ‘જાણ્યા’ કરવાનું. ઓફિસનું કામ કેવું કરે છે, કેવું નહીં તે આપણે ‘જાણીએ’ ને પછી એમને કહેવુંય ખરું, કે ‘આવું શા હારુ કરો છો ? પૂરું કામ કરો ને !’ કહેવામાં શું વાંધો ? બોલવામાં શું વાંધો આપણે ? ખાલી એડજસ્ટમેન્ટ જ છે, નહીં તોય બીજું કશું વળે નહીં. આવું પણ બોલીએ તો અંધાધૂંધી ના ફેલાય.

પ્રશ્નકર્તા : આ જ્ઞાતા-દ્રષ્ટા રહીએ તે વખતે, આ બરાબર રહે છે કે નથી રહેતા ચંદુભાઈ, એ ડિફરન્શીએટ (જુદું) રાખવું કે ના રાખવું ?

દાદાશ્રી : ચંદુભાઈ રહે કે ના રહે, તેની સાથે આપણે લેવાદેવા નથી. આપણે રહેવાયું કે નહીં, એ જોવાનું છે. ચંદુભાઈ રહે કે નાય રહે, ડિફોલ્ટરેય (કસૂરવારેય) થાય, એને આપણે લેવાદેવા નથી હવે.

ન વાગે વેણ, વિના વાંક

પ્રશ્નકર્તા : કોઈ આપણને કંઈ બોલી જાય, એ પણ નૈમિત્તિક જ ને ? આપણો વાંક ના હોય તો પણ બોલે તો ?

દાદાશ્રી : આ જગતમાં કોઈ માણસને તમારો વાંક ના હોય, તો બોલવાનો એવો અધિકાર નથી. માટે આ બોલે છે, તો તમારી ભૂલ છે, તેનો બદલો આપે છે આ. હા, તે તમારી ગયા અવતારની જે ભૂલ છે, એ ભૂલનો બદલો આ માણસ તમને

(પા.૯)

આપી રહ્યો છે. એ નિમિત્ત છે અને ભૂલ તમારી છે. માટે જ એ બોલી રહ્યો છે.

હવે એ આપણી ભૂલ છે, માટે આ બોલી રહ્યો છે. તો એ માણસ આપણને એ ભૂલમાંથી મુક્ત કરાવડાવે છે. એના તરફ ભાવ ન બગાડવો જોઈએ. અને આપણે શું કહેવું જોઈએ કે પ્રભુ ! એને સદ્બુદ્ધિ આપજો. એટલે જ કહેવું, કારણ કે એ નિમિત્ત છે.

આ જગત પોતાનો જ પડઘો છે

અમારામાં આડાઈ જરાય ના હોય. કોઈ અમને અમારી ભૂલ બતાવે તો અમે તરત જ એક્સેપ્ટ (સ્વીકાર) કરી લઈએ. કોઈ કહે કે આ તમારી ભૂલ છે તો અમે કહીએ કે ‘હા, ભાઈ, આ તેં અમને ભૂલ બતાડી તો તારો ઉપકાર.’ આપણે તો જાણીએ કે જે ભૂલ એણે બતાવી આપી માટે એનો ઉપકાર. બાકી દોષ હોય કે ના હોય એની તપાસ કરવા જવાનું નહીં, એમને દેખાય છે માટે દોષ છે જ. મારા કોટની પાછળ લખ્યું હોય કે ‘દાદા ચોર છે.’ લોક પછી પાછળ બોલે કે ના બોલે ? શાથી ‘દાદા ચોર છે’ એવું બોલે છે ? કારણ કે મારી પાછળ લખ્યું છે, બોર્ડ માર્યું છે ને, તે એને દેખાય છે ! તે આપણે જોઈએ ત્યારે ખબર પડે કે હા, પાછળ બોર્ડ માર્યું છે. ભલે બીજું કોઈક લખી ગયું હશે, પણ આ બધાને વાંચતા તો આવડે ને !

ભૂલ પોતાના માથે લઈ લે તે જ ખરો ને ! તાણ ના કરવી. તાણ કરવા કરતાં, બીજાનો વાંક કાઢવા કરતાં, તે વાંક પોતાના માથે લઈ લો ને !

આમંત્રી ધોલને, વળતર સહિત

કોઈ આપણને ગાળો ભાંડે, આપણને ખોટું સાંભળવાનું મળ્યું, એ તો બહુ પુણ્યશાળી કહેવાય. નહીં તો એ મળે નહીં ને ! હું પહેલા એવું કહેતો હતો, આજથી દસ-પંદર વર્ષ ઉપર કે ભઈ, કોઈ પણ માણસ પૈસાની અડચણવાળો હોય, તો હું કહું છું કે મને એક ધોલ (તમાચો) મારજે, હું પાંચસો રૂપિયા આપીશ. એક માણસ મળેલો, મેં એને કહ્યું કે ‘તારે પૈસાની ભીડ છે ને ? સો-બસ્સોની ? તો તારી ભીડ તો આજથી જ નીકળી જશે. હું તને પાંચસો રૂપિયા આપું, તું મને એક ધોલ માર.’ ત્યારે કહે, ‘ના દાદા, આવું નહીં થઈ શકે.’ એટલે ધોલ મારનારાય ક્યાંથી લાવે ? વેચાતા લાવે તોય ઠેકાણું પડે એવું નથી ને ગાળો દેનારાનુંય ઠેકાણું પડે એવું નથી. ત્યારે જેને ઘેર બેઠા એવું ફ્રી ઑફ કોસ્ટ (મફત) મળતું હોય તો ભાગ્યશાળી જ કહેવાય ને ! કારણ કે મને પાંચસો રૂપિયા આપતાય કોઈ મળતું નહોતું.

જેનું અપમાન, તે પોતે ન્હોય

આ ‘ચંદુભાઈ’નું કોઈક અપમાન કરે તો શું થાય ? રાતે ઊંઘ ના આવે ને ? ઝાટકા વાગે ! આમ ક્ષત્રિય પ્રજાને, તે ઝાટકા વાગે. પેલો અપમાન કરનારો ઊંઘી ગયો હોય, પણ આ ઝાટકાવાળો ના ઊંઘે ! કોઈ અપમાન કરે ને આપણને ઊંઘ ના આવે એવું શા કામનું તે ? એવી નિર્બળતા શું કામની તે ? કોઈક અપમાન કરે ને આપણે શું કામ ના ઊંઘીએ ? અને કો’કનું અપમાન થાય છે, તમારું થતું જ નથી. ‘તમારું’ અપમાન કરે તો સહન ના જ કરવું જોઈએ. પણ એ ‘તમારું’ અપમાન નથી કરતો. તો શું કરવા આમ હાય હાય કરો છો ? આ તો કોઈકનું અપમાન થાય છે ને ‘તમે’ માથે લઈ લો છો ! ‘મને કર્યું’ એવું તો ના હોવું જોઈએ ને ! હા, ‘તમારું’ અપમાન ના કરવું જોઈએ કોઈએ. પણ ‘તમારું’ અપમાન કોઈ કરેય નહીં. તમને ઓળખે જ શી રીતે ? ‘તમને’ તો કોઈ ઓળખતું જ નથી ને ! ઓળખે

(પા.૧૦)

તો ‘ચંદુભાઈ’ને ઓળખે. એ ‘આપણને’ તો ઓળખતો જ નથી ને !

કોનું અપમાન કરવાનું ? ‘અંબાલાલ મૂળજીભાઈ’નું. તારે જેટલું અપમાન કરવું હોય એટલું કર ને ! મારે ક્યાં એમની જોડે સાઢું-સહિયારું છે ? એ મારી જોડેના પાડોશી છે. તે જો રડશે તો હું પાછો છાનો રાખીશ.

પણ ‘મારું અપમાન થયું’ માને છે એટલે બિચારાને ઊંઘ ના આવે. નહીં તો કેટલી ગજબની શક્તિ એક-એક ‘ઈન્ડિયન’માં છે. ફક્ત એને ખોલનાર નથી. તોય અત્યારે જુઓ ને, આ દીન થઈ ગયા છે લોકો ! જુઓ તો ખરા, જ્યાં ને ત્યાં ‘ક્યૂ’(લાઈન)માં ઊભા રહે છે બિચારા, એટલા બધા દીન થઈ ગયા છે ! નહીં તો આ પ્રજા તો કેવી હતી ! સહેજ વાતમાં, બોલવામાં કે ‘ઈન્વિટેશન’ (આમંત્રણ) આપવામાં જરા અપમાન જેવું લાગ્યું હોય તો જમવા ના જાય એવી આ પ્રજા ! આ લોકો અપમાનને બહુ મોટી કિંમતી વસ્તુ ગણનારા હતા.

હવે અપમાનનો ભો જતો રહે તો વ્યવહારના માણસો નફ્ફટ થઈ જાય. એટલે અપમાનનો ભો છે તેથી આ ફટમાં રહ્યા છે. નહીં તો ફટમાં રહે કે આ લોકો ? અને નિશ્ચયમાં અપમાનનો ભો જતો રહે તો માણસ સ્વતંત્ર થઈ જાય. આપણે ત્યાં અપમાનનો ભો જતો રહે, તો સ્વતંત્ર થઈ જાય.

એટલે આ લોકોને અમે કેવું જ્ઞાન આપવા માગીએ છીએ કે આખા ‘વર્લ્ડ’(દુનિયા)ના બધા દેશોમાં ફરે, પણ ‘ડીપ્રેસ’ (હતાશ) કોઈથી થઈ ના શકે. ‘ડીપ્રેસ’ ના થાય એવું જોઈએ. અને જે કોઈને ‘ડિપ્રેશન’ આપે છે એ પોતે ‘ડીપ્રેસ’ થયા વગર રહેતો નથી. ગમે તે મોટો માણસ હોય, આખું ‘વર્લ્ડ’ હોય, પણ આપણને ડગાવી કેમ શકે ?

પંદર વર્ષે પણ ના ભૂલે એ તાંતો

દરેકનો અહંકાર જુદો જુદો હોય અને અહંકાર ‘થ્રૂ’ (દ્વારા) પ્રકાશ નીકળે છે, તેથી દરેકની બુદ્ધિ જુદી જુદી હોય ! જેવો જેનો ‘ઈગોઈઝમ’ (અહંકાર) તેવી તેની બુદ્ધિ. કોઈનો ‘ઈગોઈઝમ’ મોળો (ઓછો) હોય તો બુદ્ધિ તેની ખૂબ ‘લાઈટ’ મારે ને જેનો અહંકાર કડક (વિશેષ) હોય તેની બુદ્ધિ અવળી કામ કરે.

જેમ બુદ્ધિ વધે, તેમ સ્મૃતિ વધે, તેમ બળાપો વધે ! બુદ્ધિ બાજુએ જ મૂકવાની, એની વાત જ નહીં માનવાની. આ ચાલીમાં એક માણસ એવો હોય કે એની વાત માનીએ તો ફજેતો આપણને થાય છે, તો કેટલી વખત એની વાત આપણે એક્સેપ્ટ (સ્વીકાર) કરીએ ? એક-બે વખત, પણ પછી તો એની વાત જ ના એક્સેપ્ટ કરીએ. બુદ્ધિ તો સેન્સિટિવ (લાગણીશીલ) બનાવી દે, ઈમોશનલ (ભાવુક) બનાવી દે, તો એની વાત આપણાથી કેમ એક્સેપ્ટ કરાય ?

તાંતો એ એવી વસ્તુ છે કે પંદર વર્ષ પહેલા મારું અપમાન કર્યું હોત તો, તે પંદર વર્ષ સુધી મને ભેગો ના થયો હોય અને એ માણસ મને આજે ભેગો થાય ને, તો ભેગો થતાની સાથે જ મને બધું યાદ આવી જાય એ તાંતો. બાકી, તાંતો કોઈનો જાય નહીં. મોટા મોટા સાધુ મહારાજોય તાંતાવાળા ! રાતે જો તમે કંઈ સળી કરી હોય ને, તો પંદર-પંદર દહાડા સુધી બોલે નહીં, એ તાંતો !

રાતે તમારે વાઈફ જોડે ભાંજગડ થઈ હોય ને, તે સવારમાં ચા મૂકતી વખતે આમ ટકોરો મારે. એટલે આપણે સમજી ગયા કે ‘ઓહોહો, રાત્રે બન્યું તે ભૂલ્યા નથી !’ એ તાંતો. પછી બોલે, તે વાણીય એવી તંતીલી નીકળે. પંદર વર્ષે એ માણસ-ગુનેગાર મળ્યો હોય, ત્યાં સુધી તમને યાદેય ના હોય. પણ પંદર વર્ષે એ ભેગો થાય

(પા.૧૧)

કે તમને યાદ આવે, બધું તૈયાર થઈ જાય, એનું નામ તાંતો કહેવાય.

પંદર વરસ ઉપર આપણે કોઈ માણસ જોયો હોય, તેને આજે જોઈએ તોય તે આપણને ફરી યાદ આવે કે જોયેલો હતો, એવું આ મશીન છે. પરમાણુ-પરમાણુમાં ટેપ કરવાની શક્તિ છે ! આંખોને ફિલમ ઉતારવાની શક્તિ છે ! મહીં પાર વગરની શક્તિ છે ! આ એક મહીંની મશીનરી પરથી આ બીજી બધી પાર વગરની મશીનરીઓ બને છે ! એટલે આ મશીન જબરજસ્ત પાવરફૂલ (શક્તિશાળી) છે.

બદલાતા કર્મોની નોંધ શી ?

કોઈ તમને કંઈ કહી જાય તો ત્યાં આગળ ન્યાય શું કહે છે ? એ કર્મના ઉદયે તમને કહી ગયો. હવે એ ઉદય તો એનો પૂરો થઈ ગયો અને તમારોય ઉદય પૂરો થઈ ગયો. હવે તમારે લેવાદેવા ના રહી. હવે ફરી છે તે તમે એને તાંતો રાખીને જુઓ છો, ત્યારે પેલા જ કર્મનો ઉદય તમે લાવો છો ! એટલે ગૂંચવાડો ઊભો કરો છો. હવે પેલો બીજા જ કર્મમાં હોય છે તે વખતે. સમજવા જેવી વાત છે ને ? પણ ઝીણી વાત છે.

આનો કોઈ ખુલાસો જ ના હોય ને, તાંતો રાખેલા હોય તે ? અને તાંતા રાખનારા માણસો ખુલાસો ખોળે, તો એનો ક્યારે પાર આવે ?

એટલે ગઈ કાલે આપણું કોઈ અપમાન કરે ને એ માણસ આજે દેખીએ તો એ નવો જ લાગવો જોઈએ. અને એ નવો જ હોય છે, પણ એ નથી દેખાતું તો આપણી ભૂલ થાય છે. આપણે બીજા રૂપમાં જોઈએ છીએ. પણ એ નવો જ હોય છે. એક કર્મ પતી ગયું એટલે એ બીજા કર્મમાં જ હોય. એ બીજા કર્મમાં હોય કે એના એ જ કર્મમાં હોય ?

પ્રશ્નકર્તા : બીજા કર્મમાં હોય.

દાદાશ્રી : અને આપણે એ જ કર્મમાં હોઈએ. તે કેટલો બધો ગંદવાડો કહેવાય ! તમારે કોઈ ફેરો બને ખરી કે ભૂલ ? નોંધ રાખો કે ?

નોંધ જ આ દુનિયામાં નકામી છે. નોંધ જ આ દુનિયામાં નુકસાન કરે છે. કો’ક બહુ માન આપે તે નોંધ ના રાખીએ. અને કો’ક ગાળો ભાંડે, કે તમે નાલાયક છો, અનફીટ છો, તે સાંભળીને નોંધ નહીં રાખવાની. નોંધ એણે રાખવી હોય તો રાખે. આપણે આ પીડા ક્યાં લઈએ પાછી ? ચોપડા-બોપડા લાવીને પાછી નોંધો રાખવા માંડીએ ! નોંધવહી ને એ બધું એ કર્યા કરે, જેને ખાતાવહી રાખવી હોય તે. આપણે તો નોંધીએ નહીં, તેને જે બોલવું હોય તે બોલે. કારણ કે એ આગલા હિસાબ હશે તો જ બોલાશે, નહીં તો બોલાશે નહીં.

અમે નોંધ ના રાખીએ. અમે એના મોઢા પર કહી દઈએ ખરા, પણ પછી નોંધ ના રાખીએ. નોંધ રાખવી એ તો ભયંકર ગુનો છે.

એટલે કોઈને દાદ નહીં, ફરિયાદ નહીં, કશું નહીં. કોઈ અપમાન કરી ગયો હોય તો તમારે મને દાદ-ફરિયાદ કરવાની ના હોય. દાદ-ફરિયાદ નકામી ગઈ. બન્યું એ બરોબર છે, ન્યાય જ છે ને ! પ્રશ્ન જ ઊભો નહીં થતો ને ! એવું આ વિજ્ઞાન છે, ચોખ્ખું !

ઉદયકર્મમાં ડખો નહીં, એનું નામ જ્ઞાન

ઉદયકર્મમાં ડખલ કરીએ તે ઘડીએ બુદ્ધિ હોય અને ઉદયકર્મમાં ડખલ ના કરીએ તે ઘડીએ જ્ઞાન હોય. આ જ્ઞાન ને બુદ્ધિનો છે તે ભેદ.

પ્રશ્નકર્તા : ડખો માત્ર બુદ્ધિથી જ થાય છે ને ?

(પા.૧૨)

દાદાશ્રી : ડખો માત્ર બુદ્ધિનો જ છે આ બધો. આ બુદ્ધિએ જ બધી ભાંજગડો, લોચા વાળ્યા. જ્ઞાનને આવું કશું હોય જ નહીં. જ્ઞાનમાં તો ડખો હોય જ નહીં ને ! હા, ચંદુભાઈ છે તે ડખો કરે અને જ્ઞાન જાણે એટલે તમે છૂટા.

પ્રશ્નકર્તા : પેલા પ્રસંગ ઊભા થાય ત્યારે અજ્ઞાનતા ઊભી થાય ને એની અસરો ઊભી થાય અને આ જ્ઞાનની સ્થિતિમાં રહેવું હોય તો કઈ રીતે આવી શકે ?

દાદાશ્રી : એ તો ચંદુભાઈ એમાં રહે, તમે આમાં રહો. તમે મહીં જુદા રહો તો બીજું કશું અડતું નથી. પેલું કંઈ સુધરે નહીં. હવે જે જામી ગયેલું છે એ સુધરે ઓછું કંઈ ? એને જોયા કરવું એટલે છૂટ્યું.

પ્રશ્નકર્તા : એ તો ચંદુભાઈનું જે છે એ ડિસ્ચાર્જ થયા કરવાનું.

દાદાશ્રી : એ પુદ્ગલ એનો ધર્મ જુદો, આ આત્માનો ધર્મ જુદો. બેને લેવાદેવા નહીં. કો’કના ધર્મમાં ડખલ કેવી રીતે કરાય ? એને ‘જોવાનું’ ફક્ત કે પુદ્ગલ આ ભાવમાં ફરે છે. જેને ‘જોતા’ આવડ્યું, તેને બધુંય ગયું. અને ઉદયકર્મમાં હાથ ના ઘાલે એટલે કામ થઈ ગયું. અને હાથ ઘાલ્યો હોય તો પસ્તાવો કરીને પણ તરત એને છોડી દે તો એ જ્ઞાનની નજીકમાં છે, તોય કામ થઈ જવાનું એનું !

કોણે લીધું, કોણે દીધું, આણે આપ્યું આમને ને આમણે લીધું, એવા કોઈ ચોપડા ભગવાન રાખે નહીં. કેવા ડાહ્યા છે ! ચોપડા જ રાખતા નથી. હિસાબ બધો ચોખ્ખો, વગર ચોપડે હિસાબ ચોખ્ખો ! તેથી મેં કહ્યુંને કે ભગવાન ચોપડા લખે નહીં ને બુદ્ધિ છે તે ચોપડા લખે. ઉદયકર્મમાં હાથ ઘાલે, આંગળી ઘાલે ઉદયકર્મમાં. અલ્યા, આપે છે તેય ઉદયકર્મ ને પેલો લે છે એ એના ઉદયકર્મ, એમાં તારે વચ્ચે હાથ ઘાલવાનો રહ્યો જ ક્યાં તે ? ઉદયકર્મ આપે છે ને ? અને લેનારેય ઉદયકર્મ લે છે. ત્યાં આગળ પછી જમે-ઉધાર કરવાનું જ ક્યાં રહ્યું ? પણ આ બુદ્ધિનો ડખો. આ છે તે ઉદયકર્મમાં જો ડખો ના કરે, એનું નામ જ્ઞાન. પૂરું જ્ઞાન, હં ! અહીં આ તમારું અમુક જ્ઞાન તો છે પણ કેવળજ્ઞાન એનું નામ કહેવાય કે ઉદયકર્મમાં ડખો ના કરે ! તમને સમ્યક્ જ્ઞાન તો છે જ. પણ હવે કેવળજ્ઞાન થતા પહેલા આવી તેવી બધી વસ્તુઓ જોઈશે ને ? જ્ઞાન તો છે જ, પણ કેવળજ્ઞાનમાં આ બધું આંતરશે ને ?

પછી ઉદયકર્મમાં ડખો નહીં કરવાનો. કો’ક ધોલ મારતું હોય તો આપણે એમ નહીં કહેવાનું કે કેમ મારું છું તું ? અને કેમ મારું છું, તે બોલવાનો ચંદુભાઈને અધિકાર છે પણ તમારે અધિકાર નહીં. આ ચંદુભાઈ એય ઉદયકર્મને આધીન બોલે. તમારે જ્ઞાતા-દ્રષ્ટા રહેવું. સમજવું તો પડે ને ? વીતરાગ માર્ગમાં ગપ્પા ના ચાલે ! બીજા માર્ગમાં ચાલી જાય ગપ્પા. આ તો બહુ કાંતેલું, બહુ ઝીણું કાંતીને રેગ્યુલર સ્ટેજમાં (અમલમાં) જ મૂકેલું અને કેવળજ્ઞાનથી ‘જોઈને’ કહે પાછા. એમ ને એમ બોલે નહીં અક્ષરેય. સમજાય એવી વાત છે ને ?

પ્રશ્નકર્તા : પણ આ ઉદયકર્મ છે, એવું પણ પૂર્ણ જાગૃતિ હોય ત્યારે જ સમજાય.

દાદાશ્રી : હા, નહીં તો ઉદયકર્મેય ના સમજે. કેટલી બધી જાગૃતિ રહે ત્યારે સમજાય કે ઉદયકર્મ છે આ. થોડી થોડી જાગૃતિ તો રહે છે, મહાત્માઓને. આ જ્ઞાન તો ખરું ને ! જ્ઞાન થઈ ગયું, હવે ફક્ત કેવળજ્ઞાન થવાને માટે બાકી રહ્યું.

પ્રશ્નકર્તા : કેવળજ્ઞાન થવાને શું બાકી રહ્યું ?

દાદાશ્રી : આ ક્યાં ક્યાં હજુ બુદ્ધિના ડખા

(પા.૧૩)

છે એ ‘જોઈ’ લેવાના. એટલે બુદ્ધિના ડખા ચંદુભાઈ કરે, તેનો વાંધો નથી. આપણે ફક્ત તે ડખામાં ન ભળી જઈએ. આપણે ‘જોઈએ’, એટલે આપણે આપણા હિસાબમાં. અને તેમાં જો હિસાબ ચૂકીએ તો ઉદયકર્મમાં ડખો કર્યો કહેવાય. ચંદુભાઈનું ઉદયકર્મ છે પણ આપણે ભળી જઈએ એવું ના હોવું જોઈએ, તો આપણને અડે નહીં.

જ્યારે ત્યારે તો નિર્દોષ જોવું પડશે ને ?

આપણું કર્મ બંધાય નહીં એવી રીતે આપણે રહેવું, આ દુનિયાથી છેટે રહેવું. આ કર્મ બાંધેલા તેથી તો આ ભેગા થયેલા છે. આ આપણા ઘરે ભેગા કોણ થયેલા છે ? કર્મના હિસાબ બંધાયેલા છે, તે જ બધા ભેગા થયા છે અને પછી આપણને બાંધીને મારે હઉ ! આપણે નક્કી કર્યું હોય કે મારે એની જોડે બોલવું નથી, તોય સામો મોંમાં આંગળા ઘાલી ઘાલીને બોલાવ બોલાવ કરે. અલ્યા, આંગળા ઘાલીને શું કરવા બોલાવે છે ? આનું નામ વેર ! બધા પૂર્વના વેર ! કોઈ જગ્યાએ જોયેલું છે કે ?

પ્રશ્નકર્તા : બધે એ જ દેખાય છે ને !

દાદાશ્રી : તેથી હું કહું છું ને, કે ખસી જાવ અને મારી પાસે આવો. આ હું જે પામ્યો છું તે તમને આપી દઉં, તમારું કામ થઈ જશે અને છુટકારો થઈ જશે. બાકી, છુટકારો થાય નહીં.

અમે કોઈના દોષ ના કાઢીએ, પણ નોંધ કરીએ કે જુઓ, આ દુનિયા શું છે ? બધી રીતે આ દુનિયાને મેં જોયેલી, બહુ રીતે જોયેલી. કોઈ દોષિત દેખાય છે એ આપણી હજી ભૂલ છે. જ્યારે ત્યારે તો નિર્દોષ જોવું પડશે ને ? આપણા હિસાબથી જ છે આ બધું. આટલું ટૂંકું સમજી જાવ ને, તોય બધું બહુ કામ લાગે. માટે છૂટવું હોય તો તે જે જે કંઈ કડવું-મીઠું આપે (ગાળો વગેરે) તે જમે કરી લેજો. હિસાબ ચૂકતે થઈ જશે. કોઈએ ગાળ ભાંડી તો તે શું અવ્યવહાર છે ? વ્યવહાર છે. ‘જ્ઞાની’ તો કોઈ ગાળ ભાંડે તો પોતે રાજી થાય કે બંધનથી મુક્ત થયા.

પ્રશ્નકર્તા : એટલે જગત નિર્દોષ છે એ સમજવાની દ્રષ્ટિ હવે કેળવવી પડે ને ?

દાદાશ્રી : એટલે આ વાવને આપણે જો ના બોલ્યા હોય તો ડખો જ નહોતો. એટલે આપણે પછી સામાનો દોષ કાઢીએ છીએ કે તું મને આવું કેમ બોલે છે ? તર્કટ આપણે ઊભું કર્યું અને પછી વાવને કહીએ કે તું અમને આવી ગાળ કેમ આપે છે ? ત્યારે પછી કોઈ કહેશે, ‘‘અલ્યા, એણે ગાળ દીધી, પણ તું વાવને એવું કહે ને, ‘તું રાજા છે.’ ત્યારે વાવ પણ એમ કહેશે, ‘તું રાજા છે’ બસ.’’ આ તો બધું પ્રોજેક્શન આપણું જ છે.

વેર ટાળવા, રહીએ પોઝિટિવ

પોતાનું સહેજ અપમાન થઈ ગયું હોય તે મનમાં વેર રાખે ને ફોજદારને જઈને કહી આવે કે ‘પેલાએ ઘરમાં તેલના ડબ્બા ભર્યા છે.’ અલ્યા, તારું વેર છે એટલા માટે આ કર્યું ? એને શું કરવા ફોજદારને પકડાવ્યો ? વેર વાળવા માટે ! આ નેગેટિવ અહંકાર.

નેગેટિવ અહંકાર બહુ બુરો અહંકાર કહેવાય. કો’કને જેલમાં ઘલાવવા ફરે છે ત્યાંથી જ પોતાને જેલ ઊભી થઈ ગઈ ! આપણે કેવું હોવું ઘટે કે નિમિત્ત તો જે આવે તે જમે કરી દેવું જોઈએ. કારણ કે આપણી આગળની ભૂલો છે, એટલે આપણને કોઈ ગાળ ભાંડે તો આપણે જમે કરી લેવી. જમે કરી અને ફરી એની જોડે વેપાર કરવો નહીં.

આપણો સિદ્ધાંત શું છે ? પોઝિટિવ. નેગેટિવ નહીં, સામો તલવાર લઈને આવ્યો તો આપણા હાથમાં તલવાર હોય તો નીચે મૂકી દેવાની. કડવું તો તમને ખપતું હોય તો બોલજો, ખપતું ના હોય

(પા.૧૪)

તો બોલશો નહીં. કોઈ મારે તોય એને કડવું ના કહેશો. એને કહીએ કે ‘તારો ઉપકાર માનું છું.’

ભગવાને તો કહ્યું છે કે આ કાળમાં કોઈ ગાળ ભાંડી ગયો હોય તેને જાતે જમવા બોલાવજો. એટલી બધી વાઈલ્ડનેસ (જંગલીપણું) હશે કે એને ક્ષમા જ આપજો. જો કંઈ ‘રિવેન્જ’ (બદલો) લેવા ગયા ને, તો પછી સંસારમાં પાછા ખેંચાયા. ‘રિવેન્જ’ લેવાનો ના હોય આ કાળમાં. આ દુષમકાળમાં નરી વાઈલ્ડનેસ હોય ! શું વિચાર ના આવે એ કહેવાય જ નહીં. દુનિયા પારના વિચારો હઉ આવે ! આ કાળના જીવો તો બહુ અથડાવાના. આવા માણસો જોડે આપણે વેર બાંધીએ તો આપણે હઉ અથડાવું પડે. એટલે આપણે કહીએ છીએ, ‘સલામ સાહેબ.’ આ કાળમાં તરત માફી આપી દેવી, નહીં તો તમારે ખેંચાવું પડશે. અને આ જગત તો વેરથી ઊભું રહ્યું છે.

પ્રશ્નકર્તા : ક્ષમા માગવામાં એક જાતનો પાવર ઊભો થાય છે એ શું છે ?

દાદાશ્રી : આ દુનિયામાં જો બળ જોઈતું હોય તો પ્રતિક્રમણ ને ક્ષમા માગવાથી બેથી જ બળ ઉત્પન્ન થાય છે. આલોચના-પ્રતિક્રમણ ને પ્રત્યાખ્યાન એટલું જ આ જગતમાં બળવાન કરનારી વસ્તુ છે. બીજી બધી જ નિર્બળ કરનારી છે.

અપમાન સામે ખપે પ્રતિક્રમણ

સમકિત એટલે સવળી દ્રષ્ટિ. આ અવળી દ્રષ્ટિ તો શું કરે ? ‘આણે મારું નુકસાન કર્યું, આણે મને ફાયદો કર્યો, આણે મારું અપમાન કર્યું, મને દુઃખ દીધું, આણે સુખ આપ્યું’ કહેશે. દુઃખ દેનારો કે સુખ આપનારો કોઈ છે જ નહીં બહાર ! બધું અંદર જ છે.

અપમાન તો થયું, એટલે તરત સમજવું પડે કે આ મારી ભૂલ થઈ છે, ત્યારે જ અપમાન કરે છે ને ! એટલે ક્ષમા માગે. એમ ને એમ કશું થાય નહીં.

પ્રશ્નકર્તા : સામો માણસ આપણું અપમાન કરે તો પણ આપણે તેનું પ્રતિક્રમણ કરવાનું ?

દાદાશ્રી : અપમાન કરે ત્યારે જ પ્રતિક્રમણ કરવાનું, આપણને એ માન આપે ત્યારે નહીં કરવાનું. પ્રતિક્રમણ કરીએ એટલે સામા પર દ્વેષભાવ તો થાય જ નહીં. ઉપરથી એની પર આપણી સારી અસર થાય. આપણી જોડે દ્વેષભાવ ના થાય એ તો જાણે પહેલું સ્ટેપ, પણ પછી એને ખબર પણ પહોંચે છે.

પ્રશ્નકર્તા : એના આત્માને પહોંચે ખરું ?

દાદાશ્રી : હા, જરૂર પહોંચે. પછી એ આત્મા એના પુદ્ગલને પણ ધકેલે છે કે ‘ભઇ, ફોન આવ્યો તારો.’ આપણું આ પ્રતિક્રમણ છે તે અતિક્રમણ ઉપરનું છે, ક્રમણ ઉપર નથી.

પ્રશ્નકર્તા : ઘણા પ્રતિક્રમણો કરવા પડે ?

દાદાશ્રી : જેટલી સ્પીડ (ઝડપ)માં આપણે મકાન બાંધવું હોય એટલા કડિયા આપણે વધારવાના. એવું છે ને, કે આ બહારના લોકો જોડે પ્રતિક્રમણ નહીં થાય તો ચાલશે, પણ આપણી આજુબાજુના ને નજીકના, ઘરના છે એમના પ્રતિક્રમણ વધારે કરવા.

ન પડકાર, તો પૂર્ણતા પમાય

કોઈક મીઠું મીઠું બોલે ત્યાં આગળ રાગ થાય ને કડવું બોલે ત્યાં દ્વેષ થાય. સામો મીઠું બોલે છે તે પોતાની પુણ્યૈ પ્રકાશિત છે ને સામો કડવું બોલે છે તે પોતાનું પાપ પ્રકાશિત છે. તેથી મૂળ વાતમાં, બેઉ સામા માણસને કશું લેવા-દેવા નથી. બોલનારને કશું લેવા-દેવા નથી. સામો માણસ તો નિમિત્ત જ થાય છે. જે જશનો નિમિત્ત હોય

(પા.૧૫)

એનાથી જશ મળ્યા કરે અને અપજશનો નિમિત્ત હોય એનાથી અપજશ મળ્યા કરે. એ નિમિત્ત જ છે ખાલી. એમાં કોઈનો દોષ નથી.

આ જગતમાં કોઈ પણ માણસ તમારું કંઈ પણ નુકસાન કરે છે, એમાં એ નિમિત્ત છે. નુકસાન તમારું છે, માટે ‘રિસ્પોન્સિબલ’ (જવાબદાર) તમે છો. કોઈ માણસ કોઈનું કશું કરી શકે જ નહીં, એવું આ સ્વતંત્ર જગત છે. અને જો કોઈ કંઈ પણ કરી શક્યું હોય તો ‘ફિયર’ (ડર)નો પાર જ ના રહેત ! તો તો પછી કોઈ કોઈને મોક્ષે જ ના જવા દે. તો તો ભગવાન મહાવીરનેય મોક્ષે જવા ના દેત ! ભગવાન મહાવીર તો કહે છે કે તમને જે અનુકૂળ આવે તે ભાવ મારી ઉપર કરો. તમને મારી ઉપર વિષયના ભાવ આવે તો વિષયના કરો, નિર્વિષયીના ભાવ આવે તો નિર્વિષયીના કરો, ધર્મના ભાવ આવે તો ધર્મના કરો, પૂજ્યપદના આવે તો પૂજ્યપદ આપો, ગાળો દેવી હોય તો ગાળો દો. મારે એનો પડકાર નથી. જેને પડકાર નથી એ મોક્ષે જાય છે અને પડકાર કરવાવાળાનો અહીં મુકામ રહે છે.

નહીં તો આ જગત તો એવું છે ને, તમારી ઉપર અવળો કે સવળો ભાવ બાંધ્યા જ કરે. ગજવામાં તમે રૂપિયા મૂકતા હોય ને તે કો’ક ગજવું કાપનારાના જોવામાં આવી ગયું તો એ ગજવું કાપવાના ભાવ કરે કે ના કરે ? કે રૂપિયા છે, કાપી લેવા જેવું છે ! પણ ત્યાં તો તમે ગાડી આવી ને બેસી ગયા ને તમે ઉપડી ગયા અને એ રહી ગયો, પણ એ ભાવ તો કરે જ જગત ! પણ તેમાં તમારો પડકાર નથી તો કોઈ તમારું નામ દેનાર નથી. કોઈના પણ ભાવમાં તમારો ભાવ નથી તો કોઈ તમને બાંધનાર નથી. એમ બાંધે તો પાર જ ના આવે ને ? તમે સ્વતંત્ર છો, કોઈ તમને બાંધી શકે એમ નથી.

વાણી એ ટેપરેકર્ડ

પ્રશ્નકર્તા : આપનું જ વાક્ય છે કે ‘‘જગતનો કોઈ શબ્દ આપણને હલાવે નહીં એવું ટેસ્ટેડ થઈ જવું જોઈએ.’’

દાદાશ્રી : હા. કોઈ આપણને શબ્દ કહે કે ‘તમે ગધેડા છો, મૂર્ખા છો’ એ આપણને હલાવે નહીં. ‘તમારામાં અક્કલ નથી’ એવું મને કહે તો, હું કહું કે ‘એ વાતને તું જાણી ગયો એટલું સારું થયું. હું તો પહેલેથી જાણું છું. તેં તો આજે જાણ્યું.’ એટલે ફરી કહું કે ‘હવે બીજી વાત કર.’ તો નિવેડો આવે કે ના આવે ?

પ્રશ્નકર્તા : તો જ નિવેડો આવે ને !

દાદાશ્રી : આ અક્કલનો જોખ કરવા બેસીએ તો ત્રાજવા કોને ત્યાંથી લાવવા ? કાટલાં કોને ત્યાંથી લાવવા ? વકીલ ક્યાંથી લાવવા ? એના કરતા આપણે કહી દઈએ કે ‘ભઈ, હા, અક્કલ નથી, એ વાત તો તેં આજે જાણી. અમે તો પહેલેથી જાણીએ છીએ. ચાલ, આગળની વાત કર હવે.’ તે નિવેડો આવે આમાં.

સામાની વાત પકડી બેસવા જેવી ન્હોય અને શબ્દો તો બધી ટેપરેકર્ડો બોલે છે. રેકર્ડ બોલતી હોય, તેની શી ચિંતા ? રેકર્ડ બોલે, તેની ઉપાધિ હોય ? તમને કેમ લાગે છે ?

પ્રશ્નકર્તા : તો ઉપાધિ ના હોય, બરાબર છે.

દાદાશ્રી : આ ટીપોય વાગે તો આપણે તેને ગુનેગાર નથી ગણતા. પણ બીજું કોઈ મારે તો તેને ગુનેગાર ગણે. કૂતરું આપણને મારે નહીં ને ખાલી ભસ ભસ કરે તો આપણે તેને ચલાવી લઈએ છીએ, એમ જો માણસ હાથ ઉપાડતો ના હોય ને એકલું ભસ ભસ કરે તો નભાવી લેવું ના જોઈએ ? વાણીની ઉપર તો બધી ભાંજગડ છે. વાણીને લીધે

(પા.૧૬)

જ તો આ બધી ભ્રાંતિ જતી નથી. કહેશે કે ‘આ મને ગાળો દે છે.’ અને એટલે પછી વેર જાય જ નહીં ને ! વાણીથી આખું જગત ઊભું રહ્યું છે. જો વાણી ના હોત તો આ જગત આવું ના હોત. એટલે વાણી જ મુખ્ય આધાર છે.

વાણી એ ટેપરેકર્ડ જ છે. ગધેડાને હઉ ટેપ છે. ગધેડું ભૂંકે, તેય ટેપ છે ને ! આ માણસ બોલે છે, તેય બધું ટેપરેકર્ડ છે. જીવમાત્ર બોલે છે, એ ટેપરેકર્ડ છે. આ હું બોલી રહ્યો છું, તે આ પણ ટેપરેકર્ડ બોલી રહી છે. હવે ટેપરેકર્ડ બોલ બોલ કરે કે ‘ચંદુભાઈ ખરાબ છે, ચંદુભાઈ ખરાબ છે’, તો પછી તમને અસર થાય ? ના થાય. કારણ કે એમાં માણસ નથી, જીવ નથી, ચેતન નથી. આખી વાણી માત્ર નિશ્ચેતન છે. વાણી ચેતન છે જ નહીં. માટે એની પર ક્રોધ કરશો નહીં. પેલો ડુંગર ઉપરથી પથરો પડે છે ને આમાં કશો ફેર નથી.

આ વિજ્ઞાન એવું સુંદર છે ને કે કોઈ રીતે બાધક જ નથી ને ઝટપટ ઉકેલ લાવે એવું છે. પણ આ વિજ્ઞાનને લક્ષમાં રાખે કે દાદાએ કહ્યું છે કે વાણી એટલે બસ રેકર્ડ જ છે, પછી કોઈ ગમ્મે તેવું બોલ્યો હોય કે ફોજદાર ટૈડકાવતો હોય પણ એની વાણી એ રેકર્ડ જ છે, એવું ફીટ થઈ જવું જોઈએ. તો પછી આ ફોજદાર ટૈડકાવતો હોય તો આપણને અસર ના કરે.

ગહન કોયડાનો વિજ્ઞાનથી ઉકેલ

પ્રશ્નકર્તા : આમાં શું થાય છે કે આ ટેપરેકર્ડ થોડી વાગે ને, તે વખતે એમ લાગે કે આ ટેપરેકર્ડ છે. પછી થોડીવાર વધારે બોલે ને, એટલે મહીં જોઈન્ટ થઈ જાય, જુદાપણું રહેતું હતું તે ના રહે.

દાદાશ્રી : છતાં આપણને હવે આ બધી નિકાલી બાબત છે. પહેલા તો આપણે એમ જાણતા હતા કે આ બધા માણસો બોલે છે અને તેથી મને દુઃખ થાય છે. પણ હવે આપણને ખબર પડી કે આ તો રેકર્ડ બોલે છે. જ્યારે સાચું જ્ઞાન થયું ત્યારે આપણને ખબર પડી કે આ તો રેકર્ડ બોલે છે, આ ફાઈલ છે, આ ‘વ્યવસ્થિત’ છે.

એટલો બધો ગહન કોયડો છે કે આ જગત કોઈથીય ઉકેલાયેલું નહીં. તીર્થંકરો એ ઉકેલીને જતા રહ્યા ને તીર્થંકરોના દર્શન કર્યાં, એ લોકો ફાવી ગયા. જે લોકોએ ભગવાનના ભાવથી દર્શન કર્યાં અને ભગવાનને કહ્યું કે મારી પર કૃપા વરસાવો, એ લોકો ફાવી ગયા. બાકી કોઈ આનો ઉકેલ લાવેલા નહીં. બહુ ગહન, ગહન, ગહન કોયડો છે આ !

આ પઝલનું સોલ્યુશન આપણે થોડા વિભાગમાં આપી દીધું, શોર્ટ કટ કરીને એને. શોર્ટ કટમાં આપી દીધું એટલે ભાંજગડ જ મટી ગઈ ને ! એટલે જો તમારે મોક્ષે જવું હોય તો ભગવાનની દ્રષ્ટિથી ચાલવું પડશે. ભગવાનની દ્રષ્ટિ કેવી છે કે જગતમાં કોઈ દોષિત છે જ નહીં. અને સંસારમાં ભટકવું હોય તો લોકદ્રષ્ટિથી ચાલવું પડશે. લોકદ્રષ્ટિ કેવી છે કે ‘આ આણે કર્યું, આણે મારી જોડે આમ કર્યું.’ તેનાથી અહીં આગળ ભટકવું પડશે. અને ભગવાનની દ્રષ્ટિ કેવી છે કે કોઈ જીવ ગુનેગાર છે જ નહીં. એટલે કોઈ ગાળો ભાંડતો હોય તો, મેં તમને જ્ઞાન આપ્યું છે કે એ રેકર્ડ બોલી રહી છે, એમાં એનો શો ગુનો ? અને રેકર્ડ જે બોલી હોય, તેનું ખોટું આપણને લાગે નહીં. આવી ભગવાનની દ્રષ્ટિ છે, એનાથી મોક્ષ થાય. આ તો બધા અજ્ઞાનતાથી એમ માને છે કે એ પોતે જ બોલે છે. તેથી એમ લાગે છે કે આ તો મારી પર બહુ ત્રાસ કરે છે. પણ એ કશું બોલતો જ નથી. એટલે આપણું જ્ઞાન ઈટસેલ્ફ જ બધી રીતે છોડાવે છે, ને નિરંતર સમાધિમાં રાખે એવું આ જ્ઞાન છે.

જ્ઞાતા-જ્ઞેયનો સંબંધ રહેવો જોઈએ. ‘દેહ

(પા.૧૭)

કઈ બાજુ રહે છે, દેહના શા શા ચેનચાળા છે’ એ જ્ઞાનમાં દેખાવું જોઈએ. વાણી કઠોર નીકળે છે કે સુંવાળી નીકળે છે, એ પણ તમને દેખાવી જોઈએ કે હજુ તો કઠોર વાણી નીકળે છે. પણ તેય રેકર્ડ છે, એ દેખાવું જોઈએ.

આ તો વિજ્ઞાન છે. એટલે વિજ્ઞાનને સમજી લેવાનું છે. વિજ્ઞાન એટલે વિજ્ઞાન ! વિજ્ઞાનમાં કશો ફેરફાર ના હોય. વિજ્ઞાન એટલે વિરોધાભાસ નહીં ! ખાલી સમજી જ લેવાનું છે !

હસતે મુખે ઝેર પીવે...

તમે શુદ્ધાત્મા થયા એટલે નીલકંઠી ખાનદાન થયા. તમે હવે હસતે મુખે ઝેર પીવો. રડી રડીને તો બધા પી રહ્યા છે. બહારના લોકોને પીધા વગર ચાલે છે ? રડી રડીને પીવે છે. સામાને ગાળો આપીને પીવે. આપણે હસીને પી લઈએ. ‘લાય બા, શાનો પ્યાલો લાવ્યો છું ?’ ત્યારે કહે, ‘પોઈઝન’ (ઝેર) છે. ‘લાય પી જઈએ આપણે.’ અને તે પાછું ‘વ્યવસ્થિત’ છે. ‘વ્યવસ્થિત’ ના હોત તો, હું કહેત કે ‘પીશો નહીં બા. એ તો એને ટેવ પડી જશે.’ સામા માણસને ઝેરના પ્યાલા પાવાની ટેવ પડી જશે. પણ ના, ‘વ્યવસ્થિત’ છે. એ મૂઓ લાવવાનો ક્યાંથી તે ? સાત પ્યાલા હતા, તે સાતથી આઠમો લાવવાનો ક્યાંથી ? છો ને ટેવ પડી જાય તોય. નહીં તો બહારના લોકો તો શું કહે, ‘એને કટેવ પડી જાય. એના કરતાં એને મારો.’ એટલે ટેવ ના પડવા દે. આપણે શું લેવાદેવા ? ‘વ્યવસ્થિત’માં સાત પ્યાલા હશે તો સાત આપશે. એને ટેવ પડે તો એને ભારે. ગાયના શીંગડાં ગાયને ભારે. એક ગાયને મોટા શીંગડાં થાય તો, ભાર લાગે કોને ? એને ને ? અને પોતે તો નીલકંઠી ખાનદાન થઈ જાય !

સમ્યક્ સમજણ વર્તાવે સમતા

જો મનમાં થાય કે ‘મારો દોષ નથી છતાં મને આમ કેમ કહ્યું ?’ એટલે પછી રાતે ત્રણ કલાક જાગે ને પછી થાકીને સૂઈ જાય. સ્ત્રી વઢે અને રાતે એ ઘરમાં રહેવું, એ તો મોટામાં મોટી ટેસ્ટ એક્ઝામિનેશન (પરીક્ષા) છે ! એટલે સ્ત્રી સાથે મોક્ષ હોવો જોઈએ. સ્ત્રીની ગાળો ખાય અને સમતા રહે એવો મોક્ષ થવો જોઈએ.

કોઈપણ ના ગમતો સંયોગ ભેગો થયો તો તે ઘડીએ તું એ સંયોગને ધક્કો મારીશ તો તું ફરી ગૂંચવાડામાં પડીશ. માટે એ સંયોગને ધક્કો મારવા કરતાં એને સમતાભાવે તું પૂરો કર. અને એ વિયોગી સ્વભાવનો જ છે. માટે એની મેળે જ વિયોગ થઈ જ જવાનો છે, તારે કશી ભાંજગડ જ નહીં. અને નહીં તોય એ ના ગમતા સંયોગ સામે તું ઊંધો રસ્તો કરવા જઈશ તો પણ કાળ તને છોડવાનો નથી, એટલો કાળ તારે માર ખાવો જ પડશે. માટે આ સંયોગ એ વિયોગી સ્વભાવવાળો છે, એ આધારે ધીરજ ધરીને તું ચાલવા માંડ.’

આ ગજસુકુમારને માટીની પાઘડી બાંધી દીધી હતી ને, એમના સસરાએ ? ને એમાં દેવતા મૂક્યો. તે ઘડીએ ગજસુકુમાર સમજી ગયા કે આ સંયોગ મને ભેગો થયો છે અને તેમાં સસરાએ મોક્ષની પાઘડી બંધાવી છે એવો સંયોગ ભેગો થયો. હવે એ એમણે માનેલું, ‘બિલીફ’માં માનેલું કે આ મોક્ષની પાઘડી બંધાવી છે ને તેમાં દેવતા સળગાવ્યો. હવે નેમીનાથ ભગવાને ગજસુકુમારને કહેલું કે ‘તારું’ સ્વરૂપ ‘આ’ છે અને આ સંયોગો એ ‘તારું’ સ્વરૂપ નથી. સંયોગોનો ‘તું’ જ્ઞાતા છે. સંયોગ એ બધા જ્ઞેય છે.’ એટલે ‘પોતે’ એ સંયોગોમાંય જ્ઞાતા રહ્યા. અને જ્ઞાતા થયા તે છૂટી ગયા ને મોક્ષ પણ થઈ ગયો.

સમત્વયોગ, ભગવાન પાર્શ્વનાથનો

સમતા તો પેલી દેખાય પાર્શ્વનાથ

(પા.૧૮)

ભગવાનની. ફણિધર નાગ રક્ષણ કરે છે ને પેલો છે તે કાંકરાચાળી કરે છે, વરસાદ વરસાવે છે. પેલા રક્ષણ કરે છે તેની પર રાગ નથી અને પેલો કાંકરાચારી કરે છે તેના પર દ્વેષ નથી, એ સમતા કહેવાય. સમતા ત્યાંથી જ કહેવાય. બાકી આ લોકો સમતા એની નીચી ભાષામાં લઈ ગયા. આ લોકોથી સમતા શબ્દ જ ના વપરાય. જ્ઞાન મળ્યા પછી સમતા અને જ્ઞાન મળ્યા પહેલા એ સમતા શબ્દને વાપરવો હોય તો આ સમતા તો ના વપરાય. આ સમતા તો વીતરાગોની સમતા ! પેલું શમ ને ઉપશમ. પણ આ સમતા એ તો વીતરાગોની છે. માલિકીની વસ્તુ જ નથી. પેલો સમતા શબ્દ એ સહનશીલતા કહેવાય લોકોની. આ સાધુ-આચાર્યોની બધી સહનશીલતા કહેવાય. એ વીતરાગોની સમતા તો બહુ મોટી વસ્તુ છે. સમતા આ દેખાય છે ને પાર્શ્વનાથની, એનું નામ સમતા. પેલો દેવ છે તે આવીને રક્ષણ કરે છે, તે એની પર કિંચિત્માત્ર રાગ નથી. જે પેલો કમઠ છે તે કાંકરા નાખે છે, તો એની પર કિંચિત્માત્ર દ્વેષ નથી એવા આ પાર્શ્વનાથ ભગવાન ! એક ક્ષણ પણ આવું ધ્યાન રહે, તો થઈ રહ્યું ! પછી બીજું જોઈએ જ શું તે ?

એક માણસ જોડે વેર બંધાય તો સાત ભવ બગાડે. એ તો એમ કહેશે કે ‘મારે તો મોક્ષે જવું નથી પણ તનેય હું મોક્ષે જવા નહીં દઉં !’ આ પાર્શ્વનાથ ભગવાનને કમઠ જોડે દસ ભવથી કેવું વેર હતું, તે વેર ભગવાન વીતરાગ થયા ત્યારે છૂટ્યું ! કમઠથી કરાયેલા ઉપસર્ગ તો ભગવાન જ સહન કરી શકે ! આજના મનુષ્યનું તો ગજું જ નહીં. એ પાર્શ્વનાથ ભગવાન ઉપર કમઠે અગ્નિ વરસાવ્યો, મોટા મોટા પથ્થરો નાખ્યા, ધોધમાર વરસાદ વરસાવ્યો; છતાં ભગવાને બધું સમતાભાવે સહન કર્યું ને ઉપરથી આશીર્વાદ આપ્યા ને વેર ધોઈ નાખ્યું.

સમતાથી ખપ્યા દસ ભવના વેર

આપણું આપેલું તે જ પાછું આપે છે એ નક્કી છે. પાર્શ્વનાથ ભગવાનને એટલી તો ખબર પડે ને કે મારું આપેલું છે તે જ આપે છે એ. તેની મહીં ઉશ્કેરાટ વધતો જાય, એટલે ટાઈમ વધતો જાય, મુદત પૂરી થવામાં.

પાર્શ્વનાથ ભગવાનને ઉશ્કેરાટ વધ્યો નહીં એટલે દસ અવતારમાં પૂરું થયું.

પ્રશ્નકર્તા : તોય પણ દસ અવતાર સુધી ચાલ્યું એટલે કંઈ ઓછું કહેવાય ?

દાદાશ્રી : આ દસ અવતાર છે એ કેટલા અવતારના આધારે દસ અવતાર છે, એ જાણું છું તું ?

પ્રશ્નકર્તા : એ કશી ખબર નહીં.

દાદાશ્રી : આ એક વાળ બરાબર. દસ અવતાર એક વાળેય નહીં.

પ્રશ્નકર્તા : ઓહો ! અનંત અવતારની સામે કશું જ ના કહેવાય. એટલે એમણે દરેક અવતારમાં પેલી સમતા રાખ્યા જ કરી’તી ?

દાદાશ્રી : ત્યારે પૂરું થયું. પહેલા બે-ત્રણ અવતાર સુધી જરા કાચું પડી જાય, ચિઢાઈ જાય, એટલે થોડું વધતું જાય. એકદમ સમતા રહે એવું આ જગત નથી. આ તો ‘અક્રમ વિજ્ઞાન’ જુદી જાતનું છે, તેથી રહી શકે.

અસરોથી અલિપ્ત, ભગવાન ‘પોતે’

ભગવાન મહાવીરને અહીં આગળ બરું માર્યું’તું ને ! ખીલા નહોતા માર્યાં પણ બરું માર્યું’તું ને, તે વ્યથિતપણું રહેતું’તું. મહાવીરને હઉ રહેતું’તું. બધાને રહે, કારણ કે જ્યાં સુધી દેહ છે ને, ત્યાં સુધી દેહની અસર રહ્યા કરે. એમણે એ જ તપ

(પા.૧૯)

કર્યું હતું. ઠેઠ સુધી તપ તપી અને જ્ઞાનથી જોયા જ કર્યું અને ‘પોતે’ અસરમુક્ત રહ્યા ! ભગવાન ઉપર બધા બહુ લોકો એ હતા, વેરવીઓ પણ ભગવાનને એવા પરમાણુ જ હતા નહીં. તેથી એમને અસર જ ના થાય ને !

આપણે તપ કરવાના ખરા, પણ ઘેર બેઠા આવી પડેલા. બોલાવવા જવું ના પડે ! પુણ્યશાળીને બધી ચીજો ઘેર બેઠા આવે. ગાડીમાં કો’ક ફેરો કોઈ સામો આવીને બાઝી પડે તો આપણે જાણવું કે આ આવી પડેલું તપ આવ્યું ! કે ‘ઓહોહો ! મને ખોળતું ખોળતું ઘેર આવ્યું !’ માટે તપ કરવાનું તે વખતે. ભગવાન મહાવીર પ્રાપ્ત તપ સિવાય બીજું કોઈ તપ કરતા નહોતા. જે પ્રાપ્ત તપ આવી પડ્યું હોય, તે તપને ખસેડવાનું નહીં !

અંતર તપનો પુરુષાર્થ

પ્રશ્નકર્તા : તપ વખતે સમજણ કેવી હોવી જોઈએ ?

દાદાશ્રી : મારા હિતનું આ થાય છે. દાદા કહે છે એ બધું મારું અને દાદા ના કહે છે એ મારું ન્હોય, એવું જુદું પાડી દે મહીં.

પ્રશ્નકર્તા : એટલું બધું સળગતું હોય ને એમ લાગે કે આ સહન નહીં થાય. તોય પેલું મહીં હોય કે આ હિતનું છે, કામનું છે, આને ઓલવી નથી નાખવાનું, એવું રહ્યા કરે પછી.

દાદાશ્રી : જ્ઞાન નહીં જલે, જે અજ્ઞાન છે એ ભાગ જલશે. એટલે તારે કાળજી રાખીને સૂઈ જવું. જલવા દેવું, છો ને જલી જાય બધુંય. જ્ઞાનનું જલશે નહીં, એની અમે ગેરન્ટી આપીએ છીએ.

અંતર તપ તો ભગવાન બનાવે. અંતર તપ હોય ત્યારે જાણવું કે જ્ઞાન-દર્શન-ચારિત્ર-તપ ચારે પાયા છે, એવું નક્કી થઈ જાય. એકલું જ્ઞાન-દર્શન હોય ત્યારે ચાર પાયા પૂરા ના હોય. માટે પુણ્યશાળી છું કે તારે અંતર તપ ચાલુ રહે છે. એ ઊભું કરવાથી થાય નહીં. આપણે સળી કરીને ઊભું કરીએ તો થાય કંઈ ? હમણે કોઈ આમ કરીને હાથ ઝાલે ને કહે, ‘ક્યાં જાય છે, ચાલ.’ ત્યારે ત્યાં અંતર તપ ઊભું થઈ જાય.

અમારે નિરંતર તપ હોય. તમારું તપ જાડું તપ છે, અમારું તો બહુ સૂક્ષ્મ તપ. પણ આ જાડું બળશે ત્યાર પછી એ સ્થૂળમાંથી સૂક્ષ્મમાં તપ આવશે, સૂક્ષ્મમાંથી સૂક્ષ્મતર તપ આવશે. ત્યાર પછી એ જે મારું તપ છે, એની પાસે તમારું તપ આવશે.

એટલે આ જેમ સાંભળશો તેમ તમને સમજણ પડશે. તમારે ક્યાં તપ કરવાનું ? આ તો તપ કરવાનું ત્યાં ઉશ્કેરાટ કરો છો ! બીજાને તપ કરાવડાવો છો ! બીજો તપ કરી લે પછી. સમભાવે નિકાલ કરી લે ને ! અમારે તો રાત-દા’ડો તપ જ. તમે તો તપ જ કર્યા નથી, સૂઈ ગયા એય ઘસઘસાટ, તે સવાર પડે !

તપ થાય તો જ અનુભવ થાય ને ! નહીં તો અનુભવ શી રીતે થાય ? અંતર તપે એટલે, જે બાબતમાં આપણું અંતર તપે, એનાથી છૂટા રહેવા ફરીએ અને અંતર તપે એ બાબતથી આપણને અનુભવ થાય જ.

પ્રશ્નકર્તા : એટલે જે જે બાબતનું તપ ઊભું થાય એ બાબત છૂટી જાય પછી ?

દાદાશ્રી : એ છૂટી જાય ને તે અનુભવ એનો. એ જ આત્માનો અનુભવ, બસ ! સુખ અને પ્રકાશ વધતો જાય, બસ.

પ્રશ્નકર્તા : એ શું ઊભું થાય કે તપ કરવું પડે ?

દાદાશ્રી : મન-બુદ્ધિ-ચિત્ત ને અહંકારની વિરુદ્ધ આપણે કરવા ફરીએ, તે ઘડીએ પેલા જોર

(પા.૨૦)

કરે તે ઘડીએ આપણે તપ કરવું પડે. બળે તે ઘડીએ. આ તો પુરુષ થયા તેનો પુરુષાર્થ, આ તો જબરજસ્ત પુરુષાર્થ છે. જો જો પુરુષ થયા પછીનો પુરુષાર્થ કયો રહ્યો ? ત્યારે જ્ઞાન-દર્શન-ચારિત્ર અને તપ !

પ્રશ્નકર્તા : તપ ‘વ્યવસ્થિત’માં ના આવે ?

દાદાશ્રી : ના. ‘વ્યવસ્થિત’માં તપ હોતું હશે ? જ્ઞાન-દર્શન-ચારિત્ર અને તપ ‘વ્યવસ્થિત’માં ના હોય. એ પુરુષાર્થની વસ્તુ છે. ‘વ્યવસ્થિત’માં તો પ્રારબ્ધ છે, ડિસ્ચાર્જ વસ્તુઓ !

તપથી ખીલે ‘વ્યવસ્થિત’ સમજવાની દ્રષ્ટિ

અમે ‘વ્યવસ્થિત’ શબ્દ આપેલો છે. ‘વ્યવસ્થિત’ તો ઠેઠ મોક્ષમાં જ રાખે એવો છે. આ તો લોકોય કહે છે ને, કે તમે ‘વ્યવસ્થિત’ આપ્યું છે, એકલા ‘વ્યવસ્થિત’ના જ્ઞાનમાં રહે તોય મોક્ષમાં જાય ! કેવું સરસ ‘વ્યવસ્થિત’ આપ્યું છે ને ! એકલું ‘વ્યવસ્થિત’ સમજે, એની પાછળ પડે કે આય ‘વ્યવસ્થિત’ ને તેય ‘વ્યવસ્થિત.’ મને ગાળ ભાંડી તેય ‘વ્યવસ્થિત’, ધોલ મારી તેય ‘વ્યવસ્થિત.’ ‘આવો, પધારો’ કહે તેય ‘વ્યવસ્થિત.’ કોઈ જગ્યાએ અમારે એમેય કહેવું પડે, ‘અમારા ફલાણા ભાઈ છે અને અમારા ફલાણા ભાઈ આવા છે અને એ લાખો રૂપિયા આપે છે’, એ બધું પણ ‘વ્યવસ્થિત’, આપણે શું લેવાદેવા ? આ તો ટેપરેકર્ડ બોલે અને હુંય એમ જાણું કે ‘વ્યવસ્થિત’ છે. મારે કંઈ લેવાદેવા નથી. શું નીકળ્યું એ જોવું.

પ્રશ્નકર્તા : બરાબર છે.

દાદાશ્રી : કંઈ ‘વ્યવસ્થિત’ની ઉપર શ્રદ્ધા થોડી ઘણી બેઠી છે કે નથી બેઠી ?

પ્રશ્નકર્તા : ઘણી બેઠી છે. ‘વ્યવસ્થિત’માં બધું આવી ગયું અંદર, આખું જ્ઞાન !

દાદાશ્રી : એ ગાળો દેતો હોય તો તેને ત્યાં આપણે સામા જઈએ. કારણ કે ગાળો દે છે એ ‘વ્યવસ્થિત’ અને જઈએ છીએ એ હિસાબ છે આપણો.

વાત સમજે તો આ દુનિયામાં કશું દુઃખ છે નહીં, અને ના સમજે અને પ્રયોગમાં હાથ ઘાલે તો એમાં પ્રયોગ બિચારો શું કરે તે ? પ્રયોગ તો કહેશે, ‘હું આવો છું, એવું તું જાણું છું ને હાથ ઘાલું છું, એમાં હું શું કરું ?’

પ્રશ્નકર્તા : હાથ ઘાલીશ તો ઈફેક્ટ થવાની જ છે.

દાદાશ્રી : હં. તારો હાથ બળી જાય છે એવું તું જાણું છું, છતાંય તું પાછો હાથ ઘાલું છું. પણ એમ કરતા કરતા જ્ઞાન ફીટ થાય. આ ભગવાને તપનો પાયો મૂક્યો છે, તે ખોટો નથી મૂક્યો આ. ભોગવે જ છૂટકો. એ તપ થાય છે જ માણસને.

પ્રશ્નકર્તા : તે વગર છૂટકો નથી, તપ કર્યા વિના. એ એનો પોતાનો જ હિસાબ છે ને, બીજાનું નથી.

દાદાશ્રી : હા. પણ તપ કરવું જ પડે છે, તપવું જ પડે છે. હવે દાદા છેટા રહ્યા તો તપવું ના પડે. ત્યારે એટલું આપણી પ્રગતિય ના થાય. તપવાનું આવે ત્યારે જ પ્રગતિ થાય.

અમને લોકો કહે ને, કે તમારી જોડે રહેવું બહુ ભારે હોય છે. કારણ કે આખો દિવસ હું તો જાગ્રત ને !

પ્રશ્નકર્તા : હા, નિરંતર આખો દિવસ સંપૂર્ણ જાગૃતિ ! ‘વ્યવસ્થિત’ જો મગજમાં ઊતરી ગયું તો કંઈ દુઃખ છે જ નહીં.

દાદાશ્રી : પણ તેય જોવા જેવું હોય છે.

પ્રશ્નકર્તા : હા, જોવા જેવું. આપણને

(પા.૨૧)

‘વ્યવસ્થિત’ કેવું શીખવાડી જાય છે ! અનુભવ આપી જાય છે, સુંદર સુંદર અનુભવ આપે છે. સમજણ આપે છે બધી.

દાદાશ્રી : ‘વ્યવસ્થિત’ શું કહેવા માગે છે કે ડખોડખલ કરશો નહીં. ‘વ્યવસ્થિત’ જ છે, આમ જ છે, એ જ ખરું છે. તમે માનો છો એ ખોટું છે એવું કહેવા માગે છે.

પ્રશ્નકર્તા : ખરી વાત છે.

દાદાશ્રી : તેમાંય લખ્યું છે ને, કે એક ‘વ્યવસ્થિત’ સમજમાં આવ્યું હોત તો અમે તરીને પાર ઉતરી જાત, દાદાનું ‘વ્યવસ્થિત’ સમજણપૂર્વક આવ્યું હોત તો. દ્રષ્ટિપૂર્વક, પણ દ્રષ્ટિ હોય ક્યાંથી ? તપ કર્યા સિવાય દ્રષ્ટિ ઉત્પન્ન થાય નહીં અને દ્રષ્ટિ કાયમ રહે નહીં.

અપમાન સામે જ્ઞાન-તપનો પુરુષાર્થ

આ જ્ઞાન પ્રાપ્ત કર્યા પછી કોઈ માણસ તમારી પાસે આવે અને તે તમને કડવું પાય, તો તે વખતે મહીં હાર્ટ લાલ થઈ જાય, તે વખતે તમે જ્ઞાનમાં સ્થિર થઈ જાવ અને હાર્ટને જોયા કરો કે કેટલું તપે છે, આને જ ભગવાને ‘જ્ઞાન-તપ’ કહ્યું છે. સંસાર અવસ્થા એ કુદરતી રચના છે, તેમાં અસ્થિર શું થવાનું ?

તપની વાત જ આજે નીકળી ને, તે આ તપ પકડી લો એકવાર. તપનો પુરુષાર્થ માંડો. મહાવીર ભગવાને આ તપ કહ્યું છે. મેં કહ્યું તેને, ત્યારે લોકો સમજે છે કે બહારના તપ કર્યા વગર મોક્ષે શી રીતે જવાય ? તે આ ન્હોય તપ. આ તપ તો સંસારમાં ભટકવાનું સાધન છે.

તપ કરવાની ભાવના થાય છે કોઈને ? આંગળી ઊંચી કરો, શૂરવીર દેખાય છે ? કંઈક શૂરવીરતા રાખો ! આ ફરી ફરી તાલ મળવાનો નથી. ફરી આ દર્શન મળવાના નથી. આ દાદો ફરી ભેગો થવાનો નથી !

પ્રશ્નકર્તા : ‘આવો દાદો હવે પછી ભેટવાનો નથી’, તો એમાં અમારે શું સમજવું ?

દાદાશ્રી : ફરી નહીં મળે એટલે આ મળ્યા છે, તેની પાસેથી જેટલું શીખવું હોય એટલું કામ કાઢી લો. ફરી નહીં શીખવાડે કોઈ આવું એક આંકડોય, કોણ આવો નવરો હોય તે ? કોણ નવરું હોય આવું ? આવું તપ કરાવનારું કોણ હોય તે ?

આ તો તપની વાતો તો બહુ કાઢીએ નહીં. માણસનું ગજુ નહીં. નહીં તો પછી આ કો’ક ફેરો કહીએ ત્યારે. માણસનું ગજુ શું આ ? આ તો શાક બગડી ગયું હોય તો આખો દા’ડો કચકચ કર્યા કરે. સમભાવે નિકાલ એટલે શું ? તપ કરવું. સામું ઐશ્વર્ય કેટલું બધું મોટું પ્રગટ થાય છે ! એક મોટું સામ્રાજ્ય મળે છે ! જેટલું આ બાજુ જવા દો છો, એટલું જ સામ્રાજ્ય મળે છે. અને શું જવા દેવાનું છે આ આમાં ? હતું જ નહીં તમારું કંઈ ! હમણાં મરી જશો ટૈડ થઈને, તો ત્યાં મૂકી આવશે સડસડાટ, ચાર નારિયેળ બાંધીને. કોઈ બાપોય પૂછનાર નથી. માટે કામ કાઢી લેજે. આ દેહે કામ કાઢવા જેવી જગ્યા મળી છે, તો આ કામ કાઢી લો ને ! તમારે નથી કાઢવું ? તો ઊભા થઈને બોલો, શૂરાતનમાં બોલો ને, શું આમ બોલો છો ? કાઢવું છે કે નથી કાઢવું ?

પ્રશ્નકર્તા : કામ કાઢવું છે, દાદા.

દાદાશ્રી : હા, તો કામ કાઢી લો હવે. નકામા ટૈડ થઈને મરી જવાનું. કોઈ બાપોય જોવાય ના આવે. અરે, જોઈને આવીને દેહ જોવાનો છે. આત્માને કંઈ જોવાનો છે ? નકામી હાય હાય હાય ! અનંત અવતારથી ભિખારીપણું કર્યું’તું ને આપણે આપણી દુનિયામાં. જ્ઞાન ના હોય તેને

(પા.૨૨)

ના કહેવાય, અક્ષરેય ના કહેવાય. એ જ એમનું સર્વસ્વ. આ તો જ્ઞાન છે તેને જ કહેવાય અને તે જ તપ કરી શકે, બીજો કોઈ કરે નહીં ને !

હું તપવાળો માણસ હતો પહેલેથી

અને મેં જે જ્ઞાન આપ્યું છે ને, કે એ બોલતો નથી, ‘વ્યવસ્થિત’ બોલે છે આ. આ વાણી જે હું બોલું છું, તેનો હું લાભ ખોળતો નથી કે ભઈ, હું કેવું સરસ બોલ્યો ! કારણ કે ‘વ્યવસ્થિત’ બોલે છે, એમાં મારે શેનો લાભ ખોળવાનો ? એ સામો ગાળો ભાંડે છે તોય ‘વ્યવસ્થિત’ છે, સામો મને માન આપે કે દાદા, તમારા જેવા દુનિયામાં પાક્યા નથી. તેય પણ મારે શું લેવાદેવા ? હું તો હું જ છું, મારે આના શબ્દ જોડે લેવાદેવા નથી, વર્તન જોડે લેવાદેવા નથી, હું તો ફક્ત કેવળજ્ઞાન સ્વરૂપ છું. બીજું કશું છું જ નહીં ત્યાં આગળ ! મને શું અડે જગતનું ?

જે વીતરાગ થઈને બેઠા એને શું અડે ? અને છેવટે વીતરાગ થવાનું છે. પણ પ્રયોગમાં હાથ ઘાલીએ તો આપણે દઝાઈએ. એટલે એના ઉપરથી ખબર ના પડે કે મારી ભૂલ છે આ !

પ્રશ્નકર્તા : સમજાય, તરત સમજાય.

દાદાશ્રી : તરત સમજણ પડે કે આ મારી ભૂલ છે. હવે ‘જ્યારે ત્યારે એ ભૂલ કેમ થાય છે ?’ ત્યારે કહે, ‘ભૂલ ના થાય તો અનુભવ જ્ઞાન થાય નહીં. એ ભૂલ થાય છે એ તપ છે મોટું, નહીં તો તપ ઉત્પન્ન થાય નહીં ને ! તપના પાયાની જરૂર છે જ.’ અમને બહુ તપ થયેલા એવા, જબરજસ્ત તપ થયેલા. આ તમે તો શું જોયું છે ? તમે તો તપ જોયું જ નથી ! કારણ કે અમારે તો માથે કોઈ નહીં ને ! એટલે જાતે ને જાતે કરવા પડેલા ને ! આખી રાત જાગવું પડે એવા તપ કરવા પડેલા. કોઈએ કશો શબ્દ કહ્યો હોય ને તો આખી રાત જાગવું પડે એવા ! એ તમારે તો બે-પાંચ મિનિટ તપ રહીને પછી બંધ થઈ જાય પાછું. કારણ કે તમને તો જ્ઞાન છે સાથે. કારણ કે પહેલા અમારે તો જ્ઞાન વગર ચલાવાનું.

પ્રશ્નકર્તા : જ્ઞાન થતા પહેલા !

દાદાશ્રી : હં. તમારે તો રોફ છે, જ્ઞાન સાથે ને ! જુઓ ને, કેવા રોફથી સૂઈ જાય છે ! ધડ દઈને ઓઢીને સૂઈ જાય છે. દાદા ઓઢ્યા વગર સૂઈ જાય તોય વાંધો નહીં.

પ્રશ્નકર્તા : ના, ના, દાદા. એમ ચાલે નહીં.

દાદાશ્રી : ના, એમ નહીં. પણ મારું કહેવાનું, મારે જરૂર નથી. હું તપવાળો માણસ છું પહેલેથી. તમે હજુ તપમાં પડ્યા નથી, જોયું નથી તપ.

જગત જીતાય હારીને

આ ‘જ્ઞાન’ પછી તમને નિરંતર શુદ્ધાત્માનું ધ્યાન રહે. એટલે રોજ સાંજે આપણે પૂછવું કે ‘ચંદુભાઈ છીએ કે શુદ્ધાત્મા ?’ તો કહેશે કે ‘શુદ્ધાત્મા !’ તો આખો દહાડો શુદ્ધાત્માનું ધ્યાન રહ્યું કહેવાય.

પ્રશ્નકર્તા : આપણે આવું કહીએ ત્યારે લોક આપણને ‘ગાંડા’ કહેશે.

દાદાશ્રી : ‘ગાંડા’ કહેશે તો ‘ચંદુભાઈ’ને ‘ગાંડા’ કહેશે. તમને તો કોઈ કહે જ નહીં. તમને તો ઓળખે જ નહીં ને ! ‘ચંદુભાઈ’ને કહે. તો ‘આપણે’ કહીએ કે ‘ચંદુભાઈ, તમે હશો તો કહેશે અને તમે નહીં હો ને કહેશે તો એની જોખમદારી. એ પછી તમારી જોખમદારી નહીં.’ એવું ‘આપણે’ કહેવું.

પ્રશ્નકર્તા : આપણને કોઈ કશું કહે, ગાંડા કહે, અક્કલ વગરના કહે, તો ગમે નહીં.

દાદાશ્રી : એવું છે ને, આપણે હસવું હોય તો લોટ ના ફકાય ને લોટ ફાકવો હોય તો હસાય

(પા.૨૩)

નહીં. બેમાંથી એક રાખો. આપણે મોક્ષે જવું છે, તે લોક ગાંડાયે કહેશે ને મારેય ખરા, બધુંય કરે. પણ આપણે આપણું છોડી દેવાનું. એટલે આપણે કહી દઈએ, ‘ભઈ, હું તો હારીને બેઠો છું.’ અમારી પાસે એક ભાઈ આવેલા. મેં એમને કહ્યું કે ‘‘હારીને તમારે જવું પડશે. એનાં કરતાં હું હારીને બેઠો છું. તું તારે ખઈને નિરાંતે ઓઢીને સૂઈ જા ને! તારે જોઈતું હતું, તે તને મળી ગયું. ‘દાદા’ને હરાવવાની ઈચ્છા છે ને ? તે હું પોતે કબૂલ કરું છું કે અમે હારી ગયા.’’

એટલે આમને ક્યાં પહોંચી વળાય ? આ તો બધી મગજમારી કહેવાય. આ દેહને માર પડે એ સારો, પણ આ તો મગજને માર પડે. એ તો બહુ ઉપાધિ !

જગતની મીઠાશ જોઈએ છે અને આયે જોઈએ છે, બે ના થાય. જગતમાં તો હરાવવા આવે ને, તો હારીને બેસવું નિરાંતે. લોક તો એની ભાષામાં જવાબ આપશે. ‘મોટા શુદ્ધાત્મા થઈ ગયા છો ?’ એવી તેવી ગાળો હઉ ભાંડશે. કારણ કે લોકનો સ્વભાવ એવો છે. પોતાને મોક્ષે જવાનો માર્ગ મળ્યો નથી એટલે બીજાનેય જવા ના દે, એવો લોકનો સ્વભાવ. આ જગત મોક્ષે જવા દે એવું છે જ નહીં. માટે આમને સમજાવીને-પટાવીને છેવટે હારી જઈનેય કહેવું કે ‘અમે તો હારી ગયેલા છીએ.’ તો તમને છોડી દેશે.

જ્ઞાની પુરુષની સમજણે છુટકારો

આખો દેહ, જન્મથી તે મરણ સુધી ફરજિયાત છે. એમાંથી રાગ-દ્વેષ જે થાય છે, એટલો જ હિસાબ બંધાય છે. આ બધું તમે ચલાવતા નથી, ક્રોધ-માન-માયા-લોભ, કષાયો ચલાવે છે. કષાયોનું જ રાજ છે ! ‘પોતે કોણ છે’ એનું ભાન થાય ત્યારે કષાયો જાય. આ તો ક્રોધ-માન-માયા-લોભ બધાય દબાયેલા છે. એય હજુ બરોબર લાગમાં આવે ને, તો ભભૂકી ઊઠે. ક્રોધ-માન-માયા-લોભ નિરંતર પોતાનું જ ચોરી ખાય છે, પણ લોકોને સમજાતું નથી. આ ચારેયને જો ત્રણ વરસ ભૂખ્યા રાખો તો તે ભાગી જાય. પણ તે જ ખોરાકથી જીવી રહ્યા છે તે કયો ખોરાક ? તે જો જાણો નહીં તો તે શી રીતે ભૂખ્યા મરે ? તેની સમજણ નહીં હોવાથી તેમને ખોરાક મળ્યે જ જાય છે. એ જીવે છે શી રીતે ? ને તેય પાછા અનાદિકાળથી જીવે છે ! માટે તેનો ખોરાક બંધ કરી દો. આવો વિચાર તો કોઈનેય નથી આવતો ને બધા મારી-ઠોકીને તેમને કાઢવા મથે છે. એ ચાર તો એમ જાય તેવા નથી. એ તો આત્મા બહાર નીકળે એટલે મહીં બધું જ વાળીઝૂડીને સાફ કરીને પછી નીકળે. તેમને હિંસક માર ના જોઈએ, તેમને તો અહિંસક માર જોઈએ.

પ્રશ્નકર્તા : આ બધો ખોરાક કષાયો જ ખઈ જાય, તો શું કરવું ?

દાદાશ્રી : એ તો જમી જાય. છતાં ‘દાદાજી’ માથે છે, કૃપાથી બધું ચોખ્ખું થાય એવું છે. જાતે આ સત્સંગમાંથી આઘાપાછા થાવ તો તરત ચોંટી પડશે બધું. આપણે તો ‘દાદાજી’નો આશરો છોડવો નહીં, પગ છોડવા નહીં. ‘જ્ઞાની પુરુષ’ જે સમજણ આપે તે સમજણથી છુટકારો થાય. સમજણ વગર શું થાય ? વીતરાગ ધર્મ જ સર્વ દુઃખોથી મુક્તિ આપે.

વીતરાગતા ત્યાં ચૈતન્ય સત્તાનો અનુભવ

વીતરાગનું વિજ્ઞાન એટલે શું ? કોઈ દુઃખ જ ના હોય. વીતરાગોનો એક અક્ષર જો સમજે તો દુઃખ જ ના રહે. પણ ‘વીર’નો એક શબ્દ સમજ્યો નથી.

વીતરાગપણું ક્યાં છે ? બન્નેય, વખાણીએ કે વખોડીએ છતાં સમદ્રષ્ટિ રહે. અમે ‘નંગોડ’ શબ્દ બોલીએ, પણ ભાવમાં સમદ્રષ્ટિ જ રહે. આ વખાણવું અને વખોડવું એ બન્નેય જોડે તમારે

(પા.૨૪)

ફાવટ કરી લેવી પડશે. પછી કોઈ તમને બેમાંથી એક આપે તોય તમને તે અડશે નહીં. બહાર જો બન્નેય સરખા દેખાશે તો અંદર પણ સરખા દેખાશે. બધાય પાયા તો સરખા દેખાવા પડશે ને ? આ ખાટલાના ચાર પાયા સરખા ના હોય તોય તેને ટેકો લગાવવો પડે છે ને ? જ્યારે આ બન્નેય તો એક જ માના પુત્રો, તો પછી તેમનામાંય ભેદ કેમ ? આ દ્વંદ્વથી તો જગત ઊભું રહ્યું છે. વખાણવું ને વખોડવું એ બન્ને દ્વંદ્વ છે. બન્ને દ્વંદ્વોથી દ્વંદ્વાતીત થવું પડશે, વીતરાગ થવું પડશે.

સંસારનો પાયો રાગ-દ્વેષનો છે અને ‘જ્ઞાન’નો પાયો વીતરાગતાનો છે ! વીતરાગ એટલે હમણે કોઈ ગાળ ભાંડે, તો એની અસર પોતે સ્વીકારે નહીં અને સ્વીકારે તો નહીં પણ મોઢું બગડે નહીં, અંદર ભાવ પણ ન બગડે, પરિણતિ ના બગડે. પોતાના પરિણામ પણ ના બગડે એ વીતરાગ ! એમને ગાળ ભાંડે, માર મારે, ઘર બળી જાય, તો પણ એમનું કશું પરિણામ બગડે નહીં ને વીતરાગ જ રહે. વીતરાગ કોણ થાય ? જેને નફો-ખોટ ના હોય, જેને સુખ-દુઃખ ના હોય, દ્વન્દ્વ ના હોય, દ્વન્દ્વથી રહિત થયો હોય એ વીતરાગ. આ વીતરાગનો અર્થ !

આપણને કોઈ ગજવું કાપે, ગાળો ભાંડે ને રાગ-દ્વેષ ના થાય ત્યારે આપણે જાણવું કે આપણને ચૈતન્ય સત્તાનો અનુભવ થઈ ગયો. ચૈતન્ય સત્તાનો અનુભવ હોય ત્યારે આ બધામાં રાગ-દ્વેષ ના હોય, નિર્લેપ જ હોય. સંસાર સમુદ્રમાં હોવા છતાં નિર્લેપ હોય.

મહીં અનંત શક્તિ, નક્કી કરે એવું થાય

પ્રશ્નકર્તા : મારું કોઈ અપમાન કરે ને હું શાંતિથી બેસું, તો એ નિર્બળતા ના કહેવાય ?

દાદાશ્રી : ના. ઓહોહો ! અપમાન સહન કરવું, એ તો મહાન બળવાનપણું કહેવાય !

અત્યારે અમને કોઈ ગાળો ભાંડે તો અમને કશું જ ના થાય, એને માટે મન પણ ના બગડે, એ જ બળવાનપણું ! અને નિર્બળતા તો, આ બધા કચકચ કર્યા જ કરે છે ને ! જીવમાત્ર લઢમ્લઢા કર્યા કરે છે, એ બધી નિર્બળતા કહેવાય. એટલે અપમાન શાંતિથી સહન કરવું એ મહાન બળવાનપણું છે અને એવું અપમાન એક જ ફેરો ઓળંગીએ, એક સ્ટેપ ઓળંગે ને, તો સો સ્ટેપ ઓળંગવાની શક્તિ આવે. આપને સમજાયું ને ? સામો બળવાન હોય, એની સામે નિર્બળ તો જીવમાત્ર થઈ જ જાય છે. એ તો એનો સ્વભાવિક ગુણ છે. પણ જો નિર્બળ માણસ આપણને છંછેડે તોય એને આપણે કંઈ પણ ન કરીએ ત્યારે એ બળવાનપણું કહેવાય.

મનુષ્ય પોતાની શક્તિ હોવા છતાં સામાને રંજાડે નહીં, પોતાના દુશ્મનને પણ રંજાડે નહીં, એનું નામ બળવાનપણું કહેવાય છે.

એક ફેરો અપમાન થાય, તે હવે અપમાન સહન કરવાનો વાંધો નથી, પણ અપમાન લક્ષમાં રાખવાની જરૂર છે કે શું આ અપમાનને માટે જીવન છે ? અપમાનનો વાંધો નથી, માનનીય જરૂર નથી ને અપમાનનીય જરૂર નથી પણ આપણું જીવન શું અપમાનને માટે છે ? એવું લક્ષ તો હોવું જોઈએ ને ?

માન વખતે જેમ આનંદ રહે છે તેમ અપમાન વખતેય આનંદ હાજર રહેવો જ જોઈએ. અપમાન વખતે આનંદ શાથી હાજર નથી રહેતો ? ‘અપમાન વખતે આનંદ હાજર રહે જ’ એવું નહીં કહેવાથી એ હાજર નથી રહેતો; માટે આપણે ‘રહે જ’ એમ કહીએ એટલે રહે. પણ એ તો ‘ખ્યાલ નથી રહેતો’ એવું કહે તો પછી એ ખ્યાલ શી રીતે હાજર રહે ? મહી આત્મામાં અનંત શક્તિઓ ભરી પડેલી છે. નક્કી કરે એવું થાય એમ છે.

જય સચ્ચિદાનંદ