૩૨૫ ડિગ્રી સુધી પહોંચવાનો પુરુષાર્થ

સંપાદકીય

આત્મવિજ્ઞાની પરમ પૂજ્ય દાદા ભગવાન (દાદાશ્રી)ની મૌલિક શોધખોળોમાંથી એક અજાયબ શોધખોળ જેમાં તેઓ જગતને સ્વતંત્રતાનો સિદ્ધાંત આપતા કહે છે કે ‘કોઈ જીવ કોઈ જીવમાં કિંચિત્માત્ર ડખોડખલ કરી શકે જ નહીં એવું સ્વતંત્ર જગત છે.’ તો પછી પોતાને આ જગતમાં શા માટે દુઃખ ભોગવવું પડે છે ? શા માટે ભટકવું પડે છે ? કોઈના રાગ કે દ્વેષથી પોતે બંધનમાં આવી શકે કે પછી પોતાના જ રાગ-દ્વેષ, પોતાની જ ડખોડખલથી પોતે બંધાયો છે ?

બુદ્ધિના ડખા એટલે શું ? પ્રકૃતિ ગમતા સંજોગોમાં રાગ કરે અને ના ગમતા સંજોગોમાં દ્વેષ કરે. રાગ-દ્વેષ એ બધા ડખા. અપમાન કરનાર ઉપર અભાવ અને માન આપનાર ઉપર ભાવ થયા કરે એ ડખા. કર્તાપણું એય ડખો છે, કે ‘તને ના આવડે, હું જ કરીશ,’ એ બધા ડખા. કોઈ પરિસ્થિતિથી આપણને અડચણ પડે, દુઃખદાયી લાગે એટલે હજુ આપણી કોમનસેન્સેય ખુલ્લી થઈ નથી. એડજસ્ટમેન્ટ લેવાનીયે શક્તિ ઓછી પડે, બીજાના દોષ દેખાડે, પોતાને ભોગવટામાં રાખે, નેગેટિવ કરાવે, ભેદ પડાવે, એનું કારણ શું ? બુદ્ધિના ડખા.

જેને આ બુદ્ધિના ડખાને ઓળખવા છે, એણે જુદાપણાની જાગૃતિ રાખી, ‘આ ખોટું છે’ જાણી એના પ્રતિક્રમણ કરે તો ડખા ઓછા થતા જાય. જેમ જેમ પાંચ આજ્ઞા પાળીને જાગૃતિ રાખી ભરેલો માલ ખાલી થતો જશે, તેમ તેમ ડખા વગરની સ્થિતિ થશે. બીજા શબ્દોમાં જેમ જેમ બુદ્ધિ ઘટતી જશે, તેમ તેમ અબુધ દશા આવતી જશે, અભેદતા-પ્રેમ વધતા જશે. છેવટે પહોંચવાનું છે ક્યાં સુધી ? ‘લઘુતમ ભાવ અને અભેદ દ્રષ્ટિ’ કે જે અક્રમ વિજ્ઞાનનું ફાઉન્ડેશન છે !

આ વર્ષે ગુરુપૂર્ણિમા નિમિત્તે પૂજ્યશ્રીએ મહાત્માઓને ‘325 ડિગ્રી સુધી પહોંચવાનો પુરુષાર્થ માંડવાનો’ દાદાશ્રીનો જ્ઞાનસંદેશો આપ્યો છે. દાદાશ્રી કહે છે કે આ જ્ઞાન પ્રગટ થયું ત્યારે અમે ૩૬૦ ડિગ્રીએ અડ્યા પણ અમને જ્ઞાન પૂરેપૂરું પચ્યું નહીં, તેથી ૩૫૬ ડિગ્રી એ અટક્યું. અમે તમને એવું જ જ્ઞાન આપીએ છીએ. તમે ૩૨૫ ડિગ્રી સુધી પહોંચી શકો એટલો પુરુષાર્થ કરવાનો ધ્યેય નક્કી કરવાની જરૂર છે.

૩૨૫ ડિગ્રીએ પહોંચવાની પારાશીશી કઈ ? ૨૫-૩૦ ટકા પણ બુદ્ધિ ઓછી થાય અને જ્યારે કોઈને આપણા માટે અને આપણને કોઈ માટે ડખો ના થાય, પોતાની જાતનાય ડખા બંધ થાય ત્યારે સમજવું કે ૩૨૫ ડિગ્રીએ આપણે પહોંચ્યા. પાંચ આજ્ઞા બુદ્ધિના ડખા ખલાસ કરી નાખે એવી છે. આપણે સહુ જાગૃતિપૂર્વક પાંચ આજ્ઞા પાળી, ૩૨૫ ડિગ્રી સુધીની જ્ઞાનની શ્રેણીઓ સર કરવાનો પુરુષાર્થ આદરી શકીએ એ જ હૃદયપૂર્વક અભ્યર્થના.

~ જય સચ્ચિદાનંદ.

૩૨૫ ડિગ્રી સુધી પહોંચવાનો પુરુષાર્થ

(પા.૪)

(સૂત્ર - ૧)

રાગ-દ્વેષ, ક્રોધ-માન-માયા-લોભ એ બધી દુઃખ દેનારી વસ્તુ છે. મહીં જે ક્રોધ-માન-માયા-લોભ છે તે ડખો કરે છે. જે વસ્તુ સહજ ન થવા દે, એનું નામ ડખો.

પ્રશ્નકર્તા : માણસ પોતે દુઃખી હોય, છતાં પણ આ સંસારમાં એ કેમ લપેટાયા કરે છે ?

દાદાશ્રી : એ લપટાતો નથી, એ દુઃખી છે, પોતાને છૂટવું છે, નથી ગમતું આ. પણ એના હાથમાં સત્તા નથી, પ્રકૃતિના તાબામાં છે. એ પ્રકૃતિથી છૂટે ત્યારે છૂટાય, નહીં તો પ્રકૃતિ એને ગૂંચવ્યા જ કરે. પ્રકૃતિ બંધાઈ ગઈ છે, તેના તાબામાં પોતે છે. આપણા હાથમાં ખેલ રહ્યો નહીં પછી. હવે તો પ્રકૃતિથી છૂટીએ એટલો આપણા હાથમાં ખેલ થાય. બાકી પ્રકૃતિથી જ્યાં સુધી છૂટાયું નથી ત્યાં સુધી પ્રકૃતિ આપણને ગૂંચવ ગૂંચવ કર્યા કરે. પ્રકૃતિથી પરવશ થઈને જગત આખું ફર્યા કરે છે.

જ્યાં સુધી પ્રકૃતિના આધીન છે, ત્યાં સુધી પુરુષ(આત્મા)નું કશું ચાલે નહીં. જ્યારે પ્રકૃતિથી છૂટે પુરુષ, ત્યારે પુરુષનું જ ચાલે બધું. ‘હું કોણ છું’ એવું જાણો અને એ અનુભવમાં થાય ત્યારે છુટકારો થાય, નહીં તો છુટકારો ના થાય. નહીં તો આ દુઃખો તમને પડ્યા જ કરવાના. સંસારના દુઃખો નિરંતર ભોગવ્યા જ કરવાના. ઘડીકમાં શાંતિ અને ઘડીકમાં અશાંતિ, ઘડીકમાં શાંતિ અને ઘડીકમાં અશાંતિ, એ પ્રકૃતિને લીધે છે.

જેમ પ્રકૃતિ નચાવે છે તેમ નાચે છે. પોતાના હિતાહિતનો ખ્યાલ રહેતો નથી. પ્રકૃતિ ગુસ્સો કરાવડાવે છે ત્યારે ગુસ્સો કરીને ઊભો રહે છે. પ્રકૃતિ રડાવે ત્યારે રડે છેય ખરો. એને શરમેય નથી આવતી. ઊઘાડી આંખે રડે, હંઅ. ડબ ડબ આંસુડા પડે એવું રડે.

પ્રશ્નકર્તા : પ્રકૃતિ રડાવે કે કર્મો રડાવે, દાદા ?

દાદાશ્રી : કર્મો એટલે જ પ્રકૃતિ. એ મૂળ પ્રકૃતિ કહેવાય. આ પ્રકૃતિ જ બધું ચલાવે છે, કરે છે પ્રકૃતિ અને પોતે શું કહે છે કે મેં કર્યું, એનું નામ ઈગોઈઝમ.

ચા કોણ માંગે છે ? પ્રકૃતિ માંગે છે. આ જલેબી કોણ માંગે છે ? ભૂખ કોને લાગે છે ? તરસ કોને લાગે છે ? એ બધું પ્રકૃતિને. અપમાન કરે ત્યારે અપમાન કોને થાય છે ? પ્રકૃતિને. આ તમને જે જે કંઈ આવી મળે છે, તે તમારી પ્રકૃતિના હિસાબે જ મળે છે. પ્રકૃતિ પ્રમાણે જ દરેક ચીજો મળી જાય છે. કેટલીક હિતકારી વસ્તુ હોય, તે એની મેળે સહજ પ્રાપ્ત થતી હોય તો સારી વાત છે. બની શકે એવું હોય તો થવા દેવું, ન બની શકે તો કંઈ નહીં, સહેજાસહેજ રહેવું. ડખો નહીં કરવાનો. જે વસ્તુ સહજ ન થવા દે, એનું નામ ડખો.

પ્રકૃતિ પ્રમાણે, મહીંની ડિમાન્ડ પ્રમાણે બધું જ તને આવી મળે તેમ છે. મરીવાળાને મરી મળે, ઈલાયચીવાળાને ઈલાયચી મળી રહે છે, રીંગણાવાળાને રીંગણા, ચા પીતો હોય તેને ચા મળી રહે છે અને સૂંઠવાળી ચા જો પ્રકૃતિમાં હોય તો સૂંઠવાળી ચાય તેને મળી રહે છે. પણ મહીં જે ક્રોધ-માન-માયા-લોભ છે તે ડખો કરે છે. લોભ સંઘરો કરવાનું શીખવાડે છે. પાછું એના માટે કપટ કરે છે ને ભયંકર ડખો કરી નાખે છે. અલ્યા, કશો જ ડખો કરવાની જરૂર નથી. રાગ-દ્વેષ, ક્રોધ-માન-માયા-લોભ એ બધું દુઃખ દેનારી વસ્તુ છે. એને જ કષાય કહેવાય. કષાયો એટલે મહીં આત્માને (પ્રતિષ્ઠિત આત્માને) દુઃખ થયા કરે, અજંપો થયા કરે તે.

(પા.૫)

(સૂત્ર - ૨)

રાગ-દ્વેષ એ ડખલ છે. જેવો માલ ભરેલો છે એ નીકળ્યા કરે પણ રાગ-દ્વેષ ના થાય એ (મહાત્માઓની) દિનચર્યા.

પ્રશ્નકર્તા : જ્ઞાન લેતા પહેલા અને હજુ પણ કોઈ કોઈવાર એવું થાય છે કે આપણને પોતાને કંઈક તકલીફ પડી હોય, પછી એવી કંઈ તકલીફ બીજાને પડે, તો અંદરથી એવું થયું કે સારું થયું આવું થયું તે. એ શું છે ?

દાદાશ્રી : એ સારું થયું, એમ થાય એ દ્વેષનું પરિણામ છે અને ખરાબ થયું એમ આવે તો, રાગનું પરિણામ છે. એ રાગ-દ્વેષના પરિણામના ભાવ જે મહીં ભરેલા તે માલ આજે નીકળે છે. ભગવાનને ત્યાં સારું-ખોટું કશું છે નહીં, બધું જ્ઞેય જ છે. એ જાણવા જેવું જ છે.

પ્રશ્નકર્તા : આવું થાય ત્યારે શું કરવું ? પ્રતિક્રમણ કરી લેવું ?

દાદાશ્રી : એવું થાય તે જોવાનું, કે આવું થયું અહીં આગળ ને અહીં આવું થયું. એમાં આપણે એ જ જોવાનું. અને જો કદી વધારે પડતું સામા માણસને અન્યાય થતો હોય દ્વેષ પરિણામથી, તો ત્યાં આગળ ચંદુભાઈને એમ કહેવાનું કે ભઈ, તમે પ્રતિક્રમણ કરો. તમે અતિક્રમણ કેમ કર્યું ? માટે પ્રતિક્રમણ કરો. વધુ પડતું હોય તો, નહીં તો દુઃખદાયી સામાને ના થઈ પડતું હોય તો કશી જરૂર નહીં. એ તો ખાલી આપણી સમજ છે. આપણે આપણી મેળે ધોઈ નાખવાનું, જ્ઞેય તરીકે જોયું એટલે ધોવાઈ ગયું. અને અજ્ઞાન દશામાં તો કોઈનું એવું ખરાબ થાય તો ‘સારું થયું’ એમ લાગે અને એના ઉપર દ્વેષ વર્તતો જ હોય. અત્યારે દ્વેષ વર્તે નહીં પાછળ. લાગે ખરું કે ખરાબ થયું, સારું થયું એમ લાગે. એટલે ભરેલો માલ છે તે બધો નીકળે છે.

જેવો માલ ભરેલો છે એ નીકળ્યા કરે પણ રાગ-દ્વેષ ના થાય એ (મહાત્માઓની) દિનચર્યા. કો’ક ધોલ મારી ગયો હોય, કો’ક નુકસાન કરી ગયો હોય તો રાગ-દ્વેષ ના થાય એવું હોવું જોઈએ. રાગ-દ્વેષ એ ડખલ છે. ડખલનો માલ તમારે ખપાવ્યા કરવાનો. ડખલ ના હોય એટલે થઈ રહ્યું. બીજું જે છે એ માલ નીકળ્યા કરે છે.

નવો માલ લાવવાનો નહીં ને જૂનો માલ ખપાવી દેવાનો. તમારે દુકાન બંધ કરી દેવી છે ને ? બંધ કરવી છે તેને તો રસ્તો દેખાડ્યો છે કે ભઈ, આવી રીતે માલ ખપાવી દેજો, પાંચ આજ્ઞામાં રહીને. એ લૂંટી જાય તો તમે લૂંટવા જશો નહીં. તમારે માલ ખપાવી દેવાનો છે.

તમે પોતે ચંદુભાઈ થાવ તો રાગ-દ્વેષ તમારો કહેવાય, નહીં તો રાગ-દ્વેષ કેમ કહેવાય ? ત્યારે કહેશે કે આ શું થાય છે ? ત્યારે કહે, આ જે થાય છે એ ચંદુભાઈને થાય છે અને તમે શુદ્ધાત્મા જાણો છો કે આ શું થઈ રહ્યું છે અને તમે એમેય કહો, ‘આવું ન થવું જોઈએ.’

પ્રશ્નકર્તા : હા, એ બધું બરોબર.

દાદાશ્રી : એટલે તમારો અભિપ્રાય જુદો છે, માટે તમે વીતરાગ છો. એટલે અમે કહ્યું ને કે પુરુષાર્થ તો તમારો જબરજસ્ત ચાલી રહ્યો છે. પુરુષ થયા પછી પુરુષાર્થ રહે, નહીં તો એમ ને એમ રાગ-દ્વેષ બંધ રહે નહીં જરા વારેય. મનમાં ખરાબ વિચાર આવ્યો હોય, સારો વિચાર આવ્યો હોય, બીજું થયું હોય, ત્રીજું થયું હોય, બધું તરત જ જોયા કરે. કો’ક શું વાણી બોલ્યો ? કોઈ ખરાબ બોલ્યો હોય કે સારી બોલ્યો હોય તોય પણ રાગ-દ્વેષ ના થાય. રાગ-દ્વેષ ના થાય એનું નામ આત્મા અને રાગ-દ્વેષ થાય એનું નામ સંસાર, દેહાધ્યાસ. સંસારનો પાયો રાગ-દ્વેષનો છે અને ‘જ્ઞાન’નો પાયો વીતરાગતાનો છે !

(પા.૬)

વીતરાગ એટલે હમણે કોઈ ગાળ ભાંડે, તો એની અસર પોતે સ્વીકારે નહીં અને સ્વીકારે તો નહીં પણ મોઢું બગડે નહીં, અંદર ભાવ પણ ન બગડે, પરિણતિ ના બગડે. પોતાના પરિણામ પણ ના બગડે એ વીતરાગ ! એમને ગાળ ભાંડે, માર મારે, ઘર બળી જાય, તો પણ એમનું કશું પરિણામ બગડે નહીં ને વીતરાગ જ રહે. વીતરાગ કોણ થાય ? જેને નફો-ખોટ ના હોય, જેને સુખ-દુઃખ ના હોય, દ્વન્દ્વ ના હોય, દ્વન્દ્વથી રહિત થયો હોય એ વીતરાગ.

‘વીતરાગો’ શું કહે છે ? જગત તો ચાલ્યા જ કરવાનું. એમાં તું કોઈ ડખલમાં પડીશ નહીં. જો તારે મોક્ષે આવવું હોય તો વીતરાગતા રાખ !

(સૂત્ર - ૩)

આપણું જ્ઞાન શું કહે છે ? વર્લ્ડમાં કોઈ જન્મ્યો જ નથી કે જે તમારામાં ક્શું ડખલ કરી શક્યો હોય. આ ડખલ કેમ આવે છે ? તમારામાં જે ડખલ કરે છે, એ તમારે માટે નિમિત્ત છે, પણ એમાં મૂળ હિસાબ તમારો જ છે.

પ્રશ્નકર્તા : કોઈ કંઈ બોલી જાય, એમાં આપણે સમાધાન કેવી રીતે કરવું ? સમભાવ કેવી રીતે રાખવો ?

દાદાશ્રી : આપણું જ્ઞાન શું કહે છે ? કોઈ તમારામાં કંઈ કરી શકે એમ જ નથી. વર્લ્ડમાં કોઈ જન્મ્યો જ નથી કે જે તમારામાં કશું ડખલ કરી શક્યો હોય. કોઈનામાં કોઈ ડખલ કરી શકે એમ છે જ નહીં. તો આ ડખલ કેમ આવે છે ? તમારામાં જે ડખલ કરે છે, એ તમારે માટે નિમિત્ત છે, પણ એમાં મૂળ હિસાબ તમારો જ છે. કોઈ ઊંધું કરે કે છતું કરે, પણ એમાં હિસાબ તમારો જ છે અને એ નિમિત્ત બની જાય છે. એ હિસાબ પૂરો થયો કે ફરી કોઈ ડખલ નહીં કરે.

એટલે નિમિત્તની જોડે ઝઘડો કરવો એ નકામો છે. નિમિત્તને બચકાં ભરવાથી ફરી પાછો ગુનો ઊભો થશે. એટલે આમાં કરવાપણું કશું રહેતું નથી. આ વિજ્ઞાન છે, એ બધું સમજી લેવાની જરૂર છે. પણ આ તો ડખોડખલ કરે છે, કે ‘એય... આમ કેમ કર્યું ? એય... આમ કર.’ અરે, આમ શું કરવા કરો છો તે ?

પ્રશ્નકર્તા : એટલે મૌન થઈ જાય તો સારું ?

દાદાશ્રી : મૌન જ થવાનું છે. વાણી તો બોલશો જ નહીં. આ કાળની વાણી તો ગાંડી જ છે. બોલે કે તરત ગાંડપણ બહાર પડી જાય.

પ્રશ્નકર્તા : તો બોલવું જોઈએ ને ? બહાર પડી જાય તે સારું ને ?

દાદાશ્રી : નહીં, એ ખોટું કહેવાય. આમાં બોલવા જેવું રહેતું જ નથી. ‘આ જ્ઞાન’ જ એવું પ્રકાશમય છે કે બોલવાની જરૂર જ ના રહે.

પ્રશ્નકર્તા : પણ વાતાવરણ જ એવું હોય તે કોઈ વખત બોલાઈ જાય.

દાદાશ્રી : બોલાઈ જવાય, તો આપણે કહેવું કે ‘આ ચંદુભાઈનું મગજ જરા એવું વસમું જ છે.’ આપણે ચંદુભાઈનું અવળું બોલ બોલ કરવું. ચંદુભાઈની જોડે વહાલ રહ્યું નથી ને તમને કે બહુ વહાલા લાગે છે ?

પ્રશ્નકર્તા : ના.

દાદાશ્રી : તો પછી હકીકત કહી દેવી. ‘ચંદુભાઈ’ ‘તમારા’થી જુદા છે, એવી રીતે વાત કરવી તમારે.

પ્રશ્નકર્તા : ‘ચંદુભાઈ’નું હથિયાર ઉપાડવું જ નથી, એવી વાત છે.

દાદાશ્રી : બસ, એ ખરેખરું. હથિયાર ઉપાડવાનું નહીં. અનંત અવતારથી હથિયાર ઉપાડીને પારકાંનું રક્ષણ કર્યું.

(પા.૭)

વધારે પડતું બોલ્યા એટલું ગાંડપણ લાગે ને ! વખતે એવું ગાંડપણ નીકળી જાય, એટલે તમારે કહેવા લાગવું કે ‘આ ચંદુભાઈ બોલ્યા છે ને, તેને હું ઓળખું છું. જરા વસમું ખાતું છે !’ અમારા ભત્રીજાને હું કહેતો હતો કે ‘કાકા પહેલેથી જ એવા હતા, આજના નહીં.’ ત્યારે એ કહે છે, ‘તમે એવું કેમ બોલો છો ?’ ‘તમે’ ને ‘કાકા’ બે જુદા છે, એ એને સમજ ન પડે ને !

હવે તમને તો ખબર પડી જાય ને કે અવળું બોલ્યા ? તમે તો જાગૃત વધારે છો.

પ્રશ્નકર્તા : હા, ખબર પડી જાય.

દાદાશ્રી : અને તમે એવું બે-ચાર વખત બોલશો ને, એટલે સામેવાળો પણ પોતાની જાતને ‘વાંકા છે’ એવું પોતે કહેશે. પણ તમે એને એમ કહો કે ‘તમે ખોટા છો’, તો એ તમને પકડી લે. માટે બીજાને ખોટા કહેવાનું છોડી જ દો અને કોઈનેય ખોટા કહેવાનું હોય જ નહીં. આ તો આપણી મૂર્ખાઈ છે. કોઈને ખોટો કહેવો, બ્લેઈમ (આરોપ) કરવો, એવું બોલવું એ આપણી ફૂલીશનેસ (મૂર્ખાઈ) છે.

(સૂત્ર - ૪)

પોતે શુદ્ધાત્મા થાય તો સ્પંદન થવાનું બંધ થાય, ને સ્પંદન બંધ થયા તો ધીમે ધીમે સહજતામાં પ્રકૃતિ આવશે. બન્ને સહજતામાં આવી જાય, એનું નામ વીતરાગ.

સંસારસાગર તે પરમાણુઓનો સાગર છે. એમાં સ્પંદન ઊભા થાય છે ત્યાં મોજાં ઊપજે છે અને તે મોજાં પાછા બીજાને ટકરાય છે, તેથી પાછા બીજાનેય સ્પંદન ઊભા થાય છે અને પછી તોફાન શરૂ થાય છે. આ બધું પરમાણુઓથી જ ઉપજે છે. આત્મા તેમાં તન્મયાકાર થાય તો જોશમાં સ્પંદન શરૂ થાય.

આ જગતમાં પણ સાગર જેવું જ છે. એકે સ્પંદન ઉછાળ્યું તો સામે કેટલાંય સ્પંદન ઉછળે. આખું જગત પડઘાથી જ ઉત્પન્ન થયું છે. બધી જ જાતના બધા જ પડઘા સાચા છે અને તાલબદ્ધ સંભળાય છે.

વાવ હોય અને તેમાં મોં નાખીને તું જોરથી બૂમ પાડે, કે ‘તું ચોર છે.’ તો વાવ સામેથી શું જવાબ આપે ? ‘તું ચોર છે.’ તું કહે કે ‘તું રાજા છે’, તો વાવ પણ કહે કે ‘તું રાજા છે’ અને ‘તું મહારાજા છે’ એમ કહે, તો વાવ ‘તું મહારાજા છે’ એમ સામો જવાબ આપે ! તેમ આ જગત વાવ સ્વરૂપ છે. તું જેવા પડઘા નાખીશ તેવો સામો જવાબ મળશે. એક્શન એન્ડ રિએક્શન આર ઈક્વલ એન્ડ ઓપોઝીટ (ક્રિયા અને પ્રતિક્રિયા સરખી અને એકબીજાની વિરુદ્ધ હોય)’ એવો નિયમ છે. માટે તને જેવું ફાવતું હોય તેવો પડઘો નાખજે. સામાને ચોર કહીશ તો તારેય ‘તું ચોર’ છે એમ સાંભળવું પડશે અને ‘રાજા છે’ એમ સામાને કહીશ તો તને ‘રાજા છે’ એમ સાંભળવા મળશે. અમે તો તને પરિણામ બતાવ્યા, પણ સ્પંદન નાખવા તારા હાથની વાત છે. માટે તને અનુકૂળ આવે તેવો પડઘો નાખજે.

આપણે ઢેખાળો ના નાખીએ તો આપણામાં સ્પંદન ના ઊઠે અને સામેનામાંય મોજાં ના ઊઠે ને આપણને કંઈ જ અસર ના કરે. પણ શું થાય ? બધા જ સ્પંદન કરે જ છે. કો’ક નાનું તો કો’ક મોટું સ્પંદન કરે છે. કો’ક કાંકરી નાખે તો કો’ક ઢેખાળો નાખે. ઉપરથી પાછું સ્પંદન સાથે અજ્ઞાન છે તેથી ઘણી જ ફસામણ. જ્ઞાન હોય ને પછી સ્પંદન થાય તો વાંધો નહીં. ભગવાને કહ્યું છે કે સ્પંદન ના કરીશ. પણ મૂઓ, સ્પંદન કર્યા વગર રહે જ નહીં ને ! દેહના સ્પંદનનો વાંધો નથી પણ વાણીના અને મનના સ્પંદનનો વાંધો છે. માટે તેમને તો બંધ જ કરી દેવા જોઈએ, જો સુખે

(પા.૮)

રહેવું હોય તો. જ્યાં જ્યાં ઢેખાળા નાખેલા, ત્યાં ત્યાં સ્પંદનો ઊભા થવાના જ.

જીભની, વાણીની ભાંજગડ અને ગડભાંજ એ શું છે ? એ અહંકાર છે પૂર્વભવનો. એ અહંકારથી જીભ ગમે તેમ આપે અને એમાં સ્પંદનોની અથડામણ ઊભી થાય. આજે તો જે જે દુઃખો છે તે મોટા ભાગે તો જીભના, વાણીના સ્પંદનોના જ છે !

દેહમાંથી સ્પંદન થયેલા, વાણીમાંથી સ્પંદન થયેલા અને મનમાં કલ્પેલા એકેય પરમાણુમાં જો ઉપયોગ રાખ્યો તો માર્યો ગયો સમજજે ! ને કેટલાંય ભવ રખડવું પડશે ! ભગવાને શું કહ્યું કે એક સમય પોતે પોતાનો થયો નથી. સ્પંદનોમાં જ બધો સમય કાઢે છે. પેલોય મોજાં ઉછાળે અને આપણેય મોજાં ઉછાળીએ એટલે ડૂબીય જવાયે નહીં ને તરાયેય નહીં.

આ બધા આપણા જ પરિણામ છે. આપણે આજથી કોઈને સ્પંદન કરવાનું, કિંચિત્માત્ર કોઈને માટે વિચાર કરવાનું બંધ કરી દો. વિચાર આવે તો પ્રતિક્રમણ કરીને ધોઈ નાખવાનું, એટલે આખો દિવસ કોઈના સ્પંદન વગરનો ગયો ! એવી રીતે દિવસ જાય તો બહુ થઈ ગયું, એ જ પુરુષાર્થ છે. પોતે શુદ્ધાત્મા થાય તો સ્પંદન થવાનું બંધ થાય, ને સ્પંદન બંધ થયા તો ધીમે ધીમે સહજતામાં પ્રકૃતિ આવશે. બન્ને સહજતામાં આવી જાય, એનું નામ વીતરાગ.

(સૂત્ર - ૫)

તમારી સળીઓ બંધ થઈ ગઈ તો દુનિયામાં તમને સળી કરનાર કોઈ નથી. તમારી સળીઓના જ પરિણામ છે આ બધા ! તમારી જે ઘડીએ સળીઓ બંધ થઈ જશે, ત્યારે તમારું કોઈ પરિણામ તમારી પાસે નહીં આવે.

આ જગતમાં કોઈ એવો જન્મ્યો જ નથી કે જે તમારું નામ દે ! અને નામ દેનારો હશે, તેને તમે લાખો લાખો ઉપાય કરશો તોય તમારું કશું વળવાનું નથી. માટે કઈ બાજુ જવું હવે ? લાખો ઉપાય કરવામાં પડી રહેવું ? ના, કશું વળશે નહીં. માટે બધા કામ પડતા મૂકી આત્મા ભણી જાવ. ‘હું શુદ્ધાત્મા છું’ એવો નિર્ણય થવો, એનું નામ જ આત્માનુભવ !

પ્રશ્નકર્તા : એટલે મૂળ વાત જ આવીને ઊભી રહી.

દાદાશ્રી : હા, જે બને તેને ‘જોયા’ કરો કે શું થાય છે ? એ ‘પર’ ને ‘પરાધીન’ વસ્તુ છે. અને જે બની રહ્યું છે એ જ ન્યાય થઈ રહ્યો છે ને એ જ ‘વ્યવસ્થિત’ છે. સારા માણસને ફાંસીએ ચઢાવે એ પણ ન્યાય જ છે અને નઠારો છૂટી ગયો એ પણ ન્યાય છે. આપણને એ જોતા નથી આવડતું, તે સારો કોણ ને નઠારો કોણ ? આપણને કેસ તપાસતા નથી આવડતું. આપણે આપણી ભાષામાં કેસ ગણીએ છીએ !

પ્રશ્નકર્તા : તો પછી ‘સાચું છે, ખોટું છે’ એવો અર્થ કરવો જ નહીં, એવું થયું ને ?

દાદાશ્રી : સાચું-ખોટું એ બધી સમજણ વગરની વાતો છે. પોતાની સમજણથી પોતે ન્યાયાધીશ થઈ બેઠો છે.

કિંચિત્માત્ર તમને કશું કોઈ કરી શકે એમ છે જ નહીં, જો તમે કોઈનામાં સળી ના કરો તો, એની હું તમને ગેરન્ટી લખી આપું છું. અહીં નર્યા સાપ પડ્યા હોય, તોય કોઈ તમને અડે નહીં એવું ગેરન્ટીવાળું જગત છે.

આ જ્ઞાનીઓ શી રીતે સહીસલામત ને આનંદમાં રહેતા હશે ? કારણ કે જ્ઞાનીઓ જગતને જાણીને બેઠા છે કે ‘કશું જ થવાનું નથી, કોઈ નામ દેનાર નથી. હું જ છું બધામાં, હું જ છું, હું જ છું, બીજું કોઈ છે જ નહીં !’

(પા.૯)

બહુ સમજવા જેવું જગત છે. લોકો સમજે છે તેવું એ નથી. તમે કોઈને સળી કરો તો સામાને પ્રતિપક્ષી ભાવ ઊભા થયા વગર રહે જ નહીં. સામો બળવાન ના હોય તો બોલે નહીં; પણ મનમાં તો થાય ને ? તમે બોલવાનું બંધ કરો તો સામાના ભાવ બંધ થાય પછી. તમારી જે ઘડીએ સળીઓ બંધ થઈ જશે, ત્યારે તમારું કોઈ પરિણામ તમારી પાસે નહીં આવે. તમે આખી દુનિયાના, આખા બ્રહ્માંડના સ્વામી છો. કોઈ ઉપરી જ નથી તમારો. તમે પરમાત્મા જ છો. કોઈ તમને પૂછનાર નથી.

(સૂત્ર - ૬)

ધી વર્લ્ડ ઈઝ યોર ઑન પ્રોજેક્શન (જગત તમારી જ યોજના છે). કોઈની ડખલ ન મળે મહીં, સહેજ પણ ડખલ નહીં. તમારું પ્રોજેક્શન ને તમારું જ પ્લાનિંગ.

કોઈ કોઈનું બગાડી શકે એવી શક્તિ જ કોઈનામાં નથી, કોઈ એવો જન્મ્યો જ નથી. અને લોકો શું માને છે ? આ જ મારું બધું બગાડી રહ્યો છે. કોઈનામાં એવી શક્તિ જ નથી, તો પછી બગાડે શી રીતે ? અને કો’ક બગાડે તો તો પછી આ જગત બિલકુલ કોમ્પ્લેક્સ (જટિલ) થઈ ગયું કહેવાય. તો એક પણ માણસ અહીંથી મોક્ષે જઈ શકે જ નહીં. માટે કોઈ પણ માણસ તમને દુઃખ દઈ શકે એમ છે જ નહીં. એની શક્તિ બહારની વાત છે.

આ દુઃખ દે છે, એ તો માત્ર નિમિત્ત છે પણ મૂળ ભૂલ પોતાની જ છે. જે ફાયદો કરે છે એય નિમિત્ત છે અને જે નુકસાન કરાવે છે એય નિમિત્ત છે. પણ એ આપણો જ હિસાબ છે તેથી આમ થાય છે. અમે તમને ખુલ્લી રીતે કહીએ છીએ કે તમારી ‘બાઉન્ડ્રી’માં કોઈને આંગળી ઘાલવાની શક્તિ નથી અને તમારી ભૂલ છે તો ગમે તે આંગળી ઘાલી જશે. અરે, લાકડી પણ મારી જશે ! ‘અમે’ તો ઓળખી ગયેલા કે કોણ ગોદા મારે છે ? બધું તમારું ને તમારું જ છે. તમારો વ્યવહાર કોઈએ બગાડ્યો નથી, તમારો વ્યવહાર તમે જ બગાડ્યો છે. યુ આર હૉલ એન્ડ સોલ રિસ્પોન્સિબલ ફોર યૉર વ્યવહાર.

કોઈ જીવ કોઈ જીવને હીચ કરી શકે જ નહીં. જો એક જીવ બીજા જીવને હીચ આપી શકે તો ‘આ વર્લ્ડ ખોટું છે એમ કહી શકાય’, આ વર્લ્ડનો સિદ્ધાંત ખલાસ થઈ જાય છે, તૂટી જાય છે ! કોઈ જીવ બીજા જીવને સહેજ પણ હીચ આપી શકે એટલી સ્વતંત્ર શક્તિ ધરાવતો હોય તો આખા વર્લ્ડના બધા સિદ્ધાંત ફ્રેકચર થઈ જાય છે.

આ વર્લ્ડમાં કોઈની ડખલ થઈ જાય છે તે તમે ડખો કરેલો છે તેથી. નહીં તો તમે ડખો ના કરો તો ડખલ નથી, સ્વતંત્ર છો બિલકુલ. બીજાની ડખલ છે, એમ કહેવાય તો કોમ્પ્લેક્સ થઈ જાય, પણ કોઈની ડખલ નથી. કોઈ જીવ બીજા જીવને કશું કરી શકે જ નહીં એવું આ સ્વતંત્ર જગત છે !

(સૂત્ર - ૭)

સંસારમાં એવી રીતે જીવવું કે આપણે કોઈને દુઃખદાયી ના થઈ પડીએ. આપણા થકી કોઈનેય કિંચિત્માત્ર દુઃખ ના થાય એ મોટામાં મોટો ધ્યેય હોવો જોઈએ.

પ્રશ્નકર્તા : દાદા, આપણાથી ડખો થયો એને આપણે જોયો-જાણ્યો, પણ આપણા આ ડખાથી સામેવાળાને દુઃખ થયું હોય તો આપણે એનું પ્રતિક્રમણ કરવું પડે ને ?

દાદાશ્રી : એનું પ્રતિક્રમણ કરવું પડે. અતિક્રમણ કેમ કર્યું ? સામાને દુઃખ થાય એવું ના કરવું જોઈએ.

આ જગતમાં તમે કોઈને દુઃખ દેશો, તો તેનો પડઘો તમને પડ્યા વગર રહેશે નહીં. કોઈને

(પા.૧૦)

કિંચિત્માત્ર દુઃખ આપીને કોઈ મોક્ષે ગયેલો નહીં. સંસારમાં એવી રીતે જીવવું કે આપણે કોઈને દુઃખદાયી ના થઈ પડીએ. આપણા થકી કોઈનેય કિંચિત્માત્ર દુઃખ ના થાય એ મોટામાં મોટો ધ્યેય હોવો જોઈએ. કોઈને સહેજ પણ દુઃખ દે તો તે જાગૃત કેવી રીતે કહેવાય ? જાગૃતિ કોને કહેવાય ? પોતે પોતાથી ક્યારેય પણ કોઈ પણ સંયોગોમાં ક્લેશિત ના થાય ત્યારથી જાગૃતિની શરૂઆત થાય. પછી બીજા ‘સ્ટેપિંગ’માં બીજાથી પણ પોતે ક્લેશિત ના થાય, ત્યારથી ઠેઠ સહજ સમાધિ સુધીની જાગૃતિ હોય. જો જાગ્યા તો જાગ્યાનું ફળ હોવું ઘટે. ક્લેશ થાય તો જાગ્યા શી રીતે કહેવાય ? ક્લેશ રહિત ભૂમિકા કરવી એને ઘણો મોટો પુરુષાર્થ કર્યો કહેવાય.

તમે સંપૂર્ણ સ્વતંત્ર છો. તમારો પ્રોજેક્ટ પણ સ્વતંત્ર છે, પણ તમારો પ્રોજેક્ટ એવો હોવો જોઈએ કે કોઈ જીવને તમારા થકી કિંચિત્માત્ર દુઃખ ના થાય. તમારો પ્રોજેક્ટ બહુ મોટો કરો, આખી દુનિયા જેવો કરો.

મનુષ્ય જ્યારથી કોઈને સુખ આપતો થયો ત્યારથી ધર્મની શરૂઆત થઈ. પોતાના સુખનું નહીં, પણ સામાની અડચણ કેમ કરીને દૂર થાય તે જ રહ્યા કરે ત્યાંથી કારુણ્યતાની શરૂઆત થાય. અમને નાનપણથી જ સામાની અડચણ દૂર કરવાની પડેલી. પોતાના માટે વિચારેય ના આવે તે કારુણ્યતા કહેવાય. તેનાથી જ ‘જ્ઞાન’ પ્રગટ થાય.

(સૂત્ર - ૮)

પોતાની ભૂલ પકડાતી નથી અને સામાની ભૂલ તરત માલમ પડી જાય. કારણ કે બુદ્ધિ મૂકાઈ છે ને ! આવી રીતે આ જગતમાં ડખો થઈ રહ્યો છે.

ભગવાનનું અલૌકિક જ્ઞાન તો શું કહે છે કે કોઈની ઉપર આરોપેય ના આપશો, કોઈની ઉપર અભિપ્રાય ના બાંધશો. કોઈના માટે કશો ભાવ જ ના કરશો. ‘જગત નિર્દોષ જ છે’ એવું જાણશો તો છૂટશો. જગતના તમામ જીવો નિર્દોષ જ છે ને હું એકલો જ દોષિત છું, મારા જ દોષે કરીને બંધાયેલો છું, એવી દ્રષ્ટિ થશે ત્યારે છૂટાશે.

જ્યાં સુધી પોતાના દોષો દેખાતા નથી અને પારકાના જ દોષો દેખાયા કરે છે, એવી દ્રષ્ટિ જ્યાં સુધી છે, ત્યાં સુધી સંસાર ઊભો રહેવાનો. અને જ્યારે પારકાના એકુય દોષ નહીં દેખાય અને પોતાના બધા જ દોષો દેખાશે, ત્યારે જાણવું કે મોક્ષે જવાની તૈયારી થઈ. બસ આટલો જ દ્રષ્ટિફેર છે ! પારકા દોષ દેખાય છે એ જ આપણી જ દ્રષ્ટિમાં ભૂલ છે.

આવી રીતે આ જગતમાં ડખો થઈ રહ્યો છે. પોતાની ભૂલ પકડાતી નથી અને સામાની ભૂલ તરત માલમ પડી જાય. કારણ કે બુદ્ધિ મૂકાઈ છે ને ! અને જેને બુદ્ધિ મૂકાઈ નથી તેને તો કંઈ ભૂલનો સવાલ જ નથી રહેતો ને, કોઈ ફરિયાદ જ નહીં ને !

તારી જોડે કોઈ અથડાયો કેમ ? એ જ તારો દોષ છે. બધું પોતાના દોષથી બંધાયેલું છે. માત્ર પોતાના દોષ જો જો કરવાથી છૂટું થવાય તેમ છે.

આ નિર્દોષ જગતમાં કોઈ દોષિત છે જ નહીં, ત્યાં દોષ કોને અપાય ? દોષ છે ત્યાં સુધી દોષ એ અહંકાર ભાગ છે ને એ ભાગ ધોવાશે નહીં, ત્યાં સુધી બધા દોષો નીકળશે નહીં, ત્યાં સુધી અહંકાર નિર્મૂળ નહીં થાય. અહંકાર નિર્મૂળ થાય ત્યાં સુધી દોષો ધોવાના છે. આ અમે અમારા દોષ જો જો કર્યા, તે અમે છૂટ્યા. નિજદોષ સમજાય એટલે છૂટો પડતો જાય.

જ્યારે સ્વરૂપનું જ્ઞાન આપીએ છીએ ત્યારે જરાક આંખ ખૂલે છે. ત્યારે એને દેખાય છે કે હું તો આ બધાથી જુદો છું. પછી જેમ જેમ અમારી

(પા.૧૧)

જોડે બેસે છે તેમ તેમ આંખ ખૂલતી જાય છે. પછી સંપૂર્ણ જાગૃતિ થાય. માટે આત્માને જાણવો પડશે. આત્મા જાણ્યા વગર તો ત્યાં આગળ કોઈ પેસવા નહીં દે. આ તો એક્ઝેક્ટ વસ્તુ છે, પરમ જ્યોતિસ્વરૂપ પ્રાપ્ત કરી ગયા છો. હવે ઉપર આઘુંપાછું ના કરશો નકામા. અનંત અવતારમાં ના પામ્યા એવું પરમ જ્યોતિસ્વરૂપ, તેથી તો અહીં અવાય છે. નહીં તો અવાય કોઈથી ? હવે મહીં બુદ્ધિ ડખો કરે છે, તે બુદ્ધિને રજા આપી દેજો. આમાં હાથ ના ઘાલીશ, કહીએ. અત્યારે હવે પાછી દબાઈ રહેલી છે, તે જ્ઞાનીથી જરાક આઘાપાછા થાવ કે ચઢી બેસે પાછી. માટે ચેતતા રહેજો.

(સૂત્ર - ૯)

જો ભૂલેચૂકેય તું કોઈની અથડામણમાં આવી ગયો, તો તેનો નિકાલ કરી નાખજે. સહજ રીતે એ અથડામણમાંથી ઘર્ષણની ચકમક ઉડાડ્યા વગર નીકળી જજે. એક ક્ષણ પણ એકેય અવસ્થામાં ચોંટી રહેવા જેવું નથી ! જ્યાં તું ચોંટ્યો એટલો તું સ્વરૂપને ભૂલ્યો.

પ્રશ્નકર્તા : અથડામણ ટાળવાની, ‘સમભાવે નિકાલ’ કરવાની આપણી વૃત્તિ હોય, છતાં સામો માણસ આપણને હેરાન કરે, અપમાન કરે તો શું કરવું આપણે ?

દાદાશ્રી : કશું નહીં. એ આપણો હિસાબ છે, તો આપણે તેનો ‘સમભાવે નિકાલ’ કરવો છે એમ નક્કી રાખવું. આપણે આપણા કાયદામાં જ રહેવું, અને આપણે આપણી મેળે આપણું ‘પઝલ’ ‘સોલ્વ’ કર્યા કરવું.

પ્રશ્નકર્તા : સામો માણસ આપણું અપમાન કરે ને આપણને અપમાન લાગે એનું કારણ આપણો અહંકાર છે ?

દાદાશ્રી : ખરી રીતે સામો અપમાન કરે છે તે આપણો અહંકાર ઓગાળી નાખે છે, અને તેય પેલો ‘ડ્રામેટિક’ અહંકાર. જેટલો એક્સેસ અહંકાર હોય તે ઓગળે, એમાં બગડી શું જવાનું છે ? આ કર્મો છૂટવા દેતા નથી. આપણે તો નાનું બાળક સામું હોય તોય કહીએ, હવે છુટકારો કર.

અમારો એક શબ્દ એક દહાડો પાળે તો ગજબની શક્તિ ઉત્પન્ન થાય ! એટલે પ્રભાવ ઉત્પન્ન થતો જ જાય. અંદર એટલી બધી શક્તિઓ છે કે ગમે તે ગમે તેવી અથડામણ નાખી જાય તોય તે ટાળી શકાય. જે જાણી-જોઈને ખાઈમાં પડવાની તૈયારીમાં છે એવાની જોડે આપણે ટિચાઈએ તો આપણનેય ખાઈમાં પાડે. આપણે તો મોક્ષે જવું છે કે આવાઓની જોડે અથડામણમાં બેસી રહેવું છે ? એ તો ક્યારેય મોક્ષે નહીં જાય, પણ તનેય એની જોડે બેસાડી રાખશે. અલ્યા, એ ક્યાંથી પોસાય ? જો તારે મોક્ષે જ જવું હોય તો આવાઓ જોડે બહુ દોઢડાહ્યાય નહીં થવાનું, કે ભાઈ, તમને વાગ્યું ? બધી જ બાજુથી, ચોગરદમથી સાચવવાનું, નહીં તો તમારે લાખ આ જંજાળમાંથી છૂટવું હશે તોય જગત નહીં છૂટવા દે. અથડામણ તો નિરંતર આવ્યા જ કરવાની. તેમાંથી આપણે જરાય ઘર્ષણ ઉત્પન્ન કર્યા વગર સ્મૂધલી (સરળતાથી) બહાર નીકળી જવાનું છે ! દેહની અથડામણ તો થઈ હોય ને વાગ્યું હોય તો દવા કરાવે કે મટી જાય, પણ ઘર્ષણ અને સંઘર્ષણથી જે મનમાં ડાઘ પડ્યા હોય, બુદ્ધિના ડાઘ પડ્યા હોય તેને કોણ કાઢે ? હજારો અવતારેય ના જાય.

અરે, અમે તો ત્યાં સુધી કહીએ છીએ કે જો તારું ધોતિયું ઝાંખરામાં ભરાયું હોય ને તારી મોક્ષની ગાડી ઊપડતી હોય તો મૂઆ ધોતિયું છોડાવવા ના બેસી રહીશ ! ધોતિયું મૂકીને દોડી જજે. અરે, એક ક્ષણ પણ એકેય અવસ્થામાં ચોંટી રહેવા જેવું નથી ! તો પછી બીજા બધાની તો વાત જ શી કરવી ? જ્યાં તું ચોંટ્યો એટલો તું સ્વરૂપને ભૂલ્યો.

(પા.૧૨)

ડખો કોનું નામ ? કોઈ પણ અવસ્થા હમણાં થઈ તેમાં ચિત્ત થોડીવાર ચોંટ્યું, તે ડખો.

જો ભૂલેચૂકેય તું કોઈની અથડામણમાં આવી ગયો, તો તેનો નિકાલ કરી નાખજે. સહજ રીતે એ અથડામણમાંથી ઘર્ષણની ચકમક ઉડાડ્યા વગર નીકળી જજે. બુદ્ધિ તો કોને કહેવાય કે જે ક્રોધ-માન-માયા-લોભનું વિવરણ કરે અને એ બધાને બાજુએ મૂકી દે અને ઘરમાં અથડામણ થવા ના દે, ‘એવરીવ્હેર એડજસ્ટમેન્ટ’ કરાવે.

(સૂત્ર - ૧૦)

કો’કને ડખલરૂપ થાય, તે આપણને પહેલી ડખલ પડે. માટે એવા સરળ થઈ જાવ, કે કોઈને સહેજેય ડખલ ના થાય, તો તમને ડખલ નહીં થાય. એવી રીતની પ્રેક્ટિસ મેં પહેલેથી મૂકેલી.

પ્રશ્નકર્તા : વ્યવહારમાં રહેવાનું છે, તો ‘એડજસ્ટમેન્ટ’ એકપક્ષી તો ના હોવું જોઈએ ને ?

દાદાશ્રી : વ્યવહાર તો એનું નામ કહેવાય કે ‘એડજસ્ટ’ થઈએ. જેની જોડે ના ફાવે ત્યાં જ શક્તિ કેળવવાની છે. ફાવ્યું ત્યાં તો શક્તિ છે જ. ના ફાવે એ તો નબળાઈ છે.

મારે બધા જોડે કેમ ફાવે છે ? જેટલા ‘એડજસ્ટમેન્ટ’ લેશો તેટલી શક્તિઓ વધશે અને અશક્તિઓ તૂટી જાય. સાચી સમજણ તો બીજી બધી ઊંધી સમજણને તાળાં વાગશે ત્યારે જ થશે.

સુંવાળા જોડે તો સહુ કોઈ ‘એડજસ્ટ’ થાય પણ વાંકા-કઠણ-કડક જોડે, બધા જ જોડે ‘એડજસ્ટ’ થતા આવડ્યું તો કામ થઈ ગયું. ગમે તેટલો નાગામાં નાગો માણસ હોય તો પણ તેની જોડે ‘એડજસ્ટ’ થતા આવડે, મગજ ખસે નહીં તે કામનું ! ભડકે તો ચાલે નહીં. જગતની કોઈ વસ્તુ આપણને ‘ફીટ’ થાય નહીં. આપણે એને ‘ફીટ’ થઈએ તો આ દુનિયા સરસ છે અને એને ‘ફીટ’ કરવા જઈએ તો દુનિયા વાંકી છે. એટલે ‘એડજસ્ટ એવરીવ્હેર.’ આપણે એને ફીટ થઈએ ને, તો વાંધો નથી.

તારી જોડે જે કોઈ ડિસ્એડજસ્ટ થવા આવે, તેને તું એડજસ્ટ થઈ જા. જેને એડજસ્ટમેન્ટ કરતા ન આવડે, તેને લોક ‘મેન્ટલ’ (ગાંડો) કહે છે. આ રિલેટિવ સત્યમાં આગ્રહ જકની જરાય જરૂર નથી. માણસ તો કોનું નામ ? એવરીવ્હેર એડજસ્ટેબલ ! દરેક વાતમાં આપણે સામાને ‘એડજસ્ટ’ થઈ જઈએ તો કેટલું બધું સરળ થઈ જાય !

પ્રશ્નકર્તા : દુનિયા વાંકી છે પણ આપણે આપણા સ્વભાવ પ્રમાણે સરળતાથી વર્તીએ તો મૂર્ખામાં ખપીએ છીએ, તો સરળતા છોડીને વાંકા થવું કે મૂર્ખામાં ખપવું ?

દાદાશ્રી : એવું છે કે કેટલાય અવતારની કમાણી હોય તો સરળતા ઉત્પન્ન થાય. જે વાંકો છે તે આપણી કમાણી ખોવડાવી નાખવા ફરે છે, તો આપણે આપણી કમાણી ખોઈ નાખીએ ખરા ? પોતાની કમાણી ખોઈ નાખે તો આપણે પણ વાંકા જ થઈ ગયા, તો પછી આપણી પાસે રહ્યું શું ? સામાન બધો ખલાસ થઈ ગયો ! અને પછી નાદારી નીકળે !

મોક્ષે જવું હોય તો સરળ થઈ જાવ, બાળક જેવા સરળ થઈ જાવ. આ બાળક તો અણસમજણમાં કરે છે અને ‘જ્ઞાની પુરુષ’ સમજણમાં કરે છે, બસ ! બેઉમાં બાળકપણું ખરું, નિર્દોષતા બાળક જેવી ! બાળક નથી સમજતું તોય એનો સંસાર ચાલે છે કે નથી ચાલતો ? સારો ચાલે ઊલટો. જેમ જેમ સમજણ આવી, એમ એનો સંસાર બગડતો ચાલે. એટલે ‘જ્ઞાની પુરુષ’ તો બાળક જેવા સરળ હોય !

પ્રશ્નકર્તા : તે દાદા, આપ પહેલેથી સરળ એટલે કોઈને ડખલરૂપ ન થાવ ?

(પા.૧૩)

દાદાશ્રી : કો’કને ડખલરૂપ થાય, તે આપણને પહેલી ડખલ પડે. માટે એવા સરળ થઈ જાવ, કે કોઈને સહેજેય ડખલ ના થાય, તો તમને ડખલ નહીં થાય. એવી રીતની પ્રેક્ટિસ મેં પહેલેથી મૂકેલી અને મેં તો નાનપણથી એ રીત મૂકેલી. કારણ કે વળી ડખલ કરીને પાછા આપણે ડખલરૂપ થઈ જવું.

‘જ્ઞાની’ તો સામો વાંકો હોય તોય તેની જોડે ‘એડજસ્ટ’ થાય. ‘જ્ઞાની પુરુષ’ને જોઈને ચાલે તો બધી જાતના એડજસ્ટમેન્ટ કરતા આવડી જાય. આની પાછળ સાયન્સ શું કહે છે કે વીતરાગ થઈ જાઓ, રાગ-દ્વેષ ના કરો. આ તો મહીં કંઈક આસક્તિ રહી જાય છે, તેથી માર પડે છે. આ વ્યવહારમાં એકપક્ષી-નિઃસ્પૃહ થઈ ગયા હોય, તે વાંકા કહેવાય.

(સૂત્ર - ૧૧)

વ્યવહારમાં ડખોડખલ કરો તે અશુદ્ધ વ્યવહાર. વ્યવહારમાં એડજસ્ટમેન્ટ લેવું, તેને આ કાળમાં જ્ઞાન કહ્યું છે.

આપણે ખરેખર આ ‘વ્યવહાર સ્વરૂપ’ નથી, ‘આ’ બધું ખાલી ‘ટેમ્પરરી એડજસ્ટમેન્ટ’ છે. બાળકો જેમ રમકડાં રમે તેમ આખું જગત રમકડાં રમી રહ્યું છે ! પોતાના હિતનું કશું કરતો જ નથી. નિરંતર પરવશતાના દુઃખમાં જ રહ્યા કરે છે અને ટકરાયા કરે છે. સંઘર્ષણ ને ઘર્ષણ એનાથી આત્માની અનંત શક્તિઓ બધી ફ્રેકચર થઈ જાય.

નોકર પ્યાલા-રકાબી ફોડે તો અંદર સંઘર્ષણ થઈ જાય, એનું શું કારણ ? ભાન નથી, જાગૃતિ નથી કે મારું કયું ને પારકું કયું ? પારકાનું, હું ચલાવું છું કે બીજો કોઈ ચલાવે છે ?

આ જે તમને એમ લાગે છે કે ‘હું ચલાવું છું’, તે એમાંનું તમે કશું ચલાવતા નથી. એ તો તમે ખાલી માની બેઠા છો. તમારે જે ચલાવવાનું છે તે તમને ખબર નથી. પુરુષ થાય ત્યારે પુરુષાર્થ થાય. પુરુષ જ થયા નથી, ત્યાં સુધી પુરુષાર્થ કેમ કરીને થાય ?

‘ડોન્ટ સી લૉઝ, પ્લીઝ સેટલ. (કાયદા ના જોશો, મહેરબાની કરીને સમાધાન લાવો.)’ સામાને ‘સેટલમેન્ટ’ લેવા કહેવાનું, કે ‘તમે આમ કરો, તેમ કરો’, એવું કહેવા માટે ટાઈમ જ ક્યાં હોય ? સામાની સો ભૂલ હોય તોય આપણે તો પોતાની જ ભૂલ કહીને આગળ નીકળી જવાનું. આ કાળમાં ‘લૉ’ (કાયદો) તો જોવાતો હશે ? આ તો છેલ્લે પાટલે આવી ગયેલું છે. જ્યાં જુઓ ત્યાં દોડાદોડ ને ભાગાભાગ ! લોક ગૂંચાઈ ગયેલા છે.

વ્યવહારમાં ડખોડખલ કરો તે અશુદ્ધ વ્યવહાર. વ્યવહારમાં એડજસ્ટમેન્ટ લેવું, તેને આ કાળમાં ‘જ્ઞાન’ કહ્યું છે. હા, એડજસ્ટમેન્ટ લેવું. એડજસ્ટમેન્ટ તૂટતું હોય તોય એડજસ્ટ કરી લેવું. આપણે એની જોડે ખરાબ બોલી ગયા. હવે, બોલી જવું એ આપણા હાથની વાત નથી. કોઈ ફેરો તમારાથી બોલી જવાય કે ના બોલી જવાય ? બોલી ગયા પણ પછી તરત જ આપણને ખબર પડે કે ભૂલ થઈ. ખબર તો પડ્યા વગર ના રહે, પણ તે વખતે પાછા આપણે એડજસ્ટ કરવા જતા નથી. પછી એને તરત જ જઈને કહેવાનું, કે ‘ભાઈ, મારાથી તે ઘડીએ આવું ખરાબ બોલી જવાયું, ભૂલ થઈ ગઈ. માટે માફ કરજે.’ એટલે એડજસ્ટ થઈ ગયું. એમાં વાંધો ખરો ?

પ્રશ્નકર્તા : ના, કશો વાંધો નહીં.

દાદાશ્રી : ‘એડજસ્ટ એવરીવ્હેર’ આ વાક્ય તમારો સંસાર ‘ટોપ’ ઉપર લઈ જશે. વ્યવહારમાંય ‘ટોપ’ ઉપર ગયા સિવાય કોઈ મોક્ષે ગયેલો નહીં. વ્યવહાર તમને ના છોડે, ગૂંચવ ગૂંચવ કરે તો તમે શું કરો ? માટે વ્યવહારનો ફટાફટ

(પા.૧૪)

ઉકેલ લાવો. ડખામાં કેટલાય અવતાર પેસી જશે. આની વેલ્યુએશન ના કરશો અને (આત્માની) ડિવેલ્યુએશન થવા ના દેશો. વ્યવહારની વેલ્યુએશન કરશો નહીં અને આત્માની ડિવેલ્યુએશન ના થાય એવું જોઈને વ્યવહાર કરજો. વ્યવહાર વગર ચાલે જ નહીં, એવું ના બોલશો. કો’ક વખત બોલવું પડે તો નિશ્ચય વગર ચાલે નહીં, એવું બોલજો. આ વિવેકને સમજી લેવાનો.

વ્યવહાર સમજે તો નિશ્ચય સમજે. નિશ્ચયને નિશ્ચયમાં રાખવો ને વ્યવહારને વ્યવહારમાં રાખવો, એનું નામ શુદ્ધ વ્યવહાર !

(સૂત્ર - ૧૨)

‘કોમનસેન્સ’ એટલે શું ? એવરીવ્હેર એપ્લિકેબલ, થિયરેટિકલી એઝ વેલ એઝ પ્રેક્ટિકલી ! ‘કોમનસેન્સ’વાળો ઘરમાં કે બહાર ક્યાંય ઝઘડો જ ના થવા દે.

વ્યવહાર શુદ્ધ થવા માટે શું જોઈએ ? ‘કોમનસેન્સ કમ્પ્લીટ’ જોઈએ. સ્થિરતા-ગંભીરતા જોઈએ. વ્યવહારમાં ‘કોમનસેન્સ’ની જરૂર. સ્વરૂપજ્ઞાન સાથે ‘કોમનસેન્સ’ હોય તો બહુ દીપે.

પ્રશ્નકર્તા : ‘કોમનસેન્સ’વાળો હોય એટલે બધે ઉકેલ કરી નાખે ને ?

દાદાશ્રી : ‘કોમનસેન્સ’વાળો હોય એ તો બધા બહુ જાતના ઉકેલ લાવે, વ્યવહારની બધી ગૂંચો કાઢી નાખે.

પ્રશ્નકર્તા : એને અથડામણ થાય ?

દાદાશ્રી : અથડામણ ઓછી થાય. અથડામણ નહીં કરવા દેનારી વસ્તુ હોય તો ‘કોમનસેન્સ’ જ !

પ્રશ્નકર્તા : ‘કોમનસેન્સ’ કેવી રીતે પ્રગટ થાય ?

દાદાશ્રી : કોઈ પોતાને અથડાય, પણ પોતે કોઈને અથડાય નહીં એવી રીતે રહે, તો ‘કોમનસેન્સ’ ઉત્પન્ન થાય. પણ પોતે કોઈને અથડાવો ના જોઈએ, નહીં તો ‘કોમનસેન્સ’ જતી રહે ! ઘર્ષણ પોતાના તરફનું ના હોવું જોઈએ.

સામાના ઘર્ષણથી ‘કોમનસેન્સ’ ઉત્પન્ન થાય. આ આત્માની શક્તિ એવી છે કે ઘર્ષણ વખતે કેમ વર્તવું, એનો બધો ઉપાય બતાવી દે અને એક વખત બતાવે, પછી એ જ્ઞાન જાય નહીં. આમ કરતા કરતા ‘કોમનસેન્સ’ ભેગી થાય.

હવે જનરેશન ટુ જનરેશન ‘કોમનસેન્સ’ ઓછી થતી ગઈ છે. ‘કોમનસેન્સ’વાળો માણસ ‘એવરીવ્હેર એડજસ્ટેબલ’ હોય. કોઈ ગાળ ભાંડે તેની જોડેય ‘એડજસ્ટ’ થઈને કહેશે, ‘આવો, આવો, બેસો ને ! કશો વાંધો નહીં.’ એટલે ‘કોમનસેન્સ’ જોઈશે. અને આ તો ‘અક્કલ વગરના છો’ એવું કહ્યું કે મોઢું-તોબરો ચઢી જાય. અલ્યા, ‘કોમનસેન્સ’ નથી ? તારો તોબરો શું કરવા ચઢી ગયો આમાં ? ‘અક્કલવાળો છું’ એવું તારી જાતને માની બેઠો છે તું ! જો અક્કલના કોથળા ! આ મોટા અક્કલના બારદાન આવ્યા ! વેચવા જઈએ તો ચાર આનાય ના આવે. અને નકામો તડપડ તડપડ કર્યા કરે. અક્કલવાળો તો ‘એવરીવ્હેર એપ્લિકેબલ’વાળો હોય. આ કાળમાં તો ‘કોમનસેન્સ’ની મુશ્કેલી પડી છે.

હું બધાને એમ નથી કહેતો કે તમે બધા મોક્ષે ચાલો. હું તો એમ કહું છું કે જીવન જીવવાની કળા શીખો. ‘કોમનસેન્સ’ થોડી ઘણી તો જાણે શીખે છે લોકોની પાસે ! શેઠિયાઓને મેં કહ્યું, કે ‘કોમનસેન્સ’ હોય તો આવું જીવન હોય નહીં. શેઠે પૂછયું, ‘કોમનસેન્સ’ એટલે શું ?’ મેં કહ્યું, ‘કોમનસેન્સ એટલે એવરીવ્હેર એપ્લિકેબલ, થિયરિટિકલી એઝ વેલ એઝ પ્રેક્ટિકલી. ગમે તેવું તાળું હોય, કટાયેલું હોય કે ગમે તેવું હોય

(પા.૧૫)

પણ કૂંચી નાખે કે તરત ઊઘડી જાય એનું નામ કોમનસેન્સ. તમારે તો તાળાં ઊઘડતા નથી, વઢવાડો કરો છો અને તાળાં તોડો છો ! અરે, ઉપર ઘણ મોટા મારો છો !’

મતભેદ તમને પડે છે ? મતભેદ એટલે શું ? તાળું ઉઘાડતા ના આવડ્યું ! તે ‘કોમનસેન્સ’ ક્યાંથી લાવે ? મારું કહેવાનું કે પૂરેપૂરી ત્રણસો સાઠ ડિગ્રીની સંપૂર્ણ ‘કોમનસેન્સ’ ના હોય, પણ ચાલીસ ડિગ્રી, પચાસ ડિગ્રીનું આવડે ને ? એવું ધ્યાનમાં લીધું હોય તો ?

કોમનસેન્સવાળો ઘરમાં મતભેદ થવા જ ના દે. એ કોમનસેન્સ ક્યાંથી લાવે ? એ તો ‘જ્ઞાની પુરુષ’ પાસે બેસે, ‘જ્ઞાની પુરુષ’ના ચરણોનું સેવન કરે ત્યારે ‘કોમનસેન્સ’ ઉત્પન્ન થાય. ‘કોમનસેન્સ’વાળો ઘરમાં કે બહાર ક્યાંય ઝઘડો જ ના થવા દે.

(સૂત્ર - ૧૩)

આજ્ઞામાં ના રહે તે ડખો કરી નાખે. તમે જેમ જેમ અમારી આજ્ઞામાં રહી ઊંચા આવતા જશો, તેમ તેમ તમારી ઉપર અમારો રાજીપો વધશે.

જ્યાં શુદ્ધ વ્યવહાર નથી, જ્યાં વ્યવહારનું ફાઉન્ડેશન જ નથી, ત્યાં નિશ્ચય જેવી કોઈ વસ્તુ જ નથી. અને વ્યવહાર શુદ્ધિ વગર નિશ્ચય કોઈ દહાડો કામ કરે જ નહીં. શુદ્ધ વ્યવહારના બેઝમેન્ટ ઉપર શુદ્ધ નિશ્ચય ઊભો છે. શુદ્ધ વ્યવહારનું બેઝમેન્ટ જેટલું કાચું એટલું નિશ્ચય પામશો નહીં. કારણ કે નિશ્ચયનો નિયમ એવો છે કે શુદ્ધ વ્યવહાર થાય તો જ નિશ્ચય શુદ્ધ થાય. અને આપણે અહીં તો ‘ફૂલ’ વ્યવહાર સાથેનો ધર્મ છે. ‘ફૂલ’ નિશ્ચય અને ‘ફૂલ’ વ્યવહાર. અમારી જે પાંચ આજ્ઞા આપી છે ને, એ સંપૂર્ણ વ્યવહાર ધર્મ છે.

એટલે આપણે તો શું કહીએ છીએ કે આપણે શુદ્ધ વ્યવહાર અને શુદ્ધ નિશ્ચય એવો માર્ગ છે આ, અક્રમ વિજ્ઞાન છે. અમે જે આજ્ઞા આપી છે એ આજ્ઞાને આધીન તમારો શુદ્ધ વ્યવહાર છે. પછી ન પાળે, ઓછી પાળે એ વાત જુદી છે. પણ આજ્ઞાધીન વ્યવહાર છે એ શુદ્ધ વ્યવહાર છે.

આપણે તો પાંચ આજ્ઞા પાળે કે મોક્ષ. બીજો બધો તો ડખો કહેવાય. પછી આજ્ઞા ઓછી-વધતી પળાય તેનો વાંધો નહીં પણ પાંચ આજ્ઞાનું લક્ષ રહેવું જોઈએ. જેમ આ અહીં આગળ રોડ ઉપર ડ્રાઈવિંગ કરે છે, એના લક્ષમાં જ હોય કે ટ્રાફિકના કાયદા શું છે ! તે લક્ષમાં જ હોય, નહીં તો અથડાઈ પડે. અહીંનું અથડાયેલું દેખાય પણ ત્યાંનું અથડાયેલું દેખાય નહીં ને ! ને કચ્ચરઘાણ વળી ગયો હોય. લોકોને ખબર ના પડે.

તમે અમારી આજ્ઞામાં રહો છો એટલે હું બહુ ખુશ છું. આજ્ઞામાં ના રહે તે ડખો કરી નાખે.

અમારી આજ્ઞાને સિન્સીયર (વળગી) રહેવું એ તો મોટામાં મોટો મુખ્ય ગુણ કહેવાય. અમારી આજ્ઞાથી જે અબુધ થયા તે અમારા જેવો જ થઈ જાય ને ! પણ આજ્ઞા જ્યાં સુધી સેવે છે, ત્યાં સુધી આજ્ઞામાં ફેરફાર ના થવો જોઈએ, તો વાંધો ના આવે.

ગમે તેવા પ્રશ્નનું સોલ્યુશન લાવી શકાય એવું આવી ગયું ને, એટલે બહુ થઈ ગયું. ગૂંચ તો આવવાની. ના સાંભળેલી, ના જોયેલી ગૂંચ આવે. પણ આ પાંચ શબ્દો (આજ્ઞા) સોલ્યુશન (ઉકેલ) આપે એવા છે. આ પાંચ શબ્દો તો વિચારવા જેવા છે. વિવરણ કરવા જેવા છે, એની બહાર જગતમાં કોઈ વસ્તુ નથી.

આપણી આ પાંચ આજ્ઞા છે તે કોમનસેન્સનેય લાવે એવી છે. આપણું જ્ઞાન મળ્યા પછી માણસ ઝપાટાબંધ બુદ્ધિશાળી થઈ શકે. કારણ કે પાંચ વાક્યોનું તારણ મળી ગયું ને ! જ્ઞાનથી આજ્ઞા

(પા.૧૬)

પાળે એટલે બધે પરિણામ પામેલું હોય અને બુદ્ધિથી આજ્ઞા પાળે એટલે પરિણામ પામે નહીં કશું !

(સૂત્ર - ૧૪)

‘અમારી’ એક જ આજ્ઞા સંપૂર્ણ પાળે ને, તો એકાવતારી થઈ જવાય તેવું છે ! પછી જેવી જેની સમજણ. પણ અબુધ થઈને કામ કાઢે તો !

પ્રશ્નકર્તા : (જ્ઞાન લીધા પછી) બુદ્ધિનો ત્યાગ કેવી રીતે કરી શકીએ ?

દાદાશ્રી : બુદ્ધિનો ત્યાગ કરવાનો નથી. બુદ્ધિ એ આમ ત્યાગ કરી શકીએ એવી વસ્તુ નથી. એ તો મહીં ભાવ રાખવાનો કે મારે હવે બુદ્ધિની જરૂર નથી. એવો ભાવ રાખવાથી, એ દહાડે દહાડે ઘટતી જાય અને બુદ્ધિની જરૂર છે એવો ભાવ હોય ત્યાં સુધી બુદ્ધિ વધતી જાય. આ બુદ્ધિ એ માણસને ઈમોશનલ કરે અને ડખો કર્યા જ કરે. બાકી બુદ્ધિની જેટલી જરૂર છે, એ તો એની મેળે કુદરતી રીતે છે જ.

બુદ્ધિ ભમાવે ત્યારે આપણને મૂંઝવે. એટલે આપણે પહેલેથી જ કહી દેવું, ‘તું મને સલાહ જ ના આપીશ. મારે તારી સલાહ જોઈતી નથી. બહુ દહાડો સંસારમાં તારી સલાહ કામ લાગી. છોકરો પૈણાવતી વખતે, છોડી પૈણાવતી વખતે, બધા વખતે તારી સલાહ કામ લાગી છે પણ હવે તો મારે મોક્ષે જવું છે. તારી સલાહનું હવે કામ નથી.’

પ્રશ્નકર્તા : એટલે આપણો ભાવ ઠેઠ સુધી અબુધ થવાનો હોવો જોઈએ ?

દાદાશ્રી : હા, બસ એટલું જ થવાની જરૂર છે. એ ભાવ એકલો જ આપણા હાથમાં છે, કર્તવ્ય આપણા હાથમાં નથી. કર્તવ્ય તો અજ્ઞાન છે ત્યાં સુધી કર્તવ્ય છે. આ જ્ઞાનથી કર્તવ્ય રહેતું નથી.

આ મારું જ્ઞાન આપ્યા પછી જો બુદ્ધિ ના વાપરે તો જ્ઞાની પુરુષ જેવો રહે. જ્ઞાન મળ્યા પછી જે બુદ્ધિનો આશરો લે એ ડફોળ કહેવાય.

આપણે બુદ્ધિને કહી દેવાનું કે ‘તું બેસ. બહુ દહાડા તેં કામ આપ્યું છે, તે હવે તને પેન્શન આપી દઈશું. તારું પેન્શન ચાલુ છે.’ હજુ તો બુદ્ધિનો અમલ આવે છે. જ્યાં આવડો મોટો પ્રકાશ થયો, આખા વર્લ્ડનો પ્રકાશ ઉત્પન્ન થયો, ત્યાં હવે આ બુદ્ધિનો દીવો શું કામ સળગાવી રાખ્યો છે ? એટલે અબુધ થવાની જરૂર છે. અમે શા માટે કહીએ છીએ, કે અમે અબુધ થઈને બેઠા છીએ.

દાદાને બુદ્ધિ સોંપી દેવી, એ બહુ સારું. ગીરો નહીં મૂકવાની, કાયમની સોંપી દેવાની. ‘જ્ઞાની પુરુષ’ની આજ્ઞાપૂર્વક ઠેઠનું કરવું હોય તે કરી લેવાય, એવો વખત ફરી ફરી ના મળે !

તમે ‘અમારી’ ‘પાંચ આજ્ઞા’માં રહો તે જ પુરુષાર્થ છે, એ જ ધર્મ છે ! બીજો કોઈ પુરુષાર્થ નથી. એમાં બધું આવી ગયું.

(સૂત્ર - ૧૫)

ડખોડખલ ફક્ત આ અહંકાર ને મમતા બેની છે. એ બે ના હોય તો કશું છે નહીં. સોલ્યુશન (ઉકેલ) એની મેળે જ આવ્યા કરે છે. તમારે કશું કરવાનું નહીં. મેં જે પાંચ વાક્યો આપ્યા છે, એટલે બધું સોલ્યુશન આવશે.

પ્રશ્નકર્તા : તો જેટલી માત્રામાં બુદ્ધિ ઓછી થતી જાય તેટલું જ્ઞાન પ્રગટ થતું જાય ?

દાદાશ્રી : એ આપણી બુદ્ધિ ઓછી થતી જ જવાની, આ જ્ઞાન લીધા પછી. આ વિજ્ઞાન એવું છે કે બુદ્ધિ ઓછી કરતું જ જાય. કારણ કે દ્વેષ પહેલો ઊડે છે ને ! એટલે વીતદ્વેષ થયેલો છે ને ! એટલે હંમેશાં બુદ્ધિ ઓછી થતી જ જાય અને આગળ આગળ વધતો જાય. બુદ્ધિને બાજુએ

(પા.૧૭)

બેસાડે તો સહજ સુખ વર્તે ! બુદ્ધિ ગયા પછી આનંદ ખૂબ વધતો જાય. આ આનંદનું ધામ જ છે પણ બુદ્ધિ ડખલ કરે છે વચ્ચે.

પ્રશ્નકર્તા : આ આનંદનું ધામ છે એ શું ?

દાદાશ્રી : મેં જે આપ્યું છે એ આનંદનું ધામ જ આપેલું છે, મોક્ષ જ આપેલો છે. બુદ્ધિ આવે એટલે ડખલ કરે.

પ્રશ્નકર્તા : ‘બુદ્ધિને વળાવી દો’ કહ્યું છે, એ શું છે ?

દાદાશ્રી : આ બુદ્ધિને લઈને અહંકાર ઊભો રહ્યો છે. અહંકાર લઈને સંસાર ઊભો રહ્યો છે. જ્યારે બુદ્ધિ, અહંકાર બેઉ વપરાશે નહીં, ત્યારે મુક્તિનો માર્ગ પ્રકાશ થશે, સંપૂર્ણ જ્ઞાનપ્રકાશ થશે !

ડખોડખલ ફક્ત આ અહંકાર ને મમતા બેની છે. એ બે ના હોય તો કશું છે નહીં. તમે અહંકારે કરીને ડખલ કરો છો. અહંકાર બધો ડખો કરી નાખે છે અને તે જ ડખલ થઈ જાય પછી. પણ આપણા જ્ઞાનમાં ડખલો-બખલો નિકાલી થઈ જાય. હજુ જેમ જેમ બુદ્ધિ ખેંચાતી જશે, બુદ્ધિ વપરાશે નહીં તેમ અહંકાર ઓછો થશે.

પ્રશ્નકર્તા : હવે અમે તો બુદ્ધિના સ્તરમાં જ છીએ ને ? એટલે અમે બુદ્ધિના છેડે પહોંચી જઈએ, ત્યાર પછી પેલો પ્રકાશ છે ને ?

દાદાશ્રી : ના, એ બુદ્ધિ તો ધીમે ધીમે ઓગળતી જ જવાની. એ એની મેળે જ ઓગળ્યા કરવાની, જેમ અહંકાર ઘટતો જશે તેમ તેમ. અત્યારે તમને ખાતરી છે કે ‘હું કરતો નથી આ ?

પ્રશ્નકર્તા : હા, એ સમજમાં બેસવા માંડ્યું છે.

દાદાશ્રી : ત્યારે અહંકાર ઘટતો જાય છે, દિવસે દિવસે અને તેમ તેમ બુદ્ધિ ઘટતી જાય. સોલ્યુશન (ઉકેલ) એની મેળે જ આવ્યા કરે છે. તમારે કશું કરવાનું નહીં. મેં જે પાંચ વાક્યો આપ્યા છે, એટલે બધું સોલ્યુશન આવશે.

(સૂત્ર - ૧૬)

અહંકારની રેફ હશે એ અંતરાય પાડ્યા વગર રહે નહીં, ડખો કર્યા વગર રહે નહીં. એટલે જ્યાં ડખો થાય ત્યાં ખેંચી લેવું.

એક જજ આવ્યા’તા. મેં કહ્યું, ‘શું હું-હું કર્યા કરો છો ? એવો ઈગોઈઝમ (અહંકાર) શા કામનો ? મોટામાં મોટી નબળાઈ ઈગોઈઝમ છે. તમે ગમે તેટલા ગુણવાન હો તોય તમારામાં નમ્રતા આવવી જોઈએ.’ ગુણવાન ક્યારે કહેવાય કે એ નમ્રતાથી ભરેલો હોવો જોઈએ. ઈગોઈઝમ એટલે છલકાયો ! છલકાયો એટલે યુઝલેસ (નકામો) કહેવાય ! અહંકાર એ જ અધૂરાપણું !

હું અહીં વાત કરું ને સામો ઉગ્ર થાય એટલે હું તરત સમજી જાઉ કે મારું ખોટું છે. તદ્દન, હંડ્રેડ પરસન્ટ (૧૦૦ ટકા) ખોટું છે. એટલે હું પછી એવું ના કહું કે આને સમજણ નથી તેથી ઉગ્ર થાય છે, મારી જ ભૂલ છે.

પ્રશ્નકર્તા : તમારી આ નમ્રતાનું લેવલ છે એ બધાથી પકડાતું નથી. તમે એક સેકંડમાં આખી પલટી મારી નાખો છો.

દાદાશ્રી : તમે તો નબળા છો ને વધારે નબળાઈ થાય તમને. મારે તમને સ્કોપ આપવો જોઈએ.

પ્રશ્નકર્તા : અને એ સ્કોપ આપવા માટે તમે પેલું ખોટું છે એવું નથી કહેતા.

દાદાશ્રી : આ તો મારી ભૂલ થઈ ગઈ એમ કહું.

પ્રશ્નકર્તા : મારે એ કહેવું છે, કે તમે આટલું

(પા.૧૮)

જ્ઞાન પામ્યા પછી પેલા માણસને ના સમજાય તો તમે કહો કે હું ખોટો.

દાદાશ્રી : ‘હું ખોટો’ કહી દઉં. તમને દેખાતું નથી, તે હું તમને ક્યાં સુધી કહું કે જો જો, આ આમ છે, આમ છે. એ તમે અકળાઈ ઊઠશો. અને તમારા હાથમાં છરી હશે તો મને મારશો. હું કહું કે, ‘ના, તમે ખરા છો, છરી મૂકી દો, ભઈ.’ નહીં તો છરી મારી બેસે, એને દેખાતું નથી એટલે.

પ્રશ્નકર્તા : જેમ જેમ મહાત્માઓને જ્ઞાન ને સમજ વધે છે, તેમ પેરેલલ (સમાંતર) અહંકાર વધે છે. ખરેખર પેરેલલમાં નમ્રતા વધવી જોઈએ ને ?

દાદાશ્રી : એ જે અહંકાર વધે છે તે ચાર-છ મહિના હું ગોળો ગબડાવી દઉં. તે બધું આખું ઊડી જાય ! હું રોજ રોજ કચકચ નથી કરતો. હું જાણું ખરો કે અહીં આટલો વધ્યો છે. એટલે એકાદ ફેર આપી દઉં પાછો. આ બધાને આમ જ કરી કરીને રાગે પાડ્યું છે બધું. દોષ કાઢવો છે અને હું આપું નહીં તો એ બાજુ ઝાડ ઊભું થઈ જાય પાછું, વણછો ઊભો થઈ જાય. એટલે પેલાનું ફળ ના આવે. તમે વણછો સમજો છો ? વણછા નીચે કપાસ થાય તો શું થાય ? એય મોટા મોટા ઊભા થઈ જાય ! ફૂલ કશું આવે-કરે નહીં. એટલે આપણા લોક શું કહે કે વણછો લાગ્યો. અલ્યા ભઈ, આવડો મોટો કપાસ થયો ને કશું કેમ આવ્યું નહીં ? ત્યારે કહે, વણછો લાગ્યો ! અલ્યા, વણછો એટલે શું ? આવું ઝાડ ઊગી નીકળે ત્યાર પહેલા હું કાપી નાખું, હડહડાટ ! તમે મારી આ રીત આદરજો ને ! મારી રીત, તમારી જ છે.

પ્રશ્નકર્તા : તમારી રીતથી ચાલે છે. મારે પેલા મેન્ટલ હોસ્પિટલ જેવું કરવાનું આવ્યું છે. આમ આંગળી કરવી પડે ને નીકળી જવું પડે એવું કરવું પડશે.

દાદાશ્રી : ના, એ અહીંયાંય તમારો અહંકાર છે.

પ્રશ્નકર્તા : હું એટલે જ તો કહું છું ને, ‘આમ આમ’ કરીને નીકળી જઈએ.

દાદાશ્રી : એ તો તમારી બનાવટ છે. સ્વીકાર કરી લો ને ભઈ, જેમ હું સ્વીકાર નથી કરતો ? ખરો કાયદો શો છે કે સામો સ્વીકાર ના કરતો હોય તો તમે તમારે ‘મારી ભૂલ છે’, એમ કહેશો તો ત્યાં કામ ચાલશે, નહીં તો કામ ચાલશે નહીં.

પ્રશ્નકર્તા : એ તો હું કંઈ વાત કરતો હોઉ ને હું માનું કે મારી વાત ખરી છે, અને એ કહે કે ના, ખોટી છે, તો એ તો બેને ટસલ જ થાય ને, એટલે ગમે તેણે છોડી દેવી પડે ને ?

દાદાશ્રી : મારી વાતથી ટસલ જ ક્યાં થાય છે કોઈની જોડે ? નથી થતી એનું શું કારણ છે ? મારું સ્વચ્છ ! જ્યાં અહંકારની રેફ નથી. અને અહંકારની રેફ હશે એ અંતરાય પાડ્યા વગર રહે નહીં, ડખો કર્યા વગર રહે નહીં. એટલે જ્યાં ડખો થાય ત્યાં ખેંચી લેવું.

પ્રશ્નકર્તા : એ ટેસ્ટ બરોબર છે અમારે માટે. અમારું સાચું હોય છતાં અમે તરત જ તમારી માફક પાછું ખેંચી શકીએ, એટલી નમ્રતા આવે તો અમે અહંકાર રહિત છીએ. સામાને સમજાવી ના શકીએ ત્યાં કંઈક અમારામાં ખૂટે છે.

દાદાશ્રી : સમજાવી ના શકે એનું નામ જ અજ્ઞાન છે.

હમણે છે તે કોઈ એવા દેશમાં આપણે ગયા અને ત્યાં આગળ આપણે આશીર્વાદ આપ્યા ને કહીએ ‘સ્વસ્તિ’ ! તો એ શું સમજે ? ‘ક્યા કુછ અપને કુ ગાલી દિયા ઉસને ?’ તે અવળું સમજે તો મારી બેસે. એટલે આપણને પેલા ઉગ્ર થતા દેખાય, ત્યારે આપણે મનમાં એમ ના રાખવું કે

(પા.૧૯)

મેં આશીર્વાદ આપ્યો છે ને આ શા આધારે ઉગ્ર થાય ? એવું તેવું ના રાખવું. આપણે તરત જ કહેવું કે ભઈ, તમારી જોડે મારી ભૂલ થયેલી લાગે છે ! એમ કહીએ ને ત્યારે પેલો પાછો ફરે. ‘હમારી ભૂલ હો ગઈ’ તો પેલો સ્વીકાર કરે. પછી આપણે એને કહીએ કે ‘તુમ્હારે યહાં ક્યા બોલતા હૈ ?’ પછી આપણે એવું બોલીએ ને તો ખુશ થઈ જાય ! એની ભાષામાં ઉકેલવું જોઈએ. આ તો પાછા પોતાની ભાષામાં સ્વીકાર કરાવવા જાય છે. તમારી ભાષામાં મારે વાત કરવી જોઈએ. સામાની ભાષામાં વાત કરવી જોઈએ કે આપણી ભાષામાં ? તમને કેમ લાગે છે ? દરેકની ભાષા જુદી હોય ને ? આપણે એવા દેશમાં ગયા હોઈએ તો આપણી ભાષામાં વાત કરીએ તો શું થાય એને ? અવળું પડી જાય બિચારાને !

અમે બધા ખૂણા જોઈને ચાલીએ છીએ, ત્યારે અમને કોઈ જગ્યાએ પગમાં કોઈ ચીજ અથડાઈ નથી.

(સૂત્ર - ૧૭)

‘અમે’ તો મૂળથી ડખા વગરના માણસ ! આપણે ડખા વગરના થયા એટલે બધા ડખાવાળા બેઠા હોય તોય આપણને શું અડે ? ‘અમારી’ હાજરીથી જ બધો ડખો જતો રહે. ‘જેને’ ‘આત્મા’માં જ મુકામ છે, ‘તેને’ શી ભાંજગડ ? મુકામ જ ‘આત્મા’માં છે, ‘તેને’ વ્યવહાર નડતો નથી.

આ વર્લ્ડમાં એક જ માણસ અબુધ હોય, બીજા બધા બુદ્ધિશાળી. સાધુ-આચાર્યો બધા બુદ્ધિશાળી ! મારામાં બુદ્ધિ નામેય નથી. તેથી તો હું ફાવી ગયો ને !

પ્રશ્નકર્તા : બુદ્ધિ વગર જ્ઞાનીનો વ્યવહાર કેમ ચાલે ?

દાદાશ્રી : એ જ જોવાનું છે. ફોરેનના સાયન્ટિસ્ટો આ વાત માનતા ન હતા. મેં કહ્યું, ‘તમને કેવી રીતે માન્યામાં આવે આ ? તમારી સમજમાં શી રીતે બેસે આ ?’ હું કહું છું કે ‘બુદ્ધિ વગરનો છું.’ ત્યારે લોક કહે છે, ‘ના, એવું ના બોલાય. જો જો, આવું બોલો છો ?’ અલ્યા, પણ બુદ્ધિ નથી એટલે કહું છું. ત્યારે એના મનમાં એમ લાગે કે ‘બધા બુદ્ધિશાળી છે, તો દાદા એકલા બુદ્ધિ વગરના હોય કંઈ ?’ અરે, પેલા બુદ્ધિશાળી છે, તેથી તો બુદ્ધુ થવા બેઠા છે !

પ્રશ્નકર્તા : હા, એ સમજાતું નથી એટલે આપ શું કહેવા માગો છો ?

દાદાશ્રી : હું, ‘મારામાં બુદ્ધિ નથી’ એમ કહું છું, તો મારી પાસે બીજી કોઈ વસ્તુ હશે ને ? કંઈ અજવાળું તો હશે ને મારી પાસે ? બુદ્ધિ એક અજવાળું છે અને મારી પાસે જે અજવાળું છે, એ જુદું અજવાળું છે. અમારામાં જ્ઞાન હોય, પ્રકાશ હોય.

કોઈ કહેશે, ‘તમે બુદ્ધિ વગરના છો, તો આ બધું શી રીતે જાણો છો ?’ અમે જ્ઞાનના પ્રકાશથી જાણીએ છીએ. તમે બુદ્ધિના પ્રકાશથી જાણો છો. બન્નેને પ્રકાશ તો છે જ, પણ પ્રકાશમાં ફેર છે. તે તમારી બુદ્ધિ છે એ ઈન્ડિરેક્ટ (પરોક્ષ) પ્રકાશ છે, જ્યારે અમારું જ્ઞાન એ ડિરેક્ટ (પ્રત્યક્ષ) પ્રકાશ છે.

પ્રશ્નકર્તા : જે ડિરેક્ટ પ્રકાશ કહ્યો તે જ અબુધપણું ?

દાદાશ્રી : હા, એ જ અબુધપણું. ડિરેક્ટ પ્રકાશ ! કારણ કે પેલો પ્રકાશ અહંકારના થ્રુ (માધ્યમ દ્વારા) આવે છે, એટલે બુદ્ધિ કહેવાય છે. અને અહંકાર ખલાસ થઈ ગયો એટલે ડિરેક્ટ પ્રકાશ થઈ ગયો ! કેટલાય અવતારોથી ખોળતો’તો એ પ્રકાશ મળ્યો. પ્રકાશ મળ્યો માટે આનંદ મળ્યો. એ આનંદ પાછો સીમા રહિત આનંદ છે, અસીમ

(પા.૨૦)

આનંદ છે, સનાતન છે. અહંકાર ને બુદ્ધિ, બેઉ મને નથી.

સંપૂર્ણ અબુધ હોય તો જ જ્ઞાની કહેવાય. વર્લ્ડમાં કોઈ ચીજ જાણવાની જેને બાકી ના હોય ! અને પરમાત્મા પણ જેને વશ થયેલો હોય !

પ્રશ્નકર્તા : કોઈ ચીજ જાણવાની બાકી ના હોય, એ શું છે ?

દાદાશ્રી : એ જ્ઞાન છે, પ્રકાશ છે અને બુદ્ધિથી તો બહુ ડખો થયા કરે. (વિપરીત) બુદ્ધિથી જાણવાથી તો વઢંવઢા થાય છે, મતભેદ થાય છે બધા. પ્રકાશમાં મતભેદ ના હોય, ડખો ના હોય, કશું ના હોય. જેટલું જેટલું રિલેટિવમાં તમે વાંધો ઉઠાવશો એ બુદ્ધિવાદ. અમારે બુદ્ધિવાદ હોય નહીં. અમે રિલેટિવમાં (વ્યવહારમાં) અબુધ અને રિયલમાં (નિશ્ચયમાં) જ્ઞાની !

જ્ઞાની પુરુષ કેવા હોવા જોઈએ ? બુદ્ધિ વગરના હોવા જોઈએ. મારામાં બુદ્ધિ નથી માટે મને બધું સોલ્યુશન (સમાધાન) થઈ ગયું. બુદ્ધિ હશે ત્યાં સુધી સોલ્યુશન પૂરું નહીં થાય. એટલે બુદ્ધિ જ્યાં ના હોય ત્યાં જ્ઞાન હશે અને જ્ઞાન હશે ત્યાં બુદ્ધિ નહીં હોય, બેમાંથી એક જ હોય.

(સૂત્ર - ૧૮)

અબુધ થાય ‘તે’ જ ‘સર્વજ્ઞ’ થઈ શકે ! અમારે બુદ્ધિ વાપરવાની નહીં, અમે ‘અબુધ’ છીએ. ‘અબુધ’ થયા વગર ‘કેવળજ્ઞાન’ ઉત્પન્ન થાય જ નહીં.

પ્રશ્નકર્તા : ‘અમને બુદ્ધિ નહીં, જ્ઞાન જ’ એ સમજાવશો ?

દાદાશ્રી : કેવળજ્ઞાન એ મૂળ પ્રકાશ છે. એ મૂળ પ્રકાશ બુદ્ધિથી જુદો છે. બુદ્ધિ હોય ત્યાં સુધી જ્ઞાન ના થાય. બુદ્ધિને ને જ્ઞાનને પાકું વેર, બુદ્ધિ જ્ઞાન ના થવા દે. બુદ્ધિ ભટકાવી મારે, સંસારમાં ભટકાય ભટકાય ભટકાય કરે. નફો ને ખોટ બે જ જુએ બુદ્ધિ તો, બીજું જુએ નહીં. એનો ધંધો જ આ નફા-ખોટનો. ક્યાં નફો છે ને ક્યાં ખોટ છે અને મોક્ષ તો નફા-ખોટથી બહાર છે. એટલે અમારામાં બિલકુલેય બુદ્ધિ ના હોય. મહાવીર ભગવાનમાં બુદ્ધિ નહોતી. ચોવીસ તીર્થંકરોમાં બુદ્ધિ હતી નહીં.

બુદ્ધિ નાશ થયા પછી કેવળજ્ઞાન થાય. બુદ્ધિ તો અંધારું છે, બુદ્ધિ અજવાળું નથી. બુદ્ધિ એ આંધળાનું અજવાળું છે અને કેવળજ્ઞાન દેખતાનું અજવાળું છે.

પ્રશ્નકર્તા : આંધળાનું અજવાળું તો આ સંસારમાં ભટકવા માટે છે.

દાદાશ્રી : બુદ્ધિ જ ભટકાવનારી છે. અનંત અવતારથી ભટકાય ભટકાય એ જ કરે છે, બીજું કોઈ કરતું નથી. તીર્થંકરોને ઓળખે છે, તીર્થંકરોની પાસે બેસી રહ્યા છે તોય પણ એ ભટકાય ભટકાય કરે, મોક્ષે ના જવા દે. આટલો કીમિયો સમજી જાય ને, તો બધું ડહાપણ આવી ગયું !

અવસ્થામાં બુદ્ધિ ન વાપરવી તે અબુધતા અને અબુધતાથી સર્વજ્ઞતાની પ્રાપ્તિ થાય છે. અમને એક કિનારે અબુધ પદ પ્રાપ્ત થયું, ત્યાં સામે કિનારે સર્વજ્ઞ પદ આવીને ખડું થયું. અબુધ થાય ‘તે’ જ ‘સર્વજ્ઞ’ થઈ શકે ! અમારે બુદ્ધિ વાપરવાની નહીં, અમે ‘અબુધ’ છીએ. ‘અબુધ’ થયા વગર ‘કેવળજ્ઞાન’ ઉત્પન્ન થાય જ નહીં.

હું ચાર ડિગ્રીમાં નાપાસ થયો છું કેવળજ્ઞાનમાં. એટલે મારે આ તમારી જોડે બેસવું પડે છે. નાપાસ ના થયો હોત તો મોક્ષે જતો રહેત, પણ નાપાસ થયો ચોથા આરામાં, તે આ પાંચમા આરામાં આવવું પડ્યું મારે. ચાર જ ડિગ્રી ફેર છે આ.

(પા.૨૧)

તેથી હું ભજું છું દાદા ભગવાનને આમ કરીને, અમારે ચાર ડિગ્રી પૂરી કરવાની ને !

હવે મહીં દાદા ભગવાન પ્રગટ થયા છે, તે મારે ને એમને જુદાઈ કેમ રહી છે ? ત્યારે કહે, અમુક કાળ જુદાઈ રહે છે ને અમુક કાળ ભેગાય થઈ જાય છે. હવે જુદાઈ એટલા માટે રહે છે કે મારામાં અને એમનામાં ડિફરન્સ (ફેર) છે. એ ત્રણસો ને સાંઈઠ ડિગ્રીના છે અને મારે ત્રણસો ને છપ્પન છે. ચાર ડિગ્રી પરથી મને એમની પાસેથી વિશેષ પ્રકાશ મળે છે. હવે એ પ્રકાશ મારે આ દુનિયામાં કોઈ ચીજને માટે ખૂટતો નથી, ફક્ત કેવળજ્ઞાનના અંશમાં ખૂટે છે. કેવળજ્ઞાન સમજમાં આવી ગયેલું છે. કેવળજ્ઞાન છે પણ ખરું, પણ પાચનમાં નથી આવતું. હવે એ ચાર ડિગ્રી, એ એના માટે હેલ્પ કરે છે. એટલે હું દાદા ભગવાનને શું કરું છું ? આમ આમ હાથ જોડીને શું બોલું છું ? પોતે આ બોલે એટલે પોતાના મહીં (જ્ઞાન રૂપી) ગુલાબ, ફૂલ ખીલતા જાય. છે આમાં જોખમવાળું કશું ?

પ્રશ્નકર્તા : કશું જ નહીં.

દાદાશ્રી : દાદા ભગવાન અંદર છે, ‘આ’ દાદા ભગવાન નથી. આ તો અંબાલાલ પટેલ છે. અમે જ્ઞાની પુરુષ છીએ અને જ્ઞાની તે પાછા કેવા ? જેનામાં બુદ્ધિનો એક છાંટો ના હોય એવા. બુદ્ધિ બિલકુલ વપરાશે નહીં, અહંકાર નિર્મૂળ થશે, ત્યારે આખું ‘કેવળજ્ઞાન’ દેખાયા કરશે.

અમે તમને જ્યારે જ્ઞાન આપીશું ને, ત્યારે તમને કેવળજ્ઞાન આપીશું. પણ તે પચતું નથી. પછી ત્રણસો છપ્પને અમને આવીને ઊભું રહ્યું. તો તમારે ત્રણસો પચ્ચીસ સુધી આવીને ઊભું રહે.

તમને બધાને આત્માનું જ્ઞાન આપીએ છીએ, એ બધાને આત્માનુભવ છે સહુ સહુના પ્રમાણમાં ! આત્માનો જેમ જેમ થોડો અનુભવ થતો જાય ને, તેમ તેમ કામ થતું જાય. આત્માનુભવ વધ્યા પછી, પચ્ચીસ-ત્રીસ-ચાલીસ ટકા થયા પછી એમાં બુદ્ધિ નામેય ના હોય. બુદ્ધિ પચ્ચીસ ટકાથી જ જતી રહે, અનુભવ પચ્ચીસ ટકાએ જાય ત્યારે. કારણ કે એને કામ લાગે જ નહીં ને પછી. ઊલ્ટી એને પ્રગતિમાં ડખલ કર્યા કરે.

(સૂત્ર - ૧૯)

ભગવાન શું કહે છે ? તમે જો ચંદુભાઈ છો, તો આપણે ભેદ છે. તમે જો શુદ્ધાત્મા છો, અભેદ છો, તો આપણે બે એક છીએ ! જેટલી લોકોની જોડે અભેદતા વર્તે એટલું પરમાત્મપણું પ્રગટ થાય ! એવી અભેદતાનો અર્થ શું ? આત્માથી સગાઈ, પુદ્ગલની સગાઈ નહીં. આત્માની સગાઈ એ અભેદતા.

આ વાત કંઈ તમને ફીટ થઈ ? આમાં કંઈક ફીટ થઈ હોય તો આગળ બીજી નવી વાત કરું. કંઈ ફીટ ના થાય તો ફરી બોલજો. આપણે એ ફીટ કરવા સાથે કામ છે અને હું ને તમે એક જ છીએ.

કોઈ વસ્તુ ના ગમે તો મારે પાછી લેવાની અને આપણે બીજી ગમે એવી વાત કરવાની જરૂર છે. આપણે એનો વાંધો નહીં રાખવાનો. તમને કંઈક શરમ લાગે છે, મને કંઈ શરમ લાગતી નથી. એટલે આપણે એકના એક છીએ. આપણે બધા એક જ (આત્મ)ધર્મના છીએ, એક જ દેશના છીએ. મારે ને તમારે જુદાઈ છે નહીં. મારાથી ભડકવાનું કંઈક કારણ નથી. તું મને ટૈડકાવે તો ચાલશે પણ હું તને નહીં ટૈડકાવું એ નક્કી માનજે.

હું ને તમે જુદા છીએ એવું માનશો જ નહીં. હું તમારી મહીં બેઠેલો છું. બધાની મહીં હું બેઠેલો છું. ગધેડામાં હું બેઠેલો, કૂતરામાં હું બેઠેલો, વાંદરામાં બેઠેલો, બધામાં, તમારામાં બેઠેલો છું. મારે તમારી જોડે જુદાઈ છે નહીં. તમે મારી જોડે

(પા.૨૨)

જુદાઈ રાખશો નહીં. અને તમે મારી જોડે જુદાઈ રાખશો તો તમારી ભૂલ છે.

જ્ઞાની પુરુષને કોઈની સાથે જુદાઈ ના હોય. જ્ઞાનીને ભેદબુદ્ધિ ના હોય. તેઓ વ્યવહારને સેબોટેજ ના કરે, વ્યવહારને અખંડ રાખે. જ્ઞાની આત્મસ્વરૂપ હોય, તે બધાને એક જ સ્વરૂપે જુવે. એટલે આપણે બધા એક ને એક જ છીએ. તમને વખતે જુદાઈ લાગે પણ મને ના લાગે જુદાઈ. મને જુદાઈ નહીં લાગતી હોય એનું શું કારણ હશે ?

મારે બીજું કશું જોઈતું નથી. મારે બુદ્ધિ જ નથી. એટલે અમને અભેદ લાગે, બધું પોતાનું જ લાગે. બુદ્ધિ હોય ત્યાં સુધી જ ભેદ પડે. બાકી બુદ્ધિ નહીં, ત્યાં ભેદ શો ? બુદ્ધિ તો ભેદ પાડે, દેખાડે જુદાઈ કે ‘આ મારું ને આ તારું.’ જ્યાં બુદ્ધિ જ નથી, ત્યાં ‘મારું-તારું’ રહ્યું જ ક્યાં તે ? આ તો ભેદબુદ્ધિ ઉત્પન્ન થઈ છે - ‘હું જુદો ને આ જુદો.’

જુદાઈ કાઢ્યા વગર તો છૂટકો જ નથી ને ! અભેદ થવું પડશે ને ! પોતાપણું ગયું એનો અર્થ જ જુદાઈ જતી રહી. હવે, જ્યાં સુધી બુદ્ધિ હોય ત્યાં સુધી પોતાપણું છોડે નહીં ને ! ને બુદ્ધિ હોય ત્યાં સુધી બુદ્ધિ ભેદ પાડે છે ને ! એ પોતાપણું જાય તો અભેદ થવાય.

તમને હું જુદો લાગું છું પણ મને તમે જુદા નથી લાગતા, કારણ કે હું આત્મસ્વરૂપે જોઉં છું બધું અને મારા પોતાના રૂપે જ જોઉં છું. મને તમે અવળું-સવળું બોલો તોય જુદું ના લાગે. કારણ કે હું વન ફેમિલી રીતે જોઉં છું. અને તમે તમારી ફેમિલીને જ ફેમિલી નથી ગણતા. એક ફક્ત અમારા વાઈફ હીરાબાને છોડીને બેઠો એટલે આ આખી દુનિયા મારી ફેમિલી થઈ ગઈ. નહીં તો એમની એકલી ફેમિલી રાખીને બેસી રહ્યો હોત, તો શું થાત ? આ તો આખી દુનિયા મારી ફેમિલી થઈ ગઈ.

પ્રશ્નકર્તા : પણ દાદા, હવે તમને મળ્યા પછી બીજા બધા જોડે પણ બહુ અભેદતા હોય એવું અનુભવાય.

દાદાશ્રી : ન્હોય એ, એ લેવાદેવા નહીં. આત્મા જોડે જ અભેદતા, આ બીજા જોડે પ્રેમ ! આમ એક જ કુટુંબ જેવું લાગે. એવી અભેદતાનો અર્થ શું, કે આત્માથી સગાઈ. આત્માની સગાઈ. પુદ્ગલની સગાઈ નહીં. આત્માની સગાઈ એ અભેદતા. આપણે અભેદતા શેને લીધે ? તો કહે, આત્માની સગાઈને લઈને.

પ્રશ્નકર્તા : એટલે જ કહ્યું છે ને, કે જ્ઞાની પુરુષ તો કોઈ પણ જીવને એના આત્મરૂપે જ જોતા હોય છે !

દાદાશ્રી : હા, એ આત્મારૂપી અને પોતાના રૂપે જ જુવે એ. એમને જુદાઈ ના લાગે. જુદાઈ રાખે તો એ જ્ઞાની નહીં. હમણે ગાળ ભાંડતો હોય તો તેની જોડે જુદાઈ ના રાખે. એ તો એની અણસમજણને લઈને ભાંડે બિચારો ! પણ જવાબદાર માણસ તો એવું ન કરે ને ! જવાબદાર માણસ સામો એવો દાખલો ના બાંધે ને !

વિપરીત બુદ્ધિની શંકા, તે સૂણતા ગેબી જાદુથી,

છતાં અમને નથી દંડ્યા, ન કરિયા ભેદ ‘હું’-‘તું’થી.

અમારી પર શંકા કરી જાતજાતની તોય પણ અમે ‘તું આવો છે, તું આવો છે’ એવું નથી બોલ્યા. ‘હું’ ને ‘તું’ના ભેદ નથી પાડ્યા. આપણે ત્યાં ‘હું’-‘તું’નો વિચાર જ નથી હોતો ને, તેથી એ લખે છે. એમને અનુભવમાં આવ્યું ત્યારે જ લખે ને !

બધા સાથે મને બેસાડીને કોઈ મને ગાળો ભાંડે, ત્યારે હું કયા ઉપયોગમાં રહું ? હું જ બોલું છું ને હું જ સાંભળું છું, એવા ઉપયોગમાં હું રહું, ઓન ધી મોમેન્ટ. એટલે શુદ્ધાત્મા હાલી ન જાય.

(પા.૨૩)

એક તો એની સાથે ભેદભાવ નથી, ઉપરાંત એની સાથે અભેદભાવ, પછી ડખો જ નહીં ને ! ભેદ પડે તો ભાંજગડ ઊભી થાય. મારનાર અને માર ખાનારને ભેદ નહીં. એટલે ડખો જ નહીં.

‘આત્મદર્શન’ થયા પછી ભેદબુદ્ધિ ના રહે. પછી અભેદતા રહે ને ‘બુદ્ધિએ કરીને’ વ્યવહાર દરેક જોડે જુદો જુદો રહે. વ્યવહારમાં જે ભેદ દેખાય એ તો વિવેક છે. આત્મા પ્રાપ્ત કર્યા પછી જ પરમ વિનય ઉત્પન્ન થાય, પછી જુદાઈ લાગે નહીં, અભેદ દ્રષ્ટિ થાય.

(સૂત્ર - ૨૦)

લઘુતમ ભાવમાં રહેવું અને અભેદ દ્રષ્ટિ રાખવી, એ આ ‘અક્રમ વિજ્ઞાન’નું ‘ફાઉન્ડેશન’ (પાયો) છે !

‘અમે’ આ જગતમાં બે ભાવે રહીએ છીએ : લઘુતમ ભાવ અને અભેદ ભાવ, એ અમારી બાઉન્ડ્રી (સીમા) છે. ‘રિલેટિવ’માં લઘુતમ ભાવે છીએ, ‘રિયલ’માં ‘અમે’ ગુરુતમ ભાવે છીએ અને ‘સ્વભાવ’થી અભેદભાવે છીએ !

લઘુતમ એ તો આપણું કેન્દ્ર જ છે. એ કેન્દ્રમાં બેઠા બેઠા ગુરુતમ પ્રાપ્ત થાય. આપણી તો નવીન ‘થિયરી’ઓ બધી, તદ્દન નવી ! પૂર્ણ થવા માટે ‘લઘુતમ ભાવ’ જેવો બીજો કોઈ ભાવ જ નથી. પણ જગત લઘુતમ ભાવ કેવી રીતે પામે ? અઘરામાં અઘરો ભાવ હોય તો તે લઘુતમ ભાવ !

પ્રશ્નકર્તા : એ લઘુતમનો અર્થ કેવી રીતે કર્યો ? જે આપણો અહંકાર છે એ અહંકાર ઝીરો ડિગ્રી પર આવે એ લઘુતમ છે ?

દાદાશ્રી : નહીં. અહંકાર તો એમનો એમ જ છે, પણ અહંકારની માન્યતા એવી થાય છે કે હું બધાથી નાનો છું, અને એ પણ એક જાતનો અહંકાર જ છે. એવું છે, આ લઘુનો અર્થ ‘નાનો છું’ થયો. પછી લઘુતર એટલે કે નાનાથીયે હું નાનો છું. અને લઘુતમ એટલે મારાથી બધા જ મોટા છે એવો અહંકાર. એટલે એ પણ એક જાતનો અહંકાર છે !

હવે જે ગુરુતમ અહંકાર છે, એટલે કે મોટા થવાની ભાવના, હું આ બધાથી મોટો છું એવી માન્યતા છે, એનાથી આ સંસાર ઊભો થયો છે. જ્યારે લઘુતમ અહંકારથી મોક્ષ તરફ જવાય. લઘુતમ અહંકાર એટલે ‘હું તો આ બધાથી નાનો છું’ એમ કરીને વ્યવહાર બધો ચલાવવો. એનાથી મોક્ષ તરફ ચાલ્યો જાય. ‘હું મોટો છું’ એવું માને છે તેથી આ જગત ‘રેસકોર્સ’(સ્પર્ધા)માં ઊતરે છે અને એ બધા ભાન ભૂલીને અવળે રસ્તે જઈ રહ્યા છે. જો લઘુતમનો અહંકાર હોય ને, તે લઘુ થતો થતો એકદમ લઘુતમ થઈ જાય. એટલે એ પરમાત્મા થઈ જાય !

અમે વ્યવહારથી લઘુતમ ભાવે રહીએ છીએ. આ મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર જે બધું છે તે અંતઃકરણ અને ક્રોધ-માન-માયા-લોભ એ બધો વ્યવહાર છે. વ્યવહારથી અમે લઘુતમમાં છીએ. નિશ્ચયથી અમે શું છીએ ? ગુરુતમ ભાવમાં છીએ. અને આમ સ્વભાવે કરીને અભેદ સ્વરૂપ છીએ. તમારાથી અમે જરાય જુદા પડ્યા નથી કે આમનાથીય જુદા નથી પડ્યા કે કોઈનાથી જુદા નથી પડ્યા ! મોટા આચાર્યોથીય જુદો નથી કે આ કોઈ ગધેડો જાય છે તો એનાથીય જુદા નથી ! એટલે મને આખા જગતમાં કોઈ જુદો લાગતો જ નથી. અહીં આવ્યા છે એટલા જ મારા છે, એવું નહીં. આ બધા જ મારા છે અને હું બધાનો છું !

જેટલી અભેદતા રહે એટલી પોતાના આત્માની પુષ્ટિ થાય છે. હા, બધું આ જુદાઈ માને છે તેથી તો પોતાના આત્માની શક્તિ બધી

(પા.૨૪)

છિન્ન-ભિન્ન થઈ ગઈ ને ! અભેદતા એ જ શક્તિ. મારી સાથે જેટલી અભેદતા રાખશો તેટલી શક્તિ પામશો.

અભેદભાવ ઉત્પન્ન થયો ને, એક મિનિટ મને સોંપ્યું ને કે હું આવો છું સાહેબ, એ અભેદભાવ થઈ ગયો. એટલી તને શક્તિ વધી ગઈ.

લઘુતમ ભાવમાં રહેવું અને અભેદ દ્રષ્ટિ રાખવી એ આ અક્રમ વિજ્ઞાનનું ‘ફાઉન્ડેશન’ છે. ‘આ’ વિજ્ઞાનનું ‘ફાઉન્ડેશન’ શું ? લઘુતમ ભાવમાં રહેવું અને અભેદ દ્રષ્ટિ રાખવી. જીવમાત્રની જોડે, આખા બ્રહ્માંડના જીવો સાથે અભેદ દ્રષ્ટિ રાખવી એ જ આ વિજ્ઞાનનું ‘ફાઉન્ડેશન’ છે. આ વિજ્ઞાન કંઈ એમ ને એમ ‘ફાઉન્ડેશન’ વગર નથી.

(સૂત્ર - ૨૧)

બધું અભેદભાવે જોવું, અભેદભાવે વર્તન કરવું, અભેદભાવે ચાલવું, અભેદભાવ જ માનવો. ‘આ જુદા છે’ એવી તેવી માન્યતાઓ બધી કાઢી નાખવી, એનું નામ જ પ્રેમસ્વરૂપ.

હવે જેટલો ભેદ જાય, તેટલો શુદ્ધ પ્રેમ ઉત્પન્ન થાય. શુદ્ધ પ્રેમને ઉત્પન્ન થવા માટે આપણામાં શું જવું જોઈએ ? કંઈક વસ્તુ બાદ થાય તો પેલી વસ્તુ આવે. એટલે આ વેક્યુમ રહી શકતું નથી. એટલે આમાંથી જેટલો ભેદ જાય એટલો શુદ્ધ પ્રેમ ઉત્પન્ન થાય. સંપૂર્ણ ભેદ જાય ત્યારે સંપૂર્ણ શુદ્ધ પ્રેમ ઉત્પન્ન થાય, આ જ રીત છે.

તમને સમજાયો ‘પોઈન્ટ ઓફ વ્યૂ’ (દ્રષ્ટિ કોણ) ? આ જુદી જાતનું છે, અને પ્રેમમૂર્તિ બની જવાનું. બધા એક જ લાગે, જુદાઈ લાગે જ નહીં. આ તો કહેશે, ‘આ અમારું ને આ તમારું.’ પણ અહીંથી જતી વખતે ‘અમારું-તમારું’ હોય છે ? એટલે આ રોગને લીધે જુદાઈ લાગે છે. એ રોગ નીકળી ગયો એટલે પ્રેમમૂર્તિ થઈ જાય.

પ્રેમ એટલે આ બધું ‘હું’ જ છું, ‘હું’ જ દેખાઉ છું. નહીં તો ‘તું’ કહેવું પડશે. ‘હું’ નહીં દેખાય તો ‘તું’ દેખાય. બેમાંથી એક તો દેખાય જ ને ! વ્યવહારમાં બોલવાનું આમ કે ‘હું, તું.’ પણ દેખાવું જોઈએ તો ‘હું’ જ ને ! તે પ્રેમસ્વરૂપ એટલે શું ? બધું અભેદભાવે જોવું, અભેદભાવે વર્તન કરવું, અભેદભાવે ચાલવું, અભેદભાવ જ માનવો. ‘આ જુદા છે’ એવી તેવી માન્યતાઓ બધી કાઢી નાખવી, એનું નામ જ પ્રેમસ્વરૂપ. એક જ કુટુંબ હોય એવું લાગે.

ખરી રીતે જગત જેમ છે તેમ એ જાણે, પછી અનુભવે, તો એ પ્રેમસ્વરૂપ જ થાય. જગત જેમ છે તેમ, શું છે ? કોઈ જીવ કિંચિત્માત્ર દોષિત નથી, જીવમાત્ર નિર્દોષ જ છે. કોઈ દોષિત ખરેખર છે જ નહીં અને દોષિત દેખાય છે એટલે પ્રેમ થાય જ નહીં. એટલે જ્યારે નિર્દોષ દેખાશે ત્યારે પ્રેમ ઉત્પન્ન થશે. મને કોઈ દોષિત દેખાતું નથી. દોષિત વિભક્ત અવસ્થાથી છે, વિભાજન અવસ્થાથી, ભેદ સ્વરૂપથી છે. ભેદબુદ્ધિથી દોષિત દેખાય છે. જેની ભેદબુદ્ધિ ગઈ, તેને અભેદ દ્રષ્ટિ ઉત્પન્ન થઈ. ત્યાં દોષિત જેવું કશું છે જ નહીં, પ્રેમ જ છે.

એટલે આ પ્રેમ એ પરમાત્મા ગુણ છે, એ પ્રેમથી આપણને ત્યાં આગળ પોતાને બધું જ દુઃખ વિસારે પડી જાય. એટલે પ્રેમથી બંધાયું એટલે પછી બીજું કશું બંધાવાનું રહ્યું નહીં.

દુઃખ અડે નહીં ત્યારે જાણવું કે હવે સહજ પ્રકૃતિ થઈ ગઈ અને દહાડે દહાડે અભેદતા વધતી જાય. આ રૂમમાં જે બધા બેઠા છે તેની મહીં અભેદતા વર્તે, પછી એમ કરતા કરતા આખા ગામ જોડે અભેદતા વર્તે, પછી આખા હિન્દુસ્તાન જોડે અભેદતા વર્તે, પછી આખી દુનિયા જોડે અભેદતા વર્તે.

- જય સચ્ચિદાનંદ