ભૂત-ભવિષ્ય ભૂલી, વર્તો વર્તમાનમાં

સંપાદકીય

આજના આધુનિક યુગમાં ભાગદોડ ભરી જિંદગીમાં મનુષ્યો પાસે તમામ સુખ-સગવડના સાધનો હોવા છતાં તેની પાસે શાંતિ નથી, પોતાની ઈચ્છા ના હોવા છતાં સતત ચિંતા-ટેન્શનમાં સપડાય છે, ભૂતકાળના દુઃખો ભૂલાય નહીં અને ભવિષ્યકાળના વિચારોની કલ્પનાના જાળામાં વીંટાય છે, જેમ કે આમ થશે તો શું થશે ? ઈન્કમટેક્ષવાળા પેનલ્ટી કરશે તો ? એક્સિડન્ટ થશે તો ? છોડીઓનું શું થશે ? માંદગી વખતે છોકરાં ધ્યાન નહીં રાખે તો ? હું મરી જઈશ તો ? આવા અનેક વિચારોના વમળોમાં અટવાય તે જ અગ્રશોચ છે. જે પોતાને દુઃખમાં રાખે, નુકસાન કરે તે આર્તધ્યાન કહેવાય અને બીજા ઉપર ગોળી છોડી દે, બીજાને નુકસાન કરે તે રૌદ્રધ્યાન કહેવાય.

આવું ચિંતા-ટેન્શનવાળું મનુષ્યપણું શું કામનું ? જો મનુષ્યના ચિંતા-ટેન્શન બંધ નહીં થાય તો એ આત્મસુખ કેવી રીતે અનુભવી શકશે ? દરેક વ્યક્તિના તમામ દુઃખો કેમ કરીને દૂર થાય તે જ પરમ પૂજ્ય દાદાશ્રીની ભાવના હતી. તેઓ હંમેશાં કહેતા કે હું ક્રમિકમાંથી આવ્યો છું, પણ આ ક્રમિક માર્ગમાં કરેલ પુરુષાર્થના ફળરૂપે અમને અક્રમ જ્ઞાન ઉદયમાં આવ્યું. અક્રમમાં જ્ઞાન પ્રાપ્ત થતા અહંકાર અને મમતા બેઉ ઊડતા ‘હું કોણ છું’ અને ‘કર્તા કોણ છે’ એનું ભાન થતા ચિંતા વગર જીવન જીવાય છે, તેમ છતાં જ્યારે ડિસ્ચાર્જ કર્મનો ઉદય આવે ત્યારે મહાત્માઓ ભૂતકાળ અને ભવિષ્યકાળના વિચારોમાં ભળી જતા હોય છે.

જગત આખું વર્તમાનની નિર્બળતા ઢાંકવા માટે ભૂતકાળને વાગોળે છે અને ભવિષ્યકાળમાં જો આમ થશે તો, તેમ થશે તો એની ચિંતામાં હોય છે. માટે પરમ પૂજ્ય દાદાશ્રી હંમેશાં ચેતવતા કે ‘જો’ ને ‘તો’ શબ્દો ક્યારેય વાપરશો નહીં. આ બે શબ્દો કેટલાય વર્ષોથી મેં મારી ડિક્શનરીમાંથી કાઢી નાખેલા. જ્યાં આપણી સત્તા જ નથી, ત્યાં ભવિષ્યના વિચારો કરવા એ હેલ્પિંગ નથી. થિંક ફૉર ટુડે, નૉટ ફૉર ટુમૉરો ! તેથી સેફસાઈડ માટે નોર્માલિટીમાં રહી વર્તમાનમાં જીવવું. આ વર્તમાનમાં આપણને પાર વગરનું સુખ હોય છે, પણ ભૂતકાળ કે ભવિષ્યકાળનો વિચાર કરવા જતા આ સુખ બગડી જાય છે.

અક્રમ જ્ઞાન વર્તમાનકાળી જ્ઞાન છે. ‘વ્યવસ્થિત કર્તા છે’ એમ સમજાતા ભૂતકાળનો ભો છૂટી જાય અને ભવિષ્યકાળ ‘વ્યવસ્થિત’ના તાબામાં છે, માટે વર્તમાનમાં રહી શકાય તેમ છે. તેથી જ મોક્ષમાર્ગ કહ્યો ને ! પરમ પૂજ્ય દાદાશ્રી ‘વ્યવસ્થિત’ના જ્ઞાનથી નિરંતર વર્તમાનમાં રહેતા, તેથી કાયમ ફ્રેશ દેખાય. સદા ટેન્શન રહિત એમના મોઢા પર નિરંતર મુક્ત હાસ્ય જ હોય ! અને આપણને પણ આર્તધ્યાન-રૌદ્રધ્યાન, ચિંતાથી મુક્ત રહેતા શીખવે છે. તેઓશ્રીએ આપેલ જ્ઞાન થકી મહાત્માઓ વર્તમાનમાં રહી, કાયમી મુક્ત દશા અનુભવે એવી હૃદયપૂર્વક અભ્યર્થના.

~ જય સચ્ચિદાનંદ.

ભૂત-ભવિષ્ય ભૂલી, વર્તો વર્તમાનમાં

(પા.૪)

અગ્રશોચ એ આર્તધ્યાન

પ્રશ્નકર્તા : આર્તધ્યાન ને રૌદ્રધ્યાન ક્ષણે ક્ષણે થયા જ કરતા હોય છે, તો આર્તધ્યાન કોને કહેવું ને રૌદ્રધ્યાન કોને કહેવું એ જરા સ્પષ્ટીકરણ કરી આપો.

દાદાશ્રી : આર્તધ્યાન છે તે પોતે પોતાને (માટે) જ, કોઈનેય વચ્ચે લાવે નહીં. કોઈના ઉપર ગોળી વાગે નહીં એવી રીતે સાચવીને પોતે પોતાની મેળે દુઃખ વેદ્યા કરે અને કોકના ઉપર ગોળી છોડી દે એ રૌદ્રધ્યાન. રૌદ્રધ્યાન તો આપણે બીજાને માટે કલ્પના કરીએ કે આણે મારું નુકસાન કર્યું, એ બધું રૌદ્રધ્યાન કહેવાય.

બીજાને કંઈ પણ નુકસાન થાય એવો વિચાર આવ્યો, તો એ રૌદ્રધ્યાન થયું કહેવાય. મનમાં વિચાર આવ્યો, કે કાપડ ખેંચીને આપજો. તે ‘ખેંચીને આપજો’ કહ્યું, ત્યારથી જ ઘરાકોના હાથમાં કાપડ ઓછું જશે. એવી કલ્પના કરી અને તેના વધારે પૈસા પોતે પડાવી લેશે, એવી કલ્પના કરી, એ રૌદ્રધ્યાન કહેવાય. બીજાનું નુકસાન કરે એ ધ્યાન રૌદ્રધ્યાન કહેવાય.

પ્રશ્નકર્તા : રૌદ્રધ્યાનમાં આપણા થકી બીજાને દુઃખ થાય, એટલે રૌદ્રધ્યાન થયું ને ?

દાદાશ્રી : હા. એ દુઃખ થાય કે ના થાય પણ આપણે એમને કહીએ કે આ બધા નાલાયક છે, લુચ્ચા છે, ચોર છે, એ બધું રૌદ્રધ્યાન જ કહેવાય.

ખરેખર જગતમાં કોઈ દોષિત છે જ નહીં. દોષિત લાગે છે તે આપણી ગેરસમજણથી લાગે છે.

આર્તધ્યાન તો પોતાને જ્ઞાન ના હોય અને ‘હું ચંદુલાલ છું’ એમ થઈ જાય, અને મને આમ થાય કે આમ થયું તો શું થઈ જશે ? છોડીઓ તું પૈણાવાનો હતો ? ૨૪ વરસની થાય ત્યારે પૈણાવાની, ૩૦ વરસની થાય ત્યારે. આ પાંચ વર્ષની હોય ત્યારથી ચિંતા કરે, એ આર્તધ્યાન કર્યું કહેવાય.

પોતાને માટે અવળું વિચારવું, અવળું કરવું, પોતાની ગાડી ચાલશે કે નહીં ચાલે, માંદા થયા ને મરી જવાય તો શું થાય, એ આર્તધ્યાન કહેવાય. એ પણ જ્ઞાન ના હોય ત્યારે આર્તધ્યાન કહેવાય. કાલે શું થશે ? ફલાણો કાગળ આવ્યો છે, ઈન્કમટેક્ષવાળો શું કરશે ? ભવિષ્યના વિચાર કરતા જો ભય લાગે તો જાણવું કે આર્તધ્યાન થયું છે.

પ્રશ્નકર્તા : અગ્રશોચ, ભવિષ્યની ચિંતા ?

દાદાશ્રી : અગ્રશોચ, એ બધું આર્તધ્યાન કહેવાય. આર્તધ્યાનમાં પોતે પોતાની ઉપાધિ કર્યા કરે કે આમ થશે તો શું થશે, આમ થશે તો શું થશે, એવો ભડકાટ લાગ્યા કરે.

કલ્પનાના જાળા શું કરવા વીંટવા ?

કો’કને પક્ષાઘાત થયેલો દેખે, એટલે એનેય વિચાર આવે કે ‘સાલુ, મને પક્ષાઘાત થાય તો શું થાય ?’ હવે અક્કલવાળાને વિચાર કરવાની જરૂર છે ? અક્કલવાળો જ વિચાર કરે ને આ ! આવી અક્કલ શું કામની તે ? જે અક્કલ દુઃખ લાવે, એ અક્કલને અક્કલ કહેવાય કેમ કરીને ? હોય તે દુઃખને વિદાય કરી આપે એનું નામ અક્કલ કહેવાય. આ તો દુઃખ ને દુઃખ જ. મને કંઈ પક્ષાઘાત થઈ જાય તો મારું શું થાય ? મારું કોણ ? આ છોકરો તો બોલતો નથી, એકનો એક છે તે ! બધું ચીતરી નાખે. અલ્યા, થયું નથી ત્યારે મૂઆ શું કરવા... ? એ એનું નામ અગ્રશોચ. અગ્રશોચ એટલે શું ? થયું નથી તેને આ ચીતરવું છે. તમારે અત્યારે અગ્રશોચ છે કોઈ જાતનો ? નિરાંતે મજા કરે છે ને ! અગ્રશોચ તો બધાય ડાહ્યા માણસને હોય જ ને ! કે ગાંડાને હોય ?

(પા.૫)

પ્રશ્નકર્તા : કહેવાતા ડાહ્યાઓને જ હોય.

દાદાશ્રી : ગાંડાને ના હોય, નહીં ? બારીઓ જ બંધ ! એ દેખાતું હોય તો ભાંજગડ ને !

અરે, સાધુ મહારાજનેય મનમાં એમ થાય, ‘આ મહારાજને પક્ષાઘાત થયો તે હારું આ મારું નામેય તેમની રાશી ઉપર છે, તો મનેય પક્ષાઘાત થઈ જશે, એવી અક્કલ વાપરે. અક્કલ વાપરે તેમ તેમ સરસ મઝા આવે અંદર, નહીં ? અને તે અક્કલ ના વપરાતી હોય તો વાંધો નહીં ! એટલે પછી ઊંઘ ના આવે બિચારાને ! તે પક્ષાઘાતને બોલાવ્યો બિચારાને, સૂઈ રહ્યો’તો પક્ષાઘાત પેલાને ત્યાં, તે અહીં બોલાવ્યો !

અગ્રશોચમાં શું કરે ? આગળ શું થશે, એનું વિચારીને આજ ચિંતા કરે. શરીર જશે એવું થયું હોય તો અગ્રશોચ શું શું થાય ? આમાંથી આમ થઈ જાય તો શું થાય ? આમથી આમ થઈ જાય તો શું થાય ? અરે, શું થવાનું છે ? જે થવાનું છે તે થવાનું છે. ભવિષ્યમાં શું થશે એને જ ખોળ ખોળ કરે, સાધુ-સંન્યાસીઓ, આચાર્યો બધા. ભવિષ્યમાં શું થશે, એના માટે જ આખો પુરુષાર્થ ઊડી જાય છે, ત્યાં જ ગૂંચાયા કરે છે. અહીં ખાવા-પીવાનું ખાતો નથી અને ત્યાં ભવિષ્યમાં મૂઓ હોય. મેલને પૂળો, અત્યારે ત્યાં શું કરે છે ?

બધા કલ્પનાના જાળાં શું કરવા વીંટો છો ? આ દુનિયામાં કોઈ માણસ એવો નથી કે જે પોતાનું ભવિષ્ય સમજી શકે. અમથા ભવિષ્યની કલ્પનાઓ કર્યા કરે કે ‘આમ થઈ જશે ને આમ થઈ જશે તો ?’ જો ને તો શબ્દ વાપરશો નહીં. આ બે શબ્દો કેટલાય વર્ષોથી મેં મારી ડિક્શનરી(શબ્દકોશ)માંથી કાઢી નાખેલા છે.

ભવિષ્યની ચિંતા બગાડે વર્તમાન

પ્રશ્નકર્તા : મારી ત્રણ છોકરીઓ છે, એ ત્રણ છોકરીઓની મને ચિંતા રહે છે કે એના ભવિષ્યનું શું ?

દાદાશ્રી : આપણે આગળના વિચાર કરવા ને, તેના કરતાં આજે સેફસાઈડ કરવી સારી. રોજ-દરરોજ સેફસાઈડ કરવી સારી. આગળના વિચાર જે કરો છો ને, એ વિચાર હેલ્પિંગ નથી કોઈ રીતે, નુકસાનકારક છે. એના કરતાં આપણે સેફસાઈડ દરરોજ કરતા જ રહેવું એ જ મોટામાં મોટો ઉપાય. ના સમજાયું તમને ?

પ્રશ્નકર્તા : હા, સમજાયું.

દાદાશ્રી : આગળના વિચાર કરવાનો અર્થ નથી. એ સત્તામાં જ નથી. એક ઘડીવારમાં તો માણસ મરી જાય. એનો એ વિચારવાની જરૂર જ નથી. એ તારા વિચારમાં મહેનત નકામી જાય. ચિંતાઓ થાય, ઉપાધિઓ થાય, અને હેલ્પિંગ જ નથી એ. એ વૈજ્ઞાનિક રીત જ નથી.

આપણે જેમ બહાર જઈએ છીએ, એ કેટલા ફૂટ લાંબું જોઈને ચાલીએ છીએ સો ફૂટ, બસો ફૂટ કે નજીકમાં જોઈએ છીએ ?

પ્રશ્નકર્તા : હા, નજીકમાં જોઈએ છીએ.

દાદાશ્રી : લાંબું કેમ જોતા નથી ? લાંબું જોઈએ તો નજીકનું રહી જાય તો ઠોકર વાગશે. એટલે પોતાના એમાં, નોર્માલિટીમાં રહો. એટલે એની રોજ સેફસાઈડ જોયા કરવી. આપણે એને સંસ્કાર સારા આપવા એ બધું કરવું. તમે જોખમદાર એના છો, બીજા (કશાના) જોખમદાર તમે નથી. અને આવી વરીઝ (ચિંતા) કરવાનો તો અધિકાર જ નથી માણસને. માણસને કોઈ પણ જાતની વરીઝ કરવાનો અધિકાર જ નથી. એ અધિકાર એનો છાનોમાનો વાપરી ખાય છે. આ ગુપ્ત રીતે ભગવાનનેય છેતરે છે એ. વરીઝ કરવાની હોય જ નહીં. વરીઝ શેને માટે કરવાની ?

(પા.૬)

તમે ડૉક્ટર, કરો છો આવી ચીજ ? શેની ચિંતા કરો છો તમે ?

પ્રશ્નકર્તા : બધાની.

દાદાશ્રી : કેમ, બધા પેશન્ટો મરી જાય છે તેની કે ઘરના માણસોની ?

પ્રશ્નકર્તા : બધી. ઘરની, બહારની, પેશન્ટોની. બધી વરીઝ, વરીઝ, વરીઝ જ છે.

દાદાશ્રી : એ તો એક જાતનો ઈગોઈઝમ કહેવાય ખાલી. કૃષ્ણ ભગવાને કહ્યું, ‘જીવ તું શીદને શોચના કરે. કૃષ્ણને કરવું હોય એ કરે !’ આ અહીંથી બહાર નીકળો એટલે તમે લોંગ સાઈટ (દૂરનું) જોઈને ચાલો છો ? કેમ આપણે સાઈટ નક્કી કરીએ છીએ નજીકમાં ? કે અહીં એક્સિડન્ટ ન થાય, પછી આગળ એમ ને એમ જતી જ રહેશે. એટલે સેફસાઈડ થઈ ગઈ કહેવાય. તમને ના સમજાયું એમાં ? હેલ્પ (મદદ) કરશે કે પછી વાત નકામી જશે ?

પ્રશ્નકર્તા : હેલ્પ કરશે.

દાદાશ્રી : કેટલી બધી યુઝલેસ (નકામી) વાતો ! આ તો બહુ છેટે જોશો તો એક્સિડન્ટ કરી નાખશો, ઘડીવારમાં પાંચ-પાંચ મિનિટમાં એક્સિડન્ટ કરશો.

સમજાયું ને, વૈજ્ઞાનિક રીત આ છે ! પેલી તો ગપ્પા મારવાની રીત છે બધી. કોઈ જાતની છોકરીઓને હરકત નહીં આવે. એની થોડી દવા હું આપું છું, હરકત નહીં આવે તેની. છોકરા-છોકરી છે, તેના તમારે વાલી તરીકે, ટ્રસ્ટી રહેવાનું છે. એને પૈણાવાની ચિંતા કરવાની ના હોય.

અત્યારે તો છોડી ત્રણ વર્ષની હોય તો કહેશે, કે જુઓ ને, મારે આ છોકરી પૈણવાની છે. અલ્યા, છોકરી વીસ વર્ષે પૈણશે, પણ અત્યારે શાની ચિંતા કરે છે ? કેટલાક તો ‘અમારી નાતમાં ખર્ચા બહુ, કેવી રીતે કરીશું ?’ તે બૂમો પાડ્યા કરે. આ તો ખાલી ઈગોઈઝમ (અહંકાર) કર્યા કરે છે. શું કામ છોડીની ચિંતા કર્યા કરે છે ? છોડી પૈણવાના ટાઈમે પૈણશે, સંડાસ સંડાસના ટાઈમે થશે, ભૂખ ભૂખના ટાઈમે લાગશે, ઊંઘ ઊંઘના ટાઈમે આવશે, તું કોઈની ચિંતા શું કામ કરે છે ? ઊંઘ એનો ટાઈમ લઈને આવેલી હોય છે, સંડાસ એનો ટાઈમ લઈને આવેલું છે. શેને માટે વરીઝ કરો છો ? ઊંઘવાનો ટાઈમ થશે કે એની મેળે આંખ મીંચાઈ જશે. ઊઠવાનું એનો ટાઈમ લઈને આવેલું છે, એવી રીતે છોડી એનો પૈણવાનો ટાઈમ લઈને આવેલી હોય છે. એ પહેલી જશે કે આપણે પહેલા જઈશું, છે કશું એનું ઠેકાણું ?

ભગવાને કહ્યું, હિસાબ માંડશો નહીં. ભવિષ્યકાળનું જ્ઞાન હોય તો હિસાબ માંડજો. અલ્યા, હિસાબ માંડવો હોય, તો કાલે મરી જઈશ એનો હિસાબ માંડ ને ! તો મરવાની ચિંતા કેમ નથી કરતો ? ત્યારે કહે કે ના, મરવાનું તો સંભારશો જ નહીં. ત્યારે મેં કહ્યું, કે મરવાનું સંભારવામાં શો વાંધો છે ? તમે નથી મરવાના ? ત્યારે કહે, કે પણ મરવાનું સંભારશો ને, તો આજનું સુખ જતું રહે છે. આજનો સ્વાદ બધો બગડી જાય છે. ત્યારે છોડીનું પૈણવાનું શું કરવા સાંભરે છે ? તોય તારો સ્વાદ જતો રહેશે ને ? આ છોડી એનું પૈણવાનું, બધું જ સાધન લઈને આવેલી છે, મા-બાપ તો આમાં નિમિત્ત છે. વધારે કે ઓછો જેટલો ખર્ચો હોય એ એક્ઝેક્ટલી બધું લઈને આવેલી હોય છે. આ તો બધું બાપને સોંપેલું હોય છે ફક્ત.

છોડીએ એનો હિસાબ લઈને આવેલી હોય છે. છોડીની વરીઝ તમારે કરવાની નહીં. છોડીના તમે પાલક છો. છોડી એને માટે છોકરોય લઈને આવેલી હોય છે. આપણે કોઈને કહેવા ના જવું પડે કે છોકરો જણજો. અમારે છોકરી છે તેને માટે છોકરો જણજો, એવું કહેવા જવું પડે ? એટલે બધો

(પા.૭)

સામાન તૈયાર લઈને આવેલી હોય છે. ત્યારે બાપા કહેશે, ‘આ પચ્ચીસ વર્ષની થઈ, હજી એનું કંઈ ઠેકાણું પડતું નથી, આમ છે, તેમ છે.’ તે આખો દહાડો ગા ગા કર્યા કરશે. અલ્યા, ત્યાં આગળ છોકરો સત્તાવીસ વર્ષનો થયેલો છે, પણ તને જડતો નથી, તો બૂમાબૂમ શું કરવા કરે છે ? સૂઈ જા ને, છાનોમાનો ! એ છોડી એનું ટાઈમીંગ (સમય) બધું ગોઠવીને આવેલી છે. એક્ઝેક્ટલી (ખરેખર) જોવા જતા આ જગત બિલકુલ વરીઝ કરવા જેવું છે જ નહીં, હતુંય નહીં ને થશેય નહીં.

ચિંતા એ છે મોટામાં મોટો અહંકાર

પ્રશ્નકર્તા : કોઈ માણસ બધી રીતે પ્રામાણિક છે, છતાં પણ એને રાત્રે ઊંઘ નથી આવતી, ભવિષ્યની ચિંતા રહ્યા કરે છે, એ શું છે ?

દાદાશ્રી : ચિંતા જો રહેતી હોય તો એ વધુ પડતો ઈગોઈઝમ છે. એ ઈગોઈઝમને થોડો ઓગાળવો જોઈએ. ચિંતા એટલે ‘આપણે જ ચલાવીએ છીએ’ એવું આપણા મનમાં ભાસે છે એટલું જ છે ખાલી ! બધા ધર્મોની વાતો શું કહે છે ? ચિંતા કરવાની બધા ના પાડે છે. એટલે આપણને ચિંતા થતી હોય તો આપણો ઈગોઈઝમ વધી ગયો છે, એક્સ્ટ્રા ઓર્ડિનરી (અસામાન્ય) થયેલો છે. નોર્માલિટી (સામાન્ય મર્યાદા) સુધી ઈગોઈઝમ રખાય. એથી ઈગોઈઝમ વધે કે ચિંતા થાય. એટલે ઈગોઈઝમ ઓગાળવો જ રહ્યો. સંત પુરુષોના દર્શન કરીએ તો દર્શન કરવાથી, નમસ્કાર કરવાથી ઈગોઈઝમ ઓગળે.

કોઈ ફેરો ચિંતા તમે જોયેલી ? અનુભવ હઉ થયેલો ? હવે એ ચિંતા હોય તે ઘડીએ સુખ બહુ હોય છે ? તો પણ શા માટે લોક ચિંતા કરતા હશે ? એમાં શું ફાયદો ?

પ્રશ્નકર્તા : મારા પોતા માટે નહીં, બીજા માટે ચિંતા કરવી પડે છે.

દાદાશ્રી : બીજા માટે ચિંતા ? અને બીજા કોના હારુ ચિંતા કરતા હશે ? તમારા માટે ! તમે એમના હારુ ચિંતા કરો ! કોઈ સફળ થતું નથી. ચિંતા એટલે મોટામાં મોટો ઈગોઈઝમ ! ‘હું બીજાનું કંઈ કરી શકું તેમ છું’ એવું જે થાય તે ચિંતા.

પ્રશ્નકર્તા : આપે એક જગ્યાએ લખ્યું છે કે ‘ચિંતા એ અહંકારની નિશાની છે.’

દાદાશ્રી : હા, ચિંતા એ અહંકારની નિશાની શાથી કહેવાય છે ? એના મનમાં એમ લાગે છે કે હું આ ચલાવી લઉં છું, તેથી એને ચિંતા થાય છે. આનો ચલાવનાર હું છું, એટલે આ છોડીનું શું થશે, આ છોકરાનું શું થશે, એમ કહે. આનું શું થશે, આમ શું થશે, આ મકાન પૂરું નહીં થાય તો શું થશે, એ ચિંતા પોતે માથે લઈ લે છે. પોતે પોતાની જાતને કર્તા માને છે. હું જ માલિક છું અને હું જ કરું છું, એમ માને છે. પોતે કર્તા છે નહીં ને ખોટી ચિંતા વહોરે છે. ખરેખર તો આ સંજોગો કર્તા છે. બધા સંજોગો, સાયન્ટિફિક સરકમસ્ટેન્શિયલ એવિડન્સ (વૈજ્ઞાનિક સંયોગિક પુરાવા) ભેગા થાય તો કાર્ય થાય, એવું છે. આપણા હાથમાં સત્તા નથી.

ભવિષ્યનો વિચાર કર્યો, એ બધું જ નુકસાનકારક. વર્તમાનમાં વર્તવાનું બસ. ભવિષ્યનો વિચાર કરે તોય છે તે તારું મોઢું આ લોકો સમજી જાય કે ભઈ કશાક વિચારમાં પડ્યા છે. ભૂતકાળના વિચાર કરતા હોય તોય મોઢું બગડી જાય.

વિચારવાની પણ હદ

જુઓ ને, વિચાર કેટલે સુધી કરી નાખે ! દુકાન એક બાર મહિના ના ચાલી હોય તો દુકાન નાદારી થઈ જશે. અને નાદારી પછી આવી થશે ને, ત્યાર પછી મારી સ્થિતિ આવી થશે. ત્યાં સુધી વિચારી નાખે આ લોકો ! ક્યાં સુધી વિચારી નાખે ? તે એક માણસ મને કહે છે, ‘વિચાર કર્યા વગર ચાલતું હશે ? વિચાર કર્યા વગર દુનિયા શી રીતે

(પા.૮)

ચાલે ?’ ત્યારે મેં કહ્યું, ‘તું આ ડ્રાઈવરની જોડેની સીટમાં બેસે, બોમ્બે સીટીમાં અને ડ્રાઈવરને કહે કે તું શું શું વિચાર કરું છું ? હવે આમ આમ જઈશ, આમ કરીશ, તેમ કરીશ, એવા વિચાર કરું છું ? શું કરે એ ?’ એવા કોઈ વિચાર ન કરે. એટલે દરેક માણસે અમુક હદ સુધીનો વિચાર કરવો, પછી પોતાનો વિચાર બંધ કરી દેવો, સ્ટોપ જ કરી દેવો જોઈએ, દરેક બાબતમાં. તે આપણે આ મરી જવાની વાત હોય તો આપણે તરત સ્ટોપ કરી દઈએ છીએ, પણ આમાં વેપારમાં નથી કરી દેતા. તમને કેમ લાગે છે ?

પ્રશ્નકર્તા : બરોબર છે, વિચારની પણ અમુક હદ હોય.

દાદાશ્રી : સ્ટોપ કરતા આવડે છે, નથી આવડતું એવું નહીં. આ તો રમણતા કરે છે. અક્કલની કોથળી ચલાવે છે. છોકરો આજથી લડે છે, તો ‘હું ઘૈડો થઉં ત્યારે મારું કોણ ?’ ‘અલ્યા મૂઆ ! આવું અહીં સુધી વિચારી નાખ્યું !’ આજના દહાડાનું જ, આવતી કાલનું વિચારવાનું ના કહ્યું છે ભગવાને. થિંક ફૉર ટુડે, નૉટ ફૉર ટુમૉરો ! (આજ માટે વિચારો, આવતી કાલ માટે નહીં.) અને તે અમુક બાબતમાં. ગાડીમાં બેઠો હોય, પછી અથડાશે તો શું થઈ જશે ? અથડાશે તો શું થઈ જશે ? છોડો ને, એ વિચાર બંધ કરી દેવાનો. આ તો એવા વિચાર કરે છે કે ઠેઠ દુકાન નાદારીની નાદારી આવી ગઈ, ત્યાર પછી શું સ્થિતિ ને ત્યાર પછી શું સ્થિતિ ? શુક્કરવારીમાં ભીખ માગવી પડશે. એય પાછો બૈરીને કહે, ‘ભીખ માગવી પડશે.’ ‘મૂઆ, કંઈથી જોઈ આવ્યો ?’ ‘આ મેં વિચારી નાખ્યું,’ કહે. હવે આ અક્કલનો કોથળો ! હવે આને અક્કલખોર કહેવા ? અક્કલ એનું નામ કે નિરંતર સેફસાઈડ રાખે. કોઈ પણ જગ્યાએ સેફસાઈડ તોડે, એને અક્કલ જ કેમ કહેવાય ? અને અક્કલ તો સેફસાઈડને સાચવી લે ત્યાં સુધી કરી શકે એમ છે. હું જાણું છું પોતે.

‘આપણે ઘૈડા થઈએ, આપણે પડી ગયા, ત્યારે શું થાય, બા ? અહીં રસ્તે ચાલતા અથડાઈ પડું તો શું થાય ?’ ‘અલ્યા મૂઆ, આવું શું કરવા વિચારે છે હવે ? શું થવાનું છે ? હમણે પેલાને થયું એવું. બીજું શું થવાનું હતું ? વિચારવાનું જ નહીં. અને અથડાઈ પડવું એ તારા હાથમાં નથી. ભગવાનનાય હાથમાં નથી એ વાત. જો ભગવાનના હાથમાં હોત તો સિફારસ કરત લોકો !’ તમે કહો કે કયા વિચાર કરવા જોઈએ ?

પ્રશ્નકર્તા : અમુક હદ સુધીના જ વિચાર કરવા જોઈએ.

દાદાશ્રી : વિચારપૂર્વક કરીને પછી બંધ. આ તો વસ્તુ એટલી બધી ધોઈ નાખે છે, એટલી બધી ધોઈ નાખે છે ! અને આવું વિચારવું ને પછી છોકરાં જોડે એવી દ્રષ્ટિથી જુએ. ઘૈડા નથી થયા તોય આજથી ચાલુ કરે છે, તો ઘૈડા થાય ત્યારે શું ચાકરી કરશે ? એવું જે આપણે વિચારીએ ને અને છોકરો જુએ તો આપણા મનમાં, આપણી આંખો (દ્રષ્ટિ) એની માટે વાંકી રહે. એને થાય કે મારી માટે ખરાબ વિચાર છે. એટલે પછી એની દ્રષ્ટિ બદલાય. એટલે આ બધા ઝઘડા એના જ છે !

અને ભગવાન શું કહે છે કે પૂર્વગ્રહના સેવનથી તારું મરણ છે, પ્રિજ્યુડીસથી તારું મરણ છે. છોકરો આજે સામો થયો, તે કંઈ કાયમ સામો થતો હશે ? અને મલ્ટિપ્લિકેશન (ગુણાકાર) કરવાનું હોય કે આજે સામો થયો તો હવે પછી શું થશે ?

આજે તમને કોઈ માણસ મારી ગયું તો એની પર વિચાર નહીં કરો. ફરી કોઈ મારનાર નથી. એ માણસ ફરી તમને મારનાર નથી. અરે, ફરી મારે તો એકાદ વખત, બાકી મારવાની એના હાથમાં કોઈ જાતની સત્તા જ નથી. અને તમે એમ કહો છો કે આ સત્તાવાળો છે ને આ બધું કરે છે !

અત્યારે મા-બાપને છોકરાં પર એટલી બધી

(પા.૯)

ચીડ છે કે છોકરાં હઉ આંખ વાંકી રાખે કે મારા બાપને મારી ઉપર ચીડ છે. શાને માટે આવું ? કેવું લાગે છે ? દરેક સંજોગોમાં કેમ વર્તવું એની આપણને ના સમજ પડે તો જ્ઞાનીને પૂછી લેવું કે મારે શું કરવું ? એ બધું દેખાડી દેશે.

ગાડીમાં બેઠો છે તેને વિચાર આવે છે કે એક્સિડન્ટ થશે તો ? તે વિચાર તરત બંધ કરી દે છે. એવા વિચાર આવે કે તરત બંધ કરી દે છે. શાથી બંધ કરી દેતો હશે ? આ ફળદ્રુપ વિચારો આવે છે તે ઘડીએ બંધ કેમ કરી દે છે ? હેં સાહેબ ? ગાડીમાં બેસે છે, તો એને ફળદ્રુપ વિચારો આવે છે કે એક્સિડન્ટ થશે તો શું થશે ? તે અમારે ગાડીમાં છે તે આ ભાઈ જાગૃત, તે નવકારમંત્ર બોલવાના રાખતા. બોલ્યા જ કરે નવકારમંત્ર, એ સાવચેતી કહેવાય. એ ખોટું નથી, એક્સિડન્ટ થશે તો શું થશે એ વિચારે છે એ ખોટું છે. સાવચેતીરૂપે મંત્ર બોલવા. એ તો સારું પણ શું થશે એવા વિચાર કરવા એ જોખમ છે. વિચારોની ડખલથી આ સંસાર ઊભો રહ્યો છે. એટલે કેટલું વિચારવાનું સમજે માણસ તો બહુ થઈ ગયું, ઘણા દુઃખો ઓછા થઈ જાય.

અગ્રશોચ મટાડવા વ્યવસ્થિત

પ્રશ્નકર્તા : ‘શું થશે’ એનો જે વિચાર છે એ જ દુઃખ છે, બાકી દુઃખ ક્યાં છે ?

દાદાશ્રી : દુઃખ નથી. તેથી જ તો અમે ‘વ્યવસ્થિત’ કહ્યું. તે તમે એ દુઃખમાંથી મુક્ત થયા ને ! વ્યવસ્થિતના આધારે તમે તો સર્વ દુઃખોથી, જે આવવાના છે એનાથી મુક્ત જ થઈ ગયા ને ! એ તો ભગવાને કહ્યું છે કે ક્રમિક માર્ગમાં અગ્રશોચ સિવાય બીજું હોય નહીં. અગ્રશોચ એટલે હવે શું થશે, હવે શું થશે ? ૧૯૯૧માં (ભવિષ્યમાં) શોચ કરવાનું તેનું આજથી કરે. મહારાજેય કહે, ઘડપણ આવ્યું ને કંઈ પગ ભાંગી જાય તો શું કરું ? અલ્યા, પણ હજુ થયું નથી ને શું કરવા દુઃખ કરો છો ? એટલે તેનાથી તમે મુક્ત થઈ બેઠા છો, એટલે જ નિરાંત થઈ ગઈ છે ને !

તેથી આપણા મહાત્માઓ લહેરથી બેસે છે બધા, જુઓ ને ! એમને સમજણ પાડી કે ‘વ્યવસ્થિત’ છે, એટલે ડખલેય નથી. તમે ‘વ્યવસ્થિત’ સમજ્યા અને અનુભવમાં આવી ગયું કે ખરેખર ‘વ્યવસ્થિત’ જ છે, એટલે દુઃખ રહ્યું કશુંય ?

વ્યવસ્થિત શક્તિને લીધે તમને બધાને શાંતિ, એને લીધે તો બધે શાંતિ છે. વ્યવસ્થિત ના હોય તો તો ઊંઘેય ના આવે ને ?

પ્રશ્નકર્તા : કાયમ ટેન્શન ને ટેન્શન જ હોય પછી તો.

દાદાશ્રી : હા, ટેન્શન, ટેન્શન ! એ જ હું ખોળતો’તો પહેલા. કંઈક એવું જ્ઞાન હોવું જોઈએ કે જે લોકોને બધાને શાંતિ રહે. ક્રમિક માર્ગમાં કોઈ દા’ડો ઊંઘ જ ના આવે. ટેન્શન ને ટેન્શન !

તમારે અહંકાર અને મમતા બેઉ ઊડી ગયા. અને તો જ ચિંતા વગર જીવન જીવી શકે માણસ, નહીં તો ચિંતા વગર તો કોઈ ક્રમિક માર્ગના જ્ઞાનીએ ના જીવન જીવી શકે. ક્રમિક માર્ગ એટલે અગ્રશોચ ખરો જ. ભૂતકાળ ગયો પણ અગ્રશોચ ખરો. તે પછી જ્ઞાનથી દબાવ દબાવ કરે, છાવર છાવર કરે. ક્રમિક માર્ગના જ્ઞાનીઓય શું કહે ? અંદર આનંદ છે ને બહાર ઉપાધિ છે, બહાર ચિંતા છે, અગ્રશોચ હોય. તમારે અગ્રશોચ મટાડવા માટે તો મેં ‘વ્યવસ્થિત’ કહી દીધું છે કે ભઈ, હવે અગ્રશોચ શું કરવા કરો છો ? તમને ‘વ્યવસ્થિત’ કહી દીધું એટલે બધું એમાં આવી ગયું. કારણ કે ભવિષ્યકાળ વ્યવસ્થિતના તાબામાં, કારણ કે સવારમાં ઊઠીને મિનિટ પછી શું થશે, એ વ્યવસ્થિતના તાબામાં !

ક્રમિક માર્ગમાં લખે એ લોકો કે એક કલાક પણ જગત વિસ્મૃત થતું નથી. બધું આયા જ કરે.

(પા.૧૦)

ભૂતકાળ ને ભવિષ્યકાળ, ભૂતકાળ ને ભવિષ્યકાળ બેઉ આયા જ કરે. અગ્રશોચેય મહીં વર્ત્યા કરે. જે તીર્થંકરોએ લખ્યું છે, જીવને અગ્રશોચ રહેવાનો જ ભવિષ્યનો. સમકિત હોય તોય અગ્રશોચ રહે.

જીવતો ગયો ને રહ્યો મડદાલ

ચિંતા રહિત માણસ થઈ શકે નહીં અને ક્રમિક માર્ગમાં ચિંતા રહિત માણસ કોઈ હોય નહીં. જ્ઞાનીઓય ચિંતા રહિત ના હોય. એ અંદર આનંદ હોય અને બહાર ચિંતા હોય. વ્યવહારમાં એમને અગ્રશોચ હોય, ભવિષ્યમાં શું થશે એની. અને ‘અમને’ અગ્રશોચ ના હોય. અમે ‘વ્યવસ્થિત’ પર છોડી દીધું. કારણ કે અગ્રશોચ ક્યાં સુધી ? શોચ કરનારો જીવતો હોય. અને તમારે શોચ કરનારો જીવતો નહીં ને ? કોણ શોચ કરનારો ?

પ્રશ્નકર્તા : ‘ચંદુલાલ.’

દાદાશ્રી : હા, એટલે અહંકાર જીવતો છે. અહંકાર બે પ્રકારના; એક કર્મના કર્તા સ્વરૂપે અને એક ભોક્તા સ્વરૂપે.

પ્રશ્નકર્તા : હા, એ કર્તા સ્વરૂપે અહંકાર તો ગયો.

દાદાશ્રી : કર્તા સ્વરૂપે જીવંત અહંકાર છે, જીવતો, અને ભોક્તા સ્વરૂપે મડદાલ અહંકાર છે. અને મડદાલ બીજું કશું કરી શકે નહીં. અને જીવંતનું નામ લીધું હોય તો શુંનું શું કરી નાખે ! એટલે પેલો (જીવતો) ગયો ને આ (મડદાલ) રહ્યો.

કર્તાપદ છૂટતા વર્તે વર્તમાનમાં

પ્રશ્નકર્તા : હવે ક્રમિક માર્ગમાં બધા હોય, પણ જે થઈ રહ્યું છે, એ તો થઈ જ રહ્યું છે ને, એ ‘વ્યવસ્થિત’ જ ને ? એમના માટે પણ ‘વ્યવસ્થિત’ તો ખરું જ ને ? એ સમજે નહીં, એ જુદી વાત છે.

દાદાશ્રી : એ જે થઈ રહ્યું છે ‘વ્યવસ્થિત’ છે. પણ તે આગળનો વિશ્વાસ ના બેસે અને અગ્રશોચ જાય નહીં.

પ્રશ્નકર્તા : એને ન જાય, પણ આપણી સમજ માટે એને જે થઈ રહ્યું છે એ ‘વ્યવસ્થિત’ જ છે ને ?

દાદાશ્રી : હા. પણ ‘વ્યવસ્થિત’ અમે જેને જ્ઞાન આપીએ તેને હોય, બીજા કોઈને ‘વ્યવસ્થિત’ હોતું નથી. જ્ઞાન આપીએ તેને કહીએ કે હવે તારી લાઈફ બધી ‘વ્યવસ્થિત’ના આધીન છે. માટે તારે ગભરામણ નહીં થાય. પણ અમારી આજ્ઞામાં રહેવાનું. બીજા ‘વ્યવસ્થિત’ના અર્થનો દુરુપયોગ કરે. બીજું આખું જગત જ અગ્રશોચવાળું છે.

પ્રશ્નકર્તા : એનું કારણ એ કે એમને કર્તાપદ હોય એટલે ને ?

દાદાશ્રી : કર્તાપણું રહે. આત્માનું વધતું જાય એટલું કર્તાપણું ઘટતું જાય, પણ કર્તાપણું રહે. પહેલા તમે કર્તા હતા ને કર્તા હતા એટલે ભૂતકાળની તમને ઉપાધિ રહેતી હતી, વર્તમાનની ઉપાધિ રહેતી હતી અને ભવિષ્યકાળનો અગ્રશોચ રહેતો હતો. હવે તમે કર્તા છૂટ્યા એટલે ભૂતકાળ ગૉન, ભવિષ્યકાળ વ્યવસ્થિતના તાબામાં, એટલે વર્તમાનમાં રહો. જેમ આ દાદા રહે છે ને વર્તમાનમાં, એવી રીતે.

એટલે ફ્રેશ દેખાય પછી દાદા. થાકેલા દાદા પણ ફ્રેશ દેખાય, એનું કારણ શું ? ત્યારે કહે, વર્તમાનમાં જ હોય. એટલે આ વ્યવસ્થિત તો બહુ હેલ્પિંગ છે. માટે કામ કાઢી લો. અત્યારે તમને કોઈ પરીક્ષા નથી, ટેસ્ટ એક્ઝામિનેશન નથી. આત્મા ભાને કરીને તમને પ્રાપ્ત થયો છે. એમાં તમારે કંઈ ટેસ્ટ એક્ઝામિનેશન આપવી પડતી નથી. હવે આ પાંચ આજ્ઞાઓ સહેલી ને સરળ છે. ઘર છોડવાનું નથી, બહાર છોડવાનું નથી, છોડીઓ પૈણાવાની છૂટ આપે છે, છોકરાં પૈણાવાની છૂટ આપે છે.

(પા.૧૧)

ફિકર-ચિંતા કરવાની નહીં આગળની. બધો અગ્રશોચ સોંપી દીધો વ્યવસ્થિતને. અને ભૂતકાળ એ તો હાથમાંથી જ ગયો. વર્તમાનમાં રહ્યો. એટલે દાદા પાસે સત્સંગમાં બેઠા એટલે વર્તમાનમાં. તમને આ અક્રમ વિજ્ઞાન આપ્યું એટલે વર્તમાનમાં રહી શકો છો. એટલે વર્તમાન કાળમાં છો અત્યારે, એવું આ વિજ્ઞાન છે ! વ્યવસ્થિતનું જ્ઞાન એ અજાયબ વિજ્ઞાન છે.

રાગ-દ્વેષ આધીન યાદગીરી

પ્રશ્નકર્તા : દાદા, ભૂતકાળ ભૂલાતો નથી એ શું છે ?

દાદાશ્રી : ભૂતકાળ એટલે યાદ કર્યો કરાતો નથી અને ભૂલ્યો ભૂલાતો નથી, એનું જ નામ ભૂતકાળ. જગત આખાની ઈચ્છા તો ઘણીય છે કે ભૂતકાળ ભૂલી જવાય પણ જ્ઞાન વગર જગતની વિસ્મૃતિ થાય નહીં.

હવે યાદગીરી શેને આધીન છે, એ જાણો છો ? રાગ-દ્વેષને આધીન. પૂર્વે જે રાગ-દ્વેષ ચાર્જ કરેલા તેને આધીન છે. તે અત્યારે ડિસ્ચાર્જ થઈ રહ્યું છે. એ સ્મૃતિઓ ડિસ્ચાર્જ થઈ રહી છે.

એ સ્મૃતિ ફળ આપીને જતી રહે. ફરી આવવાનું કંઈ કારણ નથી રહ્યું એને. કારણ કે રાગ-દ્વેષ નથી ને, એટલે હવે ફરી આવવાનું કોઈ કારણ (નથી). અને જેના તમને રાગ-દ્વેષ હોય ને, તેની સ્મૃતિ રહે. જ્યાં વીતરાગ ત્યાંની સ્મૃતિ ના રહે. કેનેડા રોજ યાદ આવે છે ?

પ્રશ્નકર્તા : ના.

દાદાશ્રી : કારણ કે કેનેડાથી તમે વીતરાગ છો. એવું આ બધું. અમને રાગ-દ્વેષ પૂર્વેના જ ઓછા, એટલે યાદગીરી બધી જતી રહી આવીને, ખલાસ થઈ ગઈ બધી. અને અમે તમને શું કહીએ ? વર્તમાનમાં વર્તો.

જેને જેટલો રાગ જેની પર તે વસ્તુ વધારે યાદ આવે ને દ્વેષ હોય તો તેય વસ્તુ વધારે યાદ આવ્યા કરે. વહુ પિયરે જાય તે સાસુને ભૂલવા જાય તોય ના ભૂલાય. કારણ દ્વેષ છે, નથી ગમતી. જ્યારે વર સાંભર્યા કરે. કારણ કે સુખ આપેલું તેથી રાગ છે માટે. બહુ દુઃખ દીધેલું હોય કે બહુ સુખ દીધેલું હોય તે જ યાદ આવે; કારણ કે ત્યાં રાગ-દ્વેષ ચોંટેલો હોય. તે ચોંટને ભૂંસી નાખીએ એટલે વિસ્મૃત થાય. એની મેળે જ વિચારો આવે એ ‘યાદ’ આવ્યા કહેવાય. આ બધા ધોવાઈ જાય એટલે સ્મૃતિ બંધ થાય અને ત્યાર પછી મુક્ત હાસ્ય ઉત્પન્ન થાય. સ્મૃતિ એટલે તણાવ રહે. મન ખેંચાયેલું રહે એટલે મુક્ત હાસ્ય ઉત્પન્ન ના થાય. બધાને જુદું જુદું યાદ આવવાનું. તને યાદ આવે તે પેલાને ના આવે. કારણ બધાને જુદે જુદે ઠેકાણે રાગ-દ્વેષ હોય. સ્મૃતિ એ રાગ-દ્વેષથી છે.

પ્રશ્નકર્તા : દાદા, એને કાઢવી તો પડશે ને ?

દાદાશ્રી : આ સ્મૃતિ ઈટસેલ્ફ બોલે છે કે અમને કાઢ, ધોઈ નાખ. એ જો સ્મૃતિ ના આવતી હોય તો બધા લોચા પડી જાત. એ જો ના આવે તો તમે કોને ધોશો ? તમને ખબર શી રીતે પડે કે ક્યાં આગળ રાગ-દ્વેષ છે ? સ્મૃતિ આવે છે એ તો એની મેળે નિકાલ થવા આવે છે, ચોંટને ધોઈ નંખાવવા આવે છે. જો સ્મૃતિ આવે ને તેને ધોઈ નાખો, ચોખ્ખું કરી નાખો તો એ ધોવાઈને વિસ્મૃતિ થઈ જાય. યાદ એટલા માટે જ આવે છે કે તમારે અહીં ચોંટ છે, તે ભૂંસો, તેનો પશ્ચાત્તાપ કરો અને ફરી એવું ના થાય એવો દ્રઢ નિશ્ચય કરો. આટલાથી તે ભૂંસાય એટલે એ વિસ્મૃત થાય. જે જ્ઞાન જગત વિસ્મૃત કરાવે તે યથાર્થ જ્ઞાન.

જગત વિસ્મૃત થતા વર્તમાને આનંદ

શાસ્ત્રકારોએ શું લખ્યું છે કે ‘એક કલાક જગત વિસ્મૃત રહે તો એના જેવું અપાર સુખ નથી.’ પણ આ જગત વિસ્મૃત થાય નહીં. જે ભૂલી

(પા.૧૨)

જવું છે તે જ યાદ આવે. જે ભૂલી જવું હોય ને, તે પહેલું યાદ આવે. એટલે આ લોકો સામાયિક કરવા બેસે છે. સામાયિક એટલે એક અડતાલીસ મિનિટ, બધું આ જગતને વિસ્મૃત રાખવા માટે પ્રયત્ન કરવા જાય, તે દુકાનને ભૂલવા જાય ત્યારે દુકાન (યાદ આવે), પહેલો જ ધબડકો પડે મહીં. પછી જગત વિસ્મૃત થાય નહીં. એક કલાક જો વિસ્મૃત થતું હોય ને, તો કૈડ ઓછી થઈ જાય. આ તો (અહીં) નિરંતર વિસ્મૃત રહે. કારણ કે એકની સ્મૃતિ ત્યાં બીજાની વિસ્મૃતિ. આની (આત્માની) સ્મૃતિ, તો પેલાની (સંસારની) વિસ્મૃતિ. એટલે પેલું (આત્માનું) સ્મૃતિમાં આવી ગયું, આ (સંસારનું) વિસ્મૃત થઈ ગયું અમને. વિસ્મૃત રહે એટલે જ આનંદ રહે ને !

સંસાર બિલકુલ વિસ્મૃત રહે, કર્તાપણાનો ભાગ છૂટી જાય. એટલે શુદ્ધાત્મા ભાગ છે જ, એ નક્કી થઈ ગયું. અને આવા અભ્યાસથી બધું બહુ આગળ વધી જાય પછી.

જ્યાં રાગ-દ્વેષ છે, ત્યાં જગતની સ્મૃતિ છે. રાગ-દ્વેષ નિર્મૂળ થયા તો જગતની વિસ્મૃતિ છે. સંસારનો પાયો રાગ-દ્વેષનો છે અને ‘જ્ઞાન’નો પાયો વીતરાગતાનો છે ! જેનામાં રાગ નામનો રોગ નથી એવા વીતરાગની કૃપાથી અનંતકાળનો રોગ જાય.

ભૂતકાળથી ઢાંકે વર્તમાનની નિર્બળતા

પ્રશ્નકર્તા : આપ જે કહો છો એ તો ભૌતિક વિજ્ઞાનમાં અને વૈદકીય શાસ્ત્રમાં પણ એ જ કહે છે કે બધા રોગનું મૂળ, ‘માણસ વર્તમાનમાં જીવતો નથી’ એ છે.

દાદાશ્રી : બસ, આપણે એટલું જ કહેવા માગીએ છીએ. ભવિષ્યકાળ ‘વ્યવસ્થિત’ના તાબામાં છે.

પ્રશ્નકર્તા : બધાય મનોવૈજ્ઞાનિકો એ કોશિશ કરે છે, કે માણસ વર્તમાનમાં જીવતો થાય, ભૂતકાળની સ્મૃતિઓમાં રાચતો અટકે અને ભવિષ્યકાળની ચિંતાઓ કરતો બંધ થાય, તો એનું કલ્યાણ થાય.

દાદાશ્રી : હા, આપણે એ જ કરીએ છીએ. બીજું કશું નહીં. અમે વર્તમાનમાં રહીએ છીએ.

પ્રશ્નકર્તા : દાદા, ભૂતકાળને મેમરી સાથે કનેક્શન ખરું કે નહીં ? અને મેમરી તો નેચરલ ગિફ્ટ છે, એવું કહીએ છીએ ને ?

દાદાશ્રી : ના, ના. ગિફ્ટ એટલે આમ કોઈ ઈનામ આપી દે એવું નથી. નેચરલ ગિફ્ટનો કહેવાનો ભાવાર્થ શો છે, કે એના રાગ-દ્વેષ જેટલા પ્રમાણમાં હોય એટલા પ્રમાણમાં એને મેમરી હોય જ. હવે રાગ-દ્વેષ કેટલાક લોકોને શાસ્ત્રોમાં ના હોય અને બીજી જગ્યાએ હોય. તે શાસ્ત્રો વાંચ વાંચ કરે તોય યાદ ના રહે. એટલે પછી એને ‘ડફોળ’ કહે. બીજી પાર વગરની મેમરી હોય એને ! પણ બીજી કામ લાગે નહીં ને ! લોક તો ડફોળ જ કહે ને ! અને અહીં શાસ્ત્રોમાં આપણે તો હુશિયાર કહે, બહુ મેમરીવાળો છે. એટલે એને ગિફ્ટ કહે લોકો. અને મેમરી હંમેશાંય ભૂતકાળમાં જ હોય ને ! ભૂતકાળની જ વસ્તુ ગણાય, મેમરી. આપણને મેમરીને લેવાદેવા નહીં. મેમરી તો આપણને અહીં આગળ જ્ઞાનમાં વિસ્મૃત થવી જોઈએ. સ્મૃતિ છે તે વિસ્મૃત થવી જોઈએ.

પ્રશ્નકર્તા : પણ ભૂતકાળ તો કાયમ વંચાય જ ને ? ભૂતકાળ તો કાયમ કોઈ પણ પગલું મૂકાય કે કોઈ પણ વર્તમાનની જે પરિસ્થિતિ આવે, એના ઉકેલ માટે પણ ભૂતકાળ તો જોઈએ જ ને ? એટલે મેમરી પર જ આખું આવે ને ?

દાદાશ્રી : હા, પણ એ તો મેમરી છે જ. એ મેમરી પર બધું ચાલે જ છે જગત. પણ તે રિલેટીવ વસ્તુ છે. આપણે રિયલની વાત કરીએ

(પા.૧૩)

છીએ. આ રિલેટીવ વસ્તુ બધી મેમરી પર ચાલ્યા કરે છે. વર્તમાનમાં સુખ ભોગવો તો વર્તમાનમાં ગુનો ના થાય કશો. અમે વર્તમાનમાં ના રહીએ ને, તો અમને એવી પાછલી યાદગીરી આવે ભૂતકાળની. કેવું સરસ ત્યાં આગળ જાત્રામાં ફરતા’તા ને કેવી મઝા કરતા’તા અને આ શું ને આવું તેવું, જો એવું બધું યાદ આવે તો શું થયું ?

પ્રશ્નકર્તા : ડખોડખલ.

દાદાશ્રી : માટે વર્તમાનમાં રહો.

પ્રશ્નકર્તા : એ વિસારે કેવી રીતે પડે બધાને ? આજે મારો ભૂતકાળ છે તે આજે એને બહાર મૂકવા માટે શું કરવાનું ? એ તો મેમરી ઉપર જ જશે ને ? કે આજે જ્ઞાની થયા પછી પણ ભૂતકાળ તો એનો ખુલ્લો થવાનો ને ?

દાદાશ્રી : આ રિલેટિવમાં તો ભૂતકાળનું આલંબન લઈને ચાલ્યા જ કરે છે બધું.

ભૂતકાળના સરવૈયારૂપે જ આ વર્તમાનકાળ હોય છે. એટલે ભૂતકાળ તમારે કશો યાદેય ના કરવો પડે. તમારી છોડીનો વિવાહ કર્યો તો એ ભૂતકાળ તમારા સરવૈયારૂપે આ જ વર્તમાનમાં હોય જ તમારી પાસે. એટલે તમારે કશું જ કરવાનું નહીં, વર્તમાનમાં રહો. શું શર્તો કરી હતી, શું એ બધું નક્કી કરેલું, બધું તમારા વર્તમાનમાં હોય જ. ભૂતકાળ તો હંમેશાંય પડી જ જાય છે. ભૂતકાળ ઊભો રહેતો નથી, પડી જ જાય છે.

જગત આખું છે તે ભવિષ્યકાળને વાગોળે છે કે ‘આમ થશે, તેમ થશે.’ કેટલાક ભૂતકાળને વાગોળે છે. ભૂતકાળ શાથી વાગોળે છે ? અહંકાર ઘવાયેલો છે તેની દવા કરે છે !

પ્રશ્નકર્તા : વર્તમાનમાં જેની પાસે નથી હોતું, એ ભૂતકાળ વાગોળે છે. તે અમારે તો આમ, અમારા બાપ-દાદાને ત્યાં આમ હતું, આમ હતું, તે અત્યારે પાછલું સંભારીને આનંદ કરે.

દાદાશ્રી : એ તો વર્તમાનકાળની નિર્બળતા ઢાંકવા માટે ભૂતકાળની વાતો કાઢે બધી. બધાને કહી દેખાડે કે અમારા બાપ તો છત્રપતિ શિવાજી કુટુંબના આમ ને એવી બધી વાતો કાઢે. રાણા પ્રતાપના વંશના અમે, આવું બધું એની મેળે કહે કહે કરે. રાણા તો ગયા, હવે તું શું રાણો છું, તે કહે ને ! પણ એ તો એવા માણસ હોય ને, તેને આપણે સમજી શકીએ કે આ નિર્બળ માણસ છે. પોતાનું લાઈટ જ નહીં, પારકા દાદાનું લાઈટ ચઢાવીને ફરે છે, એ શું કામનું ? પોતાનું લાઈટ હોવું જોઈએ ને ? પણ લોકો તો એના આધારે જ જીવી રહ્યા છે, નહીં તો એ જીવે શા આધારે ? જીવવાનું સાધન નથી રહ્યું. તે એના આધારે જીવી રહ્યો છે. આપણે એને એવું છોડાવી ના શકીએ. પણ આપણે એને એ ના કરી શકીએ, આપણે એની નોંધ નહીં કરવાની. એ તો બધી જાતના લોક હોય !

આપણે તો ભૂતકાળના જ્ઞાતા-દ્રષ્ટા રહો એટલે ભૂતકાળની કંઈ સ્મૃતિ આવી હોય, તો એના જ્ઞાતા-દ્રષ્ટા રહો કે ‘ભઈ, આ આમ કહે છે, તેમ કહે છે.’ હવે આ અર્થ વગરનું છે, એની પર કંઈ સહી કરવા જેવું નથી. જોવા જેવું છે ને જાણવા જેવું છે. અને શું કહે છે ને શું નહીં, તેના પરથી તો આપણને જડે કે શેના રાગ હતા ને શેના દ્વેષ હતા !

જ્ઞાનીદશામાં યાદગીરી નહીં

પ્રશ્નકર્તા : આપે એક વખત કહ્યું’તું ને હજી સમજમાં નથી આવતું. ભૂતકાળ અને ભવિષ્ય કાંઈ નથી, બધું વર્તમાન જ છે.

દાદાશ્રી : છે વર્તમાન. ભૂતકાળ ને ભવિષ્યકાળ તો આ બધું જેને યાદગીરી રહે છે ને તેણે પાડ્યું છે આ નામ. જેને યાદગીરી જ નહીં તેને કોઈ દહાડો ભૂતકાળેય ના હોય ને ભવિષ્યકાળેય ના હોય. અમારે ભૂતકાળ, ભવિષ્યકાળ હોય નહીં. કારણ કે અમને યાદ જ કશું ના આવે ને !

(પા.૧૪)

ભૂતકાળમાં કો’કે તમને વરસ દહાડા પહેલા આમ કર્યું’તું, તમારા કાકીસાસુ મરી ગયા’તા, એ બધું તમને યાદ આવે. અને અમને યાદ ના આવે એ ભૂતકાળ. અને ભવિષ્યકાળનું તમને યાદ આવે કે સાલું સાઠ વર્ષે તો આપણે શું કરશું ? કશુંક તો જોઈશે ને આપણા માટે. કશું એવું યાદ આવે ને, તે ભૂતકાળ ને ભવિષ્યકાળ. આ યાદગીરીને લીધે છે ભૂતકાળ, ભવિષ્યકાળ. જેને યાદ જ ના આવે તેને વર્તમાનકાળ હોય છે.

અમને યાદ જ ના આવે, એટલે અમારે કાયમ વર્તમાનકાળ. એટલે અહીં બેઠા હોય ત્યાં સુધી અહીંના ને પેણે બેઠા હોય તો પેણેના.

અમને કાલે કયો વાર છે તેય યાદ નથી હોતું, છતાં જગત ચાલે છે. કોઈને પૂછીએ ત્યાર હોરા તો ત્રણ જણા બોલી ઉઠે કે રવિવાર છે. યાદ રાખનારા ઘણા બધા લોક છે.

વીતરાગ થયો કોને કહેવાય ? આત્મા સિવાય બીજું કશું યાદ જ ના આવે. આત્મા અને આત્માના સાધનો સિવાય બીજું કશું યાદ જ ના રહે. જેટલી સ્મૃતિ ગઈ એટલા વીતરાગ થયા. વીતરાગને કોઈ પણ જાતની સ્મૃતિ ના હોય. જગતની વિસ્મૃતિ એને જ ‘મોક્ષ’ કહ્યો.

સ્મરણશક્તિ માટે જગત આખું માથાકૂટ કરે છે. પણ સ્મરણશક્તિ નામની કોઈ શક્તિ નથી. સ્મરણશક્તિ એ રાગ-દ્વેષને કારણે છે. મને રાગ-દ્વેષ નથી તેથી મને સ્મરણશક્તિ ના હોય. અત્યારે આપણને આપણી યાદગીરી ઉપરથી ખબર પડે કે આ જગ્યાએ રાગ છે ને આ જગ્યાએ દ્વેષ છે. તેથી તો લોકોએ જગત વિસ્મૃત કરવા માટે શોધખોળ કરેલી.

જેને જેમાં રાગ વધારે તેનો તે ‘એક્સ્પર્ટ’ (નિપૂણ) થાય. મને અધ્યાત્મનો રાગ હતો, તેથી હું અધ્યાત્મમાં ‘એક્સ્પર્ટ’ થઈ ગયો ! કેટલાકને શાસ્ત્રો પર ખૂબ જ રાગ હોય તેથી તેની સ્મૃતિ તેમને જબરજસ્ત હોય. આમાં આત્મા પર રાગ થાય એટલે બીજે બધે, સંસારમાં વિસ્મૃતિ કહેવાય.

પ્રશ્નકર્તા : જગત વિસ્મૃત કરવું કેમ, ભૂલવું કેમ, એ એક સવાલ છે.

દાદાશ્રી : જગત એક કલાક પણ વિસ્મૃત થાય તેમ નથી. હજારો રૂપિયા એક કલાક જગત વિસ્મૃત કરવા ખર્ચે તોય તે વિસ્મૃત થાય તેવું નથી. જાતજાતનું યાદ આવે. જમતી વખતે સગાંવહાલાં માંદા હોય તે જ યાદ આવે ! અલ્યા, તું શું કરવા યાદ આવ્યો ? એટલે સ્મૃતિ જ કૈડે છે.

પ્રશ્નકર્તા : પણ પાછું એવી શંકા થાય છે કે જગત વિસ્મૃત રહે તો સેલ્સટેક્ષ, ઈન્કમટેક્ષના કેસોના નિકાલ કેવી રીતે કરવાનો ? એમાં મુસીબત પડે ને ?

દાદાશ્રી : એવું નથી. જગત વિસ્મૃત રહે ને સંસારના કામો થાય એવું છે. ઊલટું બહુ સરસ, સહજ રીતે થાય તેમ છે.

જ્ઞાનીને દેખાય યથાર્થ દર્શને

આ સ્મૃતિ જ પીડા ઊભી કરે છે. આ જ્ઞાન થતા પહેલા મને બહુ જ સ્મૃતિ હતી, જબરજસ્ત સ્મૃતિ હતી. તે મને ખૂબ પીડા કરે, રાત્રે ઊંઘવા પણ ના દે. તેમાં હિસાબ કાઢ્યો કે કઈ જગ્યાએ દુઃખ છે ? પણ આમ જુઓ તો બધી રીતે અમે સુખી હતા, પણ આ સ્મૃતિનું પાર વગરનું દુઃખ હતું ! અમને યાદ બહુ રહે, એટ એ ટાઈમ બધું જ યાદ રહે. પણ યાદગીરી એ પૌદ્ગલિક વસ્તુ છે, ચેતન નથી. પછી જ્ઞાન થયા પછી ‘દેખાતું’ થયું, યાદગીરીનું દર્શન નહીં, પણ યથાર્થ દર્શન થયું.

પ્રશ્નકર્તા : આપ કહો છો કે અમને સ્મૃતિ ના હોય, પણ આજથી દસ વર્ષ પહેલા આપે કોઈ પ્રસંગ કે દાખલો કહ્યો હોય તે આજે ફરી આપના મુખે સાંભળીએ છીએ ત્યારે એક્ઝેક્ટ એવી જ

(પા.૧૫)

રીતે, એ જ લિંકમાં શબ્દે શબ્દ ક્રમબદ્ધ ટેપની જેમ નીકળે છે, એ શું હશે ? એ કઈ શક્તિ ?

દાદાશ્રી : રાગ-દ્વેષને આધીન ‘મેમરી’ છે. તેથી તેમાં ‘એક્ઝેક્ટ’ ના હોય. અમારે જે નીકળે છે તે દર્શનના આધારે નીકળે છે, એટલે ‘એક્ઝેક્ટ’ હોય. અમને બધું દેખાય. નાનપણમાં ચાર વર્ષનો હતો ત્યારથી અત્યાર સુધીનું બધું હું જોઈ શકું ખરો અમારે યાદ કરવું ના પડે. આમ, ચૌદ વરસ ભણી જોઉં તો તે દેખાય, વીસ વરસ ભણી જોઉં તો તે દેખાય.

અમારી પાસે પૂછવા આવનારની ફાઈલ તપાસીને જવાબ અમારે આપવા પડે. આગળ શું વાત કરી હતી, અત્યારે શું છે, એ બધા ‘કનેક્શન’(અનુસંધાન)માં જવાબ હોય. દરેકની ફાઈલ જુદી જુદી, તેથી જવાબ જુદો જુદો હોય. જવાબ એની ફાઈલને આધીન હોય. હવે કોઈ કહેશે, કે ‘દાદા, તમે એક જ જાતનો જવાબ બધાને કેમ નથી આપતા ?’ અલ્યા, એવું ના હોય. દરેકની ફાઈલ જુદી જુદી, દરેકના રોગ જુદા જુદા, તેથી શીશીઓ જુદી ને દવાય જુદી જુદી અમારી પાસે હોય. દરેકના ક્ષયોપશમ જુદા જુદા હોય. અમારે સૈદ્ધાંતિક વાતમાં ક્યાંય ફેરફાર ના હોય. એને તો ત્રણે કાળમાં કોઈ ચેકો મારી ના શકે તેમ હોય. આ વ્યવહારિક પ્રશ્નોનો ઉકેલ દરેક નિમિત્તને આધીન હોય.

તમે મને જે યાદ કરાવડાવો ને, તે બધું મને દેખાય. ધંધાનુંય અમને અમારા ભાગીદાર કંઈક પૂછે ત્યારે બધું જ દેખાય. પૂલ દેખાય, તેના થાંભલા બધાય દેખાય, ક્યાં શું છે ને ક્યાં શું નથી તે બધુંય દેખાય. યાદ કરાવો એટલે ઉપયોગ મૂકીએ, ને એટલે બધું જ ક્રમવાર દેખાય.

પ્રશ્નકર્તા : એટલે ઉપયોગથી દેખાય ને ?

દાદાશ્રી : યાદ કરાવે એટલે ઉપયોગ ત્યાં જ જાય. કારણ કે એ ઉપયોગ ત્યાં ના જાય તો વ્યવહાર બધો તૂટી જાય.

અમને તો કહે છે કે તમને શી રીતે પછી આ ખબર પડે છે બધી ? તે અમને દેખાય. તમે કહો કે તે દહાડે આપણે જાત્રામાં ગયા હતા ને આવું થયું હતું, તે બરોબર કે નહીં ? ત્યારે હું કહું કે બરોબર છે. પણ અમે દેખાયેલું કહીએ અને તમે યાદગીરીમાં કહો. બોલતાની સાથે દેખાય આમ, એક્ઝેક્ટનેસ ‘જેમ છે તેમ’ દેખાય.

એટલે અમને કશું યાદ જ ના હોય. અને મારી જોડે તમે બેસો એટલે તમેય તમારી યાદગીરી ભૂલી જાવ. વાતાવરણની અસર થાય. આ વિજ્ઞાન પછી યાદ કરવાનું કશું રહેતું નથી.

જડ્યો અમારો વર્તમાનનો ભય

જ્ઞાન થયા પછી હું મારી પરીક્ષા કરવા ગયો હતો. સોનગઢમાં અમારે લાકડાનો બિઝનેસ કરેલો. તે પછી ત્યાં આગળ પેલું ડાંગનું જંગલ ખરું ને, ત્યાંથી શરૂઆત થાય. મેં એક જણાને પૂછ્યું કે ‘અહીં વાઘ કોઈ રહે છે ?’ ત્યારે કહે, કે ‘અહીં વાઘડુંગરી છે ત્યાં આગળ વાઘ રહે છે.’ ત્યારે મેં કહ્યું કે ‘આપણે ત્યાં જવું છે.’ ત્યારે કહે, ‘સાહેબ, ત્યાં શું કામ છે ? લોકો ત્યાં ગયા હોય તો પાછા આવતા રહે છે અને તમે ત્યાં જવાની વાત કરો છો ?’ મેં કહ્યું કે ‘મારે પરીક્ષા કરવી છે. મારી જાતની પરીક્ષા !’ મને એમ લાગે છે કે બધા પ્રકારનો ભય મને ગયો છે. પણ ગયો છે કે નહીં તેની સાબિતી કરવી છે.

કારણ કે ભૂતકાળનો ભય ગયો છે, એની સાબિતી થઈ ગયેલી કે ઘડી પહેલા શું થઈ ગયું, એ બધાનું કશું અંદર થાય નહીં, પરિણામ ઉત્પન્ન ના થાય. ઘડી પહેલા ગમે તે થઈ ગયું કે બધું બળી ગયું કે બધા મરી ગયા, તો એનું કશું અંદર થાય નહીં. એટલે ભૂતકાળની સાબિતી થઈ ગઈ.

(પા.૧૬)

અને ભવિષ્યકાળની મારી પાસે સાબિતી છે. કારણ કે હું વ્યવસ્થિત જોઈને આવ્યો છું. આ જગત ‘વ્યવસ્થિત’ જ છે, એવું હું જોઈને આવ્યો છું. અને આ બધાને મારા અનુભવ પ્રમાણે વ્યવસ્થિતનું એમને જ્ઞાન આપ્યું છે કે જગત ‘વ્યવસ્થિત’ જ છે. એટલે ભવિષ્યકાળનો ભય મને રહ્યો નથી. એ તો મને સો ટકા ખાતરી છે. કારણ કે બીજાનો ભવિષ્યનો ભય મેં કાઢી આપ્યો, તો મારો કેમ કરીને રહે ? એટલે ભૂતકાળ ને ભવિષ્યકાળના બે ભય ગયા.

હવે વર્તમાનકાળની સ્થિતિ, એને માટે મેં કહ્યું કે ટેસ્ટ તો આપણે કરવો જ જોઈએ. એમ ને એમ બોલીએ કે ‘ના, ના, મને કશું અડતું નથી.’ એ કંઈ ચાલે નહીં. એટલે ટેસ્ટ તો કરવો જ જોઈએ ને ? તે વાઘડુંગરી પર ગયા. ત્યાંના બે માણસોને લઈ ગયો, ત્યાંના આદિવાસીઓ. તે બે માણસો ગભરાતા હતા, મને કહે છે કે ‘સાહેબ, અમે તો તમારી જોડે વખતે આવીએ, પણ અમે તો ઝાડ ઉપર ગમે ત્યાં ચઢી જઈએ, પણ તમને તો ઝાડ ઉપર ચઢતાય ના આવડે.’ મેં કહ્યું, કે ‘જોઈ લઈશું આપણે. પણ મને જોવા તો દો કે ભય લાગે છે કે નહીં તે ?’ એટલે પછી અમે ઉપર ચડ્યા. પછી મને દેખાડ્યું કે આ મહીં ‘હોલ’ (બખોલ) છે એની મહીં, અહીં આગળ આ બે-ત્રણ બખોલામાં એક-બે વાઘ રહે છે. પછી કહે છે, ‘હવે સાહેબ આપણે જઈએ.’

પ્રશ્નકર્તા : પાછા જઈએ, એમ ને ?

દાદાશ્રી : હા, આપણે હવે પાછા જઈએ. તમે જોઈ લીધું ને, કહે છે. મેં કહ્યું, કે ‘જોયું. પણ મને હજુ અનુભવ શો થયો ? જેટલો અનુભવ તમને છે એટલો જ મને છે. એટલે એમ કરો તમે ચાલવા માંડો, હું અહીં બેસું છું. મારે આ જોવું છે.’ ટેસ્ટ લેવો હોય તો પછી થર્મોમિટર મૂકવું જ પડે ને ? થર્મોમિટર મૂક્યા વગર ટેસ્ટ કેમ થાય ? એ બધા ઊભા હોય એમાં શું ટેસ્ટ થાય ? એ તો એમનોય થયો અને આપણોય ટેસ્ટ થયો. એ માણસો ઊભા છે એટલે એ તો હુંફ કહેવાય. એટલે મેં એમને કહ્યું કે ‘તમે ચાલવા માંડો.’

તે થોડેક છેટે ચાલ્યા હશે. બસ્સો-ત્રણસો ફૂટ એટલે મહીંથી કોઈક બોલ્યું કે ‘આ જતા રહેશે, પછી લોકોને સંભળાશે નહીં અને આ બાજુ વાઘ આવશે તો ?’ એટલે હું સમજી ગયો કે આમાં આપણે ફેઈલ (નાપાસ) છીએ. એટલે મેં એમને બૂમ પાડી. મેં કહ્યું કે ‘પાછા આવો. ભાઈ, પાછા આવો.’ એટલે એ બિચારા દોડતા દોડતા પાછા આવ્યા. એમણે જાણ્યું કે આ ભડકી ગયા. મને કહે છે, ‘અમે ના કહેતા હતા ને સાહેબ, અહીં રહેવા જેવું નથી.’ મેં કહ્યું કે ‘મારે અહીં આગળ એટલું જ જોવું હતું.’ એ હજુ વાઘ તો મને દેખાયો નથી. મહીંવાળાએ બીવડાવ્યો છે મને. વાઘ તો મને દેખાયો નથી, એનું મોઢું નથી દેખાડ્યું, બૂમ નથી પાડી. મને મહીંવાળાએ બીવડાવ્યો કે હમણે નીકળશે તો ? ઓત્તારી ! આ આપણો વર્તમાન ભય ચાલુ રહ્યો છે.

એટલે આ વર્તમાન ભયથી મુક્ત થઈ જવા જેવું છે. પછી અમે એ ભયથીય મુક્ત થઈ ગયા. હવે અંબાલાલ જરા ભડકે તો મારે શું ? અંબાલાલને અને મારે શું લેવાદેવા ? લાંબી લેવાદેવા નહીં ને ! પાડોશી તરીકેની જંજાળ ! એ તો અમારે આટલું હજુ એકપણું વર્તતું હતું તે એકપણું અમે છૂટું કરી નાખ્યું કે ભઈ, હવે એય નહીં ને આય નહીં. અમારે વ્યવહાર જ નહીં આવો, બીજો. પાડોશી વગરનો વ્યવહાર જ નહીં ને ! હું જે કહેવા માગું છું, જે સેન્સમાં એ સમજાય છે ને ?

મેં જોયુંને પણ ! આ તો આ વાત નીકળી, ત્યારે પેલી વાત મને એડજસ્ટ થાય. દરેક વાત મેં ટ્રાયલ (અજમાયશ) ઉપર મૂકેલી. આ દુનિયામાં એક પણ ચીજ હું ટ્રાયલ ઉપર મૂક્યા વગર રહ્યો નથી. અને ટ્રાયલ એટલે આમ અનુભવ થાય તો

(પા.૧૭)

જ હું આગળ ખસું. એટલે આને ટ્રાયલ ઉપર મૂકેલું અને આ જુઓ ને, અહીં વાત નીકળી ત્યારે ને ? નહીં તો મને શું યાદ હોય ?

...ત્યારે આત્મસ્વરૂપ જ થઈ જઈએ

પ્રશ્નકર્તા : બીજી બધી બાબતમાં તો આપણને થાય કે ચંદુભાઈને થવાનું છે ને, પણ જ્યારે વાઘ આવે ત્યારે ચંદુભાઈને થવાનું છે એવું ના થાય ને ?

દાદાશ્રી : ના, આમ રૂબરૂ હાજર થાય ને, આ તો મારી વાત છે, મારું સ્કેલ બનાવું છું. રૂબરૂ હાજર થાય તો મને કશું ના થાય. પણ હાજર ના થાય ને ‘આવે છે’ એમ કહ્યું તો ભય ઊભો થાય. એટલે ક્યાં આગળ નબળાઈ રહી છે ને, તે બહુ ઝીણવટથી તપાસ કરી લઈએ.

પ્રશ્નકર્તા : કોઈ ધોલ મારી જાય તો થાય કે ચંદુભાઈને મારી છે, પણ વાઘ આવે તો ચંદુભાઈને થાય છે એ કેવી રીતે રહે ?

દાદાશ્રી : તે હું ના નથી કહેતો, તમને થાય અમુક, પણ મને ક્યાં થાય, ક્યાં સુધી થાય, તે મારો ટેસ્ટ કહું છું. તમારો ટેસ્ટ જુદો ને મારો ટેસ્ટ જુદો.

એ દેખતાની સાથે જ અમારા છે તે મહીં પરિણામ કેવા થાય, આત્મસ્વરૂપ, સંપૂર્ણ આત્મસ્વરૂપ થઈ જઈએ.

પ્રશ્નકર્તા : આપના સંબંધમાં, આ પ્રસંગના સંબંધમાં નહીં, જ્ઞાની બધી જુદી જુદી ભૂમિકાઓ ઉપર હોય છે. અમારે મન તો બધા શિખર જેવા, પણ આ તો વાઘનો દાખલો આપ્યો, એ વાઘને વાસ્તવિક સ્વરૂપમાં એટલે વાઘરૂપે જોવો અને એ રીતે વ્યવહાર કરવો.

દાદાશ્રી : તે વ્યવહાર જ નથી ને આત્મજ્ઞાનીનો.

પ્રશ્નકર્તા : નાસી જવું, હું આપની વાત નથી કરતો, જ્ઞાનીઓની વાતો કરું છું. પણ વાઘ આવે તો વાઘના સ્વરૂપમાં જોવા, હાથી આવે તો હાથીના સ્વરૂપમાં જોવા, બાજુમાં ખસી જવું, વાઘને યથાર્થ સ્વરૂપમાં જોવો અને એ રીતે વ્યવહાર કરવો, એ જ્ઞાનીની રીત ખરી કે નહીં ?

દાદાશ્રી : હા, એ જ જ્ઞાનીની રીત. એને યથાર્થ રૂપે જોવા જ્ઞાનીની રીત. એના રૂપમાં ફેર નહીં પણ છતાંય યથાર્થ રૂપે જોવા છતાંય જો ભય ઊભો થાય તો એ શું ?

આ તો ખાલી ટેસ્ટ જોવાનું. મને કો’કે પૂછયું’તું, તમે સંપૂર્ણ નિર્ભય રહી શકો છો ? ત્યારે મેં કહ્યું, મેં તપાસ કરતા અમુક અમુક જગ્યાએ ટેસ્ટ કીધા. તે ટેસ્ટ લેતા નિર્ભય રહી શકાય છે પણ અમુક જગ્યાએ નિર્ભય નથી રહી શકાતું.

પોતે નિર્ભય, દેહમાં ભય

પ્રશ્નકર્તા : નિર્ભય એવું ભાન થયું છે, એ રૂપે વર્તવા સુધી કેવી રીતે પહોંચાય ?

દાદાશ્રી : તને નિર્ભય થયાનું ભાન નથી થયું ?

પ્રશ્નકર્તા : થયું છે.

દાદાશ્રી : ભાન તો થયું, પછી નિર્ભય થઈ ગયા કહેવાય. નિર્ભયપદનું પહેલું જ્ઞાન થાય, પછી એનું ભાન થાય. ભાન થાય એટલે નિર્ભયપદ થઈ ગયું !

પ્રશ્નકર્તા : પણ નિર્ભય છીએ એવું જ્ઞાન થયું, એવું ભાન થયું, હવે તે રૂપે વર્તવા સુધી તો આ વિજ્ઞાન જાણવું જરૂરી ને ? તો નિર્ભયપદ વર્તનામાં આવે ને ?

દાદાશ્રી : હા, નિર્ભય થઈ ગયા પછી એ તો બધું વર્તનામાં હોય. મોટો ધડાકો થયો તો તારું શરીર હાલ્યું, તેથી અમે તને ભયવાળો ના

(પા.૧૮)

માનીએ. અમે જાણીએ કે આ સંગી ચેતનાને ભય છે, તને ભય નથી. એટલે જે ભરેલો માલ છે તે આ સંગી ચેતનાનો છે, જે આ હલે છે, પણ પોતાનામાં નિર્ભય છે. હવે જ્ઞાન લીધા પછી ભય હોતો હશે ? ભય છે તો તું છે તે પેલો ચંદુભાઈ જ છું.

પ્રશ્નકર્તા : વાઘની બોડનો દાખલો હતો એટલે વર્તમાન ભયની વાત હતી. એમાં પછી કહે, કે ‘એ. એમ. પટેલ’ને ભય લાગે. આ જે વર્તમાન ભય લાગતો હતો, તે અમે એ છેડો ફાડી નાખ્યો કે ‘ભઈ, આ જેને ભય લાગે છે ને, તે હું નથી.’ પછી જોડે એવું પણ કહ્યું છે કે ‘એ. એમ. પટેલ’ પણ નિર્ભય થવા જોઈએ. એ ભય પણ ખલાસ થવો જોઈએ.

દાદાશ્રી : ના. પણ છે જ નિર્ભય. આ હજુ કંઈ ભય છે તે વ્યવહારથી છે. આમ ‘એ. એમ. પટેલ’ ભૂતકાળથી, ભવિષ્યકાળથી નિર્ભય થઈ ગયેલા છે. ફક્ત આ વર્તમાનકાળથી, તો તે તપાસવા ગયો હતો પણ એમાં ફેલ નીકળ્યા ‘એ.’ પછી બંધ રાખ્યું. કારણ કે માલ ભરેલો છે આ તો. પણ ‘અમે’ તો નિર્ભય થઈ ગયેલા છીએ. કોઈ જાતનો ભય, કોઈ જગ્યાએ, કોઈ દહાડો, અમને ક્યારેય લાગ્યો નથી. અને તે બોમ્બ ધડાધડ થાય તોય જરાય ભય નહીં.

પ્રશ્નકર્તા : એટલે આવું પદ અમારા અનુભવમાં રહેવું જોઈએ ને ?

દાદાશ્રી : રહ્યું જ છે, પણ તમે જાણો. હું જ એવો છું, એટલે પછી ? અલ્યા મૂઆ, ન્હોય કરવા જેવું ! પરમાત્મા છે આ તો. તને નિર્ભય જેવું ના લાગે, શાનો ભય લાગે ? મારું શું થશે એવું ?

પ્રશ્નકર્તા : શું થશે એવું તો નથી થતું.

દાદાશ્રી : ત્યારે ? ‘શું થશે’ એ ભવિષ્યકાળનો ભય જતો રહ્યો, પછી વર્તમાનનો રહે છે, નહીં ? એય ચંદુભાઈને રહે છે ને ? તને નથી રહેતો ને ?

પ્રશ્નકર્તા : હા, ચંદુભાઈને, મને નહીં.

દાદાશ્રી : થયું, ત્યારે પછી શું ? ભઈ, તારે કેમનું છે ?

પ્રશ્નકર્તા : મને આ કૂતરાં છે, ગાયો છે, એની બીક લાગે એમ. નાનો હતો ત્યારે એક વાર ગાયે શિંગડું માર્યું હતું.

દાદાશ્રી : પણ એ તો શુદ્ધાત્માને નહીં ને ? એ તો લોક અમથા પાણી જુએ ને, મને કહેશે, ‘મને આ પાણી જોઈને ફફડાટ થાય છે !’ ગયે અવતાર ડૂબી ગયો હતો, મૂઆ ! અસરો રહી ગઈ છે. સાપ જોતા પહેલા ગભરામણ થઈ જાય, પસીનો છૂટી જાય. ગયે અવતાર સાપ કૈડીને મરી ગયો હશે. આ વહુ જોઈને તને આમ આમ થાય છે. તે ગયા અવતારે વહુ જોડે ગાળો-બાળો બહુ ખાધી છે, માટે એ અસર હજુ રહી ગઈ છે. નહીં તો શી રીતે આવી ? જાય ક્યાં એ ? આ ભવમાં હજુ અનુભવ કર્યો નથી, તો આવ્યું ક્યાંથી આ ? ગયા અવતારનો અનુભવ બધો ઓપન (ખુલ્લો) થયો.

છેવટે જડ્યું આ અનુભવ જ્ઞાન

આ બાહ્ય પ્રયોગો (ક્રિયાઓ) બધી નિકાલી બાબત છે. બાહ્ય પ્રયોગો ને અંતર પ્રયોગ, તે અંતર પ્રયોગ (જાગૃતિ) એ જોવું-જાણવું, સત્સંગ કરવો એ બધું, આજ્ઞામાં રહેવું અને આ બાહ્ય પ્રયોગ એકને બંધ કરીએ તો બીજું બધું કાચું પડી જાય. બહારવાળું નડતું નથી. આ તો વિકલ્પ છે. એક જાતનો ભો છે કે મને આમ કરડી ખાશે કે મને આમ કરડી ખાશે. ખરેખર નડતું નથી. જ્ઞાન હાજર તો દુનિયા ગેરહાજર. જ્ઞાન ગેરહાજર તો દુનિયા હાજર.

એવું છે ને, પાડોશ કોઈ ના હોય, એકલો હોય ને, તો એને સૂઝ પાડનાર મહીં છે. પણ બધા

(પા.૧૯)

સાથે હોય તો કોણ સૂઝ પાડે ? એકલો હોય તો સૂઝ પડે. એટલે આ જગત એકલું હોતું નથી, તેની જ ભાંજગડ છે ને ! અને હું એકલો ફરેલો છું. કારણ કે મારો સ્વભાવ નાનપણમાંથી એવો હતો કે એક રસ્તો, અહીંથી જે રસ્તો નીકળે તો આમ ફરીને આમ જતો હોય ને, તો મારી દ્રષ્ટિથી તરત સમજમાં આવી જાય છે, કે આ ખોટું છે, રસ્તો ઊંધો છે. આ નાનપણથી આ ટેવ, લોકના રસ્તા ઉપર નહીં ચાલવું, પોતાના ધારેલ રસ્તે કરવું. તેનો મારેય પડેલો કેટલીય વખત, કાંટાય ખાધેલા. પણ છેવટે તો આ રસ્તે જવું એ નક્કી. તે આમાં આ રસ્તે ફાવ્યું અમારે. ઘણા અવતાર માર પડ્યા હશે પણ છેવટે ખોળી કાઢ્યું, એ વાત નક્કી.

પ્રશ્નકર્તા : એટલે જિજ્ઞાસા તમારી પાસે પહેલેથી હતી.

દાદાશ્રી : હા, પહેલેથી.

પ્રશ્નકર્તા : ગયા જન્મની.

દાદાશ્રી : એ ઘણા અવતારોની, ગયા જન્મની નહીં. અને એટલે સુધી જિજ્ઞાસા કે ભવિષ્યની ચિંતા ન હોવી જોઈએ ! જો જન્મ્યો છે તો ભવિષ્યની ચિંતા કેમ હોવી જોઈએ ? એટલે આ ‘વ્યવસ્થિત’ની શોધખોળ કરી લાવ્યો છું.

પ્રશ્નકર્તા : એટલે જિજ્ઞાસા ખૂબ તીવ્ર. એ એની માત્રા જેમ વધતી જાય એમ જ્ઞાનનો પ્રકાશ આવતો જાય.

દાદાશ્રી : હા, જરૂર પ્રકાશ આવતો જાય, સૂઝ પડતી જાય, બધું જ થઈ જાય. પણ એકલો હોય તો.

પ્રશ્નકર્તા : હા, એકલાની જ વાત છે.

દાદાશ્રી : પાછી ભાઈબંધની કે બીબીની સલાહ લીધી તો બગડ્યું.

આ અમારું અનુભવ જ્ઞાન છે બધું. અમારા અનુભવની શ્રેણીમાં આવેલું જ્ઞાન છે. નહીં તો કોઈ કહી શકે નહીં ને, કે ભઈ, હવે તમારે વ્યવસ્થિત છે. એવું કોઈ કહી શકે નહીં ! ચિંતા કરવાની બંધ કરાવે નહીં ને ! કોઈએ કહેલું નહીં, ‘વ્યવસ્થિત છે’ એવું.

ક્રમબદ્ધ ને વ્યવસ્થિતમાં ફેર

પ્રશ્નકર્તા : ક્રમબદ્ધ પર્યાય અને વ્યવસ્થિતમાં શું ફેર છે ?

દાદાશ્રી : ક્રમબદ્ધ પર્યાય તો તમારી ભાષામાં તમને સમજણ પાડું કે એકાવન લખ્યા હોય ને પછી ક્રમબદ્ધ પર્યાય જાણવા હોય તો પછી બાવન, ત્રેપન, ચોપ્પન, પંચાવન, છપ્પન, સત્તાવન એ બધા ક્રમબદ્ધ પર્યાય. અને કો’ક ઊંધી ખોપરીનો માણસ હોય, તો પચાસ, ઓગણપચાસ, અડતાલીસ, સુડતાલીસ એ બધા ક્રમબદ્ધ પર્યાય. હવે ક્રમબદ્ધ પર્યાય અને આ વ્યવસ્થિતમાં બહુ ફેર છે તે. આ વ્યવસ્થિત એ તો સાયન્ટિફિક સરકમસ્ટેન્શિયલ એવિડન્સ છે, એ ક્રમબદ્ધ પર્યાય નથી.

આ તો વ્યવસ્થિત બીજે દહાડે અમલમાં આવી જાય તરત. આ જ્ઞાન મળે છે ત્યારે એ ‘પોતે શુદ્ધાત્મા છે’ ભાનમાં આવી જાય છે. વ્યવસ્થિત કર્તા છે, એ તરત સમજી જાય અને એ કામ કર્યા જ કરે છે. વ્યવસ્થિતના જ્ઞાનથી પછી ચિંતા-વરીઝ કરતો નથી ને કામ ચાલ્યા કરે છે. (નવું) કર્મ બંધાતું નથી, ચાર્જ થતું નથી, ક્રોધ-માન-માયા-લોભ થતા નથી. ‘હું કરું છું’ એવું ભાન હોય તો જ કર્મ ચાર્જ થાય ને !

પ્રશ્નકર્તા : એટલે વ્યવહારમાં સમજવા માટે વ્યવસ્થિત સારું.

દાદાશ્રી : વ્યવસ્થિત બહુ સુંદર. વ્યવસ્થિત એનું એક્ઝેક્ટલી બીજે દા’ડે છે તે ભવિષ્યકાળના વિચાર કરવાનો એ સ્કોપ જ ના રહ્યો ને ! અગ્રશોચ બીજે દા’ડેથી બંધ જ થઈ જાય ! અને

(પા.૨૦)

એ બંધ કરવા માટે જ છે તે એ આપ્યું છે આ ક્રમબદ્ધ પર્યાય, પણ બંધ થાય નહીં. એ ગૂંચવાડો રહે છે. ક્રમબદ્ધ પર્યાય એટલે કેવા પર્યાય હશે ને કેવા નહીં, એ ગૂંચવાડો રહે અને આ તો બધું એક્ઝેક્ટનેસ આવી ગયું.

એ બેમાં અંતર આભ-જમીનનું

પ્રશ્નકર્તા : આપ જેને વ્યવસ્થિત કહો છો એ વ્યવસ્થિત અને ભવિતવ્યતા અથવા ભાવિભાવ કે નિયતિ વગેરે શબ્દો વપરાય છે જેને માટે, એ બધું એક જ છે કે ભિન્ન ?

દાદાશ્રી : શું બોલો છો ? સરખામણી થાય કશી ? ક્યાં આ ને ક્યાં એની સરખામણી ! વ્યવસ્થિત શબ્દ તો આ નવો વૈજ્ઞાનિક શબ્દ છે કે જેથી કરીને આજ પચાસ હજાર માણસોને મેં કહ્યું છે કે અગ્રશોચ તમને નહીં થાય. તમારું ભવિષ્ય વ્યવસ્થિતના હાથમાં છે. ‘અગ્રશોચ’ તે અત્યાર સુધી બધેય અગ્રશોચ જ કરી રહેલા જ્ઞાનીઓય !

પ્રશ્નકર્તા : શાસ્ત્રોમાં જે ભાવિભાવ કે ભવિતવ્યતા, નિયતિ શબ્દ વપરાય છે એની પણ વ્યાખ્યા તો આવી જ છે કે જે થવાનું હોય, જે જ્ઞાનીઓએ દીઠું હોય તેમ થયા કરે છે. આપણું કંઈ ધાર્યું થતું નથી.

દાદાશ્રી : ના, ના, તો તો પુરુષાર્થ રહ્યો જ નહીં ને !

પ્રશ્નકર્તા : પુરુષાર્થ સાપેક્ષ છે ને ?

દાદાશ્રી : ના, ના. એ ફક્ત સમકિતી જીવને માટે કહ્યું છે ! નહીં તો આ પાંચ વાક્યો જ ના હોય ને !

પ્રશ્નકર્તા : આ પાંચ કારણ ભેગા થાય ત્યારે કોઈ પણ કાર્ય બને. એટલે ભવિતવ્યતા કે નિયતિ, એ વ્યાખ્યા ને આ વ્યવસ્થિત એની પણ વ્યાખ્યા બન્ને મળતી જ લાગે છે.

દાદાશ્રી : ના, જરાય લેવા-દેવા નથી. વ્યવસ્થિત તો આ જ્ઞાન લીધું હોય એમને કહેલું કે ભવિષ્યકાળ વ્યવસ્થિત છે, તું તારી મેળે બધું કામ કર્યે જા. ભૂતકાળ ગૉન, ભવિષ્યકાળ વ્યવસ્થિતના તાબામાં અને વર્તમાનમાં રહો. એટલે વર્તમાનમાં રહે છે, તો નો વરીઝ, એક કર્મ બંધાય નહીં. કર્મ એટલા જ બંધાય એક અવતાર, બે અવતારના પૂરતા, કારણ કે અમારી આજ્ઞા પાળે છે તેના !

જ્ઞાન પહેલાની દાદાની અનુભૂતિઓ...

આજ્ઞા પાળે તો નિરંતર સમાધિ રહે, મોક્ષ જ વર્તે ! આ તો અમારી ચાખેલી વસ્તુ આપી છે ને ! અનુભવેલી વસ્તુ આપી છે ને !

પ્રશ્નકર્તા : આપે પાંચ આજ્ઞા કેવી અનુભવી છે ?

દાદાશ્રી : આ બધાએ જેવી રીતે અનુભવી એવી રીતે. એમને પૂછી જો જો ને, એટલે ખબર પડશે.

પ્રશ્નકર્તા : આપે કહેલું કે આપ અક્રમમાંથી નથી આવ્યા.

દાદાશ્રી : ના, હું ક્રમિકમાંથી આવ્યો છું.

પ્રશ્નકર્તા : એટલે અક્રમનો અનુભવ આપને નથી, પણ અક્રમ જ્ઞાને કરીને આપે જોયું છે એમ આપે કહેલું.

દાદાશ્રી : હા, બરોબર છે. પણ આ ક્રમમાંથી કમાયેલા છીએ અને ઉદયમાં આવ્યું અક્રમ. પણ મહેનત બહુ કરેલી.

પ્રશ્નકર્તા : એટલે એ તમારા અનુભવ જુદી જાતના હોય ને, દાદા ?

દાદાશ્રી : પણ એ તો બહુ લાંબા હોય. મોટો ઈતિહાસ થાય બધો. એ કંઈ બે શબ્દોમાં કહેવાય એવી વસ્તુ નથી.

(પા.૨૧)

પ્રશ્નકર્તા : દાદા, પાંચ આજ્ઞામાંથી સૌથી વધારે કઈ આજ્ઞા તમને અનુભવમાં આવેલી ?

દાદાશ્રી : વ્યવસ્થિત વધારે અનુભવમાં આવેલી. પહેલેથી વ્યવસ્થિત લાવેલો. તેથી આ પાંચ આજ્ઞામાં વ્યવસ્થિતની (અમારી) શોધખોળ છે. મૂળ શોધખોળ અમારી, વ્યવસ્થિતની. નહીં તો ભવિષ્યની ચિંતા વગરનું આ જગત જ નથી. એ ચિંતા, અગ્રશોચ આ વ્યવસ્થિતે ઊડાડી મેલ્યું.

પ્રશ્નકર્તા : એ ઊડાડી મૂકે એટલે બધા પ્રોબ્લેમ ગયા ને ?

દાદાશ્રી : બધા પ્રોબ્લેમ છૂટી ગયા અને પાછું અનુભવમાં આવ્યું કે ‘ના, ખરેખર વ્યવસ્થિત જ છે.’ ગોઠવેલું હોય તો ઊડી જાય.

વ્યવસ્થિત શક્તિ રાખે વર્તમાનમાં

આ વ્યવસ્થિતનું જ્ઞાન તો પહેલી વખત જ અપાય છે. ફર્સ્ટ ટાઈમ વર્લ્ડમાં અપાય છે કે આ વ્યવસ્થિત છે. એટલે પછી ઉપાધિ મટી ગઈ ને આપણને !

એટલે કહેવા શું માગે છે વ્યવસ્થિત, કે ભૂતકાળ વહી ગયો. બુદ્ધિશાળીઓય ભૂતકાળને તો રડતા નથી. એક સેકન્ડ પહેલા ગજવું કપાઈ ગયું હોય, પછી બુદ્ધિશાળી ત્યાં આગળ એને એડજસ્ટમેન્ટ લઈ લે કે ભઈ, હવે એને રડવાની માથાકૂટ છોડી દો. એનો ઉપાય નથી. એટલે બુદ્ધિશાળીઓ પણ ભૂતકાળને ભૂલી જાય છે. શું થાય છે ?

પ્રશ્નકર્તા : હા, એ ભૂલી જાય.

દાદાશ્રી : ભૂતકાળથી બિલકુલ નિર્લેપ રહી શકે છે લોકો. બુદ્ધિશાળી, એટલા બધા બુદ્ધિશાળી મેં જોયા છે, કે જે ભૂતકાળ એટલે હમણાં એક કલાક પહેલા એનાથી લાખ રૂપિયા કપાઈ ગયા હોય તોય એ બિલકુલ નિર્લેપ થઈ જાય એનાથી. પણ ભવિષ્યકાળથી નિર્લેપ થઈ શકે નહીં માણસ. ભવિષ્યના તો વિચાર એને આવ્યા જ કરે. એટલે વર્તમાન ભોગવી શકતો નથી. માણસ શું ભોગવી શકતો નથી ?

પ્રશ્નકર્તા : વર્તમાન.

દાદાશ્રી : એટલે વર્તમાનમાં જે આ સાહ્યબી હોય છે તે આ ભોગવી શકતો નથી. અને આગળના ભવિષ્યમાં જ એની બધી ચિત્તવૃત્તિઓ ને બધું કામ કર્યા કરે છે. આ જગત ભોગવી શકતા નથી. ભોગવે કોણ ? મારા જેવા જ્ઞાનીઓ ભોગવે. કારણ કે જેને વ્યવસ્થિતનું જ્ઞાન છે તે આગળની ભાંજગડ નહીં. એટલે અમારે તો ભૂતકાળ વહી ગયો.

જરૂર પડી વ્યવસ્થિતની આ કાળમાં જ

અનાદિ અવતારથી આ જ ખોળતો હતો કે આ જગત શા આધારે ચાલે છે ? એ આધાર ખોળી લાવી અને મેં તમને આપી દીધો.

એટલે હવે તમને ભવિષ્યની ચિંતા થાય નહીં. તેથી જ મોક્ષમાર્ગ કહ્યો ને ! નહીં તો મોક્ષમાર્ગ ચાલે નહીં. જો સહેજ ચિંતા થાય ને, તો આ જ્ઞાન મારું આપેલું ઊડી જાય. એટલે એક પણ ચિંતા ના થાય એવું આ જ્ઞાન છે ! એ શોધખોળ છે આ તો !

એક જણે પૂછયું કે ‘તીર્થંકરોએ કેમ ના લખ્યું ?’ મેં કહ્યું, ‘એ કાળને અનુસરીને એમને જરૂર નહોતી તે ટાઈમે. છતાં એમના હૃદયમાં તો આ જ્ઞાન હતું જ. પણ જરૂર નહોતી એટલે બહાર ના પાડ્યું.’ તે કોઈએ પૂછયું નહીં ને એમણે જવાબ આપ્યોય નથી. અત્યારે આ કાળમાં જરૂર છે, ત્યારે આ જ્ઞાન બહાર પડ્યું. આ કાળમાં ઊભું થયું છે આ, કારણ કે એટલું બધું ઘોર અજ્ઞાન ઊભું થયું છે કે આ જ્ઞાન ‘વ્યવસ્થિત કર્તા છે’ એ ઊઘાડું, ખુલ્લું ના થાય તો લોક મુશ્કેલીમાં બફાય (મૂકાય). જ્ઞાન તીર્થંકરોનું જ છે, મારું કંઈ છે નહીં. માટે તમે મનમાં કશી શંકા જ ના રાખશો.

(પા.૨૨)

લોકોના મનમાં એમ થાય ને કે આ તો પોતાનું જ્ઞાન ઠરાવી (ઠસાવી) મારે છે. જ્ઞાન પોતાનું હોય કેવી રીતે ? જ્ઞાન તો અનાદિથી ચાલ્યું આવ્યું છે ને, તે જ છે ! એ ઋષભદેવ ભગવાનનું ન્હોય, કારણ કે ઋષભદેવ ભગવાન પણ કહેશે કે એ તો આગળથી આવ્યું છે ! અજિતનાથ ભગવાન પણ કહેશે કે એ તો ઋષભદેવ ભગવાનનું આવ્યું છે ! એ ચાલુ જ છે. હું આને મહાવીર ભગવાનનું જ્ઞાન કહું છું.

પ્રશ્નકર્તા : જ્ઞાનીઓને ભવિષ્યમાં વ્યવસ્થિતનું જ્ઞાન થાય ખરું ?

દાદાશ્રી : હા, થાય ને ! અને આ વ્યવસ્થિત અમારી શોધખોળ છે, અપૂર્વ શોધખોળ છે આ ! પૂર્વે ક્યારેય પણ શોધખોળ ન થયેલી.

ચિંતા રહિત દશા, અક્રમ જ્ઞાન થકી

ભવિષ્યકાળની ચિંતા બંધ થઈ ગઈ. અને આ કાળમાં એવું કોઈ જ્ઞાન ન્હોતું કે ભવિષ્યકાળની ચિંતા બંધ કરે. આ એકલું જ, આ અમારી વ્યવસ્થિતની શોધખોળ છે. વ્યવસ્થિત શક્તિ આગળ મૂકાઈ જ નથી ને ! કોઈ જગ્યાએ વ્યવસ્થિત શબ્દ સાંભળ્યો નથી ને ! સાંભળ્યો હોત તો ભવિષ્યકાળની ચિંતા ના હોત. આ તો બધી ભવિષ્યકાળની ચિંતા સોંપીને સૂઈ જાય છે નિરાંતે. અને બીજે દહાડે ફીટેય થઈ જાય, નહીં ? તમારી વકીલાત, જો ચાલે છે ને !

પ્રશ્નકર્તા : એ મને બેસી ગયું, હવે સંકલ્પ-વિકલ્પ નથી આવતા.

દાદાશ્રી : હા, નહીં તો ચિંતા વગર માણસ કોઈ રહી શકેલો નહીં. કારણ કે ક્રમિક માર્ગમાં છેલ્લા અવતારમાં ચિંતા રહિત થાય. અહંકાર જાય ત્યારે ચિંતા જાય. આ એક અજાયબી લોકોએ ચાખી ને !

આપણા જ્ઞાનનો દરેક અંશ ચિંતાને બંધ કરનારો છે. એક તો જો વ્યવસ્થિત સમજી ગયો તો ચિંતા બધી બંધ થઈ ગઈ.

એટલે જે બને એને વ્યવસ્થિત સમજે. એટલે બધી રીતે આપણું જ્ઞાન દરેક વસ્તુમાં ચિંતા રહિત બનાવનારું છે. કારણ કે અહંકાર ઊડી ગયો છે માટે. ચિંતા કરનારો જે અહમ્ છે ને, તે ગયો એટલે પછી એની વંશાવળી એની પાછળ ગઈ બધી, કાંણ કરનારી ! કાંણ, કાંણ, રાત-દહાડો કાંણ કરાય કરાય કરે, એ બધી વંશાવળી એની જોડે ગઈ બધી. અને વ્યવસ્થિતને એક્ઝેક્ટ મૂકી દીધેલું છે ! અને ભવિષ્યકાળનું યાદ આવે તોય એ શેના ઉપર રાગ છે કે દ્વેષ છે, તેય આપણને જડે. એટલે આ બધું આના પરથી શોધખોળ કરે તો જડે આપણને !

‘વ્યવસ્થિત’નું જ્ઞાન ત્યાં ચિંતા પલાયન

પ્રશ્નકર્તા : વ્યવસ્થિત જો બરાબર સમજાય તો ચિંતા કે ટેન્શન કશું જ ના રહે.

દાદાશ્રી : સહેજે ના રહે. વ્યવસ્થિત એટલે સાયન્ટિફિક સરકમસ્ટેન્શિયલ એવિડન્સ. વ્યવસ્થિત એટલે સુધી સમજતા જવાનું છે, કે છેલ્લું વ્યવસ્થિત કેવળજ્ઞાન ઊભું કરશે. અને વ્યવસ્થિત સમજાઈ જાય તો કેવળજ્ઞાન સમજાઈ જાય. આ વ્યવસ્થિત મારી શોધખોળ એવી સુંદર છે, આ અજાયબ શોધખોળ છે !

અનંત અવતાર સંસાર કોણ ઊભું કરતું’તું ? કર્તા થઈ બેઠા’તા તેની ચિંતા !

પ્રશ્નકર્તા : આ ‘જ્ઞાન’ને લઈને મને હવે ભવિષ્યની ચિંતા નથી રહેતી.

દાદાશ્રી : તમે તો ‘આ વ્યવસ્થિત છે’ તેમ કહી દો ને ! વ્યવસ્થિત તમને સમજાઈ ગયું છે ને ! કશો ફેરફાર થવાનો નથી. આખી રાત જાગીને બે વર્ષ પછીનો વિચાર કરશો તોય તે યુઝલેસ વિચારો છે. વેસ્ટ ઓફ ટાઈમ એન્ડ એનર્જી (સમય અને શક્તિનો બગાડ છે.) છે.

(પા.૨૩)

પ્રશ્નકર્તા : આપે જે રિયલ અને રિલેટિવ એ સમજાવ્યું, ત્યાર પછી ચિંતા ગઈ.

દાદાશ્રી : પછી તો ચિંતા જ થાય નહીં ને ! આ જ્ઞાન પછી ચિંતા થાય એવું નથી. આ માર્ગ સંપૂર્ણ વીતરાગી માર્ગ છે. સંપૂર્ણ વીતરાગી માર્ગ એટલે શું કે ચિંતા જ ના થાય. આ તમામ આત્મજ્ઞાનીઓનો, ચોવીસ તીર્થંકરોનો માર્ગ છે. આ બીજા કોઈનો માર્ગ નથી.

આવતા ભવે આ ‘જ્ઞાન’ રહેશે ?

પ્રશ્નકર્તા : આ જ્ઞાન લીધેલું આવતા જન્મે રહેશે કે ફરી ?

દાદાશ્રી : રહેશે. કોઈ જ્ઞાન જતું ના રહે. આ જ્ઞાનેય જતું ના રહે અને બીજું કંઈ જ્ઞાન લઈ આવો તેય જતું ના રહે. જ્ઞાન રહેવાનું જ બધે, જ્યાં જાવ ત્યાં.

પ્રશ્નકર્તા : હજુ એક કે બે ભવ બાકી રહ્યા છે, એમાં આ આત્માનું જ્ઞાન રહેશે ?

દાદાશ્રી : બીજું જ્ઞાન તો અત્યારે ભૂલી ગયા છો ને, તે જોડે આવવાનું નથી. જે જ્ઞાનમાં છો તે જ જ્ઞાન જોડે આવવાનું. જે સ્ટાન્ડર્ડમાં છો એ જ સ્ટાન્ડર્ડ તમારે ત્યાં ચાલુ થઈ જવાનું. એટલે આ જ બધું રહેશે. આજે અહીં છીએ અને કાલે છીએ એ બેમાં ફેર નહીં જરાય. ફક્ત આ શરીર બદલાય એટલું જ, બીજી સ્થિતિ તેમની તેમ જ. અને હમણે (ત્યાં) ચોર-બદમાશ હોય, તેનેય છે તે જે અહીં છે ને, તે ત્યાં આગળ બધું એમ ને એમ જ ! એટલે ત્યાં કશું કોઈ લઈ ના લે. આ જ્ઞાન હાજર રહે, ત્યારે તો મોક્ષે જવાય ને ! નહીં તો મોક્ષે કેમ જવાય ?

પ્રશ્નકર્તા : દાદા, જે અત્યારે સમકિત આપો છો, જ્ઞાન આપો છો, તે ઠેઠ મોક્ષે જતા સુધીનું કાયમ રહેવાનું આ ?

દાદાશ્રી : આ મોક્ષ થઈ જ ગયો, હવે બીજો લેવાનો જ ક્યાં રહ્યો ? અજ્ઞાનથી મુક્તિ પહેલી થાય. પછી કર્મો પૂરા થઈ રહે, એટલે બીજી મુક્તિ.

પ્રશ્નકર્તા : પણ બીજે ભવે જ્ઞાન લેવું પડે ?

દાદાશ્રી : ના, એ તો આ જ્ઞાન તો જોડે ને જોડે જ હોય. આ જ્ઞાન જે પ્રાપ્ત થયું છે ને, તેનું તે જ જ્ઞાન જોડે ને જોડે આવે.

જે આર્તધ્યાન ને રૌદ્રધ્યાન બંધ થયું એ જ પરિણામ તમને તીર્થંકર પાસે બેસાડશે. સ્વભાવ બદલાયા પછી અહીં કોની જોડે રહેવા દે ? માબાપ ક્યાંથી લાવે ? તીર્થંકર જન્મે તો તે રાજાને ઘેર જન્મે, સારે ઘેર. પણ ભાઈબંધો તો, આજુબાજુમાં પટેલ-વાણિયા હોય તે જ ભાઈબંધ હોય ને ? ના. તે પહેલા દેવલોકો ઉતરી ગયા હોય. એ દેવલોકો મનુષ્ય રૂપમાં આવીને એમની જોડે રમે. નહીં તો પેલા સંસ્કાર ખોટા પડી જાય. એટલે બધું સંજોગો પ્રમાણે મળી આવે. તમારી તૈયારી હોય તો બધા સંજોગો તૈયાર છે. તમે વાંકા તો બધા વાંકા. તમે સીધા થયા તો દુષમકાળ નડતો નથી. તમને જ્ઞાની પુરુષ મળ્યા, આવું જ્ઞાન મળ્યું. ભલે ને આવા સાત દુષમકાળ હોય, આપણને શું વાંધો ? આપણે આપણા જ્ઞાનમાં હોઈએ. આર્તધ્યાન-રૌદ્રધ્યાન થતું નથી. કોઈનું ખરાબ થાય એવા ભાવ ઉત્પન્ન થાય નહીં ક્યારેય.

એટલે ધર્મધ્યાનનું ફળ એક અવતાર થાય પાછો. કોઈને બે થાય, કોઈને એક થાય અને કોઈને આ જ્ઞાન મળવાથી, લાંબુંયે લંબાય પણ એ છુટકારો છે એ નક્કી. કારણ કે કર્મ બંધાતા અટકી ગયા.

પ્રશ્નકર્તા : વચ્ચે અમુક અવતારો પછી જો છુટકારો થવાનો હોય, તો પછી આગલા અવતારોમાં પણ આ જ સ્થિતિ ચાલુ રહે કે ?

દાદાશ્રી : સ્થિતિ તો, અહીં ૯૯ સુધી

(પા.૨૪)

પહોંચ્યા હોય, તો ૯૯થી ફરી તમારે ચાલુ થાય. આ ભાઈને ૮૧ સુધી હોય તો ૮૧થી ચાલુ થાય.

પ્રશ્નકર્તા : એટલે આવતા અવતારમાં પણ કર્મ ના બંધાય, એ સ્થિતિ ચાલુ જ રહે.

દાદાશ્રી : બધી સ્થિતિ ચાલુ રહે. જે જ્ઞાન તમે લઈને આવ્યા ને, તે તો અહીં છેલ્લી સ્થિતિ વખતે, મરણ સ્થિતિ વખતે હાજર રહેવાનું અને પછી આવતે ભવ ત્યાં હાજર રહેવાનું.

પ્રશ્નકર્તા : હવે બીજો ભવ કરે, તે વખતે આ જ્ઞાન કંઈ યાદ આવી જાય આપણને ?

દાદાશ્રી : એ તો નિમિત્ત બધું ભેગું થાય. નિમિત્ત વગર તો ના થાય. નિમિત્ત મળે પણ તે જ્ઞાનનું નિમિત્ત નહીં, એ તો અવળું નિમિત્તેય મળે. અવળું નિમિત્ત મળે તો જ્ઞાન હાજર થઈ જાય. કો’ક અવળું કરનારું, હેરાન કરનારું મળે, એટલે આપણે વિચારમાં પડીએ, વિચારોમાં પેલું જ્ઞાનનું લાઈટ થઈ જાય. અગર તો કોઈ સાધુ મહારાજ પાસે વાત સાંભળવા ગયા, ત્યાં મહારાજ વાત કરતા હોય તો મનમાં એમ વિચાર આવે કે આવું ના હોય, આમ હોય. એ છે તે જ્ઞાન હાજર થઈ જાય ને લાઈટ થઈ જાય. એટલે નિમિત્ત મળીને પછી હાજર થઈ જાય.

પ્રશ્નકર્તા : એ જે બાકી એક-બે જન્મો રહ્યા, એની અંદર આ જાગૃતિ ને આ માર્ગદર્શન...

દાદાશ્રી : એ તો જોડે રહેવાનું બધું. આ જાગૃતિ, આ જ્ઞાન બધું અહીંથી જેવું છૂટ્યું ને એવું જ ત્યાં હાજર થઈ જશે. નાની ઉંમરમાંથી જ લોકને અજાયબી થાય એવું થશે. તેથી કૃપાળુદેવને એમની નાની ઉંમરમાં છે તે આ લખી શકતા’તા ને બધું. જો જ્ઞાન હાજર ના થતું હોય તો નાની ઉંમરમાં કરી શકે નહીં.

પ્રશ્નકર્તા : અત્યારે આ અવતારમાં અક્રમ મળ્યું છે અને પછીના અવતારમાં પછી ક્રમિકમાં જવું પડશે કે અક્રમ જ રહેશે ?

દાદાશ્રી : પછી રહ્યું જ નહીં ને ! આત્મા પ્રાપ્ત થઈ ગયો એટલે થઈ રહ્યું, ખલાસ ! પછી ગમે તે, બધું નિકાલી છે. અક્રમ મળો કે ક્રમ મળો, એને આપણે લેવા-દેવા નથી. આપણું આ જ્ઞાન હાજર ને હાજર રહેશે, ઠેઠ એક-બે અવતાર સુધી.

પ્રશ્નકર્તા : તે બીજા અવતારે પણ અત્યારની ફાઈલો પાછી સાથે આવશે ?

દાદાશ્રી : ફાઈલો જોડે ફરી કકળાટ કર્યો હશે તો જોડે આવશે, નહીં કર્યો હોય તો નહીં આવે. (પોતે) ક્યાં વર્તે છે ? એટલે જે વખતે ‘દાદા ભગવાનના અસીમ જય જયકાર’ (બોલે) એટલે તેમાં તે. જે વખતે જે ફાઈલ ચાલી એમાં જ, વર્તમાનમાં જ રહેવું. ભૂતકાળ ખોતરવા ગયા કે મહીં ઉપાધિ. એટલો ટાઈમ નકામો જાય ને સમભાવે ફાઈલોનો નિકાલ ના થાય ને પછી સમભાવે. વર્તમાનમાં રહેવાનું છે આ. ભૂતકાળ ગૉન.

પ્રશ્નકર્તા : દાદા, આ ભવમાં તો તમારું જ્ઞાન મળ્યું અને આજ્ઞા પણ મળી, તો હવે આવતા ભવમાં એ આજ્ઞા આપશે કોઈ કે આપણે લઈને જ જઈશું કે શું થશે ?

દાદાશ્રી : આ આજ્ઞા આ ભવ પૂરતી જ છે. પછી આગળ આજ્ઞા તમારા જીવનમાં વણાઈ ગયેલી હશે, તમારે પાળવી નહીં પડે. આ ભવ પૂરતી તમારે પાળવી પડશે. સારી રીતે પાળશો તો આવતા ભવમાં તમારે વણાઈ ગયેલી હશે. એ તમારું જીવન જ આજ્ઞાપૂર્વક હશે !

વર્તમાનમાં વર્તે અપાર સુખ

આજ્ઞા ભૂલ્યો ત્યાંથી દુઃખદાયી. આજ્ઞામાં રહ્યો ત્યાંથી સુખદાયી ! તમે ‘અમારી’ ‘પાંચ આજ્ઞા’માં રહો તે જ પુરુષાર્થ છે, એ જ ધર્મ છે !

(પા.૨૫)

બીજો કોઈ પુરુષાર્થ નથી. એમાં બધું આવી ગયું. તમારે આજ્ઞામાં રહેવું છે એ નક્કી કરવું. પછી આજ્ઞામાં રાખવું એ કુદરતનું કામ છે.

આપણું જ્ઞાન વર્તમાનકાળી જ્ઞાન છે. એટલે ગમે તેના ભોગે પણ આને સાચવી રાખજો. આપણો નિશ્ચય જોઈએ સાચવવામાં. બીજું કશું નહીં. એની મેળે જ સચવાય. તમારો નિશ્ચય છે, એ નિશ્ચય ડગવો ના જોઈએ. હવે પૂરું જ કરી લેવું છે. તમારે વર્તમાનમાં રહેવાનું નિરાંતે. નો વરિઝ.

શક્તિઓ તો મહીં ભરી પડી છે. એ કહે છે કે મને નહીં થાય, તો તેવું. આ નેગેટિવે તો મારી નાખ્યા છે લોકોને. નેગેટિવ વલણથી જ મરી ગયા છે લોકો. વર્તમાનમાં વર્તી કોણ શકે ? ‘યસ’ (હા) કહેનારો.

આજના દિવસ પૂરતી જ ભાંજગડ કરો, વર્તમાનકાળ પૂરતી. ભૂતકાળ તો વહી ગયો. જે તમારે ભૂતકાળ છે એને ક્યાં ઉથામો છો ? નથી ઉથામતા ને, એટલે ભૂતકાળ વહી ગયો. એને કોઈ મૂર્ખ માણસેય ઉથામે નહીં. ભવિષ્યકાળ વ્યવસ્થિતના હાથમાં છે, તો પછી આપણે વર્તમાનમાં રહેવું. અત્યારે ચા પીતા હોય ને’ તો ચા નિરાંતે પીવી, કારણ કે ભવિષ્યકાળ વ્યવસ્થિતના હાથમાં છે. આપણે શું ભાંજગડ ? એટલે વર્તમાનમાં રહેવું. ખાતા હોય તે ઘડીએ તો ખાવામાં પૂર્ણ ચિત્ત પરોવીને ખાવું. ભજિયાં શેના છે એ બધું નિરાંતે જાણવું.

વર્તમાનમાં રહેવું એનો અર્થ શું કે ચોપડો લખતા હોય તો બિલકુલ એક્યુરેટ (ચોક્કસ), એમાં જ ચિત્ત રાખવું જોઈએ. કારણ કે ભવિષ્યકાળમાં ચિત્ત જાય છે, તેથી આજનો ચોપડો બગડે છે. ભવિષ્યના વિચારો પેલા કચકચ કરતા હોય તેથી આજના લખાણના ચોપડા પેલા બગડી જાય છે, ભૂલચૂક થઈ જાય છે. પણ જે વર્તમાનમાં રહે છે તેની એક પણ ભૂલ થતી નથી, ચિંતા થતી નથી. ભૂતકાળનો અને ભવિષ્યકાળનો ચોપડો ભગવાન ના રાખે. એક સેકન્ડ પછીનો ચોપડો દરિયામાં નાખી દેવો. વર્તમાનમાં જ રહે એ ભગવાન.

આ વર્તમાનમાં આપણને સુખ છે, જે પાર વગરનું સુખ છે, એ ભવિષ્યકાળનો વિચાર કરવા જતા આ સુખ બગડી જાય છે. એટલે આય સુખ ભોગવાતું નથી અને ભવિષ્યેય બગડે છે. તે આપણે કહીએ કે આ ભવિષ્યકાળનું બધું વ્યવસ્થિતના તાબામાં ગયું. હવે જ્યાં આપણા તાબામાં નથી વસ્તુ, એની ભાંજગડ કરીને શું કામ છે ? કેટલીક વસ્તુ મારા તાબામાં હોય એને તમે કહો કે દાદાના તાબાની વાત છે, મારે શું કરવા ભાંજગડ કરવી ? એવી રીતે ‘વ્યવસ્થિત’ના તાબાની આપણે ભાંજગડ કરવાની જરૂર શું ? તમને અનુભવમાં આવી ગયું બધાને ? એક્ઝેક્ટ (બરાબર) વ્યવસ્થિત છે. હવે ઘડી પછી શું થશે એ વ્યવસ્થિતને તાબે છે. એટલે આ આગળની ચિંતા છોડી દો.

હવે ભૂતકાળ તો રહ્યો જ નહીં ને ! ભૂતકાળ તમને યાદ નથી રહેતો, એ તો બહુ ઊંચામાં ઊંચું ! આ બધા (મહાત્મા) જ્ઞાનમાં છે, એટલે વર્તમાનમાં રહે. ભવિષ્યકાળમાં ખોવાઈ જાય નહીં. ભૂતકાળમાં ભાંજગડ ના કરે, વર્તમાનમાં રહે. તમારે વર્તમાનમાં રહેવું. જ્યાં જાવ ત્યાં વર્તમાનમાં રહેવું. ભૂતકાળનો ભો છૂટી ગયો, ભવિષ્ય ‘વ્યવસ્થિત’ના હાથમાં છે, માટે વર્તમાનમાં વર્તો.

જય સચ્ચિદાનંદ