નિર્ગ્રંથ થવા ઓળખીએ ‘માન’ની ગાંઠ

સંપાદકીય

જગતમાં લોકો કયા આધારે જીવે છે ? ‘અહંકાર’. જ્યાં ‘પોતે’ નથી ત્યાં ‘હું છું’ માનવું તે જ અહંકાર. મૂળમાં અહંકાર અને તેમાંથી ઊભા થતા ક્રોધ-માન-માયા-લોભ, આ કષાયોનું રૂટ કૉઝ છે અજ્ઞાનતા. જ્ઞાની પુરુષની કૃપાથી અજ્ઞાનતા છૂટતા અહંકારથી કાયમી છૂટાય છે પણ પૂર્વભવે બંધાયેલી સ્વભાવમય પ્રકૃતિ સંજોગોના ભીડામાં ઉદયમાન થયા વગર રહેવાની નથી. માટે પ્રકૃતિમાં ઊભા થતા મોક્ષમાર્ગના બાધક કારણો જે પુરુષાર્થ માટે બાધક બને છે તેની જાણકારી, તકેદારી અતિ મહત્ત્વની છે. એવા અનેક બાધક દોષોમાંના એક ‘માન કષાયની ગાંઠ’ને ઓળખી અને એના વિવિધ પર્યાયો સામે જાગૃતિપૂર્વક જ્ઞાન પુરુષાર્થ કરી શકીએ.

પ્રસ્તુત અંકમાં જ્ઞાની પુરુષે પોતાના જીવનના અમુક પ્રસંગોમાં પોતાના અહંકાર અને માન જોયા, જાણ્યા અને અનુભવ્યા, તેથી મોક્ષમાર્ગમાં ઊભા થતા માનના પર્યાયોને ઓળખી તેના જોખમો જણાવી શક્યા. પોતે સ્વયં તેમાંથી બહાર નીકળી, આપણને આ માનની ગાંઠ ઓળખાવી અને નિર્ગ્રંથ થવાના જ્ઞાન ઉપાય આપી શક્યા. આ જ્ઞાન વગર માનની ગાંઠના પર્યાયો અને માનની વિકૃતિ સમજવી મુશ્કેલ છે. તે માટે પહેલા તો ઓળખવું પડે કે માનની કયા પ્રકારની ગાંઠ છે ? વિશેષતાનું માન ? સાચાપણાનું માન ? આવડતપણાનું માન ? ‘હું કંઈક છું’, ‘હું જાણું છું’, પૂજાવાની કામના, ધાર્યું કરવાનું માન, કર્તાપણું, ગાંડો અહંકાર, તુંડમિજાજી, તુમાખીવાળો, ઘેમરાજી વગેરે એને ઓળખીને એના વિરુદ્ધમાં જાગૃત રહેવું પડે. બાકી આ માનમાં કપટ એવું છે કે માનની ગાંઠ ઓળખવા ના દે.

માનના પર્યાયો સામે જ્ઞાનના ઉપાયમાં ‘રિયલ’ અને ‘રિલેટિવ’ વચ્ચે લાઈન ઑફ ડિમાર્કેશન એક્ઝેક્ટ પડી ગઈ છે. રિલેટિવમાં પોતે લઘુતમ થાય તો સંસારના દુઃખોમાં સમાધિ સુખ વર્તે અને રિયલમાં ગુરુતમ પદ સહેજે આવીને ઊભું રહેશે. જેને આ જગતમાં સર્વસ્વ ભીખ ગઈ હોય, જેટલું અંતઃકરણ ચોખ્ખું થતું જાય એટલી તેને પરમાત્મા સત્તા પ્રાપ્ત થાય એમ છે.

અક્રમ વિજ્ઞાનમાં જેને માન મળે એ ચંદુને મળે, જેનું અપમાન થાય છે તેય ચંદુનું. તે હું ક્યાંય છું જ નહીં, એ છેવટની જાગૃતિ છે. હવે આપણને ગાંઠ ફૂટે તેનો વાંધો નથી, પણ ગાંઠને કહીએ, ‘જેટલી ફૂટવી હોય તેટલી ફૂટ, તું જ્ઞેય છે ને અમે જ્ઞાતા છીએ.’ માનની ગાંઠને ઓગાળવા માટે આપણે માનને સાયન્ટિફિકલી (વૈજ્ઞાનિક રીતે) જુદું જોવું અને ટેકનિકલી માનની ભીખનો ભાગાકાર કરી જ્ઞાન પુરુષાર્થ માંડવો છે. જેમ જેમ માનની ગાંઠના આવરણો તૂટતા જાય, તેમ તેમ આત્માનુભવની શ્રેણી વધતા વધતા આત્માના સ્પષ્ટવેદન સુધી પહોંચી શકાય એ જ હૃદયપૂર્વક અભ્યર્થના.

~ જય સચ્ચિદાનંદ.

નિર્ગ્રંથ થવા ઓળખીએ ‘માન’ની ગાંઠ

(પા.૪)

ક્યાંથી ને કોને આવ્યો અહંકાર ?

પ્રશ્નકર્તા : અહંકાર શું છે ? ક્યાંથી આવ્યો ને કોને આવ્યો ?

દાદાશ્રી : એ વિનાશી ચીજ છે. ક્યાંયથી આવવાનો નહીં. એ ઊભો થઈ જાય છે ને નાશ થાય છે. પછી ડૉક્ટરને કહે છે કે ‘સાહેબ, હું મરી જઈશ, મને બચાવજો.’ આ જે ભોગવે છે ને, તે અહંકાર છે.

પ્રશ્નકર્તા : અહંકાર કોને આવ્યો ?

દાદાશ્રી : જે અણસમજણ છે તેને. અજ્ઞાનને અહંકાર આવ્યો.

પ્રશ્નકર્તા : જ્ઞાન તો હતું, તે ભૂલાઈ કેમ ગયું ?

દાદાશ્રી : જ્ઞાનમાં આવરણ આવેલું છે.

પ્રશ્નકર્તા : આપણે મહાવીર ભગવાનના વખતમાંય હતા ?

દાદાશ્રી : હા, હતા.

પ્રશ્નકર્તા : તો એ જ્ઞાન બધું કેમ ચાલ્યું ગયું ?

દાદાશ્રી : જ્યાં સુધી અહંકાર છે ત્યાં સુધી આવરણ આવ્યા કરે. અહંકાર ખલાસ થઈ જાય પછી આવરણ ચઢે નહીં.

પ્રશ્નકર્તા : મહાવીર ભગવાનની પાસે હતા, ત્યારે તો અહંકાર નહોતો ને ?

દાદાશ્રી : અહંકાર ન હોત તો તો તે દહાડે કેવળજ્ઞાન થઈ જાત ! પણ અહંકાર વગર તો રહ્યો જ નથી આ જીવ. અને ભેદબુદ્ધિ વગર રહ્યો નથી, હું જુદો ને આ જુદું.

પ્રશ્નકર્તા : અજ્ઞાન કોનું ?

દાદાશ્રી : બે વસ્તુ છે, અજ્ઞાન અને જ્ઞાન. જ્ઞાન એટલે આત્મા અને અજ્ઞાન એટલે અનાત્મા. તે અજ્ઞાનને અહંકાર આવ્યો. તેનું આ બધું ઊભું થઈ ગયું. તે રાત-દહાડો ચિંતા-ઉપાધિઓ, એય સંસારમાં ના ગમે તોય પડી રહેવું પડે ને ? ક્યાં જાય તે ? ક્યાં જવાય ? ત્યાં ને ત્યાં જ. એટલે અહીં ખાટલામાં સૂઈ રહેવાનું ને, ઊંઘ ના આવે તોય ?

પ્રશ્નકર્તા : અહંકારની શરૂઆત કેવી રીતે થઈ, અહંકાર ક્યાંથી ઉત્પન્ન થયો ?

દાદાશ્રી : એ અહંકાર, એ જ અજ્ઞાન ને ! અજ્ઞાન હતું ને, તેનો અહંકાર થઈ ગયો. એવું છે, એ અજ્ઞાન અને જ્ઞાન બે જુદી વસ્તુ છે.

પ્રશ્નકર્તા : એ બધા રૂટ કૉઝમાં સંસ્કારોનો પૂંજ પડ્યો છે, કેટલાય અવતારોનો ?

દાદાશ્રી : મૂળ અજ્ઞાનતા છે. પોતાને પોતાની અજ્ઞાનતા છે. એ રૂટ કૉઝથી આ બધું ઊભું થયું છે. જો એ અજ્ઞાનતા પોતે સજ્ઞાનતામાં આવી જાય, તો આ બધું વિલય થઈ જાય છે. અજ્ઞાનતા આનું કારણ છે. અજ્ઞાનતાને લઈને અહંકાર ઊભો થયો. જ્યાં સુધી અજ્ઞાન છે, ત્યાં સુધી તું અહંકાર સ્વરૂપ છે અને ‘જ્ઞાન’ થાય પછી આત્મસ્વરૂપ પોતાનું થાય.

પ્રશ્નકર્તા : જ્ઞાન જાણીએ એટલે છૂટો થાય, જ્ઞાન ન જાણીએ એટલે ભેગું રહે ?

દાદાશ્રી : ના જાણે ત્યાં સુધી જ આ બધી પંચાત છે. અજ્ઞાનતાથી જ આ દેખાય છે બધું. જ્ઞાન થાય તો કશું જ નથી આવું તેવું.

(પા.૫)

પ્રશ્નકર્તા : કલ્પના કોણે કરી ?

દાદાશ્રી : કલ્પના અહંકારે કરી. અહંકાર ઊભો થઈ ગયો, ‘હું છું’, ‘હું કંઈક છું.’

પ્રશ્નકર્તા : પુદ્ગલ જે કરે, એનું આત્માને કેમ ભોગવવું પડે, આ પાતાળમાં જઈને ?

દાદાશ્રી : આત્માની સહમતીથી કરે છે ને !

પ્રશ્નકર્તા : આત્મા તો અકર્તા છે ને ?

દાદાશ્રી : અહંકાર કર્તા છે ને ! અને એ અહંકાર પાછો ‘હું છું’ એમ માને. એટલે તેનો જવાબદાર થઈ ગયો.

પ્રશ્નકર્તા : અહંકાર એ પુદ્ગલમાં ગણાય ને ? આત્માને તો અહંકાર હોય જ નહીં ને ?

દાદાશ્રી : પણ અહંકાર ‘હું છું’ એમ માને એટલે મિશ્ર ચેતન થયું.

અહંકાર એ જ મિશ્ર ચેતન

પ્રશ્નકર્તા : એટલે આ મિશ્ર ચેતન અહંકારને કહ્યો ?

દાદાશ્રી : હા, અહંકાર, ક્રોધ-માન-માયા-લોભ, એ જ્યાં આગળ જીવતું હોય, સળગતું હોય, કર્તાભાવ હોય. માન એટલે કર્તાભાવ, એમાં બધું આવી ગયું, એ બધું મિશ્ર ચેતન.

પ્રશ્નકર્તા : એ મિશ્ર ચેતનની વ્યાખ્યા શું ?

દાદાશ્રી : મિશ્ર ચેતન એટલે જે ચેતન નથી, જડ છે. છે જડ અને ચેતનના જેવા લક્ષણ દેખાય છે. લક્ષણેય દેખાય છે ને ચારિત્રેય એવા દેખાય. એટલે વર્તનેય એવું દેખાય ચેતન જેવું, છે જડ. મિશ્ર ચેતનમાં આ બૉડી (દેહ) છે, મન છે, વાણી છે. બધું આ અંતઃકરણ એ બધું જ મિશ્ર ચેતન છે.

પ્રશ્નકર્તા : એ મિશ્ર ચેતનનો વધારે ફોડ આપશો ?

દાદાશ્રી : આ મિશ્ર ચેતન કેવી રીતે ઊભું થાય કે જ્ઞાન ના હોય તે માણસ એમ જ કહે ને કે ‘હું ચંદુભાઈ છું’ અને ચંદુભાઈ કરીને બોલ્યો, છે રિયલ ને રિલેટિવ બોલે છે, એટલે ભ્રાંતિથી બોલે છે. એટલે એ ઈગોઈઝમ છે. એને અહંકાર છે. જ્યાં પોતે નથી ત્યાં આગળ પોતાપણું માનવું, પોતાપણાનો આરોપ કરવો એનું નામ (સૂક્ષ્મતમ) અહંકાર. એ મિશ્ર ચેતનથી કર્મ બંધાય. એ કહે કે ‘મેં આ કર્યું’, એની સાથે કર્મ બંધાય. કારણ કે કર્તા પોતે છે નહીં. એને એવું ખોટું ભાસે છે. ખાલી ભાસ્યમાન પરિણામ છે, એને સાચા પરિણામ માને છે. જે પુદ્ગલમાં હુંપણું માને છે એ મિશ્ર ચેતન.

પ્રશ્નકર્તા : એટલે એ મિશ્ર ચેતન કયા સ્વરૂપે ?

દાદાશ્રી : રોંગ બિલીફ સ્વરૂપે છે. મિશ્ર ચેતન કે મન-બન બધું રોંગ બિલીફો. રોંગ બિલીફ ફળ આપીને જાય. આખી રાત મહીં તરફડાટ રહ્યો . એ ફળ આપે અને પછી નીકળી જાય. એવું આ બધી રોંગ બિલીફો ફળ આપીને જતી રહે.

વિશેષ પરિણામે : ક્રોધ-માન-માયા-લોભ

પ્રશ્નકર્તા : અહંકાર, પછી ક્રોધ-માન-માયા-લોભ-રાગ-દ્વેષ એ બધા પોતાના ગુણો બતાવે છે ને ? તો એમાં ચેતન જેવું કંઈક હોવું જોઈએ, તે સિવાય કેમ બતાવે ? જડ વસ્તુ તો બતાવે નહીં.

દાદાશ્રી : પણ તે આ ભમરડા જેવું ચેતન. ભમરડામાં જે ચેતન દેખાય છે ને ફરતા ફરતા, એમાં એનું કશું નથી.

પ્રશ્નકર્તા : તો કોનું છે ?

(પા.૬)

દાદાશ્રી : એ આત્માની બાજુમાં આવવાથી સામીપ્યભાવની શક્તિ ઉત્પન્ન થઈ છે. પોતે પોતાનું સ્વરૂપ નહીં જાણતો હોવાથી જ આ ‘હું છું’ એમ એની કલ્પનાથી બધી શક્તિ આમાં ઉત્પન્ન થાય છે. પણ વિનાશી છે એ. એ ટકે નહીં.

પ્રશ્નકર્તા : એટલે પછી અહંકાર જ આવ્યો ને ? તમે આમથી આમ ફેરવો, એ અહંકાર જ છે ને ?

દાદાશ્રી : અરે, ત્યાં બીજું છે જ નહીં. આ વિશેષભાવ ઉત્પન્ન થાય છે તે છે.

પ્રશ્નકર્તા : આપણે આ ઈવોલ્યુશનની થીયરી છે, ઈવોલ્યુશન કહે છે તે બધો, વિશેષભાવ જ છે ને ? આ જેની કંઈ પણ પ્રગતિ થઈ રહી છે તે વિશેષભાવની જ પ્રગતિ છે ને ? આ જે કંઈ ઉત્ક્રાંતિ થઈ, માણસમાં આવ્યો, આ બધું વિભાવનું જ થયું તે, વિભાવથી જ છે ને ?

દાદાશ્રી : એ બધું વિભાવ જ ને ! વિભાવને લઈને આ બધું. જે છે તે વિભાવથી.

પ્રશ્નકર્તા : આત્માનું તો કંઈ છે જ નહીં ?

દાદાશ્રી : આત્માની તો અત્યારે શક્તિ જ નથી ને ! દેહ જ્યાં સુધી ભેગો છે, ત્યાં સુધી એની હાજરીથી આ ઉત્પન્ન થઈ ગયું બધું. હાજરીથી આ ગુણો ઉત્પન્ન થયા. આત્માની હાજરી તો છે. દરિયાની હાજરી ના હોય તો પછી આ લોખંડ શું કંઈ કાટ ઉત્પન્ન કરે ? એટલે આત્માની હાજરી છે તો આ બધું ઊભું થયું.

પ્રશ્નકર્તા : આપે કહ્યું હતું કે અહંકાર જે પેદા થાય છે તે પણ આત્માની હાજરીથી જ ઉત્પન્ન થાય છે ને ?

દાદાશ્રી : હા, બરોબર છે. શરીરમાં આત્મા હોય તો જ અહંકાર ઊભો થાય. જે મરી ગયો, તેને અહંકાર ના થાય.

પ્રશ્નકર્તા : પણ આત્મામાં મૂળ અહંકાર કેવી રીતે આવ્યો એ સમજાતું નથી.

દાદાશ્રી : હા એવું છે, આ છ ચીજોનું જગત છે; છ પરમેનન્ટ વસ્તુઓ, સનાતન વસ્તુઓનું. એ ચીજો એકમેકમાં ભળે છે, મિક્ષ્ચર થાય છે પણ કમ્પાઉન્ડ સ્વરૂપ થતું નથી. પોતપોતાના ગુણધર્મ બદલાતા નથી કોઈના. કમ્પાઉન્ડ થાય તો તમારું મેં ઉછીનું લીધું અને મારું તમે ઉછીનું લીધું એવું થઈ જાય. ફક્ત ભેગી થાય ને છૂટી પડે. અને તે આ છ એ છ ચીજો પરિવર્તનશીલ છે. એટલે નિરંતર પરિવર્તન થયા જ કરે. પરમાણુ-બરમાણુ બધું આ પરિવર્તન થતા થતા અવસ્થાઓ ઊભી થાય.

આ મૂળ તત્ત્વ, વસ્તુ એ અવસ્થા ના હોય, અવિનાશી હોય. એનાથી અવસ્થાઓ ઊભી થઈ એ વિનાશી બધી. ઘડીકમાં આ અવસ્થા ઉત્પન્ન થઈ અને ઘડીકમાં એ અવસ્થા લય થઈ.

હવે અહંકાર શી રીતે ઊભો થયો ? ત્યારે કહે, આત્મા અને આ જડ પુદ્ગલ પરમાણુ બે જોડે થયા, આમ પરિવર્તન થતા થતા બે નજીક નજીક આવી ગયા એટલે ક્રોધ-માન-માયા-લોભ ઊભા થયા.

આ ક્રોધ ને માન, બેથી ‘હું’ ઊભું થયું અને કપટ ને લોભથી ‘મારું’ ઊભું થઈ ગયું. તેથી કરીને આત્મા બદલાયો નથી, આત્મા તેનો તે જ રહ્યો છે. વસ્તુ પોતાના સ્વભાવમાં જ છે. આ તો બે વસ્તુ ભેગી છે, ત્યાં સુધી જ. પણ બે જુદી થઈ જાય તો કશું જ ના રહે. એ બે વસ્તુ જુદી થતા પહેલા જ એને જ્ઞાની મળી જાય અને જ્ઞાની પાસેથી જ્ઞાન મળે એટલે જુદું છે એવું ભાન થઈ જાય. એ પછી છૂટું થઈ જાય. આ

(પા.૭)

ક્રોધ-માન-માયા-લોભ એ વિશેષ ગુણો ક્યાં સુધી રહે છે ? જ્યાં સ્વરૂપની અજ્ઞાનતા તૂટે કે તરત વિશેષ ગુણ તૂટી જાય. સ્વરૂપની અજ્ઞાનતા ક્યાં તૂટે ? ‘જ્ઞાની પુરુષ’ પાસે.

પ્રશ્નકર્તા : આ અંતઃકરણ આખું ઊભું થયું છે એ અને વિશેષ પરિણામ, એ બેનો શું સંબંધ છે ?

દાદાશ્રી : વિશેષ પરિણામથી ક્રોધ-માન-માયા-લોભ એ ઊભું થાય ને પછી અંતઃકરણ બધું ઊભું થયું છે.

પ્રશ્નકર્તા : વિશેષ પરિણામમાં અહમ્ ઊભો થાય છે એવું આપે કહેલું અને અંતઃકરણમાં મન-બુદ્ધિ-ચિત્ત અને અહંકાર, એ અહંકાર, બન્નેમાં શો ફેર ?

દાદાશ્રી : એ જ બધું છે. એક જ વસ્તુ છે, એ બધા વિશેષ પરિણામ. વિશેષ પરિણામમાં ખરેખર ક્રોધ-માન-માયા-લોભ ચાર જ હોય. એમાંથી આ બધી એની વંશાવળી ! એટલે ક્રોધ-માન-માયા-લોભ ઊભા થાય છે. એનાથી આ બધું દેખાય છે. સંસાર ઊભો થયો પછી. પોતાનું માનવું-બાનવું બધું એનાથી ઊભું થાય. અંતઃકરણ-બંતઃકરણ બધું એનાથી ઊભું થઈ ગયું. અને મન તો અહંકારે ઊભું કર્યું છે. એ અહંકારની વંશાવળી છે, એના વારસદારો !

અહંકારના વિશેષ સ્વરૂપોના ફોડ

આપણા લોક અહંકારને સમજતા જ નથી. અહંકાર શું કહેવાય ? જ્યાં પોતે નથી ત્યાં પોતાપણું સ્થાપન કરવું, એટલા જ ભાગને અહંકાર કહેવામાં આવે છે. જ્યાં ‘હું’ નથી ત્યાં ‘હું’ માનવું એ અહંકાર.

પ્રશ્નકર્તા : અહમ્ એટલે જ અહંકાર, એવું માનતા હતા.

દાદાશ્રી : ના, અહંકાર ને અહમ્ માં બહુ ફેર.

પ્રશ્નકર્તા : એમાંય ફરક છે ? એમાં શું ફરક છે એ સૂક્ષ્મતાનો ફોડ પાડો ને !

દાદાશ્રી : ‘હું’પણું એ અહમ્ અને ‘હું’પણાનો પ્રસ્તાવ કરવો એ અહંકાર. ‘હું પ્રેસિડન્ટ છું’ એ અહંકાર ના કહેવાય. એ તો આપણા લોકો કહે કે અહંકારી પુરુષ છે, પણ ખરેખર એ માની પુરુષ કહેવાય. અહંકાર તો, કશું સંસારની ચીજ-બીજ અડતી ના હોય ને જ્યાં પોતે નથી ત્યાં પોતે ‘હું છું’ એમ માને તે અહંકારમાં જાય. વસ્તુમાં કશુંય ના હોય અને બીજી વસ્તુને અડે એટલે માન થયું. હું પ્રેસિડન્ટ (પ્રમુખ) છું, એ બધું દેખાડે એટલે આપણે સમજીએને કે આ માની છે.

પ્રશ્નકર્તા : પ્રસ્તાવમાં શું આવે ?

દાદાશ્રી : વધારે પડતું ‘હું’પણું બોલવું. પેલું ‘હું’ તો છે જ, એ તો અહમ્ તો છે જ માન્યતામાં, પણ એનો પ્રસ્તાવ કરવો, ‘આ ખરું ને આ ખોટું’ બૂમાબૂમ કરવા જાય, એ અહંકાર કહેવાય. પણ બીજી વસ્તુ ના હોય મહીં, માલિકીપણું ના હોય કશાયમાં. માલિકીપણું આવે એટલે માન આવે.

પ્રશ્નકર્તા : અહંકારનો દાખલો ?

દાદાશ્રી : આ અહંકારના દાખલા તો બધા છે ને ! અહમ્ને ખુલ્લો કરવો, પ્રસ્તાવ કરવો એ અહંકાર. અહમ્ તો છે જ મહીં. અને માલિકીવાળો તે માન થયું. એ માન એકલું નહીં, પછી જેમ જેમ માલિકીભાવ વધારે થયો ને, તે અભિમાન. દેહધારી હોય તેને માની કહેવાય ને ‘આ ફ્લેટ અમારો, આ અમારું’ એ અભિમાન. એટલે અહંકારથી વધીને માની, અભિમાની બધા બહુ જાતના છે.

(પા.૮)

અહંકાર કે માન ?

પ્રશ્નકર્તા : આપણે કોઈને ઘેર જઈએ અને આપણને ભાવથી ‘આવો, બેસો’ એવું ના કહે તો એનો અહંકાર કહેવાય કે માન કહેવાય ?

દાદાશ્રી : એને તુચ્છકાર કહેવાય. એનો આપણા પ્રત્યે તુચ્છકાર કહેવાય. આપણો અહંકાર ઘવાયા કરે. ખોટું લાગ્યું એ આપણો અહંકાર જ છે ને ! એણે તુચ્છકાર કર્યો એટલે એને ગુનો લાગે. અને ખોટું લાગે તો આપણનેય ગુનો લાગુ પડે.

પ્રશ્નકર્તા : ઈગોઈઝમ (અહંકાર)ને ઓળખવો કેવી રીતે ?

દાદાશ્રી : ઈગોઈઝમ તો બધાને ઓળખાય, હમણાં અપમાન થાય ને તે તરત ઓળખાય કે ના ઓળખાય ? ‘તમારામાં અક્કલ નથી’ કહેતાની સાથે ડિપ્રેશન કોને આવે ? ઈગોઈઝમને આવે ને ? એ ઈગોઈઝમ તો વારેઘડીએ સમજણ પડે.

પ્રશ્નકર્તા : દાદા, એ ક્લિયર (સ્પષ્ટ) નથી થતું, એમાં ગૂંચવાડા થાય છે.

દાદાશ્રી : ના, ક્લિયર જ છે આમાં તો. આ વાત વાતમાં તમને ‘ઊઠો અહીંથી’ એમ કહે, તોય તમારો ઈગોઈઝમ તરત ઊભો થઈ જશે. ઈગોઈઝમ તો વારેઘડીએ આખો દહાડો વપરાયા જ કરે છે. લોકોય સમજી જાય કે મારો ઈગોઈઝમ બહુ ભારે છે. આમાં ‘ઈગોઈઝમ ભારે છે’ એવું જાણકાર કોણ છે ? ત્યારે કહે, એ જ ઈગોઈઝમ.

ખાલી અહંકારથી જ જીવે છે. ‘હમારે જૈસા કોઈ નહીં, હમારે જૈસા કોઈ નહીં, ઈસસે મૈં બડા હૂં, ઈસસે મૈં બડા હૂં’, બસ !

આ મનુષ્ય ગમે તેવો નાલાયક હોય, છેલ્લામાં છેલ્લા નંબરનો હોય તોય ‘એ’ ઉપરી તો છે જ. એટલે પછી એને શું ભાંજગડ ? આ આદિવાસીય શું કહે ? હું આ ચાર ગાયોનો માલિક છું. લે, પછી એને શું દુઃખ ? એટલે અહંકારથી આ બધું ઊભું કરે છે ને અહંકારથી ‘આ ચાર ગાયોનો હું માલિક છું, આ પાંચસો ઘેટાંનો હું માલિક છું’ અને લોકોય એવું કહે, કે ‘હું આનો માલિક છું.’ એટલે મનુષ્યપણું જે છે એ અહંકારથી બધું ઘેરાયેલું છે.

અહંકાર કૈડતો દિન-રાત

અમારે બુદ્ધિ જરાક વધારે પડતી કૂદાકૂદ કરે અને અહંકારેય બહુ કૂદાકૂદ કરે. એટલે મનમાં એમ જ જાણે કે ‘હું જ છું, આ દુનિયામાં કોઈ છે જ નહીં !’ જો ! પોતાની જાતને શું માની બેઠેલા ! મિલકતમાં કશું નહીં. દસ વીઘા જમીન અને એક ઘર, એ સિવાય બીજું કશું નહીં. અને ચરોતરનો રાજા હોય એવો મનમાં રોફ રહે. કારણ કે આજુબાજુના છ ગામવાળા લોકોએ અમને ચગાવેલા. પૈઠણિયા વર, માગો એટલી પૈઠણ આપે ત્યારે આ વર ત્યાં પૈણવા જાય. એની આ મગજમાં તુમાખીઓ ભરાઈ ગયેલી. અને કંઈ પૂર્વભવનું લાવેલો, તેથી આ ખુમારીઓ બધી હતી.

તેમાંય મારા મોટાભાઈ જબરજસ્ત ખુમારીવાળા હતા. એ મને શું કહે ? ‘તારા જેવો અહંકારી મેં જોયો નથી !’ ‘અરે ! હું તો તમારાથી ભડકું છું.’ તોય ખાનગીમાં કહે, ‘તારા જેવો અહંકાર મેં જોયો નથી !’ અને ખરેખર એ અહંકાર પછી મને દેખાયો. એ અહંકાર મને કૈડતો હતો ત્યારે મને ખબર પડી કે આ તો મોટાભાઈ કહેતા હતા, તે આ અહંકાર જ છે બધો ! ‘મારે બીજું કશું જોઈતું નથી’, એટલે લોભ નામેય નહીં એવો અહંકાર ! એક વાળ પૂરતોય લોભ નહીં. એટલે હવે એ માન કેવું હોય ? જો માન ને

(પા.૯)

લોભની વહેંચણી થઈ ગયેલી હોય તો માન જરા ડાઉન (ઓછું) જ થયેલું હોય.

મનમાં માનેલું માન

મારા મોટાભાઈને હું ‘માની’ કહેતો હતો, ત્યારે એ મને માની કહેતા હતા. તોય એક દહાડો મને શું કહે છે ? ‘‘તારા જેવો ‘માની’ મેં જોયો નથી.’’ મેં કહ્યું, ‘શેમાં મારું માન જુઓ છો ?’ ત્યારે કહે, ‘દરેક બાબતમાં તારું માન હોય છે.’

અને તે પછી મેં તપાસ કરી, તો બધી બાબતમાં માન નીકળ્યું મારું અને તે જ કૈડતું હતું. અને માનને માટે શું કર્યું ? જે કોઈ હોય, તે કહે કે ‘અંબાલાલભાઈ, અંબાલાલભાઈ !’ હવે ‘અંબાલાલ’ તો કોઈ કહે જ નહીં ને ! છ અક્ષરથી બોલે. અને પછી ટેવ પડી ગઈ, ‘હેબિચ્યૂએટેડ’ થઈ ગયા તેમાં. હવે માન બહુ ભારે એટલે માનનું રક્ષણ કરે ને ! તે પછી ‘અંબાલાલભાઈ’ના છ અક્ષર ના બોલાય અને કો’ક ઉતાવળમાં ‘અંબાલાલ’ બોલી ઊઠે, એ કંઈ ગુનો છે એનો ? છ અક્ષર સામટા એકદમ ઉતાવળમાં તો શી રીતે બોલાય તે ?

પ્રશ્નકર્તા : પણ તમે એવી આશા રાખો ને ?

દાદાશ્રી : અરે, હું પછી તોલ કરું કે ‘‘આ મને ‘અંબાલાલ’ કહ્યું પાછું ? શું સમજે છે ? શું ‘અંબાલાલભાઈ’ ના બોલાય એનાથી ?’’ ગામમાં દસ-બાર વીઘા હોય ને બીજો કશો રોફ નહીં તોય મનમાં શું માની બેઠા ? અમે છ ગામના અમીન, વાંકડાવાળા !

હવે સામાએ ‘અંબાલાલભાઈ’ ના કહ્યું હોય તો મને આખી રાત ઊંઘ ના આવે, અકળામણ થાય. લે ! એમાં શું મળી જવાનું ? આમાં મોઢું કંઈ મીઠું થઈ જવાનું ? કેવો સ્વાર્થ માણસને હોય છે ! એ સ્વાર્થ, તે એમાં કશોય સ્વાદ ના હોય. છતાંય માની બેઠેલો છે, તેય લોકસંજ્ઞાથી. લોકોએ એમાં મોટા બનાવ્યા ને લોકોએ મોટા માન્યાય ખરા ! અરે, આ લોકોના માનેલાનું શું કરવાનું તે ?

આ ગાયો-ભેંસો આપણા સામું બધી જોઈ રહે, બધી ગાયો આપણા સામું જોઈ રહે અને પછી કાન હલાવતી હોય તો આપણે એમ સમજી જવાનું કે આપણને માન આપે છે આ ? એવું છે આ તો બધું. આપણા મનમાં માનીએ કે આ લોકો બધા માનથી જોઈ રહ્યા છે, મનમાં માનીએ ! એ તો સહુ સહુના દુઃખમાં છે બિચારા, સહુ સહુની ચિંતામાં છે. એ તમારા સારું કંઈ પડી રહ્યા છે ? નવરા છે ? સહુ સહુની ચિંતામાં ફર્યા કરે છે !

એ બધુંય માન માટે જ

મને અહંકાર ભારે હતો. લોભ મારામાં નામેય નહીં, એટલે બીજા લોકોને હું હેલ્પ કર્યા કરું. અને હેલ્પ કરવાથી લોકો મને માન આપે. અને માનથી હું પાછો પુષ્ટ થયા કરું.

જ્ઞાન થયું તે પહેલા મેં લોકોને કહેલું, ‘તમારું કામ કરાવી જજો મારી પાસે, જે કંઈ હોય તે. સલાહ-સંપ, બીજું કંઈ હોય ! મારી પાસે પૈસા હોય તોય આપીશું, પણ તમારું કામ કરીશું. તમારે મારું કામ કરવું નહીં.’ કારણ કે તમને મારું કામ કરવાનું ના કહું ને, એટલે તમને મારા તરફનો ભય ના રહે.

આજથી પિસ્તાળીસ વર્ષ પર ક્યાં બંગલામાં લોકો રહેતા હતા ? ત્યારે મામાની પોળ બહુ ઉત્તમ ગણાતી હતી. તે દહાડે અમે ત્યાં મામાની પોળમાં રહેતા હતા અને પંદર રૂપિયાનું ભાડું. તે દહાડે લોકો સાત રૂપિયાના ભાડામાં પડી રહે, અમે પંદર રૂપિયામાં. આમ મોટા કોન્ટ્રાક્ટર કહેવાય. હવે ત્યાં મામાની પોળમાં પેલા બંગલામાં રહેવાવાળા આવે મોટરો લઈને. કારણ કે ઉપાધિમાં સપડાયેલા હોય,

(પા.૧૦)

તે અહીંયા આવે. તે ઊંધું-છતું કરીને આવ્યા હોય ને, તોય એમને ‘પાછલે બારણે’ રહીને કાઢી મેલું. ‘પાછલું બારણું’ દેખાડું કે અહીં રહીને નીકળી જાવ. હવે ગુનો એણે કર્યો અને ‘પાછલે બારણે’ છોડાવી આપું હું. એટલે ગુનો મારા માથે લીધો. શેના સારું ? પેલું માન ખાવા સારું ! ‘પાછલે બારણે’ કાઢી મેલવું એ ગુનો નથી ? આમ અક્કલથી દેખાડ્યું હતું પાછું, તે પેલા બચી જાય. એટલે પેલા અમને માનથી રાખે, પણ ગુનો અમને ચોંટે. પછી સમજાયું કે બેભાનપણામાં આ બધા ગુના થાય, માન ખાવા માટે. પછી માન પકડાયું. જો ચિંતા થાય માનની !

આ માનનું જ હતું કે ‘હું કંઈક છું.’ બધા લોકો કરતાં વધારેમાં વધારે ‘હું કંઈક છું’ એ બધું ખોટું. કશુંય ના મળે, કંઈ ભલીવાર જ નહીં, માની બેઠેલા એટલું જ.

અહંકાર-માન દુઃખદાયી બન્યા

પ્રશ્નકર્તા : ‘જ્ઞાન’ પહેલા એનીય જાગૃતિ તો હતી ને, કે આ અહંકાર છે એમ ?

દાદાશ્રી : હા, એ જાગૃતિ તો હતી. અહંકાર છે તેય ખબર પડતી હતી, પણ એ ગમતો હતો. પછી બહુ કૈડ્યો ત્યારે ખબર પડી કે આ તો આપણો મિત્ર ન્હોય, આ તો આપણો દુશ્મન છે, મજા નથી એ કશામાં.

પ્રશ્નકર્તા : એ અહંકાર દુશ્મન ક્યારથી લાગવા માંડ્યો ?

દાદાશ્રી : રાતે ઊંઘ ના આવવા દે ને, એટલે સમજી ગયો કે આ તો કઈ જાતનો અહંકાર ! એટલે તો એક રાતે આમ પડીકું વાળીને સવારે વિશ્વામિત્રી જઈને પધરાવી આવ્યો. શું થાય પણ ?

પ્રશ્નકર્તા : એટલે પડીકામાં શું મૂક્યું ?

દાદાશ્રી : આ બધો અહંકાર ! મેલ પૂળો અહીંથી આ. શેના સારું તે ? વગર કામના, નહીં લેવા, નહીં દેવા ! લોક કહે, ‘પાર વગરના સુખિયા છે’ અને મારે તો અહીં સુખનો છાંટો ના દેખાતો હોય ! મહીં અહંકારની ચિંતા-ઉપાધિઓ થયા કરે ને !

પ્રશ્નકર્તા : આ અહંકાર છોડી દેવાનું મન ક્યારથી થયું ? એ ગાંડો અહંકાર તમે ક્યારથી છોડી દીધો ?

દાદાશ્રી : એ છોડ્યો છૂટે નહીં. અહંકાર છૂટતો હશે ? એ તો આ સુરતના સ્ટેશને જ્ઞાન પ્રગટ થઈ ગયું, તે એની મેળે છૂટી ગયું. બાકી છોડ્યો છૂટે નહીં. છોડનાર કોણ ? અહંકારના રાજમાં છોડનાર કોણ ? આખો રાજા જ અહંકાર, એને છોડે કોણ ? અહંકારના ‘બેઝમેન્ટ’ (પાયા) ઉપર પડી રહેલા. મમતાની કંઈ પડેલી નહીં. અહંકારના રોફમાં જ ફર્યા કરે. માન-તાનમાં જ પડી રહે.

અમારો તો સરસ ગુણ હતો કે અહંકારી ! માન આપે કે ખુશ ! બીજું કશું જોઈએ નહીં, કોઈ ચીજ જોઈએ નહીં. ભૂખ્યા બેસાડી રાખો તો બેસી રહીએ પણ તમે આ ‘આવો, બેસો, કેમ છો, તેમ છો ?’ માન આપો તો બેસી રહીએ, એ જ રોગ !

પ્રશ્નકર્તા : આપે માન પકડ્યું, પછી માનને કઈ રીતે માર્યું ?

દાદાશ્રી : માન મરે નહીં. માનને આ આમ ઉપશમ કર્યું. બાકી, માન મરે નહીં. કારણ કે મારનારો પોતે, કોને મારે ? પોતે પોતાને મારે કેવી રીતે ? એટલે ઉપશમ કર્યું ને જેમ તેમ દહાડા કાઢેલા.

મન મોટું થાય વાહ-વાહના જમણે

મારાથી ધર્મમાં પૈસો વપરાતો ન હતો અને ળ કરવી જોઈએ ને કે આપણું મન કેવું છે તે ?

(પા.૧૧)

વાહ-વાહ કરે ત્યાં પાંચ લાખ આપી દઉં. આ માનની ગાંઠ કહેવાય. વાહ-વાહ, વાહ-વાહ ! અલ્યા ! એક દહાડો રહ્યું કે ના રહ્યું. કશુંય નહીં. પણ ના, એમાં ગમે, ટેસ્ટ પડે. મેંય શોધખોળ કરેલી કે મન મોટું છે ને આવું કેમ થઈ જાય છે ચીકણું ? પણ વાહ-વાહમાં મન મોટું હતું. શોધખોળ કરવી જોઈએ ને કે આપણું મન કેવું છે તે ?

આ મનની ગાંઠ કેવી ? ના હોય ત્યાં સુધી ભાંજગડ નહીં અને વીસ લાખ આવે ને, તો ઓગણીસ લાખ લખે એવો. વીસેવીસ નહીં, પણ ઓગણીસ શા હારુ ? પેલા ભાઈ કહે, ‘જરા તો વિચાર કરો.’ તો કહે, ‘લે, આ લાખ રહેવા દીધા !’

પ્રશ્નકર્તા : દાદા, એ માનની ગાંઠ કહેવાય ને ?

દાદાશ્રી : હા, માનની ગાંઠ ! એ માનની ગાંઠ વાહ-વાહ થાય ત્યાં આપે, ધર્મમાં ના આપે.

ઓળખી અપમાનની જગ્યા

અમારા ભત્રીજાઓ છે, તે એમને ત્યાં લગ્ન હોય એટલે એ આમ ભત્રીજા થાય ને, એટલે કાકાને આગળ બેસાડે, વચમાં. એટલે કાકાનો બીજો, ત્રીજો નંબર હોય જ. તે કાકા બેસેય ખરા. તે પછી ઝવેરચંદ લક્ષ્મીચંદ આવ્યા. એટલે ‘આવો, આવો પધારો’ કહે. તે એને વચ્ચે બેસાડીને આપણે ખસવાનું. આમ કરીને તે આઠમો નંબર પહોંચે, ખસી ખસીને. મેં કહ્યું, ‘આ તો અપમાનની જગ્યા થઈ પડી. માનની જગ્યા ન્હોય આ ! એટલે પછી હું તો જ્યારે જઉં ને ત્યારે આગળની જગ્યાનું ધ્યાન-બ્યાન રાખું નહીં. પેલા લોકો ખોળે કે ‘કાકા ક્યાં ગયા ? કાકા ક્યાં ગયા ?’ તે કાકા પેલી બાજુ ચા પીયા કરતા હોય. બધું (લોક) જાય ત્યાર પછી આવીને છેટે બેસીને જોયા કરું. આપણે ચા પીતા જવું ને કયો ઘોડો પહેલો આવે છે તે જોવું.

એટલે અમારો ભત્રીજો કહે છે, ‘કાકા અહીં બેસતા નથી. આ ખોટું દેખાય ને !’ મેં કહ્યું, ‘ભાઈ, આ રેસકોર્સ મને નથી ફાવતું, મારાથી દોડાતું નથી. આ મારી કેડો તૂટી ગયેલી છે તે દોડાતું નથી.’ ત્યારે કહે, ‘આ તો તમારી લુચ્ચાઈ કહેવાય. આ તો મનેય આવડે છે.’ આમ મજાક કરતો’તો. મેં કહ્યું, ‘જે છે તે આ છે મારું તો.’ આ ખસી ખસીને પાછું સાત ફેરા સુધી ફાઉન્ડેશન સાથે ખેંચવાનું ! એટલે પછી જોવાની ટેવ પડી ગઈ. ત્યાં જઈએ ને, તે લગ્નમાં જોવાની, જ્ઞાતા-દ્રષ્ટા રહેવાની ટેવ પડી ગયેલી. ત્યારે જ્ઞાન નહીં થયેલું. એમ ને એમ જ્ઞાતા-દ્રષ્ટા, વ્યવહારિક જ્ઞાતા-દ્રષ્ટા !

માન ખાતા છેતરાય

અમારે ઘેર તો ચાર-ચાર ગાડીઓ પડી રહેતી. કારણ કે આવો પરગજુ માણસ કોણ મળે ? ‘આવો અંબાલાલભાઈ’ કહે એટલે ચાલ્યું ! આવા ભોળા માણસ કોણ મળે ? કશું બીજું ચા-પાણી નહીં કરો તોય ચાલશે. પણ ‘આવો-પધારો’ કહ્યું કે બસ, બહુ થઈ ગયું ! જમવાનું નહીં કરે તોય ચાલશે, બે દહાડા ભૂખ્યો રહીશ. તારી ગાડીમાં આગલી સીટ પર મને બેસાડજે, પાછળ નહીં. એટલે પેલા લોકો આગલી સીટ રોકી જ રાખે. હવે આવું કરનારું કોણ મળે ?

માની બિચારા ભોળા હોય, એક માનને ખાતર બિચારા બધી રીતે છેતરાય. રાતે બાર વાગ્યે ઘેર આવે ને કહે, કે ‘અંબાલાલભાઈ સાહેબ, છો કે ?’ ‘ભાઈ સાહેબ’ કહ્યું કે બહુ થઈ ગયું. એટલે માનીનો બીજા લોકો આવી રીતે લાભ ઉઠાવે ! પણ માનીને ફાયદો શો કરી આપે કે માનીને એવો ઊંચે ચઢાવે અને એને અફાળે કે ફરી માન બધું ભૂલી જાય. ઊંચે ચડ્યા પછી પડે ને ? તે અમને રોજ ‘અંબાલાલભાઈ’ કહેતા હોય, અને

(પા.૧૨)

એક દહાડો ‘અંબાલાલ’ કહે તો કડવું ઝેર જેવું લાગે ! આ માનને લઈને બધું ગૂંચાય છે.

અહંકારના પર્યાયો...

અહંકાર એટલે શું ? ભગવાનથી દૂર ભાગે તે. અહંકાર જેમ જેમ વધતો જાય તેમ તેમ આડાઈ, માન, ગર્વ, ઘમંડ શબ્દો વપરાય. ભગવાનથી જરાક છેટો થયો ત્યાંથી અહંકાર જાગે.

અહંકાર એટલે આપણા લોકો સમજે છે, એને અહંકાર કહેવાતો નથી. આપણા લોકો જેને અહંકાર કહે છે ને, એ તો માન છે. અહંકાર બિલીફ (માન્યતા)માં હોય, જ્ઞાનમાં ના હોય. જ્ઞાનમાં આવે એ માન કહેવાય. પોતે કરતો નથી, ત્યાં આગળ ‘પોતે કરું છું’ એવું માને છે, એનું નામ અહંકાર. જ્ઞાનમાં તો ‘હું’ પદ આવ્યું કે એ માન કહેવાય.

પ્રશ્નકર્તા : હવે એ એક દાખલો આપીને સમજાવો.

દાદાશ્રી : આપણે અહીં કહે છે, કે ‘હું નીચે આવ્યો, ઉપરથી નીચે આવ્યો.’ હવે એમાં પોતે આવ્યો જ નથી, એ તો આ શરીર આવ્યું. આ શરીર આવ્યું, તેને પોતે માને, કે ‘હું આવ્યો.’ એવી માન્યતા એ અહંકાર અને પછી એ મોઢે બોલે કે ‘હું આવ્યો’, એ માન કહેવાય. તો આપણા લોકો ‘હું આવ્યો’ તેને અહંકાર કહે છે.

અને પછી એ બોલે કે ‘આ પ્લોટ મારો, આ મકાન મારું’ એ અભિમાન કહેવાય. એ માનેય ના કહેવાય, એ અભિમાન. ‘આ બેબી મારી, આ બાબો મારો’ એ અભિમાન અને પાછો એ શું કહે ? ‘હું અભિમાન કોઈ દહાડો નથી કરતો !’ તે મૂઆ, આ જ અભિમાન, બીજું કયું અભિમાન ? પણ ભાન જ ના હોય ને !

પ્રશ્નકર્તા : અભિમાન અને ગર્વ બે નજીક કહેવાય ?

દાદાશ્રી : બહુ ફેર. ગર્વ તો કોને કહેવાય, કે ‘આ મેં કેવું સરસ કર્યું છે !’ તે હું સમજું, આ કર્યાનો ગર્વ હોય. વકીલ આવે ને તે કહે, ‘આ મેં તને કેવી રીતે જીતાડ્યો એ હું જ જાણું છું. તને અક્કલ નથી ને !’ એ ગર્વરસ લીધો કહેવાય, એ અભિમાન ના કહેવાય. અહંકાર મૂળ વસ્તુ છે. એમાંથી માન, અભિમાન, પછી ઘેમરાજી, તુંડમિજાજી, ઘમંડ બધા જાતજાતના બહુ નામો પાડેલા છે.

માનના પર્યાયો

આ બધા (માન) શબ્દના પર્યાય બહુ મોટા છે. પર્યાય સમજવો બહુ મુશ્કેલ વસ્તુ છે. એ તો ‘જ્ઞાની પુરુષ’ પાસે જાણવા મળે. માની જુદો, અભિમાની જુદો. અહંકારી જુદો, તુંડમિજાજી જુદો, ઘેમરાજી જુદો ! આ માનના શબ્દો તો બધા બહુ પર્યાયોમાં છે, એટલા બધા પર્યાયો છે.

પ્રશ્નકર્તા : તુંડમિજાજી, ઘેમરાજી કેવા હોય ?

દાદાશ્રી : તુંડમિજાજ ! નહીં સમજણનો આંકડો, નહીં લક્ષ્મીનો આંકડો, તોય મિજાજ પાર વગરનો. પૈણવાનું ના મળતું હોય તોય પાછો મિજાજ ! અલ્યા, પૈણવાનું નથી મળતું તોય શાનો મિજાજ કર્યા કરે છે તે ? એ તુંડમિજાજ કહેવાય ને, પછી.

પછી તુમાખીવાળો. તે આજથી પોણો સો વર્ષ ઉપર કલેક્ટરો, પોલીસો, ડી.એસ.પી.ઓ, એ બધાની તુમાખી હતી. જાણે ભગવાન હોય એટલી તુમાખી રાખતા હતા ! અને મોટા મોટા શેઠિયાઓને મારે-ઝૂડે, હંટરથી ફટકારે. કેવી તુમાખી ! લોકોને હડધૂત હડધૂત કરી મૂકે. કારણ કે પાવર છે ને, એની પાસે !

(પા.૧૩)

ઘેમરાજી એટલે અહીંથી છેટે ત્રણ માઈલ જવાય એવું ના હોય શરીર, અને પાછો કહેશે, ‘આખી દુનિયા ફરી આવું.’ ‘મગજમાં ઘેમરાજી રાખીને ફર્યા કરે એટલું જ છે.’ ઘેમરાજી એટલે શું ? બધાને ‘છીટ છીટ’ કર્યા કરે. બીજા લોકો હિસાબમાં જ ના આવે. માણસોય જાનવર જેવા લાગે. બોલો હવે, એ ઘેમરાજી !

ખોટા અહંકારથી સુખ મળતું નથી. અહંકાર નોર્મલ હોવો જોઈએ. લોકોને ઠીક લાગે એવો હોવો જોઈએ.

સામાને તોડી નાખે, એવો અહંકાર ના હોવો જોઈએ. અહંકાર એટલે ગાંડું દેખાય એવું કરવું તે.

ગાંડા અહંકારનું સ્વરૂપ

જેને લોકો એક્સેપ્ટ (સ્વીકાર) ના કરે, ને અહંકાર પોતે ‘હું કંઈક છું’ એવું માની બેઠો હોય, તે ગાંડો અહંકાર કહેવાય, કદરૂપો અહંકાર કહેવાય. ચક્રવર્તીને અહંકાર હોય, પણ વાળો તેમ વળી શકે એવો હોય. લોકો એ અહંકારને માન્ય કરે, એ ડાહ્ય્ાો અહંકાર કહેવાય અને આ તો નર્યો ગાંડો જ ! એ ગાંડા અહંકારને આપણે પૂછીએ, કે ‘તમે કયા ખૂણામાં શાંતિથી સૂઈ રહેતા હતા ? એવું દુનિયામાં કોણ છે કે જે તમને કહે, કે ‘આવો, આવો, તમારા વગર તો ગમતું નથી !’ પણ આ તો લોક કહેશે, કે ‘તમારાથી તો પહેલા અજવાળું હતું તેય અંધારું થઈ ગયું.’ આવા અપમાન ખાધા છે ! અપમાનનો પાર ના આવે એટલા અપમાન થયા છે ! એ અહંકારને શું તોપને બારે ચઢાવવો છે ? એ તો કદરૂપો અહંકાર, એનું શું રક્ષણ કરીએ ? એનો પક્ષ શો લઈએ ?

પ્રશ્નકર્તા : પણ આ ગાંડો અહંકાર છે એ કેવી રીતે ખબર પડે ?

દાદાશ્રી : દુઃખ આપે એ બધો અહંકાર ગાંડો. ગાંડો અહંકાર, બધે હોય ને તેને મસ્તીમાં રખડાવે. એને ઓળખી કાઢવાનો.

આપણામાં ‘વંક જડાય પછીમા’ની ભાંજગડ નથી પણ અહંકારનો ડખો લક્ષમાં રહેવો જોઈએ. ગાંડો અહંકાર હોય જ. એના ઉપર લક્ષ રાખ્યા જ કરવું પડે. એ આટલો નાનો થઈને બેસી રહ્યો હોય. તો કાલે વધતાય એને વાર ના લાગે. જડમૂળથી ઉખાડી નાખવો જોઈએ તો કામ નીકળી ગયું.

ગાંડો અહંકાર તો બહુ ખરાબ કામ કરે. કશું સમજવા જ ના દે. ઊંધું ને ઊંધું બાફ બાફ કરે. ફાઈલના દોષ જોયા અને પોતાને ચોખ્ખો જુએ કે હું બહુ ડાહ્ય્ાો, પોતાના દોષોનો બચાવ કર્યો. પોતે પોતાને કહે કે ના, તમારો દોષ નથી. એટલે પોતે ને પોતે બચાવ કરી નાખે. પોતે આરોપી હોય, પોતે વકીલ હોય ને પોતે જજ હોય તો કેવું જજમેન્ટ (ચુકાદો) આવે ? અને આ તો સામાને ગુનેગાર જોયો ને પોતાનો બચાવ કર્યો !

અહંકાર તો રૂપાળો હોવો જોઈએ, લોકોને ગમે તેવો હોવો જોઈએ, વાળો તેમ વળી જાય એવો. આ અહંકારને પૂછીએ, કે ‘તમારો ચોપડો દેખાડો કે તમને ક્યાં માન મળ્યું ? ક્યાં ક્યાં અપમાન ખાધા ? કઈ કઈ જાતનું સુખ આપ્યું ? લોકોમાં તમારી ક્યાં ક્યાં કિંમત હતી ?’ ભાઈ પાસે, બાપા પાસે, જો કિંમત જોવા જાય ને, તો ચાર આનાય કિંમત ના હોય !

આ અહંકારે તો દાટ વાળ્યો છે ! ગાંડા અહંકારને તો આધીન રહેવાની શક્તિ ના હોય, એટલે ત્રીસ દહાડા આધીન રહે અને એકત્રીસમે દહાડે ફેંકી દે. એટલે આ વૃતિઓ ક્યારે આઘીપાછી થઈ જાય એ કહેવાય નહીં. જેટલો અહંકારનો રોગ

(પા.૧૪)

ભારે એટલી મુશ્કેલી વધારે. આધીનતા સિવાય બીજો રસ્તો જ નહીં ને ! જ્ઞાનીને આધીન રહે તો ઉકેલ આવે. ડાહ્ય્ાો અહંકાર પોતાનું ડહાપણ ના ઘાલે, જ્યારે ગાંડો અહંકાર તો ખોતરે ! એટલે કાં તો વાતને સમજવી પડે ને કાં તો જ્ઞાનીને આધીન રહેવું પડે !

સાચાપણાનો અહંકાર

અહંકાર હંમેશાં પોતાનું ખોટું ના દેખાય એવો ધંધો કરે. આ તો પોતાનો ‘ઈગોઈઝમ’ છે કે ‘આ મારું ખરું છે ને પેલાનું ખોટું છે.’ વ્યવહારમાં જે ‘ખરું-ખોટું’ બોલવામાં આવે છે તે બધું ‘ઈગોઈઝમ’ છે. છતાં વ્યવહારમાં કયું ખરું કે ખોટું ? જે મનુષ્યોને કે કોઈ જીવને નુકસાનકારક વસ્તુઓ છે, એને આપણે ખોટી કહીએ. વ્યવહારને નુકસાનકર્તા છે, સામાજિક નુકસાનકર્તા છે, એ બધું આપણે ખોટું કહીએ. બીજું કશું ‘ખરું-ખોટું’ હોતું જ નથી, બીજું બધું ‘કરેક્ટ’ (સાચું) જ છે. પછી સહુ સહુનું ડ્રોઈંગ (ચિતરામણ) જુદું જ હોય. એ બધું ડ્રોઇંગ કલ્પિત છે, સાચું નથી. એક ફેરો સમજી લેવાની જરૂર કે આ ડ્રોઈંગ કેવું છે ! એ બધું ડ્રોઈંગ સમજી લઈએ ને, તો પછી આપણને એના પરથી પ્રીતિ ઊઠી જાય.

હવે સાચી વાત પકડી રાખવી એ જૂઠ છે. સત્યનું પૂછડું પકડે એ અસત્ય જ છે અને અસત્યયે છોડી દે તે સત્ય છે. પકડી રાખ્યું કે બધું બગડ્યું. તે આ લોકો સત્યના પૂછડાં પકડી રાખી અને માર ખા ખા કરે છે.

સાચો માણસ ‘હું સાચો છું’ કરીને બધાને બહુ દુઃખ આપે. તેથી તેને દુઃખ જ આવે. આ ‘જ્ઞાન’ મળ્યા પછીયે એવું રહે તો એને ભગવાને ‘અહંકાર’ કહ્યો. આ અહંકાર કાઢવો પડશે.

‘કંઈક છું’, ‘હોશિયાર છું’નો રોગ

આ અહંકાર તો ક્રોનિક રોગ કહેવાય. એ અમારી પાસે રહે તો નીકળે, નહીં તો લોક તો ઊલટો વધારી આપે એ રોગ !

કોઈ કહે, ‘આ ચંદુભાઈમાં અક્કલ નથી’, તો અસર થાય તમને કશી ?

પ્રશ્નકર્તા : થાય તો ખરી ને !

દાદાશ્રી : કેમ ? અક્કલના કોથળા છો તમે ?

પ્રશ્નકર્તા : નથી એટલે જ થાય.

દાદાશ્રી : અને કોઈ કહે કે આ ચંદુભાઈ ક્યાંના કલેક્ટર છે ? ત્યારે તમે એમ કહો કે હું કલેક્ટર છું ?

પ્રશ્નકર્તા : નથી તો કેવી રીતે કહેવાય ?

દાદાશ્રી : ત્યારે એમાં અસર નથી થતી કલેક્ટરમાં, અને આમાં કેમ અસર થાય છે ? તમે અંદર માની બેઠા છો કે ‘હું કંઈક છું, અક્કલવાળો !’

પ્રશ્નકર્તા : તેમાં અહંકાર ઘવાય છે.

દાદાશ્રી : અહંકાર મહીં ઘવાય છે ને, ‘હું કંઈક અક્કલવાળો છું.’ અક્કલનો કોથળો બજારમાં વેચવા જાય તો ચાર આનાય ના આવે. કોઈ લે નહીં. કારણ કે બધા અક્કલના કોથળા, કોણ લે ? તમારે કોઈ કંઈક બોલી ગયો હોય તો તરત થાય કે ‘હું કંઈક છું.’ ‘હું તો પહેલેથી અક્કલવાળો છું’ એવું માને. શું કહો છો ? તમારે એવું માને કે ?

પ્રશ્નકર્તા : હા, બરાબર. પહેલેથી જ પોતે માને કે ‘હું અક્કલવાળો છું, આમ જ છું બધું. મને કોઈ શું કહી જાય ?’

દાદાશ્રી : એવું તો કો’ક દહાડો જ હોય ને ?

(પા.૧૫)

પ્રશ્નકર્તા : આ દાદાનું જ્ઞાન નહોતું લીધું ત્યારે હતું કે મને કોઈ શું કહી જાય, અહંકાર એવો હતો પણ હવે બધું એડજસ્ટ કરી લઉં.

દાદાશ્રી : ‘હું હોશિયાર છું’ એવું રહે ?

પ્રશ્નકર્તા : ‘હું હોશિયાર છું’ એવું તો રહે પણ મને કોઈ કહી ના જાય, બસ એની સાવચેતી રાખેલી.

દાદાશ્રી : કોઈના દબાણમાં ન આવું, એવું કશુંક હતું ને ?

પ્રશ્નકર્તા : હા, એવું ખરું.

દાદાશ્રી : ‘હું કંઈક છું’ એ હતું ને, એ જ રોગ. અને એ જ રોગથી અથડાય છે. આ જ્ઞાન મળ્યા પછી પણ આ રોગ રહ્યા કરે છે. પછી આપણે ‘એને’ કહીએ ને, તો સમજી જઈને ધીમે ધીમે આ રોગ કાઢે છે. પણ કહ્યું ના હોય તો અંદર રહી જાય ને ! એ રોગ નીકળી જવો જોઈએ.

પ્રશ્નકર્તા : ‘હું કંઈક છું’ એવા રોગના લક્ષણો શું ?

દાદાશ્રી : એના બહુ લક્ષણ હોય બધા, અજ્ઞાની જેવા જ લક્ષણ હોય બધા. પોતાનું ધાર્યું કરે, ફલાણું કરે, માન આપે તો પછી મીઠું લાગે. ઘણાંખરાં આવા રોગ, બધા બહુ લક્ષણ હોય. માન આપે ને કડવું ના લાગે તો એ જ્ઞાન રહે નહીં એને. માન જો આપતા હોય ને, તો જ્ઞાનવાળો માણસ તો કંટાળી જાય કે આ માન કોને જાય છે ? ચંદુલાલને માન જાય છે. ચંદુલાલનું શું કરવું ? એટલે આ રોગથી તો બહુ સાચવવા જેવું છે.

કર્તાપણાની ભ્રાંતિ

બધાય અવતારમાં ભટકી ભટકીને આવ્યો છે, ક્યાંય સાચું સુખ મળ્યું નથી. ત્યાં અહંકારની ગર્જનાઓ અને વિલાપ જ કર્યા છે. અહંકારથી ડખો ના કરતો હોય તો આ જેમ છે એમ જાણે. હવે અહંકાર શાથી કરે છે, કે પોતે કરતો નથી અને આ શું કહે, ‘મેં આમ કર્યું ને તેમ કર્યું.’ પણ તે કહેવાનું નાટકીય રીતે બોલવાનું. ભગવાન કર્તા નથી અને તમેય કર્તા નથી. જે કરે એને બંધન થાય. એટલે કરે છે બીજી શક્તિ, એ વ્યવસ્થિત શક્તિ. બાકી એને મૂળ સાયન્ટિફિક સરકમસ્ટેન્શિયલ એવિડન્સ (વૈજ્ઞાનિક સાંયોગિક પુરાવાઓ) છે. એવી રીતે આ બધું વિજ્ઞાનથી ઊભું થયેલું છે. આ કરે છે બીજો અને તમે માનો છો કે ‘હું કરું છું આ’ એટલું જ, એનું નામ અહંકાર.

એટલે કંઈ પણ ‘હું કરું છું’ એ ભાન, એ આત્મા ક્યારેય પણ પ્રાપ્ત ના કરાવે. જ્યાં સુધી તમે કરો છો, ત્યાં સુધી ભ્રાંતિમાં છો. જ્યાં સુધી જગતમાં કંઈ પણ તમે કરો છો, એવું ભાન છે ત્યાં સુધી એકે અંશ પણ આત્માનો ચાખ્યો નથી. લોકો આકુળ-વ્યાકુળ રહેતા હશે કે નહીં ? નિરંતર આકુળ-વ્યાકુળ, કારણ કે કર્તાપદ છે. ‘હું કરું છું ને તે કરે છે ને તેઓ કરે છે’, એ જ્યાં સુધી બોલે છે ત્યાં સુધી ભ્રાંતિ છે.

જ્યાં સુધી કર્તાપદ છે ત્યાં સુધી અધ્યાત્મની જાગૃતિ જ ગણાતી નથી, ત્યાં સુધી તે અધ્યાત્મમાં ઊંઘે છે.

પ્રશ્નકર્તા : દાદાના મળતા પહેલા જે અહંકાર હતો કે ‘હું કંઈક છું’, ધાર્યું કરવું હોય તો કરાતું, હવે નથી કરાતું.

દાદાશ્રી : ધાર્યું ના થાય, એટલે કરતા નથી હવે. આ કરાતું જ નથી આપણાથી. એ ધાર્યું જે કરાતું હતું, એ આપણને ઊંધે રસ્તે લઈ જતું’તું.

પ્રશ્નકર્તા : ધાર્યું થાય નહીં એટલે પછી ડિપ્રેશન (હતાશા) આવે.

(પા.૧૬)

દાદાશ્રી : પોતાનું ધાર્યું ના થાય ને, એટલે ખાય નહીં પાછી. અડધું ડૂમો ચૂમઈને બેસી રહે પાછી. કોને મારવા જાય, ચૂમઈને બેસી રહે પાછી. પછી બીજે દા’ડે કપટ કરે પાછું. એ કંઈ જાત તે ! ધાર્યા પ્રમાણે કરવા જાય પણ ના થાય તો શું થાય ? એવું બધું આ ના રાખવું જોઈએ.

આપણે જો કર્તા હોય ને, તો આપણું ધાર્યું થાય. આ વર્લ્ડમાં એક પણ માણસ પોતે કરતો હોય તો એનું ધાર્યું જ કરે. પણ એ ધાર્યું એક સેકન્ડ થાય નહીં. આ તો કરે છે બીજો અને પોતે ઈગોઈઝમ કરે છે, ‘હું કરું છું’ બસ, એટલું જ છે.

અહંકાર એક્સપર્ટ થતા અટકાવે

હવે આ ‘જ્ઞાન’ એવું છે ને, તે બધું જ કામ કરે. બાકી, અમને સંસારનું કશું જ આવડતું નથી. પણ તોય પાછું કામ સરસ ચાલ્યા કરે, બધાય કરતાં સરસ ચાલ્યા કરે. બધાને તો બૂમો પાડવી પડે છે. મારે તો બૂમોય પાડવી નથી પડતી. છતાંય બધી આવડત કરતાં સારું કામ થાય છે. આ જેને જોડા સીવતા આવડે ને, તેને જોડા સીવ સીવ કરવાના ! કપડાં સીવતા આવડે, તેને એ કપડાં જ સીવ સીવ કરવાના ! ને જેને કંઈ ના આવડે, તેને નવરું બેસી રહેવાનું. આવડે નહીં, તેને શું કરવાનું તે ?

કારણ કે ભગવાને શું કહ્યું છે કે જેને કંઈ પણ આવડે છે તે જ્ઞાન અહંકારના આધારે રહ્યું છે. જેને આવડતું નથી તેને અહંકાર જ નથી ને ! અહંકાર હોય તો આવડ્યા વગર રહે નહીં ને ! મને તો આ એકલું જ આવડે છે. છતાંયે લોકોના મનમાં ભ્રમણા છે કે દાદા બધું જાણે ! પણ શું જાણે છે તે ? કશુંય જાણતા નથી. ‘હું’ તો ‘આત્મા’ની વાત જાણું છું, ‘આત્મા’ જ્ઞાતા-દ્રષ્ટા છે તે જાણું છું, ‘આત્મા’ જે જે જોઈ શકે છે એ ‘હું’ જોઈ શકું છું. પણ બીજું આવડતું નથી. અહંકાર હોય તો આવડે ને ! અહંકાર બિલકુલેય નિર્મૂળ થઈ ગયો છે. જેનું મૂળિયું પણ નથી રહ્યું, કે આ જગ્યાએ હતો, ને તે જગ્યાએ એની કોઈ સુગંધીયે ના આવે. એટલા બધા મૂળિયાં નીકળી ગયા. ત્યાર પછી એ પદ કેવું મઝાનું હશે !

મને તો ભાષણ કરતાય આવડતું નથી. આ ‘જ્ઞાન’ છે એટલું જ આવડે, બીજું કશું આવડે નહીં આ જગતમાં. અને બીજું કશું ના આવડ્યું તેથી તો આ આવડ્યું ! અને ક્યાંય શીખવા પણ નથી ગયો. નહીં તો જે ને તે ગુરુ થઈ બેસે. એના કરતાં આમાં ‘એકસ્પર્ટ’ (નિષ્ણાત) તો થઈ જઈએ, નિર્લેપ તો થઈ જઈએ !

આ તો અમારી કેટલાય અવતારની સાધના હશે, તે એકદમ ફળ આવીને ઊભું રહ્યું ! બાકી, આ ભવમાં તો કશું આવડ્યું જ નથી. આવડત તો મેં કોઈ માણસમાં જોઈ જ નથી.

આપણે તો શૂન્ય જ, કશું આવડતું જ નહોતું એમ માનીને ચાલો ને ! છેકો મારીને નીચે નવેસરથી રકમ લખવાની. કઈ રકમ ? અમારી શુદ્ધાત્માની રકમ પાકી ! નિર્લેપ ભાવ, અસંગ ભાવ સહિત ! આ તો અહીં સંપૂર્ણ રકમ આપેલી છે. ‘દાદા’એ શુદ્ધાત્મા આપ્યો ત્યારે શુદ્ધાત્મા થયા, નહીં તો કશું હતુંય નહીં. કોઈ પૈસા ભારેય સામાન નહોતો !

એક બાજુ અહંકાર હોય અને એક બાજુ ‘એક્સપર્ટ’ થવું, એ બે સાથે થઈ શકે જ નહીં. અહંકાર જ ‘એક્સપર્ટ’ થતા અટકાવે છે.

‘હું કંઈક જાણું છું’ લાવે અજાગૃતિ

પ્રશ્નકર્તા : આ મોક્ષમાર્ગમાં મોટામાં મોટું બાધક કારણ ‘હું જાણું છું, હું સમજું છું’ એ કહી શકાય ?

(પા.૧૭)

દાદાશ્રી : હા, એ આપઘાતી કારણ છે.

પ્રશ્નકર્તા : એનો જરા વધારે ફોડ પાડો. એ છૂટે તો કેવા લક્ષણો હોય ? એ દોષ વર્તતો હોય તો કેવા લક્ષણો હોય ? અને એની સામે કેવી રીતે જાગૃતિ રહી શકે ?

દાદાશ્રી : બધા અવળા વ્યવહાર ‘આ’ દોષથી જ બને. અવળા જેને કહેવામાં આવે, તે બધા ‘આ’ દોષના કારણથી જ બને. મુખ્ય આ દોષ કે ‘હું જાણું છું !’ બીજા બધા દોષ પછીના. આ દોષમાંથી બધું ઊગેલું. ખેંચ રહે તે આ દોષથી જ, નહીં તો સરળતા હોય. જેટલો અમારી જોડે મેળ પડે છે, એવો લોકોની જોડે મેળ પડી જવો જોઈએ. મારી જોડે કેમ મેળ પડી જાય છે ? જ્યાં કુદરતી રીતે મેળ પડી જાય એ તો સહજ વસ્તુ છે. તેમાં પુરુષાર્થ શો આપણો ? જ્યાં મેળ ના પડતો હોય, ત્યાં મેળ પાડવો એ પુરુષાર્થ.

એ રોગ બધાને મહીં હોય. ‘હું કંઈક જાણું છું’ એ કેફ સાથે જ્ઞાન વધતું જાય. આ કેફનો અંતરાય ના હોય તો તો ‘જ્ઞાન’ બહુ સુંદર વધી જાય, ‘ફિટ’ થઈ જાય.

એવું કંઈ પરિણામ તો આવવું જોઈએ ને ? આને વિચારજો તો એક દહાડો સમજાશે. જાણ્યું એટલે જડે અને નિષ્પક્ષપાતી વલણ હોવું જોઈએ. છતાં મહીં અજાગૃતિને લીધે નાયે જડે, તો પછી ધીમે રહીને કો’ક દહાડો જડે.

પ્રશ્નકર્તા : અત્યારે કોઈની સાથે દાદાજીના ‘જ્ઞાન’ વિશે વાત કરતા હોઈએ, તો પહેલા મનમાં એમ હોય કે ‘હું જાણું છું.’

દાદાશ્રી : હા, બસ એ આ રોગ ને !

પ્રશ્નકર્તા : તો વાત કેવી રીતે કરવી, દાદાજી ?

દાદાશ્રી : પણ એ વાત તો, એમાં બરકત ના આવે, મેળ પડે નહીં ને ! સામાને ‘ફિટ’ જ કેમ થાય ? ‘હું જાણું છું’ એ મોટો રોગ ! પોતે જાણવાનું બાકી છે તોય કહેશે, ‘ના, હું જાણું છું.’ એટલે એક તો જાણવાનો કેફ આવ્યો તો આવરણ ચઢે અને પછી નવું જાણવાની જિજ્ઞાસા તૂટી જાય. ‘હું કંઈક જાણું છું’ એવો જરાક વિચાર આવે, તે પાછી અજાગૃતિ લાવી નાખે.

પછડાયો વિશેષતાના અહંકારે

પ્રશ્નકર્તા : સામાન્ય પ્રસંગમાં જે વાતચીત થતી હોય એમાં બે-ચાર શબ્દો એવા બોલશે, જ્ઞાનના શબ્દો આમ બોલીને ખુશી લેશે, વાતચીતમાં કશું ના હોય. સામાને તો એમ જ લાગે કે આ શું બોલ્યો ?

દાદાશ્રી : હા, વિશેષતા દેખાડવા માટે, એ જ પેલા ભાઈ કહે છે ને ! બીજામાં ને આપણામાં ફેર ના માનવો. આ તો વિશેષતા દેખાડવા માટે બોલે. અને એ જ પેલા કષાય બધા કરાવે છે ને !

કોઈ જગ્યાએ કશી વાત કરો છો ? વાતચીતમાં કોઈ જગ્યાએ પડશો નહીં. કારણ કે લોક તો સાંભળે, પણ પોતાની દશા શી થાય ? લોકને તો કાને સાંભળીને કાઢી નાખવાનું છે અને પોતાને પણ ‘ઈન્ટરેસ્ટ’ (રસ) પડે એમાં. કારણ કે હજુ ‘ઈગોઈઝમ’ છે ને, તે બધા મહીં લઉં-ખઉં કરતા તૈયાર બેસી જ રહ્યા હોય. તે ધીમે ધીમે એને ખોરાક મળી જાય.

એટલે જાણ્યા કરવું કે એ અહંકારની હાજરી છે, ત્યાં સુધી બીજા કશા ભાગમાં પડશો નહીં. અહંકારને ‘સ્કોપ’ (તક) મળે એવો રસ્તો આપશો નહીં.

પૂર્ણાહુતિ કરવી છે કે અધૂરું રાખવું છે ?

(પા.૧૮)

કાચું રાખવું છે ? પૂરું કરવું હોય તો કોઈ જગ્યાએ કાચા ના પડશો. કોઈ પૂછે ને, તોયે કાચા ના પડશો.

કંઈક પ્રાપ્તિનો અહંકાર આવ્યો કે પછડાયો જ છે. જ્ઞાનનો અહંકાર આપણા મહાત્માઓને આવે તો ‘દાદા’ છે એટલે પછડાય નહીં, પણ જ્ઞાનાવરણ આવે. અંતરાય બહારથી આવે તેમ અંદરથી પણ આવે. અહંકાર અંતરાય રૂપ છે. તેની સામે તો બરાબર તૈયાર થઈ જવું પડશે.

પૂર્ણતા વિના પછાડે ‘ઉપદેશ’

જ્યાં સુધી પૂર્ણાહુતિ ના થાય ત્યાં સુધી બોલવાની વાતમાં પડશો નહીં. એમાં પડવા જેવી વસ્તુ નથી. હા, આપણે કોઈને એટલું કહી શકીએ, કે ‘ત્યાં આગળ સત્સંગ સારો છે. આમ છે, તેમ છે, ત્યાં આગળ જાવ.’ આટલી વાતચીત કરવી. ઉપદેશ તરીકે ના અપાય. એ ઉપદેશ આપવા જેવી વસ્તુ ન્હોય. આ ‘અક્રમ વિજ્ઞાન’ છે !

આ ‘દાદા’નું જ્ઞાન જે પામ્યા છે, એ જ્ઞાનથી માલ નીકળે ને, એ સાંભળીને તો જગત બધું ધરી દે. અને ધરી દે એટલે શું થાય ? લપટાયો પછી ! બધા પેલા ઉપશમ થયેલા ને, તે ફટાફટ જાગી ઉઠે. આકર્ષણવાળી વાણી છે આ. આ જ્ઞાન આકર્ષક છે. માટે મૌન રહેવું. જો પૂરું હિત કરવું હોય તો મૌન રહેવું. અને દુકાન કાઢવી હોય તો બોલવાની છૂટ છે અને દુકાન ચાલવાનીયે નથી. દુકાન કાઢશો તોયે નહીં ચાલે, ઊડી જશે. કારણ કે ‘આપેલું જ્ઞાન’ છે ને, તે ઊડી જતા વાર નહીં લાગે. દુકાન તો પેલા ક્રમિક માર્ગમાં ચાલે. બે અવતાર, પાંચ અવતાર કે દસ અવતાર ચાલે ને પછી એય ઊડી જાય. દુકાન કાઢવી એટલે સિદ્ધિ વેચવી. આવેલી સિદ્ધિને વેચવા માંડી, દુરુપયોગ કર્યો !

ગોશાળો જે હતો ને, એ તો પહેલા મહાવીર ભગવાનનો શિષ્ય હતો, ખાસ, ‘સ્પેશિઅલ’ શિષ્ય. પણ છેવટે એ સામો થઈને ઊભો રહ્યો . ગોશાળો મહાવીર ભગવાન પાસે બહુ વખત રહ્યો . પછી એને એમ લાગ્યું કે મને આ બધું જ્ઞાન સમજાઈ ગયું, એટલે ભગવાનથી છૂટો પડીને કહે છે કે ‘હું તીર્થંકર છું, એ તીર્થંકર નથી.’ અને કેટલીક વખત એવુંયે બોલતો હતો, કે ‘એય તીર્થંકર છે ને હુંય તીર્થંકર છું.’ હવે એ રોગ પેઠો, પછી શી દશા થાય એની ?

હવે મહાવીર ભગવાન પાસે હતો તોય ત્યાં પાંસરો ના રહ્યો , તો અમારી પાસે બેઠેલો શી રીતે પાંસરો રહે ? જો કાચું કપાય તો શી દશા થાય ? અને તે તો ચોથા આરાની વાત હતી, આ તો પાંચમો આરો, અનંત અવતાર ખરાબ કરી નાખે. અનાદિથી આવા જ માર ખાધા છે ને, લોકોએ ! આના આ જ માર ખા ખા કર્યા છે. જરાક સ્વાદ મળી ગયો, કે ચઢ્યો જ છે ઉપર (!)

અપૂજ્યના પૂજાપામાં પતન

આજના જીવો લાલચુ બહુ છે. તે પોતાનું જ ઊભું કરે છે બધે ઠેર ઠેર, પૂજાવાનું બધું ઊભું કરે છે. અને પૂજાવાવાળા પછી નવું ધારણ કરી શકતા નથી, સાચી વાત. જ્યાં ને ત્યાં લોકો દુકાન માંડીને બેસી ગયા. અને પૂજાવાની કામના અંદર ભરાઈ રહેલી હોય કે કેમ કરીને મને જે’ જે’ કરે ! તો એને ગલગલિયા થાય. જે’ જે’ કરે એટલે ગલગલિયા થાય. એવી મઝા (!) આવે, ખરેખરી !

પૂજાવાની કામના, એના જેવો ભયંકર કોઈ રોગ નથી. મોટામાં મોટો રોગ હોય તો પૂજાવાની કામના ! કોને પૂજવાનો હોય ? આત્મા તો પૂજ્ય જ હોય. દેહને પૂજવાનો રહ્યો જ ક્યાં પછી ? પણ પૂજાવાની ઈચ્છાઓ-લાલચો છે આ બધી.

(પા.૧૯)

પૂજાવાની કામના ઊભી થાય છે ખરી ? કહેજો (મને), હું દબાવી આપીશ. હા, એ મૂળિયું કાપી નાખીએ એટલે પછી બંધ થઈ જાય. એ કામના બહુ જોખમ છે. શેની ભીખ છે ? પૂજાવાની ભીખ. અને આમ જે’ જે’ કરે એટલે ખુશ. અલ્યા, આ તો નર્કે જવાની નિશાનીઓ ! આ તો બહુ જ જોખમદારી. એવી ટેવ પડેલી હોય, તે જાય નહીં.

માનની મીઠાશના પડે માર

પ્રશ્નકર્તા : તો આ બધા દોષો પણ પોતાના દેખાવા જોઈએ ને ?

દાદાશ્રી : દેખાય ને !

પ્રશ્નકર્તા : અહંકાર પણ દેખાવો જોઈએ ને ?

દાદાશ્રી : એય દેખાય છે ને !

પ્રશ્નકર્તા : તો પછી એને પડી જવાનું શું કારણ હોય ?

દાદાશ્રી : એ અહંકાર જ ખોરાક લઈ જાય આ બધો. આ ગર્વરસ કરાવે છે ને, તે અહંકાર જ આ બધું કરાવડાવે આપણી પાસે, કે ‘આ તો બહુ સારું છે, બહુ સારું છે, લોકોને ગમ્યું.’

પ્રશ્નકર્તા : આ અહંકારનો રસ જે વધારે ચાખી જાય, એને લીધે પાછું આવું પડવાનું થાય ને ?

દાદાશ્રી : હાસ્તો ને ! આ તો બધી મીઠાશ આવે. જેમ આ લોક કહે છે ને, ‘આ મેં કર્યું.’ તે કર્યાનો ગર્વ ઉત્પન્ન થાય છે. કમાયો ત્યાં સુધી ગર્વરસ ઉત્પન્ન થાય છે અને ખોટ જાય ત્યારે શું કહે છે ? ‘ભગવાને કર્યું.’ મેર ગાંડિયા, કમાવવાનો થયો ત્યારે ‘મેં કર્યું’ કહેતો હતો. આ ગર્વરસ ઉત્પન્ન થાય, તે ઘડીએ મીઠાશ લાગે. જ્યાં મીઠું લાગે ને, ત્યાં જાણવું કે આ માર પડવાનો થયો. જાગૃતિ કોને કહેવાય કે ઊંઘતો નથી, એને જાગૃતિ કહેવાય. જાગૃતિ હોય તો ચોર પેસી ના જાય. સંપૂર્ણ જાગૃતિ ક્યારે થાય ? અહંકારનો વિલય થાય ત્યારે.

કડવાશથી વધે જાગૃતિ

પ્રશ્નકર્તા : આ જાગૃતિનું અવિરતપણું જે ખંડિત થાય છે ને, એટલે આવા બધા દોષો કામ કરી જાય છે વચ્ચે ?

દાદાશ્રી : આ દોષો છે તે વચ્ચે એને ‘બ્રેકડાઉન’ કરી (તોડી) નાખે છે. તેથી ભગવાને કહ્યું ને, કે ‘કેવળ નિજ સ્વભાવનું અખંડ વર્તે જ્ઞાન’ પણ પેલું ખંડિત થઈ જાય છે. એટલે મીઠાશની ટેવ છોડી દો અને ‘કડવા’ તો કોઈ કહે નહીં બનતા સુધી. કારણ કે વ્યવહાર એવો કે કડવાટ કોઈ કહે નહીં. છતાં કડવા કહે તો જાણવું કે આ તો આપણું ‘વ્યવસ્થિત’ છે. ભોગવે એની ભૂલ !

પ્રશ્નકર્તા : કડવાશમાં તો વધારે જાગૃતિ રહે.

દાદાશ્રી : એટલે મીઠાશમાં જ ભમી જાય ! કડવું કહેનારો જ આ દુનિયામાં કોઈ મળે નહીં. મીઠાશથી રોગ વધશે. કડવું વેણ સાંભળવાનો વખત ના આવે તેવું આપણું જીવન હોવું જોઈએ. છતાંય કડવું વેણ સાંભળવાનું આવે તો સાંભળવું. તે તો હંમેશાં હિતકર જ હોય. આ મીઠાશથી જ બધા રોગ અટક્યા છે, તે કડવાશથી રોગ જશે. જાગૃતિ શેમાંથી ઉત્પન્ન થઈ છે ? કડવાશમાંથી. હવે કોઈ પણ જાતનો વાંધો-વચકો ના હોય ત્યારે અખંડ જ્ઞાન વર્તે. આ તો અખંડ જાગૃતિનો માર્ગ છે.

મોક્ષમાર્ગના ભયસ્થાનો

માટે મોક્ષમાર્ગને બાધક આવ્યું એટલે છોડી દેવાનું અને ચાલો પાછા. એ ધ્યેય પર કહેવાય ને ! પોતાનો ધ્યેય ચૂકે નહીં, ગમે તેવા કઠણ પ્રસંગોમાં

(પા.૨૦)

પણ પોતાનો ધ્યેય ચૂકે નહીં એવું હોવું જોઈએ. તમારે ધ્યેય પ્રમાણે કોઈ દહાડો ચાલે કે ? અવળું નહીં કશું ? એ તો સહજ થઈ ગયેલું, નહીં ?

પ્રશ્નકર્તા : એટલે મહીં ‘હેન્ડલ’ મારવાનું ચાલુ રાખવું પડે.

દાદાશ્રી : ચાલુ રાખવું પડે ? પણ એ મહીંવાળા માને ખરા ? તરત જ ?

પ્રશ્નકર્તા : તરત જ.

દાદાશ્રી : તરત, વાર જ નહીં ? એ સારું. જેટલું માને એટલું છૂટા થયાની નિશાની. એટલા એનાથી આપણે છૂટા જ છીએ એ નિશાની. પોતાને લાંચ કશી છે નહીં. લાંચ હોય ત્યારે એ વાત માને નહીં. એની પાસે ‘પોતે’ લાંચ ખાતો હોય તો એ આપણી વાત માને નહીં પછી. ‘પોતે’ સ્વાદ લઈ આવે, પછી ‘પેલા’ ના માને.

આ વ્યવહાર તો પેલી બાજુ જ લઈ જાય ને ! અનાદિથી એક આરાધેલો માર્ગ એ જ ને ! વ્યવહાર તો હંમેશાં એ બાજુનું ટેવાયેલો જ હોય ને ! એટલે એ બાજુ જાય તોય આપણે આપણા ધ્યેય પ્રમાણે હાંકવાનું. બળદ તો જૂનો રસ્તો દેખે તો એ રસ્તે જ ચાલ્યા કરે. આપણે હવે આપણા રસ્તે ધ્યેય પ્રમાણે જવાનું. આ રસ્તે નહીં, આ બીજે રસ્તે જવાનું. ‘આમ હેંડ’ કહીએ.

એટલે પોતે લાંચ ના લે તો પેલા કહ્યા પ્રમાણે તરત જ ફરે. પણ લાંચ લે તો એ પછી માર ખવડાવે, બધી બાબતમાં માર ખવડાવે. એટલે ધ્યેયમાં પાછું નહીં પડવું જોઈએ.

પ્રશ્નકર્તા : એ લાંચ કેવી હોય ?

દાદાશ્રી : ચાખી આવે. અને ચાખતી વખતે પાછું મીઠું લાગ્યું હોય ને, તે બેસે ત્યાં આગળ. ‘ટેસ્ટ’ કરી આવ્યો એટલે પછી ફરી થોડુંક એકાદ-બે બોટલ પી આવે.

આ બધી ચોર દાનત કહેવાય. ધ્યેય પર જવું છે એ અને ચોર દાનત, એ બે સાથે કેમ કરીને રહી શકે ? દાનત ચોક્કસ રાખવી જોઈએ, કોઈ પણ લાંચ-રુશ્વત સિવાય. આ તો એ મસ્તી ચાખવાની ટેવ હોય છે, એટલે આમ ત્યાં બેસીને જરા એ મસ્તીના આનંદમાં રહે.

પ્રશ્નકર્તા : એટલે પ્રકૃતિની મસ્તી ?

દાદાશ્રી : ત્યારે બીજી શી ? એ એમાં જ ટેવાયેલો છે ને ! એટલે ‘આપણે’ કહીએ, કે ‘ના, અમારે તો હવે આમ જવાનું છે. મારે મસ્તી નથી જોઈતી. અમારા ધ્યેય પ્રમાણે ચાલવાનું છે.’ આ પ્રકૃતિની મસ્તીઓ તો ભૂલભૂલામણીમાં લઈ જાય. ધ્યેય તોડાવડાવે એ આપણા દુશ્મન. આપણો ધ્યેય નુકસાન કરાવે એ કેમ પોષાય ?

આ તો અમે આ ભયસ્થાનો બધા બતાડી દઈએ. ભયસ્થાનો ના બતાવીએ ને, તો ઊંધું થઈ જાય. આ બધા પુણ્યશાળી હોય છે ને, વાતેય પ્રગટ થઈ ને ! નહીં તો વાત શી રીતે ખબર પડે ? ને હું આમાં ક્યાં ઊંડો ઊતરવા જાઉ ? આ તો વાત નીકળી ત્યારે નીકળી, નહીં તો કોણ જાણતું હતું કે આવું બધું ચાલતું હશે ?

હોમમાં ગુરુતમ, ફોરેનમાં લઘુતમ

અમારી એ જ ભાવના છે કે ભલે એક અવતાર મોડું થશે તો વાંધો નથી, પણ આ ‘વિજ્ઞાન’ ફેલાવું જોઈએ અને ‘વિજ્ઞાન’ લોકોને લાભ કરવું જોઈએ. તેથી ખુલાસો કરવા માટે હું આવ્યો છું. મને નવરાશ છે. મારે કોઈ કામ નથી. નવરામાં નવરો માણસ હું છું અને તદ્દન બુદ્ધિ વગરનો હું એકલો જ છું. એટલે મને કશી ભાંજગડ નથી. તમારે

(પા.૨૧)

તો ભાંજગડ હોય. બાકી, હું કંઈ તમારાથી મોટો નથી, એ તમને લાગે એવું ? આ તો વ્યવહારને ખાતર આ ઊંચે પદે બેઠા છીએ.

અને પાછું મારી (વ્યવહારમાં) ‘હાઈટ’ (ઊંચાઈ) કેટલી છે, તે તમે જાણો છો ? લઘુતમ ! લઘુતમ એટલે શું ? આ દુનિયામાં જેટલા જીવ છે, એમાં સૌથી નાનામાં નાનો હું છું. એ મારી ‘હાઈટ’ છે. પછી આ તમને કંઈ હરકત કરે એવું છે કશું ? એટલે આ ભૌતિકમાં, આ નામમાં-રૂપમાં-પૈસા-માન-તાન એ બધી બાબતમાં લઘુતમ. અને આ બીજી હાઈટ એટલે સેલ્ફે (આત્માએ) કરીને ગુરુતમ છીએ અમે. એટલે ‘હોમ ડિપાર્ટમેન્ટ’ (આત્મ વિભાગ)માં અમે ગુરુતમ અને ‘ફોરેન ડિપાર્ટમેન્ટ’ (અનાત્મ વિભાગ)માં લઘુતમ ! તમે ‘ફોરેન’માં ગુરુતમ થવા ફરો છો એટલે મહીં ‘હોમ ડિપાર્ટમેન્ટ’માં લઘુતમ થાવ છો.

લઘુતમની ટેસ્ટ એક્ઝામિનેશન

પ્રશ્નકર્તા : આપ ‘રિલેટિવ’માં લઘુતમ થયા, એનો દાખલો આપો.

દાદાશ્રી : દાખલામાં તો અમે આ ઊઘાડું, બોલતું ઉપનિષદ જ છીએ ! બોલતું પુરાણ છીએ !

‘રિલેટિવ’માં લઘુતમ થવું એટલે તમને સમજાવું. અહીંથી તમને એક ગાડીમાં લઈ જતા હોય અને બીજા ઓળખાણવાળા આવ્યા એટલે તમને પછી કહે, ‘હવે ઊતરી જાવ.’ એટલે કંઈ પણ ‘ઈફેક્ટ’ (અસર) સિવાય ઊતરી જવું. ફરી પાછો થોડીવાર પછી કહે, ‘ના, ના, તમે આવો.’ ફરી પાછા તમને બેસાડ્યા તો તમે બેસી જાવ. ફરી બીજા ઓળખાણવાળા મળે ત્યારે તમને કહે, ‘ઊતરી જાવ.’ તો કંઈ પણ ‘ઈફેક્ટ’ સિવાય ઊતરી પડવું. ને કંઈ પણ ‘ઈફેક્ટ’ સિવાય ચઢવું. એવું આઠ-દસ વખત થાય તો શું થાય ? આ માણસોને શું થાય ? ફાટી જાય. જેમ દૂધ ફાટી જાય એમ ફાટી જાય !

પ્રશ્નકર્તા : એક જ વખતમાં ફાટી જાય.

દાદાશ્રી : અને મને સત્યાવીસ વખત કરે તોય એવો ને એવો ! અને પાછો જઈને પાછો હઉ આવું. એ કહે, ‘ના, ના, તમે પાછા આવો.’ તો પાછો હઉ આવું. કારણ કે અમે લઘુતમ થયા છીએ.

લઘુતમ પદે કાયમ સેફસાઈડ

પ્રશ્નકર્તા : તો દાદા, આપ આમાં લઘુતમપદને કેમ બહુ મહત્ત્વ આપો છો ?

દાદાશ્રી : પણ આ લઘુતમ તે કાયમ ‘સેફસાઈડ’ (સુરક્ષિત) ! જે લઘુતમ છે તે તો કાયમ ‘સેફસાઈડ’ છે, ગુરુતમવાળાને ભય. ‘લઘુતમ’ કહ્યું એટલે પછી અમારે પડવાનો શો ભય ? અહીં ઊંચે બેઠા હોય, તેને પડવાનો ભય. જગતમાં લઘુતમભાવમાં કોઈ હોય નહીં ને ! જગત ગુરુતમભાવમાં હોય. ગુરુતમ થયો હોય તે પડે. એટલે અમે તો લઘુ થઈને બેઠેલા. અમારે જગત પ્રત્યેનો ભાવ એ લઘુતમભાવ છે. એટલે અમને કશું પડવાનો ભો નહીં, કશું અડે નહીં ને નડે નહીં.

એટલે અમે ‘રિલેટિવ’માં લઘુતમ થઈને બેઠેલા. અમે કહીએ કે ‘ભઈ, તારા કરતાં અમે નાના છીએ. તું ગાળ દઉં એના કરતાં હું નાનો છું.’ એ બહુ ત્યારે ગધેડો કહે, તો ગધેડાથી તો આપણે બહુ નાના છીએ. ગધેડો તો ‘હેવી લોડ’ (ભારે વજનવાળો) છે ને ! અને આપણામાં તો ‘લોડ’ જ નથી. એટલે જો ગાળો ભાંડવી હોય તો હું લઘુતમ છું. લઘુતમ તો આકાશ જેવું હોય, આકાશ પરમાણુ જેવું હોય. લઘુતમને માર ના અડે, ગાળો ના અડે, એને કશું અડે નહીં.

(પા.૨૨)

લઘુતમ અહંકારથી મોક્ષ તરફ

લઘુતમ એ તો આપણું કેન્દ્ર જ છે. એ કેન્દ્રમાં બેઠા બેઠા ગુરુતમ પ્રાપ્ત થાય. આપણી તો નવીન ‘થિયરી’ઓ બધી, તદ્દન નવી !

પ્રશ્નકર્તા : એ લઘુતમનો અર્થ કેવી રીતે કર્યો ? જે આપણો અહંકાર છે એ અહંકાર ઝીરો ડિગ્રી પર આવે એ લઘુતમ છે ?

દાદાશ્રી : નહીં, અહંકાર તો એમનો એમ જ છે. પણ અહંકારની માન્યતા એવી થાય છે કે હું બધાથી નાનો છું અને એ પણ એક જાતનો અહંકાર જ છે. એવું છે, આ લઘુનો અર્થ ‘નાનો છું’ થયું. પછી લઘુતર એટલે કે નાનાથીયે હું નાનો છું. અને લઘુતમ એટલે મારાથી બધા જ મોટા છે એવો અહંકાર. એટલે એ પણ એક જાતનો અહંકાર છે !

હવે જે ગુરુતમ અહંકાર છે, એટલે કે મોટા થવાની ભાવનાઓ, હું આ બધાથી મોટો છું એવી માન્યતાઓ છે. એનાથી આ સંસાર ઊભો થયો છે. જ્યારે લઘુતમ અહંકારથી મોક્ષ તરફ જવાય. લઘુતમ અહંકાર એટલે ‘હું તો આ બધાથી નાનો છું’ એમ કરીને વ્યવહાર બધો ચલાવવો. એનાથી મોક્ષ તરફ ચાલ્યો જાય. ‘હું મોટો છું’ એવું માને છે તેથી આ જગત ‘રેસકોર્સ’ (સ્પર્ધા)માં ઊતરે છે અને એ બધા ભાન ભૂલીને અવળે રસ્તે જઈ રહ્યા છે. જો લઘુતમનો અહંકાર હોય ને, તે લઘુ થતો થતો એકદમ લઘુતમ થઈ જાય. એટલે એ પરમાત્મા થઈ જાય !

લઘુતમભાવમાં રહેવું અને અભેદ દ્રષ્ટિ રાખવી એ આ અક્રમ વિજ્ઞાનનું ‘ફાઉન્ડેશન’ (પાયો) છે. લઘુતમભાવમાં રહેવું અને જીવમાત્રની જોડે, આખા બ્રહ્માંડના જીવો સાથે અભેદ દ્રષ્ટિ રાખવી એ જ આ વિજ્ઞાનનું ‘ફાઉન્ડેશન’ છે.

લઘુતમભાવમાં દાદાની આજ્ઞા

હવે આપણે શું કહીએ છીએ, કે ભઈ, તમને એ ‘ડિમાર્કેશન લાઈન’ (ભેદરેખા) ‘એક્ઝેક્ટ’ (બરાબર) પડી ગઈ કે આટલું ‘રિલેટિવ’ ને આટલું ‘રિયલ.’ અને ‘રિયલ’માં આવું છે, ‘રિયલ’માં શુદ્ધાત્મા. અને ‘રિલેટિવ’માં તમને પાંચ વાક્યો આપ્યા તે. બીજું બધું તો નિકાલી છે.

પ્રશ્નકર્તા : એ નિકાલ થતો જાય છે ?

દાદાશ્રી : હા, એની મેળે નિકાલ થયા જ કરે છે. સંડાસના માટે રાહ જોવી પડે નહીં. અને રાહ જુએ એ મૂરખ ગણાય. એટલે આ બીજું બધું નિકાલી છે. તો હવે થવાનું શું ?

પ્રશ્નકર્તા : લઘુતમ !

દાદાશ્રી : લઘુતમ ! બસ, એટલો જ ભાવ. ને ‘દાદા’ની આજ્ઞા લઘુતમભાવમાં છે. એટલે હવે તમારે ‘રિલેટિવ’માં ફક્ત લઘુતમ થવાની જરૂર છે. એટલે ‘રિયલ’ અને ‘રિલેટિવ’ વચ્ચે ‘લાઈન ઑફ ડિમાર્કેશન’ આવે અને ‘રિલેટિવ’માં પોતે લઘુતમ થાય તો અહીંના સંસારના દુઃખોમાંય સમાધિ રહે, ને એ જ સાચી સમાધિ !

સર્વસ્વ ભીખો છૂટતા ‘મોક્ષ’

અમને કોઈ પણ જાતની ભીખ ના હોય, તેથી અમને આ પદ મળ્યું છે. જે સર્વશ્રેષ્ઠ પદ, જે આખા બ્રહ્માંડમાં મોટામાં મોટું પદ, તે પ્રાપ્ત થયેલું છે. કોઈ પણ જાતની ભીખ રહી નથી માટે !

ભગવાનના પ્રતિનિધિ ક્યારે કહેવાય ? જ્ઞાન ચોખ્ખું રહે. જેને સ્ત્રીની ભૂખ નથી, સ્ત્રીના વિચાર સરખા ના આવે. લક્ષ્મીની ભીખ નથી. સોનું, લક્ષ્મી, કોઈ પણ ચીજને અડે નહીં. શિષ્યોની ભીખ ના હોય, દેરાં બંધાવાની ભીખ ના હોય. માનની

(પા.૨૩)

ભીખ ના વધે. કીર્તિની ભીખ ના હોય. અપમાન કરે તો આશીર્વાદ આપે ત્યારે એ ભગવાન પોતાનું પ્રતિનિધિત્વપણું આપે. પોતાની સત્તા એમને આપે. એવી સત્તા હાથમાં છે અમારે. કેવી સત્તા ? સર્વ સત્તાધીશ ! કારણ કે અમને ભીખ કોઈ જાતની રહી નથી. અને ભીખ હોય તો શું હોય ? એમાં જ રાચેલો છે. અને છેવટે ભીખ જ કાઢવાની છે ને ! બધી જાતની ભીખ, ભીખ ને ભીખ ! ત્યાં આપણું દળદર શું ફીટે ?

તમામ પ્રકારની ભીખ છૂટે તેને આ જગતની સત્તા હાથમાં આવી જાય. અત્યારે મારા હાથમાં આવી ગઈ છે. કારણ કે મારી સર્વસ્વ ભીખ છૂટી ગઈ છે. જ્યાં સુધી નિર્વાસનિક પુરુષ ના મળે ત્યાં સુધી સાચો ધર્મ પ્રાપ્ત થાય નહીં. નિર્વાસનિક પુરુષ તો જગતમાં કોઈક ફેરો મળે. ત્યારે આપણું મોક્ષનું કામ થાય.

જેની આ જગતમાં સર્વસ્વ પ્રકારની ભીખ ગઈ હોય તેને આ જગતમાં તમામ સૂત્રો હાથમાં આપવામાં આવે છે. આ ‘વર્લ્ડ’ (જગત) જ આપણી માલિકીનું છે, પણ સત્તા પ્રાપ્ત થતી નથી. એ તો જેટલું જેટલું ચોખ્ખું થતું જાય તેટલી તેટલી સત્તા પ્રાપ્ત થાય. મોક્ષે જવું હશે તો બધું ચોખ્ખું કરવું પડશે. બિલકુલ પ્યૉર ! સમાધિ સુખ ક્યારે વર્તે ? જેને કંઈ જ જોઈતું નથી, બધી જ ગાંઠ છૂટે ત્યાર પછી સમાધિ સુખ વર્તે.

જ્ઞાન પછી ગાંઠો છેદાય, પરાક્રમ ભાવે

જેમ જેમ સત્સંગ થશે, તેમ તેમ ખાલી થતું જશે. હવે ખાલી થવા માંડ્યું. પહેલા એ ગાંઠોને પોષણ મળતું હતું અને વધારે ને વધારે મોટી થતી હતી. એક બાજુ ફૂટતી હતીય ખરી અને વધતી હતીય ખરી. પૂરણેય થતું હતું ને ગલનેય થતું હતું. હવે ગલન એકલું થઈ રહ્યું છે. એટલે આપણે નક્કી કર્યું કે ભાઈ, હવે વાડમાં એકુંય ગાંઠ રહેવા દેવી નથી. એટલે જ્ઞાની પુરુષ કહે કે ભઈ, ખોદી કરીને કાઢી નાખો. જ્યાં વેલો દેખાય ત્યાં ગાંઠ છે. અને ગીલોડીનો વેલો દેખાય ત્યાં ગીલોડી છે અને કંકોડીનો દેખાય ત્યાં કંકોડી છે. એને ખોદીને કાઢી નાખો. અને પછી તમે મને કહેવા આવો, કે ‘સાહેબ, મેં બધી કાઢી નાખી, હવે મારે વેલા નહીં થાય ને ?’ ત્યારે અમે કહીએ, ‘ના, હજુ આવતી સાલ જુઓ ! કંઈક ગાંઠ અંદર રહી ગઈ હોય તો ત્રણ વર્ષ સુધી જોવી પડે, બસ. પછી પૂરી થઈ ગઈ. પછી નિર્ગ્રંથ થઈ ગયા !’

હવે ગાંઠો ગલન થયા કરે છે. એટલે દસ શેરની હશે, તે આઠ શેર થશે. આઠ શેરની હશે, તે સાત શેર થશે. સાત શેરની છ શેર થશે. એમ કરી કરીને પૂરી થઈ રહેશે. પણ પૂરણ ને ગલન થયા કરતી હોય, એનો ક્યારે પાર આવે ?

પ્રશ્નકર્તા : જ્યાં સુધી આ શરીર હોય ત્યાં સુધી ગાંઠો હોય જ ને ?

દાદાશ્રી : ના, એવું નહીં. ગ્રંથિ હોય ત્યાં સુધી એ નિર્ગ્રંથ કહેવાય નહીં. અમે નિર્ગ્રંથ કહેવાઈએ. જેને બહારની ગાંઠ ના હોય ને અંદરની ગાંઠ હોય, તે ગાંઠ મહીં ખેંચે. એટલે અમે વાતચીત કરતા હોઈએ, તે વખતે તમે શુંય વિચારમાં પડી ગયા હો !

એ ગાંઠો ખલાસ ના થાય, ત્યાં સુધી નિર્ગ્રંથ થાય નહીં. પહેલો નિર્ગ્રંથ થાય. ‘પરમ ગુરુ નિર્ગ્રંથ સર્વજ્ઞદેવ.’ એ નિર્ગ્રંથ હોય, અંદરની ગાંઠો હોય નહીં. કેટલી ગાંઠો પડી જાય એટલે હાસ્ય ઊડી જાય. જેમ જેમ ગાંઠ તૂટતી જાય તેમ તેમ હાસ્ય ખૂલતું જાય. મુક્ત હાસ્ય જોઈએ.

આ તમને અત્યારે જ્ઞાન મળ્યું. આવતા ભવે પરાક્રમ ઉત્પન્ન થાય. આ દાદાનું જે પરાક્રમ છે

(પા.૨૪)

તે ગતજ્ઞાન પરાક્રમ છે. તમને આ જે જ્ઞાન મળ્યું, તેનું પરાક્રમ આવતે ભવે આવે. ત્યાં સુધી પરાક્રમ ઉત્પન્ન થાય નહીં, ત્યાં સુધી તે પરિણમે નહીં. જ્યારે પરિણમે ત્યારે એનું ફળ આપે.

પ્રશ્નકર્તા : એટલે આપને અત્યારે જે પરાક્રમ ઉત્પન્ન થયું, તે ગતજ્ઞાનના આધારે ?

દાદાશ્રી : હા, ગતજ્ઞાન તેનું આ પરાક્રમ છે. પરાક્રમ ક્યારે કહેવાય કે શબ્દો પાતાળમાંથી નીકળે ત્યારે. અહીં મારા બોલેલા તમે શબ્દ બોલો એ ના ચાલે. પાતાળના શબ્દો, મહીંથી શાસ્ત્રો બોલાતા હોય, એને પરાક્રમ કહેવાય, ગતજ્ઞાન પરાક્રમ !

જ્ઞાની કૃપાથી છૂટે સર્વ ગાંઠો

જ્યાં સુધી દ્રષ્ટિ મલિન છે, ત્યાં સુધી કરોડો વર્ષો જાય તોય સંબોધિ (સમ્યક્ દ્રષ્ટિ) પ્રાપ્ત ના થાય. દ્રષ્ટિ ભૌતિક તરફ છે. એની દ્રષ્ટિ શાથી ભૌતિકમાંથી છૂટતી નથી ? એટલે અમે સમજી જઈએ કે આને કંઈ ગાંઠ છે આ ? ગાંઠ છોડાવવા પ્રયત્ન કરીએ.

એટલે હવે આપણને ગાંઠો ફૂટે તેનો વાંધો નથી. ગાંઠને તો કહીએ, ‘જેટલી ફૂટવી હોય તેટલી ફૂટ, તું જ્ઞેય છે ને અમે જ્ઞાતા છીએ.’ એટલે ઉકેલ આવે. જેટલું ફૂટી ગયું એટલું ફરી નહીં આવે. હવે નવું જે ફૂટે છે, પણ તે ગાંઠ વધતી બંધ થઈ ગઈ. નહીં તો એ ગાંઠો તો આવડી સૂરણ જેવડી મોટી હોય. માનની ગાંઠો કેટલાકને તો તે કલાકમાં ચાર જગ્યાએ ફૂટે. આ જ્ઞાન મળ્યા પછી ગાંઠો બધી તૂટવા માંડે, નહીં તો ગાંઠ તૂટે નહીં.

ગ્રંથિભેદ થાય નહીં ત્યાં સુધી નિર્ગ્રંથ થાય નહીં. છેવટે નિર્ગ્રંથ થવાનું છે અને આ ભવમાં નિર્ગ્રંથ થવાય એવું છે. આપણું આ જ્ઞાન નિર્ગ્રંથ બનાવે એવું છે. જે થોડી ગાંઠો રહી હશે તેનો આવતા ભવમાં નિકાલ થશે, પણ બધી ગ્રંથિઓનો ઉકેલ થાય એવો છે !

આ ગાંઠો એ તો આવરણ છે ! એ ગાંઠો છે ત્યાં સુધી આત્માનો સ્વાદ ના આવવા દે. આ જ્ઞાન પછી હવે ગાંઠો ધીમે ધીમે ઓગળતી જવાની, કંઈ વધવાની નથી હવે.

પ્રશ્નકર્તા : દાદા, તમારી કૃપા વગર અમારાથી એ ગ્રંથિઓ ના ભેદાય.

દાદાશ્રી : એ તો ભેદાઈ જાય બધી. કૃપા હોય ને, તો બધું ભેદાઈ જાય. કૃપાથી શું ના થાય ? ભયંકર કર્મો ભસ્મીભૂત કરે છે, એ જ્ઞાની પુરુષ શું ના કરે ?

એટલે હવે આ ભવમાં કામ કાઢી લેવાનું છે. દેવું તો હોય, કો’કને લાખનું હોય ને કોઈને પાંચ લાખનું હોય. પણ જેણે વાળવા માંડ્યું છે, જેને વાળવું જ છે, એને વાર નહીં લાગે.

અહીં તો પોતાનું મન એટલું મજબૂત કરી લેવાનું છે ને, કે આ ભવમાં જે થાય, ભલે દેહ જાય, પણ આ ભવમાં કંઈક ‘કામ’ કરી લઉં એવું નક્કી કરી રાખવું જોઈએ. એટલે એની મેળે કામ થશે જ. આપણે આપણું નક્કી કરી રાખવું જોઈએ. આપણી ઢીલાશ ના રાખવી. આવું પ્રાપ્ત હોય ત્યારે ઢીલાશ ના રાખવી.

‘જ્ઞાની પુરુષ’ની સમજણથી સમજણ મેળવવાની છે, ‘પેરેલલ ટુ પેરેલલ.’ નહીં તો ‘રેલવે લાઈન’ ઊડી જશે. ‘પોતાની’ સમજણ તો નાખવાની જ નથી. મહીં સમજણ છે જ નહીં ને ! એક આંકડાનીયે સમજણ નથી. પોતાની સમજણ તો આમાં ચલાવવાની છે જ નહીં. પોતાનામાં સમજણ જ નથી ને ! કશું જ સમજણ નથી. જો સમજણ હોત ને, તો ભગવાન થઈ જાત !

- જય સચ્ચિદાનંદ

(પા.૨૫)

માન કૈડ્યું તેથી જગતથી છૂટવાના ભાવ થયા

એટલે આ લોકોના કામ કરવાથી શું થયું ? લોકોએ અમને માન જબરજસ્ત આપ્યું. માનને પોષવા જ માંડ્યું’તું. આખી જિંદગી લોકોએ માન જ પોષ પોષ કરીને એને મોટું કરેલું. અને તે પાછું કૈડેય એ.

આ દુનિયામાં કઈ વસ્તુ બચકું નથી ભરતી ? વધારેમાં વધારે વહાલું માન, તેય બચકું ભરે. પછી સેકન્ડ નંબર વાઈફ, તે પણ બચકું ભરે. એટલે માન મને પાછું કૈડે. અને ઊભું કરનાર હું પાછો. ઊભું કરીને, જો આ વેષ ના હોત, તો બહુ સારું પડત. એમ કરી કરીને આ માનથી, એટલે માનની ચિંતાઓથી, મનમાં એમ જ વસી ગયું કે આ જગતમાં કોઈ સુખ છે નહીં, એવું જડ્યું મને. મોહ ઊતરી ગયો, આ જગતમાં કોઈ જગ્યાએ સુખ નથી એવું જડી ગયું. વર્તન એવું કે છૂટું જ થવું હવે આ જગતથી, એવા બધા ચોક્કસ ભાવ થઈ ગયા.

પ્રશ્નકર્તા : દાદા, પછી માન ગયું કેવી રીતે ?

દાદાશ્રી : માન છે તે બહુ ઉપાધિ થવા માંડી ને, ચિંતા, તે બહુ દુઃખ આપ્યું એ માને તો. જ્યારે ચિંતા થઈ માનની ત્યારે પછી માન પકડાયું. તે પછી એક દહાડો ચિંતા મટતી નહોતી, રાતે સાડા બાર થયા તોય ઊંઘ જ નહોતી આવતી. ઘણો જ બળાપો વધ્યો હતો. તે શોધી કાઢ્યું, કે કોઈએ અમને તે વખતે ‘અંબાલાલભાઈ’ને બદલે ‘અંબાલાલ’ કહ્યું, તે માનભંગ થયું અને બળાપો વધ્યો. બુદ્ધિથી બળાપો વધે. અમને માન પર જ બળાપો હતો. અમારું માનભંગ થયું એટલે શોધી કાઢ્યું, કે શાથી માનભંગ થયું અને બળાપો થયો ને વધ્યો ? તે અમે જાતે જ અંબાલાલભાઈને વઢ્યા, કે શાને આમ ? શાથી આવો બળાપો તમે કર્યો છે ? અંબાલાલભાઈ ! તમારી ચાર આનાય કિંમત નથી, શું કરવા બૂમો પાડો છો વગર કામના ? એણે બિચારાએ ‘અંબાલાલભાઈ’ કહ્યું કે ‘અંબાલાલ’ કહ્યું એ તમને કંઈ ખ્યાલ નથી. અને વખતે કહ્યું હોય ‘અંબાલાલ’, તો શું, તમારી કિંમત ક્યાં હતી, એ મને સમજાવો. તમારી કિંમત શેમાં માની બેઠેલા હતા ? કોઈ બાપોય એક્સેપ્ટ કરતો નથી આજુબાજુ. નથી પોળમાં કોઈ એક્સેપ્ટ કરતું. નથી મહારાજ સાહેબ એક્સેપ્ટ કરતા. નથી પ્રધાન એક્સેપ્ટ કરતા. એટલે પછી પૂછ પૂછ કર્યું અંબાલાલભાઈને, ત્યારે અંબાલાલભાઈ ટાઢા પડ્યા.

તે પછી બેઠો થયો ને ચિંતા હતી ને, તે બધી આમ મહીંથી ખેંચી લીધી. અને એક કાગળિયાની અંદર મૂકી, પછી એનું પડીકું વાળ્યું. તે આમ વાળ્યું, તેમ વાળ્યું ને ઉપર છે તે મંત્રોથી વિધિ કરીને પછી બે ઓશીકાની વચ્ચે મૂકીને સૂઈ ગયો. તે ઊંઘ આવી ગઈ ખરેખરી. પછી સવારમાં જઈને વિશ્વામિત્રીમાં નાખી આવ્યો. ત્યારે શું કરે ? આવા પ્રયોગ તો કરવા જ પડે ને, કાંઈ ને કાંઈ. જીવવું શી રીતે ? મારે શી રીતે કરવું, આ અજંપો શી રીતે સહન થાય બધો ? શી રીતે સહન થાય સંસારનું ? જ્ઞાન થયેલું નહીં, અહંકાર ગાંડો, તોફાની અહંકાર. કારણ કે બીજા બધા નરમ રહે ને, આ એકલો મોટો થઈ ગયેલો. બધું સમાન હોય તો સારું પડે, પણ અસમાનતા થઈ ગયેલી.

- પરમ પૂજ્ય દાદાશ્રીની જ્ઞાનવાણીમાંથી સંકલિત