‘જ્ઞાતા-દ્રષ્ટા’ પદે ડખોડખલ બંધ સંપાદકીય અક્રમ વિજ્ઞાનનું ટૂંકમાં તારણ શું છે ? ‘હું શુદ્ધાત્મા જ છું, કેવળ જ્ઞાતા-દ્રષ્ટા જ છું’ અને જે પોતાના જીવનમાં બની રહ્યું છે એ પાછલો ભરેલો માલ નીકળી રહ્યો છે, એને ‘જોયા’ કરવાનો છે. ‘હું શુદ્ધાત્મા છું’ એ જાગૃતિ સિવાયનું જે કંઈ પણ નીકળે છે એ ભરેલો ડિસ્ચાર્જ માલ, એ જ ચારિત્રમોહ છે. એને જોવા-જાણવાનું એ જ જ્ઞાન, અને ભરેલા માલમાં તન્મયાકાર થવું એ ડખોડખલ. જોવા-જાણવાનું ચૂકાય એ જ ડખોડખલનું એક્ઝેક્ટ થર્મોમીટર છે. મહાત્માઓને પ્રશ્ન થાય છે કે અમે જ્ઞાતા-દ્રષ્ટા થઈને જોવાનો પ્રયત્ન કરીએ છીએ પણ તે ઘડીએ બુદ્ધિથી જોતા હોઈએ એવું લાગે છે. ત્યાં પરમ પૂજ્ય દાદાશ્રી કહે છે કે બુદ્ધિ જે જુએ છે તેને જોનાર ‘આપણે’ છીએ. આમ ઈન્દ્રિયોથી દેખાય એ બધું બુદ્ધિ જાણે અને આત્મા એ અંતઃકરણને જુએ-જાણે. બુદ્ધિ અને જ્ઞાનનું ક્રિયાપણું કઈ રીતે પકડાય ? ઉદયકર્મમાં ડખોડખલ કરે તે ઘડીએ બુદ્ધિજ્ઞાન હોય અને ઉદયકર્મમાં ડખોડખલ ના કરે તે ઘડીએ આત્મજ્ઞાન હોય. ચંદુભાઈ કોઈ સાથે સાચું-ખોટું કરતા હોય, ગુસ્સો કરતા હોય તો ચંદુભાઈના તમે જ્ઞાતા-દ્રષ્ટા ! ચંદુભાઈ ખાતા-પીતા હોય, કચકચ કરતા હોય તો એ બધો ચારિત્રમોહ છે, તેને જોયા કરવાનો એટલે એ મોહ ખાલી થતો જાય. કંઈ પણ ભોગવટો આવે તો સમજાય કે આ હું બીજી સીટ પર બેઠો છું, આ સીટ મારી ન્હોય. તે ત્યાંથી ઊઠીને પાછું શુદ્ધાત્માની સીટ ઉપર બેસી જવું. આ વિજ્ઞાન બધું કામ કરી રહ્યું છે, માટે ગૂંચાયા કરવા જેવું જગત નથી. હવે અંતઃકરણમાં જે કોઈ ગૂંચવાડા ઊભા થાય તેમાં તન્મયાકાર નહીં થવાનું. આપણી મજબૂતી એવી કરી લેવાની કે ગમે તેવા કર્મના ઉદયો આવે તો સ્વક્ષેત્રમાં રહી આપણે આપણી શુદ્ધાત્માની ગુફામાં બેઠા બેઠા જોયા કરવાનું, બહાર નીકળવાનું જ નહીં ને ! આ આખા જ્ઞાનનું સરવૈયું શું ? જો તું ‘રિયલ’ જાણીને બેઠો હોય તો ‘રિલેટિવ’ એ તો ‘સાયન્ટિફિક સરકમસ્ટેન્શિયલ એવિડન્સ’ છે. માટે જે થતું હોય એને માત્ર જોયા કર. કશો ડખો કરીશ નહીં. જ્ઞાન મળ્યા પછી જ્ઞાતા-દ્રષ્ટાપણું ન ચૂકે, તેને ‘ફૉરેન’ (રિલેટિવ)ની કોઈ જોખમદારી રહેતી નથી. છતાં મહાત્માઓને ઊંડો વસવસો રહેતો હોય છે કે જ્ઞાતા-દ્રષ્ટાપદ અવિરત રહેતું નથી. આવે ને જાય, આવે ને જાય એવું થયા કરે. તેનો ખુલાસો કરતા પરમ પૂજ્ય દાદાશ્રી કહે છે, હજુ સંસારના કર્મો બાકી છે તે પૂરા કરવાના ને ! જેમ આ ફાઈલો ઓછી થતી જાય તેમ લક્ષ વધારે રહેતું જશે ! આપણે સહુ મહાત્માઓ હવે ભરેલા માલ સામે બુદ્ધિના ડખાને જાણી, જ્ઞાતા-દ્રષ્ટા પદમાં રહેવાનો પુરુષાર્થ આદરી કાયમ પરમાનંદમાં રહી શકીએ એજ હૃદયપૂર્વક અભ્યર્થના. ~ જય સચ્ચિદાનંદ. (પા.૪) ‘જ્ઞાતા-દ્રષ્ટા’ પદે ડખોડખલ બંધ ‘તમે’ ચંદુ થયા ત્યાં ગાફેલ પ્રશ્નકર્તા : દાદાએ ભેદજ્ઞાન આપ્યું, ભિન્ન બનાવ્યા. ‘હું’ જુદો, દરઅસલ જુદો, પણ પેલો ચંદુભાઈ તો રહે ને ? એ તો રહેવાનો ને, જેટલા હોય એટલા વર્ષ રહેવાનો ને ? ચંદુભાઈ પુદ્ગલ તો રહેવાનું ને ? દાદાશ્રી : રહેવાનું ને, એ પુદ્ગલ રહેવાનું. પુદ્ગલ આપણે અર્પણ કર્યું છે. હવે આ પુદ્ગલ છે તે વ્યવસ્થિતને આધીન છે. તે તેના વ્યવસ્થિતને આધીન ફર્યા કરશે. ‘તમારે’ જોયા કરવાનું. એ પુદ્ગલ શું કરે છે એ જોયા કરવાનું, આટલો પુરુષાર્થ આપણો. પ્રશ્નકર્તા : જોયા કરવાનું ને કો’ક દિવસ પુદ્ગલને ચેતવવાનું ખરું કે નહીં ? દાદાશ્રી : હા, ચેતવવાનું ! પણ ગફલતમાં આવે તો ચેતવવાનું. પ્રશ્નકર્તા : અરે, હાલતા ને ચાલતા ગફલત તો કરતો હોય છે. દાદાશ્રી : ના, આ બધું તો ઉદયકર્મ કરાવે છે. પણ આપણે આ ઉઘાડી આંખે ચાલો અને સાવધાનીપૂર્વક ચાલો, બસ એટલું જ. એનો દુરુપયોગ ના થવો જોઈએ. નહીંતર પેલી જોવાની જાગૃતિ એની મંદ થઈ જાય. ‘જુએ’ તો તો એને કશું કરવાનું નથી. જે આજ્ઞામાં રહે તે ‘જોતો’ જ હોય ચંદુભાઈને, તો એને કશું વાત જ કરવાની જરૂર નથી. પણ એ જોતો ના હોય ત્યાં ચેતવવો પડે. પ્રશ્નકર્તા : જાગૃતિની જે વાત કરી ને, જાગૃતિમાં રહેવાની ને ચેતતા રહેવાની, એનું આ આપણે વિવરણ કરીએ છીએ. દાદાશ્રી : હા, બરોબર છે. જેને આ જ્ઞાતા-દ્રષ્ટા રહી શકાતું હોય, તેને છે તે આ વાતની જરૂર નથી. અને જેને જાગૃતિ ના રહેતી હોય તો આપણે કહીએ કે હવે ઊઘાડી આંખે ચાલજો, ગાફેલ ના થઈ જાવ. નહીં તો વ્યવસ્થિત તો તમને ચલાવવાનું છે પણ ગાફેલપૂર્વક ના હોવું જોઈએ અને જ્ઞાતા-દ્રષ્ટા રહે તેને ગાફેલય નહીં, કશું રહ્યું નહીં. એ આપણા હિસાબમાં જાય છે. ચંદુભાઈ શું કરે છે, એના જ્ઞાતા-દ્રષ્ટા તમે. પ્રશ્નકર્તા : એટલે દાદા, કોઈ પણ પ્રસંગમાં ચંદુભાઈને જોવાના બદલે ‘હું ચંદુભાઈ’ જ થઈ જઉં એટલે ગાફેલ થઈ ગયું કહેવાય ? દાદાશ્રી : હા, એ ગાફેલ થઈ ગયું કહેવાય. કોઈ પણ પ્રસંગમાં આમ ચંદુભાઈને જોવાને બદલે તમે ચંદુભાઈ થઈ ગયા એ ગાફેલ. ત્યારે આપણે શું કહીએ છીએ કે ત્યાં ઊઘાડી આંખે ચાલો. પ્રશ્નકર્તા : હા, પણ એવું કોઈ વખત થયા પછી આંખ ઊઘડી જાય છે. દાદા ચેતવી દે છે કે આ થઈ ગયું, હવે આને જુઓ. દાદાશ્રી : હા. એટલે ત્યાં આપણે કહ્યું કે ઊઘાડી આંખે ઊભા રહો. એ આપણે જાગૃતિ રાખવાની. એવું થઈ જાય છે ને ? દાદાને કહેવા આવવું નથી પડતું ને ? વિજ્ઞાન બધું કામ કરી રહ્યું છે. તમને કોઈ જાતની ઉપાધિ નથી. સહજ રીતે કામ થઈ રહ્યું છે. ચેતવે હઉ ! લોક કહે છે કે આત્માનો અનુભવ થતો નથી. અલ્યા મૂઆ, મહીં ચેતવતા નથી, આખો દહાડો ? હા. ત્યારે મૂઆ, એ જ આત્મા, બીજો કોણ આવે ? કોઈ પરદેશી છે, તે મહીં પેસી ગયો છે ? જોવાનું જ ખાલી, ‘જ્ઞાતા-દ્રષ્ટા’ પદે એટલે પહેલું કયું જ્ઞાતા-દ્રષ્ટા ? ‘આ જગતમાં શું ચાલી રહ્યું છે !’ એને જોવાનું જ. બીજું કશું કરવાનું નહીં, જોવાનું જ ખાલી. (પા.૫) ‘શું થઈ રહ્યું છે’ એ જોયા કરો, તો આત્મા છૂટો પડી ગયો કહેવાય. પ્રશ્નકર્તા : જ્ઞાતા-દ્રષ્ટાની વાતમાં જરા પૂછવું હતું. ઘરમાં કે બહારનો કોઈ ભીડો હોય એના કરતાં એકાંતમાં જઈને જ્ઞાતા-દ્રષ્ટા રહીએ-કરીએ એવું જરૂરી ખરું ? એનાથી ફાયદો થાય ? દાદાશ્રી : એવું છે ને, એનું નામ ગૂંચવાડો કહેવાય. ‘શું બને છે’ એ જોવું, એનું નામ જ્ઞાન. આપણા હાથમાં સત્તા નથી ને ! ઈચ્છા તો ખરી કે ‘ભઈ, આવું હોય તો સારું.’ પણ એવું થવું જોઈએ ને ? તમે જે માલ ભરેલો તે માલને લઈને આ ડખોડખલ કરે ને ! અને એવો માલ બીજાનામાં ભરેલો ના હોય, તે એને ડખોડખલ ના હોય. અમારામાં તો ડખલ ના હોય કોઈ જાતની. અમારે તો જ્ઞાતા-દ્રષ્ટામાં જ રહેવાય. પ્રશ્નકર્તા : એટલે ડખોડખલની ડેફિનેશન આપો. ડખોડખલનું એક્ઝેક્ટ થર્મોમિટર શું ? દાદાશ્રી : જોયા કરવું એ ડખોડખલ નહીં. જોવું ને જાણવું, એનું નામ ડખોડખલ નહીં. જ્ઞાતા-દ્રષ્ટા, બુદ્ધિથી કે પ્રજ્ઞાથી ? પ્રશ્નકર્તા : હું જ્ઞાતા-દ્રષ્ટા થઈને જોવાનો પ્રયત્ન કરું છું, તે ઘડીએ પણ બુદ્ધિ જ જોતી હોય એમ લાગે છે. દાદાશ્રી : એ ખરું કહે છે, બુદ્ધિ જ જુએ છે. જ્ઞાતા-દ્રષ્ટા તો જ્યાં બુદ્ધિય ન પહોંચે ત્યાં જ્ઞાતા-દ્રષ્ટા શરૂ થાય છે. ‘એ જ્ઞાતા-દ્રષ્ટા એ જોવાનો પ્રયત્ન કરું છું.’ ‘પ્રયત્ન કરું છું’ કહે છે માટે તે બુદ્ધિ જ છે. હવે બુદ્ધિનું ચલણ હોય તે વખતે બુદ્ધિ જોતી હોય એમ લાગે છે પણ એ જે કહે છે તે જ્ઞાન છે. તે ‘તમે’ ‘જોયું’ આ. ‘જોયું’ એટલે જ્ઞાતા તરીકે જોયું ના કહેવાય, પણ આ દ્રષ્ટા તરીકે ‘જોયું.’ કારણ કે જ્ઞાતા-દ્રષ્ટા તરીકે જોયું ક્યારે કહેવાય ? ‘એવું લાગે છે’ ત્યારે દ્રષ્ટા તરીકે જોયું અને ‘જાણવામાં આવે છે’ ત્યારે જ્ઞાતા તરીકે જાણ્યું. જોનાર તો ‘તમે’ કે બીજા કોઈ સાહેબ આવ્યા હતા ? પ્રશ્નકર્તા : પણ ‘એ લાગે છે’ એવું જે કહે છે એ બુદ્ધિ જ કહે છે, એમ લાગે છે. દાદાશ્રી : એ બુદ્ધિ નથી. એ બુદ્ધિ જોવામાં હોય, એટલે કે બુદ્ધિ પેણેથી જુએ છે અને એ શું જુએ છે, એને ‘આપણે’ જાણીએ છીએ કે ‘આ બુદ્ધિ જ જોઈ રહી છે, હું નથી જોતો.’ એટલે બુદ્ધિને જે જુએ છે તે આપણે છીએ. એટલે ત્યાં આપણે પોતે દ્રષ્ટા તરીકે કામ કરીએ છીએ. એટલે જોનાર કોણ છે તે આપણે ખોળી કાઢ્યું. એટલે આ દ્રષ્ટા કામ કરે છે ખરો ! પ્રશ્નકર્તા : પણ બુદ્ધિથી પર જવાતું નથી, તો આ બુદ્ધિમાં રહીને જ જોવાય છે ? દાદાશ્રી : ના, બુદ્ધિથી પર તો જવાયું જ છે. પણ બુદ્ધિને હજુ પોષણ મળે છે. બુદ્ધિને પોષણ મળે તે અમુક કારણોને લઈને, તે ધીમે ધીમે ઓછું થઈ જાય છે. બાકી બુદ્ધિથી પર તો જવાયું છે, નહીં તો બુદ્ધિ અહીં એમને રોજ આવવા ના દે. પ્રશ્નકર્તા : બુદ્ધિ જરાક ડખો કરે ત્યારે કહીએ કે એક બાજુ બેસ. હું તો દાદા પાસે જઈશ. મેલ પૂળો ! દાદાશ્રી : હા, એટલે ‘મેલ પૂળો’ કહીએ ! પ્રશ્નકર્તા : બુદ્ધિ ડખો કરતી નથી દાદા પાસે આવવામાં, એ તો આવે છે બરાબર પ્રેમથી. દાદાશ્રી : પ્રેમથી એટલે જ બુદ્ધિથી ઉપર ગયેલું છે તે આ જ્ઞાન. આ પ્રજ્ઞાનું કામ છે. (પા.૬) બુદ્ધિ આ જુએ છે પણ આપણને મનમાં લાગ્યું કે ‘હું જોઉં છું’, તે ભ્રાંતિ છે. આ બધી જ્ઞેય વસ્તુનો જ્ઞાતા-દ્રષ્ટા ‘હું’ નથી લાગતો, પણ આ બુદ્ધિ લાગે છે. પણ આ બુદ્ધિનો જ્ઞાતા-દ્રષ્ટા કોણ ? આત્મા. લોકો તો આને શું બોલે ? ‘હું જ જોઉં છું, હું જ જોઉં છું’ એવું લાગે છે. પણ તમે શું કહો છો ? ‘આ બુદ્ધિ જુએ છે’ એવું લાગે છે. નહીં તો લોકો તો એવું જ કહે, કે ‘મને આ દેખાય છે’ ને તે ‘હું જોઉં છું’ એ જ ભ્રાંતિ છે. જો ‘જાણવામાં’ આવે તો રિયલ (ખરો) જ્ઞાતા કહેવાય. તે આ જ્ઞાતા-દ્રષ્ટા ! અને તમને વારેઘડીએ અનુભવમાં આવે જ છે, પણ આવો તાળો બેસાડવો પડે. પ્રશ્નકર્તા : એ ડિમાર્કેશન કેવી રીતે ખ્યાલ આવે કે આ બુદ્ધિનું જોવા-જાણવાનું છે અને આ ‘પોતાનું’ જોવા-જાણવાનું છે ? દાદાશ્રી : બુદ્ધિનું તો આમ આંખે દેખાય તે જ જોવા-જાણવાનું અથવા કાનથી સંભળાય તે, જીભથી ચખાય તે, એ બુદ્ધિ બધી. પ્રશ્નકર્તા : એટલે આ ઈન્દ્રિયનું થયું પણ બીજું બધું પણ અંદર ચાલતું હોય ને બુદ્ધિનું દેખાવાનું કે આ પક્ષપાતી છે, આવા છે, તેવા છે એ બધું પણ બુદ્ધિ જ જુએ ને ? દાદાશ્રી : આ બધું જોઈએ, એ બુદ્ધિનું જ. અને આત્માનું જ્ઞાન-દર્શન તો જોવું ને જાણવું એ જુદી વસ્તુ છે. દ્રવ્યોને જુએ-જાણે, દ્રવ્યના પર્યાયને જાણે, એના ગુણને જાણે એ બધું જાણવું-જોવું, એનું નામ આત્મા. પ્રશ્નકર્તા : એટલે જ્ઞાન લીધા પછી જે મહાત્માઓને પોતે શરીરથી જુદા છે એવું જે રહ્યા કરે છે, લક્ષ બેસી ગયું છે શુદ્ધાત્માનું ને પછી જોવાની બધી ક્રિયા ચાલ્યા કરે છે, એ બધી પ્રજ્ઞાથી થાય છે ને ? દાદાશ્રી : બધું પ્રજ્ઞાશક્તિથી થાય. પ્રજ્ઞા છે તે અમુક હદ સુધી, આ જ્યાં સુધી ફાઈલનો નિકાલ કરે ત્યાં સુધી પ્રજ્ઞા. ફાઈલ પૂરી થઈ ગઈ એટલે પછી પોતે જ, આત્મા જાણે. પ્રજ્ઞા એટલે આત્મા જ દેખાડે છે કહેવાય. પણ છેવટે પછી પ્રજ્ઞા બંધ થઈ જાય છે. પ્રજ્ઞા છે ત્યાં સુધી શુદ્ધાત્મા અને આત્મા એ પરમાત્મા. છે એક જ, પણ આ આવ્યા પછી પેલું થઈ જાય ! બધાને જાણનાર જ્ઞાતા-દ્રષ્ટા પ્રશ્નકર્તા : કાલે એ રડતા હતા તો એને દેખાય કે આ ચંદુભાઈ રડે છે, પણ પાછા અંદરથી, ‘દાદા ભગવાનના અસીમ જય જયકાર હો’ ચાલુ હતા તો એ ચંદુભાઈને જોતું હતું તે કોણ અને ‘અસીમ જય જયકાર’ બોલતું હતું કોણ ? દાદાશ્રી : એ તો અંદર રેકર્ડ ચાલુ જ રહે છે. પ્રશ્નકર્તા : એટલે અંદર પેલી ‘ઑરિજિનલ ટેપ’ ચાલુ જ હોય ? દાદાશ્રી : એ તો અમુક ટાઈમ ચાલુ જ હોય છે. એટલે એ બોલે એ બોલનારો જુદો અને તે આ ચંદુભાઈને જોનાર ! પ્રશ્નકર્તા : ચંદુભાઈને જોનાર એ શુદ્ધાત્મા ? દાદાશ્રી : ચંદુભાઈ જે આ કરી રહ્યા છે ને, એને જોનાર બુદ્ધિ છે. પ્રશ્નકર્તા : તો પછી જ્ઞાતા-દ્રષ્ટા કેવી રીતે થયા, જો બુદ્ધિ જોતી હોય તો ? દાદાશ્રી : જ્ઞાતા-દ્રષ્ટા તો આ બધાને જોનારા છે એ, જ્ઞાતા-દ્રષ્ટા આ બધાને એટ એ ટાઈમ જાણે છે તે. આ મહીં લાગે છે તેને, આ બોલાય છે તેને, એ બધાને એટ એ ટાઈમ જાણે છે. પ્રશ્નકર્તા : બુદ્ધિ શું કરે છે, એ શુદ્ધાત્મા જુએ છે ? (પા.૭) દાદાશ્રી : એ બુદ્ધિને જુએ છે, મન શું કરે છે તે જુએ, વાણી શું બોલાય છે તે, પછી અહંકાર શું કરે છે, એ બધાને જુએ. પ્રશ્નકર્તા : એ જ્ઞાતા-દ્રષ્ટાથી જુએ છે ને ? એ જે જુએ છે એ જ્ઞાતા-દ્રષ્ટા કે કેમ ? દાદાશ્રી : હા, એ જ આત્મા. પ્રશ્નકર્તા : અને જે ચંદુભાઈને જુએ છે એ બુદ્ધિ ? દાદાશ્રી : એ બુદ્ધિ જુએ અને બુદ્ધિને જુએ છે તે આત્મા. બુદ્ધિ શું કરી રહી છે, મન શું કરી રહ્યું છે, અહંકાર શું કરી રહ્યો છે, બધાને જાણનાર તે આત્મા. આત્માની આગળ પરમાત્માપદ રહ્યું. શુદ્ધાત્મા થઈ ગયો તે પરમાત્મા ભણી ગયો અને પરમાત્મા થયો તેને કેવળજ્ઞાન થઈ જાય. કેવળજ્ઞાન થયું તે થઈ ગયો પરમાત્મા. ફૂલ (પૂર્ણ) થયો, નિર્વાણપદને લાયક થઈ ગયો. એટલે જોવા-જાણવાનો ઉપયોગ રાખવો જોઈએ, આખો દિવસ. પ્રશ્નકર્તા : દાદા, એટલે શુદ્ધાત્મા પછી આગળ પરમાત્માપદ છે ? દાદાશ્રી : શુદ્ધાત્મા એ જ પરમાત્મા છે, પણ આ અહીં આગળ હજી સુધી આ આમાં કેવળજ્ઞાન થયું નથી. તો એ શુદ્ધાત્માને કેવળજ્ઞાન થયું એટલે થઈ ગયો પરમાત્મા ! ઉપાય કરવાથી જ્ઞાતાપણું જતું રહે પ્રશ્નકર્તા : આપણે શુદ્ધાત્મા છીએ, આપણે જ્ઞાતા-દ્રષ્ટા છીએ એવું આપણને લાગે પણ છતાંય આ મનમાં જે વેદના થાય છે સુખ-દુઃખની, તો એ શા માટે થાય છે ? દાદાશ્રી : એ તો થવી જ જોઈએ. આપણે જેટલા ચાના પ્યાલા પીવાના છે, એટલા મહીં લઈને આવ્યા છીએ. એ તો કડવું-મીઠું બેઉ પીવું પડશે. મીઠું લાગે ત્યારે મનને જરા સારું લાગે, કડવું આવે ત્યારે જરા મનને ખરાબ લાગે. આપણે તો બન્નેને જાણીએ, રાગ-દ્વેષ ના કરીએ. પ્રશ્નકર્તા : એ બન્નેને આપણે જાણીએ, પણ પછી પાછા પગલાં તો નથી લેતા ને આપણે ? દાદાશ્રી : પાછું પગલું નહીં, એડવાન્સ પગલું લઈએ છીએ. તમે તો બહુ જોશથી વધી રહ્યા છો આગળ. નહીં તો હું વઢવા ઘેર આવત કે અમારું જ્ઞાન લઈને આવું શું કરવા કરો છો ? ઉપાય કરવાની જરૂર નહીં, માત્ર જોયા કરવાનું ! ક્રોધ કેટલો વધ્યો, કેટલો ઘટ્યો એ જોયા કરવાનું. ‘ઉપેય’ પ્રાપ્ત થઈ ગયું એટલે ઉપાય કરવાના રહ્યા નહીં. ઉપાય કરવાથી આત્માનું જ્ઞાતાપણું જતું રહે. એટલે ખરો લાભ જતો રહે. આટલું ‘ટેન્શન’ આવ્યું, આટલું વધ્યું, હવે જતું રહ્યું. એ જ્ઞેયો જો જો કરવાના, જ્ઞાતા રહેવાનું ને ઉપાય કરવાથી તો ઠંડક રહે. જેટલું તમે જ્ઞાતા-દ્રષ્ટા હશો, તો આ તમારા પાડોશીના જે હાલહવાલ થાય, તેના જાણનાર છો. એટલે એ હાલહવાલ ‘મને થાય છે’ એવું ના હોવું જોઈએ. પ્રશ્નકર્તા : પણ દાદા, તમેય જ્ઞાતા-દ્રષ્ટા તો ખરા જ ને ? દાદાશ્રી : હા, ત્યારે બીજું શું ? જ્ઞાતા-દ્રષ્ટા સિવાયનું બીજું કશું ‘એને’ છે જ નહીં. એથી આગળ કોઈ દશા જ નથી. જ્ઞાયકતા, જ્ઞાયક સ્વભાવ ! જ્ઞાયક સ્વભાવ એટલે જ્ઞાતા-દ્રષ્ટા. એ સિવાય બીજું કશું છે જ નહીં અને તમેય એમાં જ છો. તમારે ફક્ત આ પાડોશીનું ધ્યાન રાખ્યા કરવાનું. પાડોશી રડે તો આપણે કંઈ રડવાનું નથી. પાડોશીને હાથ ફેરવી આપવાનો કે અમે છીએ તારી જોડે ! (પા.૮) તમારો ડખો નહીં તો રાગ-દ્વેષ નહીં પ્રશ્નકર્તા : ઘણી વખત પોતાની તીવ્ર ઈચ્છા હોય એ જો ના પ્રાપ્ત થાય, તો પછી એનું મગજ છે તો છટકી જાય, બધા ઉપર ગુસ્સે થઈ જાય અને જ્ઞાનમાં ના રહી શકે, તો હવે આ બધાનો નિકાલ કરી અને પોતે જ્ઞાતા-દ્રષ્ટા કેવી રીતના રહી શકે ? દાદાશ્રી : એ ગમે તેવી પરિસ્થિતિ હોય, જ્ઞાતા-દ્રષ્ટા રહેવું હોય તો રહી શકે. જ્ઞાતા-દ્રષ્ટા રહેવું હોય ને, તે અમુક હદ સુધીની પરિસ્થિતિમાં રહી શકાય એમ છે. બેહદ થયેલું હોય, દબાણ બહુ હોય ત્યાં ન રહે. હવે જાગૃતિ ઊડી ગઈ તોય એમ રહેવું જોઈએ કે આ જાગૃતિ ઊડી ગઈ છે, તેનેય હું જાણું છું ! પણ જાણકાર જ રહેવું જોઈએ. તો પેલું બધું ધૂળધાણી, નિઃસત્ત્વ થઈ જાય. સત્ત્વ નીકળી જાય, બળી જાય બધું. લોકોની સાથેનું ડીલિંગ કેવું હોય છે, એ કહો ને મને ! રાગ-દ્વેષ થાય છે ? બિલકુલેય નહીં ? પ્રશ્નકર્તા : ના થાય. એટલે બહુ ચીકણી ફાઈલો હોય એમાં થઈ જાય, પણ લોકો જોડે ઘણા ઓછા થઈ ગયા છે. દાદાશ્રી : આપણને આત્મા પ્રાપ્ત થયો એટલે (ચાર્જ) રાગ-દ્વેષ ના થાય, પણ ડિસ્ચાર્જ રાગ-દ્વેષ થાય, જે નિકાલી છે તે. હવે નિકાલી છે એને રાગ-દ્વેષ ગણાતા નથી. રાગ-દ્વેષ તો જે આમ આગળ બીજ રૂપે પડે ને, તે ચાર્જને રાગ-દ્વેષ કહેવાય. પેલું ખાલી ગુસ્સો છે, ને એ પુદ્ગલના ગુણો છે. એટલે એ કંઈ બહુ મહત્ત્વની વસ્તુ નથી. પ્રશ્નકર્તા : એટલે આણે આમ કર્યું, તો હું પણ આમ કરીશ એવી જાતનો ગુસ્સો હોય, એ ચાર્જ થઈ જાય કે નહીં ? દાદાશ્રી : ચંદુભાઈ એવી જાતનો ગુસ્સો કરતા હોય, તોય પણ આપણને ન ગમતું હોય તો એ ડિસ્ચાર્જ છે. આપણને ગમે નહીં, તમને રુચિ નથી તો તમે જોખમદાર નથી. આ બધું બની ગયું એને તું બસ ‘જોયા’ કરે, તો છૂટી ગયું. તારે લેવાદેવા નહીં. તારે જવાબદારી નહીં, ચંદુભાઈને જવાબદારી ખરી. તે ચંદુભાઈને પેલો સામો માણસ ટૈડકાવે, ‘કેવા નાલાયક છો તે ! શું બોલ બોલ કરો છો ?’ એટલે ધોલ-બોલ મારીય દે. એટલે જોખમદારી છે એના માથા પર ! પછી આપણે ચંદુભાઈને કહીએ, ‘અતિક્રમણ કેમ કર્યું, માટે પ્રતિક્રમણ કરો.’ પ્રશ્નકર્તા : પણ ધારો કે ચંદુભાઈએ પ્રતિક્રમણ ના કર્યું, તો એ ચાર્જ થયું ને ? દાદાશ્રી : ના, તોય ચાર્જ નથી થતું. ચાર્જ તો થાય જ નહીં. પ્રશ્નકર્તા : પણ પ્રતિક્રમણ કરવું જોઈએ ? દાદાશ્રી : કરે તો ચોખ્ખી થઈ ગઈ બધી ફાઈલ. જ્ઞાને કરીને ચોખ્ખી કરીને મૂકી દીધી. જેટલા કપડાં ધોઈએ ને, એટલા ચોખ્ખા કરીને મૂકી દેવાના. પછી ઈસ્ત્રીમાં જાય. ચંદુ ખેદમાં, આપણે એને જાણ્યા કરીએ અત્યાર સુધી તો કહેતા હતા કે મને થયું, પણ હવે જ્ઞાન પછી એનો સહકાર ન કરો કે ‘મને થયું !’ અલ્યા, તમને શી રીતે થાય ? તમને તો દાદાએ જુદા બનાવ્યા ! જુદા નથી પાડ્યા ? પ્રશ્નકર્તા : જુદા જ છીએ. દાદાશ્રી : હા, ત્યારે જુદું જ રાખવું જોઈએ ને ! આખું જગત સાયકૉલોજિકલ રોગથી પીડાય છે ‘મને થયું’ કહીને. ‘અમારો જ વેવાઈ મને ગાળો ભાંડી ગયો’, કહે. કોઈ ભૂલ કરી હોય અને ખેદ ના થાય (પા.૯) તેય ખોટું. ખેદ તો થવો જ જોઈએ. તેને આપણે જાણ્યા કરીએ કે ચંદુભાઈ બહુ ખેદમાં છે. તે આપણે ચંદુભાઈનો ખભો થાબડી આપીએ. આનું અવલંબન લઈને ખેદ બંધ કરી દે તો પાછું કાચું રહી જશે. ખેદ તો થવો જોઈએ. જેણે અવળું કર્યું, તેનો ખેદ તો એને થવો જ જોઈએ. એટલે ખેદ થાય ત્યારે પછી આપણે કહેવું કે ‘હવે ભૂલના પ્રતિક્રમણ કરો, પ્રત્યાખ્યાન લો. અમે છીએ ને તમારી જોડે. ચાલો શક્તિ માગો.’ આ તો અક્રમ વિજ્ઞાન છે. ‘જોવા’થી થાય હિસાબ ચોખ્ખા પ્રશ્નકર્તા : કંઈ ભૂલ થતી હોય ને, ત્યારે ખબર પડે, આપણે અંદર વઢીએ પણ ખરા કે ‘ચંદુભાઈ, આ તમે કરો છો એ સાચું નથી.’ તોય પાછા એક બાજુથી ચંદુભાઈ માને નહીં ને કરે જ. દાદાશ્રી : એનો વાંધો નથી. કારણ કે ‘જોનાર’ શુદ્ધ છે. જેને ‘જુએ’ છે, એમાં શુદ્ધિ છે અને અશુદ્ધિ છે, પણ તેય સાપેક્ષ દ્રષ્ટિથી. બાકી, જોનારને માટે શુદ્ધિ-અશુદ્ધિ હોતી નથી. ‘જોનાર’ને તો બધું સરખું જ છે. આ બધું લોકોના મનમાં સારું-ખોટું છે, બાકી ભગવાનની દ્રષ્ટિએ સારું-ખોટું છે નહીં. સમાજને સારું-ખોટું છે. ભગવાન તો કહે છે, ‘જોઈ’ ગયા એટલે છૂટા થઈ ગયા. એય છૂટા અને આય છૂટા. એટલે શું થયું ? અજ્ઞાને કરીને બાંધેલા હિસાબ એ ‘જોઈને’ કાઢો એટલે તમે છૂટા અને એય છૂટું. ‘જોયા’ વગર બાંધેલો હિસાબ, ‘જોઈને’ કાઢો એટલે છૂટા ! રોંગ સીટમાં બેઠા તેથી ભોગવટા પ્રશ્નકર્તા : દાદા, ચંદુભાઈને જે કરવું છે, એના કરતા ચંદુભાઈએ જે કરવું જોઈએ એ બે વસ્તુ જુદી છે. એટલે દાખલા તરીકે ચંદુભાઈને સિનેમા જોવા જવું છે અને ઘરમાં ખૂબ મહેમાન આવ્યા હોય તો એને ઘરમાં કામ કરવું જોઈએ, એવી એને ખબર છે, પણ એમાં એની સિન્સિયારિટી નથી, તો એમાં સિન્સિયારિટી કેવી રીતે લાવવી ? દાદાશ્રી : તમે થોડી ધીરજ પકડો ને શું થાય છે એ ‘જોયા’ કરો. એટલે બસ થઈ ગયું ! એટલે કમ્પ્લીટ સિન્સિયારિટી આવી ગઈ. પ્રશ્નકર્તા : પણ ચંદુભાઈ એવા છે કે આગમાં જ હાથ ઘાલવા જાય. દાદાશ્રી : ના, તોય આપણે ‘જોવું’ જોઈએ કે ચંદુભાઈએ કેટલો હાથ ઘાલ્યો, આટલો હાથ ઘાલ્યો કે આટલો હાથ ઘાલ્યો એ ‘જોવું.’ તમે તો ક્લિયર છો, મેં તમને ક્લિયર જગ્યા ઉપર બેસાડેલા છે. તમે શા માટે અનક્લિયર થાવ છો ? તમે કઈ સ્થિતિ ઉપર બેસો છો ? રિઝર્વેશન ઉપરને ! તમારું રિઝર્વેશન કર્યું છે ત્યાં બેસો છો ને કે અનરિઝર્વડ જગ્યાએ બેસો છો ? ચંદુભાઈ તો શોખીન છે એટલે અનરિઝર્વડ જગ્યા ઉપર બેસી આવે એવા છે. પ્રશ્નકર્તા : એ પેલી બીજી સીટમાં જે બેસાઈ જવાય છે, તે ત્યાં કેવી રીતે ના બેસવું અને પેલામાં જ કેવી રીતે ચોંટી રહેવું ? એટલે કર્તાપણામાં આવી જાય છે વારેવારે ! દાદાશ્રી : પેલી સીટ ઉપર બેસી ગયા અને શૉક લાગે એટલે જાણવું કે આપણી ન્હોય આ. અને શૉક લાગે એટલે ઊઠી જવું. શૉક લાગે એ ખુરશી આપણી ન્હોય. પ્રશ્નકર્તા : શૉક લાગે છે તોય બેસી રહેવાય છે. દાદાશ્રી : તો મજા કર ! લહેર, પાણી ને ભજીયાં કર ! પ્રશ્નકર્તા : શૉક લાગે પણ ઊઠતો નથી, તો ઊઠે કઈ રીતે ? કારણ કે જ્ઞાતા-દ્રષ્ટા એનાથી રહેવાતું નથી, તો એ કઈ રીતે રહેવું ? (પા.૧૦) દાદાશ્રી : ઊઠતા નથી, એને તમે જુઓ ને ! જે ઊઠતા નથી, તે તમે ન્હોય. એક ‘ચંદુભાઈ’ છે અને એક ‘તમે’ છો. તે ઊઠતા નથી એ ચંદુભાઈ. ચંદુભાઈને કહીએ, ‘ચાલો, સૂઈ રહો. બેસવું હોય તો બેસો બા, ગમતું હોય તો ! હું ‘જોયા’ કરીશ અને તમે બેસી રહો.’ સોલ્યુશન તો હોવું જોઈએ ને ! પ્રશ્નકર્તા : એટલે બધું થાય છે એ નોંધ કર્યા કરવાની ? દાદાશ્રી : બધી ક્રિયાને ‘જોવાની.’ એ જો કચકચ કરતો હોય તો એનેય પાછો જોવો આપણે, કે ‘તેય મારું સ્વરૂપ ન્હોય’ કહીએ. એવું આ દાદાનું જ્ઞાન છે. ઉપર કોઈ નહીં, વિધાઉટ બૉસ ! ઉપરીના ઉપરી એ દાદા ભગવાન ! પ્રશ્નકર્તા : એટલે કચકચ કરે છે, એ કયો ભાગ ? દાદાશ્રી : એ બીજો ભાગ છે એ ચંદુભાઈના પક્ષનો. પ્રશ્નકર્તા : એટલે એ જે કચકચ કરે છે એને પણ જોવાનું. દાદાશ્રી : એનેય પણ જોવો ! પ્રશ્નકર્તા : એટલે જે જુએ છે એ તો કશું બોલતા જ નથી, ખાલી જુએ જ છે. દાદાશ્રી : જુએ છે એનો ઉપરી કોઈ નથી. એને કોઈ વઢનાર ના હોય, કશું ના હોય. અનંત શક્તિઓ પડેલી છે. પણ ચંદુભાઈનું રક્ષણ કરો છો ને, એટલે બધી શક્તિઓ આવરણમાં બેસી રહે છે. રક્ષણ કરો છો ને ચંદુભાઈનું ? ઉઘાડે છોગે કરો છો ને ? એટલે જ શક્તિઓ ખીલતી નથી ! આ આજ્ઞા પાળીને રહે ને, તોય નિરંતર સમાધિ જાય નહીં. તમે તમારી ખુરશી ઉપર અને ચંદુભાઈ એમની ખુરશી ઉપર બેસ્યા કરે. ચંદુભાઈની ખુરશી ઉપર બેસવા જાવ છો, તેની આ ઉપાધિ છે. પહેલાની ટેવ પડેલી છે તે ! તમારે તો બહારથી ખસી જઈને, પોતાની સીટ ઉપર બેસવાનું છે. હવે આપણી સીટ કઈ ? મહીં ચાર-પાંચ જાતની સીટો છે. તે આપણી કઈ સીટ કે જ્યાં એકદમ ઈઝી (સરળ) લાગે, એ આપણી સીટ. સહેજ ઘસારો લાગે તો જાણવું કે આ બીજી સીટ આવી. ખૂંચે તો જાણવું અગર શૉક લાગે તો સમજી જવું કે આ શૉક લાગ્યો. એ બધી સીટ ઉપર નહીં બેસતા, આપણી સીટ ઉપર બેસવું. કો’ક તો મસાલો ચોપડે, ‘ચંદુભાઈ સાહેબ, તમે તો બહુ લાયક માણસ છો, ઘણા સારા છો.’ પણ એ ચોપડે તો આપણે ચોપડાવવું ? ચંદુભાઈ એ સીટ આપણી નથી. ત્યાંથી તો દાદાએ ખસેડ્યા. ‘હું ચંદુભાઈ છું’ એટલે તો માર ખાતા હતા. કંઈ પણ ભોગવટો આવે, તો સમજાય કે આ હું બીજી સીટ પર બેઠો છું, આ સીટ મારી ન્હોય. તે ત્યાંથી ઊઠીને પાછું શુદ્ધાત્માની સીટ ઉપર બેસી જવું. આપણી સીટ ઉપર બેસી જવું પણ તું તો ત્યાં બેસી રહું છું, જાણે ડબલ ચાર્જ આપવાનો હોય એ રીતે ! કંઈ પણ મન અવળું વિચાર કરે કે તરત જ આપણે જાણવું કે આ બીજી ઊંધી સીટ ઉપર છું, આ મારી સીટ ઉપર નથી. પોતાની સીટ ઉપર જતા રહેવું તરત. બહુ વાર બેસી રહું છું, નહીં ? પ્રશ્નકર્તા : હા, દાદા. એવું થાય છે. દાદાશ્રી : તેથી તારું મોઢું બગડેલું દેખાય છે. મેં કહ્યું, ‘આ મોઢું કેમ બગડેલું છે ?’ કોઈ પણ અડચણ આવે, તો આપણી પોતાની સીટ ઉપર જતું રહેવું તરત. જે દોષો થઈ ગયા તેની પાછી માફી માગવાની. (પા.૧૧) ગૂંચાયા કરવા જેવું જગત ન્હોય. ગૂંચામણ થાય, કશું શરીરમાં ગૂંચાવા માંડ્યું કે તરત ઊઠીને આપણી ખુરશી પર બેસી જવું. એને ‘જોયા’ કરવું, ‘ચંદુભાઈ, કેમ ગૂંચાવ છો તમે ?’ કહીએ. જ્યાં બેઠા હતા ત્યાંથી પણ છેલ્લે પછી ઊઠી જવાનું. અમે બેસાડીએ પણ ખરા કે હવે ચંદુભાઈ આમ કરી શકે, તેમ કરી શકે અને પછી ગાદીમાં એ બેસી રહે એટલે ગોદો મારીએ. દરેક પદમાં બેસીને ઊઠી જવાનું છે. જરા મીઠું લાગે, થોડા દા’ડા બેસી રહે ને, એટલે અમે ગોદો મારીએ. ઊઠીને અહીં આવવાનું છે પાછું છેવટે. કરવી વાતો, ફાઈલ નંબર વન જોડે પ્રશ્નકર્તા : પોતાનો જે સ્વભાવ છે ચંદુભાઈનો, એનું પૃથક્કરણ કેવી રીતે કરવું ? દાદાશ્રી : ચંદુભાઈને અને આપણે શું લેવાદેવા ? તમે શુદ્ધાત્મા થયા ને ! ચંદુભાઈ તો પાડોશી છે, ફાઈલ નંબર વન. તમારે શું લેવા-દેવા ? પ્રશ્નકર્તા : ફાઈલ નંબર વન છે પોતાની, એને છે તો હેન્ડલ કરવાની બહુ અઘરી પડે છે ઘણી વખત. એને પછી વઢવી-કરવી પડે. દાદાશ્રી : સમજાવી-પટાવીને કામ લેવું. જરા ઉપર બેઠા હોય તો ‘નીચે બેસો, ડાહ્યા થાવ’ એમ કહેવું પડે. પ્રશ્નકર્તા : એવું બધું કહીએ તોય ફાઈલ ના માને. ઘણી વાર એવું બને. દાદાશ્રી : એ તો થઈ જાય દાદાના નામથી, કે દાદાનું તો માનો, કહીએ. એ થોડુંઘણું કાચું હશે તો ફરી કરવું પડશે. પછી એનો વાંધો નહીં. પણ તમે કહો છો ખરાને એને ? ફાઈલ નંબર વનને તમે કહો છો ત્યાંથી જ, તમે શુદ્ધાત્મા થઈ ગયા એ અજાયબી જ કહેવાય ને ! એ પુરાવો ઓછો છે કંઈ ? તમે એને કહો છો ત્યાંથી પોતે શામાં છો ? પ્રશ્નકર્તા : શુદ્ધાત્મામાં. દાદાશ્રી : ત્યાર પછી એ ઓછું કહેવાય કંઈ ? આપણે તો આને ફાઈલ નંબર વન કહીએ ને, એટલે શુદ્ધાત્મા પૂર્ણ થઈ ગયો. બાકી હવે ફાઈલ નંબર વન સિવાય બીજું શું રહ્યું ? ત્યારે કહે, ‘શુદ્ધાત્મા એકલો જ !’ એ જો બહુ કૂદાકૂદ કરતો હોય તો કહીએ, ‘ચંદુભાઈ, જરા ધીરા પડો. આમ ના કરો. ધીમા રહીને કામ કરો.’ બે જુદું જ છે. કહેનાર ને કરનાર બધું જુદું છે. કહેનાર એટલે ચેતવનાર. ચેતવે છે કોણ ? ચેતન. ચેતવનાર અને કરનાર બે જુદા છે. એટલે આપણે કહેવાનું, ‘શાને માટે આ ભાંજગડ કર્યા કરો છો, ધીમે ધીમે રહીને કામ લો ને !’ જો એક દહાડો અકળાયેલા હોય ને, તો પાંચ જણના કેસ બગડી જાય. એટલે આપણે એમને કહેવું પડે કે તમે ઘેરથી અકળાઈને આવ્યા છો, માટે અહીં ઉતાવળ કરશો નહીં. એવું બધું કહેવું પડે. સમભાવે નિકાલ કર્યા વગર તો શી રીતે ચાલે ? તમે અકળાયેલા હોય ને ખાવા-કરવા બેસો તો ચાલે કંઈ ? ખાવાનું તો બધું પદ્ધતિસર કરવું પડે. અકળામણ તો થઈ જાય. મનુષ્યદેહ છે તે કોને ન થાય ? એક જ્ઞાની એકલાને અકળામણ ના થાય. બીજા બધાને અકળામણ તો થઈ જાય ને ! અકળામણ થઈ જાય છે ? પ્રશ્નકર્તા : ઘણી વખત ડિપ્રેસ પણ થઈ જવાય છે. દાદાશ્રી : એ તમારે કહેવું કે ‘ડિપ્રેસ થશો નહીં. શા માટે ડિપ્રેસ થાવ છો, અમે છીએને તમારી જોડે.’ પ્રશ્નકર્તા : ફાઈલ નં. ૧ ડિપ્રેસ થાય ખરી ? (પા.૧૨) દાદાશ્રી : થાય ને, ડિપ્રેસ ના થાય તો બીજું શું થાય ? એલિવેટ થાય તો ડિપ્રેસ થાય. ખુશ થાય ને રાજી થાય કે નાખુશ થાય એ જ ધંધો એનો. આપણે કશું નહીં. ફાઈલ એકનો નિકાલ પ્રશ્નકર્તા : ફાઈલ નંબર એકનો ખરેખરો નિકાલ ક્યારે કર્યો કહેવાય ? દાદાશ્રી : ખૂબ ઊકળી હોય ફાઈલ નંબર એક, તે ઘડીએ ઠંડું પડે ત્યારે જાણવું કે આ ફાઈલનો ખરો નિકાલ થયો. પ્રશ્નકર્તા : એ સમજાવો બરોબર. દાદાશ્રી : ઊકળે તો ખરી ને, પણ હવે તો બંધ થઈ જવાનું ને ! હંમેશાંય આ જે સંયોગ છે ને, તે વિયોગી સ્વભાવના છે. એટલે એની મેળે વિયોગ થઈ જ જવાનો. ત્યાં સુધીમાં સ્થિરતા છોડવી નહીં આપણે. એ જતું રહેશે એ તો. એ તો આપણા કરેલા છે. મહીં કોઈકની ઓછી ડખલ છે ? કોઈકની ડખલ હોય તો વાત કહેવા જઈએ કે આવું મને થાય છે. આ તો બોલાયેય નહીં ને ! આપણી ડખલનું પરિણામ આપણે સમજવું ના જોઈએ ? અને છેટા રહીને જુઓ એટલે જતું રહે એવું છે. પ્રશ્નકર્તા : દાદા, આ ફાઈલ નંબર એકનો નિકાલ કરું ને, હવે અંદર જે કંઈ થતું રહે છે એ બરોબર દ્રષ્ટિમાં આવ્યા રાખે તો એનો મતલબ એ થયો કે ફાઈલ નંબર એકનો નિકાલ થાય છે ? દાદાશ્રી : કેમ ના થાય પણ ? પહેલા તો આપણી જોડે ફાઈલ નંબર એક બાજુ એવી દ્રષ્ટિ જ નહોતી. જે કરતા હોય તે ‘હું જ કરું છું’ કહેતા હતા. હવે તો ફાઈલ નંબર એક કરે છે, તેને તમે જાણો છો. પ્રશ્નકર્તા : એક તો જાણે શું છે કે અંદરથી ક્લેશ ઉત્પન્ન થતો હોય અને આપણે જાણતા પણ હોઈએ. દાદાશ્રી : ક્લેશ થાય જ નહીં. આ વિજ્ઞાન જ એવું છે કે ક્લેશ ના થાય. પ્રશ્નકર્તા : તો જે કંઈ અંદર થાય છે એ શું છે તો ? દાદાશ્રી : એ સફોકેશન છે, ગૂંગળામણ છે. ગૂંચવાડા ઊભા થાય ને, કશું સમજણ ના પડે તેથી, એ તમને મહીં ગૂંચાય. પ્રશ્નકર્તા : દાદા, આ સફોકેશન દૂર કેવી રીતે થાય ? દાદાશ્રી : એ તો બધું જ્ઞાની પુરુષની આજ્ઞા બરોબર પદ્ધતિસરની પાળો. દેહ જ્ઞેય ને આપણે જ્ઞાયક પ્રશ્નકર્તા : બીજી બધી ફાઈલો છે, એનો તો સમભાવે નિકાલ આપણે કરીએ છીએ. પણ આ ફાઈલ નંબર વનનો સમભાવે નિકાલ કેવી રીતે કરવો એ વિગતવાર સમજાવો. કારણ કે ફાઈલ નંબર વનના જ બધા ડખા હોય છે. દાદાશ્રી : એ ડખાને જોવાથી જ જતા રહે, ફાઈલ જોવાથી જ. વાંકો હોય કે ચૂંકો હોય, એને ફાઈલની જોડે ભાંજગડ બહુ ના હોય. એ જોવાથી જ જતા રહે. ફાઈલ નં. વન જે છે એ તો કર્માધીન છે. એટલે ફાઈલ નં. વનથી કંઈ ખોટું થાય, તેમાં આપણે શું ? આજે આપણે શુદ્ધાત્મા થયા છીએ. એ જાણે ને કે તે દહાડે થઈ હશે આવી ફાઈલ, પણ હવે તો આપણે શુદ્ધાત્મા થયા ને આ ફાઈલ છે તે વ્યવસ્થિતના આધીન. એટલે હવે ફાઈલથી ઊંધું થઈ જાય, કંઈક મોટું જીવડું વટાઈ ગયું, તો (પા.૧૩) પછી એમાં આપણે શુદ્ધાત્મા છીએ એટલે આપણી જવાબદારી નથી. આપણે તો જ્ઞાયક છીએ. આજે આપણા ધર્મમાં રહેવાની જરૂર છે. તે દહાડે અજ્ઞાનતામાં આપણો જે ધર્મ હતો તે કર્યો હતો, કર્તાપદનો. હવે જ્ઞાયક ધર્મ કરવાનો. હવે કર્તાપદનો ધર્મ ના થાય. એ વ્યવસ્થિતના તાબામાં કહ્યું. શુદ્ધાત્માનો જ્ઞાયક સ્વભાવ છે, કર્તા સ્વભાવ નથી. જે સ્વરૂપ થયા, તે સ્વરૂપ રહેવાનો શો વાંધો ? તે જ આપણે સ્વભાવમાં રહેવાનું. જ્ઞાયક સ્વભાવનું ફળ શું મળે ? ત્યારે કહે, પરમાનંદ. તે આપણને જોઈતો હોય, તે આપણને મળ્યા કરે. અને આ ફાઈલનો નિકાલ સમભાવે થયા કરે. હવે ‘મારું છે’ મોઢે બોલીએ ખરા, પણ કંઈ અંદરથી નહીં ને ! હૃદયથી કોઈ ચીજ મારી છે, એમ નહીં ને ! મમતા પણ છૂટી ગઈ ને ! એક કલાકેય આ દેહનું માલિકીપણું કોઈને છૂટે નહીં. દેહની વાત કરીએ ને ત્યારે કહે, ‘દેહ તો મારો ને, એટલે મને જ દુઃખ થાય ને !’ જ્યાં સુધી ‘હું છું’ એ દેહાધ્યાસ છે, ત્યાં સુધી બીજું બોલાય જ નહીં ને ! અને તમે તો કહો કે મારી ફાઈલ બગડી છે, ફાઈલ નંબર વન. એ કંઈ ઓછું જ્ઞાન નથી, જેવું તેવું જ્ઞાન નથી. આ જ્ઞાન એવું સરળ ને સહેલું છે ! આ જ્ઞાનેય બહુ જાગૃતિવાળું આપેલું છે. (સરળ, સહેલું છે) પણ પોતે જાણીજોઈને ડખો કરે છે. એટલે જાગૃતિ ઓછી છે. જાગૃતિ હોય તો તો કશું એને અડતું જ નથી ! જ્ઞાતા-દ્રષ્ટા થતા, ડખોડખલ બંધ પ્રશ્નકર્તા : હવે ડખોડખલ બંધ કરવાનો ઉપાય બતાવો, દાદા ! દાદાશ્રી : જ્ઞાતા-દ્રષ્ટા થઈ જાવ એટલે ડખોડખલ બંધ થઈ જાય. પોતાનો ગુણધર્મ જ્ઞાતા-દ્રષ્ટા તો છે. તે જે ચારિત્રમોહ આવ્યો તેને જાણવો કે આ ચારિત્રમોહ છે. તેને જોવો અને જાણવો. જુઓ એટલે જતો રહેશે. પ્રશ્નકર્તા : આ તો મારો ચારિત્રમોહ, મારું ડિસ્ચાર્જ છે એમ કરીને પેલો એક્સક્યુઝ (માફી) ના લે ? ખોટો બચાવ પોતાનો ના કરે ? દાદાશ્રી : એ લે છે તેય ચારિત્રમોહ છે, પણ જો પોતાની રીતરસમ બદલી નાખે, આ ખોદી નાખે આપેલું જ્ઞાન, તો પછી માર્ગમાં ના કહેવાય. આપણું જ્ઞાન જ ખોદી નાખે ને પાંચ આજ્ઞામાં ના રહેતો હોય, પચાસ ટકાય આજ્ઞામાં ના રહેતો હોય, તો ખલાસ થઈ ગયું. આ તો પચાસ ટકા રહે તોય બહુ થઈ ગયું. પછી જે અવળચંડું થઈ જાય છે ને, તેય ચારિત્રમોહ છે. પ્રશ્નકર્તા : તો એનેય ચારિત્રમોહ કહેવાય ? દાદાશ્રી : ખુશીથી કહેવાય જ. ચારિત્રમોહ સારી રીતે કહેવાય, પણ કો’કને ના કહેશો. આ લોકોને ના કરશો વાત. તમારે મને કહેવું. લોકો તમને ડિસ્કરેજ કરી નાખશે અને આ જે સ્થિર થયા છે તેનેય અસ્થિર કરી નાખશે. મને કહેશે તો હું કહી દઈશ કે ભઈ, આ શું છે તે ! પ્રશ્નકર્તા : પણ એ તો સત્ય જ વાત છે ને ! આ ચારિત્રમોહમાં જ આવે ને ? બીજે શેમાં જાય ? દાદાશ્રી : ડિસ્ચાર્જ જ છે ત્યાં આગળ. પણ વચ્ચે ડખલ જ નથી ને તમારી ! તમારી ડખલ હોય તો તમે જવાબદાર છો. આ શું થઈ રહ્યું છે ? ઈટ હેપન્સ થઈ રહ્યું છે. આ ચારિત્રમોહ એટલે ઈટ હેપન્સ. તમારી ડખલ નથી કોઈ જાતની આમાં. ‘આમ કરો કે તેમ કરો’ એવી ડખલ નથી. એની મેળે જ બધા સંજોગો ભેગા થાય ત્યારે કાર્ય થાય, તમારી ડખલ નથી. તમારું આમાં ચાલે જ નહીં ને ! તમારે તો આખું કર્તાપદ ઊડી ગયું છે, (પા.૧૪) પછી શી રીતે તમે જવાબદાર ? એટલે કોઈએ મૂંઝાવાની જરૂર નહીં. મને પૂછવું વખતે, બહુ મનમાં મૂંઝવણ થાય તો. આ વિશેષ ગુણથી જે પુદ્ગલ પહેલા ચાર્જ થઈ ગયેલું, જે પથરા ગરમ થઈ ગયા છે, તેને ચારિત્રમોહ કહે છે ! ‘સ્વરૂપનું જ્ઞાન’ થાય એટલે કર્તા રહે નહીં, એટલે ડખલ રહે નહીં ને ચારિત્રમોહનો નિકાલ થઈ જાય ! એ ચારિત્રમોહ ઓગાળીય શકાય ! આમ જુઓ, જ્ઞાતા-દ્રષ્ટા રહીએ તો ઊડી જાય. અને જાગૃતિ ના રાખી ને નિશ્ચય ના કર્યો, તો ચારિત્રમોહ પેન્ડિંગ રહે ! આ મોહ કેવી રીતે જઈ રહ્યો છે, એ જોયા કરવાનું છે. ચંદુભાઈ ખાતા હોય, પીતા હોય, કચકચ કરતા હોય તો એ બધો મોહ છે, તે જોયા કરવાનો તમારે. એટલે એ મોહ જતો રહે. ડખો કરો કે ‘કેમ આ ખારું કર્યું છે’ તો મોહમાં જરા ચીકાશ કરી પાછી. ડખો નહીં કરવાનો, ‘જોયા’ જ કરવાનું. આ મોહ તો ખરો પણ જોવાથી જ જાય, જોવાથી જ નાશ પામે. ચારિત્રમોહ એટલે ડિસ્ચાર્જ મોહ. ડિસ્ચાર્જ મોહ એટલે આપણા હાથમાં સત્તા નથી. એની મેળે જ ચાલ્યો જશે, તમે જો વીતરાગ રહેશો તો. પ્રશ્નકર્તા : પણ ચારિત્રમોહ આખરે તો જવો જ જોઈએ ને ? દાદાશ્રી : એ ચારિત્રમોહ જઈ રહ્યો છે. આ જે ફાઈલો એ ચારિત્રમોહની જ છે. ફાઈલોનો નિકાલ થઈ ગયો એટલે ફુલ ગવર્મેન્ટ થઈ ગઈ. એટલે (ચારિત્રમોહ) જવો જોઈએ એવું નથી, કાઢવાનો નથી, જઈ જ રહ્યો છે. આખા જ્ઞાનનું સરવૈયું શું કહે છે ? જો તું ‘રિયલ’ જાણીને બેઠો હોય તો, ‘રિલેટિવ’ તો ‘સાયન્ટિફિક સરકમસ્ટેન્શિયલ એવિડન્સ’ છે. માટે તું જોયા કર. કશું જ તું કરીશ નહીં. જે થતું હોય તે થવા દે. જે ના થતું હોય, તે ના કરીશ. માત્ર જોયા કર ! ગલનને ‘જોયા’ કરો પ્રશ્નકર્તા : જ્ઞાન લીધા પછીનું જે ગલન છે એ જોયા જ કરવાનું કે એને વેગ આપવા માટે કંઈક કરવું ? દાદાશ્રી : વેગ આપનાર કોણ ? કર્તા ઊડી ગયો પછી વેગ આપનાર કોણ ? પ્રશ્નકર્તા : અને એની મેળે થવા જ દેવાનું ? દાદાશ્રી : જોયા જ કરવાનું. જે થાય એ જોયા જ કરવાનું. જે આપણે પૂરણ કર્યું’તું, એ હવે એનું ફળ આપીને ગલન થશે. કડવું હશે તે કડવું ને મીઠું હશે તે મીઠું. બન્ને ફળ આપીને ગલન થાય, તે આપણે જોયા કરવાનું. વેગ આપવાનો એમ કશો ડખો જ નહીં કરવાનો. હવે આ સીધા સાયન્સ(વિજ્ઞાન)માં જો સહેજે ભૂલ ખાય તો માર પડી જાય એવું છે. ફેરફાર થઈ જાય તો મારી પાસે આવજો, હું ફરી ઓપરેશન કરી નાખીશ. અણસમજણથી ફેરફાર થઈ જવાનો સંભવ ખરો ને ! પ્રશ્નકર્તા : આપણે છોડી દઈએ એ ભૂલ ? દાદાશ્રી : જ્ઞાતાપણું છોડાય જ નહીં. જ્ઞાતાપણું જ આપણો સ્વભાવ છે અને જ્ઞેય તે નિરંતર હોય છે જ. એ જે મન છે ને, તે ઠેઠ આયુષ્ય પૂરું થતા સુધી એ ફાઈલ દેખાડ્યા કરશે. એ દેખાડ્યા કરે ને આપણે જોયા કરીએ. જ્ઞેય ના હોય તો જ્ઞાતા ઊડી જાય. એટલે આ જ્ઞેય છે તે સિનેમાની પેઠ છે. મન ઠેઠ સુધી દેખાડશે. એટલે જ્ઞાતા ઊડે નહીં. (પા.૧૫) સંયોગોનો ટ્રાફિક ચૂકાવે ‘જોવાનું’ પ્રશ્નકર્તા : જે પણ કંઈ મારું ડિસ્ચાર્જ આવે છે, એને હું ખાલી ‘જોયા’ કરું છું, બીજું કશું કરતો નથી. આ બરાબર છે ? દાદાશ્રી : હં, બરાબર છે. પ્રશ્નકર્તા : જ્ઞાન એકધારું કેમ રહેતું નથી ? ઉતરી જાય છે પાછું, પાછું ચઢે એવું કેમ ? દાદાશ્રી : ના ઉતરે. એક વાર ચઢ્યા પછી ઉતરે નહીં. જ્ઞાન તો જ્ઞાન જ રહેવાનું. એક વાર જો આંધળો થઈ ગયો તો પછી દેખાતું બંધ થઈ જાય. આ તો પણ ફરી દેખાય છે ને ? ‘કેવળ નિજસ્વભાવનું, અખંડ વર્તે જ્ઞાન, કહીએ કેવળજ્ઞાન તે, દેહ છતાં નિર્વાણ.’ – શ્રીમદ્ રાજચંદ્ર ભલે ને દેહ હોય પણ છતાં નિર્વાણ છે, કહે છે. પ્રશ્નકર્તા : દાદા, અખંડ થવું બહુ અઘરું છે. દાદાશ્રી : અરે, ખંડ થયું તેને અખંડ થતા વાર ના લાગે. ખંડ જેને થયું, તેણે અખંડ થવાની ભાંજગડ નહીં કરવાની. એ અખંડ થવા માટે જ ખંડ થયું છે. પ્રશ્નકર્તા : દાદા, આમાં એવું થાય છે કે પ્રવૃત્તિ કરતા હોય તો શરૂ કરતા પહેલા એ ધ્યાન રહે. પછી પ્રવૃત્તિમાં પડ્યા એટલે ભૂલી જાય અડધો કલાક. પ્રવૃત્તિ પૂરી થાય એટલે પછી પ્રતીતિ થાય. દાદાશ્રી : એવું છે ને, આ શેના જેવું છે ? તમને સમજાવું કે આપણે અહીં આગળ (વડોદરામાં) એક જગ્યાએ આ કોઠીના ઢાળ ઉપર, ચાર રસ્તા ઉપર એક મોટી ખુરશી નાખીને બધા બેઠા ત્યાં આગળ. તે આપણે સામી બાજુ જોવું હોય તો બસ આવે તો પેલું દેખાય ? એટલે બસો આય-જાય કરે ત્યાં સુધી પેલું અખંડ ના દેખાય. અરે ! બસો આવતી-જતી બંધ થઈ જશે ! રાત પડી એટલે એની મેળે જ બસો બંધ થઈ જવાની, હડહડાટ. પ્રશ્નકર્તા : દાદા, બાળપોથીનો દાખલો એકદમ કેમનો બધાને આપી દીધો ? દાદાશ્રી : હા, પણ શું થાય ? કામ લાગી જાય ને ! એને ભય લાગે છે કે હવે આ અખંડ ક્યારે થાય ! નથી ભય રાખવા જેવું. તે આ બધી બસો બંધ થઈ જશે એટલે આખું જ રહે, અખંડ જ. તારું જ્ઞાન તો અખંડ જ છે. આ બસો વાંધો ઊઠાવે છે અને બસોનો સંયોગ છે. તે સંયોગ પાછા વિયોગી સ્વભાવના છે. એ ઝપાટાબંધ જતા રહેશે. હવે તું નવા સંયોગો ઊભા કરતો નથી. પ્રશ્નકર્તા : દાદા, દસ દહાડા બેસવું પડે આ બધું સમજવા માટે, તો આપે એક લીટીમાં સમજાવ્યું કે વચ્ચે બસો જ દોડે. આના ઉપરથી તો અમારે અનુભવ લેવા જેવો કે હવે શું કરવા ખોટું માથું ફોડ્યા કરીએ ? દાદાશ્રી : બળ્યું, આ તમારો મોક્ષ જ છે. આ તો બસો આય-જાય કરતી હોય, તેમાં બસોવાળાને કશું ના કહેવાય આપણાથી ? આપણે મોક્ષને લઈને બોલાય નહીં. તે બે માળવાળીયે બસ આવે, એક માળવાળીયે બસ આવે. અને હાથી જતો હોય તો ના દેખાય પાછું. પણ હવે એ સંયોગો છે. એટલે જેટલા છે એટલા આવીને જતા રહે છે અને પછી એ અખંડ જ રહેશે. છે જ અખંડ. એટલે અખંડ નથી રહેતું, પણ કેટલાકને દાદા તો અખંડ રહે છે ને ? એટલે આમ સમજણ પડી જાય ને, અખંડ ! જુઓ ને, કેટલો ગૂંચારો હતો કે આ ખંડિત થયું, હવે અખંડ ક્યારે થશે ? તે કોની બાધા રાખવી (પા.૧૬) હવે ? અખંડ જ છે આ. તમને સમજાઈ ગયું અખંડ હવે ? અઘરું લાગતું’તું અને બહુ અઘરું, ઓહોહો ! આનો ક્યારે પાર આવશે ને ક્યારે એ થશે ? આવી ગયેલો પાર ! એના અભ્યાસની જરૂર છે અહીં. આ અક્રમ વિજ્ઞાન છે તે ટચમાં આવવાની જરૂર. આવું વિજ્ઞાન એક ફેરો મળે છે. તેની જાગૃતિ જતી નથી આ. એક ફેરો મને ભેગો થયો ને જ્ઞાન લીધું હોય તો એની જાગૃતિ જતી નથી. હવે જ્ઞાતા-દ્રષ્ટા રહેવું તે જ ચારિત્ર. પણ એ તમારાથી રહેવાય નહીં. કારણ કે તમારે તો હજારો લફરાં ! વચ્ચે બસો આય-જાય કર્યા કરતી હોય, એમાં શી રીતે જ્ઞાતા-દ્રષ્ટા રહો ? તમે કહો કે આ બસોને લીધે નથી દેખાતું કશું, છે ખરું પણ દેખાતું નથી બસોને લીધે. ત્યારે હું કહું કે ‘બસો તમારી ગોઠવણી છે કે બીજા કોઈની ?’ ત્યારે કહે, ‘હા, એ તો મારી જ ગોઠવેલી.’ મેં કહ્યું, ‘બે માળની હઉ ગોઠવેલી ?’ ત્યારે કહે, ‘હા. બે માળની હઉ ગોઠવેલી.’ તમે જ આ ગોઠવેલી બાજી. મારી બસો બધી બંધ થઈ ગઈ હોય ને તમારી તો ચાલુ જ છે ને ! પ્રશ્નકર્તા : પેલી બસનો ટ્રાફિક આવે એટલે દેખાતું બંધ થઈ જાય, તો હવે જોવાનું શું ? દાદાશ્રી : જ્ઞેય દેખાય. આ આત્મા અરીસા જેવો છે. અરીસાની જગ્યાએ આત્મા મૂકો, તો અરીસામાં છે તે જ પેલી સામે હતી જે વસ્તુ. સામો આમ શણગાર કરેલો થાંભલો હતો. તે અરીસામાં દેખાતો કેમ બંધ થઈ ગયો ? થાંભલો મહીં ઝળક્યા કરે. તે ઝળકતો બંધ થઈ ગયો એટલે પેલો બૂમ પાડે કે મારા આત્મામાં આમ મહીં દેખાતું નથી હવે. ત્યારે કહે, ભઈ, વચ્ચે આ બસો જાય છે એટલે. આત્મા જ્ઞાતા-દ્રષ્ટા છે. એટલે આમ આ આંખોની પેઠ નથી જોતો, આમ મહીં ઝળકે. જ્ઞાતા-દ્રષ્ટામાં તે કંઈ ક્રિયા કરવી પડે ? ઝળકે એટલે તો આ અરીસાને કશું મહેનત કરવી પડે ? અહીંથી આમ ગયો તે મહીં દેખાય. પ્રકૃતિના જ્ઞાતા-દ્રષ્ટા એ ‘ચારિત્ર’ પહેલા આપણે માનવ સ્વભાવમાં હતા. તેમાં આ સારું ને આ ખોટું, આ સારા વિચાર ને આ ખોટા વિચાર એમ હતું. હવે આત્મસ્વભાવમાં આવ્યા એટલે બધા એક જ વિચાર ! વિચાર માત્ર જ્ઞેય છે ને ‘આપણે’ જ્ઞાતા છીએ. જ્ઞેય-જ્ઞાતાનો સંબંધ છે. પછી ક્યાં રહી ડખલ, તે કહો ? હવે કોઈ કહેશે, ‘આ જ્ઞાન પછી ચંદુભાઈનું વર્તન કેમ આવું છે ?’ ત્યારે હું કહું કે ‘ભઈ, એમના વર્તન સામું ના જોશો.’ કારણ કે એમની બિલીફ (માન્યતા) જુદી છે અને એમનું વર્તન જુદું છે. બિલીફ ઓર જ પ્રકારની છે. તમારું વર્તન જુદું છે ને બિલીફમાં જુદું છે, એ તમને અનુભવ થયેલો ને ? કારણ કે આ વર્તન છે એ પહેલાની બિલીફના આધારે છે અને આજે તમારી પાસે બિલીફ નવી થયેલી છે. એટલે આનું જે વર્તન આવશે એ ઓર જ પ્રકારનું આવશે. પહેલા બિલીફમાં બેસે, ત્યાર પછી વર્તનમાં આવે. આત્માની પ્રતીતિ બેસવી એ જ સમ્યક્ દર્શન અને આત્મા સિવાય બીજું શું ? ત્યારે કહે, પુદ્ગલ. પ્રશ્નકર્તા : એટલે આ જે બિલીફ છે ને, એ સામાન્ય માન્યતાના શબ્દ કહેવાય ? દાદાશ્રી : તે બિલીફથી બહુ ઊંચી વસ્તુ છે આ દર્શન. અત્યારે તમને મહીં ચેતવે છે કે નથી ચેતવતું ? પ્રશ્નકર્તા : ચેતવે છે. દાદાશ્રી : હં, તો એ પોતે છે તે અનુભવમાં (પા.૧૭) આવ્યા પછી ચેતવે. હવે એ જ્ઞાન કહેવાય. અને ચારિત્ર ક્યારે કહેવાય ? બહારનો ડખો ના હોય. ત્યારે ચારિત્ર રહે. નોકરીઓ-બોકરીઓ ને બધું આમતેમ, કપડાં પહેરવાના ના હોય, બીજી ધાંધલ ના હોય. ચારિત્ર એટલે જ્ઞાતા-દ્રષ્ટા, બસ. એ જ્ઞાતા-દ્રષ્ટા કોના પણ ? ‘ચંદુભાઈ શું કરી રહ્યા છે’ એના તમે જ્ઞાતા-દ્રષ્ટા. પોતાની પ્રકૃતિના જ્ઞાતા-દ્રષ્ટા રહેવું, એનું નામ ચારિત્ર. શુદ્ધાત્માની સીટ પર બેસી જ્ઞાતા-દ્રષ્ટા જ્ઞાતા-દ્રષ્ટા રહ્યા એટલે બધું છૂટી જવાનું. છોડ્યું છૂટે નહીં. જ્ઞાતા-દ્રષ્ટા થઈએ ને તો છૂટી જાય. એક જ દા’ડો, રવિવારને દા’ડે, એક દા’ડો શુદ્ધાત્માની ખુરશી ઉપર બેસો જોઈએ, બધું સરસ ચાલશે ! જ્ઞાતા-દ્રષ્ટા રહેવાનું ફક્ત. ચંદુભાઈ શું કરે છે એ જોયા કરવાનું. પ્રશ્નકર્તા : હવે ચંદુભાઈ ખોટું કરે કે સાચું કરે એ જોવાનું ? દાદાશ્રી : ખોટું કરે કે ના કરે, એ ખોટું કે ખરું હોતું જ નથી. હવે ખોટું-ખરું સમાજને આધીન છે. ભગવાનને ત્યાં ખોટું-ખરું નથી. નફો-ખોટેય નથી ભગવાનને ત્યાં. પ્રશ્નકર્તા : તો અમારે સમાજ અને વ્યવહારના આધીન એવો જે ભાવ છે, અમારા જીવનનો વ્યવહાર ભાગ, તે કેવો રાખવો ? દાદાશ્રી : વ્યવહાર લોકો વખાણે, આદર્શ કહે એવો રાખવો. ‘ભઈ, આ ચંદુભાઈની વાત કરશો નહીં, બહુ સારા માણસ છે’ કહેશે. આ તો પોતાના ઘરમાં સારા નથી દેખાતા. મૂઆ, પાડોશી સારા ના કહે એનો વાંધો નહીં પણ ઘરમાંય સારા દેખાતા નથી. પ્રશ્નકર્તા : પણ એનો ઉપાય શો ? દાદાશ્રી : આ કહ્યું તે જ, જ્ઞાતા-દ્રષ્ટા રહો. પ્રશ્નકર્તા : અમે જ્ઞાતા-દ્રષ્ટા તો રહીએ પણ ચંદુભાઈથી કામ ઊલટા થતા હોય, સુલટા થતા હોય અને પરિણામ બધા ખોટા આવતા હોય તો આપણે એ સાચવવા શું કરવાનું ? દાદાશ્રી : કશું સુધારી શકતો નથી. બગાડશો ઊલટાનું. બગડેલું એંસી ટકા છે તે નેવું ટકા કરશો. પ્રશ્નકર્તા : ચંદુભાઈનું સુપરવિઝન (નિરીક્ષણ) કરવાનું અને ગાઈડન્સ (માર્ગદર્શન) આપવાનું, કશું કરવાનું નથી ? દાદાશ્રી : સુપરવિઝન એટલે ખાલી જોવાનું અને જાણવાનું. ગાઈન્ડસ-બાઈન્ડસ કશું આપવાનું નહીં. પ્રશ્નકર્તા : સુધારવાનું કે કોઈ કર્તાપદ લેવાનું નથી, સુધારવાનો કોઈ અવકાશ જ નથી ? દાદાશ્રી : સુધરે જ નહીં. સુધારવા જાય તો પોતે બગડે છે, ઊલટો. પ્રશ્નકર્તા : એને કહેવાનું ચૂપ, મને બેસી રહેવા દે, ખબરદાર જો... દાદાશ્રી : નહીં, ખબરદાર નહીં કહેવાનું. આપણે પોલીસવાળા નથી. આપણે ભગવાન છીએ ! પોલીસવાળા એવું કરે ખબરદાર કે ના ખબરદાર, આપણે તો ભગવાન છીએ, ‘જોયા’ કરવાનું. આપણે આપણા જ્ઞાતા-દ્રષ્ટા સ્વભાવમાં અને એ કર્તા સ્વભાવમાં. કર્તા સ્વભાવવાળો ઉપાધિ કર્યા જ કરવાનો. પુદ્ગલ કર્તા સ્વભાવનું છે. પૂર્વકર્મ નડે જ્ઞાતા-દ્રષ્ટા રહેવામાં પ્રશ્નકર્તા : આપે પેલું જ્ઞાતા-દ્રષ્ટામાં રહેવાનું કહ્યું છે, તો જ્ઞાતા-દ્રષ્ટા રહેવામાં કઈ વસ્તુ આડે આવે અમને ? દાદાશ્રી : જ્ઞાતા-દ્રષ્ટા રહેવામાં પૂર્વકર્મના ઉદય આડે આવે છે. હવે પાછલા કર્મો બધા ગૂંચવશે. (પા.૧૮) મનમાં વિચારો આવશે, એટલે એમાં ગૂંચાવાનું નહીં આપણે. મહીં ભેળસેળ નહીં થઈ જવાનું. એ જ્ઞેય છે ને આપણે જ્ઞાતા છીએ. જ્ઞેય-જ્ઞાતાનો સંબંધ રહ્યો આ જગત જોડે. બીજો કોઈ સંબંધ છે જ નહીં હવે. હવે બીજા સંબંધમાં ઊતરીએ જ નહીં. પ્રશ્નકર્તા : દ્વન્દ્વો, એ સ્પંદનો નિર્મૂળ નથી થયા ને ? દાદાશ્રી : ના, એ જ્ઞેય સ્વરૂપે રહેલા જ છે ને ! એ બધું જ્ઞેય સ્વરૂપે છે. અને આપણને મનમાં ગૂંચાય કે ભઈ, આ મને વળગે છે કે શું ? દહાડે દહાડે આપણે તો રાગ-દ્વેષ ઓછા થાય છે કે નહીં, એટલું જોવું. પ્રશ્નકર્તા : આત્મતત્ત્વ જાણ્યા પછી જે પ્રશ્નો થાય છે કે ગૂંચવાય છે તે આપણો વિભાગ નહીં ને ? દાદાશ્રી : એ બધા જ્ઞેય છે અને ડિસ્ચાર્જ સ્વરૂપે છે. અને આપણા તાબામાં નથી, વ્યવસ્થિતના તાબે છે. આપણો અને એનો સ્વભાવ જુદો છે. એ જ્ઞેય સ્વભાવના છે, આપણે જ્ઞાતા સ્વભાવના છીએ. જ્ઞેય વસ્તુઓ વીતરાગ છે, જ્ઞાતાય વીતરાગ છે ને વચ્ચે અહંકાર છે તે રાગ-દ્વેષ કરાવે છે. અહંકાર ઊડી ગયો એટલે જ્ઞેય જોડે વીતરાગી ભાવ રાખવાનો. જ્ઞેયને તરછોડ મારીએ તો એ પણ તરછોડ મારે. છતાં મહીં પૌદ્ગલિક ભાવો ખરાબ નીકળે તો પ્રતિક્રમણ કરવાનું તમારે. આ જ્ઞાન આપ્યા પછી જે બાકી રહે છે, એ બધું જ્ઞેય સ્વરૂપે રહે છે. જે વસ્તુ મહીં ઉત્પન્ન થઈ તે જ્ઞેય છે અને આપણે જ્ઞાતા છીએ. ઉદયકર્મમાં ડખો ના કરે એ જ્ઞાન ઉદયકર્મમાં ડખલ કરીએ તે ઘડીએ બુદ્ધિ હોય અને ઉદયકર્મમાં ડખલ ના કરીએ તે ઘડીએ જ્ઞાન હોય. આ જ્ઞાન ને બુદ્ધિનો છે તે ભેદ. પ્રશ્નકર્તા : ડખો માત્ર બુદ્ધિથી જ થાય છે ને ? દાદાશ્રી : ડખો માત્ર બુદ્ધિનો જ છે આ બધો. આ બુદ્ધિએ જ બધી ભાંજગડો, લોચા વાળ્યા. જ્ઞાનને આવું કશું હોય જ નહીં. જ્ઞાનમાં તો ડખો હોય જ નહીં ને ! હા, ચંદુભાઈ છે તે ડખો કરે અને જ્ઞાન જાણે એટલે તમે છૂટા. કોણે લીધું, કોણે દીધું, આણે આપ્યું આમને ને આમણે લીધું, એવા કોઈ ચોપડા ભગવાન રાખે નહીં. કેવા ડાહ્યા છે ! ચોપડા જ રાખતા નથી. હિસાબ બધો ચોખ્ખો, વગર ચોપડે હિસાબ ચોખ્ખો ! તેથી મેં કહ્યું ને કે ભગવાન ચોપડા લખે નહીં ને બુદ્ધિ છે તે ચોપડા લખે. ઉદયકર્મમાં હાથ ઘાલે, આંગળી ઘાલે ઉદયકર્મમાં. અલ્યા, આપે છે તેય ઉદયકર્મ ને પેલો લે છે એ એના ઉદયકર્મ, એમાં તારે વચ્ચે હાથ ઘાલવાનો રહ્યો જ ક્યાં તે ? ઉદયકર્મ આપે છે ને ? અને લેનારેય ઉદયકર્મ લે છે. ત્યાં આગળ પછી જમે-ઉધાર કરવાનું જ ક્યાં રહ્યું ? પણ આ બુદ્ધિનો ડખો. આ છે તે ઉદયકર્મમાં જો ડખો ના કરે, એનું નામ જ્ઞાન. પૂરું જ્ઞાન, હં ! અહીં આ તમારું અમુક જ્ઞાન તો છે પણ કેવળજ્ઞાન એનું નામ કહેવાય કે ઉદયકર્મમાં ડખો ના કરે ! તમને સમ્યક્ જ્ઞાન તો છે જ. પણ હવે કેવળજ્ઞાન થતા પહેલા આવી તેવી બધી વસ્તુઓ જોઈશે ને ? જ્ઞાન તો છે જ, પણ કેવળજ્ઞાનમાં આ બધું આંતરશે ને ? પ્રશ્નકર્તા : કેવળજ્ઞાન થવાને શું બાકી રહ્યું ? દાદાશ્રી : આ ક્યાં ક્યાં હજુ બુદ્ધિના ડખા છે એ ‘જોઈ’ લેવાના. એટલે બુદ્ધિના ડખા ચંદુભાઈ કરે, તેનો વાંધો નથી. આપણે ફક્ત તે ડખામાં ન ભળી જઈએ. આપણે ‘જોઈએ’, એટલે આપણે આપણા હિસાબમાં ! અને તેમાં જો હિસાબ ચૂકીએ તો ઉદયકર્મમાં ડખો કર્યો કહેવાય. ચંદુભાઈનું (પા.૧૯) ઉદયકર્મ છે પણ આપણે ભળી જઈએ એવું ના હોવું જોઈએ, તો આપણને અડે નહીં. જ્ઞાતા-દ્રષ્ટા સિવાય બધુંય ડખોડખલ પ્રશ્નકર્તા : તો પછી એનો અર્થ એવો થયો કે જ્ઞાતા-દ્રષ્ટાપણું ન રહ્યું ત્યાં ડખોડખલ ? દાદાશ્રી : હા. જ્ઞાતા-દ્રષ્ટા સિવાય બધુંય ડખોડખલ, એનું નામ જ સંસાર ! પણ હવે જ્ઞાતા-દ્રષ્ટા તો ના રહેવાય તે વાસ્તવિકતા છે, કે ભઈ, માણસની એટલી શક્તિ નથી. બાકી, જ્ઞાતા-દ્રષ્ટા રહ્યો એ ભગવાન જ થઈ ગયો ! પણ ત્યાં સુધી હવે કેમ કરવું ? તો મહીં ડખો કરવાનો વિચાર આવે તે ઘડીએ પ્રતિક્રમણ કરી લેવું. એટલે પછી એ ડખલ થઈ નહીં. ડખલ થઈ હતી પણ વાળી દીધી આપણે. પ્રશ્નકર્તા : આ તો બહુ ઊંચી વાત કરી નાખી. પણ કંઈ દરેક વખતે માણસ ‘જોયા’ કરે, એવું રહી શકે નહીં ને ? દાદાશ્રી : ના રહી શકે, તો પછી એણે પ્રતિક્રમણ કરવા. તમને વિચાર આવે ને, તેનું પ્રતિક્રમણ કરવું. એક્ઝેક્ટ જ્ઞાતા-દ્રષ્ટા ના રહેવાય તો પ્રતિક્રમણ કરવું. પ્રતિક્રમણ તો કોણે કરવાનું છે ? આપણે જાતે કરવાનું નથી હોતું. આપણે આ અક્રમ વિજ્ઞાન છે ને, એટલે કષાયો જરાક જાડા રહેલા હોય. હવે કો’કને ટૈડકાવ્યો, તે પેલાને દુઃખ થાય એવો ટૈડકાવ્યો. એટલે ‘તમારે’ ‘ચંદુભાઈ’ને કહેવું, કે ‘ભઈ, તમે અતિક્રમણ કેમ કર્યું ? માટે પ્રતિક્રમણ કરો.’ ‘આપણે’ શુદ્ધાત્માએ પ્રતિક્રમણ નહીં કરવાનું ! અતિક્રમણ પુદ્ગલનું ને પ્રતિક્રમણેય પુદ્ગલનું છે. શુદ્ધાત્માનો જ્ઞાયક સ્વભાવ છે ! ‘હું શુદ્ધાત્મા છું’ એવો નિર્ણય થવો, એનું નામ જ આત્માનુભવ ! તીર્થંકરોની શોધખોળ તમે શુદ્ધાત્મા, તે તમારે હજુ (લક્ષ) શુદ્ધાત્મામાં એક બાજુ છે અને એક બાજુ, બીજામાંય તમારું છે હજુ સુધી. એટલે તમારી જાગૃતિ એમાંય જતી રહે છે. મારી જાગૃતિ ના જતી રહે. એટલે તમે હજુ આગળ જેમ જેમ આ પ્રમાણે ફાઈલોનો નિકાલ કરશો ને, તેમ જાગૃતિ પાછી વળતી જશે. એટલે પછી જુદું રહેશે. પછી જુદે જુદું હોય તો તમને હરકત ના કરે. ત્યાં સુધી જરા ડખો કર્યા કરે. અમારી દ્રષ્ટિથી જોવા જાવ તો તમારે અમારી દ્રષ્ટિ કેળવવી પડશે કે જગત આખું નિર્દોષ છે. દોષિત દેખાય છે તે જ ભ્રાંતિ છે. તમને ગાળ ભાંડે, તે તમને દોષિત દેખાય છે તે ભ્રાંતિ છે. કારણ કે ગાળ ભાંડનારું છે તે પાવર ચેતન છે અને દરઅસલ ચેતન તો શુદ્ધાત્મા છે. એટલે એ ગાળ ભાંડે તોય તમારે તો એને શુદ્ધાત્મા જોવા પડે. સામાનું પાવર ચેતન તમારા હિસાબને આધીન છે. તે હિસાબ ચૂકવવાના. હિસાબ ચૂકવાઈ ગયા પછી કશું રહેતું નથી. પ્રશ્નકર્તા : ખાલી ચિંતવનથી (ચાર્જ) પ્રતિષ્ઠિત આત્મા શું શુદ્ધાત્મા થઈ જાય ? દાદાશ્રી : હા, તેથી તો હું તમને કહું છું કે શુદ્ધાત્મા તમે થઈ ગયા. એટલે પછી તમે ‘હું શુદ્ધાત્મા છું, હું શુદ્ધાત્મા છું’ એ કર્યા કરશો, તે રૂપ થયા કરશો. પ્રશ્નકર્તા : પણ જો થઈ ગયા છીએ, તો પછી ‘શુદ્ધાત્મા છું’ એ કરવાની જરૂર શું ? દાદાશ્રી : હા, એ તમને શુદ્ધાત્માની હજુ પ્રતીતિ બેઠી છે. પ્રતીતિ બેઠી એટલે તમારે જાગૃતિ આ રહ્યા જ કરવાની, એ પોતે જેવું ચિંતવે એવો થયા કરવાનો. આ ચિંતવનને ચિંતવન કહે છે અને પેલા ચિંતવનને સાયકૉલોજીકલ ઈફેક્ટ કહે છે, (પા.૨૦) અજ્ઞાનીના ચિંતવનને. કારણ કે એ માનસિક અવસ્થા છે. આમાં માનસિક નથી, ચિંતવન છે આ તો. આ તીર્થંકરોની શોધખોળ છે ! તું શુદ્ધાત્મા, તું શુદ્ધ જ છું, નહીં તો બીજું ચિંતવન કરે તો તેવો થઈ જાય. એટલે કહું છું કે તારી જાતને શુદ્ધ જ ચિંતવજે, કે ‘હું તો શુદ્ધ જ છું, હું શુદ્ધ જ છું. ચંદુભાઈ કશો વાંધો નહીં,’ કહીએ. ‘તમારે જેમ ડખો કરવો હોય તેમ કરો, અમે તો શુદ્ધ જ છીએ’, કહીએ. ‘હું ચંદુભાઈ છું,’ આ શાસ્ત્રોનું જ્ઞાન મને મોઢે છે, શ્રુતજ્ઞાન મને મોઢે છે, એ બધાને ભગવાને ‘દેહાધ્યાસ’ કહ્યો. કારણ કે ‘હું ચંદુભાઈ છું’ એ અધ્યાસ તૂટ્યો નથી. ‘હું શુદ્ધાત્મા છું’ એ ભાન થયું કે બધો ઉકેલ આવી ગયો ! પાંચ આજ્ઞા પાલને જ્ઞાતા-દ્રષ્ટા પદ પ્રશ્નકર્તા : ‘તમે શુદ્ધાત્મા છો જ, પણ તેનું ભાન થવું જોઈએ’ એ સમજાવો. દાદાશ્રી : તમે શુદ્ધાત્મા તો છો. મેં તમને જ્ઞાન આપ્યા પછી શુદ્ધાત્મા છો પણ ભાન થવું જોઈએ. આજ્ઞામાં રહેવાય તો હું જાણું કે ભાન છે આમને. પચાસ ટકા આજ્ઞામાં, વધારે નહીં. અરે, પચ્ચીસ ટકા આજ્ઞામાં રહે ને, તોય હું કહું કે આને ભાન છે અને કેટલા ટકાએ પાસ કરવા ? કહો. પ્રશ્નકર્તા : બરાબર છે, પચ્ચીસ ટકા તો રહેવું જ જોઈએ. દાદાશ્રી : હવે ચાના કપમાં પચ્ચીસ ટકા ખાંડ નાખીએ તો ચાલે ? તો ત્યાં સો ટકા ખાંડ જોઈએ અને ‘આ’ કરતી વખતે પચ્ચીસ ટકા ! પાંચ આજ્ઞા પાળવી, એનું નામ પુરુષાર્થ અને પાંચ આજ્ઞાના પરિણામે શું થાય છે ? જ્ઞાતા-દ્રષ્ટા પદમાં રહેવાય છે. અને અમને કોઈ પૂછે કે ખરા પુરુષાર્થનું નામ શું ? ત્યારે અમે કહીએ, જ્ઞાતા-દ્રષ્ટા રહેવું તે. તે આ પાંચ આજ્ઞા, જ્ઞાતા-દ્રષ્ટા જ શીખવાડે છે ને ! રિલેટિવ ને રિયલ, એ જોતા છે તે આ આગળ-પાછળનો જે વિચાર આવતો હોય તો ‘વ્યવસ્થિત’ કહીને બંધ કર. જોતી વખતે આગળનો વિચાર એને હેરાન કરે, તો આપણે ‘વ્યવસ્થિત’ કહીએ એટલે બંધ થઈ ગયું. એટલે પાછું જોવાનું ચાલુ રહે આપણું. તે વખતે કોઈ ફાઈલ પજવતી હોય તો સમભાવે નિકાલ કરીને પણ તે ચાલુ રહ્યું આપણું. આમ આજ્ઞા જ્ઞાતા-દ્રષ્ટા પદમાં રાખે છે. અમારી આજ્ઞામાં રહો એ પુરુષાર્થ. પુરુષ (આત્મા) થયા પછી પુરુષાર્થ બીજો શો ? અને આજ્ઞાથી ફળ આવેલું હોય, એટલે પોતે સહજ સ્વભાવે વગર આજ્ઞાએ રહી શકે. તેય પુરુષાર્થ કહેવાય, મોટો પુરુષાર્થ કહેવાય. આ આજ્ઞાથી પુરુષાર્થ અને પેલો સ્વાભાવિક પુરુષાર્થ ! કેવળજ્ઞાની રહે નિરંતર જ્ઞાતા-દ્રષ્ટા પદે પ્રશ્નકર્તા : હવે આ શુદ્ધાત્માની જાગૃતિ અને જ્ઞાતા-દ્રષ્ટાભાવ રહે, ત્યારે તે વખતે ‘હું કંઈક જુદી જ વસ્તુ છું’ એવો અનુભવ થાય અને ઠંડક લાગે. દાદાશ્રી : એ તો લાગે જ ને ! એ વાત જ જુદી છે એવું લાગે ને આપણને બહુ ઠંડક લાગે. એ તો કેવળજ્ઞાનની ઠંડક કહેવાય. કોઈ કોઈ મહાત્મા કેવળજ્ઞાનની ઠંડક અનુભવી શકે. આપણા ઘણા મહાત્માઓ તો ઘણી વારે મહીં એવી ક્ષણો ઊભી થાય ત્યારે ‘હું કેવળજ્ઞાન સ્વરૂપ છું’ એવું હઉ બોલે. એવું બોલી શકે છે, કારણ કે અમુક સમયે કેવળજ્ઞાન સ્વરૂપ થાય છે માણસ. એનો અંશ-અંશ ભાગ ઉત્પન્ન થયેલો છે. હવે મહીં જેમ જેમ આ દેવા પતશે ને ઓવરડ્રાફ્ટ લીધેલા ને, તે બધા જેટલા પતશે એમ એમ આ બધું સમજાશે. સંપૂર્ણ જ્ઞાતા-દ્રષ્ટા તો થયા છે બધા, પણ નિરંતર જ્ઞાતા-દ્રષ્ટા રહે તો કેવળજ્ઞાની ! (પા.૨૧) એ તો એવું છે ને, કે જ્ઞાતા-દ્રષ્ટા સંપૂર્ણપણે રહે તે કેવળજ્ઞાની. પણ અંશે રહે ને, તે થોડે થોડે અંશે વધતું જાય. જેમ જેમ પેલા કર્મોનો નિકાલ થતો જાય, તેમ તેમ પેલું વધતું જાય. એટલે એમાં કશો ડખો છે નહીં. રસ્તો જ એ છે, હાઈવે જ એ છે. જેમ જેમ આ ફાઈલો ઓછી થતી જાય, તેમ તેમ જ્ઞાતા-દ્રષ્ટાપણાનું પ્રમાણ વધતું જાય. તે વધતું વધતું કેવળજ્ઞાને પહોંચે, એકદમ થાય નહીં. વર્તમાનમાં વર્ત્યા કરવું એ જ કેવળજ્ઞાન પ્રશ્નકર્તા : આપણા માટે તો હવે વર્તમાનમાં વર્ત્યા જ કરવું એ જ કેવળજ્ઞાન ને ? દાદાશ્રી : હા, કેવળજ્ઞાન, આથી બીજું ના હોય. ભૂતકાળનો ઉપયોગ નહીં, ભવિષ્યકાળનો ઉપયોગ નહીં, વર્તમાનકાળનો ઉપયોગ. આપણે અક્રમ જ્ઞાન એવું આપ્યું છે કે ભૂતકાળ ભૂલી જાવ. ભવિષ્યકાળ વ્યવસ્થિતના હાથમાં સોંપી દીધો. હવે રહ્યું શું ? વર્તમાન. કેવળજ્ઞાન સ્વરૂપે ઉત્પન્ન થાય એવું આપણું જ્ઞાન આપેલું છે. ભૂતકાળ કંઈ ભૂલી જવાય એવો નથી, પણ ભૂતકાળને જુઓ અને જાણો. શું યાદ આવે છે એને જુઓ અને જાણો, એટલે એ ભૂલી ગયા બરોબર. એમ કરતા કરતા ભૂલી જવાય એટલે પછી તમારે મહેનત કરવાની રહેશે નહીં, સહજ ભાવે. ત્યાં સુધી પુરુષે પુરુષાર્થ ને પરાક્રમ ભજવવાના છે. એટલે એ જોવા-જાણવાનું જ છે. બીજું આપણે કરવા જઈએ તોય કશું વળે એવું નથી. તે બીજા ફાંફાં છે ખાલી. કારણ કે જૂની આદતો છે ને, એ છૂટતી નથી. બાકી આપણું સ્વરૂપ આ જે પ્રાપ્ત થયું છે તે જ સ્વરૂપ છે. બીજી કશી જાણવા જેવી આ જગતમાં કોઈ વસ્તુ નથી. બધું કેવળજ્ઞાન સ્વરૂપ જ એ છે. એટલે આમ જોતા જોતા જૂની આદતો છૂટતી જશે, તેમ તેમ મજબૂત થતું જશે. આ દેહ ક્રિયા કરે તેનો વાંધો નથી. દેહની આદતો છે તેનો વાંધો નથી. આપણને મહીં દેહમાં પાછું ભળવાની આદતો છે. ઉપયોગ એમાં પેસી જાય, ઉપયોગ આમાં પેસી જાય. ઉપયોગ આમાંથી મુક્ત રહ્યો તો થઈ રહ્યું, ખલાસ ! આ તો કેવળજ્ઞાન સ્વરૂપ, આ જે જ્ઞાન આપ્યું છે એ કેવળજ્ઞાન સ્વરૂપ છે. પ્રશ્નકર્તા : કેવળજ્ઞાન સ્વરૂપ જ ? દાદાશ્રી : બસ, કેવળજ્ઞાન સ્વરૂપ, બીજું કાંઈ નહીં. તૃપ્તિ વળે ને સ્વરૂપની, તેનાથી રૌદ્રધ્યાન-આર્તધ્યાન બંધ થાય. આપણે બંધ કરવું ના પડે. આપણું મૂળ સ્વરૂપ કેવળજ્ઞાન સ્વરૂપ છે. હવે બહારનું હલ્લો કશો થશે નહીં ને ? આપણું આ જે પ્રાપ્ત થયું છે, એને ખોવડાવી નાખે એવો હલ્લો નહીં થાય ને ? બસ, એ આપણી મજબૂતી એવી કરી લેવાની કે ગમે એવા કર્મના ઉદય આવવા હોય તો આવે, જેવા આવતા હોય તો ‘આવો’ કહીએ. હવે મને વાંધો નથી. બહુ જબરજસ્ત ઉદય આવે ચોગરદમના, તો આપણે આપણી ગુફામાં બેઠા બેઠા જોયા કરવાનું. બહાર નીકળવાનું જ નહીં ને ! અંદર હોમ ડિપાર્ટમેન્ટમાં, બહાર ફૉરેનમાં હાથ ઘાલવાનો જ નહીં. જોયા જ કરવાનું, સ્થિર, એકદમ સ્થિર. વાત જ સમજવાની છે આ તો. પોતે કેવળજ્ઞાન સ્વરૂપ જ છે. કેવળજ્ઞાન લેવા જવાનું નથી, પોતાનું સ્વરૂપ જ છે. કેવળજ્ઞાન એટલે શું ? ફક્ત જ્ઞાનસ્વરૂપ. જ્ઞાતા-દ્રષ્ટાને ‘ફૉરેન’નું નહીં જોખમ આ અમે જ્ઞાન આપ્યા પછી, હોમ-ફૉરેન (સ્વ-પર) બે જુદા પડ્યા ત્યાર પછી અમે કહીએ છીએ કે જો તમે તમારું જ્ઞાતા-દ્રષ્ટાપણું ન ચૂકો તો તમે ‘ફૉરેન’ના જોખમદાર બિલકુલેય નથી. (પા.૨૨) પ્રશ્નકર્તા : જ્ઞાતા-દ્રષ્ટાનું લક્ષ બરાબર બેસતું નથી. એ આવે છે અને જતું રહે છે. દાદાશ્રી : જતું રહે એ તો. એ કાયમ રહેશે ને, ત્યારે ભગવાન થઈ ગયા હશો. માટે આ જતું રહે છે, એટલે પણ એ પૂરું થશે ખરું. કારણ કે હજુ સંસારમાં બધા કાર્યો બાકી છે ને ! સંસારની ફાઈલો બધી બાકી છે કે નથી બાકી ? પ્રશ્નકર્તા : બાકી છે હજુ. દાદાશ્રી : એ ફાઈલો જેમ ઓછી થતી જશે, તેમ એ લક્ષ વધારે વધારે બેસતું જશે. ફાઈલને લીધે અટક્યું છે બધું. પ્રશ્નકર્તા : પોતાનામાં અવિરતપણે રહેવાય એવી કૃપા કરો. પુદ્ગલના દરેક સંયોગને પરપરિણામ જાણવામાં ક્ષતિ આવે છે. દાદાશ્રી : આપણે જે પહેલાની ફાઈલો છે ને, એ ફાઈલોનો નિકાલ કરી નાખવાનો. કોઈ ક્ષતિ આવે ત્યાં આગળ સમજી જઈએ કે આ ફાઈલોને લીધે જ છે. એટલે જ્ઞાતા-દ્રષ્ટાપદમાં અવિરતપણે રહેવાતું નથી. તેનું કારણ એ જ છે, એક જાતની પાછલા હિસાબની ડખલ છે ફાઈલોની બધી. એટલે અવિરતપણું નથી રહેતું. અક્રમ એટલે આ કારણ મોક્ષ જ થઈ ગયો કહેવાય. પણ આ જેટલા કર્મો બાકી રહ્યા છે, એનો જ્ઞાતા-દ્રષ્ટાપૂર્વક નિવેડો લાવવાનો છે. જ્ઞાતા-દ્રષ્ટાપૂર્વક એ બધું ‘જોતા’ નિવેડો આવે તો આત્યંતિક મોક્ષ થઈ જાય. બસ, બીજું કશું છે નહીં. પછી ગમે તેવા કર્મો હોય, ગમે તેવા ચીકણા હોય, ખરાબ હોય, પણ જ્ઞાતા-દ્રષ્ટા રહ્યો એટલે છૂટ્યો. પરક્ષેત્રે ના પેસે એ ‘અદીઠ તપ’ તમે જ્ઞાતા-દ્રષ્ટા એટલે ચંદુભાઈનું કેમ ચાલે છે એ તમારે જોયા કરવાનું. અને ચંદુભાઈનું મન શું કરે છે તે જોયા કરવાનું. કારણ કે મન તમારા તાબે રહ્યું નહીં, બુદ્ધિ તમારા તાબે રહી નહીં, ચિત્ત તમારા તાબે રહ્યું નહીં. બધું જ આ બાજુ આવી ગયું ને તમે જુદા રહ્યા. એટલે તમારે તમારા ક્ષેત્રમાં જ રહેવું. હવે ક્ષેત્રની બહાર નીકળાય નહીં. પરક્ષેત્રે હતા તે સ્વક્ષેત્રે આવ્યા. એટલે પરક્ષેત્રમાં ડખલ નહીં થવી જોઈએ. એટલે ચંદુભાઈના મન-બુદ્ધિ-ચિત્ત એ બધા શું કરે છે એ જોયા કરવાનું. ખરાબ કરતું હોય, ખોટું કરે એ જોવાનું (નોંધ લેવાની) નહીં આપણે, પણ એ શું કરી રહ્યું છે એને જોયા જ કરવાનું. સારું-ખોટું હોતું જ નથી ભગવાનને ત્યાં. સારું-ખોટું સમાજને આધીન છે. આપણે આત્મસ્વરૂપ થવાની જરૂર છે, બીજું કશું નહીં. આ દેહ કપાય કે ગમે તે થાય, આપણે દેહસ્વરૂપ થવું નહીં. પરક્ષેત્રમાં પેસે તો સંસાર કડવો ઝેર જેવો લાગે. જગત આખું પરક્ષેત્રને સ્વક્ષેત્ર માની બેઠું છે. આ જ હું છું ને આ જ મારું ક્ષેત્ર ! અમે તમને જ્ઞાન આપીએ એટલે પરક્ષેત્ર સમજતા થયા કે પરક્ષેત્રમાં હુંપણું હતું તે સ્વક્ષેત્રમાં રહેવું જોઈએ. પણ તમને એકદમ રહે નહીં ને પાછું ? પેલા નિકાલ કરવાના ને બધા ? નિવેડા લાવવાના ને બધા ? મારે નિવેડા ઘણાંખરાં આવી ગયેલા. (મારે આ) દેહના અંદર સ્વક્ષેત્રમાં જ મુકામ છે. પાછો ડ્રામાય ચાલે છે આખો દહાડો અને અંદર પોતાના ક્ષેત્રમાં જ મુકામ છે. સ્વ અને પરની વચ્ચે સંપૂર્ણ જાગ્રત રહીને પરમાં ના પેસવું, એ જ અદીઠ તપ. આ માર્ગ તો સ્વ-પરનો માર્ગ છે. બહાર (બીજે) તો સ્વ અને પરનું ભાન જ નથી ને ! પુરુષ પદે પુરુષાર્થ-પરાક્રમ શરૂ બાકી હવે કોઈ પણ મૂંઝામણ થાય તો જાણવું કે આપણે સ્વક્ષેત્રની બહાર પરક્ષેત્રમાં હાથ (પા.૨૩) ઘાલ્યો છે. એટલે તરત જ કહી દેવું કે આ ‘મારું સ્વરૂપ ન્હોય’, તેની સાથે જ છૂટ્યું. પ્રશ્નકર્તા : આ મારું નથી, એની સાથે છૂટ્યું. દાદાશ્રી : હા, મારું ન્હોય. મારા સ્વરૂપમાં આ છે નહીં અને છે એ મારું સ્વરૂપ ન્હોય આ. ઘડભાંજ મારા સ્વરૂપમાં છે જ નહીં, નિરંતર પરમાનંદી છે. જ્યાં સંસારનો સહેજ પણ, કિંચિત્માત્ર દુઃખનો અભાવ વર્તે છે, એટલે આપણે પુરુષ થયા પછીનો આવો પુરુષાર્થ હોવો જોઈએ. આપણું ‘હું’ પહેલા પરક્ષેત્રે ને પરસત્તામાં હતું, હવે એ ‘હું’ સ્વક્ષેત્રે ને સ્વસત્તામાં બેઠું. એટલે પુરુષાર્થ ને પરાક્રમ શરૂઆત થશે. સ્વક્ષેત્રે જ્ઞાતા-દ્રષ્ટા એ ખરો પુરુષાર્થ ‘પોતાના’ પ્રદેશમાં ‘જોવા-જાણવાપણું’ જ છે, બીજું કશું જ નથી. પરમાત્મપણું છે ! ‘જોવા-જાણવાપણા’થી આગળ ગયા એટલે મુશ્કેલી ! ‘એક્ઝેક્ટનેસ’માં આવવાનું છે. એમાં ‘રિયલ’ પણ સાચું છે ને ‘રિલેટિવ’ પણ સાચું છે. ‘રિલેટિવ’ જ્ઞેય સ્વરૂપ છે ને ‘રિયલ’ જ્ઞાતા સ્વરૂપ છે. ‘જ્ઞેય-જ્ઞાતા’ સંબંધ આવ્યો એ જ ‘એક્ઝેક્ટનેસ.’ ‘એક્ઝેક્ટનેસ’માં જીવતા જ મોક્ષ અનુભવાય. સામો હાર પહેરાવે કે ગાળો દે તોય ‘એક્ઝેક્ટનેસ’માં બેઉ જ્ઞેય છે, એટલે એને કંઈ જ ના થાય. હવે આ જગત આખું ‘જ્ઞેય’ સ્વરૂપે છે અને તમે ‘જ્ઞાતા’ છો. તમને ‘જ્ઞાયક’ સ્વભાવ ઉત્પન્ન થયો છે. પછી હવે બાકી શું રહ્યું ? ‘જ્ઞાયક’ સ્વભાવ ઉત્પન્ન થયા પછી ‘જ્ઞેય’ને જોયા જ કરવાનું છે ! આત્મા જ્ઞાતા-દ્રષ્ટા થઈ ગયો એટલે સહજાત્મ થઈ ગયો. ડખો ના કરે મહીં કોઈનામાં. જ્ઞાતા-દ્રષ્ટાનો પુરુષાર્થ તો, એની વાત જ જુદી ને ! જ્ઞાતા-દ્રષ્ટાપણું ત્યાં આત્મા જુદો જ્ઞાતા-દ્રષ્ટાનો શો અર્થ છે ? ઊંચામાં ઊંચો અર્થ પેલો છે કે પોતે અંદરખાને શું કરી રહ્યો છે ? મન-બુદ્ધિ-ચિત્ત-અહંકાર બધા શું કરી રહ્યા છે, એ બધાને સર્વ રીતે જાણે અને જુએ, બસ. બીજું કશું નહીં. અને તમારે કયા પદમાં આવવાનું છે, કે ચંદુભાઈ હરતા-ફરતા દેખાય. ચંદુભાઈ ફરતા હોય ને, તે તમે પછી બેસીને જુઓ તો આ ચંદુભાઈ તે ઘડીએ દેખાય. કેવી રીતે ફર્યા તે તમારે ચંદુભાઈનું આખું શરીર દેખાવું જોઈએ. બહારનો ભાગ દેખાવો જોઈએ, અંદરનો ભાગ વાર લાગે. જ્યારે બહારનો ભાગ દેખાય જુદો, તે વીતરાગ થવા માંડે, પછી સંપૂર્ણ વીતરાગ થવાય. હવે બહારનો ભાગ એટલે શું ? છોકરો જતો હોય આમ અને છોકરાના ગજવામાંથી પૈસા પડતા હોય તો પાછળ આપણે પહેલા શું કરતા હતા, કકળાટ કરી મેલીએ, કૂદાકૂદ કરી મેલીએ, ‘ઊભો રહે, પૈસા પડે છે, ઊભો રહે.’ હાલી જાય મહીં બધું. કારણ કે જીવતો હતો, ચંદુભાઈ તરીકે જીવતો હતો. એટલે એવું થાય ને, પણ (ચંદુભાઈ) જીવતા હોય ત્યાં સુધી. ‘જ્ઞાન’ મળ્યા પછી શુદ્ધાત્મા થયા એટલે આ જ્ઞાતા-દ્રષ્ટા થયો એટલે પછી પૈસા પડે કે જે કંઈ થવાનું હોય, તે આપણે ચેતવણી અપાય, કે ‘એ ભાઈ, તારા ગજવામાંથી પૈસા પડે છે.’ ખેંચ નહીં કરવાની. પેલું બન્યું એ ડિસ્ચાર્જ છે અને ખેંચ નહીં કરવી એવી જાગૃતિ, એ જ પુરુષાર્થ છે. બાકી કહેવું ખરું, હુંય તમને કહું કે ‘મોટલ આવી રીતે ચલાવવી.’ પણ અમને ખેંચ નહીં, રાગ-દ્વેષ ના થાય. ખેંચ જ હોય નહીં ને ! ‘અમારું ખરું છે’ એવું અમે માનીએ જ નહીં. ખરું એ ખરું, અમારું એ ખરું નહીં, જે બન્યું એ કરેક્ટ ! પછી એમાં આપણે આઘાપાછા ના થઈએ કશું. એ (પા.૨૪) તો ચેતવણી ના આપીએ તોય વાંધો નથી. જાણે જીવતા હોઈએ એવું ખબર ના પડવી જોઈએ. ધીમે ધીમે દ્રષ્ટિ ઊંચી જતી જશે. જીવતા હોય આજે તો મહીં કકળાટ કરી મેલે. હવે તો જે ભૂલ થવાની હોય કે નુકસાન જવાનું હોય તો થાય, આપણે જ્ઞાતા-દ્રષ્ટા રહેવું. મરી ગયા હોય તો પછી શું કરીએ ? પછી ભૂલો થાય તો ? એ બધું આવી રીતે જોવાનું ! છોડીના હાથે ગ્લાસવેર બધા તૂટી ગયા, તો આપણે જોનાર ને જાણનાર. બસ ! અક્ષરેય બોલવું નહીં, જાણે જીવતા ના હોઈએ એવી રીતે રહેવું. પ્રશ્નકર્તા : દાદા, તમે તો બહુ ટૂંક સમયમાં કૃપાળુદેવની છેલ્લી દશા આપી દીધી ! દાદાશ્રી : હા, તો કલ્યાણ થઈ જાય ને, એ સારું. છેલ્લું જ્ઞાતા-દ્રષ્ટા તો, ચંદુભાઈ આવતા-જતા હોય તો તમને આમ દેખાય કે ઓહોહો, આવો ચંદુભાઈ, એવું બધું વાત કરતા હોય તોય તમને જુદા દેખાય. ચંદુભાઈ દાદાજીના પગે તેલ ઘસતા હોય તે તમને દેખાય. અને ‘તમે’ કહો કે ‘ચંદુભાઈએ બહુ સારું ઘસ્યું’ એ છેલ્લું ! પ્રશ્નકર્તા : આમ આકૃતિ જુદી દેખાય કે આમ સમજણથી જુદું દેખાય ? દાદાશ્રી : પહેલા સમજણથી જુદું દેખાય, પછી ધીમે ધીમે આકૃતિથી દેખાય. હરતા-ફરતા જેમ આ બીજા કોઈ જતા હોય એવા દેખાય. આ ભાઈ આવતા-જતા દેખાય છે એ સમજથી દેખાય છે ? પ્રશ્નકર્તા : ના, આકૃતિથી. દાદાશ્રી : એવું દેખાય એ જ્ઞાતા-દ્રષ્ટાપણું, એટલે આત્મા જુદો છે. એની બહુ લાલચ રાખવી નહીં. એ તો બહુ મોટું પદ કહેવાય. આપણે તો આ જેટલું આપ્યું છે, એટલું દ્રઢ થઈ જાય તો બહુ થઈ ગયું. લિમિટ બાંધવા જઈએ તો આય રહી જાય ને તેય રહી જાય. પ્રશ્નકર્તા : આપે કહ્યું ને કે ચંદુભાઈ જુદા દેખાય, હરતા-ફરતા, આટલું જુદાપણું હોવું જોઈએ, પણ એમાં દ્રષ્ટા તો ચંદુભાઈની અંદર જ હોય ને ? દાદાશ્રી : ત્યારે જ જોવાનું ને ! ચંદુભાઈની અંદર હોય છતાં એને દેખાય જુદા. એ પણ છેલ્લું પદ છે. તમારે તો આ મેં કહ્યું છે એટલું જ આવે તો બહુ થઈ ગયું. એ સ્ટેશને ગયા તો બીજા બધા સ્ટેશન ભેગા થઈ જશે. સ્વભાન થયે રહે પરમાનંદ જ્ઞાતા-દ્રષ્ટાનું ફળ આનંદ છે. એક બાજુ જ્ઞાતા-દ્રષ્ટા થવું ને બીજી બાજુ આનંદ ઉત્પન્ન થવો એવું છે. જેમ સિનેમામાં ગયેલો માણસ સિનેમાનો પડદો ઊંચકાય નહીં, તો ગૂંચાયા કરે, સિસોટીઓ વગાડે. એવું એ શાથી કરે છે ? કારણ કે એને દુઃખ થાય છે કે જે જોવા આવ્યો છે તે એને જોવા મળતું નથી. જ્ઞેયને જુએ નહીં ત્યાં સુધી એને સુખ ઉત્પન્ન ના થાય. તેવી રીતે આત્મા જ્ઞેયને જુએ ને જાણે કે મહીં પરમાનંદ ઉત્પન્ન થાય. પ્રશ્નકર્તા : પરમાનંદમાં કોણ રહે ? ‘હું’ રહું કે પરમાત્મા રહે ? દાદાશ્રી : નહીં, તમે ‘પોતે’ જ, ‘હું’ જ. ‘હું ચંદુભાઈ નહીં’, ‘હું ચંદુભાઈ’ એ રિલેટિવ વ્યૂ પોઈન્ટથી છે. ‘હું શુદ્ધ ચેતન છું’ એવું ભાન થવું જોઈએ તમને. અસ્તિત્વનું ભાન થવું જોઈએ. પ્રશ્નકર્તા : ચેતનને પરમાનંદમાં રહેવાની જરૂર ખરી ? દાદાશ્રી : નહીં, પોતે જ પરમાનંદ સ્વભાવનો જ છે, સ્વાભાવિક પરમાનંદ છે. એને રહેવાની કંઈ જરૂર નથી. પોતે સ્વાભાવિક છે. આ તો તમે ‘હું ચંદુભાઈ’ થયા એટલે તમે પરમાનંદ ખોળો છો. કારણ કે તમને પરમાનંદ છે નહીં. (પા.૨૫) જ્ઞાતા-દ્રષ્ટા પદે પરમાનંદ પ્રશ્નકર્તા : કઈ સ્થિતિને આપણે પરમાનંદ કહીએ ? એનું કંઈ વર્ણન તો હોય ને ? દાદાશ્રી : આ સૂર્યનારાયણ હોય પણ દેખાય નહીં, છતાં નીચે અજવાળું દેખાય. પેલા વાદળ પાતળા છે એટલે અજવાળું છાયારૂપે દેખાય. એવું સુખ અત્યારે તમને મળે છે અને જ્યારે વાદળા ના હોય અને સ્વભાવમાં જ આવી જઈએ તો પરમાનંદ છે. પ્રશ્નકર્તા : એ પરમાનંદ તરફ જવું કેવી રીતે ? દાદાશ્રી : બુદ્ધિ ના વપરાય અને જ્ઞાતા-દ્રષ્ટા રહ્યો તો પરમાનંદ હોય જ. અને તે પરમાનંદનો અનુભવ તે જ આત્મ અનુભવ. ડખોડખલ ના કરે, તો તે જ્ઞાતા-દ્રષ્ટા રહે ને તેનું ફળ જ પરમાનંદ. શુદ્ધાત્માનો જ્ઞાયક સ્વભાવ છે. એ સ્વભાવનું ફળ શું ? પરમાનંદ ! ખાંડને ચામાં વાટીને નાખવી નથી પડતી. કારણ કે તેનો સ્વભાવ પાણીમાં ઓગળવાનો છે. તેમ આત્માનો સ્વભાવ જ્ઞાતા-દ્રષ્ટા અને પરમાનંદી છે. આત્મા પોતાના ગુણધર્મમાં જ રહે છે ! ‘અમે’ તો મૂળથી ડખા વગરના માણસ. આપણે ડખા વગરના થયા એટલે બધા ડખાવાળા બેઠા હોય તોય આપણને શું અડે ? ‘અમારી’ હાજરીથી જ બધો ડખો જતો રહે. ‘જેને’ ‘આત્મા’માં જ મુકામ છે, ‘તેને’ શી ભાંજગડ ? મુકામ જ ‘આત્મા’માં છે, ‘તેને’ વ્યવહાર નડતો નથી. દેહ ડાહ્યો થયો, એનું નામ ‘વ્યવહાર ચારિત્ર.’ આત્મા ડાહ્યો થયો, એનું નામ ‘નિશ્ચય ચારિત્ર.’ આત્મા ડાહ્યો થયો, તેનું નામ જ્ઞાતા-દ્રષ્ટા. પરમાનંદમાં જ રહે. બીજી કશી ભાંજગડમાં હાથ ઘાલે નહીં. આત્માનું ચારિત્ર એટલે જ્ઞાતા-દ્રષ્ટા ને પરમાનંદમાં રહેવું તે. ગુપ્ત ચમત્કાર એટલે શું કહેવા માગે છે કે આ પરમાનંદ પોતાની પાસે છે. એ ખોળવા માટે જો આ ધાંધલ માંડી છે, પણ એ જડતો નથી. આ ગુપ્ત ચમત્કાર છે. જો એ જડે તો કામ થઈ ગયું ! જય સચ્ચિદાનંદ |