વિવિધ પ્રકારના નશાના પરિણામો

સંપાદકીય

મોક્ષેમાર્ગે ચઢવાના રસ્તાની જેટલી મહત્તા છે તેના કરતાં લપસણિયા સ્થાનકોની તકેદારી અનેકગણી મહત્ત્વની છે. આ માર્ગે નફો પ્રાપ્ત કરવા કરતાં ખોટ કેમ અટકાવાય એ અતિ અતિ અગત્યનું છે. ઊંચે ચઢતા ચઢતા જે ‘ડેન્જરસ પોઈન્ટસ્’ આવે છે તેની લાલબત્તીઓ ક્યાંય મળતી નથી. પ્રસ્તુત અંકમાં પરમ પૂજ્ય દાદા ભગવાન (દાદાશ્રી) ત્રણ પ્રકારના દારૂની જોખમદારી બતાવે છે. : ૧. વિષયોની ઈચ્છાની મૂર્છા ૨. દારૂનું પીણું ૩. કેફનો દારૂ-અહંકારનો કેફ, ‘હું હું’ કરે તે. આવા દરેક પ્રકારના દારૂના નશા કેવી રીતે જોખમી છે તેની વિગત ખુલ્લી કરે છે.

કળિયુગમાં વિષયોની ઈચ્છાની મૂર્છા મનુષ્યને બેભાન બનાવે છે. જેમ હવાઈમાં દારૂ ભરેલો છે એનું લક્ષ રહ્યા કરે છે એમ આ જીવતા મનુષ્યોમાં શું દારૂ ભરેલો છે એ મોહને લીધે ખબર નથી પડતી. વિષયમાં ચિત્ત એક જગ્યાએ સ્થિર થયું તે મૂર્છિત થઈ ગયો એટલે એ અને દારૂડિયો બેઉ સરખા થઈ ગયા. આ વિષયરસનો દારૂનો નશો જ એવો છે કે આત્મા જે પ્રાપ્ત થયો છે તેય ફેંકી દેવડાવે. આ જ્ઞાન સાથે આપણને શુદ્ધાત્મામાં જ સુખ છે એવું યથાર્થપણે સમજાઈ જાય તો વિષયમાં સુખ ના રહે.

દાદાશ્રી દારૂના પીણાં સામે લાલબત્તી ધરે છે, કે દારૂનું વ્યસન તો મનુષ્યને બેભાન કરી નાખે છે, મગજને નુકશાન થતા માણસ જડ જેવો થઈ જાય છે. દારૂના પરમાણુમાં હાલતા-ચાલતા ત્રસ જીવોનો ભારોભાર રસ છે, જે ધર્મને ધૂળધાણી કરી નાખે અને જ્ઞાનીનેય એ અજ્ઞાની કરી નાખે. આ દારૂ પીવે તો દારૂના નશાથી આત્મા બેભાન થઈ જાય. એટલે પછી જ્ઞાન બધું ખલાસ થઈ જાય. માટે આ દારૂને અડવા જેવું જ નથી.

અહંકારનો સ્વભાવ એવો કે જેમ મોટો થાય તેમ કહે કે હું તો જાણું છું બધું, ‘હું કંઈક છું’નો ‘કેફ’ રહે, તેનાથી આવરણ ચઢે. દેહાધ્યાસ ગયો નથી ને ‘હું જાણું છું’ બોલે તો સ્વચ્છંદ કહેવાય. સ્વચ્છંદમાં જેને આશરે રહ્યા હોય તેની આધીનતા તોડાવે. દાદાશ્રી કહે છે કોઈ જ્યારે દારૂ પીને આવ્યો હોય અને કહે કે ‘સાહેબ, મારામાં અક્કલ નથી, મારો ઉકેલ લાવી આપો’ તો એ પાત્ર કહેવાય, પાણી રેડે તો એનો નશો ઉતરી જાય પણ આ ‘હું જાણું છું’નો કેફરૂપી સૂક્ષ્મ દારૂનો નશો ઉતરે નહીં.

જ્ઞાનપ્રાપ્તિ પછી અંદરનું સુખ પ્રાપ્ત થયા છતાં દારૂ-માંસાહાર, પરસ્ત્રી-પરપુરુષ ગમન જેવા લોકનિંદ્ય વ્યવહારથી સુખ મેળવવાની વૃત્તિથી કર્મનું ચાર્જિંગ ચાલુ રહે છે. આ દોષો આત્મજાગૃતિને ખલાસ કરી નાખે, માટે આ તો ન જ હોવું ઘટે. જ્ઞાન પછી અહંકાર નિકાલી હોય છે છતાં તેમાં ચેતતા રહેવા જેવું છે. મનુષ્યપણામાં તો ‘પોતે’ પરમાત્મા થવાનું છે માટે જ્ઞાની પુરુષની સમજણે સમજણ મેળવી દરેક પ્રકારના દારૂના નશારૂપી ભયસ્થાનોથી મુક્ત થઈને એકાવતારી મોક્ષનો પુરુષાર્થ સાધી શકાય એવી હૃદયપૂર્વકની અભ્યર્થના.

~ જય સચ્ચિદાનંદ.

(પા.૪)

વિવિધ પ્રકારના નશાના પરિણામો

ત્રણ પ્રકારના દારૂ :

૧. વિષયોની ઈચ્છાની મૂર્છા. ૨. દારૂનું પીણું ૩. કેફનો દારૂ - અહંકારનો કેફ, ‘હું હું’ કરે તે.

વિષયોની ઈચ્છાની મૂર્છા બેભાનપણાથી વિષયની મીઠાશ

હવે (વિષયમાં) ક્યાંય મીઠું લાગે છે કે ?

પ્રશ્નકર્તા : મીઠું તો લાગી જાય છે, પણ એ જોખમદારી છે એવું સમજાય.

દાદાશ્રી : જ્યાં સુધી મીઠું લાગે છે ને, જોખમદારી ભલે લાગતી હોય, પણ મીઠું લાગે ત્યાંથી જોખમદારી કો’ક દહાડો ભૂલાડી દે. કર્મના ઉદય એવા એવા આવે કે જોખમદારી ભૂલાવી દે. અને આ કયા હિસાબે મીઠું લાગે છે, એ જ મને સમજાતું નથી. આમાં કયો ભાગ મીઠો છે ?

પ્રશ્નકર્તા : એ ભ્રાંતિથી મીઠું લાગે છે ?

દાદાશ્રી : ભ્રાંતિથી મીઠું લાગતું હોય તોય સારું, આ તો ભ્રાંતિય ન હોય. આને કોણ મીઠું કહે ?

પ્રશ્નકર્તા : વિષયમાં સૌથી વધારે મીઠાશ માનેલી છે, તો કયા આધારે માનેલી છે ?

દાદાશ્રી : એ જે મીઠાશ એને લાગી ગઈ અને બીજી જગ્યાએ મીઠાશ જોઈ નથી, એટલે એને વિષયમાં મીઠાશ બહુ લાગે છે. જોવા જાય તો વધારેમાં વધારે ગંદવાડો ત્યાં જ છે, પણ મીઠાશને લીધે એને બેભાનપણું થઈ જાય છે. એટલે એને ખબર નથી પડતી. જો આ વિષય એ ગંદવાડો સમજાય, તો એની મીઠાશ બધી ઊડી જાય.

જગતના લોકોએ વિષયમાં સુખ કલ્પ્યું. વિષય એટલે નર્યો ગંદવાડો, એમાં સુખ તે હોતું હશે ? વિષય એ સંડાસ છે. નાકમાંથી, કાનમાંથી, મોઢામાંથી બધેથી જે જે નીકળે છે, એ બધું સંડાસ જ છે. ડિસ્ચાર્જ એય સંડાસ જ છે. જે પારિણામિક ભાગ છે, તે સંડાસ છે પણ તન્મયાકાર થયા વગર ગલન થતું નથી.

મૂરખ માણસોની માન્યતાનું સુખ

પ્રશ્નકર્તા : એમાં સાચું સુખ નથી, પણ એકદમ લિમિટેડ ટાઈમ (મર્યાદિત સમય) માટે તો છે, છતાંય એ છૂટતું નથી ને !

દાદાશ્રી : ના, એમાં સુખ જ નથી ! એ તો માન્યતા જ છે ખાલી ! એ તો મૂરખ માણસોની માન્યતા જ છે ! વિચારવાન માણસ વિષયમાં સુખ શી રીતે માની બેઠો છે, તેની જ મને નવાઈ લાગે છે ! વિષયનું પૃથક્કરણ કરે તો ખરજવાને વલૂરવા જેવું છે. અમને તો ખૂબ ખૂબ વિચાર આવે ને થાય કે અરેરે ! અનંત અવતાર આનું આ જ કર્યું ! જેટલું આપણને નથી ગમતું, તે બધું જ વિષયમાં છે. નરી ગંધ છે ! આંખને જોવું ના ગમે, નાકને સૂંઘવું ના ગમે, કાનને રુચે નહીં, ફક્ત ચામડીને રુચે. લોક તો ખોખાને જુએ, માલને ના જુએ. ખોખામાં તો જે ચીજ નથી ગમતી, તે જ ચીજો ભરેલી છે. નર્યો દુર્ગંધનો કોથળો છે ! પણ મોહને લીધે ભાન નથી રહેતું ને તેથી તો જગત આખું ચક્કરે ચઢ્યું છે.

આ વાંદરા સ્ટેશનની ખાડી આવે છે, તેની ગંધ ગમે ? એથી પણ બૂરી ગંધ આ ખોખામાં છે. આંખને ના ગમે એવા ચિત્ર-વિચિત્ર પાર્ટસ્ મહીં છે. આ કોથળામાં તો પાર વગરનો વિચિત્ર

(પા.૫)

ગંદવાડો છે ! આ આપણી મહીં હૃદય છે, તે જ લોચો કાઢીને આપણા હાથમાં મૂકે તો ? અને કહે કે જોડે હાથમાં રાખીને સૂઈ જા, તો ? ઊંઘ જ ના આવે ને ? આ તો દરિયાના વિચિત્ર જીવડા જેવું દેખાય. જે નથી ગમતું એ બધું જ આ દેહમાં છે. આ આંખો આમ બહુ રૂપાળી દેખાતી હોય, પણ મોતિયો આવ્યો ને એ ધોળી આંખો દેખી હોય તો ? ના ગમે. ઓહોહો ! વધારેમાં વધારે દુઃખ આમાં છે. આ દારૂ જે કેફ કરે છે, એ દારૂની ગંધ માણસને ગમતી નથી અને આ વિષય તો સર્વ ગંધનું કારણ છે. બધી જ ના ગમતી વસ્તુઓ ત્યાં છે. હવે શું હશે આ અજાયબી ? આમાંથી છૂટ્યા એટલે પછી રાજા ! વિષયને ઊંડો વિચારવાથી એ જ લાગે કે આ ગટર તો ઉઘાડવા જેવી જ નથી. કેટલું બધું બંધન ! આ જગત તેથી જ ઊભું રહ્યું છે ને !

ન બુઝાય એ પ્યાસ કદિ

જીવમાત્ર શું ખોળે છે ? સુખને જ ખોળે છે. આટલા પૈસા છે, તોય પૈસામાં સુખ પડતું નથી, બૈરી છે એમાંય સુખ પડતું નથી ! એટલે વળી પાછા (દારૂની) બોટલ મંગાવીને, જરા પીને સૂઈ જાય છે ! એ ચાખ્યા પછી પોતે નક્કી કરે કે આમાં કંઈ જ સુખ નથી. પછી પોતે એ બધું છોડ છોડ કર્યા કરે ને આગળ નવું ખોળતો જ જાય, પણ એને તૃપ્તિ ના થાય. સંતોષ થાય પણ તૃપ્તિ ના થાય. સંતોષ એનું નામ કે ઈચ્છા પૂરી થાય એટલે સંતોષ થાય. જમવાની ઈચ્છા થઈ, પછી આપણે જમ્યા એટલે સંતોષ થાય પણ તૃપ્તિ ના થાય. તૃપ્તિ એટલે એને ફરી ઈચ્છા જ ના થાય.

પ્રશ્નકર્તા : કોઈ ઈચ્છા આપણે કરી હોય ને આપણને તે વસ્તુ ના મળે, એટલે મહીં બળતરા શરૂ થાય ને ?

દાદાશ્રી : ઈચ્છા એ જ અગ્નિ છે. ઈચ્છા થઈ એટલે દીવાસળી સળગાવીને ચાંપવી. એ પછી ઓલવાય નહીં, ત્યાં સુધી બળતરા રહ્યા કરે. કડક ઈચ્છા કે નરમ ઈચ્છા હોય તેના પર બળતરાનો આધાર રહે છે. બહુ કડક ઈચ્છા હોય તો બહુ બળતરા ઊભી થાય. આ વિષયની ઈચ્છા તો બહુ બળતરા આપે, જબરજસ્ત બળતરા આપે. તેથી એમ કહ્યું છે ને, કે વિષયમાં પડશો જ નહીં, બહુ બળતરા આપે છે.

પ્રશ્નકર્તા : આવું તો કોઈએ કીધેલું જ નહીં ને !

દાદાશ્રી : લોકોને બધું પોલું જોઈએ છે. એટલે કોઈ કહે જ નહીં ને ! લોક પોતે ગુનેગાર છે, એટલે એ બોલે નહીં ને ! બિનગુનેગાર હોય તે બોલે. કારણ કે એક જ ફેરાનો વિષય, તે કેટલા દહાડા સુધી માણસને ભ્રાંતિ છૂટવા ના દે ! ભ્રાંતિ એટલે ડિસિઝન (નિર્ણય) ના આવે કે આ આત્માનું સુખ કે આ પેલું સુખ, એવું ભાન થવા ના દે ! આ લોકો માંસની પૂતળી છે, એવું શાથી ભૂલી જતા હશે ? એવું છે ને, મૂર્છાથી એ એમાંથી જેમ જેમ સુખ લે, તેમ તેમ એની પર મૂર્છા આવે છે અને જો છ-બાર મહિના એમાંથી સુખ લે નહીં, તો પછી એની મૂર્છા જાય. એટલે પાછું એને રેશમી ચાદરે વીંટેલું માંસ જ દેખાય !

અદ્ભુત પ્રયોગ, થ્રી વિઝનનો

આમ લોહીની મહીં બધા માંસના ટુકડા પડ્યા હોય તો તે તમને જોવાના ગમે ખરા કે ?

પ્રશ્નકર્તા : ના.

દાદાશ્રી : આ શી રીતે વિષય ઊભો રહ્યો છે, તે જ સમજાતું નથી. એ ઉઘાડી આંખે ઊંઘે છે, ત્યાં ઊંઘતાને શું કરવાનું તે ? લોકો તો ‘દેહની મહીં શું છે’ તે નથી જાણતા. આ હવાઈ

(પા.૬)

તું લાવ્યો હોય તો તને ખબર પડે ને, કે આમાં દારૂ ભરેલો છે ?

પ્રશ્નકર્તા : હા.

દાદાશ્રી : તો આમાં કેમ ખબર નથી રહેતી ? હવાઈનું તો લક્ષ રહ્યા જ કરે કે આ દારૂ ભરેલો છે, આ ફૂટી નથી, હજી ફૂટવાની બાકી છે ને આ ફૂટી ગયેલી છે, એવી ખબર પડે છે ને ? અને આ જીવતા મનુષ્યોમાં શું દારૂ ભરેલો છે, તેની કેમ ખબર નથી પડતી ? એમાં શું શું દારૂ ભર્યો છે ?

પ્રશ્નકર્તા : હાડકાં, લોહી, માંસ.

દાદાશ્રી : હમણાં એક પોટલીમાં હાડકાં ને માંસ સુંવાળી ચાદરમાં બાંધ્યા, પછી અહીં એને લાવીને મૂકી હોય તો તને તે લક્ષમાં તો રહે ને, કે આમાં આ ભરેલું છે ?

પ્રશ્નકર્તા : રહી શકે ને !

દાદાશ્રી : ત્યારે સારું, આ જેને લક્ષમાં રહે, તેને મોટા અધિપતિ કહ્યા છે, એ જાગૃત કહેવાય. એટલે મને તો બહુ જાગૃતિ રહે, જબરજસ્ત જાગૃતિ રહે !

મારો જે પ્રયોગ કરેલો હતો, એ પ્રયોગ જ વાપરવાનો. અમારે એ પ્રયોગ નિરંતર ગોઠવાયેલો જ હોય, તે અમને જ્ઞાન થતા પહેલાય જાગૃતિ રહેતી હતી. આમ કોઈ સ્ત્રીએ સુંદર કપડાં પહેર્યાં હોય, બે હજારની સાડી પહેરી હોય તોય જોતાની સાથે જ તરત જાગૃતિ ઊભી થાય, તે નેકેડ (કપડાં વગર) દેખાય. પછી બીજી જાગૃતિ ઉત્પન્ન થાય, તે ચામડી વગરનું દેખાય અને ત્રીજી જાગૃતિ પછી પેટ કાપી નાખે તો મહીં આંતરડા દેખાય, આંતરડામાં શો ફેરફાર થાય છે એ બધું દેખાય. લોહીની નસો મહીં દેખાય, સંડાસ દેખાય, આમ બધો ગંદવાડો દેખાય. પછી વિષય ઊભો થાય જ નહીં ને ! અમને આરપાર બધું દેખાય. આમાંથી આત્મા ચોખ્ખી વસ્તુ છે, ત્યાં આગળ જઈને અમારી દ્રષ્ટિ અટકે, પછી શી રીતે મોહ થાય ? લોકોને આવું આરપાર દેખાય નહીં ને ! લોકોને એવી દ્રષ્ટિ નહીં ને ! એવી જાગૃતિયે ક્યાંથી લાવે ? આવું દેખાય, એ તો મોટામાં મોટી જાગૃતિ કહેવાય. એટ એ ટાઈમ આ ત્રણેય જાગૃતિ (થ્રી વિઝન) હોય. આ મને જે જાગૃતિ હતી, તે તમને કહું છું. જે રીતે હું જીત્યો છું, એ રીતે તમને બધાને આ જીતવાનો રસ્તો દેખાડ્યો. રસ્તો તો હોવો જોઈએ ને ? અને તે કંઈ જાગૃતિ વગર તો કોઈ દહાડોય બને જ નહીં ને !

પ્રશ્નકર્તા : થ્રી વિઝન નથી દેખાતું, એ મોહને લીધે ?

દાદાશ્રી : જાણતો જ નથી, થ્રી વિઝન શું છે તે ! થ્રી વિઝન જાણે તો એને છે તે દ્રષ્ટિ ખેંચાય જ નહીં. થ્રી વિઝન દેખાય એટલે હાથ જ ઘાલે નહીં. પછી આ તો મોહને લીધે ભાનમાં જ ના આવે ને મોહ એટલે બેભાનપણું !

ભયંકર જોખમી, અણહક્કના વિષયો

મોહરાજાએ છેલ્લો પાસ નાખ્યો છે. અત્યારે વિષયનો જ મોહ બધે વ્યાપી ગયો છે. પહેલા તો માનનો મોહ, કીર્તિનો મોહ, લક્ષ્મીનો મોહ, મોહ બધે જ વેરાયેલો હતો. આજે બધો મોહ એકલા વિષયમાં જ વ્યાપી ગયો છે ને ભયંકર બળતરામાં જ જીવન જીવી રહ્યા છે.

આપણને મૂર્છિત કરે, બેભાન કરે, એ મોહ કહેવાય. કોઈ માણસને પોતાને ઘેર સ્વરૂપવાન સ્ત્રી છે, છતાં એણે રસ્તામાં કોઈ એક સ્ત્રી જોઈ. તે જેમ પેલી બેનનું ચિત્ત સાડીમાં રહી ગયું તેવું આ ભાઈનું ચિત્ત પેલી સ્ત્રી દેખીને એમાં રહી જાય છે. એટલે એને મૂર્છિત થઈ ગયો કહેવાય. ચિત્ત ખોવાયું, એક જગ્યાએ સ્થિર થયું, તે મૂર્છિત

(પા.૭)

દશા ! મૂર્છિત થઈ ગયો એટલે એનામાં શું શક્તિ રહે પછી ? મૂર્છિત થઈ ગયો એટલે એ અને દારૂડિયો બેઉ સરખા થઈ ગયા. એમાં પછી કશી બરકત આવે નહીં.

જ્યાં સુધી રૂપ પર મોહ છે, ત્યાં સુધી પરણી લેવું. પરણવું એ ફરજિયાત છે ને પરણવું એ બહુ જોખમ છે ને જોખમમાં ઊતર્યા વગર પાર આવે તેમ પણ નથી. મોહ છે તેણે પરણવું જ જોઈએ, નહીં તો હરૈયા ઢોર થઈ જાય. કો’કના ખેતરમાં પેઠો કે માર્યો જાય ને ભયંકર અધોગતિ નોતરે ! પરણે એટલે શું કે હક્કનું ભોગવે; ને પેલું તો અણહક્કનો વિચાર આવે તો અધોગતિએ જાય !

આ એકલો જ રોગ એવો છે કે નર્કમાં લઈ જનારો છે અને નર્કમાં ગયો કે પછી ફરી જ્ઞાની પુરુષ ભેગા ના થાય, આ સત્સંગ ભેગો ના થાય ! મોક્ષમાર્ગ હાથમાંથી જતો રહે ! એટલે પરસ્ત્રીગમન, પરસ્ત્રીવિચાર એ નર્કમાં લઈ જનારા છે ! મોટામાં મોટું જોખમ આ છે ! આપણા અહીં જ્ઞાન લીધા પછી આવા દોષવાળો તો સીધો નર્કમાં જાય. કારણ કે જ્ઞાન લીધા પછી તો દગો કહેવાય. જ્ઞાનીને દગો કહેવાય અને સત્સંગને દગો કહેવાય. ભયંકર દગો કહેવાય, એટલે નર્કનો અધિકારી થઈ જાય. એટલા માટે અમે ચેતવ ચેતવ કરીએ.

આપણે અહીં આ સત્સંગમાં એવો દગા-ફટકાનો વિચાર આવે તો અહીં એવો વ્યવહાર કિંચિત્માત્ર ના ચાલે અને એવો વ્યવહાર ચાલે છે એવું મારા લક્ષમાં આવ્યું તો હું બાળી મેલીશ, ભયંકર બાળી મેલીશ. આ જગ્યાએ કિંચિત્માત્ર એવું ના ચાલે, આ સંઘ એવો ના હોય, અહીં એવી ભૂલ કરાય નહીં.

આ વિષયભોગના પરિણામ તે કેવા !

અરે, વિષયમાં સુખ હોતું હશે ? આ કૂતરાનેય ખાવા-પીવાનું આપ્યું હોય ને, તો તેય બહાર ના નીકળે. આ તો ભૂખને લીધે બિચારા બહાર ફર્યા કરે છે ! આ મનુષ્યો આખો દહાડો ખાઈને ફર્યા કરે છે ! એટલે મનુષ્યોને ભૂખનું દુઃખ મટ્યું છે, ત્યારે આ લોકોને વિષયોની ભૂખ લાગી છે. મનુષ્યમાંથી પશુ થવાનો હોય ત્યાં સુધી જ વિષય છે, પણ મનુષ્ય પરમાત્મા થવાનો હોય તો એને વિષય ના હોય. વિષય એ તો જાનવરોની કોડ લેંગ્વેજ (સાંકેતિક ભાષા) છે, પાશવતા છે, ‘ફૂલ્લી’ (સંપૂર્ણ) પાશવતા છે. એટલે એ તો હોવી જ ના જોઈએ.

આખી દુનિયા બ્રહ્મચર્યને એક્સેપ્ટ (સ્વીકાર) કરે છે. જેનાથી પછી બ્રહ્મચર્ય નથી પાળી શકાતું એ જુદી વાત છે. અબ્રહ્મચર્ય એ મનુષ્યમાં રહેલી પાશવતા છે. હરેક જગ્યાએ અબ્રહ્મચર્યને પાશવતા ગણી છે. તેથી તો અબ્રહ્મચર્યની દિવસે ના પાડી છે. કારણ કે એ પાશવી ઉપચાર છે. માટે રાત્રે અંધારું થાય ત્યારે કોઈ દેખે નહીં, જાણે નહીં, આપણી આંખ પણ દેખે નહીં, એ રીતે કરવામાં આવે છે. મનુષ્યોને તો આ બધું શોભે ? તેથી જ તો આપણા લોકોએ ગોઠવેલું કે રાત્રે અંધારામાં જ વિષય સેવવાનું રાખવું. સૂર્યનારાયણની હાજરીમાં જો વિષય સેવન કરશો તો હાર્ટ ફેઈલના ભણકારા વાગશે, હાઈ બ્લડ પ્રેશર થાય કે લો બ્લડ પ્રેશર થાય અને હાર્ટ ફેઈલ થઈ જશે. એટલે વિષય એ અંધારામાં સેવન કરવાની વસ્તુ છે. લખ્યું છે ને, કે ‘છૂપા રાખવા પડે છે જે કામ...’ એટલે આ વિષય કેવી વસ્તુ છે ? છૂપું રાખવું પડે. કોઈને કહેવાય પણ નહીં. છતાંય શાસ્ત્રકારોએ એલાઉ કર્યું (છૂટ આપી) છે કે બધાની રૂબરૂ પૈણો છો, માટે હક્કદાર છો.

કેટલું શરમ ભરેલું !

પ્રશ્નકર્તા : દાદા બ્રહ્મચર્ય ઉપર વધારે ભાર આપે છે અને અબ્રહ્મચર્ય પ્રત્યે તિરસ્કાર દાખવે

(પા.૮)

છે. પણ આમ કરીએ તો સૃષ્ટિ ઉપરથી માનવોની સંખ્યા પણ ઘટશે, તો આ બાબતમાં આપનો શો અભિપ્રાય છે ?

દાદાશ્રી : આટલા બધા ઑપરેશન કરવાથી સંસાર ઘટતો નથી, તે બ્રહ્મચર્ય પાળવાથી શું ઘટશે ? એ સંસાર ઘટાડવા માટે તો ઑપરેશન કરે છે પણ તોય ઘટતો નથી ને ! બ્રહ્મચર્ય તો મોટું સાધન છે.

પ્રશ્નકર્તા : પણ એ તિરસ્કાર થયો ના કહેવાય ?

દાદાશ્રી : તિરસ્કાર ના કહેવાય.

પ્રશ્નકર્તા : આ નૅચરલ (કુદરતી) જે પ્રોસેસ (પ્રક્રિયા) છે, એ પ્રત્યે આપણે તિરસ્કાર કરીએ છીએ એવું ના કહેવાય ?

દાદાશ્રી : નૅચરલ પ્રોસેસ છે નહીં, આ તો પાશવતા છે. માણસમાં જો નૅચરલ પ્રોસેસ હોય તો બ્રહ્મચર્ય પાળવાનું હોય જ નહીં ને ! આ જાનવર બ્રહ્મચર્ય પાળે છે બિચારા, પછી અમુક સિઝન પૂરતા જ પંદર-વીસ દહાડા વિષય, પછી કશું જ નહીં.

આ તો કાયમ વિષય, તો પશુ જ છે ને, મનુષ્ય પશુ જ થઈ ગયા છે ને ! એટલે આ કહેવું પડે છે ને મારે ! ત્યારે જ છે તે આ ઑપરેશન કરવાનો વખત આવ્યો ને, કોઈ ગાય-ભેંસનું ઑપરેશન કરવાનો વખત આવે છે ?

આમને તો વસ્તી ના વધે એટલા સારુ આમને ખસી કરવા માંડ્યા મનુષ્યોને. પહેલા બળદને ખસી કરતા હતા, આજ મનુષ્યોને ખસી કરી રહ્યા છે. કેટલી શરમ આવવા જેવી વાત કહેવાય !

આ ખસી કરાવે છે ને, તે ખોટું કહેવાય. ખસી કરાવે છે લોકો ? સરકાર શું કહે છે, ખસી કરો ?

પ્રશ્નકર્તા : હા, કરો અને જાતે જઈને લોકો કરાવે છે.

દાદાશ્રી : સરકાર કહે છે, એક, દો ને ત્રણ, એક-બે અમે, બીજું બધું ખસી ! આપણે શું કહીએ છીએ, ભઈ ચાર છોકરાં થાય તોય પણ ફરી આ બ્રહ્મચર્ય પાળ ને ! અને સંસારમાં સ્ત્રી સાથે રહું તોય બ્રહ્મચર્ય એટલે શું ? મહિનામાં ચાર દહાડા કે પાંચ દહાડા ઠીક છે, તે બાર મહિને બાર પચા સાંઠ દિવસ થાય. પણ આ તો સવાર થઈ, સાંજ થઈ, ધંધો જ આ. તે બીબી ચઢી વાગે પછી. બીબી ‘બા’ કહેવડાવે કેટલાક લોકોને. પેલા માંગણી કરે, વિષયની ભીખ માંગે છે આ હિન્દુસ્તાનના લોકો, ઋષિમુનિઓના પુત્રો, શરમ આવે એવી ચીજ છે ! વિષયની ભીખ માંગે છે, તમને નથી લાગતું ? આ શરમ ભર્યું લાગતું નથી ?

પ્રશ્નકર્તા : શરમ ભર્યું છે જ.

બુદ્ધિશાળી પણ બૈરી આગળ બુદ્ધુ

દાદાશ્રી : અને આ તો રોજ ઝઘડે મૂઆ. રોજ વિષયમાં, જાણે કૂતરા થઈ ગયા. અને કેટલાક તો માંગણી કરે છે, ‘બીબી, તમે મને આપો આ.’ અલ્યા મૂઆ, બીબી પાસે માંગણી કરી ? તે આ કેવી શોધખોળ કરી ? જુઓ ને, આ જાનવરપણું થઈ ગયું છે. મોટા મોટા ઑફિસરો, તે બધું બિલકુલ જાનવરપણું થઈ ગયું છે. આવું શોભે આપણને ? અને વિષય કરતી વખતે કોઈ માણસ, હમણે મોટો સાહેબ વિષય કરતા હોય, તે ઘડીએ ફોટો લે તો, ફોટો કેવો દેખાય ? મોટા સાહેબને દેખાડીએ તો ?

પ્રશ્નકર્તા : ઘૃણા આવે એવો.

(પા.૯)

દાદાશ્રી : તો પછી આવી શરમ નથી આવતી ? પોતાનો ફોટો ના દેખાય આપણને કે મારું સાલું આ હું કૂતરા જેવો છું કે ગધેડા જેવો છું ? એવી શરમ ના આવે પોતાને ?

આમ પર્સનાલિટીવાળો ઑફિસર હોય, બહાર બધા થા, થા, થૈ, થૈ કરતા હોય, પણ વિષય ભોગવતી વખતે તો એ જાનવર જ થઈ જાય ને ! બીજા કશામાં જાનવર નથી થતો, દારૂમાંય એ જાનવર નથી થતો.

છતાં સ્ત્રી ઉપર તિરસ્કાર કરવાનો નથી, સ્ત્રીનો દોષ નથી, આ તો તમારી વાસનાઓનો દોષ છે. સ્ત્રી ઉપર તિરસ્કાર કરાય નહીં. સ્ત્રી તો દેવીઓ છે. વિષય ઉપર તિરસ્કાર નથી, વાસના ઉપર તિરસ્કાર છે અને આ વાસના દેખાદેખીથી છે પાછી !

પ્રશ્નકર્તા : પશુ તો ભોગ પ્રધાન છે એટલે કરે છે, પણ માણસ તો વિચાર કરનારો છે, તો પણ આ સ્થિતિ છે !

દાદાશ્રી : પણ પશુના જેવાય ગુણ નથી રહ્યા, પશુ તો નિયમમાં હોય. કુદરતના જ્યારે સંજોગ બાઝે છે, ત્યારે પશુમાં પાશવતા ઉત્પન્ન થાય છે. પણ આ મનુષ્યને તો રોજની પાશવતા છે. મનુષ્યને મનુષ્યપણું જ ક્યાં રહ્યું છે ? અને પશુમાં તો દગો-ફટકો કશું નહીં ને ! આ તો નિરંતર દગા-ફટકામાં જ સપડાવાનું, નિરંતર દગો-ફટકો !

બાકી આ મનુષ્ય તો જાનવર કરતાં ભૂંડા ! એ રોજની એને ધમાલ જ આ ! દાનત જ આની આ. હવે વિષય-વિકાર એટલે શું ? જે વિષયથી છોકરાં ઉત્પન્ન ના થાય, એ વિષય સંડાસ કહેવાય છે. જે પશુમાં નથી હોતું, તે માણસની લીલા જોઈને અજાયબી જ થાય ને !

વિષયના સ્વાર્થી બને આંધળા

પ્રશ્નકર્તા : આ અથડામણો-કષાયો થાય છે, એનું મૂળ વિષય જ ને ?

દાદાશ્રી : હા, બધું વિષયને લઈને જ છે. એ વિષયમાં એક્સપર્ટ થઈ ગયેલો હોય. વિષયમાં ‘ટેસ્ટફૂલ’ (રૂચિવાળો) થયેલો છે, એટલે મહીં સ્વાર્થ હોય અને સ્વાર્થને લઈને અથડામણ થાય. સ્વાર્થમય પરિણામ હોય ત્યાં કોઈ દહાડો કશું દેખાય નહીં. સ્વાર્થી હંમેશાં આંધળો હોય. સ્વાર્થી, લોભી, લાલચુ બધા આંધળા હોય. આ દુનિયાનો બધો આધાર પાંચ (ઈન્દ્રિયોના) વિષય ઉપર જ છે. જેને વિષય નથી, તેને અથડામણ નથી.

પ્રશ્નકર્તા : જ્ઞાન જોડે હોય તો તરત ‘બ્રેક’ મારી શકે ?

દાદાશ્રી : કશું કહેવાય નહીં, ફરી લપસીય પડે. જ્ઞાનવાળા પણ સ્લિપ થઈ જાય.

અવસ્થા શીખવાડે વૈરાગ્ય પાઠ

અક્રમ એટલે શું ? કર્મ ખપાવ્યા સિવાય જ્ઞાન પ્રાપ્ત થયું છે. હજુ કોઈ પણ જાતના કર્મ ખપાવ્યા નથી. એટલે વાતને સમજી લેવાની છે. આમાં બીજું કશું બાધક નથી. ને આ વિષય એક એવી વસ્તુ છે કે આ જ્ઞાનને ઊંધું નાખી દે. આ વિષય એકલો જ એવો છે. બીજું બધું છો ને રહ્યું, જીભના વિષય એ બધા સામો દાવો ના માંડે. એ ચેતન જોડે નથી. એ અચેતન છે અને આ તો મિશ્રચેતન છે. તે આ વિષયમાં તો આપણને ઈચ્છા ના હોય તોય વશ થવું પડે, નહીં તો એ દાવો માંડે ને કો’ક ફેરો ભટકાવી મારે. માટે એમાં બહુ જ જાગૃતિ રાખવી. આ વિષય જ એવો છે કે ભટકાવી મારે. આત્મા અમે જે આપ્યો છે તેય ફેંકી દેવડાવે.

આ બધી અવસ્થા દ્રષ્ટિથી જોવાથી જ તેની

(પા.૧૦)

અસરો થાય છે. બાકી જો એને એમ સમજાય કે આ ગર્ભમાં હતી તો આવી દેખાતી હતી, જન્મી ત્યારે આવી દેખાતી હતી, નાની બેબી થઈ ત્યારે આવી દેખાતી હતી, પછી આવી દેખાતી હતી, અત્યારે આવી દેખાય છે, પછી આવી દેખાશે, ઘૈડી થશે ત્યારે આવી દેખાશે, પક્ષાઘાત થશે ત્યારે આવી દેખાશે, નનામી કાઢશે ત્યારે આવી દેખાશે, આવી બધી અવસ્થાઓ જેને લક્ષમાં છે, એને વૈરાગ શીખવવાનો ના હોય ! આ તો જે આજનું દેખાય છે તે દેખીને જ મૂર્છિત થઈ જાય છે, એને વૈરાગ શીખવાનો છે. વીતરાગો બહુ ડાહ્યા હતા. કોઈ પણ વસ્તુ આવી તો એમને મૂર્છા ઉત્પન્ન ના કરાવે. કારણ કે એ વસ્તુને ત્રણેય કાળથી જોઈ શકતા હતા. ત્રિકાળ જ્ઞાનથી ઉત્પન્ન, વ્યય બધું સંપૂર્ણપણે જાણતા હતા. એટલે એમને રાગ ઉત્પન્ન ના થાય પછી.

પુદ્ગલની ખેંચ નાખે વિષય અંધકારમાં

આત્મા તો આપ્યો છે અને એ આત્મા અસંગ સ્વભાવનો છે, નિર્લેપ સ્વભાવનો છે. પણ અનંત અવતારથી પુદ્ગલની ખેંચ છે. તમે જુદા થયા, પણ પુદ્ગલની ખેંચ છોડે નહીં ને ! એ ખેંચ જાય નહીં ને ! સ્ત્રી-પુરુષના આકર્ષણમાં એ જાગૃતિ ના રાખી, તો પુદ્ગલની ખેંચ એને અંધારામાં નાખી દે. (એટલે) મૂર્છા જ ઉડાડવાની છે. મૂર્છા ઊડી ગઈ પછી વાંધો નથી. ‘મને મૂર્છા ઊડી ગઈ’ એવું બોલીએ તેથી કરીને કશું ના વળે, મૂર્છા તો એક્ઝેક્ટ જવી જ જોઈએ. અને તેય જ્ઞાની પુરુષની પાસે ટેસ્ટ કરાવી લેવું જોઈએ કે, ‘સાહેબ, મારી મૂર્છા ગઈ કે નહીં, એ ટેસ્ટ કરી આપો.’ નહીં તો મહીં એવી એવી વકીલાતો ચાલે કે ‘બસ, હવે બધી મૂર્છા ઊડી ગઈ છે, હવે કોઈ વાંધો નથી !’ એટલે વકીલાતો કરનારા બહુ ને ! માટે જાગૃત રહેવું ! અપરાધ થઈ જાય એવી જગ્યાએથી ખસી જવું.

જાગૃતિ મંદ પડી કે વિષય પેસી જાય. જાગૃતિ મંદ પડી કે આવરણ આવી જાય એને. એ શક્તિને સાચવનારી જે શક્તિ છે ને, એ શક્તિ પર આવરણ આવી જાય, એ શક્તિ કામ કરતી બુઠ્ઠી થઈ જાય. પછી તે ઘડીએ જાગૃતિ મંદ થઈ જાય. એ શક્તિ બુઠ્ઠી થઈ ગઈ, પછી કશું થાય નહીં, કશું વળે નહીં.

જાગૃતિમાં ઝોકા, ત્યાં વિષયના સોટા

વિષય એક એવી ખરાબ વસ્તુ છે કે એમાં એક ફેરો લપસ્યો એટલે જાગૃતિ પર ગાઢ આવરણ આવી જાય. પછી જાગૃતિ રાખવી હોય તોય રહે નહીં. જ્યાં સુધી એકુંય ફેરો પડ્યો નથી, ત્યાં સુધી જાગૃતિ રહે. વખતે આવરણ આવે, પણ જાગૃતિ તરત જ આવી જાય. પણ એક જ ફેરો લપસ્યો તો જબરજસ્ત ગાઢું આવરણ આવી જાય, પછી સૂર્ય-ચંદ્ર દેખાય નહીં. એક જ વખત લપસવાનું બહુ નુકસાન છે. સંસારના વિષયસુખની જેટલી સ્પૃહા વધારે, તેટલું (આધ્યાત્મિક) ‘ડેવલપમેન્ટ’ ઓછું. આ સંસારચક્રનો આધાર વિષય પર છે. છે તો પાંચ જ વિષય, પણ સ્ત્રી સંબંધીનો તો બહુ જ ભારે વિષય છે. એના તો પછી ભારે સ્પંદનો ઊડે છે. આપણું જ્ઞાન એવું સરસ છે ને એમાં રહ્યા કરે, તો કશું એને અડે નહીં અને પાછલું બધું ધોવાઈ જાય. પણ વિષય બાબતમાં જાગૃત રહેવું પડે. ત્યાં તો ‘આમાં સુખ જ નથી અને આ ફસામણ જ છે’ એ અભિપ્રાય રહેવો જોઈએ. એવું ભાન રહે તો છૂટી જવાય.

જ્ઞાની સંજ્ઞાથી છૂટે વિષય

લોકોએ વિષયમાં સુખ માન્યું છે, એવું પોતેય આમાં સુખ માન્યું છે. એમાં બિલકુલેય સુખ માનવા જેવું નથી. આને તો સુખ કહેવાય જ નહીં. આ તો દારૂડિયો માણસ એમ કહે કે ‘હું આખા હિન્દુસ્તાનનો રાજા છું,’ તો આપણે ના

(પા.૧૧)

સમજીએ કે આ તો દારૂના અમલથી બોલે છે ? એવું આ ભ્રાંતિને લઈને એને આમાં સુખ લાગે છે. વિષયમાં તો સુખ હોતું હશે ? સુખ તો મહીં છે, પણ આ તો બહાર બીજાનામાં આરોપ કરે છે તેથી ત્યાં સુખ લાગે છે. ભ્રાંતિરસથી આ બધું ઊભું થયું છે. ભ્રાંતિરસ એટલે શું કે આ કૂતરું જેમ હાડકાંને ચૂસે છે, તે તમે જોયેલું ? હાડકાં ઉપર થોડુંઘણું માંસ હોય તે તો જાણે કે મળી જાય, પણ હવે પછી શું કરવા ચૂસ ચૂસ કરે છે ? પછી ખૂબ દબાવે ને, તે હાડકું તો આમ લોખંડ જેવું હોય. તે શું થાય કે એના પીઢિયાં દબાય ને એમાંથી પછી લોહી નીકળે. લોહીને એ જાણે કે હાડકાંમાંથી નીકળ્યું. એટલે પાછું ખૂબ ચાવી ચાવીને હાડકું ખાય. અલ્યા, તારું જ લોહી તું ચૂસે છે. એવી રીતે આ સંસાર ચાલી રહ્યો છે. એવું આ લોકો હાડકાં જ ચૂસી રહ્યા છે ને પોતાનું જ લોહી બધું ચાખી રહ્યા છે.

માટે કંઈક હવે ઉકેલ લાવો. અનાદિથી માર ખા ખા કર્યો છે અને એમાં બળ્યું શું સુખ છે ? સાત્ત્વિક રૂપે તપાસ ના કરીએ કે આમાં કશું સુખ દેખાતું નથી ! ઊલટું મૂર્ખાઈ થાય છે, ફૂલિશનેસ થાય છે. વિષયમાં અટક્યો તો ભગવાન થઈને ઊભો રહે અને જો વિષયમાં લટક્યો તો અધોગતિમાં નર્કે જતાયે પાર નહીં આવે, એવું અમે જ્ઞાનથી જોયેલું છે. હવે તમને ખાતરી થઈ ગઈ ને ? આજે તમને આ ખોટું થયું છે, એવું જ્ઞાન થઈ ગયું ને ? આ કંઈ જેવું તેવું જ્ઞાન ના કહેવાય. ‘આ ખોટું છે’ એવું જ્ઞાન થયું, એનું નામ જ અમે ‘જ્ઞાન’ કહીએ છીએ. પાછો ફરવા માંડ્યો એટલે પોતે કામ કાઢી નાખે. આ તો કોઈ દીવો ધરનાર જોઈએ. દીવો ધરનાર ના હોય તો શું થાય ?

જ્ઞાનીની સંજ્ઞાથી જુએ તો એમાં તદ્દન દુઃખ છે. વિષયમાં એટલું બધું જોખમ છે. દુનિયામાં કોઈ ચીજમાં દોષ ના હોય એટલો દોષ અબ્રહ્મચર્યમાં છે. આ તો આંતરિક દુઃખને લઈને અબ્રહ્મચર્ય કરે છે. જેને આંતરિક સુખ હોય તે અબ્રહ્મચર્ય કરે જ નહીં. આપણને શુદ્ધાત્મામાં જ સુખ છે એવું યથાર્થપણે સમજાઈ જાય તો વિષયમાં સુખ ના રહે.

દારૂનું પીણું ચિંતા મટવા શું હેલ્પ કરે છે દારૂ ?

કોઈ દહાડો ચિંતા-બિંતા થાય છે તને ?

પ્રશ્નકર્તા : ઘણી વખત.

દાદાશ્રી : તે ઘડીએ શી દવા ચોપડું છું ?

પ્રશ્નકર્તા : ના બોલાય એવું.

દાદાશ્રી : એમ ? દવા બોલાય નહીં, નહીં ? હશે ત્યારે... ગુપ્ત દવાઓ ! સિક્રેટ દવાઓ, એ સાચી દવા નથી.

પ્રશ્નકર્તા : મમ્મીય એવું કહે છે, બટ ઈટ વર્કસ્ (પણ તે કામ કરે છે).

દાદાશ્રી : પણ હેલ્પ કરે છે ?

પ્રશ્નકર્તા : ફૉર ધ મૉમેન્ટ, થોડી વાર માટે જ.

દાદાશ્રી : પછી એ દવા એની ઈફેક્ટ શું આપતી હશે ?

પ્રશ્નકર્તા : એમ કે થોડી વાર માટે બધું ભૂલી જઈએ, પણ પછી પેલું તો હોય જ છે.

દાદાશ્રી : પણ એ પ્રત્યાઘાતી ઈફેક્ટ શું આપે પછી ?

પ્રશ્નકર્તા : માથું દુખે.

દાદાશ્રી : ના પણ આ માથું દુખે એ પ્રત્યાઘાતી ઈફેક્ટ નથી, બેભાન થઈ જઈશ. આ

(પા.૧૨)

જે થોડુંઘણું ભાન છે તેય જતું રહેશે બળ્યું ! પણ એ શેને માટે આવું બેભાનપણું કરવું પડે ? આ પેલા લોકોને તો ઑપરેશન કરવાનું હોય છે ને, કંઈક આ આંગળી કાપી નાખવાની હોય, તો એને વેદના ના થાય એટલા માટે આ દાક્તરો ચોપડે છે કંઈક દવા. તેથી એ બહેરું કરી નાખે. તું શેના માટે બહેરું કરું છું ? તારે દુઃખ નથી. દુઃખવાળાને બહેરું કરવાનું હોય.

પ્રશ્નકર્તા : ચિંતા ઓછી થાય એના માટે.

દાદાશ્રી : ચિંતા ઓછી થાય ? ચિંતાનો ઉપાય બીજો કરવો જોઈએ, આવો ઉપાય નહીં કરવો જોઈએ. આ દારૂ એ એનો ઉપાય નથી. શું હેલ્પ કરે છે દારૂ ? આ તો એક જાતની સાયકૉલોજિકલ ઈફેક્ટ (માનસિક અસર) છે. એય એક જાતની મૂર્છા જ છે. આ લોકો પીને આમ ફરે મસ્તીમાં. એ મસ્તી કામની શું છે ? એ મસ્તી કરતાં વરિઝ (ચિંતા) સારી !

ભાન ખોવડાવે એ વસ્તુ કેમ અડાય ?

બેભાનપણું થાય ખરું થોડું ?

પ્રશ્નકર્તા : હા, થાય.

દાદાશ્રી : તો પછી એ કેમ પોસાય ? એક તો બેભાનપણું છે જ આપણું. જ્ઞાન નથી એટલે બેભાનપણું છે જ. અને ઉપરથી બેભાન થઈએ. એ બેભાનપણું કરે છે, એટલે જાગૃતિ ઊલટી ખલાસ કરી નાખે છે. એવું નથી લાગતું, એ બેભાન કરે છે એવું ? આપણી જાગૃતિ થોડી હોય તેય લૂંટી લે છે, નહીં ? એ પીધા પછી ડાહ્યો થાય કે જરાક ? દારૂ વધારે પી જઈએ તો શું થાય ?

પ્રશ્નકર્તા : તો ગોથા ખાય. હા, ભાન જતું રહે બધું.

દાદાશ્રી : બેભાન થઈ જાય. અને લોક પૈસાય પડાવી લે ને પોલીસને હવાલે કરે ને જેલમાંય ઘાલી દે. આ કરવા જેવી ચીજ નથી. આત્મા બેભાન થાય એ કામ કરવા જેવું નથી.

પ્રશ્નકર્તા : આત્મા થોડો બેભાન થાય ? એ તો જાગ્રત જ હોય ને ?

દાદાશ્રી : મૂળ આત્મા તો નિરંતર જાગૃત જ છે પણ આ વ્યવહાર આત્મા છે ને, એને છે તે ડલનેસ (મંદતા) ના આવવી જોઈએ. એવા કારણો ન હોવા જોઈએ. બેભાનપણું કરે ને, એ વસ્તુ માણસે અડવી નહીં જોઈએ. પોતાનું ભાન જતું રહે, એવી વસ્તુ નહીં કરવી જોઈએ. કારણ કે આમ તો મનુષ્ય બેભાન જ છે. આમ તો મોહવાળો છે, બેભાનપણું જ છે.

દારૂનું આવરણ ખોવડાવે ડેવલપમેન્ટ

પ્રશ્નકર્તા : દારૂની અસર આત્મા પરથી ન જાય ?

દાદાશ્રી : શી રીતે જાય તે ? છતાં ટેવ પડી હોય તો હું રસ્તો કાઢી આપું, પણ શું કરું તે ? પણ દારૂ એટલે તો મગજમાં પછી અસર થઈ જાય, મગજ ફેરફાર થાય. એટલે પછી આત્માની ઉપર ભ્રાંતિના આંટા ચઢી જાય.

પ્રશ્નકર્તા : આ પીવાથી મગજને નુકસાન કઈ રીતે થાય છે ?

દાદાશ્રી : એ ભાન ભૂલાવે છે ને, તે વખતે મહીં જાગૃતિ ઉપર આવરણ આવી જાય છે અને પછી કાયમને માટે એ આવરણ ખસતું નથી. આપણા મનમાં એમ લાગે કે ખસી ગયું, પણ નથી ખસતું એ. એમ કરતું કરતું આવરણ આવતું આવતું આવતું બધું પછી માણસ જડ જેવો થઈ જાય. પછી એને સારા વિચાર-બિચાર કશું આવે નહીં. દારૂના વ્યસનથી ડેવલપમેન્ટ કાચું પડી સમજશક્તિ ઘટી

(પા.૧૩)

જાય છે. તેનાથી મહીં આવરણ ઊભા થાય છે. બ્રાન્ડી પીધા પછી આવરણ સહિત થઈ જાય ને, પછી ખલાસ થઈ જાય. નવા આવરણ ચઢે એની ઉપર, બહુ આવરણ થાય બધા. અધોગતિમાં લઈ જાય એ બધા. એટલે જે ડેવલપ થયેલા છે તે આ દારૂમાંથી બહાર નીકળી ગયા પછી એનું બ્રેઈન બહુ સારું ડેવલપ થયેલું હોય. એણે ફરી પાછું બગાડવું ના જોઈએ.

ઈન્ટૉક્સિકેટેડ ડ્રિંક્સ મડદાલ કરે

પ્રશ્નકર્તા : દારૂથી જાણે દુઃખો સામે શક્તિ મળતી હોય એવું લાગે છે !

દાદાશ્રી : દારૂ, હું તમને કહી દઉં. આ જે ઈન્ટૉક્સિકેટેડ ડ્રિંક્સ (નસાકારક પીણા) છે બધા, એ શું છે ? તમારી જે શક્તિઓ અંદર પડેલી છે, આગળની જિંદગીમાં જરૂરિયાતની શક્તિઓ જે અંદર પડી રહી છે, તેને ઉઠાવીને બહાર લાવે છે આજ. શું કરે છે ? મહીં જે શક્તિ હતી, તે રોજ વાપરવાની હતી, તે એક જ દહાડામાં કાઢી નાખે તો પછી તે દસ દહાડા સુધી ઢીલો કરી નાખે, ખલાસ કરી નાખે. રોજ વાપરવાની શક્તિ હોય ને, તેને વ્યસનમાં એક દહાડામાં કાઢી નાખે. તે દહાડે ઉલ્લાસમાં આવી જાય, પણ પછી યૂઝલેસ થઈ જાય માણસ. દારૂનો નશો એ ઉત્તેજના કહેવાય. પછી ઊતરી જાય અને ડિપ્રેશન આપે.

પ્રશ્નકર્તા : હા, દારૂનો અમલ ઊતરી જાય પછી દુઃખના ડુંગરા આવે છે.

દાદાશ્રી : હા, તે ઘડીએ સાવ મડદાલ થઈ જાય. આ શક્તિ કંઈ દારૂ નથી આપતો, આ આનંદ દારૂ નથી આપતો. તમારો પાછલો આનંદનો જે ક્વૉટા છે એમાંથી જ લાવીને બહાર ફેંકે છે, ઈન્ટૉક્સિકેટ કરે છે. એ બ્રાન્ડી હો કે સિગરેટ હો, તમાકુ કે હશીશ (ગાંજો, ભાંગ), બીજું કંઈ પણ હો.

એટલે વાત તો સમજવી પડશે ને ! આ ઈન્ટૉક્સિકેટેડ શું છે ? પોતાનું મહીં જે છે તે બહાર લાવે છે. નવી વસ્તુ કાઢતું નથી એ.

જાગૃતિમાંથી નિદ્રામાં જવાનો ઊંધો રસ્તો

બેભાનપણું પોસાય કેવી રીતે ? માણસ બેભાન થાય એટલે શું કામનું ? આમ છે તે શાસ્ત્રકારો આ લોકોને શું કહે, કે ઉઘાડી આંખે ઊંઘે છે આખું જગત ! ત્યારે કહે, એનું શું કારણ ? શાથી ઊંઘે છે ? ત્યારે કહે, ઘર અને ધંધો બે જ જગ્યાએ જાગૃતિ છે એની. બીજે ક્યાંય જાગૃતિ નથી એની. ધંધામાં, ઘરમાં બહુ જાગૃતિ રાખે છે, પણ પરલોકમાં મારું શું થશે એની જાગૃતિ નથી હોતી. એટલે આમ ઊંઘે છે, વળી પાછો દારૂ પીવે ત્યારે વધારે ઊંઘે એ. આ પીધો એટલે બીજી વાર ઊંઘ્યો પાછો, ડબલિંગ (બમણું) કર્યું. આ રોગ તો જતો નથી, ત્યારહોરો બીજો રોગ ઊભો કર્યો. જે આપણું ભાન ખોવડાવી નાખે, એ વસ્તુને કેમ અડાય ? અડાય જ નહીં ને ! માટે જાગૃતિ વધારવાની જરૂર છે. ને જાગૃતિ રાખવા માટે દારૂ એકલાને બંધ રાખવાની જરૂર છે.

નિદ્રામાંથી જાગૃત થવાનો રસ્તો જગતમાં કોઈની પાસે છે નહીં. જાગૃતિમાંથી નિદ્રામાં આવવાનો રસ્તો છે. દારૂ પીએ એટલે નિદ્રામાં આવી જાય. એ ઘેન ચડે તરત. એ ઘેન એટલે આત્માને જે જાગૃતિ છે તે બધી મંદ કરી નાખે.

પ્રશ્નકર્તા : એ આત્માને ગેરહાજર કરે છે.

દાદાશ્રી : હા, એનું જાણપણું ખોવડાવી નખાવે છે.

જ્ઞાનીની વિનંતી, ‘ન પેસવા દેજો દારૂને’

દારૂ તો પીવાય જ નહીં આપણે, એ બીજા લોકોને પોસાય એ કરે. આપણાથી ના અડાય. આ

(પા.૧૪)

દારૂ પીવાથી આપણે જ ફસાઈ જઈએ પછી. એવું બને ખરું, ફસાઈ જઈએ એવું ?

પ્રશ્નકર્તા : ચોક્કસ.

દાદાશ્રી : તો પછી એવા ધંધામાં કોણ પેસે તે ? એ ફસામણની ચીજમાં કોણ પેસે તે ? અને એ દારૂના પંજામાં ફસાયા પછી તમે નીકળી શકશો નહીં. જેટલા ફસાયા છે એ બધા મને મળેલા, એ નીકળી શકતા નથી અને બહુ જ લાચારી કરે તોય પણ દહાડો વળતો નથી. ફસાયા પછી છૂટાશે નહીં. અને મેં જોયું છે, લોકો બહુ દુઃખી થયા છે પછી પાછળ. પછી છૂટાતું નથી તે બહુ દુઃખી થાય છે બિચારા. એટલે અમે તો તમને લાલ વાવટો ધરીએ. હજુય જ્યાં સુધી ટેવ ન પડી ગઈ હોય ત્યાં સુધી તેનાથી મુક્તિ મેળવી લેજો. અને ટેવાઈ ગયો એટલે એને પરવશ થઈ ગયો.

હું તો તમને વિનંતી કરીને કહું છું કે ભઈ, આ ના પેસવા દેશો, નહીં તો પછી ફસાયા પછી તમે નીકળી શકશો નહીં. એટલે અમારી આજ્ઞા ના પાળો તો અમારી આટલી વિનંતીય સ્વીકારજો.

મનુષ્યમાં બેભાન થતા જાનવરનો અવતાર

હવે શાથી લોક પીતા હશે ? ત્યારે કહે, દેખાદેખીથી પીવે. અને બીજું પેલું કોઈક બહારનું દુઃખ હોય ને, તે દુઃખ અડે નહીં એટલા હારુ બેભાનપણું કરી નાખે. હવે બેભાનપણું આ થાય, મનુષ્યમાં બેભાન થાય એટલે મનુષ્યથી આગળ અવતાર ના મળે, અધોગતિમાં જાય. એટલે જાનવરમાં જાય પછી. બેભાનપણું જાનવરમાં હોય ને, વધારે ? એટલે મનુષ્યમાં તો ભાન જેમ જેમ વધતું જાય તેમ તેમ ઊર્ધ્વગતિ થાય.

પ્રશ્નકર્તા : અત્યારના જે અમને ભૌતિક સુખ, ભૌતિક આનંદ મળે છે એ છોડવાનો અને આવતા ભવના માટે કરવાનું, તો અત્યારે આ છોડીને એવું કરવાની શી જરૂર ? અત્યારે મેળવી લો આનંદ !

દાદાશ્રી : અત્યારે આનંદ મેળવો છો ને, તેથી પાશવતા આવશે. સજ્જનતા ચાલી જશે ને પાશવ દશા આવશે. એની જવાબદારીનું ભાન નહીં હોવાથી જ આવું ચાલ્યા કરે છે ને !

દારૂ ને માંસાહારથી આ જે દેવું થાય છે, દારૂ ને માંસાહારમાં જે સુખ ભોગવે છે, એ સુખ રિપે (પરત) કરતી વખતે જાનવરમાં જવું પડે છે. આ સુખ જેટલા છે ને, જેટલા સુખ તમે લો છો એ રિપે કરવા પડશે એવી જવાબદારી આપણે સમજવી જોઈએ. આ પોલું નથી જગત. આ રિપેવાળું જગત છે. ફક્ત આંતરિક સુખનું જ રિપે કરવું નથી પડતું, બીજા બધા બહારના સુખો એ બધા રિપે કરવાના છે.

જાગૃતિ ઘટતા, થાય જડ જેવો

પ્રશ્નકર્તા : આવતા જનમમાં જનાવર થઈને રિપે કરવું પડશે એ બરાબર, પણ આ ભવમાં શું થશે એનું ? આ ભવના શું પરિણામો ?

દાદાશ્રી : આ ભવમાં છે તે એને પોતાને આવરણ આવી જાય એટલે જડ જેવો, જાનવર જેવો જ થઈ ગયેલો હોય. માણસ જાનવર જેવો થઈ જાય પછી. જાનવરમાં ને એમાં ફેર જ નહીં. કારણ કે એની જાગૃતિ બધી ખલાસ થઈ જાય છે. જેમ જાગૃતિ વધે તેમ માણસ ઉત્તમ થાય. માણસે જાગૃતિ વધારવાની છે તેને બદલે જાગૃતિ ખલાસ થઈ જશે. એટલે પછી જાનવર થઈ જવાનું. જાનવર થવાનું સાધન છે એ.

દારૂ તો માણસને જાનવર બનાવે. લોકો, આ માણસો ‘માણસ’ કહે, પણ ભગવાન આવે તો ‘માણસ’ ના કહે તમને. આ માણસનો ફોટો પડે ફક્ત. લોકોમાં પ્રેસ્ટિજ (આબરૂ) ના રહે,

(પા.૧૫)

લોકોમાં માન ના રહે, કશું જ ના રહે. નહીં તોય પોલીસવાળો પકડી જાય, તે ઘડીએ આબરૂ વધી જાય છે ને ?

જ્ઞાનીને પણ અજ્ઞાની કરી નાખે

દારૂ, માંસમાટીને ક્યારે પણ ન અડશો. એનું સાયન્ટિફિક (વૈજ્ઞાનિક) રીતે જોતા નુકસાન ઘણું જ ભયંકર છે. અડાય નહીં એને.

પ્રશ્નકર્તા : આ સાયન્ટિફિક છે કે ખાલી આમ અમને...

દાદાશ્રી : સાયન્ટિફિક એ, આ એવું ખાલી ગપ્પું ના હોય. એક શબ્દેય અમે ગપ્પું ના બોલીએ, બધી જ સાયન્ટિફિક વાત બોલીએ. બહુ જ સાયન્ટિફિક છે. વેરી ઈન્જુઅરિઅસ (ખૂબ જ હાનિકારક) !

પ્રશ્નકર્તા : કઈ રીતે એ સાયન્ટિફિક ?

દાદાશ્રી : પાછી એની રીત ખોળો છો ? આમ તો ચાર પગ આવવાની તૈયારીઓ થઈ રહી હોય અને પાછી રીત ખોળો છો ?

પ્રશ્નકર્તા : આ સમજાવો તો જરા વધારે ખ્યાલ આવે.

દાદાશ્રી : કેટલુંક સમજાવે તે ? અસાર છે. એક તો નર્યા કેટલા જીવ મરી જાય છે એનાથી, બીજું, પોતાનું બેભાનપણું થાય.

દારૂ તો હાલતા-ચાલતા ત્રસ જીવોનો ભારોભાર રસ છે ! નર્યો જીવોનો જ રસ છે ! દારૂના એક પરમાણુમાં એટલી બધી જીવાત છે કે જ્ઞાનીનેય એ અજ્ઞાની કરી નાખે. એમાં ભયંકર જીવાત હોય છે. તે ધર્મને ધૂળધાણી કરી નાખે.

વાઈનમાં કેટલા જીવ મરે છે ત્યારે વાઈન તૈયાર થાય, એ જાણો છો ? દારૂ-વાઈન બનાવતી વખતે બહુ જીવજંતુઓ મરી જાય છે. બનાવતી વખતે ફર્મેન્ટેશનમાં જે જીવો ઉત્પન્ન થયા હોય ને, બહુ મરી જાય એ.

પ્રશ્નકર્તા : તો દહીં બનાવવામાંય જીવજંતુઓ હોય.

દાદાશ્રી : હા, એ દહીંમાંય નરી જીવાત જ છે બધી. બધું જીવો જ છે આ બધું જગત. પણ એ દહીં છે તે આપણને ઈન્ટૉક્સિકેશન નથી કરતું અને પેલું તો પછી આપણે કાયમ એના બંધનમાં આવી જવું પડે. પેલું તો ઈન્ટૉક્સિકેશન કરે છે માણસને. એ ભાન ભૂલાવવા ફરે, સારાસારનો વિવેક ખોઈ નાખે. હું તમને એ પીવાની ના કહું છું. કારણ કે એ તો અણસમજુ લોકોનું કામ છે. સમજવાળાને વ્યસન ના હોય. એનાથી છેટે રહેવા જેવું છે, જો સુખી થવું હોય તો.

અધ્યાત્મ માર્ગે જનારાને લફરાં ના હોય

પ્રશ્નકર્તા : અત્યારે દારૂ એટલો બધો વપરાય છે, એટલે પાપની થીયરીમાંથી નીકળી જતો લાગે છે. તો એ લાઈન ક્યાં ડ્રૉ કરવી (દોરવી) આપણે, કે આ પાપ છે ને આ પુણ્ય છે ?

દાદાશ્રી : એવું છે ને, દારૂ જો તમને નુકસાન કશું કરતો ના હોય, તમારા બ્રેઈન ઉપર અસર ન કરતો હોય, શરીરને બીજું નુકસાન ન કરતો હોય તો દારૂ પીવાથી કેટલું પાપ છે એમાં ? ત્યારે કહે, એમાં જીવહિંસા થાય છે એટલું, બહુ લાંબું પાપ નથી. પણ એ તમને અસર કરે છે માટે બંધ કરાવડાવ્યું છે. તમને ગાંડા બનાવે છે, એટલા માટે બંધ કરવા જેવું છે.

પ્રશ્નકર્તા : દરેકથી નુકસાન તો છે જ પણ વધતું-ઓછું છે.

દાદાશ્રી : દરેકમાં નુકસાનેય હોય ને પાછો નફોય હોય. હંમેશાં એકલું નુકસાન હોય નહીં

(પા.૧૬)

દરેક વસ્તુમાં. પણ આમાં તો આધ્યાત્મિક નુકસાન છે, માટે આપણે ના કહીએ છીએ. ભૌતિકમાં તો ફાયદો થતો હોય તોય આપણે જરૂર નથી, અધ્યાત્મને રસ્તે આપણે ચાલવું જોઈએ. આપણે ઈન્ડિયન્સ છીએ, એટલે આપણો અધ્યાત્મ માર્ગ હોવો જોઈએ અને શાંતિમય માર્ગ હોવો જોઈએ. અશાંતિ આપણે સહન કરી શકીએ નહીં. અને આ અધ્યાત્મ માર્ગે જનારાને આવા લફરાં હોય જ નહીં.

એક આ માંસાહાર ને દારૂ, બે બંધ હોય ને, તો બહુ થઈ ગયું. એ ભગવાનના કાયદાની બહારની વસ્તુઓ છે.

પોતે નિશ્ચય કરે તો છૂટાય

પ્રશ્નકર્તા : પણ ઘણા માણસો એ દારૂની લતમાં પડેલા છે, એ લોકો એમ કહે છે, કે ‘અમે છોડવા માગીએ તોય અમારાથી છૂટતી નથી.’

દાદાશ્રી : બહુ કાળ થઈ જાય ને, પછી ના છૂટે એ. છતાં જેને છોડવું હોય ને, તેને નિશ્ચય હજી કો’ક દહાડો કામ કરે છે. પોતે નિશ્ચય કરે તો થાય, બાકી છૂટાય નહીં. હવે બીજો માર્ગ રહ્યો નથી.

હવે આ ગાડી ચલાવવાની, એમાં આ સ્ટીઅરિંગ એટલે નિશ્ચય. આ સ્ટીઅરિંગ એય નિશ્ચય છે એક જાતનો. રોડની બહાર નહીં નીકળવી જોઈએ એવો નિશ્ચય. છતાં રોડથી ખસી જાય એ ડિફરન્ટ મેટર (જુદી વાત) છે. સંયોગોને કારણે સ્લિપ થઈ જાય કે બીજું-ત્રીજું, અગર હાથ ઉપર કંઈ એ થયું ને આ ખસી ગઈ, પણ આપણો નિશ્ચય ડગવો નહીં જોઈએ.

અને જેનો નિશ્ચય ના રહેતો હોય ને, તેણે તો પ્રતિજ્ઞા પાળવી પડે, પ્રતિજ્ઞા કરવી પડે. હવે પ્રતિજ્ઞા અમારા જેવા પાસે લે તો કામની.

વ્યસનને વખોડવાથી મૂળ ગ્રંથિ ઊડે

હવે એ વસ્તુ શી રીતે જાય ? ત્યારે કહે, એક જણ દારૂ પીતો હોય તો એના પર બહુ ચીડ રાખે, ‘આ દારૂ ના પીવો જોઈએ, ના પીવો જોઈએ, આ દારૂ પીને જુઓ ને, આની આ દશા થઈ.’ એમ કરતો કરતો પોતે પછી ના પી શકે. પોતાની મૂળ ગ્રંથિ ઊડી જાય. એ મારી વાત સમજણ પડે એવી છે ?

પ્રશ્નકર્તા : હા.

દાદાશ્રી : શું ? (વ્યસન, ૫૨) ‘દારૂ પીવો ખરાબ છે’ એવું કાયમ (તારે) બોલવું કહીએ !

પ્રશ્નકર્તા : એ કો’ક પીતો હોય તો ‘આ ખરાબ છે’, આમ કહીએ એટલે પોતાનું નીકળી જાય.

દાદાશ્રી : પોતાની ગાંઠ તૂટી જાય એમ કરતા કરતા.

હાર્ટિલી પસ્તાવા સાથે સુધારનાર જોઈએ

પ્રશ્નકર્તા : ધારો કે બીડી પીવી એ ખરાબ છે, માંસાહારી થવું એ ખરાબ છે, આ બધું બધા માને છે કે ખરાબ છે, તેમ છતાંય લોકો એને કર્યે જ જાય છે, એ કર્મો જાણતા હોવા છતાંય કર્યે જાય છે.

દાદાશ્રી : આ બધા બોલે છે તે ઉપલક બોલે છે, સુપરફ્લુઅસ (ઉપરછલ્લું) બોલે છે. કેવું ? હાર્ટિલી નથી બોલતા. બાકી હાર્ટિલી બોલે, તો તો અમુક ટાઈમે એને ગયે જ છૂટકો. હાર્ટિલી હોય તો આ ગયે જ છૂટકો. તે તમારો જે દોષ હોય, બહુ જ ખરાબ દોષ હોય, પણ તે છે તે તમે ખૂબ પસ્તાવો કરો, તોય પણ ફરી થાય બીજે દહાડે. તો થાય તેનો વાંધો નથી, પણ પસ્તાવો ખૂબ કર્યા કરો.

(પા.૧૭)

પ્રશ્નકર્તા : હં, એટલે માણસ સુધરે એવી શક્યતા ખરી ?

દાદાશ્રી : બહુ શક્યતા છે, પણ સુધારનાર હોવા જોઈએ. એ ડૉક્ટર એમ.ડી.-બેમ.ડી. ના ચાલે ત્યાં આગળ. ગોટાળિયું ના ચાલે. તે સુધારનાર હોવા જોઈએ. એટલે એ કહે છે, કે આટલો મેં એનો પસ્તાવો કર્યો, આટલું બધું એ કર્યું, છતાંય દોષ ના ગયો. ના, દોષ અવશ્ય જાય છે, પણ આ ડુંગળીના જેમ પડ હોય છે ને, એ એક પડ જાય, તેથી કરીને બીજું પડ જતું રહ્યું ?

પ્રશ્નકર્તા : ના.

દાદાશ્રી : એટલે પડ ઓછા થતા જ જાય છે, પણ જો હાર્ટિલી કરવામાં આવે તો. આ લોકો સુપરફ્લુઅસ બોલે છે. ખાલી લોકોને દેખાવ કરવા માટે જ બોલે છે.

અક્રમમાં લપસવાના ત્રણ સ્થાનકો

જ્ઞાન મળ્યા પછી સંસારમાં લપસી પડવાની ત્રણ જ વસ્તુઓ છે. બીજું બધું ખાજો-પીજો, કપડાં પહેરજો, ચશ્મા પહેરજો, સિનેમા જોવા જજો, પણ એક માંસાહાર કરાય નહીં. બીજું, બ્રાંડી(દારૂ)નો છાંટો અડાય નહીં અને ત્રીજું, પરસ્ત્રી નહીં. પરસ્ત્રીનો વિચાર આવે તો પ્રતિક્રમણ કરવું. આ ત્રણ જ વસ્તુ પડવાના સ્થાનક છે, બીજી કંઈ વસ્તુ પાડનારી નથી. પડવાના એટલે ફરી ઠેકાણું નહીં પડે. એટલા હારુ અમે કહીએ છીએ કે અમારી જોડે આવશો નહીં અને આવશો તો પડ્યા પછી હાડકું જડે નહીં એવું છે. આ તો બહુ ઊંચા-હાઈ લેવલ પર જઈએ, એના કરતાં થોડે ગયા હોય તો પડી જાય તો થોડા હાડકાં તો જડે ! બીજા કશા પડવાના ભયસ્થાનક નથી. બીજું તો ધંધા-રોજગાર બધું કરો, ચા પીવો તેનો વાંધો નથી. ચા એ ઈન્ટૉક્સિકેશન છે, પણ તોય પીવો તો વાંધો નહીં. પેલો કેફ ના ચડાવે ને ! આ દારૂ પીવો તો (વ્યવહાર) આત્મા બેભાન થઈ જાય એટલે થઈ રહ્યું. પછી જ્ઞાન બધું ખલાસ થઈ ગયું. પછી નર્કગતિ થાય એની અને પરસ્ત્રીમાંય એવું. પરસ્ત્રીસંબંધમાં નિવેડોય ના થાય, માંસાહાર સંબંધમાં નિવેડોય ના થાય, આ દારૂ સંબંધમાં નિવેડોય ના થાય, એ નોંધી રાખજો.

કેફનો દારૂ - અહંકારનો કેફ, ‘હું-હું’ કરે તે

અહંકારે આંતર્યો આત્મઉજાસ

બે વસ્તુના આધારે આ જગતમાં મનુષ્યો જીવે છે : એક સ્વરૂપનો આધાર, બીજો અહંકારનો આધાર. અહંકાર ઉપર તો તારું જીવન જ છે. કોઈકનો અહંકાર ડાહ્યો હોય, કોઈનો અહંકાર ગાંડો હોય ! એ અહંકારના બેઝમેન્ટ (પાયા) પર પડી રહેલા હોય.

પ્રશ્નકર્તા : અમારી બધી શક્તિઓ આવરાવાનું મુખ્ય કારણ અહંકાર જ છે ?

દાદાશ્રી : અહંકારને લઈને જ બધી શક્તિઓ વેડફાઈ ગઈ છે ને ! અહંકાર આંધળો હોય હંમેશાંય. અહંકાર શું મનાવડાવે, કે ‘હું બધું સમજું છું અને હું જાણું છું,’ બસ. એટલું મનાવડાવે ને, એટલે જાણવાની વાત રહી જાય. એટલું પેલું અજ્ઞાનતાથી આ માર્ગ છે બધો. જ્યાં જ્યાં કંઈ પણ અડચણ આવે છે તે અણસમજણથી છે, સમજણ નહીં પડવાથી. સમજણથી અડચણ નીકળી જાય. હવે સમજણ નથી અને અહંકારનો સ્વભાવ એવો કે જેમ મોટો થાય તેમ એ બધાને કહે કે ‘હું તો જાણું બધું, હું બધું જાણું છું.’

‘હું કંઈક છું’ એ મોટામાં મોટો રોગ

કોઈ ગાળ ભાંડે તો કશું થાય તમને ?

પ્રશ્નકર્તા : અહંકાર ઘવાય, તો થાય તો ખરું ને !

(પા.૧૮)

દાદાશ્રી : અહંકાર ઘવાય ? અહંકાર ઘવાય તો સારું, ઓછું થાય એટલું. ઘવાતું ઘવાતું પડી જાય ને ? અહંકારને તાજો રાખવો છે તમારે, ફ્રેશ ? તમને અહંકારની બહુ જરૂર છે ?

પ્રશ્નકર્તા : એ તો આપણી સાથે રહેલો જ હોય ને !

દાદાશ્રી : હા, જોડે ને જોડે રહે. એ કંઈ ખસે જ નહીં ને ! એને લીધે છે આ બધું. આ અહંકાર તો ક્રોનિક રોગ કહેવાય. એ અમારી પાસે રહે તો નીકળે, નહીં તો લોક તો ઊલટો વધારી આપે એ રોગ ! કોઈ કહેશે, ‘આ ચંદુભાઈમાં અક્કલ નથી’, તો અસર થાય તમને કશી ?

પ્રશ્નકર્તા : થાય તો ખરી ને !

દાદાશ્રી : કેમ ? અક્કલના કોથળા છો તમે ?

પ્રશ્નકર્તા : નથી એટલે જ થાય.

દાદાશ્રી : અને કોઈ કહે કે આ ચંદુભાઈ ક્યાંના કલેક્ટર છે ? ત્યારે તમે એમ કહો કે ‘હું કલેક્ટર છું ?’

પ્રશ્નકર્તા : કલેક્ટર નથી તો કેવી રીતે કહેવાય ?

દાદાશ્રી : ત્યારે એમાં અસર નથી થતી કલેક્ટરમાં, અને આમાં કેમ અસર થાય છે ? તમે અંદર માની બેઠા છો કે ‘હું કંઈક છું, અક્કલવાળો.’

પ્રશ્નકર્તા : તેમાં અહંકાર ઘવાય છે.

દાદાશ્રી : અહંકાર મહીં ઘવાય છે ને, હું કંઈક અક્કલવાળો છું. અક્કલનો કોથળો બજારમાં વેચવા જાય તો ચાર આનાય ના આવે, કોઈ લે નહીં. કારણ કે બધા અક્કલના કોથળા, કોણ લે ? તમને કોઈ કંઈક બોલી ગયો હોય તો તરત થાય કે ‘હું કંઈક છું. હું તો પહેલેથી અક્કલવાળો છું’ એવું માને. શું કહો છો ? તમારે એવું માને કે ?

પ્રશ્નકર્તા : હા, બરાબર. પહેલેથી જ પોતે માને કે ‘હું અક્કલવાળો છું, આમ જ છું બધું.’ મને કોઈ શું કહી જાય ?

દાદાશ્રી : એવું તો કો’ક દહાડો જ હોય ને ?

પ્રશ્નકર્તા : આ દાદાનું જ્ઞાન નહોતું લીધું ત્યારે હતું કે ‘મને કોઈ શું કહી જાય !’ અહંકાર એવો હતો પણ હવે બધું એડજસ્ટ કરી લઉં.

દાદાશ્રી : ‘હું હોશિયાર છું’ એવું રહે ?

પ્રશ્નકર્તા : હા, રહે.

દાદાશ્રી : એ રોગ બહુ મોટામાં મોટો.

પ્રશ્નકર્તા : પણ હવે બિલકુલ રહેતું નથી.

દાદાશ્રી : એમ નહીં, કોઈક વખત રહે છે એવું ?

પ્રશ્નકર્તા : ‘હું હોશિયાર છું’ એવું તો નથી રહેતું કોઈ દિવસ, પણ મને કોઈ કહી ના જાય, બસ એની સાવચેતી રાખેલી.

દાદાશ્રી : કોઈના દબાણમાં ન આવું, એવું કશુંક હતું ને ?

પ્રશ્નકર્તા : હા, એવું ખરું.

દાદાશ્રી : ‘હું કંઈક છું’ એ હતું ને, એ જ રોગ ! અને એ જ રોગથી અથડાય છે. જ્ઞાન મળે તોય આ રોગ ના જાય. એટલે આ રોગ હજુ રહ્યો હોય તો કાઢી નાખવો. બાકી, આ જ્ઞાન મળ્યા પછી પણ આ રોગ રહ્યા કરે છે. પછી આપણે ‘એને’ કહીએ ને, તો સમજી જઈને ધીમે ધીમે આ રોગ કાઢે છે. પણ કહ્યું ના હોય તો અંદર રહી જાય ને ! એ રોગ નીકળી જવો જોઈએ.

(પા.૧૯)

પ્રશ્નકર્તા : ‘હું કંઈક છું’ એવા રોગના લક્ષણો શું ?

દાદાશ્રી : એના બહુ લક્ષણ હોય બધા, અજ્ઞાની જેવા જ લક્ષણ હોય બધા. પોતાનું ધાર્યું કરે, ફલાણું કરે, પછી માન આપે તો મીઠું લાગે. ઘણાંખરાં આવા રોગ, બધા બહુ લક્ષણ હોય. માન આપે ને કડવું ના લાગે તો એ જ્ઞાન રહે નહીં એને. માન જો આપતા હોય ને, તો જ્ઞાનવાળો માણસ તો કંટાળી જાય કે આ માન કોને જાય છે ? ચંદુલાલને માન જાય છે. ચંદુલાલનું શું કરવું ? એટલે આ રોગથી તો બહુ સાચવવા જેવું છે.

જાણપણાનો કેફ લાવે અજાગૃતિ

આ મનુષ્યપણું એ તો ઐશ્વર્ય કહેવાય ! મનુષ્યપણામાં તો ‘પોતે’ પરમેશ્વર થવાનું છે, પરમાત્મા થવાનું છે ! ત્યાં આ લોકો પાશવતા ને આર્તધ્યાન ને રૌદ્રધ્યાન કરે. અહીં તો મોક્ષનો માર્ગ ખોળવાનો હોય ત્યાં સંસાર રોગ વધાર્યા કરે છે અને જાણ્યાનો કેફ લઈને ફરે છે. ‘હું જાણું છું’ એ જ મોટું ભૂત છે ! ‘આ મારું છે’ એ મોટી વળગાડ છે !

એક મહારાજ મને કહે છે, ‘કેમ આ અમને કશું દેખાતું નથી ?’ મેં કહ્યું, ‘મહારાજ, કેફ ચઢેલો છે ?’ ત્યારે કહે, ‘એ તો ઘણો કેફ રહે છે, હું જાણું છું એ.’ મેં કહ્યું, ‘આત્મા જાણ્યો તો જ જાણ્યું કહેવાય, નહીં તો બીજું જાણવાનું જ શું હતું તે ? એટલે આ જે નથી જાણવાનું તેનો કેફ તમે રાખો છો.’ ‘હું જાણું છું’, પણ જે જાણવાનું છે એ તો તમે જાણતા નથી. ત્યાર પછી વગર કામની ઉપાધિ ઘાલી છે !

જો આ જાણેલાથી તમારી તૃપ્તિ ના વળી, હજી ઠોકર વાગે છે કે નથી વાગતી ? હજુ ઠોકરો વાગે છે ને ? ઠોકરો વાગે છે એટલે અંધારું જ છે અને અંધારાને તમે અજવાળું માનો છો એટલું જ છે. આપણને ઠોકર ના વાગે તો આપણે જાણીએ કે પ્રકાશમાં જ છીએ આપણે. જો જાણતો હોય તો અજવાળું કહેવાય. તો અજવાળામાં ઠોકર ના વાગવી જોઈએ અને તમે કહો છો કે મને ઠોકર વાગે છે, તો બળ્યું તમારું જાણ્યું ! અને જાણો છો તો અહીંયા આવ્યા શું કરવા ? તમે જાણ્યું હોય ત્યારે દૂધપાક ખાઈને બેસી રહો ને ! નિરાંતે સૂઈ રહો ને ! ત્યારે કહે, ‘ના, અજંપો થાય છે મહીં.’ ત્યારે મેં કીધું, ‘જે જાણવાનું તે જાણ્યું નથી. ના જાણવાનું જાણ્યું અને જે જાણવાનું છે, તે ક્યારેય જાણ્યું નથી.’

જાણ્યું એનું નામ કે દેહાધ્યાસ જાય. આ તો દેહાધ્યાસ ગયો નથી ને ‘હું જાણું છું’નો ‘કેફ’ રહે, તે શી દશા થાય ? પોતે જાણવાનું બાકી છે તોય કહેશે, ‘હું જાણું છું.’ એટલે એક તો જાણવાનો કેફ આવ્યો તો આવરણ ચઢે અને પછી નવું જાણવાની જિજ્ઞાસા તૂટી જાય. ‘હું કંઈક જાણું છું’ એવો જરાક વિચાર આવે, તે પાછી અજાગૃતિ લાવી નાખે.

પ્રશ્નકર્તા : તો ‘હું કંઈ જાણતો જ નથી’ એવું માનવું ?

દાદાશ્રી : બીજું જાણવાની જરૂર જ નથી ને ! જાણવાનું હતું તે ના જાણ્યું. આ બીજું બધું જાણવાથી તો લોક બાઘા બન્યા છે. બહુ જાણવાથી લોક કેવા બન્યા છે તે જાણો છો ? બાઘા. ના જાણવું એ સારું નથી, પણ જાણવું એ બહુ જોખમ છે. એના કરતાં ‘મને સમજણ પડતી નથી અને હું કંઈ જ જાણતો નથી’ એ સૌથી સારામાં સારું.

‘હું જાણું છું’ ને વધારે દુઃખ થાય. જાણ્યું એનું નામ કહેવાય કે પ્રકાશ થાય. પ્રકાશ ન થવો જોઈએ ? ગમે એટલું શાસ્ત્રો વાંચીએ પણ પ્રકાશ ના થાય તો શું કામનું ? માટે અમે તમને પ્રકાશ કરી આપીએ.

(પા.૨૦)

કેફ ઉતારે તે આત્મજ્ઞાન

મોટા મોટા પંડિતો, શાસ્ત્રો વાંચનાર શાસ્ત્રજ્ઞો, મોટા મોટા સાધુ મહારાજો, આચાર્યો બધા જે જાણે છે તે પ્રાકૃતજ્ઞાન છે, એ આત્મજ્ઞાન નથી; પણ પ્રાકૃતિક જ્ઞાન છે. આ બધું પ્રાકૃતજ્ઞાન શું કરે છે ? પ્રકૃતિથી પ્રકૃતિને ધૂએ છે. પ્રકૃતિથી પ્રકૃતિને ધોવાથી તે પાતળી પડી જાય. એક અવતાર પ્રકૃતિને પાતળી પાડવામાં જાય અને પાછો જો કોઈ કુસંગ મળી જાય તો જાડી કરી નાખે ! એટલે એને ભગવાને ‘ગજસ્નાનવત્’ કહ્યું છે. ગજસ્નાનવત્ એટલે જેમ પાણીની મહીં હાથી ન્હાય અને બહાર નીકળીને ધૂળ ઉડાડે શરીર પર, તેવી દશા છે આ મનુષ્યોની ! આત્મજ્ઞાન એ તો દુર્લભ વસ્તુ છે, અત્યંત દુર્લભ, દુર્લભ છે ! મોક્ષ તો નામ દે એટલું જ, વાત કરે એટલું જ, બાકી પ્રાપ્તિ થવી એ સહેલી નથી. બધા પ્રકૃતિ જ્ઞાનવાળા મનમાં શું બોલે, ‘હું બધું જાણી ગયો !’ અલ્યા, એ તો પ્રકૃતિજ્ઞાન જાણ્યું તેં ! આત્મજ્ઞાન જાણવાનું છે. કેટલાય અવતારથી પ્રકૃતિજ્ઞાન એનું એ જ જાણ્યા કર્યું છે ને બીજું શું કરે છે ? કરે છે પ્રકૃતિ ને કહેશે, ‘મેં કર્યું.’ પ્રકૃતિ એને નચાવે, ઉઠાડે, ને કહેશે, ‘હું ઉઠ્યો.’ ઊંઘાડેય પ્રકૃતિ, ઊંઘવું હોય તો ઊંઘાય નહીં ને પ્રકૃતિ ઊંઘાડે તો કહેશે, ‘હું ઊંઘી ગયો !’

બાકી અમે ગૅરન્ટીથી કહીએ છીએ કે આખું જગત પ્રાકૃતજ્ઞાનમાં છે. એ શાસ્ત્ર વાંચતો હોય કે મહાવીરના પિસ્તાળીસ આગમ ધારણ કરતો હોય કે ચાર વેદ ધારણ કરતો હોય તોય અમે એને કહીએ કે તું હજી પ્રાકૃતજ્ઞાનમાં છે ! પ્રાકૃતજ્ઞાન અને આત્મજ્ઞાનમાં છાશ અને દૂધ જેટલો ડિફરન્સ છે. છાશ અને દૂધ બેઉ ધોળા દેખાય. પ્રાકૃતજ્ઞાન કેફ ચઢાવે અને આત્મજ્ઞાન કેફ ઉતારી નાખે. જે પ્રકારનો કેફ હોય તે બધા જ પ્રકારનો કેફ આત્મજ્ઞાન ઉતારી નાખે. કેફ ઘટતો જતો હોય એ જ આત્મજ્ઞાનનું લેવલ. જ્યાં કેફ ચઢે, ત્યાં તે આત્મ-અજ્ઞાન કહેવાય !

શાસ્ત્રજ્ઞાનનો બહુ જ કેફ ચઢે. જ્યાં સુધી આત્મજ્ઞાન ના થાય ત્યાં સુધી જ્ઞાનનો કેફ ચડે. એટલે પોતાને આત્મજ્ઞાન નથી એવું પોતાને નિરંતર ભાન રહે તોય બહુ સારું. આ તો ઊલટાના પોતાનો કેફ ઢાંક ઢાંક કરે.

કેફની ખબર ક્યારે પડે ? ‘તમારું ખોટું છે’ એમ કહે ત્યારે. અને એ કેફ જોખમકારક છે, ઘણો જોખમકારક છે. જે સમજણથી કેફ ચઢે, તો એ વીતરાગની વાત ન હોય ! આ તો લોકો બધાને કેફ ચઢે છે. પુસ્તકો વાંચીને કેફ ચઢે છે ઊલટો ને ‘હું કંઈક જાણું છું,’ એવું ભાન પેઠું ત્યાંથી એ માણસ મર્યો. માટે જ્ઞાની પુરુષ પાસે જઈને એમના ચરણમાં બેસ. કૃપાળુદેવે તેથી જ આ માથાફોડ છોડાવડાવીને બધી. મેલ ને પૂળો. એમાં તો સપ્તભંગી વિષયમાં (શાસ્ત્રના શબ્દો પર) તો વરસના વરસ દહાડા સુધી ડાયરો ચલાવે. અલ્યા ! ત્યારે મોક્ષ ક્યારે જશો ? કયે ગામ આવ્યા છો તે ? બાકી મોક્ષની કોઈને પડેલી જ નથી. મોક્ષનું ભાન જ નથી ને ! હું જાણું છું, હું જાણું છું, એ જાણપણું દેખાડવા માટે તોફાન, તોફાન, તોફાન !

આ કાળમાં તો મોટા મોટા સાધુ મહારાજો, આચાર્યો એ બધા કેફમાં જ રહે છે. ‘હું જાણું છું’ એ એની જોખમદારી પર બોલે છે ને ! આપણી જોખમદારી ઓછી છે એમાં ! પોતપોતાની જોખમદારી પર બોલી રહ્યા છે. બધા માર્ગ ભૂલ્યા છે, પણ શું થાય ? એમાં એમનો દોષ નથી. એમની ઈચ્છા તો મોક્ષે જ જવાની છે, ભગવાનની આજ્ઞામાં જ રહેવાની છે. પણ કાળ વિચિત્ર આવ્યો છે, તેથી અણસમજણની આંટી પડી ગઈ છે.

‘હું જાણું છું’નો કેફ

આ તો ચાર પુસ્તકો વાંચીને સ્વરૂપ પામ્યાનો

(પા.૨૧)

કેફ લઈને ફરે છે. આ ‘સ્વરૂપ’નો એક છાંટો પણ પામ્યો ન કહેવાય. જ્યાં ‘જ્ઞાન’ અટક્યું છે ત્યાં કેફ જ વધે. કેફથી જ્ઞાનાવરણ અને દર્શનાવરણ ખસવાનું અટક્યું છે.

ઘણા કાળનો શાસ્ત્રનો પરિચય હોય, બહુ વાંચ વાંચ કર્યું હોય એટલે પછી આપણને મહીં શંકાઓ ઊભી થાય. એટલે જેટલું જાણે છે એટલું એ તો ઊલટું વધારે ખૂંચે. એ જાણેલાને ભગવાને ‘ઓવરવાઈઝપણું’ (દોઢ ડહાપણ) કહ્યું છે. એ શંકાઓ જ આ સંસારની બહાર નીકળવા દેતી નથી.

પાત્ર તો તેનું નામ કે જે સરળ હોય. સરળ, જેમ વાળ્યો વળે એમ એવો હોવો જોઈએ, એનું નામ પાત્ર કહેવાય. અત્યારે ખૂબ પાત્ર કોને કહું છું ? ખૂબ દારૂ પીને આવ્યો હોય અને કહે ‘સાહેબ, મારામાં અક્કલ નથી, મારો ઉકેલ લાવી આપો.’ ત્યારે હું કહું કે ‘તું પાત્ર છું.’ પાણી રેડે તે એનો નશો ઉતરી જાય પણ આ લોકોનો સૂક્ષ્મ દારૂ ઉતરે નહીં. ‘હું જાણું છું’ એનો દારૂ ઉતરે નહીં. આ સાધુ-સંન્યાસીઓનો ‘હું જાણું છું’ એનો દારૂ ઉતરે ? એ તો નર્યો કેફ ! અને કેફથી કલ્યાણ ના થાય, કોઈ દહાડોયે થાય નહીં. ત્યાં તો નિષ્કેફીનું કલ્યાણ છે.

કેફ ઓછો એટલો વહેલો મોક્ષ

શાસ્ત્રો ભણ્યા, તેનો માનસિક બોજો એ કેફ છે. જેટલો કેફ ઓછો એટલો વહેલો મોક્ષ થાય !

કેફીનો મોક્ષ ક્યારેય પણ ના થાય. ‘હું કંઈક જાણું છું’ એ તો બહુ ભારે કેફ કહેવાય. ઊંઘમાંય તે કેફ રહે. મોક્ષ તો નિષ્કેફીનો થાય, કેફીનો ક્યારેય પણ ના થાય. આ શાસ્ત્રો વાંચ્યા, ધારણ કર્યાં તે મોક્ષના સાધન માટે કે કેફ વધારીને ભવોભવ રખડામણનું સાધન કર્યું ? આ દારૂડિયાનો કેફ તો પાણી છાંટે તે તરત જ ઊતરી જાય, પણ ‘હું કંઈક જાણું છું’ તે શાસ્ત્રો વાંચ્યાનો કેફ ક્યારેય પણ ના ઉતરે.

અમારી પાસે બે જ વસ્તુ લઈને આવજો. એક, ‘હું કંઈ જ જાણતો નથી’ ને બીજું, ‘પરમ વિનય.’ ‘હું કંઈક જાણું છું’, એ તો કેફ છે.

નડે સ્વચ્છંદ અને કેફ જ

નિષ્કેફીનો મોક્ષ થાય એમ ભગવાને કહ્યું છે. કેફ એ તો ભયંકરમાં ભયંકર સૂક્ષ્મ અહંકાર છે. એ બહુ જ માર ખવડાવે. આ સ્થૂળ અહંકારને તો કોઈકેય દેખાડી આપશે. કોઈકેય કહેનારો મળી આવશે કે ‘અલ્યા, છાતી કાઢીને શું ફરે છે ? જરા નમ ને !’ એટલે પેલો ઠેકાણે આવશે. પણ આ સૂક્ષ્મ અહંકાર - હું કંઈક જાણું છું, મેં કંઈક સાધન પ્રાપ્ત કરી લીધું છે, હું કંઈક જાણું છું એવો કેફ તે તો ક્યારેય નહીં જાય.

સ્વચ્છંદ તો બહુ ભારે રોગ છે. એનું મૂળિયું જાણી લેવાનું છે. જાણેલું હોય તો સારું પડે, નહીં તો એ રઝળાવી મારે ! સ્વચ્છંદનું મૂળિયું તો બધાને રહે જ. માટે ઠેઠ સુધી જાગૃત રહેવાનું. કારણ કે સ્વચ્છંદનું ઝાડ થતા કંઈ વરસ-બે વરસ લાગે ? એ તો ક્ષણમાં મોટું થઈ જાય !

સ્વચ્છંદનું મૂળિયું શું કરે એ ખબર છે ? એ જેને આશરે રહ્યા હોય તેની આધીનતા તોડાવે. એ સ્વચ્છંદનું મૂળ તો બહુ ભારે છે. એ જાય તો તો એ ‘જ્ઞાની’ જ થઈ ગયો. એ છે ત્યાં સુધી ફૂલાં ના બેસે. ‘જ્ઞાની’માં ને તમારામાં એટલો જ ફેર છે. તમારું સ્વચ્છંદરૂપી મૂળ ગયું નથી.

સ્વચ્છંદ શું કરે કે અભેદ બુદ્ધિ ઉત્પન્ન થઈ હોય ત્યાં ભેદ પાડી આપે. ‘આમ કરીશ તો જ મારી કિંમત રહેશે’ એમ કરીને ભેદ પાડી આપે. સ્વચ્છંદ એ તો પ્રત્યક્ષ ઝેર સ્વરૂપ જ છે. મોટામાં મોટા ભયસ્થાનો એ સ્વચ્છંદ અને કેફ છે !

(પા.૨૨)

એક ભવ, ‘જ્ઞાની’ની આધીનતામાં

એથી અમે શું કહ્યું કે આ સત્સંગની એકતા છોડશો નહીં. નહીં તો જુદું જમાવવા ફરે. પણ કશુંય નહીં આવડે. લોક ધક્કા મારીને કાઢી મૂકશે ! આવું ના ચાલે. ચાલતું હશે ? બનાવટ કરેલો વાઘ કેટલો દહાડા ચાલે ? વાઘનું ચામડું પહેરીને ફરે તો ચાલે ? એ મૂળિયું જ ઊગે નહીં, એટલા માટે કહી દીધેલું, મૂળિયું જ ના ઊગવું જોઈએ આપણને. એ તો આપણે આ ભવ આધીનતામાં જ કાઢવાનો. આધીનતા છોડશો નહીં. કારણ કે જમાવટ કરે તો માણસો ભેગા થઈ જાય, પણ એમાં પોતાનું અહિત થાય અને પેલાનુંય અહિત થાય.

આપણે ત્યાં એક ભાઈ જુદું કાઢીને બેઠો હતો હઉ. બે-ચાર જગ્યાએ ‘દાદા’ના નામ પર કરી આવ્યો બધું. મોટી મોટી સભાઓ ભરી આવ્યો ને બધું કરી આવ્યો. પણ મેં કહ્યું, ‘અલ્યા, માર ખાઈશ છેવટે. કેટલા દહાડા ઓઢેલું ચાલશે ?’ આમ પાછોય ફરી જાય, આમ આડો ના થઈ જાય, પણ લાલચ પેસી જાય, તે ‘કંઈક કરી આવું’ કહેશે. એ પાછો જમાવી દે એવો હતો. એક ફેરો તો હજારો માણસ ભેગા કર્યા હતા. કારણ કે મોઢે જરા આકારવાળો હોય, ભવ્યતા સારી ! પણ એને મેં ચેતવી દીધો, ‘‘સહેજ પણ ‘દાદા’ની આધીનતા તું છોડીશ તો નર્કે જઈશ. તું શબ્દો કંઈથી લાવવાનો હતો ? આ શબ્દ મારા કહેવા પડશે લોકોને. મારા કહેલા શબ્દો ચાલશે, પણ નવે નવા કહેવા જઈશ તો નર્કે જઈશ !’’

એટલે મારે ચેતવવા પડે. આવીયે લાલચ હોય ‘દાદા’થી સ્વતંત્ર થવા ! સ્વતંત્રમાં મજા આવે, ‘ઈન્ટરેસ્ટ’ આવે. મેલ પૂળો ઈન્ટરેસ્ટને ! મહીં પડી રહે ને આમાં, આ સત્સંગમાં ને સત્સંગમાં !

પ્રશ્નકર્તા : પણ દાદા, સ્વતંત્રતા કરતાં ‘હું કંઈક જાણું છું’ એવું દેખાડવાની ઈચ્છા હોય.

દાદાશ્રી : એ જ ભાંજગડ છે ને ! ‘હું જાણું છું’ એ તો બધું, જાણતો કશુંય ના હોય. હવે એક ભવ આધીનતાથી કાઢવો.

‘હું જાણું છું’ - આપઘાતી કારણ

પ્રશ્નકર્તા : આ મોક્ષમાર્ગમાં મોટામાં મોટું બાધક કારણ ‘હું જાણું છું, હું સમજું છું’ એ કહી શકાય ?

દાદાશ્રી : હા, એ આપઘાતી કારણ છે.

પ્રશ્નકર્તા : એનો જરા વધારે ફોડ પાડો. એ છૂટે તો કેવા લક્ષણો હોય ? એ દોષ વર્તતો હોય તો કેવા લક્ષણો હોય ? અને એની સામે કેવી રીતે જાગૃતિ રહી શકે ?

દાદાશ્રી : બધા અવળા વ્યવહાર ‘આ’ દોષથી જ બને. અવળા જેને કહેવામાં આવે, તે બધા ‘આ’ દોષના કારણથી જ બને. મુખ્ય આ દોષ કે ‘હું જાણું છું !’ બીજા બધા દોષ પછીના. આ દોષમાંથી બધું ઊગેલું. ખેંચ રહે તે આ દોષથી જ, નહીં તો સરળતા હોય. જેટલો અમારી જોડે મેળ પડે છે, એવો લોકોની જોડે મેળ પડી જવો જોઈએ. મારી જોડે કેમ મેળ પડી જાય છે ? જ્યાં કુદરતી રીતે મેળ પડી જાય એ તો સહજ વસ્તુ છે. તેમાં પુરુષાર્થ શો આપણો ? જ્યાં મેળ ના પડતો હોય, ત્યાં મેળ પાડવો એ પુરુષાર્થ.

એ રોગ બધાને મહીં હોય. ‘હું કંઈક જાણું છું’ એ કેફ સાથે જ્ઞાન વધતું જાય. આ કેફનો અંતરાય ના હોય તો તો ‘જ્ઞાન’ બહુ સુંદર વધી જાય, ‘ફિટ’ થઈ જાય.

પ્રશ્નકર્તા : એ કેફ ન લાવવો હોય તોય ઘણીવાર આવી જાય.

દાદાશ્રી : હા, એ તો થઈ જાય, સ્વાભાવિક રીતે.

(પા.૨૩)

પ્રશ્નકર્તા : એ કેફ ખલાસ કઈ રીતે થાય ?

દાદાશ્રી : એ ઉત્પન્ન જ નહીં થવા દેવાનો. નહીં તો ઉત્પન્ન થયા પછી કેફ બંધ ના થાય, પછી એ ઊડે-કરે નહીં. એટલે એ ઉત્પન્ન જ નહીં થવા દેવાનો. એવું એ ઉત્પન્ન ના થાય એવી જાગૃતિ રાખવાની.

પ્રશ્નકર્તા : એ કેફ નથી ઉત્પન્ન થયો, એની ખબર પડે પોતાને ?

દાદાશ્રી : મોઢું રૂપાળું દેખાય. એકદમ રૂપાળો દેખાય, કાળો હોય તોય એકદમ રૂપાળો દેખાય. આ તો બધા કદરૂપા દેખાય ! ખબર ના પડે એવું હોતું હશે બળ્યું ? આ તાજી ભાજી છે કે બે દહાડાની છે, એવી ના ખબર પડે ? એના જેવી આ વાત. આ કંઈ ઝીણી વાત ઓછી છે ? આ તો ઉપરથી માલૂમ પડી જાય. બધાનેય કેફ ઓછો-વત્તો હોય. અમુક જ માણસો એનાથી નિવૃત્ત થઈ જાય, સમજી ગયા હોય તે. કેફ હોય ત્યાં લાવણ્ય ના દેખાય. અજાગૃતિથી આ બધું થાય. જાગૃતિ હોય તો કશુંય થાય નહીં. અજાગૃતિમાં એવી ખોટી વસ્તુ ઉત્પાદન થઈ જાય, જાગૃતિમાં ના થાય.

જ્ઞાન પછી જાણપણાનો નવો છોડ

પ્રશ્નકર્તા : દાદા, એવો દોષ ઊભો થતો હોય, તો જાગૃતિ કેવી રાખવી જોઈએ ?

દાદાશ્રી : એ તો જબરજસ્ત જાગૃતિ હોય તો ઉત્પન્ન ના થાય. આ તો જાગૃતિ જ ના કહેવાય ને ! જાગૃતિ હોય તો પેલો છોડવો ઊભો થાય નહીં ને ! આ કેફનો છોડવો તો ‘જ્ઞાન’ થયા પછી ઊગેલો છે, આ છોડ જ પછી ઊગેલો છે. ‘જ્ઞાન’ આપ્યું તે ઘડીએ પેલા બધા જૂના છોડ તો ઊડી ગયા, પણ પછી આ નવો છોડ ઊભો થયો. એ છે તે જાગૃતિ હોય તો ના થાય. બધું અજાગૃતિથી જ છે, આ જે છે એ. અને ગાડાં ભરીને અજાગૃતિ હોય છે. એકાદ-બે ગુણો જેટલી અજાગૃતિ નહીં, કેટલી બધી સ્થૂળ અજાગૃતિ હોય ત્યારે આ ઊભું થાય, નહીં તો ઊભું જ ના થાય ને !

પ્રશ્નકર્તા : આમાં શી બાબતની જાગૃતિ રહેવી જોઈએ ?

દાદાશ્રી : બધી બાબતની. એ ઊગે નહીં એવું જોઈએ. એ ઊભું કેમ થાય ? ઊભું થાય છે એ જ અજાગૃતિ. જાગૃતિ એટલી ઓછી કહેવાય. ઊભું કેમ થાય ? કષાય થાય તે ઘડીએ કેમ જાગૃતિ થઈ જાય છે ? સામો માણસ કષાય કરતો હોય, તોય જાગૃત થઈ જાય છે. પોતાને કષાય થાય તોય જાગૃત ! આ કષાય કરતાંય ભૂંડું, આપઘાતી તત્ત્વ આ ! આપણો ઘાત કરે. આ ‘જ્ઞાન’ પછી જો કદી કેફ ચઢે તો કેટલી ઊંધી સમજ કહેવાય ? જ્ઞાન જાણેલાનો કેફ ?

પ્રશ્નકર્તા : દાદાજી, કષાય તો સંયોગથી ઊભો થાય છે. સંયોગ આવે ત્યારે જાગૃતિ રહી શકે, એ નિરંતર જેવી વસ્તુ નથી. જ્યારે આ કેફ છે, એ અંદર નિરંતર પડ્યો હોય ?

દાદાશ્રી : આ તો ઊગ્યા જ કરતો હોય, પાણીયે છંટાયા કરતું હોય. રાત-દહાડાની અજાગૃતિ. એ જ આપઘાતી કહું ને ! જાણ્યું એનું નામ કહેવાય કે સર્વસ્વ પ્રકારના કેફ ઉતરી જાય.

પ્રશ્નકર્તા : અત્યારે કોઈની સાથે દાદાજીના ‘જ્ઞાન’ વિશે વાત કરતા હોઈએ, તો પહેલા મનમાં એમ હોય કે ‘હું જાણું છું.’

દાદાશ્રી : હા, બસ એ આ રોગને !

પ્રશ્નકર્તા : તો વાત કેવી રીતે કરવી, દાદાજી ?

દાદાશ્રી : પણ એ વાત તો, એમાં બરકત

(પા.૨૪)

ના આવે, મેળ પડે નહીં ને ! સામાને ‘ફિટ’ જ કેમ થાય ? ‘હું જાણું છું’ એ મોટો રોગ !

તેથી અમે કહીએ ને, સામા જોડે અમે પેલા ‘એ’ (લેવલ) ગોઠવીએ. અમને પેલો રોગ ના હોય, એટલે ગોઠવાઈ જાય. અમારે બિલકુલેય એ રોગ ના હોય. આ આવા કોઈ રોગ અમને ના હોય. અમારી પાસે બેસવાથી સર્વ રોગ જતા રહે. પૂછી પૂછીને કરી લેવું. એમ ને એમ બેસી રહીએ તેય કામનું નહીં.

કો’કની જોડે ભાંજગડ પડી હોય તો ‘હું જાણું છું’ એ એના મનમાં લક્ષમાં હોય ને વાતચીત કરવા જાય, તે કેસ આખો બફાઈ જાય. ‘લેવલ’ ના મળે ને ! ‘લેવલ’ આવેય નહીં ને !

રોગ ઊભો થાય ત્યાં ચેતી જવું

પ્રશ્નકર્તા : દાદાજી, જાગૃતિ એવી રહેવી જોઈએ ને, કે જરાક ખોટો વિચાર આવે કે તરત, સેકન્ડે સેકન્ડે પકડાય.

દાદાશ્રી : હા, એ પકડાય તો બહુ થઈ ગયું. ઊગતા જ પકડાવું જોઈએ. તેથી અમે કહીએ છીએ ને, નીંદી નાખજો ઊગતા જ, બીજો ભાગ દેખાય કે નીંદી નાખજો. પણ એ જાગૃતિ વગર શી રીતે બને ? અને જાગૃતિ બહુ મોટી જોઈશે. આપણે આશાયે શી રીતે રાખીએ ? એટલે બધી આશા રાખી શકાય નહીં ને !

માટે ઉપાય કરવાનો. કોઈ આવીને કહે, ‘તમારું જ્ઞાન બહુ ઊંચું છે.’ તે ઘડીએ સમજવું કે અહીં રોગ ઊભો થઈ જશે હવે. રોગ ઊભા થવાનું પ્રત્યક્ષ કારણ ! આપણે ત્યાં ચેતી જવું.

પહેલા કોઈ વખત આમાં મીઠાશ વર્તેલી ? જે દહાડે મીઠાશ વર્તે, તે દહાડે એ ઊગે. અને ફરી મીઠાશ વર્તે તે આવડી મોટી કૂંપળો કાઢે. જેમ આંબો કૂંપળ કાઢે છે ને ! બે પાંદડે આવડો, બીજા બે પાંદડે આટલો ઊંચો થઈ જાય, એમ વધતું જાય. મીઠાશનું પાણી આપણે પી ગયા કે વધ્યું. ‘શું ચંદુભાઈ, તમે તો ઓહોહો, જ્ઞાની જ થઈ ગયા !’ તે એ સાંભળીને જો મીઠાશ આવી, કે ઊગ્યું મહીં !

હવે એવું થાય ને, તો ત્યાં આગળ બીજો ઉપાય કરવો, તરત ભૂંસી નાખવું. જે બીજ પડ્યું હોય, એનો રોગ તો સ્વાભાવિક ઉત્પન્ન થાય. પણ ઉપાય છે આપણે ત્યાં. આપણે ત્યાં આ ‘વિજ્ઞાન’ ઉપાય વગરનું નથી ને !

પ્રશ્નકર્તા : ના, અહીંના એક-એક વાક્ય બધા રોગને ઉડાડે એવા છે.

દાદાશ્રી : હા, ઉપાય છે આપણે ત્યાં. આનું મૂળ આમાંથી થયું છે કે ‘ઘણું સરસ થઈ ગયું છે’ એની મીઠાશ વર્તી કે ફૂટ્યું ! અને આ વસ્તુ મીઠી ને ! મોક્ષ બાજુનું ભૂલાડી દે એવી.

પ્રશ્નકર્તા : પણ એ જોખમ, જબરજસ્ત જોખમ છે, મોક્ષમાર્ગને માટે.

દાદાશ્રી : જોખમ, આત્મઘાતી ! કોઈ એવું કહે ત્યારે કહેવું, ‘ભઈ, મારી વાત તો હું જ જાણું છું, તમને શું ખબર પડે ?’ એટલે પછી એ ટાઢો થઈ જાય. આપણે કંઈ ગુરુ થઈ બેસવું છે ?

પ્રશ્નકર્તા : દાદા, છૂટવા જેવું છે આમાંથી.

દાદાશ્રી : બહુ મોટી ફસામણ ! આ તો અમે આ ભયસ્થાનો બધા બતાડી દઈએ. ભયસ્થાનો ના બતાવીએ ને, તો ઊંધું થઈ જાય.

મોક્ષમાર્ગના ભયસ્થાનો

આ બધા ભય સિગ્નલો જાણવા જ પડશે ને ? એમ ને એમ તે કંઈ ચાલતું હશે ?

(પા.૨૫)

પ્રશ્નકર્તા : ના, મોટામાં મોટા જોખમ છે આ તો.

દાદાશ્રી : આપઘાતી તત્ત્વ કહેવાય.

પ્રશ્નકર્તા : અને પાછું એ આગળ વધવા પણ ના દે, બીજું નવું જ્ઞાન ઉત્પન્ન થવા પણ ના દે.

દાદાશ્રી : થવા જ ના દે ને ! બધું આપઘાત કરી નાખે ને ! જે છે ને, તેને પાછું પાડ પાડ કરે. માટે મોક્ષમાર્ગને બાધક આવ્યું એટલે છોડી દેવાનું અને ચાલો પાછા. એ ધ્યેય પર કહેવાય ને ! પોતાનો ધ્યેય ચૂકે નહીં, ગમે તેવા કઠણ પ્રસંગોમાં પણ પોતાનો ધ્યેય ચૂકે નહીં એવું હોવું જોઈએ.

તમારે ધ્યેય પ્રમાણે કોઈ દહાડો ચાલે કે ? અવળું નહીં કશું ? એ તો સહજ થઈ ગયેલું, નહીં ?

પ્રશ્નકર્તા : એટલે મહીં ‘હેન્ડલ’ મારવાનું ચાલુ રાખવું પડે.

દાદાશ્રી : ચાલુ રાખવું પડે ? પણ એ મહીંવાળા માને ખરા ? તરત જ ?

પ્રશ્નકર્તા : તરત જ.

દાદાશ્રી : તરત ? વાર જ નહીં ? એ સારું. જેટલું માને એટલું છૂટા થયાની નિશાની. એટલા એનાથી આપણે છૂટા જ છીએ એ નિશાની. પોતાને લાંચ કશી છે નહીં. લાંચ હોય ત્યારે એ વાત માને નહીં. એની પાસે ‘પોતે’ લાંચ ખાતો હોય તો એ આપણી વાત માને નહીં પછી. ‘પોતે’ સ્વાદ લઈ આવે, પછી ‘પેલા’ ના માને.

આ વ્યવહાર તો પેલી બાજુ જ લઈ જાય ને ! અનાદિથી એક આરાધેલો માર્ગ એ જ ને ! વ્યવહાર તો હંમેશાં એ બાજુનું ટેવાયેલો જ હોય ને ! એટલે એ બાજુ જાય તોય આપણે આપણા ધ્યેય પ્રમાણે હાંકવાનું. બળદ તો જૂનો રસ્તો દેખે તો એ રસ્તે જ ચાલ્યા કરે. આપણે હવે આપણા રસ્તે ધ્યેય પ્રમાણે જવાનું. આ રસ્તે નહીં, આ બીજે રસ્તે જવાનું. ‘આમ હેંડ’ કહીએ. (અને) પોતે લાંચ ના લે, તો પેલા કહ્યા પ્રમાણે તરત જ ફરે. પણ લાંચ લે, તો એ પછી માર ખવડાવે, બધી બાબતમાં માર ખવડાવે. એટલે ધ્યેયમાં પાછું નહીં પડવું જોઈએ.

પ્રશ્નકર્તા : એ લાંચ કેવી હોય ?

દાદાશ્રી : ચાખી આવે. અને ચાખતી વખતે પાછું મીઠું લાગ્યું હોય ને, તે બેસે ત્યાં આગળ. ‘ટેસ્ટ’ કરી આવ્યો એટલે પછી ફરી થોડુંક એકાદ-બે બોટલ પી આવે.

આ બધી ચોરદાનત કહેવાય. ધ્યેય પર જવું છે એ અને ચોરદાનત, એ બે સાથે કેમ કરીને રહી શકે ? દાનત ચોક્કસ રાખવી જોઈએ, કોઈ પણ લાંચ-રુશ્વત સિવાય. આ તો એ મસ્તી ચાખવાની ટેવ હોય છે, એટલે આમ ત્યાં બેસીને જરા, એ મસ્તીના આનંદમાં રહે.

પ્રશ્નકર્તા : એટલે પ્રકૃતિની મસ્તી ?

દાદાશ્રી : ત્યારે બીજી શી ? એ એમાં જ ટેવાયેલો છે ને ! એટલે ‘આપણે’ કહીએ, કે ‘ના, અમારે તો હવે આમ જવાનું છે. મારે મસ્તી નથી જોઈતી. અમારા ધ્યેય પ્રમાણે ચાલવાનું છે.’ આ પ્રકૃતિની મસ્તીઓ તો ભૂલભૂલામણીમાં લઈ જાય.

ધ્યેય તોડાવડાવે એ આપણા દુશ્મન. આપણો ધ્યેય નુકસાન કરાવે એ કેમ પોષાય ? અહીં તો પોતાનું મન એટલું મજબૂત કરી લેવાનું છે ને, કે આ ભવમાં જે થાય, ભલે દેહ જાય, પણ આ ભવમાં કંઈક ‘કામ’ કરી લઉં એવું નક્કી કરી રાખવું જોઈએ. એટલે એની મેળે કામ થશે જ. આપણે આપણું નક્કી કરી રાખવું જોઈએ. આવું પ્રાપ્ત હોય ત્યારે આપણી ઢીલાશ ના રાખવી.

જય સચ્ચિદાનંદ