મહાપુણ્યશાળી ‘દાદાના મહાત્માઓ’

સંપાદકીય

આ કાળનું આશ્ચર્ય છે કે અક્રમ વિજ્ઞાન ઉદયમાં આવ્યું. ‘અક્રમ વિજ્ઞાની’ પરમ પૂજ્ય દાદા ભગવાનની સિદ્ધિ અને કૃપાથી આત્મજ્ઞાન પ્રાપ્ત થતા એક જ કલાકમાં શુદ્ધાત્માનું લક્ષ બેસતા જ રસ્તે હાલતા-ચાલતા મુમુક્ષુ બની જાય છે મહાત્મા. ‘શુદ્ધાત્મા દશા’ પ્રાપ્ત કરી એ જ ‘મહાત્મા પદ.’ શુદ્ધાત્મા અને મહાત્મામાં ફેર શો ? વ્યવહારથી આપણે ‘મહાત્મા’ કહીએ છીએ, પણ છે તો શુદ્ધાત્મા. શુદ્ધાત્મા તો ભગવાન છે, પણ એ ભગવાન હજુ આપણને પ્રતીતિ સ્વરૂપે થયેલા છે. એ પ્રતીતિ, લક્ષ જ્યારે પૂર્ણ થશે, ત્યારે અનુભવ દશા સંપૂર્ણ થશે.

પ્રસ્તુત અંકમાં આત્મજ્ઞાન પછી મહાત્મા કોને કહેવાય ? એમની દિનચર્યા-નિત્યક્રમ શું ? તેઓ કયા સ્ટેજે હોય ? એમની ફરજ અને આદર્શ જીવન કેવું હોય ? વીતરાગ દશામાં રહેવા માટે મહાત્માઓએ શું કરવું ? મૃત્યુ વખતે કેવું રહેશે ? મહાવિદેહ જવા શું જોઈશે ? મોક્ષ ક્યારે થશે ? વગેરે પ્રશ્નોના સચોટ સમાધાન પરમ પૂજ્ય દાદાશ્રીએ અત્રે આપ્યા છે.

મહાત્મા તો કોનું નામ કહેવાય કે ‘ચંદુભાઈ’ (ફાઈલ નં. ૧) ક્રોધ કરે પણ ‘પોતે’ અંદરથી મહીં ના પાડ્યા કરે, આ ના થવું જોઈએ એવો આંતરિક સંયમ રહે એને મહાત્મા કહેવાય ! મહાત્માની કાર્યવાહી શું ? આ જે ગયા અવતારનો બધો માલ ભરેલો છે, તેને સમતાપૂર્વક જવા દેવો. મહાત્માની દિનચર્યા કેવી હોવી જોઈએ ? જેવો માલ ભરેલો છે એ નીકળ્યા કરે પણ રાગ-દ્વેષ ના થાય. મહાત્માઓની પ્રગતિ કઈ જગ્યાએ દેખાય ? કોઈની જોડે ડખોડખલ ના થાય અને પોતાની જાત સાથે પણ ડખો ના થાય.

પરમ પૂજ્ય દાદાશ્રી કહે છે આપણા જ્ઞાનને સિન્સિયર રહીએ એનું નામ વીઝા મળ્યા. સિત્તેર ટકા આજ્ઞા પાળતા દાદા જેવી દશા આવીને ઊભી રહે, એટલે ઠેઠ સુધીની ટિકિટ આવી ગઈ, પછી એક અવતારમાં જ મોક્ષે જાય. જેને શુદ્ધાત્માનું લક્ષ બેઠું તે આજ્ઞાપાલનના પુરુષાર્થે અહીં ભરતક્ષેત્રે રહી શકે જ નહીં, મહાવિદેહમાં ખેંચાઈ સીમંધર સ્વામી પાસે જન્મ મળે એવો નિયમ છે. પરમ પૂજ્ય દાદાશ્રી પૂર્ણ બાંહેધરી આપે છે કે છેલ્લી ઘડીએ સમાધિમરણ થશે ત્યારે ‘પોતાના સ્વરૂપ’ સિવાય કશું યાદ જ નહીં આવે, ત્યાં દાદા ખડે પગે હાજર રહેશે !

કોટિ જન્મોની પુણ્યૈ ભેગી થાય ત્યારે તો ‘દાદા’ ભેગા થાય ! કરોડો અવતારેય જે વસ્તુ પ્રાપ્ત ના થાય એ મહાત્માઓને સહેજે પ્રાપ્ત થઈ છે. માટે હવે એનું રક્ષણ કરજો. જેના થકી આપણે પટંતર પામ્યા, તેને સર્વસ્વ અર્પણ કરજો. શું હતા ને શું થઈ ગયા ! આવું અજાયબ જ્ઞાન પ્રાપ્ત થાય ત્યારે આપણું કામ કાઢી લેવાનું છે. હવે તો ભેખ માંડવાનો છે કે આ એક જ, બીજું નહીં. હવે મોક્ષનું નિયાણું કરી પૂર્ણપણે આજ્ઞા પાળવાનો અખંડ પુરુષાર્થ મંડાય એ જ હૃદયપૂર્વક અભ્યર્થના.

~ જય સચ્ચિદાનંદ.

(પા.૪)

મહાપુણ્યશાળી ‘દાદાના મહાત્માઓ’

‘મહાત્મા’ પદે, રહે આંતરિક સંયમ

પ્રશ્નકર્તા : મહાત્મા કોને કહેવાય ?

દાદાશ્રી : આંતરિક સંયમ રહે, એને મહાત્મા કહેવાય. બાહ્ય સંયમ તો હોય કે નાય હોય ! કષાય કરતો હોય ત્યાં સુધી મહાત્મા કહેવાય નહીં. ‘ચંદુભાઈ’ ક્રોધ કરે પણ ‘પોતે’ અંદરથી મહીં ના પાડ્યા કરે. ‘અરેરે, આ કેમ થાય છે, આ ના થવું જોઈએ’ એવું રહે એને. એ આંતરિક સંયમ કહેવાય. એને મહાત્મા કહેવાય !

આપણા મહાત્મા બધા સંયમી કહેવાય. સંયમી એટલે શું કે આ પ્રકૃતિ શું કરી રહી છે તેનાથી વિરુદ્ધનો પોતાનો અભિપ્રાય ઊભો થઈ જાય. પ્રકૃતિ ગુસ્સે થાય તો પોતાને ગમે નહીં. એ અભિપ્રાય જુદો થઈ જાય એ સંયમી. પ્રકૃતિમાં તન્મયાકાર ના થાય એ સંયમી. એટલે જેમ બે માણસ જુદા હોય એવી રીતે વર્તે, એનું નામ સંયમ. પ્રકૃતિ છે, એને આપણે જોયા કરવું. તે પણ એક સંયમ છે પણ પોતાને ખરાબ છે એમ લાગ્યા કરે. ત્યાં આ આજ્ઞા પાળે ને, એટલે સંયમ ઉત્પન્ન થાય.

આજ્ઞાપાલને પરિણમે આંતરિક સંયમ

આ જ્ઞાન લીધા પછી અંદર સંયમ હોય ! સંયમી તો એનું નામ કહેવાય કે કોઈ ગાળ દે, કોઈ અપમાન કરે તોય પણ એ બધા નિર્દોષ દેખાય ! કોઈ દોષિત ના દેખાય !

એક ફેરો તમને કોઈ ગાળ ભાંડે ને તમે સંયમ રાખો તો એને ભગવાને ‘પ્યૉર સંયમ’ કહ્યો. ભગવાન તો પ્યૉર સંયમના ભૂખ્યા છે. પ્યૉર સંયમ કરી તો જુઓ, કેટલા પગથિયાં ચઢાવી દેશે ! એક જ સંયમ કરવાથી દસ-વીસ પગથિયાં એમ ને એમ ચઢી જાય, એનું નામ લિફ્ટ માર્ગ ! આપણને પોતાનેય ખબર પડી જાય, ‘ઓહોહો, હું તો અહીં હતો ને આ તો અહીં સુધી પહોંચી ગયો !’

આ ભઈને એક સ્કૂટરવાળો અથડાયો, તે પગે ફ્રેક્ચર થયું. એટલે પેલો ગભરાઈ ગયો બિચારો. લોકોએ એને પકડ્યો. ત્યારે આમને પોતાને જ્ઞાન પ્રગટ હતું જ. એમણે કહ્યું કે ‘ભઈ, એને જવા દો. એને બિલકુલ સેફસાઈડ જવા દો.’ તે એમણે બધાને વિનંતી કરીને છોડાવડાવ્યો, નહીં તો બધા પેલાને મારત. હવે આનું નામ સંયમ કહેવાય. એ મોટામાં મોટો સંયમ ! એ સંયમ માણસને પરમાત્મા બનાવે. આત્મામાંથી પરમાત્મા બનતો જાય. જરાય તમારો વિચારેય બગડ્યો નથી, નહીં ?

પ્રશ્નકર્તા : ના, બિલકુલ નહીં, દાદા.

દાદાશ્રી : માણસને પરમાત્મા થવાનો રસ્તો જ આટલો સંયમનો છે ! આ જ્ઞાન મળે ત્યારે શુદ્ધાત્મા થયા પછી સંયમી કહેવાઓ. આપણા મહાત્માઓને નિરંતર સંયમ રહેવાનો. એટલે આંતરિક સંયમ રહેવાનો, બાહ્ય સંયમ નહીં. એટલે આ પાંચ આજ્ઞા પાળો, તેમાં આંતરિક સંયમ જ હોય નિરંતર તમને. એ સંયમ મોક્ષ ભણી લઈ જાય.

મનને વશ કરે એ મહાત્મા

પ્રશ્નકર્તા : આપણા મહાત્મા તમારું અધ્યયન કરે તો પણ મન વશ ના થાય તો શું કરવું ?

દાદાશ્રી : મહાત્માને આજ્ઞા શું છે ? મન એ જ્ઞેય છે અને તમે જ્ઞાતા છો. એટલે મન વશ થઈ ગયેલું છે એમને. એટલે મન વશ ના થતું હોય તો એમની ભૂલ છે. એ મારી આજ્ઞા પાળતા નથી, નહીં તો એમને વશ થઈ ગયેલું હોય, સંપૂર્ણ પ્રકારે.

(પા.૫)

જ્યાં સુધી ‘હું ચંદુલાલ છું’ એ જ્ઞાન, એ ભાન છે, ત્યાં સુધી મન જોડે લેવાદેવા છે. ત્યાં સુધી મન જોડે તન્મયાકાર થાય. હવે આપણે શુદ્ધાત્મા થયા એટલે મન જોડે લેવાદેવા જ ના રહી. એટલે ‘ચંદુભાઈ’ને મન હોય પણ ‘તમારે’ તો એ મનને જોયા કરવાનું કે આવા વિચાર કરે છે. ખોટા વિચાર કરે છે એ જોયા કરવું. તમારું પદ જ્ઞાતા-દ્રષ્ટા છે. જ્ઞાતા-દ્રષ્ટાપદ થયું એટલે મન વશ થઈ ગયું કહેવાય. દાદાના મહાત્માઓ કોનું નામ કહેવાય કે મન વશ થઈ ગયું હવે.

મહાત્માઓનો નિત્યક્રમ

પ્રશ્નકર્તા : રોજ સવારના ઊઠે ત્યારથી તે રાત સુધીમાં મહાત્માઓનો નિત્ય કાર્યક્રમ શું હોવો જોઈએ ?

દાદાશ્રી : એ અહીં કોઈ કાયદો નથી. કાયદો હોય ત્યાં ગણવાનું હોય. અહીં તો નો લૉ - લૉ છે. એ નિશ્ચય આપણે, કે ‘આમ હોવું જોઈએ, આ ન થવું જોઈએ.’ પણ છતાં જે નીકળે એ સાચું. સિગરેટ પીતો હોય તે બહાર જઈને પી આવતો હોય પણ મનમાં એમ હોવું જોઈએ કે ‘આ ન હોવી જોઈએ.’

પ્રશ્નકર્તા : સવારમાં વહેલું ઊઠવું જોઈએ એવું કંઈ ખરું ?

દાદાશ્રી : ના, બા. કોઈ વહેલા ઊઠતો હોય, તે ત્રણ વાગ્યાના ઊઠીને (પાણીનો) બંબો સળગાવનારાય હોય અને બીજો કોઈ મોડો ઊઠતો હોય, તે સાડા નવ થાય તો હું કહું, કે ‘ભઈ, સૂર્યનારાયણ ક્યારનાય ઊઠીને અહીં આવ્યા છે, તું જરા તો વિચાર કર ! આવડા મોટા ઊઠીને આવ્યા છે, તું એથી કેટલો મોટો ?’ ત્યારે પછી વહેલો વહેલો ઊઠી જાય. કારણ કે ત્રણ વાગ્યાના ઊઠીને અહીં આવનારા અને સાડા નવ વાળાય ખરા. બધી જાતના લોક હોય !

પ્રશ્નકર્તા : પણ નવ વાગે ઊઠવાની એવી પ્રકૃતિ હોય તો શું કરવું જોઈએ ?

દાદાશ્રી : ઊઠ્યા પછી દાતણ કરવાનું, બીજું શું કરવાનું ? નિશ્ચય આપણો હોવો જોઈએ. આપણું જ્ઞાન કેવું હોવું જોઈએ ? ‘વહેલું ઊઠવું જોઈએ.’ છતાં નથી ઊઠાતું, તો પ્રતિક્રમણ કરવું. ‘હે દાદા ભગવાન, માફી માગું છું. આ ન હોવું જોઈએ.’ બસ, એટલું જ. પછી દાતણ કરીને ચા પીવો. મોડો ઊઠ્યો માટે ચા નથી પીવાની એવું નહીં, નિરાંતે ચા પીવાની. દોઢ કપ પીતા હોય તો એટલી પીવાની.

સમભાવે નિકાલ એ મહાત્માઓની કાર્યવાહી

પ્રશ્નકર્તા : મહાત્માની કાર્યવાહી શું ?

દાદાશ્રી : આ જે ગયા અવતારનો બધો માલ ભરેલો છે, તેને સમતાપૂર્વક જવા દેવો.

પ્રશ્નકર્તા : જ્ઞાન લીધે પાંચ-પાંચ વર્ષ થયા તોય હજુ અમારો મેળ નથી કેમ પડતો ?

દાદાશ્રી : મેળ હવે તો પડ્યો જ કહેવાય. એવો કઈ જાતનો મેળ પાડવાનો ?

પ્રશ્નકર્તા : આ ભૂલોમાંથી.

દાદાશ્રી : અંદર ચોખ્ખું થઈ જાય. હજુ નીકળ્યા કરવાનો માલ તો. કચરો જે ભરેલો ને, તે તો નીકળે જ ને ! નહીં તો ટાંકી ખાલી ના થાય ને ! પહેલા તો કચરો નીકળે છે એવું જાણતા ન હતા. સારું નીકળે છે એવું જાણતા હતા ને ? એનું નામ સંસાર અને ‘આ કચરો માલ છે’ એવું જાણ્યું એ છૂટા થવાની નિશાની.

જે સમજણ પડે છે કે આ ખોટો માલ ભરી લાવ્યા છે, ત્યાં આગળ આત્મવિજ્ઞાન છે, ત્યાં પ્રજ્ઞા છે એ ‘જુએ’ છે. જોનારમાં એ પ્રજ્ઞા છે.

(પા.૬)

પ્રતિક્રમણ કરીને આ ‘મારું ન્હોય’ એટલું બોલે તોય બહુ થઈ ગયું.

હવે એ આજ્ઞામાં તમારે રહેવું હોય નિરંતર, પણ મહીં માલ ભરેલો તે રહેવા ના દે. એટલે આપણે બને એટલો પ્રયત્ન વધારે રાખવો. માલનો સ્વભાવ શું છે ? આજ્ઞામાં ન રહેવા દેવું. હવે એ માલ શું ભરેલો છે ? ત્યારે કહે છે, કે આમથી મૂર્છાના પરમાણુ ભર્યાં, આમથી અહંકારના પરમાણુ ભર્યાં, આમથી લોભના પરમાણુ ભર્યાં, બધા જે પરમાણુ ભરેલા ને, હવે એ પરમાણુ છે તે, એમનો વખત પાક્યો હોય ને, તો એ પાછા ઢોલકી વગાડે. ‘મૂઆ, તમે કેમ ઢોલકી વગાડો છો ?’ ત્યારે કહે, ‘અમે છીએ ને મહીં.’ તે એમનો સમભાવે નિકાલ કરી નાખવો.

મહાત્માઓનું આદર્શ જીવન

પ્રશ્નકર્તા : મહાત્માઓનું આદર્શ જીવન કેવું હોવું જોઈએ ?

દાદાશ્રી : આજુબાજુના ઘરવાળા, બહારવાળા બધાય કહે, ‘કહેવું પડે !’ એક અવાજ, બધાય લીલો વાવટો ધરે. હું વડોદરાથી નીકળું છું, તો બધા મહાત્માને કહેવાનું. એક મહાત્મા લાલ વાવટો ધરે, તો મેં કહ્યું, ‘ઊભો રહે, બા. એય... ગાડી ઊભી રાખો.’ બસ્સો મહાત્મામાં એકાદ મહાત્મા લાલ વાવટો ધરે, એટલે ગાડી ઊભી રાખે. ‘શું હકીકત છે બોલ’, એને સમાધાન કરાવીને પછી જવાનું. કારણ કે એ મહાત્માના તાબામાં હું છું, એ મારે તાબે નથી. એટલે આપણા મહાત્માએ તો બધાના તાબામાં રહેવું જોઈએ.

આદર્શ વ્યવહાર એટલે આજુબાજુ પાડોશમાં પૂછો, ઘરમાં પૂછો, ‘એની વ્હેર’ (ગમે ત્યાં) ક્યાંય પણ પૂછો, તો અમારો વ્યવહાર આદર્શ હોય. ઘરમાં, સ્ત્રી જોડે, સગાંવહાલાંમાં, બધે કોઈ જગ્યાએ કોઈને દુઃખદાયી ના હોય એવો વ્યવહાર હોય, નહીં તો પછી એ તો નિશ્ચય જ કેમ પામ્યો છે ? વ્યવહાર આદર્શ જોઈએ. અને નહીં હોય તો આદર્શ એનો ધ્યેય હોવો જ જોઈએ ! જેટલો વ્યવહાર આદર્શ એટલો નિશ્ચય પ્રગટ થવા માંડ્યો.

પ્રશ્નકર્તા : આ પહેલી બે આજ્ઞાની અંદર જ આખો વ્યવહાર આદર્શ આવી જાય છે. આમ શુદ્ધાત્મા દેખાય અને આમ છે તે પેલા ઉદયકર્મ દેખાય.

દાદાશ્રી : હં. આદર્શ વ્યવહાર આવે. શુદ્ધ વ્યવહાર હોય તો જ શુદ્ધ નિશ્ચય છે, નહીં તો નિશ્ચય નથી એમ મનાય. સમભાવે નિકાલ કરતો ના હોય અને પછી કહે, ‘અમને નિશ્ચયથી આત્મા પ્રાપ્ત થઈ ગયો છે, એ ચાલે નહીં. બેઝમેન્ટ જોઈશે.’ આજુબાજુવાળા બૂમ પાડે અને આ કહે, ‘હું આત્મા થયો’, શી રીતે ચાલે ?

કોઈને સહેજ પણ ત્રાસ ન થાય ને આપણો વ્યવહાર ઘરમાં સુંદર રહે એવો આદર્શ વ્યવહાર હોવો જોઈએ. પહેલું ઘરમાં ચોખ્ખું થવું જોઈએ. જેમ ‘ચેરિટી બિગિન્સ ફ્રોમ હોમ’ એવો આદર્શ વ્યવહાર ‘બિગિન્સ ફ્રોમ હોમ’ (ઘરથી શરૂઆત) હોવું જોઈએ.

મહાત્માઓની દિનચર્યા

પ્રશ્નકર્તા : અક્રમ માર્ગના મહાત્માની દિનચર્યા કેવી હોવી જોઈએ ?

દાદાશ્રી : જેવો માલ ભરેલો છે એ નીકળ્યા કરે પણ રાગ-દ્વેષ ના થાય એ દિનચર્યા. કો’ક ધોલ મારી ગયો હોય, કો’ક નુકસાન કરી ગયો હોય તો રાગ-દ્વેષ ના થાય એવું હોવું જોઈએ. રાગ-દ્વેષ એ ડખલ છે. ડખલનો માલ તમારે ખપાવ્યા કરવાનો. ડખલ ના હોય એટલે થઈ રહ્યું. બીજું જે છે એ માલ નીકળ્યા કરે છે. એ માલ

(પા.૭)

તમારે ખપાવ્યા કરવાનો, દુકાન ખપાવી લેવાની. નવો માલ લાવવાનો નહીં ને જૂનો માલ ખપાવી દેવાનો. હા, ઘરાક તો આવવાના, એમાં કોઈ ફેરો નાલાયક માણસ મળે, તેની જોડે ઝઘડો કર્યા વગર ખપાવી દેવાનો. નાલાયક માણસ મળે ને, તે બેવડો માલ લઈ જાય ને પાછા હાથમાં પૈસાય ના આપે. એ પણ માલ ખપાવી દેવાનો છે. જેને વેપાર ચાલુ રાખવો છે, તેને તો આપણે ખપાવી દેવાનું કહેવાય નહીં ને ! એ તો વેચતો જાય ને નવો માલ લાવતોય જાય. એની તો દુકાન ચાલુ જ રહેવાની. અને તમારે દુકાન બંધ કરી દેવી છે ને ? બંધ કરવી છે તેને તો રસ્તો દેખાડ્યો છે કે ભઈ, આવી રીતે માલ ખપાવી દેજો, પાંચ આજ્ઞામાં રહીને. એ લૂંટી જાય તો તમે લૂંટવા જશો નહીં. તમારે માલ ખપાવી દેવાનો છે. એને તો ધંધો ચાલુ રાખવો છે. ધંધો ચાલુ રાખવાવાળો કરે કે ના કરે ? જેને ખપાવી જ દેવો છે, તેને ધંધો ચાલુ રખાય નહીં.

પ્રશ્નકર્તા : બધી જાતના ઘરાક આવે.

દાદાશ્રી : ઘરાક તો એક જાતના ના આવે, દરેક જાતના આવે. આટલી વસ્તીમાં કઈ જાતનો ઘરાક ના મળે તમને ! ઘરાક મળે તે ગપ્પું નથી. પણ એવું ભડકવા જેવુંય નથી કે ફલાણા ભાઈને ઘરાક મળ્યો, એવો ઘરાક મને મળે તો શું થાય ? ના, પેલો તો એને જ લાયક હતો. હિસાબ છે બધા. હિસાબ વગર તો ઘરાકેય ભેગો થતો નથી. હિસાબ વગર હોય તો તો બધાને ભડક જ રહે ને, કાલે સવારે શું થાય ? ના, કશું થવાનું નથી. હિસાબ છે એ જ થવાનું છે, અને એ જ વ્યવસ્થિત છે. હિસાબ નથી એ થવાનું નથી.

અકષાય પદ એ ભગવાન પદ

પ્રશ્નકર્તા : મહાત્માની ઉપમા મેળવ્યા પછી તેની ફરજ શું ?

દાદાશ્રી : વીતરાગતા રાખવી, રાગ-દ્વેષ નહીં કરવા.

પ્રશ્નકર્તા : વીતરાગ દશામાં રહેવા માટે શું કરવું જોઈએ ?

દાદાશ્રી : કોઈની જોડે રાગ-દ્વેષ, ક્રોધ-માન-માયા-લોભ નહીં કરવા એ વીતરાગ. એ કર્યું એટલે વીતરાગ દશા ચૂક્યા. એ થઈ ગયું તો જાણવું કે આ ચૂકી ગયા. પાછા ફરી પાછું સાધવું. ચૂકે ફરી સાધવું એમ કરતા કરતા સ્થિર થવાશે. જેને તેમ કરવું છે એ નિવેડો તો લાવે જ ને !

‘અમે’ સ્વરૂપનું જ્ઞાન આપ્યા પછી ક્રોધ-માન-માયા-લોભ રહેતા જ નથી. આ ‘જ્ઞાન’ આપ્યા પછી તાંતો ગયો. તાંતાને જ ક્રોધ-માયા-માન-લોભ કહે છે. જેનો તાંતો ગયો, તેનો ક્રોધ-માન-માયા-લોભ બધું જ ગયું ! એટલે રાગ-દ્વેષ થાય છે ખરા ? ક્રોધ-માન-માયા-લોભ ? નહીં ને ! તો પછી એ વીતરાગતા જ છે ને પછી. આ બીજું ખોળવાનું ના રહે, એ જ વીતરાગતા. વીતરાગતા બીજું હોય નહીં. આમ તો માણસ બોલે, ‘ના, ના, મને કંઈ રાગ-દ્વેષ નથી.’ (પણ) આવું ફોડ પાડીએ, કે ક્રોધ-માન-માયા-લોભ, ત્યારે કહે, એ ખરા. તો મૂઆ, તું સમજતો જ નથી રાગ-દ્વેષ ને ! ક્રોધ-માન-માયા-લોભનું ટૂંકું સ્વરૂપ રાગ-દ્વેષ છે, શોર્ટ સ્વરૂપ. કષાયોમાં આ ચાર જ યોદ્ધા, આ કષાયથી જગત ચાલી રહ્યું છે. કાં તો વિષયમાં હોય, કાં તો કષાયમાં હોય, કાં તો અકષાય એટલે ભગવાન પદમાં હોય. તે અકષાય પદ ત્યાંથી તો ભગવાન પદ ગણાય એને. પણ લોકોમાં કહેવાય નહીં. કહેવાથી લોકો ઊંધું બોલે આ. ‘આ મોટા ભગવાન થઈ ગયા !’ આપણે સમજવાનું મનમાં કે આપણે આ છેલ્લા સ્ટેશને આવ્યા છીએ. કોઈને કહેવાની જરૂર નહીં. તમારાથી મને કહેવાય ! કો’કને કહે તો શું કહે લોકો ?

(પા.૮)

પ્રશ્નકર્તા : મૂરખ કહે.

દાદાશ્રી : એને ક્યારેય કહેવાય નહીં. બાકી આ અકષાય પદ એ ભગવાન પદ.

પ્રેક્ટિકલી જ્ઞાનીને જોઈને પ્રગટે વીતરાગતા

પ્રશ્નકર્તા : દાદા, પણ અમને મહાત્માઓને સંપૂર્ણ વીતરાગતા ક્યારે પ્રગટ થાય ?

દાદાશ્રી : એકડે એકથી સો સુધી લખતો હોય તો કંઈ એકદમ સો આવી જાય ?

પ્રશ્નકર્તા : ના આવે.

દાદાશ્રી : એટલે વીસ લખ્યા પછી એકવીસ, બાવીસ, ત્રેવીસ, ચોવીસ આપણે આગળ લખાય છે કે નહીં એ જોવું. એટલે એ તો પૂરું થઈ જાય. એ જ પૂરું કરે છે, આપણે પૂરું કરવાની જરૂર નથી. એ સ્પીડ (ગતિ) જ પૂરું કરશે.

પહેલા છે તે રાગ-દ્વેષ કેમ ઓછા થાય એ જોવું. હવે પલટી ખાધી અવળાપણાની સવળાપણામાં, એટલે હવે વીતરાગતા કેમ વધે, પૂર્ણ થાય એ તરફ દ્રષ્ટિ ગઈ. પહેલા રાગ-દ્વેષ ઓછા કરવાની હતી. જગત આખું રાગ-દ્વેષ ઓછા કરવા હારુ માથાકૂટ કરે છે ને ! આખો દહાડો જો ઉપાધિ, જો ચિંતા, જો વરીઝ, ત્રિવિધ તાપ ભયંકર !

વીતરાગતા કેવી આપણને ? થોડી અમથી વીતરાગતા, એક અંશ પણ વીતરાગતા, રાગ-દ્વેષનું સર્વાંશપણું ગયું કહેવાય એ ! એક અંશ પણ વીતરાગતા રાગ-દ્વેષના મહીં રસ સર્વાંશપણે ઉડાડી દે. દેખાય ખરા રાગ-દ્વેષ, પણ રસ ના હોય મહીં. એ વીતરાગતા તો જુઓ !

પ્રશ્નકર્તા : આપની વીતરાગતા મહાત્માઓમાં ક્યારે ને કેવી રીતે ઉતરશે ?

દાદાશ્રી : જેમ જેમ મારા ટચમાં રહેશે, તેમ તેમ એ આવતી જશે. આ તો ગોખીને શીખવાનું નથી, જોઈને શીખવાનું છે.

આંખ્યો સામું જુએ લોકો. લોકો, જીવમાત્ર આંખ્યોમાં કેમ જુએ છે ? ત્યારે કહે, ‘આંખમાં બધું વંચાય, ભાવ ! શું ભાવ છે તે બધુંય વંચાય.’ એટલે લોક સમજી જાય કે આ ‘ભઈ છે એને ઘરમાં પેસવા ન દેશો. એની આંખમાં બરોબર સારા ભાવ નથી’, કહેશે. એવી રીતે જ્ઞાનીની આંખમાં વીતરાગતા દેખાય, કોઈ જગ્યાએ રાગ કે દ્વેષ એવું કશું દેખાય નહીં. કુરકુરિયા રમતા ના હોય કોઈ જાતના. લક્ષ્મીની ભીખ ના હોય, એવું બધું હોય નહીં, એકલી વીતરાગતા હોય. એ જોતા જોતા પોતાને આવડી જાય. બીજું કશું આમાં છે નહીં.

એટલે આ આમ થીયરેટિકલથી નહીં દા’ડો વળે, પ્રેક્ટિકલી જોઈશે. થીયરેટિકલ તો ખાલી જાણવા માટે જ છે. પ્રેક્ટિકલી એટલે શું ? પ્રેક્ટિકલમાં તો જ્ઞાની પુરુષને જોવાથી, એની પાસે ટચ(સંપર્ક)માં આવવાથી બધું પ્રાપ્ત થઈ જાય, સહેજાસહેજ પ્રાપ્ત થાય. એ તો તમને ઉદયનો અવસર હોય નહીં, નહીં તો મને ટૈડકાવનારો ભેગો થયો હોય ને તમને તે જોવાનું મળે ત્યારે ખરી મજા આવે ! કોઈનેય કોઈ પણ રસ્તે કળવામાં ના આવે એ ‘જ્ઞાની પુરુષ’ ! ‘જ્ઞાની પુરુષ’ ઓળખાય એક એમની વીતરાગતાથી !

મહાત્માઓને પ્રાપ્ત થયું શુક્લધ્યાન

રાગ-દ્વેષ ઓછા કરવા ‘વીતરાગનું વિજ્ઞાન’ જાણવાની જરૂર છે. આ ‘અક્રમ જ્ઞાની’ની સિદ્ધિઓ-રિદ્ધિઓ, દેવલોકોની કૃપા, એ બધાથી એક કલાકમાં ગજબનું પદ તમને પ્રાપ્ત થઈ જાય છે ! રાતે ઊંઘમાંથી ઊઠો છો ત્યારે લોકોને તો આ જગતની

(પા.૯)

કોઈ પણ પ્રિયમાં પ્રિય વસ્તુ હોય તો તે જ પહેલી યાદ આવે પણ તમને તો ‘શુદ્ધાત્મા’ જ પહેલો યાદ આવે. અલખનું ક્યારેય પણ લક્ષ ના બેસે. તેથી જ તો આત્માને ‘અલખ નિરંજન’ કહ્યો ! પણ અહીં કલાકમાં તમને લક્ષ બેસી જાય છે ! ‘શુદ્ધાત્મા’નું લક્ષ ત્યાર પછી ક્યારેય પણ ચૂકાતું નથી અને નિરંતર આત્મા લક્ષમાં જ રહે છે.

તમને એમ પૂછવામાં આવે, કે ખરેખર તમે ચંદુભાઈ છો કે તમે શુદ્ધાત્મા છો, તો તમે શું કહો ?

પ્રશ્નકર્તા : આમ તો શુદ્ધાત્મા છીએ, પણ વ્યવહારની અંદર ચંદુભાઈ.

દાદાશ્રી : હા, રિયલી તમે શુદ્ધાત્મા છો ને ?

પ્રશ્નકર્તા : હા, ચોક્કસ.

દાદાશ્રી : તો તમે ખરેખર શુદ્ધાત્મા છો એટલે તમારા લક્ષમાં શું રહે ? તમારા ધ્યાનમાં શું રહે ? ‘હું શુદ્ધાત્મા છું’ એવું ધ્યાનમાં રહે છે કે નથી રહેતું ?

પ્રશ્નકર્તા : હા, એ જ ધ્યાનમાં રહે, બરાબર.

દાદાશ્રી : એ તમારા ધ્યાનમાં રહે છે એ શુક્લધ્યાન છે. હવે શુક્લધ્યાન તમને ઊભું થયું. ‘હું શુદ્ધાત્મા છું’ એ ધ્યાન જેને રહે, તેને ભગવાને કહ્યું કે ‘શુક્લધ્યાન’ કહેવાય. કારણ કે ‘શુદ્ધાત્મા છું’ એ ધ્યાન ચૂકાય નહીં, ભૂલી ના જવાય, એ લક્ષમાં જ રહ્યા કરે કે ‘હું શુદ્ધાત્મા છું.’

પ્રશ્નકર્તા : એ ભૂલવા માગીએ તોય નથી ભૂલાતું.

દાદાશ્રી : ના ભૂલાય. એ તો આમ સંસાર વ્યવહારમાંય ‘હું ચંદુલાલ છું’ એવું જાણતા હોય ને, તે ઘણાય લોકો પોતાનું એ ભૂલવા માગે પણ એ ભૂલાય ? એ તો રીતસર જ્ઞાનીના આધારે એના તાર કપાઈ જવા જોઈએ. સૂક્ષ્મ તાર, શ્રદ્ધાના તારો બેઠેલા હોય છે. એ તાર તૂટી જવા જોઈએ. ઊંધી શ્રદ્ધા, રોંગ બિલીફો તૂટે અને રાઈટ બિલીફ બેસે તો કામ લાગે. રાઈટ બિલીફને ‘સમ્યક્ દર્શન’ કહ્યું. ‘હું શુદ્ધાત્મા છું’ એ થયું, એટલે બધો ઉકેલ આવી ગયો.

શુદ્ધાત્મા અને મહાત્મામાં ફેર

પ્રશ્નકર્તા : શુદ્ધાત્મા અને મહાત્મામાં ફેર શો ?

દાદાશ્રી : શુદ્ધાત્મા તો ભગવાન છે. મહાત્મા તો, આ કોઈ પણ બીજા કરતાં જરા ટોપ હોય તો એને ‘મહાત્મા’ કહેવાય છે. આ તો વ્યવહારથી આપણે ‘મહાત્મા’ કહીએ છીએ, પણ છે તો શુદ્ધાત્મા. શુદ્ધાત્મા તો ભગવાન છે, પણ એ ભગવાન હજુ તમને પ્રતીતિ સ્વરૂપે થયેલા છે. એ પ્રતીતિ પ્રમાણે જાગૃતિ જ્યારે પૂરી થશે, ત્યારે પછી અનુભવ દશા સંપૂર્ણ થશે. અત્યારે પ્રતીતિ-લક્ષ-અનુભવ એ ચઢ-ઉતર થયા કરે.

તમને (મહાત્માને) શુદ્ધાત્મપદ કેમ આપવામાં આવ્યું છે ? તમે શુદ્ધાત્મા અને ચંદુભાઈ જે કંઈ પણ કરે છે તેના તમે રિસ્પોન્સિબલ નથી, એવી ખાતરી થાય. સારું કરો તેનોય ડાઘ નથી પડતો ને ખોટું કરો તેનોય ડાઘ નથી પડતો. કર્તાપદ જ મારું ન્હોય, એ શુદ્ધાત્માનું લક્ષ બેઠું કહેવાય. કર્તાભાવ છૂટે તો જ શુદ્ધાત્માનું લક્ષ બેસે.

પ્રશ્નકર્તા : આપણો મહાત્મા કોઈ કર્તાભાવે હોય જ નહીં ને ? ગમે એ રીતે, અણજાણે પણ કર્તાભાવે ના હોય. અણજાણે ?

દાદાશ્રી : જે આ પાંચ આજ્ઞા પાળવાને તૈયાર છે, થોડુંઘણું પાળે છે, તેને કોઈ જાતની હરકત છે નહીં. એ કર્તાભાવમાં હોય જ નહીં.

(પા.૧૦)

પ્રશ્નકર્તા : દાદા, તો પછી (આપણા મહાત્માઓને) કઈ શ્રેણીમાં ગણવા ? અનુભવ, લક્ષ અને પ્રતીતિ એ ત્રણેયમાં ગણવા કે ?

દાદાશ્રી : આ ત્રણથી નીચે ઊતરે નહીં, એ આપણું અક્રમ વિજ્ઞાન. (મહાત્માઓને) પોતે શુદ્ધાત્મા થયા, એટલે મોક્ષ નક્કી થઈ ગયો, એમાં બે મત નહીં ને ! પણ સ્વાદ કેટલો મળે ? પ્રતીતિનો. તમે રાત્રે જાગો તો તરત ‘હું શુદ્ધાત્મા છું’ એ એની મેળે તમને યાદ આવી જાય, એ લક્ષ બેઠું કહેવાય. એટલે ‘હું શુદ્ધાત્મા છું’ હંડ્રેડ પરસેન્ટ (સો ટકા) પ્રતીતિ બેસી ગઈ અને લક્ષ બેસી ગયું. લક્ષ એટલે જાગૃતિ. જે જાગૃતિ છે ને, એ હવે વધતી વધતી સંપૂર્ણતાને પામશે અને ત્રીજું, અનુભવ થાય. તે અનુભવના આધારે તમે રોજ સત્સંગમાં આવો છો. તમે કંઈ ચાખ્યું ને ગળ્યું લાગ્યું.

શ્રીમદ્ રાજચંદ્રે આને શું કહ્યું ? ‘પરમાર્થ સમકિત’ કહ્યું. એટલે ‘ક્ષાયક સમકિત’ કહ્યું.

કૃપાળુદેવ આત્મસિદ્ધિમાં બોલ્યા, કે ‘વર્તે નિજ સ્વભાવનું, અનુભવ, લક્ષ અને પ્રતીત.’ તે તમને પોતાના આત્મસ્વભાવની પ્રતીતિ રહે છે અને લક્ષમાં ‘હું શુદ્ધાત્મા છું’ તેય રહે છે અને અનુભવ ચેતવે છે તેય રહે છે. પણ સંપૂર્ણ અનુભવ વર્તે, જ્યારે અભેદતા લાગે બધા જોડે, ત્યારે છે તે શુદ્ધાત્મા થઈ શકે.

પહેલું છે તે શુદ્ધાત્મા અને જે પરમાત્મા છે તે જાતે ખુદ, રિયલ વસ્તુ છે. એ સ્ટેશન જુદું છે અને શુદ્ધાત્મા સ્ટેશન જુદું છે. શુદ્ધાત્મા એ તો વસ્તુ સ્વરૂપનું પહેલામાં પહેલું ‘પરું’ છે. પછી એવા કેટલાય ‘પરાં’ આવે, ત્યારે પછી મૂળ સ્ટેશન આવે. જેમ જેમ અનુભવ વધતા જાય ને, તેમ તેમ ‘પરું’ આગળનું આવતું જાય, સ્ટેશન બદલાતું જાય. આ પહેલા સ્ટેશને તમને ઉતારી પાડ્યા છે, મોક્ષની બાઉન્ડ્રી(સીમા)માં. શુદ્ધાત્મા એ પહેલું સ્ટેશન, ત્યાંથી સેન્ટ્રલ સ્ટેશન તરફ જાય, ત્યારે પછી છેલ્લું સ્ટેશન આવે.

મહાત્માઓને વર્તે કેવળદર્શન

પ્રશ્નકર્તા : જ્ઞાન મળ્યા પછી મહાત્માઓને કયું સ્ટેજ હોય ?

દાદાશ્રી : કેવળદર્શન થયેલું છે આ. ‘હું કંઈ જ કરતો નથી’ એવો નિરંતર ખ્યાલ રહે છે એ કેવળદર્શન થયું છે, એને ‘ક્ષાયક સમકિત’ કહે છે. આ તો બહુ ઊંચું પદ પ્રાપ્ત કર્યું છે. હવે એને તમે જેટલું સાચવો એટલું તમારું.

કેવળદર્શન એટલે ક્ષાયક સમકિત, એ આપણા શાસ્ત્રોમાં ‘ના’ લખ્યું. આ કાળમાં થતું નથી, છતાં અહીં થઈ ગયું છે. ક્ષાયક સમકિત એટલે એ સમકિત ક્યારે પણ જાય નહીં, નિરંતર રહે. હવે શુદ્ધાત્માનું ધ્યાન તમને નિરંતર રહેશે.

એટલે ‘વર્તે નિજસ્વભાવનું અનુભવ-લક્ષ-પ્રતીત, વૃત્તિ વહે નિજભાવમાં, પરમાર્થે સમકિત.’ પછી, ‘વર્ધમાન સમકિત થઈ ટાળે મિથ્યાભાસ, ઉદય થાય ચારિત્રનો વીતરાગ પદવાસ.’ પછી બીજું રહ્યું શું ? કેવળજ્ઞાનનું પદ. કેવળ નિજસ્વભાવનું એટલે આત્મા જોયો. ‘કેવળ નિજસ્વભાવનું અખંડ વર્તે જ્ઞાન.’ કેવું ? અખંડ. ‘કહીએ કેવળજ્ઞાન તે દેહ છતાં નિર્વાણ.’ આ તમને અખંડ પ્રતીતિ રહે, અખંડ લક્ષ રહે, પણ જ્ઞાન વર્તે નહીં. એટલે કેવળદર્શન સુધી પહોંચી ગયા.

પ્રશ્નકર્તા : ‘કેવળ નિજસ્વભાવનું અખંડ વર્તે જ્ઞાન; કહીએ કેવળજ્ઞાન તે દેહ છતાં નિર્વાણ.’

દાદાશ્રી : નિરંતર આત્મરમણતા હોય, સહેજેય આ પુદ્ગલ રમણતા ઉત્પન્ન ના થાય,

(પા.૧૧)

એ નિજસ્વભાવમાં કહેવાય. કેવળ નિજસ્વભાવમાં નિરંતર આત્મરમણતા, આ સંસાર રમણતા જ નહીં. અને પછી ‘અખંડ વર્તે જ્ઞાન’ એને કેવળજ્ઞાન કહેવાય. તે જ્ઞાન અમને નિરંતર રહી શકે નહીં, થોડીક કચાશ રહે એટલે ચાર ડિગ્રી ઓછી કહીએ. એટલે તમને નિજસ્વભાવમાં અખંડ વર્તે નહીં. જ્ઞાન એટલે તમે કયા સ્ટેશન ઉપર ઊભા છો ? બે સ્ટેશન મોટા; એક, કેવળ નિજસ્વભાવનું અખંડ વર્તે જ્ઞાન. અહીં બીજું નીચે લખ્યું છે વાક્ય કે કેવળ નિજસ્વભાવનું અખંડ વર્તે દર્શન; કહીએ કેવળદર્શન તે, દેહ છતાં નિર્વાણ. એટલે તમને બધાને કેવળદર્શનના સ્ટેજ ઉપર ઊભા રાખ્યા છે.

‘હું કરતો નથી’ એવો નિરંતર ખ્યાલ રહે એ કેવળદર્શન અને થોડી વખત રહે ને થોડી વખત ના રહે તો એ કેવળદર્શનના અંશ, અમુક ફિફ્ટી પરસેન્ટ કે સાંઈઠ ટકા. નિરંતર રહે એટલે ‘કેવળદર્શન’ કહેવાય.

પ્રશ્નકર્તા : એટલે નિરંતર ખ્યાલ રહેવો જોઈએ ?

દાદાશ્રી : હા, નિરંતર ખ્યાલમાં રહેવું જોઈએ કે ‘હું આ કરતો નથી.’

જેમ સ્ટીમરમાં બેસીએ છીએ તો આપણને એવું ખ્યાલમાં રહે છે ને કે સ્ટીમર જ ચાલે છે, હું ચાલતો નથી, એવો ખ્યાલ રહેવો જોઈએ. સ્ટીમરમાં તો એ જોઈને બેઠો છે ને, એટલે પછી એને એમ લાગે છે કે આ સ્ટીમર જ ચાલે છે ને હું બેઠો છું. એવું આમાં જોઈને બેઠો નથી ને ! એટલે નિરંતર ખ્યાલમાં રહેવું જોઈએ, બસ. એક ક્ષણવાર કર્તાપણું લાગે નહીં ત્યારે કેવળદર્શન કહેવાય અને એ જ્ઞાનમાં, વર્તનમાં આવવું એ કેવળજ્ઞાન થયું.

મહાત્માઓને આ દર્શન આપ્યું છે એ એટલું બધું ઊંચું આપ્યું છે તે કેવળદર્શન સુધી આપ્યું છે. એનાથી બધા પઝલ સૉલ્વ થાય એવું છે ને ઝટપટ ઉકેલ આવે એવું છે. આપણા મહાત્માઓને કેવળદર્શન વર્તે છે ! એના આનંદમાં જ રહે છે. વર્લ્ડની અજાયબી પદ કહેવાય ! આ દુષમકાળમાં કેવળદર્શન તો ગજબનું પદ કહેવાય !

મહાત્માઓ ભગવાન થશે એક દિ’

પ્રશ્નકર્તા : આપે જે કહ્યું કે અમને બધાને તમે ભગવાન બનાવવા માગો છો, એ તો જ્યારે બનીએ ત્યારે ખરું. અત્યારે નથી થયા ને ?

દાદાશ્રી : પણ એ થશે ને ! કારણ કે આ અક્રમ વિજ્ઞાન છે ! જે બનાવનારો છે એ નિમિત્ત છે. અને બનવાની જેને ઈચ્છા છે, એ જ્યારે બે ભેગા થયા કરશે, તો એ થશે જ ! બનાવનાર ક્લિયર છે અને આપણું ક્લિયર છે. આપણી દાનત બીજી નથી, એટલે એક દહાડો બધા અંતરાય તૂટી જશે ને ભગવાન થઈને ઊભો રહેશે, જે આપણું મૂળ સ્વરૂપ જ છે !

આ મહીં જે પ્રગટ થયા છે, જે આખા બ્રહ્માંડનો નાથ છે, તે દાદા ભગવાન છે ! તમારામાંય એ દાદા ભગવાન છે, પણ પ્રગટ થયા નથી. એ પૂર્ણ પ્રકાશમાં આવી જવા જોઈએ. હવે પૂર્ણ પ્રકાશમાં આવવા માંડશે.

જ્ઞાન તમને આપ્યું, પછી વિજ્ઞાન સ્વરૂપે થશે, ફૂલ પ્રગટ, પરફેક્ટ. અત્યારે તમારામાં જ્ઞાન સ્વરૂપે છે જ ભગવાન, એ વિજ્ઞાન સ્વરૂપ થશે ! તે આ વિજ્ઞાન સ્વરૂપ થયેલા, એટલે એ ‘ભગવાન પદ’ કહેવાય.

અમારું આપેલું જ્ઞાન, એ તો એક્ઝેક્ટ (બરાબર) એની જગ્યાએ છે. તમને દ્રષ્ટિગમ જેટલું થયું એટલું તમારું. બીજું દ્રષ્ટિગમ થયું નથી. મૂળ સ્વરૂપે જે જ્ઞાન આપેલું, એ મૂળ સ્વરૂપની તમને

(પા.૧૨)

એક્ઝેક્ટનેસ (યથાર્થતા) હજુ આવી નથી પૂરેપૂરી. ત્યાં સુધી વધે છે એવું લાગે. નહીં તો આ જ્ઞાન તો તેનું તે જ છે, મૂળ સ્વરૂપે જ છે. પણ મૂળ સ્વરૂપે જ્યારે એક્ઝેક્ટનેસ આવશે, ત્યારે પછી વધઘટ નહીં રહે. આ વધઘટ શું છે ? તમને જે દ્રષ્ટિ મળે છે તે વધે છે દહાડે દહાડે, મૂળ સ્વરૂપે થવા માગે છે. જેમ આપ્યું હતું તેમ, તે સ્વરૂપે થવા માગે છે.

લિફ્ટ માર્ગ મળતા મહાત્માઓને ઉલ્લાસ

પ્રશ્નકર્તા : જિંદગીમાં વરસો ઓછા ને રસ્તો લાંબો પણ આ અક્રમ વસ્તુ મળી ગઈ, તે બહુ ઉલ્લાસ આવે છે !

દાદાશ્રી : એવું છે ને, આવું કોઈ વખત બનતું નથી ને બન્યું તો આપણું કામ કાઢી લેવાનું છે. ઉલ્લાસ તો આવે જ ને ! મને આ જ્ઞાન પ્રગટ થયું ત્યારે મને પણ ઉલ્લાસ આવ્યો કે આવું અજાયબ જ્ઞાન ! ગજબની સિદ્ધિઓ ઉત્પન્ન થઈ છે ! કારણ કે આ વર્લ્ડમાં એવી કોઈ ચીજ નથી કે મારે જેની ભીખ હોય. માનની ભીખ, લક્ષ્મીની ભીખ, કીર્તિની ભીખ, વિષયોની ભીખ, શિષ્યોની ભીખ, દેરાં બાંધવાની ભીખ, કોઈ પણ ચીજની ભીખ અમને ન હતી; ત્યારે આ પદ પ્રાપ્ત થયું છે ! છતાં આ ‘સાયન્ટિફિક સરકમસ્ટેન્શિયલ એવિડન્સ’ છે. હવે આ પદના આધારે તમને એ જ દશા પ્રાપ્ત થાય. જેનું નિદિધ્યાસન કરીએ તે રૂપ થઈ જાય.

પ્રશ્નકર્તા : દાદા, પૂર્વજન્મના યોગે જ ‘અક્રમ’ મળે છે ને ?

દાદાશ્રી : આ એક જ સાધન છે કે જેનાથી હું ભેગો થઉં. કોટિ જન્મની પુણ્યૈ જાગે ત્યારે આ યોગ બાઝે.

આ પુણ્યાનુબંધી પુણ્યશાળીઓ માટે આવો માર્ગ નીકળે છે ને ! પ્રત્યક્ષ વગર કાંઈ વળે નહીં. ‘વીતરાગ વિજ્ઞાન’ પ્રત્યક્ષ સિવાય કામ લાગે તેવું નથી અને આ તો ‘અક્રમ વિજ્ઞાન’ કૅશ બેંક ! તેમાં તો કૅશ ડિપાર્ટમેન્ટ, કૅશ ફળ ! (આ અક્રમ માર્ગ) વર્લ્ડનું આશ્ચર્ય છે ! દસ લાખ વર્ષે નીકળે ! લિફ્ટમાં બેસીને મોક્ષે જવાય. એમાં ગ્રહણ કે ત્યાગ કશું જ હોય નહીં. એ મહેનત વગરનો મોક્ષમાર્ગ છે, લિફ્ટ માર્ગ છે. મહાપુણ્યશાળી હોય તેને માટે ‘આ’ માર્ગ છે. ત્યાં જ્ઞાની સિક્કો મારે ને મોક્ષ થઈ જાય. ‘આ’ તો રોકડો માર્ગ, ઉધાર કશું રખાય નહીં. રોકડું જોઈએ, તે ‘આ’ રોકડો માર્ગ નીકળ્યો. ધીસ ઈઝ ધી ઓન્લી કૅશ બેંક ઈન ધી વર્લ્ડ !’

મહાપુણ્યશાળી મહાત્માઓ માટે અક્રમ જ્ઞાન

આવું જ્ઞાન આ સાડા ત્રણ અબજની વસતીમાં કોને ના જોઈએ ? બધાને જોઈએ. પણ આ જ્ઞાન બધાને માટે ના હોય. એ તો મહાપુણ્યશાળીઓ માટે છે. આ ‘અક્રમ જ્ઞાન’ ઊભું થયું, એમાં લોકોની કંઈક પુણ્યૈ હશે ને ! એક ફક્ત ભગવાન ઉપર આશરાવાળા રઝળતા-ભટકતા ભક્તો માટે અને જેમની પુણ્યૈ હશે ને, તેમને માટે ‘આ’ માર્ગ નીકળ્યો છે. આ તો બહુ પુણ્યશાળી માટે છે અને અહીં સહેજાસહેજ આવી પડે ને સાચી ભાવનાથી માગણી કરે અને એનો પુણ્યનો પાસપોર્ટ લઈ આવે, તેને અમે જ્ઞાન આપી દઈએ. ‘દાદા’ની કૃપા મેળવી ગયો તેનું કામ થઈ ગયું !

અહીં આવેલા માણસો બધા પુણ્યૈ કેવી સરસ લાવ્યા છે ! ‘દાદા’ની લિફ્ટમાં બેસીને મોક્ષે જવાનું. કોટિ જન્મોની પુણ્યૈ ભેગી થાય ત્યારે તો ‘દાદા’ ભેગા થાય ! ને એ પછી ગમે તેવું ડિપ્રેશન હશે એ જતું રહેશે. બધી રીતે ફસાયેલા માટે ‘આ’ સ્થાન છે. આપણે અહીં તો ક્રોનિક (અસાધ્ય) રોગ મટેલા.

(પા.૧૩)

પુણ્યાનુબંધી પુણ્યૈ ‘જ્ઞાની પુરુષ’નો ભેટો કરાવી આપે ! હવે એ પુણ્યાનુબંધી પુણ્ય કોનું નામ કહેવાય, કે જેને દાદા ભગવાન ભેગા થાય. કરોડો અવતારે ભેગા ના થાય એવા ‘દાદા’, તે આ એક કલાકમાં આપણને મોક્ષ આપે. મોક્ષનું સુખ ચખાડે, અનુભૂતિ કરાવડાવે, કો’ક ફેરો એ દાદા ભગવાન ભેગા થાય. મને હઉ ભેગા થયા અને તમનેય ભેગા થયા, જુઓ ને !

પ્રશ્નકર્તા : અમે ક્યાં કંઈ કમાઈને લાવ્યા છીએ, આ તો આપની કૃપા છે.

દાદાશ્રી : પુણ્યૈ એટલે શું કે તમે મને ભેગા થયા એ કોઈક તમારી પાસે હિસાબ હતો તેના આધારે ! નહીં તો મને ભેગા થવું એ બહુ મુશ્કેલ છે. એટલે ભેગા થવું એ તમારી પુણ્યૈ છે એક જાતની અને ભેગું થયા પછી વળે-ટકે, તો બહુ ઊંચી વાત છે.

ટિકિટ મળી તે સાચવજો ઠેઠ સુધી

પ્રશ્નકર્તા : દાદા, હવે મહાત્માનો મોક્ષ ક્યારે થાય ?

દાદાશ્રી : એક-બે અવતાર કે ત્રણ અવતાર પછી. આ ક્ષાયક સમકિત છે. હિમાલયમાં ફરે, ગમે ત્યાં ફરે પણ આ વસ્તુ પ્રાપ્ત થઈ શકે નહીં. આ તો ક્રમિક માર્ગના જ્ઞાનીઓ હોય ને, તો ત્યાં આગળ તો ત્રણ કે ચાર જ જણ બુઝે, વધારે બુઝે નહીં. આ તો અક્રમ વિજ્ઞાન છે ! દસ લાખ વર્ષે કો’ક ફેરો ઊભું થાય, ત્યારે લાખો માણસો લઈ જાય ! તેની મહીં ટિકિટ મળી ગઈ. એક્સેપ્શનલ (અપવાદ) કેસ, ટિકિટ મળી આ !

એટલે કરોડો અવતારેય જે વસ્તુ પ્રાપ્ત ના થાય એ તમને સહેજે પ્રાપ્ત થઈ છે. માટે હવે એનું રક્ષણ કરજો. બીજું બધું ધ્યાનમાં લેશો નહીં. સંસાર તો ચાલ્યા જ કરવાનો બધો. એ કશું અટકે નહીં કોઈ દહાડોય. જેમ આ દાઢીની ઈચ્છા ના હોય તોય થયા કરે છે ને, એમ સંસાર ચાલ્યા કરવાનો. આ ઈચ્છા હોય કે નાય ઈચ્છા હોય. અને જે સ્વભાવ છે એ સ્વભાવમાં જ થયા કરવાનું. એ સંસારમાં આપણે ‘આ આવો જોઈએ કે તેવો જોઈએ’, એ ચાલે નહીં ત્યાં આગળ. માટે આટલું સાચવજો ઠેઠ સુધી !

પ્રશ્નકર્તા : જ્યારે હું નિજભાવમાં રહેતો હોઉ, પછી છેલ્લે મને જે ખોટ પૂરી થવાની હોય ત્યારે મને શું એવો ભાસ થાય કે હવે કંઈક પૂરું થયું છે મારું ?

દાદાશ્રી : એ તો તમને આ સંસારી દુઃખો કે બોજો ઓછો થતો જાય અને તમે મુક્ત છો એ ભાન વધારે થતું જાય. તમે મુક્ત સુખ ભોગવી રહ્યા છો એ ભાન વધારે પ્રગટ થાય. હું કહું છું, ને, કે ભઈ, સત્યાવીશ વર્ષથી તો હું મુક્ત જ છું અને વિધાઉટ ટેન્શન. એટલે ટેન્શન થતું’તું ‘એ.એમ.પટેલ’ને, કંઈ મને ન’તું થતું. પણ ‘એ.એમ.પટેલ’નેય ટેન્શન થાય છે ત્યાં સુધી આપણે બોજો જ છે ને ! એ પૂરું થાય ત્યારે આપણે જાણવું કે આપણે છૂટ્યા અને તોય દેહ છે ત્યાં સુધી બંધન. અને તે તો અમને વાંધો નથી હવે. બે અવતાર થાય તોય વાંધો નથી. અમારો તો હેતુ શું છે, કે ‘આ જે સુખને હું પામ્યો છું એ સુખને આખું જગત પામો’ અને તમારે શેમાં ઉતાવળ છે એ કહો. તમને ત્યાં પહોંચવાની ઉતાવળ છે ?

મોક્ષની ગાડીમાં બેઠા પછી શી ઉતાવળ ?

પ્રશ્નકર્તા : કોઈ વખત મોક્ષે જવાની ઉતાવળ બહુ થાય છે !

દાદાશ્રી : ઉતાવળ કરશો તો ઠોકર ખાશો. મોક્ષ મળી ગયા પછી મોક્ષની ઉતાવળ શી ?

(પા.૧૪)

ઉતાવળ શેને માટે ? કોઈ તમારું રિઝર્વેશન લઈ લેવાનું છે ? રિઝર્વેશન કોઈથી અડાય નહીં ! જે ગામ જવાનું હોય તેનો નિશ્ચય, તેની ટિકિટ, બધું થઈ ગયું ! કો’કને પૂછી લેવાનું, ગાડી કેવી છે ? ત્યારે કહે, સ્પીડી (ઝડપી). ગાડીમાં બેસીને પછી સૂઈ જવાનું !

કોઈ માણસ ગાડીમાં બેઠો મુંબઈ જવા માટે વડોદરાથી અને બારીની બહાર જોયા કરે, કે મુંબઈ દેખાયું ? તો ક્યારે પાર આવે ? આ લોકો શું કહે છે ? ભઈ, શું જુઓ છો ? ત્યારે કહે, ‘કંઈ દેખાય છે મુંબઈ, કંઈ તપાસ કરો ને !’ ‘અલ્યા મૂઆ, સૂઈ જા ને ! ગાંડો છે કે શું ?’ બૈરીય એમ કહે કે ‘આ મૂરખ છે. તમને ક્યાં પૈણી હું ?’ એવું કોઈ કરતું હશે ? અરે, ઘણા માણસો ગાડીમાં દોડધામ કરે. કેમ ? ‘જલદી પહોંચવું છે. અમારા ઓળખીતા બહુ માંદા છે. સવારમાં નીકળીને ત્યાંથી દવાખાનામાં જવાનું.’ અલ્યા મૂઆ, અહીં ધકમક શું કરવા કરે છે, આમ દોડધામ દોડધામ ? વગર કામનો મૂઓ, ઊંઘતો નથી ને લોકોને ઊંઘવા નથી દેતો. અરે ભાઈ, ઊતરીને પછી ત્યાં જજે. સહુથી પહેલો તું જજે, પણ નિરાંતે સૂઈ જા ને અત્યારે !

આજ્ઞાથી પ્રગતિ ઝડપી

પ્રશ્નકર્તા : આપ એમ કોઈ વાર પૂછો છો કે પ્રગતિ થાય છે કે નહીં ? ત્યારે પ્રગતિ કઈ જગ્યાએ દેખાય ? એટલે કે પ્રગતિમાં શું દેખાય ? કેવી રીતે ખબર પડે ?

દાદાશ્રી : ડખો ના થાય તે. કોઈની જોડે ડખોડખલ ના થાય, અગર તો આપણી જાતને પણ ડખો ના થાય. એ જોઈ લે એટલે પ્રગતિ થઈ છે. કોઈની જોડે ડખો થઈ ગયો તો બગડ્યું.

પ્રશ્નકર્તા : આપણે જ્ઞાન પામ્યા પછી જે આપણી પ્રગતિ થાય મહાત્માઓની, તે પ્રગતિની સ્પીડ (ઝડપ) શેના ઉપર આધાર રાખે છે ? શું કરે તો વહેલી ઝડપી પ્રગતિ થાય ?

દાદાશ્રી : પાંચ આજ્ઞાઓ પાળે તો બધું ઝડપી થાય ને પાંચ આજ્ઞા જ એનું કારણ છે. પાંચ આજ્ઞા પાળે એટલે આવરણ તૂટતું જાય, શક્તિઓ પ્રગટ થતી જાય. તે અવ્યક્ત શક્તિ છે, એ વ્યક્ત થતી જાય. કારણ કે જે નિર્મળ આત્મા તમને આપ્યો છે તે ક્યારેય તન્મયાકાર નથી થતો. છતાં પણ પોતાને સમજણ નહીં પડવાથી, પોતાનું વ્યક્તિત્વ છોડવાથી, ‘પોતાની જગ્યા’ છોડવાથી થોડી ડખલ થયે ડખો ઉત્પન્ન થાય છે. ‘પોતાની જગ્યા’ ના છોડવી જોઈએ. ‘પોતાની જગ્યા’ છોડવાથી નુકસાન કેટલું છે કે ‘પોતાનું સુખ’ અંતરાય છે ને ડખા જેવું લાગે છે. પણ ‘અમે’ આપેલો આત્મા જરાય આઘોપાછો થતો નથી, તે તો તેવો ને તેવો જ રહે છે પ્રતીતિ રૂપે ! પાંચ આજ્ઞા પાળવાથી ઐશ્વર્ય વ્યક્ત થાય. અમારી આજ્ઞાને સિન્સીયર રહેવું એ તો મોટામાં મોટો, મુખ્ય ગુણ કહેવાય.

બીજથી પૂનમ થવા પાંચ આજ્ઞા

આ જ્ઞાનથી તો તમને બીજ થઈ ગઈ છે. હવે જેમ જેમ આજ્ઞામાં રહેશો, તેમ પછી પૂનમ થશે. અનાદિની અમાસ હોય છે ને, તેના કરતાં બીજ થઈ. બીજનો ચંદ્રમા દેખાયો. હવે ધીમે ધીમે ત્રીજ થશે, ચોથ થશે. આ બધું અમારા કહ્યા પ્રમાણે આજ્ઞામાં રહેશો, એટલે વધ્યા કરશે. અને પૂનમ થાય એટલે બધું સંપૂર્ણ થઈ જાય છે. મૂળ વસ્તુ ‘આ’ પ્રાપ્ત થઈ અને મહીં આનંદ ઉત્પન્ન થયો. હવે ધીમે ધીમે જેમ બીજ ઊગે છે ને, એ પછી પૂનમ થાય. અને પૂનમ ને બીજમાં ફેર ખરો ને ? એ ફેઝીઝ બધા થયા કરે. ફેઝીઝ ઑફ ધી મૂન, એવી રીતે આ જ્ઞાનના ફેઝીઝ ! પૂનમ થઈ એટલે જાણવાનું પૂરું થઈ ગયું.

(પા.૧૫)

પ્રશ્નકર્તા : પૂનમ કરવા માટે ઉત્કંઠા તો જોઈએ ને, કે જલદી થાય !

દાદાશ્રી : જલદીની વાત નથી. આપણે આજ્ઞા પાળ્યા કરવાની, બસ. આપણે આજ્ઞા વધારે પાળો, એનું પરિણામ પૂનમ આવશે. આ તો પાછી પૂનમેય રિસાય પછી કે ઓહોહો, જો મારા વગર એમને ગમતું નથી ! તારા વગર બધુંય ગમે છે, તું સામી આવ, બા ! અમે તો આ ચાલ્યા, એ સામી આવશે. જે પદ સામું આવે, એની ઉત્કંઠા કેવી ? મોક્ષેય સામો આવી રહ્યો છે, ને બધું સામું આવી રહ્યું છે. આપણે તો આપણી મેળે દાદા કહે એ પ્રમાણે કર્યા કરવાનું, બસ. બીજી ભાંજગડમાં નહીં પડવાનું. આગળ જવા જાય તો બોજો વધી જાય પાછો. વળી પાછો એનો બોજો કોણ લે વગર કામનો ?

પ્રશ્નકર્તા : કેમ દાદા, એના માટેની તીવ્રતા ન હોવી જોઈએ ?

દાદાશ્રી : ના, તીવ્રતા તો આ પાંચ આજ્ઞામાં રહો તેની જ કરવાની છે. પેલી વસ્તુ જે કાર્ય છે, તેને માટે નથી કરવાની. કારણની તીવ્રતા કરવાની છે, કાર્ય તો ફળ છે. ફળની તીવ્રતા કરીને લોક કારણમાં કાચા પડી ગયા છે. કાર્ય મોટું કે કારણ મોટું ?

પ્રશ્નકર્તા : કારણ મોટું, દાદા. પણ લક્ષ માટેની તીવ્રતા કહો.

દાદાશ્રી : એ તો રહે જ, એ તો ઓછું પડે જ નહીં.

પટંતર પમાડનારને સર્વસ્વ સમર્પણ

પ્રશ્નકર્તા : આ આજ્ઞાઓ આપે જે આપી, આ જાગૃતિ જે આપે કરાવી, એમાં બ્રહ્માંડના ભાવો સમાયેલા છે. હવે એથી આગળ કશું કહેવાનું રહેતું નથી.

દાદાશ્રી : તમામ શાસ્ત્રો, બધા આગમો, આમાં આવી ગયા. ચોવીસ તીર્થંકરોનું ભેગું વિજ્ઞાન છે આ !

પ્રશ્નકર્તા : આ અમારા દિલમાં જે લાગ્યું તે આપને કહ્યું સાહેબ, લો !

દાદાશ્રી : જેના થકી આપણે પટંતર પામ્યા, તેને સર્વસ્વ અર્પણ કરવામાં ખચકાટ ના અનુભવવો જોઈએ. સર્વસ્વ અર્પણ કરજો, કહે છે. જેનાથી આપણે પટંતર પામ્યા. શું હતા ને શું થઈ ગયા ! પટંતર જાત્યાંતર કહેવાય.

અમે પાંચ આજ્ઞા આપીએ છીએ ને, તે આજ્ઞા જેટલી પાળો એટલો લાભ. ઓછી પાળો તો જરા લાભ ઓછો રહે. પણ તે ક્રોધ-માન-માયા-લોભ તો જતા જ રહે છે, નબળાઈઓ જતી રહે છે. આ તો એવું છે કે આ જ્ઞાન પ્રાપ્ત થયું છે ને, તે પાંચ અબજ રૂપિયા આપો તોય આ જ્ઞાન પ્રાપ્ત થાય એવું નથી. પાંચ લાખ અવતારેય ના થાય, એવું એક કલાકમાં થાય છે. આની ઉપર ટાઈમ બગાડવા જેવું નહીં. આ વિવરણ કરવા જેવી ચીજ ન્હોય. ધીસ ઈઝ ધ કૅશ બેંક ઑફ ડિવાઈન સોલ્યુશન ! કૅશ બેંકમાં એમ ના કહેવાય કે તમારો ચેક પછી કેટલા વાગે આવશે અને કેટલા વાગે મને પેમેન્ટ મળશે, એવું તેવું કશું કહેવાય નહીં. આ સમજમાં આવે છે ને ? અને ‘કૅશ બેંક’ કહ્યું એટલે આપણે સમજી જઈએ કે ના સમજી જઈએ ? કેમ લાગે છે તમને ?

મોક્ષ થશે જ એનો આનંદ

પ્રશ્નકર્તા : મોક્ષ આ ભવમાં તો મળવાનો નથી, તો મોક્ષ માટે કેટલા ભવ લેવા પડે ?

દાદાશ્રી : એ તો જેટલી આજ્ઞા પાળે ને, સિત્તેર ટકા જો પાળે તો તે એક અવતારમાં જ મોક્ષે જાય. એટલે વધારેમાં વધારે ચાર ને ઓછામાં

(પા.૧૬)

ઓછો એક. પણ પછી જરાય આજ્ઞા ના પાળે તો દોઢસોય થાય.

પ્રશ્નકર્તા : આપ કહો છો ને કે જ્ઞાન લીધા પછી કોઈને કર્મ ચાર્જ થતું જ નથી, બધું ડિસ્ચાર્જ જ થયા કરે છે. તો બધા એક જ અવતારમાં મોક્ષે જવા જોઈએ ને ?

દાદાશ્રી : અમારી જે આજ્ઞા પાળે છે ને, એટલો કર્તાભાવ રહે છે. એટલે એને લઈને એક કે બે અવતાર થાય. જેવી આજ્ઞા પાળે એના પર એકાદ અવતાર વધતો-ઓછો થાય. વધારેમાં વધારે ત્રણ-ચાર લાગે, પણ છતાંય જે માણસ બહુ ધ્યાન ના રાખે, મારી જોડે બહુ ટચમાં ના આવે તો એને બહુ ત્યારે પંદર થાય, કોઈને સો-બસ્સોય થઈ જાય. પણ કંઈક લાભ થશે એને. મને મળ્યો છે ને, અહીં અડી ગયો છે, એને લાભ થયા વગર રહેવાનો નથી. જન્મો બહુ ઓછા થઈ જશે. પણ મને જેટલો વધારે ભેગો થાય અને બધા ખુલાસા કરી લે, હું એમ નથી કહેતો કે આખો દા’ડો અહીં પડી રહે. પાંચ મિનિટ આવીને ખુલાસા કરી જા તું. તને શું અડચણ આવે છે ? ભૂલચૂક થતી હોય તો અમે તમને બીજી કુંચીઓ આપી દઈએ ને ભૂલચૂક સુધારી દઈએ. કારણ કે કલાકની જ્ઞાનવિધિથી ફન્ડામેન્ટલ (મૂળભૂત જ્ઞાન) મળે છે. પછી વિગત મેળવી લેવી જોઈએ ને ! એક ડૉક્ટર થવું હોય તેને માટે ટાઈમ તો બગાડો ને ? કૉલેજમાં ભણતા પચ્ચીસ-પચ્ચીસ વર્ષ ટાઈમ બગાડે છે, તે આને માટે કંઈક ક્વૉલિફિકેશન (યોગ્યતા) જોઈએ ને ?

પ્રશ્નકર્તા : એટલે દાદા, એવું થાય કે મોક્ષ મળવામાં વિલંબ થાય ? બે અવતારના બદલે ચાર અવતાર થાય એવું થાય ?

દાદાશ્રી : એ થાય, તો વાંધો શું છે પણ ?

પ્રશ્નકર્તા : પણ જલદી જવું છે. વચ્ચે ક્યાંક ભરાઈ પડીએ તો ?

દાદાશ્રી : એક સંત પુરુષે નારદજીને કહ્યું, ‘નારદજી, પૂછી આયા ભગવાનને કે મારો મોક્ષ થશે ?’ ત્યારે નારદજીએ કહ્યું, ‘હા, ભગવાને કહ્યું કે મોક્ષ થશે. આ જે આંબલી નીચે બેઠા છો, એના પાંદડા છે એટલા અવતાર થશે પછી તમારો મોક્ષ થશે.’ ‘થશે ખરો, કહ્યું છે ને, તે બહુ થઈ ગયું.’ તે મોક્ષ થવાનો એના આનંદમાં બહુ નાચ્યા પછી, ખૂબ નાચ્યા. એટલે મોક્ષ થશે જ, એની મહત્વતા છે. ક્યારે થશે એ પછી દેખ લેંગે. બાકી અહીં જ મોક્ષ થઈ જવો જોઈએ. આ તો અક્રમ વિજ્ઞાન છે, એકાવતારી વિજ્ઞાન છે. પછી એક જ અવતાર બાકી રહે. કો’કને બે અવતાર થાય, કો’કને ત્રણ અવતાર થાય.

પ્રશ્નકર્તા : પણ પગથિયાં ઊતરી પડીએ તો વધારે અવતાર થઈ જાય ને ?

દાદાશ્રી : ‘દાદા, દાદા’ કરતા આગળ ચાલ્યા જવું. કશાનો ભય રાખવાનો નહીં કે આમ થશે તો શું થશે ?

પ્રશ્નકર્તા : દરેક અવતારમાં મોક્ષનું લક્ષ તો રહે જ ને ?

દાદાશ્રી : હવે બહુ ક્યાં થવાના ? લક્ષ તો જોડે રહેવાનું ને ! મોક્ષ સ્વરૂપ જ રહેવાનું.

પ્રશ્નકર્તા : જેમણે જ્ઞાન લીધેલું છે, એમની બે-પાંચ ભવે મુક્તિ તો થવાની ને ?

દાદાશ્રી : હા, પણ જ્ઞાન જોડે આજ્ઞા પાળે તો. આજ્ઞા ના પાળે તો વધારે અવતાર થઈ જાય. આજ્ઞાની જ કિંમત છે, જ્ઞાનની કિંમત નથી. આજ્ઞા એ અમે છીએ અને આજ્ઞા પાળી એટલે અમે જોડે જ હોઈએ.

(પા.૧૭)

આજ્ઞાપાલને નિર્વિકલ્પ સમાધિ

પ્રશ્નકર્તા : આજ્ઞા ચૂકી ગયા છે, એની પારાશીશી કંઈ હશે ?

દાદાશ્રી : મહીં સફોકેશન, ગૂંગળામણ થાય. એ આજ્ઞા ચૂક્યાનો જ બદલો. આજ્ઞાવાળાને તો સમાધિ જ રહે, નિરંતર. જ્યાં સુધી આજ્ઞા છે ત્યાં સુધી સમાધિ. આપણા માર્ગમાં ઘણાય માણસો છે કે જે આજ્ઞા સરસ પાળે છે અને સમાધિમાં રહે છે. કારણ કે આવો સરળ ને સમભાવી માર્ગ, સહજ જેવું ! અને જો એ ના અનુકૂળ આવ્યો તો પછી પેલો તો અનુકૂળ આવવાનો જ શી રીતે ? એટલે બધી જ ભાંજગડો આઘી મૂકીને, મનની ભાંજગડોમાં ધ્યાન દેવાય જ નહીં. ખાલી જ્ઞાતા-જ્ઞેયનો સંબંધ જ રાખો. મન એના ધર્મમાં છે, એમાં શું કરવા ડખો કરવાની જરૂર ? નિરંતર આજ્ઞામાં રહેવાય, સમાધિમાં રહેવાય એવો માર્ગ છે ! જરાય કઠણ નહીં, કેરીઓ-બેરીઓ ખાવાની છૂટ !

પ્રશ્નકર્તા : જ્ઞાનીના આશ્રયે આવ્યા પછી જે કોઈ ખામી જણાય છે, તો એ પોતાની સમજવી કે સામાની સમજવી ? આપણને તો એમ થાય કે આપણે આજ્ઞા પ્રમાણે રહીએ છીએ, પણ એમાં ફેર કઈ જાતનો રહી જાય છે ?

દાદાશ્રી : ફેર રહી જાય ને, એટલે આપણને પછી બધી ઉપાધિ પડ્યા કરે. આપણને અણગમો થાય, કંટાળો આવે, એવું બધું થાય. ફેર રહી જાય તો આવું થઈ જાય, નહીં તો જો અમારી આજ્ઞામાં રહે ને, તો સમાધિ જાય નહીં પછી. આ જ્ઞાનનો એવો પ્રતાપ છે કે અખંડ શાંતિ રહે અને એક-બે અવતારમાં મુક્તિ મળી જાય.

આટલી બધી જંજાળોમાંય તમને મહાત્માઓને અહીં નિર્વિકલ્પ સમાધિ પ્રાપ્ત થઈ જાય છે. દેહ અને આત્મા બિલકુલ છૂટા ને છૂટા રહે, ક્યારેય તન્મયાકાર ના થાય. પછી ગમે તે અવસ્થા હોય, તેનું જ નામ નિર્વિકલ્પ સમાધિ.

હવે કામ કાઢી લો

આ નિઃશંક થયા, હવે આજ્ઞામાં રહો. ઘૈડપણ કાઢી નાખો. આ દેહ જતો રહે તો ભલે જતો રહે, કાન કાપી લે તો કાપી લે, પુદ્ગલ નાખી દેવાનું જ છે. પુદ્ગલ પારકું છે. પારકી વસ્તુ આપણી પાસે રહેવાની નથી. એ તો એનો ટાઈમ હશે, વ્યવસ્થિતનો ટાઈમ હશે, તે દહાડે જ્યારે હો ત્યારે લઈ લે. એનો ભય રાખવાનો નહીં. આપણે કહીએ, લઈ લો. તેથી કોઈ લેનારું નવરું નથી, પણ તે આપણામાં નિર્ભયતા રાખે. જે થવું હોય તે થાવ, કહીએ.

એવું છે, આ ચંદુભાઈ નામનો દેહ આપણને મહામિત્ર સમાન થઈ પડ્યો છે, કે આ દેહે આપણે અક્રમ જ્ઞાનીને ઓળખ્યા અને અક્રમ જ્ઞાન આપણને પ્રાપ્ત થયું અને તે અનુભવમાં સિદ્ધ થયું. માટે હવે આ દેહને કહીએ, કે ‘હે મિત્ર, તારે જે દવા કરવી હશે તે હું કરીશ. અગર તો હિંસક દવા હશે તો તેય કરીને પણ તું રહે.’ એવી આપણી ભાવના હોવી જોઈએ. આ દેહ જ નહીં પણ એવા બધા બહુ દેહ ગયા-બળ્યા, બધાય દેહ નકામા ગયા ને ! અનંત અવતાર દેહ નકામા ગયા. પણ આ દેહે તો આપણને યથાર્થ ફળ દેખાડ્યું ને ! અને ચંદુભાઈના નામ પર દેખાડ્યું ને ! માટે આ દેહ સાચવજો અને હવે કામ કાઢી લો.

છૂટો જ રહેશે આવતા ભવે

પ્રશ્નકર્તા : અમે જ્ઞાન લીધું છે, તો અમારે મૃત્યુ સમયે શું કરવું જોઈએ ?

દાદાશ્રી : જ્ઞાતા-દ્રષ્ટા રહેવાનું. આપણી અંદર શું ચાલી રહ્યું છે, તેને જોયા જ કરવાનું.

(પા.૧૮)

એ ના રહેવાય તો દાદાની પાંચ આજ્ઞામાં રહેવું, રિલેટિવ-રિયલ જોયા કરવું.

પ્રશ્નકર્તા : આપણું મરણ થાય તો આપણી જોડે એક્ઝેક્ટલી શું આવવાનું, જેટલું ચીતરેલું હોય તે ?

દાદાશ્રી : શુદ્ધાત્મા થયા, પછી જોડે બીજું કશુંય આવવાનું નથી તમારે. આ એક અવતારનો ફક્ત માલસામાન જોડે એક-બે થેલા આવશે. જેમ આ સાધુઓ એક-બે થેલા નથી રાખતા ? ઘર-બાર કશુંય નહીં, એટલે બે થેલા છેવટે રહેશે, એક અવતારના માટે.

પ્રશ્નકર્તા : હમણાં અત્યારે તો ઢગલા ગોડાઉન છે.

દાદાશ્રી : એ તો છો ને લાગે ઢગલો, એ ઢગલો ‘ફૉરેન’નો છે ને પણ, તમે તમારો માનો છો શું કરવા ? તમારો ‘હોમ’નો છે જ નહીં. એ ભાર જ છોડી દો. ભાર છોડીને સૂઈ જાવ નિરાંતે ! આપણે જોઈ લેવું કે આ બધા સૂઈ ગયા છે, તો આ આપણે સૂઈ જાવ !

પ્રશ્નકર્તા : દાદા, તમે અમને જે છૂટા પાડ્યા છે આત્મા ને દેહ, એ એક નહીં થઈ જાય ને ?

દાદાશ્રી : જુદા જ રહેશે.

પ્રશ્નકર્તા : બીજા ભવમાં જાય તોય ?

દાદાશ્રી : હા. અહીંથી બંધાયેલો ગયો, તો ત્યાં બંધાયેલો જ રહે અને અહીંથી છૂટો ગયો, તો ત્યાં છૂટો જ રહે.

મૃત્યુની વેદના વખતે...

પ્રશ્નકર્તા : જે વખતે માણસ મરવા પડે છે, એ વખતે એને એક હજાર વીંછીની વેદના થાય, તો તે વખતે આ જ્ઞાન રહે કે ના રહે ?

દાદાશ્રી : આ જ્ઞાન હાજર રહે જ. મરતી વખતે નિરંતર સમાધિ આપશે. અત્યારે સમાધિ આપે, એ જ્ઞાન મરતી વખતે તો હાજર થાય જ. એટલે મરણ વખતે સરવૈયું હાજર થાય આખી જિંદગીનું.

પ્રશ્નકર્તા : નસો ખેંચાતી હોય, નાડો તૂટતી હોય...

દાદાશ્રી : તેનો વાંધો નહીં. નસો કંઈ બેભાન થઈ જાય ને, તોય એને મહીં છે તે ધ્યાન હોય, શુક્લધ્યાન છોડે નહીં ને ! એક ફેરો ઉત્પન્ન થયેલું પછી છોડે નહીં. અત્યારે જ ચિંતા થવા દેતું નથી ને ?

પ્રશ્નકર્તા : ના.

દાદાશ્રી : તો જે ધ્યાન ચિંતા થવા નથી દેતું, એ વર્લ્ડમાં કોઈ દા’ડો બનેલું નહીં એવી વસ્તુ આજ બની છે. તો એ મરતી વખતે તમને છોડતું હશે કે ? ‘હું શુદ્ધાત્મા છું’ એ ભાન રહ્યું કે સમાધિમરણ કહેવાય. પછી દેહને ગમે એટલી પીડા થતી હોય, તેને જોવાનું નહીં. એટલે જાગૃત રહ્યો તે વખતે.

મહાત્માઓને અંત સમયે સાચવશે દાદા

પ્રશ્નકર્તા : મહાત્માને ક્યારે મૃત્યુ થવાનું છે એ ખબર પડે ખરી ? જો બધી જ આજ્ઞા પાળતો હોય આપની અને જ્ઞાતા-દ્રષ્ટા તરીકે રહેતો હોય, તો એને અંત સમય આવ્યો છે એવી ખબર પડે ખરી ?

દાદાશ્રી : ખબર પડે. ના પડે તોય વાંધો નથી. પણ ત્યાં આગળ દાદા સાચવશે ઠેઠ સુધી. એટલે ચિંતા કરશો નહીં. આટલું કરનારને દાદા બધી રીતે સાચવી લેશે.

પ્રશ્નકર્તા : તે સમયે કોઈ અનુભવ થાય ?

(પા.૧૯)

દાદાશ્રી : અનુભવ થઈ જાય ને ! આત્મામાં જ હશે તે ઘડીએ. છેલ્લો એક કલાક આત્મામાં જ હોય, બહાર નીકળે જ નહીં. કારણ કે બહાર ભયજનક વાતાવરણ લાગે.

પ્રશ્નકર્તા : દાદાને ભજવામાં જે દેહે સાથ આપ્યો છે અને આપે છે, તે અંતિમ સમયે દેહ છોડતા છેલ્લી ઘડીએ દાદા હાજર રહે તેવો ભાવ કરું છું. પ્રભુ ! મને એવું આપજો.

દાદાશ્રી : સ્ટીમર ડૂબવાની હોય ત્યારે એ સ્ટીમરની મમતા છોડી દે કે ના છોડી દે ? સ્ટીમર ડૂબતી હોય અને એક બાજુ કહે છે, ‘ચાલો પેસેન્જરો, આમાં હોડીઓમાં ઊતરી જાવ. કશું લેશો નહીં. હાથમાં વજન લેશો નહીં.’ તે મમતા છોડી દે ! ના છોડે ? એ સ્ટીમરમાં બેસી રહે પછી ? અને પછી ‘દરેક ઘરના બે માણસ લેવાના છે.’ એટલે એના બાબાને જવા દે કે એ ડોસો પોતે જાય ? ના જવા દે. આ બીજાને જવા દે કોઈ ? એ તો બધાને ખસેડી ને, એને જવા ના દેતા હોય તોય જતો રહે ને ? અરે, બધાને ધક્કા મારીને જતો રહે. બધી મમતા છોડી દેવાની શરતે મને જીવતો રાખો. તે મરતી વખતે આવા ખેલ થાય છે ! આપણા જ્ઞાનવાળાને, તે મહીં આત્મામાં પેસી જાય છે ને, પછી આપણે કહીએ, ‘બહાર નીકળો ને !’ ત્યારે કહે, ‘ના, બા. મારે હવે કશું જોઈતું નથી.’ એને સમાધિમરણ કહેવામાં આવે છે. બહાર શરીરમાં ઉં...ઉં... થતું હોય અને મહીં પોતાને સમાધિ હોય. છેલ્લી ઘડીએ આટલો બધો આજ્ઞામાં રહે છે. એટલે કોઈએ ચિંતા નહીં કરવાની.

મહાત્માઓને થશે સમાધિમરણ

મરણ વખતે આત્માની ગુફામાં જ પેસી જાય તદ્દન, બહાર રહે જ નહીં, ઊભો જ ના રહે ને ! એ એનો મુખ્ય ગુણ છે આ. બહુ મુશ્કેલી ચોગરદમની હોય ને, ત્યારે ગુફામાં પેસી જાય. એ મોટામાં મોટો ગુણ છે. અને પેલા બીજા બધાને, જ્ઞાન ના હોય તેને તો ગુફા હોય જ નહીં, તો પછી પેસવું શી રીતે તે ?

ચંદુભાઈથી જુદા રહેવું જોઈએ આપણે. ચંદુભાઈ જુદા ને આપણે જુદા. આ તો સ્થિર રાખે એવું છે આપણું વિજ્ઞાન. બહુ મુશ્કેલી આવે ને, ત્યારે ગુફામાં પેસી જાય એ.

મને કહે છે કે ‘દાદા, મરતી વખતે સમાધિમરણ થશે ?’ મેં કહ્યું, ‘અત્યારે સમાધિ રહે છે, તો તે ઘડીએ તો વધારે ભય હોય એટલે બધા અંદર પોતાના ઘરમાં જ પેસે. બહાર નીકળે જ નહીં ને ! એટલે સમાધિમરણ જ થવાનું.’

મરણનો ભય નહીં ત્યાં ‘મોક્ષના વીઝા’

આ તો અજાયબ જ્ઞાન આપેલું છે. રાતે જ્યારે જાગો ત્યારે હાજર થઈ જાય કે ‘હું શુદ્ધાત્મા છું.’ તમે જ્યાં કહેશો ત્યાં હાજર થશે. અને બહુ મુશ્કેલી આવે તો નિરંતર જાગૃત રહેશે. બહુ મોટી મુશ્કેલી આવી અને એથી વધારે મુશ્કેલી આવી, બૉમ્બ પડવા માંડ્યા, તો પછી (શુદ્ધાત્માની) ગુફામાં પેસી જશે. કેવળજ્ઞાની જેવી દશા થઈ જશે. બહાર બૉમ્બ પડવા જોઈએ તો કેવળજ્ઞાની જેવી દશા થઈ જાય એવું જ્ઞાન આપેલું છે.

પ્રશ્નકર્તા : કેવળજ્ઞાન એટલે શું ?

દાદાશ્રી : એ તમને અનુભવમાં આવે, પછી તમને કશું અડે નહીં. ખોખું ને આત્મા બેઉ જુદા ને જુદા દેખાય એ કેવળજ્ઞાન.કેવળજ્ઞાન એટલે કેવળ આત્મા જ, બીજી કોઈ ચીજમાં હુંપણું નહીં. નિરંતર હુંપણું શામાં ? આત્મામાં જ. આત્મા એ જ્ઞાનસ્વરૂપ છે અને જ્ઞાનમાં જ હુંપણું. આત્મા જેને ‘શુદ્ધ ચૈતન્ય’ કહેવામાં આવે છે, એ કોઈ વસ્તુ નથી, કેવળજ્ઞાન માત્ર છે. ફક્ત જ્ઞાન જ છે, કેવળજ્ઞાન જ છે.

(પા.૨૦)

કોઈ પણ સંયોગમાં ભય ના લાગે. ગમે તેવા એટમ બૉમ્બ નાખે, ગમે તે એ થાય પણ ભય ના લાગે. મહીં પેટમાં પાણી ના હાલે ત્યારે જાણવું કે વિજ્ઞાન પૂરું (પ્રાપ્ત) થઈ ગયું છે. અગર તો જેણે આવું લક્ષ બાંધ્યું હોય કે કોઈ પણ સંજોગોમાં મને ભય ન લાગવો જોઈએ અને તે રસ્તે ચાલે છે, તે માણસને વિજ્ઞાન પૂરું થવાની તૈયારી છે.

અહીંથી મરવાનું આવે પણ ભો ના રહે તો જાણવું કે હવે મોક્ષને માટે ‘વીઝા’ મળી ગયો ! કોઈ રસ્તે ભય ના લાગવો જોઈએ. કારણ કે જ્યાં માલિક જ તમે છો, ભય વળી કોનો તે ? માલિક છો, દસ્તાવેજ છે, ટાઈટલ છે, બધું જ તમારી પાસે છે પણ તમને ખબર નથી, તે શું થાય તે ?

એટમ બૉમ્બ પડવાના હોય, તોયે પણ એટમ બૉમ્બ નાખનારો ભડકે પણ જેની પર પડનારો છે એ ભડકે નહીં, એટલી બધી તાકાતવાળું વિજ્ઞાન છે આ !

અંત સમયે દાદા ખડે પગે હાજર

પ્રશ્નકર્તા : મરતી વખતે દાદા હાજર રહેશે ?

દાદાશ્રી : હા. હાજર તો, ખરેખરા હાજર રહેશે. (દાદા) આડે દહાડે હાજર રહે છે ને ? આખો દહાડો રહે છે ને ! થયું ત્યારે ! જો આખો દહાડો રહે છે એવું કહે છે ને ! આડે દહાડે હાજર રહેતા હોય તો મરતી વખતે ના રહે ?

એટલે તમારે બહુ વિચારવાનું ના હોય કે દાદા હાજર થજો. એવી દાદાને વિનંતીયે કરવાની ના હોય.

અનંત અવતાર મર્યા પણ બધા કુમરણ થયા, સમાધિમરણ થયું નથી અને હવે સમાધિમરણ થશે. કારણ કે જ્યારે કંઈક સંસારી આફત આવે છે, ત્યારે તું ચંદુ રીતે રહું છું કે આત્મા થઈ જાઉ છું ?

પ્રશ્નકર્તા : આત્મા થઈ જાઉ છું.

દાદાશ્રી : હા, તે કંઈક મરણની આફત આવી પડી, તે ઘડીએ મહીં આત્મા થઈ ગયો હોય ! આફત આવી કે ઊભો ના રહે બહાર, હોમમાં (આત્મામાં) પેસી જાય એ સમાધિમરણ. સંસારનું છેવટનું સ્ટેશન શું હોવું જોઈએ ? સમાધિ.

પ્રશ્નકર્તા : મહાત્માઓનું મૃત્યુ સમાધિમાં જ થશે ?

દાદાશ્રી : અમારી આજ્ઞા પાળે તો અમે હાજર હોઈશું ને સમાધિમરણ થશે.

પ્રશ્નકર્તા : એટલે સમાધિમરણ થાય, તે વખતે આપણે આત્મામાં રહીએ ?

દાદાશ્રી : હા, સમાધિમરણ એટલે ‘પોતાના સ્વરૂપ’ સિવાય બીજું કશું યાદ જ ના હોય. મન-બુદ્ધિ-ચિત્ત-અહંકાર કશું જ હાજર ના હોય, આત્મામાં જ હોય.

સમાધિમરણ, તે સમયે આત્મામાં હોય ત્યાં ! મહાત્માઓની છેલ્લી ઘડીએ તો દાદા ખડે પગે હાજર રહેશે !

આવતા ભવે આ ‘જ્ઞાન’ રહેશે ?

પ્રશ્નકર્તા : આ જ્ઞાન લીધેલું આવતા જન્મે રહેશે કે ફરી લેવું પડશે ?

દાદાશ્રી : રહેશે, કોઈ જ્ઞાન જતું ના રહે. આ જ્ઞાનેય જતું ના રહે અને બીજું કંઈ જ્ઞાન લઈ આવો તેય જતું ના રહે. જ્ઞાન રહેવાનું જ બધે, જ્યાં જાવ ત્યાં.

પ્રશ્નકર્તા : હજુ એક કે બે ભવ બાકી રહ્યા છે, એમાં આ આત્માનું જ્ઞાન રહેશે ?

દાદાશ્રી : બીજું જ્ઞાન તો અત્યારે ભૂલી ગયા છો ને, તે જોડે આવવાનું નથી. જે જ્ઞાનમાં છો

(પા.૨૧)

તે જ જ્ઞાન જોડે આવવાનું. જે સ્ટાન્ડર્ડ(કક્ષા)માં છો એ જ સ્ટાન્ડર્ડ તમારે ત્યાં ચાલુ થઈ જવાનું. એટલે આ જ બધું રહેશે. આજે અહીં છીએ અને કાલે છીએ એ બેમાં ફેર નહીં જરાય. ફક્ત આ શરીર બદલાય એટલું જ, બીજી સ્થિતિ તેમની તેમ જ. અને હમણે ચોર-બદમાશ હોય, તેનેય છે તે જે અહીં છે ને, તે ત્યાં આગળ બધું એમ ને એમ જ ! એટલે ત્યાં કશું કોઈ લઈ ના લે. આ જ્ઞાન હાજર રહે. ત્યારે તો મોક્ષે જવાય ને ! નહીં તો મોક્ષે કેમ જવાય ? અને ભૂતકાળ નથી તમને યાદ રહેતો, એ તો બહુ ઊંચામાં ઊંચું ! અને ભવિષ્યકાળ છે તે વ્યવસ્થિતના તાબામાં છે. એટલે તમારે વર્તમાનકાળમાં રહેવું.

પ્રશ્નકર્તા : દાદા, જે અત્યારે સમકિત આપો છો, જ્ઞાન આપો છો, તે ઠેઠ મોક્ષે જતા સુધીનું કાયમ રહેવાનું આ ?

દાદાશ્રી : આ મોક્ષ થઈ જ ગયો, હવે બીજો લેવાનો જ ક્યાં રહ્યો ? અજ્ઞાનથી મુક્તિ પહેલી થાય. પછી કર્મો પૂરા થઈ રહે, એટલે બીજી મુક્તિ.

પ્રશ્નકર્તા : પણ બીજે ભવે જ્ઞાન લેવું પડે ?

દાદાશ્રી : ના, એ તો આ જ્ઞાન તો જોડે ને જોડે જ હોય. આ જ્ઞાન જે પ્રાપ્ત થયું છે ને, તેનું તે જ જ્ઞાન જોડે ને જોડે આવે.

પ્રશ્નકર્તા : વચ્ચે અમુક અવતારો પછી જો છુટકારો થવાનો હોય, તો પછી આગલા અવતારોમાં પણ આ જ સ્થિતિ ચાલુ રહે કે ?

દાદાશ્રી : સ્થિતિ તો, અહીં ૯૯ સુધી પહોંચ્યા હોય, તો ૯૯થી ફરી તમારે ચાલુ થાય. આ ભાઈને ૮૧ સુધી હોય તો ૮૧થી ચાલુ થાય.

પ્રશ્નકર્તા : એટલે આવતા અવતારમાં પણ કર્મ ના બંધાય, એ સ્થિતિ ચાલુ જ રહે ?

દાદાશ્રી : બધી સ્થિતિ ચાલુ રહે. જે જ્ઞાન તમે લઈને આવ્યા ને, તે તો અહીં છેલ્લી સ્થિતિ વખતે, મરણ સ્થિતિ વખતે હાજર રહેવાનું અને પછી આવતે ભવ ત્યાં હાજર રહેવાનું.

પ્રશ્નકર્તા : હવે બીજો ભવ કરે, તે વખતે આ જ્ઞાન કંઈ યાદ આવી જાય આપણને ?

દાદાશ્રી : એ તો નિમિત્ત બધું ભેગું થાય. નિમિત્ત વગર તો ના થાય. નિમિત્ત મળે પણ તે જ્ઞાનનું નિમિત્ત નહીં. એ તો અવળું નિમિત્તેય મળે. અવળું નિમિત્ત મળે, તો જ્ઞાન હાજર થઈ જાય. કો’ક અવળું કરનારું, હેરાન કરનારું મળે તે, એટલે આપણે વિચારમાં પડીએ, વિચારોમાં પેલું જ્ઞાનનું લાઈટ થઈ જાય. અગર તો કોઈ સાધુ મહારાજ પાસે વાત સાંભળવા ગયા, ત્યાં મહારાજ વાત કરતા હોય તો મનમાં એમ વિચાર આવે કે આવું ના હોય, આમ હોય. એ છે તે જ્ઞાન હાજર થઈ જાય ને લાઈટ થઈ જાય. એટલે નિમિત્ત મળીને પછી જ્ઞાન હાજર થઈ જાય.

પ્રશ્નકર્તા : એ જે બાકી એક-બે જન્મો રહ્યા, એની અંદર આ જાગૃતિ ને આ માર્ગદર્શન...

દાદાશ્રી : એ તો જોડે રહેવાનું બધું. આ જાગૃતિ, આ જ્ઞાન બધું અહીંથી જેવું છૂટ્યું ને એવું જ ત્યાં હાજર થઈ જશે. નાની ઉંમરમાંથી જ લોકને અજાયબી થાય એવું થશે. તેથી કૃપાળુદેવને એમની નાની ઉંમરમાં છે તે આ લખી શકતા’તા ને બધું. જો જ્ઞાન હાજર ના થતું હોય તો નાની ઉંમરમાં કરી શકે નહીં.

પ્રશ્નકર્તા : અત્યારે આ અવતારમાં અક્રમ મળ્યું છે અને પછીના અવતારમાં પછી ક્રમિકમાં જવું પડશે કે અક્રમ જ રહેશે ?

દાદાશ્રી : પછી રહ્યું જ નહીં ને ! આત્મા પ્રાપ્ત થઈ ગયો એટલે થઈ રહ્યું, ખલાસ ! પછી

(પા.૨૨)

ગમે તે, બધું નિકાલી છે. અક્રમ મળો કે ક્રમ મળો, એને આપણે લેવાદેવા નથી. આપણું આ જ્ઞાન હાજર ને હાજર રહેશે, ઠેઠ એક-બે અવતાર સુધી.

પ્રશ્નકર્તા : દાદા, આ ભવમાં તો તમારું જ્ઞાન મળ્યું અને આજ્ઞા પણ મળી, તો હવે આવતા ભવમાં એ આજ્ઞા આપશે કોઈ કે આપણે લઈને જ જઈશું કે શું થશે ?

દાદાશ્રી : આ આજ્ઞા આ ભવ પૂરતી જ છે. પછી આગળ આજ્ઞા તમારા જીવનમાં વણાઈ ગયેલી હશે, તમારે પાળવી નહીં પડે. આ ભવ પૂરતી તમારે પાળવી પડશે. સારી રીતે પાળશો તો આવતા ભવમાં તમારે વણાઈ ગયેલી હશે. એ તમારું જીવન જ આજ્ઞાપૂર્વક હશે !

પ્રશ્નકર્તા : તે બીજા અવતારે પણ અત્યારની ફાઈલો પાછી સાથે આવશે ?

દાદાશ્રી : ફાઈલો જોડે ફરી કકળાટ કર્યો હશે તો જોડે આવશે, નહીં કર્યો હોય તો નહીં આવે.

જવાશે મહાવિદેહ ક્ષેત્રે

જેને અહીં લક્ષ બેઠું શુદ્ધાત્માનું, તે અહીં આગળ આ ભરત ક્ષેત્રે રહી શકે જ નહીં. તે સહેજેય મહાવિદેહમાં ખેંચાઈ જાય એવો નિયમ છે. અહીં આ દુષમકાળમાં રહી શકે જ નહીં. શુદ્ધાત્માનું લક્ષ નથી, તે તો બધા અહીં છે જ. પણ જેને લક્ષ બેઠું ને, તે મહાવિદેહમાં એક અવતાર કે બે અવતાર કરી તીર્થંકરના દર્શન કરીને મોક્ષે ચાલ્યો જાય એવો સહેલો-સરળ માર્ગ છે આ !

પ્રશ્નકર્તા : આપણે મહાવિદેહ ક્ષેત્રની અંદર જો જન્મ લેવો છે, તો એ મળી શકે ખરો ?

દાદાશ્રી : હા, કેમ ના મળે ? બધા ફોર્થવાળાને જ ફિફ્થમાં બેસાડે ને ? પાસ થાય તેને. એવી રીતે એક અવતાર અહીંથી ક્ષેત્ર સ્વભાવ લઈ જાય છે માણસને. એટલે ચોથા આરાને લાયક સ્વભાવ થાય તે ચોથો આરો જ્યાં ચાલતો હોય, ત્યાં એ ક્ષેત્ર એને ખેંચી લે અને ચોથા આરામાં પાંચમા આરાને લાયક જીવો હોય, તેને આ પાંચમો આરો ત્યાંથી ખેંચી લે. એટલે તમારે સીમંધર સ્વામી પાસે બેસવાનું અને ત્યાં આગળ તમને આ પ્રાપ્તિ થઈ જશે. એ છેલ્લા દર્શન થાય. અમારાથી ઊંચા દર્શન એ. અમે ત્રણસો છપ્પન ડિગ્રીએ, એમની ત્રણસો સાઈઠ ડિગ્રી, એટલે ત્યાં એ દર્શન થશે. એ દર્શનની જ જરૂર છે હવે, એટલે બધું આવી ગયું. એ દર્શન થાય એટલે મોક્ષ થાય.

આજ્ઞા પાલને પહોંચીશું સ્વામી પાસે

અને બધી પુણ્યૈ એવી બંધાશે કે ત્યાં મહેનત નહીં કરવી પડે. ત્યાં તો તૈયાર બંગલા-ગાડીઓ ત્યાં જ જન્મ થાય ને ત્યાં આગળ પછી એ ભગવાનને ત્યાં મૂકવા આવશે ગાડીઓમાં. આ પુણ્યૈ એવી બંધાશે. આ અમારી આજ્ઞા પાળવાથી પુણ્યાનુબંધી પુણ્ય બંધાશે. જરાય મહેનત ના કરવી પડે. આ તો ધક્કામુક્કી, આ તો કંઈ અવતાર કહેવાતો હશે ? આ તો પુણ્ય કહેવાતા હશે ? આમ વિચારમાં આવ્યું કે પ્રભુ પાસે જવાનો ટાઈમ થયો. તે ઘડિયાળમાં જુએ તે પહેલા તો ગાડી આવીને ઊભી રહી હોય ! એટલે બધી જ તૈયારી આમ હશે આગળ. માટે હવે તમે અમારી આજ્ઞા પાળજો અને નિરંતર સમાધિ રહેશે, એની ગેરંટી આપું છું. મહાવિદેહ ક્ષેત્રમાંથી ફરી આવવાનું હોય નહીં ને ! ફરી આવવાનો રસ્તો જ ન્હોય ને ! રાગ-દ્વેષ કરીએ તો ફરી આવવાની શરૂઆત થાય.

કર્મોના ધક્કાનો અવતાર થાય. એક-બે અવતાર થાય વખતે, પણ તે છેવટે પાછું સીમંધર સ્વામી પાસે જ જવું પડશે. અહીં આગળ હિસાબ બાંધ્યો હશે ને ! પહેલાના કંઈક ચીકણા થઈ ગયેલા, એ પૂરા થઈ જશે.

(પા.૨૩)

પ્રશ્નકર્તા : અહીંયા ?

દાદાશ્રી : છૂટકો જ નહીં ને ! આ તો રઘા સોનીનો કાંટો છે, ન્યાય જબરજસ્ત. ચોખ્ખો-પ્યૉર ન્યાય ! અહીં ચાલે નહીં પોલંપોલ.

નિષ્પક્ષપાતીપણે જોઈએ તો ખબર પડે

પ્રશ્નકર્તા : આપણે મોક્ષમાં જવાના છીએ, એ શી રીતે ખબર પડે ?

દાદાશ્રી : ના, તેની ઉતાવળેય શું છે આપણને ?

પ્રશ્નકર્તા : ના, ઉતાવળ તો નથી, પણ ખબર તો પડે ને કોઈ વખતે, દશ જન્મ પછી, વીસ જન્મ પછી, સો જન્મ પછી...

દાદાશ્રી : બધી ખબર પડે. આપણો આત્મા છે ને, થર્મોમિટર જેવો છે. ભૂખ લાગે તે ખબર ના પડે ? તે સંડાસ જવાનું થાય, તે તમને ખબર પડે કે ના પડે ? બધી જ ખબર પડે. ક્યાં જવાનો છે, તેય બધી ખબર પડે. કયા કયા અવતારમાં જવાનો છે તેય ખબર પડે. આ તો નિષ્પક્ષપાતીપણે જોતો નથી.

પ્રશ્નકર્તા : એ સ્ટેજ ઉપર આવવું પડે ને ?

દાદાશ્રી : ના, પણ એ આત્મા સ્ટેજવાળો જ છે, નિષ્પક્ષપાતીપણે જોવાનું છે. આપણે જોડે જોડે પક્ષપાતમાં ના આવવું જોઈએ. સંડાસ જવાનું મહીં આપણને ખબર તો તરત પડે, પણ જોડે જોડે પક્ષપાત એટલે શું ? આપણે ત્યાં કોઈ સોનાનો વેપારી આવ્યો છે ને, એની જોડે વાતોમાં રહ્યા કરે એટલે પછી શું થાય તે ? પેલો સોના ઉપર પક્ષપાત પડ્યો, એટલે પેલું સંડાસ જવાનું આ થર્મોમિટર દેખાડતું હોય તે બંધ થઈ જાય પછી. નહીં તો પક્ષપાત ના હોય ને, તો આત્મા થર્મોમિટર જ છે, બધું જ દેખાડે એવો છે.

તીર્થંકરના દર્શનથી મોક્ષ

પ્રશ્નકર્તા : તમે તો અમને મોક્ષની ગેરંટી આપો છો, પણ મોક્ષમાં જઈશું ત્યાં આપ પણ મોક્ષમાં હશો ને, ત્યારે એ દાદાને કઈ રીતે ઓળખીશું ?

દાદાશ્રી : પછી ઓળખવાની શી જરૂર ? અહીં તો ઓળખાણવાળા હોય તો ઉપકાર માનવો પડે, ત્યાં તો મોક્ષમાં ઓળખાણ ના હોય. એટલે એ જ બરોબર છે. કારણ કે મોક્ષમાં સમાનતા છે. મોક્ષ કોનું નામ કહેવાય ? મોક્ષ એટલે કોઈ ઉપરી નહીં અને કોઈ અન્ડરહેન્ડ નહીં.

અહીં કેમ મોક્ષ નથી થતો ? ત્યારે કહે છે, મારા ઉપરી એવા તીર્થંકર અહીં હોત તો ખાલી દર્શન જ કરત તો મોક્ષ થાત. એટલી આપણે ત્યાં તૈયારી છે. ખાલી દર્શન જ, તીર્થંકર ભેગા થઈને દર્શન થઈ ગયા, તો મહીં પૂર્ણાહુતિ થઈ જાય. પણ અહીં છે નહીં, હવે કોના દર્શન કરાવીએ ? મૂર્તિ ચાલે નહીં. એટલે ત્યાં ગયા પછી દર્શન કરવાથી જ મોક્ષ છે.

રખડી કોણ પડે ?

પ્રશ્નકર્તા : બધા મહાત્માઓ કહે છે કે અમે મહાવિદેહે ક્ષેત્રમાં જવાના ને ?

દાદાશ્રી : કેટલાકને અહીં આવીને પછી જવાનું હોય એકાદ અવતાર કરીને. મહીં કંઈ હિસાબ બાંધેલો હોય તે આપી દેવો પડે ને ! પણ જવાના ત્યાં. હિસાબ તો ચૂકવવો જ પડે. વચ્ચે આ જ્ઞાન લેતા પહેલા કંઈક એવું ખરાબ કર્મ બાંધી દીધું હોય એકાદ. એટલે એનો દંડ થયેલો હોય, તે દંડ તો ભોગવવો જ પડે ને ! અને ભોગવી લે એ છૂટો. અવતાર એટલે દંડ.

પ્રશ્નકર્તા : એટલે જ્ઞાન લીધા પછી કોઈ કાયમ માટે રખડી પડે ખરો ?

(પા.૨૪)

દાદાશ્રી : રખડી પડે ને ! જ્ઞાન પરિણામ પામે નહીં, પછી અર્થ ના રહ્યો ને ! અવળું ચાલ્યું, અવળું જ. બધાનું અવળું જ બોલ બોલ કરે તો ?

પ્રશ્નકર્તા : અવળું એટલે કેવું ?

દાદાશ્રી : કોઈક અવળું બોલે એટલે આ તમારી વાત નીકળે એટલે આવડી આવડી ચોપડે. એવા ના હોય લોકો ?

પ્રશ્નકર્તા : એટલે જ્ઞાનની વિરાધના કરે એ ?

દાદાશ્રી : જ્ઞાનની અને જ્ઞાનીની અને જ્ઞાનીના ફૉલોઅર્સની ને બધાની વિરાધના કરે. પુસ્તકો ને બધાની. ‘આ ચોપડી મારા હાથમાં આવે તો ફેંકી દઉં’ કહે. પછી તો એના પુસ્તકોની વિરાધના કરે. પુસ્તકો ફેંકે આમ. ‘ચાલ હટ, આ ચોપડીઓ લાવ્યો, તો દરિયામાં નાખી દઈશ, નહીં તો સળગાવી દઈશ.’ ફોટાઓની વિરાધના કરી મેલે, બાળી મેલે ફોટા.

પ્રશ્નકર્તા : જેણે જ્ઞાન લીધું છે એની વાત છે ?

દાદાશ્રી : હા, તે બધું ફરી જાય ને !

પ્રશ્નકર્તા : જ્ઞાનીના મહાત્મા હોય, એની પણ વિરાધના ના થાય ?

દાદાશ્રી : જ્ઞાનીના મહાત્માઓ એટલે જ્ઞાની જ કહેવાય ને ! આ મહાત્માઓ એટલે શું વાત કરો છો ? જેણે પોતાના હથિયાર નીચે મૂક્યા છે. કોઈને મારવાનો ભાવ નથી. કોઈને લૂંટી લેવાની ઈચ્છા નથી. કોઈ પાસેથી પડાવી લેવાની ઈચ્છા નથી. એવા જેણે હથિયાર બધા નીચે મૂકી દીધા, ક્રોધ-માન-માયા-લોભના !

અનંત અવતારની ખોટો છે ને, તે એક અવતારમાં ખોટ વાળવાની હોય તો શું કરવું પડે ? દાદાની પાછળ પડવું જોઈએ. દાદા ના હોય તો દાદાના કહેલા શબ્દોની પાછળ પડવું જોઈએ. એની પાછળ પડીને, અનંત અવતારની ખોટ એક અવતારમાં વાળી દેવાની. કેટલા અવતારની ખોટ ? આપણે અત્યાર સુધી અનંત અવતાર લીધા, એ બધી ખોટ તો ખરી ને ? એ ખોટ કાઢવી પડે કે ના કાઢવી જોઈએ ?

હવે તો ભેખ માંડવાનો છે કે આ એક જ, બીજું નહીં. ના હોય તો મોક્ષનું નિયાણું કરી નાખવાનું એટલે લાંબા અવતાર ના થાય. બે-ત્રણ અવતાર થતા હોય તેય ના થાય !

અમુક તારીખે મુંબઈ જવું છે તે આપણા લક્ષમાં રહે, એવી રીતે આપણે મોક્ષમાં જવું છે એ લક્ષમાં રહેવું જોઈએ. ક્યાં જવું છે એ લક્ષમાં ના રહે તો કામનું શું ? મુંબઈ જવું છે એ લક્ષમાં રહે ને ? ભૂલી જવાય ?

પ્રશ્નકર્તા : ના ભૂલાય.

દાદાશ્રી : એવું આ લક્ષમાં રહેવું જોઈએ. આપણે તો હવે એ બાજુ જવા નીકળ્યા. વહેલું આવે, મોડું આવે, પણ એ બાજુ જવા નીકળ્યા. જેટલું જોર કરીએ એટલું આપણું. આ જાતે રૂબરૂ ભેગા થાય તો પ્લેનની માફક ચાલે, ને નહીં તો સૂક્ષ્મ દાદા હોય તોય પેલું ટ્રેઈનની માફક ચાલે. તે જેટલું પ્લેનથી જવાય એટલું સાચું. છતાં બધો ઉકેલ આવી જશે. એક અવતાર જ ફક્ત બાકી રહેવો જોઈએ, તેય પુણ્ય ભોગવવામાં. અમારી આજ્ઞા પાળીને, તેની જબરજસ્ત પુણ્યૈ ભેગી થાય.

વીઝા મળ્યા, ટિકિટ બાકી

પ્રશ્નકર્તા : દાદા, મહાવિદેહ ક્ષેત્રમાં જઈશું ત્યારે તીર્થંકરને તો આંખે દેખીશું ને ?

દાદાશ્રી : હા, દેખવાના. એમની સામે જ

(પા.૨૫)

બેસવાનું. આંખે દેખીને એમના સામે જ બેસવાનું. એમના દર્શન કરવા હારુ જ, એ ઉદ્દેશથી જ ત્યાં જવાનું. મારી પાસે એ દર્શન રહ્યા નથી. હજુ કાચા છે, આ દર્શન. એટલું ફળ, સંપૂર્ણ ના મળે, પેલા તો પૂર્ણ દર્શન કહેવાય.

ટિકિટ કઢાવી ? વીઝા કઢાવ્યો મહાવિદેહનો ? આપણા જ્ઞાનને સિન્સિયર રહેવું, એનું નામ વીઝા.

પ્રશ્નકર્તા : અને ટિકિટ આવે એટલે ?

દાદાશ્રી : ટિકિટ આવે તો એની વાત જ જુદી છે. તમારી દશા તદ્દન મારા જેવી દશા આવીને ઊભી રહે. કારણ કે પછી ડખલ કરનારો કોઈ રહે નહીં. જે મોઢું થોડો વખત બગડી જાય છે, મોઢા ઉપર આનંદ જતો રહે છે કોઈ વખત, એ તમારી પતંગને પેલો કાટ કરે (કાપે) છે ને એટલે. છતાં પતંગનો દોરો તમારા હાથમાં છે. મારી પતંગને તો કાટ કરનારું (કાપનારું) જ કોઈ નહીં ને ! એટલે તમારે એવું થશે એટલે થઈ રહ્યું, ટિકિટ આવી ગઈ. આ વીઝા તો આવી ગયા, વીઝા મળ્યા !

આજ્ઞાપાલને મળે ટિકિટ ઠેઠની

પ્રશ્નકર્તા : આ અહીં મહાત્માઓ બધા બેઠા છે, તો એમનું શું થવાનું છે ?

દાદાશ્રી : એમનું જે થવું હોય એ થશે. દાદા માથે છે અને દાદાની પાસે વીઝા લીધો છે એટલે એને જે સ્ટેશને જવું છે, તે જગ્યાએ જઈને ઊભો રહેશે.

પ્રશ્નકર્તા : અમે આવ્યા દાદા પાસે, દાદાએ કીધું કે અમારી પાસે આવ્યા એટલે એક ભવમાં, બે ભવમાં મોક્ષે જવાના જ છો, તો પછી બીજે જવાની વાત જ ક્યાં છે ?

દાદાશ્રી : અમે પાલઘર સ્ટેશને, સેન્ટ્રલની ટિકિટ બધાને આપી. એટલે તમારું સેન્ટ્રલનું નક્કી થઈ ગયું. હવે તમારે જ્યાં જવું હશે ત્યાં જઈ શકશો. વચ્ચે જે સ્ટેશન આવે તે, તમારે જ્યાં ઉતરવું હોય ત્યાં ઉતરી શકો છો.

મન તો એમ કહેશે, ‘હશે, હવે આ આપણે અહીંયા કંઈક આગળ તો જવાશે !’ તો બોરીવલી ઉતરી પડે. એટલે મારી આજ્ઞા ફૂલ પાળે તો ઠેઠ અવાય. જેવી પાળે એવું પોતાનું મન જ કહી આપે કે આપણે પૂરું થતું નથી, હવે ત્યાં ઉતરી પડે. તે કોઈ અંધેરી ઉતરી પડે, કોઈ દાદર ઉતરી પડે. મારે ઉતારવા ના પડે, એની મેળે ઉતરી પડે.

પ્રશ્નકર્તા : જો વચમાં ઉતરેલા હોય, તે પાછા વળી આગળ જાય ખરા ને ?

દાદાશ્રી : એની ભાવના હોય તો જાય. બાકી અમે તો આ ઠેઠ સુધી જાય એવી ટિકિટ આપી છે એ. હા, અમુક ટાઈમ સુધીની ટિકિટ છે.

પ્રશ્નકર્તા : પણ કેટલા ટાઈમ સુધીની ટિકિટ છે આ ?

દાદાશ્રી : એ તો કયા સ્ટેશને ઉતરે છે તે ઉપર આધાર રાખે છે ને ! આજ્ઞા સિત્તેર ટકા પાળશે તેને ઠેઠ સુધીની ટિકિટ.

કો’ક દા’ડો અરીસામાં જોઈને ઠપકો આપીએ, કે ‘હવે તો પાંસરા રહો, આવું છેલ્લું સ્ટેશન ફરી નહીં મળે.’ ક્રમિક માર્ગમાં એ દરેક એના સ્ટેશને તો ઉતરે છે, પણ આગળની ટિકિટ કઢાવવી પડે છે ને આ તો લાસ્ટ (છેલ્લું) સ્ટેશન છે ! અને અહીં કેવી શાંતિ છે ! વચલા બધા સ્ટેશને ઉકળાટ છે. એટલે અહીંથી આગળ ગાડી જવાની નથી, તો ખાવ-પીવો ને દાદાની આજ્ઞામાં રહો ને !

જય સચ્ચિદાનંદ