|
જીવનસાથીની પસંદગી બાબતે યુવાનોને સાચી સમજણ-૧ સંપાદકીય આધુનિક યુગમાં યુવાનોના જીવનનો એક મહત્વપૂર્ણ પડાવ છે લગ્ન અને તે માટે જીવનસાથીની પસંદગી. જેની સાથે સુખ, સામાજિક સ્વીકૃતિ અને જવાબદારીઓ જોડાયેલી છે. પરંતુ વર્તમાન યુગના યુવાનો માટે જીવનસાથીની પસંદગી એક જટિલ પ્રશ્ન છે. શાદી કરવી સારી કે ન કરવી સારી ? જો શાદી કરવી તો પાત્રની પસંદગી કેવી ને કઈ રીતે કરવી ? આવા અનેક દ્વંદ્વો યુવા માનસને ઘેરી વળે છે. પ્રસ્તુત અંકમાં પરમ પૂજ્ય દાદા ભગવાન (દાદાશ્રી) જીવનસાથીની પસંદગી પર વ્યવહારિક જ્ઞાન પ્રદાન કરે છે, જે યુવાનોને લગ્ન કરતા પહેલા સાચી સમજણ કેળવવામાં માર્ગદર્શક બને છે. દાદાશ્રી સ્પષ્ટપણે જણાવે છે કે લગ્ન મોટે ભાગે ‘ફરજિયાત’ છે, એ તો કુદરતનો નિયમ છે. કારણ કે તે પૂર્વભવનો હિસાબ છે, જે ચૂકતે કરવો જ પડે છે. એમાં છૂટકો નથી. ઘણા પૂછે છે કે જીવનસાથીની પસંદગી વખતે જન્માક્ષર મેળવવા જરૂરી કે નહીં ? ત્યારે દાદાશ્રી કહેતા કે કોઈને જન્માક્ષર જોતા જ નથી આવડતા ને ? માટે ન માનતા હો તો એમાં પડશો નહીં. સાથે જીવનસાથીની પસંદગીમાં માતા-પિતાએ સંતાનો પર દબાણ નહીં કરવું અને યુવાનોને પણ બીજાના, મા-બાપના જીવનના અનુભવના તારણ લેવા પ્રોત્સાહિત કરે છે. જીવનસાથીની પસંદગીમાં યુવાનો ઘણીવાર બાહ્ય દેખાવ કે ભૌતિક સુખ-સગવડને પ્રાધાન્ય આપે છે. પ્રેમ અને સંસ્કારને બદલે જ્યારે બાહ્ય દેખાવ કે પૈસાનું મહત્વ વધે છે ત્યારે લગ્ન ‘સોદાબાજી’ થઈ જાય છે. ‘લગ્ન પોતાના ડેવલપમેન્ટમાં જ હોવું જોઈએ’ એ સૂત્ર આપી, તેઓ ભારતીય પાત્ર સાથે ‘કુળ’ અને ‘જાત’ જોવાનું સૂચન કરે છે. કારણ કે આ બંનેના સમન્વયથી સંસ્કારી પેઢીનું નિર્માણ થાય છે. દાદાશ્રીના મતે ઇન્ટરકાસ્ટ મેરેજમાં વાંધો નથી, કારણ કે છેવટે જ્યાં હિસાબ હશે ત્યાં જ લગ્ન થાય છે. તેમ છતાં તેઓ સમાન કુળ અને ઉચ્ચ સંસ્કારને પ્રાધાન્ય આપે છે. જેથી સ્વભાવ અને સંસ્કાર મળતા આવતા જીવન સરળ બને છે. જો કે ‘જ્ઞાન’ લીધા પછી જેમને લગ્ન કરવાની ઈચ્છા જ ન હોય, તે માટે પોતાનો નિશ્ચય પાકો હોય તો આપણું ‘વ્યવસ્થિત’નું જ્ઞાન તેમને તે (બ્રહ્મચર્યના) માર્ગે સહાય કરે છે. બીજી તરફ, જેઓ લગ્ન કરવા ઈચ્છે છે, તેમના માટે યોગ્ય પાત્રની પસંદગી છેવટે ‘વ્યવસ્થિત’ ના આધારે જ છે છતાં પરણતાં પહેલાં વ્યવસ્થિત ના કહેવાય, ત્યાં સુધી યોગ્ય દિશામાં પ્રયત્ન કરવા પર ભાર મૂકે છે. પ્રસ્તુત અંકમાં જ્ઞાની પુરુષની બોધકળા અને જ્ઞાનકળાથી યુવાન અપરિણીત છોકરાં-છોકરીઓને સુંદર માર્ગદર્શન મળે છે, જેથી મા-બાપ, છોકરાં વચ્ચે સુમેળ રહી યોગ્ય પાત્રની પસંદગી થઈ શકે ! અને એમનું લગ્નજીવન સુખમય થાય અને આગળ આધ્યાત્મિક માર્ગે પ્રગતિ સાધી શકે. ~ જય સચ્ચિદાનંદ. (પા.૪) જીવનસાથીની પસંદગી બાબતે યુવાનોને સાચી સમજણ-૧ બેમાંથી કયું સારું ? બહેન, તું ભણી તો રહી છે, પણ પછી શાદી તો કરવી પડશે ને ? પ્રશ્નકર્તા : શાદી કરવી સારી કે ન કરવી સારી ? દાદાશ્રી : જો છૂટકો થાય એવું હોય તો ના કરવી સારી, પણ છૂટકો થાય એવો નથી. એ હિસાબ લઈને આવેલો છે. એ હિસાબ તો ચૂકતે કરવો પડશે ને ? એ આપણા હાથનો ખેલ નથી. શાદીમાં થોડુંઘણું જોખમ હશે કે નહીં હોય ? પ્રશ્નકર્તા : ભયંકર જોખમ. દાદાશ્રી : શાદીમાં તે જોખમ હોય ? બ્રાહ્મણ શાદી કરાવડાવે ને તેમાંય જોખમ હોય ? પ્રશ્નકર્તા : હા, બોધરેશન આવે. દાદાશ્રી : હા, પૈણ્યા એટલે બધું બોધરેશન માથે આવે ! અને સાસુ સારા ના મળે તોય જોખમ. સસરા સારા ના મળે તોય જોખમ. પાછા ધણી કચકચવાળા મળે તો શું કરે ? હવે એ બધું કંઈ ચાખીને લવાય છે ? આ કેરીની જેમ કાપીને ચખાય છે કંઈ ? એ તો ત્યાં જેવો નીકળ્યો એવો ખરો ! પ્રશ્નકર્તા : એ તો પણ નસીબ ઉપર છોડી દેવાનું હોય ને ? દાદાશ્રી : એ નસીબ શું હશે ? દરેકના નસીબ જુદા જુદા હોય ને ! પ્રશ્નકર્તા : એ તો વિધાતાએ લખ્યું હોય તે જ થાય. એમાં કોઈ મેખ ના મારી શકે. હરકોઈને પરણવું ફરજિયાત દાદાશ્રી : લગ્ન તારી મરજીથી કરું છું ? પ્રશ્નકર્તા : બધા કરતા હોય, એટલે આપણે પણ કરવાનું વળી ! દાદાશ્રી : એટલે મરજિયાત ને ? કે ફરજિયાત કરવું પડે છે, ડ્યૂટી બાઉન્ડ ? મારી-ઠોકીને કરાવડાવે લગન એ ડ્યૂટી બાઉન્ડ. તને લાગે ડ્યૂટી બાઉન્ડ છે ? પ્રશ્નકર્તા : હમણાં વિચાર નથી આવતા કે લગ્ન કરવા છે. દાદાશ્રી : ના, પણ બુદ્ધિથી વિચારતા કેવું લાગે છે ? આ બધા પૈણેલા, તે બધા રાજીખુશીથી પૈણેલા ? પ્રશ્નકર્તા : લગ્ન સુખ નથી આપતું, પણ કમ્પ્લસરી (ફરજિયાત) જ છે ને કરવું જ પડે. દાદાશ્રી : હા, કમ્પ્લસરી છે ! પ્રશ્નકર્તા : કમ્પ્લસરી કેમ છે ? દાદાશ્રી : એ આપણે ગયા અવતારે નક્કી કર્યું ન્હોતું કે ‘લગ્ન નથી કરવું.’ એવું નક્કી કર્યું હોત તો લગ્ન ન કરવું પડત ! કેટલાકને પૈણવું હોય ને, તે આખી જિંદગી સુધી ‘આ સાલ થશે, આવતી સાલ થશે’ એમ કરતા કરતા પચાસ વર્ષનો થઈ ગયો હોય ! તોય હજી આશા રાખે કે ના, હજુ કંઈક થશે. અલ્યા, પચાસ વર્ષનો થયો, હવે શેની આશા રાખે છે ! એવી રીતે જેમ નથી મળતી, તેમ મળે તેમાંથી પણ આપણાથી છૂટી ના શકાય એવો કુદરતનો કોન્ટ્રાક્ટ કરેલો છે. કરાર થઈ ગયા છે બધા. તેં કંઈ સરવૈયું કાઢ્યું કે પૈણવા જેવું છે કે નથી પૈણવા જેવું ? પ્રશ્નકર્તા : નથી પૈણવા જેવું. (પા.૫) દાદાશ્રી : એમ ! ખરું છે, કારણ કે આ ઈન્દ્રિય સુખો એક તરફી છે. આંખના, કાનના, નાકના, એ બધા એક તરફી ઈન્દ્રિય સુખો છે. પણ આ વિષય એ તો બે તરફીનું છે, એટલે દાવો માંડશે અને એ દાવો ક્યારે માંડે એ કહેવાય નહીં. એ કહેશે કે સિનેમા જોવા હેંડો ને તમે કહો કે ના, આજે મારે ખાસ કામ છે. તો એ દાવો માંડે. એ કહેશે, મારે જોઈએ છે ને તમે ના પાડો છો. એટલે એ દાવો માંડે એવું બને કે ના બને ? પ્રશ્નકર્તા : એવું જ બને છે. દાદાશ્રી : હવે એ સ્ત્રી જો પહેલેથી સમજતી હોય કે એમના કર્મના ઉદયે ના પાડી છે, તો ડહાપણપૂર્વક ઉકેલ આવે. પણ એમને એવું ભાન છે નહીં ને ! એ તો કહેશે કે એમણે કર્યું જ નહીં. મોહ બધો ફરી વળે અને ‘કરે છે કોણ’ એ પોતાને ખબર નથી. એ તો એમ જ જાણે છે કે આ જ કરે છે, એ જ નથી આવતા, એમની જ ઈચ્છા નથી આવવાની. લગ્ન, ફરજિયાત ? લગ્ન કરવામાં તો માંડે અને પાછો રાંડે ! માંડે એટલે પાછું રાંડવું પડે ને પછી ! રંડાપો ને મંડાપો ચાલુ રહે ને ! મંડાપો કર્યો હોય તો રંડાપો આવે ને ! મંડાપો જ ના કર્યો હોય તો રંડાપો આવે જ શી રીતે ? આ સંસાર જ બધો એવો દ્વંદ્વ ગુણવાળો છે. લગ્ન ના કરવું પડે તો એના જેવું તો એકુંય ઉત્તમ વસ્તુ જ નથી. પ્રશ્નકર્તા : તો પછી લોકો લગ્ન શા માટે કરે છે ? દાદાશ્રી : એ તો ફરજિયાત કરે છે ને, એટલે એમાં એમનો છૂટકો જ નથી થતો ને ! પ્રશ્નકર્તા : તો લગ્ન એ વસ્તુ જ શા માટે છે ? દાદાશ્રી : લગ્ન એ તો કુદરતનો નિયમ છે કે પુદ્ગલમાંથી પુદ્ગલ જન્મ્યા જ કરે ! એનો એ સ્વભાવ જ છે બધો ! પ્રશ્નકર્તા : તો પછી જે લગ્ન નથી કરતા એ પુણ્યશાળી છે એમ કેમ કહો છો ? દાદાશ્રી : એ તો પછી જેને બ્રહ્મચર્યના ભાવ ઉત્પન્ન થાય એને તો બહુ આનંદ રહે, સુખ રહે ને ! નહીં તો સંસારી ભાવમાં તો બધી ઉપાધિ જ છે ને ! ને એમાં તો થોડુંક સાંસારિક સુખ લેવા જાય તેમાં દુઃખ કેટલા પાર વગરના ઊભા થઈ જાય છે ને ! પ્રશ્નકર્તા : લગ્ન કરવાનો બધાને ભાવ કેમ થાય છે, એ તો કુદરતી છે ને ? દાદાશ્રી : કુદરતી નહીં, આ તો ફરજિયાત છે ! આ મરજિયાત નથી. મેરેજ તો બધે જ છે, પણ પોતાની ઈચ્છાથી નથી, કરવું જ પડે એવું ફરજિયાત છે. આ જન્મેય ફરજિયાત છે, મરણેય ફરજિયાત છે ! મરણ ફરજિયાત ન હોત ને તો કોઈ મરત જ નહીં ! મરજિયાત તો શું છે કે પોતે કોણ છું ? ભગવાન શું છે ? ભગવાન ઓળખવા એ મરજિયાત છે ! ખાવા-પીવાનું બધું ફરજિયાત છે ! પ્રશ્નકર્તા : જો એ ફરજિયાત છે તે છૂટે છે એ કેવી રીતે ? દાદાશ્રી : ફરજિયાતમાંથી એ તો ન છૂટી શકે, છતાં જે છૂટે છે એ છૂટવાનું એવું ફરજિયાત લઈને આવેલો છે. એવો આગળથી હિસાબ લઈને આવ્યો છે ! ઈન્ડિયન રોજ લડે તોય એકના એક તારે તો વહેલું પૈણવું છે કે પછી મોડું ? (પા.૬) પ્રશ્નકર્તા : મોડું. દાદાશ્રી : એમ ને એમ તારાથી રહેવાશે ? પૈણ્યા વગર રહેવાશે ? પ્રશ્નકર્તા : બે વર્ષ પછી. હજુ ભણવાનું બાકી છે. દાદાશ્રી : હા, તે પૂરું કરજે. પણ વિવાહ કરવામાં વાંધો છે ? પ્રશ્નકર્તા : ના. દાદાશ્રી : વિવાહ કરી રાખે તો ચાલે ને ! પૈણવાનું હમણે નહીં, પણ વિવાહ કરી રાખ. અમેરિકન જોડે પૈણવું છે કે ઈન્ડિયન જોડે ? પ્રશ્નકર્તા : ઈન્ડિયન સાથે. પપ્પાને ખુશ રાખવાના છે એટલે. દાદાશ્રી : નહીં તો તારે એમને ખુશ ના રાખવાના હોય તો ? તો અમેરિકન જોડે પૈણું ખરું ? તારા માટે તને કઈ ગમે વધારે ? ફર્સ્ટ પ્રેફરન્સ શું છે તારો ? પ્રશ્નકર્તા : ગમે એ ચાલે, હું કઈ કલર-બલરમાં નથી માનતો. જે સારી છોકરી હોય, અમેરિકન હોય કે ઈન્ડિયન હોય, તોય વાંધો નહીં. દાદાશ્રી : પણ એવું છે ને, આ કેરીઓ અમેરિકન અને આપણી કેરીમાંય ફેર હોય છે એવું તું ના જાણું ? શું ફેર હોય છે આપણી કેરીમાં ને... પ્રશ્નકર્તા : આપણી મીઠી હોય. દાદાશ્રી : હા, ત્યારે પછી જોજો. એ મીઠી ચાખી તો જો આપણી ઈન્ડિયનની. પ્રશ્નકર્તા : હજુ ચાખ્યું નથી. દાદાશ્રી : ના. પણ પેસીશ નહીં આમાં, ફૉરેનમાં પેસવા જેવું નથી. જો, તારી મમ્મીને ને ફાધરને તેં જોયા ને ! તો એ બેને કોઈ દહાડો મતભેદ પડે કે ના પડે ? પ્રશ્નકર્તા : મતભેદ તો પડે. દાદાશ્રી : હા, પણ તે ઘડીએ તારી મમ્મી જતી રહે છે કોઈ દહાડોય ? પ્રશ્નકર્તા : ના, ના. દાદાશ્રી : અને પેલી તો ‘યૂ યૂ’ કરીને આમ બંદૂક (દરવાજો) દેખાડે, જતી(યે) રહે અને આ આખી જિંદગી રહે. એટલે અમે તમને સમજણ પાડીએ કે ભઈ, આ આવું કરશો નહીં આ બાજુ, પેઠા પછી પસ્તાશો. આ તો ઠેઠ સુધી રહે, હં કે, વઢંવઢા કરીને સવારમાં પાછું રિપેર. પ્રશ્નકર્તા : વાત સાચી છે. દાદાશ્રી : માટે હવે નક્કી કર કે મારે ઈન્ડિયન લેડી જોડે પૈણવું છે. ઈન્ડિયનમાં તું ગમે તે, બ્રાહ્મણ, વાણિયણ, તને જે ફાવે તેનો વાંધો નથી. પ્રશ્નકર્તા : જો એને ગમતી હોય તો વિવાહ કરી રાખે, એવું સમજાવો. દાદાશ્રી : હા, વિવાહ કરી રાખશે. એ દેખાડે ને, તે પાસ કરી દેજે હવે કે આ ચોઈસ છે, કહીએ. એટલે પછી એને સેટલમેન્ટ થાય પછી પૈણજે. આટલું કરજે તું ! જ્યારે ત્યારે પૈણ્યા વગર ચાલે એવું નથી, કંઈ બ્રહ્મચારી રહેવાય એવું છે ? પ્રશ્નકર્તા : ના. દાદાશ્રી : ત્યાર પછી આપણે પહેલેથી સેટલમેન્ટ લેવામાં વાંધો શો ? પછી આપણે જોઈતી છોકરી ના મળે ને પછી ઊંધી બીજી મળે, એના કરતાં અત્યારે જ તપાસ કરીએ તો સારી મળી જાય, તો આપણું ચાલ્યું. આજ ને આજ નહીં, છ મહિના-બાર મહિના સુધી જો જો કરતા કરતા...! (પા.૭) પ્રશ્નકર્તા : એ કહે છે પણ બધી જ ગમે તો ? દાદાશ્રી : જે તને ગમે એ ગમે, પણ તું એને ના ગમતો હોય ત્યારે શું થાય ? એક છોકરીને એક છોકરો દેખાડ્યો એના બાપે ત્યારે બાપને કહે છે, આ બબૂચકને ક્યાં તેડી લાવ્યા મારી પાસે ? આ છોકરીઓ ! મહીં આઝાદ હોય એ બોલી જાય. પાત્રની પસંદગીમાં ન ઘાલો હાથ પ્રશ્નકર્તા : પણ ઘણી જગ્યાએ તો લગ્ન દબાણ કરીને બાપા કરાવે છે, પોતે ના કહેતો હોય તોય. દાદાશ્રી : પણ એ બાપાએ આવું નહીં કરવું જોઈએ. અત્યારના ભણેલા છોકરાંઓ છે ને, બાપાઓએ છોકરાંઓને એમના મતે ચાલવા દેવા જોઈએ. બાપાએ વચ્ચે ડખલ નહીં કરવી જોઈએ. હું તો કહું બાપાને, કે ‘હાથ ના ઘાલશો.’ છોકરાંને દબાણ કરશો નહીં, નહીં તો તારે માથે આવશે કે મારા બાપાએ બગાડ્યું. એને ચલાવતા ના આવડે તેથી બગડે ને આપણે માથે આવે. ઘોડી તો ત્રણ હજારની હતી, પણ એની પર બેસતા પડી ગયો ત્યારે કહેશે કે મને ઘોડીએ પાડી નાખ્યો. મેર ગાંડીયા ! ઘોડીને વગોવો છો ? ઘોડીની આબરૂ કાઢો છો ? ઘોડી તો ત્રણ હજાર રૂપિયા આપીને લાવ્યો છે, તને બેસતા ના આવડે એમાં ઘોડીનું નામ દઉં છું ? પણ આ જગત તો આવું ! ‘વહુમાં અક્કલ નથી’, કહેશે અને એ અક્કલનો કોથળો ! બોલાવવો એને અને કહેવું, ‘અમને પસંદ પડી હવે, તને પસંદ પડે તો કહે અને નહીં તો રહેવા દઈએ આપણે.’ તો એ કહેશે, ‘મને નથી ગમતી.’ તો એને રહેવા દઈએ. સહી તો કરાવી લેવી છોકરા પાસે, નહીં તો છોકરોય સામો થાય. પ્રશ્નકર્તા : ‘વ્યવસ્થિત’માં જે વહુ આવવાની છે, તે આવવાની જ છે એમ કરીને આપણે બેસી રહેવું કે પછી કંઈ આમ તજવીજમાં રહેવું ? દાદાશ્રી : પણ એ બેસી રહેવાનું થશે જ નહીં. જન્માક્ષર મેળવે, એક જાતનું દબાણ પ્રશ્નકર્તા : ઘણા મા-બાપ જન્માક્ષરમાં માને છે, તો એ બરાબર છે ? એ સાચી વાત છે ? દાદાશ્રી : એ બધું ઠીક વાત છે. જન્માક્ષર તો આજે જોતા જ આવડતા નથી લોકો ને ! એ એક જાતનું દબાણ છે. એના કરતાં આપણે સમજીને કામ કરવું એ શું ખોટું છે ! આપણે બધું ચેતીને કરવું અને તેમ છતાં મુશ્કેલી આવે તો પછી પ્રારબ્ધના ખેલ ! બાકી ચેતીને કરવું બધી રીતે અને એ લગ્ન કરો ત્યારે હું તમને સમજણ પાડીશ કે તમારી આટલી ફરજો છે. એ છોકરાને હું સમજણ પાડું કે આટલી ફરજો છે એ. બેઉ ફરજો આખી જિંદગી ટકે. પોતાના ડેવલપમેન્ટમાં લગ્ન કરવા હવે શાદી-બાદી કર, તારી ઉંમર થઈ ગઈ. તારે જ્ઞાતિમાં જ કરવું છે કે બીજી જ્ઞાતિમાં કરવું છે ? બાકી બહાર તો રત્નાગિરિ હાફૂસ જેવું દેખાય પણ મહીં કેરી કાપે તો ખાટી લાગશે. એટલે આપણે જાણીતી અને અનુભવવાળી હાફૂસ લેવી. ભલે પછી ઉપર જરા રંગ બરાબર ના દેખાય પણ આપણા ડેવલપ કોમની જાણીતી લેવી ! એક જૈનનો છોકરો તેણે (ફૉરેનની) ખોળી કાઢી. મેં એને પૂછયું, ‘શાથી તને ગમી ?’ તે કહે ‘બ્યૂટીફૂલ છે !’ મેં કહ્યું, ‘અલ્યા, તું શેને બ્યૂટીફૂલ કહું છું ?’ કેરીઓ ઉપર રૂપાળી દેખાય ને મહીં ખાટી નીકળે તેને શું કરવાની ? ઉપરનું તો રૂપાળું દેખાય પણ આપણે તો અંદરનું જોવાનું કે બહારનું ? પ્રશ્નકર્તા : અંદરનું. (પા.૮) દાદાશ્રી : એવી તને ખાતરી છે ને ! પ્રશ્નકર્તા : હા, દાદા. દાદાશ્રી : આ (ફૉરેનની સ્ત્રી) બધી હાફૂસની કેરી જેવી રૂપાળી દેખાય ! પણ ખાટી નીકળે. મોઢું બગડી જશે ત્યારે પછી ક્યાં જઈશ ? પછી આખી જિંદગી બફારો જ ને ! સહન ના થાય પછી ! કેરી તો ખાટી નીકળે તો નાખી દઈએ પણ સ્ત્રીને ક્યાં નાખી દઈએ ? પ્રશ્નકર્તા : એ મતભેદ હોય એ સુધારવા પ્રયત્ન કરવાનો. દાદાશ્રી : મારું કહેવાનું કે મતભેદનો સવાલ નથી. આ તો અન્ડર ડેવલપ જોડે લગ્ન કરવું ત્યાં બધું ખાટું જ નીકળે ! લગ્ન પોતાના ડેવલપમેન્ટમાં જ હોવું જોઈએ ! એટલે લગ્ન ક્યાં કરવું એની કઈ લિમિટ તો હોવી જોઈએ ને ? બાકી ગમે તેવી (ફૉરેનની) તેડી લાવ્યા પછી શું થાય ? દેખાય રૂપાળું પણ ડેવલપમેન્ટ બધું બહુ કાચું ! (એમાં) છેતરાઈશ, મૂઆ. જૈન છોકરાને ના કહ્યું પછી લગ્ન બંધ રહ્યું. જૈન છોકરા (ફૉરેનની) જોડે પૈણે તો તે વેશ થઈ પડે. આને પરણાતું હશે ? એ તો કામની જ ન્હોય અને આપણી નાતમાં જ પરણે એ અંદર મીઠી દરાખ જેવી અને તે પાછી આખી જિંદગી સુધી રહે. પેલી તો છ મહિનામાં પાછું છૂટું કરી નાખે. સમાન સંસ્કાર, સરળ સંબંધ પ્રશ્નકર્તા : (દાદા, આ મારા) બેન છે તો તમારી પાસે આવ્યા હતા, ત્યારે એણે તમારી પાસે નિશ્ચય કર્યો હતો કે હું દિગંબર જૈનને જ પરણીશ. પણ હવે એને એમ થાય છે કે મને દિગંબર જૈન છોકરો એવો સારો ના મળે, તો શું થાય ? તો કહે કે મને આ વિધિ તો કરેલી છે અને જો એવું ના થાય ને હું બીજાને પરણું તો પછી મને પાપ લાગે કે મને શું બંધન આવે ? દાદાશ્રી : બીજાને પરણવું હોય તોય છે તે આપણો ગુજરાતી હોવો જોઈએ અને ઈન્ડિયન હોવો જોઈએ. મજૂરને પૈણવા તૈયાર થાય તું ? તારે ત્યાં મજૂર આવે છે ? સારો ગોરો ગપ જેવો હોય તે લગ્ન કરવા તૈયાર થઉં ? પ્રશ્નકર્તા : ના, ના. એ મજૂરની સાથે લગ્ન નહીં કરું. દાદાશ્રી : તો પછી ફર્સ્ટ પ્રેફરન્સ દિગંબર જૈન, સેકન્ડ પ્રેફરન્સ દિગંબર ના મળે તો કોઈ પણ જૈન, એ ના મળે તો ગુજરાતી કોઈ વાણિયા, એ ના મળે તો બ્રાહ્મણ, પટેલ, ગુજરાતી બસ... કે અમેરિકન જોડે પૈણવું છે ? પ્રશ્નકર્તા : ના. એ લોકોના વિચારો જુદા ના પડી જાય ? દાદાશ્રી : બિલીફ તો સેપરેટ જ હોય. કો’ક જ જગ્યાએ બિલીફ મળતી આવે. હવે આ દિગંબરી જૈનમાં પૈણવાથી એના વિચારો ને આપણા વિચારો મળતા આવે થોડા ઘણા, વિચારો સરખા હોય. તું જૈન છે તો જૈન હોય તો ફીટનેસ સારી પડે. ફીટનેસ, બધી સાઈડથી ફીટ થઈ જાય અને પેલા તો સાપ મારશે ને જીવડાં મારશે ને બધું કરે એ. વંદા મારે ને માંકણ મારે, બધું મારે. તને ગમશે એ મારશે તે ઘડીએ ? પ્રશ્નકર્તા : ના, બિલકુલ નહીં. નાતવાળીને જ હા, પસંદગી ટાણે દાદાશ્રી : હવે તેં આજે બધી જે યોજના કરી, બોલ્યો, એ યોજના પ્રમાણે વર્તીશ કે યોજનામાં ફેરફાર કરીશ ? પ્રશ્નકર્તા : ના, એ પ્રમાણે જ વર્તીશ. દાદાશ્રી : તે કહ્યું કે મારે અમેરિકન કે પારસી એવી તેવી ના જોઈએ અને ઈન્ડિયન જોઈએ. તો (પા.૯) પછી હવે એવું કોઈ અમેરિકન કે પારસી છોકરી જતી હોય તો તું એના તરફ જોતો હોઉ ત્યારે તને યાદ આવે કે આ મેં તો આવું નક્કી કર્યું છે ? પ્રશ્નકર્તા : હા, તો યાદ આવે. દાદાશ્રી : તો એના તરફ બિલકુલ જોવું જ નહીં, આ આપણી લાઈન જ ન્હોય. હવે જ્યારે બીજી જગ્યાએ જોઈએ ઈન્ડિયનમાં, તે પણ આપણે હજુ લેવાદેવા નથી અને આ (કુદ્રષ્ટિથી) જોઈએ છીએ એ ગુનો કરીએ છીએ, એ આપણને (સમજમાં) રહેવું જોઈએ. એટલે હું તને (ઉપાય) દેખાડીશ કે જોયા પછી શું કરવું તારે ? જોયા પછી એના વિચાર ઘેર આવે. પણ પછી શું કરવું એ બતાડીશ. એટલે ભૂંસી નંખાય. ડાઘ પડ્યો તો ખરો, પણ પછી સાબુ રાખીએ, તો ભૂંસી નંખાય. એટલે કપડું ચોખ્ખું ને ચોખ્ખું રહે. ભૂંસી નાખવાના સાધન નહીં હોવાથી પછી તે રૂપ થઈ જાય બિચારા. પ્રશ્નકર્તા : તે રૂપ થઈ જાય એટલે શું ? દાદાશ્રી : બહુ ને બહુ એક પ્રકારનો ગુનો થયો એટલે પછી ગુનેગાર જ થઈ જાય. જે ગુનો છેટેથી હતો તે ગુનેગાર થઈ જાય પોતે. ગુનાહિત પ્રવૃત્તિમાં પડી જાય. પેલો (રસ્તો) આપણે બતાડીએ કે ભઈ, આ ભૂંસી નાખજો સાબુથી એટલે પડી ના જાય પછી. વધુ ખેંચાણ બંધ થઈ જાય ને ! આ બધું આવું શીખવાડવું પડે. કારણ કે આ ઊંધું જ માની બેઠા છે. એ તો એમ જ જાણે કે આ ઉપર દેખાય છે એવો જ માલ મહીં હશે ને ! ઈન્ડિયન સંસ્કાર ઊંચી જાતના પ્રશ્નકર્તા : આ દેશમાં (અમેરિકામાં) (હવે) નાત-જાત જેવું કશું રહ્યું નથી, તો ત્યાં શું કરવાનું ? દાદાશ્રી : અમેરિકામાં નાત-જાતની જરૂર જ શું છે આપણે ? હવે આ ઈન્ડિયન તો ખરાને આપણે અને ઈન્ડિયનમાં ભાષા તો આપણી ગુજરાતી હોય તો આપણે બધા એક જ છીએ ને ! ભાષા સામસામી બોલતા હોય અને ભાષા ફીટ થતી હોય, તો નાત-જાતની જરૂર શું છે હવે ? નાત-જાત તો બધું હવે અહીં એના ફાઉન્ડેશન કાઢી નાખવાના છે બધા. એ ઓલ્ડ બિલ્ડીંગ થઈ ગયા હવે બધા. હવે નવી ડિઝાઈનનું બિલ્ડીંગ હોવું જોઈએ. એટલે એની મેળે જ એ ખોદાઈ જાય છે. નાત-જાતની જરૂર નથી. એ જરૂર હતું ત્યાં સુધી ટક્યું. હવે એ ઓલ્ડ થઈ ગયું એટલે તરત મહીં ઊખડી જાય. આપણે તો છોકરાંઓ ગુજરાતી જોડે પૈણે એટલું બનતા સુધી સમજણ પાડ પાડ કરવી. ગુજરાતીમાં જે નાતના હોય, તો પણ ગુજરાતીમાં પૈણજે, કહીએ. બીજી નાતની આવે, ઓરિસ્સાની આવે તો આપણી એને બોલી ના આવડે અને એની આપણને ના આવડે. અને જો અમેરિકાની પૈણતો હોય તો એના કરતાં ઓરિસ્સાની પૈણજે, કહીએ. અમેરિકન લાવતો હોય તેના કરતાં આપણી ઈન્ડિયન સારી, ગમે તેવું હશે તો, ઓરિસ્સાની હશે તો પણ અમેરિકન ના પેસી જાય એટલું જોજો. પ્રશ્નકર્તા : આપણા હાથમાં ક્યાં છે ? આપણા હાથમાં નથી ને અમેરિકન પેસે કે નહીં એ ? દાદાશ્રી : હાથમાં નથી તોય એ વહેતું મૂકાય કંઈ ? કહેવું તો પડે ને, એય... એ અમેરિકન છોકરી જોડે ફરશો નહીં તમે. આપણું કામ નહીં. એવું તેવું અમથા અમથા ડફળાય ડફળાય કરીએ તો એની મેળે અસર થાય, ઈફેક્ટ થાય. નહીં તો એ જાણે કે આય ફરાય ને આય ફરાય. કહેવામાં શું વાંધો છે ? અને લત્તો ખરાબ આવે છે ને, લત્તો ખરાબ ઈન્ડિયામાં હોય છે, તો ત્યાં બોર્ડ મારે છે, ‘બિવેર ઑફ થીવ્સ.’ શા માટે એવું કહે છે ? જેને ચેતવું હોય તે ચેતે. કામ લાગે કે ના લાગે શબ્દ ? કેમ સમજણ ના પડી તને ? (પા.૧૦) પ્રશ્નકર્તા : પડી ને, ચોક્કસ. દાદાશ્રી : આપણા આ ચાર વર્ણો છે ને, એય ખંડેર સ્થિતિમાં જ છે અત્યારે. એટલે ખરાબ લાગે છે લોકોને. ‘કાઢી નાખો’ કહ્યું, ‘એના ફાઉન્ડેશન સાથે કાઢી નાખો, ફરી આર.સી.સી.નું ફાઉન્ડેશન નાખી દો.’ પ્રશ્નકર્તા : એ કઈ રીતે નીકળશે ? દાદાશ્રી : ફૉરેનમાં એ તો નીકળી ગયું હવે. હવે એ રહ્યું જ નથી. એ તમારા છોકરાંઓને પૂછી જુઓ ! ‘ક્યાં પૈણવું છે તારે ? અમેરિકન લેડીમાં ?’ મેં કહ્યું. પછી થોડીવાર પછી એ કહે છે, ‘ના, અમેરિકન નહીં ?’ ‘તો ક્યાં ?’ ત્યારે કહે, ‘ઈન્ડિયન.’ ત્યારે મેં કહ્યું, ‘પેલી પંજાબી આવે છે તે ?’ ‘ના, ના, પંજાબી નહીં, આપણી ગુજરાતી હોવી જોઈએ.’ મેં કહ્યું, ‘બ્રાહ્મણ-વાણિયા ?’ તો ‘એ ગમે તે ચાલશે’ કહે છે. હા, એડજસ્ટેબલ હોય. બ્રાહ્મણ હોય તોય એડજસ્ટેબલ, વાણિયો હોય તોય, પટેલ હોય તોય એડજસ્ટેબલ. ઘાંચી હોય તોય, વાણિયા-ઘાંચી હોય છે તેય એડજસ્ટેબલ. એને સમજણ પાડું, એટલે ફરી હાથ ઘાલે નહીં. ધોળી અમેરિકન લેડી ગમે નહીં તને ! ધોળી બગલાની પાંખ જેવી ! એ આપણી લેડીઓ તો ચાઈના સિલ્ક જેવી દેખાય. પ્રશ્નકર્તા : દાદા, ક્યાંથી શીખી લાવ્યા ચાઈના સિલ્ક ? દાદાશ્રી : તે ચાઈના સિલ્ક જેવી જ દેખાય છે ને ! પણ સારી, પવિત્ર, બહુ પવિત્ર, સ્ત્રી જાતિ છે પણ પવિત્ર બહુ. કારણ કે ઈન્ડિયન સંસ્કાર બહુ ઊંચી જાતના ને ! આખી રાત ધણી જોડે લડી હોય, પણ બહાર કોઈક (એના) ધણીની વાત કરે તો એને ખરાબ લાગે. પ્રશ્નકર્તા : બારણું બંધ કરી દે ફટફટ. દાદાશ્રી : હા. ‘બારણું બંધ કરી દો, પછી લડો’ કહેશે. અને ત્યાં તો મેરીને જો ધણી સાથે લઢવાડ થયેલી કોઈ જાણે બીજો બહારવાળો, તો મેરી કહેશે, ‘આ ધણી... યેસ, યેસ, આઈ વિલ ફાયર.’ ને આ (ઈન્ડિયન) ફાયર-બાયર ના કરે બિચારી. ધોળા કરતાં જરા શામળાની કિંમત છે, એક ફેરો ઘઉં લેવા જતા’તા. ત્યારે એક જણ કહે છે, ‘મારે ત્યાં આ ઘઉં છે.’ પેલો કહે છે, ‘મારે ત્યાં આ.’ હું નાનો હતો ત્યારે મેં કહ્યું, ‘આ ઘઉં તો કાળા છે.’ ત્યારે કહે છે, ‘આ ભાલિયા છે, મીઠા બહુ હોય.’ અલ્યા, કાળા મીઠા હોય ? ત્યારે કહે, ‘હા, કાળા જ મીઠા હોય.’ ત્યારે કયા લેવા આપણે ? પ્રશ્નકર્તા : મીઠાશવાળા. દાદાશ્રી : એવું છે આ બધું જગત. ‘ધ વર્લ્ડ ઈઝ ધ પઝલ ઈટસેલ્ફ.’ તે લોકો માની બેઠા છે. ચીભડાં તો ગમે તે બધા, આ (ફૉરેનની), બધી જ પેલી ધોળી દેખાય ને ? કે ગોરી દેખાય ? પ્રશ્નકર્તા : ધોળી દેખાય. દાદાશ્રી : હા, ગોરી ના હોય, ધોળી હોય. ગોરી તો હિન્દુસ્તાનની સ્ત્રીઓ હોય. તે એને ગોરી કહે, ગૌર રંગ, ધોળો નહીં. ધોળો તો આ બધા, બધાય ચીભડાં હોય ને ? હવે મોક્ષે જવું છે ને ? હવે ખોળવું નથી ને કશું ? અહીં તમારે જો આવવું હોય તો અહીં ફસાવાની જગ્યા છે અહીં, તમારે ફસાવું હોય તો ફસાજો. ખાનદાની નાતમાં, ન હોય પૈઠણ પ્રશ્નકર્તા : દાદા, (આ અમુક નાતમાં) પુરુષને જ્યારે છોકરી આપવામાં આવે ત્યારે (પા.૧૧) એ પેલું માંગે છે ને, પૈઠણ માંગે છે કે કંઈક (દહેજ) માંગે છે, તો એવું કેમ પુરુષ માંગે છે, છોકરાવાળાઓ ? દાદાશ્રી : એવું છે ને, કે આપણે અહીં આગળ છે તે ઘણા વખત અમુક વસ્તુનો ભાવ બહુ હોય, શાકભાજીનો. દીવાળી પર એક રૂપિયે કિલો મળતું હતું અને ઉનાળામાં આઠ રૂપિયે કિલો મળે એવું હોય છે, એવું બને છે. તે આપણે કહીએ કે ભઈ, આઠ રૂપિયા કેમ રાખ્યા છે, એક રૂપિયાને બદલે ? તો એ શું કહે ? પ્રશ્નકર્તા : પણ દાદા, તો પછી એ તો કોમોડિટી, વ્યાપારજન્ય વસ્તુ થઈ ગઈ ને એ તો ! દાદાશ્રી : એ વ્યાપાર જ થઈ ગયો ને ! એ વ્યાપાર જ છે બધો ! નથી આપતા, તેમાંય વ્યાપાર છે. કોઈ ગમે તે સોનું આપે, પાંચ તોલા તો પાંચ તોલા. બધો વ્યાપાર જ છે આ. લગ્નેય વ્યાપાર છે. પ્રશ્નકર્તા : હા, પણ દાદા, અત્યારે આપણા હિન્દુસ્તાનમાં ઠોકી ઠોકીને કહે છે કે લગ્ન એ એક સંસ્કાર છે. દાદાશ્રી : સંસ્કારરૂપે રહ્યું જ નથી ને ! અત્યારે તો વ્યાપારરૂપે થયું છે ને, છે સંસ્કાર મૂળ. પણ તે સંસ્કારરૂપે ક્યાં રહ્યું છે ! અત્યારે તો નક્કી કર્યું હોય કે ભઈ, પાંચ તોલા સોનું આપવું એટલે પાંચ તોલા સોનું પેલો ના આપે તો કચકચ ચાલે. એનું નામ સંસ્કાર ના કહેવાય. અમારે ત્યાં એક જણને પૈઠણ આપીને લઈ ગયેલા, નાના ગામવાળાને. ભારે પૈઠણ આપીને લઈ ગયા. પેલો માલ, સારું લાકડું ગણાતું હતું. લાકડા-લાકડામાં ફેર નહીં ! સાગના ને પેલા જંગલી ને બધા લાકડા હોય ને ! એટલે સાગનું લઈ આવે પછી ભારે કિંમત ચૂકવી ને ! પછી છે તે પહેલે આણે (પાછી) બઈ આવવા દેતા ન્હોતા. પછી હવે પૈઠણ લે. પહેલે આણે બઈ આવીને તે પાછી પૈઠણનો ચોથો ભાગ માંગે, વન ફોર્થ. હવે દસ હજાર પૈઠણ આપેલી હોય એ કાળમાં અને પછી અઢી હજાર શી રીતે આપે પેલો બિચારો ? એટલે પછી પેલો તેડવા આવ્યો તે વહુને ના મોકલી કે રૂપિયા આપીશ તો મોકલીશ, નહીં તો નહીં. એટલે પેલોય માથાનો ભારે હતો. તે પછી કહે છે, ‘હું તમને થોડા વખત પછી રૂપિયા મોકલી આપીશ, પણ એને મોકલો હમણે.’ તે આને લઈ ગયા અને ફરી પાછી આને વળાવી પાછી. પછી છે તે ફરી પાછું જ્યારે મોકલવાનું થયું બીજું આણું, ત્યારે કહે છે, કે ‘પહેલા આણાના અઢી હજાર ને બીજા આણાના બારસો આપી જાવ. પહેલા આણાના આપ્યા નથી.’ એટલે પેલાએ આવીને શું કહ્યું, એ છોકરીના સસરાને, ખાનગીમાં કે ‘તમે મોટા માણસ સુગંધીવાળા, આબરૂદાર જાણીને મેં તમને મારે ત્યાં વેવાઈ બનાવ્યા. મારી પરિસ્થિતિ નથી.’ એટલે પેલા વેવાઈ શું કહે છે, ‘‘તો અહીં પૈણાવી’તી શું કરવા ? અહીં આગળ તો અવાય જ નહીં !’’ અલ્યા, પણ આવ્યો તો આવ્યો પણ હવે (શું ?) પેલોય માથાનો ફરેલો હતો. એટલે તે વેવાઈને કહે છે, ‘જરા કાનમાં મારે એક વાત કરવી છે, સાંભળશો ? આ છોડીને મારે બીજી જગ્યાએ પૈણાવી દેવી પડશે હવે. કહે છે, ‘હું નાતરે દઈ દઈશ.’ તે પેલો બાપજી (કહે,) ‘તું હવે મારે ત્યાં આવીશેય નહીં બા. હવે આ તારી છોડી તારે ઘેર મોકલુંય નહીં અને મારે તારો રૂપિયો જોઈતોય નથી.’ પછી છોડીને દુઃખ નથી દીધું. કારણ કે ખાનદાન ક્વૉલિટી આમ તો ! પ્રશ્નકર્તા : પણ દાદા, એ તો બહુ હિંમતવાળો કહેવાય. દાદાશ્રી : કોણ ? પ્રશ્નકર્તા : છોકરીનો બાપ. (પા.૧૨) દાદાશ્રી : હં, એ હિંમતવાળો નહીં, અક્કલવાળો. હિંમતવાળા તો બધા બહુ હોય. એ તો લાકડા દેખાડે, ધારીયા દેખાડે. પણ આ તો અક્કલવાળો, એ જાણે કે ખાનદાન છે આ બધા, શું દેશે ? નાતરાનું નામ દીધું કે તરત ચૂપ થઈ ગયા. એ તો પછી કરે લોકો આવું બધું. બાકી પૈઠણ આપે છે, એ તો એનું લાકડું જોઈને આપે છે, બા. એમ ને એમ વેલ્યુએશન (કિંમત) આપતા નથી. પ્રશ્નકર્તા : એમ કહે છે, આપણા પાટીદાર સમાજમાં પૈઠણનો રિવાજ છે તે અને જો પૈઠણ ના આપે અથવા તો કંઈ ઓછું-વત્તું થાય તો પછી છોડીને દુઃખ આપે સાસરીમાં. તો કહે, આ રિવાજ ખોટો છે, આ ના હોવો જોઈએ ! દાદાશ્રી : કોઈને દુઃખ આપવું એ રિવાજ ખોટા. જ્યાં કોઈને દુઃખ આપવાનું થાય એ રિવાજ બધાય ખોટા. પ્રશ્નકર્તા : આ રિવાજ કાઢી નાખવા શું કરવું જોઈએ ? દાદાશ્રી : બધાયે ભેગા થવું જોઈએ. કેટલાક એમ કહેશે, અમારે ગમે તેમ પૈઠણ આપીને જ કરવું છે સારામાં. તો કેટલાક કહેશે, ના, અમારે આવું નથી કરવું. બધાયે એકમત થવું જોઈએ. પ્રશ્નકર્તા : કેટલાય વર્ષોથી કોઈ આ કબૂલ થતું નથી એટલે વચ્ચે કોઈ ‘જ્ઞાની પુરુષ’ની જરૂર છે. બધા ભેગા થઈને આવું નક્કી કરતા નથી. દાદાશ્રી : એ તો માર ખાઈને નક્કી કરશે. માર ખાઈને સીધા થઈને નક્કી કરશે બધા. પ્રશ્નકર્તા : દાદા, તમે પણ છ ગામના, એટલે એનો કંઈ ઉકેલ લાવી શકો તમારી હાજરીમાં, તો સારું. દાદાશ્રી : અમે તો એટલું કહીએ, ખોટી વસ્તુ છે આ. કોઈને દુઃખ દેવાનું થાય. જ્યાં પૈસાની બાબત હોય એ વાત જ ખોટી બધી. પણ પાટીદારો ક્ષત્રિય હોવાથી એ લેવાના પૈઠણ. એવું ખરું છે તમે કહો છો એવું, આ રીતિ-રિવાજ કાઢી નાખવા જોઈએ બધા ! પ્રશ્નકર્તા : ના, પણ એ તો ચાલે નહીં અને એનો એન્ડ નથી. દાદાશ્રી : નહીં, આ તમે વણિકોએ આ રીતિ-રિવાજ કાઢી નાખ્યો છે ને તે સરસ ચાલે છે. ગાડું ચાલે છે તમારું સરસ ! સરસ ચાલે છે પણ અમારે તો મૂળ અહંકારી ટેવ ને ! મૂળ ક્ષત્રિય ને ! પ્રશ્નકર્તા : પણ દાદા, અમે તો એને એક્સેપ્ટ જ નથી કરતા. પૈઠણ એક્સેપ્ટ જ નહીં કરવાનું. દાદાશ્રી : બહુ સારામાં સારું. તમારું મેં બધું જોયું ને ! મેં દરેક જાતના વાણિયાઓનું-જૈનોનું જોયું, બધાનું સારું છે. એક ફક્ત ખરાબ અમારું જ લાગ્યું મને. પ્રશ્નકર્તા : ને એવું જે કોઈ કહે ને, તો ના જ કહી દેવાની, કે ભઈ, એ નહીં ચાલે. આ શરત હોય તો આવો. દાદાશ્રી : આ તો તદ્દન સોદાબાજી થઈ ગઈ, સોદાબાજી ! પ્રેમ ક્યાં રહ્યો ને સોદાબાજી થઈ ગઈ ! એક બાજુ રૂપિયા મૂકો ને એક બાજુ અમારો છોકરો, તો જ પૈણશે, કહે છે. એક ત્રાજવામાં રૂપિયા મૂકવા પડે. ત્રાજવાની તોલે માપતા હતા. પ્રશ્નકર્તા : દાદા, એ તો ત્યાંથી જ ઝઘડો શરૂ થાય. પંચોતેર ટકા તો ઝઘડો ત્યાંથી જ શરૂ થાય છે. દાદાશ્રી : ઝઘડા જ ઊભા થાય છે, બસ. પ્રશ્નકર્તા : હા, લગ્નના દિવસથી જ ઝઘડા ઊભા થાય છે. (પા.૧૩) દાદાશ્રી : બસ, બસ. એ જ ક્લેશ છે આ જગતમાં. શું થાય તે પણ ! તેથી કબીર કહેતા હતા ને કે આવડા મોટા દિલ્હીમાં અમને કોઈ માણસ જ દેખાતો નથી. શું દિલ્હીમાં માણસ નહીં હોય ? તો કહે છે, ‘માણસ ખોજત મેં ફીરા.’ માણસ તપાસ કરવા નીકળ્યો, કે ‘માણસ કા બડા સુકાલ,’ સામાસામી અથડાતા હતા, કહે છે. સુકાલ, દુષ્કાલ નહીં. સામાસામી અથડાતા એટલા બધા માણસો ! પણ ‘જાકો દેખી દિલ ઠરે તાકા પડ્યા દુકાલ !’ જેને દેખીને આપણું દિલ ઠરી જાય, એનો દુકાળ છે. આ બધું ભટક ભટક કરી એનો અર્થ જ નહીં. કુળ અને જાત બન્ને જોવા સિલેક્શનમાં જાતિ-કુળનું મિક્ષ્ચર થાય ત્યારે સંસ્કાર આવે. એકલી જાતિ હોય અને કુળ ના હોય તોય સંસ્કાર ના હોય. એકલું કુળ હોય, જાતિ ના હોય તોય સંસ્કાર ના હોય. જાતિ અને કુળ બેનું મિક્ષ્ચર, એક્ઝેક્ટનેસ હોય ત્યારે સંસ્કારી માણસો જન્મે. પ્રશ્નકર્તા : જાતિ એટલે આ વર્ણ ને ? દાદાશ્રી : ના, એવું નહીં. હું સમજાવું. એકલું ‘કુળવાન, કુળવાન’ કહીએ પણ જાત ના જોઈએ તો માર પડી જાય. હવે ફાધર પક્ષને ‘કુળ’ કહ્યું અને મા પક્ષને ‘જાતિ’ કહી. આ બેઉ પક્ષો સારા ભેગા થયા હોય તો વાત પૂછવી, બીજી વાતમાં મઝા નહીં. જાતિ ના હોય તો કુળ રખડી મરે. જાતિ ના હોય ત્યારે એ ચોર હોય, ગીલેટિયા હોય, બદમાશ હોય. પત્તા રમે, બીજું રમે, દારૂ ઠોકે. કુળવાળો તો નોબલ હોય. અને જાતિ તો, આપણે જ્યારે બજારમાં ઘોડી જોવા જઈએ ને, ઘોડી લોકો લેવા જાય છે વેચાતી, ત્યારે હું નાનો હતો, તે પૂછું. ‘તમે શું જુઓ છો આ ઘોડીમાં ?’ ત્યારે કહે છે, ‘જાતવાન છે કે નહીં તે.’ અલ્યા મૂઆ, જાતવાન ! અને ઘોડાનેય જાતવાનનો છોકરો છે કે નહીં તે જુએ. ઘોડી જાતવાન કહેવાય. ઘોડો જાતવાન ના હોય. તે જાતવાન ઘોડી હોય ને, એટલે લોક પાસ કરીને લઈ જાય. એવું આ કુળ ને જાતિ, બે સાથે મિક્ષ્ચર થાય ત્યારે. એકલું કુળ લાવીને શું કરવાનું ? કોયલા નીકળે. એકલી જાતિ જોઈને લાવો તોય ભલીવાર ના આવે. ચીકણા હોય મૂઆ ! પ્રશ્નકર્તા : એટલે આપણામાં માનું મોસાળ જોતા’તા ને ? દાદાશ્રી : એટલે એ જાતનીય જાત જોતા’તા આપણે. પણ એટલું બધું જોવાની જરૂર નહીં. આ બઈની જાત કેવી છે ? બઈ જે કુળમાં જન્મી છે એની જાત કેવી છે ? એટલે એની જાત પરથી તરત ખબર પડી જાય અને બાપ કુળમાં જન્મે છે, એનું કુળ કેવું છે એ જોઈ લઈએ. કુળના ગુણો છે જુદા અને જાતના ગુણો જુદા છે. બે ભેગા થાય ત્યારે સંસ્કારી પુરુષ (બાળક) ત્યાં જન્મે. એમ ને એમ તો હોય જ નહીં ને આપણું ? એમ ને એમ તો આ બાજરીના ડૂંડા આવડા મોટા આવતા હશે ? કાં તો કો’ક જાતનું ખાતર નાખ્યું હોય તેથી આવે એ જુદી વસ્તુ છે. અને એમ ને એમ જમીનમાં એની મેળે આવે, ઊગે, કારણ કે બાજરીનો દાણો એને જો આપણે બાપનો પક્ષ ગણીએ તો ધરતીને મા પક્ષ ગણીએ, તો એ સૂઝ પડે આપણને. બાપ સારો હોય અને ધરતી રાશી હોય તો શું કરો ? ધરતી સારી હોય ને બાપ એવો હોય તો ? એટલે મા પક્ષને જાતિ કહી. સમજવું જોઈએ ને ? કુળવાન ! ચોરી કરશે, ગજવા કાપી જશે, મૂઆ. બીજું જોજે. ના જોવું પડે બધું ? શું કહો છો ? પ્રશ્નકર્તા : બન્ને જોવું પડે. દાદાશ્રી : પણ છેવટે વ્યવસ્થિતના હિસાબે ! (પા.૧૪) પાછું પેલા ટીપણું કાઢનારાને તેમની છોડી રાંડે, ત્યારે આય દુનિયા ચાલે જ છે ને ! આપણી છોડી ના રાંડે એટલા હારુ એની પાસે ટીપણું કઢાવીએ ! ત્યારે મને લોક કહે છે, ‘છોડી દેવું ?’ મેં કહ્યું, ‘ભઈ, છોડી ના દેશો. આ નિમિત્ત છે.’ પ્રશ્નકર્તા : આપણે કહીએ છીએ ને કે વૈદના મરે નહીં ને જોષીના રાંડે નહીં. દાદાશ્રી : હા, પણ તે શબ્દ વાપરવા જેવો નથી એ. કારણ કે નિમિત્ત છૂટી જાય. નિમિત્ત જોઈએ, નિમિત્તની જરૂર. ડૉક્ટર કંઈ મરી ના જાય ? જુઓ ને, પેશન્ટો મહીં બધા કહેતા’તા મને. કહે છે, અમે અહીં આગળ ડૉક્ટરના પેશન્ટ છીએ ને ડૉક્ટર જતા રહ્યા, કહ્યા-કર્યા વગર. તે કહેવાય ના ઊભા રહ્યા. એમનાથીય ઘરડો હતો મહીં એક પેશન્ટ, તે કહે, ‘હું તો એમનાથી ઘરડો હતો, પણ મને મૂકીને જતા રહ્યા !’ ‘અલ્યા મૂઆ, એમના ફાધરને મૂકીને જતા રહ્યા, તેમાં તારો હિસાબ શો તે ?’ કહ્યું. આ તો આવું ! એ ડૉક્ટર પણ નિમિત્ત તો ખરા જ ને ! નિમિત્ત માત્ર ! તમે જેના નિમિત્ત હોય તે નિમિત્તમાં હું નિમિત્ત ના બનાવું તો મારી ભૂલ છે. હું જેમાં નિમિત્ત હોઉ તે તમે ગાંઠો નહીં, તો તમારી ભૂલ છે, નથી ? પ્રશ્નકર્તા : બરોબર છે. દાદાશ્રી : એટલે મા જાતવાન હોવી જોઈએ, બાપ કુળવાન હોવો જોઈએ. એ પ્રજા બહુ ઊંચી હોય. જાતિમાં ગુણ ના હોય અવળા અને બાપના કુળવાન પ્રજાના ગુણ હોય. કુળના ઠઠારા સહિત, કો’કને માટે ઘસાય, લોકોના માટે ઘસાય. બહુ ઊંચા કુળવાન કોણ, બન્ને બાજુ ઘસાય. આવતાય વેરે ને જતાય વેરે. અને નહીં તો જગતના લોકો કુળવાન કેવા કહેવાય ? એક બાજુ વેરાય પોતે. લેતી વખતે પૂરું લે પણ આપતી વખતે જરા સારું આપે, તોલોય વધારે આપે. પેલાય ચાલીસ તોલા દે, પણ પોતે એકતાલીસ તોલા આપે. જ્યારે ડબલ કુળવાન કોણ કહેવાય ? પોતે ઓગણચાલીસ તોલા લે. એક તોલો ત્યાં ઓછો લે અને અહીં એક તોલો વધારે આપે એ ડબલ કુળવાન કહેવાય. બેઉ બાજુ ઘસાય એટલે ત્યાં ઓછું શા માટે લે ? પેલો એની જાતનો દુઃખી છે, જવા દો ને ! એનું દુઃખ કાઢવા માટે ! અહીંયાય લાગણી ને ત્યાંય લાગણી. એવા માણસને જોઉં ત્યારે શું કહેતો હતો, કે આ દ્વાપરીયા આવ્યા. મેં કહ્યું, આ છોકરાં દ્વાપરીયા છે. દ્વાપરમાં આવું હતું. અત્યારે આ કળિયુગમાં ક્યાંથી હોય ? કળિયુગમાં તો બેઉ બાજુ, કો’ક તો લેતાય દંડો મારે આપણને અને આપતાય દંડો મારે. હવે ઊંચું કુળ હોય અને અહંકાર કરે કુળનો, તો નીચા કુળમાં જન્મ થાય, બીજી વાર એને નીચું કુળ હોય અને નમ્રતા કેળવે તો ઊંચામાં આવે. બસ આપણી ને આપણી જ આ કેળવણી છે, ખેતીવાડી આપણી ને આપણી જ. પેલા ગુણો કંઈ આપણે પ્રાપ્ત કરવા નથી પડતા, સહજ પ્રાપ્ત થાય છે. ત્યાં ઊંચા કુળમાં જન્મે એટલે આપણને જન્મથી જ આ બધા સંસ્કાર મળે ! પ્રશ્નકર્તા : એટલે આ કુળ જે છે તે ઊંચું મળ્યું કે નીચું મળ્યું, એનો કંઈ હર્ષ કે ખેદ ના રાખવો જોઈએ ને ! દાદાશ્રી : હા, એ બરાબર છે. હર્ષ ના હોવો એટલે અહંકાર નહીં. એનો કેફ નહીં રાખવો જોઈએ. નીચું મળ્યું હોય તો ઈન્ફિરિયારિટી કોમ્પ્લેક્સ (લઘુતાગ્રંથિ) નહીં રાખવી, પ્લસ-માઈનસ કર્યા કરવું. લોકમાન્ય હોય એ ઊંચું કુળ, બીજું શું ? એમાં કુળમાં બીજો કોઈ ફેર નથી. મોટા શેઠનો છોકરો હોય, અને શેઠના પિતરાઈ હોય, ગરીબ (પા.૧૫) હોય, એનો છોકરો હોય પણ શેઠનું કુળ વધારે. એ તો શેઠનું કુળ ઊંચું ગણાય. અને પેલો છે તે પૈસા-બૈસા ઓછું અને બીજું બધું ઓછું, એટલે એવું હલકું દેખાય. પણ જ્યારે ગુણમાં પેલા શેઠનો છોકરો વાંકો પાકે, એટલે પેલું હલકું દેખાય અને પેલું પાછું ઊંચું દેખાય. અને કુળ એકલું ચાલે નહીં, કુળવાનના છોકરાં ચોરીઓ કરે છે, દારૂ પીવે છે, માંસાહાર કરે છે, બધું જ કરે છે. તે તેથી અમારા ઘૈડિયાઓ શોધખોળ કરેલી કે કુળ એકલું જોશો નહીં, જાતિ હઉ જોજો. આ બધી વ્યવહારમાં કામની વાતો, આ કંઈ જ્ઞાનની વાતો નથી. પણ વ્યવહારમાં વ્યવહાર જોઈએ ને ! પ્રશ્નકર્તા : પણ દાદા, આપે કીધું બરાબર છે, વ્યવહારમાં જ્ઞાનની વાતો પણ જ્ઞાનની અગાસી સુધી પહોંચતા વ્યવહારમાં છીએ, તો વ્યવહારની અંદર આ વાતોય કામમાં લાગે ને ! દાદાશ્રી : હા, કામમાં આવે ને ! વ્યવહારથીય સારું ચાલે. એ ‘જ્ઞાની પુરુષ’ની પાસે, ‘જ્ઞાની પુરુષ’માં વિશેષતા હોય, બોધકળા અને જ્ઞાનકળા બન્ને કળા હોય. આ બોધકળા એ સૂઝથી ઉત્પન્ન થયેલી છે અને જ્ઞાનકળા જ્ઞાનથી ઉત્પન્ન થઈ એટલે ત્યાં આપણો નિવેડો આવે. કોઈ દહાડો આવી વાતચીત કરી હોય, તો વાંધો શું એમાં ? આપણને શું નુકસાન જવાનું છે ? ‘દાદા’ય બેઠા હોય છે, એમની ફી હોતી નથી. ફી હોય તો વાંધો આવે ! હવે બધું થઈ ગયું ભેળસેળ એક પટેલ અમારા ઓળખાણવાળા હતા, સગાંવહાલાંય થાય. તે બેતાલીસની સાલમાં અમારું કામ પડ્યું, તે ઘડીએ બોલાવ્યા અમને કે ‘જરા આવજો ને, અમારે આટલું કામ પડ્યું છે.’ એટલે હું ને એમના મામા, બેઉ ત્યાં ગયા. ત્યારે કહે, ‘મુંબઈ જવાશે તમારાથી ?’ મેં કહ્યું, ‘હા, જઈશું.’ ત્યારે કહે, ‘ઘેર ખબર કહેવડાવો.’ ત્યારે મેં કહ્યું, ‘કહેવડાવીએ.’ ત્યારે કહે, ‘પણ જમીને જજો, અહીં જમી લેવું પડશે.’ ત્યારે મેં કહ્યું, ‘અહીં જમીશું.’ તે પટેલ થઈને પૈણેલા ક્યાં ? નાગર બ્રાહ્મણને ત્યાં. મોટા માણસની, દિવાનની છોડી. તે જાતે કહે છે, ‘તમારે આ કામ કરવું પડશે.’ મેં કહ્યું, ‘કામ શું છે એ કહો.’ ત્યારે કહે, ‘હજારની નોટો કેન્સલ કરી છે. તે આપણી પાસે હજારની નોટો છે ને, તેને ગમે તેમ કરીને ફૂંકી મારવાની, છેવટે વેચી દેવાની, થોડા થોડા ઓછા ભાવમાં.’ મેં કહ્યું, ‘લઈ જઈશું.’ તે અમે બેઉ જણે કેડે બાંધ્યા. બેએક લાખ હતા ને તે બાંધ્યા. ને પછી એ કહે, ‘ના, જમીને જવાનું.’ તે જમવા બેઠા. ત્યારે કહે, ‘કંસાર તો આજ ખાવો પડે, શુકનનો.’ તે બ્રાહ્મણીએ શુકન કરેલા. તે કંસાર આટલો આટલો મૂક્યો. ત્યાં સુધી અમને હરકત ના આવી. પછી ખાંડ મૂકી ગઈ. ત્યારે પેલા એના મામાએ કહ્યું કે ‘પહેલું ઘી લાવ.’ એ ઘી લાવી અને એક ટીપું પાડ્યું. અલ્યા મૂઆ, કંસારમાં આ પલળવુંય ના જોઈએ ? પાણીમાં પલાળીએ ? પાણી ચોપડીને ખાવાનો ? તે એક ટીપું પાડ્યું. પછી એના મામા તો ફરી બોલ્યા જ નહીં. પછી મહીં લઈ ગઈ પાછી, ઘી. પછી ‘બીજું વધારે મેલું ?’ કહે છે, ફરી જરા. તે પાછું ફરી ટીપું પાડી ગઈ. આ પેલું આમ કરીને હલાવે, તે ૭૦ ડિગ્રી સુધી નમાવે. પાટીયું આમ ૭૦ ડિગ્રી સુધી નમાવે. એક ટીપુંય નથી પડવા દેતી. હવે કંસાર આખી રાત ખૂંચશે, કહે છે. જો પડી મેલીએ (થાળીમાં રહેવા દઈએ) તો એને ખરાબ લાગે. હતો થોડો થોડો, પણ આવું, પાણીમાં પલાળવાનું ? પછી એના મામા કહે છે, ‘આ મારો ભાણો ગાંડો, તે આ બામણી લાવ્યો ઘેર !’ એનું કારણ છે કે એડજસ્ટમેન્ટ લેતા ના આવડે. એ એડજસ્ટમેન્ટ (પા.૧૬) લેતા આવડવું જોઈએ. તરત જ આપણા રિવાજ પ્રમાણે સમજાવી દેવા જોઈએ, કે ‘આ બહારના લોકો આવે ને, તેની જોડે તમારે એમને એક (ઘીનો) પાટિયો મૂકી દેવાનો. તમારાથી અપાશે તો નહીં જ, કોઈ દહાડો અપાય નહીં. એટલે તમારે પાટિયો મૂકી દેવાનો, તમને ઠીક લાગે તો. બાકી અપાશે નહીં જ !’ હવે તો બધું ભેળસેળ થઈ ગયું ને ! તે દહાડે તો હતું જ એવું. અત્યારે તો આવી ઘી-બીની એવી કશી ભાંજગડ જ નહીં ને ! તે દહાડે જૂના સંસ્કાર, પેલા નાગર બ્રાહ્મણને, તે એક ટીપું જ મેલે. પાટીદારોને જાડું ખાતું જોઈએ જરાક, એય ઘી-બી લદબદ ! અને પેલા નાગરના તો બહુ ઝીણા લોક ! ઘણાંખરાં છે તે બપોરે ખાવાનું કરે ને, તે સાંજે એક-એક રોટલી ને જરા ભાત પડ્યો હોય તે વાપરે, બીજું કરવાનું નહીં. ઘણાંખરાં નાગર એવા મેં જોયેલા. મારે બે ફ્રેન્ડ હતા સર્કલમાં, તે એક જ ટંક જમવાનું બનાવે ને સાંજે પાછું ખાઈ લેવાનું મહીં વધેલું-ઘટેલું. તે સાંજે આમ બે-ત્રણ જણ પૂરતું, બે એ લોકો ને બાબો ને બેબી, એના પૂરતું, એટલું જ બનાવ્યું હોય. અને બહારથી થોડાક પેલા એ લઈ આવ્યા હોય, ખમણ-બમણ. એ બહુ ઈકૉનોમીવાળા ને બહુ ઝીણા, વાપરે નહીં ! બહુ ચીકણા ! પ્રશ્નકર્તા : આપની વાત સાચી છે, અમને અનુભવમાં છે. દાદાશ્રી : આ અમે પેલી બઈ ઘી ઓછું પીરસતી હતી તેની વાત કરી, તેનું અમારેય પ્રતિક્રમણ કરવું પડે. કયા આધારે એ ઓછું આપે છે તે બધું જ્ઞાન હાજર થાય ને તેનું પ્રતિક્રમણ કરીએ. અજ્ઞાને કરીને ભાવ થયા હોય, તેને જ્ઞાને કરીને ગાળવા પડે. શબ્દેશબ્દ ગાળવો પડે તો જ પૂરું કામ થાય ! પણ તે વખતે આખી રાત ગાડીમાં ગાળો બોલ્યા છે. ‘અરે ભાણા, તું આને કંઈ પરણ્યો !’ કહે છે. એટલે સૌ સૌની નાતનું પોસાય એ તો. સંસ્કાર બરોબર મળતા આવવા મુશ્કેલ છે. માટે બને ત્યાં સુધી આપણે નોબલ નાત જોડે, નોબલ નાતમાં પૈણવું. સહુ સહુની નાતનો હિસાબ સંસ્કાર પ્રમાણે ચાલે. પણ કળિયુગમાં બધું છિન્નભિન્ન થઈ ગયેલું છે. પહેલા તો વૈષ્ણવને ત્યાં વૈષ્ણવ જ જન્મ્યા કરે. અત્યારે એવું નથી. અત્યારે તો વૈષ્ણવને ત્યાં જૈન જન્મ્યો હોય, જૈનને ત્યાં વૈષ્ણવ જન્મ્યો હોય એવું બધું. આ છોડીઓ જેમ ભાગાભાગ કરે છે ને એવું (ભાગીને બીજી જ્ઞાતિમાં લગ્ન કરે). પ્રશ્નકર્તા : આ પટેલ અને બ્રાહ્મણનું જોડું એમ જ થયું ને ? દાદાશ્રી : હા. પહેલા તો એ બ્રાહ્મણને નાત બહાર મૂકે. અત્યારે નાત બહાર મૂકવાનું ચાલે નહીં, કોઈનું પણ. કારણ કે નાત બહાર મૂકનારાની છોડી જતી રહેલી હોય ત્યાં ! એટલે મેરી ભી ચૂપ ને તેરી ભી ચૂપ ! એમ કરતું કરતું તૂટી ગયું બધું. ઈન્ટરકાસ્ટ (આંતરજ્ઞાતિય) મેરેજ કરવામાં વાંધો નથી હવે. પહેલા કરવામાં જરા વાંધો હતો. જર્મન લેડીને પરણેલા તેની પર ચીઢ હતી પ્રશ્નકર્તા : દાદા, તમારા ટાઈમે સમાજ કેટલો બધો સંકુચિત વિચારવાળો હતો અને આપને જ્ઞાન તો થયું નહોતું, તો કઈ રીતે આપ આવા ફ્લેક્સિબલ ને એડજસ્ટેબલ વિચાર કરી શકતા હતા ? દાદાશ્રી : હા, મને જ્ઞાન થયું નહોતું ત્યારની વાત કરું એક. પિસ્તાલીસ વર્ષ ઉપરની વાત છે. (પા.૧૭) તે અમારા કાકાના દીકરા છે, એમના સાળા છે તે ફૉરેનની લેડી જોડે પૈણેલા, જર્મન જ્યૂ (યહૂદી)ને પૈણેલા. નડિયાદના પટેલ, કાકરખાડના, તે સાંતાક્રૂઝમાં રહેતા હતા. પછી એક દહાડો છે તે એ ભત્રીજો મને એમ કહેવા માંડ્યો, કે ‘કાકા, તમે છે તે મારા મામાને ત્યાં ચાલો ને, એક ફેરો. એક ફેરો તો આપ પગલા પાડો.’ તે દહાડે જ્ઞાન-બાન નહીં, પણ કાકા તરીકે. ત્યારે મને તો મનમાં ચીડ કે ‘આ માણસ ફૉરેનવાળી લેડી જોડે પૈણ્યો છે, આપણે ત્યાં જઈને શું કામ છે ?’ ભ્રષ્ટાચાર, ખોરાકનો ભ્રષ્ટાચાર, બધી રીતે. એટલે મારા મનમાં ચીડ એવી રહી. મને તે ઘડીએ ચીડ હતી એ જમાનામાં, કે આ ફૉરેન લેડીને પૈણ્યો એમાં આપણું શું રહ્યું ? સંસ્કાર શું રહ્યા તે ? તે મને એના તરફ નફરત રહેલી. પણ તે ભત્રીજો બોલાવવા આવેલો, ‘કાકા, મારા મામાને ત્યાં હેંડો, બોલાવે છે.’ ત્યારે મેં કહ્યું, ‘ભઈ, ત્યાં તો ના અવાય. તારી મામી આવી ને બધું આવું, તે અમને ના ફાવે !’ તે દહાડે જ્ઞાન થયેલું નહીં. અત્યારે તો બધે જઈએ. અત્યારે તો માંસાહાર મારી જોડે (સામે) કરતો હોય તોય વાંધો નહીં અને તે દહાડે અમને ના ફાવે બધું. પણ પછી હું તો ગયો, બહુ મંડ્યો એટલે. ગયો તો એના મામા ખુશ થઈ ગયા, કે ‘મારે ત્યાં તમે આવ્યા, મને બહુ આનંદ થયો’, કહે છે. ‘મારે ત્યાં જુઓ, આ રસોડા બેઉ જુદા છે. આ વેજિટેરિઅન છે અને આ નૉન વેજિટેરિઅન, બન્ને જુદા છે. અને આજ આપ જમીને જાવ’, કહે છે. મેં કહ્યું, ‘ના, હું જમું તો નહીં.’ કારણ કે મનમાં ચીઢ ! હવે મનમાં તો પેલી ચીઢ તે શી રીતે કાઢી નાખીએ, તે દહાડે જ્ઞાન નહીં એટલે ? તોય સામો ચીઢ ના દેખી જાય એટલે હેન્ડલ માર માર કરેલા. ચીઢ દેખી જાય તો ખોટું દેખાય ને ! અનુભવ વધતા નોબિલિટી આવતી જાય પણ પછી મેં ચા તો પીધી. પછી મને કહે છે, ‘ના, આજનો દહાડો તમે જમવાનું રાખો ને, આ વેજિટેરિઅન પણ છે અને તમને વાંધો નહીં આવે.’ એના મનમાં ઈચ્છા એવી. પછી હું થોડીવારે બાથરૂમમાં ગયો. ત્યારે મારું નીકળવું અને લેડીનું બાથરૂમમાં પેસવું. એટલે લેડી જોઈને હું તો ચમકી ગયો ! લેડીની શરીરે પર્સનાલિટી જોઈને ! એકદમ આ ઓચિંતું જોયું ને, મેં જોયેલી નહીં એ લેડી ! અને શરીરેય મજબૂત આમ ! એની આંખ મોટી ! એણે મને કશું નથી કર્યું, એણે બિચારીએ તો વિનય કર્યો’તો પણ મને પોતાને ફફડાટ થઈ ગયો. પછી હું જમ્યો ખરો, પણ મારા મનમાં પેલી ચમકનું જ્ઞાન રહ્યું. એ જ્ઞાને મને શું આગળ સમજણ પાડી, કે ‘જો તમે આ લેડીને જોતા જ એ પાંચ મિનિટમાં જ આમ ચમકી ગયા, તો આ માણસ કાયમ શી રીતે આને સંભાળતો હશે ?’ એટલે મને ઊલટું એના તરફ માન ઉત્પન્ન થયું. હું ચમકી ગયો તેથી મને માન ઉત્પન્ન થયું. પ્રશ્નકર્તા : પણ એ એડજસ્ટ થઈ ગયા તો માન તો થાય જ ને ? દાદાશ્રી : મને માન થયું ને, એટલે પછી હું જમ્યો સારી રીતે, એને ત્યાં. પછી મેં કહ્યું, ‘હવે ચા પીને જઈશ.’ એટલે મને એમનો ભો નીકળી જાય. મારા મનમાં જે રોગ હતો એ બઈએ કાઢી નાખ્યો, કે ફૉરેનવાળા જોડે ના પૈણાય. મૂઆ, એ પૈણવું કંઈ સહેલું છે ? તું પૈણી જોજે ! એ સહેલું નથી પૈણવું તે ! પ્રશ્નકર્તા : દાદા, પણ તમારી બીક નીકળી ગઈ કે નહીં, ફૉરેનવાળા જોડેની ? દાદાશ્રી : મારી બીક તો... મારો પોતાનો (પા.૧૮) સ્વભાવ કેવો ? ગમે એવું હોય ને, તો પહેલા જરાક ભય પેસી જાય. પણ આ મહીં અંદરનું જ્ઞાન એવું ને, તે તરત જ ઊડી જાય પછી તો. પણ પેસી ગયું એ ખરું ને ! એ મેં જોયું એટલે મને એમ થયું કે હું ભડકી ગયો આ બાઈથી. પછી મેં નોંધ કરી. મેં કહ્યું, ‘મારું હારું, આ જર્મન જ્યૂને પૈણ્યો એની પર હું ચીઢ રાખું છું અને મૂઓ આ આખો દહાડો એની જોડે શી રીતે રહેતો હશે ?’ મને આ પાંચ મિનિટમાં જ ભય લાગે છે, તો હું પૈણ્યો હોય તો મારી શી દશા થાય ? પ્રશ્નકર્તા : દાદા, તમને તો હીરાબા કેવા સરસ મળેલા, ભોળા-ભદ્રિક ! દાદાશ્રી : હા. પણ આ છે તે વાઘણ જેવી, તે મનેય ભય લાગ્યો, તો આ શી રીતે નભાવતો હશે ? ત્યારે કેટલો શક્તિશાળી હશે એ માણસ ? એ મોટો, એટલો એ શક્તિવાળો કહેવાય ! એ શક્તિશાળી મને તે દહાડે લાગ્યો. તે ત્યારથી મારી ચીઢ જતી રહી. મારા મનમાં જે ઊંધું હતું, તે નીકળી ગયું. ચીઢ લાગતી’તી મહીં. પછી મેં કહ્યું, ‘ના, હવે વાંધો નહીં, મને ગમ્યો હવે.’ હું આટલો અહંકારી ગુણવાળો, તે અહંકાર ક્યાંય ઓગળી ગયો ! અહંકાર ઓગળી ગયો અને પાણી એકલું જ દેખાયું, બધુંય મીઠું મહીં નાખેલું તે દેખાયું જ નહીં. એટલે આવી દુનિયા ! કેમની ચીઢ રાખે તે ! આ હું તો તિરસ્કાર કરું છું, એ ખોટું છે, આ મારી ભૂલ છે. જેમ જેમ અનુભવ થાય, તેમ નોબિલિટી આવતી જાય. વિશાળતા મનની ક્યારે થાય ? જ્યારે એ જગ્યા, ભયસ્થાન જુએ ત્યારે વિશાળતા થાય ! એમ ને એમ વિશાળ થાય નહીં ને ! અનંત અવતારથી વિશાળતા થયેલી છે તોય પાછું આવરણ આવી ગયું હોય, તો પાછું આવરણમાં એકાદ ભય એવો જુએ કે નીકળી જાય પાછું. એક નાતમાં સ્વભાવ મળતા આવે પ્રશ્નકર્તા : આપણી નાતમાં જ લગ્ન કરવાના ફાયદા શું, એ જરા કહો. દાદાશ્રી : આપણી કોમ્યુનિટીની વાઈફ હોય ને, તો આપણા સ્વભાવને મળતું આવે. આપણે કંસાર લીધો હોય અને ઘી વધારે જોઈતું હોય આપણા લોકોને. હવે કોઈ એવા નાતનીને પૈણી લાવ્યો, તો તે મેલે નહીં આમ, નીચું નમાવતા જ એના હાથમાં દુઃખે. એટલે એના જુદા જુદા ગુણો જોડે ટકરામણ થાય આખો દહાડોય અને આ આપણી જાતની જોડે કશું ના થાય. પેલી ભાષા બોલે ને, તેય ચીપી ચીપીને બોલે અને આપણો દોષ કાઢે કે તમને બોલતા નથી આવડતું, એવું ત્રાગા કરે. એના કરતાં આપણી સારી કે કંઈ કહે તો નહીં, આપણને વઢે નહીં. પ્રશ્નકર્તા : આપ કહો છો કે એક જાતિની હોય ત્યાં ઝઘડો ના થાય, પણ એક જાતિની હોય ત્યાંય ઝઘડો તો થાય છે, એનું શું કારણ ? દાદાશ્રી : ઝઘડો થાય પણ એનો નિકાલેય થાય. પણ પેલો આખો દહાડો ગમે એની જોડે અને પેલા જોડે તો ગમે નહીં પછી, એક કલાક ગમે અને પછી કંટાળો આવ્યા કરે. એ આવે ને કંટાળો આવે, એ આવે ને તરત કંટાળો આવે. પોતાની જાતની હોય તો ગમે, નહીં તો ગમે જ નહીં. કંટાળો આવે, ભૂતડી જેવી લાગે. આ બધા જે પસ્તાયેલા ને, તેના દાખલા કહું છું. આ બધા બહુ લોકો ફસાયેલા. વ્યવહારે નાતમાં જ કરે એ ધર્મ પ્રશ્નકર્તા : તમારો શું અભિપ્રાય, આ ઈન્ટરકાસ્ટ લગ્નનો ? તમારું મંતવ્ય ? દાદાશ્રી : અમારે મંતવ્ય ના હોય. એ તો (પા.૧૯) જ્યાં એનો હિસાબ હોય ત્યાં જ પૈણે છે. પણ આમાં અભિપ્રાય આપવાની જરૂર જ શી હવે રહી ? જેને હિસાબ હોય ત્યાં જ પૈણે છે. એટલે અમને એમાં કંઈ દુઃખ ના થાય. એ અમને નોંધ અવળી ના થાય કે આ ખોટું કર્યું છે એવું. હિસાબ હોય ત્યાં જઈને પૈણે, પછી એનું શું કરવું ? પણ ખુલ્લું ના કહેવાય. ખુલ્લું તો એમને કહીએ કે ‘છોકરાંઓ, તમારી નાતમાં જ પૈણજો.’ પછી પરિણામ આવે ત્યારે વઢીએ નહીં. બીજી નાતમાં પૈણ્યો હોય તો વઢીએય નહીં. હિસાબ વગર થતું નથી ને ! આ તો અમે જાણીએ કે શા આધારે થાય છે ! એ કરતો નથી બિચારો. એ કર્તા નથી, કર્તા જુદો છે. એટલે અમને એના તરફ એ ના રહે. પ્રશ્નકર્તા : આપણે પશ્ચિમની સ્ત્રી અને હિન્દુસ્તાનનો પુરુષ પૈણે, એકબીજાના લગ્ન થાય, આંતર વિવાહ થાય તો એનું શું ફળ આવે ? દાદાશ્રી : એ તો પણ વ્યવસ્થિત છે ને ! એ તો એવો હિસાબ બંધાયેલો, પૂરણ-ગલનનો તે. પ્રશ્નકર્તા : દાદા, પણ એ સાચું કે એનું વ્યવસ્થિત હોય એની સાથે જ લગ્ન થાય છે ? વ્યવસ્થિત હોય જ લગ્ન માટે ? દાદાશ્રી : બધું વ્યવસ્થિત જ છે. આ જગત જ વ્યવસ્થિત છે. પણ પૈણતા પહેલા વ્યવસ્થિત ના કહેવાય. ત્યાં સુધી આપણે પ્રયત્ન કર્યા કરવો કે ‘નહીં, એય... ફૉરેનવાળા જોડે ના પૈણાય, ફૉરેનવાળા જોડે ના પૈણાય’, પરણવાનું બાકી હોય ત્યાં સુધી, પણ એનું મેરેજ થઈ ગયું પછી આપણે કહીએ, કે ‘બા, આવ ઘેરે.’ માતા-પિતા આપણા હિતમાં બેન, તને લગ્ન કરવાનું ગમે છે ખરું ? કેવા છોકરા જોડે લગ્ન કરવા જોઈએ ? પ્રશ્નકર્તા : એજ્યુકેટેડ, કલ્ચર્ડ ફેમિલીનો છોકરો હોવો જોઈએ. દાદાશ્રી : શી રીતે કલ્ચર્ડ છે એવું સમજાય ? પ્રશ્નકર્તા : એ તો ગેમ્બલ (જુગાર) છે. લાઈફ ગેમ્બલ જ છે ને ! એ જ જુગાર છે ! દાદાશ્રી : ના. પણ આ આપણે સક્કરટેટી કે પપૈયું હોય, તો સક્કરટેટીવાળો તો કહે, ‘સાહેબ, મીઠી છે.’ ત્યારે કહે, ‘ભઈ, મને શી રીતે ખાતરી થાય ?’ તો કહે, ‘હું કાપીને જરા ડગળી કાઢીને બતાવું.’ તો આમાં કોઈ ડગળી કાઢીને બતાડે ખરો ? ડગળી ના બતાવે, તો શી રીતે માની લઉં કે મહીં મીઠી છે ! પ્રશ્નકર્તા : હં... તો પછી કેવી રીતે તપાસવું ? દાદાશ્રી : તારા મધર ઉપર તને વિશ્વાસ છે કે ફાધર ઉપર ? પ્રશ્નકર્તા : બન્ને પર. દાદાશ્રી : તો પછી એમને સોંપી દે ને આ કેસ. પેલો એક ભઈ હતો. તે એના ફાધરે કહ્યું, ‘આ છોકરી જોઈને તું હા કે ના કહી દે.’ ત્યારે કહે, ‘ના, મારે શાદી કરવી નથી.’ એને છોકરીઓ બધી બતાડી. તો કહે, ‘મારે નથી કરવું.’ એટલે પછી એના ફાધર, એ મને કહે છે, ‘આ છોકરો ગાંઠતો નથી. છોકરી જ પાસ નથી કરતો.’ તો મેં એને કહ્યું, ‘તો બધી રીતે સારી હોવી જોઈએ.’ ‘તું છેતરાઈ જઈશ બા. એના કરતાં અનુભવીને સોંપ ને ! તું નાની ઉંમરનો કશું માલ લેતા છેતરાઈ જાઉ. એના કરતાં અનુભવી તારા ફાધર છે એને સોંપ ને !’ ‘દાદા તમે કહો છો તો સોપું ?’ મેં કહ્યું, ‘અમારી ગેરેન્ટી, લે તારે માથે હાથ મૂકું.’ અને એના ફાધરને ત્યાં જઈને કહે છે, ‘તમે તપાસ (પા.૨૦) કરીને લાવો એ છોકરી મારે પૈણવી છે.’ એના ફાધર, એ મને કહે છે, ‘શું કર્યું તમે દાદા ? એ આવી રીતે બોલે છે !’ અલ્યા, પૈણ્યો ! અને સુખી થઈને મને કહે છે આજ, ‘દાદા, મારા ફાધરને તમારા કહેવાથી જ મેં હા પાડી, તો હું સુખી થઈ ગયો. તે મારી વાઈફ વગર મને ગમતું નથી.’ અમે તારા અહિતમાં હોય ખરા ? કોઈના અહિતમાં ન હોઈએ. મારી વાત તને ગમે આમાં ? આપણા એક મહાત્મા હતા. એનો એકનો એક છોકરો, મેં કહ્યું, ‘અલ્યા, તારે પૈણવું છે કે નહીં પૈણવું ?’ ત્યારે કહે, ‘પૈણીશ દાદાજી. કેવી પાસ કરી લાવીશ ?’ તો કહે, ‘તમે કહો એમ કરું.’ એની મેળે જ પાછું કહેવા માંડ્યો. મારી મમ્મી તો પાસ કરવામાં હોશિયાર છે. એ લોકોએ મહીં ડિસાઈડ કરી લીધેલું, મમ્મી જે પાસ કરે તે, તો આવી રીતે હોય. આ છોકરીઓ બિચારી ભોળી ઉપરથી ગોરું ચામડું દેખાતું હોય, ‘સિનેમા જોવાનો તમને શોખ છે ?’ ત્યારે પેલો કહેશે, ‘હા’ અને બની ગયું. આ તો મને તું એમ કહે અત્યારે કે તારે તપાસ કરવી હોય તો શું પ્રશ્ન પૂછું ? પ્રશ્નકર્તા : તમે શરમાવો છો એને. દાદાશ્રી : ના, એમાં શરમાવા જેવું શું છે ? ઈન્ડિયાની લેડી શરમાય કેમ કરીને ? આર્યપુત્રી કહેવાય. આર્યપુત્રી શરમાય નહીં. શરમાવાનું ના હોય. તેં કેવું સરસ મને લખીને આપ્યું હતું. એટલે તારા માટે માથાકૂટ કરું છું ને મારી મહેનત નકામી જશે, એમ કરીને માથાકૂટ ના કરું ? એ તો મારી મહેનત ઊગે. શું પૂછું કહે ને ? એ શાકબજારમાં તું શાક લઈ આવી છું કોઈ દહાડો ? તને ભીંડા લેવા મોકલે તો તું લઈ આવું ખરી ? પછી મહીં ઘૈડા ના નીકળે ? પ્રશ્નકર્તા : વીણીને લાવું ને ! દાદાશ્રી : આવડે છે તને આ ઘૈડા કહેવાય ને આ કૂણા એમ ? ત્યારે તારી મધર હોશિયાર છે એમ ! નહીં તો મારી પાસે શીખવા રહ્યો હતો એક. એ તો ડબલ ગ્રેજ્યુએટ હતો. તો મેં એને શાક લેવા મોકલ્યો. મને કહે છે, ‘શાક મારી પાસે મંગાવો છો ?’ મેં કહ્યું, ‘એટલું આવડે, ત્યાર પછી બીજું તને શીખવાડું.’ ત્યારે કહે, ‘શાકમાં શું શીખવાનું ?’ ‘તું લઈ આવ તો ખરો પણ ! આજ ભીંડા લઈ આવ.’ તે મહીં આ પાંચ તો આ આમ તોડીએ તો તૂટે નહીં. ત્યારે મેં કહ્યું, ‘જો તારી ભૂલ છે ?’ ‘હા, ભૂલ તો ખરી.’ ત્યારે મેં કહ્યું, ‘આ જો તું કહું છું, પણ શાકમાં શીખવા જેવું છે કે નહીં ?’ ‘શીખવા જેવું છે.’ મેં કહ્યું, ‘બીજે દહાડે તું દૂધી લાવજે.’ ‘આ દૂધી સારી છે ને’, કહે છે પેલા દુકાનદારને, ‘પાછા વઢશે ત્યાં આગળ દાદાજી.’ પેલો વેપારી શું કહે ? પ્રશ્નકર્તા : બહુ સારી છે. દાદાશ્રી : તે લાવ્યો, તે ઘૈડી દૂધી આમ નખ મારી એને, તો મહીં પેસે નહીં. એટલે મેં કહ્યું, ‘અલ્યા, આજ આવી દૂધી લાવ્યો ?’ એણે કહ્યું’તું ને, ‘બહુ સરસ છે.’ એ તો કહે જ ને, એ તો વેચવા બેઠો છે. ‘તે મૂઆ, તું આવો કેવો ભણેલો ? આને ભણતર શી રીતે કહેવાય તે ?’ હવે ટકે નહીં ને મારી પાસે ! લોકો શીખવા આવે, પણ ટકે નહીં. એટલે મારે થોડી નરમ પરીક્ષા મૂકવી પડે, નહીં તો જતો રહે પાછો ! અનુભવીનો લે લાભ પ્રશ્નકર્તા : આ મારી નાની દીકરી પૂછે છે, એમ ને એમ કેવી રીતે પરણાય, પછી આપણી આખી લાઈફ જ બગડે ને ! પહેલા છોકરાને બરાબર જોઈએ-કરીએ, પછી ખબર પડે ને કે છોકરો સારો છે કે નહીં ! પછી લગ્ન થાય. (પા.૨૧) એવું આ મને પ્રશ્ન પૂછયા કરે. તો દાદા, એનું સૉલ્યુશન શું આ છોકરાઓ માટે ? દાદાશ્રી : બધા જોઈને જ પૈણે છે ને પછી મારંમાર ને વઢંવઢા (કરે છે ને !) જોયા વગરના પૈણેલા તે બહુ સારા ચાલે છે. કારણ કે કુદરતે આપેલું છે, અને પેલું પોતે ડહાપણ કર્યું છે. એક છોકરો એના ફાધરને કહેતો હતો, હમણે જ, પૈસાવાળો, સારા કુટુંબનો. તે છોકરો એના ફાધરને કહે છે, ‘મારે પૈણવું નથી.’ એ તો પછી એના ફાધર દેખાડે, છતાં આ નાપાસ કરે. પછી એના ફાધર કહેવા લાગ્યા, કે ‘આ છોકરો આવું કરે છે ! એને કંઈ રસ્તો કરી આપો ને !’ મેં છોકરાને કહ્યું, ‘વ્યવસ્થિત નથી ? તને વહુ લઈ આપે એ વ્યવસ્થિત નહીં હોય ?’ ત્યારે કહે, ‘હા, મને વ્યવસ્થિત ઉપર બહુ ખાતરી છે.’ મેં કહ્યું, ‘ખાતરી હોય તો પૈણ ને, આપણે પાસ કર્યા વગર. જે જ્ઞાન ઉપર ખાતરી છે, એ જ્ઞાનથી જ ચાલ ને ! આપણને અહીંથી જઈએ છીએ તે કયા આધારે ચાલીએ છીએ ? ગાડી અથડાશે નહીં એ આધારે ચાલીએ છીએ ને ! કો’ક દહાડો અથડાયે ખરી પણ કંઈ રોજ અથડાય ? માટે આશરે ચાલ ને તારી મેળે.’ પછી મેં કહ્યું, ‘ફાધરને તું કહી દે કે તમે પાસ કરી લાવો એ મારે પૈણવાની.’ પેલા એના ફાધર પાસ કરીને લાવ્યા. તે એણે તરત કહી દીધું, કે ‘તમે જે પાસ કરી લાવો એ મારે પૈણવાનું.’ તે પૈણ્યા પછી એ મને કહે છે, કે ‘સહેજ કલર આવો છે.’ મેં કહ્યું, ‘એ ક્યાં જોયું પાછું તે ! કેરી મીઠી છે કે નહીં એ તપાસ ને !’ કલર તો કોઈની કેરીનો જરાક લીલો દેખાય સહેજ, બહુ પીળી ના દેખાતી હોય તો, તે એ પછી કેરી ચાખી. ચાખીને તો, ‘કેરી બહુ સારી નીકળી’ કહે છે. ત્યારે મેં કહ્યું, ‘હા.’ એના ફાધરેય ખુશ થઈ ગયા, કે ‘ઓહોહો ! આ છોકરાને તમે આટલું બધું આપ્યું !’ વસ્તુ છે તે જોયા પછી સારી નીકળે, ગેરેન્ટી લખેલી હોય ઉપર. વસ્તુ ઉપર ગેરેન્ટી લખેલી હોય, વર્ષ દહાડો ચાલશે કે પાંચ વર્ષ ચાલશે. બીજી વસ્તુ હોય તો આપણે જાણીએ કે આ વસ્તુ આવી જ હશે અને આ વસ્તુનું શું ખબર પડે મહીં ખોલીએ ત્યારે ? પ્રશ્નકર્તા : કશી ખબર ના પડે. દાદાશ્રી : એટલે ઉપર રૂપાળું દેખાતું હોય તે મહીં ખરાબ જ નીકળે, કચરો જ નીકળે. કોઈ ગામ જવું છે, તે આપણે જતા હોઈએ ને ત્રણ રસ્તા આવે, તો કયા રસ્તા ઉપર જવું ? આપણે શું કરવું ? પ્રશ્નકર્તા : સીધા જવાનું. દાદાશ્રી : સીધું ! ના, ના. ત્રણ રસ્તા છે, એમાં કયો રસ્તો સાચો આપણા ગામ જવું છે તે ? પ્રશ્નકર્તા : ના, ખબર ના પડે તો. દાદાશ્રી : તો પછી તું દેખાડું એ પ્રમાણે આ બેને ચલાવે કે એમના દેખાડ્યા પ્રમાણે તું ચાલું ? પ્રશ્નકર્તા : એ લોકો કહે એ પ્રમાણે. દાદાશ્રી : હં. માટે આમાં કોઈને પૂછીએ આપણે. લગ્નની બાબતમાં તારે જોવાનો અધિકાર છે પણ એમને પણ પૂછીએ કે આ જાતની કેરીઓ તમે પહેલા ખાધેલી, તે તમને પહેલા કોઈ વખત ખરાબ નીકળેલી ? ત્યારે એ જાણે કે આ તો ખાટી નીકળે. તું ના ખઈશ તો સારું ને પહેલેથી ! કેરીઓ બધાએ પહેલા ખાધેલી, આ લોકોએ ને તારે નવી જ ખાવાની છે. રાતનો એક વાગ્યો હોય અને કોઈ સગોવહાલો આવ્યો હોય તે કહે, ‘મારે અમુક જગ્યાએ જોવા જવું છે.’ તો એને એકલાને જવા દે. પણ તને એકલીને જવા દે ? (પા.૨૨) પ્રશ્નકર્તા : મને એકલી ન જવા દે, કોઈ સાથે. દાદાશ્રી : એ સારી વાત છે ને, ન જવા દે તે સારું કે ખોટું ? પ્રશ્નકર્તા : સારું. દાદાશ્રી : હં... એવું બધું સમજવું પડે. રીંગણાનુંય શાક બનાવતા આવડવું જોઈએ. બધું આવડવું જોઈએ કે ના આવડવું જોઈએ ? સમજવાની બાબત હોય છે. એટલે વિચારજે, આ કંઈ તારા હિતમાં હશે કે અહિતમાં હશે ? તારા માટે પૂરેપૂરા હિતમાં કે થોડા અહિતમાં ખરા ? પ્રશ્નકર્તા : પૂરેપૂરા હિતમાં. દાદાશ્રી : આ તો તારું મન પૂરેપૂરું તારા હિતમાં નથી હોતું. આ બધા તો હિતમાં પૂરેપૂરા હોય છે. તારું મન ઘણા ફેરા જૂઠું પણ કરે છે ? કોઈ દહાડો કનિંગનેસ (ચાલાકી) કરે છે ? પ્રશ્નકર્તા : હા. દાદાશ્રી : હા, એ મનના કનિંગનેસ કરતાં આ બધા લોકો કનિંગનેસ નહીં કરે. એટલે બધું પૂછવું આપણે, પૂછ્યા વગર કેમ થાય તે ? છોકરો તો એમ જાણે કે બાપ શું જાણે એમાં, મારે જો પૈણવાનું તેમાં ? અલ્યા મૂઆ, બાપે ખાધેલી હોય કેરી, રત્નાગિરી કે બીજી. એ ખાટી નીકળેલી હોય ને, તે પછી છોકરાંઓ (ફૉરેનની) પૈણી લાવે છે ! મને કહે છે કે ‘ગોરી ગપ છે.’ ‘મૂઆ, કાપીશ તે ખાટી નીકળશે. પહેલે દહાડે જ નહીં ખવાય તારાથી, પછી એની જોડે શી રીતે વર્ષ દહાડો કાઢીશ તું ? એના કરતાં આપણી ખોળી લાવેલી સારી !’ ન વપરાય બુદ્ધિ પસંદગીમાં બુદ્ધિ તો બે જ વસ્તુ જુએ, નફો ને ખોટ ! છોકરાની વહુ ખોળે તો સારી જ ખોળ્યા કરે ! પ્રશ્નકર્તા : વહુને સિલેક્ટ કરવા માટે બુદ્ધિ સારું સારું દેખાડે, તો તે સમયે શું કરવું જોઈએ આપણે, બુદ્ધિ ન વાપરવી ? દાદાશ્રી : આપણે તો છોકરાને એ દેખાડી જોવાની, પછી બીજા સંજોગો ભેગા થાય એટલે આપણે ‘યસ’ કહી દેવાનું. પ્રશ્નકર્તા : પણ બીજા સંજોગો આપણે જોવા જોઈએ ને, કુટુંબ કે નાત કે આમ સામાન્ય... દાદાશ્રી : એ સંજોગો ભેગા ક્યારે થાય, કે બનવાનું હોય તે પ્રમાણે જ થાય. પ્રશ્નકર્તા : બધાય એવિડન્સીસ ભેગા થાય તો જ લગ્ન થાય. દાદાશ્રી : તો જ લગ્ન થાય, નહીં તો ના થાય. એટલે એ ગભરામણ નહીં રાખવાની પછી. કુટુંબ ખરાબ આવ્યું અને જે થયું એ પછી તારો હિસાબ હતો તે આવ્યો. બાકી બુદ્ધિ જો ખોળવા બેસે ને, તો આ ગામમાં એકુંય મોડલ સારું જડે નહીં. બુદ્ધિનું ખોળેલું તો જડે જ ક્યાંથી ? પ્રશ્નકર્તા : હવે ધારો કે છોકરાએ એમ કહ્યું હોય મા-બાપને કે તમે જે શોધી આપો એ ખરી. તો પછી મા-બાપની જવાબદારી આવી ગઈ, તો મા-બાપે શું કરવું ત્યારે ? દાદાશ્રી : પછી આપણે શોધી આપવું. શોધી આપીને પછી આપણે જાણવું કે આ શોધી આપ્યું છે. તો અત્યારે તો નાની ઉંમરનો છે, મોટી ઉંમરનો થાય એટલે બુદ્ધિ ખીલે. ત્યારે પછી કહેશે, ‘હું તો હા કહું પણ તમારે નહોતું સમજવું ?’ તો પછી આપણે ધીમે રહીને ઉકેલ લાવવો. સિલેક્શનમાં ના હોય ચૂંથાચૂંથી પૈણવા જાય છે, તે પેલીને શું કહે છે ? આમ ફરો જોઈએ ! એ શું જોતો હશે ફેરવીને ? (પા.૨૩) પ્રશ્નકર્તા : એ બધું સપ્રમાણ છે, કેમ છે એ બધું જુએ. સૌંદર્ય જુએ એનું, નીરખે પાછું. દાદાશ્રી : સૌંદર્ય તો મોઢા ઉપર દેખાય, પણ બધું સપ્રમાણ છે કે નહીં ? પૂંઠ કેટલી જાડી છે, એ બધું જુએ મૂઓ ફેરવીને. આ તો મશ્કરી જ છે ને, સ્ત્રીઓની મશ્કરી જ કહેવાય ને ? પ્રશ્નકર્તા : મશ્કરી કહેવાય. દાદાશ્રી : કેવડી મોટી મશ્કરી ! આ મશ્કરી કરવાનો જમાનો છે, તે સ્ત્રીઓની મશ્કરી થઈ રહી છે. આમ ફરો, તેમ ફરો. અત્યારે તો છોકરાંઓ છોકરીની પસંદગી કરતા પહેલા બહુ ચૂંથે છે. ‘બહુ ઊંચી છે, બહુ નીચી છે, બહુ જાડી છે, બહુ પાતળી છે, જરા કાળી છે.’ મેર ચક્કર, એક છોકરો આવું બોલતો હતો, તેને મેં તો ખખડાવ્યો. મેં કહ્યું ‘તારી મધર હઉ વહુ થઈ હતી. તું કઈ જાતનો માણસ છે તે ?’ સ્ત્રીઓનું આટલું બધું ઘોર અપમાન ! જો લોકો કહે કે તમને છૂટ છે. જાવ, આ છોકરાને જે કહેવું હોય તે કહો. એ છોકરો કહે કે મને કહેવું હોય તે કહો, તો હું કહું કે મૂઆ, ભેંસ છે તે આવું જોઉં છું ! ભેંસને ચોગરદમથી જોવાની હોય. મૂઆ, શરમ નથી આવતી ? નંગોડો ! સ્ત્રીઓનું અપમાન કરે છે આ છોકરાઓ ! કેવી છોકરીઓ બિચારી ! પણ ‘આમ ફરો, તેમ ફરો’ કહેશે. કઈ જાતના નંગોડો છો ! પણ હવે અમારાથી કશું બોલાય નહીં ને ! અમે કંઈ રાજા છીએ ? આ દુનિયાના માલિક છીએ ? માલિકી વગરના માલિક ! અને આજકાલ તો છોકરીઓ હઉ કહેતી થઈ ગઈ છે કે ‘જરા આમ ફરો તો ? તમે જરા કેવા દેખાવ છો ?’ જુઓ, આપણે આમ જોવાની સિસ્ટમ કાઢી તો આ વેશ થયો ને આપણો ? એના કરતાં સિસ્ટમ જ ના પાડીએ તો શું ખોટું ? આ આપણે લફરું ઘાલ્યું તો આપણને એ લફરું વળગ્યું ! અને તારા બાપાને પૂછ ને, કે તમે માને આવી રીતે તેડી લાવ્યા હતા ? પણ આવું બોલાય નહીં ને, અવિનયવાળું ! એને કેવું દુઃખ થાય ! આ તો ફાધરને કહેશે, ‘મને દેખાડો.’ અને જુએ તો કહેશે, ‘આમ ફરો, તેમ ફરો.’ મૂઆ, કંઈ ગાય-ભેંસ છે કે તું આમ ફેરવ ફેરવ કરે છે ! જાડાઈ-પાતળાઈ જોઈ. અલ્યા, તું પાતળું લઈશ ને પછી જાડું થઈ જશે તો ? વગર કામના ફેરવ ફેરવ કરે છે ! તે હું એને સમજણ પાડું છું કે ઘૈડી થશે ત્યારે કેવી દેખાશે એ તને કલ્પનામાં આવે છે ? તે વખતે કેવી દેખાવાની છે ? પછી ચીતરી ચઢશે. એના કરતાં જે હોય એ ભલે, કહીએ. આ તો જેમ જેમ એના અંગ-બંગ ફેરફાર થતા જાય ને, તેમ એને કંટાળો આવે પણ કહેવાય નહીં ને સહેવાય નહીં. અને સ્ત્રી તરીકે છે ને, ઘૈડપણ છે તોય સ્ત્રી અને જુવાનીમાંય સ્ત્રી, એવી રીતે કર્યું હોય તો શું ખોટું ભઈ ? જાણીજોઈને મુશ્કેલીમાં મૂકાય છે ને લોકો ! તમે પસંદગી કરી, પછી ના ગમે એ કેવું ? વહુ રિયલાઈઝ કરીને લાવ્યો હોય કે આમ ફરો જોઈએ, તેમ ફરો જોઈએ. પછી મનમાં નક્કી કરે કે ના, બરોબર છે, ગર્થ (પૂંજી, પૈસો) બધું જોઈ લે, બધું બરોબર છે. પછી પાસ કરે અને દસ દહાડા પછી ખટપટો ચાલુ થઈ જાય. અલ્યા, તું જોઈને તો લાવ્યો છું ને ? એક ભાઈ ડબલ ગ્રેજ્યુએટ થયેલો પણ પૈણ્યા પછી વહુ જોડે બોલે નહીં. એના બાપે સારો ખર્ચો કરીને પૈણાવી હતી. એને મેં કહ્યું, ‘અલ્યા, મેં વાત સાંભળી છે, વહુ જોડે બોલતો નથી.’ ત્યારે એ કહે (પા.૨૪) છે, ‘મને ગમતી નથી.’ મેં કહ્યું, ‘હું તને કહું કે બજારમાંથી એક તાળું લાવ, અને તું તાળું લઈ આવે. પછી તું મને કહે કે લ્યો આ તાળું. ત્યાર પછી તું જ મને કહે કે આ તાળું મને ગમતું નથી. તો કેવું ખરાબ દેખાય ? તું જ લાવ્યો અને પછી કહેશે, ગમતું નથી. પોતે લાવ્યો એટલે કહેવાનું જ કે સારું જ છે, હું જે લાવ્યો તે સરસ છે.’ આ બજારમાંથી આપણે તાળું ખરીદી લાવ્યા પછી આપણે કહીએ કે આ તાળું તો યૂઝલેસ છે તો ? ‘જો તમે ખરીદી લાવો અને એ જ તાળાને તમે ખોટું કહો છો, તો એ ન્યાય કહેવાય ? આ જો તાળા માટે આવું હોવું જોઈએ, ત્યારે આ તો સ્ત્રી છે અને એ વન ઑફ ધી પાર્ટનર છે. ફિફ્ટી પરસેન્ટ પાર્ટનર છે. ત્યાર પછી નાના નાના શેરહોલ્ડરો આવવાના. આ તો દસ દહાડા થયા હોય ત્યારે માએ જરા શીખવાડ્યું હોય કે વહુ જરા લાફા સ્વભાવની છે, બહુ શોખીન છે. આવું માએ શીખવાડ્યું એટલે થઈ રહ્યું પછી, આ ચક્કરેય એવું કહેશે. અલ્યા, માનું સાંભળવાનું ? મા એ મા છે. ત્યારે એક કાન મા માટે રાખીએ અને એક કાન બૈરી માટે રાખીએ તો શું ખોટું ? કારણ કે આપણે એને પાસ કરીને લાવ્યા છીએ ને ? મા નાપાસ કરાવડાવે તોય માને કહીએ કે ‘મા’ હું તો એને પાસ કરીને લાવ્યો છું, નાપાસ કરવા નથી લાવ્યો. મારી પાસ કરેલી છે. માટે તમે પણ પાસ કરો.’ આ તો તાળું એકલું પોતે પાસ કરીને લાવ્યો હોય તોય એને માટે એવું રાખવું જોઈએ કે હવે તાળું હું લાવ્યો છું, માટે એમાં ફેરફાર ના થાય. બગડેલું હોય તો છેવટે હથોડો મારીને, ઘસ ઘસ કરીને ઓલરાઈટ કરી નાખવાનું. કારણ કે આપણી ભૂલ થઈ તો સમું કરી નાખવાનું, પણ આ તો બઈને ફજેતો કરાવે. હવે વાઈફ મળે તેય કર્મના હિસાબે જ મળે. એ પ્રારબ્ધ બધું. પછી કકળાટ થાય ત્યારે, મા-બાપ કહેશે, ‘મૂઆ, તું જોઈને લાવ્યો ને હવે બૂમાબૂમ કરે છે ?’ ત્યારે કહેશે, ‘હવે શું કરે ?’ આપણે તાળું વેચાતું લાવ્યા હોય અને પછી વસાતું ના હોય તો આપણે સમજી જવાનું કે આપણી ભૂલ છે, માટે તાળાનો દોષ નથી. એટલે વહુને જો લાવી, કકળાટવાળી નીકળી તો આપણો દોષ છે. આપણે પાસ કરનારા, પછી આપણે ફરી નાપાસ કરીએ એ તો શોભે ? ઈચ્છા તો સુખની જ આ પૈણવાનું શેને માટે છે ? સુખને માટે કે દુઃખને માટે છે ? પ્રશ્નકર્તા : જે ગણીએ એના માટે. જીવન જીવતા આવડે તો સુખ, નહીં તો દુઃખ છે. દાદાશ્રી : હા, પણ લોકો શાથી પૈણે છે ? સુખને માટે જ ને ? પણ પછી દુઃખી થાય છે. કારણ કે સુખી થવું, દુઃખી થવું એ પોતાના હાથની વાત નથી, એ પૂર્વે કરેલા પુણ્યકર્મને આધીન જ છે બધું. એમાં છૂટકો નથી, એ ભોગવવા જ પડશે. તમને દુઃખ ગમતું નથી ? પ્રશ્નકર્તા : એમ મનાય છે કે દુઃખ પછીનું સુખ બહુ સારું હોય છે. એટલે દુઃખ પછી સુખ આવશે એમ કરીને દુઃખ સહન થાય. દાદાશ્રી : પણ દુઃખ ગમે તો સહન થાય. ના ગમે તો શી રીતે સહન થાય ? એટલે દુઃખ આપણને ગમે એવું રાખવું જોઈએ. દુઃખ આવે ત્યારે આપણે ‘આવો ભાઈ, બેસો’ એવું કહીએ. ‘દુઃખ ના ગમે’ એવું કહીએ તો પછી દુઃખ આપણા પર ઊલટું ચઢી બેસે ! દુઃખ તો બધાને ગમતું હશે, નહીં ? પરણવાનો ‘પ્રશ્ન’ પ્રશ્નકર્તા : મારે લગ્ન કરવાની ઈચ્છા નથી, પરંતુ મા-બાપ તેમજ અન્ય સગાસંબંધી લગ્ન માટે દબાણ કરે છે, તો મારે લગ્ન કરવા કે નહીં ? (પા.૨૫) દાદાશ્રી : જો લગ્ન કરવાની ઈચ્છા જ ના હોય તો આપણું આ ‘જ્ઞાન’ તમે લીધું છે એટલે તમે પહોંચી શકશો. આ જ્ઞાનના પ્રતાપે બધું જ થાય એમ છે. હું તમને કેવી રીતે વર્તવું, તે સમજાવીશ અને જો પાર ઊતરી ગયા, તો તો બહુ ઉત્તમ ! તમારું કલ્યાણ થઈ જશે ! પ્રશ્નકર્તા : પૈણાવા માટે બધા લોકો બહુ ફૉર્સ (દબાણ) કરે છે. દાદાશ્રી : તમને ‘વ્યવસ્થિત’ સમજાઈ ગયું છે કે નહીં ? પ્રશ્નકર્તા : ‘વ્યવસ્થિત’ તો સમજાઈ ગયું છે. દાદાશ્રી : તો ‘વ્યવસ્થિત’ની બહાર કોઈનુંય ચાલવાનું નથી. માટે ‘વ્યવસ્થિત’ ઉપર છોડીને નક્કી રાખો, દ્રઢ નિશ્ચય કરો કે મારે નથી જ પૈણવું. પણ પૈણ્યા વગર તને શી રીતે ચાલશે ? પ્રશ્નકર્તા : કયા ભવમાં અનુભવ નથી કર્યો ? દાદાશ્રી : કયા ભવમાં અનુભવ નથી કર્યો ! બકરીમાં, કૂતરામાં, ગધેડામાં, વાઘમાં, જ્યાં જાવ ત્યાં આના આ જ અનુભવ કર્યા છે ને ! જેવો નિશ્ચય તેવું ‘વ્યવસ્થિત’ પ્રશ્નકર્તા : ના પૈણવાનો અમે નિશ્ચય કરીએ, તો પછી ‘વ્યવસ્થિત’ એવું આવે ? દાદાશ્રી : ના પૈણવાનો જબરજસ્ત નિશ્ચય હોય તો પૈણવાનું ના આવે. તે પણ નિશ્ચય પાછો બીજે દહાડે ભૂલી જઈએ એવો ના હોવો જોઈએ. નિશ્ચય કોનું નામ કહેવાય કે નિરંતર યાદ રહ્યા કરે. નિશ્ચય ભૂલી ગયા એટલે પછી પૈણવાનું આવશે એ વાત નક્કી છે. નિશ્ચય ભૂલાયો નહીં, તો પૈણવાનું નહીં આવે એની હું ગેરન્ટી લખી આપું. કારણ કે જે ગામ આપણે જવું છે, એ તો ભૂલાવું ના જોઈએ ને ? આપણે બોમ્બે (મુંબઈ) સેન્ટ્રલ જવું હોય તો પછી એ ભૂલી જઈએ તો ચાલે ? એ તો યાદ રહેવું જોઈએ ને ? એમ આપણે ‘નથી પૈણવું’ એવો જે નિશ્ચય કર્યો છે, એ નિશ્ચય ભૂલાય નહીં, એટલે એને પૈણવાનું આવે જ નહીં. પેલા બધા પૈણાવા ફરે, છોકરો ખોળી લાવે, તોય કુદરત તાલ ખાવા ના દે. બાકી આ સંસાર તો નર્યો દુઃખનો સમુદ્ર જ છે, એનો પાર જ ના આવે ! જય સચ્ચિદાનંદ |