ભાગ
 1 -  2  - 3  -  4  -  5  -  6 


બ્રહ્મચર્ય

સંપાદકીય

વિષયનું વૈરાગ્યમય સ્વરૂપ સમજવાથી માંડીને ઠેઠ બ્રહ્મચર્યનું સ્વરૂપ, તેમજ તેની યથાર્થ અખંડ પ્રાપ્તિ સુધીની ભાવનાવાળા ભિન્ન ભિન્ન સાધકોની સંગાથે, પ્રગટ આત્મવીર્યવાન જ્ઞાની પુરુષ પરમ પૂજ્ય દાદાશ્રીની નીકળેલી, માત્ર વૈરાગ્યને જન્માવનારી જ નહીં કિન્તુ વિષયબીજને નિર્મૂળ કરી નિર્ગ્રંથકારી અદ્ભુત વાણી જે વહી છે, તેનું અત્રે સંકલન થયું છે. સાધકોની દશા, સ્થિતિ ને સમજની ગહેરાઈને આધારે નીકળેલી વાણીને એવી ખૂબીપૂર્વક સંકલન કરવામાં આવી છે કે જેથી કરીને જુદા જુદા 'લેવલે' નીકળેલી વાત પ્રત્યેક વાચકને અખંડિતપણે સંપૂર્ણ પહોંચે, એવા 'સમજથી પ્રાપ્ત બ્રહ્મચર્ય' ગ્રંથને પૂર્વાર્ધ-ઉત્તરાર્ધમાં વિભાજિત કરવામાં આવ્યો છે.

પૂર્વાર્ધના ખંડ : ૧માં વિષયનું વિરેચન કરાવનારી જોરદાર, ચોંટદાર ને શબ્દે શબ્દે વૈરાગ્ય નીપજાવનારી વાણી સંકલિત થઈ છે. જગતમાં સામાન્યપણે વિષયમાં સુખની વર્તતી ભ્રાંતિને ભાંગી નાખનારી, એટલું જ નહીં પણ 'દિશા કઈ ? ને ચાલી રહ્યા ક્યાં ?!!' એનું સંપૂર્ણ ભાન કરાવનારી હ્રદયસ્પર્શી વાણીનું સંકલન થયું છે.

પૂર્વાર્ધના ખંડ : ૨માં બ્રહ્મચર્યનાં પરિણામો જ્ઞાની શ્રીમુખે જાણવાથી તેના પ્રતિ આફરીન થયેલો સાધક તે પ્રતિ ડગ માંડવાની સહેજ હિંમત દાખવવા માંડે છે. ને જ્ઞાની પુરુષનો યોગ સાધી સત્સંગ સાન્નિધ્ય, પ્રાપ્ત થતાં મન-વચન-કાયાથી અખંડ બ્રહ્મચર્યમાં રહેવાનો દ્રઢ નિશ્ચયી બને છે. બ્રહ્મચર્યના પથ પર પ્રયાણ કરવાને કાજે અને વિષયના વટવૃક્ષને જડમૂળથી ઉખાડીને નિર્મૂળ કરવાને કાજે એના માર્ગમાં વચ્ચે પથરાતા પથરાઓથી માંડીને પહાડસમ આવતાં વિઘ્નો સામે, નિશ્ચય ડગુમગુ થતાંથી માંડીને બ્રહ્મચર્યવ્રતમાંથી ચ્યુત થવા છતાં તેને જાગૃતિની સર્વોત્કૃષ્ટ શ્રેણીઓ સર કરાવી નિર્ગ્રંથતાને પમાડે ત્યાં સુધીની વિજ્ઞાન-દ્રષ્ટિ જ્ઞાની પુરુષ ખોલાવે છે, ખિલાવે છે !!!

અનંત વાર વિષય-કીચડમાં અલ્પસુખની લાલચે લબદાયો, ખરડાયો ને ઊંડો ગરક્યો છતાં એમાંથી બહાર નીકળવાનું મન થતું નથી એ ય એક અજાયબી (!) છે ને ! જે ખરેખર આ કીચડમાંથી બહાર નીકળવા માગે છે, પણ માર્ગ નહીં મળવાને કારણે પરાણે ફસાઈ પડ્યાં છે ! તેવાંઓ કે જેમને છૂટવાની જ એકમેવ ઝંખના છે, તેમને તો 'જ્ઞાની પુરુષ'નું આ 'દર્શન' નવી જ દ્રષ્ટિ આપી સર્વ ફસામણમાંથી છોડાવનારું બની જાય છે !

મન-વચન-કાયાની તમામ સંગી ક્રિયાઓમાં તદ્દન અસંગતાના અનુભવનું પ્રમાણ અક્રમ વિજ્ઞાન પામનારા પરિણીતોએ સિદ્ધ કર્યું છે. પરિણીતો પણ મોક્ષમાર્ગને પામી આત્યંતિક કલ્યાણ સાધી શકે છે. 'ગૃહસ્થાશ્રમમાં મોક્ષ !!!' એ વિરોધાત્મક ભાસિત કરનારું લાગે, છતાં સૈદ્ધાંતિક વિજ્ઞાન દ્વારા પરિણીતો પણ માર્ગને પામ્યા છે, એવી હકીકત પ્રમાણભૂત સાકાર બની છે. અર્થાત્ 'ગૃહસ્થતા મોક્ષમાર્ગમાં બાધક નથી ! (?!)' એનું પ્રમાણ તો હશે ને ? એ પ્રમાણને પ્રકાશિત કરનારી વાણી ઉત્તરાર્ધના ખંડ : ૧માં આવરી લેવાઈ છે.

'જ્ઞાની પુરુષ' થકી 'સ્વરૂપજ્ઞાન' પ્રાપ્તિ થયેલાં પરિણીતો કાજે કે જે વિષય-વિકાર પરિણામ અને આત્મપરિણામના સાંધા પર જાગૃતિના પુરુષાર્થમાં છે એમને, જ્ઞાની પુરુષની વિજ્ઞાનમય વાણીથી વિષયનાં જોખમો સામે સતત જાગૃતિ, વિષય સામે ખેદ, ખેદ ને ખેદ તેમજ પ્રતિક્રમણ રૂપી પુરુષાર્થ, આકર્ષણના ઓવારેથી ડૂબ્યા વિણ બહાર નીકળી જવાની જાગૃતિ આપતી સમજના સિદ્ધાંતો કે જેમાં 'આત્માનું સૂક્ષ્મતમ સ્વરૂપ, તેનો અકર્તા-અભોક્તા સ્વભાવ' તેમજ 'વિકાર પરિણામ કોનું ? વિષયનો ભોક્તા કોણ ? ને ભોગવ્યાનું માથે લઈ લેનાર કોણ ?' એ સર્વ રહસ્યોનો ફોડ કે જે ક્યાંય ખુલ્લો થયો નથી, તે અત્રે સાદી, સરળ ને સોંસરવી ઊતરી જાય તેવી શૈલીમાં રજૂ થયો છે, કે જે સમજની સહેજ પણ શરતચૂકે સોનાની કટારસમ બની બેસે, તેનાં જોખમો તેમજ નિર્ભયતા પ્રગટ કરતી વાણી ઉત્તરાર્ધના ખંડ : ૨માં પ્રસ્તુત થાય છે.

સર્વ સંયોગોથી અપ્રતિબદ્ધપણે વિચરતા, મહામુક્તદશા માણતા જ્ઞાની પુરુષે કેવું વિજ્ઞાન નિહાળ્યું !! જગતના લોકોએ મીઠી માન્યતાથી વિષયમાં સુખ માણ્યું, તેઓની દ્રષ્ટિ કેવી રીતે ખીલવવાથી વિષય સંબંધી સર્વે અવળી માન્યતાઓ મૂકાય ને મહામુક્તદશાનું મૂળ કારણ સ્વરૂપ એવાં 'ભાવ બ્રહ્મચર્ય'નું વાસ્તવિક સ્વરૂપ સમજના ઊંડાણે ફીટ થાય, વિષયમુક્તિ કાજે કરવાપણાની સર્વ ભ્રાંતિ તૂટે તેમજ જ્ઞાની પુરુષે પોતે જે જોયો છે, જાણ્યો છે ને અનુભવ્યો છે, એ 'વૈજ્ઞાનિક અક્રમ માર્ગ'નું બ્રહ્મચર્ય સંબંધીનું અદ્ભુત રહસ્ય આ ગ્રંથમાં વિસ્ફોટતાને પામ્યું છે !

આ સંસારના મૂળને જડમૂળથી ઉખેડનારું, આત્માની અનંત સમાધિમાં રમણતા કરાવનારું નિર્ગ્રંથ-વીતરાગદશાને પમાડનારું, વીતરાગોએ પ્રાપ્ત કરી અન્યોને બોધેલું એ અખંડ ત્રિયોગી શુદ્ધ બ્રહ્મચર્ય નિશ્ચે મોક્ષ પમાડનારું જ છે ! આવા દુષમકાળે 'અક્રમ વિજ્ઞાન'ની ઉપલબ્ધિ થયે આજીવનપણે મન-વચન-કાયાથી શુદ્ધ બ્રહ્મચર્ય સચવાઈ ગયું, તેને એકાવતારી પદ નિશ્ચે કરીને પ્રાપ્ત થાય તેમ છે !

અંતમાં, આવાં દુષમકાળમાં કે જ્યાં સમગ્ર જગતમાં વાતાવરણ જ વિષયાગિન્નું ફેલાઈ ગયું છે, તેવાં સંજોગોમાં બ્રહ્મચર્ય સંબંધી 'પ્રગટ વિજ્ઞાન'ને સ્પર્શીને નીકળેલી 'જ્ઞાની પુરુષ'ની અદ્ભુત વાણીને સંકલિત કરી વિષય-મોહથી છૂટી બ્રહ્મચર્યની સાધનામાં રહી, અખંડ શુદ્ધ બ્રહ્મચર્યના પાલનાર્થે સુજ્ઞવાચકના હાથમાં આ 'સમજથી પ્રાપ્ત બ્રહ્મચર્ય' ગ્રંથના સંક્ષિપ્ત સ્વરૂપે મૂકવામાં આવે છે. વિષય જોખમોથી છૂટવા માટે, છતાં ગૃહસ્થતામાં રહી સર્વ વ્યવહાર નિર્ભયતાથી પૂરો કરવા કાજે તેમજ મોક્ષમાર્ગ નિરંતરાયપણે વર્તાય, તે માટે 'જેમ છે તેમ' વાસ્તવિકતા રજૂ કરવા જતાં સોનાની કટાર સ્વરૂપે કહેવામાં આવેલી 'સમજ'ને અલ્પ પણ વિપરીતતા ભણી ન લઈ જતાં, સમ્યક્ પ્રકારે જ ઉપયોગ કરાય એવી પ્રત્યેક સુજ્ઞ વાચકને અત્યંત ભાવપૂર્વકની વિનંતી ! મોક્ષમાર્ગે યથાયોગ્ય પૂર્ણાહુતિ કાજે આ પુસ્તકનું ઉપયોગપૂર્વક આરાધન કરે એ જ અભ્યર્થના !

ડૉ. નીરુબહેન અમીનના

ખંડ : ૧

વિષયનું સ્વરૂપ, જ્ઞાની-દ્રષ્ટિએ !

[૧] વિશ્શલેષણ, વિષયના સ્વરૂપનું !

પ્રશ્નકર્તા : કુદરતને જો સ્ત્રી-પુરુષની જરૂરિયાત ન હોય, તો બ્રહ્મચર્યનું શા માટે આપ્યું ?

દાદાશ્રી : સ્ત્રી-પુરુષ એ કુદરતી છે અને બ્રહ્મચર્યનો હિસાબ એ પણ કુદરતી છે. માણસ જેવી રીતે જીવવા માગે, તે જેવી ભાવના પોતે કરે છે, એ ભાવનાના ફળરૂપે આ જગત છે. બ્રહ્મચર્યની ભાવના ગયા અવતારમાં ભાવી હોય તો અત્યારે બ્રહ્મચર્યનો ઉદય આવે. આ જગત પ્રોજેકટ છે.

પ્રશ્નકર્તા : પણ બ્રહ્મચર્ય શું ફાયદા માટે પાળવું જોઈએ ?

દાદાશ્રી : આપણે અહીં આગળ કંઈ વાગ્યું ને લોહી નીકળ્યું હોય, તો પછી બંધ કેમ કરીએ છીએ ? શું ફાયદો ?

પ્રશ્નકર્તા : બહુ લોહી જતું ના રહે.

દાદાશ્રી : લોહી જતું રહે તો શું થાય ?

પ્રશ્નકર્તા : શરીરમાં બહુ વિકનેસ આવી જાય.

દાદાશ્રી : તો આ બહુ અબ્રહ્મચર્યથી જ વિકનેસ આવી જાય. આ બધા રોગ જ અબ્રહ્મચર્યના છે. કારણ કે બધા ખોરાક જે ખાવ છો, પીવો છો, શ્વાસ લો છો, એ બધાનું પરિણામ થતું, થતું, થતું એનું.... જેમ આ દૂધનું દહીં કરીએ, એ દહીં એ છેલ્લું પરિણામ નથી. દહીંનું વળી પાછું એ થતાં થતાં પાછું માખણ થાય, માખણનું ઘી થાય, ઘી એ છેલ્લું પરિણામ છે. એવું આમાં બ્રહ્મચર્ય એ પુદ્ગલસાર છે આખો !

એટલે આ જગતમાં બે વસ્તુ ન વેડફવી જોઈએ. એક લક્ષ્મી અને બીજું વીર્ય. જગતની લક્ષ્મી ગટરોમાં જ જાય છે. એટલે લક્ષ્મી પોતાને માટે ના વપરાવી જોઈએ, વગરકામનો દુરુપયોગ ના થવો જોઈએ અને બ્રહ્મચર્ય બને ત્યાં સુધી પાળવું જોઈએ. જે ખોરાક ખાઈએ છીએ, તેનો અર્ક થઈને છેલ્લે એ અબ્રહ્મચર્યથી ખલાસ થઈ જાય છે. આ શરીરમાં અમુક નસો હોય છે, તે વીર્ય સાચવે છે અને તે વીર્ય આ શરીરને સાચવે છે. એટલે બને ત્યાં સુધી બ્રહ્મચર્ય સાચવવું જોઈએ.

પ્રશ્નકર્તા : પણ હજુ મને એ વાત સમજાતી નથી કે માણસે શા માટે બ્રહ્મચર્ય પાળવું ?

દાદાશ્રી : મારી વાત તમને ઠોકી બેસાડવાની નથી. તમને તમારી પોતાની જ સમજમાં આવવું જોઈએ. બ્રહ્મચર્ય ન પળાય એની વાત જુદી છે, પણ બ્રહ્મચર્યના વિરોધી તો ન જ થવું જોઈએ. બ્રહ્મચર્ય તો મોટામાં મોટું સાધન છે.

એ લેટ ગો કરો આપણે. બ્રહ્મચર્ય નહીં પાળવાનું. હું કંઈ એવા મતનો નથી. હું તો લોકોને કહું છું કે પૈણી જાવ. કોઈ પૈણે એમાં મને વાંધો નથી.

એવું છે, જેને સંસારિક સુખોની જરૂર છે, ભૌતિક સુખોની જેને ઈચ્છા છે, તેણે પૈણવું જોઈએ. બધું જ કરવું જોઈએ અને જેને ભૌતિક સુખો ના જ ગમતાં હોય અને સનાતન સુખ જોઈતું હોય, તેણે નહીં.

પ્રશ્નકર્તા : પૈણેલાં હોય, એ લોકોને જ્ઞાન મોડું આવે ને ? અને બ્રહ્મચર્ય પાળે છે, એ લોકોને જ્ઞાન વહેલું આવે ને ?

દાદાશ્રી : પૈણેલાં હોય અને જો બ્રહ્મચર્યવ્રત લે તો આત્માનું કેવું સુખ છે, એ એને પૂરેપૂરું સમજાય. નહીં તો ત્યાં સુધી સુખ વિષયમાંથી આવે છે કે આત્મામાંથી આવે છે એ સમજાતું નથી અને બ્રહ્મચર્યવ્રત હોય તો, એને આત્માનું સુખ મહીં પાર વગરનું વર્તે. મન સારું રહે, શરીર બધું સારું રહે !!

પ્રશ્નકર્તા : તો બંનેને જ્ઞાનની અવસ્થા સરખી હોય કે એમાં ફેર હોય ? પૈણેલાની અને બ્રહ્મચર્યવાળાની ?

દાદાશ્રી : એવું છે ને, બ્રહ્મચર્યવ્રતવાળો કોઈ દહાડો ય પડે નહીં. એને ગમે તેવી મુશ્કેલી આવે તો ય પડે નહીં. પછી એને સેફસાઈડ કહેવાય.

બ્રહ્મચર્ય તો શરીરનો રાજા છે. જેને બ્રહ્મચર્ય હોય તેનું મગજ તો કેવું સુંદર હોય. બ્રહ્મચર્ય એ તો આખો પુદ્ગલનો સાર છે.

પ્રશ્નકર્તા : આ સાર અસાર નથી થતો ને ?

દાદાશ્રી : ના, પણ એ સાર ઊડી જાય, 'યુઝલેસ' થઈ જાય ને !! એ સાર હોય, એની વાત તો જુદી ને ? મહાવીર ભગવાનને બેતાળીસ વર્ષ સુધી બ્રહ્મચર્યસાર હતો. આપણે જે ખોરાક લઈએ છીએ, એ બધાનો સારનો સાર એ વીર્ય છે, એ એક્સ્ટ્રેકટ છે. હવે એકસ્ટ્રેકટ જો બરોબર સચવાઈ રહે તો આત્મા જલદી પ્રાપ્ત થાય, સાંસારિક દુઃખો ના આવે, શારીરિક દુઃખો ના આવે, બીજાં કોઈ દુઃખો આવે નહીં.

પ્રશ્નકર્તા : બ્રહ્મચર્ય એ તો અનાત્મ ભાગમાં આવે ને !

દાદાશ્રી : હા, પણ એ પુદ્ગલસાર છે !

પ્રશ્નકર્તા : તો પુદ્ગલસાર છે, એ સમયસારને હેલ્પ કઈ રીતે કરે છે ?

દાદાશ્રી : એ પુદ્ગલસાર હોય તો જ સમયસાર થાય, આ, મેં છે તો આ જ્ઞાન આપ્યું, ને એ તો અક્રમ છે એટલે ચાલ્યું. બીજી જગ્યાએ તો ચાલે નહીં, પેલા ક્રમિકમાં તો પુદ્ગલસાર જોઈએ જ, નહીં તો યાદે ય ના રહે કશું ય. વાણી બોલતાં ફાંફાં પડે.

પ્રશ્નકર્તા : એટલે આ બેને કંઈ એવો નિમિત્ત નૈમિતિક સંબંધ ખરો ?

દાદાશ્રી : ખરો ને ! કેમ નહીં ? મુખ્ય વસ્તુ છે એ તો ! બ્રહ્મચર્ય હોય તો પછી તમારું ધાર્યું હોય એ કામ થાય. ધાર્યા વ્રત-નિયમ બધાં પાળી શકાય. આગળ જઈ શકાય ને પ્રગતિ થાય. પુદ્ગલસાર તો બહુ મોટી વસ્તુ છે. એક બાજુ પુદ્ગલસાર હોય તો જ સમયનો સાર કાઢે !

કોઈએ લોકોને આવી સાચી સમજ જ નથી પાડીને ! કારણ લોકો પોતે જ પોલ સ્વભાવના છે. પહેલાનાં ઋષિમુનિઓ ચોખ્ખા હતા. માટે તેઓ સમજ પાડતા હતા.

વિષયને ઝેર જાણ્યું જ નથી. ઝેર જાણે તો એને અડે નહીં ને ! તેથી ભગવાને કહ્યું કે જ્ઞાનનું ફળ વિરતિ ! જાણ્યાનું ફળ શું ? કે અટકી જાય. વિષયોનું જોખમ જાણ્યું નથી, માટે તેમાં અટક્યો નથી.

ભય રાખવા જેવો હોય તો, આ વિષયનો ભય રાખવા જેવો છે. બીજી કોઈ આ જગતમાં ભય રાખવા જેવી જગ્યા જ નથી. માટે વિષયથી ચેતો. આ સાપ, વીંછી, વાઘથી નથી ચેતતા ?

અનંત અવતારની કમાણી કરે ત્યારે ઊંચું ગોત્ર, ઊંચા કુળમાં જન્મ થાય. પણ પછી લક્ષ્મી ને વિષયની પાછળ અનંત અવતારની કમાણી ખોઈ નાખે !!!

મને કેટલાંક માણસો કહે છે કે, 'આ વિષયમાં એવું શું પડ્યું છે કે વિષયસુખને ચાખ્યા પછી મારી જાત મરણતુલ્ય થઈ જાય છે, મારું મન મરી જાય છે, વાણી મરી જાય છે ?' મેં કહ્યું કે, આ મરી ગયેલાં જ છે બધાં, પણ તમને ભાન નથી આવતું ને ફરી પાછી આની આ જ દશા ઉત્પન્ન થાય છે. નહીં તો બ્રહ્મચર્ય જો કદી સચવાય તો એક એક મનુષ્યમાં તો કેટલી શક્તિ છે !! આત્માનું જ્ઞાન કરે એ સમયસાર કહેવાય. આત્માનું જ્ઞાન કરે અને જાગૃતિ રહે એટલે સમયનો સાર ઉત્પન્ન થયો અને બ્રહ્મચર્ય એ પુદ્ગલસાર છે.

મન, વચન, કાયાથી બ્રહ્મચર્ય પાળે તો કેવું સરસ મનોબળ રહે, કેવું સરસ વચનબળ રહે ને કેવું સરસ દેહબળ રહે ! આપણે ત્યાં ભગવાન મહાવીર સુધી કેવો વ્યવહાર હતો ? એક-બે બચ્ચાં સુધી 'વ્યવહાર' કરવો. પણ આ કાળમાં એ વ્યવહાર બગડવાનો, એવું ભગવાન જાણતા હતા, તેથી એમને પાંચમું મહાવ્રત ઘાલવું પડ્યું.

આ પાંચ ઇન્દ્રિયના કીચડમાં મનુષ્ય થઈને કેમ પડ્યા છે એ જ અજાયબી છે ! ભયંકર કીચડ છે આ તો ! પણ એ નહીં સમજવાથી, બેભાનપણાથી જગત ચાલ્યા કરે છે. એક સહેજ જો વિચારે તો ય કીચડ સમજાય. પણ આ લોકો વિચારતા જ નથી ને ?! નર્યો કીચડ છે. તો મનુષ્યો કેમ આવા કીચડમાં પડ્યા છે ? ત્યારે કહે, 'બીજી જગ્યાએ ચોખ્ખું મળતું નથી. એટલે આવા કીચડમાં સૂઈ ગયો છે.'

પ્રશ્નકર્તા : એટલે કીચડ માટેની અજ્ઞાનતા જ છે ને ?

દાદાશ્રી : હા, એની અજ્ઞાનતા છે. એટલે જ કીચડમાં પડ્યો છે. પાછું આને જો સમજવા પ્રયત્ન કરે તો સમજાય એવું છે, પણ પોતે સમજવા પ્રયત્ન જ નથી કરતો ને !!

આ જગતમાં નિર્વિષયી વિષયો છે. આ શરીરને જરૂરિયાત માટે જે કંઈ દાળ-ભાત-શાક-રોટલી, જે ભેગું થાય તે ખાવ. એ વિષય નથી. વિષય ક્યારે કહેવાય ? કે તમે લુબ્ધમાન થાવ ત્યારે વિષય કહેવાય છે, નહીં તો એ વિષય નથી, એ નિર્વિષય વિષય છે. એટલે આ જગતમાં આંખે દેખાય તે બધું જ વિષય નથી, લુબ્ધમાન થાય તો જ વિષય છે. અમને કોઈ વિષય જ અડતો નથી.

આ કરોળિયો જાળું વીંટે, પછી પોતે મહીં પૂરાય. એવી રીતે આ સંસારનું જાળું પોતે જ ઊભું કરેલું છે. ગયા અવતારે પોતે માંગણી કરી હતી. બુદ્ધિના આશયમાં આપણે ટેંડર ભર્યું હતું કે એક સ્ત્રી તો જોઈશે જ. બે-ત્રણ રૂમ હશે, એકાદ છોકરો ને એકાદ છોકરી, નોકરી એટલું જ જોઈશે. તેને બદલે વાઈફ તો આપી તે આપી, પણ સાસુ-સસરો, સાળો-સાળાવેલી, માસી સાસુ, કાકી સાસુ, ફોઈ સાસુ, મામી સાસુ, ...... હેય ફસામણ, ફસામણ !!! આટલી બધી ફસામણ જોડે આવશે એવી ખબર હોત તો આ માંગણી જ ના કરત બળી ! આપણે તો ટેંડર ભર્યું હતું વાઈફ એકલીનું, તે આ બધું શું કરવા આપ્યું ? ત્યારે કુદરત કહે છે, 'ભઈ, એ એકલું તો ના અપાય, મામી સાસુ, ફોઈ સાસુ એ બધું આપવું પડે. તમને ત્યાર વગર ગમે નહીં. આ તો લંગર બધું હોય ત્યારે જ બરાબર મઝા આવે !!'

હવે તારે સંસારમાં શું શું જોઈએ છે ? એ કહેને.

પ્રશ્નકર્તા : મારે તો આ શાદી જ નથી કરવી.

દાદાશ્રી : આ દેહ જ નર્યો ઉપાધિ છે ને ? પેટમાં દુઃખે ત્યારે આ દેહ ઉપર કેવું થાય છે ? તો બીજાની દુકાન સુધી વેપાર માંડીએ, તો શું થાય ? કેટલી ઉપાધિ આપે ? અને પાછા બે-ચાર છોકરાં હોય. બઈ એકલી હોય તો ઠીક છે વળી, એ પાંસરી રહે પણ આ તો ચાર છોકરાં !! તે શું થાય ? પાર વગરની ઉપાધિ !!

યોનિમાંથી જન્મ લે છે. તે યોનિમાં તો એટલાં બધાં ભયંકર દુઃખોમાં રહેવું પડે છે ને મોટી ઉંમરનો થાય કે યોનિ ઉપર જ પાછો જાય છે. આ જગતનો વ્યવહાર જ એવો છે. કોઈએ સાચું શીખવાડ્યું નથી ને ! મા-બાપે ય કહે કે પૈણો હવે. અને મા-બાપની ફરજ તો ખરી ને ? પણ કોઈ સાચી સલાહ ના આપે કે આમાં આવું દુઃખ છે.

લગ્ન એ તો ખરેખરું બંધન છે. ભેંસને ડબ્બામાં પૂરે છે એવી દશા થાય છે. એ ફસામણમાં ના પેસાય એ ઉત્તમ, પેઠા હોય તો ય નીકળી જવાય તો વધુ ઉત્તમ અને નહીં તો ય છેવટે ફળ ચાખ્યા પછી નીકળી જવું જોઈએ !!!

એક ભાઈ મને કહે છે કે મારી વાઈફ વગર મને ઓફિસે ગમતું નથી. અલ્યા, એક વાર હાથમાં પરુ થાય તો તું ચાટું ? નહીં તો શું જોઈને સ્ત્રીમાં મોહ પામે છે ?! આખું શરીર પરુથી જ ભરેલું છે. આ પોટલી શાની છે, એના વિચાર ના આવે ? મનુષ્યને એની સ્ત્રી પર પ્રેમ છે, એના કરતાં ભૂંડને ભૂંડણ પર વધારે પ્રેમ છે. આ તે કંઈ પ્રેમ કહેવાતો હશે ? આ તો પાશવતા છે નરી ! પ્રેમ તો કોનું નામ કે જે પ્રેમ વધે નહીં, ઘટે નહીં એ પ્રેમ કહેવાય. આ તો બધી આસક્તિ છે.

બાકી વિષયભોગ એ તો નર્યો એંઠવાડો જ છે. આખી દુનિયાનો એંઠવાડો છે. આત્માનો આવો ખોરાક તે હોતો હશે ? આત્માને બહારની કશી વસ્તુની જરૂર નથી, નિરાલંબ છે. કોઈ અવલંબનની એને જરૂર નથી.

જ્યાં ભ્રાંતિરસમાં જગત તદાકાર પડ્યું છે. ભ્રાંતિરસ એટલે ખરેખર રસ નથી, છતાં માની બેઠો છે ! શું ય માની બેઠો છે !! એ સુખનો ફોડ પાડવા જાય ને, તો નરી ઊલટીઓ થાય !!!

આ શરીરની રાખોડી થાય છે અને એ રાખોડીનાં પરમાણુથી ફરી શરીર બંધાય છે. તે અનંત અવતારની રાખોડીનાં આ પરિણામ છે. નર્યો એંઠવાડો છે ! આ તો એંઠવાડાનો એંઠવાડો ને તેનો ય એંઠવાડો !! એની એ જ રાખોડી, એના એ જ પરમાણુ બધા, એનું ફરી ફરી બંધાયા કરે છે !!! વાસણને બીજે દહાડે અજવાળીએ એટલે એ દેખાય ચોખ્ખાં પણ અજવાળ્યા વગર એમાં જ રોજ રોજ ખા ખા કરે તો ગંદવાડો નથી ?

અરે, આમ સરસ દૂધપાક ખાધો હોય, તે ય ઊલટી કરી નાખે તો કેવો દેખાય ? રૂપાળું હાથમાં ઝલાય એવું દેખાય ? વાડકો ચોખ્ખો હોય, દૂધપાક સારો હોય પણ મહીં રેડીએ, ને એનો એ જ દૂધપાક પછી ઊલટી કરીને આપે કે ફરી પી જાવ, તો ના પી જાય ને કહેશે, જે થવાનું હશે તે થશે, પણ નહીં પીઉં. એટલે આ બધું ભાન રહેતું નથી ને !!!

પાંચ ઇન્દ્રિયના વિષયમાં એક જીભનો વિષય એકલો સાચો વિષય છે. બીજા બધા તો બનાવટ છે. શુદ્ધ વિષય હોય તો આ એકલો જ ! ફર્સ્ટ ક્લાસ હાફૂસની કેરીઓ હોય, તે કેવો સ્વાદ આવે ?! ભ્રાંતિમાં જો કદી શુદ્ધ વિષય હોય તો આટલો જ છે.

વિષય એ સંડાસ છે. નાક, કાનમાંથી, મોઢામાંથી બધેથી જે જે નીકળે છે, એ બધું સંડાસ જ છે. ડિસ્ચાર્જ એ ય સંડાસ જ છે. જે પારિણામિક ભાગ છે, તે સંડાસ છે પણ તન્મયાકાર થયા વગર ગલન થતું નથી.

વિચારવાન માણસ વિષયમાં સુખ શી રીતે માની બેઠો છે, તેની જ મને નવાઈ લાગે છે ! વિષયનાં પૃથક્કરણ કરે તો ખરજવાને વલૂરવા જેવું છે. અમને તો ખૂબ ખૂબ વિચાર આવે ને થાય કે અરેરે ! અનંત અવતાર આનું આ જ કર્યું ?! જેટલું આપણને નથી ગમતું, તે બધું જ વિષયમાં છે. નરી ગંધ છે. આંખને જોવું ના ગમે. નાકને સૂંઘવું ના ગમે. તંે સૂંઘી જોયું'તું ? સૂંઘી જોવું હતું ને ? તો વૈરાગ તો આવે. કાનને રુચે નહીં. ફક્ત ચામડીને રુચે.

વિષય એ તો બુદ્ધિપૂર્વકનો ખેલ નથી, આ તો મનનો ખાલી આમળો જ છે.

મને તો આ વિષયનો એટલો બધો ગંદવાડો દેખાય કે મને આમ ને આમ સહેજે એ બાજુનો વિચાર ના આવે. મને વિષયનો કોઈ દહાડો વિચાર જ નથી આવતો. મેં એટલું બધું જોઈ નાખેલું, એટલું બધું જોયેલું કે મને માણસ આરપાર દેખાય એવું જોયેલું.

માણસને રોંગ બિલિફ છે કે વિષયમાં સુખ છે. હવે વિષયથી ય ઊંચું સુખ મળે તો વિષયમાં સુખ ના લાગે ! વિષયમાં સુખ નથી પણ દેહધારીને વ્યવહારમાં છૂટકો જ નહીં. બાકી જાણી જોઈને ગટરનું ઢાંકણું કોણ ખોલે ? વિષયમાં સુખ હોય તો ચક્રવર્તીઓ આટલી બધી રાણીઓ હોવા છતાં સુખની શોધમાં ના નીકળત ! આ જ્ઞાનથી એવું ઊંચું સુખ મળે છે. છતાં આ જ્ઞાન પછી તરત વિષય જતાં નથી, પણ ધીમે ધીમે જતાં રહે. છતાં પણ પોતે વિચારવું તો જોઈએ કે આ વિષયો એ કેટલો ગંદવાડો છે !

પુરુષને સ્ત્રી છે એવું દેખાય તે પુરુષમાં રોગ હોય તો 'સ્ત્રી છે' એવું દેખાય. પુરુષમાં રોગ ના હોય તો સ્ત્રી ના દેખાય.

કેટલાંય અવતારથી ગણીએ તો ય પુરુષો આટ આટલી સ્ત્રીઓને પૈણ્યા અને સ્ત્રીઓ પુરુષોને પૈણી તો ય હજુ એને વિષયનો મોહ તૂટતો નથી. ત્યારે આનો ક્યારે પાર આવે તે ?! એનાં કરતાં થઈ જાવ એકલાં એટલે ભાંજગડ જ મટી ગઈને ?!

ખરેખર તો બ્રહ્મચર્ય એ સમજીને પાળવા જેવું છે. બ્રહ્મચર્યનું ફળ જો મોક્ષ ના મળતું હોય એ બ્રહ્મચર્ય બધું ખસી કર્યા જેવું જ છે. છતાં એનાથી શરીર સારું થાય, મજબૂત થાય, દેખાવડા થાય, વધારે જીવે ! બળદ પણ હ્રષ્ટપુષ્ટ થઈને રહે છે ને ?!

પ્રશ્નકર્તા : લગ્ન કરવાની ઇચ્છા જ નથી થતી મને.

દાદાશ્રી : એમ ? તો લગ્ન કર્યા વગર ચાલશે ?

પ્રશ્નકર્તા : હા, મારે તો બ્રહ્મચર્યની જ ભાવના છે. એને માટે કશી શક્તિ આપો, સમજણ પાડો.

દાદાશ્રી : એના માટે ભાવના કરવી પડે. તારે રોજ બોલવું કે, 'હે દાદા ભગવાન ! મને બ્રહ્મચર્ય પાળવાની શક્તિ આપો !' અને પેલો વિષયનો વિચાર ઉત્પન્ન થતાં જ કાઢી નાખવો. નહીં તો એનું બીજ પડે. એ બીજ બે દહાડા થાય તો તો મારી જ નાખે પછી. ફરી ઊગે, એટલે વિચાર ઊગતાં જ ઉખાડીને ફેંકી દેવો અને કોઈ સ્ત્રી પ્રત્યે દ્રષ્ટિ ના માંડવી. દ્રષ્ટિ ખેંચાય તો ખસેડી લેવી ને દાદાને યાદ કરી માફી માંગવી. આ વિષય આરાધવા જેવો જ નથી એવો ભાવ નિરંતર રહે એટલે પછી ખેતર ચોખ્ખું થઈ જાય. અને અત્યારે ય અમારી નિશ્રામાં રહે તો એનું બધું પૂરું થઈ જાય.

જેને બ્રહ્મચર્ય જ પાળવું છે, એણે તો સંયમને બહુ રીતે ચકાસી જોવો, તાવી જોવો, ને જો લપસી પડાય તેવું લાગે તો પૈણવું સારું. છતાં પણ તે કંટ્રોલપૂર્વકનું હોવું જોઈએ. પૈણનારીને કહી દેવું પડે કે મારે આવું કંટ્રોલપૂર્વકનું છે.

[૨] વિકારોથી વિમુક્તિની વાટ....

પ્રશ્નકર્તા : 'અક્રમ માર્ગ'માં વિકારો હઠાવવાનું સાધન કયું ?

દાદાશ્રી : અહીં વિકાર હઠાવવાના નથી. આ માર્ગ જુદો છે. કેટલાંક માણસો અહીં મન-વચન-કાયાનું બ્રહ્મચર્ય લે છે અને કેટલાંક સ્ત્રીવાળા હોય, તેને અમે રસ્તો બતાડ્યો હોય તે રીતે એનો ઉકેલ લાવે. એટલે 'અહીં' વિકારી પદ જ નથી, પદ જ 'અહીં' નિર્વિકારી છે ને ! વિષયો એ વિષ છે, તે તદ્દન વિષ નથી. વિષયમાં નીડરતા એ વિષ છે. વિષય તો ના છૂટકે, પોલીસવાળો જેમ પકડીને કરાવે ને કરે તેમ હોય, તો, તેનો વાંધો નથી. પોતાની સ્વતંત્ર મરજીથી ના હોવું જોઈએ. પોલીસવાળો પકડીને જેલમાં બેસાડે ત્યાં તમારે બેસવું જ પડે ને ? ત્યાં કંઈ છૂટકો છે ? એટલે કર્મ એને પકડે ને કર્મ એને અથાડે, એમાં ના કહેવાય નહીં ને ! બાકી જ્યાં વિષયની વાત જ હોય, ત્યાં ધર્મ નથી. ધર્મ નિર્વિકારમાં હોય. ગમે તેવો ઓછા અંશે ધર્મ હશે, પણ ધર્મ નિર્વિકારી હોવો જોઈએ.

પ્રશ્નકર્તા : વાત બરાબર છે, પણ એ જે વિકારી કિનારાથી નિર્વિકારી કિનારામાં પહોંચવા માટે કંઈક તો નાવડું હોવું જોઈએ ને ?

દાદાશ્રી : હા, એના માટે જ્ઞાન હોય છે. એના માટે ગુરુ એવા મળવા જોઈએ. ગુરુ વિકારી ના હોવાં જોઈએ. ગુરુ વિકારી હોય તો આખું ટોળું નર્કે જાય. ફરી મનુષ્યગતિ ય ના દેખે. ગુરુમાં વિકાર ના શોભે.

કોઈ ધર્મે વિકારનો સ્વીકાર કર્યો નથી. વિકારનો સ્વીકાર કરે એ વામમાર્ગી કહેવાય. પહેલાના કાળમાં વામમાર્ગી હતા, વિકાર સાથે બ્રહ્મ ખોળવા નીકળેલા.

પ્રશ્નકર્તા : એ પણ એક વિકૃત સ્વરૂપ જ થયેલું કહેવાય ને ?

દાદાશ્રી : હા, વિકૃત જ ને ! તેથી વામમાર્ગી કહ્યું ને ! વામમાર્ગી એટલે મોક્ષે જાય નહીં ને લોકોને ય મોક્ષે જવા દે નહીં. પોતે અધોગતિમાં જાય ને લોકોને ય અધોગતિમાં લઈ જાય.

પ્રશ્નકર્તા : કામવાસનાનું સુખ ક્ષણિક જાણવા છતાં ક્યારેક તેની પ્રબળ ઇચ્છા થવાનું કારણ શું ? અને તે કઈ રીતે અંકુશમાં લઈ શકાય ?

દાદાશ્રી : કામવાસનાનું સ્વરૂપ જગતે જાણ્યું જ નથી. કામવાસના શાથી ઉત્પન્ન થાય છે, એ જો જાણે તો એ કાબૂમાં લઈ શકાય. પણ વસ્તુસ્થિતિમાં એ ક્યાંથી ઉત્પન્ન થાય છે, એ જાણતો જ નથી. પછી શી રીતે કાબૂમાં લઈ શકે ? કોઈ કાબૂમાં લઈ ના શકે. જેણે કાબૂમાં લીધેલું છે, એવું દેખાય છે, એ તો પૂર્વેની ભાવનાનું ફળ છે, બાકી કામવાસનાનું સ્વરૂપ ક્યાંથી ઉત્પન્ન થયું, એ ઉત્પન્ન દશા જાણે, ત્યાં જ તાળું મારવામાં આવે તો જ એ કાબૂમાં લઈ શકે. બાકી પછી એ તાળાં મારે કે ગમે તે કરે તો ય કશું ચાલે નહીં. કામવાસના ના કરવી હોય તો અમે રસ્તો દેખાડીએ.

પ્રશ્નકર્તા : વિષયોમાંથી વાળવા માટે જ્ઞાન મહત્ત્વની વસ્તુ છે.

દાદાશ્રી : બધા વિષયો છૂટી જવા માટે જ્ઞાન જ છે જરૂરી. અજ્ઞાનથી જ વિષયો વળગ્યા છે. તે ગમે એટલાં તાળાં વાસે તો ય કંઈ વિષય બંધ ન થાય. ઇન્દ્રિયોને તાળાં મારનારા મેં જોયા, પણ એમ કંઈ વિષય બંધ થાય નહીં.

જ્ઞાનથી બધું જતું રહે. આપણે આ બધા બ્રહ્મચારીઓને વિચાર સરખો નહીં આવતો જ્ઞાનથી.

પ્રશ્નકર્તા : સાયકોલોજી એવું કહે છે કે તમે એક વખત ધરાઈને ખાઈ લો આઈસ્ક્રીમ. પછી તમને ખાવાનું મન જ ના થાય.

દાદાશ્રી : એવું દુનિયામાં બની શકે નહીં. ના, એ ધરાઈને ખાધાથી તો ખાવાનું મન થાય જ. પણ જે તમને ના ખાવો હોય ને ખવડાય, ખવડાય કરે, રેડ રેડ કરે. તે પછી ઉલ્ટીઓ થાયને ત્યારે બંધ થઈ જાય. ધરાઈને ખાય તો ફરી જાગે એ તો. આ વિષય તો હંમેશાં જેમ જેમ વિષય ભોગવતો જાય એમ વધારે વધારે સળગતું જાય.

ના ભોગવવાથી થોડાં દહાડાં હેરાન થઈએ વખતે મહિનો, બે મહિનાં. પણ અપરિચયથી બિલકુલ ભૂલી જ જવાય પછી. અને ભોગવનારો માણસ એ વાસના કાઢી શકે એ વાતમાં માલ નથી. એથી આપણાં લોકોની, શાસ્ત્રોની શોધખોળ છે કે આ બ્રહ્મચર્યનો રસ્તો જ ઉત્તમ છે. એટલે મોટામાં મોટો ઉપાય, અપરિચય !

અને એક ફેરો એ વસ્તુથી છેટે રહ્યા ને, બાર મહિના કે બે વરસ સુધી છેટે રહ્યું એટલે એ વસ્તુને જ ભૂલી જાય છે પછી મનનો સ્વભાવ કેવો છે ? છેટું રહ્યું કે ભૂલી જાય. નજીક ગયું એટલે પછી કોચ કોચ કરે ! પરિચય મનનો છૂટો થયો. 'આપણે' છૂટા રહ્યા એટલે મને ય પેલી વસ્તુથી છેટું રહ્યું, એટલે ભૂલી જાય પછી, કાયમને માટે. એને યાદે ય ના આવે. પછી કહે તો ય એ બાજુ જાય નહીં. એવું તમને સમજણ પડે ?! તું તારા ભાઈબંધથી બે વરસ છેટો રહ્યો, તો તારું મન ભૂલી જાય પછી.

પ્રશ્નકર્તા : મનને જ્યારે વિષય તરફ ભોગવવા માટે આપણે છૂટ આપીએ છીએ, ત્યારે એ છે તો નીરસ રહે છે અને જ્યારે આપણે એને વિષયો ભોગવવા માટે કંટ્રોલ કરીએ છીએ, ત્યારે એ વધારે ઉછળે છે. આકર્ષણ રહે છે, તો એનું શું કારણ ?

દાદાશ્રી : એવું છે ને, મનને કંટ્રોલ આનું નામ કહેવાય નહીં. જે આપણો કંટ્રોલ સ્વીકારે નહીં એ કંટ્રોલ જ ન્હોય. કંટ્રોલર હોવો જોઈએ ને ? પોતે કંટ્રોલર હોય તો કંટ્રોલ સ્વીકારે. પોતે કંટ્રોલર છે નહીં, મન નથી માનતું, મન તમને ગાંઠતું નથી ને ?

મનને આંતરવાનું નથી. મનના કૉઝીઝને આંતરવાના છે. મન તો પોતે, એક પરિણામ છે. એ પરિણામ બતાવ્યા વગર રહેશે નહીં. પરીક્ષાનું એ રિઝલ્ટ છે. પરિણામ બદલાય નહીં, પરીક્ષા બદલવાની છે. એ પરિણામ જેનાથી ઊભું થાય છે એ કારણોને બંધ કરવાના છે. ત્યારે તે શી રીતે પકડાય ? શાનાથી ઊભું થયું છે મન ? ત્યારે કહે, વિષયમાં ચોટેલું છે. 'ક્યાં ચોટેલું છે' એ ખોળી કાઢવું જોઈએ અને પછી ત્યાં કાપવાનું છે.

પ્રશ્નકર્તા : વાસના છોડવાનો સહેલામાં સહેલો ઉપાય કયો ?

દાદાશ્રી : મારી પાસે આવો તે ઉપાય. બીજો શો ઉપાય ? વાસના તમે જાતે છોડશો તો બીજી પેસી જશે. કારણ કે એકલો અવકાશ રહેતો જ નથી. તમે વાસના છોડો કે અવકાશ થયો ને ત્યાં પછી બીજી વાસના પેસી જશે.

પ્રશ્નકર્તા : આ ક્રોધ-માન-માયા-લોભ તમે કહ્યું ને, તે આ વિષય શેમાં આવે છે ? 'કામ' શેમાં આવે છે ?

દાદાશ્રી : વિષય જુદા ને આ કષાય જુદા છે. વિષયોને જો કદી આપણે તેની હદ ઓળંગીએ, હદથી વધારે માંગીએ એ લોભ છે.

[૩] મહાત્મ્ય બ્રહ્મચર્યનું !

પ્રશ્નકર્તા : જે બાળબ્રહ્મચારી હોય તે વધારે ઉત્તમ કહેવાય કે પરણ્યા પછી બ્રહ્મચર્ય પાળે તે ઉત્તમ કહેવાય ?

દાદાશ્રી : બાળબ્રહ્મચારીની વાત જ જુદી ને ! પણ આજના બાળબ્રહ્મચારી કેવા છે ? આ જમાનો ખરાબ છે. તેમનું અત્યાર સુધી જે થયું છે તે જીવન તમે વાંચો, તો વાંચતાની સાથે જ તમારું માથું ચઢી જાય.

જો તમારે બ્રહ્મચર્ય પાળવું હોય તો તમને ઉપાય બતાવું. તે ઉપાય તમારે કરવાનો હોય, નહીં તો તમારે બ્રહ્મચર્ય પાળવું જોઈએ એવું એ ફરજિયાત વસ્તુ નથી. એ તો જેને મહીં કર્મના ઉદય હોય તો થાય. બ્રહ્મચર્યવ્રત લેવું એ તો એમનો પૂર્વકર્મનો ઉદય હોય તો સચવાય. પૂર્વે ભાવના કરેલી હોય તો સચવાય, અગર તો જો તમે સાચવવા ધારશો તો સચવાશે. અમે શું કહીએ છીએ કે તમારો નિશ્ચય જોઈએ ને અમારું વચનબળ જોડે છે, તો આ સચવાય એવું છે.

પ્રશ્નકર્તા : દેહની સાથે જે કર્મ ચાર્જ થઈને આવેલા હોય તે ફેરફાર તો ના થાય ને ?

દાદાશ્રી : ના, કશો ફેરફાર ના થાય. છતાં વિષય એવી વસ્તુ છે ને, કે જ્ઞાની પુરુષની આજ્ઞાથી આ એકલું જ ફેરફાર થાય. છતાં આ વ્રત બધાને ના અપાય. અમે અમુકને જ આ આપેલું છે. જ્ઞાનીની આજ્ઞાથી બધું જ ફેરફાર થઈ જાય. સામાએ ખાલી નિશ્ચય જ કરવાનો કે ગમે તે થાય, પણ મારે આ જોઈતું જ નથી. તો તેને પછી અમે આજ્ઞા આપીએ છીએ અને અમારું વચનબળ કામ કરે છે. એટલે પછી એનું ચિત્ત બીજે ના જાય.

આ બ્રહ્મચર્ય જો કોઈ પાળે ને, જો ઠેઠ સુધી પાર નીકળી ગયો ને, તો બ્રહ્મચર્ય તો બહુ મોટી વસ્તુ કહેવાય. આ 'દાદાઈજ્ઞાન', 'અક્રમ વિજ્ઞાન' અને જોડે જોડે બ્રહ્મચર્ય એ બધું હોય, પછી એમને શું જોઈએ ? એક તો આ 'અક્રમ વિજ્ઞાન' જ એવું છે કે જો કદી એ અનુભવ, વિશેષ પરિણામ પામી ગયો, તો એ રાજાઓનો રાજા છે. આખી દુનિયાના રાજાઓએ પણ ત્યાં નમસ્કાર કરવા પડે !!

પ્રશ્નકર્તા : અત્યારે તો પડોશી ય નમસ્કાર નથી કરતો !

પ્રશ્નકર્તા : સમજવા છતાં જગતના વિષયોમાં મન આકર્ષાયેલું રહે છે, સમજીએ છીએ કે સાચું-ખોટું શું છે, છતાં વિષયોમાંથી છૂટાતું નથી. તો એનો ઉપાય શો ?

દાદાશ્રી : જે સમજણ ક્રિયાકારી હોય તે જ સાચી સમજણ કહેવાય. બીજી બધી વાંઝિયા સમજણ કહેવાય.

પ્રશ્નકર્તા : એ સમજ ક્રિયાત્મક થાય, તે માટે શું પ્રયત્ન કરવો ?

દાદાશ્રી : હું તમને વિગતવાર સમજણ પાડું. પછી એ સમજણ જ ક્રિયા કર્યા કરે. તમારે કશું કરવાનું નહીં. તમે ઉલટો ડખો કરવા જાવ તો બગડી જાય. જે જ્ઞાન, જે સમજણ ક્રિયાકારી હોય, તે સાચી સમજણ છે અને તે સાચું જ્ઞાન છે.

આ દુનિયામાં કોઈ ચીજની નિંદા કરવા જેવી હોય તો તે અબ્રહ્મચર્ય. બીજી બધી એટલી નિંદા કરવા જેવી ચીજ નથી.

પ્રશ્નકર્તા : પણ માનસશાસ્ત્રીઓ કહે છે કે વિષય બંધ થાય જ નહીં, છેક સુધી રહે. એટલે પછી વીર્યનું ઉર્ધ્વગમન થાય જ નહીં ને ?

દાદાશ્રી : હું શું કહું છું કે વિષયનો અભિપ્રાય બદલાય કે પછી વિષય રહેતો જ નથી ! જ્યાં સુધી અભિપ્રાય બદલાય નહીં ત્યાં સુધી વીર્યનું ઉર્ધ્વગમન થાય જ નહીં. આપણે અહીં તો સીધો આત્મામાં જ ઘાલી દેવાનો છે, એનું નામ જ ઉર્ધ્વગમન છે ! વિષય બંધ કરવાથી એને આત્માનું સુખ વર્તાય અને વિષય બંધ થયો એટલે વીર્યનું ઉર્ધ્વગમન થાય જ. અમારી આજ્ઞા જ એવી છે કે વિષય બંધ થઈ જાય છે.

પ્રશ્નકર્તા : આજ્ઞામાં શું હોય છે ? સ્થૂળ બંધ કરવાનું ?

દાદાશ્રી : સ્થૂળને અમે કંઈ કહેતા જ નથી. મન-બુદ્ધિ-ચિત્ત ને અહંકાર બ્રહ્મચર્યમાં રહે એવું હોવું જોઈએ. અને મન-બુદ્ધિ-ચિત્ત ને અહંકાર, બ્રહ્મચર્ય માટે ફરી ગયાં એટલે સ્થૂળ તો એની મેળે આવે જ. તારાં મન-બુદ્ધિ-ચિત્ત ને અહંકારને ફેરવ. અમારી આજ્ઞા એવી છે કે આ ચારે ય ફરી જ જાય છે !!

પ્રશ્નકર્તા : એ વચનબળ જ્ઞાનીને કઈ રીતે પ્રાપ્ત થયું હોય ?

દાદાશ્રી : પોતે નિર્વિષયી હોય તો જ વચનબળ પ્રાપ્ત થાય, નહીં તો વિષયનું વિરેચન કરાવે એવું વચનબળ હોય જ નહીં ને ! મન-વચન- કાયાથી સંપૂર્ણ રીતે નિર્વિષયી હોય ત્યારે એમના શબ્દથી વિષયનું વિરેચન થાય.

 

ભાગ
 1 -  2  - 3  -  4  -  5  -  6