ભાગ
 1 -  2  - 3  -  4  -  5  -  6 


સમજથી પ્રાપ્ત બ્રહ્મચર્ય (ઉતરાર્ધ )

ખંડ : ૧

પરણિતો માટે બ્રહ્મચર્યની ચાવીઓ....

[૧] વિષય નહીં, પણ નિડરતા એ વિષ ?

છતાં આ વિજ્ઞાન ગમે તેને, પૈણેલાને ય મોક્ષે લઈ જશે. પણ જ્ઞાનીની આજ્ઞા પ્રમાણે ચાલવું જોઈએ. કો'ક મગજની ખુમારીવાળો હોય, તે કહેશે, 'સાહેબ હું બીજી પૈણવા માગું છું.' તારું જોર જોઈએ. પહેલાં શું નહોતા પૈણતા ? ભરત રાજાને તેરસો રાણીઓ હતી, તો ય મોક્ષે ગયા ! જો રાણીઓ નડતી હોય તો મોક્ષે જાય ખરા ? તો શું નડે છે ? અજ્ઞાન નડે છે.

વિષયો એ વિષ નથી, વિષયમાં નીડરતા એ વિષ છે. માટે ગભરાશો નહીં. બધાં શાસ્ત્રોએ બૂમ પાડી કે વિષયો એ વિષ છે. શાનું વિષ છે ? વિષય એ વિષ તો હોતો હશે ? વિષયમાં નીડરતા એ વિષ છે. વિષય જો વિષ હોતને, તો પછી તમે બધા ઘેર રહેતાં હોત અને તમારે મોક્ષે જવું હોય તો મારે તમને હાંકીને મોકલવા પડે કે જાવ અપાસરે, અહીં ઘેર ના પડી રહેશો. પણ મારે કોઈને હાંકવા પડે છે ?

ભગવાને જીવોના બે ભેદ પાડ્યા ; એક સંસારી ને બીજા સિદ્ધ. જે મોક્ષે ગયેલા છે તે સિદ્ધ કહેવાય છે ને બીજા બધા ય સંસારી. એટલે તમે જો ત્યાગી હો તો ય સંસારી છો ને આ ગૃહસ્થ પણ સંસારી જ છે. માટે તમે મનમાં કશું રાખશો નહીં. સંસાર નથી નડતો, વિષય નથી નડતા, કશું નડતું નથી, અજ્ઞાન નડે છે. એટલા માટે તો મેં પુસ્તકમાં લખ્યું કે વિષયો વિષ નથી, વિષયોમાં નીડરતા એ વિષ છે.

જો વિષયો વિષ હોત તો ભગવાન મહાવીર તીર્થંકર જ ના થાત. ભગવાન મહાવીરને ય દીકરી હતી. એટલે વિષયોમાં નીડરતા એ વિષ છે. હવે મને કંઈ નડવાનું નથી, એવું થયું એ વિષ છે.

નીડરતા શબ્દ એટલા માટે મેં આપેલો છે કે વિષયમાં ડરે, નાછૂટકે વિષયમાં પડે. એટલે વિષયોથી ડરો, એમ કહીએ છીએ. કારણ કે ભગવાન હઉ ડરતા હતા, મોટા મોટા જ્ઞાનીઓ ય ડર્યા હતા, તો તમે એવાં કેવાં છો કે વિષયથી ડરો નહીં ?! જેમ સુંદર રસોઈ આવી હોય, રસ-રોટલીને એ બધું ભોગવો ખરાં પણ ડરીને ભોગવો. ડરીને શા માટે કે વધુ ખાશો તો ઉપાધી થઈ પડશે, એટલાં માટે ડરો.

પ્રશ્નકર્તા : શુદ્ધાત્મા સ્વરૂપ થયા પછી સંસારમાં પત્ની જોડેનો સંસાર વ્યવહાર કરવો કે નહીં ? અને તે કેવા ભાવે ? અહીં સમભાવે નિકાલ કેવી રીતે કરવો ?

દાદાશ્રી : આ વ્યવહાર તો, તમારે પત્ની હોય તો પત્ની જોડે બંનેને સમાધાનપૂર્વક વ્યવહાર રાખજો. તમારું સમાધાન ને એમનું સમાધાન થતું હોય એવો વ્યવહાર રાખજો. એમને અસમાધાન થતું હોય ને તમારું સમાધાન થતું હોય એ વ્યવહાર બંધ કરજો. અને આપણાથી સ્ત્રીને કંઈ દુઃખ ન થવું જોઈએ.

હું તમને કહું છું કે આ જે 'દવા' (વિષય સંબંધ) છે એ ગળપણવાળી દવા છે માટે દવા હંમેશાં જેમ પ્રમાણથી લઈએ છીએ, એવી રીતે પ્રમાણથી લેજો. લગ્નજીવન દીપે ક્યારે ? કે તાવ બન્નેને ચઢે અને એ દવા પીવે ત્યારે. તાવ વગર દવા પીવે કે નહીં ? એકને તાવ વગર દવા પીવે, એ લગ્નજીવન દીપે નહીં. બન્નેને તાવ ચઢે ત્યારે જ દવા પીવે. ધીસ ઈઝ ધ ઓન્લી મેડિસિન. મેડિસિન ગળી હોય તેથી કંઈ રોજ પીવા જેવી ના હોય.

આ બધાં જે આગળ રામ-સીતા ને એ બધાં થઈ ગયા, તે બધાં સંયમવાળા. સ્ત્રી સાથે સંયમી ! ત્યારે આ અસંયમ એ કંઈ દૈવી ગુણ છે ? ના. એ પાશવી ગુણ છે. મનુષ્યમાં આવાં ના હોય. મનુષ્ય અસંયમી ના હોવો જોઈએ. જગતને સમજ જ નથી કે વિષય શું છે ! એક વિષયમાં કરોડો જીવ મરી જાય છે, વન ટાઈમમાં તો, સમજણ નહીં હોવાથી અહીંયા મજા માણે છે. સમજતાં નથી ને ! ન છૂટકે જીવ મરે એવું હોવું જોઈએ. પણ સમજણ ના હોય ત્યારે શું થાય ?

આ અમારું થર્મોમિટર મળ્યું છે. એટલે અમે કહીએ છીએ ને, કે સ્ત્રી સાથે મોક્ષ આપ્યો છે ! આવી સરળતા કોઈએ નથી આપી ! બહુ સરળ અને સીધો માર્ગ મૂકેલો છે. હવે તમારે જેવો સદ્ઉપયોગ કરવો હોય એ કરજો ! અતિશય સરળ ! આવું બન્યું નથી ! આ નિર્મળ માર્ગ છે, ભગવાન પણ એક્સેપ્ટ કરે એવો માર્ગ છે !!

પ્રશ્નકર્તા : વાઈફની ઈચ્છા ના હોય અને હસબંડના ફોર્સથી પીવી પડે દવા, તો શું કરવું ?

દાદાશ્રી : પણ એ તો શું કરે ? કોણે કહ્યું'તું, પૈણ ?

પ્રશ્નકર્તા : ભોગવે તેની ભૂલ. પણ દાદા કંઈક એવું બતાવો ને, એવી કંઈક દવા બતાવો કે જેથી કરીને સામા માણસનું પ્રતિક્રમણ કરીએ, કશું કરીએ તો ઓછું થઈ જાય.

દાદાશ્રી : એ તો આ સમજવાથી, વાત સમજણ પાડવાથી કે દાદાએ કહ્યું છે, કે આ તો પી પી કરવા જેવી ચીજ નથી. જરા પાંસરા ચાલો ને, એટલે છ-આઠ દહાડા મહિનામાં દવા પીવી જોઈએ. આપણું શરીર સારું રહે, મગજ સારું રહે તો ફાઈલનો નિકાલ થાય.

એટલે અમે અક્રમ વિજ્ઞાનમાં તો પોતાની સ્ત્રી સાથેનાં અબ્રહ્મચર્યનાં વ્યવહારને અમે બ્રહ્મચર્ય કહીએ છીએ. પણ તે વિનય પૂર્વકનો અને બહાર કોઈ સ્ત્રીના પર દ્રષ્ટિ ના બગડવી જોઈએ અને દ્રષ્ટિ બગડી હોય તો તરત ભૂંસી નાખવી જોઈએ. તો એને આ કાળમાં અમે બ્રહ્મચારી કહીએ છીએ. બીજી જગ્યાએ દ્રષ્ટિ નથી બગડતી, માટે બ્રહ્મચારી કહીએ છીએ. આને કંઈ જેવું તેવું પદ કહેવાય ? અને પછી લાંબે ગાળે એને સમજાય કે આમાં ય બહુ ભૂલ છે ત્યારે હક્કનું પણ છોડી દે.

[૨] દ્રષ્ટિ દોષના જોખમો !

અત્યારે તો બધું ઓપન બજાર જ થઈ ગયું છે ને ? એટલે સાંજ પડ્યે દેખાય કે કશો ય સોદો જ નથી કર્યો, પણ એમ ને એમ બાર સોદા લખી નાખ્યા હોય. આમ જોવાથી જ સોદા થઈ જાય ! બીજા સોદા તો થવાના હશે તે થશે, પણ આ તો જોવામાત્રથી જ સોદા થઈ જાય ! આપણું જ્ઞાન હોય તો એવું ના થાય. સ્ત્રી જતી હોય તો એની મહીં તમને શુદ્ધાત્મા દેખાય, પણ બીજા લોકોને શી રીતે શુદ્ધાત્મા દેખાય ?

કોઈને ત્યાં લગનમાં ગયા હોઈએ, તે દહાડે તો આપણે બહુ બધું જોઈએ ને ? સોએક સોદા થઈ જાય ને ? એટલે એવું છે આ બધું ! એ તારો દોષ નથી ! બધા મનુષ્યમાત્રને એવું થઈ જ જાય. કારણ કે આકર્ષણવાળું દેખે એટલે દ્રષ્ટિ ખેંચાઈ જ જાય. એમાં સ્ત્રીઓને ય એવું ને પુરુષોને ય એવું, આકર્ષણવાળું દેખે કે સોદો થઈ જ જાય !

આ વિષયો બુદ્ધિથી દૂર થઈ જાય તેમ છે. મેં વિષયો બુદ્ધિથી જ દૂર કરેલા. જ્ઞાન ના હોય તો ય વિષયો બુદ્ધિથી દૂર થાય. આ તો ઓછી બુદ્ધિવાળા છે, તેથી વિષય રહેલા છે.

[૩] અણહક્કની ગુનેગારી !

જો તું સંસારી હોઉં તો તારા હક્કનો વિષય ભોગવજે, પણ અણહક્કનો વિષય તો ના જ ભોગવીશ. કારણ કે આનું ફળ ભયંકર છે અને તું ત્યાગી હોઉં તો તારી વિષય તરફ દ્રષ્ટિ જ ના જવી જોઈએ ! અણહક્કનું લઈ લેવું, અણહક્કની ઇચ્છા કરવી, અણહક્કના વિષય ભોગવવાની ભાવના કરવી, એ બધી પાશવતા કહેવાય. હક્ક અને અણહક્ક, એ બે વચ્ચે લાઈન ઓફ ડીમાર્કેશન તો હોવી જોઈએ ને ? અને એ ડીમાર્કેશન લાઈનની બહાર નીકળાય જ નહીં ! તો ય પણ લોક ડીમાર્કેશન લાઈનની બહાર નીકળ્યા છે ને ?! એને જ પાશવતા કહેવાય. હક્કનું ભોગવવાનો વાંધો નથી.

પ્રશ્નકર્તા : અણહક્કનું ભોગવવા કઈ વૃત્તિ ઢસડી જાય છે ?

દાદાશ્રી : આપણી દાનત ચોર છે, તે વૃત્તિ.

હક્કનું છોડીને બીજી જગ્યાએ 'પ્રસંગ' થાય, તો એ સ્ત્રી જ્યાં જાય, ત્યાં આપણે અવતાર લેવો પડે. એ અધોગતિમાં જાય તો આપણે ત્યાં જવું પડે. આજકાલ બહાર તો બધે એવું જ થાય છે. 'ક્યાં અવતાર થશે ?' તેનું ઠેકાણું જ નથી. અણહક્કના વિષય જેણે ભોગવ્યા, તેને તો ભયંકર યાતનાઓ ભોગવવી પડે. તેની છોડી પણ એકાદ અવતારમાં ચારિત્રહીન થાય. નિયમ કેવો છે કે જેની જોડે અણહક્કના વિષય ભોગવ્યા હોય તે જ પછી મા થાય કે છોડી થાય.

હક્કના વિષયની તો ભગવાને ય ના નથી પાડી. ભગવાન ના પાડે તો ભગવાન ગુનેગાર ગણાય. અણહક્કનું તો ના પાડે. જો પસ્તાવો કરે તો પણ છૂટે.પણ આ તો અણહક્કનું આનંદથી ભોગવે છે, તેથી ઘોડાગાંઠ મારે.

અણહક્કમાં તો પાંચે પાંચ મહાવ્રતોનો દોષ આવી જાય છે. એમાં હિંસા થઈ જાય છે, જૂઠું થઈ જાય છે, ચોરી તો, આ ઉઘાડી ચોરી કહેવાય. અણહક્કનું એટલે ઉઘાડી ચોરી કહેવાય. પછી અબ્રહ્મચર્ય તો છે જ અને પાંચમું પરિગ્રહ, તે આ મોટામાં મોટો પરિગ્રહ છે. હક્કના વિષયવાળાને મોક્ષ છે પણ અણહક્કના વિષયવાળાને મોક્ષ નથી, એમ ભગવાને કહ્યું છે!

આ લોકોને તો પાછું કશું ભાન ના હોય ને ! અને હરૈયા જેવા હોય. હરૈયા એટલે તમે સમજ્યા ને ? તમે હરૈયા કોઈને જોયેલા ? હરૈયું એટલે જેનું હાથમાં આવે, તેનું ખાઈ જાય. આ ભેંસ-બંધુને તમે ઓળખો કે ? એ બધાં ખેતરોનું ચોખ્ખું જ કરી આપે.

બહુ જૂજ માણસો છે કે જેને કંઈક આમાં મહત્ત્વતા સમજાયેલી છે. બાકી મળ્યું નથી ત્યાં સુધી હરૈયા નથી ! મળ્યું કે હરૈયા થઈ જતાં વાર ના લાગે. આ શોભે નહીં આપણને ! આપણાં હિન્દુસ્તાનની, કેવી ડેવલપ પ્રજા ! આપણે તો મોક્ષે જવાનું છે !!

અબ્રહ્મચર્ય તો એવું કે આ અવતારમાં સ્ત્રી થયેલી હોય, અગર તો બીજી રખાત હોય તો આવતાં અવતારમાં પોતાની છોકરી થઈને ઊભી રહે એવી આ સંસારની વિચિત્રતા છે. તેથી ડાહ્યા પુરુષો બ્રહ્મચર્ય પાળીને મોક્ષે ગયેલાને !

[૪] એક પત્નીવ્રત એટલે જ બ્રહ્મચર્ય !

જેણે લગ્ન કરેલું છે, તેને તો એક જ કાયદો અમે કરી આપેલો કે તારે બીજી કોઈ સ્ત્રી તરફ દ્રષ્ટિ બગાડવાની નહીં. અને વખતે દ્રષ્ટિ એવી થઈ જાય તો પ્રતિક્રમણ વિધિ કરવાની અને નક્કી કરવાનું કે આવું હવે ફરી નહીં કરું. પોતાની સ્ત્રી સિવાય બીજી સ્ત્રીને જોતો નથી, બીજી સ્ત્રી પર જેની દ્રષ્ટિ રહેતી નથી, દ્રષ્ટિ જાય છતાં એના મનમાં વિકારી ભાવ થતો નથી, વિકારી ભાવ થાય તો પોતે ખૂબ પસ્તાવો કરે છે, એને આ કાળમાં એક સ્ત્રી છે છતાં ય બ્રહ્મચર્ય કહેવાય.

આજથી ત્રણ હજાર વર્ષ પહેલાં હિન્દુસ્તાનમાં સોમાંથી નેવું માણસો એક પત્નીવ્રત પાળતા હતા. એક પત્નીવ્રત અને એક પતિવ્રત; કેવા સારા માણસો કહેવાય એ ! જ્યારે આજે ભાગ્યે જ હજારમાં એક હશે !

પ્રશ્નકર્તા : ધારો કે બે વાઈફ હોય તો, એ શા માટે ખરાબ ?

દાદાશ્રી : કરોને બે વાઈફ. કરવામાં વાંધો નથી. પાંચ વાઈફ કરો તો ય વાંધો નથી. પણ બીજી ઉપર દ્રષ્ટિ બગાડે, બીજી સ્ત્રી જતી હોય, તેની પર દ્રષ્ટિ બગાડે તો ખરાબ કહેવાય. કંઈ નીતિ-નિયમ તો હોવાં જોઈએ ને ?

ફરી પૈણવા માટે વાંધો નથી. મુસલમાનોમાં એક કાયદો કાઢ્યો કે બહાર દ્રષ્ટિ ના બગાડવી જોઈએ. બહાર કોઈને છંછેડવું ના જોઈએ. પણ તમને એક સ્ત્રીથી ના પોષાતું હોય તો બે કરો. એ લોકોએ કાયદો રાખ્યો કે ચાર સુધી તમને છૂટ છે ! અને આપણને પોષાતી હોય તો ચાર કરો ને ? કોણ ના પાડે છે ? છો લોકો બૂમો પાડે ! પણ પેલી બાઈને દુઃખ ન હોવું જોઈએ.

આ કાળમાં એક પત્નીવ્રતને અમે બ્રહ્મચર્ય કહીએ છીએ અને તીર્થંકર ભગવાનના વખતમાં જે બ્રહ્મચર્યનું ફળ મળતું હતું, તે જ ફળ પામશે, એની અમે ગેરેન્ટી આપીએ છીએ.

પ્રશ્નકર્તા : એક પત્નીવ્રત કહ્યું, તે સૂક્ષ્મથી કે એકલું સ્થૂળ ? મન તો જાય એવું છે ને ?

દાદાશ્રી : સૂક્ષ્મથી પણ હોવું જોઈએ અને વખતે મન જાય તો મનથી છૂટું રહેવું જોઈએ. અને એના પ્રતિક્રમણ કર કર કરવાં પડે. મોક્ષે જવાની લિમિટ કઈ ? એક પત્નીવ્રત અને એક પતિવ્રત. એક પત્નીવ્રત કે એક પતિવ્રતનો કાયદો હોય, એ લિમિટ કહેવાય.

જેમ શ્વાસોચ્છ્વાસ વધારે વપરાય તેમ આયુષ્ય ઓછું થાય. શ્વાસોચ્છ્વાસ શેમાં વધારે વપરાય ? ભયમાં, ક્રોધમાં, લોભમાં, કપટમાં અને એથી ય વધારે સ્ત્રી સંગમાં. ઘટિત સ્ત્રી સંગમાં તો એકદમ વધારે વપરાય, પણ એથી ય ખૂબ વધારે અઘટિત સ્ત્રી સંગમાં વપરાય. જાણે કે ગરગડી જ એકદમ ઉકલી જાય !

પ્રશ્નકર્તા : દેવોમાં એક પત્નીવ્રત હશે ?

દાદાશ્રી : એક પત્નીવ્રત એટલે કેવું કે આખી જિંદગી એક જ દેવી જોડે પસાર કરવાની. પણ જ્યારે બીજાની દેવી દેખે કે મનમાં એવાં ભાવ થાય કે 'આપણાં કરતાં પેલી સારી છે' એવું થાય ખરું, પણ જે છે એમાં કશો ફેરફાર થાય નહીં.

પ્રશ્નકર્તા : આ દેવગતિમાં પુત્રનો સવાલ નથી, છતાં ય ત્યાં વિષય તો ભોગવે જ છે ને ?

દાદાશ્રી : ત્યાં આવો વિષય ના હોય. આ તો ગંદવાડો નર્યો. દેવ તો અહીં ઊભા ય ના રહે. ત્યાં એમનો વિષય કેવો હોય છે ? ખાલી દેવી આવે કે એને જુએ, એટલે એમનો વિષય પૂરો થઈ ગયો, બસ ! કેટલાંક દેવલોકને તો એવું હોય છે કે બેઉ આમ હાથ અડાડે કે સામસામી બેઉ જણા હાથ દબાવી રાખે તો એ વિષય પૂરો થઈ જાય. દેવલોકો ય જેમ જેમ ઊંચે ચઢે, તેમ તેમ વિષય ઓછો થતો જાય. કેટલાંક તો વાતચીત કરે કે વિષય પૂરો થઈ ગયો. જેને સ્ત્રીનો સહવાસ ગમે છે એવાં ય દેવલોકો છે અને જેને ખાલી સ્ત્રી અમથી એક કલાક ભેગી થાય એટલે બહુ આનંદ થાય એવાં ય દેવલોકો છે અને કેટલાંક એવાં દેવલોકો ય છે કે જેમને સ્ત્રીની જરૂર જ નથી હોતી. એટલે બધી જાતના દેવલોકો છે.

[૫] અણહક્કના વિષયભોગો, નર્કનું કારણ !

પરસ્ત્રી અને પરપુરુષ એટલે પ્રત્યક્ષ નર્કનું કારણ છે. નર્કે જવું હોય તો ત્યાં જવાનો વિચાર કરો. અમારે એનો વાંધો નથી. તમારે અનુકૂળ હોય તો એ નર્કના દુઃખનું વર્ણન કરું, તે સાંભળતા જ તાવ ચઢી જશે તો ત્યાં એ ભોગવતાં તારી શી દશા થશે ? બાકી પોતાની સ્ત્રીનો તો કોઈ વાંધો નથી.

પતિ-પત્નીને કુદરતે એક્સેપ્ટ કરેલું છે. તેમાં જો કદી વિશેષભાવ ના થાય તો વાંધો નહીં. કુદરતે એટલું ચાલવા દીધું છે. એટલું પાપરહિત પરિણામ કહેવાય. ત્યારે આમાં બીજાં પાપ બધાં બહુ છે. એક જ ફેરો વિષય કરવાથી કરોડો જીવ મરી જાય છે. એ કંઈ ઓછાં પાપ છે ?! પણ તો ય એ પરસ્ત્રી જેવું મોટું પાપ ના કહેવાય.

પ્રશ્નકર્તા : નર્કમાં ખાસ કોણ વધારે જાય ?

દાદાશ્રી : શિયળ લૂંટનારાને સાતમી નર્ક છે. જેટલી મીઠાશ આવી હતી, એનાથી અનેકગણી કડવાશ અનુભવે ત્યારે એ નક્કી કરે કે હવે ત્યાં નર્કે નથી જવું. એટલે આ જગતમાં કંઈ પણ ના કરવા જેવું હોય તો તે કોઈનું શિયળ ના લૂંટવું. કયારેય પણ દ્રષ્ટિ ના બગડવા દઈશ. શિયળ લૂંટે પછી નર્કમાં જાય ને માર ખા ખા કરે. આ દુનિયામાં શિયળ જેવી ઉત્તમ કોઈ ચીજ જ નથી.

આપણે અહીં આ સત્સંગમાં એવો દગાફટકાનો વિચાર આવે તો હું બોલું કે આ મીનીંગલેસ વાત છે. અહીં એવો વ્યવહાર કિંચિત્માત્ર ના ચાલે અને એવો વ્યવહાર ચાલે છે એવું મારા લક્ષમાં આવ્યું તો હું કાઢી મેલીશ.

આ વર્લ્ડમાં ગમે તેવાં ગુના કર્યા હોય, ગમે તેવાં ગુના લઈને આવે તો ય, જો ફરી જિંદગીમાં ના કરવાનો હોય, તો બધી રીતે ચોખ્ખો હું કરી આપું.

તને કંઈ પસ્તાવો થાય આ સાંભળીને !

પ્રશ્નકર્તા : બહુ જ થાય છે.

દાદાશ્રી : પસ્તાવામાં બળે તો ય પાપો ખલાસ થઈ જાય. બે-ચાર જણ આ વાત સાંભળીને મને એવું કહે કે, 'અમારું શું થશે ?' મેં કહ્યું, 'અલ્યા, ભાઈ, હું તને બધું સમું કરી આપીશ. તું આજથી ડાહ્યો થઈ જા.' જાગ્યા ત્યારથી સવાર. એની નર્કગતિ ઉડાડી મૂકું. કારણ કે મારી પાસે બધા રસ્તા છે. હું કર્તા નથી એટલે. જો હું કર્તા થાઉં તો મને બંધન થાય. હું તમને જ દેખાડું કે આમ કરો હવે. તે પછી બધું ઊડી જાય અને એમ બીજી કેટલીક વિધિઓ કરીએ.

પારકી સ્ત્રી જોડે ફરીએ તો લોકો આંગળી કરે ને ? એટલે આ સમાજવિરોધક છે અને બીજું તો અંદર બહુ જાતની ઉપાધિ થાય છે. નર્કની વેદનાઓ એટલે ઇલેક્ટ્રિક ગેસમાં ઘણાં કાળ સુધી બળ્યા કરવાનું ! એક ઇલેક્ટ્રિક ગરમીની વેદનાવાળી નર્ક છે અને બીજી ઠંડીની વેદનાવાળી નર્ક છે. ત્યાં એટલી બધી ઠંડી છે કે આપણે પાવાગઢ પર્વત નાખીએ તો એનો પથરો આવડો મોટો ના રહે, પણ એના કણેકણ છૂટા પડી જાય !

પણ પરસ્ત્રીના જોખમમાં તો કેટલાં કેટલાં જોખમ ઊભાં રહ્યાં છે! એ જ્યાં જાય ત્યાં તમારે જવું પડશે, એને મા કરવી પડશે ! આજે ઘણાં ય એવા દીકરા છે કે જે એની પૂર્વભવની રખાતને પેટે જન્મેલા છે. એ મારા જ્ઞાનમાં હઉ આવેલું. દીકરો ઊંચી નાતનો હોય અને મા નીચી નાતની હોય, મા નીચી નાતમાં જાય અને દીકરો ઊંચી નાતમાંથી નીચી નાતમાં પાછો આવે. જો ભયંકર જોખમો !! ગયા અવતારે જે સ્ત્રી હોય, તે આ અવતારે મા થાય. ને આ અવતારે મા હોય, તો આવતાં અવતારે સ્ત્રી થાય. એવું આ જોખમવાળું જગત છે ! વાતને ટૂંકામાં સમજી જજો!! પ્રકૃતિ વિષયી નથી, એ વાત મેં બીજી રીતે કહેલી. પણ આ તો અમે પહેલેથી કહેતા આવ્યા છીએ કે આ એકલું જોખમ છે.

પ્રશ્નકર્તા : બન્ને પાર્ટીને સંમત હોય તો જોખમ ખરું ?

દાદાશ્રી : સંમતિ હોય તો ય જોખમ છે. બન્ને સામસામે ખુશી હોય એમાં શું દહાડો વળ્યો ? એ જ્યાં જવાની હોય ત્યાં આપણે જવું પડે. આપણે મોક્ષે જવું છે ને એના ધંધા આવાં છે. તો આપણી શી દશા થાય ? ગુણાકાર ક્યારે મળે ? એટલાં માટે દરેક શાસ્ત્રકારોએ દરેક શાસ્ત્રમાં વિવેકને માટે કહેલું છે કે પૈણજો. નહીં તો આ રખડેલ ઢોર હોય તો કોને ઘેર સાવધાની રહે? પછી 'સેફસાઈડ' જ શું રહે ? કઈ જાતની સેફસાઈડ રહે ? તું કેમ બોલતો નથી ? પાછલી ચિંતામાં પડી ગયો?

પ્રશ્નકર્તા : હા.

દાદાશ્રી : હું તને ધોઈ આપીશ. અમારે તો એટલું જોઈએ છે કે અત્યારે અમને ભેગા થયા પછી કોઈ ડખલ નથી ને ? પાછલી ડખલ હોય, તો તેને છોડવા માટે અમારી પાસે બહુ જાતના આંકડા છે. તારે મને ખાનગીમાં કહી દેવાનું. હું તને તરત ધોઈ આપીશ. કળિયુગમાં માણસની શું ભૂલ ના થાય ! કળિયુગ છે અને ભૂલ ના થાય, એવું બને જ નહીં ને?!

એકની જોડે ડાયવોર્સ લઈને બીજી જોડે લગ્ન કરવાની ઇચ્છા હશે તેનો વાંધો નથી, પણ લગ્ન હોવું જોઈએે. એટલે એની બાઉન્ડ્રી હોવી જોઈએ. 'વિધાઉટ એની બાઉન્ડ્રી' એટલે હરૈયા ઢોર કહેવાય. પછી એમાં અને મનુષ્યમાં ફેર નથી.

પ્રશ્નકર્તા : રખાત રાખી હોય તો ?

દાદાશ્રી : રખાત રાખી હોય, પણ તે રજિસ્ટર્ડ હોવું જોઈએ. પછી બીજી ના હોવી જોઈએ.

પ્રશ્નકર્તા : એમાં રજિસ્ટર કરાય નહીં, કરે તો મિલકતમાં ભાગ માંગે, અનેક લફરાં થાય.

દાદાશ્રી : મિલકત તો આપવી પડે, જો આપણને સ્વાદ જોઈતો હોય તો ! પાંસરા રહોને એક અવતાર, આમ શું કરવાને કરો છો ? અનંત અવતાર સુધી આવું ને આવું કર્યું ! એક અવતાર પાંસરા રહોને ! પાંસરું થયા વગર છૂટકો નથી. સાપે ય દરમાં પેસતી વખતે સીધો થાય કે વાંકો ચાલે ?

પ્રશ્નકર્તા : સીધો ચાલે. હવે પરસ્ત્રીમાં જોખમ છે, એ ખોટું છે એવું આજે જ સમજાય છે. અત્યાર સુધી તો આમાં શું ખોટું છે ? એવું જ રહેતું હતું.

દાદાશ્રી : તમને કોઈ અવતારમાં કોઈએ 'આ ખોટું છે' એવો અનુભવ નથી કરાવ્યો, નહીં તો આ ગંદવાડમાં કોણ પડે ? પાછી નર્કની જવાબદારી આવે !

આપણું આ વિજ્ઞાન મળ્યા પછી હાર્ટિલી પસ્તાવો કરે તો ય બધાં પાપો બળી જાય. બીજા લોકોનાં પણ પાપો બળી જાય, પણ આખું ના બળી જાય. આપણે તો આવું વિજ્ઞાન મળ્યા પછી, એ વિષય ઉપર ખૂબ પસ્તાવો રાખ્યા કરે, તો પછી પાર નીકળી જાય !

પ્રશ્નકર્તા : વચમાં જે પેલી વાત થયેલી. પુરુષે ઉત્તેજન આપ્યું છે, કપટ કરવા માટે, તો એમાં પુરુષ મુખ્ય કારણરૂપ છે. અમારો જે જીવનવ્યવહાર અને એમનું જે કપટ, એમની જે ગાંઠ, એમાં જો હું કંઈ જવાબદાર હોઉં તો એ માટે વિધિ કરી આપજો કે હું એમને છોડી શકું.

દાદાશ્રી : હા, વિધિ કરી આપીશું. એમને કપટ વધ્યું, તે એને માટે આપણે પુરુષો રિસ્પોન્સિબલ છીએ. એ ઘણાં પુરુષોને આ જવાબદારીનું ભાન બહુ ઓછું હોય છે. એ જો બધી રીતે મારી આજ્ઞા પાળતો હોય તો પણ સ્ત્રીને ભોગવવા માટે પુરુષ સ્ત્રીને શું સમજાવે ? સ્ત્રીને કહેશે કે હવે આમાં કશો વાંધો નથી. એટલે સ્ત્રી બિચારી ભૂલ-થાપ ખઈ જાય. એને દવા ના પીવી હોય.... અને ના જ પીવાની હોય. છતાં પ્રકૃતિ પીવાવાળી ખરી ને ! પ્રકૃતિ તે ઘડીએ ખુશ થઈ જાય. પણ એ ઉત્તેજન કોણે આપ્યું ? તો આપણે એનાં જવાબદાર.

આ બધી સ્ત્રીઓ એના લીધે જ સ્લિપ થયેલી. કોઈ મીઠું લગાડે કે ત્યાં થઈ જાય. આ બહુ ઝીણી વાત છે. સમજાય એવું નથી.

એટલે આ વિષયને લઈને સ્ત્રી થયો છે. ફક્ત એકલાં જ વિષયથી જ અને પુરુષે ભોગવી લેવા માટે એને એન્કરેજ કરી અને બિચારીને બગાડી. બરકત ના હોય તો ય એનામાં બરકત હોયને એવું મનમાં માની લે. ત્યારે કહેશે, શાથી માની લીધું ? શી રીતે માને ? પુરુષોએ કહે કહે કર્યું જ. એટલે એ જાણે કે આ કહે છે, 'એમાં ખોટું શું છે ?' એનાં મેળે માની લીધેલું ના હોય. તમે કહ્યું હોય, 'તું બહુ સરસ છે. તારા જેવી તો સ્ત્રી હોતી જ નથી.' એને કહીએ કે 'તું રૂપાળી છું.' તો એ રૂપાળી માની લે. આ પુરુષોએ સ્ત્રીઓને સ્ત્રી તરીકે રાખી. અને સ્ત્રી મનમાં જાણે કે હું પુરુષોને બનાવું છું. મૂર્ખ બનાવું છું. આમ કરીને પુરુષો ભોગવીને છૂટા થઈ જાય છે. એની જોડે ભોગવી લે, જાણે કે આ રસ્તે ભટકવું હોય.... બહુ સમજાતું નહીં ને ?! થોડું થોડું ?

પ્રશ્નકર્તા : સમજાય છે, કમ્પ્લીટ. પહેલાં પુરુષોનો કંઈ વાંક નથી એવી રીતે સત્સંગો ચાલતા હતા. પણ આજે વાત નીકળી ત્યારે લાગ્યું કે પુરુષ પણ આ રીતે જવાબદાર બહુ મોટો બની જાય છે.

દાદાશ્રી : પુરુષ જ જવાબદાર છે. સ્ત્રીને સ્ત્રી તરીકે રાખવામાં પુરુષ જ જવાબદાર છે.

ગમે તેવું બને, ધણી ના હોય, ધણી જતો રહેલો હોય, તો ય પણ બીજા પાસે જાય નહીં. એ જો ગમે તેવો હોય, ખુદ ભગવાન પુરુષ થઈને આવ્યો હોય, પણ ના. 'મને મારો ધણી છે, ધણીવાળી છું.' એ સતી કહેવાય. અત્યારે સતીપણું કહેવાય, એવું છે આ લોકોનું ? કાયમ નથી એવું, નહીં ? જમાનો જુદી જાતનો છે ને ! સત્યુગમાં એવો ટાઈમ કો'ક ફેરો આવે છે, સતીઓને માટે જ. તેથી સતીઓનું નામ લે છેને આપણાં લોક !!

એ સતી થવાની ઈચ્છાથી. એનું નામ લીધું હોય તો કો'ક દહાડો સતી થાય અને આજે વિષય તો બંગડીઓના ભાવથી વેચાય છે. એવું તમે જાણો ? એ સમજ્યા નહીં મારું કહેવાનું ?

પ્રશ્નકર્તા : હા, બંગડીઓના ભાવથી વેચાય છે.

દાદાશ્રી : કયા બજારમાં ? કોલેજોમાં ! કયા ભાવથી વેચાય છે? સોનાના ભાવે બંગડીઓ વેચાય. પેલી હીરાના ભાવે બંગડીઓ વેચાય ! બધે એવો મળી આવે નહીં. બધે એવું નથી. કેટલીક તો સોનું આપે તો ય ના લે. ગમે તેવું આપો તો ય ના લે ! પણ બીજી તો વેચાય ખરી, આજની સ્ત્રીઓ. સોનાના ભાવે ના હોય તો બીજાના ભાવે પણ વેચાય!

સતી તો પહેલેથી થયા ના હોય અને બગડી ગયા પછી એ પણ સતી થવાય. જ્યારથી નિશ્ચય કર્યો ત્યારથી સતી થઈ શકે.

પ્રશ્નકર્તા : અને જેમ એ સતીપણું સાચવીએ તેમ તેમ કપટ ઓગળતું જશે ?

દાદાશ્રી : સતીપણું તો કર્યું એટલે કપટ તો જવા જ માંડે એની મેળે જ. તમારે કશું કહેવું ના પડે. તો પેલી મૂળ સતી એ જન્મથી સતી હોય એટલે એને કશું પહેલાંનો ડાઘ હોય નહીં. અને તમારે પહેલાંનાં ડાઘ રહી જાય અને ફરી પાછાં પુરુષ થાવ. સતીપણાથી બધું ખલાસ થઈ જાય. જેટલી સતીઓ થયેલી, એનું બધું ખલાસ થઈ જાય અને એ મોક્ષે જાય. સમજાય છે થોડું ? મોક્ષે જતાં સતી થવું પડશે. હા, જેટલી સતીઓ થઈ એ મોક્ષે ગઈ, નહીં તો પુરુષ થવું પડે.

પ્રશ્નકર્તા : હા. એટલે એવું નથી કે સ્ત્રી જે છે એ લાંબા જન્મ સુધી સ્ત્રીના અવતારમાં રહેશે એવું નક્કી નથી. પણ એ લોકોને ખબર પડતી નથી એટલે એનો ઉપાય થતો નથી.

દાદાશ્રી : ઉપાય થાય તો સ્ત્રી, પુરુષ જ છે. એ ગાંઠને જાણતા જ નથી બિચારા. અને ત્યાં આગળ ઈન્ટરેસ્ટ આવે છે. ત્યાં મજા આવે છે એટલે પડી રહે છે અને કોઈ રસ્તો આવું જાણે નહીં, એટલે દેખાડે નહીં. એ ફક્ત સતી સ્ત્રીઓ એકલી જાણે, સતીઓને એનાં ધણી, એ એક ધણી સિવાય બીજા કોઈનો વિચાર જ ના કરે અને એ ક્યારેય પણ નહીં, એનો ધણી તરત ઓફ થઈ જાય, જતો રહે તો ય નહીં. એ જ ધણીને ધણી જાણે. હવે એ સ્ત્રીઓનું બધું કપટ ઓગળી જાય.

આ છોડીઓ બહાર જતી હોય, ભણવા જતી હોય તો ય આમ શંકા. 'વાઈફ' ઉપરે ય શંકા. એવો બધો દગો ! ઘરમાં ય દગો જ છે ને, અત્યારે! આ કળિયુગમાં પોતાના ઘરમાં જ દગો હોય. કળિયુગ એટલે દગાનો કાળ. કપટ ને દગો, કપટ ને દગો, કપટ ને દગો ! એમાં શું સુખને માટે કરે છે? તે ય ભાન વગર બેભાનપણે !

પ્રશ્નકર્તા : પણ શંકાથી જોવાની મનની ગ્રંથિ પડી ગઈ હોય તો ત્યાં કયું 'એડજસ્ટમેન્ટ' લેવું ?

દાદાશ્રી : આ તમને દેખાય છે કે આનું ચારિત્ર ખરાબ છે, તે શું તેવું પૂર્વે નહોતું ? આ તો ઓચિંતું કંઈ ઉત્પન્ન થઈ ગયેલું છે ? એટલે સમજી લેવા જેવું છે આ જગત, કે આ તો આમ જ હોય. આ કાળમાં ચારિત્ર્યસંબંધી કોઈને જોવું જ નહીં. આ કાળમાં તો બધે એવું જ હોય. ઉઘાડું ના હોય, પણ મન તો બગડે જ. એમાં સ્ત્રીચારિત્ર્ય તો નર્યું કપટ અને મોહનું જ સંગ્રહસ્થાન, તેથી તો સ્ત્રીનો અવતાર આવે. આમાં સહુથી સારામાં સારું એ કે જે વિષયથી છૂટ્યા હોય.

પ્રશ્નકર્તા : આ ચારિત્ર્યમાં તો આમ જ હોય એ જાણીએ. છતાં ય મન શંકા દેખાડે ત્યારે તન્મયાકાર થઈ જવાય. ત્યાં ક્યું 'એડજસ્ટમેન્ટ' લેવું ?

દાદાશ્રી : આત્મા થયા પછી બીજામાં પડવું જ નહીં. આ બધું 'ફોરેન ડીપાર્ટમેન્ટ'નું છે. આપણે 'હોમ'માં રહેવું. આત્મામાં રહોને ! આવું 'જ્ઞાન' ફરી ફરી મળે એવું નથી, માટે કામ કાઢી લો. એક જણને એની 'વાઈફ' પર શંકા આવ્યા કરે. તેને મેં કહ્યું કે શંકા શેને લીધે થાય છે ? તેં જોયું, તેને લીધે શંકા થાય છે ? શું નહોતું જોયું ત્યારે નહોતું બનતું આવું ? આપણાં લોક તો પકડાય, તેને ચોર કહે. પણ પકડાયો નથી, તે બધા મહીંથી ચોર જ છે.

તમે આત્મા છો, તો ભડકવા જેવું ક્યાં રહ્યું ? આ તો બધું જે 'ચાર્જ' થઈ ગયેલું, તેનું જ 'ડિસ્ચાર્જ' છે ! જગત ચોખ્ખું 'ડિસ્ચાર્જ'મય છે. 'ડિસ્ચાર્જ'ની બહાર આ જગત નથી. એટલે અમે કહીએ છીએ ને, 'ડિસ્ચાર્જ'મય છે એટલે કોઈ ગુનેગાર નથી.

પ્રશ્નકર્તા : એટલે એમાં ય કર્મનો સિદ્ધાંત કામ કરે ને ?

દાદાશ્રી : હા. કર્મનો સિદ્ધાંત જ કામ કરી રહ્યો છે, બીજું કશું નહીં. માણસનો દોષ નથી, આ કર્મ જ ભમાવે છે બિચારાંને. પણ એમાં શંકા રાખે ને, તો પેલો મરી જાય વગર કામનો.

માટે જેને બૈરીના ચારિત્ર્ય સંબંધી શાંતિ જોઈતી હોય, તો તેણે રંગે એકદમ કાળી છૂંદણાવાળી બૈરી લાવવી કે જેથી જેનું કોઈ ઘરાક જ ના થાય, કોઈ એને સંઘરે જ નહીં. અને એ જ એમ કહે કે, 'મને કોઈ સંઘરનારા નથી. આ એક ધણી મળ્યા એ જ સંઘરે છે.' એટલે એ તમને 'સિન્સીયર' રહે, બહુ 'સિન્સીયર' રહે. બાકી, રૂપાળી હોય તેને તો લોક ભોગવે જ. રૂપાળી હોય એટલે લોકોની દ્રષ્ટિ બગડવાની જ ! કોઈ રૂપાળી વહુ લાવે તો અમને એ જ વિચાર આવે કે આની શી દશા થશે!

વહુ બહુ રૂપાળી હોય ત્યારે પેલો ભગવાન ભૂલે ને ?! અને ધણી બહુ રૂપાળો હોય તો એ બઈ યે ભગવાન ભૂલે ! માટે રીતસર બધું સારું.

આ લોક તો કેવાં છે ? કે જ્યાં 'હોટલ' દેખે, ત્યાં 'જમે.' માટે શંકા રાખવા જેવું જગત નથી. શંકા જ દુઃખદાયી છે. હવે જ્યાં હોટલ દેખે ત્યાં જમે, એમાં પુરુષે ય એવું કરે છે ને સ્ત્રી પણ એવું કરે છે.

પુરુષો પણ સ્ત્રીને પાઠ ભણાવે અને સ્ત્રીઓ પણ પુરુષોને પાઠો ભણાવે !! તો પણ સ્ત્રીઓ જીતે છે. કેમ કે આ પુરુષોને કપટ નહીં ને! તેથી પુરુષો સ્ત્રીઓથી છેતરાઈ જાય !!

એટલે જ્યાં સુધી 'સિન્સીયારિટી-મોરાલિટી' છે, ત્યાં સુધી સંસાર ભોગવવા જેવો હતો. અત્યારે તો ભયંકર દગાખોરી છે. આ દરેકને એની 'વાઈફ'ની વાત કહી દઉં, તો કોઈ પોતાની 'વાઈફ' પાસે જાય નહીં. હું બધાનું જાણું, પણ કશું ય કહું-કરું નહીં. જો કે પુરુષે ય દગાખોરીમાં કંઈ ઓછો નથી. પણ સ્ત્રી તો નર્યું કપટનું જ કારખાનું ! કપટનું સંગ્રહસ્થાન, બીજે ક્યાંય ના હોય, એક સ્ત્રીમાં જ હોય.

અને આ લોક તો 'વાઈફ' સહેજ મોડી આવે તો ય શંકા કર્યા કરે. શંકા કરવા જેવી નથી. ઋણાનુબંધની બહાર કશું જ થવાનું નથી. એ ઘેર આવે એટલે એને સમજ પાડવી, પણ શંકા કરવી નહીં. શંકા તો ઊલટું પાણી વધારે છાંટે. હા, ચેતવવું ખરું. પણ શંકા કશી રાખવી નહીં. શંકા રાખનાર મોક્ષ ખોઈ બેસે છે.

એટલે આપણે જો છૂટવું હોય, મોક્ષે જવું હોય તો આપણે શંકા કરવી નહીં. કોઈ બીજો માણસ તમારી 'વાઈફ'ના ગળે હાથ નાખીને ફરતો હોય ને એ તમારા જોવામાં આવ્યું, તો શું આપણે ઝેર ખાવું !

પ્રશ્નકર્તા : ના, એવું શું કરવા કરું !

દાદાશ્રી : તો પછી શું કરવું ?

પ્રશ્નકર્તા : થોડું નાટક કરવું પડે, પછી સમજાવવું. પછી તો જે કરે તે 'વ્યવસ્થિત'.

દાદાશ્રી : હા, બરોબર છે.

[૬] વિષય બંધ, ત્યાં ડખાડખી બંધ !

આ જગતમાં લઢવાડ ક્યાં હોય ? જ્યાં આસક્તિ હોય ત્યાં જ. ફક્ત ઝઘડા ક્યાં સુધી હોય ? એક વિષય છે ત્યાં સુધી ! પછી 'મારી-તારી' કરવા માંડે, 'આ બેગ તારી ઉઠાવી લે અહીંથી. મારી બેગમાં સાડીઓ કેમ મૂકી ?' એ ઝઘડા વિષયમાં એક છે ત્યાં સુધી. અને છૂટાં થયા પછી આપણી બેગમાં મૂકે તો ય વાંધો નથી. એ ઝઘડા ના થાયને, પછી ? પછી કોઈ ઝઘડો નહીં ને ?

પ્રશ્નકર્તા : પણ આપણને આ બધું જોઈને કંપારી છૂટી જાય. પાછું એમ થાય કે રોજ ને રોજ આવા જ ઝઘડા ચાલ્યા કરે, છતાં ધણી-બૈરીને આનો ઉકેલ લાવવાનું મન ના થાય, એ અજાયબી છે ને ?

દાદાશ્રી : એ તો કેટલાંય વર્ષોથી પૈણ્યા ત્યારથી આવું ચાલે છે. પૈણ્યા ત્યારથી એક બાજુ ઝઘડાં ય ચાલુ છે અને એક બાજુ વિષયે ચાલુ છે ! તેથી તો અમે કહ્યું કે તમે બન્ને બ્રહ્મચર્ય વ્રત લઈ લો, તો ઉત્તમ લાઈફ થઈ જાય. એટલે આ બધી વઢવાડ પોતાની ગરજના માર્યા કરે છે. પેલી જાણે કે એ છેવટે ક્યાં જવાના છે ?! પેલો ય જાણે કે એ ક્યાં જવાની છે ? આમ સામસામી ગરજથી ઊભું રહ્યું છે.

વિષયમાં સુખ કરતાં વિષયથી પરવશતાના દુઃખ વિશેષ છે ! એવું જ્યારે સમજાય ત્યારે પછી વિષયનો મોહ છૂટે અને તો જ સ્ત્રી જાતિ પર પ્રભાવ પાડી શકે અને એ પ્રભાવ ત્યાર પછી નિરંતર પ્રતાપમાં પરિણમે. નહીં તો આ જગતમાં મોટા મોટા મહાન પુરુષોએ પણ સ્ત્રી જાતિથી માર ખાધેલો. વીતરાગો જ વાતને સમજી ગયેલા ! એટલે એમના પ્રતાપથી જ સ્ત્રીઓ દૂર રહેતી ! નહીં તો સ્ત્રી જાતિ તો એવી છે કે ગમે તે પુરુષને જોતજોતામાં લટ્ટુ બનાવી દે, એવી એ શક્તિ ધરાવે છે. એને જ સ્ત્રી ચરિત્ર કહ્યું ને ! સ્ત્રીથી તો છેટા જ રહેવું. એને કોઈ પણ પ્રકારના ઘાટમાં ના લેવી, નહીં તો તમે પોતે જ એના ઘાટમાં આવી જશો. અને આની આ જ ભાંજગડ કેટલાંય અવતારથી થઈ છે ને !

સ્ત્રીઓ ધણીને દબડાવે છે, એનું શું કારણ ? પુરુષ બહુ વિષયી હોય, એટલે દબડાવે. આ સ્ત્રીઓ જમવાનું જમાડે છે તેથી દબડાવતી નથી, વિષયથી દબડાવે છે ! જો પુરુષ વિષયી ના હોય તો કોઈ સ્ત્રી દબડાવે જ નહીં ! નબળાઈનો જ લાભ લે, પણ જો નબળાઈ ના હોય તો સ્ત્રી કશું નામ જ ના દે. સ્ત્રી જાતિ બહુ કપટવાળી છે અને આપણે ભોળા ! એટલે આપણે બે-બે, ચાર-ચાર મહિનાનો કંટ્રોલ રાખવો પડે, તો પછી એ એની મેળે થાકી જાય. તે એને પછી કંટ્રોલ રહે નહીં.

સ્ત્રી જાતિ વશ ક્યારે થાય ? આપણે વિષયમાં બહુ સેન્સિટિવ હોઈએ તો, એ આપણને વશ કરી નાખે ! પણ આપણે વિષયી હોઈએ પણ એમાં સેન્સિટિવ ના થઈએ તો એ વશ થાય ! જો એ 'જમવા' બોલાવે તો તમે કહો કે હમણાં નહીં, બે-ત્રણ દિવસ પછી, તો એ તમારા વશ રહે ! નહીં તો તમે વશ થાઓ ! આ વાત હું પંદર વર્ષે સમજી ગયો હતો. કેટલાંક તો વિષયની ભીખ માગે કે 'આજનો દિવસ !' અલ્યા, વિષયની ભીખ મંગાય ? પછી તારી શી દશા થાય ? સ્ત્રી શું કરે ? ચઢી બેસે ! સિનેમા જોવા જાઓ તો કહેશે, 'છોકરું ઊંચકી લો.' આપણાં મહાત્માઓને વિષય હોય, પણ વિષયની ભીખ ના હોય !!

એક સ્ત્રી એના ધણીને ચાર વખત સાષ્ટાંગ કરાવડાવે છે, ત્યારે એક વખત અડવા દે છે. ત્યારે મૂઓ, એના કરતાં આ સમાધિ લેતો હોય તો શું ખોટું ?! દરિયામાં સમાધિ લે, તો સીધો દરિયો તો ખરો, ભાંજગડ તો નહીં ! આ હારું, ચાર વખત સાષ્ટાંગ !

પ્રશ્નકર્તા : પહેલાં તો અમે એમ સમજતા'તા કે આ ઘરનાં કામકાજ બાબતમાં અથડામણ થતી હશે. તે ઘરનાં કામમાં હેલ્પ કરવા બેસીએ, તો ય અથડામણ.

દાદાશ્રી : એ બધી અથડામણો થવાની જ. આ જ્યાં સુધી વિકારી બાબત છે, સંબંધ છે ત્યાં સુધી અથડામણ થવાની. અથડામણનું મૂળ જ આ છે. જેણે વિષય જીત્યો, તેને કોઈ હરાવી શકે નહીં, કોઈ એનું નામે ય ના દે. એનો પ્રભાવ પડે.

જ્યારે હીરાબાની સાથે વિષય મારો બંધ થયેલો હશે ત્યારથી હું 'હીરાબા' કહું છું એમને. ત્યાર પછી અમારે કંઈ ખાસ અડચણ આવી નથી. અને પહેલાં જે હતી તે વિષયની સાથમાં, સોબતમાં તો અથડામણ થાય થોડી ઘણી. પણ જ્યાં સુધી વિષયનો ડંખ છે, ત્યાં સુધી એ જાય નહીં. એ ડંખ છૂટો થાય ત્યારે જાય. અમારો જાત-અનુભવ કહીએ છીએ.

વિજ્ઞાન તો જુઓ ! જગત જોડે ઝઘડા જ બંધ થઈ જાય. બૈરી જોડે તો ઝઘડા નહીં, પણ આખા જગત જોડે ઝઘડા બંધ થઈ જાય. આ વિજ્ઞાન જ એવું અને ઝઘડા બંધ થાય એટલે છૂટ્યો.

વિષયમાં ઘૃણા ઉત્પન્ન થાય તો જ વિષય બંધ થાય. નહીં તો વિષય શી રીતે બંધ થાય ?

[૭] વિષય એ પાશવતા જ !

પણ અમારા વખતની એ પ્રજા એક બાબતમાં બહુ સારી હતી. વિષય વિચાર નહીં. કોઈ સ્ત્રી તરફ ખરાબ દ્રષ્ટિ નહીં. હોય, સેકડે પાંચ-સાત ટકા માણસ એવા હોય ખરાં. તે ફક્ત રાંડેલીઓ જ ખોળી કાઢે. બીજું કશું નહીં. જે ઘરે કોઈ રહેતું ના હોય ત્યાં. રાંડેલી એટલે વર વગરનું ઘર એમ કહેવાય. અમે ચૌદ-પંદર વર્ષનાં થયાં, ત્યાં સુધી છોકરીઓ જુએ તો બેન કહીએ. બહુ છેટેની હોય તો ય. એ વાતાવરણ એવું હોય. કારણ કે દસ-અગિયાર વર્ષનાં હોય ત્યાં સુધી તો દિગંબરી ફરતા !

એટલે વિષયનો વિચાર જ ના આવે. એટલે ભાંજગડ નહીં. તે વિષયની જાગૃતિ જ નહીં.

પ્રશ્નકર્તા : એટલે સમાજનું એક જાતનું પ્રેશર એટલે ?

દાદાશ્રી : ના, સમાજનું પ્રેશર નહીં. મા-બાપનું વલણ, સંસ્કાર ! ત્રણ વર્ષનું છોકરું એ ના જાણતું હોય કે મારાં મા-બાપને આવો કંઈ સંબંધ છે. એટલી બધી સુંદર સિક્રસી હોય ! અને એવું હોય તે દહાડે છોકરાં બીજા રૂમમાં સૂતાં હોય. એ મા-બાપનાં સંસ્કાર. અત્યારે તો પેણે બેડરૂમ ને પેણે બેડરૂમ. પાછાં ડબલબેડ હોય છે ને?

અને કોઈ પુરુષ તે દહાડે એક પથારીમાં સ્ત્રી જોડે સૂવે નહીં. કોઈ ના સૂવે. તે દહાડે તો કહેવત હતી કે સ્ત્રી સાથે આખી રાત સૂઈ જાય તો તે સ્ત્રી થઈ જાય, એના પર્યાય અડે. તે કોઈ આવું ના કરે. આ તો કો'ક અક્કલવાળાએ શોધખોળ કરી. તે ડબલબેડ વેચાયા જ કરે ! એટલે પ્રજા થઈ ગઈ ડાઉન. ડાઉન થવામાં ફાયદો શો થયો ? પેલા તિરસ્કાર બધા જતા રહ્યા. હવે ડાઉન થયેલાંને ચઢાવતાં વાર નહીં લાગે.

અલ્યા, આ ડબલબેડ તે હિંદુસ્તાનમાં હોતાં હશે ? કઈ જાતના જાનવરો છે ? હિન્દુસ્તાનના સ્ત્રી-પુરુષો કોઈ દહાડો ભેગા એક રૂમમાં હોતાં જ નહી ! હંમેશા જુદી જ રૂમમાં રહેતા હતા. તેને બદલે આ જો તો ખરાં ! અત્યારે આ બાપ જ બેડરૂમ કરી આપે, ડબલ બેડ ! તે પેલાં સમજી ગયાં કે આ દુનિયા આવી જ પ્રથાથી ચાલ્યા કરે છે. એ બધું મેં જોયેલું આ.

એ સ્ત્રીઓનો સંગ જો પંદર દહાડા મનુષ્ય છોડેને, મનુષ્ય પંદર દહાડા છેટો રહે, તો ભગવાન જેવો થઈ જાય.

એકાંત શૈયાસન એટલે શું ? કે શૈયામાં કોઈ જોડે નહીં ને આસનમાં ય કોઈ જોડે નહીં. સંયોગી 'ફાઈલો'નો કોઈ જાતનો સ્પર્શ નહીં. એ શાસ્ત્રકારો તો એટલે સુધી માનતા હતા કે જે આસન પર આ પરજાતિ બેઠી, તે આસન ઉપર તું બેસીશ તો તને એનો સ્પર્શ થશે, વિચારો આવશે.

પ્રશ્નકર્તા : વિષયદોષથી કર્મનું બંધન થાય છે, એ કેવા સ્વરૂપનું હોય છે ?

દાદાશ્રી : જાનવરના સ્વરૂપનું. વિષયપદ જ જાનવર પદ છે. પહેલાં તો હિન્દુસ્તાનમાં નિર્વિષયી-વિષય હતો. એટલે કે એક પુત્રદાન પૂરતો જ વિષય હતો.

પ્રશ્નકર્તા : દાદા બ્રહ્મચર્ય ઉપર વધારે ભાર આપે છે અને એમ કે અબ્રહ્મચર્ય પ્રત્યે તિરસ્કાર દાખવે છે. પણ આમ કરીએ તો સૃષ્ટિ ઉપરથી માનવોની સંખ્યા પણ ઘટશે, તો આ બાબતમાં આપનો શો અભિપ્રાય છે?

દાદાશ્રી : આટલાં બધા ઓપરેશન કરવાથી સંસાર ઘટતો નથી, તે બ્રહ્મચર્ય પાળવાથી શું ઘટશે ?! એ સંસાર ઘટાડવા માટે તો ઓપરેશન કરે છે પણ તો ય ઘટતો નથી ને ! બ્રહ્મચર્ય તો મોટું સાધન છે.

પ્રશ્નકર્તા : આ નેચરલ જે પ્રોસેસ છે, એ પ્રત્યે આપણે તિરસ્કાર કરીએ છીએ એવું ના કહેવાય ?

દાદાશ્રી : નેચરલ પ્રોસેસ છે નહીં, આ તો પાશવતા છે. નેચરલ પ્રોસેસ છે નહીં, માણસમાં જો નેચરલ પ્રોસેસ હોય તો બ્રહ્મચર્ય પાળવાનું હોય જ નહીં ને ! આ જાનવર બ્રહ્મચર્ય પાળે છે બિચારા, પછી અમુક સિઝન પૂરતાં જ પંદર-વીસ દહાડા વિષય, પછી કશું જ નહીં.

[૮] બ્રહ્મચર્યની કિંમત, સ્પષ્ટ વેદન - આત્મસુખ

પ્રશ્નકર્તા : આ જ્ઞાન મળ્યા પછી, દાદાનું જ્ઞાન મળ્યા પછી બ્રહ્મચર્યની આવશ્યકતા ખરી કે નહીં ?

દાદાશ્રી : બ્રહ્મચર્યની આવશ્યકતા તો જે પાળી શકે, તેને માટે ખરી ને ના પાળી શકે, તેને માટે નહીં. જો આવશ્યકતા જ હોય તો તો બ્રહ્મચર્ય ના પાળનારા માણસોને આખી રાત ઊંઘ જ ના આવે, કે આ તો હવે આપણો મોક્ષ જતો રહેશે. અબ્રહ્મચર્યને ખોટું છે, એવું જાણે તો ય બહુ થઈ ગયું.

પ્રશ્નકર્તા : ફિલોસોફરો એમ કહે છે કે સેક્સને દબાવવાથી વિકૃત બને છે. સેક્સ આરોગ્ય માટે જરૂરી છે.

દાદાશ્રી : એની વાત સાચી છે, પણ અજ્ઞાનીને સેક્સની જરૂર છે. નહીં તો શરીર ઉપર આઘાત પડશે. જે બ્રહ્મચર્યની વાતને સમજે છે, તેને સેક્સની જરૂર નથી અને અજ્ઞાની માણસને જો કદી આ બાંધીએ તો શરીર તૂટી જાય, ખલાસ થઈ જાય.

આ વિષય વસ્તુ એવી છે કે એક જ દહાડાનો વિષય ત્રણ દહાડા સુધી કોઈ પણ પ્રકારની એકાગ્રતા ના થવા દે, એકાગ્રતામાં હાલમ-ડોલમ થયા કરે. જ્યારે મહિના સુધી વિષય ના સેવે, તો એની એકાગ્રતામાં હાલમ-ડોલમ ના થાય.

અબ્રહ્મચર્ય અને દારૂ, એ તો જ્ઞાનને બહુ આવરણ લાવનારી વસ્તુ છે. માટે બહુ જ જાગૃત રહેવું. દારૂ તો એવું છે ને, 'હું ચંદુભાઈ છું' એ જ ભાન ભૂલી જાય છે ને ! તો પછી આત્મા તો ભૂલી જ જવાય ને! આથી ભગવાને ડરવાનું કહ્યું છે. જેને સંપૂર્ણ અનુભવજ્ઞાન થાય, એને ના અડે, છતાં ભગવાનના જ્ઞાનને ય ઉખાડીને બહાર નાખી દે ! એટલું બધું એમાં જોખમ છે !

જેને સંપૂર્ણ થવું હોય, તેને તો વિષય હોવો જ ના જોઈએ અને તે ય એવો નિયમ નથી. એ તો છેલ્લા અવતારમાં છેલ્લાં પંદર વર્ષ છૂટી ગયું હોય, તો બસ થઈ ગયું. આની કંઈ ભવોભવ કસરત કરવાની જરૂર નથી કે ત્યાગ લેવાની ય જરૂર નથી. ત્યાગ સહજ હોવો જોઈએ કે એની મેળે જ છૂટી જાય ! નિયાણું એવું રાખવું કે મોક્ષે જતાં સુધી જે બે-ચાર અવતાર થાય, તે પૈણ્યા વગરના જાય તો સારું. એનાં જેવું એકેય નહીં.

હવે એ સ્પષ્ટવેદન ક્યાં સુધી ના થાય ? જ્યાં સુધી આ વિષય-વિકાર ના જાય, ત્યાં સુધી સ્પષ્ટવેદન ના થાય. એટલે આ આત્માનું સુખ છે કે આ કયું સુખ છે, તે 'એક્ઝેક્ટ' ના સમજાય. બ્રહ્મચર્ય હોય તો 'ઓન ધી મોમેન્ટ' સમજાઈ જાય. સ્પષ્ટવેદન થાય એટલે એ પરમાત્મા જ થઈ ગયો કહેવાય !

[૯] લો વ્રતનો ટ્રાયલ !

અમે તમને ચેતવ ચેતવ કરીએ. પણ ચેતવું બહુ સહેલું નથી બા ! છતાં અમથા અખતરા કરતા હોય ને, કે આ મહિનામાં ત્રણ દહાડા કે પાંચ દહાડા અને જો અઠવાડિયું કરે તો તો બહુ સુંદર પોતાને ખબર પડે, અઠવાડિયાના વચલા દિવસે તો એટલો બધો આનંદ આવે ! આત્માનું સુખ ને સ્વાદ આવે, કેવું સુખ છે તે !

કેટલાંક માણસો કહે છે, વિષય આમ મને છૂટતો નથી. મેં કહ્યું, એમાં શું ગાંડા કરે છે, થોડો થોડો નિયમ લે ને ! એ નિયમમાં, પછી નિયમ છોડીશ નહીં. આ કાળમાં તો નિયમ ના કરે એ તો ચાલે જ નહીં ને ! થોડાંક હોલ તો રાખવાં જ પડે. ના રાખવા પડે ?

પ્રશ્નકર્તા : પણ પુરુષની ઇચ્છા બ્રહ્મચર્ય પાળવાની હોય અને સામે પક્ષે સ્ત્રીની ન હોય તો શું કરવાનું ?

દાદાશ્રી : ના હોય તો એને શું વાંધો છે તે ?! સમજાવી દેવાનું.

પ્રશ્નકર્તા : કેવી રીતે સમજાવવું ?

દાદાશ્રી : એ તો સમજાવતાં સમજાવતાં રાગે પડે ધીમે ધીમે, એકદમ બંધ ના થાય. સમજાવતાં, સમજાવતાં. બેઉ સમાધાનપૂર્વક માર્ગ લો ને ! આમાં શું નુકસાન છે એ બધી વાતો કરીએ ને એવાં વિચારો કરીએ.

મોક્ષે જવું હોય તો વિષય કાઢવો પડશે. હજારેક મહાત્માઓ છે, વર્ષ વર્ષ દહાડાનું વ્રત લે છે. 'વર્ષ દહાડાનું મને આપજો વ્રત.' કહે છે. વર્ષ દહાડામાં એને ખબર પડી જાય.

અબ્રહ્મચર્ય એ અનિશ્ચય છે. અનિશ્ચય છે એ ઉદયાધીન નથી.

હું તો ચાર-પાંચ જણને પૂછીને તો સજ્જડ થઈ ગયો. મેં કહ્યું, ભઈ, આવી પોલ તો ના ચાલે, અનિશ્ચય છે આ તો. એ તો કાઢવી જ પડે. બ્રહ્મચર્ય તો પહેલું જોઈએ. આમ નિશ્ચયથી તમે બ્રહ્મચારી જ છો પણ વ્યવહારથી ના થવું જોઈએ ?

બ્રહ્મચર્યનો અને અબ્રહ્મચર્યનો જેને અભિપ્રાય નથી, તેને બ્રહ્મચર્ય વ્રત વર્તાયું કહેવાય. આત્મામાં નિરંતર રહેવું, એ અમારું બ્રહ્મચર્ય છે. છતાં અમે આ બહારના બ્રહ્મચર્યનો સ્વીકાર નથી કરતા એવું નથી. તમે સંસારી છો એટલે મારે કહેવું પડે કે અબ્રહ્મચર્યનો વાંધો નથી, પણ અબ્રહ્મચર્યનો અભિપ્રાય તો ન જ હોવો જોઈએ. અભિપ્રાય તો બ્રહ્મચર્યનો જ હોવો જોઈએ. અબ્રહ્મચર્ય એ આપણને નિકાલી 'ફાઈલ' છે. પણ હજુ એમાં અભિપ્રાય વર્તે છે અને એ અભિપ્રાયથી 'જેમ છે તેમ' આરપાર જોઈ શકાતું નથી, મુક્ત આનંદ અનુભવાતો નથી. કારણ એ અભિપ્રાયનું આવરણ નડે છે. અભિપ્રાય તો બ્રહ્મચર્યનો જ રાખવો જોઈએ. વ્રત કોને કહેવાય ? વર્તે એને વ્રત કહેવાય. બ્રહ્મચર્ય મહાવ્રત વર્તે કોને કહેવાય ? કે જેને અબ્રહ્મચર્ય યાદ જ ના આવે, એને બ્રહ્મચર્ય મહાવ્રત વર્તે છે એમ કહેવાય.

[૧૦] આલોચનાથી જ જોખમ ટળે વ્રતભંગનાં !

ભગવાને શું કહ્યું છે કે વ્રત તો તું જાતે તોડું તો તૂટે. કોઈ શું તોડાવી શકે ? એમ કોઈના તોડાવાથી વ્રત તૂટી જતું નથી. વ્રત લીધા પછી વ્રતનો ભંગ થાય તો આત્મા હઉ જતો રહે. વ્રત લીધું હોય તો તેનો ભંગ આપણાથી ના કરી શકાય. અને ભંગ થાય તો કહી દેવું જોઈએ કે હવે મારું ચલણ ઊડી ગયું છે.

[૧૧] ચારિત્ર્યનો પ્રભાવ !

વ્યવહાર ચારિત્ર એટલે પુદ્ગલ ચારિત્ર, આંખે દેખાય એવું ચારિત્ર અને પેલું નિશ્ચય ચારિત્ર ઉત્પન્ન થયું કે ભગવાન થયો કહેવાય. અત્યારે તો તમારે બધાને 'દર્શન' છે, પછી જ્ઞાનમાં આવે પણ ચારિત્ર ઉત્પન્ન થતાં વાર લાગે. છતાં અક્રમ છે ને, એટલે ચારિત્ર શરૂ થાય ખરું, પણ એ તમને સમજવું મુશ્કેલ છે.

પ્રશ્નકર્તા : વ્યવહાર ચારિત્ર માટે બીજું વિશેષ શું કરવાનું ?

દાદાશ્રી : કશું નહીં. આ વ્યવહાર ચારિત્ર માટે તો બીજું શું કરવાનું ? જ્ઞાનીની આજ્ઞામાં રહેવું એ વ્યવહાર ચારિત્ર અને તેમાં જો કદી આ બ્રહ્મચર્યનો ઉમેરો થાય તો બહુ ઉત્તમ અને તો જ ખરું ચારિત્ર કહેવાય.

જગત જીતવા માટે એક જ ચાવી કહું છું કે વિષય વિષયરૂપ ના થાય તો આખું જગત જીતી જાય. કારણ કે એ પછી શીલવાનમાં ગણાય. જગતનું પરિવર્તન કરી શકાય. તમારું શીલ જોઈને જ સામામાં પરિવર્તન થાય, નહીં તો કોઈ પરિવર્તનને પામે જ નહીં. ઊલટું અવળું થાય. અત્યારે શીલ જ બધું ખલાસ થઈ ગયું છે ને !

ચોવીસે ય તીર્થંકરો બોલ્યા કે એકાંત શૈયાસન ! કારણ કે બે પ્રકૃતિ એકાકાર સંપૂર્ણ 'એડજસ્ટેબલ' હોય નહીં. તેથી 'ડીસ્એડજસ્ટ' થયા કરવાની અને તેથી સંસાર ઊભો થવાનો. એટલે ભગવાને શોધખોળ કરેલી કે એકાંત શૈયા અને આસન.

 

 

ભાગ
 1 -  2  - 3  -  4  -  5  -  6