ભાગ
 1 -  2  - 3  -  4  -  5  -  6 


સમજથી પ્રાપ્ત બ્રહ્મચર્ય (ઉતરાર્ધ )

ખંડ : ૨

આત્મજાગૃતિથી બ્રહ્મચર્યનો માર્ગ

[૧] વિષયી-સ્પંદન, માત્ર જોખમ !

વિષયોથી ભગવાન પણ ડર્યા છે. વીતરાગો કોઈ વસ્તુથી ડર્યા નહોતા, પણ એક વિષયથી એ ડરેલા. ડર્યા એટલે શું કે જેમ સાપ આવે છે, તે દરેક માણસ પગ ઊંચો લઈ લે કે ના લઈ લે !

[૨] વિષય ભૂખની ભયાનકતા !

જેને ખાધામાં અસંતોષ છે એનું ચિત્ત ખોરાકમાં જાય અને જ્યાં હોટલ દેખે ત્યાં ચોંટી જાય, પણ ખાવાનો એકલો જ કંઈ વિષય છે ? આ તો પાંચ ઇન્દ્રિય અને તેમાં કેટલાય વિષય કહેવાય. ખાવાનો અસંતોષ હોય તેને ખાવાનું ચોંટે. તેમ જેને જોવાનો અસંતોષ હોય તે જ્યાં ને ત્યાં આંખો ફેરવ ફેરવ કરતો હોય. પુરુષને સ્ત્રીનો અસંતોષ હોય ને સ્ત્રીને પુરુષનો અસંતોષ હોય એટલે પછી ત્યાં ચિત્ત ચોંટે. આને ભગવાને મોહ કહ્યો. દેખતાંની સાથે જ ચોંટે. સ્ત્રી દેખી કે ચિત્ત ચોંટી જાય.

'આ સ્ત્રી છે' એમ જુએ છે. એ પુરુષનો મહીં રોગ હોય તો જ સ્ત્રી દેખાય, નહીં તો આત્મા જ દેખાય અને 'આ પુરુષ છે' એમ જુએ છે, એ એનો સ્ત્રીનો રોગ છે. નીરોગી થાય તો મોક્ષ થાય. અત્યારે અમારી નીરોગી અવસ્થા છે. તે મને એવો વિચાર જ ના આવે.

સ્ત્રી પુરુષોએ એકબીજાને અડાય નહીં, બહુ જોખમ છે. જ્યાં સુધી પૂર્ણ થયાં નથી ત્યાં સુધી અડાય નહીં. નહીં તો એક પરમાણુ પણ વિષયનું મહીં પેસે તો કેટલાય ભવ બગાડી નાખે. અમારામાં તો વિષયનું પરમાણુ જ ના હોય. એક પરમાણુ પણ બગડે તો તરત જ પ્રતિક્રમણ કરવું પડે. પ્રતિક્રમણ કરે તો સામાને ભાવ ઉત્પન્ન ના થાય.

એક તો પોતાના સ્વરૂપનું અજ્ઞાન અને વર્તમાનકાળનું જ્ઞાન તે પછી એને રાગ ઉત્પન્ન થાય. બાકી જો એને એમ સમજાય કે આ ગર્ભમાં હતી તો આવી દેખાતી હતી, જન્મી ત્યારે આવી દેખાતી હતી, નાની બેબી થઈ ત્યારે આવી દેખાતી હતી, પછી આવી દેખાતી હતી, અત્યારે આવી દેખાય છે, પછી આવી દેખાશે, ઘૈડી થશે ત્યારે આવી દેખાશે, પક્ષાઘાત થશે ત્યારે આવી દેખાશે, નનામી કાઢશે ત્યારે આવી દેખાશે, આવી બધી અવસ્થાઓ જેને લક્ષમાં છે, એને વૈરાગ શીખવવાનો ના હોય ! આ તો જે આજનું દેખાય છે તે દેખીને જ મૂર્છિત થઈ જાય છે.

[૩] વિષય સુખમાં દાવા અનંત !

આ ચાર ઇન્દ્રિયોની વિષયો કોઈ હેરાન કરતું નથી અને આ પાંચમો જે વિષય છે, સ્પર્શ વિષય છે તે તો સામી જીવંત વ્યક્તિ જોડે છે ! એ દાવો માંડે એવી છે, એટલે આ એકલી સ્ત્રી વિષયનો જ વાંધો છે. આ તો જીવતી 'ફાઈલ' કહેવાય. આપણે કહીએ કે હવે મારે વિષય બંધ કરવો છે ત્યારે એ કહે કે એ નહીં ચાલે. ત્યારે પૈણ્યા'તા શું કરવા ? એટલે એ જીવતી 'ફાઈલ' તો દાવો માંડે ને દાવો માંડે તો પોષાય જ કેમ કરીને ? એટલે જીવતા જોડે વિષય જ ના કરવો.

બે મન એકાકાર થઈ શકે જ નહીં. એટલે દાવા જ ચાલુ થાય. આ વિષય સિવાય બીજા બધા વિષયમાં એક મન છે, એક પક્ષે છે. તેથી સામો દાવો ના માંડે !

પ્રશ્નકર્તા : વિષય રાગથી ભોગવે છે કે દ્વેષથી ?

દાદાશ્રી : રાગથી, એ રાગમાંથી દ્વેષ ઉત્પન્ન થાય છે.

પ્રશ્નકર્તા : દ્વેષનાં પરિણામ થતાં કર્મ ઊલટાં વધારે બંધાય ને ?

દાદાશ્રી : નર્યું વેર જ બાંધે, એટલે જ્ઞાન ના હોય તેને ના ગમતું હોય તો ય કર્મ બંધાય અને ગમતું હોય તો ય કર્મ બંધાય, અને 'જ્ઞાન' હોય તો તેને કોઈ જાતનું કર્મ બંધાય નહીં.

માટે જ્યાં જ્યાં જે જે દુકાને આપણું મન ગૂંચાય એ દુકાનની મહીં જે શુદ્ધાત્મા છે તે જ આપણને છોડાવનાર છે. એટલે એમની પાસે માગણી કરવી કે મને આ અબ્રહ્મચર્ય વિષયથી મુક્ત કરો. બીજે બધેથી એમને એમ છૂટવા માટે તમે ફાંફા મારો એ ચાલે નહીં. એ જ દુકાનના શુદ્ધાત્મા આપણને આ વિષયથી છોડાવનાર છે.

વિષયો એ આસક્તિથી ઉત્પન્ન થાય છે, ને પછી એમાંથી વિકર્ષણ થાય છે. વિકર્ષણ થાય એટલે વેર બંધાય છે અને વેરના 'ફાઉન્ડેશન' પર આ જગત ઊભું રહ્યું છે. કેરીઓ જોડે વેર નથી, ને બટાકા જોડે વેર નથી.

એવું છે ને, આ અવલંબનનું જેટલું સુખ આપણે લીધું એ બધું ઉછીનું લીધેલું સુખ છે, 'લોન' ઉપર. અને 'લોન' એટલે 'રીપે' (ય્ફૂર્ષ્ટીક્ક) કરવી પડે છે. જ્યારે 'લોન' 'રીપે' થઈ જાય, પછી તમારે કશી ભાંજગડ હોતી નથી.

[૪] વિષય ભોગ, નથી નિકાલી !

એક મહારાજ હતા, એ વ્યાખ્યાનમાં વિષય માટે બધું બહુ બોલતા, પણ લોભની વાત આવે ત્યાં ના બોલે. કો'ક વિચક્ષણ સમજી ગયો કે આ લોભની વાત કોઈ દહાડો કેમ નથી કરતા ? બધી વાત બોલે છે, વિષયની વાત પણ બોલે છે. પછી એ મહારાજ પાસે ગયો અને ખાનગીમાં એમની પોટલી ઉઘાડી જોઈ. ત્યારે એ પુસ્તકની અંદર સોનાની ગીની મૂકેલી હતી, તે પેલાએ કાઢી લીધી ને જતો રહ્યો. પછી મહારાજે પોટલી જ્યારે ઉઘાડી તો ગીની ન મળે. ગીનીને બહુ શોધી, પણ તે ના જડી. બીજે દિવસે મહારાજે વ્યાખ્યાનમાં લોભની ઉપર વાત મૂકવા માંડી કે લોભ ના કરવો જોઈએ.

હવે તમે જો વિષયની લાઈનમાં બોલતા થાવ તો તમારી એ લાઈન હોય તો ય તૂટી જાય. કારણ કે તમે મનના વિરોધી થઈ ગયા. મનનું વોટિંગ જુદું ને તમારું વોટિંગ જુદું થઈ ગયું. મન સમજી જાય કે 'આ તો આપણાથી વિરોધી થઈ ગયા, હવે આપણો વોટ ના ચાલે.' પણ મહીં કપટ છે એથી લોકો બોલતા નથી અને એ બોલવું એવું સહેલું નથી ને !

પ્રશ્નકર્તા : ઘણાં એમ સમજે છે કે 'અક્રમ'માં બ્રહ્મચર્યનું કંઈ મહત્ત્વ જ નથી. એ તો ડિસ્ચાર્જ જ છે ને !

દાદાશ્રી : અક્રમનો એવો અર્થ થતો જ નથી. એવો અર્થ કરે તે 'અક્રમ માર્ગ' સમજ્યો જ નથી. જો સમજ્યો હોય તો મારે તેને વિષય સંબંધી ફરી કહેવાનું હોય નહીં. અક્રમ માર્ગ એટલે શું કે ડિસ્ચાર્જને ડિસ્ચાર્જ ગણવામાં આવે છે. પણ આ લોકોને ડિસ્ચાર્જ જ નથી. આ તો હજી લાલચો હોય છે મહીં ! આ તો બધા રાજીખુશીથી કરે છે. ડિસ્ચાર્જને કોઈ સમજ્યું છે ?

[૫] સંસારવૃક્ષનું મૂળ, વિષય !

આ દુનિયાનો બધો આધાર પાંચ વિષય ઉપર જ છે. જેને વિષય નથી, તેને અથડામણ નથી.

પ્રશ્નકર્તા : વિષય અને કષાય, એ બેમાં મૂળભૂત ફરક શું છે ?

દાદાશ્રી : કષાય એ આવતાં ભવનું કારણ છે અને વિષય એ ગયા ભવનું પરિણામ છે. એટલે આ બેમાં તો બહુ ફેર છે.

પ્રશ્નકર્તા : એ જરા વિગતવાર સમજાવો.

દાદાશ્રી : આ બધા જેટલા વિષયો છે, એ ગયા અવતારના પરિણામ છે. તેથી અમે વઢતાં નથી કે તમને મોક્ષ જોઈતો હોય તો જાવ એકલાં પડી રહો, ઘેરથી હાંક હાંક ના કરીએ ? પણ અમે અમારા જ્ઞાનથી જોયું છે કે વિષય એ ગયા અવતારનું પરિણામ છે. એટલે કહ્યું કે જાવ ઘેર જઈને સૂઈ જાવ, નિરાંતે ફાઈલોનો નિકાલ કરો. અમે આવતાં ભવનું કારણ તોડી નાખીએ અને જે ગયા અવતારનું પરિણામ છે એ અમારાથી છેદાય નહીં, કોઈથી ય છેદાય નહીં, મહાવીર ભગવાનથી ય ના છેદાય. કારણ કે ભગવાનને ય ત્રીસ વર્ષ સુધી સંસારમાં રહેવું પડ્યું હતું ને બેબી થઈ. વિષય અને કષાયનો અર્થ ખરેખર આ થાય, પણ એની લોકોને કશું ખબર જ ના પડે ને ?! એ તો ભગવાન મહાવીર એકલાં જ જાણે કે આનો શું અર્થ થાય.

પ્રશ્નકર્તા : પણ વિષય આવ્યા, તો કષાય ઊભાં થાય ને ?

દાદાશ્રી : ના. બધા વિષય વિષય જ છે, પણ વિષયમાં અજ્ઞાનતા હોય ત્યારે કષાય ઊભાં થાય અને જ્ઞાન હોય તો કષાય ના થાય. કષાય ક્યાંથી જન્મ્યા ? ત્યારે કહે, વિષયમાંથી. એટલે આ બધા કષાય ઊભા થયા છે તે બધા વિષયમાંથી ઊભાં થયેલા છે. પણ આમાં વિષયનો દોષ નથી, અજ્ઞાનતાનો દોષ છે. રૂટ કોઝ શું છે ? અજ્ઞાનતા.

[૬] આત્મા અકર્તા-અભોક્તા !

વિષયનો સ્વભાવ જુદો, આત્માનો સ્વભાવ જુદો. આત્માએ પાંચ ઇન્દ્રિયોના વિષયો કશું કોઈ દહાડો ય ભોગવ્યા જ નથી. ત્યારે લોકો કહે છે કે મારા આત્માએ વિષય ભોગવ્યો !!! અલ્યા, આત્મા તે ભોગવતો હશે ?! તેથી કૃષ્ણ ભગવાને કહ્યું કે, 'વિષયો વિષયોમાં વર્તે છે' એમ કહ્યું તો ય લોકોને સમજણ પડી નહીં. અને આ તો કહે છે, 'હું જ ભોગવું છું.' નહીં તો લોક તો કહેશે કે 'વિષયો વિષયમાં વર્તે છે, આત્મા તો સૂક્ષ્મ છે.' માટે ભોગવો એવો તેનો ય દુરુપયોગ કરી નાખે.

[૭] આકર્ષણ-વિકર્ષણનો સિદ્ધાંત !

આ બધું આકર્ષણથી જ ઊભું રહ્યું છે ! મોટા નાનાનાં આકર્ષણથી આ બધું જગત ઊભું રહ્યું છે. આમાં ભગવાનને કરવાની જરૂર પડી નથી, ખાલી આકર્ષણ જ છે ! આ સ્ત્રી-પુરુષનું જે છે ને, તે ય આકર્ષણ જ છે ખાલી. ટાંકણી ને લોહચુંબકનું જેવું આકર્ષણ છે એવું આ સ્ત્રી-પુરુષનું આકર્ષણ છે. કંઈ બધી સ્ત્રીઓ જોડે આકર્ષણ ના થાય. એક જ પરમાણુ મળતા આવતા હોય તો એ સ્ત્રી ઉપર આકર્ષણ થાય. આકર્ષણ થયા પછી પોતે નક્કી કર્યું હોય કે મારે નથી ખેંચાવું તો ય ખેંચાઈ જાય.

પ્રશ્નકર્તા : એ પૂર્વનું ઋણાનુબંધ થયું ને ?

દાદાશ્રી : ઋણાનુબંધ કહીએ ને, તો બધું જગત ઋણાનુબંધ જ કહેવાય. પણ ખેંચાણ થવું એ વસ્તુ એવી છે ને કે પરમાણુનો સામસામી હિસાબ છે એને, તેથી ખેંચાય છે ! અત્યારે જે રાગ ઉત્પન્ન થાય છે, તે ખરેખર રાગ નથી. આ લોહચુંબક અને ટાંકણી હોય, તે લોહચુંબક આમ ફેરવે તો ટાંકણી આઘી પાછી થાય. તે બન્નેમાં કંઈ જીવ નથી. છતાં લોહચુંબકના ગુણને લીધે બન્નેને ખાલી આકર્ષણ રહે છે. એવું આ દેહને સરખા પરમાણુ હોય ને, ત્યારે તેની જ જોડે એને આકર્ષણ થાય. પેલામાં લોહચુંબક છે. આમાં ઇલેક્ટ્રિકલ બોડી છે ! પણ જેમ લોહચુંબક લોખંડને ખેંચે, બીજી કોઈ ધાતુને ખેંચતું નથી.

આ તો ઈલેક્ટ્રિસિટીને લીધે પરમાણુ બધા એ થાય છે અને તેથી પરમાણુ ખેંચાય છે. જેમ ટાંકણી અને લોહચૂંબકમાં કશું કોઈ વચ્ચે પેઠું મહીં ? ટાંકણીને આપણે શીખવાડ્યું'તું ? તું ઊંચી નીચી થજે ?

એટલે આ દેહ તો આખું વિજ્ઞાન છે. વિજ્ઞાનથી આ બધું ચાલે છે. હવે ખેંચાણ થાય તેને લોક કહે કે મને રાગ થયો. અલ્યા, આત્માને રાગ તો થતો હશે ? આત્મા તો વીતરાગ છે ! આત્માને રાગે ય હોય નહીં ને દ્વેષે ય હોય નહીં. આ તો બેઉ પોતે કલ્પેલા છે. એને ભ્રાંતિ કહેવાય. ભ્રાંતિ ચાલી જાય તો કશું છે જ નહીં.

પ્રશ્નકર્તા : આકર્ષણનું પ્રતિક્રમણ કરવું પડે ?

દાદાશ્રી : હાસ્તો ને ! આકર્ષણ વિકર્ષણ આ શરીરને થતું હોય તો આપણે ચંદુભાઈને કહેવું પડે કે, 'હે ચંદુભાઈ, અહીં આકર્ષણ થાય છે તો પ્રતિક્રમણ કરો', તો આકર્ષણ બંધ થઈ જાય. આકર્ષણ વિકર્ષણ બેઉ છે તે આપણને રઝળાવનારાં છે.

[૮] વૈજ્ઞાનિક 'ગાઈડ' બ્રહ્મચર્ય માટે !

અને આવું પુસ્તક હિન્દુસ્તાનમાં થયું નથી. હિન્દુસ્તાનમાં આવું પુસ્તક ખોળશે, તો બ્રહ્મચર્યનું નહીં મળે. કારણ કે જે ખરા બ્રહ્મચારી થયા તે કહેવા નથી રહ્યા. ને નથી બ્રહ્મચારી તે કહેવા રહ્યા છે ને લખ્યુ નથી એમણે. બ્રહ્મચારી ના હોય તે શી રીતે લખે ? પોતાનામાં જે દોષો હોય, તે ઉપરથી કશું લખાય નહીં વિવેચન. એટલે બ્રહ્મચારી તે કહેવા રહ્યા નથી, જે ખરા બ્રહ્મચારી હતા તે ચોવીસ તીર્થંકર ! કૃપાળુ દેવે પણ થોડું ઘણું કહ્યું છે.

આ તો બ્રહ્મચાર્યનું આપણું પુસ્તક વાંચ્યું હોય તેને જ બ્રહ્મચર્ય પળાય, નહીં તો બ્રહ્મચર્ય પાળવું કંઈ સહેલી વસ્તુ છે ?

 

ભાગ
 1 -  2  - 3  -  4  -  5  -  6