ભાગ
 1 -  2  - 3  -  4  -  5  -  6 


ખંડ : ૨

'ના જ પરણવા'નાં નિશ્ચયી માટેની વાટ...

[૧] વિષયથી, કઈ સમજણે છૂટાય ?

પ્રશ્નકર્તા : મારે લગ્ન કરવાની ઇચ્છા નથી, પરંતુ મા-બાપ તેમજ અન્ય સગાસંબંધી લગ્ન માટે દબાણ કરે છે. તો મારે લગ્ન કરવાં કે નહીં ?

દાદાશ્રી : જો લગ્ન કરવાની ઇચ્છા જ ના હોય તો આપણું આ 'જ્ઞાન' તમે લીધું છે એટલે તમે પહોંચી શકશો. આ જ્ઞાનના પ્રતાપે બધું જ થાય એમ છે. હું તમને કેવી રીતે વર્તવું, તે સમજાવીશ અને જો પાર ઊતરી ગયા, તો તો બહુ ઉત્તમ. તમારું કલ્યાણ થઈ જશે !!!

બ્રહ્મચર્યવ્રત લેવાના વિચાર આવે અને જો એનો નિશ્ચય થાય તો એના જેવી મોટામાં મોટી વસ્તુ બીજી કઈ કહેવાય ? એ બધા શાસ્ત્રો સમજી ગયો !! જેને નિશ્ચય થયો કે મારે હવે છૂટવું જ છે, તે બધા શાસ્ત્રો સમજી ગયો. વિષયનો મોહ એવો છે કે ગમે તેવા નિર્મોહીને પણ મોહી બનાવી દે. અરે, સાધુ-આચાર્યોને ય ટાઢા પાડી મેલે !

પ્રશ્નકર્તા : બ્રહ્મચર્યનો નિશ્ચય કર્યો છે, એને વધારે મજબૂત કરવા શું કરવું જોઈએ ?

દાદાશ્રી : ફરી ફરી નિશ્ચય કરવાનો છે અને 'હે દાદા ભગવાન! હું નિશ્ચય મજબૂત કરું છું, મને નિશ્ચય મજબૂત કરવાની શક્તિ આપો.' એવું બોલ્યા કે શક્તિ વધે.

પ્રશ્નકર્તા : વિષયના વિચાર આવે તો પણ જોયા કરવાના ?

દાદાશ્રી : જોયા જ કરવાના. ત્યારે શું એને સંગ્રહી રાખવાના ?

પ્રશ્નકર્તા : ઉડાડી નહીં દેવાના ?

દાદાશ્રી : જોયા જ કરવાના, જોયા કર્યા પછી છે તે આપણે ચંદ્રેશને કહેવું કે એનાં પ્રતિક્રમણ કરો. મન-વચન-કાયાથી વિકારી દોષ, ઇચ્છાઓ, ચેષ્ટાઓ, એ બધા દોષો જે થયા હોય, એનું પ્રતિક્રમણ કરવું પડે. વિષયના વિચાર આવે છે પણ પોતે એમાંથી છૂટે, તો કેટલો બધો આનંદ થાય છે ?! તો વિષયથી કાયમ છૂટે તો કેટલો આનંદ રહે ?

મોક્ષે જવાના ચાર પાયા છે. જ્ઞાન-દર્શન-ચારિત્ર ને તપ. હવે તપ ક્યારે કરવાનું આવે ? મનમાં વિષયના વિચાર આવતા હોય અને પોતાનો સ્ટ્રોંગ નિશ્ચય હોય કે મારે વિષય ભોગવવો જ નથી. તો આને ભગવાને તપ કહ્યું. પોતાની કિંચિત્માત્ર ઇચ્છા ના હોય, છતાં વિચારો આવ્યા કરે ત્યાં તપ કરવાનું છે.

અબ્રહ્મચર્યના વિચારો આવે, પણ બ્રહ્મચર્યની શક્તિઓ માંગ માંગ કરે, એ બહુ ઊંચી વાત છે. બ્રહ્મચર્યની શક્તિઓ માંગ માંગ કરે એટલે કોઈને બે વર્ષે, કોઈને પાંચ વર્ષે પણ એવો ઉદય આવી જાય. જેણે અબ્રહ્મચર્ય જીત્યું એણે આખું જગત જીત્યું. બ્રહ્મચર્યવાળા પર તો શાસનદેવ-દેવીઓ બહુ ખુશ રહે.

એક ચેતવા જેવું તો વિષય બાબતમાં છેે. એક વિષયને જીતે તો બહુ થઈ ગયું. એનો વિચાર આવતાં પહેલાં જ ઉખેડી નાખવું પડે. મહીં વિચાર ઊગ્યો કે તરત જ ઉખેડી નાખવું પડે. બીજું, આમ દ્રષ્ટિ મળી કો'કની જોડે, તો તરત ખસેડી નાખવી પડે. નહીં તો એ છોડવો આવડો અમથો થાય કે તરત એમાંથી પાછાં બીજ પડે. એટલે એ છોડવો તો ઊગતાં જ કાઢી નાખવો પડે.

જે સંગમાં આપણે ફસાઈએ એવું હોય એ સંગથી બહુ જ છેટા રહેવું, નહીં તો એક ફેરો ફસાયા કે ફરી ફસાય ફસાય જ થયા કરે, માટે ત્યાંથી ભાગવું. લપસવાની જગ્યા હોય ત્યાંથી ભાગવું, તો લપસી ના પડાય. સત્સંગમાં તો બીજી 'ફાઈલો' ભેગી નહીં થવાની ને ? એક જાતના વિચારવાળા બધા ભેગા થાય ને?!

મનમાં વિષયનો વિચાર આવ્યો કે તરત તેને ઉખેડી નાંખવો જોઈએ અને કંઈક આકર્ષણ થયું કે એનું તરત જ પ્રતિક્રમણ કરવું જોઈએ. આ બે શબ્દ પકડે તેને બ્રહ્મચર્ય કાયમ રહે.

આ બીજનો સ્વભાવ કેવો છે કે પડ્યા જ કરે. આંખો તો જાત જાતનું જુએ એટલે મહીં બીજ પડે, તો એને પછી ઉખેડી નાખવાનું. જ્યાં સુધી બીજ રૂપે છે ત્યાં સુધી ઉપાય છે, પછી કશું ના વળે.

આ બધી સ્ત્રીઓ કંઈ આપણને આકર્ષતી નથી, જે આકર્ષે છે તે આપણો પાછલો હિસાબ છે; માટે ત્યાં ઉખેડીને ફેંકી દો, ચોખ્ખું કરી નાખો. આપણા જ્ઞાન પછી કશો વાંધો નથી આવતો, માત્ર એક વિષય માટે અમે ચેતવીએ છીએ. દ્રષ્ટિ માંડવી જ ગુનો છે અને એ સમજ્યા પછી જોખમદારી ખૂબ વધી જાય છે, માટે કોઈની જોડે દ્રષ્ટિ જ ના માંડવી.

ભાવનિદ્રા આવે છે કે નહીં ? ભાવનિદ્રા આવે તો જગત તને ચોંટશે. હવે ભાવનિદ્રા આવે, તો ત્યાં એ જ દુકાનના શુદ્ધાત્મા પાસે બ્રહ્મચર્ય માટેની શક્તિઓ માંગવી કે, 'હે શુદ્ધાત્મા ભગવાન, મને આખા જગત જોડે બ્રહ્મચર્ય પાળવાની શક્તિઓ આપો.' અમારી પાસે જો શક્તિઓ માંગે તો ઉત્તમ જ છે, પણ પેલું ડિરેક્ટ, જે દુકાન જોડે વ્યવહાર થયો છે ત્યાં માંગી લેવું એ સારામાં સારું.

પ્રશ્નકર્તા : આંખ મિલાઈ જાય તો શું કરવું ?

દાદાશ્રી : આપણી પાસે પ્રતિક્રમણનું સાધન છે, તેનાથી ધોઈ નાખવું. આંખ મળે તો તો પ્રતિક્રમણ તરત જ કરી નાખવું જોઈએ. તેથી તો કહ્યું છે ને કે ચિતરામણવાળી સ્ત્રીનો ફોટો કે મૂર્તિ ના મૂકશો.

પ્રશ્નકર્તા : વિષયમાં સૌથી વધારે મીઠાશ માનેલી છે, તો કયા આધારે માનેલી છે ?

દાદાશ્રી : એ જે મીઠાશ એને લાગી ગઈ અને બીજી જગ્યાએ મીઠાશ જોઈ નથી, એટલે એને વિષયમાં મીઠાશ બહુ લાગે છે. જોવા જાય તો વધારેમાં વધારે ગંદવાડો ત્યાં જ છે, પણ મીઠાશને લીધે એને બેભાનપણું થઈ જાય છે.

પ્રશ્નકર્તા : બિલકુલ ગમતું જ નથી, તો ય આકર્ષણ થઈ જાય છે. એનો બહુ ખેદ રહ્યા કરે છે.

દાદાશ્રી : એ ખેદ રહે તો પેલું જાય. એક આત્મા જ જોઈએ. તો પછી વિષય શેનો થાય ? બીજું જોઈએ, તો વિષય થાય ને ? વિષયનું તને પૃથક્કરણ કરતાં આવડે છે ?

પ્રશ્નકર્તા : આપ જણાવો.

દાદાશ્રી : પૃથક્કરણ એટલે શું કે વિષય એ આંખે ગમે એવા હોય છે ? કાને સાંભળે તો ગમે ? અને જીભથી ચાટે તો મીઠું લાગે ? એકુંય ઇન્દ્રિયને ગમતું નથી. આ નાકને તો ખરેખરું ગમે ને ? અરે, બહુ સુગંધ આવે ને ? અત્તર ચોપડેલું હોય ને ? એટલે આવું પૃથક્કરણ કરે, ત્યારે ખબર પડે. આખું નર્ક જ ત્યાં પડ્યું છે, પણ આવું પૃથક્કરણ નહીં હોવાથી લોક મૂંઝાયું છે. ત્યાં જ મોહ થાય છે, એ ય અજાયબી જ છે ને !

''એક વિષયને જીતતાં, જીત્યો સહુ સંસાર,

નૃપતિ જીતતાં જીતિયે, દળ, પૂર ને અધિકાર.''

- શ્રીમદ્ રાજચંદ્ર

એક રાજાને જીત્યો હોય તો દળ, પૂર ને અધિકાર બધું આપણને મળી જાય.

પ્રશ્નકર્તા : આપના જ્ઞાન પછી અમે આ અવતારમાં જ વિષય બીજથી એકદમ નિર્ગ્રંથ થઈ શકીએ ?

દાદાશ્રી : બધું જ થઈ શકે. આવતા ભવ માટે બીજ ના પડે. આ જૂનાં બીજ હોય એ તમે ધોઈ નાખો, નવાં બીજ પડે નહીં.

પ્રશ્નકર્તા : એટલે આવતા અવતારમાં વિષય માટે એકે ય વિચાર નહીં આવે ?

દાદાશ્રી : નહીં આવે. થોડું ઘણું કાચું રહી ગયું હોય તો પહેલાના એટલા થોડા વિચાર આવે પણ તે વિચાર બહુ અડે નહીં. જ્યાં હિસાબ નહીં, તેનું જોખમ નહીં.

પ્રશ્નકર્તા : શીલવાન કોને કહેવાય ?

દાદાશ્રી : વિષયનો વિચાર ના આવે. જેને ક્રોધ-માન-માયા-લોભ ના થાય, એને શીલવાન કહેવાય.

કસોટીના કોઈવાર પ્રસંગ આવે તો, એને માટે ઉપવાસ કરી નાખવા બે-ત્રણ. જ્યારે કર્મો બહુ જોર કરે ને ત્યારે ઉપવાસ કર્યા કે બંધ થઈ જાય. એ ઉપવાસથી મરી ના જાય.

[૨] દ્રષ્ટિ ઉખડે, 'થ્રી વિઝને' !

મારો જે પ્રયોગ કરેલો હતો, એ પ્રયોગ જ વાપરવાનો. અમારે એ પ્રયોગ નિરંતર ગોઠવાયેલો જ હોય, તે અમને જ્ઞાન થતાં પહેલાં ય જાગૃતિ રહેતી હતી. આમ સુંદર કપડાં પહેર્યાં હોય, બે હજારની સાડી પહેરી હોય તો ય જોતાંની સાથે જ તરત જાગૃતિ ઊભી થાય, તે નેકેડ દેખાય. પછી બીજી જાગૃતિ ઉત્પન્ન થાય, તે ચામડી વગરનું દેખાય અને ત્રીજી જાગૃતિ પછી પેટ કાપી નાખે તો મહીં આંતરડાં દેખાય, આંતરડાંમાં શો ફેરફાર થાય છે એ બધું દેખાય. લોહીની નસો મહીં દેખાય, સંડાસ દેખાય, આમ બધો ગંદવાડો દેખાય. પછી વિષય ઊભો થાય જ નહીં ને ! આમાંથી આત્મા ચોખ્ખી વસ્તુ છે, ત્યાં આગળ જઈને અમારી દ્રષ્ટિ અટકે, પછી શી રીતે મોહ થાય ?

શ્રીમદ્ રાજચંદ્રે કહ્યું છે કે, 'દેખત ભૂલી ટળે તો સર્વ દુઃખનો ક્ષય થાય.' શાસ્ત્રોમાં વાંચીએ છીએ કે સ્ત્રી પર રાગ ના કરવો અને પાછા સ્ત્રીને જોઈએ છીએ ને ભૂલી જવાય છે, તેને 'દેખત ભૂલી' કહેવાય.

'દેખત ભૂલી ટળે' એટલે શું કે આ મિથ્યા દ્રષ્ટિ છે, એ દ્રષ્ટિ ફરે અને સમ્યક્્ દ્રષ્ટિ થાય તો બધાં દુઃખોનો ક્ષય થાય ! પછી એ ભૂલ ના થવા દે, દ્રષ્ટિ ખેંચાય નહીં.

પ્રશ્નકર્તા : એક સ્ત્રીને જોઈને કોઈ પુરુષને ખરાબ ભાવ થાય, એમાં સ્ત્રીનો દોષ ખરો ?

દાદાશ્રી : ના, એમાં સ્ત્રીનો કંઈ દોષ નહીં ! ભગવાન મહાવીરનું લાવણ્ય જોઈને ઘણી સ્ત્રીઓને મોહ ઉત્પન્ન થતો હતો, પણ તેથી ભગવાનને કશું ના અડે ! એટલે જ્ઞાન શું કહે છે કે તમારી ક્રિયા સહેતુક હોવી જોઈએ. તમારે એવા પટિયાં ના પાડવાં જોઈએ કે એવાં કપડાં પણ ના પહેરવાં જોઈએ કે જેથી સામાને મોહ ઉત્પન્ન થાય. આપણો ભાવ ચોખ્ખો હોય તો કંઈ બગડે તેમ નથી. ભગવાન શા હારું કેશનું લોચન કરતા હતા ? કે મારી ઉપર કોઈ સ્ત્રીનો આ વાળને લઈને ભાવ બગડે તો ? માટે આ વાળ જ કાઢી નાખો એટલે ભાવ જ ના બગડે. કારણ કે ભગવાન તો બહુ રૂપાળા હોય, મહાવીર ભગવાનનું રૂપ, આખા વર્લ્ડમાં સુંદર !

પ્રશ્નકર્તા : સ્ત્રી પરનો મોહ ને રાગ જાય, ત્યારે રુચિ ખલાસ થવા માંડે ?

દાદાશ્રી : રુચિની ગાંઠ તો અનંત અવતારની પડેલી છે, ક્યારે ફૂટી નીકળે એ કહેવાય નહીં. એટલે આ સંગમાં જ રહેવું. આ સંગની બહાર ગયા કે ફરી એ રુચિના આધારે બધું ફૂટી નીકળે પાછું. એટલે આ બ્રહ્મચારીઓનાં સંગમાં જ રહેવું પડે. હજુ આ રુચિ ગઈ નથી, એટલે બીજા કુસંગમાં પેસો કે પેલું તરત ચાલુ થઈ જાય. કારણ કે કુસંગનો બધો સ્વભાવ જ એવો છે.

પણ જેને રુચિ ઉડી ગયેલી હોય તો કુસંગ ના અડે પછી.

અમારી આજ્ઞા પાળશો તો તમારો મોહ જશે. મોહને તમે જાતે કાઢવા જશો તો એ તમને કાઢી મૂકે એવો છે ! માટે એમને કાઢી મૂકવા કરતાં એમને કહીએ, 'બેસો સાહેબ, અમે તમારી પૂજા કરીએ!' પછી જુદા થઈને આપણે તેના પર ઉપયોગ દીધો ને દાદાની આજ્ઞામાં આવ્યા કે મોહને તરત એની મેળે જવું જ પડશે.

[૩] દ્રઢ નિશ્ચય, પહોંચાડે પાર !

નિશ્ચય કોનું નામ કહેવાય ? કે ગમે તેવું લશ્કર ચઢી આવે તો ય આપણે તેને ગાંઠીએ નહીં ! મહીં ગમે એવા સમજાવનારા મળે તો ય આપણે તેને ગાંઠીએ નહીં ! નિશ્ચય કર્યો, પછી એ ફરે નહીં, એનું નામ નિશ્ચય કહેવાય.

નિશ્ચય એટલે શું ? કે બધા વિચારોને બંધ કરી દઈને એક જ વિચાર પર આવી જવું, કે આપણે અહીંથી સ્ટેશને જવું છે જ. સ્ટેશનથી ગાડીમાં જ બેસવું છે. આપણે બસમાં નહીં જવું. એટલે પછી બધા એવા ગાડીનાં સંજોગો ભેગાં થાય, તમારો નિશ્ચય હોય તો.

નિશ્ચય કાચો હોય તો ગાડીનાં સંજોગ ના ભેગા થાય.

પ્રશ્નકર્તા : નિશ્ચય આગળ ટાઈમીંગ બદલાઈ જાય ?

દાદાશ્રી : નિશ્ચય આગળ બધાં ટાઈમીંગ બદલાઈ જાય. આ ભાઈ કહેતા હતા કે 'હું બનતાં સુધી ત્યાં આવીશ, પણ વખતે ના અવાય તો નીકળી જજો.' તે અમે સમજી ગયા કે આમણે નિશ્ચય પોલો કર્યો છે, તે આગળ એવિડન્સ એવા મળે કે આપણું ધારેલું થાય નહીં.

પ્રશ્નકર્તા : આપણા નિશ્ચયને તોડાવે છે કોણ ?

દાદાશ્રી : એ આપણો જ અહંકાર. મોહવાળો અહંકાર છે ને ! મૂર્છિત અહંકાર !!

પ્રશ્નકર્તા : દાનત ચોર હોવી એ નિશ્ચયની કચાશ કહેવાય ?

દાદાશ્રી : કચાશ ના કહેવાય, આ નિશ્ચય જ નહીં. કચાશ તો નીકળી જાય બધી, પણ એ તો નિશ્ચય જ નથી.

પ્રશ્નકર્તા : દાનત ચોર ન હોય, તો પછી વિચાર બિલકુલ આવતો બંધ થઈ જાય ?

દાદાશ્રી : ના, છો ને વિચાર આવતો. વિચાર આવે એમાં આપણે શું વાંધો છે ? વિચાર બંધ ના થઈ જાય. દાનત ચોર ના જોઈએ, મહીં ગમે તેવી લાલચને ય ગાંઠે નહીં, સ્ટ્રોંગ ! વિચાર જ કેમ આવે તે ?

કૂવામાં નથી જ પડવું એવો નિશ્ચય છે, તેને ચાર દહાડાથી ઊંઘ્યો ના હોય અને કૂવાની ધાર ઉપર બેસાડે તો ય ના ઊંઘે ત્યાં.

તમારો સંપૂર્ણ બ્રહ્મચર્ય પાળવાનો નિશ્ચય અને અમારી આજ્ઞા, એ તો કામ જ કાઢી નાખશે, પણ જો મહીં સહેજે નિશ્ચય આઘોપાછો ના થયો તો ! અમારી આજ્ઞા તો, એ જ્યાં જશે ત્યાં રસ્તો બતાવશે અને આપણે સહેજ પણ પ્રતિજ્ઞા નહીં છોડવી. વિષયનો વિચાર આવ્યો તો અડધો કલાક સુધી તો ધો ધો કરવો કે કેમ હજુ વિચાર આવે છે ! અને આંખ તો કોઈના ય સામે માંડવી જ નહીં. જેને બ્રહ્મચર્ય પાળવું છે, એણે આંખ તો મંડાય જ નહીં.

આ સ્ત્રી જાતિને ખાલી હાથ આમ અડી ગયો હોય તો પણ નિશ્ચય ડગાવ, ડગાવ કરે. રાત્રે ઊંઘવા જ ના દે એવા એ પરમાણુઓ ! માટે સ્પર્શ તો થવો જ ના જોઈએ અને દ્રષ્ટિ સાચવે તો પછી નિશ્ચય ડગે નહીં !

પ્રશ્નકર્તા : કોઈને બ્રહ્મચર્ય માટે નિશ્ચય ડગુમગુ થાય, એ એની પૂર્વની ભાવના એવી હશે, એટલે ?

દાદાશ્રી : ના, એવું નહીં, આ નિશ્ચય છે જ નહીં એનો. આ પહેલાંનો પ્રોજેક્ટ નથી અને આ જે નિશ્ચય કર્યો છે, એ લોકોનું જોઈને કર્યો છે. આ ખાલી દેખાદેખી છે એટલે ડગમગ થયા કરે છે, એના કરતાં શાદી કરને ભાઈ, શી ખોટ જવાની છે ? કોઈ છોકરી ઠેકાણે પડશે !

બ્રહ્મચર્યમાં અપવાદ રખાય એવી વસ્તુ નથી. કારણ કે માણસનું મન પોલ ખોળે છે, કોઈ જગ્યાએ આવડું અમથું કાણું હોય તો તેને મન મોટું કરી આપે !

પ્રશ્નકર્તા : આ પોલ ખોળી કાઢે, એમાં કઈ વૃત્તિ કામ કરે છે ?

દાદાશ્રી : એ મન જ કામ કરે છે, વૃત્તિ નહીં. મનનો સ્વભાવ જ એવો પોલ ખોળવાનો છે.

પ્રશ્નકર્તા : મન પોલ મારતું હોય તો, એને કઈ રીતે અટકાવવું?

દાદાશ્રી : નિશ્ચયથી. નિશ્ચય હોય તો પોલ મારે શી રીતે તે ? આપણો નિશ્ચય છે, તો કોઈ પોલ મારે જ નહીં ને ? જેને 'માંસાહાર નથી ખાવું' એવો નિશ્ચય છે, એ નથી જ ખાતો.

પ્રશ્નકર્તા : એટલે દરેક બાબતમાં નિશ્ચય કરી રાખવા ?

દાદાશ્રી : નિશ્ચયથી જ બધું કામ થાય છે.

પ્રશ્નકર્તા : આત્મા પ્રાપ્ત કર્યા પછી નિશ્ચયબળ રાખવું પડે?

દાદાશ્રી : પોતાને રાખવાનું જ નથી ને ?! આપણે તો 'ચંદ્રેશ'ને કહેવાનું કે તમે બરાબર નિશ્ચય રાખો.

આ વાતના પ્રશ્નો પૂછવાના થાય તો એ પોલ ખોળે છે. માટે આ પ્રશ્નો પૂછવાના થાય ત્યારે એને 'ચૂપ' કહીએ, 'ગેટ આઉટ' કહીએ, એટલે એ ચૂપ થઈ જાય. 'ગેટ આઉટ' કહેતાંની સાથે જ બધું ભાગી જાય.

તારે શું થાય છે ?

પ્રશ્નકર્તા : દિવસમાં એવો એવિડન્સ બાઝે તો વિષયની એકાદ ગાંઠ ફૂટી જાય, પણ પાછું તરત થ્રી વિઝન આમ મૂકી દઉં.

દાદાશ્રી : નદીમાં તો એક જ ફેરો ડૂબ્યો કે મરી જાય ને? કે રોજ રોજ ડૂબે તો મરી જાય ? નદીમાં એક ફેરો જ ડૂબી મરે, પછી વાંધો છે ? નદીને ખોટ જવાની છે કંઈ ?

શાસ્ત્રકારોએ તો એક જ વખતના અબ્રહ્મચર્યને મરણ કહ્યું છે.

મરી જજે, પણ અબ્રહ્મચર્ય ના થવા દઈશ.

કર્મનો ઉદય આવે ને જાગૃતિ ના રહેતી હોય ત્યારે જ્ઞાનનાં વાક્યો મોટેથી બોલીને જાગૃતિ લાવે અને કર્મોની સામો થાય, એ બધું પરાક્રમ કહેવાય. સ્વ-વીર્યને સ્ફૂરાયમાન કરવું એ પરાક્રમ. પરાક્રમ આગળ કોઈની તાકાત નથી.

જેટલો તું સિન્સીયર એટલી તારી જાગૃતિ. આ તને સૂત્રરૂપે અમે આપીએ છીએ ને નાનો છોકરો ય સમજે એવું ફોડવાર પણ આપીએ છીએ. પણ જે જેટલો સિન્સીયર, એની એટલી જાગૃતિ. આ તો સાયન્સ છે. જેટલી આમાં સિન્સીયારિટી એટલું જ પોતાનું થાય અને આ સિન્સીયારિટી તો ઠેઠ મોક્ષ ભણી લઈ જાય. સિન્સીયારિટીનું ફળ મોરાલિટીમાં આવી જાય.

પ્રશ્નકર્તા : તે દિવસે આપ કંઈ કહેતા હતા કે જવાનીમાં ય 'રીજ પોઈન્ટ' હોય છે, તો એ 'રીજ પોઈન્ટ' શું છે ?

દાદાશ્રી : 'રીજ પોઈન્ટ' એટલે આ છાપરું હોય છે, તે એમાં 'રીજ પોઈન્ટ' ક્યાં આગળ આવ્યું ? ટોચ ઉપર.

યુવાની જ્યારે 'રીજ પોઈન્ટ' ઉપર જાય એ વખતે જ બધું પાડી નાખે. એમાંથી એ 'પાસ' થઈ ગયો, પસાર થઈ ગયો તો જીત્યો. અમે તો બધું ય સાચવી લઈએ, પણ એનું જો પોતાનું મન ફેરફાર થાય તો પછી ઉપાય નથી. એટલા માટે અમે એને અત્યારે ઉદય થતાં પહેલાં શીખવાડીએ કે ભઈ, નીચું જોઈને ચાલજો. સ્ત્રીને જોશો નહીં, બીજું બધું ભજિયાં-જલેબી જો જો. આ તમારે માટે ગેરેન્ટી ના અપાય. કારણ કે યુવાની છે.

[૪] વિષય વિચારો પજવે ત્યારે...

કો'ક દહાડો મહીં કંઈક વિચાર ખરાબ ઊગ્યો અને કાઢી નાખતાં વાર લાગી પછી એનું મોટું પ્રતિક્રમણ કરવું પડે. એ તો વિચાર ઊગ્યો કે તરત કાઢી નાખવાનો, ફેંકી દેવાનું.

[૫] ન ચલાય, મનના કહ્યા પ્રમાણે !

મનના કહ્યા પ્રમાણે ચલાય જ નહીં. મનનું કહ્યું જો આપણા જ્ઞાન પ્રમાણે ચાલતું હોય, તો એટલું એડજસ્ટ (ગોઠવણી) કરી લેવાય. આપણા જ્ઞાનની વિરુદ્ધ ચાલે તો બંધ કરી દેવાય.

જુઓ ને ચારસો વર્ષ ઉપર કબીરે કહ્યું, કેવો એ ડાહ્યો માણસ ! કહે છે, 'મનકા ચલતા તન ચલે, તાકા સર્વસ્વ જાય.' ડાહ્યો નહીં કબીરો ? અને આ તો મનના કહ્યા પ્રમાણે ચાલ્યા કરે. મન કહે કે 'આને પૈણો.' તો પૈણી જવું ?

પ્રશ્નકર્તા : ના. એવું ના થાય.

દાદાશ્રી : તે હજુ તો બોલશે. એવું બોલશે તે ઘડીએ શું કરશો તમે ? બ્રહ્મચર્ય વ્રત પાળવું હોય તો સ્ટ્રોંગ રહેવું પડે. મન તો એવું ય બોલે અને તમને હઉ બોલાવશે. તેથી હું કહેતો હતો ને કે કાલે સવારે તમે નાસી હઉ જશો. એનું શું કારણ ? મનના કહ્યા પ્રમાણે ચાલનારાનો ભરોસો જ શું ?

પ્રશ્નકર્તા : હવે અમે અહીંથી ક્યાંય નાસી ના જઈએ.

દાદાશ્રી : અરે, પણ મનના કહ્યા પ્રમાણે ચાલનારો માણસ અહીંથી ના જાય, એ કઈ ગેરન્ટીના આધારે ? અરે, લો, હું તને બે દહાડા જરા પાણી હલાવું. અરે, છબછબિયાં કરું ને, તો પરમ દહાડે જ તું જતો રહે ! એ તો તને ખબર જ નથી. તમારા મનનાં શું ઠેકાણાં ?

અત્યારે તો તમારું મન તમને 'પૈણવા જેવું છે નહીં, પૈણવામાં બહુ દુઃખ છે' એવું હેલ્પ કરે. આ સિદ્ધાંત બતાડનારું તમારું મન પહેલું. આ જ્ઞાનથી તમે સિદ્ધાંત નથી નક્કી કર્યો, આ તમારા મનથી નક્કી કર્યો છે. 'મને' તમને સિદ્ધાંત બતાવ્યો કે 'આમ કરો.'

પ્રશ્નકર્તા : જ્ઞાને કરીને નિશ્ચય થયેલો હોય તો એનું મન સામું થાય જ નહીં ને આવું ?

દાદાશ્રી : ના. ના થાય. જ્ઞાને કરીને નિશ્ચય થયેલો હોય તો એનાં ફાઉન્ડેશન (પાયા) જ જુદી જાતનાં ને ! એનાં બધા આર.સી.સી.ના ફાઉન્ડેશન હોય. અને આ તો રોડાંનો, મહીં ક્રોંક્રીટ કરેલું. પછી ફાટ જ પડી જાય ને ?

[૬] 'પોતે' પોતાને વઢવો !

આ ભાઈએ જુઓને ખખડાવ્યો હતો પોતાની જાતને, ધમકાવી નાખ્યો. આ રડતો હતો હઉ, એ ખખડાવતો હતો, બેઉ જોવા જેવી ચીજ.

પ્રશ્નકર્તા : એક વાર બે-ત્રણ વખત ચંદ્રેશને ટૈડકાવેલો, ત્યારે બહુ રડેલો પણ ખરો. પણ મને એમ પણ કહેતો હતો કે હવે આવું નહીં થાય, છતાં ફરીથી થાય છે.

દાદાશ્રી : હા. એ તો થવાનું તો ખરું, પણ એ તો વારેઘડીએ પાછું કહેવાનું, આપણે કહેતાં રહેવાનું ને એ થયા કરવાનું. કહેવાથી આપણું જુદાપણું રહે. તન્મયાકાર ના થઈ જઈએ. એ પાડોશીને વઢીએ એવી રીતે ચાલ્યા કરે. એમ કરતું કરતું પૂરું થઈ જાય અને બધી ફાઈલો પૂરી થઈ જશે ને !ં વિષયનો વિચાર આવે તો ય કહીએ, 'હું ન્હોય' આ જુદું, એને ટૈડકાવો પડે.

પ્રશ્નકર્તા : તમે જે પ્રયોગો બતાવો છો ને, અરીસામાં સામાયિક કરવાનું. પછી પ્રકૃતિ સાથે વાતચીત કરવાની, એ પ્રયોગ બધા બહુ સારા લાગે છે. પછી બે-ત્રણ દિવસ સારું થાય, પછી એમાં કચાશ આવી જાય છે.

દાદાશ્રી : કચાશ આવે તો પાછું ફરી નવેસર કરવું. જૂનું થાય એટલે બધું કચાશ જ આવે. પુદ્ગલનો સ્વભાવ જૂનું થાય એટલે બગડતું જાય અને નવી પાછી ગોઠવણી કરીને મૂકી દેવાનું.

પ્રશ્નકર્તા : એટલે એ પ્રયોગ દ્વારા જ કાર્ય સિદ્ધ થઈ જવું જોઈએ. એ થતું નથી ને અધવચ્ચે પૂરો થઈ જાય છે પ્રયોગ.

દાદાશ્રી : એમ કરતાં કરતાં સિદ્ધ થાય, એકદમ ના થઈ જાય.

 

ભાગ
 1 -  2  - 3  -  4  -  5  -  6