ભાગ
 1 -  2  - 3  -  4  -  5  -  6 


ખંડ : ૨

[૭] પસ્તાવા સહિતના પ્રતિક્રમણો !

પ્રશ્નકર્તા : અમુક વખત તો પ્રતિક્રમણ કરવાનો કંટાળો આવી જાય છે. એકદમ એટલા બધાં કરવા પડે.

દાદાશ્રી : હા, આ અપ્રતિક્રમણનો દોષ છે. તે ઘડીએ પ્રતિક્રમણ ના કર્યા, તેને લઈને આજે આ બન્યું. હવે પ્રતિક્રમણ કરવાથી ફરી દોષ ઊભો નહીં થાય.

પ્રશ્નકર્તા : કપડું ધોવાઈ ગયું કોને કહેવાય ?

દાદાશ્રી : આપણને પોતાને જ ખબર પડે કે મેં ધોઈ નાખ્યું. પ્રતિક્રમણ કરીએ એટલે.

પ્રશ્નકર્તા : મહીં ખેદ રહેવો જોઈએ ?

દાદાશ્રી : ખેદ તો રહેવો જ જોઈએ ને ? ખેદ તો જ્યાં સુધી આ નિવેડો ના આવે ત્યાં સુધી ખેદ તો રહેવો જ જોઈએ. આપણે તો જોયા કરવાનું. ખેદ રાખે છે કે નહીં તે. આપણે આપણું કામ કરવાનું છે, એ એનું કામ કરે.

પ્રશ્નકર્તા : આ બધું ચીકણું બહુ છે. એમાં થોડો થોડો ફરક પડતો જાય છે.

દાદાશ્રી : જેવો ભરેલો દોષ એવો નીકળે. પણ તે બાર વર્ષે કે દસ વર્ષે-પાંચ વર્ષે બધું ખાલી થઈ જશે, ટાંકીઓ બધું સાફ કરી નાખશે. પછી ચોખ્ખું ! પછી મજા કરો !

પ્રશ્નકર્તા : એક વખત બીજ પડી ગયું હોય એટલે રૂપકમાં તો આવે જ ને ?

દાદાશ્રી : બીજ પડી જ જાયને ! એ રૂપકમાં આવવાનું પણ જ્યાં સુધી એનો જામ થયો નથી, ત્યાં સુધી ઓછા-વત્તા થઈ જાય. એટલે મરતાં પહેલાં એ ચોખ્ખો થઈ જાય.

તેથી અમે વિષયના દોષવાળાને કહીએ છીએ ને કે વિષયના દોષ થયા હોય, બીજા દોષ થયા હોય, તેને કહીએ કે, રવિવારે તું આમ ઉપવાસ કરજે ને આખો દહાડો એ જ વિચાર કરીને, વિચાર કરી કરીને એને ધો ધો કર્યા કરજે. એમ આજ્ઞાપૂર્વક કરે ને, એટલે ઓછું થઈ જાય !

પ્રશ્નકર્તા : વિષય-વિકાર સંબંધીનું સામાયિક-પ્રતિક્રમણ કરવાનું કેવી રીતે ?

દાદાશ્રી : અત્યાર સુધી ભૂલ થઈ ગઈ હોય તેના પ્રતિક્રમણ કરવાનાં, ભવિષ્યમાં ભૂલ નહીં થાય એવો નિશ્ચય કરવાનો.

પ્રશ્નકર્તા : આપણે સામાયિકમાં તો જે કંઈ દોષ થયા હોય, તે ફરી ફરી દેખાતા હોય તો ?

દાદાશ્રી : દેખાય ત્યાં સુધી એની ક્ષમા માંગવાની, ક્ષમાપના કરવાની, એના પર 'એ' પસ્તાવો કરવાનો, પ્રતિક્રમણ કરવાનું.

પ્રશ્નકર્તા : આ હમણાં સામાયિકમાં બેઠા, આ દેખાયું છતાં ફરી ફરી કેમ આવે છે ?

દાદાશ્રી : એ તો આવેને, મહીં પરમાણુ હોય તો આવે. તેનો આપણને શું વાંધો છે ?

પ્રશ્નકર્તા : આ આવે છે એટલે એમ કે હજી ધોવાયો નથી.

દાદાશ્રી : ના, એ તો માલ હજુ ઘણાં કાળ સુધી રહેશે. હજુ ય દસ-દસ વરસ સુધી રહેશે, પણ તમારે બધો કાઢવાનો.

પ્રશ્નકર્તા : આ જે બે પાંદડીએ ચૂંટવાનું વિજ્ઞાન છે, કે વિષયની ગાંઠ ફૂટે ત્યારે બે પાંદડે ઉખેડી નાખવું. તો જીતી જવાય ને ?

દાદાશ્રી : હા, પણ વિષય એવી વસ્તુ છે કે જો એમાં એકાગ્રતા થાય તો આત્મા ભૂલે. એટલે આ ગાંઠ આમ નુકસાનકારક છે, તે એટલાં જ માટે કે એ ગાંઠ ફૂટે ત્યારે એકાગ્રતા થઈ જાય છે. એકાગ્રતા થાય એટલે વિષય કહેવાય. એકાગ્રતા થયા વગર વિષય કહેવાય જ નહીં ને ! એ ગાંઠ ફૂટે ત્યારે એટલી બધી જાગૃતિ રહેવી જોઈએ કે વિચાર ઊભો થતાંની સાથે ઉખેડીને ફેંકી દે, તો એને ત્યાં એકાગ્રતા ના થાય. જો એકાગ્રતા નથી તો ત્યાં વિષય જ નથી, તો એ ગાંઠ કહેવાય અને એ ગાંઠ ઓગળશે ત્યારે કામ થશે.

પ્રશ્નકર્તા : એટલે એ ગાંઠ ઓગળી જાય તો પછી પેલો આકર્ષણનો વ્યવહાર જ નથી રહેતો ને ?

દાદાશ્રી : એ વ્યવહાર જ બંધ થઈ જાય. ટાંકણી અને લોહચુંબકનો સંબંધ જ બંધ થઈ જાય. એ સંબંધ જ ના રહે. એ ગાંઠને લીધે આ વ્યવહાર ચાલુ છે ને ! હવે વિષય સ્થૂળ સ્વભાવી છે અને આત્મા સૂક્ષ્મ સ્વભાવી છે એવું ભાન રહેવું બહુ મુશ્કેલ છે, એટલે એકાગ્રતા થયા વગર રહે જ નહીં ને ! એ તો જ્ઞાની પુરુષનું કામ છે, બીજા કોઈનું કામ જ નથી !

વિષયની ગાંઠ મોટી હોય છે, તેના નિકાલની બહુ જ જરૂર, તે કુદરતી રીતે આપણે અહીં આ સામાયિક ઊભું થઈ ગયું છે ! સામાયિક ગોઠવો, સામાયિકથી બધું ઓગળે ! કંઈક કરવું તો પડશે ને ? દાદા છે ત્યાં સુધીમાં બધો રોગ કાઢવો પડશે ને ? એકાદ ગાંઠ જ ભારે હોય, પણ જે રોગ છે તે તો કાઢવો જ પડશે ને ? એ રોગથી જ અનંત અવતાર ભટકયા છે ને ? આ સામાયિક તો શાને માટે છે કે વિષયભાવનું બીજ હજુ સુધી ગયું નથી અને એ બીજમાંથી જ ચાર્જ થાય છે, એ વિષયભાવનું બીજ જવા માટે આ સામાયિક છે.

[૮] સ્પર્શ સુખની ભ્રામક માન્યતા !

વિષયના ગંદવાડામાં લોકો પડ્યા છે. વિષય વખતે અજવાળું કરે તો પોતાને ગમતું નથી. અજવાળું થાય ને ભડકી જાય. તેથી અંધારું રાખે. અજવાળું થાય તો ભોગવવાની જગ્યા જોવાની ગમે નહીં. એટલે કૃપાળુદેવે ભોગવવાના સ્થાનને શું કહ્યું છે ?

પ્રશ્નકર્તા : 'વમન કરવાને પણ યોગ્ય ચીજ નથી.'

પ્રશ્નકર્તા : છતાં સ્ત્રીના અંગ તરફ આકર્ષણ થવાનું કારણ શું હોય ?

દાદાશ્રી : માન્યતા આપણી, રોંગ બિલિફો તેથી. ગાયના અંંગ તરફ કેમ આકર્ષણ નથી થતું ?! માન્યતાઓ ખાલી. કશું હોતું નથી. ખાલી બિલિફો છે. બિલિફો તોડી નાખો એટલે કશું ય નહીં.

પ્રશ્નકર્તા : એ માન્યતા ઊભી થાય છે, તે સંયોગ ભેગો થવાથી થાય છે ?

દાદાશ્રી : લોકોના કહેવાથી આપણને માન્યતા થાય. અને આત્માની હાજરીથી માન્યતા થાય એટલે દ્રઢ થઈ જાય અને એમાં એવું શું છે ? માંસના લોચા છે !

મનમાં વિચાર આવે, તે વિચાર એની મેળે જ આવ્યા કરે, તો એને આપણે પ્રતિક્રમણથી ધોઈ નાખવાનું. પછી વાણીમાં એવું બોલવું નહીં કે, વિષયો સેવવા એ બહુ સારા છે અને વર્તનમાં એવું રાખવું નહીં. સ્ત્રીઓની સામે દ્રષ્ટિ માંડવી નહીં. સ્ત્રીઓને જોવી નહીં, અડવું નહીં. સ્ત્રીઓને અડી ગયા હોઈએ તો ય મનમાં પ્રતિક્રમણ થઈ જવું જોઈએ, કે 'અરેરે, આને ક્યાં અડ્યો !' કારણ કે સ્પર્શથી વિષયની બધી અસરો થાય છે.

પ્રશ્નકર્તા : એ તિરસ્કાર કર્યો ના કહેવાય ?

દાદાશ્રી : એ તિરસ્કાર ના કહેવાય. પ્રતિક્રમણમાં તો આપણે એના આત્માને કહીએ છીએ કે 'અમારી ભૂલ થઈ ગઈ, ફરી આવી ભૂલ ના થાય એવી શક્તિ આપજો.' એનાં જ આત્માને એવું કહેવાનું કે મને શક્તિઓ આપજો. જ્યાં આપણી ભૂલ થઈ હોય ત્યાં જ શક્તિ માગવાની એટલે એ શક્તિ મળ્યા કરે.

પ્રશ્નકર્તા : તો સ્પર્શની અસર થાય ને ?

દાદાશ્રી : તે ઘડીએ આપણે મન સંકુચિત કરી નાખવાનું. હું આ દેહથી છૂટો છું, હું 'ચંદ્રેશ' ય ન હોય, એ ઉપયોગ રહેવો જોઈએ, શુદ્ધ ઉપયોગ રહેવો જોઈએ. કો'ક દહાડો એવું બને ત્યારે શુદ્ધ ઉપયોગમાં જ રહેવું, 'હું 'ચંદ્રેશ' ય ન હોય.'

સ્પર્શસુખ માણવાનો વિચાર આવે તો તે આવતાંની પહેલાં જ ઉખેડીને ફેંકી દેવો. જો તરત ઉખેડીને ફેંકી ના દે તો પહેલી સેકંડે ઝાડ થઈ જાય, બીજી સેકંડે આપણને એ પકડમાં લે ને ત્રીજી સેકંડે પછી ફાંસીએ ચઢવાનો વારો આવે.

હિસાબ ના હોય તો ટચે ય ના થાય. સ્ત્રી-પુરુષ એક રૂમમાં હોય તો ય, વિચારે ય ના આવે.

પ્રશ્નકર્તા : આપે કહ્યું કે હિસાબ છે, તેથી આકર્ષણ થાય છે. તો તે હિસાબ પહેલેથી કેવી રીતે ઉખેડી દેવાય ?

દાદાશ્રી : એ તો તે ઘડીએ, ઓન ધી મોમેન્ટ કરે તો જ જાય. પહેલેથી ના થાય. મનમાં વિચાર આવે ને કે 'સ્ત્રી માટે બાજુમાં જગ્યા રાખીએ.' તે તરત જ એ વિચારને ઉખેડી દેવું. 'હેતુ શું છે' તે જોઈ લેવાનું. આપણા સિદ્ધાંતને અનુરૂપ છે કે સિદ્ધાંતની વિરુદ્ધ છે. સિદ્ધાંતની વિરુદ્ધ હોય તો તરત જ ઉખેડીને ફેંકી દેવું.

પ્રશ્નકર્તા : તે મારે સ્પર્શ કરવો જ નથી. પણ કોઈ છોકરી સામેથી સ્પર્શ કરે, તો પછી હું શું કરું ?

દાદાશ્રી : બરાબર. સાપ જાણી જોઈને અડે, તેને આપણે શું કરીએ ?(!) અડવાનું કેમ ગમે, પુરુષ કે સ્ત્રીને ? જ્યાં નરી ગંધ જ છે, ત્યાં અડવાનું કેમ ગમે ?

પ્રશ્નકર્તા : પણ સ્પર્શ કરતી વખતે આ કશું આમાનું યાદ નથી આવતું.

દાદાશ્રી : હા, એ યાદ શેનું આવે પણ ? તે ઘડીએ તો એ સ્પર્શ કરતી વખતે, એટલો બધો પોઈઝનસ હોય છે, તે મન-બુદ્ધિ-ચિત્ત-અહંકાર બધાં ઉપર આવરણ આવી જાય છે. માણસ બેભાન બની જાય છે. જાનવર જ જોઈ લો ને તે ઘડીએ !

સ્પર્શ થાય કે એવું તેવું થાય તો મને આવીને કહેવું ને હું તરત ચોખ્ખું કરી આપું.

સ્ત્રી અગર વિષયમાં રમણતા કરીએ, ધ્યાન કરીએ, નિદિધ્યાસન કરીએ તો એ ગાંઠ પડી જાય વિષયની. પછી શેનાથી ઓગળે એ ? ત્યારે કહે, વિષયના વિરુદ્ધ વિચારોથી ઓગળી જાય.

દ્રષ્ટિ બદલાય પછી રમણતા ચાલુ થાય. દ્રષ્ટિ બદલાય તો એનું કારણ છે, એની પાછળ ગયા અવતારના કોઝિઝ છે. તેથી કરીને બધાનું જોઈને દ્રષ્ટિ બદલાતી નથી. અમુકને જુએ ત્યારે દ્રષ્ટિ બદલાય છે. કૉઝીઝ હોય, એનો આગળનો હિસાબ ચાલુ આવતો હોય તે અને પછી રમણતા થાય તો જાણવું કે વધારે મોટો હિસાબ છે એટલે ત્યાં વધારે જાગૃતિ રાખવી. એની જોડે પ્રતિક્રમણના તીર માર માર કરવા. આલોચના-પ્રતિક્રમણ ને પ્રત્યાખ્યાન જબરજસ્ત હોય.

આ વિષય એ એવી વસ્તુ છે કે મનને અને ચિત્તને જે રીતે રહેતું હોય, તે રીતે નથી રહેવા દેતું ને એક ફેરો આમાં પડે કે આની મહીં આનંદ માનીને ઊલટું ચિત્તનું ત્યાં જ જવાનું વધી જાય છે અને 'બહુ સરસ છે, બહુ મઝાનું છે' એમ માનીને નર્યા પાર વગરનાં બધાં બીજ પડે છે.

પ્રશ્નકર્તા : પણ એ પૂર્વનું લઈને આવેલો હોયને એવું ?

દાદાશ્રી : એનું ચિત્ત ત્યાંનું ત્યાં જતું રહે, એ પૂર્વનું લઈને નથી આવ્યો. પણ પછી ચિત્ત એનું છટકી જ જાય છે, હાથમાંથી ! પોતે ના કહે તો ય છટકી જાય. એટલા માટે આ છોકરાઓ બ્રહ્મચર્યના ભાવમાં રહે તો સારું અને પછી એમ ને એમ જે સ્ખલન થાય, તે તો ગલન કહેવાય. રાતે થઈ ગયું, દહાડે થઈ ગયું, એ બધું ગલન કહેવાય. પણ આ છોકરાંઓને જો એક જ ફેરો વિષય અડ્યો હોય ને, તે પછી રાત- દહાડો એના એ જ સ્વપ્નાં આવે.

તને એવો અનુભવ છે કે વિષયમાં ચિત્ત જાય ત્યારે ધ્યાન બરાબર રહેતું નથી ?

પ્રશ્નકર્તા : ચિત જો સહેજ પણ વિષયનાં સ્પંદનોને ટચ થયેલું હોય તો કેટલાય કાળ સુધી પોતાને સ્થિરતા ના રહેવા દે.

દાદાશ્રી : એટલે હું શું કહેવા માગું છું કે જગત આખામાં ફરો. કોઈ પણ વસ્તુ તમારા ચિત્તને હરણ ન કરી શકે તો તમે સ્વતંત્ર છો. કેટલાંય વર્ષથી મારા ચિત્તને મેં જોયું છે કે કોઈ ચીજ હરણ કરી શકતી નથી એટલે પછી મારી જાતને હું સમજી ગયો, હું તદ્દન સંપૂર્ણ સ્વતંત્ર થયો છું. મનમાં ગમે તેવા ખરાબ વિચાર આવે તેનો વાંધો નથી, પણ ચિત્તનું હરણ ના જ થવું જોઈએ.

જેટલી ચિત્તવૃત્તિઓ ભટકે તેટલું આત્માને ભટકવું પડે. જ્યાં ચિત્તવૃત્તિ જાય, તે ગામ આપણે જવું પડશે. ચિત્તવૃત્તિ નકશો દોરે છે. આવતા ભવને માટે જવા-આવવાનો નકશો દોરી નાખે. એ નકશા પ્રમાણે પછી આપણે ફરવાનું. તો ક્યાં ક્યાં ફરી આવતી હશે ચિત્તવૃત્તિઓ ?

પ્રશ્નકર્તા : ચિત્ત જ્યાં ને ત્યાં નથી ઝલાઈ જતું, પણ એક ઠેકાણે ઝલાયું તો તે આગલો હિસાબ છે ?

દાદાશ્રી : હા, હિસાબ છે તો જ ઝલાય. પણ આપણે હવે શું કરવું? પુરુષાર્થ એનું નામ કહેવાય કે હિસાબ હોય ત્યાં ય ઝલાવા ના દે. ચિત્ત જાય અને ધોઈ નાખે ત્યાં સુધી અબ્રહ્મચર્ય ગણાતું નથી. ચિત્ત જાય ને ધોઈ ના નાખે તો એ અબ્રહ્મચર્ય કહેવાય.

જે ચિત્તને ડગાવે એ બધા જ વિષય છે. જ્ઞાનની બહાર જે જે વસ્તુમાં ચિત્ત જાય છે, એ બધા જ વિષય છે.

પ્રશ્નકર્તા : આપે કહ્યું કે વિચાર ગમે તે આવે તેનો વાંધો નથી, પણ ચિત્ત ત્યાં જાય તેનો વાંધો છે.

દાદાશ્રી : હા, ચિત્તની જ ભાંજગડ છે ને ! ચિત્ત ભટકે એ જ ભાંજગડને ! વિચાર તો ગમે તેવા હશે, એ વાંધો નહીં. પણ ચિત્ત આ જ્ઞાન મળ્યા પછી આઘુંપાછું ના થવું જોઈએ.

પ્રશ્નકર્તા : વખતે એવું થાય તો એનું શું ?

દાદાશ્રી : આપણે, ત્યાં આગળ 'હવે એવું ના થાય' એવો પુરુષાર્થ માંડવો પડે. પહેલાં જેટલું જતું હતું એટલું જ હજુ પણ જાય છે ?

પ્રશ્નકર્તા : ના, એટલું બધું સ્લીપ થતું નથી, છતાં એ પૂછું છું.

દાદાશ્રી : ના, પણ ચિત્ત તો જેવું જ ના જોઈએ. મનમાં ગમે તેવા ખરાબ વિચાર આવશે તેનો વાંધો નહીં, એને ખસેડ ખસેડ કરો. એની જોડે વાતચીતોનો વ્યવહાર કરો કે ફલાણો ભેગો થઈ જશે તો ક્યારે એ કરશો ? એના માટે લારીઓ, મોટરો ક્યાંથી લાવીશું ? અગર તો સત્સંગની વાત કરીએ એટલે મન પાછું નવા વિચાર દેખાડશે.

વધારેમાં વધારે ચિત્ત ફસાય શેમાં ? વિષયમાં અને ચિત્ત ફસાયું એટલું ઐશ્વર્ય તૂટી ગયું. ઐશ્વર્ય તૂટયું એટલે જાનવર થયો. એટલે વિષય એવી વસ્તુ છે કે એનાથી જ બધું જાનવરપણું આવ્યું છે. મનુષ્યમાંથી જાનવરપણું વિષયને લીધે થયું છે. છતાં આપણે શું કહીએ છીએ કે આ તો પહેલેથી સંઘરેલો માલ છે, તે નીકળે તો ખરો પણ ફરી નવેસરથી સંઘરો નહીં કરો, એ ઉત્તમ કહેવાય.

[૯] 'ફાઈલ' સામે કડકાઈ !

પ્રશ્નકર્તા : એ જે મોહની જાળ નાખે તો એનાથી કેવી રીતે બચવું ?

દાદાશ્રી : આપણે દ્રષ્ટિ જ ના માંડીએ. આપણે જાણીએ કે આ જાળ ખેંચનારી છે, એટલે એની જોડે દ્રષ્ટિ જ માંડવી નહીં.

જ્યાં આપણને લાગે કે આ તો અહીં ફસામણ જ છે, ત્યાં તો એને ભેગા જ ના થવું.

કોઈની જોડે દ્રષ્ટિ મિલાવીને વાત કરવી નહીં, નીચી દ્રષ્ટિ રાખીને જ વાત કરવી. દ્રષ્ટિથી જ બગડે છે. એ દ્રષ્ટિમાં વિષ હોય છે અને વિષ પછી ચઢે છે. એટલે દ્રષ્ટિ મંડાઈ હોયને, નજર ખેંચાઈ હોય તો તરત પ્રતિક્રમણ કરી લેવું, અહીં તો ચેતતા જ રહેવું જોઈએ. જેને આ જીવન બગડવા ના દેવું હોય એણે બિવેર રહેવું.

જ્યાં મન ખેંચાતું હોય, તે ફાઈલ આવે તે ઘડીએ મન ચંચળ જ રહ્યાં કરે.

તે ઘડીએ મન ચંચળ થાય ને અમને મહીં બહુ દુઃખ થાય. આનું મન ચંચળ થયું હતું. એટલે મારી આંખ કડક થઈ જાય.

ફાઈલ આવે તે ઘડીએ મહીં કૂદાકૂદ કરી મેલે. ઉપર જાય, નીચે જાય, એના વિચાર આવતાંની સાથે, એ તો મહીં નર્યો ગંદવાડો ભરેલો છે, કચરો માલ છે. મહીં આત્માની જ કિંમત છે !

ફાઈલ ગેરહાજર હોય ને યાદ રહે તો બહુ જોખમ કહેવાય. ફાઈલ ગેરહાજર હોય તો યાદ ના રહે પણ એ આવે કે તરત અસર કરે એ સેકંડરી જોખમ. આપણે એની અસર થવા જ ના દઈએ. સ્વતંત્ર થવાની જરૂર. આપણી તે ઘડીએ લગામ જ તૂટી જાય. પછી લગામ રહે નહીં ને !

જેને ફાઈલ થયેલી જ હોય, એને માટે બહુ જોખમ રહ્યું. એના માટે કડક રહેવું. સામે આવે તો આંખ કાઢવી જોઈએ. તો એ ફાઈલ ડરતી રહે. ઉલટું ફાઈલ થયા પછી તો લોક ચંપલ મારે, તો ફરી એ મોઢું દેખાડતો જ ભૂલી જાય.

પ્રશ્નકર્તા : ફાઈલ હોય, એના ઉપર આપણને તિરસ્કાર ઊભો ના થતો હોય તો જાણી-જોઈને તિરસ્કાર ઊભો કરવો ?

દાદાશ્રી : હા. તિરસ્કાર કેમ ઊભો ના થાય ? જે આપણું આટલું બધું અહિત કરે છે, તેના પર તિરસ્કાર ના થાય ? માટે હજુ પોલ છે ! દાનત ચોર છે !

પ્રશ્નકર્તા : બહુ પરિચય થયો હોય તો એનો અપરિચય કેવી રીતે કરવો ? તિરસ્કાર કરીને ?

દાદાશ્રી : 'ન્હોય મારું, ન્હોય મારું' કરીને, ઘણાં પ્રતિક્રમણ કરવાં. પછી રૂબરૂમાં મળી જાય તે ઘડીએ આપી દેવું જોઈએ. 'શું મોઢું લઈને ફર્યા કરે છે, જાનવર જેવી, યુઝલેસ !' પછી એ ફરી મોઢું ના દેખાડે.

પ્રશ્નકર્તા : સામી ફાઈલ એ આપણા માટે ફાઈલ નથી, પણ એના માટે આપણે ફાઈલ છીએ એવું આપણને ખબર પડે તો આપણે શું કરવું ?

દાદાશ્રી : તો તો વહેલું વધારે ઉડાડી દેવું. વધારે કડક થવું. એ ચીતરવાનું જ બંધ કરી દેને. ના હોય તો ગાંડું હઉં બોલવું. એને કહેવું કે 'ચાર ધોલો મારી દઈશ, જો તું મારી સામે આવીશ તો ! મારા જેવો ચક્રમ નહીં મળે કોઈ.' એવું કહીએ એટલે પછી ફરી પેસે નહીં. એ તો આવી જ રીતે ખસે.

[૧૦] વિષયી વર્તન ? તો ડિસમીસ !

અહીં દ્રષ્ટિ બગડે ત્યારે એ ખોટું કહેવાય. અહીં તો બધા વિશ્વાસથી આવે ને !

અને આ તો બીજે પાપ કર્યું હોય ને, તે અહીં આવે તો ધોવાઈ જાય, પણ અહીંનું પાપ કરેલું નર્કગતિમાં ભોગવાય. થઈ ગયાં હોય તેને લેટ ગો કરીએ પણ નવું તો થવા ના દઈએ ને ! થઈ ગયાનો કંઈ ઉપાય છે પછી.

પાશવતા કરવી, તેનાં કરતાં પૈણવું સારું. પૈણવામાં શો વાંધો છે ? એ પાશવતા સારી હજુ, પૈણ્યાની ! પૈણવું નહીં ને ખોટા ચેનચાળા કરવા, એ તો ભયંકર પાશવતા કહેવાય, નર્કગતિના અધિકારી ! અને તે તો અહીં હોય જ નહીં ને ? પૈણવું એ તો હક્કના વિષય કહેવાય.

બ્રહ્મચર્ય ભંગ કરવું એ મોટો દોષ. બ્રહ્મચર્ય ભંગ થાય ત્યારે મુશ્કેલી, હતા ત્યાંથી ગબડી પડ્યા. રોપેલું ઝાડ હોય દસ વર્ષનું અને પડી જાય તો પછી આજથી જ રોપ્યા એવું જ થયું ને પાછું દસે ય વર્ષ નકામા ગયા ને ! અને બ્રહ્મચર્યવાળો પડી ગયો. એક જ દહાડો પડી જાય એટલે ખલાસ થઈ ગયો.

પ્રશ્નકર્તા : નિશ્ચય તો છે પણ ભૂલો થઈ જાય છે.

દાદાશ્રી : ભૂલો બીજી થાય તો ચલાવી લેવાય. વિષય સંયોગ ના થવો જોઈએ.

બે કલમો, એક વિષયી વર્તન, વિષયી વર્તન થાય તો અમે જાતે નિવૃત થઈ જઈશું, કોઈને નિવૃત કરવા નહીં પડે. એવું લખવાનું. જાતે જ આ સ્થાન છોડીને અમે ચાલ્યા જઈશું અને બીજું આ પ્રમાદ થશે દાદાની હાજરીમાં ઝોકાં ખાવાનું તો સંઘ જે અમને શિક્ષા કરશે તે ઘડીએ. ત્રણ દા'ડાની ભૂખ્યા રહેવાની કે એવી તેવી, જે કંઈ શિક્ષા કરે તે સ્વીકારીશું.

[૧૧] સેફસાઈડ સુધીની વાડ...

બ્રહ્મચર્ય પાળી શકવા માટે આટલાં કારણો હોવાં જોઈએ. એક તો આપણું આ 'જ્ઞાન' હોવું જોઈએ. પાછી આટલી જરૂરિયાત જોઈએ તો ખરી, કે બ્રહ્મચારીઓનું ટોળું હોવું જોઈએ, બ્રહ્મચારીની જગ્યા શહેરથી જરા દૂર હોવી જોઈએ અને પાછળ પોષણ હોવું જોઈએ. એટલે આવાં બધા 'કૉઝીઝ' હોવાં જોઈએ.

પ્રશ્નકર્તા : એનો અર્થ એવો થયો કે કુસંગ નિશ્ચયબળને કાપી નાખે ?

દાદાશ્રી : હા, નિશ્ચયબળને કાપી નાખે ! અરે, માણસનું આખું પરિવર્તન જ કરી નાખે અને સત્સંગે ય માણસનું પરિવર્તન કરી નાખે. પણ એક ફેરો કુસંગમાં ગયેલો, સત્સંગમાં લાવવો હોય તો બહુ અઘરો પડી જાય અને સત્સંગવાળાને કુસંગી બનાવવો હોય તો વાર ના લાગે.

પ્રશ્નકર્તા : બધી ગાંઠો છે, તેમાં વિષયની ગાંઠ જરા વધારે પજવે છે.

દાદાશ્રી : એ અમુક ગાંઠ વધારે પજવે. તેને માટે આપણે લશ્કર તૈયાર રાખવું પડે. આ બધી ગાંઠો તો ધીમે ધીમે એક્ઝોસ્ટ થયા જ કરે છે, ઘસાયા જ કરે છે; તે એક દહાડો બધી વપરાઈ જ જવાની ને ?!

પ્રશ્નકર્તા : લશ્કર એટલે શું ? પ્રતિક્રમણ ?

દાદાશ્રી : પ્રતિક્રમણ, દ્રઢ નિશ્ચય, એ બધું લશ્કર રાખવું પડે અને 'જ્ઞાની પુરુષ'નાં દર્શન, એ દર્શનથી છૂટા પડી જાવ તો ય વેષ થઈ પડે. એટલે સેફસાઈડ એ કંઈ સહેલી વસ્તુ નથી.

પ્રશ્નકર્તા : સંપૂર્ણ સેફસાઈડ ક્યારે થાય ?

દાદાશ્રી : સંપૂર્ણ સેફસાઈડ ક્યારે થાય, તેનું તો ઠેકાણું જ નહીં ને ! પણ પાંત્રીસ વર્ષ પછી જરા એના દિવસ આથમવા માંડે, એટલે એ તમને બહુ હેરાન ના કરે. પછી તમારા ધાર્યા પ્રમાણે ચાલ્યા કરે, એ તમારા વિચારોને આધીન રહે. તમારી ઇચ્છા ના બગડે, તમને પછી કોઈ નુકસાન ના કરે. પણ પાંત્રીસ વર્ષ સુધી તો બહુ જ જોખમદારી !!

[૧૨] તિતિક્ષાનાં તપે કેળવો મન-દેહ !!

પ્રશ્નકર્તા : ઉપવાસ કર્યો હોય, એ રાત્રે જુદી જ જાતનો આનંદ લાગે છે, એનું શું કારણ ?

દાદાશ્રી : બહારનું સુખ ના લે એટલે અંદરનું સુખ ઉત્પન્ન થાય જ. આ બહારનું સુખ લે છે એટલે અંદરનું સુખ બહાર પ્રગટ થતું નથી.

અમે ઊણોદરી તપ ઠેઠ સુધી રાખેલું ! બેઉ ટાઈમ જરૂરિયાત કરતાં ઓછું જ ખાવાનું, કાયમને માટે ! ઊણું જ ખાવાનું એટલે મહીં જાગૃતિ નિરંતર રહે. ઊણોદરી તપ એટલે શું કે રોજ ચાર રોટલી ખાતા હોય તો પછી બે કરી નાખે, એનું નામ ઊણોદરી તપ કહેવાય.

પ્રશ્નકર્તા : ખોરાકથી જ્ઞાનને કેટલો બાધ આવે ?

દાદાશ્રી : બહુ બાધ આવે. ખોરાક બહુ બાધક છે. કારણ કે આ ખોરાક જે પેટમાં જાય છે, તેનો પછી દારૂ થાય છે ને આખો દહાડો પછી દારૂનો કેફ, મેણો ને મેણો ચઢ્યા કરે છે.

જેને બ્રહ્મચર્ય પાળવું છે, તેણે ખ્યાલ રાખવો કે અમુક ખોરાકથી ઉત્તેજના વધી જાય છે. તે ખોરાક ઓછો કરી નાખવો. ચરબીવાળા ખોરાક જેવા કે ઘી- તેલ ના લેવાય, દૂધે ય જરા ઓછું લેવું, પણ દાળ-ભાત-શાક-રોટલી એ બધું નિરાંતે ખાવ અને તે ખોરાકનું પ્રમાણ ઓછું રાખવું. દબાણપૂર્વક ખાવું નહીં. એટલે ખોરાક કેટલો લેવો જોઈએ કે આમ મેણો ના ચઢે અને રાતે ત્રણ-ચાર કલાક જ ઊંઘ આવે એટલો ખોરાક લેવો જોઈએ.

આવડાં નાનાં નાનાં છોકરાંને મગસ ને ગુંદરપાકને એ બધું ખવડાવે છે, તે પછી એની અસરો બહુ ખરાબ પડે છે, એ બહુ વિકારી થઈ જાય છે. એટલે નાના છોકરાને બહુ ના આપવું જોઈએ, એનું પ્રમાણ સચવાવું જોઈએ.

હું તો ચેતવણી આપું છું કે બ્રહ્મચર્ય પાળવું હોય તો કંદમૂળ ન ખવાય.

પ્રશ્નકર્તા : કંદમૂળ ન ખવાય ?

દાદાશ્રી : કંદમૂળ ખાવું ને બ્રહ્મચર્ય પાળવું, એ રોંગ ફિલોસોફી છે, વિરોધી છે.

પ્રશ્નકર્તા : કંદમૂળ નહીં ખાવાનું, જીવહિંસાને લીધે કે બીજું કોઈ કારણ છે ?

દાદાશ્રી : એ કંદમૂળ તો અબ્રહ્મચર્યને જબરજસ્ત પુષ્ટિ આપનારું છે. આવાં નિયમો કરવા પડે કે જેથી એનું આ કેમ બ્રહ્મચર્ય રહે-ટકે.

 

ભાગ
 1 -  2  - 3  -  4  -  5  -  6