ભાગ
 1 -  2  - 3  -  4  -  5  -  6 


ખંડ : ૨

[૧૩] ન હો અસાર, પુદ્ગલસાર !

બ્રહ્મચર્ય એ શું છે ? એ પુદ્ગલસાર છે. આપણે જે ખાવાનું ખઈએ-પીએ, એ બધાંનો સાર શું રહ્યો ? 'બ્રહ્મચર્ય'! એ સાર જો તમને જતો રહે તો આત્માનો જે એને આધાર છે, તે આધાર 'લૂઝ' થઈ જાય ! એટલે બ્રહ્મચર્ય મુખ્ય વસ્તુ છે. એક બાજુ જ્ઞાન હોય ને બીજી બાજુ બ્રહ્મચર્ય હોય, તો સુખનો પાર જ નહીં ને ! પછી એવું ચેન્જ મારે કે ન પૂછો વાત ! કારણ કે બ્રહ્મચર્ય એ પુદ્ગલસાર છે ને ?

આ બધું ખાય છે-પીવે છે, એનું શું થતું હશે પેટમાં ?

પ્રશ્નકર્તા : લોહી થાય.

આ લોહીનું પછી શું થાય ?

પ્રશ્નકર્તા : લોહીનું વીર્ય થાય.

દાદાશ્રી : એમ ! વીર્યને સમજું છું ? લોહીનું વીર્ય થાય, તે વીર્યનું પછી શું થાય ? લોહીની સાત ધાતુઓ કહે છે ને ? એમાંથી એકમાંથી હાડકાં થાય, એકમાંથી માંસ થાય, એમાંથી પછી છેવટે છેલ્લામાં છેલ્લું વીર્ય થાય. છેલ્લી દશા વીર્ય થાય. વીર્ય એ પુદ્ગલસાર કહેવાય. દૂધનો સાર એ ઘી કહેવાય, એવું આ ખોરાક ખાધાનો સાર વીર્ય કહેવાય.

લોકસાર એ મોક્ષ છે અને પુદ્ગલસાર એ વીર્ય છે. જગતની સર્વ ચીજો અધોગામી છે. વીર્ય એકલું જ જો ધારે તો ઊર્ધ્વગામી થઈ શકે. એટલે વીર્ય ઊર્ધ્વગામી થાય એવા ભાવ ભાવવા જોઈએ.

પ્રશ્નકર્તા : આ જ્ઞાનમાં રહીએ તો એની મેળે ઊર્ધ્વગમન થાય જ ને ?

દાદાશ્રી : હા, અને આ જ્ઞાન જ એવું છે કે આપણા જ્ઞાનમાં રહો તો કશો વાંધો નથી, પણ અજ્ઞાન ઊભું થાય ત્યારે મહીં આ રોગ ઊભો થાય. તે ઘડીએ જાગૃતિ રાખવી પડે. વિષયમાં તો પાર વગરની હિંસા છે, ખાવા-પીવામાં કંઈ એવી હિંસા નથી થતી.

આ જગતમાં સાયન્ટિસ્ટો ને બધા લોકો કહે છે કે વીર્ય-રજ અધોગામી છે. પણ અજ્ઞાનતા છે, તેને લીધે અધોગામી છે. જ્ઞાનમાં તો ઊર્ધ્વગામી થાય છે. કારણ કે જ્ઞાનનો પ્રતાપ છે ને ! જ્ઞાન હોય તો કશો વિકાર જ ના થાય.

પ્રશ્નકર્તા : આત્મવીર્ય પ્રગટ થાય એટલે એમાં શું હોય ?

દાદાશ્રી : આત્માની શક્તિ બહુ વધે.

પ્રશ્નકર્તા : તો આ જે દર્શન છે, જાગૃતિ છે, એ અને આત્મવીર્ય એ બેનું કનેકશન શું ?

દાદાશ્રી : જાગૃતિ એ આત્મવીર્યમાં ગણાય. આત્મવીર્યનો અભાવ એટલે વ્યવહારનું સોલ્યુશન ના કરે, પણ વ્યવહાર ખસેડીને ઊંચો મૂકી દે. આત્મવીર્યવાળો તો કહેશે ગમે તે આવોને, એ ગૂંચાય નહીં. પણ હવે એ શક્તિઓ બધી ઉત્પન્ન થશે !

પ્રશ્નકર્તા : એ શક્તિઓ બ્રહ્મચર્યથી ઊભી થાય ?

દાદાશ્રી : હા, બ્રહ્મચર્ય સારી રીતે પળાય ત્યારે અને સહેજ લીકેજ ના થવું જોઈએ. આ તો શું થયું છે કે વ્યવહાર શીખ્યા નથી અને એમને એમ આ બધું હાથમાં આવી ગયું છે !

જ્યાં રુચિ ત્યાં વીર્ય વર્તે આત્માનું. એટલે આ લોકોને રુચિ શેમાં ? આઈસ્ક્રીમમાં ખરી, પણ આત્મામાં નહીં.

આ સંસાર ગમે નહીં, બહુ રૂપાળીમાં રૂપાળી ચીજ સ્હેજે ગમે નહીં. પેલું જ, આત્મા તરફ જ ગમ્યા કરે, ગમો બદલાઈ જાય. અને દેહવીર્ય પ્રગટ થાય ત્યારે પેલું આત્માનું ગમે નહીં.

પ્રશ્નકર્તા : આત્મવીર્ય પ્રગટ થાવું કેવી રીતે બને ?

દાદાશ્રી : નિશ્ચય કર્યો હોય ને અમારી આજ્ઞા પાળવાની, ત્યારથી ઉર્ધ્વગતિએ જાય.

વીર્યને એવી ટેવ નથી, અધોગતિમાં જવું. એ તો પોતાનો નિશ્ચય નહીં એટલે અધોગતિમાં જાય છે. નિશ્ચય કર્યો એટલે બીજી બાજુ વળે, અને પછી મોઢા પર બીજા બધાને તેજ દેખાતું થાય અને બ્રહ્મચર્ય પાળતાં મોઢા પર કંઈ અસર ના થઈ, તો 'બ્રહ્મચર્ય પૂરું પાળ્યું નથી' એમ કહેવાય.

પ્રશ્નકર્તા : વીર્યનું ઉર્ધ્વગમન શરુ થવાનું હોય તો એનાં લક્ષણો શું ?

દાદાશ્રી : તેજી આવતી થાય, મનોબળ વધતું જાય, વાણી ફર્સ્ટ કલાસ નીકળે. વાણી મીઠાશવાળી હોય. વર્તન મીઠાશવાળું હોય. એ બધું એનું લક્ષણ હોય. એ તો વાર લાગે ઘણી, એમ ને એમ અત્યારે એ ના થાય. અત્યારે એકદમ ના થઈ જાય.

પ્રશ્નકર્તા : સ્વપ્નદોષ કેમ થતાં હશે ?

દાદાશ્રી : ઉપર ટાંકી હોય પાણીની, તે પાણી નીચે પડવા માંડે એટલે ના સમજીએ કે ઉભરાઈ ! સ્વપ્નદોષ એટલે ઉભરાવું. ટાંકી ઉભરાઈ ! તે કોક ના રાખવો જોઈએ ?

એટલે ખોરાક ઉપર કંટ્રોલ કરે તો સ્વપ્નદોષ ના થાય. તેથી આ મહારાજ આ એક વખત આહાર કરે છે ને ત્યાં ! બીજું કશું લેવાનું જ નહીં, ચા-બા કશું નહીં લેવાનું.

પ્રશ્નકર્તા : એમાં રાત્રિનો ખોરાક મહત્વનો. રાત્રિનું ઓછું કરવું જોઈએ.

દાદાશ્રી : રાતના ખોરાક જ ના જોઈએ, આ એક જ વખત મહારાજ આહાર લે છે.

છતાં ડિસ્ચાર્જ થાય એનો વાંધો નહીં. એ તો ભગવાને કહ્યું, વાંધો નહીં. એ ભરાય પછી બૂચ ખુલ્લો થઈ જાય. ઊર્ધ્વગમન થયું નથી બ્રહ્મચર્ય, ત્યાં સુધી અધોગમન જ થાય. ઊર્ધ્વગમન તો બ્રહ્મચર્ય લેવાની શરત કરી, ત્યારથી જ શરુઆત થાય.

ચેતીને આપણે ચાલવું સારું. મહિનામાં ચાર વખત થાય તો ય વાંધો નહીં. આપણે જાણી-જોઈને ડિસ્ચાર્જ કરવું ના જોઈએ. એ ગુનો છે, આપઘાત કહેવાય. એમ ને એમ થાય તેનો વાંધો નહીં. આ તો આ બધું આડા-અવળું ખાવાનું પરિણામ છે. આવી ડિસ્ચાર્જની કોણ છૂટ આપે ? પેલા ભઈ કહે છે, ડિસ્ચાર્જ ય ન થવો જોઈએ. ત્યારે શું મરી જઉં ? કૂવામાં પડું, કહીએ ?

પ્રશ્નકર્તા : વીર્યનું ગલન થાય છે એ પુદ્ગલ સ્વભાવમાં હોય કે કોઈ જગ્યાએ આપણી લીકેજ હોય છે એટલે થાય છે ?

દાદાશ્રી : આપણે જોઈએ અને આપણી દ્રષ્ટિ બગડી, એટલે વીર્યનો અમુક ભાગ છે તે 'એક્ઝોસ્ટ' થઈ ગયો કહેવાય.

પ્રશ્નકર્તા : એ તો વિચારોથી પણ થઈ જાય છે.

દાદાશ્રી : વિચારોથી પણ 'એક્ઝોસ્ટ' થાય, દ્રષ્ટિથી પણ 'એકઝોસ્ટ' થાય. તે 'એકઝોસ્ટ' થયેલો માલ પછી ડિસ્ચાર્જ થયા કરે.

પ્રશ્નકર્તા : પણ આ જે બ્રહ્મચારીઓ છે તેમને તો કંઈ એવા સંજોગો ના હોય, તેઓ સ્ત્રીઓથી દૂર રહે છે, ફોટા રાખતા નથી, કેલેન્ડર રાખતા નથી, છતાં એમને ડિસ્ચાર્જ થઈ જાય છે. તો એમનું સ્વાભાવિક ડિસ્ચાર્જ ના કહેવાય ?

દાદાશ્રી : તો પણ એમને મનમાં આ બધું દેખાય છે. બીજું, એ ખોરાક બહુ ખાતો હોય અને એનું વીર્ય બહુ બનતું હોય, પછી એ પ્રવાહ વહી જાય એવું ય બને.

વીર્યનું સ્ખલન કોને ના થાય ? જેનું વીર્ય બહુ મજબૂત થઈ ગયું હોય, બહુ ઘટ્ટ થઈ ગયેલું હોય, તેને ના થાય. આ તો બધાં પાતળાં થઈ ગયેલાં વીર્ય કહેવાય.

પ્રશ્નકર્તા : મનોબળથી પણ એને અટકાવી શકાય ને ?

દાદાશ્રી : મનોબળ તો બહુ કામ કરે ! મનોબળ જ કામ કરે ને ! પણ તે જ્ઞાનપૂર્વકનું હોવું જોઈએ. એમ ને એમ મનોબળ રહે નહીં ને !

પ્રશ્નકર્તા : સ્વપ્નમાં ડિસ્ચાર્જ જે થાય છે, એ પાછલી ખોટ છે ?

દાદાશ્રી : એનો કોઈ સવાલ નથી. આ પાછલી ખોટો સ્વપ્નાવસ્થામાં બધી જતી રહે. સ્વપ્નાવસ્થા માટે આપણે ગુનેગાર ગણતા નથી. આપણે જાગૃત અવસ્થાને ગુનેગાર ગણીએ છીએ, ઉઘાડી આંખે જાગૃત અવસ્થા ! છતાં પણ સ્વપ્નાં આવે. માટે એને બિલકુલ કાઢી નાખવા જેવું નથી, ત્યાં ચેતતા રહેવું. સ્વપ્નાવસ્થા પછી સવારમાં પસ્તાવો કરવો પડે, એનું પ્રતિક્રમણ કરવું પડે કે આવું ના હો. આપણી પાંચ આજ્ઞા પાળે તો એમાં કોઈ દહાડો વિષય-વિકાર થાય એવું છે જ નહીં.

આ તો તમારે બ્રહ્મચર્ય પાળવું હોય તો આ બધું ચેતતા રહેવું પડે. વીર્ય ઊર્ધ્વગામી થાય ત્યાર પછી એની મેળે ચાલ્યા કરે. હજુ તો વીર્ય ઊર્ધ્વગામી થયું નથી. હજુ તો એનો અધોગામી સ્વભાવ છે. વીર્ય ઊર્ધ્વગામી થાય, ત્યારે બધું ય ઊંચે ચડે. પછી તો વાણી-બાણી ફક્કડ નીકળે, મહીં દર્શને ય ઊંચી જાતનું ખીલેલું હોય. વીર્ય ઊર્ધ્વગામી થાય પછી વાંધો ના આવે, ત્યાં સુધી તો ખાવા-પીવાનું બહુ નિયમ રાખવા પડે. વીર્ય ઊર્ધ્વગામી થવા માટે તમારે એને મદદ તો કરવી પડે કે એમ ને એમ જ ચાલ્યા કરશે ?

બ્રહ્મચર્ય આમ કેટલાંક વરસ જો કદી સચવાઈ ગયું કંટ્રોલપૂર્વક, તો પછી વીર્ય ઊર્ધ્વગામી થાય ને ત્યારે આ શાસ્ત્રો-પુસ્તકો એ બધાં મગજમાં ધારણ કરી શકે. ધારણ કરવું એ કાંઈ સહેલું નથી, નહીં તો વાંચે ને પાછો ભૂલતો જાય.

પ્રશ્નકર્તા : આ પ્રાણાયામ કરે, યોગ કરે, એ બ્રહ્મચર્ય માટે કંઈ હેલ્પફૂલ થઈ શકે ખરું ?

દાદાશ્રી : તે બ્રહ્મચર્ય માટેના ભાવથી કરે તો હેલ્પીંગ થઈ શકે છે. બ્રહ્મચર્ય માટેનો ભાવ હોવો જોઈએ અને તમારે શરીર સારું કરવા માટે કરવું હોય તો એનાથી શરીર સારું થાય. એટલે ભાવ ઉપર બધો આધાર છે. પણ આવા તેવામાં તમે પડશો નહીં, નહીં તો આપણો આત્મા રહી જશે.

બ્રહ્મચર્ય વ્રત લીધું હોય. કશુંક અવળું-હવળું થાયને ત્યારે ગૂંચાય. એક છોકરો મુંઝાતો'તો, મેં કહ્યું, 'કેમ ભઈ, મુંઝાઉ છું ?' તમને કહેતાં મને શરમ આવે છે. મેં કહ્યું, 'શું શરમ આવે છે ? લખીને આપ બળ્યું.' મોઢે કહેતાં શરમ આવે તો લખીને આપ. 'મહિનામાં બે-ત્રણ વખત મને ડિસ્ચાર્જ થઈ જાય છે.' કહે છે. 'મેર ગાંડિયા, એમાં તો શું આટલો બધો ગભરાઉ છું ! તારી દાનત નથી ને ? તારી દાનત ખોટી છે ?' ત્યારે કહે, 'બિલકુલ નહીં, બિલકુલ નહીં.' ત્યારે મેં કહ્યું, 'તારી દાનત ચોખ્ખી હોય તો બ્રહ્મચર્ય જ છે' કહ્યું. ત્યારે કહે, 'પણ આવું થાય ?' મેં કહ્યું, ભઈ, એ ગલન ન્હોય ? એ તો પૂરણ થયેલું ગલન થઈ જાય. એમાં તારી દાનત ના બગડવી જોઈએ. એવું રાખજે, એ સાચવવી. દાનત ના બગડવી જોઈએ કે આમાં સુખ છે. મહીં મુંઝાયને બિચારો ! તો ચોખ્ખું તરત કરી આપું.

હમણે કોઈ વિષયનો વિચાર આવ્યો, તરત તન્મયાકાર થયો એટલે મહીં માલ ખરીને નીચે ગયો. એટલે પછી ભેગો થઈને નીકળી જાય હડહડાટ. પણ વિચાર આવે ને તરત ઉખાડી નાખે તો મહીં ખરે નહીં પછી, ઉર્ધ્વગામી થાય. એટલું બધું મહીં વિજ્ઞાન છે આખું !!

પ્રશ્નકર્તા : વિચાર આવતાંની સાથે જ.

દાદાશ્રી : ઓન ધી મોમેન્ટ. બહાર ના નીકળે પણ મહીં અંદર પડી ગયું જુદું એ. બહાર નીકળવા લાયક થઈ ગયું એ શરીરનો માલ રહ્યો નહીં.

પ્રશ્નકર્તા : છૂટું પડી ગયું પછી પ્રતિક્રમણ કરે તો પાછું ઊંચે આવશે કે ઉર્ધ્વગમન ના થાય ?

દાદાશ્રી : પ્રતિક્રમણ કરે તો શું થાય ? કે તમે એનાથી જુદા છો એવો અભિપ્રાય દેખાડે છે કે અમારે એમાં લેવાદેવા નથી.

ભરેલો માલ એ તો નીકળ્યા વગર રહેવાનું નહીં. વિચાર આવ્યો તેને પોષણ આપ્યું, તો વીર્ય મડદાલ થઈ ગયું. એટલે કોઈ પણ રસ્તે ડિસ્ચાર્જ થઈ જાય છે અને જો ટક્યું મહીં, વિષયનો વિચાર જ ના આવ્યો તો ઊર્ધ્વગામી થાય. વાણી-બાણી બધામાં મજબૂત થઈને આવે. નહીં તો વિષયને અમે સંડાસ કહેલું જ છે. બધું ઊભું થાય છે તે સંડાસ થવા માટે જ થાય છે. બ્રહ્મચર્ય પાળે તેને બધું આવે. પોતાને વાણીમાં, બુદ્ધિમાં, સમજણમાં બધામાં આવે, પ્રગટ થાય. નહીં તો વાણી બોલે તો ખીલે નહીં, ઉગેય નહીં ને. એ ઉર્ધ્વગમન થાય તો પછી આ બધી વાણી ફર્સ્ટકલાસ થઈ જાય ને બધી શક્તિઓ ઊભી થાય પછી. આવરણો તૂટી જાય બધા.

વિષયનો વિચાર તો ક્યારે આવે ? આમ જોયું અને આકર્ષણ થયું એટલે વિચાર આવે. કોઈ વખત એવું પણ બને કે આકર્ષણ થયા વગર વિચાર આવે. વિષયનો વિચાર આવ્યો એટલે મનમાં એકદમ મંથન થાય અને સહેજ પણ મંથન થાય એટલે પછી એ સ્ખલન થઈ જ જાય, તરત જ, ઓન ધી મોમેન્ટ. માટે આપણે છોડવો ઊગતાં પહેલાં જ ઉખાડી નાખવો જોઈએ. બીજું બધું ચાલે, પણ આ છોડવો બહુ વસમો હોય. જે સ્પર્શ નુકસાનકર્તા હોય, જે માણસનો સંગ નુકસાનકર્તા હોય ત્યાંથી દૂર રહેવું જોઈએ. તેથી તો શાસ્ત્રકારોએ એટલું બધું ગોઠવેલું કે આમ સ્ત્રી જ્યાં બેઠી હોય ત્યાં એ જગ્યા ઉપર બેસો નહીં, જો બ્રહ્મચર્ય પાળવું હોય તો, અને જો સંસારી રહેવું હોય તો ત્યાં તમે તમારે બેસજો, રહેજો.

પ્રશ્નકર્તા : તો ખરેખર તો વિચાર જ ના આવવો જોઈએ ને ?

દાદાશ્રી : વિચાર તો આવ્યા વગર રહે નહીં. મહીં ભરેલો માલ છે એટલે વિચાર તો આવે, પણ પ્રતિક્રમણ એનો ઉપાય છે. વિચાર ના આવવો જોઈએ એવું બને તો ગુનો છે.

પ્રશ્નકર્તા : ત્યાં સુધીની સ્ટેજ આવવી જોઈએ એમ ?

દાદાશ્રી : હા, પણ એ વિચાર ના આવવો, એ તો ઘણે કાળે ડેવલપ થતો થતો આગળ આવે છે. પ્રતિક્રમણ કરતો કરતો આગળ જાય, એટલે પછી એને પૂર્ણાહુતિ થાય ને ! પ્રતિક્રમણ કરવા માંડ્યાં એટલે પછી પાંચ અવતારે - દસ અવતારે ય પૂર્ણાહુતિ થઈ જાય ને ! એક અવતારમાં તો ખલાસ ના પણ થાય.

આ તો લોકો જાણતા નથી કે આ વિચાર આવ્યો, તો શું થશે ? આ તો કહેશે કે વિચાર આવ્યો માટે શું બગડી ગયું ? લોકોને ખ્યાલ ના હોય તે વિચારને અને ડિસ્ચાર્જને એ બન્નેને લિંક કેવી રીતે છે. વિચાર જો એમ ને એમ ના આવે, તો બહાર જોવાથી પણ વિચાર ઊભો થાય.

[૧૪] બ્રહ્મચર્ય પમાડે બ્રહ્માંડનો આનંદ !

આ કળિયુગમાં, આ દુષમકાળમાં બ્રહ્મચર્ય પાળવું બહુ મુશ્કેલ છે. આપણું જ્ઞાન છે તે એવું ઠંડકવાળું છે. અંદર કાયમ ઠંડક રહે, એટલે બ્રહ્મચર્ય પાળી શકે. બાકી અબ્રહ્મચર્ય શાથી છે ? બળતરાને લીધે છે. આખો દહાડો કામકાજ કરીને બળતરા, નિરંતર બળતરા ઊભી થઈ છે. આ જ્ઞાન છે એટલે મોક્ષને માટે વાંધો નથી, પણ જોડે જોડે બ્રહ્મચર્ય હોય તો એનો આનંદે ય આવો જ હોય ને ?! હે ય... અપાર આનંદ, એ તો દુનિયાએ ચાખ્યો જ ના હોય એવો આનંદ ઉત્પન્ન થઈ જાય ! એટલે આવા વ્રતમાં જ જો પાંત્રીસ વર્ષનો એ પિરીયડ કાઢી નાખે, ત્યાર પછી તો અપાર આનંદ ઉત્પન્ન થાય !

બ્રહ્મચર્ય વ્રત બધાને કંઈ લેવાની જરૂર હોતી નથી. એ તો જેને ઉદયમાં આવે. મહીં બ્રહ્મચર્યના ખૂબ વિચાર આવ્યા કરતા હોય, તે પછી વ્રત લે. જેને બ્રહ્મચર્ય વર્તે, તેના તો દર્શનની વાત જ જુદી ને ? કો'કને ઉદય આવે, તેના માટે જ બ્રહ્મચર્ય વ્રત છે. ઉદયમાં આવે નહીં તો ઉલટો વાંધો પડી જાય, લોચો પડી જાય. બ્રહ્મચર્ય વ્રત વરસ દહાડાનું લઈ શકાય કે છ મહિનાનું પણ લઈ શકાય. આપણને બ્રહ્મચર્યના ખૂબ જ વિચાર આવ્યા કરતા હોય, એ વિચારને આપણે દબાય દબાય કરીએ તો ય વિચાર આવ્યા કરતા હોય તો જ બ્રહ્મચર્ય વ્રત માંગવું, નહીં તો આ બ્રહ્મચર્ય વ્રત માંગવા જેવું નથી. અહીં બ્રહ્મચર્ય વ્રત લીધા પછી વ્રત તોડવું એ મહાન ગુનો છે. તમને કંઈ કોઈએ બાંધ્યા નથી કે તમે વ્રત લો જ !

આ કાળમાં તો બ્રહ્મચર્ય આખી જિંદગીનું અપાય એવું નથી. આપવું એ જ જોખમ છે. વર્ષ દહાડાનું અપાય. બાકી આખી જિંદગીની આજ્ઞા લીધી અને જો એ પડે ને, તો પોતે તો પડે પણ આપણને પણ નિમિત્ત બનાવે. પછી આપણે મહાવિદેહ ક્ષેત્રમાં વીતરાગ ભગવાન પાસે બેઠા હોય તો ત્યાં ય આવે ને આપણને ઉઠાડે ને કહેશે, 'શું કામ આજ્ઞા આપી હતી ? તમને કોણે ડાહ્યા થવાનું કહ્યું હતું?' તે વીતરાગની પાસે ય આપણને જંપવા ના દે ! એટલે પોતે તો પડે પણ બીજાને ય ખેંચી જાય. માટે ભાવના કરજે અને અમે તને ભાવના કરવાની શક્તિ આપીએ છીએ. પદ્ધતિસરની ભાવના કરજે, ઉતાવળ ના કરીશ. ઉતાવળ એટલી કચાશ.

જો આ બ્રહ્મચર્ય વ્રત લઈશ ને સંપૂર્ણ કરેક્ટ પાળીશ, તો વર્લ્ડમાં અજાયબ સ્થાન પ્રાપ્ત કરીશ અને અહીંથી સીધો એકાવતારી થઈને મોક્ષે જઈશ. અમારી આજ્ઞામાં બળ છે, જબરજસ્ત વચનબળ છે. જો તારી કચાશ ના હોય તો વ્રત તૂટે નહીં, એટલું બધું વચનબળ છે.

ત્યાં સુધી બધું મહીં તાવી જોવાનું કે ભાવના જગત કલ્યાણની છે કે માનની ? પોતાના આત્માને તાવી જુએ તો બધી ખબર પડે એવું છે. વખતે મહીં માન રહેલું હોય તો ય એ નીકળી જશે.

એક જ માણસ સાચો હોય તો જગત કલ્યાણ કરી શકે ! સંપૂર્ણ આત્મભાવના હોવી જોઈએ. એક કલાક ભાવના ભાવ ભાવ કરજે અને વખતે તૂટી જાય તો સાંધીને પાછું ચાલુ કરજે.

જગતનું કલ્યાણ વધુ ક્યારે થાય ? ત્યાગમુદ્રા હોય ત્યારે વધારે થાય. ગૃહસ્થમુદ્રામાં જગતનું કલ્યાણ વધુ થાય નહીં, ઉપલક બધું થાય. પણ અંદરખાને બધી પબ્લિક ના પામે ! ઉપલકતામાં બધો મોટો મોટો વર્ગ પામી જાય, પણ પબ્લિક ના પામે. ત્યાગ આપણા જેવો હોવો જોઈએ. આપણો ત્યાગ એ અહંકારપૂર્વકનો નહીં ને ?! અને આ ચારિત્ર તો બહુ ઊંચું કહેવાય !

'હું શુદ્ધાત્મા છું' એ નિરંતર લક્ષમાં રહે, એ મહાનમાં મહાન બ્રહ્મચર્ય. એના જેવું બીજું બ્રહ્મચર્ય નથી. છતાં ય આચાર્યપદ પ્રાપ્ત કરવાના ભાવ મહીં હોય ત્યારે ત્યાં બહારનું બ્રહ્મચર્ય જોઈએ, ત્યાં લેડી ના ચાલે.

આ એકલું અબ્રહ્મચર્ય છોડે તો બધું આખું જગત આથમી જાય છે, હડહડાટ ! એક બ્રહ્મચર્ય પાળવાથી તો બધું આખું જગત જ ખલાસ થઈ જાય છે ને ! અને નહીં તો હજારો ચીજો છોડો, પણ એ કશું ભલીવાર આવે નહીં.

જ્ઞાની પુરુષની પાસે ચારિત્ર ગ્રહણ કરે, ખાલી ગ્રહણ જ કર્યું છે, હજી તો પળાયું જ નથી. ત્યારથી તો બહુ આનંદ છૂટે. તને કંઈ આનંદ છૂટ્યો છે ?

પ્રશ્નકર્તા : છૂટ્યો છે ને, દાદા ! તે ઘડીથી જ મહીં આખો ઉઘાડ થઈ ગયો.

દાદાશ્રી : લેતાંની સાથે જ ઉઘાડ થઈ ગયો ને ? લેતી વખતે એનું મન ક્લીયર જોઈએ. એનું મન તે વખતે ક્લીયર હતું, મેં તપાસ કરી હતી. આને ચારિત્ર ગ્રહણ કર્યું કહેવાય ! વ્યવહાર ચારિત્ર ! અને પેલું 'જોવું'-'જાણવું' રાખીએ, તે નિશ્ચય ચારિત્ર ! ચારિત્રનું સુખ જગત સમજ્યું જ નથી. ચારિત્રનું સુખ જ જુદી જાતનું છે.

પ્રશ્નકર્તા : વિષયથી છૂટ્યો ક્યારે કહેવાય ?

દાદાશ્રી : એને પછી વિષયનો એકેય વિચાર ના આવે.

વિષયસંબંધી કોઈ પણ વિચાર નહીં, દ્રષ્ટિ નહીં, એ લાઈન જ નહીં. એ જાણે જાણતો જ ના હોય એવી રીતે હોય, એ બ્રહ્મચર્ય કહેવાય.

[૧૫] 'વિષય' સામે વિજ્ઞાનની જાગૃતિ !

પ્રશ્નકર્તા : એ વસ્તુ પોતાને સમજાય કેવી રીતે કે આમાં પોતે તન્મયાકાર થયો છે ?

દાદાશ્રી : 'આપણો' એમાં વિરોધ હોય, 'આપણો' વિરોધ એ જ તન્મયાકાર ન થવાની વૃત્તિ. 'આપણે' વિષયના સંગમાં ચોંટવું નથી, એટલે 'આપણો' વિરોધ તો હોય જ ને ? વિરોધ હોય એ જ છૂટું અને ભૂલેચૂકે ચોંટી જાય, ગોથું ખવડાવીને ચોંટી જાય, તો પાછું તેનું પ્રતિક્રમણ કરવું પડે.

પ્રશ્નકર્તા : પોતાનો વિરોધ નિશ્ચયે કરીને તો છે જ, છતાં પણ એવું બને છે કે ઉદય એવાં આવે કે એમાં તન્મયાકાર થઈ જવાય, એ શું છે ?

દાદાશ્રી : વિરોધ હોય તો તન્મયાકાર થવાય નહીં અને તન્મયાકાર થયા તો 'ગોથું ખાઈ ગયા છે' એમ કહેવાય. તો એવું ગોથું ખાય, તેના માટે પ્રતિક્રમણ છે જ.

એ તો બેઉ દ્રષ્ટિ રાખવી પડે. એ શુદ્ધાત્મા છે, એ દ્રષ્ટિ તો આપણને છે જ. અને પેલી બીજી દ્રષ્ટિ તો જરા જો આકર્ષણ થાય તો જેમ છે એમ રાખવી જોઈએ, નહીં તો મોહ થઈ જાય.

પુદ્ગલનો સ્વભાવ જો જ્ઞાને કરીને રહેતો હોય, તો તો પછી આકર્ષણ થાય એવું છે જ નહીં. પણ પુદ્ગલનો સ્વભાવ જ્ઞાને કરીને રહેતો હોય, એવું હોય જ નહીંને કોઈ માણસને ! પુદ્ગલનો સ્વભાવ અમને તો જ્ઞાને કરીને રહે.

પ્રશ્નકર્તા : પુદ્ગલનો સ્વભાવ જ્ઞાને કરીને રહે તો આકર્ષણ ના રહે, એ ના સમજાયું.

દાદાશ્રી : એટલે શું કે કોઈ સ્ત્રીએ કે પુરુષે ગમે તેવાં કપડાં પહેર્યાં હોય તો કપડાં રહિત દેખાય, તે જ્ઞાને કરીને ફર્સ્ટ દર્શન. બીજું, સેકન્ડ દર્શન એટલે શરીર પરથી ચામડી ખસી જાય તેવું દેખાય અને થર્ડ દર્શન એટલે બધું જ અંદરનું દેખાડે એવું દેખાય. પછી આકર્ષણ રહે ખરું ?

કોઈ સ્ત્રી ઊભેલી હોય તેને જોઈ, પણ તરત દ્રષ્ટિ પાછી ખેંચી લીધી. છતાં તે પછી દ્રષ્ટિ તો પાછી ત્યાં ને ત્યાં જ જતી રહે, આમ દ્રષ્ટિ ત્યાં જ ખેંચાયા કરે એ 'ફાઈલ' કહેવાય. એટલે આટલી જ ભૂલ આ કાળમાં સમજવાની છે.

પ્રશ્નકર્તા : વધારે ફોડ પાડો કે કેવી રીતે દ્રષ્ટિ નિર્મળ કરવી ?

દાદાશ્રી : 'હું શુદ્ધાત્મા છું' એ જાગૃતિમાં આવી જાય, પછી દ્રષ્ટિ નિર્મળ થઈ જાય. ના થઈ હોય તો શબ્દથી પાંચ-દસ વખત બોલીએ કે, 'હું શુદ્ધાત્મા છું, હું શુદ્ધાત્મા છું, હું શુદ્ધાત્મા છું' તો ય પાછું આવી જાય અથવા 'દાદા ભગવાન જેવો નિર્વિકારી છું, નિર્વિકારી છું' એમ બોલીએ તો ય પાછું આવી જાય. એનો ઉપયોગ કરવો પડે, બીજું કશું નહીં. આ તો વિજ્ઞાન છે, તરત ફળ આપે અને જરાક જો ગાફેલ રહ્યો તો બીજી બાજુ ઉડાડી મારે એવું છે !

પ્રશ્નકર્તા : જાગૃતિ મંદ એટલે 'એક્ચ્યુલી' કેવી રીતે બને છે ?

દાદાશ્રી : એક ફેરો આવરણ આવી જાય એને. એ શક્તિને સાચવનારી જે શક્તિ છે ને, એ શક્તિ પર આવરણ આવી જાય, એ શક્તિ કામ કરતી બુઠ્ઠી થઈ જાય. પછી તે ઘડીએ જાગૃતિ મંદ થઈ જાય. એ શક્તિ બુઠ્ઠી થઈ ગઈ પછી કશું થાય નહીં, કશું વળે નહીં. પાછો ફરી માર ખાય, પછી માર ખાયા જ કરે. પછી મન, વૃત્તિઓ, એ બધું એને અવળું સમજાવે કે, 'આપણને તો હવે કશો વાંધો નથી. આટલું બધું તો છે ને ?'

પ્રશ્નકર્તા : એ શક્તિને રક્ષણ આપનારી શક્તિ એટલે શું ?

દાદાશ્રી : એક ફેરો સ્લિપ થયો, તે સ્લિપ નહીં થવાની જે મહીં શક્તિ હતી તે ઘસાય, એટલે કે એ શક્તિ લપટી પડતી જાય. એટલે પછી બાટલી આમ આડી થઈ કે દૂધ એની મેળે જ બહાર નીકળી જાય, પેલું તો આપણે બૂચ કાઢવો પડતો હતો.

[૧૬] લપસનારાંઓને, ઊઠાડી દોડાવે....

તમારે તો 'લપસી પડવું નથી', એવું નક્કી કરવાનું ને લપસી પડ્યા તો પછી મારે માફ કરવાનું. તમારું મહીં વખતે બગડવા માંડે કે તરત મને જણાવો. એટલે એનો કંઈક ઉકેલ આવે ! કંઈ એકદમ ઓછું સુધરી જ જવાનું છે ? બગડવાનો સંભવ ખરો !

એવું છે ને, જે ગુનાનું શું ફળ છે એ જાણીએ નહીં, ત્યાં સુધી એ ગુના થયા કરે છે. કૂવામાં કેમ કોઈ પડતું નથી ? આ વકીલો ગુના ઓછા કરે છે, શાથી ? આ ગુનાનું આ ફળ મળશે, એવું એ જાણે છે. માટે ગુનાનું ફળ જાણવું જોઈએ. પહેલાં તપાસ કરવી જોઈએ કે, ગુનાનું ફળ શું મળશે ? 'આ ખોટું કરું છું, એનું ફળ શું મળશે ?' એ તપાસ કરી લાવવી જોઈએ.

જેને દાદાનું નિદિધ્યાસન રહે, તેને બધાં જ તાળાં ઊઘડી જાય. દાદા જોડે અભેદતા એ જ નિદિધ્યાસન છે !!! બહુ પુણ્ય હોય ત્યારે એવું જાગે, અને 'જ્ઞાની'ના નિદિધ્યાસનનું સાક્ષાત્ ફળ મળે છે. એ નિદિધ્યાસન, પોતાની શક્તિ એ પ્રમાણે કરી આપે, તે રૂપ કરી આપે. કારણ કે 'જ્ઞાની'નું અચિંત્ય ચિંતામણિ સ્વરૂપ છે, એટલે તે રૂપ કરી નાખે. 'જ્ઞાની'નું નિદિધ્યાસન નિરાલંબ બનાવે. પછી 'આજે સત્સંગ થયો નહીં, આજે દર્શન થયાં નહીં.' એવું કશું એને ના રહે. જ્ઞાન પોતે નિરાલંબ છે, એવું પોતે નિરાલંબ થઈ જવું પડે, 'જ્ઞાની'ના નિદિધ્યાસનથી.

જેણે જગત કલ્યાણના નિમિત્ત બનવાનો ભેખ લીધો છે, એને જગતમાં કોણ આંતરી શકે ? કોઈ શક્તિ નથી કે એને આંતરી શકે. આખા બ્રહ્માંડના સર્વ દેવલોકો એની પર ફૂલ વરસાવી રહ્યાં છે. એટલે એ એક ધ્યેય નક્કી કરો ને ! જ્યારથી આ નક્કી કરો ત્યારથી જ આ શરીરની જરૂરિયાતની ચિંતા કરવાની રહેતી નથી. જ્યાં સુધી સંસારીભાવ છે ત્યાં સુધી જરૂરિયાતની ચિંતા કરવી પડે. જુઓને, આ 'દાદા'ને કેવી જાહોજલાલી છે ! આ એક જ પ્રકારની ઇચ્છા રહે તો પછી એનો ઉકેલ આવી ગયો. અને દેવસત્તા તમારી જોડે છે. આ દેવો તો સત્તાધીશ છે, એ નિરંતર હેલ્પ આપે એવી એમને સત્તા છે. આવાં એક જ ધ્યેયવાળા પાંચની જ જરૂર ! બીજો કોઈ ધ્યેય નહીં, અદબદવાળો નહીં ! અડચણમાં એક જ ધ્યેય ને ઊંઘમાં પણ એક જ ધ્યેય !!

ચેતતા રહેજો. ને 'જ્ઞાની પુરુષ'નો આશરો જબરજસ્ત રાખજો. મુશ્કેલી તો કઈ ઘડીએ આવે, તે કહેવાય નહીં ! પણ તે ઘડીએ 'દાદા'ની સહાય માગજો, સાંકળ ખેંચજો તો 'દાદા' હાજર થઈ જશે !

તમે ચોખ્ખા છો તો કોઈ નામ દેનાર નથી ! આખી દુનિયા સામી થશે તો ય હું એકલો છું. મને ખબર છે કે તમે ચોખ્ખા છો, તો હું ગમે તેને પહોંચી વળું એવો છું. મને સો ટકાની ખાતરી થવી જોઈએ. તમારાથી તો જગતને ના પહોંચી વળાય, એટલે મારે તમારું ઉપરાણું લેવું પડે છે. માટે મનમાં કશું ય ગભરાશો નહીં, જરા ય ગભરાશો નહીં. આપણે ચોખ્ખા છીએ, તો દુનિયામાં કોઈ નામ દેનાર નથી ! આ દાદાની વાત દુનિયામાં ગમે તે કોઈ કરતું હશે તો આ દાદો દુનિયાને પહોંચી વળે. કારણ કે બિલકુલ ચોખ્ખો માણસ છે, જેનું મન સહેજ પણ બગડેલું નથી.

[૧૭] અંતિમ અવતારમાં ય બ્રહ્મચર્ય તો આવશ્યક !

બ્રહ્મચર્યને તો આખા જગતે 'એક્સેપ્ટ' કર્યું છે. બ્રહ્મચર્ય વગર તો કોઈ દહાડો આત્મા પ્રાપ્ત થાય જ નહીં. બ્રહ્મચર્યની વિરુદ્ધ જે હોય, તે માણસને આત્મા કોઈ દહાડો ય પ્રાપ્ત થાય નહીં. વિષય સામે તો નિરંતર જાગૃત રહેવું પડે, એક ક્ષણવાર પણ અજાગૃતિ ચાલે નહીં.

પ્રશ્નકર્તા : બ્રહ્મચર્યને અને મોક્ષને સાઢું-સહિયારું કેટલું ?

દાદાશ્રી : બહુ લેવાદેવા છે. બ્રહ્મચર્ય વગર તો આત્માનો અનુભવ જ ખબર ના પડે ને ! 'આત્મામાં સુખ છે કે વિષયમાં સુખ છે' એ ખબર જ ના પડે ને ?!

પ્રશ્નકર્તા : હવે બે પ્રકારનાં બ્રહ્મચર્ય છે. એક, અપરિણિત બ્રહ્મચર્ય દશા ને બીજો પરણીને પાળતો હોય, તેમાં ઊંચું કયું ?

દાદાશ્રી : પરણીને પાળે તે ઊંચું કહેવાય. પણ પરણીને પાળવું મુશ્કેલ છે. આપણે ત્યાં કેટલાંક પરણીને બ્રહ્મચર્ય પાળે છે, પણ તે ચાલીસ વર્ષ પછીના છે.

પૈણેલાને ય છેવટે દસ-પંદર વર્ષ છોડવું પડશે. બધાંથી મુક્ત થવું પડશે. મહાવીર સ્વામી પણ છેલ્લાં બેંતાલીસ વર્ષ મુક્ત થયા હતા ને ! આ સંસારમાં સ્ત્રી સાથે તો પાર વગરની ઉપાધિ છે. જોડું થયું કે ઉપાધિ વધે. બેનાં મન શી રીતે એક થાય ? કેટલી વાર મન એક થાય ? ચાલોને, કઢી બેઉને સરખી ભાવી, પણ પછી શાકમાં શું ? ત્યાં મન એક થાય નહીં ને દહાડો વળે નહીં. મતભેદ હોય ત્યાં સુખ હોય નહીં.

જ્ઞાની પુરુષને તો 'ઓપન ટુ સ્કાય' જ હોય. રાત્રે ગમે તે ટાઈમે એમને ત્યાં જાવ તો ય 'ઓપન ટુ સ્કાય' હોય. અમારે તો બ્રહ્મચર્ય પાળવું પડે એવું ય ના હોય. અમારે તો વિષય યાદે ય ના હોય. આ શરીરમાં એ પરમાણુ જ ના હોય ને ! તેથી આવી બ્રહ્મચર્ય સંબંધી વાણી નીકળે ને ! વિષય સામે તો કોઈ બોલ્યા જ નથી. લોક વિષયી છે એટલે લોકે વિષય પર ઉપદેશ જ નથી આપ્યો. અને આપણે તો અહીં આખું પુસ્તક થાય એવું બ્રહ્મચર્યનું બોલ્યા છીએ, તે ઠેઠ સુધી વાત બોલ્યા છીએ. કારણ અમારામાં તો એ પરમાણુ જ ખલાસ થયા, દેહની બહાર અમે રહીએ. બહાર એટલે પાડોશી જેવા નિરંતર રહીએ ! નહીં તો આવી અજાયબી મળે જ નહીં ને કોઈ દહાડો ય !

ફળ ખાય પણ પસ્તાવા સાથે ખાય, તો એ ફળમાંથી ફરી બીજ ના પડે અને ખુશીથી ખાય કે 'હા, આજ તો બહુ મઝા આવી', તો ફરી પાછું બીજ પડે.

બાકી આમાં તો લપટું પડી જાય. સહેજ ઢીલું મૂક્યું ને ત્યાં લપટું પડી જાય. એટલે ઢીલું મૂકવાનું નહીં. કડક રહેવાનું. મરી જઉં તો ય પણ આ નહીં જોઈએ એવું કડક રહેવું જોઈએ.

અમને તો નાનપણથી આ ગમે નહીં કે લોકોએ એમાં સુખ કેમ માન્યું છે ? તે ય મને એમ લાગે કે આ કઈ જાતનું છે ? અમને તો નાનપણથી આ થ્રી વિઝનની પ્રેક્ટિસ પડી ગયેલી. એટલે અમને તો બહુ વૈરાગ આવ આવ કરે, બહુ જ ચીઢ ચઢે. એવી વસ્તુમાં જ આ લોકોને આરાધના રહે. આ તે કઈ જાતનું કહેવાય ?

પ્રશ્નકર્તા : આ પાછલી જે ખોટો છે, તે નિશ્ચયના આધારે ઉડાડી શકાય ?

દાદાશ્રી : હા, બધી જ ખોટો ઉડાડી શકાય. નિશ્ચય બધું જ કામ કરે.

ઉદય ભારે આવે, ત્યારે તે આપણને હલાવી નાખે. હવે ભારે ઉદયનો અર્થ શો ? કે આપણે સ્ટ્રોંગ રૂમમાં બેઠા હોઈએ અને બહાર કો'ક બૂમાબૂમ કરતો હોય. પછી ભલેને પાંચ લાખ માણસો બૂમો પાડતા હોય કે 'હમ માર ડાલેંગે' તેવું બહારથી જ બૂમો પાડતા હોય, તો આપણને શું કરવાના છે ? એ છોને બૂમો પાડે. એવી રીતે જો આમાં ય સ્થિરતા હોય તો કશું થાય એવું નથી, પણ સ્થિરતા ડગે કે પાછું પેલું ચોંટી પડે. એટલે ગમે તેવાં કર્મો આવી પડે ત્યારે સ્થિરતાપૂર્વક 'આ મારું ના હોય, હું શુદ્ધાત્મા છું' એમ કરીને સ્ટ્રોંગ રહેવું પડે. પછી પાછું આવે ખરું ને થોડી વાર ગૂંચવે. પણ આપણી સ્થિરતા હોય તો કશું થાય નહીં.

આ છોકરાઓ બ્રહ્મચર્ય પાળે છે તે મન-વચન-કાયાથી પાળે છે. મનથી તો બહારના લોકોથી પળાય જ નહીં. વાણીથી ને દેહથી બધા પાળે. આપણું આ જ્ઞાન છે ને, તેનાથી મનથી પણ પળાય. મન-વચન-કાયાથી જો બ્રહ્મચર્ય પાળે તો એનાં જેવી મહાન શક્તિ બીજી ઉત્પન્ન થાય એવી નથી. એ શક્તિથી પછી અમારી આજ્ઞા પળાય. નહીં તો પેલી બ્રહ્મચર્યની શક્તિ ના હોય તો આજ્ઞા શી રીતે પળાય ? બ્રહ્મચર્યની શક્તિની તો વાત જ જુદી ને ?!

આ બ્રહ્મચારીઓ તૈયાર થાય છે ને આ બ્રહ્મચારિણીઓ ય તૈયાર થાય છે. એમનાં મોઢાં ઉપર નૂર આવશે પછી લિપસ્ટિકો ને પાવડરો ચોપડવાની જરૂર નહીં રહે. હે ય ! સિંહનું બાળક બેઠેલું હોય એવું લાગે. ત્યારે જાણીએ કે ના, કંઈક છે ! વીતરાગ વિજ્ઞાન કેવું છે કે જો પચ્યું તો સિંહણનું દૂધ પચ્યા બરાબર છે, તો સિંહના બાળક જેવો એ લાગે, નહીં તો બકરી જેવું દેખાય !!!

પ્રશ્નકર્તા : આ લોકો પરણવાની ના પાડે છે, તો એ અંતરાય કર્મ ના કહેવાય ?

દાદાશ્રી : આપણે અહીંથી ભાદરણ જઈએ, તેથી કરીને આ બીજા ગામ જોડે આપણે અંતરાય પાડ્યા ? એને જ્યાં અનુકૂળ આવે, ત્યાં એ જાય. અંતરાય કર્મ તો કોને કહેવાય કે તમે છે તે કોઈકને કશુંક આપતા હો, ને હું કહું કે ના, એને આપવા જેવું નથી. એટલે મેં તમને આંતર્યા, તો મને ફરી એવી વસ્તુ મળે નહીં. મને એ વસ્તુના અંતરાય પડે.

પ્રશ્નકર્તા : જો બ્રહ્મચર્ય જ પાળવું હોય તો, એને કર્મ કહી શકાય ?

દાદાશ્રી : હા, એને કર્મ જ કહેવાય ! એનાથી કર્મ તો બંધાય ! જ્યાં સુધી અજ્ઞાન છે, ત્યાં સુધી કર્મ કહેવાય ! એ પછી બ્રહ્મચર્ય હોય કે અબ્રહ્મચર્ય હોય. બ્રહ્મચર્યની પુણ્યૈ બંધાય અને અબ્રહ્મચર્યનું પાપ બંધાય !

પ્રશ્નકર્તા : કોઈ બ્રહ્મચર્યની અનુમોદના આપતું હોય, બ્રહ્મચારીઓને પુષ્ટિ આપે, એમના માટે બધું. બધી રીતે એમને રસ્તો કરી આપે, તો એનું ફળ શું ?

દાદાશ્રી : ફળને આપણે શું કરવું છે ? આપણે એક અવતારી થઈને મોક્ષમાં જવું છે, હવે ફળને ક્યાં રાખવાં ? એ ફળમાં તો સો સ્ત્રીઓ મળે, એવાં ફળને આપણે શું કરવાનાં ? આપણે ફળ જોઈતું નથી. ફળ ખાવું જ નથી ને હવે !

એટલે મને તો એમણે પહેલેથી પૂછી લીધેલું, 'આ બધું કરું છું, તે મારી પુણ્યૈ બંધાય ?' મેં કહ્યું, 'નહીં બંધાય.' અત્યારે આ બધું ડિસ્ચાર્જ રૂપે છે અને બીજ તો બધાં શેકાઈ જાય છે.

પ્રશ્નકર્તા : આ બધા જે બ્રહ્મચારીઓ થશે, એ 'ડિસ્ચાર્જ'માં જ ગણાય ને ?

દાદાશ્રી : હા, ડિસ્ચાર્જમાં જ ને ! પણ આ ડિસ્ચાર્જની જોડે એમનો ભાવ છે, તે મહીં ચાર્જ છે. અને ભાવ હોય તો જ મજબૂતી રહે ને ! નહીં તો ડિસ્ચાર્જ હંમેશાં ય મોળું પડી જાય. અને આ એનો ભાવ છે કે મારે બ્રહ્મચર્ય પાળવું જ છે, એનાથી મજબૂતી રહે. આ અક્રમ માર્ગમાં કર્તાભાવ કેટલો છે, કેટલે અંશે છે કે અમે જે આજ્ઞા આપી છે ને, એ આજ્ઞા પાળવી એટલો જ કર્તાભાવ. કોઈ પણ વસ્તુ પાળવી જ પડે, ત્યાં એનો કર્તાભાવ છે. એટલે 'બ્રહ્મચર્ય પાળવું જ છે.' આમાં પાળવાનું એ કર્તાભાવ છે, બાકી બ્રહ્મચર્ય એ ડિસ્ચાર્જ વસ્તુ છે.

પ્રશ્નકર્તા : પણ બ્રહ્મચર્ય પાળવું એ કર્તાભાવ છે ?

દાદાશ્રી : હા, પાળવું એ કર્તાભાવ છે. અને આ કર્તાભાવનું ફળ એમને આવતાં અવતારમાં સમ્યક્્ પુણ્ય મળશે. એટલે શું કે સહેજે ય મુશ્કેલી સિવાય બધી જ વસ્તુઓ પાસે આવીને પડે અને એમ કરતાં કરતાં મોક્ષે જવાનું. તીર્થંકરોનાં દર્શન થાય ને તીર્થંકરોની પાસે પડી રહેવાનો વખત પણ મળે. એટલે એને બધા સંજોગો બહુ સુંદર હોય.

પ્રશ્નકર્તા : રવિવારના ઉપવાસ અને બ્રહ્મચારીઓને શું કનેકશન છે ?

દાદાશ્રી : આ રવિવારનો ઉપવાસ શેને માટે કરે છે ? વિષયનો સામો થયો છે. વિષય મારા ભણી આવે જ નહીં, એટલા માટે વિષયનો સામાવાળિયો થયો ત્યારથી જ નિર્વિષયી થયો. આ હું આમને વિષયના સામાવાળિયા જ કરું છું. કારણ કે આમનાથી એમ વિષય છૂટે એવો નથી, આ તો બધાં ચીભડાં કહેવાય, આ તો દુષમકાળનાં ખદબદતાં ચીભડાં કહેવાય. આમનાથી કશું છૂટે નહીં, તેથી તો પછી બીજા રસ્તા કરવાં પડે ને ?

ખરી રીતે આ વિજ્ઞાન એવું છે કે 'તમે આમ કરો કે તેમ કરો' એવું કશું બોલાય નહીં, પણ આ તો કાળ એવો છે ! એટલે અમારે આ કહેવું પડે છે. આ જીવોનાં ઠેકાણાં નહીં ને ? આ જ્ઞાન લઈને ઊલટો ઊંધે રસ્તે ચાલ્યો જાય. એટલે અમારે કહેવું પડે છે અને તે ય અમારું વચનબળ હોય પછી વાંધો નહીં. અમારા વચનથી કરે એટલે એને કર્તાપદની જોખમદારી નહીં ને ! અમે કહીએ કે 'તમે આમ કરો.' એટલે તમારી જોખમદારી નહીં અને મારી જોખમદારી આમાં રહેતી નથી !!!

હવે અનુપમ પદ છોડી ઉપમાવાળું પદ કોણ લે ? જ્ઞાન છે તો પેલો આખા જગતનો એંઠવાડો કોણ અડે ? જગતને પ્રિય એવાં જે વિષયો એ જ્ઞાની પુરુષને એંઠવાડો લાગે. આ જગતનો ન્યાય કેવો છે કે જેને લક્ષ્મી સંબંધી વિચાર ના હોય, વિષય સંબંધી વિચાર ના હોય, જે દેહથી નિરંતર છૂટો જ રહેતો હોય, તેને જગત ભગવાન કહ્યા વગર રહે નહીં !!

[૧૮] દાદા આપે પુષ્ટિ, આપ્તપુત્રીઓને !

જગત જાણતું જ નથીને કે આ રેશમી ચાદરથી વીંટેલું છે બધું ? પોતાને જે ગમતો નથી એ જ કચરો, આ રેશમી ચાદરથી વીંટેલો છે. એ તમને લાગે છે કે નથી લાગતું ? એટલું સમજે તો નર્યો વૈરાગ જ આવે ને ? એટલું ભાન નથી રહેતું. તેથી જ આ જગત આવું ચાલે છે ને ? એવી કોઈને જાગૃતિ હશે આ બહેનોમાંથી ? કોઈ માણસ રૂપાળો દેખાતો હોય ને એને છોલે તો શું નીકળે ?

કોઈ છોકરો સારાં કપડાં-બપડાં પહેરીને, નેકટાઈ-બેકટાઈ પહેરીને બહાર જતો હોય, તે મૂઆને કાપે તો શું નીકળે ? તું અમથો શું કામ નેકટાઈ પહેર પહેર કરે છે ? મોહવાળા લોકોને ભાન નથી. તે રૂપાળો જોઈને મૂંઝાઈ જાય બિચારા ! જ્યારે મને તો બધું ઉઘાડું આરપાર દેખાય.

એવી રીતે સ્ત્રીએ પુરુષોને જોવા ના જોઈએ અને પુરુષે સ્ત્રીઓને જોવી ના જોઈએ. કારણ કે એ આપણા કામની નથી. દાદાજી કહેતા હતા કે આ જ કચરો છે, પછી એમાં શું જોવાનું રહ્યું ?

એટલે ખેંચાણના કાયદા છે કે અમુક જગ્યાએ જ ખેંચાણ હોય, કંઈ બધે ખેંચાણ ના હોય. હવે આ ખેંચાણ શી રીતે થાય છે, તે તમને કહીં દઉં.

આ ભવમાં ખેંચાણ ના થતું હોય, છતાં કોઈ ભઈને દેખ્યો, તે આપણા મનમાં એવું થાય કે, 'ઓહોહો, આ ભઈ કેટલો રૂપાળો છે, દેખાવડો છે.' એવું આપણને થયું કે તેની સાથે જ આવતાં ભવની ગાંઠ પડી ગઈ. એનાથી આવતાં ભવે ખેંચાણ થાય.

નિશ્ચય એનું નામ કહેવાય કે ભૂલાય નહીં. આપણે શુદ્ધાત્માનો નિશ્ચય કર્યો છે, તે ભૂલાય નહીં ને ? થોડી વાર ભૂલી જઈએ, પણ લક્ષમાં જ હોય પાછું, એનું નામ નિશ્ચય કહેવાય.

નિદિધ્યાસન એટલે કે 'આ બહેન દેખાવડી છે કે આ ભાઈ દેખાવડો છે.' એવો વિચાર કર્યો, એ નિદિધ્યાસન થયું એટલી વાર. વિચાર કર્યો કે તરત જ નિદિધ્યાસન થાય. પછી એવો પોતે થઈ જાય. એટલે આપણે જોઈએ તો આ ડખો થાય ને ? એના કરતાં આંખ નીચે ઢાળી દેવી જોઈએ, આંખ માંડવી જ ના જોઈએ. આખું ય જગત ફસામણ છે. ફસાયા પછી તો છૂટકારો જ નથી. આખી જિંદગીઓની જિંદગી ખલાસ થાય, પણ એનો 'એન્ડ' જ નથી !

ધણી, ધણી જેવો હોય કે, તે ગમે ત્યાં જાય તો ય એક ક્ષણ પણ આપણને ના ભૂલે એવો હોય તો કામનું, પણ એવું કોઈ કાળે બને નહીં. તો પછી આ નંગોડ છાપ ધણીને શું કરવાના ?

એટલે આ કાળમાં માણસો પ્રેમભૂખ્યા નથી, વિષયભૂખ્યા છે. પ્રેમભૂખ્યો હોય તેને તો વિષય ના મળે તો ય ચાલે. એવા પ્રેમભૂખ્યા મળ્યા હોય તો તેનાં દર્શન કરીએ. આ તો વિષયભૂખ્યા છે. વિષયભૂખ્યા એટલે શું કે સંડાસ. આ સંડાસ એ વિષયભૂખ છે.

જો કદી લગનીવાળો પ્રેમ હોય તો સંસાર છે, નહીં તો પછી વિષય એ તો સંડાસ છે. એ પછી કુદરતી હાજતમાં ગયું. એને હાજતમંદ કહે છે ને ? જેમ સીતા ને રામચંદ્રજી પૈણેલા જ હતાં ને ? સીતાને લઈ ગયા તો ય રામનું ચિત્ત સીતામાં ને સીતામાં જ હતું ને સીતાનું ચિત્ત ત્યાં રામમાં હતું. વિષય તો ચૌદ વર્ષ જોયો પણ નહોતો, છતાં ચિત્ત એમનામાં હતું. એનું નામ લગ્ન કહેવાય. બાકી, આ તો હાજતમંદો કહેવાય. કુદરતી હાજત !

એટલે ધણી હોય તો ભાંજગડ ને ? પણ જો બ્રહ્મચર્ય વ્રત લીધું હોય, તો આ વિષયસંબંધી ભાંજગડ જ નહીં ને ! અને આવું જ્ઞાન હોય તો તે કામ કાઢી નાખે !

આ બહેનનો તો નિશ્ચય છે કે 'એક અવતારમાં જ મોક્ષે જવું છે. હવે અહીં પોષાય નહીં, એટલે એક જ અવતારી થવું છે.' તો પછી એમને બધાં સાધનો મળી આવ્યાં, બ્રહ્મચર્યની આજ્ઞા પણ મળી ગઈ !

પ્રશ્નકર્તા : અમે પણ એક જ અવતારી થશું ?

દાદાશ્રી : તારે હજુ વાર લાગશે. હમણાં તો થોડું અમારા કહ્યા પ્રમાણે ચાલવા દે. એક અવતારી તો આજ્ઞામાં આવ્યા પછી, આ જ્ઞાનમાં આવ્યા પછી કામ થાય. આજ્ઞા વગરે ય આમ તો મોક્ષ બે-ચાર અવતારમાં થવાનો છે, પણ પહેલું આજ્ઞામાં આવે ત્યારે એક અવતારી થઈ જાય ! આ જ્ઞાનમાં આવ્યા પછી અમારી આજ્ઞામાં આવવું પડે. હજુ કંઈ તમને બધાંને એવી બ્રહ્મચર્યની આજ્ઞા અપાઈ નથી ને ? એ અમે જલ્દી આપતાં ય નથી. કારણ કે બધાને પાળતાં આવડે નહીં, ફાવે નહીં. એ તો મન બહુ મજબૂત જોઈએ.

જો તારે બ્રહ્મચર્ય પાળવું હોય તો આટલું ચેતવાનું કે પરપુરુષનો વિચાર પણ ના આવવો જોઈએ. ને વિચાર આવ્યો ત્યાંથી ધોઈ નાખવું જોઈએ.

એક શુદ્ધચેતન છે અને એક મિશ્રચેતન છે. તે મિશ્રચેતનમાં જો સપડાયો તો આત્મા પ્રાપ્ત કર્યો હોય, તો પણ એને રખડાવી મારે. એટલે આમાં વિકારી સંબંધ થયો તો રઝળપાટ થાય. કારણ કે આપણે મોક્ષે જવું છે અને એ ભાઈ છે, તે જાનવરમાં જવાનાં હોય તો આપણને ત્યાં ખેંચી જાય. સંબંધ થયો એટલે ત્યાં જવું પડે. માટે વિકારી સંબંધ ઊભો જ ના થાય એટલું જ જોવાનું. મનથી ય બગડેલા ના હોય ત્યારે ચારિત્ર કહેવાય. ત્યારે પછી આ બધા તૈયાર થઈ જાય. મન બગડેલાં એ તો પછી ફ્રેકચર થઈ જાય, નહીં તો એક-એક છોકરીમાં કેટલી કેટલી શક્તિ હોય ! એ કંઈ જેવી તેવી શક્તિ હોય ? આ તો હિન્દુસ્તાનની બહેનો હોય અને વીતરાગનું વિજ્ઞાન પાસે હોય, પછી શું બાકી રહે ?

'જ્ઞાની પુરુષ'ની પાસે પોતાનું કલ્યાણ કરી લેવાનું છે. પછી પોતે કલ્યાણસ્વરૂપ થયો એટલે વગર બોલ્યે લોકોનું કલ્યાણ થાય છે અને જે લોકો બોલ બોલ કરે છે એમાં કશું વળતું નથી. ખાલી ભાષણો કરવાથી, બોલ બોલ કરવાથી કશું વળતું નથી. બોલવાથી તો બુદ્ધિ ઈમોશનલ થાય છે. એમ ને એમ જ એમનું ચારિત્ર જોવાથી, એ મૂર્તિ જોવાથી જ બધા ભાવ શમી જાય છે. માટે એમણે તો ફક્ત પોતે જ તે રૂપ થઈ જવા જેવું છે ! 'જ્ઞાની પુરુષ'ની પાસે રહી તે રૂપ થવું. આવી પાંચ જ છોકરીઓ તૈયાર થાય તો કેટલાંય લોકોનું તે કલ્યાણ કરે ! સાવ નિર્મળ થવું જોઈએ, અને 'જ્ઞાની પુરુષ'ની પાસે નિર્મળ થઈ શકે અને નિર્મળ થવાનાં છે !!

 

ભાગ
 1 -  2  - 3  -  4  -  5  -  6