ભાગ
1-2 -3 - 4 - 5 - 6 - 7 - 8

(૨)

લક્ષ્મી સંગે સંકળાયેલો વ્યવહાર

તો, પાછલી પેઢીનું કેમ નહિ ?

પ્રશ્શનકર્તા : ઘરમાં બહુ ખર્ચા થઈ જાય છે.

દાદાશ્રી : ઘરવાળાં ક્યાં કહે છે કે ખર્ચ કરો ? તમારે જરૂર હોય તેથી કરો છો ને ?

પ્રશ્શનકર્તા : એ તો હિસાબમાં લાગે તે જ કરું છું.

દાદાશ્રી : હા, પણ પછી ત્યારે શું કરવું મહીં ? ટકે એવું કરવું છે ?

પ્રશ્શનકર્તા : જે ખર્ચા લાગે તે લાગવાના જ છે. આગળની પ્રજા માટે કંઈક રાખવું જોઈએ ને ? તેના માટેની વાત છે.

દાદાશ્રી : આહોહો ! અને પાછલી પેઢીઓવાળા માટે ?! ગયા તે લોકો માટે કશું ય નહીં ?! તમારા દાદા ને બધા ગયા. એમને ત્યાં મોકલવું નહીં પડે ને ?

પ્રશ્શનકર્તા : ત્યાં મોકલવાનું કંઈ કારણ નથી.

દાદાશ્રી : પાછલી પેઢીવાળા એમ કહે છે કે અમારા હારુ તૈયાર કરો ! ત્યારે તો તમારી ખાનદાની બતાવો છો કે નહીં ?

પ્રશ્શનકર્તા : દીકરા સારા છે. બધા કામ કરે છે.

દાદાશ્રી : તો પચાસેક લાખ રૂપિયા આપીને જાવને ! વધારે નહીં.

પ્રશ્શનકર્તા : નહીં. પૈસા નહીં આપી જવાના. બધાંનાં મન સુખશાંતિથી રહે એવું. બીજું કંઈ જોઈતું નથી. પૈસા માટે શું છે ?

દાદાશ્રી : હા, એ બરોબર છે.

કશું જોડે લઈ જવાનાં ?

દાદાશ્રી : કોનું મકાન છે આ ? તમારું પોતાનું ? આવડું મોટું મકાન ? તે તમે શું કરો છો ? બીજો, ત્રીજો માળ બધું એમનું એમ જ ને ?

પ્રશ્શનકર્તા : હા.

દાદાશ્રી : માણસો કેટલા ?

પ્રશ્શનકર્તા : ચાર.

દાદાશ્રી : આ સૂના ઘરમાં બીજા ત્રણ જ જણા ? અને સંડાસ કેટલાં ?

પ્રશ્શનકર્તા : પાંચ, શાંતિનું સ્થાન જ એ છે.

દાદાશ્રી : જરા વૈરાગ્ય આવવાનું સ્થાન હતું, તેને આ લોકોએ વૈરાગ્ય ઊડી જાય એના માટે રસ્તો કરી આપ્યો. વૈરાગ્ય આવવાનું એટલું જ સ્થાન હતું આ કાળમાં તે એમ ને એમ ઊડાડી દીધું. જ્યાં વૈરાગ્ય આવવાની ભૂમિકા હતી ત્યાં જ ઊંઘે છે લોકો, સિગરેટ પીને !

પ્રશ્શનકર્તા : બબ્બે લાખ રૂપિયાનાં આલિશાન જાજરૂ બનાવ્યાં છે લોકોએ !

દાદાશ્રી : એ તો મેં ય મુંબઈમાં જોયેલું ને ! મને એના એ જ લોકોએ બતાડેલાં કે દાદા, આ આવું બનાવ્યું છે. મેં કહ્યું, 'હશે, હવે જે કર્યું એ કર્યું. મેલ છાલ હવે. એ તો અહીંને માટે કર્યું. ત્યાં લઈ જવા માટે શું કર્યું ? એ મને કહે. અહીંની સેફ સાઈડ કરી, પણ ત્યાં લઈ જવાની ?

ભાન, હિતાહિતનું !

ભગવાને આખું જગત ઉઘાડી આંખે ઊંઘે છે એમ કહ્યું છે. માટે આવા મોટા ભારે શબ્દ મૂક્યા ? ત્યારે કહે છે, 'છે આંખ ઉઘાડી પણ એનું પોતાનું હિતાહિતનું એને પોતાને ભાન નથી. આ લોકનું હિત તો કરતો નથી પણ પરલોકનું ય હિત કરતો નથી. આ લોકનું હિત જે ના કરે એનું પરલોકનું હિત થાય જ નહીં. આ લોકનું હિત કરે એનું જ પરલોકનું હિત થાય. એટલે હિતાહિતના ભાન રહિત, ઉઘાડી આંખે ય !

પૈસા કમાવાના, શાને ?

પ્રશ્શનકર્તા : પૈસા કમાવાની જરૂર શા માટે ?

દાદાશ્રી : એવું છે ને કે વ્યવહાર શેનાથી ચાલે છે ? એટલા હારુ. વ્યવહાર પૈસાથી ચાલે છે. એટલે અત્યારે આપણે ખેતીવાડી કરતા હોય, બધું ય પાકતું હોય, ખાવાલાયક બધું ય, મીઠું લાવવું પડે, કપડાં લાવવાં પડે, તેનું શું થાય ? એટલે થોડું વેચીને એને બદલે બીજું લાવી દઈએ એટલે વ્યવહાર ને !

પ્રશ્શનકર્તા : એટલે વ્યવહાર પૂરતું.

દાદાશ્રી : હા, એક વસ્તુ એવી નક્કી કરો કે આ તમારે વધારે સરપ્લસ હોય તો આ લઈ લો. તો તમારે જે જોઈતું હોય તે મળશે. અને પૈસા તો કમાવાની જરૂર, પણ એવી પુણ્યૈ લઈને જ આવેલો છે. કોઈ કમાઈ શકે નહીં. પુણ્યૈ લઈને આવેલો છે એટલે સંજોગ સારા થઈ જાય. જેટલા સંજોગ સારા થઈ જાય, એટલા પૈસા મળી આવે.

અહો, બ્રહ્માંડના માલિક !

આ સત્ય હશે તે બધું સાપેક્ષ છે. સૌ સૌને આધીન. તમે છે તે પૈસા ખોળવાવાળા, કમાવામાં નાખો અને હું તો અડું જ નહીં પૈસા. પૈસા સંપૂર્ણ સત્ય નથી. એ સાપેક્ષ છે. આ સોનું મને આપો તો કામનું જ નહીં ને ! અમને ભીખ ના હોય. ભીખ હોય ત્યાં ભગવાન હોય જ નહીં. લક્ષ્મીની ભીખ હોય, માનની ભીખ હોય, ત્યાં ભગવાન હોય જ નહીં.

અહીં મિલકત હોય તેને એટલી જ મિલકત અને તેય આખી મિલકત ના હોય ને, અહીં અમુક આટલો જ ભાગ મિલકતનો રહ્યો હોય અને અહીં કોઈ મિલકત નહીં હોય તો આખા બ્રહ્માંડની મિલકત એની પોતાની. એટલે અમારે તો કોઈ મિલકતનો માલિક હું નથી. હીરાબા માલિક, હું નહીં. આ મનના માલિક નથી, આ વાણીના માલિક નથી રહ્યા.

પૈસાનો વહીવટ બધો અમે અમારા ભાગીદારને સોંપી દીધેલો. મારી પાસે તો પૈસા આવે તો બીજા દહાડે રહે નહીં. એક લાખ હોય તો બે-ત્રણ દહાડા પછી દસેક હજાર પડ્યા હોય ! એટલે ભાગીદાર સમજી ગયેલા કે આમની જોડે પૈસા હાથમાં રહેતા નથી. મારી પાસેથી એમણે વહીવટ જુદો કરી દીધો !

પુણ્ય, પણ પાપનુબંધી !

પ્રશ્શનકર્તા : એ પૈસા ક્યાંથી આવતા હશે ?

દાદાશ્રી : પૈસા તો પુણ્યશાળીની પાસે બધા હોય જ ને ?

પ્રશ્શનકર્તા : એ પૈસા પુણ્યશાળી પાસે હોય એવું કંઈ નથી.

દાદાશ્રી : ત્યારે પાપી પાસે પૈસા હોય નહીં.

પ્રશ્શનકર્તા : અત્યારે તો પાપી પાસે જ પૈસો છે.

દાદાશ્રી : પાપી પાસે નથી, હું તો આપને સમજાવું બરોબર. તમે મારી વાત સમજો એક વખત કે પુણ્ય વગર તો રૂપિયો આપણને અડે નહિ. કાળા બજારનોય ના અડે કે ધોળા બજારનો ય ના અડે. પુણ્ય વગર તો ચોરીનો ય પૈસો આપણને ના અડે. પણ એ પાપાનુબંધી પુણ્ય છે. તમે કહો છો તો પાપ, તે છેવટે પાપમાં જ લઈ જાય છે. એ પુણ્ય જ અધોગતિમાં લઈ જાય છે.

ખરાબ પૈસો આવે એટલે ખરાબ વિચાર આવે કે કોનું ભોગવી લઉં, આખો દહાડો ભેળસેળ કરવાના વિચાર આવે, એ અધોગતિમાં જાય છે. પુણ્ય ભોગવતો નથી ને અધોગતિમાં જાય છે. એના કરતાં પુણ્યાનુબંધી પાપ સારું કે આજ જરા શાક લાવવામાં અડચણ પડે પણ આખો દહાડો ભગવાનનું નામ તો લેવાય અને પુણ્યાનુબંધી પુણ્ય હોય, તે પુણ્ય ભોગવે અને નવું પુણ્ય ઊભું થાય.

લક્ષ્મી પધારે, નોબલને ત્યાં !

શ્રીમંતાઈ શું કર્યું હોય તો આવે ? કેટલી બધી લોકોને માટે હેલ્પ કરી હોય ત્યારે લક્ષ્મી આપણે ત્યાં આવે ! નહિ તો લક્ષ્મી આવે નહીં. લક્ષ્મી તો આપવાની ઇચ્છાવાળાને ત્યાં જ આવે. જે ઘસાઈ છૂટે છે, છેતરાય, નોબિલિટી વાપરે, એને લક્ષ્મી આવે. જતી રહેલી આમ લાગે ખરી, પણ આવીને પછી ત્યાં જ ઊભી રહે.

પ્રશ્શનકર્તા : આપે લખ્યું છે કે જે કમાય છે તે મોટા મનવાળો જ કમાય છે. આપવા-લેવામાં જે મોટું મન રાખે એ જ કમાણી કરે છે, બાકી સાંકડા મનવાળો કમાતો જ નથી કોઈ દહાડો !

દાદાશ્રી : બધા અરધા ચંપલવાળા થઈને ફર્યા કરે છે ને ! મેં ભૂલેશ્વરમાં બહુ જોયેલા. માપેલા બધાને !

બધી રીતે નોબલ હોય, તો લક્ષ્મી ત્યાં જાય. આ પાજી પાસે લક્ષ્મી જતી હશે ?!

પ્રશ્શનકર્તા : એટલે પુણ્યને લીધે માણસ ધનવાન બને ?

દાદાશ્રી : ધનવાન થવા તો પુણ્યૈ જોઈએ. પુણ્યૈ હોય તો પૈસા આવે.

પ્રશ્શનકર્તા : પૈસા માટે તો લખ્યું છે ને કે બુદ્ધિની જરૂર પડે.

દાદાશ્રી : ના. બુદ્ધિ તો નફો-તોટો બે જ દેખાડે. જ્યાં જાવ ત્યાં નફો-તોટો એ દેખાડી દે. એ કંઈ પૈસા-બૈસા આપતી નથી. બુદ્ધિ જો પૈસા આપતી હોય ને તો આ ભૂલેશ્વરમાં એટલા બધા બુદ્ધિશાળી મહેતાજી હોય છે. શેઠને સમજણ પડતી નથી એ બધું એને સમજણ પડે છે. પણ ચંપલ બિચારાનાં અરધાં હોય, પાછળ અરધાં ઘસાઈ ગયેલાં હોય અને શેઠ તો સાડી ત્રણસો રૂપિયાના બૂટ પહેરીને ફરતા હોય, છતાં ડફોળ હોય !

પૈસા કમાવવા માટે પુણ્યની જરૂર છે. બુદ્ધિથી તો ઊલટાં પાપો બંધાય. બુદ્ધિથી પૈસા કમાવા જાવ તો પાપ બંધાય. મારે બુદ્ધિ નહીં એટલે પાપ બંધાય નહીં. અમારામાં બુદ્ધિ એક સેન્ટ પરસેન્ટ નહિ !

બહુ થાય તો ય મુશ્કેલી !

પ્રશ્શનકર્તા : લોકોની પુણ્યૈ હશે તો એમને આ સંપત્તિ ભેગી થઈ. આ પુણ્યૈ ઓર એવી વધી કે હવે એ લોકોને હવે આ બાજુ બધો ઉપયોગ એનો થવા માંડ્યો.

દાદાશ્રી : એ બધી પુણ્યૈ ને જબરજસ્ત પુણ્યૈ ને ! પણ સાચવવું મુશ્કેલ પડી જાય.

પ્રશ્શનકર્તા : એટલે એ બરોબર છે. ઉપાધિ તો ખરી જ ને ? શરૂઆત પછી ત્યાંથી જ થાય છે.

દાદાશ્રી : ના હોય તેના જેવું તો એકું ય નહિ.

પ્રશ્શનકર્તા : પૈસા ના હોય. સંપત્તિ ના હોય. તો એના જેવું એકું ય નહિ ?

દાદાશ્રી : હા, એના જેવું એકું ય નહીં. સંપત્તિ એ તો ઉપાધિ છે. સંપત્તિ જો આ બાજુ ધર્મમાં વળી જ ગઈ હોય, તો વાંધો નથી. નહિ તો ઉપાધિ થઈ પડે. કોને આપવી ? હવે ક્યાં મૂકવી ? એ બધી ઉપાધિ થઈ પડે !

પ્રશ્શનકર્તા : હા, એ ઉપાધિ ! જેની પાસે બહુ ભેગું થઈ ગયું છે, તેને હમેશાં ઉપાધિ.

દાદાશ્રી : મુશ્કેલી બહુ ! એના કરતાં ઓછું કમાઈએ તે સારું. અહીં બાર મહિને દસ હજાર કમાયા અને એક હજાર ભગવાનને ત્યાં મૂકી દે, તો એને કંઈ ઉપાધિ નથી, અને પેલો લાખો આપે અને આ હજાર આપે, બે ય સરખા, પણ હજારે ય કંઈક આપવા જોઈએ. મારું શું કહેવાનું કે લુખ્ખું ના રાખવું, ઓછામાંથી પણ કંઈક આપવું, અને વધારે હોય અને તે આ ધર્મ બાજુ વળી ગયું એટલે આપણે પછી જવાબદારી નથી. નહિ તો જોખમ. બહુ પીડા એ તો ! પૈસા સાચવવા એટલે બહુ મુશ્કેલી. ગાયો-ભેંસો સાચવવી સારી, ખીલે બાંધી તો સવાર સુધી જતી તો ના રહે. પણ પૈસા સાચવવા બહુ મુશ્કેલી. મુશ્કેલી, ઉપાધિ બધી.

એ તો તારે સારું કે તારા પૈસા કોઈ જગ્યાએ દેખાતા ન હતા. નહિ તો પૈસા દબાઈ જ જાય. તારે બધા બહુ દબાઈ ગયેલા. હું તો મુક્ત થયો. નિરાંત થઈ ગઈ આપણે તો સાંભળવાનું જ મટી ગયું ને ! મારા જેવાને કોઈ આપે ય નહીં ને !

દયાળુ, લાગણીવાળો સ્વભાવ મારો ! ઉઘરાણી કરવા ગયો હોઉં તો આપીને આવું !!! આમ ઉઘરાણી કરવા તો જાઉં જ નહીં કોઈ દહાડો. ઉઘરાણી કરવા જાઉં તો તે દહાડે એમને કંઈ ભીડ પડી હોય તો ઉલટો આપીને આવું. મારે ગજવામાં કાલે વાપરવાના હોય તે ય આપીને આવું ! તે કાલે વાપરવામાં હું મૂંઝાઉં ! એવી રીતે મારું જીવન ગયું છે.

કેફ, લક્ષ્મીનો !

પ્રશ્શનકર્તા : વધારે પૈસા હોય તો મોહ થઈ જાય એમ ? વધારે પૈસા હોય એ દારૂ જેવું જ છે ને !

દાદાશ્રી : દરેકનો કેફ ચઢે. જો કેફ ના ચઢતો હોય તો પૈસા વધારે થયેલા હોય તો વાંધો નથી. પણ કેફ ચઢે એટલે દારૂડિયો થયો, પછી ખુમારીમાં ને ખુમારીમાં ભમ્યા કરે લોકો ! લોકોને તિરસ્કાર કરે, આ ગરીબ છે. આમ છે, આ મોટો શ્રીમંત ને લોકોને ગરીબ કહેનારો ! પોતે શ્રીમંત ! ક્યારે ગરીબી આવે એ કહેવાય નહીં માણસને. તમે કહો છો એવું જ. બધો કેફ ચડી જાય. સમજ પડીને ! જો તમને ચઢ્યો નથી ને !

પ્રશ્શનકર્તા : ચઢેલો હતો, હવે ઊતરી ગયો.

દાદાશ્રી : સારું કર્યું. ડહાપણ કર્યું એટલું. વિચારશીલ છે ને.

એ જાય ત્યારે, શું પુરુષાર્થ ?

આખી જિંદગી આખા જગતના લોકો આમ નાણાં પાછળ પડ્યા છે એ કોઈ નાણાંથી ધરાયેલો દેખાયો એવો મેં જોયો નથી. તો ગયું ક્યાં આ બધું ?

એટલે આપણું બધું ઠોકાઠોક ચાલે છે. ધર્મનો તો અક્ષરે ય સમજતા નથી અને બધું ચાલ્યા કરે છે. એટલે મુશ્કેલી આવે ત્યારે કેમ કરવું તે એમને ના આવડે. ડૉલર આવવા માંડે તે વખતે કૂદાકૂદ કર્યા કરે. પણ પાછી મુશ્કેલી આવે ત્યારે કેમ એનો નિકાલ કરવો તે આવડે નહીં એટલે નર્યાં પાપો જ બાંધી દે. તે ઘડીએ પાપ ના બંધાય. ને ટાઈમ કાઢી નાખવો એમ જાણવું એનું નામ ધર્મ.

એટલે જ્યારે હમેશાં, સનરાઈઝ થવાનો, સનસેટ થવાના, એવો દુનિયાનો નિયમ. તે આ કર્મના ઉદય તે પૈસા વધ્યા જ કરે એની મેળે. બધી બાજુનું, ગાડીઓ, બાડીઓ, મકાનો વધ્યા કરે. બધું વધ્યા કરે. પણ જ્યારે ચેન્જ થયા કરે પછી વિખરાયા કરે. પહેલું ભેગું થયા કરે પછી વિખરાયા કરે, વિખરાતી વખતે શાંતિ રાખવી. એ મોટામાં મોટો પુરુષાર્થ !

સગો ભાઈ, પચાસ હજાર ડૉલર આપે નહીં. પાછું ત્યાં કેમ જીવન જીવવું એ પુરુષાર્થ છે. સગા ભાઈને પચાસ હજાર ડૉલર પાછા ના આપ્યા ને ગાળો દે ઉપરથી. ત્યાં જીવન કેમ જીવવું એ પુરુષાર્થ છે.

અને કોઈ નોકર ચોરી ગયો, ઑફિસમાંથી દસ હજારનો માલ, ત્યાં કેમ વર્તવું તે પુરુષાર્થ છે. એટલે આ બધું તે ઘડીએ ધૂળધાણી કરી નાખો ને અવતાર બધો બગાડી નાખે !

ઘણા ખરા વકીલો મને ભેગા થાય ને, તે જ્યારે કોર્ટના માટે કામમાં લાયક ના રહે ને, પછી એમની સ્થિતિનું શું થાય છે, તે વર્ણન કરે તો આપણને અજાયબી લાગે !

હવે એટલું, પોતે કેમ જીવન જીવવું, તેનું તો આપણી પાસે હોવું જોઈએ ને ? આ ધંધો એતો બાય પ્રોડક્ટ છે. ધંધો એ કંઈ મુખ્ય વસ્તુ નથી.

આ તો જાત ઉપરની શ્રદ્ધા ખોઈ નાખી છે. જાતજાતની શ્રદ્ધા સમજ્યા તમે ? તમને તમારી જાત ઉપર શ્રદ્ધા છે ને ! આ તો જાત ઉપરની શ્રદ્ધા લોકોને ઊડી જાય છે.

ખરીદી લો, અહંકાર !

પ્રશ્શનકર્તા : એ તો આપણે આપ્તવાણીમાં કહેવામાં આવ્યું જ છે ને કે તેં જો હજાર બે હજાર રૂપિયા કોઈને આપ્યા તે શા માટે આપે છે કે તું તારા અહંકાર, માનને લીધે આપે છે.

દાદાશ્રી : માન વેચ્યું એણે. અહંકાર વેચ્યો તો આપણે લઈ લેવો જોઈએ. ખરીદી લેવો જોઈએ. હું તો આખી જિંદગી ખરીદતો આવેલો. અહંકાર ખરીદવો.

પ્રશ્શનકર્તા : એટલે શું દાદા ?

દાદાશ્રી : તમારી પાસે પાંચ હજાર લેવા આવ્યો તેને આંખમાં શરમ ના આવે બળી ?!

પ્રશ્શનકર્તા : હા.

દાદાશ્રી : તે માગે છે તે શરમને કાઢીને અહંકાર વેચે છે આપણને. તો આપણે ખરીદી લેવો, આપણી પાસે મૂડી હોય તો !

પૈસા લેવા જવાનું સારું લાગે ? સગા કાકા જોડે લેવા જવાનું ગમે ? કેમ ના ગમે ? અરે, સબંધિત પાસે લેવાનું યે ના ગમે કોઈને. બાપ પાસે લેવાનું ય ના ગમે. હાથ ધરવાનો ના ગમે.

એટલે આટલો પોતાનો અહંકાર વેચવા તૈયાર થયો તો ય તમને ખબર ના પડે, તો ય તમે વેચાતો લો નહિ તો તમે શાનો વ્યપાર કરશો ? પોતાનો અહંકાર વેચવા આવ્યા છે, તો તમારે ખરીદી લેવો કે ના ખરીદવો જોઈએ ? ના ખરીદવો જોઈએ ? એ અહંકાર વેચીને શું કહે છે ? મને ખાવાનું આપો. એ અહંકાર ખરીદી ના લો તો માલ શું રહેશે ? દરેકના અહંકાર ખરીદી લો. કોઈના ખરીદ્યા ? નહીં ખરીદ્યા ? કેવા છે ? ચોપડો દેખાડો ?

એ એનો અહંકાર વેચવા આવ્યો છે ! પૈસા લેવા આવ્યો એટલે શું વેચવા આવ્યો છે ? એ કંઈ શાકભાજી વેચવા આવ્યો છે ? એ પૈસા પાંચસો ડૉલર વેચવા આવ્યો છે ? જો બેન્કમાં પડ્યા હોય તો આપીને લઈ લો, ખરીદી લો. અને ખરીદવાની ચીજ લોક ખરીદતા નથી. મેં તો એ ખરીદ ખરીદ કર્યું, તેનો આ ભેગો થયો છે માલ !

પ્રશ્શનકર્તા : એનો અહંકાર ખરીદી લીધો, પણ આપણને એનો અહંકાર શું કામમાં આવે ?

દાદાશ્રી : ઓહોહો ! એનો અહંકાર ખરીદી લીધો એટલે જે એનામાં શક્તિઓ છે તે આપણામાં પ્રગટ થઈ ગઈ ! એ અહંકાર વેચવા આવ્યો બિચારો !

માગતાવાળા સાથે....

પ્રશ્શનકર્તા : હાથ-પગ સાજા હોવા છતાં ભીખ માગે તો એને દાન આપવાનો ઈન્કાર કરવો એ ગુનો છે ?

દાદાશ્રી : દાન ન આપે તેનો વાંધો નથી. પણ એને તમે કહો કે આ મજબૂત પાડા જેવા થઈને શું આવું કરે છે ? એવું આપણાથી ના જ કહેવાય. તમે કહો કે ભઈ, મારે અપાય એવું નથી.

સામાને દુઃખ થાય એવું ન જ બોલવું જોઈએ. વાણી એવી સારી રાખવી કે સામાને સુખ થાય. વાણી તો મોટામાં મોટું ધન છે તમારી પાસે. પેલું ધન તો ટકે કે ના યે ટકે, પણ વાણી-ધન તો ટકે કાયમને માટે. તમે સારા શબ્દ બોલો તો સામાને આનંદ થાય. પૈસા તમે એને ના આપો તો વાંધો નહિ, પણ સારા શબ્દ બોલોને ! કોઈ આપણી પાસે પૈસા લેવા આવ્યા ને આપણી પાસે બેન્કમાં નથી તો આપણે કહીએ કે ભાઈ, મારી પાસે બિલકુલ છે નહીં. હોત તો હું તમને આપત અને આપણા મનમાં એમે ય જાહેર કરવું કે જો હોત તો ખાસ આપત અને એવી ભાવનાપૂર્વક આટલા શબ્દ બોલીએ અને પછી આપણે કહીએ કે જ્યાં ને ત્યાં માગતા ફરો છો ! કઈ જાતના માણસો છો ? એવું ના બોલાય. માંગવાનું દરેકને કોઈ વખત આવે. વખત ના આવે ? માટે વિનયપૂર્વક, એને દુઃખ ના થાય એ રીતે કહેવું જોઈએ.

આપણા લોક તો આવડું મોટું પીરસે. ના આપવા હોય તો ના આપીશ. એનો સવાલ નથી પણ એને સારી રીતે કહે. આવા સંજોગોમાં તે કેમ આવ્યો ?

એટલે સારા શબ્દોથી બોલવું જોઈએ. એની સ્થિતિ ખરાબ હોય, કોઈની સારી હોય, કંઈ કાયમને માટે દરેકની સ્થિતિ સરખી હોય છે ? રામચંદ્રજીની સ્થિતિ બગડી નહીં હોય ?! આવા મોટા માણસની વાઈફનું હરણ થયું તે એમને દુઃખ આવ્યું તે આ બધાંને દુઃખ ના આવે ? દુઃખ તો મનુષ્યમાં જન્મ્યો હોય એ બધાંને દુઃખ હોય. દેહધારી માત્રને હોય, પણ મહીં પ્રગટ દીવો થયા પછી દુઃખ ના હોય. મહીં દીવો પ્રગટ થયા પછી, 'હું કોણ છું' એ ભાન થાય, પછી દુઃખ ના હોય. 'હું કોણ છું' એનું ભાન થવું જોઈએ.

એ તો છે આત્માનું વિટામિન !

અહીં મોટો બંગલો કરશો તો જગતના તમે ભિખારી થશો. નાનો બંગલો તો જગતના તમે રાજા ! કારણ કે આ પુદ્ગલ છે, એ પુદ્ગલ વધ્યું તો આત્મા (પ્રતિષ્ઠિત આત્મા) હલકો થઈ જાય. અને પુદ્ગલ ઘટ્યું તો આત્મા ભારે થઈ જાય. એટલે આ દુનિયાનાં દુઃખ છે એ આત્માનું વિટામિન છે. આ દુઃખ છે એ આત્મવિટામિન છે, અને સુખ છે એ દેહનું વિટામિન છે. જે સુખ છે એ શેનું વિટામિન છે ?

પ્રશ્શનકર્તા : દેહનું.

દાદાશ્રી : અને દુઃખ છે એ ?

પ્રશ્શનકર્તા : આત્માનું.

દાદાશ્રી : તો ય દુઃખને તું આત્માનું વિટામિન ખાતી નથી અને દુઃખને છે તે તું કાઢવા માટે... આત્માનું વિટામિન નથી લેતી, નહીં ? આ હું તો કેટલું બધું આત્માનું વિટામિન લઈને કેવો હું થઈ ગયો છું ! હમણે જ પચાસ હજાર ઘાલી ગયો હોય ને, તો વિટામિન ફાકું નિરાંતે ! બહુ સારું થયું ! સમજ પડીને ! અને કકળાટ કરે તો પચાસ હજાર પાછા આવે નહીં ?

પ્રશ્શનકર્તા : ના આવે.

દાદાશ્રી : કકળાટ કરે તો ગયેલા પાછા ના આવે.

પ્રશ્શનકર્તા : એ તો સમજાઈ ગયું. પાછા ના આવ્યા !

દાદાશ્રી : કારણ બધું જાણું કે શા આધારે થયું છે ?

પ્રશ્શનકર્તા : પચાસ હજાર ગયા ત્યારે કકળાટ કરેલો, પણ આવ્યા નહીં પાછા એટલે સમજ પડી ગઈ કે નથી આવતા.

દાદાશ્રી : સમજ પડી ગઈ ને ! હા ! પચાસ હજાર પાછા ના આવ્યા ! તે હજુ સાંધા તો હશે ને ! સાંધો રહ્યો નથી.

પ્રશ્શનકર્તા : સાંધો રહ્યો છે. પણ જોઈને શું થાય છે !?

દાદાશ્રી : સાંધો રહ્યો છે ત્યાં સુધી કંઈ પાકીયે જાય થોડું ઘણું. આપણે ડેડ મની નહીં કહેવું.

પ્રશ્શનકર્તા : નથી કહેતી.

દાદાશ્રી : ડેડ મની તો ના કહેવું, 'દાદા, એંસી હજાર મૂક્યા છે, શું થશે હવે ?' ત્યારે મેં કહ્યું, 'હવે જે થઈ ગયું તે થઈ ગયું ! હવે ડેડ મની ના થાય એટલું જોવું !'

આ તો તમારે હજુ સાઠ હજાર ડેડ મની થયા નથી. પણ સ્ટીમરમાં આપણે જતા હોઈએ અને સાઠ હજારની નોટો તારી પાસે પેકેટમાં ભરેલી હોય અને બહાર ડોક ઉપર ફરવા આવ્યા અને મહીં દરિયામાં પડ્યા. પછી એ ડેડ મની કહેવાય. સમજ પડીને ? આ ડેડ મની ના કહેવાય. આ તો આવે પાછું. રૂપિયે બે આની ચાર આની આવે.

કાયદો, મૂડી રોકાણનો !

પ્રશ્શનકર્તા : પૈસો ચાર જગ્યાએ રોકવો એવું આપે કહ્યું છે તો એ કઈ કઈ ચાર જગ્યાઓ ?

દાદાશ્રી : એક તો આપણે બેન્કમાં વ્યવહાર કરવા, ચલાવવા માટે જોઈએ ને ? રોકડા ! પછી છે તે આ મકાનમાં, સ્થાવર મિલકતમાં ! પછી સ્થાવર-જંગમમાં, એટલે સોનું અને પછી વેપારમાં.

પ્રશ્શનકર્તા : આ જરા વિગતવાર સમજાવો ને ?

દાદાશ્રી : રૂપિયાનો સ્વભાવ હમેશાં કેવો છે ? ચંચળ, એટલે તમારે દુરુપયોગ ના થાય એ પ્રમાણે સદુપયોગ કરવો. એને સ્થિર નહીં રાખવા. કારણ કે નિયમ એવો છે કે આ સંપત્તિ કેટલા પ્રકારની કહેવાય ? ત્યારે કહે કે એક જંગમ ! જંગમ સંપત્તિ એટલે આ ડૉલર ને એ બધું. અને સ્થાવર તે મકાન ને એ બધું. પણ તેમાંય વધારે પડતું આ સ્થાવર નભે. આ સ્થાવર-જંગમ નભે અને રોકડું ડૉલર ને એ હોય એ તો ચાલ્યા જ જાણો ને ! એટલે રોકડાનો સ્વભાવ કેટલો ? દસ વર્ષથી અગિયારમે વરસે ટકે નહિ. પછી સોનાનો સ્વભાવ તે ચાળીસ-પચાસ વર્ષ ટકે અને સ્થાવર મિલકતનો સ્વભાવ સો વરસ ટકે. એટલે મુદત બધી જુદી જુદી જાતની હોય. પણ છેવટે તો બધું ય જવાનું જ. એટલે આ બધું સમજીને કરવું આપણે. આ વણિકો પહેલાં શું કરતા હતા, રોકડ રકમ પચીસ ટકા વ્યાપારમાં નાખે. પચીસ ટકા હાથ ઉપર રાખે. પચીસ ટકા સોનામાં અને પચીસ ટકા મકાનમાં. આવી રીતે મૂડીની વ્યવસ્થા કરતા હતા. બહુ પાકા લોકો ! અત્યારે તો છોકરાને શીખવાડ્યું યે નથી હોતું આવું ! કારણ કે વચ્ચે મૂડીઓ જ રહી નથી તો શું શીખવાડે ?

આ પૈસાનું કામ એવું છે કે અગિયારમે વરસે પૈસો નાશ થાય હમેશાં. દસ વર્ષ સુધી ચાલે. તે આ સાચા પૈસાની વાત. સમજ પડી ને ? ખોટા પૈસાની તો વાત જુદી ! સાચા પૈસા તે અગિયારમે વરસે ખલાસ થાય !

પ્રશ્શનકર્તા : એટલે જતા રહે દાદા ?

દાદાશ્રી : એ સ્વભાવ જ છે. ચંચળ સ્વભાવ. ત્યારે લોક શું કહે છે ? ના, અમે કાઢી નાખતા નથી ! ત્યારે કહે, પંચ્યાશી સાલ થઈ, તે અગિયાર વર્ષ પહેલાં કઈ સાલ હતી ?

પ્રશ્શનકર્તા : ચુમ્મોતેર.

દાદાશ્રી : તે ચુમ્મોતેર પહેલાંનું નાણું આપણી પાસે કશું ના હોય ! આ ચુમ્મોતેર પછી જે નાણું કમાયા એટલું દસ વર્ષ જો આપણે ના કમાઈએ તો ખલાસ !

દસ વર્ષે લક્ષ્મી જતી રહે તે આ લોક કહેશે, 'મારા તો અઢાર વર્ષથી પૈસા બેન્કમાં જ છે. એ ટક્યા છે જ ને ?' ત્યારે અમે કહીએ, 'ના અત્યારે તમારી પાસે લક્ષ્મી કઈ હોય. ૧૯૭૫ સુધીની જ હોય. એ તમે હિસાબ કાઢશો તો જડશે. ૭૫ પહેલાંની તો ગમે ત્યાં વપરાઈ જ ગયેલી હોય. સમજ પડીને ! આ પંચોતેર પછીની દસ વર્ષથી જે હોય તે. હિસાબ કાઢે તો ખબર પડે કે ના પડે ? હવે જ્યારે ૮૬ થશે ત્યારે છોંતેર પછીની લક્ષ્મી. એક દસકો જ જો માણસને ખરાબ આવ્યો તો ખલાસ થઈ જાય ! ઊડી જાય ! હવે વધુ કલ્પવાની જરૂર નહિ. બધું 'વ્યવસ્થિત' છે. નિરાંતે આરામથી સૂઈ જવું, સમજ પડી ને ! આ તો ચિંતાવાળાને આ બધી ભાંજગડો ! એમને બધી ભાંજગડો જોઈએ આ બધી ! નહિ તો આખી રાત ઊંઘવાનું કેમ ફાવે ? એટલે થોડું થોડું જોઈએ.

પ્રશ્શનકર્તા : પણ દાદા, ધંધામાં તો સ્પેક્યુલેશન રાખવું જ પડે ને ? સ્પેક્યુલેશન ધંધામાં કરો એટલે પૈસા આવતા-જતા, વધતા-ઓછા થયા જ કરવાના. તો તમે કેવી રીતે સમય બાંધો ?

દાદાશ્રી : હું શું કહું છું કે ૭૪માં નાણું આવ્યું હોય તે અત્યારે ખલાસ થઈ ગયેલું હોય.

પ્રશ્શનકર્તા : એટલે રોકડું ઇન્વેસ્ટ (રોકાણ) કરેલું કે ઘર ને એવું નહીં ?

દાદાશ્રી : કાયદો એવો છે કે રોકડા માટે દસ વરસ છે. પછી સ્થાવર-જંગમ છે. તે આ સોનું કહેવાય. તેને માટે અમુક વરસ છે. હવે સોનું વેચવું હોય તો એના તરત પૈસા આવે એવું છે માટે એને સ્થાવર-જંગમ કહેવાય. એ ડૉલર જેવું છે ? ત્યારે કહે ના. એ પછી બૈરી કચકચ કરે કે સોનું ય પહેરવા નથી દેતા. એટલે એમ કરીને મોડું-વહેલું થાય અને મકાન ? લોક શું કહેશે ? ફ્રેન્ડ શું કહેશે ? એટલે એય મોડું થાય અને ડૉલર ? તરત મૂકી આવે ! સાઠ હજાર મૂકી આવે ને ! ડૉલર હાથમાં હતા ને તે મૂકી આવે ને ! એવું આ એનું બહુ હિસાબ કરું છું. આવું બને કે ના બને ?

પ્રશ્શનકર્તા : જે પ્રમાણે આવે એ પ્રમાણે લેવું ઈશ્વરની ઇચ્છાએ.

દાદાશ્રી : હા, એ તો ઉત્તમ. ઈશ્વરની ઇચ્છા શું ? આ તો આપણું પ્રારબ્ધ જ. આપણું જ આ રીએક્શન આવે છે. ઈશ્વર આમાં હાથ ઘાલતો જ નથી. આપણું જ પ્રારબ્ધ છે આ, બસ ! એટલે એ પ્રમાણે રહેવું.

સોનામાં રોકાણ !

પ્રશ્શનકર્તા : સોનામાં રાખવું જોઈએ ?

દાદાશ્રી : સોનામાં રાખવું જોઈએને ! આ પહેલાંના જમાનાના હિસાબ છે. અત્યારે આપણને વ્યાજમાં નુકસાન થતું હોય તો સોનું ના લેવું. પણ જોડે જોડે જતું રહેશે એવી ખાતરી રાખવી ! સોનું જરા વાર લાગે. અત્યારે તો તરત એનું એ જ કહેવાય ને ! પહેલાં તો શું થાય ? લોકોમાં ખોટું દેખાય કે મારે સોનું વેચવાનો વખત આવ્યો ! આ કાયદા બાંધેલા ને તે ટાઈમ જ જુદો હતો ! સોનું વેચવાનો વખત આવ્યો, તો લોક શું કહે ? સોનું ના વેચશો, હં આપણે. તે સોનું રહેવા દો ને, તે ચલાય ચલાય કરે. પછી જરુર પડે તો જમીન, ખેતર અરે, ઘર વેચવાનો વખત આવે ! અને રોકડા હોય તો તરત શેરબજારમાં જઈને શેરનું કરી આવે. અને પછી નથી એવું માને. એટલે શેરબજારમાં એને જતો અટકાવે. તમને સમજ પડીને ?

પ્રશ્શનકર્તા : શેરબજારમાં સટ્ટાબાજી કરવી કે સોનું લેવું સારું ?

દાદાશ્રી : શેરબજારમાં તો જવું જ ના જોઈએ. શેરબજારમાં તો ખેલાડીનું કામ છે. આ વચ્ચે ચકલાં બફાઈ મરે છે ! ખેલાડી લોકો ફાવી જાય છે આમાં. બધા પાંચ-સાત ખેલાડીઓ ભેગા થઈને ભાવ નક્કી કરી નાખે. એમાં આ ચકલાં મરી જાય વચ્ચે ! એમાં કો'ક તો ફાવે જ છે ને ! પેલા ખેલાડીઓ ફાવે છે આમાં અને નાના જે ચરાવી ખાતા હોય ને તે ખર્ચા કાઢે છે ! કારણ કે રાત-દા'ડો એની પર જ કરવાનું હોય. આ વચલાવાળા જે આમ અહીંથી કમાઈને આમ નાખે, તે માર્યા જાય. એટલે અમારા સગા હતા તેમણે મને પૂછ્યું ત્યારે મેં તમને કહ્યું કે આ કરશો નહિ.

પ્રશ્શનકર્તા : આપે કહ્યું ને કે ૧૧ વરસે નાણું ખલાસ થઈ જાય તો કે દસ વરસ થાય ને પછી આપણે એ પૈસાનું સોનું ખરીદી લઈએ તો એ ટકે ને ?

દાદાશ્રી : નવ વરસે સોનું લઈ લે તો પાછું ટકે. પણ એ બુદ્ધિ ત્યારે ના રહે. એ કહે, સોનાનું પણ વ્યાજ ના આવે ને ! માટે મૂકી આવો ને આપણે સાઠ હજાર. એ બુદ્ધિ એવું કહે કે જો મૂકી આવીશું તો બાર મહિને છ હજાર ડૉલર આવશે.

એટલે આ પૈસાને ધીમેધીમે સારા ઉપયોગમાં વાપરવા. કાં તો મકાન બાંધી દેવું ઘેર. મકાન ઘેર હોય તો બીજું મુંબઈમાં બાંધવું. કંઈ થોડા-ઘણા સોનામાં રાખવા. પણ બધું બેન્કમાં ના રાખવું. નહિ તો કો'ક દહાડો મળી આવશે ને ગુરુ કે શેરબજારમાં ભાવ સારા છે હમણે. એ લાલચમાં નાખ્યો કે પડ્યો એ ! પેલાના સાઠ હજાર ગયા ને !

પરદેશની પોલિસી !

પ્રશ્શનકર્તા : આપે આ જે વ્યવહાર બતાવ્યો એ હિન્દુસ્તાનને માટે એ ટાઈમને અનુસરીને હતો. હવે અહીંયા (અમેરિકા) શું થયું ? આ દસ વર્ષ પહેલાં જ સોનાની છૂટ થઈ કે અમેરિકન માણસ માર્કેટમાં જઈને સોનું ખરીદી શકે. એ પહેલાં અમેરિકન માણસ સોનું ખરીદી જ ના શકે.

દાદાશ્રી : એમ ?!

દાદાશ્રી : આ જે જણસો કરાવે એમાં તો સોનું કાઢી લે, આપણી પાસે કશું રહે જ નહિ. અત્યારે કોી કહે કે મારે સોનું સંઘરવું છે તો હું કહું કે લગડીઓ સંઘર, પણ લગડીઓ વેચી ખાયને પાછો, એટલે એમને અત્યારે શું સમજણ પાડવી તે જ સમજણ ના પડે. માટે 'વ્યવસ્થિત'માં જે બને છે તે જુઓ ! શું થાય ?

પ્રશ્શનકર્તા : અહીં તો ફોરેનર્સને એક અઠવાડિયું પગાર મોડો મળે તો ભૂખે મરી જાય.

દાદાશ્રી : હા, એ તો એવું. આ બિચારાં તો પૈસા આવે તો વાપરવા માંડે એને વાપરવાનું જ હં. ડલનેસ હોય. આ આટલા ઓછા થાય કે એવું તેવું કશું નહિ. જેવા સંજોગો આવે તો વાપર વાપર કરે. પછી ડૉલર મહીં ખોળે. બેન્કમાં ખલાસ થઈ જાય એટલે ખોળ ખોળ કરે. એ તો સારું છે કે હવે બધાં સાધન છે. વિઝા-બિઝા અને ક્રેડિટ-કાર્ડ બધું છે.

પ્રશ્શનકર્તા : એના પર જ ચાલે છે આખો દેશ ! જો આ કાર્ડ બંધ કરી દે તો બધું બંધ !

લક્ષ્મીની લિમિટ સ્વદેશ માટે !

દાદાશ્રી : અને આ મકાન ઉપર પૈસા ધીરે છે ને તેથી આ મકાન મળે. નહીં તો મકાન જ કોઈને ના હોય. આ સીસ્ટમ બહુ અક્કલવાળી ખોળી કાઢી છે. નહીં તો કોઈ અમેરિકન મકાનવાળો હોય નહીં.

પ્રશ્શનકર્તા : આ એક જ દેશ (અમેરિકા) એવો છે દુનિયામાં કે જેમાં એંસી ટકા પ્રજા પોતાનું ઘર ઓન કરે છે (ધરાવે છે). દાદા, આપણા અમેરિકન મહાત્માઓ પૂછે છે કે અમે જે કંઈ થોડું ઘણું કમાયા છીએ એ લઈને ઈન્ડિયા જતા રહીએ ?

દાદાશ્રી : ના, ના, એવી કંઈ જરૂર નથી. એવી ભડકવાની જરૂર નથી અને બીક લાગે તે દહાડે મને કાગળ લખજો તો હું તમને લખી દઈશ કે આવતા રહો. બીકમાં ઊંઘ ના આવતી હોય તો હું કહીશ કે આવતા રહો. અત્યારે તો ઊંઘ આવે છે ને નિરાંતે ?

પ્રશ્શનકર્તા : આવે છે દાદા.

દાદાશ્રી : હા, એટલે ભડક રાખશો જ નહીં. અમે તમને આશીર્વાદ આપીશું. ભડક રાખવાનો શું અર્થ છે ?

પ્રશ્શનકર્તા : છોકરાઓનો ખાસ વિચાર આવે કે અમેરિકામાં જોઈએ એવા સંસ્કાર નથી મળતા.

દાદાશ્રી : હા, એ તો બધું તો ખરું છે. અહીંથી જો પૈસા કમાઈ ગયા હોય તો આપણે ઘેર જતાં રહેવું. છોકરાંને સારી રીતે ભણાવવાં.

પ્રશ્શનકર્તા : તમે કહ્યું કે પૈસા કમાયા એટલે ચાલ્યા જવું, પણ પૈસાની લિમિટ નથી હોતી. એટલે લિમિટ કંઈ બતાવો તમે. તમે એવી કંઈક લિમિટ બતાડો કે એટલી લિમિટના પૈસા લઈને અમે ઈન્ડિયા જતા રહીએ.

દાદાશ્રી : હા. આપણે હિન્દુસ્તાનમાં કંઈ રોજગાર કરવો હોય અને એને માટે કંઈ રકમ લાવવી પડે, તો વ્યાજે ના લાવવી પડે એવું કરવું. થોડું ઘણું બેંકમાંથી લેવું પડે તો ઠીક છે. બાકી કોઈ ધીરે નહીં, ત્યાં તો કોઈ ધીરે કરે નહિ. અહીંયા ય કોઈ ધીરે નહીં. બેંક જ ધીરે. એટલે એટલું સાથે રાખવું. બિઝનેસ તો કરવો જ પડે ને. ત્યાં આગળ ખર્ચો કાઢવો પડેને. પણ ત્યાં છોકરાં બહુ સારાં થાય. અહીં ડૉલર મળે પણ છોકરાંના સંસ્કારની ભાંજગડ છે ને !

સુખ શેમાં ?

એટલે આ સુખ તો બધું માનેલું સુખ. પૈસા હોય એ સુખ ગણાતું હોય તો પૈસાવાળાં તો ઘણાં છે બિચારાં. એટલે પૈસા ! એ પણ આપઘાત કરે છે પાછાં. જો ધણી સારો હોય તો સુખ હોય. પણ ધણીએ ઘણા સારા છે તો ય બઈઓને પાર વગરનું દુઃખ હોય છે. છોકરાં સારા હોય તો સુખ. પણ તે ય કશું નથી હોતું.

સુખ શેમાં છે ? આ સ્ટોર્સમાં છે ? આ જનરલ સ્ટોર્સ હોય છે ને. તેની મહીં બધી વસ્તુઓ આપણે જોઈએ. એ બધી સુખવાળી છે નહીં ? બસો એક ડૉલર લઈને પેઠાં હોય તો આનંદ આનંદ આવી જાય. આ લીધું ને તે લીધું ને પછી લાવતી વખતે કકળાટ પાછો. ધણીને કહેશે 'હું શેમાં ઊંચકી લઉં હવે ?' ત્યારે ધણી કહેશે, 'ત્યારે લીધું શું કરવા ત્યાં ?' ત્યાં ય પાછો કકળાટ. 'નકામી ઘાલ ઘાલ કરું છું ને હવે પછી બૂમો પાડે છે.' ધણી એવું કહે એમાં સુખ હોતું હશે ? સ્ટોરવાળાને સુખ ના હોય. એ શું કરવા આખો દહાડો ત્યાં બેસી રહે છે. તો પૂછવું હોય તો પૂછ હવે. તારા ખુલાસા કરીશ. તારે જેવું સુખ જોઈતું હોય એવું સુખ આપીશ હં...

સ્ટોર પણ નમસ્કાર કરે 'આ વીતરાગને'

અમેરિકામાં અમને સ્ટોરમાં લઈ જાય. હેંડો દાદા કહે. તે સ્ટોર બિચારો અમને પગે લાગ લાગ કરે, કે ધન્ય છે, સહેજ પણ દ્ષ્ટિ બગાડી નથી અમારી પર ! આખા સ્ટોરમાં દ્ષ્ટિ બગાડી નથી કોઈ જગ્યાએ ! અમારી દ્ષ્ટિ બગડે જ નહીં એની પર. અમે જોઈએ ખરા, પણ દ્ષ્ટિ ના બગડે. અમારી શી જરૂર કોઈ ચીજની ! મને કોઈ વસ્તુ કામ લાગે નહીં ને ! તારે દ્ષ્ટિ બગડી જાય ને !

પ્રશ્શનકર્તા : જરૂર પડે એ વસ્તુ લેવી પડે.

દાદાશ્રી : હા, અમારી દ્ષ્ટિ બગડે નહીં. હેય, સ્ટોર અમને આમ નમસ્કાર કર્યા કરે કે આવા પુરુષને જોયા નથી ! પાછા તિરસ્કારે ય નહીં. ફર્સ્ટ ક્લાસ, રાગે ય નહીં, દ્વેષેય નહીં. શું કહ્યું ? વીતરાગ ! આવ્યા વીતરાગ ભગવાન !

આ તો જો હાથમાં પાંચ ડૉલર હોય તો સ્ટોર ખાલી કરી નાખે એવા લોક, હાથમાં હોવા જોઈએ અને મને આ સ્ટોરમાં તેડી જાય છે. 'દાદા, શું લેવું છે ?' મેં કહ્યું 'મને કોઈ વસ્તુ ખોટી લાગતી નથી. પણ આ આમાં મને એમે ય નથી લાગતી કે આ લેવા જેવી છે. જે લેવાથી વજન ન વધવું જોઈએ. હાથમાં ઝાલવું ના પડે. નહીં તો આ તો પાછા હાથમાં ઝાલ્યું આમ, મોટો બેટરો આવડો લીધો તે હાથમાં ઝાલ્યો હોય !!'

એક જણ તો સ્ટોરમાં લઈ ગયા, તે મને કહે છે, અમારો રોજ છસ્સો-સાતસો ડૉલરનો વકરો થતો'તો. અમારો સ્ટોર ૫૦% પ્રોફિટવાળો છે. તે આજ તમે આવ્યા તે હજાર ડૉલરનો વકરો થયો. તે મોટી બેટરીઓનું મોટું આવડું ખોખું ભરીને આપ્યું, 'લઈ જાવ આ ખોખું.' મેં કહ્યું 'અલ્યા ભઈ, અમે કોને આપીશું આ બેટરી ?' ત્યારેકહે, 'કોઈને આપી દેજો.'

પછી મેં એને કહ્યું, 'છસ્સો ડૉલરમાં તો શી રીતે ધંધો ચાલે અલ્યા ? કેવા માણસ છો ?' ત્યારે કહે, 'અમારે ફિફ્ટી પરસન્ટ (પચાસ ટકા) નફો અને કોઈ કોઈ આઈટમમાં સેવન્ટી અને કોઈ આઈટમમાં બસ્સો ટકા નફો.' મેં કહ્યું. 'ઓહો, ત્યારે ખરા અમેરિકાના ઉપકાર કરનારા. ઉપકારી લોકો !'

પ્રશ્શનકર્તા : એમને કાર્ડ, ગિફ્ટવાળું બધું વેચવાની દુકાન છે.

દાદાશ્રી : દુકાન ના કરે તો કો'કની જોબ (નોકરી) કરવી પડે. હવે જોબ નથી કરવી પડતી ને ?

પ્રશ્શનકર્તા : દુકાન એ જ જોબ થઈ ગયો ને ?

દાદાશ્રી : એટલે એ તો કંઈ કરવું પડે ને ? જોબ કરવા જાવ ત્યારે પેલો ટૈડકાવ ટૈડકાવ કરે પાછો. અહીં આપને ઓછા (છૂટા) કરવાના છે ! અલ્યા મૂઆ જંપીને બેસવા દેને ! એના કરતાં તો સારું છે. આવું કંઈ દુકાન કરી ખાધીને ! ઓછું તો ઓછું બળ્યું !

ત્યાં છે નર્યો લોભ !

એમાં અમુક કોમ જે હોય છે, જે ડેવલપ કોમો એ લોભી બહુ હોય છે. આખો દહાડો લોભમાં ને લોભમાં, પાંચ-પચચીસ લાખ મહીં બેંકમાં પડ્યા હોય ને તે આખો દહાડો લોભમાં ને લોભમાં હોય. અહીં એક ઈટાલિયન બાઈ આવે તે દર્શન-બર્શન બધું કરે. પણ આખો દહાડો લોભમાં જ હોય. દાદાને કંઈ આપવું પડશે, એનાં કરતાં છેટાં સારાં. જો કે આપણે કંઈ માંગીએ નહીં. પણ એના મનમાં ભડકાટ રહે.

પ્રશ્શનકર્તા : પણ જિંદગીમાં બીજું જોયું ના હોય તો બીજું શું થાય, દાદા ?

દાદાશ્રી : બીજી જે અમુક કોમ છે, એ તો માલ બધો તરત વાપરી નાખે અને આ તો આખો દહાડો પૈસામાં જ રમત. બહુ લોભિયા હોય એ તો. આ તો કીડીઓ એકલી લોભી છે બધી ? બધા ય લોભી ઘણા ખરા હોય માલ. આ તો હું ઘેર બેઠો બેઠો જોયા કરું. એય કાગડાભાઈ પેણેથી રોટલી લાવ્યા હોય, અને લાવીને અમારી બારીનું વેન્ટીલેટર હોય છે ને, તે ત્યાં વચલું લાકડું હોય ત્યાં પછી મૂકીને જાય. પછી મોડો ભૂખ્યો થાય ને કોઈ જગ્યાએ ઠેકાણું ના પડે તો એ આવીને ખાય પાછો. અલ્યા, અહીં સુધી તમને પરિગ્રહ કરતાં આવડ્યો ? ત્યાં બીજા લોકો પરિગ્રહ ના કરે, ચકલીઓ, બકલીઓ ના કરે એમને તો ખાઈને સૂઈ જવાનું, બીજી ભાંજગડ નહિ. આ તો અક્કલવાળા એટલા બધા.

એમાં જાતનું કેટલું નુકસાન ?

તારે બધું જાણવું છે આ બધું. અને અંદર શાંતિ કાયમની રહે એવું કરવું છે ? મહીં શાંતિ થઈ ગયા પછી આ તારો ખર્ચો બંધ થઈ જશે. ઓછો થઈ જશે. તો શું કરીશ ? આ સ્ટોરવાળાને ત્યાં ઘરાકી ઓછી થશે. આ સ્ટોરવાળાને શેની ઘરાકી છે ? અશાંતિને લીધે આ લઉં, આ લઉં તો સુખ આવે, આ લઉં તો સુખ આવે, તેને લઈને સ્ટોરવાળાને ત્યાં ઘરાકી છે. આપણા મહાત્માઓને લીધે સ્ટોરવાળાને ત્યાં ઘરાકી નથી રહેતી હવે પછી. કારણ કે નિરાંતે ઘેર જાય. સ્ટોરમાં શું કરવા આવે ? પેલાં તો ભટક ભટક કર્યા કરે.

આ બેન તો, એના ફાધરે શી રીતે ખર્ચો એનો ચલાવ્યો હશે ? એવી હાથની છૂટી હતી. હવે એ એટકી તે બહુ સારું થયું. એક તો એ પોતાને નુકસાન કરત, ઘરનાને નુકસાન કરત ને ડૉલરનું નુકસાન થાય. અરે ડૉલરનું મૂઉ નુકસાન થાય, પણ એની જાતનું કેટલું બધું નુકસાન થાય ?!

દૂધે ધોઈને ખોયા શેરમાં !

સ્ટોરમાં જઉં છું કે ? શું લેવા જઉં છું ?

પ્રશ્શનકર્તા : ગ્રોસરી (અનાજ).

દાદાશ્રી : બીજું કંઈ વધારે પડતું લાવું નહીં ને ? સાડીઓ-બાડીઓ, વધારે ? કાન દેખાડ જોઉં ? હીરા-બીરા નથી કર્યા ?! હીરા-બીરા કશું ય નહીં ?

પ્રશ્શનકર્તા : અમારો ક્લાસ નથી એવો અત્યારે.

દાદાશ્રી : ત્યારે લોઅર ક્લાસમાં છો ?

પ્રશ્શનકર્તા : લોઅર ક્લાસમાં નહીં પણ પૈસાની જે ગાંઠ છે. લોભની ગાંઠ છૂટતી નથી.

દાદાશ્રી : ઓહો !! એ તો એક જણની લોભની ગાંઠ છૂટતી નહોતી પછી શેરબજારમાં એણે સોદા કર્યાને, પછી મને કહે છે, દાદા ! મારા ગઈ સાલ આઠ હજાર ફસાયા છે. ત્યારે મેં કહ્યું, મૂઆ ત્યાં આગળ તો લોભની ગાંઠ છૂટતી નથી, ને પાછું આ શું કર્યું ? ત્યારે કહે, લોભના હારુ જ ! અને સાઠ હજાર જવા બેઠા છે ! તે વિધિ કરી આપો. તે વિધિ કરી આપશો તો દસ-પંદર હજાર વખતે પાછા આવશે. ત્યારે મૂઆ આમ જતા રહે એના કરતાં આપણે સારી રીતે ડહાપણ ના વાપરીએ ?!

એક મહાત્મા કહે છે કે શેરનું કામકાજ મારે બંધ કરી દેવું કે ચાલુ રાખવું ? મેં કહ્યું, બંધ કરી દેજો. અત્યાર સુધી કર્યું એનું મહીં ખેંચી લો નાણું. હવે બંધ કરી દેવું જોઈએ. નહીં તો આ અમેરિકા આવ્યા ન આવ્યા જેવું થઈ જશે ! હતા એવા ને એવા. કોરે પાટલે જવું પડશે ઘેર ! કોઈને આપેલા હોય ને તે તો બિચારો ખલાસ થઈ ગયો હોય ને તો ય પેલો સંભારે કે ના ભાઈ મેં એમના લીધેલા છે. ને એ કમાયો હોય તો આપણને બોલાવે કે આવજો મારે ત્યાં, પણ આ કોને ત્યાં બોલાવે ? સ્હેજમાં ! આ તો દૂધે ધોઈને ખોઈ નાખ્યાં !

પડ્યા લ્હાયમાં, વ્યાજની ?

પ્રશ્શનકર્તા : તમે એવો પ્રશ્શન કર્યો કે પૈસાને શું કર્યા ? પૈસાને કંઈ મૂક્યા ?

દાદાશ્રી : એવું છે ને, ગઈ કાલે પૈસા આવેલા હોય ને તે રાત રાખે નહીં. તરત ધીરેલા હોય એક ટકાના ભાવે. એનો ક્યારે પાર આવે ? તમારું ગામ તો એનું એ જ છે ને ?

હમેશાં વ્યાજ ખાવાની શરૂઆત માણસ કરે. એટલે મુસલમાનમાં યે ના ગણાય. ખરો મુસલમાન વ્યાજ ના લે. કારણ કે વ્યાજની કિંમત નથી. વ્યાજમાં પડેલો માણસ વ્યાજની લાઈનમાં પડેલો એ માણસ મટીને શું થાય છે એ ભગવાન જ જાણે ! તમે બેકન્માં મૂકો તેનો વાંધો નહિ, બીજા કોઈને ધીરો તેનો વાંધો નહિ, પણ લ્હાય પડેલો બે ટકાને, દોઢ ટકાને, સવા ટકાને, અઢી ટકાને, એ લ્હાયમાં પડ્યો. એ માણસ શું થશે એ કહેવાય નહિ, એવું અત્યારે મુંબઈમાં બધાને થયું છે. આપણે અહીં તો એટલું બધું નાણું હોય ક્યાંથી ? પણ આ લ્હાયમાં પડ્યાને ?! વ્યાજની લ્હાયમાં બે ટકા ને અઢી ટકા, પદ્ધતિસરનું વ્યાજ હોય ત્યાં સુધી ચાલે. નહીં તો માણસનું લોહી લુપ્ત થઈ જાય. એમને કોઈ દહાડો મોક્ષે જવાની ટિકિટ નહીં મળે. કારણ કે પૈસા જ બધું છે.

વ્યાજ-વટાવનો વેપાર

બીજું મુસલમાનોનું અક્કલવાળું પોઈન્ટ એ છે કે વ્યાજ નહીં લેવું જોઈએ. વ્યાજ ખાનારો માણસ ક્રુઅલ (દુષ્ટ) થતો થાય. સ્ત્રી-બેનને રૂપિયા વ્યાજે આપ્યા હોય તોય ક્રુઅલ્ટી કરે. પણ અત્યારે આપણી પાસે એવું નથી. માટે બેન્કો લે તે પ્રમાણે લેવું. કોઈને ધીરવા નહીં ખાસ કરીને. એનાથી ના આપી શકાય ત્યારે દુઃખે ય થાય એટલું. ભયંકર દુઃખ થાય ?

દાદાશ્રી : કોઈ માણસને અંગત ના ધીરવું જોઈએ. નહીં તો માણસનું મન પછી ખાટકી થઈ જાય. એટલે અમે તો અમારા ભાગીદારને પહેલેથી કહેલું કે આપણે વ્યાજ આપીને લાવો, અને આપણે વ્યાજ ના લેવું.

પ્રશ્શનકર્તા : અહીં એવું છે કે આપણે કોઈને ધંધા માટે હજાર, બે હજાર ડૉલર આપ્યા પછી પાછા માગીએ તો એ કહે કે ક્યારે તમે આપેલા ? એમ એ લોકોને એટલું કહ્યું હોય કે હું વ્યાજ લઈશ, બેન્કમાં જેટલું થાય છે તેટલું લેવાનું.

દાદાશ્રી : વ્યાજ લેવામાં વાંધો નહીં. આ તો વ્યાજ લેવાનો વ્યાપાર કર્યો હોય. ધંધો વ્યાજ-વટાવનો. તમારે શું કરવું જોઈએ ? જેને ધીર્યા એને કહેવું જોઈએ કે બેન્કમાં જે વ્યાજ છે તે તારે મને આપવું પડશે. હવે છતાં એક માણસની પાસે વ્યાજે ય નથી, મૂડી યે નથી તો એની પાસે મૌન રહેવું. એને દુઃખ થાય એવું નહિ વર્તવું. એટલે આપણા પૈસા ગયા છે એમ માનીને ચલાવી લેવું. દરિયામાં પડી જાય તેને શું કરીએ ?

પ્રશ્શનકર્તા : પછી પાછું આપ્તવાણીમાં કહ્યું છે કે આપતી વખતે એમ કહેવાનું કે ક્યારે પાછા આપવાનો છે ? વરસે-દોઢ વરસે આપી જજે, પણ અંદરખાને એમ માનવાનું કે ગયા ખાતે જ છે.

દાદાશ્રી : ગયા એવું માનીને જ તમે ચાલો. 'નો પોઝિટિવનેસ'. દરિયામાં પડી ગયું હોય ત્યારે શું ખોળીએ છીએ કોઈની પાસે ? ના ખોળીએ ને ?

હવે આ હીરાની વીંટી પહેરીને ફરતા હોય ને કોઈ ગુંડો આવીને કહેશે કે 'એય, આપી દો !' તો બધું આપી દેવું પડે કે ના આપી દેવું પડે ? ત્યાં ક્લેઈમ છે કોઈ જાતનો ? એટલે આ અહીં આપો તો પેલું નહીં મળે. નહીં તો પેલું મળશે. નાણાંનો સ્વભાવ કેવો જતું રહેવાનો. ટાઈમે જતું રહે. માટે એનો ઉપાય આ જ હોય ?

મનમાં આ ભાવ તોડી નાખો ને નક્કી કરો કે આ વ્યાજનો ધંધો જ બળ્યો નથી કરવો.

પ્રશ્શનકર્તા : નથી ધંધો. દસ વરસ થયા. નવો કંઈ ધંધો નથી.

દાદાશ્રી : એ તો એવું છે, નવો નથી. એ તો ફસાવે એટલે બધાને વૈરાગ્ય આવે. હવે ફસાવાનો ટાઈમ આવી ગયો છે. અત્યારે આ ટાઈમ ફસાવાનો છે. કારણ કે અત્યાર સુધી લે લે કર્યા, સીઝનો સારી આવી. પણ હવે સીઝન ઊડી જાય છે.

ચાલો હવે સત્સંગની વાતો કરો. અનંત અવતાર બહુ ભટક્યા. ધોળા વાળ આવ્યા ને ત્યાંથી સિગ્નલ પડી ગયો. પ્લેટફોર્મ આવ્યું ઊતરવાનું ! અને તો ય રૂપિયા છોડ્યા નહિ, એટલે ભગવાને કહેલું શાસ્ત્રમાં કે જ્ઞાની પુરુષની તન-મન-ધનથી સેવા કરજો.

હિંસક વેપાર !

પ્રશ્શનકર્તા : આ જે ધંધો પહેલાં કરતા'તા, જંતુનાશક દવાઓનો ધંધો ! તે વખતે એમને વાત નહોતી બેસતી મગજમાં કે આ કર્મના હિસાબે જે ધંધો આવ્યો છે એમાં શું વાંધો છે કોઈને માંસ વેચવાનું હોય તો એમાં એનો શું વાંક ? એના તો કર્મના હિસાબમાં જે હતું એ જ આવ્યું ને ?

દાદાશ્રી : એવું છે ને, પછી અંદર શંકા ના પડી હોય તો ચાલ્યા કરત. પણ આ શંકા પડી, એ એમની પુણ્યૈને લઈને. જબરજસ્ત પુણ્યૈ કહેવાય. નહીં તો આ જડતા આવત ત્યાં કંઈ જીવો મર્યા ઘટ્યા નહીં, તમારા જ જીવો મહીં મરી જાય ને જડતા આવે. જાગૃતિ બંધ થઈ જાય, ડલ થઈ જાય.

પ્રશ્શનકર્તા : હજુએ જૂના મિત્રો મને મળે છે બધા, તો બધાને એમ કહું છું કે એમાંથી નીકળી જાવ અને એમને પચાસ દાખલાઓ બતાવ્યા કે જો આટલે ઊંચે ચઢેલો નીચે પડી ગયો.

પણ પછી બધાને નહીં બેસતું હોય મગજમાં ! પછી ઠોકર ખાઈને બધા જ પાછા નીકળી ગયા.

દાદાશ્રી : એટલે કેટલું પાપ હોય. ત્યારે હિંસાવાળો ધંધો હાથમાં આવે.

એવું છે ને, આ હિંસક ધંધામાંથી છૂટી જાય તો ઉત્તમ કહેવાય. બીજા ઘણા ધંધાઓ હોય છે. હવે એક માણસ મને કહે છે, મારા બધા ધંધા કરતાં આ કરિયાણાનો ધંધો બહુ નફાવાળો છે. મેં એમને સમજણ પાડી કે જીવડાં પડે છે ત્યારે શું કરો છો - જુવારમાં ને બાજરીમાં બધામાં ? ત્યારે કહે એ તો અમે શું કરીએ ? અમે ચાળી નાખીએ. બધું યે કરીે. એની પાછળ માવજત કરીએ. પણ એ રહી જાય તેને અમે શું કરીએ ? મેં કહ્યું, 'રહી જાય તેનો અમને વાંધો નથી, પણ એ જીવડાંના પૈસા તમે લો છો ? તોલમાં ? હા, ભલે, બે તોલા ! નર્યું આ તે કંઈ લાઈફ છે ? એ જીવતો તોલ થાય એકાદ તોલો ! એ તોલના પૈસા લીધા.

પ્રશ્શનકર્તા : વકીલો જ્યારે દલીલ કરે, ત્યારે અમુક વખત જૂઠું બોલવું પડે કારણ કે એ ધંધો રહ્યોને, તો એ બંધનકર્તા થાય ?

દાદાશ્રી : આ બધા લોકોની ગતિઓ સારી ના થાય. અમે ચોખ્ખું ના બોલીએ. આટલું ટૂંકુ બોલીએ. ચોખ્ખું બોલીએ તો શરમ આવે એવું છે. ડૉક્ટરો ને વકીલોને બધાનું ચોખ્ખું બોલીએ તો શરમ આવે.

વકીલાત, બુદ્ધિની પણ !

પ્રશ્શનકર્તા : મને એવો ઘણા વખતથી પ્રશ્શન થાય. એટલે મારા કુટુંબમાં કોઈ વકીલ થાય અને હું કહું કે, ના થઈશ ?

દાદાશ્રી : આમ તો, 'એ' વકીલ થયેલો જ છે. પાછો બીજો વકીલ શું કરવા થાઉં છું ? સતયુગમાં 'પોતે' 'વકીલ' નહોતો થતો. હવે આ જ્ઞાન લેતાં પહેલાં શું હતું ? કે તમે પોતે જ જજ, ને તમે પોતે જ આરોપી. બે તો પહેલેથી હજુ ય છે. પણ આ બે હોય ત્યાં સુધી આરોપીનો જવાબ મળતો'તો, પણ હવે તમે પોતે પાછા વકીલ એટલે એક તો વકીલ હતો ને ફરી પાછો વકીલ થયો. તમારામાં વકીલાત કરે કે ના કરે !

પ્રશ્શનકર્તા : કરે.

દાદાશ્રી : એ વકીલ આપણને શું કહે ? બધા કરે છે ને ! એટલે કલ્યાણ (!) થઈ ગયું !

એક મોટા મારવાડી શેઠ હતા. તે એનો નોકર છે તે કપડું ખંચતો'તો આમ. કપડું ખેંચી ખેંચીને આપતો હતો. મેં શેઠને કહ્યું, 'આ છોકરો કસરત કેમ કરે છે ?'

ત્યારે કહે, 'એ કસરત નથી કરતો. એ તો અમારે ચાલીસ મીટર તાકો હોય છે ને. તે અરધો મીટર વધે છે, કહે છે. મેં કહ્યું, ' આ તમે ભગવાન મહાવીરની પાસે બેસી રહેતા'તા, મને હજી યાદ છે. હવે તમારે ક્યાં જવું છે એ કહો મને ! આ ભાવ કહેલો હોય તો અઢારને બદલે સાડા અઢાર કહેવો. પણ માપ-તોલમાં ઓછું ના અપાય, અને માપમાં તોલમાં ઓછું આપ્યું ને તો અહીંથી ચાર પગવાળા થવાનું છે શેઠ ! બે પગવાળા નહીં ચાર પગવાળા ! પાશવતા કરી કહેવાય. મેં એને સમજણ પાડી ત્યારે કહે છે કે દાદાજી ! બધા આવું કરે છે ને ! જો મહીં પેલો વકીલ શું શીખવાડે છે ? બધાં આવું કરે છે ને ? મેં કહ્યું, 'મને વાંધો નથી. કરજો.'

તો કહે, 'કાલથી બંધ કરી દઉં ?' મેં કહ્યું, 'ભાવ વધારે કરજો ને ?' ત્યારે કહે, 'ભાવ વધારે કહું તો ઘરાક જતો રહે. બધા અઢારે આપે ને હું સાડા અઢાર કહું તો એ જતો રહે.' મેં કહ્યું, 'બધા કૂવામાં પડતા હોય તો તમને કૂવામાં પડવાનું કહ્યું છે ? તમારો હિસાબ કોઈ ઓછો ના કરી આપે. એક રૂપિયો પણ ઓછો ના કરી શકે એટલું બધું આ જગત હિસાબસર છે. તમારે તો કામ કર્યે જવાનું છે. એમ નહીં કે પ્રારબ્ધને આધીન જે થવાનું છે તે થશે ! પ્રારબ્ધ જેવી વસ્તુ જ નથી, એમ માનીને તમારે કાર્ય કરે જવાનું અને એને કૃષ્ણ ભગવાને કહ્યું કે તું નિષ્કામ કર્મ કર્યા કર. શું થશે ? આમ થશે કે તેમ થશે ? એને બદલે નિષ્કામ કર્મ કર્યા કર.'

મૂળ વાત શું હતી ? શું કહ્યું, તું મેં ? એ શેઠ શું કહેવા માંડ્યો ?

પ્રશ્શનકર્તા : એ કાપડ ખેંચીને આપે. બધા આવું જ કરે છે ને ! વકીલ મહીંથી, એણે વકીલાત કરી.

દાદાશ્રી : બધા આવી રીતે કરે છે. એટલે માટે ભાવ તો એવો જ રાખવો પડે ને ? મેં કહ્યું, ના, તમે આમ ખેંચશો નહીં, અને ભાવ વધારે બોલજો, અને તે ઘરાક આવશે કે નહીં. તે બાબતમાં નિષ્કામ રહેજો. એની વરીઝ મારે માથે નાખજો. મારી ગેરન્ટી. ત્યારે શેઠ કહે, 'આજથી ચાલુ કરી દઈશ.' પણ શેઠ મરી ગયા પછી છોકરાઓએ પેલું ચાલુ કરી દીધું પાછું.

ભગાવન મહાવીરની પાસે બેઠેલા મેં જોયા'તા પણ તો ય પાંસરા થયા નહીં અને કશુંય સુખ ભોગવવા નથી પડી રહ્યા. ચટણી સારું ! આખા તાટ માટે નહીં, આખો તાટ ભોગવવો નથી. એક ચટણી સારું જ પડી રહ્યો. ત્યારે મેલને મૂઆ તાટ નહીં ભોગવવો તો જલદી છોડી દે ને અહીંથી !

પ્રશ્શનકર્તા : દારૂ પીવો એ પાપ નથી ?

દાદાશ્રી : પાપ તો ખરું પણ તિરસ્કાર કરવા જેવું નથી.

પ્રશ્શનકર્તા : મેં મારી રીતે પાપની એવી રીતે વ્યાખ્યા કરી છે કે સામા માણસને માનસિક અથવા શારિરીક રીતે આપણે દુભવીએ એને પાપ કહેવાય.

દાદાશ્રી : એ સાચું કહેવાય. સામો દુભાય નહીં છતાં તમે ભેળસેળ કરીને આપો, તો પાપ ખરું !

પ્રશ્શનકર્તા : આ બધી ઈન્કમટેક્ષની ચોરીઓ કરે, સરકારની ચોરીઓ કરે છે એ ચોરી કહેવાય કે નહીં ?

દાદાશ્રી : હવે એવું છે ને ! એબવ નોર્મલ કરે તો ચોરી કહેવાય. નોર્મલ કરે તો વાંધો નહીં.

પ્રશ્શનકર્તા : હવે એ નોર્માલિટીની ખબર કેવી રીતે પડે ?

દાદાશ્રી : સરકારને આટલા તો આપવા જ પડે. સરકારે વધારે વેરાના લીધા છે જાણી જોઈને.

પ્રશ્શનકર્તા : સરકાર તો નેવું ટકા માગે છે. અહીં હિન્દુસ્તાનની સરકાર લાખ રૂપિયા કમાણી ઉપર નેવું હજાર છે તો સરકાર માગે તો ?

દાદાશ્રી : હા, એ તો સરકાર તો જ્યાં ઈન્કમટેક્ષ હોય તે લોકોને ડાહ્યા બનાવે છે કે મૂઆ શું કરવા ભોગવો છો ? આ જે ચપટી છે એને ભોગવો ને ! શું કરવા કમા કમા કરો છો ? નહિ તો ચોરીઓ કરવી પડશે. આના કરતાં ભોગવતાં હોય તો શું ખોટું ?

ત્યારે લોભિયાને લોભ બંધ કરાવવો એવો કાયદો છે. લોભિયા ત્યારે જ પાછા પડે. તો ય પાછા નથી પડતા એ ય અજાયબી જ છે ને !

પ્રશ્શનકર્તા : ચોરી કરે અને લોભ ચાલુ રાખે.

દાદાશ્રી : હા, ચોરી કરે પાછું એમાં શું કાઢવાનું ? મન બગડી જાય આપણું.

પ્રશ્શનકર્તા : દાદા, ગવર્ન્મેન્ટ નેવું ટકા ટેક્ષ નાખે છે એ એબવનોર્મલ ના કહેવાય ?

દાદાશ્રી : કહેવાય ને ! સરકારે આવું ના રાખવું જોઈએ.

પ્રશ્શનકર્તા : જો સરકાર એબવનોર્મલ ટેક્ષ નાખે તો લોકો ચોરીઓ કરે, નોર્માલિટી લાવવા માટે. તો એ શું ખોટું ?

દાદાશ્રી : ખોટું, પણ પછી એને પોતાને તે રૂપિયા ક્યાં મૂકવા એ ચોપડામાં લખાવી લે ને ! એટલે પછી અમારે દેરાસરમાં આપી દેવા પડે.

તમારે ત્યાં પચાસ ટકા આપે છે લાભ.

પ્રશ્શનકર્તા : કારણ કે ગવર્મેન્ટવાળા તો પાછા ચોરી કરે એ અંદર ને અંદર, આપણે ગવર્મેન્ટમાં ટેક્ષ આપીએ તો એ લોકો તો ગવર્મેન્ટમાં બહુ ખઈ જાય છે આપણા.

દાદાશ્રી : લોભિયા લોકોને લોભ ઓછો કરવા માટે ટેક્ષ બહુ સારામાં સારી વસ્તુ છે.

લોભિયા માણસ મરતા સુધી પાંચ કરોડ થાય તો ય એ ધરાય નહીં. ત્યારે આવો દંડ મળે ને એટલે પાછો પડ્યા કરે, વારે ઘડીએ, એટલે સારી વસ્તુ છે આ તો. ઈન્કમટેક્ષ તો કોને કહેવાય ? જે પંદર હજાર ઉપર લેતા હોય તે પંદર હજાર ઉપર તો લોકો છોડી દે છે બિચારા, ત્યારે પંદર હજાર રોફથી ખાય, પીવેને ! એક કુટુમ્બમાં ખાતાં-પીતાંને હરકત ના આવેને ! નાના કુટુંબોને, નાની ફેમિલીઓને પણ આફ્રિકામાં બહુ ટેક્ષ નથી ને !

એક માણસને જેટલી આવક હોય તે બધી સાઠ ટકાના સ્લેબમાં જતું હોય અને એટલું જ ઉત્પન્નવાળો અહીં આગળ છે તે દસ ટકાના સ્લેબમાં જાય. એવા કાયદાઓ છે. જાત જાતના કાયદાનો લાભ લોકો ઉઠાવે છે અને રૂપિયા આવ્યા તો સરકારને આપવાના છે ને ! આપણી પાસે ના આવે તો ના કહે ને !

ભક્તિ ત્યાં ન દુઃખ !

પ્રશ્શનકર્તા : ભગવાનની ભક્તિ કરવાવાળા ગરીબ કેમ હોય છે અને દુઃખી કેમ હોય છે ?

દાદાશ્રી : ભક્તિ કરવાવાળા ? એવું છે ને, ભક્તિ કરવાવાળા કંઈ દુઃખી હોય છે એવું કશું નહિ, પણ દુઃખી તમને દેખાય છે, મહીં અમુક અમુક માણસો. બાકી ભક્તિ કરવાને લીધે તો આ લોકોને બંગલા છે. એટલે ભગવાનની ભક્તિ કરતાં કરતાં દુઃખી હોય એવું બને નહીંને, પણ આ દુઃખ તો એમનો પાછલો હિસાબ છે. અને અત્યારે ભક્તિ કરી રહ્યો છે તે નવો હિસાબ. જ્યારે આવે ત્યારે. તમને સમજ પડીને ? તે આજે પાછલું જમે થયેલું છે એ પાછળ કરેલું તેનું ફળ આવેલું છે. આ હવે અત્યારે કરે છે. જે સારું કરે છે તેનું ફળ હજુ હવે આવશે. સમજ પડીને ? તમને સમજાય એવી છે વાત ? ના સમજાય તો કાઢી નાખીએ વાત.

પ્રશ્શનકર્તા : સમજાય છે.

દાદાશ્રી : તો આજે સારું કરવું, એડજસ્ટ કરવું. અત્યારે જે ફળ આવ્યું છે, તે પોતાની જ, બ્લંડર્સ અને પોતાની જ ભૂલોનું પરિણામ છે. બાકી ભક્તિથી દુઃખ આવે નહિ ને ? ભક્તિથી દુઃખ હોતું હશે ? હા, લક્ષ્મીજી ભક્તિ કરો તો દુઃખ આવે ય ખરું. પણ ભગવાનની ભક્તિ કરતાં દુઃખ કેમ આવે ?

પ્રશ્શનકર્તા : ભગવાન હોય, તો સાથે લક્ષ્મીજી આવે.

દાદાશ્રી : લક્ષ્મીજી વધુ હાજર હોય એમની જોડે તો !

આનંદ પ્રાપ્તિના ઉપાય !

પ્રશ્શનકર્તા : માનસિક શાંતિ મેળવવા માટે માણસે કોઈ ગરીબ હોય, કોઈ અશક્ત હોય, એની સેવા કરવી કે ભગવાનની ભજના કરવી ? કે કોઈને દાન આપવું ? શું કરવું ?

દાદાશ્રી : માનસિક શાંતિ જોઈતી હોય તો આપણી ચીજ બીજાને ખવડાવી દેવી. કાલે આઈસ્ક્રીમનું પીપડું ભરીને લાવજે અને આ બધાંને ખવડાવજે. તે ઘડીએ આનંદ કેટલો બધો થાય છે તે તું મને કહેજે. આ લોકોને આઈસ્ક્રીમ ખાવો નથી. તું તારે શાંતિનો અખતરો કરી જો. આ કંઈ શિયાળામાં નવરા નથી આઈસ્ક્રીમ ખાવા. એવી રીતે તું જ્યાં હોય ત્યાં, કોઈ જાનવર હોય, આ માંકડા હોય છે તેમને ચણા નાખ નાખ કરે તો તે કૂદાકૂદ કરે, ત્યાં તારા આનંદનો પાર નહીં રહે. એ ખાતાં જશે અને તને આનંદનો પાર નહીં રહે. આ કબૂતરાંને તું ચણ નાખે તે પહેલાં કબૂતરાં આમ કૂદાકૂદ કરવા માંડે. અને તેં નાખ્યું, તારી પોતાની વસ્તુ તે બીજાને આપી કે મહીં આનંદ શરૂ થઈ જાય. હમણેં કોઈ માણસ રસ્તામાં પડી ગયો અને એનો પગ ભાંગી ગયો અને લોહી નીકળતું હોય ત્યાં તારું ધોતિયું ફાડીને આમ બાંધું તે વખતે તને આનંદ થાય. ભલેને સો રૂપિયાનું ધોતિયું તે ઘડીએ તું બાંધું પણ તે ઘડીએ તને આનંદ ખૂબ થાય.

સમક્તિીનો લક્ષ્મી વ્યવહાર

પ્રશ્શનકર્તા : દાદાના મહાત્માઓની પાસે લક્ષ્મી હોય તો એણે શું કરવું ?

દાદાશ્રી : એનો વાંધો નહીં, તમારે વાંધો નહીં, તમારે તો કરવાનું. દાદા તમારે માથે છે, તમારે તો મહીં મુશ્કેલી ઊભી થાય તો અમને પૂછવી બસ એટલું જ. આ બધું કરવાનું મારે. હું તમને કહું છું ને કે આ બધું કરવાનું મારે. તમારે કશું કરવાનું નહીં. તમારે મારી આજ્ઞામાં રહેવાનું.

બધું આવવાનું, તમારે ફક્ત શું થવાનું કે રૂપિયાની જોડે વ્યવહાર તો કરવો રહ્યો. એ તમારે નથી વ્યવહાર છતાં કરવો પડે છે એવું રહેવું જોઈએ. નથી કરવા જેવું છતાં ય કરવો પડે છે એમ કહેવું. એમાં શોખીન ના થઈ જાય એટલું જોજો. ખાવ, પીવો, બધું ખાજો એમ કહું છું.

આહારી આહાર કરે છે તે તમારે જાણવું જોઈએ. તમારે તો એમ કહેવું, કારણ કે એ આહારી જ આહાર કરે છે. પણ તમે એ જાગૃતિ ભૂલી જાવ તે ઘડીએ એ ચોંટે !

પ્રશ્શનકર્તા : રોજિંદા જીવનમાં મિથ્યાદ્ષ્ટિ ખસતી નથી, અને સમ્યક્દ્ષ્ટિ જોઈએ છે. તો એનો કેમનો સમન્વય કરવો ?

દાદાશ્રી : સમ્યક્દ્ષ્ટિ છે જ, તમને જે મિથ્યાદ્ષ્ટિ દેખાય છે એ તમારી નથી. એ દ્ષ્ટિ પર તમને હવે પ્રેમ નથી. પ્રેમ છે ? ના. તમને સમ્યક્દ્ષ્ટિ પર જ પ્રેમ છે. જ્યાં પ્રેમ ત્યાં તમારી વસ્તુ. હવે તમને એની પર પ્રેમ નથી. હવે એ છે નિકાલી બાબત. ભૌતિક દ્ષ્ટિ કરીને મારા હાથમાં રૂપિયા મૂકે તો શું હું થોડીવાર પછી નાખી દઉં ? મિથ્યા છે માટે ? ના, ના નખાય. વ્યવહારના લોકો ય કહે, 'ગાંડા છે, જ્ઞાની ન્હોય !' જ્ઞાની ધીમે રહીને ગજવામાં મૂકી દે, તો શું મિથ્યાદ્ષ્ટિ થઈ ગઈ ? આ તો વ્યવહાર છે. દાઢી કરાવો, ક્લીન શેવ કરાવે તો મિથ્યાત્વ થઈ ગયું ? તું આવડી મૂછો રાખું તો સમક્તિ થઈ ગયું ? એવું કશું નથી.

પ્રશ્શનકર્તા : એવું નથી દાદા, એ લાઈન ઑફ ડીમાર્કેશન મહત્ત્વનું છે (ભેદરેખા મહત્ત્વની છે.).

દાદાશ્રી : એ દ્ષ્ટિએ તમને સમક્તિ જ છે. સમ્યક્દર્શન છે. તેથી તમને મિથ્યા દ્ષ્ટિનો ભય રહ્યા કરે છે. પહેલાં ભય નહોતો લાગતો. પહેલાં ભય લાગતો હતો તમને કે આ મિથ્યાદ્ષ્ટિ થઈ જશે ? આ તો શંકા છે તમને કે આ મિથ્યાદ્ષ્ટિ હશે કે શું ? એ શંકા હતી ખાલી, એવું તેવું છે જ નહીં. કારણ કે અનાદિ કાળથી આરાધેલી, એટલે આ ઓળખાણ તો જાય નહીં ને બળી !

બાકી આ પૈસા ગણી લઈએ, બધું કરી લઈએ, શાકભાજી લઈએ ને રૂપિયા-પૈસા પાછા લઈએ એની પાસેથી. તેથી કંઈ બગડી જતું નથી.

પ્રશ્શનકર્તા : પણ શાકવાળી જોડે કચ કચ કરે તો ?

દાદાશ્રી : એ કચ કચ કરે તો અમે કહીએ, 'બેન શું કરવા આમ કરે છે ? અને તારે બે આના વધારે જોઈએ તો લઈ લે પૈસા. પણ કચકચ ના કરીશ બા.' એમ તેમ કરીને પતાવી દઈએ. એ કહે, 'એક રૂપિયો વધારે આપતા જાવ', તો અમે કહીએ, 'આઠ આનામાં પતાવી દે ને.' ના માને તો બાર આનામાં પતાવી દઈએ. નહીં તો રૂપિયો લઈ લે !

પ્રશ્શનકર્તા : રૂપિયો આપી દેવો.

દાદાશ્રી : પણ કકળાટ ના કરીએ.

પ્રશ્શનકર્તા : એ સમ્યક્દ્ષ્ટિવાળો ?

દાદાશ્રી : હા, એ નિવેડો લાવે, નિવેડો ! અને જો એકદમ રૂપિયો આપી દઈએ તો બીજે દહાડે બે રૂપિયા માગીને ઊભી રહે. એટલે આપણા પેલા ભાઈ જેવું રાખવું. પેલી કહે કે એક રૂપિયો, તો આ કહે મારા પચાસ પૈસા ! પણ નિવેડો આવી જાય. પચાસ પૈસા કહેતાંની સાથે જ. એટલે જેવું માણસ એવું ચાલે છે ગાડું.

પ્રશ્શનકર્તા : પણ પૈસા પાછા લેવાના હોય તો રૂપિયાને બદલે તે આઠ આના જ આપે તો ? જવા દેવા ?

દાદાશ્રી : ના, જે આપે તે લઈ લેવાના અને આપ્યા પછી એ કહેશે, 'એ આઠ આના મને પાછા આપી દો, તો કહીએ લો બેન, ત્યાંથી ત્રીજો માણસ માપે કે આ બેમાં મમતા કોને છે, માપી લે, ત્રીજો માણસ. શું માપી લે ?

પ્રશ્શનકર્તા : મમતા !

દાદાશ્રી : ત્યારે બન્ને પૈસા બેય રાખે છે. પણ મમતા કોને છે ? થર્ડ પુરુષ માપે. એને મમતાવાળા કહેવાય ? પૈસા રાખ્યા એટલે મમતાવાળા ના કહેવાઈએ. પૈસા રાખવાના. બધું જ કરવાનું. સિદ્ધાંતિક વાત છે ને ?

પ્રશ્શનકર્તા : હા, બરોબર છે.

દાદાશ્રી : આપણે બધી સિદ્ધાંતિક વાત હોવી જોઈએ. શાસ્ત્રમાં લખવા જેવી વાત હોવી જોઈએ.

પુણ્ય શું કરે ?

જોડે લઈ જવાનું છે ? તમારા ગામમાં મોટલવાળા તો લઈ જાય જોડે ? ના લઈ જાય ? એમને કંઈ કળા આવડતી હશે. આ લઈ જવાનું. આપણે દેરાસરમાં આપોને એટલા એ આગળથી એટલા જમે થઈ ગયા અને આ આપણા મોક્ષને માટે ભક્તિ કરીએ છીએ. પેલું આગળ જમે થઈ ગયા અને આ આપણા મોક્ષને માટે ભક્તિ કરીએ છીએ. પેલું આગળ જમે થઈ ગયું અને પુણ્ય તો બહુ બહુ બાંધ્યું છે. ધર્મધ્યાન એ બધું નર્યું પુણ્ય જ છે. એ પુણ્ય શું કરે ? સારી જગ્યા આપે. ઘર બાંધવું ના પડે પછી. ઝૂંપડામાં જન્મ્યા હોય તો પછી ઘર બાંધવું પડે ને ? મહેનત બધી એમાં જતી રહે. આ તો તૈયાર બંગલો - ગાડી-બાડી ! એવું જોવામાં નથી આવતું ?! લોકો તૈયારને ત્યાં જન્મે છે. પણ એ ડેવલપ ના થાય હંકે ! મનુષ્યભવનું ડેવલપ થવું હોય તે અહીં આગળ જરાક કાચું હોય ત્યાં જ જન્મ થાય, તો જ થાય.

આ છોડીઓ, છોકરાં શી રીતે પૈણતાં હોય ? એવું છે ને, છોડીઓ પાછળ નાણાનો ખર્ચો વધારે થાય છે. છોડીઓ એમનું લઈને આવી છે. તે બેન્કમાં જમા કરાવે. છોડીઓના પૈસા બેન્કમાં જમા થાય એ બાપા ખુશ થાય કે જો મેં સિત્તેર હજાર રૂપિયા ખર્ચીને પૈણાવી એ જમાનામાં ! એ જમાનાની વાત કરું છું. અલ્યા, તેં શું કર્યું ? એના પૈસા બેન્કમાં હતા. તું તો એનો એ છું. 'પાવર ઑફ એટર્ની' છે. તારે એમાં શું ? પણ રોફ એ મારી ખાય છે અને કો'ક છોડી ત્રણ હજાર લઈને આવી હોય તે વખત ટાઢું પડી ગયું હોય. એના ધંધા-બંધા બધું. તે ત્રણ હજારમાં પૈણે કારણ કે એ જેટલા લાવી એટલા વાપરે.

આ છોકરાં છોડીઓ બધાનાં પોતાનાં નાણાં. આપણે બધા ભેગા કરીને મૂકીએ છીએ ને તે વહીવટ આપણા હાથમાં હોય છે એટલું જ છે.

ભાવમાં તો નિરંતર....

જેને નિકાલ કરવો છે એને આવી જશે. નિકાલ ના કરવો હોય તેને આવે નહીં. નિકાલ તો કરનારો અને જેને નિકાલ થતો હોય તે બધાય જાણી જાય કે નિકાલ કરે છે. નિકાલ એટલે બધાના મનના સમાધાનનો કાયદો. પચાસ માંગતો હોય તેને પચાસ જ આપે એવો કંઈ કાયદો નહીં. થઈ ગયો નિકાલ. તું કેટલા રૂપિયે નિકાલ કરું તે દહાડે ?

પ્રશ્શનકર્તા : પચાસ રૂપિયે.

દાદાશ્રી : પૂરેપૂરો ? ના હોય ત્યારે શું કરે ? હોય તો પૂરા આપી દેવા. ના હોય તો દસ વધતા ઓછા કરીને કેસ ઊંચો મૂકવો. સામો માણસ એમ નથી કહેતો કે, મારા પૂરા પૈસા આપ. સામો માણસ એટલું કહે કે ભાઈ, આ ફેર નથી. એટલે તમે નભાવી લેશો. ત્યારે કહે, હા, હા. નભાવી લઈશું એટલે થઈ ગયું ! આ દુનિયા એવી જ રીતે ચાલે છે ને, અહંકાર પોષવો જોઈએ. એના અહંકારને કંઈ ઠોકરો ન વાગવી જોઈએ. તે આપણા લોક કહે છે. મારે દૂધે ધોઈને આપવાના છે. અલ્યા, અહંકાર છે ખોટો. દૂધે ધોઈને આપવાવાળા ! મારે પૈસા આપી દેવા છે ભાવ કરવાના, આપી દેવાય. લેતી વખતે પાછા આપી દેવાના છે, એવું નક્કી કરીને જે લે છે, એના વ્યવહાર બહુ સુંદર મેં જોયા ! કંઈ પણ નક્કી તો હોવું જોઈએ ને પહેલેથી ડિસીઝન ! પછી એક્સિડન્ટ થાય એ જુદી વસ્તુ છે, પણ ડિસીઝન તો હોવું જોઈએને ! આ તો પઝલ છે ને બધું !

પ્રશ્શનકર્તા : પણ એ પઝલનો અંત જ નથી આવતો.

દાદાશ્રી : અંત જ ના આવે.

પ્રશ્શનકર્તા : આત્માની અનંત શક્તિ ને આ પઝલે ય અનંત હોય એવું લાગે છે.

દાદાશ્રી : એનું નામ જ પઝલ. હું મારું પઝલ તમને કહું ને, મારું પઝલ સાંભળે ને આ લોકો, તો.... ! આખી જિંદગી પઝલ જ, બહુ મોટાં મોટાં !

પ્રશ્શનકર્તા : પણ દાદા, એ આપણું સુખ આવરી લે ને !

દાદાશ્રી : ના.

પ્રશ્શનકર્તા : એવું દાદા, ઘણી વખત બને છે. એનો અંત જ ના આવે.

દાદાશ્રી : તમારે ખરુંને, તમારે અમુક જ વર્ષથી પ્રેક્ટિસમાં આવેલું અને મારે તો કેટલાય કાળથી આની આ પ્રેક્ટિસ. કેટલા ય અવતારથી પ્રેક્ટિસ થતી થતી આવેલી, સમજ પડીને ?

અમે સમજીએ આમ જ હોય, એ હું કહુંયે ખરો કે આનું નામ જ કાયદો. પેલો ઉલટો કહે કે હું તો હવે તમને તો આપવાનો જ નથી. એટલે હું એને કશું એવું ના બોલું કે ના આપીશ. હું સમજી જાઉં કે આ જ કાયદો.

પ્રશ્શનકર્તા : દાદા, આ તો ઘંટીના પડની માફક ચોંટતા પ્રશ્શનો આવ્યા જ કરે. એ નિકાલ જ ના થતા હોય.

દાદાશ્રી : હા, શું થાય. ગુંચવાડો ઊભો થાય ! ચૂંથારો કરી નાખે. એવું જ બને. સંસાર છે ને !!

પ્રશ્શનકર્તા : એનો માર્ગનો અંત ના આવે ?

દાદાશ્રી : અંત આવી જવાનો ને ! અમુક કાળ સુધી જ આવું હોય પછી અંત આવી જવાનો.

જતી વખતે....

આ અક્રમજ્ઞાન હિન્દુસ્તાનમાં આટલા બધા બુદ્ધિશાળીઓને ગાંઠતું નથી. ના ગાંઠે, કારણ કે બુદ્ધિ લિમિટેડ વસ્તુ છે અને જ્ઞાન તો અનલિમિટેડ વસ્તુ છે. જ્ઞાન વાસ્તવિકતા હોય. બુદ્ધિ ભ્રાંતિ હોય. બુદ્ધિ બે જ જુએ. નફો અને ખોટ ! નફો અને ખોટ ! નફો અને ખોટ !

ત્યારે નફો-ખોટ તે કંઈ જોડે આવવાનાં છે અહીંથી ? છેલ્લે સ્ટેશને અહીં સૂતાં સૂતાં લઈ જાય તે જોડે આવતું હશે ? ના આવે ? પેલાં ચાર નાળિયેર પાણી વગરનાં બાંધે બળ્યાં ?! તે ય છોકરાં કહે, અલ્યા એય પાણીવાળાં નારિયેળ ના આપીશ મને સસ્તામાં સસ્તાં આપ.

ઈટ હેપન્સ, બધું થઈ રહ્યું છે. એની મેળે જ થઈ રહ્યું છે એવું તમને નથી લાગતું ?

પ્રશ્શનકર્તા : હા, હા.

દાદાશ્રી : પોતે કર્તા હોયને, પોતે આ જો કમાતો હોય તો કોઈ માણસ મરવાની કમાણી ના કરે. પણ મરવાની કમાણી કરે છે ને લોકો ? નથી કરતા ?

પ્રશ્શનકર્તા : હા.

દાદાશ્રી : જો પોતે કમાતા હોય તો મરવાની કમાણી ના કરે. કોઈ કરે ? પણ જો જવું પડે છે ને ! રોફથી જાય છે ને ? સૂતાં સૂતાં ચાર નારિયેળ સાથે, રોફથી જાયને ? અને આપણા લોકો નીચેથી ચાર ખભે મૂકીને જાયને ! રોફ ભેર ! પહેલાં બાળવાની વ્યવસ્થા કરવી પડતી હવે તો હડહડાટ ઈલેક્ટ્રિસિટીમાં તે હાડકાં-બાડકાં બધું બાળી નાખે.

પરભવની જાળવણી....

આપણે પૂછીએ કે કેમ સાહેબ ઉપાધિમાં ? ત્યારે કહે, 'શું કરે ? આ ત્રણ દુકાનો, આ સાચવવાનું, ત્યાં સાચવવાનું, ને નનામી નીકળે ત્યારે નારિયેળ તો ચાર જ લઈ જવાનાં. દુકાન ત્રણ હોય કે બે હોય કે એક હોય તો ય ચાર જ નારિયેળ અને તે ય પાણી વગરનાં પાછાં. ત્રણ દુકાનો સાચવવાની મારે, કહેશે. 'એક ફોર્ટમાં રહી, એક કાપડની દુકાન અહીં રહી, એક ભૂલેશ્વરમાં છે. પણ તો ય શેઠના મોઢા ઉપર દીવેલ ચોપડેલું હોય છે. જમતી વખતે દુકાન, દુકાન, દુકાન ! રાતે સ્વપ્નમાં બધા તાકા માપે !!

એટલે મરતી વખતે સરવૈયું આવશે. માટે સાચવીને હેંડો.

કેવી રીતે સાચવીને ?

ત્યારે કહે, અહીંથી કાઠિયાવાડ સુધીનો, બે ફૂટનો બ્રિજ બાંધેલો હોય, બે ફૂટનો પૂલ બાંધેલો હોય, કાઠિયાવાડ સુધીના દરિયા ઉપર, બ્રિજ કાઠિયાવાડના બંદર ઉપર મૂકેલો હોય ઠેઠ સુધી અને એની ઉપર રહીને કાઠિયાવાડ જવું છે અને બીજું ગાડીઓ-બાડીઓ બંધ થઈ ગઈ છે, અને બે ફૂટના પુલ પર રહીને જવાનું છે. બે ફૂટના પુલને ઓઠિગણ નથી. એમ ને એમ જ છે. પ્લેટો મારેલી. ઠેઠ સુધી ઠોકર ના વાગે એવું સરસ, સુંવાળું લપસી ના પડે એવી ચેકર્ટ પ્લેટ પાછી. ત્યાં જતાં જતાં શું શું યાદ કરો ? કઈ કઈ દુકાન યાદ આવે ?

પ્રશ્શનકર્તા : બીજું કંઈ યાદ ના આવે.

દાદાશ્રી : કેમ ? છોડીઓ તો યાદ આવે ને ? નાખો દરિયામાં, છિટ છિટ કહેશે. એની સેફ સાઈડ સાચવે મૂઓ ! ત્યારે અહીં પાંસરો મરને ! એક અવતાર પાંસરો મરે, તેના અનંત અવતાર સુધરી જાય. પાંસરો મર્યો એટલે.

આ આવી રીતે આની પર જાય છે. તે પાંસરો ના જાય ? કંઈ પોલીસવાળો રાખવો પડે પાછળ ? પોલીસવાળો ના રાખવો પડે ? ત્યારે એવી આ કેડી છે, પણ એને ભાન નથી બિચારાને, એને ભાન નથી એટલે બિચારો આવું કરે છે.

કૂતરાના અવતારમાં ય દુઃખી થયોને, અહીં પણ દુઃખી થયો ! આ અવતાર નિરાંતે શાકભાજી ખાવાની, મસાલેદાર ભાત બધું ખાવાનું છે. વેઢમી, જલેબીઓ ખાવાની તો ય કૂતરાની પેઠ હાય-વોય કર્યા કરો છો ! અહીં તો નિરાંતે આવો પણ !! અને ભગવાન કા નામ લો !

પછી કબીર સાહેબ કહે છે 'અલ્યા શું કરવાનું ?' 'ખા, પી ખીલાઈ દે,' ઔર જ્યાદા હોય તો 'ખા પી ખીલાઈ દે, કર લે અપના કામ, ચલતી વખતે હે નરો, સંગ ન ચલે બદામ.'

શું કહે ? કબીરો ખોટું કહે છે ?!

અહીંથી બે ફૂટના બ્રીજ ઉપર જવાનું હોય, તો પોલીસવાળો રાખવો પડે ? તમે તો કહોને ? અરે ! ઊભો ય ના થાય. બેઠો બેઠો આમ ઝાલીને, આગળ ખસે ! અલ્યા ક્યારે પહોંચીશ ? ત્યારે કહે હઉ થઈ રહેશે ! મારી પાસે તો હં, ઢેબરાં ય છે, ચણા ય છે, એક હાથે ઝાલી રાખીને ખાતો જાય. છતાં ય પહોંચી જાય એ. જેણે નિશ્ચય કર્યો છે એ પહોંચી જાય. તે ઘડીએ કશું સાંભરે નહીં ને ? એ ભાન નથી તને આ. આવી રીતે એવા રસ્તે, એની ઉપર, પુલ ઉપર જ છે. પણ ભાન નથી કે હું શું કરી રહ્યો છું તે ! એ તો હું જ્યારે ભાનમાં લાવું છું ત્યારે ખબર પડે છે કે ઓહોહો ! આ તો મારે બહુ મોડું થઈ ગયું !!

એવો ભાનમાં આવે ત્યારે ખબર પડે છે. નહીં તો બેભાન ! તે ઘડીએ વાઈફ દવાખાનામાં છે તે યાદ ના કરેને ? યાદ આવી હોય તો ય ફેંકી દે. બધું આવડે છે જીવને ! ક્યાં ક્યાં નહીં વિચાર કરવાના ત્યાં નથી જ કરતો.

જ્યાં વિચાર કરવાના ત્યાં વિચાર કરે છે. નથી કરવાના ત્યાં નથી કરતો. એવું હું જાણું છું કહેશે. પણ છતાંય ધંધાની બાબતમાં ચિંતા થાય ત્યાં સુધી વિચાર કરવાનો, મીઠો લાગે એટલે ! અમુક જગ્યાએ બંધ કરી દે, એ કડવો લાગે એટલે બંધ કરી દે, અને આ સ્વભાવથી મીઠો લાગે.

ધંધાના વિચાર ક્યાં સુધી કરવાના ? કે જ્યાં સુધી વળે ના ચઢે, આમળે ના ચઢે, ત્યાં સુધી કરવાના, આમળે ચઢવા માંડ્યું એટલે બંધ કરી દેવું. નહીં તો માર્યા ગયા જાણજો. ચાર પગ ને પૂંછડું વધારાનું મળશે. પછી ભાંભરે ! ચાર પગ ને પૂંછડું સમજ્યા તમે ? માણસમાંથી ક્યાં જાય પછી ?

પ્રશ્શનકર્તા : જાનવરમાં.

દાદાશ્રી : પૂંછડું આમ ઊંચું રાખીને, આમ કૂદકા મારતો મારતો દોડે, ભાંભરડે ત્યાં જઈને ! બોલવા કરવાનું નહીં શીખેલાં.

કેટલાક લોકો ભાંભરડે, કેટલાક ભસે, એનું જુદું પાછું અને કેટલાક લોકો ભૂંકે. ભસે એટલે ટુ સ્પીક, સમજ પડીને ? બોંગડે !

શિર પે આઈ મોત !

કબીરસાહેબ કહે છે તે ત્યાં દીલ્હીમાં એક ટેકરા જેવું હશેને, પચ્ચીસ ત્રીસ ફૂટ ઊંચો ટેકરો હતો. તેની ઉપર ચઢી ગયા. ટેકરા ઉપર. લૂંગી એકલી પહેરેલી. બીજું કશું નહીં, અને પછી ત્યાંથી બૂમો પાડવા માંડી.

'ઊંચા ચઢ પુકારીયા, બુમ્મત મારી બહોત,

ચેતન હારા ચેતજો, શિર પે આયી મોત.'

લોક જતા-આવતા'તા તેને શું કહે છે કે ચેતો, ચેતો, તમારા માથા ઉપર મોત ભમતું મેં જોયું. ચેતો ચેતો ચેતનહારા એટલે ચેતનવાળા, ચેતન જેનામાં છે એ ચેતજો.

આ બગીચાના થાંભલાને નથી કહેતો, થાંભલામાં ચેતન નથી ને !! તે લોક જતા'તા તે ઊભા રહ્યા. બે-ચાર જણ ફાળિયાવાળા ઊભા રહી ગયા. એક જોડું છે તે સિનેમા જોવા જતુ'તું. તે ભઈએ લચકો અહીં નાખેલો. એના બાબાનો લચકો. તે બે જણ આમ પાછા ફરીને જોવા લાગ્યા કે ગાંડો મૂઓ છે, એ શું બોલે છે. કશી સમજણ જ નથી પડતી ! લે હવે એક બાજુ આ ચેતવે છે. ત્યારે એ કહે છે ગાંડો છે ! ઐસી આ દુનિયા, પેલાને લાગણી થાય બિચારાને ત્યારે આ કહે, ગાંડો છે ! તારે કઈ દુનિયામાં રહેવું છે ? લાગણીવાળાની દુનિયામાં કે ગાંડાની દુનિયામાં !

પ્રશ્શનકર્તા : લાગણીવાળાની.

દાદાશ્રી : એમ ? ગાંડાની દુનિયામાં નહીં ?

બાકી આ તો પ્રવાહ બધો એવો જ હં.

 

ભાગ
1-2 -3 - 4 - 5 - 6 - 7 - 8