ભાગ
1-2 -3 - 4 - 5 - 6 - 7 - 8

(૫)

લોભથી ખડો સંસાર

પરિગ્રહ, પમાડે અશાંતિ !

પ્રશ્શનકર્તા : સંસારિક માણસને શાંતિ મળી શકે એવું કંઈક આધ્યાત્મિક જ્ઞાન, સમજ આપો.

દાદાશ્રી : સંસારિક માણસને શાંતિ જ હોય છેને ? એને ક્યારે અશાંતિ હોય છે ? પૈણેલો નથી તેને અશાંતિ હોય છે. પૈણેલા માણસને શાંતિ જ હોય છેને ?

પ્રશ્શનકર્તા : આધ્યાત્મિક શાંતિ મળી શકે, સંસારમાં રહીને ?

દાદાશ્રી : આધ્યાત્મિક શાંતિ જુદી જાતની હોય ? શાંતિ એક જ પ્રકારની હોય.

પ્રશ્શનકર્તા : પણ શાંતિ મેળવવાના કંઈક રસ્તાઓ ?

દાદાશ્રી : શાંતિ તો આપણે આ સાંજે સૂઈ જવા માટે નવ ગોદડાં પાથરીએ તો નવને આપણે પાથરવાં પડે ને નવને આપણે ઉઠાવવાં પડે. અને એક પાથરીએ તો ?

પ્રશ્શનકર્તા : તો એક ઉઠાવવું પડે.

દાદાશ્રી : એટલે કેમ શાંતિ ખોળવી તે તો આપણને રસ્તો આવડવો જોઈએ ને ? ઓછા પરિગ્રહ, ઓછી ભાંજગડ ! મહીં શાંતિ જ હોય પછી શું ? પરિગ્રહ, સોફાસેટ ને કશું રાખ્યું નથી ને ?

પ્રશ્શનકર્તા : આજકાલ રાખવું જ પડેને.

દાદાશ્રી : અને પલંગો-બલંગો, સોફા-બોફા; અને પછી બાબાએ જો ચીરો મેલ્યો સોફાસેટ ઉપર, તે કકળાટ પછી ! આપણે જે પરિગ્રહ રાખીએ એ પરિગ્રહ ખોવાઈ જાય, બળી જાય, ચોરાઈ જાય, તોય એના ઉપર અશાંતિ ના થાય, દુઃખ ના થાય, એટલો જ પરિગ્રહ રાખવો. સોફાસેટ લાવ્યા એટલે આપણે જાણીએ કે સોફા કાપવાનો જ છે, એમ માનીને જ છોકરાંને કહી દેવાનું કે, 'ભઈ, તમે તમારે આને કાપશો નહિ.' એટલું કહી દેવાનું તમારે. અને પછી કાપે ત્યારે બૂમ નહીં પાડવાની. અમે જાણીએ કે કાપવાના જ છે. આ તો કકળાટ માંડે પાછો. અને જીવન જ ખોઈ નાખ્યું છે. જીવન જીવવા જેવું છે આ તો !

સ્મશાનમાં ય પાથરી પથારી ?

લોક પૈસાની પાછળ જ પડ્યા છે કે ક્યાંથી પૈસો લેવો ?! અલ્યા, આ સ્મશાનમાં શેના પૈસા ખોળો છો ? આ તો સમશાન થઈ ગયું છે. પ્રેમ જેવું કશું દેખાતું નથી, ખાવાપીવામાં ચિત્તનાં ઠેકાણાં નથી, લૂગડાં પહેરવાનું ઠેકાણું નથી, જણસો પહેરવાનું ઠેકાણું નથી, કશામાં બરકત ના રહી. આ કઈ જાતનું આવું ક્યાં સુધી ચાલશે ? આ કઈ જાતની જીવાત પાકી એ જ સમજાતું નથી ! આખો દહાડો પૈસા, પૈસા ને પૈસાની પાછળ જ ! ને પૈસો કુદરતી રીતે આવવાનો છે. એનો રસ્તો કુદરતી રીતે છે. સાયન્ટિફિક સરકમસ્ટેન્શિય એવિડન્સ છે, તેની પાછળ આપણે પડવાની શી જરૂર ? એ જ આપણને મુક્ત કરે તો બહુ સારુંને બાપ !

આનંદના અભાવે અંધારું !

દાદાશ્રી : હવે પૈસા ભેગા કરવાની ઇચ્છા થતી નથી ને ?

પ્રશ્શનકર્તા : ના.

દાદાશ્રી : આ તો પૈસા ભેગા કરવાની ઇચ્છા માણસને શાથી થાય છે ? કંઈ પણ ચેન ના પડે એટલે, ગમે તે બાજુ ઢળી પડે. પૈસામાં પડી રહે, વિષયોમાં ઢળી પડે. જો આવો જ્ઞાનનો આનંદ હોયને, તો તૃપ્તિ જ હોય એને. પછી ક્રોધ-માન-માયા-લોભ રહે જ નહીં એને. આ તો આનંદ ના હોવાથી જ બિચારા લક્ષ્મી તરફ ઢળી પડ્યા છે, સ્વરૂપનું 'જ્ઞાન' થાય ત્યાર પછી જ લોભ જાય.

લોભી પ્રકૃતિ !

જે વસ્તુ પ્રિય થઈ પડી હોય તેના તાનમાં ને તાનમાં રહેવું તેનું નામ લોભ. એ મળે તોય સંતોષ ના થાય ! લોભિયો તો સવારમાં ઊઠ્યો ત્યાંથી રાત્રે આંખ મીંચાય ત્યાં સુધી લોભમાં હોય. એનું નામ લોભિયો. સવારમાં ઊઠ્યો ત્યારથી ગાંઠ જેમ દેખાડે તેમ એ ફર્યા કરે. લોભિયો હસવામાં ય વખત ના બગાડે. આખો દહાડો લોભમાં જ હોય. માર્કેટમાં પેઠો ત્યાંથી લોભ. જો લોભ, લોભ, લોભ, લોભ ! વગર કામનો આખો દહાડો આમ ફર્યા કરે. લોભિયો શાકમાકેર્ટમાં જાયને તો એને ખબર હોય કે આ બાજુ બધું મોંઘું શાક હોય અને આ બાજુ સસ્તી ઢગલીઓ વેચાય છે. તે પછી સસ્તી ઢગલીઓ ખોળી કાઢે ને રોજ એ બાજુ જ શાક લેવા જાય.

પ્રશ્શનકર્તા : એ સસ્તું શાક લેવા જાય, એમાં જ ફસાય જ ને ?

દાદાશ્રી : ના, એ તો લોભિયો ના હોય તે ફસાય. લોભિયો તો પેલાની પાસેથી વધુ લઈ લે ને આવતો રહે. જે લોભિયો ના હોયને તે જ સસ્તુ લેવા જાય તો ફસાય. લોભિયો ફસાય જ નહીં.

પ્રશ્શનકર્તા : પણ કોઈ ફેરો ફસાઈ જાયને ?

દાદાશ્રી : એ તો લોભિયો ઠગાય ખરો. પણ ધૂતારા એમને મળે ત્યારે. એમને કોઈક ફેરો ધૂતારો મળી જાય.

જ્યાં જાય ત્યાં ખોળે સસ્તુ !

લોભિયો માર્કેટમાં જાય ત્યારે લોભની ગાંઠ એને દેખાડે કે આ બાજુ શેઠિયાઓ માટે મોઘું શાક છે ને આ બાજુ ગલીમાં સસ્તી ઢગલીઓ મળે છે. તે ત્યાં એને લઈ જાય ! લોભની ગાંઠ એને ફેરવ્યા કરે. સસ્તુ ક્યાં આગળ મળે છે તે ખોળી કાઢે. ધંધો જ એ એનો ! જ્યાં જાય ત્યાં દુકાને જાય તો પાન ક્યાં સસ્તુ મળે છે એ ખોળી કાઢે. એને પાન ખાવાની ટેવ હોયને, તો રસ્તામાં સસ્તુ ક્યાં મળે છે, ચા પીવાની સસ્તામાં સસ્તી ક્યાં મળે, અને સારી પાછી, સારી અને સસ્તી ! એની શોધખોળ હોય બધી. શાકભાજી યે સારી અને સસ્તી ખોળી કાઢે. ક્યાં વધારે સસ્તાં દાતણ મળે ? ત્યાંથી લઈ આવે એનું નામ લોભિયો.

બાકી લોભિયાને, બસ એ લોભમાં જ વૃત્તિ. જન્મ્યો ત્યાંથી સ્કૂલમાં જાય, ત્યાંય લોભ, સંડાસમાં જાય ત્યાંય લોભ ! જ્યાં જાય ત્યાંય એને લોભ જ હોય.

પ્રશ્શનકર્તા : સંડાસમાં કેવી રીતે લોભ કરે ?

દાદાશ્રી : ત્યાં પાણી બધું ઓછું વાપરે.

એટલે ધંધામાં એને લોભ હોય. એ લોભગ્રંથિ એની !

એ જન્મથી એને લોભ હોય. જો તમે સાબુથી નહાવા ગયા હોયને, તો નાહીને બહાર આવ્યા પછી એ જુએ કે કેટલો સાબુ ઘસી નાખ્યો.

હરેક બાબતમાં જાગૃતિ એની લોભમાં હોય. તેને આ દીવાસળી બે સળગાવવી ના પડે, એટલે આમ હાથે ઘસ ઘસ કરે. તે એક જ દીવાસળીથી પતાવે ! એટલે હરેક બાબતમાં જાગૃતિ !

એ જન્મ્યો ત્યારથી લોભમાં જ વૃત્તિ હોય. એમાં ને એમાં ચિત્ત હોય. એ ત્યાં આગળ સ્મશાનમાં જાય ત્યારે એનો લોભનો આંકડો પૂરો થાય ! એ લિંક હોય છે આખીયે. આપણે જ્યારે જગાડીએને, ત્યારે એ લોભમાં જ હોય. જાગ્યો કે લોભમાં !

લોભિયાનું સરવૈયું !

આ કીડીઓ હોય છેને, એ કીડીઓને લોભ બહુ જબરજસ્ત હોય. એક ભાઈને મેં કહ્યું, 'કીડીઓ તમે જોઈ નથી શું ?' ત્યારે એ કહે, 'જોઈ છેને. રાતદા'ડો કીડીઓ જ જોઈએ છીએને !' મેં કહ્યું, 'સવારમાં ચાર વાગ્યે ચા પીતો હોઉંને તે ઘડીએ હું તપાસ કરું કે ખાંડનો દાણો બહાર પડ્યો હોયને તો ત્યાં આગળ કીડીઓ ચાર વાગે ક્યાંકથી આવીને ખાંડનો દાણો લઈને ચાલતી જ પકડી લે ! અરે, તું શું કરવા વહેલી ઊઠે છે ? તારે છોડીઓ નથી, તારે પૈમવાનું નથી, આટલી ભાંજગડ શા હારુ તારે ? શું જોઈએ છે ? તું ભૂખી છે ? ના, એ ખાંડ પાછી પોતે નહીં ખાવાની. એ તો ત્યાં જઈને સ્ટોરમાં મૂકી આવવાની. તે સ્ટોરમાં બધું હોય. બાજરી હોય, ચોખા હોય, ખાંડ હોય, બધું ભેગું હોય તે આટલો બધો સ્ટોક હોય ! ત્યાં મૂકી આવે. બધું ભેગું કર કર કર્યા કરે. જો જીવડાની પાંખ હોય તોય બધી કીડીઓ ભેગા થઈને તાણી જાય. લોભિયાનું સરવૈયું શું ? ભેળું કરે. તે પંદર વરસ ચાલે એટલું કીડી ભેળું કરે. તેને ભેળું કરવાની એક જ તન્મયતા. એમાં કોઈ વચ્ચે આવે તો કરડીને મરી ફીટે.

કીડીઓને કોણ દોડાડે ?

દાદાશ્રી : આટલું વહેલું આ કીડીઓને કોણ ઉઠાડતું હશે ?

પ્રશ્શનકર્તા : એનો સ્વભાવ જ છે એવો.

દાદાશ્રી : આ બધાનાં જાનવરોને, એકેન્દ્રિય, બે ઇન્દ્રિય, ત્રણ ઇન્દ્રિય, ચાર ઇન્દ્રિય સુધી બધામાં વધારેમાં વધારે લોભી હોય તો કીડી. એ તો લોભ જગાડે. થોડીવાર સૂઈ જાય, પણ એનો લોભ એને જગાડે. તે આ ખાંડ લઈને પાછું એમ ને એમ નહીં મૂકવાનું. મૂકી ગયા બદલનો એક ડંખ મારીને મૂકી દે. પછી ભવિષ્યમાં કામ લાગશે એ હિસાબે ! લોભિયો ભવિષ્યના હારુ બધું ભેગું કરે. તે બહુ ભેગું થાય એટલે પછી બે મોટા મોટા ઉંદર પેસી જાય ને બધું સાફ કરી જાય ! જો પેલા પચીસ લાખનો એક ઉંદર પેસી ગયોને ! એટલે અમે લોકોને શિખવાડીએ, ઉંદરડા પેસી જશે. માટે તું ચેત ને ! અમે નથી કહેતા કે તું આ પુસ્તક માટે આપ, પણ ગમે ત્યાં આપ. કંઈક તારે જોડે લઈ જવાનું કર. નહીં તો ઉંદરડા ખાઈ જાય કે ના ખાઈ જાય ! એ કંઈ શરમ રાખે કે આ બિચારાને હરકત થશે ? જ્યાં લોભિયા હોય ત્યાં ધૂતારા હોય જ. એની મેળે જ હોય. ભગવાનને રાગે પાડવા ના આવવું પડે. ગોઠવાયેલો જ ક્રમ હોય. કીડીઓનું ઉંદરડા ખાઈ જાય અને ઉંદરડાનું બિલાડી ખાઈ જાય.

એ સંઘરી સંઘરાય નહીં !

લક્ષ્મી ભેગી કરવાની ઇચ્છા વગર ભેગું કરવું. લક્ષ્મી આવતી હોય તો અટકાવવી નહીં અને ના આવતી હોય તો ખોતરવી નહીં.

લક્ષ્મીજી તો એની મેળે આવવા માટે બંધાયેલી જ છે. અને આપણી સંઘરી સંઘરાય નહીં કે આજે સંઘરી રાખીએ તો પચ્ચીસ વર્ષ પછી છોડી પૈણાવતી વખતે, તે દહાડા સુધી રાખશે; એ વાતમાં માલ નથી અને એવું કોઈ માને તો એ બધી વાત ખોટી છે. એ તો તે દહાડે જે આવે તે જ સાચું. ફ્રેશ હોવું જોઈએ.

માટે આવતી વસ્તુ બધી વાપરવી, ફેંકી ના દેવી. સદ્રસ્તે વાપરવી, અને બહુ ભેગી કરવાની ઇચ્છાઓ રાખવી નહીં. ભેગી કરવાનો એક નિયમ હોય કે ભઈ, આપણી મૂડીમાં અમુક પ્રમાણમાં તો જોઈએ. જેને મૂડી કહેવામાં આવે, એટલી મૂડી રાખી અને પછી બાકીનું યોગ્ય જગ્યાએ વાપરવું. લક્ષ્મી નાંખી દેવાય નહીં.

પણ જો લોભિયો ભેગું કરવા માંડેને, તો એને ત્યાં છોકરા એક બે એવા દારૂડિયા પાકે કે એનું નામ તો નીકલી જાય, નીકળી જાય, પણ એનું આખું ઘરબાર બધું ઊડી જાય.

એવું આ જગત છે. માટે સંઘરો કરશો તો કોઈ ખાનારો મળી રહે છે, એનો ફ્રેશે ફ્રેશ ઉપયોગ કરો. જેમ શાકભાજીને સંઘરી રાખે તો શું થાય ? એવું લક્ષ્મીજીનો ફ્રેશે ફ્રેશ ઉપયોગ કરો અને લક્ષ્મીજીનો દુરુપયોગ કરવો એ મહાગુનો છે.

નુકસાન થાય તો ?

દાદાશ્રી : અત્યારે કોઈ શેઠ હોય ને એની પાસેથી બે હીરા કોઈ લઈ ગયો અને 'દસ દહાડે પૈસા આપીશ' એમ કહ્યું, પછી છ મહિના, બાર મહિના સુધી પૈસા ના આપે તો શું થાય ? શેઠને કશી અસર થાય ખરી ?

પ્રશ્શનકર્તા : મારા પૈસા ગયા એવું થાય.

દાદાશ્રી : મારું કહેવાનું કે એક તો હીરા ગયા એ ખોટ તો ગઈ અને ઉપરથી પાછું આર્તધ્યાન કરવાનું ? અને હીરા આપ્યા તે આપણે રાજી-ખુશી થઈને આપ્યા છે, તો પછી એનું કશું દુઃખ હોય નહીંને ?

પ્રશ્શનકર્તા : લોભ હતો એટલે આપ્યાને ?

દાદાશ્રી : અને પાછો એ જ લોભ આર્તધ્યાન કરાવડાવે છે. એટલે આ બધું અજ્ઞાનતાને લઈને થાય છે, ત્યારે જ્ઞાનમાં કોઈ પ્રકૃતિ નડતી નથી. આત્માને સ્વભાવદશામાં કોઈ પ્રકૃતિ નડતી નથી. એટલે હીરા આપેલા તે ગયા તો ગયા, પણ રાત્રે ઊંઘવા ના દે પાછા. દસ દહાડા થઈ ગયા ને પેલો બરાબર જવાબ ના આપતો હોય તો ત્યાંથી જ ઊંઘવાનું બંધ થઈ જાય. કારણ કે પચાસ હજારના હીરા છે, પણ શેઠની મિલકત કેટલી ? પચ્ચીસ લાખની હોય. હવે એમાં પચાસ હજારના હીરા બાદ કરીને સાડીચોવીસ લાખની મિલકત નક્કી ના કરવી જોઈએ ? અમે તો એવું જ કરતા હતા. મારી આખી જિંદગીમાં મેં બસ એવું જ કર્યું છે !

જ્ઞાનીની અદ્ભુત બોધકળા !

શેઠના હીરાના પૈસા ના આવ્યા હોય છતાં શેઠાણી કંઈ ચિંતા કરે ? ત્યારે શું એ ભાગીદાર નથી ? સરખા પાર્ટનરશિપમાં છે. હવે શેઠ કહે છે, 'પેલાને હીરા આપ્યા, પણ એના પૈસા નથી આપતો.' ત્યારે શેઠાણી શું કહેશે કે, 'બળ્યું, આપણા કર્યા હશે, તે નહીં આવવાના હોય તો નહીં આવે.' તોય શેઠના મનમાં થાય કે, 'આ અણસમજણવાળા શું બોલી રહ્યા છે !' આ સમજણનો કોથળો ! પેલાએ પચાસ હજારના હીરાના રૂપિયા ના આપ્યા તો આપણે પચ્ચીસ લાખની મિલકતમાંથી પચાસ હજાર બાદ કરીને સાડીચોવીસ લાખની મિલકત નક્કી કરી નાખવી અને ત્રણ લાખની મિલકત હોય તો પચાસ બાદ કરીને અઢી લાખની મિલકત નક્કી કરી નાખવી.

પ્રશ્શનકર્તા : એ સમાધાન લેવાની કેવી અજબની રીત છે. એકદમ તરત સમાધાન થઈ જાય.

દાદાશ્રી : એ તો નક્કી કરી નાખવાનું, સહેલો રસ્તો કરીને ! અઘરો રસ્તો કાઢીને શું કામ છે ?!

ખોટનો વેપાર કરે એનું નામ વણિક કેમ કહેવાય. ઘેર આપણા ભાગીદારને પૂછીએ, બૈરીને કે, 'આ પચાસ હજારનું ગયું તો તમને કંઈ દુઃખ થાય છે ?' ત્યારે એ કહેશે, 'ગયા માટે એ આપણા નથી.' ત્યારે આપણે ના સમજીએ કે આ બઈ આટલી સમજણવાળી છે, હું એકલો જ અક્કલ વગરનો છું ?! અને બૈરીનું જ્ઞાન આપણે તરત પકડી લેવું પડેને ? એક ખોટ ગઈ તેને જવા દે પણ બીજી ખોટ ના ખાય. પણ આ તો ખોટ ગઈ તેની જ કાંણ માંડ્યા કરે ! અલ્યા, ગઈ તેની કાંણ શું કરવા કરે છે ? ફરી હવે ના જાય તેની કાંણ કર. અમે તો ચોખ્ખું રાખેલું કે જેટલા ગયા એટલા બાદ કરીને મૂકી દો !

જુઓને, પચાસ હજારના હીરા પેલો લઈ જનારો નિરાંતે પહેરે અને અહીં આ શેઠ ચિંતા કર્યા કરે ! શેઠને પૂછીએ કે, 'કેમ કંઈ ઉદાસીન દેખાવ છો ?' ત્યારે એ કહેશે, 'કંઈ નહીં, કંઈ નહીં, કંઈ નહીં આ તો જરા તબિયત બરોબર ઠીક નથી રહેતી.' ત્યાં ઊંધા લોચા વાળે ! અલ્યા, સાચું રડને કે, 'ભઈ, આ પચાસ હજારના હીરા આપ્યા છે તેના પૈસા આવ્યા નથી, તેની ચિંતા મને થયા કરે છે, આમ સાચું કહીએ તો એનો ઉપાય જડે ! આ તો સાચું રડે નહીં અને ગુંચાઈ ગુંચાઈને લોચા જ વાળ વાળ કરે !

પ્યાલા ફૂટ્યા ત્યાં !

આપણે કો'કને ત્યાં ગયા અને નોકર વીસ કપ ચા લઈને આવે અને એના હાથમાંડી પડી જાય એટલે પેલાને, જેને ત્યાં ગયા હોઈએ તેને મહીં આત્મા ફૂટી જાય ! શાથી ફૂટી જાય ?

પ્રશ્શનકર્તા : એની ચા જાય, એના પૈસા જાય, એને ટાઈમ જાય, જેને પાવાના હોય ઈ જાય !

દાદાશ્રી : ના, એ જાગ્ર ખરોને ! વીસ કપ એટલે વીસ તેરી સાઠ રૂપિયા ગયા અને ચા તો મૂંઈ, પણ સાઠ રૂપિયાનું પાણી કર્યું આણે !

પ્રશ્શનકર્તા : ચા પીવડાવીને સ્વાગત ના કરી શક્યો.

દાદાશ્રી : ના, એ ફરી પીવડાવે. એ છોડે નહીં ! એટલે આબરૂ જવા ના દે, આ લોકો તો ! આપણા લોકો આબરૂ જવા ના દે. પછી જે થવું હોય તે થશે.

પ્રશ્શનકર્તા : પણ સાઠ રૂપિયા ગયા તેનું શું ?

દાદાશ્રી : તેની ઉપાધિ અંદર કર્યા કરે એ. અને મનમાં શું ચિતાં કરે છે કે આ બધા જાય એટલે નોકરને ખૂબ ફટકારું. પછી ધ્યાન કરે આવું, કયું ધ્યાન ? નોકરને ખૂબ ફટકારું કહેશે. પેલી શેઠાણીય મનમાં કહેશે કે આ બધા જાય એટલે આલીએ. નોકરેય ફફડ ફફડ કરતો હોય ! હવે આ બધું સાઠ રૂપિયા ગયા એટલે થયું. પણ એક જૂનું માટલું તૂટી ગયું હોય ત્યારે શેઠ શું કહે ? કાંઈ વાંધો નહીં, કાંઈ વાંધો નહીં. કારણ કે એની વેલ્યુ નહીં ને બહુ ! સમજ પડીને ? એવું આ માટલા જેવી આની શી વેલ્યૂ ! તે 'મૂળ વસ્તુ' જુએ ત્યારે આની વેલ્યૂ, આની કિંમત માટલા જેવી લાગે. આખું જગત માની બેઠું છે ને કિંમત બહુ માની બેઠું છે, નહીં ? આ માટલાની કિંમત બહુ માનેલી છે નહીં ?!

બહુ જાગ્રત હોય તે પ્યાલા ફૂટે તોય છે તે મહીં કકળાટ થાય. જરા જાડા કાગળનો હોય તેને ઓછા કકળાટ જાય કે ઝીણી હોય તેને ? પ્યાલો ફૂટે તો જાગ્રતને વધારે કકળાટ થાય કે ?

પ્રશ્શનકર્તા : જાગ્રતને વધારે કકળાટ થાય.

દાદાશ્રી : એ તો અમે કહ્યું છેને પેલી બુદ્ધિ વધી એટલે બળાપો વધશે, કાઉન્ટર વેઈટમાં અને બુદ્ધિના બેલને શું ભાંજગડ ?

પ્રશ્શનકર્તા : કશુંય નહિ.

દાદાશ્રી : કોઈ બે ગાળો ભાંડી ગયો ને ત્યાર પછી થોડીવાર પછી કહે, 'હવે શું કરીશ ?' આજે હવે હમણે ખાઈને જરાક આરામ કરી લઉં, સૂઈ જઉં. અલ્યા, ભઈ, તને ઊંઘ આવશે ? 'પેલી વાત ? એ તો ચાલ્યા જ કરે દુનિયા.' એ બાજુએ મૂકે, એ લોકો અને અક્કલવાળા માથા ઉપર લે. 'લોડ' માથા ઉપર લે !

લોભને એક જાતની જાગ્રતિ કહી છેને ? હા, બેફામપણું નથી એ, પણ એક બાજુ વહી ગયેલી જાગ્રતિ, એટલે સુખ ના આપે.

સંતોષ ક્યારે રહે ?

લોભનો પ્રતિપક્ષ શબ્દ છે સંતોષ. પૂર્વભવમાં જ્ઞાન કંઈક થોડું ઘણું સમજ્યો હોય. આત્મજ્ઞાન નહિ, પણ જગતનું જ્ઞાન સમજ્યો હોય તેને સંતોષ ઉત્પન્ન થયેલો હોય અને જ્યાં સુધી આ ના સમજ્યો હોય ત્યાં સુધી એને લોભ રહ્યા કરે.

અનંત અવતાર સુધી પોતે ભોગવેલું હોય, તે એનો સંતોષ રહે કે હવે કશી ચીજ જોઈએ નહીં અને ના ભોવેલું હોય તેને કંઈ કંઈ જાતના લોભ પેસી જાય. પછી આ ભોગવું, તે ભોગવું ને ફલાણું ભોગવું રહ્યા કરે.

આ સંતોષ શું છે ? પોતે ભોગવેલું હોય છે પહેલાં, એટલે એનો સંતોષ રહ્યા કરે.

મૂળ માલ, મહીં જ !

પ્રશ્શનકર્તા : કેટલાક લોકોને તો લોકસંજ્ઞાએ બધું જોઈએ છે. કોઈની ગાડી જુએ એટલે એને પોતાનેય જોઈએ ?

દાદાશ્રી : એ લોકસંજ્ઞા ક્યારે ઉત્પન્ન થાય ? પોતે મહીં ધરાયેલો ના હોય ત્યારે. મને અત્યાર સુધી કોઈ સુખ લગાડનાર મળ્યો નથી ! નાનપણથી જ મને રેડિયો સરખો લાવવાની જરૂર પડી નહીં. આ બધા જીવતા જાગતા રેડિયો જ ફર્યા કરે છેને ! મહીં લોભ પડ્યો હોય ત્યારે લોકસંજ્ઞા ભેગી થાય. સંતોષનો ખરો અર્થ જ સમતૃષ્ણા !

તૃષ્ણા, સંતોષ અને તૃપ્તિ !

સંસારનું ખાઈએ, પીએ, ભોગવીએ તેનાથી સંતોષ થાય, પણ તૃપ્તિ ના થાય. સંતોષમાંથી નવાં બીજ નંખાય, પણ તૃપ્તિ થઈ તો તૃષ્ણા ઊભી ના રહે, તૃષ્ણા તૂટી જાય. તૃપ્તિ અને સંતોષમાં ઘણો ફેર છે. સંતોષ તો બધાને થાય, પણ તૃપ્તિ તો કો'કને જ હોય. સંતોષમાં ફરી વિચાર આવે. દૂધપાક પીધા પછી તેનો સંતોષ થાય. પણ તેની ઇચ્છા ફરી રહે. આને સંતોષ કહેવાય. જ્યારે તૃપ્તિ તો ફરી ઇચ્છા જ ના થાય, એનો વિારેય ના આવે. તૃપ્તિવાળાને તો વિષયનો એકુંય વિચાર જ ના આવે. આ તો ગમે તેવા સમજદાર હોય પણ તૃપ્તિ ન હોવાથી વિષયોમાં ફસાઈ પડ્યા છે ! વીતરાગ ભગવાનનું વિજ્ઞાન એ તૃપ્તિ જ લાવનારું છે.

લોકો કહે છે, 'હું ખાઉં છું' અલ્યા ભૂખ લાગી છે તેને હોલવે છેને ? આ પાણીની તરસ સારી, લક્ષ્મીની તરસ ભયંકર કહેવાય ! એની તૃપ્તિ ગમે તેવા પાણીથી ના છીપે. આ ઇચ્છા પૂરી થાય જ નહીં. સોતષ થાય પણ તૃપ્તિ ના થાય.

સાધનોમાં તૃપ્તિ માનવી એ મનોવિજ્ઞાન છે, ને સાધ્યમાં તૃપ્તિ માનવી એ આત્મવિજ્ઞાન છે.

લોભી અને કંજૂસ !

પ્રશ્શનકર્તા : લોભિયો થોડો કંજૂસ પણ હોયને ?

દાદાશ્રી : ના, કંજૂસ એ પાછા જુદા, કંજૂસ તો એની પાસે પૈસા ના હોય, તેથી કંજૂસાઈ કરે છે અને લોભી તો ઘેર પચીસ હજાર રૂપિયા પડ્યા હોય, પણ કેમ કરીને આ ઘઉં-ચોખા સસ્તા પડશે, કેમ કરીને ઘી સસ્તું પડશે એમ જ્યાં ને ત્યાં લોભમાં જ ચિત્ત હોય. માર્કેટમાં જાય તોય કઈ જગ્યાએ સસ્તી ઢગલી મળે છે એ જ ખોળ્યા કરતો હોય !

લોભિયો કોને કહેવાય કે જે હરેક બાબતમાં જાગ્રત હોય !

હવે આમાં બે જાતના હોય છે, પોતાની પાસે વસ્તુ ખૂટે છે, માટે કોઈકને ઘેરથી લાવતો હતો, ત્યારે એને લોભ ના કહેવાય. પોતાની પાસે બધી વસ્તુ છે, સાધન છે, બેન્કમાં થોડા રૂપિયા છે, તોયે આવું કરે. તેને લોભ કહેવાય ! ખૂટતી વસ્તુ હોય ને લઈ આવે એ તો સ્વાભાવિક વસ્તુ છે, એનો વાંધો નથી.

પ્રશ્શનકર્તા : લોભિયો અને કંજૂસમાં ફેર શો ?

દાદાશ્રી : કંજૂસ ફક્ત લક્ષ્મીનો જ હોય, લોભિયો તો બધી જ બાજુએથી લોભમાં હોય. માનનો પણ લોભ કરે અને લક્ષ્મીનો ય કરે. આ લોભિયાને બધી જ દિશામાં લોભ હોય, તે બધું જ તાણી જાય.

અર્થશાસ્ત્રની સમજ, જ્ઞાની થકી

પ્રશ્શનકર્તા : લોભિયો થવું કે કરકસરિયા થવું ?

દાદાશ્રી : લોભિયા થવું એ ગુનો છે. કરકસરિયા થવું એ ગુનો નથી.

'ઇકોનોમી' કોનું નામ ? ટાઈટ આવે ત્યારે ટાઈટ અને ઠંડુ આવે ત્યારે ઠંડું. હંમેશાં દેવું કરીને કાર્ય ન કરવું. દેવું કરીને વેપાર કરાય પણ મોજશોખ ના કરાય. દેવું કરીને ક્યારે ખવાય ? જ્યારે મરવા પડે ત્યારે. નહીં તો દેવું કરીને ઘી ના પીવાય.

પ્રશ્શનકર્તા : દાદા, કંજૂસાઈ અને કરકસરમાં ફેર ખરો ?

દાદાશ્રી : હા, બહુ ફેર. હજાર રૂપિાય મહિને કમાતા હોય તો આઠસો રૂપિયાનો ખર્ચ રાખવો અને પાંચસો આવતા હોય તો ચારસોનો ખર્ચ રાખવો એનું નામ કરકસર. જ્યારે કંજૂસ ચારસોના ચારસો જ વાપરે, પછી ભલેને હજાર આવે કે બે હજાર આવે. એ ટેક્સીમાં ના જાય. કરકસર એ તો ઇકોનોમિક્સ - અર્થશાસ્ત્ર છે. એ તો ભવિષ્યની મુશ્કેલી ધ્યાનમાં રાખે. કંજૂસ માણસને દેખીને બીજાને ચીઢ ચઢે કે કંજૂસ છે. કરકસરિયા માણસને જોઈને ચીઢ ના ચઢે. જો કે કરકસર કે કંજૂસ એ રીલેટિવ છે. લાફા માણસને કરકસરિયો ય ના ગમે. આ બધો ડખો સંસારમાં ભ્રાંતિની ભાષામાં રહેલો છે કે લાફા ના થવું જોઈએ, પણ કરકસરિયા માણસને ગમે તેટલું કહીએ તોય એ ના છોડે, અને પાજી માણસ કરકસર કરવા જાય તોય પાજી રહે. લાફાપણું કે કંજૂસપણું એ બધું સહજ સ્વભાવે છે. ગમે તેટલું કરે તોય વળે નહીં. પાકૃત ગુણો બધા જ સહજ ભાવે છે. છેવટે તો બધામાં જ નોર્માલિટી જોઈશે.

આ અમારા ગજવામાં પૈસા મૂકે તે તો આ ટેક્સી કે ગાડી એકલામાં જ વપરાય. નથી વાપરવું એમ પણ નથી અને વાપરવા છે એમ પણ નથી. એવું કશું જ નક્કી નહીં. નાણું વેડફી નાખવાનું ના હોય, જેવા સંયોગો આવે તેમ વપરાય.

આ દાદાય ઝીણા છે, કરકસરિયા ય છે અને લાફાય છે. પાકા લાફા છે, છતાંય કમ્પ્લીટ એડજેસ્ટેબલ છે. પારકા માટે લાફા અને જાતને માટે કરકસરિયા અને ઉપદેશ માટે ઝીણાં; તે સામાને અમારો ઝીણો વહીવટ દેખાય. અમારી ઇકોનોમી એડજેસ્ટેબલ હોય. ટોપમોસ્ટ હોય. અમે તો પાણી વાપરીએ તોય કરકસરથી, એડજેસ્ટમેન્ટ લઈને વાપરીએ. અમારા પ્રાકૃત ગુણો સહજ ભાવે રહેલા હોય.

કરકસરમાં રસોડું અપવાદ !

ઘરમાં કરકસર કેવી હોવી જોઈએ ? બહાર ખરાબ ના દેખાય ને કરકસર હોવી જોઈએ. કરકસરમાં રસોડામાં પેસવી ના જોઈએ. ઉદાર કરકસર હોવી જોઈએ. રસોડામાં કરકસર પેસે તો મન બગડી જાય, કોઈ મહેમાન આવે તોય મન બગડી જાય કે ચોખા વપરાઈ જશે ! કોઈ બહુ લાફો હોય તેને અમે કહીએ કે 'નોબલ' કરકસર કરો.

એ ભાવના એટલે રૌદ્રધ્યાન !

પ્રશ્શનકર્તા : આપ્તસૂત્રમાં એક વાક્ય છે એ વીગતવાર સમજાવો કે પૈસા કમાવવાની ભાવના એટલે રૌદ્રધ્યાન.

દાદાશ્રી : જે વસ્તુ એમ ને એમ મળી જવાની હોય એને મળવાની ભાવના કરવામાં શું ફાયદો ?

પ્રશ્શનકર્તા : પણ તો કમાણીની બાવના વગર એમ ને એમ મળી જાય ?

દાદાશ્રી : કમાણી એમ ને એમ જ મળે છે. આ ફ્રી ઑફ કોસ્ટ મળ્યા કરે છે. પણ આ લોકો લોભથી ભાવના કર્યા કરે છે. એને ભ્રાંતિ છે ને એટલે હું કરું તો મળે, નહીં તો મળે નહીં કહેશે.

પ્રશ્શનકર્તા : અમે કારખાને ના જઈએ તો નુકસાની જાય છે.

દાદાશ્રી : હા, પણ જે જાય તેનેય નુકસાની જાય છેને ?

એટલે આ શું કહેવા માગે છે ? પૈસા કમાવાની ભાવના કરવાની જરૂર નથી. પ્રયત્ન ભલે ચાલુ રહ્યા. ભાવનાથી શું થાય ? પૈસા હું ખેંચી લઉં તો પેલાને ભાગે રહે નહીં પછી. એનો અર્થ એટલો કે હું ક્વોટા પડાવી લઉં એટલે પેલાને ભાગે રહે નહીં. એટલે જે કુદરતી ક્વોટા નિર્માણ થયો છે, તેને જ આપણે રહેવા દોને ! લોભનો અર્થ શું ? બીજાનું પડાવી લેવું. વળી કમાવાની ભાવના કરવાની જરૂર જ શું ? મરવાનું છે તેને મારવાની ભાવના કરવાની જરૂર શું ? એવું હું કહેવા માગું છું. આ તો લોકોનાં ઘણાં પાપ થતાં અટકી જાય એવું હું કહેવા માગું છું, આ એક વાક્યમાં !

એ બધું જ રૌદ્રધ્યાન !

પોતાને પૈસા આવતા હોય, સારી રીતે આવતા હોય, તોય છે તે પૈસાની પાછળ જ રાતદહાડો ધ્યાન કર્યા કરવું. એ રૌદ્રધ્યાન, કે 'ભઈ, તારે આટલું બધું આવે છે તોય લોકોના ક્વોટા હઉ લઈ લેવા છે ? લોકોના ક્વોટા હોય છે તેમાંથી તારે લેવું છે ?' એટલે લોભને રૌદ્રધ્યાન કહ્યું. શું કહ્યું ભગવાને ? કરોડો આવતા હોય તો આવવા દો પણ એની ઉપર ધ્યાન ના રાખ રાખ કરે. 'આમથી લઉં કે આમથી લઉં. એવાં હશે ખરાં આ દુનિયામાં ?

પ્રશ્શનકર્તા : હા, ઘણાય.

દાદાશ્રી : તમે નહીં જોયેલા ?

પ્રશ્શનકર્તા : હોય છે.

દાદાશ્રી : તમે જોયેલા ?

પ્રશ્શનકર્તા : જોયેલા છેને !

દાદાશ્રી : એ જ, બીજું કંઈ નહીં, એ સિવાય કશું વહુ યે યાદ ના આવે એવા પુણ્યશાળી લોકો (!), એ રૌદ્રધ્યાન કહેવાય, એ નર્કગતિનું કારણ. પછી આપણને બોલાવે અને મૂડ બદલાઈ જાય ને ગુસ્સો આવી જાય. એ નર્કગતિનું કારણ. સમજ પડીને ? એ રૌદ્રધ્યાન કહેવાય. પછી કોઈ જીવની હિંસા કરવી, કોઈને દુઃખ દઈએ, ત્રાસ આપીએ એ બધું રૌદ્રધ્યાન.

લોભાચાર, અધોગતિનું કારણ !

પ્રશ્શનકર્તા : પૈસાનો બહુ લોભ હોય તો તિર્યંચમાં જવાય ?

દાદાશ્રી : બીજું શું થાય તે ? લોભને લઈને જે આચાર થાય છેને, તે આચાર જ એને જાનવરગતિમાં લઈ જાય. લોભ બે પ્રકારના હોય છે. જે લોભથી આચાર ના બગડે અને લોભ હોય તો એ લોભ દેવગતિમાં લઈ જાય. એ ઊંચા પ્રકારનો લોભ કહેવાય. બાકી આ લોભથી તો બધા આચાર બગડી ગયેલા, તે પછી અધોગતિએ લઈ જાય !

આઠ આના માટે આઠ કલાક !

આ હિન્દુસ્તાન દેશમાં તો આઠ આના ખોવાઈ ગયા હોયને તેને માટે આઠ કલાકથી જો જો કરે, તપાસ કરતા હોય, એવાયે માણસો છે. અલ્યા ભઈ, શું કરે છે ? ત્યારે કહે, 'મારા આઠ આના ખોવાઈ ગયા છેે', એ ખોવાઈ ગયા છે એને ખોળી તો કાઢવા જ પડશે જ ને ? ખોળે કે ના ખોળે ? એટલે સહુ સહુની સમજણ પ્રમાણે વાપરે. આ મનુષ્યદેહ મહા પરાણે મળ્યો છે, બહુ કીમતી દેહ છે પણ જેવી સમજણ હોય એવું વાપરી ખાય. સમજણ પ્રમાણે વાપરેને ?

મર્યા પછી નાગ થયા !

લક્ષ્મી હોયને તે મેઇન્ટેનન્સ કરતાં વધારે પડતી હોય, તે વાપરતાં ના આવડે. તે ભેગી કર કર કરે. પહેલાં તો આટલી બધી લક્ષ્મી ભેગી કરતા હતા કે ચરુ દબાવતા હતા ને પછી પોતે નાગ થઈને ફર્યા કરે. કારણ કે રક્ષણ કરવાની ટેવ પડી ગયેલી, પોતે જ જાતે નાગ થયો છે.

અમે લોભિયા બહુ જોયેલા. આખી જિંદગી આટલી પોતડી પહેરી અને ફર્યા કરે અને પાંચ હજાર રૂપિયા દાટી રાખ્યા હોય.

ધનનું રક્ષણ તો જ્યારે જીવતા હતા ત્યારે કર્યું. એટલે મરી ગયા પછીયે ધનનું રક્ષણ કરવું પડે. તે પછી વીંછી થાય, નહીં તો આવડા મોટા ભમરા થાય. બધાનું સહિયારું ધન હોય તો બધા ભમરા થાય. બધા ભમરા થઈને મહીં ઘડામાં ભરાઈ રહે. કોઈ હાથ ઘાલવા જાય તો ભમરા કૈડી ખાય એને !

આ તો હિન્દુસ્તાન છે !

શું સારું ?

પ્રશ્શનકર્તા : આ જગતમાં પૈસાદાર તું સારું કે સુદામા થવું સારું ?

દાદાશ્રી : આ જગતમાં બહુપૈસાદાર થવું એય જોખમ છે ને સુદામા થવું એય જોખમ છે. લક્ષ્મી તો આવે ને જાય એ સારું.

લોભમાં ય બીજા કોઈને ય નુકસાન ના કરે એવો લોભ હોય. અને જગતમાં લોભી એ તો, કેમ કરીને લોકોનું ધન મારી પાસે આવે, તે દેવોની બાધા રાખે કે ગમે તેમ કરીને આનું ધન મારી પાસે લાવી આપો. એવો લોભ ના હોવો જોઈએ.

શું કામ લોભિયો થઈને ફર્યા કરે છે ? હોય તો ખાઈ-પીને મોજ કરને છાનોમનો ?! ભગવાનનું નામ દીધા કર ! આ તો કહે કે 'આ ચાલીસ હજાર બેન્કમાં છે તે ક્યારેય કાઢવાના નથી. તે પાછો જાણે કે આ ક્રેેડિટ જ રહેશે. ના, એ તો ડેબિટનું ખાતું હોય છે જ. તે જવા માટે જ આવે છે. આ નદીમાંય જો પાણી છલકાય તો તે બધાને છૂટ આપે કે જાવ, વાપરો. જ્યારે આમની પાસે આવે તો એ આંતરી રાખે. નદીને જો ચેતના આવતને તો એય સાચવી રાખે ! આ તો જેટલું આવે એટલું વાપરવાનું, એમાં આંતરવાનું શું ? ખાઈ, પીને, ખિલાવી દેવાનું.

અલ્યા, બેન્કમાં જમા શું કરે છે ? ખા-પી, બધા મહાત્માઓને બોલાવીને ભેલાડી દે. તેથી કબીરસાહેબે કહ્યું, 'ચલતી વખતે હે નરો સંગ ન રહે બદામ.' અને જેનું ગયા અવતારે મોઢું નહોતો જોતો, તેને મિલકત આપીને તું જવાનો છે. 'હેં ! હું મોડું નહોતો જોતો ?!' ત્યારે કહે, 'ગયા અવતારે તું મોઢં જોવાનું ના કહેતો હતો એ જ આ તારી પાસે છે, એને જ છાતીએ તું ઘાલ ઘાલ કરે છે ! તને શું ઓળખાણ પડે ?! અલ્યા, માર ખાય છે વગર કામનો ! જેમ માયા માર ખવડાવે છે !

'ખા-પી ને ભેલાડી દે !' કહે છે.

વહુને ય છેતરે !

એવું છે ને આપણા લોકો તો પૈસા ખાતર મોટા મોટા સાહેબને છેતરે છે અને આ અમદવાદના શેઠિયા તો બાઈસાહેબને છેતરે છે અને તે ખૂબ છેતરે છે. શેઠાણી જાત્રાએ જવા માટે વીસ હજાર રૂપિયા માંગતી હતી, તે શેઠ ચાર વર્ષ સુધી કહે કે મારી પાસે બેન્કમાં વીસ હજાર રૂપિયા આવ્યા જ નથી. હવે બેન્કમાં જુઓ તો પાંચ-પાંચ લાખ રૂપિયા પડ્યા રહેતા હતા. શેઠાણી વિશ્વાસુ બિચારી, જૂના જમાનાની, તે શેઠ કહે એમાં સાચું માને. આ તો શેઠાણીને છેતરે ! જેની જોડે રાતદહાડો રહેવાનું. વેપાર મહીં ભેગો, સોદો ભેગો, ત્યાંય પણ છેતરે ? હવે આને ક્યાં પહોંચી વળાય તે ?

શેઠાણી કહે, 'મને વીસ હજાર આપો. મને જાત્રાએ જવા, હવે ત્યાં આપણી પાસે ના હોય તો એનું મન કચવાય. તે તો આપણી પાસે નથી એટલે કચવાય છે. પણ જે હોય એટલું તો આપી દઈએ આપણે. હોય એટલું આપવું જોઈએ કે ના આપવું જોઈએ ? બની શકે એટલું 'એઝ ફાર એઝ પોસિબલ' તમે શું કરો ?

આ તો બેભાનપણું છે તદ્ન ! એકલા પૈસાની પાછળ જ પડ્યા છે લોકો ! પૈસા, પૈસા, પૈસા !

એ છે હિંસક ભાવ !

પૈસા ભેગા ના કરાય. પરિગ્રહ કરે. પૈસા ભેગા કરવા એ હિંસા જ છે એટલે બીજાને દુઃખ દે છે.

લોભમાં ય હિંસકભાવ રહેલો છે. લોભમાં હિંસકભાવ શું રહ્યો છે કે આપણી પાસે પૈસા આવે તે બીજા પાસેથી ઓછા થઈને આવેને ? ક્રોધ-માન-માયા-લોભ એ બધાં હિંસક છે. કપટ કર્યું એ હિંસકભાવ નહીં ? પણ એનું બિચારાનું પડાવી લેવા હારું કરો છો આવું ? એ બધા હિંસકભાવ છે.

લોભથી આ જગત ઊભું રહ્યું છે. તને જલેબી ભાવતી હોય, ને તને ત્રણ મૂકે ને પેલાને ચાર મૂકે, તો તને મનમાં ડખો થાય ! એ લોભ જ છે ! ત્રણ સાડીઓ હોય ને ચોથી લેવા જાય !

લોભથી ઊભો થયો સંસાર !

એક પણ સંયોગનો લોભ હોય ત્યાં સુધી સંસારમાં આવવું પડે છે, ત્યાં સુધી સંસારની રઝળપાટ ચાલુ રહે છે અને સંયોગોનો સ્વભાવ દુઃખદાયી છે. પણ સંયોગોનો લોભ છે ત્યાં સુધી સંસારમાં ભટકવું પડે.

છેવટે લોકોને કસાયનો લોભ ના હોય તો માનનો લોભ હોય. લોકોને લોભના માન કરતાં માનનો લોભ બહુ હોય, કારણ કે લોભનું માન નથી હોતું. એટલે માનનો લોભ બહુ હોય છે ! એ લોભ પણ હોય છેવટે. અને લોભથી સંયોગ ઊભો થાય. સંયોગ ઊભો થાય એટલે સંસાર ઊભો થઈ જાય !

માનનો રક્ષક ક્રોધ !

ક્રોધ-માન-માયા-લોભ છે. આમાં ક્રોધ અને માયા એ તો માન અને લોભના રક્ષકો છે. લોભનો ખરેખર રક્ષક માયા છે અને માનનું ખરેખર રક્ષક ક્રોધ. છતાંયે માનને માટે પછી માયા થોડીઘણી વપરાય. કપટ કરીને પણ માન મેળવી લે. લોભિયો ક્રોધી હોય નહીં અને એ ક્રોધ કરે ત્યારે જાણવું કે આને લોભમાં કંઈ અડચણ આવી છે, જેથી ક્રોધ કરે છે. બાકી લોભિયાને તો ગાળો ભાંડે ને તોયે એ તો શું કહેશે કે, 'આપણને તો રૂપિયો મળી ગયોને, છોને બૂમાબૂમ કરતો.' લોભિયો એવો હોય. કારણ કે કપટ બધું રક્ષણ કરે જ.

પ્રશ્શનકર્તા : ક્રોધ શા માટે કરે ?

દાદાશ્રી : ક્રોધ તો તો પોતાના માનને હરકત આવે ત્યારે ક્રોધ કરી લે. પોતાનું માન ઘવાતું હોય ત્યારે ક્રોધથી માનનું રક્ષણ કરે.

પ્રશ્શનકર્તા : માયા એટલે કપટ એમ આપે કહ્યું, એટલે કપટની અંદર જ વિષયો છે ?

દાદાશ્રી : ના, કપટની અંદર વિષયો એવું નથી, વિષયને ભોગવવા માટે હથિયાર વાપરે છે આ કપટનું ! તે વિષયને વધુ ભોગવવાની લાલચ એ લોભ અને એ લોભ કરતાં જો કદી વચ્ચે કોઈ આડો આવે ત્યાં કપટ કરી નાખે. લોભનું રક્ષક છે કપટ અને માનનું રક્ષક ક્રોધ. એટલે ક્રોધ ગુરખો છે માનનો અને પેલો કપટ ગુરખો છે, એ લોબનો ગુરખો છે. મૂળ ો બે જ જણ. પણ બે એમના ગુરખા ! આ તો માન ને લોભ એ બે રક્ષક હોય જ નહીં, તો રક્ષક ક્યાંથી રહે ? રખા-બખા સાથે બધું ચાલ્યું જાય.

લોભ-માનની ખબર કેમની પડે ?

પ્રશ્શનકર્તા : લોભ થયો, તેમં જોવું ને જાણવું, એમાં ડીટેઇલ્સમાં કઈ રીતે ઉતરવું ?

દાદાશ્રી : એ તો કેવો લોભ થયો છે એ શું ખબર પડે ? અને લોભ છે કે ક્રોધ છે તે શી રીતે ખબર પડે ? તને લોભ છે એ કઈ રીતે ખબર પડે ?

પ્રશ્શનકર્તા : ધારો કે આપણે કંઈ વસ્તુ લઈએ અને પૈસા બચાવવાનો પ્રયત્ને કરીએ, એવી રીતે.

દાદાશ્રી : ના, એ લોભ ના કહેવાય.

પ્રશ્શનકર્તા : તો લોભ કોને કહેવાય ?

દાદાશ્રી : લોભવાળો તો ખાય નહીં, પીએ નહીં, લૂગડાં પહેરે નહીં અને પૈસા ભેગા કર કર કરે એનું નામ લોભ. તું તો ખઉં છું, પીઉં છું ખરોને ? કપડાં-બપડાં પહેરું છુંને ?

પ્રશ્શનકર્તા : બરોબર.

દાદાશ્રી : પછી શો વાંધો.

પ્રશ્શનકર્તા : માન થયું, એ કેવી રીતે ખબર પડે ?

દાદાશ્રી : આપણે આમ 'જે જે' કરીએ એટલે તરત એના મોઢા ઉપર ખબર પડે. આ શરીર-બરીર ટાઈટ થયું કે તરત માલુમ પડે. અને પેલાએ 'જે જે' ના કર્યું તોય એને અસર થાય. ડીપ્રેશન આવી જાય, એ માન ખબર પડે તરત. અમને એવું તેવું ના થાય.

માન ત્યાં લોભ નહીં !

લોભિયો એકાંગી હોય. માનની બહુ ભાંજગડ ના હોય અને માનીને તો જરા અપમાન કરે તોય પાછું વેષ થાય ! એ લોભિયો તો કહેશે કે આજ તો બસ્સો મલ્યા, છોને ગાળો દે. તમારામાં લોભ ખરો કે ?

પ્રશ્શનકર્તા : માન એ લોભ બંને !

દાદાશ્રી : માન ને લોભ છે, તે સારકૉું છે. માન ને લોભ હોય ત્યાં સુધી લોભિયા ના કહેવાય. લોભ તો માનને બાજુએ મૂકતો હોયને ત્યારે લોભ કહેવાય. લોભિયો તો કહેશે, 'એને જે કહેવું હોય તે કહે, આપણને તો દસ મળી ગયાને !' અને જૂઠુંયે બોલે, તદ્ન જૂઠું ! કારણ કે એને આ બધું લોભ કરાવડાવે છે, એની મહીંની લોભની ગાંઠો આ બધું કરાવડાવે છે.

એટલે લોભિયાને જગતના લોકો શું કહે ? નફ્ફટ કહે. ત્યારે એ શું કહે, તું મને નફ્ફટ કહે, પણ મને તો દસ મળ્યા છે. હું મારી મેળે ઘેર જઈને સૂઈ જઈશ, તારા તો દસ ગયાને !

લોભિયો હસે. હમેશાં લોભિયો હસે અને ક્રોધી કોણ થાય ? જે સાચો હોય તે ક્રોધી થાય. લોભિયો તો હસે ઊલટો !

લોભી ભાસે જ્ઞાની સમ !

કોઈ લોભિયો શેઠ હોય, એની દુકાને આપણે છોકરાને મોકલીએ કે જા, આ લઈ આવ. એ રડતું હોય ને આપણાથી જાતે ના જવાય એવું હોય, ત્યારે આપણે એને કહીએ કેલે આ રૂપિયો તે પેલું લઈ આવ, જા. હવે આપણે જાણતા હોઈએ કે આઠ આનામાં આપે છે એ. હવે છોકરું લઈને આવ્યું, તે ચાર આના પાછું લાવ્યું. 'અલ્યા બાર આના કોણે લીધા ?' ત્યારે એ કહે, 'પેલા શેઠે લીધા.' ત્યારે આ ભાઈ શું બોલે ? 'એ શું સમજે છે શેઠિયો ?' આ તો પટેલ ભઈ, ગમે તેવું બોલે, જેને બોલવાનું કોઈ બંધન નહીં. પછી એ ઘેરથી ઉપડે દુકાને 'અલ્યા, આ નાના છોકરાને તેં છેતરી લીધો ? આ આઠ આનાનું છે તેના બાર આના લીધા ?' ત્યારે શેઠ કહે, 'હવે પાછું ના લેવાય. એ તો ગયું એ ગયું. એટલે પેલા પટેલ વધારે ચિઢાયા એટલે લોક ભેગું થયું. ત્યારે પેલો શેઠ હસવા માંડ્યો. પટેલ ગાળો જેમ જેમ ભાંડે તેમ પેલો હસે. 'તમે જુઠ્ઠા, લુચ્ચા, બધા પૈસા લઈ જાવ છો લોકોના.' ત્યારે પેલો શેઠ આમ હસે, એટલે લોક શું જાણે કે આ શેઠ હસે છે અને આ વગર કામના કકળાટ કરે છે. એટલે આ આરોપી બન્યો, લોકોની દ્રષ્ટિમાં. લોભિયો હસે કે મને તો મારા ચાર આના મળી ગયા. એ છોને કકળાટ કરતો. એ કકળાટ કરે છે, પણ એની મેળે થાકશે એટલે જતો રહેશે. પણ ત

ે હસે ઊલટો ! એટલે મેં અહીં મુંબઈના બજારમાં હસે એવા જોયેલા હઉં. હવે ત્યાં કકળાટ કરીએ તો નકામું છે.

અને માની માણસ હોયને, આપણે તેને કહીએ તો એ કહે, 'લે તારા બાર આના પાછા લઈ જા. અહીં બોલબોલ ના કરીશ. લે તારા પૈસા ને લાવ એ રમકડું પાછું' એટલે માની હોય તરત નિકાલ આવે અને આ તો ફરી હાથમાં આવે નહીં, એનું નામ લોભી.

લોભી તો હસે ઊલટો. હસે એટલે આપણે જાણીએ કે જ્ઞાની જેવું હસે છે આ માણસ !

પ્રશ્શનકર્તા : ઠંડક રાખીને વાત કરે.

દાદાશ્રી : એમાં ઠંડક જ હોય. લોભ એકલા પૈસા ઉપર જ બીજું નહીં.

બન્ને પ્રકૃતિની ભિન્નતા !

હવે, શેઠાણી કહેશે કે સાંજે સાડી લાવવાની છે. ત્યારે પેલો શેઠ કહેશે, 'આપણે છે એવી જ લઈ આવો, એથી આપણું બહાર ખોટું ના દેખાવું જોઈએ. લોકો પહેરે છે એવી આપણી સાડી જોઈએ.' ત્યારે વહુ કહે, 'એ તો ગરીબો છે.' ત્યારે શેઠ કહે, 'એ ગરીબ જેવી, એવી જ સાડી આપણને શોભે, નહીં તો આપણું ખોટું દેખાય અને આપણા ક્ષત્રિય લોકો તો વધારે પૈસા આવ્યા કે સાડી નવી જાતની, ત્રણ હજારની લઈ આવે ! સાડીઓ તો ત્રણ હજારની, પાંચ હજારની, સાત હજારની હઉ મેં જોઈ ! બૈરીની કિંમત કે સાડીની કિંમત ! કારણ કે જે કિંમતી માણસ હોય તે તો સાત હજારની પહેરે નહીં ઓછી કિંમતવાળા જ મોંઘી સાડીઓ પહેરે છે. બહુ એને રૂપાળું દેખાવું છેને ?! સાત હજારનીય સાડીઓ લોકો બનાવે છે. મને એક કારખાનામાં દેખાડવા લઈ ગયા હતા.

પ્રશ્શનકર્તા : હા એ તો આપણે બહુ વર્ષે ઉપર પૈઠણી સાડી જોવા ગયા હતા. અત્યારે તો એની કિંમત પંદર હજાર થાય !

દાદાશ્રી : આ શ્રીમંતોના ચેનચાળા જ છેને ? એના કરાં ધન્યભાગ્ય કે રૂપિયા આપે એટલે વપરાય અને અડચણ ના પડે. એના જેવો ધનવાન કોઈ નહીં. જરૂર પૂરતા રૂપિયા આવે ને જરૂર પૂરતા જાય. પછી અડચણ ના પડવી જોઈએ. એનું નામ ધનવાન.

માની ને લોભી !

લોભિયો હોય એને માનતાનની કંઈ પડેલી ના હોય. કોઈ અપમાન કરે ને સો રૂપિયા આપી જાય તો કહેશે, આપણને સો રૂપિયા નફા સાથે કામ છેને, છો અપમાન કરશે તો ! એક ફેરો અપમાન કરી ગયો પણ આપણને ઘરમાં તો સો રૂપિયા નફાના આવ્યા ! એ લોભનું કારણ ! અને માનનું કારણ હોયને, તો એને પાંચસો રૂપિયા ખર્ચ થાય. પણ માન મળે તો બહુ થઈ ગયું, કહેશે.

તે માન અને લોભને લઈને આ જગત ઊભું રહ્યું કે માન જ્યાં નહીં ત્યાં લોભ છે લોભ નહીં ત્યાં માન છે. ઉઘાડું દીવા જેવું છેને ?!

કૃપાળુ દેવે લખ્યું છેને, આ જગતમાં માન ના હોત તો અહીં જ મોક્ષ થઈ જાય !

માન તો ભોળું !

માન છે ત્યાં સુધી લોભ ના કહેવાય, લોભ તો માનને બાજુએ મૂકે. લોભ બધાયને ઓગાળી જાય. માનનો પણ લોભ હોય.

લોભિયો તો શું કરે ? અપમાન થતું હોય એ સહન કરી લે, પણ લોભમાં ખોટ ના જવા દે. અપમાન થતું હોય તે સહન કરે. મને નાનપણમાં, હું પચ્ચીસ વર્ષનો હતો અને કોઈ અપમાન કરે તો લોભની ખોટ બધી નાખી દેવા હું તૈયાર. નામ દીધું તો કહી દઉં, 'તારી વાત તું જાણું, તારે જે જોઈતું હોય એ લઈ જા', એટલે આ માનને માટે અને પેલાનું લોબને માટે, બસ એક ને એક ખૂણામાં બેસી ગયેલા હોય, પણ માનવાળો છૂટે. માનવાળાનું એવું ને કે, માનવાળાને સહુ કોઈ કહે કે શું છાતીઓ કાઢીને ફરો છો, આટલા બધા ?! માન ભોળું છે, માનનો સ્વભાવ ભોળો છે ને લોકોને ખબર પડે, 'ઓહોહો, છાતી કાઢીને શું જોઈને ફરો છો ?!' તે ઊલટાં લોકો આવી ટકોર કરનારાં મળે અને લોભિયાની તો કોઈને ખબર ના પડે. અને પોતાને ય ખબર ના પડે કે આ દુકાન કઈ જાતની ચાલે છે, પોતાની જાગ્રતિ જ નથી હોતી.

પ્રશ્શનકર્તા : લોભિયાને સહેજ જો ટર્ન કરી દઈએ તો ખૂબ પ્રગતિ કરી શકેને ?

દાદાશ્રી : એ થવું મુશ્કેલ છે. માની ફરે, લોભી ફરવો મુશ્કેલ છે. લોભ તો બહુ મોટામાં મોટું આંધળાપણું છે. પોતાને, ધણીને ય ખબર ના પડે. અને માન તો ધણીને ખબર પડે, એટલે માન ભોળો છે ને લોભ ભોળો નથી.

માનીની ગોઠવણી....

માની હોયને તે માનની જ ગોઠવણી કર્યા કરતો હોય, આખો દહાડોય ! જ્યારે જગાડો ત્યારે માનની ગોઠવણી, એને અપમાન કેમ ના થાય, અપમાન કેમ ના થાય, એના ભયમાં જ, એમાં ને એમાં જ, તકેદારી રહે. આ વગર કામની માથે પીડા લઈને ફર્યા કરે !

માન ખાતાં છેતરાય !

અમારે ઘેર તો ચાર ચાર ગાડીઓ પડી રહેતી, કારણ કે આવો પરગજુ માણસ કોણ મળે ? 'આવો અંબાલાલભાઈ' કહે એટલે ચાલ્યું ! આવા ભોળા માણસ કોણ મળે ? કશું બીજું ચા-પાણી નહીં કરો તોય ચાલશે. પણ 'આવો પધારો' કહ્યું કે બસ, બહુ થઈ ગયું ! જમવાનું નહીં કરે તોય ચાલશે. બે દહાડા ભૂખ્યો રહીશ, તારી ગાડીમાં આગલી સીટ પર મને બેસાડજે, પાછળ નહીં, એટલે પેલા લોકો આટલી સીટ રોકી જ રાખે. હવે આવું કરનારું કોણ મળે ?

માની બિચારા ભોળા હોય, એક માનને ખાતર બિચારા બધી રીતે છેતરાય. રાતે બાર વાગ્યે ઘેર આવે ને કહે કે, 'અંબાલાલભાઈ સાહેબ છો કે ?' ભાઈ સાહેબ કહ્યું કે બહુ થઈ ગયું. એટલે માનીનો બીજા લોકો આવી રીતે લાભ ઊઠાવે ! પણ માનીને ફાયદો શો કરી આપે કે માનીને એવો ઊંચે ચઢાવે અને એને અફાળે કે ફરી માન બધું ભૂલી જાય. ઊંચે ચડ્યા પછી પડેને ? તે અમને રોજ 'અંબાલાલભાઈ' કહેતા હોય, અને એક દહાડો 'અંબાલાલ' કહે તો કડવું ઝેર જેવું લાગે !

આ માનને લઈને બધું ગૂંચાય છે, પણ માન સારું. માની માણસ થાય એ સારો. કારણ કે માની માણસને એમાં બીજો રોગ ના હોય. ફક્ત એને માન આપો કે ખુશ અને લોભિયા માણસને તો પોતાને ય ખબર ના પડે કે મારામાં લોભ છે. માન અને ક્રોધ બે ભોળા સ્વભાવના છે. તે લગ્નમાં જાય ને 'આવો પધારો' કરે કે તરત જ ખબર પડી જાય. એને કોઈક કહેશે કે 'શું કરવા છાતી કાઢો છો ?' અને લોભિયાને તો કોઈ કહેનારોય ના મળે !

ત્યાં અસર, તો લોભ !

લોભિયાની નિશાની શું ? આપણે પૂછીએ કે આ બે હીરા કોઈને આપ્યા પછી ના આવે તો તમને કશી અસર થાય ? ત્યારે કહેશે કે 'એ તો થાય જ ને !' આ અસર થઈ એ જ લોભની નિશાની. બે હીરા આપે તેમાં નથી હાથને વાગ્યું, નથી અપમાન કર્યું. અપમાન કર્યું હોય તો તો માનને ઘા કર્યો કહેવાય. આ તો એવી કશી લેવાદેવા વગર હીરા આપ્યા છે. કોઈક કહેશે કે, 'એને ગાળો ભાંડી અપમાન કર્યું હોય તે શી રીતે સહન થાય ?' તો આપણે જાણીએ કે સંસારી છે એટલે સહન ના થાય, પણ હીરા આપ્યા એમાં નથી દેહને વાગ્યું કે નથી લોહી નીકળ્યું. તો આ શું પજવે છે ? આ લોભ નામનો ગુણ જ એને કૈડે છે.

પજવે છે.

આમ છેતરાયેલા માનથી જ !

હું તો મૂળી માની સ્વભાવનો માણસ એટલે દુકાનમાં પેસું ત્યાંજ એ સમજી જાય કે અંબાલાલભાઈ આવ્યા છે. કંન્ટ્રાક્ટર ખરોને એટલે રોફવાળા ગણાય. અરે, તકિયા હઉ મૂકી આપે ! ફલાણું મૂકી આપે, 'શું કહો, શું ગમશે ?' કહેશે. ત્યારે મેં કહ્યું, 'એક જોટો ધોતિયાનો અને બે-ત્રણ ખમીસનું કપડું લેવાનો વિચાર થયો એટલે આવ્યો છું', એટલે કાઢી આપે. તરત બિલ ફાડી આપે, 'સાહેબ, પૈસા નહીં હોય તો ઘેરથી આવીને લઈ જશે.' મેં કહ્યું, 'ના, છે મારી પાસે અત્યારે.' તે આપણે પૈસા આપી દઈએ ને પૈસા ના હોય તો કહી દઈએ કે ઘરેથી લઈ જજો.

પણ હું જાણું કે આ ત્રણ રૂપિયા એણે જોટાના વધારે લીધા. પંદર રૂપિયાનો જોટો, પણ મારી પાસે ત્રણ રૂપિયા વધારે લીધા કારણ કે અમથા બધા આ તકિયા ને બધું આપતા હશે ?! એટલે હું જાણું કે આ બિચારાનો એનો સ્વભાવ જ એવો છે. તો હું એની જોડે કચકચ ક્યાં કરું કે, 'આટલા બધા અઢાર રૂપિયા હોય ? આમ છે - તેમ છે ?' હવે ત્યાં કચકચ કરનારો હોય તેને એ પંદર આપે. હું કચકચ ના કરું એટલે અઢાર રૂપિયા લે.

આ લોકોના નિયમ કેટલા સુંદર (!) છે ! આ તો બહુ સારા લોકો ! ફોરેનમાં આવા લોકો ના હોય. આ તો આપણું ઇન્ડિયન પઝલ કહેવાય. આ પઝલ એવું છે કે કોઈ સોલ્વ ના કરી શકે. એનું નામ ઇન્ડિયન પઝલ કહેવાય. 'અલ્યા, સારા માણસ પાસેથી વધારે લેવાના ? ત્યારે કહે, 'હા, બાકી નબળો માણસ તો વધારે આપે જ નહીંને !! હવે સારો માણસ લૂંટે નહીં, તો કોને લૂંટવા જોઈએ ?! અને લૂંટીનેય શું લઈ જવાના છે ? ત્રણ રૂપિયા. એટલા હારુ તો બેસો સાહેબ, બેસો સાહેબ, ચા મંગાવું કર્યા કરે. ત્યારે મેં કહ્યું, 'હવે ચા પીવાની છોડી દીધી.' પીતો હઉં તોય કહું કે છોડી દીધી છે.

પણ હું છેતરાયેલો આખી જિંદગી. છેતરા છેતરા કરું. કોઈ બસ્સો રૂપિયા છેતરે, કોઈ પાંચસો રૂપિયા છેતરે. મારી આખી જિંદગી છેતરે એવો કોઈ મને મળ્યો નથી. છેતરવાની કંઈ હદ હોય છે. બાઉન્ડરી હોય છે. માટે છેતરવાનો આપણે નિયમ જ લેવો જોઈએ.

જાણીને છેતરાય તે મોક્ષે જાય !

તમે સારા માણસ છો ને તમે નહીં છેતરાવ તો બીજા કોણ છેતરાવાના છે ? નાલાયક તો છેતરાય નહીં. એનું તો 'સાપને ઘેર સાપ ગયો ને જીભ ચાટીને પાછો આવે' એવું ! છેતરાય તે કંઈક આપણી ખાનદાની ત્યારે જ કહેવાયને આપણને આવો - પધારો કહે તો એનું પ્રિપેમેન્ટ હોય છે.

એટલે 'લોભિયાથી છેતરાય' એમ લખ્યું છે. કારણ કે છેતરાઈને મારે મોક્ષે જવું છે. હું અહીં આગળ પૈસા ભેગા કરવા નથી આવ્યો અને હું એમેય જાણું છું કે નિયમના આધીન છેતરે છે કે અનિયમથી ? એ હું જાણનારો છું એટલે વાંધો નહીં.

હું ઓળખું કે આ માની છે એટલે એને માન આપી અને આપણે આપણું કામ કાઢી લેવાનું.

અને લોભિયો હોય ત્યાં છેતરાવાનું થોડીવાર. એ આપણને છેતરે એટલે એ જાણે કે આપણું કામ થઈ ગયું. પણ આપણે તો 'મને આ ધર્મ કરવા દે છે કે નહીં ?' એટલું જ જોવાનું, નહીં તો લોભિયાથી છેતરાય નહીં તો લોભિયો ધર્મ કરવા દે નહીં.

લોભિયાથી છેતરાયો એનું નામ જ ઊંચામાં ઊંચો માણસ. ત્યારે આપણા લોક શું કહે ? 'એ મને છેતરી ગયો નથી. એનું શું ગજું છે ?' અલ્યા એનો છેતરવાનો ધંધો છે. એનો ધંધો કરવા દેને, ધંધો ચાલવા દેને ! તમારો ધંધો ક્યાં છેતરવાનો છે ? એના બિઝનેસને કંઈક હેલ્પ તો કરવી જ જોઈએને ? એનો બિઝનેસ ચાલતો હોય તેમાં હેલ્પ કરવી જોઈએ કે ના કરવી જોઈએ ?

પ્રશ્શનકર્તા : હા હેલ્પ થવા દો.

દાદાશ્રી : એ બિઝનેસ એને કવા દે, હા. નહીં તો આપણને કોચ કોચ કર્યા કરશે.

હું ભોળપથી નહીં છેતરાયેલો. હું જાણું કે આ બધા મને છેતરી રહ્યા છે. હું જાણીને છેતરાઉં. ભોળપણથી છેતરાય એ ગાંડા કહેવાય. અમે ભોળા હોતા હોઈશું ? જે જાણને છેતરાય એ ભોળા હોય ?

આમ થયા ભગવાન !

પ્રશ્શનકર્તા : કબીરજી કહે છે,

કબીર આપ ઠગાઈએ ઔર ઠગે ન કોઈ

આપ ઠગે સુખ ઉપજે, ઔર ઠગે દુઃખ હોઈ.

આ સિદ્ધાંત વાસ્તવિક રીતે કોઈ દુનિયાદારીને ગમતો નથી, તો એ યથાર્થ શું છે ?

દાદાશ્રી : આ વાણી સાચી છે. આખી જિંદગી સુધી અમે આ જ ધંધો માંડેલો. છેતરાઈને ભગવાન થયા છીએ. જુઓને આ અમે છેતરાઈને ભગવાન થયા. આ લોકોની જોડે છેતરા છેતરા કર્યા અને છેતરે એનો ગુણ માનું પાછો કે બહુ સારું થયું બા ! નહીં તો આપણે પાંચ હજાર રૂપિયા આપોને તોય કોઈ છેતરે નહીં. હું તમને પાંચ હજાર રૂપિયા આપું તોય તમે છેતરો નહીં. કહેશે હું આ જોખમદારી શું કરવા લઉં અને આ મૂરખા એમ ને એમ જોખમદારી લે છે, કોણ લે ? ફૂલિશ લોકો.

'અમે' ભોળા ?!

અમારા ભાગીદારે એક ફેરો મને કહ્યું કે, તમારા ભોળાપણનો લોકો લાભ ઉઠાવી જાય છે. ત્યારે મેં કહ્યું કે તમે મને ભોળા કહો છો માટે તમે જ ભોળા છો. 'હું સમજીને છેતરાઉં છું.' ત્યારે એમણે કહ્યું કે હું આવું ફરી નહીં બોલું ?

હું જાણું કે આ બિચારાની મતિ આવી છે. એની દાનત આવી છે. માટે એને જવા દો. લેટ ગો કરોને ! આપણે કષાયથી મુક્ત થવા આવ્યા છીએ. આપણે કષાય ન થવા છેતરાઈએ છીએ એટલે ફરી હઉ છેતરાઈએ. સમજીને છેતરાવામાં મઝા ખરી કે નહીં ? સમજીને છેતરાવાવાળા ઓછા હોયને ?

પ્રશ્શનકર્તા : હોય જ નહીં.

દાદાશ્રી : નાનપણથી મારે પ્રિન્સિપલ એ હતો કે સમજીને છેતરાવું. બાકી, મને મૂરખ બનાવી જાય અને છેતરી જાય એ વાતમાં માલ નથી.

આ સમજીને છેતરાવાથી શું થયું ? બ્રેઈન ટોપ પર ગયું. મોટા મોટા જજોનું બ્રેઈન કામ ના કરે એવું કામ કરતું થઈ ગયું. જજો હોય છે એ પણ આમ તો સમજીને છેતરાયેલા અને સમજીને છેતરાવાથી બ્રેઈન ટોપ ઉપર પહોંચી જાય.

એટલે સમજીને છેતરાવાનું છે, પણ એ કોની જોડે સમજીને છેતરાવાનું છે ? રોજનો જ વ્યવહાર જેની જોડે હોય એની જોડે અને બહાર કોઈની જોડે છેતરાવાનું, પણ સમજીને. પેલો જાણે કે મેં આમને છેતર્યા અને આપણે જાણીએ કે એ મૂરખ બન્યો.

ત્યારે પ્રગટ્યું આ અક્રમ વિજ્ઞાન !

તેથી કવિરાજે શું લખ્યું છે કે,

'માનીને માન આપી, લોભિયાથી છેતરાય

સર્વનો અહમ્ પોષી, વીતરાગ ચાલી જાય.'

અહમ્ પોષીને વીતરાગ ચાલ્યા જાય. એનો બિચારાનો અહમ્ પોષાય અને આપણો છૂટકારો થઈ ગયોને ! નહીં તોય રૂપિયા કાંઈ ઠેઠ આવવાના છે ?! એના કરતાં અહીં એમ ને એમ છેતરાઈને લોકોને લઈ લેવા દોને ! નહીં તો પાછળ લોક વારસદાર થશે, એટલે છેતરાવા દોને ! એને એ છેતરવા આવ્યો છે, તેને કંઈ આપણાથી ના કહેવાય છે ? છેતરવા આવ્યા તેનું મોઢું શું કરવા દબાવીએ ?

અમે તો માકણને ય લોહી પીવા દેતા હતા કે અહીં આવ્યો છે તો હવે જમીને જા. કારણ કે મારી હોટલ એવી છે કે આ હોટલમાં કોઈને ય દુઃખ આપવાનું નહીં. એ અમારો ધંધો ! એટલે માકણનેય જમાડ્યા છે. હવે ના જમાડીએ તો એમાં કંઈ આપણને સરકાર દંડ કરવાની છે ? ના. અમને તો આત્મા પ્રાપ્ત કરવો હતો. કાયમ ચોવીહાર, કાયમ કંદમૂળ ત્યાગ, કાયમ ગરમ પાણી એ બધું કરવામાં કંઈ બાકી રાખ્યું ન હતું ! ને ત્યારે જો પ્રગટ થયું, આખું 'અક્રમ વિજ્ઞાન' પ્રગટ થયું ! જે આખી દુનિયાને સ્વચ્છ કરી નાખે એવું આ વિજ્ઞાન પ્રગટ થયું છે !

એનું રહસ્ય જ્ઞાન !

પ્રશ્શનકર્તા : આપ તો સમજીને છેતરાયા, પણ પેલો ધોતિયાના પૈસા વધારે લઈ ગયો એમાં એની શી દશા થાય ? એને લાભ કે ગેરલાભ ?

દાદાશ્રી : એનું જે થવાનું હોય તે થાય. એણે મારી શિખામણથી આ નથી કર્યું. અમે તો એની વૃત્તિ પોષી છે. હકનું ખાવા આવ્યું તો ભલે અને અણહકનું ખાવા આવ્યું તો પણ અમે લાપોટ નથી મારી, ખાઈ જા બા ! એનો એને તો ગેરલાભ જ થાયને ! એણે તો અણહકનું લીધું એટલે તેને ગેરલાભ થાય, પણ અમારો મોક્ષ ખુલ્લો થયોને ! 'સર્વનો અહમ્ પોષી વીતરાગ ચાલી જાય.' આ અહમ્ ના પોષીએ તો લોકો આપણને આગળ જવા જ ના દે ! 'અમારું આ બાકી રહ્યું, અમારું આ બાકી રહ્યું' એમ કહીને અટકાવે. આગળ જવા દે કોઈ ? અરે, ફાધર-મધર પણ ના જવા દેને ! એ તો 'તેં મારું કશું ધોળ્યું નહીં' કહેશે. અલ્યા, આવો બદલો ખોળો છો ? બદલો તો સહેજાસહેજ મળતો હોય તો સારી વાત છે. નહીં તો માબાપે બદલો ખોળવાનો હોય ? બદલો ખોળે એ માબાપ જ ના કહેવાય, એ તો ભાડૂત કહેવાય ! સમજીને છેતરાવાવાળા ઓછા હોયને ?

પ્રશ્શનકર્તા : ના હોય.

દાદાશ્રી : ત્યારે એમને મોક્ષનો માર્ગ પણ મળી આવેને !

પ્રશ્શનકર્તા : સામાને છેતરવાનો ચાન્સ આપે છે એ ખોટું નહીં ?

દાદાશ્રી : આ તો પોતાના એડવાન્સ માટે છેને ! છેતરવાનો ચાન્સ એના એડવાન્સ માટે છેને આપણે આપણા એડવાન્સ માટે છેતરાવાનો ચાન્સ છે. પેલો એની પૌદ્ગલિક પ્રગતિ કરે ને આપણે આત્માની પ્રગતિ કરીએ, એમાં ખોટું શું છે ? એને આંતરે ત્યારે ખોટું કહેવાય.

આપણને છેતરી ગયો, પણ પાછો કોઈ માથાનો મળે તે એને મારી મારીને એનાં છોડાં કાઢી નાખે કે 'અલ્યા, તું મને છેતરે છે ?' એવું કહીને પેલાને મારે !

પહેલેથી હું તો જાણી જોઈને છેતરાતો, એટલે લોક મને શું કહેતા કે 'આ છેતરનારને ટેવ પડી જશે, એની જોખમદારી કોના માથે જાય ? તમે આ લોકોને જતા કરો છો તેથી બહારવટિયા ઊભા થયા છે.' પછી મારે એને ખુલાસો આપવો જ પડેને ! અને ખુલાસો પદ્ધતિસર હોવો જોઈએ. એમ કંઈ મારી-ઠોકીને ખુલાસો અપાય ? પછી મેં કહ્યું કે 'તમારી વાત સાચી છે કે મારે લીધે બહારવટિયા જેવા અમુક માણસો થયા છે, તેય બધા માણસો નહીં, બે-પાંચ માણસો. કારણ કે એમને એન્કરેજમેન્ટ મળ્યું ને !' પછી મેં કહ્યું કે 'મારી વાત જરા સ્થિરતાથી સાંભળો. મેં પેલાને એક ધોલ મારી હોય, જે મને છેતરી ગયો તેને, તો અમે તો દયાળુ માણસ તે ધોલ કેવી મારીએ, એ તમને સમજમાં આવે છે ? પેલા ખુલાસા માંગનારને મેં પૂછ્યું, ત્યારે પેલો કહે કે, કેવી મારે ?' ત્યારે મેં કહ્યું, પોલી મારે, એનાથી એન્કરેજમેન્ટ વધારે થાય કે ઓહોહો, બહુ ત્યારે આટલીક જ ધોલ મારશે ને ? તો હવે આ જ કરવા દે. માટે દયાળુ માણસ છોડી દે એ જ બરોબર છે. પછી પેલાને આમ છેતરતાં છેતરતાં બીજું, ત્રીજું સ્ટેશન આવશે, એમાં કોઈ એકાદ એવો એને ભેગો થઈ જશે કે એને મારી મારીને ફુરચા કાઢી નાખશે, તે ફરી આખી જિંદગી ખોડ ભૂલી જશે. એને છેતરવાની ટેવ પડી છે એ પે

લો એની ટેવ ભાંગી આપશે, બરોબરનું માથું ફોડી નાખે. તમને સમજાયુંને ? ખુલાસો બરોબર છેને ? પણ આ જ્ઞાન પછી તો અમારે એ બધા સંગ જ છૂટી ગયેલાને. આમેય '૪૬ પછી વૈરાગ આવી ગયેલો ને '૫૮માં આ જ્ઞાન પ્રગટ થયું !

જાણીને છેતરાવાનું એ બહુ મોટામાં મોટું પુણ્યૈ, અજાણથી તો સહુ કોઈ છેતરાયેલા. પણ અમે તો આખી જિંદગી આ જ ધંધો માંડેલો, કે જાણીને છેતરાવું. સરસ બિઝનેસ છેને ? છેતરનાર મળે એટલે જાણવું કે આપણે બહુ પુણ્યશાળી છીએ. નહીં તો છેતરનાર મળે નહીંને ! આ હિન્દુસ્તાન દેશ એમાં બધા કંઈ પાપી લોકો છે ? તમે કહો કે મને તમે છેતરો જોઈએ. તો આ જોખમદારીમાં હું ક્યાં હાથ ઘાલું ? અને જાણીને છેતરાવા જેવી કોઈ કલા નથી ! લોકોને તો ગમે નહીંને આવી વાત ? લોકોનો કાયદો ના પાડે છેને ? તેથી તો છેતરાવાની આદત પાડે છેને ? 'ટિટ ફોર ટેટ' એવું શિખવાડે છે ને ? પણ આપણાથી શું ધોલ મરાય ? અને હું ધોલ મારું તો પોલી મારું. એક જગ્યાએ હું ઉઘરાણી કરવા ગયો હતો, ત્યારે એને ત્યાં બીજા કોઈની જપ્તી આવેલી. હું તો થોડીવાર બેઠો, તે પેલાને જપ્તીમાં કંઈક વીસ રૂપિયા ભરવાના હશે, તેટલા રૂપિયા પણ તેની પાસે ન હતા. બિચારો આમ આંખમાંથી પાણી કાઢવા માંડ્યો ત્યારે મેં કહ્યું કે 'લે વીસ હું આપું છું.' તે વીસ રૂપિયા આપીને આવ્યો ! તે ઉઘરાણીએ ગયેલો કોઈ વીસ રૂપિયા આપીને આવતો હશે ?

એનું ફળ તો સમજો !

સમજીને છેતરાવા જેવો કોઈ પરમાર્થ નથી. અને આખી જિંદગી હું જાણી જોઈને, છેતરાયેલો છું. લોકો કહે છે, 'એનું ફળ શું ?' ત્યારે મેં કહ્યું, 'જાણીને છેતરાય એને શું પદ મળે ? કે દિલ્હીમાં જે કોર્ટ હોય છેને, સુપ્રીમ કોર્ટ, તે સુપ્રીમ કોર્ટના જજને ય ટૈડકાવે એવી બુદ્ધિ ઉત્પન્ન થાય.' એટલે શું ? કે જજનીય ભૂલો કાઢે એવું હાઈક્લાસ પાવરફૂલ મગજ થઈ જાય ! કાયદામાં લઈ લે એવી બુદ્ધિ ઉત્પન્ન થાય. જે જાણી જોઈને છેતરાય છે, જે કોઈને છેતરતો નથી એનું મગજ એવું હાઈલેવલ પર જાય ! પણ એવું જાણી જોઈને છેતરાય કોણ ? એવો કયો પુણ્યશાળી હોય ? અને આ સમજણ જ શી રીતે એડોપ્ટ થાય ? આ સમજણ જ કોણ આપે ? છેતરવાની સમજણ આપે, પણ આ જાણીને છેતરાવાની સમજણ કોણ આપે ?

નક્કી કરવા જેવો ધ્યેય !

અહીં તો છેતરાવા જેવી કશી વસ્તુ જ નથી, પણ છેતરાઈને આવે તો બહુ ઉત્તમ ! પણ એને આની કિંમત શી આવશે, એની સમજણ જ નથીને ! છેતરાઈને આવવાની કિંમત આટલી બધી આવે એવું જાણે લોકો ?

પ્રશ્શનકર્તા : લોકો જાણે જ નહીંને !!

દાદાશ્રી : પણ અમે તો નાનપણમાંથી છેતરાવાની સિસ્ટમ રાખેલી. અમારા માજીએ (ઝવેરબાએ) શિખવાડેલી. એ પોતે પણ જાણીને છેતરાય, ને બધાંને સંતોષ આપે. મને એ બહુ ગમેલું કે આ તો બધાંને સંતોષ બહુ સરસ આપે છે ! અને છેતરાઈને શુંયે મૂડી હતી તે જતી રહેવાની છે ?! મૂડીમાં શી ખોટ જતી રહેવાની છે ?

પ્રશ્શનકર્તા : હજુ સમજીને છેતરાવાની હિંમત નથી આવતી.

દાદાશ્રી : છેતરાવાની હિંમત ? અરે, મને તો જરાય વાર લાગે નહીં અને મને છેતરવા આવે એટલે હું સમજી જાઉં કે આ છેતરવા આવ્યો છે, માટે આપણે છેતરાઈ જાવ, ફરી આવો ઘરાક મળવાનો નથી. ફરી આવો ઘરાક ક્યાંથી મળે ? ને જો તારી હિંમત જ નથી ચાલતી ને !?

પ્રશ્શનકર્તા : આ વેપારમાં શું થાય છે કે આપણને ખબર છે, કે આ માલની માર્કેટ પ્રાઈઝ આ છે. પેલો માણસ એક ટને હજાર રૂપિયા વધારે ચાર્જ કરે છે, તે એમ સમજીને એક હજાર રૂપિયા વધારે આપતાં હિંમત થાય નહીં, એટલે પછી પેલાને કહેવાઈ જાય કે, 'નહીં, આ પ્રાઈઝ તો હોવી જ જોઈએ.' એની જોડે પહેલાં થોડું ઘણું બોલવું પડે.

દાદાશ્રી : સમજીને આપવા એ તો એવું છે ને કે અમે જાણી જોઈને છેતરાઈએ છીએ એ તો અપવાદ છે અને અપવાદ એ કોઈક ફેરો જ હોય. બાકી, લોકો જાણી જોઈને છેતરાય છે તે તો શરમના માર્યા અગર તો બીજા અંદરના કોઈ કારણના માર્યા છેતરાય છે. બાકી લોકોને જાણી જોઈને છેતરાવું એવો ધ્યેય ના હોય, જ્યારે અમારો તો ધ્યેય હતો એ કે જાણી જોઈને છેતરાવું.

બીજે વિચારદશામાં જ વિરમી ગઈ !

તને આ બધો સંસાર ગમે છે ? શી રીતે ગમે તે ? હું તો આ બધું જોઈને જ કંટાળી ગયેલો ! અરેરે, કઈ જગ્યાએ સુખ માન્યું છે આ લોકોએ ! અને શી રીતે માન્યું છે સુખ આ ?! વિચાર્યું જ નથીને ! જ્યાં કશું બને છે એમાં કશો વિચાર જ નથી કર્યો ! આ સંબંધી વિચાર જ કશો કોઈ જાતનો નહીં ? ત્યારે વિચાર તો આખો દહાડો પૈસામાં ને પૈસામાં કે કેવી રીતે પૈસા મળે, અને નહીં તો વહુ પિયર ગઈ હોય તો એ વિચાર આવ્યા કરે કે આજે એક કાગળ લખું કે જલદી આવી જાય ! બસ, આ જ બે વિચાર. બીજો કશો વિચાર જ નહીં ! એટલે પાશવતાના વિચાર કે કોનું લઈ લઉં ને ક્યાંથી ભેગું કરું ?! અલ્યા, આ તો ફ્રી ઑફ કોસ્ટ છે, એને શું કરવા માથાકૂટ કરે છે ? આ તો હિસાબ તારો નક્કી થઈ ગયેલો છે કે તને આટલા પૈસા આવશે. આ પેશન્ટ આટલા પૈસા આપશે અને આ પેશન્ટ એક આનોય નહીં આપે !

વિશ્વાસઘાત છતાં રહ્યા વિશ્વાસુ !

એટલે આપણે તો છેતરાઈને આગળ જવું. સમજીને છેતરાવા જેવી પ્રગતિ આ જગતમાં કોઈ પણ નથી. મનુષ્ય જાતિ પરનો વિશ્વાસ એ તો બહુ ઊંચી વસ્તુ છે. દસ જણાના વિશ્વાસઘાત થાય તો બધાંને છોડી દેવા ? ના છોડી દેવાય. આપણા લોક તો શું કરે છે ? બે-પાંચ ભાઈબંધોએ દગો દીધો હોય તો 'આ બધા દગાખોર છે, બધા દગાખોર છે' કહેશે. અલ્યા ના બોલાય. આ તો આપણી હિન્દુસ્તાનની પ્રજા, આમ આડવંશ દેખાય છે આવી, પણ પરમાત્મા જેવા છે ! ભલેને સંજોગોને લીધે આવી દશા થઈ છે, પણ મારું જ્ઞાન આપું તો એક કલાકમાં તો કેવા થઈ જાય છે ! એટલે પરમાત્મા જેવા છે. પણ એમને સંજોગ બાઝ્યો નથી.

એ કામનું નહીં !

એટલે સમજીને છેતરાવું એ પ્રગતિ આપે છે અને અણસમજણથી છેતરાવું એમાં લાભ નથી, એમાં છેતરનાર માર ખાય છે. આ આદિવાસીને શેઠિયાઓ શું કરે છે ? શેઠિયા વેપારી હોય અને એ આદિવાસી જોડે બુદ્ધિનો દુરુપયોગ કરે કે ના કરે ? પોતાની વધારે બુદ્ધિથી પેલા ઓછી બુદ્ધિવાળાને છેતરે ! તેમાં આદિવાસી તો એનો જે હિસાબ બનવાનો હોય તે બની ગયો, પણ પેલો વેપારી તો ફરી આદિવાસી થાય નહીં, પણ જાનવરપણું આવે, એટલે લોકો પોતે પોતાની જાતને છેતરી રહ્યા છેને ! બીજા કોઈને છેતરી શકે નહીંને !

એમાં ઉપયોગ ન બગાડ્યો !

પ્રશ્શનકર્તા : આપે આપ્તવાણીમાં લખ્યું છે કે બેન્કમાં ગયા ને રૂપિયા કઢાવ્યા તો વળી ગણીને એમાં ઉપયોગ બગાડવાની જરૂર શી ? જે આપે એ ખિસ્સામાં મૂકી દેવાના.

દાદાશ્રી : એવું છેને, હું વ્યવહારમાં ધંધો કરતો'તોને, ત્યારે રૂપિયા-રૂપિયાની નોટોની થોકડીઓ આપે, અગર તો પાંચ-પાંચની નોટોની થોકડીઓ આપે, એને ગણવા જઉં તો મારો ટાઈમ કેટલો બધો વેસ્ટ થાય ? બહુ ઝડપી મારું મશીન તો, મિનિટમાં ત્રણ હજાર રીવોલ્યુશન ફરે એવું મશીન ! હવે આ પાંચસો રીવોલ્યુશન શી રીતે સંધાય ? તોડી નાખે એ તો, એટલે બે-પાંચ નોટો ઓછી હશે, પચ્ચીસ રૂપિયા ઓછા હશે. બનતા સુધી ઓછા હોય જ નહીં, એવું આપણે જાણીએ. અને બહુ ત્યારે પચ્ચીસ ઓછા હશે. વધારે તો આવવાના જ નહીં પણ વગર કામનું બે રૂપિયા માટે ત્રણ-ત્રણ વખત ગણે લોકો ! સો રૂપિયામાં બે રૂપિયાની ભૂલ થાય ને, તો ત્રણ વખત ગણે. અલ્યા, વખત તો જુઓ ! અરે પરચૂરણ હોય ને આઠ આના ઓછા થતા હોય તો સો રૂપિયા ફરી ગણે. હું આવું બધું ગણું નહીં. હું તો ઓછું-વધતું લઈ લઉં.

શિખવાડ્યો, આમ વ્યવહાર !

પ્રશ્શનકર્તા : તો દાદા આ ભાઈએ પૈસા આપ્યા, તો અહીં પૈસા ગણવાનું કેમ કહો છો ?

દાદાશ્રી : આને ગણવાનું કહ્યું એનું શું કારણ ? કે તમારી ટેવ જુદી છે, મારી ટેવ જુદી છે. હું કોઈને માટે કશું વિચાર કરું એવો નથી. એમ માનો કે તમે છે તે એક હજાર રૂપિયા આ ભાઈને આપ્યા. એ ભાઈ વળી કોઈને કહે છે કે ઝાલજે, હું આવું છું પેલાએ સો કાઢી લીધા વચ્ચે. હવે એ ભાઈએ ગણ્યા નથી. એ ભાઈ મને આપે કે આ હજાર હું પાછો આ સાહેબને આપું કે હજાર લો. તો આ સાહેબ કહેશે કે સો ઓછા છે. કોણે લીધા હશે ? હવે કેટલા માણસને દુઃખદાયી થઈ પડે ? અને શંકા કોની પર રાખવી ? બીજું કશું નહીં, શંકા ઊભી થાય. એટલા હારું આ બધાને કહી દઉં. મારી પાસેથી આપું તોયે કહું કે ગણીને લેવા. પછી મારી શંકા ના આવવી જોઈએ કે દાદાએ ઓછા આપ્યા. કાયદો સારો કે ખોટો ?

પ્રશ્શનકર્તા : સારો.

દાદાશ્રી : અને હું ગણ્યા વગર લઉં તે મારે સ્થિરતા હોય છે. મને કોઈના ઉપર શંકા આવે જ નહીં. મારી જબરજસ્ત સ્થિરતા. એ બાબતમાં શંકા રાખું જ નહીં. વિચારું જ નહીં. આ બાબત ગૉન કોઈ પણ રસ્તે, બીજે રસ્તે ગયું'તું. આ ન્હોય, આપનારે લીધું નથી.

એટલે આ બધાને કહેલું કે ગણો. નહીં તો પછી તમારે તો વિચારમાં આવશે કે આ શું થયું ?

પ્રશ્શનકર્તા : આ તો એક વાક્ય દાદા આવું બોલે છે અને બીજું વાક્ય આવું કેમ કહેતા હતા એટલે આ પ્રશ્શન પૂછ્યો.

દાદાશ્રી : એવું છેને, મારી દરેક બાબતમાં સ્થિરતા હોય અને તમારી સ્થિરતા હજુ ઉત્પન્ન થઈ નથી. ત્યાં સુધી ચેતજો.

અને આ શિખવાડું છું કે સ્થિરતા કઈ રીતે કરાય અને છોડી જ દેવાનું, ભાંજગડ જ નહીં કરવાની. ગુણાકાર કરવાથી કશું વળતું નથી ને નકામા આરોપ જાય છે. સતી ઉપર શંકા થઈ તો રહ્યું શું તે ? વચ્ચે સારા માણસ હોય ને શંકા જાય તો શું રહ્યું આપણું ? અને એ જ માણસ માટે, એને હોટલમાં લઈ જવાનો હોય તો બસ્સો રૂપિયા ખર્ચીએ અને સો રૂપિયા માટે શંકા કરીએ. કેટલી બધી ભૂલ કહેવાય ? હું ના કરું આવી ભૂલ, મેં નથી કરી જિંદગીમાં આવી ભૂલ.

પ્રશ્શનકર્તા : પણ વ્યવહારમાં તો આવું બધું ઘણું થતું હોય છે.

દાદાશ્રી : એ જ હું આ વ્યવહાર નવો શિખવાડું છુંને. આ બધા હું વ્યવહાર જ શીખવું છું.

ખોટ ખાઈને વ્યવહાર દીપાવ્યો !

હું તો સોળ વર્ષનો હતો ને તોય લોકો શું કહેશે ? હું વડોદરા આવુંને તો મારું આ ગંજીફરાક લાવજો. કોઈ કહેશે મારી આ ટોપી લઈ આવજો, આટલા નંબરની. પણ હું જે લાવુંને, બાર આનાનું ગંજીફરાક લાવ્યો હોઉં, તે બે આના ઓછા લઈ, મેં કહ્યું કે આપણે છેતરાયા હોય અને આપણે માથે આરોપ આવે કે બીજી જગ્યાએ દસ આને મળતું'તું. હવે બે આના છેતરાયા હોય, તોય લોકો કહેશે, બે આના ખાઈ ગયા. એના કરતાં આપણે બે આના ઓછા લઈ લો, પહેલેથી આવું ચેતીને ચાલું. કારણ કે પેલો આરોપ આપે એ ગમે નહીં. એના મનમાં શંકા પડે તેય ગમે નહીં. શંકા પડે એટલે પ્રેમ તૂટી ગયોને. પ્રેમ જતો રહે. હું તે દહાડેય બે આના ઓછા લઉં. લોકો પાછા મારી જોડેવાળાં કહે, 'કેવા માણસ છો તે, આવું હોય ? આપણે સાચા છીએ, બાર આનાના બાર આના લેવામાં વાંધો શું હતો ?' ત્યારે મેં કહ્યું, 'ના, બા. કારણ કે બીજી જગ્યાએ આપણે છેતરાયા હોઈએ. હું તો ભલો માણસ.' પેલો કહે એટલે લઈ લઈએ. ખટપટિયો હોય તો વાંધો નહીં. આપણને તો ખટપટ આવડે નહીં.

સામાને રાજી થવા દીધાં !

મારે તો આ ધોતિયાનો જોટો લેવા જઉંને, તો દરેક દુકાનદારે બબ્બે રૂપિયા વધારે લીધા હોય. 'અંબાલાલભાઈ આવ્યા, અંબાલાલભાઈ આવ્યા.' એવું કહે અને આપુંય ખરો. દાનત જ જ્યારે બે રૂપિયા પડાવવાની છે તેથી રાજી થતો હોય તો શું વાંધો છે ? અને મન ભિખારી છે. મારું મન તો ભિખારી નથી થયું ને બે રૂપિયા માટે. એવો સ્વભાવ આ તો જાય નહીં. સ્વભાવ પડેલા મને તો ના ફાવે આવું. હું તો પહેલેથી ગણતરીબાજ માણસ એટલે મને આ ફાવે નહીં.

બીજાની મુશ્કેલી નિવારવાનો ધંધો !

મેં આખી જિંદગી ધંધો કરેલો પણ ધંધાનો વિચાર મેં નથી કર્યો કોઈ દહાડો ! જે કોઈ ઘેર આવ્યોને, તેની જ વાત, કે ભઈ, તમારે કેમનું ચાલે છે, તમારે કેમનું ચાલે છે. પેલો કહેશે, 'મારે નોકરી જતી રહી.' તો હું કહું કે સવારે ચિઠ્ઠી લખી આપું. ગાડું રાગે પાડી આપું. મારા ધંધા સંબંધી વાત નથી કરી.

પ્રશ્શનકર્તા : ધંધા સંબંધી વાત નથી કરી છતાં ધંધો ચાલ્યો પાછો.

દાદાશ્રી : એ ચાલ્યા કરે. આ તમારી શી અડચણ છે, એ સાંભળવાની ટેવ, બહુ જાતના વેષ જોયા બધા.

ઉપલકના પૈસા !

પ્રશ્શનકર્તા : ધંધામાં લોકો ઉપલક પૈસા શા માટે કાઢે છે ?

દાદાશ્રી : અરે હું જ લેતો'તોને, ભઈ, મારી પાસે એવા બે-ત્રણ લાખ રૂપિયા હતા. બેતાળીસની સાલમાં મારી પાસે હતા. બે લાખ આવ્યા'તા. અહીં મારી 'બીટકો એન્જિનિયરીંગ' કંપની હતી. એગ્રિકલ્ચર ડિપાર્ટમેન્ટમાં બધા ચીપિયા-બીપિયા એ બધું આપવાનો કંટ્રાક્ટ હતો. તેમાં લોખંડ વેચીએ તો પૈસા બધા ઓનના આવેલા.

પ્રશ્શનકર્તા : એ જે ઉપલકના પૈસા લે તે ગુનો ના કહેવાય ?

દાદાશ્રી : શાનો ગુનો ? આ બધા ગુના છે, એ એમ જ બીવડાવ બીવડાવ કરે છે લોકો એમાં ગુનો શાનો તે ? આ તો સરકારે કાયદો કાઢ્યો એટલે આપણે ઉપલક કરવું પડ્યું. કાયદો જ ખોટો છે એ. એવો કાયદો જ ના હોવો જોઈએ કે કોઈને ઉપલક કરવું પડે. બધા વેપારીઓને ફરજ્યિાત ઉપલક કરવું પડે છે. કોઈ એક વેપારી બાકી નહીં એમાં.

ઇન્કમટેક્ષથી એવો 'એ' રાખે છે કે લોકોને આવું કરવું જ પડે. નહીં તો એના હાથમાં શું રહે બિચારાના ? એટલે એ કંઈ ગુનો નથી. કોઈની પાસે ચોરી લેવું, એ કરવું, અગર તો સરકારનું દાણ ચોરી લેવું, એવું તેવું કોઈ હોય તો ખોટું કહેવાય.

વાત સમજાવી, જ્ઞાન-દ્રષ્ટિએ !

પ્રશ્શનકર્તા : પણ દાદા આજે આ બધા કાયદાઓ કર્યા અને આ બાજુ આવું ચાલે. આ બધું કેવી રીતે ગોઠવાય ?

દાદાશ્રી : બધું ગોઠવે. જે ગોઠવે એવું સાચું, પણ કાયદા ! એમાં ગોઠવવામાં રહોને તો આ બાજુનું કામ રહી જાય. અને આપણે તો આ જ્ઞાન લીધા પછી, એ ગુનો જ નથી ગણાતો. આપણે ત્યાં તો ગુનેગારને જોયા કરો, અપરાધીને !

પ્રશ્શનકર્તા : આમ તો કાયદા જે થયા બધા એ કાયદાઓ 'વ્યવસ્થિત'ને આધીન જ થયાને, એ 'વ્યવસ્થિત'ને આધીન તો ખરા જ ને ?

દાદાશ્રી : 'વ્યવસ્થિત'ને આધીન જ થાય અને આ લોકો જ કરે છે તે 'વ્યવસ્થિત'ને આધીન જ.

પ્રશ્શનકર્તા : કાયદા કર્યા તે વ્યવસ્થિતને આધીન, પેલો પકડાય છે પણ વ્યવસ્થિતને આધીન, ખોટું કરે તેય 'વ્યવસ્થિત'ને આધીન.

દાદાશ્રી : 'વ્યવસ્થિત'ની બહાર કશું હોતું જ નથી. ચોર ચોરી કરે છે તે 'વ્યવસ્થિત' છે કારણ કે ચોરી ના કરે તો પેલાના પૈસા કોણ લઈ જાય ? ભગવાન જાતે લેવા આવે ? હં ! અને કોણ ચોર બને છે ? બધાને ચોર બનાવે છે ? ના. જેને ચોરી કરવાની ઇચ્છા છે તેને જ આ મેળ બેસાડી આપે.

બે નંબરનું નાણું કાયદેસર !

યુગાન્ડામાં તો એવો કાયદો સરકારે કાઢ્યો છે કે ભઈ, એક નંબરના નાણાનો વ્યવહાર જુદો અને બે નંબરના નાણાનો વ્યવહાર જુદો. એક નંબરના પૈસા બેન્કમાં જુદા જમા કરવાના. બે નંબરના પૈસા યે બેન્કમાં જુદા જમા કરવાના.

પ્રશ્શનકર્તા : આ નવું સાંભળવા મળ્યું.

દાદાશ્રી : હા, પણ એવું જ હોય. કાયદેસર આવું જ હોવું જોઈએ. એ યુગાન્ડાની શોધખોળ બહુ સારી છે. બે નંબરની કિંમત, ભાવ ઓછો હોય. એનું વ્યાજેય ઓછું હોય પણ ચોપડામાં કામ લાગે નહીંને !

અને બધા ઇન્કમટેક્ષ ઓફિસરો જાણે કે આ બે નંબરના છે ને આ એક નંબરના છે. એને કરવાનું શું તે ? એનો ઉપાય સો તે ? એમનો છોકરો જ ધંધો કરતો હોય તે બે નંબર ને એક નંબર હોય ત્યાં. બધે આનું આ જ છે ને ! એનો શું ઉપાય બીજો !

પણ આ યુગાન્ડાવાળી શોધખોળ સારી. મને ગમી. બે નંબરનું નાણું અમારું, અને આ એક નંબરનું નાણું. તેય એ જ બેન્કમાં જમા કરાવવાનું. બંનેની વિંડો જુદી. એક નંબરના પૈસાની વિંડો અને બે નંબરના પૈસાની વિંડો જુદી.

પ્રશ્શનકર્તા : ગવર્નમેન્ટ લીગલાઈઝ કરેલું હશેને ?

દાદાશ્રી : લીગલાઈઝ કરવું જ જોઈએ આવું. નહીં તો આ તો નકામી ભાંજગડ મહીં. સરકાર મૂંઝાયા કરે અને લોકોને રૂપિયા દાબદાબ કરવા પડે. અને આ તો પેલા રૂપિયાનું વ્યાજ ટકો, ઉપરના ઓનના રૂપિયાનું અને પેલા એક નંબરના રૂપિયાનું વ્યાજ હોય ટકો, પોણા બે ટકા, બે ટકા વ્યાજ !

એવી હોજો આત્માની જાગૃતિ !

જેવી રીતે કોઈ લોભિયો હોયને, તો લોભિયાની જાગૃતિ લોભમાં કેટલી હોય ? એવું જોયેલું તમે ?

પ્રશ્શનકર્તા : હા દાદા !

દાદાશ્રી : કેટલી હોય ?

પ્રશ્શનકર્તા : ઘણી હોય. અને જે વસ્તુનો લોભી હોય, એના સિવાય બીજું કંઈ દેખાય નહીં.

દાદાશ્રી : લોભિયો એટલે હું તમને સમજ પાડું કે બાળક હોયને, ત્યાંથી જ મરે ત્યાં સુધી એ લોભમાં જ આખું ચેતન હોય એ ગમે ત્યાં જાય, ત્યાં ક્યાં ક્યાં સસ્તુ મળશે, શું કરવાથી કેવી રીતે શું ફાયદો થાય ? એ ખોળખોળ જ કરે. ફાયદો જ ખોળે. જ્યાં જાય ત્યાં બધી બાબતમાં, ખાવાની બાબતમાં, ભલેને હલકો ખોરાક લઈએ, પણ આપણને ફાયદો રહેવો જોઈએ. એ લોભિયો ! જેમ તેમ કરીને પેટ ભરીશું પણ આપણે કાયદો થવો જોઈએ.

હવે આ લોભિયા જેવી જાગૃતિ આત્મામાં રહેવી જોઈએ કે જાગૃતિ જ્યાં ને ત્યાં આત્મામાં જ જાય. તો સંસાર કોઈ રીતે અડતો નથી. લોભિયાને જેમ બીજી વસ્તુઓ નડતી નથી. લોભિયાને ગાળો ભાંડે તો એ શું કરે ? અરે, હસે ઊલટો. શાથી ? એ જાણે કે પાંચ રૂપિયા મળ્યા છેને, છોને વાંકું બોલે !

એટલે લોભિયા બહુ પાકા હોય, એવી રીતે આત્મામાં પાકા રહેવા જેવું છે. ગાળો ભાંડે તો આપણે તો આત્માના કામ સાથે કામ છેને. આની ક્યાં ભાંજગડ આપણે વધારવી છે ?

લોભિયાની જાગૃતિ !

એટલે લોભિયાની લોભમાં જાગૃતિ હોય, માની માણસની માનમાં જ જાગૃતિ હોય. ક્યાં અપમાન થશે. તેનો ભો-ભો-ભો રહ્યા કરે. ક્યાં માન મળશે ? તે માન હારું આગળ પેંતરા રચે. આખો દહાડો એ જ !

આ બધા માની ખરા પણ પૂરા માની નહીં. માની તો આખો દહાડો તેમાં જ હોય. વેપારમાંય ના હોય.

લોભિયો લોભમાં જ હોય. આ રેલવેમાં બેસવાનું, વજન પરથી પૈસા લેવાના હોયને તો લોભિયો પાતળું થવાની ઇચ્છા રાખે. વજન પરથી ટિકિટના પૈસા લેતા હોય તો, ત્યાં સુધી લોભ. લોભ વસ્તુ શું ના કરે ? જો કે આવો કોઈ જગ્યાએ રિવાજ નથી.

પણ કોઈ કોઈ જગ્યાએ એવો રિવાજ છે. જૂનાગઢ ઉપર ચઢવું હોયને, તો આટલા કિલોવાળાને એટલા રૂપિયા ને આટલા કિલોવાળાને આટલા. ત્યાં આગળ લોભિયાને મનમાં ખૂંચ્યા કરે કે હાળું પાતળા હોત તો સારું થાત. ખૂંચ્યા વિના જાય નહીં એ. પૈસા આપવાના થાય ત્યાં એને ખૂંચે, એ લોભના લક્ષણ !

કોઈ વિષયી તો આખો દહાડો વિષયમાં ને વિષયમાં જ રહ્યા કરે. કપટી હોય તે આખો દહાડો નિરંતર કપટમાં જ રમ્યા કરે.

આટલી જ જાગૃતિ આની મહીં આત્મામાં રાખવાની છે.

લોભ પણ માન હેતુવાળો !

તારે કઈ કઈ ગાંઠ છે, લોભની અને બીજી ?

પ્રશ્શનકર્તા : માન.

દાદાશ્રી : કેટલોક લોભ છે તારે ?

માન હોય, માનને સાચવવું હોય તો લોભ ઓછો કરી નાખવો પડશે. અને લોભ સાચવવો હોય તો માન ઓછું કરી નાખવું પડે. તું તો બેઉ કરવા માગું છું. શી રીતે મેળ ખાશે ?

પ્રશ્શનકર્તા : એકેય ના જોઈએ.

દાદાશ્રી : આ શું છે તે હું સમજી ગયો છું. એનો લોભેય જબરજસ્ત છે. અને માનેય જબરજસ્ત છે. અને માનેય બરોબર છે. પણ એનો જે લોભ છેને, તે સરવાળે માન હેતુ માટે જાય છે. હેતુ માનનો છે. એટલે કેવળ એક માન ઉપર જ જાય છે બધું. લોભ શેને માટે કે જે પૈસા હોયને, એમાંથી તો પોતાને માન મળતું હોયને, તો તેમાં વાપરી નાખે. એટલે માનનો લોભ છે. તમને નહીં એવું કશું ?

પ્રશ્શનકર્તા : ના દાદા. એવું તો ના કહેવાય. ડિસ્ચાર્જમાં નીકળ્યા કરે છે, એ દેખાય છે ખરા.

દાદાશ્રી : જે છે એ નીકળવા દોને.

પ્રશ્શનકર્તા : નીકળે છે એ દેખાય છે.

દાદાશ્રી : નીકળે છે એ દેખાય છેને. ત્યારે સારું ?

લોભની ખાતર લોભ હોય એ રખડાવી મારે. પણ માનની ખાતર લોભ હોયને એ સારો !

માનનો લોભ !

પ્રશ્શનકર્તા : આપે કહ્યું કે લોભ અને માન સાથે ના હોય. અથવા વિરોધાભાસી છે, તો સાથે કેવી રીતે રહે છે ?

દાદાશ્રી : હા, આ તો માન હેતુ માટે લોભ છે. માટે સાથે રહે છે. માનની ખાતર માન હોય અને લોભની ખાતર લોભ હોયને, માન હેતુ ખાતર લોભ ના હોય તો એ બે સાથે રહી ના શકે. બધો લોભ, જેટલા પૈસા છેને, એટલું એને જ માન મળતું હોયને તો એને સાથ આપી દે. એટલે એ મૂળ પાછળ લોભ નથી. લોબની પાછળ માન રહેલું છે. એટલે અહંકાર બહુ ભારે છે આ. એ એમ જ જાણે કે મારા જેવો કોઈ અક્કલવાળો નથી !

પ્રશ્શનકર્તા : એનો અર્થ એવો થયો કે માનનો લોભ કહેવાય.

દાદાશ્રી : હા, માનનો લોભ. માન પ્રાપ્ત કરવાનો લોભ પણ છેવટે માન ઉપર જાય છે. લોભને માટે નહીં, માનને માટે લોભ !

પ્રશ્શનકર્તા : લોભને માટે માન હોય ?

દાદાશ્રી : હા, હોયને.

પ્રશ્શનકર્તા : એ કઈ રીતે ?

દાદાશ્રી : આટલું કમાઉં તો જ મારે નિકાલ થાય, એ એક પ્રકારનું માન. પણ એ અહંકાર કહેવાય, માન ના કહેવાય.

ત્યાં ઉપાય જોવું, જાણવું !

પ્રશ્શનકર્તા : એટલે આપણે આ જ્ઞાન પછી જોયા જ કરવાનું કે લોભનો માલ હોય કે માનનો માલ હોય.

દાદાશ્રી : બીજો ઉપાય જ નથી એનો. આ જ્ઞાન લીધા પછી બીજો ઉપાય નથી. અને જ્ઞાન ના લીધું હોય તો તો બધું જ્યાં હોય ત્યાં કાયમનો ગૂંચવાયેલો જ. કાયમ સફોકેશનમાં જ રહો, ગૂંચવાયેલા જ રહો. આ જ્ઞાન પછી તો ગુંચામણ ઊડી જાય. આમ આમ, ખંખેરી નાખ્યું એટલે ખરી પડે !

લોભ પમાડે રોગ !

પ્રશ્શનકર્તા : અત્યારે લોભને લીધે આ અધર્મ પેઠો છેને ?

દાદાશ્રી : હા, આ લોભને લઈને આ બધું નુકસાન થાય છે. ને લોભ જ એને ફસાવે છે. 'આમ કરો ને, એટલે આટલા હજાર બચી જશે' તેથી તો લોભને દુશ્મન કહ્યો છેને ! લોભ ઊંધું શિખવાડીને માણસને આંધલો કરી નાખે છે. 'આ દસ હજાર બચી જાય છે માટે લખી કાઢોને ઊંધું !'

પ્રશ્શનકર્તા : અને લોભને પણ વધારનાર આપણી સરકાર જ છેને !

દાદાશ્રી : સરકાર એટલે છેવટે આપણે જ છીએ, એ આપણું જ સ્વરૂપ છે. એટલે એ આપણી ને આપણી જ માથે આવે છે. માટે કોને ગાળ દેવી ? સરકાર તો આપણું જ પ્રતિક છે. એટલે કોને કહેવું આપણે ? માટે ભૂલ પોતાની જ છે. બધી બાબતમાં જો પોતાની જ ભૂલ જોશો તો ભૂલ ભાંગશે, નહીં તો ભૂલ ભાંગશે નહીં.

આ ઉપાય કરી તો જુઓ !

પ્રશ્શનકર્તા : આ બધી સંસારની જંજાળ ખોટી છે છતાં લાગુ પડેલી છે !

દાદાશ્રી : ખોટી કેમ છે ? કોઈ દહાડો રસ્તામાં પાંચ રૂપિયા નાખી દીધેલા કે ?

પ્રશ્શનકર્તા : નથી નાખી દીધા.

દાદાશ્રી : આ જંજાળ ખોટી હોય તો નાખી દીધા વગર કોઈ રહે કે ? કારણ કે વગર કામનો બોજો કોણ રાખે ? આ ગજવામાં જે પરચૂરણ બધું ભર્યું છે તે બહાર નાખી દોને. આ બોજો છે નહીં ? છતાંયે નાખ્યું નથીને ? કોઈ નાખી દેતું નથીને ?

પ્રશ્શનકર્તા : નાખી દેવાની શક્તિ આવવી જોઈએ.

દાદાશ્રી : એક ફેરો નાખી તો દો એટલે બીજી વખતે શક્તિ આવી જાય પણ એકુંય વખત તમે નાખતા જ નથીને ?

એક ભાઈ મને કહેતા હતા કે, 'મારે પૈસા વાપરવા છે તોય વપરાતા નથી. મારા હાથ બાંધેલા છે તો મારે શું કરવું ?' મેં એને કહ્યું, 'રિક્ષા ભાડે કરીને સ્ટેશન ઉપર ફરીને પાછા આવો અને રસ્તામાં પંદર-વીસ રૂપિયાનું પરચૂરણ નાખતા જાવ !!! તે મન કૂદાકૂદ કરશે, પણ તમે તમારે નાખતા જ જજો. પછી સ્ટેશનથી પાછા ફરતી વખતે રસ્તામાં નાખતા જવાનું. ત્યારે મન પાછું બૂમાબૂમ કર્યા કરશે. પછી બીજે દહાડે ફરી રૂપિયા નાખવા જશો ત્યારે આપણે ગઈકાલે દસ નાખ્યા હતા, તેને બદલે આજે નવ નાખીએ તો મન 'આજે' તો સારું છે એમ કહેશે એવું શાથી ?

પ્રશ્શનકર્તા : એક ઓછું નાખ્યું તેથી.

દાદાશ્રી : હા, ત્રીજે દહાડે આઠ, ચોથે દહાડે સાત એમ આઠ-નવ દહાડા મન સારું સારું કર્યા કરે તેમ નાખવું. પછી પાછા એક દહાડે સો રૂપિયાનું પરચુરણ રસ્તામાં નાખી દેવાનું ! એટલે પાછું નવ્વાણું નાખે એટલે પાછું મન સારું જ છે એમ કહેશે.

એવો મનનો સ્વભાવ છે. મનને વશ કેમ કરવું એ તો જ્ઞાનીઓ જ સમજે. એક ફેર રૂપિયા નાખી દે તો લોભિયો સ્વભાવ છૂટી જાય ! પણ નાખતા જ નથીને ? ઊલટા કોઈએ નાખ્યા હોય કે કોઈના પડી ગયા હોય તો લઈ આવે.

એવી ભાવનાથીય ઓગળે ગાંઠો !

પ્રશ્શનકર્તા : મને લોભની ગાંઠ છે તો શું કરવું ?

દાદાશ્રી : તમારે બોલવું કે 'વ્યવસ્થિત'માં જે હો તે ભલે હો ને ના હો તો ભલે હો.

પ્રશ્શનકર્તા : એ લોભની પ્રકૃતિ કેવી રીતે કાઢવાની ?

દાદાશ્રી : લોભની પ્રકૃતિ હોયને, એ બધી મિલકતો હોય, તે બધી સબોટેજ કરાવી નાખવી, એટલે બહાર રૂપકમાં નહીં, પણ આમ કલ્પનાથી કે બેન્કમાંથી ઊપાડીને બધાંને આપી દેવાના અને કહેવું કે વાપરી કાઢો. તે બધું બહાર રૂપકમાં નહીં આપી દેવાનું, પણ એવી ભાવનાથી પેલી ગાંઠો બધી ઓગળી જાય.

બહાર તો કશો જ અધિકાર નથી. બેન્કમાંથી તમે લઈને આપી દો, એવો અધિકાર કોઈને છે જ નહીં.

આ કોઈ પોતાનાં છોકરાંને આપે એવા નથી. જો લઈ જવાતું હોય તો બધાં જ જોડે લઈને જાત ને ઊલટાં દેવું કરીને લઈને જાય એવાં છે. પણ આ જોડે નથી લઈ જવાતું એટલે શું થાય તે ?

અને માણસના હાથમાં રૂપકમાં અપાય એવું છે જ નહીં, અપાય એવી એક શક્તિ હોય તો બધી શક્તિ હોય. શાથી અપાય છે ને શાથી લેવાય છે, તે બધું અમે જાણીએ છીએ, માટે આપણે કલ્પનાથી કંઈ કરી શકાય, ભાવનાથી કંઈ કરી શકાય.

કહેવું પડે આ લોભી સ્વભાવને !!

લોભિયા માર્કેટમાં જાય તો એની દ્રષ્ટિ સસ્તા શાક ભણી જાય. મહીં લોભ શું કહે કે આ લોભિયાભાઈ તો મને ખવડાવે છે, માટે અહીં જ મુકામ કરો. ત્યારે લોભિયાએ શું કરવું જોઈએ કે મોંઘું શાક હોય ત્યાં જવું ને વગર પૂછ્યે શાક લેવું. તે પછી ભલે ડબલ પૈસા આપવા પડે. લોભ સમજે કે મને ખાવા નહીં મળતું તે પછી તે ભાગવા લાગે ! અમારે ત્યાં એક ભાઈ આવતા. તે મોટા સાહેબ હતા, સારા પગારદાર હતા. ધણી-બૈરી બે જ જણાં છે ઘરમાં. કોઈ છોકરું-છૈયું તેમને હતું નહી.ં તે એક દિવસ મને કહે, 'દાદા મારો સ્વભાવ બહુ જ ચીકણો છે. તે મારા હાથથી પૈસા ના છૂટે. હું કોઈને ઘેર લગનમાં પીરસું તોય મારાથી થોડું થોડું ચટણી જેટલું જ પીરસાય છે, તે બધા હું સાંભળું તેમ બોલે છેય ખરાં કે ચીકણા લીંટ જેવા છે. આ તો મારી બૈરીય બૂમો પાડે છે પણ શું કરું ? આ લોભિયો સ્વભાવ જતો નથી. તમે કંઈ રસ્તો બતાવો. આ તો કો'કનું વાપરવાનું હોય ત્યાંય મને આ લોભ ભૂંડો દેખાડે છે.' તે પછી તેમને એમ કહેલું કે તમે સત્સંગમાં રોજ ચાલતા આવો છો તે હવેથી ચાલતા ના આવશો પણ રિક્ષામાં આવજો અને સાથે દસ રૂપિયાનું પરચૂરણ રસ્તામાં વેરતા વેરતા આવજો. ભાઈએ તેમ કર્યું ને તેમનું કામ થઈ ગયું. આનાથી શું થાય કે લોભનો ખોરાક બં

ધ થઈ જાય અને મન પણ મોટું થાય ! રિક્ષામાં બેસી પૈસા વેરતો જા. તારો લોભનો સ્વભાવ છૂટી જશે.

ધનથી સેવા, પણ શાને માટે ?

પૈસાના વિચાર મનમાં લાવવાના જ નહીં. આપણાથી બને તો ટેકો કરવો અને તોય લોભ છોડવા માટે કહેલું છે. આપણો લોભ છૂટે નહીંને ત્યાં સુધી લોભની ગ્રંથિ જાય નહીંને ત્યાં સુધી મોક્ષ થાય નહીં !

શ્રીમદ્ રાજચંદ્રે પુસ્તકમાં લખ્યું છે કે જ્ઞાની પુરુષની તન-મન અને ધનથી સેવા કરજો. ત્યારે કો'કે પૂછ્યું, 'ભઈ જ્ઞાની પુરુષને ધન શું કરવું છે ? એ તો કોઈ ચીજના ઇચ્છુક જ ના હોય. ત્યારે કહે 'ના, તન-મનથી તમે સેવા કરો છો પણ તમને એમ કહે કે આ સારી જગ્યાએ ધન નાખી દો, તો તમારી લોભની ગ્રંથિ તૂટી જશે. નહીં તો લક્ષ્મીમાં ને લક્ષ્મીમાં, ચિત્ત ત્યાંનું ત્યાં જ રહ્યા કરે. 'હવે ત્રીસ હજાર ડોલર થયા છે. હવે બીજા દસ-વીસ હજાર કરું.' એમ કરતાં કરતાં પછી ઠાઠડી આવે અને ચાલ્યા ગયેલા, મેં જોયેલાયે. ઘણા જોયેલા બળ્યા !

ખોટ આવે તો લોભ જાય !

એક ભાઈ મને કહે છે 'મારો લોભ કાઢી આપો, મારી લોભની ગાંઠ આવડી મોટી છે ! તે કાઢી આપો.' મેં કહ્યું 'એને કાઢીએ તો ના જાય. એ તો કુદરતી પચાસ લાખની ખોટ આવેને એટલે એ લોભની ગાંઠ એની મેળે જતી રહે. કહેશે હવે પૈસા જોઈતા જ નથી, બળ્યા !!

એટલે આ લોભની ગાંઠ તો ખોટથી જતી રહે. મોટી ખોટ આવી હોયને તે બધું હડહડાટ ગાંઠ તૂટી જાય ! નહીં તો એકલી લોભની ગાંઠ ના ઓગળે, બીજી બધી ગાંઠ ઓગળે !! લોભિયાને બે ગુરુઓ, એક ધૂતારો ને બીજી ખોટ. ખોટ આવેને તે લોબની ગાંઠ હડહડાટ તોડી નાંખે ! અને બીજા લોભિયાને એમનો ગુરુ મળી આવે ફક્ત ધૂતારા ! તે હાથમાં ચંદ્રમા દેખાડે એવા ધૂતારા હોય, ત્યારે પેલો લોભિયો ખુશ થઈ જાય ! પછી આ પેલાની આખી મૂડી જ લઈ નાખે !

પૈસાનો મોહ ઘટાડ્યો ના ઘટે. ખોટ આવે ત્યારે લોભ જાય.

ત્યારે વર્તે સમાધિ !

મને લોક પૂછે કે 'સમાધિ સુખ ક્યારે વર્તશે ?' ત્યારે મેં કહ્યું કે 'જેને કંઈ જ જોઈતું નથી. બધી લોભની ગાંઠ છૂટે ત્યારે.' લોભની ગાંઠ છૂટે કે પછી સુખ વર્ત્યા કરે. બાકી ગાંઠવાળાને તો કશું સુખ આવતું જ નથીને ! એટલે ભેલાડોને, જેટલું ભેલાડશો એટલું તમારું !

દેશી-પરદેશીમાં કોણ ચઢે ?

બે માણસો ઘૈડા ઘરના હોય, એક ફોરેનમાંથી આવ્યો હોય, ફોરેનનો હોય અને એક આપણા અહીંનો ઇન્ડિયન હોય. બેને આપણે કહીએ કે તમે હવે હિમાલયમાં ગમે ત્યાં જઈને બેસી જાવ. લો, આ લાખ-લાખ રૂપિયા તમારા ખર્ચ માટે. તો પછી બેઉની સ્થિતિ શું થાય ? બંને કેવી રીતે વાપરે ? ખાવા-પીવાનું તો બધું જોઈએ. તે વાપરે કે ના વાપરે ?

પ્રશ્શનકર્તા : વાપરે.

દાદાશ્રી : અને પછી પંદર-વીસ વર્ષ પછી બેઉ મરી જાય તો કોની પાસે મૂડી વધારે નીકળે ?

પ્રશ્શનકર્તા : ભારતીય પાસે.

દાદાશ્રી : શાથી ? એણે લાખ રૂપિયા લીધા ત્યારથી ભો કે, 'વપરાઈ જશે તો શું કરીશ ? વપરાઈ જશે તો શું કરીશ ?' ખલાસ થઈ જાય તો શું થાય ?

પ્રશ્શનકર્તા : ત્યાં સુધીમાં એ ખલાસ થઈ જાય.

દાદાશ્રી : હા, ત્યાં સુધીમાં એ ખલાસ થઈ જાય. પણ એ વાપરે ખરો, ધર્માદા કરે, દાનપુણ્ય કરે પણ એની મહીં આ જાગૃતિ રહે કે ખલાસ થઈ જશે તો શું થશે ? અને પેલા ફોરેનવાળાને એવું કશું ના હોય. એ મઝામાં ય વાપરે. કોઈની ઉપર ઉપકારેય કરે. એ ઓબ્લાઈઝ કરે. ના કરે એવું નહીં. તે ફોરેનવાળો મરી જાય ત્યારે એની પાસે વખતે બે હજાર રૂપિયા હોય, નહીં તો નાયે હોય અને આવું તેવું ના હોય. એ સાહજિક છે. કોથળીયે ખાલી થતી જાય અને એય ખાલી થતો જાય. જ્યારે ઇન્ડિયનની તો કોથળી પડી રહેને, એ ખાલી થઈ જાય. એટલે આપણા લોકોની પ્રકૃતિ એવી ! વધારે જીવીશ તો શું થશે ? જરૂર પડશે તો શું થશે ? તે જ્યારથી રૂપિયા હાથમાં આવ્યા ત્યારથી એવું હોય કે ના હોય ?

ત્યાં કષાય નથી ખીલ્યા !

પ્રશ્શનકર્તા : એ ફોરેનવાળા લોકોનું જીવન જ એવું હોય કે કષાય ઉત્પન્ન ના થાય. રહેણીકરણી, હવા, વાતાવરણ બધી વ્યવસ્થા એવી હોય કે કષાય ઉત્પન્ન ના થાય.

દાદાશ્રી : એ એમના હિસાબસર જ બધું ગોઠવાયેલું હોય. કષાય જ નહીંને ! લોભ કષાય નહીં. માન કષાય નહીં. કશી બીજી ભાંજગડ જ નહીં. પાર્લામેન્ટમાં હોય એટલાને થોડા ઘણા વિચારો આવે. બાકી વિચાર જ ના આવેને !

પ્રશ્શનકર્તા : ત્યાં પાંચસો રૂપિયાનો ખરાબ માલ નીકળ્યો તો પાછો આપે તો તરત લઈ લે.

દાદાશ્રી : હા, તરત લઈ લે.

પ્રશ્શનકર્તા : અને અહીં તો દીધેલો માલ પાછો લેવામાં નહીં આવે.

દાદાશ્રી : અરે, લખેલું હોય તોયે ના લે !

નહીં તો મોક્ષ સૂઝે ના !

ફોરેનના લોકોનાં ક્રોધ-માન-માયા-લોભ આવડા-આવડા જ છે ! એક ઇંચના !! અને આપણા લોકોના ક્રોધ-માન-માયા-લોભ તો ઝાડ જેટલા થયેલા છે ! તેથી ચિંતાઓય બહુ છે અને એમને ચિંતાબિંતા ના થાય અને આપણા લોકોને ચિંતાય બહુ, એટલે પછી મનમાં કંટાળે કે બળ્યું આમાં સુખ નથી. એટલે શોધખોળ કરે કે સુખ શામાં છે ? ત્યારે સુખ મોક્ષમાં છે કહેશે ! પછી મુક્તિના વિચારો આવે. અહીં જો ચિંતા ના હોયને તો મોક્ષમાં કોઈ જાય નહીં, એકુંય માણસ ના જાય.

લોભ કેટલી પેઢી સુધીનો ?!

આ કૂતરાં હોય છે, તે કંઈ પૈણવાની ડખલમાં પડે ? ગાય-બાય પૈણવાની ડખલમાં પડે ? પૈણી લે મૂંઆ ! ગાય પણ એના બચ્ચાને છે તે છ મહિના સુધી સાચવે છે. કેવું સરસ સાચવે છે ! જ્યાં સુધી વાછરડું મોટું નથી થયું ત્યાં સુધી એની ફરજો કેટલી બધી સુંદર બજાવે છે ? પછી નહીં અને આપણા લોકો તો સાત પેઢી સુધી મારા છોકરાના છોકરાં ને તેનાં છોકરાં છોડતાં નથી ! અને ફોરેનવાળા તો અઢાર વર્ષનો વિલિયમ ને મેરી થાય એટલે જુદાં ! આપણે અહીં તો અવિભક્ત કુટુંબ. આ તો હમણે સારું થયું, નહીં તો પહેલાં તો સાત પેઢી સુધી લોભ. મારા છોકરાના છોકરાં, છોકરાનાં છોકરાં સુખી રહે એટલા માટે આ જમીનો-બમીનો બહુ રાખે ?

પ્રશ્શનકર્તા : કોઈ સાત પેઢીનો પૈસો ભેગો કરો ત્યારે ઘણા માણસો પર આ સૃષ્ટિમાં અન્યાય થાય છે, તે કઈ રીતે ચલાવી લેવાય ?

દાદાશ્રી : એ તો અન્યાય છે એ ટલે જ એકબીજાનું લૂંટી લે ને ? લોકોને સાત પેઢીનો લોભ ! લોભિયો માણસ ગમે તે રસ્તે છેતરે, કપટ કરીને પણ લોભ પૂરો કરે જ. એટલે આપણે આ લોભ છે સાત પેઢીના ! બહુ મુશ્કેલી ! અને ફોરેનવાળાને એવું નથી. અઢાર વર્ષનો છોકરો થયો કે જુદો !

ભગવાનને ય છેતરનારા છે !

ફોરેનના લોકો એ સાહજિક પ્રજા છે. એમને ક્રોધ-માન-માયા-લોભ આટલા બધા ના હોય. એ તો અઢાર વર્ષનો વિલિયમ થયેલો હોયને તો વિલિયમ છૂટો ને આપણે જુદાં, એવું કપલે કપલ જુદું અને આપણે ત્યાં તો સાત પેઢીનો લોભ હોય !!! મારા છોકરાના છોકરાં ને તેનાં છોકરાં ખાશે ! એક વાણિયાએ તો ભગવાન પાસે માગ્યું હતું કે મારો છોકરો ને તેનો છોકરો ને તેના છોકરા તે સાત પેઢીના છોકરાને એટલે કે મારી સાતમી પેઢીના છોકરાની વહુ મહેલના સાતમા માળે સોનાની ગોળીમાં છાશ વલોવે તે હું અહીં રહીને દેખું !!! પોતે આંધળો હતો !! કેટલું બધું માગ્યું ?!! આટલો બધો લોભવાળો ! અને એ લોભને લઈને બળતરા ઊભી થાય. બળતરા ઊભી થાય એટલે પછી રસ્તો ખોળે કે અહીંથી ક્યારે કેમ કરીને મોક્ષે નાસી જઈએ. વધારેમં વધારે બળતરા જૈનોને. એ વહેલો મોક્ષ ખોળે. તેથી એમનાં છોકરાંઓને દીક્ષા હઉં લેવા દે. મોહ ઓછો હોય. અત્યારે તો બધું ભેળસેળ થઈ ગયું છે.

બન્ને સુખનું બેલેન્સ ઘટે

પ્રશ્શનકર્તા : આ લોકો હિપ્પી જેવા હતા. હિપ્પી થઈ જાય છે એ લોકો. તેમને બળતરા હોય છે એટલે થાય છે. એ કઈ જાતનું ? એ બળતરામાં ને આ બળતરામાં શું ફેર ?

દાદાશ્રી : એ બળતરામાં ને આ બળતરામાં બહુ ફેર. એ બળતરા તો કેવી છે કે એને મૂર્ખતાની બળતરા છે. એમને સુખ બહુ વધેલું હોય ને એબોવ નોર્મલ સુખ થાય ત્યારે માણસને કડવું પોઈઝન લાગે, ઝેર જેવું લાગે. આપણા લોકોનેય લગનમાં એક મહિના સુધી રાખ્યા હોય તો નાસી જાય, કહ્યા વગર નાસી જાય. રોજ જમવાનું હોય તો નાસી જાય કે ના નાસી જાય ? એ લોકો એટલું બધું મૂંઝાઈ ગયા કે આ સુખોમાં એમને ગમતું જ નથી, ચેન નથી. આંતરિક સુખ ખલાસ થઈ ગયુંને !

ખરી રીતે કુદરતી કાયદો શો છે ? આંતરિક સુખ આમ લેવલમાં રહેવું જોઈએ. આંતરિક સુખ અને બાહ્ય સુખ લેવલમાં રહેવું જોઈએ. કોઈ વખતે, વખતે બાહ્યસુખ આમ વધ્યું તો આંતરિક સુખ ઘટ્યું હોય અને બાહ્યસુખ વધ્યું હોય તો આટલું થયું હોય તો ચાલી શકે. પણ આ તો આમ જ થઈ ગયું છે. (એકદમ ્યષ્ટ ્રૂ ફુંરૂઁ).

પ્રશ્શનકર્તા : એ બહુ મોટો ડિફરન્સ છે.

દાદાશ્રી : એટલે આંતરિક સુખ રહ્યું જ નથી બિલકુલ. માણસ મેડ થઈ જાય અને બહુ જ બળતરા થાય. આરોપિત ભાવ છેને તે બહુ જ બળતરા ઉત્પન્ન થાય.

આ અંગ્રેજોની અમેરિકનોની પડતી એ રીતે જ છે. ભૌતિક સુખના બહુ એબનોર્મલ છે. એનાથી બધી પડતી જ છે. બેસી રહ્યા તે મગજનું ઠેકાણું નહીં. બ્લડ પ્રેશર વધી ગયેલું હોય એની મુશ્કેલીઓ એ જ જાણે !

પ્રશ્શનકર્તા : એમાં લોભનો અતિરેક નહીં ?

દાદાશ્રી : લોભ ખરો. તે લોબને લઈને તો આ બધું થયું, પણ આ પરિણામ આવ્યું લોભનું ! લોભના અતિરેકથી તો આ પરિણામ આવ્યું.

ધન વહે ગટરમાં

પૈસા આવે એટલા વાપરી નાખે ને એ સુખિયો. સારા રસ્તે જાય તો એ સુખિયો. એટલા તમારે ખાતે જમે થાય, નહિ તો ગટરમાં તો જતા રહેવાના છે. ક્યાં જતા રહેવાના ? ગટરમાં જતા હશે ? આ મુંબઈના રૂપિયા બધા શેમાં જતા હશે ? એય નર્યા ગટરમાં ચાલ ચાલ કરે છે ! એ સારા રસ્તે વપરાયો એટલો રૂપિયો આપણી જોડે આવે. કોઈ બીજો કોઈ જોડે આવે નહીં.

પ્રશ્શનકર્તા : ગટરવાળાને રૂપિયા જોડે નહીં આવે ?

દાદાશ્રી : ગટરમાં ગયો એ દરિયામાં ગયો !

પ્રશ્શનકર્તા : એનું કોઈ પરિણામ નહીં ?

દાદાશ્રી : કશુંય પરિણામ નહીં. કો'કને ખવડાવ્યું હોય તો પરિણામ આવે. કોઈને ખવડાવવાની ભાવના થાય છે ? ભાવતા હોય ત્યારે હાથમાં રૂપિયા ના હોય ને હાથમાં રૂપિયા હોય ત્યારે ભાવના ના થાય. એ સાંધો મળવો જોઈએને !

પ્રશ્શનકર્તા : પણ એ જે રૂપિયો ગટરમાં ગયો એનું કર્મ તો થાયને કંઈ ?

દાદાશ્રી : એ તો ગટરમાં જાય કે સારા રસ્તે જાય. બેઉ બંધ આપીને જ જાય. સારા રસ્તે જાય તોય બંધ આપે. સારા રસ્તે જાય તો સોનાની બેડીના બંધ જ આપે. ગટરમાં જાય તો પેલી લોખંડની બેડીનો બંધ આપે. બન્ને બંધ જ આપે. મોક્ષ ક્યારે આપે ? કર્તાપણું બંધ થાય ત્યારે. કર્તાપણું બંધ થાય, જ્ઞાતા-દ્રષ્ટાપણું રહે પોતાને, ત્યારે મોક્ષ થાય !

ત્યાં લક્ષ્મી ના વસે

તિરસ્કાર ને નિંદા ત્યાં લક્ષ્મી નહીં રહે.

'લક્ષ્મી ક્યારે ના મળે ? લોકોની નિંદા કુથલીમાં પડે ત્યારે.' (આપ્તસૂત્ર-૧૩૩૬)

દાદાશ્રી : ત્યારે લક્ષ્મી આવતી બંધ થઈ જાય.

'મનની સ્વચ્છતા, દેહની સ્વચ્છતા ને વાણીની સ્વચ્છતા હોય તો લક્ષ્મી મળે.' (આપ્તસૂત્ર-૧૩૩૭)

દાદાશ્રી : હા આ વાણી તો સરસ્વતીદેવી છે. જો દુરુપયોગ કરેને તો લક્ષ્મીજી રીસાય. વાણી તો સરસ્વતીદેવી છે. નિંદા ના કરાય. અહીં તો કોઈ નિંદા નથી કરતુંને, આ ગામમાં ને ? એટલે સારું છે.

ત્યારે આવશે ઊંચે ઇન્ડિયા !

'આ આપણો દેશ ક્યારે પૈસાવાળો થશે ? ક્યારે લક્ષ્મીવાન ને સુખી થશે ? જ્યારે નિંદા ને તિરસ્કાર બે બંધ થઈ જશે ત્યારે. આ બે બંધ થયા કે દેશમાં નર્યા પૈસા ને લક્ષ્મી પાર વગરની થાય.

પ્રશ્શનકર્તા : નિંદા ને તિરસ્કાર ક્યારે બંધ થાય ?

દાદાશ્રી : લોભ વધે એટલે નિંદા અને તિરસ્કાર બેઉ બંધ થઈ જાય.

પ્રશ્શનકર્તા : લોભ વધે તો કપટ પણ વધેને ?

દાદાશ્રી : હા, પણ લોકોનાં તિરસ્કાર અને નિંદા કરવાનાં તો બંધ થઈ જાયને ! લોભિયો માણસ નવરો પડે જ નહીંને ! લોભી તો એના તાનમાં જ હોય, એટલે એને લક્ષ્મીના અંતરાય પછી ના પડે. લક્ષ્મી તો કોને અંતરાય ? કે જેને આ બધું થાયને કે 'હિંમતલાલ આવા છે, ફલાણાભાઈ આવા છે', એવી નિંદા છે ત્યાં લક્ષ્મી નથી. 'આ વાઘરો છે, આ ઊંચી જાતનો છે, આ આમ છે, આ તેમ છે, એવી કશી લોભિયાને ભાંજગડ જ ના હોય. કોઈ વાઘરો હોય, પણ એના ઘરાક હોયને તો તેનેય કહેશે કે, 'આવો ભાઈ, બેસો શેઠ, અહીં ગાદી પર બેસોને !'

પ્રશ્શનકર્તા : લોભિયાને એટલે કોઈ અંતરાય આવો ના પડે ?

દાદાશ્રી : લોભિયો એટલે એકલા પૈસાનો જ લોભ નહીં. સુખનો લોભ હોય.

પ્રશ્શનકર્તા : માનનો લોભ ખરો ?

દાદાશ્રી : માનનો લોભ ના ગણાય, સુખનો લોભ ગણાય. માનના લોભમાં તો પછી નિંદા પેસી જાય.

પ્રશ્શનકર્તા : તો આ મુંબઈમાં લોકો માનના લોભમાં નહીં ?

દાદાશ્રી : ના, આ માનનો લોભ ખરેખર ગણાતો નથી. સુખનો લોભ હોય છે. માનનો લોભ હંમેશા ક્યારે કહેવાય ? કે બીજાની નિંદા કરવાની તેને નવરાશ મળે. મુંબઈ શહેરમાં લોકોને પૂછી આવો જોઈએ કે, 'તમને બીજાની નિંદા કરવાની નવરાશ છે ?' ત્યારે કહે, 'ના'. એટલે ઘડીવારની નવરાશ આ લોકોને ના હોય અને ત્યાં વઢવાણમાં જઈએ તો ?

પ્રશ્શનકર્તા : ત્યાં બધે એ જ હોય.

દાદાશ્રી : છતાં અમે કહ્યું છે કે, આ હિન્દુસ્તાનમાં નિંદા અને તિરસ્કાર ઘટવા માંડ્યા છે અને લોભ વધ્યો છે. સુખનો લોભ વધ્યો છે તેથી હિન્દુસ્તાનનું સારું થવાનું છે. આ લક્ષણ પરથી હું સમજી જઉં. ભલેને જરા મોહ વધશે, પણ બીજું નિંદા-તિરસ્કાર બધું ઘટશેને ?!

ત્યાં ખોટોય સાચો ગણાય !

આ લોભિયો હોય તેને ત્યાં જો આપણા પૈસા ઘલાયા ને આપણે એને ગાળો ભાંડીએ ત્યારે એ હસે ! અલ્યા, હું ગાળો ભાંડું છું ને તું હસે છે ? તે પછી આડોશી-પાડોશી ને રસ્તે જતાં લોક આપણને શું કહે કે, 'આ ચિઢાય છે માટે આ જ નાલાયક માણસ છે, આ જુઓને બિચારો હસે છે, તે અક્કરમી ઊલટો માથે પડે ! રૂપિયા જાય આપણા અને આપણે લોભિયા જોડે ખોટા દેખાઈએ. સમજણ પડીને, લોભિયો કેવો હોય ?!

પ્રશ્શનકર્તા : લોભિયો પોતાના સુખની અંદર રહ્યા કરે ?

દાદાશ્રી : એ જાણે કે હમણે આ થાકીને જતો રહેશે અને આપણને તો આ રૂપિયા મળ્યાને !

મોહ મિટાવે નિંદા !

આવી વાત લોકો જાણે તો સુખીયા થઈ જાયને !

આ કુદરત આપણા 'હેલ્પ'માં છે એ વાત નક્કી છે. એટલે મેં કહી રાખ્યું છે કે ૨૦૦૫માં હિન્દુસ્તાન વર્લ્ડનું કેન્દ્ર થઈ જવાનું છે. માટે આ વાત બહુ સમજવા જેવી છે. શાથી લોકો દુઃખી હતા એ મેં ખોળી કાઢ્યું અને અત્યારે ગામડાવાળા શાથી દુઃખી છે ? હજુ આ નિંદાના જ ધંધામાં પડેલા છે. આજનાં આ જીવડાં તો કશુંય ના હોય તો એય રેડિયો, ટી.વી.ની મસ્તીમાં ને મસ્તીમાં રહે ! આ લોકો કોઈની નિંદામાં ના પડે. એ તો ટી.વી. જુએ, ફલાણું જુએ, તેય આંખો બગાડીને. કંઈ લોકોની આંખો ઓછી બગડે છે ?! પોતાની જવાબદારીને ! આપણો આખો દેશ નિંદાથી, ભયંકર નિંદાથી ખલાસ થઈ ગયો હતો, શાસ્ત્રકારોએ નિયમ કહેલો છે કે અવશ્ય ટીકા કરજો. ટીકા નહીં કરો તો મનુષ્યો પાછા નહીં ફરે. એ ટીકાનું 'એક્ઝેજરેશન' થઈ ગયું અને તેની નિંદા આવી ગઈ ! જે વિટામીન હતું તેનો જ નાશ કર્યો !

જ્ઞાની વાળે પોઝિટિવ પંથે

હું તો પોઝિટિવ કરવા માગું છું. નેગેટિવ સેન્સ જ લાવવા નથી માંગતો. જો એ સારો હોયને, તો એને સારામાં પુષ્ટિ આપી દઉં. એટલે સારું એટલું બધું પ્રકાશમાન થાય, એટલી બધી જગ્યા રોકતું જાય કે નેગેટિવ જ ઊડી જાય. આ જગતને નેગેટિવ અત્યાર સુધી અથાડ અથાડ કરેલું ! લક્ષ્મી આવ્યા પછી સુખ ના હોય, મહીં બળાપો થતો હોય તો એ બધું પાપાનુબંધી પુણ્યૈની લક્ષ્મી છે. નહીં, તો સાચી લક્ષ્મી ક્લેશ ના થવા દે ! એટલે લક્ષ્મીના તો એવા સુંદર ગુણો છે !

૨૦૦૫માં વર્લ્ડનું કેન્દ્ર !

પ્રશ્શનકર્તા : આ થોડા વર્ષોમાં સત્યુગ શરૂ થશે એવું લોકો બોલે છે, એ શું છે ?

દાદાશ્રી : યુગપલટાની શરૂઆત થઈ ગયેલી છે, કેટલાય વખતથી. પણ યુગપલટો ખરેખર થોડાંક વર્ષો પછી આવશે. બે હજાર પાંચમાં આવશે ! ખરો યુગપલટો થશે. એ જે લોકો બોલે છે એ સાવ ખોટું નથી.

વચ્ચે કપરો કાળ

પ્રશ્શનકર્તા : આટલાં વર્ષ તો બહુ કપરાં જશે.

દાદાશ્રી : કપરાં વર્ષ તો હજુ હવે આવવાનાં છે. કપરા દહાડા હજુ દસ-પંદર વર્ષ છે, એવા કપરા કે ખરેખરા ! આ સલાહના પૈસા લીધા ને, તે બધાને તો દંડ આપવાના છે ત્યારે લોકો ફરશેને ! માથામાં દંડા વાગશેને, ત્યારે કહેશે, હવે સાહેબ નહીં લઉં. માથામાં વાગે એટલે નહીં લેને પછી ? એનો દંડ કુદરત આપે ત્યારે. આ સરકારના દંડને ગાંઠે એવા નથી આ.

સલાહના ય પૈસા લીધા. અરે, બુદ્ધિથી લોકોને માર્યા. ઓછી બુદ્ધિવાળાને વધારે બુદ્ધિવાળાએ લૂંટી લીધો. વધારે બુદ્ધિવાળો ઓછી બુદ્ધિવાળાને છેતરે કે ના છેતરે ? તે વધારે બુદ્ધિ એટલે અજવાળું. આપણી પાસે બુદ્ધિ એટલે એક લાઈટ કહેવાય અને ઓછી બુદ્ધિવાળા એની પાસે લાઈટ નથી. તેથી અંધારામાં અથડાય ત્યારે આપણે એને લાઈટ ધરવી જોઈએ. આમ દીવો ધરવો જોઈએ. તેને બદલે એની પાસે પૈસા ખંખેરી લીધા. બોલો હવે શું થાય એનું ?

કુદરત કાયમ ન્યાયી જ

દસ-પંદર વર્ષ તો એવાં કડક આવવાનાં છે કે લોકોય જિંદગીમાં ભૂલી જાય, એવું બધું આવશે. હજુ તો આવવાના છે. ત્યાર પછી સત્યુગ આવશે. પછી મન સારાં થઈ જશે. લોભ છૂટશેને !

લોભ ક્યારે છૂટે ? કંઈક આવો માર પડે કે કાં તો ખોટ જાય. લાંબી ખોટ જાય તો લોભ છૂટી જાય. કાં તો માર પડે તો છૂટી જાય, એટલે આ કુદરત ફરી વળે છે. એવી દસ-પંદર વર્ષ મારશે. પાછું ન્યાયથી જ મારશે ! કારણ કે અન્યાયથી મારવાનો કુદરતનો નિયમ જ નથી. તદ્દન ન્યાય ! કુદરત એક મિનિટ ન્યાયની બહાર ચાલતી નથી.

કુદરતનો ન્યાય ન્યારો !

લોક કહે છે કે આ દુકાળ પડે છે, તે શું કરવા ? કુદરત અન્યાયી જ છેને ?! અલ્યા, કુદરત અન્યાયી ના હોય. કુદરત ન્યાયી જ હોય. કાયમ જો સુકાળ જ પડ્યા કરેને, તો તો આ અમુક જાતિઓ એવી છે કે જેને બુદ્ધિ બહુ ખીલેલી નથી, એ પછી શહેરોમાં આવીને બંદુકો મારે. એ લોકોને પૂરું ખાવાનું કાયમને માટે મળે, તો એ લોકો બીજાને માર્યા વગર છોડે નહીં. માટે એને કુદરત ઠેકાણે ને ઠેકાણે રાખે છે, કુદરત નવરો જ ના પડવા દે એને. કો'કને મારવાનો વિચાર કરવાની નવરાશજ ના આવવા દે ! એક-બે વર્ષ અનાજ પાકે ને ત્રીજે વર્ષે દુકાળ ! એટલે પેલું લાવ્યો હોય તે દેવું કર્યું હોય તે વળી પાછું બે વર્ષે પાકે તો ભરાઈ જાય. ત્યારહોરો વળી પાછું દેવું થાય, એટલે આ કુદરત બધું ઠેકાણે રાખે છે. નહીં તો અમુક કોમના લોકોનાય મિજાજ ફરી જાય, એવી ગાળો મારે એ તો. પાડાની પેઠ મારે. કારણ કે ડેવલપમેન્ટ જરા ઓછુ છે. બહુ વિચારક નથીને ! એટલે આ બધું જ છે તે કુદરતી રીતે બરોબર છે. કુદરતને ઘેર કંઈ ખોટ નથી, પણ આ તો બધાને ઠેકાણે રાખવા માટે બધું કરવાનું.

 

ભાગ
1-2 -3 - 4 - 5 - 6 - 7 - 8