ભાગ
1-2 -3 - 4 - 5 - 6 - 7 - 8

(૪)

મમતા - રહિતતા

મૂઆ, પીછે ય ચાલશે....

ઘરમાં સુખ હોત તો કોઈ માણસ મોક્ષ ખોળત નહીં ને ! આ તો સંસાર છે એટલે એવું જ હોય, પણ બે ટાઈમ ખાવા મળે છે ને ! ખમીસ પહેરવા મળે છે ને !

પ્રશ્શનકર્તા : પણ પૈસાનું સુખ નથી.

દાદાશ્રી : આપણને ખાવા તો મળે છે ને. આ મુંબઈ ગામમાં તો બધા પૈસા સારુ દોડે છે. ધનની ઇચ્છા છે ને બધાને ! આપણે સંતોષ રાખીએ. આપણો હિસાબ હશે તો મળશે. હિસાબ લાવ્યો હોય તો હિસાબની બહાર તો એકદમ મળી ન જાય ને ? કેટલું ધન ભેગું કરવું છે ?

પ્રશ્શનકર્તા : જિંદગી સુધી ભેગું કરવું છે.

દાદાશ્રી : પણ પછી સાથે કશું લઈ જવાનું નહીં, તો ય આવી દોડધામ કોણ કરે ?

પ્રશ્શનકર્તા : આવ્યા'તા, તે કંઈ સાથે લઈને આવ્યા'તા ?

દાદાશ્રી : બસ, સાથે લઈને આવવાનું નહીં, ને સાથે લઈ જવાનું નહીં, કાયદો સારોછે, નહીં તો આ રાતે ય ના ઊંઘે, રાતે ય દુકાનો ચાલુ હોત અને ઇલેક્ટ્રિસિટી વાપરત, આખી રાત.

આ બે વાત જો સમજે ને, તો કશી ઉપાધિ ના રહે !

'જન્મ પહેલાં ચાલતો ને મૂઆ પીછે ચાલશે

અટકે ના કોઈ દી વહેવાર રે,.....સાપેક્ષ સંસાર રે...'

'જન્મ પહેલાં પારણું ને મૂઆ પીછે લાકડાં,

સગાંવહાલાં રાખશે તૈયાર રે,.....વચ્ચે ગાંઠ જંજાળ રે...'

બધા બુદ્ધિજીવીઓને આ એકસેપ્ટ કરવું પડે, એવી વાત છે ને !

ઘાણીનો બળદિયો !

પોતાનામાં કોઈ ભાગીદારી કરે નહીં, મહીં આમ હાથે ય ઘાલે નહીં, આ તો અક્કલનો ઇસ્કોતરો હોય તે કર્યા જ કરે.

આપણે છોકરાને પૂછીએ કે અલ્યા ભઈ આ ચોરીઓ કરી કરીને ધન કમાઈએ છીએ. ત્યારે એ કહે, 'તમારે કમાવવું હોય તો કમાવ, અમારે એવું નથી જોઈતું, ઉપરથી પાછી બૈરી કહે, આખી જિંદગી ખોટાં કર્યાં છે. હવે છોડી દોને બળ્યાં ? તો યે ના છોડે મૂઓ.

પ્રશ્શનકર્તા : કળિયુગમાં હજુ કોઈ બૈરી એવી મળી નથી. એ તો (બીજીનું) પેલીનું દેખે સારું, તો મને કેમ ના લાવી આપ્યું ? પોતે કહે જ કે આવું અમને કરી આપો. ધણીની ઇચ્છા હોય કે ના હોય તો યે કરવું પડે.

દાદાશ્રી : ના, એવું કશું નથી. એ તો બધો પ્રકૃતિ સ્વભાવ હોય છે.

આ મનુષ્ય એકલાને ઠેઠ સુધી ઢસરડા કરવા પડે છે. બાકી આ બળદને તો પાંજરાપોળમાં મૂકી આવે. કારણ કે હવે કશા કામમાં નહીં આવે બિચારો, માટે એને પાંજરાપોળમાં મૂકો !

સહજ મિલા..... ત્યાં સિદ્ધિઓ !

અનંતી, પાર વગરની શક્તિઓ છે. જ્ઞાન ના હોય તો યે પાર વગરની શક્તિ છે. અજ્ઞાનદશામાં ય અહંકાર તો છે જ ને ? પણ અહંકાર ચોખ્ખો કરે, પોતે કંઈ પણ ન વાપરે, પોતાને ભાગે આવ્યું હોય તે ય બીજાને આપી દે, પોતે સંકોચાઈ સંકોચાઈને રહે, તો ઘણી સિદ્ધિઓ ઉત્પન્ન થાય.

પ્રશ્શનકર્તા : અત્યારે તો એવું છે કે જો પોતાનો રોટલો હોય, મહેનત કરીને ખાય છે ત્યારે બીજો આવીને ખેંચી જાય છે. હવે પોતે જો સામો બચાવ ના કરે તો ભૂખે મરે એવો ટાઈમ છે, એમાં તમે આવું કહો છો.

દાદાશ્રી : હા, અત્યારે તો ખેંચી લે છે ઊલટું કે એ ય લાવ ઈધર ! અને આગળ શું કહેતા હતા કે....

'સહજ મિલા સો દૂધ બરાબર.' જે કંઈ પણ મળ્યું, સહજ પાણી મળ્યું હોય તો યે દૂધ બરાબર. પછી 'માંગ લિયા સો પાની' દૂધે ય માંગી લીધું તો પાણી, અને 'ખિંચ લિયો સો રક્ત બરાબર' આ કાયદો કોણ પાળે છે ?

પ્રશ્શનકર્તા : આ કાયદો પાળે તો બૈરી-છોકરાં ભૂખે મરે !

દાદાશ્રી : પણ ત્યારે એને બીજી સિદ્ધિઓ ઉત્પન્ન થાય ને !

પ્રશ્શનકર્તા : પણ તે સિદ્ધિ ઉત્પન્ન થતા સુધીમાં વચલા ગાળામાં શું કરવું ? અહીં તો તમારી મહેનત, તમારા હક્કનું લોકો પડાવીને બેઠાં છે ! આપણું બચાવવા ના રહ્યા તો લોકો આપણું જ ખેંચી જાય.

દાદાશ્રી : ના, ના. કોઈ ખેંચી ના જાય. એવું છે ને આ જ્ઞાન આપણું જે છે ને, જ્ઞાન એટલું બધું સિદ્ધાંતિક છે કે રાતે સોનું બહાર મૂકીને સૂઈ ગયા હોય તો સવારમાં જુઓ તો એટલું ને એટલું જ હોય અને એવું તેવું કશું થાય જ નહીં.

ન શીખ્યો આપવાનું !

આપવાનું શીખ્યો ત્યારથી સદબુદ્ધિ ઉત્પન્ન થઈ. અનંત અવતારથી આપવાનું શીખ્યો જ નથી. એંઠવાડો ય આપવાનો એને પસંદ નથી, એવો મનુષ્યનો સ્વભાવ ! ગ્રહણ કરવાની જ ટેવ છે એને ! તેમાં જાનવરમાં હતો તો ય ગ્રહણ કરવાની જ ટેવ, આપવાનું નહીં ! એ જ્યારે આપવાનું શીખે ત્યારથી મોક્ષે ભણી વળે છે. કોઈને આપવાનું તને ગમે છે કશું ?

પ્રશ્શનકર્તા : હું તો બહુ આપી દઉં !

દાદાશ્રી : ત્યારે સારું ! બાકી અનાદિ અવતાર ગ્રહણ કરવાનું શીખેલો ! આ કીડીઓ હઉ બધી સ્વાર્થમાં ચોક્કસ ! એમાં કશુંક મંકોડો લઈ જતો હોય ને તો કીડીને ગમે નહીં ! હા એમની ક્વૉલિટીની બધી કીડીઓ હોય તો એ જાણે કે આપણા સ્ટોરમાં જ લઈ જાય છે એટલે એ વઢે નહીં, અને મંકોડા લઈ જાય ત્યાં લઢવા જ માંડે !

સંયોગ, પાપ-પુણ્યના આધારે !

કોઈ ફેરા સંજોગો આવે છે ખરા કે ?

પ્રશ્શનકર્તા : સારા યે આવે છે.

દાદાશ્રી : એ ખરાબ ને સારા સંજોગોને કોણ મોકલતું હશે ? આપણા જ પુણ્ય ને પાપના આધારે સંજોગો ભેગા થાય છે.

લક્ષ્મી, શેના આધીન ?

મેં લોકોને કહ્યું કે, શું કરવા હારુ પૈસા પાછળ પડ્યા છો તે ? પૈસા હારુ ધ્યેય શાનો રાખો છો ? પૈસા તો પુણ્યને આધીન છે. ત્યારે કહે કે, 'અક્કલને આધીન નહીં ?' મેં કહ્યું કે, 'અક્કલવાળો તો તું ભૂલેશ્વરમાં જા, અરધાં ચપ્પલવાળાં બધાં બહુ ફરતાં હોય. તને બધી જાતની સલાહ હઉ આપે, અક્કલવાળાં તે સલાહ હઉ બધી આપે ! અક્કલ તો વટાવી ખાય બધી' બેઅક્કલના જ પૈસા હોય, પુણ્યના જ પૈસા હોય.

પ્રશ્શનકર્તા : રૂપિયાથી પથારી ને જલેબી બન્ને મળે છે.

દાદાશ્રી : હા, એ બધું ભગવાનથી નથી મળતું એટલે પછી આલોકોને ભગવાન પર પ્રીતિ ઊઠી ગઈ છે. એને ખાતરી પણ નથી ભગવાન પર ! એટલે એ ભગવાનને ઓળખતો ય નથી ! અને જે દેખાય છે, એના પર પ્રીતિ થઈ જાય છે. આ રૂપિયા પર આખા જગતને ય પ્રીતિ ખરી ને ?

લક્ષ્મી માટે ચાર્જિંગ !

પ્રશ્શનકર્તા : બધા લોકો લક્ષ્મીની પાછળ બહુ દોડે છે. તો એનું 'ચાર્જ' વધારે થાય ને, તો એને આવતા ભવ લક્ષ્મી વધારે મળવી જોઈએ ને ?

દાદાશ્રી : આપણે લક્ષ્મી ધર્મને રસ્તે વાપરવી હોય એવું ચાર્જ કર્યું હોય તો વધારે મળે.

પ્રશ્શનકર્તા : પણ આમ મનથી ભાવ કર્યા કરે કે મને લક્ષ્મી મળે, તો આવતા ભવમાં, આ ભાવ કર્યા, એ 'ચાર્જ' કર્યું તો એને કુદરત લક્ષ્મી પૂરી ના પાડે ?

દાદાશ્રી : ના, ના એનાથી લક્ષ્મી ના મળે. આ લક્ષ્મી મળવાના જે ભાવ કરે છે ને તેનાથી લક્ષ્મી મળતી હોય તો યે ના મળે. ઊલટો અંતરાય પડે. લક્ષ્મી સંભારવાથી મળે નહીં, એ તો પુણ્ય કરવાથી મળે.

'ચાર્જ' એટલે પુણ્યનું ચાર્જ કરે, તો લક્ષમી મળે. એ ય લક્ષ્મી એકલી ના મળે. પુણ્યના ચાર્જમાં જેની ઇચ્છા હોય, કે મને લક્ષ્મીની બહુ જરૂર છે, તો એને લક્ષ્મી મળે, કોઈ કહેશે મારે તો ફક્ત ધર્મ જ જોઈએ, તો ધર્મ એકલો મળી જાય. અને પૈસા ના ય હોય. એટલે એ પુણ્યનું પાછું આપણે ટેન્ડર ભરેલું હોય કે આવું મારે જોઈએ છે. એ મળવામાં પુણ્ય વપરાય.

કોઈ કહેશે, 'મારે બંગલા જોઈએ, મોટરો જોઈએ, આમ જોઈએ, તેમ જોઈએ' તો પુણ્ય એમાં વપરાઈ જાય. તો ધર્મમાં કશું ના રહે. અને કોઈ કહેશે મારે ધર્મ જ જોઈએ, મોટરો ના જોઈએ. મારે તો આવડી બે રૂમો હશે તો ય ચાલશે, પણ ધર્મ જ વધારે જોઈએ તો એને ધર્મ વધારે હોય ને બીજું ઓછું હોય એટલે એ પુણ્યનું પોતાના હિસાબે પાછું ટેન્ડર ભરે.

વીતરાગોની આજ્ઞાનું પાલન !

લક્ષ્મી તો મળ્યા કરશે, કારણ કે વીતરાગના કાયદામાં કંઈકે ય છો ને, એટલે લક્ષ્મી મળ્યા કરશે, પણ લક્ષ્મી તે ય પાછી આવન-જાવન છે. પૂરણ ગલન છે. ઘડીમાં બેન્કમાં દસ લાખ ભેગા યે થઈ જશે ને ઘડીમાં તળિયું યે ખલાસ થઈ જાય એવી વસ્તુ છે. બહુ વિશ્વાસ રાખવા જેવું નથી. પૂરણ ગલન સ્વભાવનું છે, પણ આ વીતરાગના મતને લઈને લક્ષ્મી તો આવ્યા કરે છે. વીતરાગ ધર્મ પાળે છે, કંઈક, કંઈક અહિંસાધર્મ, એવા તેવા અમુક વીતરાગોએ સેવન કર્યું એવું કંઈક ક્રિયાઓ કરે છે. તેથી લક્ષ્મી તો આવ્યા કરે છે. કારણ કે વીતરાગોના મોઢામાંથી વાણી નીકળેલી અને એમની આજ્ઞા પળાય છે. તેને લીધે આટલું ચાલે છે. બાકી વીતરાગોનો મત તો સંસારમાં રહેતાં કંઈ પણ દુઃખ ન પડે એવો વીતરાગોનો મત છે.

એમાં કઈ મહેનત !

ચેક આવ્યો ત્યાંથી જ સમજોને કે આને વટાવીશ એટલે પૈસા આવશે ! તે આ તો ચેક લઈને આવ્યા હતા. અને તે આજ વટાવ્યો તમે ! વટાવ્યામાં શું મહેનત તમે કરી ? ત્યારે લોક કહેશે, હું આટલું કમાયો, મેં મહેનત કરી ! અલ્યા, એક ચેક વટાવી લાવ્યો એમાં મહેનત કરી કહેવાય ? તે પાછો જેટલાનો ચેક હોય એટલો જ વટાવાય. વધારે ના મળે ને ? એ તમને સમજાયું ?

તેમ ઉપાધિ યે વધે !

પ્રશ્શનકર્તા : આ બધા મહાત્માઓ ઉપર એક વખત કૃપા વરસાવોને તો લક્ષ્મી આમ રેલમછેલ થઈ જાય.

દાદાશ્રી : એવું છે લક્ષ્મી વધારે માંગોને તો મૂકવાની પાછી ઉપાધિ. વપરાઈ જાય તો યે ઉપાધિ કે વધારે વપરાઈ ગયું, એમ થયા કરે. લક્ષ્મીનો સ્વભાવ એવો છે કે મહાદુઃખે કરીને એ આવે - મહામહેનતે, મહાકપટે કરીને જંજાળ કરીએ ત્યારે એ ભેગી થાય પછી એને ક્યાં મૂકવી એનો ભય રહ્યા કરે. લાખેક રૂપિયા બેન્કમાં હોય તો પાછો સાળો લેવા આવે કે મને દસેક હજાર આપજોને. સાળાને તો આપ્યા, પછી બીજો મામાનો દીકરો આવે. એ ય ઉપધિ. એના કરતાં સરખું બેલેન્સ હોયને તો કોઈ લેવા કરવા આવે નહીં.

કુદરતનું ગણિત !

મારું કહેવાનું કે ગંભીરતા પકડો, શાંતિ પકડો, કારણ કે જે પૂરણ ગલન માટે લોકો દોડધામ કરી રહ્યા છે, અને ગુણાકાર-ભાગાકાર કરી રહ્યા છે એ એના અવતારો બગાડે છે અને બેન્ક બેલેન્સમાં કંઈ ફેરફાર થાય એવો નથી, એ નેચરલ છે. નેચરલમાં શું કરી નાખવાનાં છે ? એટલે આ તમારો ભય ટાળીએ છીએ. અમે 'જેમ છે તેમ' ખુલ્લું કરીએ છીએ કે સરવાળા-બાદબાકી કોઈના હાથમાં નથી, એ નેચરના હાથમાં છે. બેન્કમાં સરવાળો થવો એ ય નેચરના હાથમાં છે અને બેન્કમાં બાદબાકી થવી એ ય નેચરના હાથમાં છે. નહીં તો બેન્કવાળો એક જ ખાતું રાખત. ક્રેડિટ એકલું જ રાખત, ડેબિટ રાખત નહીં. પણ એ જાણે છે કે, ડેબિટ થયા વગર રહેવાનું નથી. કેટલાક માણસ નક્કી કરે છે કે, 'હવે, આ ફેરો મારે બેન્કમાં લાક રૂપિયા રાખી મૂક્યા છે. ફરી ઉઠાવવા જ નથી. ઉઠાવીએ તો મહીં ભાંજગડ થાય ને.' પણ અલ્યા, ડેબિટનું ખાતું શું કરવા રાખ્યું છે લોકોએ ? બેન્કવાળા જાણે છે કે આ લોકો જ્યારે-ત્યારે રૂપિયા ઉઠાવ્યા વગર રહેવાના નથી. છેવટે ય મરવાનો તો છે જ.

એટલે આ બધું નેચરલ થયા કરે છે, શું કામ આમાં ચિંતા કરો છો ! 'ડોન્ટ વરી !!' અને ગુણાકાર-ભાગાકાર બંધ કરી દો ને ! તો ય પણ આપણા લોક છાનામાનાં ઓઢીને ગુણાકાર-ભાગાકાર કરે છે ને, કે હવે આ મિલ તો બંધવાની પૂરી થવા આવી છે. હવે બીજું કારખાનું રચીએ. અલ્યા મેલને, આ છોકરાંઓ કહે છે કે, બાપુજી સૂઈ જાવ. બધાં ય કહે છે, અગિયાર વાગી ગયા છે. તમારી તબિયત સારી નથી. પ્રેશર વધી ગયું છે, તે હવે નિરાંતે ઊંઘી જાવને, પણ મહીં ઓઢીને પાછો યોજના ઘડે. ઓઢીને શાથી કે પોતાની ચંચળતા કોઈ જોઈ ના જાય. એટલે સરવાળા ને બાદબાકી તો નેચરલ થઈ રહ્યું છે પણ ગુણાકાર-ભાગાકાર આ ઓઢીને કર્યા કરે છે !

આટલું વાક્ય સમજે તો પછી બેન્કવાળા જોડે કંઈ ભાંજગડ રહી બહુ ? એમને પૂછીએ કે લાખ રૂપિયા તમે મૂકી જાવ છો તે ક્યારે ઉપાડશો ? એ ખબર નથી. પણ તું ઉપાડશે એ નક્કી છે ! ત્યારે કહેશે કે મારી ઇચ્છા નથી. હવે રૂપિયા ઉપાડવાની ઇચ્છા ના હોયને તો ય ક્યારે ઉપાડી જાય એ કહેવાય નહીં. અલ્યા તારું પોતાનું નક્કી કરેલું ય અદબદ છે ! પણ કહે છે શું કે ઇચ્છા નથી. નક્કી કર્યું હોય કે નથી જ ઉપાડવા, હવે તો આટલા બચાવવા જ છે. અલ્યા તું જ બચવાનો નથી ને આ શી રીતે બચવાના છે તે ! અલ્યા, આ કઈ જાતની પોલિસી લઈને બેઠો છું તે !! એના કરતાં ખાઈ-પીને વાપરને, તાજાં શાક આવે છે તે ખાને નિરાંતે ! ફ્રૂટ લાવીને નીરાંતે ખા, અને બૈરીને બે-ચાર સારા દાગીના ઘડાવી આપ. પેલી બિચારી રોજ કચકચ કરતી હોય તો ય અલ્યા નથી લાવી આપતો !!

આ બધું શું છે ! પૂરણ-ગલન છે. અમે અમારા જ્ઞાનથી જોઈને કહ્યું છે આ ! હવે જો કશું ભો ભણકાર રહ્યો છે ? એક બાજુ 'વ્યવસ્થિત' છે કહીએ અને બીજું કહીએ બેન્કના સરવાળા-બાદબાકી અગર તો ચોપડાના એકાઉન્ટના સરવાળા બાદબાકી, અગર તો પેલો ઇન્કમટેક્ષવાળો ગજવાં કાપી લેશે, તે બધું 'નેચરલ' છે. એ એના હાથમાં સત્તા નથી. એ તો બિચારો નિમિત્ત છે. પણ ગુણાકાર-ભાગાકાર તમારા હાથમાં છે. 'આ' 'જ્ઞાન' લીધું એટલે હવે એ ગુણાકાર-ભાગાકાર તમેે હવે 'પોતે' કરો નહીં. કારણ કે 'તમે' તો 'આત્મસ્વરૂપ' થઈ ગયા. આ તો ક્યાં સુધી ગુણાકાર-ભાગાકાર કરતા હતા ? ક્યાં સુધી યોજનાઓ ઘડતા હતા ! અજ્ઞાન હતું ત્યાં સુધી. અને હવે જો એવું ઓઢીને યોજના કરીએ તો તે 'ઇફેક્ટ' છે. એ યોજના આવતા ભવના માટે નથી તે નિકાલી યોજનાઓ છે. બે પ્રકારની યોજનાઓ - એક ગ્રહણી ય યોજના અને બીજી નિકાલી યોજના. ગ્રહણી ય યોજનામાં મહીં ચૂન-ચૂન-ચૂન-ચૂન થયાં કરે. નિકાલી યોજના શાંત ભાવે થયા કરે. યોજના જે કરી છે એનો નિકાલ તો કરવો પડે ને ? અને તમારે આખો દહાડો નિકાલી ભાવ રહે છે ને ?

તે આ જ કહેશે કે પૈસા છે તે બે વર્ષ પછી કશું જ ના હોય. એટલે લક્ષ્મીનો સ્વભાવ કેવો છે ? ચંચલ સ્વભાવની. એનું કંઈ ઠેકાણું ના માનવું. બહુ એટલો બધો એનો આધાર ના માનવો. આધાર એકલો આત્માનો માનવો. બીજી બધી વસ્તુ ચંચળ છે.

દુઃખિયાની વ્યાખ્યા ?!

એટલે એવું માગીએ કે કંઈ માગવું જ ના પડે.

પ્રશ્શનકર્તા : એ જ માગ્યું છે.

દાદાશ્રી : એ તો માગવું પડે જ ને !

બીજી શેની ઉપાધિ છે તને ? તનેે કાઢી આપું. ઉપાધિ બધી નોંધાવી દે આજે.

પ્રશ્શનકર્તા : ધંધાદારીની ઉપાધિ છે.

દાદાશ્રી : ધંધાદારીમાં શું જોઈએ ? ઉપાધિ ક્યારે ન હતી ?

પ્રશ્શનકર્તા : હમણાં વધેલી છે.

દાદાશ્રી : પણ ઉપાધિ ન હતી ક્યારે ? એ મને કહે ને ? કયા વર્ષમાં ન હતી ઉપાધિ તારે ?

પ્રશ્શનકર્તા : પહેલાં તો બધું સીધું ચાલતું હતું, જ્યાં સુધી લેબર ટ્રબલ હતી નહીં ત્યાં સુધી. મારે એક ફેક્ટરી છે.

દાદાશ્રી : પાંચ લાખની ફેક્ટરી હોય અને પોતાની જાતને મહાન દુઃખી છે, એમ માનીને સૂઈ જાય આખી રાત ! બે લાખનો ફ્લેટ હોય, વીસ લાખની વહુ હોય. તો ય ચિંતા હોય !!! જો માની બેઠાં છે ! આખી ખોટી માન્યતા, રોંગ બિલીફો !!! પોતાની પાસે સાધન ના હોય તો ય દુઃખિયો, સાધન હોય તો ય દુઃખિયો ! ક્યારે તું દુઃખિયો ન હતો એ મને કહે ! નિરાંતે જમે છે કોઈ દહાડો ? નિરાંતે ? એટલે માથેથી ભાર ઉતારીને કે, 'હે દુઃખ તમેે બેસી રહો !' આવું બોલો તો દુઃખ બેસી રહે ! મને તો આવું આવડતું હતું. હું તો દુઃખને કહી દઉં, 'અરે ! બેસી જા થોડીવાર, મને જમી લેવા દે પછી આવજે.' આપણે ઊભું કરેલું તેને આપણે બેસાડીએ તો બેસી જાય. ઊભું તો આપણે જ કરેલું છે ને !

આ બધાં દુઃખો તને અમે કાઢી આપીએ. કાઢી આપવાનો વાંધો નહીં. ગભરાઈશ નહીં. એ તો બધા ય દુખિયા હોય, હું યે દુખિયો હતો ! એવું મનમાં ના રાખવું કે આ દુખિયો શાથી હું થઈ ગયો ! તું દુખિયો છે નહીં. એવું તું માની બેઠો છે. મારી પાસે તો બધા ય આવ્યા તેમાં કોઈએ એમ નહીં કહ્યું કે 'સાહેબ, હું બહુ સુખિયો છું' જ્ઞાન મલ્યા પછી સુખિયા થઈ ગયા ! પણ પહેલાં તો કોઈ એમ નહિ કહેતું કે, 'સાહેબ સુખિયો છું.' આપણે પૂછીએ 'કેમનું ચાલે છે ?' તો કહે, 'ઠીક છે હવે !!'

આ તે કેવી નાદારી ?

એક મિલવાળા શેઠને કહ્યું, 'કેમ ચાલે છે, તમારા ધંધારોજગાર ?' ત્યારે તેમણે કહ્યું, 'બધું ડીરેલમેન્ટ થઈ ગયું.' મેં કહ્યું, 'બહુ સારું થઈ ગયું, ભલું થયું ભાંગી જંજાળ, સુખે ભજશું શ્રી ગોપાળ !' આ રેલવેમાં ડીરેલ થઈ જાય તો બે-ચાર દહાડા માસ્તરો ચા-પાણી કરશે, ખાશે-પીશે નિરાંતે ! મેં એમને પૂછ્યું, 'શાથી એવું થઈ ગયું ?' ત્યારે કહે, 'રૂપિયા થોડા ઘણા મિલમાંથી કમાયો, તે બેંકમાં બરવા ગયો, તે બેંકવાળાએ પછી પાછા આપ્યા જ નહીં ! હવે આપતા જ નથી ! પહેલાં બેંકમાંથી લોન લાવેલો તે બેંકવાળા પાછા આપતા જ નથી. તેથી મારું ટાઢું પડી ગયું છે, હવે મને કંઈ વિધિ કરી આપો. મેં કહ્યું, 'કરી આપું ! કરી આપું !' એટલે મને લાગ્યું કે આ બિચારાં બહુ દુઃખી છે. આ માણસને બેંક આપે નહીં, ભલેને મિલ એમને હોય, પણ મિલને કરે શું તે ? મિલને ઓઢે કે પાથરે ? એટલે પછી એમને ઘેર મને ને બધાંને બોલાવ્યા. કહે છે, 'પધરામણી તો કરોને મારે ઘેર, પગલાં પડે તો મારું કંઈક કામ થાય.' તે મેં કહ્યું, 'આવીશું.' તે અમે એને ઘેર ગયા. ચા-પાણી નાસ્તો લીધો એનો. પછી એક પાકીટમાં રૂપિયા આપવા માંડ્યા. ત્યારે મેં કહ્યું, 'તમારા રૂપિયા ના લેવા. આવી તમારી સ્થિતિમાં અમારે રૂપિયા શું કરવા છે

?' હજાર જ રૂપિયા હતા. વધારે ન હતા. ત્યારે એ કહે, 'ના, દાદાજી, એ તો લેવા જ પડે.' 'દાદાજી એવું નથી પણ તમે જેટલું કહો છો એવું નથી, એ તો બીજું કારખાનું છે ને એમાંથી બાર મહિને પાંચ લાખ રૂપિયા આવે છે !!' મેં કહ્યું, 'અલ્યા તમારી જોડે હું ક્યાં બેઠો આ ?! 'હું મારા મનમાં સમજું કે આ હપુચી બધી સ્ત્રીઓથી રાંડ્યો, અને તું તો કહું કે અહીં બીજી છે !!! 'બીજા પાંચ લાખ આવે છે.' કહે છે ! હવે આમને ક્યાં પહોંચી વળાય ?!! પછી એને જરા રાગે પાડી આપ્યું, જ્ઞાન આપ્યું. અત્યારે સુખિયો થયો છે ! એ કહે, 'તમે દાદા મને ખરું શિખવાડ્યું. ભાઈઓ જોડે મારે વેર હતું તે વેર તમે મારું બધું તોડી નંખાવ્યું. ખરું શિખવાડ્યું દાદાજી તમે. તે ઘેર દોડતા આવે છે !' મેં કહ્યું, 'તમે મિલમાલિક તે તમને શરમ નથી આવતી અહીં આવતા ?' ત્યારે એ કહે, 'શાની ? તમારી પાસે આવવાની શાની શરમ તે ? બીજે જવાની શરમ આવે. 'ભોગવે તેની ભૂલ' એ મને બહુ સારું ફીટ થઈ ગયું છે. મેં અત્યાર સુધી ભોગવ્યું. તે મારા મનમાં એમ કે આ ભાઈઓ જ ભોગાવડાવે છે. પણ ભૂલ તો મારી જ છે. હવે સમજાઈ ગયું. હું તો ભાઈઓને વેરને માટે, તો ભાઈઓને આમ કરી નાખું ને તેમ કરી નાખું એવા જ બધા ભાવ રાખતો !' ત્યારે મેં કહ્યું, 'હ

વે બધું છોડી દે છાનોમાનો. ડાહ્યો થઈ જા !' પણ એના હજાર લીધા પછી તો, પાંચ લાખ દેખાડ્યા કે હજાર લીધા !

કેવી અવળી દ્ષ્ટિ !

એક ભાઈને કરોડ રૂપિયાની ઉઘરાણી ફસાઈ હતી. તે અહીં દર્શન કરવા આવ્યા હતા. એમણે વિધિ કરાવડાવી. છ મહિના પછી બીજી વાર આવ્યા. ત્યારે એમણે કહ્યું, 'હજી પચ્ચીસ લાખ બાકી છે, તેની વિધિ કરી આપોને ! પંચોતેર લાખ રાગે પડ્યું તો ય પચ્ચીસ બાકી.' કરોડમાં ચાર આનાય આવે એવા ન્હોતા. એવું એ મને કહેતા હતા. એમાં પંચોતેર આવ્યા તોય એ કહે, 'હવે પચ્ચીસ બાકી છે તેની વિધિ કરી આપો !' આપણાં લોક એવાં છે. 'અલ્યા, પંચોતેર આવ્યા તે તો ગણને હવે.

...તો ય દુઃખી ?

અમે એક ફેરો એક જગ્યાએ ગયા હતા. ત્યાં એક ભાઈ આવ્યા, એમણે જાણ્યું કે દાદાજી કોઈ મોટા જ્ઞાની પુરુષ છે, અને એ બધું આપણને રાગે પાડી આપે છે. એમના આશીર્વાદથી બધું સારું થઈ જાય છે. તેથી તે આવ્યા. તેમણે મને કહ્યું, 'મારું બધું જ જતું રહ્યું છે, કશું જ ના રહ્યું. મેં કહ્યું, 'ક્યાં રહો છો તમે ?' ત્યારે તેમણે કહ્યું, 'અહીં, જોડે જ રહું છું.' મેં પૂછ્યું, 'તમારે ફ્લેટ નથી ?' ત્યારે કહે, 'ફ્લેટ તો છે પણ આ ફ્લેટને શું કરું હું ? અમારા ભાગીદારે પહેરેલ લૂગડે અમને કાઢ્યા !' મેં કહ્યું, 'થોડીઘણી રકમ તો પાછી આપશે ને !' ત્યારે કહે, 'ના, હવે કંઈ આપે એવું હમણાં કંઈ દેખાતું નથી. પછી હવે ઝગડા કરીએ ને કોર્ટે જઈએ ત્યારે થાય !' તે મેં જાણ્યું કે આ તો બહુ દુઃખી થઈ ગયા હશે. એટલે મારા મનમાં એમ કે આની 'વિધિ' વહેલી કરો. પછી મેં થોડીવાર ધીરજ પકડી. પછી મેં પૂછ્યું, 'ત્યારે હવે તમારે સર્વિસ કરવા જવું પડશે ! મેઈન્ટેનન્સ કરવા માટે શું થાય ? સર્વિસ કરવા જવું પડશે ? ત્યારે એ કહે, 'ના, એમ તો પચાસ લાખ રૂપિયાનું મારી પાસે સાધન છે !!' ત્યારે મને થયું કે આ લોકોનો વિશ્વાસ ના કરાય. આ લોકોની જોડે આપણે પડવું ના જોઈએ. 'આમ તો પચાસ લાખની મૂડી ખરી, પણ આમ બધું

લૂંટાઈ ગયો' એમ કહે છે ! એટલે આટલા પૈસાએ આ લોકો આટલા દુઃખી છે તો ખરેખર દુઃખ હશે ત્યારે શું થશે આમનું ?! દરેક માણસ કહે કે ખરેખર આ ભાઈ દુઃખી છે, લોકો કહે એ જ દુઃખી છે અત્યારે તો. આમને લોક શું કહે ? સુખિયા છે. મેં તો મારી જાતને ય સુખિયા કહેલું, આજુબાજુનાં લોક કહે છે કે અંબાલાલભાઈ ઘણા સુખિયા છે અને તમે એમ માની બેઠા છો કે હું દુઃખી છું. કઈ જાતના માણસો છો ? આમ હું એમને પૂછું, વઢું હઉ એમને ! આજુબાજુનાં તે પૂછીએ. ત્યારે બધાં કહે, 'એ સુખી માણસ છે' પછી ઢાંકીને સુખી દેખાતા હોય કે ગમે તે. ઢાંકીને ય સુખી દેખાય કે ના દેખાય ? ઉઘાડું ના થવા દે ને ?

પ્રશ્શનકર્તા : ના.

ના કાગડા બધે ય કાળા !

દાદાશ્રી : તમારું રાગે પડી જશે ભઈ, હં કે ! ધંધામાં નથી ફાવતું ?

પ્રશ્શનકર્તા : ફાવે તો છે પણ લેબરની ટ્રબલ ઊભી થઈ છે એટલે જરા મનમાં અશાંતિ રહ્યા કરે.

દાદાશ્રી : તે લેબરતની ટ્રબલ ના હોય એવો ધંધો ખોળી કાઢને ! આ કોઈ ટ્રબલવાળાને સોંપી દેવી, પૈસા લઈને આપણે અહીં ટ્રબલ આવે તો અહીંથી અહીં ખસી જવું. લેનારા ય છે ને દેનારા ય છે. વેચનારાને વેચીએ તો એ લે કે ના લે ? આ ઓછું પૈણેલી ચીજ છે તે કંઈ કાયમ ના કાઢી મુકાય ?

પ્રશ્શનકર્તા : એ તો અહીંયા મહારાષ્ટ્રમાં ટ્રબલ બહુ છે. એટલે અમારે હવે ગુજરાતમાં શિફ્ટ થઈ જવું છે.

દાદાશ્રી : આપણે ત્યાં જઈશું તો એ ટ્રબલ ત્યાં આવીને ઊભી રહેશે. આ દુઃખ તો કંઈ છોડવાનાં ઓછાં છે ? કેટલા ભાગીદાર છે ?

પ્રશ્શનકર્તા : ભાગીદાર કોઈ નથી. પોતે જ પ્રોપ્રાયટર છું.

દાદાશ્રી : ઇન્કમટેક્ષ કેટલો ભરવો પડે છે ? સેંકડે બે ટકા. લોક સીધી રીતે ઇન્કમટેક્ષ ભરતા હશે ! અને સર્વિસવાળાને તો એમ ને એમ ઇન્મકટેક્ષ કાપી જ લે, પછી એમને નોખું આવ્યું જ ક્યાં ? એટલે એક સર્વિસવાળા હતા, રીસર્ચમાં. તે મને કહે, 'ત્રેપનસો રૂપિયા પગાર મળે છે. હવે કંપની કહે છે કે 'અમે તમને પગાર વધારીએ.' મેં કહ્યું, 'ના, મારો પગાર ના વધારશો, હું કંટાળી ગયો છું. મને એક ગાડી તમારી આપો ફક્ત. ગાડી હોય એટલે મારે આવવા-જવાનું ફાવે. પગાર વધારો તો તે પાછા પેલા લોકો લઈ જાય. 'કોણ લોકો લઈ જાય ?' 'સરકાર.' એવી કંઈ કળા હશે જ ને ? એમાં ય કળા ખરી ને ?? એ ય આવડે છે ને ?! ઊંટ કરે ઢેકડા ને માણસ કરે કાંઠડા. આ દુઃખ તમારું બધું જતું રહેશે. દુઃખ તો કાઢવું છે ને ? આપણી આ લેબરની ટ્રબલ કાઢવી કે આપણી ટ્રબલ કાઢવી ?

પ્રશ્શનકર્તા : આપણી.

દાદાશ્રી : આપણી ટ્રબલ નીકળી ગઈ તેને બધીયે નીકળી ગઈ. જેને પોતાની ટ્રબલ નીકળી એને બધીયે નીકળી ગઈ.

પ્રશ્શનકર્તા : પછી વડોદરા શિફ્ટ થવાની જરૂર નહીં ને ?

દાદાશ્રી : શેનું વડોદરા જવાની જરૂર ? જ્યાં જુઓ ત્યાં આગળ ને આગલ આવશે. આપણે સેફસાઈડ ખોળીએ, પણ જ્યાં જુઓ ત્યાં આની આ માયા આગળ આવ્યા વગર રહેશે નહિ. એક નહીં ને બીજી, પણ ટ્રબલ તો નિરંતર રહેવાની જ. આપણી જો ટ્રબલ નીકળી જાય તો કોઈ ટ્રબલ રહેશે નહીં. તમારાં વાઈફ તમને ખરું કહે છે કે જ્યાં જશો ત્યાં ટ્રબલ આવશે. જ્યાં જુઓ ત્યાં કાગડા કાળા ને કાળા છે. હું બધે જઈ આવ્યો. કેટલીક જગ્યાએ વિશેષ પડતા એકદમ કાળા છે. અને કેટલાક અહીં આગલ જરા કોલરવાળા છે. હું બધે જોઈ આવ્યો પણ આ સિવાય બીજી નાત નથી. જ્યાં જુઓ ત્યાં કાગડા કાળા !

ત્યાં કેસ મૂકો ઊંચો !

પ્રશ્શનકર્તા : મારે એક પ્રશ્શન ઊભો થયો છે. એક રિક્ષાવાળાને મેં પેપરનું પાર્સલ બીજે ગામ પહોંચાડવા આપ્યું. તેણે તે ટ્રકમાં મોકલી આપ્યું ને ઉપરથી પૂરા પૈસા માંગે છે. પાર્સલ મોડું પહોંચ્યું. મેં તપાસ કરાવી તો બધી ખબર પડી ગઈ. હવે પેલો રિક્ષાવાળો રોજ ઓફિસમાં આવી હેરાન કરે છે ને હું કહું છું કે તને એક પૈસોય નહિ મળે. ત્યાં શું કરવું ?

દાદાશ્રી : ઊંચું મૂકી દો. હરેક કેસ ઊંચા મૂકવા અને બાઝવું હોય, એવો તાંતો રાખવો હોય તો કોઈ શ્રીમંત જોડે રાખવો. ચપ્પા વગરનો હોય ત્યાં તાંતો રાખવો. આ ગરીબ બિચારાં, ખાવાનું ય ઠેકાણું નહીં હોય, દારૂ પીને ફરતો હોય. એની જોડે ઉકેલ લાવી નાખવો.

ઝગડવામાં પણ વિવેક !

અત્યારે બધું ગુંચાઈ ગયેલું છે. એટલે આંગળી ના કરશો. આ પોટલાં ઊંચકવાવાળા વધારે પૈસા માંગેને તો, કોઈ માણસ ઊંધો ચોંટી પડે કે આટલા તો પૈસા આપવા જ પડશે. તો આપણે, એને કહીએ કે, 'ભઈ, જરા ભગવાન તો માથે રાખ.' તો ય કહેશે કે, 'ભગવાન શું માથે રાખે ? બે રૂપિયા ના લઈએ ત્યારે ખાઈએ શું ?'

એટલે પછી આપણે કહીએ કે, લે ભઈ, આ બે રૂપિયા ને ઉપરથી આ દસ પૈસા. આપણેે જાણીએ કે આઠ આનાનું કામ હતું પણ આણે બે રૂપિયા લીધા તે આપણે જાણ્યું કે આવું તો કો'ક દહાડો મળે, રોજ આવું મળે નહીં, બીજે દહાડે ખોળવા જઈએ તો યે એવો મળે નહીં, મજૂરો જ કહેશે કે, કાકા, બે રૂપિયા તો લેવાતા હશે ? એટલે કોઈક વાર બે રૂપિયાવાળો મળી જાય, કોઈક વાર દોઢ રૂપિયાવાળો મળી જાય, કોઈકવાર આઠ આનાવાળો યે મળી જાય. આપણને કેમ આ ભેગો થયો ? આ આપણું ઈનામ છે, માટે એને આપી દો.

કોઈને સહેજ હલાવશો નહીં. કારણ કે બધું સળગી ઊઠેલું છે. આમ ઉપરથી એમ લાગે કે કશું સળગ્યું નથી. ભડકો થયો નથી, પણ મહીં ઘુમાઈ રહેલું છે. જરાક આંગળી અડી કે ભડકો થશે. માટે આ કાળમાં કોઈ જાતની કચ-કચ કોઈની જોડે ય ના કરવી. બહુ જોખમદારીવાળો કાળ છે. એ બગડેને ત્યારે કહીએ, 'ભઈ અમારે પણ ધંધો કરવાનોને, પછી અમે શું ખાઈએ ?' એમ તેમ કરીને અટાવી-પટાવીને કામ લેવા જેવો વખત છે. એક પેલું લોખંડ એકલું જ ગરમ થયેલું હોય, તેને જ ઘણ મરાય, બાકી બીજે બધે તો મરાય નહીં, એ ગરમ થયેલા લોખંડને ના મારીએ તો ય ઉપાધિ, એનો ઘાટ ના ઘડાય અને આ જીવતાં ને તો જરાક હાથ અડાડ્યો કે ખલાસ. તેમ છતાં ય પ્રકૃતિ જોઈ લેવી. આપણો કાયમનો નોકર હોય એની પ્રકૃતિ જોઈ લેવી. તેમાં બહુ વાંધો નહીં. આપણે જાણીએ કે આ ડાહ્યો છે, એ ડાહ્યા જોડે ડાહી વાત કરો તો વાંધો નહીં પણ આ બહારની પબ્લિક સાથે તો ચેતીને રહેવું. કારણ કે ક્યારે કોઈ માણસ કેવો અકળાઈ ઊઠ્યો છે એ શું ખબર પડે ? છતાં એ તમને જ ક્યાંથી ભેગો થઈ ગયો ? માટે સમજાવી કરીને એનાથી છૂટી જવું. આ વિચિત્ર કાળ છે. એટલે બિચારાને બહુ અકળાટ હોય છે. મહીં બહુ જ દુઃખ હોય છે. તે જરા છંછેડો કે ચપ્પુ મારે. કશું વધારે પડતું દુઃખ સામાને ક્યા

રે દે ? પોતાનું દુઃખ સહન ના થાય ત્યારે જ ને ?

પ્રશ્શનકર્તા : એને પોતાનું દુઃખ તો હશે જ, પણ અત્યારે તો આમ રસ્તે જાય છે તો વાતે વાતે કોઈ લેવાદેવા વગર આમ સળગ્યું જ છે, આમ એને હાથ અડી ગયો કે સીધી મારામારી ઉપર જ જવાનો.

દાદાશ્રી : અરે, મારામારી તો શું ? એ કંઈ નવી જ જાતનું કરી નાખે. મારામારીમાંતી જો ખસી ના જાવને તો ચપ્પુ મારી દે. એટલે એમને તો એમ કહેવું પડે કે 'મારે લીધે તને કંઈ વાગ્યું હશે.' એમ-તેમ કરીને છૂટી જવું જોઈએ. આ તો જંગલી પાડા લઢતા હોય તેમાં મોટા રાજા હોય તો ય એનાથી જવાય ખરું ? એ પાડા રાજાનું માન રાખે ખરા ? એવું આ જંગલી પાડા જેવું થઈ ગયું છે અત્યારે !

એટલે કોઈની ય જોડે કચકચ ના કરશો. ને એવા કોક દહાડો જ મળી આવે ને ! હવે એની જોડે બાઝીએ એમાં શું કાઢવાનું ? પહેલું એકવાર કહી મૂકીએ કે 'આ ભગવાન તો માથે સંભાર' ત્યારે કહે, 'ભગાવન-બગવાન શું ?' એ બીજા શબ્દ નીકળેને એટલે આપણે સમજી જઈએ કે આ હુલ્લડવાળો છે !

પ્યાલા ફૂટે ત્યારે.....

એક શેઠ આવ્યા'તા. મેં એમને કહ્યું, 'અમે પચ્ચીસ જણ તમારે ત્યાં ચા પીવા આવીએ ત્યારે નોકરના હાથમાંથી પચ્ચીસ કપરકાબી પડી જાય ત્યારે તમને શું થાય ?' ત્યારે એ કહે છે અમે નોકરને એટલું પૂછીએ કે, 'ભાઈ દાઝ્યો નથીને ?' ત્યારે મેં કહ્યું, 'બહુ સારું કહેવાય.' જો હિન્દુસ્તાનમાં અજાયબી કેવી ભરેલી હોય છે !!

નહીં તો પચ્ચીસ પ્યાલા-રકાબી ફૂટે કે પહેલાં તો તરત જ મનમાં વિચાર આવે કે સવાસો રૂપિયાનું નુકાસન કર્યું આ નોકરે. ગુણાકાર નક્કી થતા હશે, નહીં ? પેપર પર તો જરા વાર લાગે પણ આ મનમાં તો વાર ના લાગે !

પછી મેં કહ્યું, 'ગજવું કપાય તો !' ત્યારે એ કહે, 'એને જરૂર હોય તો લઈ જાય ને નહીં તો ના લઈ જાય.' એટલે મને એમ થયું કે આવા જો ગુણ આવ્યા હોત તો હું કે'દાહાડાનો ભગવાન થઈ ગયો હોત.

તમે વાત સરસ કરો છો પણ તે એકુંય માણસ સુધર્યું નહીં તમારા હાથે ?

પ્રશ્શનકર્તા : અઘરમાં અઘરું તો નોકરને સુધારવાનું હોય. તે નોકર સુધરી ગયો.

દાદાશ્રી : નોકર સુધરી જાય. નોકર તો એમ જાણે કે આ શેઠાણી સારા છે. એવું ઓળખે, પણ આ તો ઘરનો મેમ્બર, 'મેમ્બર ઓફ ધી હોમ'. 'હોમ મેમ્બર'ના માને. નોકર તો સુધરે. અરે, તમારું ને મારું ઓળખાણ હોત તો હું સુધરી જાત. વાત સરસ કરો છો. સામાને ફીટ થાય એવી વાત છે, પણ 'હોમ મેમ્બર' ના માને.

બહુ મોટા શેઠિયાનેય પ્યાલા ફૂટી જાય ઘરમાં તો અજંપો થાય, તો અલ્યા કયા ગુરુ કરવા ગયો હતો તું ? પ્યાલા ફૂટી જાય તોય તારો અજંપો જતો નથી, એવું તે શું જાણ્યું તે ? આ તો અજ્ઞાન જાડું કર્યું ! અજ્ઞાનીના સંગમાં પડ્યો તેથી અજ્ઞાન જાડું થયું એટલે કપ ફૂટ્યા કે તરત એને ખ્યાલમાં આવી જાય કે આ તો બહુ નુકસાન થયું ! પંદર-વીસ રૂપિયાનું નુકસાન થયું ! પછી રોકકળાટ ચાલુ !! આ આદિવાસીઓને પ્યાલા ફૂટી જાયને, તો અજ્ઞાન પાતળું, એટલે કશુંય નહીં, ને આ તો અજ્ઞાન જાડું !!

જોડાની ય કાણ !

નોકર પ્યાલા લઈને આવે અને ફૂટી જાય તો મહીં કશું થાય કે ના થાય ? જુઓને પ્યાલાની કાણ કરે છે. છોકરાંની યે કાણ કરે ને પ્યાલાની યે કાણ કરે. સંસારીઓને તો બધાની જ કાણ કરવી જોઈએને ? અરે ! જોડા ખોવાઈ ગયા હોયને તો આ મોટા મોટા શેઠિયા હોય છેને તો એ ય કાણ કરે. દહાડામાં જે આવે તેને કહ્યા કરશે કે મારા નવા બૂટ હતા, તે જતા રહ્યા. અલ્યા, કાણ શેની કરે છે ? કાણ કોઈનીય કરવાની ના હોય. જોડો ગયો એટલે આપણે જાણીએ કે કોઈક પુણ્યશાળીના હાથમાં ગયો છે. એની પુણ્યૈ હોય ત્યારે જ આવો મોંઘો જોડો ભેગો થાયને ? નહીં તો શેઠિયાનો જોડો ક્યારે ભેગો થાય ? પણ આપણે સમજી જવાનું કે આપણો હિસાબ ચૂકતે થઈ ગયો !

હવે એવું એક ફેરો બન્યું'તું ! એક મિલવાળા શેઠ હતા તો એમના દોઢસો રૂપિયાના બૂટ હતાને, તે બધા રૂમમાં જમવા ગયા તે એ બૂટ પહેરીને કોઈક લઈ ગયું. પછી શેઠને તો બહાર જવાનું થયું, ત્યારે બૂટ ના જડ્યા. પછી તો મનમાં થોડીવાર કાણ થઈ ! હવે કાણ ક્યારે કરાય ? જમાઈ મરી ગયો હોય, ત્યારે કાણ થાય. પણ તે આ બૂટની કાણ કરી શેઠે ! પછી બપોરે એમને ત્યાં બીજા કોઈ ઓળખાણવાળા હતા તે આવ્યા. તો શેઠ એને કહે છે, 'વખત કેવો બગડી ગયો છે ? દોઢસો રૂપિયાના મારા બૂટ કોઈ લઈ ગયા.' અલ્યા ફરી પાછી કાણ કરી ?! કેટલી વખત આવી કાણ કરી છે બળી ! સાંજે ફરી ચાર જણને તો કહે. આવી કાણો કર્યા કરે ! અલ્યા, આની કાણ કરવાની હોતી હશે ?!

લાચારી મહાપાપ !

અને લાચારી જેવું બીજું પાપ નથી. લાચારી થતી હશે ? નોકરી ના મળતી હોય તોય લાચારી, ખોટ ગઈ તોય લાચારી, ઈન્કમટેક્ષ ઓફિસર ટૈડકાવતો હોય તોય લાચારી. એય અલ્યા, લાચારી શું કરે છે તે. બહુ ત્યારે પેલો પૈસા લઈ લેશે, ઘર લઈ લેશે. બીજું શું લઈ લેશે ? લાચારી શેને માટે કરવાની. લાચારી તો ભયંકર અપમાન છે ભગવાનનું. આપણે લાચારી કરી તો મહીં ભગવાનને ભયંકર અપમાન થાય. પણ શું કરે ભગવાન ?

પ્રશ્શનકર્તા : ભગવાન પોતે ફસાયા છે.

દાદાશ્રી : ધંધામાં ખોટ આવશે, આમ થશે, અલ્યા મેલને પૂળો, 'નાદારી આવ' કહીએ. અમે આ સૂતા એથી મોટું પદ કયું આવશે ? જગતથી તરીને બેઠેલા છીએ. ડૂબેલા ડૂબશે. મોક્ષે જવું છે એને કોઈ કાયદો નડતો નથી. મારીને આલી દે ને નીકળી જાય તો વાંધો નથી. આ તો જ્ઞાની પુરુષનો આપેલો શુદ્ધાત્મા છે.

ભય પમાડે કે આવતી સાલ અઢીગણી ખોટ આવશે. તો કહીએ આવજો નાદારી. અમે તો સૂઈ જઈએ. એકનો એક છોકરો મરી જાય તો કહીએ, 'સર્વસ્વ ચલે જાય' પણ લાચારી ના હોય.

ખોટ ત્યાંથી જ નફો !

વ્યાવહારિક કાયદો કેવો છે ! શેરબજારની ખોટ થયેલી હોય તો તે કરિયાણા બજારથી ના વાળીશ. શેરબજારમાં જ વાળજે. મૂળ આ ગજું નહીં અને કામ કરવા ગયા. એટલે ખોટ ખાય અને પછી કરિયાણાની દુકાન કાઢીને ખોટ વાળે એવાં આ લોક. પહેલાં ત્રાજવે તોલી તોલીને આપે ને પછી ભેળસેળ કરીને આપે. પણ કહેશે ખોટવાળો. અલ્યા આવું ના કરાય. નરી પાપ-હિંસા થઈ રહી છે. ત્યાં પાછો ફરી જા અને શેરબજારમાં દોસ્તી કરીને પછી લગાવ પાછો. મૂઆ જે ગામની ખોટ હોય તે ગામમાં જ વાળીને આવીએ.

આ હિસાબ મેં નાની ઉંમરમાં કાઢેલો કે અમુક બજારની ખોટ ગયેલી હોય તે અમુક બજારથી વાળવા જઈએ તો શું થાય ? એ ખોટ ના નીકળે. કેટલાક માણસો એટલા હલકા વિચારના હોય છે. ખોટ કોંટ્રાક્ટના ધંધામાં ગયેલી હોય અને પાનની દુકાનમાંથી ખોટ કાઢવા જાય. અલ્યા ખોટ એમ ના નીકળે. કોંટ્રાક્ટના ધંધાની ખોટ કોંટ્રાક્ટથી નીકળે પણ એ પાનની દુકાન કરે, પણ એનાથી કશું વધે નહીં, ઉલટો લોક તારો ગલ્લોય લઈ જશેને તારું તેલ કાઢી નાખશે. એનાં કરતાં પૈસા ના હોય, તોયે ત્યાં જઈને ઊભા રહેવાનું. તે દહાડે જરા સારું પેન્ટ પહેરીને જવાનું, કોઈની દોસ્તી થઈ તો કામ પાછું ચાલુ થઈ જાય અને એને દોસ્તી-બોસ્તી બધું મળી આવે.

આપણે નક્કી કરવું કે ખોટું નથી કરવું, કાયમને માટે ખોટું નથી કરવું અને રૂપિયા, આના, પૈસા આપી દેવા છે, વહેલે મોડે પણ આપી દેવા છે. આ જિંદગીમાં તો અવશ્ય આપી દેવા છે એવું નક્કી કરવું જોઈએ.

એટલે નિયમ કેવો છે, જ્યાં જે બજારમાં ઘા પડ્યો હોયને તે બજારમાં જ ઘા રૂઝાય. એવું છે જ્યાં ઘા થયો હોયને તે એરિયામાં જ એની રૂઝાવાની દવા હોય. આપણે જે ગુનો કરી આવ્યા એ ગુનાની જગ્યાએ હિસાબ પૂરો ના કરીએ તો બીજી જગ્યાએ ગુના ના કરાય પણ આ તો બુદ્ધિ જ ફસાવે છે.

ભગવાને મોક્ષે જવું હોય દ્રવ્યને ગણકાર્યું નથી. એટલે આપણે તો એક જ ભાવ રાખવો કે કોઈ જીવને કિંચિત્માત્ર દુઃખ ન હો અને બીજું એ કે કોઈનીય લક્ષ્મી આપણી પાસે ના રહે, કારણ કે લક્ષ્મી એ અગિયારમો પ્રાણ છે. મનુષ્યના દસ પ્રાણ છે. પછી લક્ષ્મીને અગિયારમો પ્રાણ કહ્યો છે. માટે કોઈનીય લક્ષ્મી આપણી પાસે ના રહે. આપણી લક્ષ્મી કોઈની પાસે રહે તેનો વાંધો નથી એ ધ્યેય નિરંતર રહેવો જોઈએ. પછી તમે ખેલ ખેલો તો વાંધો નથી. એ ધ્યેય લક્ષમાં રાખીને તમે ખેલ ખેલો પણ ખેલાડી ના થઈ જશો. ખેલાડી થઈ ગયા કે તમે ખલાસ. એટલે આ જગતના કંઈ 'લૉ' તો હશે જ ને ! દરેક ધંધા ઉદય-અસ્તવાળા છેને ! બધું ઉદય-અસ્તવાળું જ હોય.

મચ્છરો ખૂબ હોય તોયે આખી રાત ઊંઘવા ના દે અને બે મચ્છર હોય તોયે આખી રાત ઊંઘવા ના દે. તો આપણે કહેવું કે 'હે મચ્છરમય દુનિયા ! બે જ ઊંઘવા નથી દેતા તો બધા જ આવોને. આ નફા-ખોટ એ મચ્છરાં જ કહેવાય. મચ્છરાં તો આવ્યા જ કરે. આપણે એને ઉડાડ્યા કરવાનાં અને આપણે સૂઈ જવાનું.

મહીં અનંતશક્તિ છે. એ શક્તિવાળા શું કહે છે, કે 'હે ચંદુભાઈ ! તમારો શું વિચાર છે ?' ત્યારે મહીં બુદ્ધિ બોલે કે આ ધંધામાં આટલી ખોટ ગઈ છે. હવે શું થાય ? હવે નોકરી કરીને ખોટ વાળોને. મહીં અનંત શક્તિવાળા શું કહે છે કે, અમને પૂછોને, બુદ્ધિની શું કરવા સલાહ લો છો ? અમને પૂછોને, અમારી પાસે અનંત શક્તિ છે. જે શક્તિ ખોટ ખવડાવે છે એ શક્તિ પાસે જ નફો ખોળોને ! ખોટ ખવડાવે છે બીજી શક્તિ અને નફો ખોળો છો બીજા પાસે. એ શી રીતે ભાગાકાર થશે ? મહીં અનંતશક્તિ છે. તમારો 'ભાવ' ના ફર્યો તો આ જગતમાં કોઈ શક્તિ નથી કે તમારી ઇચ્છા પ્રમાણે ના ફરે. એવી અનંતશક્તિ આપણી મહીં છે. પણ કોઈને દુઃખ ના થાય, કોઈની હિંસા ના થાય, એવા આપણા લૉ હોવા જોઈએ. આપણા 'ભાવ' નો લૉ એટલો બધો કઠણ હોવો જોઈએ કે દેહ જશે પણ આપણો ભાવ ન તૂટે. દેહ જાય તો એક ફેરો જશે એટલે એમાં કંઈ ડરવાની જરૂર ના હોય. એવું ડરે તો તો આ લોકોની દશા જ બેસી જાયને, કોઈ સોદો જ ના કરેને ! અમે તો એવા મોટા મોટા માણસ જોયા છે કે એ પાછો દલાલ હોય. એ ચાલીસ લાખ રૂપિયાની ઉઘરાણીની વાતો કરે અને પાછા કહે છે શું કે, દાદા, બધાં જ ઘણાંખરાં લોકો અવળું જ બોલે છે, તે શું થશે ? ત્યારે મેં કહ્યું કે, જરા ધીરજ પકડવી પડે

, પાયો સ્ટ્રોંગ રાખવો પડે. આ ગાડીઓ આટલી બધી સ્પીડમાં ચાલે છે. આમાં જીવતાં નીકળે છે તો ધંધામાં સેફ નહીં નીકળાય ? બહાર તો જરા વારમાં બીક લાગે. જરા જરામાં અથડાઈ જશે એવું લાગે પણ કંઈ અથડાતું જોવામાં આવતું નથી. બધાં કંઈ અથડાઈ જાય છે ? એ લોકો નીકળી જાય છે તો આ નહીં નીકળી જાય ? એ રસ્તા પર તો જો ભય પેઠોને તો તો પછી તમે સાંતાક્રૂઝથી અહીં દાદર શી રીતે આવો ? અને આવો છો તો તમે મૂર્ચ્છિત હો તો જ ભય ના લાગે માટે મહીં જરા સ્ટ્રોંગ રાખોને ! એટલે જે જગ્યાએ ઘા પડેને તે જગ્યાએ રૂઝાઈ જાય માટે જગ્યા ફેર ના કરીએ. જો કે અમે કાયદાની દ્રષ્ટિએય જાણીએ કે આમ હોવું ઘટે.

તોય દુનિયા ચાલે છેને ! કોઈ દહાડોય અટકી નથી. એક સેકન્ડેય અટકી નથી. મિયાંભાઈનું યે ચાલે છે, એ શું કહે છે કે, કલકી બાત કલ હો જાયેગા ને આપણા હિન્દુઓ કહે છે કે કાલે શું કરીશું ? આ મિયાંભાઈનું યે ચાલે છે તો તારે શું અટકી જશે ? આ દુનિયા કંઈ બંધ થઈ જવાની છે ? પણ એવું છે ને બનતાં સુધી દરિયામાં ઊતરવું નહીં અને ઉતરવાનો પ્રસંગ મળી ગયો તો બીવું નહીં. કાયદો કેવો રાખવો કે દરિયામાં ઊતરવું જ નહીં. કારણ કે દરિયો એ ભૂમિ નથી. એટલે બનતાં સુધી ઊતરવું જ નહીં એવો આપણો કાયદો હોવો જોઈએ. તેમ છતાં દરિયામાં જવું પડ્યું તો ડરીશ નહીં. કારણ આવ્યા ત્યારે આવ્યા, તો હવે ડરવાનું નહીં, નીડર રહેજે, જ્યાં સુધી નીડર રહ્યો ત્યાં સુધી અલ્લા તેરી પાસે. ને ડર્યો તો અલ્લા કહેશે, કે 'જા, ઓલિયા કે પાસ ચલે જાવ, અમારી પાસ નહીં પછી ઓલિયા મળી આવે અહીં આગળ. તે ઓલિયાને કહેશે કે મને કંઈ કરી આપને એટલે ઓલિયો માળા-બાળા કરી આપે અને એના પૈસા લે. આ અલ્લા કંઈ બહેરા છે ? સાંભળે છે બધુંયે, આપણને ખોટ ગયેલી હોય તો એના જાણે ? એટલે થોડુંઘણું સ્ટ્રોંગ તો જોઈએને માણસનામાં. જો કે અમે ધંધામાં તમારા જેવા જ હતા. અમે આ બધું બોલીએ ખરું, આ ટેક્નોલોજી બધી મારા ખ્યાલમાં પણ મન

એટલું બધું પોલું નહીં, એટલે દરિયામાં અમે પેસીએ જ નહીં. છતાંય પેઠા તો પછી હિંમત છોડવાની નહીં. એટલે જ્યાંથી ખોટ આવી ત્યાંથી વાળવી. ભગવાનને ત્યાં રેસકોર્સ કે કપડાંની દુકાન, ધંધામાં ફેર નથી. પણ જેને મોક્ષે જવું હોય તો આ જોખમમાં ના ઉતરશો, દરિયામાં ના પેસશો. ને પેઠા પણ પછી કુદરતી રીતે નીકળી જવાય. એવી રીતે નીકળી જવું. ધક્કો મારવો નહીં.

સ્ટીમરને હું કહું કે તારે અનુકૂળ આવે ત્યારે ડૂબજે, પણ અમારી ઇચ્છા નથી. અમારી ઇચ્છા નથી, બોલવું પડે, કારણ નહીં તો સ્ટીમર કહેશે કે, આમને અમારી જોડે ભાવ નથી. એટલે સ્ટીમરને કહીએ કે અમારે શાદી મંજૂર છે. અમારે ઇચ્છા નથી છતાં તારે ડાયવોર્સ લેવા હોય ત્યારે લેજે. એવી ફૂંક મારીએ ને પછી ખબર પડે કે તમારી સ્ટીમર ડૂબી છે, તો અમે જાણીએ કે અમે તો પહેલેથી જ કહેલુંને, પછી ડૂબી તો ભો ભડકાટ નહીંને. જ્યારે ને ત્યારે સ્ટીમરો દરિયામાં ડૂબશેને. કંઈ જમીન પર સ્ટીમર ડૂબે ? દરિયામાં જ ડૂબેને ?

એટલે ધંધો કરવો કે ના કરવો એવું બેમાંથી એ કશું કહીએ નહીં, કારણ કે એ વ્યવસ્થિતના તાબામાં છે. નહીં તો તમને કહી ના દઈએ કે છોડી દો આ બધું ? પણ તે વ્યવસ્થિતના તાબામાં છે. તમેય વ્યવસ્થિતના તાબામાં ને હુંય વ્યવસ્થિતના તાબામાં છું.

આપીને મેળવો !

પ્રશ્શનકર્તા : પૈસો કેવી રીતે મેળવવો ? ખોટું કાર્ય કરીને પણ પૈસો મેળવાય ?

દાદાશ્રી : એનાં પરિણામ સહન કરવાં હોય તો લેવા. પરિણામ સહન કરવાની શક્તિ હોય તો લેવા. તમારી પાસે ખોટું કરીને કોઈ પૈસા લઈ જાય તો તમને સુખ લાગે ખરું ?

પ્રશ્શનકર્તા : ના.

દાદાશ્રી : કોઈની પાસે ખોટું કરીને પૈસો લેવાય જ નહીં. સામાને દુઃખ થાય એ પોતાને દુઃખ થયા બરાબર છે. ખોટો એક પૈસોય લેવાય નહીં. આપણા પુણ્યનું આવીને મળે એ સાચું.

તમારી પાસે કોઈ ખોટું કરીને પૈસા લઈ જાય તો તમને સારું લાગે ખરું ? સામાને દુઃખ લાગેને ? કોઈને દુઃખ થાય એવો ધંધો જ ના કરીએ.

આ દુનિયામાં સુખ આપે તો સુખ મળે પણ દુઃખ જ આપે તો દુઃખ મળે. શું આપો છો ? મિક્ષ્ચર આપો છો ?

પ્રશ્શનકર્તા : સુખ આપવા પ્રયત્ન કરું છું.

દાદાશ્રી : છતાં દુઃખ કેમ અપાઈ જાય છે ! પ્રયત્ન કેમ ફળતો નથી ?

પ્રશ્શનકર્તા : હું અત્યારે લાઈફ ઇન્શ્યોરન્સનું કામ કરું છું. અહીંયા લાઈફ ઈન્શ્યોરન્સ સચ્ચાઈથી નથી મળતો. એટલે એપ્લિકેશન કરવા માટે જૂઠું કરવું જ પડે છે. એટલે સચ્ચાઈના માર્ગે જવા માંગતા હોય તો વિઘ્નો આવે. એટલે મને એમ થાય કે ખોટે માર્ગે પૈસો કમાવો ? કે એના કરતાં પૈસો નહીં કમાવો ? કે સાચે રસ્તે જવું ?

દાદાશ્રી : સાચે રસ્તે જવું. એમાં અંદર શાંતિ રહેશે. ભલે બહાર પૈસા નહીં હોય. પણ અંદર શાંતિ ને આનંદ રહેશે. ખોટા રસ્તાનો પૈસો ટકેય નહીં અને દુઃખી દુઃખી કરે. અંદર દુઃખી કરે એટલે ખોટે રસ્તે જવું જ નહીં, એમ નક્કી કરવું અને બધાંને સુખ આપશો તો સુખ મળશે. દુઃખ આપશો તો દુઃખ મળવાની શરૂઆત થઈ. દુઃખ ગમે ખરું તમને ?

પ્રશ્શનકર્તા : ના.

દાદાશ્રી : તો પછી બીજાને કેમ કરીને ગમે ? તમારામાં જે જે શક્તિ હોય તેનાથી આપણે ઓબ્લાઈઝ કરવા. બીજી રીતે કરવું પણ સામાને સુખ આપવું બધાંને. સવારમાં નક્કી કરવું જોઈએ કે જે મને ભેગા થાય તેને કંઈનું કંઈ સુખ આપવું છે. પૈસા અપાય નહીં તો બીજા બહુ રસ્તા છે. સમજણ પાડી શકાય, કંઈ ગુંચાયો હોય તો ધીરજ આપી શકાય અને પૈસાય પાંચ-પચાસ ડૉલર તો આપી શકાયને !

કરો પારકાનું ને થાય પોતાનું !

જેટલી જવાબદારીથી પારકાનું કરે એ પોતાનું કરે.

પ્રશ્શનકર્તા : પારકાનું કરે એ પોતાનું કરે. એ કઈ રીતે ?

દાદાશ્રી : બધા આત્મા એક જ સ્વભાવના છે. એટલે જે આત્મા માટે કરે તે પોતાના આત્માની પાસે પહોંચે. પારકાના આત્મા માટે કરે તે પોતાના આત્માને પહોંચે અને જે પારકાના દેહ માટે કરે તેય પહોંચે. હા, ફક્ત આત્મા માટે કરે તે બીજી રીતે પહોંચે. મોક્ષમાં જવાનો રસ્તો ખુલ્લો થઈ જાય અને દેહને એકલાને માટે કરે તો અહીં સુખ ભોગવ્યા કરે. એટલે આટલો ફેર છે ફક્ત. ને પારકા માટે કરે તો પારકાનું થાય છે. જે પારકાનું કરે છે એ જ પોતાનું કરે છે. એકલું પોતાનું કરે છે એ પોતાનું કરતો નથી. એનાથી પોતાનું કામ પૂરું ન થાય. એટલે પારકા માટે કરવું એનું નામ પુણ્ય કહેવાય, અને પોતા માટે કરવું એ પાપ કહેવાય. તમે આવતા ભવને માટે તૈયારી કરી નહીંને ? પુણ્ય તો બાંધ્યું નહીંને ?

પ્રશ્શનકર્તા : ખરેખર આવો ભેદ કોઈએ સમજાવ્યો ન્હોતો.

દાદાશ્રી : આ છોકરાં ઉછેરે છે તેય પોતાના ફાયદા માટે કરે છે. છોકરાં ઉછેરવાં તેય પારકાનું કર્યા બરાબર છે. ભલેને મોહથી ઉછેરે છે, પણ પારકાનું કરે છે. એટલે જે છોકરાં ઉછેરે તેનેય ખાવાનું તો મળે. કોઈનું કશું ના કરે તેવા હોય, પણ છોકરાં ઉછેરેને, તો એનું ખાવાનું તો મળે.

પારકાનું કરવું એ જ ધર્મ છે. પોતાનું તો છૂટકો જ નથી. એ ફરજ્યિાત છે. મરજ્યિાત શું ? પારકાનું કરવું તે.

પ્રશ્શનકર્તા : પારકાનું આપણે કરવા જઈએ છીએ તો લોકો ઉલટાં આપણને આવીને કહી જાય. ટોણાં મારે કે, તમારું સંભાળોને ? તમારાં ઠેકાણાં નથી.

દાદાશ્રી : લોક એટલા બધા ડાહ્યા (!) છે કે ઊંધે રસ્તે લઈ જાય એવા છે. પોતે ઊંધે રસ્તે જાય અને બીજાને ઊંધે રસ્તે લઈ જાય. આ તો બહાર ના થાય તો વાંધો નહીં.

પરિણામ, દગા-ફટકાનાં !

ધંધામાં દગા-ફટકા કરું છું ?

પ્રશ્શનકર્તા : બિઝનેસ છે એટલે થોડાઘણાં તો કરવા પડેને ?

દાદાશ્રી : એટલે તું દગો-ફટકો કરું છું ?

પ્રશ્શનકર્તા : એ તો લોકો પણ કરતા હશેને ?

દાદાશ્રી : પણ મારું કહેવાનું કે જો આપણે એવું બંધ કરીએ તો સામો બંધ કરે, ત્રીજો બંધ કરે, એવું બધા દગા-ફટકા બંધ કરીએ તો કેવું સરસ લાગે ? બધા એવું કરે છે, માટે તું કરું છું ?

પ્રશ્શનકર્તા : આ તો બિઝનેસ છે એટલે એવું બોલવું પડેને ?

દાદાશ્રી : નહીં તો શું થાય ?

પ્રશ્શનકર્તા : ખોટું ના બોલે તો ઑર્ડર ના મળે, કામ ન મળે, બિઝનેસ ના મળેને !

દાદાશ્રી : લોકોને કેટલી બધી ઊંધી શ્રદ્ધા બેસી ગઈ છે ? આખો દહાડો ખોટું બોલીએ તો કેટલો લાભ થાય ?

પ્રશ્શનકર્તા : કંઈ નહીં.

દાદાશ્રી : કેમ ! વધારે ખોટું બોલીએ તો વધારે લાભ ના થાય ?

પ્રશ્શનકર્તા : એ તો લિમિટમાં બોલીએ તો લાભ થાય.

દાદાશ્રી : આ તો એક ભડક પેસી ગઈ છે કે ખોટું બોલું તો જ લાભ થાય !!

બેમાંથી એક આઈટમ પર આવો. ભગવાન શું કહે છે ? કાં તો સાચું બોલીએ ને કાં તો ખોટું બોલું, તો બેઉ પર હું રાજી છું પણ તું મિક્ષ્ચર ના કરીશ. હું ભગવાનને પૂછું કે ભગવાન, તમે કોની પર રાજી ? ખોટું કરે તેની પર રાજી કે સારું કરે તેની પર ? ત્યારે ભગવાન કહે, 'ના, તદ્દન સારું કરતો હોય તો તેની પર રાજી છું. અગર તો તદ્દન ખોટું કરતો હોય તેની ઉપરેય હું રાજી છું પણ તું મિક્ષ્ચર ના કરીશ. તું મિક્ષ્ચર કરીશ તો તને સમજણ જ નહીં પડે કે આ ક્યાંથી સુખ આવે છે ? આ તો એમ જ સમજણ પડે છે કે આ જૂઠું બોલે છે તેથી સુખ આવે છે. પછી એવી શ્રદ્ધા માણસને બંધાય.

મંદીના નવા ધંધા !

જરાક મંદી આવે તો શું થાય જાણો છો ?

આ ધંધાઓ બધા માંદા પડી જાય. મિલો 'સીક' થાય એટલે બધા નોકરો છૂટા થાય. છૂટા થાય એટલે ચોરીનો ધંધો કરવાના. ત્યારે આ સોસાયટીમાં ખબર પડે. નવરો પડે એટલે શું કરે માણસ ? અને પગાર તો વપરાયેલો હોય. એટલે પછી ચોરીઓ કરે.

લાંચનું કારણ !

પ્રશ્શનકર્તા : લાંચ-રૂશ્વતનું કારણ તો આર્થિક અસમાનતા છેને ?

દાદાશ્રી : ના, આર્થિક અસમાનતાને લઈને નહીં. આ તો માણસની વૃત્તિઓ દિવસે દિવસે હીન થતી જાય છે. માણસો ખરાબ નથી. પણ સંજોગોવશાત્, સંજોગો એવા ઊભા થયા છે, એથી આવી સ્થિતિ ઊભી થઈ છે. બાકી આ જગત જ્યારથી છે ત્યારથી લાંચ-રૂશ્વત તો ચાલુ છે. પણ પહેલાં જુદા પ્રકારની હતી. પહેલાં મસ્કો મારતા હતા. એવી લાંચ હતી. અત્યારે તો બધું રૂપિયા રૂપિયા થઈ ગયું છે.

પ્રશ્શનકર્તા : કાળા બજારિયાને મોઢા ઉપર કાળા બજારિયા નથી કહી શકાતું.

દાદાશ્રી : મારાથી કહેવાય. મારાથી તો કાળો બજારિયો કહેવાય. નાલાયક કહેવાય, ગુંડો છે કહેવાય, બધું બોલાય મારાથી, કારણ કે મારે જોઈતું નથી કશું. જેને કંઈ પણ જોઈતું હોયને, તેણે કશું સારું બોલવું પડે. મીઠું મીઠું બોલવું પડે. મારે કશું જોઈતું નથી.

ધંધો કરતા હોય, તે નઠારા માણસ પેસી ના જાય એટલા માટે 'એય આમ છે, તેમ છે.' નંગોડો, આમ તેમ બોલવું. એટલે નઠારા માણસ હોય તે નાસી જાય બધા. કોઈ નાગા લાભ ના ઉઠાવી જાય. તે નાટક તો કરવું પડેને ! 'નંગોડ પેસી ગયા છે, આમતેમ' બોલીએ એટલે નંગોડ હોય તે તરત સમજી જાય કે આ તો આપણને કહે છે !

દિવેલ પીધા જેવું મોં ?!

આ બધા વેપારીઓ મોઢા ઉપર કંઈ દિવેલ ચોપડીને ફરે છે ? ના, છતાં એનું દિવેલ પીધું હોય એવું મોઢું થઈ જાય છે, શાથી ?

આખો દહાડો વિચાર કર્યા કરે, કે આ દુકાન મોટી કરું ! હવે, આ દુનિયામાં પૈસા કમાવાના વિચાર કોને ના આવે ? એવા કોને ના આવતા હોય વિચાર ? હવે બધા જ જો કમાવા ફરે તો પછી કુદરત પહોંચી શી રીતે વળે ? એ બધાને શી રીતે આપી શકે ? એના કરતાં થોડાક તો એવા રહોને, કે ભઈ, મારે પૈસા જોઈતા નથી. જે આવશે તે મારે કરેક્ટ છે. જેટલા એની મેળે આવે એટલા સાચા અને નહિ આવે એવુંય નથી. આ લક્ષ્મી શેના આધીન છે એની લોકોને ખબર જ નથી.

અક્રમ વિજ્ઞાનની અનોખી સમજ !

પ્રશ્શનકર્તા : આ જે ખોરાક છે, તે કઈ કમાણીથી મેળવવો ?

દાદાશ્રી : એ તો એવું છેને, જ્ઞાન ના હોય તેને તો કમાણી નીતિવાળી હોવી જોઈએ તે સારું અને જ્ઞાન હોય એ તો જે તને કમાણી આવે છે તે રીતે તું ખા. જ્ઞાન લેતાં પહેલાં જે કમાણી તું કરતો હોત, એ જ કમાણી તારે ચાલુ રહેવા દેવી. ફક્ત જો ખોટી લાગતી હોય તો મનમાં ખેદ પામ્યા કરવું જોઈએ કે આ ખોટું થઈ રહ્યું છે. બાકી, ખા, પી, મઝા કર. રસ-રોટલી નિરાંતે ખાજે.

કારણ કે જેવો હિસાબ બાંધ્યો છે, તેવો હિસાબ ફૂટ્યા વગર રહેવાનો નથી અને જેવા ભાવે બાંધેલું છે તેવા ભાવે છૂટશે. એમાં મારું ચાલવાનું નથી ને તમારુંય ચાલવાનું નથી. તેથી અક્રમ વિજ્ઞાન એવું છે કે એમાં કશામાં હાથ જ ઘાલ્યો નથી. તું તારા ભાવમાં આવી જા. બીજું બધું એને જવા દે.

મતલબ મગ ચઢાવવાથી !

પ્રશ્શનકર્તા : પ્રામાણિક રહીએ પણ પૈસા ખવડાવ્યા વગર કોઈ કામ નથી થતું.

દાદાશ્રી : એ તો હવે એમાં બહુ હાથ નહીં ઘાલવો. મને પૂછે, 'શું કરીશું આપણે સીમેન્ટ ઓછો નથી નાખતા, લોખંડ નથી કાઢતા, પણ આતો સાઠ હજારનું બિલ નથી આપતો.' ત્યારે મેં કહ્યું કે, 'પાંચસો રૂપિયા આપીને લઈ આવો.' લઈ આવવું જ પડેને, નહીં તો આપણે ત્યાં માંગતાવાળા આવે તો એને શું આપીએ પછી ? એટલે એવું છે ને બસ્સો-પાંચસો આપીને પણ આપણો ચેક કઢાવી લેવો પડે.

પ્રશ્શનકર્તા : ત્યાં વ્યાવહારિક થવું પડે.

દાદાશ્રી : હા, જમાના પ્રમાણે વ્યાવહારિક થવું પડે.

આપણે લેવું નથી એનું નામ લાંચ લીધી ના કહેવાય. આપવાનું તો આપણને ગરજ હોય તો શું કરીએ ? આ તમારા બે લાખ રૂપિયા કોઈ જગ્યાએ દબાઈ રહ્યા હોય ત્યારે પેલો પાંચ હજાર રૂપિયા માંગતો હોય તો આપી આવીએ એને ?

પ્રશ્શનકર્તા : પણ આપનાર વધારે ગુનેગારને ! લેનાર કરતાં ?

દાદાશ્રી : એ તો પકડાય ત્યારેને !

પ્રશ્શનકર્તા : લાંચ લેવી-આપવી એ કુદરતના હિસાબમાં ગુનો નહીં ?

દાદાશ્રી : એવા ગુના ગણે તો ક્યારે પાર આવે. એવું છેને પોતે કશું ખોટું ના કરવું - એવું નક્કી રાખવું.

પણ શું થાય તે ગરજના માર્યા ક્યાં જાય તે ? ઘેર ડિલિવરી આવવાની હોય ને પણે આગળ જગ્યા ન મળતી હોય તો ગમે તેમ કરીને પેલાને પૈસા આપીનેય રસ્તો કરે કે ના કરે ? કંઈ ઘરે ડિલિવરી કરાવાય છે ?

એટલે મગ ચઢાવો. છેવટે આ મગને ગમે તે પાણીએ ચઢાવો. કાં તો આજવાનું પાણી હોય કે છેવટે ગટરનું પાણી હોય, જે પાણીએ મગ ચઢે તે પાણીએ ચઢાવી દો એવું આપણે કહેવા માંગીએ છીએ. આનો પાર નહિ આવે. આ તો હજુ લપસતો કાળ છે. હજુ તો આવું જુઓ છો. પણ હજુ તો કળિયુગ નવી નવી જાતનો દેખાવાનો છે, આનો પાર નથી આવવાનો માટે ચેતી જાવ. ટૂંકમાં જ સમજી જાવ.

એમાં ભૂલ કોની ?

પ્રશ્શનકર્તા : મને મારા મામાએ જે ધંધામાં ફસાવ્યો છે, તે જ્યારે જ્યારે આમ યાદ આવેને ત્યારે મને મામા માટે ખૂબ ઉદ્વેગ આવે કે આ કેમ કર્યું હશે ? મારે શું કરવું ? કંઈ સમાધાન જડતું નથી.

દાદાશ્રી : એવું છે કે તારી ભૂલ છે તેથી તને તારા મામા ફસાવે છે. જ્યારે તારી ભૂલ પૂરી થઈ જશે, પછી તને કોઈ ફસાવનારું મળશે નહીં. જ્યાં સુધી તમને ફસાવનાર મળે છેને, ત્યાં સુધી તમારી જ ભૂલો છે. કેમ મને કોઈ ફસાવનાર મળતો નથી ? મારે ફસાવું છે તોયે કોઈ મને ફસાવતું નથી અને તને કોઈ ફસાવા આવે તો તું છટકીય જાઉં ! પણ મને તો છટકતાંય નથી આવડતું, એટલે કોઈ તમને ક્યાં સુધી ફસાવશે ? કે જ્યાં સુધી તમારો કંઈ ચોપડાનો હિસાબ બાકી છે. લેણા-દેણાનો હિસાબ બાકી છે, ત્યાં સુધી જ તમને ફસાવશે. મારે ચોપડાના બધા હિસાબ પૂરા થઈ ગયા છે. વચ્ચે તો હું એટલે સુધી લોકોને કહેતો હતો કે ભઈ, જેને કોઈને પૈસાની ભીડ હોય તો મારી પાસેથી આવીને લઈ જજો. પણ મને એક ધોલ મારીને પાંચસો લઈ જવાના.

ત્યારે એ લોકો કહે કે, ના ભઈ સા'બ, ભીડમાં તો હું ગમેતેમ કરીશ, પણ તમને હું ધોલ મારું તો મારી શી દશા થાય ? હવે ગમે તે માણસને આ વાત ના કરાય, અમુક જ ડેવલપ્ડ માણસને વાત કહી શકાય.

એટલે વર્લ્ડમાં તને કોઈ ફસાવનાર નથી. વર્લ્ડનો તું માલિક જ છે, તારો કોઈ ઉપરી જ નથી. ખુદા એકલા જ તારા ઉપરી છે. પણ જો તું ખુદને ઓળખુંને, પછી કોઈ તારું ઉપરી જ ના રહ્યું. પછી કોણ ફસાવનાર છે વર્લ્ડમાં ! કોઈ આપણી ઉપર નામ દે એવું નથી. પણ આ તો જોને કેટલી બધી ફસામણ થઈ છે ! હજુ તો એકલા મામાએ જ ફસાવ્યા છે, પણ બીબી આવશે ત્યારે બીબી પણ ફસાવશે ! હજી તો તું બીબી લાવ્યો નથી. બીબી લાવશે પછી બીબી પણ ફસાવશે. જ્યાં ને ત્યાં ફસામણ જ છેને ! એવું ફસામણવાળું આ જગત છે, પણ આ જગત ક્યાં સુધી ફસાવશે ? કે આપણે ચોપડામાં કંઈ ડખલ કરી હશે તો જ ફસાવશે. નહીં તો આપણા ચોપડામાં કોઈ ડખલ ના હોય તો કોઈ ફસાવે નહીં, કોઈ નામ ના દે.

તને ખબર છે ? ઘણા ફેરા એવી પેપરમાં જાહેરાત આવે છે કે ભઈ, ફોર્ટમાંથી અમને એક ઘડિયાળ મળ્યું છે અને સોનાની ચેઈન મળી છે, આ જેનું હોય તે અમારી આ જાહેરાતનો ખર્ચ આપીને, પુરાવો આપીને લઈ જજો ! પુરાવો આપશો તો જ આપીશું. આવી જાહેરાતો આવે છે. એવી જાહેરાતો તેં કોઈ વખત જોયેલી ખરી કે ?

પ્રશ્શનકર્તા : હા, જોયેલીને.

દાદાશ્રી : એ શું કહે છે કે ખોવાયું છે તોય પાછું મળે છે એને ? એવું આ જગત છે ! ખોવાયેલું પાછું મળે છે કે નથી મળતું ? એ કઈ સત્તાના આધારે મળતું હશે ? એટલે તારી વસ્તુ હોય તેને કોઈને તાકાત નથી કે કોઈ લઈ શકે, અને જો તારી નથી તો તારી તાકાત નથી કે તું રાખી શકું. એટલે તને મામાએ ફસાવ્યા નથી. તેં મામાને ફસાવ્યા હતા. તેથી મામાએ તને ફસાવ્યો. 'ભોગવે તેની ભૂલ' અત્યારે કોણ ભોગવે છે ? મામો ભોગવે છે કે તું ભોગવે છે ? તું જ ભોગવું છું માટે તારી ભૂલ ! મામો તો કુદરત એને પકડશે ત્યારે એની ભૂલ કહેવાશે. જગત તારા મામાની ભૂલ કાઢે અને તને ડાહ્યો કહે, પણ એમાં શું ફાયદો ? પણ દર અસલ શું છે કે કોણ ભોગવે છે ? ત્યારે તેની ભૂલ છે માટે કોઈની ભૂલ કાઢશો નહીં. જે ભોગવી રહ્યો છે તેની જ ભૂલ છે.

ઘરમાં ચાર માણસો હોય, બેચાર નોકરો હોય ને બધાએ જાણ્યું હોય, ઘર ઉપર આજે બોંબ પડે એવું લાગે છે. તે ઘરમાં આઠ માણસો છે. બધાએ સાંભળ્યું છે કે બોમ્બ પડવાનો છે, પણ જે ઊંઘી ગયો છે એની ભૂલ નહીં, ને જે જાગે છે અને ચિંતા કરે છે તેની ભૂલ ! ભોગવે એની ભૂલ. બધેય બોંબ પડતા નથી. બોંબ કંઈ સસ્તા નથી કે ઘેર ઘેર પડે ! આપણે અહીં ખબર પડે કે કાલે પડવાનો છે, તે પહેલાં તો મુંબઈ ઘણીખરી ખાલી થઈ જાય !! ચકલાં ઊડી જાય એમ બધાં નાસી જાય ! ચકલાંય થોડીવાર તો માળામાં બેસી રહે ! પણ આ લોક તો નાસી જાય !! અને જ્ઞાની પુરુષને પેટમાં પાણી ના હાલે ! એ શું લઈ જશે ? નાશવંતને લઈ શકે. મને લઈ શકે નહીંને ! વિનાશી હોય તેને લઈ શકે, વિનાશી તો જવાનું જ છેને ! ત્યારે એ તો સટ્ટામાં જ મૂકેલું છેને ! આપણે સટ્ટો મારવા જઈએ. તો જોડે જોડે એવી કઈ શર્ત છે કે મારી રકમ ના જવી જોઈએ ? રકમ જવાની છે, એવું માનીને સટ્ટો કરીએ છીએને ?! તો આયે સટ્ટો જ છે, મનુષ્ય દેહ તો તદ્દન સટ્ટામાં જ મૂકેલો છે, પછી સટ્ટામાં આશા શું કરવા રાખીએ ?

એટલે મામાએ મને ફસાવ્યો છે, એવું મનમાંથી કાઢી નાખજે ને વ્યવહારમાં કો'ક પૂછે ત્યારે એવું ના કહેવું કે મેં એમને ફસાવેલા તેથી એમણે મને ફસાવ્યો ! કારણ આ વિજ્ઞાનની લોકોને ખબર નથી, તેથી એમની ભાષાાં વાત કરવી જોઈએ કે મામાએ આવું કર્યું. પણ અંદરખાને જાણીએ કે એમાં મારી જ ભૂલ છે. આ 'દાદા' કહેતા હતા તે જ રાઈટ છે. અને આ વાતેય સાચી જ છેને, કારણ મામા અત્યારે ભોગવતા નથી, એ તો મોટર લાવીને અત્યારે મઝા કરે છે. કુદરત એને પકડશે ત્યારે એનો ગુનો સાબિત થશે અને આજ તો તને કુદરતે પકડ્યોને !!!

નફો-ખોટ એક જ નિયમથી !

એટલે તમારે તે ઘડીએ આમ જાગૃતિ રાખવી પડે કે આપણો હિસાબ છે.

હિસાબ વગર કોઈ ઘેર આવે નહીં, હિસાબ વગર આ દુનિયામાં કશું જ બને નહીં. હિસાબ વગર તો સાપ કરડે નહીં, વીંછી કરડે નહીં, કોઈ નામ ના દે ! હિસાબ વગર આ દુનિયામાં કશું બને એવું નથી, આ બધા હિસાબ જ ચૂકવાય છે. નવા હિસાબ ઊભા થાય છે અને જૂના હિસાબ ચૂકવાય છે. છતાં આવું બધું લોકોને ગમે છે પણ ખરું ! બાકી આ કાળ દહાડે દહાડે સારો આવતો જવાનો નથી. આ કાળનું નામ શું કહેવાય છે ! અવસર્પિણીકાળ એટલે ઊતરતો કાળ ! એટલે અઢાર હજાર વર્ષ પછી આ દુનિયામાં દેરું પણ નહીં હોય, પુસ્તક પણ નહિ હોય, શાસ્ત્રો પણ નહીં હોય ને કોઈ ભગત પણ નહીં હોય, ત્યાં હવે ચેતવું પડે કે નહીં ચેતવું પડે ? આ બધા બહુ સારા સારા કાળ ગયા છે, કેટલી ચોવીસીઓ વટાવી છે. ત્યાં સુધી આપણે ખસ્યા નહીં, તો પણ ચટણી ખાવા માટે બેસી રહ્યાં છે !! શેના માટે બેસી રહ્યાં છે ? આખો થાળ જમવાનો નથી, એક ચટણી માટે જ !

ઘેર તો કોઈ ભોગવતાં જ નથી, આખો દહાડો બહાર જ ફરતો હોય. ઘેર તો દહાડે પંખા બધા ચાલ્યા કરે, પલંગ બધા ખાલી ને એ તો ક્યાંય તાપમાં ભટકતો હોય. કારણ કે એને કશુંક જોઈએ છે. એવું કશુંક ચટણી જોઈએ છે. તેના આધારે ભટકતો હોય. તેને બધું જોઈતું નથી. આ બધા વૈભવ ભોગવ્યા નથી અને કોઈ દહાડો વૈભવ ભોગવ્યો પણ નથી.

પ્રશ્શનકર્તા : પૈસા માટે રખડે છેને ?

દાદાશ્રી : પૈસા માટે તો રખડવા જેવું છે જ નહીં. ખોટ ઘેર બેઠાં આવે છે, તો નફો પણ ઘેર બેઠાં જ આવે એવી વસ્તુ છે. જે સીસ્ટમથી ખોટ આવે છે એ સીસ્ટમથી જ નફો આવે છે. જો મહેનત કરીને ખોટ આવે તો મહેનત કરીને નફો આવે ! પણ એવું નથી.

સંસારી સ્વાર્થ !

ઇન્કમટેક્ષનો માણસ આવતો હોયને એને દેખીએ તો મહીં આનંદ બહુ થાય ખરો ? રીફન્ડ હોય તો બહુ આનંદ થાયને ! અને દંડ હોય તો દંડમાં દુઃખ થાય. શાથી ? રીફન્ડમાં આનંદ તાય છે એટલે દંડમાં દુઃખ જ થાય, સ્વાભાવિક રીતે જ દુઃખ થાય. અરે ! ઇન્કમટેક્ષના પૈસા ભરવાના હોયને, તોયે ઉપાધિ લાગ્યા કરે, અને એટલે સુધી કહેશે કે ઇન્કમટેક્ષવાળા ના હોય તો સારું. આનું નામ જઅજંપો ને ઉપાધિ ! અને આમાં પૈસા ભરવાના આવ્યા એ ફરજ બજાવવાની નહીં ! ફરજ બજાવવામાં તો આપણે ઇન્કમટેક્ષના કાયદા પ્રમાણે રહેવું જ પડેને ? આ તો ફરજ બજાવતા નથી એનું નામ સ્વાર્થ કહેવાય. આ સંસારી સ્વાર્થ કહેવાય.

પ્રામાણિકતા એ ભગવાનની આજ્ઞા !

આ તો ખોટું કરવાની કુટેવ પડી ગયેલી છે. તે લક્ષ્મી વધતી નથી ઘટે છે. પહેલાં પાંચ-દશ વર્ષ કૂણું લાગે પણ પછી પાછળ તો નરી ખોટ જ આવે, અને જેનું બંધારણ પ્રામાણિકપણે છે તેનું તો ફરી તૂટેય નહીં. એય પણ કુદરત જ્યારે ફરેને ત્યારે તો એનેય તૂટી જવાનું એટલે આ બધું સાચુંયે નથી. પણ પ્રામાણિકપણું હોય તો એને જરા ભય ઓછો લાગે, ભય ના રહે એને !

પ્રશ્શનકર્તા : હવે બિઝનેસમાં પ્રામાણિક ધંધો કરું છું, કોઈનેય છેતરતો નથી.

દાદાશ્રી : એ બરોબર છે, એ ભગવાનની એક આજ્ઞા પાળી તમે કે કોઈનેય છેતરશો નહીં. પ્રામાણિકપણે, નિષ્ઠાથી કામ કરજો. એ એક ભગવાનની આજ્ઞા પાળી.

સત્ય પ્રકાશે મોડું !

કેટલાક લોકો ગુપ્તદાન આપે છે, તેમાં કોઈ એમ નથી કહેતું કે મારું આ દાન, એટલે આવું બધું ચાલ્યા કરે છે. અને આ સાચી વસ્તુ છે એ ઉઘાડી પડ્યા વગર રહેવાની નથી. જો જૂઠી ઉઘાડી પડે છે. અસત્ય વહેલું ઉઘાડું પડે છે અને સત્યને ઉઘાડું પડતાં ઘણો ટાઈમ લાગે કળિયુગમાં. જ્યારે સતયુગમાં સત્ય હોય તે તરત ઉઘાડું પડે. અને અસત્ય ઉઘાડું પડતાં બહુ વાર લાગે. એટલે આ ઉઘાડું પડતાં ઘણો ટાઈમ લાગશે. અત્યારે મુંબઈ શહેરમાં ચોખ્ખું ઘી લઈને વેચવા નીકળે, લ્યો રે ચોખ્ખું ઘી, તો કેટલા લે ? એ કહો મને. ડૉક્ટર સાહેબ તે ? ઊલટું મશ્કરી કરે. એવું આ ચોખ્ખો માલ છે, ચોખ્ખું એ છે પણ એક દહાડો આ એનું કામ કરી રહેશે.

નીતિ : વ્યવહારનો સાર !

વ્યવહારનો સાર હોય તો નીતિ. એ નીતિ હોય તો પછી તમને પૈસા ઓછા હશે તોય પણ અંદર શાંતિ રહેશે અને નીતિ નહીં હોય ને પૈસા ખૂબ હોય તોયે અશાંતિ રહેશે. એ જોવાનું. પૈસા તો કરોડો રૂપિયા હોય પણ મહીં જાણે જલતી ભઠ્ઠી જ જોઈ લોને ! અકળામણ-અકળામણ ! પાર વગરની અકળામણ ! તમે કોઈ દહાડો અકળામણ જોયેલી ખરી !

પ્રશ્શનકર્તા : બહુ જોયેલી !

દાદાશ્રી : બહુ જોયેલી ? ભારે ! તે અત્યારે હવે સમાધિય એવી રહે છેને !

પ્રશ્શનકર્તા : હા, પણ વ્યવહારમાં નીતિ રાખવી એ એના પોતાના હાથમાં ખરું ?

દાદાશ્રી : એ નથી પોતાના હાથમાં.

પ્રશ્શનકર્તા : તો 'વ્યવસ્થિત'ને આધીન છેને એ તો ?

દાદાશ્રી : 'વ્યવસ્થિત'ને આધીન ખરું પણ આ તો જ્ઞાન હોવું જોઈએને કે આ સાચું જ્ઞાન કે આ સાચું જ્ઞાન ? ત્યારે કહે, વ્યવહારમાં નીતિ રાખવી જોઈએ કે સાચું જ્ઞાન છે. પછી આપણે જોવું કે આપણામાં નીતિ કેટલી રહે છે ? એ તપાસી જોવું. એવું કંઈ કહ્યા પ્રમાણે થઈ જતું નથી. થાય ખરું એવું ? પણ આ સાંભળ્યું, ત્યારથી આપણે નક્કી કરવું જોઈએ કે આ નીતિવાળું જ્ઞાન સાચું છે. અનીતિનું જ્ઞાન આપણે સાચું ઠરાવ્યું હતું, તેની પર શ્રદ્ધા બેઠેલી, તેનું આ ફળ આવ્યું છે. પણ હવે નીતિની શ્રદ્ધા બેસે ત્યારે એનું ફળ પછી આવશે.

આ જ્ઞાન લીધું એટલે હવે તો આપણે શ્રદ્ધા જોઈતી જ નથીને. આપણે તો ઉકેલ લાવી નાખવો છે હવે ! હવે આ સંસારનો કાયમ ઉકેલ લાવી નાખવાનો, આ સંસાર તો કોઈ દહાડોય સુખિયો જ ના થવા દે !

આત્મસ્વરૂપની વ્યવહાર નિકાલી !

પ્રશ્શનકર્તા : આ જ્ઞાન લીધા પછી આ કાળમાં વ્યવહાર વેપાર પ્રામાણિકપણે કેવી રીતે કરવો ?

દાદાશ્રી : એવું હું પ્રામાણિકપણે કરવાનું નથી કહેતો. એવું છેને, જો જ્ઞાન હોય તો તમે ચંદુભાઈ નથી. તમે શુદ્ધાત્મા છો. જો તમે ચંદુભાઈ હોત તો તમારે પ્રામાણિક થવાની જરૂર હતી. હવે તો તમે શુદ્ધાત્મા છો, એટલે જે પડેલા ખેલ છે, સંયોગો, તેનો ઉકેલ લાવી નાખોને અહીંથી ! આ ચોરી ચે ને આ ના ચોરી છે, એવો ભગવાનને ત્યાં દ્વન્દ્વ છે જ નહીં, ભગવાનને ઘેર સારું-ખોટું છે નહીં, આ બધું સામાજિક છે. ને મનુષ્યનો બુદ્ધિનો આશય છે, બાકી ભગવાનને ઘેર આવું કશું છે નહીં.

પ્રશ્શનકર્તા : નીતિનિયમ, સાચું-બૂરું એ બધા નિયમો એ કેમ પળાય પછી ? એની જરૂર શું છે પછી ?

દાદાશ્રી : ના, જો તમારે પાળવા હોય તો પછી ચંદુભાઈ થઈ જાવ. હું ફરી ચંદુભાઈ કરી આપું.

પ્રશ્શનકર્તા : શુદ્ધાત્માને પછી આ ગુણોની જરૂર જ નથી !

દાદાશ્રી : ના, એવું છેને, તમે જે આ કર્મો ગૂંથી લાવ્યા છો એ મને પૂછ્યા સિવાય બધા ગૂંથી લાવ્યા છો. ગયા અવતારે કંઈ મને પૂછવા આવ્યા નથી. માર્કેટ મટેરિયલમાં જે ભેગું થયું તેને ખરીદ-ખરીદ કર્યું, અને જેટલી બેન્કોએ ઓવરડ્રાફ્ટ આપ્યા, તે લે લે કર્યા છે. એટલે મેં કહ્યું કે, આ ઓવરડ્રાફ્ટ લઈને નાદાર જેવી સ્થિતિ થઈ ગયેલી છે માટે હવે તમે શુદ્ધાત્મા થઈ જાવ. અને આ બીજું બધું છે તે નિકાલ કરી નાકવાનો. આ દુકાન ધીમે ધીમે કાઢી નાખવાની, તે ખાંડ હોય તો ખાંડેય વેચી ખાવ અને ગોળ હોય તો ગોળેય વેચી ખાવ. મરીયાં હોય તો મરીયાં વેચી ખાવ અને કોઈની જોડે લઢશો નહીં. કોઈ પૈસા ના આપે તોય એની જોડે લઢશો નહીં અને કોઈ પૈસા માંગતો હોય તો તેને વહેલામાં વહેલી તકે આપી દેજો અને તે તમારી સગવડ ના હોય તો બાપજી, જય બાપજી કરીને એને દુઃખ ના થાય, એવી રીતે સમભાવે નિકાલ કરીને છૂટા થઈ જાવ.

સવળી સમજણે !

જ્યારે લક્ષ્મીનું નૂર જાયને ત્યારે બધું નૂર જાય. આત્માનું નૂર હોય તે તો રહે પણ તે આ લોકોને આત્માનું નૂર હોય ક્યાંથી ? એ તો જ્ઞાની પુરુષને, અગર તો જ્ઞાની પુરુષના ફોલોઅર્સને આત્માનું નૂર હોય !

પ્રશ્શનકર્તા : દેવાં જે બધાં પાર વગરનાં છે તે ધર્મ વિશેનાં છે કે લક્ષ્મી વિશેનાં છે ?

દાદાશ્રી : લક્ષ્મી વિશેનાં નહીં, વિરાધનાનાં છે. આખો દહાડો પોતાની સમજણે, બસ સ્વચ્છંદથી જ બધું કર્યા કરે. લક્ષ્મી વિશેનાં નહીં. અને એ તો લક્ષ્મીમાં કોઈ ધીરનાર મળે, ત્યારે દેવું થાય. જે ધીરનાર મળે ત્યાં આગળ ચલાવ્યું અને વિરાધનામાં તો કોઈ સાંભળનાર મળવો જોઈએ કે બસ ચલાવ્યું. સાચું-ખોટું રામ જાણે. પણ કોઈ સાંભળનાર મળવો જોઈએ.

એટલે એવું, કળિયુગમાં બધાં ગાંડપણ લઈને આવ્યા હોય. ઘેર જાય તો ઘેર ભાંજગડો થતી હોય, ઑફિસમાં જાય તો ત્યાંયે ભાંજગડો થતી હોય. એટલે પછી શું કરે ? એટલે પછી રસ્તામાં કોઈ ખોળે કે કોઈ મારી વાત સાંભળે છે. ને કોઈ મળે કે પછી પોતાની વાત ઠોકાઠોક કરે. આ તો બરકત નહીં, ભલીવાર નહીં તેવા લોક ! બાકી ભલીવાર હોય તેને ઘેર ભાંજગડ આવે જ નહીં. બહાર જાય, ઑફિસમાં જાય તો ભાંજગડ ના આવે. કોઈ જગ્યાએ ભાંજગડ જ કેમ થાય તે ?

પ્રશ્શનકર્તા : એ વાત કરવા આવે તો સાંભળવું જોઈએ કે નહીં ?

દાદાશ્રી : એ તો આપણા 'જ્ઞાન'ને લીધે તમે સમજી જાવ. નહીં તો શી રીતે સમજી લેવાય ? 'જ્ઞાન' ના હોય તો માણસ શી રીતે રહે ? ઉલટું અવળું ચાલે. પ્રતિભાવવાળું મન થઈ જાય. કોઈકે નાલાયક કહ્યા કે પેલા નાલાયક કહેનારની પર પ્રકૃતિભાવ તો એટલા બધા કરી નાંખે કે જેનો હિસાબ જ નહીં અને મહીં તો ખોટ જ નથી ભાવની !

પ્રશ્શનકર્તા : દાદા, પણ આપણે નક્કી કરીએ કે સાંભળવું નહીં, પછી એક દિવસ સાંભળીએ નહીં, બે દિવસ સાંભળીએ નહીં પછી એ આવે જ નહીં સંભળાવવા.

દાદાશ્રી : ના, પછી ના આવે. આપણે જાણીએ કે આ તો લપલપ કરવાની ટેવ પડી છે આને ! પહેલુ ંબે દહાડા સાંભળીએ પણ પછી એ આવવાનો બંધ થઈ જાય. પછી એ બીજા ખોળી કાઢે.

આ તો જ્યાં જાય ત્યાં બળ્યું દુઃખ, દુઃખ ને દુઃખ.

'ઘરનાં બળ્યાં વનમાં જાય, વનમાં લાગી આગ.'

એટલે મહામુશ્કેલીમાં સપડાયા છે. અહંકારેય મેડ પાછો. અહંકાર જો ડાહ્યો હોય, વાઈઝ હોય તો વાત જુદી છે. પણ અહંકારેય મેડ !

લાવ્યા ઓવરડ્રાફ્ટ પાર વગરના !

પુણિયા શ્રાવકની સામાયિક, જેની કિંમત છે તે આખ શ્રેણિક રાજાનું રાજ્ય ત્રણ ટકા દલાલીમાં જતું રહે. એટલી બધી કિંમત. તો એવો લાભ થતો હોય તો તો બહુ સારુંને ? આ લોકો તો બેન્કમાં ઓવરડ્રાફ્ટ એટલા બધા લાવ્યા છે, બધુ આટલું બધું મૂડી ભર ભર કરે છે, તોયે વધતું નથી. ઓવરડ્રાફ્ટ બધા ! દુષમકાળની શરૂઆત એટલે ઓવરડ્રાફ્ટ લીધા વગર રહે નહીં અને બેન્કો આપ્યા વગર રહે નહીં. બેન્કોયે આપે. ચાલો ગાડી લાવો, ચાલીસ હજાર રૂપિાયની દરેકની ટેક્ષી ઉપર લખેલું હોય, બેન્ક ઓફ ઇન્ડિયા...

આ તો બેન્કના રૂપિયા છે એવું જેને ભાન રહેતું હોય તે ઉપયોગ રાખે. આ તો બેન્કના રૂપિાય આવ્યા કે લઈ આવો કેરીઓ કહેશે અને દોઢસો રૂપિયાની કેરીઓ અને ત્રણસો રૂપિયાનું ઘી લઈ આવે.

દુકાન કાઢી નાખવાની રીત !

દુકાન કાઢી નાખવાની નક્કી કરે ત્યારથી હવે શું ખરીદી કરવાની છે, એ બધું જાણતા હોય પોતે. હવે શું કરવાનું છે એય જાણતા હોય. ના જાણતા હોય કે ભઈ હવે ઉઘરાણી પતાવી દો. જેટલી પતે એવ હોય એ પતાવી દો, ના પતે એવી હોય તો આપણે ઝઘડા-બગડા કરવા નથી. લોકોની અહીં થાપણો હોય તે આપી દો. થાપણ એટલે લોકોની આપણે ચોપડે જે રકમ જમે હોય તે બધાને આપી દેવાની અને ના આપીએ તો રાત્રે બે વાગે પેલા બૂમો પાડે. જ્યારે ઉઘરાણી તો પેલો આપણને આપે કે નાય આપે. એ તો એના હાથની વાત છે. કોઈ ઉઘરાણી ના આપે ત્યારે કોર્ટમાં દોડો, વકીલો કરો ને બધાં તોફાનમાં ક્યાં પડીએ ? આપણે દુકાન કાઢી નાખવાની છે, તે હવે ખરીદી બધી જ બંધ કરી દેવી પડેને ? ને પછી વેચ-વેચ કર્યા કરવાનું છતાં માલ ના વેચાય તો તપાસ કરવી પડે કે ભઈ હમણે ઘરાકી કેમ નથી આવતી. તો પછી ખબર પડે કે ખાંડ નથી, ગોળ નથી. એટલે લોકો આવતા નથી. ગોળ ને ખાંડ જોડે ના જોઈએ ? એ ના હોય તો આપણે એ વેચાતાં મંગાવવાં પડે. કારણ ખાંડ થઈ રહી હોય, ગોળ થઈ રહ્યો તો લોકો પછી કહેશે ત્યાં ખાંડ-બાંડ કશું મળતું નથી, હવે બીજી દુકાને હેંડો. લોકો બીજો બધો સામાન જ્યાં ખાંડ મળે ત્યાંથી લે, એટલે આપણે એટલા ખાંડના કોથળા મ

ંગાવવા પડે. પણ દુકાન કાઢી નાખવાની છે. એ એને લક્ષમં જ હોય કે રાતે ભૂલી જાય ? જ્યારથી નક્કી કર્યું ત્યારથી દુકાન કાઢવા જ માંડે ! રસ્તામાં કોઈ માલ વેચવાવાળો મળી જાય કે અરે ! તમને પંદર ટકા કમિશન આપીશ. આ માલ ખરીદી લો. ત્યારે કહેશે, કે ના ભઈ, મારે માલ નથી જોઈતો. હવે દુકાન કાઢવાનું નક્કી કર્યું છે એવું નક્કી કર્યા પછી દુકાન ફરી ના જમાવે ને ? એવું આપણે આ દુકાન કાઢી નાખવાની છે. હવે બધા હિસાબ ઉકેલ લાવી નાખવાના છે. અટાવી-પટાવીનેય ઉકેલ લાવી નાખવાના છે.

પછી ઉઘરાણીવાળા આવે. થાપણવાળાયે આવે. એટલે આપણે કહેવું કે બીજા જે હોય, જેનું બાકી હોય તે બધા લઈ જાઓ જલદી. અમારે હવે આપી દેવું છે. એટલે પછી આપણે ત્યાં ભીડ તો થાય. ભીડ થાય, ગુંગળામણેય થાય. પણ આપણે આપી દીધા એટલે પછી છૂટા થઈ ગયા. ગુંગળામણ તો થાય, ભલે ને થાય પણ એક ફેરો આપી દીધા એટલે પછી ઉકેલ આવી ગયોને ! આમ ટપલે ટપલે માથું કાણું થાય, તેના કરતાં માર એક હથોડો, તે ઉકેલ આવી ગયો. એક જ હથોડે ઉકેલ આવી જાયને ? અને ટપલે ટપલે મારે તે માથું રૂઝાય નહીં અને લ્હાય બળ્યા કરે એના કરતાં એક હથોડો મારી દે તો ઉકેલ આવી જાય. ને સોનું તો એટલું ને એટલું જ રહેને ? કે સોનું ઓછું થાય ? ઘાટ-ઘડામણ એકલી જાય. એટલે હવે ગુંગળામણ થાય તો વાંધો નહિ રાખવો. આવે તો સારું ઉકેલ આવી જાય. બે-પાંચ આવે તો કહીએ હજુ બીજા હોય તો આવી જાવ. હવે બધાને પેમેન્ટ કરી દઈશું. કારણ હવે શુદ્ધાત્મા પ્રાપ્ત થયો એટલે બધું પેમેન્ટ થઈ શકે. કો'ક ગાળો આપીને જાયને તોય હવે આપણે જમે થઈ શકે. પહેલાં તો જમે ના થાય. જમે કરવી પડે. ને પાછી સામે ઉધારેય કરવા પડે. જમે તો ના છૂટકે કરવી પડેને, પેલો આપી ગયો. એટલે જમે જ કરવી પડેને ! પણ પાછી સામે પાંચ-સાત ઉધાર કરી દે

અને આપણે જમે કરી દઈએ પણ પછી ઉધારીએ નહીં, કારણ વેપાર બંધ કરવાનો થયો. બે ગાળો આપી જાય તો ચંદુભાઈને આપવાનો છેને ! 'તમને' ક્યાં ઓળખે છે એ ? 'તમને' કંઈ એ ઓળખે છે ?

પ્રશ્શનકર્તા : આપે જે કીધું એવું જ થાય છે, હવે જે જે મને સામા જવાબ આપે છે એ શાંતિથી લઈ લઉં છું. હવે પ્રતિ જવાબ આપતો નથી. પ્રતિકાર કરતો નથી. એવું થાય છે હમણાં.

દાદાશ્રી : એટલે એનો અર્થ એ થયો કે એ આપે છે ને આપણે જમે કરી દઈએ છીએ. ફરી ધીરતા નથી હવે. જો ફરી જોઈતું હોય તો ફરી ધીરજો, ધીરાણ કરશો અને ફરી જોઈતું ના હોય, ના ગમતું હોય તો વેપાર જ બંધ કરી દો. 'ચંદુભાઈ' જોડે પાડોશી જેટલો સંબંધ રાખવાનો. પાડોશીને બહુ કોઈ પજવતું હોય, હેરાન કરતું હોય, તો પાડોશીને આપણે અરીસામાં જોઈને કહેવાનું કે, 'હે ચંદુ હું છુંને જોડે !'

છતાં હાથ ચીકણો નહીં !

દાદાશ્રી : રૂપિયા હાથમાં અડવા દેવા ખરા પણ હાથ ચીકણો ના થવા દેવો. હાથ ચીકણો ના થવો જોઈએ.

પ્રશ્શનકર્તા : એટલે શું જરા સમજાવોને દાદા.

દાદાશ્રી : આ પૈસા છે એની જોડે અભાવ તો હોય નહીં લોકોને ' પણ હવે પૈસા ઉપર ભાવ ના બેસી જવો જોઈએ. અભાવ તો હોય નહીંને ! કોઈ એવા માણસ ના હોય ! અમને એની પર ભાવ-અભાવ બેઉ ના હોય અને તમારો ભાવ બેસી જાય. પૈસો એટલે ભાવ બેસી જાય. કારણ કે અભાવ છે નહીં એટલે પેલી બાજુ બેસી જાયને, તેય તમારે હવે ડીસ્ચાર્જમાં, ચાર્જમાં નહીં.

કેટલાક માણસ તો કહે કે તમે તમારા હાથે જ મારા પૈસા સ્વીકારો તો મને આનંદ થશે તે હું લઈ લઉં 'લાવ, બા લાવ.' હું કંઈ ચીકણો થવા દઉં ત્યારે ને ! ચીકણો થાય તો આ ભાંજગડને !

સંગ્રહની સમજ !

પ્રશ્શનકર્તા : દાદાએ આ ધનની બાબતમાં કહ્યું એવું જ ધંધાની બાબતમાંને ?

દાદાશ્રી : ધંધાની બાબતમાં એવું જ રાખવાનું, ધંધામાં સિન્સિયર રહેવાનું, પણ ચીકાશ નહીં, થશે હવે, હવે તો 'વ્યવસ્થિત'. મોડું થશે તો કશો વાંધો નહીં.' એવું નાહોવું જોઈએ. 'વ્યવસ્થિત' છે, મોડું થશે, શું વાંધો છે ? આ શબ્દો ના હોવા જોઈએ. ત્યાંય સિન્સિયારીટી જોઈએ.

પ્રશ્શનકર્તા : ધનનો સંગ્રહ કરે એ ચીકાશમાં ગણાય કે નહીં ?

દાદાશ્રી : ના, સંગ્રહ કરવામાં વાંધો નથી. સંગ્રહ તો કરવો જોઈએ. ફેંકી દેવું એનું નામ ચીકણું થયું કહેવાય. સારા ઉપયોગ સિવાય ફેંકી દેવું એ બગડે. સંગ્રહ કરેલું ના બગડે, સંગ્રહ તો કામ લાગશે. તમને હેલ્પ કરશે. પણ ચીકણું ના હોવું જોઈએ, એની પર ! અને સંગ્રહ કરેલું યાદ ના રહેવું જોઈએ. ભલેને વીસ લાખ હોય. ચીકણું ના કરો બસ. મને તો ઘી અડે તોય ચીકાશ નહીં. જે રેડો તે ચીકાશ નહીં. ઘણાંની જીભ એવી હોય છે કે તેની પર ઘી મૂકો તોય જીભ ચીકણી ના થાય અને ઘણાંને તો દૂધ પીએ તોય જીભ ચીકણી થઈ જાય. જીભમાં એવી કેપેસિટી હોય છે કે ગમે તેવી ચીકાશને ઊડાવી મૂકે છે. એવું આમાંય કંઈક કેપેસિટી હોય છે. અને તે તમને ઉત્પન્ન થશે હવે !

ધંધામાં એક્સપર્ટ છતાં....

અને ધંધા પર તો પહેલેથી ધ્યાન જ નથી આપ્યું. જગત શું છે ? કેવી રીતે ચાલે છે બસ એ જ વિચાર ! આખો દહાડો એના જ વિચારમાં જીવન ગયેલું !! ધંધામાં આમ તો જરાક હું એક્સપર્ટ. મારા ભાગીદાર શું કહે કે, ત્રણ મહિનામાં એકાદ ગૂંચ પડી હોય તો મને એ ગૂંચ કાઢી આપજો. એટલે બહુ થઈ ગયું તે એ મને ગૂંચ પડી હોય ત્યારે મને કહે, તો હું કહું કે આમ કરજો, એટલે એ ગૂંચ બધી નીકળી જાય, ત્યારે એ મને કહે તમે હવે આ ધર્મ કર્યા કરજો.

જંક્શનની જાળવણી !

દાદાશ્રી : તમારે ધંધા પર જવાનું મોડું થઈ જશે. આ વાતોનો કંઈ પાર આવવાનો નથી. કામ પહેલું કરવું.

પ્રશ્શનકર્તા : પહેલાંનો મેં વધુ મહેનતવાળો ધંધો માથે લીધો ચે તેનો નિકાલ કરવો પડેને !

દાદાશ્રી : ધંધામાં ધ્યાન આપવું એ આપણો હેતુ હોવો જોઈએ અને જંક્શન ઉપર આપણી ગાડીના આધારે બીજી ગાડીઓ લેટ ના થાય એ જોવું જોઈએ. જંક્શનની આપણી જવાબદારી છે !

પ્રશ્શનકર્તા : બીજાને અગવડ ના પડે એ જોવું પડે.

દાદાશ્રી : ના, જવાબદારી એક જ જંક્શનની. આપણે કહ્યું હોય કે ભઈ, તમે ત્યાં આવજો ને હું પણ સાડા આઠ વાગે ત્યાં આવીશ. ત્યાં બધી ગાડીઓ ભેગી થવાની હોય ત્યાં આપણે લેટ થઈએ કે ના જઈએ એ જવાબદારી આપણા પર આવે. બાકી બીજું કંઈ નહીં જંક્શન ના હોય તો બીજા સ્ટેશને તમે મોડા જાવ તો તેનો વાંધો નહીં. જંક્શન એકલું જ સાચવજો. હું તો પહેલેથી જંક્શન સાચવી લઉં. હું આળસુ સ્વભાવનો તો ખરો જ. પણ જંક્શન હોય ત્યાં નહીં. બીજી ગાડીઓ લેટ થાય મારે લીધે ? બધાય ફજેત કરે પછી ! દરેક ગાડીવાળા કહે કે આ ગાડી વડોદરાથી ના આવી, તેથી આ બધાનું બગડી ગયું ! આપણે આપણા પોતાના માટે ફજેત થઈશું, તેનો વાંધો નહીં. પણ જંક્શનનું ના જાળવવું પડે ?

અને આ જાળવવા જતાં આ દાદાએ આપેલો આત્મા જતો રહેતો નથી. આત્મા દરેકમાં હાજર જ હોય છે. એટલે તમારે વાંધો નહીં, ત્યાં ધંધા ઉપર જવું.

અરે ! તમને મોડું થઈ જશે, આ દાદાની જોડે બેસવું ને એવી લાલચ પેસી જાય છે તે ઊઠવાનું મન ના થાય. અને બીજી ગાડીઓ ઉપડી જાય. નક્કી કરીને આવ્યો હોય. ચાર કોમ્પ્રેશર લેનાર માણસ હોય, તેને કહેશે કે આટલા વાગે ઑફિસે આવજે ત્યાં હું આવીશ. તે તમે મોડા જાવ તો પેલો ઊઠીને જતો રહે બિચારો. માટે તમે તમારા ધંધે જાવ. આ તો બધી વાતો છે.

પ્રશ્શનકર્તા : આ વાતો કરવાથી અમારા લાભનું થાય.

દાદાશ્રી : એટલે તમારે ત્યાં ધંધા પર જવું. હું દરેક કાર્ય કરું છું. અરે ! સવારના સાડા છથી શરૂ કરું છું, હું આળસ નથી કરતો. કારણ કે હું કહું કે મારી તબિયત નરમ છે એટલે કેટલી બધી ગાડીઓને પાછું જવું પડે ? બધી ગાડીઓ જતાં જતાં શું કહે ? દાદા હવે ઘૈડિયા થઈ ગયા તે હવે બળ્યું આપણે અહીં આગળ બહુ આવીએ નહીં તો ચાલે ! એવું કહેશે. એ એમનું હિત બગાડે.

કિંમત જ્ઞાનીનાં દર્શનની !

દુકાન પર ના જઈએ તો દુકાન રાજી ના થાય. દુકાન રાજી થાય તો કમાણી થાય. એવું અહીં સત્સંગમાં. પાંચ મિનિટ વધારે ના હોય તો પાંચ-દશ મિનિટ પણ આપીને દર્શન કરી જાવ. જો અહીં અમે છીએ તો ! હાજરી તો આપવી જ રહીને !

દાદાઈ બ્લેન્ક ચેક !

આ 'દાદા' એક એવું નિમિત્ત છે, જેવું કે દાદાનું નામ દેને, તો પથારીમાં હલાતું-ચલાતું ના હોય તોય ઊભું થઈ જવાય. માટે કામ કાઢી લો. એટલે નિમિત્ત એવું છે. તમારે જે કામ કરવું હોય તે થાય એવું છે, પણ એમાં દાનત ખોરી ના રાખશો. કોઈકને ત્યાં લગનમાં જવા માટે શરીર ઊભું થાય એવું ના કરશો. અહીં સત્સંગમાં આવવા માટે ઊભું થાય એવું કરજો. એટલે દાદાનો ઉપયોગ સારી રીતે કરજો. એમાં દુરુપયોગ પછી ના થવો જોઈએ. કારણ કે દુરુપયોગ ન થાય તો પછી એ દાદા ફરી મુશ્કેલીના ટાઈમે કામ લાગશે, માટે આપણે એમને એમ વાપરવા નહીં.

એક વણિક શેઠ હતા, મિત્ર જેવા. આમ હતા તો શ્રીમંત માણસ, પણ ્મારી જોડે બેસે-ઊઠે, એક ફેરો ઇન્કમટેક્ષનો કાગળ આવ્યો હતો. એક વખત મેં એમને કહ્યું કે કંઈક અડચણ આવે તો ગભરાશો નહીં, અમને કહેજો. હવે તે દહાડે તો જ્ઞાન થયેલું નહીં. એટલે સંસારની મરામત કરવી હોય તો અમે કરી આપતા હતા. તે પેલો ઇન્કમટેક્ષનો કાગળ આવેલો ત્યારે મેં પેલા શેઠને કહ્યું કે, એવું કંઈક કહેવું હોય તો કહેજો. ત્યારે કહે છે, કે તમે જે કોરો ચેક આપ્યો છે તે સો એ સો પૂરાં થશે ત્યારે વટાવીશ, છેલ્લો શ્વાસ હશેને તે ઘડીએ વટાવીશ, નહીં તો આમ તમારો ચેક ના વટાવાય, એ તો મેં રાખી જ મેલ્યો છે !

એટલે આ દાદાના તો બ્લેન્ક ચેક, કોરો ચેક કહેવાય. એ વારેઘડીએ વટાવવા જેવો નહીં, ખાસ અડચણ આવે તો સાંકળ ખેંચજો. સીગરેટનું પાકીટ પડી ગયું હોય અને આપણે ગાડીની સાંકળ ખેંચીએ તો દંડ થાય કે ના થાય ? એટલે એવો દુરુપયોગ ના કરવો.

દાદા વિનાની ક્ષણ કેવી ?

આ જોડે લઈ જવાનું એટલું જ આપણું, બાકી બીજું બધું પારકું.

પ્રશ્શનકર્તા : ખરી કમાણી જ 'દાદા' આ છે, બીજી કોઈ કમાણી સાચી દેખાતી નથી.

દાદાશ્રી : હોતી હશે, બીજી કમાણી ?

પ્રશ્શનકર્તા : એ દાદા સિવાય ચેન જ નથ પડતું.

દાદાશ્રી : દાદા વગર ક્ષણવાર કેવી રીતે રહી શકાય ? એ તો વળી એટલું સારું છે કે આપણામાં 'જ્ઞાનીપુરુષ' નિશ્ચયથી આપણી પાસે જ છે. વ્યવહારથી તો એવો ઉદય નિરંતર હોય નહીંને !! બાકી પહેલાંના કાળમાં 'જ્ઞાની' પાસે પડી રહેતા હતા, અત્યારે પડી રહેવાય છે જ ક્યાં ? અત્યારે તો ફાઈલો કેટલી બધી !!

મમતા વિનાના પુરુષ !

અને રૂપિયા જોડે તો લોકને મમતા થઈ ગયેલી છે. બાકી કહેતાની સાથે જ ખાલી કરે. જેટલા આનંદથી રૂપિયા આલ્યા હતા, એટલા જ આનંદથી રૂપિયા ખાલી કરે. ત્યારે જાણવું કે આમને રૂપિયાની મમતા ચોંટતી નથી.

એટલે દ્રવ્યથી, ક્ષેત્રથી, કાળથી, ભાવથી આ ચાર પ્રકારે જેને મમતા ના હોય, એવા જ્ઞાની પુરુષ એને મોક્ષે લઈ જાય. નહં તો આ બધાં લોક તો દ્રવ્યથી બંધાયેલા, ક્ષેત્રથી બંધાયેલા, કાળથી બંધાયેલા, ભાવથી બંધાયેલા એ શું ધોળે આપણું ? સારી જગ્યા હોય તો આપણને કહેશે કે થોડા દહાડા રહેવા દોને ! કહે કે ના કહે ? અમને એવું બંધન ના હોય.

મમતા-રહિતતા !

તમને સમજાયું કે શું કહેવા માગું છું ?

પ્રશ્શનકર્તા : હા, દાદા.

દાદાશ્રી : મમતા ખલાસ થઈ ગઈ હોય એવો માણસ હોય ?

પ્રશ્શનકર્તા : ના હોય. ક્યાંથી હોય ?

દાદાશ્રી : હોય તો એ ભગવાન કહેવાય. માણસને મમતા શી રીતે જાય ? સગાં-વહાલાં હોયને ! એ તો બૈરી, મા-બાપની હઉ મમતા છોડી દેવા તૈયાર છે. મમતા સમજાય છે તમને ? તમારે થોડી-ઘણી મમતા ખરી ?

પ્રશ્શનકર્તા : પણ દાદા, મારી પાસે કઈ મમતા રહી છે બોલો ? કુટુંબકબીલા, બધાય સંબંધ કોઈ છે જ નહીં.

દાદાશ્રી : આ શું બોલે છે બધું ? 'મારે મમતા નથી' એ શું કહ્યું ?

મમતા ગઈ ક્યારે કહેવાય ? મા-બાપ ને ભાઈઓ ને બધાંની જોડે વીતરાગતા હોય અને મમતા જાય નહીં ને માણસને ! ઘરમાં રહેનારો માણસ, એ તો ત્યાં (મંદિરમાં) પડી રહેતો હોય તેની મમતા જાય. નહીં તો મમતા છૂટતી હશે ?

પ્રશ્શનકર્તા : મને કંઈ સમજાયું નહીં દાદા.

દાદાશ્રી : બળ્યું, મમતા ગઈ એવું બોલાય નહીં કોઈથી. કોઈ એવો થયો તો તે ભગવાન થઈ ગયો કહેવાય. અક્ષરેય બોલાય નહીં, 'મારી મમતા જતી રહી' એ જ્ઞાની પુરુષ સિવાય કોઈ બોલી ના શકે.

પ્રશ્શનકર્તા : મમતા જતી રહી એ જરાક સમજાવો. મમતા કેવી રીતે જતી રહી ? આપણે કોને કહી શકીએ મમતા ?

દાદાશ્રી : સર્વસ્વ અર્પણ કરવું એનું નામ મમતા જાય. આ ભઈ છે, તે હજાર ગીનીઓ અહીં આપી દે, પણ એક રહેવા દે, કો'ક દહાડો કામ લાગે, એનું નામ મમતા. આમને એવી મમતા ના હોય, એ બ્રાહ્મણ કહેવાય. અમારે ક્ષત્રિયોને મમતા ના હોય. જેથી તો તીર્થંકર થવાય. આ બધા ક્ષત્રિયો કહેવાય. આ તો વણિક એક ગીની રહેવા દે. બોલ, મારી વાત ખોટી છે કે ખરી છે !

પ્રશ્શનકર્તા : ખરું.

દાદાશ્રી : એમની હિંમત ના ચાલે, એ મમતા છે. આ મમતા છૂટવી જોઈએ. પેલા નાગરદાદાએ (એક સંતપુરુષે) કોસમાડામાં કહ્યું હતું કે, આવા મમતારહિત પુરુષ મેં જોયા જ નથી. મને નાનપણમાંય મમતા ન હતી. અહંકાર હતો. નાનપણથી જ કોઈ વસ્તુની મમતા નહીં. મમતાનો અર્થ સમજ્યા તમે ? મમતા શી છે તેય ખબર પડતી નથી. પછી તો લોક જ કહેશે કે, આ ભાઈને કશી મમતા રહી નથી. જગત તો આનું આ જ છે. જેવું મોઢું હોય એવું અરીસો દેખાડે. આમાં અરીસાનો કોઈ દોષ છે ? શું કહો છો ? જગતના હિસાબે તમને ઘણી મમતા ગઈ છે. આ સાધુઓ કરતાં વધારે મમતા ગઈ છે. કશું રહ્યું જ નથી. પણ મૂળ મમતા, હજુ ગીની રહીને, રાખી મેલી છેને ? મમતાનું બીજ જાય નહીં એટલે ત્યાં સુધી ફરી ફૂટી નીકળશે, ક્યારે ફરી નીકળે એ કંઈ કહેવાય નહીં.

પ્રશ્શનકર્તા : પોતાનો જીવનવ્યવહાર ટકાવવા માટે તો કંઈ કરવું પડેને ?

દાદાશ્રી : હા, એ જ મમતા, એ જ મમતા. જ્યાં પોતાનું છે ત્યાં જ મમતા ! અમારે એ હોય જ નહીંને !

ટકોર જ્ઞાનીની !

મમતારહિત થવું અત્યારે એ બની શકે નહીં ! આપણે હવે કરીને શું કામ છે. આપણે મોક્ષે જવું છેને ? આવતા ભવમાં એવું થશે, મમતા વગરનું થવાનું. આ તો હજી મમતા જાય નહીં. સિક્કો મારેલો છે. આપણે એવું થઈને શું કામ છે ?

આવતે ભવ મમતા જતી રહેશે. મમતા જાય નહીં. સહેલી વસ્તુ નથી. અત્યારે તો અમે બોલ્યા તેથી થોડી-ઘણી ગઈ હોય તોય અમારા જ્ઞાનથી ગઈ. બાકી જાય નહીં. એ તો મમતા જાય, પૈસાની મમતા જાય તો તેને અહંકારની મમતા વધે પણ બધું એકનું એક જ ને ? બધું ધૂળધાણી ત્યાં આગળ ?

કોઈ મમતા ઘટેલી જ નહીં કોઈ દહાડો. અત્યાર સુધી ઘટેલી નહીં. આ તો મહીં જ્ઞાન આપ્યું પછી ઘટી. આ જ્ઞાન આપ્યું ત્યારે તો મમતાઓ થોડીક ઘટી.

અમારી મમતા તો ગયા અવતારથી નથી, કેટલાય અવાતરથી નથી. આ તો બધું એની મેળે ચાલ્યા કરે છે. ઉદયના આધીન. મારે કશું કરવું નથી પડતું. અમારે કશું આમાં કરવું ના પડે. કોઈ દહાડો ઇચ્છાય નહીં. વિચાર સરખોય નહીં અને તે પેલું એય નહીં. પોતાપણું નહીં, વર્લ્ડમાં પોતાપણું ના જાય. એવા માણસ હોય નહીં, પોતાપણું ગયું એ ભગવાન કહેવાય. આતો લોકોને વિરાધના થાય એટલા માટે નથી કહેતા. ના પાડી છે કે ભગવાન છીએ એમ બોલશો નહીં. મહીં છે એને ભગવાન કહો નહીં તો લોક વિરાધના કરે અને નકામા પાપ બાંધે એ અમને ભગવાન થવાનો કંઈ સ્વાદ આવતો નથી. અમે જે જગ્યા પર છીએ ત્યાં ઘણો સ્વાદ છે.

એક તો ગીની રહેવા દઉંને ?

મેં ચોખ્ખા કરવા માટે પ્રયત્ન કર્યો હતો જ ને ? પણ એ કહ્યા પ્રમાણે થયું નહીં અને થોડુંઘણું થયું મારા ભઈ, પણ એ મહીં તળિયું તો એનું એ જ રહ્યુંને !

જ્ઞાન સમજાવે સાનમાં

તમારે શું જોઈએ ? જેની પાસે ના હોયને એનું જગત માથે લઈ લે ! કહેવા જવું પડે નહીં. એની મેળે માથે લઈ લે. દુનિયાનો સ્વભાવ બહુ જુદી જાતનો છે.

મારાથી ચલાતું નથી, કેટલા વર્ષથી ?

પ્રશ્શનકર્તા : આઠ વર્ષથી.

દાદાશ્રી : છતાં તમારા કરતાં હું વધારે ફરતો હોઈશ ?

પ્રશ્શનકર્તા : ઘણું.

દાદાશ્રી : શાના આધારે ? બધા સંજોગો મળી આવે. જેને પોતાપણું ગયું એ જે માગે એ, માગવાનો વિચારેય ના કરતા હોય, પણ એને આવી મળે. આ તો એને ભય લાગે છે કે હું શું કરીશ !? એ ભય કાઢવા માટે અમે (આ ગોઠવણી) કરવા જઈએ !! આટલું છોડીને, આટલા આને ને આપણે ભાગે કંઈ નહીં ! અગર તો સંઘને કહીએ કે આ તમને બધાને આપી દીધું, હવે મારી પાસે કંઈ છે નહીં, હવે મારે માટે જરૂર હશે ત્યારે લઈશ, સંઘ પાસેથી. અગર તો એવું કંઈ જેટલા આવશે, એટલા ત્યાં સોંપી દઈશ.

અમારું ઉદયાધીન હોય, અને તમે આ રીતે કરો તોય ઉદયાધીનની નજીકમાં આવો. આ દેશનાપૂર્વક કર્યું કહેવાય. અને તમને પેલું સહેજાસહેજ ! પણ ઘણો ફેર પડી જાય.

લાખ બે લાખ બચે તો. સંઘને કહીએ આ તમને સોંપ્યા પછી આ આડખીલીઓ ના કરવી પડેને. હવે લાવ ભઈ, આપણે બેન્કમાં મૂકીએ, ડબલ કરીએ, એ બધું વિચાર જ ના આવેને !

પ્રશ્શનકર્તા : પછી જવાબદારી દાદાની, મારે શું ?

દાદાશ્રી : બધી જ જવાબદારી દાદાની ! લખી આપું હઉ !

સર્વસ્વ સમર્પણ સુચરણ મેં !

તમારી ભક્તિ સુંદર જ છે. ચોખ્ખી, પ્યોર ! પણ પેલી લગડી રાખી મૂકવાની ટેવ છે. પેલી ગીની, ગીની રાખી મેલો છો. પેલા તો બધી ગીનીઓ આપી દે. તે તમે કાલે બધું સમજી ગયા.

અમે વાતચીત કરી એ પ્રમાણે તમે બધું ગોઠવી દેશો તો બધું નીકળી જશે. દાદાના આધારે કર્યું એટલે સર્વ આધાર તૂટી ગયા. બધા આધાર તૂટી ગયા ને તે જ આત્મા હતા અને તેને સંસારના ભય છૂટ્યા. નહીં તો એક ગીની રાખી મૂકે. કહેશે કામ લાગે ! અલ્યા, ભડકે છે શાને માટે આટલું બધું ? આટલા બધા માટે નથી ભડકતો ને થોડા હારુ ભડકે છે ?

સર્વસ્વ અર્પણતા જ જોઈએ, સર્વસ્વ !

પ્રશ્શનકર્તા : આ સર્વસ્વ અર્પણતા જ છેને ! દાદા, શું બાકી રહ્યું ! દાદા સિવાય કશું ખપતું નથી મને કંઈ.

દાદાશ્રી : તમારું બાકી છે તે થઈ જશે હવે. બીજું બધુંય છે. પણ આ જે છેને, આ તમારું ને આ મારું એ ભેદ ઉડાડવા માટે ઘેર મેં તમને નહીં કહ્યું હતું કે આટલા છે તે બેનને આપી દેવા. તમારે માથે કશું નહીં રહે એવું કરી નાખો. વેરોય ભરવાનો ના રહે ! મારી માફક રહો. મારે પૈસા જોઈતા હોય તો હું કહું કે, 'નીરુબેન આપો મને' ! અને તમારે જરૂરેય શાના માટે ? એ તો બધું લોકો આપનાર હોય જ જોડે.

એટલે આત્મામાં રહે પછી, આત્મા જો આત્મામાં આવી ગયોને તો છૂટો ! તમને સમજ પડીને ? નહીં તો કહેશે, મારે આ છેને, આ છેને, તે આધાર ! શું સમજ્યા તમે ? શું આધાર રાખે ? જે બે-પાંચ લાખ રૂપિયા હોય તેનો !

પ્રશ્શનકર્તા : માંદગી આવીને ખર્ચ થયો. હતું તો ખર્ચ્યા, નહીં તો કોણ જુએ ?

દાદાશ્રી : નહીં, નહીં આપણે જેને જોનાર છે, જોશે એવું માનીએ છીએને, તેય છેવટે ખોટું પડે છે. દગો નીકળે છે. માટે આ ઊંચામાં ઊંચું છે કે બધું ભગવાનને ઘેર ! જવાબદારી દાદાની પછી ! મારી પાસે ચાર આનાય રાખવાના નથી. બધા અહીં (મંદિરમાં) મૂકી દેવાના, બધુંય અને ભવિષ્યમાં આવશે તેય ત્યાં જ. બાની જમીનના આવવાના છે તેય ત્યાં મૂકીશ. મારે કશું જોઈતું નથી. મારે શેના માટે ? અમેરિકાવાળા મને ગાડી આપવા માગે છે. હું લઉં શેના માટે ?

હું, આત્મા ને બેઠક !

પણ આ કશું બેઠકની જગ્યા રાખી તે હું, આત્મા ને બેઠક, એમ ત્રણ થયું. હું ને આત્મા એક જ થાય, આ હું સમર્પણ થઈ ગયું એટલે ! તમે સમજ્યા ?

તે જગતમાં જ્ઞાની એકલાને જ કોઈ વસ્તુનો આધાર ના હોય, જ્ઞાનીને આત્માનો જ આધાર હોય કે જે નિરાલંબ હોય.

પ્રશ્શનકર્તા : કોને આત્માનો આધાર ? હું ને બેઠકને હોય ?

દાદાશ્રી : હું જ આત્મા અને આત્મા તે હું. આધાર જ આત્માનો એટલે અવલંબન ના હોય. કોઈ અવલંબન ના હોય. નિરાલંબ થાય છે નિરાલંબ ! એ સમજ્યા છે નિરાલંબ ! એ જાણે છે 'દાદા' નિરાલંબ છે.

પ્રશ્શનકર્તા : એટલે હું ને આત્મા એક જ થઈ જાય ?

દાદાશ્રી : એક થઈ જાય બસ.

પ્રશ્શનકર્તા : અથવા તો બેઠક હોય ને હું ને આત્મા બે એક થઈ જાય એવું બને ?

દાદાશ્રી : ના, ના, બેઠક હોય તો ગુરખો રાખવો પડે. ત્યાં એ વિચાર આવે કે આ શું કરશે ? બેઠકેય એ સાચી નીકળી તો નીકળી, નહીં તો દગો નીકળે છે. તમને નથી લાગતું ?

પ્રશ્શનકર્તા : હા, દગો જ નીકળે છે.

દાદાશ્રી : એના કરતાં આપણું શું ખોટું ?

પ્રશ્શનકર્તા : એ બેઠકમાં જ્ઞાની એકલું જ રાખવાનું, બીજું કશું જ નહીં.

દાદાશ્રી : જ્ઞાનીને માથે પડવાનું તમે જે કરો એ, તમારું જે કરો એ મારું કરો, એટલે જ્ઞાની જ પોતાનો આત્મા છે. એટલે એને તો જુદા ગણાય નહીં, પછી ભય નહીં, રાખવાનો કે જ્ઞાની માંદા થાય તે એ ના હોય તો આપણે શું કરીએ ? એવો કશો ભય રાખવાનો નહીં. જ્ઞાની મરતા જ નથી. એ તો દેહ મરે એ અવલંબન અમારું હોય જ નહીંને. અમે નિરાલંબ હોઈએ. સહેજેય અવલંબન ના હોય. આ દેહનું કે પૈસાનું કે કોઈ એવું.

પ્રશ્શનકર્તા : પણ દાદા, અમને તો જ્ઞાનીનું ને જ્ઞાનીના દેહનું એકસરખું જ અવલંબન લાગે.

દાદાશ્રી : દેહનું અવલંબન તો, દેહ તો કાલે જતો રહે. દેહના પર તો અવલંબન રખાતું હશે ?

આ જ્ઞાનને જાણો !

તમે વિચાર કર્યો કે બધો ? નકશો કશો ચીતર્યો આનો ? નકશો ચીતરો. જબરજસ્ત કે દાદા આમ કહે છે, દાદા આમ કહે છે. નકશો ચીતરો પછી કયે ગામ જવું, પછી ક્યાં મુકામ કરવો એ નકશામાં ખોળી કાઢવું.

અને અમારું કહેવું જ્ઞાન તરીકે હોય. આવું કરવું એવો અમારો આદેશ ના હોય. જ્ઞાન જો આપણને કામ લાગે એવું હોય તો લેવું. ના કામ લાગે તો ત્યાં ને ત્યાં જ છે. અમે તો જ્ઞાનની વાત કરીએ.

ભગવાને જ્ઞાન જ લખેલું છે ચોપડીમાં, તારું શું થઈ રહ્યું છે એ જ્ઞાનના આધારે માપી જો. એવું જ્ઞાન છે ત્યારે લોકો જ્ઞાનનું આરાધન કરે છે.

અમારી સર્વ હિતકારી વાત હોય. અમારો આમાં એ આગ્રહ ના હોય કે તમારે આ કરવું કે ના કરવું. માણસને એવું થઈ જાય કે દાદાએ કહ્યું ને મારે હવે... એવું કરવાની જરૂર જ નથી. તમારે અનુકૂળ આવે તો કરવાનું. આ તો સાયન્ટિફિક સરકમસ્ટેન્શિયલ એવિડન્સ છે, એ એવિડન્સના આધારે જે હોય તે થાય.

આ તો અમે કહી જાણીએ. આમ તો કો'કને કહીએ, તમારે આ જ્ઞાન લેવું હોય તો લેજો. અને ન લીધું તો કંઈ નહીં, કહેવું તો જોઈએ જ, અમારી ફરજ. બીજું તો અમારા હાથમાં નહીં. વ્યવસ્થિતના તાબામાં. વ્યવસ્થિત જ્યાં લઈ જવું હોય ત્યાં લઈ જાય. એટલે આમાં બોધરેશન કશું રાખવાનું નહીં.

શું થાય છે એ જોવું. દાદાનું તો જ્ઞાન છે. જ્ઞાન પ્રમાણે થાય છે કે નથી થતું, એ જોવું.

ધંધામાં પ્રતિક્રમણ

પ્રશ્શનકર્તા : એક પ્રશ્શન છે દાદા ?

દાદાશ્રી : થોડું ઘણું સમાધાન થાય છે ? તે મને કહો.

પ્રશ્શનકર્તા : હા, થાય છે.

દાદાશ્રી : તો પછી આગળ ચાલવા દો હવે, જે જે તમારી પાસે હોય એ બધી વિગત મેલો.

પ્રશ્શનકર્તા : માનસિક દુઃખ કોઈને પહોંચાડીએ ત્યારે અન્યાય કર્યો કહેવાય. જો આપણે ધંધો કરતાં હોઈએ, અને ધંધામાં તો માલ એનો એ જ છે. ભાવ વધારીએ તો કમાણી થાય, જ્યારે તમે ભાવ વધારો તો એનાથી બીજાને મન દુઃખ થાય, તો એનાથી આપણને નુકસાન થાય ખરું ?

દાદાશ્રી : 'તમે' ભાવ વધારો તો દુઃખ થાય, ભાવ વધારો નહીં, તો કશો વાંધો નહીં. તમે કર્તા થઈ જાવ તો દુઃખ થાય. ને વ્યવસ્થિતને કર્તા જો સમજો તો તમારે કશી જવાબદારી નથી. વ્યવસ્થિત કર્તા છે, એ સ્વીકાર કરો, સમજો. ખરેખર તો તમારી જોખમદારી નથી. મેં તમને એવા સ્ટેજ ઉપર મૂક્યા છે કે, તમારી જોખમદારી બંધ થઈ જાય, જોખમદારી એન્ડ થાય. એટલે કર્મ કરવા છતાં અકર્મની સ્થિતિ પર મૂક્યા છે તમને.

છતાંય એમની ઇચ્છા એવી છે કે, 'આવું અકર્મની સ્થિતિ પર મૂક્યા ?! અમે કરી શકીએ એમ છીએ.' જો તમે કર્તા હો તો બંધન થશે ! આ તો જેને જ્ઞાન આપું છું તેને હોં, બીજા બધા તો કર્તા છે જ. મારા જ્ઞાનને સમજી અને પાંચ આજ્ઞા સમજે, તો નીવેડો આવે.

પ્રશ્શનકર્તા : આપણે કર્તા નથી, પણ આપણે એ કર્મમાં ભાગ લઈએ એટલે બીજાને દુઃખ પહોંચે છે, આપણા કર્મથી.

દાદાશ્રી : આપણે એટલે કોણ પણ ? હુ (ષ્ત્ર્ં) ? ચંદુભાઈ કે શુદ્ધાત્મા ?

પ્રશ્શનકર્તા : ચંદુભાઈ

દાદાશ્રી : તમે તો શુદ્ધાત્મા છોને ?

પ્રશ્શનકર્તા : હા.

દાદાશ્રી : તો ચંદુભાઈ કર્તા છે, તેમાં તમારે શું લેવા-દેવા ? તમે જુદા ને ચંદુભાઈ જુદા.

પ્રશ્શનકર્તા : ચંદુભાઈ કર્તા બનીને તન્મયાકાર તો થાય. ત્યારે ખબર પડે કે સામી પાર્ટીને મન દુઃખ થાય છે.

દાદાશ્રી : તે પછી ચંદુભાઈને કહેવું કે, ભાઈ માફી માગી લો, કેમ આ દુઃખ કર્યું ? પણ તમારે માફી નહીં માંગવાની. જે અતિક્રમણ કરે તેણે પ્રતિક્રમણ કરવાનું. ચંદુભાઈ અતિક્રમણ કરે તો પ્રતિક્રમણ એની પાસે કરાવડાવવું.

પ્રશ્શનકર્તા : હું સાડી વેચવાનો ધંધો કરતો હોઉં, આજુબાજુની દુકાનવાળાએ પાંચ રૂપિયા વધારી દીધા, તો મેં પણ પાંચ રૂપિયા વધાર્યા હોય તો મેં ખોટો ધંધો કર્યો કહેવાય ? મને એ અડે કે ના અડે ?

દાદાશ્રી : પણ કર્તા કોણ છે ત્યાં આગળ ?

પ્રશ્શનકર્તા : એ ચંદુભાઈ સાડી વેચવાવાળા.

દાદાશ્રી : તમે શુદ્ધાત્મા છો, અને પછી આ ચંદુભાઈ કહો તો યુ આર નોટ રિસ્પોન્સીબલ.

અને બીજી રીતે કોઈને સામું પ્રત્યક્ષ દુઃખ થયેલું લાગે એને. તો તમારે ચંદુભાઈને કહેવું જોઈએ કે ભઈ 'તમે' અતિક્રમણ કર્યું માટે પ્રતિક્રમણ કરો. બાકી તમારી જોખમદારી બિલકુલ નથી રાખી મેં. તમારી જોખમદારી ઊડાડી મેલી છે આ.

પ્રશ્શનકર્તા : તમે એ રીતે ચંદુભાઈને છૂટા મૂકી દો તો એ તો ગમે તે કરે.

દાદાશ્રી : ના. એ તેથી જ મેં વ્યવસ્થિતકહેલું કે એક વાળ ફેરફાર કરવાનો અધિકાર એક જિંદગી માટે નથી. 'વન લાઈફ' માટે હં !! જે લાઈફમાં હું વ્યવસ્થિત આપું છું, એ વ્યવસ્થિતમાં ફેરફાર થઈ શકે એમ નથી. ત્યારે જ હું તમને છૂટા મૂકી દઉં છું. એટલે હું જોઈને કહું છું, ને તેથી મારે વઢવુંયે ના પડે, કે બૈરી જોડે કેમ ફરતા'તા ? ને કેમ આમ તમે ?! મારે કશું વઢવું ના પડે. બીજી લાઈફ માટે નહીં, પણ આ એક લાઈફ માટે. યુ આર નોટ રિસ્પોન્સીબલ એટ ઓલ ! એટલું બધું કહ્યું છે પાછું.

આ છે અક્રમ વિજ્ઞાન

આ તો વિજ્ઞાન છે, તરત મુક્તિને આપનારું છે. અને જો આ વિજ્ઞાન સમજી જાય તો તાળા મળે એવું છે. જ્યાંથી તાળો મેળવો ત્યાંથી તાળા મળ્યા જ કરે, અને જે કોઈ પણ વસ્તુનો તાળો ના મળતો હોય તો એ વિજ્ઞાન જ ના કહેવાય. તાળો મેળવવો હોય તો તાળો મળી રહેવો જોઈએ. વિરોધાભાસ ક્યારે પણ ના આવવો જોઈએ. સો વર્ષ થાય, પણ વિરોધાભાસ હોય નહીં. એનું નામ સિદ્ધાંત કહેવાય. આ અક્રમસિદ્ધાંત બુદ્ધિને ગાંઠતું નથી. ભલભલા બુદ્ધિશાળીઓ મુંબઈમાં આવ્યા, પણ કોઈને ગાંઠતું જ નતી. કારણ કે બુદ્ધિથી પરવસ્તુ છે આ !! બુદ્ધિ તો લિમિટેડ હોય. આની લિમિટે ય ના હોય.

બ્લેક માર્કેટીંગનું શું ?

પ્રશ્શનકર્તા : કેટલીક જગ્યાએ માણસો ભૂખે મરે છે અને એક બાજુ બ્લેકમાં પૈસા બનાવું છું. એનો સમભાવે નિકાલ કેવી રીતે થાય ?

દાદાશ્રી : એ જે કરે છે ને, એ જ બરાબર છે. પ્રકૃતિ જે જે કરે ને એ કૉઝની ઇફેક્ટ જ છે. પછી આપણે જાણીયે, આપણને સમજણ પડે કે આ ન્યાયમાં નથી થયું એટલે આપણે ચંદુલાલને કહેવાનું કે આ ના કરો. માફી માંગી લેવાની કે આવું ફરી નહીં કરું, એ કહે પણ ફરી એવું જ કરે. કારણ પ્રકૃતિમાં ગુંથાયેલું એવું છે ને ! 'આપણે' ધોતા જવાનું પછી પાછળથી.

વ્યાજ ખવાય કે નહીં ?

પ્રશ્શનકર્તા : વ્યાજ ખવાય કે ના ખવાય ?

દાદાશ્રી : વ્યાજ ચંદુલાલને ખાવું હોય તો ખાય. પણ એને કહેવું કે પ્રતિક્રમણ કરજો પછી.

પ્રશ્શનકર્તા : પ્રતિક્રમણ શું કામ કરવાનું ? વ્યાજ એ અતિક્રમણ છે ?

દાદાશ્રી : અતિક્રમણ કર્યું માટે. વ્યાજને અતિક્રમણ ક્યારે કહેવાય છે ? સામા માણસને મનદુઃખ થાય ને એવું વ્યાજ હોય. તેને અતિક્રમણ કહેવાય છે.

પ્રશ્શનકર્તા : એ શાસ્ત્રમાં વ્યાજ ખાવાની ના લખી છે, એ શું ગણતરીઓ છે ?

દાદાશ્રી : વ્યાજ માટે ના તો એટલા માટે લખેલી છે કે, જે વ્યાજ ખાય છે એ માણસ ત્યાર પછી કસાઈ જેવો થઈ જાય છે, માટે ના પાડી છે. એ અહિતકારી છે એટલા માટે !

દુઃખ થાય ત્યાં પ્રતિક્રમણ !

આદર્શ વ્યવહારથી આપણાથી કોઈને ય દુઃખ ના થાય. તેટલું જ જોવાનું, છતાં પણ આપણા થકી કોઈને દુઃખ થાય તો તરત જ પ્રતિક્રમણ કરી લેવાનું, આપણાથી કંઈ એની ભાષામાં ના જવાય. આ જે વ્યવહારમાં પૈસાની લેવડ-દેવડ વગેરેમાં વ્યવહાર છે એ તો સામાન્ય રિવાજ છે, તેને અમે વ્યવહાર નથી કહેતા, કોઈનેય દુઃખ ના થવું જોઈએ તે જોવાનું ને દુઃખ થયું હોય તો પ્રતિક્રમણ કરી લેવું, તેનું નામ આદર્શ વ્યવહાર !!

કરો ઉઘરાણીવાળાના પ્રતિક્રમણ !

આ પ્રતિક્રમણથી સામા ઉપર અસર પડે, અને એ પૈસા પાછા આપે. સામાને એવી સદ્બુદ્ધિ ઉત્પન્ન થાય. પ્રતિક્રમણથી આમ સવળી અસર થાય છે. તો આપણા લોકો ઘેર જઈને ઉઘરાણીવાળાને ગાળો આપે તો તેની અવળી અસર થાય કે ના થાય ? ઊલટું લોકો વધારે ને વધારે ગૂંચવે છે. બધું અસરવાળું જગત છે.

પ્રશ્શનકર્તા : આપણે કોઈ લેણદારનું પ્રતિક્રમણ કરીએ તોય એ માગતો રહેને ?

દાદાશ્રી : માગવા ના માગવાનો સવાલ નથી. રાગ-દ્વેષ ના થવા જોઈએ. લેણું તો રહેય ખરું.

કાળા બજારનાં ય પ્રતિક્રમણ !

પ્રશ્શનકર્તા : અત્યારે ટેક્સો એટલા બધા છે કે ચોરી કર્યા વગર મોટા મોટા ધંધાનું સમતોલન થાય નહીં. બધા લાંચ માંગે તો એના માટે ચોરી તો કરવી જ પડેને ?

દાદાશ્રી : ચોરી કરો પણ તમને પસ્તાવો થાય છે કે નહીં ? પસ્તાવો થાય તોય એ હળવું થઈ જાય.

પ્રશ્શનકર્તા : તો પછી આ સંજોગોમાં શું કરવું જોઈએ ?

દાદાશ્રી : આપણે જાણીએ કે આ ખોટું થાય છે, ત્યાં આપણે હાર્ટિલી પસ્તાવો કરવો. બળતરા થવી જોઈએ તો જ છૂટાય. અત્યારે કંઈ કાળા બજારનો માલ લાવ્યાં તે પછી કાળા બજારમાં વેચવો પડે જ. તો ચંદુલાલને કહેવાનું, કે પ્રતિક્રમણ કરો. હા, પહેલાં પ્રતિક્રમણ કરતાં ન હતાં. તેથી કર્મનાં તળાવડાં બધાં ભર્યાં. હવે આ પ્રતિક્રમણ કર્યું, એટલે ચોખ્ખું કરી નાખવું. લોભ કોના નિમિત્તે થાય છે ? લોખંડ કાળા બજારમાં વેચ્યું તો આપણે ચંદુલાલને કહેવું, 'ચંદુલાલ, વેચો તેનો વાંધો નહીં, એ 'વ્યવસ્થિત'ના આધીન છે. પણ તેનું હવે પ્રતિક્રમણ કરી લો. અને કહીયે કે ફરી આવું ના થાય.

ચોરીઓનાં ય પ્રતિક્રમણ !

લોકો પર તને ચીઢ ચઢે છે ?

પ્રશ્શનકર્તા : ઘરમાં કોઈના દોષો દેખાય ને તો ચીઢ ચઢે.

દાદાશ્રી : ચીઢ ચઢે ? ચંદુલાલ ને ?

પ્રશ્શનકર્તા : ચંદુલાલને જ ને !!

દાદાશ્રી : અને 'તને' ? 'તને' ચીઢ ના ચઢે ?!!

પ્રશ્શનકર્તા : ચીઢે ય એને ચઢે, અને ભોગવટો ય એને આવે !

દાદાશ્રી : જેને ચીઢ ચઢે એને ભોગવટો આવે જ, પછી તને કેટલી ખોટ ગઈ ?

પ્રશ્શનકર્તા : બહુ ભારે ખોટ ગઈ.

દાદાશ્રી : એમ ? લોકોને મારવાના ભાવ નથી આવતા ને ? લોકોની પાસેથી પડાવી લેવાના ભાવ નથી આવતા ? પૈસા પડાવી લઈએ. આમ, તેમ ?

પ્રશ્શનકર્તા : એવું નથી થતું.

દાદાશ્રી : લોકો પાસેથી ચોરીઓ કરવાના ભાવ આવે છે ?

પ્રશ્શનકર્તા : લોકોની પાસેથી ચોરીઓ એ કેવી રીતે ?

દાદાશ્રી : માલ વેચવો, તેમાં છે તે વજન વધારે લખી નાખવું.

પ્રશ્શનકર્તા : એ થોડું ઘણું રહ્યા કરે.

દાદાશ્રી : હજુ ખરું ? પછી પ્રતિક્રમણ કરે છે તું ?

પ્રશ્શનકર્તા : કોઈ વખતે થઈ જાય, કોઈ વખત નહીં થતું.

દાદાશ્રી : બધું ધ્યાન તો રાખવું પડેને ? સો કિલોને બદલે એકસો એક કિલો ચઢાવી દો તો એક કિલોની ચોરી કરીને ?

પ્રશ્શનકર્તા : એનું પ્રતિક્રમણ કરીએ તો શું થાય ?

દાદાશ્રી : આપણે એના અભિપ્રાયમાં નથી. એવો અભિપ્રાય આજે નથી. આજે તો પૂર્વ ફોર્સથી થયા કરે છે આ. આજે તારો એવો ચોરી કરવાનો અભિપ્રાય ખરો ?

પ્રશ્શનકર્તા : બિલકુલ નહીં.

દાદાશ્રી : એટલા માટે પ્રતિક્રમણ કર્યું તો જાણવું કે, આજે એનો અભિપ્રાય નથી. પૂર્વ ફોર્સથી થયા કરે છે.

પ્રશ્શનકર્તા : એનું આવતા ભવે કર્મફળ બદલાઈ જાય ?

દાદાશ્રી : નહીં. આ ભવમાં જ ઊડી ગયું કહેવાયને ? જગતના લોકોને ચોરી કરવાનો અભિપ્રાય હોય, તે અભિપ્રાય તો મજબૂત કરે કે આ કરવું જ જોઈએ. અને તને શું થાય ?

પ્રશ્શનકર્તા : આવું ના હોવું ઘટે.

દાદાશ્રી : એટલે તું ઉત્તરમાં જઈ રહ્યો છે ને લોક દક્ષિણમાં જઈ રહ્યું છે. આ તો ચંદુલાલનું પાછલું સ્વરૂપ દેખાય છે. કેવું ભયંકર હતું એ હિસાબે ! પાછલું સ્વરૂપ કેવું હતું ?

પ્રશ્શનકર્તા : બહુ ભયંકર. પ્રતિક્રમણ કર્યા પછી ફરી દોષો કન્ટીન્યુઅસ દેખાયા જ કરતા હોય તો શું કરવું ?

દાદાશ્રી : એનાં ફરી ફરી પ્રતિક્રમણ કરવાં. નહીં તો બધા દોષોનું જાથું પ્રતિક્રમણ કરવું, પા કલાક દોષો દેખાયા કરતા હોય, પછી જાથું પ્રતિક્રમણ, ભેગું પ્રતિક્રમણ કરવું જોઈએ.

પોતે જજ ને પોતે આરોપી !

લોકો કહે છે કે, 'આપણે ભેળસેળ કરીશું ને ભગવાન પાસે માફી માગી લઈશું.' હવે માફી આપનારો કોઈ છે નહીં. તમારે જ માફી માંગવી, ને તમારે ને તમારે જ માફી આપવાની.

ડીસઓનેસ્ટી એટલે બેસ્ટ ફૂલિશનેસ !

એક જણ કહે, 'મને ધર્મ નથી જોઈતો. ભૌતિક સુખો જોઈએ છે.' તેને હું કહીશ, 'પ્રામાણિક રહેજે, નીતિ પાળજે.' મંદિરમાં જવાનું નહીં કહું. બીજાને તું આપું છું તે દેવધર્મ છે. પણ બીજાનું અણહક્કનું લેતો નથી એ માનવધર્મ છે. એટલે પ્રામાણિકપણું એ મોટામાં મોટો ધર્મ છે. 'ડીસઓનેસ્ટી ઈઝ ધી બેસ્ટ ફૂલીશનેશ !' ઓનેસ્ટ થવાનું નથી. તો મારે શું દરિયામાં પડું ? મારા દાદા શીખવાડે છે કે, ડીસઓનેસ્ટ થાઉં તેનું પ્રતિક્રમણ કર. આવતો ભવ તારો ઉજળો થઈ જશે. ડીસઓનેસ્ટીને, ડીસઓનેસ્ટી જાણ ને તેનો પ્રશ્ચાતાપ કર. પ્રશ્ચાતાપ કરનાર માણસ ઓનેસ્ટ છે એ નક્કી છે.

અનીતિનાં પ્રતિક્રમણ ખૂબ ખૂબ !

અનીતિથી પૈસા કમાય એ બધું જ છે તે એના ઉપાય બતાવેલા હોય કે અનીતિથી પૈસા કમાય તો ચંદુલાલને રાત્રે શું કહે ? કે પ્રતિક્રમણ કર કર કરો કે અનીતિથી કેમ કમાયા ? માટે પ્રતિક્રમણ કરો. રોજ ૪૦૦-૫૦૦ પ્રતિક્રમણ કરાવડાવે. પોતાને શુદ્ધાત્માએ કરવાનું નહિ. 'ચંદુલાલ'ની પાસે કરાવડાવવું. જે અતિક્રમણ કરે તેની પાસે પ્રતિક્રમણ કરાવડાવે.

હમણાં ભાગીદાર જોડે મતભેદ પડી જાય, તો તરત તમને ખબર પડી જાય કે, 'આ વધારે પડતું બોલી જવાયું. એટલે તરત એના નામનું પ્રતિક્રમણ કરવું. આપણું પ્રતિક્રમણ કેશ પેમેન્ટ હોવું જોઈએ. આ બેંકેય કેશ કહેવાય છે અને પેમેન્ટે ય કેશ કહેવાય છે.

અટકે અંતરાય કેમ કરીને ?

ઑફિસમાં પરમિટ લેવા ગયા, પણ સાહેબે ના આપી તો મનમાં એમ થાય કે, 'સાહેબ નાલાયક છે, આમ છે, તેમ છે.' હવે આનું ફળ શું આવશે તે જાણતો નથી. માટે આ ભાવ ફેરવી નાખવો, પ્રતિક્રમણ કરી નાખવું. એને અમે જાગૃતિ કહીએ છીએ.

આ સંસારમાં અંતરાય કેવી રીતે પડે છે તે તમને સમજાવું. તમે જે ઑફિસમાં નોકરી કરતા હો ત્યાં તમારા 'આસિસ્ટન્ટ'ને અક્કલ વગરના કહો, એ તમારી અક્કલ પર અંતરાડ પડ્યો ! બોલો, હવે આ અંતરાયથી આખું જગત ફસાઈ ફસાઈને આ મનુષ્યજન્મ એળે ખોઈ નાખે છે ! તમને 'રાઈટ' જ નથી સામાને અક્કલ વગરનો કહેવાનો. તમે આવું બોલો એટલે સામો પણ અવળું બોલે, તે એનેય અંતરાય પડે ! બોલો હવે, આ અંતરાયમાં જગત શી રીતે અટકે ? કોઈને તમે નાલાયક કહો તો તમારી લાયકાત ઉપર અંતરાય પડે છે ! તમે આનું તરત જ પ્રતિક્રમણ કરો તો એ અંતરાય પડતાં પહેલાં ધોવાઈ જાય.

અંડરહેન્ડને ટૈડકાવ્યા તેનાં પ્રતિક્રમણ !

પ્રશ્શનકર્તા : નોકરીની ફરજો બજાવતાં મેં બહુ કડકાઈથી લોકોનાં અપમાન કરેલાં, ધૂતકારી કાઢેલાં.

દાદાશ્રી : એ બધાનું પ્રતિક્રમણ કરવાનું. એમાં તમારો ખરાબ ઈરાદો નહીં, તમારે પોતાને માટે નહીં, સરકારને માટે. એ સિન્સીયારિટી કહેવાય.

પ્રશ્શનકર્તા : એ હિસાબે હું બહુ ખરાબ માણસ હતો, ઘણાને તો દુઃખ થયું હશેને ?

દાદાશ્રી : એ તો તમારે ભેગું પ્રતિક્રમણ કરવાનું, કે મારા આ સ્વભાવથી લઈને, કડક સ્વભાવને લઈને જે જે દોષ થયા તેની ક્ષમા માગું છું, એ જુદું જુદું નહીં કરવાનું.

પ્રશ્શનકર્તા : જાથું પ્રતિક્રમણ કરવાનું.

દાદાશ્રી : હા, તમારે આવું કરવાનું કે આ મારા સ્વભાવથી લઈને સરકારનું કામ કરવામાં, જે જે દોષો, લોકોને દુઃખ થાય એવું કર્યું છે એની ક્ષમા માગું છું. એવું રોજ બોલવું.

દેણદારને ઉપરથી ચૂકવ્યા !

મેં એક ફેરો જ્ઞાન થયા પછી ઇનામ કાઢ્યું હતું કે, મને એક ધોલ મારે તેને પાંચસો રૂપિયા મારે ઇનામ આપવા. ત્યાર પછી મેં લોકોને સમજણ પાડી કે, 'અલ્યા ! ભીડવાળો હોય તો કોઈની પાસે સો રૂપિયા ઉછીના ખોળવા જવા, એના કરતાં અહીં આવીને લઈ જજેને પાંચસો રૂપિયા !' 'આ શું બોલ્યા ?! તમને ધોલ મારીને અમારી શી દશા થાય ?!' એટલે કોઈ મફત ધોલ આપનાર નથી અને મફત આપનાર હોય તો આપણે ઉપકાર માનવો કે ઓહોહો ! આજે જે પૈસા આપ્યે નથી મળતું, તે આ મળ્યું. તેનો ગુણ કેટલો બધો હશે, નહીં ?!

પ્રશ્શનકર્તા : બહુ

દાદાશ્રી : ના માનવો જોઈએ ? પૈસા આપતાંય ના મળે. કોઈ ખોટું કરે નહીં. ખોટું કરવાનો અહંકાર કરે, ના ભઈ હું શું કરવા કરું ? હું શું કરવા બંધનમાં આવું ? આ તો એનું ખોટું કરેલું છે એનું પરિણામ આપે છે લોકો, સામાએ કર્યું છે એનું ફળ આપે છે.

પોલીસવાળાને ચોરને મારવાનું સારું લાગતું હશે ? પણ એના નિમિત્તે ફળ મળે છે એને. અને પોલીસવાળોય ખુશ થાય મહીં, આમ આવડી આવડી ચોપડે. કારણ કે ઇગોઈઝમ છે એની પાછળ !

 

ભાગ
1-2 -3 - 4 - 5 - 6 - 7 - 8