ભાગ
1-2 -3 - 4 - 5 - 6 - 7 - 8

(૭)

દાનનાં વહેણ

સારાં કાર્યો કોને કહેવાય ?

પ્રશ્શનકર્તા : સારાં કાર્યો કરવા માણસે શું કરવું ?

દાદાશ્રી : શું કરવાં છે સારાં કાર્યો ?

પ્રશ્શનકર્તા : કોઈ પણ સારું કાર્ય આપણે કરવું હોય, ધાર્મિક ગમે તે ?

દાદાશ્રી : દસેક લાખ રૂપિયા દાન કરવું છે ?

પ્રશ્શનકર્તા : ના, ના. દાનની વાત તો પછી છે.

દાદાશ્રી : તો શું કરવું છે એ કહોને મને ?

પ્રશ્શનકર્તા : પણ એમાં બુદ્ધિનો શો ઉપયોગ લેવો ?

દાદાશ્રી : બુદ્ધિનો ? તો આપણે એવું નક્કી કરવું કે આપણે પૈસા ના હોય તોય આપણે રોજ રાત્રે નક્કી કરવું કે મારે સવારમાં જે કોઈ હોય તે કોઈને ફેરો ખાઈ છૂટવો છે, ધક્કો ખાઈ છૂટવો છે. એને સાચી સલાહ આપવી છે. અને વેપારી કંઈ ગૂંચાયેલો હોય, નામામાં ગૂંચાયેલો હોય તો આપણે કહીએ કે ભઈ, હું તને નામાની સમજણ પાડી દઈશ. આવું તેવું આખો દહાડો કંઈનું કંઈ કરીએ. ઓબ્લાઇજિંગ કરીએ તો ચાલે કે ના થાય ?

પ્રશ્શનકર્તા : ચાલે.

લક્ષ્મીનો સદુપયોગ શેમાં ?

પ્રશ્શનકર્તા : પણ ધારો કે કોઈના પુણ્યકર્મે એની પાસે લાખો રૂપિયા થાય, તો એ ગરીબોમાં વહેંચી દેવા કે પછી પોતે જ ઉપયોગ કરવો ?

દાદાશ્રી : નહીં, એ પૈસા ઘરના માણસોને દુઃખ ન થાય એવી રીતે વાપરવા. ઘરનાં માણસને પૂછવું કે ભઈ, તમને અડચણ નથી ને ? ત્યારે એ કહે, 'ના, નથી.' તો એ લિમિટ એની, પૈસા વાપરવાની. એટલે પછી આપણે એ પ્રમાણે કરવું.

પ્રશ્શનકર્તા : સન્માર્ગે તો વાપરવાનું ને ?

દાદાશ્રી : પછી, બીજા બધા સન્માર્ગે જ વાપરવાના. ઘરમાં વપરાશે એ બધા ગટરમાં જશે. અને બીજે જે વપરાશે એ તમારા પોતાને જ માટે સેફ સાઈડ થઈ ગઈ. હા, અહીંથી જોડે લઈ જવાતા નથી, પણ બીજે રસ્તે સેફ સાઈડ કરી શકાય છે.

પ્રશ્શનકર્તા : પણ આમ તો એ જોડે જ લઈ ગયા જેવું કહેવાય ને !

દાદાશ્રી : હા, જોડે લેવા જેવું જ આપણે સેફસાઈડવાળું. એટલે કોઈ રસ્તે બીજાને કંઈ પણ સુખ થાય એને માટે વાપરવું. એ બધું તમારી સેફ સાઈડ છે.

પ્રશ્શનકર્તા : લક્ષ્મીનો સદુપયોગ કોને કહેવાય ?

દાદાશ્રી : લોકોના ઉપયોગ માટે કે ભગવાન માટે વાપરોને તે સદુપયોગ કહેવાય.

દાનમાં સ્વાર્થ !

પ્રશ્શનકર્તા : આ દાન શા માટે કરવામાં આવે છે ?

દાદાશ્રી : એવું છે ને એ દાન પોતે આપીને લેવા માગે છે. સુખ આપી અને સુખ લેવા માંગે છે. મોક્ષ માટે દાન નથી આપતો. એ સુખ આપો લોકોને તો તમને સુખ મળશે. જે તમે આપો તે મળશે. એટલે એ તો નિયમ છે. એ તો આપવાથી આપણને મળે છે. પ્રાપ્તિ થાય છે. લઈ લેવાથી ફરી જતું રહે છે.

પ્રશ્શનકર્તા : ઉપવાસ કરવો સારો કે કંઈક દાન કરવું સારું ?

દાદાશ્રી : દાન કરવું એટલે શું કે ખેતરમાં વાવવું. ખેતરમાં વાવી આવવું એટલે એનું ફળ મળશે. અને ઉપવાસ કરવાથી મહીં જાગૃતિ વધશે. પણ શક્તિ પ્રમાણે ઉપવાસ કરવાનું ભગવાને કહ્યું છે.

પ્રશ્શનકર્તા : દાદા, આ દાન તો બહાર આટલું બધું કરે છે, જૈનોમાં અપાસરામાં બહુ કરે છે.

દાદાશ્રી : એ દાન કરે પણ આમ સગાંવહાલાંને કાયદાથી બહાર ના આપે. દાન કરે કારણ પોતાને એનું ફળ લેવાનું ને ! એનું ફળ મારે લેવાનું છે ને એ તો સ્વાર્થ છે, એક જાતનો. દાન એ તો સ્વાર્થ છે. પણ આ સગાંવહાલાંને ના આપે. કાયદાની બહાર ના આપે. એ તો મેં બધી આખી નાતમાં જોયેલું.

મંદિરોમાં કે ગરીબોમાં ?

પ્રશ્શનકર્તા : આપણે મંદિરોમાં ગયા'તાને, તે લોકો કરોડો રૂપિયા પથ્થરની પાછળ ખર્ચા કરે છે. અને આ ભગવાને કીધું આ જીવતા જાગતા અંતર્યામી, અને દરેક જીવમાત્રમાં બિરાજમાન છે. અને જીવતા જગતને લોકો તતડાવે છે. અને આ પથ્થરની પાછળ કરોડો રૂપિયા ખર્ચા કરે છે. એ વસ્તુ શું ?

દરેકની મહીં ભગવાન છે, પ્રત્યક્ષ છે. તો એ લોકોને કગરાવે છે ને અહીંયા કરોડો રૂપિયા પથ્થરની મૂર્તિ પાછળ ખર્ચે આવું કેમ ?

દાદાશ્રી : હા, પણ લોકોને કકળાવે એ તો એની અણસમજણથી કકળાવે છેને, બિચારાને ? ક્રોધ-માન-માયા-લોભની નિર્બળતાથી કકળાવે છેને ?

પૈસા કમાવા નીકળે છે, હવે ઘેર છે તે સારી રીતે ઘર ચાલે એવું હોય છે. તોય પૈસા કમાવા નીકળે. તે આપણે ના સમજીએ કે આ એના ક્વોટા ઉપરાંત વધારે ક્વોટા લેવા ફરે છે ?! જગતમાં તો ક્વોટા બધાનો સરખો છે. પણ આ લોભિયા છે તે વધારે ક્વોટા લઈ જાય છે એ પેલાં અમુક લોકોને ભાગ જ ના આવે. હવે અમે છે તે એમ ને એમ ગપ્પાથી નથી મળતું તે પુણ્ય !

ત્યારે પુણ્ય વધારે કર્યું તો આપણી પાસે નાણું આવ્યું તો નાણું આપણે ખર્ચી નાખીએ પાછું. આપણે જાણીએ કે આ તો ભેગું થવા માંડ્યું. ખર્ચી નાખ્યા તો ડીડક્શન(બાદ) થઈ શકેને ? પુણ્ય ભેગું તો થઈ જ જાય. પણ ડીડક્શન કરવાની રીત તો જાણવી જોઈએને ?

એટલે લોકો બધું કરે છે, બરોબર કરે છે. એમને ચાવી જોઈએ છે. એમને દર્શન ક્યાં કરવાં છે ? જે જ્યાં દર્શન કરવા જાયનેે તો એને શરમ ના આવે એવું જોઈએ છે. જીવતાં જોડે એને શરમ આવે છે અને મૂર્તિ પાસે તમેેકહો એવો નાચે હઉ. નાચે-કૂદે એકલો ! પણ જીવતાં જોડે એને શરમ આવે છે. આ જીવતાં ન્હોયને અને જીવતાં પાસે ના કશું થાય. અને જો જીવતાં પાસે જો કર્યું તો એનું કલ્યાણ થઈ જાય, પરમ કલ્યાણ થઈ જાય. આત્યંતિક કલ્યાણ થઈ જાય. પણ એવી શક્તિ ના હોયને. એવી પુણ્યૈ ના હોય !

ભગવાન પાસે મૂકેને, તે બધું નિષ્કામ નહીં સકામ. હે ભગવાન, છોકરાંને ઘેર એક છોકરો ! મારો છોકરો પાસ થાય. ઘેર ઘૈડા ડોસા છેને, એમને પક્ષઘાત થયો છે તે મટી જાય. તેના બસ્સો ને એક મૂકે. હવે અહીં તો કોણ મૂકે ! આપણે કંઈ એવું કારખાનું છે ? અને અહીં લેય કોણ તે મૂકે ?

દાન કોને અપાય ?

પ્રશ્શનકર્તા : અમે અહીં અમેરિકામાં કોઈ ગરીબ નહીં તેથી કોઈને દાન ના કરી શકીએ તેથી અમને પુણ્યનો ચાન્સ ઓછો મળેને ?

દાદાશ્રી : તમે ગરીબને પૈસા આપો ને એની તપાસ કરો તો પાસે પોણો લાખ રૂપિયા પડ્યા હોય. કારણ એ લોકો ગરીબોના નામ પર પૈસા ભેગા કરે છે ? બધો વેપાર જ ચાલે છે. દાન તો ક્યાં આપવાનું છે ? જે લોકો માંગતા નથી ને અંદર મહીં કચવાયા કરે છે ને દબઈ દબઈને ચાલે છે એ કોમન માણસો છે ત્યાં આપવાનું છે. એ લોકોને બહુ સપડામણ છે, એ મધ્યમ વર્ગને !

લક્ષ્મી દીધી ને તકતી લીધી !

પ્રશ્શનકર્તા : એવું નહીં દાદા, કેટલાક લોકો સમજ્યા વગર આપે તો અર્થેય નહીં એનો.

દાદાશ્રી : ના, સમજ્યા વગર ના આપે. એ તો બહુ પાકા એ તો પોતાના હિતનું જ કરે.

પ્રશ્શનકર્તા : ધર્મનું સમજ્યા વગર, નામ માટે આપે, તકતી લગાડવા માટે આપે.

દાદાશ્રી : એ નામ તો, હમણે આ નામનું થઈ ગયું ! પહેલાં તો નામનું નહીં. આ તો હમણે વેચવા માંડ્યા નામ, આ કળિયુગને લીધે. બાકી પહેલાં નામ-બામ હતું જ નહીં. એ આપ્યા જ કરે નિરંતર એટલે ભગવાન એમને શું કહેતા હતા ? શ્રેષ્ઠી કહેતા હતા અને અત્યારે એ શેઠ કહેવાય છે.

નામીની તો નનામી !

પ્રશ્શનકર્તા : આપવું તે પાછું અહંકારથી આપ્યું. તકતી લગાડીને આપ્યું. આપણે તકતી ના લગાડીએ તો પાછળવાળા કેવી રીતે જાણે કે આપણા બાપે આ કરેલું. તકતી વાંચે તો જ ખબર પડેને ! કે આ ધરમશાળા મેં બંધાવી.

દાદાશ્રી : શું નામ છે આપનું ?

પ્રશ્શનકર્તા : ચંદુલાલ.

દાદાશ્રી : એવું છે ને તો આપણે ચંદુભાઈ તરીકે રહીશું. એ ચંદુભાઈ તો નામ રહ્યું. એમાં આપણે શું ? અહીંથી નનામી કાઢેને, એટલે ઊડી ગયું. એ જપ્તીમાં ગયેલું શું કામનું ? સમજ પડીને ? એટલે નામની કિંમત ના આંકવી. નામ તો અહીં નનામી કાઢે એટલે ત્યાં આગળ જપ્તીમાં જતું રહે છે. અહીં નનામીનો રિવાજ છે કે પાછળ ? આ તો નામ પરનું બધું જપ્તીમાં જતું રહેશે અને તમે છો અનામી. અનામીની નનામી ના હોય. નામી થયા માટે નનામી નીકળે. આ હું તમને એવું અનામી કરી આપીશ પછી નનામી નીકળશે નહીં. નામની નીકળશે, પણ તમારી નહીં નીકળે પછી.

શાને ન ટકે, લક્ષ્મી ?

પ્રશ્શનકર્તા : હું દસ હજાર રૂપિયા મહિને કમાઉં છું, પણ મારી પાસે લક્ષ્મીજી ટકતી કેમ નથી ?

દાદાશ્રી : ૧૯૪૨ પછીની લક્ષ્મી ટકતી નથી. આ લક્ષ્મી છે તે પાપની લક્ષ્મી છે, એથી ટકતી નથી. હવે પછીનાં બે-પાંચ વરસ પછીની લક્ષ્મી ટકશે. 'અમે' 'જ્ઞાની' છીએ, તો પણ લક્ષ્મી આવે છે, છતાં ટકતી નથી. આ તો ઇન્કમટેક્ષ ભરાય એટલે લક્ષ્મી આવે એટલે પત્યું.

પ્રશ્શનકર્તા : લક્ષ્મી ટકતી નથી તો શું કરવું ?

દાદાશ્રી : લક્ષ્મી તો ટકે એવી જ નથી. પણ એનો રસ્તો બદલી નાખવાનો. પેલે રસ્તે જાય છે તો એનું વહેણ બદલી નાખવાનું ને ધર્મના રસ્તે વાળી નાખવાની. તે જેટલી સુમાર્ગે ગઈ એટલી ખરી. ભગવાન આવે પછી લક્ષ્મીજી ટકે, તે સિવાય લક્ષ્મીજી ટકે શી રીતે ? ભગવાન હોય ત્યાં કલેશ ના થાય ને એકલી લક્ષ્મીજી હોય તો કલેશ ને ઝગડા થાય. લોકો લક્ષ્મી ઢગલાબંધ કમાય છે, પણ તે કમજરે જાય છે. કોઈ પુણ્યશાળીના હાથે લક્ષ્મી સારે રસ્તે વપરાય. લક્ષ્મી સારા રસ્તે વપરાય ને તે બહુ ભારે પુણ્ય કહેવાય.

૧૯૪૨ પછીની લક્ષ્મીમાં કશો કસ જ નથી. અત્યારે લક્ષ્મી યથાર્થ જગ્યાએ વપરાતી નથી. યથાર્થ જગ્યાએ વપરાય તો બહુ સારું કહેવાય.

પૈસા ખોટે રસ્તે ગયા તો કંટ્રોલ કરી નાખવો. ને પૈસા સારા રસ્તે વપરાય તો ડીકંટ્રોલ કરી નાખવાનો.

મન બગડેલાં તેથી....

પ્રશ્શનકર્તા : હું અમુક સમય સુધી મારી આવકમાંથી ૩૦ ટકા ધર્માદામાં આપતો હતો પણ એ બધું અટકી ગયું. જે જે આપતો હતો તે હવે આપી શકતો નથી.

દાદાશ્રી : એ તો તમારે કરવું છે તો એ બે વર્ષ પછી પણ આવશે જ ! ત્યાં કંઈ ખોટ નથી. ત્યાં તો ઢગલાબંધ છે. તમારાં મન બગડેલાં હોય, તે શું થાય ?

આમ અંતરાય પડે !

આ ભાઈ કોઈ એક જણને દાન આપતા હોય, ત્યાં આગળ કોઈ બુદ્ધિશાળી કહેશે કે, 'અરે આને ક્યાં આપો છો ?' ત્યારે આ ભાઈ કહેશે, 'હવે આપવા દોને, પણ ગરીબ છે.' એમ કરીને એ દાન આપે છે, ને પેલો ગરીબ લઈ લે છે. પણ પેલો બુદ્ધિશાળી બોલ્યો તેનો તેણે અંતરાય પાડ્યો. તે પછી એને દુઃખમાં ય કોઈ દાતા ના મળી આવે. અને જ્યાં પોતે અંતરાય પાડે છે તે જગ્યાએ જ આ અંતરાય કામ કરે છે. વિષયમાં અંતરાય પાડે તો તેને વિષયમાં અંતરાય આવીને ઊભો રહે. ખાવામાં અંતરાય પાડ્યો હોય તો અહીં આગળ બધે હોટલો છે, વીશીઓ છે, પણ એ જ્યારે જાય ત્યારે બધી વીશીઓ બંધ હોય અગર તો જમવાનું ખલાસ થઈ ગયું હોય.

પ્રશ્શનકર્તા : વાણીથી અંતરાય ના પડ્યા હોય, પણ મનથી અંતરાય પડ્યા હોય તો ?

દાદાશ્રી : મનથી પાડેલા અંતરાય વધારે અસર કરે. એ તો બીજે અવતારે અસર કરે અને આ વાણીનું બોલેલું આ અવતારે અસર કરે. વાણી થઈ કે રોકડું થયું. કૅશ થયું, તે ફળેય કૅશ આવે અને મનથી ચીતર્યું તે તો આવતે અવતારે રૂપક થઈને આવશે.

ને આમ અંતરાય ઊડે !

પ્રશ્શનકર્તા : એટલે એટલી જાગૃતિ રાખવી જોઈએ કે જરાય આડો અવળો વિચાર ના થાય.

દાદાશ્રી : એવું બને એવું નથી. વિચાર તો એવા થયા વગર રહેવાના જ નથી. એને આપણે ભૂંસી નાખીએ એ આપણો ધંધો. એવા વિચાર ના થાય એવું આપણે નક્કી કરીએ એ નિશ્ચય કહેવાય. પણ વિચાર જ ના આવે એવું ત્યાં આગળ ચાલે નહીં. વિચાર તો આવે પણ બંધ પડતાં પહેલાં ભૂંસી નાખવાનો. તમને વિચાર આવ્યો કે, 'આને દાન ના આપવું જોઈએ', પણ તમને જ્ઞાન આપ્યું છે એટલે જાગૃતિ આવે કે આપણે વચ્ચે ક્યાં અંતરાય પાડ્યો ? એમ, તે પાછો તમે એને ભૂંસી નાખો. પોસ્ટમાં કાગળ નાખતાં પહેલાં ભૂંસી નાખો તો વાંધો નહીં. પણ એ તો જ્ઞાન વગર કોઈ ભૂંસે નહીંને ! અજ્ઞાની તો ભૂંસે જ નહીંને ?! ઉલટું આપણે એને એમ કહીએ કે 'આવો ઊંધો વિચાર શું કામ કર્યો ?' ત્યારે એ કહેશે કે, 'એ તો કરવો જ જોઈતો હતો એમાં તમને સમજણ ના પડે.' તે પછી પાછો એવું ડબલ કરે ને જાડું કરી આપે. અહંકાર બધું ગાંડું જ કરે, નુકસાન કરે, એનું નામ અહંકાર, પોતે પોતાના જ પગ પર કુહાડી માર માર કરે એનું નામ અહંકાર.

હવે તો આપણે પશ્ચાતાપથી બધું ભૂંસી શકાય અને મનમાં નક્કી કરીએ કે આવું ના બોલવું જોઈએ. અને બોલ્યો તેની ક્ષમા માગું છું, તો ભૂંસાઈ જાય. કારણ કે તે કાગળ પોસ્ટમાં પડ્યો નથી તે પહેલાં આપણે ફેરફાર કરી નાખીએ કે પહેલાં અમે મનમાં વિચાર કર્યો હતો કે, 'દાન આપવું ના જોઈએ' તે ખોટું છે. પણ હવે અમે વિચાર કરીએ છીએ કે આ દાન આપવામાં સારું છે એટલે એનું આગળનું ભૂંસાઈ જાય.

એનું વહેણ બદલો !

ખરે ટાઈમે તો એક ધર્મ જ તમને મદદ કરીને ઊભો રહે. માટે ધર્મના વહેણમાં લક્ષ્મીજી જવા દેજો. ફક્ત એક સુષમકાળમાં લક્ષ્મી મોહ કરવા જેવી હતી. એ લક્ષ્મીજી તો આવ્યાં નહીં ! અત્યારે આ શેઠિયાઓને હાર્ટ ફેઈલ અને બ્લડ પ્રેશર કોણ કરાવે છે ? આ કાળની લક્ષ્મી જ કરાવે છે.

પૈસાનો સ્વભાવ કેવો છે ? ચંચળ છે, એટલે આવે અને એક દહાડો પાછા જતા રહે. માટે પૈસા લોકોના હિતને માટે વાપરવા. જ્યારે તમારો ખરાબ ઉદય આવ્યો હોય ત્યારે લોકોને આપેલું તે જ તમને હેલ્પ કરે, એટલે પહેલેથી જ સમજવું જોઈએ. પૈસાનો સદ્વ્યય તો કરવો જ જોઈએને ?

ચારિત્રનો ડાહ્યો થયો કે આખું જગત જીતી ગયો. પછી છોને બધું જ ખાવું હોય તે ખાય, પીવે ને વધારે હોય તો ખવડાવી દે. બીજું કરવાનું છે શું ? કંઈ જોડે લઈ જવાય છે ? જે નાણું પારકા માટે વાપર્યું એટલું જ નાણું આપણું, એટલી આવતા ભવની સિલક. એટલે કોઈને આવતા ભવની સિલક જો જમે કરવી હોય તો નાણું પારકા માટે વાપરો. પછી પારકો જીવ, એમાં કોઈ પણ જીવ, પછી એ કાગડો હોય ને એ આટલું ચાખી પણ ગયો હશે, તોયે પણ તમારી સિલક ! પણ તમે ને તમારાં છોકરાંએ ખાધું, એ બધી તમારી લિક ન હોય, એ બધું ગટરમાં ગયું. ત્યારે ગટરમાં જવાનું બંધ કરાય નહીં, એ તો ફરજિયાત છે, એટલે કંઈ છૂટકો છે ? પણ જોડે જોડે સમજવું જોઈએ કે પારકાને માટે નહીં વપરાયું એ બધું ગટરમાં જ જાય છે.

મનુષ્યોને ના જમાડો ને છેવટે કાગડાને જમાડો, ચકલીને જમાડો, બધાંને જમાડો તોય એ પારકાને માટે વાપર્યું ગણાય. મનુષ્યોની થાળીની કિંમત તો બહુ વધી ગઈ છેને ? ચકલીઓની થાળીની કિંમત ખાસ નહીંને ? ત્યારે જમા પણ એટલું ઓછું જ થાયને ?

બદલાયેલા વહેણની દિશાઓ !

કેટલાં પ્રકારના દાન છે એવું જાણો છો તમે ?

ચાર પ્રકારનાં દાન છે.

જો એક આહારદાન, બીજું ઔષધદાન, ત્રીજું જ્ઞાનદાન અને ચોથું અભયદાન.

પહેલું આહારદાન !

પહેલા પ્રકારનું દાન છે તે અન્નદાન. આ દાનને માટે તો એવું કહ્યું છે કે ભઈ, અહીં કોઈ માણસ આપણે ઘેર આવ્યો હોય તે કહે, 'કંઈક મને આપો, હું ભૂખ્યો છું.' ત્યારે કહીએ, 'બેસી જા, અહીં જમવા. હું તને મૂકું.' એ આહારદાન. ત્યારે અક્કલવાળા શું કહે, આ તગડાને ખવડાવશો તો સાંજે તમે શી રીતે ખવડાવવાના હતા ? ત્યારે ભગવાન કહે છે, તું આવું ડહાપણ ના કરીશ. આ ભાઈએ ખવડાવ્યું તો આજનો દહાડો તો એ જીવશે. કાલે પછી એને જીવવા માટે કોઈ મળી આવશે. સમજ પડીને ! પછી કાલનો વિચાર આપણે નહીં કરવાનો. તમારે બીજી ભાંજગડ નહીં કરવાની કે કાલે એ શું કરશે ? એ તો કાલે એને મળી આવે પાછું. તમારે એમાં ચિંતા નહીં કરવાની કે કાયમ અપાય કે ના અપાય ? તમારે ત્યાં આવ્યો એટલે તમે એને આપો, જે કંઈ અપાય તે. આજ તો જીવતો રહ્યો બસ ! પછી કાલે વળી. એને બીજું કંઈ ઉદય હશે. તમારે ફિકર કરવાની જરૂર નથી.

પ્રશ્શનકર્તા : અન્નદાન શ્રેષ્ઠ ગણાય છે ?

દાદાશ્રી : અન્નદાન સારું ગણાય છે. પણ અન્નદાન કેટલું આપે ? કંઈ કાયમને માટે આપે નહીં ને લોકો. એક ટંકેય ખવડાવે તો બહુ થઈ ગયું. બીજે ટંકે પાછું મળી રહેશે. પણ આજનો દિવસ, એક ટંકેય જીવતો રહ્યોને !

ઔષધદાન !

અને બીજું ઔષધદાન. એ આહારદાનથી ઉત્તમ ગણાય, ઔષધદાનથી શું થાય ? સાધારણ સ્થિતિનો માણસ હોય તે માંદો પડ્યો હોય ને દવાખાનામાં જાય એટલે ત્યાં આગળ કોઈ કહેશે કે, 'અરે ડૉક્ટરે કહ્યું છે પણ દવા લાવવાના પચાસ રૂપિયા મારી પાસે નથી. એટલે દવા શી રીતે લાવું ? ત્યારે આપણે કહીએ કે 'આ પચાસ રૂપિયા દવાના અને દસ રૂપિયા બીજા. અગર તો ઔષધ આપણે મફત આપીએ ક્યાંથી લાવીને. આપણે પૈસા ખર્ચીને લાવીને એને ફ્રી ઑફ કોસ્ટ (મફત) આપવું. તો એ ઔષધ કરે તો એ બિચારો કંઈ છ વર્ષ, દશ વર્ષ જીવે. અન્નદાન કરતાં ઔષધદાનથી વધારે ફાયદો છે. સમજાયું તમને ? કયો ફાયદો વધારે ? અન્નદાન સારું કે ઔષધદાન ?

પ્રશ્શનકર્તા : ઔષધદાન.

દાદાશ્રી : ઔષધદાનને આહારદાનથી વધારે કિંમતી ગણ્યું છે. કારણ કે એ બે મહિનાયે જીવતો રાખે. માણસને વધુ ટાઈમ જરા જિવાડે. વેદનામાંથી થોડી ઘણી મુક્તિ કરે.

પછી એનાથી આગળ જ્ઞાનદાન કહ્યું.

ઊંચું જ્ઞાનદાન !

જ્ઞાનદાનમાં પુસ્તકો છપાવવાં, સાચા રસ્તે વાળે અને લોકોનું કલ્યાણ થાય એવાં પુસ્તકો છપાવવાં એવું તેવું એ જ્ઞાનદાન. જ્ઞાનદાન આપે તો સારી ગતિઓમાં, ઊંચી ગતિઓમાં જાય, અગર તો મોક્ષે પણ જાય.

એટલે મુખ્ય વસ્તુ જ્ઞાનદાન ભગવાને કહેલું છે અને જ્યાં પૈસાની જરૂર નથી ત્યાં અભયદાનની વાત કહી છે. જ્યાં પૈસાની લે-દે છે, ત્યાં આગળ આ જ્ઞાનદાન કહ્યું છે અને સાધારણ સ્થિતિ, નરમ સ્થિતિનાં માણસોને ઔષધદાન ને આહારદાન બે કહ્યું છે.

પ્રશ્શનકર્તા : પણ તે પૈસા વધ્યા હોય તો તેનું દાન તો કરેને ?

દાદાશ્રી : દાન એ ઉત્તમ. જ્યાં દુઃખ હોય ત્યાં દુઃખ ઓછાં કરો અને બીજું સન્માર્ગે વાપરવા. લોકો સન્માર્ગે જાય એવું જ્ઞાનદાન કરો. આ દુનિયામાં ઊંચું જ્ઞાનદાન ! તમે એક વાક્ય જાણો તો તમને કેટલો બધો લાભ થાય ! હવે એ પુસ્તક લોકોના હાથમાં જાય તો કેટલો બધો લાભ થાય !

પ્રશ્શનકર્તા : હવે બરાબર સમજાયું.

દાદાશ્રી : હા, એટલે આ જેની પાસે પૈસા વધારે હોય તેણે જ્ઞાનદાન મુખ્ય કરવું જોઈએ.

ઊંચામાં ઊંચું અભયદાન !

અને ચોથું અભયદાન. અભયદાન તો કોઈ જીવમાત્રને ત્રાસ ના થાય એવું વર્તન રાખવું, એ અભયદાન.

પ્રશ્શનકર્તા : અભયદાન જરા વધુ સમજાવો.

દાદાશ્રી : અભયદાન એટલે આપણાથી કોઈ જીવને કિંચિત્માત્ર દુઃખ ના થાય. એનો દાખલો આપું. હું સિનેમા જોવા જતો હતો, નાની ઉંમરમાં ૨૨-૨૫ વર્ષની ઉંમરમાં. તે પાછો આવું તો રાતના બાર-સાડાબાર વાગેલા હોય. એ આવું એટલે પેલા બૂટ ખખડે એ અમે પેલી ચકતીઓ નંખાવીએ એટલે ખખડાટ થાય ને રાત્રે અવાજ બહુ સારો આવે. રાત્રે કૂતરાં બિચારાં સૂઈ રહ્યાં હોય, તે નિરાંતે આમ કરીને સૂતાં હોય, તે આમ કરીને કાન ઊંચા કરે. તે આપણે સમજીએ કે ચમક્યું બિચારું આપણે લીધે ! આપણે તો એવા કેવા જન્મ્યા આ પોળમાં કે આ કૂતરાં આપણાથી ચમકે છે ? એટલે પહેલેથી, છેટેથી બૂટ કાઢી અને હાથમાં ઝાલીને આવું. છાનોમાનો પેસી જઉં. પણ પેલાને ચમકવા ના દઉં. આ નાની ઉંમરમાં મારો પ્રયોગ. આપણે લીધે ચમક્યુંને !

પ્રશ્શનકર્તા : હા, એની ઊંઘમાં પણ વિક્ષેપ પડ્યોને ?

દાદાશ્રી : હા, પાછું તે ચમક્યું ને તે એનો સ્વભાવ નાયે છોડે. પછી કોઈ ફેરો ભસેય ખરું, સ્વભાવ પડેલો છે. એટલે એનાં કરતાં ઊંઘવા દઈએ તો શું ખોટું ? તેમાં પોળવાળાને ના ભસે.

માટે અભયદાન, કોઈ જીવને કિંચિત્માત્ર દુઃખ ના થાય એવા ભાવ પહેલાં રાખવા અને પછી એ પ્રયોગમાં આવે. ભાવ કર્યા હોય તો પ્રયોગમાં આવે. પણ ભાવ જ ના કર્યા હોય તો ? એટલે આને મોટું દાન કહ્યું ભગવાને. એમાં પૈસાની કોઈ જરૂર નથી. ઊંચામાં ઊંચું દાન જ આ છે, પણ એ માણસોનું ગજું નથી. લક્ષ્મીવાળા હોય તોય આવું કરી શકે નહીં, માટે લક્ષ્મીવાળાએ લક્ષ્મીથી પતાવી દેવું.

એટલે આ ચાર પ્રકાર સિવાય બીજું કોઈ પ્રકારનું દાન નથી એમ ભગવાને કહેલું છે. બીજાં બધાં તો દાનની વાત કરે છે, એ બધી કલ્પનાઓ છે, આ ચાર પ્રકારનું જ દાન છે. આહારદાન, ઔષધદાન, પછી જ્ઞાનદાન અને અભયદાન. બનતાં સુધી અભયદાનની ભાવના મનમાં કરી રાખવી.

પ્રશ્શનકર્તા : પણ અભયદાનમાંથી આ ત્રણેય દાન નીકળી આવે છે, આ ભાવમાંથી ?

દાદાશ્રી : ના, એવું છે કે અભયદાન તો ઊંચો માણસ કરી શકે. જેની પાસે લક્ષ્મી નહીં હશે, એ સાધારણ માણસ પણ આ કરી શકે. ઊંચા પુરુષો પાસે લક્ષ્મી હોય યા ના પણ હોય, માટે લક્ષ્મી સાથે એમનો વ્યવહાર નથી, પણ અભયદાન તો અવશ્ય કરી શકે. ત્યારે લક્ષ્મીપતિઓ અભયદાન કરતા, પણ અત્યારે એમને એ ના થઈ શકે, એ કાચા હોય. લક્ષ્મી જ રળી લાવ્યા છેને, તેય લોકોને ભય પમાડી પમાડીને !

પ્રશ્શનકર્તા : ભયદાન કર્યું છે ?

દાદાશ્રી : ના, એવું કહેવાય નહીં, એવું કરીનેય જ્ઞાનદાનમાં ખર્ચે છેને ! અહીંથી, આમ ગમે તેવું કરીને આવ્યો, પણ અહીં જ્ઞાનદાનમાં ખર્ચે છે, એ ઉત્તમ છે, એવું ભગવાને કહ્યું.

હવે એ જ્ઞાન કેવું હોવું જોઈએ ? લોકોને હિતકારી થાય એવું જ્ઞાન હોવું જોઈએ. હા, બહારવટિયાની વાતો સાંભળવા માટે નથી, એ તો સ્લીપ થયા કરે, એ વાંચે તો આનંદ તો થાય એમાં પણ નીચે અધોગતિમાં જયા કરે.

જ્ઞાનીની દ્રષ્ટિએ....

પ્રશ્શનકર્તા : વિદ્યાદાન, ધનદાન, એ બધાં દાનમાં આપની દ્રષ્ટિએ કયું દાન શ્રેષ્ઠ ગણાય ? ઘણી વાર આમાં દ્વિધા ઉત્પન્ન થાય છે ?

દાદાશ્રી : વિદ્યાદાન ઉત્તમ ગણાય છે. લક્ષ્મી હોય તેણે વિદ્યાદાન, જ્ઞાનદાનમાં લક્ષ્મી આપવી જોઈએ. જ્ઞાનદાન એટલે પુસ્તકો છપવવાં કે બીજું-ત્રીજું કરવું. જ્ઞાનનો ફેલાવો કેવી રીતે થાય ? એના માટે જ પૈસા વાપરવા જોઈએ. લક્ષ્મી હોય તેણે અને લક્ષ્મી ના હોય તેણે અભયદાનનો ઉપયોગ કરવો જોઈએ. કોઈને ભય ના થાય એવી રીતે આપણે ચેતીને ચાલવું જોઈએ. કોઈને દુઃખ ના થાય, ભય ના થાય, એ અભયદાન કહેવાય છે.

બાકી અન્નદાન ને ઔષધદાન એ તો સહેજે આપણે ત્યાં બૈરાં-છોકરાં બધાં કર્યા કરે. એ કંઈ બહુ કિંમતી દાન નથી, પણ કરવું જોઈએ. આવું કંઈ આપણને ભેગો થાય તો આપણે ત્યાં દુખીયો માણસ આવ્યો તેને જે તૈયાર હોય તે તરત આપી દેવું.

દાનની બાબતમાં લોકો નામ કાઢવા માટે દાનો આપે છે, એ વાજબી નથી. નામો કાઢીને તો આ ખાંભીઓ બધી ઘાલે છે ને ખાંભીઓ કોઈની રહી નથી અને અહીં આપેલું તે સાથે આવે ક્યારે ? વિદ્યા ફેલાય, જ્ઞાન ફેલાય એવું કંઈક કરીએ તો એ આપણને જોડે આવે. અગર અભયદાન, કોઈને દુઃખ ન દેવાની દ્રષ્ટિ. આજથી જ નક્કી કરી નાખો કે મારે આ જગતમાં કોઈને સ્હેજ પણ દુઃખ દેવું નથી. મન-વચન-કાયાથી કિંચિત્માત્ર ત્રાસ આપવો નથી. એવું નક્કી કરોને તો મહીં, અંદર એવું ચાલે. તમે નક્કી કરો એવું ચાલે છે અંદર. તમારો નિશ્ચય હોય એવું ચાલે.

જ્ઞાનીઓ જ આપે 'આ' દાન !

એટલે શ્રેષ્ઠ દાન અભયદાન, બીજા નંબરે જ્ઞાનદાન, અભયદાનને ભગવાને વખાણ્યું છે. પહેલું કોઈ તારાથી ભય ના પામે એવું અભયદાન આપ.

બીજું જ્ઞાનદાન, ત્રીજું ઔષધદાન અને ચોથું આહારદાન.

જ્ઞાનદાનથી તો શ્રેષ્ઠ અભયદાન ! તે લોકો અભયદાન આપી શકે નહીંને ? એ જ્ઞાનીઓ એકલા જ અભયદાન આપે. જ્ઞાનીઓ અને જ્ઞાનીઓનો પરિવાર હોય તે અભયદાન આપે. જ્ઞાનીના ફોલોઅર્સ હોયને, તે અભયદાન આપે. કોઈને ભય થાય નહીં એવી રીતે રહે. સામો ભયરહિત રહે એવી રીતે વર્તે. કૂતરું પણ ભડકે નહીં એવી રીતે એમનું વર્તન હોય, કારણ કે એને દુઃખ કર્યું કે પોતાની મહીં પહોંચ્યું. સામાને દુઃખ કર્યું કે મહીં પહોંચ્યું એટલે આપણાથી કોઈ જીવને કિંચિત્માત્ર પણ ભય ના થાય એમ રહેવું.

પછી જવાબદારી 'અમારી' !

દાન એટલે બીજા કોઈ પણ જીવને સુખ, મનુષ્ય હોય કે બીજાં પ્રાણી હોય તેમને સુખ આપવું એનું નામ દાન. અને બધાંને સુખ આપ્યું એટલે એનું 'રીએક્શન' આપણને સુખ જ આવે. સુખ આપો તો તરત જ સુખ તમારે ઘેર બેઠાં આવે ! સવારના પહોરમાં નક્કી કરવું, 'આ મન-વચન-કાયાથી આ જગતના કોઈ પણ જીવને કિંચિત્માત્ર પણ દુઃખ ન હો, ન હો, ન હો' આવો ભાવ નક્કી કરીને નીકળવું. પછી બીજી બધી જવાબદારી હું લઈ લઉં છું.

હવે આપણને જે ઊંધા વિચારો આવે તે ભૂંસી નાખવું અને જગતનું કલ્યાણ થાય એ જ ભાવના રાખવી અને 'કોઈને દુઃખ ના હો' એવું સવારનાાપહોરમાં પાંચ વખત નિયમથી બોલવું ને પછી નીકળવું. પછી જે કોઈને આપણાથી જાણીને દુઃખ થાય કે અજાણતામાં દુઃખ થાય, તેની આપણી જોખમદારી નહીં, જાણીને થયાં હોય તેનું તરત પ્રતિક્રમણ કરી લેવું અને અજાણે ય થયાં તે તો અજાણ્યામાં જતાં રહેશે, આપણાને ખબર પણ ના પડે એ રીતે. જેમ બે વરસના છોકરાની મા મરી જાય તો તે છોકરું કેટલું રડે ? તેવું દુઃખ અજાણ્યે ભોગવાઈ જાય.

'લક્ષ્મી' ત્રણેયમાં આવે !

પ્રશ્શનકર્તા : તો લક્ષ્મીદાનની જગ્યા જ નથી ?

દાદાશ્રી : લક્ષ્મીદાન એ જ્ઞાનદાનમાં આવી ગયું. અત્યારે તમે પુસ્તકો છપાવડાવોને, તો એ લક્ષ્મી એમાં આવી ગઈ, એ જ્ઞાનદાન.

પ્રશ્શનકર્તા : લક્ષ્મી થકી જ બધું થાય છેને ? અન્નદાન પણ લક્ષ્મી થકી જ અપાય છેને ?

દાદાશ્રી : ઔષધ આપવું હોયને તોયે આપણે સો રૂપિયાનું ઔષધ લાવીને પેલાને આપીએ ત્યારેને ? એટલે લક્ષ્મી તો બધામાં વાપરવાની જ. પણ લક્ષ્મીનું આ રીતે દાન હોય તે સારામાં સારું.

એ કઈ રીતે અપાય ?

પ્રશ્શનકર્તા : એટલે દાનોમાં લક્ષ્મી સીધી રીતે વર્ણવી નથી.

દાદાશ્રી : હા, સીધી રીતે આપવીયે ના જોઈએ. આપો એવી રીતે કે જ્ઞાનદાન એટલે પુસ્તકો છપાવીને આપો કે આહાર જમાડવા તૈયાર કરીને આપો. સીધી લક્ષ્મી આપવાની કોઈ જગ્યાએ કહી નથી. અને બીજું બધું નામ કાઢવા માટે આપે છે, બીજે સીધી લક્ષ્મી આપે છે, એ તો નામ કાઢવા માટે આપે છે. કીર્તિ માટે એને કીર્તિદાન કહેવાય છે.

આ તો કેવાં દાન !

ગાય મરવાની થાયને ત્યારે દાનમાં આપી આવે અને શું કહે, 'ગાયનું મેં દાન કર્યું ! અલ્યા, કઈ જાતનું દાન કહેશો આને ? નિર્દયદાન કહેવાય !

કંઈક હકીકતમાં હોવું જોઈએ કે નહીં ? અરે મરવાની ગાયને આપવા જાવ છો ? કઈ ગાય આપવી જોઈએ ? ન્યાય શું કહે છે ?

આ તો બધું મિથ્યાદાન કહેવાય છે. સમ્યક્દાન કહું કોને કહેવાય ? કે આહારદાન, જેને આહારનું, એક ફેરો હેલ્પ કરેને, એ સમ્યક્દાન કહેવાય.

હવે એમાંયે આ લોકો વધ્યું-ઘટ્યું આપે છે કે નવું બનાવીને આપે છે ?

પ્રશ્શનકર્તા : વધેલું હોય તે જ આપે. પોતાની જાન છોડાવે. વધી પડે એટલે હવે શું કરે ?

દાદાશ્રી : એટલે એનો સદ્ઉપયોગ કરે છે મારા ભઈ ! પણ નવું બનાવીને આપે ત્યારે હું કહું કે કરેક્ટ છે. કંઈ વીતરાગોને ત્યાં કાયદા હશેને ? કે ગપ્પેગપ્પ ચાલશે ?

પ્રશ્શનકર્તા : ના, ના, ગપ્પાં હોય ?!

દાદાશ્રી : વીતરાગનો ત્યાં ના ચાલે, બીજે બધે ચાલે.

કામ લાગે તે પુસ્તક કામનું !

પ્રશ્શનકર્તા : આ ધર્મનાં લાખો પુસ્તકો છપાય છે, પણ કોઈ વાંચતું નથી.

દાદાશ્રી : એ બરાબર છે. એ તમારી વાત ખરી. કોઈ વાંચતું નથી. એમને એમ ખાલી પુસ્તકો પડી રહે છે બધાં. જો વંચાતું હોય એવું પુસ્તક હોય તો કામનું. તમને સમજ પડી ? તમારું કહેવું બરાબર છે. અત્યારે કોઈ પુસ્તક વંચાતું નથી. નર્યાં ધર્મનાં જ પુસ્તકો છપાય છપાય કરે છે. પેલા મહારાજ શું કહે છે ? મારા નામનું છપાવો. તે મહારા એનું નામ ઘાલે છે. એમના દાદાગુરુનું નામ ઘાલે છે. એટલે અમારા દાદા આ હતા, અમારા દાદાના દાદા ને તેના દાદા... ત્યાં સુધી પહોંચે છે. લોકોને કીર્તિઓ કાઢવી છે. અને તેને માટે ધર્મનાં પુસ્તકો છપાવે છે. ધર્મનું પુસ્તક એવું હોય કે જ્ઞાન આપણને કામ લાગે - એવું પુસ્તક હોય તો માણસને કામ લાગે. એવું પુસ્તક છપાયેલું કામનું, નહીં તો આમ ને આમ રઝળપાટ કરવાનો શો અર્થ ? અને તે બધાં કોઈ વાંચતું જ નથી. એક ફેરો વાંચીને મૂકી દે. ફરી કોઈ વાંચતું નથી અને એક ફેરોય કોઈ પૂરું વાંચતું નથી. લોકોને કામ લાગે એવું છપાવ્યું હોય તો પૈસા દીપે આપણા અને તે પુણ્યૈ હોય તો જ, પૈસા સારા હોય તો જ છપાવાય, નહીં તો છપાવાય નહીંને ! એ મેળ ખાય નહીંને ! પૈસા તો આવવાના ને જવાના અને ક્રેડિટ હંમેશાં ડેબિટ થયા વગર રહે નહીં. તમારે ત્યાં કેવો કાયદો છે ? ક્રેડિટ થયા કરે કે

ડેબિટ થાય ખરી ?

પ્રશ્શનકર્તા : બંને સાઈડ છે.

દાદાશ્રી : એટલે હંમેશાં ક્રેડિટ-ડેબિટ જ થયા કરે છે.

પ્રશ્શનકર્તા : એ જ થવું જોઈએ.

દાદાશ્રી : પણ તે બે રસ્તા છે. ડેબિટ કાં તો સારે રસ્તે જાય કે કાં તો ગટરમાં જાય. પણ તેમાંથી એક રસ્તેથી જાય. આખા મુંબઈનું નાણું ગટરમાં જ જાય છે. નાણું જ બધું ગટરમાં જાય છે.

મુંબઈ એટલે પુણ્યશાળીઓનો મેળો !

પ્રશ્શનકર્તા : મોટામાં મોટાં દાનો મુંબઈમાં જ થાય છે. લાખો ને કરોડો રૂપિયા અપાય છે.

દાદાશ્રી : હા, પણ એ દાન તો કીર્તિદાન છે બધાં અને કેટલીક સારી વસ્તુઓ છે. ઔષધદાન થાય એવી ઘણી સારી વસ્તુઓ છે. એટલે બીજું પણ ઘણું છે મુંબઈમાં.

પ્રશ્શનકર્તા : એ બધાંને લાભ મળે ખરો કે નહીં ?

દાદાશ્રી : બહુ લાભ મળે. બહુ લાભ મળે. એ તો છોડે નહીં ને એ લાભ ! પણ આ મુંબઈમાં નાણું કેટલું બધું છે ?! એના હિસાબે તો, અહીં કેટલી બધી હોસ્પિટલો છે ? આ મુંબઈનું નાણું ઢગલેબંધ, દરિયા જેટલું નાણું છે અને એ દરિયામાં જ જાય.

પ્રશ્શનકર્તા : મુંબઈમાં જ લક્ષ્મી ભેગી થાય છે એનું શું કારણ ?

દાદાશ્રી : મુંબઈમાં જ લક્ષ્મી ભેગી થાય ?

પ્રશ્શનકર્તા : એનું શું કારણ ?

દાદાશ્રી : એવો નિયમ જ એવો છે કે મુંબઈમાં ઊંચામાં ઊંચી વસ્તુ ખેંચાઈને આવી પડે.

પ્રશ્શનકર્તા : એ ભૂમિના ગુણ છે ?

દાદાશ્રી : ભૂમિના જ સ્તો ! મુંબઈમાં બધી ઊંચામાં ઊંચી વસ્તુઓ ખેંચાય. મરચાંય ઊંચામાં ઊંચા, મહાન પુરુષો તેય પણ મુંબઈમાં જ હોય. અને નીચામાં નીચા, નાલાયક માણસો, તેય પણ મુંબઈમાં હોય. મુંબઈમાં બન્નેય ક્વૉલિટી હોય. એટલે ગામડામાં ખોળવા જાવ તો ના જેડ.

પ્રશ્શનકર્તા : મુંબઈમાં સમદ્રષ્ટિ જેવા માણસ છેને ?

દાદાશ્રી : બધું પુણ્યશાળીઓનો મેળો છે આ. પુણ્યશાળી લોકોનો મેળો છે એક જાતનો. અને બધા પુણ્યશાળીઓ ભેગા ખેંચાઈ આવે.

નાણું હેંડ્યું, ગટરમાં !

મુંબઈના લોકો બધું નભાવી લે. એ એવું બીજું ના કરે. સમજ પડીને ? અને પોતાના પગ ઉપર કંઈક કો'કનો બૂટ પડેને, તો પ્લીઝ પ્લીઝ કરે. ધોલ ના મારે, પ્લીઝ પ્લીઝ કરે અને ગામડામાં મારે. એટલે આ મુંબઈના ડેવલપ કહેવાય.

લોકોનું નાણું ગટરમાં જ જઈ રહ્યું છેને, સારા રસ્તે તો કો'ક પુણ્યશાળીને જ જાયને ! નાણું ગટરમાં જાય ખરું ?

પ્રશ્શનકર્તા : બધું જઈ જ રહ્યું છેને !

દાદાશ્રી : આ મુંબઈની ગટરોમાં તો બહુ નાણું, જથ્થે બંધ નાણું જતું રહ્યું છે. નર્યા મોહનું, મોહવાળું બજારને ! હડહડાટ નાણું ચાલ્યું જાય. નાણું ખોટું જ ને. નાણુંયે સાચું નહીં. સાચું નાણું હોય તો સારે રસ્તે વપરાય.

સોનૈયા દાન !

પ્રશ્શનકર્તા : આપણા ધર્મમાં વર્ણવેલું છે કે પહેલાં તો સોનૈયાદાન આપતાં, તે એ લક્ષ્મી જ કહેવાયને ?

દાદાશ્રી : હા, એ સોનૈયાદાન, એ સોનૈયાદાન હતુંને, એ તો અમુક પ્રકારના લોકોને જ અપાતું. એ બધા લોકોને નહોતા અપાતાં. સોનૈયાદાન તો અમુક શ્રમણ બ્રાહ્મણો એ બધાંને જેને કંઈક છોકરીઓ પૈણાવાની અટકી હોય. બીજું, સંસાર ચલાવવા માટે એ બધાને આપતા હતા. બાકી બીજા બધાને સોનૈયાદાન અપાતું ન હતું. વ્યવહારમાં રહેલા હોય, શ્રમણ હોય, તેમને જ અપાવું જોઈએ. શ્રમણ એટલે કોઈની પાસે માંગી ના શકે. તે દહાડે બહુ સારે રસ્તે નાણું જતું હતું. આ તો અત્યારે ઠીક છે. દેરાસરો ભગવાનનાં બંધાય છેને તેય 'ઑન'ના પૈસાથી બંધાય. આ યુગની અસર ખરીને !

શ્રેષ્ઠિ - શેટ્ટી - શેઠ - શઠ !

અત્યારે તો ધન દાન આપે છે કે લઈ લે છે ! ને દાન થાય છે તો 'મીસા'નાં (દાણચોરીનાં). દાનેશ્વરી તો મન-વચન-કાયાના એકાકારી હોય.

આ તો મનમાં જુદું હોય, વાણીમાં જુદું બોલે, એવું કોઈ જગ્યાએ અનુભવમાં આવે છે કે નથી આવતું ? મનમાં જુદું, વાણીમાં જુદું અને વર્તનમાં જુદું ! અને કેટલાક લોકો તો મોટા માણસો તો સહી કરી આપી હોય તે ફરી જાય છે. કહેશે 'મારી સહી જ નથી કરેલી.' બોલો ત્યારે, વાણીની વાત ક્યાં રહી ? તેવું અનુભવમાં નથી આવ્યું ય

પહેલાંના કાળમાં, તે વખતે દાનેશ્વરી હોય. તે દાનેશ્વરી તો મન-વચન-કાયાની એકતા હોય ત્યારે દાનેશ્વરી પાકે અને તેને ભગવાને શ્રેષ્ઠિ કહ્યા હતા. એ શ્રેષ્ઠિને અત્યારે મદ્રાસમાં શેટ્ટી કહે છે. અપંભ્રશ થતું થતું શ્રેષ્ઠિમાંથી શેટ્ટી થઈ ગયેલું છે, ત્યાં આગળ એ આપણે અહીં અપંભ્રશ થતું થતું શેઠ થઈ ગયું છે.

તે એક મિલના શેઠને ત્યાં સેક્રેટરી જોડે હું વાત કરતો હતો. મેં કહ્યું કે, 'શેઠ ક્યારે આવવાના છે ? બહારગામ ગયા છે તે ?' એ કહે છે, 'ચાર-પાંચ દિવસ લાગશે.' પછી મને કહે છે, 'જરા મારી વાત સાંભળો.' મેં કહ્યું, 'હા ભઈ'. તો એ કહે છે, 'ઉપરથી માતર કાઢી નાખવા જેવા છે.' મેં કહ્યું, 'એમ ના બોલાય અલ્યા, તું પગાર ખાઉં છું. એનો પગાર લઉં છું ત્યાં સુધી ના બોલાય.' મેં એને સમજણ પાડી કે અત્યારે તું પગાર ખાઉં છું ત્યાં સુધી બોલીશ નહીં, અહીંથી છૂટો પડ્યા પછી બોલવું હોય તો બોલજે. ગમે તેવો છે શેઠ, પણ જ્યાં સુધી લૂણ એનું ખાઈએ છીએ ત્યાં સુધી આપણે શેઠ બોલવું જોઈએ. તે મને કહેવા લાગ્યો કે 'સાહેબ ઉપરથી માતર કાઢી નાખજો.' મેં કહ્યું, 'હું સમજી ગયો છું, હું શું નથી ઓળખતો આ લોકોને ? હું બધાને ઓળખું છું. પણ એને બોલવાની મર્યાદા હોવી જોઈએ.' બાકી માતર કાઢી નાખીએ એટલે શું રહ્યું ? બહાર સિલકમાં ?

પ્રશ્શનકર્તા : શઠ રહ્યા.

દાદાશ્રી : ના બોલશો, બોલાય નહીં !

આવી દશા થઈ છે. કેવા જગડુશા ને બધા શેઠિયા થતા હતા ! એ શેઠિયા કહેવાતા હતા.

મિથ્યાત્વીના પક્ષે, મિથ્યાત્વી !

પ્રશ્શનકર્તા : મહાભારતમાં કર્ણ દાનેશ્વરી કહેવાયો. તે દાનેશ્વરી છે કે તેમાંય લોચો છે ?

દાદાશ્રી : એ દાનેશ્વરી છે. આ શેઠિયાઓ જેવો. શ્રેષ્ઠિ હતાને, તેના જેવો જ. ફક્ત એ કૃષ્ણ ભગવાનનો સમોવડિયો હતો એટલી ભાંજગડ હતી. એટલે દુર્યોધનના પક્ષમાં પડ્યો હતો, એટલે વિરોધી કહેવાય. પણ દાનેશ્વરીમાં વાંધો ના આવે. પણ મોક્ષે જવામાં વાંધો ખરો. દુર્યોધનનો પક્ષ મિથ્યાત્વીનો પક્ષ હતો. કમ્પ્લીટ મિથ્યાત્વીનો અને પેલો સમકિતનો પક્ષ હતો. કૃષ્ણ ભગવાન સમકિતના પક્ષમાં પડ્યા. પાંડવોના પક્ષમાં.

પ્રશ્શનકર્તા : દ્રોણાચાર્ય, ભીષ્મપિતા એ બધા દુર્યોધનના પક્ષમાં જેટલા હતા, એ બધા મિથ્યાત્વીમાં ગયા ?

દાદાશ્રી : મિથ્યાત્વીના પક્ષમાં સારો માણસ, સંતપુરુષ પડેને, તોયે મિથ્યાત્વી થઈ જાય. એના ઘરનું અનાજ ખાય, તે એક જ દહાડો અનાજ મિથ્યાત્વીનું ખાય તો તે મિથ્યાત્વી થઈ ગયો. મિથ્યાત્વીનો જો શબ્દ પેસી ગયો તો ક્યારે ગૂંચવાડો ઊભો કરશે તે કહેવાય નહીં.

સારા રસ્તે વાપરો !

પૈસા તો ખાલીયે થાય ને ઘડીમાં ભરાઈ પણ જાય. સારા કામ માટે રાહ ના જોવી. સારા કામમાં વપરાય, નહીં તો ગટરમાં તો ગયું લોકોનું નાણું. મુંબઈમાં કરોડો રૂપિયા ગટરમાં ગયા લોકોના, ઘેર વાપર્યું ને પારકા માટે ના વાપર્યુંએ બધુંય ગટરમાં ગયું. તે હવે પસ્તાય છે. હું કહું છું કે ગટરમાં ગયું ત્યારે કહે છે 'હા, એવું જ થયું.' ત્યારે મૂઆ પહેલેથી ચેતવું હતુંને ?! હવે ફરી આવે ત્યારે પાછો ચેતજે. ત્યારે કહે, 'હા, ફરી તો હવે કાચો નહીં પડું. ફરીતો આવવાનું જ ને ! નાણું તો ચઢઉતર થયા કરવાનું. કોઈ ફેરો બે વર્ષ રાશી જાય પાછાં, પાછાં પાંચ વર્ષ સરસ આવે, એવું ચાલ્યા કરે. પણ સારા રસ્તે વાપર્યું એ તો કામ લાગેને ? એટલું જ આપણું, બીજું બધું પારકું.

'આટલું બધું કમાયા પણ ક્યાં ગયું ? ગટરમાં !! ધર્માદા કર્યું ? ત્યારે કહેશે, એ પૈસા તો મળતા જ નથી. ભેગા થતા જ નથી ને તો આપું શી રીતે ? ત્યારે નાણું ક્યાં ગયું ? આ તો કોણ ખેડે ને કોણ ખાય ? જે કમાય તેનું નાણું નહીં. જે વાપરે તેનું નાણું. માટે નવા ઓવરડ્રાફ્ટ મોકલ્યા એટલા તમારા. ના મોકલ્યા એ તમે જાણો !

સાચો દાતાર !

લક્ષ્મી તો, કોઈ દહાડોય ખૂટે નહીં એનું નામ લક્ષ્મી ! પાવડેથી ખોપી ખોપીને ધર્માદા કર કર કરેને, તોય ના ખૂટે એનું નામ લક્ષ્મી કહેવાય. આ તો ધર્માદા કરે તે બાર મહિને બે દહાડા આપ્યા હોય, એને લક્ષ્મી કહેવાય જ નહીં. એક દાતાર શેઠ હતા. હવે દાતાર નામ કેમ પડ્યું કે એમને ત્યાં સાત પેઢીથી ધન આપ્યા જ કરતા હતા. પાવડેથી ખોપીને જ આપે. તે જે આવ્યો તેને, આજ ફલાણો આવ્યો કે મારે છોડી પૈણાવવી છે, તો તેને આપ્યા, કો'ક બ્રાહ્મણ આવ્યો તેને આપ્યા. કો'કને બે હજારની જરૂર છે તેને આપ્યા. સંતસાધુઓને માટે, જગ્યા બાંધેલી ત્યાં બધા સંતસાધુઓને, જમવાનું એટલે દાન તો જબરજસ્ત ચાલતું હતું, તેથી દાતાર કહેવાયા ! અમે આ જોયેલું બધું. દરેકને આપ આપ કરે તેમ નાણું વધ વધ કરે.

નાણાંનો સ્વભાવ કેવો છે ? જો કદી સારી જગ્યાએ દાનમાં જાય તો પાર વગરનું વધે. એવો નાણાનો સ્વભાવ છે. અને જો ગજવાં કાપે તો તમારે ઘેર કશું નહીં રહે. આ બધા વેપારીને આપણે ભેગા કરીએ અને પૂછીએ કે ભઈ, કેમનું છે તારે ? બેન્કમાં બે હજાર તો હશેને ? ત્યારે કહેશે કે સાહેબ, બાર મહિને લાખ રૂપિયા આવ્યા, પણ હાથમાં કશું નથી ? તેથી તો કહેવાત પડેલીને કે ચોરની મા કોઠીમાં મોઢું ઘાલીને રડે ! કોઠીમાં કશું હોય નહીં, તે રડે જ ને !

લક્ષ્મીનો પ્રવાહ દાન છે, અને જે સાચું દાન આપનારો છે તે કુદરતી રીતે જ એક્સપર્ટ હોય છે. માણસને જોતાની સાથે જ સમજી જાય કે ભઈ જરા એ લાગે છે. એટલે કહે કે ભઈ, છોડીને લગન માટે રોકડા પૈસા નહીં મળે. તારે જે કપડાંલત્તાં જોઈતાં હોય, બીજું બધું જોઈતું હોય તે લઈ જજે. અને કહેશે કે છોડીને અહીં બોલાવી લાવ. તે છોડીને કપડાં, દાગીના બધું આપે. સગાંવહાલાંને ત્યાં મીઠાઈ પોતાને ઘેરથી મોકલાવી આપે. એવો વ્યવહાર બધો સાચવે, પણ સમજી જાય કે આ નંગોડ છે, રોકડા હાથમાં આપવા જેવો નથી. એટલે દાન આપનારાય બહુ એક્સપર્ટ હોય છે.

સ્વર્ગ શું ને મોક્ષ શું ?

પ્રશ્શનકર્તા : સ્વર્ગ અને મોક્ષની વચ્ચે શું ફરક છે ?

દાદાશ્રી : સ્વર્ગ તો અહીં જે પુણ્યૈ કરીને જાયને, પુણ્યૈ એટલે સારાં કામ કરે, શુભ કામ કરે, તો સ્વર્ગમાં જવાનું.

પ્રશ્શનકર્તા : સારાં કામ એટલે કેવાં ?

દાદાશ્રી : સારાં કામ એટલે લોકોને દાન આપે, કોઈને દુઃખ ના થવા દે, કોઈને મદદ કરે, ઓબ્લાઈઝિંગ નેચર રાખે, એવાં કર્મ નથી કરતા લોકો ?

પ્રશ્શનકર્તા : કરે છે.

દાદાશ્રી : એટલે સારાં કામ કરે તો સ્વર્ગમાં જાય અને ખરાબ કામ કરે તો નર્કમાં જાય. અને સારા-ખોટાનું મિક્ષ્ચર કરે, પણ તેમાં ઓછાં ખોટાં કરે, તે મનુષ્યમાં આવે. આવી રીતે ચાર ભાગે કામ કર્યાનાં ફળ મળતાં રહે અને મોક્ષમાં કામ કરનારો જઈ શકે નહીં. મોક્ષ માટે તો કર્તાભાવ ના રહેવો જોઈએ. જ્ઞાન આપે એટલે કર્તાભાવ તૂટે અને કર્તાભાવ તૂટે એટલે મોક્ષ થઈ જાય.

એ નાણું પુણ્ય બાંધે !

પ્રશ્શનકર્તા : બે નંબરના રૂપિયાનું દાન આપે તો તે ન ચાલે ?

દાદાશ્રી : બે નંબરનું દાન ના ચાલે. પણ છતાંય કોઈ માણસ ભૂખે મરતો હોય અને બે નંબરનું દાન આપે તો પેલાને ખાવા માટે ચાલેને ! બે નંબરનું અમુક કાયદેસર વાંધો આવે, બીજી રીતે વાંધો નથી આવતો. એ નાણું હોટલવાળાને આપે તો એ લે કે ના લે ?

પ્રશ્શનકર્તા : લઈ લે.

દાદાશ્રી : હા, તે વ્યવહાર ચાલુ જ થઈ જાય.

પ્રશ્શનકર્તા : ધર્મમાં બે નંબરનો પૈસો છે તે વપરાય છે, હમણાંના જમાનામાં, તો એનાથી લોકોને પુણ્ય ઉપાર્જન થાય ખરું ?

દાદાશ્રી : ચોક્કસ થાયને ! એને ત્યાગ કર્યોને એટલો ! પોતાની પાસે આવેલાનો ત્યાગ કર્યોને ! પણ એમાં હેતુ પ્રમાણે પછી એ પુણ્ય એવું થઈ જાય, હેતુવાળું ! આ પૈસા આપ્યા તે એક જ વસ્તુ જોવાતી નથી. પૈસાનો ત્યાગ કર્યો એ નિર્વિવાદ. બાકી પૈસા ક્યાંથી આવ્યા, હેતુ શો, આ બધું પ્લસ-માઈનસ થતાં જે બાકી રહેશે એ એનું. એનો હેતુ શો કે સરકાર લઈ જશે એના કરતાં આમાં નાખી દોને !

એય હિંસા જ !

પ્રશ્શનકર્તા : વેપારી નફાખોરી કરે, કોઈ ઉદ્યોગપતિ કે વેપારી મહેનતના પ્રમાણમાં ઓછું વળતર અથવા કોઈ મહેનત વગરની કમાણી થાય તો એ હિંસાખોરી કહેવાય ?

દાદાશ્રી : એ બધી હિંસાખોરી જ છે.

પ્રશ્શનકર્તા : હવે એ ફોગટની કમાણી કરીને ધર્મમાં નાણાં વાપરે, તો તે કઈ જાતની હિંસા કહેવાય ?

દાદાશ્રી : જેટલું ધર્મકાર્યમાં વાપર્યું, જેટલું ત્યાગ કરી ગયો, એટલો ઓછો દોષ બેઠો, જેટલું કમાયો હતો, લાખ રૂપિયા કમાયો હતો, હવે એ એંસી હજારનું દવાખાનું બંધાવ્યું તો એટલા રૂપિયાની જવાબદારી એને ના રહી. વીસ હજારની જ જવાબદારી રહી. એટલે એ સારું છે, ખોટું નથી.

પ્રશ્શનકર્તા : લોકો લક્ષ્મીને સંઘરી રાખે છે તે હિંસા કહેવાય કે નહીં ?

દાદાશ્રી : હિંસા જ કહેવાય. સંઘરવું એ હિંસા છે. બીજા લોકોને કામ લાગે નહીંને !

'૪૨ પછીની લક્ષ્મી !

પ્રશ્શનકર્તા : પણ હવે જે સાચી મહેનતથી અને પ્રામાણિકપણે જે કમાયેલા પૈસા હોય, એવી લક્ષ્મી આવી હોય તો ત્યાં ધર્મ રહે કે ના રહે ? કે ત્યાં પણ નહીં ?

દાદાશ્રી : અત્યારે ખરું પ્રામાણિકપણું હોતું જ નથી. ૧૯૪૨ પછી પ્રામાણિકપણાની લક્ષ્મી એક પણ માણસ પાસે નથી.

પ્રશ્શનકર્તા : દર મહિને અમે કામ કરીએ, નોકરી કરીએ, એનો જે પગાર મળે છે, એ પ્રામાણિક પૈસા ના કહેવાય ?

દાદાશ્રી : પૈસો જ ખોટો છે ત્યાં આગળ ! ૧૯૪૨ પછી પૈસો જ ખોટો છે. '૪૨ પહેલાં સાચો હતો. દરેક નોકરિયાતને વધતું જ ન હતું પહેલાં. અને અત્યારના નોકરિયાતને વધે છે. સાચો પૈસો વધે જ નહીં. મારું શું કહેવાનું છે ? સાચો પૈસો વધે જ નહીં.

નિરપેક્ષ લૂંટાવો !

પ્રશ્શનકર્તા : ઑનના પૈસા ભલે વપરાતા, છતાંય ધર્મની ધજા લાગી જાય છે, કે ધર્મના નામે ખર્ચ્યા.

દાદાશ્રી : હા, પણ ધર્મના નામે ખર્ચે તો સારું છે. પણ ઑનના નામથી એ કરે ને, કારણ કે ઑન એ બહુ ગુનેગાર નથી. 'ઑન' એટલે શું કે સરકારનો પેલો ટેક્ષ છે તે લોકોને ભારે પડી જાય છે, કે તમે અમારા ધાર્યા કરતાં વધારે મૂકો છો એટલે આ લોકો છુપાવે છે.

પ્રશ્શનકર્તા : કંઈ મેળવવાની અપેક્ષાએ જે દાન કરે છે, તે પણ શાસ્ત્રમાં મનાઈ નથી. એને વખોડતા નથી.

દાદાશ્રી : એ અપેક્ષા ના રાખે તો ઉત્તમ છે. અપેક્ષા રાખે છે એ તે દાન નિર્મૂળ થઈ ગયું. સત્ત્વહીન થઈ ગયું કહેવાય. હું તો કહું છું કે પાંચ જ રૂપિયા આપો પણ અપેક્ષા વગર આપો.

એ છે કેમોક્લેગ સમ !

પ્રશ્શનકર્તા : બે નંબરના જે પૈસા છે એ જ્યાં જાય ત્યાં ડખો થાય કે નહીં.

દાદાશ્રી : પૂરી હેલ્પ નહીં કરે. આપણે ત્યાંય આવે છે, પણ તે કેટલા ? દસ-પંદર ટકા, પણ વધારે નથી આવતા.

પ્રશ્શનકર્તા : ધર્મમાં હેલ્પ ના કરે, જ્યાં જાય ત્યાં હેલ્પ ના થાય એટલી ?

દાદાશ્રી : હેલ્પ ના કરે. આમ દેખાવમાં હેલ્પ કરે પણ પછી આથમી જતાં વાર ના લાગે. એ બધાં વૉર ક્વૉલિટીનાં સ્ટ્રક્ચર. વૉર ક્વૉલિટીનાં સ્ટ્રક્ચર બંધાયેલાં બધાં ! તમે જોયેલાંને ! એ ભદાં કેમોક્લેગ છે. મનમાં શું ખુશ થવાનું કેમોક્લેગથી ?

એરણચોરી, સોયદાન !

પ્રશ્શનકર્તા : ઘણા એમ કહે છે કે દાન કરે તો દેવ થાય એ ખરું છે ?

દાદાશ્રી : દાન કરે છતાં નર્કે જાય એવાય છે. કારણ કે દાન કોઈના દબાણથી કરે છે. એવું છેને, કે આ દુષમકાળમાં દાન કરવાની લોકોની પાસે લક્ષ્મી જ નથી હોતી. દુષમકાળમાં જે લક્ષ્મી છે એ તો અઘોર કર્તવ્યવાળી લક્ષ્મી છે. માટે એનું દાન આપે તે તો ઊલટું નુકસાન થાય છે, પણ છતાંય આપણે કોઈક દુઃખીયા માણસને આપીએ, દાન કરવા કરતાં એની મુશ્કેલી દૂર કરવા માટે કરીએ તે સારું છે. દાન તો નામના કાઢવા માટે કરે, તેનો અર્થ શું ? ભૂખ્યો હોય તેને ખાવાનું આપો, કપડાં ના હોય તો કપડું આપો. બાકી આ કાળમાં દાન આપવા રૂપિયા ક્યાંથી લાવે ? ત્યાં સૌથી સારું તો દાનબાન આપવાની જરૂર નથી. આપણા વિચારો સારા કરો. દાન આપવા ધન ક્યાંથી લાવે ? સાચું ધન જ નથી આવ્યુંને ! ને સાચું ધન સરપ્લસ રહેતુંયે નથી. આ જે મોટાં મોટાં દાન આપે છેને તે તો ચોપડા બહારનું, ઉપરનું નાણું આવ્યું છે તે છે. છતાંય દાન જે આપતા હોય તેને માટે ખોટું નથી. કારણ કે ખોટે રસ્તે લીધું અને સારા રસ્તે આપ્યું, તોય વચ્ચે પાપમાંથી મુક્ત તો થયો ! ખેતરમાં બીજ રોપાયું એટલે ઊગ્યું ને એટલું તો ફળ મળ્યું !

પ્રશ્શનકર્તા : કવિરાજના પદમાં એક લીટી છેને કે,

'દાણચોરી કરનારાઓ, સોયદાને છૂટવા મથે.' - નવનીત

તો આમાં એક જગ્યાએ દાણચોરી કરી અને બીજી જગ્યાએ દાન કર્યું, તો એ એટલું તો પામ્યોને ? એવું કહી શકાય ?

દાદાશ્રી : ના, પામ્યો ના કહેવાય. એ તો નર્કમાં જવાની નિશાની કહેવાય, એ તો દાનતચોર છે. દાણચોરે ચોરી કરી અને સોયનું દાન કર્યું, એના કરતાં દાન ના કરતો હોય ને પાંસરો રહેને તોય સારું. એવું છેને કે છ મહિના જેલની સજા સારી, વચ્ચે બે દહાડા બાગમાં લઈ જાય એનો શો અર્થ ?

આ કવિ તો શું કહેવા માંગે છે કે આ બધા કાળાબજાર, દાણચોરી બધું કર્યું અને પછી પચાસ હજાર દાન આપીને પોતાનું નામ ખરાબ ના દેખાય, પોતાનું નામ ના બગડે એટલા માટે આ દાન આપે છે. આને સોયનું દાન કહેવાય.

પ્રશ્શનકર્તા : એટલે સાત્ત્વિક તો એવા આજે નથીને ?

દાદાશ્રી : સંપૂર્ણ સાત્ત્વિકની તો આશા રાખી શકાય જ નહીંને ! પણ આ તો કોને માટે છે કે જે મોટા માણસો કરોડો રૂપિયા કમાય અને આ બાજુ એક લાખ રૂપિયા દાનમાં આપે. તે શા માટે ? નામ ખરાબ ના થાય એટલા માટે. આ કાળમાં જ એવું સોયનું દાન ચાલે છે. આ બહુ સમજવા જેવું છે. બીજા લોકો દાન આપે છે અમુક ગૃહસ્થ હોય છે, સાધારણ સ્થિતિના હોય છે, એ લોકો દાન આપે તેનો વાંધો નથી. આ તો સોયનું દાન આપીને પોતાનું નામ બગડવા ના દે, પોતાનું નામ ઢાંકવા માટે કપડાં બદલી નાખે છે ! ખાલી દેખાવ કરવા માટે આવાં દાન આપે છે !!

ગાંઠનાં ગોપીચંદન !

ગાંઠનાં ગોપીચંદન ખર્ચીને, ગજવાના પૈસા ખર્ચીને પાછા છલકાય. ગોપીચંદન એટલે ઘરના પૈસા, ગજવાના પૈસા. ગાંઠનું ગોપીચંદન એમ આપણામાં કહે છેને ? જ્યારે કંઈ પૈસા લોક વાપરેને, નામ કાઢવા માટે, ત્યારે ગાંઠનું ગોપીચંદન વાપરે.

તકતીમાં ડૂબ્યું દાન !

અત્યારે આખી દુનિયાનું ધન ગટરમાં જઈ રહ્યું છે. આ ગટરોની પાઈપો મોટી કરી છે, તો શા હારુ કે ધનને જવા માટે સ્થાન જોઈએને ? કમાયેલું બધું ખાઈ-પીને ઢોળાઢોળ કરી ગટરમાં બધું જાય છે. એક પૈસો સાચા રસ્તે જતો નથી અને જે પૈસા ખર્ચે છે, કોલેજોમાં દાન આપ્યું, ફલાણું આપ્યું, એ બધું ઇગોઈઝમ (અહંકાર) છે ! ઇગોઈઝમ વગરનો પૈસો જાય તે સાચું કહેવાય. બાકી આ તો અહંકાર પોષવાનો મળી રહે, કીર્તિ મળ્યા કરે નિરાંતે ! પણ કીર્તિ મળ્યા પછી એનું ફળ આવે. પછી એ કીર્તિ જ્યારે ઊંધી થાય ત્યારે શું થાય ? અપકીર્તિ થાય. ત્યારે ઉપાધિ, ઉપાધિ થઈ જાય. એનાં કરતાં કીર્તિની આશા જ ના રાખવી. કીર્તિની આશા રાખે તો અપકીર્તિ આવેને ? જેને કીર્તિની આશા નથી એને અપકીર્તિ આવે જ શાની ?

કોઈ ધર્માદામાં લાખ રૂપિયા આપે અને તકતી મુકાવડાવે અને કોઈ માણસ એક રૂપિયો જ ધર્માદામાં આપે, પણ ખાનગી આપે, તો આ ખાનગી આપે એની બહુ કિંમત છે, પણ ભલેને એક જ રૂપિયો આપ્યો હોય. અને આ તકતી મુકાવી એ તો 'બેલન્સ શીટ' પૂરી થઈ ગઈ. સોની નોટ તમે મને આપી ને મેં તમને છૂટા આપ્યા, એમાં મારે લેવાનુંય ના રહ્યું ને તમારે દેવાનુંય ના રહ્યું ! તમે આ ધર્માદા કરીને પોતાની તકતી મુકાવી તેને પછી લેવા-દેવાનું કશું રહ્યું નહીંને ! કારણ કે જે ધર્માદો આપ્યો, એનું એણે તકતી મુકાવી લઈ લીધું. અને જેણે એક જ રૂપિયો પ્રાઈવેટમાં આપ્યો હશે એનું લેવાઈ ગયું નથી, એટલે એને બેલેન્સ બાકી રહ્યું.

અમે મંદિરોમાં ને બધે ફર્યા. ત્યાં કેટલીક જગ્યાએ આખી ભીંતો તકતીઓ, તકતીઓ, તકતીઓથી ભરેલી હોય ! એ તકતીઓની વેલ્યુએશન (કિંમત) કેટલી ? એટલે કીર્તિ હેતુ માટે ! અને જ્યાં કીર્તિ હેતુ ઢગલેબંધ હોય ત્યાં માણસ જુએ જ નહીં કે આમાં શું વાંચવું ? આખા મંદિરમાં એક જ તકતી હોય તો વાંચવા નવરો હોય, પણ આ તો ઢગલાબંધ, આખી ભીંતોના ભીંતો તકતીઓવાળી કરી હોય તો શું થાય ? છતાંય લોક કહે છે કે મારી તકતી મુકાવજો ! લોકોને તકતીઓ જ પસંદ છેને !!

માનના ભિખારીને....

ભીખ હોય ત્યાં ભગવાન હોય જ નહીં. લક્ષ્મીની ભીખ, માનની ભીખ હોય. માન એટલે મને માન આપશો ને આ લોકોથી આમ મળશે. ને એ ઇચ્છા સેવવી, એ ભીખ જ છે એ તો.

માનની ભીખ કેમ ખબર પડે ? ઘણા સાધુઓય કહે છે કે અમને માનની ભીખ નથી. હોવે ! હમણે અપમાન કરશે તો ખબર પડશે કે આ માનની ભીખ હતી કે શેની હતી ? અપમાનમાં ચિઢાય એટલે જાણવું કે માન જોઈએ છે ! અને અમે અપમાનમાં ચિઢાઈએ નહીં એટલે માન જોઈતું નથી. એ ખાતરી થઈને ?

પ્રશ્શનકર્તા : થઈ.

દાદાશ્રી : એટલે અમારે માનની ભીખ નહીં. કીર્તિની ભીખ નહીં, શેને માટે કીર્તિ ? દેહની કીર્તિ હોય, આત્માની કીર્તિ હોતી હશે ?! જેની અપકીર્તિ થાયને તેની કીર્તિ થાય. આત્માની તો કીર્તિય નહીં ને અપકીર્તિ યે નહીં.

દાન પણ ગુપ્તપણે !

પ્રશ્શનકર્તા : આત્માર્થી માટે તો કીર્તિ અવસ્તુ છેને ?

દાદાશ્રી : કીર્તિ તો બહુ નુકસાનકારક વસ્તુ છે. આત્માને રસ્તે કીર્તિ તો એની બહુ ફેલાય, પણ એ કીર્તિમાં એે ઈન્ટરેસ્ટ ના પડે. કીર્તિ તો ફેલાય જ ને ! ચકચકિત હીરો હોય તે જોઈને સહુ કોઈ કહેને કે 'કેટલું સરસ લાઈટ આવે છે, એરીયાં કેટલાં બધાં પડે, કહે ખરાં, પણ એને પોતાને એમાં મઝા ના આવે. જ્યારે આ સંસારી સંબંધની કીર્તિઓ છે, એ કીર્તિ માટે જ ભિખારી છે. કીર્તિની ભીખ છે એને એટલા હારુ લાખ રૂપિયા હાઈસ્કૂલમાં આપે, દવાખાનામાં આપે, પણ કીર્તિ એને મળી જાય એટલે બહુ થઈ ગયું !

પાછા તેય વ્યવહારમાં બોલે કે દાન ગુપ્ત રાખજો. હવે ગુપ્ત કો'ક જ આપે. બાકી સહુને કીર્તિની ભૂખ એટલે આપવું. તો લોકોય વખાણ કરે કે ભાઈ, આ શેઠ, ઓહોહો, લાખ રૂપિયાનું દાન આપ્યું ! એટલો એનો બદલો અહીંનો અહીં જ મળી ગયો.

એટલે આપીને એનો બદલો અહીંનો અહીં જ લઈ લીધો. અને જેણે ગુપ્ત રાખ્યું એને બદલો આવતે ભવે લેવાનો રાખ્યો. બદલો મળ્યા વગર તો રહેતો જ નથી. તમે લો કે ના લો, પણ બદલો તો એનો હોય છે જ.

પોતપોતાની ઇચ્છાપૂર્વક દાન આપવાનું હોય. આ તો બધું ઠીક છે, વ્યવહાર છે. કોઈ દબાણ કરે કે તમારે આપવા જ પડશે. પછી ફૂલહાર કરે એટલે આપે એ.

દાન ગુપ્ત હોવું જોઈએ. જેમ આ મારવાડી લોકો ભગવાનની પાસે છાનામાના નાખી આવે છેને ! કોઈને ખબરેય ના પડે તો એ ઊગે.

વાહવાહની પ્રીતિ !

અરે, હું તો મારો સ્વભાવ માપી જોઉંને ! હું છે તે અગાસ જતો હતો. તે ઘડીએ કોન્ટ્રાક્ટનો ધંધો હતો. હવે સો રૂપિયાની કંઈ ભીડ નહીં, '૪૨ ને ૪૦, '૩૯ ને '૩૫ની સાલમાં ય અમારે સો રૂપિયાની ભીડ નહીં. તે દહાડે પૈસાની કિંમત બહુ. પૈસાની છૂટ હતી તોય પણ હું અગાસ જઉં ત્યારે ત્યાં આગળ રૂપિયા લખાવી લઉં. તે સોની નોટ કાઢીને કહું કે, 'લો પચીસ લઈ લો ને પોણા સો પાછા આપો.' હવે પોણા સો પાછા ના લીધા હોત તો ચાલત. પણ મન ચીકણું ને ભિખારી, તે પોણા સો લેતો. મન ચીકણું એટલે.

પ્રશ્શનકર્તા : દાદા, તમે ત્યારે પણ કેટલું સૂક્ષ્મ જોતા હતા ?

દાદાશ્રી : હા, પણ મારું કહેવાનું કે આ સ્વભાવ, પ્રકૃતિ જાય નહીંને ! તે પછી મેં તપાસ કરી. આમ લોકો મને કહે કે 'બહુ નોબલ છો તમે !' મેં કહ્યું, 'આ કેમનું નોબલ ?!' અહીં આગળ ચીકાશ કરે છે. પછી તપાસ કરતાં મને પોતાને જડ્યું કે મને વાહવાહ કરે ત્યાં લાખ રૂપિયા ખર્ચી નાખે, નહીં તો રૂપિયો ય ન આપે. એ સ્વભાવ તદ્ન ચીકણો નહીં. પણ વાહવાહ ના કરે, ત્યાં ધર્મ હોય કે ગમે તે હોય, પણ ત્યાં અપાય નહીં અને વાહવાહ કરી કે બધી કમાણી ધૂળધાણી કરી નાખે. દેવું કરીનેય કરે. હવે વાહવાહ કેટલા દહાડા ? ત્રણ દહાડા. પછી કશુંય નથી. પોક પડી પછી બંધ થઈ જાય. ત્રણ દહાડા સુધી પોક પડે જરા.

અને આ પાકા, પેલા (વાણિયા) બેઠા છેને, તે પાકા. એ વાહવાહથી છેતરાય નહીં. એ તો આગળ જમે થાય છે કે અહીંનું અહીં રહે છે ? પેલું વાહવાહવાળું તો અહીં વટાઈ ગયું. એનું ફળ લઈ લીધું મેં, ચાખી લીધું મેં અને આ તો વાહવાહ ના ખોળે, ત્યાં ફળ ખોળે એ ઓવરડ્રાફ્ટ, બહુ પાકા, વિચારશીલ લોકોને ! આપણા એક કરતાં વધારે વિચારશીલ. આપણે તો ક્ષત્રિય લોકોનો એક ઘા ને બે ટુકડા ! બધા તીર્થંકરો ય ક્ષત્રિય થયેલા. સાધુઓ જાતે કહે છે, અમારાથી તીર્થંકર થવાય નહીં. કારણ કે અમે સાધુ થઈએ તો વધુ ત્યાગ કરીને પણ એકાદ 'ગીની' રહેવા દઈએ અંદર ! કો'ક દહાડો અડચણ પડે તો ? એ એમની મૂળ ગ્રંથિ અને તમે તરત આપી દો. પ્રોમિસ ટુ પે એટલે બધું પ્રોમિસ જ ! બીજું આવડે નહીંને ! સમજણ નહીં મહીં. 'થીંકર' જ નહીં. પણ છૂટકારો વહેલો એમને મળે.

પ્રશ્શનકર્તા : છૂટકારો વહેલો મળે !!

દાદાશ્રી : હા, એ લોકો મોક્ષે જાય. કેવળજ્ઞાન થાય. પણ તીર્થંકરો તો આ ક્ષત્રિયો જ હોય. એ લોકો બધા કબૂલ કરે કે મારી પાસે, આપણે ક્ષત્રિય કહેવાઈએ. આપણને પેલું આવડે નહીં. એવું આવડે નહીં. બહુ ઊંડું આ. અને આ તો વિચારશીલ પ્રજા ! બધું વિચારી વિચારીને, દરેક વસ્તુ વિચારીને કામ કરે. અને આપણે (ક્ષત્રિયોને) પસ્તાવાનો પાર નહીં. પેલાને પસ્તાવો ઓછો આવે.

જુઓને, મને યાદ આવે છે. સો આપવાના તેના પોણા સો પાછા લઉં. મને આ દેખાય છે, હજુયે. એ ઓફિસ દેખાય છે. પણ મેં કહ્યું, 'આવો ઢંગ !' આ લોકોનાં કેવાં મોટાં મન હોય છે ! હું મારા ઢંગને સમજી ગયેલો. ઢંગ બધા. આમ મોટું મનેય ખરું. પણ વાહવાહ, ગલીપચી કરનાર જોઈએ. ગલીપચી કરી કે ચાલ્યું.

પ્રશ્શનકર્તા : દાદા, એ જીવનો સ્વભાવ છે.

દાદાશ્રી : હા, એ પ્રકૃતિ, બધી પ્રકૃતિ છે.

ત્યાં 'પોતે' સ્વીકારે નહીં !

પ્રશ્શનકર્તા : હું જે દાન કરું છું એમાં મારો ભાવ ધર્મ માટેનો, સારાં કામ માટેનો હોય છે. એમાં લોકો વાહવાહ કરે તો એ આખું ઊડી ના જાય ?

દાદાશ્રી : આમાં મોટી રકમો વપરાઈ તે બહાર પડી જાય ને તેની વાહવાહ બોલાય. અને એવી રકમોય દાનમાં જાય કે જેને કોઈ જાણે નહીં ને વાહવાહ કરે નહીં એટલે એનો લાભ રહે ! આપણે એની માથાકૂટમાં પડવા જેવું નથી. આપણા મનમાં એવો ભાવ નથી કે લોકો 'જમાડે' ! આટલો જ ભાવ હોવો જોઈએ ! જગત તો મહાવીરનીય વાહવાહ કરતું હતું ! પણ એને એ 'પોતે' સ્વીકારે નહીંને ! આ દાદાનીય લોક વાહવાહ કરતું હતું ! પણ એને એ 'પોતે' સ્વીકાર કરે નહીંને ! આ દાદાનીય લોક વાહવાહ કરે છે. પણ અમે એને સ્વીકારીએ નહીં અને આ ભૂખ્યા લોકો તરત સ્વીકારે છે. દાન ઉઘાડું પડ્યા વગર રહે જ નહીંને ! લોકો તો વાહવાહ કર્યા વગર રહે નહીં પણ પોતે એને સ્વીકારે નહીં એટલે પછી શો વાંધો ? સ્વીકારે તો રોગ પેસેને ?!

જે વાહવાહ સ્વીકારતો નથી એને કશું જ હોતું નથી. વાહવાહ પોતે સ્વીકારતો નથી. એટલે એને કશી ખોટ ના જાય અને વખાણ કરે છે એને પુણ્ય બંધાય છે. સત્કાર્યની અનુમોદનાનું પુણ્ય બંધાય છે. એટલે આવું બધું અંદરખાને છે. આ તો બધા કુદરતી નિયમો છે.

જે વખાણ કરે અને એ કલ્યાણકારી થાય. વળી જે સાંભળે એના મનમાં સારા ભાવનાં બીજ પડે કે 'આ પણ કરવા જેવું ખરું, આપણે તો આવું જાણતા જ નહોતા !'

ત્યાં ખીલે આત્મશક્તિઓ !

બાકી જોડે પેલું આવવાનું છે. આ જોડે આવે નહીં. અહીં તરત ને તરત કિંમત મળી જાય એની કિંમત વાહવાહ તરત મળી જાય. અને આત્મા માટે મૂકેલું હોય એ જોડે આવે.

પ્રશ્શનકર્તા : જોડે શું આવવાનું, કહ્યું !

દાદાશ્રી : જોડે તો આપણે પેલું આપીએ ત્યાં, આત્મા માટે તે આપણા આત્માની શક્તિ એકદમ ખીલી જાય. એ આપણી જોડે આવ્યું.

પ્રશ્શનકર્તા : અને અહીં તો જે વાપર્યું, એ તો વાહવાહ કરે એ જ મળેને ?

દાદાશ્રી : મળી ગયું. વાહવાહ મળી ગઈ.

કોઈના નિમિત્તે કોઈને મળે ?

પ્રશ્શનકર્તા : વાહવાહ તો જેને માટે વાપર્યું એને જાયને ? નહીં કે તમને. તમો જેને માટે જે કાર્ય કરો છો, એનું ફળ એને જાય. આપણે જે પુણ્ય કરીએ, જેના માટે, તે એને મળે. આપણને ના મળે. કરે એને ના મળે.

દાદાશ્રી : આપણે કરીએ ને પેલાને મળે ? એવું સાંભળ્યું છે કોઈ દહાડો ?

પ્રશ્શનકર્તા : એના નિમિત્તે આપણે કરીએ છીએને ?

દાદાશ્રી : એના નિમિત્તે આપણે કરોને, એના નિમિત્તે આપણે ખાતા હોય તો શું વાંધો ? ના, ના, એ બધું આમાં ફેર નથી. આ તો બધું બનાવટ કરીને લોકોને અવળે રસ્તે ચઢાવે. એના નિમિત્તે !! એને ખાવાનું ના હોય ને આપણે ખાઈએ તો શું ખોટું ? બધું કાયદેસર જગત છે આખું ?

વાહવાહમાં પુણ્ય વપરાઈ જાય !

પ્રશ્શનકર્તા : આ કહો છો એવો કાયદો હોય તો તો હીરાબાનું વાપર્યું એટલે તમને પુણ્ય મળે.

દાદાશ્રી : મને શું મળે ? અમારે લેવાદેવા નહીં. માો તો કશું લેવાદેવા જ નહીં ને ! આમાં પુણ્ય બંધાય નહીં આ. આ તો પુણ્ય ભોગવાઈ જાય. વાહવાહ બોલાઈ જાય.

અગર તો કોઈ ખરાબ કરી જાય તો મૂઆએ જુઓને, બગાડ્યું બધું કહેશે. એટલે અહીંનું અહીં જ બધું થઈ જાય. હાઈસ્કૂલ બંધાવી'તી, તે અહીં ને અહીં જ વાહવાહ થઈ ગઈ. ત્યાં મળે નહીં.

પ્રશ્શનકર્તા : સ્કૂલ તો છોકરાઓ માટે બનાવી, એ લોકો ભણ્યા-ગણ્યા, સદ્વિચાર ઉત્પન્ન થયા.

દાદાશ્રી : એ જુદી વસ્તુ છે. પણ તમારી વાહવાહ મળે તે થઈ ગયું, વપરાઈ ગયું.

બહાર સ્વીકારે, મહીં વીતરાગ !

પ્રશ્શનકર્તા : લોક વાહવાહ કરે, પણ પોતે સ્વીકાર ના કરતો હોય તો ?

દાદાશ્રી : સ્વીકાર ના કરે કે કરે, લોક વાહવાહ કરે તો થઈ ગયું. કોણ સ્વીકાર ના કરે એવું છે ?

રામચંદ્રજી કરતા'તા, કૃષ્ણ ભગવાન સ્વીકાર કરતા'તા. બધાય સ્વીકાર કરતા'તા.

પ્રશ્શનકર્તા : આ બધાએ સ્વીકાર કર્યું તો 'દાદાએ મારું આ કર્યું.' એવું કોઈ બોલે તો તમે સ્વીકાર કરો છો ?

દાદાશ્રી : ત્યારે મને, કડવું લાગતું હશે ? આ બધા બોલે કે દાદાએ સારું કર્યું, તે મીઠું જ લાગેને !

મીઠું છે છતાં એની પર રાગ નથી અમને. અને કોઈ કડવું બોલે તો એની ઉપર દ્વેષ નથી.

પ્રશ્શનકર્તા : એ જ સ્વીકાર ના સ્વીકારવાની વાત છે. એવું આ બધા સ્વીકારતા'તા રાગદ્વેષથી ? રામચંદ્રજી કે કૃષ્ણ ભગવાન ?

દાદાશ્રી : આવી રીતે સ્વીકારેને !

પ્રશ્શનકર્તા : એને સ્વીકારેલું જ નહીંને.

દાદાશ્રી : ત્યારે બીજું શું કહેવાય ? જગતેય એને જ સમજે છેને ?

પ્રશ્શનકર્તા : રાગદ્વેષ વગરનો બીજું બધું બહાર ખરું ને વઢેય ખરાં.

પ્રશ્શનકર્તા : કૃષ્ણ ભગવાને યુદ્ધ કરાવડાવ્યું.

દાદાશ્રી : હા, પણ બહાર તો ખરું ધાંધલ-ધમાલ, બધું બહાર ખરું. બહાર તો ગાળંગાળ કરે. પણ રાગદ્વેષ નથી.

આખો બહારનો વ્યયહાર જ પરાધીન છે. અને આંતરિક વ્યવહાર સ્વાધીન છે. એટલે પરાધીનતામાં શું કરી શકે ?

પરિગ્રહ છૂટ્યે, આત્મા પ્રગટે !

પ્રશ્શનકર્તા : પણ મમતા કે ક્રોધ-માન-માયા-લોભ બધું જ્ઞાનથી છૂટેને ?

દાદાશ્રી : જ્ઞાનથી તો આત્માની પ્રતીતિ બેસે કે હું શુદ્ધાત્મા છું, એવું ભાન થઈ જાય પછી ચારિત્ર બધું આનાથી થાય, સ્ટેડી થાય.

પ્રશ્શનકર્તા : આયે વ્યવહાર ચારિત્ર થયું ને આ વ્યવહાર ચારિત્રમાં ગયુંને ?

દાદાશ્રી : એ કામનું નહીં. મૂળ ચારિત્ર જોઈએ. મૂળ ચારિત્ર આનાથી આવે નહીં તો આવે નહીં.

ચેતવે જ્ઞાની, લક્ષ્મી-મમતથી !

પ્રશ્શનકર્તા : મમતાનો વિસ્તાર કેટલો મોટો હોય છે. મમતાનો વિસ્તાર કંઈ નાનો નથી રહેતો.

દાદાશ્રી : કોણ કહે છે નાનો ? તમે નાનો સમજો છો. મમતા ઉપર તો આખી ડિઝાઈન હોય. તમે જેટલું સમજો છોને એનો એક અંશ નથી આ વાત. મમતાની બહુ મોટી ડિઝાઈન છે. એટલી વિસ્તૃત છે.

પ્રશ્શનકર્તા : એ બધું સમજાવવાની જરૂર છે.

દાદાશ્રી : બધું સમજાવી દીધેલું જ છેને. પણ છોડેલું નથીને. માણસથી જરાક પણ છોડવું મુશ્કેલ છે. છોડી પૈણાવવી હોય તો પૈણાવી દે, ત્રણ લાખ રૂપિયા ખર્ચીને બાકી આમ છોડવું મુશ્કેલ છે. તે આ કમાઈને બે લાખ છૂટ્યા તે મને બહુ ઉત્તમ લાગ્યું કે પાટીદાર થઈને !

પ્રશ્શનકર્તા : મમતા એકલી કંઈ લક્ષ્મી ઉપર જ નથી હોતી, પણ બીજી બધી કેટલી જગ્યાએ હોય.

દાદાશ્રી : પણ આ લક્ષ્મીમાં જ મમતા છૂટે તો બહુ થઈ ગયું.

બીજી મમતા તો છૂટી જાય. લક્ષ્મીને લઈને આ બધી વસ્તુઓ ચોંટેલી છે.

પ્રશ્શનકર્તા : બૈરી છે છોકરાં છેને ?

દાદાશ્રી : એ બધી લક્ષ્મીને લઈને જ. અને વિષય પણ ભટકાવડાવે. વિષયની ને લક્ષ્મીની બેની મમતા છૂટવી જોઈએ.

પ્રશ્શનકર્તા : આવ્યુંને, વિષયમાં બૈરી-છોકરાં આવ્યુંને ?

દાદાશ્રી : એ વિષય તો છોડી શકે. લક્ષ્મી છૂટે નહીં કોઈને તેથી કહ્યું છેને ! આ મમતા દબડાવીને પણ છોડાવી લેવી !

પ્રશ્શનકર્તા : શીલદર્શકમાં ચોખ્ખું કહ્યું છે, દાદાએ પાને પાને કહ્યું છે કે બધું છૂટે પણ વિષય જ ના છૂટે. છેલ્લામાં છેલ્લો વિષય જાય.

દાદાશ્રી : વિષય ને લક્ષ્મી બે ના જાય. લક્ષ્મી છે તે વિષયને છોડી આપે અને વિષય તો જ્યાં છૂટી ગયેલા છે ને અને જે વિષય સ્ત્રીસંબંધી છે, તે દાદા ભગવાન છોડી આપે છે, પણ લક્ષ્મી તો ના છૂટે. વિષય છોડી આપે પણ લક્ષ્મી ના છૂટે.

એ થર્મોમિટર જ્ઞાની પાસે !

પ્રશ્શનકર્તા : કોઈને છૂટ્યું કે નથી છૂટ્યું એ આપણને કેવી રીતે ખબર પડે ?

દાદાશ્રી : અમને બધી ખબર પડે.

પ્રશ્શનકર્તા : એ અંદરની વસ્તુ છે ને વાપરતો હોય કે ના વાપરતો હોય, પણ અંદર શું છે એ શું ખબર પડે ? એના ડિસ્ચાર્જમાં હોય. અહીં અંદરકાને હોય એ શું ખબર પડે ?

દાદાશ્રી : ડિસ્ચાર્જમાં હોય કે ના હોય તે જરા જુદું છે. ડિસ્ચાર્જ તો હોય જ. પણ મમતા છૂટવી મુશ્કેલ છે.

સ્થૂળ કર્મ : સૂક્ષ્મ કર્મ

પ્રશ્શનકર્તા : આ જીવનમાં જે કર્મ સારું કે નરસું થાય તેનું ફળ આ જીવનમાં મળે કે આવતા જીવનમાં ?

દાદાશ્રી : એની બે રીત છે. અહીં વાણીથી દરેકને ગાળ દઈએ કે હાથેથી કો'કને માર્યો તેનું ફળ અહીં ને અહીં મળે. અને માનસિક સૂક્ષ્મ કર્મ, ભાવકર્મ જેને કહેવામાં આવે છે, તેનું ફળ આવતે ભવે મળે.

બે જાતનાં કર્મો, એક સ્થૂળકર્મ અને એક સૂક્ષ્મકર્મ. સ્થૂળકર્મનું ફળ અહીંનું અહીં જ મળે. આ ભાઈ કો'કને માર મારી આવ્યો, ત્યાં આગળ, તો પેલો જ્યારે ત્યારે લાગ જોઈને પાછો આપી જાય. તેનું અહીંનું અહીં જ ફળ મળી જાય.

શુભ ભાવ કર્યે જાવ !

પ્રશ્શનકર્તા : એક તરફ મહીં ભાવ થાય કે મારે આમ દાનમાં બધું આપી દેવું છે, પણ રૂપકમાં એય થતું નથી.

દાદાશ્રી : એ અપાય નહીંને ! આપવું કંઈ સહેલું છે ? દાન આપવું એ તો અઘરી વસ્તુ ! તેમ છતાં ભાવ કરવો. નાણું સારા રસ્તે આપવું એ આપણી સત્તાની વાત નથી. ભાવ કરી શકાય પણ આપી ના શકાય અને ભાવનું ફળ આવતા ભવે મળે. દાન તો ભમરડા શી રીતે આપે ? અને જો આપે છે તે 'વ્યવસ્થિત' અપાવડાવે છે, તેથી આપે છે. 'વ્યવસ્થિત' કરાવડાવે છે એટલે માણસ દાન કરે છે. અને 'વ્યવસ્થિત' નથી કરાવડાવતું એટલે માણસ દાન નથી કરતા, 'વીતરાગ' નેે દાન લેવાનો કે આપવાનો મોહ ના હોય. એ તો 'શુદ્ધ ઉપયોગી' હોય !

થાય આંતરિક ભાવ ફલિત !

આ 'વીતરાગો'નું સાયન્સ કેવું છે ? આજે એક જણે દાન આપ્યું પચાસ હજાર અને પછી એ માણસ આપણને કહેતો હોય અહીં આગળ કે આ તો શેઠના દબાણને લીધે આપ્યા છે, નહીં તો હું કોઈ દહાડોય આવા પૈસા આપું નહીં. હું કંઈ કાચી માયા નથી. બોલો હવે 'વીતરાગ'ના ચોપડે શું જમે થાય ?

પ્રશ્શનકર્તા : કાંઈ નહીં.

દાદાશ્રી : તો આપેલા એના મફત ગયા ? અત્યારે આપે છે એ મફત જાય નહીં. આ વીતરાગો કેટલા ડાહ્યા છે ને કેટલા પાકા છે, તેનો દાખલો આપું છું. હવે એ બોલેને કે આ શેઠના દબાણને લઈને મેં આપ્યા છે. તે 'વીતરાગ' તો જ્યાં નેે ત્યાં હોય છે જ ને ? દેહધારીમાં વીતરાગ બેઠેલા હોયને ? તે નકામું ગયું એમનું ? ના. ત્યારે કંઈ કામમાં આવ્યું ? હા, એણે રોકડા સ્થૂળમાં આપ્યા એટલે એનું ફળ સ્થૂળમાં, તો એને રોકડા અહીંનું અહીં મળી જવાનું. અહીં એને કીર્તિ મળે. આ જેટલું મિકેનિકલ છેને, એ મિકેનિકલ ભાગને કીર્તિ ને અપકીર્તિ બેઉ મળે છે. અને પછી સર્વનાશ થઈ જાય છે. પણ એણે જે સૂક્ષ્મમાં ભાવ કર્યો હતો કે હું આપું એવો છું નહીં, તે આવતે ભવ એનું ફળ આવશે. હવે ત્યાં આગળ તો ભાવિ ભાવ કર્યો હતો તે જુએ છે.

પ્રશ્શનકર્તા : દાન આપે તે તો નિમિત્તથી દાન આપે છેને ?

દાદાશ્રી : એ દાન આપે છે તે પૂર્વભવે ભાવેલું છે માટે આજે આપે છે. પણ ઊંધી ભાવના આજે કરે છે તે એનું ફળ આવતે ભવ આવશે. અત્યારે બીજ પડી રહ્યું છે કે હું કોઈને આપું એવો છું નહીં, એટલે દાન આપ્યું છતાં બીજ અવળું પડ્યું ! અને જો એવું કહે કે, 'આ પચાસ હજાર રૂપિયા આપ્યા તે બહુ સારું થયું. આ શેઠ હોત નહીં તો મારાથી અપાત નહીં. આ તો શેઠ હતા તે અપાયા મારાથી, તે બહુ સારું થયું.' તો એ ઊંચો ભાવિભાવ કર્યો એણે !

ભાવિભાવ એટલે આજે જ્ઞાન ફેરવ્યું. એણે વ્યવહારજ્ઞાન શુદ્ધ કર્યું એને શાસ્ત્રમાં ભાવિભાવ કહેલો છે.

હવે અહીં કોઈકને ગાળો ભાંડીને આવ્યા અને પછછ કહેશે કે 'આ કરવા જેવું હતું' તો શું થાય ? એક તો દુનિયામાં અપજશ મળ્યો અને પાછું ત્યાંયે ભાવિભાવનો હિસાબ ઊંધો બંધાય.

એટલે શું કહેવા માગીએ છીએ કે સ્થૂળ ફળ બધું અહીંનું અહીં જ પતી જાય એવું છે. એ ત્યાં જોડે આવે એવું નથી. પણ મહીં સૂક્ષ્મમાં તમારે આટલું ફેરવવાનું. જેમ પેલા માણસે ફેરવ્યું કે ભલે અણસમજણથી કે લૌકિક સમજણથી ફેરવ્યું કે આ શેઠના દબાણથી આપ્યું, નહીં તો હું આપું એવો નથી. પણ આ છે તે ઊંધું જ્ઞાન છે. અને મારા જેવો મળી જાય તો એને સમજણ પાડું કે બોલ, શેઠ હતા તો અપાયા, તે બહુ સારું થયું. એને સમજણ પાડ્યા વગર છતું જ્ઞાન થાય નહીં.

પ્રશ્શનકર્તા : આને ધર્મધ્યાન ના કહેવાય ?

દાદાશ્રી : આ ધર્મધ્યાન જ કહેવાય. મારા દરેક વાક્ય જોડે ધર્મધ્યાન અવશ્ય હોય જ. આ 'જ્ઞાન' આપ્યું છે તમને એટલે શુક્લધ્યાન મહીં છે અને ધર્મધ્યાન મારા વાક્યને લઈને ઉત્પન્ન થાય અને જ્યાં ધર્મધ્યાન રહ્યું અને અંદર શુક્લધ્યાન રહ્યું તે જ સંપૂર્ણ મોક્ષનું સાધન છે.

આ બધાં જ વાક્યો ધર્મધ્યાન માટેનાં છે. આ શુક્લધ્યાનેય ધર્મધ્યાનના રક્ષણથી રહે એવું છે.

સાયન્ટિફિક સમજ !

એટલે આ બધો સાયન્ટિફિક (વૈજ્ઞાનિક) રસ્તો છે. વખતે તમને ઊંધું જ્ઞાન ઊભું થાય, એવું ને તોયે તમને બોજો શું ? તમારે દાદાના કહ્યા પ્રમાણે જ્ઞાન રાખવાનું કે આમ ના હોવું ઘટે. આપણે કહીએ કે ચંદુભાઈ આ ખોટું કરો છો. આવું ના હોવું ઘટે. આવું બોલ્યા એટલે તમે આવતા ભવને માટે છૂટ્યા. અહીં તો અપજશ મળશે ! પેલું જેમ સારી વસ્તુ ઊંધી બોલવાથી બગડી જાય છે તો ઊંધી વસ્તુ થયેલી, સારું બોલવાથી સુધરી જાય એવું આ વિજ્ઞાન છે. માટે ઊંધાનો શો દોષ છે ? તમને સારું બોલતાં આવડ્યું છે હવે !

અને આ બહારનું સ્થૂળ બધું મિકેનિકલ છે, તદ્ન મિકેનિકલ છે. પચાસ હજાર આપ્યા એમાં કંઈ દહાડો વળ્યો નહીં. એની પાછળ સૂક્ષ્મમાં ભાવિભાવ શું છે ? એ વીતરાગો જુએ છે. આ તો ત્યાં આગળ આપ્યા. તે ભાવથી એણે આપ્યા. ભાવ વગર અપાય નહીં પણ એ ભાવ પહેલાના પુરુષાર્થથી જાગ્યો. પણ આ ફેરો પાછો એણે પુરુષાર્થ શું માંડ્યો ? કે આ શેઠના દબાણથી આપ્યા. આપું એવો નથી એવું અત્યારે એનું જ્ઞાન ઊંધું થઈ ગયેલું છે.

મુક્તિ, વીતરાગ વિજ્ઞાનથી !

ત્યારે આ વીતરાગ વિજ્ઞાન તમને કેટલું મુક્ત કરે એવું અંદર છે ! વિચારતાં નથી લાગતું ?! કેવું સુંદર છે ! જો સમજે તો 'જ્ઞાની પુરુષ' પાસે સમજી લે અને બુદ્ધિ પોતાની સમ્યક્ કરાવી લે તો કામ ચાલે એવું છે. વ્યવહારનાં લોકોય મારી પાસે બુદ્ધિ એમની સમ્યક્ કરાવી લે, મારી જોડે થોડાક વખત બેસીને ભલે જ્ઞાન ના લીધું હોય, તોયે મારી સાથે થોડોક વખત બેસે તો બુદ્ધિ સમ્યક્ થઈ જાય, તે એનું કામ આગળ ચાલે !!

આ જ્ઞાન ના હોય ત્યારે શી દશા થાય ? એવું જો માણસ સમજે તો કામનું !

પ્રશ્શનકર્તા : જ્ઞાન લીધા વગર તો આનો પાર જ નથી આવે એવો.

દાદાશ્રી : પાર જ નથી આવે એવો. એ તો વાત જ કરવા જેવી નથી. એ પચાસ હજાર રૂપિયા દાન આપતો હોય, તોય તમને પાછો શું કહે, 'આ શેઠનું દબાણ છે, એટલે આપું, નહીં તો આપું નહીં.' પોતે એકલો જાણે એટલું જ નહીં. તમને હઉ જણાવે. પાછો બીજાને જણાવે કે હું તો આવો પાકો છું. આ જુઓ છોને, આ બધું બહાર તો ?' નકામા ધૂળધાણી થઈ ગયા. એટલે આ સત્સંગમાં પડી રહ્યા. તેનું કામ થઈ ગયુંને ! આખી દુનિયાની ભાંજગડ ગઈને !

વધારાનું વહાવો !

આ તો લોકસંજ્ઞાથી બીજાનું જોઈને શીખે છે. પણ જો જ્ઞાનીને પૂછીએને તો તે કહે કે, 'ના', આ શું કરવા આમ આ ખાડામાં પડે છે ?' આ દુઃખના ખાડામાંથી નીકળ્યો ત્યારે આ પૈસાના ખાડામાં પડ્યો પાછો. વધારે હોય તો નાખી દે ધર્માદામાં અહીંથી. એ જ તારે ખાતે જમે છે. ને આ બેન્કનું જમે નહીં થાય. વધારે હોય તો નાખી દે ધર્માદામાં. અને અડચણ નહીં પડે તને. જે ધર્માદામાં નાખતો હોય તેને અડચણ પડે નહીં.

છોકરાઓને આપવું કેટલું ?

પ્રશ્શનકર્તા : એટલે પુણ્યના ઉદયે જોઈએ તેના કરતાં વધારે લક્ષ્મીની પ્રાપ્તિ થાય તો ?

દાદાશ્રી : તો વાપરી નાખવી. છોકરાં હારુ બહા રાખવી નહીં. એમને ભણાવવા, ગણાવવા, બધું કમ્પલિટ કરી, એમને સર્વિસે લગાવી દીધાં એટલે પછી એ ડાળે (કામે) લાગ્યાં, એટલે બહુ રાખવી નહીં. થોડુંક બેન્કમાં કોઈ જગ્યાએ મૂકી રાખવું. દસ-વીસ હજાર, તે કો'ક ફેરો મુશ્કેલીમાં આવ્યો હોય તો એને આપી દેવા. એને કહેવું નહીં કે ભઈ, મેં મૂકી રાખ્યા છે. હા, નહીં તો મુશ્કેલીમાં ના આવતા હોય તોય આવે.

એક માણસે મને પ્રશ્શન કયો૪ કે, 'છોકરાંને કશું ના આપવું ?' મેં કહ્યું, 'છોકરાંને આપવાનું. આપણા બાપે આપણને આપ્યું એ બધું જ આપવું. વચલો જે માલ છે તે આપણો. તે આપણે ફાવે ત્યાં ધર્માદામાં વાપરી નાખીએ.

પ્રશ્શનકર્તા : અમારા વકીલના કાયદામાંય એવું ખરું કે વડીલોપાર્જિત પ્રોપર્ટી(મિલકત) ખરી તે છોકરાંને આપવી જ પડે અને સ્વોપાર્જિત તેની અંદર બાપને જે કરવું હોય તે કરે.

દાદાશ્રી : હા, જે કરવું હોય તે કરે. હાથે જ કરી લેવું ! આપણો માર્ગ શું કહે છે કે તારો પોતાનો હોય તે માલ તું જુદો કરીને વાપર, તો તે તારી જોડે આવે. કારણ કે આ જ્ઞાન લીધા પછી હજુ એક-બે અવતાર બાકી રહ્યા છે તે જોડે જોઈશેને ! બહારગામ જઈએ છીએ તો થોડાં ઢેબરાં લઈ જઈએ છીએ. તો આ ના જોઈએ બધું ?

પ્રશ્શનકર્તા : વધારે તો ક્યારે કહેવાય ? ટ્રસ્ટી તરીકે રહે તો.

દાદાશ્રી : ટ્રસ્ટી તરીકે રહેવું ઉત્તમ છે. પણ એવું ન રહી શકાય, બધાથી ના રહી શકાય. તેય સંપૂર્ણ ટ્રસ્ટી તરીકે ના રહેવાય. ટ્રસ્ટી એટલે તો જ્ઞાતા-દ્રષ્ટા થયો. પણ ટ્રસ્ટી તરીકે સંપૂર્ણ ના રહેવાય. પણ ભાવ એવો હોયને તો થોડું ઘણું રહી શકાય.

અને છોકરાંને તો કેટલું આપવાનું હોય ? આપણા ફાધરે આપ્યું હોય, કંઈ ના આપ્યું હોય તોય આપણે કંઈ ને કંઈ આપવું જોઈએ. છોકરા દારૂડિયા બને ખરા, બહુ વૈભવ હોય તો ?

પ્રશ્શનકર્તા : હા, બને. છોકરાઓ દારૂડિયા ન બને એટલું તો આપવું જોઈએ.

દાદાશ્રી : એટલું જ આપવું જોઈએ.

પ્રશ્શનકર્તા : વધારે વૈભવ આપીએ તો એવું થઈ જાય.

દાદાશ્રી : હા, એ હંમેશાય એનો મોક્ષ બગાડશે. હંમેશા પદ્ધતિસર જ સારું. છોકરાંને વધુ આપવું એ ગુનો છે. એ તો ફોરેનવાળા બધા સમજે છે. કેવા ડાહ્યા છે. આમને તો સાત પેઢી સુધીનો લોભ ! મારી સાતમી પેઢીના મારા છોકરાને ત્યાં આવું હોય. કેટલા લોભિયા છે આ લોકો ?! છોકરાને આપણે કમાતો ધમાતો કરી આપવો જોઈએ. એ આપણી ફરજ અને છોડીઓને આપણે પૈણાવી દેવી જોઈએ. છોડીઓને કંઈક આપવું જોઈએ. અત્યારે છોડીઓને પાર્ટ અપાવડાવે છે ને ભાગીદાર તરીકે ? પૈણાવીએ તે એમાં ખર્ચ થાયને ? તે ઉપરથી થોડું ઘણું આપીએ. એને જણસો આપી, તે આપીએ જ છીએને ! પણ પોતાનું તો પોતે વાપરવું જોઈએ.

પ્રશ્શનકર્તા : છોકરાંઓને ઘર, ધંધો આપવો અને દેવું આપવું ને ?

દાદાશ્રી : આપણી પાસે મિલિયન ડોલર હોય કે અડધો મિલિયન ડોલર હોય તો ય છોકરો જે મકાનમાં રહેતો હોય, તે છોકરાને આપવાનું. તે પછી એક ધંધો કરી આપવો. એને ગમતો હોય તે. કયો ધંધો ગમે છે એ પૂછી અને એને જે ધંધો ઠીક લાગે એ કરી આપવાનો. અને ૨૫-૩૦ હજાર બેંકના લઈ આલવા. લોન ઉપર તે ભર્યા કરે એની મેળે અને થોડાક આપણે આપી દેવા. એને જોઈતી હોય તેમાં અડધી રકમ આપણે આપવી ને અડધી બેંકની લોન ભર્યા કરે. પછી છોકરો કહે કે 'આ વર્ષમાં મારે લોન ભરાતી નથી.' લોન ભરાતી નથી. ત્યારે કહીએ કે હું લાવી આપું, તને પાંચ હજાર. પણ આપી દેવાના વહેલા. એટલે પાંચ હજાર લાવી આપવાના. પછી આપણે પેલા પાંચ હજાર સંભારીએ. 'પેલા વહેલા આપી દેવાના છે, એવું કહ્યું છે.' આવું સંભારીએ તો છોકરો કહે, 'તમે કચકચ ના કરશો હમણે.' એટલે આપણે સમજી જવાનું. 'બહુ સારું છે એ.' એટલે ફરી લેવા જ ના આવેને ! આપણને વાંધો નહીં, 'કચકચ કરો છો' એવું કહે તેનો, પણ લેવા આવે નહીંને !

એટલે આપણી સેફસાઈડ આપણે રાખવાની અને પછી ખોટા ના દેખાઈએ, છોકરા પાસે. છોકરો કહેશે, 'બાપા તો સારા છે, પણ મારો સ્વભાવ વાંકો છે. હું અવળું બોલ્યો તેથી. બાકી બાપા બહુ સારા છે !' એટલે છટકી, નાસવું આ જગતમાંથી.

આદર્શ વીલ !

પ્રશ્શનકર્તા : આપણી જે મિલકત હોય, તેનું વીલ બનાવવું હોય, છોકરાં માટે, તો આદર્શ વીલ કઈ રીતેનું હોવું જોઈએ ? એક છોકરો ને એક છોકરી હોય તો ?

દાદાશ્રી : છોકરીને અમુક પ્રમાણમાં આપવું. આપણે છોકરાને પૂછવું, 'તારે શું ધંધો કરવો છે ? શું કરવું છે ? સર્વિસ કરવી છે ?' આપવું પણ અમુક પ્રમાણમાં અડધી મૂડી તો આપણી પાસે રહેવા દેવી. એટલે પ્રાઈવેટ ! એટલે જાહેર કરેલી નહીં. બીજી બધી જાહેર કરવી અને કહેવું તે, અમારે જોઈએ, પણ અમારાં બે જણને જીવતાં સુધી જોઈએને ?' કહીએ અને પાછું દેવું કરી આલવું બેંકનું. બેંકનું દેવું ના કરે એ ધંધો ના કરવો. એટલે ગોદા મારનાર જોઈએ એને. જેથી દારૂ ના પીવે. સમજ પડીને ? એટલે આપણે પદ્ધતિસર, સમજણપૂર્વક કામ કરવું.

પ્રશ્શનકર્તા : પણ માણસ મરી જાય, પછીનું વીલ કેવું હોવું જોઈએ ?

દાદાશ્રી : ના, મર્યા પછી તો આપણે જે છેને, આપણી પાસે અઢી લાખ રૂપિયા વધ્યા છે, તે તો આપણી હાજરીમાં જ, મર્યા સુધી રહેવા જ ના દેવું. બનતા સુધી ઓવરડ્રાફ્ટ કરાવી જ લેવા. દવાખાનાના, જ્ઞાનદાનના બધા ઓવરડ્રાફ્ટ કઢાવી લેવા અને પછી વધે તે છોકરાઓને આપવા, તે વધારવાય ખરા થોડાક. એ લાલચ એમની છેને, તે લાલચ હારુ પાંચ હજાર રાખવા, પછી બીજા બે લાખના તો ઓવરડ્રાફ્ટ કઢાવી લેવાના, આવતે ભવ. આપણે શું કરીએ ? આ બધા ગયા અવતારના ઓવરડ્રાફ્ટ અત્યારે વાપરો છો. તો આ અવતારમાં ઓવરડ્રાફ્ટ ના કાઢવો પડે ? આ શું કહેવાય ?

પ્રશ્શનકર્તા : ઓવરડ્રાફ્ટ.

દાદાશ્રી : હા, કોઈને આપણે આપ્યા નથી આ. આ લોકોના હિત માટે, લોક કલ્યાણ માટે વાપર્યા એ છે તે ઓવરડ્રાફ્ટ કહેવાય. છોકરાને આપીને તો પસ્તાયેલા, એવા પસ્તાયેલા કે ખરેખરા.

છોકરાનું હિત કેવી રીતે કરવું તે આપણે સમજવું જોઈએ. તે મારી જોડે આવીને વાતચીત કરી જવી.

દુઃખ, આનંદનો કાયદો !

પ્રશ્શનકર્તા : લોકો બીજાને જમાડવામાં કેમ લાગણી વધારે બતાડે છે ? આગ્રહ કરીને જમાડે છે અને કોઈને જમાડવામાં આનંદ અનુભવે છે ?

દાદાશ્રી : એ જમાડવામાં જ નહીં, પણ તું આ બધાને આઈસ્ક્રીમ ખવડાવું તોય તને આનંદ થાય. આ લોકોને તું ગમે તે આપું, તો તને આનંદ થાય. તું તારું છોડું કે તને આનંદ થાય. અને તે લઈ લીધું એટલે દુઃખ. આ જગતમાં લેવાનું શીખ્યા, આપવાનું નથી શીખ્યા. તેનાં આ દુઃખો વધ્યાં.

આપવાથી સુખ ઉત્પન્ન થાય એટલે એકલું જમાડ્યા ઉપર નહીં, પણ કંઈ પણ આપવાથી, અરે રૂપિયા હોય ને આવો પધારો એમ કહીએ તોય આનંદ થાય.

એ વ્યવહાર સારો ગણાય !

પ્રશ્શનકર્તા : હીરાબાની બાબતમાં તમે આ પાછળ વાપર્યું એ વ્યવહારમાં કેવું કહેવાય ?

દાદાશ્રી : આ સંસાર વ્યવહારમાં સારું કહેવાય એ.

પ્રશ્શનકર્તા : આપણે રહેવાનું સંસાર વ્યવહારમાં જ.

દાદાશ્રી : આ સંસારના વ્યવહારમાં ખરું, પણ એમાં સારું દેખાય આ. અને એ તો સારું દેખાય એટલા માટે હું ના કરું. એ તો હીરાબાની ઇચ્છા હતી. એટલે મેં કર્યું આ મને સારું-ખોટાની પડેલી ના હોય તે છતાં ખોટું ના દેખાય - એવું રહેતા હોઈએ.

પ્રશ્શનકર્તા : એ તો તમારા માટે વાત થઈ પણ અમારે માટે શું ?

દાદાશ્રી : તમારે થોડું વર્તવું પડે, સાધારણ બહુ ખેંચવાની જરૂર નહીં, સાધારણ વર્તવું પડે.

લક્ષ્મી ત્યાં જ પાછી આવે !

દાદાશ્રી : તમારું ઘર પહેલાં શ્રીમંત હતુંને ?

પ્રશ્શનકર્તા : એવાં બધાં પૂર્વકર્મના પુણ્ય !

દાદાશ્રી : કેટલું બધું લોકોને માટે હેલ્પ કરી હોય ત્યારે લક્ષ્મી આપણે ત્યાં આવે. નહીં તો લક્ષ્મી આવે નહીંને ! જેને લઈ લેવાય એવી ઇચ્છા છે એની પાસે લક્ષ્મી આવે નહીં. આવે તો જતી રહે, ઊભી ના રહે જેમ તેમ કરીને લઈ લેવું છે, એને ત્યાં લક્ષ્મી આવે નહીં. લક્ષ્મી તો આપવાની ઇચ્છાવાળાને ત્યાં જ આવે. જે ઘસાઈ છૂટે, છેતરાય, નોબિલીટી વાપરે, ત્યાં આવે. આમ જતી રહેલી લાગે ખરી, પણ આવીને પાછી ત્યાં ઊભી રહે.

જો જો, દાન રહી ન જાય !

હમેશાં જે આટલો સેવાભાવી હોયને, તેનું મન તો પાવરફૂલ હોય. એ ભાઈ શું કહેતા, 'મારે એમનાં દર્શન કરવા ત્યાં જવું છે ?' એ એમનો કેટલો બધો સારો ભાવ ! તે ઠેઠ મુંબઈથી અમદાવાદ દર્શન કરી જતા'તા !

સેવાભાવી એટલે લોકોની પાસેથી લઈ આવે તે બીજાને ત્યાં આપી આવે.

જુઓને કહેતા'તાને એક માણસ દર મહિને સાડા સોળ હજાર રૂપિયા આપે છે, આવા પણ હોયને પણ ! એ તો આવે ત્યારે જ અપાયને ! અને કાંઈ ના હોય ત્યારે મનમાં શું વિચારે, જાણો છો ? જ્યારે મારે આવે ત્યારે આપી દેવા છે. અને આવે ત્યારે પડીકું બાજુએ મેલી દે ! મનુષ્ય મનનો સ્વભાવ થાય છે હમણાં. હમણાં દોઢ લાખ છે, બે લાખ પૂરા થાય પછી આપીશું. એ એમ ને એમ પેલું રહી જાય પછી ! એવા કામમાં તો આંખો મીંચીને આપી દીધેલું તે સોનું.

રિવાજ, ભગવાન માટે જ ધર્માદા !

આ મારવાડી લોકોને ત્યાં જાઉં છું, તે પૂછું, ધંધો કેમનો ચાલે છે ? ત્યારે કહે, 'ધંધો તો સારો ચાલે છે.' નફો-બફો ? ત્યારે કહે, 'બે-ચાર લાખનો ખરો !' ભગવાનને ત્યાં આપવા-કરવાનું ? 'વીસ-પચ્ચીસ ટકા નાખી આવવાના ત્યાં, દર સાલ.' એમને શું કહેવાનું ? ખેતરમાં વાવીએ તો દાણા નીકળેને બળ્યા ! વાવ્યા વગર દાણા શેના લેવા જઉં ? વાવીએ જ નહીં તો ? આ મારવાડી લોકોને ત્યાં આ જ રિવાજ કે ભગવાનના કામમાં નાખવા. જ્ઞાનદાન ભગવાનમાં, બીજી-ત્રીજી જગ્યાએ દાનમાં આપવા અને પેલા દાનમાં નહીં, એ હાઈસ્કૂલને, ફલાણાને, એમાં નહીં, આ એકલું જ ખાલી.

ગજા પ્રમાણે ટેકો દેવો !

પ્રશ્શનકર્તા : બે લાખ થાય તંયે વાપરીશું, એમ કહેવાવાળો માણસ એમ ને એમ કરતાં કરતાં વયો જાય તો ?

દાદાશ્રી : એ વહી જાય ને રહી જાય પણ.

રહી જાય ને કશું વળે નહીં. જીવનો સ્વભાવ જ આવો. પછી ના હોય ત્યારે કહેશે 'મારી પાસે આવે ને તરત આપી દેવા છે, આવે કે તરત આપી દેવા છે. હવે આવે ત્યારે આ માયા મૂંઝવી નાખે.

હમણાં છે. તે કોઈ માણસે સાઠ હજાર રૂપિયા ના આપ્યા, ત્યારે કહેશે. ચાલશે હવે હેંડો કંઈક છે આપણા નસીબમાં નહોતા. પણે છૂટે પણ અહીં ના છૂટે, મનુષ્યનો સ્વભાવ એવો માયા મૂંઝવે એને. એ તો હિંમત કરે તો જ અપાય, તેથી અમે આવું કહીએને કે કંઈ કર. તે માયા મૂંઝવે નહીં પછી. ફૂલ નહીં ને ફૂલની પાંખડી. તેય એક આંગળીનો ટેકો આપવાની જરૂર છે સહુ સહુના ગજા પ્રમાણે. માંદા માણસનેય આમ હાથ અડાડવામાં શું વાંધો છે ?

અમારી ય ભાવના સદા રહી !

અને મારી પાસે લક્ષ્મી હોત તો હું લક્ષ્મીયે આપત, પણ એવી કંઈ મારી પાસે લક્ષ્મી હજુ આવી નથી અને આવે તો હજુએ આપવા તૈયાર છું. શું કંઈ મારે જોડે લઈ જવાનું છે બધું ? પણ કંઈક આપો બધાંને ! છતાં જગતને લક્ષ્મી આપ્યા કરતાં કેવી રીતે આ જગતમાં સુખી થાય, જીવન કેવી રીતે ચલાવાય એવો માર્ગ દેખાડો. લક્ષ્મી તો દસ હજાર આપીએને તો બીજે દહાડે એ નોકરી બંધ કરી દે. એટલે ના અપાય લક્ષ્મી. એવી રીતે લક્ષ્મી આપવી એ ગુનો છે. માણસને આળસુ બનાવી દે. એટલે બાપે દીકરાને માટે લક્ષ્મી વધારે નહીં આપવાની. નહીં તો દીકરો દારૂડિયો થશે. માણસને નિરાંત વળી કે બસ, બીજે ઊંધે રસ્તે ચઢ્યો !

વાતને સમજવાની જરૂર !

એવું છે, રામચંદ્રજી છે તે વનવાસ ગયા જંગલમાં, એટલે ભરતને રાજગાદી સોંપી. તે સોંપતી વખતે એમ કહ્યું કે પ્રજા દુઃખી ના થાય તે તું જોજે. આ બિચારાને રાજ કરતાં નહીં આવડે. અને કોઈ સાચા સારા સલાહકાર મળ્યા નહીં, એટલે પછી એમણે શું કર્યું ? જે લોકોને બરોબર પાકે નહીંને, તો આ તિજોરીમાંથી અપાવ અપાવ કર્યું બધાંને, અને કહે છે, 'અલ્યા, ભાઈ, દુઃખી ના થશો, વેરો ભરશો નહીં હમણે.' આવું કહ્યું એટલે લોકોને વેરો ભરવાનો હોય તો કંઈ કામ કરેને ? વેરો કંઈ ભરવાનો નહીં એટલે બધું ઉજ્જડ થવા માંડ્યું. આખા અયોધ્યાની આજુબાજુના પ્રદેશ બધા ઉજ્જડ થવા માંડ્યા.

પછી રામચંદ્રજી અયોધ્યા પાછા આવ્યા. તે પેસતાંની સાથે બધું આવું સૂકું જોયું, એટલે મનમાં એમ થયું કે આ શું થયું તે ? ભરતને રાજ કરતાં ના આવડ્યું ? પબ્લિક કેમ આવી થઈ ગઈ ? એટલે પછી આવીને ભરતરાજાને પૂછ્યું કે, 'ભઈ, શું કર્યું તેં ? આ લોકો કંઈ સુખી નથી દેખાતા.' ત્યારે એ કહે, 'મેં બધી તિજોરી લૂંટાવી દીધી. એમાં કશું રહેવા નથી દીધું. મેં કંઈ આપવામાં બાકી નથી રાખ્યું.' ત્યારે રામચંદ્રજી કહે, 'બહુ મોટી ભૂલ કરી તેં.' ત્યારે ભરતરાજા કહે, 'શું ભૂલ કરી ?' ત્યારે રામચંદ્રજી કહે, 'તું વેરો ના લે, એટલે આળસુ થાય લોકો, સૂઈ રહે નિરાંતે.' પછી એમણે આ બધા લોકોને માથે બાર વર્ષનો વેરો નાખ્યો. ઢંઢેરો પીટાવ્યો કે 'બારેય વર્ષનો એમના ખેતરોનો વેરો ભરી જાવ.' લોકોની ઊંઘ ઉડાડી દીધી હડહડાટ અને પછી બીજી શર્ત મૂકી કે જેને કૂવા ખોદવા હોય તે તગાવી લઈ જાય. એ પાછી કરવાની, થોડા વ્યાજ સાથે અને વ્યાજ નહીં જેવું. એટલે લોકોએ દોડધામ કરવા માંડી, 'અમારે કૂવો ખોદવો છે, અમારે કૂવો ખોદવો છે.' કૂવા ખોદ્યા લોકોએ ! અને પછી પાણી ખેંચીખેંચીને કાઢ્યાં ને બધો આખો દેશ લીલો કરી નાખ્યો. પણ તે કોસ ખેંચતી વખતે શું બોલતા હતા કે કોસ ગણવા માટે એ એમાં કાંકરા મૂકે. એક કોસ ખેંચાય

એટલે

એક કાંકરો મૂકે. પણ તે વખતે બોલે શું ? 'આયારામ ગયારામ' કહે છે. તે હજુય કોસ ખેંચે તે ઘડીએ બોલે છે. 'આયારામ' એટલે વાતને સમજવાની છે. જીવનકળા શીખવાડવાની જરૂર છે અને તે પુસ્તકો મારફતેય શીખવાડાય !

દાનમાં રૂપિયા આપવા નહીં. એને મેઈન્ટેનન્સીની હેલ્પ કરવી. ધંધે ચઢાવવો. હિંસક માણસને રૂપિયા આપશો તો તે હિંસા વધારે કરશે.

લોભની પજવણી !

એક માણસે મુંબઈમાં મને આવીને કહ્યું, 'દાદા મારી પાસે પચ્ચીસ લાખ રૂપિયા છે. અને તેય પચ્ચીસ લાખ માટે સારા કામમાં વાપરવા છે. છતાં મારામાં લોભ નામનો ગુણ એવો છે કે હું વાપરવા જઉં છું, ત્યાર હોરો સામો થઈને મને પજવ પજવ કર્યા કરે છે. તો મારે શું કરવું ? વાપરવાની ઇચ્છા મારે ચોક્કસ છે.' મેં કહ્યું, 'તમે મારી પાસે આવો, હું તમને દેખાડીશ કે ઓવરડ્રાફ્ટ કેવી રીતે કઢાવવો. અને તમારો લોભ જોર નહીં કરે. મારી હાજરીમાં લોભથી બોલાય નહીં. અમારી શરમ રાખે એ તો. અમારી શરમ રાખે પછીયે સહી કરી આપે. નહીં તો લોભ તો રાત્રે બહુ તો છોડે નહીં, પજવે, માથું હઉં તોડી નાખે. પણ અમારી હાજરીમાં સહી કરી આપે. મેં કહ્યું, 'પચ્ચીસ લાખ તમારે જ્યારે વાપરવા હોય ત્યારે કહેજો. લોકોને પૈસા ઘણાય વાપરવા છે, પણ કેવી રીતે વાપરવા છે તે ખબર નથી. ક્યાં વાપરવા તે ખબર નથી.

એટલે હું કહું છું કે ધૂળમાં જાય એના કરતાં કંઈ સારા રસ્તે જાય એવું કંઈક કરો. જોડે કામ લાગશે. અને ત્યાં તો જતી વખતે ચાર નાળિયેર બંધાવશેને ! અને તેય છોકરો શું કહેશે, 'જરા સસ્તામાંનાં, પાણી વગરનાં આપજોને !' મોટા લોભિયા હોય તો ચેતતા રહેજો હવે. છોકરાંઓને પૈસા વધારે નહીં આપવા. છોકરાંઓને કંઈક ધંધો કરી આપવો. અને રીતસર એનું રહેવાનું આપવું. બાકી બીજા પૈસા જો વધારે આપશો તો દારૂડિયા પેસી જશે. તમે ગયા કે તરત ત્યાં દારૂડિયા પેસી જશે. માો સારે રસ્તે પૈસા વાપરજો. લોકોના સુખને માટે વાપરજો. તમારા પૈસા જો વધારાના હોય તો લોકોના સુખને માટે વાપરશો એટલા જ તમારા બાકી, ગટરમાં.... !

આ તો આવું બધું ના બોલવું જોઈએ. છતાં બોલીએ છીએ.

વંટોળિયાનો વહેવાર !

એક માણસને ત્યાં બંગલામાં બેઠા હતા તે વંટોળિયો આવ્યો. તે બારણાં ખડાખડ ખડાખડ થયાં. તે મને કહે, 'આ વંટોળિયો આવ્યો. બારણાં બધાં બંધ કરી દઉં ?' મેં કહ્યું, 'બારણાં બધાં બંધ ના કરીશ. એક બારણું, અંદર પ્રવેશ કરવાનું બારણું ખુલ્લું રાખ. અને નીકળવાનાં બારણાં બંધ કરી દે. એટલે મહીં હવા પેસે કેટલી ? ભરેલું ખાલી થાય તો હવા પેસેને ? નહીં તો ગમે તેવો વંટોળિયો પેસે નહીં. પછી એને અનુભવ કરાવ્યો. ત્યારે મને કહે છે, 'હવે નથી પેસતું.'

તે આ વંટોળિયાનું આવું છે. લક્ષ્મીને જો આંતરશો તો પછી નહીં આવે. એટલું ભરેલું ને ભરેલું રહેશે. અને આ બાજુથી જો જવા દેશો તો બીજી આવ્યા કરશે. નહીં તો આંતરેલી રાખશો તો એટલી ને એટલી રહેશે. લક્ષ્મીનુંય કામ એવું છે. હવે કયા રસ્તે જવા દેવું એ તમારી મરજી ઉપર આધાર રાખે છે, કે બૈરાં-છોકરાંના મોજશોખ ખાતર જવા દેવું કે કીર્તિ માટે જવા દેવું કે જ્ઞાનદાન માટે જવા દેવું કે અન્નદાન માટે જવા દેવું ? શેને માટે જવા દેવું એ તમારી પર છે. પણ જવા દેશો તો બીજું આવશે. જવા ના દે તેનું શું થાય ? જવા દે તો બીજું ના આવે ? હા, આવે.

દાન, પણ ઉપયોગપૂર્વક !

પૈસા વપરાઈ જશે એવી જાગૃતિ રખાય જ નહીં. જે વખતે જે ઘસાય તે ખરું. તેથી પૈસા વાપરવાનું કહેલું કે જેથી કરીને લોભ છૂટે, ને ફરી ફરી અપાય.

ઉપયોગ એ જાગૃતિ છે. આપણે શુભ કરીએ, દાન આપીએ, તે દાન કેવું. જાગૃતિપૂર્વકનું કે લોકોનું કલ્યાણ થાય. કીર્તિ, નામ આપણને એ પ્રાપ્ત ના થાય. એટલા માટે ઢાંક્યું આપીએ. એ જાગૃતિપૂર્વક કહેવાયને ! એ એનું નામ ઉપયોગ કહેવાય. પેલું તો નામ ના છપાયું હોય તો ફરી આપે નહીં.

પાંચમો ભાગ પારકા માટે !

પ્રશ્શનકર્તા : આવતા જન્મના પુણ્યના ઉપાર્જન માટે આ આ જન્મમાં શું કરવું ?

દાદાશ્રી : આ જન્મમાં જે પૈસા આવે તેમાં પાંચમો ભાગ ભગવાનને ત્યાં મંદિરમાં નાખી આવવો. પાંચમો ભાગ લોકોના સુખને માટે વાપરવો. એટલે એટલું તો ત્યાં આગળ ઓવરડ્રાફ્ટ પહોંચ્યો ! આ ગયા અવતારના ઓવરડ્રાફ્ટ તો ભોગવો છો. આ જન્મનું પુણ્ય છે તે આગળ પછી આવે. અત્યારની કમાણી આગળ ચાલશે.

સ્વાર્થી, પરાર્થી, પરમાર્થી !

અહીં વાતો શાની ચાલે છે ? અહીં પરમાર્થની વાતો ચાલે છે. પરમાર્થ હિન્દુસ્તાનમાં હોય નહીં. કો'ક ફેરો એકાદ પરમાર્થી હોય ! પરમાર્થી પુરુષ હોય નહીં. બધાય દુકાનદારો પરમાર્થી જે કહે છેને ? ત્યારે કહે, પરમાર્થી નથી તો સ્વાર્થી છે ? ત્યારે કહે ના, સ્વાર્થી નથી. પરાર્થી છે ! સ્વાર્થી તો નથી ! કારણ કે બૈરાં-છોકરાં છોડ્યાં ને બાવા થયા. એનો શો અર્થ ? પણ પરાર્થી છે એ. પરમાર્થી નહીં. પરમાર્થી તો મોક્ષ તરફ લઈ જાય, એ પરમાર્થી પુરુષ ! પરમ અર્થને જે સાધે તે ! પરમ અર્થ ! તો જ એ મોક્ષ ! અને પરમ અર્થની વાણી. પરમાર્થ વાણીયે જુદી હોય, પરમ અર્થનું વર્તન જુદું હોય, એવાણી, વર્તન ને વિનય મનોહર હોય. આપણા મનનું હરણ કરી લે. અને આ લોકો દુકાનો કાઢીને બેસે છે. અને અમે પરમાર્થી, પરમાર્થી કહીએ છીએ. પણ તે પરમાર્થી ! ખરાં સ્વાર્થી તો ના કહેવાય પણ પરાર્થી કહેવાય. એના ચાર શિષ્યો હોયને તે શિષ્યમાં જ પણ એ પર છેને પરાર્થી ! તેમાં તારું શું ? નહીં તો છોકરાંયે પર છે ને પરાર્થી જીવન જીવે છે. એ પરમાર્થી જીવન નથી. પરાર્થી છે. જેટલા સ્વાર્થી આ દુનિયામાં છે એ બધાંય પરાર્થે મરી ગયેલા. પારકા અર્થે બધું જપ્તીમાં જતું રહેલું તો આમ પરમાર્થ કરતા હોય તો કેવું ડાહ્યું

સારું થઈ જાય ! પરમાર્થે લક્ષ્મી વાપરે તો કામની. આ તો પરાર્થે

બધું જાય છે. શું થાય ?

આવો છે મોક્ષમાર્ગ !

વીતરાગોએ મોક્ષનો માર્ગ શેને કહ્યો ?

જે પાસે છે એને ભેલાડી દેવું. અને તે સારાં કામ માટે, મોક્ષને માટે, અગર મોક્ષાર્થીઓ, જિજ્ઞાસુઓ માટે, અગર જ્ઞાનદાન માટે ભેલાડી દેવું. એ મોક્ષનો જ માર્ગ ? આ ભાઈ ભેલાડી દેતા હતા તે પછી મને પૂછતા હતા કે શું મોક્ષનો માર્ગ ? મેં કહ્યું, 'આ જ મોક્ષનો માર્ગ. આથી બીજો મોક્ષનો માર્ગ કેવો હોય તે ? પોતાની પાસે હોય એ ભેલાડી દેવું. એનું નામ મોક્ષનો માર્ગ. મોક્ષને માટે ! છેવટે તો પૂળો મૂકવાનો છેને ? છેવટે તો પૂળો મૂકીએ, દરેકને મૂક્યા વગર રહેવું પડે છે ? તમને કેવું લાગે છે ?

પ્રશ્શનકર્તા : મૂકવો જ પડેને એમાં.

દાદાશ્રી : હા, છેવટે તો પૂળો મૂકવો જ પડે. જો ને કાકા કેટલા બધા રૂપિયા મૂકીને ગયા છે !

તું ભેલાડવાનું શીખ્યો છે ? તે શું નિયમ કર્યો છે ?

પ્રશ્શનકર્તા : ભેલાડવાનો જ.

દાદાશ્રી : તું જેટલું કમાઈશ એટલું બધું ભેલાડી દેવાનો ?

પ્રશ્શનકર્તા : છેવટે તો એવું જ થશે. હમણાંથી પણ પ્રયત્ન એવો ચાલુ જ છે.

દાદાશ્રી : એમ નહીં, આપણી પાસે પાંચ પૈસા હોય તો ચાર પૈસા પણ ભેલાડી દેવા. એ તો લાખ્ખોધિપતિ ગમે તે કરે, કરોડાધિપતિ હોય તે ગમ્મે તે કરે ! આપણે એમની જોડે દોડીએ તો માંદા પડીએ. એવું નહીં કરવાનું. પણ ભાવના એવી રાખવી કે ભેલાડી દેવું છે.

પ્રશ્શનકર્તા : ભેલાડવા માટે જિગર જોઈએ ?

દાદાશ્રી : હા, જિગર જોઈએ. મોક્ષમાં જવું હોય તો જિગર એની મેળે આવે. જો ને કેવી જિગર છે !

આ કાળમાં જ્ઞાન મળ્યાથી મોક્ષ થાય ખરો, પણ જોડે જોડે આ ભાવના હોયને તો બહુ હેલ્પફુલ થાય. સ્પીડી થાય. અડચણ વગર થાય. મોક્ષ તો જ્ઞાનનું ફળ જ છે, પણ જોડે જોડે આ એક ભાવના જોઈએ, ભેલાડવાની ! બાકી ભેળું કરવાની તો અનાદિકાળથી ટેવ પડેલી હતી ! આ કીડીઓ કેટલું ભેળું કરતી હશે ? આ કીડીઓ ચાર વાગ્યાની ઊઠે છે, આપણે ચાર વાગે ચા પીતા હોઈએ ને ત્યાં આગળ ખાંડ-ખાંડ પડેલી હોય તે લઈને ચાલી જાય. એ સવારની આટલી બધી વહેલી ઊઠે છે ને રાત સુધી જાગે છે ! અને પછી આટલુંક ભેગું કરે છે. પછી એક ચટકો મારે આનો, ને પછી મૂકી દેવાનું, પેલા સ્ટોરમાં. તે આટલું ભેળું કરે છે, પછી ઉંદરડો પેસીને ખઈ જાય છે ! શું ? ત્યારે ભેળું કર્યાનો આ જ ફાયદોને ? શું ફાયદો ? ઉંદરડા પેસીને ખઈ જાયને ! ઉંદરડા તો ખોળતા જ હોય કે ક્યાં આગળ કોઈએ ભેગું કર્યું છે !

ભાવનાથી છે પુષ્ટિ !

પ્રશ્શનકર્તા : કોઈપણ વસ્તુ પૂરણની ગલન થઈ જવાની નક્કી જ છે, નિર્વિવાદ વાત છે.

દાદાશ્રી : પૂરણનું ગલન થઈ જવાનું નક્કી જ છે. તો ગલન ક્યાં થવા દેવું એ આપણે સમજવાનું છે. પૂરણ થઈ એના ટાઈમે ગલન થઈ જવાનું. પૂરણ થવું એટલે સંયોગ કહેવાય. અને સંયોગ વિયોગી સ્વભાવનો જ હોય. તમે અટકાવો તોય વિયોગ થયા વગર રહે જ નહીં. માટે કંઈ ભાવનાની તેને પુષ્ટિ આપવી જોઈએ. ભાવના દેવી જોઈએ. પૂંઠ દેવી જોઈએ.

આ સંયોગ બધા વિયોગી સ્વભાવવાળા ન હોય ? એનો સ્વભાવ જ વિયોગી છે. આપણે વિયોગ કરાવવો ના પડે.

એવું શીખવાનું અત્યારથી, નાની ઉંમરમાંથી ભેળું કરવાનું સંસારીઓ બધાંને ગમે. તે બંધન છે. ભેળું કરવાની ભાવના એ બંધનનો માર્ગ છે. અને ભેલાડવાની ભાવના એ મોક્ષનો માર્ગ છે !

જ્ઞાનીને પૂછી પૂછીને....

પ્રશ્શનકર્તા : આ પાંચ વર્ષથી ધાર્મિક પ્રવૃત્તિની શરૂઆત કરી છે. એના હિસાબે જ આ દાદા ભેગા થયા.

દાદાશ્રી : હા, પણ એટલું ધ્યાન રાખવાનું કે જેટલું આપણી જોડે આવે એટલું જ આપણું.

પ્રશ્શનકર્તા : એવો કોઈ રસ્તો છે કે સાથે લઈ જવાય એવો ?

દાદાશ્રી : તમારે કેટલા દીકરા છે ?

પ્રશ્શનકર્તા : ત્રણ. બે દીકરા ને એક દીકરી.

દાદાશ્રી : માથાકૂટ કોણે કરી ? ભાઈએ કરી. ભોગવશે કોણ ? આ બધાં. એ લોકો સાથે લઈને આવ્યાં હોય !

પ્રશ્શનકર્તા : હું મૂકી જઈશ તો છોકરાં વાપરશે.

દાદાશ્રી : છોકરાંઓય સોંપીને જશે કે આ સોંપ્યું. કારણ કે એમનેય ક્યાં જોડે લઈ જવાય છે ?

પ્રશ્શનકર્તા : પણ એવો કોઈ રસ્તો છે સાથે લઈ જવાય એવો ?

દાદાશ્રી : આ છોકરાંઓ લઈને આવ્યા'તા ? આ છોકરાંઓ ક્યાંથી લઈને આવ્યાં'તા ? એમણે મહેનત કરી ? માથાકૂટ કરી એમણે ? અને તૈયાર થઈને આવ્યું ? જોડે લાવેલાં જ ને !

પ્રશ્શનકર્તા : આ ભાઈ અહીંથી જોડે જોડે લઈ જઈ શકશે ખરા ?

દાદાશ્રી : હવે શું લઈ જાય ? જોડે હતું તે અહીં વાપરી ખાધું. હવે આ કંઈક મોક્ષનું મારી પાસેથી આવીને મળે તો દહાડો વળે ! હજુ જિંદગી છે, હજુ લાઈફ ટર્ન કરે, જાગ્યા ત્યાંથી સવાર !

ત્યાં લઈ જવામાં કઈ વસ્તુ આવે છે ?

અહીં જે તમે વાપર્યું તે બધું ગટરમાં ગયું. તમારા મોજશોખ માટે, તમારા રહેવા માટે જે બધું કરો, એ બધું ગટરમાં ગયું. ફક્ત પારકા માટે જે કંઈ કર્યું, એટલું જ તમારો ઓવરડ્રાફ્ટ છે.

પ્રશ્શનકર્તા : એટલું ક્રેડિટ મળે.

દાદાશ્રી : એટલો ઓવરડ્રાફ્ટ છે સમજ પડીને ? એટલે પારકા માટે કરજો. પારકાના રસ્તા જ્ઞાનીઓને પૂછી પૂછીને કરજો.

જેવો ભાવ, તેવું ફળ !

પ્રશ્શનકર્તા : આપણે કંઈક સારાં કામો કર્યાં હોય, તે આત્મા બીજી જગ્યાએ જાય, બીજા ખોળિયામાં જ્યારે પ્રવેશ કરે, ત્યારે એની અસરો એના નવા ખોખામાં રહેલી હોય ?

દાદાશ્રી : હા, હા. આ રીતે રહે. તમે જે જે સારાં કામ કર્યા, લોકોને ઓબ્લાઈઝ કર્યા, લોકોને હેલ્પ કરી, મહારાજોની સેવાઓ કરી, ધર્માદા કર્યા, બીજું કર્યું, ત્રીજું કર્યું, બધું મન-વચન-કાયાની એકતા હોય તો આવતા જન્મમાં જાય. મનમાં જેવું હોય, એવું જ વાણીમાં બોલો ને એવું વર્તન કરો ને પછી એ છે તે મહારાજની સેવા કરો. તો એનું ફળ આવતા જન્મમાં મળે. અત્યારે કેટલા કરતા હશે ?

પ્રશ્શનકર્તા : બહુ નહીં.

દાદાશ્રી : તેથી આ ક્રમિકમાર્ગ બંધ થયો છે અત્યારે. મહારાજની સેવા કરે, પણ મનમાં ક્યાંય હોય.

પ્રશ્શનકર્તા : મારું ચિત્ત કાયમ ફર્યા જ કરતું હોય.

દાદાશ્રી : એ તો આપણું અક્રમ છે એટલે ચલાવી લીધું મેં. પેલામાં નથી ચાલે એવું. પેલામાં તો મન-વચન-કાયની એકતા હોય ત્યાં સુધી ક્રમિકમાર્ગ ચાલુ ! મનમાં હોય એવું વાણીમાં બોલે ને એવું વર્તનમાં રાખવું પડે.

ઘણાને દાન ના આપવું હોય, મનમાં ના આપવું હોય અને વાણીમાં બોલે, મારે આપવું છે અને વર્તનમાંય રાખે, આપે. પણ મનમાં ના આપવું હોય એટલે ફળ ના થાય.

પ્રશ્શનકર્તા : દાદા, એ કેમ થાય એવું ?

દાદાશ્રી : એક માણસ મનમાં આપે છે, એની પાસે સાધન નથી એટલું અને વાણીથી બોલે છે કે મારે આપવું છે, પણ અપાતું નથી, એનું ફળ આવતા ભવમાં મળે, કારણ કે એ આપ્યા બરાબર છે. ભગવાને સ્વીકાર્યું. અરધો લાભ તો થઈ ગયો.

દેરાસરમાં જઈને એક માણસે એક જ રૂપિયો મૂક્યો અને બીજા શેઠિયાએ એક હજારની નોટો મહીં ધર્માદામાં નાખી, એ જોઈને આપમા મનમાં થયું કે અરે, મારી પાસે હોત તો હું આપત. એ તમારું ત્યાં આગળ જમે થાત. નથી માટે તમારાથી નથી અપાતું. અહીં તો આપ્યાની કિંમત નથી, ભાવની કિંમત છે. વીતરાગોનું સાયન્સ છે.

અને આપનાર હોય તેનું ક્યારે કેટલાય ગણું થઈ જાય. પણ તે કેવું ? મનથી આપવું છે, વાણીથી આપવું છે, વર્તનથી આપવું છે, તો એનું ફળ તો આ દુનિયામાં શું ના કહેવાય એ પૂછો ! અત્યારે તો બધાં કહેશે, ફલાણા ભઈને લીધે મારે આપવું પડ્યું, નહીં તો હું ના આપત. ફલાણા સાહેબે દબાણ કર્યું એટલે મારે તો આપવા પડ્યા. એટલે ત્યાં આગળ જમે પણ એવું જ થાય, હં. એ તો આપણે મનથી રાજીખુશીથી આપેલું કામનું.

એવું કરે ખરાં લોકો ? કો'કના દબાણથી આપે ?

પ્રશ્શનકર્તા : હા, હા.

દાદાશ્રી : અરે, કેટલાક તો રોફ રાખવા હારુ આપે. નામ, પોતાની આબરુ વધારવા માટે. મહીં મનમાં એમ હોય, બળ્યું આપવા જેવું નથી. પણ આપણું નામ ખોટું દેખાશે ત્યારે એવું ફળ મળે. જેવું આ બધું ચીતરે છે, એવું ફળ મળે.

અને એક માણસ પાસે ના હોય અને 'મારી પાસે હોત તો હું આપત' એમ કહે તો કેવું ફળ મળે ?

દાન - સમજણ સહિત !

એક જણને મનમાં જ્ઞાન થયું. શું જ્ઞાન થયું કે આ લોકો ટાઢે મરી જતાં હશે, અહીં ઘરમાં ટાઢમાં રહેવાતું નથી. અલ્યા, હિમ પડવાનું થયું છે ને આ ફૂટપાથવાળાનું શું થશે ? એવું એને જ્ઞાન થયું, આ એક પ્રકારનું જ્ઞાન જ કહેવાયને ! જ્ઞાન થયું ને એની પાસે સંજોગ સીધા હતા. બેન્કમાં નાણું હતું, તે સો-સવા સો ધાબળા લઈ આવ્યો, હલકી ક્વૉલિટિના ! અને મળસ્કે ચાર વાગે જઈને, બીજે દહાડે ઓઢાડ્યા બધાને, સૂતા હોય ત્યાં જઈને ઓઢાડ્યા. પછી પાંચ-સાત દહાડા પછી ત્યાં પાછો ગયોને, ત્યારે ધાબળો-બાબળો કંઈ દેખાતો ન હતો. બધા નવેનવા વેચીને પૈસા લઈ લીધા એ લોકોએ.

તે હું કહું છું કે અલ્યા, ના અપાય આવું. આવું અપાતું હશે ? એમને તો શુક્કરવારીમાંથી જૂના ધાબળા આવે તે લઈને આપીએ. તે એને કોઈ બાપેય વેચાતો લે નહીં, એની પાસેથી. આપણે એને માટે સિત્તેર રૂપિયાનું બજેટ કાઢ્યું હોય, એ માણસને માટે, તો સિત્તેરનો એક ધાબળો લાવવો એના કરતાં જૂના ત્રણ મળતા હોય તો ત્રણ આપવા. ત્રણ ઓઢીને સૂઈ જજે, કોઈ બાપેય લેનારો ના મળે.

એટલે આ કાળમાં દાન આપવાનું તે બહુ વિચાર કરીને આપજો. પૈસો મૂળ સ્વભાવથી જ ખોટો છે. દાન આપવામાંય બહુ વિચાર કરશો ત્યારે દાન અપાશે, નહીં તો દાનેય નહીં આપે. અને પહેલાં સાચો રૂપિયો હતોને તે જ્યાં આપો ત્યાં દાન સાચું જ દાન થતું.

અત્યારે રોકડો રૂપિયો અપાય નહીં, નિરાંતે કોઈ જગ્યાએથી ખાવાનું લઈ અને વહેંચી દેવું. મીઠાઈ લઈ આવ્યા તો મીઠાઈ વહેંચી દેવી. મીઠાઈનું પડીકું આપીએ તો પેલાને કહેશે, અડધી કિંમતે આપી દે. હવે આ દુનિયાને શું કરીએ ? આપણે નિરાંતે ચેવડો છે, મમરા છે, બધું છે. અને ભજીયાં લઈ અને ભાંગીને આપીએ. લે બા ! વાંધો શો છે ? અને આ દહીં લેતો જા. શા હારુ આમ ભાંગ્યાં કહેશે. એને વહેમ ન પડે એટલા હારુ. દહીં લઈ જા એટલે દહીંવડા થઈ જાય તારે. અલ્યા, પણ શું કરે ત્યારે આ તો કંઈક હોવું જોઈએને !

આ તો પહોંચી વળાય એવું નથી. અને એ માંગવા આવશે તોય આપજે બા. પણ રોકડા ના આપીશ. નહીં તો દુરુપયોગ થાય છે આ બધો. આપણા દેશમાં જ આ. આ ઈન્ડિયન પઝલને કોઈ સોલ્વ કરી શકે નહીં, આખા વર્લ્ડમાં !

આ શી રીતે, આ શું છે, એનું સોલ્વ કરવા મોકલીએ કે ભઈ અમારે આ શું છે ? આ ધાબળા દાનમાં આપ્યા તે ક્યાં ગયા ? એની શોધખોળ કરો. ત્યારે કહે કે સી. આઈ. ડી. લાવો. અલ્યા, ન હોય આ સી. આઈ. ડી.નું કામ. અમે તો આ વગર સી. આઈ. ડી. એ પકડી પાડીશું. આ પઝલ ઈન્ડિયન પઝલ છે. તમને સોલ્વ નહીં થાય. તમારા દેશમાં સી. આઈ. ડી. થી પકડી લાવો. અમારા દેશવાળા શું કરે એ અમે જાણીએ બા ! બીજે દહાડે જા વેપારીને ત્યાં.

એટલે પૈસાની બરકત ક્યારે આવશે ? કંઈક નિયમ હોવો જોઈએ કે નીતિ હોવી જોઈએ. સાધારણ તો હોયને ! કાળ વિચિત્ર છે જરા. તે સાધારણ નીતિ તો હોવી જોઈએને ! હપુચુ એમ કંઈ ચાલે ?

બધું વેચી ખાય ત્યારે છોડીઓ હઉ વેચી ખાય, લક્ષ્મીની બાબતમાં છોડીઓ હઉ વેચેલી. ત્યાં સુધી આવી ગયા છે અંતે ! અલ્યા, ના થાય.

ખાતરીદાર કહેનાર !

અને પાંચ હજાર ડોલર કોઈ તમારા હાથમાંથી લઈ ખૂંચાવી જાય તો શું કરો ?

પ્રશ્શનકર્તા : એવા ઘણા ખૂંચાઈ ગયા છે. બધી મિલકતો પણ ચાલી ગઈ છે.

દાદાશ્રી : તો શું કરો ? મનમાં કશું થતું નથી ?

પ્રશ્શનકર્તા : કાંઈ નહીં.

દાદાશ્રી : એટલું સારું, ત્યારે તો ડાહ્યા છો. ખૂંચાઈ જવા હારુ જ આવે છે. અહીં નહીં પેસે તો અહીં પેસી જશે. માટે સારી જગ્યાએ પેસાડી દેજો, નહીં તો બીજી જગ્યાએ તો પેસી જવાનાં જ છે. નાણાંનો સ્વભાવ જ એવો એટલે સારે રસ્તે નહીં જાય તો અવળે રસ્તે જશે. સારે રસ્તે થોડા ગયા ને અવળે રસ્તે વધારે ગયા.

પ્રશ્શનકર્તા : સારો રસ્તો બતાવો. ખબર શી રીતે પડે કે રસ્તો સારો કે ખરાબ ?

દાદાશ્રી : સારો રસ્તો તો આમ અમે એક પૈસો લેતા નથી. હું મારા ઘરનાં કપડાં પહેરું છું. તમને સમજ પડીને ? આ દેહનો હું માલિક નથી ! છવ્વીસ વર્ષથી આ દેહનો હું માલિક નથી. આ વાણીનો હું માલિક નથી, હવે તમને જ્યારે કંઈક ખાતરી બેસે, મારી પર થોડો વિશ્વાસ બેસે, એટલે હું તમને કહું કે ભઈ, અમુક જગ્યાએ તમે પૈસો નાખો તો સારા રસ્તે વપરાશે. તમને મારી પર થોડી ખાતરી બેસે એટલે હું તમને કહું તો વાંધો ખરો ?

પ્રશ્શનકર્તા : ના.

દાદાશ્રી : એ જ સારો રસ્તો. બીજો કયો ? ખાતરીદાર કહેનાર હોવો જોઈએ. ખાતરીવાળો ! જેનું કમિશન ના હોય સહેજેય, સમજ પડીને ! એક પાઈ પણ એમાં કમિશન ના હોય ત્યારે એ ખાતરીવાળા કહેવાય ! શું કહ્યું ? એવું અમને દેખાડનાર મળ્યા નહીં. અમને જેમાં ને તેમાં કમિશન... (જાય એવું દેખાડનારા મળ્યા !)

પ્રશ્શનકર્તા : દાદા, અમને રસ્તો બતાવતા રહેજો.

દાદાશ્રી : જ્યાં કમિશન છે ત્યાં ખોટે રસ્તે નાણું જાય છે, ત્યાં ચોક્કસ, કંઈ પણ કમિશન છે ત્યાં ખોટે રસ્તે ! હજુ તો આ સંઘના ચાર આના વપરાયા નથી, કોઈ કારકુન કે એને ખાતે ! બધા પોતાના ઘરના પૈસાથી કામ કરી લે છે એવો આ સંઘ, પવિત્ર સંઘ ! તમને સમજણ પડીને ! એટલે સાચો રસ્તો આ છે. જ્યારે નાખવા હોય તો નાખજો, અને તે હોય તો, ના હોય તો નાખશો નહીં. હવે આ ભઈ કહે કે, 'હું ફરી નાખું દાદા ?' તો હું કહું ના, બા. તું તારો ધંધો કર્યા કર. હવે એક ફેરો નાખ્યા એણે ! અહીં ફરી નાખવાની જરૂર નહીં ! હોય તો ગજા પ્રમાણે નાખો ! વજન દસ રતલ ઊંચકાતું હોય, તો આઠ રતલ ઊંચકો, અઢાર રતલ ના ઊંચકો. દુઃખી થવા માટે નથી કરવાનું ! પણ સરપ્લસ નાણું અવળે રસ્તે ના જાય, એટલા માટે આ રસ્તો દેખાડીએ. આ તો લોભમાં ને લોભમાં ચિત્ત રહ્યા કરે, ભમ્યા કરે ! એટલે જ્ઞાની પુરુષ દેખાડશે કે અમુક જગ્યાએ નાખજો.

સરપ્લસનું જ દાન !

પ્રશ્શનકર્તા : સરપ્લસ કોને કહેવાય ?

દાદાશ્રી : સરપ્લસ તો તમે આજે આપો ને કાલે ચિંતા થાય એવું ઊભું થાય એ ના કહેવાય. સમજ પડીને ? હજુ છ મહિના સુધી આપણને ઉપાધિ નથી પડવાની, એવું આપણને લાગે, તો કામ કરવું, નહીં તો કરવું નહીં.

જો કે આ કામ કરશો તો તમારે ઉપાધિ નહીં જોવી પડે. એ તો જોવી ના પડે. આ કામ તો એની મેળે જ પૂરાઈ જાય છે. આ તો ભગવાનનું કામ છે. જે જે કરે છે એમનું એમ ને એમ સરભર થઈ જાય છે. પણ છતાં મારે તમને ચેતવણી આપવી જોઈએ. મારે શા હારુ તમને કહેવું જોઈએ કે આંધળું-બહેરું કરજો ? આંધળિયાં કરજો એવું હું શા માટે કરવા કહું ? હું તો તમારા હિતને માટે ચેતવું છું કે ગયા અવતારમાં જો તમે આપ્યું હતું તેથી આ ભાઈને મળે છે અત્યારે. અને અત્યારે આપશે તો ફરી મળશે. આ તો તમારો જ ઓવરડ્રાફ્ટ છે. મારે કશું લેવા-દેવાય નથી. હું તો તમને સારી જગ્યાએ નખાવડાવું છું, એટલું જ છે.' ગયા અવતારે આપ્યું હતું તે આ અવતારમાં લઈએ છીએ. કંઈ બધામાં અક્કલ નથી ? ત્યારે કહે, 'અક્કલથી નથી આપ્યા. ઉપરથી જ છે ! તમે બેન્કમાં ઓવરડ્રાફ્ટ ક્રેડિટ કર્યો હશે તે તમારા હાથમાં ચેક આવશે. એટલે બુદ્ધિ સારી હોય ને તો પાછું જોઈન્ટ થઈ જાય બધું.

બીજું કંઈ પૂછવાનું હોય તો પૂછજો બધું. તમારા બધા ખુલાસા થાય !

અહીં કોઈને આપવા હોય તો શ્રી સીમંધર સ્વામીનું દેરાસર બંધાય છે તેમાં આપે. સમજ પડીને ? તે પોતાને સાધન હોય તો, નહીં તો નહીં.

અનન્ય ભક્તિ, ત્યાં અપાય !

આપણે મોક્ષમાં જવાનું છે ત્યાં આગળ મોક્ષમાં જવાય એટલું પુણ્ય જોઈએ. અહીંયા તમે સીમંધર સ્વામીનું જેટલું કરશો, એટલું બધું તમારું આવી ગયું. બધું બહુ થઈ ગયું. એમાં એવું નથી કે આ ઓછું છે. એમાં તો તમે જે (આપવા માટે) ધાર્યું હોયને એ બધું કરો. એટલે બધું થઈ ગયું. પછી આથી વધારે કરવાની જરૂર નથી. પછી દવાખાનાં બાંધો કે બીજું બાંધો. એ બધું જુદે રસ્તે જાય. એય પુણ્ય ખરું પણ પાપાનુબંધી પુણ્ય. અનુબંધેય પાપ કરાવડાવે અને આ પુણ્યાનુબંધી પુણ્ય.

સીમંધર સ્વામી !

આપણે અહીં આગળ તમે સીમંધર સ્વામીનું નામ તો સાંભળેલુંને ?

પેલો ફોટો રહ્યો ઉપર ! એ હાલ તીર્થંકર છે, મહાવિદેહ ક્ષેત્રમાં !! મહાવિદેહ ક્ષેત્રમાં હાલ તીર્થંકર છે. એમની હાજરી છે આજે.

સીમંધર સ્વામીની ઉંમર કેટલી ૬૦, ૭૦ વર્ષની હશે ? પોણા બે લાખ વર્ષની ઉંમર છે ! હજુ સવા લાખ વર્ષ જીવવાના છે ! આ એમની જોડે તાર, સાંધો મેળવી આપું છું, કારણ કે ત્યાં જવાનું છે. હજુ એક અવતાર બાકી રહેશે. અહીંથી સીધો મોક્ષ થવાનો નથી. હજી એક અવતાર બાકી રહેશે. એમની પાસે બેસવાનું છે એટલે સાંધો મેળવી આપું છું.

અને આ ભગવાન આખા વર્લ્ડનું કલ્યાણ કરશે. આખા વર્લ્ડનું કલ્યાણ થશે ! આખા વર્લ્ડનું કલ્યાણ થશે નિમિત્તથી. કારણ કે એ જીવતા છે. ગયેલા હોય ને એ કશું જ ધોળે નહીં, ખાલી પુણ્ય બંધાય.

એ બે એકના એક જ !

પ્રશ્શનકર્તા : અત્યારે આ બધા જે કીર્તન રે છે, 'દાદા ભગવાનના અસીમ જય જયકાર હો', એમાં દાદા ભગવાનની ઓળખાણ કેવી રીતે આપો છો ?

દાદાશ્રી : આ દાદા ભગવાન ન હોય. આ દેખાય છે તે દાદા ભગવાન ન હોય. જે સાચા દાદા ભગવાન, જે આખા વર્લ્ડનો માલિક છે, આખા વર્લ્ડનો ભગવાન છે, તે દાદા ભગવાનની વાત કરીએ છીએ. આ દાદા ભગવાન નહીં, મહીં પ્રગટ થયો છે, ચૌદ લોકનો નાથ પ્રગટ થયો છે, હું હઉ એમ ભગવાનને નમસ્કાર કરું છું. અને ધીસ ઈઝ ધી કૅશ બેન્ક ! બોલતાંની સાથે જ તરત ફળ આપનારું છે. માંદો માણસ દવાખાનામાં બોલે તો તરત ફળ મળે.

પ્રશ્શનકર્તા : આ બધા દાદા ભગવાનનું કીર્તન કરતા હતા ત્યારે આપ પણ કંઈ બોલીને કીર્તન કરતા હતા, તે કોનું ?

દાદાશ્રી : હું હઉ બોલતો હતોને ! હું દાદા ભગવાનને નમસ્કાર કરું છું. મારે છે તે ચાર ડિગ્રી ખૂટે છે ને ભગવાનને ત્રણસો સાઠ ડિગ્રી છે. મને ત્રણસો છપ્પન ડિગ્રી છે. મારે ચાર ડિગ્રી ખૂટે છે. તેટલા હારુ મેં પહેલાં બોલવાની શરૂઆત કરી. તેથી આ બધા બોલે. એમનેય ખૂટે છે. તમારે ખૂટતી નથી ?

પ્રશ્શનકર્તા : એ દાદા ભગવાન આપ જેને બોલાવો છો તે અને આ સીમંધર સ્વામી એમનામાં સંબંધ શું છે આમ ?

દાદાશ્રી : ઓહોહો ! એ તો એકના એક જ છે. પણ આ સીમંધર સ્વામીને બતાડવાનું કારણ કે હજુ દેહ સાથે હું છું એટલે મારે ત્યાં જવાની જરૂર છે. કારણ કે જ્યાં સુધી સીમંધર સ્વામીનાં દર્શન થાય નહીં, ત્યાં સુધી મુક્ત ના થાય, એક અવતાર બાકી રહે. મુક્તિ તો આ મુક્ત થયેલાનાં દર્શનથી મળે. જો કે મુક્ત તો હુંય થયેલો છું. પણ એ સંપૂર્ણ મુક્ત છે. એ આવું અમારી જેમ લોકોને એમ ના કહે કે આમ આવજો ને તેમ આવજો. હું તમને જ્ઞાન આપીશ. એ બધી ખટપટો ના કરે. તમને સમજ પડીને ?

આ છે જીવતા જાગતા દેવ !

લક્ષ્મીના સદુપયોગનો સાચામાં સાચો રસ્તો કયો અત્યારે ? ત્યારે કહે, 'બહાર દાન આપવું તે ?' કૉલેજમાં પૈસા આપવા તે ? ત્યારે કહે ના, આપણા આ મહાત્માઓને ચા-પાણી, નાસ્તા કરાવો. એમને સંતોષ આપવો એ સારામાં સારો રસ્તો. આવા મહાત્મા વર્લ્ડમાં મળશે નહીં. ત્યાં સત્યુગ જ દેખાય છે અને બધા આવ્યા હોય તો તમારું કેમ ભલું થાય એ જ આખો દહાડો ભાવના.

નાણું ના હોય ને તો પેલાને ત્યાં જમો કરો, રહો, એ બધું આપણું જ છે. સામસામી પરસ્પર છે. જેની પાસે સરપ્લસ છે તે વાપરો.

અને વધારે હોય તો મનુષ્યમાત્રને સુખી કરો ને સારું છે અને એથી આગળ જીવમાત્રના સુખને માટે વાપરે.

બાકી સ્કૂલોમાં આપો. કૉલેજોમાં આપો, તેની નામના મળશે પણ આ સાચું છે. આ મહાત્માઓ તદ્ન સાચા છે એની ગેરેન્ટી આપું છું. ભલે ગમે તેવા હશે. પૈસેટકે ઓછા હશે, તોય એમની દાનત સાફ, ભાવના એ બહુ સુંદર છે. પ્રકૃતિ તો જુદી જુદી હોય જ.

આ મહાત્માઓ તો જીવતા જાગતા દેવ છે. આત્મા મહીં પ્રગટ થયેલો છે. એક ક્ષણ પણ આત્માને ભૂલતાં નથી. ત્યાં આત્મા પ્રગટ થયેલો છે. ત્યાં ભગવાન છે.

આવી સમજણ પાડવીય પડે !

એક માણસ મને સલાહ પૂછતો હતો કે મારે આપવા છે, તે કેવી રીતે આપવા ? ત્યારે મેં કહ્યું આને પૈસા આપવાની સમજણ પડતી નથી. મેં કહ્યું, 'તારી પાસે પૈસા છે ?' ત્યારે કહે છે ત્યારે મેં કહ્યું આવી રીતે આપજે. હું જાણું કે આ માણસ દિલનો બહુ ચોખ્ખો અને ભોળા દિલનો છે. એને સાચી સમજણ પાડો.

વાત એમ બની હતી કે અમે એક ભાઈને ત્યાં ગયેલા. એમણે એક માણસને મને મૂકવા માટે મોકલ્યો. ખાલી મૂકવા માટે જ. પેલા ડૉક્ટરને કહે કે દાદાને ગાડીમાં મૂકવા હું જઈશ. તમે ના જશો. હું મૂકી આવીશ. તે મૂકવા પૂરતું આવ્યા. ને તેમાં વાતચીતો થાય ! એ ભાઈ મારી પાસે સલાહ માગતા હતા કે મારે પૈસા આપવા છે તો ક્યાં આપવા, કેવી રીતે આપવા, કેવી રીતે આપવા 'બંગલો બાંધ્યો ત્યારે તો પૈસા કમાયા હશો, પછી હમણે ત્યારે કહે, 'બંગલો બાંધ્યો, સિનેમા થિયેટર બાંધ્યું. હમણે સવા લાખ રૂપિયા તો મારા ગામમાં દાનમાં આપ્યા છે.' ત્યારે મેં કહ્યું કે વધારે કમાયા હો તો એકાદ આપ્તવાણી છપાવી દેજો. તરત જ એ કહે, 'તમે કહો એટલી જ વાર. આ તો મને ખબર જ નહીં આવી. મને કોઈ સમજણ પાડતું જ નથી.' પછી કહે છે, 'આ મહિનામાં તરત જ છપાવી દઈશ.' પછી જઈને પૂછવા માંડ્યો કે કેટલા થાય ? ત્યારે કહ્યું કે, 'વીસ હજાર થાય.' તરત જ કહે છે કે, 'આટલી ચોપડી મારે છપાવી દેવાની !' મેં ઉતાવળ કરવાની ના કહી એ ભાઈને.

એટલે આવા ભલા માણસ હોય ને જેને સમજણ ના પડતી હોય દાન આપવાની અને એય પૂછે તો એને દેખાડીએ. આપણે જાણીએ કે આ ભોળો છે. એને સમજણ પડતી નથી તો એને દેખાડીએ. બાકી સમજણવાળાને તો અમારે કહેવાની જરૂર નહીં ને ! નહીં તો એને દુઃખ થાય. અને દુઃખ થાય એ આપણે જોઈતા નથી. આપણને પૈસાની જરૂર જ નથી. સરપ્લસ હોય તો જ આપજો. કારણ કે જ્ઞાનદાન જેવું કોઈ દાન નથી જગતમાં !

કારણ કે આ જ્ઞાનની એ ચોપડીઓ વાંચે એમાં કેટલો બધો ફેરફાર થઈ જાય. એટલે હોય તો આપવાના, ના હોય તો આપણને કંઈ જરૂર જ નથી ત્યાં આગળ !

હરીફાઈ ના હોય અહીં !

અને હરીફમાં એ બોલવાની જરૂર નહીં. આ હરીફનું લાઈન્સવાળું નથી કે અહીં બોલી બોલ્યા કે આ આમને ઘી આટલું બોલ્યા ને આ આટલું બોલ્યા ! વીતરાગોને ત્યાં આવી હરીફાઈ હોય નહીં. પણ આ તો દુષમકાળમાં પેસી ગયું. દુષમકાળનાં લક્ષણો બધાં. વીતરાગોને ત્યાં હરીફાઈ ના હોય. હરીફાઈ કરવી એ તો ભયંકર રોગ છે. માણસ ચડસે ચઢે. આપણે ત્યાં કોઈ એવું લક્ષણ ના હોય. અહીં પૈસાની માગણી ના હોય.

ઘરના ઘીના દીવા !

એટલે અહીં આગળ લક્ષ્મીની લેવડ-દેવડ છે જ નહીં. અહીં આગળ લક્ષ્મી હોય જ નહીં. અહીં પુસ્તકો ફ્રી ઑફ કોસ્ટ લઈ જાવ. અહીં પૈસાની લેવા-દેવા નહીં. અહીં રોજ આરતી થાય છે. છતાં દીવાના ઘી માટે બૂમ નહીં કે અહીં ઘી બોલો.

દીવો તો સહુ સહુના ઘરના કરે. રોજ એમને ત્યાં સત્સંગ થાયને, તે એમના દીવા બધા, ખર્ચા જ એમના ને ! અહીં ઘીના પૈસાની ઉઘરાણી નથી કરતા.

લેતાંય કેવી ઝીણી સમજણ !

અહીં ફક્ત પુસ્તકો જે છપાય એ જ અને એટલી ખાતરી ખરી કે ા પુસ્તકોના પૈસા આવી મળશે, એની મેળે જ. એને માટે નિમિત્ત છે પાછળ, એ બધા આવી મળે છે. એમને કંઈ બૂમ પાડવી કે ભીખ માગવી પડતી નથી. કોઈ પાસે માંગીએ તો એને દુઃખ થાય. તો કહેશે કે આટલા બધા ? 'આટલા બધા' કહ્યું કે તેની સાથે એને દુઃખ થાય છે. એવું આપણને ખાતરી થઈ ગઈને ? અને કોઈને દુઃખ થયું એટલે આપણો ધર્મ રહ્યો નહીં. એટલે સહેજ આપણાથી મંગાય નહીં. એ પોતે રાજીખુશીથી કહેતો હોય તો આપણાથી પૈસા લેવાય. એ પોતે જ્ઞાનદાનને સમજે તો જ લેવાય.

એટલે જેણે જેણે આપ્યા છે ને તે પોતે જ્ઞાનદાન સમજીને આપે છે. એની મેળે જ આપે છે. અત્યાર સુધી માગ્યું નથી.

પુસ્તકો છપાવવાની વ્યવસ્થા !

અહીં પુસ્તકોનો પૈસો ના હોય. એ ભાડાનું મકાનેય ના હોય. પુસ્તકો છપાવનારા પુસ્તકો છપાવડાવે. અહીં કોઈની પાસે પૈસો લેવાનો નહીં. પૈસાનો વ્યવહાર હોય ત્યાં ભગવાન ના હોય. ને ભગવાન હોય ત્યાં પૈસો લેવાનો ના હોય. માયા ઘૂસી એટલે બધું ઘૂસ્યું.

હવે કોઈ શ્રીમંત માણસ હોય તો એ કહેશે, અમારે પુસ્તકો છપાવવાં છે, ૨૦૦-૫૦૦, તો અમે એને પરવાનગી આપીએ. એની પાસે સરપ્લસ પૈસા હોય તો જ, નહીં તો પછી આ પુસ્તકો તું જ લઈ જા ને અહીંથી ! એમાં વાંધો શું છે તે ? એની કિંમત શું છે ? પેલું પુસ્તક લાવ, એની કિંમત ઉપર લખેલી છે. એવી જ કિંમત લેવાય. બીજી કિંમત લેવામાં આવતી નથી. આ રૂપિયા હવે આવે છે તે નથી લેતા. આ તો કાળો બજાર હોય કે ધોળો બજાર, શું ઠેકાણું ? ધોળા જરા ઓછું હોય છે લોકોની પાસે ! પેલું ઑનનું હોય છે ! અહીં લક્ષ્મીનો વ્યવહાર જ નહીં. આ પુસ્તકની કિંમત લખેલી છે ?

'પરમ વિનય અને હું કંઈ જાણતો નથી એ ભાવ' અહીં તો એ જ કિંમત હોય. અહીં તો મોક્ષ આપવાનો. મોક્ષ હોય ત્યાં તો પરમ વિનય હોય. બીજું કશું હોય નહીં. પરમ વિનયથી મોક્ષ થાય. બીજું કશું કરવાનું નથી.

આ છે અમૂલ્ય વાણી !

પુસ્તકના પૈસા તો મળ્યા જ કરે. આ તો હિન્દુસ્તાન કંઈ ખાલી થઈ ગયું નતી. લોકોને તો આની કિંમત ના હોય. પણ જે વણિકો છે, એને તો બહુ કિંમત હોય. અને જેને કિંમત છે એ પૈસાને ગણે જ નહીંને ! અને પુસ્તક ફ્રી ઑફ કોસ્ટ આપવામાં આવે છે. કારણ કે આ આપ્તવાણી છે. એનો પૈસો ના લેવાય.

દાદાના હ્રદયની વાત !

એટલા બધા કાગળો આવે છે કે આપણે શી રીતે પહોંચી વળવું એ જ મુશ્કેલી છે એટલે હવે બીજા લોકો છપાવી લેશે ત્યારે. આપણે તો આ ફ્રી ઑફ કોસ્ટ આપીએ. એ પહેલી વખત. ફર્સ્ટ ટાઈમ. પછી એની મેળે લોકો છપાવી લે. આ તો આપણું આ જ્ઞાન ઊભું થયેલું છેને, તે ભૂંસાઈ ના જાય. એટલા માો છપાવી નાખવાનું અને કો'કને કો'ક મળી આવે, એની મેળે જ હા પાડે. આપણે ત્યાં અહીં ફરજિયાત વસ્તુ નથી. આપણે ત્યાં 'લૉ' નથી. 'નો લૉ એ જ લૉ'.

અહીં કોઈ એવી ઑફિસ નથી કે જમે ઉધાર નથી કે ચાર આનાય સિલક નથી. આ ભાઈ બે હજાર આપી ગયા તે મેં કહ્યું કે પાછા આપી દો. પછી એમણે એમના જ નામે બેન્કમાં મૂક્યા. અહીં કોણ સાચવે ?

અહીં પૈસાની મમતા જ નહીં !

પૈસા છે ત્યાં ધર્મ નથી. પૈસાની જરૂર જ ક્યાં છે તે ? પૈસો છે ત્યાં મમતા ઊભી રહી પાછી, સાચવવાની મમતા. 'આપણે' એક ફેરો પાંચ હજાર રૂપિયા ભેગા કરી રાખ્યા હતા. અહીં લોકોએ આપેલા. મેં કહ્યું, 'આ ક્યાં માથે લીધું ? પાછું યાદ રાખવાનું ? કંઈ પુસ્તકૃબુસ્તક છપાવી દો. હવે ફરીથી લેશો નહીં. લેવાનું જ નહીં. ભાંજગડ જ નહીંને !

અહીં પુસ્તક છપાવ્યું હોયને તો પૈસા આપણા દીપે ને તે પુણ્યૈ હોય તો જ મેળ બેસે. પૈસા સારા હોય તો જ છપાવાય. નહીં તો છપાવાય નહીંને. ને એ મેળ ખાય નહીંને !

 

ભાગ
1-2 -3 - 4 - 5 - 6 - 7 - 8