ભાગ
1-2 -3 - 4 - 5 - 6 - 7 - 8

(૮)

લક્ષ્મી અને ધર્મ

દાન, ક્યાં અપાય ?

પ્રશ્શનકર્તા : અમુક ધર્મોમાં એવું કહ્યું છે કે જે કોઈ કમાણા હોય એમાંથી અમુક ટકા દાન કરો. પાંચ-દસ ટકા દાન કરો. તો એ કેવું ?

દાદાશ્રી : ધર્મમાં દાન કરવાનો વાંધો નથી. પણ જ્યાં આગળ ધર્મની સંસ્થા હોયને, અને એ લક્ષ્મીનો ધર્મમાં સદુપયોગ થતો હોય તો ત્યાં આપો. દુરુપયોગ થતો હોય ત્યાં ના આપો. બીજી જગ્યાએ આપો.

પૈસો સદુપયોગમાં જાય એવો ખાસ ખ્યાલ કરો. નહીં તો તમારી પાસે પૈસો વધારે હશે તો એ તમને અધોગતિમાં લઈ જશે. માટે એ પૈસાનો સદુપયોગ કરી નાખો, ગમે ત્યાં આગળ. પણ જેથી કરીને ધર્માચાર્યોએ પૈસા લેવા ના જોઈએ.

જેવું આવ્યું, તેવું જાય....

આ તો ભગવાનના નામ પર, ધર્મના નામ પર બધું ચાલ્યું છે !

પ્રશ્શનકર્તા : દાન આપનારા માણસ તો એમ માને કે મેં શ્રદ્ધાથી આપ્યું છે. પણ જેને વાપરવાનું છે એ કેવું કરે છે, એની આપણને શું ખબર પડે ?

દાદાશ્રી : પણ એ તો આપણા રૂપિયા ખોટા હોય તો એ અવળે રસ્તે જાય. જેટલું નાણું ખોટું એટલું ખોટે રસ્તે જાય ને સારું નાણું એટલે સારે રસ્તે જાય !

ત્યાં છે સત્સંગ !

જ્યાં આગળ પૈસાની વાતો છે, સ્ત્રીઓની વાતો જ્યાં હોય ત્યાં નર્યો કુસંગ છે, જ્યાં ધર્મની વાત હોય, સાચા સુખની વાતો હોય, જ્યાં કોઈને સુખી કરવાની ઇચ્છાઓ, ભાવનાઓ હોય, એવી બધી વાતો હોય ત્યાં સત્સંગ છે.

ત્રણ ગુણ ઘટે !

મોક્ષમાર્ગમાં બે વસ્તુ ના હોય. સ્ત્રીના વિચારો અને લક્ષ્મીના વિચારો ! જ્યાં સ્ત્રીનો વિચાર પણ હોય ત્યાં ધર્મ તો હોય નહીં, ને લક્ષ્મીનો વિચાર પણ હોય ત્યાં ધર્મ હોય નહીં. એ બે માયા થકી તો આ જગત ઊભું રહ્યું છે. હા, માટે ત્યાં ધર્મ ખોળવો એ ભૂલ છે. ત્યારે અત્યારે લક્ષ્મી વગરનાં કેટલાં કેન્દ્રો ચાલે છે ?

પ્રશ્શનકર્તા : એકેય નહીં.

દાદાશ્રી : એ માયા છૂટતી નથીને ! ગુરુનેય માયા પેસી ગયેલી હોય. કળિયુગ છે ને એટલે પેસી જાયને, થોડી ઘણી ? એટલે જ્યાં આગળ સ્ત્રીસંબંધી વિચાર છે, જ્યાં પૈસા સંબંધી લેવડ-દેવડ છે ત્યાં સાચો ધર્મ થઈ શકે નહીં. સંસારીઓ માટે નહીં પણ જે ઉપદેશકો હોય છેને, જેમના ઉપદેશના આધારે ચાલીએ, ત્યાં આ ના હોવું જોઈએ. નહીં તો આ સંસારીઓને ત્યાંય એ જ છે અને તમારે ત્યાંય એ જ ? એવું ના હોવું જોઈએ.

અને ત્રીજું કયું ? સમ્યક્ દ્રષ્ટિ હોવી જોઈએ.

એટલે લક્ષ્મી ને સ્ત્રીસંબંધ હોય ત્યાં આગળ ઊભું ના રહેવું. ગુરુ જોઈને કરવા. લીકેજવાળો હોય તો કરવો નહીં. બિલકુલેય લીકેજ ના જોઈએ. ગાડીમાં ફરતા હોય તો ય વાંધો નથી પણ ચારિત્રનો ફેઈલ હોય તો વાંધો છે. બાકી આ અહંકાર હોય તો તેનો વાંધો નથી કે 'બાપજી બાપજી' કરીએ તો ખુશ થાય તેનો વાંધો નથી. ચારિત્રનો ફેઈલ ના હોય તો લેટ ગો કરવા જોઈએ. મુખ્યમાં મુખ્ય વસ્તુ ચારિત્ર.

વ્યવહાર કેવો ઘટે ?

વ્યવહાર ચારિત્ર એટલે આ વ્યવહારમાં કોઈને દુઃખ ના થાય એવું બધું વર્તન હોય. દુઃખ દેનારને ય દુઃખ ના થાય, એ વર્તન, એ વ્યવહાર, ચારિત્ર અને વિષય બંધ હોવા જોઈએ. વ્યવહાર ચારિત્રમાં મુખ્ય બે વસ્તુ કઈ ? કે વિષય બંધ હોવો જોઈએ. કયો વિષય ? સ્ત્રી વિષય. અને બીજું લક્ષ્મી બંધ. લક્ષ્મી હોય ત્યાં આગળ ચારિત્ર હોઈ શકે નહીં.

પ્રશ્શનકર્તા : લક્ષ્મી હોય ત્યાં ચારિત્ર ના હોય એ કેવી રીતે ?

દાદાશ્રી : એ ચારિત્ર જ ના કહેવાય.

પ્રશ્શનકર્તા : પણ એમાં સદ્વ્યવહારેય થાયને ?

દાદાશ્રી : નહીં. સદ્ કરે ત્યારથી જ દુર્વ્યવહાર ચાલુ થાય. સદ્ેય નહીં ને અસદ્ેય નહીં, એવો વ્યવહાર જ નહીં કરવાનો. આ અમારે વીસ વર્ષથી, પચ્ચીસ વર્ષથી પૈસાનો વ્યવહાર નહીં કોઈ જાતનો. પછી ભાંજગડ જ નહીંને. ચાર આનાય મારા ગજવામાં હોય નહીં કોઈ દહાડોય. આ બેન વહીવટ કરે બધોય અમારો !

એમાં છે દ્રષ્ટિનો વાંક !

પ્રશ્શનકર્તા : લક્ષ્મી અને સ્ત્રી એ સાચી ધાર્મિકતાની વિરુદ્ધમાં છે. પણ સ્ત્રીઓ તો વધારે ધાર્મિક હોય છે એવું કહેવાય છે.

દાદાશ્રી : સ્ત્રીમાં ધાર્મિકતા હોય તેનો સવાલ નથી. સ્ત્રીઓ ધર્મને માટે વાંધો નથી. પણ દ્રષ્ટિ માટે વાંધો છે, કુવિચાર માટે વાંધો છે. સ્ત્રીઓ ભોગનું સ્થાન માનો છો એ વાંધો છે. એ આત્મા છે, ભોગનું સ્થાન નથી.

ગુરુયે સારા પાકશે. હવે બધું જ બદલાવાનું. સારા એટલે ચોખ્ખા. હા, ગુરુને પૈસાની અડચણ હોય તો આપણે પૂછવું કે આપને પોતાને નિભાવણી માટે શું જરૂરી છે ? બાકી બીજું કંઈ એમને ના હોવું જોઈએ, અગર તો મોટા થવું છે, ફલાણા થવું છે, એવું ના હોવું જોઈએ.

તો એ કહેવાય રામલીલા !

બાકી જ્યાં લક્ષ્મી લેવામાં આવે છે, ફી તરીકે લક્ષ્મી લેવામાં આવે છે, વેરા તરીકે લેવામાં આવે છે, ત્યાં ધર્મ ના હોય. પૈસા હોય ત્યાં ધર્મ ના હોય ને ધર્મ હોય ત્યાં પૈસા ના હોય. એટલે સમજાય એવી વાતને ? જ્યાં વિષય ને પૈસા હોય ત્યાં ગુરુ જ નથી.

ધર્મમાં ફી દાખલ થાયને, ત્યારથી એને આગળના જ્ઞાનીઓ રામલીલા કહેતા'તા. રામલીલાવાળા પહેલાં પૈસા નહોતા ઉપજાવતા. પછી લેતા હતા. આ તો પહેલાં ઉપજાવે. જેમ સિનેમાવાળા પહેલાં જ પૈસા લે છેને ? ત્યાર પછી જ મહીં પેસાડે છેને ? પછી સિનેમા ના ગમે તોય આપણે પૈસા પાછા ના લેવાય. મોક્ષ હોય ત્યાં ફી હોય નહીં. ડૉક્ટરેય ફી લે અને મોક્ષવાળા પણ ફી લે ત્યારે ફેર શો ? મોક્ષવાળા કોઈ જગ્યાએ ફી લેતા હશે ? કોઈ જગ્યાએ લેતા નથી ?

પૈસો ક્યાં વાળવો ?

હવે પૈસો સારે રસ્તે જાય એવું કરવું. સારે રસ્તે એટલે આપણા સિવાય પારકા માટે વાપરવું. કંઈ ગુરુને જ ખવડાવી દેવાનું નહીં. ગુરુ તો પાછા એની છોડીઓ પૈણાવે ને છોકરાં પૈણાવે ? જે અડચણવાળા હોય. દુઃખી હોય એને કંઈક આપવું. અગર તો સારાં પુસ્તક છપાવીને આપતા હોય, તો લોકોને હિતકારી થાય ને જ્ઞાનદાન કહેવાય. સારે રસ્તે ધર્માદા જતો હોય તો જવા દેવો. અને તે પૂર્વે આપેલું હોય તેથી જ અત્યારે લેવાનું. આપ્યું જ ના હોય તો લેવાનું શું તે ?

પધરામણી કે પઝલો

પછી, કેટલાક પધરામણી કરાવીને પૈસા પડાવી લે છે. આ ગુરુઓ પગલાં પાડે તો ય રૂપિયા લે, તે આ ગરીબના ઘેર પગલાં પાડોને ! ગરીબને શું કરવા આમ કરો છો ? ગરીબના સામું જોવાનું નહીં ? તે એક પગલાં પડાવનારને મેં કહ્યું, 'અલ્યા, રૂપિયા ખોવે છે ને વખત નકામો બગાડે છે. એમનાં પગલાં પાડ્યા કરતાં કોઈ ગરીબનું પગલું પાડ કે જેમાં દરિદ્રનારાયણ પધાર્યા હોય. આ બધા ગુરુઓનાં પગલાંને શું કરવાનાં ?!' પણ પબ્લિક એવી લાલચુ છે, કે તે કહેશે, 'પગલાં પાડે તો આપણું કામ થઈ જાય. છોકરાને ઘેર છોકરો થઈ જાય, આજ પંદર વર્ષથી નથી તો.'

પ્રશ્શનકર્તા : શ્રદ્ધા છે લોકોને તેથી.

દાદાશ્રી : નહીં. લાલચું છે તેથી ! શ્રદ્ધા ન્હોય. એને શ્રદ્ધા ના કહેવાય. લાલચુ.

આ તો મનેય લોકો કહે છે કે, દાદાએ જ બધું આ આપ્યું. ત્યારે હું કહું છું કે દાદા તો કશું આપતા હશે ?! પણ બધું, દાદાને માથે આરોપ કરે ! તમારું પુણ્ય અને યશનામકર્મ મને યશ મળવાનો હોય એટલે મળ્યા જ કરે. હાથ અડાડું એટલે તમારું કામ થઈ જાય. ત્યારે આ બધાં કહે છે, 'દાદાજી તમે જ કરો છો આ બધું.' હું કહું કે ના, હું નથી કરતો. તારું જ તને મળ્યું છે આ બધું હું શું કરવા કરું ? હું ક્યાં આ ભાંજગડો લઉં ?! હું ક્યાં આ તોફાનોમાં પડું ?! કારણ કે મારે કશું જોઈતું નથી, જેની કશી વાંછના નથી. કોઈ ચીજના ભિખારી નથી, તો ત્યાં તમારું કામ કાઢી લો.

હું તો શું કહું છું કે અમારા પગલાં પડાવો પણ લક્ષ્મીની વાંછનાપૂર્વક ના કરો. ઠીક છે એવું કંઈ નિમિત્ત હોય, તે અમારાં પગલાં પાડો.

અહીં 'ગલ' ના મળે કોઈને

પ્રશ્શનકર્તા : ઘરના ઉદ્ધારને બદલે પોતાનો ઉદ્ધાર થાય એવું તો કરી શકે કે નહીં ?

દાદાશ્રી : હા, બધું કરી શકે. બધું જ થઈ શકે. પણ લક્ષ્મીની વાંછના ના હોવી જોઈએ. આ દાનત ખોરી ના હોવી જોઈએ. અને આ તમે મને ફોર્સ કરીને ઉઠાવી જાવ. એનો અર્થ પગલાં પાડ્યાં કહેવાય ? પગલાં એટલે તો રાજીખુશીથી થવાં જોઈએ. પછી ભલે તમે મને શબ્દોથી રાજી કરો કે કપટજાળથી રાજી કરો. પણ કપટજાળથીયે હું રાજી થાઉં એવો નથી. આખા વર્લ્ડને હું બનાવીને બેઠો છું અને આખા બ્રહ્માંડનો સ્વામી થયેલો છું.

અમનેય છેતરનારા આવે છે, આ ગલીપચીઓવાળા આવે, પણ હું ના છેતરાઉં ! અમારી પાસે લાખો માણસ આવતા હશે, તે ગલીપચીઓ કરે, બધું કરે પણ રામ તારી માયા... ! અને અહીં ગલ જ ના મળેને ! એ જાણે કે દાદા પાસે કંઈ ફાવે એવું છે નહીં, એટલે પાછો જાય ! આવા ગુરુ જોઈ લીધા છે, બધા છેતરનારા ગુરુ જોઈ લીધા છે. એવા ગુરુ આવે એટલે હું ઓળખું કે આ આવ્યા છે. છેતરનારાને ગુરુ જ કહેવાયને ?! ત્યારે બીજું કોણ તે ?! અને 'છેતરનાર' શબ્દ કહેવાય જ નહીં, ગુરુ જ કહેવાયને ?

પ્રશ્શનકર્તા : હા.

દાદાશ્રી : એવા બધા બહુ મળ્યા. એને મોઢે કશું ના કહું. એ એની મેળે જ કંટાળી જાય કે અહીં હું કહેવા આવ્યો છું. પણ કશું સાંભળતા નથી. આટલું બધું આપવા આવ્યો છું. પણ પછી એ કંટાળી જાય કે 'આ દાદા પાસે કંઈ ફાવીએ એવું લાગતું નથી. આ બારી ભવિષ્યમાં ઊઘડે નહીં' અરે, મારે કશું જોઈતું નથી, શું કરવા બારી ખોલવા આવ્યો છે ?! જેને જોઈતું હોય ત્યાં જાને, ગમે તેવા આવે તોય પાછા કાઢી મેલું કે 'ભઈ અહીં નહીં.'

લોક તો કહેવા આવશે કે, 'આવો કાકા' તમારા વગર તો મને ગમતું નથી. કાકા, 'તમે કહો એટલું કામ કરી આપીશ. તમારું, કહો એટલું બધું, તમારા પગ દાબીશ.' અલ્યા આ તો ગલીપચી કરે છે. ત્યાં બહેરા થઈ જવું. સમજ પડીને ?

એટલે બધું સરળ થઈ પડ્યું છે, તો હવે આપણું કામ પૂરું કરી લો. આટલું બધું સરળ નહીં આવે. આવો ચાન્સ ફરી નહીં આવે. આ ચાન્સ ઊંચો છેને, એટલે આ બીજી ગલીપચી ઓછી થવા દોને ! આ ગલીપચીઓમાં મજા નથી. ગલીપચી કરનારા લોક તો મળશે, પણ એમાં તમારું હિત નથી. એટલે ગલીપચીના શોખ જવા દો હવે, આ એક અવતાર ! હવે તો અરધો જ અવતાર રહ્યો છેને ! હવે આખોય અવતાર ક્યાં રહ્યો છે ?!

પ્યોર જ પ્યોર બોલે !

પ્રશ્શનકર્તા : આપ આવું બોલ્યા. બીજો કોઈ આવું કહેતો નથી.

દાદાશ્રી : હા, પણ પ્યોર થયો હોય તો બોલેને ! નહીં તો એ શી રીતે બોલે ?! એમને તો આ દુનિયાની લાલચ જોઈએ છે અને આ દુનિયાનાં સુખો જોઈએ છે. એ શું બોલે તે ? એટલે પ્યૉરીટિ હોવી જોઈએ. આખા વર્લ્ડની ચીજો અમને આપે તો અમને એની જરૂર નથી, આ વર્લ્ડનું સોનું અમને આપે તોય અમને એની જરૂર નથી. આખા વર્લ્ડના રૂપિયા આપે તોય અમારે નથી. સ્ત્રીસંબંધી વિચાર જ ના આવે. એટલે આ જગતમાં કોઈ પણ પ્રકારની અમને ભીખ નથી. આત્મદશા સાધવી, એ કંઈ સહેલી વાત છે ?!

શુદ્ધ ચારિત્ર જ ખપે !

પ્રશ્શનકર્તા : એટલે કોઈ પણ ગુરુનું વ્યક્તિગત ચારિત્ર શુદ્ધ હોવું જોઈએ.

દાદાશ્રી : હા, ગુરુનું ચારિત્ર સંપૂર્ણ શુદ્ધ હોવું જોઈએ. શિષ્યનું ચારિત્ર ના પણ હોય, પણ ગુરુનું ચારિત્ર તો એકઝેક્ટ હોવું જોઈએ. ગુરુ જો ચારિત્ર વગરના છે તો ગુરુ જ નથી એનો અર્થ જ નથી. સંપૂર્ણ ચારિત્ર જોઈએ. આ અગરબત્તી ચારિત્રવાળી હોય છે. આટલી રૂમમાં જો પાંચ-દશ અગરબત્તી સળગાવી હોય તો આખો રૂમ સુગંધીવાળો થઈ જાય ત્યારે ગુરુ તો ચારિત્ર વગરના ચાલતા હશે ?! ગુરુ તો સુગંધીવાળા હોવા જોઈએ.

તેને મળે જગતનાં સર્વ સૂત્રો !

જેને ભીખ સર્વસ્વ પ્રકારની ગઈ, તેને આ જગતનાં તમામ સૂત્રો હાથમાં આપવામાં આવે છે, પણ ભીખ જાય તો ને ! કેટલા પ્રકારની ભીખ, લક્ષ્મીની ભીખ, કીર્તિની ભીખ, વિષયોની ભીખ, શિષ્યોની ભીખ, દેરાં બાંધવાની ભીખ, બધી ભીખ, ભીખ ને ભીખ છે ! ત્યાં આપણું દળદર શું ફીટે ?

ધર્મ કે ધંધો ?

અને આ તો ખાલી બિઝનેસમાં પડ્યા છે લોકો. એ લોકો ધર્મના બિઝનેસમાં પડ્યા છે. એમને પોતાને પૂજાવડાવીને નફો કાઢવો છે. હા, અને એવી દુકાનો તો આપણા હિન્દુસ્તાનમાં બધી બહુ છે. એવી કંઈ બે-ત્રણ દુકાનો જ છે ?! આ તો પાર વગરની દુકાનો છે. હવે એ દુકાનદારને આપણે આવું કહેવાય કેમ કરીને ? એ કહે કે 'મારે દુકાન કાઢવી છે ?' તો આપણે ના યે કેમ કહેવાય ? તો ઘરાકને આપણે શું કરવું જોઈએ ?

પ્રશ્શનકર્તા : રોકવો જોઈએ.

દાદાશ્રી : ના, રોકાય નહીં. આ તો દુનિયામાં આવી રીતે ચાલ્યા જ કરવાનું.

પ્રશ્શનકર્તા : અત્યારે તો કરોડો રૂપિયા ઉઘરાવીને આશ્રમ બંધાય છેને લોકો એની પાછળ પડ્યા છે.

દાદાશ્રી : પણ આ રૂપિયા જ એવા છેને ! રૂપિાયમાં બરકત નથી તેથી.

પ્રશ્શનકર્તા : પણ એ લક્ષ્મીને સાચા રસ્તે વાપરે, શિક્ષણકામમાં વાપરે કે કોઈ ઉપયોગી સેવામાં વાપરે તો !

દાદાશ્રી : એ વપરાય, તોય પણ મારું કહેવાનું કે એમાં ભગવાનને નથી પહોંચતું કશું. એ સારા રસ્તે વપરાય તો તેમાં જરાક ખેતરમાં ગયું તો ઘણું વધારે ઊપજે. પણ એમાં એને શો લાભ થયો ? બાકી જ્યાં લક્ષ્મી ત્યાં ધર્મ હોય નહીં. જેટલી લક્ષ્મી જ્યાં આગળ છે, એટલો જ ધર્મ કાચો છે ત્યાં !

પ્રશ્શનકર્તા : લક્ષ્મી આવી એટલે પછી એની પાછળ ધ્યાન આપવું પડે, વ્યવસ્થા કરવી પડે.

દાદાશ્રી : ના, એમ નહીં. એની વ્યવસ્થા માટે નહીં. વ્યવસ્થા તો લોક કહેશે 'આમ કરી લઈશું' પણ આ લક્ષ્મીની હાજરી છે ત્યાં ધર્મ એટલો કાચો કારણ કે મોટામાં મોટી માયા લક્ષ્મી અને સ્ત્રી ! આ બે મોટામાં મોટી માયા. એ માયા છે ત્યાં ભગવાન ના હોય અને ભગવાન હોય ત્યાં માયા ના હોય.

અને એ પૈસો પેઠો, એટલે કેટલો પેસી જાય એનું શું ઠેકાણું ?! અહીં કોઈ કાયદો છે ? માટે પૈસા બિલકુલ જડમૂળથી ના હોવા જોઈએ. ચોખ્ખા થઈને આવો, મેલું કરશો નહીં ધર્મમાં !

જ્યાં ફી હોય ત્યાં નથી ધર્મ

પાછા ફી રાખે છે બધા, જાણે નાટક હોય એવું ! નાટકમાં ફી રાખે એવી પાછા ફી રાખે છે. મહીં સેંકડે પાંચ ટકા સારાયે હોય છે. બાકી તો સોનાના ભાવ વધી ગયા એવા આ એમનાય ભાવ વધી જાયને ! તેથી મારે પુસ્તકમાં લખવું પડ્યું કે જ્યાં પૈસાની લેવડદેવડ છે ત્યાં ભગવાન નથી અને ધર્મેય નથી. જેમાં પૈસાની લેવડદેવડ નથી વેપારી બાજુ જ નથી ત્યાં ભગવાન છે ! પૈસા, લેવડદેવડ એ વેપારી બાજુ કહેવાય.

બધેય પૈસો, જ્યાં જાવ ત્યાં પૈસા, જ્યાં જાવ ત્યાં પૈસા ! બધે ફી, ફી ને ફી છે ! હા, ત્યારે ગરીબોએ શું ગુનો કર્યો બિચારાએ ? અને ફી રાખો તો ગરીબને માટે એમ કહો કે, 'ભઈ, ગરીબની પાસે ચાર આના લઈશું બહુ થઈ ગયું.' તો તો ગરીબથીયે ત્યાં જવાય. આ તો શ્રીમંતો જ લાભ લે. બાકી, જ્યાં ફી રાખી હોય તો શી દશા થાય ? એક ફેરો 'જ્ઞાન' લેવા માટે તો તમે ખર્ચી નાખો, પણ પછી કહેશે 'જ્ઞાન મજબૂત રીતે પાળીશું, પણ હવે ફરી ફી ના આપીએ.'

આ તો આપણે કોઈનું નામ લેવું એ ખોટું કહેવાય. આ તો તમને રૂપરેખા આપું છું કે આ ધર્મની શી દશા થઈ છે અત્યારે. ગુરુ જે વેપારી તરીકે થઈ બેઠા છે એ બધું ખોટું. જ્યાં પ્રેક્ટિશનર હોય છે, ફી રાખે છે, કે આજે આઠ-દશ રૂપિયા ફી છે, કાલે વીસ રૂપિયા ફી છે, તો એ બધું નકામું.

જ્યાં પૈસાનો વેપાર છે ત્યાં ગુરુ ના કહેવાય. જ્યાં ટિકિટો છે એ તો બધું રામલીલા કહેવાય. પણ લોકોને ભાન નથી રહ્યું, એટલે બિચારા ટિકિટવાળાને ત્યાં જ પેસે છે. કારણ કે ત્યાં આગળ જૂઠું છે ને આ પોતે પણ જૂઠો છે. એટલે બન્ને એડજસ્ટ થઈ જાય છે. એટલે સાવ જૂઠું ને સાવ પોલંપોલ ચાલી રહ્યું છે તદ્ન.

આ તો પાછા કહેશે, 'હું નિઃસ્પૃહ છું, હું નિઃસ્પૃહ છું.' અરે આ ગા ગા શું કરવા કરે છે તે ! તું નિઃસ્પૃહી છે તો તારી પર કોઈ શંકા રાખનાર નથી. અને તું સ્પૃહાવાળો છે તો તું ગમે એટલું કહીશ તોય તારી પર શંકા કર્યા વગર છોડવાના નથી. કારણ કે તારી સ્પૃહા જ કહી આપશે. તારી દાનત જ કહી આપશે.

એમાં દોષ કોનો ?

આ તો બધા ભીખને માટે નીકળેલા છે. એમનું પેટ ભરવા નીકળ્યા છે. સહુ સહુનું પેટ ભરવા નીકળ્યા છે. અગર તો પેટ ના ભરવાનું હોય તો કીર્તિ કાઢવી હોય, કીર્તિની ભીખ, લક્ષ્મીની ભીખ, માનની ભીખ ! જો ભીખ વગરનો માણસ હોય તો એની પાસે જે માગો તે પ્રાપ્ત થાય. ભીખવાળા પાસે આપણે જઈએ તો એ પોતેય સુધરેલો ના હોય ને આપણનેય સુધારે નહીં, કારણ કે દુકાનો ચાલુ કરી છે લોકોએ. અને આ ઘરાકો મળી આવે છે નિરાંતે !

એક જણ મને કહે છે કે, 'એમાં દુકાનદારનો દોષ કે ઘરાકનો દોષ ?' મેં કહ્યું, 'ઘરાકનો દોષ !' દુકાનદાર તો ગમે તે એક દુકાન કાઢીને બેસે, આપણે ના સમજીએ ? આટલો લોટ ટાંકણીમાં ચોપડીને ઘાલે છે અને પેલો મચ્છીમાર એને તળાવમાં નાખે છે. તેમાં મચ્છીમારનો દોષ કે એ ખાનારનો દોષ ? જેને આ લાલચ છે તેનો દોષ છે કે મચ્છીમારનો ? જે પકડાય એનો દોષ ! આ આપણા માણસો બધા પકડાયા જ છેને, આ બધા ગુરુઓથી !

લોકોને પૂજાવું છે, એટલા માટે વાડા ઊભા કરી દીધા. આમાં આ ઘરાકોનો બધોય દોષ નથી બિચારાનો. આ દલાલોનો દોષ છે. આ દલાલોનું પેટ ભરાતું જ નથી, ને જગતનું ભરવા દેતા નથી. એટલે હું આ ઉઘાડું કરવા માગું છું. આ તો દલાલીઓમાં જ લહેરપાણીને મોજ કર્યા કરે છે, ને પોતપોતાની સેફસાઈડ જ ખોળી છે પણ એમને કહેવું નહીં કે તમારો દોષ છે. કહેવામાં શું ફાયદો ભાઈ ? સામાને દુઃખ ઊભું થાય. આપણે દુઃખ ઊભું કરવા - કરાવવા આવ્યા નથી. આપણે તો સમજવાની જરૂર છે કે ખામી ક્યાં છે ?! હવે દલાલો કેમ ઊભા રહ્યા છે ? કારણ કે ઘરાકી મજબૂત છે. એટલે ઘરાકી જો ના હોય તો દલાલો ક્યાં જાય ? જતા રહે. પણ ઘરાકીનો દોષ છેને, મૂળ તો ! એટલે મૂળ દોષ તો આપણો જ છે ! દલાલ ક્યાં સુધી ઊભા રહે ? ઘરાકી હોય ત્યાં સુધી. હમણે આ મકાનોના દલાલો ક્યાં સુધી હૈંડ હૈંડ કરશે ? મકાનોના ઘરાક હોય ત્યાં સુધી. નહીં તો બંધ, ચૂપ !

કળિયુગ, તારી રીત ઊંધી !

બાકી અત્યારે આ સંતો વેપારી થઈ ગયા છે. જ્યાં પૈસાનો વ્યાપાર ચાલે એ સંત જ ના કહેવાય. અને આપણા લોકોને એની સમજણેય નથી. સાચો હોય તો એનીય કિંમત અને ખોટો હોય તોય એની કિંમત. ખોટાની વધારે કિંમત, ખોટો એ મીઠું બોલેને કે, 'આવો ચંદુભાઈ, આવો ચંદુભાઈ' એ કડવું ના બોલેને ?! એટલે ખોટાની વધારે કિંમત ને તે આ કાળમાં જ, બીજા કાળમાં આવું નહોતું. બીજા કાળમાં તો ખોટાની કિંમત જ ના હોયને !

સંતપુરુષ, તો પૈસા લે નહીં. દુખિયો છે ેથી તો એ તમારી પાસે આવ્યો, ને પાછા ઉપરથી સો પડાવી લીધા ! તે આ હિન્દુસ્તાનને ખલાસ કરી નાખ્યું હોય તો આવા સંતોએ ખલાસ કરી નાખ્યું છે. તે સંત તે એનું નામ કહેવાય કે જે પોતાનું સુખ બીજાને આપતા હોય, સુખ લેવા આવ્યા ના હોય.

લેનાર થાય નાદાર !

આ કંઈ સુખી છે ? મૂળ તો દુઃખી છે લોકો અને એની પાસે રૂપિયા લો છો ?! દુઃખ કાઢવા માટે તો ગુરુ પાસે જાય છેને ! ત્યારે તમે એના પચ્ચીસ રૂપિયા લઈને એનું દુઃખ વધારો છો ! એક પઈ ના લેવાય. બીજા પાસે કંઈ પણલેવું એનું નામ જુદાઈ કહેવાય અને તેનું નામ જ સંસાર. એમાં એ જ ભટકેલો છે. જે લેનાર માણસ છે એ ભટકેલો કહેવાય. એને પારકો જાણે છે માટે એ પૈસા લે છે.

આ દુનિયાની કોઈ પણ ચીજ, એક રૂપિયો પણ જો હું વાપરું તો હું એટલો નાદારીમાં જઉં. ભક્તોની એક પઈ પણ ના વપરાય. આ વેપાર જેણે કાઢ્યા છે એ પોતે નાદાર સ્ટેજમાં જશે. એટલે જે કંઈ એની આ સિદ્ધિ પ્રાપ્ત છે, એ ખોઈને જતા રહેશે. જે થોડીઘણી સિદ્ધિ પ્રાપ્ત થઈ તેના આધારે માણસો બધા ભેગા થતા હતા. પણ પાછી સિદ્ધિ ખલાસ થઈ જાય. કોઈ પણ સિદ્ધિનો દુરુપયોગ કરો તો સિદ્ધિ ખલાસ થઈ જાય.

અહીં માગો, મૂકો નહીં !

કેટલાક લોકો અહીં આવીને પૈસા મૂકે છે. અલ્યા અહીં પૈસા મૂકવાના ના હોય, અહીં માંગવાના હોય, અહીં મૂકવાનું હોતું હશે ? જ્યાં બ્રહ્માંડનો માલિક બેઠેલો છે ત્યાં તો મૂકવાનું હોતું હશે ? આપણે માંગવાનું હોય કે મને આવી અડચણ છે તે કાઢી આપજો, બાકી પૈસા તો કોઈ ગુરુને મૂકજે. એમને કંઈ લૂગડાં જોઈતાં હોય, બીજું કશું જોઈતું હોય. જ્ઞાની પુરુષને તો કશું જ જોઈતું હોય નહીં !

આ સંઘ એટલો બધો ચોખ્ખો છે કે એમાં હું તો મારા ઘરનાં કપડાં, ધોતિયાં પહેરું છું. મારાં પોતાના કમાયેલા, પોતાની કમાણીના જ પૈસામાંથી, તેથી આવો મેલો ફરું છું. સંઘના પહેરતો હોત તો ધોતિયા ચારસો ચારસોના મળેને ? અરે, હું તો નથી લેતો, પણ આ બેન પણ નથી લેતા ! આ બેનેય મારી જોડે રહે છે તે કપડાં પોતાનાં ઘરના પહેરે છે.

પૈસા નહીં, દુઃખ લેવા આવ્યો છું !

એક મિલના શેઠિયાએ સાંતાક્રુઝ અમે રહેતા ત્યાં આવડી આવડી ત્રણ પેટીઓ મજૂર સાથે ઉપર મોકલાવી. પછી શેઠિયો ઉપર મળવા આવ્યો. મેં કહ્યું, 'શું છેેઆ બધું શેઠ ?' ત્યારે શેઠે કહ્યું, 'કુછ નહીં, ફૂલ નહીં પણ ફૂલની પાંખડી...' મેં કહ્યું, 'શેને માટે આ પાંખડી લાવ્યા છો ?' ત્યારે એ કહે છે, 'કુછ નહીં, કુછ નહીં સા'બ', મેં કહ્યું તમને કશું દુઃખ કે અડચણ છે ? ત્યારે એ કહે છે, 'શેર મટ્ટી ચાહીએ.' અલ્યા શેર મટ્ટી કયા અવતારમાંય નહોતી ? કૂતરામાં ગયો ત્યાંય બચ્ચાં. ગધેડામાં ગયો ત્યાંય બચ્ચાં. વાંદરામાં ગયો ત્યાંય બચ્ચાં, જ્યાં ગયો ત્યાં બચ્ચાં. 'અલ્યા કયા અવતારમાં નહોતી આ મટ્ટી ? હજુ શેર મટ્ટી જોઈએ છે ? ભગવાન તમારા ઉપર રાજી થયા ત્યારે તમે પાછા મટ્ટી ખોળો છો ? પાછા મને લાંચ આપવા આવ્યા છો ? આ તમારી લીંટ મને ચોપડવા આવ્યા છો ? હું ધંધાદારી માણસ. પછી મારે લીંટ આવે તો હું કોને ચોપડવા જઉં ? આ બહાર બધા ગુરુઓને ચોપડી આવો. એમને બિચારાને લીંટ નથી આવતી. આ તોફાન અહીં ક્યાં લાવ્યા ? ત્યારે એ કહે છે, 'સાહેબ કૃપા કરો.' ત્યારે મેં કહ્યું, 'હા, કૃપા કરીએ, સિફારસ કરું.'

તમને જે દુઃખ છે તે અમારે તો વચ્ચે 'આ બાજુ'નો ફોન પકડ્યો ને 'આ બાજુ' કરવાનો. અમારે વચ્ચે કશું નહીં. ખાલી એક્સચેન્જ કરવાનું. નહીં તો અમને જ્ઞાની પુરુષને આ હોય જ નહીંને ! જ્ઞાની પુરુષ આમાં કંઈ હાથ ઘાલે નહીં. પણ આ બધાના દુઃખ સાંભળવા પડ્યાં છેને ! આ દુઃખ બધાં મટાડવા પડ્યાં હશેને ? અડચણ પડે તો રૂપિયા માંગવા આવજે ! હવે, હું તો રૂપિયા આપતો નથી. હું ફોન કરી દઈશ બરોબર ! પણ લોભ ના કરીશ. તને અડચણ હોય તો જ આવજે. તારી અડચણ પૂરતું બધું જ કરીશ પણ લોભ કરવા જઈશ તે ઘડીએ હું બંધ કરી દઈશ.

તમારાં દુઃખો મને સોંપી દો અને જો તમને વિશ્વાસ હોય તો તે તમારી પાસે નહીં આવે. મને સોંપ્યા પછી તમારો વિશ્વાસ તૂટશે તો તમારી પાસે પાછાં આવશે. એટલે તમારે કંઈક દુઃખો હોય તો મને કહેવું કે 'દાદા' આટલા દુઃખ મને છે તે હું તમને સોંપી દઉં છું. એ હું લઉં તો નિવેડો આવે, નહીં તો નિવેડો કેમ આવે ?

હું આ દુનિયામાં દુઃખો લેવા આવ્યો છું. તમારાં સુખ તમારી પાસે રહેવા દો એમાં તમને વાંધો ખરો ? તમારા જેવા અહીં પૈસા આપે તો મારે પૈસાનું શું કરવાનું ? હું તો દુઃખ લેવા આવ્યો છું. તમારા પૈસા તમારી પાસે રહેવા દો, એ તમને કામ લાગશે અને જ્યાં જ્ઞાની હોય ત્યાં પૈસાની લેવડદેવડ ના હોય. જ્ઞાની તો ઊલટાં તમારાં બધાં દુઃખો કાઢવા માટે આવ્યા હોય, દુઃખ ઊભાં કરવા માટે ના આવ્યા હોય.

એક માણસને તો ચોખ્ખો રહેવા દો, આ દુનિયામાં. પેલા શેઠને મેં કહ્યું, 'તમે લોકો કોઈને ચોખ્ખા નહીં રહેવા દો. એકન ચોખ્ખો રહેવા દો. દુનિયાનો કંઈ પુરાવો રહે. આ તો પુરાવો હઉ ઊડાડી દો છો તમે. તે પછી પેલા ઠંડા થઈ ગયા. ત્યાર પછી મેં કહ્યું, તમો આવો જાવ, દર્શન કરો, બધું કરો, તમારી ઇચ્છાઓ પૂરી થાય એવું છે. આ જ્ઞાની પુરુષ પાસે પણ ઇચ્છા રાખવાની નહીં. તમારે સોંપી દેવાનું કે સા'બ, આપકું સોંપ દિયા સબ બાત. એટલે તમારી ઇચ્છાઓ પૂરી થઈ જશે. પણ આવી લાંચો લાવ્યો અહીં ? મને ચોપડવા આવ્યો છે ? હવે આ ક્વૉલિટી કેવી છે ? જ્ઞાનીઓને ય છોડે એવી નથી. સાધુ-સંન્યાસીઓને તો ઠીક છે, કારણ કે એમને લીંટ આવતી નથી. તે એને ચોપડી આવે તો વાંધો નથી. પણ અમને લીંટ ચોપડવા આવ્યો ? તો મારે કોને ચોપડવા જવું ? એવું કહ્યું એટલે એ શેઠ ભડકી ગયો. આમ ચાલાક તો બહુ હોય, ચંચળ હોય !

'અમે' આઉટ ઑફ બાઉન્ડ્રીમાં !

એક ઘર ચોખ્ખું રાખવાનું, આ દુનિયામાં, બીજા મહીં ચોખ્ખા હશે ઘણા માણસો. પણ તે ચોખ્ખાય એની બાઉન્ડ્રીના છે. આઉટ ઑફ બાઉન્ડ્રી રહી શકે નહીં. આ આઉટ ઑફ બાઉન્ડ્રી ! અત્યારે વર્લ્ડની બાઉન્ડ્રીમાં રહ્યું !

બધું પાસે હોવા છતાંય નહીં ભોગવવાનું. પોતપોતાની પાસે હોવા છતાંય અમારે વિચાર ના ઉત્પન્ન થાય. ને પેલાની પાસે નથી એટલે વિચાર ઉત્પન્ન થતો નથી.

જ્યાં સુધી લાંચના પૈસા કોઈ આપનાર આવેલો નથી, ત્યાં સુધી લાંચના વિચાર ના આવે. એવો એવિડન્સ ઊભો નહીં થયો. અને એવા કડક માણસોયે છે, કે જે આપવા આવે તોય નાાલે એવાયે છે. પણ તે બાઉન્ડ્રીમાં કહેવાય. આઉટ ઑફ બાઉન્ડ્રી મનુષ્ય રહી શકે નહીં. એ તો જ્ઞાની પુરુષનું જ કામ. જે દેહથી પર થયેલો હોય, દેહાતીત થયેલા હોય, બીજાનું કામ નહીં.

સોનું કે ગાળીયું ?

પ્યૉરીટિ હોય નહીં આ દુનિયામાં. બધું ઇમ્પ્યૉર. હવે કોઈ જગ્યાએ સંતપુરુષ સારા હશે. સીધા માણસો હશે, તો આવડત ના હોય. સીધા હોય ત્યારે આવડત ના હોય ! સીધા ખરા, ખરા મહીં ! હું તો લોકોની પાસે પૈસા લઉં તો મને તો લોકો જોઈએ એટલા પૈસા આપે. પણ મારે પૈસાને શું કરવાનું ? કારણ કે એ બધી ભીખ ગયા પછી તો મને આ જ્ઞાનીનું પદ મળ્યું ?!

મને અમેરિકામાં ગુરુપૂર્ણિમાને દહાડે, સોનાની ચેઈન પહેરાવી જતા હતા, બબ્બે ત્રણ ત્રણ તોલાની ! પણ હું પાછી આપી દેતો બધાને, કારણ કે મારે શું કરવી છે ? ત્યારે એ બેન રડવા માંડી કે 'મારી માળા તો લેવી જ પડશે.' ત્યારે મેં એને કહ્યું 'હું તને એક માળા પહેરાવું તો પહેરીશ ?' તો એ બેન કહે છે, 'મને કંઈ વાંધો નથી. પણ તમારું મારાથી ના લેવાય.' ત્યારે મેં કહ્યું, 'હું તને બીજા પાસેથી પહેરાવડાવું. એક મણ સોનાની માળા કરાવીએ. અને પછી રાતે પહેરીને સૂઈ રહેવું પડશે. એવી શરત કરીએ તો પહેરીને સૂઈ જાય ખરી ?! બીજે દહાડે કહેશે, 'લ્યો દાદા, આ સોનું તમારું.' સોનામાં સુખ હોય તો સોનું વધારે મળે ત્યારે આનંદ થાય. પણ આમાં સુખ છેને, એ માન્યતા છે તારી. રોંગ બિલિફ છે. આમાં સુખ હોતું હશે ? સુખ તો કોઈ ચીજ ન લેવાની હોય ત્યાં સુખ છે. આ વર્લ્ડમાં કોઈ ચીજ ગ્રહણ કરવાની ન હોય ત્યાં સુખ છે.

ભગવાનને ધરો !

તમે પૈસા બધા કમાવામાં નાકો, જ્યારે હું કહું કે પૈસા અલ્યા વેરી દો અહીંથી અને હું તો અડું નહીં પૈસા. પૈસા એ સત્ય નથી. સંપૂર્ણ સત્ય નથી. એ સાપેક્ષ સત્ય છે. આ સોનું મને આપો તો મારે કામનું જ નહીં. મુંબઈમાં બધી બહેનોએ અછોડા કાઢી આપ્યા તો મેં કહ્યું કે મારે કામનું નહીં. તમારે જો મોહ હોય તો રહેવા દેજો. મારે કંઈ તમારા જોઈતા નથી. ત્યારે કહે, ના, અમારો આટલો ભાવ કર્યો છે. તે આપી દેવું છે, તો મેં કહ્યું કે તમારી મરજીની વાત. બાકી અમારે જોઈએ નહીં. સીમંધર સ્વામી ભગવાનના મુગટ કરવા માટે એનો ભાવ કર્યો છે. તો મેં કહ્યું, આપી દો તમે. બાકી અમારે કશું જોઈએ નહીં.

રહેવા દો અમને ચોખ્ખા !

હું તો મારા ઘરનું, મારા પોતાના ધંધાની આવકનું, મારા પ્રારબ્ધનું ખાઉં છું, ને લુગડાં પહેરું છું. હું કોઈનો પૈસો લેતોય નથી ને કોઈનું આપેલું પહેરતોય નથી. આ ધોતિયાં પણ મારી કમાણીનાં પહેરું છું. અહીંથી મુંબઈ જવાનું પ્લેનનું ભાડું મારા ઘરના પૈસાનું ! પછી પૈસાની જરૂર જ ક્યાં રહી ?! હું તો એક પૈસો લોકોની પાસેથી લઉં તો મારા શબ્દ લોકોને માન્યામાં જ કેમ આવે તે ?! કારણ કે એના ઘરની એંઠ મેં ખાધી. અમારે કંઈ જોઈતું નથી. જેને ભીખ જ નથી કોઈ પ્રકારની એને ભગવાને શું આપવાના હતા ?!

એક જણ મને ધોતિયાં આપવા આવ્યો, એક જણ ફલાણું આપવા આવ્યો, મારે ઇચ્છા હોય તો વાત જુદી છે. પણ મારા મનમાં કશાની ઇચ્છા જ નથી ! મારે તો ફાટેલું હોય તોય ચાલે. એટલે મારું કહેવાનું કે જેટલું ચોખ્ખું રાખશો એટલું આ જગતને લાભદાયી થઈ પડશે ?!!

ચોખ્ખા કોને કહેવું ?

આ દુનિયામાં જેટલી સ્વચ્છતા એટલી દુનિયા તમારી, તમે માલિક આ દુનિયાના ! જેટલી સ્વચ્છતા તમારી !! હું આ દેહનો માલિક છવ્વીસ વર્ષથી થયો નથી, તેથી અમારી સ્વચ્છતા પૂરેપૂરી હોય, માટે સ્વચ્છ થાવ, સ્વચ્છ !

પ્રશ્શનકર્તા : સ્વચ્છતાનો ખુલાસો કરો.

દાદાશ્રી : સ્વચ્છતા એટલે આ દુનિયાની કોઈ ચીજની જરૂર ના હોય, જેને ભિખારીપણું ના હોય !!

એ તો, ઉચ્છેદિયું કાઢે !

એટલે આત્મા વસ્તુ જુદી છે, ને લોકોને ધર્મમાં વેપાર જોઈએ છે, બધે. વેપારમાં ધર્મ રાખજે કહે છે. વેપાર જે કરતો હતો તે તેની મહીં ધર્મ રાખજે. પણ ધર્મમાં વેપાર ના કરીશ નહીં તો ઉચ્છેદિયું થશે. ઉચ્છેદિયું એટલે શેનું ? છોકરાં એકલાનું નહીં, છોકરાનું ઉચ્છેદિયું થાય તો તો મૂઓ ફાવી જાય. આ તો મહીંથી બધું ઉચ્છેદિયું થાય. મહીં ઉચ્છેદિયું થાય ને પછી થાય પથરાના અવતાર. ડુંગર થઈને પડી રહે. લાખો વર્ષ સુધી. મૂઆ ધર્મમાં વેપાર ના કરીશ, તોયે લોકોએ ધર્મમાં વેપાર માંડ્યા.

ઠીક છે ઘેર પાંચ, સાત, દસ જણ આવે છે અને ચાલે છે. મળી આવે પાછા. 'જૈસે કો તૈસા મિલા, તૈસે કો મિલા તાઈ. તીનોંને મિલકે પિપૂડી બજાઈ' ત્રણે પિપૂડી બજાવે પછી ચાલ્યા કરે બધું.

આટલું જ જો સમજતો હોય તો ધર્મમાં વેપાર ના કરીશ. કિંચિત્માત્ર ધર્મમાં વેપાર નહીં. વેપાર વેપારની જગ્યાએ કરજે. અને લોકોને કહેજે, કે અત્યારે હવે ધર્મ નહીં હું હવે વેપારને ટાણે બેઠો છું. તો વેપાર કરજે. કો'કને ત્યાં નાસ્તો કરવાગયો હોય, તો કહેવાનું કે ભઈ, અત્યારે મારો વેપારી ભાવ રહ્યો છે તો તેનો દોષ નહીં બેસે. એટલું તું જાણું તો છેતરાઈશ નહીં. નહીં તો પોતે હઉ છેતરાય. બેભાનપણું થઈ જાય ને જવાબદારી આવે.

આમાં નથી કોઈ દોષિત !

અને આ આચાર્ય મહારાજે ખોટું નથી કર્યું. આ દેરાં ને બધું બાંધ્યું, બીજું બધું કર્યું, કંઈ કામ તો કર્યું જ છે બિચારાઓએ. દેરાં બંધાવ્યા, એમ મોટી મોટી હોસ્પિટલો બાંધી. આમ-તેમ કર્યું, ઉકેલ તો લાવ્યાને કંઈક અને એ કર્તા નથી કોઈ. અમને આ જગતમાં કોઈ જીવ દોષિત દેખાતો નથી. અમને ગાળો ભાંડે કોઈ તોય દોષિત દેખાતો નથી અને અમને ફૂલો ચઢાવે તોય દોષિત દેખાતો નથી.

પછી હવે અમે બીજી વાતો શા માટે કરીએ છીએ ! જાણવા માટે છે આ ! અને તે હું નથી કરતો પાછો. તે યે ટેપરેકર્ડ છે. હું કરતો હોઉં તો હું પકડાઉં. હું પકડાઉં એવો છું નહીં. હું પકડાઉં એવો માણસ જ નથી. વીતરાગોએ શું કર્યું ? આખા જગતને ઓટીમાં ઘાલી અને વીતરાગ થઈ બેઠા. આખા જગતને ઓટીમાં ઘાલી દીધું, હડહડાટ.

હજુ જાગો !

આ કાળમાં હજુ કંઈક સમજવા જેવું છે. હવે કાળ એવો આવી રહ્યો છે, કે લગભગ બે-ત્રણ હજાર વર્ષ સુધી સારું ચાલશે. બહુ ઊંચી સ્થિતિ આવશે. ભગવાન મહાવીરના સમય જેવી સ્થિતિ આવશે માટે તે અરસામાં લાભ ઉઠાવી લો તો કામનું છે. હવે નવેસરથી પરિણતિ ફેરવવી કે હવે જ્ઞાની માટે જ જીવવું છે. બીજું બધું તો હું આ હિસાબ છે ને તો મળ્યા કરવાનો છે, તમારે કાર્ય કર્યા કરવાનું. તમારું કાર્ય કરવાનું. ફળ તો તેનું મળ્યા જ કરવાનું છે. બીજા બધા ભાવ બીજી પરિણતિ ફેરવવા જેવી છે. બાકી જોડે લઈ જવાના છો આ બધું ?

પ્રશ્શનકર્તા : નહીં.

દાદાશ્રી : એટલે આવું છેને, જે કર્યું એનો પસ્તાવો કરો. હજુ પસ્તાવો કરશો તો આ દેહે પાપો ભસ્મીભૂત કરી શકશો. પસ્તાવાનું જ સામાયિક કરો. કોનું સામાયિક ? પસ્તાવાનું જ સામાયિક. શું પસ્તાવો ? ત્યારે કહે, મેં લોકોના પૈસા ખોટા લીધા તે બધા જેના લીધા હોય તેનાં નામ દઈને, એનું મોઢું યાદ કરીને, વ્યભિચાર ફલાણું કર્યું, દ્રષ્ટિ બગાડી એ બધા પાપો ધૂઓ તો હજુ ધોઈ શકો છો.

પ્યૉરિટી જ આકર્ષે સહુને

લોકોનું કલ્યાણ તો ક્યારે થાય ? આપણે ચોખખા થઈએ તો, બિલકુલ ચોખ્ખા ? પ્યૉરિટી એ જ બધાનું, આખા જગતનું આકર્ષણ કરે ! પ્યૉરિટી !! પ્યૉર વસ્તુ જગતનું આકર્ષણ કરે. ઇમ્પ્યૉર વસ્તુ જગતને ફ્રેક્ચર કરે. એટલે પ્યૉરિટી લાવવાની !

 

ભાગ
1-2 -3 - 4 - 5 - 6 - 7 - 8