ભાગ
1-2 -3 - 4 - 5 - 6 - 7 - 8

(૩)

ધંધો, સમ્યક્ સમજણે

ઈન્જીન ફરે, પણ પટ્ટો ક્યાં ?

દાદાશ્રી : તમે ધંધો શું કરો છો ?

પ્રશ્શનકર્તા : રેડીમેડ કાપડની દુકાન છે.

દાદાશ્રી : શેના હારુ ધંધો કરો છો ?

પ્રશ્શનકર્તા : નફા સારું જ કરીએ છીએ ને ?

દાદાશ્રી : નફો શેના માટે કરો છો ?

પ્રશ્શનકર્તા : પેટ માટે.

દાદાશ્રી : પેટનું શાના હારુ કરો છો ?

પ્રશ્શનકર્તા : એ ખબર નથી.

દાદાશ્રી : એટલે પેટમાં પેટ્રોલ નાખવા હારુ આ બધી કમાણી કરે છે. એ શેના જેવું છે ?

આ ઈન્જીનો બધાં ચાલતાં હોય તે પેટ્રોલ નાખે અને ચાલુ રાખ્યા જ કરે. પેટ્રોલ નાખે ને ચાલુ રાખ્યા કરે. એવું બધા ય કરે છે. એવું તમે ય કરો છો ? પણ શા હારુ ઇન્જીન ચાલુ રાખવું જોઈએ, એ કહો તો ખરા ! મહીં કામનું કશું કરવાનું નથી ? આ ઇન્જીન તો બધાં લોકોએ ચાલુ રાખેલાં, પણ તમે શા હારુ રાખ્યું ? તમારે વિચાર તો કરવો પડે ને કે ભઈ, હવે ઇન્જીનમાં પેટ્રોલ નાખી, મોંઘા ભાવનું પેટ્રોલ નાખી, ઇન્જીન ચાલુ રાખવું. તો લોકોને જોવા માટે છે આ બધું ?

પ્રશ્શનકર્તા : પોતાનું જ જોવા માટે આ બધું છે.

દાદાશ્રી : ઇન્જીનને પટ્ટો આપીને કશું આમાંથી કામ કાઢી લેવાનું હોય. એટલે આ પેલામાં તો કામ કાઢી આપે. પણ આમાં શેના હારુ ઇન્જીન ચલાવીએ છીએ ? તમે ચલાવ ચલાવ જ કર્યા કરો છો, બસ ! સંડાસ જવું ને ખાવું, સંડાસ જવું ને ખાવું, સંડાસ જવું ને ખાવું, બસ !

પ્રશ્શનકર્તા : શરીરને ખાવાપીવાનું જોઈએ ને ?

દાદાશ્રી : એમ ? આ કરો તો જ ખાવાપીવાનું મળે, નહીં તો મળે એવું નથી, નહીં ? અને ખાવાપીવાનું શેને માટે ?

પ્રશ્શનકર્તા : શરીર ટકાવવા માટે.

દાદાશ્રી : શરીર શેના માટે સાચવવાનું ?

દાદાશ્રી : કુદરતે આપ્યું છે એટલે ચલાવવાનું.

દાદાશ્રી : હા, પણ શેના માટે ટકાવવાનું ? હેતુ હોવો જોઈએ ને ? ધંધો કરીએ તે આ ખોરાક ખાવા માટે મેઈન્ટેનન્સ કરવા માટે. મેઈન્ટનન્સ શેને માટે કે શરીર ટકાવવા માટે, તો શરીર ટકાવવાનો હેતુ શેને માટે ?

પ્રશ્શનકર્તા : અગાઉનાં કર્મ પૂરાં કરવા માટે હોય.

દાદાશ્રી : એટલા હારુ ? એ તો કૂતરાં, ગાયો, ભેંસો, બધાં પૂરાં કરે છે. અને હિન્દુસ્તાનમાં મનુષ્ય થયા, એટલે મોક્ષ હેતુ માટે છે આ. હિન્દુસ્તાનમાં મનુષ્યજન્મ મોક્ષ હેતુ માટે છે. એને માટે જ આપણું જીવન છે. હેતુ એ રાખ્યો હોય તો જેટલો મળે એટલો ખરો. પણ હેતુ તો જોઈએ ને ? આ ખાવાપીવાનું તેને લીધે છે. આપને સમજાયું ને ? જીવન શેના માટે જીવવાનું છે ? ખાલી કમાવા માટે જ ? જીવમાત્ર સુખને ખોળે છે. સર્વ દુઃખોથી મુક્તિ શી રીતે થાય એ જાણવા માટે જ જીવન જીવવાનું છે. આમાં મોક્ષનો માર્ગ કાઢી લેવાનો છે. મોક્ષના માર્ગ માટે આ બધું છે.

જીવન, શેના અર્થે ?

બે અર્થે લોક જીવે છે. આત્માર્થે જીવે તે તો કો'ક જ માણસ હોય. બીજાં બધાં લક્ષ્મીના અર્થે જીવે છે. આખો દહાડો લક્ષ્મી, લક્ષ્મી ને લક્ષ્મી ! લક્ષ્મીજી પાછળ તો આખું જગતે ય ગાંડું થયેલું છે ને ! તો ય એમાં સુખ જ નથી કોઈ દહાડો ય ! ઘેર બંગલા એમ ને એમ ખાલી હોય ને એ બપોરે કારખાનામાં હોય. પંખા ફર્યા કરે, ભોગવવાનું તો રામ તારી માયા ! એટલે આત્મજ્ઞાન જાણો ! આવું આંધળું ક્યાં સુધી ભટક્યા કરવું ?

ત્યાં વસે પ્રભુ ?

દાદાશ્રી : કેટલી ઉંમર થઈ શેઠ ?

પ્રશ્શનકર્તા : બાવન વર્ષ થયાં !

દાદાશ્રી : એટલે હજી તો અડતાલીસ રહ્યા ને ? સોનો હિસાબ તો ખરો જ ને આપણો ?

પ્રશ્શનકર્તા : એ તો જ્યાં સુધી કામકાજ થાય ત્યાં સુધી કરવું ને પછી ભગવાનને ત્યાં ચાલ્યા જવું ?

દાદાશ્રી : ક્યાં ચાલ્યા જવું ?

પ્રશ્શનકર્તા : છેલ્લે સ્ટેશને.

દાદાશ્રી : છેલ્લે સ્ટેશને જવાનું પણ તે પહેલાં કશું કરવું પડે ને ? આવતા ભવનાં પોટલાં બાંધવાં પડે ને ? કે ના બાંધવા પડે ? તમે બાંધને તૈયાર રાખી મેલ્યાં છે ?

પ્રશ્શનકર્તા : મને એમ લાગે છે કે માણસ પ્રામાણિકપણે જીવે અને જેના જેના સંસર્ગમાં આવે ત્યાં પ્રામાણિકપણે વર્તે તે સારું જ પોટલું છે.

દાદાશ્રી : બસ, બસ ! આના જેવું એકું ય નહિ. પણ બધે પ્રામાણિકપણું હોવું જોઈએ. આમ કેટલા કાળથી પ્રામાણિક જીવન જીવ્યા ? કોઈ પણ માણસ પ્રામાણિક જીવન જીવે છે, નૈતિક જીવન જીવે છે, ત્યાં ચોવીસે ય તીર્થંકરોનો વાસ છે. એટલે આટલું શરૂ કરી દે તો બહુ થઈ ગયું.

ત્રણ વસ્તુથી ધર્મ !

કોઈ પૂછે કે મારે ધર્મ શું પાળવો ? ત્યારે કહીએ કે આ ત્રણ વસ્તુ પાળને બા :

(૧) એક તો નીતિમત્તા ! એ જરા ઓછું-વત્તું વખતે થાય એમ માનોને, પણ નીતિમત્તા પાળવી આટલું તો કર ભાઈ.

(૨) પછી બીજું ઓબ્લાઇઝિંગ નેચર તો રાખ ! પૈસા ના હોય તો રસ્તે જતાં કહીએ, 'તમારે કંઈ બજારમાં કામકાજ હોય તો મને કહો, હું જાઉં છું બજારમાં' એમ પૂછતા જઈએ, આ ઓબ્લાઇઝિંગ નેચર.

(૩) અને ત્રીજું એનો બદલો ય લેવાની ઇચ્છા નહીં. અને જગત આખું બદલાવાળું. તમે ઇચ્છા કરો તો ય બદલો લે ને ના ઇચ્છા કરો તો ય બદલો લે. એમ એક્શન, રીએક્શન આવે. ઇચ્છાઓ તમારી ભીખ છે. તે નકામી જાય છે.

ભગવાન, ત્યાં આનંદ !

તમે ઇચ્છાઓ કરેલી કોઈ દહાડો ?

પ્રશ્શનકર્તા : હા, ઇચ્છાઓ કરેલી.

દાદાશ્રી : કોની પાસે ? ભગવાન પાસે ? એમની પાસે શું છે તે ? એ શેરબજારિયા ન હોય ને ?! લોકો તો ભગવાન પાસે ઇચ્છા રાખે છે. હા. ભગવાનનું નામ દેવાથી આનંદ થાય. આવરણ ખસે. તરત પ્રાર્થના કરે કે મહીં આનંદ થાય. પછી જ્ઞાન જાણતો હોય કે ના જાણતો હોય, પણ જો કદી મહીં ભગવાન છે એવી ખાતરી થાય, ત્યારે વધારે આનંદ થાય. મહીં ભગવાન છે એવું જો નક્કી થયું ને તો પૂરો આનંદ થાય.

પ્રામાણિકતા પ્રભુનો પંથ !

પ્રશ્શનકર્તા : આત્માની પ્રગતિ માટે શું કરતા રહેવું જોઈએ ?

દાદાશ્રી : એણે પ્રામાણિકતાની નિષ્ઠા ઉપર ચાલવું જોઈએ. એ નિષ્ઠા એવી છે કે બહુ સંકડાશમાં આવી જાય છે ત્યારે આત્મશક્તિનો આવિર્ભાવ થાય. ને સંકડાશ ના હોય ને જબરજસ્ત પૈસા-બૈસા હોય, ત્યાં સુધી આત્મા-બાત્મા પ્રગટ થાય નહીં, પ્રામાણિકપણું એક જ રસ્તો છે. બાકી ભક્તિથી થાય એવું કશું બને નહીં, પ્રામાણિકપણું ના હોય અને ભક્તિ કરીએ એનો અર્થ નથી. પ્રામાણિકપણું જોડે જોઈએ જ. પ્રામાણિકપણાથી માણસ ફરી માણસ થઈ શકે છે. માણસ ફરી માણસના અવતારમાં આવે છે અને જે લોકો ભેળસેળ કરે છે, જે લોકો અણહકનું પડાવી લે છે, અણહકનું ભોગવી લે છે, એ બધા અહીંથી બે પગમાંથી ચાર પગમાં જાય છે ને પૂંછડું વધારાનું મળે છે. એમાં કોઈ મીનમેખ ફેરફાર કરનારું નથી. કારણ કે એનો સ્વભાવ એવો બંધાયો, અણહકનું ભોગવી લેવાનો. એટલે ત્યાં જાય તો ભોગવાય ત્યાં આગળ. ત્યાં તો કોઈ કોઈની બૈરી જ નહીં ને ! બધી બૈરીઓ પોતાની જ ને ! અહીં મનુષ્યમાં તો પરણેલા લોકો એટલે કોઈની સ્ત્રી ઉપર દ્ષ્ટિ ના બગાડીશ પણ તે હવે ટેવ પડી ગયેલી હોય, આદત પડી ગયેલી હોય, તે પછી ત્યાં જાય, ત્યારે રાગે પડે એનું. એક અવતાર, બે અવતાર ભોગવી આવે ત્યારે પાંસરો થાય. એને પાંસરો કરે છે આ બધા અવતારો. પાંસરો કરીને પાછો અહીં આવે છ

ે. પાછો

, ફરી પાછો આડો થયો તો ફરી પાંસરો કરે. આ બધું પાંસરા કરતાં કરતાં પાંસરો થઈ ગયો કે પેલા મોક્ષને માટે લાયક થઈ ગયો. આડાઈઓ હોય ત્યાં મોક્ષ થાય નહીં.

ત્યાં નહીં બંધન !

પ્રશ્શનકર્તા : નૈતિકતાનું મૂલ્ય બદલાયું કે નૈતિકતાનું મૂલ્ય એનું એ રહ્યું ? એક દાખલો આપું. ગાડીમાં ટિકિટ લઈને બેસવું પડે છે, એ નૈતિક મૂલ્ય થયું. પણ હવે તો ટિકિટ સિવાય પાઘડી આપવી પડે, એ પાઘડી એ પાપ ખરું કે નહીં ?

દાદાશ્રી : પાપ ખરું ને ! બધું પાપ ખરું, પણ એ સંજોગો એવા હોય એટલે આપણને ગરજ હોય, તો શું કરવું પડે ?

પ્રશ્શનકર્તા : પછી એનું બંધન ખરું ? સંજોગો હોય અને આપવું પડે એનું બંધન ખરું ?

દાદાશ્રી : ખરું. આપનારને ય બંધન, લેનારને ય બંધન. બન્નેયને બંધન. આપનારાં પેલા લોકોને એન્કરેજ કરે છે. ગુના એટલે ગુના જ હોય. પણ એવો જમાના પ્રમાણે વેશ ના કરે તો માર ખાય.

પ્રશ્શનકર્તા : તે આ 'જ્ઞાન' લીધેલા મહાત્માઓને લાગુ પડે કે નહીં ?

દાદાશ્રી : ના. મહાત્માઓને એવું છે ને, મારું કહેવાનું કે એ સંજોગ આવે એટલુ એમાં 'તમે' જુદા અને ચંદુભાઈ જુદા. તે ચંદુભાઈ સંજોગ 'અનુસાર' જે ચાલે એ જોયા કરવાનું.

પ્રશ્શનકર્તા : એ જ કહું છુ ને ! એટલે એને લાગુ પડે નહીં ને ? એને બંધન ના પડે ને ?

દાદાશ્રી : બંધન શી રીતે પડે પણ એને ? તમે શુદ્ધાત્મા છો, જ્યારે તમે ચંદુભાઈ છો તો બંધન પડે.

પ્રશ્શનકર્તા : પણ આજે જો જીવવું જ હોય તો બીજો કોઈ રસ્તો જ નથી પણ.

દાદાશ્રી : રસ્તો જ નથી.

પ્રશ્શનકર્તા : આજે વેપાર કરવો હોય તો યે કંઈ કરવું પડે.

દાદાશ્રી : બધું જ, સંજોગ જ એવા મુકાયેલા છે કે એમાં માણસનું કશું ચાલી શકે નહીં. બંધન તો આપણું જ્ઞાન હોય તો નથી, નહીં તો બંધન જ છે ને !

અંતે તો કુદરતની જપ્તી !

એવું છે ને, હિતાહિતનું સાધન પોતાને શું કરવું જોઈએ એ જીવે કોઈ દહાડો ય સાંભળ્યું નથી. પોતાનું હિત શેમાં અને અહિત શેમાં એનું ભાન જ નથી થયું. પોતે પોતાનું હિતાહિતનું સાધન લોકોનું જોઈને કરે છે. લોકો પૈસા પાછળ પડે છે. પૈસા લાવીશ તો સુખી થઈ જઈશ. પણ કંઈ એનું હિત થતું નથી. 'બાય, બોરો ઓર સ્ટીલ, (ખરીદો, ઉછીનું લાવો અથવા ચોરી કરો) એ રીતથી પૈસા લાવે એ ચાલે નહીં. ગમે તે રસ્તે પૈસા લાવે એ ચાલે ? કંઈ નીતિમય તો હોવું જોઈએ ને ? નીતિમય પૈસા લાવ્યા તો એનો વાંધો નથી. પણ અનીતિમય પૈસા લાવ્યા એટલે પોતાના જ પગ પર કુહાડો માર્યો અને નનામી કાઢે તે ઘડીએ પૈસા અહીં પડી રહેવાના. એ કુદરતની જપ્તીમાં જાય અને પોતે ત્યાં આગળ જે ગુંચો પાડેલી તેનું પાછું ભોગવવું પડે.

પ્રામાણિકતાથી ધોવાય દુર્ગુણો !

જૂઠું બોલ્યો તેનો વાંધો નથી, પણ ઓબ્લાઇઝિંગ (પરોપકારી સ્વભાવ) જોઈએ. જૂઠું તો શાથી બોલવું પડ્યું કે વૈદે કહ્યું હોય કે મરચું ન ખાશો. પણ મરચું ખાધા વગર તો ચાલતું જ ના હોય તો જૂઠું બોલવું પડે ને ? તો જૂઠું બોલવું એ ગુનો નથી. પ્રામાણિકતા તોડવી એ ગુનો છે. જૂઠું તો સંજોગવશાત્ બોલવું પડે. મરચાની મને ટેવ પડેલી હોય ને પેલો કહે કે મરચું નથી ખાવાનું, ત્યારે મારે શું કહેવું પડે ? 'હું મરચું ખાતો જ નથી !' એટલે જૂઠું સંજોગવશાત્ બોલવું પડે.

આ સાયકલ પરથી એક જણ ઊતરી પડ્યો ને પોલીસવાળાએ જોઈ લીધા પછી તમને કહેશે કે કેમ બે જણ બેઠા હતા ? ત્યારે કહીએ કે, 'ના સાહેબ, હું તો એલો જ હતો.' એ તો બોલવું જ પડે ને ! નહીં તો પકડાઈ જાય. એટલે જૂઠું બોલે તેનો વાંધો નથી, પણ પ્રામાણિકતા તોડી તેનો વાંધો છે. પ્રામાણિકતા, નૈતિકતા, ઓબ્લાઇઝિંગ નેચર હોય તેને બધા દુર્ગુણો ધોવાઈ જાય.

નીતિની ભજના જરૂરી !

ભગવાનને ના ભજે ને નીતિ રાખે તો ય બહુ થઈ ગયું. ભગવાનને ભજતો હોય ને નીતિ ના રાખતો હોય તો તેનો અર્થ નથી. એ મીનિંગલેસ છે. છતાં આપણે પાછું એવું ના કહેવું. નહીં તો એ પાછો ભગવાનને છોડી દેશે અને અનીતિ વધારે કર્યા કરશે. એટલે નીતિ જેવું રાખવું. એનું ફળ સારું આવે.

ત્યાં સુખ સાંપડે સંસારમાં ય !

સંસારી આનંદ જે થાય છે એ તો મૂર્છા છે, લગ્નમાં ગયો હોય તે દહાડે ચિંતા બધી જતી રહે, વાજાં વાગ્યાં, વરઘોડો આવ્યો કે બધું દુઃખ ભૂલી જાય ને મૂર્છામાં ને મૂર્છામાં ફર્યા કરે. પણ ઘર આવે ત્યારે એનું એ જ હોય પાછું, બાકી જગતમાં સુખ હોય નહીં કોઈ જગ્યાએ.

છતાં જગતમાં સુખ એક જગ્યાએ છે. જ્યાં સંપૂર્ણ નીતિ હોય, દરેક વ્યવહારમાં સંપૂર્ણ નીતિ હોય ત્યાં આગળ સુખ છે, અને બીજું જે સમાજસેવક હોય, અને તે પોતાને માટે નહીં, પણ પારકાને માટે જીવન જીવતો હોય તો એને બહુ જ સુખ હોય, પણ એ સુખ ભૌતિક સુખ છે, એ મૂર્છાનું સુખ ના કહેવાય.

એને પરવાનો પ્રભુનો !

પ્રશ્શનકર્તા : આજકાલ પ્રામાણિકપણે ધંધો કરવા જાય તો વધારે મુશ્કેલીઓ આવે છે, એ કેમ એમ ?

દાદાશ્રી : પ્રામાણિકપણે કામ કર્યું તો એક જ મુશ્કેલી આવે, પણ અપ્રામાણિકપણે કામ કરશો તો બે પ્રકારની મુશ્કેલીઓ આવશે. પ્રામાણિકતાની મુશ્કેલીઓમાંથી છૂટી જવાશે, પણ અપ્રામાણિકતામાંથી છૂટવું ભારે છે. પ્રામાણિકતા એ ભગવાનનું મોટું 'લાયસન્સ' (પરવાનો) છે. એનું કોઈ નામ ના દે. તમને એ 'લાયસન્સ' ફાડી નાખવાનો વિચાર થાય છે ?

વેપારમાં ત્રણ ચાવીઓ !

આ વાક્યો તમારી દુકાને લગાડશો :

(૧) પ્રાપ્તને ભોગવો - અપ્રાપ્તની ચિંતા ના કરશો.

(૨) ભોગવે તેની ભૂલ.

(૩) ડિસ ઓનેસ્ટી ઈઝ ધ બેસ્ટ ફૂલિશનેસ !

ઓનેસ્ટી ઈઝ ધ બેસ્ટ પોલિસી, એ ક્યારે ય અસત્ય થતું નથી. પણ શ્રદ્ધા ડગી ગઈ છે, અને કાળ પણ એવો છે. રાત્રે કોની સત્તા હોય ? ચોરોનું જ સામ્રાજ્ય હોય ત્યારે જો આપણી દુકાન ખોલીને બેસીએ તો તો બધું ઉઠાવી જાય. આ તો કાળ ચોરોનો છે. તેથી શું આપણે આપણી પદ્ધતિ બદલાવાય ? સવાર સુધી દુકાન બંધ રાખો, પણ આપણી પદ્ધતિ તો ના જ બદલાવાય. આ રેશનના કાયદા તેમાં કોઈ 'પોલ' મારીને ચાલતો થાય, તો એ લાભ માને, અને બીજા કેમ નથી માનતા ? આ ઘરમાં બધા જ અસત્ય બોલે તો કોની પર વિશ્વાસ મૂકવો ? અને જો એક પર વિશ્વાસ મૂકીએ તો તો બધે જ વિશ્વાસ મૂકવો જોઈએ ને ! પણ આ તો ઘરમાં વિશ્વાસ, એ ય આંધળો વિશ્વાસ મૂકે છે. કોઈની સત્તા નથી, કોઈ કશું કરી શકે તેમ નથી. જો પોતાની સત્તા હોય તો તો કોઈ સ્ટીમર ડૂબે નહીં. પણ આ તો ભમરડા છે. પ્રકૃતિ નચાવે તેમ નાચે છે. પરસત્તા કેમ કહી ? આપણને ગમતું હોય ત્યાં પણ લઈ જાય ને ના ગમતું હોય ત્યાં ય લઈ જાય. ન ગમતું હોય ત્યાં એ તો અનિચ્છાએ પણ જાય છે, માટે એ પરસત્તા જ ને !

ઓનેસ્ટી ઈઝ ધ બેસ્ટ પોલિસી રાખવાની, પણ આ વાક્ય હવે અસર વગરનાં થઈ ગયાં છે. માટે હવેથી અમારું નવું વાક્ય મૂકજો, 'ડિસ ઓનેસ્ટી ઈઝ ધ બેસ્ટ ફૂલીશનેસ' પેલું પોઝિટિવ વાક્ય લખીને તો લોકો ચક્રમ થી ગયા છે. 'બીવેર ઓફ થીવ્ઝ' નું બોર્ડ લખ્યું છે છતાં લોકો લૂંટાયા તો પછી બોર્ડ શા કામનું ? તેમ છતાં આ 'ઓનેસ્ટી ઈઝ ધ બેસ્ટ પોલિસી' નું લોકો બોર્ડ મારે છે. છતાં ય ઓનેસ્ટી હોતી નથી. તો પછી એ બોર્ડ શા કામનું ? હવે તો નવાં શાસ્ત્રોની ને સૂત્રોની જરૂર છે. માટે એમ કહીએ છીએ કે 'ડીસ ઓનેસ્ટી ઈઝ ધ બેસ્ટ ફૂલીશનેસ'નું બોર્ડ મૂકજો.

સત્યનિષ્ઠા ત્યાં ઐશ્વર્ય !

કશું દુનિયામાં છે નહીં એવું નથી. બધી જ ચીજ દુનિયામાં છે. પણ 'સકળ પદાર્થ હૈ જગમાંહિ, ભાગ્યહીન નર પાવત નહીં' એવું કહે છે ને ? એટલે જેટલી કલ્પના આવે એટલી બધી જ ચીજ જગતમાં હોય, પણ તમારા અંતરાય ના હોવા જોઈએ, તો ભેગી થાય.

સત્યનિષ્ઠા જોઈએ. ઈશ્વર કંઈ મદદ કરવા નવરો નથી. કોઈને ય કશી મદદ કરવા એ નવરો નથી. તમારી સાચી દાનત હશે તો તમારું ફળશે. દાનત જૂઠી હોય અરે ઈશ્વરને આરોપ કરે તો શું થાય ? ઈશ્વર તો બિચારો કંટાળીને નાસી જાય (!)

આ સંસારમાં બધી જ ચીજ છે. પણ તમારે ભાગે કઈ આવી તે જોઈ લો. તમારે ભાગે માંસાહાર આવ્યો તો જોઈ લો, ને તમારે ભાગે શાકાહાર આવ્યો તો તે જોઈ લો. તમારે ભાગે આવે તે તમારા હાથનો ખેલ નથી. એની પાછળ બધા સંજોગો, સાંયોગિક પુરાવાઓ છે. અને તમે સાચા છો તો તમને બધું જ મળશે. જો તમે વ્યવહારમાં સાચા રહેશો, તો તમને બધી જ ચીજ મળશે. લોક કહે છે, 'સાચાને ઈશ્વર મદદ કરે છે !' પણ ના, એવું નથી. ઈશ્વર સાચાને મદદ કરતો હોય તો ખોટાવાળાએ શું ગુનો કર્યો છે ? તો ઈશ્વર પક્ષપાતી છે ? ઈશ્વરે તો તો બધે નિષ્પક્ષપાતી રહેવું જોઈએને ? ઈશ્વર એવી કોઈ મદદ કરતો નથી. ઈશ્વર આમાં હાથ ઘાલતો જ નથી. ઈશ્વરનું નામ યાદ કરતાંની સાથે જ આનંદ થાય. તેનું કારણ શું છે કે એ મૂળ વસ્તુ છે. અને તે પોાનું સ્વરૂપ જ છે. એટલે યાદ કરતાંની સાથે આનંદ થાય. આનંદનો લાભ મળે. બાકી ઈશ્વર કશું કરી આપે નહીં. આપવાનું એ શીખ્યા જ નથી. અને એમની પાસે કશું છે પણ નહીં તો શું આપે ?

પ્રશ્શનકર્તા : પણ એ આનંદ આપે છે ને ?

દાદાશ્રી : એ તો પોતાનો સ્વાભાવિક આનંદ છે. યાદ કરો એટલે તમને આનંદ ઉત્પન્ન થાય. જેમ કેરીને યાદ કરવાથી મોઢામાં પાણી આવે છે ને ? કેરી જોઈએ છીએ, ત્યારે મોઢામાં પાણી આવે એવું ભગવાનને યાદ કરો તો આનંદ થાય. સાચાને ઐશ્વર્ય મળે છે. જેમ જેમ સત્ય, નિષ્ઠા ને એ બધા ગુણો હોય ને, તેમ તેમ ઐશ્વર્ય ઉત્પન્ન થાય. ઐશ્વર્ય એટલે શું કે દરેક વસ્તુ એને ઘેર બેઠાં મળે.

સત્ય પણ કાળાધીન !

પ્રશ્શનકર્તા : સત્ય વસ્તુ હમેશાં બહુ તકલીફ આપે છે. જીવનમાં સત્ય એક હોતું નથી. ઘરમાં એક સત્ય હોય, ધંધામાં બીજું સત્ય હો. ઘણીવાર મારું સત્ય એક જ હોય અને આ ભાઈને બે સત્ય હોય - એમને જીવનનું સત્ય એક હોય અને વેપારનું સત્ય બીજું હોય. જીવનનું સત્ય એટલે ઘરમાં એ ભાઈ જૂઠું ના બોલી શકે અને વેપારમાં સત્ય બોલે તો ચાલે નહીં. અને મારે પિતા તરીકે એક સત્ય છે, જીવનનું મારું આ એક સત્ય જ છે. અને આ ભાઈને બે સત્ય એક રાખવાં પોષાય નહીં, એમને બે અલગ અલગ સત્ય હોઈ શકે જ. તો શું સત્ય બે હોય છે ? કે સત્ય એક જ હોય ?

દાદાશ્રી : હા, બધે સત્ય જુદાં જુદાં હોય. ધંધામાં એક હોય તો બીજે જુદું હોય. એક જ મુશ્કેલી ઊભી થઈ છે. વેપારમાં જે સત્ય છે એ કાળને આધીન છે. સત્યુગમાં કળિયુગના પ્રકારનું સત્ય ન હતું. આજનું સત્ય એ કળિયુગનું સત્ય છે. કળિયુગનું સત્ય એટલે કપટ સાથેનું સત્ય. એન પેલું સત્ય એટલે કપટ રહિતનું સત્ય, એટલે કાળને આધીન, સંજોગવશાત્ છે. સંજોગવશાત્ આ બધું વેપારમાં કરવું પડે છે.

સુધરેલા બહારવટિયાની સામે....

પ્રશ્શનકર્તા : પણ અમારે તો જીવનમાં એવા અમુક પ્રસંગો આવે છે કે જ્યારે ખોટું બોલવું જ પડે ત્યારે શું કરવું ?

દાદાશ્રી : એ તો હું તમને દેખાડી દઈશ. ક્યાં ખોટું બોલવું ને ક્યાં ખોટું ના બોલવું એ હું તમને દેખાડી દઈશ. કેટલીક જગ્યાએ ખોટું બોલવું સારું અને કેટલીક જગ્યાએ સાચું બોલવું તે ય સારું. ભગવાનને તો 'સંયમ છે કે નહીં' તેટલી જ પડેલી છે. સંયમ એટલે કોઈ જીવને દુઃખ નથી દેતો ને ? ખોટું બોલીને ય દુઃખ ના દેવું જોઈએ.

કેટલાક કાયદા કાયમના હોય છે ને કેટલાક કાયદા ટેમ્પરરી હોય છે. ટેમ્પરરીને લોક કાયમનું કરી નાખે છે ને મહામુશ્કેલી ઊભી થાય છે. ટેમ્પરરી એડજસ્ટેબલ, ઈટ એડજસ્ટ્સ, એ પ્રમાણે નિકાલ કરીને આગળ કામ કાઢી લેવાનું. કંઈ બેસી રહેવાય આખી રાત ?

પ્રશ્શનકર્તા : તો વ્યવહાર કેવી રીતે કરવો ?

દાદાશ્રી : વિષમતા ઊભી ના થવી જોઈએ. સમભાવે નિકાલ કરવો. આપણે જ્યાંથી કામ કઢાવવું હોય તે મેનેજર હોય તે કહે, 'દસ હજાર રૂપિયા આપો તો તમારો પાંચ લાખનો ચેક કાઢીશ.' હવે આપણા ચોખ્ખા વેપારમાં તો કેટલોક નફો હોય ? પાંચ લાખ રૂપિયામાં બે લાખ આપણા ઘરના હોય ને ત્રણ લાખ લોકોના હોય તો એ લોકો ધક્કા ખાય તે ય સારું કહેવાય ? એટલે આપણે પેલા મેનેજરને કહીએ, 'ભઈ, મને નફો રહ્યો નથી,' એમ તેમ સમજાવીને, પાંચમાં નિકાલ નહીં તો છેવટે દસ હજાર રૂપિયા આપી દઈને ય આપણો ચેક લઈ લેવો. હવે ત્યાં મારાથી આવી લાંચ કેમ અપાય ?' એમ કરો, ત્યારે કોણ આ બધા લોકોને જવાબ આપશે ? પેલો માગનારો ગાળો દેશે, આવડી આવડી ! જરા સમજી લો, વખત આવ્યો તે પ્રમાણે સમજી લો.

લાંચ આપવામાં ગુનો નથી. આ જે ટાઈમ જે વ્યવહાર આવ્યો તે વ્યવહાર તને 'એડજસ્ટ' કરતાં ના આવડ્યો એનો ગુનો છે. હવે અહીં કેટલા પૂછડું પકડી રાખે ?! એવું છે ને, આપણાથી એડજસ્ટ થાય, જ્યાં સુધી લોકો આપણને ગાળો ના દે, અને આપણી પાસે બેંકમાં હોય, ત્યાં સુધી પકડી રાખવું, પણ એ બેંકની ઉપર જતું હોય ને પેલાં ગાળો દેતાં હોય તો શું કરવું ? તમને કેમ લાગે છે !

પ્રશ્શનકર્તા : હા, બરોબર છે.

દાદાશ્રી : હું તો અમારા વેપારમાં કહી દેતો કે, 'ભાઈ આપી આવ રૂપિયા. આપણે ભલે ચોરી નથી કરતા કે ગમે તે નથી કરતા, પણ રૂપિયા આપી આવ.' નહીં તો લોકોને ધક્કા ખવડાવવા એ આપણા સારા માણસનું કામ નહીં. એટલે લાંચ ાપી દેવી. એને હું ગુનો નથી કહેતો. ગુનો તો પેલાએ માલ આપ્યો છે ને એને આપણે ટાઈમસર પૈસા નથી આપતા એને ગુનો કહું છું.

બહારવટિયો રસ્તામાં પૈસા માગે તો આપી દો કે નહીં ? કે પછી સત્યને ખાતર નહીં આપવાના ?

પ્રશ્શનકર્તા : આપી દેવા પડે.

દાદાશ્રી : કેમ ત્યાં આપી દો છો ?! અને કેમ અહીં નથી આપતા ?! આ બહારવટિયા સેકંડ પ્રકારના છે. તમને નથી લાગતું કે આ સેકંડ પ્રકારના બહારવટિયા છે !

પ્રશ્શનકર્તા : પેલા પિસ્તોલ બતાવી લે છે ને ?

દાદાશ્રી : આ નવી પિસ્તોલ બતાવે છે. આ યે ભડક તો ઘાલે છે ને કે 'ચેક તને મહિના સુધી નહીં આપું !' છતાં ગાળો ખાતાં સુધી આપણે પકડી રાખવું ને પછી લાંચ આપવાની હા પાડવી એના કરતાં ગાળો ખાતાં પહેલાં પથ્થર નીચેથી હાથ કાઢી લો' એમ કહ્યું છે. ભગવાને કહ્યું કે પથ્થર નીચેથી સાચવીને હાથ કાઢજો, નહીં તો પથ્થરના બાપનું કશું જવાનું નથી. તમારો હાથ તૂટી જશે. કેમ લાગે છે તમને ?

પ્રશ્શનકર્તા : બિલકુલ બરાબર છે.

દાદાશ્રી : હવે આવું ગાંડું કોણ શીખવાડે ? બધા સત્યનાં પૂંછડાં પકડે. અલ્યા ન હોય સત્ય. આ તો વિનાશી સત્ય છે. સાપેક્ષ સત્ય છે. હા, એટલે કોઈને હિંસા થતી હોય, કોઈને દુઃખ થતું હોય, કો'ક માર્યો જતો હોય, એવું ના થવું જોઈએ.

આ બાજુ માંગતાવાળા બિચારા ગળે આવી ગયેલા છે અને આ બાજુ પેલો મેનેજર ગળે આવી ગયો છે. 'તમે દસ હજાર નહીં આપો તો હું તમારો ચેક નહીં આપું.' નહીં તો શેઠને કહી દે ને ! પણ હવે શેઠને કહેવાની આપણામાં હિંમત નથી. એ કહે છે, 'ના, શેઠને કહું તો મારો ધંધો ના ચાલવા દે.' ત્યારે આમે ય લાલચુ, ત્યારે આપી દે ને, અહીંથી. મેલ પૂળો અહીંથી !

આવી રીતે ન્યાય કરવામાં કંઈ હરકત ખરી ? ભગવાને ય આને ગુનેગાર ના ગણે. બહારવટિયા મળે ત્યારે એને પૈસા આપી દેવા એ ગુનો છે ? એ કંઈ સત્ય છે ? મારા રૂપિયા હું આપી દઉં એ કંઈ સત્ય છે ? ત્યારે કેમ આપી દો છો ?

પ્રશ્શનકર્તા : બીકના માર્યા.

દાદાશ્રી : ત્યારે આ બીજા, સેકન્ડ પ્રકારના બહારવટિયા ! આ સુધરેલા બહારવટિયા પેલા સુધર્યા વગરના બહારવટિયા ! આ સિવિલાઇઝ્ડ બહારવટિયા, પેલા અનસિવિલાઇઝ્ડ બહારવટિયા !!! સિવિલાઇઝ્ડ બહારવટિયા તમે નહીં જોયેલા હોય ?! સિવિલાઇઝ્ડ બહારવટિયાના લાગમાં ય આવેલા નહીં ? અમે સિવિલાઇઝ્ડ બહારવટિયા બહુ જોયેલા.

પણ મારી વાત એ સમજવા જેવી છે, જો સમજો તો. અને આવું કોઈ શિખવાડે નહીં. મારા જેવું કોઈ શિખવાડે નહી.ં બીજા તો કહેશે, નહીં આપવાનું, બહુ ત્યારે ત્યાં ઉપવાસ કર, સત્યાગ્રહ કર કહેશે, 'અરે સાહેબ, હું મરી જાઉં. એ તો તમે કરી શકો.'

એટલે અનુભવની વાતો છે આ બધી, કે જેટલો ગુનો આમાં છે એથી વધારે ગુનો પેલા માગતાવાળાને ધક્કા ખવડાવ ખવડાવ કરવા તેમાં છે. સૂડી વચ્ચે સોપારી આવે ત્યાં શું કરવું આપણે ? કપાઈ જ જાય ને ?! સૂડી વચ્ચે સોપારી આવેલી રહે કે ?

માટે કશું આવી તેવી ગણતરી ના ગણવી. અમારા 'દાદા' એ શીખવાડ્યું છે એમ કહી દેજો

પ્રશ્શનકર્તા : જવાબદારી 'દાદા'ની બધી.

દાદાશ્રી : હા, જવાબદારી મારી. પણ મારા કહ્યા પ્રમાણે હોય તો ! તમે પેલી ખોટ વધારે ખાશો, આ ઓછી ખોટ છે, એવું હું તમને કહું છું. ખોટ તો અવશ્ય છે. તમે લાંચ આપો એ ખોટ તો છે જ. પણ પેલી ખોટ, તો સો રૂપિયા જતા હોય તો આ પંદર રૂપિયામાં પતે છે. તે આપણા પંચ્યાશી તો બચ્યા ! અને નહીં તો પછી ગધેડા પૂંછ પકડા સો પકડા, લાતો આટલી ખાધી, હવે છોડ.

બધી જ ભૂમિકાઓમાંથી પસાર....

પ્રશ્શનકર્તા : તમારા પહેલાંના જીવનમાં તમને અમારા જેવી ભૂમિકા તો આવી જ હશે ને ?

દાદાશ્રી : બધી જ જાતની ભૂમિકા આવેલી. દરેક ભૂમિકા જે તમને બધાને આવે છે એ ભૂમિકાઓ મને પ્રાપ્ત થયેલી.

પ્રશ્શનકર્તા : બધામાંથી પાસ થઈ ગયેલા ?

દાદાશ્રી : હા, પાસ થઈ ગયેલા.

પ્રશ્શનકર્તા : તે તેના આ ઉછાળા માર્યા હશે ને ?

દાદાશ્રી : આચાર ને ભૂમિકામાં ફેર છે. આચાર એ વખતે હો યા ના હો, પણ ભૂમિકા બધી આવી ગયેલી.

પ્રશ્શનકર્તા : પણ એટલે આવું દેખાયેલું ને આમ ?

દાદાશ્રી : બધું જ દેખાયેલું છે ને ! કશું દેખવામાં બાકી જ નથી રાખ્યું. તેથી સોલ્યુશન આપું છું ને !

ધંધો છતાં જ્ઞાની !!!

પ્રશ્શનકર્તા : આપશ્રી ભગવાન પ્રાપ્તિના માર્ગે વળી ગયા, સાથે આપ મોટા ધંધાથી પણ સંકળાયા છો. તો એ બન્ને શી રીતે સંભવે ? તે સમજાવો.

દાદાશ્રી : સારો પ્રશ્શન છે કે હસવું ને લોટ ફાકવો, એ બે શી રીતે બને ? કહે છે, હા. આમ છે તે ધંધો કરો છો, અને આમ છે તે ભગવાનના માર્ગે છો. આ બે શી રીતે બન્યું ? પણ બની શકે એમ છે. બહારનું જુદું ચાલે એવું છે. અંદરનું જુદું ચાલે એવું છે. બે જુદા જ છે.

આ નરેન્દ્રભાઈ છે ને, તે નરેન્દ્રભાઈ જુદા છે અને આત્મા જુદો છે, અંદર બે છૂટા પડી શકે એમ છે. બેના ગુણધર્મો ય જુદા છે. જેમ અહીં આગળ સોનું ને તાંબું બે ભેગાં થયાં હોય. તો ફરી છૂટા પાડવા હોય તો પડે કે ના પડે ?

પ્રશ્શનકર્તા : પડે.

દાદાશ્રી : એવી રીતે આને છૂટા જ્ઞાની પુરુષ પાડી શકે. જ્ઞાની પુરુષ ચાહે સો કરી શકે, અને તમારે છૂટા પાડવા આવવું હોય તો આવજો અહીં અને લાભ જોઈતો હોય તો આવજો.

અને ધંધો ચાલ્યા કરે. પણ ધંધામાં એક ક્ષણવાર છે તે અમારો ઉપયોગ ના હોય. ખાલી નામ હોય એ બાજુ. પણ અમારો ઉપયોગ એક ક્ષણવારે ય ના હોય. મહિનામાં એકાદ દિવસ બે કલાક મારે વખતે જવું પડે. ને જઈએ, પણ તે અમારો ઉપયોગ ના હોય. ઉપયોગમાં ના હોય એટલે શું તે તમે સમજ્યા ? આ લોકો દાન લેવા જઈએ છીએ ને, તે કોઈ પાસે દાન લેવા ગયા હોય, આપણે કહીએ ને કે આ સ્કૂલને માટે દાન આપો, તો પેલો એનું મન જુદું રાખે આપણાથી. રાખે ના રાખે ?

પ્રશ્શનકર્તા : રાખે.

દાદાશ્રી : એવી રીતે આમાં બધું જુદું રહે. એમાં જુદા રાખવાના રસ્તા હોય છે બધા. આત્મા યે જુદો છે ને આ યે જુદો છે.

વેપાર ડ્રામેટિક !

અમારે ધંધા ઉપર બહુ પ્રીતિ નહીં, મૂળથી જ નહીં ! હું કંઈ પૈસા કમાવા નથી બેઠો, કે આ બધું કરવા નથી બેઠો. હું તો એ શોધખોળ કરવા આવ્યો છું, કે આ જગત શું છે ને કેવી રીતે ચાલે છે ? આ આમાં પોષાય નહીં મારે. મેં મારી શોધખોળ કરી નાખી બધી.

ધંધામાં મેં ચિત્ત રાખ્યું નથી. ધંધામાં આખી જિંદગી ય ચિત્ત રાખ્યું નથી. ધંધો કર્યો છે ખરો. મહેનત કરી હશે. કામ કર્યું હશે. પણ ચિત્ત નથી રાખ્યું.

પ્રશ્શનકર્તા : તે એ ધંધો શી રીતે ચાલે ?

દાદાશ્રી : આ નાટક થાય છે. તે આ નાટક કરે છે, તે વખતે પહેલું નાટક થાય ચે કે પહેલું રીહર્સલ કરેલું હશે ? રીહર્સલ બધું થયેલું જ છે. રીહર્સલ થયેલું બધું આ ફરી થાય છે. એક ફેરો થઈ ગયેલું છે. તેની ઉપર સિક્કો મારવાનો છે. યોજના થી ત્યાંથી જ આપણે ના સમજીએ કે રૂપકમાં આવવાનું છે ? ગયા અવતારમાં યોજના ઘડાઈ ને તૈયાર થઈ ગયેલું. આ રૂપકમાં આવ્યું, અત્યારે યોજના ઘડાઈ છે, તે આવતા અવતારની. એ પાછું રૂપકમાં આવશે.

વેપારમાં વહ્યા ભવો....

આ તો ટાયરની દુકાન કાઢે છે, ત્યારે એમ જ જાણે છે, બસ, ટાયર વગર તો દુનિયામાં ચાલે એવું નથી, એટલે દરેક અવતારમાં દુકાનો માંડેલી હોય છે. વેપાર, વેપાર ને વેપાર. પોતાના સ્વરૂપભણી દ્ષ્ટિ જ ગઈ નથી. પોતે કોણ, તેની દ્ષ્ટિ કરી નથી.

વનવાસ, વેપારમાં....

પ્રશ્શનકર્તા : હમણાં તો વનવાસ ચાલે છે.

દાદાશ્રી : આવડા મોટા શહેરમાં રહો છો ને પછી વનવાસ કહો છો એનું કારણ તો કંઈક હશે ને ? સાસુ બહુ પજવે છે ?

પ્રશ્શનકર્તા : ના.

દાદાશ્રી : હા, કેટલીક જગ્યાએ સાસુઓ એવી હોય છે તે વહુને ને આપણને ભેગા જ ના થવા દે એટલે વનવાસ થઈ જાય છે પછી ? સાસુ તમારી સારી છે ને ? પછી આ વનવાસ શાથી ? એ મને કહો ને !

પ્રશ્શનકર્તા : કામધંધા બાબતમાં.

દાદાશ્રી : ઓહો ! ધંધો બરોબર મળતો નથી, નહીં ? ભાવ ઓછો હશે તો ય નથી મળતો ?

ચિંતાથી ધંધાનું મોત !

પ્રશ્શનકર્તા : ધંધાની ચિંતા થાય છે, બહુ અડચણો આવે છે.

દાદાશ્રી : ચિંતા થવા માંડે કે સમજો કે કાર્ય બગડવાનું વધારે. ચિંતા ના થાય તો સમજવું કે કાર્ય બગડવાનું નથી. ચિંતા કાર્યની અવરોધક છે. ચિંતાથી તો ધંધાને મોત આવે. જે ચઢ-ઉતર થાય એનું નામ જ ધંધો, પૂરણ-ગલન છે એ. પૂરણ થયું એનું ગલન થયા વગર રહે જ નહીં. આ પૂરણ-ગલનમાં આપણી કશી મિલકત નથી, અને જે આપણી મિલકત છે, તેમાંથી કશું જ પૂરણ-ગલન થતું નથી ! એવો ચોખ્ખો વ્યવહાર છે ! આ તમારા ઘરમાં તમારાં વહુ-છોકરા બધા જ પાર્ટનર્સ છે ને ?

પ્રશ્શનકર્તા : સુખદુઃખના ભોગવટામાં ખરાં.

દાદાશ્રી : તમે તમારી બૈરી-છોકરાંના વાલી કહેવાઓ. એકલા વાલીએ શા માટે ચિંતા કરવી ? અને ઘરનાં તો ઊલટું કહે છે કે તમે અમારી ચિંતા ના કરશો.

પ્રશ્શનકર્તા : ચિંતાનું સ્વરૂપ શું છે ? જન્મ્યા ત્યારે તો હતી નહીં ને આવી ક્યાંથી ?

દાદાશ્રી : જેમ બુદ્ધિ વધે તેમ બળાપો વધે. જન્મ્યા ત્યારે બુદ્ધિ હોય છે ? ધંધા માટે વિચારની જરૂર છે. પણ તેની આગળ ગયા તો બગડી જાય. ધંધા અંગે દસ-પંદર મિનિટ વિચારવાનું હોય. પછી એથી આગળ જાઓ ને વિચારોના વળ ચઢવા માંડે તે નોર્માલિટીની બહાર ગયું કહેવાય, ત્યારે તેને છોડી દેજો. ધંધાના વિચાર તો આવે, પણ એ વિચારમાં તન્મ્યાકાર થઈને એ વિચાર લંબાય તો પછી એનું ધ્યાન ઉત્પન્ન થાય ને તેથી ચિંતા થાય. એ બહુ નુકસાન કરે.

પ્રશ્શનકર્તા : પણ ધંધાની જવાબદારીઓ હોય તેનુ શું ?

દાદાશ્રી : ધંધાની જવાબદારી છે, તો સંડાસ નહીં જતા હોય ને ?

પ્રશ્શનકર્તા : એ તો નિત્યકર્મ છે. શરીર ધર્મ તો બજાવવા જ પડે ને !

દાદાશ્રી : તો આ યે નિત્યકર્મ છે. જેમ ઊંઘવું એ નિત્યકર્મ છે તેમ આ યે નિત્યકર્મ છે બધા. આ નિત્યકર્મને ઠેલી અને મહીં અજંપો કર્યા કરે છે. અને તેથી આવતા અવતાર બગડી જાય બધા.

કોણ કોને નથી છોડતું !

તો આ ધંધો કરે તો જ ગાડું ચાલે એવું છે કે નહીં તો નહીં ચાલે એવું છે !

પ્રશ્શનકર્તા : ના પણ....

દાદાશ્રી : બે વર્ષ અટકી જાય તો ચાલે ! બંધ થઈ જાય ખાવાનું ?

પ્રશ્શનકર્તા : ના, ના. એવું તો નથી. એવો વાંધો ના આવે.

દાદાશ્રી : તો પછી શા હારુ બધું કરો ? ધંધો તમને છોડતો નથી કે તમે ધંધાને છોડતા નથી !

પ્રશ્શનકર્તા : અમે ધંધાને છોડતા નથી.

દાદાશ્રી : તો સારું (!) એટલે પ્રેમ જોઈએને, પ્રેમ વગર સોદા નકામા. પ્રેમ વગરના બધા સોદા નકામા છે.

કેટલા ભેગા થયા ?

મનને તૃપ્તિ થાય એટલા પચાસેક લાખ ભેગા થઈ ગયા ?

પ્રશ્શનકર્તા : ના.

દાદાશ્રી : આખી જિંદગી શું કર કર કર્યું તો ય પચાસ લાખ ભેગા થયા નહીં ?

પ્રશ્શનકર્તા : ના.

દાદાશ્રી : અરે એવું બોલો છો ? વખતે બે-પાંચ લાખ ઓછા હશે. બીજું શું ?

પ્રશ્શનકર્તા : ના રે ના.

એને પુરુષાર્થ કહેવાય ?

દાદાશ્રી : તમે શો પુરુષાર્થ કરો છો ?

પ્રશ્શનકર્તા : ધંધાનો.

દાદાશ્રી : એ તો પુરુષાર્થ ના કહેવાય. જો પોતે જો પુરુષાર્થ કરતો હોય તો નફો જ લાવે, પણ આ તો ખોટ પણ જાય છે ને ? એ પુરુષાર્થ ના કહેવાય. એ તો દોરી વીંટેલી તે ઉતરે, એને પુરુષાર્થ કેમ કહેવાય ? તમે પુરુષાર્થ કરો છો તો ખોટ કેમ ખાઓ છો ?

પ્રશ્શનકર્તા : એ તો એવું ય થઈ જાય. ક્યારેક નુકસાન પણ થાય.

દાદાશ્રી : ના, પુરુષાર્થ કરનારાને તો ક્યારે ય ખોટ ના જાય.

નફો-ખોટ કોણ કરે ?

હા, પણ તમે કોઈ દહાડો કમાયેલા ખરા ? તમે જાતે કમાયેલા ખરા કોઈ દહાડો ય ?

પ્રશ્શનકર્તા : જાતે જ કમાયા આમ તો.

દાદાશ્રી : એમ ? ત્યારે ખોટ જાતે ખાતા હશે લોકો ? ખોટ ખાય છે એ જાતે ખાતા હશે.

પ્રશ્શનકર્તા : જાતે જ જાય. ખોટ જાય તે જાતે.

દાદાશ્રી : પણ ખોટ જાતે ખાતા હશે કે ?

પ્રશ્શનકર્તા : હા. જેમ જાતે કમાઈએ એમ ખોટે ય જાતે જ કરીએ ને ?

દાદાશ્રી : બહુ સારું ! પણ ખોટ ગમતી નથી.

પ્રશ્શનકર્તા : ના.

દાદાશ્રી : તો પછી ખોટ જાતે કરે છે એ કેવી રીતે કહેવાય ?

ખોટમાં દુકાન કે આપણે ?

મનમાં નક્કી કરે કે આર્તધ્યાન, રૌદ્રધ્યાન નથી કરવું, પણ દુકાન ખોટમાં જ જાય છે એટલે તો કરવું પડે ને, શું કરે ?

અલ્યા, દુકાન ખોટમાં જાય છે, તું કંઈ ખોટમાં જઉં છું તે ? એ ખોટમાં તો દુકાન જાય છે. દુકાનનો સ્વભાવ જ એવો છે કે ખોટમાં ય લઈ જાય અને પછી નફામાં ય લાવે. એટલે એ ખોટ ને નફો દેખાડ્યા કરે ! વારેઘડીએ બ્લેક એન્ડ વ્હાઈટ, બ્લેક એન્ડ વ્હાઈટ. વ્હાઈટ ગયું ને બ્લેક આવે. બ્લેક ગયું ને વ્હાઈટ આવે. એનો સ્વભાવ એ છે, એમાં તું શું કામ માથે લઈ લે છે. અને તમારું શું ઠેકાણું ? કાલે સવારે નીકળ્યા તો ઘડીમાં ફ્રેક્ચર થઈ જશે, શું ઠેકાણું છે ? એવા જગતમાં તમે દુકાનની શું કામ પહેલી કાણ કરો છો ? તમારી કાણ પહેલી કરો ને ! જો કાણ કરવી હોય તો તમારી પહેલી કરો. દુકાનની શું કામ કરો છો ?

દુકાન તો બિચારી પાઘડી હઉ આપશે અને તમારી તો કોઈ બાપો ય પાઘડી બંધાવનારો નથી.

ધંધાના કાનમાં ફૂંક !

અમે ધંધો કરતાં પહેલાં શું કરીએ ? સ્ટીમર ચાલવા મૂકી હોય, ત્યાં પૂજાઓ બધી ભણાવી દઈએ, મહારાજની પાસે, સત્યનારાયણની કથા, બીજી પૂજાઓ બધું કરીએ. વખતે સ્ટીમરની યે પૂજા કરીએ, પછી અમે સ્ટીમરના કાનમાં ફૂંક મારીએ કે, 'તારે ડૂબવું હોય ત્યારે ડૂબજે, અમારી ઇચ્છા નથી ! અમારી ઇચ્છા નથી !! અમારી ઇચ્છા નથી !!!' એવું ના કહીએ એટલે પછી નિઃસ્પૃહ થઈ ગયા કહેવાય, તો પછી ે તો ડૂબી જાય. અમારી ઇચ્છા નથી કહ્યું એટલે એની પાછળ બળ કામ કરે છે. અને જો ડૂબી તો આપણે જાણીએ જ ને કે કહ્યું જ હતું ને કાનમાં ! આપણે ક્યાં ન હતું કહ્યું ? એટલે એડજસ્ટમેન્ટ ગોઠવીએ તો પાર આવે એવો છે આ જગતમાં.

મનનો સ્વભાવ એવો કે એનું ધાર્યું ના થાય, એટલે નિરાશ થઈ જાય. એટલે માટે આ બધા રસ્તા કરવાના. પછી છ મહિને ડૂબે કે બે વર્ષે ડૂબે ત્યારે અમે 'એડજસ્ટમેન્ટ' લઈ લઈએ છીએ કે છ મહિના તો ચાલ્યું. વેપાર એટલે આ પાર કે પેલે પાર. આશાના મહેલ નિરાશા લાવ્યા વગર રહે નહીં. સંસારમાં વીતરાગ રહેવું બહુ મુશ્કેલ છે. એ તો જ્ઞાનકળા ને બુદ્ધિકળા અમારી જબરજસ્ત હોય તેથી રહેવાય.

ઘરાકની સાથે....

પ્રશ્શનકર્તા : દુકાનમાં ઘરાક આવે એટલા માટે હું દુકાન વહેલી ખોલું ને મોડી બંધ કરું છું, તે બરોબર છે ને ?

દાદાશ્રી : તમે ઘરાકને આકર્ષવાવાળા કોણ ? તમારે તો દુકાન લોકો જ્યારે ખોલતા હોય તે ટાઈમે ખોલવી. લોકો સાત વાગે ખોલતા હોય ને આપણે સાડાનવ વાગે ખોલીએ તો ખોટું કહેવાય. લોક જ્યારે બંધ કરે ત્યારે આપણે ય બંધ કરી ઘેર જવું. વ્યવહાર શું કહે છે કે લોકો શું કરે છે તે જુઓ. લોક સૂઈ જાય ત્યારે તમે ય સૂઈ જાઓ. રાત્રે બે વાગ્યા સુધી મહીં ઘમસાણ મચાવ્યા કરો એ કોના જેવી વાત ! જમ્યા પછી વિચાર કરો છો કે કેવી રીતે પચશે ? એનું ફળ સવારે મળી જ જાય છે ને ? એવું ધંધામાં બધું છે.

પ્રશ્શનકર્તા : દાદા, હમણાં દુકાનમાં ઘરાકી બિલકુલ નથી તો શું કરું ?

દાદાશ્રી : આ 'ઈલેક્ટ્રિસિટી' જાય,એટલે તમે 'ઈલેક્ટ્રિસિટી' ક્યારે આવે, ક્યારે આવે એમ કરો તો જલ્દી આવે ? ત્યાં તમે શું કરો છો ?

પ્રશ્શનકર્તા : એક-બે વાર ફોન કરીએ કે જાતે કહેવા જઈએ.

દાદાશ્રી : સો વાર ફોન ના કરો ?

પ્રશ્શનકર્તા : ના.

દાદાશ્રી : આ લાઈટ ગઈ ત્યારે આપણે તો નિરાંતે ગાતા હતા ને પછી એની મેળે આવી ને ?

પ્રશ્શનકર્તા : એટલે આપણે નિઃસ્પૃહ થવું ?

દાદાશ્રી : નિઃસ્પૃહ થવું તે ય ગુનો છે ને સસ્પૃહ થવું તે ય ગુનો છે. લાઈટ આવે તો સારું એટલું આપણે રાખવું, પછી ઉધામા ના રાખવા. 'રેગ્યુલારિટી' અને ભાવ ના બગાડવો. આ તો એક દહાડો ઘરાક ના આવે તો નોકરને શેઠ ટૈડકાય ટૈડકાય કરે ! તે આપણે તેની જગ્યાએ હોઈએ તો શું થાય ? એ બિચારો નોકરી કરવા આવે ને તમે તેને ટૈડકાવો, તો એ વેર બાંધીને સહન કરી લે. નોકરને ટૈડકાવવું નહીં, એ ય માણસજાત છે. એને બિચારાને દુઃખ ને અહીં તમે શેઠ થઈ ને ટૈડકાવો તે એ બિચારો ક્યાં જાય ! બિચારા ઉપર જરાક દયાભાવ રાખો ને !

આ તો ઘરાક આવે તો શાંતિથી, પ્રેમથી તેને માલ આપવાનો. ઘરાક ના હોય ત્યારે ભગવાનનું નામ લેવાનું. આ તો ઘરાક ના હોય ત્યારે આમ જુએ ને તેમ જુએ. મહીં અકળાયા કરે, 'આજે ખર્ચો માથે પડશે, આટલી નુકસાની ગઈ' એ ચક્કર ચલાવે. જે ઘરાક આવવાનો હોય એ જ આવે છે, એમાં મહીં ચક્કર ના ચલાવીશ. દુકાનમાં ઘરાક આવે તો પૈસાની આપ-લે કરવાની, પણ કષાય નહીં વાપરવાના, પટાવીને કામ કામ કરવાનું. આ પથ્થર નીચે હાથ આવી જાય તો હથોડો મારો છો ? ના, ત્યાં તો દબાઈ જાય તો પટાવીને કાઢી લેવાના. એમાં કષાય વાપરે તો વેર બંધાય ને એક વેરમાંથી અનંત ઊભાં થાય. આ વેરથી જ જગત ઊભું છે, એ જ મૂળ કારણ છે.

છૂટો વેરથી !

આ ઘરાક અને વેપાર વચ્ચે સંબંધ તો હોય ને ? અને એ સંબંધ વેપારી દુકાન બંધ કરે તો છૂટો થઈ જાય ? ના થાય. ઘરાક તો યાદ કરે કે 'આ વેપારીએ મને આમ કરેલું, આવો ખરાબ માલ આપેલો' લોક તો વેર યાદ રાખે; તે પછી આ ભવમાં દુકાન તમે બંધ કરી હોય પણ એ આવતે ભવે તમને છોડે ? ના છોડે, એ તો વેર વાળીને જ જંપે. એથી જ ભગવાને કહેલું કે 'કોઈ પણ રસ્તે વેર છોડો'. અમારા એક ઓળખાણવાળા રૂપિયા ઉધાર લઈ ગયેલા, પછી પાછા આપવા જ ના આવ્યા. તે અમે સમજી ગયા કે આ વેરથી બંધાયેલું હશે, તે ભલે લઈ ગયો અને ઉપરથી અમે તેને કહ્યું કે, 'તું હવે અમને રૂપિયા પાછા ના આપીશ. તને છૂટ છે.' આ પૈસા જતા કરીને ય વેર ભંગાતું હોય તો ભાંગો. જે તે રસ્તે પણ વેર છોડો, નહીં તો એક માણસ જોડેનું વેર ભટકાવશે.

એમાં ય સત્ય, હિત, મિત ને પ્રિય

આપણે સત્ય, હિત, પ્રિય અને મિત રીતે કામ લેવું. કોઈ ઘરાક આવ્યો તો એને પ્રિય લાગે એવી રીતે વાત કરવાની, એને હિતકારી હોય એવી વાતચીત કરીએ. એવી વસ્તુ ના આપીએ કે જે એને ઘેર જઈને નકામી થઈ જાય. તો ત્યાં આપણે એને કહીએ, 'ભઈ, આ વસ્તુ તમારા કામની નથી.' ત્યારે કોઈ કહેશે કે, 'આવું સાચું કઈ દઈએ તો અમારે ધંધો કરવો શી રીતે ?' અલ્યા, તું જીવે છે શા આધારે ? કયા હિસાબથી તું જીવી રહ્યો છે ? જે હિસાબથી તું જીવી રહ્યો છે એ ધંધો ચાલશે. કયા હિસાબથી આ લોકો સવારમાં ઊઠતા હશે ? રાત્રે સૂઈ ગયા, ને મરી ગયા તો ?! ઘણા માણસ એવા સવારે પાછા ઊઠેલા નહીં ! એ કયા આધારે ? એટલે ભડકવાની જરૂર નથી. પ્રામાણિકતાથી વેપાર કરજે. પછી જે થાય તે ખરું પણ હિસાબ માંડીશ નહીં.

એમાં હાયવોય શાને ?

માણસે કમાણીની બહુ ઉતાવળ ના કરવી. કમાણી કરવામાં આળસ રાખવી જોઈએ, ઉતાવળ ના કરવી જોઈએ. કારણ કે કમાણીની બહુ ઉતાવળ કરીએ તો ૧૯૮૮ માં આપણી પાસે જે નાણું આવવાનું હોય તે અત્યારે આવી જાય, ઉદ્દીરણા થાય, પછી ૧૯૮૮માં શું કરીએ આપણે ? એટલે નાણું બહુ કમાવાની ખટપટ કરવી નહીં. આપણે ધંધો નિશ્ચિતભાવે શાંત રૂપે કર્યા કરવો. આ કાળમાં જેટલી નીતિમત્તા સચવાય એટલું ભાવથી કર્યા કરવું. હાયવોય તો કોણ કરે ? કે જેને અનાજ કે કંઈ ખૂટી પડતું હોય તે હાયવોય કરે. એવું અનાજ ખૂટી પડે, એવો દહાડો તો તમને નથી આવવાનો ને ? કપડાં ખૂટી પડે એવા દહાડા આવે છે ?

કમાણી હોય ત્યારે ખેદ કરવાનો કે ક્યાં વાપરીશું ? ને ખર્ચો આવે ત્યારે મજબૂત થવાનું કે દેવું ચૂકવવાનો સંજોગ મળ્યો. કમાણી એ જવાબદારી છે ને ખર્ચો એ ફેડવાનું સાધન છે. નાણાંનો બોજો રાખવા જેવો નથી. બેન્કમાં જમા થાય એટલે 'હાશ' કરે ને જાય એટલે દુઃખ થાય. આ જગતમાં કશું જ 'હાશ' કરવા જેવું નથી. કારણ કે ટેમ્પરરી છે ! લક્ષ્મી સહજભાવે ભેગી થતી હોય તો થવા દેવી, પણ તેના પર ટેકો ના દેવો. ટેકો દઈને 'હાશ' કરો, પણ ક્યારે એ ટેકો ખસી જાય એ કહેવાય નહીં. માટે પહેલેથી ચેતીને ચાલો કે જેથી અશાતાવેદનીમાં હાલી ના જવાય.

એ સમજણે ચિંતા ગઈ....

ધંધો કરવામાં તો છાતી બહુ મોટી જોઈએ. છાતીનાં પાટિયા બેસી જાય તો ધંધો બેસી જાય.

પહેલાં અમારે એક ફેરો, અમારી કંપનીમાં ખોટ આવેલી. જ્ઞાન થયા પહેલાં, ત્યારે અમને આખી રાત ઊંઘ ના આવે. ચિંતા થયા કરે. ત્યારે મહીંથી જવાબ મળ્યો કે આ ખોટમાં કોણ કોણ ચિંતા અત્યારે કરતું હશે ? મને એમ લાગ્યું કે મારા ભાગીદાર તો વખતે ચિંતા ના યે કરતા હોય. હું ફક્ત એકલો જ કરતો હોઉ. અને બધાં બૈરાંછોકરાં ભાગીદાર છે, તો તે કોઈ જાણતા જ નથી. હવે એ બધા નથી જાણતા તો ય એમનું ચાલે છે, તો હું એકલો જ અક્કલ વગરનો તે ચિંતા કરું આ બધું ય ! એટલે પછી મારી અક્કલ આવી ગઈ. કારણ કે પેલાં બધાં ચિંતા ના કરે, ભાગીદાર છે બધાં, તો ય તે ચિંતા ના કરે, તો હું એકલો જ ચિંતા કરું. તે પછી મારામાં અક્કલ આવી ગઈ એટલે ચિંતા કરું નહીં. અરે, એ લોકો ચિંતા ના કરે તો મારે ચિંતા કરવાની શી જરૂર ? મારે તો મારી ફરજ બજાવવાની; ચિંતા-બિંતા કરવાની નહીં. એ નફો-નુકસાન એ બધું કારખાનાનું હોય છે. આપણે માથે નથી. આપણે તો ફરજ બજાવાના અધિકારી. બધું કારખાનું હોય છે. કારખાનું માથે લઈને ફરીએ છીએ તો રાત્રે ઊંઘ કેટલી બધી આવે ?

પ્રશ્શનકર્તા : ઊંઘ ના આવે.

દાદાશ્રી : ઊંઘ ના આવે ને ? એ તો સારું છે તમારે વકીલાત છે. નહીં તો તમને કારખાનામાં બેસાડ્યા હોય ને તો શું થાય ? તે પોતે ઊંડો ઊતરે ને, તો છોકરો ચિંતા કરતો હોય, પાછો આ બાપે ય ચિંતા કરતો હોય. છોકરો એના કારખાને ચિંતા કરતો હોય. પણ બાપા ઊતર્યા એટલે બાપા જાણે કે આવું આટલું જવા માંડ્યું. તે પછી બધાં ચિંતા કરે એટલે ખોટ જતી રહે, નહીં ? ચિંતાથી જ આ બધી ખોટો જાય છે. ચિંતા કરવાનો અધિકાર નથી. વિચાર કરવાનો અધિકાર છે, કે ભઈ આટલે સુધી વિચાર કરવાનો, અને વિચાર જ્યારે ચિંતામાં પરિણામ પામે એટલે બંધ કરી દેવું જોઈએ.

એ એબોવનોર્મલ વિચાર ગણાય છે, એ ચિંતા કહેવાય છે. એબોવનોર્મલ વિચાર એ ચિંતા કહેવાય છે. એટલે અમે વિચાર તો કરીએ, પણ જે એબોવનોર્મલ થયું ને ગુંચાયું પેટમાં, એટલે બંધ કરી દઈએ.

પ્રશ્શનકર્તા : સામાન્ય રીતે મહીં જોતા રહ્યા ત્યાં સુધી વિચાર કહેવાય અને જો મહીં ચિંતા થઈ તો લપેટાયો કહેવાય ?

દાદાશ્રી : ચિંતા થઈ એટલે લપેટાયો જ ને ! ચિંતા થઈ એટલે એ જાણે કે મારે લીધે જ ચાલે છે, એવું માની બેઠા છે. ચિંતા એટલે શું કે મારે લીધે જ ચાલે છે આ બધું. એટલે એ બધી ભાંજગડ જ લેવા જેવી નથી. અને છે ય એવું જ. આ તો બધા મનુષ્યોમાં આવો રોગ પેસી ગયો છે. હવે નીકળે શી રીતે જલદી ? જલદીથી નીકળે નહીં ને ! ટેવ પડેલી છે એ જાય નહીં ને ! હેબીચ્યુએટેડ.

પ્રશ્શનકર્તા : આપની પાસે આવે તો નીકળી જાય ને !

દાદાશ્રી : હા, નીકળી જાય, પણ ધીમે ધીમે નીકળે, પણ એકદમ ના જાય ને પાછી !

ખોટ ધારીને, ધંધો ધમધમાવો !

દાદાશ્રી : કંટ્રાક્ટના ધંધામાં નફો ખોળો છો કે ખોટ ?

પ્રશ્શનકર્તા : નફો જ !

દાદાશ્રી : એક પક્ષમાં જ પડ્યા છો ? જે ખૂણામાં લોક પડ્યા છે, તે ખૂમામાં તમે પડ્યા છો ? તમારે લોકની વિરુદ્ધ ચાલવું. લોક નફો તો આપણે કહીએ ખોટ હોજો અને ખોટ ખોળનારને કોઈ દહાડો ચિંતા ના આવે. નફો ખોળનાર કાયમ ચિંતામાં જ હોય અને ખોટ ખોળનારને કોઈ દહાડો ચિંતા જ ના આવે તેની અમે ગેરન્ટી આપીએ છીએ. વાત અમારી સમજાય ?!

ધંધો રાખ્યો ત્યારી આપણા લોક શું કહે ? આ કામમાં ચોવીસેક હજાર તો મળે એવા છે !! હવે જયારે ફોરકાસ્ટ કરે છે (આગાહી કરે છે) ત્યારે સંજોગ બદલાશે તેને બાદ કરતો નથી. એમ ને એમ ફોરકાસ્ટ (આગાહી) કરે છે. પેલું ઓટોમેટિક રીતે એસ્ટિમેટમાં પરસેન્ટેજ (ટકા ગણીને) કાઢીને, બધું કાઢીને ફોરકાસ્ટ કરે છે, તે ઘડીએ સંજોગોને બાદ કરતો નથી, ને કહે છે, ચાલીશ હજાર મળવાના છે.

પછી ત્રણ મહિના પછી સંજોગ બદલાયા અને સાહેબ કડક આવ્યો તો દસ ટકા જે છૂટછાટ રાખતા હતા, મટેરિયલ્સમાં, તે બંધ થઈ ગઈ ! એને જે જૂની કરેલી એને તોડફોડ કરાવડાવી, એમાં છે તે ચાલીસ હજાર ધાર્યા હતા તે ત્રીસ હજાર એમાં જતા રહ્યા. દસ હજાર રહ્યા. પછી આગળ બિલ આપતી વખતે માર તોફાન માંડ્યાં. તેમાં ભાવ કાપી નાખ્યો. એટલે પૈસા કપાઈ ગયા એટલે પછી શું કહે ? આમ તો નો પ્રોફીટ, નો લોસ છે ખરી રીતે. રીયલી સ્પીકિંગ, અને કહે શું કે, 'ચાળીશ હજારની ખોટ આવી' કહેશે. કારણ કે નફો એણે બાંધ્યો હોત ને પહેલેથી !

તે અમે ય આખી જિંદગી કંટ્રાક્ટ કરેલો છે, અને બધી જાતના કંટ્રાક્ટ કરેલા છે. અને તેમાં દરિયાની જેટીઓ પણ બાંધેલી છે. હવે ત્યાં આગળ, ધંધામાં શરૂઆતમાં શું કરતો હતો ? જ્યાં પાંચ લાખ નફો મળે એવું હોય ત્યાં પહેલેથી નક્કી કરું કે લાખેક રૂપિયા મળે તો બસ છે. નહીં તો છેવટે સરભર થઈ રહે ને ઈન્કમટેક્ષનું નીકળશે, ને આપણો ખોરાક ખર્ચ નીકળશે તો બહુ થઈ ગયું. પછી મળ્યા હોય ત્રણ લાખ. તે પછી જો મનમાં આનંદ રહે, કારણ કે ધાર્યા કરતાં બહુ મળ્યા. આ તો ચાલીસ હજાર માનેલા ને વીસ હજાર મળે તો દુઃખી થઈ જાય !!

જો રીત જ ગાંડી છે ને. જીવન જીવવાની રીત ગાંડી છે ને ?! અને જો ખોટ જ નક્કી કરે તો એના જેવો એકુંય સુખિયો નહીં. પછી ખોટ જ નહિ આવવાની જિંદગીમાં ય ! કારણ કે ખોટનો જ ઉપાસક છું એવું કહે, તો આખી જિંદગી ખોટ પછી આવવાની જ નહીં. ઉપાસક ખોટનો થયો પછી શું ?!

એ ગણતરીઓ આમ થાય....

બધાય નફાની આશા રાખે છે. એકુંય માણસ ખોટની આશા રાખતો જ નથી. એક સાલ તો ખોટની આશા રાખીને ચાલ ! ખોટ જાય તો સમજજે કે આશા ફળી ! અમે તો ખોટની આશા રાખીએ. બધા જેવું ના રાખીએ.

ઘરમાં દસ માણસો હોય, તે ધંધામાં પચાસ હજાર નફો થયો, તો બધા કહેશે પચાસ હજાર નફો થયો. તે બધો ભેગો કરીએ તો કેટલો નફો થયો કહેવાય ?

પ્રશ્શનકર્તા : પાંચ લાખ થઈ જાય.

દાદાશ્રી : અને પચીસ હજાર ખોટ ગઈ, કહો ને, એટલી મહીં ઉપાધિ થાય, નફાનો આનંદ બહુ ના થાય. ખોટની ઉપાધિ વધારે થાય. એટલે ખોટ વહેંચીને લેવી જોઈએ. હા, કે ભઈ, એમને ભાગે અઢી હજાર, મારે ભાગે અઢી હજાર.

પ્રશ્શનકર્તા : એટલે નફો મલ્પીપ્લાય (ગુણાકાર) કરવો અને ખોટ વહેંચી લેવી ?

દાદાશ્રી : ના, મલ્ટીપ્લાય કશું ના કરવું. નફામાં કંઈ આનંદ હોતો જ નથી ખરેખર.

ઘેર બધાંની તબિયત સારી હોય તો જાણવું કે નફો છે. તે દહાડો ચોપડામાં ખોટ હોય તો ય તે નફો જ છે ! દુકાનની તબિયત બગડે કે ના બગડે, ઘરનાની ના બગડવી જોઈએ.

રાત્રે ય ખોટ જાય ને ?

ધંધાના બે છોકરા, એકનું નામ ખોટ અને એકનું નામ નફો. ખોટવાળો છોકરો કોઈને ય ગમે નહીં, પણ બે હોય જ. એ તો એ બે જન્મેલાં જ હોય. ધંધામાં ખોટ જતી હોય તો તે રાતે જાય કે દહાડે જાય ?

પ્રશ્શનકર્તા : રાતે ય જાય ને દહાડે ય જાય.

દાદાશ્રી : પણ ખોટ જતી હોય તો તો દહાડે જવી જોઈએ ને ? રાતે ય જો ખોટ જતી હોય તો રાતે તો આપણે જાગતા નથી તો રાતે શી રીતે ખોટ જાય ? એટલે ખોટના ને નફાના કર્તા આપણે નથી, નહીં તો રાતે ખોટ શી રીતે જાય ? અને રાતે નફો શી રીતે મળે ? હવે એવું નથી બનતું કે મહેનત કરે છે તો ય ખોટ જાય છે ?

પ્રશ્શનકર્તા : હા, એવું બને છે.

દાદાશ્રી : તો મહેનત કરવાથી નફો થાય કે મહેનત કરવાથી ખોટ જાય એનું ડિસિઝન શું ?

પ્રશ્શનકર્તા : નફો ને ખોટ એ એના હાથની વાત નથી. એ તો 'વ્યવસ્થિત'ના હાથમાં છે.

દાદાશ્રી : હા, બધું 'વ્યવસ્થિત'ના તાબામાં છે. એટલે 'વ્યવસ્થિત' મહીં પ્રેરણા કરે ને, એ રીતે આપણે કરવું. બીજું મહીં ડહાપણ વધારે વાપરવું નહીં. બુદ્ધિથી માપવા જઈએ કે નફો મળશે કે ખોટ તો એ માપ જડે ખરું ?

પ્રશ્શનકર્તા : ના જડે.

દાદાશ્રી : એક માણસને કશુંક દર્દ થયું હોય અને દર્દને બુદ્ધિથી માપવા જઈએ તો શું થાય ? એને એમ જ થઈ જાય કે હવે મરી જ જવાના, અને દર્દ ના થયું હોય તેને બુદ્ધિથી માપે નહીં. તો ય પણ એ બિચારો એમ ને એમ સણકારો મારે ને મરી જાય. એવું બને કે ના બને.

એટલે આ બધું ખોટ કે નફો કશું જોવાનું નથી. જોવાનું હવે શું છે ? આ નફો ને ખોટ તો બધું કરીને જ આવેલા છો. હવે એમાં તો ફક્ત નિમિત્ત તરીકે, મહીંથી જે પ્રમાણે પ્રેરણા કરે એ રીતે આપણે ચાલ્યા કરવાનું. 'વ્યવસ્થિત' ને ઓળંગવું નહીં. મહીં પ્રેરણા થઈ તેમ આપણે કરવાનું ખોટ માટે ય વ્યવસ્થિત પ્રેરણા કરે છે અને નફા માટે ય પ્રેરણા વ્યવસ્થિત જ કરે છે. એટલે આપણે પ્રેરણા પ્રમાણે જ ચાલવું. કારણ કે નફો ખોટ એ બધું 'વ્યવસ્થિત'ના તાબામાં છે, તો પછી હવે કરવાનું શું ? નવરાશનો ટાઈમ પેલામાં બગાડશો નહીં, આ સત્સંગમાં ટાઈમ બગાડો. કારણ કે પેલું બધું તમારા હાથમાં સત્તા જ નથી. આ ધંધાદારી માણસ રાતે કમાતા હશે કે નહીં કમાતા હોય ? રાતે સૂઈ ગયા હોય તો ય કમાય ?

પ્રશ્શનકર્તા : કમાણી ને ખોટ તો ચાલુ જ રહે છે ને ?

દાદાશ્રી : ચાલુ જ રહે છે ? તમે નવસારીથી અહીં આવ્યા તો ય ત્યાં કમાણી ચાલુ જ રહેવાની ? ભારે અજાયબી છે ને ? દહાડે જમવા બેસીએ તો ય કમાણી ચાલુ હોય ને ? અને ખોટવાળાને ખોટ ચાલુ હોય ને ? કેટલી અજાયબી છે ! આ બધા ચોપડાનું તારણ કાઢતાં આવડે છે, પણ આ જગતનું તારણ કાઢતાં આવડે તો શું નીકળે ? અમને જગતનું તારણ કાઢતા આવડેલું ! આ જ્ઞાન થતાં પહેલાં અમે તારણ કાઢેલું કે આ જગતનું સરવૈયું શું ? એટલે આપણે શા માટે આ માથાફોડ કરવાની ? જેને માટે મહેનત કરે છે એ તો બધો તૈયાર જ માલ છે, નહીં તો લાખ મણ મહેનત કરો તો ય તે કામની નથી, ઉલટી ખોટ જાય છે.

કોના હાથમાં સત્તા છે, એનું સરવૈયું કાઢો ! તમે સરવૈયું કાઢેલું કે ?

પ્રશ્શનકર્તા : આ જ્ઞાન પછી માલૂમ પડે.

દાદાશ્રી : હા, પહેલાં તો ખબર જ ના પડે ને ? ગૂંચાયેલું બધું; આખા ચોપડા જ ગૂંચાયેલા. આમાં કોઈ માણસથી આ સરવૈયું નીકળે એવું નથી.

પ્રશ્શનકર્તા : આ આપ જે કહો એ બધી વાતો પહેલાં સાંભળેલી જ નહીં.

દાદાશ્રી : સાંભળેલી જ નહીં ને ! ક્યાં ય આવી વાતો ના હોય. આ બધી વાતો અપૂર્વ છે, પૂર્વે સાંભળેલું ના હોય, વાંચેલું ના હોય. આ તદ્દન નવી જ ઢબ છે ! અને તો જ ઉકેલ આવે ને, નહીં તો ઉકેલ કેમ આવે ?

પડતીની વેળાએ....

આપણે મહેનત કરીએ, ચોગરદમનું જો જો કરીએ છતાં ય કશું મળે નહીં, તો આપણે સમજી જવું કે આપણા સંજોગ પાંસરા નથી. હવે ત્યાં વધારે જોર કરીએ તો ઉલટી ખોટ જાય, એનાં કરતાં આપણે આત્માનું કંઈ કરી લેવું. ગયા અવતારે આ ના કર્યું તેની તો આ ભાંજગડ થઈ. આપણું જ્ઞાન આપેલું હોય તેની તો વાત જ જુદી છે, પણ આપણું જ્ઞાન ના મળેલું હોય, તો ય તે તો ભગવાનને ભરોસે મૂકી દે છે ને ! એને શું કરવું પડે ? 'ભગવાન જે કરે એ ખરું' કહે છે ને ? અને બુદ્ધિથી માપવા જાય તો કોઈ દહાડો ય તાળો જડે એવો નથી ?

જ્યારે સંયોગ સારા ના હોય ત્યારે લોક કમાવા નીકળે છે. ત્યારે તો ભક્તિ કરવી જોઈએ. સંજોગ સારા ના હોય ત્યારે શું કરવું જોઈએ ? આત્માનું, પોતાના આત્માનું, સત્સંગ, બધું આખો દહાડો એ જ કર્યા કરીએ. શાક ના હોય તો ના લાવીએ, ખીચડી જેટલું તો થાય ને ! આ તો યોગ હોય તો કમાય, નહીં તો નફાબજારમાં ખોટ ખાય ને યોગ હોય તો ખોટ બજારમાં નફો કરે, યોગની વાત છે બધી.

નફો ખોટ કશું ય કાબૂની વાત નથી, માટે નેચરલ એડજસ્ટમેન્ટના આધારે ચાલો. દસ લાખ કમાયા પછી એકદમ પાંચ લાખની ખોટ આવે તો ? આ તો લાખની ખોટ જ ના ખમી શકે ને ! અને આખો દહાડો રડારોળ, ચિંતા, વરીઝ કરી મૂકે ! અરે, ગાંડો ય થઈ જાય ! એવા ગાંડા થઈ યેલા અત્યાર સુધી મેં કેટલાય એવા જોયેલા છે ! રાત્રે બાર એક વાગ્યે, બે વાગ્યે પુરુષાર્થ હઉ કરવાનો ?

પ્રશ્શનકર્તા : તો તો માણસ મેન્ટલ થઈ જાય.

દાદાશ્રી : આ મેન્ટલ તો થઈ જ ગયેલા છે, વળી પાછા હજુ મેન્ટલ ક્યાં થવાના છે ?! આખું જગત મેન્ટલ હોસ્પિટલ જ થઈ ગયેલું છે ને ! એટલે હવે ફરી મેન્ટલ નહીં થવાનું, કારણ કે ડબલ મેન્ટલ તો હોય ? એટલે નફો ખોટ એ બધું આપણા હાથની વાત નથી. આપણે તો આપણું કામ કરો, અને આપણી ફરજો જે હોય એટલી બજાવવાની.

નોર્માલિટી, ધંધાના સમયની !

પ્રશ્શનકર્તા : કામ કરવાનો કંઈ નોર્મલ ટાઈમ હોવો જોઈએ ને ?

દાદાશ્રી : હા, હોવું જોઈએ.

પ્રશ્શનકર્તા : કામ કર્યે જવાનું, એમાં કંઈ આઠ કલાક કે દસ કલાક રાખવાના, પછી પંદર-વીસ કલાક ના રાખવા જોઈએ.

દાદાશ્રી : એનો નિયમ હોવો જોઈએ.

પ્રશ્શનકર્તા : નોકરીવાળાને તો નિયમ હોય. પણ વેપારવાળાને તો જાણે નિયમ જ ના હોય.

દાદાશ્રી : વેપારવાળો અનિયમ કરે, તો રાતે બે વાગ્યે ય એને દુકાન ઊઘાડી રાખવાનું કોણ ના પાડે છે ? આનો કંઈ પાર આવવાનો છે ? બે સિગારેટનાં પાકીટ માટે અલ્યા, આખી રાત કાઢવાની ?!

જ્યાં બધા દુકાન આઠ વાગે ઉઘાડતા હોય, ત્યાં આપણે સાડા છ વાગ્યાના ઊઘાડીને બેસીએ એમાં કશો અર્થ નથી, મહેનત બધી અનર્થ છે અને આઠ વાગ્યા પછી ઊઘાડવું એ ય ગુનો છે. બપોરે બધા બંધ કરે તે ટાઈમે બંધ કરી દેવાનું.

પ્રશ્શનકર્તા : બધા કારખાનાવાળાઓ ત્રણ ત્રણ શિફ્ટ તો ચલાવતા હોય, તે દેખાદેખીમાં બીજા પણ કહે કે હું પણ કેમ કરીને ત્રણ શિફ્ટ ચલાવું.

દાદાશ્રી : હા, પણ તો તો ત્રણ નહીં, પાંચ કરી જુઓને ?! એવું છે, આ નેચરે પણ આપણા શરીરની દરેક વસ્તુ જોઈએ એવી ગોઠવી છે. આ બે કાન એમાં એક ઓચિંતો બંધ થઈ ગયો તો શું થાય ? પણ ગાડી ચાલુ રહે ને ? બે આંખો, એમાં એક બંધ થઈ ગયો હોય તો શું થાય ? આવી કેટલીક વસ્તુઓ બધી બે બે રાખી છે ને ? એવું આય બહુ ત્યારે બે શિફ્ટ ચલાવાય. બાકી એનો પાર જ ના આવે ને !

પ્રશ્શનકર્તા : આ જંજાળને જેટલું બને તેટલું નોર્મલ રાખવું જોઈએ.

દાદાશ્રી : એવું છે ને, ખાતી-પીતી વખતે ચિત્ત કારખાને ના જતું હોય તો કારખાનું બરોબર છે, પણ ખાતી-પીતી વખતે ચિત્ત કારખાને જતું રહેતું હોય તો એ કારખાનાને શું કરવાનું ? આપણને હાર્ટફેઈલનો ધંધો કરાવડાવે એ કારખાનું, એ આપણું કામ નહીં. એટલે નોર્માલિટી સમજાવી જોઈએ. હવે ત્રણ શિફ્ટ ચલાવડાવે, તેમાં આ નવો પૈણેલો છે, તેને વહુને મળવાનો વખત ના મળે તો શું થાય ? એ ત્રણ શિફ્ટ બરોબર છે ? નવી વહુ પૈણીને આવ્યો હોય એટલે વહુના મનનું તો સમાધાન રાખવું જોઈએ ને ? ઘેર જાય એટલે વહુ કહે કે, 'તમે તો મને મળતાં ય નથી. વાતચીતે ય કરતાં નથી !' તો આ વાજબી ના કહેવાય ને ? જગતમાં વાજબી દેખાય એવું હોવું જોઈએ.

ઘરમાં ફાધર જોડે કે બીજા જોડે ધંધાની બાબતમાં મતભેદ ના પડે એટલા હારુ તમારે ય કહેવું, હા એ હા, કે 'ચલતી હૈ તો ચલને દે.' પણ આપણે બધાંએ ભેગા થઈને નક્કી કરવું જોઈએ કે પંદર લાખ ભેગા કર્યા પછી આપણે વધારે જોઈતું નથી, ઘરના બધા મેમ્બરોની પાર્લામેન્ટ ભરીને નક્કી કરવું જોઈએ.

પ્રશ્શનકર્તા : એમાં કોઈ 'એગ્રી' ના થાય, દાદા.

દાદાશ્રી : તો પછી એ કામનું નહીં - બધાંએ નક્કી કરવું જોઈએ.

આપણે ચાર શિફ્ટ ચલાવીએ, જો બસ્સો વર્ષનું આયુષ્યનું એકસ્ટેન્શન લાવશે એ ?

પ્રશ્શનકર્તા : એ બની શકે જ નહીં ને ?

દાદાશ્રી : તો આ બધું ધ્યાનમાં રહેવું જોઈએ, અને કમાયા પછી ફરી ખોટ ના જવાની હોય તો કમાયેલું કામનું. આ તો પાછી ખોટ જવાની, જોખમદારી ઊભી રહી પાછી ! ખોટ જાય કે ના જાય ?

પ્રશ્શનકર્તા : જાય.

દાદાશ્રી : તે ઘડીએ શું બધાંએ ભેગા થઈ ને રડવા બેસવું ? આખો દહાડો કઢાપો અજંપો, ના જાણે ક્યાં જવું છે ! શેના હારું કરે છે ? જાણે હજાર બે હજાર (વર્ષનું) આયુષ્યનું એકસ્ટેન્શન ના કાઢી લાવ્યો હોય !!! ત્યાં એક્સ્ટેન્શન કરી આપે છે ને ?

પ્રશ્શનકર્તા : કોઈ ના કરી આપે.

દાદાશ્રી : તો પછી શા હારુ ? શેને માટે ? હા, આપણે ધંધો કરીએ, પણ રીતસર ને બધું વ્યવહાર જેટલું જ, વ્યવહાર એટલે નિરાંતે જમીને, અડધો કલાક આરામ કરી અને પછી ધંધા પર જવું. આમ દોડધામ, દોડદામ, દોડધામ કરવાની શી જરૂર ? જાણે બે હજાર વર્ષનું આયુષ્ય વધારે લખીને ના લાવ્યો હોય !!! આત્માનું ય કરવું જોઈએ ને ? આત્માનું તો પહેલું કરવું જોઈએ. તમે આત્માનું ગયા અવતારે કર્યું હતું તેથી અત્યારે આ સુખ ને શાંતિ છે, નહીં તો મજૂરી કરી કરીને મરી જાય. ગયા અવતારે આત્માનું કર્યું હતું તેનું આ ફળ છે. અને હવે નવેસરથી પાછું કરશો તેનું ફળ આવશે.

પ્રશ્શનકર્તા : હવે ધંધો કેટલો વધારવો જોઈએ ?

દાદાશ્રી : ધંધો એટલો કરવો કે નિરાંતે ઊંઘ આવે, ત્યારે આપણે ખસેડવા ધારીએ ત્યારે એ ખસેડી શકાય એવું હોવું જોઈએ. જે આવતી ના હોય તે ઉપાધિને બોલાવવાની નહીં.

તમારી મિલકતની ખબર છે ?

'આ દુનિયામાં બધાં દુઃખો માનેલાં છે. રોંગબિલીફ છે.' એક માણસ અહીં આગળ આવ્યા હતા. 'દાદાજી મારે ઘણું દુઃખ છે, મારે ચોગરદમનું દુઃખ છે, પૈસા-બૈસાની બાબતમાં સાવ ગરીબ જેવો થઈ ગયો છું'. મેં કહ્યું, 'આ બે આંખો બે લાખમાં આપવી છે ?' ત્યારે કહે, 'ના, ના અપાય.' ત્યારે મેં કહ્યું, 'આટલા બે લાખ તો આની કિંમત ગણો ? શું બોલો છો તમે આવું ? લાચારી બતાવો છો ?' કેટલા લાખની મિલકત છે આપણી પાસે ? આ કાગળિયાંના પૈસા ગણો છો ? જુઓ તો ખરાં ? એક શ્રીમંતને આંખ ગયેલી હોય. ને વીસ લાખ રૂપિયા આપે તો કંઈ આખ થાય ? એટલે તમારી પાસે મિલકત તો છે જ. તમારે વેચવી નથી.

ધંધામાં જરાક ખોટ જાય કે માણસ દુઃખી દુઃખી થઈ જાય. મારી પાર્ટનરશીપનો નકશો હું તમને કહું તો તમને અજાયબી થશે. લાખ લાખ રૂપિયા જાય તો ય અમે જવા દઈએ. કારણ કે રૂપિયા જવાના છે ને અમે રહેવાના છીએ. ગમે તે હોય પણ અમે કષાય ના થવા દઈએ. લાખ રૂપિયા ગયા તો એમાં શું કહેવાનું ? આપણે છીએ અને આ તો ધૂળધાણી !

નફો-ખોટ પોતાને કે પારકાને ?

આ બધી જ બાબત જુદી પાડીએ. ધંધામાં ખોટ જાય તો કહીએ કે ધંધાને ખોટ ગઈ, કારણ કે આપણે નફા-ખોટના માલિક નથી, માટે ખોટ આપણે શા માટે માથે લઈએ ? આપણને નફો-ખોટ સ્પર્શતાં નથી. અને જો ખોટ ગઈ ને ઈન્કમટેક્ષવાળો આવે, તો ધંધાને કહીએ કે 'હે ધંધા ! તારી પાસે ચૂકવાય એવું હોય તો આમને ચૂકવી દે, તારે ચૂકવવાના છે.'

અમને કોઈ પૂછે કે 'આ સાલ ખોટમાં ગયા છો ?' તો અમે કહીએ કે, 'ના ભાઈ, અમો ખોટમાં ગયા નથી, ધંધાને ખોટ ગઈ છે !'

અને નફો થાય ત્યારે કહીએ કે, ધંધાને નફો થયો છે.' અમારે નફો-તોટો હોય જ નહીં.

'અનામત' રાખો ધંધામાં !

પ્રશ્શનકર્તા : અમુક લક્ષ ચોંટવાળાં નથી હોતાં, ને અમુક વસ્તુ વેચવાની હોય ને આપણે ધારીએ કે પાંચ રૂપિયા નફો મળશે ને ત્યાં જ નુકસાન થાય તો ત્યાં પછી એની ચોંટ રહ્યા કરે.

દાદાશ્રી : એ ખોટને તો આપણે ત્યાં ને ત્યાં જ જમે કરી નાખીએ કે ખોટ ખાતે જમા, અને ચોપડામાં જમે ઉધાર કાઢી નાખ્યું એટલે ચોપડો ચોખ્ખો થઈ ગયો. એવું છે કે આગળના બધા અભિપ્રાય બેઠેલા કે આમ નફો મળશે, તેમ નફો મળશે અને ત્યાં જ એ ખોટ ગઈ. એટલે આપણે 'વ્યવસ્થિત' છે એવું કહેવું પડે. હજી બીજી ખોટ જવાની હશે તે 'વ્યવસ્થિત'માં હશે તો આવશે. એટલે આ નફો-ખોટ એ આપણા હાથમાં નથી. આપણે ના કહેશું તો ય એ નફો આવ્યા કરશે. આપણે કહીએ કે ના, હવે હું તો કંટાળ્યો આ નફાથી, તો ય ચાલે નહીં. એટલે આપણે ના કહીએ તો ય નફો દબાણ કરે, નફાને માટે ય દબાણ ને ખોટને માટે ય દબાણ ! માટે નફા ખોટનો હિસાબ જ ના કાઢવો.

કો'ક શેઠિયા મને દબાણ કરે કે, 'ના તમારે તો પ્લેનમાં કલકત્તા આવવું જ પડશે.' હું 'ના, ના' કહું તો ય દબાણ કર્યા કરે. એટલે કશું છોડે જ નહીં ને ! માટે એનો હિસાબ જ ના કરવો, વધઘટનો હિસાબ જ ના કાઢવો. જ્યારે જે દહાડે ખોટ લાગે ને, તે દહાડે આપણે પાંચ રૂપિયા 'અનામત' નામે જમે કરી દેવા. એટલે આપણી પાસે સિલક, અનામત સિલક રહે, કારણ કે આ ચોપડા કંઈ કાયમના છે ? બે-ચાર કે આઠ વર્ષે પછી ફાડી નથી નાખતા ? જો સાચો હોય તો ફાડે કોઈ ? આ તો બધું મનને મનાવવાનાં સાધનો છે. તો આપણે જે દહાડે દોઢસોની ખોટ ગઈ હોય ને. તે આપણે પાંચસો રૂપિયા અનામત ખાતે જમે કર્યા એટલે સાડી ત્રણસોની સિલક આપણી પાસે રહે. એટલે દોઢસોની ખોટને બદલે સાડી ત્રણસોની સિલક આપણને દેખાય. એવું છે. આ જગત બધું ગપ્પેગપ્પ ચુમ્માળસો છે, બારેબાર ચુમ્માળસો નથી આ. બારેબાર ચુમ્માળસો હોત તો એ એકઝેક્ટ સિદ્ધાંત કહેવાત. સંસાર એટલે ગપ્પેગપ્પ ચુમ્માળસો અને મોક્ષ એટલે બારેબારા ચુમ્માળસો.

તમારે તો લાઈન સારી છે તે કશી વધઘટ આવવાનું સાધન જ નહીં ને ! ખોટ જાય તો પડોશીને જાય, દુકાનદારને જાય કે શેઠને જાય. આપણે તો ભાગિયા નહીં, તે ભાગ્યશાળી યે નહીં થવાનું અભાગિયા ય નહીં થવાનું, નોર્મલ !! અને જો કદી આ જ્ઞાન ના મળ્યું હોત, મનમાં એમ થાય કે આ જગતમાં હજી મને ફત્તેહ જેવું નથી, તે પછી બધા જોડે રેસકોર્સમાં ઊભા રહેવુંપડત. દોડાય જરાય નહિ અને રેસકોર્સમાં ઊભા રહેવું પડે તો શી દશા થાય આપણી ? પાછું બધા દોડતા ઘોડાની ઉપાધિ આપણે કરવાની.

એટલે તમને સમજાયું ને ? કે આ જગત એકઝેક્ટ નથી. બારેબાર ચુમ્માળસો નથી, આ તો ગપ્પેગપ્પ ચુમ્માળસો છે. બારેબારા ચુમ્માળસો હોય તો તો ભગવાનનો સિદ્ધાંત થયો કહેવાય, પણ એવું આ જગત નથી. અમારે ધંધાને ખોટ આવે તો હું કહી દઉં કે વીસ હજાર રૂપિયા અનામત નામે જમા કરી દો. પછી અનામત નામ પરની સિલક કાઢવી. હવે એ સિલક મૂકવી ક્યાં એ તો ભગવાન જાણે ! ખરેખર તો એ સિલક છે જ ક્યાં ? છતાં એવી સિલક હોય અને વખતે આપણે સાચવીને મૂકીએ ને કોઈ લઈ ગયું તો ? એટલે ક્યારે કોઈ લઈ જશે તેનું ય કશું ઠેકાણું નથી, કોના હાથમાં શું સ્પર્શે, તેનું યે ઠેકાણું નથી. મારી વાત તમને સમજાય છે ને ?!

નિયમો, સ્પર્શના....

એટલે આ જગત બધું સ્પર્શના નિયમના આધારે ચાલે છે. આ સ્પંદનો છે ને, તો સ્પર્શના નિયમોના આધારે ચાલે છે. અત્યારે આ ઠંડો પવન આવે છે ને, તો ય અંદરથી સ્પર્શ એવો થાય કે અહીં આગળ દઝાયા હોય એવું લાગે. આ રૂપિયાનો સ્પર્શ થાય, મીઠાનો સ્પર્શ થાય, કડવાનો સ્પર્શ થાય એવા સ્પર્શ નથી થતા ? એટલે જે સ્પર્શ થવાનું હશે તે થશે. આ માથાના વાળ માટે તું ચિંતા નથી કરતો કે ગાંયજો ન મળે તો શું કરીશું ? ગાંયજો હડતાળ પાડે તો શું કરીશું.

જેનો અભિપ્રાય, તેના વિચાર !

પ્રશ્શનકર્તા : ના, પણ અમુક બાબત તરફ તો દુર્લક્ષ જ હોય છે.

દાદાશ્રી : ના, એવું છે, કે જેમાં આગ્રહ નથી કર્યો તેનો કશો વિચાર નથી આવતો અને જેના આગ્રહ કર્યા છે, જેના અભિપ્રાય બાંધ્યા છે તેના જ વિચારો આવે. આ વાળ વધે તો ય તને કશું નહીં ને ઘટે તો ય કશું થાય નહીં, એટલે એનો વિચાર જ ના આવે. કેટલાકને તો વાળના બહુ વિચાર આવે. આ સ્ત્રીઓને ગાંયજા સંબંધી વિચાર આવતા હશે ય એમને વાળ કપાવવાની જરૂર જ નથી ને ? એટલે એ તરફના વિચાર જ નહીં આવવાના. ગાંયજાઓ જીવો કે મરો, પણ એ સંબંધી વિચાર જ ના આવે, જેના અભિપ્રાય વધારે બાંધેલા, તે જ ખૂંચ ખૂંચ કર્યા કરે.

સમભાવ !

સમભાવ કોને કહે છે ? સમભાવ નફાને અને ખોટને સરખું ના કહે. સમભાવ એટલે નફાને બદલે ખોટ આવે તો ય વાંધો નહીં, નફો આવે તો ય વાંધો નહીં. નફાથી ઉત્તેજના ના થાય, અને પેલાથી (ખોટથી) ડીપ્રેશન ના આવે. એટલે કશું થાય નહીં. દ્વંદ્વાતીત થયેલાં હોય.

અમારા ધંધાની વાતો !

બાકી, ધંધામાં ખોટ આવી હોય તો લોકોને કહું અને નફો આવ્યો હોય તો ય કહી દઉં ! પણ પણ લોક પૂછે તો જ, નહીં તો મારા ધંધાની વાત જ ના કરું. લોક પૂછે કે, 'તમને હમણાં ખોટ આવી છે, એ વાત ખરી ?' ત્યારે હું કહી દઉં કે 'એ વાત ખરી છે'. કોઈ દહાડો ય અમારા ભાગીદારે એમ નથી કહ્યું કે તમે કેમ કહી દો છો ? કારણ કે આવું કહેલું તો સારું કે લોક ધીરવા આવતા હોય તો બંધ થઈ જશે ને દેવું વધતું-ઓછું થશે, નહીં તો લોકો શું કહેશે ? 'અલ્યા, ના કહેવાય, નહીં તો લોક ધીરશે નહીં.' પણ આ તો આપણે દેવું વધી જાય ને, ચોખ્ખે ચોખ્ખું કહી દો ને, જે થયું હોય કે ભઈ ખોટ ગઈ છે.

ખોટ ગઈ હોય તો ય સામાને વાત ખુલ્લી કરી દેવી. એટલે સામો ભાવના કરે. એટલે પરમાણુ ઊડી જાય ને પોતે હલકો થઈ જાય.

એકલો મહીં મૂંઝાયા કરે તો વધારે બોજો લાગે !

જેટલી ફિકરો આવે તેને આમ ફાકી કરીને ફાકી જવાની. અમે વેપાર કરતા હતા ત્યારે બહુ ફિકરો આવેલી, જ્ઞાન પહેલાં. ત્યારે જ આ જ્ઞાન થાય ને ! અમારા છોકરા મરી ગયા ત્યારે પેંડા ખવડાવેલા !

અમે તો શું કરતા કે ધંધામાં એકદમ મુશ્કેલી આવી જાય તો તો વાત જ નહીં કરવાની ને હીરાબાને બહારથી ખબર પડે કે ધંધામાં મુશ્કેલી છે અમને પૂછે કે શું ખોટ ગઈ છે ? અમે કહીએ કે, ના ના. લે આ રૂપિયા આ પૈસા આવ્યા છે તે તમારે જોઈએ છે ? ત્યારે હીરાબા કહે કે આ લોકો તો કહે છે કે ખોટ આવી. ત્યારે હું કહું કે ના, ના. આ તો વધારે કમાયા છીએ. પણ આ વાત ખાનગી રાખજો.

અમારા ધંધામાં ખોટ જાય તો કેટલાકને દુઃખ થાય. તે મને કહેવા આવે કે કેટલી ખોટ આવી છે ? બહુ આવી છે ? ત્યારે હું કહું કે ખોટ આવેલી, પણ હમણાં જ ઓચિંતો જ એક લાખ રૂપિયાનો નફો મળ્યો ! તે પેલાને ટાઢક થઈ જાય.

સામાને આનંદિત કરીને આમ !

અમારે કંપનીમાં ખોટ આવેલી તે જરા ઠંડું પડેલું, તે વડોદરે જઈએ ત્યારે લોકો પૂછે કે, 'બહુ ખોટ આવી છે ?' ત્યારે મેં કહ્યું કે 'કેટલી લાગે છે તમને ?' ત્યારે કહે કે, 'લાખેક રૂપિયાની ખોટ આવી લાગે છે.' ત્યારે મેં કહ્યું કે, 'ત્રણ લાખની ખોટ ગઈ છે.' હવે ધંધાને અરધા લાખની કે પોણા લાખની ખોટ આવી હોય, પણ હું તેને ત્રણ લાખની કહું, કારણ કે પેલો ખોળવા આવેલો હોય ! એ શું ખોળવા આવ્યો છે એ હું જાણું કે આને જો હું લાખની કહીશ તો ખુશ રહેશે ને બિચારાને ઘેર ખાવાનું ભાવશે. એટલે હું કહું કે ત્રણ લાખની ગઈ એટલે તે દહાડે એ જમે નિરાંતે. અને બીજો કો'ક લાગણીવાળો આવે ને પૂછે કે 'ખોટ બહુ ગઈ છે ?' ત્યારે હું કહું કે, 'ના, પચાસેક હજારની ખોટ ગઈ છે.' એટલે એને ય ઘેર જઈને શાંતિ રહે. લાગણીવાળા અને પેલા બેઉ જાતનાં લોક આવવાનાં, બેઉને ખુશ કરીને કાઢવાનાં. હું કહું કે, 'ત્રણેક લાખની ખોટ ગઈ છે.' એટલે પેલો તો બહુ ઉછાળે ચઢે. એને કહું પાછો કે ચા પીને જાવ ને ?' ત્યારે કહે કે, 'મારે જરા કામ છે', કારણ કે પેલો આનંદ આવી ગયો ને, એટલે આ બધું આવી ગયું, એને એનો ખોરાક મળી ગયો, કારણ કે દ્વેષ છે ને ?! આ સ્પર્ધા એવી વસ્તુ છે કે સ્પર્ધાના માર્યા ચાહે સો કરી નાખ

ે માણસ. સ્પર્ધા કે, 'મારા કરતાં આગળ વધી ગયો છે ? હવે પાછળ પાડવા જ જોઈએ.' એટલે પાછા પાડવાનો પ્રયત્ન કર્યા કરે. એવાને હું એવું ચોખ્ખું જ કહી દઉં ને, કે વધારે ખોટ ગઈ છે. જો એને નિરાંતે ખાવાનું ભાવ્યું ને ! એનો આપણને વાંધો નથી. પણ લોકોને તો શું કે જવાબ તો આપવા પડે ને ! તેને જો કહી દઈએ કે, 'ના, કશી ખોટ નથી ગઈ' એટલે પેલો વધારે ખોળી લાવે પાછો કે આ તો નન્નો ભણે છે. એટલે એને કહેવું પડે, 'નન્નો નહીં, હા ભણું છું. ત્રણ ગણી ખોટ ગઈ છે. જેણે તને કહ્યું હોય તેને પૂછી જોજે. તેને ખબર નહીં હોય. પણ મને ખોટ સારા પ્રમાણમાં ગઈ છે.' પછી થોડા દિવસે પાછો ફરી આવે ને કહે કે, 'હવે ધંધાનું કેમનું છે તમારે ? બંધ કરવું પડશે ?' ત્યારે મેં કહ્યું કે, 'આ તો સાત લાખની મિલકત હતી તેમાંથી ત્રણ લાખ ઓછી થઈ ગઈ' એટલે એને નવી જાતનું જો બોલીએ. 'અલ્યા, તું મને ક્યાંથી પહોંચી વળવાનો હતો ?' હું જ્ઞાનીપુરુષ છું, તને દુઃખ નહીં આપું, પણ તું આ રીતે ખોળ ખોળ કરીશ નહીં. આ તો વગર કામના પાછળ ફર્યા કરે ! તે આવા મેં તો બધા બહુ જોયેલા. જગત છે ને, બધી જાતનું લોક હોય !

જ્ઞાનીના અનુભવોનાં તારણો....

આ હું તો પાછો બધું અનુભવના તારણ પર લાવેલો, બાકી હું ધંધા પર પણ પૈસાના વિચાર કરતો ન હતો. પૈસાને માટે વિચાર કરે ને, એના જેવો ફૂલિશ જ કોઈ નથી. એ તો લમણે લખેલા છે બળ્યા ! ખોટે ય લમણે લખેલી છે. વગર વિચારે ખોટ આવે કે નથી આવતી.

પ્રશ્શનકર્તા : આવે છે.

દાદાશ્રી : અને નફો ?

પ્રશ્શનકર્તા : નફો ય આવે.

દાદાશ્રી : એટલે તો લમણે લખેલું છે બળ્યું ! હું નાનપણથી સમજી ગયેલો કે આ લમણે લખેલું છે.

આ તો વગર કામનું દળેલાને દળદળ કરે છે. આ તો બધું લઈને આવેલા છે. આ વાળ ઊગ્યા કરે છે કે નહીં ? કે ચિંતા ના કરે તો ય ઊગે ને ?

પ્રશ્શનકર્તા : ઊગે.

દાદાશ્રી : આ આંકોમાં જે અજવાળું રહે છે ને એ જો એમ કહ્યું હોત કે જો તમે પ્રયત્ન કરશો તો અજવાળું રહેશે. તો ત્રણ દહાડામાં આંધળો થઈ ગયો હોત. આ તો કુદરતને આધીન છે ને ! એ જ્ઞાનરસ તો એટલી બધી ઝીણી ઝીણી નસોમાંથી ફરે છે, એ આ અજવાળું રાખે છે તે વાળ કરતાં ય પાતળી નસો છે. અને ડૉક્ટરના હાથમાં સોંપે ને તો ત્રણ દહાડામાં આંધળો કરી નાખે. આ કુદરત એટલી બધી સુંદર છે. આ કુદરતનો આપણે ઉપકાર માનવો જોઈએ.

અને આ વગર કામની પૈસાની હાય, હાય શું કરવાની ?! અલ્યા ખોટ આવે છે, તે ય વગર વિચારે જ આવે છે. ત્યારે પેલો નફો કંઈ વિચારીએ ને આવતો હશે ? વિચારવાથી તો ઓછું થાય ઊલટું !

આપણે આપણું કામ કર્યે જાવ. સવારમાં બધા આઠ વાગે દુકાન ઉઘાડે. તો આપણે પણ આઠ વાગે ઉઘાડવાની. બધા નવ વાગે ઉઘાડે તો આપણે દુકાન નવ વાગે ઉઘાડવાની. બધા નવ વાગે ઉઘાડે તો આપણે કંઈ પાંચ વાગે ત્યાં જઈને બેસવાનું નહીં. અને બધા ય રાત્રે સાડા દસે સૂઈ જાય એટલે આપણે જાણવું કે બધા સૂઈ ગયા છે, હવે એમ કરીને આપણે સૂઈ જવાનું. પછી વિચારવા-કરવાનું નહીં. કાલે શું થવાનું છે એનો વિચાર આજે નહીં કરવાનો. બધા સૂઈ ગયા તે હું એકલો એવો મૂરખ કે જાગ્યા કરું ? બહાર જોઈએ તો એવી સમજણ ના પડે ?

પ્રશ્શનકર્તા : સમજણ તો પડે પણ મન કૂદાકૂદ કરતું હોય ને આવતી કાલનું કામ પણ આજે પતાવી દઉં ને ?

દાદાશ્રી : હા, મન કૂદાકૂદ કરે. પણ મનને કહીએ કે જો બધા સૂઈ ગયા છે. તું જો વગર કામનું બૂમાબૂમ કરીશ તો એમાં કશો સ્વાદ નહીં કાઢું, બધા સૂઈ ગયા ને તું એકલો ડહાપણવાળો વગર કામનો ક્યાંથી જગાડે છે ? કહીએ. આ તો રાતે જાગે તો ય સવારમાં કશું વધ્યું ના હોય ને ઉલટો મોડો ઊઠે.

આ બધુ ઑન ટ્રાયલ મેં લઈ લીધું છે, હોં ! આખી લાઈફ પૂરી ટ્રાયલ લીધી છે. દરેક વસ્તુમાં ટ્રાયલ લઈને જ હું આગળ ચાલ્યો છું. એમ ને એમ નથી ખસ્યો હું અને કેટલા ય અવતાર ટ્રાયલથી જ લાવેલો છું. ત્યારે તો હું તમને આ બધી અનુભવી વાતો કરી શકું છું. અને તો ખુલાસો થાય ને ! ખુલાસા ના તાય તો માણસ ગુંચાય.

ચોરીઓ થાય.... પોલીસો ય બોલાવાય !

અમારે કામ પર એવું હતું ને, કે જેને રાખીએ તે જ ચોરીઓ કરાવડાવતો હતો. પછી એકને બદલે બે માણસ રાખ્યા. એક રાતનો ને એક દહાડાનો એમ બે માણસ રાખ્યા. તો તે ય ચોરી કરાવતો હતો. બીજે ત્રીજે દહાડે ચોરીઓ થયા જ કરે. હું સમજી ગયો કે આ બધું બરાબર છે, આ હિસાબ બધો ચૂકવી દેવાનો થયો છે. આ ગામમાં ચોરીઓનો હિસાબ ચૂકવવા આવ્યા છીએ, તે બધો હિસાબ ચૂકવાઈ જાય એટલે ઉકેલ આવી ગયો. ચોર ચોરીઓ કરે ને અમારે સવારમાં જાણવાનું, પાછું સાત દહાડે પોલીસવાળાને ખબર આપવાની. એ ખાતર પાછળ દીવેલ ! એમ કરવાનું ? ના, એ ય નાટક કરવું પડે. નાટક ના કરીએ તો પછી ખોટું ઠરે, પાછો ફોજદાર આવે, એ ફોજદાર પૂછે કે, 'શું શું ગયું ? ત્યારે હું કહું કે, 'આ આ ગયું છે. અમુક સામાન બધો ગયો છે, તમે એકવાર બધાંને દબડાવો.' તે પછી એ બધાને દબડાવી આવે કે, 'હેય, આમ કેમ ? હેય, આમ કેમ ? હું આવ્યો છું.' આપણે જાણીએ કે કાલથી પાછી ચોરીઓ ચાલુ થઈ જવાની, આપણે એ જ્ઞાન જાણતા જ હોઈએ. ફોજદાર દબડાવે, પેલા ચોરી કરે, આપણે આ બધું કરાવડાવીએ, એમ બધું ચાલ્યા કે ! પણ 'વ્યવસ્થિત' ની બહાર કશું થઈ જવાનું નથી. બાર મહિના સુધી ચોરી થઈ, પણ અમારે ત્યાં કોઈને પેટમાં પાણી હાલેલું નહીં. અ

ે જ ચોરીઓ થયા કરે, આપણે જાણ્યા કરવાનું કે ભઈ, આજે આટલી ચોરી થઈ.

ચોર ચોરી કરે છે એ તો બિચારા સારા, બાકી જે શાહુકાર કહેવાય ને એ ચોરીઓ કરે, એ તો વધારે ગુનેગાર છે. એના કરતાં પેલા તો ચોર જ છે. એ કહે પણ છે ને, કે મારો ધંધો જ ચોરી છે.

આવી ચોરીઓ ના શોભે !

પ્રશ્શનકર્તા : પણ આવું ના કરે તો પેટ ક્યાંથી ભરે !

દાદાશ્રી : અમને ય એવો ભય લાગતો હતો પહેલાં. આ કળિયુગમાં અમે ય જન્મેલા ને ! તે ૧૯૫૧ સુધી તો એવો ભય રહ્યો હતો પણ પછી ભય છોડી દીધો. કારણ કે આ સિમેન્ટ કાઢી લેવો એ માણસમાંથી બ્લડ ચૂસી લેવા જેવું છે. અને લોખંડ કાઢી લેવું એ આ બધા સ્કેલેટન (હાડકાં) કાઢી લેવા જેવું છે. સ્કેલેટન કાઢી લીધું, લોહી કાઢી લીધું, પછી મકાનમાં રહ્યું શું ?

આપણને ચોરી ના શોભે - આપણે શાહુકાર થઈને ચોરી કરીએ તેના કરતાં તો ચોર સારા - આ ચોરીઓ કરે છે ને તેના કરતાં ભેળસેળ કરે છે તે તો વધારે ગુનેગાર છે. આ તો ભાન જ નથી કે હું આ ગુનો કરું તેનું ફળ શું આવશે, બેભાનપણામાં બાન વગર જ ગુના કરે છે.

કાળા બજારની ફસામણ !

એટલે અમે માર બહુ ખાધેલા. કાળાબજાર કરેલા. ને બધું કર્યું અને માર ઉપાધિઓ હતી.

પ્રશ્શનકર્તા : ત્યારે કાળા બજાર હતા નહીં.

દાદાશ્રી : અરે, હતા. '૪૨ની સાલમાં મારું લોખંડનું કારખાનું હતું. એ તો એગ્રિકલ્ચર ઈન્સ્ટ્રુમેન્ટ બધાં આપવાનાં. બીટકો એન્જિનિયરિંગ કંપની. તે સરકાર લોખંડ આપે. અગિયાર રૂપિયા હંડ્રવેટથી. અને બત્રીસ રૂપિયાનો ભાવ બજારમાં ચાલે. અહીં અમારા ભાગીદાર કંટ્રાક્ટના ધંધામાં સરકારને અમુક.... આના ફૂટે આપે, અને બહાર રૂપિયો ભાવ ચાલે. એટલે આ પાઈપો વેચ વેચ કરે. ધંધાના અંગે આવેલી ને અને લોખંડ વેચ વેચ કરીએ. કાળો બજાર નહીં કરવાની ઇચ્છા હં. દાનત ચોર નહી ંજરાય આવી. પણ કંઈક બુદ્ધિએ માર ખવડાવી દીધો. શી રીતે માર ખવડાવ્યો ? પેલું લોખંડ તો ભેગું થવા માંડ્યું અને પૈસા આપણી પાસે, રકમ ત્યાં વ્યાજે લાવવા માંડી. ત્યારે એક દલાલ આવ્યો તે કહે 'સાહેબ, આટલો બધો માલ છે, અમને આપતા હોય તો શું ખોટું ?' મેં કહ્યું, 'ભઈ, કાળો બજાર અમારાથી ના થાય.' ત્યારે તેણે કહ્યું, 'કાળા બજાર તમે ના કરતા. મારા જેવાનું પેટીયું રળી આપવાનું કરી આપો.' આ એ હું ભૂલ ખઈ ગયો ત્યાં આગળ. એટલે કાળા બજારનો ભાવ ભલે ૩૨ રૂપિયા છે, એ તમે ના લેશો. પણ મારે તો આ પેટીયું નીકળે એવું તો કરી આપો.' ત્યારે મેં કહ્યું, 'પણ તે તેને વેચવું પડે ને ?' 'હા, ઓછું લઈને આપો એટલે પેલા પાસે પેટીયું નીકળે. એટ

લે પ

છી એમને ૨૫ રૂપિયે આપ્યું. પણ એણે ૩૨ ને બદલે ૩૫ લીધા. એટલે પછી અમને ખબર પડી કે આ તો ઊલટું ડબલ ચોર લોકોની પાસે વધારે લૂંટાવડાવ્યું, એનાં કરતાં આપણે સીધું આપો. હવે કહ્યું એમ કરતું કરતું સ્લીપ થતું થઈ ગયું. અને સ્લીપ થઈ ગયા પછી જોઈ લો પરિણામ એનાં ! સારા માબાપનું છોકરું ચોરી કરી લાવે તો કેટલા દહાડા ઊંઘ આવે એને ?! ખૂંચ્યા કરે ને ? રોમે રોમે કૈડવા માંડ્યું એટલે મેં મારા ભાગીદારને કહ્યું, 'આ તમારી પાસે ને મારી પાસે, આ મૂડી જતી રહે, વહેલામાં વહેલી તકે તો સારું. ને આવો પૈસો ફરી ભેગો ના કરીએ. પણ તે લક્ષ્મી જતી રહી, ચાલવા માંડી. પુણ્યશાળી લોકો ! પાંચ-સાત વર્ષમાં જતા રહ્યા.

એ તો એવું બનેલું કે એલેપ્પીમાં અમારી પેઢી હતી. અમારી ને અમારા ભાગીદારની ત્યાં પેઢી હતી ! સૂંઠને મરીનો મોટો બિઝનેસ. કાળાબજારનું ધન ભેગું થયું ને, તે ત્યાં ઓફિસમાં નાખ્યું પછી. પણ ત્યાં આ નાણું ગયું. તે આપણે ફાવ્યા. નિરાંત થઈ ગી. તે પછી અમારા ભાગીદારનો કાગળ આવ્યો કે ભલે ગયું હશે, પણ હવે ફરી પાછું રાગે પડે એવું મને લાગે છે. માટે હવે છેલ્લા, વધારે નહીં, પણ ચૌદ હજાર તો મને મોકલો. એટલે મેં ૧૯૪૫-૪૬માં ચૌદ એમને મોકલ્યા અને કાગળમાં જોડે લખ્યું કે આ ચૌદ હજાર જાય તો ચિંતા કર્યા વગર પાછા આવજો. વખતે આ જાય, ધાર્યા પ્રમાણે ના પડે, અને જાય તો એની ઉપાધિમાં પડશો નહીં. પણ આપણે વહેલી તકે પાછા આવો. આપણે છીએ તો વહેલી તકે કમાઈશું. નહીં તો આપણી પર એટેક થાય તો શી દશા થાય ? અને એટલે તો '૪૬ની સાલથી જ ચાલુ થઈ ગયેલા. આ એટેક વધ્યા ક્યારથી ? ૧૯૩૯માં આ હિટલરે વલોણું વલોવ્યું વર્લ્ડનું ત્યારતી એટેકની શરૂઆત થઈ ગઈ. એટલે પછી મને મારા ભાગીદારનો કાગળ આવ્યો, કે હું ધારતો હતો પણ મારું ધારેલું અવળું પડ્યું, અને ચૌદ હજાર ગયા. એટલે આ પૈસા મારે ખાતે, સ્વતંત્ર મારે ખાતે ઉધારજો કે તમે ના કહ્યું છતાં મેં કર્યું', એટલે મેં કહ્યું, 'હવે બીજા કોઈ ભાગીદારને આ

વું કહેશો નહીં. મને કહો તો મારે એવું કશું કરવાનું નથી. મારે તો તમે બીજા લાખ ખોઈને આવો તો ય તમારા ભાગીદારમાંથી મટીશ નહીં. તમે જે કરીને આવો તેમાં હું ભાગીદાર અને નફો આવતાં હું લેત પાછો, નહીં ? ના લેત ? ના કહ્યા પછી એ નફો આવ્યો હોત તો ના લેત હું ?

પ્રશ્શનકર્તા : હા, લેત.

દાદાશ્રી : તે પછી તે ન્યાય તરત ના સમજણ પડે આપણને ? મેં કહ્યું 'તમે જે કરીને આવો છો, તેનો અમને વાંધો જ નથી.' તે પછી એમના મનમાં બહુ દુઃખ થયું. મેં કહ્યું, 'ચૌદ હજારમાં શું બગડવાનું હતું તે ? આપણે તો જીવતા છીએ ! આપણે જીવતા છીએ તો ફરી દુનિયા ઊભી કરી નાખીશું. ગયા પછી નવી દુનિયા થાય એવી. આપણે જીવતા છીએ, એટલું કહ્યું એટલે રાગે આવી ગયું પછી.

ખોટું નાણું જ ખવાય !

ધંધામાં કોઈ વાંકા માણસો મળે તે આપણા પૈસા ખાવા માંડે તો આપણે અંદરખાને સમજીએ કે આપણા પૈસા ખોટા છે, માટે આવા ભેગા થાય. નહીં તો વાંકા માણસો ભેગા થાય જ શી રીતે ? મારેય એવું થતું હતું. એક ફેરો ખોટું નાણું આવેલું. તે બધા વાંકા જ લોકો ભેગા થયેલા. તે મેં નક્કી કર્યું કે આ ના જોઈએ.

સારો ધંધો કયો ?

ધંધો કયો સારો કે જેમાં હિંસા ના સમાતી હોય, કોઈને આપણા ધંધાથી દુઃખ ના થાય. આ તો દાણાવાળાનો ધંધો હોય તો શેરમાંથી થોડું કાઢી લે. આજકાલ તો ભેળસેળ કરવાનું શીખ્યા છે. તેમાં ય ખાવાની વસ્તુઓમાં ભેળસેળ કરે તો જનાવરમાં - ચાર પગમાં પેસી જઈશ. ચાર પગો થાય પછી પડે તો નહીં ને ? વેપારમાં ધર્મ રાખજો, નહીં તો અધર્મ પેસી જશે.

અનાજનું વજન કરે, જોડે જીવડાં હઉ મરી જાય ! શી રીતે એનો મેળ પડે ? પડે મેળ ? કેવા ધંધા હાથમાં આવ્યા છે ? ધંધા કેવા ચોખ્ખા હોય છે ? નથી હોતા ચોખ્ખા ધંધા ? સોનાનો ધંધો કેટલો ચોખ્ખો ? જેને મહીં ભેળસેળ ના કરવું હોય તો ચાલે કે ના ચાલે ? એ તો લગડીઓ બહુ અહીંથી લાવીને ત્યાં દઈ આવ્યા. પણ આ કરિયાણાનો ધંધો, આમાં તો છૂટકો જ ના થાય. આમાં તો એની મેળે જીવડાં પડી ઉઠે, તમારી ઇચ્છા ના હોય તો ય જીવડાં પડી ઉઠે.

હિંસાવાળા ધંધા....

એટલે પુણ્યશાળીને કયો ધંધો મળી આવે ? જેમાં ઓછામાં ઓછી હિંસા હોય એ ધંધો પુણ્યશાળીને મળી આવે. હવે એવો ધંધો કયો ? હીરા-માણેકનો, કે જેમાં કશું ભેળસેળ નહીં, પણ એમાં ય જો કે અત્યારે ચોરીઓ જ થઈ ગઈ છે. પણ જેને ભેળસેળ વગર કરવો હોય તો કરી શકે. એમાં જીવડાં મરે નહીં, કશી ઉપાધિ નહીં, અને પછી બીજા નંબરે સોના-ચાંદીનો અને સૌથી વધારેમાં વધારે હિંસાનો ધંધો કયો ? આ કસાઈનો, પછી આ કુંભારનો. પેલા નિભાડામાં સળગાવે છે ! એટલે બધી હિંસા જ છે.

પ્રશ્શનકર્તા : ગમે તે હિંસાનું ફળ તો ખરું જ ને ? હિંસાનું ફળ તો ભોગવવાનું જ ને ? પછી ભાવહિંસા હોય કે દ્રવ્યહિંસા હોય ?

દાદાશ્રી : તે લોકો ભોગવે જ છે ને ! આખો દહાડો તરફડાટ, તરફડાટ... આમાં ભોગવે છે જ ને આ બધા !

જેટલાં હિંસક ધંધાવાળા છે ને, એ ધંધાવાળા સુખી ના દેખાય. એમના મોઢા પર તેજ ના આવે કોઈ દહાડો ય. જમીનમાલિક હળ ના ફેરવતો હોય તેને બહુ અડે નહીં. ખેડનારને અડે. એટલે એ સુખી ના હોય. પહેલેથી નિયમ છે આ બધો એટલે ધિસ ઈઝ બટનેચરલ. આ ધંધા મળવા, એ બધું નેચરલ છે. જો તમે બંધ કરી દો ને, તો ય એ બંધ થાય એવું નથી. કારણ કે એમાં કશું ચાલે એવું નથી. નહીં તો આ બધા ય લોકોને મનમાં વિચાર આવે કે, 'છોકરો સૈન્યમાં જાય ને એ મરી જાય તો મારી વહુ રાંડે.' તો તો આખા દેશમાં એવો માલ પાકે જ નહીં. પણ ના, એ માલ દરેક દેશમાં હોય જ. કુદરતી નિયમ એવો જ છે. એટલે આ બધું કુદરત જ પકવે છે. આમાં કંઈ નવું હોતું નથી. કુદરતનો આની પાછળ હાથ છે. એટલે બહુ એ રાખવાનું નહીં.

સાચું ખોટું ધંધામાં !

ધંધામાં મન બગાડે તો ય નફો ૬૬,૬૧૬ થશે ને મન ના બગાડે તો ય નફો ૬૬,૬૧૬ રહેશે, તો કયો ધંધો કરવો ?

પ્રશ્શનકર્તા : આપણે જે ધંધા કરીએ એમાં સાચું-ખોટું પણ કરવું પડે છે તો શું કરવાનું ?

દાદાશ્રી : તમને જેટલીસમજણ પડે, ખોટું ને ખરું, એટલું જ ને ? કે બધું ય ખોટું છે એવી તમને સમજ પડી ?

પ્રશ્શનકર્તા : બધું તો ખોટું તો ન જ હોય ને !

દાદાશ્રી : તમને સમજ પડે એટલું કરો. નાનો છોકરો એના પ્રમાણમાં કરે, અને મોટી ઉંમરના એના પ્રમાણમાં કરે, સહુ સહુને સમજણ પડે એટલું ખરું ખોટું સમજે. નાના છોકરાને હીરો આપીએ તો હીરો લઈ ને બહાર રમવા જાય અને કોઈક બિસ્કીટ આપે તો લઈ લે, કારણ કે એને સમજણ નથી ને ! તમને ખરા-ખોટાની સમજણ ક્યાંથી આવી ?

પ્રશ્શનકર્તા : દુનિયાદારીની રીતે જે કહેતા હોય ને, અગર તો આપણને એમ લાગતું હોય કે આ ખોટું છે. કોઈને માલ વેચ્યો અને આપણે ખોટું બોલીએ એ બધું ખોટું કહેવાયને ?

દાદાશ્રી : એ તો આપણને દુઃખ થાય તે ઘડીએ આપણને અંદર ખરાબ લાગે. પોતાને સમજણ પડે કે આ ખોટું થઈ રહ્યું છે અને સુખ થાય તો પોતાને સમજણ પડે આ સારું જ થઈ રહ્યું છે. તમે દાન આપતા હોય તો તમને અંદર સુખ થાય. પોતાના ઘરના રૂપિયા આપો છતાં સુખ થાય, કારણ કે સારું કામ કર્યું. સારું કામ કરે એટલે સુખ થાય અને ખરાબ કામ કરે તે ઘડીએ દુઃખ થાય. એના ઉપરથી આપણને ઓળખાય કે કયું સારું ને કયું ખોટું ?

ખોટામાં જિવાય જ કેમ ?

પ્રશ્શનકર્તા : હવે ખોટું બંધ ના થાય તો, એના માટે શું કરવું ?

દાદાશ્રી : એ ખોટું બંધ કરતાં આવડવું જોઈએ ને ? તો એ ખોટું કરવાનું શીખ્યા ક્યાંથી ? કોઈ એ શીખવાડેલું નહીં ?

પ્રશ્શનકર્તા : દુનિયાદારી શીખવાડે છે કે ખોટું બોલો, ખોટું કરો. પૈસા કમાવા માટે શીખવાડે છે.

દાદાશ્રી : હા, પણ તે આપણે શીખવું હોય તો શીખીએ, ના શીખવું હોય તો ના શીખવાડે.

પ્રશ્શનકર્તા : બિઝનેસમાં ખોટું કરતા હોય તો એમાંથી અલગ રહેવાનો રસ્તો શું ?

દાદાશ્રી : પણ ખોટું કરો છો જ શું કરવાને ? એ શીખ્યા જ ક્યાંથી ? બીજું સારું કોઈ શીખવાડે ત્યાંથી સારું શીખી લાવો. આ ખોટું કરવાનું કોઈની પાસેથી શીખ્યા છો તેથી તો ખોટું કરતાં આવડે છે, નહીં તો ખોટું કરવાનું આવડે જ શી રીતે ? હવે ખોટાનું શીખવાનું બંધ કરી દો અને ખોટાના બધા કાગળો બાળી નાખો !

પ્રશ્શનકર્તા : પણ તો ધંધો ના ચાલે, ધંધો એવો હોય કે ખોટું તો કરવું જ પડે.

દાદાશ્રી : ધંધો ના ચાલે તો તમને શું નુકસાન ?

પ્રશ્શનકર્તા : ધંધો ના ચાલે તો પૈસા ના મળે અને આપણને દુનિયામાં રહેવું છે.

દાદાશ્રી : શી રીતે તમે એવું જાણો કે ખોટું નહીં કરીએ તો ધંધો નહીં ચાલે ? એનું ફોરકાસ્ટ છે બધું તમારી પાસેથી ? ફોરકાસ્ટ વગર શી રીતે તમે કહી શકો કે તમારું નહીં ચાલે ? એટલે થોડા દહાડા આમ જે ખોટું કરો છો તેનાથી અવળું તો કરો. કરી તો જુઓ, તો ખબર પડે કે ધંધા પર શી અસર થાય છે ! કોઈ ઘરાક આવે ને એ પૂછે, 'આની શી કિંમત છે ?' ત્યારે કહીએ 'અઢી રૂપિયા'. પછી પેલો કહેશે કે 'સાહેબ, આની ખરી કિંમત કેટલી છે ?' ત્યારે તમારે ખરું કહેવાનું કે, 'બજારમાં આ લેવા જઉં તો આની ખરી કિંમત પોણા બે રૂપિયા મળશે.' એવું આપણે એક ફેરા કહી તો જુઓ પછી શું થાય છે એ જુઓ.

પ્રશ્શનકર્તા : તો પછી આપણી પાસેથી માલ કોઈ લેશે નહીં.

દાદાશ્રી : એ લેશે કે નહીં લેશે, તેની તમને શી રીતે ખબર પડી ? તમને ફોરકાસ્ટ થયેલું હોય, જાણે પોતાને આગળનું દેખાતું હોય એવું કરે છે ને લોકો ? એ ના લે તો બીજો ઘરાક લઈ જશે, નહીં તો ત્રીજો કોઈક તો લેનાર મળશે ને ?

પ્રયત્ન થાય, પરિણામ વ્યવસ્થિત !

ધંધામાં પ્રયત્ન કરવાનો, 'વ્યવસ્થિત' એની મેળે ગોઠવ્યા કરશે. તે ય તમારે ફક્ત કર્યા કરવાનો, એમાં આળસ નહીં કરવાની. ભગવાને કહ્યું છે કે બધું 'વ્યવસ્થિત' છે. નફામાં હજાર કે લાખ આપવાના છે, તે ચાલાકી કરવાથી એક આનો ય વધશે નહીં અને ચાલાકીથી આવતા અવતારના નવા હિસાબ બાંધશો એ જુદા !

પ્રશ્શનકર્તા : પણ ધંધામાં ચાલાકી કર્યા વગર તો ધંધો ચાલે નહીં ને ?

દાદાશ્રી : ભગવાને શું કહ્યું છે આ બધું તને 'વ્યવસ્થિત' માં છે એટલું જ મળશે અને ચાલાકીથી કર્મ બંધાશે ને પૈસા એકું ય વધશે નહીં ! એક માણસ ચાલાકી સાથે ધંધો કરે, પણ નફો તેને તે જ રહે ને ચાલાકી કર્યાનું કર્મ બંધાય તે જુદું. માટે આ ચાલાકી ના કરશો. ચાલાકીથી કશો ફાયદો નથી ને નુકસાન પાર વગરનું !! ચાલાકી નકામી જાય છે અને આવતા અવતારની જોખમદારી વહોરી લે છે. ભગવાને ચાલાકી કરવાની ના કહી છે અત્યારે તો કોઈ ચાલાકી કરે જ નહીં ને ?

પ્રશ્શનકર્તા : બધા જ કરે છે દાદા.

દાદાશ્રી : એમ ?! શું વાત કરો છો ?! પણ આપણે હાથે કરીને ચાલાકી નહીં કરવાની. ચાલાકીનો તને ફોડ પડ્યો ને ?

પ્રશ્શનકર્તા : લોભની ગાંઠ હોય તો તેનાથી ચાલાકી થાય એવું !

દાદાશ્રી : લોભની ગાંઠ લોકોને હોય જ, પણ ચાલાકી ના પણ હોય. ચાલાકી તો આ કાળમાં બીજાનું જોઈને શીખી ગયેલા. ચાલાકી એ ચેપી રોગ છે, બીજાને ચાલાકી કરતાં જુએ એટલે પોતે ય કરે. તમારે ચાલાકી કરવી પડે કે ?

પ્રશ્શનકર્તા : મારે એની જરૂર નથી પડતી. ચાલાકી કરવી ને કપટ એ બે જુદાં કેવી રીતે ?

દાદાશ્રી : કપટ એ વસ્તુ છે ને એની સામાને ય ખબર ના પડે અને તને પોતાને ય ખબર ના પડે કે મહીં કપટ થઈ રહ્યું છે. જ્યારે ચાલાકીની તો ખબર પડી જાય, પોતાને ય ખબર પડી જાય અને બીજાને ય ખબર પડી જાય.

પ્રશ્શનકર્તા : આપણી સામે કોઈ ચાલાકી કરતો હોય તો આપણે પણ સામી કરવી જોઈએ ને, એવું અત્યારે તો લોકો કરે છે.

દાદાશ્રી : આવી જ રીતે ચાલાકીનો રોગ પેસી જાય ને ! અને 'વ્યવસ્થિત'નું જ્ઞાન હાજર હોય તેને ધીરજ રહે. કોઈ આપણી જોડે ચાલાકી કરવા આવે તો આપણે પાછલે બારણેથી નીકળી જવું, આપણે સામી ચાલાકી કરવી નહીં.

વગર ચિંતવ્યે આવી મળે !

પૈસા કમાવાની ભાવના એટલે જ રૌદ્રધ્યાન. પૈસા કમાવાની ભાવના એટલે બીજા પાસે પૈસા ઓછા કરવાની ભાવના ને ? એટલે ભગવાને કહ્યું કે કમાવાની તું ભાવના જ ના કરીશ.

દાદાશ્રી : તું રોજ નહાવા માટે ધ્યાન કરે છે ?

પ્રશ્શનકર્તા : ના સાહેબ.

દાદાશ્રી : નહાવાનું ધ્યાન નથી કરતો તો યે ડોલ પાણીની મળે છે કે નથી મળતી ?

પ્રશ્શનકર્તા : મળે છે.

દાદાશ્રી : જેમ નહાવા માટે પાણીની ડોલ મળી રહે છે તેમ જરૂરિયાત પૂરતા પૈસા દરેકને મળી રહે એવો નિયમ જ છે, અહીં આગળ પણ વગર કામનું ધ્યાન કરે છે.

આખો દહાડો ગોદડાનો હિસાબ કાઢ કાઢ કરો છો કે રાતે ગોદડું પાથરવા મળશે કે નહીં મળે ? આ તો સાંજ પડે ને સવાર થયે લક્ષ્મી, લક્ષ્મી ને લક્ષ્મી ! અલ્યા કોણ ગુરુ મળ્યો તને ? કોણ એવો ડફોળ ગુરુ મળ્યો કે જેણે તને એકલા લક્ષ્મીની પાછળ જ પાડ્યો ! ઘરના સંસ્કાર લૂંટાઈ ચાલ્યા, આરોગ્યતા લૂંટાઈ ચાલી, બ્લડપ્રેશર થઈ ગયું, હાર્ટફેઈલની તૈયારી ચાલતી હોય ! તને કોણ એવા ગુરુ મળ્યા કે લક્ષ્મીની-પૈસાની પાછળ પડ એવું શીખવાડ્યું ?!

આમને કોઈ ગુરુ ના મળે ત્યારે લોકસંજ્ઞા એ એમના ગુરુ કહેવાય છે. લોકસંજ્ઞા એટલે લોકોએ પૈસામાં સુખ માન્યું એ લોકસંજ્ઞા. લોકસંજ્ઞાથી આ રોગ પેસી ગયો, ત્યારે કઈ સંજ્ઞાથી આ રોગ નીકળે ? ત્યારે ભગવાન કહે છે કે આ 'જ્ઞાની'ની સંજ્ઞાથી આ રોગ નીકળે. લોકસંજ્ઞાથી પેઠેલો રોગ જ્ઞાનીની સંજ્ઞાથી નીકળી જાય.

એટલે કહેવા માગીએ છીએ કે આ નાહવાના પાણી માટે કે રાતે સૂવાના ગાદલા માટે કે બીજી કેટલીક વસ્તુઓ માટે તમે વિચાર સરખો કરતા નથી છતાં, શું એ તમને નથી મળતું ? તેમ લક્ષ્મી માટે પણ સહજ રહેવાનું હોય.

અમે જ્ઞાની આ કેવો હિસાબ કાઢતા હોઈશું ? આ જગત કેવી રીતે ચાલે છે એનું કોઈને ભાન જ નથી. કોઈ છોકરાના ભાઈબંધને દાઢી જ ના ઊગતી હોય તો એ છોકરાને વહેમ પડે કે મારે દાઢી જ નહીં ઊગે તો ઈટ ઈઝ એ ડીફરન્ટ મેટર, પણ તારે તો ઊગવાની જ. દરેક માણસને દાઢી તો ઊગે જ. કો'કને ના ઊગે એ તો કુદરતનું આશ્ચર્ય છે !

અલ્યા, તું પૈસા કમાવાનો ? ત્યારે કહે કે, 'અવશ્ય કમાવાનો છે અને ખોવાનો ય છે ? એ બેઉની તારા હાથમાં સત્તા નથી, વગર કામનું ધ્યાન શા માટે બગાડે છે ? આ પૈસો એ તો પૂરણ-ગલન થાય છે. એ બધી કુદરતની સત્તા છે. એટલે પૂરણ થાય છે. લાખ રૂપિયા કમાય છે એ કુદરતની સત્તા છે, એ સત્તા તમારી નથી, ત્યાં શું કરવા હાથ ઘાલો છો ? પૈસા તો ફ્રી ઑફ કોસ્ટ જ મળ્યા છે. પણ આ લોકો લોભથી ભાવના કર્યા કરે છે. એને ભ્રાંતિ છે ને એટલે 'હું' કરું તો મળે, નહીં તો મળે નહીં કહેશે.

પ્રશ્શનકર્તા : અમે કારખાને ના જઈએ તો નુકસાની જાય છે.

દાદાશ્રી : હા, પણ જે જાય તેને ય નુકસાની જાય છે ને ! એટલે આ શું કહેવા માંગે છે ? પૈસા કમાવાની ભાવના કરવાની જરૂર નથી. પ્રયત્ન ભલે ચાલુ રહ્યા. ભાવનાથી શું થાય ? પૈસા હું ખેંચી લઉં તો પેલાને ભાગે રહે નહીં. એટલે જે કુદરતી ક્વૉટા નિર્માણ થયો છે, તેને જ આપણે રહેવા દો ને, વળી ભાવના કરવાની જરૂર શું ? એવું કહેવા માગું છું. આ તો લોકોનોાં ઘણાં પાપ થતાં અટકી જાય. એ હું કહેવા માગું છું.

આ એક વાક્યમાં ઘણો સાર મુકાયેલો છે પણ સમજે તો. એવું નથી કે મારું જ્ઞાન લેવાની જ જરૂર છે, જ્ઞાન ના લીધું હોય ને, પણ એટલું એને સમજણ પડે કે આ હિસાબસર જ છે, કશું હિસાબથી બહાર થતું નથી, નહીં તો મહેનત કરતાં ખોટ આવે તો આપણે ના સમજીએ ! મહેનત એટલે મહેનત, મળવું જ જોઈએ, પણ ના, ખોટે ય નિરાંતે જાય છે ને !!

આ ભાવ કરે છે તેનો વાંધો છે, બીજું કશું નહીં. બીજી ક્રિયાઓને માટે મને વાંધો નથી. એટલે વાત આમ લોકો વાંચી જાય, પણ સમજણ ના પડે, એટલે વાંચી જાય, પણ વાત બહુ ઊંડી હોય છે.

ભાવ આમ સુધારવો !

ખોટાની પરખ ના હોય ત્યાં સુધી ખોટું પેસી જાય મહીં.

પ્રશ્શનકર્તા : અને આ ધંધામાં સાચું છે, આપણે સમજીએ છીએ, છતાં સાચું કહી શકાતું નથી.

દાદાશ્રી : એટલે વ્યવહાર આપણા તાબામાં નથી. નિશ્ચય આપણા તાબામાં છે. બીજ નાખવું એ આપણા તાબામાં છે. ફળ લેવું આપણા તાબામાં નથી. એટલે ભાવ આપણે કરવો. ખરાબ થઈ જાય તો ય ભાવ આપણે સારો કરવો કે આમ ના થવું જોઈએ.

ધંધામાં હરીફાઈ !

પ્રશ્શનકર્તા : હું જ્યારે બીજા કોઈનો ધંધો જોઉં છું, મારી જ જાતનો બીજો કોઈ ધંધો હોય ને મારા કરતાં સો ગણું વેચતો હોય ત્યારે મને વિચારો આવે કે હું પણ આવું વધારું. તે બે-ત્રણ દિવસ ચાલે. તો આ વિચારો આવે છે તે મારો ભરેલો માલ છે, તેથી આવે છે કે બનવાનું છે માટે વિચારો આવે છે ? એ શી રીતે ખબર પડે ?

દાદાશ્રી : ના, એ તો બનવાનું હોય તો ય વિચારો આવે ને ભરેલો માલ હોય તો ય વિચારો આવે. વધારે સમજ પડી ને ? ભરેલો માલ તો એ માલ ખાલી થાય તો આમ જ કશું પરિણામ બદલાય નહીં. આમાં ઉપાધિ કરવાની ને જાય એટલું જ. શું થાય ?

પ્રશ્શનકર્તા : એટલે બાહ્ય સંજોગોમાં કોઈ ફેરફાર ના થાય ?

દાદાશ્રી : બાહ્ય સંજોગોમાં ?

પ્રશ્શનકર્તા : હા, બાહ્ય સંયોગો જેવા કે છે એવા જ હોય. ભરેલા માલમાં કશું ફેર પડે ?

દાદાશ્રી : માલમાં કશું જ ફેરફાર ના થયો હોય. અને વિચાર્યું એટલું જ એણે માથાકૂટ કરી ને નકામી ગઈ.

પ્રશ્શનકર્તા : ચાર દહાડો આવા વિચારો આવે પણ પછી એવું બનતું નથી. કોઈ એવા સંજોગો, નિમિત્ત કશું ભેગું થતું જ નથી.

દાદાશ્રી : વિચારો બધા ખોટા હોય છે, કારણ કે તમને બીજા ધંધાવાળા કોઈ મળે તો વિચાર ના આવે. તમારા પોતાના જ ધંધા જેવો ધંધો હોય તે ત્યારે જ આવું તોફાન ચાલે. એમ ગમે એટલા ધંધા જોઈએ પણ આવો કશો વિચાર ના આવે. પોતાના ધંધા જેવું દેખે ત્યારે, બહુ વિચારો આવે બળ્યા. અમને ય, પહેલાં કંટ્રાક્ટનો ધંધો કરતા હતા ત્યારે, કો'કનું કંટ્રાક્ટનું જોવામાં આવ્યું કે તરત વિચારો બહુ આવે, કારણ કે બીજા ધંધાવાળા જોડે હરીફ નથી. આની જોડે હરીફાઈ છે આપણી, એટલે આ ભાંજગડ છે બધી.

આગળ વધતાને પછાડે !

હરીફાઈમાં ય કેવી પદ્ધતિ હોય છે, કે કેટલીક નાતો તો પોતાનો છોકરો આગળ વધતો હોય તો વધવા દે અને રક્ષણ આપે, કેટલીક નાતો એવી હોય છે કે પોતાની લેન્થથી ત્રણ છોકરા બરોબરીમાં નજીક ચાલતા હોય, અને એક છોકરો પાછળ પડી ગયો હોય તેને ઊંચકીને લઈ આવે પોતે, ભાઈઓ, માબાપ, બધા ય ઊંચકીને લાવે ને બધું આપીને લઈ આવે પણ એક ડગલું આગળ ગયો હોય તો બાપ પાછો પાડે, મારીને. એનું કારણ શું ? બાપાથી સહન ના થાય. મારાથી વધ્યો એ, અને પાછળ પડ્યો તે ય સહન ના થાય. એ અમુક કોમ્યુનિટીમાં ખાસ મેં જોયેલું. કોઈ બાપ કોઈ છોકરાને વધવા જ ના દે, મારી ઠોકીને પાછળ પાડે બિચારાને. પછી મેં શોધખોળ કરી, મેં બધાને કુટુંબમાં કહ્યું કે તમે બધા આગળ વધો અને મને શીંગડાં લઈને મારવા આવો બધા. મારી પાસે શીખીને બધાં. મારી પાસેથી શીખો, વધો ને પછી મને મારવા આવો. એવા થજો. પણ પાછળ ના રહી જશો. બીજા લોકો કોઈને આગળ વધવા ના દે. એ મેં જોયેલું ખાસ. તમારામાં ય કેટલાંક આગળ વધવા નથી દેતાં. મહીં કેટલા અંશે વધવા દે છે, સારી રીતે. અને લોક તો સામાવાળાને મારે એક થપોટ તે પાછો પાડી દે ! અલ્યા, બાપ કરતાં સવાયો નીકળ્યો ? તે આજે મુશ્કેલી બહુ, આ સંસારમાં તો ? પોતાનો અહંકાર શું ના કરે ? બધાંને પાછા

પાડી નાખે ? ના પાછો પડે તેને ખોતરીને કાઢી નાખે. અને તમારો સગો ભાઈ જો બહુ અહંકાર કરે ને તમારા બધા જોડે, તો બધા ભેગા થઈને એનું કાટલું કાઢી નાખે. હા, એને તો દુઃખી કરી નાખે ત્યાર વગર સીધો નહીં થાય. સીધો કરવા માટે એને દુઃખી કરી નાખે. શાથી ? બહુ અહંકાર કરે, એટલે બાપે ય સહન ના કરી શકે. અહંકાર એટલો નાપાક ગુણ છે કે બાપ પણ સહન ના કરે. ભઈ પણ સહન ના કરી શકે. ભાઈ પણ આશીર્વાદ આપે કે વહેલામાં વહેલી તકે આનું સારું થઈ જાવ. એ અહંકાર તો બહુ મોટી વસ્તુ છે. આપણે જો ભાઈઓને બધામાં વધવું હોય તો નમ્રતા રાખવી જોઈએ. તો જ વધવા દે. નહીં તો મારી મારીને ટેભાં કાઢી નાખે. સંસાર છે આ તો ! એક બાજુ અહંકારથી ઊભો થયેલો છે, અહંકાર એટલે વિકલ્પથી. આત્માનો વિકલ્પ એટલે અહંકાર. હું અને મેં કર્યું. બસ ચાલ્યું પછી. પછી માર ખાય છે તો ય પણ અહંકાર છોડે નહીં એને, કારણ કે ઘડી પછી એને એમ જ લાગે કે મારા આ ચાર બળદ, આ ગાયો-બાયો, આ બધાં કરતું હું મોટો ને ? હું મોટો છું એ ભાન રહે છે, એટલે કશું દુઃખ જ નથી આ લોકોને ! ચક્રવર્તી રાજ આપે તો ય લેવા જેવું નથી. પેઠા પછી એ દુઃખ તો પાર વગરનાં છે. એના કરતાં આપણા પોતાના ગામ જતા રહોને, એના જેવું કોઈ સુખ નથ

ી. પોતાના દેશમાં જે સુખ છે એવું કોઈ દેશમાં નથી.

ધંધો વધારવો કે નહીં ?

પ્રશ્શનકર્તા : ધંધાના વિચાર આવે એ જો જો જ કરવાના કે એના માટે પ્રયત્ન કરવાનો ?

દાદાશ્રી : પ્રયત્ન થઈ જાય તો જોવાનું આપણે. પ્રયત્ન થતો હોય તો જોયા કરવો, ના થાય તો કંઈ નહીં, આપણે શી રીતે કરીએ પણ તે ? આપણે તો ચંદુભાઈ શું પ્રયત્ન કરે છે, એ જોયા કરવાનું ?

પ્રશ્શનકર્તા : એ વાત બરોબર છે. પણ ઘડીએ ઘડીએ વિચારો આવે, મહિના પછી બીજાનું કારખાનું જોવામાં ાવે તો પાછા કમાવાના વિચારો શરૂ થઈ જાય.

દાદાશ્રી : પાછું ઊગે જ એ તો.

પ્રશ્શનકર્તા : તો પછી એને સમજવું શું ?

દાદાશ્રી : એમાં વાંધો નહીં. ઊગે એટલે આપણે એને જોયા કરવાનું. ઓહોહો, અહીં આવીયે છીએ ો ઊગે છે. અને તે આપણે બંધ કરીએ તો ય ના થાય. એ તો ઊગે જ. એટલે પેલું કારખાનું જોયું કે તે ઘડીએ લોભના જ વિચારો આવે અને પછી બીજે, માનની જગ્યાએ જાય ત્યારે માન માટે વિચારો આવે કે કેમ કરીને આમ કરીએ ને કેમ કરીએ એમ આપણને જાય. એટલે એ જગ્યા પ્રમાણે એના વિચાર આવે.

પ્રશ્શનકર્તા : તો પછી ધંધામાં વધારો કરવાનો પ્રયત્ન ના કરવો.

દાદાશ્રી : શું થાય છે, શું પ્રયત્ન કરે છે તે જોયા કરો, એ જો પ્રયત્ન કરતા હોય તો ય બરોબર છે, ના કરતા હોય તો ય બરોબર છે. તમે ચાર માઈલ મુંબઈમાં આમ રહીને આંટા મારો, તો ય કશું કામ ના થાય ને એક જ દહાડો અહીંથી આમ એક જ આંટો માર્યો કે તરત કામ થઈ જાય. ત્યારે આંટા મારવાથી કામ થાય છે કે શેનાથી થાય છે ? નહીં જાણવાથી જ આ બધું તોફાન થાય છે. ન્હોય પેલી બેબી રડતી હતી ને બિચારી કહે કે મારી બાનું હવે શું થશે ? મારું શું થશે ? જેને સમજણ ના પડી. એવી રીતે આ જગતના લોકોને બીજી સમજણો નથી પડતી.

વચ્ચે 'એજન્સીઓથી' કામ લો !

પ્રશ્શનકર્તા : મારે ને મારા ભત્રીજા વચ્ચેના પ્રોબ્લેમની વાત કહું. એને કહીએ કે તું બધો હિસાબ આપ, ત્યારે હિસાબ આપવાની બાબતમાં એ કાચું રાખે. પછી કામ બધું કરે પણ રીપોર્ટ ના આપે એટલે પ્રોબ્લેમ વધી જાય. હવે એને કહીએ તો પાછું એને ખોટું લાગી જાય.

દાદાશ્રી : પ્રોબ્લેમ એમાંથી વધી જાય તે ? પછી શું થાય ?

પ્રશ્શનકર્તા : શું કરવાનું હવે તમે જ કહો ને !

દાદાશ્રી : એવું છે, અમારે કેવું બનેલું તે કહું. અમારો ઓળખાણવાળો અમારે ત્યાં નોકરી કરતો હતો. તે હિસાબ લખવાનો હોય તે બધો ખોટો હિસાબ લખતો હતો. એને ખર્ચના દસ રૂપિયા જોઈએ ને આમ ખર્ચ ચાર આના દેખાડે. એટલે પછી મેં એને કહી દીધું કે, 'ભઈ, જેટલો ખર્ચ થતો હોય, જે તે કર્યું હોય તે આમ લખજે. સીગરેટ લાવ્યો હોય, બ્રાંડી પીધી હોય તે લખજે, ચા પીધી હોય, લોકોને ચા પાઈ હોય તે લખજે. તને છૂટ આપીએ છીએ. ત્યારે પછી એણે લખવા માંડ્યું ત્યારે વાત પકડાઈ બધી. આ તો ભડકના માર્યા લોક લખે શી રીતે ? હિસાબ બધો ચોખ્ખો લખતા નથી, એનું કારણ શું ? વખતે એ ચોખ્ખું લખે તો સાહેબ ડફળાય ડફળાય કરે કે, 'એય તેં શું કર્યું, આટલા બધા પૈસા શેમાં વાપર્યા ? આ તો ચાર આનાની અક્કલ તો છે નહીં ને શેઠ થઈ બેઠા છે !! આ તો એન્કરેજ કરતાં આવડે નહીં તે પછી નોકરો ડીસ્કરેજ થઈ જાય.

ખરો શેઠ તો કોઈને વઢે જ નહીં. શેઠ એનું નામ કહેવાય કે કોઈને ય વઢે નહીં. વઢે એને શેઠ કહેવાય જ શી રીતે ? પેલાં બધાં પાછળથી વાત કરે કે આ શેઠ તો આવા છે, એની પાછળ કંઈક નામ આપેલું જ હોય. બધા ય નોકરોએ કંઈ ને કંઈ નામ આપેલું જ હોય. આ તો મનમાં માની બેઠાં છીએ કે મને સમજણ પડે છે. એના કરતાં મને કશી સમજણ પડતી નથી. તો કશું ય બગડે નહીં. ખરો શેઠ તો કોઈને વઢે જ નહીં. શેઠ તો કેવા ઠંડા દેખાય ! તે જોઈને જ લોક ખુશ થઈ જાય. શેઠ આવે તો આખું વાતાવરણ જ ઠંડુ થઈ જાય !

અમારે લોખંડનું કારકાનું હતું ને ત્યારે હું જ્યારે કારખાને જતો હતો ને તે સો એક માણસો 'બાપા આવ્યા, બાપા આવ્યા' કરી મૂકે. તે બસ્સો ફૂટ છેટેથી દેખે તો ય બધાં 'બાપા આવ્યા, બાપા આવ્યા' કરીને ખુશ ખુશ થઈ જવાના. અને કોઈને ય મારે કોઈ દહાડો એક અક્ષરે ય બોલવાનો નહીં. હજાર રૂપિયાનું નુકસાન કરેલું દેખું તો ય અક્ષર નહીં કહેવાનો. વખતે કોઈએ કશું કામ બગાડ્યું હોય તો ય વઢવાનું નહીં. કોઈ પણ બાબતમાં બૂમ પાડવાની નહીં !

શેઠ તો કોઈ દહાડો ય કોઈને વઢે નહીં. વખતે વચ્ચે એવી એજન્સી ઊભી કરે. એ વઢનારી એજન્સી વઢે, પણ શેઠ તો વઢે જ નહીં. વચ્ચે એજન્સી તૈયાર કરે કે એ પછી વઢનારો માણસ એવો વચ્ચે રાખે કે વઢનારો વઢે પણ શેઠ આવું જાતે ના વઢે. પછી શેઠ બેઉનાં સમાધાન કરી આપે. શેઠ બેઉને બોલાવે કે, 'ભઈ, તું વઢું છું તે પણ વાત સાચી છે ને તારી વાત પણ સાચી છે. એટલે એવો નિકાલ કરી આપે. બાકી શેઠ કંઈ વઢતા હશે ?!!

આ બધી વ્યવહારની વાતો ! તમારે આમાં શું કામ લાગે ?

પ્રશ્શનકર્તા : અરે આ તો અમને વિચારતા કરી મૂક્યા કે આપણે વઢીએ તે વખતે આપણે શેઠ નથી.

દાદાશ્રી : શેઠ તો કોનું નામ કહેવાય કે એક અક્ષરે ય બોલે ને તો શેઠ કહેવાય જ કેમ કરીને ? એ વઢતા હોય તો આપણે સમજી જઈએ કે આ પોતે જ આસિસ્ટન્ટ છે (!) શેઠનું તો મોઢું બગડેલું જ ના દેખાય. શેઠ એટલે શેઠ જ દેખાય. એ દાંતિયા કરે તો તો પછી બધા આગળ એની કિંમત જ શું રહે ? પછી નોકરો પણ પાછળ કહેશે કે આ શેઠ તો લપકા બહુ કર્યા કરે છે ! દાંતિયા કાઢ્યા કરે છે !! બળ્યું એવા શેઠ થવું એના કરતાં તો ગુલામ થવું સારું. હા, તમારે જરૂર હોય, ખટપટ કરવી હોય તો વચ્ચે એજન્સીઓ બધી રાખો. પણ વઢવાનાં આવાં કામ શેઠે જાતે ના કરાય ! નોકરો ય જાતે લઢે, ખેડૂતો ય જાતે લઢે, તમે ય જાતે લઢો, ત્યારે કોણ જાતે લઢે નહીં ? વેપારી જાતે લઢે, ખેડૂત જાતે લઢે તો વેપારી જેવું રહ્યું જ શું ? શેઠ તો એવું ના કરે.

તમારો ભત્રીજો શું જાણે કે કાકાનો સ્વભાવ જ આવો વાંકો છે. અને તમે શું જાણો કે આ ભત્રીજો તારી વાતને સમજતો નથી. આવી રીતે પછી કેસ બફાતો ચાલ્યા કરે છે ! હવે જો કદિ એ કાકાનો સ્વભાવ આવો છે એવું જો ના સમજે તો તો તમારી વાત ધ્યાનમાં લે. પણ આ તો વાતને ધ્યાનમાં લેતો નથી એનો અર્થ જ એ થયો, કે એક તમારો સ્વભાવ આવો જ છે. આ તો એવું માની લે. કારણ કે રોજ રોજ સ્વભાવ એવો દેખે, એટલે પછી 'આમનો સ્વબાવ જ એવો છે' કરીને કેસ બફાયા છે. માટે ઉપાય કરો. વચ્ચે એજન્સીઓ રાખીએ અને પેલા ભત્રીજાને વઢે ત્યારે ભત્રીજો આપની પાસે ફરિયાદ લાવે કે, આ મારી જોડે બહુ લઢે છે. ત્યારે આપણે એને કહેવું કે, 'ભઈ, કામ તો બધું બતાવવું જ જોઈએ ને ! હિસાબ તો બધા આપવા પડે ને ! આવું કહીએ ત્યારે ભત્રીજો તમારી વાત માને. બાકી વઢવાનું બંધ કરી દો તો ય ધીમે ધીમે એની જોડે બધું રાગે પડી જાય.

આમ ન્યાય થાય !

૧૯૩૦ સુધી મંદી હતી. ૧૯૩૦માં મોટામાં મોટી મંદી હતી. એ મંદીમાં શેઠિયાઓએ આ મજૂરો બિચારાનાં બહુ લોહી ચૂસેલાં તે અત્યારે આ તેજીમાં મજૂરો શેઠિયાઓનાં લોહી ચૂસે છે ! એવો આ દુનિયાનો ચૂસચૂસનો રિવાજ છે ! મંદીમાં શેઠિયાઓ ચૂસે અને તેજીમાં મજૂરો ચૂસે ! બેઉના સામસામી વારા આવવાના. એટલે આ શેઠિયાઓ બૂમ પાડે ત્યારે હું કહું છું ે કે તમે ૧૯૩૦માં એ મજૂરો ને છોડ્યા નથી તેથી હમણાં એ મજૂરો તમને છોડશે નહીં.

ઘરમાં ય તેજીમંદી આવે તે મંદીમાં આપણે વહુ જોડે રોફ માર માર કર્યો હોય પછી તેજી આવે ત્યારે એ આપણી પર રોફ મારે. માટે તેજી-મંદીમાં સરખાં રહીએ, સમાનપૂર્વક રહીએ તો તમારું બધું સરસ ચાલે !

મજૂરોના લોહી ચૂસવાની પદ્ધતિ જ ના રાખો. તો તમને કોઈ કશું નામ નહીં દે. અરે ભયંકર કળિયુગમાં પણ તમારું નામ દેનાર નથી !!!

આ જગત ન્યાય વગર એક ક્ષણવાર પણ નથી રહેતું. ક્ષણે-ક્ષણે ન્યાય જ થઈ રહ્યો છે ! જગત એક ક્ષણ પણ અન્યાય સહન કરી શકતું નથી, જે અન્યાય કર્યો છે, એ પણ ન્યાય જ થઈ રહ્યો છે !

લક્ષ્મી - પુણ્યૈથી ?

મેં દુનિયામાં ખેલ જોવામાં જ વખત કાઢ્યો છે. બીજું આમાં શું વખત કાઢવાનો ? કમાવાનું, તો હાય, હાય, પૈસો ! એ તો આ પુણ્યૈ હશે ત્યાં સુધી રાગે પડશે. નહીં તો મહેનત કરી કરીને મરી જશો ને, આ મજૂરો મહેનત કરે જ છે ને, તો ય કશું મળતું નથી.

આ મજૂરો તો આખો દહાડો મહેનત કરે પછી શેઠ શું કહેશે, 'આજે છૂટા નથી. તારી પાસે સોના છૂટા હોય તો લઈ આવ.' ત્યારે બિચારાને સોના છૂટા કોણ આપે ? અને એટલે પૈસા પેલો ના આપે. તે પૈસા વગર તો બિચારો ઘી-તેલ ક્યાંથી લાવે ? અરે, ઘી તો ખાય નહીં પણ તેલ ને ચપટી પેલો મસાલો લઈ જવાનું હોય તે પૈસા વગર શી રીતે લઈ જાય. તે પાછો જાય, વીલે મોઢે બિચારો ! અને મજૂરથી ગાળ તો બોલાય નહીં ને શેઠ તો પૈસા ના આપે. અને તો ય ટૈડકાવે. અલ્યા, આખો દહાડો નોકરી કરી, મહેનત કરી તો ય રોકડા મળતા નથી. આ હિસાબ શેનો છે ? અને તમે નોકરીમાં રજા લો તો ય પગાર મળ્યા કરે ને ! એટલે આ લક્ષ્મી તો પુણ્યૈનું ફળ છે.

લક્ષ્મીનો સ્વભાવ જ વિયોગી છે, એ કહેશે મારે હવે સાધન આઠ પેઢી સુધી રહે તો સારું, પણ એનો સ્વભાવ જ વિયોગી એટલે આપણે કહેવું કે તું જા એવી અમારી ઇચ્છા નથી. તું અહીં રહે. પણ છતાં ય તારે જવું હોય તો મારી ના નથી. એવું કહીએ ને એટલે એને એમ ના થાય કે આ અમારી આમને પરવા જ નથી. 'અમને તારી પરવા દસ વખત છે. પણ જો તારાથી ના રહેવાય, તો તારી મરજીની વાત છે.' ના રહેવું હોય ત્યારે કંઈ એને માબાપ કહેવાય ? આ તો મા-બાપ હોય તેને મા-બાપ કહીએ.

ધંધાની ખોટ ધંધો જ પૂરે !

પ્રશ્શનકર્તા : ધંધામાં બહુ ખોટ ગઈ છે તો શું કરું ? ધંધો બંધ કરી દઉં કે બીજો કરું ? દેવું ખૂબ થઈ ગયું છે.

દાદાશ્રી : રૂ બજારની ખોટ કંઈ કરિયાણાની દુકાન કાઢ્યે ના પૂરી થાય. ધંધામાં ગયેલી ખોટ ધંધામાંથી જ પૂરી થાય, નોકરીમાંથી ન વળે, 'કોન્ટ્રાક્ટ'ની ખોટ કંઈ પાનની દુકાનથી વળે ? જે બજારમાં ઘા પડ્યો હોય તે બજારમાં જ ઘા રૂઝાય, ત્યાં જ એની દવા હોય.

આપણે ભાવ એક રાખવો કે આપણાથી કોઈ જીવને કિચિંત માત્ર દુઃખ ન હો. આપણે ભાવ એક ચોખ્ખો રાખવો કે બધું જ દેવું ચૂકતે થઈ જાય. લક્ષ્મી તો અગિયારમો પ્રાણ છે. માટે કોઈની લક્ષ્મી આપણી પાસે ના રહેવી જોઈએ. આપણી લક્ષ્મી કોઈની પાસે રહે તેનો વાંધો નથી. પણ ધ્યેય નિરંતર એ જ રહેવું જોઈએ કે મારે પાઈએ પાઈ ચૂકવી દેવી છે. ધ્યેય લક્ષમાં રાખીને પછી તમે ખેલ ખેલો. પણ ખેલાડી ના થશો. ખેલાડી થઈ ગયા કે તમે ખલાસ !

ખોરી દાનત, દુઃખી હાલત

પ્રશ્શનકર્તા : માણસની દાનત કેમ ખરાબ થાય છે ?

દાદાશ્રી : સારી દાનત હોય તો સંસાર હોય જ નહીં ને ? બધાંની જો સારી દાનત હોય તો સંસાર હોય જ નહીં. સ્વર્ગ જ કહેવાય ને ! તો પાલખી ઊંચકનારા ય ના હોય ને પાલખીમાં બેસનારા ય ના હોય. ખરાબ દાનત છે તે પાલખી ઊંચકે છે. તમને કેમ લાગે છે ?

પ્રશ્શનકર્તા : પણ દાનત ખરાબ કેમ થાય છે એ સવાલ છે ?

દાદાશ્રી : બરોબર છે. પહેલી આ સામાન્યભાવે જ વાત કરવી જોઈએને ? પછી પર્સનલ વાત.

જેને આપણે પાંચ હજાર રૂપિયા આપ્યા, હવે તેની દાનત ખરાબ થાય. એટલે આપણે પછી શું કરવાનું ?

પ્રશ્શનકર્તા : પછી તો કાયદો સંભાળે. કાયદામાં જે રીતે થતું હોય એ રીતે કરવું પડે.

દાદાશ્રી : હા, કાયદાથી જેટલું બને એટલું કર્યું, છતાં હાથમાં ના આવે તો શું કરવું ?

પ્રશ્શનકર્તા : છોડી દેવું પડે ?

દાદાશ્રી : આપણે એટલું સમજી જવું કે આ માણસની દાનત, નૈયત ફરી છે. એટલે આ માણસ ભવિષ્યમાં બહુ દુઃખી થવાનો છે. એટલે એની ઉપર આપણે ભગવાનને કહેવું કે ભગવાન એને સદ્બુદ્ધિ આપ. એ માણસ બહુ દુઃખી થશે અને જેની દાનત ફરી નથી એ સુખી થવાનો છે. તમને કયું ગમે છે ? જેની દાનત નથી ફરી એ સુખી થવાનો છે. એટલે આપણે સમજી જવું કે આની દાનત ફરી તો આ દુઃખી થવાના છે. હવે જો બધાં ય ની દાનત ના ફરે તો કોણ સુખી થાય ? એટલે અહીં ખાડો હોય તો અહીં ટેકરો કહેવાય. પછી ખાડો જ ના હોય તો લેવલ લેન્ડ થાય.

પ્રશ્શનકર્તા : હવે માણસની દાનત કયા કારણથી ખરાબ થાય છે ?

દાદાશ્રી : એનું ખરાબ થવાનું હોય ત્યારે એને ફોર્સ મારે કે તું આમ કરી જાને, હઉ થશે. એનું ખરાબ થવાનું માટે. 'કમિંગ ઈવેન્ટ્સ કાસ્ટ ધેર શેડોઝ બીફોર.' (જે બનવાનું છે, તેના પડછાયા પહેલાં પડે.)

પ્રશ્શનકર્તા : પણ એ રોકી શકે ખરો ?

દાદાશ્રી : હા, રોકી શકે એને. જો એને જ્ઞાન મળેલું હોય કે તારે ખરાબ વિચાર આવે તો ય પાછળ પશ્ચાતાપ કર. તે આમ કરે, કે આવું ના હોવું જોઈએ, આવું ના હોવું જોઈએ. આમ રોકી શકાય. ખરાબ વિચાર આવે છે તે મૂળ-ગત જ્ઞાનના આધારે, પણ આજનું જ્ઞાન એને એમ કહે છે કે આ કરવા જેવું નથી. તો ફેરવી શકે છે. સમજ પડીને ? કંઈ ખુલાસો થાય છે ?

પ્રશ્શનકર્તા : ઇચ્છાઓને લીધે દાનત ના બગડે ?

દાદાશ્રી : શેની ઇચ્છાઓ ?

પ્રશ્શનકર્તા : એને ઇચ્છા થાય કે આ ભોગવી લેવું છે. એટલે હરામના પૈસા પડાવી લે, એમ ?

દાદાશ્રી : દાનત બગાડવી એટલે પાંચ લાખ રૂપિયા માટે બગાડવી એવું નહીં. આ તો પચીસ રૂપિયા માટે હઉ દાનત બગાડે બળી ! એટલે ભોગવવાની ઇચ્છાની ભાંજગડ નથી. એને એવા પ્રકારનું જ્ઞાન મળ્યું છે કે શું આપવું છે ? આપવા કરતાં તો આપણે અહીં જ વાપરો. હઉ થશે. દેખ લેંગે. એ ઊંધું જ્ઞાન મળ્યું છે એને.

ભાવ, દેવું ચૂકવવાનો જ !

એટલે આપણે અત્યારે કોઈપણ માણસને એમ કહી શકીએ કે ભઈ, ગમે એટલા ધંધા કરો, ખોટ જાય તો ય વાંધો નથી, પણ મનમાં એક ભાવ નક્કી રાખજો કે મારે સર્વને આપવા છે. કારણ કે પૈસો કોને વહાલો ના હોય ? એ કહો. કોને ના વહાલો હોય ? દરેકને, પોતાના છોકરાને રૂપિયાનું ચવાણું લાવી આપતા અને પેલાને પાંચ હજાર રૂપિયા ધીરે છે. એટલે પૈસો સહુને વહાલો હોય. એટલે આપણે એનો પૈસો ડૂબે એવો તો આપણા મનમાં ભાવ ઉત્પન્ન થવો ન જોઈએ. ગમ્મે તે ભોગે મારે આપવા જ છે. એવું ડીસીઝન પહેલેથી રાખવું જ જોઈએ. આ મોટામાં મોટી વસ્તુ છે. બીજામાં નાદારી કાઢી હશે તો ચાલશે પણ પૈસામાં નાદારી ના હોવી જોઈએ. કારણ કે પૈસા તો દુઃખદાયી છે, પૈસો તો, એને અગિયારમો પ્રાણ કહ્યો છે. માટે કોઈનો પૈસો ડુબાડાય નહીં. એ મોટામાં મોટી વસ્તુ.

એમ માનો કે કોઈ સાહેબ મુંબઈ ગયા ને કંઈ સોદો કર્યો. સાહેબ રીટાયર્ડ થયા ને મોટો સોદો કર્યો. કમાવાની લાલચો તો હોય ને. અને એમાં કંઈ બે-ત્રણ લાખ રૂપિયાની ખોટ ગઈ એટલે શું હાથ ઊંચા કરી દેવા ? આવડી નાની ઓરડી રાખીને કહીએ કે આપણે રૂપિયા પાછા વાળવા જ છે, એમ નક્કી કરીએ ને તો વરસે બે વરસે પાછું રાગે પડી જાય, આત્માની અનંત શકિતઓ છે.

આજકાલ તો દસ વીસ લાખ રૂપિયા દાબી અને પછી પૂળો (દેવાળું ફૂંકે) મૂકે છે. બહુ ખોટું કહેવાય. અનંત અવતાર ખરાબ કર્યા, કોીનો ય પૈસો ના દબાવાય.

તમે ઓફિસમાં પૈસા 'ના લીધા' તે ફાયદો થયો ને ? તેથી આ દાદા ભેગા થયા. નહીં તો શી રીતે આ દાદા ભેગા થાય ? અત્યારે તો મોઢું કાળું ચંદ પડી ગયું હોય ! શું થયું હોય ?

પ્રશ્શનકર્તા : મોઢું કાળું ચંદ પડી ગયું હોય.

દાદાશ્રી : હા, તેજ બેજ બધું જતું રહે કે ના જતું રહે ?

દેવા સાથે મરે તો ?

પ્રશ્શનકર્તા : માણસ દેવું મૂકીને મરી જાય તો શું થાય ?

દાદાશ્રી : દેવું મૂકીને મરી જાય તો ? દેવું મૂકીને મરી જાય પણ એને મનમાં ઠેઠ સુધી - મરતાં સુધી એક વસ્તુ નક્કી હોવી જોઈએ કે મારે આ પૈસા આપવા જ જોઈએ. શું ? આ ભવમાં નહીં પણ આવતા ભવે પણ મારે આપવા, જરૂર આપવા જ છે. એવો ભાવ છે, એને વાંધો નથી આવતો અને કેટલાક કહે છે, શું આપવું-લેવું છે ? કોણ પૂછનાર છે ? ત્યારે એવું ત્યાં આગળ !

આપણે અહીં શેઠિયાઓ દસ-વીસ લાખ દબાવીને જ બેસી જવાના. તમને ખબર નહીં હોય કોઈ દબાવે છે એવું ?

પ્રશ્શનકર્તા : ખબર છે ને દાદા.

દાદાશ્રી : હાં, એના કરતાં નોકરિયાતને હારું કે કોઈ તો દબાવે નહીં જ ભાંજગડ નહીં.

..... તો દેવું ચૂકવાય

અને તો ય નિયમ એવો છે કે પૈસા લેતાંની સાથે જ નક્કી કર્યું હોય કે આના પૈસા મારે પાછા આપવા છે, એવું નક્કી કરીને લેવાય. ત્યાર પછી ચાર ચાર દહાડે એનો ઉપયોગ દેવો પડે કે આ પૈસા વહેલામાં વહેલી તકે પાછા અપયા એવી ભાવના કરે પાછી. અને તે ભાવના હોય તો રૂપિયા અપાય, નહીં તો રામ તારી માયા. રૂપિયા-બુપિયા અપાય નહીં. આ તો બદા જે દેવાં કરે છે ને તે જે ઉઘરાણીએ આવ્યો તે લઈ ગયો. ત્યારે બીજાના લઈ આવ્યા. આ એકના દસ હજાર લે છે, બીજાને પાંચ હજાર આપી દે છે. પાછા બીજાના લે છે ને બીજાના આપી દે છે. એમ તેમ કરીને ચક્કર, ચક્કર ચલાવે છે. છેવટે પોક મેલે છે.

ભાવિમાં તો છે અંધકાર

અને અત્યારે આ લક્ષ્મી તો રહેવાની નથી. બે-પાંચ વર્ષમાં તો મોટા મોટા શેઠિયાઓ બૂમો પાડશે, 'હું' ખાલી થઈ ગયો છું.' માટે અલ્યા, પહેલેથી પાંસરું મરવું 'તું ને ? પાંસરો રહ્યો હોત તો બહુ સારું થાત ! સારે રસ્તે પૈસો ગયો નથી, એ બધું ગટરમાં ગયું હડહડાટ ! હેય, નિરાંતે વાંદરાની ખાડીમાં ! લોકો તો આ પાઈપમાં નાખ્યા જ કરે છે. એટલે 'અમે' મહાત્માઓને કહ્યું છે, નિર્ભય રહેજો ! નિર્ભય રહેવું જોઈએ કે નહીં ? નહીં તો ભયસ્થાનો જ છે ને ! ભયસ્થાનો જ છે ને બધું ! અત્યારે શાથી બચ્યા છે ? કંઈ પણ ધોરણ છે આપણી પાસે, નીતિ છે, ધર્મના માટે ભાવ છે એટલે આ કંઈ નિયમમાં રહ્યું છે તો પાર પડશે. 'દાદા ભગવાન'નું આ વિજ્ઞાન છે. એ કંઈ તમને ઉખેડી નહીં નાખે.

બાકી બહાર તો તમે જોશોને, તો કુદરત લોકોને ઉખેડી નાખશે. અને તેમાં મોટા મોટા વડ તો પડશે, કબીર વડ જેવા નીચે પડશે. પણ જોડે કેટલાં ય જીવડાં બફાઈ જશે, નર્યાં !

કોઈ કહેશે હું વીસ હજાર મૂકી આવ્યો હતો, મારા ગયા. પેલો કહેશે, હું એંસી હજાર મૂકી આવ્યો હતો, મારા ગયા. પેલો કહેશે, લાખ મૂકી આવ્યો હતો, તે ગયા. આ તો મોટાં ઝાડો પડે ત્યારે જાય. બે ટકા લેવા કર્યા હતા ને 'કંઈ એમ ને એમ ઓછાં આપી આવ્યા'તા ?

આ તો આપણું જ્ઞાન છે ને, એટલે બહુ સારું થઈ ગયું છે. ખોટું થાય તો ય ડંખ્યા જ કરે. બેનો ડિફરન્સ આટલો કે પેલાં ખોટું કરે છે ને ઉપરથી રાજી થાય છે કે મેં કેવાં મૂરક બનાવ્યાં લોકોને અને આ ડંખ્યા કરે. આપણા મહાત્માઓને ખોટું થાય પછી ડંખ્યા કરે તે, કે ના ડંખે ?

પ્રશ્શનકર્તા : ડંખે.

દાદાશ્રી : એનું નામ મહાત્મા. ખોટું કરે ત્યારે મહીં ડંખ્યા કરે એને. ખોટું કરે ને રાજી થાય એ પેલાં !

હિસાબ જડે ભાવ પરથી !

પ્રશ્શનકર્તા : ભાવ ચોખ્ખો હોવો જોઈએ ને ? ભાવ જ બગડી ગયો હોય તો પાછા શી રીતે અપાય ?

દાદાશ્રી : એ ભાવ ચોખ્ખો નથી એ ઉપરથી જ આપણે હિસાબ કાઢી શકીએ કે આ અપાશે નહીં. અને ભાવ ચોખ્ખો હોય તો જાણવું કે આ પાછા અપાશે. આપણે આપણી મેળે તોલ કાઢી જોવો.

આપણને અડચણ હોય તો આપણે આટલું જોવું કે આપણો ભાવ ચોખ્ખો રહે છે કે નહીં ? તો ચોક્કસ અપાશે, પછી ચિંતા કરવા જેવું નથી.

આપણે કોઈના રૂપિયા લીધા હોય તો આપણો ભાવ ચોખ્ખો રહે તો જાણવું કે આ પૈસા આપણાથી અપાશે, પછી એના માટે ચિંતા વરીઝ નહીં કરવાની. ભાવ ચોખ્ખો રહે છે કે નહીં, એટલું જ જોવાનું આ એનું લેવલ છે. સામો ભાવ ચોખ્ખો રાખે કે ના રાખે તેના ઉપરથી આપણે જાણીએ. એનો ભાવ ચોખ્ખો ના રહેતો હોય ત્યારથી આપણે જાણીએ કે આ પૈસા જવાના છે.

ભાવ ચોખ્ખો જોઈએ જ. ભાવ એટલે તમારા અધિકારથી તમે શું કરો ? ત્યારે કહે કે, 'આજે બધા રૂપિયા હોત તો આજે જ આપી દઉં !' એનું નામ ચોખ્ખો ભાવ. ભાવમાં તો એવું જ હોય કે ક્યારે વહેલામાં વહેલી તકે અપાય.

પ્રશ્શનકર્તા : આ દેવાળું કાઢે ને પછી પૈસા ચૂકવે નહીં તો પછી બીજા અવતારે ચૂકવવાનું ?

દાદાશ્રી : એને ફરી પૈસા દેખાય નહીં, રૂપિયો એના હાથમાં અડે નહીં પછી. આપણો કાયદો શું કહે છે કે રૂપિયા પાછા આપવા માટે તમારે ભાવ ના બગડવો જોઈએ, તો જરૂર એક દહાડો તમારી પાસે રૂપિયા આવશે, ને દેવું ચૂકવાશે ! ગમે તેટલા રૂપિયા હશે, પણ છેવટે રૂપિયા કંઈ જોડે આવે નહીં માટે કંઈક કામ કાઢી લો. હવે ફરી મોક્ષમાર્ગ મળે નહીં. એક્યાસી હજાર વર્ષ સુધી મોક્ષમાર્ગે ય હાથમાં આવવાનો નહીં. આ છેલ્લામાં છેલ્લું 'સ્ટેન્ડ' છે, હવે આગળ 'સ્ટેન્ડ' નથી.

પૈસાનું કે એવું તેવું સંસારનું દેવું હોતું નથી, રાગ-દ્વેષનું દેવું હોય છે. પૈસાનું દેવું હોત તો અમે ના કહીએ કે, ભઈ, પાંચસો પૂરા માગતો હોય તો 'પાંચસો પૂરા આપી દેજે, નહીં તો તું છૂટીશ નહીં !' અમે તો શું કહીએ છીએ કે, એનો નિકાલ કરજો, પચાસ આપીને ય તું નિકાલ કરજે. અને કહીએ કે, 'તું ખુશ છે ને ?' ત્યારે એ કહે કે, 'હા, હું ખુશ છું.' એટલે નિકાલ થઈ ગયો.

જ્યાં જ્યાં તમે રાગ-દ્વેષ કર્યા હોય, એ રાગ-દ્વેષ તમને પાછા મળશે.

કોઈ પણ ભોગે બધો હિસાબ ચૂકવવાનો. હિસાબ ચૂકવવા માટે આ બધો અવતાર છે. જન્મ્યા ત્યારતી મરણ સુધી બધું ફરજ્યિાત છે.

આ તો છે એકસ્ટ્રા આઈટમ

એક માગતાવાળો એક જણને પજવો હતો, તે મને કહેવા આવ્યો કે, 'આ માગતાવાળો મને ગાળો ખૂબ દેતો હતો.' મેં કહ્યું, 'એ આવે ત્યારે મને બોલાવજે.' પછી પેલો માગતાવાળો આવ્યો, ત્યારે મને એનો છોકરો બોલાવવા આવ્યો. હું એને ઘેર ગયો. હું બહાર બેઠો ને પેલો માગતાવાળો અંદર પેલાને બોલતો હતો, 'તમે આવી નાલાયકી કરો છો ? આ તો બદમાશી કહેવાય.' આમ તેમ બહુ ગાળો દેવા માંડ્યો, એટલે પછી મેં અંદર જઈને કહ્યું, 'તમે માગતાવાળા છો ને ?' ત્યારે કહે, 'હા, હું માગતાવાળો છું.' મેં કહ્યું, 'અને આ આપનારા છે. તમારે બેનું એગ્રીમેન્ટ છે. આમણે આપવાનું એગ્રીમેન્ટ (કરાર) કર્યું છે ને તમે લેવાનું એગ્રીમેન્ટ કર્યું છે. અને આ ગાળો તમે દો છો તે એકસ્ટ્રા આઈટમ (વધારાની વસ્તુ) છે, એનું પેમેન્ટ (ચૂકતે) કરવું પડશે. ગાળો દેવાની શરત કરારમાં નથી કરી. ગાળે ચાલીસ રૂપિયા કપાશે. વિનયની બહાર બોલ્યા તો તે 'એકસ્ટ્રા આઈટમ' થઈ કહેવાય, કારણ કે તું કરારની બહાર ચાલ્યો છે.' આવું કહીએ એટલે એ ચોક્કસ પાંસરો થાય અને ફરી આવી ગાળો ના ભાંડે ને અમે તો આવડું આવડું આપીએ કે એનાથી સામું નાબોલાય ને એ પાંસરો થાય.

અમે તો આ દેહ છે ને તે સટ્ટામાં મૂકેલો છે. જેણે સટ્ટામાં મૂકેલો હોય એને ભો હોય કશો ? અમે આવડું આવડું આપીએ, પણ એ એના હિતને માટે હોય. અમારું પોતાનું હિત તો થઈ ગયેલું છે, સર્વસ્વ હિત થઈ ગયેલું છે. તે તમારા હિતના માટે કહેવું પડે. પછી માગવાવાળો પાંસરો ચાલે ને ? એને સમજણ નથી કે આ ગાળો એટલે શું ? એ 'એકસ્ટ્રા આઈટમ' ના પૈસા આપવા પડે ! કારણ કે એક્સ્ટ્રા બોલ્યો કેમ તું ?

દેખે ભૂલ પોતાની જ !

એક વણિકને ત્યાં બ્રાહ્મણ ચારસો રૂપિયા માગતો હતો, તે જપ્તી કરવા ગયો એટલે વણિક તો ચિડાયો 'સાલા નાલાયક' એમ બોલતો જાય અને પછી પાછો કહે, 'મારા જેવો કોઈ નાલાયક જ નથી ને !' અલ્યા તુંપોતાને ગાળો દે છે ? પાછો પેલાને એટલી બધી ગાળો દીધી અને બોલે પાછો શું ? 'મારા જેવો નાલાયક નથી.' રૂપિયા ના આપ્યા ત્યારે આ દશા થઈ ને ! એવું કહે અને પાછો પેલાને નાલાયક કહે ! અલ્યા, આ કઈ જાતના છો ? આ તો જાત જાતની ખોપરી છે. હવે એ પેલાને નાલાયક કહે, પછી પોતાનું આવું બોલે, એટલે પછી આપણને હસવું જ આવે ને ?

માટે આ જગતને તો કેમ પહોંચી વળાય ? એટલે આપણે તો શું કહ્યું કે, 'ભોગવે તેની ભૂલ.' આપણી ભૂલ છે એવું ક્યારે માલમ પડશે કે જ્યારે આપણને ભોગવવાનું થશે ત્યારે. એ સહેલો રસ્તો છે ને ?

એક ભાઈએ તમને અઢીસો રૂપિયા આપ્યા નહીં ને તમારા અઢીસો રૂપિયા ગયાં, તેમાં ભૂલ કોની ? તમારી જ ને ? ભોગવે તેની ભૂલ. આ જ્ઞાનથી ધર્મ થશે, એટલે સામા પર આરોપ કરવાનો, કષાય કરવાનું બધું છૂટી જશે. એટલે આ 'ભોગવે તેની ભૂલ' એ તો મોક્ષે લઈ જાય એવું છે ! આ તો એકઝેટ નીકળેલું ને કે 'ભોગવે તેની ભૂલ.'

જ્ઞાન પૂર્વેની ભૂમિકા !

પ્રશ્શનકર્તા : આ જ્ઞાન ઉત્પન્ન થયું તે પહેલાં તમારી ભૂમિકા ઘણી તૈયાર થઈ ગઈ હશે ને ?

દાદાશ્રી : ભૂમિકામાં કશું આવડતું ન હતું. જો આવડતું નહોતું તે મેટ્રિક નાપાસ થઈ ને પડી રહ્યા. બધામાં મારી ભૂમિકામાં એક ચારિત્ર્યબળ ઊંચું હતું એટલે મેં જોયેલું, છતાં ય ચોરીઓ કરેલી. આ ખેતરમાંથી, બોરાં-બોરાં થાય ને છોકરાઓ જોડે જઈએ. તો આંબો કો'કનો ને કેરી આપણે લઈએ, તે ચોરી ના કહેવાય ? તે નાનપણમાં બધાં છોકરાં કેરીઓ ખાવા જાય તે જોડે જોડે જઈએ. ને હું ખઉં ખરો પણ ઘેર ના લઈ જઉં. ચારિત્ર સારું એટલું જાણું.

ને બીજું, ધંધો કરું છું ત્યારથી મને એમ ખબર નથી કે મેં મારા પોતાના માટે, ધંધા સંબંધી વિચાર કર્યો હોય, અમારો ધંધો ચાલતો હોય તે ચાલ્યા કરે, પણ તમે અત્યારે ત્યાં આવ્યા તે તમને પહેલામાં પહેલું પૂછું કે તમારે કેમનું ચાલે છે ? તમારી શી અડચણ છે ? એટલે તમારું સમાધાન કરું તે પછી આ ભાઈ આવ્યા તે એમને કહું કે તમારે કેમનું ચાલે છે ? એટલે બધી લોકોની અડચણમાં જ પડેલો. આ જ ધંધો મેં આખી જિંદગી કરેલો. કશો ધંધો જ નથી કર્યો કોઈ દહાડો ય.

ફક્ત ધંધો આવડે બહુ. હવે પેલાને ચાર મહિના જાય પછી ગૂંચા ગૂંચા કરતો હોય, તો હું એક દહાડામાં ઉકેલ લાવી આપું.

કારણ કે કોઈનું ય દુઃખ મારાથી સહન ના થાય. અરે, નોકરી હજુ નથી મળતી ? તે છેવટે ચિઠ્ઠી લખી આપું. આમ કરી આપું તેમ કરી આપું પણ રાગે પાડી દઉં. આમ આડે દહાડે ના બોલું, પણ ચિઠ્ઠી લખતી વખતે મોટાભાઈ, મોટાભાઈ લખું.

પ્રશ્શનકર્તા : એ સારું કર્યું.

દાદાશ્રી : પણ એવું કર્યું. બસ એટલે જ બીજું કશું જિંદગીમાં નથી કર્યું.

મારા ધંધા સંબંધી વાત મેં કોઈને કરી નથી. ધંધા સંબંધી મેં ધ્યાને ય નથી આપ્યું. હું તો લોકોને કેમ સુખ થાય, કેમ અડચણો તૂટે, સર્વિસ ના હોય તેને ચિઠ્ઠી લખી આપું.

અને પેલાને નોકરી ના મળતી હોય ને તો અમારે ત્યાં મુંબઈ મોકલી દઉં. બધાને મુંબઈ મોકલ મોકલ કરેલા. માથે પગાર પડતો હોય તો ય. અમારા ભાગીદાર કહે કે, 'હા ભાઈ મોકલી દો.'

પ્રશ્શનકર્તા : કો'કને પાંચ આપીને છૂટી જવું. એ વ્યાવહારિક દ્ષ્ટિ સાચી છે, પણ ભગવાનની દ્ષ્ટિએ સાચું નથી.

દાદાશ્રી : ના, ભગવાન તો મારી પર બહુ રાજી. કારણ કે જે આવ્યો તે, એના દુઃખને બંધ કરેલું એટલે ભગવાન તો બહુ રાજી.

મારે ઘેર કોઈ આવ્યો હોય ને, એની પાછળ, તેમાં એ ય રસથી પડેલો, હું ય રસથી પડેલો અહંકારનો રસ મને ય ખરો ને એમને ય ખરો. તે ય અહંકારનો રસ ચૂસવા માટે, બાકી આ કંઈ લોકોને નોકરી આપવા માટે નહોતા કરતા !

માન લેતા ને સલાહ આપતા !

અને હું લોકોને ખોટી સલાહ આપતો હતો. તે પાછલે બારણે રહીને કાઢી મેલેલા તે ! ગુનેગારોને છટકબારી આપવી હોય, ઈન્કમટેક્ષમાં બિચારાં તો હું સલાહ આપું કે એ છૂટી જાય. પણ તે પાછલે બારણે રહીને કાઢી મૂક્યા બરાબર એ પછી મને સમજાયેલું કે આ પાછલે બારણે રહીને કાઢી મેલ્યા ! મારી પોતાની બુદ્ધિનો દુરૂપયોગ કરીને પાછલે બારણેથી આ માણસ છૂટા કર્યા અને પાછું ઈન્કમટેક્ષ આગળ કેવી રીતે છૂટી જવું તે ય દેખાડેલું. પાછલે બારણે રહીને કાઢી મેલેલા. આગલે બારણેથી નહીં, પાછલે બારણેથી ! કારણ કે મને શું લાભ થયો એની પ્રત્યે ? મને માન આપે છે. હું માન ભૂખ્યો હતો. માન ભૂખ્યો નહીં પણ ભિખારી ! જેમ ભિખારી ભીખ માંગ્યા કરે ને, એવી રીતે માન માટે ! આ જ્ઞાન થયા પહેલાંની વાત કરું છું ત્યારે મારું 'દિમાગ' જરા સારું ચાલે. એટલે લોકોને સલાહ આપવાની સિસ્ટમ હતી ! એટલે સલાહ આપવા બેસી જવાનું બહુ અને પેલા લોકો માનનું પીરસે ય ખરા, અને આપણે જમીએ ય ખરા !! એ મને કહેશે, 'મારે તો એવું થઈ ગયું આવું થઈ ગયું છે,' એટલે આપણે એને કહીએ 'પેલા બારણે રહીને નીકળી જા ને, એની મેળે હઉં થશે' તે પાછલું બારણું દેખાડીએ. બેક-ડોર ! હા, આવા કેટલા ય ગુના થયેલા હોય. અમારે કંઈ વકીલાત હત

ી ? વકીલો પૈસા હારું કરે, અમે માન હારું કરતા. બધું એકનું એક જ છે ને ? બધી વકીલાત જ છે ને ? એક માણસ બીજા માણસને મારતો હોય એમાં પેલા મારનાર માણસને સમજાવટ કરીને જો કદી પાછો પાડવામાં આવે, એનું નામ બીજા ઉપર બચાવ્યાનો ઉપકાર કરવો. એટલે આને પણ નુકસાન ના થાય ને પેલાને પણ નુકસાન ના થાય ને, એવી રીતે છૂટે. પછી આની ફી લઈએ અને બીજાની ફી ના લઈએ એ કંઈ બચાવ્યો કહેવાય ?

અને જે મદદ માંગવા આવ્યો ને, ચોરે ય મદદ માંગવા આવ્યો તો ચોરને મદદ આપેલી. હા દાદા, તમે મારું તો કામ કાઢી નાખ્યું, એવું કહે પછી. બસ આટલું જોઈએ.

પ્રશ્શનકર્તા : માન !

દાદાશ્રી : આટલો અહં પોષે એટલે બધું એનું કામ થઈ ગયું. જવાબદારી બધી લઈએ. એ તો જાણે ને કે ભગવાન જેવા છે. આ તો મારા દુઃખને હારું એ બધું કરેલું એવું સમજે. પોતે પોતાને માટે કંઈ નહતાં કરતાં.

આટલો અહંકાર તો હોવો જ જોઈએ. નહીં તો સારું કામ કોઈ કરે જ નહીં કોઈ. અને તે મને ય અહંકાર હતો તેથી કરતો હતો. બહુ ભારે અહંકાર.

એક દહાડો અંબાલાલભાઈ કહે ને બીજે દહાડે અંબાલાલ બોલે તો આખીરાત ઊંઘ ના આવે. મને એવો બધો અહંકાર. ગાંડો અહંકાર તેમાં મૂડી વગરનો અહંકાર. મૂડી ખૂટેલી નહીં કોઈ દહાડો ય.

પ્રશ્શનકર્તા : પોતાના કેરેક્ટરનો અહંકાર હોવો જોઈએ.

દાદાશ્રી : હા, એ હોવો જોઈએ. લક્ષ્મીનો અહંકાર ખોટો છે. લક્ષ્મી તો આવે ને જાય એ તો કંઈ ઠેકાણું નહીં.

'દાદા'ની હાજરી, એ જ શ્રીમંતાઈ !

એટલે મારે પોતાને માટે મેં ધંધો કર્યો નથી, કોઈ દહાડો ય.

પ્રશ્શનકર્તા : પણ તમે જ્યારે આ કોન્ટ્રાક્ટનું કરતા હતા, ત્યારે તો તમારા માટે જ કર્યું ને ?

દાદાશ્રી : મારે પોતાને માટે મેં કશું નથી કર્યું. એ ધંધો તો એની મેળે ચાલતો'તો. અમારા ભાગીદાર એટલું કહેતા હતા કે, 'તમે જે આ કરો છો એ કરો, આત્માનું અને બે-ત્રણ મહિને તમે એક ફેરો કામ દેખાડી જજો કે આમ છે. બસ એટલું જ કામ લેતા હતા મારી પાસે.

પ્રશ્શનકર્તા : પણ તો એની ય ગણતરી તો હોય ને ભાગીદારની ? કંઈક મેળવવાની ? ભાગીદાર બનાવે તો પોતાને લાભ થતો હોય તો જ ભાગીદાર બનાવે ને ?

દાદાશ્રી : હા.

પ્રશ્શનકર્તા : તો એને એ વખતે કયો લાભ થયો ?

દાદાશ્રી : એને તો સાંસારિક, પૈસા બાબતમાં બધો લાભ થાય ને ? એ તો છોકરાઓને કહેતા ગયા હતા કે આ દાદાની હાજરી એ શ્રીમંતાઈ છે. મારે પૈસા ખૂટ્યા નથી કોઈ દહાડો ય.

પ્રશ્શનકર્તા : આ સુરતમાં જ્ઞાન થયું એ પહેલાંની વાત છે ?

દાદાશ્રી : હા, પહેલાની વાત છે.

પ્રશ્શનકર્તા : એ નથી સમજાય એવું.

દાદાશ્રી : એ તો કોઈ કહે ને ? કે આપનાં પગલાં આવાં છે, કોઈને નથી કહેતા ?

પ્રશ્શનકર્તા : હા, હા.

દાદાશ્રી : એવું લઈને અમે આવ્યા છીએ.

ન કદી મત ભેદ ભાગીદાર જોડે !

અને અમે ચાલીસ વર્ષથી ધંધો કર્યો પણ તે એક મતભેદ નથી પડ્યો. એક સેકન્ડે ય મને મતભેદ નથી પડ્યો.

પ્રશ્શનકર્તા : એ આશ્ચર્ય કહેવાય. નહિ તો ભાગીદાર હોય એટલે કંઈક ને કંઈક, કો'ક ફેરો....

દાદાશ્રી : ના, એક સેકન્ડે ય મતભેદ નથી પડ્યો.

આવું હોય પછી મતભેદ ક્યાંથી !

હું ધંધો કરતો હતો તેમાં મારો એક કાયદો અમારા ભાગીદાર જોડે નક્કી કરેલો. હું નોકરી કરતો હોય તે ટાઈમે જેટલો પગાર મળે એટલા પૈસા ઘેર મોકલવા. એથી વધારે મોકલવા નહીં. એટલે એ પૈસા તદ્દન સાચા જ હોય. બીજા પૈસા અહીં ધંધામાં જ રહેવાના, પેઢીમાં. ત્યારે એ મને કહે છે, 'એને શું કરવાના પછી ?' ત્યારે મેં કહ્યું, ઈન્કમટેક્ષવાળો કહે, 'દોઢ લાખ ભરી જાવ. દાદાના નામથી, તે તમારે ભરી દેવના. એટલે મને કાગળ લખવો નહીં. અગર કંપનીને મોટી ખોટ આવી હોય તો ય મને કાગળ લખવાનો નહીં તમારે. એટલે ઉપાધિ જ નહીં ને ! અને એ પૈસા સારા લાગતા હતા. પદ્ધતિસર. જો કે અત્યારે તો બધો પૈસો ખોટો છે. બધો જ સાચો કે ખોટો, મૂળ રકમ જ ૧૯૩૯ પછીનો પૈસો સાચા રસ્તો નથી. એટલે સંતોષ નહીં આપે, જેવો જોઈએ એવો. એના કરતાં સારા કામમાં વપરાઈ જાય ને, નિરાંત ! નહીં તો ગટરમાં જતો રહેવાનો.

જન્મથી જ લોભ નહીં !

પ્રશ્શનકર્તા : આ જરા આશ્ચર્યની વાત છે. નહીંતર આ નથી હોતું માણસને. જ્યારે આપણે મેળવતા હોઈએ છીએ ત્યારે આપણે ઘરને માટે જ બધું કરતા હોય ને ઘરમાં વધારેમાં વધારે કેમ ભરીએ, એવું જ મોટે ભાગે થતું હોય છે.

દાદાશ્રી : મને નાનપણથી લોભ ન હતો.

પ્રશ્શનકર્તા : તો પછી પૂર્વજન્મનું કંઈ ફળ ગણવું ?

દાદાશ્રી : હા, તે પૂર્વજન્મનું. પણ પહેલેથી લોભ ન હતો. અહંકાર બહુ ભારે હતો. એ લોભ ન હતો, ત્યારે અહંકાર બહુ ભારે હતો.

રડવાની જગ્યા ના જોઈએ ?

અમારો ત્યાં આગળ સોનગઢમાં બિઝનેસ (ધંધો) કાઢેલો અમે લાકડાં ખરીદી કરવાનાં અને સો મિલ (લાકડાનું પીઠું) હઉ નાખેલી. આમ ધંધો તો કોન્ટ્રાક્ટરનો બહુ સારો ચાલે, ઘણા પૈસા મળે પણ આમ તો લોભ 'અહીંથી લૂંટું કે ત્યાંથી લૂંટું' તે લોભિયો સ્વભાવ મારો મૂળથી જ નહીં. અમારા ભાગીદારને એવું બહુ. અને મને તો આવું સારું લાગે, બહાર ફરવાનું એટલે જરા ફેરો મારી આવું ત્યાં આગળ, સો મિલ ઉપર. એટલે ત્યાં અમારા 'ધ્યાનમાં' રહીને ને ચાલ્યા કરે ગાડાં ! ને ધંધાની બહુ પડેલી નહીં. કારણ કે અમારા ભાગીદારે જ ના કહેલું કે બધું કામકાજ હું કરી લઈશ. તમારે તો મને બે-ત્રણ મહિને, બે-ત્રણ મહિને આવવું ને એક ફેરો સલાહ આપી જવી. મારી સલાહ બે-ત્રણ મહિના સુધી ચાલ્યા કરે ! તે તમે વાંચી લેજો બધું અને ખોળી કાઢો. આપણે આત્મા ખોળી કાઢો.

પ્રશ્શનકર્તા : એવું કહેલું.

દાદાશ્રી : હા, બધું એ તો કાયમ માટે અને એક બીજો મિત્ર હતો તે આવે. તે કહે, 'તમે બે ભાગીદારને હમણાં ખાસ કમાણીઓ નથી. પહેલાં હતી, પણ અત્યારે તો કંઈ કમાણી દેખાતી નથી. પણ મારો ધંધો સારો ચાલે છે. આ પણ તમે તમારો ધંધો ચાલુ રાખો ને મારે ત્યાં પાર્ટનરશિપ રાખો.' તે મારો ફ્રેન્ડ હતો. એના મનમાં એમ કે, 'દાદા, ગાડી ના લાવે તો આપણી આબરૂ શું રહે ? આપણી કંપનીના માણસ !' સમજ પડીને ? અને ઘેર આવે તે કહે કે, 'તમે મકાન બદલી નાખો. તમે બંગલામાં આવી જાવ હવે. આ પોળમાં અમને બેસવા આવતાં ય શરમ આવે. તે પછી મેં કહ્યું, 'આ બદલીશને તો તમારે રડવાની જગ્યા ક્યાં લાવીશું ? તું કોને ત્યાં રડવા જાઉં ? આ તો રડવાની જગ્યા છે બધી. સંતાઈ જવાની જગ્યા.' અડચણ આવે ત્યારે સંતાઈ જવાની જગ્યા જોઈએ કે ના જોઈએ ?

પ્રશ્શનકર્તા : જોઈએ.

દાદાશ્રી : એ મારો મિત્ર હતો ને તે તેંતાલીસની સાલમાં રડી ઊઠેલો. તો એ ત્યાં આવીને રડેલો, પછી '૫૩માં રડેલો. દસ વર્ષે મોઢું ઊંચું થાય ને પાછું દસ વર્ષે બેસી જાય ! પછી રડવાની જગ્યા કંઈથી લાવીશ ?

હવે એ મારા મિત્ર મને શું કહે છે ? મારો ધંધો છે એટલે તમે પાર્ટનરશિપમાં (ભાગીદારમાં) રહો. કારણ કે વહીવટ મારો બહુ સુંદર. ઓર્ગેનાઇઝર (વહીવટકર્તા) તરીકે પાંચ અબજનો ધંધો હોય તો કરી આપીએ. બીજું આવડે નહિ કશું. ઓર્ગેનાઇઝ કરી આપીએ. દર્શન બધું ટોપ ઉપર. એટલે ભાગીદારને ઓર્ગેનાઇઝ કરી આપું. અને તે પ્રમાણે એ ચાલ્યા કરે. મહેનત કરવી ના પડે અમારે.

તે પછી મારો મિત્ર મને કહે, 'બાર મહિને લાખ રૂપિયા મારે તમને આપવા. અમારા ધંધામાં તે ઘડીએ કમાણી ઓછી હતી. બાર મહિને માંડ પંદર હજાર ભાગે આવે, અમારે બેઉ જણને ! તે લાખ આપવાના ! બાર મહિને લાખ રૂપિયા તો નક્કી જ પાર્ટનરશિપમાં, અને તમારે બેસી રહેવાનું. ગાડી પાછી આપવાની. અને ખોટ જાય તો મારે માથે, અને નફો વધારે આવે તો તમારો ભાગ. અને ખોટ જાય તો ય તમારે લાખ લઈ લેવાના.' મેં કહ્યું, 'પણ તારી જોડે રહીને મારી શી દશા ? તમને દરેક સાલ રડવા જોઈએ. તમે તો પાછા રડતા આવો. તમે તો રડવાની ટેવવાળા છો. હું પાછો રડવાની ટેવવાળો થઈ જાઉં. હું તો રડ્યો નથી બા. મારે તો મારા બાગીદાર સારા. અમે બેઉ નિરાંતે ભાખરી ને શાક ખઈએ એવા છીએ. મારે લાખ-બાખ ના જોઈએ. અમારા ખર્ચા ચાલે છે. અમે ભક્તિ કરીએ છીએ. આખો દહાડો. અમારા આવા ભાગીદાર છોડીને હું ક્યાં પાછો તારી જોડે ભાંજગડ કરવા આવું ? તારો પાહ (પાસ) ચઢી જાય તો હું ગાંડો બની જાઉં. રૂપિયા તો આપે પણ પાહ એવો ચઢી જાય ! હિંગ મફત આપે તે કાનમાં પૂમડાં ઘલાય એનાં ? મફત આપે એટલે કાનમાં પૂમડાં ના ઘલાય ? મફત આપે માટે કંઈ આવું થતું હશે ?

અમારા પરે ય ફોજદારી કેસ !

અમારી ઉપર એક ક્રિમિનલ કેસ કરેલો કોઈએ. એલીફન્ટામાં એક જેટી બંધાતી હતી, તે જેટીનું ટેન્ડર પેલા મૂળ એલીફન્ટા ગામમાં રહેનારા માણસને ભાગ ના આવ્યું. એટલે પછી અમારે ભાગે આવ્યું. હવે પેલા માણસે સામાન બધો તૈયાર કરી રાખેલો. અમને કંઈ આવી ખબર નહીં. એટલે એ પછી એ માણસે બધો સામાન તૈયાર કરીને સાઈટ પર મૂકી રાખેલો. પછી આવીને અમને અને અમારા ભાગીદારને એ શું કહેવા માંડ્યો કે, ' આ સામાન બધો તમારે લેવો પડશે' એટલે અમે કહ્યું કે, 'લઈ લઈશું'. જે બજારમાં ભાવ હશે, ને મુંબઈથી અહીં લાવીએ ને જે ખર્ચો થાય, એનાં કરતાં બે વધારે આપીને પણ તમારી પાસેથી લઈશું. હવે બોંતેર રૂપિયા ખર્ચ થાય એવું હતું, તે અમે પંચોતેર રૂપિયા આપવાનો વિચાર કર્યો ત્યારે એ કહે છે કે ના, સો રૂપિયા ભાવ આપવો પડશે, એટલે 'આપવો પડશે' એ શબ્દે અમને બહુ વિચારમાં મૂકી દીધા કે 'આપવો પડશે' એ શબ્દ શું કહેવાય ? જો ભગવાન આવું કહેત તો ભગવાનની સામે થાત. અને આવું કહે તો એ ભગવાન નહીં, એવું અમે જાણીએ. ખુદ મહાવીર આવ્યા હોય ને જો આવું કહે તો હું જાણું કે આ મહાવીર ન હોય એટલે 'આપવો પડશે' કહ્યું એટલે પછી અમે કહ્યું કે ભાઈ શું છે તમારે ? ત્યારે કહે છે કે તમારે અહીં ધંધો કરવો હોય તો 'અ

ાપવો પડશે'. એટલે અમે કહ્યું કે અમો તમારો માલ લેવાના નથી. એટલે એ માણસે શું કર્યું કે અમે પથ્થર કાઢતા હતાતેની જોડે એ પથ્થર કાઢતો હતો, કારણ કે બધી માલિકી ઘણી ખરી એની હતી હવે ખરેખર તો એણે ગવર્નમેન્ટની માલકી દબાવી પાડેલી, ને દબાવી પાડેલી એટલે ગવર્નમેન્ટ કંઈ છોડે નહીં. પણ ગવર્નમેન્ટને ભુલાવામાં નાખેલી અને કામ કર્યા કરે ને લાભ ઉઠાવે બધો.

પછી એણે અમારી પર પેલું ક્રિમિનલ કર્યું કે, 'આ બધું મારી માલકીમાં પડ્યું છે, માટે આમની મશીનરી બધી જપ્ત કરી લેવી.' એટલે આખી આખી મશીનરી બધી જપ્ત થઈ ગઈ. પછી એના કહ્યું કે અમારે આવડા આવડા પથ્થર હતા, તે અમારી માલકીના આ લોકો ચોરી ગયા છે. 'કેટલા રૂપિયાના ?' ત્યારે કહે કે, 'પચ્ચીસ રૂપિયાના ?' અમે ભાગીદાર અને બીજા બે નોકર હતા એ ચાર જણને આરોપી તરીકે મૂક્યા એટલે એણે આ અમારી ઉપર ક્રિમિનલ કેસ કર્યો કે 'આ પચ્ચીસ રૂપિયાના પથ્થરો ચોરી ગયા અને આ મારી માલકી છે. તેમાં આ મશીનરી મૂકે છે. એને જપ્તીમાં લીધું. અમારા ભાગીદાર ઠેઠ બધે ગવર્નમેન્ટમાં પહોંચી જઈ અને ત્યાંથી પરવાનગી લઈ આવ્યા એટલે આ મશીનરી તો છૂટી થઈ.

અને પેલો જે કેસ થયો, તે તો એણે પાછું શું કર્યું ? કે ક્રિમિનલ કરી અને આરોપી ઉપર પેલું એ કઢાવ્યું, વોરન્ટ અને તે અનબેલેબલ. એટલે આ ઢીલાઢચ કરી નાખવા માટે એણે આ બધું કર્યું. હવે એણે આ બધું કર્યું એની પાછળ કોઈ મજબૂતી હતી, પુષ્ટિ હતી કે પુષ્ટિમાં શું હતું કે દારૂનો ને એ બધો ધંધો કરતો હતો, અને ત્યાં આગળ ઓફિસરો એ બધા દારૂ પીવે. માંસાહાર કરે ને એટલે બધા એને મળતા થઈ ગયેલા. એટલે અમારું કંઈ ચાલે નહીં. અમે પછી સમજી ગયા કે આ બધું એક જ બાજુ છે. આપણું કરવા જઈએ તો ય કશું વળે નહીં. હવે કોઈ મોટા ઓફિસરો દાદ ભરે, પણ ત્યાર હોરું, એ મોટા ઓફિસરે લખવાનું તો નાના ઓફિસરને એટલે અમારું કશું વળે નહીં.

એ કેસમાંથી આ અનબેલેબલ વોરન્ટ કાઢ્યાં તે વખતે હું અહીં મામાની પોળમાં હતો અને અમારા ભાગીદાર ત્યાં મુંબઈમાં હતા. અને એક બે છોકરાઓ રત્નગિરિ હતા. તે બધો તાલ બઝાવવા ગયાં પણ બઝાયું અમારું પહેલું. એટલે પોલીસવાળા અહીં આવેલા, ત્યારે આપણા મહાત્મા, ને બીજા એક-બે જણ બેઠેલા ને બધી સત્સંગની વાતો ચાલે. ૧૯૫૮-૫૯ની સાલ, પછી ફોજદારે અને એના હાથ નીચેના માણસે નક્કી કરેલું કે આપણે કોન્ટ્રાક્ટરને ત્યાં જવું. એટલે કોઈકને પૂછેલું કે, 'ભઈ, આ કોન્ટ્રાક્ટર ક્યાં આગળ રહે છે ?' ત્યારે કહે કે, 'આ પોળમાં રહે છે અને માણસ સારા છે. માટે એમને ત્યાં તમે પોલીસ-ડ્રેસમાં જશો નહીં. જે કંઈ કામ હોય, પણ તમે પોલીસ-ડ્રેસમાં જસો નહીં.' એટલે એ લોકો સાદા ડ્રેસમાં આવ્યા. એટલે હું સમજ્યો કે આ સત્સંગી આવ્યા. એટલે મેં કહ્યું કે, 'આવો, પધારો' અને સત્સંગ મેં ચાલુ રાખ્યો. ત્યાર પછી એ લોકોને મનમાં એમ લાગ્યું કે આ તો ભૂલ ખાધી આપણે. જો પેલો ડ્રેસ પહેરીને આવ્યા હોત તો ઉપાધિ ના થાત. એટલે પછી થોડીવારે ફોજદારની હિંમત ખૂટી, મને કહે છે કે, 'આ તમારી પરનું વૉરન્ટ છે.' મને કાગળ આપ્યો. મેં કહ્યું કે, 'આ કરેક્ટ વાત છે. વાત સાચી છે. બેસો થોડીવાર, તમારે ઉતાવળ નથીને ? હું આવું છું

તમારી સાથે, પણ થોડી ચા કશું પીઓ.'મેં ચા-પાણીનું કહ્યું એટલે એ કહે છે કે 'ના, ચહા નહીં પીએ.' ત્યારે મેં કહ્યું કે, 'ના પહેલી ચા પીવો. પછી આપણે જઈએ.' એ લોકોએ ચા પીધી. તો ય હું તો સત્સંગના મૂડમાં હતો. મારા મૂડ ઉપર કંઈ ચેન્જ ના જોયો. એટલે એમના મનમાં એમ થયું કે આમને ચેન્જ નથી થતો માટે એક પડીકી વધારે આપો. એટલે મહીં જરા સંડાસ થાય એમને. પછી એ મૂડને બદલવા માટે મને કહ્યું કે, 'આ વોરન્ટ છે પણ અનબેલેબલ છે.' ત્યારે મેં કહ્યું કે, 'હું તો મહાભાગ્યશાળી કહેવાઉં, બાંધીને મને લઈ જાવ, તો અમારા પડોશીઓને આનંદ થાય. કોઈ દહાડો એમને આનંદ થતો નથી. રોજ તપ કર્યા કરે છે કે આ જ્ઞાની થઈ બેઠો છે, મોટા જ્ઞાની થઈ બેઠા છે.' તે મેં ફોજદારને કહ્યું કે આ તમે બાંધો અહીં આગળ.' ત્યારે કહે છે કે, 'ના બંધાય. તમે અમારી સાથે ચાલો.' તે મેં કહ્યું કે, 'નહીં બાંધો, તો આ લોકોને આનંદ થશે કે ઓ હો હો રોજ મોટી મોટી વાતો કરતા હતા અને કેવા પાંસરા થઈ ગયા.'

એટલે પોલીસ રાવપુરા ગેટમાં લઈ ગયા. ત્યાં મોટા ફોજદાર હતા, તે મને ઓળખે, બીજી રીતે નહીં, એટલે પછી પેલા ફોજદારને કહે છે કે, 'આમને શું કરવા તેડી લાવ્યો છું ?' ત્યારે આ કહે કે, 'આ જ પેલા સ્વામી.' એટલે કહે કે 'એવું બને નહીં.' ત્યારે કહે કે ના એ જ છે. પછી મોટા ફોજદારે કહ્યું કે સારું, તો ભલે અનબેલેબલ વોરન્ટ છે પણ છતાં હું તને ઓર્ડર કરું છું. બસ્સો રૂપિયાના જામીન લઈ લો. હવે આપણા ભાણાભાઈ, એ શું કહે છે કે, મગનભાઈ શંકરભાઈને કહેવડાવી દઉં, નહીં તો ભવાડો બધો કાલે પેપરમાં આવશે. ત્યારે મેં કહ્યું કે ના કહેવાડવાશો. પેપરમાં આપણે છપાવવું હોય તો રૂપિયા આપવા પડે છે. તો આ વગર પૈસે મારું નામ છપાય, તો હું બહુ ધન્ય માનું. ભલેને, ભવાડો છપાય છે પણ વિચાર કરનારો વિચારશે કે નહીં વિચારે ? જેટલા ઓળખતા હશે એ તો વિચારશે ને ? નહીં ઓળખતા હોય તેમને ઘડીવાર ભવાડો લાગશે. એટલે મેં કહ્યું કે, 'જવા દો, કશો વાંધો નહીં, કહેવડાવશો નહીં.' એટલે એમણે એમ ને એમ અદબદ રાખ્યું અને બસ્સો રૂપિયાની જામીન અમારા ચાર જણ હતા તેમાંથી એક જણ થઈ ગયો. એટલે આ કામ બધું પતી ગયું.

પછી મને કહે છે કે, 'તમારે લાલ કિલ્લામાં આવવું પડશે. બપોરે આવજો.' ત્યારે મેં કહ્યું કે, 'એ ક્યાં આવ્યો ?' ત્યારે અમારી જોડે એક ભાઈ હતા એ કહે છે કે, 'હું જોડે આવીશ, અને હું તમને તેડવા આવીશ અને આપણે જોડે જઈશું. ત્યાં લાલ કિલ્લામાં જે હોય તે આપણે વિધિ કરી લેવાની.' ફોજદારના કહ્યા પ્રમાણે અમે બપોરે ત્રણ વાગે ત્યાં આગળ ગયા. જ્યાં આગળ એક વિધિ કરવાની હતી, ત્યાં આગળ એ માણસ કહે છે કે, 'આરોપીને લાવો', હું ગયો ત્યારે મને કહે છે કે, 'આરોપીને તેડી લાવો, તમે શું કરવા અહીં આવો છો ?' ત્યારે મેં કહ્યું કે, 'હું જ છું, એ આરોપી.' તે કહે, 'એ બને નહીં આવું.' મેં કહ્યું, 'બન્યું છે ને ! હકીકત છે ને ?' એમને ય બધું વિચિત્ર લાગ્યું આ, એટલે પછી એ કહે છે કે, 'સારું ત્યારે, બાકી મારે તો આ શરમ લાગે છે. તમારો અંગૂઠો લેતાં મને શરમ લાગે છે.' મેં કહ્યું કે, 'ના, તમે એમ બિલકુલે ય ના માનતા કે હું સહેજે ય દિલગીર છું. મને તો એમ થયું કે કોળિયાની નાતમાં બાબરિયો પહેલો નંબર લાવ્યો હતો, એવું અમારી પાટીદારની નાતમાં પહેલો નંબર લાગ્યો છે મારો.' પછી અમે ઘેર આવ્યા.

પછી એ કેસ ચાલ્યો, તે ઠેઠ છ-સાત મહિના સુધી ચાલ્યો. ચારેય જણા ત્યાં જઈએ કારણ કે ફોજદારી એટલે બીજું બધું ધાંધલ ચાલે જ નહીં. રજાઓ લઈએ તો ચાલે નહીં. પહેલે દિવસે એટેન્ડ થાય. ત્યારે વકીલ કરેલો, તે વકીલને લીધા સિવાય અમે અંદર ગયા. મેજિસ્ટ્રેટ સાહેબે અમને અંદર બોલાવ્યા કે આ તમારે પચ્ચીસ રૂપિાયની ચોરીનો આરોપ છે. આ આરોપ કંઈ બહુ મોટો નથી. એટલે તો અહીં કબૂલ કરી લો, તે હું તમને પચ્ચીસ રૂપિયા દંડ કરું અને તમને મુક્તિ આપું. ત્યારે મને આ સરળ લાગ્યું. મેં કહ્યું કે ઉકેલ આવતો હોય તો ભલે, આ દોડધામ કરવી મટે, એટલે પછી બહાર વકીલ કહે છે કે, 'એવું ચાલે નહીં. આ તમારી કમ્પ્ની બ્લેક લીસ્ટમાં મૂકશે.' ત્યારે મને થયું કે 'અલ્યા, અરરર આવું બધું છે ? તો તમને શું લાગે છે ?' કહ્યું ત્યારે એ કહે કે, 'ના આપણે કેસ લઢવાનો.' એ શું કહે છે ? કંપની બ્લેક લીસ્ટમાં જાય, તે એવું તો આપણાથી થાય નહીં ને ! અમને બ્લેક લિસ્ટની પડેલી નહીં પણ છતાં કુદરતી રીતે લોકો કહેને કે 'આવું કેમ કર્યું, આવું ન થવું જોઈએ.' એટલે આપણે કહ્યું કે, 'ચાલવા દો.' એટલે મેજિસ્ટ્રેટ સાહેબને અમે ના કહ્યું. પછી એ કેસ ચાલ્યો. તે અમારે જ જગ્યાએ બેસવાનું હતું ને, આરોપીને બેસવાની જગ્યા હોય ને

? તે ત

મે જોયેલીયે નહીં હોય, અને મેં તો અનુભવેલી છે. એટલે ત્યાં અમે ચારે જણા કપડાંવાળા બેઠા હોય, બીજા બધા તો કોઈને આટલું ધોતિયું જ, કોઈના પગમાં જોડા ના હોય, તે બધા આરોપીના ભેગા અમે ચાર જાણે મોટા પ્રમુખ ના હોય એમ ?' રોફ કેટલો બધો ! પેલા બધા આઘા થઈ જાય ! અમે આવીએ ત્યારે બીજા આરોપી ખસી જાય.

એટલે પછી એ કેસ ચાલ્યો. ધીમે ધીમે કેસ પેલાની વિરુદ્ધમાં ગયો એટલે સાહેબે પેલાને ખાસ ખબર આપી, પેલાને ફૂંક મારી કે સમાધાન કરી લે. ત્યારે પેલો કહે છે કે મારી જોડે તો ક્યારે ય પણ એ સમાધાન નહીં કરે માટે સાહેબ, તમે કરી આપો. એટલે સાહેબે પછી અમને બોલાવ્યા. હું નમ્ર સ્વભાવનો એટલે મને પહેલાં બોલાવ્યો. અમારા ભાગીદાર તો બહુ કડક. તે મને બોલાવ્યો મને કહે છે કે, 'આ તમે સારા માણસ, સજ્જન થઈને આ બધું શું ? આ કેસને ઊંચો મૂકી દો ને ! ત્યારે અમારા ભાગીદારે બહારથી કહેવડાવ્યું. હું અંદર ગયો ને ત્યારે એમણે શું કહેવડાવ્યું, 'આ કેસમાં તો આ દાદાની આબરૂ બગાડી. ત્રણ લાખનો દાવો એમનો અને બે લાખનો મારો દાવો છે અને આ છોકરાઓનો લાખ લાખ રૂપિાયનો દાવો છે. આટલા દાવા આબરૂ લીધા બદલના માંડવાના છે. એટલે પેલાને ગભરામણ થઈ ગઈ, કારણ કે એને કહેલું કે કેસ તારી વિરુદ્ધમાં જાય છે. પછી ત્રણ લાખમાંથી એ પચાસ હજારે ય કરે કે ના કરે ?! આ અમારા ભાગીદારે એને રેચ આપ્યો. એટલે પછી મને કહે છે કે, તમે ઉકેલ લાવો ને તમે કહો હું આને ઊંચે મૂકી દઉં, એટલે અમારા ભાગીદારે ના પાડી ત્યારે મેં અમારા બાગીદારને સમજણ પાડી કે, ભઈ ઊંચું મૂકી દો ને ! ત્યારે કહે, 'ના, ના. હવે તો એમને અ

ે જ કરવાનું.' મેં કહ્યું કે, આ ઉપાધિ શું કરવા કરો છો ?' ત્યારે કહે કે, 'ના, એ તો એને શીખવાડવાનું' મેં કહ્યું કે, 'ક્યાં સુધી આપણે શીખવાડતા રહીશું ?' કેટલાક જણને આપણે શીખવાડીશું ? એના કરતાં આપણે જ શીખી લો ને ?' પણ તે ના માન્યું. એ તો કહે કે શીખવાડવાનું જ. એ બહુ કડક હતા પછી સાહેબે પેલાને બહુ ઠપકાર્યો અને એ પછી માફી માગવા આવ્યો. એ માફી માગવા આવ્યો એટલે મેં અમારા ભાગીદારને કહ્યું કે, 'ઊંચું મૂકી દોને, આપણે રૂપિયા નથી જોઈતા. જો માફી માગે છે. આપણો પૂર્વ ભવના હિસાબ હતો તે આ ફેરો આ જ જામ્યું. નહીં તો આ જામે ક્યારે ય કોઈ પણ વસ્તુ ? પૂર્વ ભવનો હિસાબ હતો તો જ જામે, નહીં તો નવા હિસાબથી જામે નહીં, માટે હિસાબ ચોખ્ખો થયો આપણો.

લેતાં ય એટલો જ વિવેક !

પ્રશ્શનકર્તા : કોઈ માણસે આપણને રૂપિયા આપવાના હોય, આપણે એને આપ્યા હોય એ આપણે એની પાસેથી પાછા લેવાના હોય, અને એ ના આપે, તો એ વખતે આપણે પાછા લેવા માટે પ્રયત્ન કરવો કે પછી આપણું દેવું ચૂકતે થયું એમ સમજીને સંતોષ માનીને બેસી રહેવું ?

દાદાશ્રી : એમ નહીં, માણસ સારા હોય તો પ્રયત્ન કરવો ને નબળો માણસ હોય તો પ્રયત્ન છોડી દેવો.

પ્રશ્શનકર્તા : પ્રયત્ન કરવો અથવા તો એમ કે ભઈ, આપણને આપવાના હશે તો ઘેર બેઠા આપી જશે અને જો ના આવે તો સમજી લેવાનું કે આપણું દેવું ચૂકતે થયું એમ માની લેવાનું ?

દાદાશ્રી : ના, ના. એટલું બધું ના માનવું. આપણે સ્વાભાવિક રીતે પ્રયત્ન કરવો જોઈએ. આપણે એને કહેવું જોઈએ કે, 'અમને જરા પૈસાની ભીડ છે, જો આપની પાસે છૂટ થઈ હોય તો અમને મોકલી આપજો.' એવી રીતે વિનયથી, વિવેકથી કહેવું જોઈએ અને ના આવે તો પછી આપણે જાણવું કે આપણો કોઈ હિસાબ હશે તો ચૂકતે થઈ ગયો. પણ આપણે પ્રયત્ન જ ના કરીએ તો એ આપણને મૂરખ માને અને એ ઊંધે રસ્તે ચઢે.

પ્રશ્શનકર્તા : એટલે એના માટે સામાન્ય પ્રયત્ન કરી જોવાનો ?

દાદાશ્રી : સામાન્ય એટલે એને કહેવાનું કે, 'ભાઈ, અમારે પૈસાની જરા ભીડ છે, આપની પાસે હોય તો જરા જલદી મોકલી આપો તો સારું.' લેનારાનો જેટલો વિવેક હોય ને, એવો વિવેક આપણે રાખવો જોઈએ. આપણી પાસે પૈસા લેવા હોય ને એ જેટલો વિવેક રાખે એટલો જ વિવેક આપણે એની પાસેથી પૈસા પાછા લેતી વખતે રાખવો. આપણને પેલો ખ્યાલ રહે છે. એ બધું નુકસાન બહુ કરે છે.

આ સંસાર તો બધું પઝલ છે. આમાં માણસ માર ખાઈ ખાઈ ને મરી જાય ! અનંત અવતારથી માર ખા ખા કર્યો અને છૂટકારાનો વખત આવે ત્યારે પોતે છૂટકારો ના કરી લે. પછી ફરી છૂટકારાનો આવો વખત જ ના આવે ને ! અને છૂટેલો હોય તો જ છોડાવડાવે, બંધાયેલો આપણને શું છોડાવડાવે ? છૂટેલા હોય એનું મહત્ત્વ છે. આપણને એક દહાડો વિચાર આવે કે 'આ પૈસા નહીં આપે તો શું થશે.' એ આપણું મન પછી નબળું પડતું જાય. એટલે આપણે આપ્યા પછી નક્કી કરવું કે દરિયાની અંદર કાળી ચીંથરી બાંધીને મૂકીએ છીએ, પછી આશા રખાય ? તો આપતાં પહેલાં જ આશા રાખ્યા વગર જ આપો, નહીં તો આપવા નહીં.

લેણું આપીને છૂટ્યા !

એવું છે ને, કે આપણે કો'કના લીધા હોય - દીધા હોય, લેવા-દેવાનું તો જગતમાં કરવું જ પડે ને ! એટલે અમુક માણસને કંઈક રૂપિયા આપ્યા હોય તો તે કો'કના પાછા ના આવે તો એના માટે મનમાં કકળાટ થયા કરે કે, 'એ ક્યારે આપશે, ક્યારે આપશે.' તો આનો ક્યારે પાર આવે ?

અમારે ય એવું બનેલું ને ! પૈસા પાછા ના આવે એની ફિકર તો અમે પહેલેથી નહોતા નાખતા. પણ સાધારણ ટકોર મારીએ, એને કહી જોઈએ ખરાં. અમે એક માણસને પાંચસો રૂપિયા આપેલા. આપ્યા તે તો ચોપડે લખવાના ના હોય તે ચિઠ્ઠીમાં ય સહી કશું ના હોય ને ! તે પછી એને વર્ષ, દોઢ વર્ષ થયું હશે. મને ય કોઈ દહાડો સાંભરેલું નહીં. એક દહાડો પેલા ભાઈ ભેગા થઈ ગયા, મને યાદ આવ્યું. પછી મેં કહ્યું કે, 'પેલા પાંચસો રૂપિયા મોકલી આપજો.' ત્યારે એ કહે છે કે, 'શેના પાંચશો ?' મેં કહ્યું કે, 'પેલા મારી પાસેથી લઈ ગયા હતા ને, તે.' ત્યારે એ કહે કે, 'તમે મને ક્યાં ધીરેલા ? તમને રૂપિયા તો મેં ધીરેલા એ તમે ભૂલી ગયા છો ?' ત્યારે હું તરત સમજી ગયો. પછી મેં કહ્યું કે, 'હા, મને યાદ આવે છે ખરું, માટે કાલે આવીને લઈ જજો.' પછી બીજે દહાડે રૂપિયા આપી દીધા. એ માણસ અહીં ચોંટે કે તમે મારા રૂપિયા નથી આપતા તો શું કરો ? આ બનેલા દાખલાઓ છે ?

એટલે આ જગતને શી રીતે પહોંચી વળાય ? આપણે કોઈને આપ્યા હોય ને, તે આ દરિયામાં કાળી ચીંથરી બાંધીને મહીં મૂક્યા પછી આશા રાખવી એના જેવી મૂર્ખાઈ છે. વખતે આવ્યા તો જમે કરી લેવા ને તે દહાડો એને ચા-પાણી પાવાં કે, 'ભઈ, તમારું ઋણ માનવું પડે કે તમે રૂપિયા પાછા આવીને આપી ગયા નહીં તો આ કાળમાં રૂપિયા પાછા આવે નહીં. તમે આપી ગયા તે અજાયબી જ કહેવાય.' એ કહે કે, 'વ્યાજ નહિ મળે.' તો કહીએ, 'મૂડી લાવ્યો એ જ ઘણું છે ને !' સમજાય છે ? આવું જગત છે. લાવ્યો છે તેને પાછા આપવાનું દુઃખ છે, ધીરે છે તેને પાછા લેવાનું દુઃખ છે. હવે, આમાં કોણ સુખી ? અને છે 'વ્યવસ્થિત' ! નથી આપતો તે ય 'વ્યવસ્થિત' છે, અને ડબલ આપ્યા તે ય 'વ્યવસ્થિત' છે.

પ્રશ્શનકર્તા : આપે બીજા પાંચસો કેમ પાછા આપ્યા ?

દાદાશ્રી : ફરી કોઈ અવતારમાં એ ભઈ જોડે આપણને પ્રસંગ ના પડે, એટલી જાગૃતિ રહે ને, કે આ તો ઘર ભૂલ્યા. એ કહેશે કે, 'મારાથી અપાય એવા નથી, તો માંડવાળ કરજો.' તો એને પહોંચી વળાય ને ફરી આવતા અવતારમાં ય ભેગો થાય તો વાંધો નથી ! પણ આવા માણસ તો કોઈ અવતારમાં ય દર્શન ના થવાં જોઈએ. અમારી નાતને તો અડે જ નહીં તો સારું. અમારી નાતમાં ક્યાં સુધી અડે કે એ કહે કે, મારી પાસે સગવડ નથી તો તમે માંડવાળ કરો,' ત્યાં સુધી અમારી નાતને અડે, પણ જે આવું બોલે તે તો અમારી નાતને અડે ય નહીં. કમા જ ના ચાલે ને ! અમારી નાત જોડે લેવાદેવા જ નહીં ને !! ફરી ભેગો જ ના થાય તો સારું, ફરી એનાં દર્શન જ ના થશો. પેલો જાણે કે, 'હું ફાવ્યો' અમે કહીએ કે, 'તું ફાવ્યો છું અને અમારી ઇચ્છા હતી, મારો મોટો હિસાબ પતી ગયો ને ! તું ફાવ !!' આ ક્વૉલિટીને તો કેવી રીતે પહોંચી વળાય ? હવે આને તો ન્યાય કહેવો કે અન્યાય ?! કોઈ કહેશે કે, તમે ન્યાય કરાવીને પાછા રૂપિયા લો.' મેં કહ્યું કે, 'ના, આ તો હવે ઓળખાણ પડ્યું કે આવી ક્વૉલિટી હોય છે. માટે આ જ્ઞાતિથી તો છેટા, બહુ છેટા જ રહો અને આમની જોડે તો ખરા ખોટાનો ન્યાય કરતાં તો તલવારો ઊડે એટલું થાય.'

માંડવાળ કર્યા, છૂટવા માટે !

લોકોએ જાણ્યું કે મારી પાસે પૈસા આવ્યા છે, એટલે મારી પાસે લોકો પૈસા માગવા આવ્યા. તે પછી '૪૨ થી '૪૪ સુધી મેં બધાને આપ આપ જ કર્યું. પછી '૪૫ માં મેં નક્કી કર્યું કે હવે આપણે તો આ મોક્ષ તરફ જવું છે. આ લોકોની જોડે આપણને હવે મેળ ક્યાં સુધી પડશે ? માટે આપણે એવું નક્કી કરો કે આ પૈસાની ઉઘરાણી કરીએ તો ફરી પાછા રૂપિયા લેવા આવશે ને તો ફરી વ્યવહાર ચાલુ રહેશે. એના કરતાં ઉઘરાણી કરીએ તો પાંચ હજાર આપીને દસ હજાર લેવા આવે. એના કરતાં આ પાંચ હજાર એની પાસે રહે તો એના મનમાં એમ થાય કે 'હવે ભેગા ના થાય તો સારું.' અને રસ્તામાં મને દેખે ને, તો પેલી બાજુથી જતો રહે, તે હું પણ સમજી જઉં. એટલે હું છૂટ્યો, મારે આ બધાને છોડવા હતા ને એ બધાએ છોડ્યો મને !!

હવે એ ટોળામાં શા માટે પેઠો હતો ? માન ખાવા માટે. માન ખાવાનો મહીં મોહ રહેલો એથી માન ખાવા મહીં પેઠેલા. પણ હવે નીકળવું શી રીતે ? પણ મને આ રસ્તો જડી ગયો. જ્યારે જ્યારે મારા મનમાં નક્કી થાય કે હવે શી રીતે નીકળવું ? તે ઘડીએ મને સૂઝ પડી જાય. એટલે મેં નક્કી કર્યું કે આ પૈસા માંગવા નથી, કોઈ રસ્તો આવી જશે. એવો સરસ અંત આવી ગયો કે કોઈ આવતું જ બંધ થઈ ગયું. એમાંથી બે-ચાર જણ આવીને આપી ગયા હશે, પછી મેં એમને મોંઢે જ કહી દીધેલું કે, 'ભઈ, હવે તો મેં વ્યવહાર આ હીરાબાને સોંપી દીધો છે. મેં મારા હાથમાં કશું રાખ્યું નથી.' એવું કહી દીધેલું. એટલે ફરી ભાંજગડ જ મટી ગઈને ! હવે મારા હાથમાં કશું નથી, ઘરમાં મારું ચલણ પણ નથી', એવું કહી દીધેલું.

આપવા પણ ગયા સમજીને !

કોઈને રૂપિયા આપ્યા હોય, બે ટકાના વ્યાજે કે દોઢ ટકાના વ્યાજે કે પછી ત્રણ ટકાના વ્યાજે, પણ ફરી કોઈ દહાડો દેખાવાના નથી એવી રીતે આપવા. એટલે જ્યારે પછી પાછા આવે ત્યારે નફો જાણવો. એક વખત રૂપિયા અપાઈ ગયા પછી એની ચિંતા ઉપાધિ કરવાની ના હોય, કારણ કે તમારા હાથમાં સત્તા જ નથી. આ મનુષ્યોના હાથમાં જીવવાની યે એક ઘડીવાર સત્તા જ નથી. કઈ સેકન્ડે મરી જશે એનું ઠેકાણું નથી, ને રૂપિયાની ચિંતા કર્યા કરે છે. અલ્યા, રૂપિયાની ચિંતા થતી હશે ?

જગતવ્યવહાર હિસાબ માત્ર

કેટલાક લોક કહે છે કે, 'અમે કો'કને પૈસા ધીર્યા છે તે બધા ઘલાઈ જશે.' ના, આ જગત બિલકુલેય એવું નથી, કેટલાક કહેશે, 'પૈસા આપે તો ઘલાય જ નહીં.' એવું ય જગત નથી. જગત પોતે પોતાના હિસાબથી જ છે. તમારું ચોખ્ખું હોય તો કોઈ તમારું નામ ના દે એવું જગત છે.

મનમાં એમ થાય કે, 'કોઈ ચોર પકડશે તો શું થશે ?' કશું એવું બને એવું નથી. અને જે પકડાવાના છે તેને કોઈ છોડવાના નથી. તો પછી ભડકવાનું શેને માટે ? જે હિસાબ હશે તે ચૂકતે થઈ જશે. અને આમાં હિસાબ નહીં હોય તો કોઈ કશું નામ દેનારાં નથી. હવે આમાં નીડરે ય નથી થઈ જવાનું કે મારું નામ કોણ દે ? એવું પાછું બોલાય જ નહીં. એ તો બીજાને પડકાર આપ્યો કહેવાય. બાકી મનમાં ભડકશો નહીં, ભડકવા જેવું આ જગત નથી.

આપણું ઘડિયાળ હોય ત્રણ હજારનું અને ફોર્ટ એરિયામાં પડી ગયું હોય. ફોર્ટ એરિયા એટલે તો મહાસાગર કહેવાય, તે મહાસાગરમાં પડેલું કંઈ ફરી જોડે નહીં. આપણે આશા યે રાખીએ નહીં. પણ ત્રણ દહાડા પછી છાપામાં જાહેરખબર આવે કે જેનું ઘડિયાળ હોય તે, એનો પુરાવો આપીને અને જાહેરખબરનો ખર્ચ આપીને લઈ જાવ. એટલે આવું આ જગત છે, બિલકુલ ન્યાયસ્વરૂપ !! તમને રૂપિયા ના આપે તે ય ન્યાય છે, પાછા આપે તે ય ન્યાય છે. આ બધો હિસાબ મેં બહુ વર્ષો પહેલાં કાઢી રાખેલો, એટલે રૂપિયા ના આપે એમાં એનો કોઈનો દોષ નથી. એવી રીતે પાછા આપવા આવે છે એમાં એનો ઉપકાર શો ? આ જગતનું સંચાલન તો જુદી રીતે છે !

એ કુદરતનો ન્યાય !

ન્યાય જોવા જશો નહીં. ન્યાય જોવા જશો તો કોર્ટમાં જવું પડશે, વકીલો કરવા પડશે. બન્યું એ 'કરેક્ટ' માનીને હવે ફરી વકીલ કરવા નહીં.

આ તો આપણાથી ન્યાયથી છે. આ સાચું ને ખોટું નેચરલ ન્યાયથી હોવું જોઈએ. નેચરલ ન્યાય શું કહે છે ? કે જે બન્યું એ કરેક્ટ, જે બન્યું એ જ ન્યાય. જો તમારે મોક્ષે જવું હોય તો બન્યું છે એ ન્યાય સમજો અને તમારે ભડકવું હોય તો કોર્ટના ન્યાયથી નીવેડો લાવો. કુદરત શું કહે છે ? બન્યું એ ન્યાય છે એમ તમે સમજો, તો તમે નિર્વિકલ્પી થતા જશો, અને કોર્ટના ન્યાયથી જો એ કરશો તો વિકલ્પી થતા જશો.

ઉઘરાણીની અનોખી રીત !

ટૂંકી વાત. જે બન્યું એ ન્યાય છે. બીજો ન્યાય ખોળશો નહીં. જગતનો સ્વભાવ શું ? ન્યાય ખોળે. મેં એને સો રૂપિયા આપ્યા હતા. અને ખરે ટાઈમે મેં પાંચ રૂપિયા માગ્યા તો ય આપતો નથી. અલ્યા, નથી આપતો એ જ ન્યાય છે. એને અન્યાય શી રીતે કહેવાય આપણાથી ?

બુદ્ધિ તો માર તોફાન કરી નાખે. બુદ્ધિ જ બધું બગાડે છે ને. એ બુદ્ધિ એટલે શું ? ન્યાય ખોળે એનું નામ બુદ્ધિ. કહેશે, 'શા બદલ પૈસા ના આપે ? માલ લઈ ગયા છે ને ? આ 'શા બદલ' પૂછ્યું એ બુદ્ધિ. અન્યાય કર્યો એ જ ન્યાય. આપણે ઉઘરાણી કર્યા કરવી. કહેવું, 'અમારે પૈસાની બહુ જરૂર છે ને અમારે અડચણ છે', પછી પાછા આવી જવું. 'પણ શા બદલ ના આપે એ ?' કહ્યું એટલે એ પછી વકીલ ખોળવા જવું પડે. સત્સંગ ચૂકી જઈને ત્યાં બેસે પછી !

જે બન્યું એ 'વ્યવસ્થિત' કહીએ ! જે બન્યું એ ન્યાય કહીએ એટલે બુદ્ધિ જતી રહે. જે બને છે એ ન્યાય છતાં ય વ્યવહારમાં આપણે પૈસાની ઉઘરાણીએ જવું પડે. તો એ શ્રદ્ધાને લીધે આપણું મગજ પછી બગડે નહિ. એના પર ચિઢિયાં ના ખાય, અને આપણને અકળામણે ય થાય નહીં. જાણે નાટક કરતા હોય ને, એમ ત્યાં બેસીએ, કહીએ કે, 'હું તો ચાર વખત આવ્યો, પણ ભેગા થયા નહીં. આ વખતે કંઈ તમારી પુણ્યૈ હો કે મારી પુણ્યૈ હો, પણ આપણે ભેગા થયા કહીએ.' એમ કરીને ગમ્મત કરતાં કરતાં ઉઘરાણી કરીએ. 'અને તમે લહેરમાં છો ને, મારે તો અત્યારે મહામુશ્કેલીમાં સપડાયો છું.' ત્યારે કહે, 'તમને શું મુશ્કેલી છે ?' ત્યારે કહીએ, 'મારી મુશ્કેલીઓ તો હું જ જાણું. ના હોય તો કોઈની પાસેથી મને અપાવડાવો.' કહીએ. આમ તેમ વાત કરીને કામ કાઢવું. લોકો તો અહંકારી છે, તો આપણું કામ નીકળે. અહંકારી ના હોત તો કશું ચાલે જ નહીં. અહંકારીને એનો અહંકાર જરા ટોપ પર ચઢાવીએને, તો બધું કરી આપે. પાંચ-દસ હજાર અપાવડાવો કહીએ તોય, 'હા અપાવડા છું.' કહેશે. એટલે ઝગડો ના થવો જોઈએ. રાગ-દ્વેષ ના થવો જોઈએ. સો ધક્કા ખાય ને ના આપું તો કંઈ નહીં, બન્યું તે જ ન્યાય કહી દેવું. નિરંતર ન્યાય જ ! કંઈ તમારી એકલાની ઉઘરાણી હશે ?

પ્રશ્શનકર્તા : ના, ના. બધા ધંધાવાળાને હોય.

દાદાશ્રી : આખું જગત મહારાણીથી સપડાયું નથી. ઉઘરાણીથી સપડાયું છે. જેને તે મને કહે કે, 'મારી ઉઘરાણી દસ લાખની છે, તે આવતી નથી. પહેલાં ઉઘરાણી આવતી હતી.' કમાતા હતા ત્યારે કોઈ મને કહેવા નહોતા આવતા. હવે કહેવા આવે છે.

ઉઘરાણી નો શબ્દ તમે સાંભળેલો કે ? એ કોની રાણી છે વળી ?

પ્રશ્શનકર્તા : કોઈ ખરાબ શબ્દ આપણને ચોપડે છે એ ઉઘરાણી જ છે ને !

દાદાશ્રી : હા, ઉઘરાણી જ છે ને ! એ ચોપડે તે ખરેખરી ચોપડે. ડિક્ષનરીમાં ના હોય એવો યે શબ્દ બોલે. પછી આપણે ડિક્ષનરીમાં ખોળીએ કે આ શબ્દ ક્યાંથી નીકળ્યો ? આમાં એ શબ્દ હોય નહીં. એવો મગજ ફરેલા હોય છે. પણ એમની જવાબદારી પર લાવે છે ને એમાં જવાબદારી આપણી નહીં ને ! એટલું સારું છે.

ન્યાય ખોળી ખોળીને તો દમ નીકળી ગયો છે. માણસના મનમાં એમ થાય આ મેં શું બગાડ્યું છે તે મારું બગાડે છે.

પ્રશ્શનકર્તા : એવું થાય છે, આપણે કોઈનું નામ લેતા નથી તો અમને લોક શું કરવા દંડા મારે છે ?

દાદાશ્રી : તેથી તો આ કોર્ટો, વકીલો, બધાનું ચાલે છે. એવું ના થાય તો કોર્ટો વકીલોનું શી રીતે ચાલે ? વકીલનો કોઈ ઘરાક જ ના થાય ને ? પણ વકીલો ય કેવા પુણ્યશાળી તે અસીલો ય સવારમાં ઊઠીને વહેલા વહેલા આવે ને વકીલ સાહેબ હજામત (દાઢી) કરતા હોય ! ને પેલો બેસી રહે થોડીવાર. સાહેબને ઘેર બેઠાં રૂપિયા આપવા આવે. સાહેબ પુણ્યશાળી છે ને ! નોટિસ લખાવી જાય ને પચાસ રૂપિયા આપે.

કરવી'તી ઉઘરાણી ને થયું દાન !

હું તો કોઈની ઉપર દાવો માંડું નહીં. પણ દાવાવાળી જે રકમ હતી ને, તે મેં અમારાં ભાભીને કહેલું કે તમે તમારી મેળે ઉઘરાણીઓ પતાવજો, મારે આ રકમ નથી જોઈતી. ત્યારે મને કહે છે કે, 'તમે ઉઘરાણી તો કરવા જજો.' મેં કહ્યું કે, 'હું ઉઘરાણી કરવા જઉં ત્યારે એને બિચારાને જપ્તી બેઠેલી હોય તે એની બૈરી ઢીલી થઈને કહેશે કે આ જપ્તી બેઠેલી છે, દસ-પંદર રૂપિયા નથી તે આપજોને. તે હું આપીને આવેલો એટલે આવું ને આવું ચાલે.

ધરમ કરતાં ધાડ

મારી ૪૫ વર્ષની ત્યારે ઉંમર હતી. ત્યારે જ્ઞાન નહીં થયેલું. ત્યારે એક ત્રીસ વર્ષનો ફોજદાર હતો, મુસલમાન હતો.

થયું એવું કે આપણું લોખંડનું કારખાનું હતું, 'બીટકો એન્જિનિયરીંગ કું.' તે કારખાનામાં અમારા ગામનો એક જણ હતો. તે મને કહે, 'મારે કારખાનામાં પતરાં મૂકવાં છ.ે મારે હમણાં ગાડું લઈ જવાનું સાધન નથી.' મેં કહ્યું, 'ક્યાંથી લાવ્યો આ ?' ત્યારે એ કહે, 'કંટ્રોલમાંથી લાવ્યો છું.' ત્યારે મેં અમારા ભાગીદારને ચિઠ્ઠી લખી આપી કે એને બિચારાને પતરાં મૂકવા દેજો. છ પેટી પતરાં હતાં. એક એક પેટીમાં છ, છ નંગ હોય. સાત-આઠ નંગની ય હોય. પછી છ મહિના, બાર મહિના થયા, પણ પેલો લેવા આવેલો નહિ. પછી કાગળ આવ્યો એનો, પછી એ જાતે આવ્યો ને કહે કે, 'આજે અમે ગાડું લઈને આવ્યા છીએ લેવા. 'હવે એ પહેલાં અમારે ત્યાં સરકારના માણસો આવી ગયેલા. તેમણે પૂછ્યું, 'તમારે ત્યાં પતરાં ક્યાંથી લાવ્યા છો ?' મેં કહ્યું, 'બહારગામવાળાનાં છે, અમારે ત્યાં મૂકી ગયા છે ખાલી.' ત્યારે સરકારવાળા કહે, 'અમે જપ્તીમાં લઈએ છીએ. આ કંટ્રોલનું લાવ્યા ક્યાંથી ?' મેં કહ્યું, 'લો જપ્તીમાં, મારે શું ?' હવે પેલા લોકો આવ્યા તે, 'અમે એ લોકોને પરમીટ દેખાડી આવ્યા કે હવે માલ લેવા દો.' મેં કહ્યું, 'આ ઝગડો થયો, એ લોકો પરમીટ ખોળતા હતા.' ત્યારે એમણે કહ્યું, 'એ તો અમે દેખાડી આવ્યા હવે માલ લેવા દો.' મેં કહ્ય્

ાું, 'હા, ત્યારે લઈ લો.' ને અમારા ભાગીદારે માલ લેવા દીધો. પછી પેલા સરકારના માણસો આવ્યા, એ અમને કહે કે, 'તમે માલ વેચી દીધો ?' અલ્યા ભઈ, અમે વેચતા જ નથી. અમે જાણતા જ નથી. આ તો પેલા માણસો લઈ ગયા.' ત્યારે એમણે કહ્યું, 'પણ અમે તમને ના કહ્યું હતું ને ? આ જપ્તીમાં લીધેલા છે ને ? આ સરકારી માલ છે. એ કેમ વેચાય ? તમારાથી અપાય કેમ કરીને ?' મેં કહ્યું, 'ભઈ, એ તો પરમીટ બતાડીને લઈ ગયા !' ત્યારે એ કહે, 'એણે ખોટું કહ્યું, આ તો તમને એણે ફસાવ્યા.' ત્યારે મેં કહ્યું, 'ભાદરણમાં અમુક નામ છે ?' એ ખબર આપી. તે લોકોએ તપાસ કરી. મામલતદારે પેલા લોકોને ટૈડકાવ્યા. તો તે કહે છે, 'અમે લાવ્યા જ નથી ને !' એટલે મામલતદારે અહીં કહેવડાવ્યું એટલે પછી આ સરકારના લોકો કહે છે આ લોકોએ વેચી ખાધાં ! એટલે અમારી ઉપર વોરંટ કાઢ્યું. મુખ્ય ભાગીદાર તરીકે તો અંબાલાલ મૂળજીભાઈ પટેલને ત્યાં પોલીસવાળો આવ્યો. હું અંદર બેઠેલો. પોલીસવાળો કહે છે, 'અંબાલાલ મૂળજીભાઈ છે ?' મેં કહ્યું, 'હા, હું છું.' સાંજના સાડા પાંચ વાગેલા. હું તો ગયો એની જોડે ત્યારે ત્યાં ફોજદાર નાની ઉંમરનો બેઠેલો. ત્રીસ વર્ષની ઉંમરનો હતો. મેં કહ્યું, 'શું નામ આપનું ?' ત્યારે એ કહે, 'અહમદમીયાં.' તે મને કહ

ે છે, 'તમે કેમ ફસાઈ ગયા છો ?' મેં તેમને કહ્યું, 'તમને શી રીતે ખબર પડી કે હું ફસાયો છું ?' ત્યારે એ કહે, 'અમે તમને ના ઓળખીએ ? બિલાડીને ઉંદરની ગંધ આવે કે ના આવે ?' 'આવે.' 'તેમ અમને ચોરની ગંધ આવે.' એવું એણે કહ્યું. 'તમે ચોરી નથી કરી. તમે ચોરી કરી હોય તો અમને ગંધ આવે કે આ માણસે ચોરી કરી છે !' મેં કહ્યું, 'પણ સાહેબ અમે ફસાયા છીએ. શું થાય તે ?' ત્યારે એ કહે, 'પણ સાહેબ શું વાંધો થયો ? તમે થોડીવાર બેસો. હું નમાજ પઢી આવું.' તે પછી નમાજ પઢીને આવ્યા. તેમણે ચા મંગાવી. ચાના પૈસા મેં આપવા માંડ્યા ત્યારે એ કહે, 'તમારે નહિ આપવાના.' મેં કહ્યું, 'સાહેબ, કામ મારું ને ચા ઉલ્ટા મને પાઓ છો ?' પછી એ કહે, 'તમે ફસાયા છો એવું મને લાગ્યું માટે હવે કંઈ રસ્તો કરી આપું.' 'તમે રસ્તા કાઢો છો ?' ત્યારે એ કહે, 'સીટી મામલતદારને ખબર આપો કે તમે ફોજદાર પાસેથી આ બિનવારસી મિલકત મંગાવી લો. તો પછી એની પાસે કેસ બધા જાય. પછી આ ફોજદારી ગુનો ઊડી જાય તમારો !' મિંયાભાઈને મેં કહ્યું, 'તમને હું ચોર નથી એ શી રીતે ઓળખાણ પડી ? કો'કે મારા ગજવામાં વીંટી નાખી હોય તો તમે શું કરો ?' ત્યારે એ કહે, 'અમે તરત જાણી જઈએ કે તમે ચોરી નથી કરી. આ કો'કે નાખેલ

ી છે. ઉંદર-બિલાડી જેવું, ગંધ આવે. ડાકુ જેવી આંખ ઓળખતા નહિ હોય લોક ? આની આંખ ડાકુ જેવી છે, આની આંખ છે તે ચારિત્ર્યનો ફેલ છે, એવું નથી ઓળખાતું ? અને અમારી આંખમાં વીતરાગતા દેખાય. બધા જુએ ને કે કોઈની પર રાગે ય ના થાય ને દ્વેષે ય ના થાય.

પ્રશ્શનકર્તા : પછી આગળ શું થયું ?

દાદાશ્રી : પછી એવું થયું કે હું ઘેર આવ્યો. ત્યાં એક અંબુભાઈ પાઠક કરીને ભાઈ આવેલા. તે ડીપ્લોમા થયેલો, તે મારી પાસે કોન્ટ્રાક્ટના અનુભવની લાઈન શીખતો હતો. એટલે એ રોજ આવે. તે આવીને બેઠેલો. મેં એને કહ્યું, 'કેમ પાઠક કેમ ? ક્યારના આવ્યા છો ?' એણે મને કહ્યું, 'તમે ક્યાં ગયા હતા ?' મેં કહ્યું, 'આવી ફસામણ હતી, તે ત્યાં ગયા હતા. હવે અહીં સીટી મામલતદારને ત્યાં જવું પડશે.' તે પાઠક મને કહે, 'મારા કાકા પરમ દા'ડે જ નવસારીથી અહીં મામલતદાર તરીકે આવ્યા. શું કામ છે તમારે ?' મેં કહ્યું, 'આવું કામ છે.' ત્યારે એ કહે, 'એ તો કરી આવીશ, તમારું કામ !' મેં કહ્યું, 'અલ્યા, આ તો બહુ ગોટાળિયું કામ છે, મને જાતે આવવા દે.' 'ત્યારે એ કહે, 'ગમે તેવું ગોટાળિયું કામ હશે તો ય હું કાકાને કહી દઈશ.' ને એણે તો એના કાકાને કહી દીધું કે કંઈક રસ્તો કાઢો ! જેટલા હજાર-બારસો ભરવાના હશે તો ભરી દઈશ.' ત્યારે એના કાકા કહે, 'ચાર આના ય નહીં !' ને એમણે કેસ જ કાઢી નાખ્યો ! એમને બધું આવડે.

એ તો આપણો ગુનો હતો જ નહીં ને આવો તો અહંકાર કર્યો કે લો, અમારા કારખાનામાં પતરાં મૂકો. કશો વાંધો નહીં. એના આ ધક્કા ખાવા પડ્યા. કંઈ દાનત ખોરી ન હતી.

પ્રશ્શનકર્તા : પણ દાદા, કોઈ આપણી પાસે આવી રીતે હેલ્પ માંગવા આવા કે ભાઈ, આ અમને હેલ્પ કરો, મૂકવા દો, તો તેને મૂકવા દેવું કે નહિ ?

દાદાશ્રી : અરે, મૂકવા દેવું હોય તો બોંબ મૂકીને જાય, અત્યારે તો ! મને હઉ લોકો કહે છે કે બોંબ મૂકી જાય, પણ મેં કહ્યું, 'ભાઈ હવે મૂકી જાય એનું શું થાય તે ? જે થશે એ ખરી ! છેવટે કર્મના ઉદય હશે તો જ મુકાશે ને ! આ કંઈ દુનિયામાં નય્યા છે કે અન્યાયમાં ?

પ્રશ્શનકર્તા : ન્યાયમાં.

દાદાશ્રી : એટલે ગભરાવું નહિ. તેમ મૂકવા દેવું એવો ય નિશ્ચય નહિ રાખવો અને નહિ મૂકવા દેવું એવો ય નિશ્ચય નહિ રાખવો અને પેલો નિશ્ચય કરીએ તો આ બાજુ પડીએ અને આ નિશ્ચય કરીએ તો પેલી બાજુ પડીએ ! વચ્ચે મોક્ષનો માર્ગ !

ઉઘરાણી, સહજ પ્રયત્ને !

ધંધો તમે જ ચલાવો છો બધું ?

પ્રશ્શનકર્તા : હા, જી.

દાદાશ્રી : હા, ઉપાધિ નથી આવતી પોતાને ?

પ્રશ્શનકર્તા : ના, એવું કંઈ નથી આવતું.

દાદાશ્રી : સરસ મજા આવે છે ? આયે પુણ્યૈ જ છે ને કશી મુશ્કેલી વગર !

તેથી અમે કહીએ છીએ કે આપણી પુણ્યૈનું ખાવ. પુણ્યૈ કોનું નામ ? ગેર સવારના સાડા પાંચ વાગ્યે ઉઠાડે કે 'ભઈ, અત્યારે બંગલો બંધાવવો છે, ને એનો કોન્ટ્રાક્ટ તમને આપવો છે !' આવું 'વ્યવસ્થિત' છે ! જો ધણી દોડધામ ન કરતો હોય તો ય 'વ્યવસ્થિત' ધણીને ઉઠાડવા આવે અને ધણી દોડધામ કરતો હોય, બંગલો બંધાવવા સારું, તો વ્યવસ્થિત શું કહેશે કે 'થાય છે હવે !'

આ 'વ્યવસ્થિત'ની બહાર કશું થાય એવું નથી. છતાં આપણે 'વ્યવસ્થિત'નો અર્થ એવો ના કરવો જોઈએ કે આપણે સૂઈ રહો. બધું થઈ જશે. જો 'વ્યવસ્થિત' કહેવું હોય તો આપણો પ્રયત્ન હોવો જોઈએ. છતાં પ્રયત્નો તે તો 'વ્યવસ્થિત' કરાવે એટલા જ કરવાના હોય. પણ આપણી શું ઇચ્છા હોવી જોઈએ પ્રયત્ન કરવાની ? પછી 'વ્યવસ્થિત' જેટલા કરાવે એટલા પ્રયત્ન. પ્રયત્નમાં પછી, દસ વાગ્યાથી ઉઘરાણી માટે હેંડવા માંડ્યા. પેલો ભઈ ભેગો ના થયો, તો પછી બાર વાગ્યે ગયા, તો ય ભેગો ના થયો, તો પછી ઘેર આવીને ફરી પાછા દોઢ વાગ્યે જઈએ, એવું નહિ કરવાનું. પ્રયત્ન એટલે એક ફેરો જઈ આવવાનું ફરી પાછો વિચાર નહીં કરવાનો. આ તો પ્રયત્ન કરે તો કેટલા ધક્કા ખા ખા કર્યા કરે. પ્રયત્ન તો સહજ પ્રયત્ન હોવા જોઈએ. સહજ પ્રયત્ન કોનું નામ કહેવાય કે આપણે જેને ખોળતા હોય તે સામો મળે. આમ એને ઘેર જઈએ તો જડે નહીં, પણ આપણે પાછાં હેંડતી વખતે ભેગો થઈ જાય. અમને બધું સહજ પ્રયત્ને થાય. સહેજાસહેજ હિસાબ બદો ગોઠવાયેલો કારણ કે અમારે ડખો નહીં ને કોઈ જાનો !

તો ઘેર બેઠાં લેણું મળે !

ખરી રીતે તો એવું છે કે તમારું વિચારેલું નકામું નહીં જાય. તમારું બોલેલું નકામું જાય નહીં. તમારું વર્તન નકામું જાય નહીં. અત્યારે તો લોકોનું બધું કેવું જાય છે ? કશું ઊગતું નથી. વાણી ય ઊગતી નથી. વિચારો ય ઊગતા નથી. ને વર્તને ય ઊગતું નથી. ત્રણ ત્રણ વખત ધક્કા ખાય તો ય ઉઘરાણીવાળો મળે નહીં. તે વખતે મળે તો પેલો દાંતિયા કરે, આમ તો કેવું છે કે ઘેર બેઠાં નાણું આપવા આવે એવો આ માર્ગ છે. પાંચ-સાત વખત ઉઘરાણી કરી હોય ને છેવટે કહે કે મહિના પછી આવજો, તે ઘડીએ તમારાં પરિણામ ના બદલાય તો ઘેર બેઠાં નાણું આવે. તમારાં પરિણામ બદલાઈ જાય છે ને ?' આ તો અક્કલ વગરનો છે. નાલાયક માણસ છે, આ ધક્કો માથે પડ્યો. એવાં પરિણામ બદલાયેલાં હોય. ફરી વાર તમે જાવ તો પેલો ગાળો દે. તમારાં પરિણામ બદલાઈ જાય છે તેથી સામો બગડતો ના હોય તો ય બગડે.

પ્રશ્શનકર્તા : એનો અર્થ એવો થયો કે આપણે જ સામાને બગાડીએ છીએ ?

દાદાશ્રી : આપણું બધું આપણે જ બગાડ્યું છે. આપણને જેટલી અડચણો છે એ બધી આપણે જ બગાડી છે. એનો સુધારવાનો રસ્તો શો ? સામો ગમે તેટલું દુઃખ દેતો હોય, પણ તેને માટે જરા પણ અવળો વિચાર ના આવે, એ એને સુધારવાનો રસ્તો. આમાં આપણું ય સુધરે ને એનું ય સુધરે. જગતના લોકોને અવળા વિચાર આવ્યા વગર રહે નહીં. એટલે આપણે તો સમભાવે નિકાલ કરવાનું કહ્યું, એટલે એ કરે. સમભાવે નિકાલ એટલે શું કે એને માટે કંઈ વિચાર જ કરવાનો નહીં.

ને એ ભૂત વળગે

અને ઉઘરાણીમાં કોઈ માણસ ના આપતો હોય, એની પાસે ના હોયને ના આપતો હોય તો પછી ઠેઠ સુધી એની પાછળ હેંડ હેંડ ના કર્યા કરવું. એ વેર બાંધે ! ને જાય ભૂતમાં તો આપણને હેરાન કરી નાખે. નથી તેથી નથી આપતો એમાં એનો શું ગુનો બિચારાનો ? હોય ને નથી આપતા લોકો ?

પ્રશ્શનકર્તા : હોય ને ના આપતા હોય તો શું કરવું ?

દાદાશ્રી : હોય ને ના આપે તેને ય શું કરીએ આપણે તે ? દાવો માંડીએ બહુ ત્યારે ! બીજું શું ? એને મારીએ તો પોલીસવાળા આપણને પકડી જાય ને ?

નહીં તો છોડી દઈએ કે ભઈ, હશે તો આવશે, નહીં આવે તો ગયું. તો આ વકીલનું ભૂત તો ના ઘાલવું પડે ને !

પ્રશ્શનકર્તા : પણ છોડાતું નથી આપણે. સામો માણસ એવી રીતે ફરતો જાય કે આપણને છોડી દેવાનું મન ના થાય.

દાદાશ્રી : મન ના થાય તો વકીલનું ભૂત ઘાલે પાછું અને વકીલ કહેશે, 'હંઅ, સાડા નવે કહ્યું હતું તે પાછા પંદર પંદર મિનિટ મોડા થયા ? અક્કલ વગરના છો, ગધેડા છો, કૂતરા છો ! મેર ચક્કર, ફી આપણે આપવાની ને ગાળો ભાંડે ઉપરથી !

એટલે આપણે ગભરાવું નહીં. અને તે ઘડીએ આપણે વકીલને શું કહેવું જોઈએ કે સાહેબ તમારે ને મારે કંડિશન ફીની છે. હું તમને ફી આપું ને તમે દાવો લઢો. બીજી કોઈ કંડિશન ગાળની નથી. આ એકસ્ટ્રા આઈટમ કરો છો તેનો દાવો માંડીશ, એવું કહીએ. એક્સ્ટ્રા આઈટમ કહેવાય.

પ્રશ્શનકર્તા : ના જવું એ જ વધારે સારું !

દાદાશ્રી : કોર્ટમાં ના જવું ઉત્તમ. જે ડાહ્યો માણસ હોય તે કોર્ટમાં ના જાય. મારું હશે તો આવશે, નહીં આવે તો ગયું. પણ આવાં ભૂતાંને પાછાં ના બોલાવે. વગર કામનાં ભૂતાં પજવ પજવ કરે. હજુ જીતવાનું તો જીતાશે ત્યારે પણ તે પહેલાં તો 'અક્કલ વગરના છો, ગધેડા !' કહેશે. આ અક્કલના કોથળા ! અને આ માણસ ! ગધેડો નહીં ! બધે આવું બોલાય ? આપણે ત્યાં પેલા ભક્ત છે ને, વકીલ, તે કહે છે, અમે ય એવું બોલીએ છીએ. અલ્યા કઈ જાતના નંગોડ છે તે ? એ તો સારું છે, બિચારા માણસો સુંવાળા તો સાંભળી લે છે, નહીં તો જોડો મારે તમને, તો શું કરો ?

અમારા ભાગીદાર એક વકીલને ત્યાં ગયા હતા. તે એમનો કેસ જલદી ચલાવ્યો નહીં, પણ પૈસા આપી આવેલા. ત્યારે કહે, સાહેબ, પૈસા મને પાછા ન આપશો. પણ મારો કેસ પાછો આપો ત્યારે પેલાએ શું કહ્યું ? કૂતરું કૈડાવીશ, જો ફરી આવ્યા છો તો ? શું થાય તે ? તે પછી મહાપરાણે કેસ લઈ આવ્યા પાછા. એની પાસેથી પૈસા ના લીધા. મહાપરાણે સમજાવી-પટાવીને કેસ લઈ આવ્યા. પાછા બીજા વકીલને કેસ આપ્યો. એ જૈન હતા ને મોટા પ્રખર હતા. ત્યાં આગળ કેસ આપી આવ્યા. ત્યાં આગળ નવને બદલે સવા નવ થયા ત્યારે વકીલ કહે છે, 'તમે કૂતરા જેવા છો, ગધેડા જેવા છો, મારો ટાઈમ બગાડ્યો.' ત્યારે આ ભાઈ કહે છે, 'તમે જૈન થઈને આવું બોલો છો ? તો બીજા લોકો શું બોલશે ? મુસલમાનો બધા શું બોલશે ? આવી શર્ત છે ?' વકીલ કહે, 'તમે મને જગાડ્યો, તમે મને જગાડ્યો, જૈન થઈને ના બોલાય મારાથી. પણ આ તો બોલી દેવાય છે મારાથી.'. અમારા ભાગીદારે એવું કહ્યું, કે જૈન થઈને શું બોલો છો આ તમે ? જૈનનાં આવાં લક્ષણ હોય ? જૈન તો કેવી ડહાપણવાળી વાણી બોલે ? હોય લક્ષણ એવાં ? વૈષ્ણવનાં એવાં લક્ષણ હોય ? એમ કૈડવા જાય ? આ તો બાયડી જોડે વઢવાડ થાય. તેમાં મારી ઉપર શું કાઢે છે રીસ ? વઢવાડ બાયડી ઉપર અને રીસ આપણી ઉપર કાઢે !

પ્રશ્શનકર્તા : આવી રીતે વર્તીએ તો અસીલો અમને ખરી હકીકત કહે નહીં ને કોર્ટમાં મરી જઈએ, કોઈ વખત એવું કહે છે.

દાદાશ્રી : બહારનાં કાઢે છે એ !

પછી કરાવે વસુલ કુદરત !

તમારી પાસેથી કોઈ રૂપિયા લઈ ગયું, પછી ત્રણ કે ચાર વર્ષ થઈ જાય, તો આપણી રકમ વખતે કોર્ટના કાયદાની બહાર જતી રહે, પણ નેચરનો કાયદો આ લોકો તોડી શકે નહીં ને ! નેચરના કાયદામાં રકમ વ્યાજ સાથે પાછી આપે છે. અહીંના કાયદામાં કશું ના મળે, આ તો સામાજિક કાયદો છે. પણ પેલા નેચરના કાયદામાં તો વ્યાજ સાથે મળે છે. એટલે કોઈ જગ્યાએ કોઈ આપણા રૂપિયા ત્રણસો ના આપતું હોય તો આપણે એની પાસે લેવા જઈએ. પાછા લેવા માટે કારણ શું છે ? કે આ ભાઈ રકમ જ નથી આપતો તો કુદરતનું વ્યાજ તો કેટલુ ંબધું હોય. સો બસો વર્ષમાં તો કેટલી રકમ થઈ જાય.. ?! એટલે આપણે એની પાસે ઉઘરાણી કરીને પાછા લઈ લેવા જોઈએ. એટલે બિચારો એટલો બધો જોખમમાં તો ના ઉતરે. પણ પેલો આપે જ નહીં ને જોખમમાં ઉતરે તેના આપણે પછી જોખમદાર નથી.

પ્રશ્શનકર્તા : કુદરતના વ્યાજનો દર શું છે ?

દાદાશ્રી : નેચરલ ઈન્ટરેસ્ટ ઈઝ વન પર્સન્ટ પર બાર મહિને. એટલે સો રૂપિયે એક રૂપિયો ! વખતે તે ત્રણસો રૂપિયા ના આપે તો કશો વાંધો નહીં. આપણે કહીએ કે હું ને તું બે દોસ્ત. આપણે પત્તા સાથે રમીએ. કારણ કે આપણી રકમ કશી જવાની તો નથી ને ! આ નેચર એટલી બધી કરેક્ટ છે કે તમારો વાળ એકલો જ ચોરી લીધો હશે, તો યે પણ એ જવાનો નથી. નેચર બિલકુલ કરેક્ટ છે. પરમાણુ પરમાણુ સુધીનું કરેક્ટ છે. માટે વકીલ રાખવા જેવું જગત જ નથી. મને ચોર મળશે, બહારવટિયો મળશે એવો ભય પણ રાખવા જેવો નથી. આ તો પેપરમાં આવે કે આજે ફલાણાને ગાડીમાંથી ઉતારીને દાગીના લૂંટી લીધા, ફલાણાને મોટરમાં માર્યા ને પૈસા લઈ લીધા. 'તો હવે સોનું પહેરવું કે ના પહેરવું ?' ડોન્ટ વરી ! કરોડ રૂપિયાનાં રત્નો પહેરીને ફરશો તો ય તમને કોઈ અડી શકે એમ નથી. એવું આ જગત છે. અને તે બિલકુલ કરેક્ટ છે. જો તમારી જોખમદારી હશે તો જ તમને અડશે. તેથી અમે કહીએ છીએ કે તમારો ઉપરી કોઈ બાપો ય નથી. માટે 'ડોન્ટ વરી !' (ચિંતા કરશો નહીં) નિર્ભય થઈ જાવ !

ને આમ હિસાબ ચુકવાય !

પ્રશ્શનકર્તા : એક માણસને આપણે પાંચસો રૂપિયા આપ્યા ને રૂપિયા પેલો પાછા આપી ન શક્યો. અને બીજું, આપણે પાંચસો રૂપિયાનું દાન કર્યું તો આ બેમાં શું તફાવત ?

દાદાશ્રી : આ દાન કર્યું એ જુદી વસ્તુ છે. એમાં દાન લે છે એ દેવાદાર બનતો નથી. તમારા દાનનો બદલો તમને બીજી રીતે મળે છે. દાન લેનાર માણસ એ બદલો નથી આપતો. જ્યારે પેલામાં તો તમે જેની પાસે રૂપિયા માગો છો, તેની મારફતે જ તમને અપાવવું પડે છે. પછી છેવટે દહેજ રૂપે પણ એ રૂપિયા આપશે. આપણામાં નથી કહેતા ? કે છોકરો છે ગરીબ કુટુંબનો પણ, કુટુંબ ખાનદાન છે. એટલે પચાસ હજાર એને દહેજ આપો ! આ શેની દહેજ આપે છે ! આ તો જે માંગતું છે એ જ આપે છે. એટલે આવો હિસાબ છે બધો. એક તો છોડી આપે છે ને રૂપિયા પણ આપે છે. એટલે આમે બધો હિસાબ ચુકવાઈ જાય છે.

એમાં ભેળસેળનો ભયંકર ગુનો !

તમારે ધંધો કરવો હોય તો હવે નિર્ભયતાથી કર્યા કરજો, કોઈ ભય રાખશો નહીં અને ધંધો ન્યાયસર કરજો. જેટલું બને એટલું પોસિબલ હોય એટલો ન્યાય કરજો. નીતિના ધોરણ ઉપર રહીને પોસિબલ હોય એટલું કરજો, જે ઇમ્પોસિબલ હોય તે નહીં કરતા.

પ્રશ્શનકર્તા : એ નીતિનાં ધોરણ કહેવાં કોને ?

દાદાશ્રી : નીતિનું ધોરણ એટલે તમને સમજાવું. અહીં મુંબઈના એક વેપારી હતા, તે ઘઉંના જ્યારે બહુ ભાવ વધ્યા હતા ને, ત્યારે એ વેપારી એક વેગન ઇંદોરી ઘઉં મંગાવે અને એક વેગન રેતી મંગાવે, બેઉ ભેગું કરીને પછી કોથળા ફરી ભરે. બોલો, હવે એ નીતિ કહેવાય ?

પ્રશ્શનકર્તા : પણ નીતિ-અનીતિના તો ઘણા સૂક્ષ્મ ભેદો હોય છે, તે ખબર ના પડે.

દાદાશ્રી : બીજા બધામાં અનીતિ આપણે જોવાની જરૂર નથી, પણ માણસોને ખાવાની વસ્તુઓ હોય છે, માણસોના શરીરમાં જે જવાની વસ્તુઓ હોય છે, ખોરાક કે દવા, એને માટે તો આપણે બહુ જ નિયમો રાખવા જોઈએ. એવું છે ને કે તમે છેતરીને ચાલીસ રતલને બદલે સાડત્રીસ રતલ આપો, પણ ચોખ્ખું આપો તો તમે ગુનેગાર નથી, અથવા તો ઓછા ગુનેગાર છો, અને જે માણસ, ભેળસેળ કરીને ચાલીસ રતલ પૂરું આપે છે. એ બહુ જ ગુનેગાર છે. ભેળસેળ ના કરો. ભેળસેળ આપ્યું ત્યાં ગુનો છે. માનવજાતિ ઉપર ભેળસેળ ના હોવું જોઈએ.

પ્રશ્શનકર્તા : હું તો મારી અંગત રીતે માનું છું કે જેનાથી આપણો આત્મા દુભાય છે એ કાર્ય ના કરવું જોઈએ.

દાદાશ્રી : જ્યાં તમારા આત્માને દુઃખ થાય છે એ કાર્ય ના કરવું. બાકી માણસના શરીરને દુઃખ થાય, ભેળસેળ કરે, દૂધમાં બીજું ભેળસેળ, તેલમાં બીજું ભેળસેળ, ઘીમાં બીજું ભેળસેળ, તે કેવું કેવું અત્યારે ભેળસેળ કરવા માંડ્યું છે, એ બધું ન હોવું ઘટે.

ધર્મનો પાયો !

ધંધામાં અણહકનું નહીં. ને જે દહાડે અણહકનું લેવાઈ જાય, તે દહાડે બરકત નહીં રહે ધંધામાં. ભગવાન હાથ ઘાલતા જ નથી. ધંધામાં તો તારી આવડત ને તારું નૈતિક ધોરણ બે જ કામ લાગશે. અનૈતિક ધોરણ વરસ, બે વરસ સારું મલશે, પણ પછી નુકસાન જશે. ખોટું થાય તો છેવટે પસ્તાવો કરશો તો ય છૂટશો. વ્યવહારનો સાર આખો હોય તો તે નીતિ, નીતિ હશે ને પૈસા ઓછા હશે તો પણ તમને શાંતિ રહેશે અને નીતિ નહીં હોય ને પૈસા ખૂબ હશે તો ય અશાંતિ રહેશે. નૈતિકતા વગર ધર્મ જ નથી. ધર્મનો પાયો જ નૈતિકતા છે !

અનીતિ પણ, નિયમથી....

પ્રશ્શનકર્તા : આપ્તસૂત્રમાંથી ૧૯૩૬ નંબરનું સૂત્ર છે. વ્યવહાર માર્ગવાળાને અમે કહીએ છીએ કે સંપૂર્ણ નીતિ પાળ, તેમ ના થાય તો નીતિ નિયમસર પાળ. તેમ ના થાય તો અનીતિ કરું તો ય નિયમમાં રહીને કર. નિયમ જ તને આગળ લઈ જશે. એ જરા આપની પાસેથી સમજવું છે.

દાદાશ્રી : આ પુસ્તકમાં, આપ્તસૂત્રમાં બધાં વાક્યો લખેલાં છે ને, એ ત્રણે ય કાળ સત્યવાળા છે. આ વાક્યમાં હું શું કહું છું કે સંપૂર્ણ નીતિથી ચાલજો. પછી બીજું વાક્ય શું કહ્યું કે તેમ ન બને તો થોડી ઘણી નીતિ પાળજે ને નીતિ ના પળાય તો અનીતિ ના પાળીશ. અનીતિ પાળે તો નિયમથી અનીતિ પાળજે. એટલે બધી છૂટ આપી છે ને ? અનીતિ પાળવાની છૂટ, આ વર્લ્ડમાં મેં એકલાએ જ આપી છે ! એટલે અનીતિ પાળવાની હોય તો નિયમસર પાળજે કહ્યું. આપને સાંધો મળ્યો નહીં ?!

આમાં એવું કહે છે કે સંપૂર્ણ નીતિ પળાય તો પાળ અને એ ના પળાય તો નક્કી કર કે દહાડામાં મારે ત્રણ નીતિ તો પાળવી છે. અને નહીં તો નિયમમાં રહીને અનીતિ કરું તો એ પણ નીતિ છે. જે માણસ નિયમમાં રહીને અનીતિ કરે છે એને હું નીતિ કહું છું. ભગવાનના પ્રતિનિધિ તરીકે વીતરાગોના પ્રતિનિધિ તરીકે હું કહું છું કે અનીતિ પણ નિયમમાં રહીને કર, એ નિયમ જ તને મોક્ષે લઈ જશે. અનીતિ કરે કે નીતિ કરે તેનો મને સવાલ નથી, પણ નિયમમાં રહીને કર. આખા જગતને જ્યાં આગળ તેલ કાઢી નાખ્યું ત્યાં આગળ અમે કહ્યું કે આનો વાંધો નથી, તું તારે નિયમમાં રહીને કર.

હવે અત્યારે કળિયુગ છે, તે કહેશે કે, સાહેબ મારાથી આ થતું નથી, નીતિ પળાતી નથી. ત્યારે હું કહું કે, 'તું નિયમસર પાળ, દહાડામાં બે-ત્રણ નીતિ પાળવી છે, જા તારા મોક્ષની ગેરન્ટી અમે લખી આપીએ છીએ.

હા, વળી નીતિ ના પળાય ત્યારે શું અનીતિ જ પાળ પાળ કરવી ? ના એ તો હપુચું ઊંધું ચાલ્યું, એટલે કહ્યું કે અનીતિ જો તું નિયમથી પાળીશ તો મોક્ષે જઈશ. હવે આવી વિચિત્ર વાત કરે કોઈ ?

એ રીત અધોગતિની !

પ્રશ્શનકર્તા : દાદા, નિયમમાં રહીને અનીતિ શી રીતે પાળવી ? એનો દાખલો આપી સમજાવો ને !

દાદાશ્રી : હા, એ તમને સમજણ પાડું. એક શેઠને કાપડની દુકાન, તે કપડું આમ ખેંચી ખેંચીને આપતા હતા, ત્યારે મેં કહ્યું કે, 'આવું શું કરવા કરો છો ? ત્યારે કહે છે કે, 'ચાળીસ મીટરમાં આટલું વધે છે.' ત્યારે મેં કહ્યું કે, 'પછી આનો શું દંડ મળશે તે જાણો છો ? અધોગતિમાં જવું પડશે ! ચાળીશ મીટરનો ભાવ લીધો તો આપણે ચાળીસ મીટર આપી દેવાનું, એમાં ખેંચવાની જરૂર નથી.' ત્યારે કહે છે, 'તો તો અમને બરોબર નફો રહેતો નથી.' ત્યારે મે ંકહ્યું કે, 'જરા ભાવ વધારે રાખો.' ત્યારે એ કહે છે કે, 'ઘરાક બીજી જગ્યાએ જતો રહે છે, એટલે વધારે ભાવ લેવો હોય તો લેવાય જ નહીં ને !

આપણે આને અનીતિ કહીએ છીએ. હવે કાળો બજાર કરવો હોય, પણ ખૂટતું હોય તો એટલા પૂરતું જ દહાડામાં દસ-પંદર રૂપિયા વધારાના લઈ લે, બીજાં પચ્ચીસ વધારે આવે તો યે લે નહીં. એ અનીતિ કરી, પણ નિયમથી કહેવાય એટલે કહ્યું ને, કે અનીતિ કરવી પડે તો ય નિયમથી કરજે.

આમ નિયમ બાંધો

પ્રશ્શનકર્તા : એટલે તું પૈસા વધારે લે, પણ માલ ઓછો ના આપીશ એવો અર્થ થયો ?

દાદાશ્રી : ના, એવું નથી કહેતા, આપણે તો એમ કહ્યું છે કે અનીતિ કર પણ નિયમથી કરજે. એક નિયમ બાંધ કે ભઈ, મારે આટલી જ અનીતિ કરવી છે, આથી વધારે નહીં. રોજ દસ રૂપિયા દુકાને વધારે લેવા છે, એથી વધારે પાંચસો રૂપિયા આવે તો ય મારે નથી લેવા.

એમ માનો ને, કોઈ ઈન્કમટેક્ષ ઓફિસર હોય, એની વાઈફ રોજ લઢલઢ કરતી હોય કે, 'આ બધાંએ લાંચ લઈ લઈને બંગલા બાંધ્યા ને તમે લાંચ લેતા નથી. તમે આવા ને આવા રહ્યા.' એટલે ઘણી વખત તો છોકારની સ્કૂલની ફી પણ ઉછીની લાવવી પડે. એને મનમાં ઇચ્છા કે બસ્સો-ત્રણસો રૂપિયા ખૂટે છે, એટલા મળે તો આપણને શાંતિ રહે, પણ આમ લાંચ લેવાય નહીં. એટલે શું થાય ? અને એ પણ મનમાં ડંખે ને ? તો અમે એને કહીએ કે, 'લાંચ લેવી હોય તો તું નક્કી કર ને કે મારે મહિને પાંચસો રૂપિયાથી વધારે લેવી નહીં. પછી દસ હજાર રૂપિયા આવે તો પણ મારે ખપે નહીં.' તારે મહિને જેટલા ખૂટે છે એટલા તું લેવાનું નક્કી કર. હવે તું આ અનીતિ કરે છે. પણ નિયમથી કરે છે. નિયમમાં રહીને અનીતિ પાળી શકાય છે અને અનીતિ નિયમાં રહીને કરે તો મને વાંધો નથી. આ નિયમ જ તને મોક્ષે લઈ જશે. અને આની જોખમદારી તારી નથી. પણ નિયમથી કરે તો બહુ થઈ ગયું. અનીતિ કોઈ દહાડો ય રહે નહીં. કારણ કે અનીતિ કરવા ગયો કે એ વધતો જ જાય અને એ અનીતિ નિયમથી કરે તો એનું કલ્યાણ થઈ જાય.

આ અમારું ગૂઢ વાક્ય છે. આ વાક્ય જો સમજાય તો કામ થઈ જાયને ? ભગવાન પણ ખુશ થઈ જાય કે પારકી ગમાણમાં ખાવું છે અને તે પાછો પ્રમાણસર ખાય છે ! નહીં તો પારકી ગમાણમાં ખાવું ત્યાં પછી પ્રમાણ હોય જ નહીં ને ?!

આપની સમજમાં આવે છે ને ? કે અનીતિનો પણ નિયમ રાખ, હું શું કહું છું કે, 'તારે લાંચ લેવી નથી, અને તને પાંચસો ખૂટે છે, તો તું કકળાટ ક્યાં સુધી કરીશ ?' લોકો, ભાઈબંધો પાસે ઉછીના રૂપિયા લે છે તેથી વધારે જોખમ વહોરે છે, એટલે હું એને સમજણ પાડું કે 'ભઈ, તું અનીતિ કર, પણ નિયમથી કર.' હવે નિયમથી અનીતિ કરે એ નીતિવાન કરતાં શ્રેષ્ઠ છે. કારણ કે નીતિવાનના મનમાં રોગ પેસે કે, 'હું કંઈક છું, જ્યારે આના મનમાં રોગ પણ ના પેસે ને ?

આવું કોઈ શીખવાડે જ નહીં ને ? નિયમથી અનીતિ કરે એ તો બહુ મોટામાં મોટું કાર્ય છે.

પછી જોખમદારી 'અમારી' !

અનીતિ પણ નિયમથી છે તો એને મોક્ષ થશે, પણ જે અનીતિ નથી કરતો, જે લાંચ નથી લેતો તેનો મોક્ષ શી રીતે થાય ? કારણ કે જે લાંચ લેતો નથી તેને 'હું લાંચ લેતો નથી' એ, કેફ ચઢી ગયેલો હોય. ભગવાન પણ એને કાઢી મેલે કે 'હેંડ જા, તારું મોઢું ખરાબ દેખાય.' એથી અમે લાંચ લેવાનું કહીએ છીએ એવું નથી. પણ જો તારે અનીતિ જ કરવી હોય તો તું નિયમથી કરજે. નિયમ કર કે ભઈ, મારે લાંચના પાંચસો જ રૂપિયા લેવા. પાંચસો રૂપિયાથી વધારે કંઈ પણ આપે, અરે, પાંચ હજાર આપે તો ય બધા કાઢવાના. આપણને ઘરખર્ચમાં ખૂટતા હોય એટલા પાંચસો રૂપિયા જ લાંચલા લેવા. બાકી, આવી જોખમદારી તો અમે જ લઈએ છીએ. કારણ કે આવા કાળમાં લોકો લાંચ ના લે, તો શું કરે બિચારો ? તેલ ઘીના ભાવ કેટલા ઊંચા ચઢી ગયા છે, સાકરના ભાવ કેટલા ઊંચા છે ? ત્યારે છોકરાની ફીના પૈસા આપ્યા વગર રહેવાય ? જુઓને. તેલના ભાવ કંઈ સત્તર રૂપિયા કહે છે ને ?

પ્રશ્શનકર્તા : હા.

દાદાશ્રી : ત્યારે કાળા બજાર વેપારીઓ કરે છે તેનું ચાલે અને નોકરોનું કોઈ ઉપરાણું લેનારો જ ના રહ્યો ?! એટલે અમે કહીએ છીએ કે લાંચ પણ નિયમસર લેજે. તો એ નિયમ તને મોક્ષે લઈ જાય. લાંચ નથી નડતી, અનિયમ નડે છે.

ત્યાં નીતિ-અનીતિ નથી !

પ્રશ્શનકર્તા : અનીતિ કરે એ તો ખોટું જ કહેવાય ને ?

દાદાશ્રી : આમ એ તો ખોટું જ કહે છે ને ! પણ ભગવાનને ઘેર તો જુદી જ જાતની વ્યાખ્યા છે. ભગવાનને ત્યાં તો અનીતિ કે નીતિ ઉપર ઝગડો જ નથી. ત્યાં આગળ તો અહંકારનો વાંધો આવે છે. નીતિ પાળનારાઓને અહંકાર બહુ હોય. એને તો વગર દારૂએ કેફ ચઢેલો હોય.

પ્રશ્શનકર્તા : પણ હમેશાં ય એવું ના બને ને ?

દાદાશ્રી : ના, કારણ કે એ સિવાય નીતિ પાળી શકે જ નહીં ને ! કેફમાં જ નીતિ પાળે, અને એનો કેફ નિરંતર વધતો જ જાય ! છતાં એ કેફમાં રહીને પણ નીતિ પાળે છે એટલે પુણ્ય સારી બંધાય ને સારી ગતિ થાય. એને સારા માણસો સંતો મળી આવે. જ્ઞાનીઓ પણ આગળ ઉપર મળી આવે. એટલે એ ખોટું નથી. એ ખોટું છે એવું મારે કહેવું પણ નથી. પણ ભગવાનને ત્યાં તો અહંકાર નડે છે.

હવે પેલાં, જે નિયમથી અનીતિ પાળે છે તેને અહંકાર ના હોય. અને પાંચ હજાર આવે છતાં એ લેતો નથી, ત્યારે એ પ્રામાણિકતા કહેવાય ? ના, જ્યારે જે નિયમથી લાંચ લે છે, એ તો કંઈ જેવી તેવી પ્રામાણિકતા ના કહેવાય !! કારણ કે આ જ ત્રણ કોળિયા ખાવાના, ચોથો કોળિયો નહીં ખાવાનો. તો એવું માણસથી કંટ્રોલ રહી શકે જ નહીં. ખાધા પછી અટકી શકે જ નહીં, એની મેળે પૂરું થાય ત્યારે અટકે ! આ વાત સમજણ પડે છે ને ?!

ત્યાં નિર્અહંકારીની કિંમત !

એટલે નિયમસર અનીતિ કરે તેનો મોક્ષ પેલા નીતિવાળા કરતાં પહેલો થાય. કારણ કે નીતિવાળાને નીતિ કર્યાનો કેફ હોય કે, 'મેં નીતિ આખી જિંદગી પાળી છે અને એ તો ભગવાનને પણ ગાંઠે નહીં. એવો હોય, જ્યારે અનીતિ કરી એટલે આને બિચારાને તો કેફ ઊતરી ગયેલો હોય ને ! એને કેફ જ ના ચઢે. કારણ કે એણે તો અનીતિ કરીને તે જ એને મહીં ડંખ્યા કરે. અને જે પાંચસો રૂપિયા લીધા એનો પણ એને કેફ ના ચઢે. કેફ તો નીતિવાળાને ખરેખરો ચઢે અને એને તો આમ જરા છંછેડીએ ને તો તરત ખબર પડે, ફેણ માંડીને ઊભો રહે, કારણ કે એને મનમાં એમ કે, 'અમે કંઈક કર્યું છે, આખી જિંદગી મેં નીતિ પાળી છે !'

પ્રશ્શનકર્તા : હવે પાંચસો રૂપિયાની લાંચ લેવાની છૂટ આપી તો પછી જેમ જરૂરિયાત વધતી જાય તો પછી એ રકમ પણ વધારે લે તો ?

દાદાશ્રી : ના, એ તો એક જ નિયમ પાંચસો એટલે પાંચસો જ, પછી એ નિયમમાં જ રહેવું પડે.

એક દારૂ ના પીવાનો અહંકાર કરે છે ને એક દારૂ પીવાનો અહંકાર કરે છે, તો મોક્ષ કોનો થાય ? ત્યારે ભગવાન બેઉને કાઢી મેલે ! એ તો શું કહે છે કે, 'અમારે અહીં તો નિર્અહંકારીની જરૂર છે.' ભગવાન તો શું કહે છે, 'નીતિ તો તને સંસારમાં સુખ પડે એટલા માટે પાળવાની છે. બાકી અમારે નીતિ-અનીતિની કશી ભાંજગડ જ નથી. તને દુઃખ સહન થતું હોય તો અનીતિ કરજે.' અનીતિથી દુઃખ જ પડે ને ? કોઈને દુઃખ આપ્યા પછી આપણને પણ દુઃખ પડે. આ તો તને સુખ પડે એટલા હારુ નીતિ પાળવાની છે.

આજ્ઞામાં રહીને કરો તો જ !

પ્રશ્શનકર્તા : પણ અનીતિ કરે તો એને ટેવ પડી જાય ને ?

દાદાશ્રી : ટેવ પડી જાય, એમ ? ના. એટલે કહ્યું ને, કે અનીતિ કરો પણ નિયમસર કરો. કોઈ પણ વસ્તુ નિયમસર કરવામાં આવે અને તે પણ જ્ઞાની પુરુષની આજ્ઞાપૂર્વક હોય તો તો એ કામ કાઢી નાખે.

પ્રશ્શનકર્તા : એને અનીતિની ટેવ પડી, પછી તો એને નિયમ ના રહે ને ?

દાદાશ્રી : તો પછી એનો અર્થ જ નહીં ને ? અને અમારી જવાબદારી પણ નહીં ને ! આ તો શું કહ્યું કે તને પાંચસો રૂપિયા ખૂટે છે તો તારે લાંચના પાંચસો રૂપિયા લેવા. પછી કોઈક પાંચ હજાર રૂપિયા આપે તો પાંચસો ઉપરની રકમ તારે લેવી નહીં. આવું નિયમમાં જ રહે એને મુક્તિ થાય, એનો નિવેડો આવે.

નિયમ જ મોક્ષે લઈ જાય !

પ્રશ્શનકર્તા : કોઈ નિયમથી લાંચ લે એને લોભ જ ના થાય ને, પછી ?

દાદાશ્રી : અરે ! આ નિયમ તો ઠેઠ મોક્ષે લઈ જાય, અને લોભ તો સડસડાટ ઊડી ગયો અને એ થઈ શકે એવી સ્થિતિ છે. એ કરી શકાય એવું છે.

પ્રશ્શનકર્તા : અને કોઈ લાંચ લેતો જ નથી એનું શું થાય !

દાદાશ્રી : એ રખડી મરે. લાંચ મળતી હોય ને ના લે એટલે એને અહંકાર વધતો જાય. અને પેલો લાંચ લે છે પણ નિયમથી એટલે કે ઘરખર્ચમાં ખૂટતા રૂપિયા પૂરતું જ પાંચસો રૂપિયા લે છે. હવે એને પછી કોઈ પાંચ હજાર રૂપિયા આપવા આવ્યો હોય તો પણ એ લે નહીં, પાંચસોથી વધારે એક પૈસો પણ નહીં, એટલે એવો નિયમ પાળે તો એ મોક્ષે જાય.

કાળને અનુરૂપ વચગાળાનો માર્ગ !

અત્યારે માણસ શી રીતે આ બધી મુશ્કેલીઓથી દહાડા કાઢે ? અને પચી એને ખૂટતા રૂપિયા ના મળે તો શું થાય ? ગૂંચવાડો ઊભો થાય કે રૂપિયા ખૂટે છે, એ ક્યાંથી લાવવા ? આ તો એને ખૂટતા બધા આવી ગયા. એને ય પછી પઝલ સોલ્વ થઈ ગયું ને ? નહીં તો આમાંથી માણસ ઊંધો રસ્તો લે ને પછી અવળે રસ્તે ચાલ્યો જાય, પછી એ આખી લાંચ લેતો થઈ જાય, એના કરતાં આ વચગાળાનો માર્ગ કાઢ્યો છે અને એ અનીતિ કરી છતાં ય નીતિ કહેવાય, અને એને ય સરળતા થઈ ગઈ ને નીતિ કહેવાય અને તેનું ઘર ચાલે.

જૂઠું બોલ, પણ નિયમથી !

અમે તો શું કહ્યું કે તું જૂઠું બોલીશ જ નહીં. અને તારે જૂઠું બોલવું જ હોય તો નિયમથી બોલ કે આજ મારે પાંચ જ જૂઠ બોલવાં છે. છઠ્ઠી વખત નહીં, તો મોક્ષે જઈશ. પછી એ પાંચ જૂઠ બોલીને વપરાઈ જાય ત્યાર પછી એની બહેને કંઈ ચારિત્ર સંબંધી દોષ કર્યો હોય, ત્યારે કોઈ પૂછે કે, 'ભઈ આ તમારી બહેનની વાત સાચી છે ?' પેલાને આ પાંચ જૂઠ તો થઈ ગયાં, હવે છઠ્ઠું જૂઠ તો બોલાય નહિ એટલે એને 'સાચું છે' એમ કહેવું પડે. પાંચ ના વપરાઈ ગયાં હોત તો પાંચમું આને વાપરત, પણ પાંચ જૂઠ વપરાઈ ગયાં ! આને નિયમથી અનીતિ કહ્યું.

ચોરી કર, પણ નિયમથી !

કોઈ ચોર ચોરી કરતો હોય, પણ જો નિયમથી ચોરી કરે તો એ નિયમ એને મોક્ષે લઈ જાય. નિયમથી ચોરી કરે એટલે શું ? કે એને મહિનામાં બે ચોરીઓ કરવાની કહી હોય. હવે પહેલી ફેરા હાથ માર્યો તો ચાળીશ રૂપિયા આવ્યા. એટલે ચાળીશને દસ, એમ મહિનામાં પચાસ રૂપિયા મળ્યા. હવે જો પહેલો હાથ ના માર્યો હોત તો એને બીજા ત્રણસો મળે એવું હતું. પણ બે વખત થઈ ગયું એટલે હવે લેવાય નહીં. એણે કોઈકના ગજવામાં હાથ ઘાલીને જોઈ લીધું કે આ ત્રણસો રૂપિયા છે, પણ તરત એને થયું કે આ તો ખોટું કર્યું, મારે બે ફેરા ચોરી તો થઈ ગઈ છે. એટલે એણે છોડી દીધું. અને નિયમથી અનીતિ કહેવાય.

વાત સમજો, જ્ઞાનીની ભાષામાં !

મૂળ વસ્તુસ્થિતિમાં હું શું કહેવા માગું છું એ જો સમજે ને તો કલ્યાણ થઈ જાય. દરેક વાક્યમાં હું શું કહેવા માગું છું, એ આખી વાત જ જો સમજવામાં આવે તો કલ્યાણ થઈ જાય. પણ જો એ એની ભાષામાં વાતને લઈ જાય તો શું થાય ? દરેકની ભાષા સ્વતંત્ર હોય જ, તે પોતાની ભાષામાં લઈ જઈને ફિટ કરી દે, પણ આ એની સમજણમાં ના આવે કે 'નિયમથી અનીતિ કર !'

પ્રશ્શનકર્તા : દાદા, મેં પણ જ્યારે પહેલી વખત વાંચ્યું ત્યારે હું એકદમ વિચાર કરતો થઈ ગયો, કે આ શું, દાદા શું કહેવા માગે છે ! પછી મને લાગ્યું કે આ તો બહુ ગજબનું વાક્ય છે !

દાદાશ્રી : હા, અક્રમ વિજ્ઞાન એટલે શું કે નેગેટિવ પોલિસી જ નહીં કે 'તમે કેમ ચોરીઓ કરો છો ને તમે કેમ જૂઠું બોલો છો ? કેમ વ્યવહાર ખરાબ કરો છો ?' એવી તેવી નેગેટિવ પોલિસી જ નહીં.

અગ્નિમાં ય ઘી ઘટ્ટ !

પ્રશ્શનકર્તા : આપ્તસૂત્રની અંદર જ્યારે આપનું આ સૂત્ર વાંચવામાં આવ્યું. એનાથી ઘણાને બહુ આશ્ચર્ય થયું અને પછી આપે એનું રહસ્ય સમજાવ્યું.

દાદાશ્રી : જો અનીતિ કરવાનો હોય તો તું નિયમથી કરજે. એ આ દુનિયાના સ્વભાવથી વિરુદ્ધ છે એટલે દુનિયાના સ્વભાવથી વિરુદ્ધ આ વાક્ય ઉપર લોકોને પ્રશ્શનાર્થ થયા ! એટલે મેં ખુલાસો કર્યો. જરૂર હોય પાંચસો રૂપિયાની તો એટલા સુધીનો એક નિયમ પાળજો. અને બીજી જોખમદારી મારી. અને તું સંપૂર્ણ નીતિ પાળે છે એ ગ્રેડમાં તને સિફારસ કરીને લઈ જઈશ. પણ નિયમથી પાળજે. પછી વીસ હજાર રૂપિયા આવે તો પણ કહીએ, 'ના, બા,પાંચસોથી વધારે નહીં લઉં.'

પ્રશ્શનકર્તા : દાદા, એવું બને ખરું ? માણસનીપાસે તમે મૂકો આ ?

દાદાશ્રી : બની શકે, જેને સમજવું છે તેને.

પ્રશ્શનકર્તા : પણ અગ્નિ પાસે ઘી મૂકીને, ને ઓગળે નહીં એવું થયું આ.

દાદાશ્રી : હા, ઓગળે નહીં. પણ આ તો કાળના જ લોકો આ પ્રમાણે પાળે. આજથી સો વર્ષ પહેલાનાં લોકો ના કરી શકે. આ કાળના જીવો એ બધાં કરે એવા છે. એ જાણે કે ઓહોહો ! મારી ઉપર જોખમદારી કંઈ આવે નહીં, ને આવી રીતે થાય તે ?' ત્યારે એ જ કહે કે 'ના, એ પાળીશ.'

એ તો બહુ સહેલો રસ્તો છે, આ સરળ રસ્તો છે, અને પાંચસો રૂપિયાથી રહી શકે.

પ્રશ્શનકર્તા : તમે તો કહો છો કે તારે કંઈ કરવાનું નથી, મારી આજ્ઞા પાળ, પતી ગયું.

દાદાશ્રી : હા, બસ, આજ્ઞા પાળ, પતી ગયું.

પ્રશ્શનકર્તા : એટલે પરિશ્રમ જ ગયો ને !

દાદાશ્રી : એટલે તું મારી આજ્ઞા પાળ. પછી તારે જોખમદારી નહીં એટલે એ જે એને ઉછીના લેવા પડતા હતા ને ઘરની મુશ્કેલી હતી, એ તૂટી ગઈ, પછી એ તો બહુ આનંદમાં રહે પાછો !

લાવોને હું જ એ વાક્ય બોલું.

'વ્યવહારમાર્ગવાળાને અમે કહીએ છીએ.' વ્યવહારમાર્ગ એટલે સંસાર એ વ્યવહારમાર્ગ કહેવાય.

'કે સંપૂર્ણ નીતિ પાળ.

તેમ ન થાય તો નીતિ નિયમસર પાળ.'

કે ભઈ મારે આટલી નીતિ પાળવી છે.

'તેમ ન થાય તો, અનીતિ કરું તો ય નિયમમાં રહીને કર ! નિયમ જ તને આગળ લઈ જશે !!!'

એ અમારી ગેરન્ટી છે ! કારણ કે કળિયુગમાં છોડાવનાર જોઈએ.

નિયમ તોડે, તેની ગેરન્ટી નહીં !

પ્રશ્શનકર્તા : એનું અનુસંધાનમાં પૂછું છું કે અનીતિ પણ નિયમથી કરજે. પાંચસો રૂપિયા ખર્ચાના ખૂટ્યા, તો એને તમે મંજૂરી આપી કે પાંચસો રૂપિયા સુધી તું લાંચ લેજે. હવે મારા સવાલ એ છે કે હવે ઘરનો ખર્ચો પાંચસો ખૂટવાને બદલે બીજા બસો વધારાના ખૂટ્યા, તો હવે એ સાતસો રૂપિયા લે તો એની તમે સિફારસ કરો કે નહીં ?

દાદાશ્રી : ના, એક વખત સેંકશન (મંજૂર) થયા પછી તારે બદલાય નહીં. તું પહેલેથી પાંચસોને બદલે સાતસો નક્કી કર. હું સેંકશન કરું. પણ તું પાછળથી આમાં સેંકશન થયેલા પ્લાનમાં ફેરફાર ના કરીશ. એ પછી અમારી જવાબદારીનો ત્યાં એન્ડ (અંત) થાય છે, કારણ કે અમે સમજી જઈએ કે આ નોર્માલિટી ખસી ગઈ. પછી એબનોર્મલ થવા માંડે. બીલો નોર્મલથી નોર્મલ પર લાવ્યા. તે હવે એબનોર્મલ થવા માંડ્યું. એટલે અમારી જવાબદારીનો એન્ડ થાય છે. અમે પહેલેથી કહીએ છીએ કેતારી રક્ષા માટે તારે જેટલાં બારણાં રાખવા હોય એટલાં બારણા રાખ. મને વાંધો નથી, અને પછી, મારી પાસે સેંકશન કર્યા પછી, બારણું નહીં મુકાય, એક આવડી જાળી સરખી યે નહીં મુકાય, ને પાણી જાય એવો હોલેય (કાણું) નહીં પડાય, કારણ એનો નિયમ, નિમય એટલે શું કે નિયમથી રહે એની જોખમદારી હું લઉં છું. હું જ્ઞાની પુરુષ છું. સર્વ પાપો ભસ્મીભૂત કરવાનો મારી પાસે પાવર ઑફ એટર્ની (ભ્ંરૂફૂશ્વ ંશ્શર્ ીદ્દદ્દંશ્વઁક્ક) છે ! તો પછી તું મારા કહ્યા પ્રમાણે ચાલ ને ! અને હું તને ગેરન્ટી આપું છું.

આવું કોઈએ કહ્યું નથી કે ભઈ, તું અનીતિ પાળ. કારણ કે આમને છોડાવવા માટે આવું ના કહીએ તો આ લોકો છૂટે કેવી રીતે ? આવું ના કહીએ તો છૂટે નહીં, અને દહાડો વળે નહીં !

અક્રમ વિજ્ઞાનમાં નિકાલી બન્ને !

અક્રમ વિજ્ઞાન તો નીતિ-અનીતિ બન્ને બાજુએ મૂકી દે છે. તું એમને નિકાલી બાબત ગણું છું ને ? કઈ બાબત ગણું છું ?

પ્રશ્શનકર્તા : ડિસચાર્જ.

દાદાશ્રી : નીતિને કોઈ ઈનામ નથી ચાલતું અને અનીતિને કોઈ માર નથી ચાલતું. એવું આપણું વિજ્ઞાન છે. અનીતિ એને માર આપીને જ જાય. નીતિ અને સુખ આપીને જાય. પણ તે એ સુખને મારબે છે. તે ખરેખર પદ્ધતિસરનું નથી એ. એ તો કલ્પિત છે. સમજ પડીને ? અનીતિવાળાને ટાઢું પાણી મળે શિયાળાને દહાડે અને નીતિવાળાને ગરમ પાણી મળે. પણ એનો નિકાલ થઈ જાય, આ જિંદગીમાં. પોતે શુદ્ધાત્મા થયો હોય તો, અમારી આજ્ઞામાં રહે તો બધું ઊડી જાય. હડહડાટ ! જેટલું દેવું હોય એટલું બધું સાફ. એક અવતાર પૂરતું બાકી રહે, આજ્ઞા પાળી તે બદલ. આ કંઈ બધા નીતિવાળા હશે ? આ કળિયુગ છે ને ?

પ્રશ્શનકર્તા : તમે એટલે જ કહેતા હતા કે લાવો, એકુંય નીતિવાળા બતાવો મને.

દાદાશ્રી : ના, પણ કળિયુગમાં શી રીતે રહે બિચારો ? નીતિવાળો રહે શી રીતે ? લપસી પડ્યા વગર રહે જ નહીં. આટલી ચીકણી માટી અને પોતાની શક્તિ નહીં. શક્તિ હોય તો તો અંગૂઠો દાબીને ય મૂઓ ચોંટે પણ આ તો અંગૂઠો દાબે છે તો અંગૂઠો હઉ દુઃખી જાય છે. લપસી પડે છે. હાડકાં હઉં ખોખરાં થઈ ગયેલાં છે, લપસી લપસીને. ત્યારે તો અક્રમ વિજ્ઞાન લેવા આવે નહીં તો અક્રમ વિજ્ઞાન લેવા આવતું હશે ? ઝટપટ નિકાલ કરી નાખીએ. કહેશે, અક્રમ વિજ્ઞાન એટલે નીતિ, અનીતિને બાજુએ મૂકી દે છે, એ બન્ને બીજ શેકી નાખે છે. એટલે ઉગવા લાયક ના રહે.

ભાવાભાવથી પર !

પ્રશ્શનકર્તા : આપણા મહાત્માઓને એવા ભાવ રહેવા જોઈએ ને કે આ ધંધામાંથી છુટાય ?

દાદાશ્રી : એ એવા ભાવ નહીં રહેતા હોય તો ય છે તે આ અક્રમ વિજ્ઞાન જ એના ભાવ છોડાવશે. જો એવા ભાવ રહેતા હોય તો ઉત્તમ જ છે. એવા ભાવ રહેતા હોય તો આપણે અક્રમની રાહ નહીં જોવી જોઈએ. અને ના રહેતા હોય તો આપણે એની ચિંતા કરવા જેવી નહીં. અક્રમ એને ધક્કે મારીને છોડાવી દે. એ તાવ ચઢ્યો કે પેલાને છોડવાની તૈયારી ચોતરફથી કરાવે.

જાતને જોયા કરો !

પ્રશ્શનકર્તા : ધંધામાં કંઈ ગરબડ હોય અને ચંદુભાઈ અકળાય એ આપણને દેખાય.

દાદાશ્રી : હા, ચંદુભાઈ અકળાય એ બધું ખબર પડે. ને પછી જોખમદારી નહીં. ચંદુભાઈ અકળાય તો આપણને જોખમદારી નહીં. એ અકળાય ને પછી શાંત થઈ જાય. ફરી બીજ પડે નહીં ને ! આ શેકાઈ ગયેલું બીજ છે. એટલે ઊગે નહીં.

ધંધામાં ય પૂર્ણ વીતરાગ !

અમે ય ધંધાદારી માણસ છીએ. તે સંસારમાં ધંધો-રોજગાર ઈન્કમટેક્ષ વગેરે બધું ય અમારે પણ છે. અમે કનટ્રાક્ટનો નંગોડ ધંધો કરીએ છીએ. છતાં એમાં અમે સંપૂર્ણ 'વીતરાગ' રહીએ છીએ એવા 'વીતરાગ' શાથી કહેવાય છે ? 'જ્ઞાનથી'. અજ્ઞાનથી લોક દુઃખી થઈ રહ્યા છે.

તે પ્રતિક્રમણથી ભૂંસાય !

પ્રશ્શનકર્તા : આ ધંધો કરીએ છીએ, તેમાં કોઈકનેે કહીએ 'તું મારો માલ વાપર, તને એમાંથી ટકા-બે ટકા આપીશું' એ ખોટું કામ તો છે જ ને ?

દાદાશ્રી : ખોટું કામ થઈ રહ્યું છે એ તમને ગમે છે કે નથી ગમતું ?

પ્રશ્શનકર્તા : ગમતું એ બીજો પ્રશ્શન છે. પણ ન ગમતું હોય તો ય કરવું પડે છે, વ્યવહારને માટે.

દાદાશ્રી : હા, માટે જ કરવું પડે છે. એટલે ફરજ્યિાત છે. તો આમાં તમારી ઇચ્છા શું છે ? આવું કરવું કે નથી કરવું ?

પ્રશ્શનકર્તા : આ કરવાની ઇચ્છા નથી પણ કરવું પડે છે.

દાદાશ્રી : એ ફરજ્યિાત કરવું પડે તેનો પસ્તાવો હોવો જોઈએ. અડધો કલાક બેસીને પસ્તાવો હોવો જોઈએ; 'આ નથી કરવું છતાં ય કરવું પડે છે.' આપણો પસ્તાવો જાહેર કર્યો એટલે આપણે ગુનામાંથી છૂટ્યા. આ તો આપણી ઇચ્છા નહીં હોવા છતાં ય ફરજ્યિાત કરવું પડે છે, એનું પ્રતિક્રમણ કરવું પડે છે. આવું જ કરવું જોઈએ' તો તેમને ઊંધું થશે. આવું કરીને રાજી થાય એવાય માણસો ખરા ને ! આ તો તમે હળુકર્મી એટલે તમને આ પસ્તાવો થાય. નહીં તો લોકોને પસ્તાવો ય ના થાય.

એવું છે ને દ્રવ્ય કોઈના તાબામાં નથી. આ ફક્ત ભાવ એકલો જ તાબામાં છે. દ્રવ્ય ફરજ્યિાત છે બધું અને ભાવ જે છે એટલું જ તમારા તાબામાં છે. માટે ખોટું થાય તો પસ્તાવો કરી લો ! અમારું દ્રવ્ય સારું હોય અને ભાવે ય સારો હોય, બેઉ સારા હોય. તમારા બધાનું સ્વચ્છંદપૂર્વકનું નીકળે એટલે તમારે પસ્તાવો થાય કે 'આવું કેમ થાય છે. આજનાં જ્ઞાન જોડે એડજસ્ટ ના થાય એટલે એમ જ લાગે કે આ બધું ખોટું થઈ રહ્યું છે. એટલે આ જે દ્રવ્ય છે. દ્રવ્ય પરિણામ છે, જે ફરજ્યિાત લાગે છે. આપણને ન કરવું હોય છતાં ય કરવું જ પડે, એ બધું 'ડિસ્ચાર્જ' છે. અને ભાવ જે અંદર છે તે 'ચાર્જ' છે. તો આપણે સાંજે અડધો કલાક બેસીને પસ્તાવો પ્રતિક્રમણ કરવું કે આમ નથી કરવું છતાં ય આ થાય છે. એ મારું કામ નહીં. આ જવાબદારી મારી નથી એમાં, હવે ભવિષ્યમાં નહીં કરું, હવે આવી જાતના ભાવ ભવિષ્યમાં નહીં કરું. બસ.' એવો પસ્તાવો કરવાનો.

પ્રશ્શનકર્તા : પણ ફરી રોજ તો પેલું ખોટું કરવાના જ છીએ.

દાદાશ્રી : નહીં, ખોટું કરવાનો સવાલ નથી. આ પસ્તાવો લો છો એ જ તમારા ભાવ છે. થઈ ગયું એ થઈ ગયું એ તો આજે 'ડિસ્ચાર્જ' (નિકાલી) છે અને 'ડિસ્ચાર્જ'માં કોઈનું ચાલે જ નહીં. 'ડિસ્ચાર્જ' એટલે એની મેળે સ્વાભાવિક રીતે પરિણામ પામવું. અને 'ચાર્જ' એટલે શું ? કે પોતાના ભાવ સહિત હોવું જોઈએ. કેટલાક લોકો ઊંધું કરે છતાં ભાવમાં એમ જ કહે કે 'આ બરાબર જ થઈ રહ્યું છે.' તો એ માર્યો ગયો જાણો. પણ જેને પસ્તાવો થાય છે એનું આ ખોટું ભૂંસાઈ જશે.

ભગવાનની દ્ષ્ટિએ !

બાકી આ દુનિયામાં જે કોઈ ખોટી વસ્તુ થયેલી જોવામાં આવે છે, એનું અસ્તિત્વ જ નથી. ખોટી વસ્તુનું અસ્તિત્વ જ નથી. આ ખોટી વસ્તનું અસ્તિત્વ તમારી કલ્પનાથી ઊભું થયેલું છે. ભગવાનને ખોટી વસ્તુ આ જગતમાં કોઈ દહાડો લાગી જ નથી. સહુ કોઈ જે કરી રહ્યા છે, એ પોતાની જોખમદારી પર જ કરી રહ્યા છે. એમાં ખોટી વસ્તુ છે નહીં. ચોરી કરી લાવ્યો. એ આગળ લોન લઈને પછી પાછી વાળશે. દાન આપે છે એ લોન આપીને પાછી લેશે. આમાં ખોટું શું છે ? ભગવાનને કોઈ દહાડો ખોટું લાગ્યું નથી. ખોટી વસ્તુ જ નથી ને !

એટલે ખોટી જે આપણને લાગે છે એ હજુ આપણી ભૂલ છે. જે બને છે, જે બની રહ્યું છે એને જ 'કરેક્ટ' (બરાબર) કહેવામાં આવે તો નિર્વિકલ્પ થાય. નહીં તો બને છે એને કરેક્ટ ના કહે તો વિકલ્પી થયા કરશે. આ ઉપાય સાથે બધી વાત કહી દીધી. કશું 'ખરું-ખોટું' હોતું જ નથી. બીજું બધું 'કરેક્ટ' જ છે. પછી સહુ સહુનું ડ્રોઈંગ જુદું જ હોય. એ બધું ડ્રોઈંગ કલ્પિત છે, સાચું નથી. જ્યારે આ કલ્પિતમાંથી નિર્વિકલ્પ ભણી આવે ને, નિર્વિકલ્પની હેલ્પ લઈ લે ને, એટલે નિર્વિકલ્પપણું ઉત્પન્ન થાય. એ એક સેકન્ડ પણ થયું કે કાયમને માટે થઈ ગયું ! તમને સમજાઈ કે આ વાત ?

પ્રશ્શનકર્તા : હા.

દાદાશ્રી : હા, એક ફેરો સમજી લેવાની જરૂર કે આ ડ્રોઈંગ કેવું છે ! એ બધું ડ્રોઈંગ સમજી લઈએ ને, તો પછી આપણને એના પરથી પ્રીતિ ઊઠી જાય.

પરિગ્રહની પરિસમા !

ધંધો હોય તો વાંધો નહીં. મને એમાં વાંધો નથી. આ તો એક સાધારણ વાત કરું છું. તમેે કરો કે ના કરો, શાથી કરો છો તે ય હું જાણું છું. શાથી નથી કરતા તે ય હું જાણું છું. એટલે તમને ગુનેગાર ગણતો જ નથી.

તમે વેપારમાં પડ્યા છો તેથી વધ્યા છે આ. વેપાર તો કશો કરવાનો જ, જે આપણો ઉદય હોય, પણ ઉદયપૂર્વકનો વેપાર વધે-ઘટે, જેવો હોય એવો આપણે કરી લેવાનો અને તમે તો વધારવા હારું, ઉલટું કેટલું ય બધું આમ કરો છો. નક્કી નહીં કે ભઈ, મારે પાંચ લાખ જ કમાવા છે. એવું કંઈ નક્કી કરતો હોય તો ભગવાન જવા દે. પણ બાઉન્ડરી નહીં કરેલી.

પ્રશ્શનકર્તા : એટલે પરિગ્રહનું બંધન કરવું ?

દાદાશ્રી : આપણું પ્રારબ્ધ છે ને, એ બધો હિસાબ લઈ ને આવેલું હોય તે આપણે સાચા દિલથી તપાસ કરીએ ને તો આપણને ખબર પડે કે બે લાખ તો આપણને બહુ થઈ ગયા. તે આપણે બે લાખની ભાવના રાખીએ. એ જ્યારે લાખ થઈ જાય ત્યારે બંધ કરવું. બાકી આમ લોભને તો પાર આવે એવો નથી.

જોવાનું, બરકત વધે તે !

નાણું કમાવાનું જોર કરવા જેવું નથી. નાણામાં બરકતત શી રીતે આવે છે વિચારવા જેવું છે. તે જ્ઞાનીપુરુષ દેખાડે કે આ રીતે બરકત આવશે. નહીં તો બરકત નહીં આવે.

એક મુસલમાન શેઠ હતા. તે કહે છે કે પંચોતેર લાખ રૂપિયા મારી પાસે આજે બેન્કમાં તૈયાર છે, અને આવક જબરજસ્ત છે. પણ સાહેબ બરકત નથી આવતી. તે શી રીતે આવે ? બરકત નહીં એટલે શું ? નરી ઉપાધિ, ધંધામાં ઉપાધિ, હાયવોય, હાયવોય, બળતરા, ચિંતા ! અલ્યા આટલા લાખ રૂપિયામાં ય ચિંતા ! બરકત નથી આવતી ! એટલે જ્ઞાનીપુરુષને પૂછે કે સાહેબ બરકત શી રીતે આવે ? બરકત ના જોઈએ ?

પ્રશ્શનકર્તા : એકદમ જોઈએ, એ થોડું હશે તો ચાલશે, પણ શાંતિ જોઈએ.

દાદાશ્રી : હા, બરકત ! નાણું ટકે. બરકત હોય ને તો નાણું ટકે ! ને આપણને શાંતિ આપે, ને બરકત ના હોય ને તે તો ઉલટી ઉપાધિ કરે ! આવેલું નાણું દુઃખ આપીને જાય. અને પાછું જતું રહે પાછું ! તમે બે-ત્રણ વર્ષ પછી જો જો ને, મોટી મોટી પાર્ટીઓ આમ પડું પડું થઈ રહી છે. હવે આમાં શું થાય ? કે નાની પાર્ટીઓવાળા માર્યા જાય. એને ત્યાં મૂકી આવ્યો હોય, વ્યાજ ખાવા હારું ! બે ટકા અને અઢી ટકા, એ પાર્ટીઓ ઊડી જાય. પેલાનું તો શું ગયું ? એણે ચાલીસ લાખ રૂપિયાનું હીરાનું કાઢી નાખ્યું ! એ નાદારી-બાદારી કાઢતો નથી, અત્યારે તો લોકોને એ કહી દે છે કે અત્યારે જે હોય તે લઈ લો બા ! આ કંઈ એવો નાદારીનો રિવાજે ય નથી. ને ભાંજગડે ય નથી. પહેલાં તો નાદારીમાં ખેંચી જતા હતા. અત્યારે પણ કો'ક માણસ ખેંચી જાય છે. બાકી ખાસ કરીને માંહ્યોમાંહ્ય પતાવી દે છે ! શું મજા કાઢવાની ! શું લેવાનું એમાં ? છે જ નહીં પછી શું લેવાનું તે ? અને એ કકળાટ કરવામાં શું સ્વાદ ! આવા ખોટા પૈસા તે ગયા !

બરકત વગરનું નાણું !

અને આ કાળમાં કોઈ માણસ એવો દાવો ના કરી શકે, અરે, હું પણ એવો દાવો ના કરી શકું કે મારા પૈસા સાચા છે. પૈસા સ્વભાવથી જ ખોટા છે હા, નહીં તો પાંચ રૂપિયા લઈ ને નીકળતાં પહેલાં તે બાર ભાઈબંધ પાછળ ફર્યા કરે, પાંચ રૂપિયામાં તો બાર ભાઈબંધ પાછળ ફર્યા કરે !! અત્યારે તો એક હજાર લઈને ફરો તો ભાઈબંધ કોઈ...

પ્રશ્શનકર્તા : આવતું નથી.

દાદાશ્રી : એટલે આ બરકત નથી. માટે આમાં ખુશ રહેવા જેવું નથી આ રૂપિયાથી. અને હોય તો લોકોને જમાડી-કરીને ઊંચો મૂકી દેવો. બ્રાહ્મણો જમાડવા, તેના કરતાં આ દાદાના મહાત્માઓને જમાડવા બહુ ઉત્તમ ! આવા બ્રાહ્મણો નહીં મળે. જેને જમવાની ઇચ્છા નથી, જેને કોઈ જાતની તમારી પાસે ઇચ્છા નથી, ભાવના નથી.

નાણું નાખો સીમંધર સ્વામીના દેરામાં !

વધારે નાણું હોય તો ભગવાનના કે સીમંધર સ્વામીના દેરાસરમાં આપવા જેવું બીજું એકે ય સ્થાન નથી. અને ઓછું નાણું હોય તો મહાત્માઓને જમાડવા જેવું બીજું એકું ય નથી ! અને એથી ઓછું નાણું હોય તો કોઈ દુઃખીયાને ત્યાં આગળ આપજો. અને તે ય રોકડાથી નહીં, ખાવાનું , પીવાનું બધું પહોંચાડીને ! ઓછા નાણામાં ય દાન કરવું હોય તો પોષાય કે ના પોષાય ?

કૃપાથી ખુદાઈ બરકત !

બરકત આવવી જોઈએ, ખુદાઈ બરકત ! હવે નાણું ખુટશે નહીં. તમે જો ખુદાઈ બરકતમાં આવી ગયા ! કારણ કે જ્ઞાન મળ્યું ત્યારથી જ ખુદાઈ બરકત આવવા માંડી ! અને પછી જો વ્યવહાર ધીરે ધીરે ચોખ્ખો થવા માંડ્યો પછી નાણું ખૂટે નહીં. તમે પાવડેથી ખૂંપીને આપો તો ય ખૂટે નહીં.

આ 'દાદા ભગવાન' પ્રગટ થયા છે ને, એમની જો કૃપા ઉતરે તો શું ના આવે ?! એમની કૃપા ઉતરે તો બરકત રહે ! એ ખુદાઈ બરકત છે !

સંસારનું સરવૈયું સાંપડ્યું ?

આ સંસારના સરવૈયાની સમજણ પડે નહીં ને ? વેપારમાં તો સમજણ પડે કે આ ખાતું ખોટવાળું છે ને આ ખાતું નફાવાળું છે ! એટલે આ ચોપડાનાં સરવૈયાં જોતાં આવડે છે, પણ બધાને ના આવડે ને ? સી.એ. એવું તેવું બધું ભણેલા હોય એ બધા કાઢી આપે. પણ આનું સરવૈયું કોણ કાઢી આપે ?!

પ્રશ્શનકર્તા : આમાં તો આપ છો ને, સી.એ., આમાં સરવૈયું કાઢવાવાળા.

દાદાશ્રી : હા, એટલે કોઈક ફેરો જ્ઞાનીપુરુષ ભેગા થાય તો આપણું સરવૈયું કાઢી આપે. બાકી કોણ કાઢી આપે ? ઘરનાં માણસો તો ઉલટાં ગૂંચવે વધારે. એય અમારાં ખાતાં જોઈ આપો. અલ્યા, મેલને, મારે તો આ સરવૈયું જોવું છે, બધું. તેમાં શું કરવા માથાકૂટ કરે છે ? મારે ખાતે કેટલા જમે છે એ કાઢો, કહેશે.

પ્રશ્શનકર્તા : ઉધારની વાત કોઈ ના કરે. જમેની વાત કરે.

દાદાશ્રી : હા, એટલે ઉધારની વાત કોઈ કરે નહીં. આ વાત કરે નહીં. આ વાત કંઈ ગમે છે બધી. મેં કહી તે વાત ?

પ્રશ્શનકર્તા : બરોબર છે.

દાદાશ્રી : છેવટે તો જાણવું પડશે ને ? સરવૈયું જાણ્યા વગર ચાલશે ? આ બધા મહાત્માઓ સરવૈયું જાણીને બેઠા છે. એટલે નિરાંતે બેઠા છે ને ? હવે છે કશી ભાંજગડ ? સરવૈયું જાણે એટલે પછી નિરાંત થઈ ગઈ !

 

 

ભાગ
1-2 -3 - 4 - 5 - 6 - 7 - 8