ભાગ
1-2 -3 - 4 - 5 - 6 - 7 - 8

(૬)

લોભની સમજ, સૂક્ષ્મતાએ

રખડાવનારો પ્રાકૃત દોષ !

પ્રશ્શનકર્તા : કેવા પ્રકારના દોષો ભારી હોય તો ઘણા અવતારો સુધી ચાલે ? અવતારો બહુ લેવા પડે એવા કયા દોષો ?

દાદાશ્રી : લોભ ! લોભ ઘણા અવતારો સુધી જોડે રહે છે. લોભી હોયને તે દરેક અવતારમાં થાય એટલે એને ગમે બહુ આ.

પ્રશ્શનકર્તા : કરોડો રૂપિયા હોય છતાં ધર્મમાં પૈસા ન આપી શકે એનું શું કારણ ?

દાદાશ્રી : શી રીતે બંધ બાંધેલા છૂટે બા ? એટલે કોઈ છૂટે નહીં. ને બંધાયેલો ને બંધાયેલો જ રહે. પોતે ખાય પણ નહીં. કોના હારું ભેળું કરે છે ?! પહેલાં તો સાપ થઈને ફરતા હતા ને સાચવ સાચવ કરે. મારું ધન, મારું ધન કરે !

પુણ્ય, ભોગવે દુઃખમાં !

પ્રશ્શનકર્તા : પૈસા પુષ્કળ છે પણ સારા રસ્તે વાપરી શકતા નથી. એનો અર્થ એ કે આ પાપાનુબંધી પુણ્ય છે માટે ?

દાદાશ્રી : પાપાનુબંધી પુણ્ય કોને કહેવાય ? બંગલા હોય, મોટરો હોય, છોડીઓ સારી હોય, છોકરાં હોય છતાંય આખો દહાડો નવરો ના હોય. ધૂનમાં ને ધૂનમાં, ધૂનમાં ને ધૂનમાં, ભોગવેય નહીં. એ પાપાનુબંધી પુણ્ય. પુણ્ય છે છતાં ભોગવતો નથી. અને સામો પાપ જ બાંધ્યા કરે છે. પૈસા શા હારુ ખોળવા નીકળ્યો છે ? ત્યારે કહે 'મારે જોઈશેને એક લાખ ?' ત્યારે કુદરતે બૂમ પાડી કે લોકોના ક્વોટા ખાઈ જવા છે તમારે ? ગમે તે હો પણ અમને તો વાંધો નથી.' એટલે લોકોનો ક્વોટા ખાઈ જવો એનું નામ લોભ કહેવાય. બીજાના ક્વોટા ઉપર તરાપ મારવી, પૈસા તો એની મેળે, પુણ્યનો ખેલ છે એટલે આવ્યા જ કરે. તમારે એને ના નહીં પાડવાની. તેમાં બૂમાબૂમ નહીં કરવાની. લાલચ નહીં રાખવાની. એ તો આવ્યા જ કરે. એ તો પુણ્યનો ખેલ છે. પાપ કર્યા હોય તો ભૂલેશ્વરમાં પૈસા હારુ ચંપલો ઘસાઈ ગયાં હોય બળ્યાં ! શેઠને સલાહ આપતો હોય ફક્કડ, પણ શેઠને સમજણ ના પડતી હોય તોય ફર્સ્ટક્લાસ દોઢસો રૂપિયાના બૂટ પહેર્યા હોય ! અને પેલાંના ચંપલ ઘસાઈ ગયેલાં હોય ! એટલે આ પાપાનુબંધી પુણ્યૈ બધી !

પાપાનુબંધી પુણ્ય એટલે શું ? પોતાનું પુણ્ય તો છે જ, અને નવાં પાપ ઊભાં કરી રહ્યો છે. હાય પૈસા ! હાય પૈસા !! છોડીઓ પૈણાવતો નથી, મોટી મોટી થવા આવી તોય. વહુ કહે છે, 'આ છોડીઓનું જોતા રહેજો.' 'જોઈશું' એમ કહે. હાય, હાય, હાય ! ઊંઘેય ના આવે એને બીજો કોઈ હોય તો ઊંઘે તો ખરો ! ભગવાને કરુણા ખાધી છે આ લોકોની ! અલ્યા, ના સમજણ પડે તો શું કરવા બૂમાબૂમ કરે છે ! જીવતાં ય આવડ્યું નહીં !

પુણ્ય ખર્ચતાંય પુણ્ય !

જીવતાં તો આવડ્યું કોને કહેવાય ? પોતાની પાસે આવ્યું હોય તે ભેલાડે ! એનું નામ જીવતાં આવડ્યું કહેવાય. ગાંડપણ નહીં. ડહાપણથી ભેલાડે. ગાંડપણથી દારૂ-બારૂ પીતા હોય. એમાં ભલીવાર જ ના આવે. કોઈ દહાડો વ્યસન હોય નહીં ને ભેલાડે. જુઓને આ ભેલાડે છેને ! આ પુણ્યાનુબંધી પુણ્ય કહેવાય.

પુણ્યાનુબંધી પુણ્ય કયું ? દરેક ક્રિયામાં બદલાની ઇચ્છા ના રાખે એ પુણ્યાનુબંધી પુણ્ય ! સામાને સુખ આપતી વખતે કોઈ પણ જાતના બદલાની ઇચ્છા ના રાખે, એનું નામ પુણ્યાનુબંધી પુણ્ય !

જ્ઞાની શિખવાડે....

અમેય ભેલાડી દેતા હતા. તે હીરાબાને ખૂંચે. 'તમે તો બધું ભેલાડી દો છો.' ત્યારે અમે કહીએ, 'હવે નહીં ભેલાડું !'

પ્રશ્શનકર્તા : ભેલાડવું એ શબ્દ મેં સાંભળ્યો નથી. જરા સમજાવોને !

દાદાશ્રી : અમે જમીનદાર ખરાને ? થોડી થોડી જમીનો ખરી અને ખેડૂતોય ખરા. તે કોઈ પૂછે કે, 'શાક હમણે કેમ લાવતા નથી ?' ત્યારે કહે, 'ભેલાઈ ગયું હવે !' ભેલાઈ ગયું એટલે શું ? ખેતરમાં આ ગાયો-ભેંસો ફરે તે બધું ખાઈ જાય ત્યારે આપણાથી વાંધો ના ઉઠાવાય. એ ખેતર ભેલાઈ ગયું કહેવાય ! એ ગુજરાતી ભાષાનો શબ્દ છે ! જે આવ્યો તે લઈ જાય. આપણે એવું ભેલાડવું નથી. પણ આવું જો નિયમથી પ્રમાણથી કરવામાં આવે તો !

મનુષ્ય આપણે ઘેર આવે, આપણી પાસે પૈસા હોય અને મનુષ્યોની પાછળ ખર્ચો કરવો એ દુનિયામાં બની શકે જ નહીં. આપણે ત્યાં આવવા કોઈ નવરો જ નથી, આ તો લોકોને લાભ લેતાં નથી આવડતું. મનુષ્ય જે લે છે તે તો મનુષ્ય જે આપે છે તેનાં કરતાંય કિંમતી છે, કારણ કે આપનાર હોય તોય કોઈ લે નહીં. આવતાં જ જો આપણે ભેલાડી ના દીધું તો આપણે ભેલાઈ જઈશું ! એટલે ભેલાડી દેવું જોઈએ !

હવે એ ભેલાવવા માટે શું કરે ? તમારી બુદ્ધિ એમાં કામ લાગે નહીં એટલે અમારા જેવાની તમારે મિત્રાચારી કરવી જોઈએ. ક્ષત્રિયોની જોડે ને કામ કાઢી લેવું અને તમારી (વણિકો) જોડે મિત્રાચારી કરીએ તો અમારી સેફ સાઈડ રહે. નહીં તો અમારી સેફ સાઈડ નહિ.

ભેલાડ્યું શબ્દ નથી સાંભળ્યો, નહીં ? કેટલાક શબ્દો ખોવાઈ ગયા છે. તમે ભેલાડે શબ્દ સાંભળેલો ?

પ્રશ્શનકર્તા : હા દાદા.

દાદાશ્રી : શું સમજ્યા હતા તમે ?

જેનો ધણીધોરી ના રહ્યો એ ભેલાઈ ગયું કહેવાય. કોઈ એમ ના વાંધો ઉઠાવે કે આ અમારું છે ને ઉઠાવી ગયા. જેનો ધણીધોરી ના હોય એ ભેલાઈ ગયું.

કબીરેય કહ્યુંને કે તારી પાસે આ જે મિલકત હોય, તેમાં તું પહેલાં ખા, પી, પી એટલે બ્રાંડી-બ્રાંડી નહીં, દૂધ છે, ચા છે, પી, ખા ને ખવડાવી દે લોકોને, ને 'કર લે અપના કામ. ચલતી વખતે હે નરો, સંગ ન ચલે બદામ.' માટે ખવડાવી દેજે ! સમજ પડીને !

નહીં તો આમાં નહીં જાય તો બીજે રસ્તે જતું જ રહે ! ધનનો સ્વભાવ ચંચળ છે.

પાણી પાયું ગટરને !

પ્રશ્શનકર્તા : તો પોતાને માટે વાપર્યું કોને કહેવાય ?

દાદાશ્રી : ખઈ જઈને તે પાછળ ના આવવાનું હોય તે. તમે કોઈ જગ્યાએ હપ્તા ભરો તે તો પાછું આવવાનું જ હોયને ! બેન્કમાં ડિપોઝીટ ભર્યા કરો, બીજું કર્યા કરો, પણ પાછું આવવાનું જ ને ! અને ચાપાણી ને એ બધું મંગાય મંગાય કરો તે એના પૈસા બધું ગયું ગટરમાં ! પછી પચાસ ગેલન પેટ્રોલ બાળતા હોય તોય ગટરમાં ગયું.

રીત, જોડે લઈ જવાની !

પ્રશ્શનકર્તા : પૈસા સાથે લઈ જવા માટે કઈ રીતે સાથે લઈ જવાય ?

દાદાશ્રી : રસ્તો તો એક જ એટલો કે જે આપણાં સગાવહાલાં ના હોય. એવાં કોઈનાં દિલ ઠાર્યાં હોય, તો જોડે આવે. સગાવહાલાંને ઠાર્યાં હોય, તોય છે તે જોડે ના આવે, પણ ખાતાં ચોખ્ખાં થઈ જાય. એમની જોડે જ ખાતાં હતાં તે ચોખ્ખાં થઈ જાય. સગાંવહાલાંને ઠાર્યાં હોય તો ! અને બીજાં સગાવહાલાં ના હોય તો એમની જોડે દિલ ઠાર્યાં હોય તો એ આપણી જોડે આવે.

પ્રશ્શનકર્તા : એ પુણ્યાનુબંધી પુણ્ય કહેવાય ?

દાદાશ્રી : એ જે કહો તે, પણ દિલ ઠારવું જોઈએ. અગર તો અમારા જેવાને કહો તો લોકોને હિતકારી થાય એવું જ્ઞાનદાન બતાડીએ. એટલે સારાં પુસ્તક છપાવવાં કે જે વાંચવાથી ઘણા લોકો સારે રસ્તે ચઢે. અમને પૂછે તો દેખાડીએ. અમારે લેવાદેવા ના હોય.

ક્રોધ - માન - માયા - લોભ !

પ્રશ્શનકર્તા : ક્રોધ-માન-માયા-લોભ એ આપણે આમ સીકવન્સમાં કેમ બોલીએ છીએ ?

દાદાશ્રી : એને જે જવાનો રસ્તો છે તે પહેલાં ક્રોધ ઓછો થતો જાય, પછી માન ઓછું થતું જાય, પછી કપટ ઓછું થતું જાય, પછી લોભ તો છેલ્લામાં છેલ્લો જાય.

પ્રશ્શનકર્તા : આ ક્રોધ-માન-માયા-લોભ છે એમાં પહેલો ક્રોધ જાય છે, પછી માન જાય છે, પછી માયા જાય છે ને પછી લોભ જાય છે. છેલ્લામાં છેલ્લો લોભ જાય છે. એવું સ્ટેપિંગ કેમ છે ? લોભ છેલ્લો કેમ ?

દાદાશ્રી : એવું છેને પહેલો પેઠેલો લોભ. સૌથી પહેલો લોભ પેઠો અને એ પ્રમાણે જેવું પેઠા એવું નીકલે.

પ્રશ્શનકર્તા : એ કેમનો પેસી ગયેલો ?

દાદાશ્રી : તપાસ કરજેને હવે ? એ તારે જોવાનું. કોઈપણ વસ્તુ તું જોઉં છું તે લેવાનું મન થાય છેને ? લેવાનો ભાવ થયો એ જ લોભ અને પછી કો'કને દેખાડવાનો ભાવ થાય કે આ હું લઈ આવ્યો છું એ માન ! પછી કોઈ લઈ લેતો હોય તો ક્રોધ કરે. પહેલો લોભ થાય.

પ્રશ્શનકર્તા : અને માયા ?

દાદાશ્રી : માલ લેતી વખતે પેલા એકને બદલે બીજું બદલી લે, બીજું સારું હોય તે કંઈકને પેલો ધણી પેલી બાજુ જુએને ત્યારે બદલાવી નાખે તો એ કપટ કરે, એ જ માયા. લોભ થયો એટલે કપટ થાય. કંઈ પણ લેવાનો ભાવ થયો એ લોભ પછી ત્યાં છળકપટ થાય. કંઈ પણ ઇચ્છા નથી તેને કશું દુનિયામાં નડે નહીં. મિનિટે મિનિટે ઇચ્છા બંધ. ખાય, પીએ છતાંય !

એ માન્યતાએ માંડી મોંકાણ....

પ્રશ્શનકર્તા : દાદા, આ વખતે લોભની ગાંઠ કયા હિસાબે મળી હશે ? કયા ભાવ કરેલા ?

દાદાશ્રી : બીજાનું જોઈને કરે છે કે આમની પાસે જોને ધન સંઘર્યું છે તો અત્યારે હેય, મિલોબિલો બધું ચાલ્યા કરે છેને ? એટલે પોતે ય ધન સંઘરે પછી. સંઘરવું એટલે લોભની ગાંઠ ઊભી થાય. બીજાનું જોઈને લોભની ગાંઠ ઊભી થાય.

એણે એમ માન્યું ચે કે આ પૈસા સંઘરી રાખીશ તો મને સુખ પડશે ને પચી દુઃખ કોઈ દહાડોય નહીં આવે, પણ એ સંઘરી રાખવાનું કરતાં કરતાં લોભિયો એવો જ થઈ ગયો. પોતે લોભિયો થઈ ગયો. કરકસર કરવાની છે, ઈકોનોમી કરવાની છે, પણ લોભ નથી કરવાનો.

લોકસંજ્ઞાથી થઈ ફસામણ !

પ્રશ્શનકર્તા : પૈસાથી જ સુખ મળે છે એવું આપણે બધાં કેમ માનીએ છીએ ?

દાદાશ્રી : એ તો આખા જગતે માન્યું છે. લૌકિકભાવે છે એ. લોકોની રીતે છે એ. લૌકિક રીતે છે. પૈસાથી સુખ થતું હોય તો બધા પૈસાવાળા સુખી જ હોય પણ કોઈ સુખી છે નહીં.

'આનાથી સુખ મળશે', આ હોય તો સુખ છે, નહીં તો સુખ છે નહીં. તે એનું માની બેઠેલું લૌકિક સુખ, લૌકિક માન્યતા. એટલે લોભની ગાંઠ ઊગતી જાય. ભેળું કરેલું કામ લાગેને. વારેઘડીએ ઉછીના ખોળવાની જરૂર ના પડે. એવું બધું માને. એટલે લોભની ગાંઠ વધે.

લોભ બહુ હોય એટલે ભેળું કર કર કર્યા કરે !

પ્રશ્શનકર્તા : કર્મ કરવાથી મળે તો ભેળું કરવાનું દાદા, કર્મ કર્યા વગર ના થાયને !

દાદાશ્રી : હા, પણ એનાથી લોભ વધતો જાયને બળ્યું ! ભેળું થવાનો વાંધો નથી, લોભ ના વધે તો વાંધો નથી.

વાણિયો હોયને એટલે લોભની ગાંઠ તો હોય જ. કારણ કે એનો ધંધો જ એ. ભેળું કરવું, સેફસાઈડ, સેફસાઈડ, સેફસાઇડ !

પ્રશ્શનકર્તા : પ્રકૃતિ જ એવી થઈ ગઈ હોય.

દાદાશ્રી : પ્રકૃતિ એવી થઈ ગઈ હોય જ. બાપદાદાના સંસ્કારથી આવેલી હોય. એના એ જ સંસ્કાર જોવા મળ્યા હોયને એટલે એને જ સંસ્કાર પછી ચાલ્યા કરે.

હવે સેફસાઈડ કરે તેનોય વાંધો નથી પણ સેફસાઈડ થયા પછી ઊડાડી દેવું જોઈએ.

પ્રશ્શનકર્તા : પછી ના ઊડે. પછી પેલો નવ્વાણુંનો ધક્કો વાગી જાય.

દાદાશ્રી : હા, પછી નવ્વાણુંનો ધક્કો વાગી જાય !

લોભ ક્યાંથી પેસે ? એની શરૂઆત ક્યાંથી થાય ? પૈસા ના હોય તે ઘડીએ લોભ ના હોય. પણ જો નવ્વાણું થયા હોય તો મનમાં એમ થાય કે આજે ઘેર નહીં વાપરીએ પણ એક રૂપિયો ઉમેરીને સો પૂરા કરવા છે ! આ નવ્વાણુંનો ધક્કો વાગ્યો !! એ ધક્કો વાગ્યો એટલે એ લોભ પાંચ કરોડ થાય તોય છૂટે નહીં એ જ્ઞાની પુરુષ ધક્કો મારે તો છૂટે !

નવ્વાણુંનો ધક્કો...

'નવ્વાણુંનો ધક્કો વાગ્યો' એવી કહેવત તમે સાંભળેલી ? આને નવ્વાણુંનો ધક્કો વાગ્યો નથી. આને વાગ્યો એમ કહે છેને ? એમ કહેશે.

પ્રશ્શનકર્તા : દાદા, સમજાવો આ ધક્કાની વાત.

દાદાશ્રી : એક વણિક શેઠ હતા. બાજુના ઘરમાં એક સુલેમાન ઘાંચી રહેતો હતો ! એ ઘાંચીનો ધંધો તેલનો, તે એણે એ કાઢી નાખ્યો, એ ધંધો ના ચાલ્યો એટલે પછી શાકભાજી વેચી ખાતો હતો. શું કરે ? માર્કેટમાંથી શાકભાજી લઈ આવે ને પછી વેચી ખાય. એટલે શાકભાજીનો ધંધો સારો ચાલ્યો. લત્તો સારો હતોને ! તે રોજ પાંચ-સાત રૂપિયાની કમાણી થાય. હવે જ્યારે ઓછામાં ઓછા પગાર હતા, પચાસ રૂપિયાના, તે જમાનામાં, તેમાં આ આટલા કમાય એટલે પછી એ રાજા જ કહેવાયને ? તે પછી શું કરે ? બીબી સારું જમવાનું બનાવે. તે પાછળ વાડીમાં બીબી નીકળે, તે એક બાજુ શેઠાણી કપડાં સૂકવતાં હોય. શેઠાણી પૂછે, 'શું કર્યું આજે જમવાનું ?' ત્યારે બીબી જે એનું વર્ણન કરે ! 'આજે બિરયાની બનાયા, યે બનાયા, તે બનાયા !' 'બિરિયાનીમાં શું નાખો ?' ત્યારે બીબી કહે, 'ઘીની જ બનાવીએ, તેલ-બેલ નહીં.' એટલે આ શેઠાણીને મનમાં એવું થાય કે બળ્યું આ થોડુંઘણું સારું કરું છું ત્યારે હોરો આ શેઠ બૂમ પાડે છે, પછી કહેશે, 'શાકેય લાવવું નથી, બાકરા મૂકો પેલા ચણાના ને તુવેરના ! રોજ શાક ના હોય. અઠવાડિયામાં બે દહાડા હોય. શેઠ લાખ્ખોધિપતિ, પણ પહેલાં આવો રિવાજ હતો આપણો. એમાં એમને દોષ નહીં, બધા શેઠિયાઓને ત્યાં આવો

જ રિવાજ હતો એટલે પછી શેઠે જાણ્યું કે આ તો ઘરમાં આવો સડો પેઠો !' શેઠે પૂછ્યું કે, 'કેમ તમે આવું ખાવાનું પૂછપૂછ કર્યા કરો છો ? પહેલાં નહોતાં કરતાં.' ત્યારે શેઠાણી કહે, 'આ ગરીબ છે જોડે, પણ કેવું સરસ સરસ ખાય છે ?!' શેઠને થયું, 'આ મારું હારું ટીબી કંઈથી પેઠું ! આ ટી.બી.ના જંતુઓ !' હવે આ શેઠિયા તો બહુ પાકા હોય. સડે ત્યાંથી ડામ દેવો ! નુકસાન કોઈને દેખાડે નહીં, થાય નહીં. જાણે કે ડામ ક્યાં દેવાનો ! મારી દે ડામ ! બહુ પાકા ! હું જ ફરેલો એ આખી નાત જોડે. મને આખી નાત ઓળખે. પછી શેઠે કળા કરી. શેઠ જાણે કે આ રોગ જો પેસશે તો પછી આ શેઠાણી જોડે મારે રોજ ઝગડા ચાલ્યા કરશે. એટલે પછી શેઠે બીજો ઊંધો રસ્તો ના લીધો, છતો રસ્તો લીધો. ઊંધો કરીને એને ઘર ખાલી કરાવવાનું કરે, એ બધા ઊંધા રસ્તા કહેવાય. આમ તો એ વણિક ખરોને ? સંસ્કાર તો ખરાને ! મહીં દોષ બેસેને એને, ખોટો. પણ એને કંઈક એવો રસ્તામાં લાવવો. એટલે શેઠે એક થેલી પાતળા લુગડાની લીધી. તેની મહીં નવ્વાણું રૂપિયા ભર્યા. પછી ઉપર મોઢું બાંધી દીધું. બાંધીને પછી ગજવામાં લઈને ગયા, 'અલ્યા સુલેમાન, આ તાંદળજાની ભાજી શું ભાવથી આપે છે ? અને આ છે તે મેથીની ભાજી ?' તે મેથીની ભાજીનો ઢગલો હતો એની નીચે

આ થેલી ઘાલી દીધી ! અને થોડીક તાંદળજાની ભાજી વેચાતી લઈને ગયા.

પછી મિંયાભાઈ તે સાંજે ધંધો પૂરો થઈ ગયા પછી મેથી ઉથામવા માંડ્યા. ઘેર લઈ જવા માંડ્યા, થોડી થોડી વધી હતીને ! ત્યાંથી ચમક્યાં. અલ્લાને કુછ દિયા ! આમ રૂપિયા જેવું લાગ્યું !! અને અંદર ગોળ ગોળ લાગ્યું ! આમ માપી જોયું, આમ આમ દાબી જોયું, છે જ પૈસા એને લાગ્યું, કોઈ તો કંઈ આપી જાય ? અલ્લા સિવાય બીજો કોઈ નવરો ના હોય અત્યારે ! અને આપી જાય તો આવું ? મોઢે કહીને આપી જાય કે, 'જા સલિયા આપું છું તને, વ્યાજ આપજે આટલું.' હવે આ શેઠને કેમ પહોંચી વળાય ? શી રીતે પહોંચી વળાય ? એમ ને એમ કોયડો કાઢી નાખ્યો !

તે પછી સલિયો મહીં ઘરમાં લઈ ગયો. બીબીને કહે છે, 'તું અહીં આવ, અહીં આવ.' બીબી કહે, 'અરે, મને રસોઈ બનાવવા દોને ! તમે શું કકળાટ કર્યા કરો છો ?' ત્યારે સલિયો કહે, 'બારણાં બંધ કરી દે અને લાઈટ કરજે.' 'બીબી કહે શું છે તે ?' 'આ છે !' સલિયાએ કહ્યું. જોતાં જ બીબીની આંખો ચાર થઈ ગઈ ! 'આ શું પૈસા ક્યાંથી આવ્યા ?!! કોઈના લાવ્યા તો નથીને ?' અરે, ના, ના, ખુદાને દિયા ! શાકભાજીની મહીંથી નીકળ્યા. ખુદાને દિયા આજ તો.' પછી એણે ધીમે રહીને ગણ્યા. ખખડે, અવાજ થાય નહીં એવી રીતે, તે નવ્વાણું થયા.

પછી એણે વિચાર કર્યો કે કાલે જે વકરો આવે એમાંથી બે ખાવા માટે પેટે રાખી બીજા બધાય આમાં નાખવા. બેન્કમાં મૂકીએ એવું. આ નવ્વાણુંનો ધક્કો વાગ્યો એને ! એ લોભિયો ન હતો. રોફભેર ખાતો હતો તેને લોભિયો બનાવ્યો વાણિયાએ ! તે પછી રોજ પાંચ, છ ઉમેરે હંકે !

પછી શેઠાણીને શેઠે કહ્યું, 'કેમ પેલી બીબીજીની વાત તમે હવે નથી કરતાં ? વઢવાડ થઈ તમારે ? વઢવાડ થઈ હોય તો હું એને કહી આવું કે લઢીશ નહીં અમારે ઘેર.' ત્યારે શેઠાણી કહે, 'ના હવે તો એ કહે છે કે આજે તો રોટલા ને કઢી કરી ને એવું તેવું બધું કરે છે.' એટલે શેઠે જાણ્યું કે ગોળી વાગી ખરેખરી. આ વાણિયાને શી રીતે પહોંચી વળાય ? પેલો સલિયો લોભિયો ન હતો તેને લોભિયો બનાવ્યો. એટલે આપણાય કેટલાક લોકો લોભિયા ન હતા, તે અહીં અમેરિકામાં નાણું દેખ્યું ને તે નવ્વાણુંનો ધક્કો વાગી ગયો. વાગી જાય કે ના વાગી જાય ?

પ્રશ્શનકર્તા : મને નથી ધક્કો વાગ્યો હજુ દાદા.

દાદાશ્રી : તારી પાસે આવ્યું જ ના હોય.

પ્રશ્શનકર્તા : આ ભાઈ વાણિયા છે એમને કહો કે પેલી થેલી મૂકી જાય.

દાદાશ્રી : એ તો કોઈ મૂકી આવે ત્યારેને ?

પણ આ જે કહેવત કહેલી ને તે બહુ સારી કહેવત, અક્કલવાળી કહેવત છે. હં, મેં તપાસ કરેલી કે નવ્વાણુંનો ધક્કો એટલે શું હશે ? આ વાત કહે છે તે આપણા ઘૈડિયાઓની અનુભવની વાત હોય છે. અનુભવસિદ્ધ પ્રમાણો સાથે. જુઓને પેલો મુસલમાન ફરી ગયોને ! બીબી રોટલા-કઢી કરતી ને ખાતી થઈ ગઈને ! જો વઢવા જવું પડ્યું ? લાકડાની તલવાર ! એમ ને એમ ધીકી નાખે ! ડૉક્ટર સાંભળ્યું કે આ કળા બધી ! વાણિયાની કળા !

કેવો ધક્કો માર્યો. શાકની નીચે ઘાલી દીધું. એટલે મિંયા સમજી ગયો કે અલ્લાને દિયા. નવ્વાણુંનો ધક્કો. બહુ સારી કહેવત ! આમ સમજ બધી હોય.

પ્રશ્શનકર્તા : એ એવું થવાનું કારણ શું ?

દાદાશ્રી : લોભ, પ્રકૃતિ જ વણિક. વણિક એટલે નિરંતર વિચાર કરી કરીને જ કામ કરે. પગલાં ભરે. વિચાર કરનારો હંમેશા લોભી થાય. દરેકમાંથી ખોળી કાઢે. શામાં નફો છે ને શેમાં ખોટ છે ! તારણ કાઢે એટલે પછી એ લોભ શી રીતે છૂટે ? ભગવાન ભુલાય. એને તો એમાં જ મજા આવે. ઇન્ટરેસ્ટ જ એમાં આવે.

આમાં આ લોકોને વધતાં વધે નહીં તો લોભ શેનો થાય તે !

શેઠ શોધે સડેલા શાક !

આપણને ખબર પડે કે આ માણસમાં લોભ નથી. અને લોભિયા માણસનો લોભ તરત ખબર પડી જાય કે આ લોભ કર્યો. અહીં શાક માર્કેટમાં ઊભા રહે ને તો દેખાડું કે કેટલા માણસો શાક સારું મળે તે બાજુ જાય ને પેલી ઢગલીઓ મળે તે મોટા મોટા શેઠિયાઓ હઉ એ બાજુ જાય. પહેલાં તો ઢગલીઓવાળા કહેતા'તા કે આ શેઠિયાઓ આવે છે તે ઢગલીઓ માટે, તે મોટા મોટા શેઠિયાઓ હઉ એ બાજુ જાય ને ઢગલીઓ ખરીદી લે. આ ટામેટાંનો શો ભાવ છે ? ત્યારે કહે 'ચાર આના, છ આના ?' પછી લઈ આવે. હવે એટલું જ પેણે આગળથી લેવા જાય તો સવા રૂપિયો હોય. હવે આ ઢગલીઓનું શું હોય ? શાક સારું ના હોય. એક બાજુ કાપી નાખે અને પછી શાક કરીએ છીએ એમ કહેશે. આ જંતુઓને તો અમેરિકાવાળા અડતા જ નથી આવું. ઉપર કશું ના થયું હોય તોય અડે નહીં. કાગળિયું વીંટ્યું હોય તેથી ઉપડે. ઉપર પેપર વીંટ્યું નથી માટે કાઢી નાખો. અને આપણે ત્યાં ઉપર ડાઘ પડેલો હોય. મહીં જંતુ ખાતા હોય, તેનેય કાઢી નાખીને ખાય !

અરે, રીંગણામાંથી જીવડું કાઢીને પછી રીંગણું રહેવા દે છેને ! જીવડું મહીંથી કાઢી નાખે ને પછી રીંગણું રહેવા દે. લોભની ગાંઠ શું ના કરે ?

એ... અત્ર, તત્ર, સર્વત્ર !

લોભિયો સવારે ઊઠ્યો ત્યાંથી લોભ કર્યા કરે. આખો દહાડો એમાં ને એમાં જાય. ભીંડા મોંઘા ભાવના છે કહેશે. વાળ કપાવવામાં પણ લોભ ! આજે બાવીસ દા'ડા થાય છે, પૂરો મહિનો જવા દો. કશો વાંધો નહીં આવે, સમજ પડીને ! આ સ્વભાવ એટલે આ ગાંઠ એને દેખાડ દેખાડ કરે ને કષાય થયા કરે અને આ કપટ અને લોભ બેનું બહુ વસમું છે.

પૈણતાં ય ચિત્ત લોભમાં !

એટલે લોભ છોડવા માટે ભગવાને બહુ રસ્તા કર્યા. માણસને લોભ છૂટે નહીં ત્યાં સુધી ગમે ત્યાં બેઠો હોય, પૈણવા બેઠો હોય તોય એનું ચિત્ત લોભમાં હોય. 'અલ્યા થોડો વખત આ લેડીમાં રાખ.' ત્યારે કહે, 'આ લેડીને પૈણીશું જ ને ? એક તો પૈણવાની જ છે ને !' પણ પેલું ચિત્તમાં ! લોભ એવી વસ્તુ છે કે ચિત્ત એમાં ને એમાં જ રહે. એટલે ભગવાને કહ્યું કે લોભ છોડાવવા માટે એનો રસ્તો કરજો. નહીં તો લોભ નહીં છૂટે અને તમારે લોભની ગાંઠ તૂટે નહીં ત્યાં સુધી મોક્ષે જવાય નહીં.

આખો દિવસ ગાળે રક્ષણમાં !

એક માણસ તો એટલો બધો લોભિયો કે એણે આપણે ત્યાં આવવાનું જ છોડી દીધું અને બીજાઓએ જ્યારે મંદિર માટે પૈસા આપવા માંડ્યા ત્યારે એ કહે, 'દાદા તો પૈસા લેતા નથી ને તમે શું કરવા એમને ઊંધે રસ્તે ચઢાવો છો ?' હું સમજી ગયો કે આ માણસ બહુ લોભી છે. ચાર આના ય ના છૂટે અને એને ઘેર તમારે ત્યાં ચા પીવાની ઇચ્છા ના કરવી. પાય તો સારું કહીએ. એ માણસનો દોષ નથી. એના પર દ્વેષ કરવા જેવો નથી. એક ગાંઠ એને બિચારાને પજવે છે. એ માણસનો દોષ નથી. લોભિયો એટલે ચોગરદમ એનું રક્ષણ કર્યા જ કરે. આખો દહાડો વિચારોથી રક્ષણ કર્યા જ કરે. એનું નામ લોભિયો. શેનું રક્ષણ કર્યા કરતો હોય ? એના આત્માનું નહીં, લોભનું જ રક્ષણ કર્યા કરતો હોય, જન્મથી જ. જન્મ્યો ત્યાંથી તે મરતાં સુધી. છેલ્લા સ્ટેશન સુધી. મરતી વખતેય લોભ કરે. લોભની વાત કરે.

ત્યાંય ધૂણવું પડે !

પાંચ-પચાસ રૂપિયા હાથમાં હોય તોય વાપરે નહીં, તોય રિક્ષાના ખર્ચે નહીં. શરીરે ચલાય નહીં તોય ! ત્યારે મેં એમને કહ્યું કે આવું ના કરો. થોડા રૂપિયા, દસ દસ રૂપિયા રિક્ષાઓમાં વાપરવા માંડો. ત્યારે એ કહે કે એ તો ખર્ચાતું જ નથી. આપવાનું થયું એટલે ખાવાનું ના ભાવે. હવે ત્યાં હિસાબથી તો મનેય ખબર પડે છે કે, ખોટું છે. પણ શું થાય પણ ? પ્રકૃતિ ના પાડે છે તે એકવાર એમને મેં કહ્યું કે પૈસાનું પરચૂરણ લોને, રસ્તામાં વેરતા વેરતા આવો ! તે એક દહાડો થોડા વેર્યા ને પછી ના વેર્યા.

આમ બે-ચાર વખત વેરી નાખેને તો આપણું મન શું કરે કે આપણા કાબૂમાં છે નહીં, આપણું માનતા નથી. આ તો એમ કરીને આપણું મન-બન બધાં ફરી જાય ! આપણે ઊંધું કરવું પડે. એ તો ધૂણવું પડે. ધૂણ્યા વગર ના ચાલે. તે ઘરનાં માણસ કાબૂમાં ના આવતાં હોય તો ધૂણવું પડે. એવી રીતે મનને કાબૂમાં લેવા માટે ધૂણવું પડે.

લક્ષ નિરંતર લક્ષ્મીમાં !

લોભની ગ્રંથિ એટલે શું ? ક્યાં કેટલા છે, ત્યાં કેટલા છે, એ જ લક્ષમાં રહ્યા કરે, બેન્કમાં આટલા છે, પેલાને ત્યાં આટલા છે, અમુક જગ્યાએ આટલા છે, એ જ લક્ષમાં રહ્યા કરે. 'હું આત્મા છું' એ એને લક્ષમાં રહે નહીં. પેલું લક્ષ તૂટી જવું જોઈએ, લોભનું. 'હું આત્મા છું' એ જ લક્ષ રહેવું જોઈએ.

આપે ત્યારે તૂટે !

પ્રશ્શનકર્તા : પહેલાં પરિસ્થિતિ બહુ ખરાબ હતી એટલે લોભ બહુ રહેતો હતો.

દાદાશ્રી : હા, તેથી જ લોભ રહે. ત્યાં સુધી મનમાંથીય છૂટે નહીં. એક ફેરો આપવા માંડેને ત્યારથી મન મોટું થતું જાય.

પ્રશ્શનકર્તા : ખબર જ ના પડે કે આ લોભ છે કે ઈકોનોમી છે.

દાદાશ્રી : એ લોભ જ. પણ આ સારી જગ્યાએ વપરાયો અને એમના હાથમાંથી છૂટવા માંડ્યો. એટલે એ લોભ તૂટી ગયો, નહીં તો એ લોભ જ ત્યાં ને ત્યાં ચીતર્યા કરે. ત્યાં ને ત્યાં ચીતરે. આત્મામાં ના રહે. મૂડી ઓછી થઈ જશે ! 'અરે, પણ જોડે લઈ જવાની છે ?' ત્યારે કહે, 'જોડે તો નહીં લઈ જવાની, પણ ત્યાં સુધી જોઈશે ને ત્યાં સુધી, જીવીએ ત્યાં સુધી જોઈશેને ?' અલ્યા મૂઆ, પછી રહી જશે તેનું શું કરીશ ? પણ પેલો ભડકાટ, એક જાતનો ભડકાટ રહે.

લોભ અને કરકસર !

પ્રશ્શનકર્તા : દાદા પાસે આવતાં સુધી મને એમ લાગતું હતું કે હું કરકસર કરું છું, એ સારી વસ્તુ છે. હવે સમજાયું કે એ લોભ છે.

દાદાશ્રી : નહીં, કરકસર કરવાની જરૂર હતી. ખોટે રસ્તે, પેલા સંસારમાં જતા રહે એનો અર્થ નથી. પૈસાની કરકસર ફક્ત અહીં એક આત્માની બાબતમાં નહીં કરવાની. બીજે બધેય કરકસર કરવાની. કંઈ નાખી દેવાય ?

આપણને જરૂરિયાત હોય ને સ્ટેશન પર દૂધ મંગાવ્યું અને ચા બનાવાય એટલી બનાવીને દૂધ છેવટે વધી ગયું તો કંઈ નાખી દેવાય ? એ કંઈ કૂતરું-બૂતરું હોય કે ગમે તે જતો આવતો હોય તેને કહીએ લે ભઈ, આ દૂધ પી જા, કો'કને પીવડાવી દઈએ. પણ નાખી ના દેવાય.

પ્રશ્શનકર્તા : કરકસર અને લોભની ડીમાર્કેશન કેવી રીતે કરવા ?

દાદાશ્રી : લોભ એટલે તો શું ? આપણું ચિત્ત જ ત્યાં ને ત્યાં રહ્યા કરે. આપણી મૂડીમાં જ ચિત્ત રહે. ઓછા ના થાય. ઓછા ના થઈ જાય એવું રહ્યા કરે. એનું નામ લોભ અને કરકસર એટલે શું ? જતાં ન રહે વધારે. માર્કેટમાં જાય તો પાંચ મિનિટ વધારે થાય તો ભલે, પણ બહુ પૈસા ના જતા રહે એવી રીતે, પણ સારું શાક લે, એનું નામ કરકસર કહેવાય. સારું શાક લેવું ને વધારે ખર્ચ ના થાય એનું નામ કરકસર. સડેલું શાક લેવું એનું નામ કરકસર ના કહેવાય. એ લોભ કહેવાય.

પ્રશ્શનકર્તા : દાદા, ઘરખર્ચમાં મને એમ થાય કે થોડા પૈસા બચાવીને મૂકી દઉં. એ લોભ કહેવાયને ?

દાદાશ્રી : ના, એ લોભ નહીં. જરૂરે કરીને વાપરવા માટે રાખી મેલ્યા છે, તે લોભ ના કહેવાય. એ સારા રસ્તે વપરાય નહીં, તો એ લોભ કહેવાય અને સારે રસ્તે વાપરવા માટે, પારકા માટે વાપરવામાં લોભ તૂટે.

પૈસા ભેગા કર્યા છે હવે, પણ તે શામાં ગયા ? સારા કામમાં ગયા તો લોભ તૂટી ગયો. મોજશોખ ના કરો ને પૈસા ભેગા કરો એ લોભ કહેવાય. મોજીલા નહીં થવાનું. શોખીન નહીં થવાનું, પણ મોજશોખ સાધારણ વ્યવહારથી તો આમ ખાવું-પીવું ને રહેવું જોઈએ. પણ ના, એવું ના કરાય, એ લોભ કહેવાય. પણ લોભના પૈસા સારી જગ્યાએ વાપર્યા માટે એ લોભ ના કહેવાય. નહીં તો લોભ જ કહેવાય બધો. કરકસર કરે તેનો વાંધો નથી.

કરકસર તો કરવી જ જોઈએ. ઈકોનોમી તો એક મોટો આધાર છે એક જાતનો. એ ખોટું નહીં પણ શરીરને બાળીને નહીં.

બાકી કરકસરિયો અને લોભિયો એમાં બહુ ફેર. કરકસર તો જોઈએ જ ! લોભ ના જોઈએ. ઇકોનોમી ના હોય તો માણસ ના કહેવાય. કારણ કે એનો સાંધો મળે નહીં, તો તારો તૂટી જાય બધા. આટલા ખાતાને સપ્લાય કરવાનું, આટલા ખાતાને આમ કરવાનું, તે બધું તૂટી જાય. ઇકોનોમીમાં લોભ ના હોવો જોઈએ.

પ્રશ્શનકર્તા : પૈસા ગજવામાં હોય છતાંય મંદિરમાં આમ નાખે નહીં, નાખવાનું મન ના થાય એ શું ?

દાદાશ્રી : એ ગરીબાઈનું કારણ. અમુક સ્થિતિમાં આવી સ્થિતિ બરોબર ના હોય ત્યારે થાય. તો ફરી પૈસા હોય ત્યારે કરીશું એમ કહેવું એ લોભની ગાંઠ ના કહેવાય.

લોભિયો અને કંજૂસ !

પ્રશ્શનકર્તા : લોભિયો અને કંજૂસ એ નજીકનો કહેવાય ?

દાદાશ્રી : ના. કંજૂસ જુદી જાતનો. પહેલાંની ટેવ પડેલી હોય, ના હોય તે દહાડે કંજૂસાઈ કરવાની ટેવ પડેલી તે પછી આવે તોય કંજૂસાઈ કરે. એ ટેવ છૂટી જાય છે. એ તો ટેવ પડેલી છે. અને લોભિયો તો ગાંઠ છે એક જાતની, જબરજસ્ત ગાંઠ-રંગાય નહીં કશાયમાં ય ! અને કંજૂસાઈ કરનારો છે તે શ્રીમંત થાય તોય ચા હલકા પ્રકારની લઈ આવે. પહેલાં લાવતો હતો એવી ! એમ નહીં કે સારી લઈ આવે ! હું તો ચા ઉપરથી ઓળખી જઉં કે પાર્ટી સારી હોય તોય ! હવે એ ઓછું બોલવાનું છે ? મનમાં સમજી જવાનું દરેક પ્રકૃતિ છેને, એનો શો દોષ ! આત્માનો દોષ નથી, એ પ્રકૃતિનો દોષ છે !

તે લોભિયો રંગાય નહીં. પેલો રંગાતો જ નથી. એ મને અજાયબી લાગી.

પ્રશ્શનકર્તા : પૈસા હોય ને વાપરે નહીં એ લોભી કહેવાય કે કંજૂસ ?

દાદાશ્રી : એ તો કંજૂસ કહેવાય. એ તો ટેવ પડેલી. જ્યારે સ્થિતિ નમર હોય, પંદર રૂપિયા પગાર મળતો હતો. તે દહાડે કંજૂસાઈ કરીને જ દહાડા કાઢેલા તે પચાસ રૂપિયા આવતાંય એનો સ્વભાવ જાય નહીં ! એનું નામ કંજૂસાઈ ! લોભિયો તો લાખો રૂપિયા હોય તોય એનો એ જ, રંગાય કરાય નહીં.

ન રંગાય કશામાં !

અને લોભિયો તો સ્વભાવથી જ એવો હોય કે કશામાં રંગાય જ નહીં. કોઈ રંગ ચડે નહીં એને ! લોભિયો હોય ને તો તમારે એટલું જોઈ લેવું કે કોઈ રંગ ચઢે નહીં ! લાલમાં બોળીએ તોય પીળો ને પીળો ! લીલામાં બોળીએ તોય પીળો ને પીળો ! એટલે લોભિયો રંગાય નહીં ! તમને તો જેમ રંગીએ એમ રંગાઈ જાવ ! એટલે રંગાય એને જાણવું કે આ લોભિયો નહીં. દરેક માણસને એમ થાય કે મારામાં કંઈ લોભ હશે ? તો જોઈ લેવું કે હું રંગાઉ એવો છું કે નહીં ? આપણે આ વાત છે ને એમાં તમે રંગાઈ જાવ. વાર ના લાગે. અને લોભી તો રંગાય જ નહીં. હા એ હા કરે. આમ ઊંચો થઈ થઈને વાત કરે. બધું કરે, રંગાય નહીં. રંગનો શેડ હતો તેનો તે જ. ફરી પાછો ધોઈ નાખે, તો હતો તેવો ને તેવો જ !

લોભ વગરના બધાય રંગાઈ જાય. પાછો હસે એટલે આપણે જાણીએ કે રંગાઈ ગયા. હું જે વાત કરું ને તે સાંભળે બધીય. બહુ સારી વાત, બહુ આનંદની વાત, આમ તેમ, પણ મહીં તન્મયાકાર ના થાય. એટલે આ ઘર-બર ભૂલી જાય ને પેલા ભૂલે નહીં. એને લોભ-બોભ કશું ભૂલે નહીં. હમણે જઈશ ને પેલા આવશે તો ગાડીમાં જઈશ એમની તો પાંચ બચશે. એ ભૂલે નહીં. પેલો તો પાંચ બચવા કરવાનું ભૂલી જાય. પછી જવાશે કહેશે. પેલો કંઈ ભૂલે નહીં. એ રંગાયો ના કહેવાય. રંગાયો ક્યારે કે તન્મયાકાર થી જાય બધું. ઘર-બાર બધું ભૂલી જાય. તમને ના સમજણ પડી ? આ લોક નથી કહેતા કે દાદાનો રંગ લાગ્યો ? પેલાને દાદાનો રંગ ના લાગે, તું ગમે તેટલા રંગમાં બોળ બોળ કરે તોય પણ.

મૌલિક વાતો, દાદાની !

દાદાશ્રી : આ લોભિયાની વાત નવી નીકળી અત્યારે !

પ્રશ્શનકર્તા : આ વાત મૌલિક લાગી અમને પણ.

દાદાશ્રી : ના, પણ ઊંચી વાત નીકળી ! હું સમજી જઉં બધાંને રંગ લાગે તે, પણ આજે લોભની વાત છે ને તે ઓળખવા માટે સાધન બહુ ઊંચું નીકળ્યું અત્યારે. મને પોતાનેય ખબર ન હતી કે આવું સુંદર સાધન છે ! લોભ કેમ ઓળખાય તે ?

આ તો રેકર્ડમાંથી શું ના નીકળે ? એ કહેવાય નહીં. એવો એવો તાજ્જુબ માલ ભરેલો છે બધો. આ તો બહુ ઊંચી વાત નીકળી છે. લોભિયો રંગાય નહીં.

પ્રશ્શનકર્તા : આ લોભની ગાંઠ છે ને એ પારાશીશી.

દાદાશ્રી : લોભી એની વહુની જોડે, છોકરાં જોડે, ભઈબંધ જોડે રંગાય નહીં. બહુ ઊંચી વાત નીકળી ? આવી આવી કો'ક ફેરો સરસ વાત નીકળી જાય છે !

તમારા ગામમાં એવો કોઈ માણસ નથી કે જે કશામાં રંગાય નહીં એવો ?

આ કંઈ જોડે લઈ જાવનો છે ? હવે પોતાને દેખાતું નથી ને આ શું કરીશું ? જોડે શી રીતે લઈ જઈશ ? લાવ જતાં જતાં લઈ લઈએ બૈરાંને, છોકરાંને બધું તેય નહીં !

માન તો ભોળું ?

પ્રશ્શનકર્તા : પણ દાદા, લોભની ગાંઠ ખબર નથી પડતી એટલે બેસી રહી છે.

દાદાશ્રી : એ ખબર પડે તો તો માણસનું કલ્યાણ જ થઈ જાયને ! વણિકોને લોભની ગાંઠ હોય ને ક્ષત્રિયોને માનની ગાંઠ હોય. બન્ને ગાંઠો નુકસાનકારક છે.

માની હોય તેને લોકો અપમાન આપે, માન એટલે ભોળું. એટલે સહુ કોઈ ઓળખી જાય ને શું જોઈને છાતીઓ કાઢીને ફરો છો ? એવું કહે. માન ભોળું. માન માટે તો રસ્તે જનાર કહેશે, 'ઓહોહો ભઈ, શું કરવા આટલા બધા ટાઈટ છો ?'

પ્રશ્શનકર્તા : લોભવાળાને માન આપીને લોભની ગ્રંથિ તોડવાની, પણ આ માનની ગ્રંથિ કેવી રીતે તોડાય ?

દાદાશ્રી : માનની ગ્રંથિ તો આ લોકો એની મેળે તોડી આપે. એ અપમાનથી તૂટે ને ! નહીં તો માન તો સહુ કોઈ દેખાડ દેખાડ કરે. ભોળું એટલે નાનાં છોકરાં હઉ સમજી જાય કે માનમાં આવી ગયા છે.

અને પાછું શું થાય ? બહુ લોભિયો હોય ને તે અપમાન ખમીને, સો રૂપિયા મળતા હોય તો હસે અને મનમાં એમ સમજે કે મેલો ને છાલ, આપણને તો મળે છેને ? એ લોભની ગાંઠ. અને માની તો બિચારો માને ચઢાવે એટલે વાપરી નાખે, એની પાસે જે હોય તે. પછી તેને અપમાનનો ભય બહુ લાગે. કોઈ મારું અપમાન કરશે તો ? અપમાન કરશે તો ? તેનો ભય બહુ તેને લાગે.

માની તો તમે જાવને તો તમને દેખીને કહેશે, 'આવો પધારો' કારણ કે પોતાને જેવું જોઈએ એવું જ સામાને આપે.

હવે માનની ગ્રંથિઓ તો તૂટી જવાની છે. કારણ કે તન-મન અર્પણ કરી દેવાનું છે, એટલે માનની ગ્રંથિ તૂટી જવાની છે. પણ લોભની તૂટવી જોઈએ. લોભની ગ્રંથિઓ ના છૂટે તે. આ લોભની ગ્રંથિઓ કોણ તોડી આપે ? આર્તધ્યાન ને રોદ્રધ્યાન આખો દહાડો કર્યા કરે !

કષાયો પર પ્રકાશ

દ્રષ્ટિ ભૌતિક તરફ છે એટલે એવી દ્રષ્ટિ ભૌતિકથી છૂટતી નથી. એટલે અમે સમજી જઈએ કે આને કઈ ગાંઠ છે આ ! એ ગાંઠ છોડાવવા માટે પ્રયત્ન કરીએ.

ચાર પ્રકારની ગાંઠો હોય, તેના આધારે આ જીવો એ દ્રષ્ટિ છોડતા નથી. આપણે છોડાવવા પ્રયત્ન કરીએ. એ પોતેય કહે કે મને આ દ્રષ્ટિ નથી ગમતી છતાં પેલી ગાંઠ છે તે પકડી રાખે. એ ચાર પ્રકારની ગાંઠો છે : ક્રોધ, માન, માયા, લોભ.

હવે મનની ગાંઠ હોય તે તો સવારથી જ નક્કી કરે કે શું કરું તો આજે મને માન મળશે, માન ક્યાં મળશે. એની આખો દહાડો ગણતરી હોય જ. અને માન મળવાનું હોય ને તે દહાડે આજુબાજુવાળાને લઈ જવા ફરે ! આવજો મારી વાડીમાં ! ચા હઉ પાય ઘરની. એનું માન દેખાડવા માટે કરે કે ના કરે ? એ માનની ગાંઠવાળાને અમે ઓળખી જઈએ કે આ માનની ગાંઠ છે.

બીજી લોભની ગાંઠ. મોટામાં મોટી ગાંઠ લોભની. જો લોભ ના છૂટે તો દ્રષ્ટિ ના બદલાય. એટલે અમે શું કરીએ ? મોટા માણસોની લોભની ગાંઠ આમ તોડીએ, હથોડા મારીને. જો તૂટી તો ઠીક નહીં તો આપણે ક્યાં એની પાછળ પડીએ ! તૂટી ગઈ તો કામ થઈ જાય. નહીં તો એમાં ને ેમાં જીવ હોય આખો દહાડો ! એમાં ને એમાં જ જીવ. ગાંઠ તૂટી ગઈ તો રાગે પડી જાય. એટલે આ ચાર ગ્રંથિઓ તૂટતી નથી માણસની. ગ્રંથિબેદ થાય નહીં ત્યાં સુધી નિર્ગ્રંથ થાય નહીં એટલે અમે જે સીધા માણસની સાથે વાત જ ના કરીએ. પણ જાણ્યું કે આ ગાંઠવાળો છે તે મારીએ હથોડી ઉપરથી જરા. તેમ છતાં ના છૂટે તો હસીને વાત કરીએ જરા. પછી શું કરીએ તે ? આપણે તો આપણી ફરજ બજાવવી. આપણે કોઈ ઝગડો કરવા નથી આવ્યા.

પ્રશ્શનકર્તા : માન અને લોભની, બેની વાત કરી તમે. ક્રોધ અને માયા રહ્યું.

દાદાશ્રી : હવે જે કપટ છે તે લોભની ગ્રંથિ મજબૂત કરવા હારુ છે એ રખા રાખેલા છે. લોભની ગ્રંથિને કોઈ તોડી ના જાય એટલા હારુ રાખેલા છે. તે આપણને શું કરે ? અમારી ઇચ્છા તો છે, થોડા વખત પછી કરીશું, એમ કરીને આપણને અણી ચુકાવડાવે અને અણી ચૂક્યા એટલે સો વર્ષ જીવે પછી. એટલે અમે જાણીએ કે આ કરવા માંડ્યું કપટ. એટલે અમે ખસી જઈએ. અમારે કપટ ના કરવું હોય. તું કર, ફાવે તો... આપવું હોય તો આપ ને ના હોય તો અમારે કંઈ નહીં ! પણ એ અણી ચુકાવડાવે આપણને અને એ ચુકાવડાવે ત્યાંથી અમે સમજી જઈએ કે આ અણી ચુકાવડાવવા માંડી. અને મારે ક્યાં ઘરનાં માટે લેવાનું. તે તારા હિતને માટે. મારે તો લેવુંય નથી ને દેવુંય નથી. અને એવું નથી કે તારા વગર અટકી પડ્યું છે. એ તો આપનારા બીજા મળશે. ફક્ત તારા હિતને માટે જ આ હથોડી મારું છું. કો'કને જ મારું. સોમાં એકાદ માણસને મારું. કારણ કે હું જાણું કે આ અહીં લોભની ગાંઠ છે. તે હથોડી મારી આપું ! એટલે થઈ ગયું ! વાત સમજાઈ ?

એ દેખાવો મુશ્કેલ !

આ તમારે માન અને લોભ બેઉ ખરું. માન ખરું. એટલે અમે કશું ના કરીએ. હું જાણું કે લોભને આ માન જ મારશે. ક્ષત્રિયપણું ને એટલે માની બહુ જબરજસ્ત ! એટલે એ લોભની ગાંઠ છેદી જ નાખે. બાપા મરી ગયા એટલે એય પાંચ-દસ હજારનું વાપરી નાખે. અને લોકોય જમણનું શીખવાડે.

પ્રશ્શનકર્તા : પણ કેવી ગોઠવણી કરી છે આ બધી ?

દાદાશ્રી : ગોઠવણીમાં અમે તારણ કાઢી લઈએ. અમુક અમુક મહાત્માને માટે હું કશું કહું નહીં. લોભની ગાંઠ એક એના પર ધ્યાન રાખ્યા કરું કે લોભની ગાંઠ કામ કરે છે. એનું કલ્યામ ના થાય ને નુકસાન થાય.

પ્રશ્શનકર્તા : આ લોભની ગાંઠ મને છે એમ ધ્યાનમાં આવવું એ પણ બહુ ડિફિકલ્ટ છે.

દાદાશ્રી : ધ્યાનમાં આવે નહીં તો એ તૂટે શી રીતે ? માનની ગાંઠ તૂટે. કોઈ અપમાન કરનારો મળી આવે અને બીજું કોઈ મોઢે એમ કહેય ખરા કે આટલો બધો શેના હારુ અહંકાર કરો છો ? પણ લોભમાં એના ધણીને જ ખબર ના પડે. ભાન જ ના રહે.

ત્યાં ચઢે તાવ !

મનમાં પૈસા આપવાનો ભાવ થાય કે આપીએ, પણ અપાય નહીં એ લોભની ગાંઠ.

પ્રશ્શનકર્તા : સંજોગો એવા હોય કે આપવાનો ભાવ હોય છતાંય અપાય નહીં.

દાદાશ્રી : એ જુદું છે. એ તો આપણને ખબર પડે કે આ સંજોગો એવા છે, પણ એવું હોતું નથી. આપવાનો નિશ્ચય કરીએ તો અપાય એવું છે.

પ્રશ્શનકર્તા : હા, પણ હોવા છતાં ના આપે.

દાદાશ્રી : હોય તોય પણ ના અપાય, અપાય જ નહીંને, એ તો બંધ તૂટે નહીં. એ બંધ તૂટે તો તો મોક્ષ થાયને ! એ સહેલી વસ્તુ નથી.

પ્રશ્શનકર્તા : એમ તો બધાની લિમિટમાં અમુક શક્તિ આપવાની તો હોય જ ને ?

દાદાશ્રી : ના, એ લોભને લીધે ના હોય. લોભિયાની પાસે લાખ રૂપિયા હોય તોય ચાર આના આપવા મુશ્કેલ પડી જાય. તાવ ચઢી જાય. અરે પુસ્તકમાં વાંચે કે જ્ઞાની પુરુષની તન, મન, ધનથી સેવા કરવી. એ વાંચે તે ઘડીએ એમ તાવ ચઢી જાય કે આવું શું કરવા લખ્યું છે !

ના હોય ત્યાં સુધી જ !

મૂળ પાછી વણિક ગ્રંથિને. પૈસા પર મદાર એટલે એ લોભ તૂટે કેવી રીતે ?

પ્રશ્શનકર્તા : આ લોભની ગાંઠ બધામાં હોય જ.

દાદાશ્રી : હોય જ. તમારા ક્ષત્રિયોમાં ના હોય. તમારામાં ગરીબ હોય ને ત્યાં સુધી હોય. પછી શ્રીમંતાઈ આવે ત્યારથી તૂટેલી જ હોય. કારણ કે ક્ષત્રિયપણું હોય. પટેલોને જ્યાં સુધી ગરીબાઈ હોય ત્યાં સુધી લોભની ગાંઠ હોય. પછી છૂટ્યું એટલે પછી રાજેશ્રી હોય. મન સ્વભાવથી જ રાજેશ્રી હોય. અને લોભની ગાંઠ તૂટી જાય પછી. ના હોય ત્યાં સુધી લોભ કર્યા કરે. પછી આવ્યું કે ઉડાડે. પણ તોય ધર્માદા આપતાં વાંધો. વાહવાહ કરે ત્યાં ખર્ચો કરે !

હું પોતે જ વાહવાહ થાય ત્યાં કરતો હતો.

વાહવાહ માટે ધૂળધાણી !

મારાથી ધર્મમાં પૈસો વપરાતો ન હતો. ને વાહવાહ કરે ત્યાં પાંચ લાખ આપી દઉં, માનની ગાંઠ કહેવાય. વાહવાહ, વાહવાહ ! અલ્યા એક દહાડો રહ્યું કે ના રહ્યું. કશુંય નહીં. પણ ના, એમાં ગમે. ટેસ્ટ પડે. મેંય શોધખોળ કરેલી કે મન મોટું છે ને આવું કેમ થઈ જાય છે ચીકણું ? પણ વાહવાહમાં મન મોટું હતું. શોધખોળ કરવી જોઈએને કે આપણું મન કેવું છે તે ?

આ મનની ગાંઠ કેવી ? ના હોય ત્યાં સુધી ભાંજગડ નહીં અને વીસ લાખ આવેને તો ઓગણીસ લાખ લખે એવો. વીસેવીસ નહીં, પણ ઓગણીસ શા હારુ ? પેલા ભાઈ કહેશે, જરા તો વિચાર કરો, તો કહે, 'લે, આ લાખ રહેવા દીધા !'

પ્રશ્શનકર્તા : દાદા, એ માનની ગાંઠ કહેવાયને ?

દાદાશ્રી : હા, માનની ગાંઠ ! એ માનની ગાંઠ વાહવાહ થાય ત્યાં આપે. ધર્મમાં ના આપે.

પ્રશ્શનકર્તા : એવી ગાંઠ તો વાણિયામાં ય હોય છે. વાહવાહ થાય, તકતીમાં આવે ત્યાં આપે.

દાદાશ્રી : હોય, હોય તો ખરી પણ એ વાહવાહની આમના(ક્ષત્રિયો) જેવી ના હોય. એ પૈસા ધૂળધાણી ના કરી નાખે. વાહવાહની તો હોય જ. પણ પેલી મોટી ગાંઠ નહીં. આમના જેવી નહીં.

વણિકમાં લોભની ગાંઠ મોટી અને ક્ષત્રિયોને વાહવાહની ગાંઠ મોટી. બન્ને ગાંઠ નુકસાનકારક છે.

હોય છતાં ન વાપરે !

પ્રશ્શનકર્તા : લોબની એવી કઈ ગાંઠો પડી હોય કે વાણિયા લોકોને વધારે ને પટેલ લોકોને આ રીતની હોય ?

દાદાશ્રી : એ તો એવું છે, આ બ્રાહ્મણમાં લોભની ગાંઠ ના હોય આવી. એ લોભિયા ખરા, પણ તે નહીં હોય તે બદલના. સમજ પડીને ! ગાંઠ ભેગી કરીને ખાય-પીવે નહીં. ને ગાંઠ કર કર કર્યા કરે. એ લોભને ભગવાને લોભ નથી કહ્યો. પૈસો હોય જબરજસ્ત તોય છે તે વાપરે નહીં એ લોભ. મારવાડીમાં કપડાં જોઈએ તો સારાં ના હોય અને આપણાં લોક તો (પટેલો) ત્રણસોની સાડી હોય તોય પેલી કહેશે કે 'તેરસોની લાવું ?' ત્યારે ધણી કહે, 'હા, લાવને તું સારી દેખાય તો મારે સારું !' અને પેલી જેવી દેખાય તેવી પણ પૈસા ના જવા જોઈએ ! પણ મારવાડીમાં એક ગુણ હોય કે દસ લાખ કમાયો હોય તો દોઢ લાખ ભગવાનને ત્યાં નાખી આવે. આ દરેક મારવાડીનો ગુણ. બીજે બધે વાપરે નહીં. પણ ભગવાનને ત્યાં નાખી આવે. આ તેથી આવ્યા કરેને ! પણ એ વહુએ કેવી સાડી પહેરી છે એ ક્યારેય ના જુએ ! એ તો રાત-દહાડો પૈસામાં ને પૈસામાં રહે ! સાત લાખ પેલા છે, પેલા સિક્યોરિટીમાં ત્રણ લાખ છે, દસ અને ત્યાં એકાદ આવે તો ખરું. અને પછી તો હેંડ્યા ! તે ઘડીએ ચાર નાળિયેર છોકરો લઈ આવે ! પાણી વગરનાં બાંધજો કહેશે. આ બેભાનપણે ભોગવાઈ જાય છે !

અને વધારે મૂકીને જાય તો શું થાય ? છોકરાં દારૂ પીતાં શીખે એને તો કામમાં ને કામમાં જ રહે એવી રીતે રાખવાનો. રોકડું હાથમાં ના આવે, ધંધો આવે, બીજું આવે, રોકડું ના આવે. એ તો થોડું દેવું આપવું. લાખ રૂપિયાની એસેટ આપવી અને પચાસ હજારનું દેવુંયે આપવું ! સમજ પડીને ? એટલે ઘડતર થાય છોકરાનું.

ત્યારે મન પાછું પડે !

લોભની ગાંઠ તૂટવી બહુ મુશ્કેલ છે.

પ્રશ્શનકર્તા : હોવા છતાં ના અપાય.

દાદાશ્રી : ના અપાય, ના અપાય. એ ક્યારે લોભની ગાંઠ તૂટે એકદમ સરકારે વેરો નાંખ્યો હોય, અગર ચોર લઈ ગયા હોય, દસ-વીસ હજાર રૂપિયા, ત્યારે લોભ છૂટે કે બળ્યું, આના કરતાં સારી જગ્યાએ વાપર્યા હોત તો સારું.

પ્રશ્શનકર્તા : પણ મૂળથી ગાંઠ છૂટે નહીંને દાદા !

દાદાશ્રી : ના તૂટે, ના તૂટે.

છતાં એક મોટા માણસે મને કહ્યું,તું કે 'મારે લોભની ગાંઠ બહુ છે, તે તોડી આપો !' મેં કહ્યું, 'ભાઈ, આ એવું નથી કે આ સૂરણની ગાંઠની જેમ કપાય.' 'તોય પણ તમે કંઈક કૃપા કરોને !' મેં કહ્યું, 'આમાં બે વસ્તુ છે. કાં તો અમારા કહ્યા પ્રમાણે નાખી દો, કાં તો તમને ખોટ આવે. વીસ લાખનું સાધન હોય તો આઠ-દસ લાખની ખોટ આવે તો ચડી ચૂપ ! સડસડાટ ! હવે કશું પૈસાય નથી જોઈતા. બળ્યું, હવે મેલો પૂળો ! આ ધંધા હવે નથી કરવા. હવે ખાવા એકલું મળી રહે સારી રીતે, આબરૂભેર, તો બહુ થઈ ગયું. આપણે તો હવે ખાઈ-પીને મોજ કરો અને આપણે આ ધરમ કર્યા કરો. પણ જ્યાં સુધી ખોટ નથી ગઈ, ત્યાં સુધી શું થાય ?

ખોટ, છતાં તારે !

જે લોભિયો ડૂબવાનો હોયને, તે ખોટ ના આવવા દે અને તરવાનો હોય તે ? ખોટ આવવા દે એટલે તરે પાછા. ખોટ આવે તો ફરી જાય એટલે આપણે આશીર્વાદ શું આપીએ ? કે કોઈને ખોટ ના જશો, પણ ના. લોભિયાને તો ખોટ જજો જ !

એક ભાઈની લોબની ગાંઠ જતી ન હતી. તે મને કહે છે, દાદા, આ લોભની ગાંઠ કાઢી આલોને ! તે ના ગઈ તો ના જ ગઈ. મેં કહ્યું કે ખોટ આવશે તો જતી રહેશે. ધંધાદારી માણસ તો છો જ. તેમનું કોટનનું કામકાજ ચાલે. તે પેઢી અમદાવાદમાં, એક ફેરો એક પાર્ટી જ આખી પંદર લાખ રૂપિયા દાબી ગઈ, તેની સાથે આય પાર્ટી બેસી ગઈ, હડહડાટ ! મેં કહ્યું લોકોને આપી દેજો. થોડું થોડું કરીને આપી દેજો. તે એમણે બધું ચૂકવી દીધું. ને લોભની ગાંઠ એમની જતી રહી. મોટી ખોટ આવશેને તે આવવી જ જોઈએ ત્યારે એ જાય. પંદર લાખ બેસી ગયા !

નવ્વાણુના ધક્કાથી લોભની ગાંઠ શરૂ થઈ જાય પણ નવ્વાણુનો ધક્કો વાગે તોય જે દિલનો રાજા છે, એને ગાંઠ બંધાય નહીં, દિલનો રાજા હોયને તે આવતાં પહેલાં વાપરી ખાવાની ટેવ પડેલી હોય, ના હોય તો સારું. આ ખાલી હાથે પણ દિલના રાજા સારા. લોભની ગાંઠ તો ના બંધાય વળી ! બહુ ખોટી લોભની ગાંઠ !

જાત્રાથી લોભ કપાય !

લોભિયાની ગતને લોકો સમજી શકતા નથી. કૃપાળુ દેવ સારુ સમજી શક્યા. તે એટલે સુધી કે જાત્રાએ જવાથી લોભની ગાંઠ કપાય. તમે વાંચેલું ?

પ્રશ્શનકર્તા : હા, તીર્થયાત્રામાં પૈસા ખર્ચ્યા એટલે.

દાદાશ્રી : એટલે પૈસા ઓછા થાય એટલે એ ગાંઠ કપાય. જે તે રસ્તે પૈસા આમનાથી નખાવડાવો.

પ્રશ્શનકર્તા : આ કેવું ઓપરેશન કહેવાય ?

દાદાશ્રી : જે તે રસ્તે ઓપરેશન કરીને આ ગાંઠ કાઢી નખાવડાવજો. માની હોય તેને કશી જરૂર નથી. માનીને કશું વઢવાની જરૂર નથી. માની ના હોય તે નફ્ફટ થઈ ગયેલો હોય, તો લોભ ચઢી બેઠેલો હોય !

વગોવો નિજ લોભને !

પ્રશ્શનકર્તા : તમે જે કહો છો કે મૂઠી ના છૂટે એ તો અનેક જન્મોના સંસ્કાર પડેલા, કોઠીમાં ભરેલો માલ એ જ આવેને ?

દાદાશ્રી : ભરેલા માલને આપણે પછી શું કરવાનું ? ભરેલો માલ ! ભરેલો જ નીકળે. પણ આપણે પોતાની જાતને કહેવાનું કે અરેરે, આવું તમે કર્યું, આવું તમે કર્યું, આમાં શું સારું કહેવાય ? આપણે ઊલટાં વઢવાનું, ત્યારે લોભથી છૂટાય. આપણે છૂટીએ. લોભને વગોવીએ ત્યારે લોભથી છૂટાય. પેલો તે લોભને વખાણે છે. બીજો લોભિયો મળે તો એને ગમે. અરે, લોભ તો કેટલે સુધીનો ? ચામાં જરાક અમથી ખાંડ નાખે તો ચાલે. પછી એને મન બદલાઈ જાય પછી. બધામાં લોભ ખાવા-પીવા, કપડાં-લત્તાં બધામાં લોભ !

જ્ઞાનીને પણ ના ગાંઠે !

પ્રશ્શનકર્તા : એક ભાઈ મારી પાસે આવ્યા'તા. મને કહે છે, 'મારી પાસે પાંચ લાખ રૂપિયા છે અને અમે બે જ જણાં છીએ. છોકરો તો બધું બહુ કમાય છે. પણ મારી લોભની ગાંઠ જતી નથી.' આજે દાદા પાસે આવવાના હતા પણ આવ્યા નથી.

દાદાશ્રી : એ તો એક માણસ મને કહેતો'તો કે મારી પાસે સિત્તેર લાખ રૂપિયા છે અને મારે પચ્ચીસ લાખ રૂપિયા કંઈક સારી જગ્યાએ વપરાય એવું કંઈક થાય તો કરવું છે પણ મારી લોભની ગાંઠને લઈને ચાર આનાય અપાતા નથી, મારાથી. તે મેં એમને કહ્યું, તમે અહીંયા આવતા રહેજો. તે એકાદ-બે ફેરો આવ્યા, ને પછી આવ્યા જ નહીં. અહીં ગમે તે ખરું, બધુંય ગમે. લોભની ગાંઠ ને એમને ના આવવા દે. એ ગાંઠ પછી પોતે વાળેલી. દવા ચોપડતા જાય ને પડીકું વાળતા જાય.

પ્રશ્શનકર્તા : એણે ભારે કરેલી.

દાદાશ્રી : એટલે મજબૂત કરેલી, ઊખડે નહીં, તે લોભની ગાંઠ ના છૂટે. નાનો અમથો લોભ, પણ એને કાઢવા માટે... હવે હું શી રીતે લોભ છોડી આપું ? અમારા કહ્યા પ્રમાણે તો ચાલવું નથી. લોભ છોડવા માટે જ્ઞાની પુરુષ કહે એ રીતે તું પૈસા નાખ.

પસ્તાવો કરે ઢીલું !

લોભ તૂટવાના બે રસ્તા ખરા. એક જ્ઞાની પુરુષ તોડાવી આપે, પોતાના વચનબળથી. એક જબરજસ્ત ખોટ આવે તો છૂટી જાય કે મારે કંઈ કરવું નથી, હવે આટલા જે હોય તે નભાવી લેવું છે. મારે કેટલાય લોકોને કહેવું પડે છે કે ખોટ આવે ત્યારે લોભ છૂટે. નહીં તો લોભ છૂટે નહીં. અમારા કહેવાથીય ના છૂટે. એવી ઘોડાગાંઠ પડી ગયેલી હોય.

પ્રશ્શનકર્તા : જ્ઞાની પુરુષ તોડી આપે પણ પોતાના ભાવ થવા જોઈએ, લોભ દ્રષ્ટિગોચરમાં આવવો જોઈએ. લોભ એ પીડા છે એવું માન્યતામાં આવવું જોઈએને ?

દાદાશ્રી : માન્યતામાં એવું આવેલું તોય નથી છૂટતું. કારણ કે ગાંઠ વાળી લીધી એટલે હવે શું થાય ? પસ્તામણ થાય. પસ્તાવો થતાં હલકું થતું જાય.

લોભિયાને ગાંઠ ખોટથી ગયેલી. અગર તો જ્ઞાની પુરુષની આજ્ઞા જો થાય તો ઉત્તમ. આજ્ઞા પાળવા તૈયાર ના હોય તેને કોણ સુધારે !

ને આમ ગ્રંથિ છેદાય....

જાતજાતની ગાંઠો આ શરીરમાં પડેલી છે બધી. ગ્રંથિઓ નિર્મૂળ થાય ત્યારે નિર્ગ્રંથ થાય. ગાંઠો છેદી છેદીને નિર્ગ્રંથ થાય. ઓળખે તો જ છેદાય.

પ્રશ્શનકર્તા : ક્રમિકમાં દોષ કાઢવા પડે અને અક્રમમાં દોષ જોવાથી નીકળી જાય.

દાદાશ્રી : દોષ જોવામાં આવે પોતાનો. દોષ કો'ક દા'ડો જોવામાં આવી ગયો. કો'કને દેખાડવો ના પડે ને જતો રહે.

પ્રશ્શનકર્તા : પોતે જાગ્યો એટલે પેલો ચોર એની મેળે ના રહે.

દાદાશ્રી : એની મેળે જતા રહે. એટલે આ જોવાથી બધી ગાંઠો ઓગળી જાય. પણ ભારે ગાંઠ એવી હોય છે કે તે જોવાનું યે ત્યાં આગળ થાપ ખવડાવી દે છે. તેને અમે ત્યાં આગળ સળી કરીએ. જોવામાં ય થાપ ખવડાવી દે. દેખાય જ નહીંને !

એમાં જાગૃતિની જ જરૂર !

એને માટે એક પણ ખરાબ ભાવ નહીં આવવો જોઈએ, એનું નામ સંયમ. અને એના પર ખરાબ ભાવ આવ્યો હોય તો તરત તે ધોઈ નાખે એનું નામ સંયમ ! જે સંયમમાં રહેતા નથી તે પછી ઘડાયને ! જ્ઞાન લીધા પછી તો સંયમની જરૂર. એટલી બધી જાગૃતિ હોય તો વાંધો નથી. જે થાય એ જાગૃતિપૂર્વક જતું રહે, તો તો એને આખું વિજ્ઞાન ફીટ થઈ ગયું કહેવાય. જાગૃતિ હોય નહીં ને ગાંઠો મહીં ભારે, એને શી રીતે જાગૃતિ રહે ?

પ્રશ્શનકર્તા : જાગૃતિ ગાંઠોની જવાબદારી નથી લેતી.

દાદાશ્રી : લેવા ફરે પણ ગાંઠ જ ન લેવા દે ત્યાં આગળ. ગાંઠનો પડછાયો એની ઉપર હોય. જાગૃતિનું અજવાળું ગાંઠ ઉપર પડવું જોઈએ તેને બદલે ગાંઠોનો પડછાયો એની ઉપર પડે. હવે શી રીતે પહોંચી વળાય ?

ઓગળે ગાંઠો, સત્સંગથી જ !

આ જનરેશન બહુ ગાંઠો નથી લાવી. મોહની જ ગાંઠો છે. લોભની કે એવી તેવી ગાંઠ નથી. તે તમારા છોકરાને જોતા હશોને ?

પ્રશ્શનકર્તા : હા.

દાદાશ્રી : ગાંઠો બીજી નથીને ? આ આજની જનરેશનો બધી ગાંઠવાળી નહીં. અમારી આગળની જનરેશનો બહુ જ ગાંઠોવાળી ! લોભની ભારે ગાંઠો ! એટલા હારુ ચોરી કરે, જૂઠું બોલે, લુચ્ચું કરે, બધું જ કરે, પેલી ચોરી નહીં. પકડાય છે એવી ચોરી નહીં. માનસિક બુદ્ધિથી ટ્રિકો લડાવે. પેલી ચોરી કરતાં આ ચોરી ખોટી કહેવાય. પકડાયો નથી એટલું જ.

સત્સંગમાં રહીએ તો જ ગાંઠો ઓગળે. નહીં તો સત્સંગમાં હોઈએ નહીં ત્યાં સુધી ગાંઠોની ખબર પડે નહીં. સત્સંગમાં રહીએ એટલે પેલું નિર્મળ થતું દેખાય. આપણે છેટા રહ્યાને ! બહુ છેટા રહીને જોઈએ નિરાંતે. એટલે આપણને બધા દોષ દેખાય. પેલું તો ગાંઠોમાં રહીને જોઈએ છીએ. તે દોષ ના દેખાય. તેથી કૃપાળુ દેવે કહ્યું, 'દીઠા નહીં નિજ દોષ તો તરીએ કોણ ઉપાય !'

હવે બદલાવો ધ્યેય !

અનંત અવતારથી આનું આ જ કરેલુંને ? અને આનાથી જ, લોભથી જ મારે શાંતિ રહે છે એવું એને મનમાં ફીટ થઈ ગયેલુંને. હવે એ લોભેય કોઈ ફેરો માર ખવડાવે છે. અને આનાથી શાંતિ રહે છે ને સુખ થાય છે. આત્મા થયો ત્યારે પછી પેલો લોભ છૂટતો જાય. અત્યાર સુધી છેલ્લું સ્ટેશન લોભ હતો, હવે છેલ્લું સ્ટેશન આત્મા આવ્યો એટલે એની મેળે પ્રવૃત્તિ બદલાતી જાય !

સમર્પણનું સાયન્સ !

તમે જે પામવા માગો છો તે મારી પાસેથી ક્યારે પામો ? મારી નજીક ક્યારે આવી શકાય ? તમારી વહાલામાં વહાલી ચીજ મને અર્પણ કરો ત્યારે. સંસારમાં, વ્યવહારમાં જે વહાલી ચીજ છે તે મને અર્પણ કરો તો નજીક આવી શકાય. તમે તો આ મન, વચન, કાયા મને અર્પણ કર્યા. પણ હજુ એક ચીજ બાકી રહી ગઈ, લક્ષ્મી ! એ તમે અર્પણ કરો તો નજીક આવી શકાય. હવે મારે તો જરૂર ના હોય. એટલે અમને કેમની અર્પણ કરો ? ત્યારે કહે કે એવો કંઈ રસ્તો નીકળે તો અર્પણ કરી શકાય ! એટલે આ ગઈ સાલ તમે લક્ષ્મી આપી ત્યારથી તમારું વધારે ચોંટ્યું એવું તમને લાગે છે ?

પ્રશ્શનકર્તા : હા, દાદા.

દાદાશ્રી : એ આ જ કળા આની, નહીં તો ચોંટે નહીં. છૂટું ને છૂટું જ રહ્યા કરે. હવે આપણે ત્યાં તો પૈસા લેવા માટેનું કશું હતું જ નહીંને ! આપણે તો લેતા જ ન હતાને ? ત્યાં સુધી મન છેટું ને છેટું જ રહ્યા કરે. પૈસાની બાબત આવી એટલે ત્યાં ચોંટ્યું હોય મન. નહીં તો મન ત્યાંથી ઊખડી જાય, જ્ઞાની પુરુષ ઉપર લોકોની પ્રીતિ હોય, એટલે જ્ઞાની પુરુષ કહેશે કે તું આમ બહાર નાખી દે !

લક્ષ્મી ઉપરનો પ્રેમ ઘટ્યો કે આત્મા થઈ ગયો !

બીયાં, પણ ખઈ જવાય ?!

પ્રશ્શનકર્તા : પણ દાદા, જ્ઞાની પુરુષ જ્યારે એમ કહે કે તું નાખી દે અને તેમ ના થાય તો એ કેવા પ્રકારનો લોભ હશે ?

દાદાશ્રી : ના કરે, પણ તોય થોડું ઘણું કંઈક કરે, એટલે કંઈક થોડી ગાંઠ છૂટીને ઢીલી થઈ જાય. કરે ખરો, કારણ કે હિસાબ કરે કે અમને પોતાને કશું જોઈતું નથી અને મેં પૂર્વે કંઈક કરેલું છે તો આ ભવમાં મળેલું છે તો ફરી ખેતરમાં નાખીશ. ખેતરાં એમ ને એમ પડી રહે એના કરતાં દાણા પૂરતાં નાખી આવવા જોઈએ કે બધા ખઈ જવા જોઈએ ? બધા દાણા ખઈ જવા જોઈએ કે થોડા ખેતરમાં નાખવા જોઈએ ? એ અમારા પટેલો તો બધા ખાઈ જાય ! અને ભોળાં લોકો ! અને તમે લોકો તો પદ્ધતિસર. તમે જાણો કે આપણા પોતાને માટે રાખવાના છે.

ત્યારે ચોંટે ચિત્ત ભગવાનમાં !

કૃપાળુદેવે કહ્યું કે જ્ઞાની પુરુષની તન, મન, ધનથી સેવા કર્યા વગર મોક્ષ નથી. હવે જ્ઞાની પુરુષને ધન શું કરવું છે ?

પ્રશ્શનકર્તા : જ્ઞાની પુરુષને ને ધનને કંઈ કનેક્શન જ નથી લાગતું.

દાદાશ્રી : ત્યારે તનની સેવા એમને શું કરવી છે ?

પ્રશ્શનકર્તા : તનથી તો એ નોખા છે. આ તો સામાના ભલા માટે છે.

દાદાશ્રી : તમારા પોતાના માટે કરવાનું છે. ધનને શું કરશો ? લોભની ગાંઠ તમારી તૂટે એટલે જ્ઞાની કહે એ સારી જગ્યાએ પૈસા નાખો, એટલે આવતે ભવ તમને કામ લાગશે. અને અત્યારે લોભની ગાંઠ છૂટે. સારી જગ્યાએ નાખો એટલે આવતા ભવનો એ ઓવરડ્રાફ્ટ નહીં ? હેં ? કે વાપરી ખાઈએ તે ઓવરડ્રાફ્ટ ? આપણે મોજમઝામાં વાપરી ખાઈએ તે ઓવરડ્રાફ્ટ ગણાય ? ત્યારે એ રેસમાં નાખી આવે તે ઓવરડ્રાફ્ટ નહીં ?

પ્રશ્શનકર્તા : એ ઊંધો ઓવરડ્રાફ્ટ થઈ ગયો.

દાદાશ્રી : એ બધું ગટરમાં ગયું. તમે જેટલું વાપરશો એ બધું ગટરમાં. માટે ભગવાને આ પ્રમાણે કહ્યું કે સારી જગ્યાએ નખાવડાવ ! એટલે લોભની ગાંઠ તૂટી જશે. પછી ચિત્ત એમાં ને એમાં રહે. પછી 'આપણું' ગાડું ચાલ્યા કરશે. હરકત આવે નહીં અને જેણે કોઈ પણ સારી જગ્યાએ પૈસા નાખ્યા એને દુઃખ આવે જ કેમ કરીને ? દુઃખ એને માટે રાહ ના જોતું હોય. રાહ જુએ કોના માટે ? જે પોતાના હારુ વાપરે છે, તેને માટે દુઃખ રાહ જુએ છે.

પ્રશ્શનકર્તા : મૂળ ભ્રાંતિ ગઈ ને પછી જ આ લોભ છૂટવા માંડ્યોને.

દાદાશ્રી : હા, ભ્રાંતિ પહેલા યે લોભ છૂટે. લોભિયો તો જાણે અને તે પહેલાં છોડે ને તો મોટાં મોટાં પુણ્ય બંધાય, જબરજસ્ત ! લોભ છોડે. કો'ક સમજણ પાડે તો છૂટે. તો પુણ્ય બંધાવું. દેરાસર બંધાવું ને પોતાને માટે ના વાપરે એ બધું ઓવરડ્રાફ્ટ !

સર્વસ્વ સમર્પણ, શાને ?

એટલે શ્રીમદ્ રાજચંદ્રે કહ્યું કે જ્ઞાની પુરુષ જે મોક્ષ આપે છે. મોક્ષદાતા પુરુષ હોય, મોક્ષનું દાન આપવા આવેલા હોય એવા જ્ઞાની પુરુષ ત્યાં આગળ એમની તન, મન, ધનથી સેવા કરવી. ત્યારે કહે, 'સાહેબ, તન, મન તો અમે અર્પણ કરીએ છીએ. પણ ધનની એમને જરૂર જ નથી. ત્યારે કહે કે તારી લોભની ગાંઠ કોણ તોડી આપશે ? જ્ઞાની પુરુષ તને એમ કહેશે કે આ બાજુ ફલાણી જગ્યાએ ધર્માદામાં આપી દે ત્યારે એ રકમ. એટલે એમના આધારે તું આપીશ. નહીં તો તું તારી જાતે નહીં આપું. જાતે તું કપાઈ મરું તોય નહીં આપું. એમના આધારે, એમના ઉપર પ્રેમ છે એ પ્રેમના આધારે તું આપીશ તો તારી ગ્રંથિ તૂટી ગઈ અને એક ફેરો આપે એટલે મન છૂટું થઈ જાય. પછી લોભ છૂટી જાય. આપવું જોઈએ એક ફેરો. આ ગ્રંથિઓ જ છે. લોભ છે ત્યાં સુધી એનો નિવેડો નહીં આવે. એટલે આ લોભને તોડવા માટે કરે છે. નહીં કે તારી મૂડી ઓછી કરવા, એટલે કૃપાળુદેવે લખ્યું છે કે જ્ઞાનીપુરુષની તન, મન, ધનથી ભક્તિ કરજે.

પ્રશ્શનકર્તા : ત્યાં સુધી ભક્તિ ઊગતી નથી.

દાદાશ્રી : હા, ભક્તિ ઊગતી નથી. પરિણામ પામતી નથી અને એમણે કહેલું તે પાછું અનુભવનું કહેલું. નહીં તો આપણે ક્યાં ભાંજગડ કરીએ, આ ગાંઠો ઓગાળવાની ?

જ્ઞાની પુરુષને પોતાને કશું જોઈતું નથી, કારણ કે એમને કોઈ ચીજની ભીખ ના હોય. સર્વસ્વ પ્રકારની ભીખ જાય, ત્યારે ભગવાનનું પ્રતિનિધિત્વ મળે.

કયા કયા પ્રકારની ભીખ ? કીર્તિની ભીખ, માનની ભીખ, લક્ષ્મીની ભીખ, સોનાની ભીખ, સ્ત્રીઓની ભીખ ! સ્ત્રીઓનો અમને વિચાર પણ ના હોય. કોઈ પણ પ્રકારનું, આ દેહનું માલિકીપણું જ નહીંને ? પછી ભગવાનનું પ્રતિનિધિત્વ મળે.

'દાદા' પાસે બન્ને પાંખો !

પ્રશ્શનકર્તા : એટલે જ દાદાની જે આધ્યાત્મિકતા છે, એ વૈયક્તિક જેમ છે એમ વૈશ્વિક અને સામાજિક છે.

દાદાશ્રી : એ બહુ ઊંચું સામાજિક છે. આ તો આદર્શ સામાજિક છે. બીજા આદર્શવાળા લોકો આમ કબૂલ કરે કે આવું ઊંચું સામાજિક ઉત્પન્ન થયું નથી. આ જો સમાજ સમજે ને તો બહુ જ ઊંચા સ્તરનો થાય.

જે અધ્યાત્મ વ્યવહારના આદર્શ સિવાયનું છે એ અધ્યાત્મ લૂખું કહેવાય છે અને લૂખું એ પૂરું ફળ આપે નહીં, એટલે હંમેશા એક્ઝેક્ટનેસ જોઈએ.

પ્રશ્શનકર્તા : લૂખું તે કેવી રીતે ફળ આપે ?

દાદાશ્રી : હા, બસ, તે એ લૂખું છે. એનાથી સંતોષ પણ ના થાય.

સંજ્ઞા સમજવી જ્ઞાનીની !

અને સમાજની વ્યવસ્થા જો આવી રીતે સમજાય તો કામ કાઢી નાખે. કોઈ પૈસાની ભાવના ના કરે તો કેટલું સુંદર હિન્દુસ્તાન થઈ જાય ! પૈસો તો તમને આવવાનો જ છે, પૈસો આવવો એ પરિણામ છે. તમારે કોઝીઝનું સેવન કરવાનું છે. તેને બદલે પૈસાનું સેવન કરો છો ? પૈસા એ શું છે ? પરિણામ. એટલે આ તો પરીક્ષામાં પાસ થવાની ચિંતા કરો છો ? પરીક્ષામાં પાસ થઉં એને માટે બાધા રાખો છો ? અરે, સારી પરીક્ષા આપવામાં બાધા રાખો કે સારું પેપર કેમ કરીને લખાય. તેને બદલે આ ઊંધું જ કરે છે. પરીક્ષામાં પાસ થવાની બાધા રાખે છે ! તમને સમજાય છે ?

પ્રશ્શનકર્તા : લક્ષ્મી જે પરિણામમાં આવવાની છે, એના માટે પણ આશા કેમ રખાય છે આપણાથી ?

દાદાશ્રી : આ લોકસંજ્ઞાથી ચાલ્યા એટલે. પેલો કહે છે મારે લક્ષ્મી વધારે મળે એવું જોઈએ. બીજોય લક્ષ્મીને માટે દોડધામ ને ભાવના કર્યા કરતો હોય. કોઈ બાપજી હોય ત્યાં જાય. 'બાપજી' મને લક્ષ્મી વધારે મળે એવું કંઈ કરજો.' કહેશે, 'અલ્યા, પરિણામ માટે ? બાપજીનેય શરમ ના આવે ? એટલે આ મૂળ વાત સમજ્યા સિવાય બધું ચાલ્યું છે જગત ? અને એનું દુઃખ છે. નહીં તો જગતમાં દુઃખ હોતું હશે ? મને મૂળ વાત તરત ખબર પડી જાય એટલે મને દુઃખ નથી આવ્યું. જ્ઞાન ન હતું તોય. મને ફક્ત દુઃખ શેનું હતું ? કે અંબાલાલભાઈ નામના દુનિયામાં મોટામાં મોટા માણસ, એવું હું માની બેઠેલો. વાતમાં કશોય માલ નથી. એ માની બેઠેલાનું બહુ દુઃખ આપણે આપણી મેળે માન માન કરીએ એનો શું અર્થ ? મનમાં ને મનમાં રાંડીએ અને મનમાં ને મનમાં પૈણીએ, એ કંઈ પૈણ્યા કહેવાય ? ના, ત્યારે કંઈ રાંડ્યા કહેવાય ? ના.

એટલે આખું જગત આ પૈસાને લીધે ભાંજગડ કરે છેને ?

પ્રશ્શનકર્તા : અને બીજા કરે છે એટલે આપણે કરીએ છીએ.

દાદાશ્રી : એને ભાન નથી રહેતું કે આ કરવા જેવું કે આ નથી કરવા જેવું !

જીવન ઝગાવો મીણબત્તી સમ !

આપણું જીવન કોઈના લાભ માટે જાય, જેમ આ મીણબત્તી બળે છે તે પોતાના પ્રકાશ માટે બળે છે ? સામાના માટે, પરાર્થ માટે કરે છેને ? સામાના ફાયદા માટે કરે છેને ? તેવી રીતે આ માણસો સામાના ફાયદા માટે જીવે તો તારો ફાયદો તો એની મેળે મહીં રહેલો જ છે. આમેય મરવાનું તો છે જ ! એટલે સામાનો ફાયદો કરવા જઈશ તો તારો ફાયદો તો અંદર હોય જ અને સામાને ત્રાસ આપવા જઈશ તો તારે ત્રાસ છે જ અંદર. તારે જે કરવું હોય તે કર. તો શું કરવું જોઈએ ?

પ્રશ્શનકર્તા : પરોપકાર અર્થે જ જીવવું જોઈએ.

દાદાશ્રી : હા, પરોપકાર અર્થે જ જીવવું જોઈએ, પણ આ તમે હવે એવી લાઈન તરત જ બદલો તો આમ કરતાં પાછલાં રીએક્શનો તો આવે, એટલે પાછા તમે કંટાળી જાવ કે આતો મારે હજુ સહન કરવું પડે છે, પણ થોડા વખત સહન કરવું પડશે. ત્યાર પછી તમને કોઈ દુઃખ નહીં હોય. પણ અત્યારે તો નવેસરથી લાઈન બાંધો છો, એટલે પાછલાં રીએક્શન તો આવવાનાં જ. અત્યાર સુધી જે ઊંધું કર્યું હતું, તેના ફળ તો આવે જ ને ?

પરાર્થ એટલે શું ? પારકા માટે, છોકરાં માટે, બીજા માટે જીવવાનું ત્યારે તેમાં તારું શું વળ્યું ? અહીં કરોડ રૂપિયા ભેગા કરે, અણહકનું લે, અણહકનું બધું ભોગવી લે ને પછી છોકરાં હારું બધું મૂકીને ચાલ્યો જાય. એવું છે આ જગત !

પામો જ્ઞાનીનો અંતર હેતુ !

દરેક કામનો હેતુ હોય કે શા હેતુથી આ કામ કરવામાં આવે છે ! એમાં ઉચ્ચ હેતુ જો નક્કી કરવામાં આવે એટલે શું કે આ દવાખાનું કાઢવું છે, એટલે પેશન્ટો કેમ કરીને આરોગ્ય પ્રાપ્ત કરે, કેમ કરીને સુખી થાય, કેમ એ લોકો આનંદમાં આવે, કેમ એમની જીવનશક્તિ વધે, એ તો આપણો ઉચ્ચ હેતુ નક્કી કર્યો હોય અને સેવાભાવથી જ એ કામ કરવામાં આવે ત્યારે એનું બાય પ્રોડક્શન કયું ? લક્ષ્મી ! એટલે લક્ષ્મી એ બાય પ્રોડક્ટ છે, એને પ્રોડક્શન ના માનશો. જગત આખાએ લક્ષ્મીને જ પ્રોડક્શન કહી, એટલે પછી એને બાય પ્રોડક્શનનો લાભ મળતો નથી, એટલે સેવાભાવ એકલો જ તમે નક્કી કરો તો એનાં બાય પ્રોડક્શનમાં લક્ષ્મી તો પછી વધારે આવે. એટલે લક્ષ્મીને જો બાય પ્રોડક્શન જ રાખે તો લક્ષ્મી વધારે આવે, પણ આ તો લક્ષ્મીના હેતુ માટે લક્ષ્મી કરે છે તેથી લક્ષ્મી આવતી નથી. માટે આ તમને હેતુ કહીએ છીએ કે આ હેતુ ગોઠવો. 'નિરંતર સેવાભાવ.' તો બાય પ્રોડક્ટ એની મેળે જ આવ્યા કરશે. જેમ બાય પ્રોડક્ટમાં કશી મહેનત કરવી નથી પડતી. ખર્ચો નથી કરવો પડતો, એ ફ્રી ઑફ કોસ્ટ હોય છે, એવું આ લક્ષ્મી પણ ફ્રી ઑફ કોસ્ટ મળે એ કેવી સારી ! એટલે સેવાભાવ નક્કી કરો, મનુષ્યમાત્રની સેવા. કારણ કે આપણે દવાખાનું કર્યું, એટલે આપણે જે

વિદ્યા જાણતા હોય તો વિદ્યા સેવાભાવમા

ં વાપરવી, એટલો જ આપણો હેતુ હોવો જોઈએ. એના ફળ રૂપે બીજી વસ્તુઓ ફ્રી ઑફ કોસ્ટ મળ્યા કરે. અને પછી લક્ષ્મી તો કોઈ દહાડોય ખૂટે નહીં અને જે લક્ષ્મી માટે જ કરવા ગયેલા એમને ખોટ આવેલી. હા, વળી લક્ષ્મી માટે જ કારખાનું કાઢ્યું પછી બાય પ્રોડક્ટ તો રહ્યું જ નહીંને ! કારણ કે લક્ષ્મી એ જ બાય પ્રોડક્ટ છે, બાય પ્રોડક્શનનું એટલે આપણે પ્રોડક્શન નક્કી કરવાનું એટલે બાય પ્રોડક્શન ફ્રી ઑફ કોસ્ટ મળ્યા કરે.

આત્મા પ્રાપ્ત કરવા માટે જે કરવામાં આવે છે, તે પ્રોડક્શન છે અને તેને લીધે બાય પ્રોડક્શન છે ને સંસારમાં બધી જરૂરિયાત પ્રાપ્ત થાય છે. હું મારું એક જ જાતનું પ્રોડક્શન રાખું છું, 'જગત આખું, પરમ શાંતિને પામો અને કેટલાક મોક્ષને પામો.' મારું આ પ્રોડક્શન અને એનું બાય પ્રોડક્શન મને મળ્યા જ કરે છે ! આ ચા-પાણી અમને તમારા કરતાં જુદી જાતનાં આવે છે. એનું શું કારણ ? તે તમારા કરતાં મારું પ્રોડક્શન ઊંચી જાતનું છે. એવું તમારું પ્રોડક્શન ઊંચી જાતનું હોય તો બાય પ્રોડક્શન પણ ઊંચી જાતનું આવે.

બીજું બધું જ પ્રોડક્શન બાય પ્રોડક્ટ હોય છે, એમાં તમારે જોઈતી બધી જ વસ્તુઓ મળ્યા કરે અને તે ઇઝિલી મળ્યા કરે. જુઓને ! આ પ્રોડક્શન પૈસાનું કર્યું છે એટલે આજે પૈસા ઇઝિલી મળતા નથી, દોડધામ, રઘવાયા રઘવાયા ફરતા હોય એવા ફરે છે અને મોંઢા પર દિવેલ ચોપડીને ફરતા હોય એવા દેખાય ! ઘરનું સુંદર ખાવાનું-પીવાનું છે, કેવી સગવડ છે. રસ્તા કેવા સરસ છે. રસ્તા પર ચાલીએ તો પગ ધૂળવાળા ના થાય ! માટે મનુષ્યોની સેવા કરો. મનુષ્યમાં ભગવાન રહેલો છે. ભગવાન મહીં જ બેઠા છે. બહાર ખોળવા જાવ તો તે મળે એવા નથી. તમે મનુષ્યોના ડૉક્ટર છો એટલે તમને મનુષ્યોની સેવા કરવાનું કહું છું. જાનવરોના ડૉક્ટર હોય તો તેમને જાનવરોની સેવા કરવાની કહું. જાનવરોમાં પણ ભગવાન બેઠા છે, પણ આ મનુષ્યમાં ભગવાન વિશેષ પ્રગટ થયા છે !

બદલાવો, જીવનનો હેતુ આમ !

પ્રશ્શનકર્તા : કર્તવ્ય તો દરેક માણસનું. પછી વકીલ હોય કે ડૉક્ટર હોય, પણ કર્તવ્ય તો એવું જ હોયને કે મનુષ્ય માત્રનું સારું કરવું ?

દાદાશ્રી : હા, પણ આ તો 'સારું કરવું છે' એવી ગાંઠ વાળ્યા વગર જ બસ કર્યા કરે છે, કોઈ ડિસિઝન લીધું નથી, કોઈ પણ હેતુ નક્કી કર્યા વગર એમ ને એમ ગાડી ચાલ્યા કરે છે. કયે ગામ જવું છે એનું ઠેકાણું નથી અને કયે ગામ ઉતરવું છે તેનુંય ઠેકાણું નથી. રસ્તામાં ચા-નાસ્તો કરવાનો છે તેનુંય ઠેકાણું નથી. બસ દોડ દોડ દોડ કર્યા કરે છે. એટલે બધું ગૂંચાયું છે. હેતુ નક્કી કર્યા પછી બધું કર્યા કરીએ.

લક્ષ્મી તો બાય પ્રોડક્શન છે, એનું પ્રોડક્શન ના થાય, એનું જો પ્રોડક્શન થતું હોય તો આપણે કારખાનું કાઢીએ તો પ્રોડક્શનમાં મહીંથી પૈસા મળે, પણ ના, લક્ષ્મી એ તો બાય પ્રોડક્શન છે. જગત આખાને લક્ષ્મીની જરૂર છે. માટે આપણે એવી તો શું મહેનત કરીએ કે પૈસા આપણી પાસે આવે ! એ સમજવાની જરૂર છે. લક્ષ્મી એ બાય પ્રોડક્શન છે. માટે એની મેળે પ્રોડક્શનમાંથી આવશે, સહજ સ્વભાવે આવે એવી છે. ત્યારે લોકોએ લક્ષ્મીનાં કારખાનાં કાઢ્યાં, પ્રોડક્શન જ એને બનાવી દીધું.

આપણે તો ખાલી હેતુ જ બદલવાનો છે, બીજું કશું કરવાનું નથી. પંપના એન્જિનનો એક પટ્ટો આને આપે તો પાણી નીકળે અને આ બાજુ પટ્ટો આપો તો ડાંગરમાંથી ચોખા નીકળે, એટલે ખાલી પટ્ટો આપવામાં જ ફેર છે. હેતુ નક્કી કરવાનો છે અને એ હેતુ પછી આપણને લક્ષમાં રહેવો જોઈએ. બસ, બીજું કશું જ નથી. લક્ષ્મી લક્ષમાં રહેવી ના જોઈએ.

જગતનું કામ કરો, તમારું કામ થયા જ કરશે. જગતનું કામ કરશો ત્યારે તમારું કામ એમ ને એમ થયા કરશે, ત્યારે તમને અજાયબી લાગશે !

 

ભાગ
1-2 -3 - 4 - 5 - 6 - 7 - 8