ભાગ
 1 -  2  - 3  -  4  -  5  -  6  -  7  - 8  

[૧]લક્ષ્મીજીનું આવન-જાવન !

આખા જગતે જ લક્ષ્મીને મુખ્ય માની છે ને ! હરેક કામમાં લક્ષ્મી જ મુખ્ય છે એટલે લક્ષ્મી ઉપર જ વધારે પ્રીતિ છે. લક્ષ્મી ઉપર વધારે પ્રીતિ હોય ત્યાં સુધી ભગવાન ઉપર પ્રીતિ ના થાય. ભગવાન ઉપર પ્રીતિ થાય પછી લક્ષ્મીની પ્રીતિ ઊડી જાય. બેમાંથી એક ઉપર પ્રીતિ બેસે, કાં તો લક્ષ્મી જોડે ને કાં તો નારાયણ જોડે. તમને ઠીક લાગે ત્યાં રહો. લક્ષ્મી રંડાપો આપશે. મંડાવે તે રંડાવે પણ ખરું ! ને નારાયણ મંડાવે નહીં ને રંડાવે પણ નહીં, નિરંતર આનંદમાં રાખે, મુક્તભાવમાં રાખે.

વાત તો સમજવી પડશે ને ? આમ ક્યાં સુધી પોલંપોલ ચાલશે ? ને ઉપાધિ ગમતી તો છે નહીં. આ મનુષ્યદેહ ઉપાધિથી મુક્ત થવા માટેનો છે. ખાલી પૈસા કમાવવા માટે નથી. પૈસા શેનાથી કમાતા હશે ? મહેનતથી કમાતા હશે કે બુધ્ધિથી ?

પ્રશ્નકર્તા : બંનેથી.

દાદાશ્રી : જો પૈસા મહેનતથી કમાતા હોય તો આ મજૂરોની પાસે ઘણા બધા પૈસા હોય. કારણ કે આ મજૂરો જ વધારે મહેનત કરે છે ને ! અને પૈસા બુધ્ધિથી કમાતા હોય તો આ બધા પંડિતો છે જ ને ! પણ તે એમને તો પાછળ ચંપલ અડધું ઘસાઈ ગયેલું હોય છે. પૈસા કમાવા એ બુધ્ધિના ખેલ નથી કે મહેનતનું ફળ નથી. એ તો તમે પૂર્વે પુણ્યૈ કરેલી છે તેના ફળરૂપે તમને મળે છે. અને ખોટ એ પાપ કરેલું તેના ફળરૂપે છે. પુણ્યને અને પાપને આધીન લક્ષ્મી છે. એટલે લક્ષ્મી જો જોઈતી હોય તો આપણે પુણ્ય-પાપનું ધ્યાન રાખવું જોઈએ.

લક્ષ્મીજી તો પુણ્યશાળી પાછળ જ ફર્યા કરે છે, અને મહેનતુ લોકો લક્ષ્મીજીની પાછળ ફરે છે. એટલે આપણે જોઈ લેવું કે પુણ્ય હશે તો લક્ષ્મીજી પાછળ આવશે. નહીં તો મહેનતથી તો રોટલા મળશે, ખાવાપીવાનું મળશે અને એકાદ છોડી હશે તો પૈણશે. બાકી પુણ્યૈ વગર લક્ષ્મી ના મળે.

એટલે ખરી હકીકત શું કહે છે કે તું જો પુણ્યશાળી છો તો તરફડિયાં શું કરવા મારે છે ? અને તું પુણ્યશાળી નથી તો પણ તરફડિયાં શું કરવા મારે છે ?

પુણ્યશાળી તો કેવો હોય ? આ અમલદારો ય ઓફિસેથી અકળાઈને ઘેર પાછા આવેને, ત્યારે બાઈસાહેબ શું કહેશે, 'દોઢ કલાક લેટ થયા, ક્યાં ગયા હતાં ?' આ જુઓ પુણ્યશાળી (!) પુણ્યશાળીને આવું હોતું હશે ? પુણ્યશાળીને એક અવળો પવન ના વાગે. નાનપણમાંથી જ એ ક્વૉલિટી જુદી હોય. અપમાનનો જોગ ખાધેલો ના હોય. જ્યાં જાય ત્યાં 'આવો આવો ભાઈ' એવી રીતે ઉછરેલાં હોય અને આ તો જ્યાં ને ત્યાં અથડાયો ને અથડાયો. એનો અર્થ શું છે તે ? પાછું પુણ્યૈ ખલાસ થાયને એટલે હતા એના એ ! એટલે તું પુણ્યશાળી નથી તો આખી રાત પાટા બાંધીને ફરે, તો ય સવારમાં કંઈ પચાસ મળી જાય ? માટે તરફડિયાં માર નહિ. ને જે મળ્યું તેમાં ખા-પીને સૂઈ રહેને છાનોમાનો.

લક્ષ્મી એટલે પુણ્યશાળી લોકોનું કામ છે. પુણ્યૈનો હિસાબ આવો છે કે ખૂબ મહેનત કરે અને ઓછામાં ઓછું મળે, એ બહુ જ થોડુંક અમથું પુણ્ય કહેવાય. પછી શારીરિક મહેનત બહુ ના કરવી પડે અને વાણીની મહેનત કરવી પડે, વકીલોની પેઠે, એ થોડી વધારે પુણ્યૈ કહેવાય, પેલા કરતાં અને એથી આગળનું શું ? વાણીની ય માથાકૂટ કરવી ના પડે, શરીરની માથાકૂટ ના કરવી પડે, પણ માનસિક માથાકૂટથી કમાય. એ વધારે પુણ્યશાળી કહેવાય અને એનાથી ય આગળ ક્યું ? સંકલ્પ કરતાંની સાથે જ તૈયાર થઈ જાય. સંકલ્પ કર્યો એ મહેનત. સંકલ્પ કર્યો કે બે બંગલા, આ એક ગોડાઉન. એવો સંકલ્પ કર્યો કે તૈયાર થઈ જાય. એ મહાન પુણ્યશાળી. સંકલ્પ કરે એ મહેનત, બસ. સંકલ્પ કરવો પડે. સંકલ્પ વગર ના થાય. થોડીકે ય મહેનત કંઈક જોઈએ.

સંસાર એ વગર મહેનતનું ફળ છે. માટે ભોગવો, પણ ભોગવતાં આવડવું જોઈએ. આ જગતમાં તો ભગવાને કહ્યું કે જેટલી આવશ્યક ચીજ છે એમાં જો તને કમી થાય તો દુઃખ લાગે, સ્વાભાવિક રીતે. અત્યારે હવા જ બંધ થઈ ગઈ હોય એને શ્વાસોશ્વાસ અને ગુંગળામણ થતી હોય તો આપણે કહીએ કે દુઃખ છે આ લોકોને. શ્વાસોશ્વાસ ને ગુંગળામણ થાય એવું વાતાવરણ થયું હોય તો દુઃખ કહેવાય. બપોર થાય, બે-ત્રણ વાગતાં સુધી ખાવાનું ના થાય તો આપણે જાણીએ કે આને દુઃખ છે કંઈ. જેના વગર શરીર જીવે નહીં એવી આવશ્યક ચીજો, એ ના મળે તો એને દુઃખ કહેવાય. આ તો છે, ઢગલેબંધ છે, બળ્યું એને ભોગવતાં ય નથી ને બીજી વાતમાં જ પડ્યાં છે. એને ભોગવતા જ નથી. ના કશું ય નહીં, એના બાપના સમ જો ભોગવ્યું હોય તો, કારણ કે એક મિલમાલિક જમવા બેસે તો બત્રીસ ભાતની રસોઈ હોય, પણ એ મિલમાં મૂઓ હોય. શેઠાણી કહે કે ભજિયાં શાનાં બનાવ્યાં છે ? ત્યારે કહે, 'મને ખબર નથી, તારે પૂછપૂછ ના કરવું'. એવું બધું છે આ.

આ જગત તો એવું છે. એમાં ભોગવનારાં ય હોય ને મહેનત કરનારાં ય હોય, બધું ભેળસેળ હોય. મહેનત કરનારાં એમ જાણે કે આ 'હું કરું છું.' એનો એમનામાં અહંકાર હોય. જ્યારે ભોગવનારાંમાં એ અહંકાર ના હોય. ત્યારે આમને ભોક્તાપણાનો રસ મળે. પેલાં મહેનત કરનારાંને અહંકારનો ગર્વરસ મળે.

એક શેઠ મને કહે, 'આ મારા છોકરાને કશું કહોને, મહેનત કરવી નથી. નિરાંતે ભોગવે છે.' મેં કહ્યું, 'કશું કહેવા જેવું જ નથી. એ એની પોતાના ભાગની પુણ્યૈ ભોગવતો હોય એમાં આપણે શું કરવા ડખો કરીએ?' ત્યારે એ મને કહે કે, 'એમને ડાહ્યા નથી કરવા?' મેં કહ્યું, 'જગતમાં જે ભોગવે છે એ ડાહ્યો કહેવાય. બહાર નાખી દે એને ગાંડો કહેવાય ને મહેનત કર્યા કરે એ તો મજૂર કહેવાય. પણ મહેનત કરે છે એને અહંકારનો રસ મળે ને ! લાંબો કોટ પહેરીને જાય એટલે લોક, શેઠ આવ્યા, શેઠ આવ્યા, કરે એટલું જ બસ. અને ભોગવનારને એવીં કંઈ શેઠ-બેઠની પડેલી ના હોય. આપણે તો આપણું ભોગવ્યું એટલું સાચું.

દુનિયાનો કાયદો એવો છે કે, હિન્દુસ્તાનમાં જેમ બરકત વગરનાં માણસ પાકે તેમ લક્ષ્મી વધતી જાય અને બરકતવાળો હોય તેને રૂપિયા ના આવવા દે. એટલે આ તો બરકત વગરના માણસોને લક્ષ્મી ભેગી થઈ છે. ને ટેબલ ઉપર જમવાનું મળે છે. ફક્ત કેમ ખાવું-પીવું એ નથી આવડતું.

આ કાળના જીવો ભોળા કહેવાય. કોઈ લઈ ગયું તો ય કશું નહીં. ઊંચી નાત, નીચી નાત, કશું પડેલી નહીં. એવાં ભોળા એટલે લક્ષ્મી બહુ આવે. લક્ષ્મી તો બહુ જાગ્રત હોય તેને જ ના આવે. બહુ જાગ્રત હોય એ બહુ કષાય કર્યા કરે. આખો દહાડો કષાય કર્યા કરે. આ તો જાગ્રત નહીં, કષાય જ નહીં ને, કોઈ ભાંજગડ જ નહીંને ! લક્ષ્મી આવે ત્યાં, પણ વાપરતાં ના આવડે. બેભાનપણામાં જતી રહે બધી.

આ નાણું જે છે ને અત્યારે, આ નાણું બધું જ ખોટું છે. બહુ જૂજ, થોડું સાચું નાણું છે. બે જાતની પુણ્યૈ હોય છે. એક પાપાનુબંધી પુણ્ય કે જે અધોગતિમાં લઈ જાય, એ પુણ્ય અને જે ઉર્ધ્વગતિમાં લઈ જાય એ પુણ્યાનુબંધી પુણ્ય. તે એવું નાણું બહુ ઓછું રહ્યું છે. અત્યારે આ રૂપિયા જે બહાર બધે દેખાય છે ને, તે પાપાનુબંધી પુણ્યના રૂપિયા છે, અને એ તો નર્યાં કર્મ બાંધે છે, અને ભયંકર અધોગતિમાં જઈ રહ્યાં છે. પુણ્યાનુબંધી પુણ્ય કેવું હોય ? નિરંતર અંતરશાંતિ સાથે જાહોજલાલી હોય, ત્યાં ધર્મ હોય.

આજની લક્ષ્મી પાપાનુબંધી પુણ્યૈની છે, એટલે તે ક્લેશ કરાવે એવી છે, એના કરતાં ઓછી આવે તે સારું. ઘરમાં ક્લેશ તો ના પેસે. આજે જ્યાં જ્યાં લક્ષ્મી પેસે છે ત્યાં ક્લેશનું વાતાવરણ થઈ જાય છે. એક ભાખરી ને શાક સારું પણ બત્રીસ જાતની રસોઈ કામની નહીં. આ કાળમાં તો સાચી લક્ષ્મી આવે તો એક જ રૂપિયો, ઓહોહો.... કેટલું સુખ આપીને જાય ! પુણ્યાનુબંધી પુણ્ય તો ઘરમાં બધાને સુખ-શાંતિ આપીને જાય, ઘરમાં બધાને ધર્મના ને ધર્મના વિચારો રહ્યા કરે.

મુંબઈમાં એક ઊંચા સંસ્કારી કુટુંબનાં બેનને મેં પૂછ્યું 'ઘરમાં ક્લેશ તો નથી થતો ને ?' ત્યારે એ બેન કહે, 'રોજ સવારમાં ક્લેશના નાસ્તા હોય છે !' મેં કહ્યું, 'ત્યારે તમારે નાસ્તાના પૈસા બચ્યા નહીં ?' બેન કહે, 'ના તો ય કાઢવાનાં, પાઉં ને માખણ ચોપડતા જવાનું.' તે ક્લેશે ય ચાલુ ને નાસ્તા ય ચાલુ. અલ્યા, કઈ જાતના જીવડાઓ છે ?!

હંમેશાં જો લક્ષ્મી નિર્મળ હોય તો બધું સારું રહે, મન સારું રહે. આ લક્ષ્મી માઠી પેઠી છે તેનાથી ક્લેશ થાય છે. અમે નાનપણમાં નક્કી કરેલું કે બનતાં સુધી ખોટી લક્ષ્મી પેસવા જ ના દેવી. તે આજે છાસઠ વર્ષ થયાં પણ ખોટી લક્ષ્મી પેસવા નથી દીધી તેથી તો ઘરમાં કોઈ દહાડો ક્લેશ ઊભો થયો ય નથી. ઘરમાં નક્કી કરેલું કે આટલા પૈસાથી ઘર ચલાવવું. ધંધો લાખો રૂપિયા કમાય પણ આ 'પટેલ' સર્વિસ કરવા જાય તો શું પગાર મળે ? બહુ ત્યારે છસો-સાતસો રૂપિયા મળે. ધંધો એ તો પુણ્યૈના ખેલ છે. માટે નોકરીમાં મળે એટલા જ પૈસા ઘેર વપરાય. બીજા તો ધંધામાં જ રહેવા દેવાય, ઈન્કમટેક્ષવાળાનો કાગળ થાય તે આપણે કહેવું, પેલી રકમ હતી તે ભરી દો. ક્યારે ક્યો એટેક આવે તેનું કશું ઠેકાણું નહીં. અને જો પેલા પૈસા વાપરી ખાય તો ત્યાં 'ઈન્કમટેક્ષવાળાનો એટેક' આવ્યો તો આપણે અહીં પેલો 'એટેક' આવે. બધે એટેક પેસી ગયા છે ને ? આ જીવન કેમ કહેવાય ? તમને કેમ લાગે છે ? ભૂલ લાગે છે કે નથી લાગતી ? તે આપણે ભૂલ ભાંગવાની છે.

લક્ષ્મી સહજ ભાવે ભેગી થતી હોય તો થવા દેવી. પણ તેના પર ટેકો ના દેવો. ટેકો દઈને 'હાશ' કરો, પણ ક્યારે એ ટેકો ખસી જાય એ કહેવાય નહીં. માટે ચેતીને ચાલો કે જેથી અશાતા વેદનીયમાં હાલી ના જવાય.

પ્રશ્નકર્તા : સુગંધી સહિતની લક્ષ્મી, એ કેવી લક્ષ્મી હોય ?

દાદાશ્રી : એ લક્ષ્મી આપણને સહેજે ય ઉપાધિ ના કરાવડાવે. ઘરમાં સો રૂપિયા પડ્યા હોય ને તો આપણને સહેજે ય ઉપાધિ ના કરાવડાવે. કોઈ કહેશે કે કાલથી ખાંડનો કંટ્રોલ આવવાનો છે, તો ય મનમાં ઉપાધિ ના થાય. ઉપાધિ નહીં, હાયવોય નહીં. આમ વર્તન કેવું સુગંધીવાળું, વાણી કેવી સુગંધીવાળી, અને એને પૈસા કમાવાનો વિચાર જ ના આવે એવું તો પુણ્યાનુબંધી પુણ્ય હોય. પુણ્યાનુબંધી પુણ્યવાળી લક્ષ્મી હોય તેને પૈસા પેદા કરવાના વિચાર જ ના આવે. આ તો બધી પાપાનુબંધી પુણ્યની લક્ષ્મી છે. આને તો લક્ષ્મી જ ના કહેવાય ! નર્યા પાપના જ વિચાર આવે, 'કેમ કરીને ભેગું કરવું, કેમ કરીને ભેગું કરવું' એ જ પાપ છે. ત્યારે કહે છે કે, આગળના શેઠિયાને ત્યાં લક્ષ્મી હતી એ ? એ લક્ષ્મી ભેળી થતી હતી, ભેળી કરવી પડતી નહોતી. જ્યારે આ લોકોને તો ભેળું કરવું પડે છે. પેલી લક્ષ્મી તો, સહજભાવે આવ્યા કરે, પોતે એમ કહે કે, 'હે પ્રભુ ! આ રાજલક્ષ્મી મને સ્વપ્ને પણ ન હો' છતાં ય એ આવ્યા જ કરે. શું કહે કે આત્માલક્ષ્મી હો પણ આ રાજલક્ષ્મી અમને સ્વપ્ને પણ ના હો. તો ય તે આવ્યા કરે, એ પુણ્યાનુબંધી પુણ્ય.

અમને ય નહોતું ગમતું સંસારમાં. મારી વિગત જ કહું છું ને. મને પોતાને કોઈ ચીજમાં રસ જ નહોતો આવતો. પૈસા આપે તો ય બોજો લાગ્યા કરે. મારા પોતાના રૂપિયા આપે તો ય મહીં બોજો લાગે. લઈ જતાં ય બોજો લાગે, લાવતાં ય બોજો લાગે. દરેક બાબતમાં બોજો લાગે, આ જ્ઞાન થતાં પહેલાં.

પ્રશ્નકર્તા : અમારા વિચારો એવા છે કે ધંધામાં એટલા ઓતપ્રોત છીએ કે લક્ષ્મીનો મોહ જતો જ નથી, એમાં ડૂબ્યા છીએ.

દાદાશ્રી : તેમ છતાં પૂર્ણ સંતોષ થતો નથી ને ! જાણે પચ્ચીસ લાખ ભેગા કરું, પચાસ લાખ ભેગા કરું, એવું રહ્યા કરે છે ને ?!

એવું છે, પચ્ચીસ લાખ તો હું પણ ભેગા કરવામાં રહેત પણ મેં તો હિસાબ કાઢી જોયેલો કે આ અહીં આયુષ્યનું એકસ્ટેન્શન મળતું નથી. સોને બદલે હજારેક વર્ષ જીવવાનું થતું હોય તો જાણે ઠીક કે મહેનત કરેલી કામની. આતો એનું કંઈ ઠેકાણું નથી.

એક સ્વસત્તા છે, બીજી પરસત્તા છે. સ્વસત્તા કે જેમાં પોતે પરમાત્મા થઈ શકે છે. જ્યારે પૈસા કમાવાની તમારા હાથમાં સત્તા નથી, પરસત્તા છે તો પૈસા કમાવા સારા કે પરમાત્મા થવું સારું ? પૈસા કોણ આપે છે એ હું જાણું છું. પૈસા કમાવાની સત્તા પોતાના હાથમાં હોય ને તો ઝઘડો કરીને પણ ગમે ત્યાંથી લઈ આવે. પણ એ પરસત્તા છે. એટલે ગમે તે કરો તો ય કશું વળે નહીં. એક માણસે પૂછયું કે લક્ષ્મી શેના જેવી છે ? ત્યારે મેં કહ્યું કે ઊંઘ જેવી. કેટલાને સૂઈ જાય કે તરત ઊંઘ આવી જાય અને કેટલાકને આખી રાત પાસાં ઘસે તો ય ઊંઘ ના આવે. ને કેટલાક ઊંઘ આવવા માટે ગોળીઓ ખાય. એટલે આ લક્ષ્મી એ તમારી સત્તાની વાત નથી, એ પરસત્તા છે. અને પરસત્તાની ઉપાધિ આપણે શું કરવાની જરૂર ?

એટલે અમે તમને કહીએ કે પૈસા ગમે એટલી માથાકૂટ કરો તો મળે એવું નથી. એ 'ઈટ હેપન્સ' છે. હા અને તમે એમાં નિમિત્ત છો. કોર્ટમાં જવું-આવવું એ નિમિત્ત છે. તમારે મોઢે વાણી નીકળે છે એ બધું નિમિત્ત છે એટલે તમે આમાં બહુ ધ્યાન ના આપો. એની મેળે ધ્યાન અપાઈ જ જશે અને આમાં તમને હરકત આવે એવું નથી.

આ તો મનમાં એમ માની બેઠા કે ના, હું ના હોઉં તો ચાલે જ નહીં. આ કોર્ટો બંધ થઈ જાય એવું માની બેઠાં છો. એટલે એવું કશું નથી.

આ લક્ષ્મી ભેગી થવી તે ય કેટલાંય કારણો ભેગાં થાય ત્યારે એ લક્ષ્મી ભેગી થાય તેમ છે. કોઈ ડૉકટરના ફાધરને અહીં ગળે ગળફો બાઝયો હોયને, તે ડૉકટરને કહીએ કે આવડાં આવડાં મોટાં ઓપરેશનો કર્યા તો આ ગળફો કાઢી નાખને. ત્યારે કહે, ના. કાઢી નાખીશ તે પહેલાં મરી જશે. એટલે આમાં આટલું ય ચાલે નહીં. એવિડન્સ ભેગા થયાં, બધા ! હું જ્ઞાની બન્યો એ તો સાયન્ટિફિક સરકમસ્ટેન્શિયલ એવિડન્સના આધારે. આ લોકો કરોડાધિપતિ ય જાતે નથી બન્યા. પણ એ મનમાં માને છે કે 'હું બન્યો', એટલી જ ભ્રાંતિ છે, અને જ્ઞાની પુરુષને ભ્રાંતિ ના હોય. જેવું હોય એવું કહી દે કે ભાઈ આવું થયું હતું. હું સુરતના સ્ટેશન ઉપર બેઠો હતો, ને એવું થઈ ગયું અને પેલો માને કે હું બે કરોડ કમાયો અને મેં ત્રણ સ્ત્રીઓ કરી ! પણ આ બધું તમે લઈને આવ્યા છો. આ તો તમારા મનમાં માની બેઠાં છો કે 'ના, હું કરું છું' એટલું જ છે. ઈગોઈઝમ છે અને તે ઈગોઈઝમ શું કરે છે ? આવતા ભવને માટે તમારી યોજના ઘડી રહ્યા છો. એમ ભવ પછી ભવની યોજના કર્યા જ કરે છે જીવ, એટલે એને કોઈ દહાડો ભવ અટકતો જ નથી. યોજના બંધ થઈ જાય ત્યારે એને મોક્ષે જવાની તૈયારી થાય.

એકુંય જીવ એવો નહીં હોય કે જે સુખ ના ખોળતો હોય ! અને તે ય પાછું કાયમનું સુખ ખોળે છે. એ એમ જાણે છે કે લક્ષ્મીજીમાં સુખ છે, પણ તેમાં ય મહીં બળતરા ઊભી થાય છે. બળતરા થવી ને કાયમનું સુખ મળવું, એ કોઈ દહાડો થાય જ નહીં. બન્ને વિરોધાભાસી છે, આમાં લક્ષ્મીજીનો દોષ નથી. એનો પોતાનો જ દોષ છે.

જગતની બધી વસ્તુઓ એક દહાડો અપ્રિય થઈ પડે અને આત્મા તો પોતાનું સ્વરૂપ જ છે, ત્યાં દુઃખ જ ના હોય. જગતમાં તો પૈસા આપતો હોય તે ય અપ્રિય થાય. ક્યાં મૂકવા પાછા, ઉપાધિ થઈ પડે.

એટલે પૈસા હોય તો ય દુઃખ, ના હોય તો ય દુઃખ, મોટા પ્રધાન થયા તો ય દુઃખ, ગરીબ હોય તો ય દુઃખ. ભિખારી હોય તો ય દુઃખ, રાંડેલીને દુઃખ, માંડેલીને દુઃખ, સાત ભાયડાવાળીને દુઃખ, દુઃખ, દુઃખ ને દુઃખ. અમદાવાદના શેઠિયાઓને ય દુઃખ. એનું શું કારણ હશે ?

પ્રશ્નકર્તા : એને સંતોષ નથી.

દાદાશ્રી : આમાં સુખ હતું જ ક્યાં તે ? સુખ હતું જ નહીં આમાં. આ તો ભ્રાંતિથી લાગે છે. જેમ દારૂ પીધેલો માણસ હોય, એનો એક હાથ ગટરમાં પડ્યો હોય તો ય કહેશે, હા મહીં ઠંડક લાગે છે. બહુ સરસ છે, તે દારુને લીધે એવું લાગે છે. બાકી આમાં સુખ હોય જ ક્યાં આગળ ? આ તો નર્યો એંઠવાડ છે બધો !

આ સંસારમાં સુખ છે જ નહીં. સુખ હોય જ નહીં ને સુખ હોય તો તો મુંબઈ આવું ના હોય. સુખ છે જ નહીં. આ તો ભ્રાંતિનું સુખ છે અને તે ટેમ્પરરી એડજેસ્ટમેન્ટ છે ખાલી.

નાણાંનો બોજો રાખવા જેવો નથી. બેન્કમાં જમા થાય એટલે હાશ કરે ને જાય એટલે દુઃખ થાય. આ જગતમાં કશું જ હાશ કરવા જેવું નથી, કારણ કે ટેમ્પરરી છે.

માણસને શું દુઃખ હોય છે ? એક જણ મને કહે કે મારે બેન્કમાં કંઈ નથી. સાવ ખાલી થઈ ગયો. નાદાર થઈ ગયો. મેં પૂછયું, 'દેવું કેટલું હતું ?' તે કહે, 'દેવું ન હતું.' તે નાદાર ના કહેવાય. બેન્કમાં હજાર બે હજાર રૂપિયા પડ્યા છે. પછી મેં કહ્યું, 'વાઈફ તો છે ને ?' તે કહે કે વાઈફ કંઈ વેચાય ? મેં કહ્યું, 'ના પણ તારી બે આંખો છે, તે તારે બે લાખમાં વેચવી છે ?' આ આંખો, આ હાથ, પગ, મગજ, એ બધી મિલકતની તું કિંમત તો ગણ. બેન્કમાં પૈસો ય ના હોય તો ય તું કરોડાધિપતિ છે. તારી કેટલી બધી મિલકત છે, તે વેચજો, હેંડ. આ બે હાથે ય તું ના વેચું. પાર વગરની તારી મિલકત છે. આ બધી મિલકત સમજીને તારે સંતોષ રાખવાનો. પૈસા આવ્યા કે ના આવ્યા પણ ટંકે ખાવાનું મળવું જોઈએ

પ્રશ્નકર્તા : જીવનમાં આર્થિક પરિસ્થિતિ નબળી હોય ત્યારે શું કરવું ?

દાદાશ્રી : એક વરસ વરસાદ ના પડે તો ખેડૂતો શું કહે છે કે અમારી આર્થિક સ્થિતિ ખલાસ થઈ ગઈ. એવું કહે કે ના કહે ? પછી પાછું બીજે વરસે વરસાદ આવે ત્યારે એનું સુધરી જાય, એટલે આર્થિક સ્થિતિ નબળી હોય ત્યારે ધીરજ રાખવી જોઈએ. ખર્ચ ઓછો કરી નાખવો જોઈએ અને ગમે તે રસ્તે મહેનત, પ્રયત્નો વધારે કરવા જોઈએ. એટલે નબળી પરિસ્થિતિ હોય ત્યારે જ આ બધું કરવાનું, બાકી પરિસ્થિતિ સારી હોય ત્યારે તો એની મેળે ગાડું ચાલ્યા કરે.

આ દેહને જરૂર પૂરતો ખોરાક જ આપવાની જરૂર છે, એને બીજું કશું જરૂરી નથી અને નહીં તો પછી આ ત્રિમંત્રો રોજ કલાક કલાક બોલજો ને ! આ બોલશો એટલે આર્થિક પરિસ્થિતિ સુધરી જાય. એનો ઉપાય કરવો જોઈએ. ઉપાય કરીએ એટલે સુધરી જાય. તમને આ ઉપાય ગમશે ?

આ દાદા ભગવાનનું એક કલાક નામ લે તો પૈસાના ઢગલા થાય. પણ એવું કરે નહીં ને બાકી હજારો લોકોને પૈસા આવ્યા. હજારો લોકોની અડચણો ગઈ ! 'દાદા ભગવાન'નું નામ લે ને, પૈસા ના આવે તો તે દાદા ન્હોય ! પણ આ લોકો આવું નામ દે નહીં ને, પાછા ઘેર જઈને !!

લક્ષ્મી તો કેવી છે ? કમાતાં દુઃખ, સાચવતાં દુઃખ, રક્ષણ કરતાં દુઃખ અને વાપરતાં ય દુઃખ. ઘેર લાખ રૂપિયા આવે એટલે તેને સાચવવાની ઉપાધિ થઈ જાય. કઈ બેન્કમાં આની સેફસાઈડ છે એ ખોળવું પડે ને પાછાં સગાં-વહાલાં જાણે તે તરત જ દોડે. મિત્રો બધા દોડે, કહે અરે યાર મારા પર આટલોય વિશ્વાસ નથી ? માત્ર દસ હજાર જોઈએ છે, તે પછી ના છૂટકે આપવા પડે. આ તો પૈસાનો ભરાવો થાય તોય દુઃખ ને ભીડ થાય તોય દુઃખ. આ તો નોર્મલ હોય એ જ સારું, નહીં તો પાછું લક્ષ્મી વાપરતાં ય દુઃખ થાય.

લક્ષ્મીને સાચવતાં ય આપણા લોકોને નથી આવડતું અને ભોગવતાં ય નથી આવડતું. ભોગવતી વખતે કહેશે કે આટલું બધું મોઘું ? આટલું મોઘું લેવાય ? અલ્યા, છાનોમાનો ભોગવને ! પણ ભોગવતી વખતે ય દુઃખ, કમાતાં ય દુઃખ, લોકો હેરાન કરતાં હોય તેમાં કમાવાનું, કેટલાક તો ઉઘરાણીના પૈસા આપે નહીં એટલે કમાતાં ય દુઃખ અને સાચવતાં ય દુઃખ. સાચવ સાચવ કરીએ તો ય બેન્કમાં રહે જ નહીં ને ! બેન્કના ખાતાનું નામ જ ક્રેડિટ અને ડેબિટ, પૂરણ ને ગલન ! લક્ષ્મી જાય, ત્યારે ય બહુ દુઃખ આપે.

કેટલાંક તો ઈન્કમટેક્ષ પચાવીને બેસી ગયેલા હોય છે. પચ્ચીસ-પચ્ચીસ લાખ રૂપિયા દબાવીને બેઠા હોય છે. પણ એ જાણતા નથી કે બધા રૂપિયા જતા રહેશે. પછી ઈન્કમટેક્ષવાળા નોટિસ આપશે ત્યારે રૂપિયા ક્યાંથી કાઢશે ? આ તો નરી ફસામણ છે. આ ઊંચે ચઢેલાને બહુ જોખમદારી, પણ એ જાણતો જ નથી ને ! ઉલટું આખો દહાડો કેમ કરીને ઈન્કમટેક્ષ બચાવું એ જ ધ્યાન. તેથી જ અમે કહીએ છીએ ને કે આ તો તિર્યંચની રિટર્ન ટિકિટ લાવ્યાં છે.

આખા જગતની મહેનત ઘાણી કાઢી કાઢીને નકામી જાય છે, પેલો બળદને ખોળ આપે, ત્યારે અહીં બીબી હાંડવાનું ઢેફું આપે એટલે ચાલ્યું, આખો દહાડો બળદની પેઠે ઘાણી કાઢ કાઢ કરે છે

અમદાવાદના શેઠિયાઓને બે મિલો છે, છતાં એમનો બફારો તો અહીં આગળ વર્ણન ન થાય એવો છે. બબ્બે મિલો હોય છતાં એ ક્યારે ફેઈલ થઈ જાય એ કહેવાય નહીં. આમ સ્કૂલમાં પાસ સારી રીતે થયા હતા, પણ અહીં આગળ ફેઈલ થઈ જાય ! કારણ કે એણે બેસ્ટ ફૂલિશનેસ આદરવા માંડી છે. ડીસઓનેસ્ટી ઈઝ ધી બેસ્ટ ફુલિશનેસ ! આ ફૂલિશનેસની તો હદ હોયને ? કે બેસ્ટ સુધી પહોંચાડવાનું ? તે આજે બેસ્ટ ફૂલિશનેસ સુધી પહોંચ્યા !

પૈસાનો તો મેં હિસાબ કાઢ્યો. મેં કહ્યું, 'આ પૈસા આપણે વધાર વધાર કરીએ તો કેટલા સુધી જશે ?' પછી હિસાબ કાઢ્યો કે અહીં આગળ કોઈનો નંબર પહેલો લાગ્યો નથી આ દુનિયામાં. લોકો કહે છે કે 'ફોર્ડનો પહેલો નંબર છે.' પણ તો ચાર વર્ષ પછી કો'ક બીજાનું નામ સંભળાતું હોય. એટલે કોઈનો નંબર ટકતો નથી, વગર કામના અહીં દોડધામ કરીએ, આનો શો અર્થ ? પહેલા ઘોડાને ઈનામ હોય, બીજાને થોડુંક આપે ને ત્રીજાને આપે. ચોથાને ફીણ કાઢી કાઢીને મરી જવાનું ? મેં કહ્યું, 'આ રેસકોર્સમાં હું ક્યાં ઊતરું ?' તે આ લોકો તો ચોથો, પાંચમો કે બારમો, સોમો નંબર આપે ને ! તે અલ્યા શું કરવા ફીણ કાઢીયે આપણે ! ફીણ ના નીકળે પછી ? પહેલો આવવા દોડ્યો અને આવ્યો બારમો, ચા ય ના પાય પછી. તમને કેમ લાગે છે ?

ભાગ
 1 -  2  - 3  -  4  -  5  -  6  -  7  - 8