ભાગ
 1 -  2  - 3  -  4  -  5  -  6  -  7  - 8  

લક્ષ્મી 'લિમિટેડ' છે અને લોકોની માગણી 'અનલિમિટેડ' છે !

કોઈને વિષયની અટકણ પડેલી હોય, કોઈને માનની અટકણ પડેલી હોય, એવી જાતજાતની અટકણ પડેલી હોય છે. એટલે આવી રીતે પૈસાની અટકણ પડેલી હોય છે, તે સવારમાં ઊઠયો ત્યારથી પૈસાનું ધ્યાન રહ્યા કરે ! એ ય મોટી અટકણ કહેવાય.

પ્રશ્નકર્તા : પણ પૈસા વગર ચાલતું નથી ને !

દાદાશ્રી : ચાલતું નથી, પણ પૈસા શેનાથી આવે છે તે લોકો જાણતાં નથી અને પાછળ દોડ દોડ કરે છે. પૈસા તો પરસેવાની પેઠે આવે છે. જેમ કોઈને પરસેવો વધારે આવે અને કોઈને પરસેવો ઓછો આવે અને જેમ પરસેવો થયા વગર રહેતો નથી તેવી રીતે આ પૈસા આવે જ છે લોકોને !

મારે તો મૂળથી પૈસાની અટકણ જ નહોતી. બાવીસ વર્ષનો હતો ત્યારથી હું ધંધો કરતો હતો તો ય મારે ઘેર જે કોઈ આવ્યો હોય તે મારા ધંધાની વાત કોઈ જાણતા જ નહોતા. ઊલટો હું એને પૂછ-પૂછ કરું તમે શી અડચણમાં આવ્યા છો ?

પૈસો તો યાદ આવવો તે ય બહુ જોખમ છે, ત્યારે પૈસાની ભજના કરવી એ કેટલું બધું જોખમ હશે ?

માણસ એક જગ્યાએ ભજના કરી શકે, કાં તો પૈસાની ભજના કરી શકે ને કાં તો આત્માની. બે જગ્યાએ એક માણસનો ઉપયોગ રહે નહીં. બે જગ્યાએ ઉપયોગ શી રીતે રહે ? એક જ જગ્યાએ ઉપયોગ રહે. તે હવે શું થાય ?

એક શેઠ મળેલા. આમ લાખોપતિ હતા. મારા કરતાં પંદર વર્ષે મોટા, પણ મારી જોડે બેસે-ઊઠે. એ શેઠને એક દહાડો મેં કહ્યું કે, 'શેઠ, આ છોકરાં, બધાં કોટ-પાટલૂન પહેરીને ફરે છે ને તમે એક આટલી ધોતી ને બેઉ ઢીંચણ ઉઘાડા દેખાય એવું કેમ પહેરો છો ?' એ શેઠ દેરાસર દર્શન કરવા જતા હોય ને, તો આમ ઉઘાડા દેખાય. આટલી ધોતી તે લંગોટી મારીને જાય એવું લાગે. આટલી બંડી ને સફેદ ટોપી, તે દર્શન કરવા દોડધામ કરતા જાય. મેં કહ્યું કે, 'મને લાગે છે કે આ બધું જોડે લઈ જશો ?' ત્યારે મને કહે કે, 'ના લઈ જવાય અંબાલાલભાઈ. જોડે ના લઈ જવાય !' મેં કહ્યું, 'તમે તો અક્કલવાળા, અમને પટેલોને સમજણ નહીં. ને તમે તો અક્કલવાળી કોમ, કંઈ ખોળી કાઢયું હશે !' તો કહે કે, 'ના કોઈથી ય ના લઈ જવાય.' પછી એમના દીકરાને પૂછયું કે, 'બાપા તો આવું કહેતા હતા,' ત્યારે એ કહે છે કે, 'એ તો સારું છે કે જોડે લઈ નથી જવાતું. જો જોડે લઈ જવાતું હોય ને તો મારા બાપા ત્રણ લાખનું દેવું અમારે માથે મૂકીને જાય એવા છે ! મારા બાપા તો બહુ પાકા છે. એટલે નથી લઈ જવાતું એ જ સારું છે, નહીં તો બાપા તો ત્રણ લાખનું દેવું મૂકીને અમને રખડાવી મારે. મારે તો કોટપાટલૂને ય પહેરવાનાં ના રહે. જોડે લઈ જવાતું હોત ને, તો અમને

પરવારી દેવડાવે એવા પાકા છે !'

પ્રશ્નકર્તા : મુંબઈના શેઠિયા બે નંબરના પૈસા ભેગા કરતા હોય એનાથી શું ઈફેક્ટ થાય ?

દાદાશ્રી : એનાથી કર્મનો બંધ પડે. એ તો બે નંબરના ને એક નંબરના હોય. તે ખરા ખોટા પૈસા એ બધા કર્મનો બંધ પાડે. કર્મનો બંધ તો એમ ને એમ પણ પડે. જ્યાં સુધી આત્મજ્ઞાન ના થાય ત્યાં સુધી કર્મનો બંધ પડે છે. બીજું કશું પૂછવાનું છે ? બે નંબરના પૈસાથી ખરાબ બંધ પડે. આ જાનવરની ગતિમાં જવું પડે, પશુયોનિમાં જવું પડે.

પ્રશ્નકર્તા : આ લોકો પૈસા પાછળ પડ્યા છે તો સંતોષ કેમ નથી રાખતા ?

દાદાશ્રી : આપણને કોઈ કહે કે સંતોષ રાખજો તો આપણે કહીએ કે ભાઈ, તમે કેમ રાખતા નથી ને મને કહો છો ? વસ્તુસ્થિતિમાં સંતોષ રાખ્યો રહે એવો નથી. તેમાં ય કોઈનો કહેલો રહે એવો નથી. સંતોષ તો જેટલું જ્ઞાન હોય એટલા પ્રમાણમાં એની મેળે સ્વાભાવિક રીતે સંતોષ રહે જ. સંતોષ એ કરવા જેવી ચીજ નથી. એ તો પરિણામ છે. જેવી તમે પરીક્ષા આપી હશે તેવું પરિણામ આવે. એવી રીતે જેટલું જ્ઞાન હશે એટલું પરિણામ સંતોષ રહે. સંતોષ રહે એટલા માટે તો આ લોક આટલી બધી મહેનત કરે છે ! જુઓ ને સંડાસમાં ય બે કામ કરે છે. દાઢી ને બેઉ કરે ! એટલો બધો લોભ હોય ! આ તો બધું ઈન્ડિયન પઝલ કહેવાય !

તે મહીં વકીલો તો સંડાસમાં બેસીને દાઢી કરે છે અને એમનાં વાઈફ મને કહેતાં હતાં કે અમારી જોડે કોઈ દહાડો બોલ્યા નથી. ત્યારે કેવાં એ એકાંતિક થઈ ગયેલાં. એક જ બાજુ, આ જ ખૂણો અને પછી દોડ-દોડ હોય છે ને ! લક્ષ્મી આવે ને તો ત્યાં નાખી આવે પાછાં. લે ! અહીં આગળ ગાય દોહીને ત્યાં ગધેડાને પાઈ દે !

આ કળિયુગમાં પૈસાનો લોભ કરીને પોતાનો અવતાર બગાડે છે, ને મનુષ્યપણામાં આર્તધ્યાન, રૌદ્રધ્યાન થયા કરે, તે મનુષ્યપણું જતું રહે. મોટાં મોટાં રાજ ભોગવી ભોગવીને આવ્યો છે, આ કંઈ સાવ ભિખારી ન્હોતા, પણ અત્યારે મન ભિખારી જેવું થઈ ગયું છે. તે આ જોઈએ ને તે જોઈએ થયા કરે છે. નહીં તો જેનું મન ધરાયેલું હોય, તેને કશું ય ના આપો તો ય રાજેશ્રી હોય. પૈસો એવી વસ્તુ છે કે માણસને લોભ ભણી દ્રષ્ટિ કરાવે છે. લક્ષ્મી તો વેર વધારનારી વસ્તુ છે. એનાથી દૂર જેટલું રહેવાય એટલું ઉત્તમ અને વપરાય તો સારા કામમાં વપરાઈ જાય તો સારી વાત છે.

પૈસા તો જેટલા આવવાના હશે એટલા જ આવશે. ધર્મમાં પડશે તો ય એટલા આવશે ને અધર્મમાં પડશે તો ય એટલા આવશે. પણ અધર્મમાં પડશે તો દુરુપયોગ થશે ને દુઃખી થશે, અને આ ધર્મમાં સદુપયોગ થશે ને સુખી થશે અને મોક્ષે જવાશે તે વધારાનું. બાકી પૈસા તો આટલા જ આવવાના.

પૈસા માટે વિચાર કરવો એ એક કુટેવ છે. એ કેવી કુટેવ છે ? કે એક માણસને તાવ બહુ ચઢયો હોય અને આપણે તેને વરાળ આપીને તાવ ઉતારીએ. વરાળ આપી એટલે તેને પરસેવો બહુ થઈ જાય, એવું પછી પેલાં રોજ વરાળ આપીને પરસેવો કાઢ કાઢ કરે તો એની સ્થિતિ શું થાય ? પેલો આમ જાણે કે આ રીતે એક દહાડો મને બહુ ફાયદો થયેલો, મારું શરીર હલકું થઈ ગયેલું, તે હવે આ રોજની ટેવ રાખવી છે. રોજ વરાળ લે ને પરસેવો કાઢ કાઢ કરે તો શું થાય ?

લક્ષ્મી એ તો બાય પ્રોડકટ છે. જેમ આપણો હાથ સારો રહેશે કે પગ સારો રહેશે ? એનો રાતદહાડો વિચાર કરવો પડે છે ? ના, શાથી ? હાથપગની આપણને જરૂર નથી ? છે, પણ એનો વિચાર કરવો પડતો નથી. એવી રીતે લક્ષ્મીનો વિચાર કરવાનો નહીં. એ ય આપણને અહીં આગળ હાથ દુઃખતો હોય તે એની મરામત પૂરતો વિચાર કરવો પડે છે, એવું કોઈ વખત વિચાર કરવો પડે તે તાત્કાલિક પૂરતો જ, પછી વિચાર જ નહીં કરવાનો, બીજી ભાંજગડમાં નહીં ઉતરવાનું. લક્ષ્મીના સ્વતંત્ર ધ્યાનમાં ઉતરાતું હશે ? લક્ષ્મીનું ધ્યાન એક બાજુ છે, તો બીજી બાજુ બીજું ધ્યાન ચૂકીએ છીએ. સ્વતંત્ર ધ્યાનમાં તો લક્ષ્મી શું, સ્ત્રીના ય ધ્યાનમાં ના ઉતરાય. સ્ત્રીના ધ્યાનમાં ઉતરે તો સ્ત્રી જેવો થઈ જાય ! લક્ષ્મીના ધ્યાનમાં ઉતરે તો ચંચળ થઈ જાય. લક્ષ્મી ફરતી ને એ ય ફરતો ! લક્ષ્મી તો બધે ફર્યા કરે નિરંતર, એવો એ ય બધે ફર્યા કરે. લક્ષ્મીનું ધ્યાન જ ના કરાય. મોટામાં મોટું રૌદ્રધ્યાન છે એ તો, એ આર્તધ્યાન નથી, રૌદ્રધ્યાન છે ! કારણ કે પોતાના ઘેર ખાવાપીવાનું છે, બધું ય છે, પણ લક્ષ્મીની હજી વધુ આશા રાખે છે, એટલે એટલું બીજાને ત્યાં ખૂટી પડે. બીજાને ત્યાં ખૂટી પડે એવું પ્રમાણભંગ ના કરો. નહીં તો તમે ગુનેગાર છો. એની મેળે સહજ આવે

એના ગુનેગાર તમે નથી ! સહજ તો પાંચ લાખ આવે

કે પચાસ લાખ આવે. પણ પાછું આવ્યા પછી લક્ષ્મીને આંતરી રખાય નહીં. લક્ષ્મી તો શું કહે છે ? અમને આંતરાય નહીં, જેટલી આવી એટલી આપી દો.

નાણાંના અંતરાય ક્યાં સુધી હોય ? જ્યાં સુધી કમાવાની ઈચ્છા હોય ત્યાં સુધી. નાણાં તરફ દુર્લક્ષ થયું એટલે એ ઢગલેબંધ આવે.

ખાવાની જરૂર નથી ? સંડાસ જવાની જરૂર નથી ? તેમ લક્ષ્મીની પણ જરૂર છે. સંડાસ જેમ સંભાર્યા સિવાય થાય છે, તેમ લક્ષ્મી પણ સંભાર્યા સિવાય આવે છે.

એક જમીનદાર મારી પાસે આવ્યો તે મને પૂછવા લાગ્યો કે 'જીવન જીવવા માટે કેટલું જોઈએ ? મારે ઘેર હજાર વીઘાં જમીન છે, બંગલો છે. બે મોટરો છે ને બેંક બેલેન્સ પણ ખાસ્સું છે. તો મારે કેટલું રાખવું ?'

મેં કહ્યું, 'જો ભાઈ, દરેકની જરૂરિયાત કેટલી હોવી જોઈએ તેનો ખ્યાલ તેના જન્મ વખતે કેટલી જાહોજલાલી હતી તેના ઉપરથી આખી જિંદગી માટેનું ધોરણ તું નક્કી કર. તે જ દરઅસલ નિયમ છે. આ તો બધું એકસેસમાં જાય છે અને એકસેસ તો ઝેર છે, મરી જઈશ !'

દરેક માણસને પોતાના ઘરમાં આનંદ આવે. ઝૂંપડાવાળાને બંગલામાં આનંદ ના આવે અને બંગલાવાળાને ઝૂંપડામાં આનંદ ના આવે. એનું કારણ એની બુધ્ધિનો આશય. જે જેવું બુધ્ધિના આશયમાં ભરી લાવ્યો હોય તેવું જ તેને મળે. બુધ્ધિના આશયમાં જે ભરેલું હોય તેના બે ફોટા પડે : (૧) પાપફળ અને (૨) પુણ્યફળ. બુધ્ધિના આશયનું દરેકે વિભાજન કર્યું તે ૧૦૦ ટકામાંથી મોટા ભાગના ટકા મોટર, બંગલા, છોકરા-છોકરીઓ અને વહુ એ બધાં માટે ભર્યું. તે એ બધું મેળવવા પુણ્ય એમાં ખર્ચાઈ ગયું અને ધર્મને માટે માંડ એક કે બે ટકા જ બુધ્ધિના આશયમાં ભર્યા.

બુધ્ધિના આશયમાં લક્ષ્મી પ્રાપ્ત કરવી છે એમ ભરી લાવ્યો. તે એનું પુણ્ય વપરાયું તો લક્ષ્મીના ઢગલે ઢગલા થાય. બીજો બુધ્ધિના આશયમાં લક્ષ્મી પ્રાપ્ત કરવી એવું લઈને તો આવ્યો પણ તેમાં પુણ્ય કામ લાગવાને બદલે પાપફળ સામું આવ્યું. તે લક્ષ્મીજી મોઢું જ ના દેખાડે. અલ્યા, આ તો એટલો બધો ચોખ્ખે ચોખ્ખો હિસાબ છે કે કોઈનું જરાય ચાલે તેમ નથી. ત્યારે આ અક્કરમીઓ એમ માની લે છે કે હું દસ લાખ રૂપિયા કમાયો. અલ્યા, આ તો પુણ્યૈ વપરાઈ અને તે ય અવળે રસ્તે. એના કરતાં તારો બુધ્ધિનો આશય ફેરવ. ધર્મ માટે જ બુધ્ધિનો આશય બાંધવા જેવો છે. આ જડ વસ્તુઓ મોટર, બંગલા, રેડિઓ એ બધાની ભજના કરી તેના જ માટે બુધ્ધિનો આશય બાંધવા જેવો નથી. ધર્મ માટે જ આત્મધર્મ માટે જ બુધ્ધિનો આશય રાખો. અત્યારે તમને જે પ્રાપ્ત છે તે ભલે હો, પણ હવે તો માત્ર આશય ફેરવીને સંપૂર્ણ ૧૦૦ ટકા ધર્મ માટે જ રાખો.

અમે અમારા બુધ્ધિના આશયમાં ૧૦૦ ટકા ધર્મ અને જગત કલ્યાણની ભાવના લાવ્યા છીએ. બીજે ક્યાં ય અમારું પુણ્ય ખર્ચાયું જ નથી. પૈસા, મોટર, બંગલા, દીકરો, છોકરી ક્યાં ય નહીં.

અમને જે જે મળ્યા અને જ્ઞાન લઈ ગયા, તેમણે બે-પાંચ ટકા ધર્મ માટે - મુક્તિને માટે નાખેલા, તેથી અમે મળ્યા. અમે સોએ સો ટકા ધર્મમાં નાખ્યા, તેથી બધેથી જ અમને ધર્મ માટે 'નો ઓબ્જેકશન સર્ટિફિકેટ' મળ્યું છે.

કોઈ બહારનો માણસ મારી પાસે વ્યવહારથી સલાહ લેવા આવે કે, 'હું ગમે તેટલી માથાકૂટ કરું છું તો ય કશું વળતું નથી.' એટલે હું કહું, 'અત્યારે તારો ઉદય પાપનો છે. તે કોઈને ત્યાંથી ઊછીના રૂપિયા લાવીશ તો રસ્તામાં તારું ગજવું કપાઈ જશે ! માટે અત્યારે તું ઘેર બેસીને નિરાંતે તું જે શાસ્ત્ર વાંચતો હોય તે વાંચ ને ભગવાનનું નામ લીધા કર.'

પાપનું પૂરણ કરે છે તે જ્યારે ગલન થશે ત્યારે ખબર પડશે ! ત્યારે તારાં હાજાં ગગડી જશે ! દેવતા ઉપર બેઠાં હોઈએ તેવું લાગશે !! પુણ્યનું પૂરણ કરીશ ત્યારે ખબર પડશે કે કેવી ઓર મજા આવે છે ! માટે જેનું જેનું પૂરણ કરો તે જોઈ વિચારીને કરજો, કે ગલન થાય ત્યારે પરિણામ કેવું થાય છે ! પૂરણ કરતાં સતત ખ્યાલ રાખજો, પાપ કરતાં, કોઈને છેતરીને પૈસો ભેગો કરતાં સતત ખ્યાલ રાખજો કે એ ય ગલન થવાનું છે. એ પૈસો બેન્કમાં મૂકશો તો તે ય જવાનો તો છે જ. એનું ય ગલન તો થશે જ. અને એ પૈસો ભેગો કરતાં જે પાપ કર્યું, જે રૌદ્રધ્યાન કર્યું, તે તેની કલમો સાથે આવવાનું તે વધારામાં અને જ્યારે તેનું ગલન થશે ત્યારે તારી શી દશા થશે ?

કુદરત શું કહે છે ? એણે કેટલા રૂપિયા વાપર્યા એ અમારે ત્યાં જોવાતું નથી. એ તો વેદનીય શું ભોગવી ? શાતા કે અશાતા, એટલું જ અમારે અહીં આગળ જોવાય છે. રૂપિયા નહીં હોય તો ય શાતા ભોગવશે ને રૂપિયા હશે તો ય અશાતા ભોગવશે. એટલે શાતા કે અશાતા વેદનીય ભોગવે છે, તેનો રૂપિયા ઉપર આધાર નથી રહેતો.

અત્યારે આપણે થોડીક આવક હોય, બિલકુલ શાંતિ હોય, કશી ભાંજગડ નથી. તે આપણે કહીએ કે, 'હેંડો, ભગવાનનાં દર્શન કરી આવીએ !' અને આ પૈસા કમાણી કરવા રહેલા, તે તો આ અગિયાર લાખ રૂપિયા કમાય તેનો વાંધો નથી, પણ પચાસ હજાર હમણાં ખોટ જવાની થાય કે અશાતા વેદનીય ઊભી થાય ! 'અલ્યા, અગિયાર લાખમાંથી પચાસ હજાર બાદ કરી નાખ ને !' ત્યારે કહેશે કે, 'ના એ તો મહીં રકમ ઓછી થાય ને !' ત્યારે અલ્યા, રકમ તું કોને કહે છે ? ક્યાંથી આ રકમ આવી ? એ તો જવાબદારીવાળી રકમ હતી, એટલે ઓછું થાય ત્યારે બૂમ ના પાડીશ. આ તો રકમ વધે ત્યારે તું રાજી થાય છે અને ઓછી થાય ત્યારે ? અરે, સાચી મૂડી તો 'મહીં' બેઠી છે એને શું કરવા હાર્ટફેઈલ કરીને મૂડી આખી ધોઈ નાખવા ફરે છે !! હાર્ટફેઈલ કરે તો મૂડી આખી ખલાસ થાય કે નહીં ?

દસ લાખ રૂપિયા બાપે છોકરાને આપ્યા હોય અને બાપો કહેશે કે, 'હવે હું આધ્યાત્મિક જીવન જીવું !' ત્યારે હવે, એ છોકરો કાયમ દારૂમાં, માંસાહારમાં, શેરબજારમાં, બધામાં એ પૈસા ખોઈ નાખે. કારણ કે જે પૈસા ખોટે રસ્તે ભેગા થયા છે, તે પોતાની પાસે રહે નહીં. આજે તો સાચું જ નાણું, સાચી મહેનતનું જ નાણું રહેતું નથી, તે ખોટું નાણું શી રીતે રહે ? એટલે પુણ્યૈનું નાણું જોઈશે, જેમાં અપ્રમાણિકતા ના હોય, દાનત ચોખ્ખી હોય. એવું નાણું હોય તો તે જ સુખ આપશે. નહીં તો અત્યારે દુષમકાળનું નાણું, એ ય પુણ્યૈનું જ કહેવાય છે, પણ પાપાનુબંધી પુણ્યનું, તે નર્યાં પાપ જ બંધાવે !

એક મિનિટ પણ રહેવાય નહીં એવો આ સંસાર ! જબરજસ્ત પુણ્યૈ હોય છે તો પણ મહીં અંતરદાહ શમાતો નથી; અંતરદાહ નિરંતર બળ્યા જ કરતો હોય છે ! ચોગરદમથી બધા ફર્સ્ટ ક્લાસ સંયોગો હોય તો પણ અંતરદાહ ચાલુ હોય, તે હવે કેમ મટે ? પુણ્યૈ પણ છેવટે ખલાસ થઈ જાય. દુનિયાનો નિયમ છે કે પુણ્યૈ ખલાસ થાય એટલે શું થાય ? પાપનો ઉદય થાય. આ તો અંતરદાહ છે. પાપના ઉદય વખતે બહારનો દાહ ઊભો થશે તે ઘડીએ તારી શી દશા થશે ? માટે ચેતો, એમ ભગવાન કહે છે.

આ તો પૂરણ-ગલન સ્વભાવનું છે. જેટલું પૂરણ થયું એટલું પછી ગલન થવાનું. ને ગલન ના થાત ને તો ય ઉપાધિ થઈ જાય. પણ ગલન થાય છે એટલું પાછું ખવાય છે. આ શ્વાસ લીધો એ પૂરણ કર્યું અને ઉચ્છ્વાસ કાઢ્યો એ ગલન છે. બધું પૂરણ ગલન સ્વભાવનું છે એટલે અમે શોધખોળ કરી છે કે 'ભીડ નહીં ને ભરાવોય નહીં ! અમારે કાયમ લક્ષ્મીની ભીડેય નહીં ને ભરાવો પણ નહીં !' ભીડવાળા સુકાઈ જાય અને ભરાવાવાળાને સોજા ચઢે. ભરાવો એટલે શું કે લક્ષ્મીજી બે-ત્રણ વરસ સુધી ખસે જ નહીં. લક્ષ્મીજી તો ચાલતી ભલી, નહીં તો દુઃખદાયક થઈ પડે.

મારે કોઈ દહાડો ભીડ પડી નથી ને ભરાવો થયો નથી. લાખ આવતાં પહેલાં તો કંઈ ને કંઈ બોમ્બ આવે ને તે વપરાઈ જાય. એટલે ભરાવો તો થતો જ નથી કોઈ દહાડો, અને ભીડ પણ પડી નથી.

પ્રશ્નકર્તા : લક્ષ્મી શાથી ખૂટે છે ?

દાદાશ્રી : ચોરીઓથી. જ્યાં મન-વચન-કાયાથી ચોરી નહીં થાય ત્યાં લક્ષ્મીજી મહેર કરે. લક્ષ્મીનો અંતરાય ચોરીથી છે. ટ્રિક અને લક્ષ્મીને વેર. સ્થૂળ ચોરી બંધ થાય ત્યારે તો ઊંચી નાતમાં જન્મ થાય. પણ સૂક્ષ્મ ચોરી એટલે કે ટ્રિકો કરે એ તો હાર્ડ રૌદ્રધ્યાન છે, અને એનું ફળ નર્કગતિ છે. આ કપડું ખેંચીને આપે એ હાર્ડ રૌદ્રધ્યાન છે. ટ્રિકો તો હોવી જ ના જોઈએ. ટ્રિકો કરી કોને કહેવાય ? 'બહુ ચોખ્ખો માલ છે' કહીને ભેળસેળવાળો માલ આપીને ખુશ થાય. ને જો આપણે કહીએ કે, 'આવું તો કરાતું હશે ?' તો એ કહે કે, 'એ તો એમ જ કરાય.' પણ પ્રામાણિકપણાની ઈચ્છાવાળાએ શું કહેવું જોઈએ કે 'મારી ઈચ્છા તો સારો માલ આપવાની છે. પણ માલ આવો છે એ લઈ જાવ.' આટલું કહે તો પણ જોખમદારી આપણી નહીં !

એટલે આ બધા ક્યાં સુધી પ્રામાણિક છે ? કે જ્યાં સુધી કાળાબજારનો એને અધિકાર પ્રાપ્ત થયો નથી.

પ્રશ્નકર્તા : આ લક્ષ્મીજી જે કમાય છે તે કેટલા પ્રમાણમાં કમાવી જોઈએ ?

દાદાશ્રી : આ એવું કશું નહીં. આ સવારમાં રોજ નાહવું પડે છે ને ? છતાં પણ કોઈ વિચારે છે કે એક લોટો જ મળશે તો શું કરીશ ? એવી રીતે લક્ષ્મીનો વિચાર ના આવવો જોઈએ. દોઢ ડોલ મળશે એટલું નક્કી જ છે અને બે લોટા એ પણ નક્કી જ છે. એમાં કોઈ વધારે-ઓછું કરી શકતો નથી. માટે મન, વચન, કાયાએ કરીને લક્ષ્મી માટે તું પ્રયત્ન કરજે, ઈચ્છા ના કરીશ, આ લક્ષ્મીજી તો બેંક બેલેન્સ છે, તે બેંકમાં જમા હશે તો મળશે ને ? કોઈ લક્ષ્મીની ઈચ્છા કરે તો લક્ષ્મીજી કહે કે, 'તારે આ જુલાઈમાં પૈસા આવવાના હતા તે આવતા જુલાઈમાં મળશે.' અને જો કહે કે 'મારે પૈસા નથી જોઈતા' તો એ ય મોટો ગુનો છે. લક્ષ્મીજીનો તિરસ્કારે ય નહીં ને, ઈચ્છા ય નહીં કરવી જોઈએ. એમને તો નમસ્કાર કરવા જોઈએ. એમનો તો વિનય રાખવો જોઈએ, કારણ કે એ તો હેડ ઓફિસમાં છે. લક્ષ્મીજી તો એને ટાઈમ કાળ પાકે ત્યારે આવે તેમ જ છે. આ તો ઇચ્છાથી અંતરાય પડે છે. લક્ષ્મીજી કહે છે કે, 'જે ટાઈમે જે લત્તામાં રહેવાનું હોય તે ટાઈમે જ રહેવું જોઈએ, અને અમે ટાઈમે ટાઈમે મોકલી જ દઈએ છીએ. તારા દરેક ડ્રાફ્ટ વગેરે બધાં જ ટાઈમસર આવી જશે. પણ જોડે મારી ઇચ્છા ના કરીશ. કારણ કે કાયદેસર હોય છે તેને વ્યાજ સાથે મોકલાવી દઈએ છીએ. જે ઇચ્છા ના કરે

તેને સમયસર મોકલી

એ છીએ. બીજું લક્ષ્મીજી શું કહે છે ? કે, 'તારે મોક્ષે જવું હોય તો હકની લક્ષ્મી મળે તે જ લેજે, કોઈની ય લક્ષ્મી ઝૂંટવીને ઠગીને ના લઈશ.'

આ લક્ષ્મીજી જ્યારે અમને ભેગાં થાય છે ત્યારે અમે તેમને કહી દઈએ છીએ કે વડોદરે મામાની પોળ ને છઠ્ઠું ઘર, જ્યારે અનુકૂળ આવે ત્યારે પધારજો અને જ્યારે જવું હોય ત્યારે જજો. તમારું જ ઘર છે. પધારજો. એટલું અમે કહીએ. અમે વિનય ના ચૂકીએ.

બીજી વાત કે લક્ષ્મીજીને તરછોડ ના મરાય. કેટલાક કહે છે કે 'હમ કો નહીં ચાહીએ, લક્ષ્મીજી કો તો હમ ટચ ભી નહીં કરતા' એ લક્ષ્મીજીને ના અડે તેનો વાંધો નથી. પણ આમ જે વાણીથી બોલે છે ને ભાવમાં એમ વર્તે છે એ જોખમ છે. બીજા કેટલા ય અવતાર લક્ષ્મીજી વગર રખડે છે. લક્ષ્મીજી તો 'વીતરાગ' છે, 'અચેતન વસ્તુ' છે. પોતે તેને તરછોડ ના મારવી જોઈએ. કોઈને પણ તરછોડ કરી, પછી તે ચેતન હશે કે અચેતન હશે, તેનો મેળ નહીં ખાય. અમે 'અપરિગ્રહી છીએ' એવું બોલીએ, પણ 'લક્ષ્મીજીને ક્યારે ય નહીં અડું' તેવું ના બોલીએ. લક્ષ્મીજી તો આખી દુનિયામાંના વ્યવહારનું 'નાક' કહેવાય. 'વ્યવસ્થિત' ના નિયમના આધારે બધાં દેવદેવીઓ ગોઠવાયેલાં છે. માટે ક્યારેય તરછોડ ના મરાય.

લક્ષ્મીનો ત્યાગ નથી કરવાનો, પણ અજ્ઞાનતાનો ત્યાગ કરવાનો છે. કેટલાક લક્ષ્મીનો તિરસ્કાર કરે છે. તે કોઈપણ વસ્તુનો તિરસ્કાર કરો તો તે ક્યારે ય પાછી ભેગી જ ના થાય, નિઃસ્પૃહ એકલો થાય એ તો મોટામાં મોટું ગાંડપણ છે.

સંસારી ભાવોમાં અમે નિઃસ્પૃહી અને આત્માના ભાવોમાં સસ્પૃહી. સસ્પૃહી નિઃસ્પૃહી હશે તો જ મોક્ષે જશે. માટે દરેક પ્રસંગને વધાવી લેજો.

આ કાળું નાણું કેવું કહેવાય એ સમજાવું. આ રેલનું પાણી આપણા ઘરમાં પેસી જાય તો આપણને ખુશી થાય કે ઘેર બેઠાં પાણી આવ્યું. તે એ રેલ ઉતરશે ત્યારે પાણી તો ચાલ્યું જશે ને પછી જે કાદવ રહેશે તે કાદવને ધોઈને કાઢતાં કાઢતાં તો તારો દમ નીકળી જશે. આ કાળું નાણું રેલનાં પાણી જેવું છે. તે રોમે રોમે કૈડીને જશે. માટે મારે શેઠિયાઓને કહેવું પડ્યું કે ચેતીને ચાલજો.

જ્યાં સુધી કોઈ દિવસ આડો ધંધો શરૂ ના થાય ત્યાં સુધી લક્ષ્મીજી જાય નહીં. આડો રસ્તો એ લક્ષ્મી જવા માટેનું નિમિત્ત છે !

આ કાળ કેવો છે ? આ કાળના લોકોને તો અત્યારે ક્યાંથી માલ લઈ આવું, કેમ બીજાનું પડાવી લઉં, શી રીતે ભેળસેળવાળો માલ આપવો, અણહક્કના વિષયોને ભોગવે ને આમાંથી નવરાશ મળે તો બીજું કંઈ ખોળે ને ? આનાથી સુખ કંઈ વધ્યાં નહીં. સુખ તો ક્યારે કહેવાય ? મેઈન પ્રોડકશન કરે તો. આ સંસાર તો બાય પ્રોડક્ટ છે, પૂર્વે કંઈ કરેલું હોય તેનાથી દેહ મળ્યો. ભૌતિક ચીજો મળી, સ્ત્રી મળે, બંગલા મળે. જો મહેનતથી મળતું હોત તો તો મજૂરને ય મળે, પણ તેમ નથી. આજના લોકોમાં સમજણફેર થઈ છે. તેથી આ બાય-પ્રોડકશનનાં કારખાનાં ખોલ્યાં છે. બાય-પ્રોડકશનનું ના ખોલાય. મેઈન-પ્રોડકશન એટલે મોક્ષનું સાધન 'જ્ઞાની પુરુષ' પાસેથી પ્રાપ્ત કરી લે. પછી સંસારનું બાય-પ્રોડકશન તો એની મેળે મફતમાં આવશે જ. બાય-પ્રોડક્ટ માટે તો અનંત અવતાર બગાડ્યા, દુર્ધ્યાન કરીને ! એક ફેર મોક્ષ પામી જા તો તોફાન પૂરું થાય !

આ ભૌતિક સુખ કરતાં અલૌકિક સુખ હોવું જોઈએ કે જે સુખમાં આપણને તૃપ્તિ વળે. આ લૌકિક સુખ તો અજંપો વધારે ઉલટો ! જે દહાડે પચાસ હજારનો વકરો થાય ને, તે ગણી ગણીને જ મગજ બધું ખલાસ થઈ જાય. મગજ તો એટલું બધું અકળામણવાળું થઈ ગયું હોય કે ખાવાપીવાનું ગમે નહીં. કારણ કે મારે ય વકરો આવતો હતો, તે મેં બધો જોયેલો, આ મગજમાં કેવું થઈ જતું તે ! આ તો મારા અનુભવની બહાર નથી ને કંઈ ? હું તો આ સમુદ્રમાંથી તરીને બહાર નીકળ્યો છું. એટલે હું બધું જાણું છું કે તમને શું થતું હશે ? વધારે રૂપિયા આવે ત્યારે વધારે અકળામણ થાય, મગજ ડલ થઈ જાય ને કશું યાદ ના રહે, અજંપો અજંપો અજંપો રહ્યા કરે. આ તો નોટો ગણ ગણ કરે, પણ એ નોટો અહીં ને અહીં રહી ગઈ બધી ને ગણનારાં ગયાં ! પૈસા તો કહે છે કે, 'તારે સમજવું હોય તો સમજી લે જે, અમે રહીશું ને તું જઈશ !' માટે આપણે એની જોડે કંઈ વેર નથી બાંધવું. પૈસાને આપણે કહીએ, આવો બા, એની જરૂર છે ! બધાંની જરૂર તો છે ને ? પણ એની પાછળ જ તન્મયાકાર રહે ! તો ગણનારા ગયા અને પૈસા રહ્યાં. છતાં ગણવું પડે તે ય છૂટકો જ નહીં ને ! કો'ક જ શેઠિયો એવો હોય કે મહેતાજીને કહે કે, 'ભઈ, મને તો ખાતી વખતે અડચણ કરશો નહીં, તમારા પૈસા નિરાંતે ગણીને

તિજોરીમાં મૂકવા ને તિજોરીમાંથી લેવા. એમાં ડખો ના કરે એવો કો'ક શેઠિયો હોય ! હિન્દુસ્તનમાં એવા બે-પાંચ શેઠિયાઓ નિર્લેપ રહે એવા હોય ! તે મારા જેવા !! હું કોઈ દહાડો પૈસા ગણું નહીં !! આ શું ડખો ! આ લક્ષ્મીજીને આજે મેં વીસ વીસ વર્ષથી હાથમાં નથી ઝાલ્યાં તો જ આટલો આનંદ રહે ને !

લક્ષ્મીજીનો વ્યવહાર છે ત્યાં સુધી જરૂર રહે છે, તેની ના નથી. તેની મહીં તન્મયાકાર ના થવાય. તન્મયાકાર નારાયણમાં થાવ, લક્ષ્મીજી એકલાંની પાછળ પડીએ તો નારાયણ ચિઢાયા કરે. લક્ષ્મીનારાયણનું તો મંદિર છે ને ! લક્ષ્મીજી કંઈ જેવી તેવી વસ્તુ છે ?

રૂપિયા કમાતાં જે આનંદ થાય છે તેવો જ આનંદ ખર્ચ કરતી વખતે થવો જ જોઈએ. ત્યારે એ બોલે કે આટલા ખર્ચાઈ ગયા !!

પૈસા વપરાઈ જશે એવી જાગૃતિ રખાય જ નહીં. જે વખતે જે ઘસાય તે ખરું તેથી પૈસા વાપરવાનું કહેલું, કે જેથી કરીને લોભ છૂટે ને ફરી ફરી અપાય.

ભગવાને કહ્યું કે હિસાબ માંડશો નહીં. ભવિષ્યકાળનું જ્ઞાન હોય તો હિસાબ માંડજો. અલ્યા, હિસાબ માંડવો હોય તો કાલે મરી જઈશ એવો હિસાબ માંડ ને ?!

રૂપિયાનો નિયમ કેવો છે કે અમુક દિવસ ટકે ને પછી જાય, જાય ને જાય જ. એ રૂપિયો ફરે ખરો, પછી એ નફો લઈ આવે, ખોટ લઈ આવે કે વ્યાજ લઈ આવે, પણ ફરે ખરો. એ બેસી ના રહે, એ સ્વભાવનો જ ચંચળ છે. એટલે આ ઉપર ચઢેલો તે પછી ઉપર એને ફસામણ લાગે. ઊતરતી વખતે ઉતરાય નહીં, ચઢતી વખતે તો હોંશે હોંશે ચઢી જવાય. ચઢતી વખતે તો હોંશમાં આમ ઝાલી ઝાલીને ચઢે, પણ ઊતરતી વખતે તો પેલી બિલાડી મોઢું માટલીમાં ઘાલે, જોર કરીને ઘાલે ને પછી કાઢતી વખતે કેવું થાય ? તેવું થાય.

આ અનાજ છે તે ત્રણ-પાંચ વર્ષમાં નિર્જીવ થઈ જાય, પછી ઊગે નહીં.

પહેલાં તો લક્ષ્મી પાંચ પેઢી તો ટકે, ત્રણ પેઢી તો ટકે. આ તો લક્ષ્મી એક પેઢી જ ટકતી નથી, આ લક્ષ્મી કેવી છે ? એક પેઢી ય ટકતી નથી. એની હાજરીમાં ને હાજરીમાં આવે ને હાજરીમાં જતી રહે. એવી આ લક્ષ્મી છે. આ તો પાપાનુબંધી પુણ્યની લક્ષ્મી છે. થોડી ઘણી મહીં પુણ્યાનુબંધી પુણ્યની લક્ષ્મી હોય, તે તમને અહીં આવવા પ્રેરણા કરે, અહીં ભેગા કરે ને તમને અહીં ખર્ચ કરાવડાવે. સારા માર્ગે લક્ષ્મી જાય. નહીં તો આ ધૂળધાણીમાં જતું રહેવાનું. બધું ગટરમાં જ જતું રહેશે. આ છોકરાંઓ આપણી લક્ષ્મી જ ભોગવે છે ને, આપણે છોકરાંઓને કહીએ કે તમે મારી લક્ષ્મી ભોગવી. ત્યારે એ કહેશે, 'તમારી શેની ? અમે અમારી જ ભોગવીએ છીએ.' એવું બોલે. એટલે ગટરમાં જ ગયું ને બધું !

આ દુનિયાને યથાર્થ - જેમ છે તેમ - જાણીએ તો જીવન જીવવા જેવું છે, યથાર્થ જાણીએ તો સંસારી ચિંતા ઉપાધિ હોય નહીં. એટલે જીવવા જેવું લાગે પછી !

ભાગ
 1 -  2  - 3  -  4  -  5  -  6  -  7  - 8