ભાગ
 1 -  2  - 3  -  4  -  5  -  6  -  7  - 8  

[૫] લોભથી ખડો સંસાર

જે વસ્તુ પ્રિય થઈ પડી હોય તેના તાનમાં ને તાનમાં રહેવું તેનું નામ લોભ. એ મળે તો ય સંતોષ ના થાય ! લોભિયો તો સવારમાં ઊઠયો ત્યાંથી રાત્રે આંખ મીંચાય ત્યાં સુધી લોભમાં હોય. એનું નામ લોભિયો. સવારમાં ઊઠયો ત્યારથી ગાંઠ જેમ દેખાડે તેમ એ ફર્યા કરે. લોભિયો હસવામાં ય વખત ના બગાડે. આખો દહાડો લોભમાં જ હોય. માર્કેટમાં પેઠો ત્યાંથી લોભ. જો લોભ, લોભ, લોભ, લોભ ! વગર કામનો આખો દહાડો આમ ફર્યા કરે. લોભિયો શાકમાર્કેટમાં જાય ને તો એને ખબર હોય કે આ બાજુ બધું મોંઘું શાક હોય અને આ બાજુ સસ્તી ઢગલીઓ વેચાય છે. તે પછી સસ્તી ઢગલીઓ ખોળી કાઢે ને રોજ એ બાજુ જ શાક લેવા જાય.

લોભિયો ભવિષ્યના હારુ બધું ભેગું કરે. તે બહુ ભેગું થાય એટલે પછી બે મોટા મોટા ઉંદર પેસી જાય ને બધું સાફ કરી જાય !

લક્ષ્મી ભેગી કરવાની ઇચ્છા વગર ભેગું કરવું. લક્ષ્મી આવતી હોય તો અટકાવવી નહીં અને ના આવતી હોય તો ખોતરવી નહીં.

લક્ષ્મીજી તો એની મેળે આવવા માટે બંધાયેલી જ છે. અને આપણી સંઘરી સંઘરાય નહીં કે આજે સંઘરી રાખીએ તો પચ્ચીસ વર્ષ પછી છોડી પૈણાવતી વખતે, તે દહાડા સુધી રહેશે, એ વાતમાં માલ નથી અને એવું કોઈ માને તો એ બધી વાત ખોટી છે. એતો તે દહાડે જે આવે તે જ સાચું. ફ્રેશ હોવું જોઈએ.

માટે આવતી વસ્તુ બધી વાપરવી, ફેંકી ના દેવી. સદ્રસ્તે વાપરવી, અને બહુ ભેગી કરવાની ઇચ્છાઓ રાખવી નહીં. ભેગી કરવાનો એક નિયમ હોય કે ભઈ, આપણી મૂડીમાં, અમુક પ્રમાણમાં તો જોઈએ. જેને મૂડી કહેવામાં આવે, એટલી મૂડી રાખી અને પછી બાકીનું યોગ્ય જગ્યાએ વાપરવું. લક્ષ્મી નાખી દેવાય નહીં.

લોભનો પ્રતિપક્ષ શબ્દ છે સંતોષ. પૂર્વભવમાં જ્ઞાન કંઈક થોડું ઘણું સમજ્યો હોય. આત્મજ્ઞાન નહિ, પણ જગતનું જ્ઞાન સમજ્યો હોય તેને સંતોષ ઉત્પન્ન થયેલો હોય, અને જ્યાં સુધી આ ના સમજ્યો હોય ત્યાં સુધી એને લોભ રહ્યા કરે.

અનંત અવતાર સુધી પોતે ભોગવેલું હોય, તે એનો સંતોષ રહે કે હવે કશી ચીજ જોઈએ નહીં, અને ના ભોગવેલું હોય તેને કંઈ કંઈ જાતના લોભ પેસી જાય. પછી આ ભોગવું, તે ભોગવું, ને ફલાણું ભોગવું રહ્યા કરે.

પ્રશ્નકર્તા : લોભિયો થોડો કંજૂસ પણ હોય ને ?

દાદાશ્રી : ના, કંજૂસ એ પાછા જુદા, કંજૂસ તો એની પાસે પૈસા ના હોય, તેથી કંજૂસાઈ કરે છે. અને લોભી તો ઘેર પચીસ હજાર રૂપિયા પડ્યા હોય, પણ કેમ કરીને આ ઘઉં-ચોખા સસ્તા પડશે, કેમ કરીને ઘી સસ્તું પડશે એમ જ્યાં ને ત્યાં લોભમાં જ ચિત્ત હોય. માર્કેટમાં જાય તોય કઈ જગ્યાએ સસ્તી ઢગલી મળે છે એ જ ખોળ્યા કરતો હોય !

લોભિયો કોને કહેવાય કે જે હરેક બાબતમાં જાગ્રત હોય !

પ્રશ્નકર્તા : લોભિયો અને કંજૂસમાં ફેર શો ?

દાદાશ્રી : કંજૂસ ફક્ત લક્ષ્મીનો જ હોય, લોભિયો તો બધી જ બાજુએથી લોભમાં હોય. માનનો પણ લોભ કરે અને લક્ષ્મીનો ય કરે. આ લોભિયાને બધી જ દિશામાં લોભ હોય, તે બધું જ તાણી જાય.

પ્રશ્નકર્તા : લોભિયો થવું કે કરકસરિયા થવું ?

દાદાશ્રી : લોભિયા થવું એ ગુનો છે. કરકસરિયા થવું એ ગુનો નથી.

'ઇકોનોમી' કોનું નામ ? ટાઈટ આવે ત્યારે ટાઈટ અને ઠંડું આવે ત્યારે ઠંડું. હંમેશાં દેવું કરીને કાર્ય ન કરવું. દેવું કરીને વેપાર કરાય પણ મોજશોખ ના કરાય. દેવું કરીને ક્યારે ખવાય ? જ્યારે મરવા પડે ત્યારે. નહીં તો દેવું કરીને ઘી ના પીવાય.

પ્રશ્નકર્તા : દાદા, કંજૂસાઈ અને કરકસરમાં ફેર ખરો ?

દાદાશ્રી : હા, બહુ ફેર. હજાર રૂપિયા મહિને કમાતા હોય તો આઠસો રૂપિયાનો ખર્ચ રાખવો, અને પાંચસો આવતા હોય તો ચારસોનો ખર્ચ રાખવો. એનું નામ કરકસર. જ્યારે કંજૂસ ચારસોના ચારસો જ વાપરે, પછી ભલે ને હજાર આવે કે બે હજાર આવે. એ ટેક્સીમાં ના જાય. કરકસર એ તો ઈકોનોમિક્સ - અર્થશાસ્ત્ર છે. એ તો ભવિષ્યની મુશ્કેલી ધ્યાનમાં રાખે. કંજૂસ માણસને દેખીને બીજાને ચીઢ ચઢે કે કંજૂસ છે. કરકસરિયા માણસને જોઈને ચીઢ ના ચઢે.

ઘરમાં કરકસર કેવી હોવી જોઈએ ? બહાર ખરાબ ના દેખાય એવી કરકસર હોવી જોઈએ. કરકસર રસોડામાં પેસવી ના જોઈએ. ઉદાર કરકસર હોવી જોઈએ. રસોડામાં કરકસર પેસે તો મન બગડી જાય, કોઈ મહેમાન આવે તોય મન બગડી જાય કે ચોખા વપરાઈ જશે ! કોઈ બહુ લાફો હોય તેને અમે કહીએ કે 'નોબલ' કરકસર કરો.

પૈસા કમાવવાની ભાવના કરવાની જરૂર નથી. પ્રયત્ન ભલે ચાલુ રહ્યા. ભાવનાથી શું થાય ? પૈસા હું ખેંચી લઉં તો પેલાને ભાગે રહે નહીં પછી. એનો અર્થ એટલો કે હું ક્વોટા પડાવી લઉં એટલે પેલાને ભાગે રહે નહીં. એટલે જે કુદરતી ક્વોટા નિર્માણ થયો છે, તેને જ આપણે રહેવા દો ને ! લોભનો અર્થ શું ? બીજાનું પડાવી લેવું. વળી કમાવવાની ભાવના કરવાની જરૂર જ શું ? મરવાનું છે તેને મારવાની ભાવના કરવાની જરૂર શું ? એવું હું કહેવા માગું છું. આ તો લોકોનાં ઘણાં પાપ થતાં અટકી જાય એવું હું કહેવા માગું છું, આ એક વાક્યમાં !

લોભને લઈને જે આચાર થાય છે ને, તે આચાર જ એને જાનવર ગતિમાં લઈ જાય.

તમે સારા માણસ છો ને તમે નહીં છેતરાવ તો બીજા કોણ છેતરાવાના છે ? નાલાયક તો છેતરાય નહીં. એનું તો 'સાપને ઘેર સાપ ગયો ને જીભ ચાટીને પાછો આવે' એવું ! છેતરાય તે કંઈક આપણી ખાનદાની ત્યારે જ કહેવાયને. આપણને 'આવો - પધારો' કહે એ તો એનું પ્રિપેમેન્ટ હોય છે.

એટલે 'લોભિયાથી છેતરાય' એમ લખ્યું છે. કારણ કે છેતરાઈને મારે મોક્ષે જવું છે. હું અહીં આગળ પૈસા ભેગા કરવા નથી આવ્યો. અને હું એમે ય જાણું છું કે નિયમના આધીન છેતરે છે કે અનિયમથી ? એ હું જાણનારો છું એટલે વાંધો નહીં.

હું ભોળપણથી નહીં છેતરાયેલો. હું જાણું કે આ બધા મને છેતરી રહ્યા છે. હું જાણીને છેતરાઉં. ભોળપણથી છેતરાય એ ગાંડા કહેવાય. અમે ભોળા હોતા હોઈશું ? જે જાણીને છેતરાય એ ભોળા હોય ?

અમારા ભાગીદારે એક ફેરો મને કહ્યું કે, તમારા ભોળપણનો લોકો લાભ ઉઠાવી જાય છે. ત્યારે મે કહ્યું કે તમે મને ભોળા કહો છો માટે તમે જ ભોળા છો. 'હું સમજીને છેતરાઉં છું.' ત્યારે એમણે કહ્યું કે 'હું આવું ફરી નહીં બોલું ?'

હું જાણું કે આ બિચારાની મતિ આવી છે. એની દાનત આવી છે. માટે એને જવા દો. લેટ ગો કરોને ! આપણે કષાયથી મુક્ત થવા આવ્યા છીએ. આપણે કષાય ન થવા છેતરાઈએ છીએ એટલે ફરી હઉ છેતરાઈએ. સમજીને છેતરાવામાં મઝા ખરી કે નહીં ? સમજીને છેતરાવાવાળા ઓછા હોય ને ?

નાનપણથી મારે પ્રિન્સિપલ એ હતો કે સમજીને છેતરાવું. બાકી, મને મૂરખ બનાવી જાય અને છેતરી જાય એ વાતમાં માલ નથી.

આ સમજીને છેતરાવાથી શું થયું ? બ્રેઈન ટોપ પર ગયું. મોટા મોટા જજોનું બ્રેઈન કામ ના કરે એવું કામ કરતું થઈ ગયું.

શ્રીમદ્ રાજચન્દ્રે પુસ્તકમાં લખ્યું છે કે જ્ઞાની પુરુષની તન-મન અને ધનથી સેવા કરજો. ત્યારે કો'કે પૂછયું, 'ભઈ જ્ઞાની પુરુષને ધન શું કરવું છે ? એ તો કોઈ ચીજના ઈચ્છુક જ ના હોય. ત્યારે કહે ના, તન-મનથી તમે સેવા કરો છો પણ તમને એમ કહે કે આ સારી જગ્યાએ ધન નાખી દો, તો તમારી લોભની ગ્રંથિ તૂટી જશે. નહીં તો લક્ષ્મીમાં ને લક્ષ્મીમાં, ચિત્ત ત્યાંનું ત્યાં જ રહ્યા કરે.

એક ભાઈ મને કહે છે 'મારો લોભ કાઢી આપો. મારી લોભની ગાંઠ આવડી મોટી છે ! તે કાઢી આપો.' મે કહ્યું, 'એને કાઢીએ તો ના જાય. એ તો કુદરતી પચાસ લાખની ખોટ લાવે ને એટલે એ લોભની ગાંઠ એની મેળે જતી રહે. કહેશે હવે પૈસા જોઈતા જ નથી, બળ્યા !!

એટલે આ લોભની ગાંઠ તો ખોટથી જતી રહે. મોટી ખોટ આવી હોય ને તે બધું હડહડાટ ગાંઠ તૂટી જાય ! નહીં તો એકલી લોભની ગાંઠ ના ઓગળે, બીજી બધી ગાંઠ ઓગળે !! લોભિયાને બે ગુરુઓ, એક ધૂતારો ને બીજી ખોટ. ખોટ આવે ને તે લોભની ગાંઠ હડહડાટ તોડી નાંખે ! અને બીજા લોભિયાને એમનો ગુરુ મળી આવે ફક્ત ધૂૂતારા ! તે હાથમાં ચંદ્રમા દેખાડે એવા ધૂૂતારા હોય, ત્યારે પેલો લોભિયો ખુશ થઈ જાય ! પછી આ પેલાની આખી મૂડી જ લઈ નાખે !

મને લોક પૂછે છે કે 'સમાધિ સુખ ક્યારે વર્તશે ?' ત્યારે મેં કહ્યું કે 'જેને કંઈ જ જોઈતું નથી. બધી લોભની ગાંઠ છૂટે ત્યારે.' લોભની ગાંઠ છૂટે કે પછી સુખ વર્ત્યા કરે. બાકી ગાંઠવાળાને તો કશું સુખ આવતું જ નથી ને ! એટલે ભેલાડોને, જેટલું ભેલાડશો એટલું તમારું !

પૈસા આવે એટલા વાપરી નાખે ને એ સુખિયો. સારા રસ્તે જાય તો એ સુખિયો. એટલા તમારે ખાતે જમે થાય, નહિ તો ગટરમાં તો જતા રહેવાના છે. ક્યાં જતા રહેવાના ? ગટરમાં જતા હશે ? આ મુંબઈના રૂપિયા બધા શેમાં જતા હશે ? એય નર્યા ગટરમાં ચાલ ચાલ કરે છે ! એ સારા રસ્તે વપરાયો એટલો રૂપિયો આપણો જોડે આવે. કોઈ બીજો કોઈ જોડે આવે નહિ.

તિરસ્કાર ને નિંદા ત્યાં લક્ષ્મી નહીં રહે. 'લક્ષ્મી ક્યારે ના મળે ? લોકોની નિંદા-કૂથલીમાં પડે ત્યારે.

આ આપણો દેશ ક્યારે પૈસાવાળો થશે ? ક્યારે લક્ષ્મીવાન ને સુખી થશે ? જ્યારે નિંદા અને તિરસ્કાર બે બંધ થઈ જશે ત્યારે. આ બે બંધ થયાં કે દેશમાં નર્યા પૈસા ને લક્ષ્મી પાર વગરની થાય.

[૬]લોભની સમજ, સૂક્ષ્મતાએ

પ્રશ્નકર્તા : કેવા પ્રકારના દોષો ભારી હોય તો ઘણાં અવતારો સુધી ચાલે ? અવતારો બહુ લેવા પડે એવા કયા દોષો ?

દાદાશ્રી : લોભ ! લોભ ઘણાં અવતારો સુધી જોડે રહે છે. લોભી હોય ને તે દરેક અવતારમાં લોભી થાય એટલે એને ગમે બહુ આ.

પ્રશ્નકર્તા : કરોડો રૂપિયા હોય છતાં ધર્મમાં પૈસા ન આપી શકે એનું શું કારણ ?

દાદાશ્રી : શી રીતે બંધ બાંધેલા છૂટે બા ? એટલે કોઈ છૂટે નહીં ને બંધાયેલો ને બંધાયેલો જ રહે. પોતે ખાય પણ નહીં. કોના હારુ ભેળું કરે છે ?! પહેલાં તો સાપ થઈ ને ફરતા હતા. ધન દાટતા હતા ને તો સાપ થઈને ફરતા હતા ને સાચવ સાચવ કરે. 'મારું ધન, મારું ધન' કરે !

જીવતાં તો આવડ્યું કોને કહેવાય ? પોતાની પાસે આવ્યું હોય તે ભેલાડે ! એનું નામ જીવતાં આવડ્યું કહેવાય. ગાંડપણ નહીં. ડહાપણથી ભેલાડે. ગાંડપણથી દારૂ-બારૂ પીતાં હોય. એમાં ભલીવાર જ ના આવે. કોઈ દહાડો વ્યસન હોય નહીં ને ભેલાડે. જુઓ ને, આ ભેલાડે છે ને ! આ પુણ્યાનુબંધી પુણ્ય કહેવાય.

પુણ્યાનુબંધી પુણ્ય કયું ? દરેક ક્રિયામાં બદલાની ઇચ્છા ના રાખે એ પુણ્યાનુબંધી પુણ્ય ! સામાને સુખ આપતી વખતે કોઈ પણ જાતના બદલાની ઇચ્છા ના રાખે, એનું નામ પુણ્યાનુબંધી પુણ્ય !

પ્રશ્નકર્તા : પૈસા સાથે લઈ જવા માટે કઈ રીતે સાથે લઈ જવાય ?

દાદાશ્રી : રસ્તો તો એક જ એટલો કે જે આપણાં સગાંવહાલાં ના હોય. એવાં કોઈનાં દિલ ઠાર્યા હોય તો જોડે આવે. સગાંવહાલાંને ઠાર્યા હોય, તોય છે તે જોડે ના આવે, પણ ખાતાં ચોખ્ખાં થઈ જાય.

અગર તો અમારા જેવાને કહો તો લોકોને હિતકારી થાય એવું જ્ઞાનદાન બતાડીએ. એટલે સારાં પુસ્તક છપાવવાં કે જે વાંચવાથી ઘણાં લોકો સારે રસ્તે ચઢે. અમને પૂછે તો દેખાડીએ. અમારે લેવા-દેવા ના હોય.

એણે એમ માન્યું છે કે આ પૈસા સંઘરી રાખીશ તો મને સુખ પડશે ને પછી દુઃખ કોઈ દહાડોય નહીં આવે, પણ એ સંઘરી રાખવાનું કરતાં કરતાં લોભિયો એવો જ થઈ ગયો. પોતે લોભિયો થઈ ગયો. કરકસર કરવાની છે, ઈકોનોમી કરવાની છે પણ લોભ નથી કરવાનો.

લોભ ક્યાંથી પેસે ? એની શરૂઆત ક્યાંથી થાય ? પૈસા ના હોય તે ઘડીએ લોભ ના હોય. પણ જો નવ્વાણું થયા હોય તો મનમાં એમ થાય કે આજે ઘેર નહીં વાપરીએ પણ એક રૂપિયો ઉમેરીને સો પૂરા કરવા છે ! આ નવ્વાણુંનો ઘક્કો વાગ્યો !! એ ધક્કો વાગ્યો એટલે એ લોભ પાંચ કરોડ થાય તો ય છૂટે નહીં એ જ્ઞાની પુરુષ ધક્કો મારે તો છૂટે !

લોભિયો સવારે ઊઠ્યો ત્યાંથી લોભ કર્યા કરે. આખો દહાડો એમાં ને એમાં જાય. ભીંડા મોંઘા ભાવના છે કહેશે. વાળ કપાવવામાં પણ લોભ ! આજે બાવીસ દા'ડા થાય છે, પૂરો મહિનો જવા દો. કશો વાંધો નહીં આવે, સમજ પડીને ! આ સ્વભાવ એટલે આ ગાંઠ એને દેખાડ દેખાડ કરે ને કષાય થયા કરે અને આ કપટ અને લોભ બેનું બહુ વસમું છે.

પાંચ-પચાસ રૂપિયા હાથમાં હોય તો ય વાપરે નહીં, તો ય રિક્ષાના ખર્ચ નહીં. શરીરે ચલાય નહિ તો ય ! ત્યારે મેં એમને કહ્યું કે આવું ના કરો. થોડા રૂપિયા, દસ-દસ રૂપિયા રિક્ષાઓમાં વાપરવા માંડો. ત્યારે એ કહે કે એ તો ખર્ચાતું જ નથી. આપવાનું થયું એટલે ખાવાનું ના ભાવે. હવે ત્યાં હિસાબથી તો મને ય ખબર પડે છે કે, ખોટું છે. પણ શું થાય પણ ? પ્રકૃતિ ના પાડે છે તે એકવાર એમને મેં કહ્યું કે પૈસાનું પરચૂરણ લો ને, રસ્તામાં વેરતા વેરતા આવો ! તે એક દહાડો થોડા વેર્યા ને પછી ના વેર્યા.

આમ બે-ચાર વખત વેરી નાખે ને તો આપણું મન શું કહે કે આ આપણા કાબૂમાં છે નહીં, આપણું માનતા નથી. તો એમ કરીને આપણું મન-બન બધાં ફરી જાય ! આપણે ઊંધું કરવું પડે. એ તો ધૂણવું પડે. ધૂણ્યા વગર ના ચાલે. તે ઘરનાં માણસ કાબૂમાં ન આવતાં હોય તો ધૂણવું પડે. એવી રીતે મનને કાબૂમાં લેવા માટે ધૂણવું પડે.

લોભની ગ્રંથિ એટલે શું ? ક્યાં કેટલા છે, ત્યાં કેટલા છે, એ જ લક્ષમાં રહ્યા કરે, બેન્કમાં આટલા છે, પેલાને ત્યાં આટલા છે, અમુક જગ્યાએ આટલા છે, એ જ લક્ષમાં રહ્યા કરે. 'હું આત્મા છું' એ એને લક્ષમાં રહે નહીં. પેલું લક્ષ તૂટી જવું જોઈએ, લોભનું. 'હું આત્મા છું' એ જ લક્ષ રહેવું જોઈએ.

અને લોભિયો તો સ્વભાવથી જ એવો હોય કે કશામાં રંગાય જ નહીં. કોઈ રંગ ચઢે નહીં એને ! લોભિયો હોય ને તો તમારે એટલું જોઈ લેવું કે કોઈ રંગ ચઢે નહીં ! લાલમાં બોળીએ તો ય પીળો ને પીળો ! લીલામાં બોળીએ તો ય પીળો ને પીળો !

લોભ વગરના બધાય રંગાઈ જાય. પાછો હસે એટલે આપણે જાણીએ કે રંગાઈ ગયા. હું જે વાત કરું ને તે સાંભળે બધી ય. બહુ સારી વાત, બહુ આનંદની વાત, આમ તેમ, પણ મહીં તન્મયાકાર ના થાય. એટલે આ ઘર-બાર ભૂલી જાય ને પેલો ભૂલે નહીં. એનો લોબ-બોભ કશું ભૂલે નહીં. હમણે જઈશ ને પેલા આવશે તો એમની ગાડીમાં જઈશ તો પાંચ બચશે. એ ભૂલે નહીં. આ તો પાંચ બચવા કરવાનું ભૂલી જાય. પછી જવાશે કહેશે. પેલો કંઈ ભૂલે નહીં. એ રંગાયો ના કહેવાય. રંગાયો ક્યારે કે તન્મયાકાર થઈ જાય બધું. ઘર-બાર બધું ભૂલી જાય. તમને ના સમજણ પડી ? આ લોક નથી કહેતા કે દાદાનો રંગ લાગ્યો ? પેલાને દાદાનો રંગ ના લાગે, તું ગમે તેટલા રંગમાં બોળ બોળ કરે તો ય પણ.

મનમાં પૈસા આપવાનો ભાવ થાય કે આપીએ, પણ અપાય નહીં એ લોભની ગાંઠ.

પ્રશ્નકર્તા : સંજોગો એવા હોય કે આપવાનો ભાવ હોય છતાંય અપાય નહિ.

દાદાશ્રી : એ જુદું છે. એ તો આપણને ખબર પડે કે આ સંજોગો એવા છે, પણ એવું હોતું નથી. આપવાનો નિશ્ચય કરીએ તો અપાય એવું છે.

પ્રશ્નકર્તા : હા, પણ હોવા છતાં ના આપે.

દાદાશ્રી : હોય તો ય પણ ના અપાય, અપાય જ નહીં ને ! એ તો બંધ તૂટે નહીં. એ બંધ તૂટે તો તો મોક્ષ થાય ને ! એ સહેલી વસ્તુ નથી.

પ્રશ્નકર્તા : એમ તો બધાની લિમિટમાં અમુક શક્તિ આપવાની તો હોય જ ને ?

દાદાશ્રી : ના, એ લોભને લીધે ના હોય. લોભિયાની પાસે લાખ રૂપિયા હોય તો ય ચાર આના આપવા મુશ્કેલ પડી જાય, તાવ ચઢી જાય. અરે, પુસ્તકમાં વાંચે કે જ્ઞાની પુરુષની તન-મન-ધનથી સેવા કરવી. એ વાંચે તે ઘડીએ એમ તાવ ચઢી જાય કે આવું શું કરવા લખ્યું છે !

લોભ તૂટવાના બે રસ્તા ખરા. એક જ્ઞાની પુરુષ તોડાવી આપે, પોતાના વચનબળથી. એક જબરજસ્ત ખોટ આવે તો છૂટી જાય કે મારે કંઈ કરવું નથી, હવે આટલા જે હોય તેનાથી નભાવી લેવું છે. મારે કેટલાંય લોકોને કહેવું પડે છે કે ખોટ આવે ત્યારે લોભ છૂટે. નહીં તો લોભ છૂટે નહિ. અમારા કહેવાથી ય ના છૂટે. એવી ઘોડાગાંઠ પડી ગયેલી હોય.

લોભિયાને ગાંઠ ખોટથી ગયેલી. અગર તો જ્ઞાની પુરુષની આજ્ઞા જો થાય તો ઉત્તમ. આજ્ઞા પાળવા તૈયાર ના હોય તેને કોણ સુધારે !

સત્સંગમાં રહીએ તો જ ગાંઠો ઓગળે. નહીં તો સત્સંગમાં હોઈએ નહીં ત્યાં સુધી ગાંઠોની ખબર પડે નહીં. સત્સંગમાં રહીએ એટલે પેલું નિર્મળ થતું દેખાય. આપણે છેટા રહ્યા ને ! બધું છેટા રહીને જોઈએ નિરાંતે. એટલે આપણને બધા દોષ દેખાય. પેલું તો ગાંઠોમાં રહીને જોઈએ છીએ. તે દોષ ના દેખાય. તેથી કૃપાળુદેવે કહ્યું, 'દીઠા નહીં નિજ દોષ તો તરીએ કોણ ઉપાય !'

આપણું જીવન કોઈના લાભ માટે જાય, જેમ આ મીણબત્તી બળે છે તે પોતાના પ્રકાશ માટે બળે છે ? સામાના માટે, પરાર્થ માટે કરે છે ને ? સામાના ફાયદા માટે કરે છે ને ? તેવી રીતે આ માણસો સામાના ફાયદા માટે જીવે તો તારો ફાયદો તો એની મેળે મહીં રહેલો જ છે. આમે ય મરવાનું તો છે જ ! એટલે સામાનો ફાયદો કરવા જઈશ તો તારો ફાયદો તો અંદર હોય જ, અને સામાને ત્રાસ આપવા જઈશ તો તારે ત્રાસ છે જ અંદર. તારે જે કરવું હોય તે કર.

આત્મા પ્રાપ્ત કરવા માટે જે કરવામાં આવે છે, તે પ્રોડક્શન છે અને તેને લીધે બાય પ્રોડક્શન મળે છે ને સંસારમાં બધી જરૂરિયાત પ્રાપ્ત થાય છે. હું મારું એક જ જાતનું પ્રોડક્શન રાખું છું, 'જગત આખું, પરમ શાંતિને પામો અને કેટલાંક મોક્ષને પામો.' મારું આ પ્રોડક્શન અને એનું બાય પ્રોડક્શન મને મળ્યા જ કરે છે ! આ ચા-પાણી અમને તમારા કરતાં જુદી જાતનાં આવે છે. એનું શું કારણ ? તે તમારા કરતાં મારું પ્રોડક્શન ઊંચી જાતનું છે. એવું તમારું પ્રોડક્શન ઊંચી જાતનું હોય તો બાય પ્રોડક્શન પણ ઊંચી જાતનું આવે.

આપણે તો ખાલી હેતુ જ બદલવાનો છે, બીજું કશું કરવાનું નથી. પંપના એન્જિનનો એક પટ્ટો આને આપે તો પાણી નીકળે અને આ બાજુ પટ્ટો આપો તો ડાંગરમાંથી ચોખા નીકળે, એટલે ખાલી પટ્ટો આપવામાં જ ફેર છે. હેતુ નક્કી કરવાનો છે અને એ હેતુ પછી આપણને લક્ષમાં રહેવો જોઈએ. બસ, બીજું કશું જ નથી. લક્ષ્મી લક્ષમાં રહેવી ના જોઈએ.

પ્રશ્નકર્તા : લક્ષ્મીનો સદુપયોગ કોને કહેવાય ?

દાદાશ્રી : લોકોના ઉપયોગ માટે કે ભગવાન માટે વાપરોને તે સદુપયોગ કહેવાય.

પ્રશ્નકર્તા : લક્ષ્મી ટકતી નથી તો શું કરવું ?

દાદાશ્રી : લક્ષ્મી તો ટકે એવી જ નથી. પણ એનો રસ્તો બદલી નાખવાનો. પેણે રસ્તે જાય છે તો એનું વહેણ બદલી નાખવાનું ને ધર્મના રસ્તે વાળી નાખવાની. તે જેટલી સુમાર્ગે ગઈ એટલી ખરી. ભગવાન આવે પછી લક્ષ્મીજી ટકે, તે સિવાય લક્ષ્મીજી ટકે શી રીતે ?

પૈસા ખોટે રસ્તે ગયા તો કંટ્રોલ કરી નાખવો ને પૈસા સારા રસ્તે વપરાય તો ડીકંટ્રોલ કરી નાખવાનો.

આ ભાઈ કોઈ એક જણને દાન આપતા હોય, ત્યાં આગળ કોઈ બુધ્ધિશાળી કહેશે કે, 'અરે આને ક્યાં આપો છો ?' ત્યારે આ ભાઈ કહેશે, 'હવે આપવા દો ને, પણ ગરીબ છે.' એમ કરીને એ દાન આપે છે, ને પેલો ગરીબ લઈ લે છે. પણ પેલો બુધ્ધિશાળી બોલ્યો તેનો તેણે અંતરાય પાડ્યો. તે પછી એને દુઃખમાં કોઈ દાતા ના મળી આવે.

ભાગ
 1 -  2  - 3  -  4  -  5  -  6  -  7  - 8