ભાગ
 1 -  2  - 3  -  4  -  5  -  6  -  7  - 8  

[૩] ધંધો, સમ્યક્ સમજણે

હિન્દુસ્તાનમાં મનુષ્ય થયા, એટલે મોક્ષ હેતુ માટે છે આ. હિન્દુસ્તાનમાં મનુષ્યજન્મ મોક્ષ હેતુ માટે છે. એને માટે જ આપણું જીવન છે. હેતુ એ રાખ્યો હોય તો જેટલો મળે એટલો ખરો. પણ હેતુ તો જોઈએ ને ? આ ખાવાપીવાનું તેને લીધે છે. આપને સમજાયું ને ? જીવન શેના માટે જીવવાનું છે ? ખાલી કમાવા માટે જ ? જીવમાત્ર સુખને ખોળે છે. સર્વ દુઃખોથી મુક્તિ શી રીતે થાય એ જાણવા માટે જ જીવન જીવવાનું છે. આમાં મોક્ષનો માર્ગ કાઢી લેવાનો છે. મોક્ષના માર્ગ માટે આ બધું છે.

બે અર્થે લોક જીવે છે. આત્માર્થે જીવે તે તો કો'ક જ માણસ હોય. બીજાં બધાં લક્ષ્મીના અર્થે જીવે છે. આખો દહાડો લક્ષ્મી, લક્ષ્મી ને લક્ષ્મી ! લક્ષ્મીજી પાછળ તો આખું જગતે ય ગાંડું થયેલું છે ને ! તો ય એમાં સુખ જ નથી કોઈ દહાડો ય ! ઘેર બંગલા એમ ને એમ ખાલી હોય ને એ બપોરે કારખાનામાં હોય. પંખા ફર્યા કરે, ભોગવવાનું તો રામ તારી માયા ! એટલે આત્મજ્ઞાન જાણો ! આવું આંધળું ક્યાં સુધી ભટક્યા કરવું ?

કોઈ પૂછે કે મારે ધર્મ શું પાળવો ? ત્યારે કહીએ કે આ ત્રણ વસ્તુ પાળને બા : (૧) એક તો નીતિમત્તા ! એ પૈસામાં જરા ઓછું-વત્તું વખતે થાય એમ માનોને, પણ 'નીતિમત્તા પાળવી' આટલુ તો કર ભઈ.

(૨) પછી બીજું ઓબ્લાઈઝિંગ નેચર તો રાખ ! પૈસા ના હોય તો રસ્તે જતા કહીએ, 'તમારે કંઈ બજારમાં કામકાજ હોય તો મને કહો, હું જાઉં છું બજારમાં' અમે પૂછતા જઈએ, આ ઓબ્લાઈઝિંગ નેચર.

(૩) અને ત્રીજું એનો બદલો ય લેવાની ઈચ્છા નહીં. અને જગત આખું બદલાવાળું. તમે ઈચ્છા કરો તો ય બદલો લે ને ના ઈચ્છા કરો તો ય બદલો લે. એમ એકશન, રીએકશન આવે. ઈચ્છાઓ તમારી ભીખ છે. ને નકામી જાય છે.

પ્રશ્નકર્તા : આત્માની પ્રગતિ માટે શું કરતા રહેવું જોઈએ ?

દાદાશ્રી : એણે પ્રામાણિકતાની નિષ્ઠા ઉપર ચાલવું જોઈએ. એ નિષ્ઠા એવી છે કે બહુ સંકડાશમાં આવી જાય છે ત્યારે આત્મશક્તિનો આવિર્ભાવ થાય. ને સંકડાશ ના હોય ને જબરજસ્ત પૈસા-બૈસા હોય, ત્યાં સુધી આત્મા-બાત્મા પ્રગટ થાય નહીં, પ્રામાણિકપણું એક જ રસ્તો છે. બાકી ભક્તિથી થાય એવું કશું બને નહીં, પ્રામાણિકપણું ના હોય અને ભક્તિ કરીને એનો અર્થ નથી. પ્રામાણિકપણું જોડે જોઈએ જ. પ્રામાણિકપણાથી માણસ ફરી માણસ થઈ શકે છે. માણસ ફરી માણસના અવતારમાં આવે છે અને જે લોકો ભેળસેળ કરે છે, જે લોકો અણહકનું પડાવી લે છે, અણહકનું ભોગવી લે છે, એ બધા અહીંથી બે પગમાંથી ચાર પગમાં જાય છે ને પૂંછડું વધારાનું મળે છે. એમાં કોઈ મીનમેખ ફેરફાર કરનારું નથી. કારણ કે એનો સ્વભાવ આવો બંધાયો, અણહકનું ભોગવી લેવાનો. એટલે ત્યાં જાય તો ભોગવાય ત્યાં આગળ. ત્યાં તો કોઈ કોઈની બૈરી જ નહીં ને ! બધી બૈરીઓ પોતાની જ ને ! અહીં મનુષ્યમાં તો પરણેલા લોકો એટલે કોઈની સ્ત્રી ઉપર દ્રષ્ટિ ના બગાડીશ પણ તે હવે ટેવ પડી ગયેલી હોય, આદત પડી ગયેલી હોય, તે પછી ત્યાં જાય, ત્યારે રાગે પડે એનું. એક અવતાર, બે અવતાર ભોગવી આવે ત્યારે પાંસરો થાય. એને પાંસરો કરે છે આ બધા અવતારો. પાંસરો કરીને પાછો અહીં આવે છે. પાછો,

ફરી પાછો આડો થયો તો ફરી પાંસરો કરે. આ બધું પાંસરા કરતાં કરતાં પાંસરો થઈ ગયો કે પેલા મોક્ષને માટે લાયક થઈ ગયો. આડાઈઓ હોય ત્યાં મોક્ષ થાય નહીં.

નીતિમય પૈસા લાવ્યા તો એનો વાંધો નથી. પણ અનીતિમય પૈસા લાવ્યા એટલે પોતાના જ પગ પર કુહાડો માર્યો અને નનામી કાઢે તે ઘડીએ પૈસા અહીં પડી રહેવાના. એ કુદરતની જપ્તિમાં જાય, અને પોતે ત્યાં આગળ જે ગુંચો પાડેલી તેનું પાછું ભોગવવું પડે.

ભગવાનને ના ભજે ને નીતિ રાખે તો ય બહુ થઈ ગયું. ભગવાનને ભજતો હોય ને નીતિ ના રાખતો હોય તો એનો અર્થ નથી. એ મીનિંગલેસ છે. છતાં આપણે પાછું એવું ના કહેવું. નહીં તો એ પાછો ભગવાનને છોડી દેશે અને અનીતિ વધારે કર્યા કરશે. એટલે નીતિ જેવું રાખવું. એનું ફળ સારું આવે.

જગતમાં સુખ એક જગ્યાએ છે. જ્યાં સંપૂર્ણ નીતિ હોય, દરેક વ્યવહારમાં સંપૂર્ણ નીતિ હોય ત્યાં આગળ સુખ છે, અને બીજું જે સમાજસેવક હોય, અને તે પોતાને માટે નહીં, પણ પારકાને માટે જીવન જીવતો હોય તો એને બહુ જ સુખ હોય, પણ એ સુખ ભૌતિક સુખ છે, એ મૂર્છાનું સુખ કહેવાય.

આ વાક્યો તમારી દુકાને લગાડશો :

(૧) પ્રાપ્તને ભોગવો - અપ્રાપ્તની ચિંતા ના કરશો.

(૨) ભોગવે તેની ભૂલ.

(૩) ડિસ ઓનેસ્ટી ઈઝ ધ બેસ્ટ ફૂલિશનેસ !

કશું દુનિયામાં છે નહીં એવું નથી. બધી જ ચીજ દુનિયામાં છે. પણ 'સકલ પદાર્થ હૈ જગમાંહિ, ભાગ્યહીન નર પાવત નહીં' એવું કહે છે ને ? એટલે જેટલી કલ્પના આવે એટલી બધી જ ચીજ જગતમાં હોય, પણ તમારા અંતરાય ના હોવા જોઈએ, તો ભેગી થાય.

સત્યનિષ્ઠા જોઈએ. ઈશ્વર કંઈ મદદ કરવા નવરો નથી. કોઈને ય કશી મદદ કરવા એ નવરો નથી. તમારી સાચી દાનત હશે તો તમારું ફળશે.

લોક કહે છે, 'સાચાને ઈશ્વર મદદ કરે છે !' પણ ના, એવું નથી. ઈશ્વર સાચાને મદદ કરતો હોય તો ખોટાવાળાએ શું ગુનો કર્યો છે ? તો ઈશ્વર પક્ષપાતી છે ? ઈશ્વરે તો બધે નિષ્પક્ષપાતી રહેવું જોઈએને ? ઈશ્વર એવી કોઈને મદદ કરતો નથી. ઈશ્વર આમાં હાથ ઘાલતો જ નથી. ઈશ્વરનું નામ યાદ કરતાંની સાથે જ આનંદ થાય. તેનું કારણ શું છે કે એ મૂળ વસ્તુ છે. અને તે પોતાનું સ્વરૂપ જ છે. એટલે યાદ કરતાંની સાથે આનંદ થાય. આનંદનો લાભ મળે. બાકી ઈશ્વર કશું કરી આપે નહીં. આપવાનું એ શીખ્યા જ નથી. અને એમની પાસે કશું છે પણ નહીં તો શું આપે ?

પ્રશ્નકર્તા : દાદા વ્યવહાર કેવી રીતે કરવો ?

દાદાશ્રી : વિષમતા ઊભી ના થવી જોઈએ. સમભાવે નિકાલ કરવો. આપણે જ્યાંથી કામ કઢાવવું હોય તે મેનેજર હોય તે કહે, 'દસ હજાર રૂપિયા આપો તો તમારો પાંચ લાખનો ચેક કાઢીશ.' હવે આપણા ચોખ્ખા વેપારમાં તો કેટલોક નફો હોય ? પાંચ લાખ રૂપિયામાં બે લાખ આપણા ઘરના હોય ને ત્રણ લાખ લોકોના હોય તો એ લોકો ધક્કા ખાય તે ય સારું કહેવાય ? એટલે આપણે પેલા મેેનેજરને કહીએ, 'ભઈ, મને નફો રહ્યો નથી,' એમ તેમ સમજાવીને, પાંચમાં નિકાલ નહીં તો છેવટે દસ હજાર રૂપિયા આપી દઈને ય આપણો ચેક લઈ લેવો. હવે ત્યાં મારાથી આવી લાંચ કેમ અપાય ?' એમ કરો, ત્યારે કોણ આ બધા લોકોને જવાબ આપશે ? પેલો માગનારો ગાળો દેશે, આવડી આવડી ! જરા સમજી લો, વખત આવ્યો તે પ્રમાણે સમજી લો.

લાંચ આપવામાં ગુનો નથી. આ જે ટાઈમે જે વ્યવહાર આવ્યો તે વ્યવહાર તને એડજસ્ટ કરતાં ના આવડ્યો એનો ગુનો છે. હવે અહીં કેટલા પૂંછડું પકડી રાખે ?! એવું છે ને, આપણાથી એડજસ્ટ થાય, જ્યાં સુધી લોકો આપણને ગાળો ના દે, અને આપણી પાસે બેંકમાં હોય, ત્યાં સુધી પકડી રાખવું, પણ એ બેંકની ઉપર જતું હોય ને પેલાં ગાળો દેતાં હોય તો શું કરવું ? તમને કેમ લાગે છે !

પ્રશ્નકર્તા : હા, બરોબર છે.

દાદાશ્રી : હું તો અમારા વેપારમાં કહી દેતો કે, 'ભાઈ આપી આવ રૂપિયા. આપણે ભલે ચોરી નથી કરતા કે ગમે તે નથી કરતા, પણ રૂપિયા આપી આવ.' નહીં તો લોકોને ધક્કા ખવડાવવા એ આપણા સારા માણસનું કામ નહીં. એટલે લાંચ આપી દેવી. એને હું ગુનો નથી કહેતો. ગુનો તો પેલાએ માલ આપ્યો છે ને એને આપણે ટાઈમસર પૈસા નથી આપતા એને ગુનો કહું છું.

બહારવટિયો રસ્તામાં પૈસા માગે તો આપી દો કે નહીં ? કે પછી સત્યને ખાતર નહીં આપવાના ?

પ્રશ્નકર્તા : આપી દેવા પડે.

દાદાશ્રી : કેમ ત્યાં આપી દો છો ?! અને કેમ અહીં નથી આપતા ?! આ બહારવટિયા સેકન્ડ પ્રકારના છે. તમને નથી લાગતું કે આ સેકન્ડ પ્રકારના બહારવટિયા છે ?

ત્યારે આ બીજા, સેકન્ડ પ્રકારના બહારવટિયા ! આ સુધરેલા બહારવટિયા પેલા સુધર્યા વગરના બહારવટિયા ! આ સિવિલાઈઝડ બહારવટિયા, પેલા અનસિવિલાઈઝ્ડ બહારવટિયા !!

પ્રશ્નકર્તા : આપશ્રી ભગવાન પ્રાપ્તિના માર્ગે વળી ગયા, સાથે આપ મોટા ધંધાથી પણ સંકળાયા છો. તો એ બન્ને શી રીતે સંભવે ? તે સમજાવો.

દાદાશ્રી : સારો પ્રશ્ન છે કે હસવું ને લોટ ફાકવો, એ બે શી રીતે બને ? કહે છે. હા, આમ છે તે ધંધો કરો છો, અને આમ છે તે ભગવાનના માર્ગે છો. આ બે શી રીતે બન્યું ? પણ બની શકે એમ છે. બહારનું જુદું ચાલે એવું છે. અંદરનું જુદું ચાલે એવું છે. બે જુદા જ છે.

આ ચંદુભાઈ છે ને, તે ચંદુભાઈ જુદા છે અને આત્મા જુદો છે, અંદર બે છૂટા પડી શકે એમ છે. બેના ગુણધર્મો ય જુદા છે. જેમ અહીં આગળ સોનું ને તાંબું બે ભેગાં થયાં હોય. તો ફરી છૂટા પાડવા હોય તો પડે કે ના પડે ?

પ્રશ્નકર્તા : પડે.

દાદાશ્રી : એવી રીતે આને છૂટા જ્ઞાની પુરુષ પાડી શકે. જ્ઞાની પુરુષ ચાહે સો કરી શકે, અને તમારે છૂટા પાડવા આવવું હોય તો આવજો અહીં અને લાભ જોઈતો હોય તો આવજો.

અને ધંધો ચાલ્યા કરે. પણ ધંધામાં એક ક્ષણવાર છે તે અમારો ઉપયોગ ના હોય. ખાલી નામ હોય એ બાજુ. પણ અમારો ઉપયોગ એક ક્ષણવારે ય ના હોય. મહિનામાં એકાદ દિવસ બે કલાક મારે વખતે જવું પડે. ને જઈએ, પણ તે અમારો ઉપયોગ ના હોય. ઉપયોગ ના હોય એટલે શું તે તમે સમજ્યા ? આ લોકો દાન લેવા જઈએ છીએ ને, તે કોઈ પાસે દાન લેવા ગયા હોય, આપણે કહીએ ને કે આ સ્કૂલને માટે દાન આપો, તો પેલો એનું મન જુદું રાખે આપણાથી. રાખે કે ના રાખે ?

પ્રશ્નકર્તા : રાખે.

દાદાશ્રી : એવી રીતે આમાં બધું જુદું રહે. એમાં જુદા રાખવાના રસ્તા હોય છે બધા. આત્મા યે જુદો છે ને આ યે જુદો છે.

ધંધામાં મેં ચિત્ત રાખ્યું નથી. ધંધામાં આખી જિંદગી ય ચિત્ત રાખ્યું નથી. ધંધો કર્યો છે ખરો. મહેનત કરી હશે. કામ કર્યું હશે. પણ ચિત્ત નથી રાખ્યું.

પ્રશ્નકર્તા : ધંધાની ચિંતા થાય છે, બહુ અડચણો આવે છે.

દાદાશ્રી : ચિંતા થવા માંડે કે સમજો કે કાર્ય બગડવાનું વધારે. ચિંતા ના થાય તો સમજવું કે કાર્ય બગડવાનું નથી. ચિંતા કાર્યની અવરોધક છે. ચિંતાથી તો ધંધાને મોત આવે. જે ચઢ-ઉતર થાય એનું નામ જ ધંધો, પૂરણ-ગલન છે એ. પૂરણ થયું એનું ગલન થયા વગર રહે જ નહીં. આ પૂરણ-ગલનમાં આપણી કશી મિલકત નથી, અને જે આપણી મિલકત છે, તેમાંથી કશું જ પૂરણ-ગલન થતું નથી ! એવો ચોખ્ખો વ્યવહાર છે ! આ તમારા ઘરમાં તમારાં વહુ-છોકરા બધાં જ પાર્ટનર્સ છે ને ?

પ્રશ્નકર્તા : સુખ-દુઃખના ભોગવટામાં ખરાં.

દાદાશ્રી : તમે તમારી બૈરી-છોકરાંના વાલી કહેવાઓ. એકલા વાલીએ શા માટે ચિંતા કરવી ? અને ઘરનાં તો ઊલટું કહે છે કે તમે અમારી ચિંતા ના કરશો.

પ્રશ્નકર્તા : ચિંતાનું સ્વરૂપ શું છે ? જન્મ્યા ત્યારે તો હતી નહીં ને આવી ક્યાંથી ?

દાદાશ્રી : જેમ બુધ્ધિ વધે તેમ બળાપો વધે. જન્મ્યા ત્યારે બુધ્ધિ હોય છે ? ધંધા માટે વિચારની જરૂર છે. પણ તેની આગળ ગયા તો બગડી જાય. ધંધા અંગે દસ-પંદર મિનિટ વિચારવાનું હોય. પછી એથી આગળ જાઓ ને વિચારોના વળ ચઢવા માંડે તો નોર્માલિટીની બહાર ગયું કહેવાય, ત્યારે તેને છોડી દેજો. ધંધાના વિચાર તો આવે, પણ એ વિચારમાં તન્મયાકાર થઈને એ વિચાર લંબાય તો પછી એનું ધ્યાન ઉત્પન્ન થાય ને તેથી ચિંતા થાય. એ બહુ નુકસાન કરે.

પ્રશ્નકર્તા : મનમાં નક્કી કરે કે આર્તધ્યાન, રૌદ્રધ્યાન નથી કરવું, પણ દુકાન ખોટમાં જ જાય છે એટલે તો કરવું પડે ને, શું કરે ?

દાદાશ્રી : અલ્યા, દુકાન ખોટમાં જાય છે, તું કંઈ ખોટમાં જઉં છું તે ? એ ખોટમાં તો દુકાન જાય છે. દુકાનનો સ્વભાવ જ એવો છે કે ખોટમાં ય લઈ જાય અને પછી નફામાં ય લાવે. એટલે એ ખોટ ને નફો દેેખાડયા કરે !

અમે ધંધો કરતાં પહેલાં શું કરીએ ? સ્ટીમર ચાલવા મૂકી હોય, ત્યાં પૂજાઓ બધી ભણાવી દઈએ, મહારાજની પાસે, સત્યનારાયણની કથા, બીજી પૂજાઓ બધું કરીએ. વખતે સ્ટીમરની યે પૂજા કરીએ, પછી અમે સ્ટીમરના કાનમાં ફૂંક મારીએ કે, 'તારે ડૂબવું હોય ત્યારે ડૂબજે, અમારી ઈચ્છા નથી ! અમારી ઈચ્છા નથી !! અમારી ઈચ્છા નથી !!!' એવું ના કહીએ એટલે પછી નિઃસ્પૃહ થઈ ગયા કહેવાય, તો પછી એ તો ડૂબી જાય. અમારી ઇચ્છા નથી કહ્યું એટલે એની પાછળ બળ કામ કરે છે. અને જો ડૂબી તો આપણે જાણીએ જ ને કે કહ્યું જ હતું ને કાનમાં ! આપણે ક્યાં ન્હોતું કહ્યું ? એટલે એડજસ્ટમેન્ટ ગોઠવીએ તો પાર આવે એવો છે આ જગતમાં.

મનનો સ્વભાવ એવો કે એનું ધાર્યું ના થાય, એટલે નિરાશ થઈ જાય. એટલે માટે આ બધા રસ્તા કરવાના. પછી છ મહિને ડૂબે કે બે વર્ષે ડૂબે ત્યારે અમે 'એડજસ્ટમેન્ટ' લઈ લઈએ છીએ કે છ મહિના તો ચાલ્યું. વેપાર એટલે આ પાર કે પેલે પાર. આશાના મહેલ નિરાશા લાવ્યા વગર રહે નહીં. સંસારમાં વીતરાગ રહેવું બહુ મુશ્કેલ છે. એ તો જ્ઞાનકળા ને બુધ્ધિકળા અમારી જબરજસ્ત હોય તેથી રહેવાય.

પહેલાં અમારે એક ફેરો, અમારી કંપનીમાં ખોટ આવેલી. જ્ઞાન થયા પહેલાં, ત્યારે અમને આખી રાત ઊંઘ ના આવે. ચિંતા થયા કરે. ત્યારે મહીંથી જવાબ મળ્યો કે આ ખોટમાં કોણ કોણ ચિંતા અત્યારે કરતું હશે ? મને એમ લાગ્યું કે મારા ભાગીદાર તો વખતે ચિંતા ના યે કરતા હોય. હું ફક્ત એકલો જ કરતો હોઉં. અને બધાં બૈરાંછોકરાં ભાગીદાર છે, તો તે કોઈ જાણતા જ નથી. હવે એ બધા નથી જાણતા તો ય એમનું ચાલે છે, તો હું એકલો જ અક્કલ વગરનો તે ચિંતા કરું આ બધું ય ! એટલે પછી મારી અક્કલ આવી ગઈ.

એક પક્ષમાં જ પડ્યા છો ? જે ખૂણામાં લોક પડ્યા છે, તે ખૂણામાં તમે પડ્યા છો ? તમારે લોકની વિરુધ્ધ ચાલવું. લોક તો માંગે નફો, તો આપણે કહીએ 'ખોટ હોજો' અને ખોટ ખોળનારને કોઈ દહાડો ચિંતા ના આવે. નફો ખોળનાર કાયમ ચિંતામાં જ હોય અને ખોટ ખોળનારને કોઈ દહાડો ચિંતા જ ના આવે, તેની અમે ગેરન્ટી આપીએ છીએ. વાત અમારી સમજાય ?!

ધંધો રાખ્યો ત્યારથી આપણા લોક શું કહે ? આ કામમાં ચોવીસેક હજાર તો મળે એવા છે !! હવે જ્યારે ફોરકાસ્ટ કરે છે (આગાહી કરે છે) ત્યારે સંજોગ બદલાશે તેને બાદ કરતો નથી. એમ ને એમ ફોરકાસ્ટ (આગાહી) કરે છે.

તે અમે ય આખી જિંદગી કંટ્રાક્ટ કરેલો છે, અને બધી જાતના કંટ્રાક્ટ કરેલા છે. અને તેમાં દરિયાની જેટીઓ પણ બાંધેલી છે. હવે ત્યાં આગળ, ધંધામાં શરુઆતમાં શું કરતો હતો ? જ્યાં પાંચ લાખ નફો મળે એવું હોય ત્યાં પહેલેથી નક્કી કરું કે લાખેક રૂપિયા મળે તો બસ છે. નહીં તો છેવટે સરભર થઈ રહે ને ઈન્કમટેક્ષનું નીકળશે, ને આપણો ખોરાક ખર્ચ નીકળશે તો બહુ થઈ ગયું. પછી મળ્યા હોય ત્રણ લાખ. તે પછી જો મનમાં આનંદ રહે, કારણ કે ધાર્યા કરતાં બહુ મળ્યા. આ તો ચાલીસ હજાર માનેલા ને વીસ હજાર મળે તો દુઃખી થઈ જાય !!

ધંધાના બે છોકરા, એકનું નામ ખોટ અને એકનું નામ નફો. ખોટવાળો છોકરો કોઈને ય ગમે નહીં, પણ બે હોય જ. એ તો એ જન્મેલાં જ હોય. ધંધામાં ખોટ જતી હોય તો તે રાતે જાય કે દહાડે જાય ?

આપણે મહેનત કરીએ, ચોગરદમનું જો જો કરીએ છતાં ય કશું મળે નહીં, તો આપણે સમજી જવું કે આપણા સંજોગ પાંસરા નથી. હવે ત્યાં વધારે જોર કરીએ તો ઉલટી ખોટ જાય, એના કરતાં આપણે આત્માનું કંઈ કરી લેવું. ગયા અવતારે આ ના કર્યું તેની તો આ ભાંજગડ થઈ. આપણું જ્ઞાન આપેલું હોય તેની તો વાત જ જુદી છે, પણ આપણું જ્ઞાન ના મળેલું હોય, તો ય તે તો ભગવાનને ભરોસે મૂકી દે છે ને ! એને શું કરવું પડે ? 'ભગવાન જે કરે એ ખરું' કહે છે ને ? અને બુધ્ધિથી માપવા જાય તો કોઈ દહાડો ય તાળો જડે એવો નથી ?

જ્યારે સંયોગ સારા ના હોય ત્યારે લોક કમાવા નીકળે છે. ત્યારે તો ભક્તિ કરવી જોઈએ. સંજોગ સારા ના હોય ત્યારે શું કરવું જોઈએ ? આત્માનું, પોતાનું આત્માનું, સત્સંગ, બધું આખો દહાડો એ જ કર્યા કરીએ. શાક ના હોય તો ના લાવીએ, ખીચડી જેટલું તો થાય ને ! આ તો યોગ હોય તો કમાય, નહીં તો નફાબજારમાં ખોટ ખાય ને યોગ હોય તો ખોટ બજારમાં નફો કરે, યોગની વાત છે બધી.

નફો-ખોટ કશું ય કાબૂની વાત નથી, માટે નેચરલ એડજસ્ટમેન્ટના આધારે ચાલો. દસ લાખ કમાયા પછી એકદમ પાંચ લાખની ખોટ આવે તો ? આ તો લાખની ખોટ જ ના ખમી શકે ને ! અને આખો દહાડો રડારોળ, ચિંતા, વરીઝ કરી મૂકે ! અરે, ગાંડો ય થઈ જાય ! એવા ગાંડા થઈ ગયેલા અત્યાર સુધી મેં કેટલાય જોયેલા છે !

પ્રશ્નકર્તા : દુકાનમાં ઘરાક આવે એટલા માટે હું દુકાન વહેલી ખોલું ને મોડી બંધ કરું છું, તે બરોબર છે ને ?

દાદાશ્રી : તમે ઘરાકને આકર્ષવાવાળા કોણ ? તમારે તો દુકાન લોકો જ્યારે ખોલતા હોય તે ટાઈમે ખોલવી. લોકો સાત વાગે ખોલતા હોય ને આપણે સાડાનવ વાગે ખોલીએ તો ખોટું કહેવાય. લોક જ્યારે બંધ કરે ત્યારે આપણે ય બંધ કરી ઘેર જવું. વ્યવહાર શું કહે છે કે લોકો શું કરે છે તે જુઓ. લોક સૂઈ જાય ત્યારે તમે ય સૂઈ જાઓ. રાત્રે બે વાગ્યા સુધી મહીં ઘમસાણ મચાવ્યા કરો એ કોના જેવી વાત ! જમ્યા પછી વિચાર કરો છો કે કેવી રીતે પચશે ? એનું ફળ સવારે મળી જ જાય છે ને ? એવું ધંધામાં બધું છે.

એવું છે ને, ખાતી-પીતી વખતે ચિત્ત કારખાને ના જતું હોય તો કારખાનું બરોબર છે, પણ ખાતી-પીતી વખતે ચિત્ત કારખાને જતું રહેતું હોય તો એ કારખાનાને શું કરવાનું ? આપણને હાર્ટફેઈલનો ધંધો કરાવડાવે એ કારખાનું, એ આપણું કામ નહીં. એટલે નોર્માલિટી સમજાવી જોઈએ. હવે ત્રણ શિફ્ટ ચલાવડાવે, તેમાં આ નવો પૈણેલો છે, તેને વહુને મળવાનો વખત ના મળે તો શું થાય ? એ ત્રણ શિફ્ટ બરોબર છે ? નવી વહુ પૈણીને આવ્યો હોય એટલે વહુના મનનું તો સમાધાન રાખવું જોઈએ ને ? ઘેર જાય એટલે વહુ કહે કે, 'તમે તો મને મળતાં ય નથી. વાતચીતે ય કરતાં નથી !' તો આ વાજબી ના કહેવાય ને ? જગતમાં વાજબી દેખાય એવું હોવું જોઈએ.

ઘરમાં ફાધર જોડે કે બીજા જોડે ધંધાની બાબતમાં મતભેદ ના પડે એટલા હારુ તમારે ય કહેવું, હા એ હા, એ 'ચલતી હૈ તો ચલને દે.' પણ આપણે બધાંએ ભેગા થઈને નક્કી કરવું જોઈએ કે પંદર લાખ ભેગા કર્યા પછી આપણે વધારે જોઈતું નથી, ઘરના બધા મેમ્બરોની પાર્લમેન્ટ ભરીને નક્કી કરવું જોઈએ.

પ્રશ્નકર્તા : એમાં કોઈ 'એગ્રી' ના થાય, દાદા.

દાદાશ્રી : તો પછી એ કામનું નહીં - બધાંએ નક્કી કરવું જોઈએ.

આપણે ચાર શિફ્ટ ચલાવીએ, જો બસ્સો વર્ષનું આયુષ્યનું એકસ્ટેન્શન લાવશે એ ?

પ્રશ્નકર્તા : હવે ધંધો કેટલો વધારવો જોઈએ ?

દાદાશ્રી : ધંધો એટલો કરવો કે નિરાંતે ઊંઘ આવે, જ્યારે આપણે ખસેડવા ધારીએ ત્યારે એ ખસેડી શકાય એવું હોવું જોઈએ. જે આવતી ના હોય તે ઉપાધિને બોલાવવાની નહીં.

આ ઘરાક અને વેપારી વચ્ચે સંબંધ તો હોય ને ? અને એ સંબંધ વેપારી દુકાન બંધ કરે તો છૂટો થઈ જાય ? ના થાય. ઘરાક તો યાદ કરે કે 'આ વેપારીએ મને આમ કરેલું, આવો ખરાબ માલ આપેલો' લોક તો વેર યાદ રાખે, તે પછી આ ભવમાં દુકાન તમે બંધ કરી હોય પણ એ આવતે ભવે તમને છોડે ? ના છોડે, એ તો વેર વાળીને જ જંપે. એથી જ ભગવાને કહેલું કે 'કોઈપણ રસ્તે વેર છોડો.' અમારા એક ઓળખાણવાળા રૂપિયા ઉધાર લઈ ગયેલા, પછી પાછા આપવા જ ના આવ્યા. તે અમે સમજી ગયા કે આ વેરથી બંધાયેલું હશે, તે ભલે લઈ ગયો અને ઉપરથી અમે તેને કહ્યું કે, 'તું હવે અમને રૂપિયા પાછા ના આપીશ. તને છૂટ છે.' આ પૈસા જતા કરીનેય વેર ભંગાતું હોય તો ભાંગો. જે તે રસ્તે પણ વેર છોડો, નહીં તો એક માણસ જોડેનું વેર ભટકાવશે.

લાખ લાખ રૂપિયા જાય તો ય અમે જવા દઈએ. કારણ કે રૂપિયા જવાના છે ને અમે રહેવાના છીએ. ગમે તે હોય પણ અમે કષાય ના થવા દઈએ. લાખ રૂપિયા ગયા તો એમાં શું કહેવાનું ? આપણે છીએ અને આ તો ધૂળધાણી !

આ બધી જ બાબત જુદી પાડીએ. ધંધામાં ખોટ જાય તો કહીએ કે ધંધાને ખોટ ગઈ, કારણ કે આપણે નફા-ખોટના માલિક નથી, માટે ખોટ આપણે શા માટે માથે લઈએ ? આપણને નફો-ખોટ સ્પર્શતા નથી. અને જો ખોટ ગઈ ને ઈન્કમટેક્ષવાળો આવે, તો ધંધાને કહીએ કે 'હે ધંધા ! તારી પાસે ચૂકવાય એવું હોય તો આમને ચૂકવી દે, તારે ચૂકવવાના છે.'

અમને કોઈ પૂછે કે 'આ સાલ ખોટમાં ગયા છો ?' તો અમે કહીએ કે, 'ના ભાઈ, અમે ખોટમાં ગયા નથી, ધંધાને ખોટ ગઈ છે !' અને નફો થાય ત્યારે કહીએ કે, 'ધંધાને નફો થયો છે.' અમારે નફો-તોટો હોય જ નહીં.

કો'ક શેઠિયા મને દબાણ કરે કે, 'ના તમારે તો પ્લેનમાં કલકત્તા આવવું જ પડશે.' હું 'ના, ના' કહું તો ય દબાણ કર્યા કરે. એટલે કશું છોડે જ નહીં ને ! માટે એનો હિસાબ જ ના કરવો, વધઘટનો હિસાબ જ ના કાઢવો, જ્યારે જે દહાડે ખોટ લાગે ને, તે દહાડે આપણે પાંચ રૂપિયા 'અનામત' નામે જમે કરી દેવા. એટલે આપણી પાસે સિલક, અનામત સિલક રહે, કારણ કે આ ચોપડા કંઈ કાયમના છે ? બે-ચાર કે આઠ વર્ષે પછી ફાડી નથી નાખતા ? જો સાચો હોય તો ફાડે કોઈ ? આ તો બધું મનને મનાવવાનાં સાધનો છે. તો આપણે જે દહાડે દોઢસોની ખોટ ગઈ હોય ને. તે આપણે પાંચસો રૂપિયા અનામત ખાતે જમે કર્યા એટલે સાડી ત્રણસોની સિલક આપણી પાસે રહે. એટલે દોઢસોની ખોટને બદલે સાડી ત્રણસોની સિલક આપણને દેખાય. એવું છે. આ જગત બધું ગપ્પેગપ્પ ચુમ્માળસો છે, બારેબારા ચુમ્માળસો નથી આ. બારેબારા ચુમ્માળસો હોત તો એ એક્ઝેક્ટ સિધ્ધાંત કહેવાત. સંસાર એટલે ગપ્પેગપ્પ ચુમ્માળસો અને મોક્ષ એટલે બારેબારા ચુમ્માળસો.

સમભાવ કોને કહે છે ? સમભાવ નફાને અને ખોટને સરખું ના કહે. સમભાવ એટલે નફાને બદલે ખોટ આવે તો ય વાંધો નહીં, નફો આવે તો ય વાંધો નહીં. નફાથી ઉત્તેજના ના થાય, અને પેલાથી (ખોટથી) ડીપ્રેશન ના આવે. એટલે કશું થાય નહીં. દ્વંદ્વાતીત થયેલાં હોય.

બાકી, ધંધામાં ખોટ આવી હોય તો લોકોને કહું અને નફો આવ્યો હોય તો ય કહી દઉં ! પણ લોક પૂછે તો જ, નહીં તો મારા ધંધાની વાત જ ના કરું. લોક પૂછે કે, 'તમને હમણાં ખોટ આવી છે, એ વાત ખરી'? ત્યારે હું કહી દઉં કે 'એ વાત ખરી છે' કોઈ દહાડો ય અમારે ભાગીદારે એમ નથી કહ્યું કે તમે કેમ કહી દો છો ? કારણ કે આવું કહેલું તો સારું કે લોક ધીરવા આવતા હોય તો બંધ થઈ જશે ને દેવું વધતું-ઓછું થશે, નહીં તો લોકો શું કહેશે ? 'અલ્યા, ના કહેવાય, નહીં તો લોક ધીરશે નહીં.' પણ આ તો આપણે દેવું વધી જાયને, ચોખ્ખે ચોખ્ખું કહી દો ને, જે થયું હોય કે ભઈ ખોટ ગઈ છે.

ખોટ ગઈ હોય તો ય સામાને વાત ખુલ્લી કરી દેવી. એટલે સામો ભાવના કરે. એટલે પરમાણુ ઊડી જાય ને પોતે હલકો થઈ જાય.

ભાગ
 1 -  2  - 3  -  4  -  5  -  6  -  7  - 8