ભાગ
 1 -  2  - 3  -  4  -  5  -  6  -  7  - 8  

[૭] દાનનાં વહેણ

હવે તો આપણે પશ્ચાત્તાપથી બધું ભૂંસી શકાય અને મનમાં નક્કી કરીએ કે આવું ના બોલવું જોઈએ. અને બોલ્યો તેની ક્ષમા માગું છું, તો ભૂંસાઈ જાય. કારણ કે તે કાગળ પોસ્ટમાં પડ્યો નથી તે પહેલાં આપણે ફેરફાર કરી નાખીએ કે પહેલાં અમે મનમાં વિચાર કર્યો હતો કે, 'દાન આપવું ના જોઈએ' તે ખોટું છે. પણ હવે અમે વિચાર કરીએ છીએ કે આ દાન આપવામાં સારું છે એટલે એનું આગળનું ભૂંસાઈ જાય.

ખરે ટાઈમે તો એક ધર્મ જ તમને મદદ કરીને ઊભો રહે. માટે ધર્મના વહેણમાં લક્ષ્મીજી જવા દેજો.

પૈસાનો સ્વભાવ કેવો છે ? ચંચળ છે, એટલે આવે અને એક દહાડો પાછા જતાં રહે. માટે પૈસા લોકોના હિતને માટે વાપરવા. જ્યારે તમારો ખરાબ ઉદય આવ્યો હોય ત્યારે લોકોને આપેલું તે જ તમને હેલ્પ કરે, એટલે પહેલેથી જ સમજવું જોઈએ. પૈસાનો સદ્વ્યય તો કરવો જ જોઈએ ને ?

ચાર પ્રકારનાં દાન છે.

એક આહારદાન, બીજું ઔષધદાન, ત્રીજું જ્ઞાનદાન અને ચોથું અભયદાન.

જ્ઞાનદાનમાં પુસ્તકો છપાવવાં, સાચા રસ્તે વાળે અને લોકોનું કલ્યાણ થાય એવાં પુસ્તકો છપાવવાં એવું તેવું એ જ્ઞાનદાન. જ્ઞાનદાન આપે તો સારી ગતિઓમાં, ઊંચી ગતિઓમાં જાય, અગર તો મોક્ષે પણ જાય.

એટલે મુખ્ય વસ્તુ જ્ઞાનદાન ભગવાને કહેલું છે, અને જ્યાં પૈસાની જરૂર નથી ત્યાં અભયદાનની વાત કહી છે. જ્યાં પૈસાની લે-દે છે, ત્યાં આગળ આ જ્ઞાનદાન કહ્યું છે અને સાધારણ સ્થિતિ, નરમ સ્થિતિનાં માણસોને ઔષધદાન ને આહારદાન બે કહ્યું છે.

અને ચોથું અભયદાન. અભયદાન તો કોઈ જીવમાત્રને ત્રાસ ના થાય એવું વર્તન રાખવું, એ અભયદાન.

પ્રશ્નકર્તા : ધર્મમાં બે નંબરનો પૈસો છે તે વપરાય છે, હમણાંના જમાનામાં, તો એનાથી લોકોને પુણ્ય ઉપાર્જન થાય ખરું ?

દાદાશ્રી : ચોક્કસ થાય ને ! એણે ત્યાગ કર્યો ને એટલો ! પોતાની પાસે આવેલાનો ત્યાગ કર્યો ને ! પણ એમાં હેતુ પ્રમાણે પછી એ પુણ્ય એવું થઈ જાય, હેતુવાળું ! આ પૈસા આપ્યા તે એક જ વસ્તુ જોવાતી નથી. પૈસાનો ત્યાગ કર્યો એ નિર્વિવાદ. બાકી પૈસા ક્યાંથી આવ્યા, હેતુ શો, આ બધું પ્લસ-માઈનસ થતાં જે બાકી રહેશે એ એનું. એનો હેતુ શો કે સરકાર લઈ જશે એના કરતાં આમાં નાખી દો ને !

પ્રશ્નકર્તા : લોકો લક્ષ્મીને સંઘરી રાખે છે તે હિંસા કહેવાય કે નહીં ?

દાદાશ્રી : હિંસા જ કહેવાય. સંઘરવું એ હિંસા છે. બીજા લોકોને કામ લાગે નહીં ને !

પ્રશ્નકર્તા : કંઈ મેળવવાની અપેક્ષાએ જે દાન કરે છે, તે પણ શાસ્ત્રમાં મનાઈ નથી. એને વખોડતા નથી.

દાદાશ્રી : એ અપેક્ષા ના રાખે તો ઉત્તમ છે. અપેક્ષા રાખે છે એ તો દાન નિર્મૂળ થઈ ગયું. સત્ત્વહીન થઈ ગયું કહેવાય. હું તો કહું છું કે પાંચ જ રૂપિયા આપો પણ અપેક્ષા વગર આપો.

કોઈ ધર્માદામાં લાખ રૂપિયા આપે અને તકતી મુકાવડાવે અને કોઈ માણસ એક રૂપિયો જ ધર્માદામાં આપે, પણ ખાનગી આપે, તો આ ખાનગી આપે એની બહુ કિંમત છે, પણ ભલે ને એક જ રૂપિયો આપ્યો હોય. અને આ તકતી મૂકાવી એ તો 'બેલેન્સ શીટ' પૂરી થઈ ગઈ. કારણ કે જે ધર્માદો આપ્યો, એનું એણે તકતી મૂકાવી લઈ લીધું. અને જેણે એક જ રૂપિયો પ્રાઈવેટમાં આપ્યો હશે એનું લેવાઈ ગયું નથી, એટલે એને બેલેન્સ બાકી રહ્યું.

પ્રશ્નકર્તા : પુણ્યના ઉદયે જોઈએ તેના કરતાં વધારે લક્ષ્મીની પ્રાપ્તિ થાય તો ?

દાદાશ્રી : તો વાપરી નાખવી. છોકરાં હારુ બહુ રાખવી નહિ. એમને ભણાવવા-ગણાવવા, બધું કમ્પલિટ કરી, એમને સર્વિસે લગાવી દીધાં એટલે પછી એ ડાળે (કામે) લાગ્યાં, એટલે બહુ રાખવી નહિ. થોડુંક બેન્કમાં કોઈ જગ્યાએ મૂકી રાખવું દસ-વીસ હજાર, તે કો'ક ફેરો મુશ્કેલીમાં આવ્યો હોય તો એને આપી દેવા. એને કહેવું નહિ કે ભઈ, મેં મૂકી રાખ્યા છે. હા, નહીં તો મુશ્કેલીમાં ના આવતા હોય તોય આવે.

એક માણસે મને પ્રશ્ન કર્યો કે, 'છોકરાંને કશું ના આપવું ?' મેં કહ્યું 'છોકરાંને આપવાનું. આપણા બાપે આપણને આપ્યું એ બધું જ આપવું. વચલો જે માલ છે તે આપણો. તે આપણે ફાવે ત્યાં ધર્માદામાં વાપરી નાખીએ.'

પ્રશ્નકર્તા : અમારા વકીલના કાયદામાં ય એવું ખરું કે વડીલોપાર્જિત પ્રોપર્ટી (મિલકત) ખરી તે છોકરાંને આપવી જ પડે અને સ્વોપાર્જિત તેની અંદર બાપને જે કરવું હોય તે કરે.

દાદાશ્રી : હા, જે કરવું હોય તે કરે. હાથે જ કરી લેવું ! આપણો માર્ગ શું કહે છે કે તારો પોતાનો હોય તે માલ તું જુદો કરીને વાપર, તો તે તારી જોડે આવે. કારણ કે આ જ્ઞાન લીધા પછી હજુ એક-બે અવતાર બાકી રહ્યા છે તે જોડે જોઈશે ને ! બહારગામ જઈએ છીએ તો થોડાં ઢેબરાં લઈ જઈએ છીએ. તો આ ના જોઈએ બધું ?

પ્રશ્નકર્તા : આવતા જન્મના પુણ્યના ઉપાર્જન માટે આ જન્મમાં શું કરવું ?

દાદાશ્રી : આ જન્મમાં જે પૈસા આવે તેમાં પાંચમો ભાગ ભગવાનને ત્યાં મંદિરમાં દાન આપવું. પાંચમો ભાગ લોકોના સુખને માટે વાપરવો. એટલે એટલું તો ત્યાં આગળ ઓવરડ્રાફટ પહોંચ્યો ! આ ગયા અવતારના ઓવરડ્રાફટ તો ભોગવો છો. આ જન્મનું પુણ્ય છે તે આગળ પછી આવે. અત્યારની કમાણી આગળ ચાલશે.

[૮] લક્ષ્મી અને ધર્મ

મોક્ષમાર્ગમાં બે વસ્તુ ના હોય. સ્ત્રીના વિચારો અને લક્ષ્મીના વિચારો ! જ્યાં સ્ત્રીનો વિચાર પણ હોય ત્યાં ધર્મ તો હોય નહીં, ને લક્ષ્મીનો વિચાર પણ હોય ત્યાં ધર્મ હોય નહીં. એ બે માયા થકી તો આ જગત ઊભું રહ્યું છે. હા, માટે ત્યાં ધર્મ ખોળવો એ ભૂલ છે. ત્યારે અત્યારે લક્ષ્મી વગરનાં કેટલાં કેન્દ્ર ચાલે છે ?

અને ત્રીજું કયું ? સમ્યક્ દ્રષ્ટિ હોવી જોઈએ.

એટલે લક્ષ્મી ને સ્ત્રીસંબંધ હોય ત્યાં આગળ ઊભું ના રહેવું. ગુરુ જોઈને કરવા. લીકેજવાળો હોય તો કરવો નહીં.

જેને ભીખ સર્વસ્વ પ્રકારની ગઈ તેને આ જગતમાં તમામ સૂત્રો હાથમાં આપવામાં આવે છે, પણ ભીખ જાય તો ને ! કેટલા પ્રકારની ભીખ, લક્ષ્મીની ભીખ, કીર્તિની ભીખ, વિષયોની ભીખ, શિષ્યોની ભીખ, દેરાં બાંધવાની ભીખ, બધી ભીખ, ભીખને ભીખ છે ! ત્યાં આપણું દળદર શું ફીટે ?

એક જણ મને કહે છે કે, 'એમાં દુકાનદારનો દોષ કે ઘરાકનો દોષ ?' મેં કહ્યું, 'ઘરાકનો દોષ !' દુકાનદાર તો ગમે તે એક દુકાન કાઢીને બેસે, આપણે ના સમજીએ ?

સંત પુરુષ, તો પૈસા લે નહીં. દુખિયો છે તેથી તો એ તમારી પાસે આવ્યો, ને પાછા ઉપરથી સો પડાવી લીધા ! તે આ હિન્દુસ્તાનને ખલાસ કરી નાખ્યું હોય તો આવાં સંતોએ ખલાસ કરી નાખ્યું છે. તે સંત તે એનું નામ કહેવાય કે જે પોતાનું સુખ બીજાને આપતા હોય, સુખ લેવા આવ્યા ના હોય.

આ સંઘ એટલો બધો ચોખ્ખો છે કે એમાં હું તો મારા ઘરનાં કપડાં, ધોતિયાં પહેરું છું. મારાં પોતાના કમાયેલા, પોતાની કમાણીના જ પૈસામાંથી, તેથી આવો મેલો ફરું છું. સંઘના પહેરતો હોત તો ધોતિયાં ચારસો-ચારસોના મળે ને ? અરે હું તો નથી લેતો, પણ આ બેન પણ નથી લેતા ! આ બેને ય મારી જોડે રહે છે તે કપડાં પોતાનાં ઘરનાં પહેરે છે.

આ દુનિયામાં જેટલી સ્વચ્છતા એટલી દુનિયા તમારી, તમે માલિક આ દુનિયાના ! જેટલી સ્વચ્છતા તમારી !! હું આ દેહનો માલિક છવ્વીસ વર્ષથી થયો નથી, તેથી અમારી સ્વચ્છતા પૂરેપૂરી હોય, માટે સ્વચ્છ થાવ, સ્વચ્છ !

સ્વચ્છતા એટલે આ દુનિયાની કોઈ ચીજની જરૂર ના હોય, જેને ભિખારીપણું જ ના હોય !!

હજુ પસ્તાવો કરશો તો આ દેહે પાપો ભસ્મીભૂત કરી શકશો. પસ્તાવાનું જ સામાયિક કરો. કોનું સામાયિક ? પસ્તાવાનું જ સામાયિક. શું પસ્તાવો ? ત્યારે કહે, મેં લોકોના પૈસા ખોટા લીધા તે બધા જેના લીધા હોય તેના નામ દઈને, એનું મોઢું યાદ કરીને, વ્યભિચાર ફલાણું કર્યું, દ્રષ્ટિ બગાડી એ બધા પાપો ધૂઓ તો હજુ ધોઈ શકો છો.

લોકોનું કલ્યાણ તો ક્યારે થાય ? આપણે ચોખ્ખા થઈએ તો, બિલકુલ ચોખ્ખા ? પ્યોરિટી એ જ બધાનું, આખા જગતનું આકર્ષણ કરે ! પ્યોરિટી !! પ્યોર વસ્તુ જગતનું આકર્ષણ કરે. ઇમ્પ્યોર વસ્તુ જગતને ફ્રેકચર કરે. એટલે પ્યોરિટી લાવવાની !

- જય સચ્ચિદાનંદ

ભાગ
 1 -  2  - 3  -  4  -  5  -  6  -  7  - 8