ભાગ
 1 -  2  - 3  -  4  -  5  -  6  -  7  - 8  

[૨] લક્ષ્મી સંગે સંકળાયેલો વ્યવહાર

શ્રીમંતાઈ શું કર્યું હોય તો આવે ? કેટલી બધી લોકોને માટે હેલ્પ કરી હોય ત્યારે લક્ષ્મી આપણે ત્યાં આવે ! નહિ તો લક્ષ્મી આવે નહીં. લક્ષ્મી તો આપવાની ઈચ્છાવાળાને ત્યાં જ આવે. જે ઘસાઈ છૂટે છે, છેતરાય, નોબિલિટી વાપરે, એને લક્ષ્મી આવે. જતી રહેલી આમ લાગે ખરી, પણ આવીને પાછી ત્યાં જ ઊભી રહે.

પૈસા કમાવવા માટે પુણ્યની જરૂર છે. બુધ્ધિથી તો ઊલટાં પાપો બંધાય. બુધ્ધિથી પૈસા કમાવા જાવ તો પાપ બંધાય. મારે બુધ્ધિ નહીં એટલે પાપ બંધાય નહીં. અમારામાં બુધ્ધિ એક સેન્ટ પરસેન્ટ નહિ !

દયાળુ, લાગણીવાળો સ્વભાવ મારો ! ઉઘરાણી કરવા ગયો હોઉં તો આપીને આવું !!! આમ ઉઘરાણી કરવા તો જાઉં જ નહીં કોઈ દહાડો. ઉઘરાણી કરવા જાઉં તો તે દહાડે એમને કંઈ ભીડ પડી હોય તો ઉલટો આપીને આવું. મારે ગજવામાં કાલે વાપરવાના હોય તે ય આપીને આવું ! તે કાલે વાપરવામાં હું મૂંઝાઉં ! એવી રીતે મારું જીવન ગયું છે.

પ્રશ્નકર્તા : વધારે પૈસા હોય તો મોહ થઈ જાય એમ ? વધારે પૈસા હોય એ દારૂ જેવું જ છે ને !

દાદાશ્રી : દરેકનો કેફ ચઢે. જો કેફ ના ચઢતો હોય તો પૈસા વધારે થયેલા હોય તો વાંધો નથી. પણ કેફ ચઢે એટલે દારૂડિયો થયો, પછી ખુમારીમાં ને ખુમારીમાં ભમ્યા કરે લોકો ! લોકોને તિરસ્કાર કરે, આ ગરીબ છે, આમ છે. આ મોટો શ્રીમંત ને લોકોને ગરીબ કહેનારો ! પોતે શ્રીમંત ! ક્યારે ગરીબી આવે એ કહેવાય નહીં માણસને. તમે કહો છો એવું જ. બધો કેફ ચઢી જાય.

આખી જિંદગી આખા જગતના લોકો આમ નાણાં પાછળ પડ્યા છે અને કોઈ નાણાંથી ધરાયેલો દેખાયો એવો મેં જોયો નથી. તો ગયું ક્યાં આ બધું ?

એટલે આપણું બધું ઠોકાઠોક ચાલે છે. ધર્મનો તો અક્ષરે ય સમજતા નથી અને બધું ચાલ્યા કરે છે. એટલે મુશ્કેલી આવે ત્યારે કેમ કરવું તે એમને ના આવડે. ડોલર આવવા માંડે તે વખતે કુદાકુદ કર્યા કરે. પણ પાછી મુશ્કેલી આવે ત્યારે કેમ એનો નિકાલ કરવો તે આવડે નહીં એટલે નર્યાં પાપો જ બાંધી દે. તે ઘડીએ પાપ ના બંધાય ને ટાઈમ કાઢી નાખવો એમ જાણવું એનું નામ ધર્મ.

એટલે હમેશાં સનરાઈઝ થવાનો, સનસેટ થવાનો, એવો દુનિયાનો નિયમ. તે આ કર્મના ઉદય ને પૈસા વધ્યા જ કરે એની મેળે. બધી બાજુનું, ગાડીઓ, બાડીઓ, મકાનો વધ્યા કરે. બધું વધ્યા કરે. પણ જ્યારે ચેન્જ થયા કરે પછી વિખરાયા કરે. પહેલું ભેગું થયા કરે પછી વિખરાયા કરે, વિખરાતી વખતે શાંતિ રાખવી. એ મોટામાં મોટો પુરુષાર્થ !

સગો ભાઈ પચાસ હજાર ડોલર આપે નહીં. પાછું ત્યાં કેમ જીવન જીવવું એ પુરુષાર્થ છે. સગા ભાઈએ પચાસ હજાર ડોલર પાછા ના આપ્યા ને ગાળો દે ઉપરથી. ત્યાં જીવન કેમ જીવવું એ પુરુષાર્થ છે.

અને કોઈ નોકર ચોરી ગયો, ઓફિસમાંથી દસ હજારનો માલ, ત્યાં કેમ વર્તવું તે પુરુષાર્થ છે. એટલે આ બધું તે ઘડીએ ધૂળધાણી કરી નાખે ને અવતાર બધો બગાડી નાખે !

પ્રશ્નકર્તા : એ તો આપણે આપ્તવાણીમાં કહેવામાં આવ્યું જ છે ને કે તેં જો હજાર બે હજાર રૂપિયા કોઈને આપ્યા તે શા માટે આપે છે કે તું તારા અહંકાર, માનને લીધે આપે છે.

દાદાશ્રી : માન વેચ્યું એણે. અહંકાર વેચ્યો તો આપણે લઈ લેવો જોઈએ. ખરીદી લેવો જોઈએ. હું તો આખી જિંદગી ખરીદતો આવેલો. અહંકાર ખરીદવો.

પ્રશ્નકર્તા : એટલે શું દાદા ?

દાદાશ્રી : તમારી પાસે પાંચ હજાર લેવા આવ્યો તેને આંખમાં શરમ ના આવે બળી ?!

પ્રશ્નકર્તા : હા.

દાદાશ્રી : તે માગે છે તે શરમને કાઢીને અહંકાર વેચે છે આપણને. તો આપણે ખરીદી લેવો, આપણી પાસે મૂડી હોય તો !

પૈસા લેવા જવાનું સારું લાગે ? સગા કાકા જોડે લેવા જવાનું ગમે ? કેમ ના ગમે ? અરે, સબંધિ પાસે લેવાનું ય ના ગમે કોઈને. બાપ પાસે લેવાનું ય ના ગમે. હાથ ધરવાનો ના ગમે.

પ્રશ્નકર્તા : એનો અહંકાર ખરીદી લીધો, પણ આપણને એનો અહંકાર શું કામમાં આવે ?

દાદાશ્રી : ઓહોહો ! એનો અહંકાર ખરીદી લીધો એટલે જે એનામાં શક્તિઓ છે તે આપણામાં પ્રગટ થઈ ગઈ ! એ અહંકાર વેચવા આવ્યો બિચારો !

પ્રશ્નકર્તા : હાથ-પગ સાજા હોય છતાં ભીખ માગે તો એને દાન આપવાનો ઈન્કાર કરવો એ ગુનો છે ?

દાદાશ્રી : દાન ન આપો તેનો વાંધો નથી. પણ એને તમે કહો કે આ મજબૂત પાડા જેવા થઈને શું આવું કરે છે ? એવું આપણાથી ના જ કહેવાય. તમે કહો કે ભઈ, મારે અપાય એવું નથી.

સામાને દુઃખ થાય એવું ન જ બોલવું જોઈએ. વાણી એવી સારી રાખવી કે સામાને સુખ થાય. વાણી તો મોટામાં મોટું ધન છે તમારી પાસે. પેલું ધન તો ટકે કે ના ય ટકે, પણ વાણી-ધન તો ટકે કાયમને માટે. તમે સારા શબ્દ બોલો તો સામાને આનંદ થાય. પૈસા તમે એને ના આપો તો વાંધો નહિ, પણ સારા શબ્દ બોલોને !

અહીં મોટો બંગલો કરશો તો જગતના તમે ભિખારી થશો. નાનો બંગલો તો જગતના તમે રાજા ! કારણ કે આ પુદગલ છે, એ પુદગલ વધ્યું તો આત્મા (પ્રતિષ્ઠિત આત્મા) હલકો થઈ જાય. અને પુદગલ ઘટ્યું તો આત્મા ભારે થઈ જાય. એટલે આ દુનિયાનાં દુઃખ છે એ આત્માનું વિટામિન છે. આ દુઃખ છે એ આત્મવિટામિન છે, અને સુખ છે એ દેહનું વિટામિન છે.

રૂપિયાનો સ્વભાવ હમેશાં કેવો છે ? ચંચળ, એટલે તમારે દુરુપયોગ ના થાય એ પ્રમાણે સદુપયોગ કરવો. એને સ્થિર નહીં રાખવા. કારણ કે નિયમ એવો છે કે આ સંપત્તિ કેટલા પ્રકારની કહેવાય ? ત્યારે કહે કે એક જંગમ ! જંગમ સંપત્તિ એટલે આ ડૉલર ને એ બધું. અને સ્થાવર તે મકાન ને એ બધું. પણ તેમાં ય વધારે પડતું આ સ્થાવર નભે. આ સ્થાવર - જંગમ નભે અને રોકડું ડૉલર ને એ હોય એ તો ચાલ્યા જ જાણો ને ! એટલે રોકડાનો સ્વભાવ કેટલો ? દસ વર્ષથી અગિયારમે વરસે ટકે નહિ. પછી સોનાનો સ્વભાવ તે ચાળીસ પચાસ વર્ષ ટકે અને સ્થાવર મિલકતનો સ્વભાવ સો વરસ ટકે. એટલે મુદત બધી જુદી જુદી જાતની હોય. પણ છેવટે તો બધું ય જવાનું જ. એટલે આ બધું સમજીને કરવું આપણે. આ વણિકો પહેલાં શું કરતા હતા, રોકડ રકમ પચીસ ટકા વ્યાપારમાં નાખે. પચીસ ટકા વ્યાજે મૂકે. પચીસ ટકા સોનામાં અને પચીસ ટકા મકાનમાં. આવી રીતે મૂડીની વ્યવસ્થા કરતા હતા. બહુ પાકા લોકો ! અત્યારે તો છોકરાને શીખવાડયું ય નથી હોતું આવું ! કારણ કે વચ્ચે મૂડીઓ જ રહી નથી તો શું શીખવાડે ?

આ પૈસાનું કામ એવું છે કે અગિયારમે વરસે પૈસો નાશ થાય હમેશાં. દસ વર્ષ સુધી ચાલે. તે આ સાચા પૈસાની વાત. સમજ પડીને ? ખોટા પૈસાની તો વાત જુદી ! સાચા પૈસા તે અગિયારમે વરસે ખલાસ થાય !

પ્રશ્નકર્તા : શેરબજારમાં સટ્ટાબાજી કરવી કે સોનું લેવું સારું ?

દાદાશ્રી : શેરબજારમાં તો જવું જ ના જોઈએ. શેરબજારમાં તો ખેલાડીનું કામ છે. આ વચ્ચે ચકલાં બફાઈ મરે છે ! ખેલાડી લોકો ફાવી જાય છે આમાં. બધા પાંચ-સાત ખેલાડીઓ ભેગા થઈને ભાવ નક્કી કરી નાખે. એમાં આ ચકલાં મરી જાય વચ્ચે ! એમાં કો'ક તો ફાવે જ છે ને ! પેલા ખેલાડીઓ ફાવે છે આમાં અને નાના જે ચરાવી ખાતા હોય ને તે ખર્ચા કાઢે છે ! કારણ કે રાત દા'ડો એની પર જ કરવાનું હોય. આ વચલાવાળા જે આમ અહીંથી કમાઈને આમ નાખે, તે માર્યા જાય. એટલે અમારા સગા હતા તેમણે મને પૂછયું ત્યારે મેં તેમને કહ્યું કે આ કરશો નહીં.

પ્રશ્નકર્તા : દાદા, આપણા અમેરિકન મહાત્માઓ પૂછે છે કે અમે જે કંઈ થોડું ઘણું કમાયા છીએ એ લઈને ઇન્ડિયા જતા રહીએ ? છોકરાઓનો ખાસ વિચાર આવે કે અમેરિકામાં જોઈએ એવા સંસ્કાર નથી મળતા.

દાદાશ્રી : હા, એ બધું તો ખરું છે. અહીંથી જો પૈસા કમાઈ ગયા હોય તો આપણે ઘેર ઇન્ડિયા જતાં રહેવું. છોકરાંને સારી રીતે ભણાવવાં.

પ્રશ્નકર્તા : તમે કહ્યું કે પૈસા કમાયા એટલે ચાલ્યા જવું, પણ પૈસાની લિમિટ નથી હોતી. એટલે લિમિટ કંઈ બતાવો તમે. તમે એવી કંઈક લિમિટ બતાડો કે એટલી લિમિટના પૈસા લઈને અમે ઈન્ડિયા જતા રહીએ.

દાદાશ્રી : હા. આપણે હિન્દુસ્તાનમાં કંઈ રોજગાર કરવો હોય અને એને માટે કંઈ રકમ લાવવી પડે, તો વ્યાજે ના લાવવી પડે એવું કરવું. થોડું ઘણું બેંકમાંથી લેવું પડે તો ઠીક છે. બાકી કોઈ ધીરે નહીં, ત્યાં તો કોઈ ધીરે કરે નહિ. અહીંયા ય કોઈ ધીરે નહીં. બેંક જ ધીરે. એટલે એટલું સાથે રાખવું. બિઝનેસ તો કરવો જ પડે ને. ત્યાં આગળ ખર્ચો કાઢવો પડેને. પણ ત્યાં છોકરાં બહુ સારાં થાય. અહીં ડોલર મળે પણ છોકરાંના સંસ્કારની ભાંજગડ છે ને !

અમેરિકામાં અમને સ્ટોરમાં લઈ જાય. હેંડો દાદા, કહે. તે સ્ટોર બિચારો અમને પગે લાગ લાગ કરે, કે ધન્ય છે, સ્હેજ પણ દ્રષ્ટિ બગાડી નથી અમારી પર ! આખા સ્ટોરમાં દ્રષ્ટિ બગાડી નથી કોઈ જગ્યાએ ! અમારી દ્રષ્ટિ બગડે જ નહીં ને એની પર. અમે જોઈએ ખરા, પણ દ્રષ્ટિ ના બગડે. અમારે શી જરૂર કોઈ ચીજની ! મને કોઈ વસ્તુ કામ લાગે નહીં ને ! તારે દ્રષ્ટિ બગડી જાય ને !

પ્રશ્નકર્તા : જરૂર પડે એ વસ્તુ લેવી પડે.

દાદાશ્રી : હા, અમારી દ્રષ્ટિ બગડે નહીં. હેય, સ્ટોર અમને આમ નમસ્કાર કર્યા કરે કે આવા પુરુષને જોયા નથી ! પાછા તિરસ્કારે ય નહીં. ફર્સ્ટ કલાસ, રાગે ય નહીં, દ્વેષે ય નહીં. શું કહ્યું ? વીતરાગ ! આવ્યા વીતરાગ ભગવાન !

એક મહાત્મા કહે છે કે શેરનું કામકાજ મારે બંધ કરી દેવું કે ચાલુ રાખવું ? મેં કહ્યું, બંધ કરી દેજો. અત્યાર સુધી કર્યું એનું મહીં ખેંચી લો નાણું. હવે બંધ કરી દેવું જોઈએ. નહીં તો આ અમેરિકા આવ્યા ન આવ્યા જેવું થઈ જશે ! હતા એવા ને એવા. કોરે પાટલે જવું પડશે ઘેર !

હંમેશાં વ્યાજ ખાવાની શરૂઆત માણસ કરે. એટલે મુસલમાનમાં ય ના ગણાય. ખરો મુસલમાન વ્યાજ ના લે. કારણ કે વ્યાજની કિંમત નથી. વ્યાજમાં પડેલો માણસ વ્યાજની લાઈનમાં પડેલો એ માણસ મટીને શું થાય છે એ ભગવાન જ જાણે ! તમે બેન્કમાં મૂકો તેનો વાંધો નહિ, બીજા કોઈને ધીરો તેનો વાંધો નહિ, પણ લ્હાય પડેલો બે ટકાને, દોઢ ટકાને, સવા ટકાને, અઢી ટકાને, એ લ્હાયમાં પડ્યો. એ માણસ શું થશે એ કહેવાય નહિ, એવું અત્યારે મુંબઈમાં બધાને થયું છે.

વ્યાજ લેવામાં વાંધો નહીં. આ તો વ્યાજ લેવાનો વ્યાપાર કર્યો હોય. ધંધો વ્યાજ-વટાવનો. તમારે શું કરવું જોઈએ ? જેને ધીર્યા એને કહેવું જોઈએ કે બેન્કમાં જે વ્યાજ છે તે તારે મને આપવું પડશે. હવે છતાં એક માણસની પાસે વ્યાજે ય નથી, મૂડી ય નથી તો એની પાસે મૌન રહેવું. એને દુઃખ થાય એવું નહિ વર્તવું. એટલે આપણા પૈસા ગયા છે એમ માનીને ચલાવી લેવું. દરિયામાં પડી જાય તેને શું કરીએ ?

પ્રશ્નકર્તા : જો સરકાર એબવનોર્મલ ટેક્ષ નાખે તો લોકો ચોરીઓ કરે, નોર્માલિટી લાવવા માટે. તો એ શું ખોટું ?

દાદાશ્રી : લોભિયા લોકોને લોભ ઓછો કરવા માટે ટેક્ષ બહુ સારામાં સારી વસ્તુ છે.

લોભિયા માણસ મરતા સુધી પાંચ કરોડ થાય તો ય એ ધરાય નહીં. ત્યારે આવો દંડ મળે ને એટલે પાછો પડ્યા કરે, વારે ઘડીએ, એટલે સારી વસ્તુ છે આ તો. ઈન્કમટેક્ષ તો કોને કહેવાય ? જે પંદર હજાર ઉપર લેતા હોય તે પંદર હજાર ઉપર તો લોકો છોડી દે છે બિચારા, ત્યારે પંદર હજાર રોફથી ખાય, પીવેને તો એક કુટુંબમાં ખાતાં-પીતાંને હરકત ના આવેને નાના કુટુંબોને ! નાની ફેમિલીઓને પણ આફ્રિકામાં બહુ ટેક્ષ નથી ને !

પ્રશ્નકર્તા : ભગવાનની ભક્તિ કરવાવાળા ગરીબ કેમ હોય છે અને દુઃખી કેમ હોય છે ?

દાદાશ્રી : ભક્તિ કરવાવાળા ? એવું છે ને, ભક્તિ કરવાવાળા કંઈ દુઃખી હોય છે એવું કશું નહિ, પણ દુઃખી તમને દેખાય છે, મહીં અમુક અમુક માણસો. બાકી ભક્તિ કરવાને લીધે તો આ લોકોને બંગલા છે. એટલે ભગવાનની ભક્તિ કરતાં કરતાં દુઃખી હોય એવું બને નહીંને, પણ આ દુઃખ તો એમનો પાછલો હિસાબ છે. અને અત્યારે ભક્તિ કરી રહ્યો છે તે નવો હિસાબ. એ તો જ્યારે ફળ આવે ત્યારે. તમને સમજ પડીને ? તે પાછલું જમે થયેલું છે, એ પાછળ કરેલું તેનું ફળ આજે આવેલું છે. આ હવે અત્યારે કરે છે. જે સારું કરે છે તેનું ફળ હજુ હવે આવશે. સમજ પડીને ? તમને સમજાય એવી છે વાત ? ના સમજાય તો કાઢી નાખીએ વાત.

પ્રશ્નકર્તા : માનસિક શાંતિ મેળવવા માટે માણસે કોઈ ગરીબ હોય, કોઈ અશક્ત હોય, એની સેવા કરવી કે ભગવાનની ભજના કરવી ? કે કોઈને દાન આપવું ? શું કરવું ?

દાદાશ્રી : માનસિક શાંતિ જોઈતી હોય તો આપણી ચીજ બીજાને ખવડાવી દેવી. કાલે આઈસક્રીમનું પીપડું ભરીને લાવજે અને આ બધાંને ખવડાવજે. તે ઘડીએ આનંદ કેટલો બધો થાય છે તે તું મને કહેજે. આ કબૂતરાંને તું ચણ નાખે તે પહેલાં કબૂતરાં આમ કૂદાકૂદ કરવા માંડે. અને તેં નાખ્યું, તારી પોતાની વસ્તુ તે બીજાને આપી કે મહીં આનંદ શરૂ થઈ જાય. હમણે કોઈ માણસ રસ્તામાં પડી ગયો અને એનો પગ ભાંગી ગયો અને લોહી નીકળતું હોય ત્યાં તારું ધોતિયું ફાડીને આમ બાંધું તે વખતે તને આનંદ થાય.

આ છોડીઓ, છોકરાં શી રીતે પૈણતાં હોય ? એવું છે ને, છોડીઓ પાછળ નાણાનો ખર્ચો વધારે થાય છે. છોડીઓ એમનું લઈને આવી છે. તે બેન્કમાં જમા કરાવે. છોડીઓના પૈસા બેન્કમાં જમા થાય અને બાપા ખુશ થાય કે જો મેં સિત્તેર હજાર રૂપિયા ખર્ચીને પૈણાવી એ જમાનામાં ! એ જમાનાની વાત કરું છું. અલ્યા, તેં શું કર્યું ? એના પૈસા બેન્કમાં હતા. તું તો એનો એ છું, 'પાવર ઑફ એટર્ની' છે. તારે તેમાં શું ? પણ રોફ એ મારી ખાય છે અને કો'ક છોડી ત્રણ હજાર લઈને આવી હોય તે વખત ટાઢું પડી ગયું હોય. એના ધંધા-બંધા બધું. તે ત્રણ હજારમાં પૈણે કારણ કે એ જેટલા લાવી એટલા વાપરે.

આ છોકરાં છોડીઓ બધાનાં પોતાનાં નાણાં. આપણે બધા ભેગા કરીને મૂકીએ છીએ ને તે વહીવટ આપણા હાથમાં હોય છે એટલું જ છે.

આપણા લોક કહે છે. મારે દૂધે ધોઈને આપવાના છે. અલ્યા, અહંકાર છે ખોટો. દૂધે ધોઈને આપવાવાળા ! મારે પૈસા આપી દેવા છે ભાવ કરવાના, આપી દેવાય. લેતી વખતે, પાછા આપી દેવાના છે, એવું નક્કી કરીને જે લે છે, એના વ્યવહાર બહુ સુંદર મેં જોયા ! કંઈ પણ નક્કી તો હોવું જોઈએ ને પહેલેથી ડિસીઝન ! પછી એક્સિડન્ટ થાય એ જુદી વસ્તુ છે, પણ ડિસીઝન તો હોવું જોઈએ ને ! આ તો પઝલ છે ને બધું !

આપણે પૂછીએ કે કેમ સાહેબ ઉપાધિમાં ? ત્યારે કહે, 'શું કરે ? આ ત્રણ દુકાનો, આ સાચવવાનું, ત્યાં સાચવવાનું, ને નનામી નીકળે ત્યારે નારિયેળ તો ચાર જ લઈ જવાનાં. દુકાન ત્રણ હોય કે બે હોય કે એક હોય તો ય ચાર જ નારિયેળ અને તે ય પાણી વગરનાં પાછાં. ત્રણ દુકાનો સાચવવાની મારે. કહેશે, 'એક ફોર્ટમાં રહી, એક કાપડની દુકાન અહીં રહી, એક ભૂલેશ્વરમાં છે.' પણ તો ય શેઠના મોઢા ઉપર દીવેલ ચોપડેલું હોય છે. જમતી વખતે દુકાન, દુકાન, દુકાન ! રાતે સ્વપ્નમાં બધા તાકા માપે !! એટલે મરતી વખતે સરવૈયું આવશે. માટે સાચવીને હેંડો.

ધંધાના વિચાર ક્યાં સુધી કરવાના ? કે જ્યાં સુધી વળે ના ચઢે, આમળે ના ચઢે, ત્યાં સુધી કરવાના, આમળે ચઢવા માંડ્યું એટલે બંધ કરી દેવું. નહીં તો માર્યા ગયા જાણજો. ચાર પગને પૂંછડું વધારાનું મળશે. પછી ભાંભરે ! ચાર પગ ને પૂંછડું સમજ્યા તમે ?

ભાગ
 1 -  2  - 3  -  4  -  5  -  6  -  7  - 8