ભાગ
 1 -  2  - 3  -  4  -  5  -  6  -  7  - 8  

એકલો મહીં મૂંઝાયા કરે તો વધારે બોજો લાગે !

જેટલી ફિકરો આવે તેને આમ ફાકી કરીને ફાકી જવાની. અમે વેપાર કરતા હતા ત્યારે બહુ ફિકરો આવેલી, જ્ઞાન પહેલાં. ત્યારે જ આ જ્ઞાન થાય ને ! અમારા છોકરા મરી ગયા ત્યારે પેંડા ખવડાવેલા !

અમે તો શું કરતા કે ધંધામાં એકદમ મુશ્કેલી આવી જાય તો તો વાત જ નહીં કરવાની ને હીરાબાને બહારથી ખબર પડે કે ધંધામાં મુશ્કેલી છે ને અમને પૂછે કે શું ખોટ ગઈ છે ? અમે કહીએ કે, ના, ના. લે આ રૂપિયા આ પૈસા આવ્યા છે તે તમારે જોઈએ છે ? ત્યારે હીરાબા કહે કે આ લોકો તો કહે છે કે ખોટ આવી. ત્યારે હું કહું કે ના, ના. આ તો વધારે કમાયા છીએ. પણ આ વાત ખાનગી રાખજો.

અમારા ધંધામાં ખોટ જાય તો કેટલાકને દુઃખ થાય. તે મને કહેવા આવે કે કેટલી ખોટ આવી છે ? બહુ આવી છે ? ત્યારે હું કહું કે ખોટ આવેલી, પણ હમણાં જ ઓચિંતો જ એક લાખ રૂપિયાનો નફો મળ્યો ! તે પેલાને ટાઢક થઈ જાય.

આ હું તો પાછો બધું અનુભવના તારણ પર લાવેલો, બાકી હું ધંધા પર પણ પૈસાના વિચાર કરતો ન હતો. પૈસાને માટે વિચાર કરે ને, એના જેવો ફુલિશ જ કોઈ નથી. એ તો લમણે લખેલા છે બળ્યા ! ખોટે ય લમણે લખેલી છે. વગર વિચારે ખોટ આવે કે નથી આવતી ?

ધંધામાં કોઈ વાંકા માણસો મળે તે આપણા પૈસા ખાવા માંડે તો આપણે અંદરખાને સમજીએ કે આપણા પૈસા ખોટા છે, માટે આવા ભેગા થાય. નહીં તો વાંકા માણસો ભેગા થાય જ શી રીતે ? મારેય એવું થતું હતું. એક ફેરો ખોટું નાણું આવેલું. તે બધા વાંકા જ લોકો ભેગા થયેલા. તે મેં નક્કી કર્યું કે આ ના જોઈએ.

ધંધો ક્યો સારો કે જેમાં હિંસા ના સમાતી હોય, કોઈને આપણા ધંધાથી દુઃખ ના થાય. આ તો દાણાવાળાનો ધંધો હોય તો શેરમાંથી થોડું કાઢી લે. આજકાલ તો ભેળસેળ કરવાનું શીખ્યા છે. તેમાં ય ખાવાની વસ્તુઓમાં ભેળસેળ કરે તો જનાવરમાં - ચાર પગમાં જઈશ. ચાર પગો થાય પછી પડે તો નહીં ને ? વેપારમાં ધર્મ રાખજો, નહીં તો અધર્મ પેસી જશે.

ધંધામાં મન બગાડે તો ય નફો ૬૬,૬૧૬ થશે ને મન ના બગાડે તો ય નફો ૬૬,૬૧૬ રહેશે, તો ક્યો ધંધો કરવો ?

ધંધામાં પ્રયત્ન કરવાનો, 'વ્યવસ્થિત' એની મેળે ગોઠવ્યા કરશે. તે ય તમારે ફક્ત કર્યા કરવાનો, એમાં આળસ નહીં કરવાની. ભગવાને કહ્યું છે કે બધું 'વ્યવસ્થિત' છે. નફામાં હજાર કે લાખ આવવાના છે, તે ચાલાકી કરવાથી એક આનો ય વધશે નહીં અને ચાલાકીથી આવતા અવતારના નવા હિસાબ બાંધશો એ જુદા !

પ્રશ્નકર્તા : આપણી સામે કોઈ ચાલાકી કરતો હોય તો આપણે પણ સામી કરવી જોઈએ ને, એવું અત્યારે તો લોકો કરે છે.

દાદાશ્રી : આવી જ રીતે ચાલાકીનો રોગ પેસી જાય ને ! અને 'વ્યવસ્થિત'નું જ્ઞાન હાજર હોય તેને ધીરજ રહે. કોઈ આપણી જોડે ચાલાકી કરવા આવે તો આપણે પાછલે બારણેથી નીકળી જવું, આપણે સામી ચાલાકી કરવી નહીં.

એટલે કહેવા માગીએ છીએ કે આ નાહવાના પાણી માટે કે રાતે સૂવાના ગાદલા માટે કે બીજી કેટલીક વસ્તુઓ માટે તમે વિચાર સરખો કરતા નથી, છતાં શું એ તમને નથી મળતું ? તેમ લક્ષ્મી માટે પણ સહજ રહેવાનું હોય.

પૈસા કમાવાની ભાવના કરવાની જરૂર નથી. પ્રયત્ન ભલે ચાલુ રહ્યા. ભાવનાથી શું થાય ? પૈસા હું ખેંચી લઉં તો પેલાને ભાગે રહે નહીં. એટલે જે કુદરતી કવોટા નિર્માણ થયો છે, તેને જ આપણે રહેવા દો ને, વળી ભાવના કરવાની જરૂર શું ? એવું કહેવા માગું છું. આ તો લોકોનાં ઘણાં પાપ થતાં અટકી જાય. એ હું કહેવા માગું છું.

આ એક વાક્યમાં ઘણો સાર મુકાયેલો છે પણ સમજે તો. એવું નથી કે મારું જ્ઞાન લેવાની જ જરૂર છે, જ્ઞાન ના લીધું હોય ને, પણ એટલું એને સમજણ પડે કે આ હિસાબસર જ છે, કશું હિસાબથી બહાર થતું નથી, નહીં તો મહેનત કરતાં ખોટ આવે તો આપણે ના સમજીએ ! મહેનત એટલે મહેનત, મળવું જ જોઈએ, પણ ના, ખોટે ય નિરાંતે જાય છે ને !

આ ભાવ કરે છે તેનો વાંધો છે, બીજું કશું નહીં. બીજી ક્રિયાઓને માટે મને વાંધો નથી. એટલે વાત આમ લોકો વાંચી જાય, પણ સમજણ ના પડે, એટલે વાંચી જાય પણ વાત બહુ ઊંડી હોય છે.

ખોટાની પરખ ના હોય ત્યાં સુધી ખોટું પેસી જાય મહીં.

પ્રશ્નકર્તા : અને આ ધંધામાં સાચું છે, આપણે સમજીએ છીએ, છતાં સાચું કહી શકાતું નથી.

દાદાશ્રી : એટલે વ્યવહાર આપણા તાબામાં નથી. નિશ્ચય આપણા તાબામાં છે. બીજ નાખવું એ આપણા તાબામાં છે. ફળ લેવું આપણા તાબામાં નથી. એટલે ભાવ આપણે કરવો. ખરાબ થઈ જાય તો ય ભાવ આપણે સારો કરવો કે આમ ના થવું જોઈએ.

શેઠ તો કોનું નામ કહેવાય કે એક અક્ષરે ય બોલે ને તો શેઠ કહેવાય જ કેમ કરીને ? એ વઢતા હોય તો આપણે સમજી જઈએ કે આ પોતે જ આસિસ્ટન્ટ છે (!) શેઠનું તો મોઢું બગડેલું જ ના દેખાય. શેઠ એટલે શેઠ જ દેખાય. એ દાંતિયા કરે તો તો પછી બધા આગળ એની કિંમત જ શું રહે ? પછી નોકરો પણ પાછળ કહેશે કે આ શેઠ તો લપકા બહુ કર્યા કરે છે ! દાંતિયા કાઢ્યા કરે છે !! બળ્યું એવા શેઠ થવું એના કરતાં તો ગુલામ થવું સારું. હા, તમારે જરૂર હોય, ખટપટ કરવી હોય તો વચ્ચે એજન્સીઓ બધી રાખો. પણ વઢવાનાં આવાં કામ શેઠે જાતે ના કરાય ! નોકરો ય જાતે લઢે, ખેડૂતો ય જાતે લઢે, તમે ય જાતે લઢો, ત્યારે કોણ જાતે લઢે નહીં ? વેપારી જાતે લઢે, ખેડૂત જાતે લઢે તો વેપારી જેવું રહ્યું જ શું ? શેઠ તો એવું ના કરે.

શેઠ તો કોઈ દહાડો ય કોઈને વઢે નહીં. વખતે વચ્ચે એવી એજન્સી ઊભી કરે. એ વઢનારી એજન્સી વઢે, પણ શેઠ તો વઢે જ નહીં. વચ્ચે એજન્સી તૈયાર કરે કે એ પછી વઢનારો માણસ એવો વચ્ચે રાખે કે એ વઢનારો વઢે પણ શેઠ આવું જાતે ના વઢે. પછી શેઠ બેઉનાં સમાધાન કરીને આપે. શેઠ બેઉને બોલાવે કે, 'ભઈ, તું વઢું છું તે પણ વાત સાચી છે ને તારી વાત પણ સાચી છે. એટલે એવો નિકાલ કરી આપે. બાકી શેઠ કંઈ વઢતા હશે ?!!

૧૯૩૦માં મોટામાં મોટી મંદી હતી. એ મંદીમાં શેઠિયાઓએ આ મજૂરો બિચારાનાં બહુ લોહી ચૂસેલાં તે અત્યારે આ તેજીમાં મજૂરો શેઠિયાઓનાં લોહી ચૂસે છે ! એવો આ દુનિયાનો ચૂસચૂસનો રિવાજ છે ! મંદીમાં શેઠિયાઓ ચૂસે અને તેજીમાં મજૂરો ચૂસે ! બેઉના સામાસામી વારા આવવાના. એટલે આ શેઠિયાઓ બૂમ પાડે ત્યારે હું કહું છું ને કે તમે ૧૯૩૦માં એ મજૂરોને છોડ્યા નથી. તેથી હમણાં એ મજૂરો તમને છોડશે નહીં. મજૂરોના લોહી ચૂસવાની પધ્ધત જ ના રાખો. તો તમને કોઈ કશું નામ નહીં દે. અરે ભયંકર કળિયુગમાં પણ તમારું નામ દેનાર નથી !!!

ઘરમાં ય તેજીમંદી આવે તે મંદીમાં આપણે વહુ જોડે રોફ માર માર કર્યો હોય પછી તેજી આવે ત્યારે એ આપણી પર રોફ મારે. માટે તેજી-મંદીમાં સરખાં રહીએ, સમાનપૂર્વક રહીએ તો તમારું બધું સરસ ચાલે !

આ જગત ન્યાય વગર એક ક્ષણવાર પણ નથી રહેતું. ક્ષણે-ક્ષણે ન્યાય જ થઈ રહ્યો છે ! જગત એક ક્ષણ પણ અન્યાય સહન કરી શકતું નથી, જે અન્યાય કર્યો છે, એ પણ ન્યાય જ થઈ રહ્યો છે !

પ્રશ્નકર્તા : ધંધામાં બહુ ખોટ ગઈ છે તો શું કરું ? ધંધો બંધ કરી દઉં કે બીજો કરું ? દેવું ખૂબ થઈ ગયું છે.

દાદાશ્રી : રૂ બજારની ખોટ કંઈ કરિયાણાની દુકાન કાઢ્યે ના પૂરી થાય. ધંધામાં ગયેલી ખોટ ધંધામાંથી જ પૂરી થાય, નોકરીમાંથી ન વળે, 'કોન્ટ્રાક્ટ' ની ખોટ કંઈ પાનની દુકાનથી વળે ? જે બજારમાં ઘા પડ્યો હોય તે બજારમાં જ ઘા રૂઝાય, ત્યાં જ એની દવા હોય.

આપણે ભાવ એક રાખવો કે આપણાથી કોઈ જીવને કિંચિત્ માત્ર દુઃખ ન હો. આપણે ભાવ એક ચોખ્ખો રાખવો કે બધું જ દેવું ચૂકતે થઈ જાય. લક્ષ્મી તો અગિયારમો પ્રાણ છે. માટે કોઈની લક્ષ્મી આપણી પાસે ના રહેવી જોઈએ. આપણી લક્ષ્મી કોઈની પાસે રહે તેનો વાંધો નથી. પણ ધ્યેય નિરંતર એ જ રહેવું જોઈએ કે મારે પાઈએ પાઈ ચૂકવી દેવી છે. ધ્યેય લક્ષમાં રાખીને પછી તમે ખેલ ખેલો. પણ ખેલાડી ના થશો. ખેલાડી થઈ ગયા કે તમે ખલાસ !

પ્રશ્નકર્તા : હવે માણસની દાનત ક્યા કારણથી ખરાબ થાય છે ?

દાદાશ્રી : એનું ખરાબ થવાનું હોય ત્યારે એને ફોર્સ મારે કે 'તું આમ ફરી જાને, હઉ થશે.' એનું ખરાબ થવાનું માટે. 'કમિંગ ઈવેન્ટસ કાસ્ટ ધેર શેડોઝ બીફોર.' (જે બનવાનું છે, તેના પડછાયા પહેલાં પડે)

પ્રશ્નકર્તા : પણ એ રોકી શકે ખરો ?

દાદાશ્રી : હા, રોકી શકે એને. જો એને જ્ઞાન મળેલું હોય કે તારે ખરાબ વિચાર આવે તો ય પાછળ પશ્ચાત્તાપ કર. તે આમ કરે, કે આવું ના હોવું જોઈએ, આવું ના હોવું જોઈએ. આમ રોકી શકાય. ખરાબ વિચાર આવે છે તે મૂળ-ગત જ્ઞાનના આધારે, પણ આજનું જ્ઞાન એને એમ કહે છે કે આ કરવા જેવું નથી. તો ફેરવી શકે છે. સમજ પડીને ? કંઈ ખુલાસો થાય છે ?

દાનત બગાડવી એટલે પાંચ લાખ રૂપિયા માટે બગાડવી એવું નહીં. આ તો પચીસ રૂપિયા માટે હઉ દાનત બગાડે બળી ! એટલે ભોગવવાની ઈચ્છાની ભાંજગડ નથી. એને એવા પ્રકારનું જ્ઞાન મળ્યું છે કે શું આપવું છે ? આપવા કરતાં આપણે અહીં જ વાપરો. હઉ થશે. દેખ લેંગે. એ ઊંધું જ્ઞાન મળ્યું છે એને.

એટલે આપણે અત્યારે કોઈપણ માણસને એમ કહી શકીએ કે ભઈ, ગમે એટલા ધંધા કરો, ખોટ જાય તો ય વાંધો નથી, પણ મનમાં એક ભાવ નક્કી રાખજો કે મારે સર્વને આપવા છે. કારણ કે પૈસો કોને વહાલો ના હોય ? એ કહો. કોને ના વહાલો હોય ? સહુને વહાલો હોય. એટલે આપણે એનો પૈસો ડૂબે એવો તો આપણા મનમાં ભાવ ઉત્પન્ન થવો ન જોઈએ. ગમ્મે તે ભોગે મારે આપવા જ છે. એવું ડીસીઝન પહેલેથી રાખવું જ જોઈએ. આ મોટામાં મોટી વસ્તુ છે. બીજામાં નાદારી કાઢી હશે તો ચાલશે પણ પૈસામાં નાદારી ના હોવી જોઈએ. કારણ કે પૈસા તો દુઃખદાયી છે, પૈસો તો, એને અગિયારમો પ્રાણ કહ્યો છે. માટે કોઈનો પૈસો ડુબાડાય નહીં. એ મોટામાં મોટી વસ્તુ.

પ્રશ્નકર્તા : માણસ દેવું મૂકીને મરી જાય તો શું થાય ?

દાદાશ્રી : દેવું મૂકીને મરી જાય તો ? દેવું મૂકીને મરી જાય પણ એને મનમાં ઠેઠ સુધી - મરતાં સુધી એક વસ્તુ નક્કી હોવી જોઈએ કે મારે આ પૈસા આપવા જ જોઈએ. શું ? આ ભવમાં નહીં પણ આવતા ભવે પણ મારે આપવા, જરૂર આપવા જ છે. એવો ભાવ છે, એને વાંધો નથી આવતો અને કેટલાંક કહે છે, શું આપવું-લેવું છે ? કોણ પૂછનાર છે ? ત્યારે એવું ત્યાં આગળ !

અને તો ય નિયમ એવો છે કે પૈસા લેતાંની સાથે જ નક્કી કર્યું હોય કે આના પૈસા મારે પાછા આપવા છે, એવું નક્કી કરીને લેવાય. ત્યાર પછી ચાર-ચાર દહાડે એનો ઉપયોગ દેવો પડે કે આ પૈસા વહેલામાં વહેલી તકે પાછા અપાય એવી ભાવના કરે પાછી. અને તે ભાવના હોય તો રૂપિયા અપાય, નહીં તો રામ તારી માયા.

આપણે કોઈના રૂપિયા લીધા હોય તો આપણો ભાવ ચોખ્ખો રહે તો જાણવું કે આ પૈસા આપણાથી અપાશે, પછી એના માટે ચિંતા-વરીઝ નહીં કરવાની. ભાવ ચોખ્ખો રહે છે કે નહીં, એટલું જ જોવાનું આ એનું લેવલ છે. સામો ભાવ ચોખ્ખો રાખે કે ના રાખે તેના ઉપરથી આપણે જાણીએ. એનો ભાવ ચોખ્ખો ના રહેતો હોય ત્યારથી આપણે જાણીએ કે આ પૈસા જવાના છે.

ભાવ ચોખ્ખો જોઈએ જ. ભાવ એટલે તમારા અધિકારથી તમે શું કરો ? ત્યારે કહે કે, 'આજે બધા રૂપિયા હોત તો આજે જ આપી દઉં !' એનું નામ ચોખ્ખો ભાવ. ભાવમાં તો એવું જ હોય કે ક્યારે વહેલામાં વહેલી તકે અપાય.

પ્રશ્નકર્તા : આ દેવાળું કાઢે ને પછી પૈસા ચૂકવે નહીં તો પછી બીજા અવતારે ચૂકવવાનું ?

દાદાશ્રી : એને ફરી પૈસા દેખાય નહીં, રૂપિયો એના હાથમાં અડે નહીં પછી. આપણો કાયદો શું કહે છે કે રૂપિયા પાછા આપવા માટે તમારે ભાવ ના બગાડવો જોઈએ, તો જરૂર એક દહાડો તમારી પાસે રૂપિયા આવશે, ને દેવું ચૂકવાશે ! ગમે તેટલા રૂપિયા હશે, પણ છેવટે રૂપિયા કંઈ જોડે આવે નહીં માટે કંઈક કામ કાઢી લો. હવે ફરી મોક્ષમાર્ગ મળે નહીં. એક્યાસી હજાર વર્ષ સુધી મોક્ષમાર્ગે ય હાથમાં આવવાનો નહીં. આ છેલ્લામાં છેલ્લું 'સ્ટેન્ડ' છે, હવે આગળ 'સ્ટેન્ડ' નથી.

પૈસાનું કે એવું તેવું સંસારનું દેવું હોતું નથી, રાગ-દ્વેષનું દેવું હોય છે. પૈસાનું દેવું હોત તો અમે ના કહીએ કે, ભઈ, પાંચસો પૂરા માગતો હોય તો 'પાંચસો પૂરા આપી દેજે, નહીં તો તું છૂટીશ નહીં !' અમે તો શું કહીએ છીએ, કે એનો નિકાલ કરજો, પચાસ આપીને ય તું નિકાલ કરજે. અને કહીએ કે, 'તું ખુશ છે ને ?' ત્યારે એ કહે કે, 'હા, હું ખુશ છું.' એટલે નિકાલ થઈ ગયો.

જ્યાં જ્યાં તમે રાગ-દ્વેષ કર્યા હોય, એ રાગ-દ્વેષ, તમને પાછા મળશે.

કોઈ પણ ભોગે બધો હિસાબ ચૂકવવાનો. હિસાબ ચૂકવવા માટે આ બધો અવતાર છે. જન્મ્યા ત્યારથી મરણ સુધી બધું ફરજિયાત છે.

એક માગતાવાળો એક જણને પજવતો હતો. તે મને કહેવા આવ્યો કે, 'આ માગતાવાળો મને ગાળો ખૂબ દેતો હતો.' મેં કહ્યું કે, 'એ આવે ત્યારે મને બોલાવજે.' પછી પેલો માગતાવાળો આવ્યો, ત્યારે મને એનો છોકરો બોલાવવા આવ્યો. હું એને ઘેર ગયો. હું બહાર બેઠો ને પેલો માગતાવાળો અંદર પેલાને બોલતો હતો, 'તમે આવી નાલાયકી કરો છો ? આ તો બદમાશી કહેવાય.' આમ તેમ બહુ ગાળો દેવા માંડ્યો, એટલે પછી મેં અંદર જઈને કહ્યું, 'તમે માગતાવાળા છો ને ?' ત્યારે કહે, 'હા, મેં આપવાનું એગ્રીમેન્ટ (કરાર) કર્યું છે ને તમે લેવાનું એગ્રીમેન્ટ કર્યું છે. અને આ ગાળો તમે દો છો તે 'એકસ્ટ્રા આઈટમ' (વધારાની વસ્તુ) છે, એનું પેમેન્ટ (ચૂકતે) કરવું પડશે. ગાળો દેવાની શરત કરારમાં નથી કરી. ગાળે ચાલીસ રૂપિયા કપાશે. વિનયની બહાર બોલ્યા તો તે 'એકસ્ટ્રા આઈટમ' થઈ કહેવાય, કારણ કે તું કરારની બહાર ચાલ્યો છે. આવું કહીએ એટલે એ ચોક્કસ પાંસરો થાય અને ફરી આવી ગાળો ના ભાંડેને અમે તો આવડું આવડું આપીએ કે એનાથી સામું ના બોલાય ને એ પાંસરો થાય.

એક ભાઈએ તમને અઢીસો રૂપિયા આપ્યા નહીં ને તમારા અઢીસો રૂપિયા ગયા, તેમાં ભૂલ કોની ? તમારી જ ને ? ભોગવે તેની ભૂલ. આ જ્ઞાનથી ધર્મ થશે, એટલે સામા પર આરોપ કરવાનો, કષાય કરવાનું બધું છૂટી જશે. એટલે આ 'ભોગવે તેની ભૂલ' એ તો મોક્ષે લઈ જાય એવું છે ! આ તો એકઝેક્ટ નીકળેલું ને કે 'ભોગવે તેની ભૂલ.'

પ્રશ્નકર્તા : આ જ્ઞાન ઉત્પન્ન થયું તે પહેલાં તમારી ભૂમિકા ઘણી તૈયાર થઈ ગઈ હશે ને ?

દાદાશ્રી : ભૂમિકામાં કશું આવડતું ન હતું. જો આવડતું નહોતું તે મેટ્રિક નાપાસ થઈ ને પડી રહ્યા. મારી ભૂમિકામાં એક ચારિત્ર્યબળ ઊંચું હતું એટલું મેં જોયેલું, છતાં ય ચોરીઓ કરેલી. આ ખેતરમાંથી બોરાં-બોરાં થાય ને છોકરાઓ જોડે જઈએ. તો આંબો કો'કનો ને કેરી આપણે લઈએ, તે ચોરી ના કહેવાય ? તે નાનપણમાં બધાં છોકરાં કેરીઓ ખાવા જાય તે જોડે જોડે જઈએ. ને હું ખઉં ખરો પણ ઘેર ના લઈ જઉં. ચારિત્ર સારું એટલું જાણું.

ને બીજું, ધંધો કરું છું ત્યારથી મને એમ ખબર નથી કે મેં મારા પોતાના માટે, ધંધા સંબંધી વિચાર કર્યો હોય, અમારો ધંધો ચાલતો હોય તે ચાલ્યા કરે, પણ તમે અત્યારે ત્યાં આવ્યા તે તમને પહેલામાં પહેલું પૂછું કે તમારે કેમનું ચાલે છે ? તમારી શી અડચણ છે ? એટલે તમારું સમાધાન કરું તે પછી આ ભાઈ આવ્યા તે એમને કહું કે તમારે કેમનું ચાલુ છે ? એટલે બધી લોકોની અડચણમાં જ પડેલો. આ જ ધંધો મેં આખી જિંદગી કરેલો. કશો ધંધો જ નથી કર્યો કોઈ દહાડો ય.

ફક્ત ધંધો આવડે બહુ. હવે પેલાને ચાર મહિના જાય પછી ગૂંચા ગૂંચા કરતો હોય, તો હું એક દહાડામાં ઉકેલ લાવી આપું.

કારણ કે કોઈનું ય દુઃખ મારાથી સહન ના થાય. અરે, નોકરી હજુ નથી મળતી ? તે છેવટે ચિઠ્ઠી લખી આપું. આમ કરી આપું તેમ કરી આપું પણ રાગે પાડી દઉં. આમ આડે દહાડે ના બોલું, પણ ચિઠ્ઠી લખતી વખતે મોટાભાઈ, મોટાભાઈ લખું.

હું ધંધો કરતો હતો તેમાં મારો એક કાયદો અમારા ભાગીદાર જોડે નક્કી કરેલો. હું નોકરી કરતો હોય તે ટાઈમે જેટલો પગાર મળે એટલા પૈસા ઘેર મોકલવા. એથી વધારે મોકલવા નહીં. એટલે એ પૈસા તદ્ન સાચા જ હોય. બીજા પૈસા અહીં ધંધામાં જ રહેવાના, પેઢીમાં. ત્યારે એ મને કહે છે, 'એને શું કરવાના પછી ?' ત્યારે મેં કહ્યું, ઈન્કમટેક્ષવાળો કહે, 'દોઢ લાખ ભરી જાવ. દાદાના નામથી, તે તમારે ભરી દેવાના. એટલે મને કાગળ લખવો નહીં.'

પ્રશ્નકર્તા : કોઈ માણસે આપણને રૂપિયા આપવાના હોય, આપણે એને આપ્યા હોય એ આપણે એની પાસેથી પાછા લેવાના હોય, અને એ ના આપે, તો એ વખતે આપણે પાછા લેવા માટે પ્રયત્ન કરવો કે પછી આપણું દેવું ચૂક્તે થયું એમ સમજીને સંતોષ માનીને બેસી રહેવું ?

દાદાશ્રી : એમ નહીં, માણસ સારા હોય તો પ્રયત્ન કરવો ને નબળો માણસ હોય તો પ્રયત્ન છોડી દેવો.

પ્રશ્નકર્તા : પ્રયત્ન કરવો અથવા તો એમ કે ભઈ, આપણને આપવાના હશે તો ઘેર બેઠા આપી જશે અને જો ના આવે તો સમજી લેવાનું કે આપણું દેવું ચૂકતે થયું એમ માની લેવાનું ?

દાદાશ્રી : ના, ના એટલું બધું ના માનવું. આપણે સ્વાભાવિક રીતે પ્રયત્ન કરવો જોઈએ. આપણે એને કહેવું જોઈએ કે, 'અમને જરા પૈસાની ભીડ છે, જો આપની પાસે છૂટ થઈ હોય તો અમને મોકલી આપજો.' એવી રીતે વિનયથી, વિવેકથી કહેવું જોઈએ અને ના આવે તો પછી આપણે જાણવું કે આપણો કોઈ હિસાબ હશે તો ચૂકતે થઈ ગયો. પણ આપણે પ્રયત્ન જ ના કરીએ તો એ આપણને મૂરખ માને અને એ ઊંધે રસ્તે ચઢે.

આ સંસાર તો બધું પઝલ છે. આમાં માણસ માર ખાઈ ખાઈને મરી જાય ! અનંત અવતારથી માર ખા ખા કર્યો અને છૂટકારાનો વખત આવે ત્યારે પોતે છૂટકારો ના કરી લે. પછી ફરી છૂટકારાનો આવો વખત જ ના આવે ને ! અને છૂટેલો હોય તો જ છોડાવડાવે, બંધાયેલો આપણને શું છોડાવડાવે ? છૂટેલા હોય એનું મહત્ત્વ છે. આપણને એક દહાડો વિચાર આવે કે 'આ પૈસા નહીં આપે તો શું થશે.' એ આપણું મન પછી નબળું પડતું જાય. એટલે આપણે આપ્યા પછી નક્કી કરવું કે દરિયાની અંદર કાળી ચીંથરી બાંધીને મૂકીએ છીએ, પછી આશા રખાય ? તો આપતાં પહેલાં જ આશા રાખ્યા વગર જ આપો, નહીં તો આપવા નહીં.

એવું છે ને, કે આપણે કો'કના લીધા હોય - દીધા હોય, લેવા-દેવાનું તો જગતમાં કરવું જ પડે ને ! એટલે અમુક માણસને કંઈક રૂપિયા આપ્યા હોય તો તે કો'કના પાછા ના આવે તો એના માટે મનમાં કકળાટ થયા કરે કે, 'એ ક્યારે આપશે, ક્યારે આપશે.' તો આનો ક્યારે પાર આવે ?

અમારે ય એવું બનેલું ને ! પૈસા પાછા ના આવે એની ફિકર તો અમે પહેલેથી નહોતા રાખતા. પણ સાધારણ ટકોર મારીએ, એને કહી જોઈએ ખરાં. અમે એક માણસને પાંચસો રૂપિયા આપેલા. આપ્યા તે તો ચોપડે લખવાના ના હોય તે ચિઠ્ઠીમાં ય સહી કશું ના હોય ને ! તે પછી એને વર્ષ, દોઢ વર્ષ થયું હશે. મને ય કોઈ દહાડો સાંભરેલું નહીં. એક દહાડો પેલા ભાઈ ભેગા થઈ ગયા, મને યાદ આવ્યું. પછી મેં કહ્યું કે, 'પેલા પાંચસો રૂપિયા મોકલી આપજો.' ત્યારે એ કહે છે કે, 'શેના પાંચસો ?' મેં કહ્યું કે, 'તમે મારી પાસેથી લઈ ગયા હતા ને, તે.' ત્યારે એ કહે કે, 'તમે મને ક્યાં ધીરેલા ? તમને રૂપિયા તો મેં ધીરેલા એ તમે ભૂલી ગયા છો ?' ત્યારે હું તરત સમજી ગયો. પછી મેં કહ્યું કે, 'હા, મને યાદ આવે છે ખરું, માટે કાલે આવીને લઈ જજો.' પછી બીજે દહાડે રૂપિયા આપી દીધા. એ માણસ અહીં ચોટે કે તમે મારા રૂપિયા નથી આપતા તો શું કરો ? આ બનેલા દાખલાઓ છે.

એટલે આ જગતને શી રીતે પહોંચી વળાય ? આપણે કોઈને આપ્યા હોય ને, તે આ દરિયામાં કાળી ચીંથરી બાંધીને મહીં મૂક્યા પછી આશા રાખવી એના જેવી મૂર્ખાઈ છે. વખતે આવ્યા તો જમે કરી લેવા ને તે દહાડો એને ચા-પાણી પાવાં કે, 'ભઈ, તમારું ઋણ માનવું પડે કે તમે રૂપિયા પાછા આવીને આપી ગયા નહીં તો આ કાળમાં રૂપિયા પાછા આવે નહીં. તમે આપી ગયા તે અજાયબી જ કહેવાય.' એ કહે કે, 'વ્યાજ નહીં મળે.' તો કહીએ, 'મૂડી લાવ્યો એ જ ઘણું છે ને !' સમજાય છે ? આવું જગત છે. લાવ્યો છે તેને પાછા આપવાનું દુઃખ છે, ધીરે છે તેને પાછા લેવાનું દુઃખ છે. હવે, આમાં કોણ સુખી ? અને છે 'વ્યવસ્થિત' ! નથી આપતો તે ય 'વ્યવસ્થિત' છે, અને ડબલ આપ્યા તે ય 'વ્યવસ્થિત' છે.

પ્રશ્નકર્તા : આપે બીજા પાંચસો કેમ પાછા આપ્યા ?

દાદાશ્રી : ફરી કોઈ અવતારમાં એ ભઈ જોડે આપણને પ્રસંગ ના પડે, એટલી જાગૃતિ રહે ને, કે આ તો ઘર ભૂલ્યા.

લોકોએ જાણ્યું કે મારી પાસે પૈસા આવ્યા છે, એટલે મારી પાસે લોકો પૈસા માગવા આવ્યા. તે પછી '૪૨ થી '૪૪ સુધી મેં બધાને આપ આપ જ કર્યું. પછી '૪૫માં મેં નક્કી કર્યું કે હવે આપણે તો આ મોક્ષ તરફ જવું છે. આ લોકોની જોડે આપણને હવે મેળ ક્યાં સુધી પડશે ? માટે આપણે એવું નક્કી કરો કે આ પૈસાની ઉઘરાણી કરીએ તો ફરી પાછા રૂપિયા લેવા આવશે ને તો ફરી વ્યવહાર ચાલુ રહેશે. એના કરતાં ઉઘરાણી કરીએ તો પાંચ હજાર આપીને પાછા દસ હજાર લેવા આવે. એના કરતાં આ પાંચ હજાર એની પાસે રહે તો એના મનમાં એમ થાય કે 'હવે ભેગા ના થાય તો સારું.' અને રસ્તામાં મને દેખે ને, તો પેલી બીજી બાજુથી જતો રહે, તે હું પણ સમજી જઉં. એટલે હું છૂટ્યો, મારે આ બધાને છોડવા હતા ને એ બધાએ છોડ્યો મને !!

નેચરલ ન્યાય શું કહે છે ? કે જે બન્યું એ કરેક્ટ, જે બન્યું એ જ ન્યાય. જો તમારે મોક્ષે જવું હોય તો બન્યું છે એ ન્યાય સમજો અને તમારે ભડકવું હોય તો કોર્ટના ન્યાયથી નીવેડો લાવો. કુદરત શું કહે છે ? બન્યું એ ન્યાય છે એમ તમે સમજો, તો તમે નિર્વિકલ્પી થતા જશો, અને કોર્ટના ન્યાયથી જો એ કરશો તો વિકલ્પી થતા જશો.

ત્રણ-ત્રણ વખત ધક્કા ખાય તો ય ઉઘરાણીવાળો મળે નહીં. તે વખતે મળે તો પેલો દાંતિયા કરે. આમ તો કેવું છે કે ઘેર બેઠાં નાણું આપવા આવે એવો આ માર્ગ છે. પાંચ-સાત વખત ઉઘરાણી કરી હોય ને છેવટે કહે કે મહિના પછી આવજો, તે ઘડીએ તમારાં પરિણામ ના બદલાય તો ઘેર બેઠાં નાણું આવે. તમારાં પરિણામ બદલાઈ જાય છે ને ? 'આ તો અક્કલ વગરનો છે. નાલાયક માણસ છે, આ ધક્કો માથે પડ્યો.' એવાં પરિણામ બદલાયેલાં હોય. ફરી વાર તમે જાવ તો પેલો ગાળો દે. તમારાં પરિણામ બદલાઈ જાય છે તેથી સામો બગડતો ના હોય તો ય બગાડે.

પ્રશ્નકર્તા : એનો અર્થ એવો થયો કે આપણે જ સામાને બગાડીએ છીએ ?

દાદાશ્રી : આપણું બધું આપણે જ બગાડ્યું છે. આપણને જેટલી અડચણો છે એ બધી આપણે જ બગાડી છે. એનો સુધારવાનો રસ્તો શો ? સામો ગમે તેટલું દુઃખ દેતો હોય, પણ તેને માટે જરા પણ અવળો વિચાર ના આવે, એ એને સુધારવાનો રસ્તો. આમાં આપણું ય સુધરે ને એનું ય સુધરે. જગતના લોકોને અવળા વિચાર આવ્યા વગર રહે નહીં. એટલે આપણે તો સમભાવે નિકાલ કરવાનું કહ્યું, એટલે એ કરે. સમભાવે નિકાલ એટલે શું કે એને માટે કંઈ વિચાર જ કરવાનો નહીં.

અને ઉઘરાણીમાં કોઈ માણસ ના આપતો હોય, એની પાસે ના હોયને ના આપતો હોય તો પછી ઠેઠ સુધી એની પાછળ હેંડ હેંડ ના કર્યા કરવું. એ વેર બાંધે ! ને જાય ભૂતમાં તો આપણને હેરાન કરી નાખે. નથી તેથી નથી આપતો એમાં એનો શું ગુનો બિચારાનો ? હોય ને નથી આપતા લોકો ?

પ્રશ્નકર્તા : હોય ને ના આપતા હોય તો શું કરવું ?

દાદાશ્રી : હોય ને ના આપે તેને ય શું કરીએ આપણે તે ? દાવો માંડીએ બહુ ત્યારે ! બીજું શું ? એને મારીએ તો પોલીસવાળા આપણને પકડી જાય ને ?

બાકી કોર્ટમાં ના જવું ઉત્તમ. જે ડાહ્યો માણસ હોય તે કોર્ટમાં ના જાય. મારું હશે તો આવશે, નહીં આવે તો ગયું. પણ આવાં ભૂતાંને પાછાં ના બોલાવે. વગર કામનાં ભૂતાં પજવ પજવ કરે. હજુ જીતવાનું તો જીતાશે ત્યારે પણ તે પહેલાં તો 'અક્કલ વગરના છો, ગધેડા !' કહેશે. આ અક્કલના કોથળા ! અને આ માણસ ! ગધેડો નહીં ! બધે આવું બોલાય ? આપણે ત્યાં પેલા ભક્ત છે ને, વકીલ, તે કહે છે, અમે ય એવું બોલીએ છીએ. અલ્યા, કઈ જાતના નંગોડ છે તે ? એ તો સારું છે, બિચારા માણસો સુંવાળા તો સાંભળી લે છે, નહીં તો જોડો મારે તમને તો શું કરો ?

તમારી પાસેથી કોઈ રૂપિયા લઈ ગયું, પછી ત્રણ કે ચાર વર્ષ થઈ જાય, તો આપણી રકમ વખતે કોર્ટના કાયદાની બહાર જતી રહે, પણ નેચરનો કાયદો આ લોકો તોડી શકે નહીં ને ! નેચરના કાયદામાં રકમ વ્યાજ સાથે પાછી આપે છે. અહીંના કાયદામાં કશું ના મળે, આ તો સામાજિક કાયદો છે. પણ પેલા નેચરના કાયદામાં તો વ્યાજ સાથે મળે છે. એટલે કોઈ જગ્યાએ કોઈ આપણા રૂપિયા ત્રણસો ના આપતું હોય તો આપણે એની પાસે લેવા જોઈએ. પાછા લેવા માટે કારણ શું છે ? કે આ ભઈ રકમ જ નથી આપતો તો કુદરતનું વ્યાજ તો કેટલું બધું હોય. સો બસો વર્ષમાં તો કેટલી રકમ થઈ જાય ?! એટલે આપણે એની પાસે ઉઘરાણી કરીને પાછા લઈ લેવા જોઈએ. એટલે બિચારો એટલો બધો જોખમમાં તો ના ઉતરે. પણ પેલો આપે જ નહીં ને જોખમમાં ઉતરે તેના આપણે પછી જોખમદાર નથી.

ભાગ
 1 -  2  - 3  -  4  -  5  -  6  -  7  - 8