ભાગ
 1 -  2  - 3  -  4  -  5  -  6  -  7  - 8  

કુદરતના વ્યાજનો દર

પ્રશ્નકર્તા : કુદરતના વ્યાજનો દર શું છે ?

દાદાશ્રી : નેચરલ ઈન્ટરેસ્ટ ઈઝ વન પર્સન્ટ દર બાર મહિને. એટલે સો રૂપિયે એક રૂપિયો ! વખતે તે ત્રણસો રૂપિયા ના આપે તો કશો વાંધો નહીં. આપણે કહીએ કે હું ને તું બે દોસ્ત. આપણે પત્તા સાથે રમીએ. કારણ કે આપણી રકમ કશી જવાની તો નથી ને ! આ નેચર એટલી બધી કરેકટ છે કે તમારો વાળ એકલો જ ચોરી લીધો હશે, તો ય પણ એ જવાનો નથી. નેચર બિલકુલ કરેક્ટ છે. પરમાણુ પરમાણુ સુધીનું કરેક્ટ છે. માટે વકીલ રાખવા જેવું જગત જ નથી. મને ચોર મળશે, બહારવટિયો મળશે એવો ભય પણ રાખવા જેવો નથી. આ તો પેપરમાં આવે કે આજે ફલાણાને ગાડીમાંથી ઉતારીને દાગીના લૂંટી લીધા, ફલાણાને મોટરમાં માર્યા ને પૈસા લઈ લીધા. 'તો હવે સોનું પહેરવું કે ના પહેરવું ?' ડોન્ટ વરી ! કરોડ રૂપિયાનાં રત્નો પહેરીને ફરશો તો ય તમને કોઈ અડી શકે એમ નથી. એવું આ જગત છે. અને તે બિલકુલ કરેક્ટ છે. જો તમારી જોખમદારી હશે તો જ તમને અડશે. તેથી અમે કહીએ છીએ કે તમારો ઉપરી કોઈ બાપો ય નથી. માટે 'ડોન્ટ વરી !' (ચિંતા કરશો નહીં) નિર્ભય થઈ જાવ !

ધંધામાં અણહક્કનું નહીં. ને જે દહાડે અણહક્કનું લેવાઈ જાય, તે દહાડે બરકત નહીં રહે ધંધામાં. ભગવાન હાથ ઘાલતા જ નથી. ધંધામાં તો તારી આવડત ને તારું નૈતિક ધોરણ બે જ કામ લાગશે. અનૈતિક ધોરણ વરસ, બે વરસ સારું મળશે, પણ પછી નુકસાન જશે. ખોટું થાય તો છેવટે પસ્તાવો કરશો તો ય છૂટશો. વ્યવહારનો સાર આખો હોય તો તે નીતિ. નીતિ હશે ને પૈસા ઓછા હશે તો પણ તમને શાંતિ રહેશે અને નીતિ નહીં હોય ને પૈસા ખૂબ હશે તો ય અશાંતિ રહેશે. નૈતિકતા વગર ધર્મ જ નથી. ધર્મનો પાયો જ નૈતિકતા છે !

આમાં એવું કહે છે કે સંપૂર્ણ નીતિ પળાય તો પાળ અને એ ના પળાય તો નક્કી કર કે દહાડામાં મારે ત્રણ નીતિ તો પાળવી છે. અને નહીં તો નિયમમાં રહીને અનીતિ કરું તો એ પણ નીતિ છે. જે માણસ નિયમમાં રહીને અનીતિ કરે છે એને હું નીતિ કહું છું. ભગવાનના પ્રતિનિધિ તરીકે વીતરાગોના પ્રતિનિધિ તરીકે હું કહું છું કે અનીતિ પણ નિયમમાં રહીને કર, એ નિયમ જ તને મોક્ષે લઈ જશે. અનીતિ કરે કે નીતિ કરે તેનો મને સવાલ નથી, પણ નિયમમાં રહીને કર. આખા જગતે જ્યાં આગળ તેલ કાઢી નાખ્યું ત્યાં આગળ અમે કહ્યું કે આનો વાંધો નથી, તું તારે નિયમમાં રહીને કર.

આપણે તો એમ કહ્યું છે કે અનીતિ કર પણ નિયમથી કરજે. એક નિયમ બાંધ કે ભઈ, મારે આટલી જ અનીતિ કરવી છે, આથી વધારે નહીં. રોજ દસ રૂપિયા દુકાને વધારે લેવા છે, એથી વધારે પાંચસો રૂપિયા આવે તો ય મારે નથી લેવા.

આ અમારું ગૂઢ વાક્ય છે. આ વાક્ય જો સમજાય તો કામ થઈ જાયને ? ભગવાન પણ ખુશ થઈ જાય કે પારકી ગમાણમાં ખાવું છે અને તે પાછો પ્રમાણસર ખાય છે ! નહીં તો પારકી ગમાણમાં ખાવું ત્યાં પછી પ્રમાણ હોય જ નહીં ને ?!

આપની સમજમાં આવે છે ને ? કે અનીતિનો પણ નિયમ રાખ. હું શું કહું છું કે, 'તારે લાંચ લેવી નથી અને તને પાંચસો ખૂટે છે, તો તું કકળાટ ક્યાં સુધી કરીશ ?' લોકો, ભાઈબંધો પાસે ઉછીના રૂપિયા લે છે તેથી વધારે જોખમ વહોરે છે, એટલે હું એને સમજણ પાડું કે 'ભઈ, તું અનીતિ કર, પણ નિયમથી કર,' હવે નિયમથી અનીતિ કરે એ નીતિવાન કરતાં શ્રેષ્ઠ છે. કારણ કે નીતિવાનના મનમાં રોગ પેસે કે, 'હું કંઈક છું,' જ્યારે આના મનમાં રોગ પણ ના પેસે ને ?

આવું કોઈ શીખવાડે જ નહીં ને ? નિયમથી અનીતિ કરે એ તો બહુ મોટામાં મોટું કાર્ય છે.

અનીતિ પણ નિયમથી છે તો એનો મોક્ષ થશે, પણ જે અનીતિ નથી કરતો, જે લાંચ નથી લેતો તેનો મોક્ષ શી રીતે થાય ? કારણ કે જે લાંચ લેતો નથી તેને 'હું લાંચ લેતો નથી' એ, કેફ ચઢી ગયેલો હોય. ભગવાન પણ એને કાઢી મેલે કે 'હેંડ જા, તારું મોઢું ખરાબ દેખાય.' એથી અમે લાંચ લેવાનું કહીએ છીએ એવું નથી, પણ જો તારે અનીતિ જ કરવી હોય તો તું નિયમથી કરજે. નિયમ કર કે ભઈ, મારે લાંચના પાંચસો જ રૂપિયા લેવા. પાંચસો રૂપિયાથી વધારે કંઈ પણ આપે, અરે પાંચ હજાર રૂપિયા આપે તો ય બધા પાછા કાઢવાના. આપણને ઘરખર્ચમાં ખૂટતા હોય એટલા પાંચસો રૂપિયા જ લાંચના લેવા. બાકી, આવી જોખમદારી તો અમે જ લઈએ છીએ. કારણ કે આવા કાળમાં લોકો લાંચ ના લે, તો શું કરે બિચારો ? તેલ-ઘીના ભાવ કેટલા ઊંચા ચઢી ગયા છે, સાકરના ભાવ કેટલા ઊંચા છે ? ત્યારે છોકરાની ફીના પૈસા આપ્યા વગર રહેવાય ? જુઓને. તેલના ભાવ કંઈ સત્તર રૂપિયા કહે છે ને ?

પ્રશ્નકર્તા : હા.

દાદાશ્રી : ત્યારે કાળા બજાર વેપારીઓ કરે છે તેનું ચાલે અને નોકરોનું કોઈ ઉપરાણું લેનારો જ ના રહ્યો ?! એટલે અમે કહીએ છીએ કે લાંચ પણ નિયમસર લેજે. તો એ નિયમ તને મોક્ષે લઈ જાય. લાંચ નથી નડતી, અનિયમ નડે છે.

પ્રશ્નકર્તા : અનીતિ કરે એ તો ખોટું જ કહેવાય ને ?

દાદાશ્રી : આમ એ તો ખોટું જ કહે છે ને ! પણ ભગવાનને ઘેર તો જુદી જ જાતની વ્યાખ્યા છે. ભગવાનને ત્યાં તો અનીતિ કે નીતિ ઉપર ઝઘડો જ નથી. ત્યાં આગળ તો અહંકારનો વાંધો આવે છે. નીતિ પાળનારાઓને અહંકાર બહુ હોય. એને તો વગર દારૂ એ કેફ ચઢેલો હોય.

પ્રશ્નકર્તા : હવે પાંચસો રૂપિયાની લાંચ લેવાની છૂટ આપી તો પછી જેમ જરૂરિયાત વધતી જાય તો પછી એ રકમ પણ વધારે લે તો ?

દાદાશ્રી : ના, એ તો એક જ નિયમ પાંચસો એટલે પાંચસો જ, પછી એ નિયમમાં જ રહેવું પડે.

અત્યારે માણસ શી રીતે આ બધી મુશ્કેલીઓથી દહાડા કાઢે ? અને પછી એને ખૂટતા રૂપિયા ના મળે તો શું થાય ? ગૂંચવાડો ઊભો થાય કે રૂપિયા ખૂટે છે, એ ક્યાંથી લાવવા ? આ તો એને ખૂટતા બધા આવી ગયા. એને ય પછી પઝલ સોલ્વ થઈ ગયું ને ? નહીં તો આમાંથી માણસ ઊંધો રસ્તો લે ને પછી અવળે રસ્તે ચાલ્યો જાય, પછી એ આખી લાંચ લેતો થઈ જાય, એના કરતાં આ વચગાળાનો માર્ગ કાઢ્યો છે અને એ અનીતિ કરી છતાં ય નીતિ કહેવાય, અને એને ય સરળતા થઈ ગઈ ને નીતિ કહેવાય અને તેનું ઘર ચાલે.

મૂળ વસ્તુસ્થિતિમાં હું શું કહેવા માગું છું એ જો સમજે ને તો કલ્યાણ થઈ જાય. દરેક વાક્યમાં હું શું કહેવા માગું છું, એ આખી વાત જ જો સમજવામાં આવે તો કલ્યાણ થઈ જાય. પણ જો એ એની ભાષામાં વાતને લઈ જાય તો શું થાય ? દરેકની ભાષા સ્વતંત્ર હોય જ, તે પોતાની ભાષામાં લઈ જઈને ફિટ કરી દે, પણ આ એની સમજણમાં ના આવે કે 'નિયમથી અનીતિ કર !'

અમે ય ધંધાદારી માણસ છીએ. તે સંસારમાં ધંધો-રોજગાર ઈન્કમટેક્ષ વગેરે બધું ય અમારે પણ છે. અમે કન્ટ્રાક્ટનો નંગોડ ધંધો કરીએ છીએ. છતાં એમાં અમે સંપૂર્ણ 'વીતરાગ' રહીએ છીએ એવા 'વીતરાગ' શાથી રહેવાય છે ? 'જ્ઞાનથી'. અજ્ઞાનથી લોકો દુઃખી થઈ રહ્યા છે.

પ્રશ્નકર્તા : આ ખોટું કરવાની ઈચ્છા નથી પણ કરવું પડે છે.

દાદાશ્રી : એ ફરજિયાત કરવું પડે તેનો પસ્તાવો હોવો જોઈએ. અડધો કલાક બેસીને પસ્તાવો હોવો જોઈએ, 'આ નથી કરવું છતાં ય કરવું પડે છે.' આપણો પસ્તાવો જાહેર કર્યો એટલે આપણે ગુનામાંથી છૂટ્યા. આ તો આપણી ઈચ્છા નહીં હોવા છતાં ય ફરજિયાત કરવું પડે છે, એનું પ્રતિક્રમણ કરવું પડે છે. 'આવું જ કરવું જોઈએ' તો તેમને ઊંધું થશે. આવું કરીને રાજી થાય એવા ય માણસો ખરા ને ! આ તો તમે હળુકર્મી એટલે તમને આ પસ્તાવો થાય. નહીં તો લોકોને પસ્તાવો ય ના થાય.

વધારે નાણું હોય તો ભગવાનના કે સીમંધર સ્વામીના દેરાસરમાં આપવા જેવું બીજું એકે ય સ્થાન નથી. અને ઓછું નાણું હોય તો મહાત્માઓને જમાડવા જેવું બીજું એકું ય નથી ! અને એથી ઓછું નાણું હોય તો કોઈ દુઃખીયાને ત્યાં આગળ આપજો. અને તે ય રોકડાથી નહીં, ખાવાનું-પીવાનું બધું પહોંચાડીને ! ઓછા નાણામાં ય દાન કરવું હોય તો પોષાય કે ના પોષાય ?

[૪] મમતા રહિતતા

પોતાનામાં કોઈ ભાગીદારી કરે નહીં, મહીં આમ હાથે ય ઘાલે નહીં. આ તો અક્કલનો ઈસ્કોતરો હોય તે કર્યા જ કરે. આપણે છોકરાને પૂછીએ કે 'અલ્યા ભાઈ આ ચોરીઓ કરી કરીને ધન કમાઈએ છીએ.' ત્યારે એ કહે, 'તમારે કમાવવું હોય તો કમાવ, અમારે એવું નથી જોઈતું, ઉપરથી પાછી બૈરી કહે, આખી જિંદગી ખોટાં કર્યાં છે. હવે છોડી દો ને બળ્યાં ? તો ય ના છોડે મૂઓ.

આપવાનું શીખ્યો ત્યારથી સદ્બુધ્ધિ ઉત્પન્ન થઈ. અનંત અવતારથી આપવાનું શીખ્યો જ નથી. એંઠવાડો ય આપવાનો એને પસંદ નથી, એવો મનુષ્યનો સ્વભાવ ! ગ્રહણ કરવાની જ ટેવ છે એને ! તેમાં જાનવરમાં હતો તો ય ગ્રહણ કરવાની જ ટેવ, આપવાનું નહીં ! એ જ્યારે આપવાનું શીખે ત્યારથી મોક્ષ ભણી વળે છે.

ચેક આવ્યો ત્યાંથી જ સમજોને કે આને વટાવીશ એટલે પૈસા આવશે ! તે આ તો ચેક લઈને આવ્યા હતા. અને તે આજ વટાવ્યો તમે ! વટાવ્યામાં શું મહેનત તમે કરી ? ત્યારે લોક કહેશે, હું આટલું કમાયો, મેં મહેનત કરી ! અલ્યા, એક ચેક વટાવી લાવ્યો એમાં મહેનત કરી કહેવાય ? તે પાછો જેટલાનો ચેક હોય એટલો જ વટાવાય. વધારે ના મળે ને ? એ તમને સમજાયું ?

મારું કહેવાનું કે ગંભીરતા પકડો, શાંતિ પકડો, કારણ કે જે પૂરણ ગલન માટે લોકો દોડધામ કરી રહ્યા છે, અને ગુણકાર - ભાગાકાર કરી રહ્યા છે એ એના અવતારો બગાડે છે અને બેન્ક બેલેન્સમાં કંઈ ફેરફાર થાય એવો નથી, એ નેચરલ છે. નેચરલમાં શું કરી નાખવાનાં છે ? એટલે આ તમારો ભય ટાળીએ છીએ. અમે 'જેમ છે તેમ' ખુલ્લું કરીએ છીએ કે સરવાળા-બાદબાકી કોઈના હાથમાં નથી, એ નેચરના હાથમાં છે. બેન્કમાં સરવાળો થવો એ ય નેચરના હાથમાં છે અને બેન્કમાં બાદબાકી થવી એ ય નેચરના હાથમાં છે. નહીં તો બેન્કવાળો એક જ ખાતું રાખત. ક્રેડિટ એકલું જ રાખત, ડેબિટ રાખત નહીં.

કોઈની ય જોડે કચકચ ના કરશો. ને એવા કોક દહાડો જ મળી આવે ને ! હવે એની જોડે બાઝીએ એમાં શું કાઢવાનું ? પહેલું એકવાર કહી મૂકીએ કે 'આ ભગવાન તો માથે સંભાર' ત્યારે કહે, 'ભગવાન-બગવાન શું ?' એ બીજા શબ્દ નીકળેને એટલે આપણે સમજી જઈએ કે આ હુલ્લડવાળો છે !

અને લાચારી જેવું બીજું પાપ નથી. લાચારી થતી હશે ? નોકરી ના મળતી હોય તો ય લાચારી, ખોટ ગઈ તો ય લાચારી, ઈન્કમટેક્ષ ઓફિસર ટૈડકાવતો હોય તો ય લાચારી. એ ય અલ્યા, લાચારી શું કરે છે તે. બહુ ત્યારે પેલો પૈસા લઈ લેશે, ઘર લઈ લેશે. બીજું શું લઈ લેશે ? લાચારી શેને માટે કરવાની. લાચારી તો ભયંકર અપમાન છે ભગવાનનું. આપણે લાચારી કરી તો મહીં ભગવાનને ભયંકર અપમાન થાય. પણ શું કરે ભગવાન ?

વ્યાવહારિક કાયદો કેવો છે ! શેરબજારની ખોટ થયેલી હોય તો તે કરિયાણા બજારથી ના વાળીશ. શેરબજારમાં જ વાળજે.

મચ્છરો ખૂબ હોય તો યે આખી રાત ઊંઘવા ના દે અને બે મચ્છરો હોય તો યે આખી રાત ઊંઘવા ના દે. તો આપણે કહેવું કે 'હે મચ્છરમય દુનિયા ! બે જ ઊંઘવા નથી દેતા તો બધા જ આવોને.' આ નફા-ખોટ એ મચ્છરાં જ કહેવાય. મચ્છરાં તો આવ્યા જ કરે. આપણે એને ઉડાડ્યા કરવાનાં અને આપણે સૂઈ જવાનું.

મહીં અનંત શક્તિ છે. એ શક્તિવાળા શું કહે છે, કે 'હે ચંદુભાઈ ! તમારો શું વિચાર છે ?' ત્યારે મહીં બુધ્ધિ બોલે કે આ ધંધામાં આટલી ખોટ ગઈ છે. હવે શું થાય ? હવે નોકરી કરીને ખોટ વાળોને. મહીં અનંત શક્તિવાળા શું કહે છે કે, અમને પૂછોને, બુધ્ધિની શું કરવા સલાહ લો છો ? અમને પૂછોને, અમારી પાસે અનંત શક્તિ છે. જે શક્તિ ખોટ ખવડાવે છે એ શક્તિ પાસે જ નફો ખોળો ને ! ખોટ ખવડાવે છે બીજી શક્તિ અને નફો ખોળો છે બીજા પાસે. એ શી રીતે ભાગાકાર થશે ? મહીં અનંત શક્તિ છે. તમારો 'ભાવ' ના ફર્યો તો આ જગતમાં કોઈ શક્તિ નથી કે તમારી ઇચ્છા પ્રમાણે ના ફરે. એવી અનંત શક્તિ આપણી મહીં છે. પણ કોઈને દુઃખ ના થાય, કોઈની હિંસા ના થાય, એવા આપણા લૉ(કાયદા) હોવા જોઈએ. આપણા 'ભાવ'નો લો એટલો બધો કઠણ હોવો જોઈએ, કે દેહ જાશે પણ આપણો ભાવ ન તૂટે. દેહ જાય તો એક ફેરો જશે એટલે એમાં કંઈ ડરવાની જરૂર ના હોય. એવું ડરે તો તો આ લોકોની દશા જ બેસી જાયને, કોઈ સોદો જ ના કરે ને ! અમે તો એવા મોટા મોટા માણસ જોયા છે કે એ પાછો દલાલ હોય. એ ચાલીસ લાખ રૂપિયાની ઉઘરાણીની વાતો કરે અને પાછા કહે છે શું કે, દાદા, બધાં જ ઘણાખરાં લોકો અવળું જ બોલે છે, તે શું થશે ? ત્યારે મેં કહ્યું કે, જરા ધીરજ

પકડવી પડે, પાયો સ્ટ્રોંગ રાખવો પડે. આ ગાડીઓ આટલી બધી સ્પીડમાં ચાલે છે. આમાં જીવતાં નીકળે છે તો ધંધામાં સેફ નહીં નીકળાય ? બહાર તો જરા વારમાં બીક લાગે. જરા જરામાં અથડાઈ જશે એવું લાગે પણ કંઈ અથડાતું જોવામાં આવતું નથી. બધાં કંઈ અથડાઈ જાય છે ? એ લોકો નીકળી જાય છે તો આ નહીં નીકળી જાય ? એ રસ્તા પર તો જો ભય પેઠોને તો તો પછી તમે સાંતાક્રૂઝથી અહીં દાદર શી રીતે આવો ? અને આવો છો તો તમે મૂર્ચ્છિત હો તો જ ભય ના લાગે માટે મહીં જરા સ્ટ્રોંગ રાખોને ! એટલે જે જગ્યાએ ઘા પડેને તે જગ્યાએ રૂઝાઈ જાય માટે જગ્યા ફેર ના કરીએ. જો કે અમે કાયદાની દ્રષ્ટિએ ય જાણીએ કે આમ હોવું ઘટે.

તમારામાં જે જે શક્તિ હોય તેનાથી આપણે ઓબ્લાઈઝ કરવા. બીજી રીતે કરવું પણ સામાને સુખ આપવું બધાંને. સવારમાં નક્કી કરવું જોઈએ કે જે મને ભેગા થાય તેને કંઈનું કંઈ સુખ આપવું છે. પૈસા અપાય નહીં તો બીજા બહુ રસ્તા છે. સમજણ પાડી શકાય, કંઈ ગૂંચાયો હોય તો ધીરજ આપી શકાય અને પૈસા ય પાંચ-પચાસ ડોલર તો આપી શકાય ને !

જેટલી જવાબદારીથી પારકાનું કરે એ પોતાનું કરે.

પ્રશ્નકર્તા : પારકાનું કરે એ પોતાનું કરે. એ કઈ રીતે ?

દાદાશ્રી : બધા આત્મા એક જ સ્વભાવના છે. એટલે જે આત્મા માટે કરે તે પોતાના આત્માની પાસે પહોંચે. પારકાના આત્મા માટે કરે તે પોતાના આત્માને પહોંચે અને જે પારકાના દેહ માટે કરે તે ય પહોંચે. હા, ફક્ત આત્મા માટે કરે તે બીજી રીતે પહોંચે. મોક્ષમાં જવાનો રસ્તો ખુલ્લો થઈ જાય, અને દેહને એકલાને માટે કરે તો અહીં સુખ ભોગવ્યા કરે. એટલે આટલો ફેર છે ફક્ત.

પ્રશ્નકર્તા : મને મારા મામાએ જે ધંધામાં ફસાવ્યો છે, તે જ્યારે જ્યારે આમ યાદ આવે ને ત્યારે મને મામા માટે ખૂબ ઉદ્વેગ આવે કે આ કેમ કર્યું હશે ? મારે શું કરવું ? કંઈ સમાધાન જડતું નથી.

દાદાશ્રી : એવું છે કે તારી ભૂલ છે તેથી તને તારા મામા ફસાવે છે. જ્યારે તારી ભૂલ પૂરી થઈ જશે, પછી તને કોઈ ફસાવનારું મળશે નહીં. જ્યાં સુધી તમને ફસાવનાર મળે છે ને, ત્યાં સુધી તમારી જ ભૂલો છે. કેમ મને કોઈ ફસાવનાર મળતો નથી ? મારે ફસાવું છે તો યે કોઈ મને ફસાવતું નથી અને તને કોઈ ફસાવા આવે તો તું છટકીય જાઉં ! પણ મને તો છટકતાંય નથી આવડતું, એટલે કોઈ તમને ક્યાં સુધી ફસાવશે ? કે જ્યાં સુધી તમારો કંઈ ચોપડાનો હિસાબ બાકી છે. લેણા-દેણાનો હિસાબ બાકી છે, ત્યાં સુધી જ તમને ફસાવશે. મારે ચોપડાના બધા હિસાબ પૂરા થઈ ગયા છે. વચ્ચે તો હું એટલે સુધી લોકોને કહેતો હતો કે ભઈ, જેને કોઈને પૈસાની ભીડ હોય તો મારી પાસેથી આવીને લઈ જજો. પણ મને એક ધોલ મારીને પાંચસો લઈ જવાના.

ત્યારે એ લોકો કહે કે, ના ભઈ સા'બ, ભીડમાં તો હું ગમે-તેમ કરીશ, પણ તમને હું ધોલ મારું તો મારી શી દશા થાય ? હવે ગમે તે માણસને આ વાત ના કરાય, અમુક જ ડેવલપ્ડ માણસને વાત કહી શકાય.

એટલે વર્લ્ડમાં તને કોઈ ફસાવનાર નથી. વર્લ્ડનો તું માલિક જ છે, તારો કોઈ ઉપરી જ નથી. ખુદા એકલા જ તારા ઉપરી છે. પણ જો તું ખુદને ઓળખું ને, પછી કોઈ તારું ઉપરી જ ના રહ્યું. પછી કોણ ફસાવનાર છે વર્લ્ડમાં ! કોઈ આપણી ઉપર નામ દે એવું નથી. પણ આ તો જો ને કેટલી બધી ફસામણ થઈ છે !

એટલે મામાએ મને ફસાવ્યો છે, એવું મનમાંથી કાઢી નાખજે ને વ્યવહારમાં કો'ક પૂછે ત્યારે એવું ના કહેવું કે મેં એમને ફસાવેલા તેથી એમણે મને ફસાવ્યો ! કારણ આ વિજ્ઞાનની લોકોને ખબર નથી, તેથી એમની ભાષામાં વાત કરવી જોઈએ કે મામાએ આવું કર્યું. પણ અંદરખાને જાણીએ કે એમાં મારી જ ભૂલ છે. આ 'દાદા' કહેતા હતા તે જ રાઈટ છે. અને આ વાતે ય સાચી જ છે ને, કારણ મામા અત્યારે ભોગવતા નથી, એ તો મોટર લાવીને અત્યારે મઝા કરે છે. કુદરત એને પકડશે ત્યારે એનો ગુનો સાબિત થશે અને આજ તો તને કુદરતે પકડયો ને !!

દુકાન પર ના જઈએ તો દુકાન રાજી ના થાય. દુકાન રાજી થાય તો કમાણી થાય. એવું અહીં સત્સંગમાં પાંચ મિનિટ, વધારે ના હોય તો પાંચદશ મિનિટ પણ આવીને દર્શન કરી જાવ, જો અહીં અમે છીએ તો ! હાજરી તો આપવી જ રહીને !

એટલે આ દાદાનો તો બ્લેન્ક ચેક, કોરો ચેક કહેવાય. એ વારેઘડીએ વટાવવા જેવો નહીં, ખાસ અડચણ આવે તો સાંકળ ખેંચજો. સીગરેટનું પાકીટ પડી ગયું હોય અને આપણે ગાડીની સાંકળ ખેંચીએ તો દંડ થાય કે ના થાય ? એટલે એવો દુરુપયોગ ના કરવો.

પ્રશ્નકર્તા : અત્યારે ટેક્ષો એટલા બધા છે કે ચોરી કર્યા વગર મોટા મોટા ધંધાનું સમતોલન થાય નહીં. બધા લાંચ માંગે તો એના માટે ચોરી તો કરવી જ પડે ને ?

દાદાશ્રી : ચોરી કરો પણ તમને પસ્તાવો થાય છે કે નહીં ? પસ્તાવો થાય તો ય એ હળવું થઈ જાય.

પ્રશ્નકર્તા : તો પછી આ સંજોગોમાં શું કરવું જોઈએ ?

દાદાશ્રી : આપણે જાણીયે કે આ ખોટું થાય છે, ત્યાં આપણે હાર્ટિલી પસ્તાવો કરવો. બળતરા થવી જોઈએ તો જ છુટાય. અત્યારે કંઈ કાળા બજારનો માલ લાવ્યાં તે પછી કાળા બજારમાં વેચવો પડે જ. તો ચંદુલાલને કહેવાનું, કે પ્રતિક્રમણ કરો. હા, પહેલાં પ્રતિક્રમણ કરતાં ન હતાં. તેથી કર્મનાં તળાવડાં બધાં ભર્યાં. હવે આ પ્રતિક્રમણ કર્યું, એટલે ચોખ્ખું કરી નાખવું. લોભ કોના નિમિત્તે થાય છે ? લોખંડ કાળા બજારમાં વેચ્યું તો આપણે ચંદુલાલને કહેવું, 'ચંદુલાલ, વેચો તેનો વાંધો નહીં, એ 'વ્યવસ્થિત'ના આધીન છે. પણ તેનું હવે પ્રતિક્રમણ કરી લો. અને કહીયે કે ફરી આવું ના થાય.

એક જણ કહે, 'મને ધર્મ નથી જોઈતો. ભૌતિક સુખો જોઈએ છે.' તેને હું કહીશ, 'પ્રામાણિક રહેજે, નીતિ પાળજે.' મંદિરમાં જવાનું નહીં કહું. બીજાને તું આપું છું તે દેવધર્મ છે. પણ બીજાનું અણહક્કનું લેતો નથી એ માનવધર્મ છે. એટલે પ્રામાણિકપણું એ મોટામાં મોટો ધર્મ છે. 'ડીસ્ઓનેસ્ટી ઈઝ ધી બેસ્ટ ફૂલીશનેસ !' ઓનેસ્ટ થવાતું નથી તો મારે. શું દરિયામાં પડું ? મારા દાદા શીખવાડે છે કે, ડીસ્ઓનેસ્ટ થાઉ તેનું પ્રતિક્રમણ કર. આવતો ભવ તારો ઉજળો થઈ જશે. ડીસ્ઓનેસ્ટીને, ડીસ્ઓનેસ્ટી જાણ ને તેનો પશ્ચાત્તાપ કર. પશ્ચાત્તાપ કરનાર માણસ ઓનેસ્ટ છે એ નક્કી છે.

અનીતિથી પૈસા કમાય એ બધું જ છે તે એના ઉપાય બતાવેલા હોય કે અનીતિથી પૈસા કમાય તો 'ચંદુલાલ'ને રાત્રે શું કહેવું ? કે પ્રતિક્રમણ કર કર કરો કે અનીતિથી કેમ કમાયા ? માટે પ્રતિક્રમણ કરો. રોજ ૪૦૦-૫૦૦ પ્રતિક્રમણ કરાવડાવે. પોતાને શુધ્ધાત્માએ કરવાનું નહીં. 'ચંદુલાલ'ની પાસે કરાવડાવવું. જે અતિક્રમણ કરે તેની પાસે પ્રતિક્રમણ કરાવડાવે.

હમણાં ભાગીદાર જોડે મતભેદ પડી જાય, તો તરત તમને ખબર પડી જાય કે આ વધારે પડતું બોલી જવાયું. એટલે તરત એના નામનું પ્રતિક્રમણ કરવું. આપણું પ્રતિક્રમણ કેશ પેમેન્ટનું હોવું જોઈએ. આ બેંકે ય કેશ કહેવાય છે અને પેમેન્ટે ય કેશ કહેવાય છે.

આ સંસારમાં અંતરાય કેવી રીતે પડે છે તે તમને સમજાવું. તમે જે ઓફિસમાં નોકરી કરતા હો ત્યાં તમારા 'આસિસ્ટન્ટ'ને અક્કલ વગરનો કહો, એ તમારી અક્કલ પર અંતરાય પડ્યો ! બોલો, હવે આ અંતરાયથી આખું જગત ફસાઈ ફસાઈને આ મનુષ્યજન્મ એળે ખોઈ નાખે છે ! તમને 'રાઈટ' જ નથી સામાને અક્કલવગરનો કહેવાનો. તમે આવું બોલો એટલે સામો પણ અવળું બોલે, તે એને ય અંતરાય પડે ! બોલો હવે, આ અંતરાયમાં જગત શી રીતે અટકે ? કોઈને તમે નાલાયક કહો તો તમારી લાયકાત ઉપર અંતરાય પડે છે ! તમે આનું તરત જ પ્રતિક્રમણ કરો તો એ અતંરાય પડતાં પહેલાં ધોવાઈ જાય.

પ્રશ્નકર્તા : નોકરીની ફરજો બજાવતાં મેં બહુ કડકાઈથી લોકોનાં અપમાન કરેલાં, ધૂતકારી કાઢેલાં.

દાદાશ્રી : એ બધાનું પ્રતિક્રમણ કરવાનું. એમાં તમારો ખરાબ ઇરાદો નહીં, તમારે પોતાને માટે નહીં, સરકારને માટે કરેલું બધું. એટલે એ સિન્સીયારિટી કહેવાય.

ભાગ
 1 -  2  - 3  -  4  -  5  -  6  -  7  - 8