ભાગ
 1 -  2  - 3  -  4  -  5  -  6  -  7  - 8  

પૈસાનો વ્યવહાર

સંપાદકીય

''અણહક્કના વિષયો નર્કે લઈ જાય'',

''અણહક્કની લક્ષ્મી તીર્યંચમાં (પશુયોનિમાં) લઈ જાય'' - દાદાશ્રી

સંસ્કારી ઘરાનામાં અણહક્કનાં વિષયો પ્રત્યે જાગૃતિ ઘણી ઘણી જગ્યાએ પ્રવર્તે પણ અણહક્કની લક્ષ્મી સંબંધીની જાગૃતિ જડવી બહુ મુશ્કેલ છે. હક્કની અને અણહક્કની લક્ષ્મીની સીમા જ જડે તેમ નથી, તેમાં ય આ ભયંકર કળિકાળમાં !

પરમ જ્ઞાની દાદાશ્રીએ એમની સ્યાદ્વાદ દેશનામાં આત્મધર્મના સર્વોત્તમ ટોચના સર્વે ફોડ આપ્યા છે એટલું જ નહિ, પણ વ્યવહાર ધર્મના પણ એટલી જ ઊંચાઈના ફોડ આપ્યા છે. જેથી નિશ્ચય વ્યવહારની બન્ને પાંખે સમાંતરે મોક્ષમાર્ગે ઊડાય ! અને આ કાળમાં વ્યવહારમાં જો સૌથી વિશેષ પ્રાધાન્ય મળ્યું હોય તો તે એક પૈસાને ! અને એ પૈસાનો વ્યવહાર જ્યાં સુધી આદર્શતાને ન વરે ત્યાં સુધી વ્યવહાર બુધ્ધિ ગણાતી નથી. અને જેનો વ્યવહાર બગડ્યો તેનો નિશ્ચય બગડ્યા વિના રહે જ નહિ ! માટે પૈસાનો અણીશુધ્ધ વ્યવહાર તે આ કાળને લક્ષમાં રાખીને પૂજ્યશ્રીએ સુંદર વિશ્શલેષણ કર્યું છે. અને એવો અણીશુધ્ધ આદર્શ લક્ષ્મીનો વ્યવહાર તેઓશ્રીના જીવનમાં જોવા મળ્યો છે, મહા મહા પુણ્યશાળીઓને !

ધર્મમાં, વેપારમાં, ગૃહજીવનમાં લક્ષ્મી સંબંધી જાતે ચોખ્ખો રહી તેઓશ્રીએ જગતને એક અજાયબ આદર્શ દેખાડ્યું. તેઓશ્રીનું સૂત્ર, 'વેપારમાં ધર્મ ઘટે પણ ધર્મમાં વેપાર ન ઘટે.' બન્નેમાં આદર્શતા ઊઘાડી કરે છે ! તેઓશ્રીએ એમનાં જીવનમાં અંગત એક્સપેન્સ (ખર્ચ) માટે ક્યારેય કોઈનો એક પૈસો પણ સ્વીકાર્યો નથી. પોતાના પૈસા ખર્ચીને ગામેગામ સત્સંગ આપવા જતાં, પછી તે ટ્રેનનો હોય કે પ્લેનનો હોય ! કરોડો રૂપિયા, સોનાના દાગીના તેઓશ્રી આગળ ભાવિકોએ ધર્યા છતાં તેઓશ્રી તેને અડ્યા નથી. દાન કરવાની જેને ખૂબ જ દબાણપૂર્વકની ઈચ્છા હોય તેવાંઓને લક્ષ્મી સારા રસ્તે, મંદિરમાં, કે લોકોને જમાડવામાં વાપરવા સૂચવતા. અને તે ય તે વ્યક્તિની અંગત આવકની માહિતી તેની પાસેથી તેમજ તેના કુટુંબીઓ પાસેથી ચોકસાઈથી મેળવી, બધાંની રાજીખુશી છે એમ જાણીને પછી 'હા' કહેતા !

સંસાર વ્યવહારમાં આદર્શપણે રહી, સંપૂર્ણ વીતરાગ પુરુષ આજ દિન સુધી જગતે ભાળ્યો નથી, એવો પુરુષ આ કાળમાં ભાળવા મળ્યો. એમની વીતરાગ વાણી સહજ પ્રાપ્ત બની. વ્યવહાર જીવનમાં આજીવિકા માટે લક્ષ્મી પ્રાપ્તિ અનિવાર્ય છે, પછી તે નોકરી કરીને કે ધંધો કરીને કે અન્ય કોઈ રીતે હો, પણ કળિયુગી ધંધો કરતાંય વીતરાગની વાટે કઈ રીતે ચલાય, તેનો સચોટ માર્ગ પૂજ્યશ્રીએ પોતાના અનુભવના નિચોડ દ્વારા પ્રગટ કર્યો છે. જગતે કદિ જોયો તો શું પણ સાંભળ્યો ના હોય એવો અજોડ ભાગીદારનો 'રોલ' પોતે જગતને દેખાડ્યો. આદર્શ શબ્દ પણ ત્યાં વામણો લાગે, કારણ કે આદર્શતા એ તો મનુષ્યોએ અનુભવોથી નક્કી કરેલી વસ્તુ છે. જ્યારે આ તો અપવાદ રૂપ આશ્ચર્ય છે.

વેપારમાં ભાગીદારી નાની ઊંમરથી, ૨૨ વર્ષની વયથી જેમની સાથે કરતાં તે ઠેઠ સુધી તેમના બાળકો સાથે પણ આદર્શ રીતે તેમણે ભાગીદારી નિભાવી. કોન્ટ્રાકટના ધંધામાં લાખો કમાવ્યા, પણ નિયમ એમનો એ હતો કે પોતે નોન મેટ્રીકની ડિગ્રી સાથે નોકરી કરે તો કેટલો પગાર મળે ? પાંચસો કે છસો. તે એટલા જ રૂપિયા ઘરમાં આવવા દેવાય. બાકીના ધંધામાં રાખવાના જેથી ખોટ વખતે કામમાં આવે ! અને આખી જિંદગી આ નિયમને વળગી રહ્યા ! ભાગીદારને ત્યાં દીકરા-દીકરીઓ પરણે તેનો ખર્ચો પણ તેઓશ્રી ફીફટી-ફીફટી પાર્ટનરશીપમાં કરતાં ! આવી આદર્શ ભાગીદારી વર્લ્ડમાં ક્યાંય જોવા મળે ?

પૂજ્યશ્રીએ ધંધો આદર્શપણે, અજોડ પણે કર્યો, છતાં ચિત્ત તો આત્મા પ્રાપ્ત કરવામાં જ હતું. ૧૯૫૮માં જ્ઞાન પ્રાપ્ત થયાં પછી પણ વર્ષોના વર્ષો ધંધો ચાલુ રહ્યો. પણ પોતે આત્મામાં ને મન-વચન-કાયા જગતને આત્મા પમાડવામાં ગામેગામ, જગતના ખૂણેખૂણે પર્યટન કરવામાં વીતાવ્યા. એ કેવી તે દ્રષ્ટિ સાંપડી કે જીવનમાં વ્યાપાર-વ્યવહાર અને અધ્યાત્મ બન્ને એટ એ ટાઈમ સિધ્ધિની શિખરે રહીને થઈ શક્યું ?

લોકસંજ્ઞાનું પ્રાધાન્ય જ લક્ષ્મી છે, પૈસાને જ અગિયારમો પ્રાણ કહ્યો છે, તે પ્રાણસમા પૈસાનો વ્યવહાર જીવનમાં જે થઈ રહ્યો છે, તેના સંબંધે આવન-જાવનના, નફા-નુકસાનના, ટકવાના અને આવતે ભવ જોડે લઈ જવાના જે માર્મિક સિધ્ધાંતો છે, તથા લક્ષ્મી સ્પર્શનાના જે નિયમો છે, તે સઘળાની જ્ઞાનમાં જોઈને વ્યવહારમાં અનુભવીને વાણી દ્વારા જે વિગતો મળી તે આ 'પૈસાનો વ્યવહાર' સુજ્ઞ વાચકને જીવનભર સમ્યક્ જીવન જીવવા સહાયક થશે, એ જ અભ્યર્થના !

- ડૉ. નીરુબેન અમીનનાં જય સચ્ચિદાનંદ

 

ભાગ
 1 -  2  - 3  -  4  -  5  -  6  -  7  - 8