ભાગ
1-2 -3 - 4 - 5 - 6 - 7 - 8 - 9 - 10 - 11 - 12



આપ્તવાણી શ્રેણી - ૫

સંપાદકીય

તત્ત્વજ્ઞાનની ગહન ગહન વાતો તો ઘણીયે વાંચવામાં ને સાંભળવામાં આવી છે. જીવનના ધ્યેયનાં શિખરોનું ઘણાં ઘણાંએ તળેટીમાં રહીને અંગુલિનિર્દેશન કર્યું છે ! વ્યવહારમાં 'શું સત્ય, શું અસત્ય, શું ચૌર્ય, શું અચૌર્ય, શું પરિગ્રહ, શું અપરિગ્રહ કે શું હેય ને શું ઉપાદેય'નું વર્ણન એ બધું મોટા મોટા ગ્રંથ સ્વરૂપે પ્રકાશિત થયું છે. કિંતુ અસત્ય, હિંસા, ચોરી, પરિગ્રહ કે હેયનો મૂળ આધાર શો છે એ ક્યાંય જોવા મળતું નથી. તેમાંય બાધેભારે કોઈ વિરલ જ્ઞાની કહી ગયા હશે, કિંતુ જીવનના સામાન્યમાં સામાન્ય પ્રસંગોમાં કષાયો સૂક્ષ્મપણે કઈ રીતે કાર્ય કરી જાય છે, તેનો વિસ્ફોટ જો કોઈએ આ કળિકાળમાં કર્યો હોય તો એ એક આ 'અક્રમ વિજ્ઞાની' પરમકૃપાળુશ્રી દાદાશ્રીએ ! એમના થકી પ્રકટ થયેલા 'અક્રમ વિજ્ઞાન'માં આત્મા, અનાત્મા, આત્મા-અનાત્મા સંબંધિત જ્ઞાન તેમજ વિશ્વકર્તા, જગતનિયંતા જેવા જેવા ગુહ્ય વિજ્ઞાનોનું પ્રાકટ્ય તો છે જ, કિંતુ પ્રસ્તુત ગ્રંથમાં સર્વગ્રાહ્ય તેમ જ પ્રત્યક્ષ જીવનમાં અનુભવગમ્ય બની રહે તેવું ગુપ્ત વ્યવહાર-જ્ઞાન પ્રકાશમાન થાય તે લક્ષ લક્ષિત થયું છે. વાત્સલ્યમૂર્તિ પૂ. દાદાશ્રીની વાણી પ્રવચન, વ્યાખ્યાન કે ઉપદેશાત્મકપણે વહેતી નથી. જિજ્ઞાસુ, મુમુક્ષુ કે વિચારકોનાં હ્રદયમાંથી વાસ્તવિક જીવનપ્રશ્નોના સ્ફુરણનું સર્વ રીતે સમાધાનયુક્ત નીકળતી 'ટેપ'માંનું 'વિજ્ઞાન' છે ! એમાં કોઈ વિવેચન નથી કે નથી લાંબું લાંબું કંટાળાજનક ભાષણ ! પ્રશ્નોના પ્રત્યુત્તરો હ્રદયમર્મી હોઈ બુદ્ધિને છિન્નભિન્ન કરી આત્મદર્શનમાં ફલિત કરે છે ! આ જ મહાન સ્વાનુભવી 'જ્ઞાનીપુરુષ'ની અપૂર્વ ખૂબી છે !

'જ્ઞાની પુરુષ' વિશ્વની Observatory ગણાય. હજારો લોકોના અનેક પ્રશ્નોના સચોટ પ્રત્યુત્તરો એ Observatory માંથી સહજપણે તત્ક્ષણ નીકળે છે, પછી તે પ્રશ્નો તત્ત્વજ્ઞાનના હો, જીવનવ્યવહારના હો કે પશુપંખીની દિનચર્યાના હો !

એક મહાન તત્ત્વજ્ઞાની પરમ પૂજ્ય દાદાશ્રીના ઉત્તરોથી આફરિન થઈ પૂછી બેઠા, ''દાદા, આપ બધા જવાબો ક્યાંથી આપો છો ?!''

ત્યારે પૂજ્ય દાદાશ્રીએ હસતાં હસતાં કહ્યું, ''હું આ વાંચેલું નથી બોલતો, આ 'કેવળજ્ઞાન'માંથી 'જોઈને' બોલું છું !!

વળી એક જણે તેમને પૂછયું, ''દાદા, આપ આટલા બધા પ્રશ્નોના જવાબો આપો છો, છતાં ક્યારેય એકુય ભૂલ નથી નીકળતી, તેનું શું કારણ ?''

ત્યારે પૂજ્ય દાદાશ્રી બોલ્યા, ''આ 'ટેપ'માંથી નીકળે છે તેથી. હું જો બોલવા જાઉં તો નરી ભૂલો જ નીકળે !!!''

સંપૂર્ણ નિરહંકારનું આ તાદ્શ્ય દર્શન છે !

કારુણ્યમૂર્તિ દાદાશ્રીનો નથી પંથ કે નથી વાડો કે નથી કોઈ સંપ્રદાય; નથી કોઈ જાતનું ખંડન કે નથી કોઈનું મંડન. એમની પાસે નથી કોઈ ગાદી કે નથી કોઈ ગાદીપતિ !!! એમની પાસે તો કેવળ એક કારુણ્યભાવ છે કે કેમ કરીને આ જગતના જીવો અસહ્ય આર્તતામાંથી વિમુક્ત થઈ આત્માની અનંત સમાધિમાં લીન થઈ જાય ! પુણ્યયોગે જે એમની પાસે પહોંચી ગયો અને અંતે તે મને જ્ઞાનાવતારી પુરુષ તરીકે પિછાણી ગયો તેનો બેડો પાર થઈ ગયો ! બાકી સીધા-સાદા, સરળ ને કોટ-ટોપીના શણગારમાં સજેલા આ ભવ્યાત્માને સામાન્ય દ્ષ્ટિ શી રીતે સમજી શકે ? તે અર્થે તો ઝવેરીપણું જ જોઈએ !

પરમ કૃપાળુ દાદાશ્રીના શ્રીમુખેથી ઝરેલી પ્રકટ વાણીની યથાસમજ સંકલનના, જન સમક્ષ પ્રકટીકરણનો એક જ અંતર આશય છે કે જગત તેઓશ્રીને પિછાણી, તેઓશ્રીના જ્ઞાનનો અલભ્ય લાભ લઈ પ્રત્યક્ષ યોગ સાધી, આધિ-વ્યાધિ ને ઉપાધિમાંય નિરંતર સમાધિ પ્રાપ્ત કરી લે. જે અમ જેવા હજારો પુણ્યાત્માઓને એ લાધ્યું છે !

- ડૉ. નીરુબહેન અમીનનાં જય સચ્ચિદાનંદ

ઉપોદઘાત

પાંચેય ઇન્દ્રિયો પોતપોતાના ધર્મમાં છે. મન-બુદ્ધિ-ચિત્ત-અહંકાર પણ પોતપોતાના ધર્મમાં છે. તો ધર્મ ચૂકાયો કોનાથી છે ? આત્માથી. કાન સાંભળે છે ને પોતે માને છે 'હું સાંભળું છું.' આંખો જુએ છે ને પોતે માને છે કે 'હું જોઉં છું.' એમ પ્રત્યેક ઇન્દ્રિયના ધર્મને પોતાનો ધર્મ માને છે. આત્માનો ધર્મ તો જોવું, જાણવું ને પરમાનંદમાં રહેવું એ છે. તેને બદલે સ્વધર્મ ચૂકી પરધર્મમાં પ્રવેશે છે. બીજાના ધર્મને પોતાનો માને છે ને પોતાનો ધર્મ ભૂલી ગયો છે ! આત્માનુભવી આત્મજ્ઞાની પુરુષ સ્વરૂપનું ભાન કરાવી આપે છે. એટલે એને પોતાના ધર્મનું ભાન થઈ જાય છે, એટલે ઓટોમેટિક પારકાના ધર્મને પોતાનો માનતો અટકે છે. સ્વધર્મમાં આવ્યો એટલે અહીં જ મોક્ષ વર્તાય !

પોતે જે નથી, તેને હું માનવું તે મિથ્યા દ્ષ્ટિ - અવળી દ્ષ્ટિ.

પોતે જે છે, તેને હું માનવું તે સમ્યક્ દ્ષ્ટિ - સવળી દ્ષ્ટિ.

સાંસારિક જાણવાનો પ્રયત્ન છે એ મિથ્યાજ્ઞાન-અજ્ઞાન. ઊંધી શ્રદ્ધા બેઠી એટલે ઊંધું જ્ઞાન થયું ને તેથી ઊંધું ચારિત્ર ઊભું થયું. આત્માને જાણ્યો તે સમ્યક્જ્ઞાન.

ભાવ એ ચાર્જ છે ને ઘટના બને છે તે ડિસ્ચાર્જ છે. ચોરી કરવાનો ભાવ કર્યા કરે છે તે ચોરીનું ચાર્જ કરે છે અને તેનું ફળ આવતા ભવે આવે છે. ડિસ્ચાર્જમાં કે જેના આધારે ત્યારે એ ચોરી કરે છે ! અને એનો પસ્તાવો કરે, પ્રતિક્રમણ કરે, તો એમાંથી એ છૂટી જાય છે. અક્રમમાર્ગમાં ભાવ-અભાવ બન્નેથી મુક્ત બને છે ને કેવળ જોવા-જાણવાનું જ બને છે !

જીવમાત્ર પ્રવાહરૂપે છે. પ્રવાહમાં આગળ પ્રવહે છે. એમાં કોઈ કર્તા નથી. કર્તા દેખાય છે તે નૈમિત્તિક કર્તા છે, સ્વતંત્ર કર્તા નથી. સ્વતંત્ર કર્તા હોય તો પોતે કાયમના બંધનમાં જ હોત. નૈમિત્તિક કર્તા બંધનમાં ના આવે. કુદરતી રીતે સંજોગોના ધક્કાથી જગત ચાલી જ રહ્યું છે. માત્ર રોંગ બિલિફ ઊભી થાય છે કે મેં કર્યું ! તેનાથી આવતા ભવનું કર્મ બીજ પડે છે !

તેથી અખા ભગતે કહ્યું,

''જો તું જીવ તો કર્તા હરિ, જો તું શિવ તો વસ્તુ ખરી !''

''કર્તા મીટે તો છૂટે કર્મ, એ છે મહાભજનનો મર્મ.''

અજ્ઞાનતામાં અનૌપચારિક વ્યવહારથી આત્મા દ્રવ્યકર્મનો કર્તા છે. સચર છે એ 'મિકેનિકલ' આત્મા છે, પ્રકૃતિ છે અને મૂળ આત્મા અચળ છે. જગત આખું પ્રકૃતિને સ્થિર કરવા જાય છે. જે સ્વભાવથી જ ચંચળ છે, તે સ્થિર કઈ રીતે થઈ શકે ? અચળ એવું મારું આત્મા સ્વરૂપ છે ને બાકીની બીજી બધી જ ચંચળ પ્રકૃતિ છે, તે મારાથી તદ્દન જુદી જ છે એટલું માત્ર જાણી લેવાનું છે. પછી પ્રકૃતિ પ્રકૃતિમાં વર્તે ને આત્મા આત્મામાં વર્તે, ભિન્ન રહીને !

શાસ્ત્રો વાંચીને માને છે 'હું જાણું છું.' એ ઊલટો વધ્યો અહંકાર, પછી એ જાય ક્યાંથી ? એ તો જ્ઞાની મળે ત્યારે કામ થાય.

આ બંધાયો છે તો કોણ ? અહંકાર એનો મોક્ષ કરવાનો છે. આત્મા તો મુક્ત જ છે. અજ્ઞાનતાથી માને છે કે 'હું બંધાયો', તે જ્ઞાન થતાં જ મુક્ત થાય ! પછી અહંકાર જાય. અહંકાર જાય એટલે 'હું કરું છું, તે કરે છે ને તેઓ કરે છે.' એ મિથ્યાદ્ષ્ટિ જ ઊડી જાય છે !

પ્રકૃતિ કરે વાંકું, તો તું કર અંદર સીધું. પ્રકૃતિ ક્રોધ કરે તો તું અંદર કર પ્રતિક્રમણ. મહીં આપણે સુધારીએ પછી પ્રકૃતિ ગમે તેટલું વાંકું કરે તો તું તેનો 'જવાબદાર' નથી. પ્રકૃતિ તદ્દન જુદી જ છે, એને જુદી જ રાખવાની. પારકી પીડામાં ના પડાય. પ્રકૃતિ અભિપ્રાયો રાખે ને આપણે અભિપ્રાયરહિત થવું.

વીતરાગોની રીત કેવી હોય ? 'આ ખોટા છે, ભૂલવાળા છે', કહ્યું કે પકડાયા ! ત્યાં કોઈ અભિપ્રાય જ ના અપાય. આપણી દ્ષ્ટિ જ બગડવી ના જોઈએ !

અક્રમ વિજ્ઞાનમાં બધી જ છૂટ આપે છે. કર્મ નહિ બંધાય ક્યાંય, તેની ગેરન્ટી આપે છે દાદા માત્ર એક જ ભયસ્થાન બતાવે છે, અણહક્કના વિષયો માટે.

દ્વેષ અને અભાવમાં બહુ ફેર. અભાવ એટલે 'ડિસ્લાઈક' એ માનસિક હોય. એ તો જ્ઞાનીને પણ હોય, લાઈક એન્ડ ડિસ્લાઈક ! અને દ્વેષ એ અહંકારી વસ્તુ છે ! અભાવ એ અભિપ્રાયો કરેલા, તેનાં ફળરૂપે રહે. એનાં પ્રતિક્રમણ કરવાં પડે તો જાય.

મનને દબાવવાનું હોતું નથી. એને સમજાવી પટાવીને શાંત કરવાનું હોય.

સંયમીને યમરાજા પણ વશ વર્તે. એટલે કે મૃત્યુનો પણ તેને ભય ના રહે !

યાદ આવ્યું તે પરિગ્રહ. સ્વરૂપથી છેટા કરે તે પરિગ્રહ.

અક્રમ વિજ્ઞાનથી સ્વરૂપની પ્રાપ્તિ થાય, જે ક્રોધ-માન-માયા-લોભને ઊડાડી મૂકે છે ! વ્યવહાર શુદ્ધ બને છે ને વર્લ્ડ બધું અજાયબી પામે એ વ્યવહારને જોઈને ! પરમ પૂજ્ય દાદાશ્રીનો એવો વ્યવહાર જોવા મળે. એ જોઈને જ આપણને એવું શીખવા મળે.

પરમ વિનય તો જ્ઞાન મળતાં જ એની મેળે ઉત્પન્ન થાય છે ! પરમ વિનયથી મોક્ષ છે, ક્રિયાઓથી નહીં. મંદિરોમાં વિનય છે. જ્ઞાની પાસે પરમ વિનય ઉત્પન્ન થાય. જે સંસારમાં અભ્યુદય ને મોક્ષ માટેનું આનુષંગિક, બન્ને ફળ આપે !

જેનો વિનય કરો, તેની નિંદા ના કરાય.

જ્ઞાની ભાવને જ જુએ, ક્રિયાને નહિ.

કોઈએ કોઈને મારી નાખ્યો તો તે પ્રકૃતિ કરે છે, હિસાબ છે, વ્યવસ્થિત છે, વિ.વિ. જ્ઞાનનાં અવલંબનો ફર્સ્ટ સ્ટેજનાં છે અને છેલ્લા સ્ટેજમાં તો મૂળ સ્વભાવમાં તો એ મરતો જ નથી, નાશવંત ચીજોનો નાશ થયા જ કરે છે. માટે જગત નિર્દોષ છે. મારે છે તે ય નિર્દોષ ને મરે છે તે ય નિર્દોષ, બચાવ્યો તે ય નિર્દોષ !

બધાં ય દુઃખોનું મૂળ અજ્ઞાન છે. અજ્ઞાનથી કષાય છે ને કષાયો જ રાત-દહાડો કૈડે છે !

જ્ઞાન મળ્યા પછી જપ-તપ-ક્રિયાઓ વિ. સાધનોની જરૂર નથી હોતી. માત્ર જ્ઞાનીની આજ્ઞામાં જ રહેવાનું, તો થઈ જાય મોક્ષ !

જ્ઞાની મળે તો જ અંતર ભેદાય ને તો જ અંદરનું બધું દેખાય, ને તેનાથી છૂટાય.

આત્માના અનુભવની વાતો જ્ઞાની પાસેથી સાંભળી બુદ્ધિ ઝીલી લે. પણ તે ય જ્ઞાનીનું પ્રત્યક્ષ સાંભળીને બુદ્ધિ સમ્યક્ થાય તે જ ઝીલી શકે, નહિ તો કાન સુધી જાય. જ્ઞાનીની વાણી પરમાત્માને ટચ કરીને નીકળેલી હોય. તેથી આવરણો ભેદીને સામાને ટચ કરે અને મન-બુદ્ધિ-ચિત્ત-અહંકાર બધાં જ તેને પકડી લે. અને બીજા બધાની મનને સ્પર્શીને વાણી નીકળે, તેથી તે ફક્ત મનને જ સ્પર્શે.

અવસ્થામાં તન્મયાકાર થાય ત્યાં અસ્વસ્થ થઈ જાય ને અવિનાશી એવા આત્મામાં રહે તો સ્વસ્થ જ રહે કાયમ ! પૌદ્ગલિક અવસ્થાને જાણે ને આત્મા પોતે પોતાને જ જુએ. એટલે બધાં આવરણો ભેદાય ને બધું ચોખ્ખું થઈ જાય !

જ્ઞાની નિરંતર દેહથી જુદા જ રહે. તેના જ્ઞાતા-દ્રષ્ટા જ રહે. તેથી તેમને કોઈ દુઃખ અડે જ નહિ. આત્માનો સ્વભાવ જ નથી કે તેને કંઈ દુઃખ અડે !

ટપલાં પડે ત્યારે આખી રાત જાગી ને ઈન્વેન્શન (શોધખોળ) કરે તે પ્રગતિને પાળે. ઠંડકમાં પડેલાની પ્રગતિ રૂંધાય.

મોક્ષે જવાનો દરેક જીવને હક્ક છે. માત્ર જ્ઞાનીના શરણમાં જવું પડે.

આ કાળમાં 'અક્રમ વિજ્ઞાન' એ મોક્ષની છેલ્લી ગાડી છે, જે આ છેલ્લી તક ઊઠાવી લે, એ જાય મોક્ષે સડસડાટ. પછી હજારો વર્ષો ઠેકાણું નહિ પડે !

આયુષ્યમાં ફેરફાર કોઈથી ય ના થાય. પછી તે સંત હોય, મહાત્મા હોય, જ્ઞાની હોય કે તીર્થંકર હોય.

મૃત્યુ સમયે સમાધિ મરણ જેને થાય, તેને દેહની પીડા પજવે જ નહિ. છેલ્લો કલાક સંપૂર્ણ સમાધિમાં જાય અને અક્રમજ્ઞાન મળ્યું હોય તે બધાંને જ અંત સમયે તો દાદા પ્રત્યક્ષ દેખાય અગર 'હું શુદ્ધાત્મા છું' એ જ એકલું લક્ષમાં રહે, દેહ જુદો જ લાગે, મરે છે તે જુદો જ લાગે. મરતી વખતે આખી જિંદગીનું સરવૈયું આવી જાય !

સિદ્ધ ભગવંતો સિદ્ધક્ષેત્રમાં જ હોય, કેવળ જ્ઞાન સ્વરૂપે જ હોય. નિરંતર પરમસુખમાં હોય ને આખા બ્રહ્માંડને પ્રકાશે.

'શુદ્ધાત્માને જોવો' એટલે શું ? આ આંખે એ ના દેખાય. જેમ એક દાબડીમાં કિંમતી હીરો વાસીને મૂકી દીધો, તે પછી ખ્યાલમાં જ રહે કે 'આમાં હીરો છે ને તે આવો છે' વિ. વિ. તેવું જ્ઞાન મળે પછી મન-બુદ્ધિ-ચિત્ત-અહંકાર બધાં જ એકસેપ્ટ કરે કે 'હું શુદ્ધાત્મા જ છું ને બધાયમાં શુદ્ધાત્મા જ છે.' પછી શંકા ના થાય !

જ્ઞાનીની આરાધના કરે એટલે શુદ્ધાત્માની જ આરાધના કર્યા બરાબર છે અને તે જ પરમાત્માની આરાધના છે અને એ જ મોક્ષનું કારણ છે.

આત્મસુખની અનુભૂતિ શું ? કેવી રીતે એની ખબર પડે ? આત્મસુખનું લક્ષણ એટલે નિરંતર નિરાકૂળતા રહે. આકુળતા-વ્યાકુળતા થઈ તો ઉપયોગ ચૂક્યા, એમ જાણવું. શાતા વેદનીય કે અશાતા વેદનીય, બન્નેને જાણે તે આત્માનુભવ.

શારીરિક દુઃખ કોને થાય ? આત્માને નહિ, દેહને થાય. તે ય વ્યવસ્થિત છે. વેદના થાય ત્યારે આપણે 'ચંદુભાઈ'ને કહી દેવું. આમ હાથ ફેરવીને (પોતે પોતાને જ), 'તમને બહુ માથું દુઃખે છે ? હમણાં ઓછું થઈ જશે !' અને ત્યાં 'મને' દુખ્યું થયું કે ભૂત વળગ્યું. ડીક્ષનરી બદલી નાખો. અશાતા સુખદાયી ને શાતા દુઃખદાયી. 'આ બધું સુખ-દુઃખ પાડોશીને છે' એમ જાણવું.

પોતાની જાત જોડે, પ્રકૃતિ જોડે જુદાપણાનો વ્યવહાર ચાલુ કરી દેવાનો. જાત જોડે જુદા રહીને એની સાથે વાતો કરવાની, ક્ષત્રિયની જેમ, તો પ્રકૃતિની પજવણી જશે. 'ચંદુભાઈ'ને અરીસા આગળ લઈ જઈને માથે હાથ ફેરવીને વાતો કરવી, દિલાસો આપવો.

જ્ઞાન-દર્શન-ચારિત્ર ને તપ, એમ મોક્ષના ચાર પાયા કહ્યા ભગવાને. ઉણોદરી એ ઊંચામાં ઊંચું બાહ્ય તપ છે. અને મોક્ષ માટે અંતર તપની જરૂર છે. અંતર તપ એટલે ભયંકર વેદના થતી હોય તે ઘડીએ 'આપણે' હોમ ડિપાર્ટમેન્ટમાં જ રહેવાનું, સ્વપરિણતિમાં જ રહેવાનું. પરપરિણતી ઉત્પન્ન જ ના થાય, એ તપ કરવાનું છે ! આ પરપરિણામ છે, આ મારાં પરિણામ નથી, એમ સ્વપરિણામમાં મજબૂત રહેવું એનું નામ તપ ! અને એનાથી જ મોક્ષ ! વેદનાને પારકી જાણે તો તેમ જાણ્યા જ કરે અને 'મને થાય છે' થયું કે પછી એ વેદનાને વેદો. અને 'આ સહન થતી નથી' કહ્યું કે વેદના પછી દસ ગણી લાગે ! બોલે તેવી અસર થઈ જાય. ત્યાં ક્ષત્રિયપણાથી કામ લેવું.

આત્માનો સ્વભાવ કેવો છે ! જેવું ચિંતવે તેવો તરત જ થઈ જાય ! સુખમય ચિંતવ્યો તો સુખમય થઈ જાય ને દુઃખમય ચિંતવ્યો તો દુઃખમય થઈ જાય ! માટે જાગૃત રહેવાનું કે દુઃખમય ચિંતવના ના થઈ જાય. એમ ના બોલાય કે મને માથું દુખ્યું. ત્યાં તો એમ જ બોલાય કે 'ચંદુભાઈ'ને માથું દુખે છે ! પરભાવમાં પરપરિણતિ ઉત્પન્ન ના થવી જોઈએ. પરપરિણામને પોતાનાં પરિણામ માને, એનું નામ પરપરિણતી.

જ્ઞાનીને, તીર્થંકરોને પણ અશાતા વેદનીય હોય. પણ તેને તે જાણે, કેવળજ્ઞાને કરીને જાણે.

ચિત્તને સ્વરૂપમાં જ રાખવાનું છે, વેદનામાં કે વિનાશી વસ્તુમાં નહિ. ચિત્ત અવિનાશીમાં રહ્યું તો તે થઈ ગયું શુદ્ધ. પછી એ વિદેહી થઈ ગયો ! નિજ શક્તિ સ્વક્ષેત્રમાં જ છે. તે ઉત્પન્ન થઈ ગઈ કે કામ થઈ ગયું.

આડાઈ કોને કહેવાય ? પોતાની ભૂલ થઈ હોય, તેની પોતાને ખબર પડે. છતાં કોઈ પૂછે કે આમ કેમ કર્યું ? તો કહે કે આવું કરવા જેવું હતું, એ આડો કહેવાય. ભૂલની ખબર હોય ને ઢાંકે એ મોટામાં મોટી આડાઈ.

બે પ્રકારનાં ઈનામ. લોટરી લાગે તે અને ગજવું કપાયું તે ય, બન્ને વ્યવસ્થિત છે.

જ્યાં ગચ્છ મતવાળી વાણી નથી, કેવળ આત્માસંબંધીની જ વાણી છે, તે બ્રહ્મસ્વરૂપ કહેવાય.

આત્મા અનંત છે. મોક્ષમાં પ્રત્યેક આત્મા જુદા જુદા જ છે ને સ્વસુખમાં જ નિરંતર રહે છે.

આખો જીવન વ્યવહાર ગલન સ્વરૂપે છે ને પાછો વ્યવસ્થિત છે. પાંચેવ ઇન્દ્રિયો ઉદયાધીન છે.

કર્મબંધ શેનાથી છે ? 'હું ચંદુલાલ છું' એ માન્યતા જ કર્મબંધનું મૂળ કારણ છે. માત્ર વાતને જ સમજવાની છે. આ વિજ્ઞાન છે.

વિચારો આવે, પજવતા આવે, તેને જુદા જોયા જ કરવાના. વિચારો મનમાંથી આવે છે. મન કહે, ગાડી અથડાશે તો ? ત્યાં તેને જોયા કરવાનું ને નિરાંતે ગાડીમાં બેસી રહેવાનું, મનમાં તન્મયાકાર નહીં થઈ જવાનું. બહુ દુઃખ આવી પડે તો તેને કહેવાનું કે 'દાદા પાસે જાવ.'

સંસારની બહાર ના નીકળવા દે, એનું નામ બુદ્ધિ. બુદ્ધિ નફો-તોટો દેખાડે, બળતરા કરાવે. જ્ઞાની પાસે અંતરદાહ કાયમનો બંધ થઈ જાય ! સમ્યક્ બુદ્ધિ હોય ત્યાં ગચ્છ-મત કશું જ ના હોય ! આ મારું, આ તમારું એમ જુદાઈ ના હોય !

આઉટર બુદ્ધિ એ મિકેનિકલ છે અને ઇનર બુદ્ધિ એ સ્વતંત્ર બનાવનારી છે. એ બુદ્ધિ પણ મિકેનિકલ છે. કોઈ ઉપરી જ નથી એવું સ્વતંત્ર બનાવે છે. મિકેનિકલ બુદ્ધિથી સંસારી ચીજો મળે.

'હું કોણ છું ? હું શેના આધારે છું ?' એ આધાર-આધારીની ખબર હોવી જરૂરી છે. જગતમાં શું કરવા જેવું છે, શું કરવા જેવું નથી. ને શું જાણવાનું છે ને શું નથી જાણવાનું, આટલું જ સમજવાનું છે.

વિરહ એટલે ચેન જ ના પડે, ત્યારે સંસારથી છૂટાય. વિરહો જ્ઞાનીનો હોવો જોઈએ. એનાથી મહીં વીજળી ઉત્પન્ન થાય અને 'સ્વરૂપ' તેજવાન થાય ! વિરહ એ તો બહુ ઉત્તમ વસ્તુ કહેવાય. જ્ઞાનીનો ઘણાં કાળનો પરિચય થાય, તેને વિરહો લાગે. જેને મોક્ષે જવાનું હોય તેને એ વિરહની વેદના જાગે !

આપણું મૂળ સ્વરૂપ સચ્ચિદાનંદ સ્વરૂપ છે. જ્ઞાની પુરુષ રોંગ બિલિફ ફ્રેકચર કરી આપે ને રાઈટ બિલિફ બેસાડી આપે. પછી 'હું આત્મા જ છું' એનું ભાન થાય, જ્ઞાન થાય ને નિરંતર તેનું લક્ષ રહે ! ત્યાર પછી માયા જાય ને મોહ જાય.

ગૌતમ સ્વામીને મહાવીર સ્વામી પર જે મોહ હતો, તે પ્રશસ્ત મોહ કહેવાય. એનાથી સંસારના બધા જ મોહ જાય અને મોક્ષ મળે જ. પ્રશસ્ત મોહ એટલે જે મોક્ષે લઈ જનારા હોય, તેના પર મોહ થઈ જાય. તે નુકસાનકારક નથી. એ તો મોક્ષ આપી દેશે. જરા મોડું થાય, પણ તેથી શું ? વીતરાગો પર મોહ, વીતરાગતા લાવનારી વસ્તુઓ ઉપર મોહ, એનું નામ પ્રશસ્ત મોહ.

જ્યાં શંકા પડે ત્યાં સાયક્લોન ચઢે ! અને મોક્ષ માટે તો સંપૂર્ણ નિઃશંક થવું પડે ! આત્મા માટે નિઃશંક થવું પડે. અને એ નિઃશંકતા જ્ઞાની પુરુષ આત્માનું જ્ઞાન આપે ત્યારે જ થાય ! પછી કર્મ નવું ચાર્જ ના થાય !

જો સંસારમાં આગળ વધવું હોય તો બુદ્ધિ-માર્ગ પકડો ને મોક્ષમાર્ગમાં જવું હોય તો અબુધ-માર્ગ પકડો ! જ્ઞાનીના સત્સંગથી વિપરીત બુદ્ધિ હોય તે સમ્યક્ થાય અને તે મોક્ષે લઈ જાય ! સંપૂર્ણ અબુધ થાય ત્યાં કેવળજ્ઞાન થાય ! મોક્ષે જતાં બુદ્ધિ કામની નથી.

આજ્ઞા વિના સ્વચ્છંદ ના રોકાય ને સ્વચ્છંદ ગયા વિના મોક્ષ ના થાય. માટે જ્ઞાનીની આજ્ઞા એ જ ધર્મ ને એ જ તપ ! આજ્ઞાનું આરાધન એ જ મોક્ષનો ઉપાય ! યોગ સાધનાથી એકાગ્રતા થાય. થોડીવાર મન સ્થિર થાય. અને એ જો એબૉવ નોર્મલ થઈ જાય તો તે મહાન રોગિષ્ટ છે. એનાથી અહંકાર વધી જાય ને પરમાત્મા છેટા થાય.

સાક્ષીભાવ એ અહંકારથી રહે છે ! કોઈ ગાળો આપે, અપમાન કરે ને ખરાબ લાગી જાય, તે જ પુરાવો છે કે અહંકાર છે મહીં. સાક્ષીભાવ ક્રમિક માર્ગનું એક પગથિયું છે. અંતે તો જ્ઞાતાભાવ-દ્રષ્ટાભાવમાં આવવાનું છે.

આત્માની બાબતમાં સ્વમતિએ ચાલવું એને જ સ્વચ્છંદ કહ્યો છે. સ્વચ્છંદથી માર્ગમાં અંતરાય પડે.

વર્તનમાં લાવવાનું નથી, સમજમાં ફીટ કરી લેવાનું છે, સાચું જ્ઞાન ! સમજનું ફળ જ વર્તન ! સમજ્યો હોય, પણ વર્તનમાં ન આવે ત્યાં સુધી દર્શન કહેવાય ને વર્તનમાં આવી ગયું તે જ્ઞાન કહેવાય. જ્ઞાનની માતા કોણ ? સમજ ! એ સમજ ક્યાંથી મળે ? જ્ઞાની પાસેથી. પૂર્ણ સમજ એ કેવળદર્શન ને તે વર્તનમાં આવે તે કેવળજ્ઞાન !

જ્યાં કંઈ પણ કરવાનું છે ત્યાં મોક્ષમાર્ગ નથી. જ્યાં સમજવાનું છે તે જ મોક્ષમાર્ગ છે ! મોક્ષમાર્ગ સહેલો છે, સરળ છે ને સુગમ છે, કંઈ પણ મહેનત વગરનો છે. માટે કામ કાઢી લો.

'આ ખોટું છે' એવું સમજાય ત્યારે એની મેળે એ છૂટી જાય. જેમ જેમ સમજણ પાકી થતી જાય તેમ તેમ જ્ઞાન પરિણમતું જાય. વર્તનમાં આવ્યું તેનું નામ ચારિત્ર. સમ્યક્ ચારિત્ર જોઈ શકાય અને કેવળ ચારિત્ર એ ઇન્દ્રિયગમ્ય નથી, જ્ઞાનગમ્ય છે.

શ્રદ્ધા કરતાં દર્શન ઊંચું કહેવાય. શ્રદ્ધા ફરી જાય ને દર્શન ફરે નહિ કદી ! અને મહીં સૂઝ પડે એ કુદરતી બક્ષીસ છે. અનેક અવતારોના અનુભવના સરવૈયારૂપે સૂઝ મળે છે !

બે જણ વાતો કરે તે આખ્યાન ને ટોળામાં બોલે તે વ્યાખ્યાન !

અનુકૂળમાં ચેતો. અનુકૂળતા લપસાવે ને પ્રતિકૂળતા જાગૃત રાખે !

જેવા ભાવે બંધ પડે તેવા ભાવે નિર્જરા થાય ! ક્રૂર ભાવનો બંધ પડે તો નિર્જરા થતી વખતે ક્રૂર દેખાય !

શાસ્ત્રજ્ઞાનથી નિવેડો નથી, અનુભવજ્ઞાનથી નિવેડો છે અને અનુભવ જ્ઞાન અનુભવી જ્ઞાની પાસેથી જ મળે. શાસ્ત્રો આપણી ભૂલ ના દેખાડે. એ સામાન્યભાવે બધાંને કહી જાય. પ્રત્યક્ષ વિના ઉપાય નથી. કાગળ પર દોરેલો દીવો અંધારામાં પ્રકાશ આપે ? શાસ્ત્રોની સીમા કાગળ પરના દીવા જેટલી જ છે. સાચો પ્રકાશ પ્રગટ દીવો, જ્ઞાની જ આપી શકે !

જ્યાં કષાય ત્યાં પરિગ્રહ અને અકષાય તો મોક્ષ ! અક્રમજ્ઞાન મળ્યા પછી કષાયો થતા નથી. કારણ કે અહીં કર્મ બંધાતા જ નથી. આત્મજ્ઞાન થાય ત્યાં કષાયો જાય !

સત્સંગ શેના માટે કરવાનો ? આટલું જ સમજવા માટે કે કશું કરશો નહિ. જે પરિણામ થાય તેને જોયા કરો !

નિયતિવાદ એટલે આ સંસારના જીવોનો જે પ્રવાહ ચાલી રહ્યો છે, તે કોઈ નિયતિના કાયદાને અનુસરીને ચાલે છે. પણ એમાં એકલું નિયતિથી જ પતતું નથી. બીજાં કારણો જેવાં કે કાળ, સ્વભાવ, પુરુષાર્થ, પ્રારબ્ધ બધું જ આવે છે.

આત્મજ્ઞાન મળે ત્યારે ચિત્ત શુદ્ધ થઈ જાય છે. શુદ્ધ ચિત્ત એ જ શુદ્ધ ચિદ્રૂપ ને એ જ શુદ્ધાત્મા કહેવાય. પૂજ્ય દાદાશ્રી જ્ઞાન આપે ત્યારે ચિત્ત આખું ય શુદ્ધ થઈ જાય. એટલે જ પછી નિરંતર 'હું શુદ્ધાત્મા છું' એ લક્ષ રહ્યા કરે છે !

જ્યાં અહંકાર જાય ત્યાં નિરાકૂળતા થાય.

'હું ચંદુલાલ છું' એ માન્યતા પ્રકૃતિને આધાર આપે છે. 'હું શુદ્ધાત્મા છું'નું જ્ઞાન થયું કે એ આધાર ખસી ગયો. એટલે નિરાધાર થતાં જ એ વસ્તુ ખરી પડી. અહંકાર ખસી ગયો એટલે અકર્તા થયો.

મહાવિદેહ ક્ષેત્રમાં સીમંધર સ્વામી પાસે કઈ રીતે જવાય ? પૂજ્ય દાદાની પાંચ આજ્ઞા પાળે તેનાથી.

આત્મા ને પુદ્ગલમાં શું ફેર ? આત્મા એક જ વસ્તુ છે આપણી પાસે ને પુદ્ગલ પરમાણુઓ અનંત છે. પુદ્ગલ વિભાવિક વસ્તુ છે ને આત્મા સ્વભાવિક છે. પુદ્ગલ પુરણ-ગલન થયા કરે !

કશું કરવાનું નથી, માત્ર જ્ઞાનીની કૃપાપાત્ર થવાનું છે. કૃપાપાત્ર થવામાં નડે છે શું ? આપણી આડાઈઓ !

દ્રવ્ય ના પલટે. ભાવ પલટે તો છૂટી જવાય. ચોરી કરવાથી બંધ ના થાય, પણ ચોરી કરવાનો ભાવ પલટી જાય તો ચોરી બંધ થઈ જાય ! પ્રતિક્રમણ કરવાથી ભાવ પલટી જાય છે ને કર્મ ચોખ્ખું થઈ પૂરું થઈ જાય છે !

જગત અહંકાર કાઢવામાં ફસાયું છે. દાદાશ્રી કહે છે, ''ઇગોલેસ થવાની જરૂર નથી, માત્ર 'આપણે કોણ છીએ' એ જાણવાની જ જરૂર છે. આપણું જે સ્વરૂપ છે એમાં ઈગોઈઝમ છે જ નહિ.'' તમે ચંદુભાઈ નથી છતાં માનો છો કે 'હું ચંદુભાઈ છું', એનું નામ અહંકાર.

મહીં કષાયો થાય, ચીડ ચઢે, ગુસ્સો થાય, એનું કારણ શું ? અજ્ઞાનતા. અજ્ઞાનતાને કારણે, અહંકારને કારણે મહીં રાગ-દ્વેષ થયા જ કરે છે ! એટલે સંસારનું રૂટ કોઝ અજ્ઞાનતા !

પૈસાવાળો કોણ ? જે મનનો રાજેશ્રી હોય તે ! પૈસા હોય તો ય વાપરે ને ના હોય તો ય વાપરે ! અગિયાર વરસે પૈસો બદલાય. અગિયાર વરસ સુધી એક પૈસો ય નવો ના આવ્યો હોય, તો કરોડપતિ ય ખાલી થઈ જાય ! પહેલાંના વખતમાં લોકો લક્ષ્મીને કેમની સાચવતા ? મિલકતના ચાર સરખા ભાગ કરી પચીસ ટકાની પ્રોપર્ટી લઈ લે ! પચીસ ટકાનું સોનું, પચીસ ટકા વ્યાજે મૂકે ને પચીસ ટકા વેપારમાં નાખો. આ સીસ્ટમથી નાદાર જ ના થાય, ક્યારે ય પણ !

બહુ ખોટ જાય ત્યારે સમજી જવું કે પાપનો ઉદય વર્તે છે. માટે માથાકૂટ મૂકી શાંતિથી સત્સંગ કર, આત્માનું કર. આવા સમયમાં ધંધામાં કંઈ પણ કરવા જશે તે ઊંધુ થશે.

જગતનાં લોકો શરીરને ચેતન કહે છે. જે કામ કરે છે, હાલે છે, ચાલે છે તેને ચેતન કહે છે. પણ ખરું ચેતન કંઈ પણ ક્રિયા કરતું જ નથી. માત્ર જોવાનું ને જાણવાનું, એ બે જ ક્રિયા એની છે ! બીજું બધું અનાત્મ ભાગનું છે ! બોલે છે તેય મિશ્ર ચેતન છે. મિકેનિકલ ચેતન છે. રિયલ ચેતન નથી. મૂળ સ્વરૂપ તો સ્થિર છે, અચળ છે. બીજું બધું ચંચળ છે. મિકેનિકલનો અર્થ જ ચંચળ, સચર છે. આત્મા અચર છે, જગત સચરાચર છે !

ચિત્ત શુદ્ધ થયું એ જ અંતરાત્મા.

પહેલું શુદ્ધાત્મા પ્રતીતિમાં આવે, લક્ષમાં આવે. ત્યાર બાદ અનુભવ પદમાં રહેવા શુદ્ધાત્મામાં જ તન્મયાકાર રહેવાનું. પણ જ્યાં સુધી કર્મો ખપાવવાનાં બાકી છે ત્યાં સુધી નિરંતર શુદ્ધાત્મામાં તન્મયાકાર રહેવાય નહિ. એટલે એને અંતરાત્મદશા, (ઇન્ટ્રીમ ગર્વનમેન્ટ) કહી. બધાં કર્મો પૂરાં થાય એટલે પરમાત્મા થાય. શુદ્ધાત્મા પદની પ્રાપ્તિ પછી વૃત્તિઓ બધી નિજભાવમાં વહે છે.

ચિત્તને શુદ્ધાત્મામાં રાખો કે 'દાદા ભગવાન'માં રાખો, તો ય તે ચિત્તને શુદ્ધ જ રાખશે. સંસારમાં ભટકતું ચિત્ત એ અશુદ્ધ ચિત્ત કહેવાય, એ મિશ્ર ચેતન છે. અને શુદ્ધ ચિત્ત થાય તે શુદ્ધાત્મા. 'હું શુદ્ધાત્મા છું' એ લક્ષ બેઠું, એ જ નિજસ્વરૂપનું ભાન થયું ને એ જ અંતરાત્મદશા થઈ ગણાય.

ચિત્ત અને પ્રજ્ઞામાં શું ફરે ? ચિત્ત બહાર ભટકે. શુદ્ધ ચિત્ત થાય પછી એ ભટકે નહિ. પ્રજ્ઞાશક્તિ બહાર ના જાય. પ્રજ્ઞા તો મૂળ આત્માનું અંગ છે, ડાયરેક્ટ શક્તિ છે. જે જ્ઞાન ને અજ્ઞાનને નિરંતર છૂટાં રાખે!

જ્ઞાનીની સમજણે મોહનીય કર્મ આખું ઊડી શકે છે. અથડામણ ટાળો. પૂર્વગ્રહરહિત થાય તો જ કલ્યાણ થાય.

અક્રમજ્ઞાન મળે પછી 'હું શુદ્ધાત્મા છું' એ ઉપયોગ રહેવો જોઈએ. 'દરેક જીવમાત્રમાં શુદ્ધાત્મા છે', તે દ્ષ્ટિમાં રહેવું જોઈએ. પછી તે આપણું અપમાન કરનારો હોય કે ખીસું કાપનારો હોય ! આત્મા જાણ્યા પછી દરેકે પોતાનું પુદ્ગલ ખપાવવાનું છે. દરેકને પોતપોતાના ધર્મના પુદ્ગલનું આવરણ હોય. જૈનને જૈનપુદ્ગલ ને વૈષ્ણવને વૈષ્ણવપુદ્ગલ, જે મોક્ષે જતાં અટકાવે. તેને ખપાવ્યે જ મોક્ષ થાય.

જ્ઞાનીને ચારિત્રમોહ બહુ જૂજ હોય ને જ્ઞાનીના આશ્રિતોને તે ખપાવાનો બાકી હોય ! જેટલી જેટલી 'ફાઈલો' પતે એટલો એટલો ચારિત્રમોહ ખપ્યો કહેવાય. શુદ્ધ ઉપયોગથી જ ચારિત્રમોહ ખપે !

કર્મ, ક્રિયાથી નથી બંધાતું, ધ્યાનથી બંધાય છે ! પાંચ લાખનું દાન પુણ્ય નથી બાંધતું, પણ તે વખતે મહીં ધ્યાનમાં શું હતું કે મેયરના દબાણથી આપવા પડ્યા, નહિ તો પાંચ રૂપિયા ય ન આપત ! તો તે તેવું કર્મ બાંધે છે. પણ પાંચ રૂપિયા ય ન આપવાનું !!! ધ્યાનનો આધાર શો ? અંદરના 'ડેવલપમેન્ટ' ઉપર.

ધર્મ શું ? અર્થ શું ? કામ અને મોક્ષ શું ?

સ્વાર્થ એટલે સાંસારિક સ્વાર્થ કહે છે, તે ત્યાંથી માંડીને ઠેઠ પરમાર્થ સુધીનો અર્થ, એ સ્વાર્થ છે. આત્માસંબંધી જ સ્વાર્થ એ પરમાર્થ. એવા સ્વાર્થી તો એક આત્મજ્ઞાની પુરુષ જ હોય ! સાંસારિક સ્વાર્થમાં લઈ જાય તે સકામ ને પરમાર્થમાં લઈ જાય તે અકામ. ધર્મ એટલે શું. સંસારમાં રખડાવે તે શુભધર્મ ને મોક્ષે લઈ જાય કે શુદ્ધધર્મ. અધર્મને ધક્કા મારવા તે શુભધર્મ. દાન, પુણ્ય, સેવા, મદદ વિ. પુણ્ય બાંધે, એ રિલેટિવ ધર્મ. અને પુણ્ય-પાપથી છોડાવે તે રિયલ ધર્મ. મોક્ષ એટલે સંસારના સર્વે બંધનોથી છૂટી સિદ્ધગતિ પામે તે. છૂટવાના કામીને આ જગતમાં કોઈ બાંધનાર નથી ! આ જગતનો કોઈ કર્તા નથી, ભગવાન પણ નહિ. માત્ર સાયન્ટિફિટ સરકમસ્ટેન્શિયલ એવિડન્સથી જગત ચાલે છે !

બાળકૃષ્ણની ભક્તિથી વૈકુંઠ મળે. યોગેશ્વરકૃષ્ણની ભક્તિ અને સાચા જ્ઞાનની પ્રાપ્તિથી મોક્ષ મળે. કૃષ્ણ ભગવાને 'હું' શબ્દ ગીતામાં 'આત્મા' માટે જ વાપર્યો છે, દેહધારી શ્રીકૃષ્ણ માટે નહિ.

ધ્યાન બે પ્રકારનાં : એક પૌદ્ગલિક એટલે કે કુંડલિનીનું, ગુરુનું, મંત્રનું વિ. ધ્યાન તે અને બીજું આત્માનું ધ્યાન. તે નિર્વિકલ્પ સમાધિમાં લઈ જાય.

નિર્વિકલ્પ એટલે વિકલ્પરહિત દશા ને નિર્વિચાર એટલે વિચાર રહિત દશા ! જ્ઞાની સિવાય નિર્વિકલ્પ દશા જોવા ના મળે ક્યાંય !

સાંખ્ય અને યોગ, એ બેઉ પાંખે ઊડાય. સાંખ્ય એટલે જ્ઞાન જાણવું. મન-વચન-કાયા, અંતઃકરણનાં ધર્મો જાણવા, એનું નામ સાંખ્ય. યોગ વગર, (ગુરુની) માનસિક પૂજા વગર, ઊંચે ચઢાય નહિ.

શિવ એટલે કલ્યાણ સ્વરૂપ. આધિ-વ્યાધિ ને ઉપાધિમાં ય સમાધિ રહે, તે સાચી સમાધિ ! ધ્યાનમાં જે પ્રકાશ દેખાય છે તે જ્ઞેય છે ને એને જાણનારો આત્મા છે, ને આત્મા જ્ઞાતા છે.

મનુષ્ય જીવનનો હેતુ મુક્તિ પ્રાપ્તિનો છે ! અને તે માટે 'જ્ઞાની પુરુષ'ને ખોળવા ને તે મળે તો કામ નીકળી જાય ! શુદ્ધાત્મા ને સંયોગ બે જ છે જગતમાં, તેમાં વળી સંયોગો માત્ર વિયોગી સ્વભાવના છે. સંયોગો બધા વોસરાવી દીધા તો મોક્ષ થાય !

જેને આર્તધ્યાન ને રૌદ્રધ્યાન ના થાય, તેને આખો ય દહાડો સામાયિક છે. અક્રમમાં નિરંતર સામાયિક રહે તેમ છે. આર્તધ્યાન રૌદ્રધ્યાન જાય નહિ તો એને માટે ૪૮ મિનિટ સામાયિકમાં બેસી આર્તધ્યાન રૌદ્રધ્યાનથી સદંતર મુક્ત રહેવું તો તે સામાયિક ખરી કરી કહેવાય. એના માટે સામાયિક કરતાં પહેલાં નિયમ કરવો પડે કે 'હે ભગવાન, હું ચંદુલાલ, મારું નામ, મારી કાયા, મારી જાત, મારું મિથ્યાત્વ બધું આપને સમર્પણ કરું છું. અત્યારે મને સામાયિક કરતી વખતે વીતરાગ ભાવ આપો !!'

તીર્થંકર થનારનાં લક્ષણો શું ? નિરંતર જગતકલ્યાણની ભાવના. એ સિવાય બીજી કોઈ જ ભાવના ના હોય. ખાવાનું, પીવાનું, રહેવાનું, સૂવાનું ગમે તેવું મળે, તોય કલ્યાણ ભાવના નિરંતર તેવી ને તેવી જ રહે. પોતાનું સંપૂર્ણ કલ્યાણ થઈ ગયું હોય, તે જ બીજાનું કલ્યાણ કરી શકે. તે જ કલ્યાણ ભાવના ભાવી શકે ! અને જ્ઞાનીની આજ્ઞામાં નિરંતર રહે, કૃપાપાત્ર બને તો તે સ્ટેજમાં આવી શકે !

સ્વસ્તિક શું સૂચવે છે ? ચાર પાંખો ચાર ગતિ સૂચવે ને મધ્યમાં મોક્ષ !

આ દેખાય છે તે દાદા ભગવાન નહોય ! તમને જે યાદ આવે છે તે ખરા દાદા છે ! આ દેખાય છે, તે તો એ. એમ. પટેલ છે અને મહીં બેઠા છે તે પ્રગટ પરમાત્મ સ્વરૂપ 'દાદા ભગવાન' છે ! દેહધારીને ભગવાન ના કહેવાય. દેહ તો નાશવંત છે ને પરમાત્મા તો પરમેનન્ટ છે, અમારી અંદર વ્યક્ત થયા છે દાદા ભગવાન ! સુરતના સ્ટેશનના બાંકડા પર ૧૯૫૮માં !!!

સંતોનો વ્યવહાર શુભાશુભ હોય. જ્ઞાનીનો શુદ્ધ વ્યવહાર હોય. જે વ્યવહાર પૂરો થતો જાય તે શુદ્ધ થયો કહેવાય. જ્ઞાની પુરુષને દેહધારી પરમાત્મા જ કહેવાય ! એમને એક પણ સ્થૂળ ભૂલ કે સૂક્ષ્મ ભૂલ ના હોય, તે જ્ઞાની પુરુષ કહેવાય.

જબરજસ્ત પુણ્યાનુબંધી પુણ્યૈ પાકે ત્યારે આવા જ્ઞાની પુરુષનો ભેટો થાય. આ કાળમાં આવા જ્ઞાની થઈ ગયા, સંપૂજ્ય શ્રી દાદાશ્રી ! ઘણાને પ્રશ્ન થાય કે દાદાનું જ્ઞાન મેળવવું છે, પણ પાછળના ગુરુ કરેલા તેનું શું ? તે માટે પૂ. દાદાશ્રી અત્રે કહે છે એમને રહેવા દેવાના. વ્યવહારમાં ગુરુ જોઈએ ને મોક્ષ માટે જ્ઞાની જોઈએ. ગુરુ સાંસારિક ધર્મો શીખવાડે તે. એ સંત પુરુષો કહેવાય. અશુભ છોડાવે ને શુભ પકડાવે. આત્મપ્રાપ્તિ ત્યાં ન હોય અને જ્ઞાની પુરુષ મોક્ષ આપે, કલાકમાં જ, રોકડો !

ભક્ત અને જ્ઞાનીમાં શું ફેર ? સેવક અને સેવ્ય જેવો !

જ્ઞાની જબરજસ્ત યશનામ કર્મ લઈને આવ્યા હોય. તેનાથી લોકોના ભૌતિક કામો પણ થઈ જાય. પણ જ્ઞાની તેમાં પોતે કંઈ જ કરતા ના હોય.

જ્ઞાનીના અંગૂઠામાં અહંકાર ઓગાળવાનું સોલ્વન્ટ હોય અને એ જગ્યાએથી જલદી તાર તમને પહોંચે. એક સમય પણ પરસમયમાં ન રહે, નિરંતર સ્વસમયમાં રહે તે સર્વજ્ઞ. દાદાને બધાં જ કર્મોનો અભાવ હોય. પૂજ્ય દાદાશ્રી કહેતા કે અમને કેવળજ્ઞાનમાં ચાર ડીગ્રી જ ખૂટે છે, કાળને લઈને !

મોક્ષમાર્ગમાં લાયકાતમાં માત્ર ખપે, 'પરમ વિનય ને હું કંઈ જ જાણતો નથી', એ ભાવ. જ્ઞાનીનો અવિનય પોતાને જ મોક્ષના અંતરાય પાડે છે.

જે ગામ જવાનું છે, એનું જ જ્ઞાન જાણવા જેવું છે. એ સિવાય બીજું કંઈ પણ ઈન્વાઈટ કરવા જેવું નથી. અક્રમ વિજ્ઞાનમાં આરતિ, ભક્તિ વગેરે ક્રિયાઓ ના કહેવાય ? આમાં પોતે કર્તા થતો નથી. જુદો રહીને કરાવે છે. એટલે અહીં કોઈ વ્યક્તિની ભક્તિ નથી પણ પોતે પોતાના જ આત્માની ભક્તિ કરે છે. એ પોતે ત્યારે પ્રજ્ઞાસ્વરૂપે હોય છે, અજ્ઞા તો અહીં ખલાસ થઈ ગઈ. સંપૂજ્ય દાદાશ્રી પોતે પણ પોતાના અંદરના દાદાને જાતે બન્ને હાથથી નમસ્કાર કરીને 'અંદર બેઠેલા દાદા ભગવાનના અસીમ જય જયકાર હો' ગવડાવતા ને બધાંને પણ પોતાની અંદરના જ 'દાદા ભગવાનના અસીમ જય જયકાર હો' બોલવાનું કહેતા ! આનું નામ જ પરાભક્તિ ! સાંભળનારો ને બોલનારો બેઉ સત્સંગ કરે છે, એવું આ અક્રમ વિજ્ઞાન છે.

દાદા ભગવાન કોણ ? જ્ઞાન, દર્શન, ચારિત્ર ને તપના આધારે જે અનુભવમાં આવે છે તે દાદા ભગવાન છે. બાકી આ દેખાય છે, તે એ. એમ. પટેલ છે. કાલે એ પરપોટો ફૂટી જશે. આત્મા સૂક્ષ્મતમ છે ને દેહ સ્થૂળ છે, જેને લોક બાળી મૂકશે. સ્થૂળ સૂક્ષ્મને કેવી રીતે બાળે ? એવા જ દાદા ભગવાન તમારી અમારી બધાંની અંદર બિરાજેલા છે, જે ચૌદ લોકના નાથ છે ને તે તમે પોતે જ છો !!!

- ડૉ. નીરુબહેન અમીન

 

ભાગ
1-2 -3 - 4 - 5 - 6 - 7 - 8 - 9 - 10 - 11 - 12