ભાગ
1-2 -3 - 4 - 5 - 6 - 7 - 8 - 9 - 10 - 11 - 12



આપ્તવાણી શ્રેણી - ૫

જ્ઞાની મળ્યા પછી સાધનોની નિરર્થકતા

પ્રશ્નકર્તા : અંતઃકરણની શુદ્ધિ માટે જે સાધનો બતાવ્યાં છે, તે કેટલા અંશે જરૂરી છે ?

દાદાશ્રી : કયાં સાધનો ?

પ્રશ્નકર્તા : જપ, તપ એ બધાં.

દાદાશ્રી : જ્યાં સુધી સાધ્ય વસ્તુ મળે નહિ, ત્યાં સુધી સાધનોમાં રહેવું જોઈએ. પણ જો 'જ્ઞાની પુરુષ' મળે તો કશું જ કરવાની જરૂર નથી. 'જ્ઞાની પુરુષ' પોતે જ બધું કરી આપે. અને તે ના મળ્યા હોય તો તમારે કંઈ ને કંઈ કરવું જ જોઈએ. નહીં તો ઊંધો માલ પેસી જાય. શુદ્ધિકરણ ના કરો તો અશુદ્ધિ જ થયા કરે કે ના થયા કરે ? એટલે આપણે રોજ પૂંજો તો વાળવો જ પડે ને ? 'જ્ઞાની પુરુષ' મળ્યા હોય તો તેમને કહેવું કે સાહેબ, મારો ઉકેલ લાવી આપો. તે 'જ્ઞાનીપુરુષ' એક કલાકમાં બધું જ કરી આપે, પછી એમની આજ્ઞામાં ફક્ત રહેવાનું કે ચાલુ લિફ્ટમાં હાથ બહાર કાઢશો નહીં. નહીં તો હાથ કપાઈ જશે. અને આખી લિફ્ટ ઊભી રાખવી પડે. આ તો મોક્ષે જવાની લિફ્ટ છે.

મોક્ષે જવાના બે માર્ગ : એક 'ક્રમિક' માર્ગ ને બીજો 'અક્રમ માર્ગ'. ક્રમિક એટલે 'સ્ટેપ બાય સ્ટેપ' પગથિયાં ચઢવાનું ને 'અક્રમ' એટલે લિફ્ટમાં ઊંચે જવાનું !

મોક્ષ - 'અક્રમ' માર્ગ

પ્રશ્નકર્તા : મોક્ષને મેળવવા સીધો રસ્તો નથી ?

દાદાશ્રી : તારે વાંકો જોઈએ છે ત્યારે ?

પ્રશ્નકર્તા : વાંકો તો નથી જોઈતો, પણ સીધો નથી મળતો. 'મોક્ષ મેળવવા માટેનો રસ્તો સહેલો નથી' એમ મારું માનવું છે.

દાદાશ્રી : હા, એ તો બરોબર છે. મોક્ષ માટે બે રસ્તા છે. કાયમનો તો એક જ રસ્તો છે. આ જે અઘરો રસ્તો તમે કહો છો ને તે જ છે. આ તો કો'ક વખત ઇનામી રસ્તો નીકળ્યો છે. તે દસ લાખ વરસે નીકળે છે ! તેમાં જેને ટિકિટ મળી ગઈ તેનું કલ્યાણ થઈ ગયું ! આ રસ્તો કાયમને માટે હોતો નથી. આ 'અક્રમ વિજ્ઞાન' છે અને પેલું 'ક્રમ વિજ્ઞાન' છે. ક્રમ એટલે સ્ટેપ બાય સ્ટેપ. પગથિયે, પગથિયે ચઢીને ઉપર જવાનું ને આ લિફ્ટ છે ! લિફ્ટ તને ગમતી ના હોય તો વાંધો નહીં. આપણે તને પેલો રસ્તો દેખાડીશું. તારાથી પગથિયાં ચઢવાની શક્તિ છે પછી શું ખોટું છે ? અને લિફ્ટ જેને ગમતી હોય, જેનામાં શક્તિ ના હોય તે લિફ્ટમાં બેસે.

'જ્ઞાની' મળે તો મોક્ષ હથેળીમાં છે ને ના મળે તો કરોડો અવતારે ય ઠેકાણું ના પડે !

પ્રશ્નકર્તા : જ્ઞાની પણ સમ્યક્જ્ઞાની હોવા જોઈએ ને ? એને સાચી સમજણ હોવી જોઈએ ને ?

દાદાશ્રી : હા, સમ્યક્જ્ઞાન તમને પણ થવું જોઈએ. તો જ મોક્ષ થાય. સમ્યક્દર્શન, સમ્યક્જ્ઞાન ને સમ્યક્ચારિત્ર બધું જ થાય ત્યારે મોક્ષ થાય. એમ ને એમ મોક્ષ થાય નહીં.

પ્રશ્નકર્તા : અમનેય મોક્ષની વાનગી ચખાડશો ને ?

દાદાશ્રી : હા. ચખાડીશું. બધાંને ચખાડીશું. જેને ચાખવું હોય તેને ચખાડવાનું.

અંતર ભેદાયા વિણ નીપજે ના અંતરદ્ષ્ટિ

પ્રશ્નકર્તા : જ્ઞાની પુરુષો એમ કહે છે કે તમારે અંદર જ જોયા કરવાનું છે. એટલે આપણે અંદર શું જોવાનું છે ?

દાદાશ્રી : એ જે કહેલું છે તે સાપેક્ષ વચન છે. જેને આંતરિક જ્ઞાન થયેલું હોય તેણે અંદર જોવાનું અને જેને બાહ્ય જ્ઞાન થયું હોય તેણે બહાર જોવાનું. હવે બાહ્યજ્ઞાન થયેલું હોય અને અંદર જુએ તો શું દેખાય એને ?

પ્રશ્નકર્તા : બહારનું જ દેખાય.

દાદાશ્રી : એટલે મારું કહેવાનું એ છે કે આ જે વચન કહ્યું છે તે સાપેક્ષ વચન છે. જેને અંતરનું કંઈક જ્ઞાન થયેલું છે, અંતરની કંઈક વાત સાંભળી છે, અને અંતર કંઈક ભેદાયું છે તેને અંદર જોવાનું. અને અંતર ભેદાયું ના હોય તો અંદર શું જોશો ?

પ્રશ્નકર્તા : આપણને કંઈ વિચાર ઊઠતા હોય તે.

દાદાશ્રી : હા, પણ તે અંતર ભેદાયું હોય તેને માટે એ કામનું છે. અંતર ભેદાયું ના હોય, વિચારો ઊઠતા હોય, તેમાં તન્મયાકાર થઈ જાય પછી શું દેખાય ? અંતર ભેદાયું હોય તે તો વિચારમાં તન્મયાકાર ના થાય ને તેને જુએ કે શું મને વિચાર આવ્યો ? પણ અંતરભેદ થવો બહુ સહેલો નથી. એ 'જ્ઞાની પુરુષ' વગર અંતરભેદ ના થાય. ભેદ તો પડવો જોઈએ ને આપણને ? અહંકાર ભેદ ના પડવા દે.

જેની દ્ષ્ટિ બહાર જ છે, લૌકિકમાં રાચેલો છે. એને અંદર શું જોવાનું ? એની રમણતા ક્યાં છે તે ઉપર દ્ષ્ટિનો આધાર છે. જ્યાં સુધી આત્મા પ્રાપ્ત ના થાય ત્યાં સુધી અંદર કશું દેખવા જેવું જ નથી. ફક્ત શુભ ઉપયોગ રાખે પણ એ કંઈ મોક્ષમાર્ગ નથી, ધર્મમાર્ગ છે એટલે એને ને મોક્ષને કંઈ લેવાદેવા નથી. તમે અંદર ગમે તેટલો ઉપયોગ રાખશો પણ તે શુદ્ધ ઉપયોગ તો નહીં ગણાય.

શુદ્ધ ઉપયોગ તો 'જ્ઞાની પુરુષ' 'જ્ઞાન' આપે પછી રહે. 'જ્ઞાન' કયું ? આત્મજ્ઞાન. 'હું કોણ છું' એ નક્કી થાય. અને તે પાછું ભાન સહિત હોવું જોઈએ. શુદ્ધ ઉપયોગ એ મોક્ષમાર્ગ છે. અને તમે કહો છો એ બધા શુભ ઉપયોગ છે. અશુભમાંથી શુભમાં આવવાનો એ માર્ગ છે.

અધ્યાત્મ અને બૌદ્ધિકતા

પ્રશ્નકર્તા : અધ્યાત્મના અનુભવ વિશે દાદા પાસે કે કોઈ પણ વીતરાગ પુરુષ પાસે આપણે ઉત્તરો મેળવીએ, તો એ બૌદ્ધિક અર્થઘટન ગણાય કે ?

દાદાશ્રી : તમારી પાસે આવ્યું એટલે બૌદ્ધિક થઈ ગયું. તમારે બુદ્ધિથી સમજવા માટે બૌદ્ધિક થઈ ગયું. બાકી આમ તો જ્ઞાન પ્રકાશ છે ! બુદ્ધિ તો અમારામાં હોય જ નહીં ! એટલે અમે જ્ઞાનના 'ડાયરેક્ટ' પ્રકાશથી જ વાત કરીએ. અમારી પાસે પુસ્તકનીય વાત ના હોય.

પ્રશ્નકર્તા : વાણીમાં જે ઊતરે, તો એ એટલા અંશે બૌદ્ધિક ના થઈ ગયું કહેવાય ?

દાદાશ્રી : ના, એવો કંઈ નિયમ નથી. વાણીમાં તો 'ડાયરેક્ટ' પ્રકાશ બધોય ઊતરે અને 'ઈનડાયરેક્ટ' પણ બધોય ઊતરે. વાણીને એવી કશી લેવાદેવા નથી.

પ્રશ્નકર્તા : 'ડાયરેક્ટ' પ્રકાશ પહોંચાડવા માધ્યમની મર્યાદા વાણીને નડે કે નહીં ?

દાદાશ્રી : 'ડાયરેક્ટ' પ્રકાશવાળી વાણી સ્યાદ્વાદ હોય. કોઈને કિંચિતમાત્ર દુઃખ ના થાય એવી એ વાણી હોય. બુદ્ધિવાળી વાણી કોઈને દુઃખદાયી થઈ જાય. કારણ કે બુદ્ધિવાળી વાણીમાં અહંકાર રૂપી 'પોઈઝન' હોય છે.

પ્રશ્નકર્તા : વીતરાગ વાણી હોય પણ ઝીલનારી સામી બુદ્ધિ હોય તો એ વીતરાગતા સમજી શકે ખરી ?

દાદાશ્રી : બુદ્ધિ સમજી શકે ખરી, પણ તે પોતાની મેળે ના સમજે. એ તો 'જ્ઞાની પુરુષ' પાસે સમ્યક્ થાય ત્યારે ઝીલી શકે.

પ્રશ્નકર્તા : ઝીલનારો જે હોય એ તો એની બૌદ્ધિક શક્તિથી ઝીલે ને ? કે એની મર્યાદા હોય પાછી...

દાદાશ્રી : હા, એ બૌદ્ધિક શક્તિથી ઝીલે છે પણ એ 'જ્ઞાની પુરુષ'ની હાજરીમાં જ એ બુદ્ધિ પકડી શકે છે, બીજી જગાએ બુદ્ધિ પકડી શકે નહીં. કારણ કે 'જ્ઞાની પુરુષ'ની હાજરીમાં નીકળેલી વાણી આવરણો ભેદી 'ડાયરેક્ટ' આત્માને પહોંચે છે અને આત્માને પહોંચે છે એટલે તરત તમારાં મન, બુદ્ધિ, ચિત્ત ને અહંકાર પકડી લે છે. અમારી વાણી આત્મામાંથી પાસ થઈને નીકળેલી હોય છે. જગતની વાણી મનમાંથી પાસ થઈને નીકળેલી હોય છે. એટલે એને મન 'એક્સેપ્ટ' કરે ને અહીં આત્મા 'એક્સેપ્ટ' કરે. પણ પછી પાછું મન, બુદ્ધિ એને પકડી લે.

અવસ્થામાં અસ્વસ્થ, સ્વમાં સ્વસ્થ

પ્રશ્નકર્તા : આ વીતરાગની ગેરહાજરીમાં અવસ્થામાં અસ્વસ્થ થવાનું બને અને હાજરીમાં સ્વસ્થ રહેવાય, એવું કેમ બને છે ?

દાદાશ્રી : હાજરીમાં તો સ્વસ્થ રહે જ. અસ્વસ્થ રહે છે એ આપણી બુદ્ધિ રખાવડાવે છે અને બુદ્ધિ છે ત્યાં સુધી અહંકાર છે. અને અહંકારવાળી બુદ્ધિ છે તે આ અસ્વસ્થ કરાવડાવે છે. એનો જો 'એન્ડ' આવી જાય તો અસ્વસ્થ થવાનું કોઈ કારણ જ નથી.

પ્રશ્નકર્તા : ભૌતિક રીતે તો એ શક્ય ના હોય ને ?

દાદાશ્રી : ના, શક્ય ના હોય ! છતાંય પણ જેટલો લાભ મળ્યો એટલો સાચો ! નહીં તો પોતાની બુદ્ધિ અને અહંકાર નિકાલ કરતાં કરતાં ખલાસ થઈ જશે, એટલે પછી એની મેળે જ નિરંતર સ્વસ્થતા રહેશે, સ્વમાં રહેવા માટે સ્વસ્થતા અને આ છે તે અવસ્થાઓમાં રહે છે માટે અસ્વસ્થતા. અવસ્થા બધી વિનાશી છે, સ્વ અવિનાશી છે. તે અવિનાશીમાં રહે તો સ્વસ્થ રહી શકે અને નહીં તો પેલો અસ્વસ્થ રહ્યા કરે.

પ્રશ્નકર્તા : અવસ્થામાં અસ્વસ્થ રહે છે, તે પોતે જોઈ શકે છે ને જાણી શકે છે છતાંય સ્વસ્થ નથી રહેવાતું, એટલું બુદ્ધિનું આવરણ વધારે કહેવાય ?

દાદાશ્રી : ના, ત્યાં આગળ શું ન્યાય છે કે જોનાર છે, જે દાદાએ આત્મા આપેલો છે, 'શુદ્ધાત્મા' તે જ આ બધું જોનાર છે. 'તે' રૂપે 'આપણે' રહીએ તો કશી ભાંજગડ નથી. નહીં તો સ્વસ્થ અને અસ્વસ્થ જોવા જઈએ તો પાર જ નથી આવે એવો.

પ્રશ્નકર્તા : એની ચાવી કઈ ?

દાદાશ્રી : સ્વસ્થ થાય કે અસ્વસ્થ થાય, બેઉનો જાણકાર શુદ્ધાત્મા છે. અસ્વસ્થ થાય છે એટલે પોતે એમાં, 'ફોરેન'માં હાથ ઘાલે છે. સ્વસ્થ થાઓ કે અસ્વસ્થ થાઓ અમારે 'જાણ્યા' સાથે કામ છે. આ બધી પૌદ્ગલિક અવસ્થા છે અને પૌદ્ગલિક અવસ્થાને જાણે તે 'શુદ્ધાત્મા' કહેવાય. પૌદ્ગલિક એટલે પૂરણ-ગલન થયેલી ! જે અસ્વસ્થતા તમને આવે છે તે પૂરણ થયેલી હોય તો જ અત્યારે આવે, તે અત્યારે આવીને ગલન થઈ જાય.

'ફોરેન'માં હાથ ઘાલ્યો કે દાઝયા વગર રહે જ નહીં. અમે 'ફોરેન'માં હાથ ઘાલીએ જ નહીં. કારણ કે આમ જે ફળ મળવાનું છે તે તો મળવાનું જ છે. ઉપરાંત એણે હાથ ઘાલ્યો તેનું 'ડબલ' ફળ મળે છે. બે ખોટ ખાય છે. આપણે એક જ ખોટ ખાવાની. 'ચંદુભાઈ' અસ્વસ્થ છે એવું 'તમારે' જાણ્યા કરવાનું, એ પા કલાક પછી ખલાસ થઈ જશે. 'જોયા' કરશો તો બે ખોટ નહીં જાય.

પ્રશ્નકર્તા : અસ્વસ્થતાનો સમય જેટલો વધારે ખેંચાય એટલું વધારે આવરણ કહેવાય ?

દાદાશ્રી : હા, જેટલું આવરણ એટલું ખેંચાયા કરે. પણ 'તમે' શુદ્ધાત્મા તરીકે જોયા કરશો તો એ ગમે એટલું આવરણ હોય તોય એ ઝપાટાબંધ ઊડી જશે. એનો ઉકેલ આવી જાય ને એમાં પોતે હાથ ઘાલવા ગયો હોય તો મારીને માથાકૂટ ઊભી થાય.

જ્ઞાનીનો અશાતા ઉદય

પ્રશ્નકર્તા : વીતરાગ પુરુષોને શારીરિક દુઃખ આવે. દા. ત. આપને પગનું 'ફ્રેક્ચર' થયું, તો એમાં પોતે કેવી રીતે મુક્ત રહે ? વેદના તો બધાંને થાય એવી જ થાયને ?

દાદાશ્રી : એમણે સ્વામીપણાના દસ્તાવેજ છે તે ફાડી નાખેલા હોય. 'આ મન મારું છે' એ દસ્તાવેજ ફાડી નાખેલો હોય. 'બુદ્ધિ મારી છે, વાણી મારી છે' એ દસ્તાવેજ ફાડી નાખેલા હોય. વાણીને એ શું કહે, 'ઓરિજિનલ ટેપરેકોર્ડર'.

આ દેહેય મારો છે એ દસ્તાવેજ ફાડી નાખેલા હોય. એટલે પછી શું કહે - 'આ પબ્લિક ટ્રસ્ટ' છે. એટલે પછી એમને અત્યારે દાઢ દુખતી હોય તો અસર થાય, પણ તેને 'અમે' 'જાણીએ', વેદીએ નહીં. જ્યારે કોઈ અમને ગાળો ભાંડે, અપમાન કરે, પૈસાની ખોટ જાય તેની અમને જરાય અસર ના થાય. અમને માનસિક અસર બિલકુલ હોય નહીં. શરીરને લગતું હોય તો તે તેના ધર્મ મુજબ અસર બતાડે. પણ 'અમે' પોતે તેના 'જ્ઞાતા-દ્રષ્ટા' જ હોઈએ. એટલે અમને દુઃખ અડે નહીં.

પ્રશ્નકર્તા : આને વીતરાગ પુરુષનું તાદાત્મ્યપૂર્વકનું તાટસ્થ્ય કહેવાય ? કે એકલી તટસ્થતા કહેવાય ?

દાદાશ્રી : અમને તાદાત્મ્ય બિલકુલ ના હોય. અમને આ દેહ જોડેય પાડોશી જેવો સંબંધ હોય એટલે દેહને અસર થાય તો અમને કંઈ અડે નહીં. મન તો અમને આવું હોય જ નહીં. એ કેવું હોય ? ક્ષણે ક્ષણે ફર્યા જ કરે. એક જગ્યાએ સ્થિર ના હોય.

પ્રશ્નકર્તા : એટલે કે 'પડોશી'ના દુઃખે પોતે દુઃખી ના થાય.

દાદાશ્રી : કોઈનાય દુઃખે દુઃખી ના થાય. પોતાનો દુઃખનો સ્વભાવ જ નથી, ઊલટું એના સ્પર્શથી સામાને સુખ થઈ જાય.

જગતમાં અધ્યાત્મ જાગૃતિ

પ્રશ્નકર્તા : છેલ્લાં પાંચ વર્ષથી લોકોમાં અધ્યાત્મ તરફની પ્રગતિ વધતી દેખાય છે, તો એ શું સૂચવે છે ?

દાદાશ્રી : એ શું સૂચવે છે કે પહેલાં આધ્યાત્મિક વૃત્તિ સાવ ખલાસ થઈ ગઈ હતી, એટલે હવે વધતી દેખાય છે. આ બધું કાળના પ્રમાણે બરોબર જ છે. બીજું એ છે કે આ દુઃખો એટલાં બધાં વધવાનાં છે કે આમાંથી લોકોને નીકળવું મુશ્કેલ પડશે ! એટલે લોકોને વૈરાગ્ય આવશે. એમ ને એમ તો લોકો વલણ છોડે એવા નથીને ?

પ્રશ્નકર્તા : એને સતયુગ કહેવામાં આવશે ?

દાદાશ્રી : એ લોકોને જે યુગ કહેવો હોય તે કહે, પણ પલટો આવશે. સતયુગ તો ગયો, એ ફરી આવે નહીં. એટલે કળિયુગમાં જે ના દેખ્યું હોય એવા સુંદર સુંદર વિચારો દેખાશે !

આજે મનુષ્યોની બુદ્ધિ જે 'ડેવલપ' થઈ રહી છે, એ દસ લાખ વર્ષમાં કોઈ દહાડોય કોઈ વખત થઈ નથી. આ બુદ્ધિ વિપરીત થઈ રહી છે પણ વિપરીત બુદ્ધિ પણ ડેવલપ છે, તેને સમ્યક્ થતાં વાર ના લાગે. પણ પહેલાં તો બુદ્ધિ ખાસ 'ડેવલપ' નહોતી.

પ્રશ્નકર્તા : એટલા માટે જ પહેલાંના કાળમાં આત્મસાક્ષાત્કાર મેળવવા માટે ખૂબ લાંબી લાંબી તપશ્ચર્યા કરવી પડતી હતી. એનું કારણ એ જ ને ?

દાદાશ્રી : એ જ હતું. અત્યારે બહુ તપશ્ચર્યા કરવી ના પડે. બધાં તપેલાં જ છે ! એક દીવાસળી સળગાવો તે પહેલાં ભડકો થઈ જાય. તપેલાંને શું તપાવવો ? નિરંતર તપ જ કર્યા કરે છે બિચારાં.

અધ્યાત્મમાં ઈન્વેન્શન

ચોખ્ખા હ્રદયવાળાને બહુ પૂછવાનું હોય નહીં અને એ ધર્મ બહુ પામે પણ નહીં.

પ્રશ્નકર્તા : એટલે વાંકા લોકોને લાભ છે ખરો ?

દાદાશ્રી : વાંકાને જ લાભ છે. હ્રદયશુદ્ધિવાળા આમના જેવા મેં બધા બહુ જોયેલા. એમને હું કહું કે તમે તો સુખી જ છો, પછી તમારે શું ? તમે સીધા માણસો દુનિયાનું નુકસાન કરતા નથી. પણ આત્મદશાએ પહોંચતાં બહુ ટાઈમ લાગે, કારણ કે એમને 'ઇન્વેન્શન' બંધ રહે છે. એમનું ધીમું ધીમું ઈન્જીન ચાલ્યા કરે છે.

આ હું કહું છું એવી વાત કોઈએ કરેલી જ ના હોય. સહુ કોઈ એમ કહે કે આ હ્રદયશુદ્ધિવાળા જ ધર્મને પામે, આ બીજા ના ફાવે. હવે મારું શું કહેવાનું છે કે હ્રદયશુદ્ધિવાળાને જરૂરિયાતની ચીજો મળી આવે એટલે બસ, થઈ રહ્યું. પછી એમનું 'ઇન્વેન્શન' બંધ થઈ જાય છે.

પ્રશ્નકર્તા : પણ દાદા, એમની અંદર હ્રદયની કે બુદ્ધિની જિજ્ઞાસા હોય તો થાય ?

દાદાશ્રી : ના, જિજ્ઞાસા હોય તોય ના થાય. એ તો ફક્ત બે-પાંચ જણ આવે. તેને સુધારે, સેવા બધાંની કરે અને પોતાનુંય ચાલ્યા કરે.

પ્રશ્નકર્તા : હવે એમને આત્મજ્ઞાનમાં જવું હોય તો શું થાય ?

દાદાશ્રી : એ તો ધીમે ધીમે કો'ક ફેરો એવા સંજોગો ભેગા થશે, ત્યાં પાછું હ્રદયમાં બીજું પેસી જશે ત્યારે માર ખાશે. ત્યારે પાછું 'ઇન્વેન્શન' ચાલુ થશે. આ મારું 'ઇન્વેન્શન' શાથી થયેલું છે ? માર ખાવાથી થયેલું છે. હું એવી એવી ખાઈઓમાંથી નીકળ્યો છું, એવા એવા 'હીલ સ્ટેશન' ઉપર ચઢ્યો છું... બીજું, મારે જગતની કોઈ ચીજ જોઈતી નથી, જગતમાં તમેય ચઢેલા છો. આ બધા જ ચઢેલા છે. પણ એમને જ્ઞાતા-દ્રષ્ટાપણું ના હોય, પોતાનું નિરીક્ષણ ના હોય, ખાવામાં-પીવામાં, મસ્તીમાં તન્મયાકાર હોય. તેથી પેલું બધું ભૂલી જાય. અમારું નિરીક્ષણ કેટલાય અવતારનું છે !

એટલે આ મન-વચન-કાયાની બધી શક્તિ શેમાં જાય ? બધી સ્થૂળમાં વપરાયા કરે. જે કામ મજૂર કરી શકે તેમાં વપરાય. હવે એવી મારી શક્તિ જો કદી બગીચામાં વપરાય તો મારી શી 'વેલ્યૂ' રહે ? એક કલાકમાં તો કેટલું બધું કામ થઈ જાય ? સ્થૂળમાં શક્તિઓ વપરાય એટલે સૂક્ષ્મમાં 'ઇન્વેન્શન' બંધ થઈ જાય. સેવાભાવી થયા એટલે ત્યાંથી એ લાઈનમાં એને 'ઈન્ટરેસ્ટ' પડ્યા કરે. જ્યાં હોય ત્યાં 'આવો પધારો, પધારો' મળ્યા કરે. એટલે પ્રગતિ બંધ થઈ જાય. 'ઇન્વેન્શન' ક્યારે થાય છે ? માથામાં ત્રણ તમાચા મારે ને ત્યારે આખી રાત જાગીને 'ઇન્વેન્શન' ચાલે.

પ્રશ્નકર્તા : દાદા, સીધા, સરળ ને સેવાભાવી માણસોનો વિકાસ ખરાબ માણસો કરતાં કેમ ઓછો પડી જાય છે ?

દાદાશ્રી : ખરાબ માણસોનો વિકાસ થાય જ નહીં. પણ ખરાબ માણસની ખરાબી વધતી જાય પછી એને માર પડે. ત્યારે એનું 'ઇન્વેન્શન' ચાલે. ત્યાર બાદ ખરાબ માણસ પેલા સીધા માણસ કરતાં આગળ વધી જાય અને પેલો સીધો માણસ ધીમે ધીમે આગળ વધ્યા કરતો હોય. એનું તો બે કલાકેય બોરસદ ના આવે ! એને કંઈ અડચણેય ના આવે. ભૂલો પડ્યો, કંઈ ના જડ્યું, ત્યારે 'ઇન્વેન્શન' થાય.

કુદરતનો નિયમ એવો છે કે જેટલા મોક્ષે ગયેલા, તેમાંથી એંસી ટકા નર્કે ગયા પછી જ મોક્ષે જાય છે ! નર્કમાં ના ગયો હોય તો મોક્ષે જવા ના દે ! માર પડવો જ જોઈએ. ખાવાનું, પીવાનું બધું મળ્યા કરે, 'આવો પધારો, પધારો' બધાં કરે તો 'ઈન્વેન્શન' અટકી જાય.

પ્રશ્નકર્તા : ઘણાંને એમ લાગે કે 'હું ધર્મને રસ્તે જ જઈ રહ્યો છું.' મારે બીજું કશું જાણવાની જરૂર નથી. એ શું ?

દાદાશ્રી : દરેક પોતપોતાની ભાષામાં આગળ જઈ જ રહ્યા છે. પણ ધર્મ શેને કહેવો એ સમજવું બહુ મુશ્કેલ છે. આ જગતમાં જે ચાલે છે એ ધર્મ 'રિયલ' ધર્મ નથી, 'રિલેટિવ' ધર્મ છે. તે રિલેટિવ ધર્મમાં જઈ રહ્યા છે. આખો દહાડો ધર્મ જ કર્યા કરે છેને ?

સીધા માણસને સેવાભાવ એટલે જ ધર્મ લાગે. સેવાભાવ એટલે કોઈને સુખ આપવું, કોઈની અડચણો દૂર કરવી, એનું નામ ધર્મ. પણ તે ખરો ધર્મ નથી ગણાતો.

જ્યાં 'હું કરું છું', 'હું કર્તા છું', 'હું ભોક્તા છું'- જ્યાં સુધી આ 'હુંપણું છે', ત્યાં સુધી સત્ધર્મ નથી ઉત્પન્ન થતો. આ લૌકિક ધર્મ ઉત્પન્ન થાય. અલૌકિક ધર્મ તો માર ખાય ને તો જ મહીં 'ઇન્વેન્શન' થાય. નહીં તો શી રીતે 'ઇન્વેન્શન' થાય ?

આત્મા જડે એવો જ નથી કોઈને, ફક્ત તીર્થંકર સાહેબોને જડેલો ! જગતે જે આત્મા માન્યો છે તેવો આત્મા નથી. આત્મા સંબંધી જે જે કલ્પનાઓ કરેલી છે તે બધી કલ્પિત છે. પણ જે છે એમની ભાષામાં એમને માટે બરોબર છે. કુદરતે એમને માટે હિસાબ ગોઠવેલા છે, તે પ્રમાણે ભોગવે છે. શાસ્ત્રોમાં આત્માનું શબ્દજ્ઞાન આપેલું છે તે સંજ્ઞા જ્ઞાન છે. જો સંજ્ઞા જ્ઞાની પાસેથી સમજી જાય તો આત્માની પ્રતીતિ થાય અને છેવટે કેવળજ્ઞાન થાય.

મોક્ષના હક્કદાર

પ્રશ્નકર્તા : મોક્ષ પ્રાપ્તિ પ્રત્યેક માનવીનો હક્ક છે ?

દાદાશ્રી : મોક્ષ પ્રાપ્તિનો દરેક માનવીનો નહીં, દરેક જીવનો હક્ક છે. કારણ કે દરેક જીવ સુખને ખોળે છે. એ સુખ 'આમાં મળશે, આમાં મળશે' એવી આશામાં ને આશામાં અનંત અવતારથી ભટક ભટક કરે છે. તે કાયમનું સુખ ખોળે છે. કાયમનું સુખ, એનું નામ જ મોક્ષ. આ 'ટેમ્પરરી' સુખ, સુખ જ ના કહેવાય. આ તો બધી ભ્રાંતિ છે, આરોપિત ભાવ છે. જો શ્રીખંડમાં સુખ હોય ને તમે શ્રીખંડ ખાઈને આવ્યા હો, તો તે તમે ખાવ ? તમને તે દુઃખદાયી થઈ પડેને ? માટે એમાં સુખ નથી. જેવું આરોપણ કરો તેવું સુખ. એટલે મોક્ષપ્રાપ્તિનો દરેક જીવને અધિકાર છે.

પ્રશ્નકર્તા : આ માર્ગે જવા માટે જ્ઞાનીના ચરણે બેસવું, એ રાહ છે ?

દાદાશ્રી : જ્ઞાની પોતે મુક્ત છે, માટે આપણને તે મુક્ત કરી શકે. સંસારની કોઈ ચીજમાં એ ના રહે માટે આપણને એ સર્વ રીતે મુક્ત કરી શકે. જેને જેને ભજીએ તેવા રૂપ થઈએ.

જ્યાં અહંકાર ના હોય ત્યાં આગળ તમે બેસી રહો તો તમારો અહંકાર જાય. અત્યારે તમારા મનમાં એમ છે કે લાવ, દાદાની પાસે બેસી રહું. પણ પાછલા જે સંસ્કારો છે, 'ડિસ્ચાર્જ' સંસ્કારો છે તેનો ઉકેલ તો લાવવો પડશેને ? એનો ઉકેલ આવતો જશે તેમ આ પ્રાપ્તિ થતી જશે. ભાવના તો એ જ રાખવી કે નિરંતર જ્ઞાનીના ચરણમાં જ રહેવું છે. પછી સર્વ મુક્તિ થાય. અહંકારની મુક્તિ જ થઈ જાય !

ઉઠાવી લ્યો આ છેલ્લી તક !

પ્રશ્નકર્તા : 'જ્ઞાની' ના મળે તો શું કરવું ? માથું ફોડીને મરી જવું ?

દાદાશ્રી : ના, એવું કોઈ મરવાનું કહેતા જ નથી અને મર્યું મરાય એવુંય નથી.

પ્રશ્નકર્તા : તો પછી જગતે શું કરવું ?

દાદાશ્રી : કશું ના કરવું. જે કરતા આવ્યા છે તે જ કર્યા કરે છે.

પ્રશ્નકર્તા : એવા કોઈ ઉપદેશકો ના નીકળ્યા કે જે દેખાડે, જ્ઞાની ના હોય તો આટલું કરજો એમ દેખાડે ?

દાદાશ્રી : અત્યારે શાના ઉપદેશકો ખોળો છો ? આ કળિયુગ આવ્યો. હવે છે તે લૂંટાઈ જવાનો વખત આવ્યો ત્યારે ઉપદેશક ખોળે છે ? અંધારું ઘોર થવાનો હવે તો વખત આવ્યો. અત્યારે હવે ચોક્સીની દુકાન ઊઘડે ? જ્યારે ચોક્સીની દુકાન ઊઘાડી હતી ત્યારે માલ લીધો નહીં. હવે જગતને માલ અપાવવા નીકળ્યા છો ? હવે તો ભયંકર યાતનાઓ અને ભયંકર પીડામાંથી સંસાર પસાર થશે. આ તો છેલ્લું અજવાળું આ 'અક્રમ વિજ્ઞાન'નું છે. તેમાં જેનું કામ થઈ ગયું એનું થઈ ગયું. બાકી રામ તારી માયા !

આયુષ્યનું એક્સટેન્શન !

પ્રશ્નકર્તા : 'સચ્ચિદાનંદ સ્વરૂપ' કોઈ મહાત્મા હોય, બ્રહ્મનિષ્ઠ કોઈ મહાત્મા હોય, તો તે પોતાનું આયુષ્ય લંબાવી શકે ખરા કે ?

દાદાશ્રી : આયુષ્ય લંબાવી શકું છું એવું જે કહે છે એ એક જાતનો અહંકાર છે. કુદરતનું એના આયુષ્યનું જે પ્રમાણ છે એ પ્રમાણના આધારે એને પોતાને એમ લાગે છે કે હું આયુષ્ય વધારીશ તો વધશે. આયુષ્ય વધવાનું છે એટલે એને આ જાતનો 'ઇગોઈઝમ' ઊભો થાય છે. બાકી કોઈ કંઈ વધારી શકે નહીં. આ જગતમાં કોઈના હાથમાં સંડાસ જવાની શક્તિ નથી.

પ્રશ્નકર્તા : વિધાતાને 'સત્પુરુષ' ફેરવી શકે ?

દાદાશ્રી : કશું ફેરવી ના શકે. વિધાતા આમને ફેરવે છે ! કોઈ કશું ફેરવી ના શકે. ખાલી 'ઈગોઈઝમ' છે આ બધો ! આવું તો ચાલ્યા કરે છે. આપણે કોઈને ખોટા ના કહેશો; કારણ કે એ તમારી ઉપર ચીડાશે તો ઊંધો ખેલ કરશે ને વેર બાંધશે. માટે એમને તો કહેવું કે 'સાહેબ, તમે બરોબર છો, તમારી વાત અમને ગમી !' એમ કરીને આપણે આગળ ચાલ્યા જવું. આનો પાર જ નહીં આવે. તમે એમને 'સારા છો, ખોટા છો' કહેશો, તો એ તમને છોડશે નહીં. તમારી જોડે ને જોડે ફર્યા કરશે.

પ્રશ્નકર્તા : ઈશ્વરની પ્રાપ્તિ સત્પુરુષની કૃપા વગર થાય એમ નથી. એ સત્પુરુષ છે, તો પછી એ વિધાતાને કેમ ટાળી ના શકે ?

દાદાશ્રી : જો એ વિધાતાને ટાળી શકે એમ હોય તો તો એનું સત્-પુરુષપણું જાય. સિદ્ધિઓ વપરાઈ જાય. સત્પુરુષને બહુ બધી, પાર વગરની સિદ્ધિઓ હોય.

પ્રશ્નકર્તા : તો પછી એમને એની સ્થિતિ ભોગવવી પડે ખરી ?

દાદાશ્રી : ભોગવ્યે જ છૂટકો. ભગવાન મહાવીરના શિષ્ય ગોશાળાએ તેમના બે શિષ્યો પર તેજોલેશ્યા ફેંકી બાળી મૂક્યા હતા. ત્યારે એમના બીજા શિષ્યોએ કહ્યું કે, 'સાહેબ ! આમની જરા તપાસ તો રાખો.' ત્યારે ભગવાન મહાવીરે કહ્યું, 'હું મોક્ષનો દાતા છું. જીવનનો દાતા હું નથી. હું કોઈનો રક્ષક નથી.'

પ્રશ્નકર્તા : કેટલાક મરી ગયેલાઓને કેટલાક મહાપુરુષોએ લાકડા પર જીવ મૂકીને ઊભા કર્યાં છે, તો એ કઈ શક્તિ છે ?

દાદાશ્રી : એવું છે ને કે જીવ મૂકીને ઊભા કર્યા હોય તો પોતે મરે જ નહીં ને કોઈ દહાડોય ! આ દુનિયામાં જીવ મૂકનારો કોઈ પાક્યો જ નથી. જે મૂકે છે તે નૈમિત્તિક છે. એવું મારા નિમિત્તે ઘણું બને છે. હું કબૂલ કરું કે હું નિમિત્ત છું. આમાં ખોટું માની ના લેશો.

પ્રશ્નકર્તા : તો એનો અર્થ એ કે હકીકતમાં પેલો મર્યો જ નહોતો એવું ને ?

દાદાશ્રી : બરાબર છે. પેલો મર્યો જ નહોતો. ભયના માર્યા કે કોઈ એવાં કારણોસર અહીં આટલામાં (બ્રહ્મરંધ્રમાં) કંઈક થઈ જાય, તેને પેલા લોકો ઉતારી શકે.

પ્રશ્નકર્તા : જે મહાત્માને નિર્વિકલ્પ સમાધિ હોય, તો એ આત્મા કઈ રીતે દેહમાંથી બહાર જાય ?

દાદાશ્રી : નિર્વિકલ્પ સમાધિ હોય એનો આત્મા આ દેહમાંથી છૂટો થાય, તે આખા બ્રહ્માંડમાં પ્રકાશ આપીને જાય. આખા બ્રહ્માંડમાં પ્રકાશે.

પ્રશ્નકર્તા : નિર્વિકલ્પ સમાધિમાં આખા બ્રહ્માંડને પ્રકાશીને આ આત્મા ગયો એના ચિહ્નો શું ? એની ખબર કેવી રીતે પડે ?

દાદાશ્રી : એ તો 'જ્ઞાની પુરુષ' ઓળખે અગર તો એને મહાવીર ઓળખે.

પ્રશ્નકર્તા : 'જ્ઞાની પુરુષ' એને કેવી રીતે ઓળખે ?

દાદાશ્રી : 'જ્ઞાની' તો તરત જ, એમને જોતાંની સાથે જ ઓળખી લે. એમને તો એ સ્વાભાવિક છે. દરેક પોતપોતાના સ્વભાવને તરત જ ઓળખી લે.

મૃત્યુ સમયની અવસ્થાઓ...

પ્રશ્નકર્તા : મૃત્યુ વખતની અવસ્થા સમજાવો. કોઈની આંખો ખુલ્લી રહે, કોઈને ઝાડો-પેશાબ થઈ જાય.

દાદાશ્રી : છેલ્લી વખતે 'જ્ઞાની'ને આવું કશું થતું નથી. જ્ઞાનીનો આત્મા ઇન્દ્રિયો થકી જતો નથી. એ જુદી જ રીતે બહાર જાય છે. બાકી જે સંસારી લોકો છે, જેને ફરી ભટકવાનું છે તેમનો આત્મા ઇન્દ્રિયો થકી જાય છે. કોઈને આંખ થકી, કોઈને મોઢા થકી, ગમે તે કાણામાંથી નીકળી જાય. પવિત્ર કાણામાંથી નીકળે તો બહુ સારું અને જગત જેને અપવિત્ર કહે છે તેવા કાણામાંથી નીકળે તો ખોટું કહેવાય. અધોગતિમાં લઈ જનારું હોય અને કેટલાક સંતો પહેલાં માથે નાળિયેર વધેરાવતા હતા. શિષ્યને કહી રાખ્યું હોય કે મારે હવે માંદગી છે. માટે નાળિયેર મારા ટાલકામાં ફોડજે. એ તો બહુ અધોગતિનું કહેવાય. અહીં રહીને આત્મા કાઢવા માટે પ્રયત્ન કર્યો. આ તાળવું એ તો દશમસ્થાન કહેવાય. ત્યાંથી સહજ સ્વભાવે આત્મા નીકળે તો તેનો પ્રકાશેય જુદી જાતનો હોય. આખા બ્રહ્માંડમાં એ પ્રકાશ ફેલાય.

પ્રશ્નકર્તા : અજ્ઞાનીઓને પણ એ પ્રકાશ દેખાય ખરો ?

દાદાશ્રી : ના, ના. અજ્ઞાનીને એ ના દેખાય. જ્ઞાનીઓને બધું દેખાય. અજ્ઞાનીને તો આ જ દેખાય, મારી વાઈફ, મારી સાસુ, મારો મામો, આ જલેબી-લાડવા, એ જ બધું દેખાય.

પ્રશ્નકર્તા : સમાધિમરણમાં શરીરની પીડા ના હોયને ?

દાદાશ્રી : આ શરીરની પીડા હોય તોય સમાધિમરણ થાય. પક્ષાઘાત થયેલો હોય તોય માણસને સમાધિમરણ થાય. સમાધિમરણ એટલે શું કે છેલ્લો કલાક આ દાદા દેખાવા માંડ્યા અને કાં તો 'હું શુદ્ધાત્મા છું' એવું ભાન રહ્યું, એ એનું સરવૈયું આવીને ઊભું રહ્યું.

પ્રશ્નકર્તા : તો એ અવસ્થામાં દુઃખ ના વર્તે ને ?

દાદાશ્રી : સમાધિમરણમાં પોતાને કોઈ જાતનું દુઃખ જ ના હોય. છેલ્લો એક કલાક સમાધિ જ હોય. આપણા અહીં જ્ઞાન લઈને જેટલા માણસો અત્યાર સુધીમાં મર્યા છે એનાં સમાધિમરણ થયાં છે, પુરાવા સહિત.

પ્રશ્નકર્તા : છેલ્લા કલાકમાં જો રૌદ્રધ્યાન થાય તો માણસ બધું ચૂકી જાય ?

દાદાશ્રી : તો તો પછી બધું ખલાસ થઈ ગયું કહેવાય. રૌદ્રધ્યાન તો શું, પણ આર્તધ્યાન થાય તોય ખલાસ થઈ ગયું. 'મારે હવે પાંચમી છોડી પૈણાવાની રહી ગઈ' એવું થાય તો એ આર્તધ્યાન થયું કહેવાય. તેનાથી જાનવરમાં જાય.

પ્રેતયોનિ

પ્રશ્નકર્તા : આ અવગતિયો જીવ બીજામાં જાય ને પોતાની ઇચ્છા પૂરી કરે, એ શું છે ?

દાદાશ્રી : એવું છે આ ભૂતો હેરાન નથી કરતાં ? ભૂતો એ દેવલોક છે. એમની જોડે તમારે સવળું ઋણાનુબંધ હોય તો ફાયદો કરી આપે, ને અવળું હોય તો હેરાન કરે અને જે જીવોને મરણ પછી તરત જ બીજો સ્થૂળ દેહ મળતો નથી, તેને પછી ભટકભટક કરવું પડે. બીજો દેહ ના મળે ત્યાં સુધી પ્રેતયોનિ કહેવાય. હવે ખોરાક વગર ચાલે નહીં એટલે એને બીજાના દેહમાં પેસીને ખોરાક લેવો પડે.

પ્રશ્નકર્તા : કોઈ જપ, તપ, માળા એવું તેવું કરતા હોય તોય એને ભૂત વળગે ?

દાદાશ્રી : એવો કાયદો નથી, પણ તમારો હિસાબ હોય, તમે કોઈને છંછેડ્યા હોય ને એ જ અવગતિયો થાય તો એ તમને વેર વાળ્યા વગર રહે જ નહીં.

પ્રશ્નકર્તા : કોઈ હનુમાનચાલીસા, ગાયત્રી કે બીજા કોઈ જપ કરતું હોય, તો તેની અસર શું એના પર થાય ?

દાદાશ્રી : હા, એનાથી ફાયદો થાય. એનાથી એ દૂર રહે. આ નવકાર મંત્ર પણ જો પદ્ધતિસર બોલે તોય ખસી જાય.

પ્રશ્નકર્તા : અમને દેવલોક દેખાડોને ?

દાદાશ્રી : એમાં શું ફાયદો ? આપણે આપણા આત્માનું કરી લોને ? એ જોવામાં મઝા નથી. અનંત અવતારથી ભટકભટક કરીએ છીએ. ત્યાંય ગયા છીએ ને અહીંય આવ્યા છીએ. એમાં શું જોવાનું ? દેવલોકને ઇન્દ્રિયસુખ પાર વગરનાં હોય. તે એ લોકોય કંટાળી ગયા છે. તે લોકો પણ કયારે એમનો દેહ છૂટશે એની રાહ જુએ છે. લાખ- લાખ વરસનું એમને આયુષ્ય હોય તે શી રીતે દેહ છૂટે ? આપણે અહીં લગ્નમાં એક મહિનો તમને રાખે ને રોજ જમણ આપે તો તે તમને ફાવે ખરું ? તમે ત્યાંથી ભાગી જાવ ને ? એવું દેવલોકોનેય ત્યાં નથી ફાવતું.

 

ભાગ
1-2 -3 - 4 - 5 - 6 - 7 - 8 - 9 - 10 - 11 - 12