ભાગ
1-2 -3 - 4 - 5 - 6 - 7 - 8 - 9 - 10 - 11 - 12



આપ્તવાણી શ્રેણી - ૫

મિથ્યાભાસ

મિથ્યાભાસ એટલે શું ? એક મોટા ફંકશનમાં, મોટા મોટા પ્રધાનો આવેલા. ત્યાં મંચ પર બધા બેઠેલા ત્યારે મને હઉ મંચ ઉપર એમની જોડે બેસાડેલો. મને જ્યારે જ્ઞાન નહોતું થયું ત્યારે મનમાં એવી ભાવના થયા કરે કે અહીંના કરતાં આવી જગા ઉપર બેસવાનું આવે તો સારું. તે દહાડે મને એની કિંમત હતી અને અત્યારે મંચ ઉપર બેસાડે તો બોજારૂપ લાગ્યા કરે, એનું નામ મિથ્યાભાસ.

પ્રશ્નકર્તા : પણ દાદા, તમને દુઃખરૂપ કે બોજારૂપ ના લાગે ને?

દાદાશ્રી : ના, એમ બોજારૂપ ના લાગે. પણ એમાં 'ઇન્ટરેસ્ટ' ના હોય. એટલે મુક્ત જેવું હોય. અમને હવે ક્યાંય 'ઇન્ટરેસ્ટ' ના હોય.

પ્રશ્નકર્તા : ધીરે ધીરે અમને પણ 'ઇન્ટરેસ્ટ' ઓછો થતો જાય છે. પછી જીવવું કેવી રીતે ?

દાદાશ્રી : એ મોહ હતો. મોહ માર ખવડાવે. હવે તમને માર ના ખવડાવે ને સંસાર ચાલ્યા કરે. રસ વગર 'સમભાવે નિકાલ' કરવો.

પ્રશ્નકર્તા : એ સારું કહેવાય ?

દાદાશ્રી : એ 'જ્ઞાની' કહેવાય, 'ઇન્ટરેસ્ટ' સિવાય કરે એ 'જ્ઞાની' કહેવાય.

પ્રશ્નકર્તા : રસ વગર કોઈ વસ્તુ કરીએ તો તેની શરીર ઉપર અસર ના થાય ?

દાદાશ્રી : જે 'ઇન્ટરેસ્ટ' હતો, તે શરીર પર મોહનો માર ખવડાવતો હતો. તેની શરીર પર અસર પડતી હતી. આનાથી તો શરીર સારું થાય. ગુલાબની પેઠ ખીલે. પેલું તો મોઢા પર દિવેલ ફરી વળેલું હોય.

સહજતા અને દેહાધ્યાસ

પ્રશ્નકર્તા : દેહ સહજ થાય, એને દેહાધ્યાસ કહેવાય ?

દાદાશ્રી : સહજ તમે શેને સમજ્યા ? સહજની ભાષામાં સહજ સમજ્યા છો કે તમારી ભાષામાં ? ગજવું કાપી લે ને તમને અસર ના કરે તો દેહાધ્યાસ ગયો. દેહને કોઈ કંઈ પણ સળી કરે ને જો પોતે સ્વીકારે તો તે દેહાધ્યાસ છે. 'મને કેમ કર્યું ?' તો તે દેહાધ્યાસ.

જ્ઞાનીઓની ભાષામાં દેહ સહજ થાય એટલે દેહાધ્યાસ ગયો.

પ્રશ્નકર્તા : દેહ સહજ થયો ક્યારે ગણાય ?

દાદાશ્રી : આપણા દેહને કંઈ પણ કરે તો ય આપણને રાગ-દ્વેષ ના થાય તેનું નામ સહજ. આ અમને જોઈને સમજી લો ને કે સહજ કોને કહેવાય ? સહજ એટલે સ્વાભાવિક, કુદરતી, વિભાવિક દશા નહીં. પોતે 'હું છું' એવું ભાન નહીં.

પ્રશ્નકર્તા : સહજ ક્યારે થાય ?

દાદાશ્રી : આ 'જ્ઞાન' પરિણામ પામે ને કર્મો બધાં ઓછાં થઈ જાય એટલે સહજ થતો જાય. અત્યારે અંશે અંશે કરીને સહજ થઈ રહ્યો છે તે સંપૂર્ણ સહજ થઈ જાય. દેહાધ્યાસ તૂટે એટલે સહજ ભણી જાય, જેટલા અંશે સહજ થાય એટલા અંશે સમાધિ થાય. હવે તમને ખાતરી થઈ ગઈ છે ને કે માર્ગ મળી ગયો છે ?

પ્રશ્નકર્તા : હા.

દાદાશ્રી : જેને એ ખાતરી થઈ જાય તેનો અંત આવે. દરેક વસ્તુનો અંત આવે; વિચારનો અંત આવે; જ્ઞાનનો અંત આવે. બધાંનો અંત આવે. પણ એક અજ્ઞાનનો અંત ના આવે !

દ્રષ્ટામાં દ્ષ્ટિ પડી એવું જે કહે છે ને એ તો દ્રષ્ટાથી ઘણાં છેટે છે. એમને દ્રષ્ટા પ્રાપ્ત કરતાં કરતાં તો ઘણો કાળ જશે. આ તો આપણને દ્રષ્ટા પ્રાપ્ત થઈ ગયેલો છે. જેને જગત ખોળે છે તે આપણી પાસે છે. હવે એનો ઉપયોગ, શુદ્ધ ઉપયોગ કેમ કરવો એ આપણું કામ, એ પુરુષાર્થ કહેવાય.

તમે ઘરમાંથી બહાર નીકળો એટલે શુદ્ધ ઉપયોગ મૂકો એટલે રિયલ ને રિલેટિવ બધું જોતાં જોતાં આગળ જવાય. તે વખતે શુદ્ધ ઉપયોગ રહે. અહીં કોઈની જોડે વાતચીત કરવા માંડી તે ઘડીએ વાતચીત કરતા રહીએ અને શુદ્ધ ઉપયોગ મહીં રાખ્યા કરાય. વાતચીત કરે એ 'ચંદુલાલ' કરે ને 'આપણે' બધું જોયા કરીએ. ઉપયોગ એ રીતે રહી શકે એમ છે. કંઈ બહુ અઘરી વસ્તુ નથી.

મનમાં તન્મયાકાર પરિણામ ના હોય, વાણીમાં તન્મયાકાર પરિણામ ના હોય, વર્તનમાં તન્મયાકાર પરિણામ ના હોય, એનું નામ શુદ્ધ ઉપયોગ. જાગૃતિ આવતાં વાર લાગે. ધીમે ધીમે જેમ જેમ કષાયો ઉપશમ થાય, નિકાલી કષાયો - 'ડિસ્ચાર્જ' કષાયો ઓછા થાય તેમ તેમ જાગૃતિ વધે. હવે નવા કષાય ચાર્જ થાય નહીં, પણ જે 'ડિસ્ચાર્જ' કષાયો છે તેનું 'ડિસ્ચાર્જ' થયા જ કરવાનું.

અમે તમારે ઘેર આવ્યા ને તમે વાઈફ જોડે અકળાયા હો તો અમે કંઈ નોંધ ના કરીએ કે તમે આ ખોટું કરો છો. એ અકળામણ તમારી 'ડિસ્ચાર્જ' થતી છે. તમને 'જ્ઞાન' આપ્યું છે એટલે તમે કાચા ના પડો. પણ 'ડિસ્ચાર્જ' તો થાય જ ને ? અમે એટલું જ જોઈ લઈએ કે ઉપયોગ હતો કે નહીં.

પ્રશ્નકર્તા : દ્ષ્ટિનો દ્રષ્ટા ગોતવાની વાત હજુ મને સમજાઈ નથી, તે મને જરા સમજાવો.

દાદાશ્રી : આપણે દ્રષ્ટા ગોતીને બેઠા છીએ પણ જેને સ્વરૂપનું ભાન ના હોય તેને કહીએ કે ''તારી દ્ષ્ટિ પડે છે એ તો દ્શ્ય છે. પણ ત્યાં દ્રષ્ટા કોણ છે, તેની તપાસ કર.'' એવું અમે કહેવા માંગીએ છીએ.

બહાર તો આ ઇન્દ્રિયદ્ષ્ટિ છે. પણ જ્યારે મનની બધી ક્રિયાઓ- મન શું શું બોલે છે ? શું વિચારે છે ? પછી બુદ્ધિની ક્રિયા-બુદ્ધિ શું શું દેખાડે છે ? પછી ચિત્ત ક્યાં ક્યાં ભટકે છે ? અહંકાર 'ડિપ્રેસ' થાય છે કે 'એલીવેટ' થાય છે ? આ બધાને જોયા કરવું એ જ આપણો દ્રષ્ટા. દ્ષ્ટિનો વિષય એ દ્શ્ય ને આપણે દ્રષ્ટા.

પ્રશ્નકર્તા : બહારના કે અંદરના કોઈ પણ પ્રસંગમાં, કોઈ પણ ઉદય હોય ત્યારે આપણે જાણીએ કે આ મારો સ્વભાવ નથી, ત્યારે અનુભવ થાય ને ?

દાદાશ્રી : હા, થાય ને ! મારો સ્વભાવ આ નથી એવું જે સમજે છે તે 'પોતાના સ્વભાવ'માં સ્થિર થાય છે. ગમે તેટલા 'ચંદુલાલ' અકળાયા હોય તોય 'તમારી' જાગૃતિ જાય નહીં એવું આ જ્ઞાન છે અને અકળામણ તો થયા વગર રહેવાની જ નહીં, કારણ કે મહીં ભરેલો માલ છે ને ?

'ડિસ્ચાર્જ' એટલે ઊલટી થાય છે એના જેવી વાત ! કોઈ માણસની ઊલટી આપણા પર થઈ તેથી કરીને તેને વઢાય નહીં, કારણ કે એને બિચારાને કરવું નથી પણ થઈ જાય. તેને એ શું કરે ? એમ આ કષાયો ઊલટીની જેમ 'ડિસ્ચાર્જ' થાય છે. પછી સારું થઈ જાય, ભૂમિકા ચોખ્ખી થતી જાય.

ઉપયોગ કોને કહેવાય કે હજાર હજારની નોટ ગણતો હોય ત્યાંથી એનો ઉપયોગ બીજી જગ્યાએ જાય ખરો ? એનું નામ ઉપયોગ કહેવાય. એવો ઉપયોગ અમારો નિરંતર રહેવાનો. અમારી હાજરીમાં રહો તો તમારેય ઉપયોગ રહે.

પ્રશ્નકર્તા : આ પદમાં કે બીજામાં જુદા જુદા પ્રમાણમાં રસ હોય છે એટલે એવું થાય છે ?

દાદાશ્રી : રસને કેળવવાની જરૂર નથી. આપણે તો ઉપયોગ દેવાનો છે. આપણે કહી દેવાનું, ''ચંદુલાલ, દાદાના દરબારમાં બેઠા છો. હવે અહીં જે જે ચાલે તેમાં તમે ઉપયોગ દઈને ચાલો.'' પછી આપણે 'જોયા' કરવાનું, ઉપયોગ ચૂકો તો તરત કહેવાનું, ''ચંદુલાલ ચૂક્યા, આવું ના હોવું જોઈએ.''

મને કોઈ પાંચની નોટ કે દસની નોટનું પરચૂરણ આપે તો હું કોઈ દહાડો ગણવા ના બેસું. ૨૫-૫૦ પૈસા ઓછા આપ્યા હશે પણ એટલું ગણતાં મારો ટાઈમ કેટલો નકામો જાય ? લક્ષ્મીજીની બાબતમાં નિઃસ્પૃહ નથી થઈ જવાનું, પણ તેમાં ઉપયોગ ના દેવાય.

ઉપયોગ તો બહુ મોટામાં મોટી વસ્તુ છે.

આ ઉપયોગ ક્યાં સુધી દેવાનો છે ? રાત-દહાડો 'દાદા' સાંભર સાંભર કરે. એમના વગર ગમે નહીં. એમનો વિરહ લાગે ત્યારે એમાંથી 'ઇલેક્ટ્રિસિટી' ઝરતાં પ્રકાશ મારે, આખો સ્વયં પ્રકાશ !

વિરહીની વેદના

વિરહીની વેદના ઉત્પન્ન થાય. વિરહીનો અર્થ શો ? ચેન જ ના પડે. ત્યારે સમજવું કે જંજાળથી છૂટ્યા. નવી પરણેલી હોય તેનો વર ઓફિસે જાય તોય બહેનનું ચિત્ત ધણીમાં ને ધણીમાં જ રમતું હોય - અહીં રસોઈ બધી સરસ બનાવે તોય.

આ તો એવું છે ને કે પરમાત્મા એ અભેદ સ્વરૂપે છે. અભેદ સ્વરૂપના વિરહો લાગે તો સંસાર તો તમારો બહુ જ સુંદર ચાલે. આ તો ડખો કરે ઊલટો. સંસાર સહેજે ચાલે એવી વસ્તુ છે. આ ખાધા પછી મહીં જેમ સહેજે ચાલે છે, તેના કરતાં બહાર વધારે સહેજે ચાલે તેમ છે ! કુદરતનો નિયમ એવો છે કે મહીં પાચક રસોનું પ્રમાણ આજે એવું નાખે કે આખી જિંદગી એનું પ્રમાણ સચવાય ને અક્કરમી એવું નાખે કે આજે નાખે ને તો બીજી સાલ દુકાળ પડે !!!

પ્રશ્નકર્તા : 'જ્ઞાની પુરુષ'ના વિરહમાં જે વેદના ઉત્પન્ન થાય એને કેવી વેદના કહેવાય ?

દાદાશ્રી : એ વેદના તો ઓહોહો ! મહીં 'ઈલેક્ટ્રિસિટી' ઉત્પન્ન થાય અને તેનાથી સ્વરૂપ તેજવાન થતું જાય. એ તો બહુ ઉત્તમ વસ્તુ કહેવાય. વિરહની વેદનાનો તો મહાભાગ્યે જ ઉદય થાય. ઘણાં કાળના પરિચયથી તેને એ થાય. જેને મોક્ષે જવાનું હોય તેને એ વેદના જાગે ! એની તમારે બહુ ઉતાવળ કરવા જેવી નથી. આટલા બધા અવતાર બગાડ્યા, હવે એક-બે અવતાર માટે શી ખોટ જવાની છે ? આટલા અવતાર ભટક ભટક કર્યા, તેનો થાક ના લાગ્યો ને હવે બે અવતાર માટે થાક લાગી જવાનો છે ?

સચ્ચિદાનંદ સ્વરૂપ

પોતાનું સ્વરૂપ જે છે, એનું નામ જ સચ્ચિદાનંદ. સત્-ચિત્-આનંદ. આ અસત્ ચિત્ત થઈ ગયેલું. તે સુખેય કલ્પિત છે ને દુઃખેય કલ્પિત છે. કલ્પિત છે છતાં અસર સાચા જેવી થાય છે ! સચ્ચિદાનંદ એ મૂળ સ્વરૂપ છે આપણું.

પ્રશ્નકર્તા : સચ્ચિદાનંદ સ્વરૂપ દરેકની અંદર છે ?

દાદાશ્રી : હા, જીવમાત્રની અંદર છે અને તે જ પરમાત્મા છે !

સચ્ચિદાનંદ સ્વરૂપના બે ભાવ છે. એક સ્વભાવ છે ને બીજો વિભાવ. વિભાવ એટલે વિશેષ ભાવ, વિરુદ્ધ ભાવ નહીં. આ તો સંયોગોના દબાણથી 'રોંગ બીલિફ' થઈ ગઈ છે.

પ્રશ્નકર્તા : આ સચ્ચિદાનંદ સ્વરૂપ સાકાર છે કે નિરાકાર ?

દાદાશ્રી : એ રૂપી નથી, અરૂપી છે એ વાત સમજવા જેવી છે. એકદમ એ સમજવાની જરૂર નથી. અત્યારે કેવી રીતે પામીએ, એ સમજવાની છે.

નિરાકાર કહ્યું છે તે અત્યારે નિરાકાર સમજી લો, પછી આગળનું સમજાશે. નિરાકાર તો અમુક હેતુસર કહેવામાં આવ્યું છે. કેટલીક હેતુસરની વાતો એવી હોય છે કે તે હેતુ પૂરો થયા પછી સમજાય. આત્મા નિરંજન તો છે જ. એને કર્મ કંઈ અડ્યાં જ નથી. આજે પણ તમારો આત્મા 'શુદ્ધાત્મા' છે. ચોખ્ખો દેખાય છે. પણ તમે માની બેઠા છો કે મારાથી નર્યાં પાપ થયાં, પુણ્ય થયાં. બધી 'રોંગ બિલીફ' બેઠી છે. 'જ્ઞાની પુરુષ' 'રોંગ બિલીફ' તોડી આપે ને 'રાઈટ બિલીફ' બેસાડી આપે. 'રાઈટ બિલીફ' બેસી જાય એટલે 'હું ભગવાન જ છું' એવું ભાન થાય.

પ્રશસ્ત મોહ

માયા એટલે અજ્ઞાનતા. માયા જેવી વસ્તુ નથી. માયા 'રિલેટીવ' છે. વિનાશી છે અને આપણે અવિનાશી છીએ. એ કેટલા દહાડા રહે? જ્યાં સુધી આપણને વિનાશી ચીજો પર મોહ હોય ત્યાં સુધી માયા ઊભી રહે. આપણને સ્વરૂપનો મોહ ઉત્પન્ન થાય, 'હું શુદ્ધાત્મા છું.' એ મોહ ઉત્પન્ન થાય એટલે માયા ખલાસ થઈ જાય.

પ્રશ્નકર્તા : અમુક વખત પછી સ્વરૂપનો મોહ પણ ના રહેવો જોઈએ નેે ?

દાદાશ્રી : સ્વરૂપનો મોહ તો સારો. એને મોહ ગણાતો નથી. એને આપણી ભાષામાં મોહ કહીએ છીએ. મોહ એટલે તો મૂર્છા કહેવાય. એને ખરેખર તો આત્માની રુચિ ના કહેવાય. અને દેહનો મોહ કહેવાય. આત્માની રમણતા આવી એટલે પર-રમણતા દૂર થાય. એનો સંસાર ટળ્યો !

પ્રશ્નકર્તા : આ ગૌતમ સ્વામીને મહાવીર સ્વામીએ દૂર કર્યા તે એમનો મોહ હતો માટે. તો એ કઈ 'ટાઈપ'નો મોહ કહેવાય ?

દાદાશ્રી : એ પ્રશસ્ત મોહ હતો. જે મોક્ષે જનારા હોય તેની પરેય મોહ થઈ જાય. તેને પ્રશસ્ત મોહ કહ્યો. છેવટે એ પ્રશસ્ત મોહ નુકસાનકારક નથી. એ 'વસ્તુ' આપી દેશે. જરાક જ્ઞાન મોડું થાય, પણ તેનો વાંધો શો છે ?

વીતરાગો ઉપર મોહ, જેનાથી વીતરાગતા આવે એવી બધી વસ્તુ પર મોહ, એનું નામ પ્રશસ્ત મોહ. પછી એ મોહ મૂર્તિ ઉપર કેમ ના હોય, પણ એ વીતરાગતા લાવનારી વસ્તુ છે માટે એ પ્રશસ્ત મોહ કહેવાય.

પ્રશ્નકર્તા : આપના ઉપર મોહ હોય તો તે પ્રશસ્ત કહેવાય ને ?

દાદાશ્રી : હા, 'જ્ઞાની પુરુષ' ઉપર મોહ તે તો બહુ ઉત્તમ કહેવાય. કેટલાય અવતાર ત્યાગ કરે, નાગા ફરે ત્યારે એને સંસારનો મોહ ઘટી ગયેલો હોય, ત્યારે એને 'જ્ઞાની પુરુષ' મળી આવે.

મન, વિરોધાભાસી

પ્રશ્નકર્તા : મન સમજે છે કે આ બાજુ ફસામણ છે, પોસાતું નથી ને બીજી બાજુ સંસારી વિચારો આવ્યા કરે. તે શું છે ?

દાદાશ્રી : એવું છે કે મન વિરોધાભાસી હોય. આપણી સમજણ પ્રમાણે મન કામ કર્યા કરે. આપણે જાણીએ કે અમદાવાદ 'નોર્થ'માં છે એટલે આપણે આપણી સ્ટીમર હાંકીએ, પણ પછી આપણી સમજણ ફરી ગઈ કે ભૂલથી બીજી બાજુ વાળીએ તો અમદાવાદ આવે કંઈ ? એટલે મન એ સ્ટીમર જેવું છે. આપણે જેવું વાળીએ એવું કામ આપે. એટલે મનને સમજણ બહુ સારી આપવી જોઈએ, આપણા જ્ઞાનથી. પછી મન 'ફર્સ્ટ કલાસ' ચાલે. મન આ વાત પકડે નહીં ને પકડ્યા પછી પાછું છોડે નહીં.

પ્રશ્નકર્તા : તો દાદા, એને પકડવા માટે શું કરવાનું ?

દાદાશ્રી : એ અમે કરી આપીએ. અમે જ્ઞાન આપીએ છીએ. તે જ દહાડે આત્મા જગાડીએ છીએ, તેથી મન આ બાજુ વળી જાય.

શંકાનું ઉદ્ભવસ્થાન

વ્યવહારમાં જે શંકા થાય છે, તે મનનું કામ છે. એ મનના ગુણો છે. એમાં મન અને બુદ્ધિ બે ભેગી થાય એટલે જાતજાતના વંટોળે ચઢે. જેમ પવન વંટોળે ચઢે છે ને ચક્રાવો લે છે ને તેવું આ 'સાયક્લોન' (વંટોળ) મહીં ચડે.

પ્રશ્નકર્તા : એમાં બુદ્ધિનું શું હોય ?

દાદાશ્રી : હા, બુદ્ધિ ખરી ને. મન હા પાડે ત્યારે બુદ્ધિ કહેશે, 'ના, આમ છે.' એેટલે પાછી શંકા પડે. એટલે મહીં 'પાર્લામેન્ટ' છે. આત્મામાં કોઈ નિઃશંક થયેલો નહીં. આત્મામાં નિઃશંક થાય તો લક્ષ બેસી જાય.

પ્રશ્નકર્તા : મોક્ષ થવા માટે સંપૂર્ણ નિઃશંક થવાની જરૂર છે ?

દાદાશ્રી : આત્મામાં નિઃશંક થવું પડે, પણ આત્મા શું હશે ? આ લોકોનો માનેલો આત્મા બુદ્ધિમાં સમાય એવો નથી. લોકોની પાસે બુદ્ધિ છે અને બુદ્ધિમાં સમાઈ રહે એવો આત્મા નથી; પણ એ અમાપ છે. જ્યાં 'મેઝર' (માપ) નથી, તોલમાપ નથી એવો આત્મા જ્ઞાનથી જણાય એવો છે. તેય જ્ઞાનીના જ્ઞાનથી આત્મા લક્ષમાં બેસે, નહિ તો લક્ષમાં બેસે નહિ.

પ્રશ્નકર્તા : 'કોન્સિયસ માઈન્ડ' કોને કહેવાય ? એ મન છે ?

દાદાશ્રી : એ મનને નથી કહેતા. એ પાછું ચિત્તને કહે છે. ખરું મન જે છે તે તો આત્માના સાંનિધ્યને લીધે ઉત્પન્ન થાય, જેને આપણા લોકો ભાવ કહે છે.

પ્રશ્નકર્તા : આત્માની સાથે એનો સંબંધ કેવી રીતે ?

દાદાશ્રી : ખાલી 'ટચ'નો જ સંબંધ છે. સામીપ્ય ભાવથી ચાર્જ થયા કરે. જ્યાં સુધી 'હું ચંદુલાલ છું' એવા ભાવ છે, આનો ફાધર છું, એ બધા ભાવો હોય ત્યાં સુધી 'ટચ' થયા કરે ને 'ચાર્જ' થયા કરે.

પ્રશ્નકર્તા : એને સ્થૂળ મન કહેવાય ?

દાદાશ્રી : ના, સ્થૂળ તો આ જે વિચારો કરે છે તે છે. એ 'ફિઝિકલ' છે.

પ્રશ્નકર્તા : સ્થૂળ અને સૂક્ષ્મમાં ભેદ શો ?

દાદાશ્રી : સ્થૂળ મનની તો દરેકને સમજણ પડે. વિચારે ચઢે એ સ્થૂળ મન છે અને સૂક્ષ્મ મનની તો ખબર જ ના પડે. એક 'જ્ઞાની પુરુષ'ને સમજણ પડે. લોકો 'ભાવમન, ભાવમન' એમ કહ્યા કરે, પણ 'એ શું છે' એ 'એક્ઝેક્ટલી' પકડાય નહિ.

પ્રશ્નકર્તા : એ ક્યારે પકડાય ?

દાદાશ્રી : એે તો જ્ઞાન હોય તો જ પકડી શકે. 'જ્ઞાની' થતાં પહેલાં અમુક ટાઈમ સુધી ભાવમનને પકડી શકે. જે અહંકાર ઓગાળે છે, એને પકડાય ! પોતે 'શુદ્ધાત્મા' થયો એટલે 'ચાર્જ' થતું બંધ થયું. પછી સ્થૂળ મન ડિસ્ચાર્જ થયા જ કરે, એ જ એનો ધંધો !

પ્રશ્નકર્તા : એને 'ઇફેક્ટ' આવે ?

દાદાશ્રી : મનનો સ્વભાવ જ 'ઇફેક્ટિવ' છે ને ? આપણે સમજી જવું કે મારું સ્વરૂપ ન હોય. એટલે 'ઇફેક્ટ' આપણને અડે નહિ.

પરમ દહાડે આપણો દીકરો કાર લઈને ફરતો આપણે જોયેલો હોય ને આજે કોઈ કહે કે એ કાર અથડાઈને લોચો થઈ ગયેલી છે તો તમે તે દેખો ને અસર થઈ જાય. પણ પાછું કોઈ કહે કે ના, આ તો ગઈ કાલે જ વેચાઈ ગઈ છે. એટલે પાછી તરત જ અસર મટી જાય. બધી વસ્તુઓ 'ઇફેક્ટિવ' છે. પણ જ્ઞાન હોય તો 'ઇફેક્ટ' ના થાય. તેથી અમે કહેલું છે કે મન 'ઇફેક્ટિવ' છે, વાણી 'ઇફેક્ટિવ' છે ને દેહ પણ 'ઈફેક્ટિવ' છે.

દ્રવ્યમન એ સ્થૂળ મન છે અને ભાવમન એ સૂક્ષ્મ મન છે. ભાવમન ફરે તો છૂટે. સ્થૂળ મન વખતે ના ફર્યું તો વાંધો નહીં. ભાવ પ્રમાણે દંડ આપવામાં આવે છે. દ્રવ્યમાં હિંસાનો વિચાર હોય પણ ભાવમાં જુદું હોય. એટલે ભાવ પ્રમાણે દંડ આપવામાં આવે છે. દ્રવ્યના દોષનો દંડ અહીંનો અહીં મળી જાય છે, ને ભાવના દોષનો દંડ પરલોકમાં મળે છે.

અત્યારે જગતમાં જે ધર્મો ચાલે છે તેની શી 'થિયરી' છે કે ભાવ ફેરવવા નહીં પણ દ્રવ્ય ફેરવવા જાય. લોકોને શું થાય કે દ્રવ્યનાં પ્રમાણે જ ભાવ ફર્યા કરે. ખોટું કરે તો ય ખોટાની પાછળ ભાવ નક્કી કરે કે આમ તો કરવું જ જોઈએ. એટલે આપણી શી શોધખોળ છે કે દ્રવ્યમનને જે લોકો ફેરવવા જાય એ તો ક્યારેય ફરતું જ નથી. એટલે આપણે સ્થૂળમનને બાજુએ મૂક્યું, સ્થૂળ ક્રિયાઓને બાજુએ મૂકી, દેહની તમામ ક્રિયાઓને બાજુએ મૂકી. અમે 'સ્વરૂપનું જ્ઞાન' આપીએ પછી બધો ફેરફાર થાય, નહીં તો દ્રવ્યમનના ધક્કાથી જ માણસ ચાલ્યા કરે.

ભાવમનની કોઈનેય ખબર ના પડે. ભાવમન છે એવી ખબર પડે પણ એ કઈ રીતનાં કામ કરે છે એની ખબર ના પડે.

પ્રશ્નકર્તા : એ 'અન્કોન્સિયસ' થયું ને ?

દાદાશ્રી : હા, એ અહંકારના ઓઠા નીચે, અંધારા નીચે બધું કામ કરી નાખે. અહંકારનું અંધારું ના હોય તો દેખાય. આ બહુ ઝીણી વસ્તુ છે.

બુદ્ધિ માર્ગ-અબુધ માર્ગ

જો સંસારમાર્ગમાં 'ડેવલપ' થવું હોય તો બુદ્ધિ માર્ગમાં જાઓ ને મોક્ષમાર્ગમાં જવું હોય તો અબુધ માર્ગમાં જાઓ. અમે અબુધ છીએ. અમારામાં જરાય બુદ્ધિ નથી. બુદ્ધિ 'સેન્સિટિવ' રાખે. બુદ્ધિના બે પ્રકાર : એક સમ્યક્ બુદ્ધિ ને બીજી વિપરીત. અહીં સત્સંગ થાય એટલે તમારી જે વિપરીત બુદ્ધિ હોય તે જ 'ટર્ન લઈને સમ્યક્ થાય અને એ સમ્યક્ બુદ્ધિ મોક્ષે લઈ જાય.

પ્રશ્નકર્તા : અબુધ થયા પછી 'કેવળજ્ઞાન' થાય ને ?

દાદાશ્રી : 'કેવળજ્ઞાન' અબુધ થયા વગર ઉત્પન્ન થાય જ નહીં. હંમેશાં બુદ્ધિ હોય ત્યાં વ્યવહારિક અહંકાર હોય, જ્ઞાની હોય તો પણ અને બુદ્ધિ ના હોય ત્યારે વ્યવહારિક અહંકાર પણ ના હોય.

પ્રશ્નકર્તા : તો પછી બુદ્ધિ હોય તે સારું કે ના હોય તે સારું ?

દાદાશ્રી : મોક્ષે જવું હોય તો બુદ્ધિ કામની જ નહીં. બુદ્ધિ તો સંસારમાં રઝળપાટ કરાવનારી છે. જ્યાં જાય ત્યાં નફો-તોટો દેખાડે. ગાડીમાં બેસવામાંય બુદ્ધિ વપરાય કે અહીં બેસું તો નફો છે ને ત્યાં ખોટ છે ! બુદ્ધિની ભૂખ એવી છે કે કોઈ દહાડોય મટે નહીં. એ તો અંતવાળું જોઈએ. જગત આખું બુદ્ધિજ્ઞાનમાં છે.

પ્રશ્નકર્તા : બુદ્ધિની આગળ જવું જોઈએ ?

દાદાશ્રી : બુદ્ધિની આગળ ગયા વગર છૂટકો જ નથી. ત્યાં સુધી મોક્ષ થાય જ નહીં.

જ્ઞાનીની આજ્ઞા - પ્રત્યક્ષ મોક્ષ વર્તના

પ્રશ્નકર્તા : એવું કેમ કહેવામાં આવ્યું છે કે જ્ઞાનીની આજ્ઞામાં જ વીતરાગ સમાયેલો છે ?

દાદાશ્રી : એ આજ્ઞા સિવાય બીજો રસ્તો જ નથી ને ? જ્ઞાનીની આજ્ઞા જે પાળતો નથી તે મોક્ષે જવાને લાયક નથી. જ્યારે લાયક થશે ત્યારે એ આજ્ઞા પાળી શકશે. નહીં તો સ્વચ્છંદ ઊભા થાય. તેથી શ્રીમદ્ રાજચંદ્રે કહ્યું છે :

''રોકે જીવ સ્વછંદ તો પામે અવશ્ય મોક્ષ,

પામ્યા એમ અનંત છે, ભાખ્યું જીન નિર્દોષ.

પ્રત્યક્ષ સદ્ગુરુ યોગથી સ્વચ્છંદ તે રોકાય,

અન્ય ઉપાય કર્યા થકી પ્રાયે બમણો થાય.''

જાતે રોકવા જશે તો બમણો થશે અને 'જ્ઞાની પુરુષ'ની પાસે એમની આજ્ઞાનું આરાધન કરવું એ જ ઉપાય છે, બીજો કોઈ ઉપાય નથી.

જ્ઞાની, બાળક જેવા !

આ નાનો છોકરો રડે છે તે બુદ્ધિપૂર્વકનું નથી રડતો અને ૨૦-૨૫ વર્ષની ઉંમરનો માણસ રડે તે બુદ્ધિપૂર્વકનું રડે અને 'જ્ઞાની પુરુષ' રડે તે બુદ્ધિપૂર્વકનું ના રડે. બાળક ને જ્ઞાની બેઉ સરખા હોય. બેઉ અબુધભાવે હોય. બાળકને ઊગતો સૂર્ય ને જ્ઞાનીને આથમતો સૂર્ય. બાળકને અહંકાર છે પણ તેમને જાગૃતિ નથી અને અમે અહંકારશૂન્ય હોઈએ.

જ્યાં બુદ્ધિ વાપરે છે ત્યાં જ પાપ બંધાય છે.

પ્રશ્નકર્તા : દાદા, અમે ચોવીસેય કલાક તમારું નામ દઈને બોલ્યા કરીએ તો પાપ બંધાય નહીં ને ?

દાદાશ્રી : દાદાનું નામ દેવું તે પોતાના જ 'શુદ્ધાત્મા'નું નામ દીધા બરાબર છે. આ પદો ગાય તે પોતાના જ શુદ્ધાત્માનું કીર્તન ગાય, એના જેવું છે. અહીં બધું જ પોતાનું છે. આ આરતી પણ પોતે પોતાની જ છે, અમારું કશું નહીં. જેને જેટલું કરતાં આવડ્યું એટલું ફાવશે.

ઓપન માઇન્ડ

'માઇન્ડ ઓપન' ના રહે, ગૂંચવાયેલું રહે ને ગૂંચવાયેલું રહે એટલે મુક્ત હાસ્ય ઉત્પન્ન ના થાય.

પ્રશ્નકર્તા : 'ઓપન માઇન્ડ' એટલે શું કહેવા માંગો છો ?

દાદાશ્રી : આ ગોળની પાછળ માખી ફરફર કર્યા કરે, એના જેવું મન એવી એક જગ્યાએ કશી ચીજની પાછળ ભમ્યા કરતું હોય એ 'ઓપન માઇન્ડ' ના કહેવાય. 'ઓપન માઇન્ડ' જે વખતે જે હોય તેમાં એકતાલ હોય. હસવાની વખતે હસે, વાત કરવાની વખતે વાત કરે, ગાવાની વખતે ગાય, બધામાં 'ઓપન માઇન્ડ' હોય.

યોગસાધનાથી પરમાત્મદર્શન

પ્રશ્નકર્તા : યોગસાધનાથી પરમાત્મદર્શન થાય ?

દાદાશ્રી : યોગસાધનાથી શું ના થાય ? પણ શેનો યોગ ?

પ્રશ્નકર્તા : આ સહજ રાજયોગ કહે છે તે યોગ.

દાદાશ્રી : હા, પણ શેને રાજયોગ કહો છો ?

પ્રશ્નકર્તા : મનની એકાગ્રતા થાય.

દાદાશ્રી : તેમાં આત્માને શો ફાયદો ? તમારે મોક્ષ જોઈએ છે કે મનને મજબૂત કરવું છે ?

પ્રશ્નકર્તા : ખાલી પરમાત્માનાં દર્શનની વાત કરું છું.

દાદાશ્રી : તો પછી મનને બિચારાને શું કામ વગર કામના હેરાન કરો છો ? એકાગ્રતા કરવાનો વાંધો નથી, પણ તમારે પરમાત્માનાં દર્શન કરવાં હોય તો મનને હેરાન કરવાની જરૂર નથી.

પ્રશ્નકર્તા : એકાગ્રતાથી શૂન્યતા આવે ખરી ?

દાદાશ્રી : આવે ખરી, પણ તે શૂન્યતા 'રિલેટિવ' છે. 'ટેમ્પરરી એડજસ્ટમેન્ટ' છે.

પ્રશ્નકર્તા : તે વખતે આ મન અને બુદ્ધિ શું કરે ?

દાદાશ્રી : થોડી વાર સ્થિર થાય પછી તેનું તે જ. એમાં 'આપણું' કશું નહીં. આપણું ધ્યેય પૂરું થાય નહીં અને યોગ 'ઍબવ નોર્મલ' થઈ ગયો તો એ મહાન રોગિષ્ઠ છે. મારી પાસે યોગવાળા ઘણા આવે છે. તે અહીં દર્શન કરવા અંગૂઠે અડે તે પહેલાં તો એનું આખું શરીર ધ્રૂજે, કારણ કે 'ઇગોઇઝમ' ઊભરાય. જ્યાં જ્યાં કરો તેનો કર્તાપણાનો અહંકાર વધશે તેમ પરમાત્મા છેટા જશે.

 

ભાગ
1-2 -3 - 4 - 5 - 6 - 7 - 8 - 9 - 10 - 11 - 12