ભાગ
1-2 -3 - 4 - 5 - 6 - 7 - 8 - 9 - 10 - 11 - 12



આપ્તવાણી શ્રેણી - ૫

આત્મા, આત્મધર્મમાં...

દાદાશ્રી : આત્મા શું કાર્ય કરે છે ?

પ્રશ્નકર્તા : આત્મા તો જ્ઞાતા-દ્રષ્ટા છે.

દાદાશ્રી : પણ તમે તો કહો છો ને કે 'હું સાંભળું છું.' તમે આત્મા છો કે સાંભળનારા છો ?

પ્રશ્નકર્તા : 'હું આત્મા છું.'

દાદાશ્રી : પણ આત્મા તો સાંભળે નહીં, કાન જ સાંભળે ને ?

પ્રશ્નકર્તા : પુદ્ગલનો ને આત્માનો સંયોગ થયો ને ?

દાદાશ્રી : પણ આત્મા સાંભળતો હશે કે કાન ?

પ્રશ્નકર્તા : સાંભળે છે આત્મા, કાન તો જડ છે.

દાદાશ્રી : તો પછી બહેરાને બોલાવીને પૂછી જુઓ ને ? બહેરામાં આત્મા નથી ? તો કોણ સાંભળે છે ?

પ્રશ્નકર્તા : આત્મા ના હોય તો પુદ્ગલની કોઈ ઈન્દ્રિય કામ કરે નહીં.

દાદાશ્રી : હાજરીને લઈને તો આ જીવન કહેવાય છે, પણ સાંભળે છે કાન કે આત્મા ? જો આત્મા સાંભળતો હોય તો બહેરો માણસ સાંભળી શકે. તો કહો હવે કે 'કોણ સાંભળે છે ?'

પ્રશ્નકર્તા : કાન દ્વારા સંભળાય છે, પણ જો ચેતન તત્ત્વ હોય તો !

દાદાશ્રી : હવે ચેતન તત્ત્વ તો કોઈ દહાડોય કશું સાંભળતું જ નથી. એ તો જ્ઞાતા-દ્રષ્ટા ને પરમાનંદી છે ! અનંતજ્ઞાન, અનંતદર્શન, અનંતશક્તિ, અનંતચારિત્ર એમાં છે ! તો શું સાંભળવાનો ગુણ આત્મામાં છે એવું તમારા માન્યામાં આવે છે ?

આત્મા સાંભળતો જ નથી. આત્મામાં સાંભળવાનો ગુણ જ નથી. જેમ આ સોનાને કાટ ચઢવાનો ગુણ નથી, તેમ આત્મામાં સાંભળવાનો ગુણ નથી. બોલવાનોય ગુણ નથી.

પ્રશ્નકર્તા : પણ ચૈતન્યતત્ત્વ હોય તો કાન સાંભળે ને ?

દાદાશ્રી : ચૈતન્યતત્ત્વની હાજરીથી જ આ બધું જગત ચાલે છે. જો ચૈતન્યતત્ત્વ આ શરીરમાં ના હોય, આત્મા ના હોય તો આ શરીર ખલાસ થઈ જાય, પણ એ ચૈતન્યતત્ત્વ આ સાંભળતું નથી.

પ્રશ્નકર્તા : તો કોણ સાંભળે છે, એ આપ સમજાવો.

દાદાશ્રી : વાત તો સમજવી જ પડશે ને ? આત્મા જો સાંભળે છે એવું કહે તો આત્મા બોલે છે, મારા આત્માનો અવાજ બોલે છે એવું કહેવાય. લૌકિક ભાષામાં ગમે તેમ ચાલવા દેવાય, પણ ભગવાનની અલૌકિક ભાષામાં એ 'એક્સેપ્ટ' થશે નહીં.

આ તમારી જોડે બોલે છે, તે કોણ બોલે છે ?

પ્રશ્નકર્તા : આપ બોલો છો.

દાદાશ્રી : 'દાદા ભગવાન' બોલે, તો આ 'ટેપરેકોર્ડર' પણ બોલે છે તે આ બે હજારમાં મળે એટલે 'દાદા ભગવાન'ની કિંમત બે હજારની થઈ !!!

પ્રશ્નકર્તા : આ બાબત આપ સમજાવો.

દાદાશ્રી : આ 'દાદા ભગવાન' નથી બોલતા, આ તો 'ઓરીજનલ ટેપરેકોર્ડર' બોલે છે. આ 'અક્રમ વિજ્ઞાન' છે. ક્યાંય સાંભળવામાં ના આવી હોય એવી આ વાત છે !

એટલે આ સાંભળે છે તે કાનનો ધર્મ છે. બહેરો માણસ હોય તેને આપણે શું કહીએ કે કાન એના ધર્મમાં નથી.

હવે આંખનો ધર્મ શું છે ?

પ્રશ્નકર્તા : જોવાનો.

દાદાશ્રી : હા, આત્માનો ધર્મ આવું જોવું એ નથી. નાકનો ધર્મ શું છે ?

પ્રશ્નકર્તા : સૂંઘવું.

દાદાશ્રી : જીભનો ધર્મ શું છે ?

પ્રશ્નકર્તા : ચાખવું.

દાદાશ્રી : એટલે ગમે તે કડવું જીભ ઉપર મૂકો કે તરત જ ખબર પડી જાય. એટલે આ પાંચેય ઇન્દ્રિયો પોતપોતાના ધર્મમાં છે. હવે એવી પાછી પાંચ જ્ઞાનેન્દ્રિયો પોતપોતાના ધર્મમાં છે. દ્રવ્યેન્દ્રિય ને ભાવેન્દ્રિય બેઉ છે. દ્રવ્યેન્દ્રિય ખલાસ થઈ જાય તોય મહીં ભાવેન્દ્રિય રહે. એટલે પાંચ દ્રવ્યેન્દ્રિયો ને ભાવેન્દ્રિયો બધાં પોતપોતાના ધર્મમાં જ છે.

મન પોતાના ધર્મમાં છે કે નહીં ?

પ્રશ્નકર્તા : એ સમજાતું નથી.

દાદાશ્રી : મન હંમેશાં વિચારે ચઢે. વિચારનાં ગૂંચળાં ચઢે ત્યારે આપણે એને મન કહીએ. મન બે જાતના વિચાર કરે. ખરાબ વિચાર કરે ને સારા વિચાર પણ કરે. એટલે બન્ને જાતના વિચારો કરવા એ મનનો ધર્મ છે અને વિચાર જ જો ના આવતા હોય તો એને 'એબ્સંટ માઈન્ડેડ' કહેવાય. હવે ગાંડાનેય 'માઈન્ડ' હોય, પણ 'એબ્સંટ માઈન્ડેડ' એટલે તો જીવ યોનિમાંથી નકામો થઈ ગયો કહેવાય.

હવે અહીંથી સુરેન્દ્રનગર તમારું ઘર તમને દેખાય ખરું કે નહીં ?

પ્રશ્નકર્તા : હા, દેખાય.

દાદાશ્રી : અને ઘરમાં ટેબલ ખુરશી બધું દેખાય કે ?

પ્રશ્નકર્તા : હા, દેખાય.

દાદાશ્રી : એ મનનો ધર્મ નથી. આપણા લોકોને સમજણ નહીં હોવાથી એને મન માને છે. હવે વાસ્તવિકમાં આ મન જતું નથી, પણ ચિત્ત જાય છે. મન શરીરની બહાર નીકળી શકે જ નહીં. બહાર જે ભટકે છે તે ચિત્ત છે.

પ્રશ્નકર્તા : ચિત્ત અને મન, એ બે અલગ અલગ છે ?

દાદાશ્રી : હા, ચિત્ત ને મન બે અલગ અલગ જ છે. લૌકિક ભાષામાં ગમે તે બોલાય, પણ ભગવાનની ભાષા લોકોત્તર ભાષા છે. તે જ્યાં સુધી આપણે ના સમજીએ ત્યાં સુધી કોઈ દા'ડોય મોક્ષ થાય નહીં.

એટલે ચિત્ત બહાર ભટકે છે. અહીં રહ્યાં રહ્યાં ચિત્ત તમારું ઘર, ટેબલ, ઘડિયાળ બધું જોઈ લે અને મનનો સ્વભાવ એકલું વિચાર કરવાનો જ છે. મન સારું-ખોટું વિચારે ને સારું જોવું, ખોટું જોવું એ ચિત્તનો ધર્મ છે.

પ્રશ્નકર્તા : ચિત્તને જડ કહેવું કે ચેતન કહેવું ?

દાદાશ્રી : એ મિશ્રચેતન છે, એ ખરેખર શુદ્ધ ચેતન નથી અને મન તો બિલકુલ જડ છે.

હવે બુદ્ધિ એના ધર્મમાં છે. બુદ્ધિનું કામ શું છે કે નફો ને ખોટ દેખાડે. તમે ગાડીમાં બેસો કે તરત બુદ્ધિ દેખાડે કે પેલી જગ્યા સારી છે, અને દુકાનમાં પેસો ત્યાંય નફો-ખોટ દેખાડે.

મને બુદ્ધિ નફો-ખોટ નથી દેખાડતી, કારણ કે મારામાં બુદ્ધિ નથી, તે બહુ જૂજ, નહીં જેવી જ બુદ્ધિ કહેવાય. ૩૬૦ ડિગ્રીએ સંપૂર્ણ ભગવાન કહેવાય ને આ 'પટેલ' ૩૫૬ ડિગ્રી પર છે. એમનામાં ચાર ડિગ્રી ઓછી છે. એટલે એ જુદા પડ્યા, નહિ તો 'આ' પણ 'મહાવીર' જ કહેવાત !

એટલે આ બુદ્ધિનો ધર્મ નફો-ખોટ દેખાડે તે છે. ગાડીમાં, કોઈનો સોદો કરે તેમાં કે કઢીની તપેલી ઢળી ગઈ, તો તરત બુદ્ધિ એનો ધર્મ બજાવે કે ના બજાવે ?

પ્રશ્નકર્તા : બજાવે.

દાદાશ્રી : હવે બુદ્ધિનો આ સિવાયનો બીજો પણ એક ધર્મ છે, તે શું છે કે બુદ્ધિ 'ડીસીઝન' લે છે. જો કે 'ડીસીઝન' લેવાનો બુદ્ધિનો સ્વતંત્ર ધર્મ નથી. બુદ્ધિ 'ડીસાઈડ' કરે, એના પર અહંકાર સહી કરે તો જ એ પૂરું થાય. અહંકારની સહી વગર 'ડીસીઝન' રૂપકમાં આવે જ નહીં.

એટલે આ અંતઃકરણમાં 'પાર્લામેન્ટરી' પદ્ધતિ છે. એના ચાર 'મેમ્બરો' છે. મન, બુદ્ધિ, ચિત્ત ને અહંકાર. જો મન અને બુદ્ધિ એક થયાં તો અહંકારને સહી કરવી જ પડે. ચિત્ત અને બુદ્ધિ એક થઈ ગયાં તો ય અહંકારને સહી કરી આપવી પડે. એટલે જેના પક્ષમાં ત્રણ થયાં એની વાત માન્ય થાય. આ સંપૂર્ણ તત્ત્વજ્ઞાનની વાતો છે. પણ તે તમને તમારી બુદ્ધિથી સમજાવું જોઈએ.

તમને જ્ઞાન તો નથી ને ?

પ્રશ્નકર્તા : જ્ઞાન તો છે ને !

દાદાશ્રી : શેને તમે જ્ઞાન કહો છો ?

પ્રશ્નકર્તા : જ્ઞાન એટલે સમજ.

દાદાશ્રી : જ્ઞાન એટલે સમજ નહીં. જ્ઞાન એટલે પ્રકાશ. જો પ્રકાશ તમને હોય તો ઠોકર ના વાગે. પ્યાલા ફૂટી જાય કે ગમે તે થાય તો આપણને અસર ના થાય. તમને અસર થાય છે ?

પ્રશ્નકર્તા : હા, થાય છે.

દાદાશ્રી : તો એ પ્રકાશ નથી. આ તો બધું અંધારું છે. હવે અહંકારનો શો ધર્મ છે ?

પ્રશ્નકર્તા : અહમ્ભાવ રાખવો તે.

દાદાશ્રી : ના. જ્યાં જુએ ત્યાં અહમ્ 'મેં કર્યું' કરે. બસ ! અહંકાર, ખાલી અહંકાર જ કરે છે કે 'મેં કર્યું, મેં ભોગવ્યું !' આ કેરી ખાધી તે વિષય જીભ ભોગવે છે, બુદ્ધિ ભોગવે છે કે અહંકાર ભોગવે છે ?

પ્રશ્નકર્તા : અહંકાર ભોગવે છે.

દાદાશ્રી : હવે જીભ સ્વાદ લે છે ને અહંકાર ખાલી કહે છે કે 'મેં આવું કર્યું !' આત્મામાં અહંકાર નામની વસ્તુ જ નથી, પણ આ ઊભી થયેલી છે. ને પોતપોતાના ધર્મમાં જ છે પાછી ! અહંકાર કરવાની જગ્યાએ નિરંતર અહંકાર કર્યા જ કરે છે. કોઈ અહંકાર ઉપર ઘા કરે, અપમાન કરે તો તરત અહંકાર ભગ્ન થાય કે ના થાય ? માન-અપમાન બન્નેની અસર થાય છે ને ? એટલે અહંકાર, અહંકારના ધર્મમાં છે.

એટલે કાન કાનના ધર્મમાં છે, આંખ આંખના ધર્મમાં છે, નાક નાકના ધર્મમાં છે, સહુ સહુના ધર્મમાં છે. હવે મહાવીર ભગવાનને પણ આંખ, કાન, નાક બધાં સહુ સહુના ધર્મમાં હતાં. તેમનું પણ મન મનના ધર્મમાં, ચિત્ત ચિત્તના ધર્મમાં હતા. તેમને બુદ્ધિ અને અહંકાર ખલાસ થઈ ગયેલાં. તમારેય સહુ સહુના ધર્મમાં છે. 'આત્મા' એકલો જ એના ધર્મમાં નથી. 'આત્મા' એના ધર્મમાં આવે તો બુદ્ધિ ને અહંકાર ખલાસ થાય. એનું કારણ તમને સમજાવું.

આત્મા અને બુદ્ધિમાં ફેર ખરો કે નહીં ? આત્મા એ પ્રકાશ છે અને બુદ્ધિ પણ પ્રકાશ છે. બુદ્ધિ એ 'ઈનડાયરેક્ટ' પ્રકાશ છે, ને આત્મા તો 'ડાયરેેક્ટ' પ્રકાશ છે. 'ઈનડાયરેેક્ટ' પ્રકાશ એટલે સૂર્યનું અજવાળું અરીસા ઉપર પડ્યું ને અરીસામાંથી પ્રકાશ રસોડામાં ગયો. આ 'ઈનડાયરેેક્ટ' પ્રકાશ થયો. એવી રીતે આત્માનો પ્રકાશ અહંકાર ઉપર પડે છે અને ત્યાંથી બહાર નીકળે છે તે બુદ્ધિ થઈ. અરીસાની જગ્યાએ અહંકાર છે ને સૂર્યની જગ્યાએ આત્મા છે. આત્મા મૂળ પ્રકાશવાન છે. સંપૂર્ણ સ્વ-પર પ્રકાશક છે. તે પરને પ્રકાશે ને પોતાને પણ પ્રકાશે. આત્મા બધાં જ જ્ઞેયોને પ્રકાશ કરે.

એટલે અહંકારના 'મીડિયમ'થી બુદ્ધિ ઊભી થઈ છે. અહંકારનું 'મીડિયમ' ખલાસ થઈ જાય, તો બુદ્ધિ રહે નહીં. પછી 'ડાયરેેક્ટ' પ્રકાશ આવે. મને 'ડાયરેેક્ટ' પ્રકાશ મળે છે. તમારે હવે કરવાનું શું બાકી રહ્યું ? અહંકાર ને બુદ્ધિને ખલાસ કરવાની રહી. હવે એ ખલાસ શી રીતે થાય ? 'આત્મા' પોતાના ધર્મમાં આવે તો એ બન્ને નીકળી જાય. બીજા બધાં તો પોતપોતાના ધર્મમાં જ છે, બીજો કશો ફેરફાર કરવાની જરૂર નથી.

હવે 'આત્મા'ને પોતાના ધર્મમાં લાવવા માટે શું કરશો ? એના માટે શું સાધન જોઈએ ?

પ્રશ્નકર્તા : રાગ-દ્વેષ ઓછા થવા જોઈએ.

દાદાશ્રી : આ વીંટી છે. એની મહીં તાંબાનું મિક્ષ્ચર છે. હવે આપણે ગમે તેને કહીએ કે આમાંથી સોનું ને તાંબું જુદું કરી આપો, તો તે કરી આપે ખરો ?

પ્રશ્નકર્તા : ના કરી શકે.

દાદાશ્રી : કેમ એમ ?

પ્રશ્નકર્તા : એ તો સોનીનું જ કામ.

દાદાશ્રી : બીજાં બધાં ના પાડે કે આ ન હોય અમારું કામ. એટલે આત્મા જો જાણવો હોય તો આત્માના જાણકાર હોવા જોઈએ.

પ્રશ્નકર્તા : 'સત્ પુરુષ' રૂપી સોની હોવો જોઈએ.

દાદાશ્રી : ના, સત્ પુરુષ તો 'આ' બધાય મહાત્માઓને કહેવાય છે. સત્ પુરુષ કોને કહેવાય કે સત્ જેણે પ્રાપ્ત કર્યું અને પુરુષાર્થ ધર્મમાં આવ્યો તે. સત્ એટલે અવિનાશી. સત્ પુરુષોએ પોતાનું અવિનાશી પદ પ્રાપ્ત કર્યું હોય. 'હું આત્મા છું' એવી પ્રતીતિ, જાગૃતિ આવી હોય. પણ તે સત્ પુરુષ જ કહેવાય, 'જ્ઞાની પુરુષ' ના કહેવાય. 'ક્રમિક'માં સત્ પુરુષને ત્યાગાત્યાગ સંભવે, જ્ઞાની પુરુષને ત્યાગાત્યાગ સંભવે નહીં ! 'જ્ઞાની પુરુષ' તો બીજાને મોક્ષનું દાન આપે ! બીજાને જ્ઞાનમય બનાવે !! શ્રીમદ્ રાજચંદ્રે 'જ્ઞાની'ને મોક્ષદાતા પુરુષ કહ્યા. 'આ' બધાં મોક્ષમાં રહે ખરાં, પણ બીજાને મોક્ષ આપી ના શકે. એમને આત્માનાં પ્રતીતિ ને લક્ષ જ બેઠેલાં હોય. આત્માનું અસ્પષ્ટ વેદન એમને હોય. આમાં તો આત્માનું સ્પષ્ટ વેદન જેને છે એવા 'જ્ઞાની પુરુષ' જોઈએ. એમને જ્યાં ને ત્યાં આત્મા સિવાય બીજું કશું દેખાતું જ ના હોય. એમને આ જગતમાં કોઈ દોષિત દેખાતું જ ના હોય. ગજવું કાપનારોય દોષિત ના દેખાય ને દાન આપનારોય દોષિત ના દેખાય. છતાં તમે મને એમ પૂછો કે એ બે સરખા કહેવાય ? ત્યારે હું કહું કે, આ દાન આપનારો છે તે જે ક્રિયા કરી રહ્યો છે, તેનું ફળ એ ભોગવશે અને જે ગજવું કાપે છે તે જે ક્રિયા કરી રહ્યો છે, તેનું ફળ એ ભોગવશે. બાકી દોિષત કોઈ નથી.

પ્રશ્નકર્તા : દોષિત કેમ ના કહેવાય ?

દાદાશ્રી : એ બધા સંજોગ અનુસાર કરે છે. સારું કરનારોય સંજોગાનુસાર કરે છે અને ખરાબ કરનારોય સંજોગ અનુસાર કરે છે.

હવે આત્માને આત્મધર્મમાં લાવવા માટે મોક્ષદાતા પુરુષ જોઈશે.

કૃપાળુદેવે એમના આખા પુસ્તકનો સાર કહ્યો છે કે, 'બીજું કાંઈ શોધ મા, માત્ર એક સત્ પુરુષને ખોળી તેમના ચરણકમળમાં સર્વ ભાવ અર્પણ કરી દઈ વર્ત્યો જા. પછી જો મોક્ષ ના મળે તો મારી પાસેથી લેજે.'

એટલે આપણને જો મોક્ષ ના મળે તો તે 'જ્ઞાની પુરુષ' નથી.

પ્રશ્નકર્તા : આત્મા પોતાના ધર્મમાં આવ્યો, તેની ખાતરી શી ?

દાદાશ્રી : આ બધું 'હું કરું છું' ને આ 'હું છું' એ રોંગ બિલીફો પડેલી છે તે જાય. અત્યારે તો તમને 'હું ચંદુલાલ છું, આ બાઈનો ધણી છું, આ છોકરાનો ફાધર થાઉં, આનો મામો થાઉં, સીંગનો વેપારી છું', આવી કેટલી બધી 'રોંગ બિલીફો' તમને બેઠી હશે ?

પ્રશ્નકર્તા : અસંખ્યાત.

દાદાશ્રી : હવે આટલી બધી 'રોંગ બિલીફો' ક્યારે જાય ? આત્મા પોતાના ગુણધર્મમાં આવે તો આ બધીય 'રોંગ બિલીફો' જાય. 'રોંગ બિલીફો' ઊડે ને 'રાઈટ બિલીફ' બેસી જાય. 'રાઈટ બિલીફ' ને સમ્યક્દર્શન કહે છે. 'જ્ઞાની પુરુષ' આત્માને પોતાના ધર્મમાં લાવી દે એટલે બીજું બધું તો પોતપોતાના ધર્મમાં છે જ.

જ્યારે તમને તમારા આત્મધર્મમાં આવવાની ઇચ્છા થાય ત્યારે અહીં આવજો. 'અમે' તેને ધર્મમાં લાવી દઈશું. આત્મા પોતાના ધર્મમાં આવે. એટલે બીજું બધું છૂટે. ચાર વેદ શું કહે છે ? 'ધીસ ઈઝ નોટ ધેટ, ધીસ ઈઝ નોટ ધેટ !' તું જે આત્મા ખોળે છે તે વેદમાં નથી. 'ગો ટુ જ્ઞાની.' આત્મા પુસ્તકમાં ઊતરે એવો નથી, કારણ કે આત્મા નિઃશબ્દ છે, અવર્ણનીય છે, અવ્યક્તવ્ય છે. એ શાસ્ત્રમાં શી રીતે ઊતરે ?

શ્રીમદ્ રાજચંદ્રે પણ કહ્યું છે કે જ્ઞાન જ્ઞાની પાસે છે અને તે સિવાય આપણો છૂટકારો કોઈ કાળે થાય નહીં. એટલે 'જ્ઞાની'ની જ એમાં જરૂર. ચોવીસ તીર્થંકરો કહેતા આવ્યા છે કે આત્મજ્ઞાન માટે નિમિત્તની જરૂર છે. 'જ્ઞાની' કર્તા હોય નહીં. હું જો કર્તા હોઉં, તો મને કર્મ બંધાય અને તમે નિમિત્ત માનો તો તમને પૂરેપૂરો લાભ ના થાય. મારે 'હું નિમિત્ત છું' એમ માનવાનું ને તમારે 'જ્ઞાનીથી થયું' એમ વિનય રાખવાનો ! સૌ સૌની ભાષા જુદી હોય ને ?

પરમ વિનયથી મોક્ષ છે.

આત્મા પ્રાપ્ત થઈ ગયો, પોતાના સ્વભાવમાં આવી ગયો, જાગૃત થઈ ગયો, પોતાના ધર્મમાં આવી ગયો, પછી શું બાકી રહે ? બીજું બધું તો ધર્મમાં છે જ. આત્મા એકલો જ ધર્મમાં નહોતો.

પ્રશ્નકર્તા : જ્ઞાન મળ્યા પછી દાદા, આ શરત દરેકને કબૂલ થઈ જાય છે ?

દાદાશ્રી : જ્ઞાન મળ્યા પછી તો એની મેળે કબૂલ થાય જ ને ? જ્ઞાન મળતાં પહેલાં એકેયને કબૂલ ના થાય. પછી શાથી કબૂલ થાય છે તે તમને સમજાવું. આ જલેબી ખવડાવ્યા પછી ચા પીવડાવે તો તેમાં શું ફેર પડે ?

પ્રશ્નકર્તા : ચાનો સ્વાદ મોળો લાગે.

દાદાશ્રી : તે આ હું તમને આત્મા પોતાના સ્વભાવમાં, એટલે કે તેને પોતાના ગુણધર્મમાં લાવી આપું છું. એટલે આ બીજા બધા વિષયો મોળા લાગવાથી આસક્તિ ઊડી જાય છે. હવે પહેલેથી જો તમને આસક્તિ ઊડાડવાની કહે તો ?

પ્રશ્નકર્તા : તો અહીં કોઈ આવે જ નહીં.

દાદાશ્રી : એટલે પહેલું આત્માને આત્મધર્મમાં લાવવો જોઈએ. અક્રમમાં પહેલું આ છે. જ્યારે ક્રમિકમાં પહેલી આસક્તિ કાઢવાની છે.

પ્રશ્નકર્તા : એટલે અધર્મ કાઢવો જોઈએ ?

દાદાશ્રી : અધર્મ શબ્દની આપણને જરૂર નથી. અધર્મ શું છે ? ધર્મની સામેનો શબ્દ છે. ખોટું કરવું એનું નામ અધર્મ અને સારું કરવું એનું નામ ધર્મ. પણ બેઉ કર્તાભાવમાં છે અને આ આત્માનો તો સ્વાભાવિક ધર્મ છે, સહજ ધર્મ છે. હવે આત્મા પોતાના ધર્મમાં આવે તો પછી આ પૈણેલી સ્ત્રી હોય, તેનું શું થાય ? તેને કંઈ કાઢી મૂકાય ?

પ્રશ્નકર્તા : ના, પણ એના પરની આસક્તિ ઓછી કરવી પડે.

દાદાશ્રી : તેના માટે પાછું કર્તા થવું પડે.

પ્રશ્નકર્તા : તો એ સમજાવો.

દાદાશ્રી : આત્મધર્મમાં આવ્યા બાદ 'બાય રિલેટિવ વ્યુપોઈન્ટ', 'તમે ચંદુભાઈ છો, આ બાઈના ધણી છો, આ છોકરાના ફાધર છો.' અને 'બાય રિયલ વ્યુપોઈન્ટ'થી તમે શુદ્ધાત્મા છો.

'ધી વર્લ્ડ ઈઝ ધી પઝલ ઇટ સેલ્ફ. ગોડ હેઝ નોટ પઝલ્ડ ધીસ વર્લ્ડ એટ ઓલ.' જો પરમાત્માએ 'પઝલ' કર્યું હોત તો તેમને અહીં બોલાવવા પડત ને દંડ દેવો પડત કે તમે આ લોકોને શા માટે ગૂંચવ્યા? માટે ભગવાને આ જગત ગૂંચવ્યું નથી.

'હું આત્મા છું, હું આત્મા છું' એમ શબ્દ બોલ્યે કશું વળે નહીં. એ તો ભગવાનની કૃપા ઉતારવી પડે, ત્યાર પછી જ તમે મોક્ષગામી થાઓ. હવે અહીં મોક્ષગામી એટલે શું ? આ ભવમાં સીધો મોક્ષ નથી. પણ અહીં આગળ અજ્ઞાનમુક્તિ થાય છે.

બે પ્રકારની મુક્તિ : પહેલી અજ્ઞાનમુક્તિ એટલે આત્મા આત્મસ્વભાવમાં આવી ગયો તે ! બીજું છે તે સંપૂર્ણ દેહમુક્તિ, સિદ્ધગતિ મળે તે ! અહીંથી એકાવતારી થઈ શકાય છે ! અજ્ઞાનમુક્તિ થાય એનાથી ફાયદો શું થાય ? સંસારી દુઃખોનો અભાવ રહ્યા કરે !

મનુષ્યો શું ખોળે છે ?

પ્રશ્નકર્તા : દુઃખનો અભાવ.

દાદાશ્રી : આત્મા સ્વભાવે સુખિયો જ છે ને પછી દુઃખનો અભાવ થયો, પછી રહ્યું શું ?

પ્રશ્નકર્તા : આત્મા જાણવાની કંઈ ચાવીઓ તો હશેને ?

દાદાશ્રી : ચાવીઓ-બાવીઓ કશુંયે ના હોય ! જ્ઞાની પાસે જઈને કહી દેવાનું કે 'સાહેબ ! હું અક્કલ વગરનો સાવ મૂરખ છું ! અનંત અવતારથી ભટક્યો, પણ આત્માનો એક અંશ, વાળ જેટલો આત્મા મેં જાણ્યો નથી ! માટે આપ કંઈક કૃપા કરો અને મારું આટલું કામ કાઢી આપો !' બસ આટલું જ કરવાનું છે. 'જ્ઞાની પુરુષ' તો મોક્ષનું દાન આપવા જ આવ્યા છે.

અને પછી લોકો પાછા બૂમો પાડે કે વ્યવહારનું શું થાય ? આત્મા જાણ્યા પછી જે બાકી રહ્યો તે બધો વ્યવહાર. અને વ્યવહારનુંય 'જ્ઞાની પુરુષ' પાછું જ્ઞાન આપે. પાંચ આજ્ઞા આપે, કે 'આ પાંચ આજ્ઞા મારી પાળજે. જા, તારો વ્યવહારેય શુદ્ધ અને નિશ્ચયેય શુદ્ધ. જોખમદારી બધી અમારી. મોક્ષ અહીંથી વર્તવો જોઈએ. અહીંથી જ ના વર્તે તે સાચો મોક્ષ નથી. મને ભેગા થયા પછી જો અહીંથી મોક્ષ ના વર્તે તો એ જ્ઞાની સાચા નથી અને મોક્ષેય સાચો નથી. મોક્ષ અહીં જ, આ પાંચમા આરામાં વર્તાવો જોઈએ, અહીં જ આ કોટ-ટોપી સાથે ! ત્યાં તો વર્ત્યાનું શું ઠેકાણું ?

પ્રશ્નકર્તા : શું આત્માના જુદા જુદા પ્રકાર હોય ?

દાદાશ્રી : ના, આત્મા એક જ પ્રકારનો હોય.

પ્રશ્નકર્તા : તો આત્માને રાગ-દ્વેષ લાગે ?

દાદાશ્રી : ના. આત્માને રાગ-દ્વેષ લાગે નહીં. આ તો વિભાવ ઉત્પન્ન થાય છે. જે પોતાનામાં ગુણ નથી, તે વિભાવ કહેવાય. આત્મા પોતે સ્વભાવે કરીને વીતરાગ જ છે. એનામાં રાગ-દ્વેષનો ગુણ જ નથી. આ તો ભ્રાંતિથી એવું લાગે છે.

પ્રશ્નકર્તા : આ જે જન્મ-મરણની ઘટમાળ ચાલે છે, તે આત્મા પર અસર થવાથી 'કોઝિઝ' થાય છે એ ખરું ?

દાદાશ્રી : ના, ના. આત્મા ઉપર અસર થતી જ નથી. આત્માનો સ્વભાવ બદલાતો જ નથી. એને ખાલી 'રોંગ બિલીફ' જ બેસે છે.

પ્રશ્નકર્તા : 'રોંગ બિલીફ' કેવી રીતે બેસી ગઈ ?

દાદાશ્રી : પોતાના સ્વરૂપનું ભાન ના રહ્યું એટલે આ લોકોએ બીજું ભાન બેસાડ્યું ને એ જ્ઞાન ફીટ થઈ ગયું. એટલે લોકો કહે એ પ્રમાણે એને શ્રદ્ધા બેસી ગઈ કે ખરેખર 'હું ચંદુભાઈ છું' અને આ બધા લોકોય 'એક્સેપ્ટ' કરે છે. એમ કરતાં કરતાં 'બિલીફ' કોઈ રીતે 'ફ્રેકચર' થતી નથી. આત્મામાં કશો ફેરફાર થતો નથી. આત્મા તો સો ટચનું સોનું જ રહે છે. સોનામાં તાંબાનો ભેળસેળ થાય, તેથી કંઈ સોનું બગડી જતું નથી !

દ્ષ્ટિ - મિથ્યા ને સમ્યક્ !

દાદાશ્રી : આ ઊંધી દ્ષ્ટિ છે, મિથ્યાદ્ષ્ટિ છે, તેથી આ દુઃખો ઉત્પન્ન થયાં છે. અને સમકિત એટલે સવળી દ્ષ્ટિ. કોઈ દહાડો તમારી સવળી દ્ષ્ટિ થયેલી કે ?

પ્રશ્નકર્તા : ના.

દાદાશ્રી : આખો સંસારકાળ ફરી વળ્યા, છતાં એક ક્ષણ પણ સવળી દ્ષ્ટિ થઈ નથી. શું નામ છે તમારું ?

પ્રશ્નકર્તા : ચંદુભાઈ.

દાદાશ્રી : 'તમે ચંદુભાઈ છો.' એ સાચી વાત છે ?

પ્રશ્નકર્તા : મિથ્યાત્વ લાગે છે, અહમ્પદ લાગે છે.

દાદાશ્રી : તો પછી તમે કોણ છો ?

પ્રશ્નકર્તા : એ ખ્યાલ નથી આવતો.

દાદાશ્રી : તો અત્યાર સુધી કેમ એ જાણ્યું નહીં ?

પ્રશ્નકર્તા : હંમેશાં એ જ મૂંઝવણ થતી હતી કે 'હું કોણ છું ?' પણ એની ખબર પડતી ન હતી.

દાદાશ્રી : 'હું ચંદુલાલ છું, આ બાઈનો ધણી છું, આનો ફાધર થાઉં, આનો મામો, કાકો', એ બધી 'રોંગ બિલીફો' છે. એ 'રોંગ બિલીફો' જ્ઞાની પુરુષ 'ફ્રેકચર' કરી આપે અને 'રાઈટ બિલીફ' બેસાડી આપે. એટલે આપણને સમકિત દ્ષ્ટિ મળી કહેવાય.

વિપરીત જ્ઞાન-સમ્યક્ જ્ઞાન

પહેલાં વિપરીત જ્ઞાન જાણવાનો પ્રયત્ન હતો, તેનાથી બંધનમાં અવાય. હવે સમ્યક્ જ્ઞાન જાણવાનો પ્રયત્ન છે. એ 'પોતાનું' છે એનાથી સ્વતંત્ર થવાય. પેલું ય જ્ઞાન છે એટલે જાણવાનો 'ટેસ્ટ' આવે, પણ એ પરાવલંબી છે, કોઈનું અવલંબન લેવું પડે. અને સમ્યક્ જ્ઞાન પોતાને સ્વસુખ આપનારું છે, સ્વાવલંબનવાળું ને સ્વતંત્ર બનાવનારું છે.

પ્રશ્નકર્તા : જ્ઞાન તો એક જ પ્રકારનું હોય ને ? આત્મા એ જ જ્ઞાન છે. તો પછી વિપરીત જ્ઞાન ને આ જ્ઞાન જુદાં જુદાં કેમ હોઈ શકે ?

દાદાશ્રી : વિપરીત એટલે જરૂરિયાત નથી, તે જ્ઞાનમાં પડ્યા.

પ્રશ્નકર્તા : પણ એને જ્ઞાન કહેવાય ?

દાદાશ્રી : જ્ઞાન જ કહેવાય ને ? અજ્ઞાન શા આધારે કહ્યું ? કે 'આ હિતાકારી નથી', માટે અજ્ઞાન કહ્યું.

પ્રશ્નકર્તા : એટલે એને અજ્ઞાન જ કહેવાય ને ? જ્ઞાન કહેવાય નહીં ને ?

દાદાશ્રી : જગતની દ્ષ્ટિએ તો બધું જ્ઞાન જ છે ને ?

સાંસારિક જે બધું જાણવાનો પ્રયત્ન છે તે મિથ્યા જ્ઞાન છે. ઊંધી શ્રદ્ધા બેઠી એટલે ઊંધું જ્ઞાન ઉત્પન્ન થાય ને ઊંધું ચારિત્ર ઊભું થાય. એનો સ્વાદેય પડે ને એનો મારેય પડે. એ રાગ-દ્વેષવાળું જ્ઞાન છે અને આ વીતરાગી જ્ઞાન છે. આ જાણવા-જોવા સાથે વીતરાગતા રહે. ને પેલું જાણતાં ને જોતાંની સાથે જ રાગ-દ્વેષ થાય.

દ્રવ્યચોર - ભાવચોર

મન એ આગલા અવતારનો સંકુચિત ફોટો છે.

એક માણસ 'ઓફિસર' હોય છે. તેની 'વાઈફ' તેને કહે કે તમે લાંચ લેતા નથી. આ બીજા બધા લે છે ને તેમણે બંગલા બંધાવ્યા. તે આવું બહુ વખત થાય એટલે એ મનમાં નક્કી કરે કે બળ્યું, આપણે પણ લો હવેથી !

પણ લાંચ લેવા જાય તે પહેલાં તે ધ્રૂજી જાય, ને લેવાય નહીં. મન ખાલી નક્કી કરે કે હવેથી લો. એટલે એણે ભાવ બદલ્યો, પણ તેનાથી આખી જિંદગી લેવાય નહીં. કારણ કે પહેલાંનાં આધારે મન છે. મન એ ગતજ્ઞાનનું ફળ છે. હવે અત્યારે નવું જ્ઞાન ઊભું કર્યું કે લાંચ લેવી જોઈએ. તે હવે એને આવતે ભવ લાંચ લેવા દેશે.

બીજો ઓફિસર હોય તે આ ભવે લાંચ લેતો હોય, પણ મનમાં એને એવા ભાવ થયા કરે કે, 'આ લાંચ લેવાય છે તે ખોટું છે. આવું ક્યાં લેવાય છે ?' તેનાથી આવતા ભવે ના લેવાય. અને એક પૈસો નથી લેતો છતાં લેવાના ભાવ છે. એને ભગવાન પકડે છે. એ આવતા ભવે ચોર થશે ને સંસાર વધારશે.

પ્રશ્નકર્તા : અને જે પસ્તાવો કરે છે એ છૂટી રહ્યો કહેવાય ?

દાદાશ્રી : હા, એ છૂટે છે. એટલે ત્યાં કુદરતને ઘેર ન્યાય જુદી જાતનો છે. આ જેવું દેખાય છે એવું ત્યાં નથી, એ આપની સમજમાં વાત આવે છે ?

પ્રશ્નકર્તા : એટલે ભાવ પણ કાઢવો જોઈએ એમ ?

દાદાશ્રી : ભાવ જ કાઢી નાખવાનો છે. ભાવની જ ભાંજગડ છે, આ વસ્તુની ભાંજગડ નથી. ભગવાનને ત્યાં શું હકીકત બની એની ભાંજગડ નથી. ભાવ એ 'ચાર્જ' છે અને હકીકત બને છે એ 'ડિસ્ચાર્જ' છે.

પ્રશ્નકર્તા : 'અક્રમ જ્ઞાન'માં ભાવનું શું સ્થાન છે ?

દાદાશ્રી : અક્રમમાં તો ભાવેય નહીં ને અભાવેય નહીં. એ બેનાથી દૂર થઈ ગયા. ભાવ અને અભાવથી સંસાર ઊભો થાય, 'રિલેટિવ ડિપાર્ટમેન્ટ' ઊભું થાય. 'અક્રમ વિજ્ઞાન'થી ભાવ-અભાવ ઊડી જાય છે, એટલે નવું 'ચાર્જ' થવાનું બંધ થઈ જાય છે અને જે 'ચાર્જ' કર્યું હતું તે 'ડિસ્ચાર્જ' થવાનું રહે છે. એટલે કે 'કોઝ' બંધ થઈ ગયાં અને 'ઇફેક્ટ' બાકી રહે છે. 'ઇફેક્ટ' એ પરિણામ છે.

જગત આખું પરિણામમાં જ કકળાટ કરી રહ્યું છે. નાપાસ થાય તેનો કકળાટ ના હોવો જોઈએ. વાંચતી વખતે આપણો કકળાટ હોવો જોઈએ, કે ભાઈ વાંચ, વાંચ ! એને ટકોર કરો, વઢો પણ નાપાસ થયા પછી તો એને કહીએ કે બેસ ભઈ, જમી લે ! સૂરસાગરમાં ડૂબવા ના જઈશ !

પ્રશ્નકર્તા : કઈ ભૂલના આધારે આવા ભાવ થઈ જાય છે ? દા.ત. લાંચ લેવાનો ભાવ થવો.

દાદાશ્રી : એ તો એના જ્ઞાનની ભૂલ છે. ખરું જ્ઞાન શું છે, એનું એને 'ડિસિઝન' નથી. અજ્ઞાનતાને લઈને ભાવ થાય છે. કારણ કે એને એમ લાગે છે કે આ દુનિયામાં આવું નહીં કરું, તો મારી દશા શી થશે ? એટલે એને પોતાના જ્ઞાન ઉપરેય નિશ્ચય તૂટી ગયો છે. પોતાનું જ્ઞાન ખોટું છે એવું એ જાણે છે. હવે, આ જ્ઞાન, એ મોક્ષનું જ્ઞાન નથી. આ વ્યવહારનું જ્ઞાન છે. અને 'ટેમ્પરરી' રૂપે જ હોય છે કે જે સંજોગવશાત્ નિરંતર બદલાયા જ કરે.

સંસારપ્રવાહ

જીવમાત્ર પ્રવાહ રૂપે છે. જેમ આ નર્મદાજીનાં પાણી વહ્યા કરે છે, તેમાં આપણે કશું કરતા નથી. વહેણ જ આપણને આગળ તેડી લાવે છે. ગયા અવતારમાં નવમા માઈલમાં હોય, ત્યાં સરસ સરસ આંબાનાં ઝાડ, કેરીઓ, બદામ, દ્રાક્ષ બધું જોયેલું હોય. સરસ બગીચા જોયેલા હોય. હવે આજે આ અવતારમાં દસમા માઈલમાં આવ્યો, ત્યારે બધું રણ જેવું મળ્યું. એટલે પેલું નવમા માઈલનું જ્ઞાન એને કૈડ્યા કરે. ત્યાં કેરીઓ માંગે, દ્રાક્ષ માંગે, પણ કશાનું ઠેકાણું ના પડે. એવું આ આગળ આગળ વહ્યા જ કરે છે ! આ બધું નિયતિનું કામ છે, પણ નિયતિ 'વન ઓફ ધી ફેક્ટર્સ' તરીકે છે, પોતે કર્તા તરીકે નહીં. કર્તા તરીકે આ જગતમાં કોઈ ચીજ નથી. તેમ કર્તા વગર આ જગત થયું નથી. પણ તે નૈમિત્તિક કર્તા છે. સ્વતંત્ર કર્તા કોઈ નથી. સ્વતંત્ર કર્તા હોય તો બંધનમાં આવે, નૈમિત્તિક કર્તા બંધનમાં આવે નહીં.

પ્રશ્નકર્તા : એટલે નૈમિત્તિક કર્તામાં જે કર્તા હોય, એ એમ માને કે હું નિમિત્ત છું ?

દાદાશ્રી : હા, એ તો પોતાની જાતને જ ખ્યાલ હોય કે 'હું નિમિત્ત છું.' મને લોકો એમ કહે કે 'દાદા તમે આમ કર્યું ને તમે તેમ કર્યું.' પણ હું તો જાણું ને કે આમાં હું તો નિમિત્ત છું ! કર્તા થાય તેને કર્મ બંધાય. તમે કોઈ પણ વસ્તુના કર્તા થાઓ છો ખરા ?

પ્રશ્નકર્તા : સવારથી સાંજ સુધી કર્તા જ થઈએ છીએ.

દાદાશ્રી : હવે તમે કર્તા છો કે નહીં, તેની તમને ખાતરી જોવી છે ?

પ્રશ્નકર્તા : હા.

દાદાશ્રી : તમે, 'રાત્રે દસ વાગ્યે ઊંઘી જવાનું અને છ વાગ્યે ઊઠવાનું છે.' એમ બોલો છો, પછી ત્યાં આગળ પલંગમાં સૂઇને માથે ઓઢીને તમે શું શું યોજના ઘડતા હો ? પછી એકાએક વિચાર આવે કે ફલાણાને પાંચ હજાર રૂપિયા આપ્યા હતા, તેનું આજે ખાતું પડાવવાનું રહી ગયું હતું. તે પછી તમને ઊંઘ આવે ખરી ? જો ઊંઘ પોતાના હાથમાં નથી, તો બીજી કઈ વસ્તુ પોતાના હાથમાં છે ? વહેલું ઊઠવું હોય તો પેલી ઘંટડી મૂકવી પડે ?

પ્રશ્નકર્તા : હા.

દાદાશ્રી : તેય પોતાના હાથમાં નથી ! સંડાસ જવાનુંય પોતાના હાથમાં નથી. કશું જ આપણા હાથમાં નથી. આ તો કુદરતી રીતે એની મેળે ચાલ્યા કરે છે. તેને આપણે 'એડજસ્ટ' થઈ જઈએ છીએ કે 'હું આ કરું છું.' આ દરેક વસ્તુ બીજી શક્તિના આધીન ચાલે છે. ઇશ્વરેય કર્તા નથી અને તમે પણ આના કર્તા નથી. આના કર્તા તમે છો, એવું માનો છો એ જ છે તો આવતા ભવનું બીજ છે. એક દહાડો આ બધું સમજવું તો પડશે જ ને ?

એટલે પેલા અખાએ કહ્યું છે કે,

''કર્તા મીટે તો છૂટે કર્મ, એ છે મહાભજનનો મર્મ '',

''જો તું જીવ તો કર્તા હરિ, જો તું શિવ તો વસ્તુ ખરી.''

કોઈ જીવને કરવાની શક્તિ છે જ નહીં, આ કર્તા શેના થઈ બેઠા છે ? ખરેખર તો સ્વપરિણામના કર્તા છે. હવે પરપરિણામના કર્તા કોઈ હોઈ શકે ખરા ? આ જન્મ્યા તે મરણ સુધી બધું ફરજિયાત છે, અને તે પરપરિણામ સ્વરૂપ છે ! એના આપણે કર્તા માનીએ છીએ એટલે આવતા ભવનું બીજ પડે છે.

વ્યવહાર આત્મા : નિશ્ચય આત્મા

અજ્ઞાનતામાં આત્મા (વ્યવહાર-આત્મા) અનૌપચારિક વ્યવહારથી દ્રવ્યકર્મનો કર્તા છે. અનૌપચારિક વ્યવહાર એટલે જેમાં ઉપચાર પણ કરવો નથી પડતો, એવા વ્યવહારથી દ્રવ્યકર્મનો કર્તા છે. અને સ્વરૂપનું ભાન થયે કાયમ સ્વપરિણામી છે. એમાં એ કંઈ વિકૃત થયા નથી. વિકૃતિ જો થાય તો બદલાઈ જ જાય, ખલાસ થઈ જાય. આટલું જ સમજાય તો કામ થાય.

આ 'હું કરું છું' એવું માને છે. અલ્યા, તું ક્યાં અહીં આગળ છે ? આ તો સચર છે, 'મિકેનિકલ' આત્મા છે. એની મહીં અચર છે એ શુદ્ધાત્મા છે. બહાર પ્રકૃતિ એ સચર વિભાગ છે અને અચર આત્મવિભાગ છે. લોકો સચરને સ્થિર કરવા માંગે છે. પ્રકૃતિ તો મૂળ સ્વભાવથી જ ચંચળ છે. જગત ઘડીવારેય વિસ્મૃત થાય તેવું નથી.

કર્તાપણાનું મિથ્યાત્વ

શાસ્ત્રો તો બધાં જાણે છે, પણ અજાણ શેનાથી છે ? આત્માથી ! બધું જાણ્યું પણ આત્માથી અજાણ રહ્યો. એ તો એમ જ જાણે કે, 'આ હું કરું તો જ થાય.' શું કહે છે ? અલ્યા, દેવતામાં બેસ. એની મેળે થઈ જશે બધું ! દેવતા પર બેસવાથી એની મેળે ફોલ્લા થાય કે ના થાય ? અલ્યા, આ બીજુ બધું જાણ્યું એનાથી તો 'ઈગોઈઝમ' વધશે ઊલટો !

જે કરે તેને બંધન થાય. જે જે કંઈ કર્યું તે બધું બંધન છે. ત્યાગ કરે કે ગ્રહણ કરે-બધુંય બંધન છે. લીધા તે આપવા પડશે ને આપ્યા તે લેવા પડશે. આ રૂપિયા ધીર્યા હોય તે છોડી દઈએ પણ ત્યાગનું ફળ આવે ત્યારે લેવું જ પડે.

પ્રશ્નકર્તા : બધાં શાસ્ત્રોનો હેતુ તો આત્માનું દર્શન કરવાનો જ ને ? તો પછી આત્માનું દર્શન કેમ થતું નથી ? 'ઈગોઈઝમ' કેમ વધે છે ?

દાદાશ્રી : 'ઈગોઈઝમ' વધે છે તેય બરાબર છે, કારણ કે એ 'ડેવલપમેન્ટ' છે. આ કોલેજમાં છેલ્લામાં છેલ્લું પી.એચ.ડી. થવા જાય છે, પણ જેટલા થયા તેટલા સાચા. બધા ના થાય. ધીમે ધીમે 'ડેવલપ' થાય. 'ઈગોઈઝમ' વધે છે, તેય બરાબર છે. એમાં જે છેલ્લા 'ગ્રેડ'ના બે-ચાર હોય તેને 'જ્ઞાની પુરુષ' મળે એટલે એ પાસ થાય. ત્યાં સુધી એમ કરતાં કરતાં આગળ વધે છે. પહેલું આ 'ઈગોઈઝમ'ને ઊભું કરે છે. હિન્દુસ્તાનની બહાર 'ઈગોઈઝમ' જે છે તે સાહજિક 'ઈગોઈઝમ' છે. એમનું 'ઈગોઈઝમ' કેવું છે ? જ્યાં જવાનું છે ત્યાં આગળ જવાનું 'ઈગોઈઝમ' કરે છે ને જ્યાં નથી જવાનું, ત્યાં નથી જવાનું 'ઈગોઈઝમ' કરે છે ને આપણે જ્યાં નથી જવાનું ત્યાં જવાનું ઊભું કરી દે અને જ્યાં જવાનું છે ત્યાં ના કહી દે ! આપણે અહીં બધું વિકલ્પી 'ઈગોઈઝમ' છે. એ લોકોને સાહજિક 'ઈગોઈઝમ' હોય છે. ગાય-ભેંસોને હોય છે તેવું. ત્યાં ચોરી કરનારો ચોરી કર્યા કરે, બદમાશી કરનારો બદમાશી કરે અને 'નોબલ' હોય એ નોબલ રહ્યા કરે. આપણે અહીં તો નોબલેય ચોરી કરે અને ચોરેય નોબેલિટી કરે. એટલે, આ દેશ જ અજાયબ છે ને ? આ તો 'ઇન્ડિયન પઝલ' છે ! જે કોઈથી 'પઝલ' સોલ્વ ના થાય. ફોરેનવાળાની બુદ્ધિ લડી લડીને થાકે, પણ એમને આનું 'સોલ્યુશન' ના જડે. કાકાનો છોકરો એમ કહે કે ગાડી અપાય એવી નથી, સાહેબ આવવાના છે ! આખો અહંકાર જ કપટવાળો !

અને જે ક્રિયાઓ કરે છે એ બધું બરોબર છે. એ અહંકાર વધારે છે અને એમ કરતાં કરતાં બધા અનુભવ ચાખી ચાખીને પછી આત્માનુભવ થાય.

પ્રશ્નકર્તા : પછી છેવટના 'સ્ટેજે' અહંકાર નીકળી જાય ?

દાદાશ્રી : પછી એને જ્ઞાની મળી આવે. દરેક 'સ્ટાન્ડર્ડ'ના શિષ્યો તૈયાર થાય તે પ્રમાણે એને માસ્તર મળી આવે, એવો નિયમ છે.

કર્તા થયો કે બંધન થયું. પછી ગમે તેનો કર્તા થાય ! સકામ કર્મનો કર્તા થા કે નિષ્કામ કર્મનો કર્તા થા, કર્તા થયો એ બંધન. નિષ્કામ કર્મનું સુખ પડે, સંસારમાં શાંતિ મળે ને સકામનું દુઃખ આવે.

વળગણ કોને ?

પ્રશ્નકર્તા : આત્માને જે શરીરનું વળગણ છે, પુદ્ગલનું. તેથી ભટકે છે ?

દાદાશ્રી : વળગણ આત્માને લાગતું જ નથી. આ તો બધું અહંકારને જ છે. અહંકાર છે તો આત્મા નથી અને આત્મા છે તો અહંકાર નથી.

પ્રશ્નકર્તા : તો આત્માને મોક્ષ આપવાનો છે ને ?

દાદાશ્રી : આત્મા મોક્ષમાં જ છે. એને દુઃખ જ નથી ને ! જેને દુઃખ હોય તેનો મોક્ષ કરવાનો છે. પોતે બંધાયેલોય નથી, મુક્ત જ છે. આ તો અજ્ઞાનથી માને છે કે 'બંધાયેલો છું' અને 'મુક્ત છું' એનું જ્ઞાન થાય એટલે મુક્ત થયો. ખરી રીતે બંધાયેલોય નથી. એ માની બેઠો છે. લોકોય માની બેઠા છે એવું આય માની બેઠો છે. લોકોમાં હરીફાઈ છે બધી આ. 'મારું-તારું' ભેદ પડ્યા એ બંધનને મજબૂતી કરે છે.

પ્રશ્નકર્તા : દાદા, એ એકદમ ઊતરવું જરા મુશ્કેલ થઈ પડેને ?

દાદાશ્રી : તેથી જ તો આ બધું અંતરાયું છે ને ! સમકિત થતું નથી તેનું કારણ જ આ છે. તેથી તો કહ્યું છે કે, આત્મજ્ઞાન જાણો ! આત્મા શું છે, એને જાણો. નહીં તો છૂટાશે નહીં ! શાસ્ત્રકારોએ બહુ બહુ દાખલાઓ આપ્યા છે, પણ એ સમજ પડે તો ને ? આત્મજ્ઞાની હોય ત્યાં જ છૂટકારો થાય. જ્ઞાની સમજાવે કે, 'કેટલા ભાગમાં તું કર્તા છે'. એ તો એવું માને છે કે, ''સામાયિક, જપ, તપ, યોગ 'હું' જ કરું છું. 'હું' જ આત્મા છું ને 'હું' જ આ કરું છું.'' હવે 'કરે છે' શબ્દ આવ્યો ત્યાંથી એ મિથ્યાત્વ છે ! 'કરોમિ, કરોસિ ને કરોતિ' એ બધું મિથ્યાત્વમાં છે !

ભાગ
1-2 -3 - 4 - 5 - 6 - 7 - 8 - 9 - 10 - 11 - 12