ભાગ
1-2 -3 - 4 - 5 - 6 - 7 - 8 - 9 - 10 - 11 - 12



આપ્તવાણી શ્રેણી - ૫

દ્રવ્ય ન પલટે, ભાવ ફરે તો...

''દ્રવ્ય ન પલટે, ભાવ ફરે તો છૂટી શકે છે ભવનો ફજેતો.''

- નવનીત

દ્રવ્ય એટલે કર્મ ફળ આપવા તૈયાર થયું હોય તે. દ્રવ્ય પલટે નહીં તેનો દાખલો આપું. એક માણસને ચોરીની ટેવ પડેલી હોય, તે પોતે કહે કે મારે છોડવી છે તોય ના છૂટે એવું બને કે નહીં ? એનો કાળ આવે ત્યારે જ પલટે. હવે કવિ શું કહેવા માંગે છે કે તું રોજ મનમાં ભાવ કર કે ચોરી કરવા જેવી નથી. તો ચોરીના બીજ એક દહાડો ખલાસ થશે ને નહીં તો પાછો ચોરી કરવાના ભાવ કરીશ તો ફરી ચોરી કરવાનાં બીજ પડશે. એટલે ચોરીમાંથી ચોરી જ થાય.

આ વાક્ય બહુ ઊંડા ગૂઢાર્થવાળું છે.

હવે જેણે સ્વરૂપનું જ્ઞાન લીધું હોય તેણે શું કરવાનું ? 'જોયા' જ કરવાનું. 'જોયા' કરે એટલે નવું બીજ પડતું નથી. વળી કોઈને દુઃખ થાય એવી ચોરી કરી હોય તો આપણે વધારાનું શું કહીએ છીએ કે, 'ચંદુભાઈ, આ અતિક્રમણ કર્યું, માટે પ્રતિક્રમણ કરી લો.'

જગત આખું ચોરી કરે એટલે ફરી ચોરીનાં બીજ પડે. લાંચ લેતો હોય ને મનમાં ખૂંચ્યા કરતું હોય કે આ ન જ થવું જોઈએ. પણ જો કોઈ કહે કે, 'આ લાંચ શું કરવા લો છો ?' ત્યારે એ કહે કે, 'તારામાં અક્કલ નથી. બેસ ! આ બે છોડીઓ શી રીતે પૈણાવીશું ?' એટલે પોતે આ રોંગ(ખોટા)ને 'એન્કરેજ' કર્યું. એટલે આવતો ભવ સજ્જડ થયો.

એટલે આ સંસારના માણસો તો જો ચોરી કરતા હોય, લુચ્ચાઈ કરતા હોય, લાંચ લેતા હોય તો એણે મનમાં ભાવ એવા કરવા જોઈએ કે આ ખોટું કામ થઈ રહ્યું છે. આ ન જ કરવું જોઈએ એવું ગા ગા કર્યા કરવું જોઈએ. દ્રવ્ય હવે હાથમાં નથી રહ્યું. પાણીનો બરફ થઈ ગયો. હવે શી રીતે એનો રેલો જાય ? ઢગલો જ પડે.

પ્રશ્નકર્તા : ખોટું કરતા હોઈએ તે વખતે ભાવ તો એવો થવો જોઈએ ને કે આવું મને ન હો કે પછી જ્ઞાતા-દ્રષ્ટા જ રહેવાનું ?

દાદાશ્રી : જ્ઞાતા-દ્રષ્ટા રહેવાનું અને પ્રતિક્રમણ કરવાનું કહ્યું છે ને ?

પ્રશ્નકર્તા : પણ ભાવ તો ન જ થવો જોઈએ ને ?

દાદાશ્રી : ભાવ તો થવાનો પણ 'આપણે' તો ચંદુભાઈને જાગૃતિ આપવાની કે પ્રતિક્રમણ કરો. અતિક્રમણ શા માટે કર્યું ? આખો દહાડો ક્રમણ હોય છે. અતિક્રમણ આખો દહાડો હોતું નથી. કલાકમાં એકાદ-બે વખતે હોય, તેનું આપણે પ્રતિક્રમણ કરવું પડે.

આપણી બધી નબળાઈને જાણવી જોઈએ. હવે આપણે પોતે નબળા નથી. આપણે તો આત્મા થઈ ગયા. પણ અજ્ઞાન દશામાં આના મૂળ ઉત્પાદક તો આપણે જ હતા ને ? એટલે આપણે પાડોશી તરીકે કહેવું કે 'ચંદુભાઈ, પ્રતિક્રમણ કરી લો.'

પ્રતિક્રમણ તો તમે બહુ જ કરજો. જેટલા તમારા સર્કલમાં પચાસ- સો માણસો હોય, જેને જેને તમે રગડ રગડ કર્યાં હોય તે બધાના નવરા પડો એટલે કલાક-કલાક બેસીને, એક-એકને ખોળી-ખોળીને, પ્રતિક્રમણ કરજો. જેટલાને રગડ રગડ કર્યા છે તે પાછું ધોવું પડશે ને ! પછી જ્ઞાન પ્રગટ થશે.

પ્રશ્નકર્તા : પણ દાદા, જેણે મને રગડ્યા છે એને જ મેં રગડ્યા છે.

દાદાશ્રી : તમને જેણે રગડ્યા હશે તેનું તો તે ભોગવી લેશે. તેની જવાબદારી તમારી નથી. જે રગડે છે એને જવાબદારીનું ભાન નથી. એ આ અવતારમાં રોટલી ખાય છે, તે આવતા અવતારમાં પૂળા ખાવાનો વાંધો નથી એને !

અહંકારનો લાભ !

અહંકાર ગયો કે ઉકેલ આવ્યો. અહંકાર છે ત્યાં સુધી જગત ઊભું રહેશે. કાં તો આત્મા હોય, કાં તો અહંકાર હોય. અહંકાર હોય તો આત્માનો લાભ ના થાય અને આત્મા છે તો પછી અહંકારનો લાભ ના થાય.

પ્રશ્નકર્તા : અહંકારમાં પણ લાભ હોઈ શકે ?

દાદાશ્રી : આ અહંકારના લાભમાં તો આ બધા છોડીઓ પૈણાવે છે, છોકરા પૈણાવે છે, છોકરાનો બાપ થઈને ફરે છે. બૈરીનો ધણી થઈને ફરે છે. તે અહંકારનો લાભ ના મળ્યો કહેવાય ? આખું જગત અહંકારનો જ લાભ ભોગવી રહ્યું છે. અમે સ્વરૂપધારી આત્માનો લાભ ભોગવી રહ્યા છીએ. આ સ્વોપાર્જિત છે ને પેલું અહંકાર ઉપાર્જિત છે.

પ્રશ્નકર્તા : ભ્રાંતિ જાય તો મુક્ત થવાય ને ?

દાદાશ્રી : હા, ભ્રાંતિ ગઈ એટલે 'જેમ છે તેમ' જાણ્યું. ભ્રાંતિ ગઈ એટલે અજ્ઞાન ગયું, અજ્ઞાન ગયું એટલે માયા ગઈ. ભગવાનની માયા ગઈ એટલે અહંકાર ગયો, અહંકારશૂન્ય થઈ ગયો એટલે ઉકેલ આવ્યો !

'ઈગોલેસ' કરવાની જરૂર નથી...

કોઈ જાતનો ધંધો ના હોય એનું નામ આત્મા !

પ્રશ્નકર્તા : આ પ્રયત્નો કોણ કરે છે ?

દાદાશ્રી : અહંકાર કરે છે.

પ્રશ્નકર્તા : ચગે છે કોણ ?

દાદાશ્રી : અહંકારનો બહારનો ભાગ ચગે છે, તે ડિસ્ચાર્જ થતી વસ્તુ છે ને 'ઈગોઈઝમ' ચાર્જ કરે છે.

પ્રશ્નકર્તા : સંપૂર્ણ નિર્અહંકાર ક્યારે પેદા થાય ?

દાદાશ્રી : તમારે એ પેદા કરીને શું કામ છે ?

પ્રશ્નકર્તા : 'ઈગો'થી ફાયદો નથી, એ તો ખબર પડી છે.

દાદાશ્રી : એટલે આ 'ઈગોલેસ' હોય તો કંઈ ઉત્તમ ફળ મળે ?

પ્રશ્નકર્તા : પોતાનો અંદરનો આનંદ, પરમાનંદ પછી પ્રગટે.

દાદાશ્રી : એવું છે કે 'ઈગોલેસ' કરવાની જરૂર નથી. 'આપણે કોણ છીએ' એ જાણવાની જ જરૂર છે. આપણું જે સ્વરૂપ છે એમાં 'ઈગોઈઝમ' છે જ નહીં. 'તમે' ચંદુભાઈ નથી, છતાં 'ચંદુભાઈ છું' એમ માનો છો એનું નામ 'ઈગોઈઝમ'.

અજ્ઞાનનો આધાર

મહીં ચીડ ઊભી થાય એને પોતે વાળવા પ્રયત્ન કરે, પણ ચીડ એ 'ઈફેક્ટ' છે ને વાળવા પ્રયત્ન કરે છે એ 'કૉઝિઝ' છે. કેટલાક માણસો ચિડાય પણ એને વાળે નહીં ને ઉપરથી કહે કે 'હા, ગુસ્સો કરવા જેવો જ હતો.' તે પણ 'કૉઝિઝ' છે. સમજાયું તમને ?

પ્રશ્નકર્તા : ચિડાવાનું કારણ શું ?

દાદાશ્રી : અજ્ઞાનતા. અજ્ઞાનતાને લઈને રાગ-દ્વેષ કર્યા કરે. આ સારું, આ ખોટું એમ કર્યા કરે. ખરેખર તો આની 'ઈફેક્ટ' છે. તેને 'આપણે' સ્વીકારી લઈએ છીએ, એને આધાર આપીએ છીએ. 'મને ટાઢ વાઈ, મને થયું, મને ભાવતું નથી.' એ આધાર આપ્યો કહેવાય. હવે કઢી ખારી લાગી, તે જીભના તાબાની વસ્તુ છે. તેને આપણે કહેવાની જરૂર શું ? આ રીતે આધાર અપાય છે ને કૉઝિઝ કરે છે. આખી જિંદગી રાગ-દ્વેષ કર્યા કરે છે. ગમતી વસ્તુઓ પર રાગ ને ના ગમતી ઉપર દ્વેષ કરે છે.

પ્રશ્નકર્તા : આ રાગ-દ્વેષ કરનાર કોણ છે ? અજ્ઞાનતા ?

દાદાશ્રી : 'ઈગોઈઝમ'. અજ્ઞાનના આધારથી 'ઈગોઈઝમ' ઊભો રહ્યો છે ને 'ઇગોઇઝમ' આ બધું કર્યા કરે છે. જો અજ્ઞાનનો આધાર તૂટી જાય તો 'ઈગોઈઝમ' પડી જાય.

સંસારનું 'રૂટ કોઝ'

આ કૉઝિઝનું તમને સમજાયું કે ના સમજાયું ? કોઈ તમારો ગમતો ભાઈબંધ આવ્યો તો તમે ખુશ ખુશ થઈ જાવ એ રાગ છે ને ના ગમતો માણસ આવે ત્યારે ?

પ્રશ્નકર્તા : એકદમ એને કાઢી તો ના મૂકાય, પણ મન મારીને બેસી રહીએ.

દાદાશ્રી : એ દ્વેષ કહેવાય. આમ રાગ-દ્વેષ કર્યા કરો છો.

વેદાંત શું કહે છે કે આ મનુષ્યો પરમાત્મા કેમ થઈ શકતા નથી ? કારણ મળ, વિક્ષેપ ને અજ્ઞાન છે તેથી. જૈનોની 'થિયરી' એમ કહે છે કે રાગ, દ્વેષ ને અજ્ઞાન છે તેથી. બન્નેના મૂળમાં અજ્ઞાનતા છે જ. એટલે અજ્ઞાનતા જાય એટલે આધાર તૂટી જાય.

'ઈફેક્ટ' તો તેની મેળે થયા જ કરે છે. પણ પોતે અંદર 'કૉઝિઝ' કરે છે, આધાર આપે છે કે 'મેં કર્યું, હું બોલ્યો'. ખરી રીતે 'ઈફેક્ટ'માં કોઈને કરવાની જરૂર જ નથી. 'ઈફેક્ટ' એની મેળે સહજભાવે થયા જ કરે છે. પણ આપણે તેને ટેકો આપીએ છીએ કે 'હું કરું છું' એ ભ્રાંતિ છે અને એ જ 'કૉઝિઝ' છે.

પ્રશ્નકર્તા : એ 'કૉઝ'નું 'કૉઝ' શું છે ?

દાદાશ્રી : અજ્ઞાનતા. 'રૂટ કૉઝ' અજ્ઞાનતા છે. 'જ્ઞાની પુરુષ' અજ્ઞાનતા દૂર કરે.

લક્ષ્મીની લિંક

પૈસાવાળો કોણ ? મનનો જે રાજેશ્રી છે તે. હોય તો વાપરે ને ના હોય તોય વાપરે.

આ અનાજ છે તે ત્રણથી પાંચ વર્ષમાં નિર્જીવ થઈ જાય, પછી ઊગે નહીં. અગિયાર વરસે પૈસા બદલાય. પચીસ કરોડનો આસામી હોય, પણ અગિયાર વરસ જો એની પાસે એક આનોય આવ્યો ના હોય તો એ ખલાસ થઈ જાય. જેમ આ દવાઓની 'એક્સપાયરી ડેટ' લખો છો તેમ આ લક્ષ્મીની અગિયાર વર્ષની 'એક્સપાયરી ડેટ' હોય છે.

પ્રશ્નકર્તા : આખી જિંદગી લોકોને લક્ષ્મી રહે છે ને ?

દાદાશ્રી : આજે ૭૭ની સાલ થઈ, તો આજે આપણી પાસે ૬૬ પહેલાંની લક્ષ્મી ના હોય.

પ્રશ્નકર્તા : અગિયાર વર્ષનો જ નિયમ ક્યાંથી આવ્યો ?

દાદાશ્રી : આ જેમ દવાઓમાં બે વર્ષની 'એક્સપાયરી ડેટ' હોય, છ મહિનાની હોય, અનાજની ત્રણ વરસની હોય તેમ લક્ષ્મીજીની અગિયાર વરસની હોય.

લક્ષ્મીજી જંગમ મિલકત કહેવાય છે. ૨૦૦ વર્ષ પહેલાંના વાણિયા હતા, તેમની પાસે લાખ રૂપિયા હોય તો પચીસ હજારની મિલકત લઈ લે. પચીસ હજારનું સોનું ને જણસો લે, પચીસ હજાર કોઈ જગ્યાએ શરાફને ત્યાં વ્યાજે મૂકે ને પચીસ હજાર વેપારમાં નાખે. વેપારમાં જરૂર પડે તો પાંચ હજાર વ્યાજે લાવે. આ એમની 'સિસ્ટમ' હતી. એટલે એ શી રીતે જલદી નાદાર થઈ જાય ? ચાર બાજુ ચાર ખીલા માર્યા ! આજના વાણિયાને તો આવું કશું આવડતુંયે નથી !

કોઈ બહારનો માણસ મારી પાસે વ્યવહારથી સલાહ લેવા આવે કે, 'હું ગમે તેટલી માથાકૂટ કરું છું તોય કશું વળતું નથી.' એટલે હું કહું ''અત્યારે તારો ઉદય પાપનો છે. તે કોઈને ત્યાંથી ઉછીના રૂપિયા લાવીશ તો રસ્તામાં તારું ગજવું કપાઈ જશે ! માટે અત્યારે તું ઘેર બેસીને નિરાંતે તું જે શાસ્ત્ર વાંચતો હોય તે વાંચ ને ભગવાનનું નામ લીધા કર.''

પ્રશ્નકર્તા : પુણ્ય-પાપને જ આધીન હોય, તો પછી 'ટેન્ડર' ભરવાનું ક્યાં રહ્યું ?

દાદાશ્રી : એ 'ટેન્ડર' ભરાય છે તે પાપ-પુણ્યના ઉદય પ્રમાણે જ ભરાય છે. એટલે હું કહું ખરો કે 'ટેન્ડર' ભરો, પણ હું જાણું કે શેના આધારે 'ટેન્ડર' ભરાય છે. આ બે કાયદાની બહાર ચાલી શકે એમ નથી.

હું ઘણાં જણને મારી પાસે 'ટેન્ડર' ભરી લાવવાનું કહું છું. પણ કોઈ ભરી લાવ્યા નથી. શી રીતે ભરે ? એ પાપ-પુણ્યને આધીન છે. એટલે પાપનો ઉદય હોય ત્યારે બહુ આંટીઓ વાળવા જઈશ તો ઊલટું છે એ પણ જતું રહેશે. માટે ઘેર જઈને સૂઈ જા ને થોડું થોડું સાધારણ કામ કર. અને પુણ્યનો ઉદય હોય તો ભટકવાની જરૂર જ શું છે ? ઘેર બેઠાં સામાસામી સહેજે કામ કરવાથી બધું ભેગું થઈ જાય ! એટલે બન્ને વખતે આંટીઓ વાળવાનું ના કહીએ છીએ. વાત ખાલી સમજવાની જ જરૂર છે.

અમે જયગઢની જેટી ૧૯૬૮ની સાલમાં બાંધતા હતા. ત્યાં એક કોન્ટ્રાક્ટર મારી પાસે આવ્યો. તે મને પૂછવા લાગ્યો, ''હું મારા ગુરુ મહારાજ પાસે જાઉં છું. દર સાલ મારા પૈસા વધવધ કરે છે. મારી ઇચ્છા નથી તોય વધે છે, તો શું એ ગુરુકૃપા છે ?'' મેં એને કહ્યું, ''એ ગુરુની કૃપા છે એવું માનીશ નહીં. જો એ જતા રહેશે તો તને એમ લાગશે કે લાવ ગુરુને પથરો મારું !''

આમાં ગુરુ તો નિમિત્ત છે, એમના આશિષ નિમિત્ત છે. ગુરુને જ જોઈતા હોય તો ચાર આના ના મળે ને ! એટલે પછી એણે મને પૂછયું કે, 'મારે શું કરવું ?' મેં કહ્યું, 'દાદા'નું નામ લેજે હવે. અત્યાર સુધી તારી લિંક આવી હતી. લિંક એટલે અંધારામાં પત્તાં ઉઠાવે તો ચોક્કો આવે, ફરી પંજો આવે, પછી ફરી ઉઠાવે તો છક્કો આવે. તે લોકો કહે કે 'વાહ શેઠ, વાહ શેઠ, કહેવું પડે.' કરે તે તેને ૧૦૭ સુધી સાચું પડ્યું છે પણ હવે બદલાવાનું છે. માટે ચેતતો રહેજે. હવે તું કાઢીશને તો સત્તાવન પછી ત્રણ આવશે ને ત્રણ પછી ૧૧૧ આવશે ! તે લોક તમને બુદ્ધુ કહેશે. માટે આ 'દાદા'નું નામ છોડીશ નહીં. નહીં તો માર્યો જઈશ.''

પછી અમે મુંબઈ આવતા રહ્યા. પેલો બે-પાંચ દહાડા પછી આ વાત ભૂલી ગયો. તેને પછી બહુ મોટી ખોટ આવી. તે ધણી-બૈરી બન્નેએ માંકણ મારવાની દવા પી લીધી. તે 'દાદા'નું નામ જ લેવાનું ભૂલી ગયેલો. પણ પુણ્યશાળી એટલો કે એનો ભાઈ જે ડૉક્ટર હતો તે આવ્યો ને બચી ગયો ! પછી એ મોટર લઈને દોડતો મારી પાસે આવ્યો. મેં એને કહ્યું, ''આ દાદાનું નામ લીધા કરજે ને ફરી આવું ક્યારેય ના કરીશ.'' ત્યાર પછી એણે નામ લેવાનું ચાલુ રાખ્યું, તેનાં પાપ બધાં ધોવાઈ ગયાં ને રાગે પડી ગયું.

'દાદા' બોલે તે ઘડીએ પાપ પાસે આવે જ નહિ. ચોગરદમ ભમ્યા કરે, પણ અડે નહીં તમને. તમે ઝોકું ખાવ તો તે ઘડીએ અડી જાય. રાત્રે ઊંઘમાં ના અડે. જો ઠેઠ જાગતા સુધી બોલ્યા અને સવારમાં ઊઠતાંની સાથે બોલ્યા હો તો વચ્ચેનો ગાળો એ સ્વરૂપ કહેવાય.

મિકેનિકલ ચેતન

જગતના લોકો જાણતા જ નથી કે આમાં ચેતન કોને કહેવાય ? એ તો 'બૉડી' (શરીર)ને ચેતન કહે છે. બધાં કાર્ય કરે છે તે ચેતન કરે છે, એમ કહે છે. પણ ચેતન કશું જ કરતું નથી. ફક્ત 'જાણવાની' ને 'જોવાની', બે જ ક્રિયાઓ એની છે. બીજું બધું અનાત્મ વિભાગનું છે.

આ બોલે છે કોણ ? એ નિશ્ચેતન ચેતન છે, મિકેનિકલ ચેતન છે. એ દરઅસલ ચેતન નથી. કેટલાક આને સ્થિર કરે છે. અલ્યા, શું કરવા સ્થિર કરે છે ? તું મૂળ સ્વરૂપને ખોળી કાઢને ! મૂળ સ્વરૂપ સ્થિર જ છે. આ પાછું આને સ્થિર કરવાની ટેવ શું કરવા પાડે છે ? આ નિશ્ચેતન ચેતન તો મૂળથી જ ચંચળ સ્વભાવનું છે. મિકેનિકલનો અર્થ જ ચંચળ થાય. આ ચંચળને સ્થિર કરવા ફરે છે, તે કેટલો ઊંધો રસ્તો લોકોએ પકડ્યો છે ? તેથી તો અનંત અવતારથી ભટકભટક કરે છે !

આ જગતમાં બે વસ્તુ છે : એક સચર છે અને એક અચર છે. સચરાચર આ બૉડી છે અને જગતેય આખું સચરાચર છે. સચર એ મિકેનિકલ ભાગ છે, અનાત્મ વિભાગ છે અને અચર એ આત્મ વિભાગ છે. એટલે વાતને સમજે તો ઉકેલ આવે, નહિ તો કરોડો અવતારેય ઠેકાણું ના પડે.

બાકી કરોડ અવતાર ત્યાગ કરે, તપ કરે તોય કશું વળશે નહિ. આત્મા ત્યાગસ્વરૂપ જ છે. સર્વસંગ પરિત્યાગ સ્વરૂપ છે. હવે આત્મા માટે ત્યાગ કરવા જાય તે બધું તોફાન છે. 'ત્યાગે ઉસકો આગે.' તમારે જો આગળ જોઈતું હોય તો ત્યાગ કરો.

ચિત્ત અને અંતરાત્મા

પ્રશ્નકર્તા : ચિત્ત અને અંતરાત્મા વચ્ચેનો ભેદ સમજાવો.

દાદાશ્રી : ચિત્ત શુદ્ધ થયું એ જ અંતરાત્મા. એ અંતરાત્મા શાથી કહેવાય કે પોતાના પરમાત્માને એટલે કે શુદ્ધાત્માને ભજવાનું છે, તે રૂપ એટલે કે શુદ્ધાત્મ રૂપ થવાનું છે. પહેલું, શુદ્ધાત્મા પ્રતીતિમાં આવે, લક્ષમાં આવે. ત્યારબાદ અનુભવ પદમાં રહેવા માટે, શુદ્ધાત્માની જોડે એક લક્ષ, એકતાર કરવાનું ! પણ જ્યાં સુધી બહાર 'ફાઈલો' હોય ત્યાં સુધી તેવું આખો દહાડો થાય નહીં, એટલે અંતરાત્મા કહ્યો. અંતરાત્મદશા એટલે 'ઈન્ટરિમ ગવર્મેન્ટ' અને આ 'ફાઈલો' પૂરી થઈ એટલે 'ફૂલ ગવર્મેન્ટ' પરમાત્મા થાય.

અહીં આવી જશો તો એનો ઉકેલ આવશે અને લાંબુ ફરવા જશો તો નર્યાં પુસ્તકો ને પુસ્તકો ભરાશે. એનો પાર જ નથી આવે એવો.

પરમાત્મા એ 'પરમેનન્ટ' છે. મૂઢાત્મા, બર્હિમુખી આત્મા એ 'પરમેનન્ટ' નથી અને અંતરાત્મા પરભવમાંય સાથે જાય. મૂઢાત્મ દશા પરભવમાં આની આ જ સાથે ના હોય, ત્યાં બીજી મૂઢાત્મ દશા આવે.

વૃત્તિ વહે નિજ ભાવમાં

પ્રશ્નકર્તા : ચિત્ત શુદ્ધ થયા પછી, અંતરાત્માનું જ્ઞાન જે પ્રાગટ્ય કરે છે, એમાં બાહ્ય આવરણોને મુક્ત રાખે છે. એટલે મન છે તે એકદમ બાહ્ય વિચારો તરફ ઝૂકતું નથી, પણ આંતરિક વિચારો તરફ વધારે ઢળે છે.

દાદાશ્રી : એટલે કે જે વૃત્તિઓ પહેલાં બહાર ભટકવા જતી હતી તે હવે પાછી અંદર આવે, પોતાને ઘેર આવે.

પ્રશ્નકર્તા : એમાં મનની લાગણીઓમાં કંઈ ફેરફાર થાય ખરો ?

દાદાશ્રી : કશો જ ફેરફાર થાય એવું નથી. મન જડ છે. બહાર જે જાય છે તે 'પરમેનન્ટ' વસ્તુ નથી. ક્ષણે ક્ષણે એ બદલાયા કરે. આમાં 'પરમેનન્ટ' આપણે 'પોતે'. બીજું આ બધું તો બદલાયા જ કરે. તમને ખાલી ભાસ થાય કે આ વરસાદ પડશે ને એ ઊડી જાય ! એ ખાલી ભાસ્યમાન પરિણામ છે. એનો લાંબો કશો અર્થ નથી. એટલે આપણને શું ભાસે છે ? કોને એ ભાસે છે ? એની તપાસ કરવાની.

ચિત્ત 'દાદા ભગવાન'ને યાદ કરે, જેમાં ને તેમાં 'દાદા' દેખાય તે ચિત્ત બહુ સારું કહેવાય. એવું ઘણાંને રહે છે. વત્તા-ઓછા પ્રમાણમાં હોય. 'દાદા ભગવાન' એ જ પોતાનો 'શુદ્ધાત્મા' છે એટલે ચિત્ત શુદ્ધાત્મામાં રાખો કે 'દાદા ભગવાન'માં રાખો, એ સરખું જ છે. બન્ને ચિત્તને શુદ્ધ જ રાખે છે.

સંસારી ચિત્ત એ અશુદ્ધ ચિત્ત કહેવાય. અશુદ્ધ ચિત્ત એ મિશ્ર ચેતન છે. એ શુદ્ધ ચિત્ત થાય છે એટલે શુદ્ધ ચેતન થઈ જાય છે. શુદ્ધ ચિત્ત એટલે શુદ્ધ ચેતન. 'હું શુદ્ધાત્મા છું' એ લક્ષ બેઠું એ જ આપણું સ્વરૂપ. એને અંતરાત્મ દશા કહેવાય.

ચિત્ત અને પ્રજ્ઞા

પ્રશ્નકર્તા : પ્રજ્ઞાશક્તિ બહાર જાય ? ચિત્તની જેમ ?

દાદાશ્રી : ચિત્ત એકલું જ ભટકવાનું. પછી શુદ્ધ થાય એટલે ભટકે નહીં. અશુદ્ધ ચિત્ત ભટક ભટક કરે. અરે ! મહેફિલમાં હઉ જઈ આવે કે જ્યાં બ્રાંડીની બાટલીઓ ઊડતી હોય ! ચિત્તની શક્તિઓ બહુ ભારે છે. તેથી જ લોકો કંટાળી જાય છે ને !

આ મન લોકોને એટલું બધું હેરાન કરતું નથી, પણ ચિત્ત બહુ હેરાન કરે. મન તો બે કામ કરે છે એક સારા વિચાર ફૂટે ને એક ખરાબ વિચાર ફૂટે - કોઠીમાંથી ફૂટે એમ. વિચારો એ જ્ઞેય વસ્તુ છે ને 'આપણે' 'જ્ઞાતા' છીએ. આ તો ભ્રાંતિને લઈને એમ લાગે છે કે મને વિચાર આવ્યા.

દાદાશ્રી - કળી ખીલવતા

દાદાશ્રી : આ આડાઅવળા ધંધા હવે કરીશ ? જાનવર થવું છે તારે ?

પ્રશ્નકર્તા : ના.

દાદાશ્રી : આ બે પગથી પડી જવાય, તેના બદલે ચાર પગ હોય તો સારું, પડી તો ના જવાય ! અને વધારામાં પૂંછડું ઇનામમાં મળે તે કૂદતું કૂદતું તો જવાય !!! હવે તારે એવું કંઈ થવું છે કે મનુષ્ય જ થવું છે ?

પ્રશ્નકર્તા : મનુષ્ય થવું છે.

દાદાશ્રી : તો પછી મનુષ્યના ગુણો જોઈશે. જે તને ગમે છે એવું જ સામાને આપીએ તો મનુષ્યપણું આવે. કોઈ તને નાલાયક કહે, તો તને ગમે ?

પ્રશ્નકર્તા : ના ગમે.

દાદાશ્રી : એટલે આપણે સમજી જવું કે આપણે કોઈને નાલાયક કહીએ તો એને કેમ ગમે ? એટલે આપણે એમ કહેવું કે આવો ભાઈ, તમે બહુ સારા માણસ છો. એટલે એને આનંદ થાય.

કોઈ આપણી પાસે જૂઠું બોલે તો આપણને દુઃખ થાય; તેવું આપણે કોઈની પાસે જૂઠું બોલીએ તો તેને કેટલું દુઃખ થાય ?

અણહક્કનું ભોગવી ના લેવાય. અણહક્કનું ભોગવે છે લોકો ?

પ્રશ્નકર્તા : ઘણા જણ ભોગવે.

દાદાશ્રી : અરે, બૈરી હઉ ઉઠાવી જાય છેને લોકોની ! પોતાની હક્કની બૈરી રાખવી. આ તો બૈરી બીજાની ખોળી લાવે ! હક્કની પોતાની સ્ત્રી હોય તો કોઈ વાત ના કરે, ઘરનાંય કોઈ વઢે નહીં. માટે કયા ખાડામાં પડવું સારું ?

પ્રશ્નકર્તા : હક્કના.

દાદાશ્રી : અણહક્કનો ખાડો તો બહુ ઊંડો ! પાછું ઉપર અવાય જ નહીં. માટે ચેતીને ચાલવું સારું. માટે તું ચેતી જજે. આ જવાની છે, બુઢાપો આવવાનો હોય તેને અમે ના કહીએ, માટે આ ભય-સિગ્નલ તને બતાવીએ છીએ.

પ્રશ્નકર્તા : હા, હા, નહીં લઈ જાઉં, બીજાની બૈરી નહીં લઈ જાઉં.

દાદાશ્રી : હા, બરોબર. લઈ જવાનો વિચારેય નહિ કરવાનો. કોઈ સ્ત્રી પ્રત્યે આકર્ષણ થાય તોય, 'હે દાદા ભગવાન ! મને માફ કરો.' કહીએ.

અણહક્કનો પૈસો ના પડાવી લેવાય. આ મુંબઈ શહેરમાં લોકો ભેળસેળ કરતા નથી ને ?

પ્રશ્નકર્તા : વેપારીઓ કરે તો છે.

દાદાશ્રી : તે કોઈ ઓળખાણવાળો હોય તેને ચેતવજે કે 'ચાર પગવાળા થવું હોય તો ભેળસેળ કરો.' નહીં તોય તમે ભૂખે નહીં મરો, તેની અમે ગેરન્ટી આપીએ છીએ. કંઈક સમજવું તો જોઈએ ને ? આપણે કયા દેશના છીએ ?

પ્રશ્નકર્તા : ભારત દેશના.

દાદાશ્રી : ભારત દેશના આપણે. તે આપણી 'ક્વૉલિટી' કઈ છે ? આર્ય પ્રજા ! અને બહારની કઈ કહેવાય ?

પ્રશ્નકર્તા : અનાર્ય.

દાદાશ્રી : આપણે અહીં કોઈ કોઈ માણસ એવા થઈ જાય છે, તો તેમને શું કહે છે ? અનાડી. આર્યપ્રજા એટલે આર્ય આચાર, આર્ય વિચારને આર્ય ઉચ્ચાર.

તને મારી વાત ગમે છે ? કંટાળો આવે છે ?

પ્રશ્નકર્તા : ગમે છે એટલે બેઠો છું.

દાદાશ્રી : તું જૂઠું. કોઈ દહાડો બોલે છે કે ?

પ્રશ્નકર્તા : બોલું છું.

દાદાશ્રી : જૂઠું બોલવાથી નુકસાન શું થતું હશે ?

પ્રશ્નકર્તા : નુકસાન થાય.

દાદાશ્રી : આપણા પરથી વિશ્વાસ જ ઊઠી જાય.

પ્રશ્નકર્તા : સામાને ખબર પડતી નથી એમ સમજીને બોલે.

દાદાશ્રી : હા, પણ વિશ્વાસ ઊઠી જાય એટલે માણસની કિંમત ખલાસ !

તેં ચોરી કોઈ દિવસ કરેલી કે ?

પ્રશ્નકર્તા : ના, નથી કરી.

દાદાશ્રી : નથી કરી ? તને ચોરી કરવાનું ગમતું નથી ?

પ્રશ્નકર્તા : ગમે તો ખરું પણ ડર લાગે ને !

ભૂખ લાગી ? ઓલવો !

દાદાશ્રી : તું પેટમાં ખાવાનું નાખે છે તે શા માટે નાખે છે ?

પ્રશ્નકર્તા : ભૂખ સંતોષવા.

દાદાશ્રી : તને ભૂખ લાગે છે તે ઘડીએ મહીં પેટમાં લાગે છે કે ઓલવાય છે ?

પ્રશ્નકર્તા : ભૂખ તો લાગે જ ને ?

દાદાશ્રી : ઓલવાતી નથી ?

પ્રશ્નકર્તા : ના, ખાધા પછી ઓલવાઈ જાય.

દાદાશ્રી : હા, એટલે ભૂખ એ અગ્નિ જ કહેવાય ને ? પેટમાં અગ્નિ લાગે ત્યારે શું ખાય છે ? આ મોટરનો ખોરાક તો પેટ્રોલ છે અને આપણે ઘી-તેલનું ઇંધણ છે. તને ભૂખ એકલી લાગે છે કે તરસ હઉ લાગે છે ?

પ્રશ્નકર્તા : તરસ હઉ લાગે ને ?

દાદાશ્રી : એટલે તરસ પણ મહીં સળગે છે એમ ને ? તું એને પાણી રેડું ત્યારે એ ઓલવાય ને ?

પ્રશ્નકર્તા : હા.

દાદાશ્રી : તને થાક હઉ લાગે કે ?

પ્રશ્નકર્તા : હા, થાકેય લાગે.

દાદાશ્રી : થાક લાગે એટલે કલાકેક આરામ કરે. નીંદ લાગે કે ?

પ્રશ્નકર્તા : હા, લાગે છે.

દાદાશ્રી : એટલે આ બધું લાગે છે.

ભગવાને શું કહ્યું'તું કે આ મનુષ્યનો અવતાર લાગતું ઓલવવા માટે છે. ત્યારે આપણે કહીએ, 'સાહેબ લાગતું ઓલવી નાખ્યું. હવે બીજું મારે શું કરવાનું ?' ત્યારે ભગવાન કહે કે, 'તમે તમારે મારું નામ દીધા કરો ને છૂટવાની તૈયારીઓ કરો.' હિન્દુસ્તાનમાં આર્યપ્રજા તરીકે જન્મ્યો માટે છૂટવાને લાયક થયો.

એક જણને મેં પૂછયું કે તારી પોળ તો બહુ શાહુકારોની છે, તે ચોરીઓ થતી નહીં હોય ! ત્યારે એણે કહ્યું કે જો આ સામેની પોલીસચોકી ઉઠાવી જુઓ. પછી અમારાં આડોશી-પાડોશી સંડાસમાં લોટો હોય તેય ના રહેવા દે ! એટલે તેં કહ્યું એના જેવું, બીકના માર્યા ! કોઈ બીક ના હોય તો વાંધો નહીં ને ?

પ્રશ્નકર્તા : તો વાંધો ના આવે.

દાદાશ્રી : તું ચોરી લાવે, તને ગમતી હોય તે ચીજો ?

પ્રશ્નકર્તા : ગમતી ચીજો તો લઈ આવું.

દાદાશ્રી : સોનાની લગડીઓ પડી હોય તો લાવે કે ?

પ્રશ્નકર્તા : એવું હોય તો બધાનું મન લલચાઈ જાય.

દાદાશ્રી : આ લોકોનાં મન એવાં 'સ્ટેડી' નથી. આ તો ભયનાં માર્યાં સીધાં રહે એવાં છે. આ કવિરાજે એક દહાડો મને કહ્યું કે આ નાલાયકોને માટે સરકાર ને લશ્કર ને પોલીસવાળા રાખવા પડે છે અને એનો કર છે તે લાયક પાસેથી લે છે ! એવા ઘણા લોકો હશે કે જેમને માટે પોલીસવાળાની જરૂર ના હોય.

 

ભાગ
1-2 -3 - 4 - 5 - 6 - 7 - 8 - 9 - 10 - 11 - 12