ભાગ
1-2 -3 - 4 - 5 - 6 - 7 - 8 - 9 - 10 - 11 - 12



આપ્તવાણી શ્રેણી - ૫

અથડામણથી અટકણ

મેજિસ્ટ્રેટ સાહેબ ઘેર બાઈ જોડે બબ્બે મહિનાથી બોલતા ના હોય ને ત્યાં કોર્ટમાં સાત વરસની સજા ઠોકી બેસાડે ! અલ્યા, મોઢાં ચઢાવીને ઘરમાં શું ફરો છો ? નિકાલ કરી નાખો ને.

મારે કોઈ જોડે સહેજેય મતભેદ થયો નથી. શાથી એમ હશે ?

પ્રશ્નકર્તા : મતભેદ થાય એવું બોલીએ, ચાલીએ ને વર્તીએ નહીં, તો મતભેદ ના પડે.

દાદાશ્રી : મતભેદ એટલે શું ? અથડામણ. આમ સીધેસીધા જતા હોય અને વચ્ચે ઇલેક્ટ્રિકનો થાંભલો આવતો હોય તો તમારે સમજવું જોઈએ. આપણે એને કહીએ કે તું કોણ વચ્ચે અટકાવનાર, તો ? સામે ભેંસનો પુત્ર-પાડો આવતો હોય તો આપણે શું એને એમ કહેવું કે ખસી જા, ખસી જા !

પ્રશ્નકર્તા : એ ના ચાલે.

દાદાશ્રી : ત્યાં આપણે ખસી જવું જોઈએ. સાપ આવતો હોય તો ?

પ્રશ્નકર્તા : આ તો જાનવરોની દુનિયા થઈ.

દાદાશ્રી : આ જે જાનવરો કહું છું તેવાં મનુષ્યોય છે.

પ્રશ્નકર્તા : એ પારખવાં કેવી રીતે ?

દાદાશ્રી : સમજાય આપણને, એનાં શિંગડાં ઊંચાં કરે તો આપણે ના સમજી જઈએ કે આ પાડો છે ? એટલે આપણે ખસી જવું. અમને તો આવતાં પહેલાં ખબર પડી જાય. સુગંધી ઉપરથી ઓળખું એને. કેટલાક પથ્થર જેવા પણ હોય છે, થાંભલા જેવાય હોય છે.

પ્રશ્નકર્તા : ઘણાંને મોઢાં ઉપરથી ખબર પડી જાય ને ?

દાદાશ્રી : હા, ખરું. પણ જેને મોઢાં ઉપરથી ખબર પડે તેને પોતાનું થર્મોમીટર કેટલું 'કરેક્ટ' રાખવું પડે ?

પ્રશ્નકર્તા : પૂર્વગ્રહરહિત રાખવું પડે.

દાદાશ્રી : પૂર્વગ્રહરહિત જો માણસ થાય તો કલ્યાણ જ થઈ જાય. કાલે તમે મારી જોડે ઝઘડો કરી ગયા હો ને તો તમે બીેજે દહાડે આવો તો અમે કાલની વાત બાજુએ મૂકી દીધેલી હોય. પૂર્વગ્રહ રાખું તો એ મારી ભૂલ છે, પછી ભલેને તમે બીજે દહાડે એવા નીકળો તેનો વાંધો નથી. આ પૂર્વગ્રહને લઈને તો જગત માર ખાય છે અને તેથી તેને લઈને દોષો બેસે છે. તમે છો એવા માનતા નથી ને નથી એવા માનો છો ! તમે સામાને ગધેડો કહો તેની સાથે ભગવાનને હઉ ગધેડો કહો છો. તેથી સામાને ગધેડો કહેતાં પહેલાં વિચાર કરજો. અથડામણ હોવી જ ના જોઈએ. એનો ઉકેલ લાવવો જોઈએ. ઉકેલ વગર બેસી રહેવું એ 'વેસ્ટ ઓફ ટાઈમ એન્ડ એનર્જી' છે.

સ્થિતપ્રજ્ઞ ક્યારે કહેવાય ?

એક પંડિતે મને પૂછયું, 'સ્થિતપ્રજ્ઞ એટલે શું ?' હવે હું કંઈ પંડિત નથી. હું જ્ઞાની છું. તે પંડિતને વગર પારાએ ગરમી ચઢેલી હતી. મેં તેમને સમજાવ્યું કે તમે જ્યારે પારા વગરના થશો, ત્યારે સ્થિતપ્રજ્ઞ દશા થશે ! માટે આ પારો ઉતારો. પંડિત એ તો વિશેષણ. ઘણાં જણને હોય. પંડિત તો ઘણા હોય, એક દહાડો વિશેષણ વગરના થાઓ. હું વિશેષણ વગરનો થયેલો છું. એટલે લોકો મને જ્ઞાની કહે છે. બાકી હું તો જ્ઞાનીય નથી. હું તો વિશેષણ વગરનો 'નિર્વિશેષ પુરુષ' છું !

વિચારે કરીને કર્મો કપાય ?

પ્રશ્નકર્તા : કહેવાય છે કે આખું મોહનીય કર્મ વિચારથી ઉડાડી શકાય તેમ છે !

દાદાશ્રી : હા, પણ તે વિચાર 'જ્ઞાની પુરુષ'ની પાસેથી હોવા જોઈએ, પોતાના વિચારથી નહીં.

વિચારો બે પ્રકારના : એક સ્વચ્છંદી વિચારો અને બીજા 'જ્ઞાની પુરુષ'ની પાસેના વિચારો. 'જ્ઞાની પુરુષ'ને વારેઘડીએ દેખાડવા કે આવા વિચાર આવે છે, ત્યારે એ કહે કે આ 'કરેક્ટ' છે. તો આગળ ચાલવા દેવું, નહીં તો સ્વચ્છંદી વિચાર હોય તો ક્યાંય પહોંચી જાય. વિચારથી બધું ઊડી જાય. મારું બધું વિચારે કરીને ઊડી ગયું છે, આ જગતમાં કોઈ એવી વસ્તુ નથી, કોઈ એવો પરમાણુ નથી કે જેનો મેં વિચાર કર્યો ના હોય !

કર્મોની નિર્જરા-જ્ઞાનીઓની રીત !

પ્રશ્નકર્તા : જ્ઞાની હોય તે મોહનીય કર્મના જ્ઞાતા-દ્રષ્ટા રહે તો એ કર્મ ઊડી જાય ને ?

દાદાશ્રી : જ્ઞાતા-દ્રષ્ટા રહ્યા એટલે બધાંય કર્મ ઊડી જાય. બધો ચારિત્રમોહ ઊડી જાય. ખાલી શુદ્ધ ઉપયોગ જ રહે. 'હું શુદ્ધાત્મા છું' એનો ઉપયોગ રહેવો જોઈએ. આય શુદ્ધાત્મા છે, તેય શુદ્ધાત્મા છે. ગધેડાં, કૂતરાં, બિલાડાં, બધાં શુદ્ધાત્મા છે. ગજવું કાપનારોય શુદ્ધાત્મા છે.

આ દુષમકાળના જીવોની સમજણમાં મોહ અને મૂર્છા ભરેલાં છે. તેથી કૃપાળુદેવે આ કાળના જીવોને હત્પુણ્યશાળી કહ્યા ! તે લોકો આખો દહાડો ક્રોધ-માન-માયા-લોભ, રાગ-દ્વેષ કર્યા કરે ! બાપ-દાદા કરતા હતા તે રૂઢિ ચાલી આવતી હોય તે પ્રમાણે ધર્મ કરે. પણ તે સમજણપૂર્વકનું ના હોય. દરેકને પોતપોતાના ધર્મના પુદ્ગલનું આવરણ હોય. જૈનને જૈન પુદ્ગલ ને વૈષ્ણવને વૈષ્ણવ પુદ્ગલ મોક્ષે ના જવા દે. એ પુદ્ગલની નિર્જરા થશે તો કલ્યાણ થશે. મોક્ષમાં જૈન પુદ્ગલેય કામ લાગે નહીં ને બીજાં પુદ્ગલેય કામ લાગે નહીં. પ્રત્યેક પુદ્ગલનો નિકાલ કરવો પડશે.

પ્રશ્નકર્તા : મોક્ષના દ્વારમાં તો પુદ્ગલને દાખલ જ ક્યાં થવાનું છે ? ત્યાં તો આત્માને જ દાખલ થવાનું છે.

દાદાશ્રી : શુદ્ધાત્મપદ પ્રાપ્ત થયા પછી મોક્ષમાં દાખલ થઈ શકાય એમ છે. બીજા બધામાંથી રાગ-દ્વેષ ઊડી જાય એટલે રહ્યો તે ચારિત્રમોહ કહેવાય. એની નિર્જરા થઈ જાય કે મોક્ષ થઈ જાય !

પ્રશ્નકર્તા : કર્મની નિર્જરા કેવી હોય ?

દાદાશ્રી : તમે શુદ્ધાત્મામાં હો તો બધી કર્મની નિર્જરા જ છે - શું નિર્જરા થાય, એનું તમારે શું કામ છે ? રોજ સંડાસમાં તમે જો જો કરો છો કે આજે પીળો થયો કે કાળો થયો ? આય પણ એક નિર્જરા જ છે, દેહની એક જાતની નિર્જરા છે.

પ્રશ્નકર્તા : એ બરોબર છે, પણ નિર્જરા પૂરી ક્યારે થાય ?

દાદાશ્રી : પૂરી કરીને તમારે શું કામ છે તે ?

પ્રશ્નકર્તા : પછી ખબર પડે ને કે હવે મોક્ષ જલદી આવી ગયો.

દાદાશ્રી : એમ ઉતાવળ કરવા જાય ત્યાં બીજું ઝાંખરું વળગી જાય ! આ ઉતાવળનો માર્ગ નથી. આ તો જાગૃતિ રાખવાનો માર્ગ છે. શુદ્ધ ઉપયોગમાં રહો, તેનાથી એની મેળે જ નિર્જરા થયા જ કરશે. તમારે કશું જ કરવાનું નથી. તેથી તો અમે પણ એમ કહીએ છીએ કે અમારે મોક્ષે જવાની ઉતાવળ નથી. અમારે શેને ઉતાવળ હોય ? અહીં જ અમને મોક્ષ વર્તતો હોય, ત્યાં હવે બીજો ક્યો મોક્ષ જોઈએ છે ? અને પેલો મોક્ષ તો કાયદેસરનો છે. એ તો એની મેળે બોર્ડ ઉપર આવી જાય કે ત્રણ ને ત્રણ સેંકડે થશે ! આપણે ઉતાવળ કરવાની શી જરૂર ?

પ્રશ્નકર્તા : મોક્ષ એ નિશ્ચિત જ છે ?

દાદાશ્રી : ના, નિશ્ચિત ના માની લેશો. નિશ્ચિત હોય તો તો પછી બધાય નિરાંતે સૂઈ રહે. એવું નથી.

શુદ્ધ ઉપયોગે અબંધ દશા

'તમે શુદ્ધ ઉપયોગમાં જ રહો' એટલું અમે કહેવા માગીએ છીએ. બીજું કશું વિચારશો નહીં. આ દિવસ નથી કે હમણાં પૂરું થઈ જાય ! આ તો સંસાર છે. તમે તમારે ઉપયોગમાં રહેશો કે બધો હિસાબ છૂટી જશે ! આપણે વિચારમાં પડીએ કે 'ક્યારે પૂરું થશે ?' એટલે બીજું ભૂત પેસી જશે. આપણે શેને માટે ઉતાવળ છે ?

અમારે ચારિત્ર મોહ બહુ જૂજ હોય અને તમારે ઢગલાબંધ હોય. પણ તમારેય દહાડે દહાડે ઓછો જ થતો જાય છે. ચારિત્રમોહ જાય છે. એ મુક્તિ આપીને જ જાય છે.

પાંચ લાખ ચારિત્રમોહના મહેમાન હતા, એમાંથી હમણાં પાંચસો ગયા, તે પાંચસો ઓછા થયા, પછી ફરી પાંચસો ગયા, ફરી પાંચસો ગયા એમ ઓછા જ થતા જાય છે. પછી પાંચ લાખના ચાર લાખ થશે. પછી ત્રણ લાખ, પછી બે લાખ એમ કરતું કરતું ખલાસ થઈ જવાનું. આપણે પછી ગણ્યા કરીએ કે કેટલા રહ્યા, કેટલા રહ્યા તે આપણે ગણીને શું કામ છે ? શુદ્ધ ઉપયોગમાં રહ્યા કે સંવર સાથે નિર્જરા થયા જ કરે.

પ્રશ્નકર્તા : આનો અર્થ એમ કે જેટલા શુદ્ધ ઉપયોગમાં વધારે રહો એટલી વધારે નિર્જરા થાય ?

દાદાશ્રી : શુદ્ધ ઉપયોગ જ કામ કરવાનું છે. તમારો ધર્મ શુદ્ધ ઉપયોગ છે. એ જેટલો ચૂકો એટલો તમને માર પડે અને અમે જે પાંચ આજ્ઞાઓ આપી છે તે શુદ્ધ ઉપયોગમાં રાખવાના હેતુ માટે જ છે. પાંચ આજ્ઞા પાળી એનું નામ જ શુદ્ધ ઉપયોગ. એમાંથી એક પાળીએ તોય એ શુદ્ધ ઉપયોગ જ છે. પાંચમાંથી એક તમારાથી ના પળાય ?

પ્રશ્નકર્તા : દાદા, આમાં એવું છે ને એક પાળો ને તોય પાંચે પળાય જાય છે.

દાદાશ્રી : તે તો ઊલટું સારું ને ? એક પાળી તો પાંચનો લાભ થાય. આ તો બહુ સહેલું ને સરળ છે. કશી મુશ્કેલી નથી. માથે કોઈ વઢનાર નથી. નહીં તો માથે પેલા ગુરુ મહારાજ હોય તે તો તેલ કાઢી નાખે ! સવારથી ઊઠ્યા ત્યારથી આપણને ઝાપટ ઝાપટ કર્યા કરે !

કર્મનું આયોજન - ક્રિયા કે ધ્યાન ?

પ્રશ્નકર્તા : હાલમાં જે ભોગવાય છે એમાં આપે કહ્યું કે આયોજન છે. એમાં ક્રિયમાણ પણ હોય ને સંચિત પણ હોય તો એ કર્મ ને કારણનું આયોજન કેવી રીતે સમજવું ?

દાદાશ્રી : એ આયોજન આપણી ક્રિયા ઉપર આધારિત નથી હોતું. આપણા ધ્યાન ઉપર આધાર રહે છે. તમે ચંદુભાઈના દબાણથી પાંચ હજાર રૂપિયા ધર્માદામાં આપો તે તમે આપો ખરા, પણ તમારું ધ્યાન વાસ્તવિક નહોતું.

પ્રશ્નકર્તા : બહુ ઇચ્છા નહોતી.

દાદાશ્રી : ના, ઇચ્છા નહીં એમ નહીં. ઇચ્છાની જરૂર જ નથી. ઇચ્છામાં કર્મ બંધાતાં નથી. ધ્યાન ઉપર આધાર છે. ઇચ્છા તો હોય કે ના પણ હોય. પૈસા આપતી વખતે મનમાં એમ હોય કે આ ચંદુભાઈ ના હોત તો હું આપત જ નહીં. એટલે ઊલટું તમે દાન આપીને જનાવરમાં જશો - આ રૌદ્રધ્યાન બાંધ્યું તેથી.

પ્રશ્નકર્તા : ધ્યાન શેના પર આધારિત છે ?

દાદશ્રી : ધ્યાન તો તમારા ડેવલપમેન્ટ ઉપર આધાર રાખે છે. તમને જે જ્ઞાનનું 'ડેવલપમેન્ટ' થયેલું છે, તેના પર આધાર રાખે છે.

તમે ખરાબ કરશો પણ અંદર ધ્યાન ઊંચું હોય તો તમને પુણ્ય બંધાશે. શિકારી હરણું મારે, પણ મહીં ખૂબ પસ્તાવો કરે કે 'આ મારે ભાગે ક્યાં આવ્યું ? આ બૈરાં-છોકરાં માટે મારે આ નાછૂટકે કરવું પડે છે !' તો તે ધ્યાન ઊંચું ગયું કહેવાય. 'નેચર' (કુદરત) ક્રિયા નથી જોતી. તે વખતનું તમારું ધ્યાન જુએ છે. ઇચ્છા પણ નથી જોતી.

કોઈ માણસે તમને લૂંટી લીધા તે વખતે તમારા મનના ભાવો બધા રૌદ્ર થઈ જાય. અંધારામાં આવા ભાવો થાય ને શુદ્ધ પ્રકાશ હોય ત્યાં કેવા ભાવ થાય ? 'વ્યવસ્થિત' કહીને ભાવાભાવ થયા વગર આગળ ચાલવા માંડે !

ધર્મ, અર્થ, કામ અને મોક્ષ

પ્રશ્નકર્તા : ધર્મ, અર્થ, કામ અને મોક્ષ - આ જીવનનાં ચાર પદો જરા સમજાવો.

દાદાશ્રી : અર્થ એટલે આપણા લોકો સાંસારિક સ્વાર્થ કહે છે તે. ત્યાંથી માંડીને ઠેઠ પરમાર્થ સુધીનો અર્થ એ અર્થ છે. ઠેઠ પરમાત્મા સુધી અર્થ રહે છે.

પરમાર્થનો અર્થ શો ? આત્મા સંબંધી જ જ્યાં સ્વાર્થ છે, બીજો કોઈ સ્વાર્થ જ નથી, આત્મા સિવાય સંસાર સંબંધી કોઈ સ્વાર્થ જ નથી એ પરમાર્થ કહેવાય. અને આત્મા સંબંધી સ્વાર્થી તો 'જ્ઞાની પુરુષ' હોય.

અર્થ પછી જે સ્વાર્થમાં લઈ જાય છે તે વખતે તે સકામમાં પરિણામ પામે છે અને જ્યારે અર્થ પરમાર્થમાં જાય છે ત્યારે નિષ્કામમાં પરિણામ પામે છે. એનો એ જ કામ મોક્ષે લઈ જાય છે ને એનો એ જ કામ સંસારમાં રખડાવે છે.

ધર્મમાંય એનો એ જ ધર્મ સંસારમાં રખડાવે છે ને એનો એ જ ધર્મ મોક્ષે લઈ જાય છે.

પ્રશ્નકર્તા : ધર્મની વ્યાખ્યા શું ?

દાદાશ્રી : આ સંસારમાં રખડાવે એ શુભ ધર્મ છે અને મોક્ષે લઈ જાય એ શુદ્ધ ધર્મ છે.

ધર્મનું નામ કેમ પડ્યું ? ત્યારે કહે કે અધર્મ હતો માટે ધર્મ પડ્યું. એટલે આ ધર્માધર્મ છે. સંસારના ધર્મિષ્ઠ પુરુષો શું કરે ? અધર્મના વિચારો આવે તેને આખો દહાડો ધક્કા માર માર કરે. અધર્મને ધક્કા મારવા એને ધર્મ કહ્યો.

પ્રશ્નકર્તા : ધર્મનું પાલન કરે તો અધર્મ 'ઓટોમેટિકલી' નીકળી જાય ને ?

દાદાશ્રી : ધર્મ બે પ્રકારના છે. એક સ્વાભાવિક ધર્મ અને બીજો વિશેષ ધર્મ છે. જ્યારે શુદ્ધાત્મા પ્રાપ્ત થાય ત્યારે સ્વાભાવિક ધર્મમાં આવે. સ્વાભાવિક ધર્મ જ ખરો ધર્મ છે, એ ધર્મમાં કશું 'વીણવાનું' છે જ નહીં. વિશેષધર્મમાં બધું વીણવાનું છે.

લૌકિક ધર્મ કોને કહેવાય ? દાન આપવું, લોકોની ઉપર ઉપકાર કરવો, 'ઓબ્લાઇજિંગ નેચર' કરવો, લોકોની સેવાઓ કરવી, એ બધાને ધર્મ કહ્યો. એનાથી પુણ્ય બંધાય અને ગાળો ભાંડવાથી, મારામારી કરવાથી, લૂંટી લેવાથી પાપ બંધાય. પુણ્ય અને પાપ જ્યાં છે, ત્યાં સાચો ધર્મ જ નથી. પુણ્ય-પાપથી રહિત સાચો ધર્મ છે. જ્યાં પુણ્ય-પાપને હેય ગણવામાં આવે છે અને ઉપાદેય પોતાનું સ્વરૂપ ગણવામાં આવે છે એ 'રિયલ' ધર્મ છે. એટલે આ 'રિયલ' અને 'રિલેટિવ', બન્ને ધર્મ જુદા છે.

અર્થ સાંસારિક સ્વાર્થમાં પરિણમે તેનું નામ અધર્મ અને આત્મિક સ્વાર્થમાં પરિણામ પામે તેનું નામ ધર્મ કહેવાય. એવું જ સકામ અને નિષ્કામનું છે.

પ્રશ્નકર્તા : ધર્મ વગર કોઈ જીવ રહી શકે ખરો ?

દાદાશ્રી : કોઈ જીવ ધર્મની બહાર હોતો જ નથી. ધર્મમાં હોય કે અધર્મમાં હોય, એ સિવાય ના હોય.

પ્રશ્નકર્તા : કેટલાક ઈશ્વરને માનતા નથી ને ?

દાદાશ્રી : આ જગતમાં ઇશ્વરને ના માનવાવાળાઓને આપણે નાસ્તિક કહેવા નહીં. એમને નાસ્તિક કહેવું એ ભયંકર ગુનો છે. એનું શું કારણ ? જેને 'હું છું' એવું પોતાના અસ્તિત્વનું ભાન છે એ બધા આસ્તિક કહેવાય અને ધર્મ બધા જુદી જુદી રીતે હોય છે. કોઈ નીતિનું પ્રમાણ માને, કોઈ સત્યનું પ્રમાણ માને, કોઈ મનુષ્યોને બચાવવાનું પ્રમાણ માને, એ પણ એક ધર્મનું પગલું જ છે. કંઈ મંદિરો બંધાવવાં એનું નામ જ ધર્મ એવું નથી. જે પૂર્ણ નીતિપરાયણ છે તે કોઈ દહાડો મંદિરમાં દર્શન કરવા ના જાય તોય ચાલે. તેને બીજા કશાની જરૂર નથી. પ્રામાણિકતા તો મોટામાં મોટું ધર્મનું સાધન છે. પ્રામાણિકતા ને નીતિ જેવું મોટું બીજું ધર્મમાં સાધન જ નથી. આ તો નીતિ, પ્રામાણિકતા જેવું કશું નથી રહેતું, એટલે પછી પોતે ધર્મમાં જઈને, મંદિરમાં જઈને, 'હે પ્રભુ ! હું કપડું ખેંચીને વેચું છું પણ મને માફ કરજો', એમ કહે. આ વેપારીઓ કપડું વેચતી વખતે ખેંચે છે તે શા માટે ખેંચે છે ? હું એમને પૂછું છું કે આ ભગવાનની ભક્તિ કરો છો ને પાછા આ કપડું શા માટે ખેંચો છો ? ત્યારે એ કહે કે, 'બધા ખેંચે છે એટલે હુંય ખેંચું છું.' મેં કહ્યું 'બધા તો કૂવામાં પડશે, તમે પડશો ? તમે ખેંચો છો શા માટે ?' ત્યારે વેપારી કહે, 'ચા

લીસ મી

ટર કાપડ આપીએ તેમાં ખેંચી ખેંચીને આપીએ તો પા મીટર વધે છે !' અલ્યા, આ ખેંચવાની કસરત શા માટે કરે છે ? અલ્યા, આ તો વારેવારે તું રૌદ્રધ્યાન કરે છે ! તારી શી દશા થશે ? મહાવીરની સભામાં બેસતાં મેં તને જોયેલો હતો. મહાવીરની સભામાં બેઠેલા તે લોકો જ અહીં આગળ અત્યારે કપડાં ખેંચાખેંચ કરે ને તોય આ લોકોને મોક્ષે જવાનો વારો આવતો નથી. આ તો ચટણી હારુ બેસી રહ્યા છે. આખા થાળ માટે કંઈ આ લોક બેસી નથી રહ્યા.

પ્રશ્નકર્તા : સત્ય, અહિંસા, પ્રામાણિકતા આ બધા જે દિવ્ય ગુણો છે. એમાંથી એકાદ ગુણની ઉપાસના કરે તો એવું ખરું કે બાકીના 'ઓટોમેટિક' આવી જાય ?

દાદાશ્રી : એક પકડી લે એટલે બધા આવી જાય. એકને પકડી બેસી જાય એટલે બધું જ આવી જાય !

છૂટવાનો કામી

પ્રશ્નકર્તા : શ્રદ્ધાથી માનવી જીવનમાં ટકી શકે છે ? તે કેવી રીતે ?

દાદાશ્રી : આપણે એક સ્ટીમરમાં બેઠા, પછી કોઈને મનમાં એવો વહેમ પડ્યો કે આ સ્ટીમર ડૂબે એવી છે, તો આપણે ઊતરી પડીએ અને શ્રદ્ધા બેસે તો ? તો પછી બેસી રહો કે ના બેસી રહો ? કેમ લાગે છે તમને ? શ્રદ્ધા ના બેસે તો તરત જ ઊઠી જાય.

પ્રશ્નકર્તા : ઘણી વાર અમે શ્રદ્ધા રાખીને કામ કરતા હોઈએ છીએ, પણ એમાં અમને મુશ્કેલી જ આવે છે.

દાદાશ્રી : એ શ્રદ્ધા નથી, એ વિશ્વાસ છે. વિશ્વાસમાં મુશ્કેલી આવે, શ્રદ્ધામાં ના આવે.

પ્રશ્નકર્તા : મારે એવું થયું છે.

દાદાશ્રી : શ્રદ્ધા ને વિશ્વાસ બે જુદી વસ્તુ છે. શ્રદ્ધા 'બિલીફ'ને આધીન છે. વિશ્વાસ આવે ત્યાં એનો વિશ્વાસઘાત પણ થઈ શકે !

આ જગત જ આખું 'બિલીફ'ના આધારે ચાલી રહ્યું છે. પણ આ જગતમાં દુઃખ કેમ છે ? કારણ કે એને 'રોંગ બિલીફો' મળી છે અને જો 'રાઈટ બિલીફ' હોત તો આ જગતમાં દુઃખ હોત જ નહીં ! જીવ માત્ર બિલીફ, માન્યતા ઉપર જ છે. આમાં મનુષ્ય સિવાય ઇતર જીવો તો આશ્રિત જ છે. દેવલોકો, જાનવર બધાં આશ્રિત જ છે. મનુષ્ય એકલો જ નિરાશ્રિત છે.

પ્રશ્નકર્તા : આ મનુષ્યો નિરાશ્રિત છે એ કેવી રીતે ? આ દેવલોકો આશ્રિત છે એ કેવી રીતે ?

દાદાશ્રી : મનુષ્યો એકલા જ નિરાશ્રિત છે. મનુષ્ય સિવાય બીજો કોઈ જીવ, દેવલોકો પણ, 'હું કર્તા છું' એવું ભાન ધરાવતો નથી અને જ્યાં કર્તા થયો ત્યાં ભગવાનનું આશ્રિતપણું છૂટી જાય છે. ભગવાન શું કહે છે ? 'ભાઈ, તું કરી લે છે તો તું છૂટો ને હું છૂટો !' પછી ભગવાનને ને તમારે શી લેવાદેવા ? તમે પાછા થાકો, કંટાળો એટલે મહાવીર ભગવાનની મૂર્તિ કે કૃષ્ણ ભગવાનની મૂર્તિ આગળ બેસીને માથાં ફોડો છો. પછી ત્યાં કોઈ બાપોય આશ્રિત તરીકે સ્વીકારે નહીં.

કર્તાપણાની 'રોંગ બિલીફ' તૂટશે તો જ તમે આશ્રિત છો, સર્વસ્વ છો ! પણ 'રોંગ બિલીફ' છૂટે નહીં ને ?

પ્રશ્નકર્તા : 'દાદા' છોડાવે ને ?

દાદાશ્રી : એ તો છૂટવું હોય તેને છોડાવે. જેને છૂટવું જ ના હોય તેને શી રીતે છોડાવે ? કારણ કે ભગવાનને ઘેરેય કાયદો છે. ભગવાનનો શો કાયદો છે ? જેને છૂટવું હોય તેને ભગવાન ક્યારેય બાંધતા નથી અને જેને બંધાવું હોય તેને ક્યારેય છોડતા નથી ! હવે જગતમાં લોકોને પૂછવા જઈએ કે તમારે બંધાવું છે કે છૂટવું છે ?

પ્રશ્નકર્તા : આપણને કઈ રીતે સમજાય કે બંધાવું છે કે છૂટવું છે ?

દાદાશ્રી : બંધાવાનાં કારણોનું સેવન કરે છે કે છૂટવાનાં કારણોનું સેવન કરે છે તેના પરથી સમજાય. છૂટવાનાં કારણો સેવે તેને છૂટવાના સંયોગ મળે. ત્યાં એને ભગવાન 'હેલ્પ' જ કર્યા કરે છે અને જે બંધાવાનાં કારણો સેવે છે તેનેય ભગવાન 'હેલ્પ' કર્યા કરે છે. ભગવાનનું તો 'હેલ્પ' જ કરવાનું કામ ને !

પ્રશ્નકર્તા : 'હેલ્પ' કરે એમાં ભગવાનનો પક્ષપાત ખરો ? મદદ કરવા જેટલો પક્ષપાત ખરો ?

દાદાશ્રી : મદદ ભગવાન પોતે કરતા નથી, આ કુદરતી રચના છે બધી-સ્વતંત્ર; 'સાયન્ટિફિક સરકમસ્ટેન્શિયલ એવિડન્સ' છે. કારણ કે જીવ માત્ર સ્વતંત્ર છે. સ્વતંત્ર એટલે કુદરત એની હેલ્પમાં જ હોય. પોતે કહેશે કે મારે ચોરી કરવી છે તો ચંદ્ર, તારા, બધું હાજર હોય. ભગવાન તો આમાં ખાલી 'લાઈટ' આપવાનું જ કામ કરે છે. આમાં મૂળ ચોરી કરવાનો ભાવ પોતાનો છે. કુદરત તેને તેની પુણ્યૈ જ્યાં ખર્ચાવી હોય ત્યાં હેલ્પ કરે છે, એટલે કે એને બધા સંયોગો ભેગા કરી આપે છે. ભગવાન આમાં ફક્ત 'લાઈટ' જ આપ્યા કરે છે.

ભક્તિ, યોગ ને ધ્યાન

પ્રશ્નકર્તા : ગીતામાં કહ્યું છે કે પૃથ્વી પર પાપનો ભાર વધી જાય છે ત્યારે એનો નાશ કરવા માટે 'હું' જન્મ લઉં છું, તે 'હું' કોણ ?

દાદાશ્રી : એને જ આત્મા કહે છે, હું એટલે કૃષ્ણ નહીં. 'હું' એટલે જ આત્મા. નિયમ એવો છે કે જ્યારે જ્યારે પૃથ્વી ઉપર પાપનો ભાર વધે ત્યારે કોઈ મહાન પુરુષનો જન્મ થઈ જ જાય. એટલે યુગે યુગે મહાન પુરુષનો જન્મ થાય છે.

પ્રશ્નકર્તા : એવું કહે છે કે શ્રીકૃષ્ણ ભગવાને રાસલીલા કરી હતી, તેનું શું કારણ ?

દાદાશ્રી : ભગવાન રાસલીલા રમ્યા જ નથી. તમને કોણે કહ્યું કે ભગવાન રાસલીલા રમ્યા હતા ? એ તો બધી વાતો છે. કૃષ્ણ તો મહાન યોગેશ્વર હતા. એમને રાસલીલામાં લોકોએ લાવી દુરુપયોગ કર્યો.

કૃષ્ણનું બે રીતે આરાધન કરવામાં આવે છે. બાળમંદિરના મનુષ્યો છે, એમણે બાળકૃષ્ણનાં દર્શન કરવાં અને વૈકુંઠમાં જવું હોય એણે યોગેશ્વર કૃષ્ણનાં દર્શન કરવાં. આ બે રીતોમાં તમારે શું જોઈએ ?

પ્રશ્નકર્તા : ભક્તિ, ધ્યાન એ નશો છે ?

દાદાશ્રી : હા.

પ્રશ્નકર્તા : તો પછી નશાવાળું જીવન જીવવું સારું કે કુદરતી !

દાદાશ્રી : કુદરતી જીવન જીવવાનું હોય તો બહુ જ સરસ. આ કુદરતી બધું રાખ્યું છે જ ક્યાં ? આ કુદરતે બહુ જ સુંદર કર્યું છે ! કુદરતી થાય તો જ પ્રગતિ છે, નહીં તો પ્રગતિ નથી !

પ્રશ્નકર્તા : કુંડલિનીનું જે ધ્યાન કરીએ છીએ તે ઊઘાડી આંખે કરીએ તે સારું કે બંધ આંખે કરીએ તે સારું ?

દાદાશ્રી : એવું છે કે ધ્યાન તમે ઊઘાડી આંખે કરશો તોય બંધન છે ને બંધ આંખે કરશો તોય બંધન છે. કુંડલિનીનું ધ્યાન કરવાનું નથી. ધ્યાન પોતાના સ્વરૂપનું કરવાનું છે. કુંડલિની તો એમાં સાધન છે. સાધનનો ઉપયોગ લેવાનો છે. પોતાના સ્વરૂપની રમણતા ઉત્પન્ન થઈ ગઈ એનું નામ મુક્તિ.

પ્રશ્નકર્તા : સાંખ્યયોગ કેવી રીતે પ્રાપ્ત થાય ?

દાદાશ્રી : એકલું સાંખ્ય એ એક પાંખવાળું કહેવાય. તેનાથી ઊડી ના શકાય. એટલે સાંખ્ય ને યોગ, એ બે પાંખે ઉડાય ! યોગ વગર, માનસિક પૂજા વગર આગળ વધાય શી રીતે ? માનસિક પૂજા બધું ગોઠવ્યું છે, તે કેવી સરસ ગોઠવણી છે !

આ સાંખ્ય એટલે જ્ઞાન જાણવું જોઈએ. દેહના ધર્મ, મનના ધર્મ, બુદ્ધિના ધર્મ, આત્માના ધર્મ એ બધું જાણવું જોઈએ. એનું નામ સાંખ્ય કહેવાય અને યોગ વગર સાંખ્ય પામી શકાય નહીં. માટે યોગ, અહીં માનસિક પૂજા (ગુરુ મહારાજની) કે જેના આધારે તમે ચઢવા માગો છો, એનો આધાર લેવો પડે, અવલંબન લેવું પડે, તો આગળ કામ વધે.

પ્રશ્નકર્તા : શિવની ઓળખાણ શી છે ? શિવ ક્યાં છે ?

દાદાશ્રી : કલ્યાણ સ્વરૂપ થયેલો હોય, તે પુરુષ શિવ કહેવાય.

પ્રશ્નકર્તા : નિર્વિચાર અને નિર્વિકલ્પ, એ બેમાં ફેર શો ?

દાદાશ્રી : બહુ ફેર. નિર્વિચાર એટલે વિચારરહિતપણું અને નિર્વિકલ્પ એટલે વિકલ્પરહિતપણું. વિચાર ખલાસ થઈ ગયા એટલે શૂન્ય થઈ ગયો. વિચારશૂન્ય બાવા થઈ જાય, કેટલાક માણસોય થઈ જાય. વિચારો કરવાનું બંધ રાખે પછી વિચારોનું ધ્યાન ના આપે. એટલે પછી દહાડે દહાડે વિચારશૂન્ય એટલે પથરા જેવો થઈ જાય. આમ ઉપરથી રૂપાળો બંબ જેવો દેખાતો હોય, શાંત મૂર્તિ લાગે, પણ મહીં જ્ઞાન ના હોય !

પ્રશ્નકર્તા : નિર્વિકલ્પનો અર્થ કેટલાક નિર્વિચાર કરે છે.

દાદાશ્રી : 'જ્ઞાની' સિવાય નિર્વિકલ્પ હોય જ નહીં. નિર્વિચારી ઘણા હોઈ શકે. વિચારશૂન્યતામાંથી ફરી પાછી એને વિચારની ભૂમિકા ઉત્પન્ન કરવી પડશે. મન વિચાર કરતું બંધ થઈ જાય એટલે બધું 'સ્ટેન્ડસ્ટીલ' થઈ જાય. એટલે કૃપાળુદેવે એવું કહ્યું છે કે 'કર વિચાર તો પામ'. એટલે વિચાર તો ઠેઠ સુધી જોઈશે અને 'પામ્યા' પછી વિચારની જરૂર નથી પાછી. પછી વિચારો જ્ઞેય થાય અને પોતે જ્ઞાતા થયો.

પ્રશ્નકર્તા : મહાવીર સ્વામીએ છેલ્લી દેશના આપી, તો તે વખતે પણ એમને વિચાર તો હતા જ, એવો અર્થ થાય ને ?

દાદાશ્રી : ભગવાન મહાવીરને પણ ઠેઠ સુધી વિચાર રહેવાના. પણ તેમના વિચાર કેવા હોય કે સમયે સમયે એક વિચાર આવે ને જાય. એને નિર્વિચાર કહી શકાય. આપણે લગ્નમાં ઊભા હોઈએ ત્યારે બધા 'જે જે' કરવા આવે છે ને. 'જે જે' કરીને આગળ ચાલવા માંડે. એટલે એક કર્મનો ઉદય થયો અને તેનો વિચાર આવે પછી એ કર્મ જાય, પછી પાછું બીજું કર્મ ઉદયમાં આવે. આમ ઉદય અને અસ્ત થયા કરે. કોઈ જગાએ અટકે નહીં. એમની મનની ગ્રંથિ બધી ખલાસ થઈ ગયેલી હોય. એટલે એમને વિચાર હેરાન ના કરે ! અમને પણ વિચાર હેરાન ના કરે !

વિચાર એ તો મનનો ધર્મ છે. એક વિચાર આવે ને જાય અને કશું અડે નહીં, એને મનોલય જ કહેવાય. મનનું તોફાન ના હોય. મન બગીચા જેવું લાગે, ઉનાળામાં ફુવારા ઊડ્યા કરતા હોય એવું લાગે અને નિર્વિકલ્પ તો બહુ ઊંચું પદ છે. કર્તાપદનું ભાન તૂટ્યું એ નિર્વિકલ્પ થયો. દેહાધ્યાસ જાય પછી નિર્વિકલ્પ પદ થાય.

પ્રશ્નકર્તા : સમાધિ અને સુષુપ્ત અવસ્થા વિશે કહો.

દાદાશ્રી : આજે આપણા દેશમાં જે સમાધિ માને છે તે સુષુપ્ત અવસ્થાને જ સમાધિ કહે છે. કેટલાક મહાત્માઓ મનના 'લેયર્સ'માં ઊંડા ઊતરી જાય છે. કોઈ બુદ્ધિના 'લેયર્સ'માં ઊતરી જાય છે. તે વખતે બહારનું ભાન ભૂલે છે. એને લૌકિક સમાધિ કહેવાય.

સમાધિ કોનું નામ કહેવાય ? અખંડ જાગૃતિપૂર્વકની સમાધિ એનું નામ સમાધિ ! શરીર ઉપર ધૂળની એક રજકણ પણ પડી હોય તો ખબર પડી જાય, એનું નામ સમાધિ કહેવાય. આપણા લોકો 'હેન્ડલ' મારીને સમાધિ કરવા જાય છે. એને સમાધિ ના કહેવાય. એ 'કલ્ચર્ડ' સમાધિ કહેવાય. સાચી સમાધિ મને નિરંતર રહે છે. આધિ, વ્યાધિ, ઉપાધિની મહીં પણ સમાધિ રહે, એનું નામ સાચી સમાધિ ! અત્યારે મને જેલમાં લઈ જવા પકડી જાય તોય મારી સમાધિ જાય નહીં ! એની એ જ દશા રહે ! અહીં મુક્ત છે તેમાંય સમાધિ છે, ત્યાં જેલમાંય સમાધિ છે.

પ્રશ્નકર્તા : ધ્યાન કરવાથી પ્રકાશનો અનુભવ થાય છે, એ માનસિક હોય છે કે ખરેખર ?

દાદાશ્રી : એ પ્રકાશ જ ન હોય. એ તો કલ્પના છે. આ બધી કલ્પનાને જ સત્ય માન્યું છે.

હું ૧૭-૧૮ વર્ષનો હતો ત્યારે આંખ દબાવીને મેં એક પ્રયોગ કરેલો. તે મોટો ઝબકારો થયો ને અજવાળું અજવાળું દેખાયું ! હું વિચારમાં પડ્યો કે આ શું થયું ! પછી મને સમજાયું કે આ તો આંખનું લાઈટ જતું રહ્યું.

જે ભૌતિક છે એ કોઈ દહાડોય આત્મા થવાનો નથી, જે આત્મા છેે એ કોઈ દહાડોય ભૌતિક થવાનો નથી. બન્ને નિરાળી જ વસ્તુઓ છે !

પ્રશ્નકર્તા : નિર્ગુણ એટલે શું ?

દાદાશ્રી : નિર્ગુણ એટલે જ્યાં આગળ પ્રકૃતિનો એક પણ ગુણ રહ્યો નથી તે અને સગુણ એટલે દેહધારીરૂપે પરમાત્મા આવ્યા હોય તે સગુણ પરમાત્મા કહેવાય.

પ્રશ્નકર્તા : મોક્ષનો રસ્તો શો ?

દાદાશ્રી : તમે બંધાયેલા છો એવું તમને લાગે છે ? જેલમાં પુરાયેલો હોય તેને મુક્તિ જોઈએ.

પ્રશ્નકર્તા : બંધન તો છે જ ને !

દાદાશ્રી : બંધનમાં શું શું લાગે છે ?

પ્રશ્નકર્તા : અત્યારે તો આ સંસાર સારો સારો લાગે છે.

દાદાશ્રી : કડવો નથી લાગતો ?

પ્રશ્નકર્તા : ઊંડાણમાં જઈએ તો કડવો લાગે.

દાદાશ્રી : આટલી બધી કડવાશ લાગે છે, તોય કેવો આ જીવનો સ્વભાવ છે ? તે પાછો કેરી કાપીને ખાઈને સૂઈ જાય ! અલ્યા, હમણાં તો બીબી જોડે લડ્યો હતો ને પાછો શું જોઈને કેરી ખાય છે ? લડવાડ થાય ને બીબી કેરી કાપીને આપે તે શા કામની ? એક ફેર લડવાડ થાય તે શા કામનું ? તમે ચલાવી લો છો કે નથી ચલાવી લેતા ? પછી તમે લડો તો એય ચલાવી લે. પછી શું કરે તે ? બેઉ 'મેજિસ્ટ્રેટ'!

પ્રશ્નકર્તા : મનુષ્યજીવનનો મુખ્ય હેતુ સાધવાનો માર્ગ કયો ?

દાદાશ્રી : આ મનુષ્યજીવન એટલા માટે જ મળેલું છે કે અહીંથી આપણી મુક્તિ થાય, ભગવાનની પ્રાપ્તિ કરી શકાય. મનુષ્યગતિમાંથી જ મુક્તિ થાય છે. અનંત અવતારથી આપણે પ્રયત્નો કર્યા કરીએ છીએ, પણ સાચો માર્ગ મળતો નથી. સાચો માર્ગ મળે તો મનુષ્ય અવતારમાંથી મુક્તિ થાય એવું છે. બીજા કોઈ અવતારમાં મુક્તિ ના થાય, મનુષ્ય અવતારમાં અજ્ઞાનની મુક્તિ થાય, સદેહે મુક્તિ થાય.

આ મનુષ્યજીવનનો હેતુ છે એ સાધવાનો માર્ગ, 'જ્ઞાની પુરુષ' આપણને મળે, તો પ્રાપ્ત થાય. ને આપણું બધી જાતનું કામ નીકળી જાય.

અસંયોગી એ જ મોક્ષ

પ્રશ્નકર્તા : અમારે મોક્ષ નથી જોઈતો, પણ સંયોગ રહિત થવું છે.

દાદાશ્રી : એટલે સંયોગ જ્યાં હોય ત્યાં વિયોગ હોય જ. તમે આમ ઊંધી કાનપટ્ટી પકડાવો છો !

આત્માને કોઈ સંયોગ ભેગો ના થાય એટલે મોક્ષ થઈ ગયો ! આ તો સ્થૂળ સંયોગો, સૂક્ષ્મ સંયોગો અને વાણીના સંયોગો ભેગા થયા જ કરે અને એ સંયોગો પાછા વિયોગી સ્વભાવના છે. વિયોગી વસ્તુ કોઈ બીજી નથી. એટલે તમારે સંયોગો એકલાની ચિંતા કરવાની કે સંયોગો ભેગા ના થાય ! સંયોગો એકલા ભેગા ના થાય તો બહુ થયું. એટલા માટે ભગવાને કહ્યું છે કે, ''એગો મે સાશઓ અપ્પા....

તમ્હા સંજોગ સંબંધમ્, સવ્વમ્ તિવિહેણ વોસરિયામિ...''

એવું તમારે સંજોગ વોસરાવી દેવા છે અને પાછું મોક્ષ જોઈતો નથી, એવું બોલો છો !

પ્રશ્નકર્તા : ધર્મ પ્રત્યે માણસને આકર્ષણ થતું નથી, થોડો વખત થાય ને પાછો છોડી દે છે, ને પાછો ધર્મ તરફ જાય છે, એવું કેમ ?

દાદાશ્રી : આ જગતમાં એકલું આકર્ષણ નથી. આકર્ષણ ને વિકર્ષણ બન્ને છે, એ દ્વન્દ્વરૂપ છે. આ જગત જ દ્વન્દ્વરૂપ છે. એકલું આકર્ષણ કે એકલું વિકર્ષણ ના હોય, નહિ તો ફરી આકર્ષણ થાય જ નહિ અને ધર્મનું એકલું આકર્ષણ હોય તોય લોકો કંટાળી જાય, કારણ કે આ સંસારમાં જે ધર્મ ચાલે છે તે યથાર્થ ધર્મ નથી, ભ્રાંતિધર્મ છે.

પ્રશ્નકર્તા : પણ આ ભ્રાંતિ ધર્મ જરૂરનો છે ને ?

દાદાશ્રી : હા, 'ડેવલપ' થવા માટે જરૂરનો છે. ખંડાઈ ખંડાઈને આગળ વધવાનું છે. જેમ ખંડાય, પીસાય તેમ બુદ્ધિ વધે. જેમ બુદ્ધિ વધે તેમ બળાપો વધતો જાય એટલે સ્વધર્મનું શરણું ખોળે.

સાચી સામાયિક

પ્રશ્નકર્તા : દાદા, શાસ્ત્રો વાંચતાં થાક લાગે, સામાયિક કરતાં થાક લાગે, પ્રતિક્રમણ કરતાં થાક લાગે, પૂજા કરતાં થાક લાગે, થાક લાગે તો શું કરવું ?

દાદાશ્રી : ભગવાને સામાયિક કોને કહ્યું ? જેને આર્તધ્યાન ને રૌદ્રધ્યાન ના થાય તેને આખોય દહાડો સામાયિક છે, એમ કહ્યું છે ! મહાવીર ભગવાન કેટલા ડાહ્યા છે ! તમને કશી જ મહેનત કરવાની ના રાખે. અને આ લોકોનું એકુંય સામાયિક ભગવાન 'એક્સેપ્ટ' ના કરે, આર્તધ્યાન ને રૌદ્રધ્યાન એક ગુંઠાણાં માટે, અડતાલીસ મિનિટ માટે બંધ થવાં જોઈએ. 'હું ચંદુભાઈ છું' કરીને સામાયિક કરે, જેમ આ લીમડાને કાપી નાખીએ તોય ફરી ફૂટે, તોય તે કડવો જ રહે ને ?! કેમ કાપ્યા પછી મહીં ખાંડ નાખીએ તોય કડવો રહે ?

પ્રશ્નકર્તા : હા, મૂળમાં જ એમ છે, દાદા.

દાદાશ્રી : મૂળ સ્વભાવમાં જ છે એમ ! તેમ આ 'ચંદુભાઈ' બધા રાગ-દ્વેષ બંધ કરીને સામાયિકમાં બેઠા, તો તે શેની સામાયિક કરે ? નથી આત્મા જાણ્યો, નથી મિથ્યાત્વ સમજતા ! જે મિથ્યાત્વ સમજે તેને સમકિત થયા વગર રહે જ નહીં. એટલે સામાયિક કરવા શેઠ બેઠા હોય પણ એમને બીજું કશું આવડતું નથી એટલે એ શું કરે ? પોતાનું એક કુંડાળું વાળેલું હોય અને બીજા કોઈ વિચારો આવે, દુકાનના, લક્ષ્મીના, વિષયના તો તેને કુંડાળાની બહાર હાંક હાંક કરે ! જેમ એક કુંડાળામાં ગાયનાં વાછરડાં પેસી જતાં હોય, કૂતરાં પેસી જતાં હોય તો તેને હાંક હાંક કરે અને કુંડાળામાં પેસવા ના દે, તેને સામાયિક કહે છે. તોય તે સામાયિક થાય, કારણ કે આર્તધ્યાન ને રૌદ્રધ્યાન તેમાં ના થાય.

પ્રશ્નકર્તા : આર્તધ્યાન અને રૌદ્રધ્યાન તેમાં ના હોય, તો પછી સમતા જ કહેવાય ને ?

દાદાશ્રી : પણ આર્તધ્યાન ને રૌદ્રધ્યાન જાય નહીં. એ તો હોય જ. એના માટે સામાયિક કરતા પહેલાં પહેલો નિયમ કરવો પડે. ''હે ભગવાન ! આ ચંદુલાલ, મારું નામ, આ મારી કાયા, આ મારી જાત, મારું મિથ્યાત્વ બધું આપને ધરાવું છું. અત્યારે મને આ સામાયિક કરતી વખતે વીતરાગ ભાવ આપો.'' આમ વિધિપૂર્વક કરે તો કામ થાય.

પ્રશ્નકર્તા : તીર્થંકર બનવા માટે આ કાળમાં કેવા ગુણની જરૂર પડે ?

દાદાશ્રી : નિરંતર જગતકલ્યાણની ભાવના, બીજી કોઈ જ ભાવના ના હોય. ખાવાનું જે મળે, સૂવાનું જે મળે, જમીન પર સૂવાનું મળે તોય પણ નિરંતર ભાવના શી હોય ? જગતનું કેમ કરીને કલ્યાણ થાય. હવે એ ભાવના ઉત્પન્ન કોને થાય ? પોતાનું કલ્યાણ થઈ ગયું હોય તેને એ ભાવના ઉત્પન્ન થાય. પોતાનું કલ્યાણ થયેલું ના હોય એ જગતનું કલ્યાણ શી રીતે કરે ? ભાવના ભાવે તો થાય. 'જ્ઞાની પુરુષ' મળે તો એને 'સ્ટેજ'માં લાવી નાખે. અને સ્ટેજમાં આવ્યા પછી એમની આજ્ઞામાં રહે તો ભાવના ભાવતાં આવડે.

પ્રશ્નકર્તા : નમસ્કાર અને વંદન, એ બન્ને સમાન કક્ષાના છે કે અલગ અલગ ભાવ છે ?

દાદાશ્રી : બન્ને અલગ અલગ ભાવે છે. નમસ્કાર તો બહુ ઊંચી વસ્તુ છે. વંદન તો સહેજે આમ આપણે માથું નમાવીને ઊભા ઊભા હાથ જોડીએ એને વંદન કહેવાય અને નમસ્કાર તો કેટલાંય અંગ જમીન ઉપર અડે ત્યારે થાય. આપણામાં સાષ્ટાંગ નમસ્કાર કહેવાય છે ને ? એટલે આઠેય અંગ ભોંય પર અડે ત્યારે એ નમસ્કાર ગણાય છે. પણ એક ફેરો જો સાચા દિલથી કરે ને તોય બહુ થઈ ગયું !

પ્રશ્નકર્તા : જ્ઞાન વેચી શકાય ? કેટલાક લોકો એમનાં પ્રવચનોની ટિકિટ રાખે છે.

દાદાશ્રી : એવું છે કે જ્યાં પૈસાની લેવાદેવા છે, ત્યાં જ્ઞાન જ નથી. એ સંસારી જ્ઞાન હોય. એ મોક્ષનું જ્ઞાન નથી.

પ્રશ્નકર્તા : જીવનો એવો કોઈ ક્રમ છે કે મનુષ્યમાં આવ્યા પછી મનુષ્યમાં જ આવે કે બીજે ક્યાંય જાય ?

દાદાશ્રી : હિન્દુસ્તાનમાં મનુષ્યજન્મમાં આવ્યા પછી ચારેય ગતિઓમાં ભટકવું પડે. ફોરેનના મનુષ્યને એવું નથી. એમાં બે-પાંચ ટકા અપવાદ હોય. બીજા બધા ઊંચે ચઢ્યા જ કરે છે.

પ્રશ્નકર્તા : આ લોકો જેને વિધાતા કહે છે, એ કોને કહે છે ?

દાદાશ્રી : એ કુદરતને જ વિધાતા કહે છે. વિધાતા નામની કોઈ દેવી નથી. 'સાયન્ટિફિક સરકમસ્ટેન્શિલ એવિડન્સ' (વૈજ્ઞાનિક સંયોગિક પુરાવા) એ જ વિધાતા છે. આપણા લોકોએ નક્કી કરેલું કે છઠ્ઠીના દિવસે વિધાતા લેખ લખી જાય. વિકલ્પોથી આ બધું બરોબર છે અને વાસ્તવિક જાણવું હોય તો, આ બરાબર નથી.

પ્રશ્નકર્તા : નિર્દોષ બાળકને શારીરિક વેદના ભોગવવી પડે છે, તેનું શું કારણ ?

દાદાશ્રી : બાળકના કર્મના ઉદય બાળકને ભોગવવાના અને 'મધર'ને એ જોઈને ભોગવવાના. મૂળ કર્મ બાળકનું, એમાં 'મધર'ની અનુમોદના હતી, એટલે 'મધર'ને જોઈને ભોગવવાનું. કરવું, કરાવવું ને અનુમોદવું, આ ત્રણ કર્મબંધનાં કારણો છે.

પ્રશ્નકર્તા : સ્વસ્તિકનો અર્થ શો ?

દાદાશ્રી : સ્વસ્તિકનો 'સિમ્બોલ' (ચિહ્ન) એ ગતિસૂચક છે, એનાં ચાર પાંખિયાં ચાર ગતિ સૂચવે છે અને સેન્ટરમાં મોક્ષ છે. ચાર ગતિમાંથી છેવટે મોક્ષમાં જ જવું પડશે. ચાર ગતિ એટલે મનુષ્યગતિ, દેવગતિ, તિર્યંચ(પશુ)ગતિ અને નર્કગતિ. આ ચાર ગતિ પુણ્ય અને પાપને આધારે છે અને પુણ્ય-પાપથી રહિત થયો ને જ્ઞાન પ્રાપ્ત થઈ ગયું તો મોક્ષની ગતિ થાય. ત્યાં 'ક્રેડિટે'ય નહીં ને 'ડેબિટે'ય નહીં, અહીં 'ક્રેડિટ' થાય એટલે દેવગતિમાં જાય અગર તો વડાપ્રધાન થાય. આ તમે 'એસ. ઈ.' થયા તો તે 'ક્રેડિટ'ને લીધે. અને 'ડેબિટ' હોય તો ? પેલી મિલમાં નોકરી કરવી પડે ! આખો દહાડો મહેનત કરો તો ય પૂરું ના થાય અને 'ક્રેડિટ-ડેબિટ' ના થયું તો મોક્ષ થાય.

મંદિરોનું મહત્ત્વ

પ્રશ્નકર્તા : જો દેરાસર ના હોત, મંદિરો ના હોત, તો પછી જેવી રીતે આપણે માટે દાદાશ્રી ઊભા થયા છે, પ્રગટ થયા છે, એવી રીતના એમના માટે કોઈને કોઈ ઊભું થયું હોત ને ?

દાદાશ્રી : એ તો બરોબર છે. એ એક જાતનો વિકલ્પ છે. આમ બન્યું છે, એ ના હોત તો બીજો કોઈ ઉપાય તો હોત ને ? બીજું કંઈનું કંઈ મળત. પણ આ મંદિરોનો ઉપાય ઘણો જ સારો છે. હિન્દુસ્તાનનું આ મોટામાં મોટું 'સાયન્સ' છે. એ સારામાં સારી પરોક્ષ ભક્તિ છે, પણ જો સમજે તો ! અત્યારે તો મહાવીર ભગવાનને દેરાસરમાં જતી વખતે હું પૂછું છું કે, ''આ બધા લોકો તમારાં આટલાં બધાં દર્શન કરે છે, તો ય આટલી બધી અડચણો કેમ પડે છે ?'' ત્યારે મહાવીર ભગવાન શું કહે છે ? ''આ લોકો દર્શન કરતી વખતે મારો ફોટો લે છે, બહાર એનો જોડો મૂક્યો છે એનો ફોટો લે છે અને સાથે સાથે દુકાનનોય ફોટો લે છે ! માટે આવું થાય છે. હમણાં કો'ક જોડો લઈ જશે, તેનો પણ ફોટો લે છે !''

અંતિમ પળે રામ નામ

પ્રશ્નકર્તા : આ મનુષ્યને જન્મ-મરણનો ફેરો ટાળવા માટે લોકોએ રામ, શ્રીકૃષ્ણ એ બધાં નામ આપ્યાં હોય છે. પણ છેલ્લી ઘડીએ કશું યાદ આવતું નથી. તો છેલ્લી ઘડીએ શું કરવું જોઈએ કે પોતે આત્મામાં રહી શકે ને મોક્ષે જઈ શકે ?

દાદાશ્રી : ખરું કહે છે, છેલ્લી ઘડીએ આમાંનું કશું યાદ ના આવે. છેલ્લી ઘડીએ તો આખી જિંદગીનું સરવૈયું યાદ આવે. સરવૈયામાં તો બધું આલેખાય, તમે દેરાસરમાં દર્શન કરવા ગયા હો, તો એ ખાતુંય મોટું હોય. તો એ થોડું ઘણું હાજર થાય ! નહીં તો છોડીઓ દેખાય કે આ પૈણાવાની રહી ગઈ. ત્યારે છોકરાઓ કહે, 'કાકા, નવકાર મંત્ર બોલો.' ત્યારે કાકા કહેશે, 'અક્કલ વગરનો છે.' અલ્યા, જવાનો થયો. હવે તો પાંસરો મરને ! આ અક્કલનો કોથળો વેચવા જાય તો ચાર આનાય ના આવે ! અત્યારે જવાની તૈયારીઓ થઈ રહી છે, ઠાઠડી બાંધવાની તૈયારીઓ કરે છે, ત્યારે આ પાછો હિસાબ કાઢે છે ! કઈ જાતનો છે ?

એટલે છેલ્લી ઘડીએ જિંદગીનું સરવૈયું આવે છે. બીજું કશું ચાલે નહીં માટે, 'આ' પહેલું કરી લેવું.

દાદા ભગવાન કોણ ?

પ્રશ્નકર્તા : 'દાદા ભગવાન' કોણ ?

દાદાશ્રી : આ દેખાય છે તે 'દાદા ભગવાન' ન હોય. તમને જે યાદ આવે છે તે ખરા 'દાદા ભગવાન' છે ! આ જે દેખાય છે, તે તો 'એ. એમ. પટેલ' છે અને મહીં બેઠા છે પ્રગટ પરમાત્મ સ્વરૂપ, તે 'દાદા ભગવાન' છે !

પ્રશ્નકર્તા : એ 'દાદા ભગવાન' ક્યારે હાજર હોય ?

દાદાશ્રી : નિરંતર હાજર જ છે. આ બધાને નિરંતર હાજર રહેવાના !

પ્રશ્નકર્તા : પણ આપશ્રીને 'દાદા ભગવાન' કેમ કહે છે ?

દાદાશ્રી : તે આપશ્રી તમે કોને ઓળખો છો ? આ જે દેખાય છે, તેમને કહો છો ? તમે તો એને જ ઓળખો ને ? 'આપશ્રી' મને કહો છોને એ શું છે ? આ જે દેખાય છે, એ તો ભાદરણ ગામના પટેલ છે, અને 'કોન્ટ્રાક્ટ'નો ધંધો કરે છે. 'દાદા ભગવાન' તો અંદર જે વ્યક્ત થયા છે, આત્મા વ્યક્ત થયો, પ્રગટ થયો, એ 'દાદા ભગવાન' છે, જેને સંસારીઓ 'પ્રગટ પુરુષ' કહે છે !

પ્રશ્નકર્તા : માણસ કદાપિ ઇશ્વર કે પરમાત્મા થઈ શકતો નથી, છતાં માણસ પાસે, પોતે ઇશ્વર કે પરમાત્મા હોવાનો દાવો કરે, ઇશ્વરી ચમત્કાર હોવાનો દાવો કરે, એ શું બરાબર છે ?

દાદાશ્રી : એ દાવો કરવાની જરૂર જ નથી ! 'પરમાત્મા છું' એવો કોઈથી દાવો કરાય જ નહીં, છતાં કરે તો એ મૂર્ખ કહેવાય.

લોકો મને ભગવાન કહે, પણ ભગવાન કોને કહેવાય ? આ દેહને કોઈ દહાડોય ભગવાન ના કહેવાય. આ તો પટેલ છે. આ દેખાય છે તે 'દાદા ભગવાન' ન હોય. 'દાદા ભગવાન' તો મહીં પ્રગટ થયા છે તે છે, દેહધારીને ભગવાન કેમ કરીને કહેવાય ?!

પ્રશ્નકર્તા : ભગવાન વ્યક્તિ રૂપે કે શક્તિ રૂપે ?

દાદાશ્રી : બન્ને સાચા છે, પણ વ્યક્તિ રૂપે પૂજે તેને વધારે લાભ મળે. વ્યક્તિ રૂપે એટલે જ્યાં ભગવાન વ્યક્ત થયા હોય ત્યાં ! મનુષ્ય એકલામાં જ ભગવાન વ્યક્ત થઈ શકે, બીજી કોઈ યોનિમાં ભગવાન વ્યક્ત થઈ શકે નહીં. આત્મા એ જ પરમાત્મા છે, પણ વ્યક્ત થવો જોઈએ. વ્યક્ત થઈ જાય, ફોડ પડી જાય પછી ચિંતાઓ જાય, ઉપાધિઓ જાય.

પ્રશ્નકર્તા : ભગવાન વ્યક્ત ક્યાં થાય ?

દાદાશ્રી : ભગવાન વ્યક્ત થાય એવા નથી. એ અવ્યક્તરૂપે રહેલા છે !

પ્રશ્નકર્તા : તમારા જેવામાં જ ભગવાન વ્યક્ત થાય, બીજે કશે વ્યક્ત થાય નહીં, એટલા માટે અહીં આવ્યા છીએ.

દાદાશ્રી : એ તો બીજે થાય નહીં, કો'ક જ ઘરે અજવાળું પૂરું થઈ જાય. પછી એ અજવાળા પરથી બીજા બધા દીવાઓ સળગે. એક દીવામાંથી બીજા દીવા થાય. પણ ઓચિંતો દીવો તો કો'ક જ ફેરો થાય ! અમને આ સુરતના સ્ટેશન પર ઓચિંતો દીવો થયેલો !

પ્રશ્નકર્તા : આપનો વ્યવહાર જે છે તે પણ શુભ વ્યવહારમાંથી જ ઉત્પન્ન થાય છે ને ?

દાદાશ્રી : સંસારમાં એક શુભ વ્યવહાર છે અને એક અશુભ વ્યવહાર છે. જગતના લોકો એકલા શુભ વ્યવહારમાં રહી શકે નહીં, એ શુભાશુભમાં રહે ! સંતો શુભ વ્યવહારમાં રહે અને જે ચાર વેદથી ઉપર ગયેલા હોય એવા 'જ્ઞાની પુરુષ' શુભાશુભ વ્યવહારથી પર એવા શુદ્ધ વ્યવહારમાં હોય !

પ્રશ્નકર્તા : ગુરુ કોને કહેવાય ?

દાદાશ્રી : ભૂલવાળો ગુરુ હોય નહીં. પણ તે કેવી ભૂલો હોય ? તો ચલાવી લેવાય ? કે જે ભૂલો બીજા કોઈનેય નુકસાનકારક ના હોય. પોતે જ જાણે કે આ ભૂલ હજી મારામાં રહી છે, એટલે કે સૂક્ષ્મતર ને સૂક્ષ્મતમ ભૂલો હોય. નહીં તો પરમાત્મા ને એમનામાં ફેરેય શો રહ્યો ?

'જ્ઞાની પુરુષ' પોતે દેહધારીરૂપે પરમાત્મા જ કહેવાય. જેને એક પણ સ્થૂળ ભૂલ નથી કે એક પણ સૂક્ષ્મ ભૂલ નથી.

જગત બે જાતની ભૂલ જોઈ શકે : એક સ્થૂળ અને એક સૂક્ષ્મ. સ્થૂળ ભૂલો બહારની પબ્લિક પણ જોઈ શકે અને સૂક્ષ્મ ભૂલો બુદ્ધિજીવીઓ જોઈ શકે. આ બે ભૂલો 'જ્ઞાની પુરુષ' પાસે ના હોય !

પ્રશ્નકર્તા : 'જ્ઞાની પુરુષ' કયા પુણ્યના આધારે મળે ?

દાદાશ્રી : પુણ્યાનુબંધી પુણ્યના આધારે ! આ બધું જે પુણ્યૈ દેખાય છે એ પાપાનુબંધી પુણ્યૈ છે. પાપાનુબંધી પુણ્યૈ એટલે બંગલા, મોટરો, ઘેર બધી સગવડો, એ બધું એ પુણ્યના આધારે હોય, પણ એ પુણ્યમાંથી વિચાર ખરાબ આવે. કોનું લઈ લઉં, ક્યાંથી લૂંટી લઉં, ક્યાંથી ભેળું કરું, કોનું ભોગવી લઉં ! એમને અણહક્કનું ભોગવી લેવાની તૈયારી હોય, અણહક્કની લક્ષ્મી પણ પડાવી લે, એ બધું પાપાનુબંધી પુણ્યૈ કહેવાય. પુણ્યના આધારે સુખ ભોગવે છે, પણ નવા અનુબંધ પાપના નાખે છે !

અને જે પુણ્યૈથી સુખસગવડો બહુ ના હોય, પણ વિચારો ઊંચા આવે કે, કેમ કરીને કોઈને દુઃખ ના થાય એવું વર્તન કરું, ભલે પોતાને થોડી અડચણ પડતી હોય, તેને વાંધો નહીં, પણ કોઈને ઉપાધિમાં ના મૂકું એ પુણ્યાનુબંધી પુણ્યૈ કહેવાય. એટલે નવા અનુબંધ પણ પુણ્યના થાય.

પ્રશ્નકર્તા : મારે આપની પાસે 'જ્ઞાન' લેવું છે પણ અમે પહેલાંના ગુરુ કરેલા, એમાં કઈ મુશ્કેલી નહીં આવે ને ?

દાદાશ્રી : ના, ગુરુ તમારા રહેવા દેવાના, ગુરુ વગર શી રીતે ચાલે ? એ ગુરુ આપણને સાંસારિક ધર્મો શીખવાડે. 'શું સારું કરવું અને શું ખરાબ છોડી દેવું' એ બધી વાતો આપણને સમજણ પાડે. પણ સંસાર તો ઊભો રહેવાનો ને ? અને આપણે તો મોક્ષે જવું છે ! એ માટે 'જ્ઞાની પુરુષ' જુદા જોઈએ, 'જ્ઞાની પુરુષ' એ ભગવાનપક્ષી કહેવાય. પેલા વ્યવહારમાં ગુરુ અને નિશ્ચયમાં આ જ્ઞાની ! બન્ને હોય તો કામ થાય માટે તમારા ગુરુ છે તેને રહેવા દેવાના. ત્યાં દર્શન કરવા હઉ જવાનું !

પ્રશ્નકર્તા : આ સત્પુરુષ તો વરસાદ બધાને સરખો વરસાવે છે, પણ મારો લીમડો હોય અને બીજાને આંબો હોય તો, બીજમાં ફેર પડી જાય ને ? પછી સરખું પરિણામ કેવી રીતે પામે ?

દાદાશ્રી : આપણે અહીં તો બીજનો વાંધો નથી. અહીં આગળ તો તમારે વિનયપૂર્વક મને કહેવું કે સાહેબ, મારું કલ્યાણ કરો. અહીં પરમવિનયથી મોક્ષ છે.

આ પાંચમા આરાનો પૌદ્ગલિક સડો છે, આ કોઈ દહાડો 'રિપેર' થાય નહીં. આમથી રિપેર કરો તો તેમથી તૂટશે ને તેમથી 'રિપેર' કરો તો આમથી તૂટશે. એના કરતાં 'અક્રમ વિજ્ઞાન' એ અંદરથી ચોખ્ખું કરી નાખે અને તમને છૂટા રાખે !

પ્રશ્નકર્તા : 'દાદા' મને જ્ઞાન આપે, પણ મારામાં સમજવાની શક્તિ ના હોય તો શું કરવું ?

દાદાશ્રી : મહીં આત્મા છે ને, જીવતા છો એટલે બધું થઈ જશે. તમારામાં સમજવાની શક્તિ હોય, એવું જો હું પાસ કરવા બેસું તો કોઈ પાસ જ ના થાય. એટલા માટે મેં શરૂઆતમાં ઋષભદેવ ભગવાનની મૂર્તિ પાસે વાત કરીને પૂછેલું કે આ અક્રમ વિજ્ઞાન આપવું હોય તો કોને આપવું ? પાસ થવા તેત્રીસ ટકા માર્ક જોઈએ ને કોઈ ત્રણ ટકાની ઉપર આવતું નથી. ત્યારે ભગવાને કહ્યું કે ત્રણ ટકાવાળાને આપો. તે ય પછી પાર વેલ્યુવાળાને આપવા માંડ્યા. એટલે કે ઝીરો માર્કવાળા ! અત્યારે માઈનસ માર્કવાળાઓને આ જ્ઞાન અપાય છે.

પ્રશ્નકર્તા : સાંભરતાં જ અમને જે દાદા ભગવાનનાં દર્શન થાય અને રસ્તો દેખાડે, એ કઈ વૈજ્ઞાનિક પ્રક્રિયાના આધારે છે ?

દાદાશ્રી : એ સ્વભાવથી જ છે બધું ! એમાં શુદ્ધ ચેતન 'સાયલન્ટ' હોય છે ! આ લાઈટ 'સાયલન્ટ' છે, લાઈટના આધારે બધી ક્રિયા કરે કે ના કરે ? 'લાઈટ'નો નફો મળે !

પ્રશ્નકર્તા : યાદ કરતાં જ, 'દાદા ભગવાન' હાજર થાય. એ ક્રિયા શુદ્ધ ચેતનના આધારે થતી બહારની ક્રિયા છે ?

દાદાશ્રી : આધાર નહીં, એ તો સ્વાભાવિક ક્રિયા છે. મહીં સૂક્ષ્મ શરીરનું ખેંચાણ થવું, એ સ્વાભાવિક ક્રિયા છે.

પ્રશ્નકર્તા : પણ એ પુદ્ગલના ભાગમાં હોય ને ?

દાદાશ્રી : બધું પુદ્ગલ જ કહેવાય. જગત એને ચેતન માને છે, ખરેખર ત્યાં ચેતન છે જ નહીં. કોઈ ચેતન સુધી પહોંચ્યો નથી ! ચેતનના પડછાયા સુધી પહોંચ્યો નથી !

પ્રશ્નકર્તા : જ્ઞાની અને જ્ઞાન અવતાર, એ બેમાં શો ફેર છે ?

દાદાશ્રી : એમાં ખાસ કોઈ ફેર હોય નહીં, પણ જ્ઞાની તો એવું છે ને કે બધાંયને, શાસ્ત્રના જ્ઞાનીનેય જ્ઞાની જ કહે છે ને ? પછી તે શાસ્ત્ર ગમે તે હોય. કુરાનેય જાણતો હોય તેનેય જ્ઞાની કહે. એટલે જ્ઞાન અવતાર કહેલું છે. બીજા કોઈથી જ્ઞાન અવતાર લખાય નહીં, જ્ઞાની એકલા જ લખે, એટલો ફેર રહે !

પ્રશ્નકર્તા : કૃપાળુદેવ જ્ઞાન અવતાર કહેવાયને ?

દાદાશ્રી : હા, એ તો જ્ઞાન અવતાર છે.

પ્રશ્નકર્તા : આત્મજ્ઞાની અને કેવળજ્ઞાનીમાં શો ફેર ?

દાદાશ્રી : કશોય ફેર નહિ. આત્મા 'કેવળજ્ઞાન સ્વરૂપ' છે, પણ સત્તાએ કરીને ફેર છે. સત્તા એટલે આવરણને લઈને કેવળજ્ઞાન ના દેખાય. બહારનું દેખાય. સત્તા એની એ જ હોય. જેમ કોઈને દોઢ નંબરનાં ચશ્માં હોય અને કોઈને ચશ્માં ના હોય તો, ફેર પડે ને ? એના જેવું છે !

પ્રશ્નકર્તા : યુગ પુરુષ થશે આપણા શાસનમાં ?

દાદાશ્રી : થશે ને ! યુગ પુરુષ ના થાય તો, આ દુનિયા કેવી રીતે ચાલશે ? કુદરતને ગરજ છે, એમાં આપણે ગરજ રાખવાની જરૂર નથી. જન્મોત્રી ય જોવાની જરૂર નથી. એ તો કુદરતના નિયમથી જ થાય. આપણે આપણી તૈયારી રાખો; બિસ્તરા-પોટલાં બાંધીને ગાડી ક્યારે આવે ને બેસી જઈએ એવી તૈયારી રાખો.

પ્રશ્નકર્તા : ગાડી સાચી આવી કે ખોટી આવી, તેની ખબર શી રીતે પડે ?

દાદાશ્રી : એવી શંકા પડે તો ઘેર જવાનું. ભગવાનને ત્યાં શંકાવાળાનું તો કામ જ નથી. આ ગાડીઓમાં ખરું-ખોટું કરવાનું ના હોય. સમજવામાં ખરું-ખોટું કરવાનું હોય.

પ્રશ્નકર્તા : ભક્ત અને જ્ઞાની, એ બેમાં ફેર ખરો ?

દાદાશ્રી : હા, સેવ્ય અને સેવક જેવો ફેર છે ! ભક્ત એ સેવક છે, તે પછી એ સેવ્ય થવાના. જ્ઞાની સેવ્ય છે અને ભક્તો સેવક છે. સેવ્યનું સેવન કરવાથી સેવ્ય થતા જાય ને રૂપ તો એક જ છે. પણ અવસ્થાના હિસાબે ફરે છે. જેણે આત્મા પ્રાપ્ત કર્યો એ બધાંય જ્ઞાની કહેવાય, પણ જ્ઞાની જો બધાંય બોલવા જાય તો શું જવાબ આપો ? એટલે જ્ઞાની શ્રુતજ્ઞાન સહિત હોવા જોઈએ. વીતરાગ ભગવાનનું આખું શ્રુતજ્ઞાન તેમજ વેદાંત માર્ગનું શ્રુતજ્ઞાન બધું હોય, ત્યારે એમને જ્ઞાની કહેવાય. જ્ઞાની એમને એમ ના કહેવાય !

પ્રશ્નકર્તા : આશીર્વાદ માગીએ અને આપે તો, એ ફળે ખરા ?

દાદાશ્રી : હા, પણ કાયમ બધા ફળતા નથી, એમાં આપણું વચનબળ હોવું જોઈએ, તો એ ફળે. નહીં તોય આપણે આશીર્વાદ આપવા ખરા. બાકી કોઈનો આપ્યો અપાતો નથી, એ તો પેલાનું બનવાનું હોય છે ત્યારે આ નિમિત્ત થાય છે. જેને યશનામકર્મ હોય તે નિમિત્ત બને છે. પછી આશીર્વાદની દુકાનો કાઢે. પોતાથી તો સંડાસ જવાની પણ શક્તિ નથી, તો આશીર્વાદ શું આપવાનો હતો ! આ તો યશનામકર્મ હોય છે, તે મોટા માણસોને વધારે સારું યશનામકર્મ હોય.

જગતકલ્યાણની ભાવના ઘણા કાળથી, ઘણા અવતારથી ભાવેલી હોય તો યશનામકર્મ બહુ મોટું હોય. યશનામકર્મ તો જગતકલ્યાણની ભાવનામાંથી ઉત્પન્ન થયા છે. જેટલા પ્રમાણમાં અને જગતના લોકોને સુખ થાય એવી ઇચ્છા હોય, તેમાંથી યશનામકર્મ બંધાય અને જગતને ગોદા મારે તો અપયશનામકર્મ થાય. અપયશનામકર્મવાળો ગમે તેટલું કામ કરે તો ય અપયશ આવે ! ઘણા માણસો અહીં મને કહે છે કે, 'મેં ખૂબ કામ કર્યું તોય મને અપજશ આવે છે.' 'અલ્યા, તું અપજશ લઈને આવ્યો છે, એટલે અપજશ મળશે. તારે તો તારું કામ કરવાનું અને અપજશ લેવાના !'

પ્રશ્નકર્તા : આપ વિધિ કરાવો છો, તો તેના સ્થાન તરીકે અંગૂઠાને જ કેમ મહત્ત્વ આપો છો ?

દાદાશ્રી : ભગવાનને જે રસ્તે તાર જલદી ચોંટે એ જગ્યાએ વિધિ કરાવીએ છીએ. બીજી જગ્યાએ કરે તો તાર મોડો પહોંચે. આપણે જલદી ખબર આપવી છે ને એટલા માટે. તને ના ગમ્યું ?

પ્રશ્નકર્તા : 'ક્વીક સર્વિસ' તો બધાનેય ગમે.

દાદાશ્રી : એટલે આ લોકો કંઈક બોલે છે ને અમૃત ઝરે છે, એવું કંઈક અમૃત ઝરે છે ખરું ? તને અનુભવમાં થોડું ઘણું આવ્યું ?

પ્રશ્નકર્તા : હા.

દાદાશ્રી : ત્યારે સારું. જે તે રસ્તે આપણે અમૃત ઝરે એ કામનું !

પ્રશ્નકર્તા : 'સર્વજ્ઞ' કોને કહેવાય ?

દાદાશ્રી : આ કવિરાજે અમારા માટે 'સર્વજ્ઞ' લખ્યું છે, ખરેખર તો આ કારણસર્વજ્ઞ છે, 'સર્વજ્ઞ' તો ૩૬૦ ડિગ્રીના હોય ત્યારે સર્વજ્ઞ કહેવાય. આ તો અમારું ૩૫૬ ડિગ્રીનું છે, અમે સર્વજ્ઞના કારણનું સેવન કરીએ છીએ !

પોતે એક સમય પણ પરસમયમાં ના જાય. નિરંતર સ્વસમયમાં હોય તે 'સર્વજ્ઞ'. અમે સંપૂર્ણ અભ્યંતર નિર્ગ્રંથ હોઈએ. અમને જે વેષે જ્ઞાન થયું હોય તે વેષમાં ફેરફાર ના થાય. અમને આ કપડાં કાઢી લો તો ય વાંધો નથી અને રહેવા દો તોય વાંધો નથી. અમને લૂંટી લે તોય વાંધો નથી.

પ્રશ્નકર્તા : આપને કેટલાં કર્મોનો અભાવ હોય ?

દાદાશ્રી : અમને બધાં ય કર્મોનો અભાવ હોય. ફક્ત આ દેહના પોષણ માટે જરૂર હોય તેટલું હોય. તે કર્મ પણ સંવરપૂર્વકની નિર્જરા રૂપે હોય. બીજો કોઈ અમને વિચાર જ ના હોય.

પ્રશ્નકર્તા : એટલે કે તમને અનંત જ્ઞાન, અનંત દર્શન પ્રગટેલું હોય ?

દાદાશ્રી : બધુંય પ્રગટ થઈ ગયેલું હોય. ફક્ત ચાર ડિગ્રી જ કમી હોય. જેટલું કેવળજ્ઞાનીને જ્ઞાનમાં દેખાય, એટલું અમને સમજમાં આવી ગયું હોય. પેલું કેવળજ્ઞાન કહેવાય, અમારું કેવળદર્શન કહેવાય. એટલે અમે કહીએ છીએ કે આખા જગત વિશે અહીં આગળ પૂછી શકાય !

પ્રશ્નકર્તા : 'કેવળજ્ઞાન' વગર 'કેવળદર્શન' હોઈ શકે ?

દાદાશ્રી : ક્રમિક માર્ગમાં 'કેવળજ્ઞાન' વગર 'કેવળદર્શન' હોય નહીં. 'અક્રમમાર્ગ'માં 'કેવળદર્શન' થાય. પછી 'કેવળજ્ઞાન' થતાં અમુક ટાઈમ લાગે. આ બધા બુદ્ધિના વિષય નથી, આ જ્ઞાનનો વિષય છે.

પ્રશ્નકર્તા : આપ સાક્ષાત્કારી પુરુષ છો, હવે આપ મંદિરોમાં જાવ, એનાથી મંદિરમાં જવા માટેની પ્રતિષ્ઠા નથી ઊભી થતી ?

દાદાશ્રી : અમે જ્યાં જઈએ ત્યાં બધે દર્શન કરવા જઈએ. દેરાસરોમાં, મહાદેવના મંદિરમાં, માતાજીના દેરામાં, મસ્જિદમાં બધે જ દર્શન કરવા જઈએ. અમે ના જઈએ તો લોકોય ના જાય. એનાથી ચીલો અવળો પડે. અમારાથી ચીલો અવળો ના પડે. એની અમારી જવાબદારી હોય. લોકોને કેમ શાંતિ થાય, કેમ સુખ થાય એવા અમારા રસ્તા હોય.

આ અક્રમ વિજ્ઞાન આટલું બધું ફળદાયી છે, એક મિનિટેય ટાઈમ કેમ ખોવાય ? ફરી આવો જોગ કોઈ અવતારમાં ના હોય. માટે આ ભવમાં પૂરું કરી લેવાનું.

પ્રશ્નકર્તા : દાદા, આ પૂરું કરી લેવાનું કહ્યું, તે કેવી રીતે ?

દાદાશ્રી : અમે જ્યાં સુધી છીએ ત્યાં સુધી ટાઈમ બીજે બગડવો ના જોઈએ. અમે વડોદરા જઈએ અને જેને એવા સંયોગ અનુકૂળ હોય અને પૈસા હોય તેણે ત્યાં આવવું જોઈએ. અમારો જેટલો બને એટલો વધારે ટાઈમ લેવો. ખાલી અમારા સત્સંગમાં આવીને બેસી રહેવાનું. બીજું કંઈ જ કરવાની જરૂર નથી !

પ્રશ્નકર્તા : આપનો પરિચય આપશો ?

દાદાશ્રી : 'મને' તમે ઓળખી શકવાના નથી. 'આ' જે તમે જુઓ છો, એ તો અંબાલાલ પટેલ છે - ભાદરણ ગામના ! મને તો તમે ઓળખી જ ના શકોને ! કારણ 'હું' આમ દેખાઉં એવો છું જ નહીં !

આ જે વાણી બોલે છે, એ 'ઓરિજિનલ ટેપરેકોર્ડર' છે. તમારીય 'ઓરિજિનલ ટેપરેકોર્ડર' છે. પણ તમને અહંકાર છે એટલે 'હું બોલ્યો', 'હું બોલ્યો' કર્યા કરો છો ! અમને અહંકાર ના હોય એટલે આ કશી ભાંજગડ ના હોય. આ દેખાય છે એ ભાદરણના પટેલ છે અને મહીં 'દાદા ભગવાન' બેઠા છે ! અહીં વ્યક્ત થયેલા છે અને તમારામાં અવ્યક્તપણે રહેલા છે. એ વ્યક્તની જોડે વિનયપૂર્વક બેસવાથી તમારા પણ વ્યક્ત થયા કરે. આ પરમ વિનયનો માર્ગ છે. અહીં પૈસાની જરૂર ના હોય. અહીં સેવાનીય જરૂર ના હોય. અહીં કશાનીય જરૂર ના હોય, અહીં દ્રવ્યપૂજા હોય નહીં, આ તો મોક્ષનો માર્ગ છે.

અમારી પાસે અવિનય કરો તેનો અમને વાંધો નથી, પણ તમે તમારી જાત ઉપર અંતરાય પાડી રહ્યા છો, તમે અમને ગાળો ભાંડો છો તે તમે પોતાની જાતને જ નુકસાન કરી રહ્યા છો. અહીં તો બહુ વિનય જોઈએ ! પરમ વિનય જોઈએ ! અહીં અક્ષરેય આડુંઅવળું બોલાય નહીં. હમણાં પેલા મામલતદાર પાસે ગયા હોય તો તે ઘડીએ ચૂપ થઈને બેસી રહે, ત્યાં કેવા અક્ષરેય બોલે નહીં ! અને આ તો જ્ઞાની પુરુષ ! એમની પાસે તો બોલાતું હશે ? જ્ઞાની પુરુષ તો દેહધારી પરમાત્મા કહેવાય !!! ત્યાં બધી જ વસ્તુ પ્રાપ્ત થાય એવી છે !

પોતે પોતાની ભક્તિ

પ્રશ્નકર્તા : આપણે 'ઈન્વાઈટ' ના કરીએ તોય એની મેળે વસ્તુ આવે છે. આ ઊંઘને લાવવી પડે છે ? એ એની મેળે જ આવે છે. તેવું આ જ્ઞાન એની મેળે જ આવશે ?

દાદાશ્રી : આ 'રિલેટિવ વસ્તુ' 'ઈન્વાઈટ' કરવા જેવી નથી. 'ઈન્વાઈટ' કરવા જેવી વસ્તુ શું ? કે આપણે જે ગામ જવાનું છે, તેનું જ્ઞાન જાણવા જેવું છે. બાકી બીજું બધું તો એની મેળે જ આવશે.

આજે ધર્મમાં જે પુરુષાર્થ બધા ચાલે છે, એ તો ખેતીવાડી કરે છે, બીજ નાખે તેનું પાંચસો-પાંચસો ગણું મળ્યા કરે.

પ્રશ્નકર્તા : આપણા માર્ગમાંય થોડી ખેતીવાડી ખરી ને ? આપણામાંય આરતી કરીએ છીએ ને ?

દાદાશ્રી : આપણામાં ખેતીવાડી હોતી હશે ? ખુદ ખુદા થઈ ગયા ને ! આપણે ત્યાં જે આરતી છે એ ખુદની આરતી છે, અહીં દરેક માણસ પોતે પોતાની જ આરતી કરી રહ્યા છે. આપણે ત્યાં જે પદો ગાય છે, તે ખુદની જ કીર્તનભક્તિ છે ! આપણે ત્યાં ખુદના સિવાય 'રિલેટીવ' વસ્તુ જ નથી !

પ્રશ્નકર્તા : ખુદની કીર્તનભક્તિ કરનાર કોણ ?

દાદાશ્રી : પોતે જ, પોતે !

પ્રશ્નકર્તા : એ ભાગ કયો ?

દાદાશ્રી : એ પ્રજ્ઞાશક્તિ છે, તે કામ કરી રહી છે !

પ્રશ્નકર્તા : અજ્ઞા નહીંને ?

દાદાશ્રી : ના, અજ્ઞા તો રહે જ નહીં ! અજ્ઞા હોય ત્યાં સુધી સંસાર ઊભો થઈ જાય. સંસારી બાબતની સલાહ આપે તે અજ્ઞાશક્તિ !

જેને ખબર નથી કે આપણે અહીં પોતે પોતાની કીર્તનભક્તિ કરીએ છીએ, એને તો પછી ખોટ જ જાયને ? આ જાણ્યા પછી ખોટ ના જવા દો ! અહીં જે ભક્તિ કરે છે, એ મારા માટે, 'એ. એમ. પટેલ' માટે નથી, 'દાદા ભગવાન'ની છે ! અને 'દાદા' તો બધામાં બેઠા છે, મારા એકલામાં બેઠા નથી, એ તમારામાં બેઠા છે, આ તેમની જ ભક્તિ છે ! આરતી બધું તેમનું જ છે અને તેથી જ અહીં બધાને આનંદ આવે છે, તમારી જોડે હું પણ અંદર બેઠેલા 'દાદા'ને મારા નમસ્કાર કરું છું !

પ્રશ્નકર્તા : તે ઘડીએ બધા આનંદમાં આવી જાય છે, એનું કારણ શું ?

દાદાશ્રી : કારણ કે આ 'દાદા' જો દેહધારી રૂપે હોતને તો તો મનમાં એમ થાત કે પોતાની જાતનું જ ગા ગા કર્યા કરે છે ! ખરેખર આ એવું નથી ! કૃષ્ણ ભગવાને ગીતામાં આવી રીતે ગાયું છે ! પણ લોકોને સમજાય નહીંને ! 'તું' જ કૃષ્ણ ભગવાન છે, જ્યાં સુધી સ્વરૂપનું ભાન ના થયું હોય, ત્યાં સુધી શી રીતે સમજ પડે ?

સાંભળનારોય પોતાનો સત્સંગ કરે છે ને બોલનારોય પોતાનો સત્સંગ કરે છે. આ વિજ્ઞાન એવી જાતનું છે કે કોઈ માણસને પારકાં માટે કરવાની જરૂર નથી. એની મેળે પોતે પોતાનું જ કરી રહ્યા છે !

આ તમને દેખાય છે તે 'દાદા ભગવાન' છે ? ના, ન હોય એ 'દાદા ભગવાન', એ તો 'એ. એમ. પટેલ' છે, ભાદરણ ગામના છે. 'દાદા ભગવાન' તો અંદર પ્રગટ થયા છે, તે છે !

એમનું સ્વરૂપ શું છે ? જ્ઞાન, દર્શન, ચારિત્ર અને તપ-એ એમનું સ્વરૂપ છે ! જ્ઞાન, દર્શન, ચારિત્ર અને તપના આધારે જે અનુભવમાં આવે છે, તે 'દાદા ભગવાન' છે.

બાકી આ તો પટેલ છે. કાલે આ પરપોટો ફૂટી જાય તો લોકો એને બાળી મૂકે અને 'દાદા ભગવાન'ને કોઈ બાળી ના શકે. કારણ કે અગ્નિ સ્થૂળ સ્વરૂપ છે ને આત્મા સૂક્ષ્મ છે. સ્થૂળ સૂક્ષ્મને શી રીતે બાળે ? એવા જ જ્ઞાન, દર્શન, ચારિત્ર ને તપ સ્વરૂપે રહેલા 'દાદા ભગવાન' તમારી મહીં પણ બિરાજેલા છે ! તે તમે પોતે જ છો !

- જય સચ્ચિદાનંદ

 

ભાગ
1-2 -3 - 4 - 5 - 6 - 7 - 8 - 9 - 10 - 11 - 12