ભાગ
1-2 -3 - 4 - 5 - 6 - 7 - 8 - 9 - 10 - 11 - 12



આપ્તવાણી શ્રેણી - ૫

અક્રમ માર્ગે અકષાયાવસ્થા

જેણે કષાયભાવને જીત્યા, તે અરિહંત કહેવાયો ! 'હું શુદ્ધાત્મા છું' ત્યાં કષાયભાવ રહેતા નથી. શુદ્ધ ઉપયોગ હોય ત્યાં આગળ કષાયભાવ રહેતા નથી. શુદ્ધાત્મા ત્યાં કષાય નહીં ને કષાય ત્યાં શુદ્ધાત્મા નહીં. 'અક્રમ જ્ઞાન'માં કષાય થતા જ નથી. ક્રમિક માર્ગમાં એવું છે કે અશાતાવેદનીય થાય તો કર્મ બંધાયા વગર રહે જ નહીં. જ્યારે 'અક્રમ'માં એમાં કર્મ બંધાય નહીં ને એટલો વખત વેદના ભોગવ્યે જ છૂટકો.

પ્રશ્નકર્તા : આ 'અક્રમ જ્ઞાન'ની મહત્તા ને ?

દાદાશ્રી : બહુ મોટી મહત્તા છે ! ગજબનો વિકાસ છે આ ! નહીં તો એક અંશ પણ કષાય ઓછા ના થાય.

સત્સંગની આવશ્યકતા

જીવ અવ્યવહાર રાશિમાંથી વ્યવહાર રાશિમાં આવ્યો તે મોક્ષે જતાં સુધી 'વ્યવસ્થિત' છે. માથાકૂટ ના કરે તો 'વ્યવસ્થિત' મોક્ષે જ લઈ જાય. પણ માથાકૂટ કર્યા વગર રહે જ નહીં ને ?

પ્રશ્નકર્તા : તો તમારા હિસાબે સત્સંગ એ પણ ખોટી માથાકૂટ જ ને ?

દાદાશ્રી : હા, માથાકૂટ જ કહેવાય. આ કરવાની જરૂર જ નથી. આ તો ગૃહિત મિથ્યાત્વને લીધે ઊંધું કર્ર્યું તેથી છતું કરવું પડે. ચા-ખાંડ ધીમે ધીમે ઓગળ્યા જ કરે છે ને ? તેમ આત્મા ધીમે ધીમે મોક્ષ તરફ જ જઈ રહ્યો છે.

સત્સંગેય છેવટે તમને શું કહે છે ? કશું કરશો નહીં. જે પરિણામ થાય એને જોયા કરો.

નિયતિવાદ

પ્રશ્નકર્તા : બધું 'વ્યવસ્થિત' હોય તો કરવાની કશી જરૂર નથી. વિરોધાભાસ લાગે છે.

દાદાશ્રી : આ બધું 'વ્યવસ્થિત' જ છે.

પ્રશ્નકર્તા : તો એ નિયતિવાદ થયો કે બધું નક્કી જ છે ?

દાદાશ્રી : ના, નિયતિવાદ થાય તો તો એ આગ્રહ થઈ ગયો. અમે જીત્યા એવું એ કહે. પછી તો નિયતિ ભગવાન જ ગણાય. નિયતિ એકલું કારણ નથી. સમુચ્ચય કારણોથી થયેલું છે. તેથી અમે કહીએ છીએ કે 'ઓન્લી સાયંટિફિક સરકમસ્ટેન્સિયલ એવિડન્સ' છે. (ફક્ત વૈજ્ઞાનિક સંયોગિક પુરાવા.) નિયતિવાદ હોય તો તો નિરાંત થઈ જાય ! નિયતિવાદ એટલે અહીંથી દરિયામાં નાખ્યું એટલે કિનારે પહોંચ્યું જ.

પ્રશ્નકર્તા : નિયતિવાદ એટલે પ્રારબ્ધવાદ એમ કહ્યું છે.

દાદાશ્રી : પ્રારબ્ધ, નસીબ એ નિયતિ નથી. નિયતિ જુદી વસ્તુ છે. નિયતિ એટલે આ સંસારના જીવોનો જે પ્રવાહ ચાલી રહ્યો છે તે કોઈ નિયતિના કાયદાને અનુસરીને ચાલી રહ્યો છે; પણ બીજાં કારણો ઘણાં બધાં આવે છે, જેમ કે કાળ છે, ક્ષેત્ર છે.

શુદ્ધ ચિદ્રૂપ

પ્રશ્નકર્તા : ચિત્તની શુદ્ધિ કેવી રીતે થાય ?

દાદાશ્રી : આ ચિત્તની શુદ્ધિ જ કરી રહ્યા છો ને ? ચિત્તનો અર્થ લોકો પોતપોતાની ભાષામાં સમજે છે, ચિત્ત નામની વસ્તુ કોઈ જુદી છે એમ જાણે. ચિત્ત એટલે જ્ઞાન-દર્શન ભેગાં કરવાથી જે ભાવ ઉત્પન્ન થાય તે. ચિત્તની શુદ્ધિ કરવી એટલે જ્ઞાન-દર્શનની શુદ્ધિ કરવી. શુદ્ધાત્માને શું કહેવાય ? શુદ્ધ 'ચિદ્રૂપ'. જેનું જ્ઞાન-દર્શન શુદ્ધ થયું છે એવું જે સ્વરૂપ પોતાનું તે જ શુદ્ધ ચિદ્રૂપ.

પ્રશ્નકર્તા : સચ્ચિદાનંદ આપણે જે કહીએ છીએ તે ?

દાદાશ્રી : સચ્ચિદાનંદ તો અનુભવદશા છે અને આ શુદ્ધાત્મા એ પ્રતીતિ ને લક્ષ દશા છે. એની એ જ વસ્તુ, શુદ્ધ ચિદ્રૂપને શુદ્ધાત્મા, એક જ વસ્તુ છે. અમે સ્વરૂપનું જ્ઞાન આપીએ ત્યારે તમારું ચિત્ત સંપૂર્ણ શુદ્ધ થઈ જાય છે. હવે આ બુદ્ધિ એકલી જ હેરાન કરે, ત્યાં સાચવવાનું. બુદ્ધિને માનભેર વળાવી દેવી. જ્યાં પોતાનું સ્વરૂપ છે ત્યાં અહંકાર નથી. કલ્પિત જગ્યાએ 'હું છું' બોલવું એ અહંકાર ને મૂળ જગ્યાએ 'હું' એને અહંકાર ના કહેવાય. એ નિર્વિકલ્પ જગ્યા છે.

મનુષ્ય ને 'હું-તું'નો ભેદ ઉત્પન્ન થયો તેથી કર્મ બાંધે છે. કોઈ જાનવર બોલે કે 'હું ચંદુલાલ છું ?' એમને ભાંજગડ જ નહીં ને ? એટલે આ આરોપિત ભાવ છે. એનાથી કર્મ બંધાય છે.

નિર્-અહંકારે નિરાકૂળતા

જ્યાં અહંકાર શૂન્યતા પર છે ત્યાં નિરાકૂળતા પ્રાપ્ત થાય. જ્યાં સુધી અહંકાર શૂન્યતા પર ના આવે ત્યાં સુધી નિરાકૂળતા એક ક્ષણવાર પ્રાપ્ત થાય નહીં. નિરાંત પ્રાપ્ત થાય. નિરાંત અને નિરાકૂળતામાં બહુ ફેર.

પ્રશ્નકર્તા : એ ફેર સમજાવો.

દાદાશ્રી : અહંકાર ગયા પછી નિરાકૂળતા ઉત્પન્ન થાય અને બધા સંયોગો ના હોય ત્યારે નિરાંત હોય. લોકો નિરાંત ખોળે. નિરાકૂળતા તો સિદ્ધનો ૧/૮ ગુણ છે.

પ્રશ્નકર્તા : મન-બુદ્ધિ-ચિત્ત ને અહંકાર, તેમાં વધારેમાં વધારે શક્તિ તો ચિત્તની છે ને ?

દાદાશ્રી : એવું છે ને, ચિત્ત એ મિશ્રચેતન છે અને પેલાં તો સ્વભાવે પુદ્ગલ છે. ચિત્ત એ જ્ઞાન-દર્શન છે. એ શુદ્ધ થઈ જાય તો શુદ્ધાત્મા થઈ જાય અને જ્યાં સુધી આ સંસારની જેને વાત ગમતી હોય, સંસારમાં જ ચિત્ત ભટક ભટક કરતું હોય તો શુદ્ધાત્મા ના હોય. આ જ્ઞાનના પ્રભાવથી ચિત્ત શુદ્ધ થાય એટલે 'સ્ટેડીનેસ' (સ્થાયી) થાય.

આધાર-આધારી સંબંધ

પોતાનો બનાવેલો મહેલ હોય તો તો પાડી નાખીએ. પણ આ તો મહેલ પ્રકૃતિનો બનાવેલો છે. માટે પદ્ધતિસર સમજી સમજીને કરવા જેવું છે.

'જ્ઞાની પુરુષ' જાણે કે આ મહેલ શી રીતે ચણાયેલો છે ને આનું કાંગરું ક્યાં મૂકેલું છે, શું કરવાથી પહેલો માળ તૂટી જાય, પછી બીજો માળ ઊડે એ બધુંય 'જ્ઞાની' જાણે.

પોતે આધાર આપતા હતા તેનાથી જગત ઊભું હતું. 'હું ચંદુભાઈ છું' ત્યાં સુધી આધાર આપતા હતા તમે, હવે 'હું શુદ્ધાત્મા છું' તે આધાર આપવાનું બંધ થયું એટલે નિરાધાર થયું, એટલે બધી વસ્તુ પડી જાય. આ હાથના આધારે વસ્તુ રહી છે, હાથ ખસેડ્યો તો વસ્તુ પડી જાય. બાકી છોડ્યું છૂટે નહીં.

પ્રશ્નકર્તા : આધારને વળગેલી જે વૃત્તિ, તે છૂટે કેવી રીતે ?

દાદાશ્રી : 'હું શુદ્ધાત્મા છું' એ લક્ષ રહે છે તમને ?

પ્રશ્નકર્તા : હા.

દાદાશ્રી : તો પછી આધાર રહ્યો જ નહીં. વૃત્તિ રહે જ નહીં. એ જે વૃત્તિ રહે છે તે નિરાધારની છે, આધારની નથી. જ્યારથી આધારીનો આધારભાવ છૂટી જાય છે, પછી જે નિરાધારી થયો તેની જ એ વૃત્તિઓ છે. આપણને એ લક્ષમાં રહેવું જોઈએ કે એ આપણી વૃત્તિ નથી. આપણામાં વૃત્તિઓ નામનું કશું છે જ નહીં. આપણી તો નિજવૃત્તિ, નિજભાવમાં જ રહ્યા કરે છે, સ્વાભાવિક થયા પછી !

અકર્તાપદે મનોમુક્તિ

પોતે શુદ્ધાત્મા થયો એટલે અકર્તા થયો. પછી મનની ગાંઠ છેદાયા કરે અને ગાંઠ ફૂટે ને કર્તા થાય તો મન ઊભું થઈ જાય. આપણે અકર્તાપદમાં હોઈએ તોય મનની ગાંઠ તો ફૂટ્યા જ કરવાની. મન કૂદાકૂદ કરે તોય નિર્જરા થયા કરે, પણ તે વખતે 'આપણે' ઉપયોગમાં રહેવું કે શું થાય છે ને શું નહીં ? ખરાબ વિચાર આવે તોય વાંધો નહીં ને સારા વિચાર આવે તોય વાંધો નહિ. કારણ કે જેને દુકાન કાઢી નાખવી છે, તેને પછી એ માલ સડેલો હોય તોય કાઢી નાખવાનો છે ને સારો હોય તોય કાઢી નાખવાનો છે.

''કર્તાપદ છે આગ્રહી, અકર્તાપદ છે નિરાગ્રહી'' - નવનીત

શુભ કે અશુભનો હવે આગ્રહ નથી. દાન આપવાનોય આગ્રહ નથી. ઉદયમાં આવ્યું હોય ત્યારે દાન આપીએ, તો એની નિર્જરા થઈ જાય.

''અવિચારપદ તે શાશ્વત જ્ઞાન.''

પોતે જ્યાં સુધી વિચારમાં તન્મયાકાર થયો ત્યાં સુધી વિચાર પદ કહેવાય અને પોતે વિચારથી છૂટો પડ્યો એટલે અવિચારપદ કહેવાય.

અંતિમ દર્શન

પ્રશ્નકર્તા : મહાવિદેહ ક્ષેત્રમાં કેવી રીતે જવાય ? પુણ્યૈથી ?

દાદાશ્રી : આ અમારી આજ્ઞા પાળે, તેનાથી આ ભવમાં પુણ્યૈ બંધાઈ જ રહી છે. તે મહાવિદેહ ક્ષેત્રમાં લઈ જાય છે. આજ્ઞા પાળવાથી ધર્મધ્યાન થાય છે. તે બધું ફળ આપશે.

પ્રશ્નકર્તા : શુભ ધ્યાન જે થાય છે તે પણ ધર્મધ્યાનમાં જાય છે ને ?

દાદાશ્રી : હા. પણ શુભ ધ્યાન કે અશુભ ધ્યાન, કર્તા હોય તો થાય. અને આ જ્ઞાન પછી વિચારો આવે, કોઈને દાન આપો તે બધી નિર્જરા છે.

પ્રશ્નકર્તા : અહીંયાં સત્સંગમાં આપણે પદો ગાઈએ, એનું શું ?

દાદાશ્રી : એ બધું અમારી આજ્ઞામાં આવી ગયું. જ્ઞાનીની આજ્ઞારૂપી ધર્મધ્યાનનું ફળ ઊંચામાં ઊંચી મનુષ્યગતિ આવે. તેનાથી આવતો ભવ બહુ સુંદર આવે, તીર્થંકરો આપણને મળે, પછી શું જોઈએ ? આપણને આત્મા તો પ્રાપ્ત થઈ ગયેલો છે. ખાલી છેલ્લાં તીર્થંકરનાં દર્શન કરવાનાં રહે છે તે એક જ વખત થાય તો બહુ થઈ ગયું. કેવળજ્ઞાન અટકેલું હોય તે પૂરું થાય. 'જ્ઞાની પુરુષ' તો પોતે જ્યાં સુધી પહોંચ્યા હોય ત્યાં સુધી લઈ જાય. એથી આગળ ના લઈ જાય. આગળ તો આગળનાં જે હોય તેની પાસે લઈ જાય, એમાં ચાલે જ નહીં ને ?

એસિડનો બર્ન કે મુક્તિનું આસ્વાદન ?!!!

આપણે ત્યાં પેલાં એક ભાઈ આવે છે ને, તેમનો ભત્રીજો એસિડથી દાઝયો હતો. દેવતામાં પડવું સારું પણ એસિડ બહુ વસમું. ડૉક્ટરો બધા ગભરાઈ ગયેલા કે આ છોકરો ત્રણ કલાકથી વધારે નહીં જીવે. એ છોકરાને અમે જ્ઞાન આપેલું. તે ડૉક્ટરોને હસતાં હસતાં એ શું કહે કે, ''તમારે મને જ્યાંથી કાપવું હોય ત્યાંથી કાપો. હું જુદો ને રાજુ જુદો !'' આ સાંભળીને ડૉક્ટરો બધા સજ્જડ થઈ ગયા ! તે છોકરો બચી ગયો. એ મરી જ જાત જો આ જ્ઞાન ના મળ્યું હોત તો. અડધું તો 'સાયકોલોજિકલ ઇફેક્ટ'થી માણસ મરી જાય છે. મને શું થઈ ગયું ? શી રીતે થયું ? આ તો મટશે નહીં. જ્યારે રાજુ તો કહે કે 'હું જુદો ને રાજુ જુદો.' હું જ્યારે દવાખાનામાં એને મળવા ગયો ત્યારે એ ખૂબ આનંદમાં હતો અને કહેવા લાગ્યો, ''મારી જોડે રાજુ સૂઈ ગયો છે !''

બધા ડૉક્ટરો અહોહો થઈ ગયા ! આવો કેસ બનેલો જોયો જ નથી. આ શું છે બધું ? ત્યારે કહે કે, 'દાદા છે આની પાછળ.' 'આ જ્ઞાન'નો પ્રતાપ છે. એ પાછો ક્ષત્રિયકુળનો. દાદાએ કહ્યું કે, 'તું જુદો જ છે, રાજુથી.' એટલે એ જુદો જ માને અને તમારા વણિકકુળને તો અડ્યા વગર રહે કે?

પ્રશ્નકર્તા : અડે, દાદા. આ દાઝવાનું કયા કારણનું પરિણામ છે ?

દાદાશ્રી : એ તો અમારાં ક્ષત્રિયોનાં કામ જ એવાં હોય. અશાતા વેદનીય કોઈને આપી હોય તો એટલી અશાતા વેદનીય આપણે ભોગવવી પડે, પછી કોઈ પણ દેહધારી હોય, મનુષ્ય હોય કે જાનવર હોય ! આ કંઈ પૈસા કમાવા જતાં નથી કરેલું. અશાતા વેદનીયનું આ ફળ છે. કોઈને સહેજ પણ દુઃખ થાય એવો ત્રાસ કરીએ ત્યારે આ ફળ આવે. ક્ષત્રિય લોકો અશાતા કરીયે જાણે ને ભોગવીએયે જાણે. જ્યારે તમે અશાતા કરોય નહીં ને ભોગવોય નહીં.

પ્રશ્નકર્તા : આ પૂર્વભવનું હશે ને ?

દાદાશ્રી : આ પૂર્વભવનાં 'કૉઝિઝ'ની 'ઇફેક્ટ્સ' છે.

માતાના પેટમાંથી બચ્ચું બહાર આવે છે, તેમાં તે તો ઊંધે માથે હોય છે. તેનાથી તો ફરાય નહિ. છતાં એ બહાર આવે છે તે મા ધકેલે છે કે ડૉક્ટર ખેંચે છે કે બચ્ચું આવે છે ? કોણ કરે છે આ ? આ બધી 'ઇફેક્ટ્સ' છે, પરિણામ છે. પૂર્વે જે કૉઝિઝ હતાં, તેનાં પરિણામ સ્વાભાવિક રીતે થાય.

મિત્ર શત્રુ કે શત્રુ મિત્ર ?

''નીપજે નરથી તો કોઈ ન રહે દુઃખી,

શત્રુ મારીને, સૌ મિત્ર રાખે.''

માણસથી જો નીપજતું હોય તો આ બધાં શત્રુઓને મારી નાખીને મિત્રો જ રાખે. તોય શત્રુ વગરની ભૂમિકા ના થાય. એ મિત્રોમાંથી જ પાછા શત્રુ ઊભા થાય. એના કરતાં જો પેલા શત્રુ રહેવા દીધા હોત ને તો પેલા મિત્રો શત્રુ થાય ત્યારે પેલા શત્રુઓ મિત્રો થયા હોત ! ત્યારે એ કામ લાગે ! મારવા જેવું આ જગત નથી. કાયમી કશી વસ્તુ હોતી નથી. તમારે નક્કી ના કરવું કે આ કાયમનો મારો દુશ્મન છે.

પ્રશ્નકર્તા : 'નમો અરિહંતાણં'માં જે બોલીએ છીએ ને આપે જે શત્રુ ને મિત્રની વાત કરી, તે શું ?

દાદાશ્રી : અરિહંતવાળી વાત તો, આંતરશત્રુઓ માટે છે. આંતરશત્રુઓ એટલે ક્રોધ-માન-માયા-લોભ જેણે હણી નાંખ્યા છે એવા અરિહંત ભગવાનને હું નમસ્કાર કરું છું.

સ્વાભાવિક થવામાં નૈમિત્તિક કારણો હોય છે. આંતરશત્રુઓને ઓળખો કે આ અમારા વિરોધી છે, તે શત્રુ છે. મારવાનાં કોઈને નથી. શત્રુ પર દ્વેષ કરવાનો નથી. તો હવે આ શત્રુઓને મેં બોલાવ્યા છે કે શત્રુઓનો બોલાવેલો હું આવ્યો છું, એની તપાસ કરો. પછી શત્રુઓ કેવી રીતે જાય, એનાથી મુક્ત કેવી રીતે થવાય, તેની તપાસ કરો.

સાધના, સાધ્યભાવે-સાધનભાવે

પ્રશ્નકર્તા : શત્રુઓ હણવા માટે જે સાધના કરવાની ટેવ પડી ગયેલી છે તેનાથી એ હણાઈ જાય ખરા ?

દાદાશ્રી : એવું છે ને, સાધના બે પ્રકારની છે :

(૧) સાધના, સાધ્યભાવ માટે જ કરવી તે

(૨) સાધના, સાધના માટે કરવી તે.

સાધ્યભાવે સાધના એ છેલ્લી સાધના કહેવાય અને તે અમુક હદ સુધી માણસ જાતે કરી શકે. આ બેહદનાં સાધનો નથી. બેહદમાં તો 'જ્ઞાની પુરુષ'નું નિમિત્ત જોઈશે. એ ભેગા થાય ત્યારે તેમને આપણે કહેવાનું, 'આપ જે પદને પામ્યા છો એ પદ અમને પ્રાપ્ત થાય એવી કૃપા કરો.' ખાલી કૃપાની જ માગણી કરવાની છે અને તેય 'જ્ઞાની પુરુષ' કર્તા છે નહીં. એ નિમિત્ત છે. એ નિમિત્ત હોય તો જ કાર્ય થશે, નહીં તો નહીં થાય.

પ્રશ્નકર્તા : સાધનામાર્ગમાં જે ગુરુઓ હોય છે તે લોકો પોતે નિમિત્તભાવ જેવું માનતા હોતા નથી.

દાદાશ્રી : ખરી વાત છે. એ એમાં પોતાની જાતને માને કે મારે આટલું કરવું જ જોઈએ, મારા શિષ્યોએ આટલું કરવું જ જોઈએ, પોતે બંધાય અને શિષ્યો પણ બંધાય. પણ બંધાતાં બંધાતાં આગળ વધે, પ્રગતિ માંડે અને આ તો 'જ્ઞાની પુરુષ', તે પોતે બંધાય નહીં અને મુક્ત કરે. કર્તાભાવ બંધાવે ને નિમિત્તભાવ મુક્ત કરે.

પુરણ-ગલન ને પરમાત્મા

પ્રશ્નકર્તા : શુદ્ધાત્મા જ્ઞાતા-દ્રષ્ટા માત્ર છે, તો કૃપા-અવકૃપા એ ઘાલમેલ કોણ કરે છે ? કોની મારફતે કરાવે છે ?

દાદાશ્રી : કોઈ ઘાલમેલ કરતું નથી, બધું આ પુદ્ગલ જ છે.

પ્રશ્નકર્તા : પ્રેરણા બધી પુદ્ગલની જ છે ?

દાદાશ્રી : બધું પુદ્ગલ છે. પુદ્ગલમાં અહંકાર હઉ આવી ગયો. ક્રોધ-માન-માયા-લોભ બધું જ આવી ગયું. બધું પુદ્ગલ પુરણ-ગલન થયા કરે.

અહંકારેય પુરણ-ગલન થયા કરે. લગ્નમાં જાય ને કોઈ જે' જે' કરે તો અહંકારનું પુરણ થાય; જે' જે' ના કરે તો પાછું ગલન થાય ! ક્રોધ એકદમ નીકળે ત્યારે ૫૦૦ ડીગ્રીએ હોય. પછી ૪૦૦ થાય, ૩૦૦ થાય ૨૦૦, ૧૦૦, ઝીરો થઈ જાય.

લોભેય એવો પુરણ-ગલન થાય. બધું પુરણ-ગલન થયા કરે.

પ્રશ્નકર્તા : આત્મા અને પુદ્ગલમાં ફેર શું ?

દાદાશ્રી : આત્મા એક જ વસ્તુ છે. એક જ વસ્તુ એટલે એ વધ-ઘટ થતી નથી, એક જ સ્વાભાવિક વસ્તુ છે. જ્યારે પુદ્ગલ એ સ્વાભાવિક વસ્તુ નથી.

પુદ્ગલ કોને કહેવાય ? આમાં ખાવાનું પૂરે, તે પુરણ કહેવાય અને સંડાસમાં જાય, તે ગલન કહેવાય. શ્વાસ લીધો તે પુરણ ને ઉચ્છ્વાસ એ ગલન છે. એ પુદ્ગલ પુર્ગલ ઉપરથી થયું છે.

આ શરીરમાં પુદ્ગલ અને આત્મા બે જ વસ્તુ છે. જો પુદ્ગલ અને આત્માની વહેંચણી કરતાં આવડી જાય તો તેને આત્મા જડી જાય. પણ એવી માણસમાં શક્તિ નથી, એ માણસની મતિની બહારની વાત છે. બુદ્ધિથી પરની આ વાત છે ! 'જ્ઞાની પુરુષ'માં ભગવાન જાતે બેઠેલા હોય તે એમની કૃપાથી શું ના થાય ?

જ્ઞાનીની કૃપા

પ્રશ્નકર્તા : અહીં બધા બેઠા છીએ તે દાદા ભગવાનની કૃપા દરેક ઉપર સરખી ઊતરશે ?

દાદાશ્રી : ના, સરખી નહીં. તમારો 'દાદા ભગવાન' પર કેવો ભાવ છે, તેના પર છે.

પ્રશ્નકર્તા : મારું વાસણ ધારો કે મોટું હોય તો વધારે પાણી લે ને કોઈ લોટા જેટલું પાણી લે. તો વાસણ ઉપર આધાર રાખે કે ભાવ ઉપર ?

દાદાશ્રી : એમાં વાસણની જરૂર નહીં. કશું ના આવડતું હોય તો હું કહું કે, 'કશું ના આવડતું હોય તો અહીં બેસી રહે બા, જા પેલા બૂટ સાફ કર્યા કરજે.'

જ્ઞાનીના કૃપાપાત્ર થવાનું છે, બીજું કશું કરવાનું નથી. કૃપા પ્રાપ્ત કરવામાં શું અડચણ કરે ? આપણી આડાઈઓ.

પ્રશ્નકર્તા : તે આડાઈઓ ના કાઢવી જોઈએ ?

દાદાશ્રી : ના, એ જલદી પેલા લાભ ના થવા દે. અમે આડાઈઓ દેખીએ ત્યાં કરુણા રાખીએ. એમ કરુણા રાખતાં રાખતાં આડાઈઓ ધીમે ધીમે ખસેડાય. ત્યાં માથાકૂટ વધારે કરવી પડે.

શાસ્ત્રનું વાચન

પ્રશ્નકર્તા : સદ્શાસ્ત્રોના વાચનથી પાપોનો ક્ષય ના થઈ શકે ?

દાદાશ્રી : ના, એનાથી પુણ્ય બંધાય ખરું. પાપોનો ક્ષય ના થાય. બીજું નવું પુણ્ય બંધાય, તે પુણ્યાનુબંધી પુણ્યૈ કહેવાય. સદ્શાસ્ત્રનો અભ્યાસ કરે, તેમાંથી સ્વાધ્યાય થાય. એટલે ચિત્તની એકાગ્રતા, મનની એકાગ્રતા બહુ સુંદર થાય.

પ્રશ્નકર્તા : 'જ્ઞાની પુરુષ'ના સત્સંગની સાથે સદ્શાસ્ત્રનું વાંચન અને મનન કરવું જોઈએ ને ?

દાદાશ્રી : એ બરોબર છે, પણ જો જ્ઞાનીના સત્સંગથી ફૂલ માર્ક્સ આવી જાય, પછી વાંચનની જરૂર ના રહીને ? આ બધાને ફૂલ માર્ક્સ આવી ગયા પછી વાંચે તો બોધરેશન વધે ઊલટું. હવે આટલી સુંદર જાગૃતિ થયા પછી નકામો ટાઈમ જાય.

પ્રશ્નકર્તા : નિમિત્ત રીતે વાંચે તો ?

દાદાશ્રી : નિમિત્ત રીતે ખરું, પણ એ સંજોગાધીન છે. એટલે આપણા કાબૂમાં નથી.

પ્રશ્નકર્તા : સંજોગો ઉપર કાબૂ નથી. એવું કહેવું એ આપણા મનની નબળાઈ ના કહેવાય ?

દાદાશ્રી : ના, આ વર્લ્ડમાં એવો કોઈ માણસ નથી કે જેનો સંજોગો પર કાબૂ હોય !

 

ભાગ
1-2 -3 - 4 - 5 - 6 - 7 - 8 - 9 - 10 - 11 - 12