ભાગ
1-2 -3 - 4 - 5 - 6 - 7 - 8 - 9 - 10 - 11 - 12



આપ્તવાણી શ્રેણી - ૫

આધાર-આધારી

પ્રશ્નકર્તા : જે થવાનું છે તે થયા જ કરે છે, ગમે તેટલું કરો.

દાદાશ્રી : જે થવાનું છે એ થયા કરે છે એવું બોલાય જ નહીં. કો'ક ગાળ ભાંડે તે ઘડીએ ચિંતા ના થતી હોય તો એ જ્ઞાન કામનું છે. તને ચિંતા તો થઈ જાય છે. આખા હાલી જાઓ છો. નિર્બળતા ઊભી થઈ જાય.

પ્રશ્નકર્તા : ચિંતા કોને થાય છે ? મને કે મારા આત્માને ?

દાદાશ્રી : તને થાય છે.

પ્રશ્નકર્તા : એટલે શરીરને થાય છે એમ ?

દાદાશ્રી : તને પોતાને તું તારી 'સેલ્ફ' જેને જાણે છે, તેને થાય છે. 'શરીર મારું છે' એવું જે માને છે, તેને ચિંતા થાય છે.

પ્રશ્નકર્તા : 'હું બોલ્યો, પણ તેમાં મને કંઈ લાગતું-વળગતું નથી.' એમ હું કહી દઉં તો પછી ચિંતાનો કંઈ સવાલ જ નથી ને ?

દાદાશ્રી : જો તને આ સંસાર અસરકારક ના હોય તો વાંધો જ નથી. આ જ્ઞાન સમજવાની જરૂર નથી. પણ તને કોઈ પણ રસ્તે આ સંસાર 'ઈફેક્ટિવ' (અસરકારક) છે ? આ બધું 'રિલેટિવ' છે. તને પોતાને અસર થાય છે ને ?

પ્રશ્નકર્તા : હા.

દાદાશ્રી : તે અસર થાય છે ત્યાં સુધી નિર્બળતા છે. ભયંકર નિર્બળતા ! માણસને અસર ના જ થવી જોઈએ.

આ તો આવા બંગલા, મોટરો બધાં સાધનો હોય છે તોય અસર થાય છે, તો સાધન તૂટી જાય તો શું થાય ? માણસ કલ્પાંત કરી કરીને જિંદગી કાઢે ! માટે આજુબાજુ શું છે ? એ પહેલું જાણી લીધું હોય તો પછી આપણને એ અસરકારક રહે નહીં અને જાણ્યા વગર આપણે બધું માથે લેવું પડે. રાત્રે લોકો દુઃખો માથે મૂકીને સૂઈ જાય છે ને ઊંઘ આવતી નથી. જ્યારે શરીર થાકે છે ત્યારે ઊંઘ આવે છે. એ 'લાઈફ' કેમ કહેવાય ?

'તું' કોણ છે ? શેના આધારે 'તું' છે ? એની ખબર નથી. 'આ શેના આધારે છે' એની ખબર તો હોવી જ જોઈએ ને ? આધાર- આધારીનો સંબંધ પણ સમજવો જોઈએ ને કે આપણે શેના આધારે છીએ ? પોલીસવાળા આવે છે એવું ખાલી કોઈ કહે તો તેના આવતાં પહેલાં પોતે ફફડે ! આટલી બધી નિર્બળતા કેમ હોવી જોઈએ ? જગત તો બહુ ઊંડું છે. ઘણા અવતારનું જોયેલું છે. પણ યાદ રહે નહીં ને ? એટલે જાણવા જેવું જગત છે !

વળી આ જગતમાં શું કરવા જેવું છે ને શું કરવા જેવું નથી, 'શું જાણવા જેવું છે ને શું જાણવા જેવું નથી', એટલું જ સમજવાનું છે.

કર્તાભાવ એ કુસંગ

પોતાનો દોષ દેખાય ત્યારથી સમકિત થયું કહેવાય.

પ્રશ્નકર્તા : એનામાં નમ્રતા આવી જાય ?

દાદાશ્રી : નમ્રતા આવે કે ના આવે, પણ સમકિત ત્યારથી ગણાય જ્યારથી પોતાના દોષ દેખાય. નહીં તો પોતાનો એકેય દોષ ના દેખાય. 'હું જ કર્તા છું' એમ રહે !

આપણા 'જ્ઞાન'ને માટે કર્તાભાવ એ કુસંગ છે. ઊલટો એનો કેફ ચઢે. જ્યાં કર્તાપદ છે ત્યાં સમકિતેય નથી. સમકિત નથી ત્યાં મોક્ષની વાત કરવી એ ખોટી છે, નિરર્થક છે !

જેનું નિદિધ્યાસન કરો...

પ્રશ્નકર્તા : દાદા, આપના સ્મરણ અને નિદિધ્યાસનમાં કંઈ ફેર ખરો ?

દાદાશ્રી : નિદિધ્યાસન તો મુખારવિંદ સાથે રહે અને સ્મરણ મુખારવિંદ વગર રહી શકે. નિદિધ્યાસન, મુખારવિંદ સાથેનું બહુ કામ કાઢી નાખે. 'દાદા' 'એક્ઝેક્ટ' ના દેખાય તેનો વાંધો નથી. આંખો ના દેખાય તો ય વાંધો નથી. પણ મૂર્તિ દેખાવી જોઈએ. જેનું નિદિધ્યાસન કરીએ તે રૂપ થવાય. 'દાદા' પોતે સ્વભાવના કર્તા છે. દાદા 'એક્ઝેક્ટ' દેખાય તો તે સ્વરૂપ થવાય, આપણે પણ સ્વભાવના કર્તા થઈએ ! દાદાનું સ્મરણ રહે તોય સારું ને નિદિધ્યાસન રહે તો ય સારું.

પ્રશ્નકર્તા : સતત નિદિધ્યાસન નથી રહેતું.

દાદાશ્રી : દાદાના સ્મરણમાં મનની ચંચળતા રહે, ચિત્તની ચંચળતાય હોય અને નિદિધ્યાસનમાં ચંચળતા ના રહે. નિદિધ્યાસનમાં ચિત્તને ત્યાં રહેવું પડે. ચિત્ત હાજર હોય ત્યાં સુધી જ કામ ચાલે. મનની ચંચળતાનો વાંધો નથી. પણ ચિત્તને ત્યાં હાજર જ રહેવું પડે અને જ્યાં ચિત્ત હાજર રહે ત્યાં મનને બેસી રહેવું પડે. છતાંય આખો દહાડો દાદાનું સ્મરણ રહે તો બહુ થઈ ગયું. પણ જોડે જોડે થોડું નિદિધ્યાસન રહે તો સારું.

સ્વપ્નમાં તો દાદા 'એક્ઝેક્ટ' દેખાય. જેને ભજીએ તે રૂપ થયા કરીએ. જેનું નિદિધ્યાસન કરીએ તે રૂપ થવાય. ચિત્ત ઠેકાણે રહે તો નિદિધ્યાસન થાય.

અધ્યાત્મનું વાતાવરણ

પ્રશ્નકર્તા : કોઈ રાજા-મહારાજાને ત્યાં અગર કોઈ સારી અનુકૂળ જગ્યામાં જન્મે, તો અધ્યાત્મમાં આગળ વધે ને ?

દાદાશ્રી : હા. રાજા-મહારાજાઓને ત્યાંય જન્મે અને બીજું અહીં સારાં ઘરોમાં જન્મે કે જ્યાં આગળ, જ્યાં જાય ત્યાં માનભેર હોય. સાસરીમાં જાય તો ત્યાંય માનભેર હોય. જેને નાનપણથી અપમાન થયા કરે તે મનમાં નક્કી કરે કે મારે ગમે તે રસ્તેથી આ લોકોની પાસેથી માન લેવું છે. તે એનું ધ્યેય બદલાઈ ગયું હોય અને તે માનમાં ભળી ગયો હોય. તેને આ માનનો માલ પોસાય. બાકી બીજી ભીખ હોય તેને એ ના પોસાય.

આ હિન્દુસ્તાનમાં જન્મ થયો એ અનંત અવતારના આધારે થયો છે. બાકી ફોરેનવાળા તો અધ્યાત્મમાં પુનર્જન્મ સમજતા નથી.

વિકલ્પોથી વિશ્વની વણઝાર

અહીં અરીસાભુવન હોય ને ત્યાં આપણે એકલા ઊભા હોઈએ તો આપણે દોઢસો દેખાઈએ ! એવું છે આ જગત ! વિકલ્પ કરે કે દેખાયું. વિકલ્પના પડઘા પડે છે આ.

પ્રશ્નકર્તા : વિકલ્પના પડઘા પડે છે, તો પછી સંકલ્પનું શું પરિણામ ?

દાદાશ્રી : સંકલ્પને કશી લેવાદેવા નથી. વિકલ્પનો જ પડઘો પડે છે. 'સંકલ્પ' એટલે 'મારું' થયું. વિકલ્પ કર્યા પછી આ વસ્તુ આપણી થાય. ત્યારે આપણે સંકલ્પ કરીએ કે આ મારી છે. વિકલ્પથી જ આ બધું ઊભું થયું છે. એટલે સંકલ્પ નડતો નથી, વિકલ્પો જ નડે છે. નિર્વિકલ્પ બધું મટાડી દે એને. આ તો વિકલ્પ છે તો સંકલ્પ ઊભો થયો. નિર્વિકલ્પ થાય તો સંકલ્પેય નથી, વિકલ્પેય નથી ને કશુંય નથી.

વિકલ્પ તો 'હું ચંદુલાલ છું' ત્યાં સુધી વિકલ્પો જ છે, પછી આચાર્ય મહારાજ હોય કેે ગમે તે હોય. 'હું શુદ્ધાત્મા છું.' એવું ભાન રહે તો નિર્વિકલ્પ કહેવાય. હવે નિર્વિકલ્પ થયા ત્યારે નિર્વિકલ્પ દશા કેમ રહેતી નથી ? ત્યારે કહે કે પાછલાં દેવાં, પાછલી કલમોનો જે ભંગ કરેલો તે કલમોના દાવા ચાલશે.

'શુદ્ધાત્મા' થયા પછી સંકલ્પ ને વિકલ્પ બેઉ ગયા. હવે મનમાંથી નીકળે તે બધા જ્ઞેય છે. હવે જ્યાં સુધી પોતે વિકલ્પી હોય ત્યાં સુધી એ જ્ઞેય દેખાય નહીં. એ તો મને જ વિચાર આવ્યો છે, એવું કહે. બાકી પોતે કલ્પ સ્વરૂપ છે. જેવો ચિંતવે તેવો થઈ જાય. પોતે નિર્વિકલ્પ કેમ કહેવાય ? ત્યારે કહે કે અજ્ઞાનતામાં વિકલ્પ કર્યો હતો તેથી જ્ઞાન પછી નિર્વિકલ્પ કહેવાય. પાછા આવ્યા માટે નિર્વિકલ્પ કહેવાયું.

એક માત્ર સ્વરૂપ ભણી ચિંતવન વળે નહીં. તે મદિરા જ્ઞાની પુરુષ ઉતારે ત્યાર પછી એનું કંઈ વળે.

શુભના મોટા મોટા વિકલ્પ કર્યા હોય તો તેય ફળ આપે. કોઈને મારી નાખવાના ભાવ કર્યા હોય તો એવું ફળ આવે ને દાન આપવાના ભાવ કર્યા હોય તો તેવું ફળ આવે.

પ્રશ્નકર્તા : આપે કહ્યું છે ને કે જગત 'વ્યવસ્થિત' છે, તો પછી એને ફેરફાર કરવાનો વિકલ્પ કેમ આવે છે ?

દાદાશ્રી : આ વિકલ્પો તો પહેલાં વિકલ્પ કરેલા, તેના ફળ રૂપે આવે છે. બીજ પડ્યાં હોય તો ઊગે જ ને ? ફરી પાછા તમે એને નીંદી ના નાંખો, ઊગવા દો તો તે ફરી એનાં બીજ પડે છે. નિર્વિકલ્પ થયા પછી આને નીંદી નાખવાનું. 'સમભાવે નિકાલ' કરવા માંડ્યો, એ નીંદવા માંડ્યું કહેવાય.

જગત તો તદ્દન 'વ્યવસ્થિત' છે. ભગવાને કેમ ખુલ્લું ના કર્યું ? દુર્જન લોકો દુરુપયોગ કરે, જગત ઊંધે રસ્તે ચાલે, એટલા માટે સાચી વાત ના કહી. 'વ્યવસ્થિત'ના જ્ઞાનથી તમને સંકલ્પ-વિકલ્પ થાય નહીં. આ જગતમાં કર્તાપણું મટે તો 'વ્યવસ્થિત' સમજાય. કર્તાપણું ના મટે ત્યાં સુધી 'વ્યવસ્થિત' સમજાય નહીં. પોતે અકર્તા થાય તો 'આનો કર્તા કોણ છે' એ સમજાય. પોતે નથી કર્તા, છતાં કર્તા માને છે એટલે આ સમજાય કેમ કરીને ?

પ્રશ્નકર્તા : પોતાનું કર્તૃત્વ તો છોડતો નથી.

દાદાશ્રી : હા. એટલે બીજાને કર્તાપણું થવા જ ના દેને ? બાકી જગત છે વ્યવસ્થિત. પણ કર્તાપણાને લીધે કલ્પના ઉત્પન્ન થાય જ. અકર્તા થયો ત્યારથી જ ઉકેલ આવ્યો. ત્યાં સુધી ક્રોધ-માન-માયા-લોભ જાય નહીં, ભય જાય નહીં. અશુભનો કર્તા છૂટીને શુભનો કર્તા થયો તો ય પણ કર્તા છે એટલે સંકલ્પ-વિકલ્પ થયા વગર રહે જ નહીં. અને આ 'વ્યવસ્થિત' સમજાય નહીં એટલે 'મારું હવે શું થશે' એવો વિચાર આવે.

વિજ્ઞાનથી મુક્તિ

પ્રશ્નકર્તા : મોક્ષમાં જવાની ભાવના છે પણ એ કેડીમાં ખામી છે તો શું કરવું ?

દાદાશ્રી : શેની ખામી છે ?

પ્રશ્નકર્તા : કર્મો છે ને ? કર્મ તો કર્યા જ કરીએ છીએ.

દાદાશ્રી : કર્મ શેનાથી બંધાય એવું આપણે જાણવું જોઈએ ને ?

પ્રશ્નકર્તા : અશુભ ભાવથી અને શુભ ભાવથી.

દાદાશ્રી : શુભ ભાવેય ના કરે ને અશુભ ભાવેય ના કરે, તેને કર્મ બંધાય નહીં. શુદ્ધ ભાવ હોય તેને કર્મ ના બંધાય. અશુભ ભાવથી પાપ બંધાય ને શુભ ભાવથી પુણ્ય બંધાય. પુણ્યનું ફળ મીઠું આવે અને પાપનું ફળ કડવું આવે. ગાળો ભાંડે ત્યારે મોઢું કડવું થઈ જાય છે ને ?

પ્રશ્નકર્તા : હા.

દાદાશ્રી : અને ફૂલહાર ચઢાવે તે ઘડીએ ? મીઠું લાગે. શુભનું ફળ મીઠું ને અશુભનું ફળ કડવું અને શુદ્ધનું ફળ મોક્ષ !

પ્રશ્નકર્તા : જીવ મુક્તિ ક્યારે પામે ?

દાદાશ્રી : શુદ્ધ થાય તો મુક્તિ પામે. શુદ્ધતાને કશું અડે જ નહીં. શુભને અડે. આ શુભનો માર્ગ જ નથી. આ શુદ્ધનો માર્ગ છે. એટલે નિર્લેપ માર્ગ છે.

આ 'વિજ્ઞાન' છે. 'વિજ્ઞાન' એટલે બધી રીતે મુક્ત કરાવડાવે. જો શુદ્ધ થયો તો કશું અડે નહીં અને શુભ છે તો અશુભ અડશે. એટલે શુભવાળાને શુભ રસ્તો લેવો પડે. એટલે શુભમાર્ગી જે કરતા હોય તે બરાબર છે. પણ આ તો શુદ્ધનો માર્ગ. શુદ્ધ ઉપયોગી બધા. એટલે બીજી કશી ભાંજગડ જ નહીં.

આ માર્ગ જુદી જ જાતનો છે. વિજ્ઞાન છે આ ! વિજ્ઞાન એટલે જે જાણવાથી જ મુક્ત થવાય. કરવાનું કશું જ નહીં. જાણવાથી જ મુક્તિ ! આ બહાર છે તે જ્ઞાન છે. જ્ઞાન એટલે ક્રિયાકારી ના હોય અને આ વિજ્ઞાન ક્રિયાકારી હોય. આ 'વિજ્ઞાન' પ્રાપ્ત થયા પછી અંદર તમને ક્રિયા કર્યા જ કરે. શુદ્ધ ક્રિયા કરે. અશુદ્ધતા એને અડે જ નહીં. આ વિજ્ઞાન જુદી જ જાતનું છે. 'અક્રમ વિજ્ઞાન' છે !!

પ્રશ્નકર્તા : નિષ્કામકર્મ કહ્યું છે તે આ ?

દાદાશ્રી : નિષ્કામકર્મ એ જુદી જાતનું છે. નિષ્કામકર્મ એ તો એક જાતનો રસ્તો છે. એમાં તો કર્તાપદ જોઈએ. પોતે કર્તા હોય તો નિષ્કામકર્મ થાય. અહીં કર્તાપદ જ નથી. આ તો શુદ્ધ પદ છે. જ્યાં કર્તાપદ છે ત્યાં શુદ્ધ પદ નથી, શુભ પદ છે.

પ્રશ્નકર્તા : શુદ્ધતા લાવવા શું કરવું ?

દાદાશ્રી : કરવા જશો તો કર્મ બંધાશે. 'અહીં' કહેવાનું કે અમારે આ જોઈએ છે. કરવાથી કર્મ બંધાય છે. જે જે કરશો, શુભ કરશો તો શુભનાં કર્મ બંધાશે, અશુભ કરશો તો અશુભનાં બંધાશે અને શુદ્ધમાં તો કશું જ નથી. જ્ઞાન એની મેળે જ ક્રિયાકારી છે. પોતાને કશું કરવું ના પડે.

પોતે મહાવીરના જેવો જ આત્મા છે પણ ભાન થયું નથી ને ? આ 'અક્રમ વિજ્ઞાન'થી એ ભાન થાય છે. જાગૃતિ ખૂબ વધી જાય છે. ચિંતા બંધ થઈ જાય, મુક્ત થઈ જવાય ! સંપૂર્ણ જાગૃતિ ઉત્પન્ન થાય છે. આ 'કેવળજ્ઞાન' વિજ્ઞાન છે. જેવું તેવું નથી. એટલે આપણું કામ નીકળી જાય.

પ્રશ્નકર્તા : આપ જેટલા 'જ્ઞાની' છો તેટલું જ્ઞાન મેળવવા શું કરવું જોઈએ ?

દાદાશ્રી : એમની પાસે બેસવું. એમની કૃપા પ્રાપ્ત કરવી. બસ બીજું કશું કરવાનું નથી. 'જ્ઞાની'ની કૃપાથી જ બધું થાય. કૃપાથી 'કેવળજ્ઞાન' થાય. કરવા જશો તો તો કર્મ બંધાશે, કારણ કે 'તમે કોણ છો ?' એ નક્કી થયેલું નથી. 'તમે કોણ છો ?' એ નક્કી થાય તો કર્તા નક્કી થાય.

સાપેક્ષ વ્યવહાર

'વ્યવહાર શું છે' એટલું જ જો સમજે તોય મોક્ષ થઈ જાય. આ વ્યવહાર બધો 'રિલેટિવ' છે અને ઓલ ધીસ રિલેટિવ આર ટેમ્પરરી એડજસ્ટમેન્ટ્સ એન્ડ રિયલ ઈઝ ધી પરમેનન્ટ એડજસ્ટમેન્ટ !

નાશવંત વસ્તુમાં પોતાપણાનો આરોપ કરવો એ 'રોંગ બીલિફ' છે. 'હું ચંદુભાઈ છું, આનો ધણી છું' એ બધી 'રોંગ બિલીફ' છે. તમે 'ચંદુભાઈ' છો એમ નિશ્ચયથી માનો છો ? પુરાવો આપું ? 'ચંદુભાઈ'ને ગાળ ભાંડે તો અસર થાય કે ?

પ્રશ્નકર્તા : જરાય નહીં.

દાદાશ્રી : ગજવું કાપે તો અસર થાય છે ?

પ્રશ્નકર્તા : થોડી વાર થાય.

દાદાશ્રી : તો તો તમે 'ચંદુભાઈ' છો. વ્યવહારથી 'ચંદુભાઈ' હો તો તમને કશું અડે નહીં.

પ્રશ્નકર્તા : જો એવું હોય તો તો આપણામાં ને બીજામાં ફેર જ શો ? ખોટી વસ્તુને ત્યજવી જ જોઈએ. એટલો પ્રયત્ન ધીમે ધીમે કેળવીએ તો ફેર પડતો જાય છે.

દાદાશ્રી : જો મોક્ષે જવું હોય તો ખોટી-ખરીનાં દ્વંદ્વ કાઢી નાખવાં પડશે અને જો શુભમાં આવવું હોય તો ખોટી વસ્તુનો તિરસ્કાર કરો ને સારી વસ્તુનો રાગ કરો અને શુદ્ધમાં સારી-ખોટી બેઉ ઉપરેય રાગ-દ્વેષ નહીં. ખરેખર સારી-ખોટી છે જ નહીં. આ તો દ્ષ્ટિની મલિનતા છે. તેથી આ સારી-ખોટી દેખાય છે અને દ્ષ્ટિની મલિનતા એ જ મિથ્યાત્વ છે, દ્ષ્ટિવિષ છે. દ્ષ્ટિવિષ અમે કાઢી નાખીએ છીએ.

વિનય અને પરમ વિનય

વીતરાગનો આખો માર્ગ જ વિનયનો માર્ગ છે. આ વિનયધર્મની શરૂઆત જ હિન્દુસ્તાનમાંથી થાય છે. હાથ જોડવાની શરૂઆત અહીંથી જ થાય છે તે ત્યાંથી માંડીને ઠેઠ સાષ્ટાંગ દંડવત્ સુધી જાય છે. વિનયધર્મ તો પાર વગરના છે અને પરમ વિનય ઉત્પન્ન થાય એટલે મોક્ષ થાય.

પ્રશ્નકર્તા : 'પરમ વિનય' સમજાવો.

દાદાશ્રી : જ્યાં વાદ-વિવાદ ના હોય, ડખો ના હોય, જ્યાં કાયદા ના હોય, કાયદા હોય ત્યાં પરમ વિનય સચવાય નહીં અને આપણે કાયદાના બંધનમાં રહેવું પડે. આપણે તો 'વ્યવસ્થિત' કરે, તેને જોયા કરનારા. બીજું આપણને ક્યાં પોસાય ?

'રિલેટિવ' ધર્મોમાં પણ જ્યાં વિનય છે ત્યાં મોક્ષમાર્ગ છે અને વિનય જો અટકે નહીં તો મોક્ષ જ છે.

પ્રશ્નકર્તા : વિનય અને પરમ વિનયમાં શો ફરક છે ?

દાદાશ્રી : બહુ ફરક છે. પરમ વિનય તો માણસને ઉત્પન્ન જ ના થાય. આત્મા પ્રાપ્ત કર્યા પછી જ પરમ વિનય થાય અને તેનાથી જુદાઈ લાગે જ નહીં. અભેદ દ્ષ્ટિ થાય, અભેદ બુદ્ધિ થાય અને જ્યાં સુધી વિનય છે ત્યાં સુધી 'હું અને ગુરુ મહારાજ' બધા જુદા જ છે. છતાંય એ વિનય 'પરમ વિનય'માં લઈ જનારો છે. એ પણ એક સ્ટેશન છે.

'જ્ઞાની પુરુષ' તમારા અવિનયની નોંધ ના કરે. તમારે સમજી લેવાનું કે મારે શું વિનય કરવો ને શું નહીં ? અને તમારી ભૂલ થાય એવું અમે જાણીએ અને આ દુષમકાળમાં અવિનયની તો નોંધ જ ના થાય ને ? ચોથા આરામાં અવિનયની નોંધ કરવી પડે. અત્યારે તો 'લેટ ગો' કરવું પડે. ઊલટું, અવિનય કરે તેને આશીર્વાદ આપવો પડે !

 

ભાગ
1-2 -3 - 4 - 5 - 6 - 7 - 8 - 9 - 10 - 11 - 12