ભાગ
1-2 -3 - 4 - 5 - 6 - 7 - 8 - 9 - 10 - 11 - 12



આપ્તવાણી શ્રેણી - ૫

સિદ્ધાત્મા ને સિદ્ધપુરુષો

પ્રશ્નકર્તા : સિદ્ધપુરુષો હોય એમનું અમુક સર્કલ હોય તે પૃથ્વી પર હોય કે નજીકના ગ્રહમાં હોય તો એ પૃથ્વી પરના લોકોને માર્ગદર્શન આપે એવું ખરું કે ?

દાદાશ્રી : સિદ્ધો માર્ગદર્શન આપે નહીં. માર્ગદર્શન આપનારા સંસારી. એને સંસારી સિદ્ધ કહેવાય-લૌકિક ભાષામાં.

પ્રશ્નકર્તા : એમને કંઈ કરવાનું નહીં ?

દાદાશ્રી : સિદ્ધ તો સંપૂર્ણ ભગવાન થઈ ગયેલા હોય તે. તે અહીં હોય નહીં. અહીં દેહધારીરૂપે કોઈ સિદ્ધ હોય નહીં. આ જે સિદ્ધની વાત છે તે તો લૌકિક વાત છે.

પ્રશ્નકર્તા : સિદ્ધનું પણ જગત ખરું ને ?

દાદાશ્રી : એમનું સિદ્ધક્ષેત્ર છે. એ અહીં કોઈ દહાડોય હોય નહીં.

પ્રશ્નકર્તા : એ સિદ્ધો દેહધારી ના હોય ?

દાદાશ્રી : એ દેહધારી ના હોય. એ તો પરમાત્મા કહેવાય અને આ સિદ્ધો તો માણસો કહેવાય. તમે તેમને ગાળ ભાંડો તો એ ફરી વળે, નહીં તો તમને શાપ આપે.

પ્રશ્નકર્તા : સિદ્ધની જે વાત છે એ તો પ્રકાશ અથવા તેજ સ્વરૂપે છે ને ?

દાદાશ્રી : હા. તેજ સ્વરૂપે હોય. એમને એક જ શબ્દ, કેવળ હોય. એમનું સ્વરૂપ તો કેવળ દર્શન, કેવળ જ્ઞાન, અનંત સુખ ને પરમ જ્યોતિ સ્વરૂપ હોય, સ્વ-પર પ્રકાશક હોય. તે પોતાને પ્રકાશ કરે ને આખા બ્રહ્માંડને પ્રકાશે.

શુદ્ધાત્માનું દર્શન

પ્રશ્નકર્તા : શુદ્ધાત્માને કેવી રીતે જોઈ શકાય ?

દાદાશ્રી : એવું છેને કે શુદ્ધાત્મા જોવો એનો અર્થ શું છે ? આ સોનાની દાબડી છે, એની મહીં મૂકેલો હીરો એક ફેરો ખોલીને હું બતાડી દઉં. પછી દાબડી વાસી દઉં, તેથી કરીને કંઈ હીરો જતો રહ્યો નથી. આપણા લક્ષમાં રહે કે એમાં હીરો જ છે. કારણ આપણે તેને જોયો હતો. વળી આપણી બુદ્ધિએ તે દહાડે 'એક્સેપ્ટ' કરેલું છે. અમે જ્ઞાન આપીએ તે ઘડીએ તમારા મન-બુદ્ધિ-ચિત્ત ને અહંકાર બધાંએ 'એક્સેપ્ટ' કરેલું છે. ત્યારપછી શંકા ઊભી થતી જ નથી.

પ્રશ્નકર્તા : તમે રસ્તો બતાવ્યો, પણ એ રસ્તે અમે ના ચાલીએ તો શું થાય ?

દાદાશ્રી : ના ચાલે એવું બને, પણ જવાની પોતાની ઇચ્છા જોઈએ. પોતાને નથી જવું તો એ ઊંધે રસ્તે જાય, પણ પોતાને જવું જ છે ને બીજાં કર્મો અંતરાય કરતાં હોય તેનો વાંધો નથી. પોતાને જવું છે એવું નક્કી હોય તો 'જ્ઞાની પુરુષ'ના આશીર્વાદ વર્ત્યા કરે. કર્મો લાખ આવશે તો ય 'જ્ઞાની પુરુષ'ની કૃપાથી તે ઊખડી જશે, પણ જેને પોતાને જ વાંકું કરવું હોય તેનો ઉપાય નથી.

પ્રશ્નકર્તા : 'શુદ્ધાત્મા'નું લક્ષ ના જાય તો એ 'સમભાવે નિકાલ' કર્યો કહેવાય ?

દાદાશ્રી : બીજી વસ્તુમાં 'ઇન્ટરેસ્ટ' હોય તો શુદ્ધાત્માનું લક્ષ ચૂકી જવાય. આપણને જે વસ્તુમાં રસ હોય તો તે વસ્તુ બાઝયા વગર તો રહે જ નહીં ને ! કઢી ઢળી ગઈ હોય તોય બૂમાબૂમ કરી મૂકે. કારણ એને એમાં 'ઇન્ટરેસ્ટ' છે. છેવટે આ રસ જ કાઢી નાખવાના છે, વસ્તુ કાઢવાની નથી. વસ્તુ કાઢવાથી જાય નહીં. જગત આખું વસ્તુ કાઢવાની માથાકૂટ કરે છે. અલ્યા, વસ્તુ ના જાય, એ તો લમણે લખેલી છે. વસ્તુ પ્રત્યેનો રસ કાઢવાનો છે.

પ્રશ્નકર્તા : ક્રમિક અને અક્રમમાં ફરક તો ગુરુકૃપા જ છે ને ?

દાદાશ્રી : હા, ગુરુકૃપા જ છે બસ. અહીં તો ગુરુ જેવી કોઈ વસ્તુ જ ના હોય. ગુરુ એટલે કોણ ? ગુરુ કોને કહેવાય ? કે જે ગુરુકિલ્લી સહિત હોય. તો એ ગુરુ તમને તારે અને ગુરુકિલ્લી વગર હોય એટલે એ ગુરુ ભારે કહેવાય. ભારે એટલે પોતે ડૂબે અને આપણને ડૂબાડે. બાકી અહીં તો ગુરુની જ જરૂર નહીં. મને કેટલાક લોકો પૂછે છે કે અમે પહેલાં ગુરુ કરેલા છે તો તેને અમારે છોડી દેવાના ? ત્યારે હું એમને કહું છું, 'ના એ રાખવાના.' વ્યવહારના ગુરુ તો જોઈએ જ ને ? અને અહીં તો અક્રમમાં ભગવાનની સીધી જ કૃપા ઊતરે છે ! ચૌદ લોકના નાથની સીધી જ કૃપા ઉતરે છે.

પ્રશ્નકર્તા : જ્ઞાન પ્રગટ થાય ત્યારે શું થાય ?

દાદાશ્રી : જ્ઞાન પ્રગટ થાય એટલે કોઈ જગ્યાએ ઠોકર ના વાગે !

પ્રશ્નકર્તા : અને અંદરમાં શું ફરક પડે ?

દાદાશ્રી : અંદર પાર વગરનું સુખ વર્તે, દુઃખ જ ના થાય. દુઃખ, ચિંતા કશું જ સ્પર્શે નહીં !

પ્રશ્નકર્તા : જે જીવને આત્મસાક્ષાત્કાર થયો હોય, એ જીવ બીજા જીવને આત્મસાક્ષાત્કાર થયો છે કે નહીં એ પારખી શકે કે નહીં ?

દાદાશ્રી : પારખી શકે ને ! એવું છે ને, આપણે શાકબજારમાં શાક લેવા જઈએ છીએ ત્યારે 'કયું શાક સારું છે' એ પારખી લઈએ છીએ ને એવું આય ખબર પડી જાય.

પ્રશ્નકર્તા : તમે જ્યારે ભગવાન કહો છો ત્યારે કોને અભિપ્રેત કરતા હો છો ? મહાવીરને ?

દાદાશ્રી : ના, મહાવીરને નહીં. ભગવાન એટલે જે અંદર આત્મા છે, તે પરમાત્મા સ્વરૂપે છે. જે આત્માને આપણે પરમાત્મા કહીએ છીએ, મહાવીરેય તે જ છે. મહાવીર નામધારી છે. નામધારીનું હું કહેવા માંગતો નથી. નામધારી આવે તો એકને ગમે ને બીજાને આધાશીશી ચઢે. મૂળ ભગવાનથી આધાશીશી ના ચઢે !

પ્રશ્નકર્તા : 'પંચમ દીવો' શુદ્ધાત્મા 'સાધાર'. તે કેવો સાધાર કહેવા માંગે છે ?

દાદાશ્રી : અત્યાર સુધી ચેતનનો આધાર 'પુદ્ગલ' હતું, હવે ચેતનનો 'શુદ્ધાત્મા' આધાર થયો. એટલે પોતે પોતાનો જ આધાર થયો, હવે પુદ્ગલના આધારે નથી. જગત આખું પુદ્ગલને આધારે છે.

વાસણમાં ઘી ભર્યું હોય ને પેલા પંડિતને વિચાર આવે કે પાત્રના આધારે ઘી છે કે ઘીના આધારે પાત્ર છે. આવો વિચાર પંડિતને આવે, બીજા અબુધ લોકોને ના આવે. પંડિતનું ભેજું ફળદ્રુપ ખરું ને ! તે પંડિતે તપાસ કરવા વાસણ ઊંધું કર્યું, ત્યારે એમને સમજાયું કે ઓહોહો ! આ તો વાસણના આધારે ઘી હતું. તેવી રીતે આ લોકોને પુદ્ગલના આધારે આત્મા રહેલો છે. પોતે પોતાના આધારે થાય, 'હું' પુદ્ગલના આધારે નહીં, એવું સમજાય ત્યારે શુદ્ધાત્મા 'સાધાર' થાય ! પુદ્ગલના આધારીને ભગવાને નિરાધાર કહ્યું, અનાથ કહ્યું અને આત્માના આધારીને સનાથ કહ્યું. સાધાર થઈ ગયા પછી કશું બાકી જ ના રહ્યું ને.

હવે ચંદુલાલને કોઈ ગાળ ભાંડે ત્યારે તમારે 'ચંદુલાલ'ને કહેવું કે, 'ચંદુલાલ', તમને ગાળ ભાંડે છે પણ અમે તમને મદદ કરીશું.' આવી 'પ્રેક્ટિસ' પાડી રાખવી. આ ટેટા ફોડવા હોય, હવાઈ ફોડવી હોય તો 'પ્રેક્ટિસ' ના કરવી પડે ? નહીં તો દઝાઈ મરીએ ને ! દરેકમાં પ્રેક્ટિસ કરવી પડે.

હવે કોઈ તમને ટૈડકાવે તો તે 'ચંદુલાલ'ને ટૈડકાવે. તે 'તમને' તો કોઈ ઓળખતો જ નથી ને ?

પ્રશ્નકર્તા : 'માય' આત્મા કહે છે એટલે એ 'પ્રતિષ્ઠિત આત્મા' કહેવાય ને ?

દાદાશ્રી : ના, એ 'જ્ઞાન' લીધા પછી 'પ્રતિષ્ઠિત આત્મા' કહેવાય. આપણે 'જ્ઞાન' આપીએ છીએ ત્યારે 'શુદ્ધાત્મા' અને 'પ્રતિષ્ઠિત આત્મા', એમ બે વિભાગ પડે છે. આપણે 'શુદ્ધાત્મા' થયા ને બીજો ભાગ શું રહ્યો? 'પ્રતિષ્ઠિત આત્મા'. આપણે પ્રતિષ્ઠા કરીને ઊભું કરેલું કે, 'આ હું છું, આ હું છું.' તેનો પ્રતિષ્ઠિત આત્મા ઊભો થયેલો. તે હવે 'ડિસ્ચાર્જ' સ્વરૂપે રહે છે. જેને જ્ઞાન ના હોય, એ પણ 'મારો આત્મા-મારો આત્મા પાપી છે' એવું તેવું બધું બોલે છે તે પણ પ્રતિષ્ઠિત આત્મા છે. પણ તેમને 'શુદ્ધાત્મા' અને 'પ્રતિષ્ઠિત આત્મા'નો ભેદ પડેલો હોતો નથી.

પ્રશ્નકર્તા : જ્ઞાન પ્રાપ્ત થયા પછી અપૂર્વ અવસર પ્રાપ્ત થયો છે એવું ભાન થાય. તો એ અપૂર્વ અવસરને વિસ્તારથી સમજાવો.

દાદાશ્રી : અપૂર્વ અવસર એટલે પૂર્વે કોઈ કાળેય નહીં આવેલો એવો અવસર. એમાં પોતાની જાતનું ભાન પ્રગટ થાય. એ અપૂર્વ અવસર કહેવાય.

પ્રશ્નકર્તા : આ જીવો ક્યાંથી પેદા થયા ?

દાદાશ્રી : એ પેદા થયા જ નથી. આત્મા અવિનાશી છે, કાયમને માટે છે. અવિનાશી પેદા થાય જ નહીં. જેનો નાશેય ના હોય તે પેદાય ના થાય. આ દેખાય છે તે બધી ભ્રાંતિ છે. આ અવસ્થાઓ છે, અવસ્થાઓનો નાશ થાય છે. ઘૈડપણની અવસ્થા, યુવાનીની અવસ્થા એ બધી નાશ થયા કરે, એમાં આત્મા હતો તેનો તે જ રહ્યા કરે છે.

પ્રશ્નકર્તા : જીવાત્મા મરે પછી પાછો આવે ને ?

દાદાશ્રી : એવું છે કે આ 'ફોરેન'વાળાને, મુસ્લિમોને પાછો આવતો નથી, પણ તમારો પાછો આવે છે ! એટલી તમારા ઉપર ભગવાનની કૃપા છે ! અહીં મર્યો ત્યાં બીજી યોનિમાં પેસી ગયો હોય. 'ફોરેન'વાળાનો આત્મા પાછો નથી આવતો એ ખરેખર એવું નથી. એ તો એમની માન્યતા એવી છે કે અહીંથી મર્યો એટલે મર્યો ! ખરેખર પાછો જ આવે છે પણ એમને સમજણ પડતી નથી. એ લોકો પુનર્જન્મને જ સમજતા નથી.

પ્રશ્નકર્તા : એવો કોઈ પ્રસંગ બને કે આપણી બહેન કે વાઈફને કોઈ ઉઠાવી જતું હોય તો આપણે શું કરવાનું ? વીતરાગ રહેવાનું ? જ્ઞાતા-દ્રષ્ટા રહેવાનું ?

દાદાશ્રી : તમારા હાથમાં જ ક્યાં છે તે ? આ 'ડિસ્ચાર્જ' છે. તે વખતે શુંનું શુંય થઈ જાય ! શુંને શુંય ગાળો દઈ દો ! એ તો અમારું ઉઠાવી જાય તો અમે વીતરાગભાવે રહીએ. તમારું તો ગજું જ નહીં ને? તમે તો હાલી ઊઠો.

પ્રશ્નકર્તા : આપણી પાસે 'ટાઈમ' હોય, ઇચ્છા હોય છતાં આળસ થાય એમ કેમ ?

દાદાશ્રી : બે જાતના લોક હોય છે. કામમાં આળસ કરે એવા લોક હોય છે અને કામમાં રઘવાટ કરે એવા લોક હોય છે. રઘવાટવાળામાં ય ભલીવાર ના આવે. 'નોર્માલિટી'માં રહે એ સારું.

તમારે તો 'ચંદુલાલ'ને ઠપકો આપવો : 'તમે આવી આળસ કેમ કરો છો ? વગર કામના ટાઈમ બગાડો છો.' આપણે 'ચંદુલાલ'ને ઠપકો આપીએ, એને જેલમાં ન ઉતારી દેવાય કે ઉપવાસ ઉપરેય ન ઉતારી દેવાય. ખાઓ-પીઓ પણ ઠપકો આપવાનો.

પ્રશ્નકર્તા : આપણી સામે જે કામ આવે તે કરવું તો પડે ને ?

દાદાશ્રી : એ વાતો એની મેળે થઈ જ જાય. એને પપલાવાની જરૂર નથી. આપણે મુશ્કેલીઓને પપલાયા કરીએ કે, 'ના, મારે તો જોવું જ પડે ને', તો તે ચઢી બેસે ! કામ તો તમારું થઈ જ જશે. તમે એને 'જોયા' કરો ને તે તો નિયમથી થઈ જાય. એટલા બધા 'સાયન્ટિફિક સરકમસ્ટેન્શિયલ એવિડન્સ' (વૈજ્ઞાનિક સાંયોગિક પુરાવા) છે કે તમારે કશી માથાકૂટ ના કરવી પડે. ફક્ત તમારે એવી ભાવના રાખવાની કે મારે વ્યવહારમાં આદર્શ રહેવું છે. વ્યવહાર બગડવો ના જોઈએ. પછી બગડ્યો એનો 'સમભાવે નિકાલ' કરી નાખવો જોઈએ.

પ્રશ્નકર્તા : આ જ્ઞાનનો અપચો એટલે શું ? એનાં લક્ષણ શું ?

દાદાશ્રી : અપચો એટલે અજીર્ણ.

પ્રશ્નકર્તા : એને અટકાવવાના ઉપાય શું ? એનાં લક્ષણો શું ? આપનું જ્ઞાન લીધા પછી અપચો થાય ખરો ?

દાદાશ્રી : કો'કને જ થઈ જાય. બધાને ના થાય. જ્ઞાનનું અજીર્ણ થયું કોને કહેવાય કે એક પક્ષમાં પડી જાય. વ્યવહારમાં કાચો પડી જાય. કોલેજોમાં જાય નહીં, જાય તો ધ્યાન આપે નહીં. 'આપણે તો આત્મા છીએ, આત્મા છીએ' એમ કર્યા કરે. એટલે આપણે સમજીએ કે અજીર્ણ થયું છે. અજીર્ણ થયું કોને ના કહેવાય ? વ્યવહારમાં 'કમ્પ્લીટ' હોય. પોતાની બધી ફરજો બજાવવી પડે ને એ ફરજો બધી ફરજિયાત છે. તેમાં આવા અવળા ભાવ કરો તો એ ચાલે નહીં.

પ્રશ્નકર્તા : સર્વ જીવ શુદ્ધાત્મા હોય તો આ વિશ્વસંચાલનમાં વિક્ષેપ ના પડે ?

દાદાશ્રી : સર્વ શુદ્ધાત્મા હોય તો સંચાલન થાય જ નહીં. આમાંથી સિદ્ધ થવાનું છે. આ મનુષ્યોમાંથી ધીમે ધીમે સિદ્ધ થવાનું છે. તેમાં કો'ક, આખી દુનિયામાં એકાદ-બે સિદ્ધ થાય. વળી પાછા થોડા વખત પછી એકાદ-બે સિદ્ધ થાય. એટલે સિદ્ધ થવું એ એવું સહેલું હોતું નથી. સિદ્ધ થઈ શકે એમ છે. માણસ પરમાત્મા થઈ શકે છે ! પણ 'પોતાનું' જ્ઞાન થવાથી, આત્માને વ્યક્ત કરવાથી, એ થઈ શકે છે ! આત્મા જ પરમાત્મા થઈ શકે છે !

પ્રશ્નકર્તા : અમારે ત્યાં એક સંત આવેલા તે 'ઓહમ્ ને સોહમ્' બોલતા હતા, તે શું છે ?

દાદાશ્રી : ૐ ને સોહમ્, બે શબ્દો છે, ઓહમ્ નામનો કોઈ શબ્દ નથી. આપણો જે ૐ છે ને તે ઊંચામાં ઊંચો મંત્ર છે. તેના બોલવાથી ઘણો લાભ થાય એમ છે અને સોહમ્નો અર્થ શું કે 'તે હું છું, જે મહીં છે તે હું છું.' એ બન્ને મંત્રો લાભકારી છે.

જિંદગી શું છે ?

પ્રશ્નકર્તા : આપના હિસાબે જિંદગી શું છે ?

દાદાશ્રી : મારા હિસાબે જિંદગી એ જેલ છે, જેલ ! તે ચાર પ્રકારની જેલો છે. દેવલોકો નજરકેદમાં છે. આ મનુષ્યો સાદી કેદમાં છે. પછી આ મનુષ્યો સિવાય બીજા જે ધરતી પર દેખાય છે, જેને તિર્યંચલોક કહે છે, તે બધા સખત મજૂરીની કેદમાં છે અને ચોથું આજીવન કેદ. એ નર્કગતિના લોકોને છે. તને આ જેલમાં ગમે છે ખરું ?

પ્રશ્નકર્તા : ગમતું તો નથી પણ ગમાડવું પડે છે.

દાદાશ્રી : હા, શું કરે ? ક્યાં જાય તે ? આવી ફસાયા પછી ક્યાં જાય તે ? અને તને એકલાને નહીં, સાધુ, આચાર્યો, મહારાજો બધાય ફસાયા છે. તે હવે કયાં જાય ? દરિયામાં પડતું નાખે તો ત્યાંય પોલીસવાળો પકડે છે ! 'કેમ આપઘાત કરો છો ?' એમ કહે. તે આપઘાતેય કરવા નથી દેતા ! આ સરકાર એવી સરસ આવી છે કે આપઘાતેય કરવો હોય તો બીજો ગુનો લાગુ કરે. 'અહીં કરમ પૂરાં ભોગવી લો' એમ કહે છે.

પ્રશ્નકર્તા : જિંદગીમાં સુખી થવા માટે શું કરવું જોઈએ ?

દાદાશ્રી : તારે સુખ કેવું જોઈએ છે ? વિનાશી જોઈએ છે કે 'ઈટર્નલ' જોઈએ છે ?

પ્રશ્નકર્તા : 'ઈટર્નલ' (શાશ્વત).

દાદાશ્રી : જો 'ઈટર્નલ' સુખ જોઈતું હોય તો તું અહીં આવજે અને વિનાશી જોઈતું હોય તો તેનો હું તને રસ્તો બતાડું. અહીં કોઈ કોઈ દિવસ આવતો રહેજે ને દર્શન કરી જજે. હું આશીર્વાદ આપ્યા કરીશ. તારું વિનાશી સુખ વધતું જશે અને જો 'ઈટર્નલ' સુખ જોઈતું હોય તો તે માટે મારી પાસે આવજે. એ મળ્યા પછી તારી પાસેથી એ સુખ જાય જ નહીં. તારે 'ઈટર્નલ' સુખ જોઈતું નથી ને ?

પ્રશ્નકર્તા : કાયમનું જોઈએ છે. હું આવીશ તમારી પાસે.

મોક્ષમાર્ગ

અત્યારે આ કાળમાં મોક્ષમાર્ગ રહ્યો નથી. એક છાંટોય રહ્યો નથી. જાણે અલોપ થઈ ગયો છે. અત્યારે સંસારમાર્ગેય સાચો રહ્યો નથી.

પ્રશ્નકર્તા : મોક્ષમાર્ગમાં ક્રિયાની જરૂર ખરી ?

દાદાશ્રી : મોક્ષમાર્ગમાં આવી ક્રિયા હોતી નથી, ત્યાં તો જ્ઞાનક્રિયા કરવામાં આવે તો મોક્ષે જાય. અજ્ઞાનક્રિયાથી મોક્ષ ના થાય. આખો દહાડો સામાયિક કરે તોય મોક્ષ ના થાય, કારણ કે ક્રિયા 'હું કરું છું' એમ કહે છે. 'હું કરું છું' એ બંધન છે. આ કાળમાં તો ફરી મનુષ્ય અવતાર આવે તોય ઘણું સારું. રૌદ્રધ્યાન ને આર્તધ્યાન સિવાય બીજું કશું કર્યું નથી. નર્કગતિના જીવો પણ ઓછા છે. 'મીસાવાળા' એકલા જ નર્કગતિમાં જવાના છે. થોડું આર્તંધ્યાન ને ધર્મધ્યાન હોય તોય મનુષ્યમાં આવે. આ તો ધર્મધ્યાન પણ જાણતો નથી. ધર્મધ્યાન જાણે તોય કામ થઈ જાય.

પ્રશ્નકર્તા : સવારમાં ઊઠ્યા ત્યારથી દુકાન ને ઘરાક સાંભરે તેમાં ધર્મધ્યાનમાં કેવી રીતે રહેવું ?

દાદાશ્રી : આમાં કોઈનો દોષ નથી. ના છૂટકે કરવું પડે છે.

પ્રશ્નકર્તા : આમાંથી છૂટવું કેવી રીતે ?

દાદાશ્રી : પુસ્તકમાં તમે વાંચ્યું નથી ?

પ્રશ્નકર્તા : પૂરું વાંચ્યું નથી.

દાદાશ્રી : જાતે છૂટાય એવું નથી. જે બંધનથી મુક્ત થયેલો હોય તે છોડી આપે. પોતે જ ડૂબતો હોય તે બીજાને તારી ના શકે. જેને મોક્ષ પ્રાપ્ત થયો હોય તે બીજાને મોક્ષ આપી શકે.

અત્યારે દસેક ટકા મનુષ્યમાં આવશે. બીજા બધા તિર્યંચગતિનાં મહેમાન છે.

પ્રશ્નકર્તા : જૈન ધર્મ અને મનુષ્યગતિ મળે એવો નિશ્ચય કર્યો હોય તો ?

દાદાશ્રી : એ તો કોનો નિશ્ચય ના હોય ? પણ આર્તધ્યાન ને રૌદ્રધ્યાન હોય તો તિર્યંચમાં જ જાય ને ? રૌદ્રધ્યાન એટલે શું કે પોતે સામાને કંઈ પણ જાતનું દુઃખ પહોંચાડવું અને આર્તધ્યાન એટલે પોતાને જ પીડા થાય. બીજાને કિંચિત્માત્ર દુઃખ ના કરે.

ગમે તેટલા નિશ્ચય કરે, ગમે તેટલું કરે, ભટકભટક કરે તોય કશું ના વળે. અનંત અવતારથી રઝળપાટ જ કરે છે ને ? જ્યારે 'મુક્ત પુરુષો' મળ્યા ત્યારે સાંભળસાંભળ કર્યું; પણ તેમની આજ્ઞાવશ રહે નહીં. આજ્ઞાવશ રહેવું એનું નામ જ ધર્મ. 'મુક્ત પુરુષ' પોતે મોક્ષે લઈ જઈ શકે. તેઓ 'લાયસન્સદાર' છે. 'જ્ઞાની પુરુષ' પાસે વાતને સમજી લેવાની છે.

આપણે અહીં બે માર્ગ છે : 'રિલેટિવ' માર્ગ અને 'રિયલ' માર્ગ. કેટલાય લોકો ધર્મધ્યાન શિખવાડે છે પણ કોઈને આવડતું નથી. એટલે આપણે અહીં ધર્મધ્યાન શિખવાડીએ છીએ, પણ એ બહુ ઊંચી જાતનું છે. કોઈ એને અમારી પાસેથી પકડી લે તો એનું કામ કાઢી નાખે.

પ્રશ્નકર્તા : ધર્મધ્યાનમાં જાય પછી એમાં આગળ વધે એમ એમ શુક્લધ્યાન તરફ વધે ને ?

દાદાશ્રી : ના. ધર્મધ્યાનમાં ગયો એટલે શુક્લધ્યાન તરફ પોતે ના જઈ શકે. શુક્લધ્યાન એવું નથી કે પોતે પોતાથી પ્રગટ થાય. 'જ્ઞાની પુરુષ' કે 'કેવળજ્ઞાની'નાં દર્શન કર્યા વગર શુકલધ્યાન પ્રગટ ના થાય. એ નિર્વિકલ્પ પદ છે. અતીન્દ્રિય પદ છે. એટલે બીજી રીતે મેળ ખાય નહીં. અમે તમને ધર્મધ્યાન પણ આપીએ ને શુક્લધ્યાન પણ આપીએ છીએ.

જ્ઞાનીની વિરાધના

પ્રશ્નકર્તા : આ બોલવા-ચાલવામાં, તમને પ્રશ્નો પૂછવામાં કોઈ ઠેકાણે અવિનય થતો હોય. અંતરમાં એવો અવિનય કરવાનો કોઈ ભાવ ના હોય, છતાંય બોલવા-ચાલવામાં અવિનય થઈ જતો હોય તો તે અમે વિરાધના તો નથી કરતા ને ?

દાદાશ્રી : વાત કરતાં તમે વિરાધક થાઓ તો અમે વાત બંધ કરી દઈએ. કારણ અમે જાણીએ કે આ તો અવળે રસ્તે ચાલ્યું.

પ્રશ્નકર્તા : પણ અમારાથી તમારી વિરાધના થઈ જાય તો ?

દાદાશ્રી : અમારી વિરાધના કરવાના તમારામાં પરમાણુઓ જ ના હોય. એવી તો અમને શંકા જ ઉત્પન્ન ના થાય. આખો દહાડો જેની આરાધના કરતા હો તેની વિરાધના હોય જ નહીં ને ! 'દાદા'ની આરાધના કરી એ જ 'શુદ્ધાત્મા'ની આરાધના કર્યા બરાબર છે અને એ જ પરમાત્માની આરાધના છે અને એ જ મોક્ષનું કારણ છે.

આત્મસુખનું લક્ષણ

દાદાશ્રી : સુખ આત્મામાંથી આવે છે કે પુદ્ગલમાંથી ?

પ્રશ્નકર્તા : આત્મામાંથી.

દાદાશ્રી : એ આત્માનું સુખ છે કે પુદ્ગલનું સુખ છે, એ કેમ ખબર પડે ?

પ્રશ્નકર્તા : અતીન્દ્રિય અનુભવ હોય ને ?

દાદાશ્રી : એ બધાને ખબર ના હોય. આત્માના સુખનું લક્ષણ એટલે નિરાકુળતા રહેતી હોય. સહેજે આકુળતા-વ્યાકુળતા થાય તો જાણવું કે બીજી જગ્યાએ ઉપયોગ છે. માર્ગ ભૂલ્યા. બહારથી અકળાઈને આવ્યો ને તે પંખો ફેરવે તે બહુ સરસ લાગે. એને શુદ્ધ ઉપયોગ ના કહેવાય. એનેય જાણવું જોઈએ. અશાતા વેદનીય હોય તેનેય જાણવું જોઈએ અને નિરાકુળતાયે રહેવી જોઈએ. બન્નેને જાણવું જોઈએ. શાતા વેદનીય જોડે એકાકાર થઈ જાય તે ભૂલ કહેવાય.

વેદનીય ઉદયો - જ્ઞાનજાગૃતિ

પ્રશ્નકર્તા : શાતા વેદનીયમાં મીઠાશ તો આવે ને ?

દાદાશ્રી : મીઠાશ તો આવે પણ મીઠાશને જાણવી જોઈએ. તે ઘડીએ જ્ઞાન હાજર રહેવું જોઈએ કે આ શાતા વેદનીય છે ને આ નિરાકુળતા છે. અશાતા વેદનીય આવે, તો અશાતા વેદનીય છે એવું જાણે. બાહ્યમાં અશાતા હોય ને અંતરમાં નિરાકુળતા હોય !

સુખી થવું, દુઃખી થવું એટલે ભોક્તા થવું. કર્તા ને ભોક્તા બધામાં કર્મ બંધાય અને જ્ઞાતામાં કર્મ ના બંધાય. આપણે જાણીએ કે અત્યારે 'ચંદુભાઈ'ને અશાતા વર્તે છે. સુખી કે દુઃખી થવાનો અર્થ શું છે ?

આજે મરણ આવે કે પચીસ વરસ પછી આવે તેનો વાંધો નથી.

પ્રશ્નકર્તા : મરણનો ભય નથી પણ મરણ વખતે જે દુઃખ થાય છે, એનો ડર લાગે છે.

દાદાશ્રી : દુઃખ શું ?

પ્રશ્નકર્તા : શારીરિક વ્યાધિ.

દાદાશ્રી : એમાં બીક શું ? 'વ્યવસ્થિત' છે ને ? 'વ્યવસ્થિત'માં આંધળા થવાનું હશે તો આંધળું થવાશે ને ? પછી એની બીક શું ? 'વ્યવસ્થિત' આપણે 'એક્સેપ્ટ' કર્યું છે પછી કોઈ દહાડો કશું અડે એવું નથી, કોઈ ભય રાખવા જેવો નથી. નિર્ભય થઈને ફરો.

પ્રશ્નકર્તા : વેદનાનો ભય રહ્યા કરે.

દાદાશ્રી : વેદના થવાની જ નથી ત્યાં વેદનાનો ભય ક્યાંથી થાય ? વેદના તો તેને થાય કે જેને ભય હોય ! જેને ભય નથી તેને વેદના શી ? આ તો તમારો 'વણિક માલ' ભરેલો ને ? તે એકદમ પોચો હોય.

આ સફરજન ખાઈએ ને બીજું જામફળ ખાઈએ, તો એ બેમાં ફેર નહીં ? જામફળ જરા કઠણ હોય ને સફરજન પોચું લાગે એટલે તમારે 'ચંદુભાઈ'ને કહેવાનું કે 'દાદા'એ કહ્યું છે : 'વ્યવસ્થિત'. 'વ્યવસ્થિત' કહ્યા પછી ભય શો ?

પ્રશ્નકર્તા : બે દહાડાથી માથું દુખતું હતું. તે જરાય સહન થતું નહોતું.

દાદાશ્રી : 'મને સહન થતું નથી.' એવું કહ્યું કે એ વળગ્યું ! પણ 'આપણે' તો કહીએ, ''ચંદુભાઈ, બહુ માથું દુઃખે છે ? હું હાથ ફેરવી આપું છું. ઓછું થઈ જશે.'' પણ 'મને દુઃખ્યું કહ્યું કે વળગ્યું ! આ તો બહુ મોટું ભૂત છે !'

પ્રશ્નકર્તા : શાતા મીઠી લાગે છે ને અશાતા અળખામણી લાગે છે.

દાદાશ્રી : તે 'ચંદુભાઈ'ને લાગે છે ને ? 'ચંદુભાઈ'ને 'આપણે' કહીએ કે ડીક્ષનરી હવે બદલી નાખો. અશાતા સુખદાયી ને શાતા દુઃખદાયી. સુખ-દુઃખ તો બધું કલ્પિત છે. મારો આ એક શબ્દ ગોઠવી જોજો, ઉપયોગ કરી જોજો. જો તમને જરાય અસર થાય તો કહેજો.

પ્રશ્નકર્તા : કંઈક રસ્તો કાઢવા માટે તો આ પ્રશ્ન પૂછું છું.

દાદાશ્રી : તમારે મને પૂછવું. હું કહી દઉં તે પ્રમાણે કરવું. રસ્તો તો આ જ છે. અને માથે તો એવું લેવું જ નહીં કે મને દુઃખે છે. કોઈ કહેશે કે 'કેમ, તમને શું થયું છે ?' ત્યારે કહેવું કે 'પાડોશીને માથું દુઃખે છે તે હું જાણું છું.' અને 'આ' પાડોશી છે એવી 'તમને' ખાતરી થઈ ગઈ છેને ?

પ્રશ્નકર્તા : હા.

દાદાશ્રી : તો પછી દુઃખ શા માટે ? પાડોશી રડતો હોય તો આપણે કંઈ રડવા લાગવું ? પાડોશીને ત્યાં તો વઢવાડો થયા જ કરવાની અને બૈરી જોડે કોને વઢવાડ ના થાય ? 'આપણે' વગર પરણેલા, 'આપણે' શું કામ રડીએ? પૈણેલો રડે. 'આપણે' પૈણ્યા નથી ! રાંડ્યા નથી ! 'આપણે' શું કામ રડીએ ? આપણે તો પાડોશીને છાના રાખવા જોઈએ કે, 'ભઈ, રડશો નહીં, અમે છીએ તમારી જોડે. ડોન્ટ વરી, ગભરાશો નહીં.' એમ કહીએ.

પ્રકૃતિની પજવણી

આ 'વણિકમાલ' તે આવતાં પહેલાં ભડકે. આપણે તો ચંદુભાઈને કહેવાનું કે, 'તમને કશું જ થવાનું નથી.' મહીં એવો વિચાર આવશે કે પેલા ભાઈને ચલાતું નથી, તે આપણનેય એવું થઈ જશે તો ? એવા વિચારો આવે તો આપણે કહેવું, 'ચંદુભાઈ, અમે બેઠા છીએ ને ! કશું જ થવાનું નથી.' 'આપણે' જુદાપણાના વ્યવહારથી બોલોને. આ તો સાયન્સ છે. 'મને થયું' કહ્યું કે ભૂત વળગે. જગતને તેથી ભૂતાં વળગ્યાં છેને બધાં !

પોતે પરમાત્મા પછી શેને માટે આ બધું હોય ? પરમાત્મપણાની શક્તિ થોડી તમને દેખાઈ છે કે નહીં ? તમને 'પરમાત્મા છો' એવું ભાન, એવી શક્તિ ઉત્પન્ન થઈ છે કે નહીં ?

પ્રશ્નકર્તા : હા.

દાદાશ્રી : પછી શો વાંધો છે ? જેને થોડી શક્તિ ઉત્પન્ન થઈ તેને સર્વ શક્તિ છે એ નક્કી થઈ ગયું. તમને કોઈ અપમાન કરે તો પરિણામ બદલાય નહીં એટલે જાણો કે 'ઓહોહો ! આટલી બધી શક્તિ !!' તે હજુ થોડીક જ નીકળી છે. હજી તો નીકળશે. અનંત શક્તિઓનો ધીમે ધીમે અનુભવ થશે !

આ 'એ. એમ. પટેલ' એ માણસ જ છે ને ? તમારા જેવા એ નથી ? માણસને બધું હોય. શું ના હોય ? પણ અમે તો દુઃખ આવતાં પહેલાં જ આધાર આપીએ, 'અમે છીએ ને પછી તમારે શો વાંધો છે ? અમે તો પાડોશીના પાડોશીનેય કહીએ કે અમે છીએ ને તમારી જોડે !' ભગવાન છે ત્યાં આગળ શી ખોટ હોય ?

આપણે જુદાપણાથી બોલો તો ખરાં. ક્ષત્રિયોની જેમ હિંમત રાખવી. અત્યાર સુધી તમે નિરાધાર હતા. શાસ્ત્રકારોએ એને અનાથ કહ્યું. તે હવે તમે સનાથ થયા. હવે તમે આમ આધાર ના આપશો કે 'મને થયું'. આમ આધાર આપશો તો એ દુઃખ પડી નહીં જાય. મને માથું દુખ્યું એ આધાર તમે આપો તો વસ્તુ પડી જાય કે રહે ?

પ્રશ્નકર્તા : રહે.

દાદાશ્રી : આધાર આપો તો રહે. આખું સાયન્સ જ છે. એનો ઉપયોગ કરતાં આવડ્યો તો કામ થઈ જશે. સહેજ ચૂકશો તો એની અસર થશે, બીજું કશું નુકસાન નહીં થાય પણ તમને અસર ભોગવવી પડશે.

પ્રશ્નકર્તા : એવા ભાવે, અશાતાભાવે નિર્જરા થાય ને ?

દાદાશ્રી : તે નિર્જરા જ થવા માટે આવ્યું છે, પણ એવું છે ને કે એટલું આપણું સુખ આવતું બંધ થઈ ગયું ને ? આપણા સુખનું વેદન બંધ થઈ જાય. અશાતા વેદનીયનો વાંધો નહીં. એની તો નિર્જરા જ થાય.

 

ભાગ
1-2 -3 - 4 - 5 - 6 - 7 - 8 - 9 - 10 - 11 - 12