ભાગ
1-2 -3 - 4 - 5 - 6 - 7 - 8 - 9 - 10 - 11 - 12



આપ્તવાણી શ્રેણી - ૫

સાક્ષીભાવ

પ્રશ્નકર્તા : સાક્ષીભાવ એટલે અંત આવી ગયો ને ?

દાદાશ્રી : બધી બાબતમાં સાક્ષીભાવ રહેવો જોઈએ. 'ચંદુભાઈ નાલાયક છે' એમ કહેતાંની સાથે જ સાક્ષીભાવ રહે નહિ. ગજવું કપાય તોય સાક્ષીભાવ રહે નહિ, કારણ કે અહંકારથી સાક્ષીભાવ રહે છે. સાક્ષીભાવનો અર્થ શો છે ? ખરી રીતે સાક્ષીભાવ એ એક વીતરાગ થવાનું સ્ટેપ છે, સાચું સ્ટેપ છે. સાક્ષીભાવ અને દ્રષ્ટાભાવમાં ઘણો ફેર છે.

જ્યાં આત્માના ગુણ નથી, ત્યાં આત્મા નથી. આ સોનું છે તે તેના ગુણમાં હોય ત્યાં સુધી ત્યાં પોતે હોય. બીજાના ગુણમાં પોતે ના હોય. આ સંસારમાં જે દેખાય છે તે બીજાના ગુણ છે બધા. ત્યાં પોતે હોય નહીં. પોતે જ્ઞાતા-દ્રષ્ટા હોય, પણ ભળેલો ના હોય. આત્મા ભેળસેળિયો નથી. નિર્ભેળ છે.

ક્રમિક માર્ગમાં બધા જાગૃતિ લાવવાના રસ્તાઓ છે. એમાં જાગૃતિ વધતી જાય. જેટલાથી વીતરાગ થયો એટલી જાગૃતિ એને રહે ને જેટલામાં રાગ-દ્વેષ છે ત્યાં જાગૃતિ ના હોય એને. વ્યાખ્યાનમાં રાગ-દ્વેષ છે. લોકોની વાતચીતોમાં રાગ-દ્વેષ છે. ભલું કરવામાં રાગ-દ્વેષ છે. શુભ કરવામાં રાગ-દ્વેષ છે. એમાં એમને જાગૃતિ ના હોય. રાગ-દ્વેષને લીધે જાગૃતિ અટકે છે. જેને તપ ઉપર રાગ પડી ગયો હોય, પછી એને બીજું કશું સૂઝે નહીં.

રોકે જીવ સ્વચ્છંદ તો ...

સ્વચ્છંદ છોડે તો મોક્ષ પામે. ગુરુ પણ સ્વચ્છંદી ના જોઈએ. ગુરુ સ્વચ્છંદી તો પછી શિષ્યય સ્વચ્છંદી.

પ્રશ્નકર્તા : ગુરુ સ્વચ્છંદી કેવી રીતે ના હોય ?

દાદાશ્રી : સ્વચ્છંદી જ હોય ને. ગુરુના ગુરુ સ્વચ્છંદી એટલે સ્વચ્છંદીનું જ તોફાન. ગૃહસ્થીઓય સ્વચ્છંદી ને ત્યાગીઓ પણ સ્વચ્છંદી. સ્વચ્છંદી માણસને કેફ ચઢે. 'સ્વચ્છંદ કોને કહેવાય' એટલું સમજે તોય બહુ થઈ ગયું.

અમારી આજ્ઞામાં રહે તે સ્વચ્છંદની બહાર નીકળી ગયો. પછી સંસારમાં તમારો ગમે તે સ્વચ્છંદ હોય, પણ તે સ્વચ્છંદ ગણાતો નથી.

આત્માની બાબતમાં સ્વચ્છંદ, એને સ્વચ્છંદ કહેવાય છે. સંસારમાં તો કો'કને બે વાગે ચા પીવાની ટેવ હોય તેનો અમને વાંધો નથી. રાત્રે બાર વાગે નાસ્તો કરવાની ટેવ હોય તેનોય અમને વાંધો નથી. એ આત્માનો માર્ગ નથી. એ તો વ્યવહાર છે, સંસાર છે. સહુ સહુને પોસાતી વાત છે.

સદ્ગુરુ કોને કહેવાય ? આ બધા ગુરુઓ તો છે, પણ સદ્ગુરુ કોને કહેવાય ? પ્રભુશ્રીને સદ્ગુરુ કહેવાય. જેનામાં સ્વચ્છંદનો એક અંશ પણ ન હતો. એમનું બધું જ કૃપાળુદેવને આધીન હતું; કૃપાળુદેવ હાજર હોય કે ના હોય છતાંય તેમને જ આધીન. એ સાચા પુરુષ હતા.

સ્વચ્છંદથી અંતરાય પડે. જે ધર્મની બાબતમાં કંઈ જાણતો ના હોય તેને અંતરાય ઓછા પડે અને ધર્મમાં સ્વચ્છંદ કર્યો કે અંતરાય વધારે પડે.

જ્ઞાન, દર્શન ને વર્તન

પ્રશ્નકર્તા : સમજવાનું કે વર્તનમાં આણવું જોઈએ ?

દાદાશ્રી : વર્તનમાં મૂકવાનું છે જ નહીં, વર્તનમાં આવવું જોઈએ. સમજ્યાનું ફળ શું ? તો કહે, 'વર્તનમાં આવે જ !' સમજણ હોય છતાંય વર્તનમાં ના આવે ત્યાં સુધી એને દર્શન કહેવાય અને વર્તનમાં આવે એને જ્ઞાન કહ્યું.

પ્રશ્નકર્તા : સમજ, જ્ઞાન અને વર્તન સમજ્યા હોય પણ વર્તનમાં ન આવે.

દાદાશ્રી : હા, એ જ્ઞાન વગર વર્તનમાં ના આવે. સમજ એટલે 'અનડીસાઈડેડ' વાત.

મારી વાત તમને ઠોકી બેસાડવાની નથી. તમને પોતાને જ સમજમાં આવવું જોઈએ. મારી સમજ મારી પાસે. ઠોકી બેસાડવાથી તો કશું કામ જ ના થાય. તમને એ સમજ બેસી જાય પછી તમે એ સમજથી ચાલો. જ્ઞાનમાં કશું કરવાની જરૂર નથી. સમજવાની જરૂર છે. જ્ઞાનમાં અને સમજમાં કંઈ ફેર હશે ખરો ? તમે મારી પાસે વાતને સમજો. એ સમજ ધીમે ધીમે જ્ઞાન રૂપે પરિણામ પામે. જ્ઞાન જાણીએ ખરા , પણ વર્તનમાં ના આવે તે સમજ.

જ્ઞાનની માતા કોણ છે ? સમજ છે. માતા વગર પુત્ર થાય નહીં ને ? કે કોઈ પુત્ર ઉપરથી પડેલો ? એટલે માતા તો જોઈએ ને ? જ્ઞાનની માતા સમજ છે. એ સમજ ક્યાંથી પ્રાપ્ત થાય ? એ જ્ઞાની પાસેથી સમજો. શાસ્ત્રો પાસેથી સમજો. શાસ્ત્ર પાસેથી પૂરી સમજ ના થાય; પણ અમુક સમજ થાય.

અમે આ જ્ઞાન આપીએ છીએ એ 'કેવળદર્શન' છે. એટલે એમાં બધી જ સમજ આવી ગઈ. હવે સમજમાંથી વર્તન ઊભું થાય પણ સમજ જ ના હોય તો ? વર્તન ક્યારેય ના આવે. પૂર્ણ સમજ એ કેવળદર્શન કહેવાય અને વર્તનમાં આવે એ કેવળજ્ઞાન કહેવાય. કેવળજ્ઞાન એ પૂર્ણાહુતિ છે ને કેવળદર્શન એ કેવળજ્ઞાનની 'બીગિનિંગ' (શરૂઆત) છે.

સમજ કોનું નામ કહેવાય કે ઠોકર ના વાગે. આખો દહાડો ઠોકરો ખાયા કરતો હોય અને હું સમજું છું, જાણું છું કરે. તે અલ્યા, શેને સમજ કહે છે ? સમજ અને જ્ઞાનમાં ફેર શો ? જે સમજ વર્તનમાં ના આવે ત્યાં સુધી એ જ્ઞાનને સમજ કહેવાય છે. એ સમજ ધીમે ધીમે 'ઑટોમેટિકલી' જ્ઞાનરૂપે પરિણામ પામે. વર્તનમાં આવે ત્યારે જાણવું કે આ જ્ઞાન છે, એટલે ત્યાં સુધી સમજ સમજ કરો.

શાસ્ત્રોમાં જાણવા ગયો એ જ્ઞાન ક્રિયાકારી નથી અને આ સમજ ક્રિયાકારી છે. તમારે કંઈ કરવું ના પડે. અંદરથી જ્ઞાન જ કર્યા કરે. ક્રિયાકારી જ્ઞાન એ ચેતનવંતું જ્ઞાન છે, એ જ વિજ્ઞાન છે, એ જ પરમાત્મ-જ્ઞાન કહેવાય છે. આ શુષ્કજ્ઞાનને વાંઝિયું જ્ઞાન કહેવાય છે. પપૈયા આવે નહીં, ને મહેનત સરખી ! આખું મનુષ્યપણું નકામું જાય છે, માટે કંઈક સમજવું તો પડશે જ ને ? અહીં ખાલી સમજવાનું જ છે, કરવાનું કંઈ નથી. જ્યાં કરવાનું છે ત્યાં મોક્ષનો માર્ગ નથી. જ્યાં સમજવાનું છે તે જ મોક્ષનો માર્ગ છે.

જે સમજ જ્ઞાનમાં પરિણામ પામી તે દહાડે તે વસ્તુ તમારી પાસે નહીં હોય. તમારે કશું કરવાનું નથી. ગ્રહણ-ત્યાગના આપણે અધિકારી જ નથી, કારણ કે આ મોક્ષમાર્ગ છે. ગ્રહણ-ત્યાગના અધિકારી, શુભાશુભ માર્ગમાં હોય, ભ્રાંતિમાર્ગમાં હોય, આ તો 'ક્લીઅર' મોક્ષમાર્ગ છે.

વર્તનમાં આવે ત્યારે એ જ સમજ જ્ઞાનરૂપે પરિણામ પામે છે. દાદાએ જે સમજ પાડી હોય તે અનુભવ કરાવ્યા કરે. એમ કરતાં કરતાં અનુભવજ્ઞાન થતું થતું જ્ઞાનરૂપે એ પરિણામ પામે, તે દહાડે 'એ' નહીં રહે.

મોક્ષમાર્ગ સહેલો છે, સરળ છે અને સુગમ છે. સમભાવી માર્ગ છે, કશી મહેનત વગર ચાલે એવું છે. માટે કામ કાઢી લો. અનંત અવતારેય ફરી આ જોગ ખાય એવો નથી.

જ્ઞાન અપાય એવી ચીજ નથી. જ્ઞાન તો સમજ આપીએ તેમાંથી ઉત્પન્ન થાય. જ્ઞાન ઉત્પન્ન થયું એ ક્યારે સમજ પડે ? 'આ ખોટું છે' એ જ્ઞાન ક્યારે કહેવાય ? એની મેળે એ છૂટી જાય ત્યારે. છૂટી જવું ને જ્ઞાન બેઉ સાથે બને છે. ત્યાં સુધી સમજમાં તો છે કે આ ન હોવું ઘટે; ન હોવું ઘટે એટલે આપણું આ 'કેવળદર્શન' એટલે કે કેવળ સમજનું વિજ્ઞાન છે. પછી કેવળજ્ઞાનમાં આવે છે.

પ્રશ્નકર્તા : સમજ્યા પછી જ્ઞાનમાં આવતાં કેટલી વાર લાગે ?

દાદાશ્રી : જેટલી જેની સમજણ પાકી એટલું એનું જ્ઞાનમાં 'ડેવલપમેન્ટ' થતું જાય. એ ક્યારે થશે એની ચિંતા નહીં કરવાની. એ તો એની મેળે જ જ્ઞાનમાં પરિણામ પામવાનું, એની મેળે જ છૂટી જવાનું. માટે સમજ સમજ કરવાનું અહીં. જ્ઞાન જ કામ કરી રહ્યું છે. તમારે કશું કરવાનું નહીં. ઊંઘમાંય જ્ઞાન કામ કરી રહ્યું છે, જાગતાંય કામ કરી રહ્યું છે ને સ્વપ્નમાંય જ્ઞાન કામ કરી રહ્યું છે.

'દિલ્હી શી રીતે પહોંચાશે' એ વાતને સમજ એટલે દિલ્હી પહોંચાશે. સમજ એ બીજરૂપે છે અને જ્ઞાન એ વૃક્ષરૂપે છે. તમારે પાણીનો છંટકારો અને ભાવનાઓ જોઈએ.

પ્રશ્નકર્તા : વર્તનમાં આવી ગયું, એનું નામ ચારિત્ર કહેવાય ?

દાદાશ્રી : ચારિત્ર કહેવાય, પણ તે સમ્યક્ચારિત્ર કહેવાય; કેવળચારિત્ર તો કેવળજ્ઞાની જ કરી શકે અને 'જ્ઞાની પુરુષ' કરી શકે.

પ્રશ્નકર્તા : કેવળચારિત્ર અને સમ્યક્ચારિત્રમાં ફેર શો ?

દાદાશ્રી : સમ્યક્ચારિત્ર જગતના લોક જોઈ શકે અને કેવળચારિત્ર કોઈને દેખાય નહીં. એ ઇન્દ્રિયગમ્ય નથી હોતું. કેવળચારિત્ર એ જ્ઞાનગમ્ય છે.

પ્રશ્નકર્તા : શ્રદ્ધા અને દર્શનમાં શો ફેર ?

દાદાશ્રી : શ્રદ્ધા કરતાં દર્શન ઊંચી વસ્તુ છે. શ્રદ્ધા તો અશ્રદ્ધા પણ થઈ જાય. શ્રદ્ધા કોઈના પર બેઠી હોય તો એ શ્રદ્ધા ફરી જાય અને દર્શન ફરે નહીં. દર્શનને ફેરવનાર જોઈએ. મિથ્યાદર્શન જો કોઈનું ફરે છે ? બાપજી પર છ મહિના શ્રદ્ધા રાખે તો એ ઊડી જાય. ખરેખર, એ શ્રદ્ધા ના કહેવાય; વિશ્વાસ કહેવાય.

પ્રશ્નકર્તા : શ્રદ્ધા અને વિશ્વાસમાં શો ફેર ?

દાદાશ્રી : શ્રદ્ધા એ દર્શનથી નીચું પદ છે, પણ સ્થિર છે, ડગે નહીં એવું છે. પણ લોકો તેને નીચલી ભાષામાં લઈ જાય છે. મહારાજ સાહેબ કહે કે મારા ઉપર છ મહિના શ્રદ્ધા રાખજો. પણ સાહેબ, મને શ્રદ્ધા તમારા ઉપર આવતી નથી તે કેમની રાખું ? હું ટિકિટ ચોંટાડવા જાઉં છું ને ચોંટતી જ નથી. તમે એવું કંઈક બોલો કે મને તમારા પર શ્રદ્ધા આવે. હું શું કહું છું કે શ્રદ્ધા રાખવાની વસ્તુ નથી. શ્રદ્ધા આવવી જ જોઈએ.

મહીં જે સૂઝ પડે છે એ દર્શન છે. કોઈને સૂઝ વધારે પડતી હોય ને કોઈને ના પણ પડતી જાય ! સૂઝ એ કુદરતી બક્ષિસ છે. એ અહંકારી વસ્તુ નથી. 'નેચરલ ગિફ્ટ' છે. દરેકને પોતપોતાના ગજા પ્રમાણે સૂઝ હોય. નાનાં છોકરાંને પણ સૂઝ પડી જાય !

ધર્મની દુકાનો

પ્રશ્નકર્તા : જાત જાતના બધા ધર્મો કહે છે કે અમારુ ખરું, અમારું ખરું, તો કોનું ખરું માનવું ?

દાદાશ્રી : વીતરાગોનું. વીતરાગની વાત સમજવા જેવી છે, વીતરાગનું કહેલું માનજો. આ બધી દુકાનોમાં સાચી વાત નથી. સહુસહુની વાત છે. સહુસહુની દ્ષ્ટિએ સાચી છે. કોઈની ખોટી નથી.

પ્રશ્નકર્તા : બધી વાતનો ખ્યાલ એ કે 'હું' જાય તો કંઈક થાય.

દાદાશ્રી : જે દુકાનના માલિક ના હોય, જે દુકાન માલિક વગરની છે ત્યાં જઈને બેસવું. 'હું' જ્યાં ગયું હોય, જ્યાં ક્રોધ-માન-માયા-લોભ દેખાય નહીં ત્યાં વાત સાંભળજો, તો મોક્ષ થશે; નહીં તો મોક્ષ થવાનો નથી.

વ્યાખ્યાનમાં તો સાંભળનારોય જુદો ને બોલનારોય જુદો. એ વ્યાખ્યાન કહેવાય, આખ્યાન નહિ અને મોક્ષમાર્ગમાં આખ્યાનેય નથી, તો વ્યાખ્યાન ક્યાંથી આવે ?

પ્રશ્નકર્તા : આખ્યાન અને વ્યાખ્યાનનો મર્મ શો છે ?

દાદાશ્રી : બે-ચાર જણની જોડે વાતો કરે એ આખ્યાન કહેવાય અને આખા ટોળામાં બોલે તે વ્યાખ્યાન કહેવાય.

ચેતો અનુકૂળમાં

પ્રશ્નકર્તા : રાગ વગરનો પ્રેમ અનુભવમાં આવ્યો નથી, એટલે સામાન્ય કલ્પનાની બહારની વસ્તુ આવે છે.

દાદાશ્રી : આ બીજાં બધાંની જોડેનો હિસાબ દ્વેષનો હોય છે. તેને 'સમભાવે નિકાલ' કરવો પડે છે. એ પ્રતિકૂળ કષાય કહેવાય અને આ રાગનું એ અનુકૂળ કષાય કહેવાય. અનુકૂળ જ્યારે છોડવું હોય ત્યારે છોડાય, પણ અનુકૂળતામાં બહુ જાગૃતિ રાખવી પડે. પ્રતિકૂળ કડવું લાગે ને કડવું લાગે એટલે તરત જ જાગૃતિ આવી જાય છે. અનુકૂળ મીઠું લાગે.

અમને 'સ્વરૂપ જ્ઞાન' નહોતું થયું ત્યારે અનુકૂળમાં અમે બહુ ચેતતા રહેતા. પ્રતિકૂળમાં તો આપણને ખબર મળશે. અનુકૂળથી જ આખું બધું રખડેલું. કો'કના ઘરમાં સાપ પેસી ગયો ને તેને એણે દીઠેલો હોય એટલે એને આપણે એમ ના કહેવું પડે કે સાપ પેસી ગયો છે, જાગતો રહેજે ! એટલે જાગતા રહેવા જેવું આ જગત છે. આ જે ભૂલો કરાવે છે ને જે ઝોકું ખવડાવે છે, તે અનુકૂળતા જ કરાવે છે.

બંધ - નિર્જરા

નિર્જરા થાય ત્યારે કોઈ વખત એકદમ કડવી, તો કોઈ ફેરો એકદમ મીઠી લાગે. તે બન્નેને આપણે કડવા-મીઠાથી છૂટા થઈને 'પાડોશ'માં રહીને 'જોયા' કરવાનું. કડવું-મીઠું એ નિરંતરનો પૌદ્ગલિક સ્વભાવ છે.

પ્રશ્નકર્તા : શરીરમાં નિર્જરા ભલે થતી. સાચવવા જેવું નથી.

દાદાશ્રી : સાચવવાનું તો કશું હોય જ નહિ ને ? અને સાચવ્યું કશું સચવાય નહિ ને ? સાચવવાનું પોતાનું સ્વરૂપ !

જેવા ભાવે બંધ થયેલો હોય તેવા ભાવે નિર્જરા થાય. એ એનો સ્વભાવ જ છે. બંધ 'આપણી' હાજરીમાં થયેલો હતો. પણ આ નિર્જરા ગેરહાજરીમાંય થઈ શકે. આપણને સંવર હોય તોય નિર્જરા થઈ શકે. અને બંધ 'આપણી' ગેરહાજરીમાં ના પડે. એટલે જે ભાવે બંધ પડ્યા તે આપણી હાજરીમાં પડેલો. હવે નિર્જરા છે તે એ ભાવે થાય તે આપણે જોયા કરવાનું કે ઓહોહો ! આવો બંધ પડ્યો હોય એવું લાગે છે.

પ્રશ્નકર્તા : જે ભાવે બંધ પડે છે એ ભાવથી બંધ છૂટી શકે ખરા ?

દાદાશ્રી : એ ભાવથી નહિ. ભાવથી બંધ છૂટતો નથી. એ જ ભાવવાળાં પરિણામ ઉત્પન્ન થાય છે. ક્રૂર ભાવનો બંધ પડેલો હોય તે પરિણામ થતી વખતે બધાં ક્રૂર દેખાય. પણ તે આજે આપણાં નથી. આ તો નિર્જરા થાય છે. એને જોયા કરવાનું કે શી નિર્જરા થાય છે ! એના પરથી શું બંધ પડેલો, કયા ભાવે બંધ પડેલો હતો, આ નિર્જરાનું 'રૂટ કોઝ' શું હતું, તેની ખબર પડે.

દેવલોકોનું વિચરણ

પ્રશ્નકર્તા : સાત ક્ષેત્ર, એમાં દેવો વિચરે ખરા ?

દાદાશ્રી : દેવો તો મનુષ્યો જ્યાં હોય ત્યાં જઈ શકે. ખાસ કરીને તીર્થંકરો હોય ત્યાં દેવલોકો વધારે જાય. આપણી ભૂમિકામાં ઓછા આવે. આપણી ભૂમિકા નરી ગંદવાડવાળી, દુર્ગંધવાળી હોય તેથી ત્યાં દેવલોકો પધારે નહીં. 'જ્ઞાની' હોય ત્યાં દેવલોકો આવે. આ વિધિઓ, પૂજા વગેરે ભણાવે તો ત્યાં પણ દેવલોકો જાય, પછી ભલે ત્યાં 'જ્ઞાન' ના પણ હોય !

ધર્મ : અધર્મ - એ એક કલ્પના

આ ધર્મો તે કેવા છે ? અધર્મને ધક્કા મારવા, એનું નામ ધર્મ. ધર્મ એકલાને સંગ્રહી રાખવાનો ને અધર્મને ધક્કા મારવાના. કોઈને ધક્કા મારીએ તે કંઈ સારું કહેવાય ?

પ્રશ્નકર્તા : અધર્મને ધર્મમાં બદલી લેવો જોઈએ.

દાદાશ્રી : આ ધર્મ અને અધર્મ એ બેઉ કલ્પિત જ છે ને ? આપણે કલ્પનાથી બહાર નીકળવું છે કે કલ્પિતમાં રખડવું છે ? કલ્પિત તો અનંત અવતારથી ભટક ભટક કરાવે. ધર્મ એટલે કોઈને સારું કરવું, જીવમાત્રને સુખ આપવું. પણ સુખ આપનાર કોણ ? ત્યારે કહે, 'ઇગોઇઝમ'. ધર્મનું ફળ ભૌતિક સુખશાંતિ મળે અને અધર્મનું ફળ ભૌતિક અશાંતિ રહે. પણ આવા ધર્મ કરતાં પણ જાનવરમાં જવું પડે. જાનવરમાં શી રીતે જાય ? અણહક્કનું ભેળું કરવાના વિચારો આવે તે પાશવતાની નિશાની. એનાથી પશુયોનિ બંધાય. હક્કનું ભોગવો; હક્કની સ્ત્રી, હક્કનાં છોકરાં, હક્કના બંગલા ભોગવો, એ મનુષ્યપણું કહેવાય અને પોતાના હક્કનું બીજાને આપી દે, એ દેવપણું કહેવાય.

મુક્તિનું સાધન - શાસ્ત્ર કે જ્ઞાની ?

જે જ્ઞાન હિતકારી ન થઈ પડે તે ક્યાં સુધી સાંભળવાનું ? 'જ્ઞાની પુરુષ' ના મળે ત્યાં સુધી. જ્યાં સુધી ઇંદોરી ઘઉં ના મળે ત્યાં સુધી રેશનના ઘઉં મળે તે ખાવા જ પડે ને ? પણ જો 'જ્ઞાની પુરુષ'નો સંજોગ બાઝે તો તો પછી તમે માંગતાં ભૂલો; અધ્યાત્મમાં જે માગો તે મળે, કારણ કે 'જ્ઞાની પુરુષ' એ મોક્ષદાતા પુરુષ છે. મોક્ષનું દાન આપવા આવેલા છે. પોતે મુક્ત થયેલા છે. તરણતારણ થયેલા છે. પોતે તર્યા ને અનેકોને તારવાને સમર્થ છે. ત્યાં બધી જ ચીજ મળે. મને તમે ભેગા થયા એટલે વાત કરું હું તમને. સર્વ જંજાળોમાંથી મુક્ત થવાનું આ સાધન છે.

પ્રશ્નકર્તા : ધાર્મિક પુસ્તકો જંજાળમાંથી મુક્ત થવા માટે જ લખાયાં છે ને ?

દાદાશ્રી : હા, પણ ધાર્મિક પુસ્તકો જંજાળમાંથી મુક્ત થવાનું કોઈ જગ્યાએ બતાવતાં જ નથી. એ તો ધર્મ કરવા માટે છે. એનાથી જગત ઉપર અધર્મ ચઢી ના બેસે. એટલે કંઈક સારું એવું શિખવાડે. એનાથી સાંસારિક સુખ મળે, અડચણો ના પડે, ખાવા-પીવાનું મળે, લક્ષ્મી મળે એટલે ધર્મ શિખવાડ શિખવાડ કરે છે. આ તો કો'ક વખત 'જ્ઞાની પુરુષ' હોય. હું જે વાત કરું છું તે વાત ક્યાંય પણ હોય નહીં. પુસ્તકમાંય ના હોય, કારણ કે આનું વર્ણન થઈ શકે તેમ નથી. એ બધું 'જ્ઞાની પુરુષ' પાસે જ હોય. એ તમને સમજાવે તે તમને બુદ્ધિ દ્વારા પકડી શકાય અને તમારો આત્મા કબૂલ કરે તો જ માનજો.

'જ્ઞાની' પાસે સીધા થવું પડશે. આડાઈ નામે ના ચાલે અને તમારી ચિંતા જાય, મતભેદ જાય તો જાણવું કે કંઈ સાંભળવાનું ફળ છે. આ તો નથી એકુંય મતભેદ ગયો, નથી ધ્યાન સુધર્યું. આર્તધ્યાન ને રૌદ્રધ્યાન થાય છે. એનો અર્થ ધર્મનો એકેય અક્ષર પામ્યો નથી. છતાં મનમાં એમ માની બેસે છે કે ચાલીસ વરસથી હું ધર્મ કરું છું, મંદિરોમાં, ઉપાશ્રયોમાં પડી રહું છું, પણ એનો કશો અર્થ નથી, 'મીનીંગલેસ' છે. આ તમારો ટાઈમ બગાડો છો !

પોતે અનંત દોષનું ભાજન છે, છતાંય પોતાનો એક પણ દોષ દેખાતો નથી. પોતાના 'સેલ્ફ'નું વલણ થયા પછી આ 'ચંદુભાઈ' પર તમારો પક્ષપાત ના રહે, ત્યારે દોષો દેખાય. અત્યારે તો હું ચંદુભાઈ એવું માનો છો તમે, અને જજેય તમે, વકીલેય તમે અને આરોપીય તમે ! બોલો હવે, એકેય દોષ દેખાય ? આનો ક્યારે પત્તો પડે ? આમ ક્યાં સુધી ભટક ભટક કરીએ ? હવે કાળ બધો વિચિત્ર આવવાનો છે. 'જ્ઞાની પુરુષ' મળ્યા એટલે ભાવના ભાવીને આપણે આપણું કામ કાઢી લેવાનું. 'જ્ઞાની પુરુષ'ને વર્લ્ડમાં કોઈ એવી ચીજ નથી કે જે આપણે આપીએ તો એમને કામ લાગે, કારણ કે એમને કોઈ ચીજની ભીખ જ ના હોય. એમને લક્ષ્મીની ભીખ ના હોય, કીર્તિની ભીખ ના હોય, વિષયોની ભીખ ના હોય, માનની ભીખ ના હોય, નિરિચ્છક એવા 'જ્ઞાની પુરુષ', જેના દર્શન માત્રથી જ પાપ ધોવાઈ જાય ! એમની પાસે બેસવાથી અપાર શાંતિનો અનુભવ થાય.

ક્યાં વીતરાગ માર્ગ ને ક્યાં...

જેમ અજ્ઞાનતા વધે, મોહ વધે, તેમ મોહનાં સાધનો વધારે પ્રાપ્ત થાય અને પોતાની જાતને શુંય માને કે કેટલી મારી પુણ્યૈ કે મને આ બંગલો મળ્યો, પંખા મળ્યા ! આ તો ઊલટો ફસાતો જાય છે. કાદવમાં ગરક્યા પછી નીકળવાનો જેમ જેમ પ્રયત્ન કરે તેમ તેમ વધારે ફસાતો જાય, એવી દશા થાય ! ક્યાં વીતરાગોનો મોક્ષમાર્ગ ને ક્યાં આ દશા ?

સમ્યક્ આચારેય કોઈ જગ્યાએ રહ્યો નથી, લોકાચાર થઈ ગયો છે. સમ્યક્ આચાર તો જોઈને જ આપણે ખુશ થઈ જઈએ.

પ્રશ્નકર્તા : લોકાચાર અને સમ્યક્ આચાર, એ બેમાં ફેર શો ?

દાદાશ્રી : લોકાચાર એટલે લોકોનું જોઈને આચરણ કર્યા કરવું અને સમ્યક્ એટલે વિચારપૂર્વકનો આચાર, સંપૂર્ણપણે નહીં પણ જેટલા જેટલા અંશે વિચારપૂર્વક કરતો હોય તેટલા અંશે સમ્યક્ આચાર ઉત્પન્ન થાય, પણ જે સમ્યક્ આચાર હોય તે તો સર્વાંશે જ હોય. ભગવાનનાં શાસ્ત્રોને મળતો આવે એવો હોય.

એકુંય જીવ એવો નહીં હોય કે જે સુખ ના ખોળતો હોય ! અને તેય પાછું કાયમનું સુખ ખોળે છે. એ એમ જાણે છે કે લક્ષ્મીજીમાં કાયમનું સુખ છે. પણ તેમાંય મહીં બળતરા ઊભી થાય છે. બળતરા થવી ને કાયમનું સુખ મળવું, એ કોઈ દહાડો થાય જ નહીં. બંને વિરોધાભાસી છે. આમાં લક્ષ્મીજીનો દોષ નથી. એનો પોતાનો જ દોષ છે. આ તો લક્ષ્મીજીના ખૂણા પર ધ્યાન આપે છે ને બાકીના ખૂણા તરફ જોતો જ નથી. તેથી આપણા સંસ્કાર વેચાઈ ગયા, ગીરવે મુકાઈ ગયા છે. આને જીવન જીવ્યું કેમ કહેવાય ? આપણે હિન્દુસ્તાનની આર્યપ્રજા કહેવાઈએ. આર્યપ્રજામાં આવું શોભે નહીં. આર્યપ્રજામાં ત્રણ વસ્તુ હોય; આર્યઆચાર, આર્યવિચાર ને આર્યઉચ્ચાર. તે અત્યારે ત્રણેય અનાડી થઈ ગયા છે ! અને મનમાં શુંય માને કે સમકિત થઈ ગયું છે ને મોક્ષ થઈ જવાનો ! અલ્યા, તું જે કરી રહ્યો છે તેનાથી તો લાખ અવતારેય ઠેકાણું પડે નહીં. મોક્ષમાર્ગ એવો નથી.

પુણ્યનો ભોમિયો

પ્રશ્નકર્તા : જ્યાં સુધી મોક્ષના માર્ગે ના પહોંચીએ, ત્યાં સુધી પુણ્ય નામના ભોમિયાની તો જરૂર પડે ને ?

દાદાશ્રી : હા, એ પુણ્યના ભોમિયા માટે તો લોક શુભાશુભમાં પડ્યા છે ને ? એ ભોમિયાથી બધું મળશે. પણ મોક્ષના માર્ગે જતાં એનું પુણ્ય બંધાય છે. પણ આવા પુણ્યની જરૂર નથી. મોક્ષે જનારાની પુણ્યૈ તો કેવી હોય ? એને જગતમાં સૂર્યનારાયણ ઊગ્યો કે નહીં, તેય ખબર ના પડે ને આખી જિંદગી જાય, એવાં પુણ્ય હોય ! તો પછી આવા કચરા પુણ્યને શું કરવાનું ?

પ્રશ્નકર્તા : આ માર્ગ ના મળે ત્યાં સુધી તો એ પુણ્યૈની જરૂર છે ને ?

દાદાશ્રી : હા, એ બરાબર છે. પણ લોકોની પાસે પુણ્યૈ ક્યાં સાબૂત છે ? કશું જ ઠેકાણું નથી, કારણ કે તમારી શી ઇચ્છા છે ? ત્યારે કહે કે પુણ્ય કરું તો પાપનો ઉદય ના આવે. ત્યારે ભગવાન શું કહે છે ? તેં સો રૂપિયાનું પુણ્ય બાંધ્યું તે તારે ખાતે સો રૂપિયા જમા થયા. ત્યાર પછી બે રૂપિયા જેટલું પાપ કર્યું એટલે કે કોઈ માણસને 'હટ હટ, આઘો ખસ' એવું કહ્યું, તેમાં સહેજ તિરસ્કાર આવી ગયો. હવે આનું જમે-ઉધાર ના થાય. ભગવાન કંઈ કાચી માયા નથી. જો પુણ્ય-પાપનું જમે-ઉધાર થતું હોત તો તો આ વણિક કોમને ત્યાં સહેજે દુઃખ ના હોત ! પણ આ તો સુખેય ભોગવો ને દુઃખેય ભોગવો. કેવા પાકા ભગવાન ! બાદ તો કરે જ નહીં !

કષાય ત્યાં સંસાર

સ્વરૂપજ્ઞાન પછી કંઈ જ કરવાનું રહેતું નથી. તેથી અમે કહ્યું છે કે કશું કરશો નહીં. કરે છે બીજી શક્તિ ને આ અમથા માથે લઈને લોકો ફરે છે, તેને લીધે ઊલટા અવતાર વધે છે.

જ્યાં કષાય છે ત્યાં નર્યાં પરિગ્રહનાં પોટલાં જ કહેવાય. પછી એ ગૃહસ્થી હોય કે ત્યાગી હોય કે હિમાલયમાં પડી રહ્યો હોય ! કષાયનો અભાવ ત્યાં પરિગ્રહનો અભાવ. પછી ભલે ને એ રાજમહેલમાં રહેતો હોય ! અમારી પાસે ક્યાં પરિગ્રહ છે ? લોકોને લાગે કે દાદા પરિગ્રહી છે. પરિગ્રહ એટલે માથે બોજો. અમને કોઈ દહાડોય બોજો લાગે નહિ. શરીરનોય બોજો અમને ના હોય ! છતાંય આ દાદા ખાય છે, પીએ છે, લગ્નમાં જાય છે, સ્મશાનમાં જાય છે !!!

વીતરાગો એટલું જ જુએ છે કે કષાયનો અભાવ છે કે નહીં ? પછી એ ત્યાગીની ગાદી નથી જોતા કે ગૃહસ્થીની ગાદી નથી જોતા ! કષાયનો અભાવ છે કે કેમ એટલું જ જુએ છે. અગર તો કષાય મંદ વર્તે છે કે કેમ ? સાધુઓમાં કેટલાક, બે-પાંચ ટકા ભદ્રિકતાના સ્વભાવવાળા મંદકષાયી હોય છે.

પ્રશ્નકર્તા : એ સમજણમાં મંદ કહેવાય ?

દાદાશ્રી : સમજણમાં નહીં, એમ ને એમ સ્વાભાવિક ભદ્રિક. તોય એમને ભગવાને કષાયરહિત ના કહ્યા. 'હું છું', 'હું છું' બોલે તો એ કષાય.

કૃપાળુદેવનાં પુસ્તકો વાંચવાથી મંદકષાયી થઈ શકે એમ છે. પણ તે લોકોને સમજાયું નથી. મંદકષાયી કોને કહેવાય ? કષાય ઉત્પન્ન થાય તે પોતાને ખબર પડે પણ બીજા કોઈને ખબર પડવા ના દે. કષાયને વાળી લેવાય એવી દશા. કષાયો એ સંસારનું સ્વરૂપ છે અને અકષાયી મોક્ષ સ્વરૂપ છે. મૂળ કષાયો છે. જો કષાય ગયા તો કામ થયું, નહીં તો સાધુય નથી ને સંન્યાસીય નથી. એના કરતાં મંદકષાયવાળા ગૃહસ્થી સારા !

વૃદ્ધોની વ્યથા

આ ભાઈ સ્વભાવથી મંદકષાયી કહેવાય. પણ 'જ્ઞાન' વગર ચિત્ત શામાં રહે ? આખો દહાડો ધંધામાં, છોકરાંમાં, કોઈ આવ્યું હોય તેમાં, ખાવા-પીવામાં ચિત્ત પેસી જાય. ચિત્ત બધું આમાં ને આમાં વિખરાઈ જાય. આનાથી પુણ્ય મળે પણ હવે ક્યાં સુધી ડૂંડાં લણવાનાં ? બાજરી વાવો, લણો ને ખાઓ. વાવો, લણો ને ખાઓ. એવા ધંધા ક્યાં સુધી કરવાના ?

પાછા વગર પૂછ્યે સલાહ હઉ આપે ! છોકરો બાપુજીને પૂછે નહીં તોય, 'ઊભો રહે, ઊભો રહે, તું ભૂલ ખાઈશ' કરીને સલાહ આપી આવે. ભગવાન કહે છે કે છોકરાં બહુ મુશ્કેલીમાં મૂકાય ત્યારે જવાબ આપજો. હા, એ પૂછ પૂછ કરે, ત્યારે આપણે વ્યવહારમાં જવાબ આપવો જ પડે. પૂછ્યા વગર પોતાના ઉપયોગવાળો કોણ ડહાપણ કરે ? તમે રૂપિયા ગણતા હો ને છોકરો તમને ધંધાની વાત પૂછવા આવે તો તમને એમ થાય કે આ વાત ઓછી કરે તો સારું. તેમ આત્મા માટે નિરંતર હોવું જોઈએ. છતાં વ્યવહાર છે તો પડ્યા વગર ચાલે નહીં. પણ મહીં જાણી જોઈને હાથ ના ઘાલવો.

પ્રશ્નકર્તા : છોકરામાં અનુભવ ઓછો હોય અને કંઈક ભૂલ કરે એવું દેખાતું હોય, તો કહેવાનું મન થાય ને ?

દાદાશ્રી : આ વાત તો તમારા પિતાશ્રી હોત ને, તો તેય તમને કહેત કે ભઈ હજુ કાચો છે ! ને એમના પિતાશ્રી હોત તો તેય એવું જ કહેત ! આ હિન્દુસ્તાનનો રિવાજ છે. આને જ 'ઓવરવાઈઝ'પણું ભગવાને કહ્યું. સાઠ વર્ષના પિતા હતા, તેય કહે કે હજુ છોકરું છે ને ! અલ્યા, શેનું છોકરું ? દાદો થયો ને હવે !

આ તમને જે જ્ઞાન છે ને તે આપણા ગુજરાતીઓમાં છેલ્લી ઘડીએ પડ્યા પછી પણ એવું હોય કે મારું શરીર જતું રહેશે પછી આ છોકરાંઓ શું કરશે ? આ બધી કટેવ છે એક જાતની. 'વ્યવસ્થિત' કરનાર છે. તમે દેખો ત્યાં સુધી એને ઝાલી રાખો ને ! અને તમારા દેખ્યાની બહાર જાય તો ? એટલે આપણને પૂછે એનો જ જવાબ. છોકરાંને અનુભવ હોય કે ના હોય એ આપણે નહીં જોવાનું. ધંધો કરતા હોય તો કો'ક ફેરો મન એવું પણ કહે કે ચાલો, આજે જરા ઘરાક વધારે છે તો છોકરાં છેતરાઈ જશે. માટે ચાલ, હું દુકાને જઈને બેસું ! આવી આપણે ક્યાં પીડા કરીએ ? આપણે છોકરાંને મોટાં કર્યાં, ભણાવ્યાં, પૈણાવ્યાં, પછી હવે શું લેવાદેવા ? આપણે આપણા આત્માનું કરવું. હવે 'સબ સબકી સંભાલો' એવો કાયદો છે. આ ઘરાક-વેપારીના સંબંધ છે. પહેલાં અજ્ઞાનતાને લીધે ઊંડા ઊતર્યા હતા. હવે જ્ઞાને કરીને આપણને સમજાવું જોઈએ.

 

ભાગ
1-2 -3 - 4 - 5 - 6 - 7 - 8 - 9 - 10 - 11 - 12