ભાગ
1-2 -3 - 4 - 5 - 6 - 7 - 8 - 9 - 10 - 11 - 12



આપ્તવાણી શ્રેણી - ૫

રીત બદલો, વેદનની

માટે હવે તમે રીત બદલો તો વેદના ઓછી થશે, તેમ તેમ સુખ અંદરથી વધારે આવશે, કેમ કે બહાર ગૂંચવાય તો અંદરથી સુખ આવતું ઓછું થાય. તમારે 'ચંદુભાઈ'ને અરીસા સામે દેખાડવું, આમ હાથ-બાથ ફેરવીને કહેવું, 'અમે છીએ ને તમે છો. બે છીએ એ તો નક્કી છે ને ? એમાં બનાવટ નથી ને ?'

પ્રશ્નકર્તા : ના, બે જ છે.

દાદાશ્રી : આ 'પાડોશી' કંઈ જાણતા નથી એ વાતેય નક્કી છેને ? અને આપણે જાણકાર છીએ. પાડોશીને કંઈ ખબર નથી કે માથું દુખ્યું. ખબર આપણને છે. એટલે આપણે કહેવું કે 'માથું દુખ્યું તે અમે જાણીએ છીએ. તે હમણાં ઊતરી જશે. શાંતિ રાખો !' પછી ખભો થાબડી આપવો. પાડોશીને તો આપણે સાચવવું જ જોઈએ ને ? અને વેઢમી (પૂરણપૂરી) સારી હોય, ચોખ્ખું ઘી હોય તો બે ખવડાવી પણ દેવી ! 'ખાઈને સૂઈ જાવ' કહીએ. પાડાને વાંકે પખાલીને ડામ શા માટે ?

પ્રશ્નકર્તા : પાડો કોણ આમાં ?

દાદાશ્રી : બધો મનનો દોષ છે આમાં. મનની ચંચળતાને લીધે પેટને બિચારાને ભૂખે મરવું પડે. મન પાડો છે આમાં. પેટ પખાલી છે. દોષ મનનો છે ને લોક પેટને ડામ દે છે. ભજિયાં-જલેબી દેખે એટલે મન 'આઉટ ઓફ કંટ્રોલ' થાય. એટલે પેટમાં આફરો થાય. પછી બીજે દહાડે તબિયત બગડે એટલે પાછો ઉપવાસ કરવો પડે. પછી ધર્મને નામે ઉપવાસ કરે કે ગમે તે નામે, પણ ઉપવાસ તો કરવો પડેને !

સમ્યક્ તપ

ભગવાને ઊણોદરી તપ કેવું સરસ બતાડ્યું છે ! બે ભાગ ખોરાક, એક ભાગ પાણીનો ને એક ભાગ હવાનો. એવું ચાર ભાગ પાડીને જમી લેવું.

ભગવાને જ્ઞાન-દર્શન-ચારિત્ર એમ ત્રણ નથી કહ્યું, ચાર કહ્યાં છે. ચોથું તપ કહ્યું. મોક્ષના ચાર પાયા છે. તે ક્રમિકમાંય ચાર પાયા છે ને અહીં 'અક્રમ'માં પણ ચાર પાયા છે. તપ કયું ? જ્યારે વેદના થતી હોય. આ તમારે માથું દુખવું એ વેદના. ખરેખર એ વેદના જ ગણાય નહીં. એ તો જાણ્યા જ કરે, પણ બીજી વેદના એવી કે આમ હાથ કાપતા હોય, ઘસી ઘસીને કાપતા હોય એવા સંયોગોમાં આવ્યા હોઈએ ત્યારે તેને વેદના કહેવાય. તે ઘડીએ તપ કરવાનું છે. ભગવાને કહ્યું કે શું તપ ? તું 'હોમ ડિપાર્ટમેન્ટમાં છે.' સ્વપરિણતિમાં છે તે પરપરિણતિ ઉત્પન્ન ના થાય, એ તપ કરવાનું છે. આ પરપરિણામ છે અને આ મારાં પરિણામ નથી, એમ સ્વપરિણામમાં મજબૂત રહેવું, એનું નામ તપ.

આવું તપ ગજસુકુમારે કરેલું. તે શુદ્ધાત્માના ધ્યાનમાં હતા ત્યારે એમના સસરાએ એમને માથે માટીની સગડી કરી નિરાંતે અંગારા ભર્યા. તેમણે જોયું કે 'ઓહોહો ! આ સસરાજી તો મોક્ષની પાઘડી બંધાવે છે.' તે શુદ્ધાત્માના ધ્યાનમાં શ્રેણીઓ ચઢતાં ચઢતાં કેવળજ્ઞાન પામી મોક્ષે ગયા !

મોક્ષનો માર્ગ છે શૂરાનો..

આ શરીરને આપણે કહેવું કે 'હે શરીર ! હે મન ! હે વાણી ! તમને જ્યારે ત્યારે લોક બાળશે. તેના કરતાં અમે જ બાળી મૂકીએ તો શું ખોટું ?'

માટે ક્ષત્રિય થઈ જાવ. જે સ્વરૂપ આપણું નથી ત્યાં શી પીડા ? જે સ્વરૂપ આપણું નથી એવું 'જ્ઞાની પુરુષે' તમને કહ્યું, તે તમને બુદ્ધિથી સમજાયું, પછી શી પીડા ?

તમારું એકનું એક મકાન હોય, તે તોડવાનું ગમે નહીં. પણ દેવું થઈ ગયું હોય એટલે વેચી નાખો, તેના દસ્તાવેજ પણ થઈ ગયા હોય, પછી તે ઘર તૂટે ને તમે બૂમો પાડો કે 'આ ઘર મારું, આ ઘર મારું', તો તે કેવું ખરાબ લાગે !

પ્રશ્નકર્તા : શબ્દમાં કહેવામાં વાંધો નથી આવતો, પણ જ્યારે વેદનીય હાજર થાય છે ત્યારે એનો પરચો બતાવે છે.

દાદાશ્રી : વેદનીય તો તમને શી થઈ છે ? વેદનીય તો જ્યારે પક્ષાઘાત થાય ત્યારે વેદનીય કહેવાય. આને વેદનીય કેમ કહેવાય ? પેટમાં દુખ્યું, માથું દુખ્યું કે સણકા થયા એને વેદનીય કેમ કહેવાય ? એક આપણા મહાત્માને પક્ષાઘાત થયેલો. તે કહે કે ''દાદા, આ 'મંગળદાસ'ને બધાં જોવા આવે છે, તેમને 'હું' પણ જોઉં છું !''

પ્રશ્નકર્તા : જ્યાં સુધી આત્માનું સ્પષ્ટ વેદન ના હોય, અનંત સ્વરૂપનું વેદન ના હોય ત્યાં સુધી બીજું કંઈ ને કંઈ તો વેદન હોય ને ? જેમ કે શાતા-અશાતા.

દાદાશ્રી : એવું છે ને કે વેદનાનો સ્વભાવ કેવો છે કે જો એને પારકી જાણે તો એ જાણ્યા કરે કે આ પારકી છે. પછી ખાલી જાણ્યા જ કરે એને, વેદે નહીં. પણ આ વેદના 'મને થઈ' કહે તો વેદે અને આ 'સહન થતી નથી' એમ બોલ્યા એટલે વેદના દસ ગણી લાગે. આ 'સહન થતી નથી', એમ તો બોલાય જ નહીં.

આ પગ તો તૂટતો હોય તો બીજાનેય કહીએ કે તું પણ તૂટ. નાદારી જ કાઢવી. હવે મોક્ષમાર્ગ હાથમાં આવ્યો છે એટલે જરાક હિંમત દાખવવી પડશે. જૂઓ પડવાથી ધોતિયું શાનું કાઢી નંખાય ? એને તો વેણી નાખવાની.

કોઈ કષાયી વાણી બોલે તમારી જોડે તો તે તમારાથી સહન થાય કે ?

પ્રશ્નકર્તા : એ જરા દૂર છે એટલે બહુ ના લાગે.

દાદાશ્રી : સામાન્ય રીતે આ મનુષ્યનો સ્વભાવ કેવો હોય ? પેલું શારીરિક દુઃખ સહન કરે, પણ કષાયી વાણી સહન ના કરે ! માની બેઠાં છે કે આ મને અડેલું જ છે. હવે એટલું અડેલુંય નથી ત્યાં આગળ. ખાલી સ્પર્શ જ છે. ખાલી આત્માનો ને પુદ્ગલનો બેનો સ્પર્શ થાય છે. એકાકાર કોઈ દહાડો થયું નથી. હવે આત્માનો એવો ગુણ છે કે બોલતાંની સાથે જ જેવું બોલે તેવી અસર થઈ જાય. માટે ક્ષત્રિયપણું વાપરવું પડે. થોડો વખત અમારા ટચમાં રહેવું પડે.

આત્માનો સ્વભાવ કેવો છે ? જેવું ચિંતવે એવો તરત જ થઈ જાય. સુખમય ચિંતવ્યો તો સુખમય થઈ જાય ને દુઃખમય ચિંતવ્યો તો તેવું થઈ જાય. એટલે બહુ જાગૃત રહેવાનું છે. આમાં બીજી કોઈ ચિંતવના ના થાય. જેમ કે, મારું માથું દુખ્યું !

પ્રશ્નકર્તા : ચિંતવના થતી નથી, પણ હવામાન બગડી જાય છે.

દાદાશ્રી : હવામાનની અસર થાય પણ આપણાથી બોલાય નહીં કે મને દુખ્યું. આપણે તો એમ કહેવું પડે કે 'ચંદુભાઈ'ને માથું દુઃખે છે.

આ તો ખાલી ભડક છે. એક માણસથી કડવી દવા નહોતી પીવાતી. તે મેં તેના દેખતાં, ચા ને ભાખરી ખાઈએ તેમ કડવી દવા ને ભાખરી નિરાંતે ખાધી. તે પેલો માણસ તો ભડકી ગયો કે આ તો તમે ચાની જેમ ખાવ છો. અલ્યા, ચાની જેમ જ પીવાય. આ તો તને ખાલી ભડકાટ પેસી ગયો છે. ત્યાર પછી એ રીતે એ માણસ કડવી દવા પીતો થઈ ગયો. સામો દેખાડતો હોય તો થઈ શકે એમ છે. કોઈ દેખાડનાર જોઈએ. એક ફેરો હું અગ્નિમાં આંગળી ધરીને બતાવું તો તમે હઉ ધરો. દેખાડનાર જોઈએ. આત્માને કશું અડતુંય નથી ને નડતુંય નથી. માટે તે રૂપે રહેવું. નિર્લેપ, અસંગ, અગ્નિનોય સંગ એને અડતો નથી, તો આ દુઃખનો, શરીરનો શી રીતે અડે ? માટે આ એનો સ્વભાવ પકડી રાખવો.

અને પરભાવમાં પરપરિણતિ ઉત્પન્ન ના થાય એ જોયા કરવાનું. પરપરિણતિ કોને કહેવાય છે ? પરપરિણામને પોતાનાં પરિણામ માને એનું નામ પરપરિણતિ. માથું દુઃખે છે એ પરપરિણામ કહેવાય અને તેને 'મને દુખ્યું છે' એમ કહ્યું એને પરપરિણતિ કહી. જેણે સ્વપરણિતિ, સ્વપરિણામ જોયાં નથી તે પરપરિણતિ સિવાય બીજું શું જુએ ? 'સ્વ' તો સમકિત થયા પછી હાથમાં આવે. 'સ્વ' હાથમાં હોય તો ક્રોધ-માન- માયા-લોભની દશા મડદાલ થઈ જાય. ક્રોધ-માન-માયા-લોભ એ કષાયો કહેવાય.

મોક્ષ જોઈતો હોય તો શિર સાથે ખેલ છે. શૂરવીરતા એટલે શૂરવીરતા ! ઉપરથી એટમબોંબ પડે પણ પેટમાં પાણી ના હાલે, એનું નામ શૂરવીરતા. અને જો તમે શુદ્ધાત્મા સ્વરૂપ છો, મેં જે સ્વરૂપ તમને આપ્યું છે તે સ્વરૂપમાં છો તો પાણીય અડે તેમ નથી.

તમે હવે નિઃશંક થયા. હવે આજ્ઞામાં રહો ને ઘૈડપણ કાઢી નાખો. આ દેહ જતો રહે તો ભલે જતો રહે. કાન કાપી લે તો ભલે કાપી લે. પુદ્ગલ આપી દેવાનું છે. પુદ્ગલ પારકું છે. પારકી વસ્તુ આપણી પાસે રહેવાની નથી. એ તો 'વ્યવસ્થિત'નો ટાઈમ હશે તે દહાડે જશે. માટે 'જ્યારે લેવું હોય ત્યારે લઈ લો' એમ કહેવું. ભય રાખવાનો નહીં. કોઈ લેનાર નથી. કોઈ નવરુંય નથી. આપણે કહીએ કે 'લઈ લો', તો કોઈ લેનારું નથી. પણ તે આપણામાં નિર્ભયતા રાખે. જે થવું હોય તે થાઓ, કહીએ.

પ્રશ્નકર્તા : બહારની ફાઈલો એટલી બધી હેરાન નથી કરતી, પણ અંદરની શાતા-અશાતામાં એકાકાર થવાય છે.

દાદાશ્રી : શાતા-અશાતાને તો બાજુએ જ મૂકી દેવાનું. શાતામાં પ્રમાદ થઈ જાય, અજાગૃતિ રહે. શાતા-અશાતાની તો બહુ પરવા રાખવી નહીં. અશાતા આવે, હાથમાં લાય બળતી હોય તો આપણે કહેવું કે, ''હે હાથ ! 'વ્યવસ્થિત'માં હો તો બળો કે સાજો રહો.'' એટલે લાય બળતી હોય તો બંધ થઈ જાય; કારણ કે આપણે બાળી મૂકવાની વાત કરીએ પછી શું થાય ? પંપાળવાનું તો કયારેય હોય નહીં. આ પુદ્ગલ છે. 'વ્યવસ્થિત'ના તાબે છે. એની અશાતા વેદનીય જેટલી આવતી હોય તેટલી આવો. શૂરાતન તો જોઈશે ને ? અને નહીં તોય રડી રડીને ભોગવવું, એના કરતાં હસીને ભોગવવું શું ખોટું ? તેથી તો કહ્યું છે ને, ''જ્ઞાની વેદે ધૈર્યથી, અજ્ઞાની વેદે રોઈ.''

અડધો પગ તૂટી ગયો તો આપણે કહીએ, ચાલો દોઢ તો રહ્યો ને ! ફરી અડધો જતો રહે, ત્યારે આપણે એમ કહીએ કે બેને બદલે એક તો રહ્યો ને ? આમ કરતાં છેવટે બધા પાર્ટસ તૂટી પડે, ત્યારે છેવટે આત્મા તો છીએ ને ? છેવટે તો બધા પાર્ટસ તૂટી જ પડવાના છે ને ? પેટ્રોલ છાંટીને ભડકો કરો તોય અમે આત્મસ્વરૂપ છીએ ! જ્યારે ત્યારે ભડકો થવાનો જ છે ને ! નથી થવાનો ? થોડોક અભ્યાસ જ કરવાની જરૂર છે. ઉઘાડે પગે મહારાજ કેમ કરીને ચાલે છે ? ખેડૂતો કેમ કરીને ચાલે છે ? બે-ચાર વખત આપણે દઝાઈએ એટલે બધું રાગે પડી જાય. બાકી એક ટીકડીથી વેદના બેસી જાય તેને વેદના જ કેવી કહેવાય ? સો-સો ટીકડીઓ ખાય તોય વેદના ના શમે, એનું નામ વેદના કહેવાય.

હવે તો અપના કુછ નહીં. 'જ્ઞાની પુરુષ'ને બધું વોસરાવી દીધું. મન-વચન-કાયા ને સર્વ માયા, ભાવકર્મ-દ્રવ્યકર્મ-નોકર્મ બધું જ વોસરાવી દીધું. પછી તમારી પાસે કશું જ બાકી નથી રહેતું.

મહાવીરનું વેદન - સ્વસંવેદન

પ્રશ્નકર્તા : 'જ્ઞાની વેદે ધૈર્યથી, અજ્ઞાની વેદે રોઈ.' તો જ્ઞાની પણ વેદે તો ખરા ને ?

દાદાશ્રી : વેદના તો જાય જ નહીં ને ! પણ એ વેદના ધૈર્યથી વેદે, સહુ સહુના ગજા પ્રમાણે ધૈર્ય હોય. જો કે મહાવીર ભગવાન કેવળ જાણતા જ હતા. એક માંકણ એમને કરડે તો તેને પોતે જાણે એકલું જ, વેદે નહીં. જેટલો અજ્ઞાન ભાગ છે એટલું વેદે. તમે શ્રદ્ધાએ કરીને શુદ્ધાત્મા થયા છો, હજી જ્ઞાને કરીને આત્મા થશો ત્યારે જાણવાનું જ રહેશે. ત્યાં સુધી વેદવાનું ખરું. વેદવામાં તો અમે તમને કહીએ છીએ ને કે આઘું બેસવું, આપણા 'હોમ ડિપાર્ટમેન્ટમાં !' જરાય આઘુંપાછું કરવું નહીં, ગમે તેટલી ઘંટડીઓ મારે તોય 'હોમ ડિપાર્ટમેન્ટ' છોડવું નહીં. છોને ઘંટડીઓ મારે ! બારસો ઘંટડીઓ મારે તોય આપણે શું કામ આપણી 'ઓફિસ' છોડવી ?

શાતા વેદનીય ને અશાતા વેદનીય તો તીર્થંકરોને પણ આવે, પણ એ જ્ઞાને કરીને, કેવળજ્ઞાને કરીને જાણે.

મન જો ડિસ્ચાર્જ ના કરીએ તો એ પાછું જોડે આવે, માલસામાન સાથે આવે. એના કરતાં ખાલી થઈ જવા દો ને. એક નિયમ એવો છે કે એ ખાલી થઈ જ જાય. દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવ, એ ચાર ભેગાં થાય એટલે એ ખાલી થઈ જ જાય, કાયદેસર રીતે.

આત્મા પરમ સુખી છે. અશાતા દેહ આપે, મન આપે, વાણી આપે. કોઈ કશું કહી જાય તોય અશાતા વેદનીય થાય.

પ્રશ્નકર્તા : દેહની વેદનીય હોય ત્યારે ચિત્ત તેમાં વધારે જતું રહે.

દાદાશ્રી : હા. ચિત્ત ત્યાંનું ત્યાં જ ભમ્યા કરે. આપણે એને કહીએ કે બહાર જરા ફરવા જા, તો ય ના જાય. ઘરમાં ને ઘરમાં જ રહે.

પ્રશ્નકર્તા : એનાથી ફરી બંધ ના પડે ?

દાદાશ્રી : ના. વેદના ભોગવી લેવાની. ભોગવ્યે જ છૂટકો. બંધ તો કર્તા થાય ત્યારે પડે. કર્તા મીટે તો છૂટે કર્મ.

ચિત્તની શુદ્ધતા - સનાતન વસ્તુમાં એકતા

પોલીસવાળો બૂમ પાડતો આવે, હાથકડી લઈને આવે તોય આપણને કશી અસર ના થાય એનું નામ વિજ્ઞાન.

પ્રશ્નકર્તા : તો પછી ચિત્ત શેમાં રાખવું ?

દાદાશ્રી : ચિત્ત પોતાના સ્વરૂપમાં રાખવાનું છે. જે નિરંતરનું હોય તેમાં ચિત્ત રાખો. ચિત્ત સનાતન વસ્તુમાં રાખવાનું છે. મંત્રો એ સનાતન વસ્તુ નથી. એક આત્મા સિવાય આ જગતમાં કોઈ વસ્તુ સનાતન નથી. બીજું બધું 'ટેમ્પરરી એડજસ્ટમેન્ટ' છે ! ઓલ ધીઝ રીલેટિવ્ઝ આર ટેમ્પરરી એડજસ્ટમેન્ટસ !

'પરમેનન્ટ' એક આત્મા એકલો જ છે. સનાતન વસ્તુમાં ચિત્ત બેસી ગયું, પછી એ ભટકે નહીં અને ત્યારે એની મુક્તિ થાય. મંત્રોના જાપ કરતા હોય તેમાં ચિત્ત કયાં સુધી રહે ? જ્યાં સુધી પોલીસવાળો આવ્યો નથી ત્યાં સુધી. પોલીસવાળો આવ્યો કે જાપેય ઊડી જાય ને, ચિત્તેય ઊડી જાય. એટલે એ 'ટેમ્પરરી એડજસ્ટમેન્ટ' છે. 'રિલીફ' આપે, શાંતિ આપવામાં મદદ કરે, પણ કાયમનું કામ કરે નહીં. આ જપયોગની જરૂર છે ખરી, પણ જ્યાં સુધી સનાતન વસ્તુ ના મળે ત્યાં સુધી. ચિત્ત સનાતનમાં મળી ગયું એ શુદ્ધ ચિત્ત થઈ ગયું અને શુદ્ધાત્મા થઈ ગયો એટલે વિદેહી થઈ ગયો અને વિદેહી થઈ ગયો એટલે મુક્તિ થઈ ગઈ. વિદેહી થવાની જરૂર છે. આ તો દેહી કહેવાય. 'હું ચંદુભાઈ છું' ત્યારથી જ ભ્રાંતિ. ''જ્ઞાની પુરુષ'' આપણી ઊંઘ ઉડાડે છે. જગત આખું ઉઘાડી આંખે ઊંઘે છે. ઊંઘવું એટલે 'હું આ કરું છું', 'હું કર્તા છું' એવું ભાન રહે છે. આ વર્લ્ડમાં કોઈ માણસ એવો જન્મ્યો નથી કે જેને સંડાસ જવાની સ્વતંત્ર શક્તિ હોય અને પોતાની જે શક્તિ છે તેને પોતે જાણતો નથી. પોતાની શક્તિ સ્વક્ષેત્રમાં છે. પોતાની શક્તિ ક્ષેત્રજ્ઞ છે. એ ક્ષેત્રજ્ઞ શક્તિ ઉત્પન્ન થઈ ગઈ એટલે કામ થઈ ગયું. સંપૂર્ણ શક્તિ ક્ષેત્રજ્ઞ છે. આ બધી ભ્રાંતિ છે.

આ જપયજ્ઞ બહુ સુંદર સાધન છે, પણ જ્યાં સુધી નિષ્પક્ષપાતી ભાવ ઉત્પન્ન ના થાય ત્યાં સુધીનું એ સાધન છે. એ સાધ્ય વસ્તુ નથી. સાધ્ય ક્ષેત્રજ્ઞ છે. પોતાનો સ્વભાવ ક્ષેત્રજ્ઞ છે. એ સ્વભાવ ઉત્પન્ન થાય એ સાધ્ય છે.

પક્ષમાં પડ્યા હોય ત્યાં સુધી ભગવાન ભેગા થાય નહીં. કોઈ વૈષ્ણવ પક્ષમાં, કોઈ શિવ પક્ષમાં, કોઈ મુસ્લિમ પક્ષમાં, કોઈ જૈન પક્ષમાં છે, ત્યાં સુધી ભગવાન કોઈ દહાડોય ભેગા થાય નહીં. આ નિયમ જ છે. ભગવાનનો નિયમ એવો છે કે પક્ષમાં પડેલાની સાથે ભેગા થવું નહીં. ભગવાન પોતે જ નિષ્પક્ષપાતી છે. તે નિષ્પક્ષપાતી ભાવ ઉત્પન્ન થશે ત્યારે એ વાત સમજાશે. પક્ષમાં પડેલો ને સંસારમાં પડેલો, એ બેમાં ફેર શું છે ?

આડાઈઓ

પ્રશ્નકર્તા : આડાઈ શું કહેવાય છે ?

દાદાશ્રી : અજ્ઞાનતામાં પોતાની ભૂલ થઈ હોય તેની પોતાને ખબર પડે કે આ ભૂલ થઈ ગઈ તોય બીજું કોઈ પૂછે કે આવું કેમ કર્યું, ત્યારે એમ કહે કે આવું કરવા જેવું હતું. એટલો બધો આડો હોય કે ન પૂછોને વાત. લોકો કહેય ખરાં કે તમે તો આડા છો. લોકો એવું કહે કે ના કહે કે 'તમે આડું બોલો છો કે ?'

પ્રશ્નકર્તા : હા.

દાદાશ્રી : એ જ બધી આડાઈ. ભૂલની ખબર ના હોય ને એને ઢાંકીએ, એ વાત જુદી છે. ખબર હોય ને ઢાંકે એ મોટામાં મોટી આડાઈ. બીજી આડાઈ એ કે રાત્રે કોઈની જોડે આપણને ભાંજગડ પડી હોય અને સવારમાં ચા મૂકવા આવે તો કહે, 'મારે તારી ચાયે ના જોઈએ ને કંઈ ના જોઈએ.' પાછો આડો થાય. અલ્યા, રાતની વાત રાતે ગઈ. ગઈકાલે શનિવાર હતો, આજ તો રવિવાર છે. પણ શનિવારની વાત રવિવારે ખેંચી લાવે. શનિવારની વાત શનિવારમાં ગઈ. રવિવારની વાત નવી પાછી.

પ્રશ્નકર્તા : શનિવારની વાત રવિવારે રહી. એનો જે તાંતો રહ્યો એ આડાઈને તોડવાનો રસ્તો શું ?

દાદાશ્રી : આડાઈને તોડવાની જરૂર નથી. આપણે દાદાની આજ્ઞા પાળવાની છે. 'વ્યવસ્થિત' જાણ્યું એટલે બોલવા-ચાલવાનું ના રહ્યું. 'વ્યવસ્થિત'નો અર્થ શું ? આપણને એની જોડે તકરાર, ઝઘડો કશું જ રહ્યું નહીં, આનું નામ 'વ્યવસ્થિત'. 'વ્યવસ્થિત' એટલે 'વ્યવસ્થિત' ! 'વ્યવસ્થિત'ને પૂરેપૂરું સમજવું પડે અને આ જગતમાં બીજાની તો ભૂલ જ નથી. જેટલી ભૂલો છે તે બધી જ પોતાની ભૂલોનું પરિણામ છે. નહીં તો ગજવું કાપનારો આટલાં બધાંને ભેગો ના થયો ને મને કઈ રીતે ભેગો થઈ ગયો ? આપણી ભૂલ વગર ભેગું થાય નહીં.

બે પ્રકારનાં ઇનામ. એક તો લોટરીમાં લાખ રૂપિયાનું ઇનામ આવે તેય ઇનામ છે અને આપણા એકલાનું ગજવું કાપી ગયો ને તેય ઇનામ. બધું 'વ્યવસ્થિત' છે.

આત્મા - એક કે પ્રત્યેક ?

બ્રહ્મસ્વરૂપ થયું ક્યારે કહેવાય કે કોઈ જાતનો મતભેદ ના રહ્યો. પહેલાં બ્રહ્મસ્વરૂપનો દરવાજો આવે છે. આ બધા મત ત્યાં ભેગા થાય છે. ત્યાં મોટો દરવાજો છે. બ્રહ્મસ્વરૂપ થયા કોને કહેવાય કે જેની વાણી મતવાળી ના હોય, ગચ્છવાળી ના હોય, ફક્ત આત્મા સંબંધની જ વાણી હોય, જુદાઈ ના પડે. એ બ્રહ્મસ્વરૂપ થયા કહેવાય. બ્રહ્મસ્વરૂપ થયા પછી તો આત્મા તો પરમાત્મા જ છે. શુદ્ધાત્માની વાત જ ક્યાં કરવાની ?

પ્રશ્નકર્તા : બ્રહ્મસ્વરૂપ એક છે કે અનેક ભાસે છે ?

દાદાશ્રી : એક અને અનેક બેઉ છે. અમુક અપેક્ષાએ એક છે અને અમુક અપેક્ષાએ અનેક છે. એ તો બ્રહ્મસ્વરૂપની વાત છે. બ્રહ્મસ્વરૂપને તમે શુદ્ધાત્મા સાથે સરખાવો છો ? આત્મા ખરી રીતે પ્રત્યેક છે. એટલે જે આત્મા ત્યાં મોક્ષે ગયા તેમને મોક્ષનું સુખ વર્તે અને જે બંધાયેલા છે તેમને બંધનનું સુખ વર્તે. આત્મા જો એક હોત ને તો ત્યાંવાળાને મોક્ષનું અને અહીંનાને ય મોક્ષનું સુખ વર્તે ! એટલે આત્મા પ્રત્યેક છે, જુદા જુદા છે. ને ત્યાંય પણ જુદા જુદા છે. ત્યાં એક જ થતું હોત ને તો ત્યાં જઈને આપણને શું ફાયદો ? આપણી મિલકત બધી એમને આપી દેવાની ? ત્યાં સિદ્ધગતિમાં જઈને તો પોતાના સ્વયંસુખમાં રહેવાનું. ત્યાં જઈને એક થઈ જવાનું હોય, એના કરતાં અહીં શું ખોટું ? બૈરી ભજિયાં-બજિયાં કરીને ખવડાવે તો ખરી ! બહુ ત્યારે બૈરી ટૈડકાવે એટલું જ ને ? બીજું અહીં શું દુઃખ છે ?

ગલનનું રહસ્ય

'જ્ઞાની પુરુષ' શું કહેવા માંગે છે કે આ ખાય છે, પીએ છે એ બધું ગલન છે. જગત એને પૂરણ સમજે છે, કારણ જગતને ઇન્દ્રિયજ્ઞાનથી જે દેખાય છે તેને સત્ય માને છે અને એ યથાર્થ સત્યથી વેગળું છે. પૂરણ અમુક અંશે તમારા હાથમાં છે, સર્વાંશે નથી. 'સ્વરૂપ જ્ઞાન' મળે તો પોતે સત્તામાં આવે, નહીં તો ના આવે. અગર તો મતિજ્ઞાન મળ્યું હોય તો ય તેટલી સત્તા પ્રાપ્ત થાય ને મતિજ્ઞાન એય સત્તાનો આધાર છે. મતિજ્ઞાન, શ્રૂતજ્ઞાન, અવધિજ્ઞાન એય બધાં સત્તાનો આધાર છે.

પૈસા કમાયા તેને જગત પૂરણ કહે છે ને ખોટ જાય કે ખર્ચાઈ જાય, ત્યારે ગલન થઈ ગયા કહે છે. હકીકતમાં કમાયા કે ખર્ચાયા તે બેઉ ગલન છે અને પાછું 'વ્યવસ્થિત'ને આધીન છે. હવે આ જગતને શી રીતે સમજાય ? જો 'વ્યવસ્થિત'ની સત્તા સમજી જાય તો પોતે તદ્દન નવરો પડી જાય. પછી પોતાના સ્વરૂપમાં જ રહી શકે. આટલી વાત તમે જાણો તો પછી તમને ડખો ના રહેને ? તમે આ વાત ભૂલી ના જાઓ અને જગતનાં લોકોને શિખવાડ શિખવાડ કરીએ તોય ભૂલી જાય. કારણ કે તેઓ કષાય સહિત છે. કષાય સહિતવાળાને કશું કાબૂમાં ના રહે. તમને 'જ્ઞાન' આપીએ પછી તમને ચોપડી ક્યાં વાંચવાની કહી છે ? આ તો મોઢે આપેલું જ્ઞાન છે. ચોપડી કે શાસ્ત્ર કશું વાંચવાનું નહીં, છતાં પ્રમાણમાં એનું એ જ જ્ઞાન તમારી પાસે રહે છે ! ચોપડીનું યાદ નહીં રહે, મોઢે આપેલું યાદ રહેશે. કારણ કે એ 'જ્ઞાની પુરુષ'નું વચનબળ હોય. પુસ્તકમાં વાંચવા જાય તો એ જડ થઈ જાય પાછું !

એટલે જગત બધું ગલન સ્વરૂપે છે અને તેય પાછું 'વ્યવસ્થિત' ભાવે છે. આ મન-બુદ્ધિ-ચિત્ત ને અહંકાર બધું 'વ્યવસ્થિત'ના તાબે છે. એના તાબામાં હોય પછી તમારે એનું રક્ષણ કરવાની જરૂર નહીં ને ? તમારે તો કશું કરવાનું જ ના રહ્યું ને ? ખાલી 'જોયા' કરવાનું કે 'વ્યવસ્થિત' શું કરે છે તે ! અમારી આ 'વ્યવસ્થિત'ની શોધખોળ બહુ 'એક્ઝેક્ટ' છે. 'પોઈન્ટ ટુ પોઈન્ટ' સુધી 'એક્ઝેક્ટ' છે. તેથી તો અમે આ ગલન કહીએ છીએ, તે તમને તમારા 'જ્ઞાન'માં રહેવા માટે આ બધા 'જેમ છે તેમ' ફોડ પાડીએ છીએ. તેથી તો આ 'અક્રમ વિજ્ઞાન' ખુલ્લું કરવું પડ્યું છે !

જેને લોકો ઉદયકર્મ કહે છે તે બધું ગલન છે. એમાં પૂરણ કશું નથી. આ પાંચ ઇન્દ્રિયો બધી ઉદયને આધીન છે. આ પાંચ ઇન્દ્રિયો જ ઉદયને આધીન છે ત્યાં પછી ઇન્દ્રિયનાં કર્મ તો ઉદયને આધીન જ હોય ને ? પાંચ ઇન્દ્રિયોની ક્ષયોપક્ષમ શક્તિ ઉદયને આધીન છે. પછી ઇન્દ્રિયો જે જુએ જાણે તેમાં નવું ક્યાંથી હોય ? આ વાત સમજાય એમ છે કે નહીં ? અહીં સમજી જાય, પણ મારી હાજરી ખસે કે પાછું આવરણ આવી જાય. અમારી હાજરીમાં તમારાં આવરણો બધાં ખૂલી જાય, ને અમારું 'જ્ઞાન' લીધા પછી તો તે કાયમનું ખસી જાય !

કર્મબંધ શેનાથી થાય ?

'હું ચંદુલાલ છું', 'હું આચાર્ય મહારાજ છું' એ જ કર્મબંધનું મુખ્ય કારણ છે. અને 'આ મારું છે' એ 'સેકન્ડરી' કારણો છે. 'કોઝિઝ' ચાર્જરૂપે હોય. 'હું ને મારું' જ્યાં જ્યાં લગાડ્યું ત્યાં એટલાં જ 'કોઝિઝ' હોય છે. બીજાં કોઈ 'કોઝિઝ' હોતાં નથી. ચાર્જને પૂરણ કહેવાય અને એનું જે 'ડિસ્ચાર્જ' થાય છે તે બધું જ ગલન સ્વરૂપ છે.

ખાલી વાત જ સમજવાની છે. આ વિજ્ઞાન છે. વિજ્ઞાનના ફણગા ફૂટે એટલે વિજ્ઞાનમાં બધું દેખાય. વિજ્ઞાનમાં શું ના દેખાય ? માટે વાતને સમજો. કશું કરવાની જરૂર નથી. વિજ્ઞાનમાં કરવાનું કશું રાખ્યું જ નથી. જો 'કરે'ને તો ત્યાં સમકિત ના હોય ! કંઈ પણ 'કરે' તો ત્યાં સમકિત પ્રાપ્ત ના થાય !!

વિચારોમાં નિર્તન્મયતા

પ્રશ્નકર્તા : વિચારો સતાવતા હોય ને ચિંતા ઊભી કરાવતા હોય, તેને કેવી રીતે અટકાવવા ?

દાદાશ્રી : વિચારવું એ ધર્મ કોનો છે ?

એ આત્માનો ધર્મ નથી, મનનો ધર્મ છે. તમે નક્કી કર્યું હોય કે આ બધાં ગાળો દે છે તે આપણે કશું સાંભળવું નથી, તોય પણ કાનનો સ્વભાવ સાંભળી લેવાનો છે. તે સાંભળ્યા વગર રહે નહીં. એવો મનનો સ્વભાવ છે. આપણને ના ગમતા હોય તોય તે વિચારો મહીં આવે. એ મનનો સ્વાભાવિક ધર્મ છે. વિચારો એ જ્ઞેય છે ને 'આપણે' જ્ઞાતા છીએ. એટલે જે વિચારો આવે તેને 'આપણે' જોયા જ કરવાના, નિરીક્ષણ કર્યા જ કરવાનું. એ સારા છે કે ખોટા છે, એનો અભિપ્રાય આપણે આપવાનો નહીં. ગમે તેવા ખોટા વિચારો આવે તેનો વાંધો નથી. જેવા ભાવે પૂર્વબંધ પડ્યા છે તેવા ભાવે નિર્જરા થાય છે તેને આપણે જોયા કરવાનું છે કે આવો બંધ પડેલો તેની નિર્જરા થઈ રહી છે. આ 'જ્ઞાન' આપણું 'સંવર'વાળું છે એટલે નવું કર્મ બંધાય નહીં. વિચારોમાં તન્મયાકાર થઈએ તો કર્મ બંધાય.

પ્રશ્નકર્તા : આ વિચારોનું પરિણામ શું આવશે ?

દાદાશ્રી : પરિણામ 'વ્યવસ્થિત'ને સોંપી દીધું. આપણે કશી લેવાદેવા નહીં. આપણે તો નિરાંતે ગાડીમાં બેસી રહેવાનું. મન કહે, 'ગાડી આગળ અથડાશે તો ?' તેને આપણે જોયા જ કરવાનું, બસ. એનું પરિણામ 'વ્યવસ્થિત'ને સોંપીને આપણે સિગરેટ પીતાં પીતાં આરામથી બેસી રહેવાનું.

પ્રશ્નકર્તા : એટલું બધું સરળ નથી ને આ ?

દાદાશ્રી : સરળ છે. જ્યારથી નક્કી કરીએ ત્યારથી રહી શકાય. કારણ 'વ્યવસ્થિત'ના તાબામાં છે. પારકાના તાબામાં હોય તેમાં આપણે હાથ ઘાલવા જઈએ તો મૂરખ બનીએ ઊલટા. તમારા તાબામાં તો આટલું જ છે, 'જોવું અને જાણવું' કે શું હકીકત બની રહી છે, કશું ઊંધું-ચત્તું કરવાનું હશે તે 'વ્યવસ્થિત' કરશે. ખરેખર 'વ્યવસ્થિત' એવું હોતું નથી કે કશું બગડે. માણસ સિત્તેર વરસે મરે છે, પણ તે પહેલાં તો 'મરી ગયો, મરી ગયો' એમ અમથો અમથો બૂમો પાડ પાડ કરે છે ને ભયથી ત્રાસ પામે છે. એવું ભય પામવા જેવું જગત જ નથી. મન અમને પણ દેખાડે કે ''આગળ 'એક્સિડંટ' થશે તો ?'' તો અમે કહીએ કે તેં કહ્યું તેની અમે નોંધ કરી. પછી એ બીજી વાત કરે. મનને એવું નથી કે આગલી જ વાત પકડી રાખે. મનની જોડે તન્મયાકાર નહીં થવાનું. તન્મયાકાર થવાથી તો જગત ઊભું થયું છે. મનના બધા 'ડિસ્ચાર્જ' ભાવો છે. એ 'ડિસ્ચાર્જ' ભાવમાં જો 'આપણે' કદી તન્મયાકાર થઈએ તો 'ચાર્જ' ભાવ ઉત્પન્ન થાય. આપણે 'એલીવેશન' કે 'ડિપ્રેશન' માથે ના લેવું. કશું થવાનું નથી, કશું બગડતું નથી. હું ક્ષણવારેય સંસારમાં રહેતો નથી, તોય કશું બગડતું નથી.

પ્રશ્નકર્તા : એટલે ભય નહીં રાખવાનો ?

દાદાશ્રી : ભય હોય જ નહીં 'આપણ'ને ! 'આપણે શુદ્ધાત્મા', તે 'આપણ'ને કોઈ દેખી શકે એમ નથી, નુકસાન કરી શકે એમ નથી, મારી શકે એમ નથી, કોઈ નામ પણ દઈ શકે તેમ નથી ! આ તો પોતાના ભૂતભડકાટથી જગત ઊભું થયું છે. કોઈની વચ્ચે ડખલ નથી. અને 'ચંદુભાઈ' જરા નરમ થયા હોય તો 'આપણે' અરીસા સામું ઊભા રાખીને આમ ખભો થાબડીને કહેવું કે ''અમે છીએ ને તમારી જોડે ! પહેલાં તો એકલા હતા, મૂંઝાતા હતા. કોઈને કહેવાય એવું નહોતું. હવે તો જોડે જ છીએ. ગભરાઓ છો શું કરવા ? અમે 'ભગવાન' છીએ ને તમે 'ચંદુભાઈ' છો. માટે ગભરાશો નહીં.'' જો ચંદુભાઈ બહુ 'એલીવેટ' થતા હોય તો તેમને કહેવું 'અમારી સત્તાને લીધે તમારો આટલો રોફ પડે છે.' એટલે આપણે 'હોમ ડિપાર્ટમેન્ટ'માં બેઠાં બેઠાં 'ફોરેન'નું પતાવ્યા કરવું. આ નિર્લેપ 'જ્ઞાન' છે, કશું અડે નહીં એવું છે !

મનના સ્વભાવની બધી હકીકત ઝીણવટથી સમજવાની જરૂર છે. બધી ચાવીઓ જાણવાની છે. દા. ત. પોલીસવાળો આવ-જાવ કરે છે તે શું અમારી પર હુલ્લડ કરવાનો છે ? 'આપણે' કહીએ, 'ના' તેમ નથી. પોલીસવાળા તમારા માટે આગળ નવી જગ્યા બાંધી આપે છે. તે આપણું હિત કરતા હોય એમ જાણીએ કે આ પોલીસવાળા આપણું નુકસાન કરવા આવ્યા છે એમ જાણીએ ?

મન મેસ્ક્યુલાઈન જેન્ડર નથી, ફેમિનાઈન જેન્ડર નથી, એ ન્યુટ્રલ છે. માટે ગભરાવાનું કોઈ કારણ નથી. તમારે જ્ઞાનની જાગૃતિ રાખવાની કે આપણને દાદાએ કહ્યું છે કે આપણે જ્ઞાતા-દ્રષ્ટા છીએ. છો ને બૂમ પાડતા હોય, પાડવી હોય તેટલી પાડે. તે ઘડીએ આપણે જરા સ્થિરતા પકડી લેવી.

ગો ટુ દાદા !

અને બહુ દુઃખ આવી પડે ત્યારે તમારે કહેવું કે જાઓ 'દાદા' પાસે.

પ્રશ્નકર્તા : પણ દાદા, એવું અમારું દુઃખ તમને અપાય ?

દાદાશ્રી : હા, હા. દાદાને જ બધું આપી દેવાનું ને કહીએ કે ''જા, દાદાની પાસે. અહીં શું છે ? ઇધર કયા હૈ ? સબ દે દિયા દાદાકો. અબ ઇધર ક્યોં આયા ?''

પ્રશ્નકર્તા : સુખેય આપી દેવાનું ?

દાદાશ્રી : ના, સુખ નહીં. સુખ તમારી પાસે રાખવાનું. મને સુખનો શોખ નથી એટલે તમારી પાસે રાખવાનું. તમારાથી દુઃખ જો સહન ના થાય તો મારી પાસે મોકલી દેવાનું. બે-પાંચ વખત દુઃખનું અપમાન કરો કે ઇધર ક્યોં આયા હૈ ? દાદા કો દે દિયા હૈ એટલે એ ઊભું ના રહે. આ પુદ્ગલનો ગુણ કેવો છે કે અપમાન થાય તો ઊભું ના રહે.

જે 'દાદા ભગવાન' છે તે અચિંત્ય ચિંતામણિ છે. જેવો ચિંતવે તેવો થાય. મુશ્કેલીમાં તેમને ચિંતવો તો મુશ્કેલીઓ બધી જતી રહે. જેવું

ચિંતવો તેવું ફળ આપે. પછી આપણે શા માટે ભડકવાની જરૂર ?

સદ્વર્તનનો અણગમો

પ્રશ્નકર્તા : કેટલીક વાર સારું વર્તન કરે તોય આપણને ના ગમે.

દાદાશ્રી : ગમવાનો હિસાબ ચૂકતે થઈ ગયો, પછી ના ગમે. ગમતું હોય તો બધું સારું લાગે ને ના ગમતું હોય તો બધુંય ખોટું લાગે. આપણે ના ગમતા પર દ્વેષ નહીં કરવાનો.

પ્રશ્નકર્તા : રાગ-દ્વેષ નથી થતા, પણ એક વાર અભાવ આવી ગયો પછી ભાવ જ ના થાય કોઈ પણ રીતે !

દાદાશ્રી : તું રંગ આપ આપ કરું કે બહુ સારા માણસ છે, તોય ના ચઢે. હિસાબ ચૂકતે થઈ ગયો. આ ઘર વેચાઈ ગયા પછી એની પર ભાવ રહે છે ?

પ્રશ્નકર્તા : ના.

દાદાશ્રી : અને વેચાતાં પહેલાં ? કંઈ ઊંચુંનીચું થયું હોય તોય મનમાં રહ્યા કરે. હિસાબ ચૂકતે થયો કે ચાલ્યું.

સંસારાનુગામી બુદ્ધિ

મતમાં ફરેલો હોય તેના સંસ્કાર જાય નહીં એકદમ. એ બધા સંસ્કાર સામા આવે એટલે પહેલેથી તમને ચેતવી દઉં છું.

આ અલૌકિક વિજ્ઞાન છે. આની બધી જ વાત અલૌકિક છે. અહીં લૌકિક છે જ નહીં ! લૌકિક એટલે મતાગ્રહી. એ પછી દિગંબરી હોય કે શ્વેતાંબરી હોય, સ્થાનકવાસી હોય કે દેરાવાસી હોય, તેરાપંથી-મેરાપંથી જાતજાતના પંથવાળા, વૈષ્ણવ ધર્મ હોય, શિવ ધર્મ હોય કે મુસ્લિમ ધર્મ હોય. બધા લૌકિક ધર્મો કહેવાય. એ કંઈ ખોટું નથી. સારું કર્યું હોય તો પુણ્યૈ બંધાય અને તેમાં આગળ પછી ઘોડાગાડી, મોટર, બંગલા બધું મળે અને 'આ' અલૌકિક ધર્મથી મોક્ષ મળે.

પ્રશ્નકર્તા : તમારી છાયામાં આવ્યા પછી બુદ્ધિ જો છેતરે તો એના જેવો દુર્ભાગી જીવ કોઈ નહીં.

દાદાશ્રી : ના, તોય છેતરે. બહુ હોશિયારને પણ છેતરે. માટે તમે ઓળખી રાખો. બુદ્ધિ કંઈ પણ સલાહ આપવા આવે ત્યારે તેને કહીએ કે 'બેન, તું તારે પિયર જા. હવે મારે તારું કામ નથી. તારી સલાહેય સાંભળવી નથી.' મનની સલાહ સાંભળવામાં વાંધો નહીં, પણ બુદ્ધિ એકલીની સલાહ ના સંભળાય.

બુદ્ધિ સંસારની બહાર નીકળવા ના દે. મોક્ષે જવા ના દે, એનું નામ બુદ્ધિ ! બુદ્ધિ નફો-તોટો દેખાડે. આમ થઈ જશે, તેમ થઈ જશે. પાછી એ મતાગ્રહવાળી. અભિગ્રહ શાનો ? મતનો. આત્માનો અભિગ્રહ કરવાને બદલે મતનો અભિગ્રહ કર્યો. બોલો, હવે એ ક્યારે ને કયે ગામ પહોંચે ? લાખ અવતાર થાય તોય કશું વળે નહિ. અંતરદાહ બળતો બંધ ના થાય. અને 'જ્ઞાની પુરુષ'ની પાસે અંતરદાહ કાયમનો મટી જ જાય.

જેટલી બુદ્ધિ વધે તેમ બળાપો વધતો જાય. બુદ્ધિ સંસારાનુગામી છે. સંસારમાં હિતકારી છે. પણ મોક્ષે જતાં વાંધો ઉઠાવે. મન તો ખાલી વિચાર જ કર્યા કરે છે. ડિસિઝન ના હોય, એનું નામ મન. 'અનડિસાઈડેડ' વિચારો, એનું નામ મન અને 'ડિસાઈડેડ' વિચારો, એનું નામ બુદ્ધિ ! અહીં બેઠો હોય ને ખોવાઈ જાય તો જાણવું કે ચિત્ત ભટકવા ગયું છે. 'જ્ઞાની પુરુષ' પાસે બેસે ત્યારે બુદ્ધિ સમ્યક્ થાય. ત્યારે એ બુદ્ધિ સાચી. સમ્યક્ બુદ્ધિ કેવી હોય ? મત ના હોય, ગચ્છ ના હોય, જુદાઈ ના હોય, બીજી કોઈ ભાંજગડ ના હોય અને ગચ્છમતવાળી બુદ્ધિ મિથ્યાબુદ્ધિ કહેવાય. 'આ અમારું ને આ તમારું' એમ જુદાઈ કરાવે !

આઉટર બુદ્ધિ - ઈનર બુદ્ધિ

'આઉટર' બુદ્ધિ એ 'મિકેનિકલ' છે અને 'ઈનર' એ સ્વતંત્ર બનાવનારી છે. એ બુદ્ધિ પણ મિકેનિકલ છે.

પ્રશ્નકર્તા : સ્વતંત્ર એટલે ?

દાદાશ્રી : સ્વતંત્ર એટલે આ વર્લ્ડમાં કોઈ આપણો ઉપરી ના હોય. 'નો બોસ.' ભગવાનેય ઉપરી નહીં, એવું જોઈએ ! આ ઉપરીપણું કેમ પોસાય ? એક પણ ઉપરી હોય ત્યાં સુધી પરવશપણું કહેવાય ! પરવશપણું કેમ પોસાય ? એ ગમે ત્યારે ડફળાવે, એનું શું કહેવાય ? માટે ઉપરી ના જોઈએ. તારી અણસમજણથી બધાં ઉપરી છે. એ સમજણ આપવા હું આવ્યો છું. મારો ઉપરી કોઈ નથી રહ્યો. એટલે હું એમ કહેવા માગું છું કે તમારો ઉપરી પણ કોઈ છે નહીં; માટે વાતને સમજો !

પ્રશ્નકર્તા : 'મિકેનિકલ' બુદ્ધિથી માણસ શું પામી શકે ?

દાદાશ્રી : 'મિકેનિકલ' બુદ્ધિથી આ બધી સંસારની બાહ્ય ચીજો એને મળે.

પ્રશ્નકર્તા : જો 'મિકેનિકલ' બુદ્ધિ હોય તો બધાંને સરખા પ્રમાણમાં જ બાહ્યવસ્તુ મળવી જોઈએ ને ?

દાદાશ્રી : મિકેનિકલ બુદ્ધિ દરેકને જુદા જુદા પ્રમાણમાં હોય પાછી. સરખી હોતી જ નથી. આ આફ્રિકનને એના 'ડેવલપમેન્ટ' પ્રમાણે બુદ્ધિ હોય. એટલે મનુષ્યે મનુષ્યે 'ડેવલપમેન્ટ' જુદું.

પ્રશ્નકર્તા : આમાં 'મિકેનિકલ' ક્યાં આવ્યું ?

દાદાશ્રી : આ તું પોતે તારી જાતને જે માને છે તે બધું જ 'મિકેનિકલ' છે. તું પોતે જ 'મિકેનિકલ' છે. જ્યાં સુધી તારી 'સેલ્ફ' નહીં જાણે ત્યાં સુધી 'મિકેનિકલ' છે, પરવશપણું છે. આ શરીરેય 'મિકેનિકલ' છે અને 'મિકેનિકલ'નો તો કાલે સવારે એકાદ 'પાર્ટ' ઘસાઈ ગયો કે ખલાસ ! 'મિકેનિકલ' એટલે પરવશતા. ખરેખર, તું પોતે જુદો છે આ મિકેનિકલ વસ્તુથી.

આપણે રોજ પેટમાં ખાવાનું નાખવું પડે છે ને ? જો 'મિકેનિકલ' ના હોય ને તો એક જ ફેરો ખાધું એટલે એ કામ પૂરું થઈ જાય. એક ફેરો ખાધા પછી ફરી ખાવું ના પડે. આ તો પૂરણ કરીએ ને પાછું ગલન થાય. બધું 'મિકેનિકલ' છે. તું 'પોતે' આનાથી જુદો છે. તું પોતે આ 'મિકેનિકલ'નો 'જાણનાર' છે. આ મશીનરી એક પ્રયોગ છે અને તું પ્રયોગી છે. આ પ્રયોગોનો તું 'જાણકાર' છે કે આ શું પ્રયોગ થઈ રહ્યો છે, 'ચંદુલાલ'માં શું શું ફેરફાર થઈ રહ્યો છે ! તેના બદલે તું કહે છે કે 'હું ચંદુલાલ છું', તે એટલી બધી ભૂલ કેમ પોસાય ?

પ્રશ્નકર્તા : બુદ્ધિ 'મિકેનિકલ' ક્યાં આવી ? જાનવરોમાં બુદ્ધિ હોય કે નહીં, ઓછા-વત્તા પ્રમાણમાં ?

દાદાશ્રી : જાનવરોમાં અંતઃકરણ સીમિત છે - 'લિમિટેડ' છે અને મનુષ્યોનું 'અનલિમિટેડ' છે. જાનવરોનું સીમિત હોવાને લીધે તેમાં 'ડેવલપમેન્ટ' વધારે થઈ શકે નહીં. એમનું મન-બુદ્ધિ-ચિત્ત ને અહંકાર અમુક સીમામાં છે. આ ગાયને વાસણ દેખાડીએ તો એ દોડતી દોડતી આવે. એટલી એને સમજ છે. જોડે જોડે એને બીજી કઈ સમજ છે ? જો આપણે લાકડી લઈને નીકળ્યા હોઈએ તો એ પાસે ના આવે. બીજી એને ઊંઘવાની સમજ છે. તેમને મૈથુન છે. ભૂખ લાગે ત્યારે ખાવાની સમજ છે. શું ખવાય અને શું ના ખવાય, તેની પણ સમજ છે; જે મનુષ્યોને નથી ! આ બધાં જાનવરો ખાવાનું સૂંઘીને પછી ખાય. આ મનુષ્ય એકલાં જ કુદરતનાં બહુ ગુનેગાર ગણાય છે.

પ્રશ્નકર્તા : 'મિકેનિકલ' બુદ્ધિ મનુષ્યને ક્યાં સુધીનું જ્ઞાન આપે છે ?

દાદાશ્રી : સર્વનાશ કરે ત્યાં સુધી ! મિકેનિકલ બુદ્ધિ 'ઍબવ નોર્મલ' થાય એટલે એ સર્વનાશ લાવશે. આ જગત સર્વનાશ તરફ જઈ રહ્યું છે. 'મિકેનિકલ' બુદ્ધિ જ 'ઍબવ નોર્મલ' કરી રહ્યું છે. 'આઉટર' બુદ્ધિની 'લિમિટ' એટલી જ છે કે જેટલી આપણી જરૂરિયાત હોય, એના આધારે જ બુદ્ધિ વાપરવાની જરૂર છે. એમાં 'એક્સેસ' કરવા જાય, 'આમ શું ને પેલું શું ?' તે નુકસાન કરે.

પ્રશ્નકર્તા : માણસ પોતાનું રક્ષણ કરે એ નેસેસિટી ખરી કે નહીં?

દાદાશ્રી : કરે જ છે ને બધાં ! કોઈ જાણીજોઈને મરતું નથી.

પ્રશ્નકર્તા : માણસને પોતાનું રક્ષણ કરવા 'એટમિક ન્યુક્લિયસ' (અણુબોમ્બ)ની જરૂર પડે ને ?

દાદાશ્રી : આ 'અન્નેસેસરી પ્રોબ્લેમ' ઊભા કરે છે ! 'ફોરેન'માં આવા 'ડેવલપમેન્ટ'વાળા દેશો છે, જ્યાં સડસઠ માઈલ ઉપર ફોનની વ્યવસ્થા રાખી હોય, પછી અડસઠ માઈલ પર રાખી હોય. હવે લોકો કહે છે કે સડસઠ માઈલના પહેલા ફર્લાંગ ઉપર અમારી ગાડીને પંકચર પડ્યું તો અમારે શું કરવું ? એટલે ત્યાં પણ ફોન રાખો જેથી અમારે ચાલવું ના પડે.

પ્રશ્નકર્તા : એટલે સગવડ છે, તેના કરતાં વધારે સગવડ જોઈએ છે ?

દાદાશ્રી : સગવડને અગવડ કરી આ લોકોએ. 'ઍબવ નોર્મલ' થયું કે અગવડ થઈ ?

પ્રશ્નકર્તા : રક્ષણ કરવા માટે માણસ બુદ્ધિ વાપરે એ નોર્મલ કહેવાય ને ? આ એટમબોંબ બનાવે છે તે રક્ષણ માટે જ ને ?

દાદાશ્રી : એનું નામ રક્ષણ ના કહેવાય. બીજો સામે બનાવે તો શું થાય ? પછી કેટલો બધો ભય રહે ? આ તો સામા માણસને દબડાવવા કર્યું છે. આવું રક્ષણ કરવાની જરૂર નથી. કુદરત આનું રક્ષણ કરી જ રહી છે. વગર કામનાં આવાં તોફાનો કરવાની જરૂર જ નથી. આવાં સાધનો જ ઊભાં ના કરવાં જોઈએ. મુંબઈના તળાવમાં ઝેર નાખી દે તો બધાં માણસો મરી જાય એ કંઈ બુદ્ધિ ના કહેવાય !

પ્રશ્નકર્તા : એ દુર્બુદ્ધિ કહેવાય ?

દાદાશ્રી : એ દુર્બુદ્ધિય ના કહેવાય. એ તો ભયંકર ખાનાખરાબી કરી કહેવાય.

પ્રશ્નકર્તા : મારે 'મિકેનિકલ' બુદ્ધિની 'લિમિટ' જાણવી છે. 'ઈનર' બુદ્ધિની શરૂઆત અને એની લિમિટ' જાણવી છે.

દાદાશ્રી : જાણીને તું શું કરીશ ?

પ્રશ્નકર્તા : મારામાં કેટલી છે એ મારે જાણવું છે.

દાદાશ્રી : આ તારી બધી 'આઉટર' (બાહ્ય) બુદ્ધિ જ છે. 'ઈનર' (આંતર) બુદ્ધિ હોત તો આ બાજુ વહેલો ઊતરી જાત, મારી જોડે તરત જ 'એડજસ્ટ' થઈ જાત. તું પોતે કહેત કે ''મારી 'સેફ સાઈડ'નું કરી આપો. મારી સ્વતંત્રતાનું કરી આપો. આ પરવશતા મને નથી ગમતી.''

પરવશતા

આ નરી પરવશતા ! 'નિરંતર પરવશપણું ! જાનવરો પરવશ અને મનુષ્યોય પરવશ. તે કેમ પોસાય ? માથું દુઃખે તોય ઉપાધિ. પગ ફાટતો હોય, આંખો દુઃખતી હોય, દાંત દુઃખતો હોય તોય ઉપાધિ. આવી ભયંકર અશાતનાઓમાં કેમ જીવવાનું ?

આ પરવશતા થોડીઘણી સમજાઈ છે તને ?

પ્રશ્નકર્તા : હા.

દાદાશ્રી : અનુભવમાં આવેલી છે ?

પ્રશ્નકર્તા : હા.

દાદશ્રી : તને એ ગમે છે ?

પ્રશ્નકર્તા : ના.

દાદાશ્રી : પસંદ ના હોય તો એમ પૂછતો કેમ નથી કે પરવશતા કેમ જાય ?

પ્રશ્નકર્તા : એ તો પોતાની મેળે માણસ એનું 'સોલ્યુશન' કાઢી શકે.

દાદાશ્રી : અમુક હદ સુધી 'સોલ્યુશન' કાઢી શકે.

જેમ જેમ ઉંમર વધતી જાય તેમ તેમ પરવશતા વધે ને છેલ્લે મરતી વખતે તો પરવશતાનો પાર નથી રહેતો. ઘૈડપણમાં દાંત પજવે, શરીર પજવે, છોકરાં પજવે, ભઈઓ પજવે. છોકરાં કહે, 'તમે બેસી રહો હવે, બહુ બોલ બોલ ના કરશો !' કેટલી બધી પરવશતા ?

પ્રશ્નકર્તા : પરવશતા અને ચિંતા, બે સાથે સાથે ના જાય ?

દાદાશ્રી : ચિંતા એ તો 'ઍબવ નોર્મલ' 'ઈગોઈઝમ' છે અને પરવશતા તો લાચારી છે. 'ઍબવ નોર્મલ' 'ઈગોઈઝમ' થાય તો ચિંતા થાય, નહીં તો થાય નહીં. આ ઘરમાં રાતે ઊંઘ કોને ના આવતી હોય? જેને 'ઈગોઈઝમ' વધારે છે તેને.

પ્રશ્નકર્તા : આ સંયોગોમાં મારાથી પહોંચી વળાતું નથી એટલે ચિંતા થાય ને એનાથી બીજું 'સ્ટેપ' પરવશતાને ?

દાદાશ્રી : એ પરવશતા તો આપણે ઊભી કરી છે. એક પરવશતા તો એની મેળે ઊભી થાય છે ને તે છે ઘૈડપણની. પરવશતા અને ચિંતાને કંઈ લેવાદેવા નથી.

કોઈ પણ વસ્તુ બગડે તો ચિંતા થાય. પરિણામને આધારે ચિંતા થાય છે અને પરવશતા તો લાચારી છે. જગતને પરવશતા ગમતી નથી. પરવશતા એ જ નિર્બળતા છે. નિર્બળતા જાય તો પરવશતા જાય. નિર્બળતા હોય ત્યાં સુધી પરવશતા જાય નહીં, કારણ કે આપણે સામાને પણ નુકસાન કરીએ તો એ આપણને નુકસાન કરે. આપણે કોઈનું પણ નુકસાન ના કરીએ, કોઈના માટે પણ ખરાબ વિચાર ના કરીએ ત્યારે એ પરવશતા તૂટે.

પ્રશ્નકર્તા : માણસને જીવન-જરૂરિયાત માટે ચિંતા હોય એટલે પાછી પરવશતા આવે જ ને ?

દાદાશ્રી : એ પરવશતા જુદી છે. એ પોતે પોતાની જાળમાં પેઠો છે. ના પેસવું હોય તોય કુદરતી રીતે ઊભી થાય બધી. આ ઉંદરડો પાંજરામાં કંઈ દેખે તે અત્યારે પરવશ તો છે નહીં, પણ ખાવાનું દેખે છે એટલે લોભનો માર્યો મહીં પેઠો એટલે ફસાવાનો. પણ એ પરવશતા કોઈ દહાડો છૂટી જાય.

આ ચિંતા કર્યાનું ફળ શું ? તો કહે, જાનવરપણું.

પ્રશ્નકર્તા : ચિંતા ના થાય એના માટે ઉપાય શો ?

દાદાશ્રી : પાછું ફરવું. ઈગોઈઝમ બાદ કરીને પાછું ફરવું. અગર તો 'ઈગોઈઝમ' બિલકુલ ખલાસ કરવો જોઈએ. 'જ્ઞાની પુરુષ' હોય તો, તે જ્ઞાન આપે તો ઈગોઈઝમ બધું ખલાસ થઈ જાય.

પ્રશ્નકર્તા : લાચારી એ શું ?

દાદાશ્રી : લાચાર થયેલ માણસને પૂછીએ તો લાચારી સમજાય. અગર તો દેવું બહુ થઈ ગયું હોય, વસ્તુઓની મુશ્કેલી પડતી હોય, વાઈફ કહે કે 'પેલું કેમ લાવતા નથી ?' પાસે પૈસા ના હોય તે નરી પરવશતા લાગે.

પરવશતામાંથી 'સ્વવશ' થવા માટે આ મહાવીરનું વિજ્ઞાન છે. અને પરવશતામાંથી 'સ્વવશ' થયા તો પરવશતા પછી અડતી જ નથી.

પ્રશ્નકર્તા : આત્માને પરવશતા થતી નથી ને ?

દાદાશ્રી : ના, આત્માને પરવશતા નથી.

પ્રશ્નકર્તા : તો શરીર લાચારી અનુભવે છે ?

દાદાશ્રી : ના, શરીરેય લાચારી અનુભવતું નથી. અહંકાર લાચારી અનુભવે છે.

 

ભાગ
1-2 -3 - 4 - 5 - 6 - 7 - 8 - 9 - 10 - 11 - 12