ભાગ
1-2 -3 - 4 - 5 - 6 - 7 - 8 - 9 - 10 - 11 - 12



આપ્તવાણી શ્રેણી - ૫

પ્રકૃતિ કરે વાંકું : પુરુષ કરે સીધું

પ્રકૃતિ વાંકું કરે, પણ તું અંદર સીધું કરજે. પ્રકૃતિ ક્રોધ કરવા માંડી ત્યારે 'આપણે' 'ચંદુભાઈ'ને શું કહેવું પડે ? ચંદુભાઈ આ ખોટું થઈ રહ્યું છે, આવું ના હોવું જોઈએ, આવું ના હોવું જોઈએ.' એટલે 'તમારું' કામ પૂરું થઈ ગયું ! પ્રકૃતિ તો કાલે સવારે અવળીય નીકળેને સવળીય નીકળે. એની સાથે આપણે લેવાદેવા નથી. ભગવાન શું કહે છે કે 'તું તારું બગાડીશ નહીં.'

મનુષ્યોનો સ્વભાવ કેવો હોય છે કે જેવી પ્રકૃતિ એવો પોતે થઈ જાય. જ્યારે પ્રકૃતિ સુધરતી નથી ત્યારે કહેશે, 'મેલ છાલ !' અલ્યા, ના સુધરે તો કશો વાંધો નથી, તું આપણે અંદર સુધાર ને ! પછી આપણી 'રિસ્પોન્સિબિલિટી' નથી ! આટલું બધું આ 'સાયન્સ' છે !!! બહાર ગમે તે હોય તેની 'રિસ્પોન્સિબિલિટી' જ નથી. આટલું સમજે તો ઉકેલ આવી જાય. તમને સમજ પડી, હું શું કહેવા માંગું છું તે ?

પ્રશ્નકર્તા : હા, સમજણ પડી.

દાદાશ્રી : શું સમજણ પડી ?

પ્રશ્નકર્તા : ખાલી જોવાનું, એની જોડે તાદાત્મ્ય નહીં થવાનું.

દાદાશ્રી : એવું નહીં. તાદાત્મ્ય થઈ જાય તોય આપણે તરત કહેવું, 'આમ ના હોવું જોઈએ.' આ તો બધું ખોટું છે ! પ્રકૃતિ તો બધું જ કરે, કારણ એ બેજવાબદાર છે. પણ આટલું બોલ્યા કે, તમે જવાબદારીમાંથી છૂટ્યા. હવે આમાં કંઈ વાંધો આવે એવું છે ?

પ્રશ્નકર્તા : વાંધો ના આવે, પણ જ્યારે ક્રોધ થાય ત્યારે તે વખતે ભાન ન આવે.

દાદાશ્રી : આપણું જ્ઞાન એવું છે કે ભાનમાં રાખે. પ્રતિક્રમણ કરે, બધું જ કરે. તમારે ભાન રહે છે કે નહીં ?

પ્રશ્નકર્તા : રહે છે, દાદા.

દાદાશ્રી : દરેક વખતે રહે છે ?

પ્રશ્નકર્તા : હા. દરેક વખતે રહે છે.

દાદાશ્રી : આપણું જ્ઞાન એવું છે કે નિરંતર જાગૃતિ ને જાગૃતિમાં જ રાખે અને જાગૃતિ એ જ આત્મા છે.

પ્રકૃતિ તો અભિપ્રાયેય રાખે ને બધુંય રાખે, પણ આપણે અભિપ્રાય રહિત થવું. આપણે જુદા, પ્રકૃતિ જુદી, આ 'દાદા'એ એ જુદું પાડી આપ્યું છે. પછી આપણે 'આપણો' ભાગ જુદો ભજવવો. આ 'પારકી પીડા'માં ઊતરવું નહીં.

વીતરાગોની રીત

વીતરાગોનો મત એ છે કે ''પેલો અભિપ્રાય બાંધ્યો કે 'આ આવા છે', એ એનો ગુનો.''

'અમે' ખાલી ચેતવી જાણીએ. પછી તમારે વાંકું કાઢવું હોય તો તેને પહોંચી જ ના વળાય ને. એ તો ભગવાન મહાવીરના વખતમાં જ તેમનો શિષ્ય ગોશાળો ફરી ગયો હતો. ગોશાળો ભગવાનની સામે વ્યાખ્યાન આપતાં કહે છે, 'હુંય મહાવીર જ છું.' આમાં મહાવીર શું કરે ? તે દહાડે આવા પાકતા હતા, તે આજે મહીં બે જણ એવા પાકે તો તેને આપણાથી કંઈ ના કહેવાય ? અને એવા હોય ત્યારે જ સારું ને ?

આ તો વીતરાગનું વિજ્ઞાન કેવું છે ? આપણે અભિપ્રાય બાંધ્યો કે 'આ ખોટા છે અને આ ભૂલવાળા છે', તો એ પકડાયા ! અભિપ્રાય અપાય તો નહીં, પણ આપણી દ્ષ્ટિય બગડવી ના જોઈએ ! હું 'સુપરફ્લુઅસ' રહું છું. અહીં કેટલા બધા મહાત્માઓ છે, તે બધાયની હકીકત હું જાણું છું, પણ હું ક્યાં મહીં ડખો કરું ? દુરુપયોગ કરવા જેવું આ જ્ઞાન ન હોય.

પ્રશ્નકર્તા : ભગવાનને 'શું ખોટું ને શું સારું' એવું જ નથી. પછી પ્રશ્ન ઊભો થતો નથી.

દાદાશ્રી : એ ભગવાનની દ્ષ્ટિમાં છે. અહીં પ્રશ્ન ઊભો થાય. આપણે હજુ ભગવાન થયા નથી, ત્યાં સુધી આપણે ગુનેગાર છીએ.

પ્રશ્નકર્તા : પણ પછી તો સાચું શું ને ખોટું શું, એ પ્રશ્ન ગૌણ થઈ જાય છે ને ?

દાદાશ્રી : ના. પણ ખેદ તો થવો જ જોઈએ. આ શબ્દ દુરુપયોગ થવા માટે હું બોલતો નથી. હું જે બોલું છું તે તમને 'બોધરેશન' ના રહે એટલા માટે બોલું છું. કોઈના મનમાં એમ ના થાય કે, 'મને કર્મ બંધાશે', એટલા માટે છૂટથી બોલું છું. નહીં તો હું પણ ચાળી ચાળીને ના બોલું કે, 'કર્મ તો બંધાશે, જો તમે કદી આમ નહીં કરો તો.'

'અમે' તમને બધી જ રીતની છૂટ આપી છે. 'એક માત્ર વિષયમાં જાગૃત રહેજે' એમ કહીએ છીએ અને તે પણ પોતાની સ્ત્રી અગર પોતાના પુરુષ એટલા પૂરતી જ વિષયની છૂટ આપીએ છીએ. અણહક્કના વિષય સામે અમે તમને ચેતવીએ છીએ, કારણ એમાં બહુ મોટું જોખમ છે. આપણા 'અક્રમ વિજ્ઞાન'માં આટલું જ ભયસ્થાન 'અમે' તમને બતાવીએ છીએ. બીજે બધેથી નિર્ભય બનાવી દઈએ છીએ.

અભિપ્રાય ઉડાવો

પ્રશ્નકર્તા : દ્વેષ ના રહે પણ પેલો અભાવ રહે, એનું શું કારણ ?

દાદાશ્રી : અભાવ એ વસ્તુ જુદી છે. એ માનસિક બધી વસ્તુઓ છે. દ્વેષ તો અહંકારી વસ્તુ છે. અભાવ 'લાઈક' ને 'ડિસલાઈક' રહે. એ તો બધાને રહે. અમેય બહારથી અંદર આવીએ ને આ પાથરેલું દેખીએ ત્યાં આવીને બેસીએ. પણ કોઈ કહે કે તમારે અહીં નથી બેસવાનું, ત્યાં બેસવાનું છે. તો અમે ત્યાં બેસીએ, પણ પહેલાં 'લાઈક' આ પાથરેલાની કરીએ. અમને દ્વેષ ના હોય પણ 'લાઈક-ડિસલાઈક' રહે. એ માનસિક છે, અહંકાર નથી !

પ્રશ્નકર્તા : એ અભિપ્રાયને આધારે રહે ને ?

દાદાશ્રી : એ અભિપ્રાય બધા કરેલા તેનાં ફળરૂપે આ અભાવ રહ્યા કરે. તેનું આપણે 'પ્રતિક્રમણ' કરીને ફેરવી નાખવું કે સામો તો બહુ સારો છે, તે આપણને પછી સારો દેખાય.

પ્રશ્નકર્તા : અભિપ્રાયનું પ્રતિક્રમણ કરવાનું કે પ્રત્યાખ્યાન કરવાનું ?

દાદાશ્રી : પ્રતિક્રમણ કરવાનું. કોઈના માટે ખરાબ અભિપ્રાય બેઠેલો હોય તે આપણે સારો બેસાડવાનો કે બહુ સારું છે. જે ખરાબ લાગતો હોય તેને સારો કહ્યો કે ફેરફાર થયો. એ પાછલા અભિપ્રાયને લીધે આજે ખરાબ દેખાય છે. કોઈ ખરાબ હોતું જ નથી. આપણા મનને જ કહી દેવાનું. અભિપ્રાય મને કરેલા છે. મનની પાસે સિલ્લક છે. ગમે તે રસ્તે મનને બાંધવું જોઈએ. નહીં તો મન છૂટું થઈ જાય, હેરાન કરે.

પ્રશ્નકર્તા : આપે એક વાર કહેલું કે મનને પંપાળ પંપાળ પણ નહીં કરવાનું ને દબાવવાનું પણ નહીં. તો શું કરવાનું ?

દાદાશ્રી : મનને દબાવવાનું આપણે નથી હોતું, પણ એને આપણે 'રીવર્સમાં' લેવાનું. એટલે જેના માટે ખરાબ અભિપ્રાય હોય તો આપણે કહેવું કે આ તો બહુ સારા છે, ઉપકારી છે, કહીએ તો મન માની જાય. જ્ઞાનના આધારે મનને કાબૂમાં લઈ શકાય. બીજી કોઈ ચીજથી મન બંધાય એવું નથી. કારણ મન એ 'મીકેનિકલ' વસ્તુ છે. મન દહાડે દહાડે 'એક્ઝોસ્ટ' થયા કરે છે. એટલે છેવટે એ ખલાસ થઈ જવાનું. નવી શક્તિ મળતી નથી ને જૂની વપરાયા કરે છે. મન કહે કે કેડમાં દૂઃખે છે ત્યારે આપણે એને કહીએ કે સારું છે કે પગ ભાંગ્યા નથી. એવું બોલીએ એટલે પાછું મન શાંત થઈ જાય. એને પ્લસ-માયનસ કરવું પડે !

યમરાજા વશ વર્તે તે...

દાદાશ્રી : સંયમ કોને કહેવાય ?

પ્રશ્નકર્તા : વ્યાખ્યા ખબર નથી.

દાદાશ્રી : આ તો ભગવાનનો શબ્દ કહેવાય.

પ્રશ્નકર્તા : સમજીને જ્ઞાનમાં આપણે રહીએ એ સંયમ.

દાદાશ્રી : આ બધા 'કંટ્રોલ'માં રહે છે, 'આઉટ ઑફ કંટ્રોલ' નથી થતા એને સંયમ નથી કહેવાતો. સંયમ તો જુદી જ વસ્તુ છે. એને સંયમધારી કહેવાય !

જેને યમરાજા પકડે નહીં એનું નામ સંયમી ! સંયમધારીને ભગવાને વખાણ્યા છે. સંયમધારીનાં તો દર્શન કરવાં પડે ! યમરાજાને જેણે વશ કર્યા છે !!!

પ્રશ્નકર્તા : યમરાજાને વશ કર્યા છે, એ કેવી રીતે ?

દાદાશ્રી : યમરાજા વશ થયા ક્યારે કહેવાય કે જેને મરણની બીક ના લાગતી હોય, 'હું મરી જઈશ, હું યમરાજાના કબજામાં છું' એવું ના લાગતું હોય તે સંયમધારી કહેવાય.

સંયમનો અર્થ અત્યારે લોકો ક્યાંનો ક્યાં લઈ ગયા છે ! ભગવાનની ભાષાનો શબ્દ એકદમ નીચલી કક્ષામાં લઈ ગયા છે. ભગવાનની નિશ્ચય ભાષા વ્યવહારમાં લાવ્યા છે. અત્યારે લોકો જેને સંયમ કહે છે પણ ખરેખર તે સંયમ ના કહેવાય. આ તો કંટ્રોલ કર્યો કહેવાય. તે 'કંટ્રોલ' મનુષ્યોનો ઓછો હોય છે માટે તેમને 'કંટ્રોલ' કરવો પડે છે. જાનવરો માત્ર બધાં કંટ્રોલવાળાં છે. મનુષ્ય એકલાં જ 'ડીકંટ્રોલ'વાળાં છે. પોતાનું ભાન જ નથી.

પ્રશ્નકર્તા : સત્તા છે પણ જવાબદારીનું ભાન નથી.

દાદાશ્રી : જ્યારે કંટ્રોલની સંપૂર્ણ સત્તા હાથમાં આવી ત્યારે દુરુપયોગ કર્યો. એટલે પોતે નિરાશ્રિત થઈ ગયો ! આ ગાયો-ભેંસોને ચિંતા થાય ખરી ?

પ્રશ્નકર્તા : ના.

દાદાશ્રી : ત્યારે આ મનુષ્યો એકલાને જ ચિંતા થાય છે. કારણ કે સત્તાનો દુરુપયોગ કર્યો. ચિંતા ઊભી થઈ કે પોતે નિરાશ્રિત થયો. 'મારું શું થશે ?' એવું જેને જેને થાય એ બધા નિરાશ્રિત.

યાદ આવે તે પરિગ્રહ

નાસ્તા કરવામાં વાંધો નથી. લત લાગવી ના જોઈએ. આત્માને ખેંચી ના જાય એટલી જાગૃતિ રાખવી જોઈએ. ખેંચાઈ જવાય તો પ્રતિક્રમણ કરવું જોઈએ. જમવામાં શું ખેંચી જાય છે ?

પ્રશ્નકર્તા : તીખું.

દાદાશ્રી : પછી યાદ આવે છે ?

પ્રશ્નકર્તા : ના.

દાદાશ્રી : તો એ ખાધું જ ના કહેવાય, યાદ આવ્યું તો પરિગ્રહ. યાદ ના આવ્યું તો એ પરિગ્રહ ના કહેવાય. ચોપડો લખવાનો બાકી હોય તો યાદ આવે કે આટલી સિલક બાકી છે. માખી ત્યાં જ ભ્રમણ કરતી હોય.

આ 'દાદા'ની યાદગીરી જ એવી છે કે બધું ભૂલાડી દે. એમને એમ જ પરિગ્રહ ભૂલાડી દે !

પ્રશ્નકર્તા : સાધારણ સંયોગોમાં જે આપણને યાદ આવતું ના હોય પણ એ સામે આવે અને અમુક કલાક સુધી રહે એ પરિગ્રહમાં ગણાય કે ?

દાદાશ્રી : હાસ્તોને ! જે આપણને સ્વરૂપથી છેટા કરે એ પરિગ્રહ ! એ ગ્રહ વળગ્યો છે, પરિગ્રહનું ભૂત વળગ્યું છે. તેથી 'આપણે' 'સ્વરૂપ' ભૂલી જઈએ છીએ ! એટલો વખત કલાક-બે કલાક સ્વરૂપનું લક્ષ ચૂકી જવાય. અરે, કેટલાકને તો બાર-બાર કલાક સુધી ચૂકી જવાય. અને આ જગતમાં, જેને જ્ઞાન ના આપ્યું હોય તેને તો એ જ ચાલ્યા જ કરે. આખો દહાડો પાણી પારકા જ ખેતરમાં જાય. પંપ ઘરનો, એન્જિન-પાણી બધું પોતાનું, પેટ્રોલ-ઓઈલ પોતાનું, ને તોય પાણી જાય લોકોનાં ખેતરમાં ! 'સ્વરૂપ જ્ઞાન' પછી બધું પાણી પોતાના જ ખેતરમાં જાય. 'સ્વક્ષેત્ર'માં જ જાય, પરક્ષેત્રમાં ના જાય.

પ્રશ્નકર્તા : પંદર દહાડા સુધી યાદ ના આવે ને પછી યાદ આવે એ પરિગ્રહમાં જાય ?

દાદાશ્રી : હા. ભૂત આપણી પાછળ પડ્યુું છે. તે આખી દુનિયાનાં ભૂતાં વળગ્યાં છે તમને ? તમને તમારાં ભૂતાં વળગેલાં છે. અમુક બાબત હોય એટલાં જ વળગેલાં છે. બીજાં બધાં વળગેલાં ના હોય !

સ્વરૂપજ્ઞાનની પ્રાપ્તિ

પ્રશ્નકર્તા : ક્રોધ-માન-માયા-લોભને છોડવાનો રસ્તો, એ જ્ઞાન જ છે ? અને એ જ્ઞાન આ કાળને માટે સમન્વિત છે ?

દાદાશ્રી : સાચું જ્ઞાન તો એનું નામ કહેવાય કે જે ક્રોધ-માન-માયા-લોભને ઊડાડી મૂકે.

પ્રશ્નકર્તા : એ પ્રાપ્ત કેમ કરવું ?

દાદાશ્રી : એ જ જ્ઞાન અહીં તમને આપું છું. આ બધાને ક્રોધ-માન-માયા-લોભ બધું ઊડી જ ગયેલું છે.

પ્રશ્નકર્તા : હ્રદયની સરળતા આવવી એટલી સહેલી છે ?

દાદાશ્રી : સરળતા આવવી કે ના આવવી એ તો પૂર્વભવનો હિસાબ છે. એનું 'ડેવલપમેન્ટ' છે. જેમ સરળ થાય તેમ વધુ ઉત્તમ કહેવાય. પણ એ 'ક્રમિકમાર્ગ'નું છે. એમાં સરળ માણસ ધર્મને પામે પણ એમાં કરોડ અવતારેય મોક્ષનું ઠેકાણું ના પડે. ને આ 'અક્રમવિજ્ઞાન' છે. આ એક જ અવતારી જ્ઞાન છે. અને જો આ જ્ઞાનની આરાધના અમારી આજ્ઞાપૂર્વક કરવામાં આવે ને તો નિરંતર સમાધિ રહે ! તમે ડૉક્ટરની લાઈન કરો તોય નિરંતર સમાધિ રહે. કશું જ નડશે જ નહીં ને અડશે નહીં. આ તો બહુ ઊંચું વિજ્ઞાન છે. તેથી કવિરાજ કહે છે કે દસ લાખ વર્ષે આવું થયું નથી, એવું આ થયું છે.

પ્રશ્નકર્તા : શરણાગતિ જોઈએ એમ ?

દાદાશ્રી : ના. અહીં શરણાગતિ જેવી કશી વસ્તુ જ નથી. અહીં તો અભેદભાવ છે. મને તમારા કોઈની જોડે જુદાઈ લાગતી જ નથી. ને આ દુનિયા જોડેય જુદાઈ લાગતી નથી.

પ્રશ્નકર્તા : આપ તો બહુ ઊંચી કોટિના છો, અમે તો બહુ નીચી કોટિના છીએ.

દાદાશ્રી : ના. એવું નથી. તમે તો મારી કોટિના જ છો. તમે મને જોયા જ કરો. તેનાથી મારારૂપ થયા કરો. બીજો કોઈ રસ્તો નથી. જેને તમે જુઓ તે રૂપ થયા કરો.

પ્રશ્નકર્તા : સંસારના વ્યવહારમાં શુદ્ધતા, શુચિ જોઈએ ને ?

દાદાશ્રી : શુદ્ધતા એટલી બધી આવવી જોઈએ કે આદર્શ વ્યવહાર કહેવાવો જોઈએ. 'વર્લ્ડ'માંય જોયો ના હોય, તેવો ઊંચામાં ઊંચો, વ્યવહાર હોવો જોઈએ. અમારો વ્યવહાર તો બહુ ઊંચો હોય.

આ વિજ્ઞાન એવું છે. હું જે તમને દેખાડું છું એ કેવળજ્ઞાનનો આત્મા છે અને આ જગતના લોકો જે આત્મજ્ઞાન કરે છે, એ શાસ્ત્રીય આત્મજ્ઞાન છે.

પ્રશ્નકર્તા : પાત્રતા કે અધિકારની વગર આ જ્ઞાન કેમ પચે ?

દાદાશ્રી : પાત્રતા કે અધિકારની અહીં જરૂર જ નથી. આચારના ધોરણ ઉપર આ નથી. બાહ્યાચાર એ શું છે ? જગત આખું બાહ્યાચાર ઉપર બેઠું છે. બાહ્યાચાર એ 'ઈફેક્ટ' છે, 'કોઝિઝ' નથી. 'કોઝિઝ' અમે ઊડાડી મૂકીએ છીએ. પછી 'ઈફેક્ટ' તો એની મેળે ધોવાઈ જશે.

પરમ વિનય

પ્રશ્નકર્તા : પરમ વિનય એ આચાર ખરો ?

દાદાશ્રી : પરમ વિનય તો એની મેળે ઉત્પન્ન થાય. આ ''જ્ઞાન'' જ ઉત્પન્ન કરે છે. જેમ છોકરાંને આ શીશી 'પોઈઝન'ની છે અને 'પોઈઝન' એટલે શું એવું સમજાવવામાં આવે પછી એ એને અડતો નથી. એવી રીતે આ જ્ઞાન અવિનય છોડાવે છે, ને પરમ વિનય ઉત્પન્ન કરાવે છે. તમારે પરમ વિનયમાં રહેવાનું નથી પણ...

પ્રશ્નકર્તા : રહેવાઈ જાય.

દાદાશ્રી : હા એની મેળે જ પરમ વિનયમાં રહેવાય.

દાદા દરબારનો વિનય

દાદાશ્રી : આ અમે આવીએ અને તમે બધાં ઊભાં થઈ જાઓ. તે આ ઊઠબેસ કરવાથી તો પાર આવે એવું નથી. એનાથી તો દમ નીકળી જાય.

પ્રશ્નકર્તા : દેરાસરમાં તો ભગવાનની મૂર્તિ પાસે વંદના કરતી વખતે ઊઠબેસ જ કરે છે ને ?

દાદાશ્રી : ત્યાં ઊઠબેસ કરે તો વિનયના બહુ માર્ક છે અને આપણે અહીં તો બીજી કમાણી ઘણી કરવાનીને ? વિનયનું ફળ મોક્ષ છે; ક્રિયાઓનું ફળ મોક્ષ નથી. દેરાસરમાં વિનય કરો, તે દેખાય છે. આમ ક્રિયા ખરી, પણ તે વખતે અંદર સૂક્ષ્મ વિનય છે તે મોક્ષને આપનારો છે. વંદન કરે તે ઘડીએ ગાળો ભાંડતો ના હોય અને 'અહીં'નો વિનય અભ્યુદય ને આનુષંગિક બન્ને ફળ આપે ! ગુરુ મહારાજને વિનય કરી બહાર આવીને નિંદા કરે તો પછી બધી ધૂળધાણી જ થઈ જાય. વિનય કરો તેની નિંદા ના કરો ને નિંદા કરવી હોય તો ત્યાં વિનય કરશો નહીં. એનો કશો અર્થ જ નહીં ને ?

તમારે તો અહીં કશું કરવાનું જ રહ્યું નથી ને ? આ ઊભા થવાની તો એટલા માટે ના પાડીએ કે આ કાળમાં લોકોનાં પગનાં ઠેકાણાં નથી. આખો દહાડો દોડધામ, દોડધામ થાય. આ રેલવેએ પૂલ ચઢાવી ચઢાવીને દમ કાઢી નાખ્યો ! હવે તેમાં તમને કહીએ કે ઊભા થાવ, બેસી જાવ તો તેનો ક્યારે પાર આવે ? એના કરતાં આપણે સહીસલામત રહો ને. જેને જેમ અનુકૂળ આવે તેમ બેસો. 'દાદા'ને બધું પહોંચી ગયું છે. આ 'દાદા' તો તમારા ભાવને જ જુએ છે, ક્રિયાને નથી જોતા.

સમજની શ્રેણીઓ

પ્રશ્નકર્તા : સામો દોષિત ના દેખાય તે માટે 'પ્રકૃતિ કરે છે' એ સમજથી કામ લઉં છું.

દાદાશ્રી : એ 'ફર્સ્ટ સ્ટેજ'ની વાત છે, પણ છેલ્લી વાતમાં આ કશું જ બનતું નથી. આત્મા આનો જાણકાર જ છે. બીજું કશું જ નથી. તેને બદલે માની બેઠો છે કે સામાએ જ કર્યું ! 'રોંગ બિલીફ' જ છે ખાલી.

પ્રશ્નકર્તા : એકના એક છોકરાને મારી નાખ્યો...

દાદાશ્રી : તે મરતો જ નથી. જે મૂળ સ્વભાવ છે, જે 'મૂળ વસ્તુ' છે, તે મરતો જ નથી. આ તો જે નાશવંત ચીજો છે તેનો નાશ થયા જ કરે છે.

જગત નિર્દોષ જ દેખાય. જેને ઓછી સમજણ હોય તે હિસાબ ગોઠવીને કહે 'હિસાબ હશે.' નહીં તો, 'મારો છોકરો છે' એવું હોય જ નહીં ને !! ભગવાનની ભાષા સમજાઈ, તેને તો બધું જગત નિર્દોષ જ દેખાય ને ? કોઈ ફૂલ ચઢાવે તોય નિર્દોષ દેખાય ને પથ્થર મારે તોય નિર્દોષ દેખાય ! એકે મારી નાખ્યો ને એકે બચાવ્યો. પણ બન્ને નિર્દોષ દેખાય, વિશેષતા ના દેખાય આમાં.

તમને અમારા જ્ઞાનની સમજથી સમજવું હોય તો ''વ્યવસ્થિત'' છે, 'હિસાબ છે', એવું તમારે સમજવું પડે. એથી આગળ જશો એટલે 'મૂળ વસ્તુ' સમજાશે. 'બચાવનારો કોઈ બચાવી શકતો નથી, મારનાર મારી શકતો નથી. બધું કુદરતનું કામ છે આ'. 'વ્યવસ્થિત' ખરું, પણ 'વ્યવસ્થિત' પરના અવલંબન તરીકે પણ આ કોણ કરી રહ્યું છે ? એ આખા ભાગને પોતે જાણે, કે બધી કુદરતની જ ક્રિયા છે. કુદરત જીવમાત્રનું હિત જ કરી રહી છે, પણ એને 'ડીસ્ટર્બ' આ કાળ કરે છે.

પ્રશ્નકર્તા : કાળ 'ડીસ્ટર્બ' કરે છે, એ ના સમજાયું.

દાદાશ્રી : આ કાળ 'ડીસ્ટર્બ' ના કરતો હોત ને તો આ જગત બહુ સુંદર લાગે. આવો કાળ આવે ત્યારે નીચે અધોગતિમાં લઈ જાય. બાકી કુદરતનું અધોગતિમાં લઈ જવાનું કામ નથી. કુદરતનો સ્વભાવ તો નિરંતર ઊર્ધ્વગતિમાં જ લઈ જવાનો છે.

એક કાળ એવો હતો કે શેઠિયાઓ નોકરોને પજવતા હતા અને હવે નોકરો શેઠિયાઓને પજવે છે એવો કાળ આવ્યો છે ! કાળની વિચિત્રતા છે ! નોર્માલિટીમાં હોય તો બહુ સુંદર કહેવાય. શેઠ નોકરને પજવે જ નહીં ને નોકર આવું તોડફોડ કરે નહીં.

આ તો પોતે ખાલી માની બેઠો છે. બાપ થયો તેય માની બેઠો છે કે હું બાપ થાઉં. પણ છોકરાને બે કલાક ખૂબ ગાળો ભાંડ ભાંડ કર તો ખબર પડે કે બાપ કેટલા દહાડાનો છે ! ઠંડો જ થઈ જાય ને ! ખરેખર બાપ હોય તો તો જુદા જ પડે નહીં.

પાપોનું પ્રાયશ્ચિત

પ્રશ્નકર્તા : આપણે કરેલાં પાપો ભગવાનના મંદિરમાં જઈને દર રવિવારે કબૂલ કરી દીધાં હોય તો પછી પાપ માફ થઈ જાય ને ?

દાદાશ્રી : એવાં જો પાપ ધોવાતાં હોત ને તો કોઈ માંદા-સાજાં હોય જ નહીં ને ? પછી તો કશું દુઃખ હોય જ નહીં ને ? પણ આ તો દુઃખ પાર વગરનું પડે છે. માફી માગવાનો અર્થ શું કે તમે માફી માંગો તો તમારા પાપનું મૂળ બળી જાય. એટલે ફરી એ ફૂટે નહીં, પણ એનું ફળ તો ભોગવવું જ પડે ને ?

પ્રશ્નકર્તા : કોઈ કોઈ મૂળ તો પાછાં ફરી ફૂટી નીકળે.

દાદાશ્રી : બરાબર બળ્યું ના હોય તો પાછું ફૂટ્યા કરે. બાકી મૂળ ગમે તેટલું બળી ગયું હોય પણ ફળ તો ભોગવવાં જ પડે. ભગવાનને હઉ ભોગવવાં પડે ! કૃષ્ણ ભગવાનનેય અહીં તીર વાગ્યું હતું ! એમાં ચાલે નહીં. મારે હઉ ભોગવવું પડે !

દરેકના ધર્મમાં માફીનું હોય છે. ક્રિશ્ચિયન, મુસ્લિમ, હિન્દુ બધાંમાં હોય, પણ જુદી જુદી રીતે હોય.

પ્રશ્નકર્તા : ભગવાને જે ચાર પ્રકારનાં સુખ આપેલાં છે, તે ચારેય પ્રકારનાં સુખ કોઈ એક વ્યક્તિને તો આવે જ નહીં ને ?

દાદાશ્રી : આ સુખ જ નથી. બધી કલ્પનાઓ છે. આ સાચું સુખ જ નથી.

પ્રશ્નકર્તા : કયું સાચું ને કયું ખોટું સુખ, એ અનુભવ થયા વગર શી રીતે સમજાય ?

દાદાશ્રી : પોતાને અનુભવ થાય જ. બહારની કોઈ વસ્તુની મદદ સિવાય એવું સુખ ઉત્પન્ન થાય કે કોઈ દહાડો જોયું ના હોય !

પ્રશ્નકર્તા : એ કાયમ રહેવું જોઈએ.

દાદાશ્રી : એ સુખ પછી જાય જ નહીં. આ (જ્ઞાન લીધા પછી) બધાને એવું સુખ ઉત્પન્ન થયું છે, પછી એ ગયું જ નથી. પછી એ સુખની ઉપર તમે ઢેખાળા નાખ નાખ કરો, તો તમને વાગે ખરા. પણ અમારી આજ્ઞામાં રહો તો કશું થાય નહીં. અમારી આજ્ઞા તદ્દન સહેલી છે !

સુખનું શોધન

દાદાશ્રી : શાને માટે નોકરી તું કરે છે બેન ?

પ્રશ્નકર્તા : એવું નસીબમાં લખી લાવ્યા હઈશું.

દાદાશ્રી : પછી, પૈસાનું શું કરે છે ?

પ્રશ્નકર્તા : હું આત્માને ખોળું છું.

દાદાશ્રી : આત્માને કોઈક જ માણસ ખોળી શકે. બધા જીવો કંઈ આત્માને ખોળતા નથી. આ બધા જીવો શું ખોળે છે ? સુખને ખોળે છે. દુઃખ કોઈ જીવને ગમતું નથી. નાનામાં નાનું જીવડું હોય કે મનુષ્ય હોય કે સ્ત્રી હોય, દુઃખ કોઈને ગમતું નથી. હવે આ બધાને સુખ તો મળે છે પણ કોઈને સંતોષ નથી. એનું શું કારણ હશે ?

આ સુખ એ સાચું સુખ ન હોય. એક વખત સુખ સ્પર્શી ગયું પછી દુઃખ ક્યારેય પણ ના આવે એનું નામ સુખ કહેવાય. એવું સુખ ખોળે છે ! મનુષ્ય અવતારમાં એને મોક્ષ કહેવાય. પછી કર્મો પૂરાં થાય કે મોક્ષ થઈ ગયો ! પણ પહેલો મોક્ષ અહીં થઈ જ જવો જોઈએ.

કષાય ન થવા જોઈએ. કષાય તને થાય છે કે ?

પ્રશ્નકર્તા : થાય છે.

દાદાશ્રી : કષાય તને બહુ ગમે છે, ખરું ?

પ્રશ્નકર્તા : ગમતા તો નથી, પણ થાય છે.

દાદાશ્રી : કષાય એ જ દુઃખ છે ! આખું જગત કષાયમાં જ પડ્યું છે. લોકોને કષાય ગમતા નથી. પણ છતાંય કષાયોએ એમને ઘેરી લીધા છે. કષાયના તાબામાં જ બધાં આવી ગયાં છે. એટલે એ બિચારાં શું કરે ? ગુસ્સો ઘણોય ના કરવો હોય તો પણ થઈ જાય.

તારે સુખ કેવું જોઈએ છે, 'ટેમ્પરરી' કે 'પરમેનન્ટ'?

પ્રશ્નકર્તા : બધાયને કાયમનું જોઈએ છે.

દાદાશ્રી : છતાં પણ કાયમનું સુખ મળતું નથી, એનું શું કારણ ?

પ્રશ્નકર્તા : આપણાં કર્મો એવાં, બીજું શું ?

દાદાશ્રી : કર્મો ગમે તેવાં હોય પણ આપણને કાયમનું સુખ આપનાર, દેખાડનાર કોઈ મળ્યા નથી. જે પણ પોતે કાયમનું સુખ ભોગવતા હોય તેમને આપણે કહીએ કે મને રસ્તો દેખાડો તો આપણું કામ થઈ જાય. પણ એવા કોઈ મળ્યા નહીં. દુખિયા ને દુખિયા જ મળ્યા. તે દુઃખ એનું ય ના ગયું ને આપણું ય ના ગયું.

'જ્ઞાની પુરુષ' એકલા જ કાયમના સુખી હોય. એ મોક્ષમાં જ રહેતા હોય. એમની પાસે જઈએ તો આપણો ઉકેલ આવે. નહીં તો ભટક ભટક કરવાનું છે. આ કાળમાં શાંતિ શી રીતે રહે ? સ્વરૂપનાં જ્ઞાન વગર શાંતિ શી રીતે રહે ? અજ્ઞાન એ જ દુઃખ છે.

જાપ કોનો ?

પ્રશ્નકર્તા : મનની શાંતિ મેળવવા માટે એવો કયો જાપ વધુ કરવો કે જેથી મનની વિશેષ શાંતિ થાય અને ભગવાન તરફ લક્ષ થાય ?

દાદાશ્રી : સ્વરૂપનો જાપ કરે તો થઈ જાય.

પ્રશ્નકર્તા : સહજાત્મસ્વરૂપ પરમગુરુ ?

દાદાશ્રી : ના, એ સ્વરૂપનો જાપ નથી. એ ભગવાનની ભક્તિ છે. સ્વરૂપનું એટલે 'તમે કોણ છો ?' એનો જાપ કરો તો પૂરી શાંતિ મળી જાય. સ્વરૂપનો જાપ કેમ નથી કરતા ?

પ્રશ્નકર્તા : મનમાં ઘણા વખતથી પ્રશ્ન મૂંઝવતો હતો કે કઈ જાતના જાપ કરવાથી શાંતિ મળે ?

દાદાશ્રી : સ્વરૂપના જાપ કરે તો નિરંતર શાંતિ મળે, ચિંતા ના થાય, ઉપાધિ ના થાય. એના માટે 'જ્ઞાની પુરુષ'ની પાસે કૃપાપાત્ર થવું જોઈએ.

 

ભાગ
1-2 -3 - 4 - 5 - 6 - 7 - 8 - 9 - 10 - 11 - 12