ભાગ
1-2 -3 - 4 - 5 - 6 - 7 - 8 - 9 - 10 - 11 - 12

(૧૯)

પત્નીની ફરિયાદો

આશ્રિતની ના કરાય ફરિયાદ,

ને કરી તો પડશે સામો સાદ !

બેનો તમારે કશું પૂછવાનું નથી ? કંઈ વાતચીત કરવાની હોય તો કરો. એમની ફરિયાદ હોય તો કરો. પણ આ ડિફિકલ્ટી કાઢી નાખો. ઘરમાં, ફેમિલીમાં ડિફિકલ્ટી કાઢી નાખો.

પ્રશ્શનકર્તા : જેવી રીતે ભઈઓ કમ્પ્લેન કરે બહેનોની, તેવી રીતે બહેનો ભાઈઓની કમ્પ્લેન કરે ખરા ?

દાદાશ્રી : હા, એ તો બેઉની હોયને, કમ્પ્લેઈન તો એક બાજુની ના હોય, એક તરફી ના હોય, બન્ને હોય. પણ કમ્પ્લેઈન ના થાય એવા માણસની જરૂર છે મારે, એવા માણસ થાવ, એવું કહું છું હું ! આપણા આશ્રિત માણસ જોડે કમ્પ્લેઈન હોતી હશે ?

પ્રશ્શનકર્તા : હું સાચી વાત કરું છું ત્યારે ઘરમાં મને કોઈ સમજી નથી શકતું અને કોઈ નથી સમજી શકતું તેથી પછી એ લોકો ઊંધી રીતે સમજે પાછા.

દાદાશ્રી : તે વખતે આપણે વાતથી વેગળું રહેવું પડે ને મૌન રાખવું પડે. એમાંય પાછો દોષ તો કોઈનો હોતો જ નથી. દોષ તો આપણો જ હોય છે. એવા એવા માણસો છે કે જે પાડોશમાં આપણી જોડે કુટુંબ તરીકે હોયને, તો તે આપણા બોલતાં પહેલાં આપણી વાત બધા સમજી જાય. પણ એવા આપણને કેમ ભેગા ના થયા અને આ લોકો જ કેમ ભેગા થયાં ? આમાં સીલેક્શન કોનું ? એટલે બધી જ ચીજ છે આ જગતમાં, પણ આપણને ભેગી નથી થતી એમાં ભૂલ કોની ? એટલે ઘરનાં ના સમજે તો આપણે ત્યાં મૌન રહેવું, બીજો ઉપાય નથી.

પ્રશ્શનકર્તા : પણ દાદા, મારી ફરિયાદ કોણ સાંભળે ?

દાદાશ્રી : તું ફરિયાદ કરીશ તો તું ફરિયાદી થઈ જઈશ. હું તો જે ફરિયાદ કરવા આવે તેને જ ગુનેગાર ગણું. તારે ફરિયાદ કરવાનો વખત જ કેમ આવ્યો ? ફરિયાદી ઘણાખરા ગુનેગાર જ હોય છે. પોતે ગુનેગાર હોય તો ફરિયાદ કરવા આવે. તું ફરિયાદ કરીશ તો તું ફરિયાદી થઈ જઈશ અને સામો આરોપી થશે. એટલે એની દ્ષ્ટિમાં આરોપી તું ઠરીશ માટે કોઈની વિરુદ્ધ ફરિયાદ ના કરવી.

પ્રશ્શનકર્તા : તો મારે શું કરવું ?

દાદાશ્રી : 'એ' અવળા દેખાય તો કહેવું કે, 'એ તો સારામાં સારા માણસ છે, તું જ ખોટી છે.' એમ ગુણાકાર થઈ ગયો હોય તો ભાગાકાર કરી નાખવો ને ભાગાકાર થઈ ગયો હોય તો ગુણાકાર કરી નાખવો. આ ગુણાકાર ભાગાકાર શાથી શીખવે છે ? સંસારમાં નિવેડો લાવવા માટે.

પેલો ભાગાકાર કરતો હોય તો આપણે ગુણાકાર કરવા એટલે રકમ ઊડી જાય. સામા માણસ માટે વિચાર કરવો કે એણે મને આમ કહ્યું, તેમ કહ્યું, એ જ ગુનો છે. આ રસ્તામાં જતી વખતે ભીંત અથડાય તો તેને કેમ વઢતા નથી ? ઝાડને જડ કેમ કહેવાય ? જે વાગે એ બધાં લીલાં ઝાડ જ છે ? ગાયનો પગ આપણા ઉપર પડે તો આપણે કંઈ કહીએ છીએ ? એવું આ બધા લોકોનું છે, 'જ્ઞાની પુરુષ' બધાને શી રીતે માફી આપે ? એ સમજે આ બિચારાં સમજતાં નથી, ઝાડ જેવા છે. ને સમજણવાળાને તો કહેવું જ ના પડે, એ તો મહીં તરત પ્રતિક્રમણ કરી નાખે.

પ્રશ્શનકર્તા : હવે દાદા આ બધી ફરિયાદો પછી ક્યાં જઈને કરવી ?

દાદાશ્રી : ફરિયાદ હોય નહીંને ! ફરિયાદ કરવાની જ ના હોય. કોઈને ફરિયાદ કરવા ગયોને, એ તો પછી વકીલ હઉ ઘરમાં પેસી જાય. પાછાં જજનાં લફરાં પેસી જાય બધું, પોલીસ... બધું પેસી જાય. અલ્યા, મૂઆ રહેવા દેને અહીંથી, મૂકને ઊંચો અહીંથી કેસ ! અત્યારે જેમ-તેમ કરીને ઊંચો મૂકવાનો કેસ. ઊંચું મૂકે એ ડાહ્યો. તમને ઊંચું મૂકવાનું ગમે ?

પ્રશ્શનકર્તા : ફાઈલો ઘણી હોય તો ક્યારે ઊંચી મૂકી કહેવાય ?

દાદાશ્રી : ઊંચું તો આપણે એનો શુદ્ધાત્મા જોઈએને એટલે એની મેળે જ ઊંચું મૂકાઈ જાય. નહીં તો આ તો મારા દિયરનો બાબો અને મારી દેરાણીનો બાબો ને એમ કરવા જઈએ તો પાછું ઊલટું ચોંટે બધું. છાતીએ વળગે બધા. સાચવી સાચવીને, એનું સારું થાવ કહીએ. પણ છાતીએ કંઈ વળગાડવા જેવું છે આ જગતમાં ? પોતાના છોકરાં છાતીએ ના વળગાડાય. એને એક જણે આમ બહુ દબાવ્યું ને તો બચકું ભરી લીધું. એ એને ભાન ના હોય કે મેં દબાવી દીધું.

ધણી જોડે કોઈવાર, કોઈ ભાંજગડ પડી જાય છે ?

પ્રશ્શનકર્તા : જિંદગીમાં લોજિક છે માટે તર્ક તો થશે જ ને ? આજે મને વસ્તુ ગમતી ન હોય ને બીજાને ગમતી હોય ને !

દાદાશ્રી : એવું છેને, તર્ક તો દરેકને આવે, એ કેટલા 'યુઝફૂલ' (કામના) ને કેટલા 'યુઝફૂલ' નહીં એ જાણવું જોઈએને આપણે ? એક ફેરો મહીં તર્ક ચાલ્યો ધણી માટે, કે નાલાયક છે. એટલે એવું કહેવાય જ નહીંને આપણાથી. પછી એને ફેરવીને બોલવું જોઈએને. તમેે સારા છો. પણ આવું ના કરવું જોઈએ. પણ નાલાયક બોલી જવાય. એટલે આપણે બંદુક ફોડીએ તો એ બૉમ્બગોળો ફોડે. એ લડાઈ પાછી રશિયા અને અમેરિકા જેવું થઈ જાય પછી. ખેદાન ને મેદાન ! રીતસર તર્ક કરવા જોઈએ.

ધણી અપમાન કરે ત્યારે,

દિલથી આશીર્વાદ પ્રેમ સહારે!

ધણી અપમાન કરે તો શું કરો છો પછી ? દાવો માંડો ?

પ્રશ્શનકર્તા : એવું કંઈ કરાય ? એ તો થતું હશે ?

દાદાશ્રી : ત્યારે શું કરો ? મારા આશીર્વાદ છે, કરીને સૂઈ જવાનું ! તું બેન સૂઈ રહેવાનીને ? કે મનમાં ગાળો ભાંડભાંડ કરો ? મનમાં જ ભાંડ ભાંડ કરે. આ બધું તે ઘડીએ શું કરવું એવું જાણે તો આમાંથી નિવેડો આપે. નહીં તો નિવેડોય ના આવે. આ બધી ભૂલો થાય છે. મનમાં ને મનમાં બોલે હઉ 'યુઝલેસ ફેલો' (નકામા માણસ) છે. અને રીસ ચઢે, ત્યારે શું ના બોલે ? રીસ ચઢતી નથી કોઈ દહાડોય ?

પ્રશ્શનકર્તા : ચઢે, પણ એનો અર્થ એવો તો નહીં જ કે આપણે એવું બોલવું કે વિચારવું જોઈએ.

દાદાશ્રી : આ તો કહેશે, 'આણે મારું અપમાન કર્યું' ! મેલને છાલ. અપમાન તો ગળી જવા જેવું છે. ધણી અપમાન કરે, ત્યારે યાદ આવવું જોઈએ કે આ તો મારા કર્મના ઉદય ફરે, ત્યારે ધણી 'આવો, આવો' કરે છે. માટે આપણે મનમાં સમતા રાખીને ઉકેલ લાવી નાખવો. જો મનમાં થાય કે મારો દોષ નથી છતાં મને આમ કેમ કહ્યું, એટલે પછી રાતે ત્રણ કલાક જાગે ને પછી થાકીને સૂઈ જાય.

ન મળે સાડી ત્યાં સુધી રિસાય,

રે ! આ સ્ત્રી મોહથી ક્યારે છૂટાય?!

જો ધણીનો ગુનો હોય પણ જો સાડી સારી લઈ આપે તો ખુશ થઈ જાય. પછી એમને માફ કરતાંય કેટલી વાર !

કાનમાં લવિંગિયાં ઘાલે છે તે પોતાને દેખાય ખરાં ? આ તો લોક હીરા દેખે એટલા માટે પહેરે છે. આવી જંજાળમાં ફસાયા છે તો હીરા દેખાડવા ફરે છે ! અલ્યા, જંજાળમાં ફસાયેલા માણસને શોખ હોય ? ઝટપટ ઉકેલ લાવો ને ! ધણી કહે તો ધણીને સારું દેખાડવા માટે પહેરીએ. શેઠ બે હજારના હીરાના કાપ લાવ્યા હોય તે પાંત્રીસ હજારનું બિલ લાવે તો શેઠાણી ખુશ ! કાપ પોતાને તો દેખાય નહીં. શેઠાણીને મેં પૂછ્યું કે રાત્રે ઊંઘી જાઓ છો ત્યારે કાનના લવિંગિયાં ઊંઘમાંય દેખાય છે કે નહીં ? આ તો માનેલું સુખ છે, 'રૉંગ' માન્યતાઓ છે, તેથી અંતરશાંતિ થાય નહીં. ભારતીય નારી કોને કહેવાય ? ઘરમાં બે હજારની સાડી આવીને પડેલી હોય તે પહેરે. આ તો ધણી-ધણિયાણી બજારમાં ફરવા ગયાં હોય ને દુકાને હજારની સાડી લટકાવેલી હોય. તે સાડી સ્ત્રીને ખેંચે ને ઘેર આવે તોય મોં ચઢેલું હોય ને કકળાટ માંડે. તેને ભારતીય નારી કેમ કહેવાય ?

આ તો પાછી સાડી લટકાવેલી હોય વેપારીઓએ, તે શા હારુ બહાર લટકાવતા હશે ? એ શો કરવા હારુ ? શા હારુ લટકાવે ? આ ખુદા ભરમાય. આ ખુદા મહીં ચોંટી પડે, એટલા હારુ લટકાવે. ખુદા ફસાઈ જાય કે ના ફસાય ?

પ્રશ્શનકર્તા : ફસાઈ જાય.

દાદાશ્રી : અને પછી ત્રણ હજારની સાડી જોઈ તે ઘેર આવીને મોઢું બગડી જાય. એ દેખાય તો આપણે કહીએ, કેમ આમ થઈ ગયું ? એ સાડીમાં ખોવાઈ ગયા હોય. જો લાવી આપે ત્યારે છોડે. નહીં તો ત્યાં સુધી કકળાટ ના છોડે. આવું ના હોવું જોઈએ. અરે કેટલીક બેનો તો પછી ધણીને મારી વઢીને સાડી મંગાવે છે, પૈસા ના હોય તોય.

આ તો જાણે પૈસા છે ને પહેરે છે પણ ના હોય તેય આની મહીં પાછું પહેરવા જાય. અને ધણીનું તેલ કાઢી નાંખે બિચારાનું ! તને ખબર છે એવું ?

પ્રશ્શનકર્તા : એ મેં નથી કાઢ્યું, મને શું ખબર પડે.

દાદાશ્રી : હા, પણ બીજી તો તેલ કાઢી નાખે એવી હોય. કારણ કે મોહ એવી ચીજ છેને, તે સ્ત્રી પૈસા હોય, ના હોય તોય બૂમ પાડ્યા વગર રહે નહીં ! જોયું એટલે હં.... ખોવાઈ જાય. ખોવાઈ જાય એટલે પેલા ધણીને લાવવી પડે બળી. બે ચિત્ત થઈ જાયને, એટલે પછી લાવવી પડે.

પહેરવામાં વાંધો નથી, આ તો ચારિત્ર મોહ જ છેને ! પણ જો અંદરનું સુધરે, તો કશું કપડું પહેરવા જેવુંય નહીં ! સાદું હોય તો ચાલે. મોહ હવે ઉતરે એ વાત જુદી છે, પણ અત્યારે તો મોહ ટોચ ઉપર જઈને બેઠો છે. તે શી દશા થાય માણસોની ! મોહ વધારે વ્યાપ્યો છે. અને જેમ જેમ મોહ વધારે વ્યાપ્યો છે, તેમ તેમ ખાડામાં ઊંડો ઉતરતો જ ગયો. આ તો સમાજના બંધારણના પ્રતાપે મોહ જરા ઓછો વ્યાપ્યો છે, નહીં તો મોહ પૂરેપૂરો વ્યાપી જાય, ચોગરદમથી પેસી જાય ! આ તો એવું છેને, કે કંઈક બંધારણમાં આવ્યા અને જેને બંધારણ ના હોય તે ? એને શું થાય ?

વહુ કહેશે કે, 'આ આપણા સોફાની ડિઝાઈન સારી નથી. આ તમારા ભાઈબંધને ત્યાં ગયા હતાને ત્યાં કેવી સરસ ડિઝાઈન હતી ?' અલ્યા, આ સોફા છે તેમાં તને સુખ પડતું નથી ? ત્યારે કહે કે, 'ના, મેં પેલું જોયું તેમાં સુખ પડે છે.' તે ધણીને પાછા પેલા જેવો સોફો લાવવો પડે ! હવે પેલો નવો લાવે ત્યારે કો'ક ફેર છોકરો બ્લેડ મૂકે ને કંઈ કાપી નાખે કે પાછો મહીં જાણે આત્મા કપાઈ જાય ! છોકરાં સોફાને કાપે ખરાં કે નહીં ? અને એની ઉપર કૂદે ખરાં કે ? અને કૂદે તે ઘડીયે જાણે એની છાતી ઉપર કૂદતો હોય એવું લાગે ! એટલે આ મોહ છે. તે મોહ જ તમને કૈડી કૈડીને તેલ કાઢી નાખશે !

જીવન કેવું આમ સામસામી સુખ આપે તેવું હોવું જોઈએ. સાડીઓ પહેરો, પણ તે આવું કકળાટ કરાય નહીં. એટલે દુઃખ તો ધણીને ન જ દેવાય.

વિચારવું પડે કે ના વિચારવું પડે ? કે એકલા ડૉલર જ કમાવ કમાવ કરવાના છે ? લાવી લાવીને આ મહિનો થયોને આવીને ત્રણ-ચાર હજાર મૂક્યા મહીં. પેલી બઈ છે તે, પેલી બઈ સ્ટોરમાં જમા જ કરે અને તમે લાવ્યા કરો.

પ્રશ્શનકર્તા : અહીં આ વાતાવરણ જ એવું છે એટલે શું કરે ?

દાદાશ્રી : ના, પણ તેનો વાંધો નથી. આ નહીં કરવું જોઈએ ? જોડે જોડે ડૉલર એકલું કમાયા તો આ ના કરવું જોઈએ ?

પ્રશ્શનકર્તા : જરૂર કરવું જોઈએ.

દાદાશ્રી : આ અમથો ભવ બગડી જાય આમાં તો અને બીજું બેનોને કહું છું કે, શોપિંગ કરશો નહીં. શોપિંગ બંધ કરી દો, આ તો ડૉલર આવ્યા એટલે.... અલ્યા ના લેવાનું હોય તો શું કરવા લઉં છું, યુઝલેસ. કોઈ સારે માર્ગે પૈસો જવો જોઈએ કે ના જવો જોઈએ ? કોઈની ફેમિલીમાં અડચણ હોય અને એ બિચારાને ના હોય તો, પચાસ-સો ડૉલર આપીએ તો કેવું સરસ લાગશે. અને શોપિંગમાં ખોટા નાખી આવો છો અને ઘેર ધમાલ-ધમાલ પડેલું રહે છે બધું ભેગું. એક બેન તો શોપિંગમાં બાર મહિને દસ હજાર ડૉલર નાખતી. આપણી ઈન્ડિયાની છે. પછી મને કહે છે દાદાજી, શોપીંગમાં મારા પૈસા જાય છે અને તે હું લોકોને કંઈક વસ્તુઓ લાવીને આપવા માટે જ લાવું છું. મેં કહ્યું, 'બેન બંધ કરી દે બા. લોકોને નથી જોઈતી આવી વાત. તું એક વાર દસ હજાર ડૉલર બંધ કરી દે !' તે બંધ થઈ ગયું એનું. વગર કામનું શોપિંગ. ખોટો મોહ એક જાતનો. જરૂરિયાત, નેસેસિટી છે કે અન્નેસેસરી છે, એટલું જોઈ લેવું. નેસેસરી હોય ને લો. પણ અન્નેસેસરી લો છો ? તમારે ત્યાંય શોપિંગ કરે છે લોકો ? એમ ! અને તમે હઉ જાઓ જોડે ! શોપિંગમાંય જોડે તૈયાર અને વઢવામાંય તૈયાર. આમ ન શોભે.

સ્ટોર ખોલ્યો છે. ત્યારે શું કરવા લોકો સ્ટોર ખોલે છે ? મહીં પેઠો હોય તો મૂંઝાવા ? કેવું સરસ ટેબલ હતું ! અલ્યા, કેવું સરસ, તે મૂઆ શું તને સરસ નહીં લાગતું આમાંથી ? તે ડૉલર છે એટલે ? હમણે ડૉલર હોય તો બધું સારું લાગે. અને પછી ખરીદી કરી અને પછી હવે વિચાર કરે. હવે આ શામાં લઈ જઈશું. આ ગાડીમાં શી રીતે મૂકીશું ? અલ્યા ત્યારે લીધું શું કરવા, તે આ ? બધી બેગો હાથમાં ઝાલે ! પછી બૈરી કહેશે હું તમને ના જ કહેતી હતી તમે વગર કામના લે લે કર્યું. એટલે પેલો બિચારો ભોળો હોયને, તે માથે લઈ લે. પછી કહેશે તેં કહ્યું ત્યારે તો મેં લઈ લીધું. એ પાછી વઢંવઢા.

પ્રશ્શનકર્તા : ચાલ્યું તોફાન !

દાદાશ્રી : પૈણ એવું કે ફરી વઢવાના ના હોય તો પૈણ. આ વઢવા સારું પૈણવાનું છે ? જો તારે પૈણવું હોય તો વઢીશ નહીં. અને વઢવું હોય તો પૈણિશ નહીં. એવું કંઈ કાયદો જોઈએ કે ના જોઈએ બળ્યો ?

પ્રશ્શનકર્તા : દાદા, અમે બધા પૈણ્યા તે પહેલાં તમારે મળવાની જરૂર હતી અમને.

દાદાશ્રી : હા, પણ તમે બાધા રાખી નહોતી ને ! બાધા રાખી હોત તો હું આવત વહેલો.

હવે કંઈક ફેરફાર કરવા માંગો છો ? તમે કહો તેમ આપણે ફેરફાર કરીએ એનો કંઈક, તમે કહો એમ. પણ વધારે નહીં, વધારે હાઈ-લેવલમાં ન જવાય તો વાંધો નથી, પણ એક ફેમિલીમાં એ ના હોય તો બસ થઈ ગયું.

રાત-દહાડો કકળાટ, કકળાટ ઘરમાં જ કકળાટ કરે છે મૂઆ. સામાની સહેજ ભૂલ થઈ હોય તો બૂમાબૂમ કરી મેલે. જાણે એની પોતાની ભૂલ કોઈ દહાડો ના થતી હોય, એવી રીતે !

પુરુષ પોતાને સુપ્રીમ માને,

સ્ત્રી પછી ત્રાગાં, ટૈડકાવી જાણે!

પ્રશ્શનકર્તા : પુરુષ પોતાને સુપ્રીમ સમજે છે ત્યાં સુધી વઢવાડ કેવી રીતે બંધ થાય ?

દાદાશ્રી : તો આર્ય શી રીતે કહેવાય ?

પ્રશ્શનકર્તા : હા, પેલી બૈરીય ઘણી વખત ટૈડકાવેને ? બન્ને ટૈડકાવે. આ તો પુરુષ એ તો ટૈડકાવે, બરોબર છે. પણ આજકાલ તો બૈરી વધારે ટૈડકાવે છે.

દાદાશ્રી : ના. એટલે આ પુરુષો ટૈડકાવે છે તેથી. એવું છેને, કે એને ગોદા મારીને, મોઢામાં ઘાલીને બોલાવડાવે છે લોકો. મોઢામાં આંગળા નાખીને બોલાવે. હુંય સ્ત્રીચારિત્ર સમજુ. એટલે સ્ત્રીઓ જોડે મારે મેળ પડી જાય, સારું ! મને છેતરે નહીં. બધાને છેતરે, મને ના છેતરે.

પ્રશ્શનકર્તા : પણ એ લોકોને ખબર હોયને કે અહીંયાં ચાલશે નહીં ?

દાદાશ્રી : નહીં ચાલે, મારા વખતના પુરુષો, જે સ્ત્રીઓ ઉપર જે કરપ રાખતાં'તા, એ હિસાબે હું આ વાત કરું છું. અત્યારના છોકરાંઓ બિચારાને કરપ જ નથી, સ્ત્રીઓ કરપ રાખે છે.

પ્રશ્શનકર્તા : પહેલાં તો શું હતું ? કે આમ આંખની નજર આવેને અને પેલી ધ્રુજે.

દાદાશ્રી : અને ભણતર ઓછું ને ? અત્યારે તો ભણતર વધી ગયુંને છોડીઓનું, તે છોડીઓ તો પગાર લાવે ને પેલાને બબૂચકને પગારેય લાવતાં ના આવડ્યો, બળ્યો. પછી બબૂચક મૂંઝાયા કરે ને બિચારો !

પ્રશ્શનકર્તા : આજે થોડા પૈસાથી ચાલતું નથી. એટલે બન્નેને નોકરી કરવા જવું પડે છે ?

દાદાશ્રી : એટલે બન્નેય મોહ, મોહનો જબરજસ્ત જથ્થો થયો હોય એટલે પછી પૈસા જોઈએ જ ને આ લોકોને ! આ મોક્ષમાર્ગથી વિરૂદ્ધ ચાલ્યું. મોક્ષમાર્ગ એટલે ઓછામાં ઓછા પરિગ્રહથી ચાલે. અને સંસ્કાર પૂરા સચવાઈ રહે. સંસ્કારમાં કમી ના થાય. અત્યારે સંસ્કાર પૂરા છે નહીં ને પરિગ્રહો ઢગલેબંધ છે.

પ્રશ્શનકર્તા : પછી ત્રાગાં કરે. સ્ત્રીઓ ત્રાગાં કરે ?

દાદાશ્રી : ત્રાગાં તો સ્ત્રીઓ નહીં, પુરુષો મૂઆ કરે છે. મેંય ત્રાગા નહીં કરેલાં ?

અત્યારે તો ત્રાગાં બહુ નથી કરતાં. ત્રાગાં એટલે શું ? પોતાને કશું ભોગવી લેવું હોય તો સામાને દબડાવીને ભોગવી લે. ધાર્યું કરાવે !

પ્રશ્શનકર્તા : આમ હોશિયાર હોયને બહુ પાવરવાળો, એને કંટ્રોલ કરે એવો ધણી લાવવો સારો કે વાઈફ ધણીને કંટ્રોલમાં રાખે એવો લાવવો સારો ?

દાદાશ્રી : એ તો હોશિયાર હોય, એટલું આપણું તેલ કાઢી નાખે. એ તો અણસમજણવાળો હોય એટલી આપણી આજ્ઞામાં રહે !

પ્રશ્શનકર્તા : સાચું દાદા, એવું ખરું ?

દાદાશ્રી : હા.

પ્રશ્શનકર્તા : સમજણવાળો ધણી હોય તો આપણને વધારે સમજે ને આપણી જોડે વધારે એડજસ્ટ થાય એવું નહીં ?

દાદાશ્રી : એવું ખરું ! હવે સમજણવાળો છે. પણ એ પોતાના ધ્યેયથી ચાલતો નથી. એને કર્મ નચાવે છે, એ રીતે નાચે છે. એટલે સમજણવાળો હોય તો જરા સંયોગો વાંકા થાય ત્યારે ઊંધું જ બોલ્યા કરે. પોતાના હાથમાં સત્તા નહીં ને ! અને ઓછી સમજણવાળો હોય નબળો, એ આપણા કહ્યામાં જ રહ્યા કરે એટલે નબળો લીધેલો સારો પડે !

તને એમની જોડે સારું ફાવે છે ?

પ્રશ્શનકર્તા : મને તો એ ગોદા બહુ મારે છે.

દાદાશ્રી : તને મોક્ષમાં ધકેલવા છે.

એક સાંસારિક આટલું સુખ ભોગવવા હારુ કેટલા લોકોની વહુઓ થાય છે ! આટલા સુખ હારુ કેટલાં દુઃખ ભોગવે ! જુઓને, વહુ થઈ છે, ધણી થવું સારું કે વહુ થવું સારું ?

સ્ત્રીના જ વાંક સમાજે દેખાડ્યા,

પોતાના પક્ષે પુરુષે લૉ ઘડ્યા!

પ્રશ્શનકર્તા : બધે કેમ બૈરાંઓનો જ વાંક આવે છે અને પુરુષોને નહીં આવતો ?

દાદાશ્રી : સ્ત્રીઓને તો એવું છેને, પુરુષના હાથમાં કાયદો હતો એટલે સ્ત્રીઓને જ નુકસાન કર્યું છે.

આ તો પુસ્તકો ધણીઓએ લખેલાંને એટલે ધણીને જ એમાં તે આગળ ઘાલ્યો છે. સ્ત્રીઓને ઊડાડી મેલી છે. તેમાં તે એની વેલ્યુ ઊડાડી દીધી છે એ લોકોએ. હવે મારેય એવો ખાધો છે. નર્કેય આ જ જાય છે. અહીંથી જ જાય છે નર્કે. સ્ત્રીઓને એવું ના હોય. ભલે સ્ત્રીની, એની પ્રકૃતિ જુદી છે, ભલે પણ એની પ્રકૃતિ પ્રમાણે એય ફળ આપે છે. અને આય ફળ આપે છે. એની અજાગૃત પ્રકૃતિ છે. અજાગૃત એટલે સહજ પ્રકૃતિ.

પ્રશ્શનકર્તા : કેટલા વખત આમ આપણે સહન કરવું જોઈએ ?

દાદાશ્રી : સહન કરવાથી તો શક્તિ બહુ વધે.

પ્રશ્શનકર્તા : એટલે સહન જ કર્યા કરવું એમ ?

દાદાશ્રી : સહન કરવા કરતાં એની ઉપર વિચારવું સારું છે. વિચારથી એનું સોલ્યુશન લાવો. બાકી સહન કરવું એ ગુનો છે. બહુ સહનશીલતા થાયને તે સ્પ્રીંગની પેઠ ઊછળે પછી તે આખું ઘર બધું ખેદાન-મેદાન કરી નાખે. સહનશીલતા તો સ્પ્રીંગ છે. સ્પ્રીંગ ઉપર લોડ નહીં મૂકવો કોઈ દહાડોય. એ તો ઠીક છે થોડા પૂરતું હવે રસ્તામાં કો'કની જોડે જતાં-આવતાં એ થયું હોય, ત્યાં જરાક એ સ્પ્રીંગ વાપરવાની છે. અહીં ઘરના માણસો ઉપર લોડ મૂકાય નહીં. ઘરના માણસોનું સહન કરું તો શું થાય ? સ્પ્રીંગ કૂદે એતો.

પ્રશ્શનકર્તા : સહનશીલતાની લિમિટ કેટલી રાખવાની ?

દાદાશ્રી : એને અમુક હદ સુધી સહન કરવું. પછી વિચારીને એણે તપાસ કરવી કે શું છે આ હકીકતમાં. વિચારશો એટલે ખબર પડશે કે આની પાછળ શું રહેલું છે ! એકલું સહન કર કર કરશો તો સ્પ્રીંગ કૂદશે. વિચારવાની જરૂર છે. અવિચારે કરીને સહન કરવું પડે છે. વિચારો તો સમજાશે કે આમાં ભૂલ ક્યાં થાય છે. એ બધું એનું સમાધાન કરી આપશે. મહીં અંદર અનંતશક્તિ છે, અનંતશક્તિ. તમે માંગો એ શક્તિ મલે એવી છે. આ તો અંદર શક્તિ ખોળતો નથી ને બહાર શક્તિ ખોળે છે. બહાર શું શક્તિ છે ?

ઘેર ઘેર ભડકા સહન કરવાથી જ થાય છે. હું કેટલું સહન કરું, મનમાં એમ જ માને છે. બાકી વિચારીને રસ્તો કાઢવો જોઈએ. જે સંજોગો બાઝ્યા છે, જો સંજોગો કુદરતનું નિર્માણ છે અને તું હવે શી રીતે છટકી નાસીશ ? નવા વેર બંધાય નહીં અને જૂનાં વેર છોડી દેવાં હોય તો, એનો રસ્તો કાઢવો જોઈએ. આ અવતાર વેર છોડવા માટે છે. અને વેર છોડવા માટેનો રસ્તો છે, દરેક જોડે સમભાવે નિકાલ ! પછી તમારા છોકરાઓ કેવા સારા સંસ્કારી થાય ! એટલે હું શું કહું છું, સહન ન કરતાં, સમજો. સમજો તો બધું ઉકેલ આવી જાય. આ પઝલ સોલ્વ થાય એવું છે. આ હું સોલ્વ કરીને બેઠો તો તમને સોલ્વ કરવાનું બધું દેખાડી દઈશ.

પતિ જ્યારે થાય બહુ ગરમ,

વહુ ઘાટ ઘડે થ્યે લોહ નરમ !

પ્રશ્શનકર્તા : મારી બેનપણીએ પ્રશ્શન પૂછાવ્યો છે ! તેમના પતિ હંમેશાં તેમના ઉપર ગુસ્સે થાય છે તો એનું શું કારણ હશે ?

દાદાશ્રી : તે સારું, લોકો ગુસ્સે થાય, તેના કરતાં પતિ થાય એ સારું. ઘરનાં માણસ છે ને ?

એવું છે, આ લુહાર લોકો જાડું લોખંડ હોય અને એને વાળવું હોય તો ગરમ કરે. શું કામ કરે ? આમ ઠંડું ના વળે એવું હોય, તો લોખંડને ગરમ કરીને પછી વાળે. તે પછી બે હથોડીઓ મારે એટલામાં વળી જાય. આપણે જેવું બનાવવું હોય ને એવું બની જાય. દરેક વસ્તુ ગરમ થાય એટલે વળે જ હંમેશાં. જેટલી ગરમી એટલો નબળો અને નબળો એટલે એક-બે હથોડી મારી કે આપણે એ ધણીની જેવી ડિઝાઈન આપણે જોઈતી હોય, એવી ડિઝાઈન કરી નાખવી જોઈએ.

પ્રશ્શનકર્તા : પણ સામે એવી આ પણ ગુસ્સે થઈ જાય તો ડિઝાઈન ના થાય ને !

દાદાશ્રી : આપણે ગુસ્સે થવાની શી જરૂર છે ? નહીં તો ડિઝાઈન આપણી કરી નાંખે, એના કરતાં આપણે......

પ્રશ્શનકર્તા : કેવી ડિઝાઈન કરવી જોઈએ, દાદા ? હાથમાં આવ્યા પછી શું ?

દાદાશ્રી : આપણે જેવી બનાવી હોય એવી બને ડિઝાઈન. એના ધણીને પોપટ જેવો બનાવી દે. 'આયારામ' બઈ કહેશે ત્યારે એય કહેશે, 'આયારામ'. 'ગયારામ'. ત્યારે કહે, 'ગયારામ' એવો પોપટ જેવો બની જશે, પણ લોકો હથોડી મારવાનું જાણતાં નથી ને ? એ બધું નબળાઈ છે, ગુસ્સો થઈ જવો એ બધું નબળાઈઓ છે બધી.

પ્રશ્શનકર્તા : હવે રસ્તો ખુલ્લો કરી નાખ્યો.

દાદાશ્રી : હવે રસ્તો સરસ બતાડી દીધો. હા. આ તો પછી એ જાણી જોઈને ગરમ થતો હોય તો વગર કામનાં ત્યાં શું કરવાં આપણે કકળાટ કરવો ? પેલા લુહારને ગરમ કર્યા વગર સળિયો ગરમ થતો હોય, તો લુહારનું સારું થયું. ગરમ કર્યા વગર પછી ઠોકે બે હથોડી એટલે આમ વાંકો તે વળી ગયો, ડિઝાઈનમાં થાય !! પાછું કહેવુંય ખરું આપણે કે આવું આ દાદાજી કાયદો કહેતા હતા. માટે ગરમ થશે તો તમારે વળવું પડશે. એના કરતાં પાંસરા રહોને, કહીએ.

પ્રશ્શનકર્તા : જો એવું કહીએને તો એમ કહે કે, 'હું તારો ગુલામ છું ?' એવું સાંભળવાનું આવે.

દાદાશ્રી : નહીં ગુલામ નહીં, તમે મારા બોસ છો કહીએ. પણ હું ડિઝાઈન તમારી કરી નાખીશ કહીએ.

લોઢાને ગરમ કરે તો પછી એકાદ હથોડી મારે. તે મારે બસ. બીજું શું જોઈએ તે ? ગરમ થયેલું વળે, મને વાળી ના શકે. જે ગરમ થાય ને એ નરમ થાય અને નરમ થાય એટલે વળે.

પ્રશ્શનકર્તા : એ એમ કહે છે કે મારું કોઈ નજીકનું હોય તેના પર હું ગુસ્સે થઈ જાઉં. એ કદાચ એની દ્ષ્ટિએ સાચો પણ હોય. પણ હું મારી દ્ષ્ટિએ, ગુસ્સે થાઉં, તો શા કારણે ગુસ્સે થઈ જાઉં છું ?

દાદાશ્રી : તમે આવતા હોય અને આ મકાન ઉપરથી એક પથ્થર પડ્યો માથાપર, ને તે લોહી નીકળ્યું, તો તે ઘડીએ ગુસ્સો બહુ કરો ?

પ્રશ્શનકર્તા : નહીં એ તો 'હેપન' (બની ગયું) છે.

દાદાશ્રી : ના, પણ ગુસ્સો કેમ કરતા નથી ત્યાં આગળ ? એટલે પોતે કોઈને દેખો નહીં, એટલે ગુસ્સો કેવી રીતે થાય ?

પ્રશ્શનકર્તા : કોઈએ જાણી જોઈને માર્યો નથી.

દાદાશ્રી : એટલે આપણી પાસે કંટ્રોલ છે ક્રોધનો. તો આપણે એમ જાણીએ છીએ કે જાણી જોઈને કોઈએ માર્યો નથી, એટલે ત્યાં કંટ્રોલ રાખી શકીએ છીએ. કંટ્રોલ તો છે જ. પછી કહે છે, 'મને ગુસ્સો આવી જાય છે.' મૂઆ, નથી આવી જતો ત્યાં કેમ નથી આવતો ? પોલીસવાળા જોડે, પોલીસવાળા ટૈડકાવે તે ઘડીએ કેમ ગુસ્સો નથી આવતો ? એને વહુ જોડે ગુસ્સો આવે, છોકરાં પર ગુસ્સો આવે, પડોશી પર, 'અન્ડરહેન્ડ' (હાથ નીચેના) જોડે ગુસ્સો આવે ને 'બોસ' (સાહેબ) જોડે કેમ નથી આવતો ? ગુસ્સો માણસને આવી શકતો નથી. આ તો એ એનું ધાર્યું કરવું છે.

પ્રશ્શનકર્તા : કેવી રીતે કંટ્રોલ કરવો ?

દાદાશ્રી : કંટ્રોલ જ છે એની મેળે. આ જે તમારી સામે આવે છે એ તમારું નિમિત્ત છે અને તમારું જ ફળ આપે છે. એ નિમિત્ત બની ગયો છે, કોઈ ખોટે રસ્તે આવતો હોય તો ના વઢેને ? ગુસ્સો ના કરે ને ? કેમ ?

પ્રશ્શનકર્તા : પોતાની ભૂલ છે એમ ખબર પડે છે ને ?

દાદાશ્રી : આપણે અથાડીને તોડી પાડો એને ? તો ત્યાં કેમ નથી કરતો ? ત્યાં ડાહ્યો થઈ જાય છે કે હું મરી જઈશ. ત્યારે મૂઆ, તેનાં કરતાં વધારે મરી જઉં છું આમાં તો, પણ આનું દેખાતું નથી ચિત્રપટ, ને પેલું દેખાય છે ઊઘાડું, એટલું જ !! એના કરતાં અહીં વધારે મરી જઉં છું. ત્યાં રોડ ઉપર સામું ના કરે ? ગુસ્સો ના કરે, સામાની ભૂલ હોય તોય ?

પ્રશ્શનકર્તા : નહીં.

દાદાશ્રી : પેલો 'રોંગ' (ખોટે) રસ્તે આવ્યો તોય ? શું વાત કરો છો ? સામો 'રોંગ' (ખોટે) રસ્તે આવ્યો તો ગાડી અથાડી મારે ?

પ્રશ્શનકર્તા : કોઈક વાર દાદા ?

દાદાશ્રી : ના, પણ એ રોંગ રસ્તે આવ્યો, તો તું જાણી જોઈને અથાડું ? ના. તે ઘડીએ ગુસ્સો કેમ નથી આવતો ? ત્યાં તો પાંસરો થઈ જાય છે. એને જ્ઞાન છે કે, 'હું મરી જઈશ આમાંથી તો ?' ત્યારે પેલું આનું શું પરિણામ આવે છે, એનું ભાન નથી. તેથી આ કરે છે. મેં કેવો એને ટૈડકાવીને સીધો કરી નાખ્યો ? મોટો સીધો કરી નાખનારો આવ્યો ? ગાડી સીધી કરી નાખ સામાની ! ના કરવી જોઈએ સામાની ગાડી સીધી ? ભૂલ કરે છે ને ? ફરી ભૂલ જ ના કરે એવું કરવું જોઈએને ? આ તો વહુ છે એટલે ગુસ્સો કરીએ. પોલીસવાળા જોડે કેમ નથી કરતો ? ત્યાર પછી ત્યાંથી ના સમજીએ કે આપણે બાયલા મૂઆ છીએ !! આપણામાં કહેવત છે, 'નબળો ધણી બાયડી પર શૂરો હોય.' કોની પર શૂરો હોય ?! પોલીસવાળા પર શૂરો થઈ જાને ! એક જ દહાડો થઈ જા. હેંડ. આ તો બધું જ કંટ્રોલમાં છે, આ બધાં ખોટું બોલે છે. મારો સ્વભાવ ગુસ્સે થઈ જાય એવો છે, આમ તેમ ! બધું તારામાં સ્વભાવનો કંટ્રોલ છે ! બધું કંટ્રોલ છે, ભગવાનનું નામ છે ને ત્યારે કહે, મારું મન ઠેકાણે નથી રહેતું. મેં કહ્યું, હમણે બેન્કમાં ડૉલર ગણવા આપીએ. તે ઘડીએ મન ઠેકાણે કેમ રહે છે તે મૂઆ ? તારું મન તો સારું છે. લપટું નથી પડ્યું. તું લપટો પડી ગયો છે મૂઆ, કે તને આ

ડૉલર ગમે છે, ભગવાન ગમતા નથી. તમને નથી લાગતું એવું ?

પ્રશ્શનકર્તા : ખરું દાદા ?

દાદાશ્રી : મને ડૉલર ગણવા દે, તે મારું ચિત્ત ઠેકાણે જ ના રહે. કારણ કે મને વેલ્યુ (કિંમત) નથી એની. સમજવા જેવી વાત છે કે નહીં ?

ધાર્યા મુજબ કરાવવા જાય,

તેથી ક્રોધ ! માટે કંઈ ન ધરાય !

પ્રશ્શનકર્તા : ઘરમાં કે બહાર ફ્રેન્ડસ્માં બધે દરેકના મત જુદા જુદા હોય અને એમાં આપણા ધાર્યા પ્રમાણે ના થાય, તો પછી આપણને ગુસ્સો કેમ આવે ? ત્યારે શું કરવું ?

દાદાશ્રી : બધા માણસ પોતાના ધાર્યા પ્રમાણે કરવા જાય, તો શું થાય ? આવો વિચાર જ કેમ આવે તે ? તરત જ વિચાર આવવો જોઈએ કે બધાય જો એના ધાર્યા પ્રમાણે કરવા જશે તો અહીં આગળ વાસણો તોડી નાખશે સામસામી અને ખાવાનું નહીં રહે. માટે ધાર્યા પ્રમાણે કોઈ દા'ડો કરવું નહીં. ધારવું જ નહીં, એટલે ખોટું પડે જ નહીં. જેને ગરજ હોય તે ધારશે, એવું રાખવું.

પ્રશ્શનકર્તા : આપણે ગમે એટલા શાંત રહીએ. પણ પુરુષો ગુસ્સે થઈ જાય તો આપણે શું કરવું ?

દાદાશ્રી : એ ગુસ્સે થઈ જાય ને વઢંવઢા કરવી હોય તો આપણેય ગુસ્સો કરવો, નહીં તો બંધ કરવું. ફિલ્મ બંધ કરવી હોય તો ઠંડું પડી જવું. ફિલ્મ બંધ ના કરવી હોય તો આખી રાત ચાલવા દેવી, કોણ ના પાડે છે ? ગમે છે ખરી, ફિલ્મ ?

પ્રશ્શનકર્તા : ના, ફિલ્મ નથી ગમતી.

દાદાશ્રી : ગુસ્સે થઈને શું કરવાનું ? એ માણસ પોતે ગુસ્સે થતો નથી, આ તો મિકેનિકલ એડજસ્ટમેન્ટ ગુસ્સે થાય છે. પોતે ગુસ્સે થતા નથી. પોતાને પછી મનમાં પસ્તાવો થાય કે આ ગુસ્સો ના થયો હોત તો સારો.

પ્રશ્શનકર્તા : એને ઠંડા પાડવાનો ઉપાય શું ?

દાદાશ્રી : એ વળી મશીન ગરમ થયું હોય એને ઠંડું પાડવું હોય તો એની મેળે થોડી વાર રહેવા દે, એટલે મશીન ટાઢું પડી જાય અને હાથ અડાડીએ અને ગોદા મારીએ તો દઝાઈ મરીએ આપણે.

પ્રશ્શનકર્તા : મને ને મારા હસબંડને, ગુસ્સો ને ચડસાચડસી થઈ જાય છે. જીભાજોડી ને એ બધું. તો શું કરવું મારે ?

દાદાશ્રી : તે ગુસ્સો તું કરું છું કે એ ? ગુસ્સો કોણ કરે છે ?

પ્રશ્શનકર્તા : એ પછી મારાથી પણ થઈ જાય છે.

દાદાશ્રી : તો આપણે મહીં જ પોતાને ઠપકો આલવાનો, 'કેમ તું આવું કરું છું ?' કરેલા તે ભોગવવા જ પડે ને ! પણ આ પ્રતિક્રમણ(પસ્તાવો) કરે તો બધાં દોષ ખલાસ થાય. નહીં તો આપણા જ ગોદા મારેલા તે આપણે પાછા ભોગવવા પડે. પણ પ્રતિક્રમણ કરવાથી જરા ટાઢું પડી જાય.

આ તો આખો દહાડો ક્રોધ કરે. ગાયો-ભેંસો સારી, ક્રોધ નથી કરતી. કંઈ શાંતિમાં જીવન તો હોવુ જોઈએ ને ! નબળાઈવાળું ના હોવું જોઈએ. આ ગુસ્સે વારે-ઘડીએ થઈ જઈએ ! તમે ગાડીમાં આવ્યા ને ? તે ગાડી આખે રસ્તે ગુસ્સે થાય તો શું થાય ?

પ્રશ્શનકર્તા : તો અવાય જ નહીં અહીયાં.

દાદાશ્રી : ત્યારે આ તમે ગુસ્સે થાવ તો શી રીતે એની ગાડી ચાલતી હશે ? તું ગુસ્સે તો નહીં થતી ?

પ્રશ્શનકર્તા : કો'ક વાર થઉં.

દાદાશ્રી : અને જો બેઉનું થાય તો પછી રહ્યું જ શું ?

પ્રશ્શનકર્તા : પણ પતિ-પત્ની વચ્ચે થોડું ગુસ્સે તો થવું જ જોઈએ ને ?

દાદાશ્રી : ના. એવો કંઈ કાયદો નથી. પતિ-પત્નીમાં તો બહુ શાંતિ રહેવી જોઈએ. આ દુઃખ થાય એ પતિ-પત્ની જ ન હોય. ફ્રેન્ડશીપમાં નહીં થતું. સાચી ફ્રેન્ડશીપમાં થતું નથી. તો આ તો મોટામાં મોટી ફ્રેન્ડશીપ કહેવાય !! અહીં ના થાય, આ તો લોકોએ ઠોકી બેસાડેલું, પોતાને થાય એટલે ઠોકી બેસાડેલું, કાયદો આવો જ છે, કહેશે ! પતિ-પત્નીમાં તો બિલકુલ ના થવું જોઈએ, બીજે બધે થાય.

પતિની કુટેવો કેમ સુધરે,

અણગમો, ન ઉપરાણું લે રે!

પ્રશ્શનકર્તા : પતિદેવની ખરાબ આદત સુધારવાનો રસ્તો બતાવશો.

દાદાશ્રી : પતિદેવની ખરાબ આદત સુધારવા માટે, તો પહેલું આપણે સુધરવું પડે. હું સુધરીને બેઠો છું. એ પછી અહીં આવે છે એ બધાને ખરાબ આદતો ધીમે ધીમે ઓછી થતી જાય છે. એટલે તમે સુધરીને બેસશો, તે ઘડીએ છોકરાની કે પતિદેવની, બધાની આદતો ઓછી થતી જશે.

પ્રશ્શનકર્તા : અમે સુધરેલા જ હોઈએ તો ? અમે તો સુધરેલા જ છીએ, એટલે તો અમને એની ખરાબ આદત ખરાબ લાગે છે.

દાદાશ્રી : હા, પણ તમારી અમુક ખરાબ આદત તો એમનેય લાગતી હશે ને !

પ્રશ્શનકર્તા : પતિદેવ સિગરેટ પીવે એ ગમતું નથી. એ ખરાબ આદત માટે પૂછું છું.

દાદાશ્રી : હા, પણ પછી એમને પોતાને સિગરેટ પીવી પસંદ છે ખરી ?

પ્રશ્શનકર્તા : આદત ચાલુ છે, એટલે પસંદ તો હશે જ ને ! પીધે રાખે છે એટલે ગમતું જ હશેને !

દાદાશ્રી : નહીં પીધે રાખે છે એટલે એવું નહીં, પસંદ ના પણ હોય ને પીવી પડતી હોય.

પ્રશ્શનકર્તા : એવું કંઈ દુઃખ નથી દેખાતું મને.

દાદાશ્રી : ના, એ તો પૂછો ત્યારે ખબર પડે કે તમને પસંદ છે ને પીવો છો કે પસંદ નથી ને પીવો છો ? એવું પૂછો, તો એનું આયુષ્ય માલૂમ પડે. પસંદ હોય ને પીયા કરે એનું (સીગરેટનું) આયુષ્ય ઓછું થાય જ નહીં. જો પોતાને પસંદ ના હોય અને પીયા કરે એનું આયુષ્ય ઓછું થાય.

પ્રશ્શનકર્તા : પસંદ નથી તોય પીએ છે.

દાદાશ્રી : તો એનું આયુષ્ય ઓછું થઈ જાય. હા, એનું આયુષ્ય ખલાસ થઈ જવાનું હવે થોડા વખત પછી.

પ્રશ્શનકર્તા : દાદા, તમે ચેનસ્મોકર હતા, તે તમારી કઈ રીતે ગઈ એ બધાને કહો એટલે ખ્યાલ આવે.

દાદાશ્રી : હા, મને આ જ્ઞાન થયું તોય હું સિગરેટનો ને હુક્કાનો... સિગરેટનો ચેનસ્મોકર એવું હોય ને એવી દશા હતી. જ્ઞાન થયેલું તોય હવે એને અહંકારે કરીને છોડવું હોય તો છોડી શકાય, પણ અહંકાર રહેલો નહીં. છોડવાનોય અહંકાર જે જોઈએ, તે અહંકાર જ ના હોય તો પછી કાર્ય શી રીતે કરવું ? એટલે પછી અમારે શું કરવું પડે, જ્ઞાન થયા પછી વસ્તુ એમ ને એમ રહેવા દેવી પડે. એ પછી એની મેળે ખરી પડે. કારણ કે અમારા જ્ઞાનમાં એ હોય કે આ વસ્તુ કામની નથી છતાં આપણને વળગણ છે. એટલે જ્ઞાનમાં તો આવું વર્તતું જ હોય. હવે તેને લોકો આયુષ્ય વધારે પાછા કે આમાં શું ખોટું છે ? ઉપરાણું લે તો એનું આયુષ્ય વધે. આ બધું જે જે કરે છેને, તે પોતાનું જ પ્રોજેક્શન છે. આ હસબન્ડ લાવી તે તારા જ પ્રોજેક્ટ કરેલા છે. એ કંઈ નવી ઉપાધિ નથી એ.

પ્રશ્શનકર્તા : મારા જ વિચારોવાળા ?

દાદાશ્રી : બધું તેં જ ભાવના કરેલી કે હસબન્ડ આવા જોઈએ, તેવા જોઈએ. શરીરે સાધારણ ફેટી એ પણ જોઈએ. એ બધું હિસાબ તેં કરેલું તે જ આ છે.

પ્રશ્શનકર્તા : એ બીડીની હઉ એણે કરેલી ડિઝાઈન ? સિગરેટ પીવે એ પણ ડિઝાઈન કરેલી ?

દાદાશ્રી : હા. ડિઝાઈન એ તો ચલાવી લઈશ હું, કહેશે. અને હવે કહે છે કે, નહીં ચલાવી લઉં એવું !

પ્રશ્શનકર્તા : એ હું નથી ચલાવી લેતી.

દાદાશ્રી : હા, પણ હવે ચલાવતી નથી, પૈણ્યા પછી ને ! પૈણતાં પહેલાં ચલાવી લઈશું, એવી ડિઝાઈન હતી.

પ્રશ્શનકર્તા : પરણતાં પહેલાં કહ્યું નહોતું. છાનું રાખ્યું હતું.

દાદાશ્રી : ત્યારે છાનું ના રાખે તો તું પૈણી જ ના શકે, અને તને બીજો મલ્યો હોય તો મજાય ના આવત !

પ્રશ્શનકર્તા : એવું હું તો ના કહી શકું.

દાદાશ્રી : ના, તું કડક હોય ને એ કડક હોય, તો અકળામણ થઈ જાય ને ! એ નરમ ને આપણે ગરમ થઈએ તો ચાલે. કેટલા સારા માણસ છે. આ તું આટલું બધું બોલી પણ એ અક્ષર બોલ્યા ?

પ્રશ્શનકર્તા : બે કાન ખુલ્લા જ રાખવાના. એકમાંથી સાંભળીને બીજી બાજુથી બહાર.

દાદાશ્રી : એમ ! ના. પણ વાઇફની થોડીક વાત તો સાંભળવા જેવી. પાછું બધુંય ના કાઢી નખાય. કામનીય હોય છે થોડીક વાત. એટલે તમારે એક કાન તો એકદમ તો બંધ ના કરવો, પણ મહીં કામની ના હોય તો તરત છોડી દેવાનું, પણ કામની હોય તો રહેવા દેવી પડે. કેટલુંક કામનું હોય છે.

પ્રશ્શનકર્તા : પેલી એમને બીડીની વાત કામની નથી લાગતી.

દાદાશ્રી : એ તો મહીં એમની ઇચ્છા ના હોય ને ! અત્યારે તમારી ઇચ્છાથી પીવો છો કે ગમતું નથી છતાંય પીવો છો ?

પ્રશ્શનકર્તા : ગમે છે.

દાદાશ્રી : નહીં, પીતી વખતે ગમે, પણ પાછળથી મનમાં એમ થાય કે આ ન હોય તો સારું એવું ?

પ્રશ્શનકર્તા : એવું થાય.

દાદાશ્રી : હં. એટલે એ ન હોય તે સારું એ આપણને જ્ઞાન હાજર રહેવું જોઈએ. પીતી વખતે ટેસ્ટ આવે પણ પછી તો એમ લાગે કે મને આનંદ આવે છે તે ખોટું છે. આ ના હોવું જોઈએ. પણ આ ન ગમતું થયું. આપણો અભિપ્રાય ફર્યો, એટલે એનું આયુષ્યનો અંત આવી રહ્યાની તૈયારી થઈ. અભિપ્રાયથી આ જીવતું રહ્યું છે. તું કશું પાન-બાન ખાતી નથી મહીં ? તમાકુ નાખીને !

પ્રશ્શનકર્તા : ના.

દાદાશ્રી : ક્યાં સુધી ભણેલી તું ?

પ્રશ્શનકર્તા : માસ્ટર્સ કરેલું છે. 'એમ.એસસી.' થયેલી.

દાદાશ્રી : જો 'એમ.એસસી.' ના ભણેલી હોત તો શી રીતે પાસ કરત, એ કરત ?

પ્રશ્શનકર્તા : ના કરત.

દાદાશ્રી : ના કરત. પણ બીજું કશું એમના તરફથી દુઃખ નથી ને ! કોઈને પણ નથી, નહીં ? તો આટલા હારું ફજેત શું કરવા કરે છે ?

પ્રશ્શનકર્તા : એના સ્વાસ્થ્ય માટે જ સારું છે ને ! મારી લાગણી, ના લાગણીનું નથી કાંઈ !

દાદાશ્રી : સ્વાસ્થ્ય માટે સારું છે, એમ !

પ્રશ્શનકર્તા : હં.

દાદાશ્રી : સ્વાસ્થ્ય માટે સારું છે, એવું તું કહી શકું નહીં.

પ્રશ્શનકર્તા : સાયન્સ કહે છે.

દાદાશ્રી : ના, એવું તું કહી શકું નહીં એવું. સ્વાસ્થ્યને અનુકૂળેય આવતું હોય. એવું આપણે કહી શકીએ નહીં, પણ તને ફક્ત એમનું મોઢું સોડે એ ના ગમે એટલે તું કહું છું. તું ડુંગળી ખાતી નહીં હોય કોઈ દહાડો ? તો તારુંય મોઢું સોડે પણ એ બોલતા નથી, સારા માણસ છે તે !

પ્રશ્શનકર્તા : તમે એનો કેમ પક્ષ લઈ રહ્યા છો ?

દાદાશ્રી : હું તો સ્ત્રીઓનો જ પક્ષ લઉં છું કાયમને માટે. પણ આજે આમના પક્ષમાં પડ્યો. તમારે લીધે આજ પુરુષોનો પક્ષ લેવો પડ્યો. આ આટલું બધું તું રોફ મારું છું પુરુષો ઉપર.

પ્રશ્શનકર્તા : ના. રોફનો સવાલ નથી, જ્ઞાનનો સવાલ છે આ તો.

દાદાશ્રી : એ પુરુષો રોફ મારે ત્યારે એમને ઉડાડી દઉં છું. રોફ નહીં મારવો જોઈએ. સામસામી આપણે છીએ. પોતાનો સંસાર ચલાવો, નભાવો, નભાવવામાં હરકત ના કરો, હરકત ઓછી થાય એવું કરો. કારણ કે, 'ધીસ ઈઝ ધ પાર્ટનરશીપ' (ભાગીદારી). બેઉ પાર્ટનર (ભાગીદાર) આવી રીતે વર્તે તો દુકાન છૂટી જાય અને છોકરાં જોયા કરે કે આ મમ્મી પપ્પાને પજવે છે. આવડાં આવડાં નાનાં હોયને તોય મનમાં ન્યાયાધીશ હોય. નહીં તો મનમાં એમ સમજે, આ પપ્પો બહુ ખરાબ છે. હું મોટો થઈશને એટલે મારીશ, કહેશે. એવું નિયાણું હઉ કરે. માટે આ ડિઝાઈન ન દેખાય તો સારું. પપ્પાની ડિઝાઈન બિલકુલ કરેક્ટ રાખવી જોઈએ અને લડવું હોય તો બાબો-બેબી બહાર ગયા પછી, કૉલેજમાં ગયા પછી લઢી લેવું કલાક, બે કલાક. ના, મસ્તીની ટેવ પડી હોય તો મસ્તી કરવી.

પ્રશ્શનકર્તા : વાઇફે કીધું, ચાલો ઘેર જવું છે, એટલે પતિદેવ ઊભા થયા....

દાદાશ્રી : થોડીવાર બેસવા દે ને ! સારા માણસ છે. નરમ હશે, જો બહુ કડક હોયને તો વાંધો નથી, ટાઈટ કરવું આપણે. પણ સારા છે ને એમને એ કહીએ તો આપણને દોષ બેસે. તને ન્યાય થોડો નહીં લાગતો કે આ સારા માણસ છે !

પ્રશ્શનકર્તા : ચોક્કસ.

દાદાશ્રી : હં, પછી જરા ટાઈટ ઓછું રાખજે. ના, બેનેય સારી છે, ચોખ્ખા સ્વભાવની છે. પણ હવે આ બંધ કરી દે આ 'ડિફેક્ટ' (ખામી).

પ્રશ્શનકર્તા : એ તમે 'ડિફેક્ટ' કહો છો ?

દાદાશ્રી : હા, તારે એને એમ કહેવું કે આ ખોટું છે એવું નિરંતર જ્ઞાનમાં રાખજો. તમે આનું ઉપરાણું ના લેશો કહીએ. તમે જે કરી રહ્યા છો એ ખોટું છે એ જ્ઞાન તમને રહેવું જોઈએ. બાકી આખો દહાડો કચકચ કર્યા કરીએ. તે એમાં એમણે શું કહ્યું પછી ? આ કાનમાં હોલ પાડી દઈને ઠેઠ આરપાર પાડી દીધી, કે આ ટેપરેકર્ડ બંધ થતી નથી. અને આ ઘાંટા પાડ પાડ કરે છે. તે પછી કંઈ ફેરફાર થવો જોઈએ તારામાં.

એટલે આજથી આ ડિઝાઈન ફેરવી નાખ, બેન ડિઝાઈન ફેરવી નાખ, એટલે આજથી શરૂઆત થાય. કારણ કે, એક્સેસીવને (વધુ પડતું) લઈને આ બધું નુકસાન છે બધું. 'ફીટનેસ' (બંધબેસતું) હોવી જોઈએ.

ફિટનેસમાં એક્સેસીવ અનફીટ કરાવે માટે તું છે બહુ સારી પણ તે આ પારો જરાક નીચે ઊતારી નાખને ! લાઈટ ઓછું હોય તેને વધારે કરવું મુશ્કેલ છે, પણ બહુ લાઈટ હોય તો કપડું બાંધીએ તો ઓછું થઈ જાય કે નહીં ? ડીમલાઈટ થઈ જાય કે નહીં ? તેવું ડીમલાઈટ કરી નાખ ને ! કરવું જોઈએ કે નહીં કરવું જોઈએ. તમે શું કહો છો ?

પ્રશ્શનકર્તા : કઈ બાબતમાં લાઈટ ઓછું કરવાનું ?

દાદાશ્રી : આ જે સ્વભાવ છે ખોડ કાઢવાનો, તે ઓછું કરવું ના જોઈએ ?

પ્રશ્શનકર્તા : એ તમારી સામે વાત કીધી. બીજા સામે તો હું નથી કહેતીને ?

દાદાશ્રી : બીજાને કહેવાનું નથી. પણ એમને પણ ના કહેવાય. કારણ કે એટલો વખત એમ અહંકારનો ભગ્ન થાય. બહુ મોટી ખોડ હોય તો ઠીક છે. આ એવડી મોટી ખોડ નથી.

પ્રશ્શનકર્તા : તમારા કહેવા પ્રમાણે સાચી વસ્તુને સાચી નહીં કહેવાની ?

દાદાશ્રી : ના કહેવાય. એકાદ ફેરો કહેવાય. બે વખત કહેવાય. રોજ કચ-કચ કરાતું હશે !

પ્રશ્શનકર્તા : ના, પણ એનો અર્થ કે એ પછી વધી જાય તો એની ગેરંટી શું ? ના કહીએ તો તમાકુ વધારે ખાય.

દાદાશ્રી : ના. એવી રીતે આપણે ટકોર કરવી કે 'મારે લીધે જરા ઓછી કરો' એવું કહેવું. બીજું બ્રાન્ડી-બાંડી નહીં ને ? કે ખરું થોડું થોડું ?

પ્રશ્શનકર્તા : ના.

દાદાશ્રી : તો પછી પુન્યશાળી છું તું. બીજા તો આટલી બ્રાન્ડી ઠોકીને આવે છે.

જગવ્યવહાર માગે નોર્માલિટી

બીલો-એબોવ ન થાય તો બ્યુટી!

પ્રશ્શનકર્તા : મારે મોહ-માયા ઓછા એટલે લોકો મને એમ કહે છે કે, આ તું તો લાગણી વગરની છે. એવું લોકો કહે એટલે પછી મને દિલને દુઃખ થાય.

દાદાશ્રી : દુઃખ થાય છે તે એ જ મોહ ને !

પ્રશ્શનકર્તા : એટલે આ લોકો આપણને આવું કેમ કહેતા હશે ? એવું આપણને થાય.

દાદાશ્રી : લોક તો બધુંય કહે, લોક તો જેવું દેખે એવું કહે. જો કોઈને છોકરો મરી ગયો હોય ને એ બહુ રડતો હોય, ત્યારે લોક શું કહે, 'કેમ કોઈના મરી જતા નહીં હોય, તે તમે આવું રડ્યા કરો છો ? અને ના રડતો હોય ત્યારે લોક કહે, 'પથરા જેવું હ્રદય છે તમારું ? કઈ જાતના માણસો છો તે ?' એટલે કઈ બાજુનું ના હાંકે ? લોક તો એનું નામ કે આ બાજુથીય મારે ને, બધીય બાજુએથી મારે !

એટલે 'કમ ટુ ધી નોર્મલ'. એટલે લોકો તમને શું કહે કે, નોર્માલિટી ઉપર આવી જાવ. એબોવ નોર્મલ, બીલો નોર્મલ રહેશો નહીં.

આ જગતનો નિયમ જ નોર્માલિટી છે. નોર્માલિટીથી જ મોક્ષ થાય છે. હવે નોર્માલિટીમાં આવવું કેવી રીતે ? 'એબોવ નોર્મલ' થયો કે 'એબોવ નોર્મલ' થયા જ કરે. અને 'બીલો નોર્મલ થયો કે 'બીલો નોર્મલ' થયા જ કરે. એના હાથમાં કોઈ જાતની સત્તા જ નહીં ને ! પ્રકૃતિ જેમ નચાવે તેમ નાચે. એટલે તો અમે કહ્યુંને કે, 'ટોપ્સ' (ભમરડો) છે ને ! અને પોતે જાણે કે 'ના, હું કંઈક છું' ! એને 'ઇગોઇઝમ' (અહંકાર) કહેવાય.

પ્રશ્શનકર્તા : વ્યવહારમાં 'નોર્માલિટી'ની ઓળખાણ શું ?

દાદાશ્રી : બધા કહેતા હોય કે 'તું મોડી ઊઠે છે' 'મોડી ઊઠે છે' તો આપણે ના સમજી જઈએ કે આ નોર્માલિટી ખોવાઈ ગઈ છે ? રાત્રે અઢી વાગે ઊઠીને તું ફરફર કરે તો બધા ના કહે કે, આટલા બધા વહેલા શું ઊઠો છો ? આપણે 'નોર્માલિટી' ખોઈ નાખી કહેવાય. 'નોર્માલિટી' તો બધાને 'એડજસ્ટ' થઈ જાય એવી છે. ખાવામાં પણ 'નોર્માલિટી' જોઈએ. જો પેટમાં વધારે નાખ્યું હોય તો ઊંઘ આવ્યા કરે. અમારી ખાવા-પીવાની બધી જ 'નોર્માલિટી' જોજો. સૂવાની-ઊઠવાની બધી જ અમારી 'નોર્માલિટી' હોય. જમવા બેસીએ ને થાળીમાં પાછળથી મીઠાઈ મૂકી જાય તો હું હવે આમાંથી થોડુંક લઉં, હું પ્રમાણફેર થવા ના દઉં. હું જાણું કે આ બીજું આવ્યું માટે શાક કાઢી નાખો. તમારે આટલું બધું કરવાની જરૂર નહીં. તમારે તો મોડું ઊઠાતું હોય તો બોલબોલ કરવું કે, 'આ 'નોર્માલિટી'માં નથી રહેવાતું. એટલે આપણે તો મહીં પોતાને જ ટકોર મારવી કે 'વહેલું ઊઠવું જોઈએ'. તે ટકોર ફાયદો કરશે. આને જ પુરુષાર્થ કહ્યો છે. રાત્રે ગોખ ગોખ કરે કે, 'વહેલું ઊઠવું છે, વહેલું ઊઠવું છે' મારી મચકોડીને વહેલા ઊઠવાનો પ્રયત્ન કરે, એનાથી તો મગજ બગડશે.

આત્મા માટે જૂઠ તે જ સત્ય;

સંસાર માટે એ જ અસત્ય !

પ્રશ્શનકર્તા : ઘરની પ્રતિકૂળતા સત્સંગમાં આવવા માટે હોય તો શું જૂઠું કરવું ?

દાદાશ્રી : ઘરમાંથી કહે કે, સિનેમા જોવા જવાનું નહીં, તોય તું જાય છે. ત્યારે તું શું કહે છે ? 'હું કૉલેજ જઉં છું' એમ કહે છેને ? શાથી એવું કહેતાં હશે ? તે ત્યાં આપણને કપટ કરતાં આવડે છે ને આમાં ના આવડે ? બધુંય આવડે.

આ બધું જૂઠું જ છે. આ જગત જ જૂઠું છે. ફક્ત આત્મા માટે જૂઠું બોલવું પડે. એમાં આપણે આત્મહેતુ છે. એટલે આત્મહેતુ માટે કો'ક દહાડો કંઈ જૂઠું બોલવું પડે, તો એ સારું. કારણ કે એની જોડે પ્રત્યક્ષ ઝઘડો કરવો, તેના કરતાં આ જૂઠું બોલવું સારું. ઝઘડો કરીએ તો તો એનું મન તૂટી જાય. પછી દસ-પંદર દહાડા ગયા પછી આપણે કહેવું કે હું તો આવું જૂઠું બોલીને સત્સંગમાં જતી હતી. આમ પાછું ધોઈ નાખવું. નહીં તો તને જે ના કહેતું હોય તેને મારી પાસે તેડી લાવ એક દા'ડો. પછી હું એને રાગે પાડી આપું.

પ્રશ્શનકર્તા : એ નિમિત્ત જ કઠણ હોય, તે તમારી પાસે આવે કેવી રીતે ?

દાદાશ્રી : એ તો તું પટાવીને તેડી લાવે ત્યારેને ? એમને કંઈ મુશ્કેલી હોય તો આપણે કહીએ કે તમારી મુશ્કેલી હોય તો લાવો, તેને તોડી નાખીએ, નહીં તો કહીએ કે એક દહાડો તો હેંડોને આમ પટાવીને, લલચાવીને તેડી લાવો તો હું દવા કરી નાખું.

પ્રશ્શનકર્તા : આત્મા માટે બીજાને ખરાબ લાગે તો વાંધો ખરો ?

દાદાશ્રી : કશો વાંધો નહીં. આત્માનું કામ કરીએ ને સામાને ખરાબ લાગતું હોય તો પછી એક દહાડો સારી રસોઈ કરી આપોને. અને પછી કહેવું કે, તે દહાડાની મારી ભૂલો માફ કરી નાખજો. તો એ માફ કરી નાખે. આ પુરુષો તો ઓલિયા લોક છે ! સારી બિરયાની કરીને આપીએ એટલે ખુશ ! હિન્દુ બિરયાની હોય છે કે ?

પ્રશ્શનકર્તા : હોય છેને, આપણે બીરંજ કહીએ છીએ.

દાદાશ્રી : હા. એ તો સ્ત્રીઓને બહુ સરસ આવડે. એ પછી ખુશ થઈ જાય. આપણે તો જેમ તેમ કરીને, અટાવી-પટાવીને કામ કાઢી લેવું.

દરેકનું પર્સનલ મેટર,

બીજાનું કેમ ખેડે ખેતર!

પ્રશ્શનકર્તા : હું મારી આજુબાજુ એવી ભીંત બાંધીને બેઠો છું કે, મારા મનમાં શું વિચારો ચાલે છે એ એમને 'વાઇફ'ને ખબર જ ના પડે. એટલે એમને છે તો પ્રોબ્લેમ થાય.

દાદાશ્રી : હા. પણ ધણી તારી શી ભૂલ કાઢે છે એ કહેને ?

પ્રશ્શનકર્તા : એટલે એમના, ધણીનાં મનમાં શું હોય ઘણીવાર કહે જ નહીં એટલે ખબર જ ના પડે કે એ શું વિચારે છે ?

દાદાશ્રી : હા. એ પણ તારી ભૂલ શું કાઢે છે ? આ જમતી વખતે કોઈ દહાડો ભૂલ તારી કાઢેલી ?

પ્રશ્શનકર્તા : ના. ના.

દાદાશ્રી : કોઈ દહાડો નહીં ?

પ્રશ્શનકર્તા : ના. કોઈ દિવસ નહીં.

દાદાશ્રી : અચ્છા તો બીજું કંઈ ફૂટી જાય છે કે ખોવાઈ જાય છે ત્યારે ભૂલો કાઢે છે ?

પ્રશ્શનકર્તા : બીજું બધું તો ખાસ એવું કંઈ નથી હોતું. એ એમને બહુ નથી લાગતું પણ વધારે એમને એમના મનમાં જે કંઈ હોય એ કોઈ દિવસ ખુલાસાપૂર્વક બોલે નહીં કે મને આમ લાગે છે, ખરાબ લાગે છે કે આવું છે એવી વાત ના કરે. એટલે મને એમ લાગે કે એમને ગૂંચવાડો થાય છે.

દાદાશ્રી : તે પણ તારે પૂછીને શું કામ છે તે એમને ? એમનું ખાનગી એમની પાસે રહેવા દે. તારું ખાનગી તારી પાસે રહેવા દેવાનું. ખાનગી ઊઘાડું કરીને શું કામ છે તે ! એવું પ્રાઈવસી (ખાનગી) ઊઘાડી કરવાની હોતી હશે ! એ તારે ગભરાવાનું નહીં, બીજી પૈણીને નહીં લાવવાના હવે એ ચોક્કસ. પ્રાઈવસી એ રહેવા દેવાની. એની હાય હાય નહીં કરવાની. બીજું વઢે, તારી ભૂલ કાઢે છે જાણી જોઈને ?

પ્રશ્શનકર્તા : ના એવું કશું નથી.

દાદાશ્રી : ત્યારે સ્ટોરમાં કેમ ગઈ હતી ? હવે સો ડૉલરનું કેમ લાવીને એવું તેવું ?

પ્રશ્શનકર્તા : ના. દાદા.

દાદાશ્રી : તો પછી આપણે એમનામાં ડખલ નહીં કરવાની.

પ્રશ્શનકર્તા : આ પતિ-પત્ની એકબીજાનાં 'ડિપાર્ટમેન્ટ'માં હાથ ના ઘાલવો. તો પતિ જો ચોરી કરીને પૈસા લાવતો હોય, તો પત્નીએ ડખલ ના કરવી ?

દાદાશ્રી : છૂટું થઈ જવું હોય તો ડખલ કરવી.

પ્રશ્શનકર્તા : એમનું કહેવું એમ છે કે, પતિ જો ચોરી કરીને પૈસા લાવતો હોય અને પત્ની છે તો એને કહેતી હોય, કે તમે આ રીતે ના લાવશો, તો એ કમ્પ્લસરી (ફરજિયાત) ડખલ થઈ ગઈ ને ?

દાદાશ્રી : હા. પણ એ કહેવાથી જો સુધરતા હોય, તો કહેવું અને ના સુધરતા હોય તો કહેવાનો અર્થ જ શું છે ? રોજ રોજ કહે એનો શું અર્થ છે ? પંદર દહાડો મહિનો કહી જુએ, પછી એમાં ફેરફાર ના થાય, તો આપણે જાણીએ, કે આપણું બોલવાનું નકામું જાય છે ઊલટું. મૂર્ખઈ છે, 'ફૂલીશનેશ' છે. એટલે પછી બોલવાનું જ નહીં આપણે.

પ્રશ્શનકર્તા : જો આપણા કહેવાથી પણ જો એ ના સુધરતો હોય તો આપણે એવું ના સમજવું કે આપણામાં જ કંઈ ઊણપ છે. જેથી કરીને એ નથી સુધરતો ?

દાદાશ્રી : હા, આપણા જ ગુનાથી નહીં સુધરતો. ગુનો આપણો જ હોય, પણ એ જડે નહીં. આપણો પોતાનો ગુનો કોઈ દિવસ જડેને તો ભગવાન થાય. પોતાનો ગુનો જેને જડે, મોટો ગુનો, એ ભગવાન થાય.

પ્રશ્શનકર્તા : તો એના માટે શું કરવું જોઈએ ?

દાદાશ્રી : એને પણ એ જડે જ નહીંને ? એ ગુનો તો શી રીતે જડે ? એ તો જ્ઞાની પાસે બધા પાપ ધોઈ નખાવડાવે. ત્યારે એ ગુનો દેખાય ! નહીં તો પારકાના દોષ બધા દેખાય ઝપાટાબંધ !

પતિ-પત્ની વચ્ચે પડ્યું પંક્ચર,

દાદા કાઢે મોહ, વગર લેક્ચર !

પ્રશ્શનકર્તા : આ પૈસાની કિંમત નથી. પણ હું કંઈ દાગીના માગું, તો મારા પતિનું એવું કહેવું છે કે આ આપણા કુટુંબમાં, ફેમિલીના વડીલો આપે ત્યારે એ તારાથી લેવાય. હું સીધું આપું એ છે તો આપણા વડીલોનો જે રિવાજ છે એ તોડ્યો કહેવાય ને એ બરાબર ના કહેવાય. પણ હું એમ કહું છું કે બીજી બધી વહુઓ ને બધું છાનું-માનું કરે છે. મને એકલીને જ નહીં, એ કેમ ઉકેલ લાવવો ?

દાદાશ્રી : આ ફાઈલ ઊભી રહે ત્યાં સુધી તમારે (પતિને) એક-બે અવતાર વધારે થાય. એના કરતાં સમાધાન કરીને ફાઈલનો નિકાલ કરવો. આ તો ફાઈલ નં. ૨ (પત્ની) છે પણ ફાઈલ નં. ૧૦૦ હોય તોય એનું સમાધાન કરશો તો જ, નહીં તો નિકાલ કર્યા વગર એ ફાઈલ આપણને મોક્ષે ના જવા દે. હિસાબ ચૂકવો એવી આ દુનિયા છે. ના માંગતી હોય તોય આપીને છૂટ્ટો કરવો. ફરી નહીં તો પછી ક્લેઇમ માંડે પાછું. માંગે છે એનું કારણ છે કે એની પાછળ કૉઝીઝ (કારણો) છે. હવે વગર કૉઝીઝે કોઈ પણ વસ્તુ બને નહીં. માટે કૉઝ છે. માટે એનું સેફ કરી લો. અને કૉઝ વગર તો કોઈ નામ જ ના લે. આ વર્લ્ડમાં કોઈ પણ નામ ન લે. આજુબાજુ વાઘ રહેતા હોય અને વચ્ચે સૂઈ જઈએ તોય કોઈ નામ ન લે. કૉઝ ના હોય તો અને કૉઝ છે તો આ બધું ઊભું થાય છે વાત. એટલે એનો સમભાવે નિકાલ કરી નાખો, હવે.

પ્રશ્શનકર્તા : આ બરાબર છે, નિકાલ કરવાનો. હવે હું પૂછું કે પત્નીની માંગણીનો કેવી રીતે નિકાલ કરું ?

દાદાશ્રી : એ તો આ રકમ તમને જ્યાં ઠીક લાગે એમ ઉપયોગ કરજો, હું હાથ નહીં ઘાલું, કહીએ. એમને પત્નીને સંતોષ થઈ ગયો એ સમાધાન. હવે બીજી કોઈ બાબતમાં છે કંઈ ક્લેઇમ ? કેટલી બાબતમાં છે ?

પ્રશ્શનકર્તા : દાદા, કંઈ દાગીના પૂરતું જ છે. કશું નથી બીજું.

દાદાશ્રી : તો પછી એ તો ઊકેલ લાવી દેવાનો. જ્યારે ત્યારે સમભાવે નિકાલ વગર છૂટકો જ નથી. તો હવે આ નિકાલ કરી નાખો. જો છૂટકો નથી તો પહેલેથી કેમ ના કરવો ?

પ્રશ્શનકર્તા : હું એમ પૂછું છું કે એ (પતિ) જાણે છે કે આ માંગે છે. એ આપી શકો એમ હોય. પણ છતાંય ના આપો. એ શું એનો અહંકાર છે ? અથવા એમને મારી માટે પ્રેમ નથી ?

દાદાશ્રી : ના. એ અહંકાર નહીં. માંગ્યું માટે ના આપવું તે બધુંય અંતરાય છે, ભોગવનારના અંતરાય છે અને આ ખોટા દેખાય છે. આ આમને ખોટા દેખાવાનું અને અંતરાય એના. એમને ખોટા દેખાવાનું એટલે શું ? સામાની ડિગ્રીમાં તો ખોટા જ લાગે ને ?

વાત સો ટકા સાચી છે, પણ તે સંસારમાં રહેવું હોય તેને માટે સારી છે. મોક્ષે જવું હોય તેને તો ઊકેલ લાવવો જ પડે. રસ્તામાં અમથો અમથો ઊભા રહીને આપણને કહે, 'એય ખડા રહો. સો ડૉલર આપીને જાવ, તો એ આપણને ના જવા દે. તો એ સો ડૉલર એને આપીને જવાનું. મોક્ષે જવું છે તેને ! અને કાં તો લડવું હોય તો લડો કહે છે.

હવે એના કુટુંબની જે માન્યતા ચાલી આવી છે એમાં પ્રેમ ડખલ કરી શકે નહીં. પ્રેમ-પ્રેમની જગ્યાએ, માન્યતા-માન્યતાની જગ્યાએ. તેથી કરીને પ્રેમ નથી એવું કહેવાય નહીં. એ માન્યતા છે એની. પણ એમને મોક્ષે જવું હોય તો આ નિકાલ કરી નાખવો જોઈએ. મોક્ષે ના જવું હોય તો અહીં આગળ બેઉ જણ લઠ્ઠબાજી ઊડાડો.

પ્રશ્શનકર્તા : એને મારા માટે એટલો પ્રેમ હોવો જોઈએ કે એ માન્યતા બદલે તો પ્રેમ પ્રેમ કહેવાય ?

દાદાશ્રી : આ તો લોકો માને છે, પ્રેમ છે. આ કળિયુગમાં પ્રેમ છે નહીં, હમણે દસ-પંદર ગાળ ભાંડે, તો પ્રેમ ખબર પડી જાય. અને મારી નાખે તોય ના ખસે એ પ્રેમ કહેવાય. ગાળો દસ-પંદર નહીં, સો-બસો ગાળો દે અને માર મારે, ધોલો મારે તોય પણ પ્રેમ એટલે કશો વાંધો ના આવે. પણ આ તો બીજે દહાડે છૂટું. એટલે આમાં પ્રેમ નથી. આ તો આસક્તિ છે બધી.

પ્રશ્શનકર્તા : પ્રેમ તો એવી વસ્તુ છે જેમાં કોઈ રિલેટિવ વસ્તુની જરૂર જ ના હોય.

દાદાશ્રી : ના, છે જ નહીં, રિલેટિવમાં પ્રેમ જેવી વસ્તુ જ નથી, આસક્તિ છે. આસક્તિને લોકો પ્રેમ કહે છે. પ્રેમ તો અમારો કહેવાય કે તમે અમને વઢી જાવ તોય અમારો પ્રેમ ઘટે નહીં. આ તમે અવળું-સવળું કરો તો વધી ના જાય. અમે તો બોલીએ ખરા, આ માણસ બહુ સારા છે, આમ છે તેમ છે, પણ કશું પ્રેમ વધઘટ ના થાય. શબ્દ જ રિલેટિવમાં અને પ્રેમ તો વાસ્તવિક, ભગવાનનો પ્રેમ.

પ્રશ્શનકર્તા : મારે મોક્ષે જવું છે. મને આવું બધું માંગવાનું મન ના થાય એવું કરી આપો !

દાદાશ્રી : ના, છોને થાય. તને થાય તો આજે નિકાલ થઈ ગયો ને, હવે બીજું શું રહ્યું, હજુ કંઈ બાકી છે એમની જોડે ભાંજગડ ? નથી રહીને ! સારો માણસ છે, તુંય સારી છું અને એય સારા છે. કેટલુંક ખાનગીમાં નિકાલ કરી નાંખવું આપણે. અને આય ખાનગી કહેવાય. આપણા મહાત્માને જે બધું કહીએને, તે ચાલે, આપણા જ કહેવાય. અહીં વાંધો નહીં. મહાત્માઓ પાસે બધું થાય.

પણ આ તો 'ના' કહ્યું એટલે ? તે આ જગતને તેથી મેં કહેલું કે જો મોક્ષે જવું હોય તો બધું જ્યાં ને ત્યાં 'હા' કહીને ચાલ્યા જાવ. ના કહીશું તો ઊભા રહો, કહેશે. છેડો ઝાલશે આમ. એ 'યસ, યસ મેન' થઈ જાવ હવે.

એ કહેશે, બાસુંદી, પૂરી કરો, ફલાણું કરો, ફલાણાનાં ભજિયાં કરો, અમુક જાતનાં એ બધાને હા પાડીએને, તો બીજે દહાડે પાછા ભૂલી જાય. પછી કશું નહીં ! અને ના પાડીએ, તેને યાદ રહ્યા કરે. પંચિંગ થયા કરે.

પ્રશ્શનકર્તા : હા, બસ. એવું જ છે દાદા.

દાદાશ્રી : એવું જ, નહીં તો એના મનમાં એવું હોય નહીં ને ?

પ્રશ્શનકર્તા : પણ એનું કાઢી આલોને દાદા, એટલે પતી ગયું. સોલ્વ જ થઈ જાય ને. પછી કોઈને હલાવાની જરૂર નહીં.

દાદાશ્રી : એ તો હવે ઊકેલ લાવી નાખશે એ.

પ્રશ્શનકર્તા : ના. પણ એને લેવાનું મન જ ના થાય. ધણી આપે કંઈ એવું મન જ ના થાય તો પછી શું ?

દાદાશ્રી : હા, આપણે હવે તો મોક્ષથી જ કામ છે ને કંઈ દાગીના ઓછી ચિંતા બંધ કરાવતા હતા !

પ્રશ્શનકર્તા : ના.

દાદાશ્રી : દાગીના બધું જોઈએ એટલે ચિંતા તો હોય જ ને !

પ્રશ્શનકર્તા : દાગીના તો બહુ જ છે.

દાદાશ્રી : દાગીના હશે, પુષ્કળ હશે.

પ્રશ્શનકર્તા : એ તો અત્યારેય, આજેય વ્યવહારિક જીવનમાં જે છે, તો બાના ઘરથી જે વસ્તુ મળી હોય એ આગવી જ કહેવાય. પિયરથી લાવ્યા હોય એ આગવી જ કહેવાય.

દાદાશ્રી : અત્યારે તો આગવી ગણે છે, પિયરથી લાવ્યા હોય તેને આગવી જ ગણે.

પ્રશ્શનકર્તા : એમાં એ પચ્ચીસ વાર સંભળાવે. તે આપણું જે હોય તે સહિયારું કહેવાય. પુરુષનું હોય તે સહિયારું કહેવાય.

દાદાશ્રી : તે સહિયારું કહેવાય અને પેલું આગવું ગણે. એવું ગણે છેને !

પ્રશ્શનકર્તા : એ તો હવે સત્ય હકીકત બની ગઈ. બધા જ એવું કહે છે કે પિયરનું આગવું અને તારું-મારું સહિયારું.

દાદાશ્રી : હા, પણ જ્યારે વઢવાડ થાય છે ને તું તારી પેટી લઈને જતી રહે અહીંથી. એટલે તું તારી મિલકત છે, જે તું પોતાની ગણું છું એ લઈ જા અહીંથી, એ મેં સાંભળેલું બધી જગ્યાએ. જ્યારે લડે છે ત્યારે એવું કહે ખરાં ?

પ્રશ્શનકર્તા : હા, કહે. મેંય કહેલું ને એક વખત.

દાદાશ્રી : પેટી લઈને જતી રહે અહીંથી. જો પાછો ભાગ પાડે તો એના એ જ છે ને ! આ તારી ને આ મારી મિલકત.

આપણે સો આપીએ તેનો હિસાબ નહીં એમને. પણ પંદર રૂપિયાની વસ્તુ એના પિયરથી, ત્યાંથી લાવેલાને, તે આ મારી. એ કાયમ આ. એ નેરો માઈન્ડ (ટૂંકું મન) છે એમનું. એટલે આપણે લેટ-ગો કરવું જોઈએ કે આ સારું છે ઊલટું !

'પતિ પરમેશ્વર', વદે શાસ્ત્ર,

'રામ' બને, તો બન 'સીતા'નું પાત્ર!

પ્રશ્શનકર્તા : આપણાં શાસ્ત્રોમાં લખ્યું છે, કે સ્ત્રીએ પતિને જ પરમેશ્વર તરીકે માનવું અને એની આજ્ઞામાં રહીને ચાલવું. તો અત્યારે આ કાળમાં કેવી રીતના એ પાળવું જોઈએ ?

દાદાશ્રી : એ તો પતિ જો રામ જેવા હોય તો આપણે સીતા થવું જોઈએ. પતિ વાંકો થયો તો આપણે વાંકા ના થઈએ તો શી રીતે ચાલે ! સીધું રહેવાય તો ઉત્તમ, પણ સીધું રહેવાય નહીં ને ! માણસ શી રીતે સીધો રહી શકે, ગોદા માર-માર કરે પછી ! પછી પત્ની તે શું કરે બિચારી ! એ તો પતિએ પતિધર્મ પાળવો જોઈએ. અને પત્નીએ પત્નીધર્મ પાળવો જોઈએ. અગર પતિની થોડી ભૂલો હોય તો નભાવી લે એ સ્ત્રી કહેવાય. પણ આટલું બધું આવીને ગાળો ભાંડવા માંડે, તો આ પત્ની શું કરે બિચારી ?

પ્રશ્શનકર્તા : પતિ એ જ પરમાત્મા છે, એ શું ખોટું છે ?

દાદાશ્રી : આજના પતિઓને પરમાત્મા માને તો એ ગાંડા થઈને ફરે એવા છે !

એક ધણી એની બૈરીને કહે, તારા માથા ઉપર દેવતા મૂક ને તેના પર રોટલી શેક ! મૂળ તો બંદર છાપ ને ઉપરથી દારૂ પીવડાવે તો એની શી દશા થાય ?

એક બેન આવ્યાં હતાં. તે કહે છે, ધણીને પરમેશ્વર તરીકે પૂજવો જોઈએ કે ના જોઈએ ? મેં કહ્યું, એ ક્યાં પાછા ગાંડા કાઢું છું, તારો ધણી તો મૂઓ ગાંડો છે અને પાછો પરમેશ્વર તરીકે પૂજીશ તો...!! આવા પરમેશ્વર તે હોતા હશે ! તારે તો ફ્રેન્ડની જેમ રહેવું. પરમેશ્વરનો જમાનો ગયો બધો. એ તો સતયુગમાં હતું બધું.

પ્રશ્શનકર્તા : એ ખરી પતિવ્રતા કહેવાયને, દાદા ?

દાદાશ્રી : હા, ખરી પતિવ્રતા. અત્યારે તો આ બધું ના રહ્યું. જેમ તેમ કરીને શાંતિથી રહેવું. કલેશ ના થાયને એટલું બસ !

પ્રશ્શનકર્તા : આ પતિ પરમેશ્વર કહેવાય ? એના રોજ દર્શન કરાય ? એનું ચરણામૃત પીવાય ?

દાદાશ્રી : એ એમને પરમેશ્વર કહે, પણ એ મરી ના જાય તો તો પરમેશ્વર. મરી જવાના તે શેના પરમેશ્વર ? પતિ શેના પરમેશ્વર તે ! અત્યારના પતિ પરમેશ્વર હોતા હશે ?

પ્રશ્શનકર્તા : હું તો રોજ પગે લાગું છું, પતિને.

દાદાશ્રી : એ તો છેતરતી હશે એમ કરીને. પતિને છેતરે આમ કરીને, પગે લાગીને. પતિ એટલે પતિ અને પરમેશ્વર એટલે પરમેશ્વર. એ પતિ જ ક્યાં કહે છે, હું પરમેશ્વર, હું તો ધણી છું એવું જ કહે છે ને ?

પ્રશ્શનકર્તા : હા, ધણી છું.

દાદાશ્રી : હં. એ તો ગાયનોય ધણી હોય, બધાના ધણી હોય. આત્મા એકલો જ પરમેશ્વર છે, શુદ્ધાત્મા.

પ્રશ્શનકર્તા : ચરણામૃત પીવાય ?

દાદાશ્રી : આજના માણસો, ગંધાતા માણસોના ચરણ કેમ પીવાય તે ! આ માણસ ગંધાય, આમ બેઠો હોય તોય ગંધાય. એ તો પેલા સુગંધીવાળા માણસ હતા ત્યારની વાત જુદી હતી. આજ તો માણસ બધા ગંધાય છે. આપણું માથું હઉ ચઢી જાય. જેમ તેમ કરીને દેખાવ કરવાનો કે પતિ-પત્ની છીએ અમે.

પ્રશ્શનકર્તા : દરેકનામાં પરમેશ્વર બેઠેલા હોય ને એમનામાંય છે માટે તો પતિ પરમેશ્વર ને ?

દાદાશ્રી : ઓહોહો ! બૂટ પહેરતાં આવડતાં નથી ને પોતે પરમેશ્વર થઈ બેઠો છે ? પતિઓ ખરા લઈને બેઠેલા ? એ તો પહેલાં ચોપડીઓમાં લખી નાખેલુંને તે સ્ત્રીઓ બિચારી અભણ કે લખ્યા પછી છેક્યું નહીં ! પહેલાંથી જ સ્ત્રીઓએ જ છેકી નાખ્યું હોત તો ?

પ્રશ્શનકર્તા : હવે બધાએ છેકી નાખ્યું છે, દાદા. હવે બધી ભણીને એટલે બધાએ ચોકડી મૂકી દીધી.

દાદાશ્રી : પતિ પરમેશ્વર થઈ બેઠા, જુઓને એમના હાથમાં ચોપડી લખવાની એટલે કોણ કહેવાનું, એક તરફ કરી નાખ્યું ને ? આવું ના હોવું જોઈએ.

તું પૂજતી હોય તોય ના કહું ઊલટાનું કે ના પૂજીશ, એને શું પૂજવા જેવું ? હા એમનું અપમાન નહીં કરવાનું શું ? પતિદેવ થાય.

પ્રશ્શનકર્તા : આજકાલના બૈરાં પોતાના ધણીને પહેલાંનાં બૈરાં જેવું માન નથી આપતા.

દાદાશ્રી : હા, પહેલાંના ધણી રામ હતા અને અત્યારે મરા છે.

પ્રશ્શનકર્તા : આ કહે છે જમરા.

દાદાશ્રી : કંઈક તો સમજવું પડેને. આમ ને આમ કંઈ ખાલી મૂછો પર તાલ દેવાનો શું ફાયદો ? અને બેનોને સમજવું જોઈએ કે ધણીને બહુ સારી રીતે રાખવો જોઈએ. ત્યારે ધણીઓ શું કહેશે ? સીતા જેવી થતી નથી. મેં કહ્યું, તું પહેલાં રામ થાઉં તો એ સીતા થાય. એટલે બેનો જીવન કંઈ સુધારો. કંઈ આવું ના હોય આપણને શોભે નહીં.

પત્ની પતિને સદા સિન્સિયર,

ઉઘાડી કેમ કરાય ગટર ?

પ્રશ્શનકર્તા : પતિની પ્રત્યે સ્ત્રીની ફરજ શું એ સમજાવો.

દાદાશ્રી : સ્ત્રીએ હંમેશાં પતિને સિન્સિયર રહેવું જોઈએ. પતિએ પત્નીને કહેવું જોઈએ કે, 'તમે સિન્સિયર નહીં રહો તો મારું મગજ બગડી જશે.' એને તો ચેતવણી આપવી જોઈએ. 'બીવેર' (ચેતવવાના) કરવાના, પણ દબાણ ના કરાય કે તમે સિન્સિયર રહો. પણ 'બીવેર' કહેવાય. સિન્સિયર રહેવું જોઈએ આખી જિંદગી. રાત-દિવસ સિન્સિયર, એમની જ ચિંતા હોવી જોઈએ. તારે એની ચિંતા રાખવી જોઈએ. તો જ સંસાર સારો ચાલે.

પ્રશ્શનકર્તા : પતિદેવ સિન્સિયર ના રહે, પછી પત્નીનું મગજ બગડે. તો પાપ ના લાગે ને ?

દાદાશ્રી : મગજ બગડે તો સ્વાદ ચાખે ને !! પાછો ધણીએ ચાખે ને પછી ! એવું ના કરવું જોઈએ 'એઝ ફાર એઝ પોસિબલ' (બનતા સુધી) અને પતિની ઇચ્છા ના હોય ને ભૂલચૂક થઈ જતી હોય તો એની પતિએ માફી માંગી લેવી જોઈએ કે હું માફી માગું છું. ફરી નહીં થાય આવું. સિન્સિયર તો રહેવું જોઈએને માણસે ? સિન્સિયર ના રહે એ કેમનું ચાલે ?

પ્રશ્શનકર્તા : માફી માંગી લે પતિ, વાતવાતમાં માફી માંગી લે, પણ પાછા એવું જ કરતા હોય તો ?

દાદાશ્રી : ધણી માફી માંગે તો ના સમજીએ, કે કેટલો બિચારો લાચારી ભોગવે છે ! એટલે લેટ ગો કરવાનું શું ? એ કંઈ એને 'હેબીટ' (ટેવ) નહીં પડેલી. 'હેબિચ્યુટેડ' (ટેવાઈ) નહીં થઈ ગયેલો. એનેય ના ગમે પણ શું કરે ! પરાણે આવું થઈ જાય. ભૂલચૂક ત્યારે થાય ને !

પ્રશ્શનકર્તા : પતિને હેબીટ થઈ ગઈ હોય તો શું કરવું ?

દાદાશ્રી : શું કરવાનું ? શું પછી ? કાઢી મેલાય કંઈ એને ! કાઢી મેલે તો ફજેતો થાય બહાર. ઊલટું ઢાંકી રાખવાનું, બીજું શું થાય તે ! ગટરને ઢાંકીએ છીએ કે ઊઘાડી કરીએ છીએ ? આ ગટરોને ઢાંકણું મૂકી દેવાનું હોય કે ઊઘાડું રાખવાનું હોય ?

પ્રશ્શનકર્તા : બંધ રાખવાનું.

દાદાશ્રી : નહીં તો ઉઘાડીએ તો માથું ગંધાય, આપણું માથું ચઢી જાય. તને મારી વાત ગમી ?

પ્રશ્શનકર્તા : બહુ ગમી.

પતિવ્રતા એ મોટું આભૂષણ,

કંકુ કેમ ? મનમાં એક જ જણ!

પ્રશ્શનકર્તા : આ ચાંદલો કરવાનું શા માટે, અમેરિકાની ઘણી સ્ત્રીઓ, અમને પૂછે કે તમે લોકો અહીયાં ચાંદલો કેમ કરો છો ?

દાદાશ્રી : હા. ચાંદલો એટલે, અમે છે તે આર્યસ્ત્રીઓ છીએ એટલે. અમે અનાર્ય નથી. આર્ય સ્ત્રીઓ ચાંદલાવાળી હોય. એટલે ધણી જોડે ઝગડો થાય, ગમે એટલો તોય એ જતી ના રહે અને પછી ચાંદલા વગરની તો બીજે જ દહાડે જતી રહે. અને આ તો સ્ટેડી રહે, ચાંદલાવાળી. અહીંયાં મનનું સ્થાન છે, તે એક પતિમાં મન એકાગ્ર રહે એટલે.

સ્ત્રીની ફરજ, થા પતિને સિન્સિયર,

ધણી સુધારવા કરતાં જાતે સુધર.

પ્રશ્શનકર્તા : સ્ત્રીઓએ શું કરવું જોઈએ ? પુરુષનું તો તમે કહ્યું, પણ સ્ત્રીઓએ બે આંખમાં શું રાખવાનું ?

દાદાશ્રી : સ્ત્રીઓએ તો, એને ગમે તેવો પતિ મળ્યો હોયને પતિ જે મળ્યા એ આપણા હિસાબનો છે, પતિ મળવો એ કંઈ ગપ્પું નથી. માટે જે પતિ મળ્યો એના તરફ એક પતિવ્રતા થવાનો પ્રયત્ન કરજો. અને એવું જો ના થાય તો એની પાછા ક્ષમાપના લો. પણ તારી દ્ષ્ટિ આવી હોવી જોઈએ. અને પતિ જોડે પાર્ટનરશીપમાં કેમ આગળ વધાય. ઊર્ધ્વગતિ થાય ? કેમ મોક્ષે જવાય ? એવા વિચારો કર.

મેં એક વખત કહ્યું કેમ ઉતાવળ કરો છો ? ત્યારે કહે મોક્ષ માટે તો ઉતાવળ હોવી જ જોઈએ. મોક્ષમાં ના જઈએ ત્યારે શું વારે ઘડીએ આ ભવોભવ કંઈ ધણી જ કરવા ? કહે છે. ના, કેટલાક અવતાર સુધી ધણી કર કર કરીએ ? હવે તો મોક્ષે જ જવું. ધણી-બણી કરવા નથી ? કરી બેઠા એ કરી બેઠા. ધણી નથી કરવા હવે, નહીં ? તુંય થાકી હોઈશ ને કર્યા પછી !

પ્રશ્શનકર્તા : સાવ દાદા.

દાદાશ્રી : એમ ?

પ્રશ્શનકર્તા : પણ દાદા એમને લઈને જ મોક્ષે જવાનું.

દાદાશ્રી : હા, એમને લઈને મોક્ષે જવાનું. આ તો ગમ્મત કરી થોડી વખત. એ આ ગમ્મત કરવાની હોયને થોડો વખત વિચારવા જેવું ખરું કે નહીં ? થોડું ઘણું તું ફેરફાર કરી નાખીશ હવે આજથી ! એ આકરા થાય ત્યારે આપણે કશું બોલવું નહીં.

પ્રશ્શનકર્તા : પોતે સાચા હોય અને એમની વાત બરાબર ના હોય તો બોલવું પડે ને ?

દાદાશ્રી : તું સાચી છે એની ખાતરી શું ! તું જ ન્યાયાધીશ અને તું જ વકીલ અને તું જ આરોપી. એટલે ન્યાય 'હું સાચી છું' કરે. પોતે જ વકીલ, પોતે આરોપી અને પોતે જ જજ. પેલો વકીલ કહે છે, બધા કરે છે તે આપણેય આમ જ કરવું પડે. વકીલ ઊંધું શીખવાડે. તું સાચી છું એવી ખાતરી શું ? અને પતિ સાચો છે એની ખાતરી શું ? આ તો પોતાનો ન્યાય એ એક્ઝેક્ટ ન્યાય હોય છે કે પોતાની સમજણ પ્રમાણે હશે ?

પ્રશ્શનકર્તા : પોતાની સમજણ પ્રમાણે, એટલે પછી અથડામણ થાય. એટલે વાત જુઠી છે એ નક્કી માની લેવું ? દર વખતે જુઠી ના હોયને ?

દાદાશ્રી : દર વખતે જુઠું, અથડામણ કેમ થઈ ?

પ્રશ્શનકર્તા : વિચારો જુદા પડે એટલે.

દાદાશ્રી : વિચારો જુદા કેમ થયા ? અણસમજણ છે અક્કલ નથી તેથી એમને દૂધ પીવું હોય ને તું કહે ના દૂધ ના પીશો. આ દહીં લો. આ એમની પ્રકૃતિમાં દૂધ ફાવતું હોય તો એને કહે લ્યો દૂધ આપું છું. તને પ્રકૃતિમાં દહીં ફાવતું હોય તો દહીં ખા. પ્રકૃતિ જુદી, બધાની વાત જુદી. તું કહે ના તમારે દહીં ખાવું પડશે, ફરજીયાત કર્યા સિવાય, અટકવું પડેને, તમને કેમ લાગે છે ? તમે વાળ કપાવશો નહીં મારા જેવડા વાળ રાખો તો ચાલે ? એટલું બધું કયું ખરું ? એમને આપણે એમેય ના કહેવાય કે હું કપાવું છું ને તું કપાવ. સૌને રીતે, ન્યાય રીતસરનો હોવો જોઈએ. સમજપૂર્વકનો હોવો જોઈએ.

ઘરમાં મતભેદ ને ભાંજગડ ના થાય, ઓછી થાય એવો રસ્તો ખોળી કાઢો.

તારી જોડે ધણી કચકચ કરે છે હજુ ?

પ્રશ્શનકર્તા : નહીં, ખાસ નહીં.

દાદાશ્રી : એ તો જ્ઞાનને લીધે કચકચ નથી કરતા. તું કરું છું એમની જોડે કચકચ ? તું નથી કરતી ?

પ્રશ્શનકર્તા : માનો તમે એવું કે હું કચકચ કરું છું ?

દાદાશ્રી : ના, મને નહીં લાગતું, પણ કરતી હોય તો ના કરીશ હવે. તું મને પ્રોમિસ આપ લે, પ્રોમિસ આલ, શું નહીં કરું ?

પ્રશ્શનકર્તા : કચકચ નહીં કરું, પ્રોમિસ આપું છું. ખોટે રસ્તે જાય તો એને સારે રસ્તે દોરવુંને ! એ મારી ફરજ છેને, એ કરુંને !

દાદાશ્રી : એવું છેને, ક્યાં સુધી તું સારા રસ્તે દોરવીશ ? કેટલાં વર્ષ સુધી દોરવીશ ? એ ખોટે રસ્તે નહીં જાય, એ હું તને કહું છું. ખોટે રસ્તે જતા હશે તે એ નહીં જાય એ બધું તારે જોવાની જરૂર નથી. હું જોઈશ બધું. મને સોંપી દે. ખરું કે ખોટું ? એ તું કંઈ જ્ઞાની નથી, તું તો પૈણેલી એની વાઇફ છું. હું જ્ઞાની છું. એટલે મારે જોવાનું કે તારે જોવાનું ?

પ્રશ્શનકર્તા : તમારે જોવાનું.

દાદાશ્રી : હં.... તે હું જોઈશ બધું હવે.

પ્રશ્શનકર્તા : તો મને એટલું ઓછું કામ.

દાદાશ્રી : હા, એટલું કામ તારે ઓછું ને. વગર કામની પીડા લઈને ફરવી ? જવાબદારી થઈને બધી. ખરું કહે છે એ, જવાબદારી છે ! કોઈ કહેનાર ના હોય તો જવાબદારી વધે. હવે હું કહીશ એમને. હું મારી મેળે બોલાવીને કહી દઈશ કે આમ ના હોય. હવે બીજું કંઈ સોલ્યુશન જોઈતું હોય તો વાતચીત કંઈ પૂછો.

આ ઊંઘ આવ્યા પછી આગવું હોય છે કે સહિયારું હોય છે ?

પ્રશ્શનકર્તા : આગવું જ હોય છે, દાદા.

દાદાશ્રી : તે જાગતાં એવી જ રીતે જ વર્તવું હા ! ઊંઘી ગયાને સહિયારું નથી કરતાં, આગવું રાખીએ છીએ, તોય સવારમાં બગડતું નથી કંઈ. આ ઊલટું, આ સહિયારું કરવાથી બગડે છે. માટે જાગતાંય આગવું રાખવું. એ ગિયરમાં નાખીએને, તો આખો દહાડો આગવું રહે. સવારથી જ ગિયરમાં નાખું પછી આખો દહાડો આગવું રહે.

પ્રશ્શનકર્તા : ગિયર એટલે ગાડીનો ગિયર ?

દાદાશ્રી : ના, અંદરનું ગિયર. ગાડીનું ગિયર તો જુદું ! અંદર ગિયર નાખ્યું છે ને તે આગવું. 'આ મારા બાબાનો બાબો' પેલું ગિયર નથી તેથી આવું કર્યા કરે છે. તે બાબો એમ નહીં કહેતો કે મારું આ આમ કરો, સન્માન કરો.

આ તો કેવાં કેવાં લપકા કરે ! લપકા સાંભળવાના ગમે ખરા ? તેમાં કાકી સાસુય લપકા કરે, માસી સાસુય લપકા કરે. માસી સાસુને કહીએ, 'તું શું કરવા લપકા કર કર કરે છે ? હું મારી બાઈડીને પૈણ્યો તેમાં ? ત્યારે કહે, મારી તો ભાણી થાયને. એટલે આ સહુ કોઈ લપકા કરે. એ કેમ પોષાય ? અહીંથી ભાગી છૂટીએ, આપણે આપણા ગામ જતાં રહીએ. હોમ ડિપાર્ટમેન્ટમાં જતા રહીએ. આ ફોરેન ડિપાર્ટમેન્ટમાં હોમ માનીને બેઠા છે. શું થયું છે ? અલ્યા, આ નહોય હોમ, આ તો ફોરેન ડિપાર્ટમેન્ટ છે ! હોમ ડિપાર્ટમેન્ટ છે, ત્યાં કશું દુઃખ નથી. અત્યારે દુઃખ ઘટી ગયાં, ત્યાંથી ના સમજો કે હવે દુઃખ ઘટવા માંડ્યાં. એટલે શું ગણાય ? દુઃખની પૂર્ણાહુતિ થઈ જવાની. હા, દુઃખ જ જતાં રહ્યાં, ખલાસ થયું. દુઃખ ઘટવા માંડ્યા કે નહીં ઘટવા માંડ્યા ?

પ્રશ્શનકર્તા : ઘટવા માંડ્યા.

દાદાશ્રી : ક્યારથી ઘટવા માંડ્યા ?

પ્રશ્શનકર્તા : દાદા મળ્યા ત્યારથી ઘટવા માંડ્યા.

દાદાશ્રી : એક બેન કહેતી હતી, તમારું એક એક વાક્ય સોનાનો બોલ છે !

(૨૦)

પરિણામો છૂટાછેડાનાં

વિચારભેદ મત-મનભેદ,

તનભેદે ઊડે જીવન છેદ!

મતભેદ ગમે છે ? મતભેદ થાય ત્યારે ઝઘડા થાય, ચિંતા થાય. તો મનભેદમાં શું થાય ? મનભેદ થાય તો, 'ડિવોર્સ' લે અને તનભેદ થાય ત્યારે નનામી નીકળે !

પ્રશ્શનકર્તા : વ્યવહારિક બાબતમાં મતભેદ હોય એ વિચારભેદ કહેવાય કે મતભેદ કહેવાય ?

દાદાશ્રી : એ મતભેદ કહેવાય. આ જ્ઞાન લીધું હોય તેને વિચારભેદ કહેવાય. નહીં તો મતભેદ કહેવાય. મતભેદથી તો ઝાટકો વાગે !

પ્રશ્શનકર્તા : મતભેદ ઓછો રહે તો એ સારું ને ?

દાદાશ્રી : માણસને મતભેદ તો હોવા જ ન જોઈએ. જો મતભેદ છે તો એ માણસાઈ જ ના કહેવાય. કારણ કે મતભેદથી તો કોઈ ફેરો મનભેદ થઈ જાય. મતભેદમાં મનભેદ થઈ જાય એટલે 'તું આમ છે ને તું તારે ઘેર જતી રહે' એમ ચાલે. આમાં પછી મજા ના રહે. જેમ તેમ નભાવી લેવું.

મતભેદ પછી લે છૂટાછેડા,

થાય છૂટા જો ન બાંધે ફરી છેડા!

પહેલા સ્વયંવર કરતા હતા, સ્ત્રીઓ ઓછી હતી તેથી ! નહીં તો પૈણવા માટે હરાજી કરવાની ! રામચંદ્રજી એકલા પૈણે ને બીજા બધા રખડી મરે ! પણ એ જમાનો સાચો એટલે ડિવોર્સ કરવા ના પડે. આ કળિયુગ એટલે ડિવોર્સ કરવા પડે. કારણ એને જીવતાં જ નથી આવડતું માણસ તરીકે.

ગાડીમાંય જોડે બેઠા હોય ને વિચિત્ર સ્વભાવનો હોય તો ઉતરતા સુધી નભાવવું પડે. તેમ બૈરી જરા વિચિત્ર સ્વભાવની હોય તો નભાવવું પડે.

પ્રશ્શનકર્તા : રોજ મનદુઃખ થાય, ઝઘડે તેના કરતાં ડિવોર્સ લઈ લે તો ?

દાદાશ્રી : ડિવોર્સ લે પણ ફરી પૈણવાના ના હોય તો.

લગ્ન પોતાને અનુકૂળ થયું હોય, પણ પછી મતભેદ પડે ત્યારે મહીં શું થાય પછી ? તે ઘડીએ સુખ (!) વર્તે બહુ ? મતભેદ પડે ત્યારે બેનને શું થાય ? બે જણને મતભેદ પડે ત્યારે ? કેમ બોલતા નથી, બેન બોલને, તું બોલને તું ભણેલી છે. તને સમજણ પડે છેને ?

પ્રશ્શનકર્તા : આજકાલના મતભેદો એટલે છૂટાછેડા.

દાદાશ્રી : ડિવોર્સ હઉ લઈ લે ને ? હા, મતભેદ તો રહેવાના જ. મતભેદ તો રહ્યા વગર હોય જ નહીં ને ? તમારા ઘરમાં મતભેદ નહીં જોએલા તમે ?

પ્રશ્શનકર્તા : સામસામી બાંધ-છોડ પણ થયા કરતી હોય ને ?

દાદાશ્રી : હા, બાંધછોડ પણ થયા કરતી હોય પણ મતભેદ તો હોય છે ને ?

પ્રશ્શનકર્તા : હોય જ.

દાદાશ્રી : બાંધછોડ કરવી પડે. બાંધછોડ ના કરે તો તૂટી જાય, છૂટા થવું પડે.

પ્રશ્શનકર્તા : અત્યારે તો ઠેઠ મતભેદ સુધી પહોંચી ગયું છે.

દાદાશ્રી : તે જ કહું છુંને એ બધું સારું નહીં. બહાર શોભે નહીં. આનો કંઈ અર્થ નહીં. હજુ સુધારી શકાય છે. આપણે મનુષ્યમાં છીએને તે સુધારી શકાય. આ શા માટે આવું હોવું જોઈએ. મૂઆ ફજેતો કર્યા કરે છે તે ? થોડું સમજવું તો પડે ને ? સમજ્યાને તમે ? આ બધામાં સુપરફ્લુઅસ (ઉપલક) રહેવાનું છે, ત્યારે આ વહુના ધણી થઈ બેઠા કેટલાક માણસો તો. અલ્યા, મૂઆ ધણીપણું શું કરવા બજાવે તે ? આ તો અહીં જીવ્યો ત્યાં સુધી ધણી અને એ કાલે ડાઈવોર્સ ના લે ત્યાં સુધી ધણી. કાલે ડાઈવોર્સ લે તું શાનો ધણી ?

મનુષ્ય સિવાય બીજા કોઈ ધણીપણું નથી બજાવતા. અરે, આજકાલ તો 'ડાયવોર્સ' લે છે ને ? વકીલને કહે કે, 'તને હજાર બે હજાર રૂપિયા આપીશ. મને 'ડાયવોર્સ' અપાવી દે. તે વકીલેય કહેશે કે 'હા, અપાવી દઈશ.' અલ્યા, તું લઈ લેને 'ડાયવોર્સ', બીજાને શું અપાવવા નીકળ્યા છો ?

પ્રશ્શનકર્તા : દાદા, એક હસબન્ડ અને વાઇફ બન્ને જણાને ચકમક થઈ જાય છે તો એમાં જે છૂટા પડી જવાય (ડાયવોર્સ) તો દોષ કોને લાગે ? એમાં કર્મનો ઉદય ગણાય, શું ગણાય ? ખરેખર કોનો દોષ કહેવાય ?

દાદાશ્રી : તે બધું કર્મના ઉદય. કંઈ પણ હકીકત, વાસ્તવિકતા બને એ કર્મનો ઉદય. પછી ઉદય ગમે તે હોય, ખોટા ઉદય કે ખરાબ ઉદય. પણ કર્મનો ઉદય જ કરાવે છે એટલે એમાં બીજા કોઈનું ચાલે નહીં. બીજા નિમિત્ત બને વખતે કે આણે ફાચર મારી પણ છેવટ એ કર્મનો ઉદય. ફાચર મારી એવો નિમિત્ત મળી આવે કે આમને ફાચર મારી તેથી આ બે છૂટા પડી ગયા.

પ્રશ્શનકર્તા : દાદા, દોષ કોને લાગે ? એ છૂટા પડી જાય એમાં દોષ કોને લાગે ?

દાદાશ્રી : જેણે ફાચર મારી હોય તેને.

'જેવું મળે તેવું' લેવું નભાવી,

'બીજું કરે' તેની ખાત્રી કેવી!

પ્રશ્શનકર્તા : આજકાલ બધા ડાયવોર્સ લે છે, છૂટાછેડા લે છે. તે નાનાં નાનાં છોકરાઓ મૂકીને છૂટાછેડા લે છે, તો એનો નિસાસો ના લાગે ?

દાદાશ્રી : લાગે ને બધુંય, પણ શું કરે તે ! ખરી રીતે ના લેવા જોઈએ. ખરી રીતે તો નભાવી લેવું જોઈએ આખું. છોકરાં થતાં પહેલાં લીધા હોત તો વાંધો નહોતો, પણ આ છોકરાંઓ થયા પછી લે, તો છોકરાંનો નિસાસો લાગેને !

પ્રશ્શનકર્તા : એવું બને કે મા-બાપ સુખી ના હોય, દુઃખી હોય, તો છોકરાઓ પણ દુઃખી થાય ?

દાદાશ્રી : પણ આ છૂટાછેડા, છોકરું હોય તો ના લેવાય તો સારું. કારણ કે છોકરાને બિચારાને રખડી મરવાનુંને કે બાપ પાસે રહેવું કે મા પાસે રહેવું !

પ્રશ્શનકર્તા : છોકરાના બાપનું જરાય મગજ ચાલતું ના હોય, કશું કામકાજ કરતા ના હોય, મોટલ ચલાવતા ના આવડતી હોય અને ચાર દિવાલની વચ્ચે ઘરમાં બેસી રહેતો હોય, તો શું કરવાનું ?

દાદાશ્રી : શું કરવું પણ તે ? બીજો પાંસરો મલશે કે નહીં એની ખાતરી શું ?

પ્રશ્શનકર્તા : એ તો નહીં જ વળી...

દાદાશ્રી : બીજો વળી એથી એના મોઢામાં થૂંકે એવો મલે ત્યારે શું કરવું ? ઘણાં લોકોને મળેલું એવું, પહેલો હતો, તે સારો હતો. પાછું મેરચક્કર ત્યાં પડી રહેવું હતું ને ! મહીંથી એ સમજવું પડે કે ના સમજવું પડે ?!

પ્રશ્શનકર્તા : દાદાને સોંપી દઈએ તો પછી બીજો પાંસરો મળે ને ?

દાદાશ્રી : સારો મલ્યો અને ત્રણ વર્ષ પછી એને એટેક આવ્યો, તો શું કરશો ? આ નર્યું ભયવાળા જગતમાં શા હારું આ... ! જે બન્યું એ કરેક્ટ કહીને ચલાવી લો તો સારું. ત્રણ વર્ષ પછી એટેક આવે. એટલે આપણને પેલો જૂનો હતો તે સાંભરે. મૂઆ પેલો હતો તે છોડીને આ પાછા એટેકવાળાને ત્યાં આવ્યા ! એટલે આ બધું ફજેતો છે બધો બેન !

આ તો તમારે જો આવું થયેલું હોય ભાંગફોડ તો, હું તમને સમજણ પાડી દઉં કે આવી રીતે તમે ચલાવી લેજો, એ રીતે દેખાડી દઉંને એટલે બોજારૂપ તમને ના લાગે ને એનેય ના લાગે. બેઉનું રાગે પાડી આલું.

બાકી, છોકરાનો તો નિસાસો બહુ લાગે. ના બાપનો રહ્યો કે ના માનો રહ્યો બિચારો !

હવે જો ધણી બીજો કરો, તો એથીય મૂઓ બુરો નીકળે તો શું કહેવાય ? ઉપરથી આમ કોટ-પાટલૂનવાળો આમ રૂપાળો બમ જેવો દેખાતો હોય અને મહીં છે તે ખાટી કેરી નીકળે તો શું ખબર પડે ? ઉપરથી કેરી ફર્સ્ટ ક્લાસ દેખાતી હતી, પણ મહીં કાપીએ ને ખાટી નીકળે ! નીકળે ખરી મહીં ખાટી ?

પ્રશ્શનકર્તા : નીકળે.

દાદાશ્રી : એમ ! ખાત્રી નહીં, નહીં ? એટલે એનું કશું ઠેકાણું નહીં. માટે જે ચાખ્યો છે ને એ સારો છે, કહેવું. બહુ લાંબી આશા રાખવા જેવું નથી આ જગત. એટલે બેન, હું તમને સમજણ પાડી દઉં કે આ રીતે તમે ચલાવી લેજો. બહુ આનંદ આવશે પછી. આ તો કશું જ ઠેકાણું નથી. એક વાર તો પૈણવા જેવું જગત જ નથી. પણ પૈણ્યા વગર ચાલે એવુંય નથી પાછું. કેવી ફસામણ છે ? પૈણવા જેવું જગત નથી ને પૈણ્યા વગર ચાલે એવું નથી. આ મુશ્કેલીઓમાંથી રસ્તો કાઢવાનો છે.

પ્રશ્શનકર્તા : શું રસ્તો કરવો ?

દાદાશ્રી : એ તો મને એ ખાનગીમાં બધો રસ્તો પૂછોને તો બધું બતાડી દઉં હું તમને. હાઉ ટુ ડીલ વીથ હસબન્ડ ? એ બધું બતાડી દઉં. પછી બાકી નવો કરવામાં મજા નથી. નવો કરીએ ને ત્રણ વર્ષ પછી હાર્ટફેલ થઈ જાય ત્યારે શું કરીએ ? નહીં તો દારૂડિયો થઈ ગયેલો હોય ત્યારે શું કરવાનું ?

પહેલો ધણી સારો નીકળે હંમેશાં, પણ બીજો તો રખડેલ જ મૂઓ હોય. કારણ કે એય આવું ખોળતો હોય, રખડતો ખોળતો હોય અને એય રખડેલ હોય, ત્યારે બે ભેગું થાય ને ! રખડેલ ઢોરો બે ભેગાં થઈ જાય. એના કરતાં પહેલો હોય તે સારો એક, સડી ગયેલો હોય, એ થઈ ગયેલો. પણ આપણો જાણેલો તો ખરોને. મૂઓ આવો તો નથી જ ! એ રાતે ગળું તો નહીં દબાવી દે ને ! એવી તમને ખાતરી હોય ને ! એ પેલો તો ગળું હઉ દબાવી દે !

પ્રશ્શનકર્તા : એટલે કે આપણે આપણી જાતે અંદર એવી સમજ જ ઊભી કરી દેવાની કે આ જગતમાં કોઈ પરફેક્ટ છે નહીં.

દાદાશ્રી : ના, એ તો હું સમજણ પાડું. એવું તમે જાતે કરો તો એ તો ટકે નહીં. અને હું તો સાચી સમજ આપું. ટકે એવી, કાયમ ટકે એવી ! તમારી સમજણે કરેલી ગોઠવણી, એ તો કાલે સવારે ઊડી જાય પછી. ગોઠવેલી ના ચાલે, એ તો હું તમને સાચી સમજ આપું. એના પ્લસ-માઇનસ કરી આપું !

બચ્ચાંઓની ખાતરેય પોતાને સમજવું જોઈએ. એક કે બે હોય, પણ એ બિચારા નોંધારા જ થઈ જાયને ! નોંધારા ના ગણાય ?

પ્રશ્શનકર્તા : નોંધારા જ ગણાય ને.

દાદાશ્રી : મા ક્યાં ગઈ ? પપ્પા ક્યાં ગયા ? એક વાર પોતાને એક આ પગ કપાઈ ગયો હોય, તો એક અવતાર નભાવી નહીં લેતા કે આપઘાત કરવો ?

પ્રશ્શનકર્તા : નભાવી લેવાનું.

દાદાશ્રી : આપઘાત કરવો કે પગ નભાવી લેવાનો ? હં... એવી રીતે આય પગ કપાઈ ગયેલા જેવું જ. અમે તો તમને સમજણ પાડીએ, બાકી આ જે તમે જાતે ઊતરશો તો વધુ ફસાશો. અમે તમને ઓછી ફસામણમાં આવે એવું કરી આપીએ રસ્તો. કારણ કે અમારે લેવાદેવા નથી અને તમારા હિતમાં હોઈએ અમે કે તમને દુઃખ ન થાય, ઓછું દુઃખ થાય. પગ ભાંગી જાય તોય નહીં આપઘાત કરું, કહેશે. આમ ને આમ જીવું છું ને નિરાંતે ! તો આ બધું નભાવે છે, તો આ એમાં ધણીમાં શું મહીં કાઢવાનો છે તે !

બહારથી આવ્યો હોયને, તો પસીનો સોડી તો જોજો ! જો સુગંધી, જો સેન્ટ ! બહારથી આવ્યો હોય, ખૂબ તાપમાંથી ફરતો ફરતો આવ્યો હોય, પછી પસીનો સોડી જુઓ તો સેન્ટ જેવું લાગે, નહીં ? આ તો માની લીધેલું છે. આ આમાં સુખ હોતું હશે ! છૂટકો નથી પૈણ્યા વગર. કારણ કે પૈણ્યા વગર જીવન છે તે દુનિયામાં પોતાનું એ જ ના રહે, વેલ્યુ જ ના રહે. લોકો શું કહે કે આ... આ ચાલી પેલી ! એટલે આપણને કંઈક જીવન તો હોવું જોઈએ ને લોકોમાંય ! ના હોવું જોઈએ ?

ધણી ખરાબ લાગતો નથી ? એ લાગશે ત્યારે શું કરીશ ? પછી ધણીનું જરા મગજ આડું-અવળું હોય, પણ આમ પૈણ્યા એટલે આપણો ધણી, એટલે આપણો સારામાં સારો બેસ્ટ, એમ કહેવું. એટલે ખરાબ એવું દુનિયામાં કશું હોતું નથી.

પ્રશ્શનકર્તા : બેસ્ટ એવું કહીએ તો ધણી ચગી જાય.

દાદાશ્રી : ના, ચગે જ નહીં. એ આખો દહાડો બિચારા બહાર કામ કર્યા કરે એ શું ચગે ? ધણી તો આપણને જે મલ્યા હોયને એ જ નભાવી લેવાના, કંઈ બીજા લેવા જવાય ? વેચાતા મલે કંઈ ? અને પેલું ઉંધું ચત્તું કરો, ડિવોર્સ કરવું પડે એ તો ખોટું દેખાય ઊલટું. પેલોય પૂછે કે ડાયવોર્સવાળી છે. ત્યારે બીજે ક્યાં જઈએ ? એના કરતાં એક કરી પડ્યા એ નિકાલ કરી નાખવાનો ત્યાં આગળ. એટલે બધે એવું હોય અને આપણાથી ના ફાવતું હોય, પણ શું કરે ? જાય ક્યાં હવે ? માટે આ જ નિકાલ કરી નાખવાનો. આપણે ઇન્ડિયનો, કેટલા ધણી બદલીએ ? આ એક જ કર્યો તે... જે મલ્યો એ સાચો. તેને ઊંચું મૂકી દેવાનો, કેસ ! અને પુરુષોને સ્ત્રી જેવી મલી હોય કકળાટ કરતી હોય તો પણ એની જોડે નિકાલ કરી નાખવો સારો. એ કંઈ પેટમાં બચકાં ભરવાની છે ? એ તો બહારથી બૂમાબૂમ કરે કે મોઢે ગાળો દે, પેટમાં પેસીને બચકાં ભરે ત્યારે આપણે શું કરીએ, એના જેવું છે આ બધું. રેડિયો જ છે. પણ આ તમને આમ ખબર ના પડે કે આ ખરેખર... તમને તો એમ જ લાગે કે આ ખરેખર એ જ કરે છે આ. પછી એનેય પસ્તાવો થાય છે, કે સાલું મારે નહોતું કહેવા જેવું ને કહેવાઈ ગયું. તો તો એ કરે છે કે રેડિયો કરે છે ? હમણે ડુંગર ઉપરથી આવડો પથરો પડે તો ક

ોની જોડે ચીડાઉં ? અને આ એક કાંકરી મારે તો !

આપણે સારું કહેવું. ઠીકેય ના બોલવું. કોઈ કહેશે, કેમનો છે તમારો સંસાર ? બહુ સારું છે બા. બધેય ઘેર માટીના ચૂલા હોય. પછી ત્યાં આગળ મોઢું બગડી ગયું હોય. આ તો વધતું-ઓછું જરા હોય બધું. તને કેમ લાગે ?

પ્રશ્શનકર્તા : બરાબર છે, વાત સાચી છે.

દાદાશ્રી : જો બીજી લાવે તો એવું ને એવું જ ને પણ.

પ્રશ્શનકર્તા : હાસ્તો.

દાદાશ્રી : ધણી બીજો કરો તો એવું ને એવું જ થાય બળ્યું. એના કરતાં હોય તેને નભાવીને કામ કાઢી લેવું. તને ગમી એ વાત ? આ શું દુઃખ ! આ ફોરેનર્સોને (પરદેશીઓ) બધું બદલાયા કરે, આપણે કંઈ ફોરેનર્સ છીએ ? આપણે તો આર્યપ્રજા કહેવાઈએ. શું કહેવાઈએ ?

પ્રશ્શનકર્તા : આર્યપ્રજા છે ! હા, ચોક્કસ.

દાદાશ્રી : એક ફેરો જેવો મલ્યો અને આંધળો ધણી મલ્યો તો ચલાવી લેતી'તી આર્યપ્રજા ! અગર પૈણ્યા પછી આંધળો થઈ જાય ત્યારે શું કરીએ ? ના ચલાવી લેવો પડે ? પણ આ ફોરેનવાળા ના ચલાવે, આપણે તો ચલાવવું પડે. આફ્ટર ઓલ હી ઈઝ એ ગુડ મેન ! (અંતે તો એ સારા માણસ છે.) હું બોલ્યો હતો તે એપ્રોપ્રિયેટ (યોગ્ય) જગ્યાએ એપ્રોપ્રિયેટ બોલાતું હતું. તે એક ભાઈએ વાત પકડી લીધી. આફ્ટર ઓલ (અંતે તો) એમને બહુ ગમ્યું.

એક જણીનો સંસાર મુંબઈમાં ફ્રેક્ચર થઈ જતો હતો. પેલાએ ખાનગી બીજો સંબંધ રાખ્યો હશે. અને આ બઈ, એ તો જાણી ગઈ એટલે ઝઘડા ઉત્પન્ન જબરજસ્ત થવા માંડ્યા. પછી મને બઈએ કહી દીધું, આ આવા છે, મારે શું કરવું ? મને નાસી છૂટવું છે ! મેં કહ્યું, એક પત્નીવ્રતનો કાયદો પાળતો હોય એવો મળે તો નાસી છૂટજે. નહીં તો બીજો કયો સારો મળશે ? આમ તો એક જ રાખી છેને ? ત્યારે કહે, હા, એક જ. ત્યારે મેં કહ્યું, બહુ સારું. લેટ ગો (ચલાવી લે) કર. મોટું મન કરી નાખ. તને બીજો આથી સારો ના મળે.

એક બેન કહેતી હતી કે મને ધણી સારો મળ્યો નથી એટલે મારી જિંદગી બગડી. મેં કહ્યું, સારો મળ્યો હોત તો જિંદગી સુધરી જાત ? મેં કહ્યું, આ તું જાણતી નહોતી કે આ કળિયુગ છે ? કળિયુગમાં તો ધણીએ સારો ના મલે. અને વહુએ સારી ના મલે. આ બધો માલ જ કચરો હોયને. માલ પસંદ કરવા જેવો હોય જ નહીં. માટે આ પસંદ કરવાનો નથી, આ તારે તો ઉકેલ લાવવાનો છે. આ કર્મોનો હિસાબ ચૂકતે કરવાનો છે તે ઉકેલ લાવવાનો છે. ત્યારે લોક લહેરથી જાણે ધણી-ધણિયાણી થવા ફરે છે. અલ્યા મૂઆ ઉકેલ લાવને અહીંથી. જે તે રસ્તે કલેશ ઓછો થાય એવી રીતે ઉકેલ લાવવાનો.

પ્રશ્શનકર્તા : એને દાદા એવો સંયોગ થયો હશે, તે હિસાબનો જ થયો હશે ને.

દાદાશ્રી : હિસાબ વગર તો આ ભેગું જ ના થાયને ?

પાંજરામાં ઢેબરું મૂકે, તે પછી જેટલાં પકડાયાં એટલાં સાચાં. તે લાલચુ ફસાય આ દુનિયામાં. લાલચ જ રાખવી નહીંને. આપણને જે મળ્યું એની પર ઠીક છે આપણે રોફ મારવો !!

આ બધા સુખને હારુ પૈણે છે, પણ મહીં દુઃખી થાય છે બિચારા કારણ કે સુખી થવું, દુઃખી થવું એ પોતાના હાથની વાત નથી. એ પૂર્વે કરેલાં કર્મનાં આધીન જ છે. એમાં છૂટકો નથી. એ ભોગવવાં જ પડશે.

સંસાર છે એટલે ઘા તો પડવાના જ ને ? ને બઈસાહેબ પણ કહેશે ખરાં કે હવે ઘા રૂઝાશે નહીં. પણ સંસારમાં પડે એટલે પાછા ઘા રૂઝાઈ જાય. મૂર્છિતપણું ખરું ને ! મોહને લઈને મૂર્છિતપણું છે. મોહને લઈને ઘા રૂઝાઈ જાય. જો ઘા ના રૂઝાય તો તો વૈરાગ્ય જ આવી જાય ને ? મોહ શેનું નામ કહેવાય ? બધા અનુભવ બહુ થયા હોય, પણ ભૂલી જાય. 'ડિવોર્સ' લેતી વખતે નક્કી કરે કે હવે કોઈ સ્ત્રીને પરણવું નથી, તોય ફરી પાછો ઝંપલાવે !

શાદી (લગ્ન) બે રૂપે પરિણામ પામે : કોઈ વખત આબાદીમાં જાય, તો કોઈ વખત બરબાદીમાં જાય. શાદી કરી, શાદીફળ ચાખ્યાં હવે 'વીતરાગ' રહેવાનું છે. આ તો આંબાના ફળ ચાખ્યાં કે ખાટાં છે તો પછી કાયમ નીચે બેસી રહેવું કે આવતે વર્ષે આંબો મીઠો થશે ? ના, એ તો કાયમ ખાટો જ રહેશે. એમ આ સંસાર એ ખાટો જ છે. પણ મોહને લીધે ભૂલી જાય છે. માર ખાધા પછી ફરી મોહ ચઢી જાય છે. એ જ ભુલભુલામણી છે. જો સ્વરૂપનું અજ્ઞાન ગયું ને 'સ્વરૂપજ્ઞાન' મળી જાય તો એ ભુલભુલામણી પજવે નહીં. 'જ્ઞાની પુરુષ' આત્મજ્ઞાન આપી દે એટલે ભુલભુલામણીમાંથી છૂટે ને મોક્ષનો સિક્કો વાગી જાય !

એટલે ધણીએ પાછા ખોળે છે વહુ સારી. અલ્યા મૂઆ, આ વખતમાં અત્યારે જેમ-તેમ નિકાલ લાવી નાખવાનો. અહીં ગાડીમાં બેસીએ ને, તે જોડે બેસનારોય સારો ના હોય પાંસરો. એ જરાક તમે સળી કરો ત્યારે ખબર પડે. માટે અત્યારે જેમ તેમ કરીને આ ગાડી પસાર કરવાની. અત્યારે કંઈ આ ફર્સ્ટ ક્લાસ છે ? સેકન્ડ ક્લાસ છે આ બધા ! જે ફર્સ્ટ ક્લાસ પેસેજન્ર ધણી હતા ને તે જુદા હતા. ત્યારે સ્ત્રીઓ છે તે સીતા જેવી હતી. ધણી રામના જેવા હતા ત્યારે તો, અત્યારે આ કંઈ બધા ફર્સ્ટ ક્લાસનો માલ છે ? શું કહો છો ? હં, અત્યારે તો કળિયુગનો માલ તે જેમ તેમ કરીને કલેશ ન વધે એવી રીતે નિકાલ કરી નાખવાનો. કલેશ તો થવાનો જ છે પણ ન વધે એવી રીતે નિકાલ કરી નાખવાનો.

પ્રશ્શનકર્તા : હું એમને બોલતો હતો કે આપણા પરિણિત જીવનમાં નવ્વાણું ટકા કજોડાં છે.

દાદાશ્રી : હંમેશાં જેને કજોડું કહેવામાં આવે છેને, કળિયુગમાં જો કજોડું થયેલું હોય તો એ કજોડું છે તો ઊંચે લઈ જાય કે કાં તો સાવ અધોગતિમાં લઈ જાય. બેમાંથી એક કાર્યકારી હોય અને સજોડું કાર્યકારી ના હોય. કજોડું થયું એટલે ઊંચી ગતિમાં લઈ જાય. અને સજોડું આમ રઝળપાટ તો કરાવડાવે જોડે જોડે !

પ્રશ્શનકર્તા : આ દુષમકાળની અંદર એનો પ્રભાવ જ એવો ને કજોડું હોય તો એ ઊંચે જવાની શક્યતાઓ કેટલી ?

દાદાશ્રી : ઓછી. આ કાળમાં નીચે જવાના વધારે. એટલે બધું આવું જ છે આ તો બધું. આ કાળ જ એવો છે. અમે કઈ રીતે જીત્યા છીએ એ અમે જ જાણીએ છીએ.

પ્રશ્શનકર્તા : એ જ બધાને જણાવો ને, એ જ બધાને જાણવું છે.

દાદાશ્રી : અત્યારેય હીરાબા અહીં આગળ નમસ્કાર કરી, દર્શન કરેને રોજ સવારમાં, રોજ રાત્રે દર્શન કરી, માથે પગ-બગ મેલાવડાવી અને પછી છે તે વિધિ કરે છે. અમારો અત્યારેય વ્યવહાર આવો છે. અમારો વ્યવહાર બગાડેલો નહીં ને.

કજોડાને શું હોવું જોઈએ કે એ બગડે તો આપણે શાંત રહેવું જોઈએ. જો આપણે ભારે છીએ તો. પણ એ બગડે ને આપણે બગડીએ એમાં રહ્યું શું ?

પ્રશ્શનકર્તા : પણ દાદા, એ જાતની સ્થિરતા ક્યાંથી લાવવી ? એવી સમજ ક્યારે આવે ?

દાદાશ્રી : હા, બરાબર છે, એ સ્થિરતા તો ના આવે. સમજણ ના આવે તેથી તો આ બધું અધોગતિમાં જનારો માલ છેને. તેથી અમે જ્ઞાન આપી દઈએને ઝટપટ.

હે ભારતીય ડિવોર્સ લેનાર!

આર્યત્વના ક્યાં ગયા સંસ્કાર!

પ્રશ્શનકર્તા : ડિવોર્સ એવા કયા સંજોગોમાં થાય કે ડિવોર્સ લેવાય ?

દાદાશ્રી : આ ડિવોર્સ તો હમણાં નીકળ્યું બળ્યું. પહેલાં ડિવોર્સ હતા જ ક્યાં તે ?

પ્રશ્શનકર્તા : અત્યારના તો થાય છે ને ? એટલે કયા સંજોગોમાં એ બધું કરવું ?

દાદાશ્રી : કંઈ મેળ પડતો ના હોય તો છૂટું થઈ જવું સારું. એડજસ્ટેબલ જ ના હોય તો છૂટું થઈ જવું સારું. અને નહીં તો અમે તો એક જ વસ્તુ કહીએ 'એડજસ્ટ એવરીવ્હેર' કારણ કે ગુણાકાર ગણવા ના જશો કે બે જણને 'આવો છે ને તેવો છે'.

પ્રશ્શનકર્તા : આ અમેરિકામાં જે ડિવોર્સ લે છે એ ખરાબ કહેવાય ? કે બનતું ના હોયને એ લોકો ડિવોર્સ લે છે તે ?

દાદાશ્રી : ડિવોર્સ લેવાનો અર્થ જ શું છે તે ! આ કંઈ કપ-રકાબીઓ છે ! કપ-રકાબીઓ વહેંચાય નહીં, એને ડિવોર્સ ના કરાય, તો આ માણસોનો સ્ત્રીઓનો તો ડિવોર્સ કરાતો હશે ? એ લોકોને અમેરિકનોને માટે ચાલે, પણ તમે તો ઇન્ડિયન કહેવાઓ. જ્યાં એક પત્નીવ્રત ને એક પતિવ્રતના નિયમો હતા. એક પત્ની સિવાય બીજી સ્ત્રીને જોઈશ નહીં એવું કહે, એવા વિચારો હતા. ત્યાં ડિવોર્સના વિચારો શોભે ? ડિવોર્સ એટલે આ એઠાં વાસણો બદલવાં. ખાધેલાં એઠાં વાસણ હોય તો બીજાને આપવાં પાછાં, પછી ત્રીજાને આપવાં, નર્યા એઠાં વાસણો બદલ્યા કરવાં એનું નામ ડિવોર્સ. ગમે છે તને ડિવોર્સ ?

કૂતરાં જાનવરો બધાંય ડિવોર્સવાળા છે અને આ પાછા માણસો એમાં પેઠા એટલે પછી ફેર શો રહ્યો ? માણસ બીસ્ટ (જાનવર) તરીકે રહ્યો. આપણા હિન્દુસ્તાનમાં તો એક લગ્ન કર્યા પછી બીજું લગ્ન નહોતા કરતા. એ જો પત્ની મરી જાય તો લગ્ન પણ ના કરે એવા માણસો હતા. કેવા પવિત્ર માણસો જન્મેલા !

પ્રશ્શનકર્તા : અહીંયાં અમેરિકામાં બધા જરાક કંઈક થાય ને તરત છૂટાછેડા લઈ લે છે. તો એમની ગયા ભવની ભડક પેસી ગયેલી હશે એટલે લે છે એ ?

દાદાશ્રી : ના, બેભાનપણામાં, ભાન જ નથી ને ! અરે, છૂટાછેડા લેનારાને હું કલાકમાં સમો કરી આલું પાછો ! છૂટાછેડા લેવાના હોય ને, તેને મારી પાસે લાવે તો હું એક જ કલાકમાં સમા કરી આલું. એટલે પાછા એ બેઉ જણા ચોંટી જ રહે. ખાલી ભડક અણસમજણની. ઘણા છૂટા પડી ગયેલા રાગે પડી ગયા આમાં.

ઘણા લોક તો એમ કહે, અમે તૈયારીમાં જ હતા. અને તમે ભેગા કરી આપ્યા. તે હવે બે વગર અમને ગમતું નથી, કહે છે. સમજવામાં ભૂલ છે. સમજતાં જ નથી આવડતું, બોલતાં જ નથી આવડતું.

હિન્દુસ્તાનમાં કઈ ફેમિલીમાં ઝઘડા નથી ઘરમાં ? તો મારે કેટલાક વખત તો બેઉને સમજણ પાડી પાડીને રાગે પાડી દેવું પડે. છૂટાછેડા લેવાની તૈયારીઓ જ ચાલતી હોય. કેટલાય માણસોને આવું ! શું થાય તે પણ ? છૂટકો જ નહીં ને ! અણસમજણથી બધું છૂટું થઈ જાય અને પોતાનું ઝાલેલું છોડે નહીં અને અણસમજણની વાત હોય બધી. એમાં પછી હું સમજણ પાડું ત્યારે કહેશે, ના. ત્યારે તો એવું નથી, એવું નથી.

પ્રશ્શનકર્તા : આમેય ભેગા હોય પણ છૂટા જેવા જ રહેતા હોય.

દાદાશ્રી : એવું છૂટાછેડા જેવું જ.

પ્રશ્શનકર્તા : તમે બધાને ભેગા કરી આલ્યા.

દાદાશ્રી : એક અવતાર નભે કે ના નભે ? ઉકેલ લાવોને જ્યાં ત્યાંથી. એક અવતાર માથે પડ્યા તો માથે પડેલાની જોડે ઉકેલ ના લાવવો જોઈએ !

આપણા સંસ્કાર છે આ તો. લડતા લડતા એંસી વર્ષ થાય બેઉને, તોય પણ મરી ગયા પછી તેરમાને દા'ડે સરવણી કરે. સરવણીમાં કાકાને આ ભાવતું હતું, તે ભાવતું હતું, બધું મુંબઈથી મંગાવીને મૂકે. ત્યારે એક છોકરો હતોને, તે કાકીને કહે છે, એંસી વર્ષના કાકીને, 'માજી, આ કાકાએ તો તમને છ મહિના ઉપર પાડી નાખ્યા હતા. તો તમે તે ઘડીએ અવળું બોલતા હતા કાકાનું.' 'તોય પણ આવા ધણી ફરી નહીં મલે', કહે છે. એવું કહે એ ડોસીમા. આખી જિંદગીના અનુભવમાં ખોળી કાઢે કે પણ અંદરખાને બહુ સારા હતા. આ પ્રકૃતિ વાંકી હતી પણ અંદરખાને....

પ્રશ્શનકર્તા : સારા હતા.

દાદાશ્રી : એટલે આવા ધણી ફરી નહીં મલે એવી શોધખોળ કરતાં આવડે. કેટલી ત્યારે શોધખોળ બધી હશે ? ખબર ના પડે ભઈ, અંદરખાને કેવા હતા તે ! આ તો બધી પ્રકૃતિ, આ. ચીડાય છે એ બધું. પણ આ આપણા હિન્દુસ્તાનના સંસ્કાર ! કે માજી શું કહે છે ? પાડી નાખ્યા એ વાત જુદી હતી, પણ મને એવા ધણી નહીં મલે ! આ હિન્દુસ્તાનનું આર્ય નારીત્વ !

અને ફોરેનમાં તો મેરી જોડે પૈણીને આવ્યો વિલિયમ અને પાંચ-સાત દહાડા પછી ટેબલ ઉપર મતભેદ પડે એટલે પેલો કહેશે, યુ, યુ, યુ (તું) પેલો ઘોંઘાટે આમ. ત્યારે પેલીનોય પછી મિજાજ જાય. યુ, યુ, યુ એ બચકાં ભરે પાછી. ત્યાર હોરો પેલો બંદુક લઈ આવે મૂઓ ! એટલે ત્યાંથી જ 'ડિવોર્સ' થઈ જાય. એ ક્યાં ને આપણે આર્યો ક્યાં ? અનાર્ય પ્રજા એ અનાડી નથી. એ અનાર્ય છે, આપણે આર્યો અને આર્યોમાં જે અત્યારે બગડી ગયેલો માલ છે એ બધા અનાડી થઈ ગયા છે. ત્યારે આપણાં લોક કહે છે, અનાડી જેવો છે. ત્યારે મેં કહ્યું એ જ અનાડી. અનાર્ય માણસને અલંકારિક ભાષામાં ન બોલવું હોય તો અનાડી મૂઓ છે કહેવાય.

લોક આપણી નોંધ કરે એવું જીવન હોવું જોઈએ આપણું. આપણે ઈન્ડિયન છીએ. આપણે અમેરિકન નથી. આપણે સ્ત્રીને નભાવીએ. સ્ત્રી આપણને નભાવે, એમ કરતાં કરતાં એંસી વર્ષ સુધી ચાલે. અને પેલી (ફોરેનર્સ) તો એક કલાક ના નભાવે અને પેલોય કલાક ના નભાવે. આપણે ઈન્ડિયન છીએ, આપણે સંસ્કારી પુરુષો છીએ. આપણે આર્ય પ્રજા છીએ. અનાડીપણું દેખાય તે બહુ ખોટું દેખાય. એમના આચાર-વિચાર, ખોરાક-બોરાક બધામાં ફેરફાર, અનાર્ય જેવો અને આપણો ખોરાક આર્યનો. પણ એ અનાર્ય તો અનાડી થયા નથી પણ આપણા લોકો અનાડી થઈ ગયા. તે આ બધું ના શોભે આપણને. જે શોભે નહીં એ કાર્ય કરીએ તો આપણી જે ડિઝાઈન (ચિત્ર) હતી એ બદલાઈ જાય. આર્ય પ્રમાણે ડિઝાઈન હતી એ પણ બદલાઈ જાય. એટલે જીવન ફેરવવું જોઈએ કે ના ફેરવવું જોઈએ બેન ?

પ્રશ્શનકર્તા : ફેરવવું જોઈએ.

દાદાશ્રી : એ જ હું ફેરવવાવાળો છું. જીવન જીવતાં શીખો, સુખી થાવ બધાં, છોકરા સારા થાય, છોકરાઓને સંસ્કાર સારા પડે.

પ્રશ્શનકર્તા : અમારું કંઈક જોઈ કાઢ્યું લાગે છે તમે.

દાદાશ્રી : અમને જ્ઞાનીઓને બધું મહીં દેખાય, અંદર દેખાય બધું. આ બધું શું ચાલી રહ્યું છે તે. એટલે પછી અમે કહી દઈએ બધું અને પછી ફેરફાર કરી આલીએ !

કળિયુગમાં બગડે સંસાર,

બગડી બાજી જ્ઞાનથી સુધાર!

સહુ સહુની પ્રકૃતિના ફટાકડા ફૂટે છે. આ ફટાકડા ક્યાંથી આવ્યા ?

પ્રશ્શનકર્તા : સહુ સહુની પ્રકૃતિના છે.

દાદાશ્રી : અને આપણે જાણીએ કે 'આ જ ફૂટશે' ત્યારે સુરસુરિયું જ થઈ ગયું હોય ! સુરસુર.... સુરસુરિયું થઈ જાય. તે મૂઓ સુરસુરિયો થઈ જાય કે ?

પ્રશ્શનકર્તા : થાય, દાદા.

દાદાશ્રી : હા. એટલે આને એડજસ્ટ કરી લો. જ્ઞાન ના હોય ત્યાં સુધી ના ચાલે એ પાછું, મારે સમજણ પાડ પાડ કરવી પડે રોજ, વ્યવહારિકતા, પણ હવે આપણું જ્ઞાન મળ્યા પછી વ્યવહારિક જ્ઞાન ના હોય તેને મારે બહુ માથાકૂટ કરવી પડે. આશીર્વાદ આપવા પડે, પણ તમે કંટ્રોલેબલ થઈ ગયા હવે.

એટલે હવે હું આવતી સાલ આવું તે પહેલાં તમારે કહી દેવાનું કે 'અમે બે એક જ છીએ, દાદા જોઈ લો', કહીએ, આવતી સાલ આ ભવાડા ના થવા જોઈએ. બધે જ્યાં ને ત્યાં ભવાડા થાય. કેટલા દહાડા ઢાંક ઢાંક કરીએ, બધે ભવાડા ત્યાં ?! હવે એ ના હોવા જોઈએ. દાદાનું વિજ્ઞાન આપણી પાસે આવ્યું. શાંતિનો ઉપાય આપ્યો, આનંદનો ઉપાય !

અને મન બૂમ પાડે 'કેટલું બધું બોલી ગયા, કેટલું બધું એ થઈ ગયું.' ત્યારે કહે, 'સૂઈ જાને, એ હમણે રૂઝાઈ જશે' કહીએ. રૂઝાઈ જાય તરત... છે ને, તે ખભા થાબડીએ એટલે સૂઈ જાય. તારે રૂઝાઈ ગયું ને બધું ! નહીં ? ઘા પડેલા તે ?

પ્રશ્શનકર્તા : હા.

દાદાશ્રી : બઈએ ઘા પાડ્યા, ધણીએ ઘા પાડ્યા, બધાએ ઘા પાડ પાડ કર્યા ! તે બધા ઘા પાડેલા બધા રૂઝાઈ ગયા, એ એવા હસે છે બધા દાંત દેખાય ! કેવા ઘા પાડતા'તા નહીં ? અરે ટોણા મારે !! ટોણા આ પાછા મેણા જુદા. આ અમેરિકનો ને મેણા ટોણા ના આવડે. આ અક્કલના કોથળાઓને બહુ મેણા-ટોણા આવડે. તમે મેણાં-ટોણાં સાંભળેલા ? પિયરમાં શું દુઃખો પડ્યા, એ બધું પોતાની પાસે નોંધ હોયને ? એ ઘા જલદી રૂઝાય નહીંને જલદી ? અને જ્ઞાની પુરુષ પાસે તો અહીં દુઃખ હોય જ નહીંને ! દુઃખ હોય તોય જતું રહે ! ઘા બધા રૂઝાઈ જાય !

પ્રશ્શનકર્તા : ઝઘડો થાય તો પણ ભરેલો માલ નીકળે ?

દાદાશ્રી : ઝઘડો થાય ત્યારે મહીં નવો માલ પેસે. પણ તે આ આપણું જ્ઞાન આપ્યા પછી ભરેલો માલ નીકળી જાય.

પ્રશ્શનકર્તા : આમ તો માણસ ઝઘડો કરતો હોયને તો હું પ્રતિક્રમણ કરતી હોઉં તો ?

દાદાશ્રી : વાંધો નહીં.

પ્રશ્શનકર્તા : તો ભરેલો માલ નીકળી જાયને બધો ?

દાદાશ્રી : તો તો બધો નીકળી જાય. પ્રતિક્રમણ જ્યાં હોય ત્યાં માલ નીકળી જાય. પ્રતિક્રમણ એકલો જ ઉપાય છે આ જગતમાં.

પ્રશ્શનકર્તા : ફેરફાર થાય એટલે સમજાય, દાદા સાચા જ છે. તો જ ફેરફાર થાય.

દાદાશ્રી : તારામાં થયોને.

પ્રશ્શનકર્તા : હા, એમનું તેલ કાઢી નાખતી. મેં કહ્યું, દાદા ના મળ્યા હોત તો ડિવોર્સ કરતે કદાચ.

દાદાશ્રી : એમ ? દરેકના ઘરમાં શાંતિ થઈ ગઈ ! શાંતિ નહોતી તે થઈ ગઈ !

ધણી વઢે તો શું કરું તું હવે ?

પ્રશ્શનકર્તા : સમભાવે નિકાલ કરી દેવાનો.

દાદાશ્રી : એમ ! જતી ના રહું હવે ?

પ્રશ્શનકર્તા : ના.

દાદાશ્રી : એ જતા રહે ત્યારે શું કરું તું હવે ? મને તારી જોડે નહીં ફાવે તો ?

પ્રશ્શનકર્તા : બોલાવી લાવવાના. માફી માંગીને પગે લાગીને બોલાવી લાવવાનું.

દાદાશ્રી : હા. બોલાવી લાવવાના. અટાવી-પટાવીને માથે હાથ મૂકી, માથે હાથ ફેરવી.... આમ આમેય કરવું કે ચૂપ પાછું.

અક્કલથી જ કામ થતું હોય તો અક્કલ વાપરવી. પછી બીજે દહાડે આપણને કહે, 'જો મારા પગને અડી હતીને ?' તો એ વાત જુદી હતી કહીએ. તમે કેમ ભાગી જતા'તા, ગાંડાં કાઢતા હતા, તેથી અડી, એ જાણે કે આ કાયમને માટે અડી એ તો તત્પુરતી. ઓન ધી મોમેન્ટ (તત્ક્ષણ) હતી !!

પ્રશ્શનકર્તા : દાદા, મારે તો પહેલી વાઇફ હતી એની જોડે દસ વર્ષ સુધી કોર્ટ ચાલી.

દાદાશ્રી : પછી ?

પ્રશ્શનકર્તા : પછી સહુ સહુને ઘેર.

દાદાશ્રી : પછી આ વાઇફની કોર્ટ નથી થઈને ?

પ્રશ્શનકર્તા : ના.

દાદાશ્રી : તો એટલી સારી કહેવાય ને ?

પ્રશ્શનકર્તા : એટલા એના મા-બાપના સંસ્કાર.

દાદાશ્રી : નહીં. તમારું પુણ્ય સારું જોર કરે છે.

પહેલી સદી નહીં, પણ બીજી સદી ને !

 

ભાગ
1-2 -3 - 4 - 5 - 6 - 7 - 8 - 9 - 10 - 11 - 12