ભાગ
1-2 -3 - 4 - 5 - 6 - 7 - 8 - 9 - 10 - 11 - 12

(૨૧)

સપ્તપદીનો સાર ?...

સંસારના સર્વે ખાતામાં ખોટ,

'જ્ઞાની' મળ્યે, ન રહે ક્યાંય ઓટ!

આ જીવનનો હેતુ શું હશે, એ સમજાય છે ? કંઈક હેતુ તો હશે ને ? નાના હતા, પછી ઘૈડા થાય છે ને પછી નનામી કાઢે છે. નનામી કાઢે છે ત્યારે આપેલું નામ લઈ લે છે. અહીં આવે કે તરત નામ આપવામાં આવે છે, વ્યવહાર ચલાવવા ! જેમ ડ્રામામાં ભર્તૃહરિ નામ આપે છે ને ? 'ડ્રામા' પૂરો એટલે નામ પૂરું. એમ આ વ્યવહાર ચલાવવા નામ આપે છે અને એ નામ ઉપર બંગલા, મોટર, પૈસો રાખે છે અને નનામી કાઢે છે ત્યારે એની જપ્તી થઈ જાય છે. લોકો જીવન ગુજારે છે ને પછી ગુજરી જાય છે ! આ શબ્દો જ 'ઇટસેલ્ફ' કહે છે કે આ બધી અવસ્થાઓ છે, ગુજારો એટલે વાટખર્ચી ! હવે આ જીવનનો હેતુ મોજશોખ હશે કે પછી પરોપકાર માટે હશે ? કે પછી શાદી કરીને ઘર ચલાવવું એ હેતુ છે ? આ શાદી તો ફરજિયાત હોય છે. કોઈને ફરજિયાત શાદી ન હોય તો શાદી ના થાય. પણ ના છૂટકે શાદી થાય છે ને ? આ બધું શું નામ કાઢવાનો હેતુ છે ? આગળ સીતા ને એવી સતીઓ થઈ ગયેલી, તે નામ કાઢી ગયેલી. પણ નામ તો અહીંનું અહીં જ રહેવાનું છે, ને જોડે શું લઈ જવાનું છે ? તમારી ગૂંચો !

જીવન જીવવાની કળા આ કાળમાં ના હોય. મોક્ષનો માર્ગ તો જવા દો, પણ જીવન જીવતાં તો આવડવું જોઈએને ? વાતો જ સમજવાની છે કે આ રસ્તે આવું છે ને આ રસ્તે આવું છે. પછી નક્કી કરવાનું છે કે કયે રસ્તે જવું ? ના સમજાય તો 'દાદા'ને પૂછવું, તો 'દાદા' તમને બતાવશે કે આ ત્રણ રસ્તા જોખમવાળા છે ને આ રસ્તો બિનજોખમી છે તે રસ્તે અમારા આશીર્વાદ લઈને ચાલવાનું છે.

પૈણેલા જાણે કે આપણે તો આ ફસાયા, ઊલટા ! ના પૈણેલા જાણે કે આ લોકો તો ફાવી ગયા ! આ બન્ને વચ્ચેનો ગાળો કોણ કાઢી આપે અને પૈણ્યા વગર ચાલે એવુંય નથી આ જગત ! તો શા માટે પૈણીને દુઃખી થવાનું ત્યારે કહે, દુઃખી નથી થતા, એક્સ્પીરીયન્સ (અનુભવ) લે છે. સંસાર સાચો છે કે ખોટો છે, સુખ છે કે નથી ? એ હિસાબ કાઢવા માટે સંસાર છે. તમે કાઢ્યો થોડોક હિસાબ ચોપડામાં ?

પ્રશ્શનકર્તા : મેં હિસાબ નથી કાઢ્યો.

દાદાશ્રી : એ હિસાબે કાઢવાનો. અમે આખી જિંદગી હિસાબ જ કાઢ-કાઢ કર્યો. મને સમજાઈ ગયું કે આ બધા ખાતાં ખોટનાં છે. વેપાર અવળો પકડ્યો છે આપણે ! ત્યાર પછી ઇન્ડિપેન્ડન્ટ (સ્વતંત્ર) થવાયું.

આખું જગત ઘાણી સ્વરૂપ છે. પુરુષો બળદની જગ્યાએ છે ને સ્ત્રીઓ ઘાંચીની જગ્યાએ છે. પેલામાં ઘાંચી ગાય ને અહીં સ્ત્રી ગાય ને બળદિયો આંખે દાબડા ઘાલીને તાનમાં ને તાનમાં ચાલે ! ગોળ ગોળ ફર્યા કરે. તેવું આખો દહાડો આ બહાર કામ કરે. તે જાણે કે, કાશીએ પહોંચી ગયા હોઈશું !! તે દાબડા ખોલીને જુએ તો ભાઈ ઠેરના ઠેર !! પછી એ બળદને શું કરે પેલી ઘાંચી ! પછી ખોળનું ઢેફું બળદિયાને ખવડાવે એટલે બળદિયો ખુશ થઈને ફરી ચાલુ થઈ જાય પાછો. તેમ આમાં આ બૈરી હાંડવાનું ઢેફું આપી દે એટલે ભાઈ નિરાંતે ખઈને ચાલુ !

બાકી આ દહાડા શી રીતે કાઢવા એય મુશ્કેલ થઈ પડ્યું છે. ધણી આવે ને કહેશે કે, 'મારા હાર્ટમાં દુઃખે છે.' છોકરાં આવે ને કહેશે કે, 'હું નાપાસ થયો.' ધણીને હાર્ટમાં દુઃખે છે ત્યારે એને વિચાર આવે કે 'હાર્ટ ફેઈલ' થઈ જશે તો શું થશે, બધા જ વિચારો ફરી વળે. જંપવા ના દે.

'જ્ઞાની પુરુષ' આ સંસાર-જાળમાંથી છૂટવાનો રસ્તો દેખાડે. મોક્ષનો માર્ગ દેખાડે અને રસ્તા ઉપર ચઢાવી દે અને આપણને લાગે કે આપણે આ ઉપાધિમાંથી છૂટ્યા !

પૈણ્યાની કિંમત ક્યારે હોત?

લાખોમાં કોઈ એક જ પરણત!

પૈણવાની કિંમત ક્યારે હોત ? લાખો માણસોમાં એકાદ જણને પૈણવાનું મળ્યું હોય તો. આ તો બધા જ પૈણે એમાં શું ? સ્ત્રી-પુરુષનો (પરણ્યા પછીનો) વ્યવહાર કેમ કરવો, એની તો બહુ મોટી કૉલેજ છે, આ તો ભણ્યા વગર પૈણી જાય છે.

તમારે મોક્ષે જવું હોય તો જજો ને ના જવું હોય તો ના જશો, પણ અહીં તમારી ગૂંચોના બધા જ ખૂલાસા કરી જાઓ. અહીં તો દરેક જાતના ખૂલાસા થાય. આ વ્યવહારિક ખૂલાસા થાય છે તોય વકીલો પૈસા લે છે ! પણ આ તો અમૂલ્ય ખૂલાસો, એનું મૂલ્ય ના હોય. આ બધો ગૂંચાળો છે ! અને તે તમને એકલાને જ છે એમ નથી, આખા જગતને છે. 'ધ વર્લ્ડ ઈઝ ધ પઝલ ઇટસેલ્ફ'. આ 'વર્લ્ડ' 'ઇટસેલ્ફ પઝલ' થયેલું છે.

પ્રશ્શનકર્તા : એક લેખકે કહ્યું છે કે આ લગ્ન એક એવો કિલ્લો છે કે જે બહાર છે એ અંદર જવા ઇચ્છે છે અને અંદર જે છે એ બહાર નીકળવા ઇચ્છે છે.

દાદાશ્રી : હા, પણ શું કરે એ ! એવું છેને કે... એક માણસને, એક દાખલો આપું અહીં તમારો ગોખલો હોયને, ગોખલો. એક ગોખલામાં નાનો વીંછી બેસી રહેલો. હવે અહીં આગળ એક માણસને કંઈ વૉમિટ કે એવું તેવું કશું થઈ ગયું કે જેને માટે ભમરીના દરની જરૂર પડી. કશુંક દર્દ એવું થઈ ગયું કે ભમરીનું દર જો કદી એને આમ દર ઘસીને આપેને, તો બેસી જાય એ. તે પછી પેલા ભાઈની તબિયત બગડેલી. તે એને કહ્યું કે ભઈ અહીં ભમરીનું દર ખોળી કાઢો. પછી ગોખલામાં ભમરીનું દર દેખાયું એટલે હાથ ઘાલ્યો આમ, ઊંચા પગ કરીને હાથ ઘાલ્યો, તે ભમરી તો એના દરમાં હતી નહીં. પણ ત્યાં વીંછી બેસી રહેલો. તેણે ડંખ માર્યો. હવે ડંખ માર્યો એટલે પેલો પાછો આવ્યો કે બળ્યું મારાથી ઊખડી નહીં, કહે છે. બીજો કહે છે, મૂર્ખ એટલું ના ઊખડ્યું ! લે ઊખાડી આપું, કહે છે. તે પેલાએ હાથ ઘાલ્યો અને વીંછીએ ડંખ માર્યો તો એણે કહ્યું કે મને કેમ કહ્યું નહીં ! ત્યારે કહે, ના એ તું તો અક્કલવાળો છુંને, આ તારી અક્કલ તને દેખાડી આપું. એવું આ જગત છે !

વેર ચૂકવાય જ્યાં, તે સંસાર,

પ્રમાણપત્ર વિનાના ભરથાર!

આ સંસાર બધો હિસાબ ચૂકવવાનું કારખાનું છે. વેર તો સાસુ થઈને, વહુ થઈને, છોકરો થઈને, છેવટે બળદ થઈને પણ ચૂકવવું પડે. બળદ લીધા પછી રૂપિયા બારસો ચૂકવ્યા પછી બીજે દિવસે એ મરી જાય ! એવું છે આ જગત !! અનંત અવતાર વેરમાં ને વેરમાં ગયા છે ! આ જગત વેરથી ખડું રહ્યું છે ! આ હિન્દુઓ તો ઘરમાં વેર બાંધે અને આ મુસ્લિમોને જુએ તો એ ઘરમાં વેર ના બાંધે, બહાર ઝઘડો કરી આવે. એ જાણે કે આપણે તો આની આ જ ઓરડીમાં આની જ જોડે રાતે પડી રહેવાનું છે, ત્યાં ઝઘડો કર્યે કેમ પાલવે ? જીવન જીવવાની કળા શું છે કે સંસારમાં વેર ના બંધાય ને છૂટી જવાય. તે નાસી તો આ બાવા-બાવલીઓ જાય છે જ ને ? બાકી નાસી ના જવાય. આ તો જીવનસંગ્રામ છે, જન્મથી જ સંગ્રામ ચાલુ ! ત્યાં લોક મોજમઝામાં પડી ગયું છે.

ભયંકર આંધીઓનો આવે કાળ,

જ્ઞાની ચેતવે શ્રદ્ધાથી કર પાર!

કાળ વિચિત્ર આવી રહ્યો છે. આંધીઓ ઉપર આંધીઓ થવાની છે ! માટે ચેતતા રહેજો. આ જેમ પવનની આંધીઓ આવે છે ને તેવી કુદરતની આંધી આવી રહી છે. મનુષ્યોને માથે મહામુશ્કેલીઓ છે. શેના આધારે જીવી રહ્યા છે, તેની પોતાને સમજણ નથી. પોતાની જાતની શ્રદ્ધા પણ જતી રહી છે ! હવે શું થાય ?

જેને પોતાની જાત ઉપર વિશ્વાસ છે તેને આ જગતમાં બધું જ મળે એવું છે, પણ આ વિશ્વાસ જ નથી આવતો ને ! કેટલાકને તો એય વિશ્વાસ ઊડી ગયો હોય છે કે 'આ વાઇફ મારી જોડે રહેશે કે નહીં રહે ? પાંચ વરસ નભશે કે નહીં નભે ?' અલ્યા, આ પણ વિશ્વાસ નહીં ? વિશ્વાસ તૂટ્યો એટલે ખલાસ. વિશ્વાસમાં તો અનંત શક્તિ છે. ભલેને અજ્ઞાનતામાં વિશ્વાસ હોય. 'મારું શું થશે' થયું કે ખલાસ ! આ કાળમાં લોક બગવાઈ ગયેલા હોય છે. દોડતો દોડતો આવતો હોય તેને પૂછીએ કે 'તારું નામ શું છે ?' તો એ બગવાઈ જાય !

આ રીતે કેમ પોષાય તે ? અનંત શક્તિનો ધણી મહીં બેઠો છે અને આ દશા આવી હોતી હશે ? પણ આવડ્યું નહીં તેનું આ થયું, વહુ થતાં ના આવડ્યું, બાપ થતાં ના આવડ્યું, છોકરો થતાં ના આવડ્યું, કશી બાબતમાં આવડ્યું નહીં. તેની જ આ ડખલ છે.

ધર્મ વસ્તુ તો પછી કરવાની છે પણ પહેલી જીવન જીવવાની કળા જાણો ને શાદી કરતાં પહેલાં બાપ થવાનું લાયકાતપત્ર મેળવો. એક 'ઇન્જિન' લાવીએ, એમાં પેટ્રોલ નાખીએ અને ચલાવ-ચલાવ કરીએ, પણ એ 'મિનિંગ-લેસ' જીવન શું કામનું ? જીવન તો હેતુસર હોવું જોઈએ. આ તો 'ઇન્જિન' ચાલ્યા કરે, ચાલ્યા જ કરે, એ નિરર્થક ના હોવું જોઈએ. એને પટ્ટો જોડી આપે તોય કંઈક દળાય. પણ આ તો આખી જિંદગી પૂરી થાય છતાં કશું દળાતું નથી અને ઉપરથી આવતા ભવના વાંક ઊભા કરે છે !!

આ તો બધું બનાવટી જગત છે ! ને ઘરમાં કકળાટ કરી, રડી અને પછી મોઢું ધોઈને બહાર નીકળે !! આપણે પૂછીએ, 'કેમ નગીનદાસ ?' ત્યારે એ કહે, 'બહુ સારું છે', અલ્યા, તારી આંખમાં તો પાણી છે. મોઢું ધોઈને આવ્યો હોય. પણ આંખ તો લાલ દેખાય ને ? એના કરતાં કહી નાખને કે મારે ત્યાં આ દુઃખ છે. આ તો બધા એમ જાણે કે બીજાને ત્યાં દુઃખ નથી, મારે ત્યાં જ છે. ના, અલ્યા બધા જ રડ્યા છે. એકેએક ઘેરથી રડીને મોઢાં ધોઈને બહાર નીકળ્યા છે. આય એક અજાયબી છે ! મોઢાં ધોઈને શું કામ નીકળો છો ? ધોયા વગર નીકળે તો લોકોને ખબર પડે કે આ સંસારમાં કેટલું સુખ છે ? હું રડતો બહાર નીકળું, તું રડતો બહાર નીકળે, બધા રડતા બહાર નીકળે એટલે ખબર પડી જાય કે આ જગત પોલું જ છે. નાની ઉંમરમાં બાપ મરી ગયા તે સ્મશાનમાં રડતા રડતા ગયા ! પાછા આવીને નહાયા એટલે કશું જ નહીં ! નહાવાનું આ લોકોએ શીખવાડેલું, નવડાવી-ધોવડાવીને ચોખ્ખો કરી આપે ! એવું આ જગત છે !! બધા મોઢાં ધોઈને બહાર નીકળેલા, બધા પાકા ઠગ. એના કરતાં ખુલ્લું કર્યું હોય તો સારું.

સંસાર જ્યમ શક્કરિયું ભરહાડે,

ક્યાંથી સુખ એમાં ? ભ્રાંતિમાં પાડે!

આ સંસારમાં તો મહીં જ ધબડકો પડે. ઘડીવાર શાંતિ નહીં ને પાછો રહેતો બબ્બે લાખના ફ્લેટમાં. મૂઆ શી રીતે જીવે છે તેય અજાયબી છેને ! પણ કરે શું ? દરિયામાં પડે ? તેય સરકારી ગુનો છે. ભોગવ્યે જ છૂટકો થાય ને ! શક્કરિયું ભરહાડમાં બફાય તેમ લોક ચોગરદમથી રાતદા'ડો બફાયા કરે છે. તે આ ભરહાડમાંથી ક્યાં નાસે ? 'જ્ઞાની પુરુષ' પાસે બેઠો એટલે અગ્નિ શાંત થાય ને કામ નીકળે. સંસાર તો પ્રત્યક્ષ અગ્નિ છે. કોઈને લહાય બળે તો કોઈને ઝાળ લાગે ! આમાં તે સુખ હોતું હશે ? આમાં જો સુખ હોત તો ચક્રવર્તી રાજાઓ ૧૩૦૦ રાણીઓ છોડીને નાસી ના ગયા હોત ! એનો જ તો ભારે ત્રાસ એમને ! તેથી તો છોડીને નાસી ગયા. રાજપાટ ને વૈભવ છોડીને 'જ્ઞાની'ની પાછળ દોડેલા ! ને આજે એક જ રાણી છોડતો નથી ! ને આવા કળિયુગના કાળમાં રાણી તો કેવી હોય કે સવારના પહોરમાં આવડી મોટી ચોપડે ! 'સવારમાં શાને ચા ઢીંચો છો ?'

સંસારની વિકરાળતા જો સમજાઈ જાય તો મોક્ષની ઇચ્છા તીવ્ર થાય. સંસારની વિકરાળતા એ તો મોક્ષ માટેનું કાઉન્ટર-વેઇટ (સમકક્ષીય તોલ) છે. આજે વિકરાળતા લાગે છે, છતાંય પાછો મૂર્છાથી મૂઢ માર ખાય છે. પાછું લાગે કે હશે ભાઈ, આવતી કાલે સુધરશે. પિત્તળ સુધરીને સોનું થશે ખરું ? ના. એ તો ક્યારેય પણ સોનું ના થાય. તેથી આવા સંસારની વિકરાળતા સમજી લેવાની છે. આ તો એમ જ સમજે છે કે આમાંથી હું કંઈ સુખ લઈ આવું છું. આમ કરીશ એટલે કંઈક સુખ મળશે. પણ ત્યાંય માર ખાય છે. આ વિકલ્પી સુખો માટે ભટક ભટક કરે છે, પણ બૈરી સામી થાય ત્યારે એ સુખની ખબર પડે કે આ સંસાર ભોગવવા જેવો નથી. પણ આ તો તરત જ મૂર્છિત થઈ જાય ! મોહનો આટલો માર ખાય છે, તેનું ભાન પણ રહેતું નથી.

અપમાન ભૂલ્યે વૈરાગ ક્યાંથી,

સંસાર ફસામણ, ન કો' સાથી!

આ સંસારમાં બધાએ એવો માર ખાધેલો છે, તોય પણ વૈરાગ નથી આવતો એય એક અજાયબી છે ને ? એવો ને એવો માર, કોઈ બીજી જાતનો, ત્રીજી જાતનો, બધો સંસાર માર જ ખાય છે. માર એટલે લપકા કરે, તુંકારા કરે, મતભેદ પડે, એય માર કહેવાય. છતાંય વૈરાગ નથી આવતો.

વૈરાગ એટલે પોતે જે માર ખાધેલો તે યાદ આવે તે. યાદ આવે તો વૈરાગ થાય. યાદ જ ના આવે તો પછી વૈરાગ શી રીતે થાય ? સમજાયું તમને કે ના સમજાયું ?

પ્રશ્શનકર્તા : 'યાદ આવે તે વૈરાગ' એ મારા મગજમાં બેસતું ન હતું.

દાદાશ્રી : યાદ જ ના આવે તેને પછી વૈરાગ શાનો આવે ? રોજ ગાળો ભાંડે ને સાંજે યાદ ના આવે તો વૈરાગ શાનો આવે ? મને તો જ્ઞાન થતાં પહેલાં એટલું બધું યાદ રહેતું હતું કે બધી બાબતમાં નિરંતર વૈરાગ જ રહેતો હતો.

પ્રશ્શનકર્તા : એટલે જેટલી યાદશક્તિ એટલો વૈરાગ.

દાદાશ્રી : હા, બરાબર છે. આ લોકો સંડાસ રોજ જાય છે, પણ કોઈ દહાડો વૈરાગ કોઈને જોયો તમે ? યાદશક્તિ જ નહીં તેથી. બહાર નીકળે કે પછી બધું ભૂલી ગયો પાછું ! બેભાન લોકોને શું પૂછવાનું ? અને ભાનવાળો તો ભૂલે જ નહીં કે આવું સાલું એંઠવાડો ને આ જાતનું જીવન ! અને તેમાં તે પછી હાથ ઘાલે જ નહીં ને.

પ્રશ્શનકર્તા : પણ યાદશક્તિ એ તો રાગ-દ્વેષથી ઊભી થાય છે ને ?

દાદાશ્રી : એ વાત જુદી છે. આ તો આ દશાની વાત કરીએ.

મને હીરાબાએ એક ફેરો અપમાન કર્યું હોય વખતે એમ માનોને, તો આખી જિંદગી હું ચૂકું નહીં. અને 'વૈરાગે'ય લઈ લઉં, વારેય નહીં કંઈ. અપમાન ગળવા માટે સંસાર છે ? આટલી બધી કડકાઈ જોઈએ. આમ કેમ પોલંપોલ ચાલે એ ? અપમાન કરે તે ઘડીએ કડવાટ લાગે અને પછી ભૂલી જવાનું ? કડવાટ લાગે ને ભૂલે, એ માણસ તે માણસ જ કેમ કહેવાય ? એક ફેરો કડવાટ લાગ્યો ને પછી ભૂલી કેમ જવાય ? શેના આધારે ભૂલી જાય છે ? કે પેલી બેન છે તે પાછી પોતાના બાબાને શીખવાડે કે જા, આ પપ્પાજીને કહે કે મમ્મી ચા પીવા બોલાવે છે. એટલે પેલો બાબો આવીને કહે, પપ્પાજી, એટલે આ ચગ્યો ! એટલે કડવાટવાળું કહેલું તે ભૂલી ગયો. આવું આ મેણો (ઘેન) થાય છે. અને આ ચગેય છે પાછો. એને જાગૃતિ જ નહીં ને ! ભાન જ નહીંને, અને પપ્પાજી બોલે ત્યારે તન્મયાકાર થઈ જાય છે !! એટલે પેલો બાબો બે વચ્ચે સાંધી આપનાર, આવું જગત છે !

એક ફેરો અપમાન થાય તે હવે અપમાન સહન કરવાનો વાંધો નથી, પણ અપમાન લક્ષમાં રાખવાની જરૂર છે કે શું આ અપમાનને માટે જીવન છે ? અપમાનનો વાંધો નથી, માનનીય જરૂર નથી ને અપમાનનીય જરૂર નથી. પણ આપણું જીવન શું અપમાનને માટે છે ? એવું લક્ષ તો હોવું જોઈએને ?

પ્રશ્શનકર્તા : એ તાંતો ના કહેવાય ? આપણે લક્ષમાં રાખીએ ને ભૂલી ના જઈએ તો એ તાંતો ના કહેવાય ?

દાદાશ્રી : તાંતો ના હોય તો વૈરાગ રહે જ નહીંને ! તાંતો હોવો જ જોઈએ.

આ તો એવું છેને કે આપણા મોક્ષમાર્ગની વાતમાં અંદર તાંતાની જરૂર નથી, પણ આ તો સંસારને માટે વાત કરીએ છીએ, સંસારના લોકો માટે આ વાત કરીએ છીએ, આ વ્યવહારિક વસ્તુ છે છતાં આમાં આખોય વ્યવહાર ધર્મ છે. તાંતો તો વેર રાખે તે તાંતો કહેવાય. આપણે વેર રાખવાની જરૂર નથી. યાદ રાખવાની જરૂર છે, વેર નહીં. વીતરાગ ભાવે યાદ રાખવાનું છે.

આ સંસારની ઝંઝટમાં વિચારશીલને પોષાય નહીં. જે વિચારશીલ નથી તેને તો આ ઝંઝટ છે એનીય ખબર પડતી નથી, એ જાડું ખાતું કહેવાય. જેમ કાને બહેરો માણસ હોય તેની આગળ તેની ગમે તેટલી ખાનગી વાતો કરીએ એનો શું વાંધો ? એવું અંદરેય બહેરું હોય છે બધું એટલે એને આ જંજાળ પોષાય, બાકી આ જગતમાં મઝા ખોળવા માગે તે આમાં તો વળી કંઈ મઝા હોતી હશે ?

બીબી રીસાયેલી હોય ત્યાં સુધી 'યા અલ્લાહ પરવર દિગાર' કરે અને બીબી બોલવા આવી એટલે ભાઈ તૈયાર ! પછી અલ્લાહ ને બીજું બધું બાજુએ રહે ! કેટલી મૂંઝવણ ! એમ કંઈ દુઃખ મટી જવાનાં છે ? ઘડીવાર તું અલ્લાહ પાસે જાય તો કંઈ દુઃખ મટી જાય ? જેટલો વખત ત્યાં રહું એટલો વખત મહીં સળગતું બંધ થઈ જાય જરા, પણ પછી પાછી કાયમની સગડી સળગ્યા જ કરવાની. નિરંતર પ્રગટ અગ્નિ કહેવાય, ઘડીવાર પણ શાતા ના હોય ! જ્યાં સુધી શુદ્ધાત્મા સ્વરૂપ પ્રાપ્ત ના થાય, પોતાની દ્ષ્ટિમાં 'હું શુદ્ધ સ્વરૂપ છું' એવું ભાન ના થાય ત્યાં સુધી સગડી સળગ્યા જ કરવાની. લગ્નમાં પણ દીકરી પરણાવતા હોય તોય મહીં સળગ્યા કરતું હોય ! નિરંતર બળાપો રહે ! સંસાર એટલે શું ? જંજાળ. આ દેહ વળગ્યો છે તેય જંજાળ છે ! જંજાળનો તે વળી શોખ હોતો હશે ? આનો શોખ લાગે છે એય અજાયબી છે ને ! માછલાંની જાળ જુદી ને આ જાળ જુદી ! માછલાંની જાળમાંથી કાપી કરીને નીકળાય પણ ખરું, પણ આમાંથી નીકળાય જ નહીં, ઠેઠ નનામી નીકળે ત્યારે નીકળાય !

બુદ્ધિના આશયમાં પત્ની માગી,

સાસુ, સસરા ને......લંગાર લાગી!

કરોળિયો જાળું વીંટીને અને પછી પોતે મહીં પૂરાય. એવી રીતે આ સંસારનું જાળું. પાછી પોતે ગયા અવતારે માગણી કરી'તી, આપણે ટેન્ડર ભર્યું'તું બુદ્ધિના આશયમાં, કે એક વાઇફ, છોકરો ને છોકરી અને બે-ત્રણ રૂમો અને જરાક નોકરી એકાદ. આટલી જ વાત બુદ્ધિના આશયમાં હતી. તેને બદલે તો વાઇફ આપી તો આપી. પણ સાસુ, સસરો, સાળો, સાળાવેલી, માસીસાસુ, કાકીસાસુ, ફોઈસાસુ, મામીસાસુ કેટલાં લફરાં ! આપણે જાણીએ આટલી બધી ફસામણ કરશે, નહીં તો આ માંગણી જ ના કરત બળી. અને પછી સાસુ એક દા'ડો ગાળો ભાંડેને તો કડવું લાગે. ઘરનાં સગાં સામાં થાય ખરાં, કોઈ દા'ડોય ? એય સામાં થાય ખરાં ?

પ્રશ્શનકર્તા : હા.

દાદાશ્રી : ત્યારે એવું આ જગત છે બધું. તેથી કૃપાળુદેવે એને કાજળની કોટડી કહી, પછી એમાં કોણ રહે ? એ તો બીજી જગ્યા છે નહીં, એટલે એમાં પડી રહેવું પડે છે ! એટલે કંઈક વિચારવું પડશે, આમ ક્યાં સુધી ચાલશે આપણે ? અને આપણે ઇન્ડિયન, આ આપણા તો પગ ધોઈને પીવા જોઈએ એવા ઇન્ડિયન કહેવાય. પણ આપણે ત્યાં આ સંસ્કાર બધા ઊડી ગયા અને મૂળ જ્ઞાન ઊડી ગયું. એટલે આ ફજેતો થયો છે આપણો. અરે, આપણી ડોસીઓને જીવન જીવવાનો રસ્તો પૂછ્યો હોત તો કહેત કે, 'નિરાંતે ખાઓ, પીઓ, ઉતાવળ શું કામ કરો છો ?' માણસને શેની 'નેસેસિટી' છે, તેની પહેલાં તપાસ કરવી પડે. બીજી બધી 'અન્નેસેસિટી'. એ 'અન્નેસેસટિી'ની વસ્તુઓ માણસને ગૂંચવે, પછી ઊંઘની ગોળીઓ અને ફોરેનવાળો તો એક જણ એવું કહેતો'તો કે ઇન્ડિયનો તો આ ડૉલર છે તે, નથી સ્ત્રી ભોગવતા, નથી માંસાહાર કરતા. આ ઇન્ડિયનોને સુખ જ નહીં લેતાં આવડતું, કહે છે. અને દુઃખી પાર વગરના છે. એવું કહેતો'તો મને. પેલો માણસ માંસાહારે કરે અને ત્રણ હજાર પગાર મલતો હોયને, તે છેલ્લે દહાડે એની પાસે ખૂટતા હોય અને તમે તો બારસો રૂપિયા બચાવ્યા હોય એ સારું છે, ખોટું નથી. પણ ઘરમાં પ્રેમ વધારો. છોકરાં પણ ખુશ થઈ જાય ને બહાર જે દોડધામ કરતા હોય

તે ઘેર આવતા રહે ! વાઇફ અને હસબન્ડ વાતો કરતાં હોયને તો છોકરાંઓને ગમે મહીં. આને તો કહેને, 'તે દહાડે મને આવું કહી ગયા હતાને, પણ મારા લાગમાં તો આવવા દો, 'અલ્યા મૂઆ, પૈણેલા છો, મહીં ભેગા પડ્યા છો, પાર્ટનરશીપ છે, ફેમિલી છે. છતાં આ શું કરવા માંડ્યું છે તમે લોકોએ ? પહેલાં તો અર્ધાંગના કહેતા'તા. અર્ધું અંગ છે મારું. અને આવી સેઇફ સાઈડ કરી છે ?

અનંત ભવના જે ગૂંચવાડા,

છૂટ, 'જ્ઞાની' કને કરી ઊઘાડા !

આ તો લાઈફ બધી 'ફ્રેક્ચર' થઈ છે. શેના હારુ જીવે છે તે ભાનેય નથી રહ્યું કે આ મનુષ્યસાર કાઢવા માટે હું જીવું છું ! મનુષ્યસાર શું છે ? તો કે જે ગતિમાં જવું હોય તે ગતિ મળે અગર તો મોક્ષે જવું હોય તો મોક્ષે જવાય ! આવા મનુષ્યસારનું કોઈને ભાન જ નથી. તેથી ભટક-ભટક કર્યા કરે છે.

હવે તમારા પ્રશ્શનો પૂછો, જે તમારા ગૂંચવાડા હોયને તે બધા પૂછો. હું તમને બધા ખૂલાસા આપું. હું તમામ પ્રકારના ખૂલાસા આપવા આવ્યો છું તમને. તમે તમારા દુઃખો મને આપી દેશો તો હું લઈ લેવા તૈયાર છું. સુખો તમારી પાસે રહેવા દેજો. જો દુઃખો આપી દો તો તમે યાદ ના કરો ફરી, મારી આજ્ઞા પ્રમાણે, તો તમારી પાસે દુઃખ નહીં આવે, એ વાત નક્કી છે, એની ગેરન્ટી આપું છું. કારણ કે બધાં જગતનાં દુઃખો લેવા આવ્યો છું. કારણ કે મારે એકલાને ત્યાં દુઃખ નથી. મને સત્યાવીસ વર્ષથી ટેન્શન રહ્યું નથી. એટલે તમારે જે દુઃખ હોય તે આપો, પછી તમે યાદ ના કરો તો, નહીં તો પાછું આવશે એટલી બધી ખાતરી હોવી જોઈએ તમને કે આ દાદાજીએ લીધું એટલે હવે મારે વાંધો નહીં. પછી તમારું નામેય નહીં લે. હું નથી કીર્તિ લેવા આવ્યો, હું કોઈ ચીજ લેવા નથી આવ્યો, કોઈ જાતની મને ભીખ નથી, માટે હું આવું કહું છું. તમારે જે અડચણ હોય તે મને કહો, તમે જાહેર કરો અને એ અડચણોને દૂર કરો. ફક્ત સમજણના ફેરથી જ આ ગુંચવાડા થયા છે.

નકામા વહુના લપકા ખાવા પડે છે. ભાગીદારના લપકા ખાવાના, ઇન્કમટેક્સ ઓફિસરના લપકા ખાવાના. જ્યાં ને ત્યાં લપકા ખા ખા કરે. શરમેય નથી આવતી કે બળ્યું, આટલા લપકા ખઈને જીવીશ, શા આધારે જીવીશ ! પણ તે ક્યાં જાય તે ? પછી નઠારો થઈ જાય !

પ્રશ્શનકર્તા : આ બધું બરાબર છે, પણ અત્યારે સંસારમાં જોઈએ તો દસમાંથી નવ જણાને દુઃખ છે.

દાદાશ્રી : દસમાંથી નવ નહીં, હજારમાં બે જણ સુખી હશે, કંઈક શાંતિમાં હશે. બાકી બધું રાતદહાડો બળ્યા જ કરે છે.

આ શક્કરિયું ભરહાડમાં મૂકે તો કેટલી બાજુથી બફાય ? ચોગરદમથી, તેમ આ આખું જગત બફાઈ રહ્યું છે. અરે ! પેટ્રોલની અગ્નિથી બળતું અમને અમારા જ્ઞાનમાં દેખાય છે.

માટે મૂર્છિત થવા જેવું આ જગત નથી. મૂર્છાને લીધે આવું જગત દેખાય છે અને માર ખઈ ખઈને મરી જવાનું ! ભરત રાજાને તેરસો રાણીઓ હતી. તે તેની શી દશા હશે ? આ ઘેર એક રાણી હોય તોય તે ફજેતો કરાવ કરાવ કરે છે, તો તેરસો રાણીઓમાં ક્યારે પાર આવે ? અરે, એક રાણી જીતવી હોય તે મહામુશ્કેલ થઈ પડે છે ! જીતાય જ નહીં. કારણ કે મતભેદ પડે કે પાછો લોચો પડી જાય ! ભરત રાજાને તો તેરસો રાણીઓ જોડે નભાવવાનું. રાણીવાસમાંથી પસાર થાય તો પચાસ રાણીઓનાં મોઢાં ચઢેલાં ! અરે, કેટલીક તો રાજાનું કાટલું જ કરી નાખવા ફરતી હોય. મનમાં વિચારે કે 'ફલાણી રાણીઓ એમની પોતાની ને આ પરભારીઓ ! એટલે રસ્તો કંઈક કરો.' કંઈક કરે તે રાજાને મારવા માટે. પણ તે પેલી રાણીઓને બુઠ્ઠી કરવા સારું ! રાજા ઉપર દ્વેષ નથી, પેલી રાણીઓ ઉપર દ્વેષ છે. પણ એમાં રાજાનું ગયું ને તું તો રાંડીશને ? ત્યારે કહે કે, 'હું રાંડીશ પણ આને રંડાવું ત્યારે ખરી ?'

આ અમને તો બધું તાદ્શ દેખાયા કરે. આ ભરત રાજાની રાણીનું તાદ્શ અમને દેખાયા કરે. તે દહાડે કેવું મોઢું ચઢેલું હશે, રાજાની કેવી ફસામણ હશે. રાજાના મનમાં કેવી ચિંતાઓ હશે. તે બધુંય દેખાય ! એક રાણી જો તેરસો રાજાઓ જોડે પૈણી હોય તો રાજાઓનાં મોઢાં ના ચઢે ! પુરુષને મોઢું ચઢાવતાં આવડે જ નહીં.

ભરત રાજાએ તેરસો રાણીઓ સાથે આખી જિંદગી કાઢી અને તે જ ભવે મોક્ષ થયો ! તેરસો રાણીઓ સાથે !! માટે વાતને સમજવાની છે. સમજીને સંસારમાં રહો, બાવા થવાની જરૂર નથી. જો આ ના સમજાયું તો બાવો થઈને એક ખૂણામાં પડી રહે. બાવો તો, જેને સ્ત્રી જોડે સંસારમાં ફાવતું ના હોય તે થાય. અને સ્ત્રીથી દૂર રહેવાય છે કે નહીં, એવી શક્તિ કેળવવા માટેની એક કસરત છે. સંસારમાં તો 'ટેસ્ટ એક્ઝામિનેશન' છે. ત્યાં 'ટેસ્ટેડ' થવાનું છે. લોખંડ પણ 'ટેસ્ટેડ' થયા વગરનું ચાલતું નથી. તો મોક્ષમાં 'અન્ટેસ્ટેડ' ચાલતું હશે ?

ભાંજગડ ચાલ્યા જ કરે, એનું નામ સંસાર. સંસાર એટલે રાગ-દ્વેષવાળો કકળાટ. ઘડીમાં રાગ અને ઘડીમાં દ્વેષ. લોકોને એક બીબી જ ભારે પડે છે, તો બીજી કરવાની કંઈથી. મેં કહ્યું'તું કે બીજી પૈણવી હોય તો મને કહીને કરજો.

છતાં આ વિજ્ઞાન ગમે તેને, પૈણેલાનેય મોક્ષે લઈ જશે, પણ જ્ઞાનીની આજ્ઞા પ્રમાણે ચાલવું જોઈએ. કો'ક મગજની ખુમારીવાળો હોય તે કહેશે, 'સાહેબ, હું બીજી પૈણવા માગું છું.' જો તારે પૈણવું હોય તો મારી આજ્ઞા લઈને પૈણજે અને પછી આ પ્રમાણે વર્તજે ! તારું જોર જોઈએ. પહેલાં શું નહોતા પૈણતા ! ભરત રાજાને તેરસો રાણીઓ હતી તોય મોક્ષે ગયા ! જો રાણીઓ નડતી હોય તો મોક્ષે જાય ખરા ? તો શું નડે છે ? અજ્ઞાન નડે છે. આટલા બધા માણસો છે, તેમને કહ્યું હોત સ્ત્રીઓ છોડી દો તો એ બધા સ્ત્રીઓ ક્યારે છોડત ? અને ક્યારે એમનો પાર આવત ? એટલે કહ્યું, સ્ત્રીઓ છો રહી અને બીજી પૈણવી હોય તો મને પૂછીને પૈણજે, નહીં તો પૂછ્યા વગર ના પૈણશો. જો છૂટ આપી છેને બધી ?

સાચી સમજ સજાવે સંસાર,

અગરુ જલે મહેકે અપાર !

આને જીવન કેમ કહેવાય ? જીવન કેટલું સુશોભિત હોય ! એક-એક માણસની સુગંધ આવવી જોઈએ. આજુબાજુ કીર્તિ પ્રસરેલી હોય કે કહેવું પડે, આ શેઠ રહે છેને ? એ કેવા સુંદર ! એમની વાતો કેવી સુંદર !! એમનું વર્તન કેવું સુંદર !!! એવી કીર્તિ બધે દેખાય છે ? એવી સુગંધ આવે છે લોકોની ?

પ્રશ્શનકર્તા : કોઈ કોઈવાર કોઈ કોઈ લોકોની સુગંધ આવે.

દાદાશ્રી : કોઈ કોઈ માણસની, પણ તેય કેટલી ? તે પાછા એને ઘેર પૂછોને, તો ગંધાતો હોય, બહાર સુગંધ આવે પણ એને ઘેર પૂછો ત્યારે કહેશે કે, 'એનું નામ જ જવા દો' એની તો વાત જ ના કરશો. એટલે આ સુગંધ ના કહેવાય.

જીવન તો હેલ્પિંગ માટે જ જવું જોઈએ. આ અગરબત્તી સળગે છે, એમાં પોતાની સુગંધ લે છે એ ?

પ્રશ્શનકર્તા : ના.

દાદાશ્રી : આખી જિંદગી સળગે ત્યાં સુધી બધાને સુગંધી જ આપે છેને ! એ એના જેવું છે આપણું જીવન. બધાને સુગંધી આપવી જોઈએ. લોકો વગોવે એનો શું અર્થ ! લોકો કંઈ પૈસા લેવા ફરતા નથી અને તેય એેવા મહીં હોય તો એનેય હેલ્પ કરવી પડે.

આ એક ગુલાબનું ફૂલ દેખીએ છીએ તોય સરસ ગુલાબ છે. અને આ મનુષ્ય દેખાય તો મૂઆ ગમે નહીં ! એક અગરબત્તી અહીં સળગતી હોય તો આખા રૂમને સુગંધી આપે અને આ મનુષ્યો ગંધાય મૂઆ ! કઈ જાતના લોક છો તમે ઇન્ડિયનો ! ગંધાય, બહાર કોઈની સુગંધ જ નથી આવતી, નહીં તો પચ્ચીસ-પચ્ચીસ માઈલના એરિયા સુધી સુગંધ ફેલાય. ના ફેલાય સુગંધ ? આ અગરબત્તીની ફેલાય છે, તો માણસની ફેલાય કે ના ફેલાય ? તે વડોદરા શહેરમાં તું રહું છું તે કોની ફેલાયેલી દેખાઈ ? મૂઆ આવ્યા ને મરી ગયા, આવ્યા ને મરી ગયા. વખતે કૂતરાંય ખાય-પીને મરી જાય છે. એમાં તે શું કર્યું તેં ? મનુષ્યપણું ખોયું ! મનખો નકામો ગયો. મનખો એટલે બહુ કિંમતી. અચિંત્ય ચિંતામણી દેહ, મનુષ્ય કહેવાય. તે આ મૂઆ આમાં જ કાઢ્યો ? ખાણી-પીણીમાં જ ! ઔર ઓરત. એ ઓરતેય પાળતાં ના આવડી હોય. એની જોડેય રાત-દહાડો ડખા-ડખા, વઢવાડ-વઢવાડ.

આ સંસાર દુઃખદાયી નથી, અણસમજણ જ દુઃખદાયી છે. તે અમે તમારી અણસમજણ કાઢી નાખીએ અને તમને સમજણ દેખાડી દઈએ. એટલે તમારો સંસાર દુઃખદાયી થઈ પડે નહીં. એટલે આર્તધ્યાન-રૌદ્રધ્યાન ના થાય, પછી નિરંતર ધર્મધ્યાન રહ્યા કરે.

આ સંસાર છોડવાથી છૂટે એવો નથી, એ જ્ઞાનથી છૂટે એવો છે. કેટલા વખતથી જંજાળથી છૂટવાની ઇચ્છા થાય છે ? જવાનીમાં તો છૂટવાની ઇચ્છા થાય નહીં, જવાનીમાં તો જંજાળ વધારવાની ઇચ્છા થાય ને ?

પ્રશ્શનકર્તા : એ તો બુઢાપામાંય છૂટવાની ઇચ્છા નથી થતી. પણ હવે આપના તરફથી કંઈ પ્રયત્ન થાય તો છૂટાય.

દાદાશ્રી : હા, બરાબર છે. બુઢાપામાંય જંજાળમાંથી છૂટવાની ઇચ્છા ના થાય એવું છે.

પ્રશ્શનકર્તા : આમાંથી છૂટવાનો કંઈ રસ્તો ?

દાદાશ્રી : આ જંજાળમાંથી છૂટવાનો રસ્તો એ જ કે 'આપણે કોણ છીએ' એ જ્ઞાન પ્રાપ્ત થઈ જાય જ્ઞાની પુરુષ પાસેથી, તો છૂટી જવાય એવું છે. જંજાળ કોઈનેય ગમે નહીં. તમને પસંદ પડે છે કે આ જંજાળ ?

પ્રશ્શનકર્તા : નહીં.

દાદાશ્રી : બિલકુલ નહીં ? કોઈ ફૂલહાર ચઢાવે તો ?

પ્રશ્શનકર્તા : એ જોખમ લાગે છે.

દાદાશ્રી : પણ પસંદ તો પડે છે ને ? જોખમ તો એવું છેને, કે આ બધું જોખમ જ છે. પણ પસંદ તો પડે છે ને ? મીઠું લાગે છે ને ? ખરી રીતે બધી જંજાળો પસંદ નથી, પણ અહીં આગળ રહેવા પૂરતું એને થોડી ઘણી પસંદગી જોઈએ છે કે અહીં બેસું કે ત્યાં બેસું ? એટલે જ્યાં પસંદ પડે ત્યાં બેસે છે, એના જેવું છે ! આ જંજાળમાંથી કોઈક વખત છૂટવાની ઇચ્છા થાય છે કે ? જંજાળ ગમે જ નહીં ને ? આ તો જંજાળમાં પેઠેલા છે ! જ્યાં સુધી ના છૂટાય ત્યાં સુધી આ બધું ખાવાપીવાનું, બધા લોક કર્યા કરે તેવું કર્યા કરવાનું. પણ જો છૂટવાનું મળ્યું, જ્ઞાની પુરુષ મળ્યા તો છૂટી જાય. આ જંજાળમાંથી છૂટી જાય એટલે પરમાનંદ ! મુક્તિ !!

સંસારને તું મ્યુઝિયમ માન,

સ્પર્શ્યા વિણ માત્ર 'જો' ને 'જાણ'!

અને આ સંસાર જે છે એ બધું મ્યુઝિયમ છે, તે મ્યુઝિયમમાં શરત શું છે ? પેસતાં જ લખેલી છે કે ભઈ, તમારે જે ખાવું, પીવું હોય, ભોગ કંઈ ભોગવવા હોય તો અંદર ભોગવજો. કશું બહાર લઈને નીકળવાનું નહીં. અને વઢવાનું નહીં. કોઈની જોડે રાગ-દ્વેષ નહીં કરવાના. ખાજો, પીજો બધું પણ રાગ-દ્વેષ નહીં. ત્યારે આ તો અંદર જઈને પૈણે છે. અલ્યા મૂઆ, ક્યાં પૈણ્યા ? આ તો બહાર જતી વખતે વેષ થઈ પડશે ! તે આ પછી કહેશે, હું બંધાયો. તે કાયદા પ્રમાણે મહીં જઈએ ને ખઈએ, પીએ, સ્ત્રી કરીએ તોય વાંધો નથી. સ્ત્રીને કહી દેવાનું જો સંગ્રહસ્થાન છે, એમાં તો રાગ-દ્વેષ નહીં કરવાનો. જ્યાં સુધી અનુકૂળ આવ્યું તો ફરવું, પણ છેવટે આપણે રાગ-દ્વેષ વગર નીકળી જવાનું. એની પર દ્વેષ નહીં. કાલે સવારે બીજા જોડે ફરતી હોય તોય એને દ્વેષ નહીં ? આ સંગ્રહસ્થાન આવું છે. પછી આપણે જેટલા જેટલા કીમિયા કરવા હોય એટલા કરો. હવે સંગ્રહસ્થાન ના કાઢી નંખાય જે બની ગયું એ ખરું હવે તો. આપણે સંસ્કારી દેશમાં જન્મ્યાં ને ! એટલે મેરેજ-બેરેજ બધું પદ્ધતિસરનું.

(૨૨)

પતિ-પત્નીના પ્રાકૃતિક પર્યાયો

સ્ત્રી પુરુષ પ્રાકૃત પરમાણું,

ભરેલો માલ ખપાવા નિયાણું!

પ્રશ્શનકર્તા : સ્ત્રીઓને આત્મજ્ઞાન થાય કે નહીં ? સમકિત થઈ શકે ?

દાદાશ્રી : ન થાય એ ખરી રીતે, પણ આ અમે કરાવડાવીએ છીએ. કારણ કે એ ધોરણ જ એવું છે પ્રકૃતિનું કે આત્મજ્ઞાન પહોંચે જ નહીં. કારણ કે સ્ત્રીઓમાં એ કપટની ગ્રંથિ એવડી મોટી હોય છે, મોહ અને કપટની એ બે ગ્રંથિઓ આત્મજ્ઞાનને ના અડવા દે.

પ્રશ્શનકર્તા : એટલે અન્યાય થયોને વ્યવસ્થિતનો એ તો ?

દાદાશ્રી : ના, એ છે તે બીજે અવતારે પુરુષ થઈને પછી જાય મોક્ષે. આ બધા કહે છે સ્ત્રીઓ મોક્ષે ના જાય એટલે એકાંતિક વાત નથી એ. પુરુષ થઈને પછી જાય. એવો કોઈ કાયદો નથી કે સ્ત્રીઓ સ્ત્રી જ રહેવાની છે એવું. એ પુરુષ જેવી ક્યારે થાય કે પુરુષની જોડે હરીફાઈમાં રહી હોય અને અહંકાર વધતો જતો હોય અને ક્રોધ વધતો જ હોય તો એ પેલું એ ઊડી જાય. અહંકાર ને ક્રોધની પ્રકૃતિ પુરુષની અને માયા અને લોભની પ્રકૃતિ સ્ત્રીની, એમ કરીને આ ચાલ્યું ગાડું. પણ આ આપણું અક્રમ વિજ્ઞાન એવું કહે છે કે સ્ત્રીઓનો પણ મોક્ષ થાય. કારણ કે આત્મા જગાડે છે આ. આત્મજ્ઞાન ન થાય તોય વાંધો નહીં પણ આત્માને જગાડે છે કે કેટલી સ્ત્રીઓ એવી હોય છે કે દાદા નિરંતર ચોવીસેય કલાક યાદ ! હિંદુસ્તાનમાં કેટલી ને અમેરિકામાં કેટલી હશે કે દાદા ચોવીસ કલાક યાદ !

પ્રશ્શનકર્તા : એટલે આત્માને તો કોઈ જાતિ જ નથી ને ?

દાદાશ્રી : આત્માને જાતિ હોય જ નહીં ને. પ્રકૃતિને જાતિ હોય. ઉજળો માલ ભર્યો હોય તો ઊજળો નીકળે. કાળો ભર્યો હોય તો કાળો નીકળે. પ્રકૃતિએ પણ ભરેલો માલ. જે માલ ભર્યો એનું નામ પ્રકૃતિ ને આમ પુદ્ગલ કહેવાય. એટલે પુરણ કર્યું એ ગલન થયા કરે. જમવાનું પુરણ કર્યું એટલે સંડાસમાં ગલન થાય. પાણી પીધું એટલે પેશાબમાં, શ્વાસોશ્વાસ બધું આ પુદ્ગલ પરમાણુ.

પ્રશ્શનકર્તા : કોઈવાર કપટની વાતો કરીએ અમે. આમ કારમાં જતાં હોઈએ, તો હું એમ કહું કે દાદાજીએ સ્ત્રી અને પુરુષ બન્નેને આત્મા આપ્યો, પુરુષ તો બનાવી જ દીધા છે. હવે જે આ સ્ત્રીનો દેહ છે, તો દાદાજી એમ કહે છે, એક કપટ ને મોહનું બીજ હતું. તેમાંથી મોટી ગાંઠ થઈ ગઈ તો એ ગાંઠને હવે ભાંગવાની છે ને તેની પાછળ તમારે પડવાનું છે, એ ગાંઠ ભંગાય, તો તમે પુરુષ છો જ.

દાદાશ્રી : પુરુષ છો જ. પુરુષ તો છો જ તમે. એ પેલી ગાંઠ થોડી વધી ગઈ છે. એટલે સ્ત્રીનો દેહ મલ્યા કરે. એ ગાંઠ જરા, મેં કહ્યુંને કે કપટ ગીતા વાંચીને, તેમ તેમ છૂટે. એ પુરુષ તો છો જ અને પુરુષ થયા પછી મૂળ પુરુષ થયા.

પ્રશ્શનકર્તા : હા, દાદા. મૂળ પુરુષ.

દાદાશ્રી : પુરાણ પુરુષ, ભગવાન. સ્ત્રીમાંથી પુરુષ થઈ જાય. સ્ત્રી પુરુષોની બેની જોડી હોય છેને, તે સ્ત્રીમાંથી પુરુષ થઈ જાય. બીજે પગથિયે અને પુરુષને એક જ પગથિયું હોય છે. તમારા બે પગથિયાં. કેમ બોલતા નથી ?

પ્રશ્શનકર્તા : બરાબર છે, દાદા.

દાદાશ્રી : બુદ્ધિ વધારે વાપરવી પડે એવી છે ? ત્યારે ઓછી વાપરે એવી છે ? બુદ્ધિ જ વાપરવાની ચીજ નહોય. સમજણ પડે તો સમજ કામ કરે. શેનાથી સમજાશે ?

પ્રશ્શનકર્તા : સમજણથી.

દાદાશ્રી : હા, બુદ્ધિ તો નફો-નુકસાન બે જ દેખાડે. સમજણ જ કામ કરે.

પ્રશ્શનકર્તા : પણ એ દાદા જે મોહ અને કપટના પરમાણુથી જે સ્ત્રીની ગાંઠ મોટી થતી જાય છે, તો એ બીજા અવતારમાં પણ એ નારી જાતિમાં જ જાય છે કે પાછી પુરુષમાં આવી જાય ?

દાદાશ્રી : એ તો આ પુરુષમાં આવી જાય. કપટ ખલાસ થઈ ગયું હોય. પુરુષપણું આવી ગયું હોય થોડું ઘણું, તો પુરુષમાં આવે.

પ્રશ્શનકર્તા : પણ પાછી મૂળ જાય, નારી જાતિમાં જ જાય ?

દાદાશ્રી : પુરુષ જાતિમાં આવે.

પ્રશ્શનકર્તા : હા, પણ પાછી એક-બે અવતારે પાછી તેમાં નારી જાતિમાં જ જાય કે એક અવતાર પૂરતું જ હોય ?

દાદાશ્રી : અહીંથી પછી પુરુષ થયા પછી ફરી જો કપટ ને મોહ થઈ જાય, તો એમાંય જાય પાછી.

પ્રશ્શનકર્તા : આત્મા પુરુષ દેહ ધારણ કરે અને સ્ત્રી દેહેય ધારણ કરે ત્યાર પછી તેના વર્તન નિયમોમાં શો તફાવત ?

દાદાશ્રી : નિયમ તો બધા, સ્ત્રીપ્રકૃતિ હોય તો સ્ત્રીપ્રકૃતિના આધીન હોય અને પુરુષપ્રકૃતિ હોય તો પુરુષપ્રકૃતિના આધીન હોય અને નપુંસક પ્રકૃતિ હોય તો નપુંસક પ્રકૃતિના આધીન હોય. એ બધી ત્રણેવ પ્રકૃતિના આધીન હોય છે. કેવા હોય છે ?

પ્રશ્શનકર્તા : પ્રકૃતિના આધીન.

દાદાશ્રી : એના નિયમને માટે કંઈ બીજું કંઈ ઘડવાનો નથી કે નથી કોઈ કાયદા. જેવી પ્રકૃતિ હોય ને તેવું જ આ બધું નીકળ્યા કરે. સ્ત્રીની પ્રકૃતિ હોય એટલે બધી વાણી, વર્તન બધા સ્ત્રીના જ હોય એ. એનામાં પુરુષની હિંમત હોય ? ના હિંમત-બિંમત બધુંય ફેર પડી જાય ને ! હવે પુરુષ રઘવાટિયો હોય અને સ્ત્રી રઘવાટિયણ ના હોય. પુરુષ તો જરાક કોઈએ કહ્યું, 'હેંડો ગાડીનો ટાઈમ થઈ ગયો છે.' તો ચામાં રઘવાટ, હેંડવામાં, કપડાં પહેરવામાં રઘવાટ, બધે રઘવાટ, રઘવાટ, રઘવાટ અને સ્ત્રી તો નિરાંતે વાળબાળ ઓળી, સાડી પહેરીને આવે ! આપણને ચીડ ચઢ્યા કરે કે આ... અલ્યા મૂઆ, એનેય ગાડી મલવાની છે અને તનેય મલવાની છે. તું રઘવાટિયો છું. તમે જાણો આ રઘવાટિયા મૂઆ હોય બધા ? રઘવાટિયા હોય કે ના હોય ?

પ્રશ્શનકર્તા : હા, હોય. હુંય એવો છું.

દાદાશ્રી : ના, બધાય એવા. તમે એકલા શું બધાય એવા. અને આ બેન છે તે ચાંદલો કરે ને બધું કરે. અને આપણા લોકો તો ચાંદલો કરવાનો હોય ને તો ઉત્પાતે હેંડીને ભાગે.

એટલે એ વર્તન નિયમમાં કશો ફેર ના રહે. એ પ્રકૃતિના આધીન જ રહ્યા કરે. કારણ કે એ સ્ત્રીમાં એટલા મોહ અને કપટ રહેલા હોય છે અને તેનેય સ્થિરતા છે ને. એ આમ ઓઢે છે કરે છે તે સ્થિરતા એને છે અને આમને આમ કપટ-મોહ નહીં એટલે મૂઆ આમ થઈ જશે અને તેમ... થોડું સમજાય છે તમને ?

પ્રશ્શનકર્તા : હા.

દાદાશ્રી : આપણી ઇન્ડિયાની ગાડીમાં બાર જણા ઊભા રહ્યા હોય ને અને સ્ત્રીઓ એક બૅન્ચ પર ચાર જણ બેઠી હોય. સામી બૅન્ચ પર પુરુષો બેઠા હોય તે સાત બેઠા હોય. આ બાજુ આ ચાર બેઠી હોય તો બાર જણા ઊભાં રહેલાને, એના મનમાં એ એવો વિચાર ના આવે કે 'લાય, એકાદ જણને બેસાડીએ.' શું કહ્યું ? અને પુરુષો ચાર બેઠા હોય ને, 'ચાર બેઠા છે' 'અહીં આવ ભાઈ અહીં આવ.' ડખો નહીં ? શું કહ્યું ? વિચાર જ આવે નહીં પછી શું વાંધો છે ? પછી કોઈ જાતનો વાંધો જ ના હોય ને !

સાડી દાગીના દેખતાં મૂર્છિત,

મોહ-કપટ પરમાણુ ગોપિત !

પ્રશ્શનકર્તા : આ બેન કહે છે, આવતા જન્મમાં મને ફરીથી સ્ત્રીનો અવતાર મળે ?

દાદાશ્રી : સ્ત્રી થવાની ઇચ્છા છે કહો છો એ સ્ત્રીપણું પરમેનન્ટ હશે કે નહીં ? નવી શોધખોળ એ નવું બોલ્યા ને ! કોઈ આવું બોલે જ નહીંને !

પ્રશ્શનકર્તા : એટલે આ બેન પેલી રીતે વ્યંગમાં બોલે છે કે અહીંયાં અમેરિકામાં સ્ત્રીઓને કશું કામ ધંધો હોતો નથી, આરામથી ખાવાનું એક ટાઈમ બનાવે અને મજા કરે.

દાદાશ્રી : હા, પણ એના હ્રદયમાં શું દુઃખ હશે એ તમને શું ખબર પડે ? એ તો મને કહે છે, સ્ત્રીઓ તો મને કહે, તમને ના કહે, મને બધું સ્ત્રીઓ કહે, પુરુષો કહે ને બધા કહે.

પ્રશ્શનકર્તા : એમને શું દુઃખ છે કહો તો અમને ખબર પડે.

દાદાશ્રી : અરે, ઘણું દુઃખ હોય એમને તો. એ તો એવું છેને કે આ પુરુષને આખી જિંદગીમાં એક જ વખત મેટરનિટી વોર્ડમાં જવાનું થાય તો શું થાય ? તો એને કેટલા વખત મેટરનિટી વોર્ડમાં જવું પડશે એનું તો...

પ્રશ્શનકર્તા : અહીંયાં તો સ્ત્રીઓ એક-બે વખત, વધારે વખત ના જાય...

દાદાશ્રી : ના, પણ બે-એક વખત પુરુષને હોયને તો બહુ મુશ્કેલી પડે. ના થાય આપણાથી સહન. એ તો એ જ સહન કરે. માટે એમાં શું સુખ છે બિચારીને ? તે એને હેરાન કરો છો વગર કામના. અરે એવું થવાની આશા શું કરવા રાખો છો. કો'ક ફેરો પુરુષપણું મલે. ઊલટું સ્ત્રીઓએ એવી આશા રાખવી જોઈએ કે અમે ક્યારે પુરુષ થઈએ.

પ્રશ્શનકર્તા : મને એવું બહુ થતું હતું.

દાદાશ્રી : એ પુરુષ થવું હોયને તો આ બે ગુણ છૂટે તો થાય, મોહ અને કપટ. મોહ અને કપટ બે જાતના પરમાણુ ભેગા થાય એટલે સ્ત્રી થાય અને ક્રોધ, માન બે ભેગા થાય તો પુરુષ થાય. એટલે પરમાણુના આધારે આ બધું થઈ રહ્યું છે.

એમને (સ્ત્રીને) તો કપટ ને મોહ બધું, સાડી દેખી હોયને તો આપણે કહીએ કે આજ જોડે જોડે આવ્યા પણ તમે કેમ ખોવાઈ ગયેલા લાગો છો ? ત્યારે ત્યાં રહી ગયા હોય એ, સાડીમાં. અહીં ધોકડું આવ્યું હોય. ખોવાઈ ગયેલા હોય એ. એ મોહ બધો અને આપણા પુરુષો ખોવાઈ ના જાય. પુરુષ ખોવાઈ જાય ?

પ્રશ્શનકર્તા : ના.

દાદાશ્રી : ના ખોવાઈ જાય. એને તો સાડી દેખી તો ત્યાં ખોવાઈ જાય અને જો જણસ (દાગીના) દેખી હોયને તોય ખોવાઈ જાય.

ધાર્યા પ્રમાણે ધણીને ચલાવે,

કપટ કરી ઘરને નચાવે !

એક ફેરો મને બહેનોએ કહ્યું કે અમારામાં ખાસ અમુક અમુક દોષો હોય છે, તેમાં ખાસ વધુ દોષ નુકશાનકર્તા કયો ? ત્યારે મેં કહ્યું, ધાર્યા પ્રમાણે કરાવવા ફરે છે તે. બધી બેનોની ઇચ્છા એવી હોય, પોતાના ધાર્યા પ્રમાણે કરાવડાવે. ધણીને હઉ અવળો ફેરવીને પછી એની પાસે ધાર્યું કરાવડાવે. એટલે આ ખોટું, ઊંધો રસ્તો છે. મેં એમને લખાવ્યું છે કે આ રસ્તો ન હોવો જોઈએ. ધાર્યા પ્રમાણે કરાવવાનો અર્થ શું છે ! બહુ નુકશાનકારક !

પ્રશ્શનકર્તા : કુટુંબનું ભલું થતું હોય, એવું આપણે કરાવીએ તો એમાં શું ખોટું ?

દાદાશ્રી : નહીં, એ ભલું કરી શકે જ નહીંને. જે ધાર્યા પ્રમાણે કરતા હોયને, તે કુટુંબનું ભલું ના કરે કોઈ દા'ડોય. કુટુંબનું ભલું કોણ કરે કે બધાનું ધાર્યું થાય એવી રીતે થાય તો સારું. એ કુટુંબનું ભલું કરે. બધાનું, એકેયનું મન ના દુભાય એવી રીતે થાય તો. ધાર્યા પ્રમાણે કરાવવા ફરે, એ તો કુટુંબનું બહુ નુકશાન કરે છે. અને એ વઢંવઢાને ઝઘડા કરાવવાનું સાધન બધું. પોતાનું ધાર્યું ના થાય ને એટલે ખાય નહીં પાછી. અડધું ડૂમો ચૂમઈને બેસી રહે પાછી. કોને મારવા જાય, ચૂમઈને બેસી રહે પાછી. પછી બીજે દા'ડે કપટ કરે પાછું. એ કંઈ જાત તે ! ધાર્યા પ્રમાણે કરવા જાય પણ ના થાય તો શું થાય ? એવું બધું આ ના રાખવું જોઈએ. બેનો હવે મોટા મનનાં થાવ. આમ આટલે અમેરિકા સુધી આવ્યા છો. હવે વિશાળ માઈન્ડના થાવ. શા માટે આ બધું ! અને પાપ બાંધીને ફરી પાછું જાનવરમાં જવું, તેનાં કરતાં અહીં આગળ પુણ્ય બાંધીને ફરી અહીં આવવું શું ખોટું ! માનવ ધર્મ તો પાળવો જોઈએને, માનવ ધર્મેય નથી બા.

એટલે સ્ત્રીઓને કોઈ જાતની હરકત નથી. સ્ત્રીઓ થકી આપણને નુકશાન શું છે એ આપણે જોઈ લેવું જોઈએ અને સ્ત્રીઓને આપણા થકી શું નુકશાન છે એ જોઈ લીધા પછી બન્નેનો વેપાર બહુ સારો ચાલે છે. સમજી લેવાનું કે શેનાથી આ નુકશાન થાય છે.

પ્રશ્શનકર્તા : સ્ત્રીઓ થકી પુરુષને શું નુકશાન છે અને પુરુષો થકી સ્ત્રીઓને શું નુકશાન છે ?

દાદાશ્રી : કશું નુકશાન છે નહીં. જો જીવતા આવડે તો ! આ તો આ જીવતાં નથી આવડતું એટલે સ્ત્રીને પોતે રમવાનું રમકડું માની બેઠો છે. ભોગ્ય વસ્તુ માની લે છે, ભોગ્ય તે ખોટું છે. એ તો ભાગીદાર છે. જેમ આપણાં પાર્ટનર હોય એના જેવું છે, હેલ્પિંગ છે.

પ્રશ્શનકર્તા : સ્ત્રીઓ પોતાનાં આંસુ દ્વારા પુરુષોને પીગળાવી દે છે અને પોતાનું ખોટું છે એ સાચું ઠરાવી દે છે. એ બાબતમાં આપનું શું કહેવાનું છે ?

દાદાશ્રી : વાત સાચી છે. એનો ગુનો એને લાગુ થાય છે અને આવું ખેંચ કરેને, એટલે વિશ્વાસ જતો રહે. ચાંદીનો કલદાર રૂપિયો હોય અને રસ્તામાં આપણે કહીએ, 'એ કલદાર છે કે નહીં હજુ મારે બૅન્કમાં તપાસ કરાવવી છે', તો એ તો ગાંડું કહેવાય. સત્યને સત્ય જ રહેવા દેવું. ખેંચાખેંચ કરી કે બગાડ્યું.

અને સ્ત્રીઓ જે આવું કરે છે એ તો સ્ત્રીપણું છૂટે નહીં. ઊલટું સ્ત્રીપણું વધારે બંધાય. અને પુરુષ તો ભોળા બિચારા. પુરુષો હંમેશાંય ભોળા હોય. સ્ત્રીઓનાં રમાડ્યા જ રમ્યા કરે અને એ એમ જાણે કે મારી રમાડી આ રમે છે. અને પુરુષોને સ્ત્રીઓ રમાડતી જ હોય.

કોઈના ધણી ભોળા હોય તે આંગળી ઊંચી કરો જોઈએ. આ આંગળી ઊંચી કરી ને, એ ખાનગીમાં કહી દે, 'અમારે ભોળા છે, બધા જ ભોળા છે', એ ઇટસેલ્ફ સૂચવે છે ને આ તો રમકડાં રમાડે છે સ્ત્રીઓ. આ તો પછી ઊઘાડું કરતાં ખોટું દેખાય. ના ખોટું દેખાય ? બધું બહુ ના કહેવાય. ખાનગીમાં સ્ત્રીઓને પૂછીએને 'બેન તમારા ધણી ભોળા ?' 'બહુ ભોળા.' માલ કપટનો તેથી, પણ એ બોલાય નહીં, ખોટું દેખાય. બીજા ગુણો બહુ સુંદર છે.

મને હઉ હીરાબા કહે છે ને તમે તો ભોળા ને ભોળા. મેં કહ્યું, હા, એ હું ભોળો છું, કહ્યું. એ પાછો પડદો હશે તે ઘડીએ ! હવે એ ભલા માણસ છે. તે પાછો પડદો ના હોય એવા માણસ છે. તોય પણ એમનામાંય, મેં એક દહાડો હીરાબાને કહ્યું, તમારે જૂઠું શું કરવા બોલવું પડે ? ત્યારે કહે, અમે હઉ બોલીએ. નહીં તો તમે કંઈક વઢો, તેટલા સારું અમે હઉ બોલીએ, મેં કહ્યું 'ઓહોહોહો ! હું વઢવાને નવરો જ નથી.'

પ્રશ્શનકર્તા : એમેય કહેલું કે થોડું કપટ રાખું છું, હુંય કપટ રાખું છું.

દાદાશ્રી : મને હીરાબા કહેતાં હતાં, 'તમે ના રાખતા હો પણ હું તો કપટ રાખું છું.' ત્યારે મેં કહ્યું અમને તો કપટ-બપટ હોય નહીં. ત્યારે કહે, 'પણ હું તો કપટ રાખું', કહે છે.

સ્ત્રી એટલે શું ? કપટ અને મોહ. હવે કોઈ સ્ત્રી છે તે માની થવા માંડી દહાડે દહાડે અને પછી ક્રોધી થવા માંડી, એને કપટ ને મોહ જતો રહે તો પુરુષ થાય આવતે અવતાર.

પ્રશ્શનકર્તા : જે સ્ત્રીઓ છે એ પોતાની જાતે લિબરેટ થઈ શકે છે અને બીજાને કરવા મદદરૂપ થઈ શકે છે.

દાદાશ્રી : હં, બરાબર છે, તે ?

પ્રશ્શનકર્તા : તો એ સમજાવો.

દાદાશ્રી : સ્ત્રીઓ તો બહુ હેલ્પફૂલ છે.

પ્રશ્શનકર્તા : હવે આમ કલ્યાણ કરે છે પણ પાછું બીજી બાજુ આપણે કહીએ કે સ્ત્રીઓમાં કપટ છે. તો એ કેવી રીતે એ થાય છે ?

દાદાશ્રી : એ તો એનો કપટનો સ્વભાવ છે. એ તો હંમેશાં સ્વભાવ હોય, પણ બીજા ગુણો હોયને, પાછા સ્ત્રીના ! સ્ત્રીનું ફોર્મેશન, પુરુષનું ફોર્મેશન બે જુદાં હોય છે.

સ્ત્રીઓને એમ ના કહેવાય હલકી,

તીર્થંકરોની મા, જો સૃષ્ટિ મલકી.

પ્રશ્શનકર્તા : સ્ત્રીને એક બાજુ લક્ષ્મી કહે છે ને બીજી બાજું કપટવાળી, મોહવાળી...

દાદાશ્રી : લક્ષ્મી કહે. ત્યારે કંઈ એ જેવી તેવી છે, ત્યારે ધણી નારાયણ કહેવાય તો એ શું કહેવાય ? એટલે એ જોડીને લક્ષ્મીનારાયણ કહે છે ! ત્યારે એ કંઈ હલકી છે, સ્ત્રી તે કંઈ ? એ તીર્થંકરની મા છે. જેટલા તીર્થંકરો થયાને ચોવીસ, એમની મા કોણ ?

પ્રશ્શનકર્તા : સ્ત્રીઓ.

દાદાશ્રી : ત્યારે એમને કેમ હલકી કહેવાય ? મોહ તો હોય જ હંમેશાં સ્ત્રી થઈ એટલે. પણ જન્મ કોને આપ્યો, મોટા મોટા તીર્થંકરોને બધા.... જન્મ જ મોટા લોકોને તો એ આપે છે. એને કેમ આપણથી વગોવાય ! તે આપણા લોક વગોવે છે.

સ્ત્રી સુખી જો માથે પિતા-પતિ-પુત્ર,

અક્રમમાં માથે જ્ઞાન-આજ્ઞા માત્ર !

પ્રશ્શનકર્તા : પણ આજકાલ તો જુદું છે અહીંયાંની દુનિયામાં અને હિન્દુસ્તાનમાંય કારણ કે સ્ત્રીઓ કમાતી થઈ એટલે એ પણ કહે છે કે મને ચલાવતા આવડે છે, કે મને ધંધો ચલાવતા આવડે છે.

દાદાશ્રી : અત્યારે તો કહેને બધું કમાય છે એટલે. કોઈ સ્ત્રી એવું કહે કે મારામાં ને પુરુષમાં શું ફેર રહ્યો છે ? હું આટલો પગાર લાવું છું, હું આટલું ભણી છું, તો આપણે કહીએ, રાતે સાડા બાર વાગ્યા પછી એકલા આ રોડ પર જજો જોઈએ, તો હું કહું પુરુષ છું તું. તને બાથમાં ઉઠાવી જશે. એ જાણે પછી જાય નહીં, નીકળે નહીં. એ પુરુષને કોઈ ના ઉઠાવે. પુરુષ પાસે ઘડિયાળ લઈ લે બહુ ત્યારે, એને ઉઠાવી ના જાય. તમે ના સમજ્યા ?

પ્રશ્શનકર્તા : સમજ્યા.

દાદાશ્રી : એટલે પેલી બઈ ટાઢી પડી ગઈ પછી. જવાબ ના દેતા આવડે ધણીને, તો પછી એ તો ચઢી બેસેને અને જવાબ દે તોય એ તો વકીલાતના જવાબ આપે, એ વકીલાતનાં જવાબમાં તો ખઈ જાય એવી હોય છે. વકીલાતનાં જવાબ ના જોઈએ, એક્ઝેટ જવાબ હોવો જોઈએ. ઉઘાડું પાડી દે એવું. આપણે એમ વકીલાત કરીએ તો એ આમ કરે, આપણે આમ કરીએ તો એ આમ કરે. એનો આ જજમેન્ટ આપનારો કોઈ જજ હોવો જોઈએ.

પ્રશ્શનકર્તા : તો એ કઈ સ્વતંત્રતાની વાત કરતી હોય છે ? સ્ત્રીઓ જ્યારે સ્વતંત્રતાની વાત કરતી હોય છે, તે કઈ સ્વતંત્રતાની વાત કરે છે ?

દાદાશ્રી : એ તો કહે છે અમે, તમારું અને અમારું બધું સરખું, લેવલ સરખું. તો આપણે કહેવું કે ભઈ એનો વાંધો નથી મને, પણ મૂછો આવવા દે, પછી કરીશ કહીએ. મૂછો આવવા દેને, લેવલ તો દેખાવું જોઈએને સરખું તો !

પ્રશ્શનકર્તા : દાદા, આ પાટલૂન પહેરે છે, ટાઈ પહેરે છે.

દાદાશ્રી : આ પાટલૂન પહેરીને રાતે બાર વાગે જા જોઈએ, એકલી હેંડતી હેંડતી જા જોઈએ અને પુરુષ તો ગમે ત્યારે જાય. કુદરતે જ, નેચરે જ એને આવી સ્થિતિમાં મૂકેલી છે. નેચરે જ.

માટે ભયવાળી છે એટલે ! શું ભયસ્થાન છે. એનો ઉપરી હોવો જ જોઈએ. અને સ્ત્રીને ધણીની હૂંફ જોઈએ જ. 'હૂંફ' તે ધણી ના હોય ત્યારે ખબર પડે કે ધણી વગર કેટલી મુશ્કેલી આવે છે.

હંમેશાં સ્ત્રી જાતિ માટે આપણો કાયદો કહે કે સ્ત્રી એને મા-બાપને વશ રહેવી જોઈએ, ભણે ત્યાં સુધી. જ્યાં સુધી નાની છે ત્યાં સુધી અને પછી પૈણાવ્યા પછી એના ધણીને વશ રહેવી જોઈએ. ધણી ના હોય તો છોકરાને વશ રહેવી જોઈએ એવો કાયદો. એને મુક્ત ના કરાય. મુક્ત કરો, તો સંસાર બધો ફ્રેક્ચર થઈ જશે. આ કાયદા આપણા ! પોતે સ્વતંત્ર રીતે ક્યારે પણ ન રહેવું જોઈએ.

પ્રશ્શનકર્તા : આનો, આ જે માન્યતાનો પાયો કયો ? કારણ અત્યારે તો લોકો નથી માનતા.

દાદાશ્રી : પણ જાણતા નથી એટલે શું થાય ? જાણતા નથી એટલે. સુખી થવાનો માર્ગ આ અને આ માર્ગથી વિરુદ્ધ ચાલ્યા તે પછી ખોવાઈ ગયેલા માણસો રહે. અને કયે ગામ પહોંચે.

અમારાં મધર હતાં, મેં કહ્યું, તમે એંસી વર્ષના, હું અડતાલીસ વર્ષનો, તમારે જે ફાવે એ કરવાનું. તો કહે, 'ફાવે એવું ના કરાય એંસી વર્ષની હું પણ પાંચ વર્ષનો છોકરો ઘરધણી હોય તોય મારે તો ઘરધણીને પૂછવું પડે.'

હવે આવું સમજે તો સુખી છે. નાથ છોડાય નહીં. તેથી જ એમને નાથ આપેલા. એ નાથના કાબૂમાં રહેજો.

પ્રશ્શનકર્તા : એનું કારણ શું ?

દાદાશ્રી : છૂટું ના મુકાય. મુકાય નહીં એટલે નાથ રાખેલા એમની ઉપર. આપણા લોક કહે છેને, ભઈ નાથ છે ? આ બધા ભગવાન એ ચૌદ લોકનો નાથ, પણ આ તો સ્ત્રીનો નાથ ! એ બેન શી રીતે સ્વીકાર કરે એવું ! અમારું સમજો તો ડહાપણવાળું છે આ ! કાયદેસર આવું જ હોય. આપણે ત્યાં તો વાંધો નહીં, આપણે ત્યાં તો બધું ઠરીઠામ, શુદ્ધાત્મા જોવાનું રહ્યું. તો પછી રહ્યું જ શું તે ? અને સમભાવે નિકાલ કરવાનું રહ્યું. આપણે ત્યાં એવું તેવું નથી, બહારને માટે. આ તો બહારને માટે વાત કરીએ છીએ. આપણે ઘેર તો કશો વાંધો છે નહીં ?

પ્રશ્શનકર્તા : આર્યનારી જે છે, તેને તો આ પુરુષ જે છે તે બંધનમાં રાખે, પણ મા-બાપ છે તે પણ બંધનમાં રાખે !

દાદાશ્રી : મા-બાપ પણ બંધનમાં રાખે. બધે જ્યાં હોય ત્યાં બંધનમાં રાખે. કારણ કે બંધનની જરૂર છે, આર્યનારી છું. આર્યનારી તરીકે તને જીવવું હોય તો બંધનની જરૂર છે. નહીં તો ગમે તેવું સ્વચ્છંદી જીવન જીવવું હોય તો બંધનની જરૂર જ નથી ને !

પ્રશ્શનકર્તા : નહીં, પણ સ્ત્રીને મર્યાદા હોય છે અને પુરુષને કેમ મર્યાદા નહીં ?

દાદાશ્રી : પુરુષને મર્યાદા હોય છે જ. પણ એ પોતે મર્યાદા જાતે તોડે એને કોણ વઢે ?

પ્રશ્શનકર્તા : હંમેશાં આપણે સ્ત્રીને જ કહીએ છીએ કે તારે મર્યાદા રાખવી જોઈએ, આપણે પુરુષને નથી કહેતા.

દાદાશ્રી : એ તો પોતાના મનુષ્યપણાનો ખોટો દુરુપયોગ કર્યો છે. સત્તાનો દુરુપયોગ કર્યો છે. સત્તાના બે ઉપયોગ થઈ શકે. એક સદ્ઉપયોગ થઈ શકે અને બીજો દુરુપયોગ. સદ્ઉપયોગ કરે તો સુખ વર્તે પણ હજુ દુરૂપયોગ કરો છો, તો દુઃખી થાય. જે સત્તાનો દુરુપયોગ કરીએ, તો એ સત્તા હાથમાંથી જાય અને જો એ સત્તા રાખવી હોય કાયમને માટે, પુરુષ જ જો તમારે રહેવું હોય કાયમને માટે, તો સત્તાનો દુરુપયોગ ન કરશો, નહીં તો આવતે ભવ સ્ત્રી થવું પડશે સત્તાધીશોને ! સત્તાનો દુરુપયોગ કરે એટલે સત્તા જાય. વડાપ્રધાન થાય ને ત્યાં આગળ દુરુપયોગ કર્યો એ પક્ષનો, એટલે સત્તા જતી રહી. કોઈ પણ સત્તાનો દુરુપયોગ નહીં કરવો જોઈએ.

અને ઘેર સ્ત્રી જોડે તો પ્રેમ રાખવો જોઈએ. પ્રેમનું જીવન હોવું જોઈએ, આવું કાયદાનું જીવન જીવાતું હશે ? પ્રેમનું જીવન જીવવું જોઈએ. આપણે ત્યાં છે કાયદો કંઈ પણ ? કશું કાયદો નથી ને ? નો લૉ કેવું સરસ પ્રેમથી ચાલે છે.

સ્ત્રીને પુરુષો વખાણે, મહીં ઘાટ,

અંજાય, તો કપટનો ચઢે કાટ !

પ્રશ્શનકર્તા : વચમાં જે પેલી વાત થયેલી. પુરુષે ઉત્તેજન આપ્યું છે, કપટ કરવા માટે, તો એમાં પુરુષ મુખ્ય કારણરૂપ છે. અમારો જે જીવનવ્યવહાર અને એમનું જે કપટ, એમની જે ગાંઠ, એમાં જો હું કંઈ જવાબદાર હોઉં તો એ માટે વિધિ કરી આપજો કે હું એમને છોડી શકું.

દાદાશ્રી : હા, વિધિ કરી આપીશું. એમને કપટ વધ્યું તે એને માટે આપણે પુરુષો રિસ્પોન્સિબલ છીએ. એ ઘણા પુરુષોને આ જવાબદારીનું ભાન બહુ ઓછું હોય છે. એ જો બધી રીતે મારી આજ્ઞા પાળતો હોય તો પણ સ્ત્રીને ભોગવવા માટે પુરુષ સ્ત્રીને શું સમજાવે ? સ્ત્રીને કહેશે કે હવે આમાં કશો વાંધો નથી. એટલે સ્ત્રી બિચારી ભૂલ-થાપ ખઈ જાય. એને દવા ના પીવી હોય.... અને ના જ પીવાની હોય. છતાં પ્રકૃતિ પીવાવાળી ખરી ને ! પ્રકૃતિ તે ઘડીએ ખુશ થઈ જાય. પણ એ ઉત્તેજન કોણે આપ્યું ? તો આપણે એના જવાબદાર. જેમ અજ્ઞાની માણસ હોય ને તે સીધો રહેતો ના હોય કોઈની જોડે. કોઈ સ્ત્રીઓ હોશિયાર થયેલી હોય બિચારી. એને પેલો માણસ શું કહે ? તું તો બહુ જ અક્કલવાળી છું. ખૂબ એના વખાણ કરે ને. એટલે એની ઇચ્છા ના હોય તોય એ પુરુષ જોઈન્ટ થઈ જાય. હવે માણસો સ્ત્રીને પોતાનું ગમતું છે તે બોલે તો એ સ્ત્રી એને વશ થઈ જાય. પોતાને ગમતું કોઈ પુરુષ બોલે, બધી બાબતમાં કહેને, 'કરેક્ટ, બહુ સારું.' અને એનો ધણી જરા વાંકો હોય. અને બીજો પુરુષ છે તો પછી આવું મીઠું બોલે, તો અવળું થાય ખરું ?

પ્રશ્શનકર્તા : થાય, દાદા.

દાદાશ્રી : આ બધી સ્ત્રીઓ એના લીધે જ સ્લીપ થયેલી. કોઈ મીઠું લગાડે કે ત્યાં થઈ જાય. આ બહુ ઝીણી વાત છે. સમજાય એવું નથી.

પ્રશ્શનકર્તા : સમજાય, દાદા.

દાદાશ્રી : હવે પુરુષ તો પેલું સ્વાર્થ કાઢવા માટે કરે છે અને પેલીને રોગ પેસી જાય, કાયમનો. અને પુરુષ, તો સ્વાર્થી નીકળે, એટલે ચાલ્યું. એ તાંબાનો લોટો નીકળ્યો આ. ધોઈ નાખ્યો એટલે સાફ પણ પેલીને ચઢ્યો કાટ. એનો કપટનો સ્વભાવ બંધાઈ જાય. એને ઇન્ટરેસ્ટ આવે એટલે પછી સ્ત્રીનો સ્વભાવ બંધાઈ જાય.

તમને બીજો એક દાખલો આપું. આપણે ઘેર છોકરો હોય, તે અવળું કરે ત્યારે વઢીએ, મારીએ, એ રિસાઈને જતો રહેતો હોય. એવું પાંચ-સાત-દસ વખત ઘડાયું હોય, તો થોડું કંટાળે તો ખરો ને ?

પ્રશ્શનકર્તા : કંટાળે, હા.

દાદાશ્રી : મા-બાપને કામ લેતાં ના આવડે એટલે. આજના બધા છોકરા પાસે મા-બાપને કામ લેતાંય નથી આવડતું. એ છોકરો કંટાળી જાય ને ! હવે પડોશી શું કહે ? એય બાબા આય બા. તે આવે. અલ્યા, લાવો મહીંથી જરા પેલો નાસ્તો લાવો. એટલે પછી ભઈને પછી જે કહે એ કરી આપે કે નહીં એને ?

પ્રશ્શનકર્તા : કરી આપે અને મા-બાપો માટે ઘૃણા ઉત્પન્ન થઈ જાય.

દાદાશ્રી : અને આના ઉપર ?

પ્રશ્શનકર્તા : એના માટે પ્રેમ ઉત્પન્ન થાય. એ કહે એ બધું કરવા તૈયાર થાય.

દાદાશ્રી : એવી રીતે સ્ત્રીને પોતાના ધણીથી ઘૃણા ઉત્પન્ન થાય એટલે પછી. કારણ કે એને વિષય ગમે છે અને પેલો પુરુષ છે તે સારું બોલવા માંડ્યો. એટલે એ રૂપાળો દેખાતો જાય. એને એનકરેજ કરે. એનું કામ કાઢી લેવા માટે એનકરેજ કરે આને અને એ જાણે કે ઓહોહો.... મારે અક્કલ નથી, છતાં આટલી બધી અક્કલ થઈ ગઈ આ, એમ કહે છે. એટલે લપટાયા કરે. કોઈને સમજાય એવી વાત છે આ ?

પ્રશ્શનકર્તા : સમજાય છે, દાદા.

પાળે એક પતિવ્રત સતીપણે,

સ્ત્રી-ગ્રંથિ છેદાય, કપટ ક્ષયે!

દાદાશ્રી : ગમે તેવું બને, ધણી ના હોય, ધણી જતો રહેલો હોય, તોય પણ બીજા પાસે જાય નહીં. એ જો ગમે તેવો હોય, ખુદ ભગવાન પુરુષ થઈને આવ્યો હોય, પણ ના. 'મને મારો ધણી છે, ધણીવાળી છું' એ સતી કહેવાય. અત્યારે સતીપણું કહેવાય એવું છે આ લોકોનું ? કાયમ નથી એવું, નહીં ? જમાનો જુદી જાતનો છે ને ! સતયુગમાં એવો ટાઈમ કો'ક ફેરો આવે છે. સતીઓને માટે જ. તેથી સતીઓનું નામ લે છેને આપણા લોક !!

પ્રશ્શનકર્તા : હા.

દાદાશ્રી : એ સતી થવાની ઇચ્છાથી. એનું નામ લીધું હોય તો કો'ક દહાડો સતી થાય અને વિષય તો બંગડીઓના ભાવથી વેચાય છે. એવું તમે જાણો ? એ સમજ્યા નહીં મારું કહેવાનું ?

પ્રશ્શનકર્તા : હા, બંગડીઓના ભાવથી વેચાય છે.

દાદાશ્રી : કયા બજારમાં ? કૉલેજોમાં ! કયા ભાવથી વેચાય છે ? સોનાના ભાવે બંગડીઓ વેચાય. પેલી હીરાના ભાવે બંગડીઓ વેચાય ! બધે એવો મલી આવે નહીં. બધે એવું નથી. કેટલીક તો સોનું આપે તોય ના લે. ગમે તેવું આપો તોય ના લે ! પણ બીજી તો વેચાય ખરી, આજની સ્ત્રીઓ. સોનાના ભાવે ના હોય તો બીજાના ભાવે પણ વેંચાય !

અને માંસાહાર ક્યારેય ના કરતો હોય. પણ બે-ત્રણ દહાડાનો ભૂખ્યો હોય, તો મરી જવા તૈયાર થાય કે માંસાહાર કરે ? માંસાહાર કરે જ નહીં, ગમે તેવું થાય. અને બોલેય ખરો, મરી જઈશ પણ કરું નહીં, કોઈ દહાડો ના કરું. ભૂખે મરી જવાય તો ભલે. પણ એને બે-ત્રણ દહાડા થાય ને ભૂખમાં મરી જવાય એવું લાગે તો ? કોઈ દેખાડે તો ?

પ્રશ્શનકર્તા : તો કરી નાખે કદાચ, જીવવા માટે.

દાદાશ્રી : કરી જ નાખે. અને ત્યાં ના કરે એ સતી કહેવાય. મોઢે બોલ્યો તો એવું જ હોય એને, મરી જવાય તોય ના કરું.

એટલે આ વિષયને લઈને સ્ત્રી થયો છે, ફક્ત એકલા જ વિષયથી જ અને પુરુષે ભોગવી લેવા માટે એને એનકરેજ કરી અને બિચારીને બગાડી. બરકત ના હોય તોય એનામાં બરકત હોયને એવું મનમાં માની લે. ત્યારે કહેશે, માની શાથી લીધું ? શી રીતે માને ? પુરુષોએ કહે કહે કર્યું જ. એટલે એ જાણે કે આ કહે છે એમાં ખોટું શું છે ! એના મેળે માની લીધેલું ના હોય. તમે કહ્યું હોય, તું બહુ સરસ છે, તારા જેવી તો સ્ત્રી હોતી જ નથી. એને કહીએ કે તું રૂપાળી છું, તો એ રૂપાળી માની લે. આ પુરુષોએ સ્ત્રીઓને સ્ત્રી તરીકે રાખી. અને સ્ત્રી મનમાં જાણે કે હું પુરુષોને બનાવું છું, મૂર્ખ બનાવું છું. આમ કરીને પુરુષો ભોગવીને છૂટા થઈ જાય છે. એની જોડે ભોગવી લે જાણે કે આ રસ્તે ભટકતું હોય... બહુ સમજાતું નહીં ને ? થોડું થોડું ?

પ્રશ્શનકર્તા : સમજાય છે કમ્પ્લીટ. પહેલાં પુરુષોનો કંઈ વાંક નથી એવી રીતે સત્સંગો ચાલતા હતા. પણ આજે વાત નીકળી ત્યારે લાગ્યું કે પુરુષ પણ આ રીતે જવાબદાર બહુ મોટો બની જાય છે.

દાદાશ્રી : પુરુષ જ જવાબદાર છે. સ્ત્રીને સ્ત્રી તરીકે રાખવામાં પુરુષ જ જવાબદાર છે.

પ્રશ્શનકર્તા : હા, દાદા. એટલે એવું નથી કે સ્ત્રી જે છે એ લાંબા જનમ સુધી સ્ત્રીના અવતારમાં રહેશે એવું નક્કી નથી. પણ એ લોકોને ખબર પડતી નથી એટલે એનો ઉપાય થતો નથી.

દાદાશ્રી : ઉપાય થાય તો સ્ત્રી, પુરુષ જ છે. એ ગાંઠને જાણતા જ નથી બિચારા. અને ત્યાં આગળ ઇન્ટરેસ્ટ આવે છે. ત્યાં મજા આવે છે એટલે પડી રહે છે અને કોઈ રસ્તો આવું જાણે નહીં. એટલે દેખાડે નહીં. એ ફક્ત સતી સ્ત્રીઓ એકલી જાણે, સતીઓને એના ધણી એ એક ધણી સિવાય બીજા કોઈનો વિચાર જ ના કરે અને એ ક્યારેય પણ નહીં, એનો ધણી તરત ઓફ થઈ જાય. જતો રહે તોય નહીં. એ જ ધણીને ધણી જાણે. હવે એ સ્ત્રીઓનું બધું કપટ ઓગળી જાય. કોનું કપટ ઓગળી જાય ?

પ્રશ્શનકર્તા : સતીઓનું, સતી સ્ત્રીઓનું.

દાદાશ્રી : જે સ્ત્રી બિલકુલ સતી તરીકે કામ કરે છે. તેના બધા રોગ મટી જાય.

પ્રશ્શનકર્તા : દાદા, અત્યારે અમે તમારા જ્ઞાનથી અને અમારા દોષો આપને બતાવીને, અમારાથી પણ સતી થવાયને ?

દાદાશ્રી : સતી તો પહેલેથી થયા ના હોય અને બગડી ગયા પછી એ પણ સતી થવાય. જ્યારથી નિશ્ચય કર્યો ત્યારથી સતી થઈ શકે.

પ્રશ્શનકર્તા : અને જેમ એ સતીપણું સાચવીએ તેમ તેમ કપટ ઓગળતું જશે ?

દાદાશ્રી : સતીપણું તો કર્યું એટલે કપટ તો જવા જ માંડે એની મેળે જ. તમારે કશું કહેવું ના પડે. તો પેલી મૂળ સતીએ જન્મથી સતી હોય. એટલે એને કશું પહેલાંનો ડાઘ હોય નહીં. અને તમારે પહેલાનાં ડાઘ રહી જાય અને ફરી પાછા પુરુષ થાવ. પણ પુરુષમાં પુરુષ છે તે થયા પછી, બધા પુરુષ સરખા ના હોય. કેટલાક સ્ત્રી જેવા પણ પુરુષ હોય. એ થોડા સ્ત્રીના લક્ષણ રહી જાય અને પછી કપટ જો ઓગળી ગયું. પછી વખતે સતીપણું જો આવે, તો તો ખલાસ થઈ જાય. પુરુષ હોય તો સતી જેવું ક્લિયર થતું જાય, તો ખલાસ થઈ જાય. સતીપણાથી બધું ખલાસ થઈ જાય. જેટલી સતીઓ થયેલી, એનું બધું ખલાસ થઈ જાય અને એ મોક્ષે જાય. સમજાય છે થોડું ? મોક્ષે જતાં સતી થવું પડશે. હા, જેટલી સતીઓ થઈ એ મોક્ષે ગઈ, નહીં તો પુરુષ થવું પડે. પુરુષો ભોળા હોય બિચારા જેમ નચાવે તેમ નાચે બિચારા. બધા પુરુષોને સ્ત્રીઓએ નચાવેલા. સ્ત્રીઓમાં એક સતી એકલી ના નચાવે. સતી તો પરમેશ્વર (ભગવાન) માને પતિને !

પ્રશ્શનકર્તા : આવું જીવન બહુ ઓછાનું જોવા મળે.

દાદાશ્રી : હોય ક્યાંથી આ કળિયુગમાં ? સતયુગમાંય કોઈક જ સતીઓ હોય, અત્યારે કળિયુગમાં ક્યાંથી હોય ?

સ્ત્રીનો પણ મોક્ષ છે દાદા કહે,

જ્ઞાનીની સેવા, કૃપા આજ્ઞા મળ્યે!

ત્યારે લોક કહે મોક્ષ પુરુષનો જ થાય. સ્ત્રીઓનો મોક્ષ થાય નહીં. એ હું એમને કહું છું કે આ સ્ત્રીઓનો પણ મોક્ષ થાય. સ્ત્રીઓનો જલદી મોક્ષ ના થાય. કેમ ન થાય ? ત્યારે કહે, એમની કપટની ને મોહની ગ્રંથિ બહુ મોટી છે. પુરુષોને આવડી નાની ગાંઠ હોય, તો એમની આવડી સુરણ જેવડી હોય.

સ્ત્રી પણ મોક્ષે જશે. ભલે બધા ના કહેતા હોય પણ સ્ત્રી પણ મોક્ષને માટે લાયક છે. કારણ કે એ આત્મા છે અને પુરુષોની જોડે ટચમાં આવે છે, તે એનો પણ ઉકેલ આવશે, પણ સ્ત્રી-પ્રકૃતિને મોહ બળવાન હોવાથી વધુ ટાઈમ લાગશે !

એટલે અમે રસ્તો દેખાડીએ એમને. એટલે કપટગીતા મેં લખાવડાવી છે એમને. કપટગીતા લખી આપી છે, રોજ કપટગીતા વાંચે.

શાસ્ત્રોકારોય લખે છે કે સ્ત્રીનો મોક્ષ નહીં. અલ્યા મૂઆ, શા માટે તમે આવું લખો છો વગર કામનું ! પુરુષનો અવતાર આવશે અને મોક્ષ થવાનો. સ્ત્રીનો મોક્ષ એટલે એ લિંગની ભાંજગડ છે.

પ્રશ્શનકર્તા : એટલે આ લિંગે મોક્ષ ના થાય, પુરુષ લિંગે જ મોક્ષ થાય.

દાદાશ્રી : લિંગ બદલાઈ જાય એટલે જો પુરુષાર્થ કરે તો લિંગ બદલાઈ જાય, પણ એ જો આવું કરે તો, આવું બોલવાથી તો પુરુષાર્થ મંદ પડી જાય છે સ્ત્રીઓને.

પ્રશ્શનકર્તા : હા, એ પુરુષાર્થ મંદ પડી જાય.

દાદાશ્રી : અને પુરુષો સ્ત્રી થાય છે ને અને સ્ત્રી પુરુષો થાય છે. એ બધું મોહને આધીન છે, મોહ.

જે કોઈ આત્મા જાણે ને આત્મજ્ઞાનીની સેવામાં પડે એનો ઉકેલ આવી જાય. સ્ત્રીને બે અવતાર વધારે થાય. એ કાઠું કઠોર છે, મજબૂત !

પ્રશ્શનકર્તા : પણ સ્ત્રીના અવતારમાંથી સીધી મોક્ષે ના જાય, પણ સ્ત્રીના અવતારમાંથી પુરુષના અવતારમાં આવીને પછી મોક્ષે જાય ને ?

દાદાશ્રી : હા, પછી જાય. પછી એમ ને એમ ન જાય. મલ્લિનાથ ગયેલાને એ તો સ્ત્રીનો ભોગ નહીં, એ તો ખાલી આકાર જ હતો. ભોગ હોય નહીં ને ! અને મહાવીર ભગવાનનો ભોગ હતો ત્રીસ વર્ષ સુધી. આ મલ્લિનાથને ભોગ નહીં. ભોગ હોત તો આ તીર્થંકરપણું રહેત નહીં, ખાલી આકાર જ હતો.

એટલે આમાં સ્ત્રીને વગોવવાનું નથી. આ પુરુષોને આ બધું, સરખું જ છે આ બધું. સ્ત્રીને વગોવવાની નહીં. સ્ત્રી શક્તિ છે. એય મોક્ષને માટે તૈયાર થઈ શકે એમ છે. મોક્ષે ના જાય, એ તો સાપેક્ષ વાત લખેલી છે. નિરપેક્ષ નથી લખેલું. સ્ત્રી મોક્ષે ના જાય તો નેમિનાથ ભગવાનની રાજુલ જાય ને આ બીજાની ના જાય, એમ ત્યાં કંઈ ખટપટો છે ?

પ્રશ્શનકર્તા : સ્ત્રીવેદે ઘણા મોક્ષ પામેલા છે.

દાદાશ્રી : ના, એ પહેલા પુરુષ થઈને.... સ્ત્રીવેદે મોક્ષ ના થાય કોઈનો. એ સ્ત્રીવેદે, એ મોક્ષ ના થાય એ તો જે થયેલાને, તે વેદ હતો નહીં એનામાં. વેદ વગરનો આકાર હતો ! સ્ત્રીનો આકારનો વાંધો નથી પણ વેદ ના હોવો જોઈએ. એટલે સ્ત્રીઓ મોક્ષે ના જાય એવું કેટલાંક શાસ્ત્રો કહે, પણ આપણે અહીં તો જાય. પણ આપણે અહીં પછી એક પ્રતિક્રમણ કરવું પડે છે મોટું, જબરજસ્ત. ત્યારે એ પ્રકૃતિ નાશ થાય. પ્રતિક્રમણની. લાવો જો ચોપડી પેલી...

પ્રશ્શનકર્તા : કેટલાક એમ કહે છે કે સ્ત્રીઓથી અમુક ધાર્મિક કાર્ય ના થાય, પુરુષોથી જ થાય. દાખલા તરીકે અમુક મંત્ર છે, તો કે એ સ્ત્રીઓથી ના બોલાય, પુરુષોથી જ થાય. તે આવા છે તો બધા જે તફાવતો છે નિયમોમાં એ શું ? જરા એનો ખુલાસો કરી આપો.

દાદાશ્રી : બહુ ધ્યાન રાખવું નહીં એ તફાવતોમાં. આપણે આપણી મેળે મંત્ર કર્યા કરવા. પણ એમેય બહાર ના કહેવું કે સ્ત્રીઓ કરે તો વાંધો નહીં. નહીં તો ઝઘડા ઊભા થાય, એટલે ઝઘડા થાય નહીં અને આપણું કામ કાઢી લેવું. વાતમાં કશો માલ નથી, વાતો કરે છે તેમાં. ધર્મને માટે કશો ભેદ નથી.

સ્ત્રી શક્તિ કદી પડી ધર્મક્ષેત્રે,

જગકલ્યાણનું મોટું નિમિત્ત એ!

એટલે સ્ત્રીઓનો દોષ નથી, સ્ત્રીઓ તો દેવી જેવી છે ! સ્ત્રીઓ અને પુરુષોમાં આત્મા એ તો આત્મા જ છે, ફક્ત ખોખાંનો ફેર છે. 'ડિફરન્સ ઓપ પેકિંગ !' સ્ત્રી એ એક જાતની 'ઇફેક્ટ' છે. તે આત્મા પર સ્ત્રીની 'ઇફેક્ટ' વર્તે. આની 'ઇફેક્ટ' આપણા ઉપર ના પડે ત્યારે ખરું. સ્ત્રી એ તો શક્તિ છે. આ દેશમાં કેવી કેવી સ્ત્રીઓ રાજનીતિમાં થઈ ગઈ ! અને આ ધર્મક્ષેત્રે સ્ત્રી પડી તે તો કેવી હોય ? આ ક્ષેત્રથી જગતનું કલ્યાણ જ કરી નાખે ! સ્ત્રીમાં તો જગતકલ્યાણની શક્તિ ભરી પડી છે ! તેનામાં પોતાનું કલ્યાણ કરી લઈને બીજાનું કલ્યાણ કરવાની શક્તિ છે !

ભાગ
1-2 -3 - 4 - 5 - 6 - 7 - 8 - 9 - 10 - 11 - 12