ભાગ
1-2 -3 - 4 - 5 - 6 - 7 - 8 - 9 - 10 - 11 - 12

(૯)

કોમનસેન્સથી, એડજસ્ટ એવરીવ્હેર !

ભલભલાં તાળાં તુર્ત ઉઘડે;

કોમનસેન્સથી મતભેદ ટળે!

ભલે મોક્ષની જરૂર બધાને ના હોય, પણ 'કોમનસેન્સ'ની જરૂર તો બધાને ખરી. આ તો 'કોમનસેન્સ' નહીં હોવાથી ઘરનું ખાઈ-પીને અથડામણો થાય છે. બધા કંઈ કાળાંબજાર કરે છે ? છતાં ઘરના ત્રણ માણસોમાં સાંજ પડ્યે તેત્રીસ મતભેદ પડે છે. આમાં શું સુખ પડે ? પછી નફ્ફટ થઈ જીવે. એ સ્વમાન વગરનું જીવન શું કામનું ?

હું બધાને એમ નથી કહેતો કે તમે બધા મોક્ષે ચાલો. હું તો એમ કહું છું કે જીવન જીવવાની કળા શીખો. 'કોમનસેન્સ' થોડી ઘણી તો જાણે શીખે છે લોકોની પાસે ! શેઠિયાઓને મેં કહ્યું કે, 'કોમનસેન્સ' હોય તો આવું જીવન હોય નહીં. શેઠે પૂછયું, 'કોમનસેન્સ' એટલે શું ?' મેં કહ્યું, 'કોમનસેન્સ એટલે એવરીવ્હેર એપ્લીકેબલ -થિયરિટિકલી એઝ વેલ એઝ પ્રેક્ટિકલી. ગમે તેવું તાળું હોય, કટાયેલું હોય કે ગમે તેવું હોય પણ કૂંચી નાખે કે તરત ઊઘડી જાય એનું નામ કોમનસેન્સ. તમારે તો તાળાં ઊઘડતાં નથી, વઢવાડો કરો છો અને તાળાં તોડો છો ! અરે, ઉપર ઘણ મોટા મારો છો !'

મતભેદ તમને પડે છે ? મતભેદ એટલે શું ? તાળું ઉઘાડતાં ના આવડ્યું ! તે 'કોમનસેન્સ' ક્યાંથી લાવે ? મારું કહેવાનું કે પૂરેપૂરી ત્રણસો સાઠ ડિગ્રીની સંપૂર્ણ 'કોમનસેન્સ' ના હોય, પણ ચાલીસ ડિગ્રી, પચાસ ડિગ્રીનું આવડે ને ? એવું ધ્યાનમાં લીધું હોય તો ? એક શુભ વિચારણા ઉપર ચઢ્યો હોય તો એને એ વિચારણા સાંભળે ને એ જાગ્રત થઈ જાય. શુભ વિચારણાનાં બીજ પડે. પછી એ વિચારણા ચાલુ થઈ જાય.

કોમનસેન્સવાળો ઘરમાં મતભેદ થવા જ ના દે. એ કોમનસેન્સ ક્યાંથી લાવે ? એ તો 'જ્ઞાની પુરુષ' પાસે બેસે, 'જ્ઞાની પુરુષ'ના ચરણોનું સેવન કરે ત્યારે 'કોમનસેન્સ' ઉત્પન્ન થાય. 'કોમનસેન્સ'વાળો ઘરમાં કે બહાર ક્યાંય ઝઘડો જ ના થવા દે. આ મુંબઈમાં મતભેદ વગરનાં ઘર કેટલાં ? મતભેદ થાય ત્યાં 'કોમનસેન્સ' કેમ કહેવાય ?

જજ ન્યાય કરે જગભરના,

પેન્ડિંગ કેસ વર્ષો ઘરના !

ચીફ જસ્ટિસ હોય, તે કોર્ટમાં ત્યાં આગળ પોતે જજમેન્ટ આપે. પણ ઘેર ?

પ્રશ્શનકર્તા : બઈ જ જજમેન્ટ આપે !

દાદાશ્રી : હા, બઈ કે ભાઈ, ગમે તે જજમેન્ટ આપે. પણ ઘેર તો ગૂંચાયેલું જ હોય. બઇ સ્ટ્રોંગ હોય તો ગૂંચાયેલું જ હોય. પણ બેમાંથી એક તો સ્ટ્રોંગ હોયને ? તે પછી આડોશી પાડોશી બધા જાણી જાય કે આ થયું, ચાલ્યું હવે કંઈક, જજમેન્ટ (!) આપી રહ્યા છે !!

ત્યાં સેશન્સ જજો સાત વર્ષની જેલની સજા કરે અને અહીં ઘેર.....!! મેજીસ્ટ્રેટ સાહેબ ઘેર બઈ જોડે બબ્બે મહિનાથી બોલતા ના હોય ! અલ્યા, મોઢાં ચઢાવીને ઘરમાં શું ફરો છો ? નિકાલ કરી નાખોને ! બાઇસાહેબ જોડે અબોલા હોય ! ત્યારે આપણે સાહેબને પૂછીએ કે, 'કેમ સાહેબ ?' ત્યારે સાહેબ કહે કે, 'બઇ બહુ ખરાબ છે, બિલકુલ જંગલી છે.' હવે બાઇસાહેબને પૂછીએ કે, 'કેમ સાહેબ તો બહુ સારા માણસ છે ને ?' ત્યારે બાઇસાહેબ કહે, 'જવા દોને એનું નામ, રોટન (સડેલ) માણસ છે.' હવે આવું સાંભળીએ ત્યાંથી ના સમજી જઈએ કે આ બધું પોલંપોલ છે જગત ? આમાં 'કરેક્ટનેસ' જેવું કશું જ નથી.

એક મેજીસ્ટ્રેટનો ઘરમાં કેસ પેન્ડિંગ !! તે મેં કહ્યું, 'મેજીસ્ટ્રેટ થયો છું ને મૂઆ, તને શરમ નથી આવતી ? બહારના કેસ પતાવી આપું છું ને વાઇફ જોડે તો ઝઘડો પેન્ડિંગ રાખ્યો છે ?' પણ એમાં પછી 'હું છું, હું છું' કહેશે. અલ્યા, શેને માટે પણ ? વહુનો જ કેસ નિકાલ કરતાં આવડતો નથી. કઈ જાતના માણસ છો તે ?' 'હું છું' કહો છો, તો બધા કેસ નિકાલ કરી આપોને. પાડોશી, બાડોશી બધાના કેસ સમાધાન કરી આપોને, તો પછી એ 'હું છું' એવું કંઈક બોલે તો આપણે જાણીએ કે ભાઈ આ છે ! પણ આ તો વાઇફ જોડેનો ઝઘડો પડ્યો હોય તો નિકાલ કરવાને માટે તો મહિનો-બબ્બે મહિના લે છે !

એક મેજિસ્ટ્રેટ તો ખાસ અમારો ઓળખાણવાળો, તે બાર મહિના સુધી વાઇફ જોડે બોલ્યો જ નહીં. અલ્યા, કંઈ જાતનો મેજિસ્ટ્રેટ છું તું ? આ બધાને જેલમાં ઘાલી દઉં ! ઘરમાં નિકાલ નથી કરતા ને બહાર શું ધોળવાના છે તે ? અને જૈન તો કેવા હોય ? કે આજુબાજુ પચ્ચીસ માઇલના રેડિયસમાં (ત્રિજ્યા) સુગંધી આવતી હોય એની ! કારણ કે શ્રેષ્ઠિ પુરુષો હતા. આ ઓલાદ કંઈ જેવી તેવી નથી. શ્રેષ્ઠિ પુરુષોની ઓલાદ છે. પણ આ કળિયુગને લીધે એ ઓલાદ ખલાસ થઈ ગઈ !

તમારા મનમાં એમ કે હું ક્યાં આ બઈની જોડે વાતચીત કરવા બેસું ? એટલે તમે બઈને ના ગાંઠો તો બઈ તમનેય ના ગાંઠે, એવું બને કે ના બને ?

પ્રશ્શનકર્તા : બને, ચોક્કસ વળી.

દાદાશ્રી : તે ઇગોઇઝમ છે બધું. આ વચ્ચે ઇગોઇઝમની ફાચર નડે છે. તમને કેમ લાગે છે ? કંઈક આપણી જ ભૂલ હશે ને ? કે બધી ભૂલ બૈરી છોકરાંની જ હોય છે ? પહેલી પોતાની જ ભૂલો ભાંગવી પડે.

પતિ કરે ભૂલોનો એકરાર,

તો જ્ઞાની તરાવે ભવ સંસાર!

પ્રશ્શનકર્તા : મારા જીવનમાં એક મોટામાં મોટો પ્રશ્શન એ છે કે અત્યાર સુધી એવું બન્યું છે કે હું એડજસ્ટમેન્ટ લઈ શક્યો નથી અને નાના નાના એવા કારણોસર મેં ઘણા ડખા કર્યા છે, મારા વાઇફને મેં દુઃખ પણ ઘણું આપ્યું છે, એટલું જ નહીં પણ એ ત્રાસી ગયાં છે મારાથી. અને મને એ રિયલાઇઝ હવે થયું છે, કે આ મારા કારણે થયું છે. અને મને આમાંથી નીકળવું છે તો એનો રસ્તો બતાવો.

દાદાશ્રી : તમારા વાઇફથી તમે ત્રાસ્યા નથી ?

પ્રશ્શનકર્તા : ના, એમ તો એમને મારા માટે બહુ જ લાગણી છે. મને લાગણી નથી, એમ પણ નથી, મને પણ છે.

દાદાશ્રી : લાગણી છે ત્યારે જ આવું કહે ને ! કશું સર્વિસ બર્વિસ કરો છો ?

પ્રશ્શનકર્તા : બિઝનેસ કરું છું, પોતાનો થોડો ધંધો કરું છું.

દાદાશ્રી : શેનો ?

પ્રશ્શનકર્તા : સપ્લાય કરવાનો મટીરિયલ્સ.

દાદાશ્રી : ત્યાં એ લોકો જોડે એડજસ્ટ થવાય છે ?

પ્રશ્શનકર્તા : એ લોકો જોડે થવાય છે. એ લોકો જોડે પહેલાં નહતું થતું, પણ હવે એ લોકો સાથે હું એડજસ્ટમેન્ટ કરતાં શીખી ગયો છું.

દાદાશ્રી : આય શીખવાની જરૂર છે. એમાં બીજું કશું નહીં. આય શીખી જશોને એટલે બધું આવડી જવાનું.

પ્રશ્શનકર્તા : હવે કરવું શું મારે ?

દાદાશ્રી : જો તમને પ્રેમ છે તો એડજસ્ટમેન્ટ હોય જ.

પ્રશ્શનકર્તા : અહંકાર આડો આવે છે ?

દાદાશ્રી : હા, એ જ ને, અહંકારની જ બધી ભાંજગડ છે ને ! મતભેદથી તો ઉકેલ ના આવે. મતભેદ પસંદ નથી, છતાં મતભેદ પડી જાય છે ને ? સામો વધારે ખેંચાખેંચ કરે તો આપણે છોડી દઈએ ને ઓઢીને સૂઈ જવું, જો છોડીએ નહીં ને બેઉ ખેંચ્યા રાખે તો બેઉને ઊંઘ ના આવે ને આખી રાત બગડે. વ્યવહારમાં, વેપારમાં, ભાગીદારીમાં કેવું સાચવીએ છીએ ! તો આ સંસારની ભાગીદારીમાં આપણે ના સાચવી લેવાય ?

એટલે 'એડજસ્ટ' થવાનું જગતમાં, કારણ કે દરેક વસ્તુનો 'એન્ડ' હોય છે. અને વખતે એ લાંબા કાળ સુધી ચાલે તોય તમે તેને 'હેલ્પ' નથી કરતા, વધારે નુકસાન કરો છો. તમારી જાતને નુકસાન કરો છો ને સામાનું નુકસાન થાય છે ! એને કોણ સુધારી શકે ? જે સુધરેલો હોય તે જ સુધારી શકે. પોતાનું જ ઠેકાણું ના હોય તે સામાને શી રીતે સુધારી શકે ?

પ્રશ્શનકર્તા : વાઇફ જોડે ઘણીવાર અથડામણ થઈ જાય છે. મને કંટાળોય આવે છે.

દાદાશ્રી : કંટાળો આવે એટલું જ નહીં, પણ કેટલાક તો દરિયામાં પડતું નાખે, બ્રાન્ડી પીને આવે.

એક પૈણેલો માણસ ઘેર જતો નહોતો, ત્યારે મેં કહ્યું, કેમ અત્યારે તું આ રાત્રે બાર વાગે બાગમાં જાય છે ? ત્યારે કહે, હમણે જરાક ઠંડો પવન છે ને, પછી જતો રહીશ, પણ પછી તપાસ કરી ત્યારે કહે છે, વહુ જોડે ઝઘડો થયો તો, તે બધા ઊંઘી જાય પછી ઘેર જવાનું. તે રાતે આ બધા ઊંઘી ગયા પછી જાય. નહીં તો જાગતા હોય તો વઢવાડ થઈ જાય. મોઢું ચઢેલું દેખે કે વઢવાડ થઈ જાય. તે નિરાંતે છાનોમાનો પેસી જઈને સૂઈ જાય પાછો !

વાંકા આંટા જોડે વાંકી નટ,

સ્ત્રી તો છે, તારું કાઉન્ટર વેટ!

પ્રશ્શનકર્તા : હું 'વાઇફ' જોડે બહુ 'એડજસ્ટ' થવા જાઉં છું. પણ થવાતું નથી.

દાદાશ્રી : બધું હિસાબસર છે ! વાંકા આંટા ને વાંકી નટ, ત્યાં સીધી નટ ફેરવે તો શી રીતે ચાલે ? તમને એમ થાય કે આ સ્ત્રી જાતિ આવી કેમ ? પણ સ્ત્રી જાતિ તો તમારું 'કાઉન્ટર વેઈટ' છે. જેટલો આપણો વાંક એટલી એ વાંકી એટલે તો અમે બધું 'વ્યવસ્થિત' છે, એવું કહ્યું છે ને ?

પ્રશ્શનકર્તા : બધા જ આપણને સીધા કરવા આવ્યા હોય એમ લાગે છે.

દાદાશ્રી : તે સીધા કરવા જ જોઈએ તમને. સીધા થયા સિવાય દુનિયા ચાલે નહીં ને ? સીધો થાય નહીં તો બાપ શી રીતે થાય ? સીધો થાય તો બાપ થાય. સ્ત્રી જાણે જાતિ એવી છે કે એ ના ફરે, એટલે આપણે ફરવું પડશે. એ સહજ જાતિ છે, એ ફરે એવી નથી.

વાઇફ એ શું વસ્તુ છે ?

પ્રશ્શનકર્તા : આપ કહો ?

દાદાશ્રી : વાઇફ ઇઝ ધી કાઉન્ટર વેઇટ ઑફ મેન. એ જો કાઉન્ટર વેઇટ ના હોય તો ગબડી પડે માણસ.

પ્રશ્શનકર્તા : એ ના સમજાયું.

દાદાશ્રી : આ ઇન્જીનમાં કાઉન્ટર વેઈટ મૂકવામાં આવે છે. નહીં તો ઇન્જીન ચાલતું ચાલતું ગબડી પડે. એવું આ મનુષ્યને કાઉન્ટર વેઇટ સ્ત્રી છે. તે સ્ત્રી હોય તો ગબડી ના પડે. નહીં તો દોડધામ કરીને કાંઈ ઠેકાણે હોય નહીં, આ આજે અહીં હોય ને કાલે ક્યાંનો ક્યાંય હોય. આ સ્ત્રી છે તે પાછો ઘેર આવે છે. નહીં તો આ આવે કે ?

પ્રશ્શનકર્તા : ના આવે.

દાદાશ્રી : એ કાઉન્ટર વેઇટ છે એનું.

પટાવીને પત્ની, સંસાર પાર ઉતારો,

વીતરાગ વાટે જ આરો તમારો !

'જ્ઞાની' તો સામો વાંકો હોય તોય તેની જોડે 'એડજસ્ટ' થાય. 'જ્ઞાની પુરુષ'ને જોઈને ચાલે તો બધી જાતનાં 'એડજસ્ટમેન્ટ' કરતાં આવડી જાય. આની પાછળ 'સાયન્સ' શું કહે છે કે વીતરાગ થઈ જાઓ, રાગ-દ્વેષ ના કરો. આ તો મહીં કંઈક આસક્તિ રહી જાય છે, તેથી માર પડે છે. આ વ્યવહારમાં એકપક્ષી, નિઃસ્પૃહ થઈ ગયા હોય તે વાંકા કહેવાય. આપણને જરૂર હોય તો સામો વાંકો હોય તોય તેને મનાવી લેવો પડે. આ સ્ટેશન પર મજૂર જોઈતો હોય તો એ આનાકાની કરતો હોય તોય તેને ચાર આના ઓછાવત્તા કરીને મનાવી લેવો પડે અને ના મનાવીએ તો એ બેગ આપણા માથા પર જ નાખેને ?

આટલું જ ઓળખવાનું છે કે આ 'મશીનરી' કેવી છે, એનો 'ફ્યુઝ' ઊડી જાય તો શી રીતે 'ફ્યુઝ' બેસાડી આપવો. સામાની પ્રકૃતિને 'એડજસ્ટ' થતાં આવડવું જોઈએ. અમારે જો સામાનો 'ફ્યુઝ' ઊડી જાય તોય અમારું 'એડજસ્ટમેન્ટ' હોય. પણ સામાનું 'એડજસ્ટમેન્ટ' તૂટે તો શું થાય ? 'ફ્યુઝ' ગયો એટલે પછી તો એ ભીંતે અથડાય, બારણે અથડાય, પણ વાયર તૂટતો નથી. એટલે જો કોઈ ફ્યુઝ નાખી આપે તો પાછું રાગે પાડે, ત્યાં સુધી એ ગૂંચાય.

ઘર એક બગીચો, દ્ષ્ટિ બદલ,

પ્રાકૃતિક ફૂલોમાં સુગંધી અલગ!

એક ભાઈ મને કહે કે 'દાદા, ઘરમાં મારી બૈરી આમ કરે છે ને તેમ કરે છે. ત્યારે મેં તેને કહ્યું કે બેનને પૂછો તો એ શું કહે છે ? કે 'મારો ધણી આવો નાગો છે, અક્કલ વગરનો છે.' હવે આમાં તમારો એકલાનો ન્યાય શું કરવા ખોળો છો ? ત્યારે એ ભાઈ કહે કે 'મારું ઘર તો બગડી ગયું છે. છોકરાં બગડી ગયાં છે, બૈરી બગડી ગઈ છે.' મેં કહ્યું, 'બગડી નથી ગયું કશું.' તમને એ જોતાં આવડતું નથી. તમારું ઘર તમને જોતાં આવડવું જોઈએ. દરેકની પ્રકૃતિ ઓળખતાં આવડવી જોઈએ.

એવું છેને, ઘરમાં એડજસ્ટમેન્ટ નથી થતું એનું કારણ શું ? કુટુંબમાં બહુ માણસ હોય તે બધાની જોડે મેળ પડતો નથી, દહીંનો ડખો થઈ જાય પછી ? તે શાથી ? આ મનુષ્યોનો જે સ્વભાવ છે, એ એક જાતનો નથી. જેવો યુગ હોય ને તેવો સ્વભાવ થઈ જાય છે. સતયુગમાં બધા એક મેળ રહ્યા કરે, સો માણસ ઘરમાં હોય તોય દાદાજી કહે તે પ્રમાણે બધાય અનુસરે ને આ કળિયુગમાં તો દાદાજી કહે તો એમને આવડી આવડી ચપોડે (ગાળો ભાંડે), બાપ કશું કહે તો બાપનેય આવડી આવડી ચોપડે.

હવે માનવ તો માનવ જ છે, પણ તમને ઓળખતાં નથી આવડતું. ઘરમાં પચાસ માણસો હોય પણ આપણને ઓળખતાં આવડ્યું નહીં એટલે ડખો થયા કરે છે. એને ઓળખવાં તો જોઈએને ! ઘરમાં એક જણ કચકચ કરતું હોય તો એ તો એનો સ્વભાવ જ છે. એટલે આપણે એક ફેરો સમજી જવાનું કે આ આવું છે. તમે ઓળખી જાવ ખરા કે આ આવું જ છે ? પછી એમાં ફરી તપાસ કરવાની જરૂર ખરી ? આપણે ઓળખી જઈએ એટલે તપાસ કરવાની ના રહે. કેટલાકને રાતે મોડું સૂઈ જવાની ટેવ હોય. અને કેટલાકને વહેલું સૂઈ જવાની ટેવ હોય. તે બન્નેને મેળ શી રીતે પડે ? અને એક કુટુંબમાં બધા ભેગાં રહે. તે શું થાય ? ઘરમાં એક જણ એવું બોલનારો નીકળે કે તમારામાં તો અક્કલ ઓછી છે. તો આપણે એવું જાણવું કે આ આવું જ બોલવાનો છે એટલે આપણે એડજસ્ટ થઈ જવું. એને બદલે પછી આપણે સામો જવાબ આપીએ તો આપણે થાકી જઈએ. કારણ કે એ તો આપણને અથડાયો. પણ આપણે અથડાઈએ તો આપણને પણ આંખો નથી એમ ખાતરી થઈ ગઈને ? હું એ સાયન્સ કહેવા માગું છું કે પ્રકૃતિનું સાયન્સ જાણો. બાકી આત્મા એ જુદી વસ્તુ છે.

સતયુગમાં ઘર હોય ખેતર,

આજે બાગ, જુદાં જુદાં નેચર!

તમારું ઘર તો બગીચો છે. સતયુગ, ત્રેતા ને દ્વાપરયુગમાં ઘર એટલે ખેતરાં જેવાં હતાં. કોઈ ખેતરમાં નર્યા ગુલાબ જ, કોઈ ખેતરમાં નર્યા ચંપા, અત્યારે બગીચા જેવું થઈ ગયું છ. તે આપણે, આ મોગરો છે કે ગુલાબ એવી તપાસ ના કરવી જોઈએ ? સત્યુગમાં શું હતું કે એક ઘેર ગુલાબ હોય તો બધા ગુલાબ અને બીજે ઘેર મોગરો તો ઘરનાં બધા મોગરો, એવું હતું. એક કુટુંબમાં બધાય ગુલાબના છોડ, એક ખેતર જેવું એટલે વાંધો ના આવે. અને અત્યારે તો બગીચા થયા છે. એક ઘરમાં એક ગુલાબ જેવું, એક મોગરા જેવો, એટલે પેલો ગુલાબ બૂમો પાડે કે તું કેમ મારા જેવું નથી ? તારો રંગ જો કેવો સફેદ, મારો રંગ કેવો સરસ છે ? ત્યારે મોગરો કહેશે કે તારે તો નર્યા કાંટા છે. હવે ગુલાબ હોય તો કાંટા હશે, મોગરો હશે તો કાંટા નહીં હોય. મોગરાનું ફૂલ સફેદ હશે. ગુલાબનું ફૂલ ગુલાબી હશે, લાલ હશે. અત્યારે કળિયુગમાં એક જ ઘરે જુદા જુદા છોડવા હોય. એટલે ઘર બગીચા રૂપે થયું છે, પણ આ તો જોતાં નથી આવડતું, એનું શું થાય ? તેને દુઃખ જ થાયને ને જગતની આ જોવાની દ્ષ્ટિ નથી. બાકી કોઈ ખરાબ હોતું જ નથી. આ મતભેદ તો પોતાના અહંકારને લઈને છે. જેને જોતાં નથી આવડતું તેનો અહંકાર છે ! મને અહંકાર નથી તો મને આખી દુનિ

યા જોડે મતભેદ જ નથી પડતો, મને જોતાં આવડે છે કે આ ગુલાબ છે, આ મોગરો છે, આ ધંતૂરો છે, આ કડવી ગીલોડીનું ફૂલ છે. એવું બધું હું ઓળખું પાછો. એટલે બગીચા જેવું થઈ ગયું છે. એ તો વખાણવા જેવું થયુંને ? તમને કેમ લાગે છે ?

પ્રશ્શનકર્તા : બરાબર છે.

દાદાશ્રી : એવું છે ને પ્રકૃતિમાં ફેર ના પડે અને એ તો એનો એ જ માલ, એમાં ફેર ના પડે. અમે દરેક પ્રકૃતિને પામી લીધેલી હોય. આમ ઓળખી જોઈએ, એટલે અમે દરેકની જોડે એની પ્રકૃતિ પ્રમાણે રહીએ, આ સૂર્ય જોડે આપણે બપોરે બાર વાગે મિત્રાચારી કરવા જઈએ તો શું થાય ? તેમ આપણે સમજીએ કે આ ઉનાળાનો સૂર્ય છે. આ શિયાળાનો સૂર્ય છે. એમ બધું સમજીએ તો પછી વાંધો આવે ?

અમે પ્રકૃતિને ઓળખીએ એટલે પછી તમે અથડાવા ફરતા હોય તોય હું અથડાવા દઉં નહીં, હું ખસી જઉં. નહીં તો બેઉનો એક્સિડન્ટ થાય અને બન્નેના સ્પેરપાર્ટ્સ તૂટી જાય. પેલાનું બમ્પર તૂટી જાય તેની સાથે તો મહીં બેઠેલાની શી દશા થઈ જાય ? બેસનારાની દશા બરાબર બેસી જાયને ! એટલે પ્રકૃતિ ઓળખો. ઘરમાં બધાની પ્રકૃતિ ઓળખી લેવાની.

પ્રકૃતિ આ કળિયુગમાં ખેતરરૂપે નથી, બગીચા રૂપે છે. એક ચંપો, એક ગુલાબ, મોગરો, ચમેલી એમ બધું છે. તે ફૂલાં બધાં લડે છે. પેલાં કહેશે કે મારું આવું છે ને પેલો કહેશે મારું આવું છે, ત્યારે એક કહેશે કે તારા કાંટા. જા, તારી જોડે કોણ ઊભું રહે ? આમ ઝઘડા ચાલ્યા કરે છે. આપને સમજાયુંને ?

પ્રશ્શનકર્તા : હાજી. એટલે જ કહીએ છીએ કે હવે તો જીવનમાં શાંતિનો સરળમાર્ગ જોઈએ છે.

દાદાશ્રી : એક જ શબ્દ જો જીવનમાં ઉતારશો ? ઉતારશો, બરોબર એક્ઝેટ ?

પ્રશ્શનકર્તા : એક્ઝેક્ટ, હા.

દાદાશ્રી : 'એડજસ્ટ એવરીવ્હેર' આટલો જ શબ્દ જો તમે જીવનમાં ઉતારી નાખો, બહુ થઈ ગયું, તમારે શાંતિ એની મેળે ઊભી થશે. પહેલું છે તે છ મહિના સુધી અડચણો આવશે, પછી એની મેળે જ શાંતિ થઈ જશે. પહેલું છ મહિના પાછલાં રીએક્શન આવશે. શરૂઆત મોડી કરી તે બદલનાં. માટે 'એડજસ્ટ એવરીવ્હેર' ! આ કળિયુગના આવા ભયંકર કાળમાં તો એડજસ્ટ નહીં થાવને, તો ખલાસ થઈ જશો !

પ્રશ્શનકર્તા : એ એડજસ્ટ કેવી રીતે થવું, એ જરા સમજાવો.

દાદાશ્રી : હવે વાઇફ સામી થઈ, આપણે કંઈક કારણસર મોડું થઈ ગયું અને વાઇફ ઊંધું-અવળું-સવળું બોલવા માંડી, આટલા મોડા આવો છો, મને નહીં ફાવે ને આ બધું આમ ને તેમ, એનું મગજ ખસી ગયું. તો આપણે કહીએ કે ભાઈ, આ વાત ખરી છે તારી, તું કહેતી હોય તો પાછો જઉં, નહીં તો તું કહેતી હોય તો મહીં બેસું. ત્યારે કહે, ના પાછા ના જશો, અહીં સૂઈ જાવ છાનામાના ! પણ પછી કહીએ, તું કહું તો ખાઉં, નહીં તો હું તો સૂઈ જાઉં. ત્યારે કહે, ના, ખઈ લો. એટલે આપણે એને વશ થઈને ખઈ લેવું. એટલે એડજસ્ટ થઈ ગયા. એટલે સવારમાં ચા ફર્સ્ટ ક્લાસ આપે અને જો ડફળાવી ઉપરથી, તો ચાનો કપ છણકો મારી આલે તે ત્રણ દા'ડા સુધી ચાલ્યા જ કરે.

પ્રશ્શનકર્તા : માયાની પકડ એટલી બધી જબરજસ્ત થઈ છે કે આવું થઈ શકતું નથી ?

દાદાશ્રી : હા. એ વાતેય ખરી છે. એ કરેક્ટ વાત છે. આ હું કહું છું, પણ થઈ શકે નહીં આ બધું !!

માંગે ગુલાબજાંબુ મળે ખીચડી,

નહીં તો 'પીઝા હટ'ના જો ફટકી!

એડજસ્ટ થતા ના આવડે તો શું કરે ? વાઇફ જોડે વઢે ખરા લોકો ?

પ્રશ્શનકર્તા : હા.

દાદાશ્રી : એમ ! શું વહેંચવા સારું ? વાઇફની જોડે શું વહેંચવાનું ? મિલકત તો સહિયારી છે.

પ્રશ્શનકર્તા : ધણીને ગુલાબજાબું ખાવા હોય અને બાયડી ખીચડી બનાવે, એટલે પછી ઝઘડો થાય.

દાદાશ્રી : પછી છે તે શું ગુલાબજાંબુ આવે, ઝઘડા કર્યા પછી ? પછી ખીચડી જ ખાવી પડે ?

પ્રશ્શનકર્તા : પછી બહાર હોટલમાંથી પીઝા મંગાવે.

દાદાશ્રી : એમ ! એટલે પેલુંય રહ્યું ને પેલુંય રહ્યું. પીઝા આવી જાય, નહીં ? પણ આપણું પેલું તો જતું રહ્યું. એના કરતાં આપણે બાઈને કહ્યું હોય કે તમને અનુકૂળ આવે તે બનાવો. એનેય કો'ક દહાડો ભાવ તો થશે જ ને ! એ ખાવાનું નહીં ખાય ? તો આપણે કહીએ, તમને અનુકૂળ આવે તે બનાવજો. ત્યારે કહે, ના તમને અનુકૂળ આવે તે બનાવવું છે. તો આપણે કહીએ કે ગુલાબજાંબુ બનાવો અને જો આપણે પહેલેથી ગુલાબજાંબુ કહીએ એટલે એ કહેશે, ના, હું ખીચડી બનાવાની. એ વાંકું બોલશે.

પ્રશ્શનકર્તા : આવા મતભેદ બંધ કરવાનો આપ શું રસ્તો બતાડો છો ?

દાદાશ્રી : આ તો હું રસ્તો એ બતાવું, કે 'એડજસ્ટ એવરીવ્હેર' કહ્યું. એ કહે કે, ખીચડી બનાવી છે તો આપણે 'એડજસ્ટ' થઈ જવું. અને તમે કહો કે ના, અત્યારે આપણે બહાર જવું છે. સત્સંગમાં જવું છે, તો એમણે 'એડજસ્ટ' થઈ જવું જોઈએ. જે પહેલું બોલે તેને આપણે એડજસ્ટ થઈ જવું.

પ્રશ્શનકર્તા : તો પહેલું બોલવા માટે મારામારી થશે.

દાદાશ્રી : હા, એમ કરજે. મારામારી કરજે, પણ 'એડજસ્ટ' એને થઈ જવું. કારણ કે તારા હાથમાં સત્તા નથી, એ સત્તા કોના હાથમાં છે તે હું જાણું છું. એટલે આમાં 'એડજસ્ટ' થઈ જાય તો વાંધો છે ભઈ ?

પ્રશ્શનકર્તા : ના જરાય નહીં.

દાદાશ્રી : બેન, તને વાંધો છે ?

પ્રશ્શનકર્તા : ના.

દાદાશ્રી : તો પછી એનો નિકાલ કરી નાખોને ! પેલા પટેલ તો નાય કરે. પણ તમે તો કરોને ? એ પટેલ તો કહેશે અમે પટેલ છીએ, છ ગામના !!

પ્રશ્શનકર્તા : પટેલ કહે છે, અમારે મતભેદ પડતા જ નથી.

દાદાશ્રી : નથી પડતા નહીં ! ત્યારે સારું. બઈ શું કહે કે, દાઢી ના રાખશો અને ભઈ રાખે દાઢી ?

પ્રશ્શનકર્તા : ના, એવું છે જ નહીં. બધું સગવડિયું છે.

દાદાશ્રી : સગવડિયું છેને ? ત્યારે સારું. 'એડજસ્ટ એવરીવ્હેર', વાંધો ખરો એમાં ?

પ્રશ્શનકર્તા : ના, જરાય નહીં.

દાદાશ્રી : એ પહેલાં બોલે, કે આજે ડુંગળીના ભજિયાં, લાડવા, શાક બધું બનાવો એટલે આપણે એડજસ્ટ થઈ જવું. અને તમે બોલો કે આજે વહેલું સૂઈ જવું છે, તો એમણે એડજસ્ટ થઈ જવું જોઈએ. તમારે કોઈ ભઈબંધને ત્યાં જવાનું હોય તોય બંધ રાખીને વહેલા સૂઈ જવું. કારણ કે ભઈબંધ જોડે ભાંજગડ થશે એ જોઈ લેવાશે. પણ આ પહેલી અહીં ના થવા દેવી. આ તો ભઈબંધને ત્યાં સારું રાખવા માટે અહીં પેલી ભાંજગડ કરે. એટલે એ પહેલાં બોલે તો આપણે 'એડજસ્ટ' થઈ જવું.

પ્રશ્શનકર્તા : પણ એમને આઠ વાગે કંઈક જવાનું હોય, મીટિંગમાં અને બહેન કહે કે, હવે સૂઈ જાવ, તો પછી એમણે શું કરવું ?

દાદાશ્રી : એ કલ્પનાઓ નહીં કરવાની. કુદરતનો નિયમ એવો છે કે 'વ્હેર ધેર ઇઝ એ વીલ, ધેર ઇઝ એ વે' (મન હોય તો માળવે જવાય). કલ્પના કરશો તો બગડશે. એ તે દહાડે એ જ કહેતી હતી કે, તમે જાવ જલદી. પોતે મૂકવા આવશે ગેરેજ સુધી. આ કલ્પના કરવાથી બધું બગડે છે. એટલા સારું એક પુસ્તકમાં લખેલું છે. 'વ્હેર ધેર ઇઝ એ વીલ, ધેર ઇઝ એ વે' સમજ પડીને ? આટલી મારી આજ્ઞા પાળો તો બહુ થઈ ગયું. પળાશે ? એમ ?

પ્રશ્શનકર્તા : હા, જી.

દાદાશ્રી : લે પ્રોમિસ આપ. ખરાં ! ખરાં ! આનું નામ શૂરવીર કહેવાય, પ્રોમિસ આપી !

વહુ વિફરે ત્યાં બંદા નમીએે,

એટેક કર્યે શું કાંદા કાઢીએ ?

બૈરી ચિડાય ને કહે, 'હું તમારી થાળી લઈને નથી આવવાની, તમે જાતે આવો. હવે તમારી તબિયત સારી થઈ છે ને હેંડતા થયા છો. આમ લોકો જોડે વાત કરો છો, હરોફરો છો, બીડીઓ પીવો છો અને ઉપરથી ટાઈમ થાય ત્યારે થાળી માગો છો. હું નથી આપવાની !' ત્યારે આપણે ધીમે રહીને કહીએ, 'તમે નીચે થાળીમાં કાઢો, હું આવું છું.' એ કહે, 'નથી આવવાની.' તે પહેલાં જ આપણે કહીએ કે 'હું આવું છું, મારી ભૂલ થઈ ગઈ, લો.' આવું કરીએ તો કંઈ રાત સારી જાય, નહીં તો રાત બગડે. પેલા ડચકારા મારતા સૂઈ ગયા હોય ને આ બઈ અહીં ડચકારા મારતાં હોય. બેઉને ઊંઘ આવે નહીં, સવારે પાછાં ચા-પાણી થાય તે ચાનો પ્યાલો ખખડાવીને મૂકી ડચકારો મારે કે ના મારે ? તે આ ભઈએય તરત સમજી જાય કે ડચકારો માર્યો. આ કકળાટનું જીવન છે.

આ તો પછી ઘરમાં સવારમાં બહેનથી જરા ચામાં ખાંડ ઓછી પડી હોય એટલે પેલો કહેશે કે, 'હું તને રોજ કહું છું કે ચામાં ખાંડ વધારે નાખ, પણ તારું મગજ ઠેકાણે નથી રહેતું. આ મગજના ઠેકાણાવાળો ચક્કર ! તારા જ મગજનું ઠેકાણું નથી ને ! અલ્યા, કઈ જાતનો છે તું ? રોજ જેની જોડે સોદાબાજી કરવાની હોય ત્યાં કકળાટ કરવાનો હોય ? ત્યાં એડજસ્ટ થઈ જવાનું હોય !

પછી 'વાઇફ' જો શાક મોંઘા ભાવનું લાવી હોય તો શાક જોઈને અક્કરમી તડૂકે, 'આટલા મોંઘા ભાવનું તે શાક લવાતું હશે ?' ત્યારે બાઈસાહેબ કહેશે, 'આ તમે મારી પર એટેક કર્યો', એમ કહીને બાઈ 'ડબલ એટેક' કરે. હવે આનો પાર ક્યાં આવે ? 'વાઇફ' જો મોંઘા ભાવનું શાક લાવી હોય તો આપણે કહીએ, 'બહુ સારું કર્યું, મારા ધનભાગ્ય ! બાકી, મારા જેવા લોભિયાથી આટલું મોઘું ના લવાત.'

ઘરમાં કરકસર હોવી જોઈએ ? બહાર ખરાબ ના દેખાય ને કરકસર હોવી જોઈએ. કરકસર રસોડામાં પેસવી ના જોઈએ, ઉદાર કરકસર હોવી જોઈએ. રસોડામાં કરકસર પેસે તો મન બગડી જાય કે ચોખા વપરાઈ જશે ! કોઈ બહુ લાફો હોય તેને અમે કહીએ કે 'નોબલ' કસકસર કરો.

આ વાઈફે જમવાનું બનાવ્યું હોય તેમાં ભૂલ કાઢવી એ બ્લન્ડર્સ, ના કઢાય એવું. જાણે પોતે ભૂલ ના કરતો હોય એવી વાત કરે છે. હાઉ ટુ એડજસ્ટ ? એડજસ્ટમેન્ટ લેવું જોઈએ. જેની સાથે રહેવાનું કાયમ એની સાથે એડજસ્ટમેન્ટ ના લેવું જોઈએ ? આપણા થકી કોઈને દુઃખ થાય એ ભગવાન મહાવીરનો ધર્મ કહેવાય તે ? અને ઘરના માણસને તો અવશ્ય દુઃખ ના થવું જોઈએ.

અત્યારે બધી આ અથડામણ ઘરમાં થાય છે, એ બધી અણસમજણથી. તે અણસમજણ વીણી વીણીને નાખી દઈએને, આ તો ભાતની મહીંથી કાંકરા, એ કાઢી ના નાખવા જોઈએ બળ્યા ? તે અણસમજણરૂપી કાંકરા બધા કાઢી નાખે તો ભાત સારો થાય. એ કાંકરા રહેવા દઈએ ને પછી ભાત કરો એમાં શું મજા આવે ? હવે તું કાંકરા રહેવા દઉં કે વીણી નાખું છું ?

પ્રશ્શનકર્તા : વીણું છું.

દાદાશ્રી : થોડા-ઘણા રહી જતા હશે ?

પ્રશ્શનકર્તા : થોડા રહે છે.

દાદાશ્રી : એ તો દાંત નીચે આવે તો કેવી મજા આવે ? કારણ કે દુઃખ જેવું નથી, બેન. આ તો આપણને કાંકરા વીણતા આવડતું નથી. એ કયા કાંકરા ને કયા ઘઉંને બધું.... એટલે પૂછ, બધું પૂછ ! હેય, ભાતમાંથી કાંકરા વીણી અને પછી સુખ ભોગવવાનું !

સહજ મળ્યું તે દૂધ, માંગ્યું તે પાણી,

ખેંચ્યું તો રક્ત, બોધ લે આ વાણી !

ભેગા થઈને બેસે છેને, તોય મારામારી કરે છે. ખાતી વખતે વસ્તુ એક હોયને, તો વઢમ્વઢાય કરે. જોઈ લો પછી મઝા (!) ! 'મને કેમ દહીં ના આપ્યું ?' કહેશે. દહીંનીય વઢવાડ કરે.

'સહજ મિલા સો દૂધ બરાબર', પાણી હોય પણ જો સહજાસહજ મળ્યું તો એ દૂધ. એ દૂધ જેવું ગુણ આપશે. અને દૂધને જો માંગીને લીધું 'માંગ લિયા સો પાની.' જે માંગ્યું માટે પાણીનો ગુણ આપશે પછી 'ખીંચ લિયા સો રક્ત બરાબર.' તે ખેંચી લીધું તો એનું લોહી પીધા બરાબર છે. 'ગોરખ બોલ્યા વાણી.' આ બે વાક્યમાં આખું શાસ્ત્ર બોલી ગયો નહીં ?

આપણે જમવા બેઠા હોય તો માંગવામાં વાંધો નહીં. અને માંગ લિયા નથી કહેતા. પેલો કહે, 'બાપજી અત્યારે નથી', તોય પેલો હમકુ કુછ દો, હમકુ કુછ દો, માંગ માંગ કરે, એ પાણી કહેવાય. અને ખેંચી લીધું એ રક્ત બરાબર. તે અત્યારે લોક માંગતા નથી, નહીં ? ખૂંચવી લેતાય નથી ? હવે આ જમાનામાં શું સુખ હોય ? સુખ તે હોતું હશે ? સુખેય કોઈકનું લઈ લે. બહાર ઓઢવાનું રાતે મૂકીને સૂઈ જાવ જોઈએ !

એ કહેશે, આજે કઢી કરવી છે, તો આપણે કહીએ કે ના આજ કઢી નહીં દાળ કરવી છે, તો મતભેદ વધે. એ કહે, કઢી કરવી છે તો આપણે એલાઉ કરવા (અનુમતિ દેવી). પછી એક દહાડો આપણે કહીએ, દૂધપાક કરો, તો એ કહેશે, એલાઉડ ! કોઈના અભિપ્રાય ઉપર તરાપ નહીં મારો ! રાતે વાઇફ જોડે મતભેદ પડ્યો હોય તો ઊંઘ સારી આવે ?! પોતે જ માલિક છે, પોતે જ આ હોલ એન્ડ સોલ રિસ્પોન્સીબલ ! એટલે આ બધું શોધન કરવાની જરૂર કે સુખ શી રીતે થાય !!

'એડજસ્ટ એવરીવ્હેર' વાક્ય,

એ ધર્મ શીખ્યો તે ચાણક્ય !

આપણે પૂછવું કે મતભેદ પડવાથી તને સારું લાગતું હોય તો મતભેદ ચાલુ રાખુ. અને તને દુઃખ થતું હોય તો બંધ કરી દઉં, તને વિટામિનની પેઠ કામ થતું હોય તો ચાલુ રાખું, કહીએ. પણ દુઃખ જ થતું હોય. એય કહેશે, ના મતભેદથી તો દુઃખ થાય છે. મતભેદ કોઈનેય ઘરમાં ગમે જ નહીં. બાકી ઘરના માણસ તો હેલ્પર છે.

વ્યવહારમાં રહ્યો એનું નામ કહેવાય કે જે 'એડજસ્ટ એવરીવ્હેર' થયો ! હવે ડેવલપમેન્ટનો જમાનો આવ્યો. મતભેદ ના પાડવા ! એટલે મેં શબ્દ આપ્યો છે. અત્યારે લોકોને 'એડજસ્ટ એવરીવ્હેર' એડજસ્ટ, એડજસ્ટ, એડજસ્ટ ! કઢી ખારી થઈ, તો સમજી જવાનું કે એડજસ્ટમેન્ટ દાદાએ કહ્યું છે. એ કઢી થોડી પછી ખઈ લેવી. હા, કંઈ અથાણું યાદ રહે તો પાછું થોડું મંગાવવું કે અથાણું લઈ આવો ! પણ ઝઘડો નહીં, ઘરમાં ઝઘડો ના હોય ! પોતે મુશ્કેલીમાં, કોઈ જગ્યાએ મુકાયેલો હોય ત્યારે તે પોતાનું 'એડજસ્ટમેન્ટ' કરી લે તોય સંસાર રૂપાળો લાગે.

દરેક વ્યક્તિના જીવનમાં અમુક પ્રિન્સિપલ(સિદ્ધાંત) હોવા જ જોઈએ. છતાંય સંજોગો પ્રમાણે વર્તવું જોઈએ. સંજોગોને એડજસ્ટ થાય તેનું નામ માણસ. એડજસ્ટમેન્ટ જો દરેક સંજોગોમાં કરતાં આવડે તો, ઠેઠ મોક્ષે પહોંચી શકાય એવું ગજબનું હથિયાર છે.

એડજસ્ટમેન્ટ તો, તારી જોડે જે જે કોઈ ડિસ્એડજસ્ટ થવા આવે તેને તું એડજસ્ટ થઈ જા. રોજિંદા જીવનમાં જો સાસુ-વહુને કે દેરાણી-જેઠાણીને ડિસ્એડજસ્ટમેન્ટ થતું હોય તો જેને આ સંસાર ઘટમાળમાંથી છૂટવું હોય તેણે એડજસ્ટ થઈ જ જવું જોઈએ. ધણી-ધણીયાણીમાંય જો એક ફાડફાડ કરતું હોય તો બીજાએ સાંધી લેવું. તો જ સંબંધ નભશે અને શાંતિ રહેશે. જેને એડજસ્ટમેન્ટ કરતાં ન આવડે તેને લોક મેન્ટલ (ગાંડો) કહે છે. આ રિલેટિવ સત્યમાં આગ્રહ, જકની જરાય જરૂર નથી. માણસ તો કોનું નામ ? એવરીવ્હેર એડજસ્ટેબલ ! ચોરની સાથેય એડજસ્ટ થઈ જવું જોઈએ.

એક વખત અમે નહાવા ગયા ને પ્યાલો જ મૂકવાનો રહી ગયેલો. તે અમે જ્ઞાની શેના ? એડજસ્ટ કરી લઈએ. હાથ નાખ્યો તો પાણી બહુ ગરમ. નળ ખોલ્યો તો ટાંકી ખાલી. પછી અમે તો ધીમે ધીમે હાથેથી ચોપડી ચોપડી ટાઢું પાડીને નહાયા. બધા મહાત્માઓ કહે, આજે દાદાને નહાતાં બહુ વાર લાગી. તે શું કરીએ ? પાણી ટાઢું થાય ત્યારે ને ? અમે કોઈનેય આ લાવો ને તે લાવો એમ ના કહીએ. એડજસ્ટ થઈ જઈએ. એડજસ્ટ થવું એ જ ધર્મ છે. આ દુનિયામાં તો પ્લસ-માઇનસનું એડજસ્ટમેન્ટ કરવાનું હોય છે. માઇનસ હોય ત્યાં પ્લસ અને પ્લસ હોય ત્યાં માઇનસ કરવાનું. અમે તો અમારા ડહાપણનેય જો કોઈ ગાંડપણ કહે તો અમે કહીએ, હા બરાબર છે. તે માઇનસ તુર્ત કરી નાખીએ.

અક્કલવાળો તો કોણ કહેવાય ? કોઈનેય દુઃખ ના દે અને જે કોઈ દુઃખ આપે તે જમા કરી લે તે. બધાને ઓબ્લાઇજ (ઉપકાર) કર્યા કરે આખો દહાડો. સવારે ઊઠે ત્યારથી જ એનું લક્ષ લોકોને કેમ કરીને હેલ્પફુલ (મદદરૂપ) થઈ પડું એવું જેને સતત રહ્યા કરે તે માનવ કહેવાય અને તે પછી આગળ ઉપર મોક્ષનો રસ્તો પણ મળી જાય.

સંસારમાં બીજું કશું ના આવડે તેનો વાંધો નથી, પણ 'એડજસ્ટ' થતાં તો આવડવું જોઈએ. સામો 'ડિસએડજસ્ટ' થયા કરે ને આપણે 'એડજસ્ટ' થયા કરીએ તો સંસારમાં તરી પાર ઊતરી જશો. બીજાને અનુકૂળ થતાં આવડે એને કોઈ દુઃખ જ ન હોય. 'એડજસ્ટ એવરીવ્હેર'. દરેક જોડે 'એડજસ્ટમેન્ટ' થાય, એ જ મોટામાં મોટો ધર્મ. આ કાળમાં તો જુદી જુદી પ્રકૃતિઓ તે 'એડજસ્ટ' થયા વગર કેમ ચાલે ?

બ્રહ્માનો 'વન ડે' એટલું જ આયુ,

'એડજસ્ટ', નહીં તો વહુ જોડે લહાયું!

મોટામાં મોટું દુઃખ શેનું છે ? 'ડિસ્એડજસ્ટમેન્ટ'નું, ત્યાં 'એડજસ્ટ એવરીવ્હેર' કરે તો શું વાંધો છે ?

પ્રશ્શનકર્તા : એમાં તો પુરુષાર્થ જોઈએ.

દાદાશ્રી : કશો પુરુષાર્થ નહીં. મારી આજ્ઞા પાળવાની કે 'દાદા'એ કહ્યું છે કે 'એડજસ્ટ એવરીવ્હેર' તો 'એડજસ્ટ' થયા કરે. બીબી કહે કે, 'તમે ચોર છો' તો કહેવું કે 'યુ આર કરેક્ટ' અને થોડીવાર પછી એ કહે કે, 'ના, તમે ચોરી નથી કરી' તોય 'યુ આર કરેક્ટ' કહીએ. સ્ત્રી સાડી લાવવાનું કહે દોઢસો રૂપિયાની તો આપણે પચ્ચીસ વધારે આપીએ. તે છ મહિના સુધી તો ચાલે, સમજવું પડે !

એવું છે બ્રહ્માનો એક દિવસ, એટલી આપણી આખી જિંદગી ! બ્રહ્માનો એક દહાડો જીવવું ને આ શી ધાંધલ ? વખતે આપણને બ્રહ્માના સો વર્ષ જીવવાનું હોય તો તો આપણે જાણીએ કે 'ઠીક છે, એડજસ્ટ શા માટે થઈએ ? 'દાવો માંડ' કહીએ. પણ આ તો જલદી પતાવવું હોય તેને શું કરવું પડે ? 'એડજસ્ટ' થઈએ કે પછી 'દાવો માંડો' કહીએ ? પણ આ તો એક દહાડો જ છે, આ તો જલદી પતાવવાનું છે. જે કામ જલદી લંબાયા કરે કે ના લંબાયા કરે ? બીબી જોડે લડે તો રાત્રે ઊંઘ આવે ખરી ? અને સવારે નાસ્તોય સારો ના મળે.

રૂઠી જાય તમારા ઘરવાળા !

અપનાવો જ્ઞાનીની જ્ઞાનકળા!

તે કોઈક દહાડે રાતે વાઇફ કહે, 'પેલી સાડી મને નહીં લઈ આપો ? મને પેલી સાડી લઈ આપવી પડશે.' ત્યારે પેલો કહે કે કેટલી કિંમત તેં જોઈ હતી ? ત્યારે કહે, બાવીસસો રૂપિયાની છે, વધારે નથી !' તો આ કહે 'તમે બાવીસસોની જ છે, કહો છો. પણ મારે અત્યારે પૈસા લાવવા કઈ રીતે ? અત્યારે અહીં સાંધા તૂટે છે. બસો-ત્રણસોની હોય તો લઈ આપું, તું બાવીસસોની કહું છું !' એ રીસાઈને બેસી રહ્યાં. હવે શી દશા થાય તે ! મનમાં એમેય થાય કે બળ્યો આથી ના પૈણ્યો હોય તો સારું ! પૈણ્યા પછી પસ્તાય એટલે શું કામમાં લાગે ! એટલે આ દુઃખો છે.

પ્રશ્શનકર્તા : આપ એમ કહેવા માંગો છો કે બાઈને સાડી બાવીસસો રૂપિયાની લઈ આપવાની ?

દાદાશ્રી : લઈ આપવી કે ના લઈ આપવી એ તમારી આવડત ઉપર આધાર રાખે છે. રીસાઈને રોજ રાત્રે ખાવાનું નહીં કરું, કહેશે. ત્યારે શું કરીએ આપણે ? ક્યાંથી રસોઈયા લઈ આવીએ ? એટલે પછી દેવું કરીને પણ લઈ આલવી પડે ને ?

એવું બનાવી દો આપણે કે સાડી એની મેળે લાવે જ નહીં. જો આપણને મહિનાના આઠસો પાઉન્ડ મળતા હોય, એટલે આપણે સો પાઉન્ડ આપણા ખર્ચી માટે રાખી અને સાતસો એમને આપી દઈએ પછી આપણને કહે, સાડી લઈ આલો ? અને ઊલટી આપણે મશ્કરી કરવી, પેલી સાડી આ સરસ છે, કેમ લાવતા નથી ? એનો વેંત એણે કરવાનો હોય ! આ તો આપણે વેંત કરવાનો હોય ત્યારે આપણી પર જોર કરે. તમને સમજ પડીને ? આ બધી કળા હું જ્ઞાન થતાં પહેલાં શીખેલો પછી જ્ઞાની થયો. બધી કળાઓ મારી પાસે આવી ત્યારે મને જ્ઞાન થયું છે. તો બોલો આ કળા નથી તેથી જ આ દુઃખ છેને ! તમને કેમ લાગે છે ?

પ્રશ્શનકર્તા : હા, બરાબર છે.

દાદાશ્રી : તમને સમજણ પડીને આમાં ? ભૂલ તો આપણી જ છે ને, કળા નથી તેની ને ? કળા શીખવાની જરૂર છે, તમે બોલ્યા નહીં ?

સામસામી ઘસાય મોગરા તૂટે,

અહંકાર આત્મ વૈભવ રે લૂંટે!

પ્રશ્શનકર્તા : ધારો કે હસબંડ-વાઇફને એકબીજાને એડજસ્ટ થતું જ ના હોય, તો શું કરવું ? છૂટા થઈ જવું ?

દાદાશ્રી : એડજસ્ટ થતું ના હોય અને થવાનો પ્રયત્ન કરીએ તોય વળે એવું ના હોય, તો બેનું બગડે. એના કરતાં બેઉને જુદું કરી આપવું. તારા કોઈ મિત્રને છે એવું ?

પ્રશ્શનકર્તા : હા.

દાદાશ્રી : તો મારી પાસે બોલાવી લે. એનું સમું કરી આપું. એ રીપેર થઈ જાય, રાગે પડી જાય. એમનું રીપેર કરીએ એટલે જોઈન્ટ થઈ જાય પછી. આપણે એમ જાણીએ કે અહીં આગળ આનો આ બગાડ છે. અને અહીં આ બગાડ છે. એ રીપેર કરીએ. એવાં કેટલાંય રાગે પડી ગયાં. એને 'ટંબ્લિંગ બેરલ'માં નાખવાં પડે. 'ટંબ્લિંગ બેરલ'માં નાખીને ફેરવે, એટલે બધા એના બધા મોગરા હોય, એ અથડાય, અથડાય ને બધા મોગરા તૂટી જાય. એવું પેલી બેનનું રાગે પડી ગયું ને ?

પ્રશ્શનકર્તા : હા, એવા તો કેટલાંય થયાં.

દાદાશ્રી : એનો ધણી દર્શન કરવા આવ્યો હતો. બેન દર્શન કરવા આવી હતી. એની સાસુ ને બધાં દર્શન કરવાં આવ્યાં હતાં !!

પ્રશ્શનકર્તા : તે કેટલાં કૂદતાં-કૂદતાં !! બસો માઈલથી આવ્યાં હતાં !

દાદાશ્રી : કૂદતાં, કૂદતાં !!!

આ તો ભમરડા ફરે છે અને કહે છે, હું ફર્યો ! અલ્યા મૂઆ ! ભમરડો ફર્યો અને તું શેનો ફર્યો ?

આર પી એમ.માં મોટો ડિફરન્સ,

તેથી પટ્ટો તૂટે, તંગી થઈ સેન્સ!

આપણે પહેલાં આપણો મત ના મૂકવો. સામાને પૂછવું કે આ બાબતમાં તમારે શું કહેવું છે ? સામો એનું પકડી રાખે તો અમે અમારું છોડી દઈએ. આપણે તો એટલું જ જોવાનું કે કયે રસ્તે સામાને દુઃખ ના થાય. આપણો અભિપ્રાય સામા ઉપર બેસાડવો નહીં. સામાનો અભિપ્રાય આપણે લેવો. અમે તો બધાનો અભિપ્રાય લઈને 'જ્ઞાની' થયા છીએ. હું મારો અભિપ્રાય કોઈ પર બેસાડવા જાઉં તો હું જ કાચો પડી જાઉં. આપણા અભિપ્રાયથી કોઈને દુઃખ ના હોવું જોઈએ.

તારાં 'રિવોલ્યુશનો' અઢારસોનાં હોય ને સામાનાં છસો હોય ને તું તારો અભિપ્રાય એના પર બેસાડે તો સામાનું એન્જિન તૂટી જાય. એના બધાં ગીયર બદલવાં પડે.

પ્રશ્શનકર્તા : 'રિવોલ્યુશન' એટલે શું ?

દાદાશ્રી : આ વિચારની જે સ્પીડ છે તે દરેકને જુદી જુદી હોય. કશું બન્યું હોય તો તે એક મિનિટમાં તો કેટલુંય દેખાડી દે, એના બધા પર્યાયો 'એટ-એ-ટાઈમ' દેખાડી દે. આ મોટા મોટા પ્રેસિડન્ટોને મિનિટના બારસો 'રિવોલ્યુશન' ફરતાં હોય, તો અમારાં પાંચ હજાર હોય, ભગવાન મહાવીરને લાખ 'રિવોલ્યુશન' ફરતાં !

આ મતભેદ પડવાનું કારણ શું ? તમારી 'વાઇફ'ને સો 'રિવોલ્યુશન' હોય ને તમારાં પાંચસો 'રિવોલ્યુશન' હોય અને તમને વચ્ચે 'કાઉન્ટરપુલી' નાખતાં આવડે નહીં એટલે તણખા ઝરે, ઝઘડા થાય. અરે ! કેટલીક વાર તો 'એન્જિન' હઉ તૂટી જાય. 'રિવોલ્યુશન' સમજ્યા તમે ? આ મજૂરને તમે વાત કરો તો તમારી વાત એને પહોંચે નહીં. એનાં 'રિવોલ્યુશન' પચાસ હોય ને તમારાં પાંચસો હોય, કોઈને હજાર હોય, કોઈને બારસો હોય, જેવું જેનું 'ડેવલપમેન્ટ' હોય તે પ્રમાણે 'રિવોલ્યુશન' હોય. વચ્ચે 'કાઉન્ટરપુલી' નાખો તો જ એને તમારી વાત પહોંચે. 'કાઉન્ટરપુલી' એટલે તમારે વચ્ચે પટ્ટો નાખી તમારાં 'રિવોલ્યુશન' ઘટાડી નાખવાં પડે. હું દરેક માણસની જોડે 'કાઉન્ટરપુલી' નાખી દઉં. એકલો અહંકાર કાઢી નાખવાથી જ વળે તેમ નથી. કાઉન્ટરપુલી પણ દરેકની જોડે નાખવી પડે. તેથી તો અમારે કોઈની જોડે મતભેદ જ ના થાય ને ! અમે જાણીએ કે આ ભાઈનાં આટલાં જ 'રિવોલ્યુશન' છે. એટલે તે પ્રમાણે હું 'કાઉન્ટરપુલી' ગોઠવી દઉં. અમને તો નાના બાળક જોડે પણ બહુ ફાવે. કારણ કે અમે તેમની જોડે ચાલીસ 'રિવોલ્યુશન' ગોઠવી દઈએ એટલે એને મારી વાત પહોંચે, નહીં તો એ મશીન તૂટી જાય.

પ્રશ્શનકર્તા : કોઈ પણ, સામાના 'લેવલ' ઉપર આવે તો જ વાત થાય ?

દાદાશ્રી : હા, એનાં 'રિવોલ્યુશન' પર આવે તો જ વાત થાય. આ તમારી જોડે વાતચીત કરતાં અમારાં 'રિવોલ્યુશન' ક્યાંના ક્યાંય જઈ આવે ! આખા વર્લ્ડમાં ફરી આવે !! 'કાઉન્ટરપુલી' તમને નાખતાં ના આવડે તેમાં ઓછાં 'રિવોલ્યુશન'વાળા એન્જિનનો શો દોષ ? એ તો તમારો દોષ કે 'કાઉન્ટરપુલી' નાખતાં ના આવડી !

છૂટવું હોય તેણે પાડવો મેળ,

બન્ને નિશ્ચય કરે તો પડશે મેળ !

પ્રશ્શનકર્તા : વ્યવહારમાં રહેવાનું તો 'એડજસ્ટમેન્ટ' એકપક્ષી તો ના હોવું જોઈએને ?

દાદાશ્રી : વ્યવહાર તો એનું નામ કહેવાય કે 'એડજસ્ટ' થઈએ એટલે પડોશીય કહે કે, 'બધા ઘેર ઝઘડા છે, પણ આ ઘેર ઝઘડો નથી.' એનો વ્યવહાર સારામાં સારો ગણાય. જેની જોડે ના ફાવે ત્યાં જ શક્તિ કેળવવાની છે. ફાવ્યું ત્યાં તો શક્તિ છે જ. ના ફાવે એ તો નબળાઈ છે. મારે બધા જોડે કેમ ફાવે છે ? જેટલા 'એડજસ્ટમેન્ટ' લેશો તેટલી શક્તિઓ વધશે અને અશક્તિઓ તૂટી જાય. સાચી સમજણ તો બીજી બધી સમજણને તાળાં વાગશે ત્યારે જ થશે. સુંવાળા જોડે તો સહુ કોઈ 'એડજસ્ટ' થાય પણ વાંકા-કઠણ-કડક જોડે, બધા જ જોડે 'એડજસ્ટ' થતાં આવડ્યું તો કામ થઈ ગયું. ગમે તેટલો નાગામાં નાગો માણસ હોય તો પણ તેની જોડે 'એડજસ્ટ' થતાં આવડે, મગજ ખસે નહીં તે કામનું ! ભડકે તો ચાલે નહીં. જગતની કોઈ વસ્તુ આપણને 'ફીટ' થાય નહીં. આપણે એને 'ફીટ' થઈએ, તો આ દુનિયા સરસ છે. અને એને 'ફીટ' કરવા જઈએ તો દુનિયા વાંકી છે. એટલે 'એડજસ્ટ એવરીવ્હેર' ! આપણે એને ફિટ થઈએને તો વાંધો નથી.

પ્રશ્શનકર્તા : ઘણી વખત એમ બને કે એક સમયે બે જણ સાથે 'એડજસ્ટમેન્ટ' એક જ વાત પર લેવાનું હોય તો તે જ વખતે બધે શી રીતે પહોંચી વળાય ?

દાદાશ્રી : બેઉ જોડે લેવાય. અરે, સાત જણ જોડે લેવાનું હોય તેય લઈ શકાય. એક પૂછે, 'મારું શું કર્યું ?' ત્યારે કહીએ, 'હા બા, તારા કહ્યા પ્રમાણે કરીશું.' બીજાનેય એમ કહીએ, 'તમે કહેશો તેમ કરીશું.' 'વ્યવસ્થિત'ની બહાર થવાનું નથી, માટે ગમે તે રીતે ઝઘડો ના ઊભો કરશો. મુખ્ય વસ્તુ 'એડજસ્ટમેન્ટ' છે. 'હા'થી મુક્તિ છે. આપણે 'હા' કહ્યું તો પણ 'વ્યવસ્થિત'ની બહાર કંઈ થવાનું છે ? પણ 'ના' કહ્યું તો મહા ઉપાધિ !

ઘરનાં ધણી-ધણિયાણી બેઉ જણ નિશ્ચય કરે કે મારે 'એડજસ્ટ' થવું છે તો બન્નેનો ઉકેલ આવે. એ વધારે ખેંચે તો આપણે 'એડજસ્ટ' થઈ જવું તો ઉકેલ આવે. એક માણસનો હાથ દુખતો હતો, પણ તે બીજાને નહોતો કહેતો. પણ બીજા હાથે હાથ દબાવીને બીજા હાથેથી 'એડજસ્ટ' કર્યું ! એવું 'એડજસ્ટ' થઈએ તો ઉકેલ આવે.

આ 'એડજસ્ટ એવરીવ્હેર' નહીં થાય તો ગાંડા થશો બધા. સામાને છંછેડ્યા કરો તેથી જ ગાંડા થયા. આ કૂતરાને એક ફેરો છંછેડીએ, બીજા ફેર, ત્રીજા ફેર છંછેડીએ ત્યાં સુધી એ આપણી આબરૂ રાખે પણ પછી તો બહુ છંછેડ છંછેડ કરીએ તો એય બચકું ભરી લે. એય સમજી જાય કે આ રોજ છંછેડે છે તે નાલાયક છે, નાગો છે. આ સમજવા જેવું છે. ભાંજગડ કશી જ કરવાની નહીં : 'એડજસ્ટ એવરીવ્હેર'.

જેને 'એડજસ્ટ' થવાની કળા આવડી એ દુનિયામાંથી મોક્ષ તરફ વળ્યો. 'એડજસ્ટમેન્ટ' થયું એનું નામ જ્ઞાન. જે 'એડજસ્ટમેન્ટ' શીખી ગયો તે તરી ગયો. ભોગવવાનું છે તે તો ભોગવવાનું જ છે, પણ 'એડજસ્ટમેન્ટ' આવડે એને વાંધો ના આવે, હિસાબ ચોખ્ખો થઈ જાય. આ બહારવટિયા મળી જાય તેની જોડે 'ડિસ્એડજસ્ટ' થઈએ તો એ મારે. એના કરતાં આપણે નક્કી કરીએ કે એને 'એડજસ્ટ' થઈને કામ લેવું છે, પછી એને પૂછીએ કે, 'ભઈ, તારી શી ઇચ્છા છે ? જો ભઈ, અમે તો જાત્રા કરવા નીકળ્યા છીએ.' તેને એડજસ્ટ થઈ જઈએ.

ખાડી ગંધાય તેને શું વઢાય ?

માણસોય 'ગંધાય' ત્યાં શું ઉપાય!

આ વાંદરાની ખાડી ગંધાય તો એને શું વઢવા જવાય ? તેમ આ માણસો ગંધાય છે તેને કંઈ કહેવા જવાય ? ગંધાય એ બધી ખાડીઓ કહેવાય ને સુગંધી આવે એ બાગ કહેવાય. જે જે ગંધાય છે એ બધા કહે છે કે, 'તમે અમારી જોડે વીતરાગ રહો' !

આ તો સારું-ખોટું કહેવાથી ભૂતાં પજવે છે. આપણે તો બંનેને સરખાં કરી નાખવાનાં છે. આને સારું કહ્યું એટલે પેલું ખોટું થયું, એટલે પછી એ પજવે. પણ બંનેનું 'મિક્ષ્ચર' કરી નાખીએ એટલે પછી અસર ના રહે. 'એડજસ્ટ એવરીવ્હેર'ની અમે શોધખોળ કરી છે. ખરું કહેતો હોય તેની જોડેય ને ખોટું કહેતો હોય તેની જોડેય 'એડજસ્ટ' થા. અમને કોઈ કહે કે, 'તમારામાં અક્કલ નથી.' તો અમે તેને તરત 'એડજસ્ટ' થઈ જઈએ ને તેને કહીએ કે, 'એ તો પહેલેથી જ નહોતી ! હમણાં તું ક્યાં ખોળવા આવ્યો છું ? તને તો આજે એની ખબર પડી, પણ હું તો નાનપણથી એ જાણું છું.' આમ કહીએ એટલે ભાંજગડ મટીને ? ફરી એ આપણી પાસે અક્કલ ખોળવા જ ના આવે. આમ ના કરીએ તો 'આપણે ઘેર' ક્યારે પહોંચાય ?

અથડાયો તે ભીંત કહેવાય,

બચવા સમજુ જ ખસી જાય!

ભીંતને અથડાવ તો મતભેદ ભીંત જોડે પડે ખરો ? ભીંતને તમે અથડાઈ ગયા કોઈ વખત કે બારણાને, તો તે ઘડીએ મતભેદ પડે બારણા જોડે કે ભીંત જોડે ?

પ્રશ્શનકર્તા : એ બારણું તો નિર્જીવ વસ્તુ છે ને ?

દાદાશ્રી : એટલે જીવને માટે જ છે તે તમે એમ માનો છો કે આ એ અથડાયો મારી જોડે, આ દુનિયામાં જે અથડાય છે એ બધી જ નિર્જીવ વસ્તુ હોય છે. અથડાય છે એ જીવંત ના હોય, જીવંત અથડાય નહીં. નિર્જીવ વસ્તુ અથડાય. એટલે તમારી ભીંત જેવું જ સમજી લેવાનું. એટલે ડખો નહીં કરવાનો આમ આમ કરીને પછી કંઈક, હેંડો ચા કાઢો, કહીએ.

હમણે એક છોકરું ઢેખાળો (પથ્થર) મારે અને લોહી નીકળે એટલે છોકરા ઉપર શું કરો ? ગુસ્સો કરો ? ગુસ્સો કરો. અને તમે જતા હો અને ડુંગર ઉપરથી એક પથરો પડ્યો. તે વાગે ને લોહી નીકળે તો પછી શું કરો, ગુસ્સો કરો ?

પ્રશ્શનકર્તા : ના.

દાદાશ્રી : એનું શું કારણ ? પેલો ડુંગર ઉપરથી પડેલો છે ! પછી આ છોકરો પસ્તાતો હોય કે આ ક્યાં થઈ ગયું મારાથી. આ ડુંગર ઉપરથી પડ્યો તે કોણે કર્યું ?

એટલે આ દુનિયા જો સમજો, મારી પાસે આવો તો ચિંતા ના થાય એવું તમને કરી આપું, પછી કોઈ દહાડો ચિંતા વરીઝ કશું જ ના થાય. અને સંસારમાં સારી રીતે રહો અને વાઇફ જોડે ફરો નિરાંતે ! અને છોકરીઓ પૈણાવો નિરાંતે. પછી વાઇફ ખુશ થઈ જશે, 'કહેવું પડે કેવા ડાહ્યા કરી આલ્યા, મારા ધણીને !' કહેશે.

હવે વાઇફને કોઈ બઈ જોડે, પાડોશી જોડે વઢવાઢ થયેલી હોય અને એનું મગજ તપી ગયેલું હોય અને આપણે બહારથી આવ્યા તો એ તપી ગયેલું બોલે તો આપણે શું કરવું પાછું ? આપણે તપી જવું પાછું ! એવા સંજોગો ઊભા થાય છે ત્યાં આગળ એડજસ્ટ થઈને આપણે ચાલવું જોઈએ. કયા સંજોગમાં હવે તપેલી છે આજે, કોની જોડે તપી ગયેલી હોય, શું ખબર પડે ? એટલે આપણે પુરુષો થયા. મતભેદ ન પડવા દઈએ. એ મતભેદ પાડે તોય, કારણ કે એમને એક જાતની સમજ ઓછી હોય છે, અમુક જાતની. અને બીજી સમજ બહુ ઊંચી હોય છે, આપણા કરતાં ઊંચી હોય છે. એટલે આપણે આ બાબતમાં છે તે મતભેદ પડ્યો હોયને તો વાળી લેવું. મતભેદ એટલે અથડામણ !

પ્રશ્શનકર્તા : આપણે ક્લેશ ના કરવો હોય પણ સામો આવીને ઝઘડે તો શું કરવું ? એમાં એક જાગ્રત હોય પણ સામાવાળો કલેશ કરે, તો ત્યાં તો કલેશ થાય જ ને ?

દાદાશ્રી : આ ભીંત જોડે લડે, તો કેટલો વખત લડી શકે ? આ ભીંત જોડે એક દહાડો માથું અથડાયું તો આપણે એની જોડે શું કરવું ? માથું અથડાયું એટલે આપણે ભીંત જોડે વઢવાડ થઈ એટલે આપણે ભીંતને મારમાર કરવી ? એમ આ ખૂબ કલેશ કરાવતું હોય તો તે બધી ભીંતો છે ! આમાં સામાને શું જોવાનું ? આપણે આપણી મેળે સમજી જવાનું કે આ ભીંત જેવા છે, આવું સમજવાનું પછી કોઈ મુશ્કેલી નથી.

પ્રશ્શનકર્તા : આપણે મૌન રહીએ તો સામાને ઊંધી અસર થાય છે કે આમનો જ દોષ છે ને એ વધારે ક્લેશ કરે.

દાદાશ્રી : આ તો આપણે માની લીધું છે કે હું મૌન થયો તેથી આવું થયું. રાત્રે માણસ ઊઠ્યો ને બાથરૂમમાં જતાં અંધારામાં ભીંત જોડે અથડાયો, તો ત્યાં આપણે મૌન રહ્યા તેથી તે અથડાઈ ?

મૌન રહો કે બોલો તેને સ્પર્શતું જ નથી, કંઈ લાગતું-વળગતું નથી. આપણા મૌન રહેવાથી સામાને અસર થાય છે એવું કશું હોતું નથી કે આપણા બોલવાથી અસર થાય છે એવું પણ કશું હોતું નથી. 'ઓન્લી સાયન્ટિફિક સરકમસ્ટેન્શિયલ એવિડન્સ' (માત્ર વૈજ્ઞાનિક સંયોગિક પુરાવા છે.) કોઈની આટલી સત્તા નથી. આટલીય સત્તા વગરનું જગત, એમાં કોઈ શું કરવાનું છે ? આ ભીંતને જો સત્તા હોય તો આને સત્તા હોય ! આ ભીંતને આપણને વઢવાની સત્તા છે ? એવું સામાને છે. અને એના નિમિત્તે જે અથડામણ છે એ તો છોડવાની નથી. નકામી બૂમાબૂમ કરવાનો શો અર્થ ? એના હાથમાં સત્તા જ નથી ત્યાં ! માટે તમે ભીંત જેવા થઈ જાઓને ! તમે બૈરીને ટૈડકાવ ટૈડકાવ કરો તો તેની મહીં ભગવાન બેઠેલા છે તે નોંધ કરે કે આ મને ટૈડકાવે છે. ને તમને એ ટૈડકાવે ત્યારે તમે ભીંત જેવા થઈ જાઓ, તો તમારી મહીં બેઠેલા ભગવાન તમને 'હેલ્પ' કરે.

આ ભીંત જોડે મતભેદ પાડો તો શું થાય ?

પ્રશ્શનકર્તા : માથું ફૂટે.

દાદાશ્રી : માથું ફૂટી જાય, ત્યારે ભીંતને પછી વાંધો છે ? માટે મતભેદ ના કરવો. ભીંતને તો લેવાદેવા શું છે ? માટે ભૂલ આપણી હોય તો જ ભીંત અથડાય છે. એમાં ભીંતની ભૂલ નથી. ત્યારે મને લોકો કહે છે કે, 'આ લોકો બધા કંઈ ભીંત છે ?' ત્યારે હું કહું છું કે, 'હા, લોકો એ પણ ભીંત જ છે. એ હું જોઈને કહું છું, આ કંઈ ગપ્પું નથી.

કોઈની જોડે મતભેદ પડવો અને ભીંત જોડે અથડાવું એ બે સરખી વસ્તુ છે, એ બેમાં ફેર નથી. આ ભીંતની જોડે અથડાય છે, એ નહીં દેખાવાથી અથડાય છે. ને પેલો મતભેદ પડે છે તે પણ નહીં દેખાવાથી મતભેદ પડે છે. આગળનું એને દેખાતું નથી, આગળનું એને સોલ્યુશન જડતું નથી એટલે મતભેદ પડે છે. આ ક્રોધ થાય છે, તે પણ નહીં દેખાવાથી ક્રોધ થાય છે. આ ક્રોધ-માન-માયા-લોભ બધું કરે છે એ નહીં દેખાવાથી જ બધું કરે છે ! તે આમ વાતને સમજવી જોઈએને ! વાગે તેનો દોષને, ભીંતનો કંઈ દોષ ખરો ? તે આ જગતમાં બધી ભીંતો જ છે. ભીંત અથડાય એટલે આપણે ખરી-ખોટી કરવા એની જોડે નથી જતાંને ? કે આ મારું ખરું છે એવું લડવા માટે ભાંજગડ નથી કરતાંને ?

પ્રશ્શનકર્તા : હા.

દાદાશ્રી : એવું આ અત્યારે ભીંતની સ્થિતિમાં જ છે. આની જોડે ખરું કરવાની જરૂર જ નથી.

જે અથડાય છેને તે આપણે સમજીએ કે એ ભીંતો જ છે. પછી બારણું ક્યાં છે એની તપાસ કરવી તો અંધારામાંય બારણું જડે. આમ હાથ હલાવતાં હલાવતાં જઈએ તો બારણું જડે કે ના જડે ? અને ત્યાંથી પછી છટકી જવાનું. અથડાવું નથી એવો કાયદો પાળો જોઈએ કે કોઈની અથડામણમાં આવવું નથી. તમારે કોની જોડે અથડાય છે ?

પ્રશ્શનકર્તા : એ બહાર અથડાય.

દાદાશ્રી : એ તો મહીં ઘરમાંય કેટલીય વાર થાય, એ તો તમને લાગે એવું.

પ્રશ્શનકર્તા : ના, ના. અમે તો કોઈ દિવસ અથડાતા નથી. વરસે એક વાર. તે ખાલી થોડી વાર.

દાદાશ્રી : એ તો એકાદવાર તો દિવાળી કહેવાય. એનો વાંધો નહીં. આ તો મહિનામાં એક-બે વખત હોય જ.

પ્રશ્શનકર્તા : એ તો કોઈ વાર કામવાળા નહીં આવ્યા હોય, કોઈ વાર કાચનું વાસણ તૂટી ગયું હોય, કંઈ આમ થયું હોય તો જ અથડામણ થાય.

દાદાશ્રી : તે પણ તકરાર કરવાની શી જરૂર છે ?

પ્રશ્શનકર્તા : એ તો થઈ જાય, ખાલી આર્ગ્યુમેન્ટ થઈ જાય.

દાદાશ્રી : બળ્યું, આપણે નોકરી કરતા હોઈએ તો આર્ગ્યુમેન્ટ કરીએ ? શેઠ કહે એવું કરી નાખવાનું. આપણે ભાંજગડ નહીં. આ તો નોકરી જ જોઈએ આ લોકોને. સ્વતંત્ર જગા જ નહીં અપાય એવા લોકો, નહીં ? એટલે શું કરવું જોઈએ ? તારે એમના નોકર તરીકે રહેવું. એ તારા નોકર તરીકે રહે. એવું થાય ત્યારે મજા આવે. 'આઈ એમ યોર સર્વન્ટ' પણ મોઢે કહેવાનું નહીં. લોક સાંભળે તો આ ખોટું દેખાય, કહેશે, બેઉ ગાંડા થઈ ગયા છે.

બાકી, આ તો જીવતાં જ નથી આવડતું પૈણતા નહોતું આવડ્યું તે મહાપરાણે પૈણ્યા ! બાપ થતાં નથી આવડતું, એમ ને એમ બાપ થઈ ગયો. છોકરાઓ ખુશ થઈ જાય એવું હવે જીવન જીવવું જોઈએ. સવારમાં બધાએ નક્કી કરવું જોઈએ કે ભઈ આજે કોઈની સામસામે અથડામણ ન આવે, એવું આપણે વિચાર કરી લો, કહીએ. અથડામણથી ફાયદો થાય છે એ મને દેખાડો.

પ્રશ્શનકર્તા : ના, નથી થતો.

દાદાશ્રી : શું ફાયદો થાય છે ?

પ્રશ્શનકર્તા : દુઃખ થાય.

દાદાશ્રી : નહીં, દુઃખ થાય એટલું જ નહીં. આ અથડામણથી અત્યારે તો દુઃખ થયું, પણ આખો દહાડો બગડે અને આવતો ભવ પાછું મનુષ્યપણું જતું રહે. માણસપણું તો ક્યારે રહે કે સજ્જનતા હોય તો માણસપણું રહે. પણ પાશવતા હોય, ગોદા માર માર કરે, શીંગડા માર માર કરે, ત્યારે પછી ત્યાં આગળ માણસપણું આવે ફરી ? ગાયો-ભેંસો શીંગડા મારે કે માણસ મારે ?

પ્રશ્શનકર્તા : માણસ વધારે મારે.

દાદાશ્રી : તો માણસ મારે તો પછી જાનવરમાં જવું પડે.

પ્રશ્શનકર્તા : એ વધારે વાગે હઉ.

દાદાશ્રી : વાગે પણ વધારે. એટલે ત્યાં આગળ બે પગને બદલે ચાર પગ ને પૂંછડું વધારાનું પાછું ! ત્યાંનું કંઈ જેવું તેવું છે ! ત્યાં કોઈ દુઃખ નથી ? બહુ છે જરા સમજવું પડે, આમ કેમ ચાલે તે !

ટ્રાફિકના કાયદા તોડ્યે દંડ

વ્યવહારે આથડ્યે વાગે પ્રચંડ !

પ્રશ્શનકર્તા : પેલી ચોપડી કાલે લીધી હતી એમાં એ હતું કે, આ રોડ પરનાં વાહન-વ્યવહારનો શો ધર્મ છે કે અથડાશો તો તમે મરી જશો. અથડાવામાં જોખમ છે અને તમે કોઈની જોડે અથડાશો જ નહીં. તેમ આ વ્યવહારમાં ધર્મો એટલે રીલેટિવ ધર્મમાં કહે છે કે કોઈને પણ ત્રાસ ન આપો ને તમારે સુખ જોઈતું હોય તો બીજાને સુખ આપજો.

દાદાશ્રી : જેમ આ રોડ ઉપર આપણે કાળજીપૂર્વક ચાલીએ છીએ, પછી સામો માણસ ગમે તેવો ખરાબ હોય અને આપણને અથાડી જાય અને નુકસાન કરે એ જુદી વાત છે. પણ આપણો નુકસાન કરવાનો ઈરાદો ન હોવો જોઈએ. આપણે એને નુકસાન કરવા જઈએ તો આપણને નુકસાન થવાનું છે એ એટલે હંમેશાં દરેક અથડામણમાં બન્નેને નુકસાન થાય. તમે સામાને દુઃખ આપો ને તેની સાથે તમને દુઃખ એમ ને એમ ઓન ધી મોમેન્ટ પડ્યા વગર રહે જ નહીં. એ અથડામણો છે, એટલે મેં આ દાખલો આપ્યો છે કે રોડ ઉપરના વાહનવ્યવહારનો શો ધર્મ છે કે અથડાશો તો તમે મરી જશો. અથડાવામાં જોખમ છે માટે કોઈની જોડે અથડાશો નહીં. એ એવી રીતે આ વ્યવહારિક કાર્યોમાં પણ અથડાશો નહીં. અથડાવામાં જોખમ જ છે હંમેશાં. અને અથડાવાનું કોઈક દહાડો બને છે, કંઈ મહિનામાં બસો વખત થાય છે ? મહિનામાં કેટલા વખત આવે છે એવું ?

પ્રશ્શનકર્તા : કો'ક વખત, બે-ચાર વખત.

દાદાશ્રી : હં, તે એટલા સુધારી લેવા આપણે. મારું કહેવાનું, શા માટે આપણે બગાડીએ, પ્રસંગોને બગાડવા એ આપણને શોભે નહીં. આ છે તે ટ્રાફિકના લૉઝ બધા. એ લૉના આધારે ચાલે છે. ટ્રાફિકના, એમાં પોતાની સમજણે કોઈ ના ચાલેને ? આ ટ્રાફિકના લૉમાં અને આમાં પોતાની સમજણે જ કાયદા નહીં ? આ તો કોઈ દહાડો અડચણ નથી આવતી. એ કેવું સરસ ટ્રાફિક ગોઠવાયેલું છે. હવે આ જો કાયદા તમે સમજીને ચાલો, તો ફરી અડચણ નહીં આવે. એટલે આ કાયદાઓ સમજવામાં ભૂલ છે. કાયદા સમજાવનાર સમજદાર હોવો જોઈએ.

આ ટ્રાફિકના લૉઝ પાળવા માટે તમે નિશ્ચય કરેલો હોય છે, તો કેવા સરસ પળાય છે. કેમ એમાં અહંકાર જાગતો નથી કે ભલે એ કહે પણ આપણે આમ જ કરવું છે.

પ્રશ્શનકર્તા : પેલો ટિકિટ આપી દેને, મામો ! (પોલીસવાળો દંડ કરેને !)

દાદાશ્રી : કારણ કે એ ટ્રાફિકના લૉઝમાં એ પોતે જ, બુદ્ધિ એટલી બધી સમજી શકે છે, સ્થૂળ છે એટલે, કે હાથ કપાઈ જશે, તરત મરી જઈશ. એવું આ અથડામણ કરીને આમાં મરી જઈશ એ ખબર નથી. પેલી બુદ્ધિ પહોંચી શકતી નથી. આ સૂક્ષ્મ વસ્તુ છે આ. આના નુકશાન બધાં સૂક્ષ્મ થાય છે !

એટલે એડજસ્ટ થતાં ના આવડે એ માણસને માણસ કેમ કહેવાય ? સંજોગોને વશ થઈને એડજસ્ટ થઈ જાય એ ઘરમાં કશુંય ભાંજગડ ના થાય. અમેય હીરાબાને એડજસ્ટ થતાં જ આવ્યા હતા ને ! એમનો લાભ ઉઠાવવો હોય તો એડજસ્ટ રહો. આ તો લાભેય કોઈ વસ્તુનો નહીં અને વેર બાંધશે તે જુદું ! કારણ કે જીવ સ્વતંત્ર છે દરેક. અને પોતે સુખ ખોળવા આવ્યા છે. બીજાને આપવા એ આવ્યો છે, એવું નથી. એને શું ? પોતે ખોળવા આવ્યો છે. હવે એને સુખને બદલે દુઃખ મળે એટલે પછી વેર બાંધે, પછી બૈરી હોય કે છોકરો હોય.

પ્રશ્શનકર્તા : સુખ ખોળવા આવે તો દુઃખ મળે એટલે પછી વેર બાંધે ?

દાદાશ્રી : હા, એ તો પછી ભઈ હોય કે બાપા હોય પણ મહીં અંદરખાને વેર બાંધે એનું. આ દુનિયા આવી બધી, આ વેર જ બાંધે ! સ્વધર્મમાં વેર કોઈની જોડે ના થાય.

ઘેર ન એડજસ્ટ કોઈ સંગે,

શાસ્ત્રો ભણી ઉપદેશક કઢંગે!

પ્રશ્શનકર્તા : 'એજડસ્ટમેન્ટ'ની વાત છે, એની પાછળ ભાવ શું છે ? પછી ક્યાં આવવું ?

દાદાશ્રી : ભાવ શાંતિનો છે, શાંતિનો હેતુ છે, અશાંતિ ઉત્પન્ન નહીં કરવાનો કીમિયો છે. 'દાદા'નું 'એડજસ્ટમેન્ટ'નું વિજ્ઞાન છે, અજાયબ 'એડજસ્ટમેન્ટ' છે આ અને જ્યાં 'એડજસ્ટ' નહીં થાય ત્યાં તેનો સ્વાદ તો આવતો જ હશેને તમને ? આ 'ડિસ્એડજસ્ટમેન્ટ' એ જ મૂર્ખાઈ છે. 'એડજસ્ટમેન્ટ'ને અમે ન્યાય કહીએ છીએ. આગ્રહ-દુરાગ્રહ એ કંઈ ન્યાય ના કહેવાય. કોઈ પણ જાતનો આગ્રહ એ ન્યાય નથી. અમે કશાનો કક્કો ના પકડીએ. જે પાણીએ મગ ચઢે એનાથી ચઢાવીએ, છેવટે ગટરના પાણીએ પણ ચઢાવીએ !!

અહીં ઘેર 'એડજસ્ટ' થતાં આવડતું નથી ને આત્મજ્ઞાનનાં શાસ્ત્રો વાંચવા બેઠા હોય ! અલ્યા, મેલને પૂળો અહીંથી, પહેલું 'આ' શીખને. ઘરમાં 'એડજસ્ટ' થવાનું તો કશું આવડતું નથી. આવું છે આ જગત ! એટલે કામ કાઢી લેવા જેવું છે.

અત્યાર સુધી એકુય માણસ અમને ડિસ્એડજસ્ટ થયો નથી અને આ લોકોને ઘરનાં ચાર માણસોય એડજસ્ટ થતાં નથી, આ એડજસ્ટ થવાનું આવડે કે ના આવડે ? એવું થઈ શકે કે ના થઈ શકે ? આપણે જેવું જોઈએ એવું તો આપણને આવડે ને ? આ જગતનો નિયમ શો છે કે જેવું તમે જોશો એટલું તો આવડે જ એમાં કંઈ શીખવાપણું રહેતું નથી. કયું ના આવડે ? કે હું તમને આમ જે ઉપદેશ આપ્યા કરું છું ને, તે આવડે નહીં. પણ મારું વર્તન તમે જોશો તો સહેજે આવડી જાય.

સંસારમાં બીજું કશું ભલે ના આવડે, કંઈ વાંધો નથી. ધંધો કરતાં ઓછો આવડે તો વાંધો નથી, પણ એડજસ્ટ થતાં આવડવું જોઈએ. એટલે વસ્તુસ્થિતિમાં એડજસ્ટ થતાં શીખવું જોઈએ. આ કાળમાં એડજસ્ટ થતાં ના આવડે તો માર્યો જઈશ.

ર્ીર્ ીર્ ી

(૧૦)

બે ડિપાર્ટમેન્ટ નોખાં....

રાખો હોમ-ફોરેન બે ડિપાર્ટમેન્ટ,

રહેવાનું છે એક એપાર્ટમેન્ટ !

પુરુષે સ્ત્રીની બાબતમાં હાથ ના ઘાલવો ને સ્ત્રીએ પુરુષની બાબતમાં હાથ ના ઘાલવો. દરેકે પોતપોતાનાં 'ડિપાર્ટમેન્ટ'માં જ રહેવું.

પ્રશ્શનકર્તા : સ્ત્રીનું ડિપાર્ટમેન્ટ કયું ? શેમાં શેમાં પુરુષોએ હાથ ના ઘાલવો ?

દાદાશ્રી : એવું છે, ખાવાનું શું કરવું ? ઘર કેમ ચલાવવું ? તે બધું સ્ત્રીનું ડિપાર્ટમેન્ટ છે. ઘઉં ક્યાંથી લાવે છે, ક્યાંથી નથી લાવતી તે આપણે જાણવાની શી જરૂર ? એ જો આપણને કહેતા હોય કે ઘઉં લાવવામાં અડચણ પડે છે તો એ વાત જુદી છે. પણ આપણને એ કહેતાં ના હોય, રેશન બતાવતાં ના હોય, તો આપણે 'ડિપાર્ટમેન્ટ'માં હાથ ઘાલવાની જરૂર જ શી ? 'આજે દૂધપાક કરજો, આજે જલેબી કરજો', એય આપણે કહેવાની જરૂર શી ? ટાઈમ આવશે ત્યારે એ મૂકશે. એમનું 'ડિપાર્ટમેન્ટ' એ એમનું સ્વતંત્ર ! વખતે બહુ ઇચ્છા થઈ હોય તો કહેવું કે, 'આજે લાડુ બનાવજે.' કહેવા માટે ના નથી કહેતો, પણ બીજી આડી-અવળી, અમથી અમથી બૂમાબૂમ કરે કે 'કઢી ખારી થઈ, ખારી થઈ' તે બધું ગમ વગરનું છે.

આ રેલ્વેલાઈન ચાલે છે. તેમાં કેટલી બધી કામગીરીઓ હોય છે ! કેટલી જગ્યાએથી નોંધ આવે, ખબરો આવે, તે એનું 'ડિપાર્ટમેન્ટ' જ આવું જુદું. હવે તેમાંય ખામી તો આવે જ ને ? તેમ 'વાઇફ'ના 'ડિપાર્ટમેન્ટ'માં કો'ક ફેરો ખામી પણ આવે. હવે આપણે જો એમની ખામી કાઢવા જઈએ તો પછી એ આપણી ખામી કાઢશે. 'તમે આમ નથી કરતા, તેમ નથી કરતા. આમ કાગળ આવ્યો ને તેમ કર્યું તમે.' એટલે વેર વાળે. હું તમારી ખોડ કાઢું તો તમે પણ મારી ખોડ કાઢવા તલપી રહ્યા હોય !

એટલે ખરો માણસ તો ઘરની બાબતમાં હાથ જ ના ઘાલે, એને પુરુષ કહેવાય ! નહીં તો સ્ત્રી જેવો હોય. કેટલાક માણસો તો ઘરમાં જઈને મસાલાના ડબ્બામાં જુએ કે, 'આ બે મહિના પર લાવ્યા હતા તે એટલીવારમાં થઈ રહ્યા.' અલ્યા, આવું જુએ છે તે ક્યારે પાર આવે ? એ જેનું 'ડિપાર્ટમેન્ટ' હોય તેને ચિંતા ના હોય ? કારણ કે વસ્તુ તો વપરાયા કરે ને લેવાયાય કરે. પણ આ વગર કામનો દોઢ ડાહ્યો થવા જાય !

પ્રશ્શનકર્તા : એ પૂછે તો આપણે જવાબ આપવો. બાકી, નહીં તો એના ડિપાર્ટમેન્ટમાં આપણે હાથ ના ઘાલવો.

દાદાશ્રી : બરોબર છે. એ સારામાં સારું. ડિપાર્ટમેન્ટમાં હાથ ઘાલવો નહીં. એમનાં રસોડા ડિપાર્ટમેન્ટમાં હાથ ઘાલવો જોઈએ નહીં.

મુંબઈમાં એક આપણા છે તે પટેલ હતા અને તે પ્રોફેસર હતા. તે પછી એમના વાઇફને કહ્યું, આ તમારે પ્રોફેસર જેવો ધણી મળ્યો છે, પ્રોફેસર સીધા માણસ, એમની જોડે શું કરવા મતભેદ થાય છે ? ત્યારે કહે, દાદાજી શું કહું, જ્યારે હું બહાર જઉં છું ને કંઈક શાક-બાક લેવા તો આ ઘરમાં પછી રસોડામાં જઈને મરચું જોઈ લે, બીજું જોઈ લે, આ મરચું તો આપણે બે મહિના પહેલાં લાવ્યા હતા. એટલી વારમાં મરચું શી રીતે ખલાસ થઈ ગયું ? કહેશે. મરચું જુએ, બીજું જુએ, ત્રીજું જુએ. બોલો, આ હવે પેલા બેન ચીડાય કે ના ચીડાય ? મરચું હઉ જોવાનું આપણે ? તે ખઈ ગઈ મરચું ? એના પિયર મોકલી દીધું ? પ્રોફેસર થઈને આવું બોલે ! જુઓને, આખા ડબ્બા જોઈ આવે ! ત્યારે એને સંતોષ થાય અને પછી કોઈ ડબ્બો ખાલી દેખે, ત્યારે કહેશે, આ શું થયું ? કોઈને ઉછીનાં આપ્યાં હશે મરચાં ?

પ્રશ્શનકર્તા : પહેલાં તો વહુની રીતે ચોખા કે દાળ ઓરાય નહીં, એ તો સાસુ કાઢી આપે આમ... એટલું જ ઓરવાનું. વધારે પડી જાય એટલે કચકચ થાય !! એવું થયું આ તો.

દાદાશ્રી : પછી બઈએય જાણે કે ભઈની પાવલી પડી ગયેલી છે. માલ કેવો છે તે બેન સમજી જાય. નિયમ અને મર્યાદાથી જ વ્યવહાર શોભશે. માટે મર્યાદા ના ઓળંગશો ! હવે આ એની કંઈક લિમિટ હોવી જોઈએ કે ના હોવી જોઈએ ? એટલે આ નવી જાતની ડિઝાઈનો. આવું જોવાતું હશે બળ્યું ? એટલે આપણે કંઈક વિચારી વિચારીને નક્કી કરવું ધોરણ કે આમાં હાથ ના ઘાલવો. હું પહેલેથી હાથ નહોતો ઘાલતો એમના ડિપાર્ટમેન્ટમાં. તો આપણા ડિપાર્ટમેન્ટમાં એ હાથ ના ઘાલે કે ભઈ આ પગાર કેટલો મળ્યો ને તમે શેમાં નાખી દીધા, એવું તેવું !

પ્રશ્શનકર્તા : પણ એ કહે કે ના, અમારે તો તમારા ડિપાર્ટમેન્ટમાં આવવું જ છે, એમ હીરાબા કહે તો ?

દાદાશ્રી : ના, એમના ડિપાર્ટમેન્ટમાં હું હાથ ઘાલું ત્યારે એ ખોળેને ? રસોડા ડિપાર્ટમેન્ટ, હાઉસહોલ્ડ ડિપાર્ટમેન્ટ બધું એમનું અને બહારનું ફોરેન ડિપાર્ટમેન્ટ મારું, બે ડિપાર્ટમેન્ટમાં કોઈ કોઈનો હાથ ઘાલે નહીં. એ ડિપાર્ટમેન્ટ વહેંચી જ દીધેલાં. હાઉસહોલ્ડમાં હાથ આપણને નહીં ઘાલવાનો, એમના રસોડામાં એ ઘી ઢોળી નાખે કે પાંચ હજારનું સળગાવી મેલે કે એમના હાથે કંઈક સોનું ખોવાઈ ગયું એ એમનું ડિપાર્ટમેન્ટ ! અને ફોરેન ડિપાર્ટમેન્ટ મારું !

પ્રશ્શનકર્તા : એ બરોબર છે. પણ આ ડિપાર્ટમેન્ટની જે લાઈન આપણે દોરી, એ ડિપાર્ટમેન્ટની લાઈન રહી નથી હવે.

દાદાશ્રી : એ તો આ લોકોએ કરી. પહેલાં જૂના જમાનામાંય ડિપાર્ટમેન્ટની લાઈનો નહોતી. તોય જૂના અમારા ઘૈડીયા હતાને, તેય મહીં જઈને રસોડામાં જઈને જોઈ આવે. 'આ હમણે ઘી લાવ્યા છે તે ક્યાં ગયું ?' ત્યારે પેલી કહેશે, 'અરે, ત્યારે હું ખાઈ ગઈ ?' એવા લોક છે. ગોળ જોઈ આવે, ખાંડ જોઈ આવે. મેર ચક્કર, એ ડિપાર્ટમેન્ટ એમનું. આ તો મારી શોધખોળો છે, બધી આ ડિપાર્ટમેન્ટની. તે દહાડે હોમ-ફોરેન બોલતા નહોતું આવડતું. પણ આ એમનું ડિપાર્ટમેન્ટ ને આ મારું ડિપાર્ટમેન્ટ કહેશે !

પ્રશ્શનકર્તા : પણ આજે તો આ બધા ડિપાર્ટમેન્ટ જ બદલાઈ ગયાં છેને ? મિક્સ થઈ ગયાં.

દાદાશ્રી : ના, મિક્સ નહીં, છૂટા પાડવાં હોય તો પાડી શકાય.

પ્રશ્શનકર્તા : પણ આ માને નહીં ને !

દાદાશ્રી : એક ફેરો વક્કર જતો રહ્યો પછી વક્કર ફરી પડે નહીં. વક્કર શબ્દ સાંભળેલો ?

સુધર્યો હીરાબા સંગ વ્યવહાર,

ફરી ન ભૂલ એક ફેર નિર્ધાર!

અમારે ઘેરેય કોઈ દહાડો મતભેદ નથી પડ્યો. અમે તો પાટીદારો, એટલે ખાતું જરા જાડું અમારું. એટલે આમ ઘી મૂકેને, તે પાટિયો (ઘીનો) ધીમે ધીમે ડિગ્રીવાળું નમાવવાનો નહીં, તો શી રીતે નમાવતા હઈશું અમે ? નાઈન્ટી ડિગ્રી (સીધેસીધું) જ અને આ બીજા લોકોને ત્યાં જઈએ તો ડિગ્રી-ડિગ્રીવાળું (ધીમે ધીમે), તે આ હીરાબા ડિગ્રી-ડિગ્રીવાળા હતાં. એટલે મને આ ગમે નહીં કે આ તો આપણી આબરૂ જાય. પણ એ પ્રકૃતિ ઓળખી લીધેલી કે આ પ્રકૃતિ આવી છે. એટલે આપણે ઢોળીશું તોય વાંધો નહીં આવે, એ ઊહેડી લેશે !

હીરાબાના હાથે ઘી ઢોળાતું હોયને તોય જોયા કરીએ. કારણ કે અમારું જ્ઞાન હાજર હોય કે, એ ઢોળે જ નહીં. કોઈ દહાડોય હું કહું કે ઢોળો, તોય એ ના ઢોળે. છતાં એ ઢોળે છે, એટલે આપણને જોવા જેવી ચીજ છે, એવું અમારું જ્ઞાન હોય ઓન ધી મોમેન્ટ (તત્ક્ષણ). બધા જ્ઞાન હાજર હોય, તે મતભેદ પડતા પહેલાં મારું જ્ઞાન હાજર થઈ જાય. એટલે આખી જિંદગી મતભેદ જ નહીં પડેલો. પહેલાં નાનપણમાં જરાક બે-ચાર વર્ષ તાજેતાજું તે જરાક આમ અથડામણ થયેલી. પણ એમાંથી એક્સિપીરીયન્સ થઈને સમજી ગયાં.

પ્રશ્શનકર્તા : પટેલો પેલું ઘી આમ રેડે ત્યારે કઈ ડિગ્રી પર પીરસે ?

દાદાશ્રી : સિત્તેર ડિગ્રી, આમ કરીને ! પછી મારે ને હીરાબાને નાનપણમાં વઢવાડ થયેલી. મારા મિત્રો આવેલા ને પેલું ચુરમું કરેલું. એ ઘી તો હીરાબા રેડે. ત્યારે પહેલાં આપણામાં રિવાજ તો આમ પાટિયાથી (ઘીની તપેલી) ઘી રેડવાનું હતું. ચમચી-બમચી નહોતી ને ચોખ્ખા ઘી તે દહાડે તો. તે હીરાબાનો સ્વભાવ કેવો કે આમ વ્યાજબી સ્વભાવ, એટલે કે નોર્મલ સ્વભાવ, એટલે જેને જેટલું જોઈતું હોય તેટલું આપવું જોઈએ. ત્યારે એય ખોટું ના કહેવાય. ખાનારને કશું ના થાય. ખાનાર ટેવાયેલા હતા કે 'ભઈ, આપણને જરૂરિયાત પ્રમાણે મૂકશે અને આમ જરૂરિયાત પ્રમાણે મૂકતા'તા બિચારાં. પણ આ નોબલ એવા મોટાં, તે પેલો પાટિયો મારે આમ ઢોળવા જોઈએ. મારો સ્વભાવ તે ઘડીએ જરા એબ્નોર્મલ સ્વભાવ હતો. અત્યારે હવે જ્ઞાન પછી નોર્મલ થઈ ગયો છે, પણ તે દહાડે એબ્નોર્મલ સ્વભાવ હતો. તે પછી હીરાબા આમ ઘી રેડતાં હતાંને એટલે મને રીસ ચઢી ગઈ, ખૂબ ચઢી. ને પેલા બધા ગયા પછી ખૂબ વઢ્યો. મેં કહ્યું, 'આમ ધાર પાડો છો ? આ આવું ના ચાલે. એકદમ પાટિયો વાળી દેવાનો.' ત્યારે એમને કંઈ ખોટું લાગ્યું. તે કહે છે, હું આપત ને ધીમે ધીમે આપત. તમે બહાર ઢોળી દેવડાવો એનો શું અર્થ ? હું તમારા ભાઈબંધને કંઈ ઓછું મૂકવાની હતી ? પછ

ી મને કહેવા લાગ્યાં કે તમે તો મારું બધાની વચ્ચે અપમાન કરી નાખ્યું. પછી હું સમજી ગયો કે આ તો મારી જ ભૂલ થઈ છે. કારણ કે સ્વભાવ બળ્યો એવો ! મારો એબ્નોર્મલ સ્વભાવ, એ તો ગાંડપણ જ છેને, મેડનેસ કહેવાય. આસક્તિ છે એક જાતની ! અતિશય નોબલ થવું એય ગાંડપણ છે. અને બહુ કરકસરિયાવાળું એ ગાંડપણ, નોર્માલિટી જોઈએ. પછી આમ કરતાં કરતાં અથડાઈ અથડાઈને ઠેકાણે આવી ગયું. બે-ચાર વર્ષમાં જ આવી ગયું. હું સમજી ગયો. તારણ કાઢી લીધું કે આમાં આમની કરેક્ટ વાત છે અને એ કરેક્ટમાં ફરી પછી બીજીવાર નહીં જોવાનું. એકવાર કરેક્ટનેસ નક્કી કરી દીધી કે આ બાબતમાં એ કરેક્ટ છે. એટલે પછી કરેક્ટ જ ! પછી બીજું જોવાનું નહીં. બીજું બધું સંજોગવશાત્ અને એ ભગવાનથીય ફેરફાર ના થાય.

પ્રશ્શનકર્તા : જ્ઞાન પહેલાની વાતને, આ તો ?

દાદાશ્રી : બાવીસ-ત્રેવીસ વર્ષની નાની ઉંમરમાં બનેલું, પેલા ભાઈબંધ આગળ મારી આબરૂ ગઈ એવું મને લાગે.

પ્રશ્શનકર્તા : મારે એવું જ થાય છે. તે એનો ઉપાય શું ?

દાદાશ્રી : ઘી મૂકતી વખતે આપણે મૂકવું. પાટિયો રહેવા દેજો, પાટિયો હું મૂકીશ, કહીએ. બીજું છે એ તમે મૂકજો, કહીએ. જે હું તો શોધી કાઢું આવું. ક્યાં આગળ ડિફેક્ટ (ખામી) છે, તે એ ડિફેક્ટનું હું પૂરી કરી આપું. પણ વઢીએ નહીં. ડિફેક્ટનુ શોધન કરીએ !

'શું શાક લાવું' પૂછવાનો રિવાજ,

'ઠીક લાગે તે' કહેવાનો રિવાજ !

શરૂઆતનાં ત્રીસ વર્ષ સુધી જરા ભાંજગડ થયેલી. પછી વીણી વીણીને બધું કાઢી નાખ્યું ને ડિવિઝન કરી નાખ્યા કે રસોડા ખાતું તમારું અને કમાણી ખાતું અમારું, કમાવવાનું અમારે. તમારા ખાતામાં અમારે હાથ ઘાલવાનો નહીં. અમારા ખાતામાં તમારે હાથ નહીં ઘાલવાનો. શાકભાજી એમણે લઈ આવવાની.

પણ અમારા ઘરનો રિવાજ તમે જોયો હોય તો બહુ સુંદર લાગે. હીરાબા જ્યાં સુધી શરીર સારું હતું ત્યાં સુધી બહાર પોળને નાકે છે તે પેલું એ હોય, શાકની દુકાન, ત્યાં જાતે શાક લેવા જાય. તો આપણે બેઠા હોય તો હીરાબા મને પૂછે, શું શાક લાવું ? ત્યારે હું એમને કહું, તમને ઠીક લાગે તે. પછી એ લઈ આવે. પણ એવું ને એવું રોજ ચાલે, એટલે પછી માણસ શું થઈ જાય ? એ પછી પૂછવાનું બંધ રાખે. બળ્યું આપણને એ શું કહે છે, તમને ઠીક લાગે તે. તે પાંચ-સાત દહાડા ના પૂછે, એટલે પછી એક દહાડો હું કહું કે, 'કેમ આ કારેલાં લાવ્યા ?' ત્યારે એ કહે છે, 'હું તો પૂછું છું ત્યારે કહો છો, તમને ઠીક લાગે એ અને હવે શું લાવી ત્યારે તમે ભૂલ કાઢો છો ?' ત્યારે મેં કહ્યું, 'ના, આપણે એવો રિવાજ રાખવાનો. તમારે મને પૂછવું, શું શાક લાવું ? ત્યારે હું તમને કહું કે તમને ઠીક લાગે એ. એ આપણો રિવાજ ચાલુ રાખજો.' તે એમણે ઠેઠ સુધી ચાલુ રાખેલો. આમાં બેસનારનેય શોભા લાગે કે કહેવું પડે, આ ઘરનો રિવાજ ! એટલે આપણો વ્યવહાર સારો બહાર દેખાવો જોઈએ. એકપક્ષી ના થવું જોઈએ. મહાવીર ભગવાન કેવા પાકા હતા ! વ્યવહાર અને નિશ્ચય બન્નેય જુદા. એકપક્ષી નહીં. ના જુએ વ્યવહારને ? લોકો જુએય ખરા ને રોજેય

. 'રોજ એ બાબત તમને પૂછે ?' મેં કહ્યું, હા રોજ પૂછે. 'તો થાકી ના જાય ?' કહે છે. મેં કહ્યું, અલ્યા શાના થાકવાના બા ! કંઈ મેડા ચઢવાના કે ડુંગર ઉપર ચઢવાના હતા તે ! આપણા બેનો વ્યવહાર લોકો દેખે એવું કરો.

પ્રશ્શનકર્તા : પણ પૂછવું એ કંટ્રોલ કર્યો ના કહેવાય ?

દાદાશ્રી : નહીં, વિનય રાખીએ. બન્નેનો વિનય છે એ તો !

અમે જે ગોઠવેલુંને એ વિનય કહેવાય. પેલા કહેશે, હું કહું તે જ તારે શાક લાવવાનું છે, એ અવિનય કહેવાય. આપણે કહીએ કે ના તું જ લઈ આવજે અને પછી બૂમ પાડવી તે અવિનય કહેવાય. આ બન્ને વિનયમાં રહે ને ! કો'ક દહાડો આપણને જરૂર હોય કે આજ રીંગણા ખાવાં છે. તો બોલીએય ખરા કે ભઈ આજ રીંગણાં લાવજો. એમ કહેવામાં શું જાય આપણું ?

પ્રશ્શનકર્તા : આટલો આપણો હક રહેવો જોઈએ ?

દાદાશ્રી : હક એમનોય રહેવો જોઈએ. તો પછી ડખો થાય નહીં.

પ્રશ્શનકર્તા : એ એમનો વિનય સાચવતા હતા. તમે તમારો વિનય સાચવતા હતા.

દાદાશ્રી : હં, જગત એમ જુએ, સંસ્કાર જુએ. કહેવું પડે ! આપણે એમનું કેટલું માન રાખ્યું કે તમને ઠીક લાગે તે !

પ્રશ્શનકર્તા : અને એમણે તમારું માન રાખ્યું પૂછી ને, શું લાવીએ.

દાદાશ્રી : હા, એ સંસ્કાર કહેવાય. નહીં તો ઉદ્ધતતા થઈ જાય. ઉદ્ધત થઈ શકે પછી. કહેશે, ખાવું હોય તો ખાવ એવું કરે. આ તો પછી ક્વૉલિટી એવી કે સરકતા વાર ના લાગે.

પ્રશ્શનકર્તા : એમાં થોડોક ઈગો છે ?

દાદાશ્રી : નહીં, આ વ્યવહાર છે, વ્યવહાર !

પ્રશ્શનકર્તા : પણ એમ થાયને કે મને પૂછ્યું ?

દાદાશ્રી : નહીં. મને પૂછ્યું એનો સવાલ નહીં. મને પૂછ્યું એનો જો ઈગો હોયને તો એમને કહું કે તમને ઠીક લાગે તે ? એવું ના બોલું હું. આ વ્યવહાર કહેવાય. બહારના બેસનારને દેખાય કે કહેવું પડે આ ! આ બોલતા નથી કે આ લાવજે ને આ લાવજે અને એમેય કહેવું પડે કે આ બહેન આટલી ઉંમરે પૂછે છે ! વ્યવહાર સુંદર દેખાય. એ આવો વ્યવહાર આપણે નભાવવો જોઈએ. તમે વ્યવહાર બંધ કરો તો દુનિયા શું કહે ? કે બઈ ગાંઠતી જ નથી એમને. એટલે વિવેક ! આ વિવેક જો લોકો જોશેને, તો કહેશે કે આ વિવેક કેવો સુંદર છે ! કેમ લાગે છે તમને ?

પ્રશ્શનકર્તા : બરાબર છે.

દાદાશ્રી : બાકી ઈગો તો હોય જ. ઈગો તો સંસારમાં બધે જ હોય, પણ જે ઈગો સામાને નુકસાન કરતો નથી, ફાયદાકારક થાય આ. હમણાં તમારે ઘેર આવો વ્યવહાર ચાલુ રાખ્યો હોય તો બહુ સુંદર શોભા આવે આમાં, ના રહે ભઈ ? એ પૂછે અને આપણે એમને કહીએ કે તમને ઠીક લાગે તે !

પ્રશ્શનકર્તા : બીજા લોકોને માન અને સંપ દેખાય.

દાદાશ્રી : હં, સામસામી પ્રેમ સચવાય બધું. એમના મનમાંય એમ થાય, ઓહોહોહો ! મારી પર છોડી દે છે, મારી પર કેટલો બધો વિશ્વાસ છે. અને મારા મનમાં એમ થાય કે હું ધણી છું, એ હજુ એક્સેપ્ટ કરે છે. આ પદ્ધતિસર હોવું જોઈએ. પદ્ધતિસર ના હોવું જોઈએ ?

દુકાનનો હિસાબ ? ઘેર મોડા કેમ ?

ગાડી ચૂક્યા કેમ ? ડખલો સ્ત્રીની એમ !

પ્રશ્શનકર્તા : સ્ત્રીએ પુરુષની કઈ બાબતમાં હાથ ના ઘાલવો ?

દાદાશ્રી : પુરુષની કોઈ બાબતમાં ડખો જ ના કરવો. 'દુકાનમાં કેટલો માલ આવ્યો ? કેટલો ગયો ? આજે મોડા કેમ આવ્યા ?' પેલાને પછી કહેવું પડે કે, 'આજે નવની ગાડી ચૂકી ગયો.' ત્યારે બેન કહેશે કે, 'એવા કેવા ફરો છો કે ગાડી ચૂકી જવાય ?' એટલે પછી પેલા ચિડાઈ જાય. પેલાને મનમાં એમ થાય કે આવું ભગવાન પણ પૂછનાર હોત તો તેને મારત. પણ અહીં આગળ શું કરે હવે ? એટલે વગર કામના ડખા કરે છે. બાસમતીના ચોખા સરસ રાંધે ને પછી મહીં કાંકરા નાખીને ખાય ! એમાં શું સ્વાદ આવે ? સ્ત્રી-પુરુષે એકમેકને 'હેલ્પ' કરવી જોઈએ. ધણીને ચિંતા 'વરીઝ' રહેતી હોય તો તેને કેમ કરીને વરીઝ ના થાય એવું સ્ત્રી બોલતી હોય. અને ધણી પણ બૈરી મુશ્કેલીમાં ના મુકાય એવું જોતો હોય. ધણીએ પણ સમજવું જોઈએ કે સ્ત્રીને ઘેર છોકરાં કેટલાં હેરાન કરતાં હશે ? ઘરમાં તૂટે ફૂટે તો પુરુષે બૂમ ના પાડવી જોઈએ. પણ તેય લોકો બૂમો પાડે કે 'ગયે વખતે સરસમાં સરસ ડઝન કપરકાબી લાવ્યો હતો, તે તમે એ બધા કેમ તોડી નાખ્યા ? બધું ખલાસ કરી નાખ્યું.' એટલે પેલી બેનને મનમાં લાગે કે, 'મેં તોડી નાખ્યા ? મારે કંઈ એને ખઈ જવા હતાં ? તૂટી ગયાં તે તૂટી ગયાં, તેમાં હું શું કરું ?' 'મી કાય કરું ?' કહેશે. હવે ત્યાં વઢવાડો. જ્ય

ાં કશી લેવાય નહીં ને દેવાય નહીં. જ્યાં વઢવાનું કોઈ કારણ જ નથી ત્યાંય લડવાનું ?

ખાતામાં ન હીરાબાનો હાથ,

પત્નીનું પંક્ચર શાસ્ત્રમાં ન વાત !

અમારે ને હીરાબાને કશો મતભેદ જ નથી પડતો. અમારે એમનામાં, ઘરની કોઈ બાબતમાં હાથ જ નહીં ઘાલવાનો કોઈ દહાડોય. એમના હાથે પૈસા પડી ગયા, અમે દીઠા હોય તોય અમે એમ ના કહીએ કે 'તમારા પૈસા પડી ગયા, તે જોયું કે ના જોયું ?' એ પણ અમારામાં હાથ ના ઘાલે. અમે કેટલા વાગે ઊઠીએ, કેટલા વાગે નહાઈએ, ક્યારે જઈએ, એવી અમારી કોઈ બાબતમાં ક્યારે પણ એ એમના પૂછે. કો'ક દહાડો અમને કહે કે, 'આજે વહેલા નાહી લો' તો અમે તરત ધોતિયું મંગાવીને નાહી લઈએ. અરે, અમારી જાતે ટુવાલ લઈને નાહી લઈએ. કારણ કે અમે જાણીએ કે આ 'લાલ વાવટો' ધરે છે. માટે કંઈક ભો હશે. પાણી ના આવવાનું હોય કે એવું કંઈક હોય તો જ એ અમને વહેલા નાહી લેવાનું કહે, એટલે અમે સમજી જઈએ. એટલે થોડું થોડું વ્યવહારમાં તમેય સમજી લોને, કે કોઈ કોઈનામાં હાથ ઘાલવા જેવું નથી.

ફોજદાર પકડીને આપણને લઈ જાય પછી એ જેમ કહે તેમ આપણે ના કરીએ ? જ્યાં બેસાડે ત્યાં આપણે ના બેસીએ ? આપણે જાણીએ કે અહીં છીએ ત્યાં સુધી આ ભાંજગડમાં છીએ. એવું આ સંસારેય ફોજદારી જ છે. એટલે એમાંય સરળ થઈ જવું. ઘેર જમવાની થાળી આવે છે કે નથી આવતી ?

પ્રશ્શનકર્તા : આવે છે.

દાદાશ્રી : રસોઈ જોઈએ તે મળે, ખાટલો પાથરી આપે પછી શું ? અને ખાટલો ના પાથરી આપે તો તેય આપણે પાથરી લઈએ ને ઉકેલ લાવીએ. શાંતિથી વાત સમજાવવી પડે. તમારા સંસારના હિતાહિતની વાત કંઈ શાસ્ત્રમાં લખેલી હોય ? એ તો જાતે સમજવી પડશેને ?

એટલે અમે તો અમારો કોન્ટ્રાક્ટનો ધંધો હતો. મારા બ્રધરના વખતમાં, તે અમારાં ભાભી બહુ હોશિયાર હતાં. સેકન્ડ વાઈફ હતાં, પણ હોશિયાર બહુ હતાં. તે અમારા બે ભાઈનો હિસાબ માગે કે, હમણે શું કમાણી ચાલે છે ને એ બધું ! આ સેકન્ડ વાઈફ એટલે અમારા મોટા ભાઈ જરા માન આપતા, ફર્સ્ટ વાઈફને તો ગાંઠેલા નહીં. તે ભાભી મને કહે, 'હિસાબ કહો ને ?' મેં કહ્યું, 'આ વાત ક્યાંથી લાવ્યા આપણા ઘરમાં ? હિસાબ-બિસાબ સ્ત્રીઓએ ના મંગાય. હું હિસાબ નહીં આપું. કોઈ પણ સ્ત્રીને એ પછી ભણેલી હોય કે અભણ હોય, પણ હિસાબ આપવા હું તૈયાર નથી. અને હિસાબ હું લઈશેય નહીં, એવી કડકાઈ હું નહીં રાખું.' એટલે નાનપણમાંથી અમે જુદા થયા, તોય છે તે મેં હીરાબાને કહી દીધેલું. અને મને તો અહીં આગળ એ એમ કહે કે 'આ સાલ ધંધામાં તમે ધ્યાન ના આપ્યું તેથી ખોટ આવી છે' તે આપણને પોષાય નહીં. શાથી ખોટ આવી એનું તમને એક્સપ્લેનેશન (ખુલાસો) આપવા માટે અમે તૈયાર નથી. અરે, ભગવાનનેય આપવા તૈયાર નથી અમે. એટલા બધા અહંકારનું સેવન અમે રાખીએ છીએ. આ એક્ઝેક્ટ વાત કહું છું, જે છે તે.

એ અહંકાર જતો રહ્યો ત્યારે આ ડાહ્યા થયા. પણ હીરાબાએ અત્યાર સુધી અમારા ધંધામાં હાથ નથી ઘાલ્યો. અને અત્યારેય હાથ ઘાલવાનો નહીં. એ જાણે નહીં કે શું ધંધો ચાલે છે. કેવી રીતે ચાલે છે ! કારણ કે અમારા ભાઈએ શીખવાડ્યું આ. અમારા ભાઈ ઘરમાં કહે, 'આ સાલ આમ ધંધો ચાલે છે ને તેમ ધંધો ચાલે છે.' તે બીજી વખતનાં વાઈફ એટલે એમને ખુશ કરવા માટે આ બધું બોલે. તે પછી એમણે ધંધામાં હાથ ઘાલી દીધો. હવે એમને ખુશ કરીને શું કામ છે તે ? બીજી સાડી જોઈતી હોય તો સાડી લઈ આવ તારે ! પૂછવું, તારે જોઈએ છે ! લે, બીજી લાવ હેંડ ! સોનાની બંગડીઓ બનાવવી છે ? તે હીરાના કાપ કરાવવા છે ? બાકી એને આ કહેવાનું હોય કે આ સાલ ધંધામાં આમ છે ? ને ખોટ જાય ત્યારે એ જ આપણને બૂમ પાડશે. તમને ધંધો કરતા નથી આવડતું, એવું કહેશે ત્યારે આપણી આબરૂ શી રહી ? એ કરાતી હશે એવી વાત ? આ જગતમાં લઢાઈઓ થઈ છે તે સ્ત્રીઓને વાત કરવાથી જ થઈ છે. આ જરાક ઢીલા હોયને તે સ્લીપ થઈ જાય.

પ્રશ્શનકર્તા : તો એને કપટ કહેવાય, એ બનાવટ કરી કહેવાય ?

દાદાશ્રી : બનાવટ નહીં, આ તમારા હિતને માટે છે.

સહજીવનનું બાંધ્યું બંધારણ,

બન્નેનાં ખાતાં જુદાં, એ જ તારણ!

ડિવિઝન તો મેં પહેલેથી, નાનપણમાંથી પાડી દીધેલાં કે ભઈ, આ રસોડા ખાતું એમનું. અને ધંધાનું ખાતું મારું. નાનપણમાં મને ધંધામાં હિસાબ પૂછે, ઘરની સ્ત્રી હોય તો મારું મગજ ફરી જાય. કારણ કે તમારી લાઈન નહીં. તમે વિધાઉટ એની કનેક્શન પૂછો છો, કનેક્શન (અનુસંધાન) સહિત હોવું જોઈએ. એ પૂછે, 'આ સાલ શું કમાયા ?' મેં કહ્યું, 'આવું ના પૂછાય તમારાથી. આ તો અમારી પર્સનલ મેટર થઈ. તમે આવું પૂછો છો ? તો કાલે સવારે પાંચસો રૂપિયા કોઈને આપી આવ્યો હોઉં તો તમે મારું તેલ કાઢી નાખો.' કો'કને આપી આવ્યા તો કહેશે 'આવું લોકોને આપો છો ને પૈસા જતા રહેશે.' એવું તમે તેલ કાઢી નાખો. એટલે પર્સનલ મેટરમાં તમારે હાથ નહીં ઘાલવાનો.

એટલે પછી મને કોઈ દહાડોય એ પૂછવા ના આવે કે તમે આને પાંચસો રૂપિયા કેમ આપ્યા ? કે કેમ આવું કરો છો ? શું ચાલે છે ? એવું તેવું કશું પૂછે નહીં. જો સ્ત્રીને એમ કહીએ 'હમણે નથી ચાલતું' તો એ હઉ ઢીલી થઈ જાય. એટલે આ લાઈનમાં પેસવા ના દેવું. સહુ સહુની લાઈન સારી છે.

અને પેલું અમે રસોડામાં હાથ ઘાલીએ નહીં ને તમારા ડિપાર્ટમેન્ટમાં અમારે અક્ષરેય બોલવાનો નહીં. તમે દૂધ આખું તપેલું ઢોળી દો તોય અમને વાંધો નથી. તમે બધા પ્યાલા ફોડી નાખો તોય અમને વાંધો નથી. કઢી ખારી થાય તોય અમને વાંધો નથી. તમે ગમે તેવા ચોખા રાંધતા હોય, પણ અમને વાંધો નથી આવવાનો. અમારું જુદું ને તમારું જુદું. ડિપાર્ટમેન્ટ જ જુદાં. આ વહેંચણ કરેલી. કોન્સ્ટિટ્યુશન (બંધારણ) જ બાંધેલું આમ. કેમ જીવન જીવવું એનું બંધારણ જ બાંધેલું. એટલે છેલ્લાં પિસ્તાલીસ વર્ષથી મતભેદ વગર રહી શક્યા. એકેય મતભેદ નહીં, આખા દહાડામાં !

બાકી આપણા લોક તો કેવા છે ? બહુ દોઢડાહ્યા ! કઢીને આ રાઈનો વઘાર કેમ કર્યો ? અલ્યા, એની બાબતમાં તું શું કરવા પૂછ પૂછ કરે છે ? આ વગર કામનો ડખો કરે. એ હોલ એન્ડ સોલ એનું ડિપાર્ટમેન્ટ છે. અમે આવી તેવી બાબતમાં હાથ નહોતા ઘાલતા. અમે તો અમારી આબરૂ કેમ રહે એટલું જોતા'તા. ખાવાનું ઓછું મળશે તો વાંધો નહીં. કોન્સ્ટિટ્યુશનની બહાર ના જવાય. જીવન જીવવું જોઈએ. તે જીવ્યા ખરા ઠેઠ સુધી. ૪૫-૪૫ વર્ષથી મતભેદ પડ્યો નથી.

પ્રશ્શનકર્તા : તમે પગાર જેટલા રૂપિયા ઘરે પહોંચાડતા, ઘર ચલાવવા માટે તો હીરાબા બોલતા નહીં કે વધારે લાવો પૈસા ?

દાદાશ્રી : એ તો ઊલટા, મહીં પડી રહે, વધે ઊલટા. કારણ કે હું જાણું ને. મને સાધારણ સમાજમાં જ્યાં આગળ લોકોને ગ્રેજ્યુએટ એટલે પચાસ પગાર મલતો હોય, તો મને સો રૂપિયા મલે એવું તો હું જાણું ને ! તે સારી સ્થિતિ બધી. અને એ કંઈ બોલે નહીં કોઈ દહાડો અને એવું ખૂટવા દઉં નહીં ને. પૈસા સંબંધી બોલે નહીં.

બન્ને મળી નક્કી કર્યું ધોરણ,

જો માંગે હિસાબ, બળ્યું જીવન!

એટલે ડિવિઝન ઑફ લેબર્સ એવું એમનું ખાતું હોમ ડિપાર્ટમેન્ટ. અમારું ખાતું ફોરેન ડિપાર્ટમેન્ટ. બેઉ જુદાં જ રાખવાનાં. પછી આપણે બસ્સો કોઈને આપીએ તો એમનાથી બોલાય નહીં. હવે એ એમાં પાર્ટનર ખરાંને. એટલે પાછાં, મને કેમ પૂછ્યું નહીં ? એમ ને એમ આપી દીધા ? એવી બૂમો પાડે. એટલે આપણે બહાર ખાનગીમાં આપી દેવું. એટલું કપટ રાખવું. મતભેદ ના થાય બળ્યો ! આંખે દીઠાનું ઝેર છે ને. અને આપવા તો પડે જ છેને !

પ્રશ્શનકર્તા : તમારે હીરાબા સાથે ચર્ચા થયેલી કે આ તમારું અને આ મારું કામકાજ ?

દાદાશ્રી : હા. એટલું ડિસાઈડ (નક્કી) થઈ ગયેલું. પણ અમને પૂછવું પડે ખરું. નહીં તો વ્યવહાર, દુનિયાના લોકો શું સમજે ?

પ્રશ્શનકર્તા : એ ડીસાઈડ તમે કરેલું ? કે હીરાબાએ કરેલું ? બન્ને ભેગા થઈને કરેલું ?

દાદાશ્રી : એ તો મેં જ કહી દીધેલું અને એમણે એ એક્સેપ્ટ કરેલું.

પ્રશ્શનકર્તા : એમણે એક્સેપ્ટ (સ્વીકાર) કર્યુંને ?

દાદાશ્રી : હા.

પ્રશ્શનકર્તા : પણ અહીં તો એક્સેપ્ટ ના કરે તો ?

દાદાશ્રી : પણ ડિવિઝન પાડ્યું કે આ તમારા કામમાં ફરી હાથ ઘાલીએ નહીં એટલે એક્સેપ્ટ થઈ જ જાયને. એમનામાં હાથ ઘાલીએ નહીં એટલે પછી એ આપણામાં હાથ ઘાલે તો આપણે કહીએ કે અમે તમારામાં હાથ નથી ઘાલતા, તમે અમારામાં હાથ ના ઘાલો તો સારું કહેવાય. એટલે પછી એ સમજી જાયને. હંમેશાં વહેંચણ થઈ ગયું હોયને તો ફરી ભાંજગડ ના થાય.

આવા પ્રશ્શનો બંધારણ વિરુદ્ધ,

દાદા દેખાડે વ્યવહાર શુદ્ધ !

પ્રશ્શનકર્તા : દાદા, પણ ઘરમાં બે જણ હોય, વાઈફ ને હું. તો મતભેદ તો પડે જ ને. બે વ્યૂપોઈન્ટ થાય ને ?

દાદાશ્રી : ખુરશી જોડે પડે છે ?

પ્રશ્શનકર્તા : ના, પણ કપડું ખરીદવું હોય તો વાઇફ કહે, આ ખરીદો અને હું કહું, આ ખરીદો. આ સિમ્પલ (સાદો) દાખલો આપ્યો એ મતભેદ ના કહેવાય ?

દાદાશ્રી : ઓહોહોહો ! એ તો બધી આપણી જ ભૂલ છે. એ જે અમુક બાબતો હોયને, તે આપણે, જેમ આ પ્રધાનો હોય છેને તે બધા વહેંચી લે છે ડિપાર્ટમેન્ટ કે આ હોમ ડિપાર્ટમેન્ટ, આ ફોરેન ડિપાર્ટમેન્ટ. સમજ પડીને ?

પ્રશ્શનકર્તા : પણ એ લોકો જ એવું કહે કે તમે અમારામાં રસ નથી લેતા, તમે છોકરામાં રસ નથી લેતા.

દાદાશ્રી : ના, રસ લઈએ આપણે, છોકરાને માથે હાથ ફેરવીએ, બોલાવીએ, બેસાડીએ.

પ્રશ્શનકર્તા : હા, એ સરસ કહ્યું. એ ગમ્યું મને.

દાદાશ્રી : હં, પણ એના ડિપાર્ટમેન્ટમાં હાથ ના ઘાલવો.

પ્રશ્શનકર્તા : આપણે એમના ડિપાર્ટમેન્ટમાં માથું નહીં મારવાનું ?

દાદાશ્રી : હા, માથું મારવાનું નહીં અને પાછું બાબાની ઉપર હાથ ફેરવવાનો, વાતો-ચીતો કરવાની. વળી આનંદની વાતો કરવાની. પણ તે બીજી ભાંજગડો નહીં. કંઈક ગોઠવણી હોવી જોઈએ આપણી. ડિપાર્ટમેન્ટ ના થાય નક્કી કે આટલું ડિપાર્ટમેન્ટ તમારું ?

પ્રશ્શનકર્તા : હવે ધારો કે પત્ની છે તો એના ડિપાર્ટમેન્ટનું કહે કે ભઈ, આટલું બાબાને તમે કરો કે બાબાને સ્કૂલમાં લઈ જાવ તો પછી તે ઘડીએ શું કરવાનું ? ડિપાર્ટમેન્ટ પકડી બેસી રહેવાનું ?

દાદાશ્રી : આપણે જોઈ આપવું તે વખતે.

પ્રશ્શનકર્તા : એટલે પેલું ગધે કા પૂંછની જેમ પકડી નહીં રાખવાનું કે આ મારું ડિપાર્ટમેન્ટ નહોય, હું નહીં કરું ?

દાદાશ્રી : ના એવું, એવું ડિપાર્ટમેન્ટ કહેવાતું હશે ? એ એના ડિપાર્ટમેન્ટમાં કંઈ શક્તિ ના હોય ને આપણને કહે તો એ આપણી ફરજ છે. અરે, બહારનો કોઈ કહેવા આવ્યો તોય આપણે કરીએ છીએ, નથી કરતા ? કોઈ આપણને વિનંતી કરે તો આપણે એ કરવું જ જોઈએ. તે ઘડીએ આપણે એમ ના કહીએ કે આ તારું ડિપાર્ટમેન્ટ, અહીં મારી પાસે ક્યાં લાવી ?

પ્રશ્શનકર્તા : એટલે હવે ઘરમાં પ્રધાન જેવું તો હોવું જોઈએને ! એમની મિનિસ્ટ્રીમાં કંઈ બગડતું હોય, ખરાબ થતું હોય, તો એને કહેવું તો જોઈએને આપણે ? ત્યાં પછી મતભેદ ના થાય ?

દાદાશ્રી : આપણે શું કરવા કહીએ. એ આ પ્રધાન, આપણે આ પ્રધાન. આપણે કંઈ પ્રેસિડન્ટ નથી એ બેના !

પ્રશ્શનકર્તા : ઘરનાં વ્યવહારમાં કંઈ બગડતું હોય તો કહેવાની આપણી ફરજ ખરી કે નહીં ?

દાદાશ્રી : એ તો ધીમે રહીને વાત કરવાની.

પ્રશ્શનકર્તા : કંઈ સમજાવીને કહેવું જોઈએને, આ પ્રમાણે નહીં, આ પ્રમાણે કરવું જોઈએ.

દાદાશ્રી : હા, સમજાવીને બધું કહેવું જોઈએ. સમજાવીને કહીએ છતાં ના માને તો એમની મરજી. આપણે એને કહેવાના અધિકારી.

પ્રશ્શનકર્તા : પણ ક્રોધ નહીં કરવાનો ?

દાદાશ્રી : એ ક્રોધ તો આપણી નબળાઈ છે, એ તો પેલાય સમજી જાય કે આ ચિડાયા કરે છે. એ મનમાં શું સમજે કે આ ચીડિયા માણસ છે. બહાર લોકોને કહે, નર્યા ચીડિયા છે, ત્યારે એમાં આબરૂ વધી ગઈ આપણી ?!

પ્રશ્શનકર્તા : તો કોઈને કહેવાઈ જાય એ નિંદા કહેવાય ખરી ?

દાદાશ્રી : ના કહેવાય. એવું બહાર કો'કને કહેવાતું હશે ? આપણા રાજનું બહાર કહેવાતું હશે કોઈને ! નહીં, એ તો સિક્રેસી હોવી જોઈએ. પોતાનું હોમ ડિપાર્ટમેન્ટ, ફોરેન ડિપાર્ટમેન્ટ એ સિક્રેસી હોવી જોઈએ.

પ્રશ્શનકર્તા : આનો કંઈ રસ્તો મલે, ઉપાય મલે એટલા માટે આપણા ફ્રેન્ડસને (મિત્રને) આવી વાત કરીએ તો ? ફ્રેન્ડને આવી વાત કરીએ કે ભઈ મારો ધણી આવો ચીડિયો છે તો શું કરવું એવી રીતના વાત કરાય ?

દાદાશ્રી : ના કહેવાય. એ કહેવાય નહીં. એ અત્યાર સુધી કહ્યું હોય તો જુદી વાત છે પણ હવે પછી જો આવી રીતે વર્તવું હોય તો કહેવાની જરૂર નથી રહેતી. પણ ઝઘડો જ નહીં રહે ને. કલેશ ના થાય એટલે સુધી ચાલજો.

ચલણ ચલાવવા પતિ ફરે,

વહુની મુશ્કેલી હ્રદે ન ધરે!

પ્રશ્શનકર્તા : પણ અમેરિકામાં તો કમ્પેનિયનશીપ (સાહચર્ય) છેને એટલે બધી રીતે મદદ કરવી પડેને એમને ?

દાદાશ્રી : એ મદદગાર કંઈ એમાં કોઈ દહાડો મતભેદ પાડતો નથી, એ તો સ્પર્ધાવાળો મતભેદ પાડે. મદદગાર એ તો હેલ્પિંગ (મદદરૂપ) છે. આપણે કહીએ કે ના, શાક નહીં સમારવાનું. તો રહેવા દે એ ! અને આ તો કહે, સમારવાનું બોલ ! તું કેમ એમ કરું છું ?

એવું છેને આખું હોમ ડિપાર્ટમેન્ટ એમનું, રસોડા ડિપાર્ટમેન્ટ એમનું. આપણે આ ફોરેન ડિપાર્ટમેન્ટ સાચવવું અને આવીને જમવાનું તૈયાર માંગવું. શાક નહીં મળે ત્યારે કહીએ કે અથાણું કાઢો !!

મને જ્ઞાન નહોતું તે વખતે એક કિસ્સો બનેલો. તમારા જેવા ઓળખાણવાળા જેમ રોજ આવે છે, એવા એક ભાઈ રોજ આવતા. અને રોજ આવે એટલે હું તેમને માટે કંઈ પણ ચા કે નાસ્તો મૂકવાનું કહું ને નાસ્તો ના હોય તો ચા મૂકવાનું કહું. તમારે ને મારે જેવો સત્સંગનો સંબંધ છે, સત્સંગનો, પ્રેમનો સંબંધ છે બીજો.

એક દહાડો એ ભાઈ (છોટુભાઈ) આવેલા ત્યારે તે દહાડે જરા ઉતાવળમાં હતા. તે કહે, 'આજે તો મારે જલદી જવું છે, આપને ખાલી મળીને જવું છે. એટલે મારે કશું જોઈતું નથી.' ત્યારે એ કંઈ મને પૂજ્ય ગણતા ન હતા. હું એમને પૂજ્ય ગણતો ન હતો. અમે બેઉ સત્સંગી તરીકે બેસતા હતા, સમાનભાવે એટલે તે દિવસે મને કહે છે, 'આજ તો મારે જવું છે.' ત્યારે મેં કહ્યું, 'હવે આવ્યા છો, ત્યારે બેસોને, જરાક ચા પીને જાવ. વાર નહીં લાગે. રોજ ચા-નાસ્તો કરો છો ને આજે ચા-નાસ્તો કર્યા વગર જવાય નહીં.'

એટલે મેં બહારની રૂમમાંથી હીરાબાને બૂમ મારી. બીજા રૂમમાં અમે વાત કરીએ ને રસોડામાં, ચોથા રૂમમાં હીરાબાને મેં કહ્યું, બે કપ ચા મૂકજો. ત્યારે તો ફોન નહીંને ! અહીં બૂમ પાડીએ એટલે ત્યાં પહોંચે. ત્યારે એમણે કહ્યું, 'હા મૂકી લાવું છું.' હવે આમને કંઈ બહુ ઉતાવળ હશે, તે દસ મિનિટમાંથી કંઈ સાત મિનિટ થઈ ત્યાં સુધી ચા કંઈ આવી નહીં. મને કહે છે, 'આજે ચા-પાણી રહેવા દો. મને મોડું થયું છે. એના કરતા હું જઉં. ચા મોડેથી પીશું.' ત્યારે મેં કહ્યું 'ના, ચા પીધા વગર ના જવાય. રોજના જેવું જ.' હવે એ રહેવા દોને કહે છે. ત્યારે પાછો હું જવા દેતો નથી. હવે હું જ આંતરું છું. શું આબરૂદારની ડંફાસ કેટલી બધી !! પણ આ આબરૂદારની ડંફાસ નહોતી, પ્રેમની ડંફાસ હતી !

ઘરમાં અંદરના એવિડન્સ હું જાણતો નહોતો કે અંદર શું એવિડન્સ બન્યા છે તે ! અને મેં તો બહારથી રહીને વાતચીત કરી નાખી. હવે હીરાબા શું જાણે કે રોજ બેસે છે તેવી રીતે નિરાંતે બેસશે ને હું જાણું કે હમણાં જ જવાના છે, એટલે આ જ્ઞાનમાં બધો ફેર પડી ગયો. આ જ્ઞાન મેં એમને કહેલું નહીં કે આ હમણે જ જવાના છે.

તે પછી ચા ના આવી એટલે હું અંદર ગયો. ત્યારે ત્યાં એવિડન્સ જોયા. હવે ત્યાં અંદર તો ચાય મૂકી નહતી. અને બહાર ચાની વાતો ચાલે છે. અહીં ચાનું ઠેકાણું નથી. ત્યાં એવિડન્સ બદલાયેલા. વાતમાં તો મારી જ ભૂલ છે. આપણે બૂમ પાડી હોત તો આપણે ભૂંડા દેખાત. પછી મેં કહ્યું, 'કેમ ચા મૂકી નથી ?' ત્યારે મને કહે છે, 'આ સ્ટવ છે તે પાડોશી લઈ ગયા છે. આજે સગડી સળગાવું છું.' તે દહાડે સ્ટવ ને સગડી ચાલતાં હતાં ને હીરાબાના મનમાં એમ કે આ રોજ બેસે છે એમ આજે બેસશે. મેં હીરાબાને કહ્યું, 'ક્યારે આ ચા થાય તે ?' ત્યારે એ કહે છે, 'પણ હું શું કરું ? તમે કહો એ કરું.' પછી સગડી સળગાવીને ચા મૂકી દીધી. પછી મેં પેલા ભાઈને કહ્યું, 'બીજું કંઈ ના લો. તો પાપડી શેકીને મંગાવું. તમારે પાપડી ખાધા વગર જવાય નહીં.' એટલે હીરાબાને કહ્યુંં, પાપડી શેકીને લઈ આવજો. તે પાપડી કોઈ કારણસર મોડી થઈ. ગમે તે કારણ હો, એકના ઉપર એક એ ડબ્બા મુકાઈ ગયા હોય કે બીજા કોઈ પણ કારણથી પાપડી પણ મોડી થઈ. એટલે પેલા કહે છે, હવે ચા પીધી, હું જઉં છું હવે. પાપડીની કંઈ જરૂર નથી. મેં કહ્યું, 'ના પાપડી ખાધા વગર જવાય નહીં.' તોય પાછો હું આવો ડખો કરું છું પોતે. પછી મેં હીરાબાને કહ્યું, 'પાપડી લાવતાં તો

કેટલીવાર થઈ ? આ મોડું થઈ જાય છે.' ત્યારે હીરાબા કહે, 'હમણે લાવું છું' ત્યારે પેલા ભાઈ કહે છે, 'જવા દોને.' મેં કહ્યું, 'આ તમને મોડું થઈ ગયું એમાં કારણ એટલું જ છે કે આ ઘરમાં મારું ચલણ નથી હવે. એટલે એ ભાઈ મને કહે છે, 'આવું ના બોલાય, આવું ના બોલાય. આવા દેવ જેવા માણસ ને તમે આવું બોલો છો ? ચલણ નથી ?

ત્યારે હોરાં હીરાબા અંદરથી આવ્યા. 'મારી આબરૂ શું કરવા બગાડો છો ? તમે જે કહો તે હાજર કર્યું છે. મેં કહ્યું, તમારી આબરૂ વધારું છું, બગાડતો નથી.

પ્રભુ પાસે બેસે ના ચલણી નાણું,

વહુ પાસે ના ચલણી તે શાણું !

એટલે કહી દીધું, અમારું કંઈ ચલણ જ નથી, પછી ભાંજગડ નહીં ને ! કારણ કે ના ચલણી નાણું હોયને, તેને ભગવાનની પાસે મૂકવામાં આવે છે, પછી ફરવાનું નહીં એમને. કાળાબજારીયા બધા પાસે ફરવાનું નહીં. ભગવાનની પાસે જ બેસી રહેવાનું. એટલે અમે ના ચલણી નાણું થયેલાં, તે હીરાબાને ગમે નહીં. એ કહે કે આવું ના બોલશો, મારી આબરૂ જાય. એટલે મેં કહ્યું, મારી સેઈફ સાઈડથી કહું છું. તમારી આબરૂ કાઢવા માટે નથી બોલતો. એટલે પછી હીરાબાને મેં સમજાવ્યા ને કહ્યું, આ તો એમના હારુ હું બોલ્યો હતો. એમને ઘેર જે અમારી બેન હતીને, તેને આમ એક છોકરી એકલી તે પૈણાવી દીધેલી ને બીજું છોકરું કશું નહીં ને આ ભાઈ શું કરતા ? વાઈફ જોડે ડખલો કર્યા કરે ભીંડા કેમ લાયા છો આજે ? આ બે જણના ભીંડા ! બાર આને રતલના ભીંડા લેવાય ? આટલા મોંઘા ? આ શી ડખલો ? એ તો આ આમને ખખડાવાનું મન થાય. એટલા માટે બોલ્યો હતો. તે પછી આમને બહુ સારું લાગ્યું કે હેં ! ચલણ નહીં એવું કહો છો ? ત્યારે મેં કહ્યું તમે એવું કહી જુઓને એક ફેરો, એ તમને શીખવાડવા કહું છું. આ સમજ પડીને ?

બહુ ચલણ ના રાખવું. ચલણની બહુ ભાંજગડ ના રાખવી અને ના ચલણીય ના થવું, હજુ હમણે મારા જેવું ના થશો.

મારી સેઈફ સાઈડ ભગવાનની પાસે બેસી રહેવાનું નિરાંતે. આ ચલણવાળા તે બધા મેં જોયેલા ને કેટલું ચલણ છે એ બધું જોઉં છું બધાનું. મોટા ચલણવાળા આવ્યા ! ના ચલણી થાવને ! જુઓ અમારે ના ચલણી તે અમારે કોઈની પર કોઈ જાતનું ચલણ જ નહીં. ચલણી સારું કે ના ચલણી સારું ? ના ચલણી દેવ પાસે મૂકેને બધા. મેં ના ચલણી જોઈ લીધા. જેટલા સિક્કા દેવ પાસે ત્યાં પડેલા તે ના ચલણી હતા. મેં કહ્યું, કેમ આમ ? ત્યારે પેલો કહે, આ નાણું હવે ચાલતું નથી ને છે ચાંદીનું ! મેં કહ્યું, આ દુનિયામાં કોઈ એવો જન્મ્યો નથી કે જે ચલણવાળો હોય ! બધાય ના ચલણી છે. પણ રોફ પાડીને મૂછો આમળ આમળ કર્યા કરે છે ! મેર ચક્કર, એના કરતાં બોલી જાને કે નથી ચલણ. મેં શોધખોળ કરેલી આ. આ તો વગર કામના ટક ટક કર્યા કરે !

પ્રશ્શનકર્તા : પણ બૈરી પર તો ચલણ કરવા જાય જ ને ?

દાદાશ્રી : તે વાઈફે કંઈ ગુનો કર્યો ? લોકો પર ચલણ કરવાનું. વાઈફને કહી દેવાનું કે તારે મારી પર ચલણ નહીં કરવું અને મારે તારી પર ચલણ નહીં કરવું. આપણે મિત્રાચારી, સિન્સીયર ફ્રેન્ડ. ત્યારે મને લોકો કહે છે, 'વાઈફ તો પછી ચઢી બેસે !' મેં કહ્યું, 'હં, મૂછો આવતી હશે એને ? ગમે એટલી દવા ચોપડીએ તો મૂછો આવે કંઈ ?'

ત્યારે લોકો બહાર બોલે છે 'અમે ચલણવાળા છીએ.' તે બધા બોલે છે તોય ચલણવાળા નથી ને જો પોતાને ચલણવાળો કહે છે !! 'હું ચલણવાળો છતાં હું ચલણ વગરનો છું' એમ કહું છું. કારણ કે મેં ફાયદો જોયો છે. ના ચલણિયા નાણાંને સ્થિરતા મળી જાય. ક્યાં મળે, ભગવાનની પાસે !! ચલણવાળું નાણું આપણી પાસે ગજવામાં રહે નહીં. બીજાની પાસે ભટક ભટક કરવાનું. અમારે ચલણ જ જોઈતું નથી. તમે આપો તોય અમારે નથી જોઈતું. એ કો'ક દહાડો તમે ભંગ કરો તેમાં અમારે ઉપાધિ. અને કો'ક દહાડો તમે ભંગ કર્યા વગર રહેવાના નથી. કારણ કે સંજોગાનુસારી ! અને હુંય સમજ્યો કે આ સંજોગોને હિસાબે બિચારા ચા મૂકી નથી લાવ્યા. હું તો સમજુને. પણ મેં પેલા ભાઈને કહ્યું કે 'મારું ચલણ નથી.'

હા, પણ ચલણ રાખવાનું હિતકારી નથી. ચલણ રાખવામાં જ અહિત છે. નર્યો ભયંકર ભો(ભય) છે, એના કરતાં કહી દોને, ભઈ, મારું હવે ચલણ નથી. અને જો ચલણ છે, માટે સ્ત્રીના મનમાં એમ થાય કે એક દહાડો આબરૂ તો બગાડી નાખું. બહુ ચલણ રાખવા જાવ છો તે ! સ્ત્રીય મનમાં રાખે છે કે એક દહાડો ભઈની આબરૂ બગાડી નાખું, બહુ રોફ મારે છે. અને તમે કહો કે ના ચલણ, તો બધું ઓલરાઈટ (સરસ) રહેશે. એટલે મેં કહ્યું, 'પણ તમે આવું બોલજો ઘેર. હું તમને આ બોલીને શીખવાડું છું. એવું તમે એકલું બોલજો ! ત્યારે એ કહે, 'ના, મારાથી ના બોલાય. માથું તોડી નાખો તોય ના બોલાય.' એટલો બધો ભો લાગે ! અલ્યા, ચલણ ના હોય તો સારું. એટલે ના ચલણી નાણું કહ્યું અમે, એ શું ખોટું છે ?

પણ જ્યારથી ના ચલણી કહ્યુંને ત્યારથી પેલા જે અમારા ઓળખાણવાળા ભાઈ હતાને તેમને જબરજસ્ત પૂજ્યભાવ પેસી ગયો. એ કહે છે કે 'આવું કોઈ માણસ બોલી શકે જ નહીં, ભગવાન સિવાય.' મેં એમને કહ્યું, 'બોલી તો જુઓ. ફટાકા મારશે. અલ્યા એ પોલીસવાળા છે ? તો બોલનેે બોલ !' ત્યારે એ કહે, 'તમે ભગવાન છો માટે બોલી શકો છો. તમારા માટે મને ઘણા દહાડાથી એમ થતું હતું ! તે આવું ભગવાન સિવાય કોઈ બોલી શકે જ નહીં. એ મને ખાતરી થઈ ગઈ.' મેં કહ્યું, 'તમે આવું બોલોને' ત્યારે કહે, 'મારી તો હજુ તો જિંદગી જશે તોય આવું નહીં બોલાય.' પણ આ ના ચલણી કહ્યું કે તરત એમણે દર્શન કર્યા.

અમે કહ્યુંને કે અમારાં ચલણ રહ્યાં નથી. ત્યારે હીરાબા કહે છે, 'ચલણ છે ને ના કેમ કહો છો ?' એટલે જેનાં નથી ચલણ, જેનાં કોઈ દહાડો ચલણ ચાલ્યાં નથી, એ બધા કહે છે, મારે ચલણ છે. અલ્યા, શાનું ચલણ છે તે ?

એટલે આવા બધા ખેલ થાય છે. સંજોગ બધા જાતજાતના ઊભા થાય, તે પછી પેલા ઓળખાણવાળા હતાને એમને કહ્યું કે તમને શીખવાડવા બોલું છું આ તો. તમે ઘેર ચલણ ચલાવો છો પણ આ દુનિયામાં કોઈ માણસ ચલણવાળો જન્મ્યો જ નથી કે જેનું ઘેર ચલણ હોય ? એના કરતા મારા જેવા ખુલ્લું કરી દે એ શું ખોટું ?

આ ચલણવાળું જે લોક છે, અમારું ચલણ છે એવું કહેનારા એકાદ જણ મને કહે કે અમારું ચલણ છે, તે એને ત્યાં ઘેર દશ દહાડા મને રાખે, જુઓ એનું ચલણ કહી આપું ! ઢાંકી ઢાંકીને ચલણપણું ક્યાં સુધી રાખવાનું ? ના-ચલણી કહેવાનું હું કહેતો નથી તમને. પણ ચલણવાળાને તો મેં જોયેલા, એક એક જે ચલણવળા હતાને તે ઢાંકી ઢાંકીને ચલણવાળા થાય છે ! ખાનગીમાં પછી માફી માંગી લે છે ! તે ભઈબંધની હાજરીમાં તને ટૈડકાવી'તી માટે માફી માગું છું ! ત્યારે મૂઆ, બળ્યું તારું ચલણ ! મોટા ચલણવાળા આયા ! રાજાઓને ચલણ હશે નહીં ?

આપણને ચલણ રાખવાનો વિચાર આવેને, ત્યારથી એનું મન જુદું રહે. એવું ના હોવું જોઈએ.

સયાજીરાવ મહારાજ તો બહુ જબરા હતા. અહીં આ તો સ્ટેશન જૂનું હતું, તે દહાડે તો નાના પતરાનું પતરાવાળું સ્ટેશન હતું. તે સેકન્ડ ક્લાસના ઝાંપા આગળ મહારાણીને હંટરથી મારી'તી. ઉઘાડે ઝાંપા પાસે. તે ત્યાર પછી એ મહારાણી છે તે રાજમહેલે હોય તો, આ અહીં હોય. આ અહીં આવે ત્યારે પેણે જતા રહે. પછી ભેગા થતા નહોતા ! હંટરથી મારેલું ઉઘાડે છોગે લોકો જુએ. પેલા મહેલમાં લઈ ગયા હોતને, તોય વાંધો નહીં. આ તો આવું ચલણ ! શાને ચલણ કહું ? આમ પણ રાજાને રાણી દબડાય દબડાય કરતી હોય. જુઓને, ફતેહસિંહને મારી નાખ્યોને ? એવું બધું ! ફતેહસિંહ નામના પ્રતાપસિંહના ફાધરને મારી નાખ્યો ને ? એવું બધું આ કારસ્તાનો બધાં ચાલ્યા કરે, બધા ચલણ ને ના-ચલણ ખોળવા જતાં !

કારણ કે એ જાણે કે મારું ધણીપણું હું છોડું નહીં અને મારું જ ચલણ રહેવું જોઈએ ! તો આખી જિંદગી ભૂખે મરશે ને એક દહાડો 'પોઈઝન' પડશે થાળીમાં ! સહેજે ચાલે છે તેને ચાલવા દોને ! આ તો કળિયુગ છે ! વાતાવરણ જ કેવું છે ? માટે બીબી કહે છે કે, 'તમે નાલાયક છો' તો કહેવું 'બહુ સારું'.

પ્રશ્શનકર્તા : આપણને બીબી નાલાયક કહે, એ તો સળી કરી હોય એવું લાગે.

દાદાશ્રી : તો પછી આપણે શો ઉપાય કરવો ? 'તું બે વખત નાલાયક છે' એવું એને કહેવું અને તેથી કંઈ આપણું નાલાયકપણું ભૂંસાઈ ગયું ? આપણને સિક્કો વાગ્યો એટલે પાછાં આપણે શું બે સિક્કા મારવા ? અને પછી આખો દહાડો બગડે.

ઘરમાં આપણે આપણું ચલણ ના રાખવું. જે માણસ ચલણ રાખે તેને ભટકવું પડે. અમેય હીરાબાને કહી દીધેલું કે અમે નાચલણી નાણું છીએ. અમને ભટકવાનું પોષાય નહીં ને ! ઘરમાં ચલણ ચલાવવા જાય તો અથડામણ થાય ને ? આપણા પગ ફાટતા હોય ને બીબી પગ દબાવતી હોય ને તે વખતે કોઈ આવે ને આ જોઈને કહે કે, 'ઓહોહો ! તમારા તો ઘરમાં ચલણ બહુ સરસ છે !' ત્યારે આપણે કહીએ કે, 'નહીં ચલણ એનું જ ચાલે છે.' અને જો તમે એમ કહ્યું કે હા, અમારું જ ચલણ છે તો પેલી પગ દબાવવાના છોડી દેશે. એના કરતાં આપણે કહીએ, 'ના, એનું જ ચલણ છે !

પ્રશ્શનકર્તા : એને માખણ લગાવ્યું ના કહેવાય ?

દાદાશ્રી : ના, એને 'સ્ટ્રેઈટ વે' (સરળ રસ્તો) કહેવાય અને પેલા વાંકાચૂકાં રસ્તા કહેવાય. આ દુષમકાળમાં સુખી થવાનો આ હું કહું છું તે જુદો રસ્તો છે. હું આ કાળ માટે કહું છું. આપણે આપણો નાસ્તો શું કરવા બગાડીએ ? સવારમાં નાસ્તો બગડે, બપોરે બગડે ! અને અહીં કોઈ નોંધ કરતું નથી કે ચલણ તારું હતું કે એમનું હતું ! મ્યુનિસિપાલિટીમાં નોંધ થતી નથી ને ભગવાનને ત્યાંય નોંધ થતી નથી. આપણે નાસ્તા સાથે કામ છે કે ચલણ સાથે કામ છે ? માટે કયે રસ્તે નાસ્તો સારો મળે એની તપાસ કરો. જો મ્યુનિસિપાલિટીવાળા નોંધ રાખતા હોત કે કોનું ચલણ ઘરમાં છે તો હુંય 'એડજસ્ટ' ના થાત. આ તો કોઈ બાપોય નોંધ કરતું નથી.

કોના આધારે કોનો મોક્ષ?

થાય આનંદ, હેતુ નિર્દોષ!

હજુય હીરાબા જોડે બધી વાતો કરું છું. ગમ્મત કર્યા કરવાનો. એટલે એમને સારું લાગે પછી. આનંદ થાય એવીય વાત કરીએ. 'હજુ દાદા આવડા મોટા ભગવાન થયા પણ જુઓ, મારા આગળ તો ટાઢા પડી જાય છે ને !' એવું એમને લાગે. એટલે મારો રોફ છેને એવું એમને લાગે. એમને આખી રાત ઊંઘ આવેને સારી.

પ્રશ્શનકર્તા : બધે એવું જ કરો છો.

દાદાશ્રી : પણ આમાં હીરાબાને કંઈ છેતરવાના છે ? અને મારી આબરૂ તો ગયેલી જ છે. હવે ક્યાં મારી બીજી જવાની છે આબરૂ ? છે જ ક્યાં આબરૂ તે ? સામાને આનંદ શી રીતે થાય એ અમારો ધર્મ. બીજું બધું આ લોક વ્યવહારમાં શું કહેશે, એ અમારે કશું જોવાનું નહીં. લોક વ્યવહારમાં તો બધું કહેતા જ આવ્યા છેને, ક્યાં નથી કહેતા કે આવા છે તેવા છે, ના કહે ? સારું કહીએ તોય ઊંધું કહે છે લોક તો, એવું નથી કહેતા ? એટલે આપણે સામાને આનંદ કેમ થાય એ જોઈએ છે.

પ્રશ્શનકર્તા : નિર્દોષ આનંદ.

દાદાશ્રી : હા અને હીરાબા એ પોતે નિર્દોષ માણસ. ખરાબ વિચાર તો કોઈને માટે આવેલો નહીં એમને.

એવું છે હીરાબાને વખાણે તો એ બહુ થઈ ગયું. મને નહીં વખાણો તો ચાલે. એ વખાણવા જેવાં છે. ઝવેરબા (દાદાનાં મધર) હતાં પછી એ હતાં, તો ઘરમાં સાચવ્યું એમણે. બાના જેવી ખુરશી એમણે સાચવી. પછી હવે આપણે બીજું શું સાચવીએ ? કોઈને વઢ્યા નથી, કોઈને દુઃખ દીધું નથી. કોઈને આઘુંપાછું નથી કર્યું. જ્યાં સુધી ખાવાનું કરતા હતા, બધાને સારી રીતે ખવડાવ્યું. પછી ના થયું ત્યારે છોડી દીધું. કોઈ મહેમાનને તરછોડે નહીં. થતું હતું ત્યાં સુધી કર્યું છે બધું. પછી હવે થાય નહીં. ત્યારે હવે શી રીતે ચા-પાણી થાય તે ?

એ કહેય ખરાં મને કે 'તમારા કરતાં લોકોનો મારા પર વધારે ભાવ છે.' મેં કહ્યું, 'હા. તેથી તો તમારા લીધે મારો ભાવ છે ને.' કારણ કે આપણા લોકોય કહેને, બા, તમારી વાત તો જુદી. એટલે બા માની લે બિચારાં. સીધાં સરળને !

અમારા એક ભત્રીજા આવ્યા. તે આ હીરાબા એમનાં કાકી થાય. 'કાકી, મારા કાકાને તમે મોક્ષે લઈ જશો. એવાં કાકી છો !' એવું કહે એટલે હીરાબા મને કહે, 'જુઓ લોકો તો મને એવું કહે છે.' મેં કહ્યું, 'હા, તમારા લીધે તો મારો મોક્ષ થવાનો છે.' એમાં મારે શું વાંધો છે ?

પ્રશ્શનકર્તા : તમારે લીધે મારે મોક્ષે જવાનું છે એવું આપ બોલી શકો, મારાથી એવું ના બોલી શકાય.

દાદાશ્રી : એ તો એવું છેને, આવું ના બોલીએ ત્યાં સુધી શક્તિ આપણામાં આવે નહીં ને. પછી અમારા ભત્રીજાએ એવું કહ્યુંને કે, અમારાં કાકી મોક્ષે જવાનાં ને તે તમને મોક્ષે લઈ જશે. ત્યારે મેં કહ્યું, બહારની દુનિયામાં પૂછી આવો કે આવાં કાકી મળે ? એ કહે છે મને મળ્યાં છેને પણ ? ત્યારે આ તમને મળ્યાં એટલે તમે પુણ્યશાળી ખરા ? મેં કહ્યું, ઓછું પુણ્ય ના કહેવાય આ !

લગ્ન વખતે રમાડે રૂપિયા,

ચૂંટી ખણીને જીતે ચલણિયા!

સ્ત્રી અને પુરુષ લગ્ન કરે છે, પણ લગ્ન કરતી વખતે જ પુરુષે મનમાં નક્કી કર્યું હોય છે કે આપણે કોઈ દહાડો વહુને જીતવા ના દેવી, એને આગળ આવવા જ ના દેવી. એટલે આ બેની ભાંજગડો પડ્યા કરે છે. આપણે ત્યાં રૂપિયા રમાડે છે તે તમે રમેલા કે ? તે કોણ એ રૂપિયો સ્ત્રીના હાથમાં જવા દે ? અરે, હું જ કહું કે મેં જ ચૂંટી ખણી હતીને !! વહુ રૂપિયો લઈ લે તો આ બધાની વચ્ચે આબરૂ જાયને ! પરણ્યાને ત્યાંથી જ ભાંજગડ છેને ? અંદરથી જ ભાંજગડ છેને ? એટલે આ જગત સમજવા જેવું છે.

હવે પેલો માથા ઉપર ભારો લેશો નહીં. માથા ઉપર ભાર લેવા જેવો નથી.

પ્રશ્શનકર્તા : કોઈ દિવસ નહીં લઈએ.

દાદાશ્રી : એવું છેને, આ જ્ઞાન જેટલું બોલીએ એ જેને જેટલું પોષાય એટલું લેજો. ના પોષાય તો ના લેશો.

પ્રશ્શનકર્તા : બધું પોષાય એવું જ છે.

દાદાશ્રી : હોવે, તે ચલણ છોડી દીધું હશેને ! મેં તો ચલણ છોડી દીધેલું, તે હીરાબાય સમજી ગયેલા કે એમણે ચલણ-લગામ છોડી દીધી છે.

પ્રશ્શનકર્તા : ચલણ છોડી દે તોય ઉપાધિ.

દાદાશ્રી : બધાં કલ્પનાનાં જાળાં શું કરવા વીંટો છો ! આ દુનિયામાં કોઈ માણસ એવો નથી કે જે પોતાનું ભવિષ્ય સમજી શકે. અમથા ભવિષ્યની કલ્પનાઓ કર્યા કરે કે 'આમ થઈ જશે ને આમ થઈ જશે તો ?' જો ને તો શબ્દ વાપરશો નહીં. આ બે શબ્દો કેટલાંય વર્ષોથી મેં મારી ડિક્શનરીમાંથી કાઢી નાખેલા છે.

હીરાબા મને કહે છે, 'તમે બધાને આપી દો છો.' મેં કહ્યું, લ્યો કૂંચી તમારી પાસે રાખો. એટલે મારે આપી ના દેવાય. આપણે તો આપી દઈએ. આપણા તો હાથમાં રહે નહીંને. કશુંય ના રહે ! આપણને જોઈતુંય નથી કશું. આ દેહેય ભેલાડવાનો જ છે. પણ સારા કામમાં ભેલાડાઈ જાય તો બહુ સારું.

પ્રશ્શનકર્તા : એમ જ થઈ રહ્યું છે ને ?

દાદાશ્રી : હા, એમ જ થઈ રહ્યું છે. નહીં તો બીજા રસ્તે તો ભેલાડાઈ જવાનો જ છેને. બગીચામાં બેસશે, ત્યાં આગળ વાતો કરશે, પેપરો વાંચશે, ગપ્પાં મારશે. આમ ને આમ તો ભેલાઈ જવાનો જ છેને ! સારે રસ્તે ભેલાડાઈ જાય તો બહુ સારું.

ઘરમાં અમે હીરાબાના ગેસ્ટ,

ગેસ્ટ તરીકે જીવ્યે ખરો ટેસ્ટ!

અમારું ચલણેય નથીને ઘરમાં ! એવું ચોખ્ખું જ કહી દીધેલું એટલે પછી કોઈ ચાય માંગે નહીંને ? અને હીરાબાને ચા પાવી હોય તો પાય ને જમાડવા હોય તો જમાડે, એમાં અમારે શું ? લેવાય નહીં ને દેવાય નહીં. અને હીરાબાને કહું છુંને 'અમે તમારા ગેસ્ટ' અનઇન્વાઇટેડ ગેસ્ટ' (વણનોતરેલા મહેમાન) ! ઘર અમારું હોય તો મહેમાનોને મારે સાચવવા પડે ને એટલે 'પછી આપણે જરા શીરો બનાવજો, ફલાણું બનાવજો' કહેવું પડે. અને આ ચલણ જ નથી રહ્યું એટલે પછી તે શીરો ખવડાવે કે લાડુ ખવડાવે કે રોટલા ખવડાવે, આપણે એમાં ભાંજગડ જ નહીં ને ! અમને ખરા દિલથીય નહીં, દિલથી તો કેટલાય કાળથી વોસરાવી દીધેલું. આ ડખો જોઈએ જ નહીં ! આખું રાજ આપે તોય અમને કામનું નથી, એવું કેટલાય વખતથી બેસી ગયેલું. અમારે આ મહીંલી બધી સાહેબી ! કેવી સરસ સાહેબી !

પ્રશ્શનકર્તા : પણ આ ખરું, એક વખત એવું જો સમજાઈ જાય કે ચલણ ના રાખવું અને નથી ચલણ તો બહુ છુટકારો ઘણો થઈ જાય.

દાદાશ્રી : છૂટકારો તો જ થાય, નહીં તો છુટકારો થાય નહીં. આ જ્ઞાની પુરુષના એક એક અભિપ્રાય જો લેવામાં આવે તો છૂટકો જ છે. અહીં સંસારમાં રહ્યા મુક્ત જ છે એવા એમના અભિપ્રાય હોય એક એક ! ના-ચલણી નાણું !! સમજાયું ને ?

ઘરમાં 'ગેસ્ટ' તરીકે રહો. અમેય ઘરમાં 'ગેસ્ટ' તરીકે રહીએ છીએ. કુદરતના 'ગેસ્ટ' તરીકે તમને જો સુખ ના આવે તો પછી સાસરીમાં શું સુખ આવવાનું છે ? જેના 'ગેસ્ટ' હોઈએ ત્યાં આગળ વિનય કેવો હોવો જોઈએ ? હું તમારે ત્યાં ગેસ્ટ થયો તો મારે 'ગેસ્ટ' તરીકેનો વિનય ના રાખવો જોઈએ ? તમે કહો કે 'તમારે અહીં નથી સુવાનું, ત્યાં સુવાનું છે' તો મારે ત્યાં સૂઈ જવું જોઈએ. બે વાગે જમવાનું આવે તોય શાંતિથી જમી લેવું જોઈએ. ઘરમાં ડખો કરવા જાય તો તમને કોણ ઊભું રાખે ? તમને બાસુંદી થાળીમાં મૂકે તો તે ખાઈ લેજે. ત્યાં એમ ના કહેતો કે 'અમે ગળ્યું નથી ખાતા.' જેટલું પીરસે એટલું નિરાંતે ખાજે, ખારું પીરસે તો ખારું ખાજે. બહુ ના ભાવે તો થોડું ખાજે, પણ ખાજે ! 'ગેસ્ટ'ના બધા કાયદા પાળજે. ગેસ્ટને રાગ-દ્વેષ કરવાના ના હોય 'ગેસ્ટ' રાગ-દ્વેષ કરી શકે ?

જેને ત્યાં 'ગેસ્ટ' તરીકે રહ્યાં હોઈએ તેને હેરાન નહીં કરવાના. અમારે બધી જ ચીજ ઘેર બેઠાં આવે. સંભારતાં જ આવે અને ન આવે તો અમને વાંધોય નથી. કારણ કે ત્યાં 'ગેસ્ટ' થયા છીએ. કોને ત્યાં ? કુદરતને ઘેર ! કુદરતની મરજી ના હોય તો આપણે જાણીએ કે આપણા હિતમાં છે અને મરજી એની હોય તોય આપણા હિતમાં છે. આપણે જ્યાં ત્યાંથી ઉકેલ લાવવાનો છે. આપણે કુદરતના 'ગેસ્ટ' છીએ, નથી કોઈના ધણી કે નથી કોઈના ભાઈ કે નથી કોઈના બાપ ! 'ગેસ્ટ' તો શું કરે ? એમ ના કહે કે આજે કેમ વેઢમી ના કરી ? કેમ આજે બટાકાનું શાક ના કર્યું ? એવું બોલે ? અને પેલા પૂછે તો શું કહીએ કે બહુ સારું છે, બહુ સારું છે. જો નાટક કરે છેને, કે સાચું બોલતો હશે ? એ જાણે કે આપણે અહીં તો ગેસ્ટ છીએ એટલે આપણે શું ? માથે પડેલા છીએ. એટલે એ જે આપે છે એ જ ઉપકાર છે ને ! તેવી રીતે કુદરતના ગેસ્ટ છે. તે એને કુદરત બધું સપ્લાય કરે છે. આ હવા, પાણી એ બધું કુદરત સપ્લાય કરે છે. કુદરત જો એનું સપ્લાય બંધ કરી દેને તો બધું જગત ખલાસ થઈ જાય. ત્રણ કલાક જ જો હવા બંધ કરી દેને તો બધાં જીવડાં ખલાસ થઈ જાય ! કંઈ દુકાળ પાડવાનીય જરૂર નથી. ફક્ત હવા જ બંધ કરી દેને ! એટલે આપણે 'ગેસ્ટ' છીએ, ગેસ્ટ કઢી હ

લાવવા ના આવે. તારે તો ગેસ્ટ રૂમમાં જ બેસવાનું હોય, તોય આ રસોડામાં જાય, તે ઘરના માણસ સમજી જાય કે આ યુઝલેસ ગેસ્ટ છે. એટલે ગેસ્ટ રૂમમાં બેસી રહે, જમવા બોલાવે તો જાય ને ના બોલાવે તો ના જાય. પછી ભૂખ લાગી હોય તોય બેસી રહે, ગેસ્ટ કેવું વર્તન કરે એવું એનું વર્તન હોય.

પ્રશ્શનકર્તા : પણ અમારે બૈરાંઓને એવું ગેસ્ટ જેવું ના ચાલે ને ? અમારે તો રસોડામાં બધુંય કરવું પડે.

દાદાશ્રી : હા, કરવું પડે, પણ આપણે તો 'ગેસ્ટ' છીએને, કરવું પડે એ તો કુદરત કરાવડાવે છે, પણ આપણે તો ગેસ્ટ છીએ ! કુદરત સંડાસ કરાવડાવે તો જ સંડાસ જઈએને. અને મહીંથી ખસે નહીં તો ? તો કોઈ જાય જ નહીં. એટલે એ જેટલું કરાવડાવે એટલું આપણે કરવાનું.

અમે વડોદરા જઈએ તો ઘરમાં હીરાબાના ગેસ્ટની પેઠ રહીએ. ઘરમાં કૂતરું પેસી ગયું તો હીરાબાને ભાંજગડ થાય. ગેસ્ટને શી ભાંજગડ ? કૂતરું પેસી ગયું ને ઘી બગાડ્યું તો જે માલિક હોય એને ચિંતા થાય. ગેસ્ટને શું ? ગેસ્ટ તો આમ જોયા કરે. પૂછે કે શું થઈ ગયું ? ત્યારે કહેશે ઘી બગાડી ગયું. ત્યારે ગેસ્ટ કહેશે અરે, બહુ ખોટું થયું. એવું મોઢે બોલે પણ નાટકીય. પાછું બોલવું તો પડે કે બહુ ખોટું થયું. નહીં તો આપણે કહીએ કે સારું થયું તો આપણને કાઢી મૂકે. આપણને ગેસ્ટ તરીકે રહેવા જ ના દે.

 

ભાગ
1-2 -3 - 4 - 5 - 6 - 7 - 8 - 9 - 10 - 11 - 12