ભાગ
1-2 -3 - 4 - 5 - 6 - 7 - 8 - 9 - 10 - 11 - 12

(૧૭)

વાઇફ જોડે વઢવાડ !

વહુને પાણાના ઘા લાગે કૂણા,

વાણીના ઘા તો કાળજે કોરાણા !

દાદાશ્રી : તારું ઘરમાં વર્તન કેવું થઈ જશે ? સંઘર્ષમાં રાખશો કે મિલનસાર ?

પ્રશ્શનકર્તા : મિલનસાર.

દાદાશ્રી : કશું શબ્દ સામો બોલું છું ?

પ્રશ્શનકર્તા : ના.

દાદાશ્રી : કેટલા વર્ષ થયાં સામું બોલ્યા ?

પ્રશ્શનકર્તા : આટલી જિંદગીમાં એકાદ-બે વખત સામુ બોલાઈ ગયેલું.

દાદાશ્રી : અને તમે ?

પ્રશ્શનકર્તા : હું એકાદ-બે વખત સામું ન બોલેલો.

દાદાશ્રી : શું માણસો ભેગા થયાં છે ?

પ્રશ્શનકર્તા : પણ બધાની બુદ્ધિ થોડી સરખી હોય, દાદા ! વિચારો સરખા ના હોય. આપણે સારું કરીએ તોય કોઈ સમજે નહીં. એનું શું કરવાનું ?

દાદાશ્રી : એવું કશુંય નથી. વિચાર સમજણ પડે છે બધાય. પણ બધા પોતાની જાતને એમ માને છે કે મારા સાચા છે એવું. તેમ બધાના ખોટા છે. વિચાર કરતાં આવડતું નથી. ભાન જ નથી ત્યાં. માણસ તરીકેય ભાન નથી બળ્યાં. આ તો મનમાં માની બેઠા છે કે હું બી.એ. અને ગ્રેજ્યુએટ થયો. પણ માણસ તરીકે ભાન હોય તો કલેશ જ ના થાય. પોતે એડજસ્ટેબલ હોય બધે આ બારણાં ખખડે તોય ગમતું નથી આપણને, બારણું હવામાં ઠોકાઠોક થાય, તો તમને ગમે ?

પ્રશ્શનકર્તા : ના.

દાદાશ્રી : તો પછી માણસ વઢવાડ કરે તે કેમ ગમે ? કૂતરાં વઢતાં હોય તોય ના ગમે આપણને.

આ તો કર્મના ઉદયથી ઝઘડા ચાલ્યા કરે, પણ જીભથી અવળું બોલવાનું બંધ કરો. વાત પેટમાં ને પેટમાં જ રાખો. ઘરમાં કે બહાર બોલવાનું બંધ કરો. ઘણી સ્ત્રીઓ કહે છે, 'બે ધોલો મારો તો સારું. પણ આ તમે જે બોલો છોને તે મારી છાતીએ ઘા વાગે છે !' હવે લ્યો અડતું નથી અને કેવા ઘા વાગે છે !

પ્રશ્શનકર્તા : લડાઈ કરવા કરતાં લડાઈ કરવાનો વિચાર ઘણો ખરાબ કહેવાયને ?

દાદાશ્રી : હા, લડાઈ તો સારી પણ આપણા લોકો તો લડાઈ લડતા જ નથીને ! અને લડે છે તોય કોઈ દહાડો સામસામી મુઠ્ઠી મારતા નથી કે હાથ ભાંગતા નથી. વાણીના જ પથરા મારમાર કરે છે. પેલો પથરો તો વાગે. પણ આ તો વાણીના પથરા મારે છે. ત્યારે લોકો તો ફૂલિશ છે, તો આપણે શું કરવા ફૂલિશ થઈએ ? વાણી તો વાગે જ નહીં ને ! એ તો આપણે કહીએ કે મને વાગી તો વાગે, નહીં તો વાણી તો વાગતી હશે ? આ મારામારી નથી કરતાં ખાસ, એટલે શીંગડા નહીં લગાવતા, પણ શબ્દના માર બહુ મારે છે, છાતીએ ઘા લાગે.

પ્રશ્શનકર્તા : જીભ બગાડી ?

દાદાશ્રી : ના ના, જીભ તો કોઈ બગાડતું નથી. પોતે વાંકો મૂઓ છે. હવે રસ્તામાં જતા છાપરા ઉપરથી એક આવડો પથ્થરનો ટુકડો પડે, લોહી નીકળે ત્યાં કેમ નથી બોલતો ? આ તો જાણી જોઈને એની ઉપર રોફ મારવો છે, એમ ધણીપણું બતાવવું છે. પછી ઘૈડપણમાં તમને સામું આપે. પેલો કશુંક માગે તો, 'આમ શું કચકચ કર્યા કરો છો, સૂઈ પડી રહોને અમથા.' કહેશે. એટલે જાણી જોઈને પડી રહેવું પડે. એટલે આબરૂ જ જાયને. એના કરતાં મર્યાદામાં રહો. ઘેર ઝઘડો-બગડો કેમ કરો છો ? લોકોને કહો, સમજણ પાડજો કે ઘરમાં ઝઘડા ના કરશો. બહાર જઈને કરજો અને બહેનો તમેય કરો નહીં હોં !

આ તે યુદ્ધ કે પોપટ મસ્તી,

ઘડી પછી શૂન્ય, વઢવાડ સસ્તી!

આ ટિપોય વાગે તો આપણે તેને ગુનેગાર નથી ગણતા. પણ બીજું મારે તો ગુનેગાર ગણે. કૂતરું આપણને મારે નહીં ને ખાલી ભસભસ કરે તો આપણે તેને ચલાવી લઈએ છીએ ને જો માણસ હાથ ઉપાડતો ના હોય ને એકલું ભસભસ કરે તો નભાવી લેવું ના જોઈએ ? ભસ એટલે 'ટુ સ્પીક', 'બાર્ક' એટલે ભસવું. 'આ બૈરી બહુ ભસ્યા કરે છે.' એવું બોલે છેને ? આ વકીલોય કોર્ટમાં ભસતા નથી ? પેલો જજ બેઉને ભસતા જોયા કરે ! આ વકીલો નિર્લેપતાથી ભસે છે ને ? કોર્ટમાં તો સામસામી 'તમે આવા છો, તમે તેવા છો, તમે અમારા અસીલ પર આમ જુઠ્ઠા આરોપ કરો છો' ભસે. આપણને એમ લાગે આ બેઉ બહાર નીકળીને મારંમારા કરશે. પણ બહાર નીકળ્યા પછી જોઈએ તો બેઉ જોડે બેસીને ટેસ્ટથી ચા પીતા હોય !

પ્રશ્શનકર્તા : એ 'ડ્રામેટિક' લડ્યા કહેવાય ?

દાદાશ્રી : ના. એ પોપટમસ્તી કહેવાય. 'ડ્રામેટિક' તો 'જ્ઞાની પુરુષ' સિવાય કોઈને આવડે નહીં.

બે જણા મસ્તી તોફાન કરતાં હોય એ વઢે કરે પણ અંદર અંદર દાવો ના માંડે. અને આપણે વચ્ચે પડીએ તો એ એનો ધંધો કરાવી લે અને એ લોક તો એકનાં એક જ પાછા. બીજે ઘેર રહેવા ના જાય એને પોપટમસ્તી કહેવાય. અમે તરત સમજી જઈએ કે આ બે જણે પોપટમસ્તી કરવા માંડી.

પોપટમસ્તી એટલે શું કે પોપટ મસ્તી કરે તો આપણને એમ લાગે કે ઓહોહો, આ લડંલડા કરે છે ! આપણે ગભરાઈ જઈએ કે બેઉ હમણાં મરી જશે. તે આપણે ઊલટા રોકીએ કે તમે ના લડશો, પણ એ ના કહે ને પાછાં લડે ને પાછા એકનાં એક થઈ જાય. એ ના મરે ને અમથા અમથા ચાંચો માર્યા કરે. કોઈને વાગે નહીં એવી ચાંચો મારે ને આપણે મૂરખ ઠરીએ. અમે તો એ જે કરતો હોયને, તે એનાં મહીંના ભાવ તરત વાંચી શકીએ એટલે અમને આ બધું સમજાય.

તમારે એમની જોડે મતભેદ પડે છે ?

પ્રશ્શનકર્તા : એમને બોલવાનું જ ઓછુંને એટલે મતભેદ જ ક્યાં રહે ?

દાદાશ્રી : હા. જે એકદમ ઓછું બોલતો હોય તેનો સામા માણસને તાપ બહુ લાગે એટલે સાચી વાત કહેવી હોય તોય કહેવાય નહીં.

ટકોર કરો, પણ અહં રહિત,

ને તત્ક્ષણ પ્રતિક્રમણ સહિત!

પ્રશ્શનકર્તા : વ્યવહારમાં કોઈ ખોટું કરતો હોય તેને ટકોર કરવી પડે છે. તેનાથી તેને દુઃખ થાય છે, તો કેવી રીતે એનો નિકાલ કરવો ?

દાદાશ્રી : વ્યવહારમાં ટકોર કરવી પડે. પણ એમાં અહંકાર સહિત થાય છે માટે એનું પ્રતિક્રમણ કરવું. (મનમાં પસ્તાવાપૂર્વક માફી માંગવી)

પ્રશ્શનકર્તા : ટકોર ના કરીએ તો એ માથે ચઢે !!

દાદાશ્રી : ટકોર તો કરવી પડે, પણ કહેતાં આવડવું જોઈએ. કહેતાં ના આવડે, વ્યવહાર ના આવડે એટલે અહંકાર સહિત ટકોર થાય. એટલે પાછળથી એનું પ્રતિક્રમણ કરવું. તમે સામાને ટકોર કરો એટલે સામાને ખોટું તો લાગશે, પણ એનું પ્રતિક્રમણ કર કર કરશો એટલે છ મહિને, બાર મહિને વાણી એવી નીકળશે કે સામાને મીઠી લાગે. અત્યારે તો 'ટેસ્ટેડ' વાણી જોઈએ. 'અન્ટેસ્ટેડ' વાણી બોલવાનો અધિકાર નથી. આ રીતે પ્રતિક્રમણ કરશો તો ગમે તેવું હશે તોય સીધું થઈ જશે.

વહુ ના ગમે, પણ કોણે ખોળી ?

ન વઢ સહેજેય, જો ચોપડો ખોલી !

એક કલાક નોકરને, છોકરાંને કે બઈને ટૈડકાવ ટૈડકાવ કર્યા હોય તો પછી એ ધણી થઈને કે સાસુ થઈને તમને આખી જિંદગી કચડ કચડ કરશે ! ન્યાય તો જોઈએ કે ના જોઈએ ? આ જ ભોગવવાનું છે. તમે કોઈને દુઃખ આપશો તો દુઃખ તમારે માટે આખી જિંદગીનું આવશે, એક જ કલાક દુઃખ આપો તો તેનું ફળ આખી જિંદગી મળશે. પછી બૂમો પાડો કે 'વહુ મને આમ કેમ કરે છે ?' વહુને એમ થાય કે 'આ ધણી જોડે મારાથી આમ કેમ થાય છે ?' એને પણ દુઃખ થાય, પણ શું થાય ? પછી મેં તેમને પૂછ્યું કે 'વહુ તમને ખોળી લાવી હતી કે તમે વહુને ખોળી લાવ્યા હતા !' ત્યારે એ કહે કે, 'હું ખોળી લાવ્યો હતો.' ત્યારે એનો શો દોષ બિચારીનો ? લઈ આવ્યા પછી અવળું નીકળે, એમાં તે શું કરે, ક્યાં જાય પછી ?

જેટલું બને એટલું આત્માનું જ કર કર કરવા જેવું છે. અને આ સંસારનું તો કશું આઘુંપાછું થાય એવું નથી. સંસારમાં તો તમારે 'ચંદુભાઈ'ને કહેવું 'કામ કર્યે જાવ'. પછી આઘુંપાછું થાય તોય વઢશો નહીં, કોઈને લડશો નહીં ને કામ કર્યે જાવ, કહીએ. સંસારમાં વઢવા-લડવાની વાત જ નથી. એ તો જેને રોગ થયો હોયનેે તે બધું વઢે-લડ્યા કરે. આ ગાયો-ભેંસો કંઈ રોજ લડે છે કે કોઈ દહાડો ? કો'ક દહાડો બહુ ત્યારે, બાકી બધાં જોડે ને જોડે જાય છે, આવે છે. સામસામી કચ કચ નહીં, ભાંજગડ નહીં. વઢવાની તો વાત જ ના હોય. વઢવું એટલે જ અહંકાર, ખુલ્લો અહંકાર. એને ગાંડો અહંકાર કહેવાય. એટલે વઢવા કરવાની વાત આવે ત્યાં બંધ રાખવું. હવે તમારે વઢવા જેવું કંઈ રહ્યું છે જ ક્યાં તે ? ઊલટું વઢવામાં તો આપણને બોજો લાગે. માથુ પાકી જાય, નહીં ? વઢવાનું ગમે ખરું કોઈને ? શોખ હોય ?

પ્રશ્શનકર્તા : કોઈને શોખ નહીં.

દાદાશ્રી : કંઈ તમને એક આખો દહાડો લડવા બેસાડે તો ?

પ્રશ્શનકર્તા : મગજ ખલાસ થઈ જાય.

દાદાશ્રી : ના ફાવે, નહીં ?

કશું જગતમાં કોઈ એક અક્ષરેય કોઈને કશો કહેવું નહીં. કહેવું એ રોગ છે એક જાતનો ! કહેવાનું થાયને તો એ રોગ મોટામાં મોટો ! બધા પોતપોતાનો હિસાબ લઈને આવેલા છે. આ ડખો કરવાની જરૂર શું તે ? અક્ષરેય બોલવાનો બંધ કરી દેજો. આ તેટલા માટે તો અમે 'વ્યવસ્થિત'નું જ્ઞાન આપ્યું છે. તે વ્યવસ્થિતનું જ્ઞાન વગર, બોલ્યા વગર માણસ બેસી ના રહે. કારણ કે પ્યાલા ભાંગી ગયા નોકરના હાથે એટલે બોલ્યા વગર મૂઓ રહે જ નહીં ને ! 'કેમ ભાંગી નાખ્યા ? તારા હાથ ભાંગલા છે કે આમ તેમ છે ?' પણ હવે પ્યાલા ફૂટી ગયા તો ફોડનાર કોણ છે, એ 'વ્યવસ્થિત'નું જ્ઞાન આપ્યું છે એટલે કશું બોલવાનું જ નથી ને ! અને પાછું 'વ્યવસ્થિત' જ થયું.

પ્રશ્શનકર્તા : હા, થયું તે 'વ્યવસ્થિત'.

દાદાશ્રી : હા, અવ્યવસ્થિત થતું જ નથી. અવ્યવસ્થિત દેખાય છે તે પણ 'વ્યવસ્થિત' છે. એટલે વાત જ સમજવાની જરૂર છે. તમારે વ્યવસ્થિતના જ્ઞાનથી ચાલે છે કે નથી ચાલતું ? બધું વ્યવસ્થિત જ ચાલે ને ?

પ્રશ્શનકર્તા : બાકી વ્યવસ્થિત ચાલે છે પણ કો'ક વખત ડખો થઈ જાય.

દાદાશ્રી : થઈ જાય. પણ ખબર પડી જાયને કે આ ભૂલ થઈ ?

પ્રશ્શનકર્તા : હા, ભૂલ થઈ, ખબર પડી જાય.

દાદાશ્રી : કો'ક વખત પતંગ છે તે ગુલાંટ ખાય, તો બહુ ત્યારે આપણે દોરો ખેંચી લેવાનો. દોરો આપણા હાથમાં છે. અને જગતમાં લોકોના હાથમાં દોરી નથી, લોકોની ગુલાંટો ખાયા કરે છે. હવે શું થાય તે ?

અક્ષરેય બોલવાનું બંધ કરી દેવું. એને ભગવાને ભયંકર રોગ કહ્યો છે. હા. બોલે તો, જ્ઞાની એકલા બોલે તેય એમની વાણી કેવી હોય ? પરેચ્છાનુસારી હોય. હા, બીજાની ઇચ્છાઓના આધારે એ બોલે છે. બીજાની ઇચ્છાઓ પૂર્ણ થવા માટે એ બોલે છે. બાકી એમને શા હારુ બોલવું પડે તે ? અને એમની વાણી સ્યાદ્વાદ વાણી, બહુ સાંભળ સાંભળ કરવાનું મન થાય.

અને પેલી તો સાંભળે ત્યાંથી જ મહીં આત્મા હાલી જાય, બધું હાલી જાય, ભયંકર પાપ લાગે. સહેજેય બોલાય નહીં આ જગતમાં. સહેજેય બોલવું એનું નામ કચકચ કહેવાય.

આપણે બહાર પૂછીએ કે, 'શું તારા કાકા કહેતા'તા ?' 'એ કાકા કચકચ કર્યા કરે છે વગર કામના.' ત્યારે શું આ બધાં જનાવરાં છે, મૂઆ કાકો કચકચ કરે છે તે ? અરે મુરખ, શું કરવા બોલબોલ કરે છે તે ? ચક્કર નથી બોલવા જેવું. હા, એ બોલવાનું, તે બોલનારાની તો વાણી કેવી હોય ? કે જે બોલેને તે પેલો સાંભળ સાંભળ કરે, કે 'શું કહ્યું કાકા ? શું કહ્યું કાકા ?' આ તો બોલતાં પહેલાં જ છે તે પેલો કચકચ કરે. 'તમે કચકચ તમારી રહેવા દો વગર કામના ડખો કર્યા કરો છો !' કહેશે.

એટલે એક જ જગતમાં કરવાનું છે. કશું બોલવું નહીં કોઈએ. નિરાંતે જે હોય એ ખઈ લેવું ને આ હેંડ્યા બા સહુસહુનાં કામ પર, કામ કર્યા કરવાનું. બોલશો કરશો નહીં. તું નથી બોલતી ને, છોકરાં જોડે, ધણી જોડે ?

પ્રશ્શનકર્તા : બહુ ઓછું કરી નાખ્યું.

દાદાશ્રી : બિલકુલ નહીં કરવાનું. દાદાની આજ્ઞા ! વઢવાથી તો છોકરાં બગડે છે, સુધરતાં નથી બળ્યાં, વળી કઈ મા માં બરકત હશે કે છોકરાંને વઢવઢ કરે ? એ મા માં બરકત જોઈએ ને ? શું ? ક્યારે વઢેલું કામનું ? કે પૂર્વગ્રહ ન હોય તો વઢેલું કામનું. પૂર્વગ્રહ એટલે ગઈકાલે વઢ્યો'તો ને, ને મનમાં તો યાદ હોય. આવો જ છે, આવો જ છે અને પછી પાછો વઢે. એટલે પછી, પછી આમાંથી ઝેર ફેલાય. ભયંકર રોગ ભગવાને કહ્યું છે, મૂરખ બનવાની નિશાની. અક્ષરેય બોલવાનું નહીં.

પ્રશ્શનકર્તા : પણ દાદા, આપણે તો છોકરાઓને વાઇફને કંઈ કહેતાં હોઈએ ને, તો પેલું નાટકમાં જેમ ગુસ્સો કરતાં હોયને એવું સાધારણ આમ.

દાદાશ્રી : હા. નાટકી ભાવ રાખે તો વાંધો નહીં.

પ્રશ્શનકર્તા : પણ વેપારમાં સામો વેપારી આવે ત્યારે ન સમજે ને આપણાથી ક્રોધાવેશ થઈ જાય, તો શું કરવું ?

દાદાશ્રી : વેપારી જોડે તો જાણે કે એ તો વેપાર માટે છે. ત્યાં તો બોલવું પડે. ત્યાંય ના બોલવાની કળા છે. ત્યાંય ના બોલે બધું કામ થાય એવું છે. પણ એ કળા આવડે એવી નથી જલદી. એ કળા બહુ ઊંચી છે. માટે ત્યાં લડજો ને હવે. ત્યાં જે ફાયદો (!) થાય એ જોઈ લેવાનો. જમે કરી લેવાનો. લડ્યા પછી જે ફાયદો થાયનેે, એ ચોપડે જમે કરી લેવાનો !

પણ ઘરમાં બિલકુલ લડવું નહીં. ઘરનાં પોતાનાં માણસ કહેવાય. એને કોઈને દુઃખ આપીએ એ ભયંકર નર્કે જવાની નિશાની !

પ્રશ્શનકર્તા : આ ના બોલવાની કળાની વાત કરો.

દાદાશ્રી : ના બોલવાની કળા, એ તો એ બીજાને નથી આવડે એવી. બહુ અઘરી છે કળાઓ. એ તો સામો આવ્યો ને, તે પહેલાં એના શુદ્ધાત્મા જોડે વાતચીત કરી લેવાની અને તે પહેલાં બધું એને ઠંડું પાડી દેવાનું ને ત્યાર પછી આપણે ના બોલ્યા વગર રહેવાનું એટલે બધું પતી જાય આપણું. એ અઘરી કળા છે. એટલે એ ટાઈમ તમારો આવે ત્યારે મને પૂછજો ને, બધો, દેખાડી દઈશ. એ પગથિયું આવે ત્યારે શીખજો. પણ હમણે તો, ઘરમાં તો બંધ કરી દો.

તમારે ઘરમાં બંધ છે કે નહીં ?

પ્રશ્શનકર્તા : આપણે બંધ છે.

દાદાશ્રી : બિલકુલેય ? નાનાંમોટાં બેઉ સરખાં ? કે મોટો તમારો ?

પ્રશ્શનકર્તા : (ભાઈ) આ વઢવાનું ફાવતું નથી બહુ.

પ્રશ્શનકર્તા : (બહેન) છોકરાઓને ન વઢે કોઈ દિવસ.

દાદાશ્રી : પણ શું કરવા બોલે ? પોતાનું મગજ બગાડવું, મૂરખ બનવું, એ કોના ઘરની વાત છે તે ? પોતે મૂરખ બને ને પાછો મગજ બગાડે.

આ ભઈ બહુ કચકચ કરતા'તા. હવે તે એમના વાઇફ કહે છે, ના, કશું બોલતા જ નથી. મેં કહ્યું, તમારે કહેવું કે બોલો જરા કંઈ, શું કાઢ્યું સારમાં ? પોતાનું મગજ બગડે, શું કાઢવાનું ? સાર કશો કાઢવાનો નહીં !

જો મોટાભાઈ કચકચ કરતા હોયને, તો આપણે કચકચ કરવા જેવી નથી. એ આપણને મૂરખ જાણે તો મૂરખ જાણવું. કંઈ એમના હાથમાં કંઈ ઓછો કાયદો છે, મોક્ષે જવાનો ? દાદાની પાસે આપણે સર્ટિફિકેટ લેવું, કે સર્ટિફિકેટ કેવું છે, બસ.

અબોલા, નોંધ, વેર સ્ત્રીના ઝેર,

નરમ, ગરમ, મૌન છોડે વેર !

પ્રશ્શનકર્તા : અબોલા લઈ વાતને ટાળવાથી એનો નિકાલ થઈ શકે ?

દાદાશ્રી : ના થઈ શકે. આપણે તો સામો મળે તો 'કેમ છો ? કેમ નહીં ?' એમ કહેવું. સામો જરા બૂમાબૂમ કરે તો આપણે જરા ધીમે રહીને 'સમભાવે નિકાલ' કરવો. એનો નિકાલ તો કરવો જ પડશેને જ્યારે ત્યારે ? અબોલા રહો તેથી કંઈ નિકાલ થઈ ગયો ? એ નિકાલ થતો નથી એટલે તો અબોલા ઊભા થાય છે. અબોલા એટલે બોજો, જેનો નિકાલ ના થયો એનો બોજો. આપણે તો તરત એને ઊભા રાખીને કહીએ, 'ઊભા રહોને, અમારી કંઈ ભૂલ હોય તો મને કહો, મારી બહુ ભૂલો થાય છે. તમે તો બહુ હોશિયાર, ભણેલા તે તમારી ના થાય પણ હું ભણેલો ઓછો એટલે મારી બહુ ભૂલો થાય.' એમ કહીએ એટલે એ રાજી થઈ જાય.

પ્રશ્શનકર્તા : એવું કહેવાથીય એ નરમ ના પડે તો શું કરવું ?

દાદાશ્રી : નરમ ના પડે તો આપણે શું કરવાનું ? આપણે કહી છૂટવાનું. પછી શો ઉપાય ? જ્યારે ત્યારે કો'ક દહાડો નરમ થશે. ટૈડકાવીને નરમ કરો તો તેનાથી કશું નરમ થાય નહીં. આજે નરમ દેખાય, પણ એ મનમાં નોંધ રાખી મેલે ને આપણે જ્યારે નરમ થઈએ તે દહાડે તે બધું પાછું કાઢે. એટલે જગત વેરવાળું છે. કુદરતનો નિયમ એવો છે કે દરેક જીવ મહીં વેર રાખે જ. મહીં પરમાણુઓ સંગ્રહી રાખે. માટે આપણે પૂરેપૂરો કેસ ઊંચે મૂકી દેવો.

પ્રશ્શનકર્તા : આપણે સામાને અબોલા તોડવા કહીએ કે મારી ભૂલ થઈ, હવે માફી માગું છું, તોય પેલો વધારે ચગે તો શું કરવું ?

દાદાશ્રી : તો આપણે કહેવાનું બંધ કરવું. એનો સ્વભાવ વાંકો છે એમ જાણીને બંધ કરી દેવું આપણે. એને એવું કંઈક ઊંધું જ્ઞાન થઈ ગયું હોય કે 'બહુત નમે નાદાન' ત્યાં પછી છેટા રહેવું. પછી જે હિસાબ થાય તે ખરો. પણ જેટલાં સરળ હોયને ત્યાં તો ઉકેલ લાવી નાખવો. આપણે ઘરમાં કોણ કોણ સરળ છે અને કોણ કોણ વાંકું છે, એ ના સમજીએ ?

પ્રશ્શનકર્તા : સામો સરળ ના હોય તો એની સાથે આપણે વ્યવહાર તોડી નાખવો ?

દાદાશ્રી : ના તોડવો. વ્યવહાર તોડવાથી તૂટતો નથી. વ્યવહાર તોડવાથી તૂટે એવો છેય નહીં. એટલે આપણે ત્યાં મૌન રહેવું કે કો'ક દહાડો ચીડાશે એટલે આપણો હિસાબ પતી જશે, આપણે મૌન રાખીએ એટલે કો'ક દહાડો એ ચીડાય ને જાતે જ બોલે કે 'તમે બોલતા નથી, કેટલા દહાડાથી મૂંગા ફરો છો !' આમ ચીડાય એટલે આપણું પતી જશે. ત્યારે શું થાય તે ? આ તો જાતજાતનું લોખંડ હોય છે, અમને બધાં ઓળખાય. કેટલાકને બહુ ગરમ કરીએ તો વળી જાય. કેટલાકને ભઠ્ઠીમાં મૂકવું પડે, પછી ઝટ બે હથોડા માર્યા કે સીધું થઈ જાય. આ તો જાત જાતનાં લોખંડ છે ! આમાં આત્મા એ આત્મા છે, પરમાત્મા છે અને લોખંડ એ લોખંડ છે, આ બધી બીજી ધાતુ છે.

વઢે તોય વાણી લાગે જ્યાં મીઠી,

પર્યાયો પહોંચે, જો કહી જૂઠી !

પ્રશ્શનકર્તા : કોઈએ જાણી જોઈને આ વસ્તુ ફેંકી દીધી તો ત્યાં આગળ કયું 'એડજસ્ટમેન્ટ' લેવું ?

દાદાશ્રી : આ તો ફેંકી દીધું, પણ છોકરો ફેંકી દે તોય આપણે 'જોયા' કરવાનું. બાપ છોકરાને ફેંકી દે તો આપણે જોયા કરવાનું. ત્યારે શું આપણે ધણીને ફેંકી દેવાનો ? એકનું તો દવાખાનું ભેગું થયું, હવે પાછાં બે દવાખાના ઊભાં કરવાં ? અને પછી જ્યારે એને લાગ આવે ત્યારે એ આપણને પછાડે, પછી ત્રણ દવાખાના ઊભાં થયાં.

પ્રશ્શનકર્તા : તો પછી કશું કહેવાનું જ નહીં ?

દાદાશ્રી : કહેવાનું, પણ સમ્યક કહેવું જો બોલતાં આવડે તો. નહીં તો કૂતરાની પેઠ ભસ ભસ કરવાનો અર્થ શું ? માટે સમ્યક કહેવું.

પ્રશ્શનકર્તા : સમ્યક એટલે કેવી રીતનું ?

દાદાશ્રી : 'ઓહોહો ! તમે આ બાબાને કેમ ફેંક્યો ? શું કારણ એનું ?' ત્યારે એ કહેશે કે, 'જાણી જોઈને હું કંઈ ફેંકું ? એ તે મારા હાથમાંથી છટકી ગયો ને ફેંકાઈ ગયો ?

પ્રશ્શનકર્તા : એ તો, એ ખોટું બોલ્યા ને ?

દાદાશ્રી : એ જૂઠું બોલે એ આપણે જોવાનું નહીં. જૂઠું બોલે કે સાચું બોલે એ એના આધીન છે, એ આપણા આધીન નથી. એ એની મરજીમાં આવે તેવું કરે. એને જૂઠું બોલવું હોય કે આપણને ખલાસ કરવા હોય એ એના તાબામાં છે. રાત્રે આપણા માટલામાં ઝેર નાખી આપે તો આપણે તો ખલાસ જ થઈ જઈએને ! માટે આપણા તાબામાં જે નથી તે આપણે જોવાનું નહીં. સમ્યક્ કહેતાં આવડે તો કામનું છે કે, 'ભઈ, આમાં શું તમને ફાયદો થયો ?' તો એની મેળે કબૂલ કરશે. સમ્યક કહેતા નથી અને તમે પાંચ શેરની આપો તો પેલો દશ શેરની આપે !

પ્રશ્શનકર્તા : કહેતાં ના આવડે તો પછી શું કરવું ? ચૂપ બેસવું ?

દાદાશ્રી : મૌન રહેવું અને જોયા કરવું કે 'ક્યા હોતા હૈ ?' સિનેમામાં છોકરાં પછાડે છે ત્યારે શું કરીએ છીએ આપણે ? કહેવાનો અધિકાર ખરો બધાનો, પણ કકળાટ વધે નહીં એવી રીતે કહેવાનો અધિકાર, બાકી જે કહેવાથી કકળાટ વધે એ તો મૂર્ખાનું કામ છે.

પ્રશ્શનકર્તા : એટલે કેટલાક ઘરે એવા હોય છે કે જ્યાં વાણીથી બોલાચાલી થયા કરે. ઘણી વખત વાણીથી પુષ્કળ બોલાચાલી થાય પણ મન અને હ્રદય સાફ હોય.

દાદાશ્રી : હવે વાણીથી કલેશ થતો હોય પણ તે સામાને, હ્રદય ઉપર અસર ના થાય, એવું જો ઉપલક રહેતું હોય તો તો વાંધો નથી.

પ્રશ્શનકર્તા : મન ને હ્રદય ચોખ્ખાં હોય. એક-બે મિનિટ પછી જુઓને તો તમને એમ લાગે નહીં, કોઈનાં મન પર અસર ના લાગે. આમની ઉપરેય ના લાગે ને તે પેલાના ઉપર પણ ના લાગે.

દાદાશ્રી : એવું છેને બેન, કે બોલનાર તો હ્રદય અને મનથી ચોખ્ખું હોય, એ બોલી શકે. પણ સાંભળનારને તો પથરો વાગે એવું લાગે, એટલે કલેશ થાય જ, જ્યાં બોલ કંઈ ખરાબ છેને, વિચિત્ર બોલ છે ત્યાં કલેશ થાય. ના થાય ? એ તો દેખાવ કરે એટલું જ. અંદર અસર બધું કરે. આ મન તો બહુ સૂક્ષ્મમાં સૂક્ષ્મ વસ્તુ છે.

પ્રશ્શનકર્તા : મન ને હ્રદય સાફ હોય તો પછી એ કર્કશ નીકળે જ નહીં ને ?

દાદાશ્રી : શબ્દ વખતે ખરાબ નીકળ્યો, પણ એ કર્કશ અસર થયા વગર રહે નહીં. શબ્દ હંમેશાં દિલ ઉપર ઘા કરે.

પ્રશ્શનકર્તા : વાણીથી કશોય કલેશ ના હોય. પણ મનમાં કલેશ ઉત્પન્ન થયો હોય, વાણીથી કર્યું ના હોય, પણ મનમાં હોય બહુ તો એ કલેશ વગરનું ઘર કહેવું ?

દાદાશ્રી : એ વધારે કલેશ કહેવાય. મન બેચેની અનુભવે તે ઘડીએ કલેશ હોય જ. અને પછી આપણને કહે, 'મને ચેન પડતું નથી.' તે કલેશની નિશાની. હલકા પ્રકારનું હોય કે ભારે પ્રકારનું હોય. ભારે પ્રકારના કલેશ તો એવા હોય છે કે હાર્ટ હઉ ફેઈલ થઈ જાય. કેટલાક તો એવા બોલ બોલે છે ને હાર્ટ તરત ખાલી થઈ જાય. પેલાને ઘર ખાલી જ કરવું પડે, ઘરધણી આવે પછી !!

એટલે આ જાતજાતના બોલ બોલે. આ શબ્દથી જ જગત ઊભું રહ્યું છે. શબ્દ જો ના હોયને, તો કામ થઈ જાય. શબ્દ બહુ વસમો છે. એ શબ્દ ધીમે ધીમે મીઠો થવો, મધુરતા આવવી, એ ધીમે ધીમે મધુરતા આવે ત્યારે પછી શબ્દ બીજાને વહાલા લાગે. વઢે તોય વહાલા લાગે. કેવું ? હા. બાકી મીઠી વાણી થયા પછી, મધુર વાણી થયા પછી, તમે ઊલટા વઢોને, તો પેલો હસે, ઊલટો.

પ્રશ્શનકર્તા : હા, એ મહત્ત્વનું.

દાદાશ્રી : કષાય ના હોય તો કશું વઢવામાં વાંધો નથી, કષાયનો વાંધો છે.

પ્રશ્શનકર્તા : પણ વાણી મધુર થવી જોઈએ.

દાદાશ્રી : મધુર થવી જોઈએ. વેરવી ના થાય, મધુર કરેલી તો પછી જીવ્હાગ્રે રહે. એવી મધુર કરેલી કામની નહીં. કલેશભાવ ઓછો થતો જાય, પ્રેમ વધતો જાય તેમ વાણી મીઠી થતી જાય. વાણી મીઠી ક્યારે થાય ? જ્યારે ભેદભાવ ઓછો થતો જાય ત્યારે, પ્રેમ વધે ત્યારે, પોતાનાં ઘરનાં માણસો પર પ્રેમ તો સહુ કોઈને હોય. પણ જ્યારે પોતાનાં ઘરનાં માણસ જેવો બીજા ઉપરેય પ્રેમ વધતો જાય ત્યારે છે તે વાણી મધુર થતી જાય. અને ત્યારે બે ધોલો મારો તોય એને પ્રેમ જ લાગે.

બાકી એક માણસને તમે કહો કે તમે જૂઠા છો ? હવે જૂઠા કહેતાંની સાથે તો એટલું બધું વિજ્ઞાન ફરી વળે છે મહી, એના પર્યાયો એટલા બધા ઊભા થાય છે ને તમને બે કલાક સુધી તો એની પર પ્રેમ જ ઉત્પન્ન ના થાય. એટલા બધા પર્યાય ! માટે શબ્દ બોલતાં પહેલાં, બોલાય નહીં તો ઉત્તમ છે અને બોલાય તો પ્રતિક્રમણ કરો. બોલાય નહીં એવું તો આપણે કહી શકાય નહીં. કારણ કે વ્યવસ્થિત છેને ! પણ બોલાય તો પ્રતિક્રમણ કરો એ આપણી પાસે સાધન છે. તમને કેમ લાગે છે ? પ્રતિક્રમણ કરેક્ટ સાધન છે કે નહીં ?

પ્રશ્શનકર્તા : ધણી-ધણીયાણીઓમાં જે ઝઘડા થાય છે, એ ઉપરવાળા કરાવે છે કે બુદ્ધિથી થાય છે ?

દાદાશ્રી : ઉપરવાળો તો આવું કરાવે જ નહીંને. આ તો તમારી અણસમજણથી થાય છે. સમજણવાળો ના કરે અને સમજણ વગરનો કરે.

પ્રશ્શનકર્તા : પણ બુદ્ધિ તો ભગવાન આપે છે ને ?

દાદાશ્રી : ભગવાન શું કરવા બુદ્ધિ આપે, એ કંઈ ગાંડો છે ભગવાન ! એનું મગજ ખસી ગયું છે ? આ બુદ્ધિ એ તમારા કર્મનું ફળ છે. એટલે સારાં કર્મ કરો તો બુદ્ધિ સારી ઉત્પન્ન થાય. ખરાબ કર્મ કરો તો બુદ્ધિ ખરાબ થાય. એટલે ભગવાન આમાં હાથ ઘાલતા નથી. ભગવાન તો ભગવાન તરીકે જ રહે છે, ભગવાન બદલાતા નથી કોઈ દહાડોય. બધું તમારું જ પ્રોજેક્શન છે. તમારી જવાબદારી પર તમારે જ કરવાનું છે બધું. જવાબદારી એય તમારી છે, જે કરો તેની. એટલે આ અણસમજણ કરે છે. જેમ આ છોકરાઓ લડતા હોય તો તમે સમજી જાવને કે આ અણસમજુ છે.

પ્રશ્શનકર્તા : હા.

દાદાશ્રી : અને સમજદાર ના લડે ને ?

પ્રશ્શનકર્તા : ના.

દાદાશ્રી : એવી રીતે આ અણસમજણથી લડે છે. અને સમજણ હોય તો ના લડે. એટલે હું એવી સમજણ પાડું એટલે તમારી નીકળી જાય અણસમજણ. પછી લડવાડ નહીં થાય. અમે ગયા પછી નહીં થાય. જ્યાં લડવાડ છે એ 'અંડરડેવલપ્ડ' પ્રજા છે. સરવૈયું કાઢતાં આવડતું નથી એટલે લડવાડ થાય છે.

હવે બેઉ જણ ઝઘડે તો તો પડોશી જોવા આવે કે ના આવે ? પછી તમાશો થાય કે ના થાય ? અને પાછું ભેગું ના થવાનું હોય તો લડો, ખૂબ લડો. અરે, વહેંચી જ નાખો ! ત્યારે કહે, 'ના, ક્યાં જવાનું !' જો ફરી ભેગું થવાનું છે તો પછી શું કરવા લડે છે ! આપણે એવું ચેતવું ના જોઈએ ? બીબી જોડે તો સારો રહે ! જેની જોડે રાત-દહાડો રહેવાનું, એની જોડે ડખલ થતી હશે ? આપણે સમાધાન કરી નાખવું એક જણે કે ભઈ મારે તારી જોડે, તારે મારી જોડે શા માટે આપણે આ બધું હોવું જોઈએ ? દુનિયા કહે કે આ ધણી ને ધણીયાણી છે, પણ આપણે તો ફ્રેન્ડ, પછી કંઈ વાંધો ખરો ?

પ્રશ્શનકર્તા : નહીં.

દાદાશ્રી : તમે ફ્રેન્ડશીપ કરશો કે નહીં ? ટૈડકાવો છો ને વળી પાછા રોફ મારો છો ? ઘેર તો બીબીને ટૈડકાવો છો ખરાં ?

પ્રશ્શનકર્તા : કહેવું પડે !

દાદાશ્રી : હા, કહેવું પડે અને તમને કોઈ કહેનાર નહીં. ભગવાન થઈ બેઠા ! મર્યાદાપૂર્વક જીવો, જીવન જીવવાની કળા શીખો. તે એ જ શીખવાડું છું ને, અમેરિકામાં બધાને એ જ શીખવાડું છું ને ઇન્ડિયામાં શીખવાડું. શું કરું તે ! ફરી પસ્તાવો ના કરવો પડે, આવું કંઈ જીવન જીવો ! કહેવું પડે ! આ મોટા કહેનારા આવ્યા અને ઑફિસમાં બોસ ટૈડકાવેને તો, ના સાહેબ, યુ આર રાઈટ, યુ આર રાઈટ, યુ આર રાઈટ ! આ અહીંયાં એ કહેવાનું, યુ આર રાઈટ, કહીએ. કઢી ખારી થઈ તો બોલવાનું કરવાનું નહીં, ચૂપ રહેવાનું. કો'ક દાડો ભૂલ ના થાય, જાણી જોઈને કરે કોઈ ભૂલ ? આ તો લાગ જોઈને બેસી રહ્યો હોય, ક્યારે કંઈક થાય. અલ્યા કઈ જાતનો છે ? પોતાને એક રૂમમાં સૂઈ જવાનું ત્યાં આગળ ઝઘડા ? બહારથી ઝઘડો કરીને આવો ને ઘેર રોફ મારો બેઉ જણ ચા પીને ! બીબી-છોકરાં એ તો આપણા આશ્રયે આવેલાં છે. જે આપણા આશ્રયે આવેલું હોય તેને દુઃખ કેમ કરીને દેવાય ? સામાનો વાંક હોય તો પણ આશ્રિતને આપણાથી દુઃખ ના દેવાય.

વાત વાતમાં ઘેર ઝઘડા,

પત્નીની પક્ષે હોય તગડા.

દાદાશ્રી : ઘરમાં ઝઘડા થાય છે ?

પ્રશ્શનકર્તા : હા.

દાદાશ્રી : 'માઇલ્ડ' થાય છે કે ખરેખરા થાય છે ?

પ્રશ્શનકર્તા : ખરેખરા પણ થાય, પણ બીજે દિવસે ભૂલી જઈએ.

દાદાશ્રી : ભૂલી ના જાવ તો કરો શું ? બધું ભૂલી જાય તો જ ફરી ઝઘડો કરે ને ! એક ઝઘડો ભૂલ્યા ના હોય તો ફરી કોણ કરે ?

પ્રશ્શનકર્તા : એમ કહેવાય છે ને કે એક ધાર્યું જીવન જાય તો એ જીવન ના કહેવાય.

દાદાશ્રી : તો મરેલો કહેવાય ?

પ્રશ્શનકર્તા : મજા ના આવે.

દાદાશ્રી : શાસ્ત્રકારોએ કહ્યું કે ભસ ભસ કરે તો માણસ કેમ કહેવાય ? જાનવર જ કહેવાય ને ! બહાર જેટલો વિવેક રાખે છેને લોકોની જોડે, એવો વિવેક ઘરમાં રાખવો જોઈએ. બહાર પ્લીઝ પ્લીઝ કર્યા કરેને ! ત્યારે એવું ઘરમાં પણ એવું પ્લીઝ પ્લીઝ કરવાનું. જીવન તો બેન સારું જોઈએને, કેમ ચાલે આવા જીવન ?

પ્રશ્શનકર્તા : ઝઘડામાં આનંદ આવતો હશે ?

દાદાશ્રી : આ દુષમકાળ છે એટલે શાંતિ રહેતી નથી. તે બળેલો બીજાને બાળી મેલે ત્યારે એને શાંતિ થાય. કોઈ આનંદમાં હોય તે એને ગમે નહીં એટલે પલીતો ચાંપી જાય ત્યારે એને શાંતિ થાય. આવો જગતનો સ્વભાવ છે. બાકી, જાનવરોય વિવેકવાળાં હોય છે, એ ઝઘડતાં નથી. કૂતરાંય છે પોતાના લત્તાવાળાં હોય તેમની સાથે અંદરોઅંદર ના લડે, બહારના લત્તાવાળા આવે ત્યારે બધા ભેગાં મળીને લડે છે ! આ લોકો વિવેકશૂન્ય થઈ ગયા છે !!

મહિનામાં કેટલી વખત ઝઘડા થાય છે ?

પ્રશ્શનકર્તા : એ તો હાલતાં ને ચાલતાં, સ્વભાવ ગરમ હોય તો કોઈ શું કરે ?

દાદાશ્રી : એ ઝઘડા કરીએ એટલે એકદમ ઠંડો થઈ જાય ?

પ્રશ્શનકર્તા : એ બોલે રાખે ને આપણે સાંભળે રાખવાનું.

દાદાશ્રી : સાંભળવામાં વાંધો નથી પણ બીજું તમે બોલો નહીંને !

પ્રશ્શનકર્તા : ના, પાછા આપણે બોલીએ તો લાંબું થાય ને !

દાદાશ્રી : આ તો કોઈ એકનો ઝઘડો થાય જ નહીં, એક પાર્ટી ઝઘડો કરી શકે નહીં કોઈ દહાડોય. બે પાર્ટી ચાલુ થાય તો જ ઝઘડો થાય. એ તમારા પક્ષની પાર્ટી કંઈક તો કરે, ટોણો મારે, કંઈનું કંઈ કરે ખરું.

પ્રશ્શનકર્તા : મોઢું ચઢી જાય એવું કંઈક તો થાય.

દાદાશ્રી : હા ! એટલે એક પાર્ટી કોઈ દહાડો ઝઘડો ના હોય, વન પાર્ટી થઈ ગઈ, આપણે કશું જ ના બોલીએ ને આપણે મનમાં ના રાખીએ તો કશું ના થાય.

પ્રશ્શનકર્તા : મોઢું ચઢી જાય, આપણે ખસીને જતા રહીએ. પેલું મોઢા પર અસર થઈ જાય પણ બીજા કામમાં વળગી જઈએ.

દાદાશ્રી : મોઢાં પર અસર શેની થાય માર્યા વગર ? માર્યા હોય તો અસર થાય, વગર માર્યાને શું ? જો ધર્મેય રહ્યો હોતને તો ઘરમાં ઝઘડા ના થાત. થાય તો તે મહિનામાં એકાદ વાર થાય. અમાસ મહિનામાં એક દા'ડો જ આવે ને ?

પ્રશ્શનકર્તા : હા.

દાદાશ્રી : આ તો ત્રીસેય દહાડા અમાસ. ઝઘડામાં શું મળતું હશે ?

પ્રશ્શનકર્તા : નુકસાન મળે.

દાદાશ્રી : ખોટનો વેપાર તો કોઈ કરે જ નહીં ને ? કોઈ કહેતું નથી કે ખોટનો વેપાર કરે ! કંઈક નફો કમાતા તો હશે ને ? સંસાર એ ઝઘડાનું સંગ્રહસ્થાન છે, કોઈને ત્યાં બે આની, કોઈને ત્યાં ચાર આની ને કોઈને ત્યાં સવા રૂપિયા સુધી પહોંચી જાય છે ! મોટા મોટા બંગલામાં રહે ને પાંચ જણ હોય, છતાં ઝઘડા કરે છે ! કુદરત ખાવાપીવાનું આપે છે ત્યારે લોક ઝઘડા કરે છે ! આ લોકો ઝઘડા, કલેશ-કંકાશ કરવામાં જ શૂરા છે.

કલેશિત ઘેર, થા ઝઘડાપ્રૂફ,

'સમભાવે કર નિકાલ' ને છૂટ!

પ્રશ્શનકર્તા : આપણે ઝઘડો ના કરવો હોય, આપણે કોઈ દહાડો ઝઘડો જ ના કરતાં હોઈએ છતાં ઘરમાં બધાં ઝઘડા સામેથી રોજ કર્યા કરે તો ત્યાં શું કરવું ?

દાદાશ્રી : આપણે 'ઝઘડાપ્રૂફ' થઈ જવું. 'ઝઘડાપ્રૂફ' થઈએ તો જ આ સંસારમાં રહેવાશે. અમે તમને 'ઝઘડાપ્રૂફ' કરી આપીશું. ઝઘડો કરનારોય કંટાળી જાય એવું આપણું સ્વરૂપ હોવું જોઈએ. કોઈ 'વર્લ્ડ'માંય આપણને 'ડિપ્રેસ' ના કરી શકે એવું હોવું જોઈએ. આપણે 'ઝઘડાપ્રૂફ' થઈ ગયા પછી ભાંજગડ જ નહીંને ? લોકોને ઝઘડા કરવા હોય, ગાળો આપવી હોય તોય વાંધો નહીં અને છતાંય નફ્ફટ કહેવાય નહીં, ઊલટી જાગૃતિ ખૂબ વધશે.

પૂર્વે જે ઝઘડા કરેલા તેનાં વેર બંધાય છે અને તે આજે ઝઘડા રૂપે ચૂકવાય છે. ઝઘડો થાય તે જ ઘડીએ વેરનું બીજ પડી જાય, તે આવતે ભવે ઊગશે.

પ્રશ્શનકર્તા : તો એ બીજ કેવી રીતે દૂર થાય ?

દાદાશ્રી : ધીમે ધીમે 'સમભાવે નિકાલ' કર્યા કરો તો દૂર થાય. બહુ ભારે બીજ પડ્યું હોય તો વાર લાગે, શાંતિ રાખવી પડે. પ્રતિક્રમણ ખૂબ કરવાં પડે. આપણું કશું કોઈ લેતું નથી. ખાવાનું બે ટાઈમ મળે, કપડાં મળે, પછી શું જોઈએ ? ઓરડીને તાળું મારીને જાય, પણ આપણને બે ટાઈમ ખાવાનું મળે છે કે નથી મળતું એટલું જ જોવું. આપણને પૂરીને જાય તોય કંઈ નહીં, આપણે સૂઈ જઈએ. પૂર્વ ભવનાં વેર એવાં બંધાયેલાં હોય કે આપણને તાળામાં બંધ કરીને જાય ! વેર અને પાછું અણસમજણથી બંધાયેલું ! સમજણવાળું હોય તો આપણે સમજી જઈએ કે આ સમજણવાળું છે, તોય ઉકેલ આવી જાય. હવે અણસમજણનું હોય ત્યાં શી રીતે ઉકેલ આવે ? એટલે ત્યાં વાતને છોડી દેવી.

હવે વેર બધાં છોડી નાખવાનાં માટે કો'ક ફેરો અમારી પાસેથી 'સ્વરૂપ જ્ઞાન' મેળવી લેજો એટલે બધાં વેર છૂટી જાય. આ ભવમાં ને આ ભવમાં જ બધાં વેર છોડી દેવાનાં, અમે તમને રસ્તો દેખાડીશું.

માકણ કૈડે છે, એ તો બિચારા બહુ સારા છે પણ હેં.... આ ધણી બૈરીને કૈડે છે. બૈરી ધણીને કૈડે છે એ બહુ વસમું હોય છે. શું ? કૈડે કે ના કૈડે ?

પ્રશ્શનકર્તા : કૈડે.

દાદાશ્રી : તો એ કૈડવાનું બંધ કરવાનું છે. માકણ કૈડે છે એ તો કૈડીને જતા રહે. બિચારા એ મહીં ધરાઈ ગયો એટલે જતો રહે. પણ બૈરી તો કાયમ કૈડતી જ હોય. એક જણ તો મને કહે છે, મારી વાઈફ મને સાપણની પેઠ કૈડે છે ! ત્યારે મૂઆ પૈણ્યો તો શું કરવા તે સાપણની જોડે ? તે એ સાપ નહીં હોય મૂઆ ? એમ ને એમ સાપણ આવતી હશે ? સાપ હોય ત્યારે સાપણ આવે ને !

પ્રશ્શનકર્તા : એના કર્મમાં લખ્યું હશે એટલે એને ભોગવવું જ રહ્યું, એટલે એ કરડે છે, એમાં વાઇફનો વાંક નથી !

દાદાશ્રી : બસ. એટલે આ કર્મના ભોગવટા છે બધા. તેથી એવી વાઇફ મલી આવે, એવો ધણી મલી આવે. સાસુ એવા મલી આવે નહીં તો આ દુનિયામાં કેવી કેવી સાસુઓ હોય છે ! ને આપણને જ આવા કેમ ભેગા થયા ? આ તો બૈરી જોડે લડવાડ કર્યા કરે. અલ્યા, તારા કર્મનો દોષ. એટલે આપણા લોકો નિમિત્તને બચકાં ભરે, બૈરી તો નિમિત્ત છે, નિમિત્તને શું કરવા બચકાં ભરે છે, નિમિત્તને બચકાં ભરે તેમાં ભલીવાર આવે કોઈ દહાડો ? અવળી ગતિઓ થાય. બધી આ તો લોકોને શું ગતિ થવાની છે, એ કહેતાં નથી. એટલે ભડકતાં નથી. જો કહી દે ને કે ચાર પગ ને પૂંછડું વધારાનું, તો હમણે ડાહ્યા થઈ જાય.

પ્રશ્શનકર્તા : એમાં કોનું કર્મ ખરાબ સમજવું ? બન્ને ધણી-ધણીયાણી લડતાં હોય તેમાં ?

દાદાશ્રી : બેમાંથી જે કંટાળે એનું ?

પ્રશ્શનકર્તા : તે એમાં તો કોઈ કંટાળે જ નહીં, એ તો લડ્યા જ કરે ?

દાદાશ્રી : તો બન્નેનું ભેગું. અણસમજણથી બધું થાય છે.

ઝઘડ્યા પછી થવું પડે એક,

રે' શરૂથી એક, ક્યાં ગયો ટેક?

અમે તો એટલું જાણીએ કે આ ઝઘડ્યા પછી 'વાઇફ'ની જોડે વહેવાર જ ના માંડવાનો હોય તો જુદી વાત છે. પણ ફરી બોલવાનું છે તો પછી વચ્ચેની બધી જ ભાષા ખોટી છે. અમારે આ લક્ષમાં જ હોય કે બે કલાક પછી ફરી બોલવાનું છે, એટલે એની કચકચ ના કરીએ. આ તો તમારે અભિપ્રાય ફરી બદલવાનો ના હોય તો જુદી વાત છે. અભિપ્રાય આપણો બદલાય નહીં તો આપણું કરેલું ખરું છે. ફરી જો 'વાઇફ' જોડે બેસવાના જ ના હો તો ઝઘડ્યા એ ખરું છે. પણ આ તો આવતી કાલે ફરી જોડે બેસીને જમવાના છે. તો પછી કાલે નાટક કર્યું તેનું શું ? એ વિચાર કરવો પડે ને ? આ લોકો તલ શેકી શેકીને વાવે છે તેથી બધી મહેનત નકામી જાય છે. ઝઘડા થતા હોય ત્યારે લક્ષમાં હોવું જોઈએ કે આ કર્મો નાચ નચાવે છે. પછી એ નાચનો જ્ઞાનપૂર્વક ઉકેલ લાવવો જોઈએ.

પ્રશ્શનકર્તા : ઝઘડા કરનાર બન્ને જણાએ આ સમજવું જોઈએ ને ?

દાદાશ્રી : ના, આ તો 'સબ સબકી સમાલો'. આપણે સુધરીએ તો સામેવાળો સુધરે. આ તો વિચારણા છે, કે ઘડી પછી જોડે બેસવાનું છે તો પછી કકળાટ શાને ? શાદી કરી છે તો કકળાટ શાને ? તમારે ગઈ કાલનું ભૂલાઈ ગયું હોય ને અમને તો બધી જ વસ્તુ 'જ્ઞાન'માં હાજર હોય. જો કે આ તો સદ્વિચારણા છે તે 'જ્ઞાન' ના હોય તેને પણ કામ આવે. આ તો અજ્ઞાનથી માને છે કે એ ચઢી વાગશે. કોઈ અમને પૂછે તો અમે કહીએ કે, 'તુંય ભમરડો ને એય ભમરડો. તે શી રીતે ચઢી વાગશે ? એ કંઈ એના તાબામાં છે ?' તે એ 'વ્યવસ્થિત' (સંજોગો)ના તાબામાં છે. અને વાઇફ ચઢીને ક્યાં ઉપર બેસવાની છે ? તમે જરા નમતું આપો એટલે એ બિચારીના મનમાંય ઓરિયો (ઓરતો) પૂરો થાય કે હવે ધણી મારા કાબૂમાં છે ! એટલે સંતોષ થાય એને.

મુસલમાનમાં, એ લોકોમાં 'લાકડાની ભારી તારે લાવવી પડશે અને પાણીની મટકી તારે લાવવી પડશે. હું તો બુરખામાં રહીશ.' શાદી થાય ત્યારે બીબી આ બે કબુલ કરાવી લે ! 'લકડે કી ભારી કબૂલ ?' ત્યારે કહે, કબૂલ. 'પાણીકી મટકી કબૂલ ?' ત્યારે ધણી કહે કબૂલ. જો અત્યારે કંઈ લકડેકી ભારી નથી લાવવાની. પાણીની મટકી નથી લાવવાની, કશો ત્રાસ નથી, ત્યારે લોક પ્રમાદમાં પડ્યા છે.

પહેલાનાં કાળના લોકો તો ખાવાનું પીવાનું ન હોય, લૂગડાં લત્તાં ન હોય તોય ચલાવી લેતા. અને અત્યારે કશાની તાણ નહીં તોય આટલો બધો કકળાટ, કકળાટ, કકળાટ ! તેમાંય ધણીને 'ઇન્કમટેક્સ' 'સેલ્સટેક્સ'ના લફરાં હોય, એટલે ત્યાંના સાહેબથી એ ભડકતા હોય. અને ઘેર બઈસાહેબને પૂછીએ કે તમે શેના ભડકો છો ? ત્યારે એ કહે કે, 'મારા ધણી વસમા છે.' આવા સંસારમાં ગમે છે તમને આ બધું ?

પ્રશ્શનકર્તા : અત્યારે તો આ સંસાર સારો લાગે છે.

દાદાશ્રી : કડવો નથી લાગતો ?

પ્રશ્શનકર્તા : ઊંડાણમાં જઈએ તો કડવો લાગે.

દાદાશ્રી : આટલી બધી કડવાશ લાગે છે તોય કેવો આ જીવનો સ્વભાવ છે ? તે પાછો કેરી કાપીને ખાઈને સૂઈ જાય ! અલ્યા, હમણે તો બીબી જોડે લડ્યો હતો ને પાછો શું જોઈને કેરી ખાય છે ? લડવાડ થાય એ બીબી કેરી કાપીને આપે તે શા કામની ? પણ તમે ચલાવી લો છો કે નથી ચલાવી લેતા ? પછી તમે લડો તો એય ચલાવી લે. પછી શું કરે તે ? બેઉ 'મેજિસ્ટ્રેટ' !

અરે, રસોઈયો ગાળો ભાંડતો હોય ને ખવડાવતો હોય તો આપણે છાનામાના ખઈ લેવું તે ચૂલો તો ના ફૂંકવો પડે બળ્યો.

સહુથી પહેલાં ધણીએ માફી માગવી. મોટા મનનો ધણી હોય. બઈ પહેલી ના માંગે. ધણી મોટા મનનો હોય. સમજ પડીને, શું કહ્યું ?

પ્રશ્શનકર્તા : ધણી મોટા મનનો કહ્યું એટલે એ ખુશ થઈ ગયા.

દાદાશ્રી : ના, એ મોટા મનનો જ હોય. એનું વિશાળ મન હોય અને સ્ત્રીઓ સાહજિક હોય. સાહજિક હોય એટલે મહીંથી ઉદય આવ્યો તો માફી માંગે, નાય માંગે. પણ જો તમે માંગો, તો તરત માંગી લેશે. અને તમે ઉદય કર્મના આધીન નહીં રહેવાના. તમે જાગૃતિના આધીન રહેવાના. અને આ ઉદયકર્મના આધીન રહે. એ સહજ કહેવાય ને ! સ્ત્રી સહજ કહેવાય. તમારામાં સહજતા ના આવે. સહજ થાય તો બહુ સુખી હોય.

નરસિંહ મહેતા એ ભક્ત હતા પણ ભક્તાણી જોડે ફાવતું ન હતું. ફાવે જ નહીંને, આ તો આ કળિયુગમાં કોઈને ફાવવા દે કે ? અને આજુબાજુના લોકો, કુટુંબીઓય બધા મશ્કરીઓ કરતા હતા.

પ્રશ્શનકર્તા : મોટા રાજાની રાણીઓય રીસાઈ જતી હતી.

દાદાશ્રી : હા, પણ રીસાઈ જ જાયને. બહુ કડકાઈ કરે એટલે પછી ! ઘરમાં કલેશ ના થવો જોઈએ બસ. કંઈ પણ થાય, ઊંધું ચત્તું થાય, પણ કલેશ ન થવો જોઈએ. ઘરમાં ઝઘડા ના થવા જોઈએ એ ધર્મ હોવો જોઈએ બસ.

દુઃખ આપે તે બધો ગાંડો અહં,

ખોટો છે જાણ્યે છૂટે કરમ !

જેટલું દુઃખ આપે એ બધો અહમ્ ગાંડો કહેવાય.

પ્રશ્શનકર્તા : પણ આ ગાંડો અહમ્ છે એ કેવી રીતે ખબર પડે ?

દાદાશ્રી : મને કોઈ કહે, 'દાદાજી, તમે અક્કલ વગરના છો ! એટલે હું સમજું કે આ હવે મારો ગાંડો અહંકાર ઊભો ના થાય એટલે મને દુઃખ આપે જ નહીંને. એનો અહંકાર એને ગમે તે દુઃખ આપે. તે મને શું દુઃખ આપવાનો છે ?

અને કલેશો વધારવા તેના કરતાં અહંકારીને કહી દેવું કે મને તમારા વગર ગમતું નથી. તો ડાહ્યું થઈ જાય બધું. બૈરીને બેઉ જણ બાઝ્યા હોયને, તે નાનાં છોકરાં એને 'જય સચ્ચિદાનંદ' કહે એટલે ચૂપ થઈ જાય.

પ્રશ્શનકર્તા : આ અહમ્ ખોટો છે, એવું આપણે કહેવામાં આવે છે અને બધું સાંભળીએ છે ને સંત પુરુષો કહે છે, છતાં એ અહમ્ જતો કેમ નથી ?

દાદાશ્રી : અહમ્ જાય ક્યારે, એને ખોટો છે એવું આપણે એક્સેપ્ટ કરીએ ત્યારે જાય. વાઇફની જોડે કકળાટ થતો હોય, તો આપણે સમજી જવું કે આ આપણો અહમ્ ખોટો છે. એટલે આપણે રોજ એ અહમ્થી જ પછી એની માફી માંગ માંગ કરવી અંદર, એટલે એ અહમ્ જતો રહે. કંઈ ઉપાય તો કરવો જોઈએને ? કંઈ આમ ધોતિયું મેલું થયું હોય તો સાબુ ઘસીયે તોય મેલ જતો રહે છે, એવું આનો કંઈ સાબુ તો જાણવો જોઈએ કે ના જાણવો જોઈએ ? સાબુ ના જાણીએ ને એમ ને એમ ધો ધો કરીએ તો શું, ક્યારે પત્તો પડે ? તમને કેમ લાગે છે ?

પ્રશ્શનકર્તા : સાચી વાત છે.

દાદાશ્રી : એટલે તમે જેટલી પણ વાર એમ કહો કે આ અહમ્ ખરાબ છે, તો એ ઓછો થાય. જે બાજુ અહમ્ બગડેલો હોય તે મને કહો, તો હું તમને બધાય ઉપાય બતાવું. એ અહમ્ સાફ થઈ જાય એવું છે અને તદ્દન અહંકાર જ કાઢવો હોય તોય પણ એ કહો તો હું તમને અહંકારેય કાઢી આપું આખો. તમારી જે ઇચ્છા હોય તે કહોને.

અમે આ સરળ ને સીધો રસ્તો બતાડી દઈએ છીએ અને આ અથડામણ કંઈ રોજ રોજ થાય છે ? એ તો જ્યારે આપણાં કર્મના ઉદય હોય ત્યારે થાય, તેટલા પૂરતું આપણે 'એડજ્સટ' થવાનું. ઘરમાં વાઇફ જોડે ઝઘડો થયો હોય તો ઝઘડો થયા પછી વાઇફને હૉટલમાં લઈ જઈને, જમાડીને ખુશ કરીએ. હવે તાંતો ના રહેવો જોઈએ.

સંસારમાં લોક કંટાળીને મોત શાથી ખોળે છે ? આ ઉપાધિઓ ગમે નહીં તેથી. વાત તો સમજવી પડશેને ? ક્યાં સુધી મુશ્કેલીમાં પડી રહેશો ? આ તો જીવડાં જેવું જીવન થઈ ગયું છે ! નર્યો તરફડાટ તરફડાટ ને તરફડાટ ! મનુષ્યમાં આવ્યા પછી તરફડાટ કેમ હોય ? જે બ્રહ્માંડનો માલિક કહેવાય તેની આ દશા ! આખું જગત તરફડાટમાં છેને. તરફડાટ ના હોય તો મૂર્છામાં હોય. આ બે સિવાય બહાર જગત નથી. આ જગતથી છૂટકારો મેળવવા જેવું છે. એટલે 'આ' જ્ઞાન હોય તો પછી એ ભાંજગડ ના રહે. જ્ઞાન હોય તો તો આપણે સવારના પહોરમાં દર્શન જ કરીએ ને ? વાઇફની મહીંય ભગવાનનાં દર્શન કરવાં જ પડે ને ? વહુમાંય દાદા દેખાય તો કલ્યાણ થઈ ગયું. વહુને જોઉં તો આ 'દાદા' દેખાયને, એની મહીં શુદ્ધાત્મા દેખાયને, એટલે કલ્યાણ થઈ ગયું !

મરવા જાય તોય ન દે મરવા,

કાયદા નહીં, સમાધાન કરવા !

જેનો રસ્તો નથી એને શું કહેવાય ? જેનો રસ્તો ના હોય તેની કાણ-મોકાણ ના કરાય. આ ફરજિયાત જગત છે ! ઘરમાં વહુનો કલેશવાળો સ્વભાવ ના ગમતો હોય, મોટા ભાઈનો સ્વભાવ ના ગમતો હોય, આ બાજુ બાપુજીનો સ્વભાવ ના ગમતો હોય, તેવા ટોળામાં માણસ ફસાઈ જાય તોય રહેવું પડે. ક્યાં જાય તે ? આ ફસામણનો કંટાળો આવે, પણ જવું ક્યાં ? ચોગરદમથી વાડો છે. સમાજની વાડો હોય. 'સમાજ મને શું કહેશે ?' સરકારનીય વાડો હોય. જો કંટાળીને જળસમાધિ લેવા જુહુના કિનારે જાય તો પોલીસવાળા પકડે. 'અલ્યા ભઈ, મને આપઘાત કરવા દેને, મરવા દેને નિરાંતે ?' ત્યારે એ કહે, 'ના, મરવાય ના દેવાય. અહીં આગળ તે આપઘાત કરવાના પ્રયાસનો ગુનો કર્યો માટે તને જેલમાં ઘાલીએ છીએ !' મરવાય નથી દેતા ને જીવવાય નથી દેતા, આનું નામ સંસાર ! માટે રહોને નિરાંતે ! આવું છે ફરજિયાત જગત !

માટે જેમ તેમ કરીને 'એડજસ્ટ' થઈને ટાઈમ પસાર કરી નાખવો એટલે દેવું વળી જાય. કોઈનું પચ્ચીસ વર્ષનું, કોઈનું પંદર વર્ષનું, કોઈનું ત્રીસ વર્ષનું, ના છૂટકેય આપણે દેવું પૂરું કરવું પડે. ના ગમે તોય એની એ જ ઓરડીમાં જોડે રહેવું પડે. અહીં પથારી બાઈસાહેબની ને અહીં પથારી ભાઈસાહેબની ! મોઢાં વાંકાં ફેરવીને સૂઈ જાય તોય વિચારમાં તો બાઈસાહેબને ભાઈસાહેબ જ આવેને ! છૂટકો નથી. આ જગત જ આવું છે. એમાંય આપણને એ એકલાં નથી ગમતાં એવું નથી. એમનેય પાછા આપણે ના ગમતા હોઈએ ! એટલે આમાં મઝા કાઢવા જેવું નથી.

'ડૉન્ટ સી લૉઝ, પ્લીઝ સેટલ.' (કાયદા ના જોશો, સમાધાન કરો) સામાને 'સેટલમેન્ટ' લેવા કહેવાનું. 'તમે આમ કરો, તેમ કરો' એવું કહેવા માટે ટાઈમ જ ક્યાં હોય ? સામાની સો ભૂલ હોય તોય આપણે તો પોતાની જ ભૂલ કહીને આગળ નીકળી જવાનું. આ કાળમાં 'લૉ' (કાયદાઓ) તો જોવાતા હશે ? આ તો છેલ્લે પાટલે આવી ગયેલું છે ! જ્યાં જુઓ ત્યાં દોડાદોડ ને ભાગાભાગ ! લોક ગૂંચાઈ ગયેલાં છે !! ઘેર જાય તો વાઇફ બૂમો પાડે, છોકરાં બૂમો પાડે, નોકરીએ જાય તો શેઠ બૂમો પાડે, ગાડીમાં જાય તો ભીડમાં ધક્કા ખાય ! ક્યાંય નિરાંત નહીં. નિરાંત તો જોઈએને ? કોઈ લડી પડે તો આપણે તેની દયા ખાવી કે ઓહોહો ! આને કેટલો બધો અકળાટ હશે તે લડી પડે છે ! અકળાય તે બધા નબળા છે.

નાના છોકરાનેય મહીં બળતરા બંધ થઈ જાયને, તો ગમેને ? એટલે મોટો થયો એટલે 'હું કંઈક છું' કહે છે. અલ્યા 'કંઈક છું' કહીને વાઇફ જોડે ઝઘડો થયો તે નિકાલ કરતાં નથી આવડતું ને કહે છે 'હું કંઈક છું'. વાઇફની જોડે ઝઘડો કરે ને તેય કેસ પેન્ડિંગ છે લોકોના !

જાગ્યો ત્યાંથી ડખો કરે ઘેર,

'વિનંતી કરું' ટાળ વાણી ઝેર!

મનુષ્ય થઈને પ્રાપ્ત સંસારમાં ડખો ના કરે, તો સંસાર એવો સરળ ને સીધો ચાલ્યા કરે. પણ આ પ્રાપ્ત સંસારમાં ડખલ જ કર્યા કરે છે. જાગ્યો ત્યારથી જ ડખલ. પ્રાપ્ત સંયોગોમાં સહેજ પણ ડખલ ના હોય, તો ભગવાનની સત્તા રહે. તેને બદલે ડખો કરે અને પોતાની સત્તા ઊભી કરે છે. 'હં પછી આ આમ કેમ કર્યું આ આમ...' અલ્યા મૂંઆ પાંસરો મરને. ચા પીને છાનોમાનો મોઢું ધોઈને.

અને બીબીય જાગ્યા ત્યારથી ડખલ કર્યા કરે, કે 'જરા આ બાબાને હીંચકો નાંખતા પણ નથી, જો આ ક્યારનો રડ્યા કરે છે !' ત્યારે પાછો ધણી કહેશે, તારા પેટમાં હતો ત્યાં સુધી હું કંઈ હીંચકો નાખવા આવ્યો હતો ! તારા પેટમાંથી બહાર નીકળ્યો તો તારે રાખવાનો, કહેશે. આ પાંસરી ના હોય ત્યારે શું કરે તે ?

પ્રશ્શનકર્તા : ડખો નહીં કરો કહ્યુંને તમે, એ બધું જેમ છે તેમ પડી રહેવા દેવું જોઈએ. ઘરમાં બહુ માણસો હોય ?

દાદાશ્રી : પડી રાખવું ના જોઈએ અને ડખોય ના કરવો જોઈએ.

પ્રશ્શનકર્તા : એવું કેવી રીતે થાય ?

દાદાશ્રી : વળી ડખો હોતો હશે ? ડખો તો અહંકારનું ગાંડપણ કહેવાય !

પ્રશ્શનકર્તા : કંઈક કાર્ય હોય તો કહેવાય ખરું ઘરમાં, કે આટલું કરજો એમ ?

દાદાશ્રી : પણ કહેવા કહેવામાં ફેર હોય.

પ્રશ્શનકર્તા : ઇમોશન વગર કહેવાનું. ઇમોશનલ નહીં થઈ જવાનું ને કહેવાનું એમ ?

દાદાશ્રી : આમ વાણી, કેવી મીઠી બોલે છે કે કહેતાં પહેલાં જ એ સમજી જાય !

પ્રશ્શનકર્તા : આ કડક વાણી, કર્કશ વાણી હોય એને શું કરીએ ?

દાદાશ્રી : કર્કશ વાણી, ત્યારે એ જ ડખો હોયને ! કર્કશ વાણી એમાં શબ્દ ઉમેરવો પડે, કે 'હું વિનંતી કરું છું આટલું કરજો.' 'હું વિનંતી...' એટલો શબ્દ ઉમેરીને કરે.

પ્રશ્શનકર્તા : હવે આપણે એમ કહીએ કે, 'એય થાળી અહીંથી ઉંચક' અને આપણે ધીમા કહીએ 'તું થાળી અહીંથી ઉંચક' એટલે એ જે બોલવાનું જે પ્રેસર છે.....

દાદાશ્રી : એ ડખો ના કહેવાય. હવે પેલા ઉપર રોફ મારો તો ડખો કહેવાય.

પ્રશ્શનકર્તા : એટલે ધીમેથી બોલવાનું ?

દાદાશ્રી : ના, એ તો ધીમેથી બોલો તો ચાલે. અને એ તો ધીમેથી બોલે તોય ડખો કરી નાખે. એટલે તમારે કહેવાનું 'હું વિનંતી કરુ છું. તે આટલું કરજોને !' મહીં શબ્દ ઉમેરવો પડે.

આમને ટેમ્પરરી શાંતિ નથી જોઈતી. આ બધાં પરમેનન્ટ શાંતિ માટે ભેગાં થયાં છે. તમારે શાંતિ ટેમ્પરરી જોઈએ છે કે પરમેનન્ટ ?

પ્રશ્શનકર્તા : પરમેનન્ટ.

દાદાશ્રી : તમારે હઉ પરમેનન્ટ શાંતિ જોઈએ છે ? શું કરવી છે ? વહુ છે, છોકરા ત્રણ છે, પછી.

પ્રશ્શનકર્તા : વહુ તો બધાયને હશે જ ને ! વઢવાડ ના થતી હોય એવું તો મને પોસીબલ (શક્ય) જ નથી લાગતું. અને કોઈ કહેતું હોય તો એ ખોટું છે.

દાદાશ્રી : એમ ?

પ્રશ્શનકર્તા : માણસ પોતાનાં ઘરનાં જોડે જ વઢવાડ કરેને ! પોતાનાં માણસ જોડે !

દાદાશ્રી : બહારનાં જોડે કરેને, તો મારી મારીને છોડાં કાઢી નાખે ! બહારનાં જોડે કરે શી રીતે ? આ ઘરનાં છે તે સાંભળી લે બધા. અને બહાર હોય તો સાંધા તોડી નાખેને એના. એટલે ઘરનાંને જ બધા મારામાર કરે અને પુરુષેય જરા એવું, ઠોકે બધું. સમજ પડીને ? બહાર વઢી જો જોઈએ ? તમે બહાર વઢો છો ? ટ્રાયલ કરી જુઓ છો ?

પ્રશ્શનકર્તા : કર્યો જ નથીને કોઈની જોડે.

દાદાશ્રી : હજુ કર્યો નથી ? કરી જુઓને એકુય....

વણ માગી સલાહ ન અપાય,

અંતર યુદ્ધે સો ભવ બંધાય !

પ્રશ્શનકર્તા : ઘણીવાર મોટી લડવાડ ઘરમાં થઈ જાય છે તો શું કરવું ?

દાદાશ્રી : ડાહ્યો માણસ હોયને તો લાખ રૂપિયા આપે તોય વઢવાડ ના કરે ! ને આ તો વગર પૈસે લડવાડ કરે, તો એ અનાડી નહીં તો શું ? ભગવાન મહાવીરને કર્મો ખપાવવા સાઠ માઈલ ચાલીને અનાડી ક્ષેત્રમાં જવું પડેલું ને આજના લોક પુણ્યશાળી તે ઘેર બેઠાં અનાડીક્ષેત્ર છે ! કેવાં ધન્ય ભાગ્ય ! આ તો અત્યંત લાભદાયી છે. કર્મો ખપાવવા માટે, જો પાંસરો રહે તો.

ઘરમાં સામો પૂછે, સલાહ માગે તો જ જવાબ આપવો. વગર પૂછ્યે સલાહ આપવા બેસી જાય એને ભગવાને અહંકાર કહ્યો છે. ધણી પૂછે કે, 'આ પ્યાલા ક્યાં મૂકવાના છે ?' તો બઈ જવાબ આપે કે, 'ફલાણી જગ્યાએ મૂકો.' તે આપણે ત્યાં મૂકી દેવા. તેને બદલે એ કહે કે, 'તને અક્કલ નથી, અહીં પાછું ક્યાં મૂકવાનું તું કહે છે ?' એટલે બઇ કહે કે, 'અક્કલ નથી ત્યારે તો મેં તમને આવું કહ્યું, હવે તમારી અક્કલથી મૂકો.' આનો ક્યારે પાર આવે ? આ સંયોગોની અથડામણ છે ખાલી ! તે ભમરડા ખાતી વખતે, ઊઠતી વખતે અથડાયા જ કરે ! ભમરડા પછી ટીચાય છે ને છોલાય છે ને લોહી નીકળે છે !! આ તો માનસિક લોહી નીકળવાનું ને ! પેલું લોહી નીકળતું હોય તો સારું. પટ્ટી મારીએ એટલે બેસી જાય. આ માનસિક ઘા પર તો પટ્ટીય ના લાગે કોઈ !

તરછોડ તિરસ્કાર વાણીના ઘા,

વેર ભવોભવ પડે ભોગવવા !

ઘરનાં બધાંને પત્નીને, નાની બેબીને, કોઈ પણ જીવને તરછોડ મારીને મોક્ષે ના જવાય. સહેજ પણ તરછોડ વાગે એ મોક્ષનો માર્ગ ન હોય.

પ્રશ્શનકર્તા : તિરસ્કાર અને તરછોડ એ બેમાં શું ફેર ?

દાદાશ્રી : તરછોડ અને તિરસ્કારમાં, તિરસ્કાર તો વખતે ખબર નાય પડે. તરછોડ આગળ તિરસ્કાર એ બિલકુલ માઇલ્ડ વસ્તુ છે, જ્યારે તરછોડનું તો બહુ જ ઉગ્ર સ્વરૂપ છે, તરછોડથી તો તરત જ લોહી નીકળે એવું છે. આ દેહનું લોહી ના નીકળે, પણ મનનું લોહી નીકળે એવી તરછોડો ભારે વસ્તુ છે.

પ્રશ્શનકર્તા : તિરસ્કારનું અને તરછોડનું, બેઉનાં ફળ કેવાં કેવાં પ્રકારનાં હોય ?

દાદાશ્રી : તિરસ્કારનું ફળ એટલું બધું બહુ મોટું ના આવે. જ્યારે તરછોડનું ફળ તો બહુ મોટું આવે. તિરસ્કાર તો મનુષ્યોને સ્વભાવિક રીતે રહે જ. જેને રાગ હોય એને દ્વેષ હોય જ. અને દ્વેષ એટલે તિરસ્કાર. એ બટાકા ના ખાતો હોય, એટલે એને બટાકા ઉપર તિરસ્કાર રહ્યા જ કરે. દેખે ત્યાંથી એને તિરસ્કાર થાય. જ્યાં ત્યાગ કર્ર્યો હોય ત્યાં તિરસ્કાર વર્તે. જ્યારે તરછોડ તો બહુ મોટી ખરાબ વસ્તુ છે. આ તલવારથી તો દેહને લોહી નીકળે પણ તરછોડથી તો મનને લોહી નીકળે ! તરછોડ સામાના બધાય દરવાજા બંધ કરી દે. જેને આપણે તરછોડ મારી હોયને, એ એનો દરવાજો કાયમ ઉઘાડે નહીં. એ શું કહેશે કે બધાને જવા દઉં પણ તને નહીં જવા દઉ. આપણી તરછોડની એની પાસે ક્ષમા માગી લેને તો એ બધું ઊડી જાય.

આપણા મધર હોય એને આપણે કહીએ કે તું અક્કલ વગરની છે, આમ છે, તેમ છે, તને કશું ખાવાનું કરતાં આવડતું નથી. એ બધો તિરસ્કાર કહેવાય. પણ એને એમ કહીએ કે તું મારા બાપની વહુ થઉં તો ? તો પછી એને તરછોડ વાગે. આ તરછોડ તો એવી વાગે કે એના મનને મહીં લોહી નીકળ્યા કરે. હવે એમાં આપણે શું ખોટું કહ્યું છે ? એ બાપની વહુ ન હોય ? વાત તદ્દન સાચી છે પણ વ્યવહારિક વસ્તુ નથી એ. સત્ય છે પણ નગ્ન સત્ય છે, એવું ના ચાલે. ત્યાં વ્યવહારિક સત્ય જોઈએ. વ્યવહારિક સત્ય કેવું હોય ? કે સત્યની જોડે સામાને પ્રિય લાગે તેવું હોય, સામાને હિતકારી હોય. સામાને અહિતકારી સત્ય એ સત્ય નથી. અને મિત હોય, થોડા શબ્દોમાં હોય. રેડિયાની પેઠ ગા ગા ના કર્યા કરે. એટલે જે સત્ય-હિત-પ્રિય-મિત હોય એનું નામ સત્ય, બાકી બીજું બધું અસત્ય છે. એટલે કેટલાક 'મારા બાપની વહુ' જેવું બોલે ને બધો દુકાળ પાડી દે. પછી મધર શું કહેશે ? રડ્યા, મોઢું ના દેખાડીશ. તું જા અહીંથી, તે પછી પાણી પણ ના પાય.

પણ આ બધી અણસમજણની તરછોડ કહેવાય. જ્યારે પેલી તો સમજણવાળી તરછોડ, એનાથી તો આખું મન કપાઈ જાય. સમજણપૂર્વક તરછોડ મારે ને તો મનના બે ટુકડા થઈ જાય. અણસમજણની તરછોડથી તો લોહી નીકળે પણ પાછું મટી જાય, રુઝાઈ જાય, જ્યારે સમજણપૂર્વકની તરછોડથી તો પેલાનાં મનનાં બે ટુકડા જ થઈ જાય. એવી જાત જાતની તરછોડ મારે છે અને પછી જગતમાં સુખી થવાની ઇચ્છા રાખે છે. પણ કેવી રીતે સુખી થાય ?

એ તરછોડો કોને મારે છે ? પેલા સામા માણસને નથી મારતો, ભગવાનને મારે છે. એટલે તમે અહીં જે જે કરો, જે જે ગાળો દેશો, તો એ ભગવાનને જ પહોંચે છે. એ માણસને પહોંચતી નથી. અહીંના બધા જ, સંસારનાં બધાં જ પરિણામ એ ભગવાન સ્વીકારે છે. માટે એ પરિણામ એવાં કરજો કે ભગવાન સ્વીકારે તો ત્યાં આપણું ખરાબ ના દેખાય.

પ્રશ્શનકર્તા : કેટલાક લોકો પોતાની બૈરીને છોડી દે છે, તો એને તરછોડ ના કહેવાય ?

દાદાશ્રી : જગત એને તરછોડ કહે, બાકી ભગવાન એને તરછોડ ના કહે, એટલે એને તરછોડની કલમ ના લાગે. જો બૈરી જોડે મીઠી મીઠી વાણી વાપરતો હોય, બૈરી કહે કે 'હું હવે શું કરું ? હું તો દુઃખી થઈ જઈશ.' તો તે પેલો મીઠું મીઠું બોલતો હોય કે, 'મારા તો નસીબ જ ફૂટલાં છે. મારે ભાગ તો આવું હશે' એ આમ તેમ કરીને છૂટી જતો હોય તો બૈરીને છોડતાંય બૈરીને તરછોડ ના વાગે.

પ્રશ્શનકર્તા : પણ કોઈ બૈરીને કાઢી જ મૂકે તો તરછોડ ગણાય કે નહીં ?

દાદાશ્રી : એ બૈરીને કાઢી મૂકે તોય તરછોડ ના વાગે. જેને વાણી મીઠી, સારી બોલતાં આવડે છે, તેની કોઈ જગ્યાએ કોઈનેય તરછોડ ના વાગે.

અરે, વાણીના ઘા તો એક અવતાર નહીં સો સો અવતાર સુધી પણ રૂઝાતા નથી. તેથી અમે કહીએ છીએને આ તરછોડ વાગે એવું બોલીશ તો ભવોભવનું વેર બાંધીને શું થશે તારું ? એક જ જીવ એવો નીકળેને તે નક્કી કરે કે મારું જે થવાનું હશે તે થશે પણ આને તો મોક્ષે ના જ જવા દઉં. પોતાને હોડમાં મૂકી દે આખો જ, તો મોક્ષે જવા ના દે. કારણ કે વેરનો સ્વભાવ એવો છે, હોડ મૂકે, સત્તામાં જ ઘાલી દે. અને મોક્ષે જવા ના દે. અને પોતે જાય નહીં. જીવન જીવતાં જ ના આવડે ત્યારે શું થાય ? જીવન જીવવું એ તો બહુ મોટી કળા છે. તે આપણે એકલા જ શીખવાડીએ છીએ. બીજે કોઈ જગ્યાએ જીવન જીવવાની કળા નથી હોતી.

જુઓને, આ જીવન છે ને લડે કરે.... સામસામી લડે જ. આમ દેખીતી વઢવાડ ના કરે, એ મહીં વઢવાડ કરનારા, બહાર વઢવાડ નહીં. એ મહીંલી વઢવાડ કરનારા. બહારની વઢવાડ તો એકાવતારી હોય. એક અવતારમાં એ શૂન્યતાને પામે અને અંદરની વઢવાડ તો સો સો અવતાર સુધી ચાલ્યા કરે !

કર્મ ઉદયે પતિ-પત્ની થયાં,

શાને કટુતા મેણાં ટોણાં નર્યા?

એક બેન છે તે મને કહે છે, તમે મારા ફાધર હોય એવું લાગે છે ગયા અવતારના. બેન બહુ સરસ બહુ સંસ્કારી. પછી બેનને કહ્યું કે આ ધણી જોડે શી રીતે મેળ પડે છે ? ત્યારે કહે, એ કોઈ દહાડો બોલે નહીં. કશું બોલે નહીં. ત્યારે મેં કહ્યું, કોઈક દહાડો કશુંક તો થતું હશેને ? ત્યારે કહે, ના, કોઈક દહાડો ટોણો મારે. હા, એટલે સમજી ગયો. ત્યારે મેં પૂછ્યું કે એ ટોણો મારે ત્યારે તમે શું કરો ? તમે તે ઘડીએ લાકડી લઈ આવો કે નહીં ? ત્યારે એ કહે કે 'ના હું એમને કહું કે કર્મના ઉદયે તમે અને હું ભેગાં થયા છીએ. હું જુદી, તમે જુદા. હવે આમ શું કરવા કરો છો ? શેના માટે ટોણા મારવાના અને આ બધું શું છે ? આમાં કોઈનોય દોષ નથી. એ બધું કર્મના ઉદયનો દોષ છે. માટે ટોણા મારો એના કરતાં કર્મને આપણે ચૂકતે કરી નાખોને ! એ વઢવાડ સારી કહેવાયને ! અત્યાર સુધી તો બધી બહુ બઈઓ જોઈ, પણ આવી ઊંચી સમજવાળી તો આ બઈ એકલી જ જોઈ. હવે આવી વાત કરે કે કર્મના હિસાબે આપણે ભેગાં થયાં છીએ, ત્યારથી ના સમજીએ, કેટલા ઊંચા સંસ્કાર ! એ સંસ્કાર બોલવાના આવડે ક્યાંથી ? અને આ તો સંસ્કારની વાત છેને ! બહુ ઊંચા સંસ્કાર ને ! અને બીજી બઈ હોય તો કહેશે, તમે આવા છો ને તેવા છો ને.... કેટલા વિશેષણ આપે

? ડિક્સનરીમાં ના હોય એટલા હં કે... ડિક્સનરીમાં ખોળવા જઈએ પછી આપણે, કે આ વિશેષણ છે કે નહીં, ડિક્સનરીમાં તો ના હોય એ.

અત્યારે તો ઘરમાં બધાએ ભેગાં બેસવું, ખાવું, પીવું અને પાછું લડવું. એ જ ધંધો માંડ્યો છેને. તેમાં આપણા લોકો તો લાકડી લઈને મારતા નથી, પણ મોઢાના શબ્દો મારે ! શબ્દો બહુ મોટા બૉમ્બ જેવા મારે !

ડાઘિયો ભસ્યા કરે જવાનીમાં,

બંદા 'અપક્ષ' ને મા-બચ્ચાં 'કોંગી' માં!

કોઈ દહાડો ઘરમાં બોક્સિંગ-બોક્સિંગ થાય છે કે ? બોક્સિંગ નહીં ! કે નાનપણમાં થતું હતું ?

પ્રશ્શનકર્તા : બોક્સિંગ તો નથી કરી.

દાદાશ્રી : બોક્સિંગ નહીં ? કસરત કરવાની ટેવ નહીં ! હાથ ઉપડી જાયને ? પછી એ તો ! એકનો હાથ ઉપડે ત્યારે બીજો કંઈ છોડે કે ?

અમારા એક ઓળખાણવાળા ભઈબંધ હતા. જરા મિજાજના તર, તે આખો દહાડો બૈરીની ખોડો કાઢ કાઢ કર્યા કરે. અમથી અમથી નજીવી બાબતોમાં ખોડો કાઢ કાઢ કર્યા કરે. એને સાત તો છોકરાંઓ હતાં, ચાર છોકરા ને ત્રણ છોડીઓ. તે બધાંય બાપાને આમ તીરછી નજરે જુએ કે આ મારાં બાને વઢવઢ જ કર્યા કરે છે. હવે છોકરાં નાનાં, તે ઘડીએ અધિકાર વગર શું કરે ? પણ મનમાં શું રાખે કે આ બાપા મારી માને વઢવઢ કરે છે. તે પછી ભઈબંધને મેં કહ્યું કે, આ છોકરાં મોટાં થશે ત્યારે આ કુરકુરિયાં દેખાય છેને એ બધાં કુરકુરિયાં અને પેલી કૂતરી, બધાં સામા થશે, ત્યારે ડાઘિયાનું તેલ કાઢી નાખશે. કૂતરી અને બધાં કુરકુરિયાં ભેગા થઈને ભસવા લાગે તો ડાઘિયાની શી દશા થાય ? મેં એને કહ્યું, આ બઈને કહેવાનું છોડી દે છાનોમાનો, નહીં તો ઘર આખું બઈની તરફ થઈ જશેને તું એક તરફ રહી જઈશ ! અહીં બચકાં ભરે, અહીં બચકાં ભરે, પેલા કુરકુરિયાં તો માના પક્ષમાં જ બેસે. બાપના પક્ષમાં કોઈ ના બેસે. પછી એ લોકો તારું તેલ કાઢી નાખશે. માટે ચેતીને ચાલજે. તે પછી એ બિચારા સમજી ગયા. નહીં તો આખી જિંદગી માર ખાત ! એટલે સ્ત્રીની જોડે આડું તેડું ના કરશો ! એવું ના કરાય !!

પ્રશ્શનકર્તા : જો આપણે બૈરીને કશું કહીએ નહીં તો એને અવળું પ્રોત્સાહન મળેને ?

દાદાશ્રી : કહેવાનું બધુંય, પણ એને દુઃખ નહીં આપવાનું. ત્રાસ નહીં આપવાનો !

એક બૅન્કના મેનેજર આવેલા. એ મને કહે કે દાદાજી, કોઈ દહાડો ઘરમાં હું બૈરીને કશું કહેતો જ નથી, છોકરાંને કશું કહેતો જ નથી. છોકરાં ગમે તેટલું બગાડ કરે તોય કશું બોલતો જ નથી. ત્યારે મેં કહ્યું કે પેલો બૈરીને મારે છે એ સારો, તું તો એના કરતાંય વધારે નાલાયક કહેવાય. ત્યારે કહે કે કેમ ? કેમ ? એવું કહો છો ? મેં કહ્યું કે બાબો અહીં તોફાન કરતો હોય તો આપણે કહેવું પડે કે આવી રીતે અહીં તોફાન ના કરશો. એને સમજણ પાડીને કહેવું પડે. તું તો કશું બોલતો જ નથી. તેના કરતાં તો આ કબાટ સારું. તું તો કબાટ જેવો થઈ ગયો. લોક જાણે કે આ બાપ થયો. બાકી તો તું એક કબાટ જેવો છું. કઈ જાતનો માણસ છું તે ?

એટલે મારવાનું નહીં, દુઃખ દેવાનું નહીં. તેમ કબાટ જેવા થવાનુંય નહીં. કેવી રીતે રહેવાનું સમજણ પડીને ? એ બઈ ને છોકરાંને સમજાવી પટાવીને વાતચીત કરવી. નહીં તો પછી આપણે કબાટ થઈ ગયા. કોઈ બોલે, ગાળો ભાંડે તો કબાટ કશું બોલે ?

સામો અણસમજણથી દુઃખી થાય તેના આપણે ગુનેગાર નથી. આપણે તો ન્યાયથી સમજાવવું જોઈએ કે આ ભૂલ અહીં આગળ છે, માટે આને દુઃખ થાય છે. ઘરના માણસને તો સહેજેય દુઃખ દેવાય જ નહીં. જેનામાં સમજ ના હોય તે ઘરનાંને દુઃખ દે. અને ધણીએ નક્કી કરવું જોઈએ કે મારી વાઇફને સહેજ પણ દુઃખ ન થવું જોઈએ. એવું નક્કી ના કરવું પડે ? ભલે સુખ ના અપાય, પણ એને દુઃખ ના પડવા દઈએ. એ આપણને દુઃખી કરે તો વાંધો નહીં, ચલાવી લેવાનું. કોઈને દુઃખ દઈને આપણે મોક્ષે જઈએ એ બને ખરું ? અને કળિયુગનાં મનુષ્યો તો એટલાં બધાં અક્કલવાળાં ને તે ઘરનાં માણસોને દુઃખ આપે. આ બહાદુર કહેવાય ? આ શૂરવીર કહેવાય ? બૈરી ઉપર ધણી થાય એ શૂરવીર કહેવાતા હશે ? શું શૂરવીરનાં લડકા ?

મારો સ્વભાવ મૂળ ક્ષત્રિય સ્વભાવ, તે ક્ષત્રિય બ્લડ અમારું, તે ઉપરીને ટૈડકાવાની ટેવ, અન્ડરહેન્ડને સાચવવાની ટેવ. આ ક્ષત્રિયપણું મૂળ ગુણ, તે અન્ડરહેન્ડને રક્ષણ કરવાની ટેવ. એટલે વાઇફ ને એ બધાં તો અન્ડરહેન્ડ એટલે એમનું રક્ષણ કરવાની ટેવ. એ અવળું-સવળું કરે તોય પણ રક્ષણ કરવાની ટેવ. નોકરો હોયને તે બધાનું રક્ષણ કરવાના. એની ભૂલ થઈ હોયને, તોય એને બિચારાને નહીં કહું અને ઉપરી હોય તો માથા તોડી નાખું. અને જગત આખું અંડરહેન્ડની જોડે કચ કચ કરે, અલ્યા મૂઆ, બૈરી જેવો છે તું. બૈરી આવું કરે, અંડરહેન્ડને, આ તમને કેમ લાગે છે ?

પ્રશ્શનકર્તા : બરાબર છે, સાચી વાત છે.

દાદાશ્રી : કંઈ ન્યાય ના હોવો જોઈએ ? અને સ્ત્રીઓની જોડે તો આવું ના થાય. ઘરની અંદર સેફસાઈડ (સલામતી) રાખવી સારી કે નહીં સારી ? ધોલ મારીને આવવી હોય તો આવે, છૂટ છે. પણ ઘરમાં નહીં. સ્ત્રીની જોડે નહીં. ઘરમાં પોતાની સ્ત્રી, વિશ્વાસ રાખવાનું સાધન. ત્યાં વિશ્વાસ સામસામી તૂટી જાય એટલે જીવનયુઝલેસ (નકામું) થઈ જાય.

પત્નીને મારે તે પતિ કસાઈ,

ખીલે બાંધેલી આ ગાય ક્યાં જાય!

પ્રશ્શનકર્તા : આપણે પણ એમની જરૂરિયાત પોષીએ જ છીએને ?

દાદાશ્રી : વળી એટલો બધો રોફ મારવાની શી જરૂર છે તે ? ત્યાં ઑફિસમાં લડોને ! અહીં શું કરવા બાઈની જોડે લડો છો ?

પ્રશ્શનકર્તા : પણ દાદાજી બહાર મારવા જઈએ તો તો એ તો સામે મારેય ખાવો પડે.

દાદાશ્રી : તે આ હમણે માર નહીં ખાવો પડે, હમણે તરત નહીં આપે, એ તો ગાતર ઢીલાં થાય પછી આપશે !

પ્રશ્શનકર્તા : ધણી બૈરીને મારે તો બૈરીએ શું કરવા આમ ટકીને રહેવું જોઈએ માર ખાઈને ?

દાદાશ્રી : પણ એ તો છૂટકો જ નહીંને ટકીને રહે.... સમાજ એવો છેને કે બૈરીને કહીએ તું જતી રહે તોય ના જતી રહે. કારણ કે મને મારા માબાપ શું કહેશે, મારા માબાપનું શું થશે, ફલાણાનું શું થશે, સમાજનું એવું દબાણ છે જબરજસ્ત કે સમાજમાં રહેલી તે ક્યાં નાસી જાય ? આપણે ઘરમાં પૈણી લાવ્યા અને બૈરીને વઢવઢ કર્યા કરીએ, તે શેના જેવું છે ? કે ગાયને ખીલે બાંધીને પછી માર માર કરીએ. ખીલે બાંધીએ ને માર માર કરીએ તો ? આમથી મારીએ તો પેલી બાજુ જાય બિચારી ! આ એક ખીલે બાંધેલી ક્યાં જવાની છે ? આ સમાજનો ખીલો એવો જબરો છે કે ભાગીય ના શકે. ખીલે બાંધેલીને મારીએ તો બહુ પાપ લાગે. ખીલે ના બાંધી હોય તો હાથમાં જ ના આવેને ! આ તો સમાજને લઈને દબાયેલી રહી છે. નહીં તો ક્યારનીય ભાગીને જતી રહેત. ડિવોર્સ લીધા પછી માર જોઈએ ? તો શું થાય ? આ તો ખીલે બાંધેલી, તેવી આ સ્ત્રી પૈણેલી છે, ક્યાં જાય બિચારી ?

પ્રશ્શનકર્તા : એટલા માટે ટકી રહ્યું છે !

દાદાશ્રી : નહીં તો શું થાય ? આપણા લોકો તો બંધનવાળા. ટકી કેમનું રહે ? જાય ક્યાં તે ? આ ફોરેનરો જેવું નહોય આ, કે જતું રહે. મનમાં વિચાર કરે કે મારું દુનિયામાં શું દેખાશે, ખોટું દેખાશે ! આમ કરીને રહે, ટકે, ના નાસી જાય. અહીં એ બઈ બિચારી સહન કરશે બાકી એને કુદરત આ સહન નહીં કરે. આ લોકોને તો ભાન જ નથી કે આનું મને શું દુઃખ પડશે ? મારી જવાબદારી શું છે ?

ઘરના માણસો ખીલે બાંધેલાં જેવા છે, તેને મારીએ તો આપણે નંગોડ કહેવાઈએ. એને છોડી દે ને પછી માર, તો તે તને મારશે અથવા તો નાસી જશે. બાંધેલાને મારવું એ શૂરવીરનું કામ કેમ કહેવાય ? એ તો બાયલાનાં કામ કહેવાય. એટલે વાત એમ છે કે ધણીએ ન મારવું જોઈએ. છતાં મારે છે એ જ ગુનો છે. તે નબળાઈઓ કાઢવાની આપણે કહીએ છીએ. મરાય કેમ સ્ત્રીને ?! એમ સ્ત્રીથી પુરુષનેય કેમ હાથ અડાડાય. હિન્દુસ્તાનમાં બધા પુરુષનેય હઉ હાથ અડાડે છે.

આ તો બૈરાં, છોકરાં, છોડીઓ બધું બાંધેલા છે બિચારાં. ફેમિલીને ના મરાય. એને કશું કહેવાય નહીં. એ આપણને કહી જાય, પણ આપણાથી ના કહેવાય. તમે હેડ ઑફ ધ ફેમિલી કહેવાઓ.

ફોરેનવાળી ખીલે બાંધેલી કેમ નથી અને આ કેમ ખીલે બાંધેલી એ કહે મને તું ?

પ્રશ્શનકર્તા : કેમ ખીલે બાંધેલી નથી, કહો છો ?

દાદાશ્રી : બૈરી ચર્ચમાં જઈને પૈણેલી હોય, તો પૈણેલી તો કહેવાય ને આ છે તે ચૉરીમાં પૈણેલી હોય, પૈણેલી તો બેઉ છે. પણ પેલી ખીલે બાંધેલી ના કહેવાય. ખૂબ ટૈડકાવોને તો જતી રહે 'યુ ડેમ' કરીને અને આ ના જતી રહે. એનું શું કારણ ? ખીલે બાંધેલી એટલે સમાજનો ડર, સમાજમાં મને શું કહેશે એ ડર.

અમે અમેરિકા ગયા ત્યારે એક જણ કહે છે, આ દેશમાં દાદાજી ત્રણ ષ્ (ડબલ્યુ) કયાં કહેતા હતા કે ?

પ્રશ્શનકર્તા : વર્ક (કામ), વુમન (સ્ત્રી) અને વેધર (હવામાન).

દાદાશ્રી : એનું ઠેકાણું નહીં કહે છે. વર્ક (કામ) ક્યારે જતું રહે કહેવાય નહીં, સ્ત્રી ક્યારે ભાગી જાય કહેવાય નહીં અને હવા ક્યારે બદલાય એ કહેવાય નહીં, કહે છે. પણ મેં કહ્યું, આપણા ઈન્ડિયનોને એવું છે ? ત્યારે કહે, ના, ઈન્ડિયનોને માટે નહીં, ફોરેનવાળા માટે ! આપણા લોકોને તો સમાજનું બંધન છે. ના જાય આપણા સંસ્કાર !

પ્રશ્શનકર્તા : હવે આપણુંય એવું થતું જાય છે.

દાદાશ્રી : એમ ? એટલે તે પહેલાં આપણે વિચારવંત, ડાહ્યા થઈ જવું જોઈએ. ફોરેનવાળા ડાહ્યા થઈ શકે એમ નથી. અને આપણે ડાહ્યા થઈ શકીએ એમ છે હજુ.

પ્રશ્શનકર્તા : આ તો અમેરિકામાં હવે એવું થઈ ગયું છે મારે છે ત્યાંય !

દાદાશ્રી : સંસ્કાર આપનારા રહ્યા નહીં એટલે પછી કુસંસ્કારી થયા લોકો. સારી વાત શીખવાડનાર કોઈ રહે નહીં તો પછી માણસ આમ ઊંધે જ રસ્તે ચાલે ને !

નબળો ધણી બૈરી પર શૂરો,

મૌનથી પત્ની પર તાપ પૂરો!

પ્રશ્શનકર્તા : એ તો ઈન્ડિયાનો ધર્મ કહેવાય. પુરુષો બૈરાંઓને ગમે તેમ બોલે ને ?

દાદાશ્રી : એ વાત કેવી છે. 'નબળો ધણી બાયડી ઉપર શૂરો', આપણે ત્યાં કહેવત છે એક. તે ખોટી હશે કે સાચી હશે ?

પ્રશ્શનકર્તા : સાચી.

દાદાશ્રી : હં. મુસ્લિમોનો કાયદો કેવો ? બહારથી મારીને આવે. ઘરમાં હીંચકા હઉ નાખે બૈરીને. અને હિંદુઓનો કાયદો કેવો ? બહાર માર ખઈને મીઆઉં થઈને આવે અને અંદર ઘરમાં લડવાડ કરે. એટલે પછી આપણા લોકોએ કહેવત કાઢી, 'નબળો ધણી બૈરી પર શૂરો'.

કેટલાક માણસો ઘરમાં શૂરા હોય છે તે બાઈડીને આવડા આવડા શબ્દ બોલે, આ કંઈ જાતનો માણસ છું તે ? બીબી ગાળો ના દેતી હોય તોય એ બીબીને દે દે કર્યા કરે ! બાયડી પર શૂરો એનો અર્થ શું ? કે બઈ ઉપર, છોકરાં ઉપર, છોડીઓને આખો દહાડો ટૈડકાવ ટૈડકાવ કરે. એટલે ઘરમાં આવું ના હોવું જોઈએ. આ વાક્ય સાંભળ્યું જ્યારથી નાની ઉંમરમાં કે નબળો ધણી બાયડી ઉપર શૂરો, મેં કહ્યું, ભલા હું નબળો ! આ આમની જોડે શૂરવીરતા કરી મેં ! પોતાની જાતને તપાસી જોવું જોઈએ કે નહીં ? પોતે નબળો નહીં. પહેલાં નબળાઈ થઈ ગયેલી. અમથો, અમથો મતભેદ પડી જાય વાતવાતમાં, પણ પચાસ વર્ષથી તો નહીં જ. કોઈ દહાડો વઢવાનું નહીં. હીરાબાથી ઊંધું છતું થાય તોય વઢવાનું નહીં, વઢું તો હું નાલાયક કહેવાઉં. સ્ત્રીઓને વઢાય નહીં, એ ગુનો છે !

પ્રશ્શનકર્તા : હીરાબાથી રસોઈ બરાબર ના થઈ હોય તોય ના લડો ?

દાદાશ્રી : રસોઈ બરાબર ના થઈ એમ નહીં. એ આમ દેવતા લઈને જતા હોય ને મારી પર પડે તોય ના લડું.

પ્રશ્શનકર્તા : તો પછી આપનાથી ગભરાય કેમ ?

દાદાશ્રી : એ જ, હું ના લડું એટલે જ ગભરામણ બેસે. લડવાથી માણસનું વજન તૂટી જાય. એક ફેરો કૂતરો ભસ્યો, એટલે પેલાં સમજી જાય કે આનામાં બરકત નથી, બરકત વગરનો છે. એ નહીં બોલવાથી જ વજન પડે અને 'ભાભો ભારમાં, તો વહુ લાજમાં', એ સમજાય એવી વાત છે.

પ્રશ્શનકર્તા : બરાબર સમજાયું.

દાદાશ્રી : એટલે હીરાબાને નિરંતર ફફડાટ, કશું બોલું નહીં, વઢીએ નહીં તોય !!

પ્રેમથી જ વહુ વશ વરતે,

મિત્ર જેમ જીવવાની શરતે!

અત્યારે કોઈ બૈરી ધણીને દુઃખ દેતી હોય તો પૂર્વભવનું વેર હોય તો વાળે. આ બધું વેરથી બધું બંધાયેલું છે, પ્રેમથી નથી. પ્રેમ તો મતભેદ જ ના પડવા દે ! એનું નામ લાઇફ (જીવન) કહેવાય !! માટે એને પ્રેમ દેખાડ. અવળી હવળી હોયને તોય તું પ્રેમ દેખાડ. તો એક દહાડો એ પ્રેમને વશ થાય એવી વસ્તુ છે. સ્ત્રી જાતિ પ્રેમને વશ થાય એવી છે. બાકી બીજી રીતે વશ નથી થાય એવી. એને કશું જ જોઈતું નથી બિચારીને, ફક્ત પ્રેમ માંગે છે. ત્યારે ના માંગે એ પ્રેમ ? મા-બાપ છોડીને અહીંયાં આવે તો પ્રેમ ના માગે ? એટલે ફ્રેન્ડ તરીકે રહેવું જોઈએ. જેમ ફ્રેન્ડ હોયને એવી રીતે જીવન જીવવું જોઈએ. પ્રેમથી ! ધણી તો ના થઈ જવું જોઈએને ?

'મિનિટે'ય ભાંજગડ ના પડે એનું નામ ધણી. મિત્ર જોડે જેમ બગડવા નથી દેતા તેમ સાચવવું. મિત્ર જોડે ના સાચવે તો મિત્રતા તૂટી જાય. મિત્રાચારી એટલે મિત્રાચારી. એમને શર્ત કહી દેવાની 'તું મિત્રાચારીમાં, જો આઉટ ઑફ મિત્રાચારી થઈ જાઉં તો ગુનો લાગી જશે. સંપીને મિત્રાચારી રાખ !'

પૈણ્યા, તે સમાજના ડર માટે પૈણ્યા કે આપણને ડર રહે કે નાસી નહીં જવાય હવે. આજ વઢવાડ થઈને, નાસી જાય તો લોકો શું કહે ? એટલા હારુ પૈણવાનું. પછી મિત્રાચારી કરવી. મિત્રાચારીમાં કેવો સારો સંબંધ રાખે ? ફ્રેન્ડ જોડે સિન્સિયર રહે છે, એમ કે ફ્રેન્ડ ત્યાં રહ્યો રહ્યો કહે કે મારો ફ્રેન્ડ આવો. મારા માટે ખરાબ વિચાર કરે જ નહીં. તેમ આના માટે ખરાબ વિચાર ના થાય. ફ્રેન્ડ કરતાં વધારે ના કહેવાય ?

પ્રશ્શનકર્તા : કહેવાય. ખરી વાત છે.

દાદાશ્રી : આપણે તો હવે 'સમભાવે નિકાલ' કરવાનો. ઘરમાં 'વાઇફ' જોડે 'ફ્રેન્ડ' તરીકે રહેવાનું. એ તમારા 'ફ્રેન્ડ' ને તમે એમના 'ફ્રેન્ડ' ! બે મિત્રો બધા સાચવી સાચવીને રહે છે, તો આ મિત્રો કરતાંય વધારે કહેવાય. આ તો ધણી, બે મિત્રો કાયદેસર રહે છે, સાચવી સાચવીને મિત્રાચારી નભાવે છે. અને મિત્રોમાં જો એવો કકળાટ થાય તો મિત્રો છૂટી જાય. પણ આ તો સ્ત્રી છૂટે નહીં, એ તો છૂટે શી રીતે ? સામાજિક બંધન છે, ક્યાં જાય ? એટલે માર ખાય પછી, ગાળો ખાય, સાંભળે અને સ્ત્રીઓય પછી સામી થાય.

(૧૮)

વાઇફ વાળે તોલ સાથે !

રાત્રે ભાંજગડ, સવારે તાંતો,

ચૂંટી લે બાબાને, કરાવે વાતો!૩૩૬

હવે રાતે છે તે બેન જોડે ભાંજગડ થઈ હોય તમારે, તો એ તાંતો એને રહે, તે સવારમાં ચા મૂકે તો ટચકારો મારે આમ. હેય.... એ તમે સમજી જાવ કે હં... તાંતો હજુ તો છે, ટાઢા પડ્યા નથી. સમજ પડીને ?

પ્રશ્શનકર્તા : હા, હા.

દાદાશ્રી : આમ ટચકારો મારે, એનું નામ તાંતો. એટલે એક જણને ત્યાં ગયો હતો હું, તે બઈએ જરા ખખડાવ્યું મહીં. એટલે હું સમજી ગયો કે બઈની જોડે આ ભાંજગડ થયેલી હશે. એટલે મેં કહ્યું, બેન, જો હું બે દા'ડા રહેવાનો છું, તું ભૂલી જજે હં. તું જાણે તારા ધણીને છેતરું, પણ મને નહીં છેતરી શકું. તે મારી હાજરીમાં તણછો માર્યો, કહ્યું. એટલે પછી એના ધણીને રૂબરૂમાં મેં કહ્યું, 'આ એ શું કરે છે, શાથી આ કરે છે ? એ તમને દબાવા ફરે છે. અને તું ગુસ્સે થઈ જઉં એટલે એ જાણે કે હા, ચાલો હેંડો નરમ થઈ ગયો. પણ ગુસ્સે ના થઉં, તો એ વધારે કરે પછી....' આવું કકળાટ છતાં ગુસ્સે ના થાય પેલો, તો પછી અંદર જઈ અને બે-ચાર વાસણોને આમ કરીને પાડે. એ ખણણણ.... અવાજ થાય એટલે પાછો પેલો ચિડાય. જો તોય ના ચિડાયો તો બાબાને ચૂંટી ખણી લે એટલે રડાવે. પછી પેલો ચિડાય, પપ્પો. 'તું બાબાની પાછળ પડી છું. બાબાને શું કરવા વચ્ચે લાવે છે ?' આમ તેમ, એટલે પેલી જાણે કે હં, આ ટાઢો પડી ગયો.

પ્રશ્શનકર્તા : હવે ગરમ થયું હેડ.

દાદાશ્રી : હવે ગરમ થયું હેડ. તે ગરમ કરવા ફરે. એટલે ઢીલો થાય. આ લોખંડનો સ્વભાવ કેવો છે, કે આટલો જાડો સળિયો હોય તો ઠંડો વળે નહીં. એટલે ગરમ કરીને પછી એક મારે ફટકો, તો એ વળે. તે આપણે પણ ગરમ થઈએ કે બૈરી વાળે પછી, જોઈએ તેવું મોલ્ડ કરી લે. એને જોઈતો હોય એવો મોલ્ડ બનાવી લે. તમને વાત ગમી આ બધી ?

પ્રશ્શનકર્તા : હા.

દાદાશ્રી : અને મઝાય એમાં જ આવે છે ને ? હેય, રાત્રે લડ્યા હોય તે, અને પેલા ભાઈ રોફમાં બેઠા હોય બહાર, ચા પીવા ના આવતા હોય, સવારમાં રિસાયેલા હોય તેથી ! તે આ બેનેય શું કરે ? ચા તૈયાર થઈને, એટલે પેલો બાબો હોયને નાનો, એને કહેશે, 'જા તારા પપ્પાજીને કહે, પપ્પાજી ચા પીવા ચાલો.' એટલે બાબો અહીંથી જાય, 'પપ્પાજી, મમ્મી ચા પીવા બોલાવે છે.' ત્યારે કહે, અલ્યા, તારા મમ્મી કે મારા મમ્મી ! એટલે પપ્પાજી તો ખુશ થઈ જાય કે ઓહોહો ! શાથી ખુશ થઈ જાય છે ? મીઠાશ લાગે છે એને, 'પપ્પાજી' બોલે કે તરત આ પાછું ભૂલી જાય. રીસ બધી ભૂલી જઈને ત્યાં પાછો ચા પીવા બેસી જાય. આ 'પપ્પાજી' એ મંત્ર છે. એ પીપૂડી વગાડેને કે પપ્પો ખુશ ! પપ્પો ખુશ થઈ જાય એટલે આવી રીતે ઘરમેળે કરે. 'પપ્પાજી મમ્મી ચા પીવા બોલાવે છે.' સાંભળ્યું એટલે ગાંડો થઈ જાય ! 'પપ્પાજી' કીધું કે ગાંડો ! એને પપ્પો થવું બહુ ગમે છે અને પેલી પણ ચાવી સમજે ! બાકી પપ્પાજીને એવું ના આવડે. વાઇફ ગરમ થાય તો આ 'પપ્પાજી' શું કરે ? બહુ ત્યારે ડફળાવે. બીજું શું કરે ? ડફળાવેલું જીવન ક્યારે શાંતિપૂર્ણ ના રહે. બુદ્ધિથી નિવેડો લાવે. પણ નિવેડો લાવતાં આવડે નહીંને. પોતાને માને બુદ્ધિનો કોથળો. ભાંજગડ કરે નહીં, વાઇફ

જોડે અથડામણ ના કરે એને બુિ

દ્ધ કહેવાય. બુદ્ધિથી ગમે તેવી અથડામણ ટળી જાય.

સિનેમા સજોડે ને બાબો ખભે,

રસ્તામાં યુદ્ધ, લગ્ન કેમ નભે !૩૩૮

એક ભાઈ હતા તે બહાર ફરવા નીકળ્યા, સિનેમા જોવા ગયા. તે બઈ છોકરા માટે કહે છે કે લ્યો, હવે તમે બાબાને ખભે મેલો ! તે બઈ થાકે ને બિચારી ! છોકરાને ભાઈએ નાખ્યો આમ લોચો પાછો ! આમ ખભે નાખીને હેંડવું તો પડેને છોકરાને ! બાપ થયેલો આમ ખભે નાખવું ના પડે ? પછી રસ્તામાં કચકચ કરે તે ચાલે કે હું નથી અડવાનો ?

પ્રશ્શનકર્તા : ના ચાલે.

દાદાશ્રી : પછી ગયા સિનેમા જોવા. અને કેટલાક ધણી એવા હોય છે ખભે મેલે નહીં એ કહે કે તારે લેવો હોય તો લે નહીં તો નાખી દઉં છું, એવું કહે. એટલે પેલી લઈ લે પાછી. નાખી દે એવાય હોય ને ?

શબ્દોના ઘા સ્ત્રી લખે કાળજે,

પચ્ચીસ વર્ષે તાજો, જાણે મળ્યો આજે !૩૩૮

આ તો પાછો વાઈફને દબડાવે, 'જો તું આમ નહીં કરું તો નહીં ચાલે'. ઓહોહો ! મોટો ધણી આવ્યો ! એટલે પછી પેલી નોંધ કરે, કે જરા ટાઈટ છે, તે આપણને ફફડાવે છે. જરાં નરમ થશે એટલે પછી હું ફફડાવીશ. એટલે તેલમાં તળે, તળે પછી. હંમેશાં કર્યું હોય તો ફળ આપે ને ? આપણે ઊંધું કરીએ તો ફળ આપે ને ? કરીએ જ નહીંને ઊંધું તો !! પુરુષો પ્રસંગો ભૂલી જાય અને સ્ત્રીઓની નોંધ આખી જિંદગી રહે. પુરુષો ભોળા હોય, મોટા મનના હોય, ભદ્રિક હોય, તે ભૂલી જાય બિચારા. સ્ત્રીઓ તો બોલી જાય હઉ, કે 'તે દહાડે તમે આવું બોલ્યા હતા તે મારે કાળજે વાગેલું છે. અલ્યા વીસ વર્ષ થયાં તોય નોંધ તાજી !! બાબો વીસ વરસનો મોટો થયો, પૈણવા જેવો થયો તોય હજી પેલી વાત રાખી મેલી ? બધી ચીજ સડી જાય, પણ આમની ચીજ ના સડે ! સ્ત્રીને આપણે આપ્યું હોય તો તે અસલ જગ્યાએ રાખી મેલે કાળજાની મહીં, માટે આલશો કરશો નહીં. નથી આલવા જેવી ચીજ આ, ચેતતા રહેવા જેવું છે.

પ્રશ્શનકર્તા : પણ મનની ઇચ્છા ના હોય, છતાંય હાથ ઉપડી જાય એવો પ્રતિભાવ આવે.

દાદાશ્રી : આવે, આવેને. એ એમાં બને એવું, ના બને એવું નહીં. કેટલાક તો સ્ત્રીને સાણસી ફટકારે. સાણસી લઈને આમ ફટકારીને વ્યવહાર કરે ! આબરૂદાર લોકને, ખાનદાન છ ગામના પટેલ !! આ તો ખાનદાની વેચાઈ ગઈ. આબરૂનું લીલામ થઈ ગયું. સ્ત્રીને સાણસી મારી, તેનું આબરૂનું લીલામ ના થયું કહેવાય ?

એટલે સ્ત્રી જાતિ કાળજે લખી રાખે. માટે કશું કોઈ દહાડોય બોલશો નહીં. એ ભૂલ કરે તોય ત્યાં આગળ આબરૂ રાખજો. બાકી દરેક સ્ત્રીઓ એવી હોય છે એવું નહીં, આ તો સામાન્ય ભાવે કહું છું. તમે રોફ કરો એટલે એ કાળજે લખ્યા વગર રહે નહીંને ! અમારે એક ભઈબંધ હતો. તેને હું રોજ કહેતો હતો કે અલ્યા બૈરી આગળ શાનો રોફ મારે છે ? બઈની કંઈ અમથી ભૂલ થાય તો એકાદ તમાચો આપી દે. અલ્યા શેના તમાચા મારમાર કરે છે ? તું મુરખ છું ! આમ હાથ આપીને તેડી લાવ્યા. હાથ આપ્યો એટલે પ્રોમિસ કર્યું કહેવાય. આઈ પ્રોમિસ ટુ પે, એવું નથી બોલતા ? હવે પ્રોમિસ કર્યું તે એને ધોલ મરાય ? હવે અહીં પેલો ધોલ મારે છે તે શું થાય ? ઘૈડપણમાં એની એ જ બઈના હાથનો માર ખાવો પડશે ! માણસ છે, તે રીસ તો આવેને. રીસ તો હંમેશાંય કોઈ પણ માણસને આવ્યા વગર રહે નહીં. કારણ કે જુદઈ છેને બધી !

કેટલીક સ્ત્રીઓને હું પૂછું કે હસબંડ કેવા છે ? ત્યારે મને કહે, 'નથી પાંસરા'. ત્યારે મેં કહ્યું, આ જ્ઞાન લીધા પછી સુધર્યા નથી ? ત્યારે કહે થોડાક સુધર્યા હશે પણ એમણે પહેલાં જે મને ઘા મારેલા છેને, વચનના, વાણીના ઘા, એ મારે કાળજે લખેલા છે, હજુ ! ઓત્તારી, કાળજે લખેલા છે ! અરે, હવે કાઢી નાખને, સુધર્યા છીએ. એ વાણીના ઘા તો કાળજે લખેલા હોય. કાળજું તોડી નાખે એવા હોય. પેલા ઘા રુઝાય દવાથી, રુઝાય કે ના રુઝાય ? રુઝાય, પણ આ ઘા ના રુઝાય ! કારણ કે પથરો મારેલો તો અડે, શબ્દો કંઈ અડતા નથી. એ તો આપણી ઇચ્છા હોય તો મહીં એવા હ્રદયમાં વાગે, આપણી ઇચ્છા હોયને, તો કાળજે ઘા વાગે. તે પચાસ પચાસ વર્ષ સુધી મહીં પડી રહે. બૈરાંને પૂછું ઘણાંને, હજુય મારો ઘા જતો નથી, પચાસ વર્ષ પહેલાં બોલ્યાં, તે નહીં ગયો હજુ, કહેશે. કાળજે ઘા વાગેલો તે હવે, શબ્દના ઘા પડે. એટલે શબ્દોના ઘા કરવા નહીં અને કોઈ કરે, તો શબ્દ કંઈ ઓછું લોહી કાઢે છે ? લોહી કાઢે ખરું ? કેમ બોલતા નથી ? અને શબ્દ એ છે તે, પાછો એ નથી બોલતો બિચારો. રેકર્ડ બોલી રહી છે. હવે રેકર્ડ એમ બોલે કે ચંદુભાઈમાં અક્કલ ઓછી છે, ચંદુભાઈમાં અક્કલ ઓછી છે, તો આપણને રીસ ના ચઢે. કારણ કે આપણે જાણીએ કે રેક

ર્ડ બોલે છે. અને અહીં આપણે એમ જાણીએ કે આ ભાઈ જ બોલે છે, એટલે રીસ ચઢે પછી. એ પોતે બોલતો નથી, આ બધાં માણસો બોલે છેને, ભેંસ બોલે છે એ બધી રેકોર્ડ બોલે છે ! આ વાત સમજવી પડશેને ? વાત સમજ્યા વગર તો ઉકેલ નહીં આવે !

મારેલા ઘા જે યુવાનીમાં જોરે,

ગાત્ર ઢીલાં થતાં જોખીને લો રે!૩૪૦

પછી, પેલી શું કરે જાણો છો ? એ સાંભળી લે છેને ? તમારા તાપને લઈને નથી સામું બોલતી પછી વખત આવેને ત્યારે પછી પાછું આપે. આપણે કહીએ કે આ શું આપવા માંડ્યું ? ત્યારે કહેશે કે મારે કાળજે લખ્યું હતું તે આપું છું. અને પુરુષો કાળજે ના લખે. હંમેશાં સ્ત્રીને જેટલું તમે કહો, એની જવાબદારી આવે. કારણ કે એ આપણે જ્યાં સુધી શરીર સારું મજબૂત હોયને, ત્યાં સુધી જ સહન કર્યા કરે અને મનમાં શું કહે ? એ ગાતર (સાંધા) ઢીલાં પડશે એટલે રાગે પાડી દઈશ. આ બધાંનાં ગાતર ઢીલા પડ્યાંને તેને બધાને રાગે પાડી દીધેલાં, મેં જોયેલાંય ખરા. એટલે હું લોકોને સલાહ આપું, ના કરીશ મૂઆ, બૈરી જોડે તો વઢવાડ ના કરીશ. બૈરી જોડે વેર ના બાંધીશ, નહીં તો મૂઆ વેષ થઈ પડશે. માટે બીજે બહાર વેર બાંધી આવજે. આને હીંચકો નાખીને રાજી રાખજે. અહીં વેર બાંધવા કરતાં બહાર જઈને બૂમો પાડ. પણ આ આપણી આ હિન્દુ ક્વૉલિટી, ત્યાં જ વેર રાખે. એક ભૂલ કાઢોને એની એટલે એ હંમેશાં, સ્ત્રી જાતિનો સ્વભાવ, આ બેનો બેઠી છેને કહું છું કે એ નોંધમાં લે અને આ ભોળા કશું નોંધમાં ના લે ભૂલી જાય. બિચારા.

પ્રશ્શનકર્તા : હા, હવે ખ્યાલ આવ્યો.

દાદાશ્રી : એ નોંધમાં લે. નોંધમાં લે કે તે દા'ડે મીઠું ઓછું પડ્યું હતુંને, તે દા'ડે છે તે રોફ મારી ગયા છે પણ જ્યારે વખત આવશે ત્યારે કહીશ, કહે છે. પછી ચંપલ આપણા કો'ક લઈ જાય મંદિરમાં અને પછી ઘેર જઈએ. આજ તો મારા ચંપલ જતાં રહ્યાં. ત્યારે કહે છે, તમે તે દા'ડે મીઠાનું કહેતા હતા ને પણ તમારામાં ક્યાં બરકત છે એ તે દા'ડાની વાત અત્યારે આવી. આનું રિઍક્શન હમણે આવ્યું ! આપણા રિઍક્શન તો તરત જ હોય, એમનું રિઍક્શન તો ! વીસ વર્ષ પછી પણ રિઍક્શનો આવે. એના એ જ શબ્દો, મેં જોયેલું છે, અનુભવેલું છે. આપણે કોઈ શબ્દ આપ્યો હોયને તે વીસ વર્ષ પછી રિઍક્શન આપે એ. ત્યારે ક્યાં રાખી મેલ્યું હતું, કઈ ગુફામાં રાખી મેલ્યું. શબ્દ એનો એ જ શબ્દ ! અને આ ભોળા બિચારા, પાટલી ઉપર બેઠા હોયને, આ રેલવેની પાટલી પર તો ચાર જણા આમ હાથ ઝાલીને બેસે. અને એ ત્રણ જ જણી આમ બેસે કે ચોથું ના માય, સમાય જ નહીંને.

સ્ત્રી જુએ કે ગાતર ઢીલાં પડ્યાં છે, ગાતર ઢીલાં સમજ્યા તમે ?

પ્રશ્શનકર્તા : ઘરડા થાય ત્યારે.

દાદાશ્રી : જ્યારે માંદા થાયને મહીં ઢીલા થઈ ગયાને, પછી આપણે કહીએ, જરા હેં... આ શરદી થઈ છે, જરા સૂંઠ ઘસી આલને. 'અક્કલ વગરના બરકત જ નહીં તમારામાં તો.' સાંભળવું પડે પછી. અને પહેલેથી સારું રાખ્યું હોય તો અત્યારે સાંભળવું ના પડે. ગાતર તો ઢીલાં થવાનાં કે નહીં થવાનાં. સમજ પડીને ભઈ ?

નોંધ કરવાનો સ્ત્રીનો સ્વભાવ,

પુરુષો નોબલ ધીર પ્રભાવ !૩૪૨

એટલે વહુ ટૈડકાવે તેની તો બહુ મનમાં નોંધ નહીં કરવી જોઈએ. કંઈક હોય તો મનમાં એ આપણે ગુપ્ત ભાવે રાખી સમાવી લેવું.

પ્રશ્શનકર્તા : પણ વહુને આપણે ટૈડકાવીએ તો વહુ ધ્યાનમાં રાખે છેને એનું શું ? વહુને આપણે ટૈડકાવીએને તો વહુ બધું નોંધ રાખે.

દાદાશ્રી : કારણ કે આપણી નબળાઈ છેને ! અમે ટૈડકાવેલું નાનપણમાં, તેનું ફળ જરા ચાખવું પડેલું. પછી મેં કહ્યું, આપણે આ બંધ કરી દો, આપણું કામ નહીં. પછી એ કરે તો કરવા દેતો હતો. કારણ કે એમને પોતાને કાઢતાં ના આવડે. તેમાં હું શું કરું ? પણ હું તો પછી સપડાઉં નહીં. મતભેદેય પાડવા ના દઉં.

આપણે શા હારુ એની જોડે દુઃખ થાય એવું કરીએ ? અને એ આપણને દુઃખ કરે તો આપણે જમે કરી લેવું, પણ આપણે એને દુઃખ ના આપવું. નોબિલિટી ગુણ આપણામાં હોવો જોઈએને ! એની જોડે સરખામણી કરીએ તો સ્ત્રીમાં ને આપણામાં ફેર શો રહ્યો ? એને મને આમ કર્યું એટલે મેં એને આમ કર્યું, તું મૂઆ સ્ત્રી છે ? એ તો સ્ત્રી છે !!

પ્રશ્શનકર્તા : એ સ્ત્રી કહી શકે ?

દાદાશ્રી : નબળી ચીજ તો કહી શકે. જબરો કેમ કહી શકે ?

પ્રશ્શનકર્તા : તે શું સ્ત્રી નબળી છે ?

દાદાશ્રી : નબળી, દસ ગણી નબળી.

પ્રશ્શનકર્તા : પણ એને નબળી કેમ કહેવાય ?

દાદાશ્રી : નબળી એટલા માટે જ કહેવાય કે એને ડિસ્કરેજ કરીને આપણે સુખી થઈએ નહીં. કારણ કે એ છે તે નોંધ રાખે છે. તે નોંધ રાખે છે કે આ અમુક ટાઈમે મારું અપમાન કર્યું હતું, અમુક ટાઈમે મને ગાળ ભાંડી હતી, અમુક ટાઈમે મને પૈસા નહતા આપ્યા. ખરે ટાઈમે મને આમ કર્યું હતું, તે બધું એની પાસે નોંધ વિગતવાર હોય છે.

પ્રશ્શનકર્તા : બધી નોંધ કરી છે એ લોકોએ.

દાદાશ્રી : હા, અને તમારી પાસે એકુય નોંધ ના હોય. સ્ત્રી એ જાણે કે આ બરકત વગરના છે.

પ્રશ્શનકર્તા : આ નોંધ બધી રાખે એ તો સબળી કહેવાય. એ નબળી કેમ કહેવાય ?

દાદાશ્રી : નબળીની દ્ષ્ટિ, બીજી વાત છે. નબળી છે એટલે શું કે બેભાનપણાને લઈને એ સ્ત્રી તરીકે રહી છે, નહીં તો રહે જ નહીં.

સામસામી નોંધ કરી બાંધે વેર,

પાર્શ્વ સો કમઠે ઓક્યું ઝેર !૩૪૩

અને પછી છે તે સામસામી, વારે ઘડીએ ગોદા મારમાર થાય એટલે મનમાં નક્કી કરે કે હુંય મારીશ એને, વખત આવે ત્યારે ગોદો. ઝઘડા વધી જાય. વેર વસ્તુ જ ના રાખવી. એ મારી જાય બે-ચાર વખત, તો આપણે હાર્યા. હાર્યા પછીય જીતવાનો વખત છે, પણ જીતીને ફાયદો નથી. આમ ઘરમાં કોની જોડે જીતવાનું ? બહાર જીતીને આવો. ઘરમાં પોતાનાં માણસો, રોજ ભેગું થવાનું પાછું. ભેગું થવાનું કે નહીં થવાનું ?

અને સ્ત્રીઓ માનભંગ થાય તે આખી જિંદગી ના ભૂલે. ઠેઠ નનામી કાઢતાં સુધી એ રીસ સાબૂત હોય ! એ રીસ જો ભૂલાતી હોય તો જગત બધું ક્યારનુંય પૂરું થઈ ગયું હોત ! નથી ભૂલાય એવું માટે ચેતતા રહેજો. બધું ચેતીને કામ કરવા જેવું છે ! આમાં મજા જ શું છે ! મજા ખોળી કાઢો કે કઈ રીતે આપણને સુખ, શાંતિ રહેવાય અને મોક્ષે જવાય. નહીં તો આટલું જ જરા વેર બંધાયેલું હશે, તો કહેશે, તમે મોક્ષે શું જાવ, હું જોઈ લઉં છું ! તમને તો ગોળીબાર કરે જ. ભગવાનની પાછળ પડ્યા હતા. પાર્શ્વનાથ ભગવાનની પાછળ કમઠ પડ્યા હતા, દસ અવતાર સુધી. દમ કાઢી નાખ્યો. પણ ભગવાન હતા, પાર્શ્વનાથ હતા એટલે ફાવ્યા....

રમા રમાડવી સહેલ છે,

વિફરી મહા મુશ્કેલ છે !૩૪૪

આપણી સ્ત્રી જાતિ મૂળ સંસ્કારમાં આવેને, તો એ તો દેવી છે. પણ આ તો બહારના સંસ્કાર અડ્યા છેને, એટલે વિફરી છે હવે. વિફરે !! તેથી શાસ્ત્રકારોએ કહ્યું સ્ત્રી તો, સ્ત્રી છે સરસ. રમા રમાડવી સહેલ છે, વિફરી તો મહા મુશ્કેલ થઈ જાય અને વિફરે એવું કરે છે આપણા લોકો. સળી કરીને વિફરાવડાવે. અને વિફરે તો પછી વાઘણ જેવી કહેવાય. ત્યાં સુધી ન જવું જોઈએ આપણે. મર્યાદા જોવી જોઈએ. અને ત્યાં આપણે સ્ત્રીને છેડ છેડ કરીએ તો ક્યાં જાય એ બિચારી ? એટલે પછી વકરે ! પહેલાં વકરે અને પછી વિફરે અને વિફરી કે પછી થઈ રહ્યું ! માટે એને છંછેડશો નહીં. લેટ ગો કરવું. વિફરેલાને ઓળખાય કે ના ઓળખાય વિફર્યું ? 'રમા રમાડવી સહેલ છે. વિફરી મહા મુશ્કેલ છે.'

પ્રશ્શનકર્તા : એ બરાબર બેસી ગયું દાદા.

દાદાશ્રી : ઇન્ડિયામાં બધા મહાત્માઓને કહી દઉ હં. મેં કહ્યું, વિફરે ત્યારે મને કહી દેજો. સમી કરી આલીશ. મહાત્મા બિચારો કચડાઈ જાય ને, વિફરે ત્યારે ? પેલી ખલાસ કરી નાખે. પણ પછી રાગે પાડી આલું. ફરી માફી માંગીને રાગે પાડી દઉ. એનો રોફ રાખીને, ધણીપણું કરાવડાવીને રોફ રાખીને. પણ વિફરે ત્યાં સુધી કોઈને ના છંછેડવા. છોકરો પણ વિફરે એવું ના કરવું જોઈએ. માટે વિફરે નહીં, એવો પ્રયત્ન રાખજો. વિફરે એટલે વાઘણ જેવી થાય ! આટલી જીભ બહાર કાઢે ને પછી ત્રિશૂળ લઈને ફરી વળે. તે વિફર્યા પછી તો ધણી ને 'હતો ન હતો' કરી નાખે. એને એ વિચાર ના આવે, એ પરિણામવાદી ના હોય સ્ત્રી અને પુરુષ તો પરિણામવાદી હોય. એટલે સમજીને કરજો બધું, ચોકઠાં રમો તે ઘડીએ. ચોકઠાં રમવા સહેલાં નથી આ.

પ્રશ્શનકર્તા : લોઢાના ચણા ચાવવા જેવું છે.

દાદાશ્રી : હા. અમે શી રીતે કાઢ્યા હશે તે અમે જાણીએને ! રોફ રાખીને અમે કોઈ દહાડો વિફરવા નહોતાં દીધાં.

પ્રશ્શનકર્તા : વિફરે તો શું કરવું ? એ જરા બતાવો.

દાદાશ્રી : વિફરે તો ધણી ત્રણ દહાડામાં હતો ન હતો થઈ જાય. ત્યાં સુધી સ્ત્રી પહોંચે. માટે ચેતતા રહેજો. આજની સ્ત્રીઓને તો વિફરતાં આવડ્યુંય નથી.

પ્રશ્શનકર્તા : આ લોકોને શીખવતા નહીં વિફરવાનું. નહીં તો ધણીનું આવી બનશે.

દાદાશ્રી : ના, શીખવું નહીં, એ દોરી અવળી વીંટશે, એ તો વિફરતી હોય તો એને બંધ કરાવી દેવડાવું. એમાં સુખ નથી. ઊંધો રસ્તો છે, માર ખાવાનો રસ્તો. આ તો આગળના અનુભવીઓએ શોધખોળ કરેલી ! રમા રમાડવી સહેલ છે, વિફરી મહામુશ્કેલ છે ! લાવોને લાખ રમાઓ હોય તો જુઓ મારી જોડે જરાય છે એને કશુંય ! એટલે બહુ ઊંચી જાતિ, સરસમાં સરસ જાતિ છે. પણ તમને આવડે નહીં, તેમાં શું કરે ? આ વિફરે તો અમે રાગે પાડી દઈએ, જે વિફરેલી હોયને, એને અમે રાગે પાડી દઈએ. પછી એનેય સુખ પડે ને ઘરવાળાઓનેય સુખ પડે. વિફરેલી હોય કે ના હોય ? વિફરે કે નહીં ?

પ્રશ્શનકર્તા : ખરીને ?

દાદાશ્રી : પુરુષ તો ભોળા બિચારા !

પ્રશ્શનકર્તા : સ્ત્રીઓ વિફરે એનું કારણ એ કે હવે એ કમાઈ લે છે, પૈસા લાવે છે, એટલે એ વિફરે છે ? આ એનું કારણ છે ?

દાદાશ્રી : હા, તેથી વિફરી છે ને ? પૈસા, ડૉલર લાવે. અને ભઈને છે તે 'જોબ' જતી રહેલી હોય, પછી વિફરે જ ને ?

પ્રશ્શનકર્તા : આ સ્ત્રીઓને આજની હવા લાગી એટલે વિફરી, એવું પુરુષોનેય હવા તો લાગી હશેને ! એમનુંય કંઈક થયું હશેને !

દાદાશ્રી : બહુ લાગી છે, આ કંઈ ઓછા નથી ! એ કંઈ જેવા તેવા નથી. કોઈ પણ માણસ વિફરે નહીં ત્યાં સુધી ચલાવીએ. પણ જો વિફરે તો હું અધિકાર લઈ લઉં ! વિફરે નહીં ત્યાં સુધી અધિકાર એનો. વિફરે ત્યારે અધિકાર લઈ લઉં એ તો સત્તા મારી પાસે રહેલી હોય. એ કહે કે ના હમણે ને હમણે ઊઠો તમે ? વિફરે કે હડહડાટ લઈ લઉં સત્તા એક મિનિટમાં ! વિફરવું નહીં જોઈએ. મોટામાં મોટો ગુનો હોય તો વિફરવું. બધા ગુના એક્સેપ્ટ કરીએ. વિફરેલું ગુનો નહીં ચલાવીએ.

વિફરે શબ્દ સમજ્યાને તમે ? તે વિફરી શબ્દમાં હું બહુ ઝીણવટથી ઊંડો ઉતરેલો. કોને વિફરી કહેવા માગે છે આ લોક ? મહામુશ્કેલી કોને કહે છે ? ત્યારે કહે વિફરી શબ્દનો જ એવો અર્થ છેને ? વિફરી મહામુશ્કેલ ! એટલે ઘણા મિત્રોને કહી દીધેલું કે આ વાઇફ વિફરે નહીં એટલું જો જો હં. નહીં તો આબરૂ લઈ લે !

પ્રશ્શનકર્તા : અચ્છા, એમાં એવુંને વિફરે એટલે શુંનું શું કરી નાખે ?

દાદાશ્રી : વિફરે એટલે શું કરે ? તમે અહીંથી પાણી પીવા જાવ, એમાં ઝેર હઉ ઘાલી દે. તેથી અમે કહીએ છીએને વિફરે એટલે અમે કંટ્રોલ બધો લઈ લઈએ. તે ગમે તે જવાબદારીનું કામ હોય પણ તેનો કંટ્રોલ બધો અમારા હાથમાં જ લઈ લઈએ. લગામ અમે હાથમાં લઈ લઈએ. વિફરવાનું ના હોય અહીં આગળ. હું તમારા તાબામાં છું, પણ વિનય ! પરમ વિનય એ આપણો ધર્મ છે. અમે તો તમારાય તાબામાં. તમે કહો કે દાદા અહીં બેસી રહો તો કહીએ નહીં. ચાલો કાલે જઈશું. અમારે એવું નથી કે અમારો તાબો જોઈએ છે. પણ પરમ વિનયનો ઘાત કર્યો, એ વિફર્યો કહેવાય. એનો ઘાત તો ન જ થવો જોઈએ. પરમ વિનયનો ઘાત કરવો અને આત્માનો ઘાત કરવો એ બે સરખું છે. એ આત્મઘાત ઉપાય છે. જુઓને કેવું બોલેલા ! 'રમા રમાડવી સહેલ છે.' તે અત્યારના લોકોને આવડતી નથી તે મેર મૂઆ રમા રમાડતાં શીખ. રમા રમાડતાં આવડતું નથી !

પ્રશ્શનકર્તા : ના, પણ એ જે વિફરી શબ્દ છે, એનું જો પિક્ચર બરાબર ક્લિયર થઈ જાય....

દાદાશ્રી : એ હું બહું ઊંડો ઉતર્યો કે આ શબ્દ આટલો બધો ભારે કે વિફરી મહા મુશ્કેલ !! મહા મુશ્કેલ એટલે મુશ્કેલ શબ્દનો અર્થ જ મુશ્કેલ ! મહા મુશ્કેલ એટલે તો આખું જગત નાશ કરી નાખે એવું ! તે આ વિફરી શબ્દ મને બહુ ગમેલો. ભલે આપણે લેખક નથી પણ આ સમજીએ ખરાં કે આ શું છે ? લેખકનેય આવી સમજણ ના હોય કંઈ. વાક્ય રચના ના ફાવે !

પ્રશ્શનકર્તા : સામાન્ય રીતે એવું ત્યાં સૌરાષ્ટ્રમાં જે વાઘ ને સિંહને હોયને એની સાથે જે વાઘણ હોય તે વાઘણ વિફરે. વિફરે એટલે સામાને મારી જ નાખે.

દાદાશ્રી : મારી જ નાખે ! હા, વિફરે એટલે ખલાસ કરી નાખે. નહીં ? વિફરે એટલે તો બહુ ખરાબ, વિફરવા ના દેવાય. અને એક બાજુ સરસેય લખ્યું છે, કે 'રમા રમાડવી સહેલ છે.' પણ સમજતાં જ ના આવડે તેને શું કરે બિચારો ? મને કેટલાક કહે છે, આ તો જરા હું ફફડાવું નહીંને, તો પછી મારી ઉપર ચડી બેસે ! મેં કહ્યું અલ્યા આનો પુરાવો શું ચઢી બેસવાનો ? 'એક દહાડો સામું બોલી ગઈ.' એ તો છો ને બોલી ગઈ. આપણે નિરાંતે સૂઈ જઈએ. સવારમાં ચા પીને પછી વાત કાઢીએ એની પાસે !

એટલે શક્તિ, દેવી જેવી છે, રમાડવી સહેલી છે. રમાડવીમાં રમણતા પણ આવે છે. અને બધું આવે. ઘણો ભાગ આવી જાય છે રમાડવામાં, અને જો વિફરી મહા મુશ્કેલ !

એક આંખે પ્રેમ બીજી કડક,

તો જ ઘરમાં શાંતિની ઝલક!

અને સ્ત્રી તો વિફરશે, તે તારી બુદ્ધિ નહીં ચાલે, તારી બુદ્ધિ એને બાંધી શકશે નહીં. માટે વિફરે નહીં એવી રીતે તું વાતો કરજે. આંખમાં પ્રેમ જબરજસ્ત રાખજે. વખતે એ અવળું હવળું બોલેને તો એ તો સ્ત્રી જાતિ છે, માટે લેટ ગો કરજે. એટલે એક આંખમાં સંપૂર્ણ પ્રેમ રાખવાનો, બીજી આંખમાં જરાક કડકાઈ રાખવાની, એવી રીતે રહેવું જોઈએ. જે વખતે જે જરૂર હોય તેવું, બિલકુલ કડકાઈ રોજ કરાય નહીં. એ તો એક આંખમાં કડકાઈ અને એક આંખમાં દેવી તરીકે માનવું, દેવી તરીકે સમજ પડીને ?

પ્રશ્શનકર્તા : એક આંખમાં કડકાઈ અને એક આંખમાં દેવી, એ બે એટ એ ટાઈમ કઈ રીતના રહે ?

દાદાશ્રી : એ તો માણસને, પુરુષને બધું આવડે ! અમે ઘેર આવતા હતા, હું ત્રીસ-પાંત્રીસ વર્ષનો હતોને, તો ઘેર આવુંને, તે હીરાબા એકલા નહીં, બધી સ્ત્રીઓ મને દેખે તે આંખમાં કડકઈ દેખે અને એક આંખમાં પૂજ્યતા દેખે, તો બધી સ્ત્રીઓ માથે ઓઢીને બેસે અને આમ તેમ ટાઈટ થઈ જાય બધી. અને હીરાબા તો મહીં, ઘરમાં પેસતાં પહેલાં ભડકે. બૂટ ખખડ્યો કે ભડકાટ પેસી જાય. એક આંખમાં કડક, એકમાં નરમ. એના વગર સ્ત્રી રહે જ નહીં. તેથી હિરાબા કહેને, હેય, દાદા કેવા છે ?

પ્રશ્શનકર્તા : તીખા ભમરા જેવા.

દાદાશ્રી : તીખા ભમરા જેવા છે. એવું કાયમ રાખીએ. એમ, સહેજે થથરાવાનું નહીં. ઘરમાં પેસીએ.... કે ચૂપ, બધું ઠંડુંગાર જેવું થઈ જાય, બૂટ ખખડે કે તરત !

જ્યારે ધર્મ પર આવ્યો આંતરો,

ત્રાગાથી કાઢ્યો હીરાબાનો કચરો!

કડકાઈ શાથી કે એ ઠોકર ના ખઈ જાય એટલા માટે કડકાઈ રાખજે. એટલા માટે એક આંખમાં કડકાઈ અને એક આંખમાં પ્રેમ રાખવો.

પ્રશ્શનકર્તા : એ નાટકની ખબર પડી જાયને એને ?

દાદાશ્રી : એટલી જો સમજણ હોત તો બૈરી જ ના થાત. એટલી સમજણ ના હોય. એ તો એમ જ જાણે કે સ્વભાવ આકરો છે. અમે જ એક દહાડો ત્રાગું કર્યું હતુંને ! એ વાસણો બધા, ખાંડના, ચાના ડબ્બા, ઘાસતેલના ડબ્બા ને તેલના ડબ્બા બધું ફેંકાફેંક કરેલું. બધો રગડો કરેલો, ઓરડામાં રગડો રગડો થઈ ગયો બધો.

પ્રશ્શનકર્તા : ધાર્યું કરાવવા ?

દાદાશ્રી : હા. આખી જિંદગીમાં એટલું જ ત્રાગું કરેલું, એને ત્રાગું કહેવાય. દબાવી મારવા, તેય પારકા હારુ, ધર્મને માટે કરવું પડેલું. મારા પોતાના માટે કશું કરેલું નહીં. કારણ કે હીરાબાને અમે કહ્યું કે આવું તમારાથી વર્તન ના કરાય.

વાત એવી હતી, અમને જ્ઞાન થયા પછી મામાની પોળમાં બિચારી છોડીઓ વિધિઓ કરવા આવે. તે હીરાબાને તો બિચારાંને કશો રોગ નહીં, બિચારાં સરસ માણસ. પણ સામા બારણે બેસે ને, તે પેલાં બૈરા બધાંએ એમને ચઢાવેલાં કે 'હાય હાય બાપ, આ બધી નાની નાની છોડીઓ દાદાને આમ પગે પડીને 'ટચ' કરે છે. બહાર બધું ખોટું દેખાય. આ તો સારું દેખાય ? દાદાજી સારા માણસ છે, પણ આ ખોટું દેખાય છે. આમાં દાદાની શી આબરૂ ?' લોક જાત જાતના આરોપ કરે અને તે આવું ઘાલી દીધું ! તે આ હીરાબા ગભરાઈ ગયેલાં કે આ તો આપણી આબરૂ જાય છે. આમ પોતે સારાં માણસ તે લોકોએ નાખ્યું મહીં મીઠું ! દૂધમાં મીઠું નાખે તો શું થાય ?

પ્રશ્શનકર્તા : ફાટી જાય.

દાદાશ્રી : તે હું જાણતો હતો કે આ લોકોએ મીઠું નાખવા માંડ્યું છે, તે ફાટશે જ્યારે ત્યારે ! પણ મેં રાહ જોયેલી. પણ એક દહાડો એક બેન વિધિ કરતી હતી. તે હીરાબાએ પૂંજો વાળતાં વાળતાં બારણું આમ ખખડાવ્યું. કોઈ દહાડો એવું કરે નહીં. અમારે ત્યાં ઘરમાં રિવાજ જ નહીં આવો. પેલી છોડી ભડકીને જતી રહે એટલા હારું જ કરેલું, મને ભડકાવવા માટે નહીં. છોડીઓ જાણે કે હમણાં હીરાબા વઢશે. તે છોડી આમ વિધિ કરતી કરતી ધ્રૂજી ગઈ. હું સમજી ગયો કે આની પાછળ ચાળા છે. આ ચાળા ના સમજણ પડે, બળ્યા ? અત્યારના જેવો ભોળો હોઈશ તે દહાડે ? પછી મેં કહ્યું, 'હવે તમારે ને આપણે, બેને જુદું કરી નાખીએ. આ તો ના પોષાય. એટલે હવે તમે ભાદરણ રહો. અને ત્યાં તમારે રૂપિયા પાંચસો, સાતસો જેટલા જોઈતા હોય એટલા મહિને મોકલી આપશે. હવે આપણે બેને ભેગું રહેવાનું નહીં. ત્યાં ચંદ્રકાન્તભાઈ, ભાણાભાઈ એમ પાંચ-છ જણ બેઠા હતા. તેમનેય શીખવાનું મળેને, કો'ક દહાડો, ઉપદેશ મળેને !'

હીરાબા ફરી પાછાં ચા મૂકવા માંડ્યા. તે સ્ટવ ખખડાવ્યો હડહડાટ, તે 'સ્ટવ' રડી ઊઠે એવો ! મેં કહ્યું, આજ ખખડામણ ચાલી છે, આપણે 'સ્ક્રુ' ફેરવો. નહીં તો ઊંધુ ચાલ્યું ગાડું. તે મેં તો મહીં જઈ ચાના, ખાંડના, તેલના, ઘાસતેલના ડબ્બા બધા ઉપરથી નીચે ફેંક્યા. બધું ફેંકાફેંક કર્યું, બધું હડહડાટ. જાણે ૪૦૦ વૉલ્ટ પાવરનું અડ્યું ! બધાનો રગડો કર્યો. સામેથી પેલા ચઢાવવાળાં બેન આવ્યાં. આજુબાજુથીય બધા આવ્યા. તેમને મેં કહ્યું, 'આ હીરાબા આવાં દેવી જેવાં બઈ, એમનામાં 'પોઇઝન' કોણે નાખ્યું ?' પડોશવાળા કહે, 'ભઈ, તમારાથી આવો ક્રોધ ના થાય. જ્ઞાની પુરુષ છો તમે. મેં કહ્યું, 'જ્ઞાની પુરુષનો ક્રોધ જોવા જેવો છે, જુઓ તો ખરાં.' પછી મેં કહ્યું, 'આ મહીં નાખ્યું ત્યારે જ આ દશા થઈને ! શું કરવા આવું નાખ્યું ? શું બગાડ્યું છે તમારું ?' ત્યારે એ કહે, 'ભઈ અમે કશું નાખ્યું નથી. અમે વાત કરી હતી એટલી જ.' 'આ શા હારુ ? એમની જિંદગી ખરાબ કરી છે તમે લોકોએ ?' ત્યારે કહે 'શું જિંદગી ખરાબ કરી ?' મેં કહ્યું, 'હવે છૂટું રહેવાનું થયું એમને. હવે ભાદરણ આપણું નવું મકાન બાંધ્યું છે, તેની મહીં હીરાબાએ રહેવાનું. મહિને ખર્ચ બધો આપીશું.' ત્યારે એ કહે, 'ભાઈ એવું ના થાય, ના થાય એવું.

ઘૈડે ઘૈડપણ્

ા થતું હશે ?' મેં કહ્યું, 'જે માટલાને તિરાડ પડી એ માટલું કામમાં શું લાગે ? એ તો પાણી ઝમે. પાણી ગમે એટલું ભરીએ તોય બહાર નીકળી જાય. માટલાને તિરાડ પડી હોય તેને રખાય ?' આમ કહ્યું એટલે પડોશીઓ ગભરાઈ ગયા. 'આવું બોલો છો ? માટલાને તિરાડ પડી ગઈ ?' લોક સમજી ગયાં કે હવે હીરાબાને જુદું થવાનું. હા, ધર્મ ઉપર આફત ના આવવી જોઈએ.

તે દહાડે ખાંડ-બાંડ, ચા-બધું ભેગું કરી દીધું, પણ વીતરાગ ભાવમાં ! સહેજે પેટમાં પાણી હાલ્યા વગર ! ચંદ્રકાંતભાઈ, ભાણાભાઈ બધા બેઠા હતા. બધાને કહ્યું, 'શીખજો ઘેર.' પછી બીજે દહાડે એનું ફળ શું આવ્યું ? પેલા પાડોશીઓ હીરાબાને ઊલટા સમજણ પાડ પાડ કરે કે 'ભઈને ઉપાધિ થાય એવું ના કરશો. કોઈ આવે તો છો આવે. આપણે માથાકૂટમાં ના પડવું.' ઊલટા હવે સવળું શિખવાડવા માંડ્યા. કારણ કે એમના મનમાં ભડક પેસી ગઈ કે હવે જે કંઈ થશે તે આપણા માથે જ આવવાનું છે, માટે આપણે હવે ચેતતા રહેવું. મેં કર્યું હતું જ એવું કે ફરી આ લોકો કરતા હોય તો ખો ભૂલી જાય. પછી ફરી એવું કરવું પડ્યું. નથી. પછી કોઈ દહાડો નહીં. એટલી દવા કરેલી. હજુ યાદ હશે એમને. એ તો એમનેય ચગ્યુંય હતું. કોઈ દહાડો ચગે નહીં. આ પેલા લોકોએ શિખવાડી રાખેલું બધું કે જરાક વધારે કરશો તો છોડીઓ જતી રહેશે, પછી પેસશે નહીં. કો'ક વખત આ જ્ઞાનીનો અવતાર હોય ને બિચારી છોડીઓ દર્શન કરવા આવેને ? એને અશાંતિ રહે છે તેથી આવી છે ને ! જંપીને દર્શન તો કરવા દો લોકોને. તે એટલે સુધી શિખવાડેલું કે દાદા પૈણશે આ છોડીઓ જોડે ! એવુંય શિખવાડ્યું હતું કે આ દાદાને લઈ જશે ! અરે, એવું હોતું હશે ? કેટલા વર્ષનો હુ

ં ડોસો થયેલો માણસ, તે કઈ જાતનું આવું શિખવાડેલું ! પણ એમનો શો દોષ બિચારાંનો ? હીરાબાને એમ પણ સમજાય કે આ મારી ભૂલ છે. આ છોકરીઓ સત્સંગમાં આવતી હતીને, પણ એમને પોતાને સો ટકા ખાતરી હતી કે આ તો મોરલ ને સિન્સિયર છે. પણ આ તો લોકોમાં ખોટું દેખાય, એટલા માટે 'તમે છોડી દો આ કહેલું' ત્યારે કંઈ છોડ્યું છૂટે એવું છે ? આ તો 'વ્યવસ્થિત' અને એ તો અણસમજણમાં બોલે. એ તો કંઈ દહાડો વળતો હશે ? અને આ રેલવેલાઈન ઊખેડી નખાય ? ત્યારે આપણે રસ્તો તો કરવો પડે. એટલે પછી પેલા બૂચથી ના ચાલે. એ તો આંટાવાળો બૂચ મારવો પડે. આંટાવાળો બૂચ મારીએ એટલે પછી ઊખડી ના જાયને !

પ્રશ્શનકર્તા : પેલું જે નાટક કર્યું હતું એ કપટ નહીં ?

દાદાશ્રી : ના, આમાં કપટ નહીં. એ તો દૂધ ઊભરાતું હોય ને લાકડાં કાઢી લઈએ એ કંઈ કપટ ના કહેવાય. દૂધપાક ઊભરાતો હોય તો લાકડાં કાઢી લઈએ, એ કપટ કહેવાય ?

પ્રશ્શનકર્તા : પણ આશય તો કંઈ સારું કરવાનો ખરોને ?

દાદાશ્રી : એમને ચોખ્ખા કરવાનો. તે ઘડીએ બધા બેઠા હતા. તે સજ્જડ થઈ ગયેલા ! બધા બેઠા હોય ત્યારે જ આબરૂ લઉં, નહીં તો એમ ને એમ આબરૂ લઉંય નહીં. નહીં તો એ ગળી જાય. કહેશે, 'ઓહોહો ! કોઈ હતું જ નહીંને !' તે ગળી જાય ને આપણી મહેનત નકામી જાય. હીરાબાને અનુભવ, તે અમને જાણે કે સિન્સિયર ને મોરલ છે જ. એ તો પેલા એકલા કેસમાં જ છે તે એમના મનમાં જરા પેસી ગયું. તે પેલું કાઢવું મુશ્કેલ પડ્યું અને તે સ્યાદ્વાદ રીતે ના નીકળ્યું. એટલે આ બીજી રીતે કાઢવું પડ્યું, પણ દવા એવી કરી કે ફરી હીરાબા કશું કરવા જાય ત્યારે કહે, 'એ ના કરશો આપણે ભાઈનામાં પડવું જ નહીં. ભાઈનો સ્વભાવ બહુ કડક છે. આવો કડક સ્વભાવ, તે મહાદેવજી જોઈ લો ને !' એટલી બધી છાપ પાડી દીધી ને હીરાબા જાણે તે હજીય તીખા ભમરા જેવા કહે છે.

એ તો 'જ્ઞાની' થઈને બેસવું સહેલું નથી. કોઈને આવા ફણગા ફૂટે તો બધા મૂળમાંથી કાઢી નાખે. નહીં તો એ ફણગા તો મોટા ઝાડ થઈ જાય. જુઓને પછી એ 'કશું બોલવું નહીં.' તમારે કશું બોલવું નહીં, એમ હીરાબાને કહેતાં. મેં કહ્યું, 'હું કશું કરવાનો નથી. દાદાને કોણ કશું કરવાનું છે ? આ તો છોડીઓ તો શું કરવાની હતી ?' પછી એ લોકો કહે છે, 'આપણે નકામો ઝઘડો વહોરી લીધો. હવે આપણે માથે આવશે.' મેં તો એમને મોઢે જ ઠાલવ્યું કે તમે જ બધાએ બગાડ્યું. માટલાને તિરાડ પડી, હવે શું કરવાનું ? આ આટલો વખત માટલાને લાખ કરીશું. બાકી ફરી વાર કે લાખેય કરવાના નથી. પછી મૂકી આવીશું. તિરાડને લાખ કરી દીધી કે એક વખત સાંધો આપણે !

પ્રશ્શનકર્તા : એમણે પેલું બારણું પછાડ્યું, સ્ટવ પછાડ્યો એટલે એ પણ આડાઈ કહેવાયને ?

દાદાશ્રી : ત્યારે આડાઈ નહીં તો બીજું શું ? પણ એ ત્રાગું કહેવાય. એ નાના પ્રકારનું ત્રાગું કરેલું, મેં મોટા પ્રકારનું ત્રાગું કર્યું !

પ્રશ્શનકર્તા : એટલે એ નાના પ્રકારના ત્રાગાંને કાઢી નાખવા માટે સામે એવો ફોર્સ મૂકવો પડે ?

દાદાશ્રી : હા, મેં જાણી જોઈને ત્રાગું કરેલું. ને એમણે એમના કર્મના નિયમથી ત્રાગું કરેલું. આ તો જાણી બૂઝીને કરે ને હું તો મારા જ્ઞાનમાં રહીને બધું કરુંને ! બધા મહાત્માઓ પાંચ-સાત-દસ જણ બેઠેલા. તે એક કહે, 'આવું કરાતું હશે ?' ત્યારે મેં કહ્યું, શીખ તને શીખવાડું છું. ચૂપ બેસ. આ શિખવાડું તને. ઘેર બીબી હેરાન કરશે ત્યારે શી રીતે રીપેર કરીશ તું ?

પ્રશ્શનકર્તા : આપે કહ્યુંને કે હું જ્ઞાનમાં રહીને કરું, કઈ રીતે જ્ઞાનમાં ? એ તમે કહો.

દાદાશ્રી : જ્ઞાન જ 'આ' કર્યા કરે. 'અંબાલાલભાઈ' કર્યા કરે. જ્ઞાન કંઈ ઓછું હીરાબાને પૈણેલું છે ? જુઓને વગર મતભેદે વર્ષો કાઢ્યાં ને, પણ ?' અત્યારેય મતભેદ પડતાં પહેલાં ઉડાડી દઈએ છીએ. ફરી 'જ્ઞાન' હઉ લીધું એમણે, હીરાબાએ ! સ્વપ્નામાં દાદા આવ્યા, પછી એમને.

પ્રશ્શનકર્તા : બા તો ભોળાં છે, ભદ્રિક છે બહુ.

દાદાશ્રી : આ ભદ્રિક, પણ લોકો શીખવાડે એ પાછા શીખી જાયને. એ તો કહે, હું તો કોઈનું શીખું એવી નથી. એ મનમાં પાવર રાખે છે, પણ લોક નાખી જાયને. બાકી પોતે શીખે એવાં નથી. પણ બહુ દહાડા નાખ નાખ કરેને, તે પેસી જાય પછી. આમ શીખે એવાં માણસ નથી, સારાં માણસ છે.

એક ભાઈએ હીરાબાને પૂછ્યું, 'દાદાનો સ્વભાવ બહુ સારો ! પહેલેથી આવો ?' ત્યારે એમણે કહ્યું કે, 'પહેલાં તો તીખા ભમરા જેવા હતા. હમણે આવા થયા.' એ એમણે જોયેલું જાય નહીંને ! અમે ફિલમ બદલ્યા કરીએ. ને પાછલી ફિલમ કાઢીએ નહીં. એ તો પાછલી ફિલમ હઉ દેખાડે. અમે તો આ ચાલુ ફિલમ હોય એ દેખાડીએ.

છતાં એમને દુઃખ થાય એવું નહીં કરવાનું. કારણ કે સહેજ એ થાય તોય દુઃખ થઈ જાય છે એમને, કારણ કે પ્યોરિટીને બધી. સહજ ભાવે જે આવે એ બોલવાનું ને ! ડખોડખલ નહીં કે કોઈની શરમ-બરમ રાખે નહીં.

પેલો ડૉક્ટર બિચારો હીરાબાનું ઓનરરી કામ કરતો હતો. તોય એને કહેશે કે, 'આ તો તીખો લહાય જેવો છે.' મેં કહ્યું, 'આવું ના બોલાય આપણાથી.' સહજ ભાવે બોલ્યા'તા, એટલે પેલો હસે, આમ સહજતાથી બોલે. એટલે ખોટું ના લાગે. મહીં કશું પાપ નહીં, પ્યોરિટી બધી.

હીરાબા ચોખ્ખું બોલે. મારે ને તારે નહીં ફાવે એવુંય કહી દે. સ્વાર્થની ભાંજગડ નહીં કે આ મારી સેવા કરે છે, એવું તેવું કશું નહીં. મારી જોડેય ચોખ્ખું બોલે.

અમને શું કહે ? તીખા ભમરા જેવા છો. હવે એ એમ કોઈ દહાડો ના જાણે કે આ તીખાપણું નથી એમનામાં.

પ્રશ્શનકર્તા : બહુ કરપ રાખેલો ?

દાદાશ્રી : કરપ તો રાખેલોને. કરપ રાખ્યા વગર તો એવું છેને, આ તો સ્ત્રીજાતિ કહેવાય. કરપ તો રાખવો પડેને. ને લાગણીઓય રાખવી પડે. બેઉ સાથે રાખવું પડે. છતાં અમને તો એ, બહુ વહમા, તીખા ભમરા જેવા છો, કહેશે. એ એમ ને એમ જ બનાવટ રાખેલી. દાબેદાબ પોટલી ઉઘાડીને દેખાડીએ ત્યારેને. થોડું જોઈએ વજન. બાકી બહુ કડક હું. પેલો તાપ લાગ્યા કરે. ગરમ ના થઉં. એમ ને એમ તાપ લાગ્યા કરે. તે કડક ના હોય તો ચાલે શી રીતે ? કારણ કે અમારે પ્રતાપ અને સૌમ્યતા બન્ને હોય.

બાકી કોઈની જોડે ઊંચા શ્વાસે અમે ચાળીસ વર્ષથી નહીં રહેલા. કોઈની જોડે ઊંચો અવાજ નહીં કરેલો. એ તો લોકો બધાય જાણે. કહેય ખરાં કે એ તો ભગવાન જેવા છે. એટલે એક આંખમાં ધમક રાખવાની. અને એક આંખમાં ફ્રેન્ડશીપ રાખવાની.

પ્રશ્શનકર્તા : દાદા, બેઉ આંખમાં ધમક રાખે એનું શું થાય ?

દાદાશ્રી : એ ખોટું કહેવાય. એક આંખમાં ધમક અને એક આંખમાં પ્રેમ. પ્રેમ તો જોઈએ જ ને, પ્રેમ વગર તો માણસ જીવે શા આધારે ! બહુ કંટાળે ત્યારે આપઘાતના વિચાર આવે પછી. અને પછી આપણે રડીએ. ત્યારે મૂઆ ચેતવું હતુંને પહેલેથી !

નારી પૂજાયે જ્યાં દેવી તરીકે,

આરતી કર, ન અર્થ એવો જરીકે !

સ્ત્રીને તો એક આંખે દેવી તરીકે જુઓ ને બીજી આંખે એનું સ્ત્રી-ચારિત્ર જુઓ. એક આંખમાં પ્રેમ ને બીજી આંખમાં કડકાઈ રાખો તો જ 'બેલેન્સ' જળવાશે.

પ્રશ્શનકર્તા : સતીની વ્યાખ્યા એક કવિએ આપી છે 'ભોજયેષુ માતા, શયનેષુ રંભા, કરણેષુ દાસી, કાર્યેષુ મંત્રી' એમ ચાર મૂક્યા છે.

દાદાશ્રી : બહુ સુંદર આપ્યું છે.

પ્રશ્શનકર્તા : એટલે એનું નામ સતી.

દાદાશ્રી : એ આવું હોવું જોઈએ. હું આવું કહેવા જાઉં છું, સ્ત્રી આવી હોવી જોઈએ. કેવી સુંદર વાત કરી છે !

પ્રશ્શનકર્તા : એટલે સંસ્કૃતમાં મૂક્યું, યત્ર નાર્યસ્તુ પૂજ્યંતે રમંતે તત્ર દેવતાઃ !

દાદાશ્રી : હા બસ ! એટલે હું જ્યારે આવું બોલું છુંને, ત્યારે બધા મને લોકો કહે છે કે દાદા, તમે સ્ત્રીઓના તરફી છો, પક્ષપાતી છો ?

હવે હું શું કહું કે, સ્ત્રીઓને પૂજો, એનો અર્થ એવો નહીં કે સવારમાં જઈને આરતી ઉતારજો, એવું કરીશ તો એ તારું તેલ કાઢી નાખશે. એનાં અર્થમાં શું છે ? એક આંખમાં પ્રેમ અને એક આંખમાં કડકાઈ રાખજે. પહેલાં સ્ત્રીને તો શું ગણતા હતા ? પૂજા કરવા જેવી છે. પણ તેનો અર્થ આપણે કહીએ, ત્યારે આપણા લોકો પૂજામાં આરતી ઉતારે, અલ્યા મૂઆ ના ઉતારીશ, નહીં તો ચઢી બેસશે. કારણ કે ક્વૉલિટી ઊંચી, પણ આ ચઢી બેસતા વાર ના લાગે. એટલે પૂજા ના કરીશ. એવી લાયકાત નથી. એટલે મનથી પૂજા કરજે.

પ્રશ્શનકર્તા : નારી તું નારાયણી !

દાદાશ્રી : હા, નારાયણી ! અને છંછેડવી ના જોઈએ. આ તો સ્ત્રીઓ બધી તમને હેલ્પ કરે છે. પણ એ હેલ્પ બહુ ના કરતી હોય, તોય પણ એ સ્ત્રી નીતિ છે, એ શક્તિ છે, દેવી છે. તમે જાણી જોઈને બગાડો તો પછી બગડી જ જાયને !

સહજ પ્રકૃતિ છે. તેથી તો આપણા લોકોએ કહ્યું, 'યત્ર નાર્યસ્તુ પૂજ્યંતે, રમંતે તત્ર દેવતાઃ' એટલે સ્ત્રીઓ જ્યાં પૂજ્ય છે, ત્યાં દેવલોકો હાજર રહે છે. એટલે પછી બધા આપણા મહાત્માઓના વિચારોમાં તો બધો ફેરફાર થઈ જાય છે. સ્ત્રીને પછી આડછેડ નથી કરતા. અને સરખા ભાવે રાખે છે ! જે એના માટે ખરાબ વિચારો છે તે ખસેડી નાખીને આ વિચાર મૂકી દે એટલે પ્લસ-માઇનસ થઈ જાય. એટલે આપણે એની જોડે સારી રીતે જીવી શકીએ. સમાધાનથી જીવાય એવું રાખવું જોઈએ. ફ્રેન્ડલી હોવું જોઈએ, ફ્રેન્ડ !

સ્ત્રી એ છે પ્રાકૃતિક શક્તિ,

તરછોડી તો 'હાર્ટફેલ' તકતી!

આપણે એક દા'ડો તો કહીને જુઓ, હે દેવી, આજ તો તમે બહુ સરસ રસોઈ જમાડો, એટલું જ જો બોલી તો જુઓ.

પ્રશ્શનકર્તા : ખુશ, ખુશ !

દાદાશ્રી : ખુશ ખુશ થઈ જાય, પણ આ તો બોલતાય નથી, વાણીમાંય. જાણે કે મફતનું વેચાતું લાવવું પડતું હોયને વાણી ! વાણી વેચાતી લાવવી પડે છે ?

પ્રશ્શનકર્તા : ના, ધણીપણું ત્યાં જતું રહેને ?

દાદાશ્રી : ધણીપણું જતું રહે છે, ધણીપણું !! ઓહોહો ! મોટો ધણી થઈ બેઠો !! અને અન્સર્ટિફાઈડ ધણી પાછો. જો સર્ટિફિકેટ લઈને આવ્યો હોત તો ઠીક છે !! સ્ત્રી એ તો મોટી શક્તિ છે. એ દૈવી શક્તિ છે. આ જેટલી દેવીઓ છે, એ બધી સ્ત્રીશક્તિ છે. અને એ પ્રાકૃતિક શક્તિ છે. અને પુરુષ એ પુરુષ શક્તિ છે. હવે બંને શક્તિ હોય તો સંસાર ચાલે, નહીં તો ચાલે નહીં. અને પ્રકૃતિને જો સળી કરવા જશો તો મહાન દુઃખો આવશે. એટલે આપણા હિન્દુ શાસ્ત્રોએ સ્ત્રીને દેવી તરીકે માન્ય કરી છે.

આ આત્મા એ ચેતન છે, એ પુરુષ છે અને આ પ્રકૃતિ એ સ્ત્રી છે. આ પ્રકૃતિ એ આદ્યશક્તિ છે. એટલે જો આદ્યશક્તિનું પૂજન હોય તો પ્રકૃતિ સારી રહે. આવા હાર્ટફેલ-બાર્ટફેલ ના થાય. પણ આદ્યશક્તિને તરછોડે છે એટલે હાર્ટફેલ થાય જ. હવે આદ્યશક્તિનો અર્થ શું ? એક બાજુ માતાજીના પૂજન કરે અંબાજીના, કાળિકામાને, સરસ્વતીના એ બધાંના પૂજન કરે, બીજી બાજુ બૈરી જોડે લડે, તે આદ્યશક્તિ ના કહેવાય. બૈરી જ આદ્યશક્તિ છે પોતે. એટલે ત્યાં તો લડવું તો ના જોઈએ. એને દુઃખ, ત્રાસ ના થવાં જોઈએ. એટલે માતાજીની ભક્તિ તો કરવી જોઈએ માણસે.

પ્રશ્શનકર્તા : જી.

દાદાશ્રી : પ્રકૃતિને માટે, મોક્ષને માટે નહીં. પ્રકૃતિ સારી હોય તો જ કામ થાય.

એક આંખે પ્રેમ બીજીમાં કરપ,

શીખી લે ચાવી પેસતાં મંડપ !

પ્રશ્શનકર્તા : આપે વાત કરી કે પુરુષોએ સ્ત્રીઓને કંટ્રોલમાં રાખવી તેના અંગે થોડી ચર્ચા થઈ એમ. હવે મારો સવાલ એ છે કે પુરુષ જો સ્ત્રીઓને કંટ્રોલમાં રાખે એનો અર્થ એવો થાય કે પુરુષો પોતાનું ધાર્યું સ્ત્રીઓ પાસે કરાવવા માંગે છે. તો એ તંત નથી થતો ?

દાદાશ્રી : તો પછી દેવી માનતા નથી. એક આંખમાં દેવી માનવામાં શું છે ? પ્લસ માઈનસ કરી નાખે છે. દેવી માનીને તમે કંટ્રોલ રાખો.

પ્રશ્શનકર્તા : અને જો આપણે 'સમભાવે ફાઈલનો નિકાલ' આજ્ઞાનો અમલ કરીએ તો એમાં કંટ્રોલ રાખવાનો સવાલ જ કેવી રીતે ઊભો થાય ? હવે મને સમજાવો કે તો કંટ્રોલનો સવાલ કેવી રીતે ઊભો થાય, સમભાવે નિકાલ થાય તો ?

દાદાશ્રી : એ બધું તો 'આ' જ્ઞાન મલ્યા પછીની વાત છે. જ્ઞાન મલ્યા પહેલાંની વાત હું કરું છું. જ્ઞાન મલ્યા પછી કહીએ છીએ સમભાવે નિકાલ કરી નાખો. આ તો સ્ત્રીની આ જે વાત છેને, એ સંસાર વ્યવહારના લોકોને માટે અને આપણે તો સમભાવે નિકાલ કરવા જેવું હોય, એ ઉકેલ લાવી નાખવાનો.

પ્રશ્શનકર્તા : જો આપણે એવી રીતે કહીએ કે પુરુષે એક આંખમાં દેવી ને એક આંખમાં કડકાઈ રાખે તો પછી એ જ વસ્તુ સ્ત્રીઓ માટે ખરી કે નહીં ? આ સ્ત્રીએ પણ આવું જ રાખવું જોઈએને ?

દાદાશ્રી : એ સ્ત્રીએ પ્રેમથી રાખવું જોઈએ. એણે ધણી સામે કડકાઈથી ના જોવું અને પુરુષે એક આંખમાં દેવી તરીકે અને એક આંખમાં કડકાશ રાખવી એ કુદરતી નિયમ છે. નહીં તો સ્ત્રીઓમાં જોખમ ઊભું થવાનું.

પ્રશ્શનકર્તા : એટલે કંટ્રોલનું સાધન રાખ્યું છે ?

દાદાશ્રી : હા, અને એ એનો દુરુપયોગ ન થાય એટલે દેવી શક્તિ તરીકે પણ જુઓ !

પ્રશ્શનકર્તા : સ્ત્રીઓને જો જોખમનો સવાલ છે, તો પુરુષોને બીજી જાતનાં પણ જોખમનો સવાલ તો છે જ ને ?

દાદાશ્રી : ખરો, કળિયુગના પુરુષ એટલે શું ના થાય ? કળિયુગમાં તો એવું જ હોયને ! અને એવું છેને લગ્ન થયું એટલે જોખમી અવસ્થા ! લગ્ન થવું ત્યારથી જોખમી હોતાં નથી. જોખમ પછી અથડાઅથડીથી જોખમી થઈ જાય છે. નથી જોખમી હોતા તોય જોખમી થઈ જાય છે. જોખમી કદાચ ન હોય એનો ધણી તોય પણ અથડાઅથડીથી જોખમદાર થઈ જાય છે. કારણ કે અહંકાર છેને ! ત્યાં સુધી સહેજ વેર રાખી મેલે. આ બધું જ્ઞાન ના લીધું હોય તેને માટે વાત છે. બાકી આ એમણે તો જ્ઞાન લીધું છે. આ તો ખાલી પૂછે છે એનો જવાબ આપું છું.

પ્રશ્શનકર્તા : અને હું આ વ્યવહારની જ વાત કરું છું કે દુનિયામાં જેમ એવું બને છે કે સ્ત્રીને કંટ્રોલની જરૂર છે એવી રીતે જેણે જ્ઞાન નથી લીધું એવાં કુટુંબોમાં સ્ત્રીને પણ પુરુષ ઉપર કંટ્રોલની જરૂર તો ઊભી થાય જ ને ! અમુક સંજોગોમાં. હવે તે વખતે જો એને એમ આપણે ના કહીએ કે તારે કંટ્રોલ નહીં રાખવાનો, તો પછી એ સ્ત્રી જાય ક્યાં પછી ? આ જનરલ સત્ય છે.

દાદાશ્રી : આ કળિયુગમાં એ વાત સચવાતી નથી. એટલે અમે રસ્તો પછી સીધો ખોળી કાઢેલો કે હીરાબાનું જ ચલણ છે એવું કહી દઈએ. આપણે પ્રેસિડન્ટ અને પેલાં પ્રાઈમ મિનિસ્ટર !

પ્રશ્શનકર્તા : એટલા માટે દાદા કીધું છે કે 'કિંગ કેન ડુ નો રોંગ' એટલે કે રાજા પોતે કંઈ ખોટું કરતો જ નથી.

દાદાશ્રી : ના, એ રોંગ કરે તો પૂછનાર કોણ ? એને પૂછાય નહીં એટલે પછી આવું લખે ! 'કેન ડુ નો રોંગ' એટલે શું અર્થ છે, એટલે એ રોંગને કાઢનાર, ભૂલ કાઢનાર કોણ ? એવું આ બધી કહેવત છે, પણ આ હું જે કહેવા માગું છું, પ્રેસિડન્ટે સહી કરવાની, એટલે શું કે ના-ચલણી ! એટલે ચલણ અમારું નહીં. આ તો રૂટિન રૂપે સહી અમારી કારણ અમે મૂછોવાળા એટલે સહી અમારી જોઈએ રૂટિનની. એમને મૂછો નહીં, તે સહી કોણ કરે ?(!!) તો પછી ડખો થાય નહીં. હીરાબાને પૂછીએને તો એ એટલું કહે બહુ ત્યારે કો'ક દહાડો, દાદા બહુ કડક સ્વભાવના છે, તીખા ભમરા છે. એટલું કહે એ. કારણ કે કંઈક બધું વધારે પડતું બગાડેને એટલે જરા કડક થવાનું. તે થયેલો કડક હં. કડક થઈ ગયેલા. નહીં થયેલા કડક ? એ એમને સ્થિર પકડે. એની ડિરેલમેન્ટ ના થાય પછી, ડિરેલમેન્ટ જોવું તો પડેને ! એટલે એમના મનમાં આટલો અભિપ્રાય રહી જવાનો, કે તીખા ભમરા જેવા છે એમનું નામ દેવાય નહીં આપણે. અને અમે ચાલવાય દઈએ. એટલે આ કામ કર્યા કરે.

તેથી આપણા લોકોએ કહેલું પહેલાં, કડકાઈ જરા રાખજો. તો છકી ના જાય. તમે દેવી કહો તો છકી જશે, વાર નહીં લાગે. અને કળિયુગનું પાણી મલ્યું પછી શું જોઈએ ? કળિયુગનું પાણી એટલે એક આંખમાં જરાક સહેજ કડકાઈ રાખવાની, એક આંખમાં દેવી જેવી. પણ એ પછી ના આવડ્યું લોકોને.

એટલે એક માણસ મને કહે છે મારી વાઇફ મને બિલકુલ ગાંઠતી જ નથી. ત્યારે મેં કહ્યું, તારા છોકરાનું ગાંઠે છે કે નહીં ગાંઠતી ! ત્યારે કહે, 'એનું તો ગાંઠે છે એના જ છોકરાને' ત્યારે તારે એનો છોકરો થવું હતું, શું ખોટું ? મને ગાંઠતી નથી, મૂઆ શરમ નથી આવતી. આવું ના બોલીશ. મને કહું છું તે બીજા કોઈને કહીશ નહીં. આ તે કહેવાતું હશે આવું ? ત્યારે કહે, ના દાદા તમને જ કહું, બીજા કોઈને ના કહું. ત્યાર પછી મેં એને સમજણ પાડી કે લખી લે તારી ચોપડીમાં, રમા રમાડવી સહેલ છે, વિફરી મહામુશ્કેલ, હવે વિફરે એવું કરીશ નહીં મૂઆ. વિફરવાનું થાય કે ત્યાંથી બંધ. એને કંઈક આ સોગઠાબાજીનેય રમાડતાં આવડવાં જોઈએ. ના આવડવું જોઈએ ?

પ્રશ્શનકર્તા : આવડવું જોઈએ !

દાદાશ્રી : આ કંઈ જેવા તેવા પાક્યા છે ? આ નિશાળે સારું ભણેલા. એમાં બહુ સરસ એક્કા હોય. આય સૂઝ છે ને બધાની !

સ્ત્રીને વઢે એ પુરુષ કહેવાય?

પછી બૈરીનો માર, નખોરાં ખાય!

સ્ત્રીને વઢવું પડતું હશે ? ખરો ધણી તે એનું નામ કહેવાય કે સ્ત્રીને વઢવું જ ના પડે ને સ્ત્રી આ આંખથી જ કાબૂમાં રહે ! વઢવું પડે, એ ધણી કહેવાતો હશે ? ગરબા ગાય એવા ધણી !

પુરુષ તો કેવો હોય ? એવા તેજસ્વી પુરુષો હોય કે જેનાથી હજારો સ્ત્રીઓ થથરે ! આમ જોતાંની સાથે જ ધ્રૂજી જાય !! આજ તો ધણી એવા થઈ ગયા છે કે સલિયો પોતાની બૈરીનો હાથ ઝાલે તો તેને વિનંતી કરે, 'અરે સલિયા છોડી દે, મેરી બીબી હૈ, બીબી હૈ' મેર ચક્કર, આમાં સલિયાને તું વિનંતી કરે છે ? કઈ જાતનો ચક્કર પાક્યો છે તું ? એ તો એને માર, એનું ગળચું પકડ ને બચકું ભર. આમ એના પગે લાગ્યો એ કંઈ છોડી દે એવી જાત નથી. ત્યારે એ 'પોલીસ પોલીસ, બચાવો બચાવો' કરે. અલ્યા, તું ધણી થઈને 'પોલીસ પોલીસ' શું કરે છે ? પોલીસને શું તોપને બારે ચઢાવવો છે ? તું જીવતો છે કે મરેલો છે ? પોલીસની મદદ લેવાની હોય તો તું ધણી ના થઈશ.

તે પછી કેટલાક માણસો તો આવીને કહે છે, કે જુઓ આ. અલ્યા શું થયું ? ત્યારે કહે, 'નહોરાં ભરી લીધા વહુએ અને બે ધોલ મારી હતી, આજ' મને આવીને કહે છે એટલા સારા છે, ડાહ્યા છે !

પ્રશ્શનકર્તા : એ તો સારું કહેવાય, તમને તો કહેવું જ જોઈએ.

દાદાશ્રી : તે કેટલાક મહીં માર ખાય છે પાછા. મને કહી જાય બિચારા અને બૈરીને મારે છે તે મને કહેતા નથી મૂઆ. આપણા 'મહાત્માઓ'માંથી કોઈક જ મહાત્મા ખુલ્લું કરી દે કે, 'દાદા, આજે તો બૈરીએ મને માર્યો !' આટલી બધી સરળતા શેને લીધે આવી ? આપણા જ્ઞાનને લીધે આવી. 'દાદા'ને તો બધી જ વાત કહેવાય. આવી સરળતા આવી ત્યારથી જ મોક્ષે જવાની નિશાની થઈ. આવી સરળતા હોય નહીંને ? મોક્ષે જવા માટે સરળ જ થવાનું છે.

આ બહાર તો ધણી છિટ-છિટ કર્યા કરે. બૈરીનો માર પોતે ખાતો હોય તોય બહાર કહે કે, 'ના ના, એ તો મારી દીકરીને મારતી હતી !' અલ્યા, મેં જાતે તને માર ખાતાં જોયું હતુંને ? આનો શો અર્થ ? મિનિંગલેસ ? એના કરતાં સાચે સાચું કહી દેને ! આત્માને ક્યાં મારવાનું છે ? આપણે આત્મા છીએ, મારશે તો દેહને મારશે. આપણા આત્માનું તો કોઈ અપમાનેય કરી ના શકે. કારણ કે 'આપણને' એ દેખે તો અપમાન કરેને ? દેખ્યા વગર શી રીતે અપમાન કરે ? દેહને તો આ ભેંસ નથી મારી જતી ? ત્યાં નથી કહેતા કે આ ભેંસે મને મારી ? આ ભેંસ કરતાં ઘરનાં બઈ મોટાં નહીં ? એમાં શું ? શેની આબરૂ જવાની છે ? આબરૂ છે જ ક્યાં તે ?

જોયા મેં વહુનો માર ખાનારા,

સમ્યક જ્ઞાને કર્મોના પોબારા!

લોકો અહીં આવ્યા પછી ઘરમાં ત્રાસ-બાસ આપતા નથી. મહીં કેટલાકને તો વહુ મારે છેને, તે આવીને મને કહે, જુઓ, આ નખોરિયા બધા. હું સમજું કે આને ડીલિંગ કરતાં નથી આવડતું. એમાં વહુનો શો દોષ બિચારીનો. હું સમજું, એટલે મેં એને કહેલું તું મને આવીને કહી જજે કે શું હતું ? તે એને કશું કર્યું નથી ને ?! ના, નથી કર્યું. ત્યારે મેં કહ્યું, બસ, ત્યાં સુધી આપણું નોંધશે, નહીં તો તૂટી જશે આ. નહીં તો ડીવૉર્સ થતાં વાર નહીં લાગે. આપણે જે તે રસ્તે નભાવીને કામ કાઢી લેવાનું. કંઈ બીજી લાવીએ, તે કંઈ સારી આવવાની છે ? એવો ને એવો જ માલને ! આ માલ મનુષ્યપણાનો ને. એટલે એનાથી જ કામ કાઢી લેવું. પછી મેં એને કહ્યું, 'પછી સાંજે એણે તને જમવાનું આપ્યું કે', એણે કહ્યું, 'જમવાનું સારું આપે છે, એમાં કશી મુશ્કેલી નથી.' ત્યારે મેં કહ્યું, 'જમી લેને છાનોમાનો, આ મેલને પૂળો અહીંથી, જાતે કરવું પડશે તો વેશ થશે.' જાતે ખાવાનું કરવું તો વેશ ના થાય બળ્યો ?

પ્રશ્શનકર્તા : થાય, થાય. પૂરેપૂરો વેશ થાય !

દાદાશ્રી : પછી મેં કહ્યું, કેમ તારો શું ગુનો ? ત્યારે કહે, કશોય ગુનો નહીં બળ્યો. હું પહેલાં મારતો હતો એને. તે એણે આ વેર વાળ્યું, કહે છે. ત્યારે મેં કહ્યું, હવે બંધ કરી દઈશને ! ત્યારે કહે, હા. હવે આ જ્ઞાન મળ્યુંને ત્યારથી હવે શાંત. ત્યારે મેં કહ્યું, સમભાવે નિકાલ કરી નાખને. તે અનંત અવતારથી લડતો લડતો જ આવ્યો છું ! હવે સમભાવે નિકાલ કરું છું ! 'હા, તમે કહ્યું એ પ્રમાણે કરું છું' કહે છે. 'તો સારું કર્યું તેં. આ ઉદય જતા રહેશે', ને પછી વહુ એના કહ્યામાં જ રહે. આ ઉદયકર્મ છે મૂઆ. તું સીધી કરવા જઉં, ક્યાં જશે આ ઉદયકર્મ તે ? ઉદય તો ભોગવ્યે જ છૂટકો, તે અત્યારે વહુ રોફ મારે છે ! આ તો સમભાવે નિકાલ કરીને અત્યારે સરસ દહાડા કાઢે છે. એ ને આ બેઉનું સરસ ચાલે છે ! નહીં તો છોકરાં છોડીઓ બધું બગડી જાત. હવે એ ત્યાં એ વહુએ જે એને માર્યો, તે આ જ્ઞાન એને સમતામાં રાખે છે. જો જ્ઞાન ના આપ્યું હોત તો ઊંધે રસ્તે જાત. એની ઊંધી દ્ષ્ટિ હતીને તે છતી કરી આપી મારી ઠોકીને. હવે જૈન ડેવલપમેન્ટ હતું તોય પણ જોને ઊંધી હતીને દ્ષ્ટિ ! કોઈ વહુને મારે એવા ખરા કે નહીં !

પ્રશ્શનકર્તા : હોય, હોય. માણસ શું ના કરે ? અહંકાર શું ના કરે ?

દાદાશ્રી : અહંકાર શું ના કરે અને જૈન દ્ષ્ટિવાળા ! બીજા ત્રીજાની જાણે જાડી દ્ષ્ટિ હોય તો કરે. પણ ડેવલપ્ડ માણસોને ત્યાં આવું મારવાનું હોય નહીં. સારા જે ડેવલપ્ડ હોયને, ઊંચી કોમમાં તો મારવાનું શું, શબ્દેય અવળા ના બોલે, આ તો હલકા લોકો મહીં અહીં આગળ જે આ પેસી ગયેલા હોયને, ત્યાં મારવાનું હોય. આ કંઈ હલકી કોમ છે ! શબ્દેય હલકા ના બોલાય. પછી હલકી નાતના લોકો ને આમાં ફેર શો રહ્યો ?

પ્રશ્શનકર્તા : જે જ્ઞાન એને ભેગું થયું, એ જ્ઞાન જ એને દોરી જાય છે એવું થયુંને !

દાદાશ્રી : હા, બસ એ જ, બીજું શું તે ! જ્ઞાન જેવું હોય એવું એને દોરી જાય. એ જ્ઞાન એવું જો જાણી લાવ્યો કે માંસાહારથી શરીરને મજબૂતી મળશે, તો તેવું ચાલ્યું જાય. જો જ્ઞાન એવું જાણી લાવ્યો કે માંસાહારીથી મારું અહિત થઈ રહ્યું છે તો એવું.

એટલે વહુને કહેજો કે, 'તારે જેટલું લડવું હોય એટલું લડજે. મને તો દાદાએ લડવાની ના પાડી છે, દાદાએ મને આજ્ઞા કરી છે. હું આ બેઠો છું, તારે જે કંઈ બોલવું હોય તે બોલ હવે' એવું એને કહી દેવું.

પ્રશ્શનકર્તા : પણ એ બોલે જ નહીં ને પછી.

દાદાશ્રી : દાદાનું નામ આવે કે ચૂપ જ થઈ જાય. બીજાં કોઈ હથિયાર ના વાપરીશ. આ જ હથિયાર વાપરજે.

પતિ કહેવડાવે ભઈસા'બ!

પછી પત્ની વસૂલે હિસાબ!

એક બહેને તો મને કહ્યું હતું 'પૈણી ત્યારે એ બહુ લોંઠ (જબરા) હતા.' મેં કહ્યું 'હવે ?' ત્યારે કહે, 'દાદા, તમે બધું સ્ત્રી-ચારિત્ર બધું સમજો છો, મારી પાસે શું કહેવડાવો છો.' મારી પાસે કોઈ સુખ જોઈતું હોય એમને, ત્યારે હું એને કહું, ભઈસા'બ કહો, એટલે ભઈસા'બ કહેવડાવું ત્યારે ! એમાં મારો શું વાંક ? પહેલાં એ મને ભઈસા'બ કહેવડાવતા હતા અને હવે હું ભઈસા'બ કહેવડાવું છું સમજાય છે ?

પ્રશ્શનકર્તા : હા.

દાદાશ્રી : એ મુંબઈનાં લોકોને પૂછ્યું, ઘેર આવી ભાંજગડ નથીને ? ના દાદા, એવું નથી. હોય તો મને કહેજે હં. પાંસરી કરી નાખીએ. એક મહિનામાં તો પાંસરી કરી નાખું.

કેટલીક સ્ત્રી તો પતિને મારે હઉ. પતિવ્રતા સ્ત્રીને તો આવું સાંભળતાં જ પાપ લાગે કે આવું બૈરી ધણીને મારે ?

પ્રશ્શનકર્તા : જો પુરુષ માર ખાય તો તે બાયલો કહેવાયને ?

દાદાશ્રી : એવું છે, માર ખાવો એ કંઈ પુરુષની નબળાઈ નથી. પણ એના આ ઋણાનુબંધ એવા હોય છે, બૈરી દુઃખ દેવા માટે જ આવેલી હોય છે, તે હિસાબ ચૂકવે જ.

પ્રશ્શનકર્તા : પછી ધારો કે પત્ની ધોલ મારે તો શું કરવું તે સમયે ?

દાદાશ્રી : આપણે ધીમે રહીને દવા-બવા ચોપડીએ આમ.

પ્રશ્શનકર્તા : બીજી વાર મારે તો ?

દાદાશ્રી : પત્ની કોઈ દહાડો મારે નહીં અને મારે તો ક્યારે મારે, કે ઘણા દહાડાના આપણા ગુના ભેગા થયા હોયને ત્યારે એક ફેરો સામી થાય. એટલે આપણે નિરાંતે દવા-બવા ચોપડી દેવી.

પ્રશ્શનકર્તા : આપણે મારવી નહીં જોઈએ ?

દાદાશ્રી : શરૂઆત જ નહીં કરવી.

પ્રશ્શનકર્તા : ધારો કે પત્ની શરૂઆત કરે તો ?

દાદાશ્રી : શરૂઆત કરે પછી પત્નીને કહી દેવું કે આ ધંધો ચાલુ રાખવો છે કે બંધ કરવો છે ? ચાલુ રાખવો હોય તો કાયમનો ચાલુ રાખીએ, તો છોકરાને બીજી રૂમમાં મૂકી આવ્યા પછી ચાલુ કરજે આ. છોકરાને ના બગાડીશ. કહીએ અને બંધ કરવું હોય તો બંધ કરીએ, પણ કરાર કરી નાખ, હવે કરાર, એગ્રીમેન્ટ (કરાર) કરી નાખ.

પ્રશ્શનકર્તા : એ ચાલુ જ રાખતી હોય તો આપણે એને છૂટી જ કરી દઈએ પરમેનન્ટ(કાયમ)ની તો શું ?

દાદાશ્રી : કોને ?

પ્રશ્શનકર્તા : પત્નીને. તો એ પાપ નહીં કહેવાય ?

દાદાશ્રી : શાનું પાપ હોય છે ? દગો કરીએ એ પાપ. પણ પત્ની જ કહેતી હોય કે, મારે છૂટું થવું છે, તમારી જોડે રહેવું નથી, તો પછી શું થાય ? પત્ની કંટાળેને ? ધોલ મારવાની બહુ ચળ આવેને તો ભીંત જોડે મારવી, પત્નીને કહીએ લે, લે, કરીને ભીંતને મારવું અને એને કહેવું નહીં. અને કો'ક બહારવાળા જાણે કે પત્નીને મારે છે આ.

પ્રશ્શનકર્તા : ત્યારે આપણને વાગેને, આપણે ભીંતને મારીએ તો ?

દાદાશ્રી : એ ત્યારે જ ખબર પડેને, એ ભીંતને મારે ત્યારે ખબર પડે કે મારવું એ શું છે ?

બેની વઢવાડમાંથી ભવાડો,

'લે લેતી જા' વાણિયાનો પીછોડો!

આપણા લોકો મહીં લડે ખરા કો'ક દહાડો ? બારણું વાસીને કે ઉઘાડું રાખીને ? આપણા લોકો તો પટેલ લોકો, ભોળા માણસ, કો'ક બહારનું પેસે તોય કશું નહીં અને એક વાણિયો મારી ઉંમરનો હતોને તેને મેં પૂછ્યું, 'અલ્યા તમારે ત્યાં લડવાડ થાય કે ?' ત્યારે કહે, 'દાદાજી લડવાડ તો રોજે થાય, બધેય થાય.' મેં કહ્યું, 'તમે શું ઉપાય કરો, લડવાડ થાય છે ત્યારે ?' ત્યારે એ કહે, 'પહેલાં બારણું વાસી આવું. તે બહારથી આવતા બંધ થઈ જાય.' ત્યારે મેં કહ્યું, 'સિનેમાવાળા તો ખુલ્લું રાખે છે.' ત્યારે કહે, 'એમને તો ઘરાકી જોઈતી હોય અમારે ઘરાકી નથી જોઈતી.' હા, લોક પેસી જાય તે ઊલટી વઢવાડ વધારે. પાછા મહીં સંકોરનારા આવે. સંકોરે પાછું. મહીં સળગતું હોય તેને સંકોરી આપે. એ ભવાડો થઈ જાય એવું સમજી જાય. એ તો બારણું પહેલાં વાસી આવે. 'બારણું વાસી આવું ને પછી ઘરમાં લડીએ પછી એની મેળે ટાઢું પડે.' આની બુદ્ધિ સાચી છે. મને ગમ્યું આ, આટલીય અક્કલવાળી વાત હોય તો તેને આપણે એકસેપ્ટ કરવી જોઈએ. અને અમારે તો રાજશ્રી લોકો, બારણું વાસેલું હોય તો ઉઘાડી નાખે. દેખો હમારા ખેલ, હમારા ખેલ દેખો, કહેશે.

પ્રશ્શનકર્તા : ક્ષત્રિયમાં તો એમ કહી દે કે ચાલતી થા, આ બારણા ઉઘાડા છે, બારણા વાસવા ના બેસે.

દાદાશ્રી : હા, એવું કહે એ ! કહે ઉપરથી એ લોકોને ભય નહીં એવું. પણ આ ભવાડો તો થાયને બળ્યો !

પ્રશ્શનકર્તા : હા થાય.

દાદાશ્રી : એટલે આ વાણિયા ડાહ્યા માણસ. બહાર ભવાડો થશે, નામ બગડશે, એના કરતાં લડવું હોય તો મહીં લડોને, લડ્યા વગર ચાલે એવું નથી. ફરજિયાત છે ને મરજિયાત હોય તો કોઈ લડેય નહીં !

અમે એક ગામમાં ગયેલા, ત્યાં આગળ બધા લોકો એક ઘર આગળ ભેગા થયા હતા રાત્રે અગિયાર સાડા અગિયાર વાગે. ત્યારે મેં કહ્યું, શું છે ભઈ, અહીં આગળ. ત્યારે કહે, નાટક જોવું હોય તો આવો જોવા જેવું છે. આ શેઠ મહીં બઈને મારે છે, મને કહે છે, આવો જુઓ, સાંભળો. તે શેઠ શું બોલે, લે લેતી જા. ત્યાં ઘર આગળ બે-ચાર જણા ઊભા રહીને આમ સાંભળ્યા કરતા હતા. ઘરને બારણું વાસેલું હતું. એટલે આ બહારવાળા સમજે કે આ શેઠ પેલી બઈ (શેઠાણી)ને મારે છે, લે લેતી જા. હવે તેમાંથી એક માણસ ખાનગી હશેને, પાડોશમાં રહેનારો, તે કહે છે, ખરી રીતે બઈ શેઠને મારે છે રોજ. બઈ ચઢી બેસે તે બઈ આને મારે છે. પણ વાણિયો પાકો એટલે પછી મનમાં એમ કહે, આબરૂ જાય બહાર, એટલે એવું કંઈ તાયફો કરું કે બહાર આબરૂ ના જાય. મેં કહ્યું, આ અક્કલનો કોથળો ખરો, ભઈ આ તો ! અમને આવડે નહીં આવું તેવું... પેલી મારેને, વાગે કે તરત, લે લેતી જા, બોલે ફક્ત. એનો ઉકેલ ખોળી કાઢેલો આ. એટલે મેં કહ્યું, આ ખરી અક્કલ, આપણે જોયેલી નહીં ને આવી તેવી બધી ! એ તો બહાર જેમ ફરીએ તેમ ખબર પડે. આ બ્રેઈન તુંડે તુંડે મત્તિર્ભિન્ના, જુદી જુદી મતિ, મેં કહ્યું, આ ખરો શબ્દ ખોળી કાઢ્યો. હવે બહાર લોક કહે, ના, ના. વાણિયો પેલીને

મારે છે. જુઓને આ બોલ્યોને ! લે લેતી જા, બોલે છેને ! તે મને પાડોશી હતો તે મને કહેવા માંડ્યો, આવું છે કહીએ, આ તો. આવો સંસાર છે.

પ્રશ્શનકર્તા : અને અસલ પટેલ હોયને તો તગેડી મેલીશ તારે બાપને ઘેર, એમ કહે.

દાદાશ્રી : બધું બોલે ભઈ. આ તો અમારે તો ક્ષત્રિય લોકો ફાવે એવું બોલી નાખે. ભોળા બધા, મહીં કપટ-બપટ ના આવડે. બનાવટ કરતાં આવડે નહીં. અને આ 'લે લેતી જા' કેવડી મોટી બનાવટ કરી ? ભગવાનને છેતરે એવી બનાવટ. ભગવાન જો બહાર સાંભળવા આવે તેય સમજી જાય કે મૂઆ આ 'લે લેતી જા' બોલે છે એટલે એને મારતો હશે.

અને એક વણિકભાઈ તો એવા શૂરવીર હતા તે પોળને નાકે ચોરીઓ થતી હતી ને ત્યાં બૂમાબૂમ થઈ રહી હતી. એમને ખબર પડી કે ચોરો પોળમાં આવ્યા છે. એટલે એમણે તો પોતાની બૈરીને કહ્યું કે 'તું મને ગોદડાં ઓઢાડી દે !' આવા શૂરવીર લોકો છે !

એક વણિકભાઈ મારી જોડે રોજ બેસનારા. એમને મેં પૂછ્યું, 'કેમ તમારે કેમનું ચાલે છે વહુ જોડે ? જો વહુ મરી જાય તો શું થાય તમારું ?' ત્યારે એમણે કહ્યું, 'મેં તો મારી બૈરીને કહી દીધું છે કે હું રાંડીશ પણ તને રાંડવા નહીં દઉં.' ઓત્તારીની ! આ વણિક તો બહુ પાકા. આનાથી તો બૈરીને સારું લાગે ને ભાઈ વધારે જીવે ! સ્ત્રીને કહે કે, તું સૌભાગ્યવંતી થઈને જજે પણ હું તો રાંડીશ ! આ તો પુરુષોએ કાઢેલા કાયદા અને તેથી પક્ષપાતવાળા કાયદા હોય. સ્ત્રીઓનો અને પુરુષોનો જે નેચરલ ભેદ છે એ જ ભેદ. બાકી તો એય 'શુદ્ધાત્મા' જ છેને ?

હિન્દુસ્તાનમાં પ્રકૃતિ મપાય નહીં, અહીં તો ભગવાન પણ ગોથાં ખાઈ જાય ! 'ફોરેન'માં તો એક દહાડો એની 'વાઇફ' જોડે સાચો રહ્યો તો આખી જિંદગી સાચો નીકળે. અને અહીં તો આખો દહાડો પ્રકૃતિને જો જો કરે છતાંય પ્રકૃતિ મપાય નહીં. આ તો કર્મના ઉદય ખોટ ખવડાવે છે, નહીં તો આ લોકો ખોટ ખાય ? અરે, મરે તોય ખોટ ના ખાય, આત્માને બાજુએ થોડીવાર બેસાડીને પછી મરે.

સિંહ જેવા ધણીને બીવડાવે,

પણ ઊંદરડી એને ફફડાવે !

આ અમલદારોય ઑફિસેથી અકળાઈને ઘેર આવેને, ત્યારે બઈ સાહેબ શું કહેશે ? કે 'દોઢ કલાક લેટ થયા ? ક્યાં ગયા હતા ?' લે !! એની બઈ છે તે એક ફેરો એમને ડફળાવતી'તી, ત્યારે આવો સિંહ જેવો માણસ જેનાથી આખુ ગુજરાત ભડકે, એનેય ભડકાવે છે જુઓને ! આખું ગુજરાતમાં કોઈ નામ ના દે, પણ એની બઈ ગાંઠતી જ નથી. અને એને હઉ ટૈડકાવી નાખતી હતી ! પછી મેં એને એક દહાડો કહ્યું 'બેન આ ધણી છે તે તને એકલી મૂકીને દસ-બાર-પંદર દહાડા બહારગામ જાય તો ? ત્યારે કહે, મને તો બીક લાગે.' હવે શેની બીક લાગે ? ત્યારે કહે છે, મહીં બીજા રૂમમાં પ્યાલો ખખડેને તોય મારા મનમાં એમ લાગે કે ભૂત આવ્યું હશે. એક ઊંદરડી પ્યાલો ખખડાવે તોય બીક લાગે. અને આ ધણી આટલો ! ધણીને લીધે તને બીક નહીં લાગતી. એ ધણીને પાછો તું ટૈડકાવ ટૈડકાવ કરું છું, વાઘ જેવા ધણીનું તેલ કાઢી નાખે !

પ્રશ્શનકર્તા : એવી ટેવ પડી ગઈ હોયને માણસને.

દાદાશ્રી : ના, ના. પણ ઊંદરડીથી ભડકે એ ધણીથી ભડકતી નથી, એ અજાયબી જ છેને ? મર્યાદા રાખવી જોઈએ બધી. અને ધણીનેય કહેવું જોઈએ કે મર્યાદામાં તમે રહો અને હું રહું. આપણે બેઉ સંધિ કરો મર્યાદાની. તમારે સ્ત્રીઓએ ધણીને પી ના જવા જોઈએ. કેટલીક સ્ત્રીઓ તો ધણીને વાટી કરીને ફાકો કરી નાખે. એવું ના હોવું જોઈએ. ધણી સારો હોય તો બિચારો દબાઈ જાય અને તેથી દુરુપયોગ ન કરવો જોઈએ. ધણી એટલે ધણી. પણ આપણે સાચવીને હેંડીએ તો ડાહ્યા થઈ જાય એવો છે. નહીં તોય એની જોડે આખી જિંદગી કાઢવી જ પડશેને ?

પાણીદાર ઘોડી પણ પાડે ધણી,

સવારી ન ફાવી, નથી મારકણી!

એક માણસ ત્રણ હજાર રૂપિયાની ઘોડી લાવ્યો હતો. રોજ તો આમ ઘોડી ઉપર બાપ બેસતો હતો. એને છોકરો ચોવીસ વર્ષનો હતો. એક દહાડો છોકરો ઘોડી ઉપર બેઠો અને તળાવ ઉપર લઈ ગયો. પેલી ઘોડીને જરાક સળી કરી ! હવે ઘોડી ત્રણ હજાર રૂપિયાની, એને સળી કરવા લાયક હોય ! એને સળી કરાય નહીં, એની ચાલમાં જ ચાલવા દેવી પડે. તે પેલાએ તો સળી કરી, તે ઘોડી હડહડાટ ઊભી થઈ ગઈ. ઘોડી ઊભી થઈ કે પેલો પડી ગયો ! પોટલું નીચે પડ્યું ! એ પોટલું ઘેર આવીને શું બોલવા માંડ્યું કે 'આ ઘોડી વેચી દો, ઘોડી ખરાબ છે.' એને બેસતાં નથી આવડતું ને ઘોડીનું નામ દે છે ? એનું નામ ધણી ! આ બધા ધણી !! પછી મેં કહ્યું, 'હોવે, એ ઘોડી ખરાબ હતી (ત્રણ) હજારની ઘોડી ! અલ્યા, તને બેસતા નથી આવડતું, એમાં ઘોડીને શું કરવા વગોવે છે ?' બેસતા ના આવડવું જોઈએ ? ઘોડીને વગોવે છે ?

મનેય એક ફેરો અમારી ઘોડીએ પાડી નાખેલો. પછી મેં ઘેર આવીને અમારા મોટા ભાઈને કહ્યું, 'આ ઘોડીએ મને પાડી નાખ્યો. મને વાગ્યું છે.' ત્યારે એ કહે, 'ઘોડી આટલી બધી કિંમતી તે પાડી નાખતી હશે ? તને બેસતા આવડ્યું નહીં હોય.' હું સમજી ગયો. મેં કાનપટ્ટી પકડી. આપણને બેસતાં ના આવડ્યું બા. અક્કરમી પડી જાય ! પાછો લોકોને કહે શું કે, 'ઘોડીએ મને પાડી નાખ્યો.' અને આ ઘોડી એનો ન્યાય કોને કહેવા જાય ? ઘોડી પર બેસતાં તને નથી આવડતું એમાં તારો વાંક કે ઘોડીનો ? અને ઘોડીય બેસતાંની સાથે જ સમજી જાય કે આ તો જંગલી જનાવર બેઠું, આને બેસતાં આવડતું નથી ! તેમ આ હિન્દુસ્તાનની સ્ત્રીઓ એટલે આર્યનારી, તેની જોડે કામ લેતાં ના આવડે તો પછી એ પડે જ ને ?

એક ફેર ધણી જો સ્ત્રીની સામે થાય તો તેનો વક્કર જ ના રહે. આપણું ઘર સારી રીતે ચાલતું હોય, છોકરાં ભણતાં હોય સારી રીતે, કશી ભાંજગડ ના હોય અને આપણને તેમાં અવળું દેખાયું અને વગર કામના સામા થઈએ એટલે આપણી અક્કલનો કીમિયો સ્ત્રી સમજી જાય કે આનામાં બરકત નથી.

જો આપણામાં વક્કર ના હોય તો ઘોડીને પંપાળ પંપાળ કરીએ તોય એનો પ્રેમ આપણને મળે. પહેલો વક્કર પડવો જોઈએ. 'વાઇફ'ની કેટલીક ભૂલો આપણે સહન કરીએ તો તેના પર પ્રભાવ પડે. આ તો વગર ભૂલે ભૂલ કાઢીએ તો શું થાય ? કેટલાક પુરુષો સ્ત્રીના સંબંધમાં બૂમાબૂમ કરે છે, તે બધી ખોટી બૂમો હોય છે. આવું કંઈ સ્ત્રી પુરુષ પૈણ્યા કર્યા પછી આવું ? પણ એને આવડે નહીં ત્યાં સુધી ધણી થયો એ જ મુશ્કેલી છે. ઘોડીનો દોષ હોતો જ નથી. બેસનારનો દોષ હોય છે. તારે બેસવાની આવડત નથી અને પછી કહેશે ઘોડીએ પાડી નાખ્યો. આવું બોલાય ?

પ્રશ્શનકર્તા : ના બોલાય.

દાદાશ્રી : ડફોળ તારામાં અક્કલ નથી એટલે પછી શું થાય ? અને બહારવાળા કહેય ખરા, ઘોડીએ પાડી નાખ્યો મને. એટલે હું પછી વાત કહું, ઘોડી પાડે નહીં, આ ક્યાંથી વાત લાવ્યા તમે ? ઘોડી પાડનારી હોત તો ઘોડી કહેવાય નહીં. પાંચ હજારમાં ના આવે ઘેર, એ લડકણી ઘોડી હોય છે, તે સસ્તી મલી જાય. કેટલાક સાહેબ એવા હોય છે કે 'ઑફિસ'માં કારકૂન જોડે ડખાડખ કર્યા કરે. બધા કારકૂન પણ સમજે કે સાહેબનામાં બરકત નથી. પણ કરે શું, પુણ્યૈએ એને બોસ તરીકે બેસાડ્યો ત્યાં ? ઘેર તો બીબી જોડે પંદર પંદર દિવસથી કેસ 'પેન્ડિંગ' પડેલો હોય ! સાહેબને પૂછીએ, કેમ ? તો કહે કે, 'એનામાં અક્કલ નથી.' ને એ અક્કલનો કોથળો ! વેચે તો ચાર આનાય ના આવે !!! સાહેબની 'વાઇફ'ને પૂછીએ તો એ કહેશે કે, 'જવા દોને એમની વાત, કશી બરકત જ નથી એમનામાં !'

તમને સ્ત્રીઓ જોડે 'ડીલિંગ' કરતાં નથી આવડતું. તમને વેપારીઓને ઘરાક જોડે ડીલિંગ કરતાં ના આવડે તો એ તમારી પાસે ના આવે. એટલે આપણા લોક નથી કહેતા કે 'સેલ્સમેન' સારો રાખો ? સારો, દેખાવડો, હોશિયાર 'સેલ્સમેન' હોય તો લોક થોડો ભાવ પણ વધારે આપી દે. એવી રીતે આપણને સ્ત્રી જોડે 'ડીલિંગ' કરતાં આવડવું જોઈએ.

વહુ છે તો ઘર નંદનવન,

વહુ વિણ ઘર વેરણ-છેરણ!

આ તો સ્ત્રી જાતિ છે તો બધું જગતનું નૂર છે, નહીં તો ઘરમાં બાવા કરતાંય ભૂંડાં રહો. સવારમાં પૂંજો જ ના વાળ્યો હોય ! ચાનું ઠેકાણું ના પડતું હોય !! એ તો વાઇફ છે તો કહેશે, એટલે તરત વહેલો વહેલો નાહી લે. એને લીધે શોભા છે બધી. અને એમની શોભા આમને લીધે છે.

આ સ્ત્રીઓ ના હોયને તો આ એકલા પુરુષો જો સંસાર માંડેને, આ ફ્લેટમાં રહે, તો એ ફ્લેટમાં ગધેડાનેય પેસવાનું ના ગમે, ચા ક્યાં પીધેલી હોય, પ્યાલો રકાબી ક્યાં પડી રહ્યાં હોય, ગોદડું ક્યાં રહેલું હોય, નર્યો એંઠવાડો, ગંદવાડો ને બધું કચરો જ પડ્યો હોય. ખમીશ કાઢીને અહીં નાખ્યું હોય. ફ્ં (નો) વ્યવસ્થા, વ્યવસ્થા કશું જ ના હોય. ખુરશી ક્યાં પડી હોય, બધું વેરણછેરણ હોય. વ્યવસ્થિત જીવતા ના હોય. અને પુરુષ કપડાંય પાંસરા ના પહેરે. એય ઇસ્ત્રી વગરનું ખમીસ પહેરીને ફર્યા કરતો હોય. એટલે આ સ્ત્રીને લીધે ધણીનો સંસાર દીપે છે. સંસારમાં પુરુષોને સ્ત્રી હેલ્પ કરે છે.

એ તો આ સ્ત્રીના થકી ગૃહસ્થ. નહીં તો ગૃહસ્થ શાનો ?! ભરવાડ જેવો લાગે પછી. સ્ત્રીનામાં વ્યવહાર શક્તિ છે, ઓર્ગેનાઇઝિંગ પાવર છે એનામાં. અને સ્ત્રી આવે, ત્યારે કહેશે, બળ્યું તમારામાં વેતા નહીંને, આ બધું આવું જ કર્યુંને, 'વેતા નહીં' હઉ કહે. હવે 'વેતા' શબ્દ શું હશે. એ તો હું જાણું અને એ જાણતી હશે ! એ સ્ત્રી છે તો તમારે સંસાર દીપ્યો, નહીં તો તમારો સંસાર ખરાબ થઈ જાય. આ તો તમારું મકાન એમને લીધે શોભે છે.

પ્રશ્શનકર્તા : એ એવું જ કહે છે.

દાદાશ્રી : વાત સાચી છે પણ, એનો ઉપકાર માનવો જોઈએ.

પ્રશ્શનકર્તા : પણ આપણે એકલા હોઈએ તો આપણને જોઈએ એવી ચા બને.

દાદાશ્રી : હા.... એ ખરું. એકલા હોઈએ તો જોઈએ એવી ચા બને, કહો છો, એ તમારે ટ્રાય કરવી હોય તો છ મહિના એકલા રહી જુઓ.

પ્રશ્શનકર્તા : એવું સદ્ભાગ્ય મને ક્યાંથી મળે ?

દાદાશ્રી : ના, એકલા રહી જુઓ. તમારા ત્રણ દહાડાનાં કપ-રકાબી પડ્યાં હશે, આ ધોતિયું અહીં પડ્યું હશે, તે આમ પુરુષ જીવી શકે નહીં. પુરુષને જ જીવતા નથી આવડતું. આ સ્ત્રીઓ થકી આ રોફ છે તમારો બધો. એમનું મેનેજમેન્ટ છે. એ તો સ્ત્રીને લીધે ઘર દીપે છે. સ્ત્રીને લીધે દીપેને ? નહીં તો તમારે તો વ્યવસ્થિત ના હોય કશું. કશું આવડે જ નહીં પુરુષોને તો ! બહારનું બધું આવડે પણ આ ના આવડે !

સ્ત્રી પ્રકૃતિ વરને ધરાવે ધીર,

નહીં તો ખોટમાં ચોધાર નીર!

સ્ત્રીમાં બહુ શક્તિ હોય ગમ ખાવાની ! જબરજસ્ત, દુઃખ હોયને, તોય ધણીને કહેશે, 'ગભરાશો નહીં બા, સૂઈ જાવ, શું કરવા દુઃખી થાવ છો ?' એને શાંતિ આપે !

સ્ત્રી એટલે સહજ પ્રકૃતિ. એટલે ધણીને પાંચ કરોડની ખોટ ગયેલી હોયને, તો ધણી આખો દહાડો ચિંતા કર્યા કરતો હોય, દુકાન ખોટમાં જતી હોય તો ઘેર ખાતા પીતા ના હોય પણ સ્ત્રી તો ઘેર આવીને કહેશે, લ્યો, ઊઠો. હવે બહુ હાય-હાય ના કરશો, તમે ચા પીઓ ને ખાવ નિરાંતે. તો અડધી પાર્ટનરશીપ હોય પણ એને કેમ ચિંતા નથી. ત્યારે કહે સાહજિક છે. એટલે આ સહજની જોડે રહીએ તો જીવાય, નહીં તો જીવાય નહીં. અને બેઉ છે તે પુરુષો રહેતા હોય તો મરી જાય સામાસામી. એટલે સ્ત્રી તો સહજ છે તેથી તો આ ઘરમાં આનંદ રહે છે થોડો ઘણો.

પ્રશ્શનકર્તા : એટલે એ પ્રકૃતિ અનિવાર્ય છે, જરૂરી છે ?

દાદાશ્રી : જરૂરી છે. ખાસ જરૂરી છે. તેથી તો આ જીવે છે લોકો. તોય ત્યાંય ઘેર જઈને વઢંવઢા કરે છે. મૂઆ સમજતો નથી ! હવે તેની જોડે ક્યાં નકામી ડખલો કરું છું ? પણ એને ડખલ કર કર કર્યા કરે આખો દહાડો. ભસ, ભસ, ભસ, ભસ કરે. આવું ના કરાય. એટલે સ્ત્રીઓની જોડે બહુ મૃદુતાથી વર્તવું જોઈએ. ત્યાં અકડાઈથી વર્તે છે લોકો. જેમ ફૂલ જોડે રહીએ છીએ એવી રીત રહેવું જોઈએ. એને તો અકળાઈ આમ કચરી નાખે છે. કેટલું દુઃખમાં આવ્યો હોયને તોય એની બૈરીને જુએ ને બૈરી જોડે શાંતિ થઈ જાય પાછી એને. બહારથી અકળાયેલો માણસ આવે, તો એરકંડિશન રૂમમાં પેસે તો કેવું એને સારું લાગે છે નહીં, ઘડીવાર ? એવું આ એરકંડિશન રૂમ છે આ તો. દુકાન નાદારીમાં જતી હોયને, તોય એ હીંચકા ઉપર બેઠી બેઠી.... હીંડોળા નાખ્યા કરે.

સ્ત્રી તો દૈવી શક્તિ છે પણ જો પુરુષને સમજણ પડતી હોય તો કામ નીકળી જાય. સ્ત્રીનો દોષ નથી, આપણી ઊંધી સમજણનો દોષ છે. સ્ત્રીઓ તો દેવીઓ છે પણ દેવીથી નીચે નહીં ઉતારવાની. દેવી છે, કહીએ. અને ઉત્તર પ્રદેશમાં કેટલીક જગ્યાએ તો આવો દેવી કહે છે. હજીય કહે છે, 'શારદાદેવી આયા, ફલાણા, મણીદેવી આયા !' અમુક અમુક દેશોમાં નથી કહેતા ?

પ્રશ્શનકર્તા : કહે છે ને !

દાદાશ્રી : દેવી છે એ તો, સ્ત્રીઓના આધારે તો આપણે મોક્ષે જઈ શકીએ. આપણે એમના આધારે ને આપણા આધારે એ જાય !

પ્રશ્શનકર્તા : એ હોય એટલે પછી મોક્ષની વાત ખ્યાલમાં આવે ને !

દાદાશ્રી : એટલે સામસામી બધું જરૂરિયાત છે આ બધી, આય કાઢી ના નખાય. કાઢી નખાતું હશે ? આ આમને લીધે એ અને એમને લીધે આ ! પરસ્પર છે !

પ્રશ્શનકર્તા : પણ દાદા, સંસાર જ ન મંડાય. પછી ક્યાં વાત રહી ! સ્ત્રી વગર સંસાર જ શેનો હતો !

દાદાશ્રી : માટે એ રૂડા પ્રતાપ કે આ સંસાર દીપ્યો ! સામસામી બેઉની મદદથી, આપણે એકલું નહીં. એમણે એમ ના માનવું જોઈએ કે મારા લીધે જ ચાલે છે. બેઉની મદદથી આ ચાલે છે. અને પુરુષ તો પુરુષ કહેવાય. સ્ત્રીઓએ ખરી રીતે પુરુષને વિશેષ ગણવો જોઈએ અને પુરુષોએ એને નિર્વિશેષ રાખવું જોઈએ. એટલે બેની જોડે હોય તો આ ઘર સારા ચાલે. નહીં તો ચાલે નહીં.

અને પુરુષો ચાર જણ રહેતા હોયને સામાસામી. એક જણ ખાવાનું કરે, એક જણ.... એ ઘરમાં ભલીવાર ના હોય. એક પુરુષ ને એક સ્ત્રી રહેતી હોયને તો ઘર સુંદર દેખાય. સ્ત્રી સજાવટ બહુ સરસ કરે.

લોકો માને દાદા સ્ત્રી પક્ષમાં,

પક્ષે પુરુષના અંદર લક્ષમાં !

પ્રશ્શનકર્તા : તમે સ્ત્રીઓનું જ એકલીનું ના ખેંચ ખેંચ કરશો.

દાદાશ્રી : સ્ત્રીઓનું ખેંચતો નથી. આ પુરુષોનું ખેંચું છું, પણ આમ સ્ત્રીઓને એમ લાગે કે અમારું ખેંચે છે પણ ખેંચું છું પુરુષનું. કારણ કે ફેમિલીના માલિક તમે છો. શી ઈઝ નોટ ધ ઓનર ઓફ ફેમિલી. યુ આર ઓનર. લોકો મુંબઈમાં કહેને, કેમ તમે પુરુષોનો પક્ષ નહીં લેતા ને સ્ત્રીઓનો પક્ષ લો છો ? મેં કહ્યું, એમને પેટે મહાવીર પાક્યા છે, તમારા પેટે કોણ પાકે છે ? વગર કામના તમે લઈ બેઠા છો !

પ્રશ્શનકર્તા : છતાં તમે સ્ત્રીઓનું બહુ ખેંચો છો, એવું અમારું માનવું છે.

દાદાશ્રી : હા, એ જરાક એ મારી પર આક્ષેપ છે, બધેય થઈ જાય છે. એ આક્ષેપ મને લોકોએ બેસાડેલો છે, પણ જોડે જોડે પુરુષોને એટલું બધું આપું છું કે સ્ત્રીઓ માન આપે છે પછી. એવું ગોઠવી આપું છું. આમ દેખાવ, દેખાવમાં છે તે સ્ત્રીઓનું ખેચું છું, પણ અંદરખાને પુરુષોનું હોય છે, એટલે આ બધું, આ કેમ ગોઠવણી કરવી એના રસ્તા હોવા જોઈએ. બન્નેને સંતોષ થવો જોઈએ.

મારે તો સ્ત્રીઓ જોડેય બહુ ફાવે, પુરુષો જોડેય બહુ ફાવે. બાકી અમે તો સ્ત્રીઓનાય પક્ષમાં ના હોઈએ ને પુરુષોના પક્ષમાં ના હોઈએ. બેઉ સરખું ચલાવો ગાડું. પહેલાંના લોકોએ સ્ત્રીઓને હેઠે પાડી દીધી. સ્ત્રીઓ તો હેલ્પિંગ છે. એ ના હોય ને તારું ઘર કેવું ચાલે ?

 

ભાગ
1-2 -3 - 4 - 5 - 6 - 7 - 8 - 9 - 10 - 11 - 12