ભાગ
1-2 -3 - 4 - 5 - 6 - 7 - 8 - 9 - 10 - 11 - 12

(૧૧)

શંકા બાળે સોનાની લંકા

શંકાથી ભડકા ઘરસંસારે,

મારાપણાથી માલિકી સંવારે!

ઘરમાં મોટા ભાગની વઢવાડો અત્યારે શંકાથી ઊભી થઈ જાય છે. આ કેવું છે કે શંકાથી સ્પંદનો ઊડે ને એ સ્પંદનોના ભડકા જાગે. અને જો નિઃશંક થાયને તો ભડકા એની મેળે શમી જાય. ધણી-ધણિયાણી બેઉ શંકાવાળા થાય તો પછી ભડકા શી રીતે શમે ? એકને નિઃશંક થયે જ છૂટકો. મા-બાપોની વઢવાડોથી બાળકોના સંસ્કાર બગડે. માટે બાળકના સંસ્કાર ના બગડે એટલા માટે બન્ને જણાએ સમજીને નિકાલ લાવવો જોઈએ. આ શંકા કાઢે કોણ ? આપણું આ 'જ્ઞાન' તો સંપૂર્ણ નિઃશંક બનાવે તેવું છે !

પ્રશ્શનકર્તા : શંકાશીલ ક્યારે થવાય ? એવી કઈ વસ્તુ છે કે જેને લીધે શંકા ઉદ્ભવે છે ?

દાદાશ્રી : પોતાની માની છે એટલે અને પોતાની ના માને તો પછી શંકા છે જ નહીં. પોતાની કેમ માની, માટે શંકા ઉત્પન્ન થાય !

પ્રશ્શનકર્તા : એ શંકા તો બીજા માટે જ થાયને, પોતાના ઉપર ના થાયને ?

દાદાશ્રી : બીજા માટે થાય જ નહીં, પણ શંકા કરવાનું કારણ જ નથી. આ તો 'મારું' માન્યું તેથી શંકા થાય છે. 'મારું' છે નહીં ને માનીએ એટલે શંકા થાય.

પ્રશ્શનકર્તા : બધા ઉપર કંઈ શંકા આવતી નથી. એક કે બે જણ ઉપર જ આવે તો કે એની જોડે કંઈ ઋણાનુબંધ હશે, એટલે આવે છે ?

દાદાશ્રી : ના, બધું મારાપણું છે એટલે શંકા આવે, મારાપણું ના હોય, તો શંકા ના આવે. હીરા તમારા છે, એટલે આ માણસ જોઈ ગયા, એ માણસ પર શંકા તમને આવે. તમારા હીરા ના હોય, તો તમને શંકા ના આવે.

પ્રશ્શનકર્તા : હીરા મારા હોયને હું સૂઈ ગઈ ને ધારો કે મારી સાથે બીજી પાંચ વ્યક્તિઓ સૂતી છે, તો મને શંકા તો એ પાંચ પર જ આવે ને ?

દાદાશ્રી : બધેય આવે. એ હીરા તમારા છે એટલે આવે છે. હીરા પહેરવાનું વાંધો નથી, તમને માલિકીપણું છે, તેથી જ એ શંકા આવે. હીરા પહેરો, વહેંચી દો, આપી દો, ખાવ, પીવો, મજા કરો પણ માલિકીપણું છે તો શંકા આવે. હા, શંકા જેવું લાગતું હોય તો ઉપાય કરવો બધો. આવા હીરા આપણે બીજી જગ્યાએ મૂકી દેવાં. આપણને એમ લાગે કે આ શંકામાં, આ ચાર માણસ આવ્યા તે જોઈ ગયા છે, તો અંધારામાં ઊઠીને બીજી જગ્યાએ મૂકી આવવાનું.

શંકા એટલે, લકવો બુદ્ધિનો,

કરે ફજેતો, સુખી જીવનનો !

પ્રશ્શનકર્તા : આપણે શંકા ના કરવી હોય, બરાબર દ્ઢ નિર્ણય-નિશ્ચય છે. પણ એવાં કેવાં આવરણ આવે, સંજોગ આવે કે શંકા આવ્યા જ કરે. એ કયા કર્મ એવા હોય ? એનું શું કારણ ?

દાદાશ્રી : મમતા કરી છે એટલે.

પ્રશ્શનકર્તા : શંકા કરીએ તો પાંચ ટકા પણ વાત સાચી હોય તો જ શંકા થાય ?

દાદાશ્રી : ના, કંઈ પણ સાચું ના હોય તો જ શંકા થાય.

પ્રશ્શનકર્તા : એમ ને એમ તો કેવી રીતે શંકા આવે ? કંઈક સંજોગ તો હોવા જ જોઈએ ને ?

દાદાશ્રી : ના, એવું કંઈ નહીં. સતી ઉપર શંકા આવે લોકોને તો ! સતી ઉપર શંકા આવે કે ?

પ્રશ્શનકર્તા : હા, આવેને.

દાદાશ્રી : તો પછી એમાં શું કારણ ત્યાં, થોડું કંઈ બે ટકાય સત્ય છે ?

પ્રશ્શનકર્તા : કોઈએ આવીને કીધું હોય કે ભઈ આ સતી આવી છે.

દાદાશ્રી : હા, પણ જેણે કીધું, તેનેય શી રીતે શંકા પડી એને ?

પ્રશ્શનકર્તા : હવે એવું હોયને કે કદાચ કોઈએ જોયું હોય તો, કોઈ કહે આપણને, આપણે જાણીએ છીએ કે આપણી વાત સોએ સો ટકા સાચી....

દાદાશ્રી : ના, પણ બધું આ ખોટે ખોટા... શંકા કરવી એ ખોટી હોય છે. શંકા તો બુદ્ધિનો લકવો છે. બુદ્ધિને લકવો થયો હોય ત્યારે શંકા થાય. તેથી શંકાનું અમે ખાસ લખ્યું છે કે શંકા કરશો જ નહીં, અમથા નકામા શંકા કરીને શું કરવાનું છે ? સાચું હોય તો કરને, પણ કશું વળવાનું નથી.

પ્રશ્શનકર્તા : શંકા કરવી એ ડિસ્ચાર્જ કર્મ છે, ગયા ભવના કંઈ ઋણાનુબંધને લીધે જ શંકા થાય છે ? એ વ્યક્તિ સાથે આપણે કંઈ લેણ-દેણ હોય એટલે થાય ?

દાદાશ્રી : આપણે દુઃખ ભોગવવાનું હોય ત્યારે થાય.

પ્રશ્શનકર્તા : અને એ વ્યક્તિએ આપણને દુઃખ આપવાનું હોય, એવું હોય ?

દાદાશ્રી : ના, સામી વ્યક્તિએ દુઃખ આપતી જ નથી કોઈને. પોતે પોતાને જ દુઃખ આપે છે.

પ્રશ્શનકર્તા : પણ દાદા, સામી વ્યક્તિ શંકાનાં કારણમાં કારણભૂત બનતી હોય, તો એણે.... પેલો જેમ, ગજવું કાપનાર ગજવું કાપીને હમણાં તો જલેબી ખાય છે પણ પછી એ પકડાશે ત્યારે એ નહીં ભોગવે ?

દાદાશ્રી : પકડાય ત્યારે આવું કંઈ ભોગવે.

પ્રશ્શનકર્તા : દાદા, આપે બહુ સરસ કીધું કે જ્યારે દુઃખ ભોગવવાનું થાય ત્યારે શંકા થાય !

દાદાશ્રી : શાંતિ હોય, આનંદ હોય પણ દુઃખ ભોગવવાનો વખત આવ્યો કે શંકા ઊભી થાય.

શંકા જિંદગીભર નવ જાય,

અસર દેહ મન પર થાય !

એક ધણીને એની વાઇફ પર શંકા પડેલી. એ બંધ થાય ? ના. એ લાઈફ ટાઈમ શંકા કહેવાય. કામ થઈ ગયુંને, પુણ્યશાળી (!). પુણ્યશાળી માણસને થાય ને ! એવી વાઈફનેય ધણી પર શંકા પડી, તેય આખી લાઈફ ટાઈમ ના જાય.

પ્રશ્શનકર્તા : ન કરવી હોય ને છતાં થાય, એ શું ?

દાદાશ્રી : પોતાપણું, માલિકીપણું. મારો ધણી છે. ધણી ભલે હોય, ધણીનો વાંધો નથી. મારો કહેવામાં વાંધો નથી, મમતા રાખવી નહીં. મારો કહેવાનો, મારો ધણી એમ બોલવાનું, પણ મમતા નહીં રાખવી.

પ્રશ્શનકર્તા : ધણી પરથી મમતા કેવી રીતે ઉઠાવી લેવાય ? મારો નહોય, નહોય મારો એવું કે' કે' કરવાનું ?

દાદાશ્રી : ના. એ કહેવાય નહીં. મારો તો છે જ, ધણી તો મારો જ છે. મારો મહીં કહેવાની ક્યાં જરૂર છે ? મમતા ના હોવી જોઈએ.

પ્રશ્શનકર્તા : તો મમતા ઓછી કેવી રીતે કરાય ?

દાદાશ્રી : આત્મા ઉપર મમતા બેસે એટલે ઓછી થઈ જાય.

મારી કરવા જેવી ચીજો છે બધી. મમતા રાખવા જેવી નથી. મારી જરા ખસી ગઈ તો તમારી, પણ મમતા નહીં. મારી બાઉન્ડ્રીથી મારી ખસી ગઈ, તો તમારી.

શંકા તો રાતે આવીને, એટલે જ્યાં સુધી શરીર થાકે નહીં ત્યાં સુધી તાળું વાસે નહીં. શરીર થાકીને સૂઈ જાય, ત્યારે તાળું વાસી દે.

પ્રશ્શનકર્તા : શરીરમાં પણ ફેરફાર થઈ જાય. ગભરામણ લાગે, એવું બધું થઈ જાય.

દાદાશ્રી : હા, પણ થાકીને સૂઈ જાય ઊંઘી જાય. સવારમાં ઊઠીએ કે, રાતે પુરુષાર્થ કર્યો શંકાનો તેનું શું ફળ મળ્યું તમને ? ત્યારે કહેશે, શરીર બગડ્યું, કહેશે. અને મહીં મન-બન બધું ઢીલું થઈ જાય. વીક(નબળું) થઈ જાય, મન. બુદ્ધિ ગાંડી થઈ જાય. અહંકાર કદરૂપો થઈ જાય. અહંકાર રૂપાળો હોય છે બળ્યો પણ કદરૂપો થઈ જાય.

શંકા દૈવી વહુની ખાતરી ખોળે,

ઊંડો ના ઊતર, રહે ઉપરછલ્લે !

શંકાવાળા એટલે શંકાનું ભૂત જાગ્યું કે માણસ મરી ગયો. ખાતરી ખોળે ! આ દુનિયામાં જે ખાતરી ખોળે એ મરી ગયેલો, મેડ માણસ કહેવાય. ખાતરી ખોળે છે જે એને ઘરથી નાસી જવું પડે. માટે કોઈ ચીજની ખાતરી ના ખોળો.

પ્રશ્શનકર્તા : તો બજારમાં તો દરેક વસ્તુ, બધા કંઈ બી લેવા જાય તો જોઈને લે.

દાદાશ્રી : હા, જોઈને લો. પછી ઊંડા ના ઊતરો. ઊંડા ઊતરશો તો ભાગી જવું પડશે. ખાતરી ના ખોળો. જે બન્યું એ કરેક્ટ. પછી કંઈ નવું કરેક્ટ હોતું નથી. ખાતરી ખોળવા ગયો કે આવી બન્યું, મેન્ટલ હૉસ્પિટલમાં જવું પડે ખાતરી ખોળનારને હં કે ! અને જેની ખાતરી માંગેને તે બધા ફરી ફરીને મેન્ટલ હૉસ્પિટલમાં ઘાલી દે. આ જીવડું કંઈથી પાક્યું ખાતરી ખોળનારું. એને જીવડું કહે લોકો.

આ દુનિયામાં બે વસ્તુ રાખવી. ઊપરચોટિયા (ઉપલક) ખાતરી ખોળવી અને ઊપરચોટિયા શંકા કરવી. ઊંડા ઊતરવું નહીં. અને અંતે તો ખાતરી કરનારો પછી મેડ થાય, મેન્ટલ હૉસ્પિટલમાં લોક ઘાલી દે. આ વહુને એક દહાડો કહે, તું ચોખ્ખી છું, એની ખાતરી શું ? ત્યારે વહુ શું કહે, જંગલી મૂઓ છે, કહેશે.

આ છોડીઓ બહાર જતી હોય, ભણવા જતી હોય તોય આમ શંકા. 'વાઈફ' ઉપરય શંકા. એવો બધો દગો ! ઘરમાંય દગો જ છેને, અત્યારે ! આ કળિયુગમાં પોતાના ઘરમાં જ દગો હોય. કળિયુગ એટલે દગાનો કાળ. કપટ ને દગો, કપટ ને દગો. કપટ ને દગો ! એમાં શું સુખને માટે કરે છે ? તેય ભાન વગર, બેભાનપણે ! નિર્મળ બુદ્ધિશાળીને ત્યાં કપટ ને દગો ના હોય. આ તો 'ફૂલિશ' માણસને ત્યાં અત્યારે દગો ને કપટ હોય. કળિયુગ એટલે 'ફૂલિશ' જે ભેગાં થયા છે ને ?

પ્રશ્શનકર્તા : આ દગો ને કપટ કરવામાં બુદ્ધિનો ફાળો ખરો ને ?

દાદાશ્રી : ના, સારી બુદ્ધિ, એ કપટ ને દગો કાઢી નાખે. બુદ્ધિ 'સેફસાઈડ' રાખે. એક તો શંકા મારી નાખે, પછી આ કપટ ને દગો તો હોય જ. અને પાછા પોતાના સુખમાં જ દરેક રાચતા હોય.

પ્રશ્શનકર્તા : પણ પોતાના સુખમાં રહેવા માટે બુદ્ધિના ઉપયોગથી દગો ને કપટ રમી શકે ને ?

દાદાશ્રી : જ્યાં પોતાની જાતનું સુખ ખોળવું ત્યાં સારી બુદ્ધિ હોય જ નહીં ને ! સારી બુદ્ધિ તો સામુદાયિક સુખ ખોળે કે આખું મારું ઘર સુખી થાય. પણ આ તો છોકરો પોતાનું સુખ ખોળતો હોય, બૈરી પોતાનું સુખ ખોળતી હોય, છોડી પોતાનું સુખ ખોળતી હોય, બાપ પોતાનું સુખ ખોળતો હોય, દરેક પોતપોતાનાં સુખ ખોળે છે. આ તો ઉઘાડું કરેને, તો ઘરનાં માણસો ભેગાં રહે નહીં. પણ આ તો બધાંય ભેગાં રહે છે ને ખાય છે ને પીવે છે ! ઢાંકેલું તે જ સારું !

બાકી શંકા રાખવા જેવી ચીજ જ નથી, કોઈ પ્રકારે. એ શંકા જ માણસને મારી નાખે. આ બધા શંકાને લઈને જ મરી જ રહ્યાં છે ને ! એટલે આ દુનિયામાં મોટામાં મોટું ભૂત હોય તો શંકાનું ભૂત છે. જગતમાં કંઈક લોકોને ખઈ ગયેલી, ભરખી ગયેલી ! માટે શંકા ઊભી જ ના થવા દેવી. ગમે તેવી શંકા ઊભી થાય તો જન્મતાં જ એને મારવી. એનો વેલો વધવા ના દેવો. નહીં તો જંપીને નહીં બેસવા દે શંકા. શંકાએ તો લોકોને મોટા મોટા રાજાઓને પણ શંકાએ મારી નાખેલા.

ચારિત્ર્યની શંકાનો પડે માર !

શંકાનું ફળ અનેક અવતાર !

લોકોએ કહ્યું હોય, આ નાલાયક માણસ છે, તોય આપણે એને લાયક કહેવો. કારણ કે વખતે નાલાયક ના પણ હોય ને એને નાલાયક કહેશો તો બહુ દોષ બેસશે. સતી હોય ને જો વેશ્યા કહેવાઈ ગઈ તો ભયંકર ગુનો, તેનું કેટલાય અવતાર સુધી ભોગવ્યા કરવું પડશે. માટે કોઈનાય ચારિત્ર સંબંધમાં બોલશો નહીં. કારણ કે એ ખોટું નીકળે તો ? લોકના કહેવાથી આપણેય કહેવા લાગીએ તો એમાં આપણી શી કિંમત રહી ? અમે તો એવું કોઈ દહાડોય કોઈનું બોલીએ નહીં ને કોઈનેય બોલ્યો નથી. હું તો હાથ જ ના ઘાલું ને ! એ જવાબદારી કોણ લે ? કોઈના ચારિત્ર સંબંધી શંકા ના કરાય. મોટું જોખમ છે. શંકા તો અમે ક્યારેય લાવીએ નહીં. જોખમ આપણે શું કરવા લઈએ ?

પ્રશ્શનકર્તા : પણ, શંકાથી જોવાની મનની ગ્રંથિ પડી ગઈ હોય તો ત્યાં કયું 'એડજસ્ટમેન્ટ' લેવું ?

દાદાશ્રી : આ તમને દેખાય છે કે આનું ચારિત્ર ખરાબ છે, તે શું તેવું પૂર્વે નહોતું ? આ તો ઓચિંતું કંઈ ઉત્પન્ન થઈ ગયેલું છે ? એટલે સમજી લેવા જેવું છે આ જગત. કે, આ તો આમ જ હોય. આ કાળમાં ચારિત્ર સંબંધી કોઈનું જોવું જ નહીં. આ કાળમાં તો બધે એવું જ હોય. ઉઘાડું ના હોય, પણ મન તો બગડે જ. એમાં સ્ત્રી ચારિત્ર્ય તો નર્યું કપટ અને મોહનું જ સંગ્રહસ્થાન, તેથી સ્ત્રીનો અવતાર આવે. આમાં સહુથી સારામાં સારું એ કે જે વિષયથી છૂટ્યા હોય.

એક જણને એની 'વાઇફ' પર શંકા આવ્યા કરે. તેને મેં કહ્યું કે શંકા શેને લીધે થાય છે ? તે જોયું તેને લીધે શંકા થાય છે ? શું નહોતું જોયું ત્યારે નહોતું બનતું આવું ? આપણા લોકો તો પકડાય તેને ચોર કહે, પણ પકડાયો નથી તે બધા મહીંથી ચોર જ છે. પણ આ તો પકડાયો તેને ચોર કહે છે. અલ્યા, એને શું કરવા ચોર કહે છે ? એ તો સુંવાળો હતો. ઓછી ચોરી કરી છે તેથી પકડાયો. વધારે ચોરી કરનાર પકડાતા હશે ?

પ્રશ્શનકર્તા : પણ, પકડાય ત્યારે ચોર કહેવાય ને ?

દાદાશ્રી : ના, ઓછી ચોરીઓ કરે તે પકડાય અને પકડાય એટલે લોક એને ચોર કહે. અલ્યા, ચોર તો આ નથી પકડાતા તે છે. પણ જગત તો આવું જ છે.

એટલે એ ભાઈ મારું વિજ્ઞાન આખું સમજી ગયો. પછી એ મને કહે કે, 'મારી વાઇફ' ઉપર હવે બીજા કોઈનો હાથ ફરે તોય હું ભડકું નહીં. હા, આવું જોઈએ. મોક્ષે જવું હોય તો આમ છે. નહીં તો લડવાડ કર્યા કરો તમારી મેળે. તમારી 'વાઇફ' આ દુષમકાળમાં તમારી થાય નહીં. અને એવી ખોટી આશા રાખવીય ફોગટ છે. આ દુષમકાળ છે. એટલે આ દુષમકાળમાં તો જેટલા દહાડા આપણને રોટલા ખવડાવે છે એટલા દહાડા આપણી અને નહીં તો બીજાને ખવડાવે તો એની.

એટલે બધા 'મહાત્માઓ'ને કહી દીધેલું કે શંકા ના રાખશો. નહીં તોય મારું કહેવાનું કે જોયું ના હોય ત્યાં સુધી તેને સત્ય માનો છો જ શા માટે આ કળિયુગમાં ? આ છે જ પોલમ્પોલ ! એટલું બધું પોલમ્પોલ છે, જે મેં જોયું છે, તેનું તમને વર્ણન કરું તો બધા માણસ જીવતા જ ના રહે, તો હવે એવા કાળમાં એકલા પડી રહેવું મસ્તીમાં અને આવું 'જ્ઞાન' જોડે હોય એના જેવું તો એકુય નહીં.

દેહાધ્યાસ છૂટે તો જાણવું કે મોક્ષે જવાની તૈયારી થઈ. દેહમાં આત્મબુદ્ધિ એ બધું દેહાધ્યાસ કહેવાય. કોઈ ગાળ ભાંડે, મારે, આપણી 'વાઇફ'ને આપણી રૂબરૂ ઉઠાવી જાય તોય મહીં રાગ-દ્વેષ ના થાય તો જાણવું કે વીતરાગનો માર્ગ પકડ્યો છે ! લોક તો પછી પોતાની નબળાઈને લઈને ઉઠાવી જવા દે છે ને ! પોતે જબરો હોય તો 'વાઇફ'ને ઉઠાવી જવા દે કંઈ ? ના.

એટલે આ કશુ પોતાનું છે જ નહીં ! આ બધું જ પારકું છે. માટે વ્યવહારમાં રહેવું હોય તો વ્યવહારમાં મજબૂત થા ને મોક્ષે જવુંં હોય તો મોક્ષને લાયક થા ! જ્યાં આ દેહ પણ પોતાનો નથી ત્યાં સ્ત્રી પોતાની શી રીતે થાય ? છોડી પોતાની શી રીતે થાય ? એટલે તમારે તો બધી જાતનું વિચારી નાખવું જોઈએ કે સ્ત્રી ઉઠાવી જાય તો શું કરવું ?

જે બનવાનું છે તેમાં ફેરફાર થાય એવું નથી, એવું 'વ્યવસ્થિત' છે. માટે ભડકશો નહીં. એટલે એમ કહ્યું છે કે 'વ્યવસ્થિત' છે ! ના જોવામાં આવે ત્યારે કહેશે મારી વહુ અને જોયું એટલે ફફડાટ ! અલ્યા, પહેલેથી હતું જ આવું. આમાં નવું ખોળશો જ નહીં.

પ્રશ્શનકર્તા : પણ દાદા, એ બહુ ઢીલું મૂકી દીધું.

દાદાશ્રી : મારું કહેવાનું કે દુષમકાળમાં આપણે ખોટી આશા રાખીએ એનો અર્થ જ નથી ને ! અને આ સરકારે પણ 'ડાયવોર્સ'નો કાયદો કાઢી આપ્યો. સરકાર પહેલેથી જાણે કે આવું થવાનું છે. માટે કાયદો પહેલો નીકળે. એટલે હંમેશાં દવાનો છોડવો પહેલો પાકે. ત્યાર પછી રોગ ઉત્પન્ન થાય. એવી રીતે આ કાયદો પહેલો નીકળે, ત્યાર પછી અહીં લોકોના એવા બનાવ બને !

બૈરીના ચારિત્ર્યની શાંતિ ખપે?

કાળી છૂુંદણાવાળી સૌથી ટપે !

માટે જેને બૈરીના ચારિત્ર્ય સંબંધી શાંતિ જોઈતી હોય તો તેણે રંગે એકદમ કાળી છુંદણાવાળી બૈરી લાવવી કે જેથી એનું કોઈ ઘરાક જ ના થાય, કોઈ એને સંઘરે જ નહીં. અને એ જ એમ કહે કે, 'મને કોઈ સંઘરનારા નથી. આ એક ધણી મળ્યા એ જ સંઘરે છે.' એટલે એ તમને 'સિન્સિયર' રહે, બહુ 'સિન્સિયર' રહે. બાકી, રૂપાળી હોય તેને તો લોક ભોગવે જ. રૂપાળી હોય એટલે લોકોની દ્ષ્ટિ બગડવાની જ ! કોઈ રૂપાળી વહુ લાવે તો અમને એ જ વિચાર આવે કે આની શી દશા થશે ! કાળી છૂંદણાવાળી હોય તો જ 'સેઇફસાઈડ' રહે.

વહુ બહુ રૂપાળી હોય ત્યારે પેલો ભગવાન ભૂલે ને ? અને ધણી બહુ રૂપાળો હોય તો એ બઈય ભગવાન ભૂલે ! માટે રીતસર બધું સારું. આપણા ઘૈડિયા તો એવું કહેતા કે 'ખેતર રાખવું ચોપાટ અને બૈરું રાખવું કોબાડ.' આવું શાના માટે કહેતા ? કે જો વહુ બહુ રૂપાળી હશે તો કો'ક નજર લગાડશે. એના કરતાં આ વહુ જરા કદરૂપી સારી, જેથી કોઈ નજર બગાડે નહીં ને ! આ ઘૈડિયાઓ બીજી રીતે કહેતા હતા, એ ધર્મની રીતે નહોતા કહેતા. હું ધર્મની રીતે કહેવા માંગું છું. વહુ કદરૂપી હોય તો આપણને કોઈ ભો જ નહીં ને ! ઘેરથી બહાર નીકળ્યા તોય કોઈ નજર બગાડે જ નહીં ને ! આપણા ઘૈડિયા તો બહુ પાકા હતા. પણ હું જે કહેવા માંગું છું તે એવું નથી, એ જુદું છે. એ કદરૂપી હોય, તે આપણા મનને બહુ હેરાન ના કરે. ભૂત થઈને વળગે નહીં.

લોક તો 'હૉટલ' દેખે ત્યાં 'જમે',

ચારિત્ર ન ખોળ, ચિત્ત તો ભમે !

આ લોક તો કેવાં છે ? કે જ્યાં 'હૉટલ' દેખે ત્યાં 'જમે'. માટે શંકા રાખવા જેવું જગત નથી. શંકા જ દુઃખદાયી છે. હવે જ્યાં હૉટલ દેખે ત્યાં જમે, એમાં પુરુષેય એવું કરે છે ને સ્ત્રી પણ એવું કરે છે. પાછું સામા પુરુષને એવું નથી કે મારી સ્ત્રી શું કરતી હશે ? એ તો એમ જ જાણે કે મારી સ્ત્રી તો સારી છે. પણ એની સ્ત્રી તો એને પાઠો ભણાવતી હોય ! પુરુષો પણ સ્ત્રીને પાઠ ભણાવે અને સ્ત્રીઓ પણ પુરુષોને પાઠો ભણાવે ! તો પણ સ્ત્રીઓ જીતે છે. કેમ કે આ પુરુષોને કપટ નહીં ને ! તેથી પુરુષો સ્ત્રીઓથી છેતરાઈ જાય !!

એટલે જ્યાં સુધી 'સિન્સિયારીટી-મોરાલિટી' છે ત્યાં સુધી સંસાર ભોગવવા જેવો હતો. અત્યારે તો ભયંકર દગાખોરી છે. આ દરેકને એની 'વાઇફ'ની વાત કહી દઉં તો કોઈ પોતાની 'વાઇફ' પાસે જાય નહીં. હું બધાનું જાણું, પણ કશુંય કહું કરું નહીં. જો કે પુરુષેય દગાખોરીમાં કંઈ ઓછો નથી. પણ સ્ત્રી તો નર્યું કપટનું જ કારખાનું ! કપટનું સંગ્રહસ્થાન. બીજે ક્યાંય ના હોય, એક સ્ત્રીમાં જ હોય.

એટલે શંકાથી જ જગત ઊભું રહ્યું છે. જે ઝાડને સુકવવાનું છે, તેને જ શંકા કરીને પાણી છાંટે છે ને તેનાથી વધારે ઊભું થાય છે. એટલે કોઈ જાતની શંકા કરવા જેવું આ જગત નથી.

હવે તમને બીજી કોઈ સંસારની શંકા પડે છે ? તમારી 'વાઇફ' બીજા કોઈની જોડે બાંકડે બેઠી હોય અને તે છેટેથી તમને જોવામાં આવે તો તમને શું થાય ?

પ્રશ્શનકર્તા : હવે કશું ના થાય. થોડી આમ 'ઇફેક્ટ' થાય, પછી કશું ના થાય. પછી તો 'વ્યવસ્થિત' છે. અને એ ઋણાનુબંધ છે. એમ ખ્યાલ આવી જાય.

દાદાશ્રી : કેવા પાકા છે ! ગુણાકાર કેટલો બધો છે ! અને શંકા તો ના થાય ને ?

પ્રશ્શનકર્તા : ના થાય, દાદા.

દાદાશ્રી : નહીં તો હવે ત્યાં આગળ એ વહેમ પેસી ગયો, તો એ વહેમ બહુ સુખ આપે, નહીં ?

પ્રશ્શનકર્તા : અંદર કીડા જેવું કામ કરે, કોતર્યા કરે.

દાદાશ્રી : હા, જાગ્રતકાળ બધોય એને કરડી ખાય. ટી.બી.નો રોગ, ટી.બી. તો સારો કે અમુક કાળ સુધી જ અસર કરે, પછી ના કરે. એટલે આ શંકા એ તો ટી.બી.નો રોગ છે. એ શંકા ઉત્પન્ન થઈ ગઈ એને ટી.બી.ની શરૂઆત થઈ ગઈ. એટલે શંકા કોઈ રીતે 'હેલ્પ' કરે નહીં. શંકા નુકસાન જ કરે. એટલે શંકા તો મૂળમાંથી એ ઊગે ત્યારથી જ બંધ કરી દેવી, બારી પાડી દેવી. નહીં તો ઝાડ રૂપે થાય એ તો !

પત્ની મોડી તોય ન કર શંકા,

પટાવી લે નહીં તો જશે લંકા !

અને આ લોક તો 'વાઇફ' સહેજ મોડી આવે તોય શંકા કર્યા કરે. શંકા કરવા જેવી નથી. ઋણાનુબંધની બહાર કશું જ થવાનું નથી. એ ઘેર આવે એટલે એને સમજ પાડવી, પણ શંકા કરવી નહીં. શંકા તો ઊલટું પાણી વધારે છાંટે. હા, ચેતવવું પડે ખરું. પણ શંકા કશી રાખવી નહીં. શંકા રાખનાર મોક્ષ ખોઈ બેસે છે. એટલે આપણે જો છૂટવું હોય, મોક્ષે જવું હોય તો આપણે શંકા કરવી નહીં. કોઈ બીજો માણસ તમારી 'વાઇફ' ના ગળે હાથ નાખીને ફરતો હોય ને એ તમારા જોવામાં આવ્યું, તો શું આપણે ઝેર ખાવું ?

પ્રશ્શનકર્તા : ના, એવું શું કરવા કરું ?

દાદાશ્રી : તો પછી શું કરવું ?

પ્રશ્શનકર્તા : થોડું નાટક કરવું પડે, પછી સમજાવવું. પછી તો એ જે કરે તે 'વ્યવસ્થિત'.

દાદાશ્રી : હા, બરોબર છે. તમારી 'વાઇફ' ઉપર ને ઘરમાં કોઈની ઉપરેય તમને શંકા હવે બિલકુલ થાય નહીંને ? કારણ કે આ બધી 'ફાઈલો' છે. એમાં શંકા કરવા જેવું શું છે ? જે હિસાબ હશે, જે ઋણાનુબંધ હશે, એ પ્રમાણે ફાઈલો ભટકશે. અને આપણે તો મોક્ષે જવું છે !

શંકાનો અર્થ શો ? લોકોને દૂધપાક જમાડવો છે એ દૂધપાકમાં એક શેર મીઠું નાખી દેવું, એનું નામ શંકા. પછી શું થાય ? દૂધપાક ફાટી જાય. એટલી જવાબદારીનો તો લોકોને ખ્યાલ નથી. અમે શંકાથી તો બહુ છેટા રહીએ. વિચાર આવે અમને બધી જાતના. મન છે તે વિચાર આવે, પણ શંકા ના પડે. હું શંકાની દ્ષ્ટિથી કોઈને જોઉં તો બીજે દહાડે એનું મન મારાથી જુદું પડી જાય, એનું મન જ જુદું પડી જાય મારાથી !

એટલે કોઈ પણ વસ્તુમાં શંકા પડે તે શંકાઓ નહીં રાખવી. આપણે જાગૃત રહેવું, પણ સામા ઉપર શંકાઓ નહીં રાખવી. શંકા આપણને મારી નાખે. સામાનું જે થવાનું હોય તે થાય, પણ આપણને તો એ શંકા જ મારી નાખે. કારણ કે એ શંકા તો માણસ મરી જાય ત્યાં સુધી એને છોડે નહીં. શંકા પડે એટલે માણસનું વજન વધે કે ? માણસ મડદાની જેમ જીવતા હોય તેના જેવું થાય.

એટલે કોઈ પણ વાતમાં શંકા ના કરે તો ઉત્તમ છે. શંકા તો જડમૂળથી કાઢી નાખવાની. વ્યવહારમાંય શંકા કાઢી નાખવાની છે. શંકા 'હેલ્પ' નથી કરતી, નુકસાન જ કરે છે. અને આ રિસાવું એય ફાયદો નથી કરતું, નુકસાન જ કરે છે. કેટલાક શબ્દો એકાંતે નુકસાન કરે છે. એકાંત એટલે શું ? લાભાલાભ હોય તો ઠીક છે વાત. પણ આ તો એકાંતે અલાભ જ બધો એવા ગુણો (!) કાઢી નાખેને તો સારું.

ર્ીર્ ીર્ ી

(૧૨)

ધણીપણાના ગુનાઓ

ગુનેગાર નથી તે ધણી ખરો,

ગુનામાં આવ્યો તો થયો મરો!

આ જ્ઞાન લીધેલું હોય પછી મતભેદ ઊભા થાય જ નહીં એવું છે. જ્ઞાન લીધાં પછી આજ્ઞાઓ પાળતા નથી. આજ્ઞાઓ ના પાળે છતાં એ ધણીને હેલ્પ કરે. તે કેટલું હેલ્પ કરે ? જે કરોડો અવતાર થવાના હતા, તેને બદલે અમુક અંશે અવતાર ઓછા થઈ જાય.

આમ તો ડાહ્યા છો ને પાછાં ઘેલા થાવ છો ! પછી બઈ શું કહેશે, તમારામાં મેં વેત્તા ના દીઠા ! ત્યારે આપણે કહીએ, 'બેસને બા આજ મને જંપવા દે ને ! મને ભક્તિ કરવા દે ને !' પણ તોય પેલી કહેશે, તમારામાં વેત્તા ના દીઠા !' 'અલ્યા, કેમના વેત્તાં મારા જુએ છે તું તો ?' એવું પછી કહે કે ના કહે ? આપણે ગુનામાં આવ્યા એટલે ના કહે ? આપણું ધણીપણું ક્યાં સુધી રહે ? આપણે ગુનામાં ના આવીએ ત્યાં સુધી અને ગુનામાં આવ્યા એટલે ધણીપણું ઊડી જાય. એટલે આપણે બધી જવાબદારી સમજવી પડે.

એક બેનને તો ફરિયાદ કરવા એનો ધણી તેડી લાવ્યો, કે તું દાદાની પાસે ફરિયાદ કર બધી. મારો કેસ આખો નીકળી જાય. બેનને મેં પૂછ્યું, શું છે બેન, તારે કહેને હકીકત ! એના તરફનો ઝઘડો છે ? ત્યારે કહે, ધણીપણું રોજ બજાવે છે. કહે છે, આમ કેમ કર્યું ને તેમ કેમ કર્યું ને આખો દહાડો. હવે ઘર ચલાવું છું હું, પાંચ છોકરાનું ચલાવું છું હું, એમને જગાડું છું, કરું છું. તોય આખો દહાડો ધણીપણું બજાવે છે ! તેમાં મન-વચન-કાયાથી અમારે કોઈ સંબંધ નથી દશ વર્ષથી. અને પાછો ધણીપણું બજાવે છે. એટલે પછી મેં પેલાને ઝાલ્યો બરોબર. બરોબર ધૂળધાણી જ કરી નાખ્યો. એ ધણીપણું કરે એ ના હોવું જોઈએ. મેં ધણીને એની ભૂલ દેખાડી દીધી. ધણીપણું ક્યારે કહેવાય ? મન-વચન-કાયાનો પાશવતાનો સંબંધ હોય ત્યારે. એ તો એને છે નહીં ? તો પછી ધણીપણાની તો એને લેવાદેવા જ નહીં ને !

પાશવતા હોય ત્યાં સુધી ધણીપણું. પછી આવતા ભવનો હિસાબ આવી જાય તે પછી !

પ્રશ્શનકર્તા : એ શું થાય ?

દાદાશ્રી : વેર બંધાય. કોઈ સ્ત્રી દબાયેલી રહેતી હશે ઘડીવાર ? ના છૂટકે, સમાજની આબરૂને લીધે રહે. તે આવતા ભવે તેલ કાઢી નાખે. અરે સાપણ થઈને કૈડે.

ધણી થવાનો વાંધો નથી પણ ધણીપણું બજાવવામાં વાંધો છે. પણ આ તો ધણીપણું બજાવે છે. કહેશે, શું સમજે છે તું ? અલ્યા મૂઆ, ગુનેગાર છે આ ? ગુનેગારનેય એવું ના બોલાય. સરકારનો કાયદો એવો કર્યો છે કે અત્યારે ગુનેગારનેય બહુ આવું કરશો નહીં કે શું સમજે છે તારા મનમાં ? અને કેવા કેવા શબ્દો બોલે છે ! એ તો હું બોલતો નથી, મને આવડેય નહીં, અત્યારે તો નહીં આવડતા. અત્યારે મારી ભાષા બધી બદલાઈ ગઈને. મને ના આવડે હવે પેલા ભારે શબ્દો.

લડે વઢે છતાં જ્ઞાન હાજર,

આજ્ઞા સમભાવે નિકાલ કર!

એટલે એક ભઈ કહેતા'તા. મને કહે છે વાઈફ જોડે મારે સાત કલાક સુધી છે તે વાક્યુદ્ધ ચાલ્યું. સવારથી ચાલ્યું, વઢમ્વઢા, તે સાત કલાક સુધી ચાલ્યું પણ મોઢે વાક્યુદ્ધ, પછી છેલ્લા આઠમા કલાકમાં કાયાયુદ્ધ ચાલુ થઈ ગયું. એણે મારા ઝાલ્યા વાળ ને મેંય આલવા માંડી તે એય આ વાળ ખેંચીને તેલ કાઢવા માંડી. શું કહે છે ? કાયાયુદ્ધ એક કલાક બધું ! આઠ કલાક આમાં ને નવમાં કલાકમાં તો અમે બે સાથે ચા પીતા'તા કહે છે. ધન્ય છે કહે છે અક્રમવિજ્ઞાનનેય ધન્ય છે, અમે બે સાથે ચા પીતા'તા.

પ્રશ્શનકર્તા : આઠ કલાક અક્રમવિજ્ઞાન કંઈ ગયું ? નવમે કલાકે ક્યાંથી આવ્યું ?

દાદાશ્રી : ના, અક્રમવિજ્ઞાન મહીં હતું જ. પણ આ પાઠ ભજવવાનોને તે એ આખી ફિલમ હતી.

પ્રશ્શનકર્તા : આખી ફિલમ ઊતરેલી.

દાદાશ્રી : ફિલમ ઊતરેલી ભજવાઈ ગઈ. પછી અક્રમવિજ્ઞાન હાજર થયું. ફિલમ ભજવાઈ ગઈ એટલે અક્રમવિજ્ઞાન પાછું તૈયાર થઈને પછી નવમા કલાકમાં ચા-પાણી સાથે પી અને કહે છે, દાદા ભગવાનના અસીમ જય જયકાર હો બોલો, સામાસામી માફી માંગીને !

સંસાર વ્યવહાર ચલાવતાં નિરંતર સમાધાનમાં રહેવાય એવું આ જ્ઞાન છે. નિરંતર સમાધિમાં રહી શકાય એવું આ જ્ઞાન છે, એટલે પછી આપણામાં કલુષિત ભાવ રહ્યો જ ના હોય, પણ આપણે લીધે બીજાને પણ કલેશ ના થાય. પછી એ ચીડાતા હોય તોય ઠંડા પડી જાય. કારણ કે આ રસ્તામાં આપણને ઠોકર વાગી, તે આપણે એની જોડે ચીડાઈએ પણ એ ઠોકરને તો ઠંડુ થઈ જવું પડે ને ? અને સામો ચીડાય તો આપણે વધારે ચીડાઈએ અને આપણે જો ઠંડા થઈ જઈએ, તો પછી પેલી ચીડાય નહીં. ઠોકર જેવાં, ભીત જેવાં થઈ જવું. આ બધા આમ સમભાવે નિકાલ કરે, એમને બધાનેય ઝઘડા હતા. પણ અત્યારે ઝઘડો નથી ઊલટા બેઉ સાથે ને સાથે.

પ્રશ્શનકર્તા : કેટલાક સ્ત્રીથી કંટાળીને ઘરથી ભાગી છૂટે છે, તે કેવું ?

દાદાશ્રી : ના, ભાગેડુ શા માટે થઈએ ? આપણે પરમાત્મા છીએ. આપણે ભાગેડુ થવાની શી જરૂર છે ? આપણે એનો 'સમભાવે નિકાલ' કરી નાખવો.

પ્રશ્શનકર્તા : નિકાલ કરવો છે તો કઈ રીતે થાય ? મનમાં ભાવ કરવો કે આ પૂર્વનું આવ્યું છે ?

દાદાશ્રી : એટલાથી નિકાલ ના થાય. નિકાલ એટલે તો સામાની જોડે ફોન કરવો પડે, એના આત્માને ખબર આપવી પડે. તે આત્માની પાસે આપણે ભૂલ કરી છે એવું કબૂલ-એક્સેપ્ટ કરવું પડે. એટલે પ્રતિક્રમણ મોટું કરવું પડે.

પ્રશ્શનકર્તા : સામો માણસ આપણું અપમાન કરે તો પણ આપણે તેનું પ્રતિક્રમણ કરવાનું ?

દાદાશ્રી : અપમાન કરે તો જ પ્રતિક્રમણ કરવાનું, આપણને માન આપે ત્યારે નહીં કરવાનું. પ્રતિક્રમણ કરીએ એટલે સામા પર દ્વેષભાવ તો થાય જ નહીં. ઉપરથી એની પર સારી અસર થાય. આપણી જોડે દ્વેષભાવ ના થાય એ તો જાણે પહેલું સ્ટેપ, પણ પછી એને ખબર પણ પહોંચે છે.

પ્રશ્શનકર્તા : એના આત્માને પહોંચે ખરું ?

દાદાશ્રી : હા, જરૂર પહોંચે. પછી એ આત્મા એના પુદ્ગલને પણ ધકેલે છે કે 'ભઈ, ફોન આવ્યો તારો.' આપણું આ પ્રતિક્રમણ છે તે અતિક્રમણ ઉપરનું છે, ક્રમણ ઉપર નથી.

પ્રશ્શનકર્તા : ઘણાં પ્રતિક્રમણો કરવાં પડે ?

દાદાશ્રી : જેટલું સ્પીડમાં આપણે મકાન બાંધવું હોય એટલા કડિયા આપણે વધારવાના. એવું છેને, કે આ બહારના લોકો જોડે પ્રતિક્રમણ નહીં થાય તો ચાલશે, પણ આપણી આજુબાજુનાં ને નજીકનાં ઘરનાં છે એમનાં પ્રતિક્રમણ વધારે કરવાં. ઘરનાં માટે મનમાં ભાવ રાખવા કે મારી જોડે જન્મ્યા છે, જોડે રહે છે તે કો'ક દહાડો આ મોક્ષમાર્ગ ઉપર આવે.

બૈરીના કેવાં પુણ્ય કે તું મળ્યો !

તારાં કેવાં પાપ ખોડવાળી રળ્યો?

એક ભઈ મારી પાસે આવેલા. તે મને કહે, દાદા, હું પરણ્યો તો ખરો પણ મને મારી બૈરી ગમતી નથી. મેં કહ્યું કેમ ભાઈ, ના ગમવાનું શું કારણ ?

ત્યારે કહે છે, એ જરા પગે લંગડી છે, લંગડાય છે. 'તે તારી બૈરીને તું ગમે છે કે નહીં ?' ત્યારે કહે કે, 'હું તો દાદા ગમું તેવો જ છું ને ! રૂપાળો છું, ભણેલો ગણેલો છું, કમાઉં છું ને ખોડખાપણ વગરનો છું.' તે એમાં ભૂલ તારી જ. તે એવી તે કેવી ભૂલ કરેલી કે તને લંગડી મળી ને એણે કેવાં સરસ પુણ્ય કરેલાં કે તું આવો સારો તેને મળ્યો ? અલ્યા, આ તો પોતાનાં કરેલાં જ પોતાની આગળ આવે છે. તેમાં સામાનો શો દોષ જુએ છે ? જા તારી ભૂલ ભોગવી લે ને ફરી નવી ભૂલ ના કરતો. તે ભઈ સમજી ગયો. અને તેની ફ્રેક્ચર થતી લાઈફ અટકી ગઈને સુધરી ગઈ !

સત્યનો સ્વીકાર કરવો પડશે અને સત્યનું શોધન કરવું પડશે. બૈરી કંઈ નુકસાન કરતી નથી. બૈરી હેલ્પફૂલ છે. પણ આ તો બૈરીને કહેશે, 'તારા વગર મને ગમતું નથી' ઓહોહો... ! આ તો બૈરીનું બગાડ્યું ને પોતાનું બગાડ્યું ! અલ્યા, બૈરી તો હેલ્પર છે. તને ખાવાનું કરી આપે. તારે બહારથી કમાઈ લાવવાનું અને જરા છૈયાં-છોકરાં થાય એ સાધારણ રીતે રાખવાનાં. જેમ આ જાનવરોને નથી થતાં છૈયાં-છોકરાં ? અને આ તો કહેશે, 'આના વગર ગમતું નથી' એવું ગાય-ભેંસ બોલ્યું કોઈ ? આ મનુષ્યો એકલાં જ બોલે છે કે મને તારા વગર ગમતું નથી. આવું સાંભળેલું નહીં તમે ? તો પછી આવું કેમ ચાલે તે ? ના બોલાય એવું, એ તો એક પાર્ટનર છે, તે આપણા ઘર ચલાવવામાં.

અને કેટલાક લોકો એમ બોલે કે, 'આ બેરી-છોકરાં એ બધું ખોટી વાત છે', આ પણ સાચી વાત નથી ! પણ આમ બોલ બોલ કરશો તોય દહાડો વળશે નહીં ને પાછા ફરી વાર કે એમાં ને એમાં એમની જોડે જ રહેવાનું ને ! જેમાં રહો તેમાં તેને વગોવો નહીં. નહીં તો વગોવણું કરીને દુઃખદાયી થઈ પડશો. તમે ઊંડા કાદવમાં ઊતરો છો. વખાણશો નહીં તો ભલે ના વખાણો. પણ વગોવણું તો ના જ કરો !

કેટલાક તો એમ બોલે છે કે આ બધાં બૈરી-છોકરાં છે એટલે હું ફસાયો. અરે આવું બોલો છો ? તને ફસાવ્યો છે કે એ ફસાયા છે ? ના શોભે આવું. આવું ના બોલાય. સત્તાનો દુરુપયોગ આવો ન કરાય. સત્તાનો દુરુપયોગ એ મહાન પાપ છે. એવું ના હોવું જોઈએ.

 

ભાગ
1-2 -3 - 4 - 5 - 6 - 7 - 8 - 9 - 10 - 11 - 12